વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • વૈશ્વિક કાળ ગણના

    ચિરાગ પટેલ

    મનુસ્મૃતિ, વિવિધ પુરાણો, સૂર્ય સિદ્ધાંત, ભગવદ્ ગીતા આદિ ગ્રંથોના આધારે આપણે ચાર યુગોની કાળગણના જોઈએ. આ લેખ સંખ્યાઓ અને ગણતરીઓથી ભરપૂર છે, એટલે જેમને ગણિત પ્રત્યે આભડછેટ હોય તેઓ સીધા છેલ્લા ખંડ પર કૂદકો મારે અને ઉલ્ટા ક્રમમાં લેખ વાંચે!

    ચાર યુગ કે ચતુર્યુગ એટલે સતયુગ કે કૃતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. આવા ૭૧ ચતુર્યુગ મળીને એક મન્વંતર બને. એક મન્વંતરમાં ૧૨ હજાર દેવ વર્ષ હોય છે. ૧૪ મન્વંતરો તથા એક મન્વંતર સંધ્યાથી એક કલ્પ બને છે. એક મન્વંતર સંધ્યા એક સત્ યુગ જેટલી હોય છે. એક કલ્પ એટલે ભગવાન બ્રહ્માનો એક દિવસ જેમાં લગભગ એક સહસ્ત્ર ચતુર્યુગ હોય છે. ભગવાન બ્રહ્માનું આયુષ્ય ૩૬૦ કલ્પનાં બનેલા એક વર્ષ જેવા ૧૦૦ વર્ષોનું કહેવાય છે, જેને પર કે મહા કલ્પ પણ કહે છે. (આ ગણતરીમાં એક સુધારો મારા અવલોકન પ્રમાણે આગળ હું સૂચવીશ.) એક પરાર્ધ એટલે ભગવાન બ્રહ્માના ૫૦ વર્ષ. ભગવાન બ્રહ્માના દિવસમાં જીવ સૃષ્ટિ વ્યક્ત થાય છે અને તેમની રાત્રિમાં અવ્યક્ત રહે છે. અર્થાત્ ભગવાન બ્રહ્મના ૧ દિન જેટલાં સમય સુધી જીવ સૃષ્ટિનું અસ્તિત્વ હોય છે અને ૧ રાત્રિ સુધી જીવ સૃષ્ટિ અવ્યક્ત રહે છે. પુનઃ નવી જીવ સૃષ્ટિ વ્યક્ત થાય છે અને આમ સૃષ્ટિનું ચક્ર ચાલતું રહે છે. મહાકલ્પ અર્થાત્ બ્રહ્માના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં મહાપ્રલય થાય છે અને બ્રહ્માંડનો અંત થાય છે. અને, નવા બ્રહ્માંડનું બીજ રહી જાય છે. બ્રહ્માના અન્ય ૧૦૦ વર્ષ સુધી એ બીજ નિષ્ક્રિય રહે છે. અને, નવા બ્રહ્માની ઉત્પત્તિ સાથે નવું બ્રહ્માંડ આકાર લેતું જાય છે.

    એક દેવ વર્ષમાં ૩૬૦ દેવ દિવસ હોય છે. એક દેવ દિવસ એટલે મનુષ્યોના છ માસનો દિન અને છ માસની રાત્રિ એટલે કે, એક દેવ દિવસ એક મનુષ્ય વર્ષ જેટલો હોય છે. ૧૨,૦૦૦ દેવ વર્ષમાં ૪,૦૦૦ દેવ વર્ષ સત્ યુગ ૪૦૦ દેવ વર્ષ આરંભ સંધ્યા અને ૪૦૦ દેવ વર્ષ અંત સંધ્યા હોય છે. એ જ પ્રમાણે, ત્રેતા યુગના દેવ વર્ષો ૩૦૦ + ૩,૦૦૦ + ૩૦૦ = ૩,૬૦૦ હોય છે. દ્વાપર યુગના દેવ વર્ષો ૨૦૦ + ૨,૦૦૦ + ૨૦૦ = ૨,૪૦૦ હોય છે. કલિ યુગના દેવ વર્ષો ૧૦૦ + ૧,૦૦૦ + ૧૦૦ હોય છે. પ્રત્યેક સંખ્યાને ૭૧ વડે ભાગવાથી એક ચતુર્યુગના વર્ષ મળે છે, કારણ કે ૧ મન્વંતરમાં ૭૧ ચતુર્યુગ હોય છે. એ પ્રમાણે એક ચતુર્યુગ ૬૦,૮૪૫.૦૬૮૮ માનવ વર્ષનો છે.

    પ્રત્યેક યુગનો આરંભ દિન નિશ્ચિત હોય છે.

    સત્ યુગ -> વૈશાખ શુક્લ તૃતીયા
    ત્રેતા યુગ -> કાર્તિક શુક્લ નવમી
    દ્વાપર યુગ -> ભાદ્રપદ કૃષ્ણ ત્રયોદશી
    કલિ યુગ -> માઘ પૂર્ણિમા

    પ્રત્યેક મન્વંતરમાં બ્રહ્મા મનુની ઉત્પત્તિ કરે છે જે અન્ય સર્વે પ્રાણીઓનું સંવર્ધન કરે છે. જે-તે મનુના નામ પર મન્વંતર ઓળખાય છે. પ્રત્યેક મન્વંતરમાં મનુષ્યોની આકૃતિ ભિન્ન હોય છે. જેમ કે, ચાક્ષુસ મન્વંતરમાં મનુષ્યો વર્તમાન વૈવસ્વત મન્વંતરના બિલાડી કુળના પ્રાણીઓ જેવાં હતાં. પ્રત્યેક મન્વંતરના નિર્ધારિત સપ્તર્ષિ હોય છે. મન્વંતરના નામ અને સપ્તર્ષિઓ જોઈએ.

    ૧. સ્વાયંભૂવ – મરીચિ, અત્રિ, અંગિરસ, પુલહ, ક્રતુ, પુલસ્ત્ય, વસિષ્ઠ
    ૨. સ્વરોચિષ – ઉર્જા, સ્તમ્ભ, પ્રાણ, દત્તોલી, ઋષભ, નિશ્ચર, અર્વરિવત / ઉર્જા, સ્તમ્ભ, પ્રાણ, વાત, પૃષવ, નિરાય, પરિવન
    ૩. ઉત્તમ – કૌકુનિધિ, કુરુનધિ, દલય, સાંખ, પ્રવાહિત, મિત, સમ્મિત
    ૪. તામસ – જ્યોતિર્ધામ, પૃથુ, કાવ્ય, ચૈત્ર, અગ્નિ, વાનક, પિવર
    ૫. રૈવત – હિરણ્યોર્મા, વેદશ્રી, ઉર્ધ્ધબાહુ, વેદબાહુ, સુધામન, પર્જન્ય, મહામુનિ
    ૬. ચાક્ષુસ – સુમેધસ, હવિશ્મત, ઉત્તમ, મધુ, અભિનમન, સહિષ્ણુ / સુમેધ, વિરાજ, હવિશ્મન, ઉત્તર, મધુ, સહિષ્ણુ, અતિનામ
    ૭. વૈવસ્વત (વર્તમાન મન્વંતર) – વસિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, જમદગ્નિ, ભરદ્વાજ, કશ્યપ, ગોતમ
    ૮. સૂર્ય સાવર્ણ / સાવર્ણિ – દિપ્તિમત, ગાલવ, પરશુરામ, કૃપ, દ્રોણી (અશ્વત્થામા), વ્યાસ, ઋષ્યશૃંગ
    ૯. દક્ષ સાવર્ણ – સાવન, દ્યુતિમત, ભવ્ય, વસુ, મેધાતિથી, જ્યોતિષ્માન, સત્ય
    ૧૦. બ્રહ્મ સાવર્ણ – હવિષ્માન, સુકૃતિ, સત્ય, અપમ્મૂર્તિ, નભગ, અપ્રતિમૌજસ, સત્યકેતુ
    ૧૧. ધર્મ સાવર્ણ – નિશ્ચર, અગ્નિતેજસ, વપુષ્માન, વિષ્ણુ, અરુણી, હવિષ્માન, અનઘ
    ૧૨. રુદ્ર સાવર્ણ – તપસ્વી, સુતપસ્, તપોમૂર્તિ, તપોરતિ, તપોધૃતિ, તપોદ્યુતિ, તપોધન
    ૧૩. રોચમાન / દેવ સાવર્ણ – નિર્મોહ, તત્વદર્શિન્, નિશપ્રકંપ, નિરુત્સૂક, ધૃતિમત, અવ્યય, સુતપસ્
    ૧૪. ભૌતય / ઇન્દ્ર સાવર્ણ – અગ્નિબ્સુ, સૂચિ, ઔક્ર, મગધ, ગૃધ્ર, યુક્ત, અજીત

    ત્રીસ કલ્પ દિવસ અર્થાત બ્રહ્માના એક માસના પ્રત્યેક દિવસનું નામ: ૧) શ્વેતવારાહ (વર્તમાન કલ્પ) ૨) નીલલોહિત ૩) વામદેવ ૪) રથન્તર ૫) રૌરવ ૬) દેવ ૭) બૃહત્ ૮) કંદર્પ ૯) સદ્ય ૧૦) ઈશાન ૧૧) તમઃ ૧૨) સારસ્વત ૧૩) ઉદાન ૧૪) ગારુડ ૧૫) કૌર્મ ૧૬) નારસિંહ ૧૭) સમાન ૧૮) આજ્ઞેય ૧૯) સોમ ૨૦) માનવ ૨૧) તત્પુમાન્ ૨૨) વૈકુંઠ ૨૩) લક્ષ્મી ૨૪) સાવિત્રી ૨૫) અઘોર ૨૬) વારાહ ૨૭) વૈરજ ૨૮) ગૌરી ૨૯) માહેશ્વર ૩૦) પિતૃ.

    મનુષ્યના વર્ષ સૂર્યની ગતિ પર આધારિત છે, એવા ૧૨ વર્ષના સમયગાળાને બૃહસ્પતિ (ગુરુ ગ્રહ)નું એક ચક્ર કહે છે. આવા પાંચ બૃહસ્પતિ ચક્ર વર્ષો એટલે કે ૬૦ વર્ષોનાં ચક્રને સંવત્સર ચક્ર કહે છે. એ પ્રમાણે સંવત્સર (સૂર્ય વર્ષ)ના નામ: ૧) પ્રભવ ૨) વિભવ ૩) શુક્લ ૪) પ્રમોદૂત ૫) પ્રજાપતિ ૬) આંગિરસ ૭) શ્રીમુખ ૮) ભવ ૯) યુવ ૧૦) ધાતુ ૧૧) ઈશ્વર ૧૨) બહુદાન્ય ૧૩) પ્રમાદી ૧૪) વિક્રમ ૧૫) વિશુ ૧૬) ચિત્રભાનુ ૧૭) સુભાનુ ૧૮) ધારણા ૧૯) પાર્થિભ ૨૦) વિય ૨૧) સર્વજિત ૨૨) સર્વાધારી ૨૩) વિરોધી ૨૪) વિકૃતિ ૨૫) કર ૨૬) નંદન ૨૭) વિજય ૨૮) જય ૨૯) મન્મથ ૩૦) દુર્મખી ૩૧) હેવિલમ્બી ૩૨) વિલમ્બી ૩૩) વિકારી ૩૪) શરવારી ૩૫) પ્લવ ૩૬) શુભકૃતુ ૩૭) શોભકૃતુ ૩૮) ક્રોધી (સન ૨૦૨૪નું વર્ષ) ૩૯) વિશ્વાવસુ ૪૦) પરાભવ ૪૧) પ્લવઙગ ૪૨) કીલક ૪૩) સૌમ્ય ૪૪) સાધારણ ૪૫) વિરોધિકૃતુ ૪૬) પરિધાબી ૪૭) પ્રમાદીચ ૪૮) આનંદ ૪૯) રાક્ષસ ૫૦) નલ ૫૧) પિંગલ ૫૨) કાલયુક્તિ ૫૩) સિદ્ધાર્થી ૫૪) રૌદ્રી ૫૫) દુર્મતિ ૫૬) દુંદુભિ ૫૭) રુધિરોદ્ ગારી ૫૮) રકતાક્ષી ૫૯) ક્રોધન ૬૦) અક્ષય.

    શસ્ત્રો પરથી હવે આધુનિક વિજ્ઞાન પર કૂદકો મારીએ. વર્તમાનમાં પૃથ્વીની ધરી ૨૩.૫ અંશ નમેલી છે, પરંતુ એ નમન ૨૨.૧ અંશ અને ૨૪.૫ અંશ વચ્ચે પરિવર્તન પામતું હોય છે. આ પરિવર્તનનું ચક્ર આશરે ૪૧,૦૦૦ માનવ વર્ષનું છે. આ પરિવર્તન પૃથ્વી પરના ઋતુઓનો અવધિ બદલે છે. જેમ કે, ૩ મહિનાની વસંત ઋતુને બદલે એ ૨ મહિનાથી લઈને ૪ મહિના સુધીની થાય છે. વળી, પૃથ્વીની ધરી સ્થિર નથી. એ ભમરડાંની ધરીની જેમ એક વર્તુળમાં ચકરાવો લે છે. એક ચકરાવો પૂર્ણ થતાં આશરે ૨૫,૭૭૨ વર્ષ લાગે છે. ધરીનું ગમન ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર દેખાતાં આકાશમાં પરિવર્તન લાવે છે. એક ચોક્કસ વર્તુળમાં ધ્રુવનો તારો, સપ્તર્ષિ મંડળ ઇત્યાદિ ચકરાવો લે છે. ધ્રુવના તારાનું સ્થાન અન્ય કોઈ તારો લઈ લે છે. અન્ય એક પરિવર્તનમાં, ઋતુ ચક્ર પ્રત્યેક વર્ષે આશરે ૨૦ મિનિટ જેટલું વહેલું થતું જાય છે. જેમ કે, ભારત દેશમાં વસંત ઋતુ વર્તમાનમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં આવે છે. જ્યારે, ૫,૦૦૦ વર્ષ પહેલા ભારતમાં વસંત ઋતુ સપ્ટેમ્બર/ઓકટોબર મહિનામાં હતી. ધરીનું આવું એક સંપૂર્ણ ગમન પૂરું થઈને મૂળ સ્થાન પર આવતા ૨૫,૭૭૨ વર્ષ લાગે છે. મનુષ્ય અનુભવી શકે એવું આ ભૌગોલિક પરિવર્તન છે. એક આડવાત. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ પોતાને વર્ષના મહિનાઓમાં માર્ગશીર્ષ (માગશર) અને ઋતુઓમાં વસંત ઓળખાવે છે. એ રીતે જોતાં, આશરે ૫,૫૦૦ વર્ષ પૂર્વે ભારતમાં વસંત ઋતુ માગશર માસમાં આવતી હતી! એટલે કે, શ્રીકૃષ્ણ એટલાં વર્ષો પૂર્વે ભારતમાં સદેહે હતાં.

    છઠ્ઠી સદીમાં થઈ ગયેલા શ્રી વિષ્ણુચંદ્રે કરેલી ગણતરી પ્રમાણે ૧ કલ્પમાં ધરીના ૧,૮૯,૪૧૧ નમન પરિવર્તન ચક્ર હોય છે. તેમના પછી થયેલા શ્રી ભાસ્કર-૧ની ગણતરી પ્રમાણે ૧,૯૪,૧૧૦ ચક્ર હોય છે. બારમી સદીમાં થયેલા શ્રી ભાસ્કર-૨ ૧,૯૯,૬૯૯ ચક્ર જણાવે છે. આ આંકડાઓનો તાળો આધુનિક ગણતરીમાં મળતો નથી.

    હવે, આધુનિક વિજ્ઞાન પ્રમાણે અમુક આંકડા જોઈએ. ગણતરી માટે પૃથ્વીનું માનવ વર્ષ એકમ રૂપે લીધેલું છે.

    બ્રહ્માંડની વય = આશરે ૧૩ અબજ ૮૧.૩ કરોડ વર્ષ
    આકાશ ગંગાની વય = આશરે ૧૨ અબજ ૧૫ કરોડ વર્ષ
    સૂર્યની વય = આશરે ૪ અબજ ૬૦ કરોડ વર્ષ
    પૃથ્વીની વય = આશરે ૪ અબજ ૫૪ કરોડ વર્ષ

    મંદાકિની આકાશ ગંગા (Milky Way) અને દેવયાની આકાશ ગંગા (Andromeda)નું મિલન = આશરે ૬ અબજ ૭૫ કરોડ વર્ષ પછી

    સૂર્યમંડળને આકાશ ગંગાના કેન્દ્રનું પરિભ્રમણ કરતાં લાગતો સમય = આશરે ૨૨ કરોડ ૫૦ લાખ વર્ષ જેને મંદાકિની વર્ષ (galactic year) કહે છે.

    સૂર્યમંડળનું આકાશ ગંગા કેન્દ્રથી અંતર = આશરે ૨૫ હજાર પ્રકાશ વર્ષ

    પૃથ્વીની ધરીનું નમન ચક્ર ૨૫,૭૭૨ વર્ષ છે જ્યારે શાસ્ત્રીય ચતુર્યુગ ૬૦,૮૪૫.૦૬૮૮ માનવ વર્ષનો છે. શ્રી યુકતેશ્વર જેવા ઘણાં વિદ્વાનો એવું માને છે કે, એક ચતુર્યુગ ચક્રમાં સત્ -> ત્રેતા -> દ્વાપર -> કલિ -> કલિ -> દ્વાપર -> ત્રેતા -> સત્ એવી રીતે યુગ પરિવર્તન થતાં હોય છે.  તો તાળો કઈક આ પ્રમાણે બેસે છે.

    ૧ નમન ચક્ર = ૨૫,૭૭૨ વર્ષ
    ૧ આધુનિક ચતુર્યુગ ચક્ર = ઊતરતો ચતુર્યુગ અને ચઢતો ચતુર્યુગ = ૫૧,૫૪૪ વર્ષ

    વળી, આમાં ૨૦% યુગસંધિ એટલે કે ૧૦% આરંભ સંધ્યા અને ૧૦% અંત સંધ્યાન્શ ઉમેરણ કરીએ તો વર્ષ થાય ૬૧,૮૫૨.૮! પૃથ્વીની ધરીનું નમન ચક્ર પણ વધ-ઘટ થતું હોય છે (૨૩,૦૦૦ વર્ષથી લઈને ૬૯,૦૦૦ વર્ષ) એટલે આપણે આ આંકડો ચતુર્યુગ માટે લઈ શકીએ. સંધિના વર્ષ ક્યારે ઉમેરવા એ અંગે ચોક્કસ નિર્દેશ મળતો નથી. આપણે એવું માની શકીએ કે એક ચતુર્યુગ પૂરો થાય પછી સંધિના વર્ષો ઉમેરવા જોઈએ. કોઈ નિશ્ચિત ખગોળીય કે ભૌગોલિક ઘટનાનું ચક્ર એની સાથે બંધ બેસતું દેખાતું નથી. કદાચ હિમ યુગ (ice age) હોઈ શકે. પણ, મને એ માટે નક્કર માહિતી મળી નથી.

    આપણી આકાશ ગંગાની વયને સૂર્યમંડળના આકાશગંગા ફરતે લગતા પરિભ્રમણ વર્ષ વડે ભાગાકાર કરીએ (૧૨,૧૫,૦૦,૦૦,૦૦૦ / ૨૨,૫૦,૦૦,૦૦૦) તો આંકડો આવે છે ૫૪. આ અંક શાસ્ત્રો પ્રમાણે બ્રહ્માની વય જે બ્રહ્માનું આયુષ્યનું ૫૧મું વર્ષ ગણાવે છે એને મળતો આવે છે. એટલે, સૂર્યમંડળનું આકાશગંગા ફરતે પરિભ્રમણ એ બ્રહ્માનું એક વર્ષ ગણી શકાય. એ પ્રમાણે, સૂર્યની વય ૪૬૦ કરોડ વર્ષ છે એટલે કે ૨૦.૪૪ મંદાકિની વર્ષ. અને, પૃથ્વીની વય ૪૫૪ કરોડ વર્ષ એટલે ૨૦.૧૮ મંદાકિની વર્ષ.

    બ્રહમાના એક દિવસમાં જીવસૃષ્ટિ વ્યક્ત થાય છે અને એક રાત્રિમાં અવ્યક્ત રહે છે. પૃથ્વી પર પ્રત્યેક ૨.૬ કરોડથી ૩ કરોડ વર્ષે સામૂહિક જૈવ વિનાશ (mass extinction) થતો હોય છે. જૈવ વિનાશ પછી પૃથ્વી પર પુનઃ જીવ સૃષ્ટિનું વૈવિધ્ય પહેલા જેવુ થતાં ૧.૫ કરોડથી ૩ કરોડ વર્ષ લાગે છે. આશરે ૬ કરોડ ૨૦ લાખ વર્ષનું આ ચક્ર છે એમ વૈજ્ઞાનિકો જણાવે છે. આ આંકડાને ચતુર્યુગ (૬૧,૮૫૨.૮) વડે ભાગીએ તો મળે છે લગભગ ૧,૦૦૨.૩૮! એક કલ્પમાં લગભગ એક સહસ્ર ચતુર્યુગ હોવાનું કહેવાય છે. એટલે, આ સામૂહિક જૈવ વિનાશના સમયગાળાને આપણે એક કલ્પ ગણીએ એ યોગ્ય લાગે છે.

    એક મન્વંતર ૧૨,૦૦૦ દેવ વર્ષ અને ૭૧ ચતુર્યુગથી બને છે. ૧૨,૦૦૦ દેવ વર્ષના ૩૬૫.૨૬ લેખે ૪૩,૮૩,૧૨૦ મનુષ્ય વર્ષ થાય છે. એને ચતુર્યુગ ૬૧,૮૫૨.૮ વડે ભાગતા ૭૦.૮૬ આવે એટલે એ રીતે મન્વંતરના વર્ષો યોગ્ય લાગે છે. એક કલ્પ (૬.૨૦ કરોડ)મા એ રીતે ૧૪.૧૪ મન્વંતર થાય છે. આ આંકડો પણ શાસ્ત્ર સિદ્ધ ૧૪ મન્વંતર અને એક મન્વંતર સંધ્યા એમ એક કલ્પના સમીકરણને મળતો આવે છે.

    હવે, બ્રહ્માનું એક વર્ષ મારી દૃષ્ટિએ શાસ્ત્રો કરતાં ભિન્ન કેવી રીતે છે એ જોઈએ. બ્રહ્માના એક વર્ષ (૨૨.૫ કરોડ)માં ૩.૬૩ કલ્પ અને ૫૧.૩૩ મન્વંતર આવે છે. એ પ્રમાણે જો ૩૬૦ કલ્પનું બ્રહ્માનું આયુષ્ય ગણીએ, તો ૫૪ (બ્રહ્માની વય) x ૩.૬૩ = ૧૯૬.૦૨ કલ્પ પૂર્ણ થયા અને ૧૬૩.૯૮ કલ્પ જેટલું આયુષ્ય બાકી કહેવાય. એટલે કે, ૧૦ અબજ ૩૫ કરોડ વર્ષ પછી આકાશ ગંગા નહીં હોય. આધુનિક વિજ્ઞાન ૬ અબજ ૭૫ કરોડ વર્ષ પછી મંદાકિની આકાશ ગંગા અને દેવયાની આકાશ ગંગા એકબીજામાં ભળી જશે એમ જણાવે છે. એટલે, ૩૬૦ કલ્પનું બ્રહ્માનું આયુષ્ય આપણે માની શકીએ. એટલે, બ્રહ્માનું એક વર્ષ એ ૩૬૦ કલ્પનું નહીં પણ ૩.૬૦ કલ્પનું હોવું જોઈએ.

    પ્રત્યેક મન્વંતરમાં સપ્તર્ષિ મંડળ ભિન્ન હોય છે. એટલે, આપણે અનુમાન કરી શકીએ કે એવું પણ કોઈ મન્વંતર રૂપ ચક્ર છે જે અમુક નિયત સમયે પુનરાવર્તન પામે છે. આપણી ગણતરીમાં ૨૨.૫ કરોડના મંદાકિની વર્ષના પરિઘનું એક વર્તુળ ગણીએ તો એક મન્વંતરને એ વર્તુળનો ૭.૦૧૨૯૯૨ અંશનો વક્ર મળે છે. એટલે, આવ્યા પ્રત્યેક વક્રમાં સપ્તર્ષિઓનું મંડળ પરિવર્તન પામતું હશે.

    શાસ્ત્રોમાં વર્ણવાયેલ કાળ ગણના અને આધુનિક વિજ્ઞાનની વૈશ્વિક સારણીને એકસાથે જોઈએ.

      શાસ્ત્રીય (મનુષ્ય વર્ષ) આધુનિક(મનુષ્ય વર્ષ)
    ચતુર્યુગ (ઋતુ પરિવર્તન/ધરી નમન ચક્ર) ૬૦,૮૪૫.૦૭ ૬૧,૮૫૨.૮
    દેવ વર્ષ ૩૬૦ ૩૬૫.૨૬
    કુલ સત્ યુગ (૪૦% મન્વંતર) ૧૭,૨૮,૦૦૦ (૪૦૦+૪,૦૦૦+૪,૦૦) ૧૭,૫૩,૨૪૮
    કુલ ત્રેતા યુગ (૩૦% મન્વંતર) ૧૨,૯૬,૦૦૦ (૩૦૦+૩,૦૦૦+૩૦૦) ૧૩,૧૪,૯૩૬
    કુલ દ્વાપર યુગ (૨૦% મન્વંતર) ૮,૬૪,૦૦૦ (૨૦૦+૨,૦૦૦+૨૦૦) ૮,૭૬,૬૨૪
    કુલ કલિ યુગ (૧૦% મન્વંતર) ૪,૩૨,૦૦૦ (૧૦૦+૧,૦૦૦+૧૦૦) ૪,૩૮,૩૧૨
    એક સત્ યુગ ૨૦,૨૮૧.૬૯ (૪૦% ચતુર્યુગ/૧.૨) ૧૦,૩૦૮.૮ (x ૨)
    એક ત્રેતા યુગ ૧૫,૨૧૧.૨૭ (૩૦% ચતુર્યુગ/૧.૨) ૭,૭૩૧.૬ (x ૨)
    એક દ્વાપર યુગ ૧૦,૧૪૦.૮૫ (૨૦% ચતુર્યુગ/૧.૨) ૫,૧૫૪.૪ (x ૨)
    એક કલિ યુગ ૫,૦૭૦.૪૨ (૧૦% ચતુર્યુગ/૧.૨) ૨,૫૭૭.૨ (x ૨)
    મન્વંતર સંધ્યા (૧ સત્ યુગ) ૨૦,૨૮૧.૬૯ ૨૦,૬૧૭.૬
    મન્વંતર (૧૨,૦૦૦ દેવ વર્ષ/સપ્તર્ષિ મંડળ પરિવર્તન ચક્ર) ૪૩,૨૦,૦૦૦ (૭૧ ચતુર્યુગ) ૪૩,૮૩,૧૨૦ (૭૦.૮૬ ચતુર્યુગ)
    લ્પ (બ્રહ્મા દિવસ) (સામૂહિક જૈવ વિનાશ ચક્ર) ૬ કરોડ ૨૦ લાખ વિજ્ઞાન પ્રમાણે ૬,૦૫,૦૦,૨૮૧.૬૯ (૧૪ મન્વંતર + ૧ મન્વંતર સંધ્યા) ૬,૧૩,૮૪,૨૯૭.૬
    બ્રહ્મા વર્ષ (સૂર્યમંડળનું આકાશ ગંગા ફરતે પરિભ્રમણ) ૨૨ કરોડ ૫૦ લાખ વિજ્ઞાન પ્રમાણે ૨૧,૭૮,૦૧,૦૧૪.૦૮૪ (૩.૬ કલ્પ) ૨૨,૪૨,૧૨,૨૮૫.૪૧ (૩.૬૫૨૬ કલ્પ)
    પરાર્ધ (બ્રહ્માના ૫૦ વર્ષ) ૧૦,૮૯,૦૦,૫૦,૭૦૪.૨ (૧૮૦ કલ્પ) ૧૧,૦૪,૯૧,૭૩,૫૬૮
    બ્રહ્માની વય (આકાશ ગંગાની વય)
    ૧૨ અબજ ૧૫ કરોડ વિજ્ઞાન પ્રમાણે
    ૧૦,૯૧,૭૬,૭૩,૪૦૭.૬૫૩ ૧૧,૦૭,૭૧,૭૦,૬૩૪.૪
    મહા કલ્પ (બ્રહ્માનું આયુષ્ય/પર/આકાશ ગંગાનું આયુષ્ય) ૨૯ અબજ ૯૮ કરોડ વિજ્ઞાન પ્રમાણે ૨૧,૭૮,૦૧,૦૧,૪૦૮.૪ (૩૬૦ કલ્પ) ૨૨,૪૨,૧૨,૨૮,૫૪૧.૩૮ (૩૬૫.૨૬ કલ્પ)

     

    વર્તમાનમાં સાતમો વૈવસ્વત મન્વંતર છે. વળી, વર્તમાન મન્વંતરના ૨૭ ચતુર્યુગ વીતી ચૂક્યાં છે અને ૨૮મા ચતુર્યુગના કલિયુગનું પ્રથમ પદ હાલ ચાલી રહ્યું છે. બ્રહ્માના આયુષ્યના ૫૧મા વર્ષનો પ્રથમ માસ ચાલી રહ્યો છે. અને પ્રથમ કલ્પ શ્વેત વારાહ કલ્પ ચાલે છે. આ લેખનું વર્ષ ૨૦૨૪ એ ક્રોધી સંવત્સર છે. શાસ્ત્રો પ્રમાણે શ્રી કૃષ્ણના મૃત્યુદિનને કળિયુગનો પ્રથમ દિવસ કહેવાય છે. એ દિનાંક હતી ૧૮ ફેબ્રુઆરી ઈસાપૂર્વ સન ૩૧૦૨. એટલે કે, ચતુર્યુગ ચક્રમાં પ્રથમ ત્રણ યુગો ઉતરતા ક્રમમા એ દિવસે પૂરા થયા. શાસ્ત્રીય ગણતરીમાં ૧૦,૮૯,૦૦,૫૦,૭૦૪.૨ (પરાર્ધ) + ૨,૫૯,૨૦,૦૦૦ (૬ મન્વંતર) + ૧૬,૪૨,૮૧૬.૮૯ (૨૭ ચતુર્યુગ) + ૫૪,૭૬૦.૫૬૩ (પ્રથમ ત્રણ યુગ) + ૩૧૦૨ + ૨૦૨૪ = ૧૦,૯૧,૭૬,૭૩,૪૦૭.૬૫૩ વર્ષ. જ્યારે આધુનિક ગણતરીમાં ૧૧,૦૪,૯૧,૭૩,૫૬૮ (પરાર્ધ) + ૨,૬૨,૯૮,૭૨૦ (૬ મન્વંતર) + ૧૬,૭૦,૦૨૫.૬ (૨૭ ચતુર્યુગ) + ૨૩,૧૯૪.૮ (ઉતરતા પ્રથમ ત્રણ યુગ) + ૩૧૦૨ + ૨૦૨૪ = ૧૧,૦૭,૭૧,૭૦,૬૩૪.૪ આવે છે; જે આધુનિક વિજ્ઞાન પ્રમાણે આકાશગંગાની વયના આંકડા ૧૨ અબજ ૧૫ કરોડ વર્ષ માટે વધુ નિકટનો આંકડો છે.

    શ્રીકૃષ્ણના મૃત્યુનું વર્ષ લઈને ગણતાં, શાસ્ત્રીય કાળ ગણના પ્રમાણે ૫,૦૭૦.૪૨ વર્ષનો કલિયુગ સન ૧૯૬૮માં પૂરો થયો અને આપણે આશરે ૧૦,૧૪૦ વર્ષની ચતુર્યુગ સંધિમાં છીએ. અન્ય એક સ્થળે એવી ગણતરી પણ મારા ધ્યાનમાં આવી છે જેમાં શાસ્ત્રીય કલિયુગ સન ૨૦૬૯ મા પૂરો થઈ નવો સત્ યુગ ૨૦૬૯ મા વૈશાખ માસની શુક્લ તૃતીયાએ આરંભાશે! આધુનિક ગણતરી પ્રમાણે, ઉતરતા કલિયુગના વર્ષ (૨,૫૭૭.૨) પૂરા થયા ત્યારે એટલે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી (૫૨૪)માં બુધ્ધ થઈ ગયા. આધુનિક ગણતરી પ્રમાણે, ચઢતો કલિયુગ સન ૨૦૫૨મા સમાપ્ત થાય છે એટલે નવા દ્વાપર યુગનો (ચઢતો) સન ૨૦૫૨ ભાદ્રપદ માસની કૃષ્ણ ત્રયોદશીએ આરંભ થશે.

    પ્રચલિત શાસ્ત્રીય કાળ ગણનામાં થોડો ફેરફાર કરી આપણે જોઈ શકીએ છીએ કે એ આધુનિક વિજ્ઞાનના અનુમાનો અને ગણતરીઓ સાથે સામ્ય ધરાવે છે. ભારતીય ઋષિઓ કઈ પધ્ધતિ કે પ્રયોગ વડે આ જાણી શક્યા હશે?

    છેલ્લે, એક વિજ્ઞાન કથામાં જોવા મળે એવી વાત! સૂર્યમંડળનું આકાશ ગંગાના કેન્દ્રથી અંતર આશરે ૨૫ હજાર પ્રકાશ વર્ષ જેટલું છે. એ કેન્દ્રમાં રહેલા બ્લેક હૉલ (જેને હું વિષ્ણુની નાભિ ગણાવું છું)માંથી કોઈ સંદેશો પ્રકાશની ઝડપે વહેતો થાય તો એ પૃથ્વી સુધી પહોંચે ત્યાં સુધીમાં ઊતરતો ચતુર્યુગાર્ધ (સત્ -> ત્રેતા -> દ્વાપર -> કલિ) પૂરો થાય અને એ સંદેશાનો પ્રત્યુત્તર કેન્દ્ર સુધી પહોંચે ત્યાં સુધીમાં ચઢતો ચતુર્યુગાર્ધ (કલિ -> દ્વાપર -> ત્રેતા -> સત્) પૂરો થાય!

    ૐ તત્ સત્


    શ્રી ચિરાગ પટેલનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-  chipmap@gmail.com

  • મહા જ્ઞાની -પરમ શિષ્ય : જનક

    ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

    દિનેશ.લ. માંકડ

    ઉત્તમ શાસક હોવું એ શ્રેષ્ઠ વાત છે પણ ઉત્તમ શાસક બનવા માટે જો ઉત્તમ વિચાર અને ઉત્તમ જ્ઞાન આવશ્યક છે અને તો જ તે ઉત્તમ શાસક બની શકે.શાસનને માર્ગદર્શન આપવા ઋષિમંડળ હોય એ કેટલી અદભુત વાત છે! ભારતીય સંસ્કૃતિ પાસે એવાં અનેક ઉદાહરણ છે.રાજા હોય પણ તે ઋષિતુલ્ય હોય.વિશ્વમાં ‘રાજર્ષિ ‘ શબ્દ એકલાં ભારતમાં જ હોઈ શકે.વિદેહરાજ જનક એમાં મોખરાનું નામ છે. જનકરાજાનો દરબાર હંમેશ વિદ્વાનો અને ઋષિઓથી શોભતો હોય. બૃહદારણ્યક ઉપનિષદ અને શતપથ બ્રાહ્મણ અનુસાર જનકની સભામાં  યાજ્ઞવલ્કયઋષિ , સોમશ્રવા, અશ્વલ, જરાત્કારુપુત્ર આર્તભાગ, ભુજ્યુ,ઉષસ્તિ ચાક્રાયણ , ક્હોડ, આરુણિપુત્ર ઉદ્દાલક, શાકલ્ય અને ગાર્ગીવાચક્નવી જેવાં જ્ઞાનીઓની સતત આવન જાવન રહેતી..શાસ્ત્રોકત ચર્ચાઓથી સદાય દરબાર ગુંજતો રહે.સંસારમાં કોઈપણ જ્ઞાની કે જિજ્ઞાસુએ પોતાની જ્ઞાન પિપાસા પૂર્ણ કરવી હોય તો અંતિમ ગંતવ્ય રાજા જનકનો દરબાર જ હોય.અનેક શાસ્ત્રોમાં જનક રાજાની વિદ્વતાપૂર્ણ વાતો છે જ. આવા મહાન રાજર્ષિ વિષે લખતાં સહજમાં અનેક શિક્ષણ વિભાવનાઓ પ્રગટ થઇ જાય.

    ઉપનિષદમાં પણ અનેક સ્થળે જનકરાજાના  અનેક વિદ્વાનો-ઋષિઓ સાથેના જ્ઞાનપૂર્ણ સંવાદ છે.બૃહદારણ્યક ઉપનિષદમાં વિશેષ છે. ઉપનિષદના ચોથા અધ્યાયમાં એ વિશેષ રુચિકર છે.રાજા જનક, મૂળે મહર્ષિ યાજ્ઞવલ્કયના શિષ્ય..વિદેહરાજ જનક સિંહાસન પર વિરાજમાન છે.મહર્ષિ પધાર્યા. જનકજીનો સવાલ  ॐ जनको ह वैदेह आसां चक्रेऽथ ह याज्ञवल्क्य आवव्राज । तꣳहोवाच याज्ञवल्क्य किमर्थमचारीः पशूनिच्छन्नण्वन्तानित्युभयमेव

    सम्राड् इति होवाच ॥ ‘ આપની ઉપસ્થિતિ પશુ  ઈચ્છા (ગુરુકુળ માટે સંપત્તિ ) માટેની છે કે સૂક્ષ્મ પ્રશ્નોની ઈચ્છા માટે ?’યાજ્ઞવલ્કયજીનો હક્કપૂર્ણ ઉત્તર છે,-‘ બંને માટે ‘ અને પછી વિદ્વત ચર્ચા શરુ થાય છે.  જનકજીએ મહર્ષિ સામે પોતાની જીજ્ઞાસાની શરૂઆત કરી. जित्वा शैलिनिर्वाग्वैब्रह्मेति । ‘ શિલીંનના પુત્ર શૈલીનીએ- જિત્વાએ-વાક્બ્રહ્મ છે.-એમ કહ્યું છે.’ યાજ્ઞવલ્કયજીએ ઉત્તર વાળ્યો. वागेवा यतनमाकाशः प्रतिष्ठा  प्रज्ञेत्येनदुपासीत । ‘ વાણી જ બ્રહ્મનું શરીર છે. અને આકાશ તેની પ્રતિષ્ઠા છે.’ તેની પ્રજ્ઞા સમજીને ઉપાસના કરવી જોઈએ.’ का प्रज्ञता याज्ञवल्क्य । એવા જનકજીના પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિએ ખુબ વિસ્તૃત રીતે સમજાવ્યું. वागेव सम्राड्इति होवाच वाचा वै सम्राड् बन्धुः प्रज्ञायत ऋग्वेदो यजुर्वेदःसामवेदोऽथर्वाङ्गिरस इतिहासः पुराणं विद्या उपनिषदः श्लोकाःसूत्राण्यनुव्याख्यानानि व्याख्यानानीष्टꣳहुतमाशितंपायितमयंचलोकः परश्च लोकः सर्वाणि च भूतानि वाचैव सर्वाणि च भूतानिवाचा एव सम्राट् प्रज्ञायन्ते वाग्वै सम्राट् परमं ब्रह्म नैनंवाग्जहाति सर्वाण्येनं भूतान्यभिक्षरन्ति । देवो भूत्वा देवानप्येति यएवं विद्वानेतदुपास्ते । हस्त्यृषभꣳसहस्रंददामीतिहोवाचजनको वैदेहः । स होवाच याज्ञवल्क्यः पिता मेऽमन्यत नाननुशिष्यहरेतेति ॥   ‘વાંકશક્તિથી જ બંધુ જ્ઞાન પ્રાપ્ત થાય.ઋગ્વેદ,યજુર્વેદ ,સામવેદ અને અથર્વવેદનું જ્ઞાન થાય.છે.એ વાંકના માધ્યમથી ઇતિહાસ ,પુરાણથી માંડીને યજ્ઞ,કર્મ,વ્યાખ્યાન વગેરે ઉપરાંત આ લોક,પરલોકનું જ્ઞાન થાય છે. હે સમ્રાટ, વાંક જ બ્રહ્મ છે.’

    જનકને પ્રારંભિક તૃપ્તિ થતાં તેમણે એક હજાર ગાયો આપવાની વાત કરી हस्त्यृषभꣳसहस्रंददामीतिहोवाचजनकोवैदेहः।  પરંતુ યાજ્ઞવલ્કય તેનો ઇન્કાર કરીને જણાવે છે કે મારા પિતા માનતા કે શિષ્ય-જિજ્ઞાસુને પૂર્ણ જ્ઞાન આપ્યા વગર દક્ષિણા સ્વીકારાય જ નહિ.होवाच याज्ञवल्क्यः पिता मेऽमन्यत नाननुशिष्य हरेतेति ॥  શિક્ષણની આ ઉચ્ચ વિભાવના કેટલી મહાન છે .પૂર્ણ શિક્ષણ -જ્ઞાન નહિ તો દક્ષિણા સ્વીકાર નહિ.

    મહર્ષિ જાણતા હતા કે સામે બેઠેલા જિજ્ઞાસુ-પિપાસુની પાત્રતા કેટલી ઉચ્ચ છે.તેમણે જનકજીને સામેથી પ્રશ્ન કર્યો.  यदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मेबर्कुर्वार्ष्णश्चक्षुर्वै ब्रह्मेति । ‘અત્યાર સુધી તમને અન્ય વિદ્વાનોએ બ્રહ્મ વિષે જે જણાવ્યું હોય તે કહો..’ઉત્તરમાં જનકજીએ શુલ્બ પુત્ર ઉદકે બ્રહ્મ પર સમજાવેલ વાત કરીને કહ્યું કે,’ પ્રાણ જ બ્રહ્મ છે.’ યાજ્ઞવલ્કયજીએ તેમને અટકાવતાં કહયું કે,‘ આટલું પૂરતું નથી.આ તો અપૂર્ણ શિક્ષણ છે. હકીકતમાં પ્રાણનું શરીર પ્રાણ જ છે,આકાશ તેની પ્રતિષ્ઠા છે.પ્રાણની કામનાથી -પ્રિયતાથી જ યજન ન કરવા યોગ્યથી યજ્ઞ કરાવવામાં આવે છે.દાન ન લેવા યોગ્યથી દાન  મેળવાય છે. प्राण एव सम्राड् इति होवाच प्राणस्यवै सम्राट् कामायायाज्यं याजयत्यप्रतिगृह्यस्य प्रतिगृह्णात्यपितत्र वधाशङ्कं भवति यां दिशमेति प्राणस्यैव सम्राट् कामायप्राणो वै सम्राट् परमं ब्रह्म । नैनं प्राणो जहाति सर्वाण्येनंभूतान्यभिक्षरन्ति । देवो भूत्वा देवानप्येति य एवं विद्वानेतदुपास्ते । ‘હે રાજન ,.આ બધું પ્રાણ માટે જ થાય છે.પ્રાણ જ બ્રહ્મ છે , એવું સમજીને કાર્ય કરનારનો પ્રાણ કદી પરિત્યાગ કરતો નથી.સમસ્ત ભૂત એને ઉપહાર પ્રદાન કરે છે.એ વ્યક્તિ દેવતા બની તેમની વચ્ચે બેસે છે.’.જનકજીએ ફરી ગાયોની દક્ષિણા આપવાની ઈચ્છા વ્યક્ત કરી પણ અપૂર્ણ આપ્યાની અનુભૂતિમાં મહર્ષિએ ફરી ઇન્કાર કર્યો.

    અને જનકજીને ફરી પ્રશ્ન કર્યો કે’ હજુ કોઈ આચાર્ય પાસેથી પ્રાપ્ત કરેલ જ્ઞાનની વાત કરો’ જનકજીએ ઉત્તર વાળ્યો .’ મને બર્ક વાર્ષણિએ સમજાવ્યું કે-यदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मेबर्कुर्वार्ष्णश्चक्षुर्वै ब्रह्मेति ।  ‘ ચક્ષુ એ જ બ્રહ્મ છે ‘ ફરી યાજ્ઞવલ્કયથી ન રહેવાયું.’ એના વિના કશું જોઈ શકાતું નથી એટલે ચક્ષુ બ્રહ્મ છે તે યોગ્ય છે પણ આટલું જ જાણવું અપૂરતું જ છે.’ .चक्षुरेवाऽऽयतनमाकाशः प्रतिष्ठा सत्यमित्येतदुपासीत । कासत्यता याज्ञवल्क्य । चक्षुरेव सम्राड् इति होवाच चक्षुषा वैसम्राट् पश्यन्तमाहुरद्राक्षीरिति । स आहाद्राक्षमिति तत्सत्यं भवतिचक्षुर्वै सम्राट् परमं ब्रह्म नैनं चक्षुर्जहाति सर्वाण्येनंभूतान्यभिक्षरन्ति । देवो भूत्वा देवानप्येति य एवं विद्वानेतदुपास्ते । ‘ચક્ષુનું આયતન ચક્ષુ જ છે.ચક્ષુને સ્વયં સત્ય છે એમ સમજીને જ તેની ઉપાસના કરવી જોઈએ  કારણકે એ જે ( દૃશ્ય ) જુએ છે તે જ હોય છે -ચક્ષુ તેનો ( સ્થૂળ અને સૂક્ષ્મ દૃષ્ટિ ) ક્યારેય પરિત્યાગ કરતા નથી.સમસ્ત પ્રાણી પણ તેને અનુગત રહે તો દેવલોકને પામે છે.’

    શિષ્યની વધુ પ્રાપ્તિની ઈચ્છા અને ગુરુની વિશેષ આપવાની ઝંખના જયારે ટોચ પર હોય ત્યારે મા સરસ્વતીના કોઠે અસંખ્ય દીવડા પ્રગટે.મહર્ષિ યાજ્ઞવલ્ક્યના પ્રશ્નો અને રાજા જનકના ઉત્તરો અવિરત ચાલતા રહ્યા.જનકજીને ભારદ્વાજ ગોત્રીય ગર્દભીએ ‘શ્રોત્ર જ બ્રહ્મ છે.’.એમ બતાવ્યુ.यदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मे गर्दभीविपीतोभारद्वाजः श्रोत्रं वै ब्रह्मेति, સત્યકામ જાબાલાએ ‘મનને બ્રહ્મ ‘તરીકે વર્ણવ્યુંयदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मे सत्यकामो जाबालोमनो वै ब्रह्मेति.  વિદગ્ધ શાકલ્યે ‘ હૃદયને બ્રહ્મ’  તરીકે સ્થાપિત કર્યું..यदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मे विदग्धः शाकल्योहृदयं वै ब्रह्मेति યાજ્ઞવલ્કયજી જનકજી દ્વારા પ્રાપ્ત અપૂર્ણ જ્ઞાનની પૂર્તિ કરતાં તેમને સમજાવ્યું કે,‘ શ્રોત્ર,મન કે હૃદય દરેક અવયવ પોતે સ્વયં તેનું જ શરીર છે .આકાશ એની પ્રતિષ્ઠા છે. શ્રોત્રને અનંતરૂપ માનીને ઉપાસના કરવી જોઈએ કારણકે,   दिश एव सम्राड् इति होवाच तस्माद्वैसम्राड् अपि यां काञ्च दिशं गच्छति नैवास्या अन्तं गच्छत्यनन्ताहि दिशो दिशो वै सम्राट् श्रोत्रꣳश्रोत्रं वै सम्राट् परमंब्रह्म । नैनꣳश्रोत्रंजहातिसर्वाण्येनंभूतान्यभिक्षरन्ति।‘ દિશાઓ અનંત છે.મન ને આનંદરૂપ સ્વીકારી ઉપાસના કરવી જોઈએ’   मन एव सम्राड् इति होवाच मनसा वै सम्राट् स्त्रियमभिहार्यते तस्यांप्रतिरूपः पुत्रो जायते स आनन्दो । मनो वै सम्राट् परमं ब्रह्म नैनंमनो जहाति सर्वाण्येनं भूतान्यभिक्षरन्ति । ‘મન જ બધા આનંદનું કારણરૂપ છે.હૃદયહીન માણસ કશું કરી શકતો જ નથી हृदयमेव सम्राड् इति होवाच हृदयं वैसम्राट् सर्वेषां भूतानामायतनꣳहृदयंवैसम्राट्, सर्वेषांभूतानां प्रतिष्ठा हृदये ह्येव सम्राट् सर्वाणि भूतानि प्रतिष्ठितानिभवन्ति हृदयं वै सम्राट् परमं ब्रह्म नैनꣳहृदयंजहाति सर्वाण्येनं भूतान्यभिक्षरन्ति । ‘ તેથી હૃદયને જ બ્રહ્મ માનીતેની ઉપાસના કરવી જોઈએ.’

    વિદેહરાજ જનક અને મહર્ષિ યાજ્ઞવલ્કય -બંનેને હવે જ્ઞાનની પરિતૃપ્તિના ઓડકારની અનુભૂતિ થતી હતી. રાજા જનક પોતાના આસનથી ઉઠીને   जनको ह वैदेहः कूर्चादुपावसर्पन्नुवाच नमस्तेऽस्तु याज्ञवल्क्यानुमा शाधीति । નતમસ્તક પ્રણામ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.પાત્રતાની કદર સમજનારા મહર્ષિ પણ કહે છે,’ હે રાજન,દૂરની યાત્રા કરવા માટે જેમ વહાણ કે રથનો આશરો લેવો પડે તેમ તમે પણ ઉપનિષદોના અધ્યયનથી -વિદ્વાનોના સંવાદોથી સમાહિત આત્મા બની ગયાછો.’  स होवाच यथा वै सम्राण् महान्तमध्वानमेष्यन्रथंवा नावं वा समाददीतैवमेवैताभिरुपनिषद्भिः समाहितात्माऽस्यसिएवं वृन्दारक आढ्यः सन्नधीतवेद उक्तोपनिषत्क इतो विमुच्यमानःक्व गमिष्यसीति । नाहं तद् भगवन् वेद यत्र गमिष्यामीत्यथ वैतेऽहं तद्वक्ष्यामि यत्र गमिष्यसीति । ब्रवीतु भगवानिति ॥ આટલું કહીને યાજ્ઞવલ્કય તેમને દૂરંદેશીતા વિષે માર્ગદર્શન કરે છે.

    આ દિવ્ય સંવાદનો ઉપસંહાર પણ કેટલો દિવ્ય છે! જયારે યાજ્ઞવલ્કયએ કહ્યુકે ,’ આપ અવશ્ય અભય જ થઇ ગયા છો.’-તેના પ્રત્યુત્તરમાં જનકજીએ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી. अभयं वै जनक प्राप्तोऽसीतिहोवाच याज्ञवल्क्यः । स होवाच जनको वैदेहोऽभयं त्वा गच्छताद्याज्ञवल्क्य यो नो भगवन्न् अभयं वेदयसे नमस्तेऽस्त्विमे विदेहा  अयमहमस्मि ॥હે યાજ્ઞવલ્કયજી,આપે જ અભય બ્રહ્મજ્ઞાન કરાવ્યું છે.તેથી આપ પણ અભય બનો.આ વિદેહદેશ અને હું ( જનક ) આપના અનુગામી છીએ.’

    મહર્ષિ યાજ્ઞવલ્કય અને વિદેહરાજ  જનકનો આ અમૃત સંવાદ તો  રત્નાકરમાંથી કરેલાં એકાદ આચમન જેટલો જ છે.બૃહદારણ્યક ઉપનિષદ ઉપરાંત અન્ય ઉપનિષદોમાં રાજર્ષિ એવા જનકના યાજ્ઞવલ્કયજી અને બીજા અનેક વિદ્વાનો અને જિજ્ઞાસુ સાથેના અમૂલ્ય ચર્ચા- સંવાદના અમૂલ્ય  ખજાના ભર્યા છે.પરમોચ્ચ ગુરુ -શિષ્યનું આવી  અજોડ જોડી ભાગ્યેજ જોવા મળે તેમ છે.


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com

  • દયાનંદની દ્વિશતાબ્દી અને આર્યસમાજની સાર્ધ શતાબ્દી સંદર્ભે થોડી વાતો

    તવારીખની તેજછાયા

    દયાનંદની વિશેષતા એમણે સ્થાપિત વાનાંને વિવેકદૃષ્ટિપૂર્વક પડકાર્યાં તપાસ્યાં એ વિગતમાં પડેલી છે.

    પ્રકાશ ન. શાહ

    દ્વિશતાબ્દીનું નિમિત્ત પકડીને સ્વામી દયાનંદ સરસ્વતીની સ્મૃતિ સંકોરવા અને ઢંઢેરવાની ઠીક તક આર્યસમાજના સહયોગથી ભાજપ સરકારે ઝડપી છે. દયાનંદનાં બસો વરસની વાંસોવાંબ આર્યસમાજની સ્થાપનાનાં એકસો પચાસ વરસ (૨૦૨૫)નોયે અવસર બારણાં ખટખટાવી રહ્યો છે. સ્વાભાવિક જ ‘વેદ’ અને ‘આર્ય’ ઓળખના અનુસંધાનમાં દેશના હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સવિશેષ રસ હોય તે પણ સમજી શકાય એમ છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની પદસહજ દબદબાભરી સામેલગીરી ઉપરાંત ગુજરાતને તો એક આર્યસમાજી રાજ્યપાલનોયે લાભ મળેલો છે.

    ટંકારામાં તીર્થ વિકાસ સાથે ગુજરાતમાં જન્મી પંજાબમાં પ્રકાશેલા સ્વામી વતનમાંયે સુપ્રતિષ્ઠ થશે. આવે પ્રસંગે જોકે રસમી રાબેતો છે તેમ એકશ્વાસે ઓગણીસમી સદીમાં દયાનંદ અને વીસમી સદીમાં ગાંધીજી, એ પરંપરામાં એકવીસમી સદીમાંયે ચોક્કસ ધન્યનામ લેવાતું સંભળાય તો છો સંભળાતું: આપણે તો નાગરિક છેડેથી ઈતિહાસદૃષ્ટિપૂર્વક દયાનંદના જીવનકાર્યને સ્વરાજપરંપરા સાતત્ય અને શોધન, રિપીટ, શોધનપૂર્વક આગળ ચલાવવી રહે છે.

    દયાનંદની વિશેષતા એમણે સ્થાપિત વાનાંને વિવેકદૃષ્ટિપૂર્વક પડકાર્યાં તપાસ્યાં એ વિગતમાં પડેલી છે, અને ઊહાપોહભેર તેઓ એને આનુષંગિક કાર્યવાહીમાં ગયા તે અક્ષરશ: એક શગ ઘટના છે. શિવલિંગ પર રમણે ચઢેલ ઉંદર કે વૃક્ષ પરથી પડતું સફરજન, એકાદ દયાનંદ અગર ન્યૂટનને કેવી નવી ક્ષિતિજોના ખોલનાર બનાવી દે છે? ઉંદર ઘટના ને મૂર્તિપૂજાનિષેધ દયાનંદના જીવનની તરત ધ્યાન ખેંચતી બાબતો જરૂર છે, પણ એની પાછળ રહેલો મોટો મુદ્દો ધરમક્ષેત્રે તેમ જીવનમાં સર્વ સ્તરે પાખંડ મદ મર્દનનો રહેલો છે. ધર્મશાસ્ત્રો ને ધર્મસંસ્થાનોનાં જે જાળાંબાવાં તે સઘળાં સાફ કરી નાખતા ઝંડા ને ઝાડુની અવતારભૂમિકા એમની હતી તે હતી.

    ૧૮૫૭ સાથેના એમના સંબંધ વિશે કહેવાતું રહે છે. કૌતુકમિશ્રિત આદરની આ નિરૂપણા સાથે જે યાદ કરવું ગમે તે તો એ કે મીઠાના જુલમી કર સામે એમણે અવાજ ઉઠાવ્યો હતો. દલિત ઉદય, વિધવા પુનર્વિવાહ, સ્ત્રીશિક્ષણ એ બધી એમની ધર્મભૂમિકામાં રહેલ જાહેર જીવનની અભિન્ન ઓળખ હતી. સંસ્કૃતની મેડીએથી એ હિંદી મોઝાર ઊતરી આવ્યા તે પણ એમનો વિવેક દર્શાવે છે. વેદ પ્રામાણ્ય આજની તારીખે અતિરેકી લાગે, અવશ્ય અતિરેકી લાગે, પણ વેદોમાં વર્ણભેદ ને લિંગભેદ નથી એવું એમનું પ્રતિપાદન (દેખીતાં પાછાં જવા સાથે) નવા જમાનાની નાંદી શું છે, તે પણ નિ:શંક. હિંદુત્વ રાજનીતિના ચાહકોને દયાનંદ નજીકના (કે ખપના) લાગતા હોય તો તે સંભાવના સ્વીકારીને પણ જરા જુદી રીતે વિચારવાની ને જોવાની જરૂર નથી એમ નથી.

    ‘ગીતારહસ્ય’કાર ટિળકને કોલ્હાપુરના ભોંસલે રાજવંશી શાહુ મહારાજને વેદપઠનનો અધિકાર નથી એવો સનાતની ધર્મનિર્ણય માન્ય હોઈ શકતો હતો, એને મુકાબલે દયાનંદનો અભિગમ ગુણાત્મકપણે જુદો પડે છે. રાજકારણમાં જહાલ અને સંસાર સુધારામાં મવાળના પણ મવાળ એવા દયાનંદ તમે કલ્પી શકતા નથી. લાલા લાજપતરાય સરખા રાજનેતાથી માંડી રામપ્રસાદ બિસ્મિલ ને અશફાક ઉલ્લાખાં સરખા ક્રાંતિકારીઓ- અરે ભગત સિંહ પણ- આર્યસમાજના સંસ્કારે પ્લાવિત હતા. બિસ્મિલ ને અશફાકની અભિન્ન મિત્રબેલડી સારુ તો શાહજહાંપુર આર્યસમાજ જાણે કે પિયરઘર હતું! લાજપતરાય અને ભગત સિંહને મિશે બે શબ્દો જરી જુદેસર કહેવા જરૂરી સમજું છું. લોહિયા જેમ પોતાને કજપ્ત ગાંધીવાદી કહેતા તેમ કદાચ કજપ્ત આર્યસમાજી જેવા અગ્નિવેશ પાસેથી સાંભળ્યું છે કે સ્વામીજીના ગયા પછી આર્યસમાજમાં બે ભાગ પડી ગયા જેવું હતું: સુખી વર્ગ અંગ્રેજ સરકારને સાચવી લેવાની રીતે માત્ર ‘ધાર્મિક ઓળખ’ જ પસંદ કરતો. જેલમાંથી છૂટીને આવેલા લાજપતરાયનું સ્વાગત સરઘસ રખે ને લાલાજી આર્યસમાજી હોવાને નાતે આપણે ત્યાં પ્રવેશે એ બીકે લાહોર આર્યસમાજે પોતાનાં બારણાં ભીડી દીધાં હતાં અને આગળ ચાલતાં સાવચેતી ખાતર લાલાજીનું નામ પોતાના રજિસ્ટરમાંથીયે કાઢી નાખ્યું હતું.

    આર્યસમાજના જહાલ સંસ્કારે ભગત સિંહ સારુ માર્ક્સ વિચારનાંયે દ્વાર ખોલી નાખ્યાં હતાં એવું અગ્નિવેશનું અવલોકન હતું. એમણે મને કહ્યું કે આપણું સંમત થવું જરૂરી નયે હોય, પણ મારો નિર્દેશ આર્યસમાજની ક્રાંતિકારી સંભાવનાઓ ક્યારેક ટુંપાઈ ગઈ અને બેસતે સ્વરાજે તો, ૧૯૫૧-૫૨માં દિલ્હીમાં હનુમાન રોડ પરના આર્યસમાજ બિલ્ડિંગમાં જનસંઘની સ્થાપના બેઠક મળી શકે એ અનવસ્થા ભણી છે. શાહુ મહારાજને સુધાર સંભાવનાવશ આર્યસમાજ પ્રિય થઈ પડ્યો હતો. દલિતોત્થાનનું એનું વલણ એમને ગમતું હતું. દલિતો સાથે વાત કરવાનું બને ત્યારે આર્યસમાજ અને આંબેડકર બેઉને એ અચૂક સંભારતા. આંબેડકરને પોતે ઉચ્ચ શિક્ષણની સુવિધા આપી શક્યા એનો આનંદ એમને હશે, પણ એ દલિતોને આંબેડકરને અનુસરવા કહેતા એવો એમનો આદરભાવ પણ હતો. ૧૯૧૮માં નવસારી સંમેલનમાં ને ૧૯૨૦માં ભાવનગર પરિષદમાં શાહુ મહારાજે આર્યસમાજની સુધાર ચળવળની સુંડલામોંઢે પ્રશંસા કરી હતી તે આ લખતી વેળાએ સાંભરે છે. ખરું જોતાં આર્યસમાજને માટે આ અવસર એના અસલનેરના નૂરને નવસંસ્કરણભેર ઝકઝોરવા અને ઝંઝેડવાનો છે.

    આજે સત્તા-પ્રતિષ્ઠાન તરફથી પોતાનાં ચોક્કસ કારણોસર સ્વામી દયાનંદ સરસ્વતીની દ્વિશતાબ્દીના અવસરે ગાજોવાજો ને તામઝામ હાજરાહજૂર છે. આ સુવિધા સહજક્રમે આર્યસમાજની સાર્ધ શતાબ્દી લગી લંબાઈ પણ શકે. ત્યારે વળી રા. સ્વ. સંઘનો શતાબ્દીજોગ પણ હશે. આ કશાની મૂઠ ન વાગે એ રીતે ઉજવણાંથી ઉફરાટે આર્યસમાજ અને એના ચાહકો સત્તા-પ્રતિષ્ઠાનની શેહ વગર પોતાની ક્રાંતિકારી શક્યતાઓ કંઈકે ખીલવી શકે તો એથી રૂડું શું. કેટલીક કેવિયટ સાથે ૨૦૨૪ની ૨૨મી જાન્યુઆરીને જો નવપ્રસ્થાનબિંદુ તરીકે સ્વીકારીએ તો એનાં કેટલાંક પગલાં સ્વામીચીંધ્યાં જરૂર હોઈ શકે… શરત માત્ર એટલી કે આપણે નવા જમાનામાં છીએ એનાં ઓસાણ કદાપિ ન છૂટો!


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૨– ૨ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક ચોથો : પ્રવેશ ૧

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક ત્રીજો: પ્રવેશ ૪ થી આગળ

    અંક ચોથો

    પ્રવેશ ૧ લો

    સ્થળ : રુદ્રનાથનું મંદીર.

    [જાલકા અને શીતલસિંહ પ્રવેશ કરે છે. ]

    શીતલસિંહ : આજે સવારે કલ્યાણકામે મને બોલાવીને કહ્યું કે પૂજારણને પૂછજો કે મહારાજની આજ્ઞા હોય તોઇ તેમને નગરમાં પ્રવેશ કરવાનું મુહૂર્ત રાજજોશી પાસે નક્કી કરાવીએ.

    જાલકા : રાઈને મુહૂર્તની દરકાર નથી, પણ પર્વતરાય-રૂપ ધરત રાઈ ને પણ પર્વતરાય પેઠે મુહૂર્ત અનુસાર પ્રવૃત્તિ કરવી પડશે. છ માસ પૂરા થાય છે, માટે તે પછીનું મુહૂર્ત જોવડાવી વેળાસર ખબર મોકલાવશો એટલે નગરમાં આવવાની સવારી વિશે મહારાજ સૂચના મોકલશે.

    શીતલસિંહ : રાઈએ કાલે રાતે બને તેટલા વહેલા ભોંયરામાં દાખલ થઈ જવું જોઈએ. સવારીનું મુહૂર્ત બહાર પડશે એટલે લોકો કુતૂહલથી મંદિર બહાર એકઠા થવા માંડશે. તમને પણ ઠીક સૂઝ્યું કે તમે મંદિરના દર્શન બંધ કર્યા છે. બારણા બંધ છે એમ જાણી લોકો આ તરફ હાલ આવતા નથી.

    જાલકા : ભોંયરાનું એક ઢાંકણું મંદિરની પાછલી બાજુએ કોટ બહાર આવેલી ઓરડીએ ઉઘડે છે. ત્યાંથી જઈને કાલે દાખલ કરીશું કે બહાર ફરતા લોકોનું ધ્યાન ન ખેંચાય. રાઈ પર્વતરાય થઈ મંદિરના દ્વારમાંથી બહાર નીકળશે ત્યારે પ્રગટ કરીશું કે વૈદરાજ એ પાછલે રસ્તેથી રાતોરાત ચાલ્યા ગયા છે. રાઈને ભોંયરામાં દાખલ કરતાં પહેલાં તમારે એને એક ઠેકાણું બતાવવાનું કહ્યું છે.

    શીતલસિંહ : રાણી લીલાવતીનો આવાસ.

    જાલકા : આજ રાતે ત્યાં એને લઈ જાઓ

    શીતલસિંહ : રાણી ન જાણે એમ મહેલમાંની એક છાની બારીથી પર્વતરાયને – એટલે રાઇને રાણી બતાવવાની મેં ગોઠવણ કરી છે.

    જાલકા : રાઈએ પોતે કદી રાણીને જોવાની જિજ્ઞાસા બતાવી છે ?

    શીતલસિંહ : એમણે એ વિશે વાત જ નથી કરી. એ બાબત એમને સૂઝી જ નથી એમ લાગે છે.

    જાલકા : એ વિષય ઘણી સંભાળથી અને ઝીણવટથી એની આગળ મૂકવાનો છે.

    શીતલસિંહ : તમે સૂચનાઓ કરેલી છે તે મારા ધ્યાનમાં છે. ઠીક સાંભર્યું. કાલે એમની સાથે ફરતાં એમના ગજવામાંથી આ કાગળ પડી ગયો, તે મેં છાનોમાનો લઈ લીધો છે એમાં કવિતા લખી છે, પણ તે બિલકુલ સમજાતી નથી.

    જાલકા : (કાગળ લઈને ઉઘાડીને વાંચે છે.)

    (રથોદ્ધતા)

    રે ! વિચિત્ર પટ શું વણાય આ?
    તન્તુઓ અવશ શા તણાય આ?
    કોણ એ શી રીતથી વને બધું ?
    માનવી ! અબલ તન્તુ અલ્પ તું ! ૪૧

    ના, નથી અવશ કે અશક્ત તું,
    તું વડે જ સહુ કાર્ય આ થતું;
    બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં,
    તું ગ્રહે ઉભયમાંથિ એક ત્યાં. ૪૨

    (અનુષ્ટુપ)

    વસી છે શક્તિ તારામાં યથેચ્છ તે તું વાપરે;
    કહી અવશ પોતાને કોને તું રાઈ છેતરે ?

    એને તો એવી સમસ્યાઓની રમત કરવાની ટેવ છે, એનો ઉત્તર એ નીચે જ આમ લખી આપું છું (બોલીને લખે છે)

    (અનુષ્ટુપ)

    ‘રાઈ’ ને ‘જાલકા’ એ તો બાજીનાં સહુ સોકઠાં;
    છેતરે કોણ કોને જ્યાં રમે ખેલાડી એકઠાં ? ૪૩

    કાગળ પાછો છાનોમાનો એના ગજવામાં મૂકી દેજો. (કાગળ આપે છે.) હવે તમે કિસલવાડીમાં જઈ રાઈને આજ રાત્રે નીકળવા માટે તૈયાર કરો. મહેલમાં જઈ આવી પછા ફરો ત્યારે મને વૃત્તાન્ત કહી જજો.

    [બન્ને જાય છે]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

  • તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ? | એ સીતા હો કે ધોબી હો બધાંને રામ આપે છે.

    (૧) તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ? 

     મુકેશ જોશી

    તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
    એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો?

    તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઈના મારગથી કાંટાઓ શોધ્યા?
    તમે લીલેરા છાંયડાઓ આપીને કોઈના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા?

    તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?
    તમે કોઈ દિવસ…

    તમે કોઈની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો?
    તમે કોઈના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો ?

    તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં માથુ મૂકીને રડ્યા છો ?

    તમે કોઈ દિવસ…
     

    (૨) એ સીતા હો કે ધોબી હો બધાંને રામ આપે છે.

     – અશરફ ડબાવાલા

    પ્રથમ એ થઈ શકે એવાં જ થોડાં કામ આપે છે,
    ને અઘરાં કામરૂપે એ પછી ઈનામ આપે છે.

    છે મારા મનની અંદર આગવું પંચાંગ એવું કે,
    અચાનક આવનારી હર ખુશીને નામ આપે છે.

    બધી વિદ્યાકળા ને યુક્તિથી પર થાઉં છું ત્યારે,
    એ આવી રૂબરૂ અંગત મને પયગામ આપે છે.

    એ મારી આવડતને પાથરી દઈને બજારોમાં,
    કદી વેપાર આપે છેકદી લિલામ આપે છે.

    ભલે આશય જુદા જુદા હો એના આપવા માટે,
    એ સીતા હો કે ધોબી હો બધાંને રામ આપે છે.

    સમયની આગમાં એ મારું સર્જન ફેંકી દે છે પણ,
    હું માગું ખાક પાછી તો મને ખય્યામ આપે છે.

    સખાવત કે દૂરંદેશી જે ગણવું હોય તે ગણજો,
    મફત જે હોય છે એનાય અશરફ દામ આપે છે.

  • ફિલ્મી ગઝલો – ૩૯. દીનાનાથ (D N) મધોક

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    હિંદી ફિલ્મોના બિલકુલ શરુઆતી દૌરના ત્રણ મોટા કવિ હતા જે ફિલ્મ જગતના ‘ આદિ કવિ ‘ કહેવાય છે. કવિ પ્રદીપ, કેદાર શર્મા અને દીનાનાથ મધોક. કવિ પ્રદીપે મારા મત અને છાનબીન અનુસાર કોઈ ગઝલ લખી નહોતી. કેદાર શર્માની રચનાઓ વિષે આ અગાઉ લખી ચૂક્યો છું. આજે દીનાનાથ મધોકની વાત.

    દીનાનાથજી ‘ મહાકવિ મધોક ‘ કહેવાતા. સંગીતકાર નૌશાદની પહેલી હિટ ફિલ્મ ‘ રતન ‘ (૧૯૪૪) માં દસ ગીત હતા અને દસેય એક એકથી ચડિયાતા ! એ બધા ગીત મધોક સાહેબે લખેલા. ૮૦૦ ઉપરાંત ગીત રચના ઉપરાંત એમણે અનેક ફિલ્મોની કથા, પટકથા અને સંવાદ પણ લખ્યા . ૧૭ ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું . ‘ રતન ‘ ફિલ્મના એમના જાણીતા ગીતો ( જબ તુમ હી ચલે પરદેસ, ઓ જાને વાલે બાલમવા, સાવન કે બાદલોં, અંગડાઈ તેરી હૈ બહાના, અખિયાં મિલા કે જિયા ભરમા કે, આઈ દિવાલી આઈ દિવાલી, રુમઝુમ બરસે બાદરવા, મિલ કે બિછડ ગઈ અખિયાં ) ઉપરાંત એમના જાણીતા ગીતોમાં ‘ ઘટા ઘનઘોર ઘોર ‘ ( તાનસેન ), ‘ બેઈમાન તોરે નૈનવા ‘ ( તરાના ), ‘ મૈને દેખી જગ કી રીત ‘ ( સુનહરે દિન ) વગેરેનો ઉલ્લેખ કરી શકાય.

    એમની લખેલી બે ગઝલો જોઈએ :

    હંસ હંસ કે મેરે ચૈન પે બિજલી ગિરાએ જા
    અરમાં  તડપ  ઉઠેં  મેરે  યું  મુસ્કુરાએ  જા

    ફિર હમ સે વો ફિરતીં હુઈં નજરેં મિલાએ જા
    ફિર ઠેસ દે કે દિલ કો  મેરા દિલ બનાએ જા

    આંખોં મેં જામ પ્યાર કે ભર ભર કે લાએ જા
    મૈં જિતની પી સકું મુજે ઉતની પિલાએ જા ..

    – ફિલ્મ : રસિયા  ૧૯૫૦

    – લતા

    – બુલો સી રાની

    ( ગઝલ શાસ્ત્ર પ્રમાણે આને મતલા ગઝલ કહેવાય )

    દિલ મેં શમા જલા કે તેરે ઈંતઝાર કી
    દુનિયા લુટા કે બૈઠી હું સબ્રો – કરાર કી

    આંખો કા નૂર દિલ કી તમન્નાએં લૂટ કર
    સૂરત બિગાડ દી હૈ ફિઝા ને બહાર કી

    આ જા કે દિલ મેં રંગ ભરા હૈ ઉમ્મીદ કા
    તસવીર ફિર રહી હૈ નિગાહોં મેં પ્યાર કી

    ફરિયાદ મેરી સુન કે સિતારે ભી રો દિયે
    રાતોં કો ઉઠ કે મૈને જો તેરી પુકાર કી ..

    – ફિલ્મ : સબક  ૧૯૫૦

    – આશા ભોંસલે

    – અલ્લારખા કુરેશી


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • શીર્ષક આવરતા ગીતો – ૫

    નિરંજન મહેતા

    આ શ્રેણીનો પાંચમો અને છેલ્લો ભાગ આ સાથે રજુ કરૂં છું. કદાચ કોઈ ગીતો આ પાંચ ભાગમાં સામેલ ન થયા હોય તો ક્ષમસ્વ.

    સૌ પ્રથમ આવે છે ૧૯૮૦ની ફિલ્મ ‘શાન’નુ ગીત. આ એક પાર્ટી ગીત છે.

    दोस्तो से प्यार किया दुश्मनो से बदला लिया
    जो भी किया हमने किया शान से शान से

    પરવીન બાબી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે આર. ડી. બર્મન. સ્વર છે  આશા ભોસલે અને પંકજ ઉધાસના.

    https://youtu.be/9va4vTwE-fk

    ૧૯૮૦ની જ અન્ય ફિલ્મ ‘જુદાઈ’ નુ ગીત એક વિરહ ગીત ગણી શકાય.

    मार गई मुझे तेरी जुदाई डस गई ये तन्हाई
    तेरी याद आई फिर आँखों में नींद नहीं आई

    કલાકારો છે રેખા અને જીતેન્દ્ર. આનંદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ગાયકો આશા ભોસલે અને કિશોરકુમાર.

    ૧૯૮૦ની વધુ એક ફિલ્મ ‘આશા’નુ આ ગીત આજે પણ લોકો માણે છે.

    शीशा हो या दिल हो
    आख़िर, टूट जाता है
    ,,,,,,,,,,,,,

    दुनिया एक तमाशा है
    आशा और निराशा है
    थोड़े फूल हैं काँटे हैं
    जो तक़दीर ने बाँटे हैं

    સ્ટેજ પર ગવાતા આ ગીતના કલાકાર છે રીના રોય. ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. લતાજીનો સ્વર.

    આ જ ફિલ્મનું એક અન્ય ગીત છે જેમાં ‘આશા’ શબ્દ આવે છે જે એક બાગમાં ગવાય છે.

    आशाओं के सावन में, उमंगों की बहार में
    तुम मुझको ढूँढो, मैं खो जाऊँ प्यार में
    आशाओं के सावन में…

    કલાકારો છે રીના રોય અને જીતેન્દ્ર. ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. રફીસાહેબ અને લતાજીના સ્વર.

     

    ૧૯૮૧ની ફિલ્મ ‘નસીબ’નુ ગીત પણ એક પાર્ટી ગીત છે.

    मेरे नसीब में तू है कि नहीं
    तेरे नसीब में मैं हूँ कि नही
    मेरे नसीब में तू है कि नहीं
    तेरे नसीब में मैं हूँ कि नहीं

    હેમા માલીની પર રચાયેલ આ ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. સ્વર છે  લતાજીનો.

    https://youtu.be/1UNRquQGVUc

    ૧૯૮૧ અન્ય ફિલ્મ ‘એક દુજે કે લિયે’નુ આ ગીત બે પ્રેમીઓની મનોભાવના દર્શાવે છે.

    हम बने तुम बने एक दूजे के लिए
    उसको क़सम लगे
    जो बिछड़ के इक पल भी जिए
    हम बने तुम बने एक दूजे के लिए

    રતિ અગ્નિહોત્રી અને કમલ હસન ગીતના કલાકારો. આનંદ બક્ષીનાં શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત. ગાનાર કલાકારો લતાજી અને એસ.પી. બાલસુબ્રમનીયમ.

    ૧૯૮૧ની ફિલ્મ ‘સાજન કી સહેલી’નુ આ ગીત એક પાર્ટી ગીત છે જેમાં ચાર કલાકારો દર્શાવાયા છે.

    जिसके लिए सबको छोड़ा
    उसी ने मेरे दिल को तोडा
    जिसके लिए सबको छोड़ा
    उसी ने मेरे दिल को तोडा

    वो बेवफा वो बेवफा
    किसी और के साजन की सहेली हो गयी

    ચાર કલાકારો છે રાજેન્દ્ર કુમાર, નૂતન, વિનોદ મહેરા અને રેખા. ગીત જોતા જણાશે કે આ એક ટીઝર પ્રકારનું ગીત છે જેમાં વિનોદ મહેરા અને નૂતનને માટે આ ટીઝર મુકાયું છે. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે  ઉષા ખન્ના. ગાયક કલાકારો છે સુલક્ષણા પંડિત અને રફીસાહેબ.

    ૧૯૮૨ની ફિલ્મ ‘સત્તે પે સત્તા’નુ ગીત એક સમુહગીતના રૂપમાં દર્શાવાયું છે.

    दुक्की पे दुक्की हो या सत्ते पे सत्ता
    दुक्की पे दुक्की हो या सत्ते पे सत्ता
    गौर से देखा जाए तो बस है पत्ते पे पत्ता
    कोई फ़र्क नही अलबत्ता

    અમિતાભ બચ્ચન અને અન્ય કલાકારો આ ગીતમાં સામેલ છે. ગુલશન બાવરાના શબ્દોને આર.ડી.બર્મને સજાવ્યા છે. ઘણા કલાકારોને કારણે ગાયકો પણ એક કરતાં વધુ છે જે છે ભુપીન્દર સિંહ, આર.ડી.બર્મન, આશા ભોસલે, સપન ચક્રવર્તી અને કિશોરકુમાર.

    ૧૯૮૩ની ફિલ્મ ‘અગર તુમ ન હોતે’નુ ગીત જોઈએ.

    हमें और जीने की चाहत न होती
    अगर तुम न होते, अगर तुम न होते

    રેખા અને રાજેશ ખન્ના ગીતના કલાકારો છે. શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીતકાર છે આર.ડી.બર્મન. ગાયક કલાકાર કિશોરકુમાર.

    આ જ ગીત બીજી વાર લતાજીના સ્વરમાં

    ૧૯૮૩ની ફિલ્મ ‘બડે દીલવાલા’નુ આ ગીત ફીલ્સુફીભાર્યું છે.

    जीवन के दिन छोटे सही
    हम भी बड़े दिल वाले
    कल की हमें फुर्सत कहाँ
    सोचे जो हम मतवाले

    રીશીકપુર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર છે  કિશોરકુમારનો. આ ગીત ફિલ્મમાં ફરીવાર આવે છે જેમાં પ્રાણને દર્શાવાયા છે પણ ટે વિડીઓ પ્રાપ્ત નથી.

    https://youtu.be/idUREJ2tn54?si=5Xixevru5j84I09i

    ૧૯૮૪ની ફિલ્મ ‘તોહફા’નુ આ ગીત એક પ્રણયગીત છે.

    तोहफा तोहफा तोहफा तोहफा
    दिल पे छाया छाया छाया
    प्यार का तोहफा तेरा, बना है जीवन मेरा
    दिल के सहारे मैंने पा लिए, जीने को और क्या चाहिए
    प्यार का तोहफा तेरा

    કલાકારો છે જયા પ્રદા અને જીતેન્દ્ર. ઇન્દીવરના શબ્દો અને બપ્પી લાહિરીનુ સંગીત. ગાયકો આશા ભોસલે અને કિશોરકુમાર.

    ૧૯૮૫ની ફિલ્મ ‘સાગર’નુ ગીત પણ એક પ્રણયગીત છે જેમાં પ્રેમીઓ પોતાના મનોભાવ વ્યક્ત કરે છે.

    सागर किनारे दिल ये पुकारे
    तू जो नहीं तो मेरा कोई नहीं है
    हो सागर किनारे

    ડિમ્પલ કાપડિયા અને રીશીકપુર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે જાવેદ અખ્તર અને સંગીતકાર છે આર.ડી.બર્મન. હલક્ભર્યા સ્વર છે કિશોરકુમાર અને લતાજીના.

    ૧૯૮૭ની ફિલ્મ ‘મિ. ઇન્ડિયા’ જે એક ચમત્કારવાળી ફિલ્મ હતી તેનું આ ગીત પ્રેમગીત છે.

    अरे करते हैं हम प्यार मिस्टर इंडिया से
    हमको मिलना सौ बार मिस्टर इंडिया से

    ગીતના કલાકારો છે અનીલ કપૂર અને શ્રીદેવી. જાવેદ અખ્તરના શબ્દોને સજાવ્યા છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને સ્વર આપ્યો છે કવિતા ક્રિષ્ણમૂર્તિ અને કિશોરકુમારે.

    ૧૯૯૪ની ફિલ્મ ‘હમ આપ કે હૈ કૌન’નુ આ ગીત ટાઈટલ ગીત છે.

    हम आप के हैं कौन
    बेचैन है मेरी नज़र
    है प्यार का कैसा असर
    न चुप रहो इतना कहो
    हम आप के आप के हैं कौन

    સલમાનખાન અને માધુરી દિક્ષિત પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે દેવ કોહલીના અને સંગીત આપ્યું છે રામ લક્ષ્મણે. ગાયકો છે લતાજી અને એસ.પી. બાલસુબ્રમનીયમ.

    ૧૯૯૫ની ફિલ્મ ‘રાજા’નુ ગીત બે પ્રેમીઓની વાત કરે છે.

    किसी दिन बनूँगी मैं राजा की रानी

    ज़रा फिर से कहना
    बड़ी दिलरुबा है ये सारी कहानी

    પ્રેમીઓ છે માધુરી દિક્ષિત અને સંજય કપૂર. ગીતકાર સમીર અને સંગીતકાર નદીમ શ્રવણ. ગાયકો અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણ.

    ૧૯૯૮ની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નુ આ ગીત આજે પણ લોકો પસંદ કરે છે.

    तुम पास आए, यूँ मुस्काराए
    तुमने ना जाने क्या सपने दिखाए
    अब तो मेरा दिल जागे ना सोता है
    क्या करूँ हाय कुछ कुछ होता है

    શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુકરજીની ત્રિપુટી ગીતના કલાકાર. સમીરના શબ્દો અને જતિન લલિતનુ સંગીત. ગાયકો અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ અને કવિતા ક્રિષ્ણમૂર્તિ.

    ૧૯૯૯ની ફિલ્મ ‘તાલ’નુ આ નૃત્યગીત કુદરતની વચ્ચે રચાયું છે.

    दिल यह बेचैन वे रास्ते पे नैन वे
    दिल यह बेचैन वे रास्ते पे नैन वे
    जिन्दड़ी बहाल है सुर है ना ताल है
    आजा साँवरिया आ आ आ आ
    ताल से ताल मिला हो ताल से ताल मिला

    અક્ષય ખન્ના અને ઐશ્વર્યા રાય ગીતના કલાકારો છે જેના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે એ. આર રેહમાને. સ્વર છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના.

    ૨૦૦૭ની ફિલ્મ ‘અપને’ એક કૌટુંબિક ફિલ્મ છે જેનું આ ગીત પ્રચલિત છે.

    मन की मैल को मिटाकर जो साथ खड़े होते है
    वही तो अपने होते है
    जो दुआ से हर डर को दूर भगा दे
    हिम्मत को बढाकर नई अहसास जगा देते है
    इसीलिए तो कहते है की अपने तो अपने होते है

    ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સમીર અને સંગીતકાર છે હિમેશ રેશમિયા. ગાનાર કલાકારો છે જસપીંદર નરુલા, જયેશ ગાંધી અને સોનુ નિગમ.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • વાદ્યવિશેષ : (૧૧) – તંતુવાદ્યો (૬) : સિતાર [૨]

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    આ કડીમાં સિતારના પ્રાધાન્ય વાળાં વધુ ફિલ્મી ગીતો સાંભળીએ તે પહેલાં આ કડી પૂરતો સિતારના સૂરનો પરિચય તાજો કરી લઈએ.  સિતારવાદનના ક્ષેત્રે ભારતમાં ઘણા દિગ્ગજ કલાકારો થઈ  ગયા છે.  ઉસ્તાદ રઈસખાન એવા જ એક ઉચ્ચ કક્ષાના શાસ્ત્રીય સિતારવાદક હતા. સાથેસાથે તેઓએ ફિલ્મી વાદ્યવૃંદોમાં પણ વગાડ્યું છે, પહેલાં તેમના શાસ્ત્રીય વાદનથી અને એ રીતે સિતારના સૂરોથી પરીચિત થઈએ.

    સંગીતકાર મદનમોહનના વાદ્યવૃંદના તેઓ અભિન્ન અંગ બની રહ્યા હતા. આ બન્નેએ સાથે મળીને અનેક યાદગાર ગીતો આપ્યાં છે.

    હવે વધુ કેટલાંક સિતારપ્રધાન ગીતો સાંભળીએ.

    ૧૯૬૦ની ફિલ્મ બહાનાનું ગીત ‘જા રે બદરા બૈરી જા જા જા રે’ માણતાં ખ્યાલ આવે છે કે ગાયકી અને સિતાર સમાંતરે ચાલી રહ્યાં છે. સંગીત મદનમોહનનું છે.

     ફિલ્મ ભાભી કી ચૂડીયાં (૧૯૬૧)નું ગીત ‘જ્યોતિ કલશ છલકે’ તેના શબ્દો, સુધીર ફડકેની બનાવેલી ધૂન તેમ જ ગાયકી થકી એક સર્વાંગસંપૂર્ણ ગીત ગણાય છે. તેમાં સિતારના અંશો આગવો રંગ ભરે છે.

    https://www.youtube.com/watch?v=6OWNiGODXc0

    ફિલ્મ દિલ એક મંદીર(૧૯૬૩)ની સફળતામાં શંકર-જયકિશને બનાવેલાં તેનાં ગીતોનો મોટો ફાળો હતો. તે પૈકીના ગીત ‘હમ તેરે પ્યાર મેં સારા આલમ ખો બૈઠે’ના વાદ્યવૃંદમાં સિતાર સતત હાજરી પૂરાવે છે.

     

    ૧૯૬૪માં પ્રદર્શિત થયેલી ફિલ્મ પૂજા કે ફૂલનાં ગીતોની ધૂન મદનમોહને બનાવી હતી. તેનું ગીત ‘મેરી આંખોં સે કોઈ નીંદ લીયે જાતા હૈ’ સાંભળતાં ખ્યાલ આવે છે કે તેના વાદ્યવૃંદમાં સિતારનો વિશેષ ફાળો છે.

    https://www.youtube.com/watch?v=GgRvsTAxy30

    તે જ વર્ષે પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ કાશ્મીર કી કલીના પ્રસ્તુત ગીત ‘ઈશારોં ઈશારોં મેં દિલ લેને વાલે’ના વાદ્યવૃંદમાં સિતારની હાજરી સતત વર્તાતી રહે છે.

    https://www.youtube.com/watch?v=zNsNuCitZys
     ફિલ્મ આખરી ખત(૧૯૬૬)નું સંગીત ખય્યામે તૈયાર કર્યું હતું. તેના ગીત ‘બહારોં મેરા જીવન ભી સંવારો’માં સિતારનો બહુ રસપ્રદ પ્રયોગ થયો છે. મુખડાના પહેલા શબ્દ પછી અને બીજા થોડા શબ્દો પછી સિતારનો નાનો એવો ટહૂકો સંભળાય છે. જ્યારે જ્યારે આ ગીત ગણગણતા હોઈએ કે પછી મનોમન તેની યાદ આવે ત્યારે આ ટહૂકા વગરની ગાયકીની કલ્પના પણ નથી થઈ શકતી.

    ૧૯૬૬ની જ અન્ય એક ફિલ્મ આમ્રપાલીનું એક યાદગાર ગીત ‘તુમ્હેં યાદ કરતે કરતે’ માણીએ. આ ઐતિહાસીક ફિલ્મનું સંગીતનિર્દેશન શંકર-જયકિશનનું હતું. ગીતમાં સિતારના સ્વરો સતત સંભળાતા રહે છે, અલબત્ત, પરદા ઉપર શરૂઆતમાં નજરે પડે છે તે સિતાર ન હોતાં વીણા છે.

    ફિલ્મ નૌનિહાલ(૧૯૬૭)નું સંગીત માદનમોહને તૈયાર કર્યું હતું. તેનું એક સિતારપ્રધાન ગીત ‘તુમ્હારી ઝુલ્ફ કે સાયે મેં શામ કર લૂંગા માણીએ.

    ૧૯૭૦ની બહુચર્ચિત ફિલ્મ દસ્તક નું સંગીત મદનમોહને તૈયાર કર્યું હતું. આ ફિલ્મનાં બે સિતારપ્રધાન ગીતો સાંભળીએ. પહેલાં ‘હમ હૈ મતા એ કુચા ઓ’ અને પછી માણીએ ‘બૈયાં ના ધરો ઓ બલમા’.

     

     

     

    ફિલ્મ બાવર્ચી(૧૯૭૨)ના એક નૃત્યગીત ‘મોરે નૈના બહાયે નીર’માં વાંસળી અને સારંગી સાથે સિતારના ખુબ જ કર્ણપ્રિય અંશો સાંભળવા મળે છે. સ્વરનિયોજન મદનમોહનનું છે.

    મદનમોહનના નિર્દેશનમાં બનેલું ગીત ‘રસ્મ એ ઉલ્ફત કો નિભાયે કૈસે’ માણીએ, જેમાં સિતારના અંશો સતત કાને પડતા રહે છે. ગીત ૧૯૭૩ની ફિલ્મ દિલ કી રાહેંમાંથી લેવામાં આવ્યું છે.

    https://www.youtube.com/watch?v=Nyhp5OK1ltQ
    મદનમોહનના નિર્દેશનમાં બનેલું વધુ એક સિતારપ્રધાન ગીત ‘આજ સોચા તો આંસુ ભર આયે’ સાંભળીએ. ફિલ્મ છે ૧૯૭૩ની હંસતે જખ્મ’.

    https://www.youtube.com/watch?v=xEcPRKcdpM8

    સિતારનું એક વધુ ગીત રાહુલદેવ બર્મનની તરજ પર બનેલું ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ સાંભળીએ. પ્રસ્તુત ગીત ૧૯૭૪ની ફિલ્મ આપ કી કસમ માંથી લેવામાં આવ્યું છે.

    આ કડીના સમાપનમાં એક વિશિષ્ઠ ગીત સાંભળીએ, જે ફિલ્મ ખુદ્દાર(૧૯૮૨)નું છે. તેના શબ્દો ‘ડીસ્કો ૮૨’ પરથી જ ખ્યાલ આવે છે કે મુળે આ એક ડીસ્કો પ્રકારનું ગીત છે પણ સંગીતકાર રાજેશ રોશને તેના વાદ્યવૃંદમાં સિતારનો સમાવેશ કરીને જે વિરોધાભાસ સર્જ્યો છે તે સિતારના માધુર્યને ઓર ઉભારે છે.

     

    આવતી કડીમાં એક વધુ તંતુવાદ્યનો પરિચય કરીશું.

    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • બાળ ગગન વિહાર – મણકો – ૩૩: વાત અમારા ઈસ્માઈલની

    શૈલા મુન્શા

    “પારણે ઝુલતું, આંબા ડાળે ડોલતું,
    કેવું અદ્ભૂત છે મારૂં બાળપણ.
    મોજ મસ્તી કરતું, ધીંગા મસ્તી કરતું,
    કેવું અજાયબ છે મારૂં બાળપણ.”

    મસ્તીખોર આ બાળપણ એકવાર જાય પછી પાછુ ક્યાં મળે છે! પણ આપણે આપણા બાળકોમાં, પૌત્ર પૌત્રીમાં ફરી આપણુ બાળપણ જીવી લેતા હોઈએ છીએ.

    હું તો ઘણી નસીબદાર હતી કે મારા આ અનોખા બાળકો સાથે કામ કરતાં અનાયાસે આ માસુમિયત આ બાળપણ ફરી જીવવાની રોજ તક મળતી હતી.

    અમારા ક્લાસમાં નવા બાળકો આવતાં જ રહેતાં. એ વર્ષે પણ એક નવો છોકરો ક્લાસમાં આવ્યો, નામ એનું ઈસ્માઈલ. પહેલાં તો નામ સાંભળી મને થયું કે કોઈ મુસ્લિમ બાળક હશે, પણ જ્યારે જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો મેક્સિકન બાળક છે. મેક્સિકન ભાષાના શબ્દો અને ભારતિય ભાષાના શબ્દો ઘણા મળતા આવે છે. સંસ્કૃતિ પણ ઘણી મળતી આવે.
    બીજા મેક્સિકન બાળકોની જેમ ઈસ્માઈલ પણ તંદુરસ્ત અને ગોળ ચહેરો. માતા પિતા ઘણા જુવાન અને પ્રેમી પંખીડાની જેમ બન્ને હમેશા ઈસ્માઈલને સાથે મુકવા આવે. દેખાઈ આવતું કે ઈસ્માઈલને વધુ પડતા લાડ લડાવવામાં આવી રહ્યા હતા. તોફાની ઈસ્માઈલ એમના રહેઠાણના સ્થળે બીજા બાળકોને રમતાં રમતાં ધક્કો મારી પાડી નાખતો. ઈસ્માઈલને વાત વાતમાં ખોટું લાગી જાતું, રમતાં રમતાં એનું ધાર્યું ન થાય તો એક ખુણામાં મોઢું ફુલાવી બેસી જતો. આ બધી વાતો ઈસ્માઈલના મમ્મી પપ્પાએ જ અમને કહી હતી, અને જ્યારે અમે બાળકોને રમવા લઈ ગયા ત્યારે એનો અનુભવ અમને પણ થયો હતો.

    સ્વભાવિક રીતે જ અમારે ફક્ત ઈસ્માઈલ જ નહિ પણ બીજા બાળકોની સુરક્ષાની જવાબદારી પણ રહેતી એટલે ધીરે ધીરે થોડી સમજાવટ થોડા કડક થઈને પણ ઈસ્માઈલની એ આદત દુર કરવામાં અમે સફળ થયા. ધીરે ધીરે ઈસ્માઈલ બધા સાથે હળી ગયો. ઈસ્માઈલ જ્યારે અમારા ક્લાસમાં આવ્યો ત્યારે બહુ બોલતો નહોતો. એના ઈવોલ્યુશનમાં લેબલ તો હતું Autistic childનું, પણ દેખાઈ આવતું હતું કે માતા પિતાના વધુ પડતાં લાડે એને જીદ્દી બનાવી દીધો હતો.

    એ વર્ષે અમારા ક્લાસમાં હર વર્ષ કરતાં બોલતાં બાળકોની સંખ્યા વધારે હતી. સામાન્ય રીતે એવું બનતું કે ત્રણ વર્ષનું બાળક જ્યારે ક્લાસમાં આવતું ત્યારે જલ્દી બોલતું નહિ. ખબર જ ના પડે કે આ બાળક બોલી શકે છે કે નહિ. Autistic બાળકોની એ પણ એક ખાસિયત હતી, પણ થોડા જ સમયમાં  મોટાભાગના બાળકોને સંગત ની રંગત લાગી જતી અને એમની વાચા ખુલવા માંડતી.

    સામાન્ય માણસોના જગતમાં બીજાને મદદ કરવા તત્પર હોય એવા માણસો જલ્દી મળતાં નથી, પણ અમારા ક્લાસમાં એની કોઈ કમી નહોતી. ત્યારે અમારા ક્લાસમાં એક જેનેસિસ નામની બાળકી હતી. એ બે વર્ષથી અમારી સાથે હતી. ખૂબ બોલકી અને બીજાને મદદ કરવા સદૈવ તત્પર.

    બપોરે ઘરે જવાના સમયે જે મમ્મી કે પપ્પા પોતાના બાળકને લેવા આવતાં એમને જેનેસિસ તરત જ દોડીને એ બાળકનું દફતર એનો નાસ્તાનો ડબ્બો કે જે વસ્તુ હોય તે એ બાળકના મમ્મી, પપ્પાના હાથમાં જઈને આપી આવતી. બધાને હમેશ મદદ કરવા તત્પર.

    તે દિવસે જ્યારે મોનિકાના પિતા એને લેવા આવ્યાં કે તરત જેનેસિસ દફતર લેવા દોડી અને દફતર લઈ મોનિકાના પિતાના હાથમાં આપ્યું. અચાનક ઈસ્માઈલનો ભેંકડો સંભળાયો. એક ક્ષણ તો હું અને સમન્થા હક્કબક્કા થઈ ગયાં. અચાનક ઈસ્માઈલને શું થયું! વાત એમ બની કે એ ભાઈ પણ દોડતા જઈને સેવાનું કામ કરવા માંગતા હતા, પણ મોડા પડ્યાં. ઈસ્માઈલના રડવાનું કારણ સમન્થાને ના સમજાયું પણ મને ખ્યાલ આવી ગયો અને મેં મોનિકાના પિતાને કહ્યું “મહેરબાની કરી મને દફતર પાછું આપો” એ દફતર લઈ મેં ખીંટીએ જઈ લટકાવ્યું. ઈસ્માઈલ દોડીને દફતર લઈ આવ્યો,અને જાણે આખી દુનિયા પર વિજય પ્રાપ્ત કર્યો હોય તેમ  ગર્વભેર દફતર મોનિકાના પિતાના હાથમાં આપી આવ્યો. પોતે જાણે મોટું પરાક્રમ કર્યું હોય એમ એનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો.

    આવી હરિફાઈ અને સેવાની ધગશ તમને બીજે ક્યાં જોવા મળે? આ નિર્દોષ બાળકો પાસે આપણે બીજું કશું નહિ તો સેવાની ભાવના તો શીખી જ શકીએ!

    ઈસ્માઈલના ગાલ પર આંસુ અને હાસ્યનો  એ અનુપમ નજારો આ દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાનો મારો ઉત્સાહ હમેશ જીવંત રાખતાં. કેવું અનોખુ છે આ બાળપણ !!

    રોજની આ અનોખા બાળકોની મસ્તી અને એમનો વિશ્વાસ એમની માનસિક વિકલાંગતાને ભુલવી મારામાં વધુ શક્તિ અને વહાલનો સંચાર કરતાં.

    ઈશ્વરને એ જ પ્રાર્થના કે ઈસ્માઈલ અને એના જેવા બાળકોની નિર્દોષતા હમેશ બરકરાર રહે અને જગમાં મૈત્રી અને પ્રેમભાવના પાંગરતી રહે.


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • મોહમ્મદ રફી – ‘એ’ થી ‘ઝેડ’ પરથી શરૂ થતાં સૉલો ગીતો (૨)

    મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ : યાદોની સફર તેમનાં ગીતોને સહારે

    મોહમ્મદ રફી – ‘એ’ થી ‘ઝેડ’ પરથી શરૂ થતાં સૉલો ગીતોના અંક (૧)માં આપણે ‘એ’થી લઈને’ એમ’ સુધીના અક્ષરો પરથી શરૂ થતાં ગીતો સાંભળ્યાં. હવે આગળ ……..

    અનુવાદ અને સંકલન: અશોક વૈષ્ણવ

    મોહમ્મદ રફીનાં ‘ગમતાં’ ગીતો પસંદ કરવાં એ દેખાય છે એટલું સહેલું કામ નથી પરવડતું. એ એવો ખજાનો છ એકે એક વાર ખૂલે એટલે ખોબે ખોબે ઉસેડીને તેમાનાં રત્નો ભેગાં કરીએ તો પણ ‘ઓહો આ રહી ગયું’ ને ‘પેલું તો લઈ જ લઈએ’ વાળી અવઢવનો ક્યારેય અંત જ ન આવે. ખેર, કસુંબો તો હાથની  હથેળીમાં સમાય એટલો જ લેવાય એ ન્યાયે આપણે પણ કયાં ગીતો રહી ગયાં તેનો વસવસો ભુલીને, આજના મણકામાં મોહમ્મદ રફીએ ગાયેલાં એનથી ઝેડથી શરૂ થતાં જે ગીતો પસંદ થયાં તેનો કેફ માણીએ.

    ન ઝટકો ઝુલ્ફ સે પાની કે યે મોતી ટૂટ જાયેંગે – શહનાઈ (૧૯૬૪) – ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ – સંગીત: રવિ

    યે ઝુલ્ફ અગર ખીલકે બીખર જાયે તો અચ્છા (કાજલ, ૧૯૬૫ – સંગીતઃ રવિ), ઝુલ્ફોં કો હટા લો ચહેરે સે (સાવનકી ઘટા, ૧૯૬૬ – સંગીતઃ ઓ પી નય્યર), તુમ્હારી ઝુલ્ફ કે સાયેમેં શામ કર લુંગા (નૌનિહાલ, ૧૯૬૭ – સંગીતઃ મદન મોહન) ઝુલ્ફ બીખરાતી ચલી આયી હો (એક કલી મુસ્કાઈ, ૧૯૬૮ – સંગીત મદન મોહન), જેવાં તો ‘ઝુલ્ફ’ રચાયેલાં મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલાં એકને યાદ કરોને બીજાંને ભુલો એવાં ગીતો રચાયાં છે.

    ઓ દૂર કે મુસાફિર હમકો ભી સાથ લે લે રે હમ રહ ગયે અકેલે – ઉડન ખટોલા (૧૯૫૫) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ નૌશાદ

    એકદમ ઊંચા સુરમાં શરૂ થતી સાખી પછી સુરની ઉતરચડમાં ઘુંટાતી એકલતાની વ્યથાની મોહમ્મદ રફીના સ્વરમાં થયેલ રજુઆત દિલનાં ઊંડાંણ સુધી છયાયેલી રહે છે.

    સાખી દરમ્યાન કાઉંટર મેલોડી સ્વરૂપે મોજાંના ઘુઘવાટને નૌશાદે સમુહ સ્વરોમાં જે રીતે રજુ કર્યો છે તે ગીતને વધારે ઘૂંટે છે.

    https://www.youtube.com/watch?v=pD7HziV7204

    પાસ બૈઠો તબીયત બહલ જાયેગી મૌત ભી આ ગઈ તો ટલ જાયેગી – પુનર્મિલન (૧૯૬૪) – ગીતકારઃ ઈંદીવર  – સંગીતઃ સી અર્જુન

    કહેવાય છે કે આ તની રચના ઈમ્દીવર અને સી અર્જુનમાં બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક નખશીખ સૌંદર્યની પ્રતિમા સમી યૌવના બસમાં ચડીને તેમની સીટ પાસે આવીને ઊભ રહી ગઈ ત્યારે ઈંદીવરને સ્ફુરેલ આ મુખડાના બોલ છે!

    ક઼દમોંમેં તેરે સનમ હમને તો સર ઝુકા લિયા – ઉમ્મીદ પે દુનિયા ઝુકતી હૈ (રજુ ન થયેલ ફિલ્મ) – ગીતકારઃ પ્રેમ ધવન – સંગીતઃ મદન મોહન

    મોહમ્મદ રફી અને મદન મોહનની કેટલીય રચનાઓ આ ગીતની જેમ રજુ ન થયેલી ફિલ્મોમાં કેદ થઈને રહી ગઈ હશે!

    રહા ગર્દીશોમેં મેરે ઈશ્કકા સિતારા – દો બદન (૧૯૬૬) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ રવિ

    પ્રેમિકાનો હાથ લગનમંડપમાં બીજાના હાથમાં જોઈને પ્રેમીના હોઠ પર આવી આહભર્યું ગીત છલકી પડે એ ફિલ્મોમાં વપરાતી ફોર્મુલાની જાણીતી રસમ છે. પરંતુ આવા દરેક પસંગે ગીતકાર, સંગીતકાર અને ગાયક તો આપણને હૂદયસ્પર્શી ગીત જ આપે !

    સબ જવાં સબ હસીં કોઈ તુમસા નહીં હો ગયે જિસકે હમ વો તુમ્હી હો તુમ્હી – મૈં સુહાગન હું (૧૯૬૪) – ગીતકારઃ કૈફી આઝમી – સંગીતઃ લછ્છીરામ (તોમર)

    હિંદી ફિલ્મોનાં કેટલાંય સદાકાલીન ગીતો એવાં છે કે જેના સંગીતકાર કે પરદા પર અભિનિત કરતાં કલકાર, કે ખુદ ફિલ્મ સુદ્ધાં, અશ્મિભૂત થઈ ગયાં હશે!

    તસવીર બનાતા હું તેરી ખુન -એ – જિગર સે – દીવાના (૧૯૫૨) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ નૌશાદ

    ‘ટી’ પર મોહમ્મદ રફીએ ગાયેલાં તંગ આ ચુકે હૈ કશ્મક્શ – એ – જિંદગસે હમ, (પ્યાસા, ૧૯૫૭ – સંગીતઃ એસ ડી બર્મન), તુઝે ક્યા સુનાઉં મૈં દિલરૂબા (આખરી દાવ, ૧૯૫૮ – સંગીતઃ મદન મોહન ), તુમ એક બાર મુહબ્બતકા ઇન્તહામ તો લો (બાબર, ૧૯૬૦ – સંગીતઃ રોશન), તક઼દીર કા ફસાન, જા કર કિસે સુનાયેં ઇસ દિલમેં જલ રહી હૈ અરમાંકી ચિતાયેઃ (સેહરા, – સંગીતઃ રામલાલ), જેવાં ગીતોમાંથી કોઈ એકને પસંદ કરવું ખરેખર વસમું કામ છે.

    આટલું ઓછું હોય તેમ ‘ટી’થી શરૂ થતાં તસવીર ગીત તેરી તસવીર ભી તુઝ જૈસી હસીન હૈ લેકિન (કિનારે કિનારે, ૧૯૬3 સંગીતઃ જયદેવ), પેરોડી ગીત તસવીર તેરી દિલ મેરા બહેલા ન સકેગી, મર જાઉંંગા મૈ કેસે તુ જો આ ન સકેગી (દેવર ભાભી, ૧૯૫૮, સંગીતઃ રવિ), તેરી સુરત સે નહીં મિલતી કિસીકી સુરત, હમ જહાંમેં તેરી તસવીર લીયે ફિરતે હૈં (ઝિદ્દી, ૧૯૬૪ – સંગીતઃ એસ ડી બર્મન),  અને તુ હી વો હસીં જિસકી તસવીર ખયાલોંમેં બસી રહેતી હૈ  (ખ્વાબ, ૧૯૮૦  – સંગીતઃ રવિન્દ્ર જૈન) ઉપરાંત  ‘તસવીર’ ઉપર મોહમ્મદ રફીએ જ ગાયેલાં યે દુનિયા તેરે દિલકી તસવીર બાબા (શ્રીમતી ૪૨૦,૧૯૫૬ – સંગીત ઓ પી નય્યર), , અબ ક્યા મિસાલ દું મૈં તુમ્હારે શબાબકી……. તસવીર હો તુમ્હીં મેરે જન્નતકી (આરતી, ૧૯૬૨, સંગીતઃ રોશન), યાદ ન જાયે બીતે દીનોંકી…. તસવીર ઉનકી છુપા કે રખ દું જહાં જી ચાહે (દિલ એક મંદિર, ૧૯૬૩, સંગીતઃ શંકર જયકિશન), , જો બાત તુઝમેં હૈ તેરી તસવીરમેં નહીં (તાજ મહલ, ૧૯૬3 સંગીતઃ રોશન), જાનેવાલો ઝરા મુડકે દેખો મુઝે …. મૈં વિધાતાકે હાથોંકી તસવીર હું (દોસ્તી, ૧૯૬૪ – સંગીતઃ લક્ષ્મીકાન્ત પ્યારેલાલ), જન્નત કી હૈ તસવીર….. યે કશ્મીર ન દેંગે – (જોહર ઈન કશ્મીર, ૧૯૬૬ – સંગીતઃ કલ્યાણજી આણંદજી), દિલકે આઈનેમેં તસ્વીર તેરી રહેતી હૈ (આઓ પ્યાર કરેં, ૧૯૬૪ – સંગીતઃ ઉષા ખન્ના), જિનકી તસવીર નિગાહોંમેં લિયે ફિરતે હૈં (હુસ્ન ઔર ઈશ્ક઼, ૧૯૬૬ – સંગીતઃ ગણેશ), દિલકે ઝરોંખોમેં બીઠાકર.. આખોંમેં રહતી હૈ તસવીર તેરી … (બ્રહ્મચારી, ૧૯૬૮ – સંગીતઃ શંકર જયકિશન), યકીન કર લો …. તુમ્હારી તસવીર હૈ નજ઼રમેં….. (યકીન, ૧૯૬૯ – સંગીત શંકર જયકિશન), મહેબુબા તેરી તસવીર, કિસ તરહ મૈં બનાઉં નહીં બનતી (ઈશ્ક઼ પર જોર નહીં, ૧૯૭૦ – સંગીતઃ એસ ડી બર્મન)     અય મુસ્સવીર મેરે મહેબુબકી તસવીર બના (ઈંસાન ઔર ઈંસાન, ૧૯૮૫ – સંગીતઃ  હેમરાજ રત્નદીપ) અને અર્ધો ડઝન જેવાં યુગલ ગીતો આ યાદીમાં ભળે તો તો એમ જ થાય કે આ ગીતોમાંથી પસંદગી કરવી એના કરતાં તો આ ગીતોને લઈને એક અલગ જ લેખ બનાવી લઈએ.

    પ્રસ્તુત ગીતમાં સંગીત અને ગાયકની તો અનોખી કમાલ છે જ , પણ ગીતકારે પણ કમાલ કરવામાં કોઈ કસર નથી છોડી.

    જિતને ભી મિલે રંગ વો સબ ભર દિયે તુઝમેં
    એક રંગ-એ-વફા ઔર હૈ લાઉં વો કિધર સે

    અને પછીથી કુદરત તરફ નજર દોડાવેલી પણ પાછી પડે છે….

    સાવન તેરી ઝુલ્ફોંસે ઘટા માંગકે લાયા,
    બીજલીને ચુરાઈ હૈ તડપ તેરી નઝરોંસે….

    ઉન્હેં કિસ્સા – એ – ગમ લિખને જો બૈઠે તો દેખે કલમકી રવાનીમેં આંસુ – નયા કાનૂન (૧૯૬૫) – ગીતકારઃ હસરત જયપુરી – સંગીતઃ મદન મોહન

    પરંપરાગત રીતે ગીતની શરૂઆત મુખડાથી થાય તેને બદલે આ નઝ્મ તો સીધે સીધી અંતરાઓનું જ પઠન છે. કોઈ પણ જાતનાં સંગીત કે તાલવાદ્યની સંગત સિવાય જ મોહમ્મદ રફી આ ગીતને તેમની અનોખી ગાયકીની શૈલીમાં રજૂ કરે છે. દરેક અંતરાની શરૂઆત લાગણીઓની તીવ્રતા દર્શાવતા ઊંચા સ્વરમાં છે જે સમાઈ જતાં છેલ્લે આંસુ સુધી પહોંચતાં ઉર્મિશીલ નરમાશમાં પરિવર્તીત થઈ રહે છે.

    આ ગીતનું આશા ભોસલેના સ્વરનું સંસ્કરણ રેકોર્ડીંગ સ્ટુડીઓમાં ગવાતું બતાવાયું છે.

    વિધિને દેખો વિરહ મિલન બેલા કા કૈસા ખેલ રચાયા – રામ રાજ્ય (૧૯૬૭) – ગીતકારઃ ભરત વ્યાસ – સંગીતઃ વસંત દેસાઈ

    રામની જીવન કથાને મોહમ્મદ રફી પૂર્ણતઃ ભાવપૂર્વક રજુ કરે છે.

    આ ગીત સુમન કલ્યાણપુર સાથે યુગલ ગીતનાં સ્વરૂપે પણ છે. તેની ઓડીયો ક્લિપ જ મળે છે એટલે ગીત કયા સંદર્ભમાં રજું થયું હશે તે ખબર નથી પડતી. પરંતુ રફી કરૂણ ભાવના અલગ સ્વરમાં ગીતને રજુ કરે છે.

    વો સાદગી કહેં ઇસે દીવાનગી કહેં  ઉનકા બઢા જો હાથ યહાં દિલકા દિયા – શમા (૧૯૬૧) – ગીતકારઃ કૈફી આઝમી – સંગીતઃ ગુલામ મોહમ્મદ

    માત્ર અને માત્ર રોમાસના ભાવની અભિવ્યક્તિ ગીતની ધુન, વાદ્યસજ્જા, બોલ અને ગાયકીમાં છવાયેલાં રહે છે.

    યે ઝુકે ઝુકે સે નૈના યે લટ બીખરાતી તો દિલ મેરા ક્યું ન હો દીવાના તેરા – ભરોસા (૧૯૬૩) – ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ – સંગીતઃ રવિ

    ગુરૂ દત્ત સામાન્ય રીતે દિલફેંક રોમીયાના કિરદારોમાં જોવા ન મળે. અહીં પણ તે એક સીધા સાદા ગ્રામ્યવાસી યુવાની જ ભુમિકામાં છે. પણ તેથી બાગબગીચામાં પ્રેમિકાની પાછળ પાછળ પોતાના પ્રેમની અભિવ્યક્તિ તે ન કરી શકે એવું થોડું હોય !

    ઝિંદગી કે સફરમેં અકેલે થે હમ મિલ ગયે તુમ તો દિલ કો સહારા મિલા – નર્તકી (૧૯૬૩) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ રવિ

    અહીં પ્રેમની અભિવ્યક્તિ સાવ જ અલગ જ અંદાજમાં જોવા મળે છે. પહેલાં એકલા હતા એમાંથી હવે મળી ગયેલ પ્રેમની સરવાણીઓના મંદ મંદ પ્રવાહમાં પ્રેમીના દિલના ભાવની નાવ વહી નીકળી છે.

    મોહમ્મદ રફીના સ્વરની આપણી સફરનાં એ થી ઝેડ સુધીનાં પ્રકરણની આ એક પ્રકારની રજુઆત હતી. હવે પછી પણ મોહમ્મદ રફીના સ્વરની યાદોની સફર ચાલતી રહેશે.


    મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત લેખ Mohammad Rafi from A to Z    નો આંશિક અનુવાદ