ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પહેલી વાર થાય તો એ ચૂક યા ભૂલ ગણાય. બીજી વાર થાય તો આદત, અને ત્રીજી વાર થાય તો એને લક્ષણ કહી શકાય. કોઈ પણ દુર્ઘટના, ખાસ કરીને માનવસર્જિત દુર્ઘટના માટે આ લાગુ પાડી શકાય. ૧૯૯૭માં દિલ્હીના ઊપહાર સિનેમાથિયેટરમાં લાગેલી આગે અનેકોનો ભોગ લીધેલો. એ પછી જૂન, ૨૦૨૬ના પ્રથમ સપ્તાહમાં દિલ્હીના માલવીય નગરમાં લાગેલી આગમાં અનેક હોમાયા. આ બન્ને દુર્ઘટનાઓની વચ્ચે દિલ્હીમાં આ ત્રીસેક વર્ષના ગાળામાં આગ લાગવાની અનેક દુર્ઘટનાઓ બનતી આવી છે. માત્ર દિલ્હી જ શું કામ, બીજાં અનેક શહેરોમાં આગ અને તેના થકી થયેલી જાનહાનિના સમાચાર આવતા રહે છે. આ લખાય છે ત્યારે લખનૌના કોચિંગ સેન્ટરની આગમાં પંદરેક વિદ્યાર્થીઓનો ભોગ લેવાયાના સમાચાર છે.ઔદ્યોગિક એકમોમાં લાગતી આગની વાત અલગ છે, આ તો રહેણાક વિસ્તારો યા એવાં સ્થળે લાગતી આગની વાત છે કે જ્યાં સામાન્યપણે અવરજવર પુષ્કળ રહેતી હોય.
આગ, તેનાથી થયેલી જાનહાનિ, એ દરમિયાન મહેંકી ઉઠેલી માનવતાની ઘટનાઓ, આગનાં સંભવિત કારણ, સુરક્ષાનિયમોના પાલનમાં લેવાયેલી બેકાળજી વગેરે બાબતો અખબારોમાં સમાચાર તરીકે બે-ચાર દિવસ આવે છે અને પછી વીસરાઈ જાય છે. સવાલ એ છે કે આવી દુર્ઘટનાઓમાંથી કોઈ કશું શીખ્યું ખરું? એમ લાગે છે કે કાનૂનભંગ આપણા માટે ગૌરવ લેવાની બાબત છે. અકસ્માતની ગંભીરતા હજી આપણે સમજતા નથી, બલ્કે સમજવા માગતા નથી. અકસ્માતનાં કારણોમાં મોટા ભાગે માનવીય ચૂક અને સુરક્ષા પ્રત્યેની બેકાળજી જેવાં કારણો મુખ્ય હોય છે. અકસ્માતમાં જાનહાનિ થાય ત્યારે એ કેવળ આંકડાનો ખેલ બની રહે છે. જે પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું હોય એના માટે એ કાયમી ખોટ છે, પણ આવા કિસ્સે તેમને કાં વળતર આપીને, કે પછી ધાકધમકીથી મામલો આગળ વધવા દેવાતો નથી.

તંત્રે આગની સામે સુરક્ષા માટેના નિયમો-કાનૂનોની જોગવાઈઓ ઊભી કરી છે, અને તેના પાલનમાં આકરી કડકાઈ દાખવવામાં આવતી હોવાનું દેખાવા છતાં ધરાર આ નિયમોની અવગણના થતી જણાય છે. એનો અર્થ એ થયો કે કાં આ નિયમોનો કોઈને ડર નથી, કે પોતાની સલામતિની પડી નથી, કે પછી નિયમપાલન બાબતે તંત્ર એટલું સજાગ નથી. નિયમભંગ બદલ આકરો દંડ હોવા છતાં તેનો સરેઆમ ભંગ થઈ રહ્યો હોય, અને તેનું પરિણામ આવી ગંભીર દુર્ઘટના હોય, એ પણ વારંવાર, તો મામલો કંઈક જુદો હોય એમ લાગે. એ ઉઘાડી હકીકત છે કે કોઈ પણ બાબત અંગેનો કાનૂન જેટલો કડક, એનો અમલ કરવામાં ભ્રષ્ટાચારનો અવકાશ વધુ. કેવળ કાગળ પર કાનૂન બનાવી દેવાથી શું થાય? અને એના અમલ બાબતે અદાલત તંત્રને કે સરકારને ઠપકો આપે એનાથી પણ શું થાય? ઘણી વાર તો એમ લાગે કે અમુક કાયદા તેના મૂળભૂત હેતુને બદલે જાણે કે તેના ભંગના દંડની આવક વધારવા ન થયા હોય?
આના માટે નાગરિકોય ઓછા જવાબદાર નથી. દ્વિચક્રી વાહનચાલકોની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાના કાયદાની વાત કરીએ તો ગુજરાતમાં જેટલી વાર એ કાયદાનો અમલ કરવાની તૈયારી થાય કે નાગરિકોમાં વિરોધનો સૂર ચાલુ થઈ જાય અને એવું સમૂહગાન ચાલુ થઈ જાય કે અમારું રક્ષણ અમે કરીશું. એ અમારી મરજીની વાત છે. સરકારે એમાં દખલઅંદાજી કરવી નહીં. ગુજરાત સિવાયનાં અન્ય રાજ્યોમાં આ નિયમ બરાબર અમલમાં છે. અમુક રાજ્યોમાં તો વાહન હંકારનાર ઊપરાંત પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ પહેરવી ફરજિયાત છે. ભલે ને એ મહિલા કેમ ન હોય! છતાં ગુજરાતમાં આના અમલની વાત આવે એટલે નાગરિકો મેદાનમાં આવી જાય છે. રાજકારણીઓ પણ પછી પોતાની લોકપ્રિયતા ગુમાવી બેસવાના ડરને લઈને એ મુદ્દાને છોડી દે છે.
આગની સામે સુરક્ષાના નિયમ બાબતે અનેક વાર વડી અદાલતો ટકોર કરે છે. હવે નવી બનતી ઈમારતોમાં જોગવાઈ કદાચ સહેલાઈથી થઈ શકે એમ છે, અલબત્ત, તે ખર્ચાળ પણ છે. જૂની ઈમારતોમાં તેનો અમલ મુશ્કેલ હોઈ શકે. સવાલ એનો નથી. સવાલ છે દાનતનો. આવી દુર્ઘટનાઓ બનવાનું પ્રમાણ વધી રહ્યું હોય ત્યારે તેના અમલ બાબતે બેપરવા રહેવું ન પાલવે. છતાં એમ જ થાય છે. કદાચ સૌને એમ હશે કે આપણે ત્યાં આગ ક્યાં લાગવાની છે! અનેક લોકોનાં કમોત થવા છતાં હજી આપણી આંખ ઉઘડતી નથી. અને આપણી આંખ ન ઊઘડે તો પછી સંબંધિત અધિકારી કે સરકારી વિભાગ પાસે આપણે જવાબદારીની અપેક્ષા શી રીતે રાખી શકીએ!
અકસ્માતો થાય ત્યારે બે-ચાર નાનાં માથાં પર શિક્ષાત્મક કાર્યવાહી થાય એ પછી બધું ઠેરનું ઠેર. આ શિક્ષાત્મક કાર્યવાહીમાં મોટે ભાગે ‘શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ’ પ્રકારની હોય છે. એ પછી અકસ્માત નિવારવાની દિશામાં ભાગ્યે જ કશું કામ થાય છે. ક્યારેક તપાસસમીતિઓ નીમાય, પણ તેના દ્વારા થતી તપાસ અને તેના અહેવાલો આવે ત્યાં સુધીમાં બધું ભૂલાઈ ગયું હોય કે નવો કોઈ અકસ્માત થઈ ગયો હોય. તપાસસમીતિના અહેવાલો પણ આવે એના ભેગા છાજલીએ ચડાવી દેવામાં આવે છે. તેની કોઈ ગંભીરતા ભાગ્યે જ જોવા મળે છે. આ આખા મામલે આપણી, એક નાગરિક તરીકેની કશી જવાબદારી હોઈ શકે ખરી? હોય તો શી? આ મુદ્દો વિચારવા જેવો છે. હવે તો દરેક મુદ્દાને રાજકીય રંગ આપવાનું વલણ સામાન્ય બની ગયું છે અને ‘નાગરિક’ની વ્યાખ્યા જ નવેસરથી કરવી પડે એવી સ્થિતિ છે, ત્યાં બીજી શી અપેક્ષા રખાય?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫-૬– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
