વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સુખની શોધમાં…

    લ્યોઆ ચીંધી આંગળી

    રજનીકુમાર પંડ્યા

    દાયકાઓ અગાઉ ડેલ કાર્નેગીનું પુસ્તક ‘જીવન જીવવાની જડીબુટ્ટી’ મેં જોયું- વાંચ્યું ત્યારે મારા યુવાન વયના વાચનકાળનું કોમળ પરોઢ ઊઘડતું આવતું હતું.  ખરેખર તો ‘ફિક્શન’ એટલે કે કલ્પનોત્થ સાહિત્ય વાંચવાની મારી એ ઉંમર હતી, પણ એની સમાંતરે જીવનલક્ષી, બોધક, ઉપદેશક લખાણો વાંચવાની રુચિ પણ જાગતી આવતી હતી. પણ એ કાળે (1955 થી 65)માં ગુજરાતી પ્રકાશકોમાં એવાં કોઈ પુસ્તકો છાપવાનું ચલણ હતું જ નહીં, કારણ કે એનું કોઈ બજાર જ નહોતું. એવા સમયે ડેલ કાર્નેગીનું આ પુસ્તક મને મારા પાઠકસાહેબ નામના એસ.એસ.સીના શિક્ષકે ભેટ આપ્યું હતું, કારણ કે વાચનની મારી પ્રબળ રુચિની એમને પીછાણ હતી. એ પુસ્તક બેશક રસપ્રદ હતું, મને ગમ્યું હતું, પણ આજે હવે સમજાય છે કે એ નર્યું બોધક હતું અને દવા અને ખોરાકની પરિભાષામાં કહું તો એ દવાની જેમ સીધું ગળે ઉતારી જવા જેવું હતું. એમાં ચાવવાની એટલે કે આસ્વાદ લેવાની કોઈ મઝા નહોતી.

    એ પછી તો, અત્યારની વાત કરીએ તો ગુજરાતીમાં ઉપદેશકો (મોટીવેશનલ વકતાઓ)નો રાફડો  ફાટ્યો છે તેમ તેવાં પુસ્તકોથી પણ બજાર ઉભરાય છે. એમાં મોટે ભાગે સમજણને બદલે શાણપણ અને ડાહ્યાંડાહ્યાં વાક્યો ભર્યાં  હોય છે. એટલે આપણે ત્યાં હવે એક વર્ગ એવો ઊભો થયો છે કે જે એવાં પુસ્તકોથી પરહેજ કરે છે. કારણ કે શાણપણ સામા ઉપર અજમાવવાની ચીજ છે, જ્યારે સમજણ પોતાના ઉપર અજમાવવાની ચીજ છે. આ સ્થિતિને કારણે એવાં મોટીવેશનલ પુસ્તકો અને વાંચનારની વચ્ચે એક અદૃશ્ય અંતર રહ્યા કરે છે.

    એવા ટાણે, જ્યારે મેં મોટીવેશનલ સાહિત્ય વાંચવાની હવે જરી પણ સ્પૃહા રાખી નથી ત્યારે, ડૉ. સુધીર શાહ જેવા અતિ પ્રતિષ્ઠિત ન્યુરોફિઝિશ્યનની કલમેથી ઉતરેલું કોરું મોટીવેશનલ નહીં, એવું પુસ્તક ‘સુખોપનિષદ’ મારા હાથમાં આવ્યું. એમાં ‘સુખ’ નામની મન:સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અને એટલે એનું નામ ‘સુખોનિષદ’ જેવું સૂચક અને સાર્થક રાખવામાં આવ્યું છે.

    થોડા સમય પહેલાં ‘પદ્મશ્રી’ સન્માનથી સન્માનિત એવા એ સૌમ્ય પ્રકૃતિના તબીબ પોતાના વ્યવસાયમાં તો દેશ-વિદેશમાં ખ્યાતિ પામ્યા છે,  પણ દાદા શાંતિલાલ સાઠંબાકર અને પિતા ડૉ.વાડીલાલ તરફથી અનુક્રમે જૈન સંસ્કારો અને ઔષધવિજ્ઞાનનો વારસો મળ્યો. એમાં સ્વચિંતન અને પદ્ધતિસરનો તબીબી વિજ્ઞાનનો અભ્યાસ ભળ્યો ત્યારે ડૉ.સુધીર શાહનું એક નિપુણ ન્યુરોફિઝિશ્યન ઉપરાંત એક મૌલિક ચિંતક તરીકેનું સ્વરૂપ નિખરી ઉઠ્યું.

    આ પુસ્તક ‘સુખોપનિષદ’ માત્ર ૧૭૨ પાનાંમાં એમની છબી કોરા ઉપદેશકની નહીં, પણ જીવનલક્ષી ચિંતક તરીકેની  ઉપસાવી આપે છે. એમની પોતાની સ્થૂળ દૈહીક છબી કેવળ ચહેરાની ઓળખ માટે આ પુસ્તકના છેલ્લા ટાઇટલ ઉપર એક પરંપરાની રીતે આપવામાં આવી છે, બાકી  એમની ખરી ‘છબી’ તો કેવળ ૧૭૨ પૃષ્ઠનો આ ગ્રંથ જ છે. એક વિજ્ઞાનસમૃદ્ધ લેખક તરીકે ડૉ.સુધીરભાઈ જ્યારે ‘સુખ’ને વ્યાખ્યાયિત કરે છે ત્યારે એનાં હરેક સ્તરની વાતને સ્પર્શ કરે છે.

    આપણે આ ક્ષણ સુધીના આપણા સમગ્ર જીવનપટ પર જરા પશ્ચાદ  ( Retrospective ) દૃષ્ટિ કરીશું ત્યારે સમજાશે કે કોઈ પણ ભૌતિક પ્રાપ્તિ થાય ત્યારે આપણને ચિત્તમાં જે ઉપજે છે તે સુખ છે અને ગુમાવીએ ત્યારે, અથવા એવા સુખની અપેક્ષા હોય ત્યારે એ ન મળે તેવી અપેક્ષાભંગની સ્થિતિએ પણ ઉપજે છે તે પણ દુઃખ છે. બોલવામાં આ સાવ સાદી અને સરળ લાગતી આ બે મનઃસ્થિતિઓ વચ્ચે મનુષ્યનું જીવન, પહેલો શ્વાસ લીધાની ક્ષણથી માંડીને છેક અંતની ઘડી સુધી, અંતિમ શ્વાસ છોડ્યાની ક્ષણ સુધી એક સાતત્યપૂર્ણ પ્રવાહની રીતે વહ્યા કરે છે. એ જીવનમાં નિદ્રાના કલાકો બાદ કરતાં જે બાકી રહે છે એ આપણું સજાગ જીવન છે. પણ એ સજાગ જીવનમાં શું આપણે ખરેખરા અર્થમાં ‘સ-જાગ’ હોઈએ છીએ? ભલે, જાગીએ તો છીએ, પણ ‘જાગ્રત’ હોઇએ છીએ ?

    આપણે સૌ કોઇ સવારમાં ઉઠતાંવેંત સુખમય ક્ષણો પામવાના ઉદ્યમમાં  લાગી જઈએ છીએ. કોઈને દુઃખ વશોરવું નથી. આપણે ધાવણા શિશુ તરીકે પણ સામે ધરેલો ઘુઘરો હાથમાં આવે ત્યારે સુખનો અનુભવ કરીએ છીએ અને એ છીનવી લેવામાં આવે ત્યારે રડીને દુઃખ વ્યક્ત કરીએ છીએ. આ ખોટું પણ નથી. સાવ સ્વાભાવિક જ છે. એ વૃત્તિ પુખ્ત,પ્રૌઢ અને ઘરડા થયા પછી પણ બરકરાર રહે છે. એવું કોણ નહી ઈચ્છતું હોય કે સુખ કાયમ માટે ટકી રહે? આ સ્પષ્ટ સમજને જાગૃતિ કહે છે.

    ‘સુખોપનિષદ’ પુસ્તકના આમુખમાં ડૉ.સુધીરભાઈ વાચકમાં આવી ‘જાગૃતિ’ પ્રતિ ઈંગિત કરે છે. તેઓ કહે છે કે “આ પુસ્તકની રચના પાછળનો હેતુ સુખપ્રાપ્તિના સચોટ ઉપાયો શોધવાનો છે. હકીકત એ છે કે દરેક માણસ જીવનભર સુખની શોધ કરે છે. એને પ્રાપ્ત કરવા માટે રાતદિવસના ઉજાગરા કરે છે. પરંતુ દુઃખથી પીછો છોડાવી શકતો નથી. એટલે સતત એ સુખનાં હરેક દ્વાર ખખડાવતો રહે છે. એ એને ક્ષણિક ધોરણે મળતું હશે, પણ કાયમી રીતે મળતું નથી. જીવન સાથે જોડાયેલી આ એક ચિરંતન વાસ્તવિકતા છે.

    ડૉ.સુધીરભાઈ આ કઠોર વાસ્તવિકતા તરફ આ ગ્રંથમાં આપણને અભિમુખ કરે છે. અને એ અભિમુખતાની યાત્રામાં જ સુખનો, બલકે કાયમી ધોરણે સુખનો અનુભવ કરવાનો કીમિયો ઉજાગર થતો આવે છે. જો કે, એની ઝાંખી પામવાને માટે કોઇ એક ગુરુચાવી એમણે આપી દીધી નથી. એ આપવી શક્ય પણ નથી. કારણ કે એની, એને પામવાની, અનેક દિશાઓ છે. એટલે કોઈ એક દિશાને બદલે એ બધી અલગઅલગ દિશાઓનું એક માનસિક સમ્મિલન સાધવું જરૂરી બની રહે છે.

    આ પુસ્તકમાં ડૉ.સુધીરભાઈ એવી બધી શાખા-પ્રશાખાઓનું એક રસાયણ કાલવી બતાવે છે. માત્ર કેટલાંક પ્રકરણોના શિર્ષકો જ જોઈએ તો એ સ્વયમ જ એ હકીકતોની પુષ્ટિ કરે છે. ‘સુખનું મનોવિજ્ઞાન’, ‘સુખની અનુભૂતિ અને ન્યૂરોસાયન્સ’, ‘સુખી થવાની શારીરિક અને તબીબી વિજ્ઞાનની ચાવીઓ’, ‘સુખપ્રાપ્તિ માટેના જીવનના ફિલોસોફિકલ અને આધ્યાત્મિક નિયમો’, ‘આધ્યાત્મિક ચાવીઓ’ , ‘આધ્યાત્મિક સાધના’, ‘ધ્યાન સાધના’.

    ડૉ.સુધીરભાઈ આ બધું એક કોરા ઉપદેશ તરીકે નથી વર્ણવતા, પણ ઉદાહરણો સાથે,અને છતાં અઘરી મેડિકલ પરિભાષાને ખાસ સ્પર્શ્યા વગર સરળ ભાષામાં આલેખન કરે છે ત્યારે વાચકની સામે ઉપસ્થિત થઈને, આંખમાં આંખ પરોવીને, મિત્રભાવે એ બધું કહેતા હોય એવી નીરાડંબરી શબ્દાવલીમાં કહે છે, એ આ પુસ્તકની વિશેષતા છે.

    (પુસ્તકના લોકાર્પણ પ્રસંગે પુસ્તક વિશે વાત કરતા ડૉ. સુધીરભાઈ)

    આ પુસ્તકને સમર્થ લેખક-ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈની વિશદ્‍ પ્રસ્તાવના પ્રાપ્ત થઈ છે જે આ વિશિષ્ટ પુસ્તકને ઉકેલવામાં, એનું સરળ અર્થઘટન કરવા માટે બહુ ઉપયોગી નીવડે છે. તેઓ લખે છે કે  ‘સુખ વિષે આવું અનેકવિધ વિષયોને આવરી લેતું, અનેકવિધ ક્ષેત્રોને આવરીને સુખનું નવનીત તારવી આપતું પુસ્તક ગુજરાતી ભાષામાં તો નથી જ, પણ હિંદી કે અંગ્રેજી ભાષામાં પણ આવી રીતે સુખને જુદી જુદી દૃષ્ટિએ જોઇને એની પ્રાપ્તિનો ઉપાય સૂચવતું પુસ્તક જોવા મળતું નથી.’

    એવી જ રીતે બહુશ્રુત વિદ્વાન અને વરિષ્ઠ સાહિત્યકાર શ્રી ભાગ્યેશ જહા પણ ‘નવગુજરાત સમય’ ની પોતાની ‘સમયનો પગરવ’ કટારમાં પણ એને શાસ્ત્ર અને વિજ્ઞાનના સમન્વય જેવા બહુમૂલ્ય ગ્રંથ તરીકે ઓળખાવે છે.

    આ ગ્રંથને જૈન આચાર્ય નયનપદ્મ સાગરજીના આશીર્વાદ પણ સાંપડ્યા છે.

    પ્રસ્તુત પુસ્તક ‘સુખોપનિષદ’નું પ્રકાશન નામાંકિત પ્રકાશકો ‘ગુર્જર પ્રકાશન’,202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, અમદાવાદ- 380 006 દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેમનો સંપર્ક:  +91 79 22144663 અને મોબાઇલ: +91 92270 55777. અને ઈ મેલ: goorjar@yahoo.com

    ———————————

    જાન્યુઆરી ૨૦૨૪ સુધી ડૉ.સુધીરભાઇ શાહનો સંપર્ક:

    Dr.Sudhirbhai Shah,
    Sangini Complex, Besides Doctor House,
    Near Parimal Underbridge,
    Ellisbridge,
    AHMDABAD 380 006.

    Contacts- +9179 26467052, 2646 7467 // M0. +91 74055 56862 and 95740 08732

    જાન્યુઆરી ૨૦૨૪થી સંપર્ક:

    Dr. Sudhirbhai Shah,
    619-626, 6th Floor, SWS-3 Building, B Wing,
    Opp. Manav Mandir, Near Helmet Cross Roads,
    Drive In Road, Memnagar, AHMEDABAD  380 052


    લેખક સંપર્ક –

    રજનીકુમાર પંડ્યા.,
    બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
    મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

  • પરમ સત્ય

    નીલેશ રાણા

    પૂરી સોસાયટીમાં વાત વંટોળની જેમ ફેલાઈ ગઈ. જાણે કે આભ તૂટી પડ્યું! ન માનવામાં આવે એવી ઘટના ઘટી ગઈ. કલ્પનામાં પણ ન આવે એવું બન્યું. સાચે જ! લક્ષ્મીબેને જાતને ચૂંટી ખણી. જે સાંભળ્યું તે સાચે જ અફવા નથી. પહેલાં માનવામાં તકલીફ થઈ, પણ બીજા ચાર મોઢે પણ એ જ વાત સાંભળતાં આખરે માનવું જ પડ્યું. દસ – બાર જણ ભેગા થઈને તરત જ વીણાબેન અને ધનસુખભાઈના ઘરમાં પહોંચી ગયા. જે ધીરજને ગઈકાલે જ ધરતી પર ચાલતા જોયો હતો, એ આજે પંખાની પાંખે લટકી ગયો છે. આત્મહત્યા! કારણ?

    બે અઠવાડિયા પહેલાં રાત્રે ડાઇનિંગ ટેબલ પર બાપ બેટાને ખીચડી, કઢી અને બટેટાનું શાક પીરસતાં વીણાબેને પૂછ્યું હતું, “બેટા, ત્રણ મહિના થઈ ગયા. હવે શું વિચાર છે?”

    “મમ્મી, શેનો વિચાર?”

    ધનસુખલાલે વાત આગળ વધારી. “તારી મમ્મીનું કહેવું છે કે તું હવે ઠેકાણે પડે, તો અમને શાંતિ થાય.”

    ઇશારો સમજી ગયા છતાંય, ધીરજે કોળિયા ભરવાના ચાલુ રાખ્યા. એ જોતાં, “ધીરજ, તારી જૉબ હવે કાયમી થઈ ગઈ છે. તું સારું કમાય છે.”

    “હું ઘરના ખર્ચામાં મદદ કરીશ ને.”

    “બેટા, તારા પપ્પાને કે મને તારા પૈસાની જરૂર નથી. તું સેટલ થઈ જા, તો અમને આરામ. તારા લગન…”

    “શું મમ્મી, તમે પણ!”

    “તું તરત જ લગન કરી લે એમ તને નથી કહેતાં. જો, સમાજમાં આપણું નામ છે. તું કુંવારો છે, એટલે પૂછપરછ થાય એ સ્વાભાવિક છે.”

    “ત્રણ-ચાર છોકરીઓ ધ્યાનમાં છે. તું જોઈને નક્કી કરી લે.”

    “મમ્મી, આટલી ઉતાવળ…”

    “એકાદને પસંદ કર. પછી ઍન્ગેજમૅન્ટ​ કરી લે. લગન વર્ષ પછી કરજે. અમને ઉતાવળ નથી.”

    બંનેએ જોયું કે ધીરજની જમવાની ઝડપ ઓછી થઈ ગઈ છે. જ્યારે વીણાબેને બીજીવાર ખીચડી લેવાનું કહ્યું, તો ના પાડીને ઊભો થઈને, હાથ ધોઈને ધીરજને પોતાના બેડરૂમમાં જતો જોઈ બંને આશ્ચર્ય પામી ગયાં.

    રસોડું સાફ કરી વીણાબેન ધીરજના બેડરૂમમાં દાખલ થતાં પૂછી બેઠાં, “બેટા, અમારી વાતનું તને ખોટું લાગ્યું?” જવાબ ન મળતાં, “દરેક મા બાપ એમ જ ઇચ્છે કે દીકરો યુવાન થતાં પગભર થાય, પરણે, સંસાર વસાવે.”

    “મમ્મી, પરણવું જરૂરી છે? મને એમ નથી લાગતું.”

    “દુનિયામાં બધા પરણે છે.”

    “એ સાચું નથી. મારે એ બાબતમાં હમણાં વાત નથી કરવી.” ધીરજ સહેજ ચીડાતા બોલ્યો.

    “મેં તને મોટો કર્યો છે. જ્યારે અમારી વાત ન માનવી હોય, ત્યારે તું કારણ આપે છે. આજે તું વાત ટાળી રહ્યો છે આજે જરૂર તું કશુંક છુપાવી રહ્યો છે.”

    “મમ્મી, એવું કશું નથી.” બોલતાં ધીરજની નીચી થતી નજરને જોતાં એમને લાગ્યું, એ જરૂર કશુંક છુપાવી રહ્યો છે.

    “ઠીક, તારી મમ્મીને અંધારામાં રાખી દુઃખી કરજે.” બોલતાં વીણાબેન ત્યાંથી બહાર નીકળી ગયાં. જો ધીરજે એમ કહ્યું હોત કે, મમ્મી થોડા મહિના પછી વિચારીશ, તો પોતે માની ગયાં હોત.

    મા આખરે મા છે એ મને જાણે છે. માથી કોઈ વાત છુપાવવી અશક્ય છે. મારા મૅરેજ​ની ઇચ્છા બંનેના મનમાં છે. તો એ ચર્ચા આજથી ઘરમાં ચાલુ જ રહેવાની. આજે નહીં તો કાલે… પણ પોતે છુપાવેલા સત્ય પર પ્રકાશ પાડશે તો ભૂકંપ મચી જશે. બે હાથે માથું દબાવી, ઊભા થઈ દરવાજા પાસે આવતાં…

    “મને લાગે છે કે ધીરજ આપણાથી કશુંક છુપાવે છે.”

    “વીણા, એમાં છુપાવવા જેવું શું છે? એના લગ્નની પહેલીવાર વાત કરી છે, તો શરમ આવતી હશે. કદાચ એણે કોઈ છોકરી પસંદ કરી લીધી હશે. આપણને જણાવતા ઝિઝક અનુભવતો હશે.”

    “એવી વાત હોત, તો મને તમારા પહેલાં જણાવી બેઠો હોત. મને ગળા સુધીની ખાતરી છે. એ વાત સંતાડીને બેઠો છે. નહીં તો ગમતું ભોજન છોડીને ઊભો ન થઈ જાય.”

    “શા માટે ખોટી ચિંતા કરે છે”

    “મારું મન નથી માનતું.”

    “હમણાં તું ખેંચતાણ ન કરતી.”

    “સારું. પણ સરખો જવાબ ન આપે, તો ચિંતા તો થાય ને. હું એની મા છું.”

    “હા. પણ હું એનો બાપ છું. જરા શાંતિ રાખ.”

    એ રાતે પ્રથમવાર, પોતે માનું દિલ દુભાવ્યું છે- નો ગમ ધીરજને રાતભર સતાવી ગયો.

    ત્યારબાદ ધીરજ ઘરે મોડો આવવા લાગ્યો છે. ખાપ પૂરતી જ વાત કરે છે. ચર્ચા કરવાનું ટાળે છે. ચહેરો ગંભીર બની ગયો છે. ખાવામાં કે વાત કરવામાં પૂરતું ધ્યાન નથી આપતો. આ બધું એમનાથી અજાણ્યું ન રહ્યું.

    ————————————————————

    દુઃખનું ઓસડ દા’ડા. પણ કેટલા દિવસ? ક્યાં લગી એનો પડછાયો અમને ગ્રસી રાખશે? સમાજમાં ભળવું તો પડશે. ધીરજ કશુંય કહ્યા વગર, દિલની વાત જણાવ્યા વગર, ફોડ પાડ્યા વગર ચાલ્યો ગયો. તો લોકોને જવાબ શું આપવો? આજે એનું તેરમું છે. તો લોકો સીધી રીતે નહીં, પણ આડકતરી રીતે પણ એની આત્મહત્યાનું કારણ જાણવા માગશે. પણ કોઈ ખુલાસો મળ્યો હોય તો જવાબ આપે ને? લોકોની જાણવાની ઇચ્છા પ્રત્યે આંખમીંચામણાં કરતાં બંને મુખ પર સ્વસ્થતાનો ભાવ ધારણ કરવામાં થોડે અંશે સફળ રહ્યાં. શું કહે, શું જણાવે? જ્યારે એમનાં મનમાં એ જ પ્રશ્નો હતા. જાણતાં હતાં કે ધીરજને માથે ન હતું કોઈ દેવું, ન તો બે નંબરનો ધંધો, ન કોઈ વ્યસનનો બંધાણી. તો પછી…

    શબ્દોનો સધિયારો આપીને જતાં આડોશી પાડોશીઓ અને સગાંઓનો આભાર માની રૂમમાં નજર ફેરવતાં જોયું. એક ખૂણામાં ચૂપચાપ બેઠેલા યુવાન પર એમની નજર પડી. રૂમ ખાલી થતાં એ યુવાન ઊભો થઈને ધીમા પગલે ચાલીને એમની પાસે આવીને ઊભો રહ્યો. ઉદાસ આંખો, શોકસભર ચહેરો. એમને નમન કરી પાછા વળતાં એ યુવાનને સંભળાતો ધનસુખભાઈનો સવાલ…

    “ભાઈ, તારું નામ?”

    ધીરેથી પાછળ વળતાં, “મ… મ… મારું? હું વિજય…”

    “તું… તું ધીરજ…”

    “ધીરજનો ફ્રૅન્ડ​…”

    “એની સાથે કામ કરે છે?”

    “ના. કૉલેજ​ ફ્રૅન્ડ​…”

    “બેસો… બેસો.” વીણાબેનનો આગ્રહ.

    સોફામાં બેસવામાં થતો સંકોચ.

    “તું ધીરજને કેટલા સમયથી જાણે છે?”

    “લગભગ દોઢ વર્ષથી…” અવાજમાં થોડી ગભરાહટ.

    “પણ… પણ અમે તને એની સાથે કદી જોયો નથી. અમે તો એના બધા ફ્રૅન્ડ્સને જાણીએ છીએ.”

    “આ… આપણે પહેલાં મળ્યા નથી. સોરી…”

    “એમાં સોરી શાને? એક વાત પૂછું?”

    યુવાનની દિલની ધડકન તેજ બની. એની નજર ચારે તરફ ફરી વળી. જાણે કશું શોધી રહી હોય!

    “તને… તને કશી ખબર છે? ધીરજે આમ…” ધનસુખભાઈ પૂછતાં ખચકાયા.

    “બહારનાને આમ પૂછાતું હશે?” વીણાબેનનો ઠપકો.

    અચાનક વિજયના હોઠ ખૂલ્યા. “ત… તમને સાચે જ ખબર નથી કે એણે આમ કેમ કર્યું? એના મનની મૂંઝવણ… હું તમને શું કહું?” અવાજ ધ્રૂજતાં અટકી જતો વિજય.

    “બેટા, કંઈક તો જણાવ. તું જાણતો હોય તો.” વીણાબેનની આંખોમાંથી સરતાં આંસુ. વિજયને વીંધતી ચાર આંખોમાંથી છટકેલી જાણવાની જિજ્ઞાસા. તૂટી જતો બંધ.

    “મારે તમને પૂછવું જોઈએ? શું તમારી સાથે મોટો ઝઘડો થયો હતો?”

    “શા માટે એમ થાય? અમે માત્ર એના લગ્ન વિશે વાત છેડી હતી અને અચાનક એનું વર્તન બદલાઈ ગયું. જાણે દિલ પર એક બોજ ધરી રહ્યો હોય!”

    “શું એણે મૅરેજ​ માટે ના પાડી હતી?”

    “ન ના પાડી, ન હા.” વીણાબેન તરફ જોતાં ધનસુખભાઈ બોલ્યા.

    “હું સમજી શકું છું.”

    “એટલે? એના મનમાં શું હતું તે તું જાણે છે? એને કોઈ છોકરી ગમતી હતી? હા… હા… એમ જ હશે. અરે! અમને જણાવ્યું હોત તો અમે ક્યાં ના પાડવાના હતા.”

    “એવું નથી.” શબ્દો માંડ માંડ બહાર આવ્યા.

    “સમજાયું નહીં.” બંને સાથે બોલ્યાં.

    “એના મનની વાતો તમને ન કરી શક્યો. મેં એને કેટલો સમજાવ્યો હતો. પણ…” ખામોશ થતાં વિજયની આંખો આંસુથી તગતગી ઊઠી. “એના મનમાં ડર હતો કે સાચી વાત જણાવતાં ઘરમાં પ્રલય મચી જશે. બસ, એટલે જ…”

    “પ્રલય… કંઈ સમજાય એવું બોલ.”

    “અંકલ, જવા દો. ન થવાનું થઈ ગયું. હવે જાણીને શું કરશો? દુઃખ બમણું થશે. જવા દો. આપણે ધીરજને ગુમાવી બેઠા છીએ.”

    “ભલે અમે દુઃખી થઈએ. એનું કારણ જણાવી, અમારાં પર ઉપકાર કરતો જા.” વીણાબેન ગળગળા સ્વરે બોલ્યાં.

    “તમે સત્યને પચાવી નહીં શકો. પ્લીઝ, મને જવા દો.”

    ઊઠવાનો પ્રયત્ન કરતા વિજયને ફરી બેસાડતાં, “અમને અંધારામાં રાખશે તો તનેય ચેન નહીં પડે.”

    “આંટી, પ્લીઝ…”

    “તારાય મા-બાપ હશે.”

    “હું ધીરજ જેટલો ભાગ્યશાળી નથી.”

    “એટલે…?”

    “અનાથ છું.”

    “સોરી. વીણા, જવા દે એને. સંતાન ગુમાવવાનું દુઃખ એ નહીં સમજે. જવા દે.”

    “હું હાથ જોડું છું. જણાવ્યા વગર જતો નહીં.”

    “કારણ જાણવા માંગો છો? એ કારણ હું છું. હું અને ધીરજ… અમે બંને…”

    “અમે બંને એટલે…”

    “આંટી, જમાનો બદલાઈ ચૂક્યો છે. તમે જાણો છો, હું શું કહેવા માગું છું…”

    ધનસુખભાઈના મગજમાં પ્રકાશ પડતાં તેઓ વિજયને તમાચો મારી બેઠા. “નાલાયક! બોલતાં શરમ નથી આવતી? ગેટ…આઉટ.”

    “આ…આ તમે શું કરી બેઠા?”

    “તું નહીં સમજે. એ… એ… ખોટું બોલે છે, ખોટું.”

    “એ ખોટું શા માટે બોલે? એમ કરવાથી એને શું મળશે?”

    “વીણા, ચૂપ!”

    ગાલને પંપાળતા, ઊભા થતા વિજય બોલ્યો, “સોરી, તમને દુઃખી કરવાનો મારો ઇરાદો નથી. અંકલ, ગુસ્સો થૂંકી નાખો. આજ પછી હું તમને મારું મોં નહીં બતાવું. મને માફ કરી દો.” બોલવાનું પૂરું કરતા વિજય ઘરના દરવાજા તરફ ચાલવા લાગ્યો.

    “જરા ગુસ્સો છોડી મારી વાત સાંભળશો?”

    “વીણા, આ જે કહી ગયો, પછી તારે કશું કહેવાનું બાકી છે?” ચહેરા પર પ્રગટતો આક્રોશ.

    “હે ભગવાન! ઘોર કળિયુગ… કળિયુગ!”

    “શાંત પડો. તમારું બી.પી. વધી જશે. સમય સાથે ચાલવું પડશે.”

    “વીણા, તને ભાન છે, તું શું બોલી રહી છે?”

    “જરા શાંત મને એક વાર સાંભળો. એક ભૂલ ધીરજે કરી. આપણી સામે પોતાનું મન ખોલ્યું નહીં, એટલે આપણે એક દીકરો ગુમાવી બેઠાં. આપણને ગમે કે ન ગમે, વિજયે આપણને સાચી હકીકત જણાવી દીધી. એમાં એનો દોષ નથી. ધીરજ પરનો ગુસ્સો એ બિચારા પર ઉતારી બેઠા.”

    “વીણા…” ઊંચા અવાજે ધનસુખભાઈ બોલ્યા. “તું… તું એનો પક્ષ લે છે? ઓહ ભગવાન..!”

    “સહેજ વિચારો. એક દીકરો તો આપણે ગુમાવી બેઠાં છીએ. જો બીજાને ગુમાવીશું, તો ખુશ રહી શકીશું?”

  • સન્નાટો

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ઉત્તરા અરીસામાં પોતાનું રૂપ જોઈને મુગ્ધ થઈ ગઈ. જરા અમસ્તા મેકઅપના ટચથી તો જાણે એ સાવ બદલાઈ ગઈ. જોઈને કોઈ તો કહે કે એ પચાસની ઉંમરે પહોંચી હશે! હા, આગળ એકાદ બે સફેદ વાળ દેખાય છે, પણ એનાથી તો વળી સૌંદર્યમાં ગરિમા ઉમેરાઈ છે.

    હમણાંથી એના દિવસો ઘર અને કામની વ્યસ્તતામાં જ પૂરા થઈ જતા. કલાકો સુધી આઈનામાં ચહેરો જોવાવાળી ઉત્તરાને પોતાની ઝલક જોવાનોય માંડ સમય મળતો. એનાં રૂપની તો કૉલેજમાં ચર્ચાઓ ચાલતી. આ રૂપથી તો ગિરીશ આકર્ષાયો હતો અને એ દાન-દહેજ વગર આવા મોટા ખાનદાનમાં આવી ગઈ હતી.

    મોટા ખાનદાન શબ્દથી જાણે દાંત નીચે કોઈ કડવી ચીજ આવી ગઈ હોય એવું લાગ્યું. આ વીતી ગયેલા સમયની સ્મૃતિની યાદ જરાય મીઠ્ઠી તો હતી નહીં  એટલે આ ક્ષણે એ ભૂતકાળ યાદ કરીને મન ખાટું થવા ન દેવું હોય એમ એ ત્યાંથી ઊભી થઈને કપડાંના કબાટ સામે ઊભી રહી.

    દરેક સમય કે પ્રસંગને અનુરૂપ સાડીઓની પસંદગી પણ ક્યાં સરળ હતી? ઉત્તરાને નિશિ યાદ આવી ગઈ. નિશિ એટલે એની મોટી દીકરી. નિશિ ખૂબ ઉત્સાહી અને ચીવટવાળી હતી. અત્યારે નિશિ હોત તો સાડીથી માંડીને એને મેચિંગ એક્સેસરી પણ એણે તૈયાર કરી રાખી હોત.

    ઉફ્ફ.. આ છોકરીઓ, પરણે એટલે પીયરની માયા આટલી જલદી કેમ સમેટી લેતી હશે? હવે તો નિશિને એનું ઘર અને એનાં બે બાળકો..બસ એમાં જ એની દુનિયા પૂરી થઈ જતી.

    ઉત્તરાએ પી.એચ.ડી કર્યું ત્યારે નિશિ સોળ વર્ષની હતી પણ એ બધું જ સાચવી લેતી. એમ તો ઘરમાં આશુ છે, પણ એ તો એના પપ્પાની જ આસપાસ.

    અત્યારે ઉત્તરાએ ફંકશનમાં જવા તૈયાર થવા આશુને બોલાવી પણ પપ્પાને તાવ છે એવા બહાને આશુએ ફંકશનમાં જવાની ઘસીને ના પાડી દીધી. અને ગિરીશની તો હવે એણે અપેક્ષા જ છોડી દીધી હતી. ક્યાંય પણ જવાનું હોય, કશું પણ કરવાનું હોય એટલે તાવ ચઢી જતો. અને કંઈ ના થયું હોય તો છેવટે પીઠમાં દુઃખાવો થયો જ હોય. નિશિના લગ્ન સમયે તો એ હોસ્પિટલમાં જ દાખલ થઈ ગયો હતો. નિશિએ ગિરીશની બરાબર નાડ પારખી લીધી હતી. એ કોઈ પણ જાતની જવાબદારી લઈ શકે એમ નહોતો કે પછી લેવા માંગતો જ નહોતો.

    ગિરીશની માને પાંચ દીકરીઓ થઈ એ પછી આ એક માત્ર દીકરો હતો.  ગિરીશને એની માએ એટલા તો લાડ લડાવ્યા હતા કે એનામાં વાસ્તવિકતા સામે ટકવાની શક્તિ કેળવાઈ જ નહોતી. ગિરીશને કંઈ થાય તો મા આખા ઘરને માથે લઈ લેતી. માના અવસાન પછી જાણે ગિરીશ નિરાશ્રિત બની ગયો. મા જેવી કાળજીની એણે ઉત્તરા પાસેથી અપેક્ષા રાખી હતી પણ ઉત્તરા કેટલું સંભાળે? એ જાણી ગઈ હતી કે વાડીવજીફા, ઘરની બહાર મૂકેલી ગિરીશના નામની વકીલાતની તખ્તી દેખાડા પૂરતી હતી. ઉત્તરા તો વર સંભાળે કે ઘર? અને એટલે જ તો નોકરી એનો શોખ નહીં આવશ્યકતા બની ગઈ હતી. ઉત્તરા તરફથી પોતાની સેવા બાબતે નિરાશા સાંપડતા ગિરીશે નાની દીકરી આશુનો પાલવ પકડી લીધો. આશુ હતી તો દીકરી, પણ હવે જાણે ગિરીશની મા બની રહી.

    આ ક્ષણે ઉત્તરાનું મન અનેક વિચારોથી ઘેરાઈ ગયું.

    પણ હવે વધુ વિચારવાનો સમય રહ્યો નહોતો. ફંકશનમાં જવા સતીશ એને લેવા આવી ગયો હતો. સતીશ મઝાનો યુવક હતો. એને આશુ ગમતી હતી પણ આશુને તો એના પપ્પા સિવાય કોઈની ગણતરી જ નહોતી. આશુના મનમાં એના પપ્પાની એકલતાના ભયે એટલી હદે ભરડો લઈ લીધો હતો કે એ પોતાના વિશે વધુ વિચારતી શકતી જ નહોતી.

    ગિરીશ અને આશુના વિચારોમાં કૉલેજ આવી ગઈ. પોર્ચમાં એના સ્વાગત માટે સૌને ઊભેલાં જોયાં. ઉત્તરાની જ કૉલેજમાં એ આજે મહેમાન હતી. એનું સન્માન થઈ રહ્યું હતું. ઉત્તરાનું ગૌરવ સૌનું ગૌરવ બની ગયું હતું.

    વર્ષોના અનુભવ પછી ઉત્તરાએ એક પુસ્તક લખ્યું હતું. ‘ભારતીય નારીની સામાજિક ચેતનાઃ ઉદય અને વિકાસ’. ઉત્તરાએ એ પુસ્તકને પાઠ્ય પુસ્તક તરીકે સ્વીકારાય એથી વધુ અપેક્ષા સેવી પણ નહોતી અને એનાં પુસ્તકને અકાદમી અવૉર્ડ મળ્યો. રાજ્યકક્ષાએ પુસ્કારનો સમારંભ આવતા મહિને હતો પણ કૉલેજમાં તો એ પહેલાં જ સન્માનનો કાર્યક્રમ ગોઠવાયો.

    ફૂલોથી સજાવેલા હૉલમાં ઉત્તરા પ્રવેશી ત્યાં આચાર્યે ઊઠીને એનું સન્માન કર્યું. એ જરા સંકોચાઈ ગઈ. અને પછી તો સ્તુતિ, ફૂલહાર, પ્રસંશા, વીણાપાણિની મૂર્તિથી સન્માન…

    એ વિચારતી રહી કે આશુ કે એના પપ્પા અહીં હોત તો એમને ખબર પડત કે ઘરની બહાર એનું કેટલું સન્માન થઈ રહ્યું છે! જે દિવસે એને કૉલેજના ફંકશન માટે આમંત્રણ આપવા આવ્યા ત્યારે પણ ગિરીશ કેવા દયામણા અવાજે બોલ્યો હતો!

    “હા ભાઈ, અમે તો ઉત્તરાને પૂરેપૂરી સ્વતંત્રતા આપી દીધી છે. કહ્યું છે કે ઘરનું અમે સંભાળી લઈશું. ઘરની અને અમારી ચિંતા કર્યા વગર તું તારા વિષય પર ધ્યાન આપ. અમે વિદ્વાન તો નથી પણ આવી રીતે એનાં કાર્યના સહયોગી બનવા પ્રયત્ન કરી શકીશું ખરા..”

    ત્યારે તો ઉત્તરાને થયું કે બધાની હાજરીમાં જ ગિરીશનો દંભભર્યો એ નકાબ ચીરી નાખે, પણ એણે પોતાની ચીઢ મનમાં જ દબાવી દીધી. ગૃહસ્થીનું નાટક પણ સંભાળી લેવું પડે છે.

    આ ક્ષણે એ પ્રસંગની યાદથી એ અતિ વિહ્વળ બની ગઈ. એના સન્માનનો આનંદ અને ઉત્સાહ ઓસરી ગયો અને જ્યારે એના વક્તવ્યનો સમય આવ્યો ત્યારે આગલી રાત્રે તૈયાર કરેલી સ્પીચના શબ્દો પણ એને યાદ ન આવ્યા. પહેલી વાર એને કાગળની જરૂર પડી. સમારંભમાં એને સાંભળવા ઉત્સુક સૌને લાગ્યું કે એ અતિ ભાવવિભોર બની ગઈ છે, બાકી એ તો સાક્ષાત સરસ્વતી છે. એને વળી શબ્દોની શી ખોટ?

    ફંકશનના સમાપન પછી અડધા ડઝન જેટલા લોકો એને ઘર સુધી મૂકવા આવ્યા હતા. ઉત્તરાને અર્પણ થયેલા ફૂલહાર, ભેટ સામગ્રી એમની પાસે હતી.

    ઘરે પહોંચ્યા ત્યારે દરવાજો બંધ હતો.

    નીકળી ત્યારે કોઈ એને વિદાય આપવા ઊભું નહોતુ કે નહોતું અત્યારે કોઈ એને આવકારવા હાજર.

    “ફરી અભિનંદન, મેડમ. હવે અમે જઈએ.” સાથે આવેલા ટોળામાંથી કોઈ બોલ્યું.

    બંધ બારણેથી જ ચાલ્યા જશે આ લોકો? જાણે વિખૂટા પડી જવાનો, એકલાં પડી જવાનો ભય એને ઘેરી વળ્યો. “અરે! આવી આનંદની ક્ષણો પછી હવે ફરી એ સાવ એકલી?”

    આ એકલતાના ઓથારથી બચવા એણે સૌને રોકવા પ્રયાસ કર્યો.

    “અરે, એક એક કપ કૉફી તો પીતા જાવ.”

    અને એણે એટલા જોરથી દરવાજાની ઘંટડી દબાવી, જાણે કે ઘર અને એનાં મનની અંદરનો સન્નાટો ચીરી ના નાખવો હોય?


    માલતી જોશી લિખિત વાર્તા ‘સન્નાટા’ને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે

  • ફિલ્મી ગઝલો – ૨૫. અઝીઝ કશ્મીરી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ઉર્દુ શબ્દો બહુ નાજુક છે. અઝીઝને બદલે અજીઝ લખીએ તો અર્થનો અનર્થ થઈ જાય. અર્થની પળોજણમાં ગયા વિના આજે વાત કરીએ ગીતકાર અઝીઝ કશ્મીરીની. એમની ઓળખ માટે ફિલ્મ ‘ એક થી લડકી ‘ નું  ‘ લારા લપ્પા ‘ અને એની લોકપ્રિયતા કાફી છે. ‘ પાકીઝા ‘ નું ‘ ઈન્હીં લોગોં ને લે લીના દુપટ્ટા મેરા ‘ મજરુહ સુલતાનપુરી સાહેબના નામે બોલે છે પરંતુ આ ગીત મૂલત: (શબ્દોમાં થોડા ફેરફાર સહિત) આ અઝીઝ કશ્મીરી સાહેબે ૧૯૪૧ની ફિલ્મ ‘ હિમ્મત ‘ માટે લખેલું જેને શમશાદ બેગમે ગાયેલું.

    અઝીઝ કશ્મીરીએ ૧૯૪૦થી ૧૯૭૦ દરમિયાન પચાસેક ફિલ્મોમાં ૨૫૦ આસપાસ ગીતો લખ્યા. એમના ગીતોને તર્જબદ્ધ કરનારા સંગીતકારોમાં વિનોદ અને શ્યામ સુંદરથી માંડી ઓ પી નૈયર અને શંકર જયકિશન શામેલ છે. ઓ પી નૈયર સવિશેષ.

    એમની બે ગઝલ જોઈએ. બન્ને યુગલ ગીતના સ્વરૂપમાં છે :

     

    હાથ  સીને પે  જો  રખ  દો  તો કરાર આ જાએ
    દિલ કે ઉજડે હુએ ગુલશન મેં બહાર આ જાએ

     

    દિલ તો કરતા હૈ કે આંખોં મેં છુપા લૂં તુજકો
    ડર  યહી  હૈ કે  મુકદ્દર કો  નકાર આ જાએ

     

    દિલ કે ઝખ્મોં પે મેરે પ્યાર કા મરહમ રખ દો
    બેકરારી  મેં  મુઝે  કુછ  તો  કરાર  આ જાએ

     

    યૂં  ખુદા કે  લિએ છીનો ન મેરે હોશો હવાસ
    ઐસી નઝરોં સે ન દેખો કે ખુમાર આ જાએ

     

    છોડ કે તુમ ભી ચલી જાઓગી કિસ્મત કી તરહ
    બાદ  જાને  કે અઝલ હી કો ન પ્યાર આ જાએ ..

    – ફિલ્મ : મિર્ઝા સાહિબાં – ૧૯૪૭

    – નૂરજહાં / જી એમ દુર્રાની

    – પંડિત અમરનાથ / હુસ્નલાલ ભગતરામ

     

    અબ હાલે દિલ યા હાલે જિગર કુછ ન પૂછિયે
    કિસ  જા  લગા  હૈ  તીરે નઝર કુછ ન પૂછિયે

     

    ક્યોં  તેઝ  હો  રહીં  હૈં  મેરે  દિલ  કી ધડકનેં
    ક્યોં ઝુક ગઈ હૈ મિલ કે નઝર કુછ ન પૂછિયે

     

    બસ  ઈતના  યાદ  હૈ કે નઝર સે મિલી નઝર
    ક્યા કુછ હુઆ હૈ દિલ પે અસર કુછ ન પૂછિયે

     

    હમ ચલ રહે હૈં ખોજ મેં મંઝિલ કે સાથ સાથ
    હોગા  કહાં  યે  ખત્મ  સફર  કુછ ન પૂછિયે ..

    https://youtu.be/CTaAsCKDtSc?si=OKhf9ThsYuG_Da4H

    – ફિલ્મ : એક થી લડકી – ૧૯૪૯

    – લતા / રફી

    – વિનોદ


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૧લું – વિજ્ઞાન એટલે શું’? – [3]

    આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.

    આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

    સંપાદન મડળ – વેબ ગુર્જરી


    પ્રકરણ ૧લું – અંશ [૨]થી આગળ

    પોપટલાલ ગોવિંદલાલ શાહ

    વિજ્ઞાનની પદ્ધતિ

    વિજ્ઞાનની પદ્ધતિ વિલક્ષણ છે તે છતાં કાંઇ તદ્દન અપૂર્વ ગણી શકાય નહિ. એક રીતે ન્યાયમંદિરની ઊંચામાં ઊંચી કસોટીની સાથે આ પદ્ધતિને સરખાવી શકાય. પરંતુ અદાલતોની પદ્ધતિ અને વિજ્ઞાનની પદ્ધતિમાં થોડો ઘણો ફેર છે. વિજ્ઞાન બુદ્ધિ સિવાય બીજા કશાને પ્રમાણ ગણુતું નથી. અદાલતોમાં લેખિત અથવા બીજા પુરાવાને સ્વીકારવો પડે છે. ન્યાયમંદિરમાં સત્યની પૂજા થતી નથી, પરતુ ન્યાય તોલાય છે અને તે કાયદાની બારીકી પ્રમાણેઃ વિજ્ઞાનમંદિરોર્મા કેવળ સત્યની પૂજા  થાય છે; જો કે સત્યની પૂજા વિજ્ઞાનના નિયમો અને વિજ્ઞાનની પદ્ધતિ પ્રમાણે યાય છે. તે છતાં જૂના ચુકાદા અથવા ન્યાયપ્રણાલિકાના જેવા બંધનોથી મુક્ત હોવાને લીધે વિજ્ઞાન અને વિજ્ઞાનની પદ્ધતિ વધારે ચોક્કસ અને સત્યપ્રધાન હોય છે.

    વિજ્ઞાન હંમેશા પોતાના જૂના નિયમો અને ચુકાદાઓ નવી રીતે તપાસતું રહે છે; એટલું જ નહિ પણ પ્રણાલિકાભંગના ભયની દરકાર રાખ્યા સિવાય હંમેશાં વધારે સાબિતી અને નવા સાક્ષીની શોધમાં રહે છે, અને જ્યારે એકવાર નહિ પણુ અનેકવાર ખાત્રી થાય કે અમુક હકીકત અને સાબિતીમાંથી અમુક સિદ્ધાન્ત ફલિત યાય છે  ત્યારે જ તે સંબંધી ચોકકસ અભિપ્રાય દર્શાવે છે. ન્યાયશાસ્ત્રના નિયમો પ્રમાણે જોતાં વિજ્ઞાનની પધ્ધતિ મિશ્રિત ગણાય. કારણ કે આગમન નિગમન બંનેનો તેમાં  સમન્વય થાય છે. એમ કહી શકાય કે નિરીક્ષણ અને પ્રયોગોથી  મેળવેલી હકીકતોને વ્યવસ્થાપૂર્વક ગોઠવીને, તેમાંથી તર્ક અને બુદ્ધિથી નિયમો ઉપજાવવા, અને પછી આ નિયમો પાછા વધુ નિરીક્ષણ અને  પ્રયોગથી સિદ્ધ કરવા એ વિજ્ઞાનની પદ્ધતિનું મુખ્ય કાર્ય છે.

    આ પ્રમાણે વિજ્ઞાનની પધ્ધતિના ચાર વિભાગ કરી શકાયઃ

    એક – ખરી હકીકતો-તથ્યોનું સંશોધન,

    બીજું – તેમનું વર્ગીકરણ,

    ત્રીજું –  કાર્યકારણના  સંબંધ દર્શાવનાર નિયમોનુંનુ’ શોધન, અને

    ચોથું –  નિયમ-સિદ્ધિ.

    આ ચાર વિભાગનું વિગતવાર વર્ણન હવે કરીશું.


    ક્રમશઃ 


    હવે પછીના અંશમાં “હકીકતો-તથ્યો” વિશે વાત કરીશું


     

  • વનસ્પતિ જગતની કેટલીક વિચિત્ર ઘટનાઓ

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

        પ્રકૃતિમાં અને એમાંયે ખાસ કરીને વનસ્પતિ સૃષ્ટિમાં કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે કે જે જોઇ અચંબામાં પડી જવાય છે. મનમાં સહેજે પ્રશ્નો ઊઠે છે કે આ કોઇ કુદરતી નિયમોને ઉલ્લંઘતા ચમત્કારો તો નથી ?  પણ એવી ઘટનાઓની  વિગતમાં ઉતરી સમજવા મથામણ કરીશું તો જરૂર જણાઇ આવે છે, કે આવી ઘટનાઓ કંઇ એમનામ નિર્હેતૂક નથી ઘટતી હોતી ! એની પાછળ પ્રકૃતિનો ખાસ ઇરાદો રહેલો હોય છે. એને તો આ સૃષ્ટિનું સુપેરે સંચાલન કરવાનું છેને ? તેણે પોતે જ વનસ્પતિને ઇરાદાપૂર્વક આવી કૂનેહ અને કરામત અર્પણ કરેલી હોય છે. એ કરામત કે કૂનેહના ભાગ રૂપે જ વનસ્પતિ સૃષ્ટિમાં આપણને અચંબામાં નાખી દે એવી ઘટનાઓ નજરે ચડતી હોય છે. ચાલો આપણે સમજવા મહેનત કરીએ કે આવી ઘટનાઓ પાછળ પ્રકૃતિનો શો ઇરાદો હોઇ શકે ?

     [અ]….”લજામણી” ના છોડવા અડક્યા ભેળા તે કેમ સંકોચાઇ જાય છે ?

    સાચુ કહીએ તો વનસ્પતિના આધારે પૂરી જીવસૃષ્ટિનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રકૃતિએ લડાવેલ પર્યાવરણ રક્ષા માટેના કેટલાક કીમિયા માંહ્યલી આ એક એની જ અદભૂત કરામત છે. પૃથ્વી પરના તૃણાહારી પ્રાણી-પંખીડાં ધરતી પરની બધી જ લીલોતરી આરોગી જઈ પૃથ્વીને સાવ વેરાન ન કરી મૂકે એ હેતુ સર પ્રકૃતિએ કેટલીક ચુનંદી વનસ્પતિને આત્મરક્ષણની જે ખાસ સુવિધા ભેટ ધરી છે, તેવી સુવિધા “લજામણી”ના છોડવાને વિશેષ રૂપે બક્ષી છે.

    લજામણીનો છોડ “સ્પર્શ” બાબતે એટલી બધી સંવેદના ધરાવે છે કે એનાં જ પાંદડાં કે ડાંડલા પવન જેવા કોઇ કારણસર અંદરોઅંદર એકબીજાને ભટકાયા કરે તો એનો એને જરીકેય વાંધો નથી. પણ પારકાનો સ્પર્શ એ તરત ઓળખી કાઢે છે. આપણી આંગળીનું ટેરવું કે કોઇ પણ નાનું મોટું જીવ જંતુ એને અડક્યુ નથી કે પાંદ અને ડાળીઓ સહિત-આખા છોડવાને જાણે રીસ ચડી નથી ! પતંગિયું જેમ સામસામી પાંખોને કાટખૂણે સંકેલે એમ વારાફરતી બધાં પાંદડાં તે બંધ કરવા માંડે છે. અને વધારે કૌતુક તો ત્યારે લાગે છે જ્યારે છોડવાની દરેક ડાંડલીને પણ રેલ્વેના સિગ્નલની માફક નીચે પાડી દે છે !

    આનું કારણ લજામણીના પાંદડાંની દાંડીમાં અને દાંડીના મૂળ પાસે રહેલી ગ્રંથીમાં દબાણયુક્ત ઠાંસોઠાંસ સંગ્રહાયેલું પાણી હોય છે. આ પાણીના લીધે જ ડાંડલી અને પાંદડાં ટટ્ટાર રહી શકે છે. અચાનક  પાંદડાંને કે દાંડલીને કોઇનો સ્પર્શ થયો ? ખલ્લાસ ! સંરક્ષણની લાગણી પ્રગટે છે અને છોડવાના પાંદ-દાંડલીને ટટ્ટાર રાખનાર દબાણયુક્ત પાણી જ્યાં હોય ત્યાંથી સડસડાટ અન્ય પોલી જગ્યા તરફ વહી જાય છે ! સમજોને સ્પિંગયુક્ત ડોર-ક્લોઝવાળા બારણાં આડે મૂકેલી ઠેસી ખસેડી લીધી !! પાંદડાંની ટોચથી શરૂ કરી તે એક પછી એક પહેલાં બિડાય નાનાં પાંદડાં અને પછી તરત આવી જાય છે દાંડલીનો વારો ! ગ્રંથી માંહ્યલું પાણી આમ ખલાસ થાય એટલે આખી તીરખી પણ મુડદાલ હાલતમાં નમી પડે છે. ત્વરિત રીતે આવી ઘટના ઘટતા કોઇ દુશ્મન કીટક કે ઝીણું જંતુ હોય તો ભડકીને દૂર ખસી જાય છે અને ચારો ચરનાર કોઇ પંખી-પ્રાણી હોય તો આવો છોડવો તેને રોગીષ્ટ, ચેપી કે ચિમળાએલો લાગતાં એને ચરી ખાવાનો પડતો કરી દૂર ખસી જાય છે.

    અને નવાઇની વાત તો પાછી એ છે કે એકાદ કલાક પછી જો નજર કરીએ તો દ્રશ્ય ફરી પલટી જાય છે ! નીચેથી છોડવાના થડ વાટેથી પાણી ફરી યથાસ્થાને ગોઠવાઇ જાય છે અને છોડ ખીલી ઊઠે છે. તમે જ કહો, કુદરત જેને રાખે એને કોણ ચાખે ?   

    [બ]……મોટા ભાગના ફળો ગોળાકાર કે લંબગોળ આકારના જ કેમ હોય છે ?  આવું થવા પાછળ વનસ્પતિ વિજ્ઞાનીઓએ ત્રણ સંભાવનાઓ વર્ણવી છે.

    [1]……..એક “કેળાફળ” ને બાદ કરતાં [કારણ કે કેળામાં બીજ હોતું નથી] બાકીના મોટાભાગના ફળવૃક્ષોના ફૂલમાં રહેલ બિજાશયનો ઘાટ ગોળાકાર ટપકા જેવો જ હોવાથી તેમાંથી બનતું ફળ પણ ગોળ ઘાટ ધારણ કરે છે.

    [2]…….ઝાડ ઉપર લટકતા ગોળ આકાર વાળા ફળોનું ગુરુત્વ મધ્યબિંદુ વચ્ચે રહેવાથી તે ટીંગાઈ રહે છે. પણ જો ફળનો આકાર ચોરસ-ત્રિકોણાકાર કે કોઇ અન્ય ઘાટનો હોય તો તે ઝાડ પર ટકી રહેવાને બદલે નીચે તૂટી પડે !

    [3]…….વનસ્પતિમાં પણ પોતાનો વંશવેલો વધારવાની કુદરતે જે ઇચ્છા મૂકેલી છે તે અનુસાર પ્રાણી, પક્ષીઓ અને જંતુઓને પોતાના “બીજ-વિસ્તરણ” ના કાર્યમાં વધુમાં વધુ સફળતા મળે એ વાસ્તે એ બધાને આકર્ષવા પાનમાં વધુમાં વધુ હરિયાળી, ફૂલોમાં વધુમાં વધુ સુગંધ અને ફળોમાં આકર્ષક દેખાવ અને મધુર સ્વાદ મૂક્યા છે ! અને આપણે સૌ જાણીએ છીએ કે કોઇ ચોરસ ઘાટના, ત્રિકોણ ઘાટના કે કોઇ અન્ય ઘાટના વાસણની સરખામણીએ “ગોળ” ઘાટના વાસણમાં જ વધુમાં વધુ પ્રવાહી સમાઇ શકે ! તો પ્રકૃતિ થોડી આવા ગણિતથી અજાણ હોવાની ? એટલે ભૌમિતિક દ્રષ્ટિએ ઓછી જગ્યામાં વધુ ફળ-ગર અને બીજ સમાવાની ગણતરીથી જ ગોળ કે લંબગોળ આકાર ફળોને પ્રકૃતિએ આપ્યો હોય એવું સાબિત થાય છે.

    [ક]……..આમળાંના વૃક્ષમાં ફૂલો ખીલે ફેબ્રુઆરી-માર્ચ માસમાં, અને ફળો દેખાય છેક જુલાઇ-ઓગસ્ટ માસમાં ! આવું કેમ ?

    જાન્યુઆરી ઉતરતાં ઉતરતાં ઝાડ પરનાં ફળો બધાં પરિપક્વ થઈ વૃક્ષ ફળ વિહોણું બની, પાંદડાં બધાં ખેરવી, એવી આરામ અવસ્થામાં સરી જાય છે દેખાવે ઝાડ બધાં લાગે સાવ ઠુંઠાં, નર્યાં હાડપિંઝર જોઇ લ્યો ! ફેબ્રુઆરીના અંતે આરામ અવસ્થા તજી, સમાધિમાંથી જાગૃત થતાં વેંત પાતળી ડાળીઓ પર નવી ફૂટ શરુ થાય છે. અને એ નવી ફૂટમાં પાનની દરેક તીરખીની બગલમાંથી નર ફૂલો ખીલવતી તીરખી આગળ જતાં તેના પર જ એક, બે, કે ચાર-પાંચ જેટલાં માદા ફૂલો ખીલવે છે. અને વાતાવરણ માપસરની ઠંડી-ગરમીવાળું હોય તો માર્ચ આખર-એપ્રિલની શરૂઆત ટાણે ફૂલોમાં ફલીકરણ થઈ-નરફૂલો ખરી જાય છે, અને માદા ફૂલોની જગ્યાએ રાઇના દાણાથીયે ઝીણા સાવ ટચૂકડા ઘાટે “બાળભૃણ” પાનની દાંડલી પર ચોટી રહે છે.

    બીજાં બધાં ફળઝાડોમાં ફૂલો ખીલતાં જોયા બાદ થોડા વખતમાં જ ફળોનું ઝવણ ભાળતા હોઇએ છીએ અને ધીરે ધીરે ફળોને મોટાં થતાં જોઇ શકતા હોઇએ છીએ. તેવું જ જો આમળાંના વૃક્ષોમાં પણ બને તો તો જુલાઇ-ઓગસ્ટમાં આમળાં ફળો પરિપક્વ થઇ ઉતારવા લાયક બની જાય ! તમે જ વિચાર કરો,  આવા ભર ચોમાસે કોઇ આમળાં ફળોને ઉપયોગમાં લે ? આમળાં ફળ તો આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ ફળ હોવા છતાં એના ઉપયોગની સાચી ઋતુ “શિયાળો” ગણાય એવું વૈદોનું ગણિત કહે છે. અને આવો ખ્યાલ કંઇ પ્રકૃતિને ન હોય એવું તો હોય જ નહીં ! એટલે ફળનું બંધારણ ભલે માર્ચ-એપ્રિલમાં થાય, પણ એને સમાજને ચરણે તો નવેંબર-ડીસેંબરમાં પહોંચે એવું કરવા ઇરાદા પૂર્વક “બાળભૃણ” ને ચાર મહિના સુધી પારણિયામાં [ડોરમન્સીમાં] પોઢાડી દઈ, એની ઉંઘ છેક ઓગસ્ટ શરૂ થતાં જ ઉડે, અને પછી ઝડપ રાખી માંડે મોટું થવાં તે દિવાળી આવતાં આવતાં-કહોને ઠંડીની શરૂઆત થાય થાય ત્યાં આમળાં ફળો રસથી તરબોળ થઈ ઉતારવા લાયક બની માનવસમાજને ઉપયોગી બની રહે. એ હેતુ સર જ અન્ય કોઇ વૃક્ષને નહીં, માત્ર આમળા વૃક્ષને તેના બાળભૃણને ચાર મહિના “લોકડાઉન” એટલે કે ડોરમન્સીમાં રાખવાનો આદેશ અપાયેલો હોવો જોઇએ એવું અમારું માનવું છે.

    [ડ]……….આંબામાં કોઇ કોઇ વાર કટાણે ફાલ લાગી કેરીઓ પાકે છે. આવું કેમ ? વનસ્પતિને જેમ ઊભવા અને ખોરાક મેળવવા પૂરી ફળદ્રુપ અને સારા બંધારણવાળી જમીનની જરૂર રહે છે, એના મૂળવિસ્તારમાં જેમ પ્રમાણસરના ભેજની જરૂર રહે છે, સંરક્ષણ અર્થે હુંફની જરૂર રહે છે, તેવું જ વનસ્પતિને ઊગવાથી માંડી આખર સુધી જે તે સ્ટેજે કે સમયે અનુકૂળ હોય તેવા “વાતાવરણ”ની પણ એટલી જ જરૂર રહેતી હોય છે. અને બીજું, વનસ્પતિ સંપૂર્ણ રીતે પ્રકૃતિના જ આદેશને અનુસરનાર જીવ હોઇ, જ્યારે જ્યારે વાતાવરણમાં અણધાર્યા અને વણકલ્પ્યા પલટા આવી પડે ત્યારે કોઇ કોઇ ઝાડ-છોડના જીવનચક્રમાં થોડો બદલાવ આવી જાય છે

    ઘણીએ વખત ચોમાસા દરમ્યાન પણ એવી ગરમી શરુ થતી હોય છે જે જાણે અતિ ગરમીવાળો ઉનાળો જોઇ લ્યો ! અને ઋતુના વખત બારું કંઇક એવી જાતનું વાતાવરણ સર્જાય છે કે માત્ર આંબા જ નહીં, પણ લીમડા અને ગુંદા સહિતના ઝાડવાંયે છેતરાઈ જાય છે. ઠંડી-ગરમીનો કંઇક એવો મેળ બેસી જાય છે કે વૃક્ષો એવા ભ્રમમાં પડી જાય છે કે “આપણી ફળવાની ઋતુ આવી ગઈ !” અને માળાં ફૂલો માંડે છે ખીલવવા ! તે ચચ્ચાર મહિના અગાઉ લીમડે લીમોળી પાકી પડે, ગુંદાં “અથાણિયાં” બની અને કેરી “શાખ પડી” બજારમાં વેચાવા પહોંચી જાય ! આ કટાણે ફાલ પકડાવી દેવાનાં કારસ્તાન પણ પ્રકૃતિજન્ય વાતાવરણીય ફેરફારના છે !

    [ઈ]……….જે ઝાડવું મરવાની તૈયારી કરી રહ્યું હોય તે છેલ્લે છેલ્લે પુષ્કળ ફાલ આપતું ભળાય છે, આવું કેમ ? ખેડૂત તરફથી પોષણ-પાણી અને સંરક્ષણ બાબતેની પૂરેપૂરી કાળજી હોવા છતાંયે ક્યારેક કોઇ ઝાડને આપણા કળ્યામાં ન આવે એવું કોઇ જમીનજન્ય દર્દ ઝાડવાના મૂળિયાંને મુશ્કેલીમાં મૂકી રોજિંદુ જીવન જીવવામાં મુશ્કેલી કરવા માંડે અને ઝાડ જ્યારે દર્દ સામે પૂરી મહેનતથી ઝઝૂમી, બચી જવાના પૂરા પ્રયત્નો કરવા છતાંયે જ્યારે નાસીપાસ થાય છે ત્યારે તે અંત: પ્રેરણાથી એવું વિચારવા માંડે છે કે “હવે મરી જવા સિવાય આરો વારો નથી”. માટે હવે જે કંઇ શેષ જીવન છે તેમાં “વંશ સચવાય જાય તેવા પ્રયનો કરવા લાગી જવું.” અને એટલે જ આવું મરવાનું થયું હોય તે ઝાડ શક્ય તેટલા વધુ ફૂલો અને ફળો આપવા પ્રયત્ન કરે છે. કહોને પોતાની જાત નીચોવી નાખીને, મરણિયા પ્રયાસ કરીને વધુમાં વધુ બીજ તૈયાર કરવાની પેરવીમાં હોય છે. પછી ભલે બને એવું કે એટલા બધા લટકાવેલા ફળોમાંથી કેટલાય નાનાં રહી જવા પામે કે કેટલાયનું અકાળે બાળમરણ પણ થઈ જાય તો કુરબાન ! પણ પ્રયત્ન તો કરી છૂટ્યે જ પાર ! એટલે જ્યારે વૃક્ષને “મરી જઈશ” એવો અણસારો આવી જતાં ઝાડ પોતાનો વંશ ચાલુ રાખવા-કહોને વધુ બીજ બનાવી લેવાના હેતુ સર શક્ય તેટલા વધુ ફળો લટકાવી દેતું હોય છે. એનો હેતુ બસ પોતાનો વંશ સાચવી લેવાનો જ હોય છે. અને ખરે જ આવા મરણિયા પ્રયાસનું પરિણામ પણ  ઝાડના “મૃત્યુ” માં જ પરિણમતું હોય છે એ વાત પણ સાવ જ સાચી. આવા ચાર પાંચ ઝાડને છેલ્લે છેલ્લે મેં વધુ ફાલ-ફળ આપી જિંદગી નીચોવી દઈ, મરી જતાં નજરે જોયાં છે.

    [ફ]……….”નર” પપૈયાના થડિયે ફાડ ભરાવ્યા પછી એ છોડવાને ફળો લાગી ગયાં ! આવું કેમ ?

    જો કે આ ન સમજાય તેવો ચમત્કાર નથી. મધપૂડામાં ઇંડાં મૂકવાનું કામ માત્ર “રાણીમાખી” જ કરતી હોય છે. વળી આખી વસાહતમાં રાણી તો એક જ હોય છે. થોડી “નર” માખીઓને બાદ કરતાં બાકીની બધી માખીઓ જે સ્વયંસેવકની ફરજ બજાવતી હોય છે તે બધી તો “નપુસંક” હોય છે. પણ જ્યારે રાણીમાખીનું જીવન ઓચિંતાનું સમાપ્ત થવાની ઘટના બને છે ત્યારે વસાહતને જાળવી રાખવાના અદમ્ય આશયથી આવી સ્વયંસેવક માખીઓ પોતે પણ ઇંડાં મૂકવા મંડી પડે છે. પણ તે ઇંડામાંથી માખીઓ જન્મતી નથી. કંઇક એમ જ…..

    “નર” પપૈયાને સામાન્ય સ્થિતિમાં ફળો લાગતાં નથી. પણ જ્યારે આપણે એના થડિયામાં ફાટ પાડીને લોઢું કે લાકડું ભરાવી દઈએ ત્યારે એને ઇજા પહોંચે છે, એની જિંદગી જોખમમાં મૂકાઇ જાય છે. અને અકાળે જ મરી જવાની બીક લાગી જાય છે. અને એ નક્કી કરે છે કે લાવો હું પણ મારાં બીજ બનાવી લઉં ! પરિણામે નર ફૂલોની વચ્ચે “માદા” ફૂલો ખીલવા માંડે છે, અને બીજ પેદા કરવાની મહેનત આદરે છે. તે માદા ફૂલો તો ખીલવે છે પણ એણે ખીલવેલા માદા ફૂલો સંપૂર્ણ અવયવો વાળા ન હોવાથી બંધાયેલાં ફળોમાં બિયાં ઉત્પન્ન થતાં નથી. બરાબર નિરીક્ષણ કરજો ! નર પપૈયાને લાગેલાં ફળો લાંબી દાંડલીપર ઘાટઘૂટ વિનાનાં સાવ નાનાં અને અંદર બિયાં ન હોય તેવાં માલુમ પડશે. પ્રકૃતિએ સૌ જીવોમાં પોતાનો વંશ ચાલુ રાખવાની જે અદમ્ય ઇચ્છા મૂકી છે એની આ વિચિત્ર ઘટનાઓ છે.


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • જીવાદોરીની દોરી જ કપાવા લાગે ત્યારે..

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પ્રાચીન કથાઓમાં જાતભાતના દૈત્યોની વાત આવે છે. ક્યાંક તેઓ ફૂંક મારીને આગ લગાવે, તો ક્યાંક જળાશયને સૂકવી દે. આવી અમાપ વિનાશક શક્તિઓ ધરાવતા વિવિધ દૈત્યો આખરે દેવતાઓના હાથે જેર થાય, પણ એ પહેલાં તેઓ ઘણુંબધું નુકસાન કરી ચૂક્યા હોય. બાળપણમાં લાગતું કે આ કથાઓ અને એમાં આવતા દૈત્યો કાલ્પનિક હશે, પણ હવે સમજાય છે કે એ વાસ્તવિક છે, એટલું જ નહીં, તેની વિનાશક શક્તિઓ વાર્તામાં વર્ણવાઈ હોય એના કરતાં અનેકગણી વધુ છે.

    પ્રવર્તમાન સમયના આવા એક દૈત્યનું નામ છે જળવાયુ પરિવર્તન, જેને અંગ્રેજીમાં ‘ક્લાઈમેટ ચેન્‍જ’ તરીકે ઓળખવામાં આવે છે. આ દૈત્ય કંઈ આકાશમાંથી નથી ટપકેલો. તે પૂર્ણપણે માનવીની ગતિવિધિઓનું પરિણામ છે, એટલે કે તે માનવસર્જિત છે. માનવની જરૂરિયાત અને એ માટેની મહત્ત્વાકાંક્ષાઓએ તમામ પ્રકારની હદ વટાવી દીધી તેને પરિણામે પેદા થયેલો આ દૈત્ય છે. તે કયા ક્ષેત્રે, કેવો વિનાશ વેરશે એનો પૂરો અંદાજ આવવો હજી મુશ્કેલ છે, કેમ કે, રોજબરોજ અવનવાં વિપરીત પરિણામ નજર સામે આવી રહ્યાં છે.

    વિશ્વ બૅન્‍કના એક અહેવાલ અનુસાર, આગામી વીસેક વર્ષમાં ભારતની તેમજ વિશ્વભરની નદીઓ સૂકાતી જશે. ભારતના ભૂગર્ભ જળના સ્રોતની સ્થિતિ કટોકટીયુક્ત હશે, જે નદીમાંના પાણીના પ્રવાહને અસર કરશે. આમ થવાનું કારણ? કારણ એક જ, જળવાયુ પરિવર્તન!

    આસામની બ્રહ્મપુત્રા નદીમાં જળ સ્તરનો ઘટાડો અતિશય ચિંતાજનક છે અને તેનાં ભાવિ પરિણામ અંગે વિચારીને પરિસ્થિતિની ગંભીરતાની ચિંતા થાય એવું છે. ઑક્ટોબરના છેલ્લા સપ્તાહમાં નદીના કેટલાક ભાગમાં ફેરી સેવાને સ્થગિત કરી દેવામાં આવી. અલબત્ત, તે પછી ચાલુ કરાઈ. પણ એક હોડી નદીની રેતમાં કલાકો સુધી ફસાઈ ગઈ અને લોકો ગભરાઈ ઊઠ્યા. ચોમાસા પછી આમ તો નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાતો હોય છે, પણ આ વર્ષે નોંધાયેલો ઘટાડો અભૂતપૂર્વ છે.

    કેવળ બ્રહ્મપુત્રામાં આ સ્થિતિ છે એમ નથી. દેશના અન્ય ભાગની નદીઓમાં પણ જળસ્તર ઘટ્યું છે. એ માટે અનેક પરિબળો જવાબદાર છે, જેમાં સિંચાઈ, ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડો, વન્ય આવરણ ઓછું થવું વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લાં ઘણાં વરસોથી કૃષ્ણા અને વરહી જેવી નદીઓમાં જળપ્રવાહ ઘટી રહ્યો છે. આ તમામનો ટોપલો જળવાયુ પરિવર્તનના માથે નાખવામાં આવ્યો છે, જે સાચું પણ છે.

    આ મામલે આશ્વાસન લેવું હોય તો એટલું લઈ શકાય એમ છે કે આવી સ્થિતિ કેવળ ભારત પૂરતી મર્યાદિત નથી, બલકે વિશ્વભરમાં વ્યાપેલી છે. ઠેરઠેર નદીઓના જળપ્રવાહ ઘટી રહ્યા છે અને તેનાથી અનેક રીતે ગંભીર નુકસાન થઈ રહ્યું છે. અમેરિકાની કોલોરાડો નદીની જળરાશિ ઘટી રહી છે અને અમેરિકન સરકારે તેને બચાવવા માટે કટોકટીનાં પગલાં લેવાં પડ્યાં છે. ચીનની યાંગત્સે નદીનો પ્રવાહ પાતળો પડી રહ્યો છે, જેને કારણે ચીનના અમુક ભાગમાં વિપરીત અસર પડી રહી છે. યુરોપની ર્‍હાઈન અને ડાન્યુબ નદીઓમાં વહાણવટાના વ્યવસાયને ગંભીર અસર પહોંચી છે.

    નદીઓનો પ્રવાહ એવી વિચિત્ર રીતે અસરગ્રસ્ત થાય છે કે નવાઈ લાગે. હીમપર્વતમાંથી નીકળતી નદીઓમાં ભારે પૂર આવી રહ્યાં છે, કેમ કે, વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થવાને કારણે હીમનદીઓ પીગળી રહી છે. તો બીજી બાજુ હીમપર્વતમાંથી ન નીકળતી હોય એવી નદીઓ સૂકાઈ રહી છે, જેને કારણે તેના કાંઠા પરના જીવનને વિપરીત અસર થાય છે.

    આગામી વરસોમાં નાઈલ નદીના પ્રવાહમાં પચાસ ટકા જેટલું પરિવર્તન આવશે એવી ધારણા છે. એ પૂરસ્વરૂપે પણ હોઈ શકે કે પછી દુષ્કાળ તરીકે પણ હોઈ શકે. વિશ્વની મોટા ભાગની નદીઓ ઉચ્ચતમ અને નિમ્નતમ જળસ્તરના નવા વિક્રમ સર્જી રહી છે. ઘણી બધી નદીઓમાં અગાઉ કદી ન આવ્યું હોય એવું ભારે પૂર અથવા જળસ્તરમાં અભૂતપૂર્વ રીતે ઘટાડાની સ્થિતિ સર્જાઈ રહી છે. બ્રહ્મપુત્રા થોડા મહિના અગાઉ બેય કાંઠે હતી, અને હવે ઘણી જગ્યાએ તે સૂકાઈ ગઈ છે.

    એક વાત સમજી લેવા જેવી છે કે ફક્ત જળવાયુ પરિવર્તનને દોષ આપીને બેસી રહેવું આ સમસ્યાનો ઊકેલ નથી. સ્થાનિક સ્તરે પણ નદીમાં અનેક જાતનું પ્રદૂષણ ફેલાતું રહે છે. તેમાં આડેધડ ફેંકાતો પ્લાસ્ટિકનો કચરો તેમજ અન્ય સામગ્રી નદીના પ્રવાહને અવરોધે છે, તેમજ તેની જૈવપ્રણાલિને વિપરીત અસર કરે છે. આપણે નદીને ‘લોકમાતા’નું બિરુદ તો આપી દીધું, અને માની લીધું કે તે પોતાનાં બાળ એટલે કે માનવજાતનાં સઘળાં દુષ્કૃત્યો માફ કરી દેશે. આપણે તેને પહેલાં ‘જીવાદોરી’ ગણતા હતા, પણ એ પછી તેનો ઉપયોગ ખેતી, વ્યાપાર, પીવાનું પાણી, ગંદુ પાણી છોડવા, પ્રવાસન અને પરિવહન માટે વધતો રહ્યો. તેને કારણે આપણે કદાચ સમૃદ્ધ બન્યા હોઈશું, પણ નદીને મૃત:પ્રાય અવસ્થામાં આપણે લાવી મૂકી.

    હજી આપણને એનું ભાન નથી પડતું. નદીકાંઠાના સૌંદર્યીકરણની કે નદીઓને એકમેક સાથે સાંકળવાની યોજનાઓનું આયોજન થઈ રહ્યું છે. એ દર્શાવે છે કે નદીઓને તે શી રીતે વિપરીત અસર કરશે એ આપણે સમજવા માગતા જ નથી.

    પ્રત્યેક નદીનો જળમાર્ગ આગવો છે, એમ તેની જૈવપ્રણાલિ પણ આગવી છે. આથી તેની સમસ્યાને અલાયદી રીતે ઊકેલવી જરૂરી છે. જળવાયુ પરિવર્તનનો જીન શીશીમાંથી બહાર નીકળી ચૂક્યો છે. તેને નાથીને પાછો શીશીમાં પૂરવો હવે અશક્ય જણાય છે. સરકાર કે સંબંધિત સંસ્થાના પક્ષે જ્યારે અને જે આયોજન થાય ત્યારે ખરું, એક નાગરિક તરીકે વ્યક્તિગત સ્તરે આપણે નદીને પ્રદૂષિત કરતા અટકવાની પહેલ કરવા જેવી છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૯ – ૧૧ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • દરેક દિશામાંથી ઉત્તમ વિચારો પ્રાપ્ત થાવ

    મંજૂષા

    વીનેશ અંતાણી

    પરસપર અસંમતિ માટે સંમત થવાની મોકળાશ રાખવી વ્યક્તિત્વવિકાસ માટે આવશ્યક છે.આપણે આપણાં મનમગજને ખોલશું નહીં ત્યાં સુધી હૃદય બંધ જ રહેશે

     

    સામાન્ય રીતે આપણે સમાન વિચારો, સમાન મૂલ્યો, સમાન જીવનશૈલી ધરાવતી વ્યક્તિ સાથે ભળવાનું વધારે પસંદ કરીએ છીએ. એવી વ્યક્તિ કે સમાજ સાથે સુવિધાજનક મોકળાશનો અનુભવ થાય છે. આપણા વિચારો, માન્યતાઓ કે સામાજિક રહેણીકરણી સામે પડકાર લાગતો નથી. પ્રમાણમાં સહેલાઈથી અરસપરસ સંમત થવાની શક્યતા દેખાય છે. એ આપણો પરિચિત પ્રદેશ હોય છે. બાળકો પણ આવા સીમીત વર્તુળમાંથી જ મિત્રો બનાવે છે. મોટા થયા પછી પરિચયમાં આવતા લોકોની સંખ્યા વધે છે. લોકો નોકરીના સ્થળે પોતાના જેવા લાગતા સહકાર્યકર્તાઓને પસંદ કરે છે. ગોઠવાયેલાં લગ્નમાં વ્યક્તિ અને પરિવારની પ્રથમ પસંદગી માટે એવો જ માપદંડ હોય છે. એ માનસહજ વલણ છે.

    ઉંમરની સાથે બહારના જગત સાથે સંપર્ક વધે પછી અલગ જાતિ, ધર્મ, ભાષા, સામાજિક ભૂમિકા ધરાવતા લોકો સાથે સંસર્ગમાં આવવાનું બને છે. બદલાયેલા સમયમાં નવીનવી વ્યાવસાયિક તકો ઊભી થવાથી લોકો એમનું ગામ-શહેર-રાજ્ય છોડી વિદેશ સહિત બીજા મુલકમાં જાય છે. એથી નવી પેઢીના સંપર્કનું ક્ષેત્ર બહોળું થયું છે. પરિસ્થિતિ પ્રમાણે અલગ પ્રકારના લોકો સાથે ભળવાનું લગભગ અનિવાર્ય બની જાય છે.

    વાત ઔપચારિક કે વ્યાવસાયિક સંબંધો પૂરતી જ નથી. તેની બહારનાં બૃહદ્દ ક્ષેત્રમાં આપણાથી ભિન્ન વિચારો, અભિગમ, જીવનશૈલી ધરાવતા લોકોને સ્વીકારવા આપણે કેટલા તૈયાર છીએ તેની પણ છે. વ્યક્તિ ઓપન માઇન્ડેડ હોય તો વિવિધ પ્રકારના પરિચય અને સંપર્ક વિકસાવી શકે છે અને જાળવી શકે છે. એમની વિચારસરણી વિસ્તૃત બને છે. માણસને અન્ય વ્યક્તિઓમાં રહેલી ભિન્નતામાં રસ પડવો જોઈએ. દરેકના જીવનના અનુભવ જુદા રહેવાના, માન્યતાઓ ભિન્ન રહેવાની અને કોઈ પણ બાબત માટે એમની માનસિક પ્રતિક્રિયા પણ અલગ રહેવાની. પરસપર અસંમતિ માટે સંમત થવાની મોકળાશ રાખવી વ્યક્તિત્વવિકાસ માટે આવશ્યક છે. અહીં અસહિષ્ણુતાને અવકાશ જ રહેતો નથી. વિશ્ર્વની સીમાઓ સંકોચાવા લાગી હોય ત્યારે કોઈ પણ પ્રકારની સંકુચિતતાને સ્થાન ન હોય. અમેરિકાની લેખિકા અને વિચારક બાયરોન કૅટીએ કહ્યું છે: ‘આપણે આપણાં મન-મગજને ખોલશું નહીં ત્યાં સુધી હૃદય બંધ જ રહેશે.’

    આપણાથી અલગ વિચારો અને દૃષ્ટિબિંદુ સાથે મેળ પડે તો એને સ્વીકારવા સહેલા બને છે. એમાંથી મળતી નવી માહિતી આપણી સામે પડકાર ફેંકતી નથી, પરંતુ પૂરક બને છે. તેમ છતાં આપણાથી અલગ વિચારસરણીને આસાનીથી પચાવવી સહજ લાગતું નથી. અભ્યાસીઓ કહે છે તેમ તે માટે આપણા વિચારો અને દૃષ્ટિબિંદુને તત્કાળ પૂરતાં બાજુએ મૂકી, અન્યના વિચાર અને અભિગમનો ખુલ્લા મને સ્વીકાર કરવો જોઈએ. તો એને સમજવાની બારી ઊઘડે. આપણને પ્રાપ્ત થયેલા નવા વિચારમાંથી ગ્રહણ કરવા જેવું લાગે તો તે ગ્રહણ કરવું જોઈએ. એટલું જ નહીં, તે સંદર્ભમાં આપણું કશુંક અયોગ્ય લાગે તો એને બદલવાની પણ તૈયારી રાખવી જોઈએ.

    ક્યારેક નવો વિચાર સામે મુકાતાંની સાથે જ કેટલાક લોકો પહેલે ધડાકે નકારાત્મક તારણ પર આવી જાય છે. જેમ કે વ્યવસાયના ક્ષેત્રમાં કોઈ સેલ્સમેન એના મેનેજર પાસે કોઈ નવો વિચાર મૂકે તો પહેલી પ્રતિક્રિયા ‘આ શક્ય જ નથી’ જેવો આવે છે. એને બદલે ‘નવો વિચાર નિષ્ફળ જવાની સંભાવના વધારે છે, છતાં ચાલો, આપણે પ્રયત્ન તો કરી જોઈએ’ પ્રકારના પ્રતિસાદથી કશુંક સારું બનવાની શક્યતા વધે છે.

    આપણું જ બધું ઉત્તમ છે, અદ્વિતીય છે એવી સંકુચિતતામાં પુરાઈ રહેવાથી કોઈ ફાયદો થતો નથી. આ સંદર્ભમાં એક બાોધકથા જાણવા જેવી છે. એક સમયે એક જંગલમાં બધું ગુલાબી રંગનું હતું. પ્રાણીઓ,પક્ષીઓ, વૃક્ષો, નદીનું પાણી, જમીનનો રંગ – બધું ગુલાબી. એ જંગલનાં પ્રાણીઓ અને પક્ષીઓએ એમના જંગલમાંથી ક્યારેય બહાર પગ મૂક્યો નહોતો. તેઓ બધાં માનતાં હતાં કે ગુલાબી રંગ સિવાય બીજું કશું હોઈ જ શકે નહીં. એક વાર એક ચકલી ઊડતી ઊડતી બીજા જંગલમાં પહોંચી ગઈ. ત્યાં બધું જ લીલા રંગનું હતું. પાછી આવીને એણે બધાંને વાત કરી. બધાં બાજુના જંગલમાં ગયાં. જોયું તો ચકલીની વાત સાચી હતી. લીલા રંગના જંગલનાં નિવાસીઓને પણ ગુલાબી પ્રાણી-પક્ષીઓને જોઈ નવાઈ લાગી. બંનેમાંથી ઉત્તમ કોણ એનો વિવાદ ઉગ્ર ઝઘડા સુધી પહોંચ્યો. બંને પક્ષના પીઢ વડીલોએ વિચારવિમર્શ કરીને કહ્યું: ‘આ રીતે ઝઘડવાનો અર્થ નથી. આપણા રંગ અલગ છે, પરંતુ બીજી બધી રીતે અમારા – તમારા હાથીઓ, મોર, હરણ, રીંછ, પોપટ, ચકલી – એમ બધાંના આકાર એકસરખા છે. આપણે એકબીજાના રંગ સ્વીકારી લઈએ. બધાંએ એમની વાત માની, સંપથી રહેવા લાગ્યાં. એટલાં હળીમળી ગયાં કે લાંબા ગાળે એમના રંગ અલગ છે તે વાતનું મહત્ત્વ જ વીસરાઈ ગયું.

    ભારતની સંસ્કૃતિમાં ‘દરેક દિશાએથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ’ જેવી મોકળાશ છેક વેદકાળથી છે. આપણા માટે આ વાત નવી નથી, વિસરાઈ ગઈ હોય તો જુદી વાત છે.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ચાર ખંડ, પાંચ દેશમાં ચાલેલું ઈતિહાસ મંથન

    તવારીખની તેજછાયા

    રાજવી પરિવારોના ઉમિયા ​​​​​​​સન્માનનું સાંભળ્યું ત્યારે જે બે નામ ખાસ કોઈ આયોજન વિના સાંભરી આવ્યાં હતાં, એની થોડીક વાત કરું?

    પ્રકાશ ન. શાહ

    રા ણી વિક્ટોરિયાના ઢંઢેરા (૧ નવેમ્બર ૧૮૫૮)થી ‘ગદર’ એ ક્રાંતિકારી પત્રના પ્રકાશન (૧ નવેમ્બર ૧૯૧૩)ની અલપ ઝલપ જિકર કરી ન કરી, અને એ કાળખંડને ગુજરાત-ભારત છેડેથી એક વિશ્વ ઘટના રૂપે જુદેસર મૂકવા વિચારતો હતો ત્યાં તો જોઉં છું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને સરદાર જયંતીના વિરાટ આયોજન સાથે દેશના રાજવી પરિવારોનુંયે પોંખણું પાર પાડ્યું છે. થોડાં વરસ પર મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરામાં (હું ધારું છું, ગાયકવાડની પરોણાગતમાં) આવું એક રાજવી રાવણું મળ્યું હતું.

    વસ્તુત: રાજવીઓનો ખાસો હિસ્સો એવો પણ હતો જેને સ્વરાજની ચળવળ પરત્વે અસુખ હતું અને સ્વરાજ પછી પણ કશુંક ખૂંચતું રહ્યું હશે. ભાગલા વખતે પાકિસ્તાન સાથે સીધા સંબંધની રીતે વિચારનારાં રજવાડાં પણ ક્યાં નહોતાં? ૧૮૫૭માં તમે ક્યાં હતા એ મુદ્દે સિંધિયા પરિવારને પણ, એમ તો, ટીકાસ્ત્ર ક્યાં વેઠવા નથી પડતાં? સયાજીરાવ ક્રાંતિકારીઓ પરત્વે સહાયકારી વલણ ધરાવતા હતા તો ૧૮૫૭ વખતે ગાયકવાડની વડોદરાએ સલામત અંતરનો રવૈયા લીધો હતો એ પણ ઈતિહાસવસ્તુ છે.

    રાજવી પરિવારોના ઉમિયા સન્માનનું સાંભળ્યું ત્યારે જે બે નામ ખાસ કોઈ આયોજન વિના સાંભરી આવ્યાં હતાં, એની થોડીક વાત કરું? એક તો દરબાર ગોપાળદાસનું સ્મરણ થઈ આવ્યું હતું. સ્વરાજની લડતમાં એમ એમની નાનીશી રિયાસત, ઢસા-રાયસાંકળી, જપ્ત થયેલી અને સ્વરાજ પછી પાછી મળી ત્યારે ભારત સંઘમાં સ્વેચ્છાએ વિલીન થયેલું પહેલું રજવાડું પણ એ હતું. ગોપાળદાસ સ્વતંત્ર કોલમના બરની પ્રતિભા છે પણ એમનું એક વિશેષ અર્પણ તો અછડતુંયે સંભારી લઉં. ગુજરાતની, ઘણું કરીને ભારતની પણ પહેલી મોન્ટેસરી શાળા એમણે મોતીભાઈ અમીનના માર્ગદર્શનમાં વસોમાં શરૂ કરેલી. (મેઘાણીએ ‘સોરઠ તારાં વહેતાં પાણી’માં દરબાર સાહેબ આધારિત એક પાત્રનોયે પ્રવેશ કરાવ્યો છે.)

    નાના-મોટા રાજવી પરિવારો પૈકી યદૃચ્છાવિહાર પેઠે થઈ આવેલું બીજું સ્મરણ રાજા મહેન્દ્ર પ્રતાપનું હતું. ૧૯૫૭-૧૯૬૨નાં વર્ષોમાં એ લોકસભા સાંસદ હતા ત્યારે અમદાવાદની લેસ્કી ઈન્સ્ટિટ્યૂટમાં એમને જોવા-સાંભળવાનું બન્યું હતું. (એ વખતે ખબર નહોતી કે મથુરાની બેઠક પર એમની સામે હારી ગયેલાઓ પૈકી એક ભાવિ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ હતા.) સાધારણપણે આપણે જંગે આઝાદીમાં દેશ બહાર સ્થપાયેલી સરકાર તરીકે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકારને સંભારતા હોઈએ છીએ, પણ એ તો બીજા વિશ્વયુદ્ધ વખતની ઘટના છે, જ્યારે પહેલા વિશ્વયુદ્ધનાં વરસોમાં દેશ બહાર એવી સરકારની સ્થાપનાનું માન અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપને નામે ઈતિહાસજમે છે. એ પ્રમુખ અને મૌલવી બરકતુલ્લા વડાપ્રધાન એવી રચના હતી, અને મહેન્દ્ર પ્રતાપના સંપર્કો રૂસના લેનિનથી જર્મનીના કૈસર લગીના હતા.

    સ્વરાજની ચળવળને આપણે વ્યાપક આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં જોઈએ છીએ ત્યારે 19મી સદી ઉતરતે ગુજરાત-ભારત છેડેથી ત્રણ નામ લગભગ એકસાથે સામે આવે છે અને તે પણ એક જ અરસામાં. ૧૮૯૨, ૧૮૯૩, ૧૮૯૪આ એ વર્ષો છે જ્યારે વિવેકાનંદ શિકાગોની વિશ્વ ધર્મ સંસ્દમાં પ્રકાશ્યા છે, દાદાભાઈ નવરોજી બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશ્યા છે અને ગાંધીભાઈ દ. આફ્રિકાના જાહેર જીવનમાં પડ્યા છે.

    જરી ઉતાવળે જિકર કરું આ ત્રણેની? દાદાભાઈ ૧૮૯૨માં લંડનના ફિન્સબરીમાંથી આમની સભામાં ગયા ત્યારે એમની જે અભ્યાસ-સેર ભારત છેડેથી ચાલુ હતી એને બ્રિટિશ મ્યુઝિયમની સમૃદ્ધ લાઈબ્રેરીના સેવને ખાસી સહાય કરી અને નવા સમયના વાહક તરીકે હિંદમાં બ્રિટનની હાજરી વસ્તુત: કઈ હદે આ દેશની શ્રી, સંપત્તિ અને સમૃદ્ધિને ઉશેટી જનારી છે એની દસ્તાવેજી વિગતો આગળ ચાલતાં ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રુલ ઈન ઈન્ડિયા’ રૂપે વિશ્વસુલભ બની. (બાય ધ વે, આ ‘અનબ્રિટિશ’ એ પ્રયોગ નોંધ્યો તમે?’)

    આર્થિક શોષણ ને દારુણ ગરીબીનું આ ચિત્ર બ્રિટિશ શાસન પર સાંસ્થાનિક ચકામા (ચંદ્રક નહીં) પેઠે ઊપસી રહ્યું હતું ત્યારે ૧૮૯૩માં શિકાગોની વિશ્વ ધર્મ સંસદને તખતે વિવેકાનંદનો સિંહપ્રવેશ થયો. બીજી વિગતો છોડી દઈ અહીં એટલું જ સંભારું માત્ર કે આ વેદાન્તકેસરીયો સાંપ્રદાયિક જટાજૂટથી હઠી સર્વધર્મસાધક ગુરુની છાયામાં વ્યાપક ધર્મનું દરિદ્રનારાયણ રૂપ આગળ કર્યું. સાંસ્થાનિક શોષણ સામે આ નવધર્મચિંતન હતું.

    ૧૮૯૪ એ વરસ છે જ્યારે દ. આફ્રિકાના હિંદી ભાઈબહેનોના નાગરિક હક્કની લડાઈમાં બેરિસ્ટર ગાંધીભાઈ ડગ માંડી રહ્યા છે. એમને સારુ ઊંડી ધર્મખોજનો આ ગાળો છે જેમાં કવિ રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર)ની સંપર્કહૂંફ ઉપરાંત આવી મળેલો અણચિંતવ્યો સધિયારો તોલ્સ્તોયના વાંચનનો હતો. ‘ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ વિધિન યૂ’ મૂળ રૂસીમાં ૧૮૯૩માં બહાર પડ્યું અને ૧૮૯૪માં તો અંગ્રેજીમાં અવતારી મુમુક્ષુ મોહનદાસના હાથમાં પડ્યું.

    ખ્રિસ્તી ધર્મ એ પ્રેમધર્મ છે અને પ્રેમને પ્રત્યક્ષ કૃતિમાં ઉતારવા સારુ રૂસના દુર્ભિક્ષગ્રસ્તોની સેવાનો સાદ સાંભળી તોલ્સ્તોય રાહતકાર્યમાં જોતરાય છે. દુર્ભિક્ષનો ભોગ બનેલાઓ જો ખ્રિસ્તી છે તો આ વસમા સમયમાં એમને શોષનારા શાહુકારોય ખ્રિસ્તી છે, અને એ શાહુકારોની પૂંઠે અડીખમ સમર્થન આપનાર નામદાર ઝાર પણ ખ્રિસ્તી છે! પ્રેમધર્મના યાત્રીને આ જે ‘સાક્ષાત્કાર’ થયો તેણે સામાજિક તેમજ રાજ્યવિષયક આલોચનાવિવેક એટલે કે ‘ક્રિટિક’ની અનિવાર્યતા સમજાવી. હિંદીવાનો સારુ લડી રહેલા ગાંધીને ધર્મખોજના જ એક દુર્નિવાર અંગ તરીકે શાસનમીમાંસાની જરૂરત પકડાઈ.

    પરંપરાગત ધર્મખોજની આ સંપ્રદાયમુક્ત નાગરિક સમુત્ક્રાંતિ આપણા સમયની એક મોટી વાત હતી અને છે. ભારત, ઈંગ્લેન્ડ, રશિયા, અફઘાનિસ્તાન, અમેરિકા, આફ્રિકા- ચાર ખંડ ને પાંચ દેશમાં આ જે મંથન ચાલ્યું, એક રીતે એનું નવનીત લઈને ‘હિંદ સ્વરાજ’ આવ્યું. વીસમી સદીનો પહેલો દસકો ઉતરતે એ અને ‘ગોરા’ બેઉ લગભગ એક જ અરસામાં.

    આ સંબલ સામે શો છે આપણો હિસાબ?


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૮ – ૧૧ – ૨૦૨૩ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • (૧૨૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૭૦ (આંશિક ભાગ –૨)

    કભી નેકી ભી ઉસ કે જી મેં ગર આ જાએ હૈ મુઝ સે 

    (શેર ૧ થી ૩ થી આગળ)

    (શેર ૪ થી ૬)

    – મિર્ઝા ગ઼ાલિબ
    વલીભાઈ મુસા (રસદર્શનકાર)

    ઉધર વો બદ-ગુમાની હૈ ઇધર યે ના-તવાની હૈ
    ન પૂછા જાએ હૈ ઉસ સે ન બોલા જાએ હૈ મુઝ સે (૪)

    [બદ-ગુમાની= વહેમ, અવિશ્વાસ, મિથ્યાભિમાન, અક્કડ વલણ; ના-તવાની= કમજોરી, નિર્બળતા, ભીરુતા]

    રસદર્શન :

    આ શેર સીધોસાદો અને નવીનતાવિહીન લાગતો હોવા છતાં તેમાં લાલિત્યસભર પૂર્ણ સુંદરતા સમાયેલી છે. વળી પ્રથમ મિસરામાં અન્યોન્ય સાથે પડઘાતા ‘ઉધર’ અને ઇધર શબ્દો લયબદ્ધતા સાધે છે. આ  બંને શબ્દો દૂરનું અને નજીકનું એવું અંતર તો  દર્શાવે છે, પણ ગ઼ાલિબની અહીં કમાલ એ છે કે તે માશૂક અને માશૂકા વચ્ચેના શારીરિક અંતરના બદલે તેમના ભાવાત્મક અંતરને દર્શાવે છે. માશૂકાનું મિથ્યાભિમાન કે અક્કડ વલણ સામેના છેડે છે, તો માશૂક પક્ષે તેમની ભીરુતા આ પક્ષે છે. આમ બંને પક્ષની સ્વભાવગત નિર્બળતા એવી પરિસ્થિતિ જન્માવે છે કે એ બેઉ વચ્ચે વાણીવિનિમય (Communication) થઈ શકતો નથી, અર્થાત્ બંને વચ્ચે ચૂપકીદી સર્જાઈ રહે છે. માશૂકાની બદગુમાની તેને કંઈક પૂછવા કે જાણવાથી રોકે છે, તો વળી માશૂકની ભીરુતા કે સંકોચ તેને બોલવાથી રોકે છે; અને આમ બંને વચ્ચે મૌન સર્જાય છે અને જડ પૂતળાંની જેમ તેઓ એકબીજાથી દૂર ને દૂર ઊભાં રહી જાય છે. આમ આ શેરનું પઠન કરતાં આપણી નજર સમક્ષ એક મનમોહક શબ્દચિત્ર ખડું થઈ જાય છે.

    * * *

    સઁભલને દે મુઝે ઐ ના-ઉમ્મીદી ક્યા ક઼યામત હૈ
    કિ દામાન-એ-ખ઼યાલ-એ-યાર છૂટા જાએ હૈ મુઝ સે (૫)

    [ના-ઉમ્મીદી= નિરાશા; ક઼યામત= ન્યાયનો દિવસ, આફત-બલા (અહીં); દામાન-એ-ખ઼યાલ-એ-યાર= માશૂક/દોસ્તના વિચારનો તંતુ છેડો (સાથ)]

    રસદર્શન :

    શેરનો પ્રથમ મિસરો સ્વગતોક્તિ (Soliloquy)માં છે. માશૂક પોતાની નિરાશાને સંબોધતાં કહે છે તું મને સ્થિર થવા દે, કેમ કે મારા પગ તારા કારણે લથડિયાં ખાઈ રહ્યા છે. માણસ જ્યારે ઘોર નિરાશામાં સપડાય ત્યારે તેનું શરીર નિશ્ચેતન થવા માંડે છે અને ગાત્રો ઢીલાં થતાં જાય છે. અહીં એક ફિલ્મી ગીતની પંક્તિ ‘મહોબ્બતમેં ઐસે કદમ ડગમગાયે!’ યાદ આવી જાય છે વળી અહીં ‘કયામત’ શબ્દ બોલચાલ (Colloquial)ના અર્થમાં છે, નહિ કે ખ્રિસ્તી કે મુસ્લીમ મત મુજબના કયામત (Doomsday)ના અર્થમાં. અહીં માશૂકની નિરાશા પરાકાષ્ઠામાં હોઈ તેને કયામતના ત્રાસ જેવી કલ્પવામાં આવી છે. ગ઼ાલિબ શેરના બીજા મિસરામાં માશૂકાના મિલનની નાઉમ્મીદીને બેહદ આગળ લઈ જતાં માશૂકના મુખે એમ કહેવડાવે છે કે ‘હે મારી નાઉમ્મીદી, કયામતની યાદ અપાવી જાય એવી તું મારા ડગમગતા પગને સ્થિર થવા દે અર્થાત્ કે મારી જાતને સંભાળી લેવા દે!’ અહીં સ્પષ્ટ સમજાઈ જ જાય છે કે માશૂકની નાઉમ્મીદી એટલે માશૂકાને પામી ન શકવાની નિરાશાજનક મન:સ્થિતિ.

    શેરના બીજા મિસરામાં માત્ર ગ઼ાલિબ જ આપી શકે તેવી પરિકલ્પના એ છે કે માશૂકાથી સદેહે વિખૂટા પડ્યાના દુ:ખના વિચારોને રસ્સાની જેમ પોતાના માનસપટમાં મજબૂતીથી જકડી રાખનાર માશૂકની હવે તો એ હાલત થઈ ગઈ છે કે એ રસ્સાનો છેડો પણ જાણે કે હાથમાંથી સરકી રહ્યો છે. આમ માશૂકા અંગેના વિચારો જે એક માત્ર સહારારૂપ હતા, તે પણ હવે હાથમાંથી જઈ રહ્યા છે।  અહીં માશૂકા ભુલાઈ રહી છે એમ અભિપ્રેત નથી, પણ માશૂકાના વિરહના કારણે માશૂકનું મન એવું તો સુન્ન (મૂઢ) થઈ ગયું છે કે માશૂકા  અંગેના વિચારો પણ આવતા બંધ થઈ જવાની માશૂકને દહેશત છે.

    * * *

    તકલ્લુફ઼ બરતરફ઼ નજ઼્જ઼ારગી મેં ભી સહી લેકિન
    વો દેખા જાએ કબ યે જ઼ુલ્મ દેખા જાએ હૈ મુઝ સે (૬)

    [તકલ્લુફ઼= શિષ્ટાચાર; નજ઼્જ઼ારગી= દૃષ્ટિ, નજર]

    રસદર્શન :

    સરસ મજાના આ શેરમાં અર્થભાવ એવો તો સૂક્ષ્માતિસૂક્ષ્મ છે કે આ રસદર્શકડાને આ શેરને એકાધિક વખત વાંચવો પડ્યો છે. પહેલા મિસરામાં ગ઼ાલિબે ભલે તેના શાયરાના અંદાઝમાં ભારેખમ શબ્દો પ્રયોજ્યા હોય, પણ તેનો સીધો સાદો મતલબ તો એ જ થાય છે કે કોઈ સુંદરતમ વસ્તુને ટીકીટીકીને જોવામાં કે તેનું  સૌંદર્યપાન કરવામાં કોઈ શિષ્ટાચારભંગ થતો તો ન જ ગણાય. બીજા શબ્દોમાં આ જ વાતને એમ પણ કહી શકાય કે એકી નજરે એવા કોઈ સૌંદર્યને નિરખવું દુરસ્ત જ ગણાય. અહીં સુંદરતમ બાબતો બે પ્રકારની હોઈ શકે; એક, કાં તો એ કોઈ કુદરતી દૃશ્ય કે પદાર્થ હોય અને બે, કોઈ જીવંત વ્યક્તિ હોય. હવે જીવંત કોઈ વ્યક્તિ અર્થાત્ અહીં માશૂકાને એમ એકીટશે જોયા કરવું એ સહી છે એવું આ પહેલા મિસરામાં કહેવાતું હોવા છતાં ‘લેકિન’ શબ્દ થકી બીજા મિસરામાં એ વિધાનને એ રીતે પૂરું કરવામાં આવે છે કે ‘પરંતુ  એ રીતે માશૂકાને વેધક નજરે  જોયા કરવું એ ક્યારેક તો તેના ઉપરનો એક  જુલ્મ જ સાબિત થઈ જાય !’ મેં અહીં મારા પક્ષે ‘તકલ્લુફ઼ બરતરફ઼’નો અર્થ ‘શિષ્ટાચાર ભંગ ન થવો’ એમ લીધો છે, પરંતુ મીમાંસકોના  એક મત   મુજબ તેનો અર્થ ‘શિષ્ટાચારને બાજુએ મૂકવો’ અને બીજા એક મત મુજબ ‘સાચું કહેતાં’ એવો અર્થ વ્યક્ત  થયો છે. પહેલો મત શાબ્દિક ફેરફાર સાથે મારા મતની નજીક હોઈ તેને ગ્રાહ્ય રાખી શકાય, પરંતુ બીજા  મતને અસ્વીકાર્ય જ ગણવો પડે કેમ કે મિસરાના પાછળના શબ્દો સાથે તેને જોડતાં સુગ્રાહ્ય અર્થ મળતો નથી.                                                                                               (ક્રમશ:)

    * * *

    ઋણસ્વીકાર:

    (૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

    (૨) http://www.youtube.com વેબસાઇટનો…

    (૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

    (૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

    (૫) Courtesy : https://rekhta.org

    (૬) Courtesy –  urduwallahs.wordpress.com

    (૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

    (૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

    * * *

    શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

    ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 94261 84977

    નેટજગતનું સરનામુઃ

    William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો