વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલ્મી ગઝલો – ૨૩. ગુલશન બાવરા

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આમ તો એમનું ખરું નામ હતું ગુલશન કુમાર મેહતા પણ ઓળખાયા હમેશાં ગુલશન બાવરાના નામથી. એમનું નામ ઘરે – ઘરે ગૂંજ્યું એમણે લખેલા ઉપકાર ફિલ્મના ગીત ‘ મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી ‘ ના કારણે. સટ્ટા બાઝાર ફિલ્મનું સુરીલું યુગલગીત ‘ તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે ‘ પણ એમની જ કલમની દેન. ઝંજીરનું ‘ દીવાને હૈં દીવાનોં કો ન ઘર ચાહિયે ‘ તો લખ્યું પણ એમણે અને ફિલ્માવાયું પણ એમના ઉપર જ. આ જ ફિલ્મનું એમનું ‘ યારી હૈ ઈમાન મેરા ‘ પણ ખૂબ પ્રશસ્તિ પામ્યું.

    ગુલશન બાવરાની કારકિર્દી ૧૯૬૧ માં શરુ થઈ. એ ચાલીસેક વર્ષ સક્રિય રહ્યા. થોડીક ફિલ્મોમાં નગણ્ય કોમેડી રોલ પણ કર્યા. એમની સફળ ફિલ્મોમાં સટ્ટા બાઝાર, પૂર્ણિમા, ઉપકાર, ઝંજીર, હાથ કી સફાઈ, ખેલ ખેલ મેં, કસમે વાદે, સત્તે પે સત્તા વગેરે ફિલ્મોનો સમાવેશ થાય. મહત્તમ ફિલ્મો કલ્યાણજી આણંદજી અને રાહુલ દેવ વર્મન જોડે કરી.

    એમની બે ગઝલો :

    જો આજ તક ન હુઆ તૂને આજ કર દિયા
    ક્યોં  તાજ  દેકે  માલિક  બેતાજ કર દિયા 

    જહાં વાલે તૂને યે ક્યા ઝિંદગી દી
    કે ગમ સે સજા કે હમેં હર ખુશી દી

    બહારેં અગર છીન લેની થી હમસે
    મુરાદોં કે ફૂલોં કો ક્યોં તાઝગી દી

    છલકને લગે આજ આંખો સે આંસૂ
    અરે  દેને  વાલે,  યે  કૈસી હંસી દી

    કરમ  હૈ  દિયા  તૂને  નૂરે – નઝર તો
    સિતમ હૈ નઝર કો મગર તિશ્નગી* દી..

    ( *તરસ )

    શરુઆતી બે પંક્તિઓ ગીતની સાખી છે.

    – ફિલ્મ : ગુલે બકાવલી ૧૯૬૩

    – મોહમદ રફી

    – હંસરાજ બહલ

     

    વાસ્તા  હી  ન  જબ  રહા તુમસે
    ફિર જફાઓં કા ક્યા ગિલા તુમસે

    તુમ કિસી ગૈર કી અમાનત હો
    કૈસા શિકવા ગિલા ભલા તુમસે

    દર્દ  દે  કે  પરાએ  હો  બૈઠે
    કૈસે માંગૂં મૈં અબ દવા તુમસે

    કમ સે કમ જૂઠી તસલ્લી દેતે
    હાએ યે ભી ન હો સકા તુમસે

    ચંદ રોતી હુઈ યાદોં કે સિવા
    દેખ લો કુછ નહીં લિયા તુમસે

    યારોં ! હંસતે હો મુઝ પે, ખૂબ હંસો
    ઔર  હો  ભી  સકેગા  ક્યા  તુમસે

    ઉસકી  કિસ્મત  પે રશ્ક આતા હૈ
    જિસકે દિલ કા જહાં બસા તુમસે

    કૈસે  કહ દૂં  બુરા હુઆ તુમસે
    વાસ્તા હી ન જબ રહા તુમસે..

    – ફિલ્મ : ચોરી ચોરી ૧૯૭૪

    – મુકેશ

    – શંકર જયકિશન

    ( અસલ ‘ ચોરી ચોરી ‘ ૧૯૫૬ માં પણ શંકર જયકિશનનું સંગીત હતું ! )


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે

  • દરેક વખતે શિસ્તબદ્ધ પાલન ન થાય તે માટે સજા કરવી એ સાચો ઉપાય ન પણ હોય

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    ISO જેવાં ધારાધોરણો માટે પ્રમાણિત થવા માટે મોટા ભાગની સંસ્થાઓ તેમની દરેક પ્રક્રિયાઓને સ્પષ્ટપણે નક્કી કરે છે અને તેનાં પાલન માટેનાં ધોરણો પણ નક્કી કરે છે.  પ્રક્રિયાનું પાલન એટલું ચુસ્ત બનતું જાત છે કે એક તબક્કે પ્રક્રિયાઓનાં પાલનની ગુણવત્તા કર્મચારીની કાર્યસિદ્ધિનું ખુબ જ મહત્ત્વનું માપ બનવા લાગે છે.  આમ થવું એક દૃષ્ટિએ જ્યાં પણ અવરોધ હોય તેને દૂર કરી દેવાની, બહુ સામાન્યપણે જોવા મળતી, માનસિકતા છે. પ્રક્રિયા પાલનના સંદર્ભમાં તેનુ પરિણામ જે લોકો પૂર્વનિશ્ચિત પ્રક્રિયાનું પાલન ન કરે તો તેમને સજા કરવામાં પરિવર્તીત થવા લાગે છે.  પ્રક્રિયાના પાલનનું  ઝનૂન એટલું હાવ થવા લાગે છે કે લોકોને આ બાબતે જે જમીની સ્તરની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે સદંતર અવગણાવા લાગે છે.

    કોઈ પણ પ્રક્રિયાને ગુણવત્તા પેદા કરવાનું સાધન માનવા લાગવાનાં છટકાંમાં ફસાવું એટલે પ્રક્રિયા અનુપાલનની ગુલામીના કળણમાં ફસાવું

    મારા મતે આ પરિસ્થિતિ સદંતર પ્રતિ-ઉત્પાદક છે. પ્રક્રિયા સુધારણાની ખરી માંગ તો એ છે કે સુધારણાની મશાલ પ્રજ્વલિત રાખવા માટે  “વિપુલતા”ની માનસિકતાનો અભ્યાસ જરૂરી  છે.

    જ્યારે લોકો કોઈ પ્રક્રિયાને અનુસરતા નથી, ત્યારે તેનો અર્થ એ છે કે કાં તો તેઓ પ્રક્રિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી, અથવા નિર્ધારિત પ્રક્રિયા તેમના માટે કામને ક્યાંક પણ પ્રતિકૂળ પડી રહી છે. એ દૃષ્ટિએ આ સમસ્યાને જોવાથી ગેરશિસ્તને બદલે તે સુધારણા કરવાની તક તરીકે દેખાવા લાગશે.

    જ્યારે પૂર્વનિર્ધારિત પ્રક્રિયા કામ કરતી ન જણાવા લાગે ત્યારે આત્મનિરીક્ષણ કરવામાં આ પ્રશ્નો મદદરૂપ બની શકે છેઃ

    શું આ પ્રક્રિયા (અથવા પેટા-પ્રક્રિયા) ખરેખર લોકોને તેમનું કામ વધુ સારી રીતે કરવામાં મદદ કરે છે?
    શું લોકોને આ પ્રક્રિયા શા માટે જરૂરી છે અને તે તેમને વધુ અસરકારક કેવી રીતે બનાવે છે તેની જાણકારી ધરાવે છે? શું તેઓ આ પ્રક્રિયા કરવાના હેતુ અંગે સ્પષ્ટ છે?
    શું આ પ્રક્રિયા (અથવા પેટા-પ્રક્રિયા)ને એ રીતે વધુ સરળ બનાવી શકાય કે જેથી તે દરેક પરિસ્થિતિમાં વધુ અસરકારક નીવડે?
    શું એવું કોઈ કાર્ય જોવા મળે છે જે પ્રક્રિયાના વર્તમાન આલેખન દ્વારા ગણતરીમાં ન લેવાયું હોય?
    શું લોકોને પ્રક્રિયા કેવી રીતે કરવી તેનું જ્ઞાન છે? જો ના હોય, તો કોઈ વધારાની તાલીમ/માર્ગદર્શનની જરૂર છે? શું જરૂરી માર્ગદર્શન/સંદર્ભ સમજ ઉપલબ્ધ છે?
    શું મધ્યમ કક્ષા મેનેજરો પ્રક્રિયાઓ કરવા માટે સંસ્થાના દ્રષ્ટિકોણ સાથે સુસંગત દૃશઃટિકોણ ધરાવે છે?  શું તેઓ પોતાની ટીમનાં સભ્યોને અનુસરણીય ઉદાહરણો પ્રસ્થાપિત  કરી રહ્યા છે?

    અને છેલ્લે: પ્રક્રિયાઓનો અમલ કરતી વખતે વ્યવહારિક અભિગમ અપનાવો. જ્યારે પ્રક્રિયાઓ અનુસરવામાં આવતી નથી, ત્યારે “એવું કેમ?” એ સવાલ કરો. ઘણીવાર, લોકોને તરત જ સજા કરવાને બદલે. પાલન ન થવાનાં મૂળ સુધી જાઓ તો વાસ્તવિક સમસ્યા મળી રહેશે. પાલન ન કરવું એ માત્ર એક લક્ષણ છે. યોગ્ય પ્રશ્નો પૂછો,  લોકોને પણ વિશ્લેષણ પ્રક્રિયામાં સામેલ કરો અને મૂલ્યાંકન કરો કે શું પ્રક્રિયા ખરેખર હેતુને પૂર્ણ કરી શકે તેમ છે.


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો : તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : # ૧: જે લોકો ભરોસો કરી શકતા નથી, તેમના પર વિશ્વાસ કરી શકાતો નથી

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    વિરોધાભાસનાં વર્ગીકરણમાં આપણે એક પ્રકાર તાર્કિક વિરોધાભાસનો નક્કી કર્યો હતો. તો, હવે આપણે તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક બહુખ્યાત ઉદાહરણોની વાત માંડીશું.

    સૌ પ્રથમ આપણે એવા તાર્કિક વિરોધાભાસો લઈશું જે સામાન્યતઃ તો વિરોધાભાસી કથનો લાગેજ,પણ તેમાં સત્યનો અંશ પણ એટલો જ હોય. જો કે એકવાર તમે સપાટી પરથી થોડાં ઊંડે ઉતરો, એટલે  વાસ્તવિક જીવનના કેટલાંક જ્ઞાન અને અનુભવનાં મોતી પણ મળી આવે છે!

    # : જે લોકો ભરોસો કરી શકતા નથી, તેમના પર વિશ્વાસ કરી શકાતો નથી.

    કોઈ વ્યક્તિ પરનો ભરોસો એ આપણી એવી માન્યતા છે કે તે પ્રામાણિક અને નિષ્ઠાવાન છે અને જાણી જોઈને તમને, કે કોઈને, નુકસાન પહોંચાડવા માટે કંઈ પણ કરશે નહીં. તેથી, કોઈ પણ સંબંધના વિકાસ માટે, અને પછી તે  સંબંધને ટકાવી રાખવા માટે ભરોસો એ પાયાનો પથ્થર બની જાય છે.

    મોટા ભાગે, માનવ સ્વભાવમાં જ ભરોસો  રાખવાની સંભાવના વધારે હોય છે. આમ તો તે આપણા જનનીય બંધારણમા હોય છે અને આપણા બાળપણના શિક્ષણમાં તેને પોષણ મળે છે. બીજી દૃષ્ટિએ જોઈએ તો તે માનવ અસ્તિત્વ ટકાવી રાખવાની એવી પદ્ધતિ છે જેણે માનવ જાતની સારી રીતે સેવા કરી છે. મૂળે જ માણસ સામાજિક પ્રાણી છે: જન્મતાંની સાથે જ  કોઈ ને કોઈ સાથે વ્યસ્ત રહેવાનું અને સંપર્કમાં આવતી લગભગ દરેક વ્યક્તિ સાથે સંબંધ જોડવાનું જ તે વલણ ધરાવે છે. તેનું સહજ કારણ તેનો સામેની વ્યક્તિ પરનો ભરોસો છે. આમ, હકીકતમાં, ઘણી રીતે, ભરોસો એ આપણી મૂળભૂત લાક્ષણિકતા જ કહી શકાય. મોટા ભાગની સામાજિક પરિસ્થિતિઓમાં આપણે નિયમિતપણે, સ્વાભાવિક પ્રતિક્રિયાથી, કંઈક અંશે અવિચારી રીતે પણ, ભરોસો રાખી બેસતાં હોઈએ છીએ.

    માણસ જેટલી સહજતાથી ભરોસો કરે છે, તેટલી જ ભૂલો પણ કરે છે. ભરોસો રાખવાની ખૂબ જ કુદરતી વૃત્તિ આપણને શોષણપાત્ર પણ એટલી જ  બનાવે છે. ખૂબ સહેલાઈથી, બહુ વધારે અને ખૂબ લાંબા સમય સુધી કોઈ પર વિશ્વાસ કરવાની આપણી વૃત્તિને વધારતી બે જ્ઞાનાત્મક ભ્રમણાઓને સંશોધકોએ ઓળખી કાઢી છે.

    પહેલી છે વ્યક્તિગત અભેદ્યતાની ભ્રમણા છે, જે આપણે જીવનની કેટલીક કમનસીબીનો અનુભવ કરીએ તેવી શક્યતા નથી એમ વિચારતાં રહીએ છીએ તેમ દર્શાવે છે. તેમ છતાં આપણે સહેતુકપણે સમજીએ પણ છીએ કે આવા જોખમ અસ્તિત્વમાં તો હોય જ છે. આ ભ્રમણા માટેનું એક કારણ, એવી દલીલ, કરવામાં આવે છે, કે બહુ સરળતાથ આપણે અમુક  પ્રકારનાં વળતર આપનાર ગણતરીઓમાં વ્યસ્ત રહીએ છીએ. જેને પરિણામે આપણે એવું માની બેસવાની વૃત્તિ ધરાવીએ છિએ કે આવાં જોખમોને ઘટાડવા માટે આપણે જે જે પગલાં લીધાં છે તે તમામ પગલાં યાદદાસ્તમાંથી યાદ કરી લઈએ છીએ (ઉદાહરણ તરીકે કોઈ ચોક્કસ શેર ખરીદવાની ટીપ પર ભરોસો આખવો.) અન્ય લોકોની પાત્રતા અથવા વિશ્વસનીયતા ચકાસવા માટે ત્રીજા પક્ષની નિર્ણય શક્તિ અને અભિપ્રાયો સ્વતંત્ર રીતે લેવાયેલ છે એવી આપણી જાતને ખાતરી આપીએ છીએ. આપણા અભિપ્રાયો અને મંતવ્યો આડે પાટે ચડવામાં આપણે જે જોવું હોય છે એ અને તેટલું જ જોવાની આપણી વૃત્તિ પણ ખાસ્સી કારણભૂત બની રહેતી હોય છે. અને આટલું ઓછું હોય એમ માની લેવાની વૃત્તિ પણ ધરાવીએ છીએ કે આપણા, કોના પર વિશ્વાસ કરવો તેના સહિતના, નિર્ણયો બીજાં સરેરાશ લોકો કરતાં વધુ સારા હોય છે).

    બીજી, અને પહેલી ભ્રમણા સાથે ઘનિષ્ઠપણે સંકળાયાએલ, છે અવાસ્તવિક આશાવાદ. કેટલાયે અભ્યાસો પરથી એમ તારણ નીકળી શકે છે કે બધું સારં સારૂ જ થશે એમ માની આપણે બહુ જલદી માની લઈએ છીએ.  તે પણ પાછું એટલી હદે કે સાચી પરિસ્થિતિનો બહુ જ વાસ્તવિક ચિતાર સમજાવ્યા પછી પણ જે કંઈ થશે તે સારૂં  તો થશે જ એમ જ માનવાનું તો ચાલુ જ રહે છે.

    ભરોસો રાખવાની સહજ વૃત્તિને સામે પક્ષે, સામાન્ય રીતે, જે લોકો તેમના સંબંધોમાં દીર્ઘકાલીન રીતે અસુરક્ષિત હોય છે તેઓ સંબંધોની તોડફોડ કરે તેવી શક્યતાઓ વધુ હોય છે.

    કોઈ પણ સંજોગોમાં, ભરોસા અંગેના દરેક નિર્ણય પર શંકાનો પડછાયો રહે છે. જોકે તેની સામે અ પણ એટલું સાચું છે કે સંબંધોમાં શંકાઓ ઘટાડવા માટે ઘણું બધું કરી શકાય છે – ખાસ કરીને, આપણી માનસિકતા અને આપણી વર્તણૂકો અને ટેવોને સમાયોજિત કરીને. ભરોસાને ઘણે અંશે મજબૂત કરવા માટે કેટલાક પ્રારંભિક નિયમો ધ્યાનમાં રાખીએ –

    નિયમ ૧ | તમારી જાતને જાણો.

    નિયમ ૨ | નાની નાની શરૂઆત કરો.

    નિયમ ૩ | છટકબારીના માર્ગની તૈયારીઓ રાખો.

    નિયમ ૪ | દૃઢ મનોબળ સાથેના સંકેતો મોકલો.

    નિયમ ૫ | અન્ય વ્યક્તિની મૂંઝવણને ઓળખો.

    નિયમ ૬ | લોકોની સાથે સાથે તેમની ભૂમીકાઓને  જુઓ.

    નિયમ ૭ | જાગ્રત રહો અને હંમેશા પ્રશ્ન કરતાં રહો. [1]

    ભરોસો રાખવો કે નહીં એ વિશેની ચર્ચા ક્યારેય પુરી તો નહીં થાય

    વધારાનું વાંચન:

    [1] Rethinking TrustRoderick M. Kramer

  • જવાબદારી વાદળની વરસાદ સુધીની

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    હિમાચલ પ્રદેશ પછી હવે સિક્કિમનો વારો આવ્યો છે. આ મહિનામાં (ઑક્ટોબર, ૨૦૨૩) અહીંની તીસ્તા નદી બેકાબૂ બની. ચૌદેક લોકોએ પોતાના જાન ગુમાવ્યા, અને સૈન્યના ૨૩ સહિત સોએક લોકો લાપતા છે. તીસ્તાનાં પૂરનાં પાણી એવાં અચાનક ધસી આવ્યાં કે સાવધ થવા જેટલો સમય રહ્યો નહીં. આવું કેમ બન્યું? રાજ્યના વાયવ્ય ખૂણે આવેલા દક્ષિણ લ્હોનક સરોવરમાં વાદળ ફાટ્યું, જેને કારણે પુષ્કળ પાણી વરસ્યું. લ્હોનક હિમનદીનો નીચાણવાળો વિસ્તાર છલકાયો અને તેણે એક કાંઠો તોડ્યો. તેને કારણે તીસ્તા નદીમાં પાણીની સપાટી બેકાબૂ બની અને કેટલાય વિસ્તારમાં પાણી ફરી વળ્યું. સિક્કિમમાં જળવિદ્યુત પેદા કરવા માટે બાંધેલો ચુંગથંગ બંધ પાણીના જોરને કારણે તૂટી ગયો, જેથી નીચાણવાળાં નગર અને ગામમાં તબાહી થઈ. સમગ્ર રાજ્યમાં તેર પુલ તણાયા. તબાહી એટલી વિશાળ પાયે છે કે હજી તેનો સાચો અંદાજ મળી શક્યો નથી.

    તીસ્તા નદી બેકાબૂ : તસવીર – નેટ પરથી

    બે વર્ષ અગાઉ હાથ ધરાયેલા એક અભ્યાસમાં આ બાબતે ચેતવણી આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ દાયકાથી ઓછા સમયગાળામાં આ સરોવર ત્રણ ગણાથી વધુ વિસ્તારમાં વૃદ્ધિ પામતું રહ્યું છે, જેમાં ૬૫૦ લાખ ઘનફીટ પાણીનો જથ્થો સમાયેલો છે. અભ્યાસ અનુસાર આ સરોવર ગમે ત્યારે ફાટી શકે છે અને એમ થાય તો સરોવરના નીચાણવાળા ક્ષેત્રો અસરગ્રસ્ત થશે. સરોવરના વિસ્તારમાં થયેલો વધારો હિમનદીના પીગળવાથી છે.

    દેખીતી રીતે જ વાદળ ફાટવું આ દુર્ઘટના માટે જવાબદાર લાગે, અને એમ જણાય કે એ ઘટના કુદરતી હોવાથી તેની પર આપણો કોઈ કાબૂ નથી. આ સાચું છે, પણ અડધું. આ દુર્ઘટના માટે જવાબદાર છે વિકાસની આંધળી દોટ. ઘણા કર્મશીલો આ દુર્ઘટનાને કેવળ કુદરતી આપત્તિ ગણવા તૈયાર નથી. તીસ્તા નદી પર જળવિદ્યુત યોજના માટે બંધ બંધાતો હતો ત્યારે કર્મશીલો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

    સમગ્ર હિમાલય પર્વતની જૈવપ્રણાલિ અતિશય નાજુક છે. આટલી ઊંચાઈએ જળવિદ્યુત માટે આવા વિશાળ બંધ બાંધવા એ તબાહીને ખુલ્લું નોંતરું છે. તીસ્તા નદી અને તેની શાખાઓ પર બધું મળીને બાર જળવિદ્યુત પ્રકલ્પો બંધાયેલા છે. સિક્કિમ રાજ્ય આપણા દેશના સૌથી વધુ વરસાદી પ્રદેશો પૈકીનું એક છે. તેમ જ તે સિસ્મિક ઝોન ચાર અને પાંચની શ્રેણીમાં આવે છે, એટલે કે અહીં ભૂકંપની સંભાવના સૌથી વધુ છે. આમ, સમગ્રપણે જોઈએ તો સિક્કિમનું ભૂપૃષ્ઠ અતિ નાજુક કહી શકાય એવું છે.

    ‘અફેક્ટેડ સીટીઝન્‍સ ઑફ તીસ્તા’ (એક્ટ) નામના, સિક્કિમના રક્ષણાર્થે રચાયેલા સંગઠનના જનરલ સેક્રેટરી ગ્યાત્સો લેપ્ચાના જણાવ્યા અનુસાર, ‘જળવિદ્યુત યોજના ન હોત તો આ દુર્ઘટના બની ન હોત.’ હજી તીસ્તા પર અનુક્રમે ૫૧૦ મેગાવૉટ અને 520 મેગાવૉટનાં બે પાવર સ્ટેશન નં. ૪ અને ૫ દરખાસ્તના તબક્કે છે. આ સંગઠને બન્ને પાવર સ્ટેશનના બાંધકામ પર પાબંદી મૂકવાની માગ કરી છે, કેમ કે, એમ થાય તો તબાહીની ખાતરી છે.

    હિમાલય પથરાયેલો છે એ તમામ રાજ્યોમાં આ સમસ્યા તીવ્ર બની છે, અને હજી આગામી વરસોમાં તીવ્રતર બની રહેશે.

    આની સરખામણીએ સપ્ટેમ્બર, ૨૦૨૩માં નર્મદાના પૂરનું ઉદાહરણ મૂકવા જેવું છે. સરદાર બંધના ઉપરવાસમાં વરસાદને કારણે સરોવરમાં પાણીની આવક બરાબર થઈ રહી હતી. આમ છતાં બબ્બે દિવસ સુધી ડેમના દરવાજા ખોલવામાં ન આવ્યા. કેમ? કેમ કે, માનનીય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો ૧૭સપ્ટેમ્બરે જન્મદિવસ હતો. અને એ દિવસે ડેમના દરવાજા ખોલીને ‘જળનાં વધામણાં’નું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્ધારીત દિવસે જળનાં વધામણાં કરવામાં આવ્યાં અને અઢારેક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. એનું પરિણામ શું આવે? જોતજોતાંમાં નર્મદાનાં પાણી ભરૂચ-અંકલેશ્વર સહિત અનેક વિસ્તારોમાં ફરી વળ્યાં. તેની ઝડપ એટલી બધી હતી કે કોઈને કશું બચાવવાનો સમય ન મળ્યો. આ દુર્ઘટના ભૂલનું નહીં, હળાહળ બેદરકારીને પરિણામે હતી. આ બંધનાં મુખ્ય હેતુ પૈકીનો એક પૂર નિયંત્રણનો છે, પણ એ જ બંધ પૂરનું, વ્યાપક તારાજીનું કારણ બન્યો.

    વિકાસનાં કામ અને તેને કારણે લેવાતો પર્યાવરણને થતું નુકસાન અલગ ચર્ચાનો વિષય છે, પણ આ રીતે ચાપલૂસી કરવા માટે કુદરત સાથે ચેડાં કરવાં એ ગુનાહિત બેદરકારી છે. આમ તો, બંધ સાથે વિવિધ એજન્સીઓ સંકળાયેલી હોય છે, અને એ દરેકની જવાબદારી નિર્ધારીત કરવામાં આવેલી છે. આમ છતાં, આવા કામ માટે આ તમામ એજન્સીઓ એકબીજા સાથે ‘મળી’ જાય એ દર્શાવે છે કે કોઈકને વહાલા થવાની વાત આવે ત્યારે નિશ્ચિત અને નિર્ધારીત કરાયેલી પ્રણાલિ, પ્રક્રિયા કે પદ્ધતિનું કશું મૂલ્ય નથી.

    નર્મદાના પૂરના મામલે વડાપ્રધાનને કદાચ પૂરેપૂરા દોષિત ગણાવી શકાય એમ નથી, પણ રાજ્યમાં કેવી કાર્યસંસ્કૃતિ વકરી છે એનો અંદાજ વધુ એક વાર આ ઉદાહરણથી આવી શકે છે. આ પીડિતો સમક્ષ વળતરનો ટુકડો ફેંકવાથી તેમને જે નુકસાન થયું છે એ ભરપાઈ થઈ શકવાનું નથી. પણ લોકશાહી શાસનપદ્ધતિમાં સમગ્ર પ્રણાલિ વ્યક્તિકેન્‍દ્રી બની રહી છે એનો ઈન્‍કાર થઈ શકે એમ નથી.

    કમનસીબે લોકશાહીમાં કોઈ નાગરિક હોતું નથી. સહુ કોઈ મતદાર હોય છે. રાજકારણીઓ તો આ બાબત સારી પેઠે જાણતા જ હોય, મતદારો પણ એ રીતે જ વર્તે છે. મતદારોની ટૂંકા ગાળાની સ્મૃતિનો પૂરેપૂરો ગેરલાભ રાજકારણીઓ ઉઠાવતા આવ્યા છે અને હજી એ ચાલુ રહેશે.

    આફત ચાહે કુદરતી હોય કે કુદરતીના સ્વાંગમાં માનવસર્જિત, તેમાં આખરી નુકસાન નાગરિકનું જ છે એ બાબત ગાંઠે બાંધી રાખવા જેવી છે.


    (શિર્ષકપંક્તિ: એન.ગોપી, અનુવાદ: રમણિક સોમેશ્વર)


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬ – ૧૦ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સંતૃપ્તિ

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    આપણી નજર સામે પાણી ભરેલો એક પડ્યો છે જો કે એ ગ્લાસમાં છલોછલ પાણીના બદલે અડધે સુધી પહોંચે એટલું પાણી છે. હવે આ વાતને બે રીતે જોઇ શકાશે. કોઇની નજરે એ ગ્લાસ અડધો ભરેલો હશે તો એ જ ગ્લાસ અન્યને અડધો ખાલી દેખાશે.

    આ વાતને રજનીશજી સુખ દુઃખ માપવાના દ્રષ્ટિકોણ સાથે સરખાવે છે. એક સરખી પરિસ્થિતિને જોવાની બે અલગ વ્યક્તિઓની દ્રષ્ટિ પણ સિક્કાની બે બાજુની જેમ અલગ જ હોવાની આના માટે એક સરસ ઉદાહરણ આપતા કહે છે….

    એક ગામના પાદરે એક સાધુ આવીને રહે છે. સાધુ છે એટલે સત્સંગ તો કરવાના જ. ગામના લોકો નવરાશે એમની પાસે આવીને બેસે. એવી રીતે એ ગામના બે ખેડૂતો સાધુ પાસે આવ્યા. સાધુએ એમની સાથે વાત માંડી. હવે વાત જાણે એમ હતી કે બંને પાસે ફળદ્રુપ જમીન હતી. ખુબ સરસ મઝાનો પાક પણ ઉતરે અને બંને મહેનત ખુબ કરે એ પ્રમાણે કમાણી પણ થાય.  સાધુ એમના રાજીખુશીના સમાચાર પૂછ્યા.

    એક ખેડૂતે જવાબ આપ્યો… “ બાપજી. શું વાત કરું ? સવારથી સાંજ મારા નસીબમાં બસ બળદ, હળ અને ખેતરાં જ લખેલા છે. આખો દિ વૈતરું કરવામાં જાય છે. આખો દિ કામ કરીને આ તન એવું તો થાકી જાય છે કે રાત પડે લોથ થઈને ઊંઘી જઉં છું

    સાધુએ એ જ સવાલ બીજા ખેડૂતને પૂછ્યો.

    તો એકદમ લહેરથી એણે જવાબ આપ્યો……” બાપજી એયને લીલાલહેર છે. મારા ખેતરો જ મારા અન્નદાતા છે. ખેતર ખેડું છું અને બિયારણ નાખું છું . જ્યારે આ બિયારણમાંથી પાક ઉગે છે ત્યારે મારી મહેનત ફળ્યાનો આનંદ થાય છે. મારી સાથે સાથે બીજા કેટલાય લોકોની આંતરડી ઠરશે એ વિચારે હરખાઉં છું. મારા ખેતરાંની જેમ જ મારા બળદ, હળ પણ મારા છોકરાઓ જેટલા જ વહાલા છે . પ્રભુકૃપાથી મારા ખેતરની જમીન પણ ફળદ્રુપ છે પણ એ પ્રભુકૃપાને મારી મહેનતથી વધુ રસકસવાળી બનાવવા એનેય નિયમિત ખાતર પાણી આપું છું. મને મારા કામથી અને ફળથી પુરેપુરો સંતોષ છે. રાત પડે ઈશ્વરની આ કૃપા માટે હું આભાર માનીને ચેનથી પોઢી જાઉં છું.

    હવે અલગ દ્રષ્ટિકોણથી વિચારવાની માનસિકતાના લીધે એક  સરખી પરિસ્થિતિ પણ કેટલી બદલાઇ જાય છે !

    સીધી વાત- મનથી જે અધૂરા છે એને પાણીનો ગ્લાસ અડધો ભરેલો દેખાશે અને મનથી સંતૃપ્ત છે એને પાણીનો ગ્લાસ અડધો ભરેલો દેખાશે. સીધી નજરે દેખાતી સ્થિતિ તો સરખી જ છે ફરક છે આપણી સોચનો, આપણા મનને કેળવવાનો. જે મળ્યું છે એને માણવાની વાતનો….રાજી રહેવું કે નહીં એ આપણા દિલ-દિમાગથી વિચારી લેવાનું છે.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • પગદંડીનો પંથી – ભાગ ૨ – ૫: દાઝવા કે બળવાના અકસ્માતો: પ્રાથમિક સારવાર

    તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

    ડૉ. પુરુષોત્તમ મેવાડા,
    એમ. એસ.

    ઘરમાં સાધારણ દાઝવા કે બળવાના અકસ્માતો બનતા હોય છે.

    દાઝવાના અકસ્માતો નીચે આપેલાં કારણોથી થાય છે, અને તેના પ્રકાર પ્રમાણે સારવાર થોડી જુદી પડે છે અને નુકસાન પણ જુદા પ્રકારનું થાય છે, તેથી સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.

    (૧) સ્કાલ્ડ બર્ન્સ (Scalds) – રસોડામાં દૂધ, ચા, તેલ, દાળ, નહાવાનું ગરમ પાણી, વગેરે ગરમ પ્રવાહીથી થાય છે.

    (૨) ફ્લેમ (Flame) બર્ન્સ – દીવા વગેરેની જ્યોતથી, સળગતી વસ્તુઓથી થાય છે. ગેસ કે કેરોસીનથી, ચૂલો/સગડી સળગાવતાં થાય છે.

    (૩) ઇલેક્ટ્રિક (Electrical) બર્ન્સ – વિદ્યુતનો કરંટ લાગે ત્યારે ખૂબ જ જટિલ પ્રકારના દાઝવાના પ્રકારો થાય. તણખો થાય અને આગ લાગે ત્યારે ફ્લેમ બર્ન્સ થાય.

    કરંટ શરીરમાં થઈને વહે તો પ્રવેશ (Entry) અને બહાર (Exit) નીકળતા ભાગ પર ખાસ બળવાની નિશાની દેખાય છે. પણ યાદ રાખવું કે કરંટ આ દરમ્યાન વચ્ચેના શરીરના આંતરિક અવયવોને ઘણું નુકસાન કરી શકે છે, અને એ જ તાત્કાલિક મૃત્યુનું કારણ બની શકે છે. આ વખતે હાજર બચાવ કરનારે પહેલાં મેઇન સ્વિચ બંધ કરવી, પછી જ વ્યક્તિને અડકવું. જો તેમ ના થઈ શકે તો સૂકા લાકડા/પ્લાસ્ટિકની ખુરશી જેવા વિદ્યુત-અવાહકથી વ્યક્તિ કે વાયરને ધક્કો મારી છૂટો કરવો. નહીં તો બચાવનારને પણ જાનનું જોખમ ઊભું થાય છે.

    વિદ્યુત કરંટથી આગ લાગે ત્યારે પાણીનો ઉપયોગ કદીયે ના કરાય, કારણ કે પાણી વિદ્યુત-વાહક હોવાથી પાણી નાખનારને ઝડપી લે છે, અને કરંટ લાગે છે.

    મોટા બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે અથવા આતંકીય/લડાઈને લીધે બોંબ વિસ્ફોટથી થનારી દાઝવાની પ્રક્રિયા સાથે બીજું ઘણું શારીરિક નુકસાન થાય છે, તેની માહિતી અત્રે અસ્થાને છે.

    (૪) રાસાયણિક (Chemicals) બર્ન્સ – એસિડ કે આલ્કલીઝથી થાય છે. આવા કેસમાં પણ તાત્કાલિક પાણીથી ધોવું જરૂરી છે.

    સારવારના (Treatment) પ્રાથમિક નિયમોઃ

    દાઝી ન જવાય તેની કાળજી લેવી તે પહેલું પગથિયું. (Prevention)

    જ્યારે અકસ્માતે દાઝી જવાય તો ગભરાયા વગર, મદદ માટે બૂમ પાડવી. ગરમ પાણી કે પ્રવાહીથી દાઝ્યા હોય તો તરત જ ભાગને ઠંડા પાણીના નળ નીચે રાખી મૂકવો, કે બરફનું પાણી ભરેલી ડોલમાં ડુબાડી રાખવો. ઘી, મલમ કે કોઈ પણ રંગવાળી દવા લગાડવી નહીં, જેથી ડૉક્ટરને તપાસવાની સુગમતા રહે.

    ભાનમાં હોય તો જ ખૂબ પાણી/પીણાં પી શકાય, કારણ કે બળવાથી શરીરમાં ખૂબ જ પ્રવાહીનો નાશ થાય છે.

    શરીરનો કેટલો ભાગ દાઝ્યો છે, તે પ્રમાણે બળવાના ટકા નક્કી થાય છે, જો આખું શરીર દાઝ્યું હોય તો ૧૦૦% દાઝેલા છે એમ કહેવાય. અને કેટલા ઊંડાણ સુધી દાઝ્યા છે, તે ડિગ્રી તરીકે મપાય છે. સાધારણ લાલાશ અને ફોલ્લા ના થયા હોય તો ફર્સ્ટ ડિગ્રી, ફોલ્લા હોય તો સેકંડ ડિગ્રી. આ બંને પ્રકાર ૧ થી ૩ અઠવાડિયાંમાં મટી જાય અને ખાસ નિશાની પણ રહેતી નથી. જો કે તેની દવા કરાવવી જરૂરી છે.

    થર્ડ ડિગ્રી (Full Thickness) બર્ન્સમાં ચામડી તેમજ તેની નીચેની માંસપેશીઓ/અવયવો ઉપરાંત ઘણીવાર હાડકાં સુધી નુકસાન થયું હોય છે. ખૂબ જ ગંભીર પ્રકારના આવા બળવાના કેસમાં સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની સારવારની જરૂર પડે છે અને દર્દીને દવાખાનામાં દાખલ થવું જરૂરી છે. આ મટતાં ઘણીવાર મહિનાઓ થાય છે, બેડોળપણું, પગ, હાથ, ગળું જેવાં અવયવોના હલનચલનમાં નુકસાની આવે છે. વારંવાર પ્લાસ્ટિક સર્જરી કરવી પડે. ઘણીવાર જંતુઓ લાગવાથી (Infection, Septicaemia), ૩ થી ૪ અઠવાડિયાંમાં રસી થઈને તેનું ઝેર પ્રસરી જતાં મૃત્યુ થાય છે.

    ડ્રેસિંગ કરવું કે નહીં, ભાગ ખુલ્લો રાખવો કે કેમ, એ ડૉક્ટરને નક્કી કરવા દેવું, પાટાથી કે અન્ય રીતે ઘાનું ધૂળ, જંતુઓ અને માખીઓથી રક્ષણ કરવું જોઈએ.

    વિદ્યુત કરંટથી, અથવા શરીરના અગત્યના અવયવો જેવા કે ચહેરો, આંખ, હાથ-આંગળીઓ, જનનેન્દ્રિયો પર દાઝ્યા હોય, તો ડૉક્ટરની સલાહ અનુસાર ઇસ્પિતાલમાં દાખલ થવું જરૂરી છે. ઘણાં રસાયણોથી શરીરમાં ઝેર પ્રસરી શકે છે. કોઈ પણ રસાયણ શરીર ઉપર પડે તો વારંવાર પાણીથી તાત્કાલિક ધોવું. આંખમાં પડે તો પાણીની છાલક મારી આંખ ચોળ્યા વગર ધોવી જોઈએ.

    ખાસ નોંધઃ

    આ માહિતી, અકસ્માતે તાત્કાલિક ઘરગથ્થુ સારવાર શી કરી શકાય તેની જાણકારી માટે જ છે. આ બધા જ દર્દીઓએ ડૉક્ટરને અવશ્ય બતાવવું અને તેમની સલાહ પ્રમાણે કરવું. ડિગ્રીધારી (Qualified) ડૉક્ટરને બતાવી એમના અભિપ્રાય પ્રમાણેની સારવાર લેવી જરૂરી છે.


    ક્રમશ: 


    ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સુખ નામે કસ્તુરી

    પારુલ ખખ્ખર

    દિવાળી એટલે મહાલક્ષ્મીની ઉપાસનાનો તહેવાર.આમ તો ૩૬૫ દિવસ લક્ષ્મીની ઉપાસના કરતા હોઇએ અલગ વાત છે. દિવાળીને દિવસે આપણેશ્રી સૂક્તમ્સ્તોત્ર બોલીને કેટલું બધું માંગીએ છીએ! પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય, પશુ, આરોગ્ય, આયુષ્ય,પદ, પ્રતિષ્ઠા, વિદ્યા વગેરે વગેરે. અને માંગવા પાછળનો હેતું શું? સુખી થવાનો ને? તો ચાલો આજે સમજીએ સુખ શું છે?

    થોડા સમય પહેલા લંચબોક્સનામની એક સંવેદનશીલ ફિલ્મ આવી હતી, ફિલ્મની નાયિકા સીધી, સાદી, સરળ, મધ્યમવર્ગીય ગૃહિણી હતી. એક દિવસ દીકરીને હોમવર્ક કરાવતી વખતે એની બૂકમાંથી જાણ્યું કે પૃથ્વી પર ભૂતાન એક એવો દેશ છે કે જ્યાં વિકાસનો માપદંડહેપીનેસછે ! એને થયું વાહ તો સરસ કહેવાય ! આમ તો પોતાની નાનકડી દુનિયામાં સુખી હતી પરંતુ સંજોગોવશાત એનો પતિ કોઇ બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધી બેઠો,અને બાજુ મુંબઇની ડબ્બાસર્વીસની એક હસીન ભૂલને કારણે નાયિકા પણ એક અનદેખા, અન્જાના આધેડ પુરુષના પ્રેમમાં પડી ગઇ.અંતે સમયની ચોપાટ પર કિસ્મતનાં એવા દાવ મંડાયા કે નાયિકા ના તો પતિ સાથે રહી શકી કે ના તો પ્રેમી સાથે જઇ શકી! અને ત્યારે તેણે પોતાના ઘરેણા વેચીને દીકરીને સાથે લઇને સુખ નામનાં પદાર્થની શોધમાં ભૂતાન જવાનો નિર્ણય કરી લીધો. ફિલ્મ અહીંયા પૂરી થાય છે.

    પરંતુ મગજમાં વિચારોના વમળ શરું થાય ..કે શું આવો કોઇ પ્રદેશ હોઇ શકે ખરો? સુખનાં ભૌગોલિક સરનામા હોય ખરાં! અને જો હોય તો તો એને સ્વર્ગ કહેવાય ને? અને પછી તોગૂગલ સર્ચકર્યુ , તો રીઝલ્ટ મળ્યું કે ભૂતાનમાં સગવડો અને સુવિધાનાં ૩૨ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, એનાં પરથી માથાદીઠ આવકની જેમ માથાદીઠહેપીનેસનક્કી થાય છે. પણ તમે કહો મિત્રો.ભૌતિક સુવિધા અને સગવડો ને સુખ કહેવાય ? અને જો કહેવાતું હોયતો..તો.. આલિશાન બંગ્લોઝ , લેટેસ્ટ ઇન્ટીરીયર ,ડીઝાઇનર વોર્ડરોબ, છલોછલ ભરેલી તિજોરી, લક્ઝરી કાર, પ્લેટીનમનાં દાગીના, મોંઘ ગેજેટ્સ સુખની ગેરંટી આપતા સાધનો ગણાયને ! તો પછી બધું ધરાવતા લોકો શા માટે ડીપ્રેશનથી પીડાય છે? શા માટે ભૂખનીઊંઘની ગોળી લે છે? શા માટે વ્યસનને રવાડે ચડી જાય છે? શા માટે બાપૂઓ , ભૂવાઓ, પંડિતોના પગથિયાઘસી નાંખે છે? શા માટે આત્મહત્યા કરે છે? છે કોઇ જવાબ ? મારા મતે ભૌતિક સગવડો સુખ નથી. તો પછી સુખ કઇ ચિડિયાનું નામ છે કોઇ કહેશો?

    સુખ એટલે શું ?’ એવો એક સાદ પાડ્યો અને જવાબ રુપે અનેક પડઘા આવ્યા.જુઓ.. રહ્યા..

    *સુખ એટલે તમારી પાસે રહેલા ફુલોમાંથી ગજરો બનાવવાની કળા.
    *
    સુખ એટલે જે ગમતું હોય મળી જાય અને જે મળ્યું હોય ગમી જાય એવી ઘટના.
    *
    સુખ એટલે મૃત્યુનું સનાતનપણુ ભૂલાવી દેતી ક્ષણ.
    *
    સુખ એટલે વસ્તુ કે જે માનવને જીવતેજીવ નથી મળતી છતા તેની પાછળ દોડ્યા કરવાની ટેવ.
    *
    સુખ એટલે દાંતમાં ભરાયેલ વરીયાળીનું ફોતરું ૧૫૨૦ મીનીટની જહેમત પછી કાઢી શકવાની ક્ષણ.
    *
    સુખને સમજવાની જીજ્ઞાસા થવી સુખ.
    *
    સુખ નામની કોઇ ચીજ જગતમાં નથી અને એની તમને ખબર નથી સુખ.
    *
    સુખ એટલે ખાવું, પીવું, નાચવું અને પ્રત્યેક પળને ઉજવી લેવી.
    *
    સુખ એટલે મનગમતો એક સંબંધ.
    *’
    સુએટલે સારું અનેએટલે આકાશ.અર્થાતજે મળ્યો છે , જેટલો મળ્યો છે આકાશનો ટુકડો સારો લાગવો એટલે સુખ !

    કેટલી બધી વ્યાખ્યાઓ થઇ ગઇ નહી?

    એક નાનકડો મિત્ર કહે, ‘આન્ટીસુખ એટલે મમ્મીએ બનાવેલ દુધીનો હલવો, સુખ એટલે સમયસર મળી જતી ટ્રેઇન, સુખ એટલે મિત્રો સાથેની હસીમજાકો, સુખ એટલે સુંદર છોકરીએ આપેલું સ્મિત, સુખ એટલે પહેલો પગાર. ઇનશોર્ટસુખ એટલે જમી પરવારી, નિરાંતે બેસી સુખ અને દુઃખ વચ્ચે ભેદ કરવાની, બૌદ્ધિક ચર્ચાઓ કરવાની અને શાંતિથી સુઇ શકવાની જાહોજલાલી.’
    અરે વાહકેટલી મોટી વાત કહી નાંખી?

    અને આમ જુઓ તો આવી કેટલી બધી સુખની ક્ષણો મળતી હોય છે બધાને. જેમ કે ઉનાળાને બળતી બપોરે મળતું ઠંડું પાણી, ખોવાયેલા મોંઘા મોબાઇલનું પરત મળી આવવું, શિયાળાની બોઝિલ ઉદાસ રાતે વિખુટા પડેલા મિત્રનો ફોન આવવો સુખ કહેવાય ને? અને એવી રીતેભુખ લાગે ત્યારે ભોજન મળે, વરસાદ આવે ત્યારે છાપરું મળે,ઠંડી લાગે ત્યારે તાપણું મળે, ચપ્પલ તુટે ત્યારે મોચી મળે, ઊંઘ આવે ત્યારે પથારી મળે પણ સુખ ને!

     

    ચાલોહવે જરા અલગ અર્થમાં વિચારીએ કે સુખ એટલે આનંદની એક એવી સરવાણી કે જે ક્યારેક કોઇ બાહ્ય ધક્કાથી તો ક્યારેક અકારણ ફૂટી નિકળતી હોય છે. સ્પંદન એટલું બધું ચંચળ હોય છે કે મહેસૂસ કરો કરો ત્યાં છટકી જાય !સુખ આમ તો શરીર દ્વારા મનને થતી સંવેદના છે જે પાંચ જ્ઞાનેન્દ્રિયો ( આંખ, કાન, નાક, જીભ, ત્વચા)ને મળતો વિષયોનો ખોરાક છે.ક્યારેક નાનકડી વાતમાંથી મળી જાય તો ક્યારેક અનેક મથામણો પછી પણ છટકી જાય.પણ મારે તો એથી પણ આગળ કહેવું છે કે માત્ર જ્ઞાનેન્દ્રિયોના વિષયો સાથેનાં સંપર્કને સુખ કહી શકાય નહી. સાચું સુખ તો ભીતરનું સુખ કે જે કાળને પણ હંફાવી દે તેવું પાવરફુલ અને પોલાદી હોય છે. ક્યારેક સાવ કોરા કાગળ પર કમળનું ચિત્ર દોરતા હોઇએ અને મનમાં સુગંધની એકાદ લ્હેરખી વહેવા લાગે ત્યારે સમજવું કે આપણે સુખની લગોલગ છીએ.અંદરનું સુખ સાચું સુખ બાકી તો સુખ એવું પંખી કે જે સંતોષની પાંખો લઇને ઉડે , ઘડીભર મનનાં આંગણામાં મજાથી ટહુકે અને પછી એની મસ્તીમં ખલેલ પડતા ઉડી જાય દૂર..દૂર..

    મને રમેશ પરેખની એક સુખ વિશેની કવિતા યાદ આવી ગઇ જુઓતેનો અંશ

    મૂળે ખુશાલિયાને ગોતવું હતું સુખ !
    અડબાઉંને એમ કે ચોપડીયુંમાં લખ્યું હોય સાચું હોય.
    સુખનાં ઝાડવા ફિલમમાં ઉગે, સુખનાં ફુવારા કવિતાયુંમાં ઉડે
    એને તો એમ
    કે સોમવાર અને રવિવારની જેમ સુખ હોય !
    ટપુભાઇ અને તરવેણીબેનની જેમ સુખ આપણી ઘરે આવે!
    અક્કલનાં ઇસ્કોતરાને કહેવુંય શું ?
    પણ,,આપણે તો જાણીયે ચંદુભાઇ…..
    કે સસલાને શિંગડા હોય , તો માણસને સુખ હોય. ”


    કેવી અદભૂત વાત કરી કવિશ્રીએ!

    મિત્રો, સુખ કંઇ આંગળી ચીંધીને બતાવી શકાય તેવી વસ્તુ નથી, જો નાની નાની બાબતોમાંથી શોધી શકો તો હાથવેંતમાં છે નહી તો કસ્તુરીમૃગ જેમ પોતાની નાભિમાં રહેલી સુગંધને પારખી નથી શકતું અને સુગંધની શોધમાં ઉમ્રભર દોડ્યા કરે છતાં મળે એમ માણસ પણ દોડ્યા કરે ! ટૂંકમાં સુખ એક એવું તાળું કે જેની હજારો ચાવીઓ છે, દરેક પોતાની સમજણ મુજબ ચાવી અજમાવીને સુખનો ખજાનો પામી શકે છે.


    સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • હા, કેન્સર એટલે કેન્સલ નહીં પણ મહિલાઓ માટે તે સાચું નથી

    નિસબત

    ચંદુ મહેરિયા

    મુખપોથી મિત્ર ડો.ઈરફાન સાથિયાએ થોડા સમય પહેલાં તેમની એક પોસ્ટમાં લખ્યું હતું કે, “  દુનિયા આખીમાં કેન્સર સામાન્ય બીમારી બની રહ્યું છે, ત્યારે મુસ્લિમ કમ્યુનિટીમાં તે દિવસે ને દિવસે જીવલેણ બનતું જઈ રહ્યું છે. મુસ્લિમોમાં કેન્સરથી થતા મોતનો આંક ચોંકાવે તે રીતે વધી રહ્યો છે ”  આ વાંચીને કોઈ રોગને પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ,રંગ, દેશ, પ્રદેશ સાથે સંબંધ હોઈ શકે એ વાતનું આશ્ચર્ય થયું હતું. જોકે ડોકટરરસાહેબે તેમના નિરીક્ષણના સમર્થનમાં કમ્યુનિટી મેડિસિનના અભ્યાસનો હવાલો આપ્યો હતો.

    અમેરિકામાં ગોરી મહિલાઓ કરતાં કાળી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરમાં સૌથી ઘાતક ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર(ટીએનબીસી) નું પ્રમાણ વધારે હોય છે અને શ્વેત કરતાં શ્યામવર્ણની આફ્રો-અમેરિકન મહિલાઓમાં આ કેન્સરને કારણે ત્રીસેક ટકા વધુ મોત થતા હોવાનો અભ્યાસ પણ વાંચવામાં આવ્યો હતો.

    તાજેતરમાં વિજ્ઞાન સંશોધનસામયિક લાન્સેટમાં પ્રગટ અધ્યયન જણાવે છે કે કેન્સર થવાનો ખતરો પુરુષોમાં વધુ હોય છે પરંતુ કેન્સરને કારણે મહિલાઓ વધુ મરે છે. ભારત માટે તો આ અધ્યયન એવી ચિંતાજનક બાબત નોંધે  છે કે ભારતીય મહિલાઓના  કેન્સરને કારણે થતાં મોતમાં ૩૭ ટકા મોત સમયસર નિદાન અને સારવારના અભાવે થાય છે. ૬૭ ટકા મહિલાઓને જો સમયસર કેન્સરની તપાસ અને ઈલાજ મળ્યાં હોત તો તેમનો રોગ આગળ વધતો અટકાવી શકાયો હોત.

    માનવ શરીરના કોષોમાં અનિયંત્રિત વૃધ્ધિ એટલે કેન્સર. આજે પણ અસમય મોતના ત્રણ કારણો પૈકીનું એક કારણ કેન્સર છે. એટલે કેન્સર એટલે કેન્સલ એમ કહેવાય છે.પરંતુ હવે સાવ એવું નથી. કેન્સરની સારવાર મોંઘી અને લાંબી છે એ ખરું પણ ઈલાજ શક્ય છે.

    તસવીર – નેટ પરથી

    ‘ વિમેન, પાવર એન્ડ  કેન્સર ’ શીર્ષક હેઠળનું લાન્સેટનું અધ્યયન વિશ્વના ૧૮૫ દેશોના ૩૦ થી ૬૯ વર્ષના લોકોના અસમય મોતના કારણો પર આધારિત છે. અભ્યાસમાં જણાવાયા પ્રમાણે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક કારણોથી મહિલાઓમાં કેન્સરથી થતા મોતનું પ્રમાણ પુરુષોના મુકાબલે ઘણું વધારે છે. જો લાન્સેટ રિપોર્ટમાં દર્શાવાયેલા આ કારણો દૂર કરી શકાય તો ભારતમાં  ૬૯ લાખ મહિલાઓના કેન્સરથી થતાં મોત રોકી શકાયાં હોત અને ૪૦.૩ લાખનો ઈલાજ થઈ શક્યો હોત.

    મહિલાઓમાં સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર સવિશેષ જોવા મળે છે. કેન્સરના દર સોએ વીસ કેસ સ્તન કે બ્રેસ્ટ કેન્સરના હોય છે. તેમાંથી અડધોઅડધના મોત થાય છે. ભારતમાં દર ત્રીજી મિનિટે બ્રેસ્ટ કેન્સરનો એક કેસ નોંધાય છે અને દર છઠ્ઠી મિનિટે એક મોત થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં ૨૩ લાખ બ્રેસ્ટ કેન્સરના કેસો બન્યા હતા અને તેમાંથી ૬.૮૫ લાખના મોત થયા હતા. કેટલાક કેન્સર સાઈલન્ટ  હોય છે અને છેલ્લા તબક્કામાં જ તેની જાણ થાય છે. જ્યારે બીજા કેટલાકને મટાડી શકાય છે.

    ના માત્ર ભારતમાં લગભગ આખા વિશ્વમાં સ્ત્રી-પુરુષ ભેદભાવ અને તેમની વચ્ચેની સત્તા કે શક્તિની અસમાનતા જોવા મળે છે. રોગના ઈલાજમાં પણ તે દેખાય છે.આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણો મહિલાઓના કેન્સરના ઈલાજની આડે આવે છે. સમાજના સત્તા સમીકરણો અને કેન્સરની તપાસ, નિદાન અને ઈલાજ સુધી મહિલાઓની પહોંચ વચ્ચે સીધો સંબંધ છે. નિર્ણય પ્રક્રિયા અને આર્થિક સત્તામાં  મહિલાઓની ભાગીદારીનો અભાવ તેમને કેન્સરની સમયસર તપાસથી દૂર રાખે છે. તેને કારણે તે કેન્સરની આશંકા વર્તાય કે તુરત જ તપાસ કરાવી શકતી નથી. ઘરના કામનો બોજ અને સામાજિક જવાબદારી પણ કારણભૂત છે.

    કેન્સર જેવા રોગની ગંભીરતા અને ઘાતકતાની જાણકારીનો અભાવ અને ઘરના પુરુષ સભ્યોનું કે પિતૃસત્તાક સમાજનું મહિલાઓના આરોગ્ય પ્રત્યેનું  ઉદાસીન વલણ પણ મહિલાઓના મોતમાં વધારા માટે જવાબદાર છે. મહિલા પોતાના રોગની સારવારનો નિર્ણય જાતે લઈ શકતી નથી અને ઘરના પુરુષ સભ્યો તેની બીમારીની ઉપેક્ષા કરે છે.નાણાકીય સગવડનો અભાવ કે મહિલા માટે વધુ નાણા નહીં ખર્ચવાનું વલણ પણ મહિલાઓને મોતના મુખમાં ધકેલે છે.

    જેમ સ્ત્રી-પુરુષ તેમ શહેર અને ગ્રામ, અમીર ને ગરીબ, શિક્ષિત અને અશિક્ષિત જેવા ભેદ પણ કેન્સરના ઈલાજમાં જોવા મળે છે. ઘરની દીકરી માટે સરકારી શાળામાં ભણતર તેમ ઘરની મહિલાની સારવાર માટે સરકારી દવાખાનાની પસંદગી કે સારવાર બાબતે જ કુટુંબનું નિમ્ન પ્રાથમિકતાનું વલણ સાવ સહજ મનાય છે.  કેન્સરની બીમારીના ઈલાજ માટે પણ મહિલાઓને સરકારી દવાખાના પર નિર્ભર રહેવું પડે છે. વળી આ સેવાઓની સ્થિતિ બદતર છે તેથી પણ મહિલાની યોગ્ય સારવાર થતી નથી. ગ્રામીણ અને ગરીબ સ્ત્રીઓમાં આરોગ્ય સંભાળની ઓછી જાણકારી હોય છે. મહિલાઓ પુરુષ ડોકટરો પાસે શરીરની તપાસ કરાવતાં સંકોચાય છે કે ગભરાય છે અને મહિલા ડોકટરોની સંખ્યા ખૂબ ઓછી છે તે પણ જવાબદાર પરિબળ છે. ઘરકામ આટોપીને કે તેને પડતું મુકીને મહિલાઓ નજીકના નગરો કે મહાનગરોમાં સારવાર માટે જઈ શકતી નથી તેથી પણ તેમનો ઈલાજ યોગ્ય રીતે થતો નથી.

    મહિલાઓમાં થતા કેન્સર અંગે વધુ સંશોધનોની પણ આવશ્યકતા છે. પુરુષોની તુલનામાં મહિલાઓમાં કેન્સરની આરંભિક અટકાવની શક્યતા ઓછી છે. તે દિશામાં સંશોધન થવું જરૂરી છે. બ્રેસ્ટ કેન્સર થવાના કારણો (જેનેટિક અને રિપ્રોડક્ટિવ ફેકટર)  વિશે વધુ ઉંડાણપૂર્વકના અભ્યાસ-સંશોધનની જરૂરિયાત વર્તાય છે. સરકારી આરોગ્ય યોજનાઓ ગર્ભવતી અને ધાત્રી માતાઓ માટે સવિશેષ છે તેની સાથે મહિલા આરોગ્યના અન્ય પાસાં વિષે પણ યોજનાઓ ઘડાવી જોઈએ. કેન્સર જાગ્રતિના કાર્યક્રમો તથા બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી-સોનોગ્રાફીની તપાસ ગ્રામીણ વિસ્તારોમાં સુલભ બનવી જોઈએ. લિંગ ભેદ જો કેન્સરની સારવારનું મહત્વનું પરિબળ હોય તો જેન્ડર એન્ડ સેક્સ ઈન્કલુઝિવ પોલિસીસ એન્ડ ગાઈડલાઈન્સ સત્વરે  ઘડાવી જોઈએ.

    યુનાઈટેડ કિંગડમનો ૨૦૧૯નો એક અભ્યાસ દર્શાવે છે કે દારુ બ્રેસ્ટ કેન્સરનું મુખ્ય જોખમી કારક છે, તેવી જાણ કેન્સરની તપાસ કરાવનારી ૭૯ ટકા મહિલાઓને નહોતી ! શહેરીકરણ પણ કેન્સરના કેસો વધવાનું અગત્યનું કારણ છે. પરંતુ શું આ કારણ દૂર કરવું શક્ય છે ? મેદસ્વીતા, બેઠાડુ જીવન, મોડા લગ્ન, બાળકોને સ્તનપાન ના કરાવવું, ધૂમ્રપાન, દારુનું વ્યસન જેવા કારણો પણ મહિલાઓના કેન્સરમાં મહત્વના છે તે કઈ રીતે દૂર કરી શકાય તે માટો પ્રશ્ન છે.

    અમેરિકામાં મહિલાઓના ઘણા કેન્સર પહેલા કે બીજા તબક્કામાં જ ઓળખી શકાય છે જ્યારે ભારતમાં એમ થઈ શકતું નથી. સરકારી કાર્યક્રમો હેઠળ માંડ ત્રીસ ટકા મહિલાઓની કેન્સરની તપાસ થઈ શકતી હોય તો તેનું પ્રમાણ વધારવાથી અને મહિલા તબીબોની કમી દૂર કરવાથી કદાચ કેન્સરની સરવારમાં રહેલો લિંગભેદ ઘટાડી શકાશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એસ ધમ્મો સનંતનો – આ ધર્મ સનાતન છે : પ્રવેશક

    પ્રવાસી યુ. ધોળકિયા

    ભગવાન બુદ્ધનાં પ્રવચનોના સંગ્રહ – ધમ્મપદ /ધર્મપદ- ને એસ ધમ્મો સનંતનો  – ધર્મ સનાતન છે એવું શીર્ષક આપવામાં આવ્યું છે.

    જે દિવસે ભગવાન બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું અને પરિનિર્વાણમાં પ્રવેશ કર્યો તે સમયગાળા દરમિયાન તેમણે જે કોઈને, જે કાંઈ, ઉપદેશ રૂપે કહ્યું તેનો સંગ્રહ બૌદ્ધ ધર્મના આગમ ગ્રંથો तिपिटक(त्रिपिटक)માં કરવામાં આવ્યો છે. બુદ્ધે પોતાનો ઉપદેશ મૌખિક રીતે આપ્યો હતો. તેમના પરિનિર્વાણના ચાર માસ પછી એટલે કે શ્રાવણ માસમાં રાજગૃહનગરમાં મહાકશ્યપના સભાપતિત્વ હેઠળ એક સંગતિ મળી, જેમાં ૫૦૦ બૌદ્ધભિક્ષુઓ સંમિલિત થયા. તેમાં ઉપાલિને વિનય સંબંધિત અને આનંદને ધર્મ સંબંધિત પ્રશ્નો પૂછી જે પ્રશ્નોત્તરી થઈ તે પહેલી સંગતિ. તે પછીનાં ૧૦૦ વર્ષ પછી મહાસ્થવિર રેવતના સભાપતિત્વ હેઠળ વૈશાલીમાં બીજી સંગતિ થઈ. જેમાં ૭૦૦ બૌદ્ધભિક્ષુઓ સંમિલિત થયા. તે આઠ માસ સુધી ચાલી અને તેમાં ત્રણ પિટક, પાંચ નિકાય, નવ અંગ અને ૮૪,૦૦૦ સ્કંધોમાં બુદ્ધવચનોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. બુદ્ધના પરિનિર્વાણ પછી ૨૩૬ વર્ષે સમ્રાટ અશોકના સમયમાં પાટલિપુત્રમાં બૌદ્ધ વિદ્વાન સાધક तिस्स मोग्गलिपुतના સભાપતિત્વ હેઠળ ત્રીજી સંગતિ થઈ. તેમાં અનેક પ્રાંતોમાંથી બૌદ્ધભિક્ષુઓએ ભાગ લીધો, જે દરમિયાન ‘मोग्गलिपुते ‘कथा वत्थु’ ગ્રંથની રચના કરી. આમ, આ ત્રણ સંગતિઓ દરમિયાન त्रिपिटक અસ્તિત્વમાં આવ્યા. તેનો સમય ઈ. સ. પૂ. ત્રીજી શતાબ્દીનો માની શકાય. તેમાંથી ઈ. પૂ. પાંચમી-છઠ્ઠી સદીના ભારતીય જીવનની ઝલક મળે છે.

    આ પાંચ નિકાય પૈકી એક ખુદ્રક નિકાય છે, જે ક્ષુદ્ર એટલે કે નાના ઉપદેશોનો સંગ્રહ છે. તેમાં ખુદ્રકપાઠ, ધમ્મપદ, ઉદાત્ત, સુત્તનિપાત, વિમાનપત્થ, પેતવત્થુ, થેર- ગાથા, થેરીગાથા, નિર્દેશ, અવદખા, બુદ્ધવંશ, ચરિયાપિટક જેવા ગ્રંથોનો સમાવેશ છે. જાતકગ્રંથ ભગવાન બુદ્ધના પૂર્વજન્મના સદાચારોને  વ્યક્ત કરતી ૫૪૭ કથાનો સંગ્રહ છે. તે કથાવસ્તુ અને નીતિશિક્ષણની ર્દષ્ટિએ મહત્વપૂર્ણ છે.[1]

    હિંદુ પુરાણોની વાત કરીએ તો વાલ્મિકી રામાયણમાં સનાતન પરંપરાનો આઠ સ્થાને ઉલ્લેખ થાય છે, જે નીતિમય જીવનના સંદર્ભે પ્રયોજાયેઅલ છે. પાલિ त्रिपिटकની ગાથામાં પ્રયુક્ત છંદો વાલ્મીકિ રામાયણથી પણ અધિક પ્રાચીન મનાય છે.

    પ્રસ્તુત લેખમાળામાં, ફક્ત  બુદ્ધ ધર્મ પર જ નહીં પણ ભારતની સર્વ સનાતની પરંપરાઓ પર એક સંક્ષિપ્ત વિવેચન આપવાનો આપણે પ્રયાસ કરીશું.

    +                   +                  +

    સનાતન ધર્મ અને અધ્યાત્મ પરંપરા વિશ્વમાં પ્રાચીનતમ છે. જોકે તે શું છે એ પ્રશ્ન કોઈ ભારતીયને અત્યારે કરવામાં આવે તો તે સમજાવી નથી શકતા નથી. આ પરંપરા એક પ્રાચીન વટવૃક્ષ સમાન છે.  વૈદિક પરંપરા તેનું થડ છે અને

    ૧) શ્રમણ

    ૨) પૌરાણિક હિંદુ

    ૩) આગમિક –  તાંત્રિક, અને

    ૪) ભક્તિ-સંત

    તેની શાખાઓ છે.  તે સનાતન , એટલે કે સર્વદા નૂતન, છે. સમય અને કાળ અનુસાર તેમાં આપમેળે સુધારા થયા કરે છે.  તેની આ પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોવાને કારણે સનાતન પરંપરા  અડીખમ છે.

    સનાતન પરંપરા વિશેની અજ્ઞાનતા સર્વવ્યાપી છે.  આવી પરિસ્થિતિમાં ડેવિડ ફ્રાઉલી (www.vedanet.com)એ કરેલી સનાતન પરંપરાની વ્યાખ્યા અતિ સટીક અને સુંદર છે. ડેવિડ ફ્રાઉલી જન્મે અમેરિકન હોવા છતાં કોઈ પણ ભારતીય કરતાં વધારે ભારતીય કહી શકાય તેમ છે. તેથી તેમને વૈદિક ઋષિ ‘વામદેવ શાસ્ત્રી’ એવું નામાભિધાન પણ કરાયેલ છે. તેમનાં પુસ્તક “સનાતન ધર્મ” (Hinduism and the Clash of Civilizations) તેઓએ જે વિચારો રજૂ કર્યા છે તે અહીં ટૂંકમાં સાદર છે.

    સનાતન ધર્મને કોઈ વ્યાખ્યામાં બાંધવો મુશ્કેલ છે. છેલ્લાં હજારો વર્ષથી પણ પ્રાચીન એવી  આ પરિપાટી એક અદ્વિતીય ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરા છે. તેનું પ્રાગટ્ય પવિત્ર ભારત ભૂમિમાં થયેલ છે. યહુદીઓની રહસ્યવાદી પરંપરા  અને ચીનની તાઓવાદી પરંપરા સાથે તે એક ચોક્કસ નાતો ધરાવે છે. સનાતન ધર્મને આપણે હિમાલયની પરંપરા તરીકે ગણાવી શકીએ. તેનો શાબ્દિક અર્થ  સાર્વત્રિક શાશ્વત સત્ય અને  શાશ્વત તત્ત્વજ્ઞાન થાય છે.  તે વૈશ્વિક ચેતનાનો હિસ્સો છે. સાર્વત્રિક જીવન (Universal Life ) અને ચેતના વિશેનાં સત્યો અહીં શીખવાય છે. સનાતન ધર્મ  ધર્મ, યોગ, તંત્ર ગુરુવાદ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને કળાનો સમન્વય છે.

    સનાતન ધર્મ સત્યનો ઉપાસક છે. सत्यमेव जयते તેનો મુળ મંત્ર છે. અહીં અંધવિશ્વાસ કે કોઈ ચોક્કસ માન્યતામાં આસ્થા રાખવાનો જડ આગ્રહ નથી. કોઈ પયંગબર કે પુસ્તકને અહીં વિશિષ્ટ દરજ્જો નથી. સનાતન ધર્મ શાશ્વત, સાર્વત્રિક સત્યની વ્યક્તિગત અનુભૂતિમાં માને છે. તેનો મુખ્ય આગ્રહ આત્મજ્ઞાનનો છે.  સનાતન ધર્મની સાધના યોગ સાધના છે. યોગ દ્વારા માનવીય ચેતના ઈશ્વરીય ચેતના સાથે જોડાઈ શકે છે. આ ધર્મ સ્વાનુભવમાં જ વિશ્વાસ ધરાવે છે. તે માટે આપણે મનથી મુક્ત થવાનું છે. યોગ સાધના મન મુક્તિ  માટે છે. સનાતન ધર્મમાં  કોઈ અન્યનાં આધ્યાત્મિક અનુભવને આધારે બેસી રહેવાનું નથી. દરેક પળે આપણે આપણી પોતાની ચેતનામાં જીવવાનું છે.

    વેદાંત તેનું તત્ત્વજ્ઞાન છે. આત્માનું પરમાત્મા સાથે ઐક્ય એ તેનું અંતિમ, ચરમ શિખર છે. સનાતન ધર્મનો પ્રથમ ગ્રંથ ઋગ્વેદ છે. અહીં પ્રાકૃતિક કાનૂનને – ઋતને – શિરોધાર્ય માનવામાં આવે છે.  કર્મ ફળ પણ આવો એક કુદરતી કાનૂન છે. આ કાનૂન કહે છે કે તમે જેવું કરશો તેવું પામશો. જો આ જન્મમાં નહીં તો આવતા જન્મોમાં પણ કર્મનું ફળ માનવીને મળવાનું જ છે. આમ છતાં સનાતન ધર્મમાં કોઈ દૈવી નીતિશાસ્ત્રને સ્થાન નથી. તે માને છે કે આપણે આપણાં સદ્વર્તનથી ઊંચા ઊઠી શકીએ છે અને દુષ્કર્મથી અધઃપતન પામીએ છીએ. તે એ વાત વિશે ચિંતિત નથી કે આપણે શું માનીએ છીએ પણ આપણે કઈ રીતે જીવીએ છીએ તે વધારે અગત્યનું છે.  સનાતન ધર્મ આપણને શીખવે છે કે આપણે બધાં જ દૈવી છીએ.

    આ ધર્મ કોઈ વ્યક્તિ દ્વારા સ્થાપિત નથી. તેની પ્રસ્થાપના ઋષિમુનિઓએ આત્મદૃષ્ટિથી પ્રાપ્ત કરેલું દૈવી દર્શન છે.  આ પરંપરા સદૈવ જીવંત છે તેની સાબિતી એ છે કે દરેક સદીમાં, અને દરેક દાયકામાં, તેની યથાર્થતા અને સાર્થકતા સાબિત કરતાં રહેતાં અનેક નર નારીઓ ભારત ભૂમિને અજવાળતાં રહ્યાં છે.

    સર્વવ્યાપ્ત બ્રહ્મને આધાર માનીને જ આ પરંપરા ચાલે છે. આ પરંપરા એવું માને છે કે વિશ્વ એક એવી માયા છે જેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. વિશ્વનો કણેકણ બ્રહ્મથી વ્યાપ્ત છે.

    અહિંસા અને શાકાહાર પણ સનાતન ધર્મની ઢાલ છે. અહિંસા વિના માનવીનું ઊર્ધ્વીકરણ શક્ય નથી. આ ધર્મ સંસારથી દૂર ભાગવાનું, તેને છોડી જવાનું કહે છે. જોકે આ માન્યતા અણસમજથી ઊભી  થયેલ છે, કેમકે સનાતન ધર્મ જ માણસને સત્ ચિતાનંદના અનુભવને લાયક ગણે છે અને મોક્ષનો અધિકારી ગણે છે.

    સનાતન ધર્મ એક એવી આધ્યાત્મિક પરિપાટી છે કે જેને વિશ્વનો કોઈ પણ માનવી ગ્રહણ કરી શકે છે.  સનાતન ધર્મ વિશ્વના બધા ધર્મોની માતા છે. પણ આ જ્ઞાન કોઈ સીમામાં બંધાઈ જવા તૈયાર નથી. તેથી, જ તેમાં સદાય પરિવર્તન ચાલતું જ રહે છે અને સુધારણાને હમેશાં અવકાશ હોય છે.

    આ પરંપરામાં અસંખ્ય દેવી દેવતાઓને માટે સ્થાન છે. તેનું કારણ એ છે  કે તે આ બધાં દેવી દેવતાઓને વિશ્વમાં વહેતી પરમ ચેતના શક્તિની દૃષ્ટિએ જૂએ છે. એ શક્તિની કૃપા મેળવીને માનવી ધન્ય બને છે. આજના યુગમાં સનાતન ધર્મ જ ચાલી શકે. વ્યક્તિગત સ્વતંત્રતા આ યુગમાં દરેક માનવીને પોતાને ગમે તે ધર્મ કે આધ્યાત્મિક આસ્થા રાખવાનો અધિકાર છે.  તમામ પ્રકારની વિવિધતાઓ અને પરસ્પર વિરોધી વિચારધારાઓને ફક્ત સનાતન ધર્મ જ સ્વીકારીને ચાલી શકે. આ પરંપરામાં ઈશ્વરને નિરંકારી સહિત કોઈ પણ રૂપ કે નામથી ઉપાસી શકો છો. આ એક પરંપરા જ એવો દાવો કરી શકે એમ છે કે તેમાં દરેક ધર્મને આવરી લેવામાં આવેલ છે. તેનો વિસ્તાર અને દર્શન વિશ્વસ્તરનાં છે.

    સનાતન ધર્મ વિશેનો ફ્રાઉલીનો ઉપસંહાર કોઈ પણ ભારતીયને પોતાનું મસ્તક ગર્વભેર ઊંચું રાખવા પ્રેરણા પૂરી પાડે છે. તેઓ કહે છે કે:

    સનાતન ધર્મ એ એક મુક્ત પરંપરા છે જેને બધું જ સ્વીકાર્ય છે. દરેક ઘટકને તે પોતાની મેળે જ પોતાનો ધાર્મિક મને આધ્યાત્મિક માર્ગ ખોળી લેવાની સ્વતંત્રતા આપે છે.  સહિષ્ણુતા તેનો આધાર છે.

    આજે જ્યારે નવા ધર્મની શોધ ચાલી રહી છે ત્યારે કોઇ નવું ચર્ચ તે સ્થાન ન લઈ શકે. આજના વૈશ્વિક યુગમાં  બધા ધર્મો અને આસ્થાઓથી ઉપર ઊઠી શકે એવી વ્યાપક ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાની આવશ્યકતા છે.  એ પરંપરા એવી હોય જે ગમે તે માન્યતા ધરાવતા દરેક માનવીને પવિત્ર માને. છેલ્લાં હજારો વર્ષોથી જીવિત હોય એવી આવી એક જ પરંપરા ભારતીય સનાતન ધર્મની જ પરંપરા છે.

    હવે પછીના મણકામાં સતત વહેતી આ ધારાઓમાં  કઈ ધારા પ્રાચીનતમ છે તે પ્રશ્નનું  નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશું.


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.


    [1] સંદર્ભઃ કલ્પના કનુભાઈ શેઠ લિખિત ગુજરાતી વિશ્વકોશનું અધિકરણ – ‘ત્રિપિટક’

  • ભૂતની ચોટલી !

    હરેશ ધોળકિયા

    આપણા દેશમાં થોડાં વર્ષો પહેલાં એક બહુ જ જાણીતા ગણિતશાસ્ત્રી થઈ ગયા. રામાનુજમ તેમનું નામ. ભારતમાં તો તેમની જરા પણ કદર ન થઈ, પણ ઈગ્લેંડની યુનિવર્સિટીના ગણિતના પ્રાધ્યાપકે જયારે તેમનાં સમીકરણો જોયાં ત્યારે તે ચકિત થઈ ગયા અને તેમને ત્યાં બોલાવી લીધા. બન્નેએ મળીને ગણિત પર અદભુત કામ કર્યું. પણ મહત્વની વાત એ છે કે પેલા પ્રાધ્ધાપકને પણ જયારે કોઈ સમીકરણ ન સમજાતાં, ત્યારે તે રામાનુજમને આપતા અને રામાનુજમ થોડી જ વારમાં તેને સમજાવી દેતા. પેલા પ્રાધ્યાપક તો જોઈ જ રહેતા કે આવું કઠિન સમીકરણ તે કેમ સરળતાથી કરી શકયા ? તે રામાનુજમને તેનું – તેમની પ્રતિભાનું – રહસ્ય સમજાવવા પૂછતા. તો તે જવાબ આપતા કે તે પળે તેમનાં દેવી તેમના સામે આવે છે અને સમીકરણ ઉકેલી દે છે. હવે આ તો રહસ્યમય જવાબ હતો. પેલા સમજી ન શકતા. રામાનુજમ પણ પોતાનો જવાબ ન સમજી શકતા.

    પણ આ જવાબ પર ચિંતન કરવા જેવું છે. દેવી સમસ્યા ઉકેલી દે છે એ જવાબ ભકતનો છે. કદાચ રામાનુજમને પણ સાચો જવાબ ખબર ન હતો. એટલે તે પોતાની ભકિત આ રીતે પ્રગટ કરતા હતા. પણ હકીકતે આ જવાબનું રહસ્ય અલગ છે.

    આનો એક જવાબ મળે છે ભારતના પ્રાચીન મનોવિજ્ઞાની એવા મહર્ષિ પતંજલિ પાસેથી. તેમણે ‘યોગસૂત્ર’ નામનો યોગ પર અદભુત ગ્રંથ લખ્યો છે. તેને શુધ્ધ ભારતીય મનોવિજ્ઞાન કહી શકાય તેવો. તેમાં તેમણે લખ્યું છે કે ” જયારે તમે કોઈ મહાન ઉદેશ્ય કે કાર્યથી પ્રેરિત થાવ છો, ત્યારે તમારા બધા વિચારો બધાં બંધનો તોડી દે છે. તમારુ મસ્તક સીમાઓને પાર કરી જાય છે. તમારી ચેતના ચારગણી વિસ્તૃત થાય છે અને તમે પોતાને નૂતન, મહાન અને આશ્ચર્યજનક જગતમાં હોવાનો અનુભવ કરો છો. તમારી સુષુપ્ત શક્તિઓ,માનસિક ઊર્જાઓ અને દક્ષતાઓ જાગૃત થઈ જાય છે. તમે અનુભવો છો કે હવે તમે વ્યકિતરુપે એક એવી મહાશકિત છો, જેની તમે પોતા વિશે કયારેય કલ્પના કરી ન હતી.”

    આનો અર્થ એ કે જયારે વ્યકિત કોઈ અગત્યના મુદા પર વિચાર કરવાનું શરુ કરે છે અને તેમાં આત્યંતિક તલ્લીન થઈ જાય છે, ત્યારે તે કયારેક મનને અતિક્રમીને કોઈ એવા પ્રદેશમાં ચાલી જાય છે જેની તેને પણ ખબર નથી. ત્યાં વિચાર કરવાની જરુર પડતી નથી. ત્યાં આપોઆપ જવાબ મળે છે. મનોવિજ્ઞાનના શબ્દમાં તેને કદાચ ” સુપર કોન્શ્યસ’-ઉર્ઘ્વ ચેતના કહી શકાય. માણસનું મન અનંત છે. તેનું કોઈ તળીયું જ નથી. જેમ જેમ તેમાં ઊંડા ઉતરાય, તેમ તેમ તેની શકિત વધતી જાય છે.

    આ વાતને વધારે સરસ રીતે સમજાવે છે ભારતના જ પણ અમેરિકામાં રહેતા એક ઉતમ ડોકટર દીપક ચોપરા. તેમણે એક પુસ્તક લખ્યું છે ‘ સિન્ક્રો-ડેસ્ટીની.” સિન્ક્રો એટલે ” જોડાવું.” અને ડેસ્ટીની એટલે નિયતિ. આ બાબતે તે લખે છે કે જયારે કોઈ માણસ કોઈ એક ધ્યેય નકકી કરે છે અને તેના પર પૂરા સમર્પણભાવથી કામ કરવાનું શરુ કરે છે, ત્યારે તેની માનસિક ક્ષમતા આપોઆપ વધવા લાગે છે. જેમ જેમ તેની કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા વધતી જાય છે, તેમ તેમ આ માનસિક ક્ષમતા પણ વધતી જાય છે. દાખલા તરીકે પ્રતિબધ્ધતા પચાસ ટકા થઈ, તો ક્ષમતા પણ પચાસ ટકા થાય છે. પ્રતિબધ્ધતા નેવુ ટકા થઈ તો ક્ષમતા પણ નેવુ ટકા. એમ કરતાં જયારે પ્રતિબધ્ધતા નવ્વાણુ ટકાએ પહોંચે છે, ત્યારે ક્ષમતા પણ નવ્વાણુ ટકાએ પહોંચે છે. પણ અહીં સુધી તે સફળ સાથે નિષ્ફળ પણ જઈ શકે છે.

    પણ જેવી વ્યકિત નેવુથી સોમા ટકે કૂદકો મારે છે, તેવી એક અદભુત ઘટના બને છે. જેમ નવ્વાણું ડિગ્રીએ પાણી ઉકળે ત્યાં સુધી પાણી પણ નવ્વાણુ ટકા ગરમ તો થાય છે, પણ તે રહે તો પાણી જ છે. પણ પાણી જેવું સોમી ડિગ્રીએ જાય છે કે તે પાણી ન રહેતા વરાળ બની જાય છે. તેનું રાસાયણિક સ્વરુપ જ બદલી જાય છે. આવું જ વ્યકિતના કિસ્સામાં બને છે. જેવું તેનું ભન, એટલે કે પ્રતિબધ્ધતા, સોમા ટકે કૂદકો મારે છે કે અત્યાર સુધી રહેલ તેનું વ્યકેતગત મન પીગળી જાય છે અને વૈશ્વિક
    ભનમાં- ચેતનામાં- ભળી જાય છે. હવે તે વૈયકિતક મન રહેતું નથી. તે વૈશ્વિક મન બની જાય છે. અને વૈશ્વિક મન કયારેય નિષ્ફળ ન જાય. તે જરુરી કામ જ કરે અને તેમાં સફળ જ જાય. એટલે હવે તે જે કરે છે, તેમાં તેને સફળતા જ મળે છે. હવે તે જે બોલે છે કે વિચારે છે, તે સત્ય જ ઠરે છે. તેના મોમાંથી જે પણ વાકય નીકળે છે, તે સાચું જ ઠરે છે. એટલે કે હવે તે ધાર્યું કરી શકે છે. અને, ચોપરા કહે છે, એનો અર્થ એ થયો કે તે પોતાનું ભાવિ નકકી કરી શકે છે. તે વૈશ્વિક મન સાથે “સિંકોનાઈઝ” થવાથી-
    જોડાઈ જવાથી-પોતાની માલિક બની જાય છે. માટે તે ધાર્યું કરી શકે છે.

    આનો એક ત્રીજો જવાબ પણ અપાયો છે. રોન્ડા બાયરન નામનાં એક લેખિકાએ એક અદભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેનું નામ છે ” સિક્રેટ.” ગુજરાતીમાં તે “રહસ્ય” નામે પ્રગટ થયેલ છે. પાનેપાનું વાંચવા જેવું છે. તેના પહેલા જ પાને તે લખે છે, ” વ્યકિત જેવું વિચારે છે, તે બાબતને તે આકર્ષે છે. બહુ નાનું વાકય છે, પણ તેમાં ઠાંસી ઠાંસીને રહસ્ય ભર્યું છે. તેનો અર્થ એવો છે કે જે વિચાર જગત છે, તે અવ્યકત છે. આ વિચારો સમગ્ર જગતમાં ત્રણે કાળ ઘૂમ્યા કરે છે. આ વિચારોને કોઈ જ સમય કે સ્થળની ભૌતિક મર્યાદા નડતી નથી. તે સમગ્ર અસ્તિત્વમાં ઘૂમે છે અને એક પળમાં ગમે ત્યાં પહોંચી જઈ શકે છે. તેનું એક લક્ષણ એ છે કે જે વિચાર હોય તેવો જ વિચાર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ કરતું હોય, તો તે વિચાર ક્ષણના લાખમાં ભાગમાં તેના તરફ આકર્ષાય છે અને પહોંચી જાય છે.

    માની લઈએ કે એક વ્યકિત ” અ ” નામનો વિચાર કરે છે. તો આજ સુધી વિશ્વમાં જેણે પણ આ “અ” પ્રકારનો વિચાર કર્યો હશે, તે બધા જ વિચારો આકાશમાં ઘૂમ્યા કરતા હોય છે. એટલે જેવી આ વ્યકિત ”અ” વિચાર કરે છે કે તરત, પળમાં, આ બધા જ “અ” વિચારો તેના તરફ આકર્ષાય છે અને ઝડપથી તેના મનમાં ઘૂસી જાય છે. એટલે તેના મૂળ વિચારને અગણિત બળ ભળે છે. તે વિચાર પાકો થઈ જાય છે. એટલે પછી આ વિચારના આધારે તે જે કામ કરવા માગે છે, તે આ સમગ્ર બળના કારણેતરત થઈ જાય છે. અથવા સરળ થઈ જાય છે. એટલે કોઈ વ્યકિત સમર્થ રીતે એક વિચાર કરે અને વાગોળે, તો તે વિચાર સાકાર થવા લાગે છે. તેનો અમલ થવો શરુ થાય છે. અને સિધ્ધ થાય જ છે. દાખલા તરીકે લિંકને નકકી કર્યું કે અમેરિકામાંથી ગુલામી દૂર થવી જોઈએ, તો તરત આ વિચાર સાકાર થવા લાગ્યો અને થોડા જ વર્ષોમાં અમેરિકામાંથી ગુલામી દૂર થઈ ગઈ. ગાંધીજીએ પ્રબળ રીતે અંગ્રેજોને કહ્યું કે ‘ ભારત છોડો” કે તરત આ પ્રક્રિયા શરુ થઈ ગઈ અને અંગ્રેજોને ભારત છોડવું પડયું. નેલ્સન મંડેલા પણ પોતાના દેશમાંથી પરદેશીઓને દૂર કરવા માગતા હતા. સતાએ તેમને સત્યાવીશ વર્ષ જેલમાં નાખી દીધા, પણ આ સમય દરમ્યાન તે તેમનો આ વિચાર સેવતા જ રહ્યા એટલે તેમનો દેશ સ્વતંત્ર થઈ ગયો.

    એટલે રામાનુજમનો જવાબ ધર્મની દષ્ટિએ ન જોતાં આ રીતે જોઈએ તો જવાબ મળે છે કે રામાનુજમ પોતાના મુદામાં એટલા તો તલ્લીન થઈ જતા હતા- સો ટકા- કે તે સીધા જ વૈશ્વિક મન સાથે જોડાઈ જતા હશે. એટલે ત્યાંથી સીધો જવાબ તેમને મળતો હશે.

    છતાં કોઈ ભકત કહે કે રામાનુજમનો જવાબ સાચો હતો, તો કહી શકાય કે હા, સાચો છે. તેને ભકિતની ભાષામાં પણ જવાબ આપી શકાય. જેમ જેમ ભકતનું મન ભગવાનમાં પરોવાતું જાય, એકાગ્ર થતું જાય, તેમ તેમ આ જ પ્રક્રિયા થવા લાગે છે. ભગવાન (વૈશ્વિક ચેતના ) તેની નજીક આવવા લાગે છે અને તેના પ્રશ્નોને ઉકેલવા લાગે છે. ગીતામાં પણ કહે છે કે ” જે મને જેવી રીતે ભજે છે, તેવી જ રીતે હું તેને ભજું છું.” (યે યથા માં પ્રપધન્તે તાંસ્તથેવ ભજામ્યહમ.) આ જ જવાબ ! બીજી જગ્યાએ કહે છે કે ” જે મને નિત્યયુકત થઈ ભજે છે, તેનું યોગક્ષેમ હું કરું છું.”ફરી આ જ જવાબ. તે શ્રધ્ધાના સંદર્ભમાં જવાબ છે. ચોપરા વગેરે વિજ્ઞાનના સંદર્ભમાં જવાબ આપે છે. મૂળ સમાન છે.

    મૂળ વાત એ છે કે વ્યકિત પોતાના ધ્યેયમાં જો એકરુપ થઈ જાય, સંપૂર્ણ તલ્લીન થઈ જાય, તે માટે સમગ્ર જગતને ભૂલી જાય, તો તેના મનની શકિત અનંત થઈ જાય છે. તે વ્યાપક બની જાય છે. આ વ્યાપકતામાં જ જગતના બધા સવાલોના જવાબો છે. તે આપોઆપ મળી જાય છે. આમાં કોઈ ચમત્કાર નથી. માણસનું મન પણ અંતે તો અસ્તિત્વનો જ એક ભાગ છે. અને અસ્તિત્વ સર્વત્ર અને સર્વજ્ઞ છે. એટલે જો અંશ મૂળ સાથે જોડાઈ જાય, તો તેને મૂળમાંથી જવાબ મળી જાય છે.

    આને જ “યોગ” કહે છે. યોગ એટલે જોડાવું. શેના સાથે જોડાવું ? અસ્તિત્વ સાથે. એક વાર અસ્તિત્વ સાથે સંલગ્ન થઈ જવાય, તો તે તો ” ચૈતસિક ગુગલ” છે. બધા જવાબો આપશે. એટલે ભારતે યોગને મહત્વ આપ્યું છે. એટલે અહીં ઘ્યાન વગેરેનો વિકાસ થયો. આજે હવે સમગ્ર વૈજ્ઞાનિક જગત તેનો સ્વીકાર કરે છે.

    આ મુદા પર ઊંડા ઉતરવાની જરુર છે. જેને પણ વ્યાપક પ્રગતિ કરવી છે, ખૂબ જ આગળ વધવુ છે, તેણે આ મુદા પર ગાઢ રીતે ચિંતન કરી તેનો અમલ કરવાની જરુર છે. આ વિચાર સફળતાના ભૂતની ચોટલી છે. ચોટલી પકડાઈ ગઈ તો આખું ભૂત હાથમાં.


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com