જીવનની ખાટી મીઠી
નીલમ હરીશ દોશી
શ્રાવણી પરણીને સાસરે આવી. ચુસ્ત પુષ્ટિમાર્ગી પરિવારમાંથી આવેલી શ્રાવણીને સાસરે આવીને શરૂઆતમાં તો ખૂબ આશ્ચર્ય થતું. તેને બધું અજુગતું લાગતું. પિયરમાં નાહ્યા સિવાય રસોડામાં પગ ન મૂકી શકાતો કે દૂધ ન પી શકાતું. જયારે અહીં સાર્થક ના ઘરમાં તો બધું ચાલે. જેને જયારે જે કરવું હોય તે કરે..કોઇ આચાર વિચાર, નિયમ જેવું જ નહીં. અરે,શ્રાવણીના સાસુ પોતે પણ નાહ્યા ધોયા સિવાય ચા, નાસ્તો કરવા આરામથી બેસી જાય. સેવાપૂજાનું તો નામોનિશાન નહીં. ઉઠે એટલે પહેલું કામ ઘરમાં રેડિયો કે ટેપ ચાલુ કરવાનું થાય.
બધાએ નાસ્તો કરવા સાથે જ બેસવાનું. શ્રાવણીની સેવા પૂજા હજુ ન થઇ હોય તો સાસુ કહેશે, ‘તમારા દેવી દેવતાને પછી મનાવી લેજો. પહેલા બધા સાથે નાસ્તો કરી લઇએ.. શ્રાવણીને સેવા કર્યા સિવાય નાસ્તો કરવો ન ગમે. અને બધાની સાથે નાસ્તો કરવાનો હોય તેથી બહું વહેલું ઉઠવું પડતું.
સાસુ કહેતા..સવારનો અને રાતનો આ બે સમય તો ઘરમાં બધાએ સાથે બેસવાનું જ. આખા દિવસમાં આમ તો સાથે બેસવાનો સમય કયાં મળવાનો ? દરેક વાતચીત આ સમયે જ થાય. એમાં કોઇ ઉતાવળ ન ચાલે. બગીચામાં ખુરશી પાથરેલી જ હોય. ગપ્પા મારતા હસી મજાક કરતા એક કલાક નિરાંતે ચા નાસ્તો ચાલે. પછી રસોઇનું કામ શરૂ થાય અને ટિફિન લઇને સાર્થક અને તેના પપ્પા ઓફિસે જાય, શુભાંગી કોલેજે જાય પછી નિરાંતે સાસુજી બાથરૂમમાં ઘૂસે. નાહીને યે સેવા પૂજાનો સમય કયાં હોય ? યાદ આવે તો કયારેક ફકત અગરબત્તી કરે..બાકી બે ચાર છોકરાઓ ટયુશન માટે આવી જાય એને ભણાવવા બેસી જાય.
શ્રાવણીને આ બધું એવું તો વિચિત્ર લાગે. બપોરે તો જમવામાં સાસુ, વહુ બે જ હોય.. જમીને આડે પડખે થવાને બદલે અનુબેન સંગીત કલાસમાં ઉપડે. શરૂઆતમાં શ્રાવણીને પણ બહું કહી જોયું સાથે આવવા માટે.પણ શ્રાવણીને એવું બધું ન ગમે. જમીને તેને સૂવાની આદત હતી. તેના પિયરમાં તો જમીને બધાને નિરાંતે સૂવા જોઇએ જ. અનુબેન કલાસમાંથી આવે ત્યાં દીકરી કોલેજેથી આવી ગઇ હોય. આવીને થોડીવાર બધા સાથે બેસી એ એના નૃત્યના કલાસમાં જાય. શ્રાવણીને ખૂબ નવાઇ લાગે. ’છોકરીઓને વળી નાચતા શું શીખવાનું ? આપણા વૈષ્ણવના ઘરમાં એ ન શોભે. કાલે સવારે સાસરે જશો ત્યારે ત્યાં જઇને શું નાચવાના છો ? અને આસપાસમાંથી કોઇ એવું કશું શીખવા જતું હોય તો એની પંચાત ચાલે..પેટભરીને એની નિંદા કરવાનું દાદીમા ચૂકે નહીં. અને મમ્મીને પણ દાદીમા સાથે રહીને કદાચ એનો જ વારસો આવ્યો હતો. વરસોથી આવું સાંભળવા ટેવાઇ ગયેલ શ્રાવણીને બહું અજુગતું લાગે. અહીં તો કોઇને કોઇની પંચાત કરવાનો સમય જ કયાં હતો ? શ્રાવણીને જે કરવું હોય તે કરે એમાં કોઇ આડે આવે તેમ નહોતું. પણ શ્રાવણીને શું કરવું તે જ સમજાતું નહીં. અહીં કોઇ સાંજે દેવદર્શન કરવા મંદિરે નહોતું જતું. કથા, વાર્તા, સત્સંગનું તો નામોનિશાન નહોતું. તેથી એકલું એકલું જવું તેને પણ ગમ્યું નહીં. સાસુ આટલા મોટા થઇને પણ નથી જતા..તો પછી પોતે કેમ જાય ?
જોકે એક વસ્તુ તેણે અહીં જોઇ. તેના પિયરમાં વૈષ્ણવ ધર્મના બધા આચાર વિચાર પળાતા..પરંતુ કામવાળીને જમવાનું દેવામાં રાતનું વધ્યું ઘટયું જ કયારેક દેવાતું..કે તેને કોઇ જરૂર પડે ને કદીક માગે તો તેને ખીજાઇને મનાઇ જ કરી દેતા. જયારે અહીં તો કામવાળીને પોતે બધા ખાય એ જ ખાવા મળતું. અને તે પણ પેટ ભરીને..તેના ભાગની રસોઇ ઘરમાં કરવાની જ. સાસુ કહેશે, આપણે મોટા દાન ધરમ તો નથી કરી શકતા.ગરીબને એક સમય જમાડી તો શકીએ ને ? અહીં તેણે સાસુને કયારેય દૂધના લોટા લઇને મંદિરે જતા નહોતા જોયા..પરંતુ ઘણીવાર ગરીબ બાળકોને દૂધ પીવડાવતા સાસુને અચૂક જોયેલા..આવું આવું તો કેટલું યે તેને જોવા મળતું.
ધીમે ધીમે શ્રાવણીની આંખ સામે એક નવી દુનિયાના દર્શન થતા ગયા. એક નવું ભાવવિશ્વ ઉઘડતું ગયું. એક નવી ક્ષિતિજને તે સમજતી અને ઓળખતી થઇ..કોઇની સલાહ, સૂચના સિવાય તે આપમેળે કેળવાતી ગઇ. પરિવર્તન પામતી ગઇ.
હવે સાચો ધર્મ શું છે એની જાણ શ્રાવણી પામી ગઇ. સાસુની સાથે એક નવી દુનિયામાં તેણે પ્રવેશ કર્યો.જયાં સાચો આનંદ હતો. સાચી સેવા પૂજા હતી..સભરતાથી છલકતું જીવન હતું. હવે તેને ઠાકોરજી પાસે બેસવાનો સમય જ કયાં બચતો હતો ? તેણે તો સાસુની સાથે એક અનાથાશ્રમમાં જોડાઇને કેટલાયે બાળકોને શિક્ષણ આપવાનું તેમની સાથે રમવાનો યજ્ઞ શરૂ કર્યો હતો. આ જ હવે તેની કથા હતી..અને આ જ હવે તેનો સત્સંગ હતો.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

માનવધર્મ…એ તો ઈશ્વરનેય ગમે.
LikeLike
🙏 મનુષ્ય ધર્મ અને કર્મ.
LikeLike
બહુ સુંદર સંદેશ
LikeLike