-
વાદ્યવિશેષ : (૯) – તંતુવાદ્યો (૪) – રબાબ
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
આ કડીમાં એક બિનહિન્દુસ્તાની વાદ્ય રબાબ અને તેના હિન્દી ફિલ્મી ગીતોમાં પ્રયોગ વિશે જાણીએ. આ વાદ્ય મૂળ અફઘાનીસ્તાનનું હોવાનું માનવામાં આવે છે. કાળક્રમે તે અરબસ્તાન અને બલુચિસ્તાનના રસ્તે કાશ્મીરમાં દાખલ થયું અને ધીમેધીમે ભારતના અન્ય વિસ્તારોમાં ફેલાતું ગયું. સાવ શરૂઆતના સમયથી હિન્દી ફિલ્મી ગીતોમાં રબાબ સંભળાતું આવ્યું છે.

આ વાદ્ય ઉપર જોઈ શકાય છે તેવું, તુંબડા સાથે જોડાયેલી ટૂંકી ગ્રીવાનું બનેલું હોય છે. મૂળ અફઘાની વાદ્યના ઢાંચામાં તુંબડા અને ગ્રીવા સાથે ત્રણ મુખ્ય તાર અને તેર ઉપતાર જોડવામાં આવે છે. કાળક્રમે તેમાં નાનામોટા ફેરફારો થતા આવ્યા છે અને હવે રબાબમાં ચાર મુખ્ય તાર અને પંદર ઉપતાર જોવા મળે છે. તારને ઝંકૃત કરી અવાજ ઉત્પન્ન કરવા માટે પહેલાંના સમયમાં ગજનો ઉપયોગ કરવામાં આવતો. હવેના સમયના મોટા ભાગના વાદકો નખલીના પ્રહાર વડે તેમ કરે છે.
રબાબનો અવાજ ભારે મર્દાના હોય છે. એવું માની શકાય કે કદાચ આ કારણસર તેને હિન્દુસ્તાની વાદ્યોની મુખ્ય ધારામાં સ્થાન નથી મળ્યું. ખેર, ફિલ્મી વાદ્યવૃંદોમાં તેનો સમયસમયે ઉપયોગ થતો જ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોટે ભાગે અફઘાની, અરબી, કે કાશ્મીરી પશ્ચાદભૂ ધરાવતાં પાત્રો ગાતાં હોય તેવાં ગીતોમાં જ રબાબનો પ્રયોગ થતો રહ્યો છે. હવે એક ક્લિપ પ્રસ્તુત છે, જેમાં રબાબની વાદનપધ્ધતિ અને તેના અવાજ વિશે ખ્યાલ આવશે.
આ વાદ્ય, તેની વાદનપદ્ધતિ અને તેમાંથી નીકળતા સૂરના પરિચય પછી હવે માણીએ કેટલાંક રબાબપ્રધાન ગીતો.
૧૯૬૧માં પરદા ઉપર આવેલી ફિલ્મ ‘કાબુલીવાલા’માં મુખ્ય પાત્ર અફઘાની પઠાણનું હતું. તે ફિલ્મનાં બે ગીતો – એ મેરે પ્યારે વતન અને ઓ સબા કહેના મેરે દિલદાર કો સાંભળીએ, જેમાં રબાબ મુખ્ય વાદ્ય છે. સંગીત સલિલ ચૌધરીએ આપ્યું હતું.
ફિલ્મ ‘રુસ્તમ સોહરાબ’ (૧૯૬૩)નું સજ્જાદ હુસૈનના સંગીતે મઢેલું એક રબાબપ્રધાન ગીત, યેહ કૈસી અજાબ દાસ્તાં હો ગયી હૈ પ્રસ્તુત છે.
ફિલ્મ ‘હમસાયા’ (૧૯૬૮)નાં ઓ.પી.નૈયરનાં સ્વરબદ્ધ કરેલાં ગીતો ખુબ લોકપ્રિય થયાં હતાં. તે પૈકીના ગીત આજા મેરે પ્યાર કે સહારે અભી અભીમાં રબાબના સ્વર સ્પષ્ટપણે પારખી શકાય છે.
૧૯૭૩માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘જંજીર’ની સફળતામાં તેનાં કલ્યાણજી-આણંદજીના સ્વરબદ્ધ કરેલાં ગીતોનો મહત્વનો ફાળો હતો. તેમાં મુંબઈમાં રહેતા એક પઠાણ કિરદાર ઉપર ફિલ્માવાયેલું ગીત યારી હૈ ઈમાન મેરા યાર મેરી જીંદગી સાંભળીએ. અદાકાર રબાબ વગાડતા વગાડતા ગાતા જોઈ શકાય છે.
ફિલ્મ ‘ધર્માત્મા’ (૧૯૭૫)ની વાર્તાના પ્રવાહમાં એક તબક્કે નાયક અફઘાનીસ્તાન ખાતે વસવાટ કરવા લાગે છે. આથી ફિલ્મનાં ગીતોમાં તે પૃષ્ઠભૂમીને અનુરૂપ રબાબનો પ્રયોગ થયો હતો. તે પૈકીનાં બે ગીતો – મેરી ગલીયોં સે લોગોં કી યારી બન ગયી અને તેરે ચહેરે મેં વોહ જાદૂ હૈ સાંભળીએ.
તે જ વર્ષે પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘શોલે’નું સંગીત રાહુલદેવ બર્મને તૈયાર કર્યું હતું. તેમાંનું એક ગીત મહેબૂબા મહેબૂબા એક નૃત્યગીત છે. લાક્ષણિક અરબી ગાયનશૈલીની તરજમાં ખુદ રાહુલદેવે જ ગાયું છે. વાદ્યવૃંદમાં રબાબ પ્રધાન વાદ્ય તરીકે ઉપસી આવે છે. પરદા ઉપર અદાકાર ગાવાની સાથે રબાબ વગાડતો નજરે પડતો રહે છે.
https://www.youtube.com/watch?v=AgkfoRWOnoc
૧૯૮૦ની ફિલ્મ ‘કુરબાની’માં કલ્યાણજી-આણંદજીનું સંગીત હતું. તેનાં બધાં જ ગીતો લોકપ્રિયતાને વર્યાં હતાં. પ્રસ્તુત ગીત હમ તુમ્હેં ચાહતે હૈ ઐસેના વાદ્યવૃંદમાં રબાબનો અસરકારક ઉપયોગ થયો છે.
૧૯૮૦ના વર્ષમાં જ રજૂ થયેલી ફિલ્મ ‘અબ્દુલ્લા’ના ગીત અય ખૂદા હર ફૈસલા તેરા ખરા અર્થમાં એક રબાબપ્રધાન ગીત છે. ફિલ્મ માટે સંગીત રાહુલદેવ બર્મને તૈયાર કર્યું હતું.
ફિલ્મ ‘ગુલામી’ (૧૯૮૫)નું એક ગીત તેના મુખડાના ફારસી ભાષામાં લખાયેલા વિશિષ્ટ બોલ માટે અને સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલની યાદગાર ધૂન માટે જાણીતું છે. એ શબ્દો છે, જેહાલ એ મિસ્કીં મકુન બરંજીશ. ગાયકીની સાથે રબાબના સ્વર સતત કાને પડતા રહે છે. પરદા ઉપર કલાકારના હાથમાં જે વાદ્ય છે તે અલબત્ત, રબાબ ન હોતાં મેન્ડોલીન છે!
આ કડીનું સમાપન ફિલ્મ ‘માચીસ’ (૧૯૯૬)ના એક ગીત ચપ્પા ચપ્પા ચરખા ચલેથી કરીએ. ગીતને વિશાલ ભારદ્વાજે સ્વરબદ્ધ કર્યું છે. પરદા પરના એક કલાકારના હાથમાં રબાબ જોઈ શકાય છે.
આટલાં ગીતોના વાદ્યવૃંદમાં રબાબના સ્વર માણ્યા પછી એમ કહી શકાય કે ભલે મર્યાદિત પ્રમાણમાં, પણ જે જે ગીતોમાં રબાબનો ઉપયોગ થયો છે તેમાં તેનું નોંધપાત્ર અને યાદગાર પ્રદાન રહ્યું છે. આવતી કડીમાં નવા વાદ્ય વિશે વાત કરીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
શીર્ષક આવરતા ગીતો – ૨
નિરંજન મહેતા
આ શ્રેણીનો પ્રથમ ભાગ તા. ૨૮.૧૦.૨૦૨૩ના મુકાયો હતો જ્યાં ૧૯૬૨ સુધીના ગીતો આપ્યા હતાં. આજના આ ભાગમાં ૧૯૬૨ પછીના અને ૧૯૬૭ સુધીના ગીતોને સમાવી લીધા છે.
પ્રથમ જોઈએ ૧૯૬૩ની ફિલ્મ ‘ફિર વહી દિલ લાયા હું’નુ આ ગીત.
बंदा परवर थाम लो जिगर
बन के प्यार फिर आया हु
खिदमत में आप के हुजुर
फिर वही दिल लाया हूँપોતાના પ્રેમને આ ગીત દ્વારા આશા પારેખને પ્રસ્તુત કરે છે જોય મુકરજી. મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે અને સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૩ની ફિલ્મ ‘તેરે ઘર કે સામને’નુ આ ગીત આજે પણ પ્રચલિત છે જેમાં શરૂઆતમાં જ શીર્ષકને આવરી લેવાયું છે.
तेरे घर के सामने
इक घर बनाऊंगा
तेरे घर के सामनेઅહી પણ દેવઆનંદ નૂતન આગળ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા આ ગીત ગાય છે. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે સચિન દેવ બર્મનનુ. ગાયકો છે રફીસાહેબ અને લતાજી.
૧૯૬૩ની ફિલ્મ ‘મેરે મહેબુબ’નુ ગીત પણ શીર્ષકના શબ્દોથી શરૂ થાય છે.
मेरे महबूब तुझे मेरी मोहब्बत की कसम
फिर मुझे नरगिसी आँखों का सहारा दे देઆ ગીત બે વાર આવે છે. રાજેન્દ્રકુમાર અને સાધના અભિનીત ગીતના રચયિતા છે શકીલ બદાયુની જેને સંગીતબદ્ધ કર્યું છે નૌશાદે. પ્રથમ ગીત લતાજીના સ્વરમાં.
બીજું રફીસાહેબનાં સ્વરમાં.
૧૯૬૩ની ફિલ્મ ‘દિલ એક મંદિર’નુ આ ગીત એક ફીલ્સુફીભર્યું ગીત છે.
जानेवाले कभी नहीं आते
जानेवाले की याद आती है
दिल एक मंदिर है दिल एक मंदिर है
प्यार की जिसमें होती है पूजा
ये प्रीतम का घर हैકલાકારો છે રાજેન્દ્રકુમાર અને મીનાકુમારી. શબ્દો છે હસરત જયપુરીના જેને સંગીત આપ્યું છે શંકર જયકિસને સ્વર છે રફીસાહેબ અને સુમન કલ્યાણપુરના.
૧૯૬૩ની ફિલ્મ ‘યે રાસ્તે હૈ પ્યાર કે’નુ ગીત એક વાસ્તવિકતા સમજાવે છે. આ ગીત પણ શીર્ષકના શબ્દોથી શરૂ થાય છે.
ये रास्ते है प्यार के चलना संभल के
यहाँ लुटे है दिल के अरमां मचल मचल केગીત શશીકલા પર રચાયું છે. રાજેન્દ્ર કૃષ્ણના શબ્દોને સજાવ્યા છે રવિએ. સ્વર છે આશા ભોસલેનો.
૧૯૬૩ની જ અન્ય ફિલ્મ ‘અસલી નકલી’નુ આ ગીત પણ વાસ્તવિકતા ઉજાગર કરે છે.
लाख छुपाओ छुप न सकेगा
राज़ हो कितना गेहरा
दिल की बात बता देता है
असली नकली चेहराકોઈ જાણીતી કલાકાર નથી જણાતી પણ સંધ્યા રોયનુ નામ યાદીમાં દેખાય છે તો તે હોય શકે. દેવઆનંદ મુખ્ય કલાકાર છે. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને જેને કંઠ આપ્યો છે લતાજીએ.
૧૯૬૩ની જ વધુ એક ફિલ્મ ‘એક દિલ ઔર સૌ અફસાને’નુ ગીત પ્રેમમાં નાસીપાસ વ્યક્તિના મનોભાવ દર્શાવે છે.
एक दिल और सौ अफसाने
हाये दिल हाये ज़मानेવહીદા રહેમાન રાજકપૂર આગળ આ ભાવ વ્યક્ત કરે છે જેના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. દર્દભર્યો અવાજ છે લતાજીનો.
૧૯૬૪ની ફિલ્મ ‘આઈ મિલન કી બેલા’નુ આ ગીત ખુશીના ભાવ વ્યક્ત કરે છે.
आ हा आई मिलन की बेला देखो आई
बन के फुल हर कली मुस्काईઆ સમૂહ નૃત્યગીતના કલાકારો છે રાજેન્દ્રકુમાર અને સાઈરાબાનુ. શૈલેન્દ્રનાં શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયકો છે રફીસાહેબ અને આશા ભોસલે.
૧૯૬૪ની ફિલ્મ ‘એપ્રિલ ફૂલ’નુ આ ગીત સાયરાબાનુની મજાક કર્યા બાદ વિશ્વજીત ગાય છે.
एप्रिल फुल बनाया तो उन को गुस्सा आया
तो मेरा क्या कसूर ज़माने का कसूरગીતના શબ્દો હસરત જયપુરીના છે અને સ્વરબદ્ધ કર્યા છે શંકર જયકિસને. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૪ની ફિલ્મ ‘ગીત ગાયા પત્થરોને’નુ આ ગીત શરૂઆતમાં સમૂહ નૃત્યરૂપે દર્શાવાયું છે.
साँसों के तार पर धड़कन की ताल पर
दिल की पुकार रंग भरे प्यार काરાજશ્રી દ્વારા અભિનીત આ ગીતમાં પત્થરો જીવંત થાય છે એવો ભાસ ઉત્પન્ન કરાયો છે. પાછળથી જીતેન્દ્રને પણ દર્શાવાયો છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીનાં જેને સંગીત આપ્યું છે રામલાલે. શરૂઆતમાં સ્વર છે કિશોરી આમોનકરનો પણ પાછળના ભાગમાં મહેન્દ્ર કપૂરનો સ્વર ઉમેરાયો છે.
૧૯૬૪ની ફિલ્મ ‘સંગમ’નુ આ ગીત છેડછાડભર્યું ગીત છે.
मेंरे मन की गंगा और तेरे मन की जमना का
बोल राधा बोल संगम होगा की नहींતળાવમાં નહાતી વૈજયંતીમાલાની રાજકપૂર આ ગીત દ્વારા છેડછાડ કરે છે. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન. સ્વર છે મુકેશ અને વૈજયંતીમાલાનાં.
૧૯૬૫ની ફિલ્મ ‘ગુમનામ’ જે એક રહસ્યમય ફિલ્મ છે તેનું શીર્ષક ગીત છે
गुमनाम है कोई अनजान है कोई
किस को खबर कौन है वो अनजान है कोई \પાર્શ્વગીતમાં રજુ થતા આ ગીતના શબ્દો છે હસ્રરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. રહસ્યમયભર્યો સ્વર છે લતાજીનો.
૧૯૬૬ની ફિલ્મ ‘દિલ ને ફિર યાદ કિયા’નુ આ ગીત પ્રણય ત્રિકોણનાં ભાવ દર્શાવે છે.
दिल ने फिर याद किया बर्क सी लहराई है
फिर कोई चोट मुहब्बत की उभर आई हैત્રિકોણના ત્રણ ખૂણા છે ધર્મેન્દ્ર, રહેમાન અને નૂતન. ગીતકાર જી.એસ.રાવલ અને સંગીતકાર સોનિક ઓમી. ગાયકો છે મુકેશ, સુમન કલ્યાણપુર અને રફીસાહેબ.
https://youtu.be/UxO_kVwpZ38?si=v9TGSdcFQ67av_rb
૧૯૬૬ની અન્ય ફિલ્મ ‘આયે દિન બહાર કે’નુ ગીત જોઈએ.
सुनो सजना पपीहे ने कहा
कहा सबसे पुकार के
संभल जाओ चमनवालो
के आये दिन बहार केધર્મેન્દ્રનાં ઇન્તજારમાં આશા પારેખ આ સાંકેતિક ગીત ગાય છે જેમાં ખીલેલી પ્રકૃતિનો આશરો લેવાયો છે. આનંદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત. લતાજીનો સ્વર.
૧૯૬૬ની વધુ એક ફિલ્મ ‘મેરા સાયા’નું આ ગીત પણ રહસ્યમય છે.
तू जहाँ जहाँ चलेगा
मेरा साया साथ होगाમાયુસ સુનીલ દત્તને સાધના, કે જે મૃત્યુ પામી હોવાનું દર્શાવાયું છે, તેના પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે રાજા મહેંદી અલી ખાનનાં અને સંગીત મદનમોહનનુ. હલકભર્યો સ્વર છે લતાજીનો.
૧૯૬૬ની અન્ય એક ફિલ્મ ‘લવ ઇન ટોકિયો’નુ આ ગીત એક પ્રણયગીત પ્રકારનું ગીત છે.
जापान लव इन टोकियो
ले गई दिल कुडिया जापान कीઆશા પારેખને જોઇને જોય મુકરજી આ ગીત દ્વારા પોતાના ભાવ વ્યક્ત કરે છે. હસરત જયપુરીના શબ્દોને સજાવ્યા છે શંકર જયકિસને અને ગાયક છે રફીસાહેબ.
૧૯૬૭ની ફિલ્મ ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’ દુનિયાની સહેલગાયે નીકળેલા યુગલ પર રચાયું છે.
दुनिया की सैर कर लो
इंसान के दोस्त बनकर
इन्सान से प्यार कर लो
अराउंड ध वर्ल्ड इन एइट डॉलर्सગીતના કલાકારો છે રાજકપૂર અને રાજશ્રી જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયકો છે મુકેશ અને શારદા.
૧૯૬૭ની અન્ય ફિલ્મ ‘એન ઇવનિંગ ઇન પેરિસ’નુ આ ગીત ટાઈટલ ગીત રૂપે રજુ થયું છે જેમાં પેરિસનો નજારો દેખાડાયો છે.
अजी ऐसा मोका फिर कहाँ मिलेगा
हमारे जैसा दिल कहाँ मिलेगा
………..
आ ओ तुमे दिखलाता हूँ
पारिस की एक रंगीन शाम
देखो देखो देखो
एन इवनिंग इन पेरिसશમ્મીકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિસન. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૭ની વધુ એક ફિલ્મ ‘રાત ઔર દિન’નુ આ ગીત નિરાશાના ભાવ વ્યક્ત કરે છે આ ગીત બે વાર આવે છે. પ્રથમવાર નરગીસ પર રચાયું છે
रात और दिन दिया जले
मेरे मन में फिर भी अँधियारा हैહસરત જયપુરીના શબ્દો અને શંકર જયકિસનનુ સંગીત છે જ્યારે સ્વર છે લતાજીનો.
બીજીવાર આ ગીત પ્રદીપકુમાર પર રચાયું છે જેને સ્વર આપ્યો છે મુકેશે.
હવે પછીના વર્ષોના ગીતો આગળના ભાગમાં.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૨૬. શેવન રિઝવી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગત સપ્તાહે આ લેખમાળાનો રજત – જયંતિ હપ્તો આપણે જોઈ ગયા :
અભી ન પરદા ગિરાઓ ઠહરો
કે દાસ્તાં આગે ઔર ભી હૈ
આજે વાત ગીતકાર શેવન રિઝવીની. ( શેવન એટલે વિલાપ ) મારી પેઢીના લોકો એમને યાદ કરશે હમસાયા, એક મુસાફિર એક હસીના અને દિલ ઔર મુહબ્બત જેવી ફિલ્મોમાં એમણે ઓ પી નૈયર સાહેબ માટે લખેલા ગીતોથી. બધી સાઠના દશકની ફિલ્મો. યાદ કરો ‘ દિલ ઔર મુહબ્બત’નું આશા ભોંસલે અને મહેંદ્ર કપૂરે ગાયેલું યુગલ ગીત ‘ હાથ આયા હૈ જબ સે તેરા હાથ મેં, છા ગયા હૈ નયા રંગ જઝ્બાત મેં ‘ . આ ગીતના એક અંતરામાં આશા ( પરદા પર શર્મીલા ટાગોર ) ગાય છે ‘ રૌશની ઝિંદગી મેં મુહબ્બત સે હૈ, વરના રખા હૈ ક્યા ચાંદની રાત મેં ‘ ! કેવી સાદી, સરળ અને વેધક વાત ! એ લખી આ શેવન રિઝવી સાહેબે .પચાસના દશકથી એમણે ફિલ્મોમાં લખવાનું શરુ કર્યું અને ત્રણ સોથી વધુ ગીતો લખ્યા. એમની ગઝલો દુર્લભ. બે પેશે ખિદમત છે :
તુજ સે શિકવા કિયા નહીં જાતા
મૌત દે દે – જિયા નહીં જાતાઅશ્ક હી જબ નહીં તો રોએં ક્યા
ખૂન પાની કિયા નહીં જાતાબેગુનાહોં કે કિસને દિલ તોડે
નામ તેરા લિયા નહીં જાતાડૂબ જાને દે મેરી કશ્તી કો
અબ સહારા લિયા નહીં જાતા..– ફિલ્મ : લકીરેં ૧૯૫૪
– ગીતા દત્ત
– હાફિઝ ખાન
તેરા શુક્રિયા કે તૂને ગલે ફિર લગા લિયા હૈ
મૈને દિલ કે ટુકડે ચુનકર નયા દિલ બના લિયા હૈમુજે મેરા પ્યાર દે દે તુજે આઝમા લિયા હૈ
તેરી વફા કે આગે મૈને સર ઝુકા લિયા હૈતુજે પા કે ખો દિયા થા તુજે ખો કે પા લિયા હૈ
જહાં ખાક ઉડ રહી થી વહાં ઘર સજા લિયા હૈતેરી યાદ મેરા મંદિર તેરા પ્યાર મેરી પૂજા
તુજે મૈને ઈતના પૂજા કે ખુદા બના લિયા હૈ..– ફિલ્મ : હમસાયા
– આશા / રફી
– ઓ પી નૈયર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
શિક્ષણને ચેતનામય બનાવી શકાય છે
હરેશ ધોળકિયા
અચાનક એક એમ.એડ. કરતી યુવતી આવી અને સવાલો કરવા માંડી. આ સવાલો તે જે વિષય પર નિબંધ લખતી હતી તેના સંદર્ભમાં હતા. સવાલો રસપ્રદ હતા. ઘણા હતા, પણ તેમાં એક સવાલે ધ્યાન ખેંચ્યું. તેણે આ સવાલ પૂછયો, ” અત્યારે જે નવી શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે તેમાં ભારતીય જ્ઞાન ધારાનો દૈનિક શિક્ષણના સંદર્ભમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય ? બાળકોને આ જ્ઞાન ધારાનો પરિચય કેમ કરાવી શકાય ?”
આ સવાલ અને મુદો બન્ને રસપ્રદ છે. આમ તો હવે, નિવૃતિ પછી, શિક્ષણની નવી નીતિ બાબતે ખાસ કોઈ માહિતી નથી. મેળવવાની જરુર પણ નથી લાગતી. હા, ઉપરછલ્લી વાંચી છે, પણ હવે તેનો કોઈ અંગત ઉપયોગ ન હોવાના કારણે તેમાં રસ લીધો નથી. વળી, એ પણ ખબર છે કે આજ સુધી અનેક નીતિઓ આવતી રહી છે અને તેનો અમલ થતો રહ્યો છે, પણ કોઈ જ નીતિ વ્યવસ્થિત રીતે અમલમાં મૂકાઈ નથી. જયાં ખુદ શિક્ષણ જ વ્યવસ્થિત નથી અપાતું, ત્યાં નીતિનો અમલ વ્યવસ્થિત કેમ આપી શકાય ? સરકાર, શિક્ષકો અને વાલીઓ-કોઈને ઉતમ શિક્ષણ મળે તેમાં ખાસ રસ નથી. રૂટીનલ શિક્ષણ અપાય છે.
હા, ટેકનોલોજીનો ઉપયોગ વધે છે, પણ મૂળ વાત કે વલણમાં આધુનિકતા કેમ લાવવી અને તટસ્થ અને વૈશ્વિક વિચાર કરતાં કેમ શીખવવું તે જ નથી શીખવાતું. આજે પણ જ્ઞાતિ-જાતિ-ધર્મમાં ગુંચવાયેલો સમાજ આધુનિકતાને પૂરો સ્વીકારી નથી શકતો. એટલે નીતિ ગમે તેવી ઉતમ નકકી થાય, પણ તેનો અમલ તો નબળો જ રહે છે. એટલે કેવળ વિચાર કર્યા કરવાથી કે સૂચનો આપવાથી કશું ન વળે. ઉતમ અમલીકરણ થતું હોય તો જ તેના પર વિચારવું સાર્થક બને.
પણ ભારતીય જ્ઞાનધારા-એટલે કે ભારતીય તત્વજ્ઞાન- ખરેખર રસદાયક મુદો છે. અને, મોટી વાત કે, આજે જયારે સર્વત્ર મૂડીવાદનો અને બજારનો ભરડો સમાજો પર ફરી વળ્યો છે, અને તેને ખલાસ કરી રહ્યો છે, ત્યારે માત્રને માત્ર આ ભારતીય જ્ઞાનધારા અથવા તો ભારતીય તત્વજ્ઞાનનું ચિંતન જ તેનાથી બચાવી શકે તેમ છે. એટલે તેના પર વિચાર થાય અને બાળકોના મનમાં તેને સ્વસ્થ રીતે સુકાય તે જરુરી તો છે જ. પણ તે કેવળને કેવળ ” ભારતીય ચિંતન” તરીકે મુકાય તો જ. કોઈ સાંપ્રદાયિક સંદર્ભમાં નહીં. તેમાં ભારતમાં રહેલી બધી જ વિચારધારાઓનો સમન્વય હોય તે જરુરી છે, કોઈ એક સંપ્રદાયની નહીં.
ભારતીય ચિંતનને બાળકો સામે કઈ રીતે મૂકી શકાય ?
ભારતીય ચિંતનનો પાયો શું છે ?
હજારો વર્ષોનું સુગ્રથિત ભારતીય ચિંતન કહે છે કે ” આ સમગ્ર જગત એક ચેતનાથી વ્યાપ્ત છે. જગતમાં જે કંઈ પણ છે, તે બધું આ ચેતના જ છે. આ ચેતનાને વિવિધ સમુદાયો દ્વારા ઈશ્વર કે ગોડ કે અલ્લાહના નામે ઓળખાય છે. ચેતનાનું પોતાનું કોઈ નામ નથી, એટલે બધાં નામો સાચાં કહી શકાય. માત્ર નામ લેતી વખતે ચેતનાનું કોઈ અંગત નામ નથી એ યાદ રાખવું. તો ઝનૂન નહીં રહે.”
પણ જેવો આ વિચારનો સ્વીકાર થશે કે ખ્યાલ આવશે કે સમગ્ર જગતમાંનું બધું જ ચેતના છે, બધુ જ ! તો ચારે બાજુ દેખાતા ભેદભાવો સામે સવાલો ઊભા થશે કે આ ભેદભાવો સાચા છે ? માત્ર માનવજાતનો વિચાર કરીએ તો પણ વિચાર આવશે કે બધા જો ચેતના જ છે, તો તેનો અર્થ થયો કે બધા સમાન જ છે. તો પછી જ્ઞાતિ-જાતિ-રંગ, પ્રદેશવાદ-ધર્મનાં વિભાજનો- રાષ્ટ્રવાદ…બધું જ ખોટું છે. ચેતના જો એક, તો બધું જ એક. કેવળ ચેતના. એટલે કે બધા મનુષ્યો, સમજવા પૂરતા, ભાઈઓ અને બહેનો છે. એક જ પિતાનાં સંતાન છે. આ જો સમજાય તો ઝગડા ટકી શકવાના?
એટલે જ ભારતીય જ્ઞાનધારા કહે છે કે ” વસુધૈવ કુટુંબકમ”-એટલે કે સમગ્ર જગત એક કુટુંબ છે. હા, તેમાં વૈવિઘ્ય હોઈ શકે, પણ ભેદભાવ ન હોઈ શકે. વિચારો, રહેણીકરણી, ભાષાઓ, પ્રદેશો અલગ હોઈ શકે, પણ તે ભેદભાવનું કારણ ન બની શકે. બહારથી દેખાતાં અનેક વૈવિધ્યો વચ્ચે પણ બધા એક કુટુંબના જ સભ્યો છે. આ ભાવના બાળકોમાં દઢ કરવાની છે. અને તેમને કહેવાનું છે કે જે પણ વિચારધારા અલગતાની વાત કરે, કોઈને પારકો માનવાની વાત કરે, તેને પળમાં નકારી દેવાની છે.
જગતના બધા જ લોકો એક જ ચેતનાનાં સંતાન છે માટે કુટુંબીઓ છે. મતભેદ હોય તે સ્વીકાર્ય, પણ પારકાપણું અસ્વીકાર્ય !
સમગ્ર વસુધા એક કુટુંબ જ છે.
પણ આ વૈવિધ્ય દેખાય છે તે ? તેનો જવાબ આપતાં ભારતીય જ્ઞાનધારા કહે છે કે ‘ એકો સત વિપ્રાઃ બહુધા વદન્તિ”- એટલે કે સત્ય તો એક જ છે. માત્ર લોકો તેને વિવિધ રીતે વ્યકત કરે છે. અને કયું એક સત્ય ? તો કહે છે કે ” બધું જ ચેતના છે.”
તેની અભિવ્યકિત કદાચ વિવિધ હોઈ શકે, પણ તેનાથી સત્યમાં કશો ફર્ક નથી પડતો.
સમાંતરે બાળકોમાં આ વિચાર માત્ર સમજાય તેવું જ નથી કરવાનું, પણ સાથે તેનો અમલ કરાય તે પણ જોવાનું છે. અને અમલ કરવો એટલે શું? તો કહી શકાય કે તેનામાં આ જગત પ્રત્યે આદરભાવ ઊભો થવો જોઈએ. અને આ આદરભાવ કેમ ઉત્પન્ન થાય ? તો તેમને કહેવાનું છે કે સમગ્ર જગતમાં એક જ ચેતના છે અને આ ચેતના આદરણીય છે. આજે પણ બાળકો પરંપરાગત વિચારોથી પરિચિત છે. એટલે ચેતનાને એ પરંપરાગત શબ્દોથી સમજાવવી. દાખલા તરીકે તેને ઈશ્વર, અલ્લાહ કે ગોડ જેવાં નામોથી સંબોધી શકાય. તો તેમને આ રીતે સમજાવાય કે સમગ્ર જગત ઈશ્વર કે અલ્લાહ કે ગોડથી જ વ્યાપ્ત છે.
માટે તે આદરણીય છે. સમગ્ર જગત તરફ પૂજયભાવથી જોવાનું છે અને તેના પ્રત્યે પૂજયભાવથી વર્તવાનું છે. એટલે આપોઆપસમગ્ર પર્યાવરણ પ્રત્યે આદરભાવ આવશે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરાશે. તો તે સંબંધી અનેક પ્રશ્નો ટળવા લાગશે. સમગ્ર પૃથ્વી સ્વસ્થ થવી શરુ થશે. બાળકો આપોઆપ પર્યાવરણ જાળવણી કરશે. એક બાજુ માનવીય એકતા આવશે અને બીજી બાજુ પર્યાવરણીય સ્વસ્થતા આવશે.
આ સાથે ભારતીય જ્ઞાનધારાની એક વધારે બાબત બાળકોના મનમાં ઠસાવવાની છે.
આ જ્ઞાનધારા કહે છે કે જગતની દરેક બાબત ચેતના છે. ચેતના પૂર્ણ છે, માટે બધું જ પૂર્ણ છે. ચેતના સર્વશકિતમાન છે, માટે બધું જ સર્વશકિતમાન છે. અને આ જાણી બાળકે વિચારવાનું છે કે ‘ જો બધું જ ચેતના છે, પૂર્ણ છે અને સર્વશકિતમાન છે, અને હું પણ આ ‘ બધા”માં જ આવું છું. તો તેનો અર્થ એ થયો કે હું પણ પૂર્ણ અને સર્વશકિતમાન છું.” આ વિચાર જેવો બાળકના મનમાં ઠસાવાનો, પચવાનો, શરુ થશે કે તેનામાં એક અદભુત પરિવર્તન આવવવું શરુ થશે.
મોટા ભાગનાં બાળકો લઘુતાગ્રંથિથી પીડાતાં હોય છે. પોતાને જે નથી આવડતું તે બાબતે હીનતાનો અનુભવ કરતાં હોય છે. પરિણામે ” પોતાને નહીં આવડે” એ વિચારે અનેક બાબતો શીખવાથી વંચિત રહી જતા હોય છે. પણ ભારતીય જ્ઞાનધારાનો આ વિચાર તેનામાં આત્મવિશ્વાસ જન્માવશે. આત્મશ્રધ્ધા જન્માવશે. પોતે પણ સર્વશકિતમાન હોવાથી ધારે તે શીખી શકે છે. તેને હવે ખબર પડશે કે પોતાને જે નથી આવડતું તેનું કારણ પોતાની નબળાઈ નથી, પણ પોતે પોતાના સર્વશકિતમાનપણાનો ઉપયોગ નથી કરતું તે કારણ છે. જો પોતાની પૂર્ણતાનો ઉપયોગ કરવાનું શરુ કરશે તો તેને પણ તે ઈચ્છશે તે આવડી જશે. તે ધાર્યું કરી શકશે. આ મુદો તેના માટે જબરદસ્ત પ્રેરણાનો બની જશે અને તેના વ્યકિતત્વમાં સૂક્ષ્મ રીતે પરિવર્તન આવવાની શરુ થશે. તેને પોતાની વિરાટતાનો અનુભવ થવો શરુ થશે. તેનો વ્યકિતત્વ વિકાસ આપોઆપ વધવા લાગશે. શિક્ષણની અનેક સમસ્યાઓ આપોઆપ ખરી પડશે. આ બાબત શિક્ષકોને પણ લાગુ પડે છે. તેઓ પણ અનેક અંગત વ્યર્થ અને ઝનૂની માન્યતાઓથી મુકત થઈ જશે અને તેમની ચેતના પણ પૂર્ણ પ્રગટવી શરુ થઈ જશે. આને અંગ્રેજીમાં ” પેરેડીમ શીફટ” કહે છે. સમગ્ર ચિંતનમાં બદલાવ.
ભારતીય જ્ઞાનધારામાં તો આવા અનેક વિચારો છે જે શીખવવામાં આવે તો શિક્ષણમાં અને તેના દ્વારા બાળકોમાં અને સમય જતાં સમાજમાં અનેક પરિવર્તનો આવી શકે તેમ છે. સમગ્ર સમાજ કમશઃ સ્વસ્થ થવા તરફ આગળ વધશે.
આ ખ્યાલ તો ઉતમ છે. અપનાવવા જેવો છે. તેને માત્ર શુધ્ધ વિચાર તરીકે અપનાવવામાં આવશે તો ઘણો જ ફાયદો કરી શકે તેમ છે. ચિંતા એટલી જ છે કે અત્યારે જે વિભાજિત માનસ કામ કરે છે, તે સફળ ન થાય અને આ વિચારને વિકૃત ન કરી નાખે.
આશા અમર છે.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com -
બાળ ગગન વિહાર – મણકો – ૩૦ – વાત અમારી કરીનાની
શૈલા મુન્શા
“એક લડકીકો દેખા તો ઐસા લગા,
જૈસે શાયરકા ખ્વાબ,
જૈસે ઉજલી કિરણ,
જૈસે બનમે હિરન!”ફિલ્મ ‘લવ સ્ટોરી ૧૯૪૨’ નુ આ ગીત જેનુ ફિલ્માંકન જેટલી કોમળતાથી થયું હતું, એટલીજ કોમળ, ચંચળ હરણા જેવી અમારી કરીના છે. એની હાજરીથી જાણે ચારેકોર પ્રકાશ ફેલાઈ જાય. વાચા મુંગી, પણ આંખો એટલી બોલકી કે વણ બોલે બધું કહી જાય.
કુદરતની ક્રુરતાનો પણ ઘણીવાર કોઈ હિસાબ નથી હોતો. નિર્દોષ પંખીણિ જેવી કાર્લાની વાત મેં તમને કરી હતી. કરીના એની નાની બેન. બે વર્ષ નાની એટલે એને ત્રીજા ધોરણમા મુકી હતી, પણ ક્લાસ તો બંનેનો એક જ. કાર્લા નાજુક અને દુબલી પતલી જ્યારે કરીના સરખી ભરાવદાર એટલે લાગે એ મોટીબેન. એક જ ઘરમાં બે બાળકીનો માનસિક વિકાસ ધીમો એ કુદરતની ક્રુરતા નહિ તો બીજુ શું?
બન્ને બહેનોના સ્વભાવમાં આસમાન જમીનનો ફરક. કાર્લાને તો પોતાની આસપાસ શું થઈ રહ્યું છે એની કોઈ ખેવના જ નહોતી. એ તો પોતાનામાં મગન, પણ કરીના!!!
વાત મારે આજે કરીનાની જ કરવી છે. પહેલો દિવસ કરીનાનો જ્યારે એ સ્કૂલમા આવી તો દરવાજા પાસેથી અંદર આવે જ નહિ, ત્યાં ઊભી ઊભી ડુસકાં ભરે. માબાપ મેક્સિકન, પોતે પણ ઝાઝું ભણેલા નહિ, અંગ્રેજી જરાય આવડે નહિ, એટલે સ્કૂલના કાઉન્સિલર સાથે આવ્યા અને દુભાષિયાનુ કામ કરી અમને જોઈતી માહીતિ આપી. ખાસ તો આવા બાળકોને કશાની એલર્જી છે કે નહિ? ખાવાની કોઈ વસ્તુની એલર્જી છે કે નહિ, એ બધું જાણવું અમારા માટે ઘણુ જરૂરી હોય, ખાસ તો બાળકો જે બહુ બોલી શકતા ના હોય અને પોતાની તકલીફ વર્ણવી શકતા ન હોય.
કરીનાની એક ખુબી, અજાણ્યા વાતાવરણમાં પોતાની જાતને કાચબાની જેમ સંકોરી લે, પણ ધીમે ધીમે ટેવાતી જાય એટલે ચંચળ હરણાની જેમ બધે ફરી વળે.
શરૂઆતમાં ક્લાસમા બીજા કોઈ શિક્ષક સંગીત માટે કે બાળકોને કસરત કરાવવા આવે તો કરીના અમારી પાછળ સંતાઈ જાય, કેમે કરી આગળ ન આવે, પણ થોડા દિવસ જ્યારે રોજ એમને જુએ એટલે ભાઈબંધી પાક્કી થઈ જાય. એવી જ રીતે ક્લાસના અને સ્કૂલનાં બીજા બાળકો સાથે પણ હળી ગઈ. કોઈપણ સામે મળે, એવું મીઠડું સ્મિત આપે જાણે હોઠ નહિ પણ આંખો બોલી ઉઠે! બધાએ એનુ નામ હસતું પતંગિયુ પાડી દીધું હતું.
સંગીત એનો સહુથી ગમતો વિષય અને ગીતના શબ્દો સાથે આં આં કરી ગાવાનો પ્રયત્ન કરે.
દર વર્ષે વર્ષના અંતે અમારી સ્કૂલમા ટેલેન્ટ શો થાય. દરેક કક્ષાના બાળકો સમુહમાં અથવા વ્યક્તિગત કોઈ પ્રોગ્રામ આપે. કોઈ ગીત રજુ કરે, કોઈ ડાન્સ. તો કોઈ વળી નાનકડું નાટક ભજવે. આ શોની મુખ્ય જવાબદારી સંગીતસરની, પણ દરેક ક્લાસના શિક્ષકો પણ મદદ કરે.
આમ પણ અમે ત્રીજા ધોરણના બાળકો સાથે જ સંગીતના ક્લાસમા જઈએ એટલે કરીનાને એ બાળકો સાથે ખુબ ફાવે. એ ક્લાસના શિક્ષીકા મીસ બ્રાઉનએ એક ગીત પસંદ કર્યું હતું અને એમાં બબ્બેની જોડીમાં બાળકો ડાન્સ કરે. જ્યારે બાળકોની પસંદગી થઈ અને પ્રેક્ટિસ શરૂ થઈ ત્યારે સ્વભાવિક અમારા બાળકો ડાન્સ નહિ કરી શકે એમ સમજી કોઈને ડાન્સમા ભાગ લેવા બોલાવ્યા નહિ.
બીજા બાળકોને ખાસ ફરક ન પડ્યો, પણ કરીનાનુ મોં રડું રડું થઈ ગયું. અમે સંગીતના સરને અને મીસ બ્રાઉનને કરીનાને એકવાર પ્રયત્ન કરવા દેવા કહ્યું. મીસ બ્રાઉન તરત તૈયાર થઈ અને સંગીતસરે થોડી વધુ મહેનત કરવી પડે તો કરવાની તૈયારી બતાવી.
કરીનાને ડાન્સમાં ભાગ લેવાનો મોકો મળ્યોને બટમોગરાની જેમ એનો ચહેરો ખીલી ઉઠ્યો. ત્રીજા ધોરણના બાળકો એ પણ નિર્દોષ ભુલકાં જ ને એમને તો હસતી કરીના આમ પણ બહુ જ ગમતી હતી. બધા હરખભેર તૈયારી કરવા માંડ્યા.
ટેલેન્ટ શોના દિવસે સ્ટેજ પર ત્રીજા ધોરણના બાળકો સાથે ડાન્સ કરતી કરીનાને જોઈ એના માબાપ સહિત અમારી સહુની આંખો ખુશીથી છલકાઈ ઊઠી. કોણ કહે આ બાળકો નોખા છે! અરે! એ તો અનોખા છે.
ભગવાન કરે મારી કરીના સદા આમ જ હસતી રમતી રહે અને પોતાના નિર્દોષ હાસ્યથી સહુના જીવનમાં આનંદની ઉર્જા ફેલાવતી રહે!!
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
કોઈનો લાડકવાયો – (૩૬) બંગભંગ (૨)
દીપક ધોળકિયા
મંગલ પાંડેએ બંગાલ આર્મીની બરાકપુર છાવણીમાં વિદ્રોહ કર્યો તેમ છતાં જે બંગાળ ૧૮૫૭ વખતે શાંત રહ્યું તે જ બંગાળની નસો ૧૯૦૫ પછી વિદ્રોહથી થડકવા લાગી હતી. આમાં સૌથી નાની ઉંમરના ક્રાન્તિવીરો ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીનાં બલિદાનો આજે પણ રક્તરંજિત અક્ષરે ઇતિહાસમાં નોંધાયેલાં છે. ખુદીરામનાં માતાપિતાને ત્રણ દીકરીઓ હતી અને એ ચોથું સંતાન હતા. એમના બે મોટા ભાઈઓનાં બાલ્યાવસ્થામાં જ અવસાન થયાં હતાં એટલે કુટુંબમાં વધારે મૃત્યુ ન થાય તે માટે માબાપે બાળક ખુદીરામને અનાજના બદલામાં પોતાની દીકરી અપરૂપાને ‘વેચી’ દીધો. દીકરીને આ બાળક ‘ખુદ’(અનાજ)ના બદલામાં મળ્યું હતું એટલે એનું નામ ખુદીરામ પાડ્યું. તે પછી માતાપિતા સાથે એમનો સંપર્ક ન રહ્યો.
એ નાની ઉંમરે જ એમની સ્કૂલના પ્રિન્સિપાલ સત્યાનંદ બસુના ક્રાન્તિકારી વિચારોથી પ્રભાવિત થયા અને બંગાળના ભાગલાના વિરોધમાં ઠેર ઠેર ભડકી ઊઠેલા આંદોલનમાં કૂદી પડ્યા. વિદેશી કાપડના બહિષ્કાર દ્વારા એમને અંગ્રેજ શાસન દ્વારા થતા શોષણનો ખ્યાલ આવ્યો. તે પછી એ અરવિંદ ઘોષ અને વિવેકાનંદનાં સાથી સિસ્ટર નિવેદિતાનાં ભાષણોથી પ્રેરાઈને બાર વર્ષની ઉંમરે સક્રિય ક્રાન્તિની વાટ પકડી અને એમના વતન તામલૂક જિલ્લાના એક છૂપા વિદ્રોહી સંગઠનના સભ્ય બની ગયા.
૧૯૦૫માં એ યુગાંતરમાં જોડાયા. એ જ વર્ષે બંગાળના ભાગલા થયા અને અનુશીલન, યુગાંતર વગેરે ક્રાન્તિકારી સંગઠનો સક્રિય બની ગયાં. એ અરસામાં ખુદીરામે મેદિનીપુરની પોલિસ ચોકી પાસે બોંબ ગોઠવ્યો.
તે પછી યુગાંતરે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીને કલકત્તા પ્રેસીડેન્સીના મૅજિસ્ટ્રેટ કિંગ્સફૉર્ડની હત્યા માટે ૧૯૦૮માં બિહારના શહેર મુઝફ્ફરપુર મોકલ્યા. અહીં બન્ને જુદાં નામે એક ધર્મશાળામાં રહ્યા. મૅજિસ્ટ્રેટને કોર્ટમાં મારવાનો હતો પણ ત્યાં બીજા નિર્દોષ લોકોનાં મોત થવાનો ભય હતો એટલે એમણે કિંગ્સફૉર્ડને સાંજે એ યુરોપિયન ક્લબમાંથી પાછો ફરતો હોય ત્યારે મારવાનું નક્કી કર્યું. રાતના અંધારામાં એમણે કિંગ્સફૉર્ડની ઘોડાગાડી પર બોંબ ફેંક્યો અને ગોળીબારો કરીને બન્ને નાસી છૂટ્યા. તે પછી એમને સમાચાર મળ્યા કે ગાડીમાં તો એક બૅરિસ્ટર પ્રિંગલ કૅનેડીની પત્ની અને પુત્રી હતાં! આમ બે નિર્દોષ સ્ત્રીઓના જાન ગયા.

હવે બન્ને અલગ થઈ ગયા અને ભાગી છૂટ્યા. પરંતુ બન્ને થોડા જ દિવસમાં પકડાઈ ગયા. ખુદીરામ પહેલી મેના દિવસે પકડાયા તે પછી પ્રફુલ્લ ચાકી એક ઘરમાં છુપાઈ ગયા. ઘર માલિકે એમની બરાબર કાળજી લીધી અને ત્યાંથી ભાગી છૂટવા માટે કલકત્તાની ટ્રેનની ટિકિટ પણ લઈ આપી. પ્રફુલ્લ ચાકી ટ્રેનમાં નીકળી પડ્યા, પણ એ એક જ ટ્રેનમાં મુસાફરી કરવામાં જોખમ હતું એટલે ટ્રેન બદલીને એ કલકત્તા પહોંચવા માગતા હતા.
એ જ ટ્રેનમાં એક પોલીસ ઑફિસર નંદ લાલ બૅનરજી પણ હતો. એને શંકા ગઈ કે આ જ પ્રફુલ્લ ચાકી છે. એણે ખાતરી કરી લીધી કે એની શંકા વાજબી હતી. પ્રફુલ્લ ટ્રેન બદલવા ઊતર્યા કે તરત એણે એમને પકડી લીધા. પ્રફુલ્લે પોતાની પિસ્તોલમાંથી ગોળીઓ છોડી પણ બૅનરજી બચી ગયો. આથી એમણે પોતાને લમણે જ પિસ્તોલ ગોઠવીને ઘોડો દબાવી દીધો. પ્રફુલ્લ ચાકીનો મૃતદેહ જ બૅનરજીને હાથ લાગ્યો.
આ બાજુ ખુદીરામે ટ્રેનની સફર કરવામાં જોખમ જોયું. એટલે એ ચાલતાં જ નીકળી ગયા. એક ગામે એ થાકના માર્યા હોટલમાં પાણી પીવા ઊભા રહ્યા ત્યારે બે કોન્સ્ટેબલો એમની પાસે આવ્યા અને એમની ઝડતી લીધી. ખુદીરામ પાસેથી બે રિવૉલ્વર અને ૩૭ રાઉંડ કારતૂસ નીકળ્યાં. ૧૯૦૮ની પહેલી મેના દિવસે એમની ધરપકડ થઈ ગઈ. આખું શહેર એમને જોવા ઊમટી પડ્યું.

એમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યાં એમણે આ હત્યાઓ પોતે એકલાએ જ કરી હોવાનું કબૂલ્યું. પોલીસવાળા એમની પાસેથી પ્રફુલ્લ ચાકી કે મેદિનીપુરના બીજા વિદ્રોહી સાથીઓનાં નામ કઢાવી ન શક્યા. છેવટે, પોલીસે એ વખતે જે અમાનવીયતા દેખાડી તે પણ ઇતિહાસમાં નોંધાયેલી છે. પોલિસે પ્રફુલ્લ ચાકીનું માથું ધડથી અલગ કરી નાખીને ખુદીરામ અને ચાકીના ક્રાન્તિકારી સંબંધોની ખાતરી માટે ખુદીરામ પાસે કલકતા મોકલી આપ્યું. એ જોતાં જ ખુદીરામના ચહેરાના ભાવ બદલાઈ ગયા અને એમનો પ્રફુલ્લ ચાકી સાથેનો સંબંધ સ્થાપિત થઈ ગયો.
આ બાજુ ખુદીરામના બચાવમાં નામાંકિત વકીલો કોર્ટમાં ઊપસ્થિત થયા. કેસ ચાલ્યો પણ ખુદીરામને ફાંસીની સજા થઈ. તે પછી એમણે હાઇકોર્ટમાં અપીલ કરવાનો ઇનકાર કરી દીધો. વકીલોની સમજાવટથી એમણે અપીલ તો કરી પણ હાઇકોર્ટે નીચલી કોર્ટના ચુકાદામાં ફેરફાર કરવાની ના પાડી દીધી.
૧૯૦૮ની ૧૧મી ઑગસ્ટે ખુદીરામ હસતે મુખે ફાંસીના માંચડે ચડ્યા, થોડી જ વારમાં ૧૮ વર્ષના આ યુવાન દેશભક્ત હંમેશ માટે અમર થઈ ગયા.
દિલ્હી બને છે રાજધાની
બંગાળના ભાગલા કરતી વખતે લૉર્ડ કર્ઝને તો એમ માન્યું હતું કે “બંગાળીઓ શરૂઆતમાં કાગારોળ મચાવશે પણ છેવટે શાંત થઈને પડ્યું પાનું નિભાવી લેશે.” પણ હિંદુસ્તાની ફોજના કમાંડર સાથે વિવાદ થયા પછી કર્ઝનને રાજીનામું આપવું પડ્યું. એની જગ્યાએ લૉર્ડ હાર્ડિંગ આવ્યો, એનો નિષ્કર્ષ એવો હતો કે “બંગાળીઓ ભાગલા રદ નહીં થાય ત્યાં સુધી કેડો નથી મૂકવાના!” બંગાળમાં ક્રાન્તિકારીઓનું જોશ જોઈને બ્રિટિશ સરકારે પોતાની રાજધાનીને કલકત્તાથી ખસેડીને દિલ્હી લઈ જવાનો નિર્ણય કર્યો!
સંદર્ભઃ
આ લેખકની અગાઉની શ્રેણીના ભાગ ૩/પ્રકરણ ૪માંથી. એમાં નીચેના સંદર્ભો આપેલા છે
https://www.iloveindia.com/indian-heroes/khudiram-bose.html#JlP4BTL3yzks1Zys.99
http://magazines.odisha.gov.in/Orissareview/2012/sep/engpdf/34-35.pdf https://www.thebetterindia.com/154131/khudiram-bose-independence-day-freedom-fighter-news/
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
કલમના કસબી : કનૈયાલાલ મુનશી – આત્મકથા: સ્વપનસિદ્ધિની શોધમાં
પુસ્તક પરિચય
રીટા જાની
પ્રેમ છે એક એહસાસ અને અનુભવ…ઝંખના સાથે ઝૂરવાની ક્ષણો…એમાં કારણ અને તર્ક કરતાં સમર્પણની પૃષ્ઠભૂમિ હોય…પ્રેમમાં ક્યારેય સ્વની ચિંતા ન હોય. પ્રેમમાં ન હોય તોલમાપ કે ન હોય લેખાજોખા. એ તો હવા જેવો હોય. દેખાય નહિ તોપણ આજુબાજુ અનુભવાય. પ્રેમ છે એક સ્વપ્ન સૃષ્ટિ, જે બે કીનારા વચ્ચે વહેતી નાવ સમાન છે. એક કિનારાને છોડ્યા પછી મંઝિલની આશા અને અપેક્ષા વચ્ચે નાવ સરતી રહે છે. ઉત્કંઠા અને આકાંક્ષાના સહારે નાવ સરતી રહે છે…આપણે પણ સરતા રહ્યા…સ્વપ્ન સૃષ્ટિની શોધમાં…યુરોપના પ્રવાસનું સ્વપ્ન સંપન્ન કરી મુંબઈ પહોંચેલા મુનશી, લક્ષ્મી અને લીલાની સંગે…
ત્યાં સર્જાયો છે એક પ્રણય ત્રિકોણ – વેદનાસભર. મુનશી માનતા હતા કે પ્રણયને સાહિત્યસહધર્મચાર અને કલ્પનામાં રાખશે અને દામ્પત્ય જીવનને પણ અણીશુદ્ધ રાખશે. પણ એ સહેલું ન હતું. મુનશીએ નિખાલસતાથી લક્ષ્મી પાસે હૃદય ખોલી દીધું. ત્યારે લક્ષ્મીનો આવેશ હતો: “કેટલી ઉર્વશી ખુશ થશે? મહામહેનતે તપ કરી હું મારા ઘનશ્યામને શોધી લાવી હતી.” ત્યારે મુનશી તેને સમજાવે છે કે ઉર્વશીથી ગભરાવાનું કારણ નથી. તેના સુખ ને સંતોષ બધાથી ઉપર છે. લક્ષ્મીએ માનેલું કે વિલાયતમાં મનમોજીલી લીલાની મૈત્રીથી મુનશી કંટાળીને તેની મૈત્રી છોડી દેશે પણ મૈત્રી ગાઢ બની. ને પ્રવાસથી છૂટા પડતાં લીલાએ પત્રમાં લખ્યું: “તારાં ભવ્ય સ્વપ્નોમાં ભાગીદાર થવાનું નિમંત્રણ હું સહર્ષ સ્વીકારું છું. તારી પાંખે ચડી વ્યોમ માપવાનો કોડ છે. દિશા અને કાળની પાર જોવા મથતી તારી દૃષ્ટિમાં મને શા શા દિવ્યદર્શનો થશે?”
મુનશીના જીવનમાં અજબ અશાંતિ પ્રસરી. સ્વપ્નનાં રંગ જીવનમાંથી ફટકી જવા લાગ્યા. મુનશીએ તેમની પ્રણયગાથા એવું “અવિભક્ત આત્મા” લખ્યું. મુનશી લીલા સાથે સમાનતા અનુભવતાં. બંનેના અંતરમાં આદર્શમયતાના વહેણ વહે છે. તેઓ વૈદિક ઋષિની માફક પ્રકૃતિપૂજક છે. સમુદ્રના દેવને નથી માનતા પણ સમુદ્રને જ દેવ માને છે. સરોવર સાથે અંગત સંબંધ બાંધે છે. નદી ને વરસાદ તેમના મિત્રો છે. મનુષ્યદેહને ગૌરવ અને વિશુદ્ધિમત્તા અર્પે છે. ને પોતાને વસિષ્ટ અને અરુંધતિરૂપે જુએ છે. જુદા વસીને માનસિક નિકટતા સાધી છે પણ અંતર ખમાતું નથી. હૃદય ક્યારેક નિરાશાના સૂર કાઢે છે. બંને ભાવિના સ્વપ્ન સેવે છે, એકબીજાનો ઉત્સાહ ટકાવી રાખવા નિયમિત પત્ર લખે છે. સાથે માતા પ્રત્યે, પત્ની પ્રત્યે, સંતાનો પ્રત્યેનો કર્તવ્યબોધ નિરાશાના સૂર જગાવે છે.
આ પ્રણય ત્રિકોણ અજગરની માફક ત્રણેને નાગચૂડમાં પકડી રહ્યો હતો. ત્રણમાંથી કોઈ બીજાની પાસે આવી શકતું ન હતું કે નહોતું એકબીજાથી દૂર ખસી શકતું. બે પરમભક્ત એવી સ્ત્રીઓ સાથે મુનશી ગૂંગળામણ અનુભવતા. મુનશી ને લીલા તો પત્રો દ્વારા એ ગૂંગળામણ વહાવી દેતાં પણ લક્ષ્મી તો ભવ્ય કારુણ્યમૂર્તિ હતી. મુનશીએ માનેલું કે મહાદેવજી બની પાર્વતી અને ગંગા સાથે મહાલશે પણ એ તો પળેપળ વિષના ઝેરી ઘૂંટડા ગળવા સમાન હતું. છેવટે લક્ષ્મી ને છોકરાઓ માટે ટ્રસ્ટના દસ્તાવેજનો ખરડો તૈયાર કર્યો. માલસર પાસે નદીકિનારે ધંધો, પ્રતિષ્ઠા ને સંસાર છોડી જવું એવો નિશ્ચય કર્યો. લક્ષ્મી સુવાવડમાં ઉઠે પછી તેને છૂટાછેડા આપવા એવો વિચાર કર્યો. પણ મનુષ્ય સ્વભાવ અને કાળની ગતિ ક્યાં કોઈ પારખી શકયું છે? મુનશી કોર્ટમાં જાય ને નવા નવા વિજય મેળવવા ધારે. ત્યાં તેમને એક બહુ મોટો કેસ મળ્યો. એક તરફ કેસે ગંભીર સ્વરૂપ પકડ્યું ને બીજી તરફ લક્ષ્મીની તબિયત બગડતી ચાલી. ચાર દિવસ – વીસ કલાક કોર્ટમાં દલીલો કરીને કોર્ટ છોડીને રાત દિવસ લક્ષ્મી પાસે બેઠા. ત્રણેક દિવસે લક્ષ્મીએ દેહ છોડ્યો. મુનશીને લક્ષ્મીના કબાટમાંથી બે પત્રો મળ્યા. એક તેમની મોટી દીકરી સરલાને માટે ને બીજો મુનશી માટે. જેમાં લક્ષ્મી તેના “સાગરરાજ”ને કહે છે કે એક વાર તો તારું ઊછળતું મોજું પ્રેમથી દોડી મારા તરફ મોકલ્યું હોત….. “દેવી” ને ઝંખનારા મુનશી જેમાં “દેવી” જોઈ ન શક્યા એ સતી શિરોમણિ પોતાના આત્મવિસર્જનથી ખરેખર દેવી બની, મુનશીને જીવનનું દાન દઈ અલોપ થઈ ગઈ.
મુનશી લક્ષ્મી પ્રત્યેના પૂજ્યભાવથી વિહવળ બન્યા. લક્ષ્મીએ તેમને સર્વસ્વ આપ્યું. પણ મુનશી તેને પ્રણય ન આપી શક્યા જેના માટે તલસતી એ ચાલી ગઈ. રાત્રિના કાજળ વિના ઉષાની લાલિમાનું સ્વપ્ન સિદ્ધ થતું નથી, તોફાનોનો સામનો કર્યા વિના નાવને મંઝિલના કિનારા મળતા નથી, ઝંઝાવાતો સહ્યા વિના જીવનમાં પણ સ્વપ્નસિદ્ધિ પ્રાપ્ત થતી નથી.
સ્વપ્નસૃષ્ટિનો પ્રદેશ રળિયામણો ભલે હોય પ્રશ્નહીન હોતો નથી, કારણ કે સ્વપ્ન એ સમુદ્રમાં સરતી નાવ જેવું છે અને નાવનું નસીબ કયારેય ઝંઝાવાતો વિનાનું હોતું નથી. જીવનનાવ પણ ક્યારેક ઝંઝાવાતોમાં ફસાય છે પરંતુ સુકાની જો બાહોશ હોય તો મંઝિલ મળી જ રહે છે, જરૂર હોય છે સ્વપ્નસિદ્ધિ માટે શ્રદ્ધા, ધૈર્ય અને સ્પષ્ટ દૃષ્ટિની.
ખેર, જિંદગી તો ચાલતી જ રહે છે, નાવ મધદરિયે સરતી જ રહે છે, તોફાનો આવે તોપણ વિચલિત ન થાય તે જ સ્વપ્નસિદ્ધિનો સારથી બની રહે છે. એ માટે મળીશું આવતા અંકે….
સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું: janirita@gmail.com
-
વિજ્ઞાનલેખનને સરળ અને રસાળ બનાવવાની કેટલીક (ગુરુ)ચાવીઓ
પુસ્તક પરિચય

વિજ્ઞાન પત્રકારત્વ અને લેખન:વિકાસ ઉપાધ્યાય પરેશ પ્રજાપતિ
આપણી આસપાસ બનતી નાની મોટી ઘટનાઓથી માંડી દેશ તથા દુનિયાની તમામ ખબરો આપણા સુધી પત્રકાર થકી પહોંચે છે.વર્ષો પહેલાં અખબારો કે સામાયિકો એટલે કે પ્રિન્ટ મીડીયા અને રેડિયો- શ્રાવ્ય માધ્યમની બોલબાલા હતી. આજે હજારો કિલોમીટર છેટે બનેલા બનાવને નજરે દેખાડતાં ટેલિવિઝન તથા મોબાઇલનો જમાનો છે, છતાં પ્રિન્ટ મીડીયાનું આગવું મહત્વ સહુ કોઇ સ્વીકારે છે. આવા માહોલમાં લેખક વિકાસ ઉપાધ્યાયે આ પુસ્તક દ્વારા વિજ્ઞાનના વિષય પર પત્રકારત્વ કેવું હોવું જોઇએ, લોકભોગ્યતાથી બહોળા વાચકો સુધી કેવી રીતે પહોંચી શકાય તેનાં કેટલાંક દિશાસૂચનો કરેલાં છે. વિજ્ઞાન પત્રકારત્વને જ કેન્દ્રમાં રાખીને લખાયેલું આ પુસ્તક સંભવત: આ વિષય પરનું પ્રથમ પુસ્તક છે.
અખબારો કે સામયિકોમાં સામાજિક, આર્થિક, ન્યાય, ક્રાઇમ ઉપરાંત ગ્રામ્ય કે શહેરી, વિદેશી એમ વિવિધ ક્ષેત્રની ખબરો માટે અલગ અલગ પત્રકારોની જરૂર પડતી હોય છે. પોતાના કાર્યક્ષેત્ર તથા આવડત મુજબ ખબરોના મૂળ સુધી પહોંચીને એ તેને સમજે છે, મૂલવે છે અને જનજન સુધી પહોંચાડતી સરળ ભાષામાં પીરસે છે. મોટેભાગે એવું જોવા મળે છે કે સમાચારનો મૂળ સ્રોત અંગ્રેજી ભાષામાં હોય તો પણ ક્રાઇમ કે આર્થિક ગોટાળા વિશે પત્રકાર કોઇ ચબરાકિયું કે અર્થસભર મથાળું બાંધીને વાચકને આકર્ષતું લખાણ લખે છે; પરંતુ વિજ્ઞાનવિષયક લખાણોમાં આમ બનતું નથી. ઘણું કરીને તે શુષ્ક બની રહે એવી શક્યતા વધુ હોય છે. આવાં લખાણોમાં ઘણી બધી વાર ઉછીના શબ્દો પર ‘ઊંડાણની ઇમારત’ ખડી કરાયેલી હોવાથી લેખ વિસ્તૃત હોવા છતાં વાચકને મુદ્દાનું મહત્વ સમજાવી શકાતું નથી. પરિણામે વાચક અધવચ્ચેથી લેખ પડતો મૂકી દે અથવા એમ માનવા પ્રેરાય કે `વિજ્ઞાનમાં આપણી ચાંચ ન ડૂબે` એ શક્ય છે. ખરેખર એમ બનવું જોઇએ કે અન્ય રસપ્રદ સમાચારો વાંચવા પ્રેરાય એવા જ રસથી વાચક વિજ્ઞાનવિષયક વાંચવા પણ પ્રેરાવો જોઇએ. આ બાબતે વિજ્ઞાન વિષય પર અમુક અપવાદ સિવાય સામાન્ય રીતે પત્રકારત્વ મોળું પડતું હોવાનું જોવા મળે છે.
વિજ્ઞાન પત્રકારત્વની આવશ્યકતા સમજાવવા પુસ્તકના આરંભમાં લેખકે પોતાનું ઉદાહરણ આપ્યું છે કે નાનપણથી વિજ્ઞાનમાં તેમને રસ અને રુચિ હોવા છતાં તે સમયે યોગ્ય દિશાસૂચન આપતાં લખાણોનો અભાવ કેવો સાલતો હતો!
પુસ્તકમાં કવિતા, ચિત્રો, નાટકો કે અન્ય પદ્ધતિઓથી વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડનાર વ્યક્તિ અર્થાત `સાયન્સ કોમ્યુનિકેટર` એટલે કે વિજ્ઞાન સંચારક તથા વિજ્ઞાન પત્રકારત્વ બંને અલગ કેમ છે તેનો બારીક અર્થભેદ છતાં અર્થસભર ચર્ચા માંડી તેમણે બંનેને અલગ તારવ્યા છે. એક પ્રકરણમાં વિજ્ઞાનપત્રકારનાં લક્ષણો, ગુણો તથા જવાબદારીઓ વિશે ચર્ચા છેડાઈ છે.
વિજ્ઞાનનો વિષય શુષ્ક નથી, તેમાં પણ ઘણું વિષયવૈવિધ્ય હોવાની સમજ સાથે સમાચારો ક્યાંથી મેળવવા, કેવી રજૂઆત કરવી તથા પ્રાદેશિક ભાષામાં લખવા કેવા પડકારોનો સામનો કરવાનો થાય છે વગેરે મુદ્દાઓને વિવિધ પ્રકરણોમાં સમાવવામાં આવ્યા છે. એક પ્રકરણ એકવિધ લાગતા સમાચારોમાં કેટકેટલા આયામો સંભવી શકે તેની છણાવટ છે. એ સિવાય વિજ્ઞાન સાથે સંકળાયેલી કોઇ વ્યક્તિવિશેષને મળવાનું બને કે તેની પાસેથી વાત કઢાવવાની હોય તો શું ધ્યાન રાખવું, કેવી તૈયારી કરવી વગેરે મુદ્દાઓને પણ લેખક સ્પર્શ્યા છે.આ સાથે પ્રદેશિક ભાષામાં ઉપલબ્ધ કેટલાક અભ્યાસક્રમોની પણ થોડી જાણકારી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
વિજ્ઞાન પત્રકારત્વ દેશ માટે નવું નથી. તેની હિમાયત છેક દેશના સૌ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સમયથી થતી આવી છે. દેશમા તથા ગુજરાતમાં વિજ્ઞાન પત્રકારત્વનો ટૂંકમાં ઇતિહાસ આલેખતા અલાયદા પ્રકરણો પુસ્તકમાં છે. તેમાં ગુજરાતી સામયિકો વિશે ઘણી ઉત્સાહજનક અને પ્રેરક વાતો છે. એક પ્રકરણમાં સરળ ભાષામાં વિજ્ઞાનવિષયક લેખો લખતાં મનુભાઇ મહેતા વિશે વિગતો છે.તે સિવાય ગુજરાત તથા કચ્છની વૈજ્ઞાનિક અભિગમ દાખવતી કેટલીક વ્યક્તિઓના ટૂંકા પરિચયો પણ પુસ્તકમાં સામેલ છે.
◙
ખગોળવિજ્ઞાન તથા આકાશદર્શનમાં વિશેષ રુચિ ધરાવતા વિકાસભાઇ વાપીથી પ્રસિદ્ધ થતા `દમણગંગા ટાઇમ્સ`ના પૂર્ણ સમયના નિવાસી તંત્રી છે. બાળપણથી તેમને વિજ્ઞાન પ્રત્યે રુચિ રહી છે. તેમનું માનવું છે કે વિવિધ વિષયો પર લખવા માટે અનેક નિષ્ણાતોની ફોજ હોય છે, તેમ વિજ્ઞાન વિષય પર લખવા માટે પણ આગવી આવડત ધરાવતા પત્રકાર હોવા જોઇએ. એ સાથે તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે વિજ્ઞાન વિષયક લેખો લખવા વિજ્ઞાનના વિદ્યાર્થી હોવું જરૂરી નથી. તેઓ પોતે વાણિજ્ય શાખાના વિદ્યાર્થી હોવા છતાં વર્ષોથી ‘દમણગંગા ટાઇમ્સ’માં વિજ્ઞાન વિષયક લેખો લખતા આવ્યા છે.પુસ્તકની લેખનસામગ્રી વિજ્ઞાન પત્રકારત્વના ક્ષેત્રે ઘણું માર્ગદર્શન પુરું પાડી શકે એમ છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
વિજ્ઞાન પત્રકારત્વ અને લેખન: વિકાસ ઉપાધ્યાય
પૃષ્ઠસંખ્યા : 104
મૂલ્ય : ₹ 50/-
પ્રથમ આવૃત્તિ: 2023પ્રકાશક:શિતલ પબ્લિકેશન, જીવનદીપ હોસ્પિટલ પાસે, ને,હા,નં.-48, વાપી- 396191,જી. વલસાડ
લેખકસંપર્ક : મોબાઇલ નં- +91 98251 22505
વિજાણુસંપર્ક : editor.dgt@gmail.com
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
કરકસરનો પર્યાય
હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ …. મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.
આ પુસ્તકમાંની યાદો બહુ બધાં લોકોને પોતાની અંગ્ત યાદો જેવી લાગી છે. શ્રી બીરેનભાઈ કોઠારીએ અંગતપણાના ભાવને વધારે નક્કર શબ્દદેહ આપ્યો. જરૂર જણાઈ ત્યાં પૂરક માહિતીઓ કે ટિપ્પ્ણીઓ ઉમેરીને એ પુસ્તકનાં કેટલાંક પ્રકરણોના તેઓએ મુક્તાનુવાદ કર્યા.
વેબ ગુર્જરીના વાચકો સાથે એ મુક્તાનુવાદોની લ્હાણ વહેંચવા માટે બીરેનભાઈએ પોતાની એ તાસકને ખુલ્લી મુકી દીધી છે.
તેમનો હાર્દિક આભાર માનીને આપણે પણ ગુલઝારની યાદોને મમળાવીએ.
બીરેન કોઠારી
“હૃષિદા માટે ઓછા બજેટની વ્યાખ્યા તેમની ખુદની જ ઓળખ સમાન હતી. જેમ કે, પોતાના જ મકાનમાં તેઓ ડ્રોઈંગ રૂમનો સેટ ઊભો કરતા. પછી ઑફિસના દૃશ્યની જરૂર પડે તો એ જ સ્થળેથી બધું હટાવીને નવું ફર્નિચર મૂકાવી દેતા. બેડરુમના દૃશ્ય માટે પછી આ જ ઑફિસના ફર્નિચરને સ્થાને પલંગ વગેરે મૂકાઈ જતાં. હૃષિદાનો સાળો આર્ટ ડિરેક્ટર હતો અને છાશવારે આ બધી જફામાંથી પસાર થવાનું તેના ભાગે આવતું. અચાનક હૃષિદા તેમને કહેતા, ‘આ બેય દીવાલોને ફટાફટ રંગાવી દો.’ કેમ કે, એમ ન કરે તો બીજા દૃશ્યમાં એ જ ઘર કોઈ બીજા, નવા ઘર જેવું ન લાગે. આ રીતે એનો એ જ રુમ અલગ અલગ રૂમ કે અલગ અલગ ઘરને દર્શાવવા માટે વાપરી શકાતો. લઘુથી લઘુતર બજેટમાં શી રીતે કામ કરવું એ હૃષિદા પાસેથી શીખી શકાતું.”
“અમે ‘ખૂબસૂરત’ માટે એક ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા. એ ગીત (સારે નિયમ તોડ દો..)માં જ એક થિયેટરનું નાનકડું દૃશ્ય હતું. ખાસ મોટો ખર્ચ કર્યા વિના એ કરવાના ઉપાય વિચારવાની સૂચના હૃષિદાએ આર્ટ ડિરેક્ટરને આપી. ‘બે મિનીટના ગીત માટે હું આખો સ્ટુડિયો બુક ન કરી શકું. એ બહુ ખર્ચાળ થઈ પડે.’ આર્ટ ડિરેક્ટરે પોતાના દિમાગને બરાબર કસ્યું અને આ ગીતને ધાબા પર શૂટ કરવા સૂચવ્યું. હૃષિદાને તો જાણે હાથમાં ચાંદ પકડાવી દીધો હોય લાગ્યું. ‘ગજબ આઈડિયા છે. પાણીની ટાંકી, પાઈપો અને ખુલ્લી જગ્યા- ધાબાનું પોતાનું એક આગવું કેરેક્ટર છે.’ એમ જ કરવામાં આવ્યું. સીન તેમજ સંવાદમાં એ મુજબ ફેરફાર કરવાની મને સૂચના આપવામાં આવી. કાગળના બે મોટા કટઆઉટ અને કપડા વડે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું. ફિલ્મમાં ગીત આવે છે ત્યારે આ સેટિંગ પારિવારિક ભાવનાનાં સ્પંદનોની ઉષ્માને ઓર ઉપર ઉઠાવતું હોવાનું જણાય છે. “
– ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો ‘Actually…I met them’ પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)નોંધ: ઉપરોક્ત અંશમાં જે ગીતનો ઉલ્લેખ છે એ ‘ખૂબસૂરત’નું ગીત અહીં જોઈ શકાશે.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
જો જો બામણનાં ઘરેથી જનાજો ના નીકળે
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
“સાહેબ એક કામ કરો, મારું રેકોર્ડિંગ લઈ લો”
આકાશવાણી અમદાવાદ પર એક ભાઈના ગીતનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. પણ જામતું નથી. વારેવારે રીટેક કરવા પડે છે. એ દરમિયાન પોતાના રેકોર્ડિંગની રાહ જોઈ રહેલા એક કલાકારે ઉપરનું વાક્ય ઉચાર્યું. પ્રોગ્રામ એક્ઝિક્યુટિવે તેમની વાત સ્વીકારીને તેમનાં ભજનનું રેકોર્ડિંગ કર્યું. પહેલા જ પ્રયાસે સરસ રીતે રેકોર્ડિંગ થઈ ગયું. પછી ખુશ થઈને બોલ્યા કે આને કહેવાય ગાયું. પરંતુ આ પ્રશંસાથી ખુશ થયા વિના એ કલાકારે જણાવ્યું,
“ સાહેબ, આકાશવાણી પર આ મારું છેલ્લું ભજન છે”
“કેમ?” સાહેબે પૂછ્યું તો જવાબમાં કલાકારે ખિસ્સામાંથી એક પોષ્ટકાર્ડ કાઢીને વંચાવ્યું.
પોષ્ટકાર્ડ વાંચીને અધિકારીને નવાઈ લાગી. આકાશવાણીના જ કોઇ કર્મચારીએ પત્ર લખ્યો હતો કે તમને ગાતા આવડતુ નથી. માટે હવે આકાશવાણી પર ન ગાઓ તો સારું. પરંતુ અધિકારીએ તો આ પત્રને અવગણવા કહ્યું.
આ સ્વમાની કલાકાર હતા અલારખ મીર. તેમનો જન્મ તારીખ ૧-૦૩-૧૯૪૧ના દિવસે ધંધુકા તાલુકાના રોજકા ગામે થયો હતો. મીરને ઘેર જનમ્યા હોવાથી સંગીતક્લા તો વારસામાં જ મળી હતી. સાથે સાથે ગરીબી પણ વારસામાં મળેલી. ગરીબીના દુ:ખમાં વારેવારે થતી બીમારી ઉમેરો કરતી રહેતી. આ ઉપરાંત જીવનમાં બીજી અનેક મુશ્કેલીઓ આવતી રહી. પરંતુ આ બધાની વચ્ચે તેમની સંગીતસાધના તો ચાલું જ રહેલી.

જિલ્લા પંચાયતની શાળામાં શિક્ષક તરીકે નોકરી તો મળી, પરંતુ તે જ અરસામાં સખત બીમાર પડ્યા. નિદાન થયું ક્ષયનું. ઝીથરીની હોસ્પિટલમાં સારવાર માટે ગયા, પરંતુ નોકરી ગુમાવવી ના પડે તે માટે સારવાર અધૂરી મૂકીને નોકરી પર હાજર થયા. આ અધૂરી સારવારની માઠી અસર જીવનભર રહી. એક જ ફેફસું કામ કરતું. પરંતુ સંગીતના કાર્યક્રમો ચાલુ જ રહ્યા. જ્યાંથી પણ આમંત્રણ મળે ત્યાં જાય. ગામમાં કોઈ દેવીપુત્ર બોલાવે તો પણ તેમના ઘરે જઈને ભજનો ગાય. એ સમયમાં ગામડાના કલાકારોને ખાસ કાંઈ મળતું નહિ. કોઇ કદરદાન પેટીવાજા પર પાંચપચ્ચીસ મૂકે તો ઠીક છે નહિ તો હરિહરિ. રાત આખી ઉજાગરો વેઠીને ભજન ગાય અને સવારમાં બીમાર પડે. પછી પહોંચે ધંધુકા દવાખાને. તબિયત થોડી સારી થાય ત્યારે નોકરીએ જાય.
અલારખભાઈ ભજન તો ગાતા જ સાથે સાથે ગઝલો પણ સારી ગાતા. આથી કોઈએ સલાહ આપી કે આકાશવાણી પર ઈન્ટરવ્યુ આપો. એ સમયે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર ભજનિકોનું પિયર હતું. અહીં ઈન્ટરવ્યુમાં અલારખભાઈ નિષ્ફળ ગયા, પરંતુ વડોદરામાં સફળ થયા. તેમનું રહેણાક અમદાવાદ જિલ્લામાં હોઈ આકાશવાણી તરફથી તેમને અમદાવાદ રેડિયો સ્ટેશન પર ભજનો અને ગઝલો ગાવાનું કહેવામાં આવ્યું. અહીં તેમનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું. સંતવાણી અને ગઝલો ખાસ કરીને નાઝિર દેખૈયાની ગઝલો ખૂબ સરસ ગાતા. આકાશવાણી પર ભજન અને ગઝલના સારા ગાયક તરીકે પ્રશંસા પામ્યા અને પછીથી તો તેઓ ‘બી હાઇગ્રેડ’ના ગાયક તરીકે માન્ય થયા. તેમની ખૂબી હતી કે તેમને બધુ જ મુખપાઠ રહેતું. આથી જ્યારે પણ ગાવાનું થતું ત્યારે સામે કાગળ રાખ્યા વિના જ ગાતા.
એક વખત અલારખભાઈની મુલાકાત લીમડીના રાજકવિ શંકરદાન સાથે થઈ. રાજકવિએ તેમના વખાણ તો કર્યા પણ સાથે સાથે એમ પણ કહ્યું કે તમે મીર લોકો બધુ જ ગઈ શકો, હાલરડા, મરશિયા, ભજન, ગઝલ વગેરે. પરંતુ મેં કોઇ મીરને ‘ગીત’ ગાતા સાંભળ્યા નથી. અલારખભઈએ તરત જ એક ગીત ગાઈને સંભળાવ્યું. શંકરદાનભાઈ ગીત સાંભળીને ખુશ થયા અને પોતે જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો એ ‘પાંડવ યશેન્દુ ચંદ્રિકા’ પુસ્તક ભેટ આપ્યું. સાથે સાથે પુસ્તક પર ‘ભાઈ અલારખ મીરને ગીત ગાવા બદલ ભેટ’ એવી નોંધ પણ લખી.

ખૂબ સારા ગાયક હતા પરંતુ તબિયતે કદી સાથ ન આપ્યો. તન કે ધન બેમાંથી એકની પણ સહાયતા વિના માત્ર મનના સહારે તેમની સંગીતની સાધના આજીવન ચાલુ રહેલી. એ દિવસોમાં કલાકારને વળતર તો નજીવું મળતું. વળી શિક્ષકોના પગાર પણ ટૂંકા. બીજા શિક્ષકો ટ્યુશનો કરીને વધારાની આવાક ઊભી કરે, પરંતુ અલારખભાઈને તો ટ્યુશન માટે સમય ક્યાંથી મળે? એમની પ્રાથમિકતા સંગીતની જ હતી. આકાશવાણી પરથી પુરસ્કાર મળે પરંતુ બીજે બધે તો રાગ ભોપાલી[1] જેમાં મનિ વર્જ્ય હોય. ટૂંકી આવક અને બહોળો પરિવાર. તેમાં પોતાની કાયમી બીમારી અને પરિવારમાં પણ કોઈ ને કોઈ બીમાર પડે. બે છેડા ભેગા ન થાય. માથે દેવું વધી ગયું. પૈતૃક મકાન ગીરવે મૂકવું પડ્યું અને વ્યાજ વધતું ચાલ્યું. જેમની પાસેથી ઉછીના લીધા હતા તેમણે તાકીદ કરી અને મકાન ખાલી કરવાની નોબત આવી. આ એ સમય હતો કે જ્યારે ગામડાના લોકો હિંદુ બ્રાહ્મણની જેમ મુસ્લિમ મીરને પણ પવિત્ર ગણતા. મીરનું મકાન ડૂલી જાય છે એ વાતની ગામના કેટલાક આગેવાનોને ખબર પડી. તેમને થયું કે ગામનો મીર રસ્તા ઉપર આવી જશે તો આપણને પાપ લાગશે અને આખા ગામની બદનામી પણ થશે. આથી કેટલાક આગેવાનોએ આર્થિક સહાય કરી ઉપરાંત જેમની પાસે મકાન ગીરવી મૂકેલું તેમણે પણ વ્યાજ છોડી દીધું. આમ મીરનો આશરો ટકી રહ્યો.
પછી આવ્યો દૂરદર્શનનો જમાનો. અલારખભાઈને ત્યાં પણ તક મળી. એ જ જૂનો ઝબ્ભો અને ટૂંકો લેંઘો પહેરીને દૂર્દરશન પર પહોંચ્યા. તેમને જોઇને ત્યાંના અધિકારીએ કહ્યું, “અલારખભાઈ, હવે તમને લોકો માત્ર સાંભળવાના જ નથી ટેલિવિઝન પર પ્રેક્ષકોને તમે દેખાવાના પણ છો. આ વેશ નહિ ચાલે.” અલારખભાઈ કહેતા કે પછી તેમને દૂરદર્શન પરથી એક નવો ઝભ્ભો પહેરાવામાં આવ્યો.
ભાલ વિસ્તારના એક ગામમાં રાત્રે સંગીતનો કાર્યક્રમ હતો. અલારખભાઈ પણ ત્યાં ગાયક તરીકે હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ ખાતાના એક મોટા અધિકારી પણ હાજર હતા. અલારખભાઈને સંભળીને તેઓ ખૂબ રાજી થયા. પરંતુ તેમને જાણવા મળ્યું કે આ કલાકારની આર્થિક હાલત સારી નથી. પોતે શિક્ષણ ખાતાના અધિકારી અને અલારખભઈ શિક્ષક. આથી તેમણે અલારખભાઈને મદદ કરવા માટે અમદાવાદના જયશંકરસુંદરી હોલમાં મીર સાહેબના પ્રોગ્રામની ગોઠવણ કરી. તેમની વગને કારણે બધી જ ટિકિટો વેચાઈ ગઈ. પરંતુ જે દિવસે કાર્યક્રમ હતો તેના આગલા દિવસથી જ અમદાવાદમાં કોમી તોફાનો શરૂ થયા અને શહેરમાં કરફ્યુ લાદવામાં આવ્યો. પ્રોગ્રામ બંધ રહ્યો. ટિકિટો પરત કરવામાં આવી. આમ નસીબ આગળ ને આગળ ડગલા ભરતું.
તેમને નોકરીમાંથી નિવૃત થવામાં બે વર્ષ બાકી હતા. તબિયત ઉત્તરોત્તર બગડતી જતી હતી. રોજકાથી અમદાવાદ આકાશવાણી કે દૂરદર્શન સુધી બસમાં બેસીને જવામાં પણ અતિશય શ્રમ પડવા લાગ્યો. આથી પુરસ્કાર પણ બંધ થયો અને બચત તો હતી જ નહિ. નિવૃતિ પછી ગાડું કેવી રીતે ગબડશે તેની ચિંતા હતી. પરંતુ તે સમયે મોટા દીકરાને ગુજરાત એસ. ટી. માં ડ્રાઈવર તરીકે નોકરી મળી. અલારખભાઈને થયું કે અલ્લાએ મહેર કરી. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે અલ્લાની મહેર તેમના પર ફક્ત સંગીતકલા પૂરતી જ હતી. નોકરી મળ્યાના બીજા જ વર્ષે દીકરાને જીવલેણ અકસ્માત થયો. આઘાત બહુ વસમો હતો. પરંતુ મીર સાહેબે તો અલ્લાની મરજી સ્વીકારી લીધી.
અલારખભાઈને ધંધુકાની પીપલ્સ કો. ઓ. બેન્કમાં નોકરી કરતા જીતુભાઈ વ્યાસનો પરિચય થયો. મૂળ ઓળખાણ તો બેન્કના ગ્રાહક તરીકેની. પરંતુ બન્નેના સંગીતપ્રેમે જ્ઞાતિ કે ધર્મના ભેદ તોડીને તેમને દોસ્તીના બંધને બાંધી દીધા. સંગીતના કાર્યક્રમોમાં તો અચૂક મળતા ઉપરાંત પારિવારિક સબંધ પણ થયો.
બન્યું એવું કે અલારખભાઈની બીમારી ખૂબ વધી ગઈ. શરીરમાં અશક્તિ એટલી કે દવા અને ઈંજેક્શન લેવા માટે પંદર મિનિટ બસમાં બેસીને ધંધુકા જવું પણ મુશ્કેલ થયું. આથી જીતુભાઈએ મીરને કહ્યું, “હવે આપ મારા મહેમાન. જ્યાં સુધી તબિયત સારી ના થાય ત્યાં સુધી અહીં ધંધુકામાં મારે ઘરે જ રહો.“ જીતુભાઈ અને તેમના પત્નીએ અલારખભાઈને પોતાના ઘરે રાખીને ખૂબ સારી સારવાર કરી. દરમિયાન એક વખત તબિયત વધારે કથળી. તેમના એક મજાકિયા મિત્રે તો જીતુભાઈના પત્નીને કહ્યું પણ ખરું, “ભાભી, જો જો બામણના ઘરેથી જનાજો ના નીકળે” પરંતુ વ્યાસ દંપતિએ કરેલી સારવાર લેખે લાગી. થોડા દિવસમાં તબિયતમાં સુધારો થયો અને અલારખભાઈ રોજકા જઇ શક્યા.
બધી જ મુશ્કેલીની વચ્ચે પણ તેમણે કાર્યક્રમોમાં જઈને ગાવાનું છોડ્યું નહિ. શરીરે હવે રીતસર બળવો પોકારવાનું શરૂં કર્યું. તો પણ અવસાનના થોડા દિવસો પહેલા પણ તેમણે ભજનો ગાયા. બીમારીએ અવાજ તો નબળો કરી દીધો, પણ લય અને તાલ છેક સુધી જેમના તેમ રહ્યા. છેવટે તારીખ ૩૧-૦૫-૨૦૧૧ના દિવસે મીર સાહેબે અંતિમ શ્વાસ લીધા.
(નોંધ:
મેં પોતે અલારખભાઈને ફક્ત એક જ વખત જોયા છે. સાંભળ્યા તો કદી નથી. પરંતુ તેમના અનેક ચાહકો પાસેથી વારંવાર તેમની પ્રશંસા અને જીવનભર તેમને પડેલી પારાવાર મુશ્કેલીઓ વિશે સાંભળ્યું છે. આ ચાહકોમાં મુખ્ય છે પ્રફુલભાઈ ઠાકર, નટુભા ઝાલા અને જીતુભાઈ વ્યાસ તો ખરા જ. આ વિગતો સંભળીને મેં અલારખભઈના દીકરા નૌશાધભાઈ અને અલ્તાફ્ભાઈનો સંપર્ક કર્યો. તે બન્ને ભાઈઓએ પણ કેટલીક પૂરક માહિતિ આપી. નૌશાધભાઈના મિત્ર અને મારા પણ પરિચિત એવા હિતેશ ખંભાતીએ પ્રયત્ન કરીને અલારખભાઈની દૂરદર્શન પરની વિડિયો ક્લિપ શોધીને આપી. આ સૌનો હાર્દિક આભાર માનું છું)
https://drive.google.com/file/d/1eRUPXmMeGgCm_XP3zdKHFancUFIbUl4D/view?usp=drive_link
https://drive.google.com/file/d/1EXxlXZAqCRVamIbBnoqEidbJeDVAR5-3/view?usp=drive_link
[1] *સંગીતમાં સાત સ્વરો- સા રે ગ મ પ ધ નિ- પૈકી રાગ ભોપાલીમાં મ અને નિ(મનિ) વર્જ્ય હોય છે, આથી કેટલાક કલાકારો જ્યારે નિ:શુલ્ક કાર્યક્રમ આપવાનો હોય ત્યારે નિશુ:લ્ક એમ કહેવાને બદલે રાગ ભોપાલી એમ કહેતા હોય છે!
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
