આયુર્વેદિક કેન્સર સારવારમાં ખોટા આંકડા લખવામાં ડો.અંજલિનો હાથ ન હતો. ગુનેગાર ડો.રાકેશ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી. શોમ, અંજલિ સાથેના તૂટેલો વિશ્વાસ દોરને સાંધવા પ્રયત્ન કરે છે. અંજલિ ભારત જવાની તૈયારીમાં છે. શોમ માતાની અણધારી માંદગીથી ચિંતિત છે, ત્યારે…
સરયૂ પરીખ
શોમ સાથે ચર્ચા કરતા ડોક્ટર બોલ્યા, “માહીની તબિયત પર આવી પડેલ આપત્તિને કેમ કરીને નિવારવી? તે છપ્પન વર્ષના જ છે અને બીજું કોઈ દરદ નથી…”
“અમે અંદર આવી શકીએ?” રમેશ બારણું પકડીને ઊભા હતા અને અંજલિ, દાખલ થતા પહેલા પૂછી રહી હતી. “હા. જરૂર આવો.” જવાબ મળતા તેઓ અંદર દાખલ થયા. શોમનું દિલ ખુશીનું માર્યું જોરથી ધડકવા લાગ્યું. વિસ્ફારિત નયને અંજલિ સામે જોઈ રહ્યો. રમેશે નજીક આવી જરા સ્પર્શ કરી તેનું ધ્યાન ખેંચ્યું.
“હા, તો અમે વાત કરતા હતા કે, રોગનિદાન સારું લાગે છે. સામાન્ય તંદુરસ્તી સારી હોવાથી શ્રીમતી જોષી જલ્દી સાજા થઈ જશે. આગળ જતા અમુક કારણો, જેમકે ટ્યુમર કેટલી ત્વરાથી વધે છે, અને બીજી કોઈ ગૂંચવણ ઊભી થાય તો ઈલાજ બદલવો પણ પડે. હવે તમારું આયુર્વેદિક સારવાર માટે શું સૂચન છે તે વિશે જોઈએ…ડોં.મારુ, તમારો અભિપ્રાય જણાવશો?” ડોક્ટરે અંજલિને પૂછ્યું.
અત્યાર સુધી આત્મવિશ્વાસ સાથે બોલી રહેલો શોમ સાવ શાંત બની, વિદ્યાર્થીની માફક સાંભળી રહ્યો. વ્યવસ્થિત સારવારનો ક્રમ નક્કી કરી મિટિંગ પૂરી થઈ.
બહાર નીકળતા જ શોમ બોલ્યો, “અંજલિ! તું અહીં કેમ?”
“ભારત જવા નીકળવાની તૈયારી જ હતી અને સ્ટિવનનો ફોન આવ્યો કે ‘આંટી બેભાન થઈ ગયાં હતાં અને બ્રેઈન ટ્યુમરની શક્યતા લાગે છે. તેણે જણાવ્યું કે કયા સ્તરની ગંભીરતા છે તે કાલે ખબર પડશે.’ અને તરત મેં એક સપ્તાહ પછીની ટિકિટ કરાવી નાખી.” અંજલિ રમેશ તરફ ફરીને બોલી, “આંટીને મળવા જઈશું?” અને શોમને ત્યાં જ વિચાર કરતો છોડીને તેઓ નીકળી ગયા.
જોષી-નિવાસ પહોંચીને જોયું તો માહી તેની પથારીમાં રડતી હતી. રમેશને જોઈને વધારે રડી પડી. “બસ, હવે હું નહીં બચુ. ડોકટરો તો કહે પણ…મને આવી કેંસરની બીમારી થાય જ કેમ? મુંબઈ મારી મમ્મીને છેલ્લી વખત મળવા જવું છે.”
“અરે, તું જો તો ખરી, તારી ફિકરમાં કોણે ભારત જવાનું માંડી વાળ્યું છે!”
અંજલિ ધીમેથી અંદર આવી અને માહીના ચહેરાના ભાવ વિજળીના ચમકારાની જેમ બદલાઈ ગયા. અંજલિ નજીક આવતા, તેના બંને હાથ પકડીને માહીએ પોતાની બાજુમાં બેસાડી…અને તેની માંદગીનાં સમાચાર સાંભળીને અંજલિ રોકાઈ ગઈ છે, તે સાંભળતાં માહી ગદગદ થઈ ગઈ.
“આંટી, બહુ ભૂખ લાગી છે. શું જમશું?”
“ફ્રીઝમાંથી શોધી કાઢ, હું હમણાં રસોઈમાં આવું છું.” માહી ઝડપથી ઊભી થઈ તે જોતા રમેશ હસીને બોલ્યો, “ઓ મેડમ! જરા સંભાળીને…”
અમુક વ્યક્તિનો સ્પર્શ પારસમણિ જેવું કામ કરે છે. એ જૂજ અહોભાગ્ય હોય છે, જ્યાં સોનુ બનવાની ક્ષમતા સામેના વ્યક્તિત્વમાં મળી આવે છે. અશ્રદ્ધા અને ચિંતાની સાથે સમજ અને આશા પણ જોડાઈ ગયાં, અને મુશ્કેલીને સ્વીકારવાનો દ્રષ્ટિકોણ બદલાયો. એ દરમિયાન શોમ અને મોટીમાસી પણ આવી ગયા અને થોડા સમય માટે માહી હળવીફૂલ બની, સ્વભાવગત બીજાની સંભાળ લેવામાં વ્યસ્ત થઈ ગઈ.
નક્કી કર્યા પ્રમાણે, માહીને લઈને શોમ આયુર્વેદિક સેન્ટર પર ગયો. અંજલિ અને શોમ, બન્ને કુશળ ડોક્ટર્સ, સંવાદિતાથી કામ પર ધ્યાન આપી રહ્યા હતા. અજાણતા આંખ મળી જાય કે સ્પર્શ થઈ જાય તે પળ થંભી જતી, એ વ્યાકુળ ઝણઝણાટી વિષે તે બે સિવાય બીજા અજ્ઞાત હતા.
અંજલિએ મીસીસ. પંડ્યાના આગ્રહને નમ્રતાથી નકારી, તેની મિત્ર સારાને ઘેર તે અઠવાડિયું રહેવાનું નક્કી કર્યું હતું. સારાએ શનિવારે સાંજે, ઘેર નાની પાર્ટી ગોઠવી, સ્ટિવન અને શોમને બોલાવ્યા હતા. આરી અને તેની ગર્લફ્રેન્ડ અને બીજા બે ચાર જણા સાથે સારાનું ઘર ગુંજતું હતું. અંજલિ અને શોમના ચહેરા પર ક્યારેક હસતાં હસતાં ઉદાસીની પીંછી ફરી વળતી. ‘હું આના વગર કેમ જીવી શકીશ?’ તો સાથે અંજલિને એ પણ વિચાર સતાવતો કે…’મારા મન પર આ મણનો ભાર છે, તે કેમ જતો નથી? ‘બાબા કહે છે તેમ, સમયને તેનું કામ કરવા દો, અવળા પ્રવાહમાં વલખાં મારવાનું છોડી દો… આ ચઢાણનો ઉતાર મળી રહેશે.’ ગમે તે હો, પણ મિત્રો સાથેની એ સાંજ અણમોલ હતી. શોમ નીકળી રહ્યો હતો તે વખતે અંજલિએ કહ્યું હતું કે, ‘રવિવારે સવારે એબી સેંટરમાં જઈને, આંટી માટે જરૂરી ઓસડિયાં તૈયાર કરી દઈશ, જેથી આવતા મહિનાઓમાં ખલાસ ન થઈ જાય.’
અંજલિ દસેક વાગે સેંટર પર પહોંચી અને ગાર્ડ સાથે થોડી વાત કરી, ઉપર જઈને કામે લાગી ગઈ હતી. ઔષધી માપીને લીધી અને પછી લોખંડનો ખાંડણી દસ્તો લઈ અંજલિ ખાંડવામાં મગ્ન હતી. પાછળથી એકદમ બારણાંના ખોલવા-બંધ થવાના અવાજથી ચમકીને તેણે પાછળ ફરી જોયું. “અરે! રાકેશ? અહીંયા શું કરે છે?” રાકેશનો દાઢી-મૂછથી ભરેલો બિહામણો ચહેરો જોઈ અંજલિના ધ્રૂજતા હાથમાંથી દસ્તો સરી ને તેના પગ પર પડ્યો. “ઓ મા!” કરીને અંજલિ ખુરશી પર બેસી ગઈ.
“અવાજ ધીમો,” રાકેશે કરડાકીથી કહ્યું. તેની ગુસ્સાભરી લાલ આંખોમાં ભય ઝલકતો હતો, ‘આ બે ભાવ!! ક્રોધ અને ભયનું ભયંકર મિશ્રણ’ એમ વિચારતા અંજલિ વધારે ગભરાઈ ગઈ.
“મારી પાછળ કત્રીના પોલીસ લઈને પડી છે, કહે છે મેં તેને મારી હતી.” રાકેશની વાત સાંભળીને અંજલિનો ચહેરો તંગ થયો. “એ તો સાવ જૂઠ્ઠી છે…મારી સાથે જંગલિયત કરતી હતી અને મારી માને ગાળ દીધી, તેથી મેં જોરથી એક થપ્પડ અડાવી દીધી…કત્રીના એ લાગની જ છે. અરે, એ તો લગ્ન કરવા તૈયાર હતી… ત્યાં એને મારી એબી સેન્ટરની બાતમી મળી ગઈ અને પછી તો આભ તૂટી પડ્યું.”
“પણ તું અહીં કેમ આવ્યો છે?”
“મને શંકા હતી જ કે કત્રીના આવું કંઈક સિપાઈનું લફરું કરશે. મારા સગાને ત્યાં આગલા બારણે ધમાલ સાંભળીને હું પાછલા બારણેથી, મારી તૈયાર બેગ લઈને ભાગી નીકળ્યો. આ જગ્યા સલામત લાગી. થોડા કલાકોનો જ સવાલ છે…કારણકે મારી પાસે આજ સાંજની ભારત જવાની ટિકિટ છે. મને ખબર હતી કે તું હ્યુસ્ટનમાં રોકાઈ ગઈ છે. અને જો! …મારા સારા નસીબે તું અહીં મળી ગઈ! બસ તારે મને એરપોર્ટ પહોંચાડવાનો છે. તારે મને મદદ કરવી જોઈએ. મેં કાંઈ એવો મોટો ગુનો નથી કર્યો. આપણા બંનેનું સારું દેખાય તેથી થોડા આંકડા બદલ્યા, એમા તો આ સતવાદીઓએ મને હેરાન કરી નાખ્યો.” રાકેશ અસંબદ્ધ બોલ્યે જતો હતો.
“મારી પાસે ક્યાં કાર છે?” અંજલિ તેના પગને પંપાળતી બોલી.
“તું તારા બોયફ્રેન્ડ, શોમને બોલાવ…”
“હું એવું કંઈ કરવાની નથી, તું થાય તે કરી લે.” અંજલિ ગુસ્સે થઈને બોલી.
રાકેશે ખિસ્સામાં હાથ નાખી નાની શીશી કાઢી, તેના પર ‘ઝેર’ લખેલું હતું. “ભલે. તારે મદદ ન કરવી હોય તો હું આ ઝેર ખાઈ લઈશ. બસ, એટલી મહેરબાની કરજે…ભારત જાય પછી મારા વિધવા મમ્મીને મળીને કહેજે કે, મેં તમારા દિકરાને મરવા દીધો.”
“હું એવા ગપ્પાથી ભોળવાઈશ નહીં. તેં જે ભૂલો કરી છે તેની સજા ભોગવ.”
રાકેશ કશું બોલ્યા વગર, શીશી ખોલી ગોળીઓ હાથમાં કાઢી અને સિંક પાસે પાણી લેવા ગયો. અંજલિને લાગ્યું કે હમણાં તેનો ગોળીઓવાળો હાથ મોં પાસે પહોંચશે…
“બસ કર!! મારે તારું મોત મારા માથા પર નથી થોપવું, સમજ્યો?” અંજલિએ બૂમ પાડી. અને શોમનો નંબર જોડ્યો, “શોમ! અહીં સેન્ટર પર આવી શકશો? જલ્દી…”
“હા, થોડું કામ પતાવીને આવું…”
“ના હમણાં જ, ઇમર્જન્સી છે.” અંજલિ અચકાઈને બોલી.
“શું વાત છે? તું ઠીક છે?” શોમ ચિંતિત થઈ બોલ્યો. રાકેશે નાક પર આંગળી મૂકી ચૂપ રહેવા કહ્યું. અંજલિએ “હા” કહીને ફોન મૂકી દીધો.
જવાની તૈયારી કરતો હતો ત્યાં, શોમનો ફોન ફરી વાગ્યો, “ડોક્ટર! હું કત્રીના બોલું છું. રાકેશ ત્યાં આવ્યો છે?”
“ના” કહીને ફોન પડતો મૂકી શોમ ઝડપથી નીકળીને સેન્ટર પર પહોંચ્યો. વાતોડિયા ગાર્ડ સાથે ‘કેમ છો’ કરીને ઉપર જવા લાગ્યો, પણ દાદર પાસે અટકીને ગાર્ડને પૂછ્યું, “ડોક્ટર અંજલિ સિવાય બીજું કોઈ આવ્યું છે?”
“હા, પંદરેક મિનિટ પહેલા ડોક્ટર રાકેશે તેમની કોઈ વસ્તુ લેવા અંદર જવાની માંગણી કરી હતી, અને મેં જવા દીધા હતા.”
“હું થોડા સમયમાં નીચે ન આવું તો, તમે ઉપર આવજો,” કહેતા શોમ બે બે પગથિયાં ચડતો દોડ્યો. બારણું બંધ હતું. શોમે ટકોરા માર્યા અને અંજલિનો અવાજ આવ્યો, “કોણ?”
“હું શોમ.” બારણાની આંકડી ખુલી અને રાકેશે તેને અંદર આવવા દઈ બારણાં પર ફરી આંકડી મારતો જોઈને બોલ્યો,
“રાકેશ આ શું કરે છે?” કહેતો શોમ અંજલિ પાસે ગયો. તેનો વેદનાથી ખરડાયેલો ચહેરો જોઈ અકળાઈને રાકેશ તરફ ગુસ્સાભરી નજર નાંખી. નીચે નજર પડતાં, “અરે, તારા પગના અંગુઠા પર સોજો આવી ગયો છે અને નખ લીલો પડી ગયો છે, hematoma… આનો તરત ઈલાજ કરવાની જરૂર છે.”
રાકેશ જલ્દીથી બોલ્યો, “ઈલાજ પછી, પહેલાં મને એરપોર્ટ ઉતારી દ્યો, પછી પ્રેમથી અંજલિને સંભાળજો.” શોમ કડકાઈથી ના પાડવા જતો હતો ત્યાં અંજલિ કણસતા બોલી, “મહેરબાની કરીને રાકેશ કહે છે તેમ કરો. મારાથી આ પગનો દુખાવો સહન નથી થતો.”
“ચાલો નીકળીએ. મારી બેગ બહાર ખૂણામાં પડી છે તે લઈ લઉં.” રાકેશ જવા ઉતાવળો થઈ ગયો.
“કત્રીનાનો મારા પર ફોન આવ્યો હતો.” શોમે કહ્યું અને રાકેશના પગ થંભી ગયા.
“હવે હું કહું તે પ્રમાણે કરો.” રાકેશ મક્કમ અવાજે બોલ્યો, “અંજલિ! તું અને શોમ નીચે જાવ. શોમ કાર લેવા જાય અને અંજલિ તું ગાર્ડને કોઈ પણ બહાને પ્રવેશદ્વાર પાસેથી દૂર લઈ જજે. હું કાર આવતા જ પાછલી સીટમાં ઘૂસી જઈશ અને પછી તું આવી જજે. ગાર્ડને ખબર પડશે કે હું બેગ લઈને નીકળ્યો છું, તો કત્રીના તેની પાસેથી સામ, દામ, દંડ, ભેદથી બાતમી મેળવશે. મારી ફ્લાઈટ નીકળે પહેલા મને પકડી પાડે તેવી પાગલ બાઈ છે.”
શોમ તેનો હૂકમ માનવા તૈયાર ન હતો અને બિલકુલ ખસ્યો નહિ. એ જોઈ રાકેશ ઢીલો પડી ગયો અને બે હાથ જોડીને રડવા લાગ્યો. “મેં ખરેખર કત્રીના પર જુલમ નથી કર્યો. મારા પર દયા કરીને એરપોર્ટ પહોંચાડો. ગોઆમાં વૈદ્ય ભાણજી મને સજા આપશે.” અંજલિએ શોમ સામે જોયું અને ઉઠવા માટે ટેકો લેવા હાથ લંબાવ્યો.
નીચે જઈને અંજલિએ પોતાના દુખતાં અંગુઠા માટે ગાર્ડને રૂમાલ ભીનો કરવા મોકલ્યો. શોમની કાર આવતા જ રાકેશ પાછલી સીટમાં જઈને સંતાઈ ગયો, પછી અંજલિ આવી અને તેઓ એરપોર્ટ જવા નીકળી ગયાં. એરપોર્ટ પર કાર અટકી કે તરત આજુબાજુ જોતો રાકેશ ઝડપથી જતો રહ્યો. “એને લાંબી વિદાય નથી ગમતી લાગતી.” કહીને શોમ હસ્યો. પણ પગના અંગુઠામાં થતાં લબકારાને લીધે અંજલિની આંખમાં આંસુ આવી ગયાં.
વધુ બોલ્યા વગર શોમે કાર હોસ્પિટલ તરફ લીધી. અંજલિ આંખો મીચી બેસી રહી. હોસ્પિટલ પહોંચીને શોમે અંદર જઈ નર્સને વ્હીલચેર લાવવાનું કહ્યું. કારનું બારણું ખોલ્યું, પણ અંજલિની નિંદર ન ખૂલી. શોમે કોમળતાથી તેને ઊંચકી અને વ્હીલચેરમાં બેસાડી, “ઓહ, માફ કરજો. મારી આંખ મળી ગઈ હતી.” સફાળી જાગીને તે જરા ગૂંચવાઈ ગઈ.
શોમ જે રીતે તેની કાળજી લઈ રહ્યો હતો તેવી ઘણા સમયથી કોઈએ નહોતી લીધી. ડોક્ટર તરીકે પોતે જ હંમેશા ખડે પગે રહેતી. અંજલિ આરામથી બેસીને આળપંપાળ મ્હાણી રહી. પાટાપિંડી પત્યા પછી શોમે પૂછ્યું, “જોષી-નિવાસ જઈશું? ગરમ લંચ મળવાની શક્યતા છે.” અને તેઓ ઘેર આવી પહોંચ્યા. કારમાંથી અંજલિને પગથીયા સુધી શોમ ચલાવીને લઈ આવ્યો… જ્યાં તે અચકાઈને ઊભી રહી ગઈ. પાંચ પગથિયાં ચડીને શોમે ડોરબેલ વગાડ્યો. માહી અને મોટીમાસી બારણું ખોલી આશ્ચર્યથી જોતાં રહ્યાં. શોમ પાછો ફરી, અંજલિને બાંહોમાં ઊંચકી, સહજ રીતે ઊંબરો પસાર કરી અંદર લઈ આવ્યો. મોટીમાસી તો આ કામને એકદમ ગંભીરતાથી અવલોકતા રહ્યાં. ખાનગીમાં માહી સાથે તેની આલોચના પણ થઈ. પણ માહી કહે, “ના, ના. એવું કશું નક્કી નથી.”
અંજલિએ બે દિવસ સારાને ઘરે આરામ કર્યો. એકાંતમાં શાંત અને નિસ્વાર્થ ભાવથી પોતાના મનને ચકાસ્યું. ‘હું શા માટે શોમને ચાહું છુ? પ્રેમ છે કે કોઈ લાલચ છે?’ અને દર વખતે અંતર પોકારે કે મારે શોમનો સાથ જોઈએ છે. ‘પરંતુ શોમની ખુશી મારાથી દૂર રહેવામાં હોય તો એ પણ કબૂલ છે. તે હંમેશા ખુશ રહે… મમ્મી અને બાબા સાથે વાત કરીશ ત્યારે સ્પષ્ટતા થશે.’
જવાના આગલા દિવસે બપોરે અંજલિ આવજો કહેવા જોષી-નિવાસ આવી હતી. રમેશના ઘેર આવવાની રાહ જોતી હતી એ દરમ્યાન… ટેબલ પર કાગળ પેન લઈને બેઠી અને કશું લખી રહી હતી. સમય પછી, “આંટી, એક પુસ્તક શોમના રૂમમાં મૂકું છું.” કહીને અંજલિ અંદર ગઈ. રમેશ આવી ગયા અને દીકરીને વિદાય કરતા હોય તેટલા સ્નેહથી ‘આવજો’ કહ્યું. ‘હવે નહીં મળીએ? અને મળશું તો કયા સંબંધના નેજા નીચે?’ એ પ્રશ્ન માહીને બે ધારી તલવારની જેમ સોરતો હતો.
આ વખતે શોમે અંજલિની ‘ના’ સાંભળી જ નહીં, અને એરપોર્ટ લઈ જવા માટે કાર લઈને સારાના ઘેર હાજર થઈ ગયો.
રમણીય તવ સાથ હું આજે લઉં ચોરી,
આંખમાં સમાવી કરું છાની બળજોરી.
ભલે જાયે આઘેરી, લાગે તું ઓરી,
રોકવાને કાજ દિલ ખેંચે અકળ દોરી.
—— કમશઃ