હળવા નિબંધો

માવજી મહેશ્વરી

લેખની શરૂઆત જ વિચિત્ર નથી લાગતી! આવો તો કોઈ પ્રશ્ન હોતો હશે. જીવનનો છેદ ઉડાવી દે અથવા તો લખનારને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દે તેવો પ્રશ્ન તો છે જ. અને આમ જોઇએ તો કેટલો સરળ પ્રશ્ન છે. કોઈ પૂછે કે તમારૂં સગું કોણ? જવાબ બહુ જ સરળ અને ત્વરિત હશે. અરે! કેટલાંય સગાં છે. મા-બાપ, પતિ-પત્ની, ભાઇ-બહેન, દીકરા-દીકરી, નાના-નાની, મામા-મામી, સાળા-સાળી. આ સંબંધોના સ્વરૂપો સામે આવી શકે છે. પણ તોય પેલો પ્રશ્ન તો એની જગ્યાએ ઊભો જ છે. કદાચ કોઈ એને ફેરવીને પૂછે, તમારૂં નજીકનું સગું કોણ? તો વળી કાપકૂપ થાય અને થોડાંક વિશેષણો આવીને ઊભાં રહે.

અહીં એક પ્રશ્ન એ પણ થાય કે આપણાં જે સગાં છે તેમને આપણે ક્યાં પસંદ કરેલા છે. કેટલાંક જન્મથી જ આપણી આસપાસ ગોઠવાઈ ગયા હોય છે. જેમ કે માબાપ, કાકા -કાકી, ભાઇ-બહેન વગેરે વગેરે. આ બધાં તો આપણા જન્મની સાથે જ નક્કી થઈ ગયાં. એ કાંઈ આપણી શોધ કે પસંદ નથી. એમા કોઈ વ્યક્તિને કશી જ છૂટછાટ કે વિકલ્પ આપવામાં આવતો નથી. જન્મથી જે મળ્યું તે મળ્યું. એટલે કે કેટલીક દિશાઓ આપણા માટે જન્મથી જ બંધ થઈ જાય છે. આપણે એને કદાચ કિસ્મત કહીએ છીએ. જેમ કે કોઈ એમ વિચારે કે હું સ્વિઝર્લેન્ડમાં જન્મ્યો હોત તો? હું અમેરિકામાં જન્મ્યો હોત તો? હું કોઈ ઉદ્યોગપતિને ત્યાં કે કોઈ સેલિબ્રિટીને ત્યાં જન્મ્યો હોત તો? આપણા જન્મ પહેલા આ બધી જ શક્યતાઓ ચોક્કસપણે હતી. પણ જન્મ પછી બધી શક્યતાઓનો છેદ ઊડી જાય છે. જે હિન્દુ છે તે હિન્દુ છે અને જે મુસ્લિમ છે તે મુસ્લિમ છે. કોઈ દલિતને ત્યાં જન્મ્યો તો જન્મ્યો એ સંપૂર્ણ સત્ય આપણાં જન્મથી જ આપણા કપાળ પર ચોટી જાય છે. આપણને ભારત ગમે કે ન ગમે, આપણાં મા-બાપ ગમે કે ન ગમે, આપણી જ્ઞાતિ ગમે કે ન ગમે, આપણાં ભાઇ-બહેનો, કાકા-કાકી ગમે કે ન ગમે. આપણી ગરીબી ગમે કે ન ગમે. પણ એ આપણા જન્મ સાથે જ મળ્યું હોય એટલે આપણે સ્વીકારવું જ રહ્યું . એના સિવાયની સ્થિતિઓ આપણી કલ્પના હોઇ શકે છે. વાસ્તવ નહીં. એટલે જ અમુક સ્થિતિઓ આજીવન આપણી ઓળખ સાથે જોડાયેલી રહે છે. કોઈને ગમે છે કોઈને અફસોસ થયા કરે છે.

આ લેખ વાંચનાર કોઈ વાચક કહેશે, ભાઇ તમે તો શરૂઆત કરી કે આપણું સગું કોણ? અને પહોંચી ગયાં જન્મ, જાતિ અને દેશ ઉપર. તો મારા પ્રિય વાચક, આ વિચારોની લગામ મારા હાથમાં છે પણ એની શક્તિ મારા હાથમાં નથી. તેમ છતાં એક ઘોડો નિયત માર્ગે દોડી રહ્યો છે જેની એની મને ખાતરી છે. હું ફરીને ત્યાં જ આવી ગહ્યો છું કે આપણું સગું કોણ? સૌ જાણે છે કે બે મનુષ્ય કવચિત જ એક સરખા હોઇ શકે. અને એટલી હદે એક સરખાં ન હોઇ શકે કે ઓળખી ન શકાય  કેટલાક જોડિયા ભાઈઓ એક સરખાં લાગે છે પણ ખરેખર હોતાં નથી. આવા કિસ્સામાં  ધ્યાનથી જોજો એમની ચાલ, અવાજ અને દાંતનું ચોકઠું. આ ત્રણમાંથી  એકાદમાં જુદાપણું હશે. ભૂલી જવાય તે હદે એક્સરખાં ચહેરાવાળા વ્યક્તિઓ ફિલ્મોમાં હોઇ શકે (ખાસ કરીને ભારતીય હિન્દી ફિલ્મમાં) તો પછી એવુંય વિચારવું રહ્યું કે જે ચીજ જન્મથી આપણને મળે છે તે છે આપણું શરીર, આપણો ચહેરો જે આપણી ઓળખ છે. અને એ આપણાં મૃત્યુ સુધી આપણી સાથે રહે છે. આપણાં સુખ-દુઃખ આપણાં શરીર સાથે જોડાયેલા છે. આપણે જે છીએ તે એટલે કે આપણું નામ છે તે આપણાં શરીર સાથે જોડાયેલું છે અને જે કંઈ માણે છે કે જે વેઠે છે તે આપણું શરીર છે. શરીરનો નાશ થતાં જ આપણી સાથે જોડાયેલા સંદર્ભો એક એક કરીને વિખરાઈ જાય છે અને આખરે ભુલાઈ જાય છે. તો આપણું સગું તો આ શરીર જ થયું ને? બાકીનું જે કાંઈ તે શરીર સાથે બાહ્ય રીતે જોડાયેલું છે.

જન્મથી જ વ્યક્તિને જે કંઈ મળે છે તેની સાથે એક ચહેરો મળે છે. એ ચહેરો જેનું કોઈ નામ હોય છે. સામાજિક અને કાયદાકીય ઓળખ રૂપે એ નામ રહે છે અને નામને સાબિત કરવા એ શરીરે હાજર થવું પડે છે. આપણી ઈચ્છાઓ-અનિચ્છાઓ, સુખો-દુઃખો, સ્પર્શ, કંટાળાઓ, રોમાંચો, સ્વાદો જે કંઈ માણવાનું છે એ તો શરીરે માણવાનું છે. આપણાં કેટલાક સગાંઓ કોઈ શકે છે, પણ એ સગાંઓને આપણી પ્રાકૃતિક સંવેદનાઓ સાથે કોઈ સંબંધ હોતો નથી. આપણા મા-બાપ, ભાઇ -બહેન, પતિ-પત્ની આપણાથી ગમે તેટલા નિકટ હોય, પરંતુ  આપણી પીડા કે રોમાંચમાં સાથ આપી શકતા નથી. આપણું દુઃખ જોઈને કોઈ દુઃખી થાય તો પણ એ દુ:ખ લઈ શકતો નથી. એ દુઃખને આપણા શરીરના સંદર્ભો સાથે સંબંધ છે. આપણે જે સ્વાદ માણીએ છીએ તે અંગત છે. એને આપણા સગાંઓ સાથે કોઈ સંબંધ નથી. તો આખરે તો આપણું સગું આ આપણું પોતાનું શરીર છે. અને આપણી ઓળખ પણ આપણું શરીર છે.

તો જગતના રહસ્યો, જગતના ઊંડાણો, આનંદો આ બધું જાણવા માણવા માટે આપણું ફક્ત આપણું જ શરીર કામ આવવાનું છે. ફક્ત આપણું જ. એટલે જન્મથી મૃત્યુ સુધીની સફરમાં જે જે પડાવ આવે છે તેમાં આ શરીર જ આપણું સગું બનીને સાથ આપે છે. જતાં જતાં એક જુદો સવાલ મુકવાની લાલચ જતી કરી શકાય તેમ નથી. જે શરીર અનેક રીતે આપણને કામ આવે છે એ શરીરના સગાં આપણે છીએ કે નહીં? સવાલ વ્યક્તિગત છે એટલે પોત પોતાનો ઉત્તર હશે.

લ્યો ત્યારે આવજો. રામ રામ.


શ્રી માવજીભાઈ મહેશ્વરીનો સંપર્ક mavji018@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.