૧૮૭૨થી ૧૮૯૯ સુધીનો સમયગાળો અંગ્રેજો માટે પ્રમાણમાં શાંતિનો ગાળો રહ્યો. આ ગાળામાં માત્ર ત્રણ જ વિદ્રોહ થયા, તેમાં ૧૮૯૯નો બિરસા મુંડાનો વિદ્રોહ – ઉલગુલાન – મોટો હતો. બિરસા મુંડા વિશે પહેલાં જ લખી ચુક્યો છું, જે અહીં મારી બારી અથવા વેબગુર્જરી પર ક્લિક કરીને વાંચી શકાશે. આથી આપણે હવે વીસમી સદીમાં જ પ્રવેશ કરીએ.
લૉર્ડ કર્ઝન
૧૮૯૯માં કર્ઝન વાઇસરૉય બનીને આવ્યો. એ ઘમંડી હતો અને જતાં પહેલાં કોંગ્રેસને કબરમાં પોઢેલી જોવા માગતો હતો. ૧૯૦૩માં એણે વહીવટના નામે બંગાળના ભાગલા પાડવાની જાહેરાત કરી. આજનું આપણું પશ્ચિમ બંગાળ એક તરફ અને આસામ સહિત આજનું બાંગ્લાદેશ બીજી તરફ. મુસલમાનો તો રાજી થયા પણ હિંદુઓમાં ભારે વિરોધ ઊઠ્યો. ૧૯૦૫ના ઑક્ટોબરમાં બંગાળના ભાગલા અમલમાં આવ્યા. કોંગ્રેસે એનો વિરોધ તો ૧૯૦૩માં જ કર્યો હતો પણ હવે લોકલાગણી ભડકી.
જો કે, બંગાળના ભાગલા પડ્યા તે તો લોકલાગણીને ભડકાવવાનું નિમિત્ત બન્યું, લોકોમાં અસંતોષ વધતો જતો હતો. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ૧૮૯3-૯૪માં જ વિદેશી સત્તાનાં દૂષણો દેખાડી દેતાં શાસકો અને શાસિતો વચ્ચેના કથળતા સંબંધો તરફ ધ્યાન દોર્યું હતું. એમણે ભીખ માગવાની કોંગ્રેસની નરમ નીતિઓને સ્થાને નવું વિચારવાની જરૂર તો ૧૮૯૩-૯૪માં જ દેખાડી હતી.
૧૯૦૨માં એક વિદ્યાર્થી સતીશચંદ્ર બસુએ અનુશીલન પાર્ટીની સ્થાપના કરી હતી. બધા ક્રાંતિકારીઓ એમાં જોડાયા. મહર્ષિ અરવિંદ ઘોષ એમના જીવનના શરૂઆતના કાળમાં ‘ક્રાન્તિકારી આતંકવાદ’ના હિમાયતી હતા. (આજે આતંકવાદ શબ્દના અર્થનું પતન થઈ ગયું છે, પણ વીસમી સદીની શરૂઆતમાં એ શબ્દ સન્માનને પાત્ર હતો). એ અને એમના ભાઈ બારીન્દ્ર ઘોષ પણ અનુશીલનમાં જોડાયા. જો કે પછી બારીન્દ્રે અનુશીલન પાર્ટી છોડી દીધી અને ‘યુગાંતર’ નામનું અખબાર શરૂ કર્યું.
યુગાંતર અને અનુશીલનની પ્રેરણાનો સ્રોત ભગવદ્ ગીતાના ‘સંભવામિ યુગે યુગે’ વચનમાં હતો. એના ઘણા નેતા પ્રખર વક્તા અને લેખક હતા. ભૂપેન્દ્રનાથ દત્તા (સ્વામી વિવેકાનંદના નાના ભાઈ) એવા જ પ્રભાવશાળી લેખક હતા. એમની કલમ લોકોમાં જોશ ભરી દેતી.
કોંગ્રેસની ભૂમિકા
બંગાળના ભાગલાના વિરોધમાં સુરેન્દ્રનાથ બેનરજીએ વિદેશી માલસામાનના બહિષ્કારનો કાર્યક્રમ જાહેર કર્યો. વિદ્યાર્થીઓએ જોશભેર ગામડે ગામડે ફરીને સ્વદેશીનો સંદેશ પહોંચાડ્યો. સ્વદેશી આંદોલનમાં સ્ત્રીઓ પણ મોટા પાયે સામેલ થઈ. કવિવર ટાગોરની રચનાઓ, ‘વંદે માતરમ’ અને સ્વદેશીનાં ગીતો ઘેરેઘેર ગૂંજતાં થયાં. લોકોએ સ્વદેશીનું હથિયાર અપનાવ્યું તેની અસર વિદેશી કાપડ અને બીજા માલસામાનના વેચાણ પર પડી, એટલું જ નહીં, સ્થાનિકના લોકોને કામ મળવા માંડ્યું, વણકરો અને નાના કારીગરો ફરી બેઠા થવા લાગ્યા.
બંગાળના ભાગલાના વિરોધમાં બારીસાલમાં એક પરિષદ મળી. તે પહેલાં લોકો સરઘસ બનાવીને ‘વંદે માતરમ’ના નારા સાથે રસ્તા પર નીકળી પડ્યા. ‘વંદે માતરમ’ના સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ હતો, પરંતુ લોકોએ પરવા ન કરી. પોલિસ એમને લાઠીઓથી ઝૂડવા માંડી. સરઘસનું નેતૃત્વ કલકતાના વકીલ અબ્દુલ રસૂલની વિદેશી પત્ની કરતી હતી. સુરેન્દ્રનાથ બેનરજી એને બચાવવા વચ્ચે કૂદી પડતાં પોલીસે એમને પકડીને જેલમાં નાખી દીધા. એમને ચારસો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો અને પરિષદ પર પ્રતિબંધ મૂકી દેવાયો.
૧૯૦૫ની ૧૬મી ઑક્ટોબરે બંગાળના સત્તાવાર રીતે ભાગલા પડ્યા ત્યારે આખા બંગાળમાં જબ્બરદસ્ત હડતાળ પડી. લોકોએ શોક-દિન મનાવ્યો અને પ્રાર્થના સભાઓ ગોઠવી.
અલીપુર જેલમાં વિદ્રોહનો તણખો
આ બાજુ, ક્રાંતિકારીઓ પોતાની રીતે લડતા જ હતા. એવામાં, અલીપુર જેલમાં કન્હાઈ લાલ દત્તાએ પોલીસના જાસૂસ બની ગયેલા એક ક્રાન્તિકારી નરેન ગોસાંઈને ગોળીએ દઈ દીધો. આ ગુના માટે કન્હાઈ લાલ દતાને ૧૯૦૮માં ફાંસી આપવામાં આવી. તે પછી એમની અંતિમ યાત્રામાં હજારોની ભીડ ઊમટી અને ચિતા ઠરી ત્યારે લોકો એમની ભસ્મ અને અસ્થિ લેવા માટે તૂટી પડ્યા.
અનુશીલન અને યુગાંતરે ક્રાન્તિની જે મશાલ પ્રગટાવી તે ૧૯૩૦ સુધી ટકી રહી. તે પછી એ સંગઠનો દેશના મુખ્ય ક્રાન્તિકારી પ્રવાહમાં ભળી ગયાં. એમાંથી ઘણા સામ્યવાદી પક્ષમાં જોડાયા, કોઈ કોંગ્રેસમાં ગયા અને કોઈ સશસ્ત્ર સંઘર્ષના માર્ગે જ ચાલતા રહ્યા.
આ બધું થયા પછી કોંગ્રેસની નેતાગીરીની અરજીઓ કરવાની અને બ્રિટિશ હકુમતને લાભકારક માનવાની નીતિ સામે અવાજ વધારે બુલંદ થવા લાગ્યો. ૧૯૦૬માં કલકત્તામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં આ નવો અવાજ જોરથી વ્યક્ત થયો અને પંજાબના લાલા લાજપત રાય, મહારાષ્ટ્રના બાલ ગંગાધર તિલક અને બંગાળના બિપિનચંદ્ર પાલ એક સૂરે બોલ્યા. દેશની આઝાદીના સંઘર્ષમાં ૧૮૫૭ પછી મધ્યમ વર્ગના શિક્ષિત લોકોએ સમાધાનવાદી માર્ગ લીધો હતો તેની સામે એક નવી ત્રિપુટિનો ઉદ્ભવ થયો – એ ત્રિપુટી એટલે લાલ-બાલ-પાલ.
(બંગભંગ વિશે વધારે આવતા અંકમાં)
સંદર્ભઃ
(1) A Centenary History of Indian National Congress Vol. 1 Edited by B. N. Pandey (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
(2) Towards India’s Freedom and Partition S. R. Mehrotra, 1979 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
(3) What India Wants, G. A. Natesan, 1917 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
‘ગાઝાના રહીશો, ભાગો અહીંથી.’ આવું બીજું કોઈ નહીં, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ કહી રહ્યા છે. તેમણે હાથમાં બૉક્સિંગનાં મોજાં ચડાવ્યાં છે. આવાં મોજાં પહેરેલા એક હાથમાં તેમણે શસ્ત્રક્રિયામાં વપરાતી નાનકડી છરી પકડેલી છે, અને તેઓ પોતાના ખુલ્લા પેટ પર દોરાયેલા નિશાન પર ચીરો મૂકી રહ્યા છે. આ ચીરાનો આકાર ગાઝા પટ્ટીના નકશા જેવો છે.
આ કંઈ વાસ્તવિકતા નથી, પણ એક કાર્ટૂન છે, જે સ્ટીવ બેલ નામના વરિષ્ઠ કાર્ટૂનિસ્ટે લંડનના અખબાર ‘ધ ગાર્ડિઅન’ માટે ચીતર્યું હતું. આ કાર્ટૂનને ‘યહૂદીવિરોધી’ ગણાવીને તેને ચીતરવા બદલ સ્ટીવ બેલને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. અલબત્ત, સ્ટીવે તેને ટ્વીટર પર મૂક્યું છે.
આ ઘટના સાથે વધુ એક વાર અભિવ્યક્તિસ્વાતંત્ર્ય અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. પણ એ પહેલાં આ કાર્ટૂનથી લોકો, ખાસ કરીને યહૂદીઓ શાથી ખફા થયા છે અને એ બાબતે કાર્ટૂનિસ્ટનો પોતાનો શો પક્ષ છે એ જાણવા જેવું છે.
કાર્ટૂનિસ્ટ બેલના જણાવ્યા અનુસાર તેમણે સવારે અગિયારેક વાગ્યે આ કાર્ટૂન મોકલ્યું એના ચારેક કલાક પછી પોતે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમને એક વિચિત્ર, અનામી સંદેશો મળ્યો, જેમાં લખેલું: ‘પાઉન્ડ ઑફ ફ્લેશ’. કાર્ટૂનિસ્ટે પોતે કશું ન સમજ્યા હોવાનું જણાવતાં જવાબ આવ્યો: ‘જ્યુઈશ બ્લોક, પાઉન્ડ ઑફ ફ્લેશ, એન્ટી-સેમીટીક ટ્રોપ.’ આનો મતલબ સાફ હતો. યહૂદીઓની સામાન્ય છાપ વ્યાજખોર વ્યાપારી તરીકેની છે. શેક્સપિયરના ખ્યાતનામ નાટક ‘ધ મર્ચન્ટ ઑફ વેનિસ’માં શાયલોક નામનો એક વ્યાજખોર વ્યાપારી આન્તોનિયોને નાણાં ધીરે છે, અને એ નાણાં પરત કરવામાં આન્તોનિયો નિષ્ફળ જાય તો પોતે આન્તોનિયોના શરીરમાંથી એક પાઉન્ડ માંસનો ટુકડો કાઢી લેશે એવી શરત મૂકે છે. નાટ્યાત્મક વળાંક ધરાવતી આ કથામાં છેવટે પોર્શિયા આન્તોનિયોને ઉગારે છે. યહૂદી વ્યાપારી પોતાનાં નાણાંની વસૂલાત માટે ક્રૂરતાની કઈ હદ સુધી જઈ શકે એ આ નાટકમાં આબાદ ચીતરાયું છે. મોટા ભાગના અહૂદીઓના મતે સ્ટીવ બેલના આ કાર્ટૂનમાં ‘એક પાઉન્ડ માંસ’નો શેક્સપિયરવાળો સંદર્ભ આપવામાં આવેલો છે, અને તેથી તેમને આ કાર્ટૂન અપમાનજનક જણાયું છે.
કાર્ટૂનિસ્ટ સ્ટીવ બેલે આ કાર્ટૂનને શાયલોક સાથે કશો સંબંધ હોવાનો ઈનકાર કર્યો છે. તેને બદલે તેમણે આ કાર્ટૂનનો સંબંધ અમેરિકી પ્રમુખ લીન્ડન બી. જહોનસન સાથે હોવાનું જણાવ્યું છે. વિએતનામ પર કરેલા અમેરિકી આક્રમણ દરમિયાન અમેરિકી પ્રમુખ જહોનસને પિત્તાશયની શસ્ત્રક્રિયા કરાવી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ખમીસ ઊંચું કરીને પોતાના પેટ પરનો ચીરો સૌને દેખાડ્યો હતો. આ ઘટનાથી પ્રેરિત થઈને કાર્ટૂનિસ્ટ ડેવિડ લિવાઈને પ્રમુખ જહોનસનનું કાર્ટૂન ચીતર્યું હતું. કાર્ટૂનમાં તેમણે ખમીસ ઊંચું કરીને પેટ પરનો ચીરો દેખાડતા પ્રમુખને દર્શાવ્યા હતા અને ચીરાનો આકાર વિએતનામ જેવો ચીતર્યો હતો.
1966માં પ્રકાશિત આ કાર્ટૂન અતિશય જાણીતું બન્યું હતું. આ જ કાર્ટૂનની તરાહ પર સ્ટીવ બેલે નેતાન્યાહુનું કાર્ટૂન ચીતર્યું, જેમાં તેમણે ‘આફ્ટર ડેવિડ લિવાઈન’ (ડેવિડ લિવાઈન પછી વધુ એક વાર) લખેલું છે. કાર્ટૂનમાં આ પદ્ધતિ સામાન્ય છે, જેમાં અગાઉના કોઈ એક જાણીતા બનેલા કાર્ટૂનનું પુનર્કથન અન્ય કાર્ટૂનિસ્ટ કરે. સ્ટીવનું આ કાર્ટૂન ઘણાને યહૂદીવિરોધી જણાયું.
હજી થોડા મહિના અગાઉ, ‘ધ ગાર્ડિઅન’ કાર્ટૂનિસ્ટ માર્ટિન રૉસન દ્વારા ચીતરાયેલા એક કાર્ટૂન માટે મુશ્કેલીમાં મૂકાયું હતું. આ કાર્ટૂનમાં માર્ટિને બી.બી.સી.ના ચેરમેન રિચર્ડ શાર્પને બતાવાયા હતા. આ કાર્ટૂન પર પણ તે યહૂદીવિરોધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ‘ધ ગાર્ડિઅને’ તેને પોતાની વેબસાઈટ પરથી હટાવી લેવું પડ્યું હતું.
બ્રિટન અને અમેરિકા જેવા દેશો પોતાની રમૂજવૃત્તિ માટે, પોતાની જાત પર હસવા માટે જાણીતા છે. બન્નેની રમૂજવૃત્તિના પ્રકાર અને તીવ્રતામાં ઘણો ફરક છે, છતાં એ હકીકત છે કે તેઓ આકરામાં આકરા વ્યંગ્ય કરી શકે છે, એમ વેઠી પણ શકે છે.
કાર્ટૂન દ્વારા લાગણી દુભાવાની ઘટનાઓ જે રીતે વધી રહી છે એ જોતાં મહાન ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મંટોનું કથન યાદ આવ્યા વિના રહે નહીં. પોતાના વાર્તાસંગ્રહમાં તેમણે લખેલું: ‘વર્તમાન યુગના જે સમયમાંથી આપણે હાલ પસાર થઈ રહ્યા છીએ તેનાથી તમે અજાણ હો તો મારી વાર્તાઓ વાંચો. તમે એ વાર્તાઓને સહન ન કરી શકતા હો તો એનો અર્થ એ થયો કે આ જમાનો જ અસહ્ય બની ગયો છે. મારામાં જે ખરાબીઓ છે એ આ યુગની ખરાબીઓ છે. મારાં લખાણમાં કશો દોષ નથી. જે દોષને મારા નામે ચડાવવામાં આવે છે એ ખરેખર તો પ્રવર્તમાન સમયનો દોષ છે.’
મંટોનું આ કથન તેમના પોતાના સમયમાં સાચું હતું, એમ એ પછીના દરેક યુગે તે સત્ય ઠરતું આવ્યું છે. અભિવ્યક્તિનાં માધ્યમો બેફામ રીતે વધ્યાં છે, તો તેની સામે અસહિષ્ણુતાએ પણ માઝા મૂકી છે. લાગણી દુભાવી જાણે કે પ્રવર્તમાન સમયનું પ્રમુખ લક્ષણ બની રહ્યું છે. હાસ્યાસ્પદ, અવાસ્તવિક અને એક કાર્ટૂનિસ્ટની અંતિમ છેડાની કલ્પનાઓ રોજબરોજ સમાચાર બનીને અખબારનાં પાને આવે છે. લાગણી દુભાય તો તેનાથી દુભાય. તેને બદલે આવી હકીકત પર કટાક્ષ કરનાર પર નિશાન સાધવામાં આવે છે.
ચિંતાજનક બાબત એ છે કે આ વલણનો વ્યાપ કોઈ એકલદોકલ સ્થળે નહીં, પણ સાર્વત્રિકપણે વિસ્તરવા લાગ્યો છે. હાસ્ય અને રમૂજ કદાચ પ્રતિબંધિત બની રહે કે ભૂતકાળની બાબત બની જાય તો નવાઈ ન લાગે એ હદે અચાનક લાગણીદુભાઉ સમૂહની હાજરી દેખાવા લાગી છે. કોને ખબર, બહુ ઝડપથી પોતાની જાત પર હસવાનું પણ ગેરકાનૂની ગણાઈ જાય!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨ – ૧૧ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
જળનો ભારતીય સંસ્કૃતિમાં અપાર મહિમા છે. જે પાંચ તત્ત્વનો આપણે ત્યાં મહિમા થયો છે એમાં જળ એક છે. તનને, મનને, જીવનને પવિત્ર કરનાર તત્ત્વ છે જળ. બાહ્ય ને આંતરિક મલિનતાને દૂર કરે છે જળ. બાળક ગર્ભમાં હોય ત્યારે એ માતાના શરીરમાં રહેલા જલ તત્ત્વથી આવૃત્ત હોય છે ને મોટું થઈને મૃત્યુને વરે છે ત્યારે તેનાં અસ્થિ નદીનાં પવિત્ર જળમાં વિલીન કરવામાં આવે છે. આમ મનુષ્યની યાત્રા જળથી જળ સુધી વહેતી રહે છે. મનુષ્યમાં સ્થાયી તત્ત્વ તરીકે રહેલું જળ તેને બહારનાં જળ ભણી પણ સતત આકર્ષતું રહે છે. આથી જ તો નદી – સમુદ્ર કે ઝાકળબિંદુને જોતાંવેંત મનુષ્ય પર્યુત્સુક બની જતો હોય છે.
ભારતનાં આદિકાવ્ય ‘રામાયણ’નો આરંભ જ તમસા નદીને કાંઠે સ્નાન નિમિત્તે ગયેલા કવિના વર્ણનથી થાય છે. નદીકિનારે કામક્રીડામાં રત થયેલા કૌંચયુગલમાંના એકને કોઈ પારધીએ તીરથી મારી નાખેલું જોઈને ઋષિ વાલ્મીકિ તીવ્ર માત્રામાં શોકનો અનુભવ કરે છે ને તેમના મુખમાંથી શ્લોક સરકી પડે છે. જીવનનો આદર કરતા ઋષિ પાસેથી, જીવનના દર્શનને વ્યક્ત કરતું આ કાવ્ય પ્રકૃતિ વચ્ચે જ પ્રગટ થયું છે.
જળતત્ત્વનો આપણી સંસ્કૃતિમાં, ધર્મમાં ને વિજ્ઞાનમાંય અપાર મહિમા થયો છે. ભારતીય સંસ્કૃતિએ જળને દેવતાનું સ્થાન આપ્યું છે. વરુણ (પ્રચેતા) હિન્દુ ધર્મના મુખ્ય દેવતા છે. વાલ્મીકિ રામાયણના ઉત્તરકાંડ મુજબ, મહર્ષિ વાલ્મીકિજી વરુણ પ્રજાપતિ કશ્યપ અને તેમની પત્ની અદિતિના અગિયારમા પુત્ર છે. વરુણદેવનું વાહન મગર છે અને તે જળ જગતનાં અધિપતિ છે. પ્રાચીન વૈદિક ધર્મમાં તેમનું સ્થાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું, પરંતુ વેદોમાં તેમનું સ્વરૂપ એટલું અમૂર્ત છે કે તેમને કુદરતી રીતે દર્શાવવું મુશ્કેલ છે.
એવું માનવામાં આવે છે કે વરુણનું સ્થાન અન્ય વૈદિક દેવતાઓ કરતાં પ્રાચીન છે, તેથી જ વરુણ વૈદિક યુગમાં કોઈપણ કુદરતી તત્ત્વના વાચક નથી. વરુણને નૈતિક શક્તિના આપનાર માનવામાં આવે છે, તે સત્ય આપનાર છે. વેદમાં વરુણ સમંબંધિત મોટાભાગનાં સુક્તોમાં વરુણ સંબંધિત પ્રાર્થનામાં ભક્તિ ભાવનાની પરાકાષ્ઠા જોવા મળે છે.
વેદમાંથી સંકલિત કરેલા કેટલાક જળ સંબંધિત મંત્રો ‘અપો દેવતા-સૂક્ત’ તરીકે ઓળખાય છે. જેમાંના કેટલાક દ્રષ્ટાંત રૂપે જોઈએ :
પાણીમાં અમૃતના ગુણ હોય છે. પાણીમાં ઔષધીય ગુણ હોય છે. હે દેવો! આવા પાણીનાં વખાણ કરીને તમને ઉત્સાહ મળે છે.
अप्सु मे सोमो अब्रवीदन्तर्विश्वानि भेषजा।।
अग्निं च विश्वशम्भुवमापश्च विश्वभेषजीः।।
સોમદેવે મને (મંત્રોના દ્રષ્ટા) કહ્યું છે કે બધી દવાઓ પાણીમાં સમાયેલી છે. અગ્નિનું તત્વ, જે સર્વ સુખ આપે છે, તે પાણીમાં જ સમાયેલું છે. બધી દવાઓ પાણીમાંથી જ મળે છે.
ઓ પાણી જૂથ! આપણા શરીરમાં જીવનરક્ષક દવાઓ મૂકો, જેથી આપણે સદાકાળ સૂર્ય ભગવાનના દર્શન કરી શકીએ.
इदमापः प्र वहत यत्किं च दुरितं मयि।।
यद्वाहमभिदु द्रोह यद्वा शेप उतानृतम्।।હે જળ દેવો! આપણે અજ્ઞાનતાથી ખરાબ કાર્યો કર્યા હોઈ શકે, જાણી જોઈને કોઈને દગો આપ્યો હોય, સારા માણસોને નારાજ કર્યા હોય અથવા અસત્ય વર્તન કર્યું હોય, અને આપણામાંના આવા તમામ દોષો ધોવા જોઈએ.
ઋગ્વેદના સાતમા મંડલાના ૪૭મા સૂક્તના દ્રષ્ટા ઋષિ ‘વરિષ્ઠ મૈત્રવારુણી’ છે. દેવતા ‘આપહ’ છે અને શ્લોક છે ‘ત્રિશતુપ’. જેમાંનો એકાદ નોંધીએ :
આ જળ દેવો દરેક રીતે શુદ્ધ કરે છે અને જીવોને સંતોષની સાથે સુખથી ભરી દે છે. તે જલદેવ યજ્ઞમાં હાજરી આપે છે, પરંતુ કોઈ ખલેલ પાડતો નથી. એટલા માટે નદીઓના સતત પ્રવાહ માટે યજ્ઞ કરતા રહો.
याः सूर्यो रश्मिभिराततान याम्य इन्द्री अरदद् गातुभूर्मिम्।।
तो सिन्धवो वरिवो धातना नो यूयं पात स्वस्तिभिः सदा नः।।
જે પાણીને સૂર્ય ભગવાને પોતાના કિરણો વડે વધાર્યા છે અને જેને ભગવાન ઈન્દ્રએ વહેવાનો માર્ગ આપ્યો છે, હે સિંધો (પાણી વહે છે)! તમે અમને તે પાણીના પ્રવાહોમાંથી સંપત્તિ અને અનાજથી ભરી દો અને કલ્યાણના માધ્યમથી અમારી રક્ષા કરો.ઃ સુક્ત ૪૯ ‘અપો દેવતા’
ઋષિ ‘વસિષ્ઠ મૈત્રવરુણી’ ઋગ્વેદના સાતમા મંડલાના સૂક્ત ૪૯ના દ્રષ્ટા છે. દેવતા ‘આપહ’ છે અને શ્લોક છે ‘ત્રિસ્તુપ’.
પાણીનો પ્રવાહ જેમાં મહાસાગર સૌથી મોટો છે, તે હંમેશા અવકાશમાંથી આવવાનો છે. જેનો માર્ગ ભગવાન ઇન્દ્રએ મોકળો કર્યો છે, જળ ભગવાન અહીં આપણી રક્ષા કરે.
या आपो दिव्या उत वा स्त्रवन्ति रवनित्रिमा उत वा याः स्वयञ्जाः।।
समुद्रार्था याः शुचयः पावकास्ता आपो देवीरिह मामवन्तु।।
જે દૈવી જળ આકાશમાંથી (વરસાદ દ્વારા) પ્રાપ્ત થાય છે, જે નદીઓમાં નિરંતર ચાલતા હોય છે, જે કુવાઓ વગેરેમાંથી ખોદકામ કરીને કાઢવામાં આવે છે અને જે સ્ત્રોતોમાંથી પસાર થઈને પવિત્રતા ફેલાવતા સમુદ્ર તરફ જાય છે, તે દિવ્ય જળ છે. શુદ્ધ પાણી આપણું રક્ષણ કરે.
यासां राजा वरुणो याति मध्ये सत्यानृते अवपश्यञ्जनानाम्।।
मधुश्चुतः शुचयो याः पावकास्ता आपो देवीरिह मामवन्तु।।
રસયુક્ત, દીપ્તિમતી, શોધિકા જળ દેવીઓ આપણું રક્ષણ કરે, જેમના ગુરુ વરુણદેવ છે, સત્ય અને અસત્યના સાક્ષી, સર્વત્ર વ્યાપેલા છે.
यासु राजा वरुणो यासु सोमो विश्वेदेवा या सूर्जं मदन्ति।।
वैश्वानरो यास्वाग्निः प्रविष्टस्ता आपो दवीरिह मामवन्तु।।
જે પાણીમાં રાજા વરુણ અને સોમ રહે છે. જેમાં અસ્તિત્વ ધરાવતા તમામ દેવતાઓ ભોજનથી આનંદ કરે છે, જેમાં વિશ્વ સંચાલક અગ્નિદેવ નિવાસ કરે છે, તે દિવ્ય જળ દેવ આપણી રક્ષા કરે.
આમ, વૈદિક સંસ્કૃતિમાં વરુણની આ રીતની ઉપાસના છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
શબ્દ જો ખૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું તું ય જો રૂઠી જશે તો મૌન ગાઈ લઈશ હું .
જે રીતે ખોટી પડી છે શક્યતાઓ એ રીતે ભ્રમ બધા તૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું
હોઉં એવી જેની સામે થઈ શકું જાહેર,-એ આયનો ફૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું
મારું આ હોવાપણું ટહુકે છે તારા સાથથી સાથ જો છૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું
એ પછી મારે કશું કહેવાપણું રહેશે નહીં અર્થ તું ચૂકી જશે તો મૌન ગાઈ લઈશ હું.
આ ઘડીનું સત્ય છે -‘ના ચાલશે તારા વિના’ મોહ આ છૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું.
:આસ્વાદઃ
દેવિકા ધ્રુવ
કચ્છના ગઝલવિશ્વમાં એક નવી, ગાજતી પ્રતિભા એટલે શબનમ ખોજા. ‘રાવજી પટેલ એવોર્ડ’ના વિજેતા બહેન શબનમની, મૌનનો મહિમા ગાતી ઉપરોક્ત ગઝલ વાંચતા વેંત જ આકર્ષી ગઈ.
પ્રથમ શેરથી જ એક મસ્તીની છાલક વાગે છે. કશું ધાર્યું ન થાય તો પણ કાંઈ વાંધો નહિ. ‘આમ નહિ થાય તો તેમ કરીશ’ એવી ખુમારીભરી, મસ્તીભરી, રસ્તાઓ ખોલતાં જવાની રીતોમાં ભીતરની સૂઝ અને કેવળ શાંતિભર્યા આનંદની લહેરખી છવાતી જાય છે.
શબ્દ જો ખૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું
તું ય જો રૂઠી જશે તો મૌન ગાઈ લઈશ હું .
આહાહા.. દમદાર મત્લાથી ઉઘડતી ગઝલ એક પછી એક ચડિયાતા શેરથી બખૂબી આગળ વધે છે.. સામાન્ય રીતે માણસમાત્રનો એક સ્વભાવ રહ્યો છે ગમને ઘૂંટવાનો, રડવાનો, આક્ષેપો અને ફરિયાદ કરવાનો. પોતાના દોષો તરફ નજર-અંદાઝ કરવાનું ખૂબ સહેલું હોય છે. પણ અહીં તો વિપરીત સંજોગોને કેવી મઝાથી વાળી લેવાની અભિવ્યક્તિ થઈ છે કે, શક્યતાઓ ખોટી પડે કે પછી કંઈ પણ તૂટી પડે તો પણ મૌન તો પોતીકું છે ને? એને ગાઈ લેવામાં કોણ રોકવાનું છે?
જે રીતે ખોટી પડી છે શક્યતાઓ એ રીતે
ભ્રમ બધા તૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું
ત્રીજો શેર વળી એક તદ્દન મૌલિક વાત લઈને આવે છે. કવયિત્રી કોઈ વ્યક્તિની વાત કરતાં નથી. એ તો અરીસાને ધરી દે છે. પોતાને કશાયે મેક-અપ વગર અસ્સલ દેખાવું છે. પોતે જે છે તે જ રૂપે આયના સામે ઊભા રહેવું છે, દેખાવું છે. પણ જો એ આયનો જ તૂટી જાય તો ? કોઈ વાંધો નહિ. ‘તોરા મન દર્પન કહલાયે’.. મન સાથે ગુફ્તગુ માંડવી છે, મૌનના મંડપ નીચે!..
ચોથા શેરમાં કવયિત્રી એક મઝાનો વળાંક લે છે. એક ફિલસૂફીની ઝલક વર્તાય છે. પોતાનું આ હોવાપણું કોનાથી છે? કોનાથી હોઈ શકે? સવાલોના ઝબકારા જાગે છે અને તે સાથે જ જગતના ‘સુપ્રીમ પાવર’ના સાથનું સ્મરણ થાય છે. માનવી માત્રના હોવાનો ટહુકારો તો કેવળ એક જ ‘એ’ થકી છે ને? વિષમ પરિસ્થિતિમાં પણ ટક્કર ઝીલી સરસ જીવવાની રીતિ કેળવી લીધી હોવા છતાં જો ‘એ’નો સાથ ન રહે તો છેલ્લે મૌનનો સહારો એ જ સાચો રસ્તો. ખૂબ ઊંચી વાત.
મારું આ હોવાપણું ટહુકે છે તારા સાથથી
સાથ જો છૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું
અને વાત કેટલી સાચી છે કે એ પછી તો કશું કહેવાનું રહેતું જ નથી. અને જ્યારે અંતિમ અવસ્થામાં કોઈના વિના ચાલે જ નહિ એ સત્ય પણ કાંચળીની જેમ ઉતરી જાય, મોહ છૂટી જાય પછી તો?? કશી ક્યાં ખબર છે? રહેશે કેવળ મૌન…મૌન.. અને માત્ર મૌન જ. મૌનમાં કેટલું વજન છે? અર્થોના અનેક દરવાજા ‘ખુલ જા સિમસિમ’ની જેમ ખુલે છે. શબ્દ ન કરી શકે તે મૌન સાધી શકે.
આ ઘડીનું સત્ય છે -‘ના ચાલશે તારા વિના’
મોહ આ છૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું.
જે નથી કહેવાયું તે અચાનક સમજાઈ જાય છે! જે કહેવું છે તે વિશે તો કવિતાની નાયિકા મૌન જ રહ્યાં છે અને તે જ તો સાચું કવિકર્મ બન્યું છે. દરેક શેરમાં અંતરની આભા છલોછલ છલકાય છે. ગાલગાગાના ૨૬ માત્રાની આ ૬ શેરની ગઝલમાં શબનમે સુંદર નક્શીકામ કર્યું છે. આ સાથે વિષમ છંદમાં ગૂંથેલ મારો એક શેર તેમને અર્પણ કરું છું.
મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી સખા સો વાર લાવી છું….
તાજી કલમોના સાહિત્યિક સંમેલનોમાં એક અનોખા અંદાઝથી પઠન કરનાર બહેન શબનમને, તેમની આવી મૌલિક, નૂરાની તાકાતવાળી, તાજી કલમથી સાહિત્યવિશ્વને વધુ રળિયાત બનાવતાં રહે એ જ શુભેચ્છા અને તહેદિલથી અભિનંદન.
નવું વર્ષ બારણે ટકોરા મારી રહ્યું છે, એ ટાણે એક વિશિષ્ઠ અવલોકન શ્રેણી લખવા વિચાર છે. આ વર્ષ પુરું થશે અને નવું શરૂ થશે. દર સાલ આમ જ બને છે. આ લખનાર જણ ૧૯૪૩માં જન્મ્યો; ત્યારથી આવાં ૮૦ પરિવર્તનો થઈ ચૂક્યાં છે. તાલવાળા અને દાંત વગરના, નવજાત શિશુમાંથી, એ જણ સાવ ઓછા વાળવાળો અને જેના અડધાથી વધારે દાંત પડી ગયા છે, અને બનાવટી દાંત વડે ગાડું ગબડે છે તેવો બુઢિયો બની ગયો છે!
એક આખે આખું વરસ પતી જશે – ૩૬૫ x ૨૪ x ૩૬૦૦ = ૩,૧૫,૩૬,૦૦૦ (ત્રણ કરોડ પંદર લાખ અને છત્રીસ હજાર) સેકન્ડ! પ્રત્યેક સેકન્ડે અગણિત ઘટનાઓ વિશ્વમાં આકાર લે છે અને વિલય પામે છે. માત્ર નવા જન્મ જ ધ્યાનમાં લઈએ તો – કાંઈક કેટલાંય મારા, તમારા જેવા માનવ જીવો, તેનાથી અનેક ગણા વધારે જીવજંતુઓ અને તેનાથી ખર્વાતિખર્વ ગણા ઘાસ, પાન અને બેક્ટેરીયા આ જ ક્ષણમાં જન્મ લઈ ચૂક્યાં છે. આ દરેકનું કાંઈ ને કાંઈ, નાનું સરખું પણ પ્રદાન તો ખરું જ ને? એક અદનામાં અદનો બેક્ટેરિયા પણ કોઈકનો ખોરાક બની, આવું પ્રદાન કરી જાય છે, અથવા પારાવાર તારાજી સર્જી જાય છે. કોરોના યાદ આવી ગયો ને?!
આપણે માટે આ બધું એટલું સ્વાભાવિક બની ગયું છે કે, આવડું મોટું એક વરસ પસાર થઈ જાય; તો પણ આપણે ખાસ કોઈ પરિવર્તન નિહાળી કે ખમી શકતા નથી. આટલું બધું શક્તિશાળી માનવમન આપણને મળ્યું છે છતાં પણ, આપણી એ નબળાઈ છે! આથી આ શ્રેણીનો મત્લો છે –
પરિવર્તન
વિશ્વનો એક માત્ર, સતત, બદલાયા વગરનો નિયમ છે –
‘બધું સતત, સદૈવ, સઘળી જગાએ બદલાતું રહે છે.’
પરિવર્તનની આ સતત ચાલતી, વિવિધ પ્રકારની પ્રક્રિયાઓની શરૂઆત થઈ હતી – બીગ બેન્ગ થી.
પ્રચંડ ધડાકો – બીગ બેન્ગ
આશરે ૧,૩૭૦ કરોડ વર્ષ પહેલાં …..
એ કોઈ ગૂઢ, ન સમજી શકાય તેવી સ્થિતી હતી. સમગ્ર બ્રહ્માંડ એક જ બિંદુ ઉપર કેન્દ્રિત થયેલું હતું. તેમાં દ્રવ્ય ખીચોખીચ ભરેલું હતું. આંકડા વડે દર્શાવી ન શકાય એટલું પ્રચંડ તેનું વજન હતું. કોઈ પણ પદાર્થ ખમી ન શકે એટલું તેનું ઉષ્ણતામાન હતું. અને એ બિંદુની બહાર કેવળ શૂન્યાવકાશ હતું – એટલે કે ત્યાં કશું જ ન હતું.( Anti matter) તેનું ઉષ્ણતામાન શૂન્ય અંશ કેલ્વિન હતું – જેનાથી વધારે ઓછું તાપમાન શક્ય જ ન હોય તેટલું. અને આ બન્ને, સાવ વિભિન્ન હોવાપણાંને અલગ રાખતું એક અદ્રશ્ય, અને જડ આવરણ પણ હતું જ.
અથવા આનાથી સાવ વિપરિત કાંઈક હતું. એટલે કે સમસ્ત જગત પ્રચંડ વજનના, ઠંડાગાર દ્રવ્યથી ભરેલું હતું અને તેના કેન્દ્રમાં કેવળ ધગધગતું શૂન્ય હતું – કોઈ કદ વિનાનું, ઉષ્ણાતિઉષ્ણ, બળબળતું અને ધગધગતું, અનસ્તિત્વ. એ આમ હતું કે તેમ હતું; હોવાપણું હતું કે ન હોવાપણું; તેની ચકાસણી કરી શકે તેવું કોઈ પણ હાજર ન હતું.
પણ આવું કશુંક, અનાદિ કાળથી, બ્રહ્માંડના ગર્ભમાં લપાઈને સૂતેલું, પડેલું હતું. ત્યાં કે ક્યાંય, તે સમયે કે તે પહેલાંના સમયે કશું જ બનતું ન હતું. ત્યાં હોવાપણું કે બનવાપણું પણ ન હતું. કોઈ પરિવર્તન વિનાની એ કેવળ જડતા હતી.
અને ત્યાં કશુંક થયું.
શું થયું? શા માટે થયું? કોણે કર્યું? ક્યારે કર્યું? કઈ રીતે કર્યું? આવા કોઈ પ્રશ્નોના કોઈ ઉત્તર આપી શકે તેવું પણ કોઈ ન હતું. પણ કશુંક થયું તો ખરું જ. ક્ષણાર્ધમાં એ સમગ્ર હોવાપણું, કે ન હોવાપણું પરિવર્તનના ન થંભી શકે તેવા ચકરાવે ચઢી ગયું. કોઈ અજ્ઞાત તત્વની પ્રચ્છન્ન અભિપ્સાના બળે આમ થયું. અને જ્યાં કશું જ ન હતું એમાંથી સતત, પ્રચંડ માત્રામાં, બળબળતા દ્રવ્યરાશિઓ ફેંકાવા માંડી. હવે એ જડ હોવાપણું પોતાની આદિમ અપરિવર્તનશીલ સ્થિતિને ક્ષણાર્ધ માટે પણ ટકાવી શકે તેમ ન હતું.
પ્રત્યેક ક્ષણે, પ્રચંડકાય, બળબળતા વાયુની બનેલી, નિહારિકાઓ, ચકરાવા ખાતી ખાતી, તીવ્ર વેગે, એ બિંદુમાંથી બહાર ફેંકાઈ રહી હતી અને દૂર ને દૂર સરતી જતી હતી. હવે તેમને એકમેક સાથે આકર્ષાતી રાખનાર, ગુરુત્વાકર્ષણ બળ પણ જન્મ લઈ ચૂક્યું હતું. આ ભેગા રાખનાર બળને અતિક્રમીને એમની પ્રચંડ ગતિને કાયમી કરતું, એ બહિર્મુખ ગતિને વધારતું કોઈ અજ્ઞાત બળ પણ સર્જાઈ ચૂક્યું હતું.
હિંદમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રાજવટ નથી રહેતી અને બ્રિટિશ તાજનો સીધો અખત્યાર શરૂ થાય છે તે મતલબની સત્તાવાર જાહેરાત પહેલી નવેમ્બરે અલાહાબાદમાં થઇ હતી
પ્રકાશ ન. શાહ
છ -સાત દાયકા પાછળ કિશોરાવસ્થાનાં ઉંબર વરસોમાં ઝાંખું છું તો જીર્ણશીર્ણ નર્મકવિતામાં વાંચેલી, કંઇક અનલાઇક નર્મદ-પંક્તિ સાંભરે છે. (હજી યુગાવર્ત ટ્રસ્ટ અને રમેશ મ. શુકલનો પ્રતિબદ્ધ પ્રવેશ થયો નહોતો ત્યારની આ વાત છે.) ૧૮૫૮ની પહેલી નવેમ્બરે રાણી વિક્ટોરિયાનું જાહેરનામું – એ વરસોમાં જોકે પ્રોક્લેમેશનને ઢંઢેરો કહેતા- આવ્યું એને વધાવતાં આપણા પ્રેમશૌર્યના કવિએ કહ્યું હતું : દેશ મેં આનંદ ભયો જે જે વિક્ટોરિયા.
દલપતરામ
નર્મદ વિશે બાળચિત્તની છાપ કે આ તો જોસ્સાનો જણ, જેમ દલપતરામ ધીરે ધીરે સુધારાના સારવાળા. એમને તો ૧૮૫૭ વિશે ફરિયાદ પણ હોય કે દૂધમાં માખી પડે ને જાન ગુમાવે અને સાથે સાથે દૂધને પણ બગાડે તેમ આ ફિતૂરે કીધું. પણ આપણો નર્મદ, વીર નર્મદ, એ ઊંઠીને એમ કહે કે જે જે વિક્ટોરિયા? કંપની સરકારમાં સર્વ વાતે સુવાણ હોય એવું તો હતું નહીં, અને એ પહેલાંનો ગુજરાતના મોટા ભાગના હિસ્સાનો મરાઠા રાજનો અનુભવ શિવ છત્રપતિના હિંદવી સ્વરાજ કરતાં કંઇક જુદો, છેક જ અસુખકર હતો. એટલે દેશમાં વ્યવસ્થાનું સ્થપાવું એ નિશ્ચે જ એક મોટી વાત હતી. માટે સ્તો જે જે વિક્ટોરિયા.
હવે હિંદમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રાજવટ નથી રહેતી અને બ્રિટિશ તાજનો સીધો અખત્યાર શરૂ થાય છે તે મતલબની આ સત્તાવાર જાહેરાત પહેલી નવેમ્બરે અલાહાબાદના એક ખાસ દરબારમાં થઇ હતી, કેમ કે દિલ્હી સહિત બાકીનું ઉત્તર ભારત ઠેકઠેકાણે અશાંતિગ્રસ્ત હતું. ભલે એક દિવસ પૂરતું પણ રાજધાનીનું માન ત્યારે અલાહાબાદને મળ્યું હતું. (અમદાવાદમાં આ અવસર વિક્રમ સંવત ૧૯૧૫માં બેસતા વરસને દિવસે કલેક્ટર બંગલે ઊજવાયો ત્યારે દલપતરામે ગાયું હતું કે ‘રાણીજીના રાજથી થિર થૈ અમે સુખિયા થયા.’)
વારુ રાણીના ઢંઢેરામાં શું શું હતું એની તપસીલમાં નહીં જતાં નમૂના દાખલ બે’ક વાનાં, મુખ્તેસર : એક તો, ધાર્મિક શ્રદ્ધા અને પૂજાના મામલે બિનદખલ. સત્તાવનમાં હિંદુ-મુસ્લિમ લશ્કરીજનો ભડકેલા હતા અને ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિનાયે પ્રશ્નો હતા, તે લક્ષમાં લઇને આ બિનદખલ નીતિ જાહેર કરાઇ હતી. એ જ પ્રમાણે ડેલહાઉસીએ બિનવારસી ઠકરાતો પરબારી રાજ હસ્તક લેવાની જે નીતિ અખત્યાર કરી હતી તેને રુખસદ આપી જે તે ઠકરાત યોગ્ય વારસ હસ્તક જાય એનો ખયાલ રખાશે એમ પણ આ ઢંઢેરામાં કહેવાયું હતું.
મરાઠા અમલના છ દાયકા કેવા વીત્યા હશે એનું ચિત્ર મગનલાલ વખતચંદે અમદાવાદના ઇતિહાસમાં થોડા જ શબ્દોમાં સચોટ આપ્યું છે : ‘આઠ લાખની વસતીવાળા ભર્યાભાદર્યા અમદાવાદને મુશ્કેલીથી શ્વાસ લેતું લગભગ મુડદું કરીને અંગ્રેજોને સોંપ્યું…’ ટૂંકમાં અઢારમી સદીની અંધાધૂંધી અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધ પરના એના ઓછાયાએ સરજેલી અનવસ્થા સામે રાણીનું રાજ (એની મર્યાદાઓ છતાં) આશ્વસ્તકારી અનુભવાનું હતું.
૧૮૫૯માં હોપ વાચનમાળાની સાતમી ચોપડી માટે લખવાનું થયું ત્યારે દલપતરામે આ લોકલાગણીને વાચા આપવાની તક ઝડપી હતી : ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર, પર નાતીલા જાતીલાથી, સંપ કરી ચાલે સંસાર; દેખ બિચારી બકરીનો પણ, કોઈ ન પકડે જાતાં કાન, એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.
એક જરા જુદી રીતે આખી વાતને જોઇએ તો ‘ગુજરાતી પિંગળ’ની રચના અને તે વાટે છંદ સૃષ્ટિની વ્યવસ્થા ને વિધાન એ દલપતરામનું મોટું કામ છે. એની ઉપરાછાપરી આવૃત્તિઓ થતી ગઇ ત્યારે કેશવ હર્ષદ ધ્રુવ શા સહૃદય અભ્યાસીએ સોજ્જું સૂચવ્યું કે હવે આપણે એને ‘દલપત પિંગળ’ જ કહીશું…
અંગ્રેજ અમલનો જે વિશેષ, વ્યવસ્થા ને વિધાન, તે અને દલપતરામ આમ જાણે સાથે ચાલતા ન હોય! નવી વાતો પણ બની – જેમ કે મુંબઇથી થાણા કે કલ્યાણ એમ ગણતર માઇલો પૂરતી રેલવે લાઇન હવે સપાટાબંધ આગળ ચાલી. એણે શહેરો ને ગામડાંને જોડ્યાં. રેલવે પ્રકારના ઘટનાક્રમથી વિલાયત બેઠા માર્ક્સને એ વાતે હરખ હતો કે ઇંગ્લેન્ડ-યુરોપથી નવયુગી સુધારાનો એક ઇતિહાસક્રમ શરૂ થયો છે તે હિંદને અજવાળશે. ઇંગ્લેન્ડનો સાંસ્થાનિક સ્વાર્થ ને શોષણ નથી; પરંતુ તે હિંદમાં પ્રગતિ સારુ ઇતિહાસના કરણરૂપ પણ છે. મુશ્કેલી એ થઇ કે ગામડું શહેરના સંપર્કમાં મૂકાયું તે સાથે એની કૃષિપ્રધાન તાસીર શહેરો અને સાંસ્થાનિક સરકારની જરૂરિયાત મુજબના ઉત્પાદનની રીતે બદલાઇ. અન્ન ઉત્પાદન બાજુએ મૂકાતું ગયું ને રોકડિયા પાકની બોલબાલા થઇ. કાચો માલ ઓછા ભાવે ખરીદતી ને પાકો માલ મોંઘામૂલે માથે મારતી ગોરી ઈજારાશાહીનો યુગ બેઠો.
ગુજરાતને સુપરિચિત હોઇ શકતા રોમેશ ચંદ્ર દત્ત – વડોદરા સ્ટેશને ઉતરી સરકીટ હાઉસને રસ્તે આગળ વધતાં આર. સી. દત્ત રોડ સાંભરે છે ને? – તરફથી એ કાળના આર્થિક ઇતિહાસનો જે દસ્તાવેજી આલેખ મળ્યો છે તે સંસ્થાનવાદ હેઠળની અનવસ્થા અને શોષણમૂલક યંત્રણા વિશે નિર્ભ્રાન્ત કરનારો છે. બાય ધ વે, ગાંધીએ ‘હિંદ સ્વરાજ’માં જે ચુનંદા ગ્રંથો સંભાર્યા છે તે પૈકી એક આ પણ છે. બેશક, ઢંઢેરાની આગળપાછળના દસકાઓમાં નવી દુનિયા ખૂલતી આવતી હતી. ૧૮૪૪માં સુરતમાં માનવ ધર્મ સભા, ૧૮૪૮માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (વિદ્યાસભા), ૧૮૫૭માં મુંબઇ યુનિવર્સિટી, ૧૮૭૫માં આર્યસમાજ, ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ…
‘જે જે વિક્ટોરિયા’ પરત્વે નિર્ભ્રાન્તિ, પુનર્વિચારની આ મથામણો વચ્ચે દરિયાપારથી ૧૯૧૩માં એક અવાજ ઊઠ્યો. સાન્ફ્રાન્સિસ્કોથી ‘ગદર’ના પ્રકાશન સાથે, અને તે પણ નવેમ્બરની પહેલીએ. એને વિશે વળી ક્યારેક.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧ – ૧૧ – ૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
ભક્તિભાવ વ્યાપી જાય સમગ્ર ચેતનાતંત્રમાં એવું આ અતિ પ્રાચીન કોટ્યાર્ક મંદિર. અહીંના વાતવરણમાં મદિરાના નશા કરતાં સાવ જુદો જ નશો છે. આ નશો એટલે વૈરાગ્યનો નશો, ચિત્તની પ્રસન્નતાનો નશો, મનની શાંતિનો નશો ! દર્શનાર્થીઓનાં દિલોદિમાગ ઉપર એક અદ્ભુત આધ્યાત્મિક સામ્રાજ્યા અહીં છવાઈ જાય છે. આ મંદિરમાં પ્રસ્થાપિત થયેલી છે એક મૂર્તિ, નામે ‘માતૃકા’. બેનમૂન શિલ્પ છે મૂર્તિનું ! શિલ્પનો વિષય પણ ઉત્તમોત્તમ ! માતા અને તેની કોખમાંનું બાળક ! વાત્સલ્યભાવથી પુલકિત એવી માતાનું હૃદય જાણે કે ત્રીજું સ્તન હોય તેમ વાત્સલ્યપાનથી પરિતૃપ્ત એવું શિશુ માતાના ત્રિભંગ દેહને ચીપકી રહ્યું છે ! સંતાનભૂખપીડિત યાત્રિકો અહીં અંતર્ધ્યાન બનીને હાથ ફેલાવે છે, માથાં ટેકવે છે, અશ્રુ સારે છે !
પણ…આજે તો, રાગ અને ત્યાગની પરસ્પર વિરોધી જેમની પ્રાર્થનાઓ એક્બીજી સાથે ટકરાઈ રહી છે એવાં તમે બંને અહીં ઊભાં છો, મુકુલરાય અને ધર્મલક્ષ્મી ! વાનપ્રસ્થના આરે આવી ઊભેલાં તમે ‘માતૃકા’ને ધર્મસંકટમાં મૂકી દેતાં ઊભાં છો !
મુકુલરાય, તમે તો યોગીહઠ લઈને આંખમાંથી અંગારા ઓકતી ત્રાટક નજરે માતૃકા સામે જોઈ રહ્યા છો. તમારા ઓષ્ઠ નિશ્ચેતન, પણ મન આર્તનાદ કરી રહ્યું છે. તમારા શ્વાસની આવનજાવનમાં એક જ શબ્દ ઘૂંટાઈ રહ્યો છે, ’નખ્ખોદ ! હા, નખ્ખોદ !’. તમે માતૃકા આગળ નખ્ખોદનો શ્રાપ પ્રાર્થી રહ્યા છો ! જ્યારે, ધર્મલક્ષ્મી, તમે તો બંધ આંખે જિહ્વારટણ દ્વારા દેવીને કાકલૂદીભરી પ્રાર્થના કરતાં આશીર્વાદ યાચી રહ્યાં છો કે તમારા ત્યાં ઝટ પારણું બંધાય ! સદીઓથી પોતાની કોખમાં બાળક તેડીને ઊભેલાં માતૃકાદેવી આવી દ્વિધામાં કદીય મુકાયાં નહિ હોય કે એક જ અને તે પણ વયોવૃદ્ધ યુગલ પરસ્પર વિરોધી માગણી સાથે તેમની સામે હોય !
તમે જ્યારે સદેહે અહીં ઊભા છો, મુકુલરાય, ત્યારે તમારું મન તમને અતીત તરફ ખેંચી જાય છે અને તમે તમારા વિદ્યાર્થીકાળની હાઈસ્કૂલની પાટલી ઉપર ગોઠવાઈ જાઓ છો. તમારા અધ્યાપક તમને ‘મુકુંદરાય’ વાર્તા ભણાવી રહ્યા છે. તમારા અધ્યાપકે ભાવવાહી સ્વરે વાર્તાના અંત ભાગમાં આવતો ‘નખ્ખોદ……નખ્ખોદ !’નો જે ઉચ્ચાર કરેલો તેના જ પડઘા જાણે કે મંદિરના આ નીરવ વાતાવરણમાં ઘંટનાદની જેમ ગૂંજી રહ્યા છે અને તે જ પડઘા તમારા મનમંદિરમાં પણ ! તમે તો પેલા મુકુંદરાયના પિતા કરતાં એક ડગલું આગળ વધીને સાચે જ દેવી આગળ પ્રત્યક્ષ માગણી મૂકી રહ્યા છો, નખ્ખોદની ! એ ડોસાએ તો પોતાની વિધવા પુત્રી ગંગા આગળ વિમળશાની પીથા વણઝારાના પ્રસંગવાળી ઘટના કહીને નખ્ખોદ માટેનું પરોક્ષ કથન કર્યું હતું ! ખરેખર, મુકુલરાય, તમારી મનોવ્યથાને તમારો સિદ્ધાર્થ સમજી શક્યો હોત, તો તમે દેવી આગળ ધર્મલક્ષ્મીની પ્રાર્થનાના સહયાચક જરૂર થયા હોત !
ધર્મલક્ષ્મી, તમે પણ તમારા પતિની મનોવેદનાથી સુવિદિત તો ખરાં, પણ તેની પરાકાષ્ઠાથી અજ્ઞાત છો; નહિ તો તમારા એક માત્ર સિદ્ધાર્થના નખ્ખોદની માગણી કરતા તમારા પતિને તમે જરૂર વારી દીધા હોત ! તમે જ્યારે માતૃકા આગળ પુત્રવધૂ યશોધરાનો ખોળો ભરાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છો, ત્યારે તમે પણ યશોધરાની ઉંમરે પહોંચી જતાં તમારા ભૂતકાળને વાગોળવા માંડો છો. તમને સિદ્ધાર્થનો જન્મસમય યાદ આવી જાય છે. તમારી પ્રથમ લગ્નતિથિની ઉજવણીમાં જાણે કે સહભાગી થવા ઉતાવળે આવી પહોંચેલો એ સિદ્ધાર્થ ! એ વખતે તમારું સંયુક્ત કુટુંબ હતું. આ કુટુંબપ્રથામાં માબાપ સંતાનજન્મનો આનંદ બાહ્ય રીતે પ્રગટ કરી શકે નહિ, કંઈક એવી પરંપરાકે કે પછી વડીલોની મર્યાદાના કરણે ! તમારા માટે આનંદ હતો કે કેમ તે વિચારવાની પણ તમારામાં સૂઝબૂઝ ન હતી. આમ છતાંય આગંતુકને જન્મતો અટકાવવાની તમારા પતિની દરખાસ્તને તમે પ્રેમપૂર્વક ફગાવી દીધી હતી. તમે સિદ્ધાર્થને જન્મવા દીધો હતો.
સિદ્ધાર્થ પૂવે, ધર્મલક્ષ્મી, તમે બંને પ્રણયરેખાનાં સામસામાં બિંદુઓએ હતાં. તમારી દૃષ્ટિઓ એકબીજા તરફ મંડાયેલી હતી. પણ પછી તો તમે ત્રિકોણ બની ગયાં, ત્રિકોણ જ રહ્યાં ! હા, ત્રિકોણ જ ! સિદ્ધાર્થને ભાઈ કે બહેનની ભેટ આપવાની તમારી હિંમત ન ચાલી ! પ્રથમ પ્રસુતિનો એ કપરો કાળ પિયરમાં વીત્યો હતો. સિદ્ધાર્થ ઉદરમાં હતો, ત્યારથી જ તમારે કડવાં ઔષધ પીવાં પડેલાં ! પ્રસવકાળ એટલે મૃત્યુ તરફની અડધી મંઝિલ ! કાં તો મૃત્યુ તરફ ધકેલાઈ જવાનું અથવા જીવન તરફ પાછા ફરી જવાનું ! જન્મતાં જ સિદ્ધાર્થ ખૂબ કષ્ટ આપી ગયો, ખૂબ ખૂન વહાવી ગયો ! વળી જન્મ્યા પછી પણ તમારું ખૂન ચૂસતો રહ્યો ! હા, સફેદ ખૂન ! ચાલવા શીખ્યો તેથી પણ અધિક સમય સુધી તમે તેને સ્તનપાન કરાવતાં જ રહ્યાં. તમારા અંગસૌષ્ઠવને અવગણીને પણ તમે તમારી છાતી નિચોવતાં જ રહ્યાં ! સિદ્ધાર્થ આકળો પણ એવો જ કે કળ ન કરે ! ઘરનાં બધાંને પ્રત્યેક રાત્રિએ જન્માષ્ટમીનાં જાગરણ કરાવે ! તમારી કેટલીય રાત્રિઓ એવી વીતતી કે સવાર પડી જતી. પણ, ધર્મલક્ષ્મી, તમે તો જનેતા હતાં. સંતાનઉછેર પાછળનાં કષ્ટોનો હિસાબ જનેતા પાસે કદીય ન હોય ! નવીન પ્રભાત ઊગતું અને જૂના હિસાબો ભૂંસાતા રહેતા !
પરંતુ, મુકુલરાય, તમારાં છેલ્લી બે જ રાત્રિનાં જાગરણ એવાં રહ્યાં કે સિદ્ધાર્થ પ્રત્યેના તમારા અને તમારાં પત્નીના પ્રેમ અને પુરુષાર્થના સરવાળા મોટા જ થતા ગયા, એકેય રકમ ભૂંસાતી ન હતી. તમે વેપારી અને એ પણ ગ્રોસરીના પાકા વેપારી ! પરચુરણ સામાનથી માંડીને જથ્થાબંધ ચીજોનો વેપાર કરતા તમે હિસાબખિતાબમાં એક્કા હતા. તમારી નજર આગળ સિદ્ધાર્થના જન્મથી માંડીને એ એકાદ મહિના પહેલાં ગૃહસ્થી બન્યો ત્યાં સુધીનાં દૃશ્યો આવી ગયાં. છેલ્લા પખવાડિયામાં તો સાવ બદલાતો જતો સિદ્ધાર્થ તમારી ચકોર નજર આગળ ઉઘાડો પડતો જતો હતો. યશોધરાના મોહપાશમાં બંધાતો જતો સિદ્ધાર્થ પેઢી ઉપર આવતો તે પણ ઉછીનો ઉછીનો ! મુકુલરાય, તમારી વૈશ્યબુદ્ધિને એ સમજતાં વાર ન લાગી કે તમારી ભણેલીગણેલી અને રૂપાળી પુત્રવધૂના પ્રભાવ આગળ તેનું વ્યક્તિત્વ ઓગળતું જતું હતું. એકાદ મહિનાનાં કદાચ યશોધરાનાં નિશાભાષણો તેનામાં ધંધા પ્રત્યેની સૂગ ઉત્પન્ન કરવા માટે સમર્થ પુરવાર થયાં હતાં ! તમે તેની સાન ઠેકાણે લાવવા મધ્યસ્થી તરીકેની અસરકારક ભૂમિકા ભજવી શકે તેવા કોઈક પાત્રની શોધ ચલાવી રહ્યા હતા. તેના મિત્રો વિષે તમને ઊંડી જાણકારી ન હતી. આવા સંવેદનશીલ પ્રશ્ન સાથે તમે તેની સામે સીધા આવવા માગતા ન હતા, કેમ કે આમાં પિતાપુત્રની મર્યાદા લોપાવાનો ભય હતો. તમારી પાસે એવા પાત્ર તરીકે એક્માત્ર ધર્મલક્ષ્મીનો જ વિકલ્પ બાકી રહેતો હતો. ઘરની વાત ઘરમાં જ સીમિત રાખવા માટે આ જ ઉત્તમ માર્ગ હતો.
પણ અફસોસ, મુકુલરાય ! તમારી યોજના મનમાં જ રહી ગઈ અને એ સાંજે સિદ્ધાર્થે મર્યાદાની પાળ તોડી નાખતાં કોઈપણ જાતની પૂર્વભૂમિકા વગર તમને સીધું જ પૂછી નાખ્યું હતું, ‘પિતાજી, એ પરિચારિકાની તાલીમ લેવા માગે છે અને હું પણ તેની સાથે રહીને ખાનગી નોકરી કરું તો !’
સિદ્ધાર્થના આ શબ્દો સાંભળીને, મુકુલરાય, તમે ચોંકી ઊઠ્યા હતા. તમારા મસ્તક ઉપર તમારી દુકાનનાં તોલમાપ અને ત્રાજવાં જાણે કે પટકાવા માંડ્યાં હતાં ! તમારા ઉપર ચીજવસ્તુઓના ડબ્બા ઠલવાતા હોય અને અનાજના કોથળાઓના ભાર નીચે તમે ભીંસાતા-ગૂંગળાતા હોવ તેવું તમે અનુભવ્યું હતું ! વહુઘેલા સિદ્ધાર્થને તેની પરિચારિકાપત્નીનો પરિચારક થયેલો તમે જોઈ રહ્યા હતા ! વિચારતંદ્રામાં તમે એવા તો ખોવાઈ ગયા હતા, મુકુલરાય, કે સિદ્ધાર્થે જ તમને પુન:પ્રશ્નથી જાગૃત કર્યા હતા કે, ‘પિતાજી, મારી વાતનો પ્રત્યુત્તર ન વાળ્યો !’
આ સાંભળીને, મુકુલરાય, તમે હસવાનો પ્રયત્ન કરતા બોલી ઊઠ્યા હતા કે ‘ધંધામાં ઘણીબધી મહેનત છે. તારો વિચાર ખોટો નથી. મુનિમ અને હું અહીંનું ગબડાવ્યે જ જઈશું. વ્હાઈટ કોલર લાઈફ તો જીવી શકાય ! વળી આવકના નવીન બે સ્રોત વધશે, તમારી બંનેની નોકરીથી !’ આમ તમારા તરફની લીલી ઝંડી મળી ગઈ સમજીને તમારો સિદ્ધાર્થ તો હરખપદુડો થઈ ગયો હતો.
મુકુલરાય, આ પ્રસંગ પછીની પહેલી રાત તમારા માટે જાણે કે પ્રલયની રાત પુરવાર થઈ હતી ! તમે લાખ પ્રયત્ને ઊંઘી શક્યા ન હતા. કૉમ્પ્યુટર જેવા તમારા મગજના સ્કીન ઉપર એક દૃશ્ય આવી ગયું હતું. સિદ્ધાર્થ યુવાનીના ઉંબરે આવી ઊભો હતો. તે વરણાગિયો થતો જતો હતો. પેઢીના એ રજાના દિવસે એ બજારમાં લટાર મારવા ગયો હતો અને ઓસરીએ તેનો મોકલેલો ધોબી તેનાં કપડાં લેવા આવી ઊભો હતો. કરકસરવૃત્તિવાળાં ધર્મલક્ષ્મીને મન આ ભારે વાત હતી. તેમના અણગમાના ભાવને પારખી જતાં તમે તેમને સમજાવી દીધાં હતાં કે, ‘તને તેનાં કપડાંની બરાબર ઈસ્ત્રી કરતાં આવડતું નહિ હોય !’ વળી ધોબીના ગયા પછી તમારા રમતિયાળ સ્વભાવ મુજબ મરકમરક હસી પડતા તમે બોલ્યા હતા, ‘જોજે પાછી, તેની સ્ત્રી કરવામાં કાચી ન પડે ! આમાં તો ધોબીથી સર્યું, પણ પછી આગળ આપણે ધોબીના કૂતરા જેવી સ્થિતિમાં ન મુકાઈએ !’ તમારી આ મીઠી મજાકથી ધર્મલક્ષ્મી ‘જાઓ લુચ્ચા !’ કહીને ખડખડાટ હસી પડ્યાં હતાં.
આ પ્રસંગને યાદ કરતા, મુકુલરાય, તમે જ્યારે અસહ્ય વેદનાની આગમાં શેકાઈ રહ્યા હતા; ત્યારે તે જ રાત્રિએ તમારાં પત્ની બાજુના જ ઢોલિયામાં ઘસઘસાટ ઊંઘી રહ્યાં હતાં. તમારા જાગરણની એ ગોઝારી રાત્રિએ, મુકુલરાય, તમે વર્તમાનમાં આવી જતા સિદ્ધાર્થની સ્ત્રી વિષેના વિચારોના વમળમાં ઘુમરાવા માંડ્યા હતા. તમને એ સાંજના પ્રસંગથી એક વાતની પ્રતીતિ થઈ ચૂકી હતી કે સાચે જ તમે અને ધર્મલક્ષ્મી યશોધરાની પસંદગીમાં ક્યાંક ભૂલથાપ ખાઈ બેઠાં હતાં ! પુત્રપ્રેમના અતિરેકમાં તમે કન્યાપસંદગીમાં તેના જ દૃષ્ટિકોણને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું અને તમારા ભાવી પરત્વે દુર્લક્ષ સેવ્યું હતું. યશોધરા ભણેલી હતી, સુંદર હતી. રંગે થોડીક શ્યામ છતાં મોહક હતી. બંનેની બરાબરની જોડી જામે તેવી હતી. પ્રગતિશીલ વિચારો ધરાવતું તેનું કુટુંબ હતું. બહોળા પરિવારની તે એક માત્ર લાડલી પુત્રી હતી. બધું શ્રેષ્ઠ હતું, પણ કદાચ તેની સંસ્કારિતાની ઊંડી તપાસ અજાણતાં અવગણાઈ ગઈ હતી. સિદ્ધાર્થના બદલાતા જતા વર્તનની પાછળ યશોધરાનો દોરીસંચાર હોવાનું તમારું અનુમાન હતું અને એ અનુમાન સાંજના પ્રસંગથી વાસ્તવિક પુરવાર થયું હતું ! યશોધરાનું પોત પરોક્ષ રીતે સિદ્ધાર્થના શબ્દોથી પ્રકાશ્યું હતું. એકનો એક પુત્ર ધંધાનો – વૃદ્ધાવસ્થાનો સહારો બનવાના બદલે તે તમને તમારી હાલત ઉપર છોડી દઈને પોતાની નવીન દુનિયામાં ખોવાઈ જવા માગતો હોય તે વાત તમારા ગળે ઊતરતી ન હતી અને છતાંય આ એક હકીકત હતી.
આમ મુકુલરાય, તમારી યાદદાસ્તના ચોપડામાં લખાયેલું ખૂબ લાંબું ચાલેલું સિદ્ધાર્થનું ખાતું તાજું થયું હતું. તમે તેની સાથેની લેવડદેવડમાં ઘણું ધીરી બેઠા હતા ! ધર્મલક્ષ્મી તરફના કર્તૃત્વનો હિસાબ તો જુદો હતો. સામા પક્ષે દેવાળિયા સિદ્ધાર્થે તેના હાથ ઊંચા કરી દીધા હતા ! વળતરરૂપે કશું જ પાછું ફરવાની આશા રહી ન હતી. તમને લાગ્યું હતું, મુકુલરાય, કે સિદ્ધાર્થ પ્રત્યેનો તમારો પિતૃપ્રેમ ખોટનો વેપાર પુરવાર થયો હતો; જે તમારે ચોપડાના પીળા પાને લખવા સિવાય કોઈ આરોચારો ન હતો.
મુકુલરાય, તમારા વિષાદની આ સ્થિતિમાં કેટલીક સુખદ પળો પણ તમને યાદ આવી જતી હતી. સિદ્ધાર્થના વેવિશાળટાણે તમે ધર્મલક્ષ્મીના કાનમાં એક વાત કહીને તેમને રાજીનાં રેડ કરી દીધાં હતાં. એ વાત હતી, તમારા ભાવી પૌત્રના નામકરણની ! તમે નક્કી કરી બેઠા હતા કે યશોધરા જ્યારે પણ તમારા પરિવારને પુત્રરત્નની ભેટ ધરશે, ત્યારે તેનું નામ ‘રાહુલ’ જ પાડવામાં આવશે ! સિદ્ધાર્થને યશોધરા નામધારી પત્ની મળવી તે કેવળ જોગસંજોગ જ હતો. ભગવાન તથાગતનું નામ સિદ્ધાર્થ જ હતું. મુકુલરાય, તમે ભાગ્યબળે જોડાયેલાં સિદ્ધાર્થ અને યશોધરાના ભવિષ્યે જન્મનાર પુત્રનું નામ ‘રાહુલ’ ધારી બેઠા હતા, તેની પાછળ એ જોગસંજોગનો પૂરો લાભ લઈને એ ત્રણેય નામની ત્રિપુટી રચી દેવાનો તમારો ખ્યાલ હતો ! તમારા મનમાં એવી કંઈક ગણતરી પણ મુકાઈ ગએલી કે ભગવાન તથાગતની જેમ જગકલ્યાણ અર્થે તો નહિ, પણ પરિવારકલ્યાણ ખાતર પણ તમારો સિદ્ધાર્થ યશોધરા અને રાહુલના મોહપાશમાં બંધાયા સિવાય તમારી ઉભયની વૃદ્ધાવસ્થા, બીમારી અને સુખદ મૃત્યુના ઈલાજરૂપ જરૂર બનશે ! પણ મુકુલરાય, જીવનમાં બધું જ માનવીનું ધાર્યું ન થતું હોવાના ન્યાયે સિદ્ધાર્થના જીવનમાં પરણ્યા પછીના એક જ માસમાં એવું કંઈક વિપરિત બની ગયું હતું કે તમારો સિદ્ધાર્થ તમને બેઉને ઊંઘતાં રાખીને તમારાથી દૂરદૂર યશોધરા તરફ ખેંચાઈ ગયો હતો ! રાહુલ તો હજુ જન્મવો બાકી હતો ! આ તેનું મહાભિનિષ્ક્રમણ તો નહિ, પણ અલ્પબુદ્ધિક્રમણ તો જરૂર હતું; કે જેણે તમારા માટે કદાચ સંન્યાસનો વિકલ્પ જ ખુલ્લો રાખ્યો હતો !
યશોધરાએ સિદ્ધાર્થને કામણ કર્યું હતું કે પછી સિદ્ધાર્થને યશોધરાનું કામણ થયું હતું, તે તમે નક્કી કરી શક્યા ન હતા, મુકુલરાય. નવીન સર્જાયેલી કે સર્જાવા પામતી કૌટુંબિક પરિસ્થિતિ માટે રહીરહીને તમારું મન યશોધરાને જવાબદાર ઠેરવતું હતું. મુકુલરાય, આ તમારું પક્ષપાતી વલણ હતું; કેમ કે તમે ઊંડેઊંડે સિદ્ધાર્થને તમારો પોતીકો ગણતા હતા, જ્યારે યશોધરા તમારે મન પરાઈ હતી. વ્યવસાયપસંદગી કે જીવનશૈલી એ વ્યક્તિગત બાબત હોવાનું તમે સ્વીકારતા પણ હતા. આમ સિદ્ધાર્થનો આવો કંઈક સ્વતંત્ર નિર્ણય હોત તો તમને આટલું બધું દુ:ખ થયું ન હોત ! પરંતુ તમે સ્પષ્ટ જોઈ રહ્યા હતા કે સિદ્ધાર્થના આ વિચાર પાછળ કોઈ આત્મનિર્ભરતાનો આદર્શ ન હતો, પણ યશોધરાનું વશીકરણ જ કારણભૂત હતું. તમે સિદ્ધાર્થને તેની જીવનગાડી ઇચ્છિત દિશાએ લઈ જવા કપાતા દિલે અનુમતિ આપી દીધી હતી, કેમ કે તમે તમારી અનુભવી આંખે પ્રાચીન અને અર્વાચીન વિચારધારાઓનો ટકરાવ તમારા નાનકડા પરિવારમાં થતો જોઈ રહ્યા હતા. સિદ્ધાર્થ અને યશોધરાની દુનિયાના વ્યાપમાં, મુકુલરાય, તમારા જેવાં જૂનવાણી અને વારસાગત વ્યવસાયનાં બંધાણી આવી શકે તેમ ન હતાં ! તેમને નવી પાંખો ફૂટી હતી, તેમને નિરંકુશ ઉડ્ડયન કરવું હતું. તેમની પાંખો તમારો ભાર વહી શકે તેમ ન હતી ! અને સાચે જ સિદ્ધાર્થે તો પોતાની પાંખો નીચી ઢાળી દઈને તમને ધરતી ઉપર પટકી દીધા હતા, કદાચ ધર્મલક્ષ્મી જ યશોધરાની પાંખે વળગી રહ્યાં હતાં !
મુકુલરાય, તમે અતીતને વાગોળી લીધા પછી વર્તમાનમાં પાછા ફરતા ધર્મલક્ષ્મીને તેમની પૂજાપ્રાર્થનામાં લીન રહેવા દઈને ચૂપકીદીપૂર્વક મંદિરના ઓટલે આવી બેસો છો. વિચારવા જેવું અને ન વિચારવા જેવું એમ સઘળું વિચારતા વિચારધૂમ્રના ગોટેગોટામાં તમે જ્યારે ગુંગળાઈ રહ્યા છો, ત્યારે તમને ખબર પણ ન પડે તેવી રીતે ધર્મલક્ષ્મી તમારો ખભો હલાવતાં વિનમ્રભાવે તમને પૃચ્છા કરે છે કે તમે દેવી પાસે શું યાચ્યું ? આંખોમાં છલકાઈ જવા મથતાં અશ્રુને ખાળતા તમે મુકુલરાય સહસા બોલી ઊઠો છો, ‘નખ્ખોદ !’. આ સાંભળીને હતપ્રભ બની જતાં, ધર્મલક્ષ્મી, તમે દયામણા ચહેરે અને ફાટી પડતા અવાજે પૂછી નાખો છો, ‘રે જીવ, પણ કોનું અને શા માટે ?’
ત્યારે મુકુલરાય, તમે મિતાક્ષરી પ્રત્યુત્તર વાળતાં બોલો છો, ‘સિદ્ધાર્થનું, યશોધરાનું; એ બંનેનું !’
ધર્મલક્ષ્મી, તમે માથે વીજળી ત્રાટકી હોય તેમ ચીસ પાડતાં અને મુકુલરાયના મોંઢે હાથ દેતાં બોલી ઊઠો છો, ‘નહિ નાથ…, નહિ !’. પરંતુ મુકુલરાય, તમે તો ગુસ્સાની આગમાં ભભૂકી ઊઠતા અસ્ખલિત વાક્ધોધપ્રપાત કરતા ગર્જી ઊઠો છો, ‘એ બંને સંતાનપ્રાપ્તિ માટે તરફડવાં જોઈએ ! એમની કૂખે રાહુલ ન જન્મવો જોઈએ ! એમને એમાં સુખ મળે કે ન મળે, પણ દુ:ખ તો નહિ જ મળે એની મને ખાત્રી છે; એવું દુ:ખ કે જે હું પુત્ર પામવાથી અનુભવી રહ્યો છું ! કોઈ માણસ માથે અસહ્ય દુ:ખ આવી પડે, ત્યારે પ્રભુને પ્રાર્થતાં એમ બોલતો હોય છે કે તેવું દુ:ખ દુશ્મનને પણ ન હજો ! સિદ્ધાર્થ આપણો દુશ્મન તો નથી જ ને ! એ તો આપણો પુત્ર છે ! આ મારો-આપણો સંતાનપ્રેમ જ છે !’
તમે બહાવરાં બનીને, ધર્મલક્ષ્મી, તમારા પતિનો પુણ્યપ્રકોપ સંભળી રહ્યાં છો. મુકુલરાય તેમની શ્રાપપ્રાર્થનાને આશીર્વાદની પ્રાર્થનાનો અંચળો ઓઢાડવા મથી રહ્યા છે. આ તેમનો વિચિત્ર વ્યાખ્યાવાળો પુત્રપ્રેમ હતો કે યશોધરા પ્રત્યેનો કટુભાવ એ સમજવામાં, ધર્મલક્ષ્મી, તમે ઊણાં ઊતરો તેમ છો; કેમ કે તમારામાં નિખાલસતા અને ભોળપણ છે. વળી એ સમજવું તમારા માટે જરૂરી પણ નથી, કારણ કે તમે જે જાણો છો તે મુકુલરાય નથી જાણતા ! ગેરસમજથી પીડાતા એવા મુકુલરાયને હાથ જોડીને કરગરતાં જરા ધીરજ રાખવાનું કહીને તમે વિગતે વાસ્તવિકતા રજૂ કરતાં કહેવા માંડો છો :
‘ભલા, તમે છેલ્લા બે દિવસથી અકળાતા-મૂંઝાતા મને લાગતા હતા, પણ તમારું દુ:ખ આટલી હદે પહોંચ્યું હશે તેની તો મને કલ્પના સરખી પણ ન હતી ! જીવનભરની સુખદુ:ખની સાથી એવી મને અંધારામાં રાખીને તમે એકલાએકલા તમારા જીવને ટૂંપતા રહ્યા ! માતૃકા ખોવાયેલાં સંતાનોને પાછાં પણ મેળવી આપે છે, સમજ્યા ? આપણો સિદ્ધાર્થ યશોધરામાં ખોવાઈ જવા માગતો હતો, પણ એ સમજદાર છોકરીની સમયસૂચકતાએ તેને વેળાસર ઠેકાણે લાવી દીધો છે. તેણે નર્સીંગનું ભણવા જવાનું માંડી વાળ્યું છે. માતૃકાનો આભાર માનવા તો હું તમને અહીં ખેંચી લાવી છું ! માતૃકાનાં દર્શન પછી જ તમને ખુશખબરી સંભળાવવાના મોહમાં અનર્થ સર્જાઈ ગયો ! યશોધરાએ મને માંડીને વાત કહી દીધી હતી કે આપણા લાડલાએ તમને સંતાપ્યા છે. એ ગરીબડીએ તો સહજભાવે સિદ્ધાર્થ આગળ પોતાનો એક વિચાર મૂક્યો હતો કે આપણે સંમતિ આપીએ તો તે નર્સીંગનું ભણવા જાય ! ભણી આવીને ગામમાં જ ખાસ કરીને પ્રસુતાઓની સેવા કરે. તેના મનમાં સદભાવનાનું આ બીજ મારી પોતાની પ્રસુતિપીડાની વાતો સાંભળીને જ રોપાયું હતું. તેની ગણતરી હતી કે તમે દયાળુ જીવ છો એટલે આ કાર્યમાં પ્રેરક બનશો જ. પરંતુ મૂર્ખી ભૂલથાપ ત્યાં ખાઈ ગઈ કે એ કામ મને સોંપવાના બદલે આવી ભલાઈની વાતનો યશ તેના પતિને મળે તેવા લોભમાં પડી ! સિદ્ધાર્થને એ વાત કહેતાં ન આવડી ! ગાંડિયાની અર્ધા સુધીની વાત બરાબર હતી, પણ તાજાં પરણેલાં અને બેત્રણ વર્ષ સુધીના વિરહનો વિચાર આવતાં તેણે પોતાના તરફની ન કહેવાની વાત કરી નાખી, જે તમને ખૂબ ભારે પડી ગઈ, નહિ ! અને ધર્મલક્ષ્મી, તમે મુકુલરાયને હસાવવાના હેતુસર તેમના ગાલ ઉપર ચૂંટી ભરતાં માર્મિક કથન કરો છો, ‘બાપ તેવા બેટા ! તમે પણ હું પિયર જતી અને એકાદ દિવસ પણ વધુ રોકાઈ જતી, તો કેવા ધુઆંપુઆં થઈ જતા હતા !’
પણ… મુકુલરાય, હકીકતની સચ્ચાઈની જાણ થતાં ધર્મલક્ષ્મીની મજાકમશ્કરીભરી વાત સાંભળીને હસવામાં તમને રસ નથી. તમે તો તમારી જાતને કોસતા અને મનોમન યશોધરાની માફી માગતા માતૃકાદેવી તરફ હરણફાળે ધસી જાઓ છો. દેવીનાં ચરણોમાં ઢગલો થઈ જતા નાના બાળકની જેમ રડી પડતા તમે પ્રાર્થી ઊઠો છો, ‘માફ કર ! હે માતા, મને માફ કર ! હું અપરાધી છું ! હું મારા સમગ્ર કૂળને ભરખી જવા રાક્ષસ બન્યો હતો ! તું કરૂણાદેવી છો ! તારી બંને બાજુએ શોભી ઊઠે તેવી મારા પરિવારની આ દેવીઓને ખાતર પણ તું અમને રાહુલ દે !’
ધર્મલક્ષ્મી અને મુકુલરાય, તમે જ્યારે માતૃકાની વિદાય લેતાં પાછાં પગલાં ભરી રહ્યાં છો, ત્યારે પરમ સંતોષના નશામાં તમે એવાં ચકચૂર બની જાઓ છો કે તમારા આયખાનો થાક ઊતરી જાય છે !
ચાંદની રાત, મંદમંદ વહેતો પવન, સુંદર ઉપવન.. અને આ બધાથી પર એવા કુંવર અમરનાથ મનોરમાને કહી રહ્યા હતા, “જરાય ચિંતા ના કરતી. હું બનશે એટલી ત્વરાએ પાછો આવીશ.”
“મને સાથે કેમ લઈ નથી જતા?”
કુંવર મનોરમાને સાથે લઈ તો જાય પણ રાખે ક્યાં, ખુદ એક જગ્યાએ રહી શકે એમ નહોતા. પહાડી પ્રદેશ, જંગલ, રાની પશુઓનો ડર અને ક્યાંય સુધી વસ્તી જ ન હોય ત્યાં મનોરમાને કેટલી અગવડ વેઠવી પડશે એ જાણતા હતા.
“તો તમનેય આ બધી તકલીફ તો પડશે જ ને?” મનોરમાને ચિંતા તો હતી જ.
અમરનાથ એને સમજાવવાનો પ્રયત્ન કરતા કહ્યું કે, એ પુરુષ છે. જરૂર પડે તકલીફોનો સામનો કરી શકશે. તો સામે મનોરમા પણ કહેતી હતી કે, સ્ત્રીઓની કોમળતા વિશે જે લખાય છે એ કાવ્ય કલ્પનાઓ છે એનાથી વિશેષ સ્ત્રીમાં ધૈર્ય અને સાહસ પણ હોય છે.
મનોરમા જાણતી હતી કે કુંવર વગર એનું જીવન દોહ્યલું બની જશે. જ્યારે કુંવર એની નજર સામે ન હોય ત્યારે કેટ કેટલા અનિષ્ટ વિચારો, શંકા કુશંકાથી મનને ઉચાટ અને ઉદ્વેગ થશે એની એને જાણ હતી.
******
બુંદેલખંડ પર ભયાનક દુકાળના ઓળા ઉતરી આવ્યા હતા. ખાવાના સાંસા પડવા માંડ્યા. પેટ ભરવા લોકો વૃક્ષોની છાલ ખાવા માંડ્યા હતા. ભક્ષ્યાભક્ષ્યનો ભેદભાવ ભૂલાઈ ચૂક્યો હતો. પશુઓની વાત તો દૂર માનવસંતાનો કોડીના ભાવે વેચાવા માંડ્યા હતાં. મુઠ્ઠીભર અનાજ માટે માતા એમની મમતા કુરબાને કરી દેતી.
વર્તમાનપત્રોમાં આ સમાચાર સિવાય જાણે બીજું કશું છપાતું નહીં. કુંવર અમરનાથ કાશી-સેવા સમિતિના વ્યવસ્થાપક હતા. એમણે કેટલાક નવયુવાનોને લઈને બુંદેલખંડ પહોંચવાનો નિર્ણય કર્યો.
બસ આ વાતને લઈને મનોરમા અત્યંત ચિંતાતુર હતી. કુંવરે રોજનો એક પત્ર લખશે અને શક્ય એટલા જલદી પાછા આવશે એવી ખાતરી આપીને રમાને મનાવી લીધી.
એક સપ્તાહ સુધી તો આ ક્રમ બરાબર ચાલ્યો, પરંતુ ધીમે ધીમે એમાં વિલંબ થવા માંડ્યો. એક તો સમય એવો અને પોસ્ટઑફિસ એટલી દૂર હતી કે રોજે પત્ર મોકલવાનું શક્ય નહોતું,
પત્ર ન મળતાં મનોરમાની દશા અવદશામાં પલટાવા માંડી. દિવસો ઉદાસીમાં જવા માંડ્યા. જ્યારે પત્ર મળે ત્યારે સૂકા પર્ણો પર પાણીનાં બુંદોથી આવે એવી તાજગી મનોરમાના ચહેર પર આવતી. કુંવરની સાથે જવાનું માંડી વાળ્યું એની પર પારાવાર અફસોસ થવા માંડ્યો. આજ સુધી એને પુસ્તકો પર ખૂબ પ્રેમ હતો, પણ હવે પુસ્તક હાથમાં રહી જતું અને મન કુંવરના વિચારોમાં ખોવાઈ જતું. આમ ને આમ એક મહિનો પસાર થઈ ગયો.
માંડ ઊંઘ આવતી તો બિહામણા સપનાથી એ જાગી જતી. એક દિવસ સપનામાં ઘરનાં દ્વાર પર અમરનાથને ઉઘાડા પગે અને ઉઘાડા માથે ઊભેલા જોયા. સફાળી જાગીને દ્વાર પર દોડી. સન્નાટા સિવાય બીજું કંઈ ન જોતા વાસ્તવિકતામાં પાછી ફરી. તાત્કાલિક મુનીમને બોલાવીને તાર કરાવ્યો. એનો પણ કોઈ જવાબ ન આવતા એની પરેશાની એક હદથી વધતી ગઈ.
જેની પાસે પોતાના સપનાની વાત કરતી તો દરેક પાસે એના અલગ અર્થ મળતા. કોઈ કહેતું કે આ મંગળ સમાચાર પહેલાનું સપનું કહેવાય. સપનામાં ઉઘાડા પગ જોયા એનો અર્થ કુંવર ઘોડા પર સવાર છે, કુશળ છે. મનોરમાએ પોતે પણ સપનાનો અર્થ શોધવા કેટલાય થોથા ઉથલાવી નાખ્યા પણ મનને સમાધાન થાય એવા કોઈ અર્થ ન મળ્યા.
કોઈ મહોલ્લામાં મદારી આવે અને બાળવૃંદ ખેલ જોવા દોડી આવે એમ મહોલ્લામાં જ્યોતિષીના આગમનનું પણ સૌને એટલું જ આકર્ષણ રહેતું. એક ક્ષણમાં સઘળે ખબર પહોંચી જતી અને સ્ત્રીઓના ટોળાં એકઠા થઈ જતા. જ્યોતિષીજી સૌની ભાગ્ય-રેખાઓ ઉકેલીને સુખ-દુઃખનું સરવૈયું કાઢતા. જ્યોતિષી કોઈ ભગવાન નથી હોતા પરંતુ ભાગ્યની રેખાનો ઉકેલ જાણે એ લઈને આવ્યા હોય એમ એમના કથન પર સૌને વિશ્વાસ રહેતો. મનમાં આશા કે ભયનો સંચાર જ્યોતિષીના કથન પર નિર્ભર રહેતો.
કુંવરને તાર મોકલ્યાને આજે પાંચમો દિવસ હતો. જ્યોતિષીના આગમનના સમાચારથી મનોરમાનાં મનમાં ઉત્તેજના વ્યાપી ગઈ. સપનામાં કોઈ વ્યક્તિને ઉઘાડા પગે અને ઉઘાડા માથે ઊભેલા જોયા હોય તો એનો અર્થ જાણવા તાત્કાલિક જ્યોતિષીને તેડાવ્યા અને સપનાનો ઉકેલ પૂછ્યો. જ્યોતિષી પાસે આમ તો આનો કોઈ જવાબ નહોતો પણ સરકારને જવાબ આપ્યા વગર ક્યાં ચાલે એમ હતું? મનોરમાની વાતમાં એમને આશંકા અને અમંગળ સૂર પડઘાતો લાગ્યો એટલે વધુ વિચાર્યા વગર એ સપનું અમંગળસૂચક છે એવો સરકારના સૂરમાં સૂર મેળવી દીધો. ભાવિ ભાખ્યું કે, એ વ્યક્તિ પર કોઈ મોટું સંકટ આવશે, એમના ઘરનો નાશ થઈ જશે અને દેશ-વિદેશ આમ ઉઘાડા માથે અને ઉઘાડા પગે ફરવાના દિવસો આવશે એવું કથન કરી દીધું. મનોરમાએ સપનામાં કુંવરને આવી દશામાં જોયા હતા એવી કોઈ સ્પષ્ટતા કરી હોત તો કદાચ જ્યોતિષીએ વિચારીને જવાબ આપ્યો હોત.
બસ જ્યોતિષીના શબ્દો સાંભળીને મનોરમા સિતારના તારની જેમ થર-થર કાંપવા લાગી. બેહોશ થઈને પડી ત્યારે જ્યોતિષીને ખ્યાલ આવ્યો કે વિચાર્યા વગરના એમના શબ્દે શું અનર્થ સર્જી દીધો છે. પાણી વહી ગયા પછી પાળ બાંધવાનો કોઈ અર્થ નહોતો તેમ છતાં જ્યોતિષીએ પોતાની સિદ્ધિઓની ગાથા ગાઈ વગાડીને મનોરમાને સંકટનું નિવારણ કરી શકાશે એવા ઠાલા આશ્વાસન આપવાના પ્રયાસો તો કરી જ જોયા.
******
ચિંતાતુર મનોરમાએ અમરનાથને પોતે આવી રહી છે એવું જણાવતો તાર મૂકી દીધો અને બુંદેલખંડ જવાનો નિર્ણય અમલમાં મૂકી દીધો.
અમરનાથની ચિંતામાં મનોરમાએ કેટલાય દિવસોના ઉજાગરા વેઠ્યા હતા. ટ્રેન ઉપડતાં જ એ ઝોકે ચઢી. તંદ્રાવસ્થામાં પણ એને સતત ઉઘાડા માથે, ઉઘાડા પગે ફરતા અમરનાથ દેખાયા. અનિષ્ટ સપનાંની જાણે વણઝાર ચાલી. ઘડીમાં મઝધારમાં ડૂબતી નાવમાં ઉઘાડા માથે, ઉઘાડા પગે ઊભેલા, તો ઘડીકમાં વીજળીના કડાકાભડાકા વચ્ચે તોફાનની આંધીમાં ઘેરાયેલા અમરનાથને જોયા. તો વળી ઘડીકમાં પર્વતની ટોચ પર ઉઘાડા માથે, ઉઘાડા પગે ફરતા અમરનાથ દેખાયા. એમને પર્વતની ટોચ પરથી નીચે આવવું હતું પણ કોઈ રસ્તો મળતો નહોતો. એવામાં ફરી વીજળીનો ભયાનક કડાકો થયો અને એમાંથી એક જ્વાળા ઊઠી. એ જ્વાળામાં અમરનાથને અદૃશ્ય થતા જોયા.
અનિષ્ટની કુશંકાથી ઘેરાયેલું એનું મન એન ઝંપવા દેતું નહોતું. “મને જો આવા ભયાનક દૃશ્ય દેખાડો છો તો એમની શું હાલત થઈ હશે?” એવું વિચારતા એ ઈશ્વરને એ કરગરી રહી. “મને ધન કે સંપત્તિની અપેક્ષા નથી, પણ પ્રભુ એ કુશળ હો એવી મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો”
વળી માંડ આંખ મળી અને થોડી ક્ષણો પછી એણે અમરનાથને એક પુલ પર ઘોડા પર સવાર થઈને આવતા જોયા. નીચે તોફાની નદી, નબળો પુલ, ભડકેલો ઘોડો. ઘોડો નદીમાં ખાબકે એ પહેલાં અમરનાથને ઘોડા પરથી કૂદી પડે એમ કહેવા મથતી મનોરમાથી ચીસ પડાઈ ગઈ અને એ સફાળી ઝબકીને જાગી ગઈ.
સનસનાતી ટ્રેન કોઈ સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચવામાં જ હતી. દૂર અમરનાથ ઉઘાડા પગે અને ઉઘાડા માથે ઊભા હતા. મનોરમા તો હજુ એ સપનાના ઓથાર નીચે જ હતી. એને લાગ્યું કે ભડકેલા ઘોડા પર સવાર કુંવર નદીમાં ખાબકવાની તૈયારીમાં છે અને તંદ્રાવસ્થામાં જ હજુ ધીમી નહોતી પડી એવી ટ્રેનનું બારણું ખોલીને કુંવરને રોકવા દોડી.
જોરથી એક ધક્કો લાગ્યો અને જાણે કોઈએ એને આકાશ પરથી નીચે જમીન પર ફેંકી દીધી ક્ષણવારમાં એ ચેતના શૂન્ય બની ગઈ.
આ કબરઈનું સ્ટેશન હતું. તાર મળ્યો એટલે અમરનાથ સ્ટેશન પર મનોરમાને લેવા આવ્યા હતા. હાથ ફેલાવતી મનોરમાને એમણે ટ્રેનમાંથી કૂદી પડતી જોઈ. એને રોકવા આગળ વધે એ પહેલાં તો કર્મના લેખા પૂરા થઈ ગયા હતા. મનોરમાએ પ્રેમવેદી પર પોતાના જીવની આહૂતિ આપી દીધી હતી.
આ ઘટનાના ત્રીજા દિવસે ભગ્નહૃદય અમરનાથ ઉઘાડા માથે, ઉઘાડા પગે ઘેર પહોંચ્યા. આ પ્રેમવિહીન ઘરમાં હવે કોઈ નહોતું. અમરનાથે પોતાની સંપૂર્ણ સંપત્તિ કાશી-સેવા સમિતિને આપી દીધી. હવે એ ઉઘાડા માથે, ઉઘાડા પગે, વિરક્ત દશામાં દેશ-વિદેશ ફરતા રહે છે.
સપના અંગે જ્યોતિષીની આલોચના સત્ય બની રહી.
પ્રેમચંદ મુનશી લિખિત વાર્તા “ અનિષ્ટ શંકા’ને આધારિત
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે
‘અરે એનું થેંકયુ ન હોય મયંકભાઈ, ને તમે તો અમારા પડોશી. પહેલો સગો પડોશી, શું સમજ્યા? પણ તમે આમ બહાર કાં ઊભા? અમારા ઘરમાં તો આવો! આમેય હમણાં ઘણા દિવસથી આપણે નથી મળ્યા. એ બહાને મનેય કંપની રહેશે. સાંજે હું હમણાં એકલો જ હોઉં છું. પહેલાં તો અજય આ સમયે આવી જતો, પણ..’ મયંકભાઈને થોડા દિવસથી મનમાં આ ઘોળાતું જ હતું, એમાં આજે નીલેશભાઈએ સામે ચાલીને આ વાત કાઢી એટલે.. ‘નીલેશભાઈ, હું તમને આ જ વાત પૂછવા માંગતો હતો. પહેલાં તો તમારો અજય સાંજે છના ટકોરે ઘરે અચૂક આવી જ જતો, પણ હમણાં એને ઘરે આવતાં લગભગ રોજ રાતના આઠ કે નવ વાગી જાય છે.’
‘મયંકભાઈ, તમારી વાત સાચી. નોકરી પૂરી કર્યાં પછી મારો દીકરો એક મિનિટ પણ ઓફિસમાં ન રોકાય. એકવાર તો એણે એના સાહેબને સાફ કહી દીધું હતું કે ‘જુઓ, હું નોકરી કરીશ નિષ્ઠાથી. કામચોરી જરાય નહીં કરું, પ્રામાણિકતા ને ચીવટ એ બધું સો ટકા. કબૂલ, પણ હું નોકરીને પરણ્યો નથી. એટલે સમય પૂરો થયે હું રોકાઈશ નહીં. મારેય ઘરબાર છે, હુંય માણસ છું.’
‘હા, નીલેશભાઈ, મને અજયના આ સિદ્ધાંતની ખબર છે. વળી એનો નિર્ણય અફર જ હોય. એમાં એ પાછો ન હટે. ને એટલે જ મને નવાઈ લાગે છે કે આવો અજય હવે કેમ મોડે સુધી ઓફિસમાં? હા, જો કે કામ હોય તો કયારેક રોકાવુંય પડે, પણ આ તો લાગલગાટ ૧૫ દિ’થી હું જોઉં છું કે અજય કાયમ હમણાં મોડો જ ઘરે…’
મયંકભાઈને આગળ બોલતાં અટકાવી નીલેશભાઈએ સ્પષ્ટતા કરી. હા, અજય ઓફિસમાંથી તો પહેલાંની જેમ જ સમયસર નીકળી જ જતો હતો, પણ ત્યાંથી નીકળી હવે તે શહેરથી ૨૦ કિલોમીટર દૂર આદિવાસી વિસ્તારમાં ત્યાં રહેતા લોકોને ભણાવવા વગેરે માટે જતો હતો. અજય આમ લહેરીલાલો. કોઈની ઝાઝી પરવા ન કરે. તે અજય આમ..! મયંકભાઈ નવાઈમાં ડૂબી ગયા, પણ પછી કહી રહ્યા, ‘આ તો બહુ સારું કહેવાય. તમારો દીકરો સુધારાના પંથે છે. આ તો પુણ્યનું કામ. ટૂંકમાં એમ કહો ને તમારા દીકરાએ સમાજસુધારણા ને શિક્ષણનું કામ હાથમાં લીધું, સેવાની જયોત પ્રગટાવી, ખરું ને?’
નીલેશભાઈ પોરસાયા, ’હા, એવું જ કંઈક. એ અભણ આદિવાસીઓ ને એમનુ જીવનધોરણ, બેય સુધરી જાય, એ બહાને એ લોકો કંઈક શીખે તો મજાનું. પણ સાંભળ્યું છે કે એ લોકો બહુ જુનવાણી માનસ ધરાવતા હોય છે. જલદી કોઈ પાસેથી કશું શીખવા તૈયાર ન થાય. ત્યાં દારૂ, બીડી, ગાળાગાળી એવું પણ ચાલતું હોય. મને થોડીક બીક છે કે એ લોકોને સારું શીખવાડવાને બદલે ઊલટું મારો અજય જ ક્યાંક બગડીને…’
‘નીલેશભાઈ, સાંભળેલું બધું સાચું ન પણ હોય, ને અજય છે સીધોસાદો, સુસંસ્કારી છોકરો. એવું કંઈ હોય તો પણ એને તેની ખરાબ અસર ન જ થાય. મને સંસ્કૃતનો પેલો શ્લોક યાદ આવી ગયો કે ‘વિકૃતિ નૈવ ગચ્છન્તિ સંગદોષેણ સાધવ: આવેષ્ટિતં મહાસર્પેશ્ચચંદન ન વિષાયતે.’ એટલે કે ‘જેમ મહાસર્પથી વીંટળાયેલું ચંદનનું વૃક્ષ ઝેરી બની જતું નથી, તેમ ખરો સાધુ સંગદોષ કરે તો પણ વિકૃત બનતો નથી.’ અજયને કંઈ નહીં થાય. એ સૌનું કામ કરવા, લોકોનું ભલું કરવા જાય છે એથી ખુશ થઈ તમે એ વાતનું ગૌરવ લ્યો.’
‘હા મયંકભાઈ, ગૌરવ તો હોય જ ને! શહેરમાં આટલા લોકો છે તેમાંથી અજયને જ આવું કામ કરવાનું સૂઝ્યું એ સારી વાત કહેવાય. હા, એની સાથે કોલેજમાં ભણતી’તી, એ સોનલ પણ આ કામમાં તેનો સાથ આપે છે. બેયને સેવાનો નાદ લાગ્યો છે. તો ભલે ને કરે. આ તો સારી વાત. કોઈ સુધરતું હોય, આદિવાસી સુસંસ્કૃત બને, આપણા સમાજના મુખ્ય પ્રવાહમાં એ લોકો આમ ભળી જાય એ તો મજાનું.’
‘ને મજાની વાત એ પણ છે કે તમારા અજયની પત્ની ધારા પણ આ વાતથી ખુશ છે. પતિ મોડો આવે છે ને પોતાની સાથે વીતાવવાનો સમય એ આદિવાસીઓને આપી દે છે એનો એને રંજ નથી.’ મયંકભાઈએ ખુશી વ્યક્ત કરી, બીજી થોડી વાતો કરી ને પછી નિલેશભાઈની રજા લઈ પોતાના ઘર ભણી ડગ માંડ્યા.
બે દિવસ પછી.. સરોજે પતિ નિલેશભાઈને ચેતવ્યા: ‘તમે ઘરમાં કાંઈ ધ્યાન આપો છો કે નહીં? આ અજયને આદિવાસીઓને સુધારવાનો ફંદ વળગ્યો તો ભલે વળગ્યો, પણ એનીય કાંઈક હદ તો હોય ને? સોનલનું તો જાણે સમજયા, પણ બે દિવસથી એ ધારા અને સંગીતાને પણ પોતાની સાથે ત્યાં લઈ જાય છે, બધું બતાવવા કે અમે ત્યાં શું શું કરીએ છીએ ને આ આદિવાસી કેવા છે, કંઈ રીતે જીવે છે ને વર્તે છે? દીકરો પોતે ત્યાં જાય ને એની પત્ની ને દીકરીનેય સાથે લઈ જાય એ મને જરાય ઠીક નથી લાગતું.’
‘પણ એમાં ખોટું શું છે? આ તો ભલાઈની વાત, તો ભલે ને લઈ જાય! એકથી ભલા બે. ને બેથી ભલા ચાર.’
‘તમને તો કશી ખબર જ નથી પડતી. એ આદિવાસી કેવા હોય છે ખબર છે? ગમાર ને બીમાર! ન રહેવાનું કે ન પહેરવા-ઓઢવાનું ઠેકાણું, ન બોલવાચાલવાની સમજ! અજય જાય છે તો ત્યાં બધાને શીખવાડવા, પણ આ બેય ત્યાંથી બીજું ન શીખવાનું શીખીને આવશે, બગડીને ધૂળ થઈ જશે એનું શું? આપણી સંગીતા ગઈકાલ સુધી કહેતી હતી કે ‘’ક કલમનો ક..’’ હવે એ કાગડાનો ‘ક’, કોયલનો ‘ક’ પણ બોલે છે. કાલે ઊઠીને એ દડાનો ‘દ’ બોલવાને બદલે દારૂનો ‘દ’ બોલશે. ‘બ’ બકરીનો નહીં, બીડીનો બોલશે. તમે કંઈક વાતમાં સમજો. બંધ કરાવો આ બધા ફંદફિતૂર. ઓલી સોનલી પણ સાલી હાલી મળી છે તે આને સાથ આપે છે. હજી મોડું નથી થયું. ચેતી જાવ વેલેરા. ને એટલેય ના પાડું છું કે ધારાને આ છઠ્ઠો મહિનો જાય છે. ત્રણ મહિના પછી એ બે બાળકની મા બની જશે. હવે એણે ઝાઝી દોડાદોડી ન કરાય.
વળી ત્યાં કોણ જાણે બધા કેવા હોય ને કેમ વર્તતા હોય? એ બધાની અસર આવનારાં બાળક ઉપર પણ પડે…’ પત્નીએ તો લાંબુ લેક્ચર ફટકાર્યું. નીલેશભાઈ પત્નીને સમજાવવા મથ્યા. ‘જો સરોજ, તું જેવું માને છે, એવા એ નથી હોતા…’
બે દિવસ પછી.. સંગીતા બોલી, ‘દાદી, તું રોટલી તો સરસ બનાવે છે, પણ મારે તો આજે રોટલો ખાવો છે, પેલો જીવતીકાકીને ત્યાં ખાધો’તો એવો ચૂલાનો રોટલો. એવો રોટલો દાદી તને તો ન જ આવડે.’
’ચૂલામાં જાય તારો રોટલો. આદિવાસી પાસેથી આવું જ શીખીને આવી છે તું? ખાધો’તો કે ખાધો હતો? ને ‘તમે’માંથી સીધું તું.!’
‘દાદી, એમાં ગુસ્સે શું થા છો? ‘ર’ રોટલાનો ‘ર.’ મેં તો દીઠો, રોટલો મીઠો. ને ત્યાં મને કેવી મજા આવી? પેલી બત્રીસ પૂતળીનો ખેલ. બધા મરી ગ્યા, પણ છેલ્લે એક માણસ વધ્યો’તો એ કેમેય કરી મરે જ નહીં ને? આમ ધબ દઈને પડી જાય ને આમ પાછો ફટ દઈને ઊભોય થઈ જાય. હિંમત જ ન હારે. હું પણ હવે હિંમત નહી હારું દાદી. ને મદારીનો ખેલ. કરંડિયામાં સાપ, બાપ રે બાપ! પણ એ તો જરાય ડરે જ નહીં. ભગવાન શંકરની જેમ સાપને વહાલ કરે. ને પેલી રૂખડીની દાદી તો રુખડીને કાંઈ વહાલ કરે, વહાલ કરે..!’
‘ઓ હો હો તારી તો કંઈ જીભડી થઈ ગઈ છે લાંબી! બંધ કર તારો લવારો, બાકી કાઢીશ તારો બરાબરનો વારો.’ સરોજ ગુસ્સામાં બોલી. એમાંય ‘એવો રોટલો દાદી તને તો ન જ આવડે’ એ શબ્દોએ એને વધુ…!
…..ધારાને સાચી વાતની ખબર ન પડે એમ મેડીકલ ચેક-અપનું ખોટું બહાનું કાઢી ગર્ભપરીક્ષણ માટે એને ડોકટર પાસે લઈ ગયેલી સરોજે ઘરે આવીને અજયને ખાનગીમાં આ વાત કરી પોતાનો નિર્ણય જણાવ્યો. ‘જો બેટા, શાંતિથી મારી વાત સાંભળ. બીજીય છોકરી જ જન્મવાની છે. મારું કહેવું એમ છે કે આ ગર્ભ પડાવી નાખ. કોઈને કાંઈ ખબર નહીં પડે. કોઈ પૂછે તો એમ કહી દેવાનું કે કસુવાવડ થઈ જતાં…!’
ને અજય લાલઘૂમ! ‘મમ્મી..! આ તું શું બોલે છે? એ કોઈ કાળે નહીં બને. જે વ્યક્તિ દીકરાની અપેક્ષાએ ગર્ભપરીક્ષણ કરાવે એના મગજનું જ પહેલાં તો પરીક્ષણ કરાવવું જોઈએ. આમ તો ગર્ભપરીક્ષણ એ કાનૂની અપરાધ છે, પણ મારી દ્ષ્ટિએ પહેલાં તો એ નૈતિક અપરાધ છે. તું સ્ત્રી થઈને સ્ત્રીની હત્યા..’
‘તું મને સમજાવવાનું રહેવા દે. મેં તારા કરતાં ઝાઝી દિવાળી જોઈ છે. સો વાતની એક વાત. મારે બીજી દીકરી ન જોઈએ. પહેલાં તો તું જ મારી હામાં હા ભણતો હતો. આવું થાય તો ગર્ભ પડાવી નાખવા તૈયાર હતો ને હવે અચાનક તેં પાટલી બદલી! નક્કી આ બધાં પેલી સોનલીનાં કામાં. જોઈ ન હોય મોટી સુધારાવાળી..’
‘મમ્મી, કારણ વિના એનો વાંક ન કાઢ. એને તો આ કાંઈ વાતની જ ખબર નથી. ને તારી વાત સાચી.
‘હુંય પેલા આ મતનો હતો. પણ હવે..નો વે. એ મારી ભૂલ હતી. બીજી દીકરી મને મંજૂર છે ને એ પણ પ્રેમથી. ખબરદાર જો તેં આવી વાત ફરી ઉચ્ચારી છે તો!’ અજયના આવા વલણથી સરોજ હતપ્રભ. પતિ ઘરે આવતાં જ સરોજે બધી વાત કરી એની સમક્ષ પોતાનો અણગમો જાહેર કર્યો. ‘જોયું ને? હું નો’તી કે’તી? છોકરો બીજાને સુધારવા ગયો ને પોતે જ બગડી ગયો. હાથથી ગયો. બોલીને સાવ ફરી ગયો તેમાં..! ને એ એકલો નહીં, હવે તો એની સાથે આ સંગીતા ને ધારા પણ ‘બગડતાં’ જાય છે.’
બે દિવસ પછી.. દાદા ચમક્યા. ‘અરે સંગીતા દીકરી, આ શું લઈ આવી? ’ જવાબ ધારાએ આપ્યો. ‘પિતાજી, આદિવાસી મહિલા જીવતીને ઘેર બીજી દીકરી જન્મી એના માનમાં એના વર નરસીએ લાપસી મોકલાવી છે.’
‘ને મારા માટે ચૂલાનો રોટલો નીલુદાદા. ને એ જીવતીકાકી છે ને તે મને બહુ વહાલ કરે છે હો!’ બટકબોલી સંગીતા ઠેકડો મારતા ખુશીથી બોલી ઊઠી. દાદાએ સંગીતાના ગાલે ચૂમી ભરી એને કહ્યું, ‘કાલે ત્યાં જા ત્યારે મારા તરફથી શુકનના એકસો ને એક રૂપિયા તારા હાથે એ જીવતીને આપજે. જીવતી, તું સો વર્ષ જીવતી રહે.’
અજય કહી રહ્યો, ‘વાહ પપ્પા, તમારી આ વાત મને ગમી હો! ને પપ્પા, અમુક બાબતોમાં આદિવાસી ભલે પાછળ રહ્યા, પણ એના સમાજમાં એવા અનેક રિવાજો ને વ્યવહારો છે જે બેનમૂન છે, જે આપણે પાળવા જોઈએ એમ મને લાગ્યું. ત્યાં ખોટી શરમ કે ખોટા ભેદભાવ મારા જોવામાં ન આવ્યાં.’ અજય મમ્મી સામે એક વેધક નજર નાખતાં આગળ કહી રહ્યો, ‘એમના જીવનનો મેં બારીક અભ્યાસ કર્યો ને એની સાથે રહ્યો, તો મને એમ થયું કે હું શું એ લોકોને શીખવાડતો’તો? શીખવાનું તો આપણે એમની પાસેથી છે! આપણે સુધરેલા એને ‘અબૂધ’ કહીને ઉતારી પાડીએ છીએ, પણ મારી એ લોકો માટેની અબુધની વ્યાખ્યા જુદી જ છે. ‘‘જે બુદ્ધિથી નહીં, પણ હ્રદયથી વિચારે એનું નામ અબૂધ.’’ એ આવા આધુનિક ને નિષ્કપટ અબૂધ છે. આદિવાસી આમ વાસી નથી, પણ તાજા છે.‘ અજયની વાત સાંભળીને મમ્મી વિસ્ફારિત નેત્રે એની સામે જોઈ જ રહી.
વસંતપંચમીના દિવસે જ ધારાએ બીજી દીકરીને જન્મ આપ્યો. ઘરમાં જાણે વસંત છવાઈ ગઈ. દીકરીનું નામ રાખ્યું દિશા. નવી દિશા મળી હતી અજયને. હા, એણે આદિવાસીને અમુક કુરિવાજોમાંથી છોડાવ્યા હતા ને એમને થોડું નવું સારું શીખવાડ્યું પણ હતું, એની ના નહીં, પણ..! એ ગયો હતો તો આદિવાસીઓને કશુંક શીખવાડવા, પણ એ જ કશુંક નવલું શીખીને આવ્યો હતો ત્યાંથી. અમૂલ્ય, અનેરું, ઘણું ને અનેકગણું સારું!