પ્રીતિ શાહ-સેનગુપ્તા
પનામા શહેરથી હવે હું દેશના પર્વતીય વિસ્તારમાં જવા નીકળી હતી. એ પ્રદેશ કેવો હતો, તેની મને ખાસ ખબર નહતી. આમ તો, પહેલી વારની ટ્રીપ દરમ્યાન હું છેક દેશના ઉત્તર ભાગથી બસ દ્વારા રાજધાની સુધી આવેલી, એટલે વચમાં પર્વતો આવ્યા તો હતા જ, ને એટલું યાદ પણ હતું જ; છતાં, આ પર્વતીય પરિસરની અંદર ગયા પછી ઘણી નવાઇ જ લાગી. ઓહો, આટલા બધા પર્વતો છે અહીં?
ન્યૂયૉર્કની મારી એક યહુદી મિત્રની કઝીનને ત્યાં હું જઈ રહી હતી. હૅલન અને રિચાર્ડ નામના અમેરીકન દંપતીએ પનામા દેશમાં વસવાનું પસંદ કર્યું હતું. મને એમણે આમંત્રણ આપ્યું, ને ખાસ કહ્યું હતું કે મારે બે રાત ત્યાં રહેવું. બસમાં ત્યાં પહોંચતાં કલાકો થાય, તેથી ફક્ત સવારથી સાંજ માટે આવીને જતાં રહેવાનો શું અર્થ? તેથી મેં એક રાત ત્યાં રહેવાની તૈયારી રાખી હતી.
કૉરૉનાડો કહેવાતા વિસ્તારમાં જતી એ મિનિ-બસની છવ્વીસ સીટો ભરાઈ ગયેલી. એ પછી લોકો ચઢતા ગયા, ને એમને ઊભાં રહેવું પડતું ગયું. સારું થયું કે મને બેસવા મળી ગયું હતું. બે કલાક ઊભાં ઊભાં જવું ફાવત નહીં.
બસ દસને દસે, બરાબર નિર્ધારિત સમયના ટકોરે ઊપડી, ને શહેરના પાછલા રસ્તાઓ પરથી ગઈ. વૃક્ષોથી છવાયેલા, સરસ રહેવાસી રસ્તાઓ જોવા મળ્યા. પછી વનસ્પતિની ગીચતા વધતી ગઈ, અને થોડી જ વારમાં તો બાલ્બોઆ વિસ્તારમાં થઈને બસ શહેરની બહાર નીકળી ગઈ.
પનામાની વિશ્વ-વિખ્યાત કૅનાલની ઉપર બનેલા મોટા બ્રિજ પરથી એ જવાની હતી, તે મેં નકશામાં જોયેલું. જે રીતે બસ ગઈ તેમાં બ્રિજની કમાન ના દેખાઈ, પણ એની સપાટી જૂની થઈ ગયેલી લાગી. મેં ઊંચાં થઈને જોયું તો, નીચેની કૅનાલમાં એક મોટું વહાણ ઊભેલું દેખાયું. ને એટલાંમાં તો મિનિ-બસ દેશની બીજી બાજુ પર પહોંચી ગઈ હતી.
હવે જે હાઇ-વે પરથી એ જઈ રહી હતી તે આ સૅન્ટ્રલ અમેરીકાના સાતે સાત દેશોમાં થઈને જાય છે. ક્યાંક એ પહોળો અને ખાલી હોય એમ બને, પણ વધુ ભાગે એ ગામો ને વસાહતોમાં થઈને જતો હોય છે, તેથી ઘણી વાર એ સાંકડો અને ધૂળિયો બનતો હોય છે. અહીં એ જ રીતે આ હાઇ-વે જવા માંડ્યો હતો. સ્થાનિક પૅસૅન્જરોને લેવા માટે બસ વારંવાર ઊભી રહેતી હતી.
સહેજ વારમાં જ પર્વતો હાજર થઈ ગયા. આહ, બધે લીલીછમ જાજમ હતી હવે. પર્વતીય પરિસરમાં બનાવાઈ રહેલાં નવાં અને આધુનિક રહેઠાણોની જાહેરાત કરતાં મોટાં મોટાં પાટિયાં ઠેર ઠેર ઊચાં ઊભાં કરેલાં દેખાતાં હતાં. કદાચ આવું જ એક કેન્દ્ર મને જોવા મળવાનું હતું.
સવા કલાક આ રીતે આગળ વધ્યા પછી વધારે લોકો, અને ઘણાં સ્કૂલનાં છોકરાં આવવા માંડ્યાં. એમને ઊભાં રહેવું પડતું હતું, પણ એ કોઈને લાંબે જવાનું નહતું. થોડી થોડી વારે આમ ચઢવાનું ને ઊતરવાનું ચાલતું રહ્યું. મારે જ્યાં ઊતરવાનું હતું તે કૉરૉનાડો સ્ટૉપ પર અનેક જણ બસની રાહ જોતાં ઊભેલાં. હું જાણે માંડ માંડ ઊતરી. મારી નાનકડી હૅન્ડબૅગની પણ જગ્યા નહતી એ બસમાં. હું એને ખોળામાં રાખીને દોઢ કલાક બેઠેલી.
રસ્તાની પેલી બાજુ જવા માટે એક જૂના, ખખડધજ બ્રિજ પર જવાનું હતું. બધેથી એનો લાલ રંગ ઊપટી ગયેલો, અને પોપડા થઈને નીકળતો હતો. એ બાજુ પર એક નાનું શૉપિન્ગ સૅન્ટર હતું. ત્યાં મૅકડૉનાલ્ડની દુકાનમાં રિચાર્ડ મારી રાહ જોતા બેસશે, એમ મને કહેલું. હું પહોંચી ત્યારે એ આવી ગયેલા. અમે એકબીજાંને ઓળખતાં નહતાં, પણ એ અમેરીકન તરીકે ઓળખાઈ જાય, ને હું ઇન્ડિયન તરીકે.
એમની ગાડીમાં અમે હાઇ-વે પર પાછાં ગયાં. થોડેક ગયા પછી એક નાના રસ્તા પર એમણે ગાડી વાળી. એ લાગતો હતો સાવ ધૂળિયો, પણ હતો પાકો ચણેલો. સહેજ વારમાં તો રસ્તો પર્વતોના ઢોળાવો પર ચઢવા લાગ્યો, અને તરતમાં સાવ ભૂલાઈ ગયું પનામા શહેર અને એનું ધમાલિયું જીવન.
હવે સામે હતું, ઢોળાવો, ખીણો અને ધારદાર પહાડી કિનારીઓનું બનેલું અતૂટ, સતત દૃશ્ય. અત્યંત ગાઢ લીલો રંગ સર્વત્ર હતો. ખીચોખીચ વનસ્પતિ હતી. અદ્ભૂત આશ્ચર્યકર સ્થાન હતું આ. મેં કલ્પ્યું પણ નહતું આવું તો. હું માથું હલાવતી રહી, દિલ પર હાથ મૂકીને કહેતી ગઈ – મનાતું નથી. પનામા દેશના પહાડો મેં જોયેલા જરૂર, ને તોયે થાય, ઓહો, આટલા બધા પહાડો?

કૉરૉનાડો નામના બસ-સ્ટૉપથી અમે પર્વતીય પરિસરમાં જવા માંડ્યાં તે પછી વરસાદ પડવાનો શરૂ થયેલો. પહેલાં તો ઝરમર, ને પછી એક જોરદાર ઝાપટું પડવા માંડેલું. જે લીલું લીલું હતું, તે હવે ભીનું ભીનું પણ બનવા લાગ્યું હતું. સાથે જ, મન પણ હર્ષથી આર્દ્ર થતું ગયું હતું.
આલ્તૉસ દે મારિયા નામની પ્રૉપર્ટી, સોરા નામના ગામની નજીકના પહાડો પર વિકસાવાઈ છે. સાત હજારથી વધારે એકરોમાં એ પથરાયેલી છે, તે જાણીને મારી નવાઈનો પાર નહતો રહ્યો. ઓહોહો, આટલો વિશાળ વિસ્તાર? એમાં અનેક ઘર બની ગયાં છે, અને વધારે પ્લૉટ વેચાઈ રહ્યા છે. અમેરિકા, કૅનૅડા અને યુરોપના દેશોના લોકો આ ઘરો હંમેશના વસવાટ માટે ખરીદે છે, જ્યારે ધનિક પનામૅનિયન લોકો ઉનાળા દરમ્યાન પહાડોની ઠંડકમાં રહેવા આવવા માટે ખરીદે છે.
મને તો આ પર્વતીય પથરાટ કોઈક ખાનગી બાબત જેવો લાગ્યો. નિસર્ગનું આ અનન્ય છૂપું દર્શન હતું જાણે.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
