-
ગાંધીજીના જીવંત વારસાની શતાબ્દીગાથા
પુસ્તક પરિચય

(ક્રાંતિની કેળવણી : શતાબ્દીની સફર, લેખન-સંપાદન: બીરેન કોઠારી) પરેશ પ્રજાપતિ
‘साविद्यायाविमुक्तये’એટલે કે મુક્તિ અપાવે તે વિદ્યા, એવો ધ્યેયમંત્ર ધરાવતી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ઓક્ટોબર ૧૯૨૦માં કરી હતી. ૨૦૨૦માં આ વિદ્યાપીઠની સ્થાપનાને સો વર્ષ પૂરાં થયાં, જે કોઇ પણ સંસ્થા માટે ઐતિહાસિક સિદ્ધીની અને ગૌરવની બાબત ગણાય. અગાઉ વિઠ્ઠલદાસ કોઠારીએ પુસ્તક ‘કેળવણી થકી ક્રાંતિ’માં તેના આરંભિક ત્રણ દાયકાનો ઇતિહાસ આલેખ્યો હતો, પરંતું વિદ્યાપીઠનો એ પછીનો સળંગ ઇતિહાસ આપતું કોઇ પુસ્તક ઉપલબ્ધ નહોતું. તેથી શતાબ્દી વર્ષ નિમિત્તે વિદ્યાપીઠની સો વર્ષની યાત્રા આલેખતું પુસ્તક ‘ક્રાંતિની કેળવણી:શતાબ્દીની સફર’નું પ્રકાશન હાથ ધરવામાં આવ્યું, જેનું લેખન- સંપાદન બીરેન કોઠારીએ સંભાળ્યું છે.
અંગ્રેજોએ ભારતીય શિક્ષણ પ્રણાલીને સ્થાને મેકૉલેની નવી શિક્ષણનિતિ દાખલ કરી. ગુલામીની માનસિકતા સર્જતી તેની દૂરોગામી અસરો વરતી ગયેલા ગાંધીજીએ વૈકલ્પિક બુનિયાદી શિક્ષણ પર ભાર મૂકવાની સાથે આઝાદીની લડતમાં પૂરક બની રહે તે આશયથી વિદ્યાપીઠની સ્થાપના કરી. એ ગાળામાં ગાંધીજીએ અસહકાર આંદોલન, મીઠાનો સત્યાગ્રહ, સવિનય કાનૂનભંગ, વિદેશી કાપડની હોળી વગેરે જેવા ઘણા જલદ કાર્યક્રમો દ્વારા આઝાદીની લડત ઉગ્ર બનાવી હોવાથી, વિદ્યાપીઠનો એ ગાળાનો ઇતિહાસ ઘટનાપ્રચુર રહ્યો. સમાંતરે ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ- મુસ્લીમ એકતા તથા કુદરતી આપત્તીઓ સમયે રાહત કાર્યો જેવાં સામાજિક તથા માનવીય ગુણો તથા સત્ય, અહિંસા અને પ્રેમ આધારિત અંતરાત્મા ઢંઢોળતા કાર્યક્રમો પણ અમલમાં મૂકી વિદ્યાપીઠને અનોખી પ્રયોગશાળા બનાવી દીધી હતી. આઝાદી તુરંત બાદનો ગાળો રાષ્ટ્રઘડતર માટે મહત્વનો બની રહ્યો હતો. આમ, ૧૯૨૦ થી ૧૯૭૫ સુધીના પ્રથમ અર્ધશતાબ્દી દરમ્યાન આઝાદીના આંદોલન સાથે વિદ્યાપીઠને અસર કરતી ઘણી બધી ઘટનાઓ એક સાથે આકાર લેતી રહી હતી. તેનું મહત્વ જોતાં આલેખન માટે મહત્ત્વનાં પડકારરૂપ એવા આ ગાળામાં લેખકે દાયકાવાર આલેખન કર્યું છે.
સમય સાથે વિદ્યાપીઠની પ્રાથમિકતા બદલાઇ. તેથી પછીની અર્ધશતાબ્દી દરમ્યાન વિદ્યાપીઠનું મુખ્ય ધ્યેય વિવિધ પ્રવૃત્તિઓના વિસ્તરણ અને વ્યાપ વધારવાનું રહ્યું. તેથી શરૂઆતના વર્ષો જેવી ઘટનાસંકીર્ણતા પછીના વર્ષોમાં ન રહે એ સ્વાભાવિક છે. તેથી બીજા ખંડમાં ૧૯૭૧ થી ૨૦૨૦ના વર્ષોના આલેખનમાં લેખકે વર્ષ કે દાયકાઓને બદલે માત્ર મહત્વની ઘટનાઓ ધ્યાનમાં લઇ વિદ્યાપીઠની ઉપલબ્ધિઓ, વિસ્તરણ, કાર્યરત વિભાગો તથા તેની હાલની સ્થિતી અંગેનો ચિતાર રજૂ કર્યો છે. તેથી અડધી શતાબ્દી બાદનો સમય વિદ્યાપીઠ માટે કેવો રહ્યો? તેની ગતિ કેવી અને કઇ દિશામાં રહી? કેટલી હદે તે વિસ્તરી, વગેરે બાબતો બીજા ખંડમાં જાણવા મળે છે.
◙
પુસ્તકમાં સૌથી રસપ્રદ પાસું ઘટનાઓનાં આલેખનનું જણાય છે. તેમાં વિદ્યાપીઠની સ્થાપના પાછળના ગાંધીવિચારોથી માંડી વિદ્યાપીઠને લગતી તમામ વિગતોની વિદ્યાપીઠના સંદર્ભે મૂલવણી અને રજૂઆત સાથે સળંગસૂત્રમાં પરોવીને મૂકાઈ છે. કેટલાંક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં આલેખનો અનેસંસ્મરણોમાં વિદ્યાપીઠનો તે વખતનો માહોલ આબાદ ઝીલાયો છે. ઉપરાંત તે સમયે રાષ્ટ્રીય ચળવળના અનેક ખ્યાતનામ આગેવાનોએ શિક્ષણકાર્ય સંભાળ્યું હોવાથી વાચક આઝાદીની લડતની સમાંતરે એ આગેવાનોની શિક્ષક તરીકેની લાક્ષણિકતાઓથી પણ અવગત થાય છે. વિદ્યાપીઠના ઇતિહાસ આલેખનના પુસ્તકમાં એ બહુમુલ્ય ઘરેણું સાબિત થાય છે.
પુસ્તકમાં વિદ્યાપીઠ પાસેથી ગાંધીજીની અપેક્ષાઓ, સેવેલા સપનાં તેમજ અંતરાત્મા ઢંઢોળતા પ્રયોગોની સાથે વિદ્યાપીઠના પુસ્તકાલયની સમસ્યા. ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરની નારાજગી, કાકાસાહેબના મનદુ:ખ, વગેરે જેવી બાબતોને ઉવેખવાને બદલે આછા લસરકા જેવા ઉલ્લેખ છે. જેથી પુસ્તક વાંચતી કોઇ વ્યક્તિને રસ જાગે તો તે વધુ ઉંડી ઉતરી શકે.
પહેલા ખંડમાં પરિશિષ્ટમાં વિદ્યાપીઠનાં બંધારણ, સુધારા, રાષ્ટ્રિય શિક્ષણ પરિષદમાં થયેલા ઠરાવો તથા તમામ પદવીદાન સમારંભોની ઉપલબ્ધ માહિતી અને ઐતિહાસિક ઘટનાઓ સહિત મહત્વના દસ્તાવેજોની તસવીરોનો સમાવેશ છે. બીજા ખંડમાં પરિશિષ્ટમાં વિદ્યાપીઠના તમામ કુલપતિઓ, કુલનાયકો, પદવીદાન સમારંભો, વિદ્યાપીઠના ભવનો, ગ્રામસેવા કેન્દ્રો, વિવિધ પ્રવૃત્તિઓની તેમજ મહત્વના મુલાકાતી મહાનુભાવોની રંગીન તસવીરો મૂકાયેલી છે.
ગાંધીજીએ કહ્યું હતું કે માત્ર એક વિદ્યાર્થી હશે તો પણ હું પદવીદાન સમારંભમાં હાજર રહીશ. વિદ્યાપીઠની મહત્તા સમજવા આ શબ્દો પૂરતા છે. વિદ્યાપીઠ જેવી ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત સંસ્થા સાથે ગાંધીજી સહિત અનેક સ્થાનિક અને રાષ્ટ્રિય ક્ષેત્રની મહત્વની વ્યક્તિઓ સંકળાયેલી હોવાથી તેના ઇતિહાસ આલેખનમાં રોમાંચ સાથે લેખકની જવાબદારી પણ અનેકગણી વધી જાય છે. પુસ્તકના આરંભે આપેલી સંદર્ભસૂચિ પરથી લેખકે ઉઠાવેલી જહેમત અને મહેનતનું પૂઅનુમાન કરી શકાય છે. લેખન સામગ્રી માટે તેમણે ‘ફર્સ્ટ હેન્ડ’ માહિતી પર મુખ્ય મદાર રાખતાં નવજીવન, યંગઇન્ડિયા, વિદ્યાપીઠ, સાબરમતી, હરિજનબંધુ ઉપરાંત શિક્ષણ અને સાહિત્યના અંકો તથા ગૂજરાત વિદ્યાપીઠના વાર્ષિક અહેવાલોમાંથી પણ વિદ્યાપીઠને લગતી માહિતી તારવીને તેનો ઉપયોગ કર્યો છે.
અઢળક ગાંધીસાહિત્ય ઉપલબ્ધ હોવાંથી માહિતીઓના ઢગમાં ભટકી જવાય એ સંભવ છે. પરંતું આનંદ સાથે એ નોંધવું રહ્યું કે પુસ્તક, ‘ક્રાંતિની કેળવણી : શતાબ્દીની સફર’માં લેખકે વિદ્યાપીઠના ઇતિહાસની ધરીને સતત વળગી રહીને વિદ્યાપીઠના ઇતિહાસને માહિતીસભર છતાં રસાળ અને વાંચનક્ષમ બનાવ્યો છે.
કોરોના મહામારીની અસર પુસ્તકના લેખન અને પ્રકાશન પર પણ પડી. પરિણામે વિદ્યાપીઠની સ્થાપનાની શરૂઆતનાં પચાસ વર્ષો એટલે કે ૧૯૨૦ – ૧૯૭૦ સુધીનો ઇતિહાસ આવરી લેતો બસો ચોવીસ પાનનો પહેલો ખંડ ઓક્ટોબર ૨૦૨૧માં, જ્યારે ઉત્તરાર્ધના ૧૯૭૧ થી ૨૦૨૦ સુધીનો ઇતિહાસ આવરી લેતો બસો પાનનો બીજો ખંડ ઓગસ્ટ- ૨૦૨૩માં પ્રકાશિત કરવામાં આવ્યો.
◙
બીરેન કોઠારીએ આજ સુધીમાં ઘણાં ચરિત્રલેખનો, હાસ્યલેખો તથા અનુવાદો આપ્યા છે. તેમણે ત્રીસીના દાયકાની અગ્રણી ફિલ્મનિર્માણસંસ્થા સાગર મુવિટોનના સ્થાપક ચીમનલાલ દેસાઈની જીવનકથાની ઓથે હિન્દી ફિલ્મોના ઇતિહાસનું સુંદર આલેખન આપ્યું છે. યોગ્ય પરિપ્રક્ષ્યમાં ઇતિહાસને રજૂ કરવાની તેમની આવડતનાં દર્શન પુસ્તક ‘ક્રાંતિની કેળવણી :શતાબ્દીની સફર’માં પણ થાય છે. લેખકે અનેક ઘટનાઓના તાણાવાણા વિદ્યાપીઠના સંદર્ભમાં ગૂંથી વાચકો સમક્ષ રજૂ કર્યા છે. આમ પૂર્વાપર સંબંધોની ગૂંથણી એ વિદ્યાપીઠનો ઇતિહાસ આલેખતા પુસ્તકની એ ખાસિયત ગણાવી શકાય.
‘ક્રાંતિની કેળવણી શતાબ્દીની સફર’ પુસ્તક વાંચનમાં, શિક્ષણમા તેમજ ઇતિહાસમાં રસ ધરાવનાર વ્યક્તિઓ માટે વાંચન ઉપરાંત વિવિધ ક્ષેત્રે સંશોધન અર્થે એમ સૌ કોઇ માટે મહત્વનું સાબિત થાય એમ છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
ક્રાંતિની કેળવણી શતાબ્દીની સફર : બીરેન કોઠારી
પૃષ્ઠસંખ્યા : ખંડ-1 224 ; ખંડ-2 200
કિંમત : ₹ ખંડ-1 રૂ, 250/- ખંડ-2 રૂ, 250
આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ; ખંડ-1 ઓક્ટોબર-2021 ખંડ-2 ઓગસ્ટ- 2023પ્રકાશક:ડૉ. નિખિલ ભટ્ટ કા. કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
પ્રાપ્તિસ્થાન : પુસ્તક ભંડાર, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ- 308 014
સંપર્કઃ +91 79 40016269
વિજાણુ સંપર્ક : gvpustakbhandar@gujaratvidyapith.org
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
કલમના કસબી : કનૈયાલાલ મુનશી – આત્મકથા: સ્વપનસિદ્ધિની શોધમાં – ૩
પુસ્તક પરિચય
રીટા જાની
પૃથ્વી જીવંત ગ્રહ છે એમ કોઈ કહે તો પ્રશ્ન થાય કે આ જીવંત હોવાનું કારણ શું હશે? પૃથ્વી જીવંત છે કારણ કે અહીં ઉષાની લાલિમા પણ છે તો સંધ્યાના રંગો પણ છે, અહીં સમય જ વહે છે એમ નથી સાથે પવન અને પાણી પણ વહે છે અને આ સાતત્ય અને વૈવિધ્યના રંગો જ્યારે મનોભૂમિમાં છવાય છે ત્યારે સ્વપ્નસૃષ્ટિ પણ જીવંત થાય છે. આ સ્વપ્ન ક્યારેક સાહિત્યની સરવાણી બને છે. ગત બે અંકથી આપણે વાત કરી રહ્યા છીએ મુનશીની આત્મકથા “સ્વપ્નસિદ્ધિની શોધમાં ” પુસ્તકની.
ગત અંકમાં આપણે જોયું કે મુનશી પત્ની લક્ષ્મી ને પ્રિયતમા લીલાવતી સાથે યુરોપના પ્રવાસે નીકળે છે અને લ્યુસર્ન પહોંચે છે. તેઓ બરફ, પાણીના ધોધ, કાળા પર્વતો, હિમસરિતાના અવનવા સૌન્દર્યમાં તણાતા રહ્યા ને નહેરથી જોડાયેલા બે સરોવરના ગામ ઇન્ટરલેકન પહોંચ્યા. ચારે તરફ સૌન્દર્ય સૃષ્ટિની અવધિ જોવા મળે. પર્વતની અંદર શંકરની જટામાંથી ગંગા પડતી હોય એવો ટ્રમલબક ધોધ જોયો. યુંગફ્રો, સિલ્વર હોર્ન, મક ને મેટરહોર્નના હિમાચ્છાદિત શિખરો જોતાં બરફમાં ચાલ્યા, સરોવરની પાળે ફર્યા, ત્યાંના સૌંદર્ય અને વાતાવરણની મોહિનીને વશ થઈ ગયાં. પ્રકૃતિના સિંહાસન જેવું ગિરિશ્રુંગ જોયું, સંગીતસ્વામી વેબર, મેન્ડલહોસન અને વેગનરની તકતીઓ જોઈ, વાદળોના વ્યુહની રમણીયતા નીરખી. બીઓટસની ગુફામાં પાણીના ગૂઢ ધોધ, પર્વતનું આંતર સ્થાપત્ય, ઝરણાએ રચેલું સૌન્દર્ય જોયું. ક્યારેક આકાશમાંથી પુષ્પો ખરતા હોય એવાં તો ક્યારેક ખરતાં તારાનો વરસાદ પડતો હોય એવાં બરફના ફોરાં પડતાં જોયા. બ્લ્યુ ગ્રોટોની હિમગુફા જોઈ, વાદળના શ્રુંગો, ખેતરમાં લહેરાતું ઘાસ ને લીલા ભૂરા સરોવરજલમાં પડતો હિમનો પડછાયો કંઇક નિરાળો જ હતો.
આ સૌન્દર્યયાત્રાની સાથોસાથ મુનશીના અંગત સંબંધોની ગુંચે તેમને વિહ્વળ બનાવી મૂક્યા. ભાવિની યોજનાઓ થઈ, લ્યુસર્નના સ્વપ્નનો સાક્ષાત્કાર થયો, અંતરમાં પ્રણયગાન હતું પણ અટપટો માનવસ્વભાવ એકસાથે હસાવતો અને રડાવતો. ચિંતાની મનોદશામાં મુસાફરીની પ્રેરકતા ચાલી ગઈ. લીલા સાથેનો સંબંધ વાસ્તવિક જીવનમાં કેવું સ્થાન લે એ કોયડો ઉકેલવામાં મુનશી લાગી ગયા. લક્ષ્મીની તબિયત અસ્વસ્થ હતી. તેથી મુનશી લીલા સાથે હર્ડરકુલ્મ ચડ્યા. તાલબદ્ધ ચાલવામાં બંનેને ઉલ્લાસ મળતો હતો. આ જગ્યા તેમના અવિભક્ત આત્માનું ઘર લાગતું હતું. સાથે બંનેના મનમાં શંકા પણ હતી કે આ સિદ્ધિ આ ભવે નહિ મળે. બંનેની આંખમાં આંસુ હતાં. તેઓએ એમ ધારેલું કે લ્યુસર્નનું સ્વપ્ન સિદ્ધ થાય પછી તેઓ પાછાં માત્ર હતા તેવા થઈને રહેશે. પણ ઇન્ટરલેકને નવા બંધ બાંધ્યા.
યાત્રાનો હવેનો પડાવ હતો – પેરિસ, તેમની સંસ્કાર યાત્રાનું છેલ્લું ધામ. મુનશી માટે પેરિસ જાણે તેમના પૂર્વાશ્રમનું વિહારધામ હોય એમ લાગતું હતું. હ્યુગો અને ડુમાની નવલકથાઓના પાત્રો તેમની આંખોમાં જીવંત હતા તો ફ્રેન્ચ વિપ્લાવના મહાન નેતાઓ અને નેપોલિયનની નાની મોટી વાતો મુનશીના હૈયે કોતરાયેલી હતી. જે ઐતિહાસિક અવશેષો વાંચીને તેઓ મોટા થાય હતા તે નરી આંખે જોયા. ફ્રાંસ એટલે ભાવનાશીલ વીરતા. ઐતિહાસિક સ્મરણો સંઘરીને સજીવન રાખવાની શક્તિ ફ્રેન્ચ લોકોમાં ઘણી છે. નેપોલિયનને પૂજ્ય ભાવથી અંજલિ આપી. સાથે એ વિચાર પણ આવી જ ગયો કે તેણે જોસેફાઇનનો ત્યાગ શા માટે કર્યો? ખાનગી સ્નેહ અને જાહેર કર્તવ્ય વચ્ચે હંમેશા વિરોધ હોય છે. એબેલાર્ડ અને હેલોઇસની કબર જોઈ થયું કે પ્રેમ અને પ્રણાલિકા એ બંનેને તો વેર જ હોય. ત્યારે મનોમન વિચાર આવી ગયો કે સહજીવન ન મળે તો સહશાંતિ લોકો તેમને લેવા દેશે? કલાએ રચેલો સંસ્કૃતિના નંદનવન સમો વરસાઈનો મહેલ જોઈ અદ્ભુત ઐતિહાસિક સંસ્મરણો ને લુઈ ચૌદમાની પ્રણયઘેલછા યાદ આવી. લુવ્રના મ્યુઝિયમમાં સુવિખ્યાત ફ્રેન્ચ કલાસ્વામીઓની કલા નીરખી.
“વિનસ દ મિલો”ની શિલ્પાકૃતિ જોઈ મુનશીની કલ્પના પૂરેપૂરી સંતોષાઈ. તો પેરિસમાં ઝવેરીનો ધંધો કરતાં તેમના મિત્રે એમને કહ્યું: “તમે પણ આ પેરિસના લોકોની માફક ગાંડા થયા છો? અર્ધનગ્ન, હાથ તૂટેલી, કાન ખરેલી પૂતળીમાં શું જોવાનું બળ્યું છે?” એક વેપારીની દૃષ્ટિ અને એક કલા અને સાહિત્યસ્વામિની દ્રષ્ટિનો ભેદ આપણને ઉડીને આંખે વળગે છે. આપણને સમજાય છે કે મહત્વ વસ્તુમાં નહિ પણ જોનારની દ્રષ્ટિમાં છે. ત્યારબાદ તેઓ નૃત્યગૃહમાં ગયા. જીવનમાં ઉલ્લાસ અને નૃત્ય બંનેનો નિકટનો સંબંધ છે. લોકોની મોજ કરવાની વૃત્તિ અને વિલાસની ભૂખ ઘણી છે – પછી એ દેશ હોય કે પરદેશ, આજની વાત હોય કે આજથી એક શતક પહેલા મુનશીના યુગની વાત હોય.
આનંદના ધામ પેરિસને રામ રામ કરી, ઇંગ્લિશ ચેનલ ઓળંગી, લંડન પહોંચ્યા. મુનશીને લંડન ખર્ચાળ, મુંબઈ જેવું અંધારિયું, વાદળિયું ને ઢંગધડા વગરનું લાગ્યું. ઇંગ્લેન્ડનું સૃષ્ટિસૌન્દર્ય, ખેતરો, વાડ ને ઝાડોની સુઘડતા જોઈ. અહીં જાહેર મકાનોનું સૌન્દર્ય યુરોપના જેવું સચવાયું નથી. મુનશી લંડનની પાર્લામેન્ટને “હિંદને ટીપવાની એરણ” એવું નામ આપે છે તેમાં તેમના હ્રુદયની અકળામણ છતી થાય છે. ત્યાંના ઓપેરા તો નિર્જીવ, પણ સામાજિક નાટકોએ તેમને મુગ્ધ કર્યા ને તેમણે ઘણા નાટકો જોઈ મોજ કરી. નાટક એ જ કળાનું સર્વાંગ સુંદર સ્વરૂપ છે, તેમની એ માન્યતા દ્રઢ બની. ત્યાંથી ફ્રાંસ ગયા. મોન્ટે કાર્લોના કેસીનોમા અધમ વિલાસવૃત્તિ ને વાસનાનું પોષણ થતું જોયું. મોનાકો, નીસ થઈ માર્સેલ્સના રસ્તે છેલ્લી મુસાફરી કરી.
રાતે લક્ષ્મી સાથે પેટીઓ ગોઠવી લીલાને મદદ કરવા મુનશી એના ખંડમાં ગયા. બંને કંઈ બોલી ન શક્યા, એકબીજાની સામે આંસુભરી આંખોએ જોઈ રહ્યા. લીલાએ વેદનાના આવેશમાં કહ્યું: “બોલી નાખ.” મુનશી “સ્વપનું પૂરું થયું” કહીને નીકળી ગયા. બીજે દિવસે “કૈસરે હિંદ” સ્ટીમરમાં બેસી મુંબઈ આવવા નીકળી ગયાં.
… અને સ્વપ્નનો અંત…પણ શું એ સ્વપ્નની પૂર્ણતા છે…કે …સિદ્ધિ …કે ..માત્ર અંત …યુરોપ એ પૃથ્વી પર કુદરતે રચેલ કાવ્ય છે…કાવ્ય ત્યારે જ રચાય જ્યારે લાગણી અને વાસ્તવિકતાના તાણાવાણા વચ્ચે સ્વપ્ન ફળિભૂત થતું અનુભવાય…સ્વપ્ન એ ઝંખના છે…આ ઝંખના સ્વતંત્ર છે….રોમની ઐતિહાસિક રમણીયતાથી… સ્વિસ સૌંદર્યથી… પેરિસના કલાવૈભવથી… એક તરફ સંબંધની ગૂંચ અને એક તરફ પ્રણય સૃષ્ટિ… આવી પૃષ્ઠ ભૂમિ સાથે મુનશીના સ્વપ્નને સમાંતર .. એક સમયાંતર સાથે હું, તમે, આપણે સહુ…સ્વપ્ન સૃષ્ટિની આરપાર જઈ રહ્યા છીએ…
મળીશું આવતા અંકે…
સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું: janirita@gmail.com
-
ગૂજરાત વિદ્યાપીઠ એકસો ચારમે પ્રવેશે છે
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
લખું તો છું ગૂજરાત વિદ્યાપીઠના ૧૮મી ઓક્ટોબરના એકસો ચારમા વર્ષપ્રવેશને વિશે અને મિશે, પણ આ ક્ષણે વાગેલો ધક્કો તો ‘ગાંધી વિ. ગુરુદેવ’ એ શૈલેશ પારેખ લિખિત વાચિકમ્ (દિગ્દર્શક : અદિતિ દેસાઇ) જોયા-સાંભળ્યાનો છે. સ્વદેશવત્સલ રવીન્દ્રનાથ રાષ્ટ્રવાદની ચળવળનાં ભયસ્થાનો પરત્વે સચિંત હતા, અને એમના ગાંધીજી સાથેના પત્રવ્યવહારમાં એમણે એને બેબાક વાચા પણ આપી છે. આ જોતો-સાંભળતો હતો ત્યારે સાંભરતું હતું કે કાકા કાલેલકરે સ્વદેશી પરના એમના પ્રબંધમાં વ્યક્ત કરેલા વિચારો ગાંધીને અન્યાયકારી છે એવી પ્રતિક્રિયા તે સમયના વિશ્વખ્યાત સર્જક ને માનવ્યના ઉપાસક રોમાં રોલાંની હતી. કાકાએ વિગતવિશદ ઉત્તર આપી એમનું સમાધાન કર્યું ને રોલાંએ ક્ષમાપ્રાર્થનાપૂર્વક એમનો આભાર માન્યો. જોકે, કાકાએ અપૂર્વ નમ્રતાપૂર્વક એ પત્ર અપ્રગટ રાખ્યો. અલબત્ત, સ્વદેશી ચળવળ અને તજ્જન્ય રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો બાબતે સજાગ રોલાંએ વળતું સૂચવ્યું કે રાષ્ટ્રવાદ વિશેનાં રવિન્દ્રનાથનાં વ્યાખ્યાનો આપણા લક્ષમાં રહેવાં જોઇએ. કાકાએ જે ઉત્તર આપ્યો એમાં વન્સ અપોન અ ટાઇમ વિદ્યાપીઠનું પોત અને ગાંધીઘરાણાનું ખુલ્લાપણું બેઉ એક સાથે પ્રગટ થવાં કરે છે : એ વ્યાખ્યાનો અમારા વિદ્યાપીઠના પાઠ્યક્રમનો ભાગ છે! (હવે કહો, કેવી રીતેં ઘટાવશું ‘ગાંધી વિ.ગુરુદેવ’ એ બીનાને?)
વિદ્યાપીઠના નવ વર્ષ પ્રવેશે રૂડા સમાચાર આવે છે તે એક અંતરાલ પછી અહિંસા શોધ ભવનના વિશેષ ને વિશિષ્ટ અભ્યાસક્રમમાં આઠ દેશના મળીને તેર જેટલા વિદ્યાર્થીઓએ ઓણ પ્રવેશ લીધો છે. ખાસ તો, યુક્રેન સામે યુદ્ધે ચડેલ રશિયાથી પણ બે છાત્રાઓ શાંતિખોજના આ અભ્યાસમાં હૈયાઉલટે સામેલ થઇ છે… અને છતાં, વિદ્યાપીઠની સ્વાતંત્ર્યપૂર્વ ને સ્વાતંત્ર્યોત્તર કમાઇના અચ્છા ખયાલ સામે એના જન્મપર્વે કાંક કશુંક ખૂટે બલકે કઠે છે એવું કેમ.
૧૯૨૦માં એ સ્થપાઇ, વણિકપુત્રે ઋષિનું કામ કરી ભેદની ભીંત્યું ભાંગવાની પહેલ કીધી, ત્યારથી એણે રાજ્યાશ્રયથી કિનારો કરવામાં ગૌરવ સમજ્યું. માલવિયાજીની બનારસ હિંદુ યુનિવર્સિટીએ સરકારી ચાર્ટરનો ધોરી રાહ લીધો. ગાંધી જેનું નામ, એને જનપથ મુબારક હતો. જ્યાં સુધી વિત્ત ને કૌવતનો સવાલ છે, એણે સૌની, રિપીટ, સૌની સંસ્થા તરીકે ઊભી કરી. દલિતને પ્રવેશ નહીં-ની શરતે આવતાં મોટાં દાન ધરાર પાછાં કાઢ્યાં. માલવિયાજીની નિયતિ એ રહી કે દલિત છાત્રને સંસ્કૃત અભ્યાસની તક મળી શકે એ શરતે સયાજીરાવ ગાયકવાડનું દાન પોતાના શ્રીમંત સમર્થકોની અનિચ્છાને કારણે સ્વીકારી શકે તેમ નહોતા.
કેવું વાતાવરણ સર્જાયું હશે વિદ્યાપીઠનાં એ વાસંતી વર્ષોમાં જ્યારે ગિદવાણી, ક્રિપાલાણી ને કાલેલકર સરખા આચાર્યો ત્યાં વિરાજતા ને વિલસતા હતા… એકેક આચાર્ય જાણે જંગમ યુનિવર્સિટી! આ ક્ષણે એની ગાથામાં જવાનો મોહ છોડી ત્યારે ઉભરેલી જે અનેરી આબોહવા એનું એક ચિત્ર ઉમાશંકર જોશીનાં સંભારણાંમાંથી આપું : ‘પહેલે માળે પાળી પાસે ઊભા ઊભા અમેરિકન પ્રો. ટક્કર ચોકમાં સેવાદળની બહેનોની પ્રવૃત્તિ ટગર ટગર જોઇ રહ્યા છે. થોડી વારે, પડખે હું ઊભો છું એવો ખયાલ આવતાં મારી સામે જોયું. મેં પૂછ્યું, આપ શું જોઇ રહ્યા છો. કહે, આ બહેનોની પ્રવૃત્તિમાં રહેલી મુક્તતા. મેં પૂછ્યું : આપ તો શાંતિનિકેતનમાં અધ્યાપનકાર્ય કરો છો ને? આપ અમેરિકાના છો એવો મારો ખ્યાલ બરોબર છે? અમેરિકામાં તો બહેનોને સારી પેઠે મુક્તતા છે. ધીરેથી એમણે એટલું જ કહ્યું : હું ઇચ્છું કે આવી મુક્તતા હોય.’
ગમે તેમ પણ એક જુદી જ તરેહનો અભ્યાસક્રમ અહીં વિકસ્યો જેમાં શ્રમનું ગૌરવ ને વિદ્યાની પ્રતિષ્ઠા એકરૂપ હતાં. અભ્યાસક્રમની ચર્ચામાં કે વિદ્યાપીઠની તવારીખી કામગીરીમાં ઊંડે નહીં ઊતરતાં એટલું જ કહીશું કે આગળ ચાલતાં સ્વરાજ સરકારના વારામાં જ્યારે સરકાર સાથે સહજ સંબંધની સંભાવના સર્જાઇ ત્યારે વિદ્યાપીઠે પોતાના અભ્યાસક્રમની વિશિષ્ટતા અને એકંદરે સ્વાયત્તતા જાળવીને યુજીસી સાથે સંકળાવું પસંદ કર્યું. અલબત્ત, સરકાર, કેમકે તે સરકાર છે, પોત ન પ્રકાશે એવું તો બને નહીં. પણ મોરારજી દેસાઇનું નેતૃત્વ ને રામલાલ પરીખની સક્રિયતા મુકાબલે સ્વાયત્તતા જાળવી વિદ્યાપીઠની વિશેષતાપૂર્વક આગળ ચાલ્યાં.
ગાંધીમાર્ગી અધ્યયનના એક થાણા રૂપે તેમ ગુજરાતના આદિવાસી તબક્કાને હૂંફતા એક શિક્ષણ ઠેકાણા રૂપે વિદ્યાપીઠની ભૂમિકા વિકસતી રહી. મહાશ્વેતાદેવી દીક્ષાન્ત પ્રવચન માટે આવ્યાં ત્યારે આદિવાસીબહુલ ચિત્ર પર આફરીન પોકારી ગયાં હતાં એ અહીં સાંભરે છે. હમણેનાં વરસોમાં નારાયણ દેસાઇ ને ઇલાબહેન ભટ્ટની ચાન્સેલરી- ત્યારે એમનાં કદ અને કાઠીનાં બીજાં ગુજરાતમાં હતાં પણ કોણ-વિદ્યાપીઠને સારુ એક નવોન્મેષી શક્યતા લઇને આવી હતી.
નારાયણ દેસાઇ કુલપતિ હતા અને ચુનીભાઇ વૈદ્ય દીક્ષાની પ્રવચન સારુ આવ્યા ત્યારે વિદ્યાપીઠ અને એના સ્નાતક વરસે એક આંદોલનમાં તો જોડાય જ જોડાય એવો જે સ્પિરિટ પ્રગટ થયો હતો એ દેવદુર્લભ જોણું હતું. સ્વરાજની લડત વખતે અહીં જો બ્રિટનના સામ્યવાદી સાંસદ, પારસી ગુજરાતી મૂળના સકલાતવાલા આવી શકતા હોય તો, છત્તીસગઢની રમણસિંહ સરકારે કથિત નક્સલવાદી ઘોષિત કરેલ પણ સર્વોચ્ચ અદાલતે બાઇજ્જત જામીનલાયક ગણેલ વિનાયક સેન પણ આ જ વર્ષોમાં તો આવ્યા હતા, જેમનું આદિવાસી ભૂખમરા સામેનું કામ વિશ્વવિશ્રુત છે. ગમે તેમ પણ, જેએનયુમાં ને બીજે જોઇ રહ્યા છીએ તેમ – ગાંધીદર્શનને સાવરકર વિશેષાંક કાઢવાની ફરજ પડે એવી અનવસ્થાના આ દિવસોમાં – કેમકે અન્યથા ઊંચાં પ્રતિમાન છતાં વિદ્યાપીઠમાં ક્યાંક કશીક કમજોરી અને સામે પક્ષે બધ્ધેબધ્ધું ઓળખી લેવાની વૃત્તિ, એમાંથી દબાણ અને ‘ડીલ’ની બૂ જ બૂ ઉઠે એવી ઘટના કમબખ્ત આભડી ગઇ તે આભડી ગઇ. લઘુમતી ટ્રસ્ટીઓએ રાજીનામાંમાં ધર્મ જોયો તે ઠીક જ છે. પણ નવા કુલપતિ એમની સાથે વિચારવિનિમય કરવાનું કહેતા હતા એય હવાઇ ગયું. બનારસમાં સર્વ સેવા સંઘ પરની તવાઇ સામે પ્રતિકારનો અવાજ ઊઠ્યો એવું અહીં ક્યાં, ક્યારે? ભલે, હમણે તો, એકસો ચાર મે… અને મોચવાતે!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૮ – ૧૦ – ૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪ . ૨ # અંશ ૪
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
૪.૨ ખર્ચ
અંશ ૩ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
લોભથી ચાલતી અર્થવ્યવસ્થાની જગ્યાએ સંતોષપ્રેરિત માર્ગ – જીવનની નવી અર્થવ્યવસ્થા
નાણા પ્રેરિત અર્થવ્યવસ્થાની બહાર નીકળીને આપણને આપણી નાણાં અને બિન – નાણાકીય અર્થવ્યવસ્થાનાં એવાં સંમિશ્રણની જરૂર છે જે આપણા જીવનને દરેક અર્થમાં સુખી અને આનંદમય બનાવે.
આપણને જરૂર છે આર્થિક જેલમાંથી થોડા સમયની મુક્તિની, જેમાં આપણને નાણાં સિવાય ચાલતાં વિશ્વની મુલાકાત લઈએ અને જીવનનાં સુખની ચાવી શોધ માટે નવો દૃષ્ટિકોણ કેળવી શકીએ.
જોકે આજે હવે નાણાંની ચૂંગાળ એટલી હદે વ્યાપકા બની ગઈ છે કે કમાણીની સામે ‘પર્યાપ્ત’ ખર્ચ કરવાનું એવા સમાજમાં જ શક્ય છે જ્યાં કોઈ જ પ્રકારનું આર્થિક શોષણ ન હોય, જ્યાં એક વ્યક્તિનું સંતોષમય જીવન જીવવું અન્ય લોકોના લોભની પૂર્તિ માટેની વધારાની આવકનો સ્રોત ન હોય. પરંતુ સમાજમાં એક વર્ગ એવો પણ હોય છે જે સંતોષી વ્યક્તિઓની જીવનશૈલીનો ગેરલાભ ઉઠાવે છે. સંતોષી લોકોની સાદી જીવનશૈલી એ વર્ગ માટે જરૂરિયાતથી ઘણી વધારે ખરીદીઓ કરવા માટેનો એક અનિચ્છનીય માર્ગ ખોલી આપે છે. આ પ્રમાણે ખરીદી કર્યે રાખવામાં એ વર્ગનો આશય માત્ર તે બીજાંઓથી વધારે સક્ષમ. વધારે સમૃદ્ધ અને વધારે સુખી દેખાય એવો અહમ્ સંતોષવાનો જ હોય છે. તેમને જોઈને બીજાં લોકો પણ પોતાની આવકથી વધારે ખરીદી કરવાની ઘેટાં ચાલમાં જોડાઈ જાય છે. તેનું અવળું પરિણામ એ આવે છે કે અર્થશાસ્ત્રની સીમાઓ વળોટીને વાત હવે સમાજમાંનાં સારાં અને અનિષ્ટ તત્ત્વો વચેની લડાઈની બની રહે છે. એટલે કે વાત હવે સામુહિક અર્થવ્યવસ્થા અને વ્યક્તિગત અર્થવ્યવસ્થાની અલગ અલગ વિચારધારાઓની નહીં પણ અને સારી અને અનિષ્ટ માનવ સહજ વૃત્તિઓની મુઠભેડની બની રહે છે.
કમનસીબે, નાણાનાં ચશ્માંના ડાબલા ચડાવેલા અર્થશાસ્ત્રીને આવી લોભપ્રેરિત ખરીદીઓની અસરોના કુલ દેશી ઉત્પાદનમાં થતા વધારાના ફાયદા એટલી હદે દેખાય છે કે તેઓ સરકારોને પણ આવી લોભપ્રેરિત ખરીદીઓને પ્રોત્સાહન આપવાની સલાહો આપવા લાગે છે. નાણાકીય આવક અને ખર્ચના સતત વધારાથી થતી આર્થિક વૃદ્ધિમાં માત્ર અર્થતંત્રના વિકાસને જ જોઈ શકતા આવા અર્થશાસ્ત્રીઓનો સમાજે સદંતર અસ્વીકાર કરવો જોઈએ. અર્થશાસ્ત્રીઓ પાસેથી તો આપણે અતાર્કિક, અવૈજ્ઞાનિક લાગતા, માનવીય સંવેદના ધરાવતા, અર્થશાસ્ત્રીઓને નાણાંના અયોગ્ય ફાયદાઓથી થતી અર્થતંત્રની વૃદ્ધિને બદલે નૈતિકતાનાં ઉચ્ચ ધોરણો જાળવવા છતાં, નાણાં આધારિત અર્થતંત્રના દાયરામાં રહીને, સમાજની દરેક વ્યક્તિને સુખ અને આનંદમય જીવન કેમ મળે તે વિશે મદદની અપેક્ષા છે. તર્ક અને સંખ્યાત્મક – ગાણિતિક મોડેલોની દૃષ્ટિ મર્યાદામાં જ રહેવાને કારણે જેમને બિન – નાણાકીય અર્થવ્યવસ્થા નજરે જ નથી પડતી એવા અર્થશાસ્ત્રીઓ માટે આ બહુ મોટો પડકાર છે.
ભવિષ્યના અર્થશાસ્ત્રીઓએ સમાજમાં અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનની સમાજના પ્રસારની સાથે સાથે આપસી વિશ્વાસ, સહકાર અને સંતોષયુક્ત આર્થિક વિચારધારાના પ્રસારની જવાબદારી પણ નિભાવવી પડશે. એ માટે જરૂર પડ્યે એ લોકોએ મનોવૈજ્ઞાનિક, સમાજ સુધારક, ફિલસૂફ અને માનવ સંસ્કૃતિના અભ્યાસુ જેવા વિવિધલક્ષી દૃષ્ટિકોણ પણ વિકસાવવા જોઇશે. તે ઉપરાંત, ધર્મની આસ્થાની ભાષા સહેલઈથી સમજતા વર્ગ માટે તેમણે ધર્મ પ્રચારકની ભૂમિકા નિભાવાવાની પણ તૈયારી રાખવી પડશે. સામાન્ય આદમી નાણાનાં લોભનાં કળણમાં ન ફસાય એટલા માટે ભવિષ્યના અર્થશાસ્ત્રીએ, જરૂર પડ્યે, આવા બિનવૈજ્ઞાનિક અભિગમની મદદ લઈને પણ, નાણાની જ પાછળ આંધળી દોટ માર્યા સિવાય, સંતોષમય જીવનશૈલી દ્વારા સન્માનીય અને પર્યાપ્ત આર્થિક ક્ષેમકુશળ મેળવવાની તેમજ અંગત અર્થવ્યવસ્થા અને વૈજ્ઞાનિક અર્થવ્યવસ્થાને એક સાથે રાખીને તાલકદમ મેળવવાની ચાવીઓ સામાન્ય માનવીને શીખવાડવી પડશે.
આપણી યુનિવર્સિટીઓ અને ત્યાં બેસીને આજની શિક્ષણ વ્યવસ્થાને ઘડી રહેલા શિક્ષણ નિષ્ણાતો પાસે અનેકવિધ અભિગમની ક્ષમતા ધરાવતા ભવિષ્યના આવા અર્થશાસ્ત્રીઓનો ફાલ પેદા કરવાની અપેક્ષા રાખી શકાય ખરી?
જ્યાં સુધી આવા માનવ સહજ વર્તણૂકોને સમજી શકનારા અર્થશાસ્ત્રીઓ કાર્યરત નથી થતા ત્યાં સુધી માર્ગદર્શન માટે આપણે શું કરવું?
અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં એક ઘટક તરીકે ‘ખર્ચ’ને લગતાં મહત્ત્વના પાસાંઓની ચર્ચાની સમાપ્તિમાં હવે પછીના મણકામાં, ખર્ચશક્તિનું અર્થતંત્ર, ‘એકબીજા માટે લાગણી રાખવી અને વહેંચીને ખાવું’ ની ભાવના પર આધારિત સમાજની રચનાની વાત કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ભ્રષ્ટાચારનો ભોરિંગ અને લોકપાલ-લોકાયુક્તની મોરલી
નિસબત
ચંદુ મહેરિયા
અન્ના હજારેનું ૨૦૧૧નું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન યાદ છે? તેને કારણે જ લગભગ સર્વાનુમતે સંસદે લોકપાલ-લોકાયુક્તને લગતો કાયદો ઘડ્યો હતો. આજે અન્ના આંદોલનના સવા અને લોકપાલ-લોકાયુક્ત અધિનિયમ-૨૦૧૩ના એક દાયકે દેશ ભ્રષ્ટાચાર મુક્ત થયાનું કે લાંચ-રુશ્વતની બદી ઘટ્યાનું લાગે છે ખરું ? દેશના સર્વ રાજકીય પક્ષો પર જે લોકપાલનો કાયદો ઘડીને ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવાનું દબાણ ઉભું થઈ શક્યું હતું તે કાયદો નબળો કે બોદો લાગે અને સમસ્યા યથાતથ હોય ત્યારે નાગરિક માત્રને નિરાશા ઉપજે છે. આર્થિક ગેરરીતિઓ, લાગવગ, લાંચ કહેતાં ભ્રષ્ટાચારનો પડકાર કેટલો મોટો અને ગંભીર છે અને દેશવ્યાપી આંદોલન પછી પણ શઠ રાજકારણીઓની રાજકીય ઈચ્છાશક્તિના અભાવે તેનો કાનૂની માર્ગે મર્યાદિત ઉકેલ પણ શક્ય નથી બની શકતો તેનો રંજ થાય છે.
લોકતાંત્રિક દેશોમાં નાણાકીય ગેરરીતિ, લાગવગ, લાંચ , સત્તાનો દુરુપયોગ જેવા વહીવટી તંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટ આચારો અંગે સ્વતંત્ર, નિષ્પક્ષ અને નિર્ભીકતાથી વિચાર કરી શકે તેવી વ્યવસ્થા જરૂરી છે. આ પ્રકારની વ્યવસ્થા હોય તો લોકો ફરિયાદ કરી શકે અને તેની સમુચિત તપાસ કરી તેને દૂર કરી શકાય. આ પ્રકારની વ્યવસ્થા લોકોનો વહીવટમાં વિશ્વાસ ટકાવી રાખે છે.
દુનિયાના ઘણા દેશોમાં ભ્રષ્ટાચારની તપાસ માટે ઓમ્બુડ્સમેન કે લોકપાલ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકપાલનું પગેરું છેક ૧૮૦૯ની સાલમાં સ્વીડનમાં મળે છે. વીસમી સદીમાં તેનો સંસ્થાગત વિકાસ થયો હતો. બીજા વિશ્વયુધ્ધ પછી તેમાં ગતિ આવેલી જણાય છે. ફિનલેન્ડમાં ૧૯૨૦થી સંસદીય લોકપાલ અસ્તિત્વમાં છે. નોર્વે અને ન્યૂઝીલેન્ડમાં ૧૯૬૨માં લોકપાલની પ્રણાલી દાખલ થતાં તેનો વ્યાપક પ્રસાર થયો હતો. ૧૯૬૬માં લોકપાલનો વિચાર અપનાવનાર ગુયાના પ્રથમ વિકાસશીલ અને ૧૯૬૭માં તે અપનાવનાર બ્રિટન પ્રથમ લોકતાંત્રિક દેશો છે. મોરીશસ, સિંગાપુર અને મલેશિયાએ પણ તે પછી લોકપાલની રચના કરી છે.
ભારતમાં લોકપાલની રચનાનો દીર્ઘ ઈતિહાસ છે. ૧૯૬૦ના દસકના આરંભે સૌ પ્રથમ વખત તેનો વિચાર કાયદા મંત્રી એ.એન. સેને સંસદમાં રજૂ કર્યો હતો. જોકે લોકપાલ અને લોકાયુક્ત શબ્દ સૌ પ્રથમ વખત ૧૯૬૩માં કાયદાવિદ અને સાંસદ લક્ષ્મીમલ સિંઘવીએ પ્રયોજ્યો હતો. મોરારજી દેસાઈના પ્રમુખપણા હેઠળના પ્રથમ વહીવટી સુધારણા પંચે ૧૯૬૬માં સાંસદો સહિતના લોકસેવકો અને જાહેર સેવકોના ભ્રષ્ટાચારની ફરિયાદોની તપાસ માટે કેન્દ્ર અને રાજ્યોમાં લોકપાલ-લોકાયુકતની રચનાની ભલામણ કરી હતી. તે અન્વયે ૧૯૬૯માં ચોથી લોકસભામાં લોકપાલ-લોકાયુક્ત વિધેયક પસાર થયું હતું. આ વિધેયક રાજ્યસભામાં પડતર હતું તે દરમિયાન લોકસભાનું વિસર્જન થતાં તે લેપ્સ ગયું. નહીં તો પચાસેક વરસ પહેલાં લોકપાલનો કાયદો અસ્તિત્વમાં આવી ગયો હોત ! ૨૦૦૨માં બંધારણ સમીક્ષા પંચે અને ૨૦૦૫માં બીજા વહીવટી સુધારણા પંચે પણ લોકપાલની ભલામણ કરી હતી. ૧૯૭૧, ૧૯૭૭,૧૯૮૫, ૧૯૮૯, ૧૯૯૬, ૧૯૯૮, ૨૦૦૧ અને ૨૦૧૧ એમ કુલ આઠ પ્રયાસો પછી ૨૦૧૩માં અન્ના આંદોલનના ધક્કે લોક્પાલ વિધેયક સંસદે પસાર કર્યું હતું. ૨૦૧૪થી તે અમલમાં આવ્યું છે. આ ક્રોનોલોજી દર્શાવે છે કે રાજનેતાઓ લોકપાલ કાયદાથી ડરતા હતા અને તેને ટાળતા હતા.
કેન્દ્રના લોકપાલ-લોકાયુક્ત કાયદા પૂર્વે ઘણાં રાજ્યોમાં લોકાયુક્તના કાયદા ઘડાયા હતા. એટલે ભ્રષ્ટાચાર નિવારણની દિશામાં કાનૂની માર્ગ અખત્યાર કરવામાં કેન્દ્ર કરતાં રાજ્યો આગળ હતાં. ઓડિશામાં ૧૯૭૦માં, મહારાષ્ટ્રમાં ૧૯૭૧માં અને ગુજરાતમાં ૧૯૮૬માં રાજ્ય લોકાયુક્ત અધિનિયમ ઘડાયા હતા..
વડાપ્રધાન સહિતના મંત્રી મંડળના સભ્યો, સાંસદો અને કેન્દ્ર સરકારના તમામ શ્રેણીના અધિકારીઓના ભ્રષ્ટાચારની તપાસને આવરી લેતો ૨૦૧૩નો અધિનિયમ તપાસથી માંડીને જપ્તી સુધીની ભલામણની સત્તા ધરાવે છે.જોકે લોકપાલ કોઈ બંધારણીય દરજ્જો ધરાવતી નહીં પણ વૈધાનિક સંસ્થા છે. એક ચેરપર્સન અને અન્ય આઠ સભ્યોના બનેલા લોકપાલની પસંદગી વડાપ્રધાન, લોકસભા અધ્યક્ષ, વિપક્ષના નેતા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વગેરેની બનેલી સમિતિએ કરવાની જોગવાઈ છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને અન્ના આંદોલનનું સમર્થન ઘણું ફળ્યું હતું. ‘ હું ખાતો નથી અને ખાવા દેતો નથી’ ની ઈમેજ ઉભી કરનાર મોદીએ ભ્રષ્ટાચાર પર લગામ કસવા વડાપ્રધાન બન્યા પછી તુરત જા લોકપાલની નિમણૂક કરવી જોઈતી હતી પરંતુ તેમની તે માટે કોઈ પ્રતિબધ્ધતા જ નહોતી. એટલે ૨૦૧૪માં અમલી બનેલા લોકપાલ કાયદા હેઠળ ન.મો.એ છેક પાંચ વરસે ૨૦૧૯માં પ્રથમ લોકપાલની નિમણૂક કરી હતી. આ બાબત વડાપ્રધાન મોદીની અને ભારતીય જનતા પક્ષની ભષ્ટ્રાચાર બાબતે કેવી રાજકીય ઈચ્છાશક્તિ છે તે દર્શાવે છે.
રાજ્યોએ એક વરસમાં આ કાયદાની જોગવાઈ મુજબ લોકાયુક્તની રચના કરવાની હોય છે. પરંતુ આઠ રાજ્યોમાં હજુ ૨૦૧૩ના કાયદા પ્રમાણે લોકાયુક્તની રચના થઈ નથી.કેટલાક રાજ્યોમાં લોકાયુક્ત કે સભ્યોની જગ્યાઓ ખાલી છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીકાળમાં તો ગુજરાતમાં દસ વરસ કરતા વધુ સમય ૧૯૮૬ના કાયદા મુજબની લોકાયુક્તની જગ્યા ખાલી રહેવા પામી હતી. જ્યારે ગવર્નર કમલા બેનીવાલે ખુદે જસ્ટિસ આર.એ.મહેતાને લોકાયુક્ત તરીકે નિયુક્ત કર્યા ત્યારે બીજેપી સરકારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તેને પડકારી હતી. બંને કોર્ટોએ સરકારની વિરુધ્ધમાં ચુકાદા આપી રાજ્યપાલે કરેલી નિમણૂક્ને કાયદેસર ઠેરવી ત્યારે પણ સરકાર તે હકીકત સ્વીકારી શકી નહોતી.. વળી આજ મોદી ‘ ન ખાતા હું ન ખાને દેતા હું’ નો રાગ સતત આલાપ્યા કરે છે. ૨૦૧૩ના કાયદાની કલમ-૫માં અધ્યક્ષ અને સભ્યોના કાર્યકાળ (૭૦ વરસની વય અને પાંચ વરસ ) ની સમાપ્તિના ત્રણ મહિના પહેલાં નવી નિમણૂકો કરવાની જોગવાઈ છે. કેન્દ્રમાં લોકપાલનો કાર્યકાળ ૨૦૨૨માં અને ત્રણ સભ્યોનો ૨૦૨૦માં સમાપ્ત થઈ જવા છતાં ન. મો. શાસનમાં હજુ નવી નિમણૂકો થઈ નથી.
પર્સોનલ, પબ્લિક ગ્રિવન્સિસ, લો એન્ડ જસ્ટિસ વિભાગ સંબંધી સંસદની સ્થાયી સમિતિએ લોકપાલની કામગીરી અંગે હળવામાં હળવા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું છે કે ‘ લોકપાલની કામગીરી સંતોષજનક પ્રતીત થતી નથી ‘ સમિતિના મતે સ્વચ્છ અને જવાબદાર શાસનમાં વૃધ્ધિના પ્રયાસો માટે લોકપાલની રચના થઈ છે. તેથી તેણે અવરોધકને બદલે સહાયકના રૂપમાં કાર્ય કરવું જોઈએ. પોતાની આલોચનાના આધાર તરીકે સમિતિએ જણાવ્યું છે કે ૨૦૨૨-૨૩ના વર્ષમાં લોકપાલને કુલ ૨૫૧૮ ફરિયાદો મળી હતી. તેમાંથી ૨૨૭૬ ( ૯૦ ટકા) ફરિયાદો તેણે નિયત નમૂનામાં ન હોવાના કારણસર રદ કરી છે. બાકીની ૨૪૨માંથી ૧૯૧નો એટલે કે ૮૮ ટકા ફરિયાદોનો નિકાલ દર્શાવી વાહવાહી મેળવવા પ્રયાસ કર્યો છે. પરંતુ સમિતિએ “ વાસ્તવિક કે તથ્ય જણાય તેવી ફરિયાદો ટેકનિકલ કારણોસર રદ ના કરવા” લોકપાલને સલાહ આપી છે.વળી ભ્રષ્ટાચારની જેમના પર ફરિયાદો છે એવા વ્યક્તિઓ પર ચાર વરસમાં લોકપાલે એક પણ કેસ ચલાવ્યો નથી તે અંગે સંસદીય સમિતિએ આઘાત અને આશ્ચ્રય વ્યક્ત કર્યાં છે.
રાજ્યોમાં લોકાયુકતની કામગીરી પણ ઝાઝી વખાણવા લાયક નથી. ગોવાના લોકાયુકત તરીકેના કાર્યકાળની સમાપ્તિએ જસ્ટિસ પ્રફુલકુમાર મિશ્રએ તેમના અનુભવો અને પ્રતિભાવ લેખિત નિવેદન મારફત જણાવ્યા હતા. તેમણે લખ્યું છે કે “ લોકાયુકતને માત્ર ભલામણની સત્તા છે. મેં રાજ્ય સરકારને ૨૧ ભલામણો કરી હતી.પરંતુ એક પણ ભલામણ અંગે સરકારે કોઈ પગલાં લીધા નથી. તો પછી લોકાયુક્તની જરૂર શું છે ? જનતાના નાણાનો બગાડ કરવાને બદલે લોકાયુક્ત સંસ્થાને ખતમ કરી દેવી સારી “ ઉત્તરાખંડમાં ૨૦૧૩થી લોકાયુક્ત અને સભ્યોના પદ ખાલી છે..પરંતુ વગર લોકાયુક્તે ઓફિસમાં ૨૪ અધિકારી-કર્મચારી કામ (?) કરે છે. લોકાયુક્તની કચેરી માટે સરકારે રૂ. ૩૬ કરોડ ૯૫ લાખની ગ્રાન્ટ ફાળવી હતી અને રૂ. ૨૯ કરોડ ૭૩ લાખનો (મુખ્યત્વે પગાર-ભથ્થાનો) ખર્ચ થયો છે. શું આ રીતે આપણે ભ્રષ્ટાચાર હઠાવી શકીશું ખરા?
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
શબ્દનો સુઘોષ – સામગાન
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
જીવન સંગીત છે.એમાં જેટલા સૂર હૃદયંગમ નીકળે એટલું જીવન આનંદમય..એમાંય જો આ સંગીત યોગ્ય સૂરમય હોય -પદ્ધતિસર હોય અને તેની સાધના પણ અંતઃકરણથી હોય તો તો સાક્ષાત પરબ્રહ્મ સુધી પહોંચી જવાય. પ્રાચીન ભારત પાસે આ હતું અને આજે પણ છે.વેદકાલીન ‘સામગાન ‘ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. ઋગ્વેદમાં સંયોજાયેલું સંયોજન એટલે સામગાન.સામગાનનો મૂળ હેતુ સામવેદના ગાનનો છે.પણ એની રચનામાં એટલું તો આધ્યાત્મિક પ્રભુત્વ છે જે વિશ્વ સંગીતને પ્રભાવિત કરે છે.
મહર્ષિ પતંજલિના મતેતો ‘સામ’ની હજારો શાખાઓ છે सहस्रवर्त्म समवेदः જે પાઠકને આધ્યાત્મિકતાને ચરમસીમાએ પહોંચાડે છે.પણ વિદ્વાનોના મતે કાલાન્તરે હવે માત્ર ત્રણ શાખાઓ પ્રચલિત છે. 1. Rān#aneeya राणानीय 2. Kouthumeeya कौथ्हुमीय 3. Jaimineeya जैमिनीय. આપણે સહુ જાણીએ જ છીએ કે સંગીતનો મૂળ સ્ત્રોત જ સામગાન છે.કેટલાક કહેવાતા લોકોની ભ્રાંત માન્યતા છે કે ભારતીય સંગીતને સ્વરલિપિ હતી જ નહિ.અને તે પશ્ચિમના સંગીત પરથી આવી છે .હકીકતમાં હજારો વર્ષ પૂર્વ વૈદિક સામગાનની પોતાની વિશિષ્ટ સ્વરલિપિ હતી જ.જે વિશ્વની સૌથી પ્રાચીન સ્વરલિપિ છે. સામવેદના સસ્વર પાઠ માટે ઉદાત્ત,અનુદાત્ત અને સ્વરિત માટે વિશેષ ચિન્હોનો પ્રયોગ છે પરંતુ ઋષિગણ દ્વારા તો એટલે સામગાન માટે પુરી સ્વરલિપિ જ તૈયાર કરી છે.
સામ ઉપાસના એ શ્રષ્ઠ છે એમ છાંદોગ્ય ઉપનિષદ આ મંત્રમાં કહે છે..समस्तस्य खलु साम्न उपासनꣳसाधुयत्खलुसाधुतत्सामेत्याचक्षते यदसाधु तदसामेति ॥ ‘ સંસારમાં જે કઈ શ્રેષ્ઠ છે એ સામ છે.’ અહીં શ્ર્રેષ્ઠ એટલે સાધુ ભાવ એવો અર્થ ઉપનિષદે તારવ્યો છે. છાંદોગ્ય ઉપનિષદ સામનું ઉચ્ચ મૂલ્ય દર્શાવવા માટે બીજા અધ્યાયના પ્રારંભમાં દર્શાવેલા મંત્રો જ કહી જાય છે. तदुताप्याहुः साम्नैनमुपागादिति साधुनैनमुपागादित्येव
तदाहुरसाम्नैनमुपागादित्यसाधुनैनमुपगादित्येवतदाहुः ॥ ‘ જે કોઈ એમ કહે કે -હું ‘ સામ ‘ દ્વારા રાજા પાસે ગયો હતો – તો એનું તાત્પર્ય એ કે તે રાજા પાસે સાધુ ભાવથી ગયો હતો.’ अथोताप्याहुः साम नो बतेति यत्साधु भवति साधु बतेत्येवतदाहुरसाम नो बतेति यदसाधु भवत्यसाधु बतेत्येवतदाहुः ॥ ‘ અમોને સામ પ્રાપ્ત થાવ ‘- એવું કોઈ કહે તો એનું તાત્પર્ય અત્યંત શુભ ફળની પ્રાપ્તિ માટે કહેવામાં આવે છે.’ પછીના મંત્રમાં ઉપનિષદ સ્પષ્ટ કહે છે,‘.આ રીતે જે ‘ શ્રષ્ઠ ‘ જાણીને સામની ઉપાસના કરે છે એને શ્રેષ્ઠ ધર્મની પ્રાપ્તિ જલદી થાય છે.અને ધાર્મિક સિદ્ધાંત એના પ્રત્યે અવનત ( તુરત ધારણ કરવા યોગ્ય ) થાય છે.’
સામગાનનો સરળ ભાવાર્થ અને તેની પ્રાથમિક સમજ શ્રી સૌભાગ્યવર્ધન બૃહસ્પતિએ તેમના પુસ્તક ‘ઉત્તર ભારતીય સંગીતકે આર્ષઋષિ બૃહસ્પતિ-એક અધ્યયન’ માં જણાવ્યું છે કે ‘ઋચાઓના ગેય સ્વરૂપને સામ કહે છે .’સા’ નો અર્થ છે ઋચા અને અમ એટલે સ્વર સમૂહ. ‘ સામ ‘ ત્રણ ઋચાઓનું ગેય સંયોજન હોય કારણકે વૈદિક સામના ઉચ્ચારણ માટે તેના અંગો પ્રસ્તાવ,,ઉદગીથ, પ્રતિહાર,ઉપદ્રવ અને નિધન હોવાં આવશ્યક છે.પ્રસ્તાવ એટલે પ્રારંભ .હિન્કાર ધ્વનિ છે .દરેક પ્રસ્તાવના અક્ષરોની સંખ્યા ભિન્ન હોય છે.ઉદગીથ એ સામગાનને ઉપાડવાનો ભાગ છે.પ્રતિહાર એ મંત્રના બે ભાગને જોડવાનું કાર્ય કરે છે.પ્રતિહારના અવશિષ્ટ અંગને પ્રસ્તોતા ઉદઘાતા અને પ્રતિહર્તા સાથે મળીને સમાપન કરે છે .નિધનનો અર્થ સમાપ્ત એવો થાય
છાંદોગ્ય ઉપનિષદમાં વર્ણવ્યા અનુસાર ઉર્ધ્વ લોકોમાં પાંચ પ્રકારે સામની ઉપાસના કરવામાં આવે છે. लोकेषु पञ्चविधꣳसामोपासीतपृथिवीहिंकारः।अग्निः प्रस्तावोऽन्तरिक्षमुद्गीथ आदित्यः प्रतिहारो
द्यौर्निधनमित्यूर्ध्वेषु ॥ પૃથ્વી હિકાર છે,અગ્નિ પ્રસ્તાવ છે અંતરિક્ષ ઉદગીથ છે.આદિત્ય પ્રતિહાર છે અને દ્યુલોક નિધન છે.વળી અધોમુખ લોકોમાં પણ અન્ય રીતે પાંચ પ્રકારના સામની ઉપાસના કરવામાં આવે છે. अथावृत्तेषु द्यौर्हिंकार आदित्यःप्रस्तावोऽन्तरिक्षमुद्गीथोऽग्निः प्रतिहारः पृथिवनिधनम् ॥ ‘પૃથ્વી હિકાર છે.અગ્નિ પ્રસ્તાવ છે અંતરિક્ષ ઉદગીથ છે.આદિત્ય પ્રતિહાર છે.અને દ્યુલોક નિધન છે.’ પ્રથમ પદ્ધતિમાં પૃથ્વીથી પ્રારંભ કરીને દ્યુલોકનું લક્ષ્ય છે તો દ્વિતીય પદ્ધતિમાં સ્વર્ગથી પૃથ્વીનું લક્ષ્ય છે.પછીના મંત્રમાં બંને પદ્ધતિની ફલશ્રુતિ બતાવી છે. कल्पन्ते हास्मै लोका ऊर्ध्वाश्चावृत्ताश्च य एतदेवंविद्वाꣳल्लोकेषुपञ्चविधंसामोपास्ते॥. ‘આ રીતે જાણનારો જે પુરુષ પંચવિધ સામની ઉપાસના કરે છે એના માટે ઉર્ધ્વ,અધોલોકોનો ભોગ સહજ ઉપલબ્ધ થઇ જાય છે.’
સામગાન તો પરબ્રહ્મ સુધી પહોંચવાની પગદંડી છે એટલે પ્રકૃત્તિથી અળગુ ન જ હોઈ શકે.પ્રકૃત્તિના તમામ તત્ત્વો સાથે સામગાન છે.મંત્રદૃષ્ટા હવે વૃષ્ટિમાં પાંચ પ્રકારના સામની ઉપાસના વર્ણવે છે. वृष्टौ पञ्चविधꣳसामोपासीतपुरोवातोहिंकारोमेघो जायते स प्रस्तावो वर्षति स उद्गीथो विद्योततेस्तनयति स प्रतिहार उद्गृह्णाति तन्निधनम् ॥ ‘પૂર્વીય વાયુ હિકાર છે.ઉત્પન્ન થનાર મેઘ પ્રસ્તાવ છે વરસનાર જળ ઉદગીથ છે.જે ચમકે છે તે પ્રતિહાર છે અને જે જળને ગ્રહણ કરે છે નિધન છે. આ પ્રમાણે પંચવિધ સામની ઉપાસના કરે છે એની ઈચ્છારૂપ વર્ષા થાય છે.એને જ વર્ષા કરાવવાનું શ્રેય મળે છે.’ वर्षति हास्मै वर्षयति ह य एतदेवं विद्वान्वृष्टौपञ्चविधꣳसा એમાંય વૃષ્ટિના આગળના ગતિશીલ પ્રવાહ માટે પણ મંત્ર કહે છે ,’ગાઢ રીતે છવાયેલો મેઘ હિકાર ,વરસતો પ્રસ્તાવ,પૂર્વ દિશાનો ઉદગીથ,પશ્ચિમનો પ્રતિહાર અને સમુદ્ર નિધન છે.’
ઋતુની પંચવિધસામની ઉપાસના આ રીતે વર્ણવી છે.ऋतुषु पञ्चविधꣳसामोपासीतवसन्तोहिंकारः ग्रीष्मः प्रस्तावो वर्षा उद्गीथः शरत्प्रतिहारोहेमन्तो निधनम् ॥ વસંત હિકાર,ગ્રીષ્મ પ્રસ્તાવ,વર્ષા ,શરદ પ્રતિહાર અને હેમંત નિધન છે. સૃષ્ટિના બધાં તત્ત્વોમાં સામ છે એટલે પ્રાણી સૃષ્ટિ કેમ ભુલાય ? पशुषु पञ्चविधꣳसामोपासीताजा हिंकारोऽवयःप्रस्तावो गाव उद्गीथोऽश्वाः प्रतिहारःपुरुषो निधनम् ॥ ‘બકરી હિકાર ,ઘેટાં પ્રસ્તાવ,ગાયો ઉદગીથ,અશ્વ પ્રતિહાર અને પુરુષ નિધન છે.’ પ્રાણો ( ઇન્દ્રિય ) ના શ્રેષ્ઠતાના ક્રમથી સામની પંચવિધ ઉપાસના સૂચવી છે.प्राणेषु पञ्चविधं परोवरीयः सामोपासीत प्राणोहिंकारो वाक्प्रस्तावश्चक्षुरुद्गीथः श्रोत्रं प्रतिहारोमनो निधनं परोवरीयाꣳसिवाएतानि॥ ‘આ પ્રાણ હિકાર ,વાણી પ્રસ્તાવ,ચક્ષુ ઉદગીથ ,શ્રોત્ર પ્રતિહાર અને મન નિધન છે.’
શાળામાં જેમ યોગ્યતા અનુસાર આગળના ધોરણમાં મોકલાય તેમ વિદ્યા પ્રાપ્તિમાં સાધકની ઉચ્ચતા વધે એટલે એના અભ્યાસની ટોચ પણ બદલાય.અત્યાર સુધી પંચ વિધ સામ ઉપાસના થઇ પણ જે સાધકની ગુણવતા -ક્ષમતા ઊંચી થઇ એમને થોડું વિશેષ કે કઠિન.હવે સપ્ત વિધ સામગાન ઉપાસના .अथ सप्तविधस्य वाचि सप्तविध्ꣳसामोपासीतयत्किंच वाचो हुमिति स हिंकारो यत्प्रेति स प्रस्तावोयदेति स आदिः॥ ‘વાણીમાં સપ્તવિધ સામની ઉપાસના કરે છે એ વાણીના સારતત્ત્વને જાણી લે છે -પ્રાપ્ત કરી લે છે.તથા પુષ્કળ પ્રમાણમાં અન્ન અને અન્ન પચાવવાનું સામર્થ્ય પણ મેળવી લે છે. ’दुग्धेऽस्मै वाग्दोहं यो वाचो दोहोऽन्नवानन्नादो भवतिय एतदेवं विद्वान्वाचि सप्तविधꣳसामोपास्ते॥
આદિત્યની પણ ઉદયકાળથી અસ્ત સુધીના સ્વરૂપની સપ્તવિધ સામ ઉપાસના અહીં વર્ણવી છે.આદિત્યની ઉપાસનાનો પ્રભાવ વર્ણવા માટે તો પ્રત્યેક અક્ષરની ગણતરી સાથે સાંકેતિક વાત કરી છે. आदिरिति द्व्यक्षरं प्रतिहार इति चतुरक्षरंतत इहैकं तत्समम् ॥ બે અક્ષરના ‘ આદ’ શબ્દમાં ચાર અક્ષરના ‘પ્રતિહાર ‘એક અક્ષર કાઢીને ‘આદિ’માં જોડવાથી તે સરખા થઇ જાય છે.હિકાર,પ્રસ્તાવ,ઉદગીથ,ઉપદ્રવ ,પ્રતિહાર અને નિધન આમ વીસ અક્ષર અને એકવીસમો આદિત્ય एकविꣳशत्यादित्यमाप्नोत्येकविꣳशोवाइतोऽसावादित्योद्वाविꣳशेनपरमादित्याज्जयतितन्नाकंतद्विशोकम्॥ એ રીતે આદિત્યની સામ ઉપાસનાથી સાધક આદિત્યલોકને પામે છે.य एतदेवं विद्वान्वाचि सप्तविधꣳसामोपास्ते॥
ગુજરાત વિશ્વકોશમાં જણાવ્યા અનુસાર,’ભારતીય સંગીતશાસ્ત્રમાં ષડ્જ,ઋષભ,ગાંધાર,મધ્યમ,પંચમ,ધૈવત અને નિષાદ – એ સાત સ્વરો છે. એ જ રીતે સામગાનના સ્વરો કૃષ્ટ,પ્રથમ,દ્વિતીય,તૃતીય,ચતુર્થ,મંદ્ર અને અતિસ્વાર્ય – એ સાત સામવિધાન બ્રાહ્મણગ્રંથ મુજબ છે. સામવેદના શિક્ષાગ્રંથ નારદીય શિક્ષામાં તે સામ સ્વરોનો ક્રમ ઉપર જણાવેલા સામવિધાન બ્રાહ્મણગ્રંથના ક્રમથી જુદો છે. તેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, મંદ્ર, કૃષ્ટ અને અતિસ્વાર્ય એવો ક્રમ છે. વળી નારદીય શિક્ષા મુજબ સામગાનનો પ્રથમ સ્વર એ વેણુનો મધ્યમ સ્વર છે. સામસ્વરમાંનો દ્વિતીય સ્વર વેણુનો ગાન્ધાર સ્વર છે. સામસ્વરમાંનો તૃતીય સ્વર વેણુનો ઋષભ સ્વર છે. સામસ્વરનો ચતુર્થ સ્વર એ વેણુનો ષડ્જ સ્વર છે. સામસ્વરનો મંદ્ર એટલે પંચમ સ્વર એ વેણુનો ધૈવત સ્વર છે. સામસ્વરનો કૃષ્ટ એટલે છઠ્ઠો સ્વર એ વેણુનો નિષાદ સ્વર છે. સામસ્વરનો અતિસ્વાર્ય એટલે સાતમો સ્વર વેણુનો પંચમ સ્વર છે. પરિણામે જેમ ભારતીય સંગીતનું મૂળ સામસંગીતમાં રહેલું છે તેમ સંગીતના ગાંધર્વસ્વરોનું મૂળ પણ સામસ્વરોમાં રહેલું છે. સંગીતના સાત સ્વરો (સૂર) જુદાં જુદાં વાદ્યો પર વગાડવામાં આવે છે. જ્યારે સામસ્વરો ગાનાર પોતાના હાથની આંગળી પર સ્વરો બતાવે છે તેને ગાત્રવીણા એ નામે ઓળખવામાં આવે છે. વળી જુદા જુદા સામોનાં નામો ઋષિ, દેવતા, છંદ, યજ્ઞ, નિધન, કર્મફલ અથવા ઋચામાં આવતા શબ્દના આધારે આપવામાં આવ્યાં છે.’
અને એક મત મુજબ સામવેદ આધારિત ગ્રંથ નારદીય શિક્ષા દ્વારા સામગાનના વૈદિક સ્વરૂપને લોકભોગ્ય અને જન સામાન્ય સુધી સ્પર્શે તે રીતે પૂનર્વ્યાખ્યાયિત કરીને ‘સારેગમપધની’ ના વર્તમાન સુપરિચિત સ્વરોમાં મુકાયાં ઉપનિષદએ જીવન સંગીતને પણ લયબદ્ધ કરીને પરબ્રહ્મ સુધી લઇ જવાનું માધ્યમ પણ છે એવો સામગાનનો સંદેશ છે.
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
-
હિબકે ચડ્યા છે ઠાકોર !
વ્યંગ્ય કવન
કૃષ્ણ દવે
હિબકે ચડ્યા છે ઠાકોર !
પાંચસોની નોટ લઈ દર્શનને વેચવાની કળા કરે છે કયો મોર?
હિબકે ચડ્યા છે ઠાકોર !હેતે હંકારીને ગાડે બેસાડી મને લાવ્યા’તા ભગત બોડાણા.
નિરાંતે ગામને હું દર્શન દેતો’તો એમાં તમને કાં નાણાં દેખાણાં ?મનમાં બેઠો છે ચોર એટલે તો શ્રાવણના દિવસો પણ કોરા ધાકોર!
હિબકે ચડ્યા છે ઠાકોર !દર્શન હું દઉં એ તો ખેલ છે તમારો ને ઊભો ઊભો હું બધું જોઉં છું.
મારી ગરજે હું દીનદુખીયા નારાયણના દર્શન કરવાને ઊભો હોઉં છું.મનમાં તો થાય છે કે અત્યારે, અબઘડીએ તજી દઉં આવું ડાકોર!
હિબકે ચડ્યા છે ઠાકોર ! -
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક બીજો:પ્રવેશ ૨

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક બીજો:પ્રવેશ ૧ થી આગળ
પ્રવેશ ૨ જો
સ્થળ : કલ્યાણકામની હવેલી.
[કલ્યાણકામ અને સાવિત્રી બેઠેલાં પ્રવેશ કરે છે.]
કલ્યાણકામઃ રાણીસાહેબનું ઝવેરાત જોઇ તમને થોડુંઘણું એવું ખરીદવાની ઇચ્છા ન થઇ?
સાવિત્રીઃ રાણીસાહેબ તો મહારાજ પર્વતરાય જુવાન થઇને આવે ત્યારે તેમને પ્રસન્ન કરવાની ઉત્કંઠાથી આ બધી તૈયારી કરે છે. અને, હું તો તમને પ્રસન્ન કરી ચૂકી છું.
કલ્યાણકામઃ તમે કહેતાં હતાં કે પોતાના મનની તૃપ્તિ ખાતર સ્ત્રીઓ અલંકાર પહેરે છે.
સાવિત્રીઃ અતૃપ્ત મન તૃપ્તિનાં અનેક સાધન શોધે છે. પરંતુ, મારી તૃપ્તિમાં એવી ન્યૂનતા જ નથી. આપણા લગ્ન પહેલાં અલંકારોથી મને બહુ ઉલ્લાસ થતો, અને આપણા અનુરાગમાં ન્યૂનતા હોત તો અલંકારોથી સંતોષ મેળવવાનો પ્રયત્ન કરત.
કલ્યાણકામઃ એમ નહિ તો, મારાં નયનોના અનુરંજન ખાતર તમે થોડાં રત્ન ન પહેરો.
સાવિત્રીઃ તમારાં નયનનું એથી અનુરંજન થતું હોય, તો હું થોડાં નહિ, ઘણાં રત્ન પહેરું. પણ, તમારા હૃદયથી જુદા પ્રકારે પ્રસન્નતા મેળવવાની તમારાં નયનોને ઉત્સુકતા હોય એમ હું માનતી નથી.
કલ્યાણકામઃ મારા હૃદયની તમારી એ કદર કાયમ છે તે જાણું છું. મને બહુ નિવૃત્તિ થઇ. આજ પુષ્પસેન મને કહેતા હતા કે રાજકાર્યો કરતાં મારું હૃદય એવું કઠણ થઇ ગયું છે કે સ્ત્રી જાતિની મૃદુતા તરફ મને અવજ્ઞા થઇ છે.
સાવિત્રીઃ પુષ્પસેનને ઠેકાણે હું હોઉં તો હું પણ એમ ધારું. તમે બે પ્રકારના જીવનસ્વરૂપ ધારણ કરો છો. બહારથી તમને જોનારને તમારી દૃઢતાનું જ દર્શન થાય છે. એ દૃઢતાનાં પડની અંદર રહેલી કોમલતા લોકોને દેખાતી નથી.
(તોટક)
રસ મિષ્ટ ભરિયું ફલ જે,
રસરક્ષણ કાજ જ છાલ ધરેઃ
જડ વેષ્ટન એ કરિ દૂર શકે,
જન તે જ ગ્રહે રસ નિર્મળ એ. ૨૨કલ્યાણકામઃ મહારાજ પાસે આવેલા વૈદ્યરાજને બોલાવી આપણે પણ જુવાન બનીએ તો બહારથી પણ રસિક રૂપ આપણને પ્રાપ્ત ન થાય? તમારી સુંદરતા તો અખંડિત છે, પણ, વય ઘટાડી આપણે બન્ને બહારની રસિકતા ધારણ ન કરી શકીએ?
સાવિત્રીઃ એવા બહારના આભાસથી આપણી પરસ્પરની કદરમાં શો ફેરફાર થાય? લગ્નને દિવસે આપણા સ્નેહની જે ગાઢતા હતી તેમાં તલમાત્ર ફેર નથી પડ્યો. ઊછળતો ધોધ નીચે પડીને આજે સરોવર ભરાયું છે, પણ, જળ તો તેનું તે જ છે.
કલ્યાણકામઃ હૃદયદેવી! પતિપત્ની થતાં આપણે પ્રેમી મટી ગયાં નથી. એ ધન્ય સુખથી મળતા બળવડે જ હું રાજકાર્યોના ભારને મારા હૃદયનો સ્પર્શ કરતાં અટકાવી શકું છું, અને, ચિંતાઓને બહારની બહાર રાખી શકું છું. ચિંતાઓને મારા હૃદયમાં દાખલ કરી અને મારા હૃદયભાવને બહાર કાઢી તે સર્વને એકાકાર કરી મારું જીવન એકવડા જ સ્વરૂપનું કરું તો જગતના કંટકો આગળ મારું હૃદય કેમ આખું રહે?
સાવિત્રીઃ તમારા જીવનનુ બેવડું સ્વરૂપ ન સમજનાર તમને સખત ધારે તે સ્વાભાવિક છે. પુષપસેને કરેલો જખમ રુઝવવા તમે ઝવેરાતનો પ્રસંગ કાઢ્યો, એ હું જ આટલી વારે સમજું છુ; તો તમારી સાથે ઉપર ઉપરના પરિચયવાળાં મનુષ્યો તમારા દીર્ધદ્રષ્ટિવાળા મંત્રોનો મર્મ શી રીતે ગ્રહણ કરે?
[બહાર કોલાહલ થાય છે.]
કલ્યાણકામ: (બારણું ઉઘાડીને) અરે કોઇ છે કે?
[નોકર પ્રવેશે છે.]
નોકરઃ જી, હુકમ?
કલ્યાણકામ : બહાર આટલી બધી ગરબડ શાની થાય છે?
નોકરઃ કોઇ સવારનો ઘોડો કાબૂમાં ન રહ્યો તે બજારમાં બહુ દોડ્યો અને, આખરે આપણા દરવાજા આગળ આવતાં સવાર ફસડાઇ પડ્યો. તેથી તેને બહુ વાગ્યું છે, અને, લોકો ભરાયા છે.
સાવિત્રીઃ તું ને બીજા નોકરો મળીને એ માણસને ઘરમાં લાવી સુવાડો અને પછી મને ખબર આપો.
નોકર: જી, બહુ સારું.[નોકર જાય છે.]
કલ્યાણકામઃ તમે એની સારવાર કરવા માંડો, એટલે હું ઉત્તરમંડળેશ્વર તરફ મોકલવાનો પત્ર લખીને આવી પહોંચું છું.
[બન્ને જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
ફિલ્મી ગઝલો – ૨૧. જાંનિસ્સાર અખ્તર
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
શાયર જાંનિસ્સાર અખ્તરના વ્યક્તિત્વને યોગ્ય સન્માન આપવા એમ કહેવું વધુ યોગ્ય છે કે જાવેદ અખ્તર અને શબાના આઝમી એમના પુત્ર અને પુત્રવધુ છે, કવિ મુઝ્તર ખૈરાબાદી એમના પિતા, ફરહાન અખ્તર એમના પૌત્ર અને કવિ મજાઝ લખનવી એમના સાળા !
મને બહુ જ પ્રિય એવા એમના બે શેર ટાંકવાની લાલચ રોકી શકતો નથી :
સસ્તે દામોં લે તો આતે લેકિન દિલ થા ભર આયા
જાને કિસકા નામ ખુદા થા પીતલ કે ગુલદાનોં પર..અને
કુછ સમજ કર હી ખુદા તુજ કો કહા હૈ વરના
કૌન સી બાત કહી ઈતને યકીં સે હમને..
જાંનિસ્સાર અખ્તર સાહેબ પ્રગતિશીલ લેખક સંઘની ચળવળના પ્રણેતાઓમાંના એક હતા. ચાર દાયકાની ફિલ્મી કારકિર્દીમાં એમણે યાસ્મીન, સી આઈ ડી, નયા અંદાઝ, રુસ્તમ સોહરાબ, પ્રેમ પરબત, શંકર હુસૈન, નૂરી અને રઝિયા સુલતાન જેવી ફિલ્મોમાં દોઢ સોની આસપાસ ગીતો રચ્યા. એમના જાણીતા લોકપ્રિય ગીતોની વાત કરીએ તો મેરી નીંદોં મેં તુમ મેરે ખ્વાબોં મેં તુમ ‘ ( નયા અંદાઝ ), ‘ ગમ કી અંધેરી રાત મેં દિલ કો ન બેકરાર કર ‘ ( સુશીલા ), ‘ યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે ‘ ( પ્રેમ પરબત ) અને એમનું લખેલું છેલ્લું ગીત ‘ ઐ દિલે નાદાં આરઝૂ ક્યા હૈ ‘ ( રઝિયા સુલતાન ) ને ગણાવાય.ફિલ્મોમાં ગઝલો પણ એમણે ખાસ્સી લખી. એમાંની બે :
દિલ ઉનકો ઢૂંઢતા હૈ હમ દિલ કો ઢૂંઢતે હૈં
ભટકે હુએ મુસાફિર મંઝિલ કો ઢૂંઢતે હૈંહમ હૈં તેરી લગન હૈ, ઐ શમા તૂ કહાં હૈ
પરવાના બનકે તેરી મહેફિલ કો ઢૂંઢતે હૈંદુનિયા સે હૈ નિરાલા, દસ્તૂર આશિકોં કા
જીને કી આરઝૂ મેં કાતિલ કો ઢૂંઢતે હૈંસીને મેં હસરતોં કા જાગા હુઆ હૈ તૂફાં
હમ મૌજ બનકે અપને સાહિલ કો ઢૂંઢતે હૈં..– ફિલ્મ : યાસ્મીન ( ૧૯૫૫ )
– લતા
– સી રામચંદ્ર
દર્દે દિલ દર્દે વફા દર્દે તમન્ના ક્યા હૈ
આપ ક્યા જાનેં મુહબ્બત કા તકાઝા ક્યા હૈબેમુરવ્વત બેવફા બેગાના એ દિલ આપ હૈં
આપ માનેં યા ન માનેં મેરે કાતિલ આપ હૈંઆપ સે શિકવા હૈ મુજકો ગૈર સે શિકવા નહીં
જાનતી હું દિલ મેં રખ લેને કે કાબિલ આપ હૈંસાંસ લેતી હું તો યૂં મહેસૂસ હોતા હૈ મુજે
જૈસે મેરે દિલ કી હર ધડકન મેં શામિલ આપ હૈંગમ નહીં જો લાખ તૂફાનોં સે ટકરાના પડે
મૈં વો કશ્તી હું કે જિસ કશ્તી કે સાહિલ આપ હૈં ..( શરુઆતની બે પંક્તિઓ ગીતની સાખી છે જેને મુખ્ય ગઝલ સાથે રચનાકીય દ્રષ્ટિએ લેવાદેવા નથી. )
– ફિલ્મ : સુશીલા ૧૯૬૬
– મુબારક બેગમ
– સી અર્જુન
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૩૧) સફળતાની કિંમત

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}
પિયૂષ એમ પંડ્યા
કલાકાર નિષ્ફળ જાય ત્યારે પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે કોઈ ને કોઈ બલિનો બકરો શોધે છે. કિશોરકુમારના દીકરા તરીકે વધુ જાણીતા થયેલા અમિતકુમારે પણ એક બકરો શોધી કાઢ્યો હતો. ૧૯૯૭માં આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાની કારકિર્દી ખતમ કરી નાખ્યાનો આરોપ કુમાર સાનુ ઉપર મૂક્યો હતો.
સ્વાભાવિક રીતે જ, સાનુએ એમ કહેતાં આ આરોપ ફગાવી દીધો કે અમિત એને માટે કોઈ પણ રીતે પડકારરૂપ ન હતો. અર્થાત, તેની કારકિર્દીને ખતમ કરવાની કોઈ જરૂર જ નહોતી.
૧૯ વર્ષની વયે ફિલ્મ ‘દૂર કા રાહી’ (૧૯૭૧) થકી ધ્યાનાકર્ષક શરૂઆત કરીને અમિતે ૧૯૮૧ની ફિલ્મ ‘લવ સ્ટોરી’નાં ગીતોની સફળતાથી આશા બંધાવી હતી. પણ સમય જતાં તેણે પોતાની સફળતાને વધારે પડતી સાહજીકતાથી લઈ લીધી. કુદકે ને ભૂસકે વધી રહેલી હરીફાઈના દોરમાં તે નવા નવા સ્પર્ધકો સામે ટકી ન શક્યો. એ અલગ બાબત છે કે આ બધું એવા સમયે બની રહ્યું હતું જ્યારે ગાયકોની કે ગીતોની આગવી ઓળખ રહી જ નહોતી. કોણ શું ગાય છે તે શ્રોતાને મન ભાગ્યે જ મહત્વનું હતું.
જો કે એક એવો પણ સમો હતો, જ્યારે (સંગીતકારોને) એક ગાયકની રાહ જોવી પરવડતી હતી. જેમ કે અનિલ બિશ્વાસે ફિલ્મ ‘આરઝૂ’ (૧૯૫૦)નું ગીત અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ તલત મહમૂદ પાસે જ ગવડાવવા માટે તે કલકત્તાથી મુંબઈ ફરી જાય તેની ઊંચે જીવે રાહ જોઈ હતી. એ જ રીતે લતા મંગેશકર સાથે વ્યવસાયિક સંબંધો કપાઈ ગયા પછી શ્યામસુંદર (બહાર આયી ખીલી કલીયાં; ‘અલીફ લૈલા’, ૧૯૫૩), સચીનદેવ બર્મન (મોરા ગોરા અંગ લઈ લે; ‘બંદીની’, ૧૯૬૩) અને શંકર(ચલ સન્યાસી મંદીર મેં; ‘સન્યાસી’, ૧૯૭૫) જેવા સંગીતકારોએ લતા તેમને માટે ગાવા સંમત થાય ત્યાં સુધી રાહ જોઈ હતી. મહંમદ રફીએ કદી ફરીયાદ કરી નહોતી કે અનિલ બિશ્વાસ તલત મહમૂદ અને મુકેશને પસંદ કરતા હતા. એ જ રીતે નૌશાદ રફીને વધુ પસંદ કરતા હતા તે માટે તલત અને મુકેશને કોઈ જ કડવાશ નહોતી. અમિતના પિતા કિશોરને પણ પોતાનો સિક્કો જામે (‘આરાધના’) તે માટે વીશ વરસ ધીરજ રાખવી પડી હતી.
અમિતે પોતાની કારકીર્દિને ગંભીરતાથી ન લીધી. અથવા તો નસીબે તેને સાથ ન આપ્યો તેમ કહી શકાય. ઓ.પી. નૈયર જેવા પીઢ સંગીતકારે બનાવેલાં ૧૯૯૧ની ફિલ્મ ‘નિશ્ચય’નાં ચાર ગીતો પણ અમિતની કારકીર્દિને સહેજેય આગળ ન વધારી શક્યાં. ખાસ કરીને કુમાર સાનુનો સિતારો ૧૯૯૦ની ફિલ્મ ‘આશીકી'(અબ તેરે બિન જી લેંગે હમ ) અને ૧૯૯૧ની ફિલ્મ ‘સાજન'(મેરા દિલ ભી કીતના પાગલ હૈ)ની સફળતા થકી બુલંદીએ પહોંચ્યો હતો ત્યારે તેને અમિત કોઈ રીતે પડકાર આપી શકે તેમ નહોતો.
અમિતના કહેવા પ્રમાણે કામ નહોતું મળી રહ્યું એ અરસામાં રિયાઝ કરીને તે ગાયક તરીકે વધારે કેળવાયો હતો. જો કે તે મોડો કેળવાયો એનાથી અન્યોને ફેર નહોતો પડતો. ફિલ્મોદ્યોગમાં સંગીતના હકો કરોડોમાં વેચાતા હોય ત્યાં કોઈ એક ગાયકના ગળાના કેળવાવાની રાહ ન જુએ. ચાહે ફિલ્મનું સંગીત કેટલું પણ અલ્પજીવી હોય, તેના નિર્માતા તો શક્ય ઝડપથી તેમાંથી વધુ ને વધુ રળી લેવાની કોશિષમાં જ હોય. સાનુ પણ દૂધે ધોયેલ નહીં હોય પણ તેની લોકપ્રિયતા માટે તેને થોડો દોષ આપી શકાય? અન્યની સફળતાની ઈર્ષ્યા થાય તે સમજી શકાય પણ પોતાની સફળતાને હરિફ(અમિત)ની નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવી દેવાઈ તે હકીકતને સાનુએ વ્યવાસાયિક જોખમ ગણીને સ્વીકારી લેવી રહી.
અન્ય ગાયિકાઓની તકો ખેરવી નાખવા માટે મંગેશકર બહેનોને જવાબદાર ગણવાનો જાણે કે રીવાજ પડી ગયો છે. કેટલીક નીવડેલી ગાયિકાઓને પણ તેમની ઉપર લતા નામનું ગ્રહણ લાગી ગયું ત્યારે કોઈ રમત રમાઈ ગઈ હોવાની ગંધ આવી હતી. અન્યથા તેઓ પોતાના અચાનક આવી પડેલા અસ્તને શી રીતે વાજબી ઠેરવત? વર્ષો પછી ભૂતકાળને વાગોળતી વેળા રાજકુમારીએ ફિલ્મ ‘મહલ’ (૧૯૪૯)માંથી તેમણે ગાયેલાં બે ગીતો કપાઈ ગાયાં તેને લતાનું ષડયંત્ર ગણાવ્યું હતું. રાજકુમારીને ખ્યાલ ન રહ્યો કે લતા ૧૯૪૯ના અરસામાં ખેમચંદ પ્રકાશ જેવા મહારથી તો ઠીક, અન્ય કોઈ સંગીતકાર પાસે પણ પોતાની મરજી ચલાવી શકે તેવાં સક્ષમ નહોતાં.
સુમન કલ્યાણપુર અને અનુરાધા પૌડવાલ જો લતાની આસપાસ ક્યાંય નથી પહોંચી શક્યાં તો તે તેમની કમનસીબી છે, તેમાં લતાની કોઈ ચાલાકી કારણભૂત નહોતી.

સુમન કલ્યાણપુર મહંમદ રફી સાથે દુનિયામાં લતા મંગેશકર માત્ર જન્મી શકે, કોઈ પેંતરાબાજીથી બની ન શકે. અન્ય મંગેશકર બહેનો પણ કાંઈ દૂધે ધોયેલી નથી. આ ચમકદમકની દુનિયામાં ઊંચે ચડવા માટે અને ત્યાં ટકી રહેવા સામે ઉભા થતા શક્ય પડકારોને ખાળવા માટે તેમણે રાજકારણના દાવ ખેલ્યા જ હશે. તેમાંની અમુકની કારકીર્દિ ઉગતી જ મૂરઝાઈ ગઈ એનું કારણ એ હતું કે ફિલ્મ નિર્માતાઓ અને સંગીતકારોને લતાનું ઘેલું લાગ્યું હતું અને એ લોકો લતાથી આગળ જોવા ઈચ્છતા જ નહોતા .
સંગીતકાર વસંત દેસાઈએ હિંમત કરી અને ફિલ્મ ‘ગુડ્ડી’ (૧૯૭૧)નું ગીત બોલે રે પપીહરા ગાવાની તક વાણી જયરામને આપી અને તેને ફિલ્મી દુનિયામાં રજૂ કરી. પણ ફિલ્મના નિર્માતા તે ફિલ્મમાં લતાનું ગાયેલું એક અતિશય લોકપ્રિય ગીત (ફિલ્મ ‘મધુમતી’-૧૯૫૮નું ગીત આજા રે પરદેસી) એક પાર્ટીમાં વાગતા ગીત તરીકે મૂકવાની લાલચ રોકી ન શક્યા. તેમણે ફિલ્મની બજારકિંમત વધારવા માટે આમ કર્યું હશે.
સફળ થવા માટે લતાએ જાણીબૂઝીને કે અજાણતાંમાં અન્ય ગાયિકાઓની કારકીર્દિને રોળી નાખી એમ બન્યું હશે. લતાનો જે કોઈ દોષ હોય તે, તેની ઉપર એવો આરોપ મૂકનારી મોટા ભાગની ગાયિકાઓની કોઈ ઈર્ષ્યાજનક કારકીર્દિ હતી જ નહીં. જેમ કે માત્ર પોતાનાં અંગત કારણોસર શંકરે શારદાને આગળ કરવા કોશિષ કરી (તીતલી ઉડી, ‘સૂરજ’-૧૯૬૬)’. એમાં સફળ ન થવાયું ત્યારે શંકરે આસાનીથી એનું આળ લતાને માથે ઓઢાડી દીધું. આ વ્યવસાયિક જોખમને લતાએ સહજતાથી સ્વીકારવાનું શીખી લીધું હતું. એ અલગ વાત છે કે શારદાની કારકીર્દિ રોળી નાખવી પડે એવી ક્યારેય હતી જ નહીં.
કુમાર સાનુની અને લતાની કારકીર્દિની સરખામણી કોઈ રીતે થઈ ન શકે. પણ હકીકત એ છે કે સાનુ જેવા સાધારણ કક્ષાના ગાયકના ડંકા વાગતા હોય તે જમાનામાં એણે પણ સફળતાની એ જ કિંમત ચૂકવવી રહી, જે પોતાના જમાનામાં લતાએ ચૂકવી હતી.
સરળહ્રદયી અને ઈશ્વરથી ડરીને ચાલનારા મહંમદ રફી ઉપર પણ એમની અગાઉની પેઢીના ગાયક જી.એમ. દુર્રાનીએ પોતાની કારકીર્દિને નૂકસાન પહોંચાડ્યાનું આળ મૂક્યું હતું. કારણ એ હતું કે રફીનું આગમન થયું ત્યારે દુર્રાનીના અસ્તનો સમય થઈ ગયો હતો. રફીનો સમય આવી પહોંચ્યો હતો તેમાં એમનો પોતાનો કોઈ દોષ નહોતો.
નોંધ :
તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લેવામાં આવી છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામાં આવે.
મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
