વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • દુર્ગાપૂજાના દિવસો શ્રી અરવિંદની સ્મૃતિને જુદેસર ઝકઝોરી ગયા

    તવારીખની તેજછાયા

    ‘હવે હું પહેલાંની જેમ એવું નથી કહેતો કે રાષ્ટ્રવાદ એક ધર્મ છે, એક આસ્થા છે. હું કહું છું કે જે સનાતન ધર્મ છે એ સ્તો રાષ્ટ્રવાદ છે.’

    પ્રકાશ ન. શાહ

    વિ જયાદશમીની વળતી સવાર સારુ લખી રહ્યો છું ત્યારે કેમ જાણે કંઈક સ્વરાજચિંતન ચિત્તનો કબજો લઈ બેઠું છે. ખરેખર તો બેસતે નોરતે જ ઈ-સ્વરમ્ (રાજકોટ)ના સદ્ભાવથી પરેશ ભટ્ટના સ્વરાંકનમાં ‘માત ભવાની દુર્ગે’ના સમૂહગાન સાથે સહજ ક્રમે આ વિચારચક્ર ચાલવા લાગ્યું હતું. ભ‌વાની આમ તો હિંદવી સ્વરાજ વાસ્તે શિવસંકલ્પ આસપાસનાં સ્પંદન જગવે છે… અને વીસમી સદીના પહેલા દસકામાં, એમ તો, ૧૯૦૪થી ૧૯૦૮ના ગાળામાં સંસ્કૃતમાં જે રચના અરવિંદ થકી ઉતરી આવી, એ પણ ભવાની ભારતી જ છે ને.

    કહે છે કે રામકૃષ્ણ પરમહંસનાં વર્તુળોમાંથી ભાઈ બારીન્દ્ર મારફતે અરવિંદને જે પ્રેરણા પહોંચી તે એની પૂંઠે હતી. ભવાની ભારતી આમ તો શક્તિનું, રાષ્ટ્રમાતાનું, બલકે રાષ્ટ્ર સ્વયંનું ગાન કહો તો ગાન, આવાહન કહો તો આવાહન છે… આવાહન પણ અને આહ્વાન પણ ! મૂળે એ શક્તિગાન છે, જેમ પરમહંસદેવે વિવેકાનંદને ‘કાલી’ ભણી સમર્પણભાવ પ્રેર્યો હતો.

    કેમ કે, આપણે હમણાં જ દુર્ગાપૂજાના ઉત્સવમાંથી પસાર થયાં છીએ, ભવાની ને કાલીના સ્મરણ સાથે આપણી પરંપરા આખા ચિત્તમાં ધ્રોપટ ઉતરી આવવા કરે છે. જે જમાનો હજુ આરણ્યક શો હશે, કેનોપનિષદમાં ઉમા થકી કે મુંડકોપનિષદમાં કાલીકરાલી થકી આપણે એને પહેલ પ્રથમ કદાચ મળ્યા હોઈશું. પણ ૧૯મી સદી ઊતરતે એકદમ જે નવરૂપ ધરે છે, બંકિમ ને અરવિંદ આદિ વાટે: માતા, ભારતી, ભારતમાતા. ‘ભવાની ભારતી’ લખાયું,

    હમણાં કહ્યું તેમ ૧૯૦૪ – ૧૯૦૮નાં વરસોમાં પણ એ પોલીસ જપતીમાં ચાલી ગયેલું તે પૂરો પાઠ હાથ લાગ્યો અને ૧૯૮૫માં અરવિંદ આશ્રમે એ પ્રગટ કર્યો. પણ આ ધોરણે અરવિંદના વિચારો તો કે’દીના વહેતા થઈ ચૂક્યા હતા. વડોદરા કોલેજના એમના છાત્ર કનૈયાલાલ મુનશીએ આગળ ચાલતાં ‘સ્વપ્નદૃષ્ટા’ નવલકથાના નાયક સુદર્શનના મોંમાં મવાળ પરિવારની સૂચિત વાગ્દત્તા સુલોચના જોગ એ ઉદ્્ગારો મૂક્યા છે કે તમે જેને ‘ઈન્ડિયા’ કહો છો તે તો ‘મા’ છે. આ જ નવલકથામાં ‘ભારતીની આત્મકથા’નું યાદગાર પ્રકરણ પણ આવે છે. ‘ભવાની ભારતી’ની જિકર કરો કે ‘ભવાની મંદિર’ની, અરવિંદનો સીધો સંદેશ શક્તિનો છે. અલીપુર જેલના દિવ્ય અનુભવ બાદ છૂટ્યા પછીનું ઉત્તરપારા અભિભાષણ એમનાં શક્તિચિંતન અને રાષ્ટ્રચિંતનને આગળ ચલાવે છે, અને આખોયે સ્વરાજવિમર્શ ચાલુ રાષ્ટ્રવાદના ચોકઠા અને ડામણાંડાબલાંમાં નહીં સમાતો એકદમ આગળ ચાલી જાય છે.

    દુર્ગોત્સવના મંડપમાં રામ મંદિરનું મોડેલ રજૂ કરી કશુંક હાંસલ કીધાનું અનુભવતી હિંદુત્વ રાજનીતિને કદાચ એનો અંદાજે અહેસાસ ન પણ હોય. ઉત્તરપારા અભિભાષણ અને અલીપુર જેલની અનુભૂતિ આગમચ અરવિંદના નાસિક પ્રવચનમાં એના સંકેતો પડેલા છે. એમાંથી એના ઉત્તરપારા અભિભાષણમાંથી એમનું જે ચિંતન ફોરવા કરે છે એને તમે વંશીય (એથ્નિક) અગર સાંસ્કૃતિક (કલ્ચરલ) રાષ્ટ્રવાદના ચાલુ ચોકઠામાં ફિટાડી શકતા નથી. બલકે, એક વાર આ વાનું લક્ષમાં લઈએ તો તરત સમજાશે કે કોઈક સંકીર્ણ દાયરામાંથી બહાર જવાની દૃષ્ટિએ એમણે ચાલુ રાજનીતિથી અને કથિત ‘રાષ્ટ્ર’વાદથી પરહેજ કરવાપણું જોયું હશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક હેડગેવાર એમને કોંગ્રેસ નેતૃત્વ માટે વિનંતી કરવા ગયા ત્યારે એમણે જે ઈનકાર કર્યો તેને એમને અભીષ્ટ સાધના સહિતના આ વ્યાપક સંદર્ભમાં જોવો જોઈશે.

    વર્તમાન શાસન હેઠળ સિમલાના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝના નિયામક રહેલા મકરંદ પરાંજપેએ વચ્ચે એક લેખમાં અરવિંદના ગીતા પરના નિબંધોમાંથી મજેનું ઉધ્ધરણ ટાંક્યું હતું કે ‘આપણે ભૂતકાળના પ્રભાતોમાં નિવસતા નથી. આપણો મલક તો ભાવિનાં મધ્યાહનોમાં વિલસે છે.’ રૂંવે રૂંવે ભારતભક્તિ જરૂર ઉભરાય છે, પણ અરવિંદની ચેતના એને ક્યાંય લાંઘી ચાહે છે. એમના મતે મનુષ્યજાતિ વ્યાપક ચેતનાના શૃંગ પર આરોહણ કરે તે આપણી રાષ્ટ્રચેતનાને અભીષ્ટ છે. નવસર્જન એક નવી ચેતના માગે છે જે કેવળ ભૂતકાળમાંથી પ્રગટી શકે નહીં.

    આ સંદર્ભમાં જોઈએ વિચારીએ તો અરવિંદની વૈચારિક ચળવળ અત્યારે રાષ્ટ્રવાદ અને સનાતન ધર્મને નામે જે રાજનીતિ ચાલે છે એના કરતાં તત્ત્વત: જુદાં પરિયાણ સૂચવે છે. પરંપરાગત રાષ્ટ્રવાદને અંગે એ નિર્ભ્રાન્ત નહીં તો પણ નવ્ય અભિગમ પર કર્યા છે : ‘હું હવે પહેલાંની જેમ એમ નથી કહેતો કે રાષ્ટ્રવાદ એક આસ્થા છે, એક ધર્મ છે, એક માન્યતા છે. હું કહું છું કે જે સનાતન ધર્મ છે એ સ્તો આપણે સારુ રાષ્ટ્રવાદ છે.’ અને વળી ‘જો કોઈ ધર્મ સાર્વત્રિક ને વૈશ્વિક ન હોય તો તે ચિરંતન કે સનાતન નથી. સનાતન ધર્મ તો વિજ્ઞાનની શોધોને સમાવતો ને આગળથી જોતો ચાલે છે તેમજ દાર્શનિક તત્ત્વચિંતનોયે એમાં અમાસ થાય છે.’

    દેખીતી રીતે જ, અરવિંદની ધર્મચર્યા અને ધર્મચર્ચા ‘રિલિજિયન’માં બદ્ધ નથી અને પશ્ચિમના કોશેટામાં બદ્ધ જે રાષ્ટ્રવાદ, તેને પણ એમાં સ્થાન નથી. હિંદુત્વ રાજનીતિને સેમેટિક સાંસ્થાનિક વારસાનો જે વણછો લાગેલો છે તેની અને ‘સનાતન ધર્મ’ વચ્ચે કોઈ સંગતિ હોય તો તે શોધનો વિષય છે.

    વાત કરતે કરતે હું ખાસો આગળ ચાલી ગયો. પણ જ્યાં મેં અટકવા જેવું કર્યું, સનાતન ધર્મ વિ. સાંસ્થાનિક અસર તળેનો રાષ્ટ્રવાદ, ત્યાં પણ ખરેખર અટક્યું અટકાય એમ નથી, કેમ કે અરવિંદની ભૂમિકા, દુર્ગા ધારાનું એમનું અભિનવ અર્થઘટન જો જાતિગત કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં બંધબેસતું નથી તો કદાચ નાગરિક/બંધારણીય (સિવિક/કોન્સ્ટિટ્યુશનલ) રાષ્ટ્રવાદ સાથે પણ એ પરબારું ગોઠવ્યું નયે ગોઠવાય. બને કે બિનસાંપ્રદાયિકતાના ખયાલને પણ, એની બિનકોમી તાસીર જાળવીને નવેસર સમજવો પડે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૫ – ૧૦ – ૨૦૨૩ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • દિવાળી આવી

    દિવાળી

    ખલિલ ધનતેજવી

    અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
    તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.

    વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
    મનમાં ભીતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.

    તમને જોઈને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
    જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.

    છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જત ના સમજાવ મને,
    માથે આખો સૂરજ લઈને સાંજ બપોરે ગાળી છે.

    કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલિલ’,
    જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.

     

    લ્યો આવી ગઈ દિવાળી

    અનિલ ચાવડા

    લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
    આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

    ઉદાસીઓના ફટાકડાઓ
    ઝટપટ ફોડી દઈને,
    ચહેરા ઉપર ફૂલઝડી સમ
    ઝરતું સ્મિત લઈને;
    કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
    આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

    સૌની ભીતર પડ્યો હોય છે
    એક ચમકતો હીરો,
    ચલો શોધીએ ભીતર જઈને
    ખુદની તેજ-લકીરો;
    ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
    આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

  • રંગોનો ચોર

    ઈશ્વરી ડૉક્ટર

    સવારનો સોનેરી તડકો. રૂનાં ઢગલાં જેવા વાદળો. વાદળો વચ્ચેથી ડોકાતો, છુપાતો સૂર્ય.

    સવારથી વરસી રહેલો વરસાદ હમણાં જ થંભ્યો હતો. પક્ષીઓ ભીની પાંખ ખંખેરીને ચણની શોધમાં ઊડી રહ્યા હતા. સૂર્યનાં આગમન સાથે જ વરસીને ચોખ્ખા થયેલાં આકાશમાં વિશાળ મેઘધનુષ રચાઈ ગયું.

    પરંતુ, આ શું…….? મેઘધનુષમાંથી બધાં રંગો જ ગાયબ! મેઘધનુષનાં સાતે ય રંગો કોણ ચોરી ગયું?

    હવાની પાંખ પર બેસીને સંદેશો પહોંચ્યો છેક મેઘરાજાનાં દરબારમાં….

    મેઘધનુષનાં સાતે રંગો ગાયબ છે…….

    મેઘરાજાએ વાદળોનાં પડઘમ વગાડી સંદેશો છેક ધરતી સુઘી મોકલ્યો: વરસાદી રાતે મેઘધનુષનાં રંગો ચોરી જનાર ચોરને શોધો:

    ધરતી પણ ચિંતામાં પડી ગઈ. મેઘધનુષનાં રંગો કોણ ચોરી ગયું?ધરતીએ આકાશમાં નજર કરી તો રંગો વગરનું મેઘધનુષ સાવ ફિક્કું લાગી રહ્યું હતું.

    રંગો ગયા તો ગયા કયાં?

    મેઘરાજાએ હવા, પાણી, ધરતી સૌને કામે લગાડી દીધા.

    મેઘધનુષનાં રંગો શોધો…….

    રંગવિહીન મેઘધનુષથી મારો દરબાર કેવી રીતે શોભે?

    હવા અને પાણીએ સવાલ કર્યો:”કયા કયા રંગો હતાં?”

    મેઘરાજાએ વાદળ પર સંદેશો લખીને મોકલ્યો.

    રંગોની યાદી: જાંબલી, નીલો,વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો.

    હવા બોલી:” રાજાજી,આ તો બહુ મોટી યાદી છે. અમને તો યાદ ના રહે.”

    મેઘરાજા બોલ્યાં:”તમે ટૂંકમાં યાદ રાખો. જા, ની, વા, લી, પી, ના, રા…..આ રીતે યાદ રાખવું એકદમ સરળ છે.”

    સૌ રંગોની શોધમાં નીકળી પડ્યા: ચોરે ક્યાં છુપાવ્યા હશે?:

    સૌ પ્રથમ બધાં જાંબલી રંગની શોધ કરવા લાગ્યા.

    હવાની નજર જાંબુનાં ઝાડ પર પડી. ઝાડ પરથી પાકાં જાંબુ જમીન પર પડી રહયા હતા. જમીન પર જાંબલી રંગ ફેલાઈ રહ્યો હતો. જાંબુના ઝાડે ચોર્યો છે જાંબલી રંગ….. સૌ ઝાડને પકડવા દોડ્યા. જાંબુનું ઝાડ બોલ્યું:”મારા પર વિશ્વાસ કરો. આ જાંબલી રંગ તો મારો પોતાનો છે. કુદરતે મને ભેટમાં આપ્યો છે. વરસોથી મારી પાસે છે.”

    સૌ નિરાશ થઈ ને નીલા રંગની શોધમાં આગળ વધ્યાં. ધરતીએ ઉપર નજર કરી તો વિશાળ આકાશમાં ભરપૂર નીલો રંગ ફેલાયેલો હતો.

    : નીલા રંગનો ચોર મળી ગયો…….:

    સૌ આકાશ તરફ દોડ્યા. આકાશ બોલ્યું:”નીલો રંગ તો જનમથી મારી પાસે છે. મારા અસ્તિત્વની નિશાની છે.” સૌ દુઃખી થઈ ગયા: ચોરે સંતાડેલા રંગો શોધવા ક્યાં?

    ત્યાં જ, આકાશમાં વાદળો દેખાયાં. હવા બોલી:” અરે! વાદળી રંગ તો આ રહ્યો.ચોરે વાદળમાં સંતાડ્યો છે.”

    વાદળ બોલ્યુ: ” મિત્રો, વાદળી રંગ તો મારી આગવી ઓળખ છે. એટલે તો મને વાદળ નામ આપવામાં આવ્યું છે.”

    સૌ હતાશ થઈને લીલા રંગની શોધમાં જંગલ સુઘી પહોંચી ગયા. જંગલ આખામાં લીલો રંગ પથરાયેલો હતો. અધીરા થયેલાં હવા, પાણી અને ધરતી એક સાથે પૂછી બેઠાં:”તારી પાસે આ લીલો રંગ ક્યાંથી આવ્યો? ચોરે તારામાં છુપાવ્યો છે ને?”

    જંગલ:”લીલો રંગ તો મારા જીવનની નિશાની છે. સૂર્ય દેવે મને ભેટમાં આપેલો છે.”

    હવા ચિંતિત થઈને બોલી:”જંગલ, તેં પીળો રંગ ક્યાંય જોયો? લીલા રંગ સાથે અમે એને પણ શોધી રહ્યા છીએ.”

    ત્યાં જ, તેની નજર સૂર્યમુખીનાં ફૂલ પર પડી. તેનો પીળો રંગ જોઈને હવા બોલી ઊઠી:”મેઘધનુષનો પીળો રંગ મળી ગયો. ચોરે સૂર્યમુખીમાં છુપાવ્યો છે.” હવા તો પાણીનો હાથ પકડી ને સૂર્ય મુખી તરફ દોડી.

    પાણી બોલ્યુ:”સૂર્યમુખી, મેઘધનુષનો પીળો રંગ ચોરે તારામાં છુપાવ્યો છે. મેઘરાજાનો આદેશ છે કે ચોરાયેલા રંગો શોધી ને પાછાં લઈ આવો. મેઘધનુષનો પીળો રંગ અમને પાછો આપી દે. નહીંતર, મેઘરાજા તને સજા કરશે.”

    સૂર્યમુખી:”અરે!આ પીળો રંગ તો મારી ખાસિયત છે. સૂર્ય દેવ એમનાં કિરણો દ્વારા મને પીળો રંગ આપતા રહે છે. સૂર્ય જે દિશામાં જાય એ દિશામાં હંમેશા હું મારું મોઢું રાખું છું. સૂર્ય જ મારું ધ્યેય છે. મારા ધ્યેય પર જ મારું લક્ષ હોય છે. તમને શંકા હોય તો સૂર્ય દેવને પૂછી જુઓ.”

    હવા: “ના, ના સૂર્યમુખી અમને તારામાં વિશ્વાસ છે. અમને થોડી મદદ કરીશ?”

    સૂર્યમુખી:”બોલ મિત્ર, હું તને શું મદદ કરી શકું?”

    હવા:”અમે જાંબલી, નીલો, વાદળી, લીલા અને પીળા રંગની શોધ કરી પણ અમને મળ્યો નથી. મેઘરાજાએ આપેલી રંગોની યાદીમાં હવે ફકત નારંગી અને રાતા રંગની શોધ માટે પ્રયત્ન કરવાનો બાકી છે.તું એ રંગોની શોધમાં કંઈ મદદ કરી શકે?”

    સૂર્યમુખી :”હા, હું હંમેશા મારું મુખ સૂર્ય તરફ રાખું છું. સવારે સૂર્ય ઊગતો હોય ત્યારે મારું મોઢું પૂર્વ તરફ રાખું છું. સાંજે આથમતો હોય ત્યારે પશ્ચિમ તરફ રાખું છું. સવારે ઉગતા સૂર્ય સાથે ખીલતી ઉષા મેં જોઈ છે. આથમતાં સૂર્ય સાથે ઢળતી સંધ્યા પણ જોઈ છે. ઉષા અને સંધ્યા પાસે નારંગી અને રાતો રંગ ભરપૂર છે.ચોરે એ બંને રંગો તેમાં છુપાવ્યા હોઈ શકે.”

    હવા ને પાણી,ઉષા અને સંધ્યા પાસે દોડી ગયા. અધીરા થયેલાં હવા, પાણી બોલી ઊઠ્યા:

    “ઉષા, સંધ્યા મેઘધનુષનાં રંગોનાં ચોરે નારંગી અને રાતો રંગ તમારામાં છુપાવ્યાં છે. જલદી પાછા આપી દો. નહીંતર, મેઘરાજા તમને સજા કરશે.”

    ઉષા અને સંધ્યા એકસાથે બોલી ઊઠ્યા:”ના, ના આ રંગો તો અમારાં મનમાં રહેલી આશા છે. ઊગતો અને આથમતો સૂર્ય અમને રોજ આપતો રહે છે.

    નવજીવનની આશા……સૂર્ય રોજ આથમે છે છતાં સવારે એક નવી આશા સાથે ઊગે છે. નારંગી અને રાતો રંગ તો આશાની નિશાની છે. યુગોથી મારી પાસે છે.”

    ઉષા અને સંધ્યાની વાત સાંભળીને હવા અને પાણી નિરાશ થઈ ગયા. હવે મેઘધનુષનાં રંગોને શોધવા ક્યાં? ચોરે ક્યાં છુપાવ્યા હશે? મેઘરાજાને શું જવાબ આપવો?

    ત્યાં જ, સૂર્યદેવે વાદળોની વચ્ચેથી દર્શન દીધા.

    સૂર્યદેવ:”ઉષા અને સંધ્યા પાસે તેમનાં પોતાનાં જ રંગો છે. ચોરે આપેલાં રંગો તેમણે છુપાવ્યા નથી. તમે મેઘધનુષનાં રંગો શોધો છો. પરંતુ, જાણો છો? મેઘ ધનુષનાં રંગો એ એની ખૂબીઓ છે. નવજીવનની આશા, ખુશી,ધ્યેય, વગેરે ખૂબીઓથી ભરેલાં રંગો કોઈએ ચોર્યા નથી. તે બધાં રંગો તો મેઘધનુષમાં પોતાનાંમાં જ છુપાયેલા છે. જરા ધ્યાનથી જુઓ. હું આત્મવિશ્વાસ રૂપી કિરણો મેઘધનુષને આપું છું. પછી જુઓ કમાલ………….”

    સૂર્યદેવે કિરણો ફેકતાં જ મેઘ ધનુષમાં આત્મવિશ્વાસ ઝળકી રહયો. મેઘધનુષ સોળે કળાએ ખીલી ને સાતે ય રંગો સાથે પ્રકાશિત થઈ ઊઠ્યું.
    કુદરત ખુશ થઈ ને બોલી ઊઠી:”મેઘધનુષનાં ચોરાયેલા સાતે રંગો પાછાં મળી ગયાં………”

    મેઘધનુષનાં રંગો પાછાં મળતાં મેધરાજા પણ આનંદિત થઈ ગયા.

    મેઘધનુષ પણ આનંદથી નાચી ઉઠ્યું. એને સમજાઈ ગયું હતું કે,

    “આંતરિક ખૂબીઓને ઉજાગર કરવા માટે આત્મવિશ્વાસ એ પ્રથમ પરિબળ છે.”

  • વાદ્યવિશેષ : (૮) – તંતુવાદ્યો (૩) – મેન્ડોલીન (૨)

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

     મેન્ડોલીન વિશેની આ કડીની શરૂઆત એક વિશિષ્ટ પ્રસ્તુતિથી કરીએ. એક ફિલ્મી સંગીતનિર્દેશક તરીકે સજ્જાદ હુસૈનનું નામ બહુ સફળ નહીં થયેલા પ્રતિભાશાળી સંગીતકારોમાં આવે. પણ, એક કાબેલ મેન્ડોલીનવાદક તરીકે તેમનું નામ શાસ્ત્રીય સંગીતના જાણકારોમાં બહુ જ આદરપૂર્વક લેવાય છે. આધારભૂત માહીતિ મુજબ ખ્યાતનામ ગાયક ઉસ્તાદ બડે ગુલામઅલી ખાને સજ્જાદના વાદનને બીરદાવતાં કહેલું કે આ કલાકાર મેન્ડોલીન જેવા પ્રમાણમાં નાના વાદ્ય પાસેથી સરોદ જેવી અસર ઉપજાવી જાણે છે! આ શબ્દોને સાર્થક કરતી હોય તેવી સજ્જાદે વગાડેલી એક ગત સાંભળીએ.

    અગાઉની કડીમાં ઉલ્લેખેલી મેન્ડોલીનની એક ખાસિયત ફરી એકવાર યાદ કરી લઈએ કે આ વાદ્યના સૂર ત્ર્ર્ટક ત્રૂટક હોય છે અને તેનું ગૂંજન ઘણું ઓછું હોય છે. આથી તેમાં સળંગસૂત્રતા આવે એ રીતે વગાડવું ખુબ મુશ્કેલ હોય છે.

    હવે સાંભળીએ ચુનંદાં મેન્ડોલીન પ્રધાન ફિલ્મી ગીતો-

    ૧૯૫૧માં રજૂ થયેલી ફિલ્મ ‘ઢોલક’નાં ગીતો સંગીતકાર શ્યામસુંદરના નિર્દેશનમાં બન્યાં હતાં. પ્રસ્તુત ગીત ચોરી ચોરી આગ સી દિલ મેં લગા કર ચલ દીયે સાંભળતાં જ તેમાં સતત વાગતા મેન્ડોલીનના સૂર પરખાઈ આવે છે.

    ફિલ્મ ‘ચાંદની ચોક’ (૧૯૫૪)માં રોશનનું સંગીતનિર્દેશન હતું. આ ફિલ્મના ગીત તેરા દિલ કહાં હૈમાં એ હદે મેન્ડોલીન સાંભળવા મળે છે કે જાણે ગાયકી મેન્ડોલીનની સંગત કરતી હોય! એક રસપ્રદ નોંધ…. પ્રસ્તુત ગીત સાંભળતી વેળા ચાહકોને આવી જ તરજ ઉપર બનેલાં અન્ય ત્રણ ફિલ્મી ગીતો યાદ આવી શકે છે.

    ૧૯૫૫ની ફિલ્મ ‘રેલ્વે પ્લેટફોર્મ’માં મદનમોહનનું સંગીત હતું. તેના અતિશય લોકપ્રિય બની રહેલા ગીત બસ્તી બસ્તી પરબત પરબત ગાતા જાયેમાં પૂરા ગીતમાં મેન્ડોલીનના કર્ણપ્રિય અંશો સંભળાયા જ કરે છે,

    https://www.youtube.com/watch?v=6KdBxkdDvuo
    ફિલ્મ ‘દીલ્લી કા ઠગ’ (૧૯૫૮)નાં ગીતો સંગીતકાર રવિના નિર્દેશનમાં બન્યાં હતાં. તે પૈકીના પ્રસ્તુત ગીત યેહ રાતેં યેહ મૌસમ નદી કા કિનારા સાંભળતાં જ તેમાં ગૂંથાયેલા મેન્ડોલીનના ટૂકડાઓ તરત જ પરખાઈ આવે છે.

    રવિનું જ સ્વરબદ્ધ કરેલું વધુ એક ગીત સાંભળીએ. ફિલ્મ ‘ચૌદહવી કા ચાંદ’ (૧૯૬૦)ના ટાઈટલગીતમાં મેન્ડોલીનના યાદગાર અંશો કાને પડતા રહે છે.

    https://www.youtube.com/watch?v=wRbBORKhGYg
    ૧૯૬૦ના વર્ષે જ પ્રદર્શિત થયેલી વધુ એક ફિલ્મ ‘છબીલી’નું  મેન્ડોલીન પ્રધાન ગીત લહરોં પે લહર પ્રસ્તુત છે. આ ફિલ્મનું સંગીત સ્નેહલ ભાટકરે તૈયાર કર્યું હતું.

    ૧૯૬૩ના વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘મેરી સૂરત તેરી આંખેં’નાં ગીતો સચીનદેવ બર્મનના નિર્દેશનમાં તૈયાર થયાં હતાં. તેના પ્રસ્તુત ગીત યે કીસ ને ગીત છેડા સાથે વાગી રહેલા વાદ્યવૃંદમાં સમય સમયે મેન્ડોલીન હાજરી પૂરાવી જાય છે. ખાસ કરીને પ્રિલ્યુડમાં વાંસળી અને સંતૂરના હળવા સૂરો વડે થતા ઉઘાડ પછી એકાએક જ ઝડપથી વાગવા લાગતા મેન્ડોલીનના અંશો અનોખી અસર ઉપજાવી જાય છે.

    ૧૯૬૩ના વર્ષમાં જ રજૂ થયેલી ફિલ્મ ‘બંદીની’માં પણ સચીનદેવ બર્મનનું સંગીત હતું. તેના ગીત મોરા ગોરા અંગ લઈ લે માં મેન્ડોલીનના યાદગાર ટૂકડાઓ છે.

    મદનમોહનના સંગીતનિર્દેશનમાં બનેલાં ફિલ્મ ‘વોહ કૌન થી’ (૧૯૬૪)નાં ગીતો પૈકીનું લગ જા ગલે કે ફીર યે હંસી રાત હો ન હો ની લોકપ્રિયતા આજે છ દાયકા પછી પણ બરકરાર છે. આ ગીતના વાદ્યવૃંદની સજાવટમાં મેન્ડોલીનનું પ્રદાન મહત્વનું છે.

    https://www.youtube.com/watch?v=TFr6G5zveS8
    બહુ જાણીતા ન થયા એવા એક સંગીતકાર બુલો સી રાની(બુલો ચંદીરામાની) તેમની સુમધુર ધૂનો દ્વારા ચાહકોના હ્રદયમાં આગવું સ્થાન ધરાવે છે. ફિલ્મ ‘સુનહરે કદમ’ (૧૯૬૬) માટે તેમણે બનાવેલું ગીત માંગને સે જો મૌત મીલ જાતી સાંભળતાં ખ્યાલ આવે છે કે પ્રિલ્યુડ અને ઈન્ટરલ્યુડમાં તો ખરા જ, ગાયકી દરમિયાન પણ મેન્ડોલીનના ટહૂકા કાને પડતા રહે છે.

    ફિલ્મ ‘પ્યાર કા મૌસમ’ (૧૯૬૮)નાં ગીતોને રાહુલદેવ બર્મને સ્વરબધ્ધ કર્યાં હતાં. તેનું એક ગીત તુમ બિન જાઉં કહાં બે અલગ અલગ ગાયકો – મહંમદ રફી અને કિશોરકુમાર – ના અવાજમાં રેકોર્ડ થયું હતું. તે બન્ને ગીતોમાં મેન્ડોલીનના યાદગાર અંશો છે. એમાં પણ રફીના અવાજમાં રેકોર્ડ થયેલા ગીતમાં તો મેન્ડોલીનનું ખાસ્સું પ્રાધાન્ય છે.

    https://www.youtube.com/watch?v=TKxirYqKfdU
    ફિલ્મ ‘ગેમ્બલર’ (૧૯૭૧)નું સચીનદેવ બર્મનનું સ્વરબધ્ધ કરેલું ગીત દિલ આજ શાયર હૈ ગમ આજ નગ્મા હૈ’ સાંભળીએ. નોંધનીય છે કે સમગ્ર ગાયકી દરમિયાન મેન્ડોલીન સંભળાતું જ રહે છે. યાદ કરીએ કે આ પ્રકારની સંગત ‘કાઉન્ટર્સ’ અથવા તો ‘ઓબ્લિગેટોઝ’ તરીકે ઓળખાય છે.

    ૧૯૭૮માં રજૂઆત પામેલી ફિલ્મ ‘શાલીમાર’નું ગીત દો લબ્ઝોં કી હૈ દિલ કી કહાની ખુબ જ લોકપ્રિય બન્યું હતું. સંગીતનિર્દેશન રાહુલદેવ બર્મનનું હતું. ગીતના વાદ્યવૃંદમાં મેન્ડોલીનનું ખાસ્સું પ્રાધાન્ય જણાઈ આવે છે.

    આખરમાં માણીએ એક યાદગાર મેન્ડોલીનપ્રધાન ગીત. ૧૯૭૯માં રજૂ થયેલી ફિલ્મ ‘સરગમ’નાં ગીતો લક્ષ્મીકાત-પ્યારેલાલના સંગીતનિર્દેશનમાં બન્યાં હતાં. દરેક ગીતની વાદ્યવૃંદ સજાવટ યાદગાર બની છે. તે પૈકીનું ગીત પરબત કે ઈસ પાર પરબત કે ઉસ પાર સાંભળતાં જ અવારનવાર મેન્ડોલીનની હાજરી પરખાતી રહેશે.

     

    https://www.youtube.com/watch?v=uXwmiddQ8DI
    મેન્ડોલીનપ્રધાન ફિલ્મી ગીતો વિશે આટલેથી અટકીએ. આવતી કડીમાં નવા વાદ્ય સાથે મળશું.


    નોંધ :

    ૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • શીર્ષક આવરતા ગીતો – ૧

    નિરંજન મહેતા

    અગાઉની ફિલ્મોમાં તે ફિલ્મના શીર્ષકને તેના કોઈ એક ગીતમાં આવરી લેવાતું. આમ તો એવા કેટલાય ગીતો આપને ધ્યાનમાં આવતા હશે પણ તેમાંના થોડાનો ઉલ્લેખ આ લેખ દ્વારા કર્યો છે. ગીતોની સંખ્યા વધુ હોય તેને ચાર ભાગમાં રજુ કરાશે.

    સૌ પ્રથમ પ્રસ્તુત છે ૧૯૪૯નુ ફિલ્મ ‘બરસાત’નુ  સદાબહાર ગીત

    बरसात में हम से मिले तुम ही सजन

    तुम से मिले हम बरसात में

    પ્રેમનાથ અને રાજકપૂરની આગળ પોતાના ભાવ વ્યક્ત કરતી નિમ્મી પર આ નૃત્યગીત રચાયું છે. છેવટના ભાગમાં પ્રેમનાથને છોડીને જતાં જોઈ ગીતનો સ્વર આજીજીમાં બદલાઈ જાય છે. શૈલેન્દ્રનાં શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિશને. હલકભર્યો સ્વર છે લતાજીનો.

     

    ૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’નુ ગીત એક બેફીકરા યુવાનના ભાવ વ્યક્ત કરે છે

    आवारा हु आवारा हु

    या गर्दिश में हूँ आसमां का तारा हूँ

    રાજકપૂર પર રચાયેલ આ ગીત પણ શૈલેન્દ્રની રચના છે અને સંગીત આપ્યું છે શંકર જયકિશને. સ્વર છે મુકેશનો.

     

    ૧૯૫૫ની ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’નુ આ ગીત જ શીર્ષક ગીત છે.

    झनक झनक पायल बाजे

    पायलिया की रुनक जूनक पे

    छम छम मनवा नाचे

    ગીતમાં કોઈ કલાકાર નથી દેખાડાયા પણ બે નૃત્ય કલાકારોના પગ દેખાય છે જે તેમના ઠુંમકાથી રંગ ઉડાડે છે અને ત્યારબાદ ફિલ્મનુ ટાઈટલ અને અન્ય માહિતી આ ગીત દરમિયાન દર્શાવાય છે. આ પાર્શ્વગીત ઉસ્તાદ આમીરખાનનાં કંઠે મુકાયું છે જેને સંગીતબદ્ધ કર્યું છે વસંત દેસાઈએ. ફિલ્મના મુખ્ય કલાકારો છે સંધ્યા અને ગોપીકિસન.

    https://youtu.be/CY31dAHoXFY
    ૧૯૫૫ની ફિલ્મ ‘ઉડનખટોલા’નુ ગીત છે

    मेरा सलाम लेजा

    दिल क पयाम लेजा

    उल्फत का जाम लजा

    उड़न खटोलेवाले राही

    અજાણ્યા પ્રદેશમાં દિલીપકુમારનું વિમાન તૂટી પડે છે અને નિમ્મી તેને બચાવે છે જે પ્રેમમાં પરિવર્તિત થાય છે. આ ગીત દિલીપકુમારના વિમાનને જતાં જોઈ નિમ્મી ગાય છે. શકીલ બદાયુનીનાં શબ્દો અને નૌશાદનુ સંગીત. ગાનાર કલાકાર લતાજી.

     

    ૧૯૫૭ની ફિલ્મ ‘કઠપૂતલી’નુ આ ગીત સાંકેતિક ગીત છે.

    बोल री कठपुतली डोरी कौन संग बाँधी

    सच बता तूं नाचे किस के लिये

    કઠપુતળી કોઈના સંચારથી નાચતી હોય છે તેને અનુરૂપ આ ગીતમાં દર્શાવાયું છે જે વૈજયંતીમાલા પર રચાયું છે. શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે લતાજીનો.

     

    ૧૯૫૯ની ફિલ્મ ‘પૈગામ’નુ ગીત એક પ્રોત્સાહક ગીત છે,.

    इंसान का इनसान से हो भाईचारा

    यही है पैगाम हमारा

    નિરાશ મોતીલાલને પ્રોત્સાહિત કરતા દિલીપકુમાર પર આ ગીત રચાયું છે. રચના છે કવિ પ્રદીપજીની અને સંગીતકાર છે સી. રામચંદ્ર જેના ગાયક છે મન્નાડે.

     

    ૧૯૫૯ની ફિલ્મ  ‘અનાડી’નુ ગીત એક ભોળા યુવાનના મનોભાવ વ્યક્ત કરે છે.

    सब कुछ सिखा हमने

    ना सीखी होशियारी

    कहते है दुनियावालो

    के हम है अनाडी

    સાદી સીધી વ્યક્તિને દુનિયા અનાડી સમજે છે તે આ ગીતનો મતલબ છે જે રાજકપૂર પર રચાયું છે. શૈલેન્દ્રના શબ્દો છે અને શંકર જયકિશનનુ સંગીત. ગાયક મુકેશ.

     

    ૧૯૬૦ની ફિલ્મ ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’નુ ગીત જોઈએ.

    दिल अपना और प्रीत पराई

    किसने है ये रीत बनाई

    પ્રણય ત્રિકોણ પર રચિત ફિલ્મનુ આ ગીત પોતાના પ્રેમીને અન્ય સાથે લગ્ન કરેલા જોઈ હતાશ મીનાકુમારી પર રચાયું છે. શૈલેન્દ્રનાં શબ્દો અને શંકર જયકિશનનુ સંગીત જેને સ્વર આપ્યો છે લતાજીએ.

     

    ૧૯૬૦ની ફિલ્મ ‘છલિયા’નુ આ ગીત જુદા જ પ્રકારની ભાવના વ્યક્ત કરે છે

    छलिया मेरा नाम छलिया मेरा नाम

    हिन्दू मुस्लिम सिख इसाई सब को मेरा सलाम

    ખીસાકાતરૂ તરીકે રાજકપૂર પર આ ગીત રચાયું છે જેમાં તે એક સંદેશો પણ આપે છે. કમર જલાલાબાદી આ ગીતના રચયિતા છે જેને સંગીત આપ્યુ છે કલ્યાણજી આણંદજીએ. ગાયક છે.મુકેશ.

     

    ૧૯૬૦ની ફિલ્મ ‘ચૌધવી કા ચાંદ’નુ આ ગીત એક રોમાન્ટિક ગીત છે.

    चौदहवी का चाँद हो या आफताब हो

    जो भी हो तुम खुदा की कसम लाजवाब हो

    સુતેલી વહીદા રહેમાનના રૂપને જોઇને ગુરુદત્ત આ ગીત ગાય છે જેના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે રવિએ. સ્વર છે રફીસાહેબનો.

    https://youtu.be/wRbBORKhGYg?si=KE6RewP9FIGbwUjb
    ૧૯૬૦ની ફિલ્મ ‘બરસાત કી રાત’નુ ગીત પ્રેમીને આવતી યાદને રજુ કરે છે.

     

    जिंदगी भर नहीं भूलेगी वो बरसात की रात

    एक अनजान हसीना से मुलाक़ात की रात

    ભારત ભૂષણ પર રચાયેલ આ ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને રોશનનુ સંગીત. ગાયક રફીસાહેબ.

    આ જ ગીત બીજીવાર એક યુગલ ગીત તરીકે મુકાયું છે

    जिंदगी भर नहीं भूलेगी वो बरसात की रात

    एक अनजान मुसाफिर से मुलाक़ात की रात

    મધુબાલા અને ભારતભૂષણ આ ગીતના કલાકાર છે. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને રોશનનુ સંગીત. લતાજી અને રફીસાહેબ ગાયક કલાકારો.

    ૧૯૬૧ની ફિલ્મ ‘આસ કા પંછી’નુ ગીત એક સકારાત્મક ગીત છે.

    दिल मेरा एक आस का पंछी

    उड़ता है ऊंचे गगन पर

    पहुचेगा एक दिन कभी तो

    चाँद की उजली जमीं पर

    રાજેન્દ્ર કુમાર સૈનિકના રૂપમાં છે અને આ ગીત દ્વારા પોતાના ભાવ વ્યક્ત કરે છે જેના શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત છે શંકર જયકિસનનુ. ગાયક કલાકાર સુબીર સેન.

     

    ૧૯૬૧ની ફિલ્મ ‘જંગલી ‘નુ આ ગીત પણ પ્યારમાં પડેલા યુવાનોનુ માનીતું ગીત છે.

    चाहे कोई मुझे जंगली कहे

    कहने दो जी कहता रहे

    हम प्यार के तुफानो में गिरे है

    हम क्या करे

    શમ્મીકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ખુલ્લા દિલે ગાનાર છે રફીસાહેબ

     

    ૧૯૬૧ની ફિલ્મ ‘સારંગા’નુ આ ગીત એક વિરહગીત છે.

    सारंगा तेरी याद में नैन हुए बेचेन

    मधुर तुम्हारे मिलन बिना

    दिन कटते नहीं रैन

    સુદેશકુમાર પોતાની વેદના ભરત વ્યાસના શબ્દો દ્વારા વ્યક્ત કરે છે. સરદાર મલિકનુ સંગીત અને ગાયક મુકેશ.

    ૧૯૬૧ની ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ના આ ગીતમાં પ્રેમમાં પાગલ વ્યક્તિ પોતાના મનોભાવને વાચા આપે છે.

    हो हो हो जिया हो जिया दोबोल दो

    अरे ओ दिल का पर्दा खोल

    जब प्यार किसी से होता है

    तो दर्द सा दिल में होता है

    ટ્રેનમાં મુસાફરી કરતી રિસાયેલી આશા પારેખને મનાવવા દેવઆનંદ કારની છત પર બેસી આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. રફીસાહેબનો સ્વર.

    ૧૯૬૧ની ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’નુ આ ગીત દેશભક્તિના ગીતના પ્રકારનુ છે.

    होठो पे सच्चाई रहती है

    दिल में सफाई रहती है

    हम उस देस के वासी है

    जिस देस में गंगा बहती है

    કલાકાર છે રાજકપૂર. ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન. ગાનાર કલાકાર છે મુકેશ.

     

    ૧૯૬૨ની ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા’નુ આ ગીત જોઈએ.

    बोल मेरी तकदीर में क्या है

    मेरे हमसफर अब तो बता

    जीवन के दो पहेलु है

    हरियाली और रास्ता

    માલા સિંહા કલાકાર છે જેના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનુ. ગાયિકા લતાજી.

    આજ ગીત બીજી વાર પણ આવે છે જેમાં માલા સિંહા સાથે મનોજકુમાર પણ દેખાય છે. ગીતકાર છે હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિશને. સ્વર આપ્યો છે લતાજી અને મુકેશે.

    ૧૯૬૨ પછીની ફિલ્મો ભાગ બેમાં


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૨૨. ફારૂક કૈસર

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    સોથી વધુ ફિલ્મોમાં ચાર સોથી વધુ ગીતો લખનાર ફારૂક કૈસરની યાદ નવી પેઢીને આપવી હોય તો એમ કહેવાય કે મિથુન ચક્રવર્તીની ફિલ્મ ‘ ડિસ્કો ડાંસર ‘ નું ધૂમ ચાલેલું ગીત ‘ ઔવા ઔવા કોઈ યહાં ઓહો નાચે નાચે ‘ એમણે લખેલું ! કેવી વિડંબના ?

    ફારૂક કૈસરની કારકિર્દી શરુ થઈ છેક ૧૯૫૦ થી પણ એમને ખ્યાતિ મળી ફિલ્મ અજી બસ શુક્રિયાના ગીત ‘ સારી સારી રાત તેરી યાદ સતાએ ‘ થી. એ પછી પણ ‘ દિલ લૂટને વાલે જાદૂગર ‘ ( મદારી ), ‘ સાઝે દિલ છેડ દે ક્યા હંસી રાત હૈ ‘ ( પાસપોર્ટ ), ‘ તુમ કો પિયા દિલ દિયા કિતને નાઝ સે અને ચમન કે ફૂલ ભી તુજકો ગુલાબ કહતે હૈં ‘ ( શિકારી ) , ‘ હંસતા હુઆ નૂરાની ચેહરા ‘ (પારસમણિ), ‘ બાત જરા હૈ આપસ કી ‘ ( જહાં પ્યાર મિલે) , ‘ તુજ પે કુરબાન મેરી જાન ‘ (કુરબાની) અને ‘ નઝર મેં બિજલી અદા મેં શોલે ‘ ( પ્રિંસ ) ખાસ્સા લોકપ્રિય થયા. ૭૦ અને ૮૦ ના દાયકામાં મિથુન ચક્રવર્તી અને દિગ્દર્શક રાકેશ રોશનના એ માનીતા ગીતકાર હતા .

    એમણે ગઝલો લખી પણ નહીંવત. જે હાથ લાગી તે દુર્લભ છે અને બહુ જ ઓછી સંભળાતી પણ. અહીં આપી છે એ પહેલી ગઝલ તો સુલોચના કદમ નામની ગાયિકાએ અદ્ભૂત ગાઈ છે ! પેશ છે :

    વો આએ હૈં દિલ કો કરાર આ ગયા હૈ
    મુહોબત સે દિલ પે નિખાર આ ગયા હૈ

    હુએ પૂરે અરમાં ખિલી દિલ કી કલિયાં
    મેરા  આજ  રશ્કે બહાર  આ ગયા હૈ

    ટપકને  લગી  હૈ  અદાઓં સે મસ્તી
    નિગાહોં મેં દિલ પે ખુમાર આ ગયા હૈ

    મૈં અપની વફાઓં કે કુરબાન જાઉં
    મેરા  ચૈન  મેરા  કરાર આ ગયા હૈ ..

    –  ફિલ્મ : મલ્લિકા સલોમી ૧૯૫૩

    – સુલોચના કદમ

    – કૃષ્ણ દયાલ

    ( નવા ગીતોના શોખીનોને ‘ બહોત પ્યાર કરતે હૈં તુમકો સનમ ‘ યાદ ન આવે તો જ નવાઈ ! )

    તુમ સે કરતે ન અગર પ્યાર તો અચ્છા હોતા
    દિલ કો લગતા ન યે આઝાર તો અચ્છા હોતા

     

    દિલ કી ઝિદ ને હમેં બદનામ ઝમાને મેં કિયા
    પહલે હી માનતે ગર હાર તો અચ્છા હોતા

     

    સુખ કી દો ચાર ઘડી હાએ બિતાતે હમ ભી 
    ગૈર બનતે ન જો દીવાર તો અચ્છા હોતા

     

    મૌત સે પહલે હૈ અબ એક તમન્ના દિલ કી
    દેખ લેતે તુમ્હેં એક બાર તો અચ્છા હોતા..

     

    – ફિલ્મ : સખી લુટેરા ૧૯૫૫

    – આશા ભોંસલે

    – ઈકબાલ


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • બાળ ગગન વિહાર – મણકો – ૨૯ – વાત અમારા દીમાન્તેની

    શૈલા મુન્શા

    આંધળાની સામે તમે મૂક્યો અરીસો,
    ને પાંગળાની પાસે મૂક્યો પહાડ;
    બહેરાની આસપાસ સૂનમૂન ઊભા છે અહીં
    પંખીના ટહુકાના ઝાડ!

    – સુરેશ દલાલ

    દીમાન્તે જેવા અબૂધ બાળકની પણ એવી જ કોઈ વિડંબણા હતી. માબાપના છૂટાછેડાનુ પરિણામ એ ભોગવી રહ્યો હતો.

    દીમાન્તે એક આફ્રિકન બાળક દશ વર્ષની ઉંમર પણ ઉંમરના પ્રમાણમાં થોડો મોટો લાગે. ઍટલાન્ટા દાદી સાથે રહેતો હતો કારણ, મમ્મી-પપ્પા અલગ થયા અને મમ્મીએ બીજા લગ્ન કર્યાં. પપ્પાનુ કામ એવું કે કામધંધા અર્થે બહારગામ વધુ જવું પડે. આ કારણસર દાદીએ દીમાન્તેને સંભાળવાની જવાબદારી લીધી. થોડા સમય પહેલાં દાદીનું અવસાન થયું, એટલે દીમાન્તે હ્યુસ્ટન આવ્યો હતો એના પપ્પા પાસે.

    બાળપણથી જ કોઈ પણ જાતના પ્રેમ લાગણી વગર ઉછરેલા દીમાન્તેની જિંદગી ફુટબોલની જેમ જ આમતેમ ફંગોળાતી રહી હતી. દીમાન્તે દિવ્યાંગ બાળક હતો, પણ આવી પરિસ્થિતિને કારણ દિવસે દિવસે એનું વર્તન આક્રમક બનતું ગયું.
    દીંમાન્તેની વય દશ વર્ષની હતી એટલે એને અમારા “Life skill” ના ક્લાસમાં દાખલ કરવામાં આવ્યો હતો.
    “Life skill” ના વર્ગમાં એકથી પાંચમાં ધોરાણના બાળકો એક સાથે જ હોય, ફક્ત હર વર્ષ એમની ઉંમર પ્રમાણે એમની ફાઈલ બદલાતી જાય અને લેબલ પણ! પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં. દીમાન્તેને એની વય અનુસાર પાંચમાં ધોરણમાં દાખલ કરવામાં આવ્યો હતો.

    જે વર્ષે દીમાન્તે અમારા ક્લાસમાં આવ્યો ત્યારે બાર બાળકો પહેલેથી જ ક્લાસમાં હતા અને જુદી જુદી વયના હતા. ઉંમરના હિસાબે દીમાન્તેને પાંચમા ધોરણ નુ લેબલ લાગ્યું હતું પણ એના વર્તનને અને પાંચમા ધોરણનો કોઈ તાલમેલ નહોતો. માનસિક રીતે એ ઘણો બાળક બુધ્ધિ હતો.

    બેચાર દિવસ તો દીમાન્તેનું વર્તન બહુ ચિંતાજનક નહોતું. એ નવો હતો અને એને માટે આ જગ્યા, આ વાતાવરણ પણ નવું હતું, પણ બે ચાર દિવસમાં જ એના તોફાને માઝા મુકી. ક્લાસમાં કબાટ પર ચડી જતો, ખુરશી ઉપાડીને છૂટ્ટો ઘા કરતો,અચાનક ચીસાચીસ કરે અને સહુ ડરી જતા.. પહેલીવાર જ્યારે એ ટેબલ પર ઊભો થઈ કબાટ પર ચડ્યો કે બીજા બધા બાળકો ડરના માર્યા બાજુના નાના બાળકોના ક્લાસમાં દોડી ગયા. દિવ્યાંગ બાળકોના બંને ક્લાસ હમેશ એક કૉમન દરવાજાથી જોડાયેલા રહેતા. દિવ્યાંગ બાળકોને સદા વધુ મદદની જરૂર હોય અને અમે બધા શિક્ષકોને પરિસ્થિતિ કેમ સંભાળવી અને બાળકોને કેવી રીતે મદદરૂપ થવાનું શિક્ષણ હમેશા અપાતું.

    દીમાન્તેના એ વર્તનથી અને દોડી આવેલા મોટા બાળકોને જોઈ બાજુના ક્લાસના નાના બાળકો ગભરાઈને રડવા માંડ્યા હતા. મને બરાબર યાદ છે કે અમારો નાનો મિકેલ તો ડરીને ટેબલ નીચે સંતાઈ ગયો હતો અને બીજા બાળકો પણ અમારી પાછળ કે અમારો હાથ પકડી, અમારી સોડમાં લપાઈ ગયા હતાં.

    બે ત્રણ દિવસો તો બહુ કપરાં ગયા. ભૂકંપ કે સુનામી આવે ને જેવી દશા થાય એવી દશા અમારા બાળકોની હતી. આવા દિવ્યાંગ બાળકો માટે અમેરિકામાં ખૂબ જ તકેદારી અને સવલતો હોય છે. તરત જ સાયકોલોજીસ્ટ, Social worker, Special Ed Dept. Head બધાનો શંભુમેળો ભેગો અમારી સ્કૂલમાં ભેગો થયો. વારાફરતી બધા ક્લાસમાં આવતા દીમાન્તેને ચૂપચાપ જોયા કરતા પણ આ દિવ્યાંગ બાળકોની મનઃસ્થિતિ સમજવી ખૂબ જ અઘરી હોય. તકલીફ એ થઈ કે જ્યારે જ્યારે બધા આવ્યા હતા ત્યારે દીમાન્તે સામાન્ય બાળકની જેમ શાંતિથી પોતાનું કામ કરતો હતો.

    અમેરિકાની શૈક્ષણિક પધ્ધતિની ખૂબી સાથે ખામી પણ છે. બધું કામ પધ્ધતિસર થવું જોઈએ. કાગળ પર જે લખાયું તે વંચાયું. દીમાન્તે ઍટલાન્ટાથી આવ્યો હતો એટલે ત્યાંથી એના રિપોર્ટ તો આવ્યા હતા પણ પાછા હ્યુસ્ટનમાં નવા રિપોર્ટ કાઢ્યા. આમાં દીમાન્તેની મનઃસ્થિતી સમજવાનો પ્રયાસ જ કોઈએ કર્યો નહીં.

    દીમાન્તે જેવા બાળક માટે એક વાત તો નક્કી હતી કે એના માટે દસ બાર બાળકો હોય એવો ક્લાસ યોગ્ય નહોતો. અણજાણતા એ કોઈને અથવા પોતાને પણ હાનિ પહોંચાડી બેસે પણ આ બધું સાબિત થવું જોઈએ, જ્યારે આ બધું સાબિત કરવા માટે કાગળીયાં કરવામા જ એટલો બધો સમય ગયો અને એ દરમિયાન અમે સતત ચિંતિત રહેતા કે કોઈને હાનિ ના પહોંચે કારણ બધા બાળકોની સલામતી એ અમારો પ્રથમ ધ્યેય હતો.

    ઍટલાન્ટામાં એ ખાસ ક્લાસમાં હતો જ્યાં બે થી ત્રણ બાળકો ક્લાસમાં હતા અને બે શિક્ષક ધ્યાન રાખનારા હતા. દીમાન્તે અચાનક બેત્રણ ને બદલે દશ બાર છોકરાઓના ક્લાસમાં આવી ગયો હતો અને એ ક્લાસમાં પહેલેથી જ બે ત્રણ મોટા છોકરાં આક્રમક વલણવાળા હતા.

    એવું કહેવાય છે કે સરકારી ઑફિસોમાં માણસો જેમ જૂના થાય તેમ ખાઈ બદે. સરકારના જમાઈ બની જાયને દાદાગીરી કરતાં થઈ જાય તેમ “Life skill” ના ક્લાસમાં જે બાળકો પાંચ વર્ષ એક જ ક્લાસમાં હોય એટલે એમનામાં પણ થોડો માલિકી ભાવ આવી જાય અને પોતાનુ ધાર્યું કરવાનો પ્રયત્ન કરે. સમજ તો બહુ હોય નહીં અને અનુકરણ જલ્દી શીખી જાય આ બધું દીમાન્તેને ઉશ્કેરવા માટે પૂરતું હતું.

    ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને દીમાન્તેને થોડા વખતમાં જ જેને Special need Behaviour class કહેવાય ત્યાં મોકલવાની વ્યવસ્થ થઈ.

    આવા દિવ્યાંગ બાળકોનું ભવિષ્ય સુધરે એનો અમે સતત પ્રયાસ કરતાં અને જ્યારે જ્યારે એમને યોગ્ય માર્ગદર્શન મળતું એમની પ્રગતિ થતી અને અમને માતાપિતા અહોભાવથી એ વાત કરતાં ત્યારે એમની આભારવશ આંખો અમારું મનોબળ વધુ મજબૂત કરતી.


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • ” જેવા સાથે તેવા “, એટલે ?

    હરેશ ધોળકિયા
    સામાન્ય રીતે કોઈ મોટા માણસનાં વિધાન વાંચીએ તો તેમાંથી પ્રેરણા મળે છે. જીવવાનું બળ મળે છે. પણ કયારેક તેમનું કોઈ વિધાન વિચારમાં નાખી દે છે. એ વિધાન સાચું છે કે બિનજરુરી, તેવો વિચાર આવે છે. પણ બોલનાર વ્યકિત બહુ જ વિચારક હોય તો સીધું તેને નકારી પણ ન શકાય. એટલે તે બાબતે ઝીણવટથી વિચાર કરવો પડે છે.
    હમણાં સ્વામી વિવેકાનંદનું એક વિધાન વાંચ્યું. વિવેકાનંદને વાંચવા એ જીવનનો એક અલભ્ય લહાવો છે. તેમનું એક એક વિધાન સમગ્ર અસ્તિત્વને રણઝણાવી નાખે તેવું હોય છે. છેલ્લા છ દાયકાથી તેનું સેવન ચાલે છે એટલે તેનું મહત્વ બરાબર ખ્યાલ છે. એટલે જરા વિચિત્ર લાગે તેવું વિધાન વાંચ્યું એટલે વિચારમાં પડી જવાયું.
    આ વિધાન શિક્ષણ સંદર્ભે છે. વિવેકાનંદે શિક્ષણ વિશે ઊંડું ચિંતન કરેલ છે. તેમનું વિધાન ” શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલ પૂર્ણતાની અભિવ્યકિત” શિક્ષણની સર્વોતમ વ્યાખ્યા છે. આવી વ્યાખ્યા આજ સુધી કોઈએ નથી આપી. આ સંદર્ભે ” પૂર્ણતા”, ” ચારિત્ર્યનું શિક્ષણ” ” મનુષ્ય બનાવતું શિક્ષણ” વગેરેની તેમણે વિસ્તૃત રીતે વિચારણા કરી છે. એ તો વાંચીએ તો જ સમજાય. પણ તેમણે શિક્ષણ અને શિક્ષક બાબતે ઉતમ ચર્ચા કરી છે. ત્યારે આ વિધાન જરા વિચારમાં પાડી દે તેવું છે.
    વિધાન આમ છે : ” જો કોઈ છોકરાઓ સાથે લાબા સમય સુધી શિક્ષણ આપવાનું કામ કરે, તો એ વ્યકિતની બુધ્ધિ બુઠ્ઠી બની જાય છે. તેને કારણે તેની બુધ્ધિની પ્રતિભા નથી પ્રગટતી. જો કોઈ છોકરાઓનાં ટોળાં વચ્ચે રાત દિવસ રહે, તો તે મંદ બુધ્ધિના બની જાય છે.”
    આ તો ભારે વિચિત્ર વિધાન છે. શિક્ષણ આપવા માટે છોકરાઓ સાથે તો રહેવું જ પડે. લાંબો સમય પણ રહેવું પડે. તેમના સાથે જ રહીને કામ કરવું પડે. તો શું ” આવા” શિક્ષકોની બુધ્ધિ બુઠ્ઠી કે મંદ થઈ જતી હશે ? વિચારમાં પડી જવાય તેવું વિધાન છે.
    આપણે તો સદીઓથી ઉતમ શિક્ષકોને જોતા આવ્યા છીએ. અનેક શિક્ષકોએ જ તેના વિદ્યાર્થીઓને મહાનતા તરફ વાળ્યા હોય છે. ખુદ વિવેકાનંદને રામકૃષ્ણ તરફ આકર્ષનાર તેના કોલેજના આચાર્ય જ હતા. રામકૃષ્ણ પાસે મહેન્દ્રનાથ ગુપ્ત હતા જેની પ્રેરણાથી અનેક યુવકો રામકૃષ્ણ વિવેકાનંદ તરફ આકર્ષાયા હતા અને સન્યાસીઓ બન્યા હતા. તે મહેન્દ્રનાથ પણ શિક્ષક જ હતા. ટાગોર પણ શિક્ષક હતા. તેમની બુધ્ધિ તો પ્રજ્ઞા જ હતી. ભૂતકાળમાં પણ સાંદીપની, દ્રોણ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ચાણકય-આ બધા પણ શિક્ષકો જ હતા. કોની બુધ્ધિ વધારે પ્રતિભાશાળી હતી તે કહેવું પણ મુશ્કેલ છે. આજે પણ દર વર્ષે અનેક શિક્ષકો રાજય કે રાષ્ટ્ર સ્તરે ઉતમ શિક્ષકો જાહેર થાય છે. તે બધા મંદ બુધ્ધિના ?
    બરાબર, પણ વિવેકાનંદ પણ સમજયા-વિચાર્યા વિના તો ન જ બોલેને ? એ કંઈ ફેંકાફેંક કરનારા વિચારક ન હતા. પોતા તરફ ધ્યાન ખેંચાય એટલે ગમે તેવાં વિધાનો કરનારા પણ ન હતા. તેમના મોમાંથી નીકળતો એક એક શબ્દ ઉપનિષદ-ગીતા-તત્વજ્ઞાનમાં બોળાઈને બહાર આવતો હતો. તેમના દરેક શબ્દની અમૂલ્ય કિંમત હતી. એટલે સીધી ટીકા કરવા બદલે આ વિધાન પર વિચાર કરવાની જરુર છે.
    પહેલો મુદો એ છે કે છોકરાઓની સંગત શિક્ષકને મંદ બુધ્ધિના બનાવે છે.
    આનો અર્થશું?
    એક કહેવત કહે છે કે જેવા સાથે રહો, તેવા થઈ જવાય. અહીં ‘ જેવા’ એટલે ‘છોકરા’ મનાય. એટલે પહેલો અર્થ તો એ થયો કે છોકરાઓ, અથવા તો વિદ્યાર્થીઓ, મંદ બુધ્ધિના હોય તો જ શિક્ષક તેવા થાય.
    શું વિદ્યાર્થીઓ મંદ બુધ્ધિના હોય છે ?
    વિદ્યાર્થીઓ મંદ બુધ્ધિના તો નથી હોતા, પણ શરુઆતમાં “અજ્ઞાની” હોય છે. શિક્ષકના કામની શરુઆત અજ્ઞાની બાળકો સાથે થાય છે. આ વિધાન પ્રમાણે શિક્ષક પણ આવાં બાળકોની સંગતથી અજ્ઞાની થઈ જાય છે.
    થઈ જાય છે ? અથવા તો થવાય?
    થવાય, જો ધ્યાન ન રખાય તો.
    ઘ્યાન રાખવું એટલે શું?
    શિક્ષક વર્ગમાં જાય ત્યારે તેને ખ્યાલ હોવો જોઈએ કે બાળકો અજ્ઞાની છે. તેમને તેણે જ્ઞાન તરફ દોરવાનાં છે. પણ મોટા ભાગના શિક્ષકો બાળકોને જ્ઞાન તરફ દોરવાને બદલે બાળકોના અજ્ઞાન પર અટકી પડે છે. બાળકને ન આવડે તો ધીરજ રાખી ક્રમશઃ તેને જ્ઞાન તરફ દોરવાને બદલે તેના અજ્ઞાનની ટીકા કરવા પર અટકી પડે છે. જો આમ બને, તો વિવેકાનંદ કહે છે તેવી ઘટના બનવાનો સંભવ છે. આવો શિક્ષક જો રાત દિવસ કે લાંબો સમય બાળકો સાથે રહે, તો તે બાળકોની મર્યાદાઓ જ જોયા કરશે અને તેની ટીકા કર્યા કરશે.
    ટીકા કરવાથી તો બાળક સુધરવાનું નથી. ટીકાથી તેના જ્ઞાનમાં પણ વધારો થવાનો નથી. ટીકાથી તો બાળક હતાશ થઈ જાય તેવો સંભવ છે. અને જો વારંવાર આવી ટીકા કર્યા કરાય, તો તો બાળક વધારે મંદ પડતું જશે. આવી પરિસ્થિતિમાં લાંબો સમય રહેનાર પોતે પણ મંદ પડતા જશે. શિક્ષકને ભણાવવાની ઈચ્છા જ નહીં થાય. પરિણામે તે પણ વાસી બનતો જશે. વિવેકાનંદનું વિધાન સાચું ઠરશે.
    પણ જો શિક્ષક જાગૃત હશે, તો તે બાળકના અજ્ઞાનને ચોકકસ જોશે, પણ તેની ટીકા નહીં કરે. તે જાણતા હશે કે બાળક ભલે અજ્ઞાની છે, પણ તેના પાસે જિજ્ઞાસા પણ છે. તેનામાં શીખવાની તત્પરતા પણ છે. એટલે તે બાળકની મર્યાદા જોવા બદલે તેની જિજ્ઞાસા પર ધ્યાન આપશે. તે તેની જિજ્ઞાસાને ઉશ્કેરશે. જ્ઞાન તરફ દોરશે. વિચારવા પ્રેરશે. આવું થશે તો બાળકની જિજ્ઞાસા પ્રદિપ્ત થશે અને તે વધારે જ્ઞાન મેળવવા તરફ દોરાશે. આવાં બાળકો વચ્ચે શિક્ષક ગમે તેટલો લાંબો સમય રહે તો પણ તે મંદ બુધ્ધિનો નહીં બને.
    પણ તેની શરત છે શિક્ષકની ”જાગૃતિ.” જાગૃત શિક્ષકને જમીની હકીકતની ખબર છે. તેને બાળકના અજ્ઞાનનો પણ ખ્યાલ છે. તેને એ પણ ખબર છે કે જો તે પ્રયાસ નહીં કરે તો બાળક અજ્ઞાન જ રહેશે. અને આવાં બાળકો સાથે પોતે રહેશે તો, સમય જતાં, તેનું પણ અજ્ઞાન વધતું જશે. એટલે તે બાળકો પાસે જવા પહેલાં જ જાગૃત થઈ જાય છે. બાળક સામે કઈ રીતે જ્ઞાન પીરસવું તેની તૈયારી કરે છે. બાળકની જિજ્ઞાસાને કેમ ઉશ્કેરવી તેનો પણ અભ્યાસ કરે છે. તાલીમ લે છે. જિજ્ઞાસા ઉશ્કેરાય પછી તેને કેમ સંતોષવી તેનાં પગથિયાં ( પઘ્ધતિ) પણ તે જાણે છે. એ પ્રમાણે જ તે શિક્ષણ આપે છે.
    બીજું, જાગૃત શિક્ષકને બાળકના અજ્ઞાનની ચોકકસ ખબર છે. પણ તેથી પોતે પણ અજ્ઞાની રહેવાનું છે તેમ નથી માનતા. અજ્ઞાન સામે લડવાનો એક માત્ર ઉપાય વધારે જ્ઞાન મેળવવાનું છે. ” જેવા સાથે તેવા” કહેવતને તે બરાબર સમજે છે. જેમ કોઈ સામે કોઈ તલવારથી લડવા આવે અથવા હુમલો કરે, તો સામે તલવાર ચોકકસ લેવાની છે, પણ ‘ જેવા સાથે તેવા’ ન્યાયે સાથે ઢાલ પણ રાખવાની છે. લડવા સાથે પોતાનો બચાવ પણ કરવાનો છે. માટે ઢાલ. અથવા અત્યારે બુલેટ પ્રૂફ જેકેટ.
    એટલે જાગૃત શિક્ષક, બાળક ગમે તેટલું અજ્ઞાની હોય છતાં, પોતે તો સતત જ્ઞાન મેળવતા રહેશે. આ જ્ઞાન તે બાળકને આપશે. શિક્ષકનું સતત વધતું જ્ઞાન અને જાગૃતિ જ બાળકને પ્રેરશે અને તે પણ જ્ઞાન મેળવવા તરફ પ્રેરાશે. બાળકના અજ્ઞાન સામે શિક્ષક જ્ઞાનથી લડશે. એટલે, સંભવ છે, બાળકને તો જ્ઞાન મેળવવામાં સમય લાગશે. ઘણો સમય તે અજ્ઞાનમાં પણ રહેશે.
    પણ તેથી શિક્ષક જ્ઞાન મેળવવાની પ્રક્રિયામાં ઢીલ નહીં કરે. પોતે તો સતત જ્ઞાન વધારતો જશે. તેની આ જ્ઞાન સાધના જ બાળકને વધારેને વધારે પ્રેરશે. આવા જાગૃત અને જ્ઞાનપ્રેમી શિક્ષકો જો લાંબો સમય પણ બાળકો સાથે રહેશે તો પણ મંદ બુધ્ધિના નહીં થાય. તેમની બુધ્ધિ બુટ્ટી નહીં બને. ઉલટું મંદ બુધ્ધિનાં અજ્ઞાની બાળકો તેમના સંપર્ક અને સંસર્ગથી જ્ઞાન તરફ દોરાશે અને આગળ વધશે.
    જો આવું થતું હોય, તો સ્વામીજીએ આવું વિચિત્ર વિધાન કેમ કર્યું હશે ?
    સ્વામીજીએ માનવ મનનો અભ્યાસ કર્યો હતો. મોટા ભાગનાં માનવ મન સામાન્યતામાં અને અભાનતામાં રહે છે. તેમનામાં જાગૃતિ કાં તો હોતી નથી અથવા તો મંદ હોય છે. પાછા આ બાબતે પણ તેઓ જાગૃત નથી હોતા. ” આ તો એમ જ હોય” એમ માનીને જ જીવતા હોય છે. ‘ આવા” લોકોમાંથી જો કોઈ શિક્ષક થાય અને લાંબો સમય બાળકો સાથે રહે, તો તે, સંભવ છે, મંદ બુધ્ધિના થવાના. તે બાળકોને જ્ઞાન તરફ દોરવાને બદલે બાળકોના અજ્ઞાનથી પ્રભાવિત થવાના અને તેની ટીકા-નિંદા કરવામાં સમય બગાડતા હોવાથી તેમનું જ્ઞાન પણ નથી વધતું અને બાળકોના જ્ઞાન વધારવામાં પણ તેઓ મદદરુપ થઈ શકતા નથી.
    એટલે બાળકોના સંસર્ગથી શિક્ષકની બુધ્ધિ બુઠ્ઠી કે મંદ બનતી નથી, પણ શિક્ષકની બુધ્ધિ જો જાગૃત ન હોય તો આવું બનવું સંભવ બને છે. બાળકોના સંસર્ગથી નહીં, જાગૃતિના અભાવે તે બુટ્ઠા રહે છે. બાળકો તો બાળકો છે. અજ્ઞાની જ છે. પણ તેઓ તો જ્ઞાન મેળવવા માગે છે. પણ તેમની જિજ્ઞાસા સુષુપ્ત છે. તમને ખ્યાલ નથી કે તેને કેમ જાગૃત કરવી. તે તો માત્ર શિક્ષક જ કરી શકે. પણ શિક્ષક પોતે જ જો અજાગૃત હોય, બાળક માનસ જાણતો ન હોય, કેવળ નોકરી કરવા જ આવ્યા હોય, જ્ઞાનપ્રેમી ન હોય, તો તે બાળકમાં જિજ્ઞાસા પ્રદિપ્ત કરી નહીં શકે. ઉલટું ટીકા-નિંદાથી બાળકની મૂઢતા વધારશે. તેની પણ સતત ટીકા તેને પોતાને પણ મૂઢ બનાવશે. મંદ બુધ્ધિના બનાવશે. એક વિચિત્ર વિષચક ઊભું થશે.
    એટલે આ વિધાન અજાગૃત શિક્ષકના સંદર્ભમાં છે. અને, કમનસીબે, મોટા ભાગના અજાગૃત સ્થિતિમાં રહે છે. પોતાની સામાન્યતા બાબતે સજાગ નથી હોતા. પોતામાં રહેલ અસામાન્યતા વિશે તેમને ખબર હોતી નથી. પરિણામે પણ અજાગૃત રહે છે. “આવા”, ફરી, કમનસીબે, બહુમતિમાં હોય છે. માટે વિવેકાનંદનું વિધાન સાચું ઠરે છે.

    તેને ખોટું પાડી શકાય છે. જાગૃતિ હોય તો !


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • કોઈનો લાડકવાયો – (૩૪) પંજાબમાં કૂકા વિદ્રોહ

    દીપક ધોળકિયા

    ૧૮૫૮થી ૧૯૪૭ સુધીમાં દેશમાં  ચોવીસ આદિવાસી વિદ્રોહ થયા. બધામાં અદિવાસીઓ પોતાની જમીન અને જંગલને બચાવવા માટે સંઘર્ષ કરતા રહ્યા. છેક આદિમ જીવન ગાળનારા આંદામાનીઓ પણ તળભૂમિના નિવાસીઓમાં કોણ મુખ્ય શત્રુ છે તે સમજી શક્યા હતા.  ઝો જાતિના મિઝો, ચિન અને કૂકી, નાગા, આંદામાનના સેંટીનેલીસ –  બધા જ પોતાની સ્વતંત્ર જીવન શૈલી બચાવવા માટે સતત અને વારંવાર બ્રિટિશ સત્તા સાથે ટકરાયા. આ બધાની વિગતોમાં સમાનતા છે અને બહુ ઓછી વિગતો મળે છે એટલે એમાં બહુ ઊંડા ઊતરવું શક્ય નથી. આપણે એ વીરોને સલામ કરીને ૧૮૭૧-૭૨ના પંજાબમાં જઈએ.

    પંજાબમાં નામધારી શીખોનો વિદ્રોહ ‘કૂકા વિદ્રોહ’ તરીકે ઇતિહાસમાં જાણીતો છે. એમાં ધર્મનું તત્ત્વ હોવાથી એને લાંબા સમય સુધી સ્વતંત્રતા માટેના સંઘર્ષ તરીકે માન્યતા આપવી કે કેમ તેના વિશે વિવાદ રહ્યો. છેલ્લાં કેટલાંક વર્ષોંમાં એને  સ્વતંત્રતા માટેના વિદ્રોહ તરીકે માન્યતા મળી છે.

    મહારાજા રણજીત સિંહનું મૃત્યુ અને પંજાબ

    મહારાજા રણજીત સિંહે પોતાના રાજ્યનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું તે જ સમયથી ઈસ્ટ ઇંડિયા કંપનીની તાકાતને ઓળખી લીધી હતી. એમને લાગતું હતું કે ભવિષ્યમાં કોઈ ખતરો પેદા થાય તો તે કંપનીનો જ હશે. આથી એમણે કંપની સાથે સારા સંબંધો રાખ્યા હતા. ૧૮૨૯થી ૧૮૩૯નો દાયકો મહારાજા રણજીત સિંહની  સત્તાનો છેલ્લો દાયકો હતો. લથડતી તબીયતને કારણે એ જોઈ શક્યા કે પંજાબ એમના હાથમાંથી સરકી જશે. જો કે એમની હયાતીમાં એવું કંઈ ન થયું, પરંતુ તે પછી અંગ્રેજોએ શીખોને હરાવ્યા, ૨૯મી માર્ચ ૧૮૪૯ના  રોજ બન્ને પક્ષો વચ્ચે સંધિ થઈ  અને અંગ્રેજોએ પંજાબમાં પોતાની આણ સ્થાપી.

    અંગ્રેજો એ તરત જ પંજાબમાં ભારતીય સંસ્કૃતિ પર હુમલો કરતા હોય તેમ બે બાબતો પર ખાસ ભાર મૂક્યો. એક તો, એમણે ગૌહત્યા પર પ્રતિબંધનો કાયદો રદ કર્યો, પરિણામે ગોમાંસ ખુલ્લા બજારમાં મળતું થઈ ગયું. બીજું એમણે ખ્રિસ્તી પાદરીઓનો ફેલાવો કર્યો. આથી ઠેર ઠેર વટાળ પ્રવૃત્તિએ જોર પકડ્યું.

    કૂકા એટલે શું?

    નામધારી શીખોના પંથના સ્થાપક સદગુરુ રામ સિંહ જી મહારાજ સામાન્ય માણસનું જીવન જીવતા હતા અને પિતાની લોહારની કોઢ સંભાળતા. તે પછી એ ખાલસા ફોજમાં પણ જોડાયા. લશ્કરમાં એમણે શીખોનું પતન જોયું. બીજી બાજુ પાદરીઓના વધતા પ્રભાવને કારણે એ બહુ વ્યથિત હતા. ૧૮૫૭ની ૧૨મી ઍપ્રિલે એમણે પાંચ શિષ્યોને દીક્ષા આપી અને ત્રિકોણિયો સફેદ ધ્વજ ફરકાવ્યો. એમણે પાંચ શિષ્યોને સ્વતંત્રતા માટે લડવાનું વ્રત લેવડાવ્યું. પરંતુ એમણે સ્વદેશી, અસહકાર અને અહિંસા પર ખાસ ભાર મૂક્યો.

    નામધારી શીખો જાપ કરતાં વચ્ચે પક્ષીઓની જેમ ટહુકાર (કૂક) કરતા એટલે કૂકા તરીકે ઓળખાવા લાગ્યા. કૂકાઓ કોઈ પણ સાધુસંતને ગુરુ ન બનાવી શકે, કોઈ દેવીદેવતાની પૂજા ન કરી શકે અને સાત્ત્વિક ભોજન જ લઈ શકે. વસ્ત્રો પણ સફેદ જ પહેરી શકે અને તે પણ હાથ કંતામણ અને હાથ વણાટનાં. સદગુરુએ નામધારીઓ માટે પાંચ કક્કા (કેશ, કંઘી, કડા, કચ્છા અને કિરપાણ) ફરજિયાત બનાવ્યા. કૂકા પંથ ફેલાતાં લોકો પ્રાચીન મૂલ્યો તરફ વળવા લાગ્યા અને વસ્ત્રોના નિય,મને કારણે બ્રિટિશ કાપડના વેપારને પણ ધક્કો લાગ્યો. સામાન્ય શીખ પણ પંજાબ સરકારથી ત્રાસેલો હતો.  સ્યાલકોટના ડેપ્યુટી કમિશનરનો ૧૮૬૨નો એક રિપોર્ટ દેખાડે છે કે બાબા રામ સિંહ લોકોને  લાઠીની તાલીમ આપતા હતા અને કહેતા હતા કે એમના પાંચ હજાર અનુયાયીઓ હતા.  સરકારે આના પરથી અનુમાન કર્યું કે એકલા સ્યાલકોટ જિલ્લામાં પાંચ હજાર અનુયાયી હોય તો આખા પંજાબમાં એમની સંખ્યા બહુ મોટી થઈ જાય.  સદરુરુ આખા પંજાબમાં ફરતા એપણ સરકાર ની શંકાનું કારણ હતું.આમ કૂકા આંદોલન ધાર્મિક હોવા છતાં સરકારની નજરે એની વ્યાપક અસર હતી. ફરીદકોટ અને સંગરૂરના રાજવીઓને પણ કૂકા પંથ આંખના કણાની માફક ખૂંચવા લાગ્યો હતો.

    દરમિયાન ગુરુએ  અફઘાનિસ્તાનના અમીર અને કાશ્મીર અને નેપાલના રાજાઓ સથે પણ સંબંધ વિકસાવ્યા હતા.  અને ગુરુ રામ સિંહ ખ્રિસ્તીઓને વિદેશી ગણતા હતા એટલે સરકાર સાથે ટક્કર ટાળી શકે તેમ નહોતા.

    અંતે બ્રિટિશ સરકારે રામ સિંહને રંગૂન મોકલી દેવાનું નક્કી કર્યું.

    મલેરકોટલા

    મલેરકોટલા નવાબ શેર મહંમદનું ૬૮ ગામોનું એક નાનું રજવાડું હતું. ત્યાં ગૌહત્યાની છૂટ હતી. શીખો આ કારણે એનાથી નારાજ હતા. એના મૃત્યુ પછી એના સગીર વયના પુત્રને ગાદી મળી. અંગ્રેજ રેસિડેંટ બધો વહી વટ સંભાળતો.  એક વખત એક નામધારી સરપંચે રસ્તામાં એક મુસ્લિમ બકાલીને જોયો. બળદ પર ગાજર લાદેલાં હતાં અને એ પોતે પણ ગાજર ખાતો એના પર બેઠો હતો.  શીખ નેતાએ એને બળદ પર દયા ખાવા વિનંતિ કરી. બકાલી ગુસ્સે થયો અને પોલીસ સ્ટેશને પહોંચ્યો. ત્યાં  અફસરે શીખની સામે જ બળદને વધેરી નાખ્યો.  આ જાણીને કૂકાઓ  ક્રોધે ભરાયા અને બાબા રામસિંહના વારવા છતાં તલવારો ખેંચીને મલેરકોટલા તરફ નીકળી પડ્યા. એમણે ત્યાં જઈને શાંતિથી વાત કરીને રસ્તો કાઢવા માટે ડેપ્યુટી કમિશનરને મળ્યા પણ કંઈ વળ્યું નહીં. મુસલમાનો અને ખ્રિસ્તીઓ એક તરફ અને કૂકાઓ બીજી તરફ. અંગ્રેજ સરકાર કૂકાઓની વિરુદ્ધ તો હતી જ.

    સામસામી ઝપાઝપીમાં સાત કૂકા માર્યાગયા. પછી કૂકાઓ પણ આક્રમણ કરવા લાગ્યા. અંગ્રેજ ઇનચાર્જ એલ. કોવને બીજા સાડાસાતસો સૈનિકોને બોલાવ્યા અને બધા કૂકાઓને પકડી લીધા. સાત તોપો ગોઠવી અને બધાને ઉડાવી દીધા.

    કૂકાઓની શહીદી ઇતિહાસમાં અમર થઈ ગઈ છે.


    સંદર્ભઃ

    Satguru Ram Singh and Kuka Movement originally in Punjabi by Tara Singh Anjan, Translated into English by Rattan Saldi. Publication Division, 2018


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • નારીવાદની ખરી જરૂર અહીં છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    સપ્ટેમ્બર, ૨૦૨૩માં આપણા દેશની સંસદમાં ‘નારીશક્તિ વંદના અધિનિયમ’ નામનો ખરડો પસાર કરવામાં આવ્યો, જેમાં સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો આરક્ષિત રાખવાની જોગવાઈ છે. આ કાર્ય માટે ભગવાને પોતાની પસંદગી કરી હોવાનું જણાવીને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ખુશાલી વ્યક્ત કરી હતી. આ પહેલ આવકાર્ય છે. તેનાથી મહિલાઓના પ્રતિનિધિત્વની સ્થિતિમાં કશું પરિવર્તન આવશે કે કેમ એ તો સમય કહેશે.

    એ જ મહિને પ્રકાશિત થયેલા અન્ય એક અહેવાલમાં ભારતીય મહિલાઓની વર્તમાન સ્થિતિ વિશે અંદાજ આવે છે. અલબત્ત, આ અહેવાલ આરોગ્યને લગતો છે. કેન્‍સરના ઈલાજમાં લૈંગિક ભેદભાવ બાબતે લાન્‍સેટ કમિશન દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. કુલ ૧૮૫ દેશોમાં કેન્સર બાબતે નિર્ણય લેવાની, જાણકારી તેમજ આર્થિક બાબતોની પ્રક્રિયા પર સત્તાની અસમાનતા શો ભાગ ભજવે છે તેને અહેવાલમાં તપાસવામાં આવી છે. તેનાં તારણો વિચારતા કરી મૂકે એવાં છે.

    એ મુજબ, વિશ્વભરના દેશોમાં મહિલાઓનાં અકાળે થતા મૃત્યુ માટેનાં ત્રણ મુખ્ય કારણ પૈકીનું એક કેન્સર છે, પણ જાણકારી તેમજ નિર્ણય લેવાની સત્તા ન હોવાને કારણે કેન્સરનું નિદાન થયા પછી મહિલાઓ એ બાબતે દરકાર ઓછી લેતી જણાઈ છે. કેન્સરને કારણે તેઓ ‘આર્થિક મુશ્કેલી’ અનુભવતી હોવાનું જણાયું છે. વેળાસર નિદાન કરવામાં આવ્યું હોત અને દરકાર લેવામાં આવી હોત તો ભારતમાં કેન્‍સરથી થયેલાં મહિલાઓના મૃત્યુના કિસ્સામાં બે તૃતીયાંશ કિસ્સા રોકી શકાય એવા હતા અને ૩૭ ટકા કિસ્સામાં સારવાર થઈ શકે એમ હતી.

    સમગ્ર વિશ્વમાં એ બાબત લગભગ સામાન્ય કહી શકાય એવી છે કે સ્વાસ્થ્યની બાબતમાં લૈંગિક

    બાબત મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. ઘણાં રાષ્ટ્રોમાં વંચિત સમુદાયની મહિલાઓની શિક્ષણ, રોજગાર તેમજ સ્વાસ્થ્યની મર્યાદિત પહોંચ આના માટે જવાબદાર ગણાવી શકાય. કેમ કે, એને કારણે વેળાસર નિદાન અને સારવાર થઈ શકતી નથી.

    આની સાથે સંકળાયેલી આનુષંગિક બાબતો જાણવા જેવી છે. વિશ્વભરની મહિલાઓમાં સૌથી સામાન્ય કેન્‍સર સ્તન કેન્‍સર છે, પણ તેના માટે વ્યવસાયનાં કે પર્યાવરણનાં કેવાં જોખમો જવાબદાર છે એ બાબતે ખાસ સંશોધન થયું નથી. સાથે એ બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે કેન્‍સરની સારવાર સાથે સંકળાયેલી ઓન્‍કોલોજી શાખામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ નિર્ણાયક અને અગ્ર ભૂમિકામાં પૂરતા પ્રમાણમાં નથી.

    લાન્‍સેટના ભારત ખાતેનાં કમિશ્નર ડૉ. ઈશુ કટારિયાના જણાવ્યા અનુસાર કેન્સરનું નિદાન થયું હોય એવી ભારતની મહિલાઓનાં મૃત્યુ પરિવારની ઉદાસીનતા, તેમની ખુદની ઉદાસીનતા, નાણાંનો તેમજ સારવાર સુધીની પહોંચના અભાવને કારણે થયાં છે. તેમણે કહ્યું, ‘કેન્સર બાબતે ‘નારીવાદી’ અભિગમ અપનાવવા પર ભાર મૂકવાની જરૂર છે. મહિલાઓમાં થતા કેન્‍સરને પ્રાથમિકતા આપવાની જરૂર છે. કેન્‍સર સાથે મહિલાઓએ પોતાને થયેલા એ રોગ ઉપરાંત વિવિધ રીતે પનારો પાડવાનો આવે છે, જેમાં તેઓ અવેતન બરદાસી, કેન્‍સર નિવારણમાં ભાગ લેનાર, સ્વાસ્થ્યસુવિધા પ્રદાન કરનાર, સંશોધક અને નીતિ ઘડનાર એમ વિવિધ સ્તરે હોઈ શકે છે. આ સંદર્ભે તેમણે લૈંગિક પૂર્વગ્રહ અને ભેદભાવનો સામનો કરવાનો આવે છે. એ તેમની વય, જાતિ, સામાજિક-આર્થિક સ્તર વગેરેને કારણે હોઈ શકે. આને કારણે યોગ્ય નિદાન અને સારવાર સુધી પહોંચવાની તેમની ક્ષમતા રુંધાય છે.’

    મહિલાઓના કેન્‍સરના ભારતમાં ૨૦૨૦માં મુખ્ય ત્રણ પ્રકાર જોવા મળ્યા- સ્તનનું, ગરદનનું અને ગર્ભાશયનું. કેન્‍સરથી થતાં ૨૩ ટકા મૃત્યુમાં ચેપ કારણભૂત હોવાનું જણાયું, જેમાં ગરદનના કેન્‍સર માટે એચ.પી.વી. (હ્યુમન પેપિલોમા વાઈરસ), યકૃતના કેન્‍સર માટે હીપેટાઈટીસ બી અને સી મુખ્ય ગણાવી શકાય. અહેવાલ અનુસાર મૃત્યુનું છ ટકા પ્રમાણ તમાકુને આભારી છે. મદ્યપાન અને સ્થૂળતા કેન્‍સરથી થતા માત્ર એક ટકા મૃત્યુનું કારણ હોય છે.

    અમેરિકાની ખ્યાતનામ ‘નેશનલ કેન્‍સર ઈન્‍સ્ટિટ્યૂટ’નાં ઓ‍ન્કોલોજિસ્ટ અને વરિષ્ઠ સલાહકાર ઓફિરા જિન્‍સબર્ગ સ્પષ્ટપણે જણાવે છે કે મહિલાઓમાં થતા કેન્‍સર પર પિતૃસત્તાક સમાજનો પ્રભાવ મહદંશે ધ્યાનમાં આવ્યો નથી. મહિલાઓના સ્વાસ્થ્યને મુખ્યત્વે માતૃત્વ અને તેને લગતી બાબતો પૂરતું જ મર્યાદિત કરી દેવામાં આવ્યું છે. કેન્‍સરને મોટે ભાગે અવગણવામાં આવ્યું છે. આ સંજોગોમાં આ અહેવાલમાં મહિલાઓમાં થતા કેન્‍સર બાબતે આચરવામાં આવી રહેલો લૈંગિક ભેદભાવ એક મહત્ત્વનું તારણ અને લક્ષણ બની રહ્યું છે. સમાજમાં પ્રચલિત નારીવાદની સંકુચિત વ્યાખ્યા કે અભિગમ સુદ્ધાં મહિલાઓના કેન્‍સરને લાગુ પડતો નથી.

    મહિલાઓમાં વ્યાપેલા કેન્‍સર અંગેની આ પરિસ્થિતિ ક્યાંક વધુ તો ક્યાંક ઓછી, પણ વૈશ્વિક સ્તરે છે એ હકીકત છે. આપણે ભલે નારીસન્માનને આપણી પરંપરા ગણાવીએ કે નારીગૌરવ, નારીશક્તિ યા નારીવંદનાનાં ગાણાં ગાઈએ, મહિલાઓની વાસ્તવિક સામાજિક સ્થિતિ શી છે એ અજાણી બાબત નથી. સ્વાસ્થ્ય બાબતે, અને ખાસ કરીને કેન્‍સર બાબતે વાસ્તવિકતા શી હશે એ ધારણા કરવી અઘરી નથી.

    આ અહેવાલમાં અનેક કિસ્સાઓ ટાંકવામાં આવ્યા છે, જે મહિલાઓની સ્થિતિની અસલિયતને ઉજાગર કરે છે. સંસદમાં મહિલાઓના પ્રતિનિધિત્વને લગતો ખરડો પસાર થાય એ આનંદની વાત છે, પણ એ મંઝીલ સુધીના રસ્તાનું કેવળ પ્રથમ ડગલું છે. ઘણો લાંબો પંથ કાપવાનો બાકી છે. મહિલાઓના સ્વાસ્થ્યની આવી સ્થિતિ માટે સત્તાધીશો એકલા કશું ન કરી શકે. સમાજના સ્તરે વ્યાપક ધોરણે, નાગરિકધર્મને ધ્યાનમાં લઈને નક્કર કામ કરવું પડે. અને તેનો આરંભ વ્યક્તિગત સ્તરે, પોતાના પરિવારથી કરવાનો થાય. એ સહેલું નથી? કે બહુ અઘરું પડે એમ છે?


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯ – ૧૦ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)