વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૧લું – વિજ્ઞાન એટલે શું’? – [૨]

    આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.

    આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

    સંપાદન મડળ – વેબ ગુર્જરી


    પ્રકરણ ૧લું – અંશ [૧]થી આગળ

    પોપટલાલ ગોવિંદલાલ શાહ

    વિજ્ઞાનનું ક્ષેત્ર

    ઇમર્સનના શન્દોમાં[1] ‘વિજ્ઞાનની બધી શાખાઓનો એક જ ઉદ્દેશ છે, અને તે એ  કે સૃષ્ટિનિયમો શોધવા, અને વિશ્વરચનાની સંપૂર્ણ  સમજૂતી મેળવવી.

    વિજ્ઞાનની શાખાઓ જુદીજુદી હોય છે. તે દરેકનો વિષય અને તેમના અભ્યાસતી યુકિતપ્રયુક્તિઓ ભિન્ન હોય છે તેથી વિજ્ઞાનની શાખાઓ સ્વતંત્ર અતે અસંબંદ્ધ છે એવા ધણીવાર ભાસ થાય છે. પરતુ વિજ્ઞાન માત્ર નો ઉદ્દેશ એક જ છે અને તે દરેક શાખાની પદ્ધતિ તો એક સરખી જ છે, વિજ્ઞાનની ભિન્ન શાખાઓ અને તેમના સંબંપ વિષે જુદું વિવેચન કરવાર્માં આવશે, તેથી એ શાખાઓ વિષે વર્ણન કરવાતી અત્રે જરૂર નથી, પરતુ વિજ્ઞાનનું ક્ષેત્ર અને તે ક્ષેત્રની સીમા અને સીમાન્તો સમજવાનો અત્રે પ્રયત્ન કરીશું,

    જેવી રીતે વિજ્ઞાનનો ઉદ્દેશ વિશાળ છે, અને આખા વિશ્વને સ્પર્શ કરે છે, તેવી જ રીતે વિજ્ઞાનનું ક્ષેત્ર પણ વિશાળ અને વિશ્વવ્યાપી છે. ક્લિફર્ડ નામના પ્રસિદ્ધ અંગ્રેજ તત્વવેત્તાના શબદોમાં[2] કહીએ તો મનુષ્યનું વિશ્વ એ જ વિજ્ઞાનનો વિષય; એટલે મતુષ્યના ભૂતકાળ, સાંપ્રતકાળ અને ભવિષ્યકાળની બધી ધટનાઓનો તેમાં સમાવેશથાય છે. મનુષ્યનું જ્ઞાનમાત્ર એ વિજ્ઞાનનો વિષય છે: મનુષ્ય જે વસ્તુ, પદાર્થ કે વિંચારને સમજી શકે તે દરેકને વિજ્ઞાનની પદ્ધતિથી તપાસી શકાય તો તે વિજ્ઞાનનો વિષય થઈ શકે. મનુષ્યની બુદ્ધિથી સમજી શકાય તેવા બધા વિષયો વિજ્ઞાનની પદ્ધતિથી હાલમાં તપાસી શકાય તેવા નથી, પરંતુ વિજ્ઞાનની પ્રગતિની સાથે તેનાં સાધનો અને તેની સરહદો વધતાં જાય છે-તેના સીમાન્તો દૂર ખસેડાતા જાય છે. તત્વવિદ્યા અને ધર્મવિદ્યાના વિષયોમાં વૈજ્ઞાનિક પદ્ધતિ સંપૂર્ણ રીતે લાગુ પડતી નથી, પરતુ પ્રતિવર્ષે આ સીમાન્ત પ્રદેશમાં વિંજ્ઞાન પોતાનાં ઉજ્જવળ  પ્રકાશનાં કિરણો નાખ્યા કરે છે; અને અજ્ઞેય અને અજ્ઞાનના પ્રદેશો ઉપર પોતાની સત્તાનો વાવટો જમાવવાનો યત્ન કરે છે. આ યત્નના પરિણામે એમ આશા રાખી શકાય કે મતુષ્યની બુદ્ધિને પ્રાપ્ય જ્ઞાનમાત્રને વિજ્ઞાનની કક્ષામાં લઈ શકાશે.

    પરંતુ હાલમાં તો વિજ્ઞાનના ક્ષેત્રની સરહદો સ્વીકારવી જોઇએ. જે ધટનાનું જ્ઞાન બીજાને દર્શાવી શકાય તેમ ન હોય, અને બીજાના મનુષ્યોથી ખાત્રી થઇ શકે તેવા સ્વરૂપમાં મૂકી શકાય તેમ ન હોય, જેને પ્રત્યક્ષ નિરીક્ષણ અને પ્રયોગની પદ્ધતિ લાગુ પાડી શકે તેમ ન હોય અને જેના કારણરૂપ ટૂંકા સુસંગત અને સુનિશ્રિત્ત સૂત્રરૂપ

    નિયમો મળી શકે નહિ, તો તે ઘટનાઓ વિજ્ઞાનના ક્ષેત્રની બહાર રહી જાય છે, પણ તે હંમેશને માટે હોઈ શકે નહિ.

    સર જગદીશચંદ્ર બોસે વનસ્પતિ અને પ્રાણીએ વિષે જ્રીણામાંજીણી હકીકતો ચોકસાઇથી મેળવી શકાય તેવા નાજુક  યંત્ર્ની  શોધ કરી તે પહેલાં વનસ્પતિની વૃદ્ધિ,, તેમની ચેતનશકિત, અતે તેમના આંતરસ્વરૂપ વિપે વૈજ્ઞાનિકો શંકાની નજરે જોતાં, અને એ વિષયોનું સ્થાન વિજ્ઞાનના ક્ષેત્રની બહાર ગણાતું, તેવી જ રીતે બીજા વિષયોમાં પણ ધીમે ધીમે વિજ્ઞાનની ચોકસાઇ અને વિજ્ઞાનની પદ્ધતિ પ્રવેશ કરતી જાય છે.

    ઇતિહાસ,[3] સાહિત્ય, કવિતા, વ્યાકરણ, પિંગલ, વગેરે વિજ્ઞાનથી દૂર ગણાતા વિષયોર્મા પણ વિજ્ઞાનની પદ્ધતિની અસર જણાવા લાગી છે; અને ટીકાકારો અને વિવેચકો તે દરેકને વૈજ્ઞાનિક પદ્ધતિ, વૈજ્ઞાનિક આશયો, વૈજ્ઞાનિક બુદ્ધિ, અને વૈજ્ઞાનિક વિચારના ધોરણોધી તપાસવા મથે છે. રાજપુરુષો પણ રાજનીતિના પ્રશ્નોમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો દરક ડગલે ઉપયોગ કરવાને! યત્ન કરે છે, હાલમાં યુરોપમાં તેમ જ આપણે ત્યાં દેશના વિકાસને માટે આયોજનની પદ્ધતિ સ્વીકારવામાં આવી છે, તેમાં વિજ્ઞાન તો ડગલે અને પગલે આવશ્યક થઇ પડ્યું છે. આવી રીતે પણ વિજ્ઞાનનું ક્ષેત્ર વિશાળ થતું જાય છે, પરંતુ તે સર્વમાં વિજ્ઞાનની પદ્ધતિ એ પ્રથમ લક્ષણ છે. તો વિજ્ઞાનની પદ્ધતિ શી છે તે જોઇએ.


    ક્રમશઃ


    હવે પછીના અંશમાં ‘વિજ્ઞાનની પદ્ધતિ’ વિશે વાત કરીશું.


    [1] All science has one aim – to find theory of nature – R W Emerson

    [2] The subject of science is the human universe, that is to say, everything that is or was to man. – K Clifford

    [3] ઇતિહાસ અને અર્થશાસ્રમાં વિજ્ઞાનની પદ્દતિના ઉપયોગ વિષે જુઓ તે વિષય ઉપરનાં ભાષણોઃ Lectures on the methods of science પૃષ્ઠ  ૧૭૩ થી ર૪૧

  • આદત છૂટી તો ત્રેવડ ખૂટી ! – સાતત્ય રાખ્યું તો કર્મફળ ચાખ્યું !

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

      પંચવટીબાગમાં નદીકાંઠે એક કૂવો. ઊંડાઇ માત્ર ૫૦ ફૂટ. દુકાળના વરસે ૨૦ ફૂટ ઊંડો ઉતારવા ઉધડો આપ્યો.કામ પૂર્ણ થતાં ઉધડિયા રાઘવભાઇ ડુંગરાણીએ કૂવાના તળિયે રહ્યા રહ્યા-“આવો આવો, હીરજીભાઇ ! અંદર ઉતરી આવો. અમે કરેલા કામનું માપ કરવા માટે ભલે નહીં, અમારા વેણ ખાતર તો ઉતરો. અહીં આવી બધું નજરો નજર જુઓ તો અમનેય ગમે ને !” એવું કહી કૂવામાં તળિયે આવવાનો  આગ્રહ કર્યો.

    કૂવાની અંદર ચડ-ઉતર કરવાનો મને મહાવરો તો હતો જ ! ખેતીના લાંબા સમયની કામગિરીમાં અસંખ્યવાર ખૂણા પર લટકાવેલ દોરડાનો આધાર લઈ કૂવામાં ઉતરવાનું અને એ જ દોરડું પકડી ઉપર ચડી આવવાનું વગર થાકે કરેલું હોવાથી મને પણ થયું કે ઉધડિયાઓનો આટલો બધો આગ્રહ છે તો લાવ ને ઉતરું !”

    અને બહુ આસાનીથી ૭૦ ફૂટ  કૂવાના તળિયે હું પહોંચી ગયો. ઉધડિયાઓએ કરેલ કામની ઊંડાઇ માપી.પૂરી 20 ફૂટ થઈ.ચારે બાજુના બેડાનું સોરણ માપસર કરાયું હતું. તેઓના કામ બાબતનો સંતોષ વ્યક્ત કર્યો. “હવે ચાલો બહાર નીકળીને હિસાબ કરી લઈએ” કહી હું દોરડું પકડી ફટાફટ દોરડા ઉપર હાથનું વળગણ અને કૂવાના ભેડા પર પગના ફણા ટેકવતા ટેકવતા ઉપર ચડવા માંડ્યો. પણ ત્રીસેક ફૂટ ઊંચે ચડ્યો હોઇશ અને ઓચિંતાના પગ માંડ્યા પાણી..પાણી થવા, અને હાથે માંડી કળ [ખાલી] ચડવા ! હવે ? કૂવાની બહાર નીકળવા માટે તો હજુ ૪૦ ફૂટ જેટલી ઉંચાઇએ ચઢવાનું બાકી હતું. કેમ થાશે ? મન માંડ્યું મુંઝાવા ! આમ થવાનું કારણ શું ? મેં તો આ કૂવામાં અસંખ્યવાર ચડ-ઉતર કરી છે, આવું તો ક્યારેય બન્યું નહોતું. પણ અત્યારે વધુ વિચારવાનો વખત નહોતો. મુશ્કેલીમાં માર્ગ મગજે બતાવ્યો-મેં ઉતાવળા સાદે કૂવા કાંઠે ઊભેલા માણસોને રાડ પાડી, કે “ જલ્દી જલ્દી માચડી મોકલો. મારા હાથપગ હવે કામ કરતા બંધ થઈ ગયા છે, આખા શરીરે પરસેવો વળી ગયો છે, મારાથી હવે ઉપર નથી ચડાતું, જલ્દી કરો નહીતર હવે દોરડું મૂકાઇ જશે”. તેમણે ઝટ ઝટ મોકલેલી માચડી મારી નજદીક પહોંચતાં મેં પકડી લીધી અને એમાં બેસી પડ્યો. મને સીંચીને બહાર ખેંચી કાઢવો પડ્યો બોલો !

    આવું કેમ થયું ? વિચારતાં સમજણમાં આવ્યું કે પહેલા મને કૂવામાં ચડ-ઉતર કરવાની ટેવ હતી. તેથી આ કામ બહુ આસાન હતું. પણ હમણાના છેલ્લા કેટલાક વરસોથી વાડીના ભાગિયા આ કામ કરવા માંડ્યા એટલે મારાથી આ કામનો મહાવરો છૂટી ગયેથી આમ બન્યું. જે કાર્ય કરતા હોઇએ તે કાર્ય કાયમ ભલે ઓછા-વધુ પ્રમાણમાં પણ કરતા રહીએ તો એ કામ કરવાની શરીરની ત્રેવડ ચાલુ રહેતી હોય છે. છેલ્લા કેટલાંક વરસોથી કૂવામાં ચડ-ઉતર કરવાનું બંધ કરેલું એટલે હવે એ કામ કરવામાં શરીરે આનાકાની કરી દીધેલી.

    વાહનની બેટરી પણ ઉતરી જાય અને અલમસ્ત બળદિયા પણ બેસી પડે:

    ઘણીએ વાર એવુંયે બને છે ને કે આપણું ટ્રેકટર કે મોટરગાડી ચલાવ્યા વિના એમને એમ જાજા દિવસો પડી રહેવા દીધાં હોય તો તેની બેટરી પણ ઉતરી જાય છે. એટલે બેટરી ચાર્જ રાખવા માટે થઈને પણ વાહનને થોડું તો થોડું પણ કામ કરાવવું પડે છે. અને એવું જ ખેતીમાં હવે ટ્રેકટરોનો વપરાશ વધતાં ઉનાળાના દિવસોમાં બળદિયાઓને સાવ બાધ્યા બાંધ્યા જ નીરણ ખાવાની હોય એટલે અલમસ્ત બની ગયા હોય. પણ જેવો વરસાદ થયો અને વાવણી કરવાની અને મોલાતના આંતરખેડના સાંતીની ભીંહ શરૂ થયા ભેળા થોડુંક હાલે ત્યાં થાકી જઈ ઊભા રહેવા માંડે, તેનું કાંધ આવી જાય, અરે, ક્યારેક અધવચ્ચે બેસી પણ પડે ! એને પણ લાંબો સમય આરામ કર્યા પછી કામ કરવું બહુ કઠ્ઠણ પડતું હોય છે ભલા !

    “ઘરપણ રેઢું ને અવાવરું રહે તો ?

    અમારા જૂના ગામ ચોસલામાં મુસાકાકા અમારા પાડોશી. બે બારણાંવાળું ગારાના ભીંતડાં અને દેશી નળિયાંવાળું રહેણાકી મકાન અને અંદર નાની એવી બીડી-બાકસ અને અનાજ-કરિયાણાની હાટડી ! કુટુંબ પણ નાનકડું એટલે સારીરીતે ગાડું ગબડ્યે જતું હતું. એમાં દૂર પ્રદેશે રહેતા તેના બહેન-બનેવી બન્ને પડ્યા બીમાર. આ લોકોને દુકાન બંધ કરી ત્યાં જવું પડ્યું. સાત આઠ મહિને પાછાં ફર્યાં. ઘરનું તાળું ખોલી બારણું ઉઘાડ્યું. પણ આ શું ? ઉંદરડાઓએ એવી રીતનું બધું રમણ ભમણ કરી મૂકેલું કે ઘડીક તો એમ થયું કે આ કોના ઘેર આપણે આવી ચડ્યાં ? આ પોતાનું જ ઘર છે એવું માનવા મન તૈયાર ન થયું. દુકાનના ડબલાં-ડુબલી, અનાજ-કઠોળના બાચકાં અને તેલ-દિવેલના શીંશલાંથી માંડી ખાટલા-ગોદડાં અને પાગરણ-પથારી સુદ્ધાંમાં કાપાકાપ ને કચુંબર કરી નાખેલી ! અને જ્યાં પડ રેઢું હોય ત્યાં સૌને લાગ ફાવેને ? હડિયાપાટી કરતા ઉંદરડાં ભાળી મીંદડાં-બિલાડાનેય મોળોજીવ થાય જ ! એની વાંહે દોટંદોટ કરવા એણે પણ છાપરા માથેથી દેશી નળિયાં આઘાપાછા ઉખેળી, ખપેડામાં પણ જ્યાં ને ત્યાં બાંકોરા પાડી દીધેલા એ તો વધારામાં.

    અને “પડતા માથે પાટુ”ની જેમ ચોમાસુ હજુ બેઠું નહોતું પણ વાઝડી અને પવનની રમરમાટી સાથે વરસાદી માવઠું એક આંટો મારી ગયેલું હોઇ, નીચે પડેલી ચીજ વસ્તુઓનો પથારો અને ભોંયતળિયાની છાણ-માટીથી લીંપેલ થાપ-બધું પલળીને એવું એકબીજાને ચોટી ગયું હતું કે આ બધું મુસાકાકા અને મીલુકાકી ચાર દિવસેયે હતું એવું નહોતું કરી શક્યા.આથી નક્કી થયું કે મકાન જેવી મિલ્કત પણ લાંબો સમય વાપર્યા વિના અવાવરુ સ્થિતિમાં પડી રહે તો એની દશા કેવી થાય તેનો આ અદલ નમૂનો હતો.

    સૈનિકોને કાયમી તાલીમ શા માટે ?

    સૈનિકોને લડાઇ હોય ત્યારે તો લડવા જવાનું હોય એ તો સમજાય, પણ પરિસ્થિતિ રાબેતા મુજબની હોય, ચારેબાજુ શાંતિ હોય છતાં સૈનિકોને એના પરેડ ગ્રાઉંડમાં પીઠપર વજનદાર સામાન અને હાથમાં બંદુક જેવા હથિયાર સમેત જાણે દુશ્મનો સાથે સાચુકલી મૂઠમેડ ચાલુ હોય એ રીતની નિશાનબાજી અને ભાગાભાગીનું રિહલ્સર શા માટે કરાવતા હશે કહો જોઇએ ? બસ એટલા જ માટે કે જ્યારે સંરક્ષણની હરોળ પર સાચુકલી લડાઇ થાય ત્યારે સૈનિક બધી રીતે અપ ટુ ડેટ હોય ! તેની મુકાબલો કરવાની આદત ઢીલી ન પડી ગઈ હોય. સૈનિકની મુકાબલો કરવાની ટેવ ચાલુ રાખવા માટે જ તેઓને કાયમ પરેડ અને એને લગતી તાલીમ શરૂ રાખવી પડતી હોય છે.

    હાથ-પગનું “પ્લાસ્ટર” તોડ્યા પછી હાથ-પગની શી  સ્થિતિ હોય ?

    ખેતીમાં તો આપણે અનબ્રેકેબલ જનાવર બળદિયા સાથે વધારે કામ રહેતું હોય છે. માનોકે  ગાડે જોડેલા બળદિયા ભડકયા અને એવો ઝટકો લાગ્યો કે હાંકનાર ગાડેથી નીચે પડી ગયો, તેના પગ ઉપરથી ગાડાનું પૈડું ફરી વળતાં હાડકું ભાંગી ગયું. કે પછી વાડીયે જતાં મારગના વાંક પર બે જણની મોટરસાયકલ સામસામી ઓથડુક થઈ જતા એકાદનો હાથ કે પગ નંદવાઇ ગયો ! તો દવાખાને જતાં દોઢ-બે મહિનાનું પ્લાસ્ટર આવવું સામાન્ય ઘટના છે. આવા વખતે એ પગ કે હાથને હલાવવાની મનાઇ હોય. પણ જ્યારે પ્લાસ્ટર છૂટી જાય પછી તો એ હાથ કે પગે પહેલા જેટલું હલનચલન કરવું પડેને ? પણ ના, એ તરતમાં પહેલાં જેટલું કામ નથી આપી શકતાં. શુંકામ ? તો બસ, કારણ એ જ કે તેણે દોઢ-બે મહિના હલન ચલન કર્યું જ નથી એટલે એના સ્નાયુ જકડાઇ ગયા છે. તો હવે ? એને ફરીવાર કામ કરતા કરવા માટે કેટલીક કસરતો કરાવવી પડે છે. અને પછી જ એનું ગાડું પાટે ચડે છે. જે અવયવ-અંગ  એની રોજીંદી પ્રવૃતિ બંધ કરી કરી વાળે તે અંગો પણ  શિથિલ થવા માંડે છે. એની કાર્યશક્તિ નષ્ટ થવા માંડે છે.

    મિત્ર મિત્રને ન ઓળખી શક્યો :

    હમણા થોડા દિવસ પહેલાં ઢસાની બજારમાં એક દુકાને મારી ઉંમરના એક ભાઇને ઊભેલા મેં જોયા. મગજ યાદ કરવા માંડ્યું કે “આ ભાઇ જાણીતા હોય એવું લાગે છે. કોણ છે…કોણ છે…? હા..હા ! આ તો માલપરાની લોકશાળામાં આજથી ૫૨ – ૫૫ વરહ પહેલાં સાથે ભણતા હતા એ ગોરધન ગજેરા તો નહીં ? હા, હા ..એ જ !” અને મેં એ મિત્રનો સામેથી હાથ પકડી કહ્યું, “કેમ મિત્ર ! તમે ગોરધન ગજેરા કે નહીં ?” “હા, હું ગોરધન ગજેરા ખરો, પણ તમે..? મને ઓળખાણ ન પડી.” મેં કહ્યું, “યાદ કરો, પડશે પડશે ઓળખાણ પડશે !” પણ તેને યાદ ન આવ્યું તે ન જ આવ્યું. કારણ કે વચ્ચે ૫૨ – ૫૫ વરહના વાણા વાઇ ગયાં હતાં. યાદશક્તિનો એમાં કાંઇ વાંક ન ગણાય. મેં ચોખવટ કરી- ”માલપરાની લોકશાળામાં સાથે ભણતા, જમતાં, સૂતાં-બેસતાં અને બાથંબાથી કરતા, યાદ આવે છે કાંઇ ? તે દિ’ હીરજી ભીંગરાડિયા જેવો કોઇ મિત્ર…” હવે હું વાક્ય પૂરું કરું તે પહેલાં મને બથ ભરી ગયો “હા હા, હીરજીભાઈ ! ખરું કર્યું હો ! તમે તરત જ ઓળખી ગયા, મારે ઓળખવામાં વાર લાગી.”  મગજ જેવા અવયવને પણ જાજો વખત બે ધ્યાન રાખવામાં આવે તો તેનું સ્મરણ ચિત્ર ઝાંખું પડી જાય છે.

    મધમાખી પણ મિત્રને દુશ્મન માની બેઠી ;

    અમે પંચવટીબાગમાં મધુમખ્ખીપાલન શરૂ કરેલું. શારદાગ્રામથી એપીસઇંડિકા મધમાખીની બે પેટીઓ લાવી વાડીએ વસવાટ કરાવેલો. શરૂશરૂમાં મધમાખીઓ માટે સ્થળ અજાણ્યું હતું અને ઉનાળાની ઋતુ હતી એટલે એના ખોરાકની પૂર્તિ માટે પેટીઓ પાસે હું ખાંડનું પાણી મૂકતો અને એ ઘડીકની વારમાં સફાચટ કરી જતી. અને મને એણે આવો ખોરાક પીરસનારો મિત્ર માની લીધો હશે એવું મારું અનુમાન છે, કારણ કે હું હજુ વાડીના દરવાજામાં દાખલ થાઉં થાઉં ત્યાં આજુબાજુમાં હરતી ફરતી હોય એ બધી માખીઓ મારી ઉપર અને આસપાસ ખુશાલીનો ગણગણાટ કરવા માંડતી.

    અભ્યાસ કરતા અને એની સાથેના સહવાસના કારણે જોઇ શકાયું કે મધમાખીઓને પણ દુશ્મનો હોય છે. એક એવું પતંગિયું હોય છે કે જે મધપેટીમાં પેસી, પૂડામાં પોતાના ઇંડાં મૂકી જાય છે. એ ઇંડાંમાંથી નીકળતી ઇયળો મધમાખીના ઇંડાં-બચ્ચાંને ખાવાનું કામ કરતી હોય છે.મધુપાલકે પેટી ખોલી એને દૂર કરવી પડે. અને બીજી તકલીફ એની ને એની નરમાખીઓ ની સંખ્યા વધી જવાથી પડતી હોય છે. કારણ કે નર માખીઓ બધી હોય છે સાવ આળસુ અને પૂરેપૂરી એદી ! મધ તૈયાર કરવાનું કે પૂડાનું રક્ષણ કરવા જેવા કોઇ કામ આ માખીઓ કરતી હોતી નથી, માત્ર રાણી માટે તૈયાર રાખેલ મધ ખાધા કરતી હોય છે. એટલે મધુપાલકે પેટી ખોલી, પૂડા હાથમાં ઉંચા કરી વધારાના નરને પકડી લઈ દૂર કરતા રહેવા જોઇએ.

    એટલે શરૂઆતમાં તો હું રોજેરોજ પેટી ખોલી,એક પછી એક પૂડા હાથમાં લઈ, નુકશાનકારક ઇયળો કે વધુકા નરને પકડી લેવાની કામગિરી અર્થે મધમાખીઓના રોજના સહવાસમાં રહેતો, એટલે હું એને વસાહતનો દુશ્મન નહીં પણ મિત્ર લાગતો. માખીઓ મારી આજુબાજુ ફર્યા કરે, ખુશાલીના ગીત ગણગણ્યા કરે, પણ મને કોઇ દંશ દેતી નહોતી. ધીરે ધીરે કરતા મધમાખીઓની સંખ્યા વધી જતાં બે પેટીમાંથી સાત પેટી થઈ ગઈ. એમાં મારે ઓચિંતાનું દસ દિવસ બહારગામ જવાનું થયું. મધમાખીઓ સાથે અન્ય કોઇને કામ કરવાનું ફાવતું નહોતું. દસ દિવસ બાદ મેં આવીને જેવી પેટી ખોલી કે રમ..રમ..કરતી બેત્રણ માખી મને ચોટી પડી ! .હું એને વસાહતનો દુશ્મન લાગવા માંડ્યો. સહવાસ છૂટી જવાથી મિત્ર પણ દુશ્મન બની ગયો બોલો !

    કહેવાનું અંતે એટલું કે :

    આટલા જુદા જુદા પ્રકારના ઉદાહરણો આપી મારે કેહેવું છે એટલું જ કે જેનો ખેતી સાથે જ નાતો છે એવા આપણે રહ્યા ખેડૂત ! આપણો વ્યવસાય જ એવો છે કે શેઠિયા-વેપારી કે રાજકારણી-અધિકારીની જેમ ટાઢાછાંયે ઓફિસના ખુરશી-ટેબલ પર બેસી લખાપટ્ટી કે ટેલીફોનોક વાતો કરીને જ રોડવવાનું હોય એવું આમાં નથી હોતું. આપણે તો કાયમ છોડવા,ઝાડવાં જીવડાં અને જાનવરોના સથવારે ધરતીની ખેડ, બીજ વાવણી, સિંચાઇ અને સંરક્ષણ જેવી ગોવાળી કરવાની થતી હોઇ મોટાભાગનું કામ શરીરશ્રમવાળું જ હોવાનું. જો કે પહેલાના વખત જેટલો શારીરિક શ્રમ અને બથોડા હવેની ખેતીમાં રહ્યાં નથી. નવું વિજ્ઞાન અને યાંત્રિક સાધનો ભેરે આવતાં શક્તિ અને સમય બન્નેમાં બચાવ થયો છે, છતાં અન્ય વ્યવસાયોની સરખામણીમાં ખેતી વધારે શરીરશ્રમ માગે છે તે વાત સો ટકા સાચી છે.

    આમ જુઓ તો ખેતીમાં તો ઘણાં પ્રકારનાં કામો હોય છે. એટલે ખેડૂતની ઉંમર અને પોતાનું સ્વાસ્થ્ય – બન્નેને નજરમાં રાખી નીંદવું, પારવવું, લણવું, વાઢવું, ઉપણવું, ખોદવું, ફોળવું, છાંટવું, પાણી વાળવું, ટ્રેકટર ચલાવવું, જેવાં કેટલાંય કાર્યોમાંથી આપણને અનુકૂળ હોય તેવા કામ ભલે એકધારા આખો દિવસ નહીં તો જેટલું અનુકૂળ હોય એટલો અડધો દિવસ, ટંક કે ઘડી-બે ઘડી પણ કરતા રહેવું જોઇએ. અને આમ જો નહીં કરતા રહીએ તો પછી એ શ્રમ કરવાની આદત એકવાર છૂટી જશે તો પછીથી આવું કોઇ પણ કામ કરવાની મન ઇચ્છા કરશે તો પણ શરીર સાથ નહીં આપે. કારણ કે શરીરે આ આદત છોડી દીધી હોય.

    અને મને એ વાતનો ગર્વ છે કે આપણામાં જેની ઉંમર નાની હોય, શરીર સાથ દેતું હોય ત્યાં સુધી તો રાત-દિવસના ૨૪ કલાકના ચકરડામાં ટાઢ- તાપ કે માથે ઝળુમ્બતા મેધની પણ પરવા કર્યા વિના સોળ સોળ ને અઢાર અઢાર કલાક કામ કરતા હોવાનું અમે પણ જાતે અનુભવ્યું છે અને સર્વત્ર નજરોનજર જોઇ પણ રહયા છીએ.

    પણ માનો કે હવે જ્યારે ૬૦ -૬૫ કે ૭૦ ની ઉંમર થઈ ગઈ હોય અને છતાં જો શરીર સાથ દેતું હોય તો જે થઈ શકે તે શ્રમકાર્ય થોડું તો થોડું પણ કરવાનું ચાલુ રાખવું. ભારે કામ કરનાર વારસો તો તૈયાર થઈ ગયો હોય એટલે હળવાં કામ કરવાં ચાલુ રાખવાં. એકવાર જો સાવ જ શ્રમકાર્ય બંધ થયું ? તો ખલ્લાસ ! કામની આદત સાવ છૂટી ગયા પછી એવાં કાર્યો કરવાની શરીર સંમતિ આપતું નથી.

    આવી ઉંમરે  શરીરની નરવાઇ જાળવવા ડૉકટરો રોજેરોજ ૪ -૫ કિલોમીટર ચાલવાનું ચિંધતા હોય છે. આવે વખતે અન્ય ધંધાર્થીઓ ભલે રોડ પર ચાલવા નીકળે, આપણે ખેડૂતોએ આપણા ખેતર-વાડીમાં જઈ, ત્યાં એકાદ કલાક મોલાતમાં-મારગે-શેઢેપાળે-ગાય-બળદોની પાસે-બધે ચાલતા ચાલતા આંટો મારી લઈએ તો પણ શરીરની નરવાઇ રહે, ખાધું પચે, થોડોક થાક લાગે એટલે ઊંઘ પણ સારી આવે, અને ખરું કહું તો ખેડૂત-માલિકનો આંટો વાડીને પણ ખાતર ભર્યા જેટલો લાભ કરે છે એ ન ભૂલવું હો મિત્રો !


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • પોતાને સવાયા શાહુકાર માનતા ચોરને ઘેર ચોરી

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    અંગ્રેજી શાસકોની ધૂર્તતા, ક્રૂરતા અને લૂંટારૂ વૃત્તિ બાબતે લગભગ સૌ એકમત હશે, એમ તેમના વહીવટ, દસ્તાવેજીકરણની સૂઝ અને સાચવણ બાબતે પણ ભાગ્યે જ કોઈ બેમત હશે. સાવ મુઠ્ઠીના કદના દેશનું શાસન અડધીઅડધ દુનિયામાં વ્યાપેલું રહે એ કેવળ તેમની બહાદુરીને કારણે નહીં, પણ આવા અનેક ‘ગુણોને’ કારણે-એ હકીકત સ્વીકારવી જ રહી. અંગ્રેજી શાસન દરમિયાન આચરવામાં આવેલી ક્રૂરતા અને ઈતિહાસ સાથે તેમણે કરેલી પદ્ધતિસરની છેડછાડના અનેક દાખલા સમયાંતરે પ્રકાશમાં આવતા રહ્યા છે. સાથેસાથે એ વક્રતા પણ જોવા મળે છે કે અંગ્રેજો જે તે દેશ છોડીને ગયા પછી સ્થાનિક શાસકોના વહીવટ અને શાસને અંગ્રેજોને સારા કહેવડાવ્યા હોય. ‘ભાગલા કરો અને રાજ કરો’ની શાસનનીતિ અંગ્રેજોની દેણગી છે, જેની પર તેમનો એકાધિકાર રહ્યો નથી.

    લંડનસ્થિત બ્રિટિશ મ્યુઝિઅમ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં સ્થપાયું અને અંગ્રેજોએ પોતાના શાસનપ્રદેશોમાંથી એકઠી કરેલી અનેકવિધ મૂલ્યવાન ચીજવસ્તુઓનું તે ઉત્તમ સંગ્રહસ્થાન ગણાતું રહ્યું છે. વિવિધ પ્રકારના વિભાગ ધરાવતું આ મ્યુઝિઅમ દુનિયાભરના સહેલાણીઓને આકર્ષતું રહ્યું છે. અહીં પ્રદર્શિત અનેક મૂલ્યવાન ચીજો લૂંટીને એકઠી કરાયેલી હશે, પણ સંગ્રહ અને સાચવણ માટે આ મ્યુઝિઅમ ખ્યાતનામ છે. અલબત્ત, આ મ્યુઝિઅમમાં તેના સંગ્રહ પૈકીની માત્ર એક ટકા ચીજોને જ પ્રદર્શિત કરવામાં આવી હોવાનું મનાય છે તેના પરથી ખ્યાલ આવશે કે તેનો સંગ્રહ કેટલો વિશાળ અને મૂલ્યવાન હશે. અમુક દેશોમાંથી લૂંટીને લાવેલી ચીજો અંગ્રેજોએ એ કારણથી અહીં સાચવી રાખી છે કે તેના મૂળ માલિકીવાળો દેશ તેને જાળવી શકે એમ નથી અને તેમને જે તે ચીજ પાછી આપવાથી ત્યાં એના ચોરાઈ જવાનો ભય છે. અંગ્રેજોની આવી સામ્રાજ્યવાદી માનસિકતા ટીકાનો વિષય રહી છે, પણ તેઓ બહુ ગંભીરતાપૂર્વક આમ માને છે. છતાં, વધુમાં વધુ મુલાકાતીઓ આકર્ષતું હોય એવા સ્થળમાં તે વિશ્વભરમાં ત્રીજા ક્રમાંકે છે અને વર્ષ 2022માં ચાલીસેક લાખ લોકોએ તેની મુલાકાત લીધી હતી.

    સંગ્રહ અને સાચવણની આવી પ્રતિષ્ઠા ધરાવતા બ્રિટીશ મ્યુઝીઅમ બાબતે તેની છબિથી સાવ વિપરીત કહી શકાય એવી ઘટના બની છે. એ મુજબ અહીંથી બેએક હજાર મૂલ્યવાન ચીજો પગ કરી ગઈ છે, અને એમાંની કેટલીક ઈ-બે જેવી સાઈટ પર વેચાવા માટે મૂકાઈ ગઈ છે. છેલ્લા એકાદ વરસના સમયગાળામાં આમ બનતું રહ્યું છે. ચોરાયેલી ચીજોમાં મુખ્યત્વે ગ્રીક અને રોમન રત્નો તથા ઝવેરાત છે. આ બાબતે વિવાદ ન થાય તો જ નવાઈ!

    ‘ધ બ્રિટિશ મ્યુઝિઅમ્સ’ પુસ્તકના લેખક પ્રો. ડેન હીક્સે જણાવ્યું છે કે આ ચોરી થકી દુનિયાભરની વિરાસતના પહેરેદાર હોવાની બ્રિટિશ મ્યુઝિઅમની માનસિકતા બદલાય તોય ઘણું! ‘ઑલ પાર્ટી પાર્લામેન્‍ટરી ગૃપ ઑફ આફ્રિકન રીપેરેશન્સ’ના વડા બેલ રીબેરો-એડીએ આકરા શબ્દોમાં કહ્યું કે આ ચીજવસ્તુઓ પોતાની પાસે રાખવાનું સૌથી અપમાનજનક કારણ બ્રિટિશ મ્યુઝિઅમ એ આપે છે કે જે તે દેશ પોતાની એ ચીજને સાચવી શકે એમ નથી. અને હવે એમના જ દેશમાં (બ્રિટનમાં) લોકો એ ચીજવસ્તુઓને ઈ-બે પર વેચવા મૂકી રહ્યા છે.

    મ્યુઝિઅમના બૉર્ડ ઑફ ટ્રસ્ટીઝમાંના એક જ્યોર્જ ઓસ્બોર્ન એ વિગત પ્રકાશમાં લાવ્યા છે કે મ્યુઝિઅમ પાસે પોતાને ત્યાંની તમામ ચીજવસ્તુઓની સંપૂર્ણ યાદી નથી. જેને આ બાબતની જાણ છે એ આનો ગેરલાભ લઈને કેટલીક કિંમતી વસ્તુઓ બારોબાર સગેવગે કરી શકે છે. આથી ગુમ થયેલી ચીજોની તપાસની સાથેસાથે પોતાની પાસેની ચીજવસ્તુઓની યાદી બનાવવાની પ્રક્રિયા પણ વેગવંતી બનાવવી પડશે.

    ઘણાના મતે આ ઘટના ‘ચોરને ઘેર ચોરી’ જેવી છે.

    ઓક્સફર્ડ યુનિવર્સિટીના પિટ રિવર્સ મ્યુઝીઅમના વર્લ્ડ આર્કિઓલોજીના નિયોજક હીક્સ આ ઘટનાને સાચવણના વિક્ટોરિઅન મોડેલનો ધીમી ગતિએ થઈ રહેલો અંત ગણાવે છે. તેમના મત અનુસાર આ મોડેલને સમજવું હોય તો એટલું જ કહી શકાય કે તેમાં પારદર્શિતાનો અભાવ છે. બ્રિટિશ મ્યુઝિઅમ સહિત ઈન્‍ગ્લેન્‍ડનાં કેટલાંક રાષ્ટ્રીય મ્યુઝિઅમ હજી એ જ યુગજૂની સામંતશાહી માનસિકતાને વળગી રહ્યા છે. તેઓ માને છે કે આવી ચીજવસ્તુઓને પોતાના કબજામાં રાખવી અને તેના વિશે અન્યોને ન જણાવવું એ તેમનો ઈશ્વરદત્ત અધિકાર છે.

    આ ચોરી બાબતે બ્રિટનમાં જ મિશ્ર પ્રત્યાઘાત મળી રહ્યા છે. શાસક માનસિકતા ધરાવતો વર્ગ શાસિતોના મનમાં એ ઠસાવવામાં સફળ રહે છે કે તેમના સિવાય શાસિતોનો ઉદ્ધાર નથી. આ માનસિકતા શાસિતોના માનસમાં એ હદે ઊંડી ઊતરી જાય છે કે તેઓ પણ એમ જ માનવા લાગે છે.

    બ્રિટિશ મ્યુઝિઅમની આ ચોરીએ બ્રિટિશ મિથ્યાભિમાનને ઉઘાડું કરી આપ્યું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. દુનિયાભરની કિંમતી ચીજોના પોતાને નૈસર્ગિક રખેવાળ માનતા-મનાવતા હોય એવા મ્યુઝિઅમમાં ચોરી થતી રહે, એટલું જ નહીં, એની જાણ સુદ્ધાં તેમને ન થાય એ કંઈ આનંદની વાત નથી, પણ કુદરતી ન્યાય જેવું કહી શકાય.

    ધીમે ધીમે ઘણી વસ્તુઓ કદાચ પાછી મેળવાશે, તેની યાદી બનાવવાનો પણ પ્રયત્ન થશે, સુરક્ષાવ્યવસ્થા વધુ ચુસ્ત કરવામાં આવશે અને બીજાં ઘણાં પગલાં લેવાશે, છતાં બ્રિટિશ મ્યુઝિઅમની અત્યાર સુધી ટકાવી રાખેલી આબરૂ ખરડાઈ. તેમાં રહેલાં છીંડાં દુનિયાએ જોયાં.

    આ મામલાને નાગરિકધર્મ સાથે સાંકળી શકાય કે કેમ? એક નાગરિક તરીકે એટલું અવશ્ય નક્કી કરી શકાય કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કદી સંપૂર્ણ હોતી નથી. જે તે વ્યક્તિ કે સંસ્થાને કદાચ આ બાબતની જાણ હોય છે, પણ નાગરિકો એ વીસરી જતા હોય છે. જાહેર ક્ષેત્રની વ્યક્તિ હોય કે સંસ્થા, તેના કામની સમીક્ષા નાગરિકોએ કરવી જ જોઈએ. નાગરિકો એમ કરવું ચૂકીને તેની પ્રશસ્તિમાં સરી પડે ત્યારે તેઓ પોતાનો ધર્મ ચૂકે છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨ – ૧૦ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • એવી મજા હવે કાં નથી આવતી

    મંજૂષા

    વીનેશ અંતાણી

    જીવનમાં કશુંક નજર સામે બનવાની પ્રક્રિયામાંથી આપણે સાવ બાકાત કેમ થઈ ગયા છીએ? જીવનમાં બધું હાથવગું અને સહેલું થયું છે, છતાં બધું ગૂંચવાયેલું કાં લાગે છે?

    ખાખી ચડ્ડી અને ધોળો ખમીસ પહેરી છવ્વીસમી જાન્યુઆરી કે પંદરમી ઓગષ્ટની સવારે ગામમાં નીકળેલી પ્રભાતફેરીમાં ગળું ફાડીને ‘ભારત માતા કી જય’, ‘મા’ત્મા ગાંધી કી જય’ પોકારતા આખા ગામમાં ફરતા અને સાવધાન મુદ્રામાં ઊભા રહી ‘જન ગણ મન અધિનાયક જય હે’ ગાતા તે દિવસોની વાત છે. તે દિવસો ભરપૂર શ્રદ્ધાના હતા. ત્યારે ‘ભારત ભાગ્ય વિધાતા’ના સંદર્ભમાં પ્રશ્ર્નો જન્મતા નહોતા. ટેલિફોન કે રેડિયો ઘરમાં ઉપલબ્ધ નહોતા. દર બે-ચાર મહિને ઘરમાં લીંપણ થતું. મારા ઘરમાં વીજળી આવી ન હતી. સાંજે બા ત્રણ-ચાર ફાનસ લઈ આંગણામાં બેસતી, કાતરથી વાટ કાતરતી, કાચનો ગોળો ચુલાની રાખથી સાફ કરતી. ઘાસતેલ ભરતી. દીવાટાણું થાય ત્યારે ફાનસ સળગાવી રસોડા અને જમવાના ઓરડા વચ્ચેના બારણાની બારસાખ પર લટકાવતી. તે દિવસો સ્વિચ દાબતાં જ ફટ દઈને બધું ઝળાંહળાં થઈ જવાના ન હતા. ગરમીથી બચવા સ્કૂલની જૂની નોટના પૂંઠાથી કે બજારમાંથી લાવેલા વીંજણાથી હવા નાખવી પડતી. નળ ખોલતાં જ પાણી આવે તેવો સમય ન હતો. સ્ત્રીઓએ પાણી ભરવા ખારા-મીઠા પાણીના કૂવે જવું પડતું, કપડાં ધોવા ગામના કાચા તળાવે જવું પડતું. તેમ છતાં એ સમય તકલીફોનો ન હતો. બધી બાબતોમાં બહુ મજા આવતી.

    એવી મજા હવે કાં નથી આવતી? બધું કેટલું હાથવગું થઈ ગયું છે. બેન્કમાં ડી.ડી. કઢાવવી હોય તોય બે ધક્કા ખાવા પડતા. બેન્કવાળા મોટાં મોટાં લેજર ઊથલાવી સાંજ સુધીમાં તો થાકીને લોથ થઈ જતા. જોડા સિવડાવવા પસંદગીના મોચીની દુકાને જવું પડતું. એના નાના બાંકડા પર બેઠા હોઈએ. દુકાનમાંથી ચામડાની ગંધ આવતી હોય. મોચીકાકા કાગળ પર પગ મુકાવી પેન્સિલથી માપ લેતા. પૂછતા: વાદળીવાળા કે સાદા? બાપુજી કહેતા: વાદળીવાળા નહીં, સાદા. વાદળીબાદળી બાંધે નહીં તો ક્યાંક ઊથલી પડે. બદામી કે કાળા? બદામી. નવરાત્રિ પહેલાં અમે ઘરનાં બધાં ભેગાં થઈ કાપડની દુકાને જતાં. વર્ષભર ચાલે એટલાં સાગમટે કપડાં લેવાતાં. તાકા ખૂલતા જાય, કપડું વેતરાતું જાય. થપ્પી બાજુમાં મુકાતી જાય. તાકામાંથી જુદી જ જાતની સુગંધ ઊઠતી. કપડાં સીવવા દરજી અમારા ઘરમાં જ બેસતો. હવે તો તૈયાર કપડાં લેવા દુકાને જાઓ નહીં તો પણ ચાલે, ઓન લાઈન બધું મળી રહે છે. તો ય પહેલાં જેવી મજા નથી આવતી. એવું કેમ લાગે છે કે જીવનમાં કશુંક નજર સામે બનવાની પ્રક્રિયામાંથી આપણે સાવ બાકાત થઈ ગયા છીએ?

    મારા ગામની નાની નાની દુકાનોનો જુદો જ ઠસ્સો હતો. એની ગંધ અલગ હતી. દાળિયાવાળાકાકા એમની ખોબા જેવડી દુકાનમાં તાવડામાં ચણા શેકતા. ખારી સિંગ શેકાવાની સુગંધ ઊઠતી. સોનીઓની દુકાનોમાં લટકતા એમના પૂર્વજોના ફોટા જોઈને પણ મજા આવતી. ફોટા નીચે લખ્યું હોય: સોની ફલાણા-ફલાણા. ઠસ્સાદાર વસ્ત્રો પરિધાન કરી, ખુરસી પર બેસી. એમણે પડાવેલા ફોટામાંથી ‘જાજરમાન’ શબ્દનો અર્થ વર્ગમાં ભણ્યા વિના સમજાઈ જતો. એ સોનીઓને કોઈ બ્રાન્ડ એમ્બેસેડરની આવશ્યકતા ન હતી. દરેક વેપારી ઓળખીતા ગ્રાહકને ચાનો આગ્રહ કરતો. ચાવાળો છોરો હાથની આંગળીઓમાં કપ લટકાવીને આવતો અને ધાતુની કીટલીમાંથી ઊંચેથી ધાર પાડી કપ ભરતો. એકેય ટીપું જમીન પર પડતું નહીં. એવી ધાર હવે કાં રહી નથી?

    કોઈ પણ ઉત્સવ ડખો બનતો નહીં. સંગીતની મજા આવતી. નવરાત્રિ આવે કે સાતમ-આઠમમાં રાસ રમાય ત્યારે ઢોલના સથવારે સ્ત્રી-પુરુષોના કંઠે હલકભેર ગવાતા રાસ-ગરબાના શબ્દો અને સૂરમાં પોતીકાપણું લાગતું. ક્યાંય કૃતકતા ન હતી. સમૂહનું એક થઈ જવું દિલથી અનુભવી શકાતું. તે સમયે ખીચોખીચ ભરેલો માનવસમૂહ ભીડ જેવો લાગતો નહીં, લોકોની આરપાર સડસડાટ નીકળી જઈ શકાતું. હવે તો વ્યક્તિ એકલી હોય તો ય ભીડમાં ભીંસાતી હોય તેવો ભય દરેકની આંખમાંથી દેખાય છે. ગામનો દરેક જણ પોતીકો લાગતો, ‘રામ રામ’ બોલતા તો સામે ઉમળકાભેર ‘રામ રામ’ જવાબ મળતો. શેરીમાં ધોણ ફેંકવા આવેલી સ્ત્રીઓ નિરાંતે કૂથલી કરી શકતી. હવે સામે મળેલો જણ આગંતુક કાં લાગે છે? પોતાની સૂટકેસ ખેંચીને એરપોર્ટમાંથી બહાર નીકળતા મહેમાનને જોઈ ભરતભરેલી થેલી ઉપાડી બસમાંથી ઊતરતા મહેમાનને જોઈને થતો તે ‘ભલે પધાર્યા’નો ભાવ કેમ જાગતો નથી?

    વરસાદ પડતો તે સાથે છોકરાં શેરીમાં દોડી જતાં. મદારીની આસપાસ ટોળું વળી જતું. રામલીલાવાળાના ખેલ રાતભર ચાલતા. તેમ છતાં હવે ઘરમાં જ નિરાંતે સોફા પર બેસી ટી.વી. જોતાં જે થાક લાગે છે તેવો થાક અગાઉ લાગતો નહીં. ગામના ચોકમાં ભજવાતાં નાટકોના અભિનેતા અને પ્રેક્ષકો જુદા રહેતા નહીં, એક થઈ જતા. એરકન્ડિશન્ડ પ્રેક્ષાગાર નહોતાં, ખુલ્લા આકાશની મજા હતી. હવે તો આકાશ પણ ક્યાં રહ્યું છે? પરસેવો શરીરમાં જ ચુસાઈ જાય છે, પરસેવાને પણ છૂટથી પ્રસરવાની મોકળાશ રહી નથી.

    એકબીજાની ડોકમાં હાથ ભેરવી ભાઈબંધી માણવાનું ભરપૂર સુખ હતું. સ્પર્શ દ્વારા ઘણું કહેવાઈ શકાતું. રિસાવાની મજા હતી, બિલ્લા કરવાની પણ મજા હતી. હવે ફેસબુકમાં ફ્રેન્ડ્સની સંખ્યા મબલખ થઈ છે, પણ ભાઈબંધને અડકવાનું સુખ કાં મળતું નથી?

    જીવનમાં બધું હાથવગું અને સહેલું બહુ થયું છે, છતાં બધું ગૂંચવાયેલું કાં લાગે છે?


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ઈતિહાસકારોના મતે રામાયણનાં બે પાત્રો જટાયુ અને સંપાતિ

    રામાયણ – સંશોધકની નજરે

    પૂર્વી મોદી મલકાણ

    आदौ रामतपोवनादि गमनं हत्वा मृगं कांचनम्।
    वैदेही हरणं जटायु मरणं सुग्रीवसम्भाषणम्॥
    बालीनिर्दलनं समुद्रतरणं लंकापुरीदाहनम्।
    पश्चाद्रावण कुम्भकर्णहननं एतद्घि श्री रामायणम्॥
    પક્ષીભાઈઓ – જટાયુ અને સંપાતી.

    રામાયણનાં અનેક પાત્રો વચ્ચે જેની મહત્ત્વતા મુખ્ય એવં ગૌણ મનાઈ છે તે છે બે પક્ષી ભાઈઓની. આ પક્ષીભાઈઓ એટ્લે કે, જટાયુ અને સંપાતી. જેમના પિતા  અરૂણ હતા, જેઓ સૂર્યદેવના રથનાં સારથી હતા. ચિત્રકૂટથી પંચવટી જતી વખતે માર્ગમાં પહેલી વાર શ્રી રામે જટાયુ ને જોયેલા. પહેલાં તો તેમની વિશાળતા જોઈ એવું જ લાગ્યું કે, તેઓ અસુર જાતિમાંથી કોઈ છે, આથી તેમણે તેમનો પરિચય પૂછ્યો. ત્યારે જટાયુએ કહ્યું કે, હે વત્સ તું મને તારા પિતાનો મિત્ર માન ( અરણ્ય કાંડ ૧૪/૩ ) ત્યારે રામચંદ્રજીએ તેમને પ્રણામ કરી તેમનાં નામ અને કુલ વગેરેની પૃચ્છા કરી. ( અરણ્યકાંડ ૪/૫ ) શ્રી રામના પૂછયા પછી તેમણે પોતાનાં નામ અને કુળ વિષે બતાવ્યું. જટાયુ અને શ્રીરામનો આ પ્રથમ પરિચય બતાવે છે કે, આ બંને વચ્ચે કોઈ કોમન ભાષા હોવી જોઈએ અથવા તો શ્રીરામ પક્ષીઓની ભાષા જાણતા હોવા જોઈએ. જોવાની વાત એ છે કે, રામાયણમાં વાલ્મિકી ક્યાંય રામ પક્ષીવિદ્ કે પક્ષીભાષા જાણતાં હોવાનો ઉલ્લેખ કર્યો નથી તેમ છતાં યે જે રીતે રામ પરિચય પૂછે છે અને જટાયુ જે રીતે બતાવે છે તે જોઈને એક શંકા તો ચોક્કસ ઉદ્ભવે છે કે, શું જટાયુ ખરેખર જ પક્ષી હતાં કે?

     આ પ્રથમ ઉલ્લેખ પછી રામાયણમાં જટાયુનો ફરી પ્રવેશ સીતાહરણ વખતે થાય છે. પંચવટીમાં રામ લક્ષ્મણ સાથે ભેંટ થયા પછી જટાયુએ રામ-લક્ષ્મણની અનુપસ્થિતિમાં ભગવતી સીતાને પુત્રવધૂ માની તેનું ધ્યાન રાખવાની જવાબદારી પોતાની પર લીધી હતી. રાવણ જ્યારે સીતાજીને લઈ જતો હતો તે સમયે જટાયુને જોઈ સીતાજીએ પુકારનો અવાજ લગાવ્યો અને કહ્યું, હે આર્ય, હે દ્વિજ જટાયુ ! આ પાપી રાક્ષસ રાવણ મને અનાથની ભાંતિ ઉઠાવી ને જઇ રહ્યો છે. ( અરણ્ય કાંડ ૪૯/૩૮ ) સીતાની પુકાર સાંભળી પોતાની ચાંચ ઉપાડી જટાયુ ત્યાં ધસી આવ્યો અને ત્યારે એક વડીલની જેમ રાવણનો વિરોધ કર્યો, પણ જ્યારે રાવણ ન માન્યો ત્યારે તેણે તેની સાથે યુધ્ધ કરવાનું શરૂ કર્યું. આ સમયે જટાયુની વીરતા જોઈ રાવણે તેને તેનો પરિચય પૂછ્યો તે વખતે જટાયુએ કહ્યું કે, जटायुर्नाम नाम्नाहं गृध्रराज महाबलः” अरण्यकांड ५०/४, २१,२२ ) હું ગૃધ્રકૂટનો ભૂતપૂર્વ રાજા છું અને મારું નામ જટાયુ છે. આગળ વધતાં જટાયુ કહે છે કે, હે રાવણ ! અત્યારે હું ૧૬૦ વર્ષનો છું, ત્યારે તું યુવાન છે તેથી તારી પાસે અપાર શક્તિ હોવાની તેમ છતાં યે હું મારી પુત્રવધૂ સીતાને નહીં લઈ જવા દઉં. આમ કહી તેણે રાવણ સાથે યુધ્ધ કર્યું પરંતુ અંતે રાવણે તેની પાંખો કાપી નાખી જેથી તે રક્તરંજિત થઈ ધરતી પર ઢળી પડ્યો. આ બાબતથી સિધ્ધ થાય છે કે; જટાયુ એ પક્ષી જ હશે, અને રાવણ તો મનુષ્ય. પણ જે રીતે રાવણ અને જટાયુનો સંવાદ બતાવ્યો છે તે જોતાં એમ કહી શકાય કે, રાવણ પણ પક્ષીઓની ભાષા જાણતો હશે.

    રાવણે પાંખો કાપી અને જટાયુ પૃથ્વી પર પડ્યો કે પટકાયો. આ દ્રશ્ય સાથે અહીં રામાયણનું એક બીજો વિરોધાભાસી પ્રસંગ જોવા મળે છે. તે એ છે કે, રાવણ અને જટાયુનું યુધ્ધ તો આકાશમાં ચાલી રહ્યું હતું, તેથી જટાયુના પડતાંની સાથે રાવણનો માર્ગ ચોખ્ખો થયો અને તે સીતાને લઈને આગળ વધી ગયો, એમ હોવાને બદલે રામાયણમાં કહે છે કે, જટાયુને પડતો જોઈ દુઃખી થયેલી સીતા સગા સંબંધીની માફક જટાયુ તરફ દોડી“अभ्यधावत वैदही स्वबन्धुमिव दुःखिता” ( ५१/४ ) હવે જો આકાશમાં યુધ્ધ ચાલી રહ્યું હોય તો સીતા જટાયુ તરફ દોડે શી રીતે? હા….વિમાનમાંથી હાથ બહાર કાઢી, મો નીચું કરીને જોઈ શકે આમ મહર્ષિ વાલ્મીકિજીની પોતાની જ વાણીમાં વિરોધાભાસ દેખાય છે. જોવાની વાત એ કે, યુગોથી ગવાતાં આ મહાકાવ્યને જેમનું તેમ સંતો અને સમાજ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું જેને કારણે મહર્ષિ વાલ્મીકિની ગૂઢાર્થ વાણીને સમજાવનાર કોઈ રહ્યું નહીં.

    બીજી વાત એ છે કે, જટાયુને આવેલો જોઈને અહીં ભગવતી સીતાજીએ તેમને માટે આર્ય અને દ્વિજ એ બંને શબ્દો પ્રયોગ કરેલો છે. આ; આર્ય અને દ્વિજ શબ્દો એ પ્રાચીન અને મદ્યકાલીન યુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યો માટે સંજ્ઞારૂપ શબ્દો હતાં. હવે જટાયુ તો પક્ષી છે તો સીતાજીએ આ શબ્દનો પ્રયોગ શી રીતે કર્યો હશે તે એક વિચારવાની બાબત છે. ભગવતી સીતાના આ બંને શબ્દો બતાવે છે કે, જટાયુ શાસક એટ્લે કે ક્ષત્રિય છે અને ક્ષત્રિય હોવાને કારણે હોવાને કારણે તેમનો સંબંધ બ્રાહ્મણો સાથે ય હતો. આ પ્રમાણે જોઈએ તો આપનો સંબંધ આર્ય ક્ષત્રિય કે દ્વિજ તરીકેનો હોય આપનો સંબંધ કે મિત્રતા મહારાજ દશરથ સાથે હોઈ શકે છે. આમ આ ત્રણેય બાબત બતાવે છે જટાયુ એ કોઈ પક્ષીવર્ગથી નથી પણ મનુષ્ય છે જેણે આર્ય પરંપરા અનુસાર યોગ્ય સમયે રાજપાટનો ત્યાગ કરી વાનપ્રસ્થાશ્રમને સ્વીકારેલો હશે. જોકે અન્ય એક મત એય છે કે પક્ષીઓને દ્વિજ કહેવાની પરંપરા તે સમયે નીકળી હતી, પણ જો તે પક્ષી દ્વિજ હોત તો ન તો તેઓ ક્યાંયના રાજા હોત, કે ન રાજા દશરથના મિત્ર. અરણ્ય કાંડ ૫૦/૨ માં જટાયુ માટે “ખગેશ અને ખગોત્તમ” શબ્દનો પ્રયોગ થયો છે. ખગોત્તમનો અર્થ સંસ્કૃતમાં આકાશમાં ગમન કરનારમાં જે સૌથી ઉત્તમ છે તે કહી કર્યો છે. ( “ખ” નો અર્થ “આકાશ” તરીકે કર્યો છે અને “ગ” નો અર્થ “ગમન કરનાર” તરીકે કર્યો છે. ) જ્યારે ખગેશનો અર્થ – ખ એટ્લે આકાશ, ગ -ગમન કરનાર અને ઇશ એટ્લે ઇશ્વર જે આકાશમાં ઈશ્વર બની ગમન કરે છે તે.

     जटायुर्नाम” :- આ શબ્દનો મહર્ષિ વાલ્મિકી અહીં પ્રયોગ કરેલો છે. ઈતિહાસકારોનાં મત કહે છે કે, કદાચ આ રાજાનાં વાળની ઘણી બધી જટાઓ હશે તેને કારણે આ રાજા જટાયુ તરીકે ઓળખાતો હશે. આજે ય જે વ્યક્તિ વાળ અસ્તવ્યસ્ત હોય તેને એમ કહીએ છીએ કે, એ ભાઈ તારા જટીયા સરખા કર અને જો સ્ત્રી હોય તો તેને જટાળીને નામે ઓળખવામાં આવે છે. આમ જટાયુ નામ કેમ રીતે આવ્યું તે બાબત અહીં સિધ્ધ કરી શકાય છે.

     હવે જોઈએ કે જટાયુ અને સંપાતીનાં માતા પિતા કોણ હતાં.

     પ્રજાપતિ કશ્યપની એક પત્નીનું નામ વિનતા હતું. વિનતાથી પ્રજાપતિ કશ્યપને ગરુડ અને અરુણ નામનાં બે પુત્ર થયાં. ગરુડજી મોટા થઈ શ્રી વિષ્ણુનાં શરણે ગયાં અને તેમનાં વાહન બન્યાં. અરુણજી જેઓ કેવળ ધડી હતાં, અર્થાત તેમને માથું ને ધડ હતું પણ પગ ન હતાં તેઓએ સૂર્યદેવનાં રથનાં રથિક એટ્લે સારથિ બન્યાં. આ અરુણજીનાં જે બે પુત્રો થયા તેમને આપણે જટાયુ અને સંપાતી તરીકે જાણીએ છીએ.   

    સીતાહરણ પછી સીતાશોધમાં નીકળેલા રામ લક્ષ્મણને ઘાયલ અવસ્થામાં પડેલ જટાયુને મળ્યાં. તે વખતે જટાયુએ કહ્યું કેપુત્રવધૂ સીતાને વિશ્રાવાપુત્ર અને પ્રસિધ્ધ કુબેરનો ઓરમાયો ભાઈ રાવણ દક્ષિણ દિશા તરફ ઉપાડીને લઈ ગયો છેમાટે આપ તે દિશા તરફ જાવ. ( ६७ /१५-१६ ) આટલું બોલી જટાયુએ પ્રાણત્યાગ કર્યા. ( જટાયુજીના મૃત્યુ માટે આજની ભાષામાં એમ કહી શકાય કે આપ શ્રી રામની યાત્રામાં પહેલા શહીદ બન્યા.)  એ સમયે રામે લક્ષ્મણને કહ્યું કે,” सीताहरणजं दुःखं न मे सौम्य तथागत् ।“ મને સીતાહરણનું એટલું દુઃખ નથી થયું જેટલું દુઃખ મને આ તપસ્વી જટાયુનાં મૃત્યુથી થયું છે. લક્ષ્મણ મારી દૃષ્ટિમાં મહારાજ જટાયુ પિતા મહારાજ દશરથની સમાન જ આદરણીય હતાં, માટે હે અનુજ ! કાષ્ઠની વ્યવસ્થા કરો જેથી કરીને હું તપસ્વી જટાયુની અંતેયષ્ઠિ કરી શકું. આમ કહી રામે દિક્ષિતઅગ્નિહોત્રી બ્રાહ્મણોની જે વિધિ થતી હોય તે તમામ વિધિ કરી. આ પ્રસંગ એ તરફ ઈશારો કરે છે કેગીધગરુડ જેવા ભક્ષ્ય અભક્ષ્ય ખાનારા પક્ષી માટે શું શ્રી રામ આટલો ભાવ દર્શાવી શકે કેએમાં યે પોતાની પત્નીનાં અપહરણથી યે વધુ શોકાતુર અવસ્થા શું ગીધ જેવા પક્ષી માટે હોઈ શકે કે“यथा तातं दशरथं यथाजं पितामहम्तथा भवन्तमासाद्य हृदयं मे प्रसीदति । શ્રી રામે કહી તે બાબતને બીજી રીતે એમ કહી શકાય કે પંચવટીમાં પોતાની કુટીયાની પાસે રહેતાઅને અવારનવાર વૃક્ષ ઉપરથી નીચે ઉતરી આવી રામની કુટીર પાસે ભક્ષ્ય શોધતાં આ પક્ષીને રામ સાથે અનુકૂળતા આવી ગઈ હશે જેથી કરી તે રામ -લક્ષ્મણથી ભય નહીં લાગતો હોય. આ બાબત આપણે ઘર આંગણે આવતાં ગાયકૂતરા કે અન્ય પક્ષીઓ સાથે જોડી શકીએ છીએ પણ તેમને આપણે આપણાં વડીલો કે પૂર્વજો સાથે જોડી એમ નથી કહેતાં કેતે ગાયમાં મને મારી સ્વર્ગીય માતા દેખાતી હતીઅલબત્ત ગાય માતા ખરીઆપણી પૂજનીય પણ ખરી પણ તેનું સ્થાન પ્રાણીઓમાં જ ગણાય છે. બીજી વાત એ પણ છે કેઆજનો સમય અલગ છે જેમાં આપણે આપણાં ઘરમાં ઘરનાં સદસ્ય તરીકે કૂતરાબિલાડીગાય કે અન્ય પક્ષીઓને સ્થાન આપીએ છીએ ત્યારે જ્યારે આ સદસ્યોનું મૃત્યુ આપણને હૃદયથી લાગી જાય છેતે વખતે ય તેઓ ઘરનાં સદસ્યો તો રહે જ છે પણ આપણાં સામાજિક સંબંધો સાથે તેમનું સ્થાન જોડાતું નથી. અહીં પણ જટાયુ સાથે રામસીતા લક્ષ્મણનો સબંધ સ્નેહનો સંબંધ હોય શકે પણ તે રાજા દશરથનું સ્થાન લઈ શકે તે વાતને માની શકાય તેમ નથી.

     જટાયુ પ્રકરણથી આગળ વધતાં સીતા શોધમાં નીકળેલા સુગ્રીવના વાનરદળોનો મેળાપ સંપાતી સાથે થયોત્યારે તેણે પોતે જટાયુનો મોટોભાઈ હોવાનો ઉલ્લેખ કર્યો. કથાનુસાર આ સંપાતી જ્યારે સૂર્યલોક ગયાં, સૂર્યનાં અસહ્ય તેજથી તેની પાંખો બળી ગઈ જેથી કરી આપ સમુદ્રતટ્ટ પાસે ચેતનાશૂન્ય બની પડી ગયાં. ત્યારપછી આપે પોતાનું નિવાસસ્થાન સમુદ્રતટ્ટ પર જ બનાવ્યું. જૈન ધર્મનુસાર આ સમયે આ સમુદ્રતટ્ટ પાસે ચંદ્રમાન નામના મુનિ રહેતાં હતાં. તેમણે  તેના પર દયા કરી તેમનો ઉપચાર કર્યો. જ્યારે સંપાતીમાં ચેતના આવી ત્યારે તેમણે મુનિવર્યનો આભાર માન્યો. મુનિવર્યએ સંપાતીને આર્શીવાદ આપતાં કહ્યું કે; જ્યારે અયોધ્યાપતિ દેવવીર દશરથની પુત્રવધૂ લક્ષ્મીસ્વરૂપા સીતાની ખોજ કરવા આવનાર દળને તેઓ જ્યારે માર્ગ બતાવશે ત્યારે તેમની પાંખો નવનિર્માણને પ્રાપ્ત કરશે.

     ચંદ્રમાન મુનિ સાથે આ વાર્તાલાપ પછી ઘણાં સમય સુધી સંપાતી સીતાની શોધમાં નીકળેલા લોકોની પ્રતિક્ષા કરવા લાગ્યાં. જ્યારે ઘણો સમય વીતી ગયો અને સંપાતી વૃધ્ધ થવા લાગ્યાં ત્યારે તેમને મુનિજીની વાત નિરર્થક લાગી. તેથી એ સમય આવ્યો ત્યારે તેમણે પોતાની પાંખો નવનિર્મિત થશે એ આશા છોડી દીધેલી. પણ આ દળને તેમણે પોતાની લાંબી દૃષ્ટિ દ્વારા સીતાજી અત્યારે લંકામાં ક્યાં છે સ્થાન બતાવ્યું ત્યાર પછી તેમની બળેલી પાંખોમાં થોડી ચેતનાનો સંચાર થયો.

     સંપાતીની પાંખો અને સીતા ક્યાં છે તે વિષે બીજી અન્ય પણ એક કિવદંતી છે. જેના અનુસાર બળી ગયેલી પાંખોને કારણે સંપાતી ઉડવાને અને પોતાનું ભોજન શોધવાને અસમર્થ હોઈ તેનો પુત્ર સુપાર્શ્વ તેનાં માટે ભોજનની વ્યવસ્થા કરતો હતો. એક સાંજે સુપાર્શ્વ પિતા પાસે આવ્યો ત્યારે તેની પાસે ભોજન ન હતુંઆથી સંપાતીએ ભોજન ન લાવવાનું કારણ પૂછ્યું. ત્યારે સુપાર્શ્વએ કહ્યું કે; એક રાક્ષસ સમાન રાજા એક નારીનું અપહરણ કરી આકાશમાર્ગેથી દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો હતો. તે સ્ત્રી હા ! આર્ય, હા ! લક્ષ્મણ કહી કરૂણ આર્તનાદ કરી રહી હતી. હું તે સ્ત્રીને બચાવવા ગયો, પણ તે રાજાનાં અવકાશી વાહનની ઝડપ ઘણી જ વધુ હતી, તેથી હું તેની પાછળ જઈ શક્યો નહીં અને તે નારીની વિવશતા જોઈ રહ્યો. પિતાશ્રી આ પ્રસંગમાં જ હું એટલો જ ઉલઝાઇ ગયો કે ભોજન લાવવાનું ન ધ્યાન રહ્યું. આજ વાત આગળ જઈને સંપાતીએ સીતાની શોધમાં નીકળેલ વાનરદળને બતાવી છે.   

    અગર આ બંને કથાતત્ત્વને બાદ કરીએ અને મૂળ કથા પ્રમાણે જઈએ તો દરિયા કિનારે બેસી, લાંબી દૃષ્ટિ કરી સીતા લંકાપુરીનાં ઉદ્યાનમાં બેઠી છે તેવી સંપાતીની વાતને પક્ષીવિદ્કારોએ નકારીને કહ્યું છે કે; ગીધગરુડસમડી જેવા પક્ષીઓ ઊંચે ઊડે ત્યારે તેઓ જમીન પર રહેલ બારીકીને જોઈ શકે છેએટ્લે કે ઊંચાઈથી જોઈ શકે છેપણ જમીનનાં લેવલથી માઈલો દૂર લાંબુ જોવાની દૃષ્ટિ તેમનામાં હોતી નથી. જ્યારે ઈતિહાસકારોએ સંપાતિની આ લાંબી દૃષ્ટિને ગીધદ્રષ્ટિ તરીકે ઓળખી છેપણ જ્યારે સંશોધનની વાત આવે છે ત્યારે કેવળ ઈતિહાસકારોનો મત માન્ય ગણાતો નથી.

    જટાયુની તપસ્થળી જટાશંકર:- મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં જટાશંકર નામનું એક સ્થાન છે ત્યાં જટાયુજી તપ કરતા હતા. મ.પ્ર વાસીઓની માન્યતા મુજબ આ ભાગ દંડકારણ્યનો એક ભાગ હતો, જે અનેક ઋષિમુનિઓની તપોભૂમિ હતી. એક સમયે આ ભાગમાં અસંખ્ય ગીધો રહેતાં હોઇ આ સ્થળને “ગીધીયા કોહ” નામે ઓળખવામાં આવતું હતું. પણ આજના સમયે વધતી જતી માનવવસ્તી અને કપાતા જંગલોને કારણે ગીધોની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ છે. પણ જટાયુજીની યાદમાં આ સ્થળે જટાશંકર શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું. 

    જટાયુ મંદિર:- છત્તીસગઢનાં વનભાગમાં ( પૂર્વમાં દંડકારણ્યમાં ) એક જટાયુ મંદિર છે. છત્તીસગઢનાં લોકોની માન્યતા મુજબ આ જગ્યાએ જટાયુજીએ રાવણનો પ્રતિકાર કરેલો. બીજું જટાયુ મંદિર મહારાષ્ટ્રનાં ઇગતપુરી પાસે તાકેડ ગામમાં આવેલ સર્વતીર્થ છે. માન્યતાનુસાર આ જ જગ્યા પાસે ઘાયલ જટાયુ રામ -લક્ષ્મણને મળ્યાં હતાં અને પછી અહીં જ જટાયુનાં અંતિમ સંસ્કાર રામ દ્વારા થયા હતા.

     

    જટાયુપાર્ક કોલ્લમ:- જટાશંકર તપોભૂમિની જેમ આપણે કેરાલાનાં કોલ્લમ જિલ્લામાં આવેલ જટાયુપાર્કને પણ યાદ કરવો જોઈએ. આ જટાયુ પાર્કમાં નોંધ લખી છે કેઆ સ્થળે જટાયુ અને રાવણનું યુદ્ધ થયું હતુંપણ પુરાતત્ત્વ અને ઇતિહાસકારોને મતે આ જગ્યા એ છે જ્યાં જટાયુનો ભાઈ સંપાતિ રહેતો હતોસીતાજીનું હરણ નાસિક પાસેથી થયેલું હતું. તેથી જટાયુ પંચવટીથી છેક સાઉથમાં લડવા માટે ન જાયબીજું રામાયણમાં જટાયુ વારંવાર રામને કહે છે કેતે હવે વૃધ્ધ થયો છે તેથી તે વધુ કાર્ય કરવાને અસક્ષમ છે. આના પરથી એ સમજી શકાય કે જટાયુનું યુદ્ધ નાસિક -પંચવટીની આસપાસ જ થયું હશેછેક કેરાલામાં નહીં. તેથી આજના જટાયુ પાર્કનું પ્રમાણ સાચું નથી.

    આમ અનેક મતમતાંતરથી ભરેલ જટાયુ અને સંપાતી પક્ષી હતાં, પક્ષીરાજ હતાં કે નિવૃત થયેલ વૃધ્ધ રાજા હતાં તેનો પ્રશ્ન આજે ય આપણી સામે જ ઊભો જ છેજેનો જવાબ શું હશે તે તો રામ જ જાણે.


    © પૂર્વી મોદી મલકાણ – યુ.એસ.એ  purvimalkan@yahoo.com

  • (૧૨૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૭૦ (આંશિક ભાગ –૧)

    કભી નેકી ભી ઉસ કે જી મેં ગર આ જાએ હૈ મુઝ સે 

    (શેર ૧ થી ૩)

    મિર્ઝા ગ઼ાલિબ
    વલીભાઈ મુસા (રસદર્શનકાર)

    કભી નેકી ભી ઉસ કે જી મેં ગર આ જાએ હૈ મુઝ સે
    જફ઼ાએઁ કર કે અપની યાદ શરમા જાએ હૈ મુઝ સે (૧)

    [નેકી= ભલાઈ, પરોપકાર, શિષ્ટતા; જફ઼ાએઁ= પરેશાનીઓ, જુલ્મો]

    રસદર્શન :

    ગ઼ાલિબની કેટલીક શિષ્ટ(Classic) ગ઼ઝલો પૈકીની આ એક એવી ગ઼ઝલ છે કે જે આપણને તેના પહેલા જ વાંચને ખૂબ જ ગમી જાય અને તેના અર્થઘટનમાં ઊંડા ઊતરવાની આપણી તમન્ના જાગી ઊઠે. આ શેરનો પાઠ સરળ છે, કેમ કે તેમાં શબ્દોના અર્થઘટનની કોઈ ભુલભુલૈયા નથી. આમ છતાંય શબ્દોમાં જેટલી સરળતા છે, તેટલી જ તેમનામાં ગહનતા પણ છે. આ શેર વાંચતાં જ માશૂકની કલ્પનાનું એક એવું  શબ્દચિત્ર આપણી નજર સમક્ષ ખડું થઈ જાય છે કે જ્યાં માશૂકા લજ્જાશીલ ચહેરે માશૂક સામે નીચી નજરે ઊભેલી હોય! જો કે અહીં વાસ્તવમાં આ દૃશ્ય ભજવાતું નથી, પણ માશૂકની કલ્પના માત્ર છે; જે આપણને પહેલા ઉલા મિસરાના પહેલા જ શબ્દ ‘કભી’થી સમજાય છે. માશૂક વિચારે છે કે કદાચ ને માશૂકાના દિલમાં એવી કોઈ મારા પરત્વેની ભલાઈની લાગણી જાગી ઊઠે અને તેણીએ મારા ઉપર મારી અવગણના કે નફરતના જે કંઈ જુલ્મ-ઓ-સિતમ આચર્યા છે તેમને યાદ કરીને પશ્ચાત્તાપના ભાવે શરમની મારી નત મસ્તકે મારી સામે ઊભી રહે. આમ સ્વગતોક્તિમાં માશૂકના મુખે મુકાયેલો આ શેર છે, કેમ કે રદીફમાં ‘મુઝ સે’ શબ્દ છે. માશૂકને માશૂકાના મિલનની ઝંખના છે અને તેથી તે માશૂકાના ભાવોની હકારાત્મક કલ્પના કરીને મનને સાંત્વન આપવા માગે છે, એમ વિચારીને કે કદાચને માશૂકા પોતાની થઈ રહે.

    * * *

    ખ઼ુદાયા જજ઼્બા-એ-દિલ કી મગર તાસીર ઉલ્ટી હૈ
    કિ જિતના ખીંચતા હૂઁ ઔર ખિંચતા જાએ હૈ મુઝ સે (૨)

    [ખ઼ુદાયા= હે ખુદા; જજ઼્બા-એ-દિલ= દિલની લાગણી (emotion); તાસીર= અસર]

    રસદર્શન :

    ગ઼ાલિબનો ગજબ મજાનો આ શેર આપણને સાવ હળવેથી પ્રફુલ્લતા તરફ દોરી જાય છે. ઈશ્વર-અલ્લાહ કે જે દરેકનાં દિલોને જાણતો હોવા છતાં માશૂક અહીં તેની આગળ પોતાના દિલનો હાલ રજૂ કરે છે. અહીં ખુદાયા સંબોધન માત્ર ‘ખુદા’ એવા સંબોધન કરતાં વિશિષ્ટ એવો વ્હાલપનો ભાવ વ્યક્ત કરે છે, જેમ કે  કોઈને ‘ભાઈ’ના બદલે ‘ભાયા’ તરીકે સંબોધવામાં આવે. ‘ખુદા’ ફારસી શબ્દ છે, જેનો અર્થ અલ્લાહ-ઈશ્વર થતો હોવા છતાં તેની અનેક સિફતો (ગુણો) પૈકીની એક સિફતનું નામ છે અને જેનો અર્થ ‘સ્વયં અસ્તિત્વમાં આવનાર’; અર્થાત્ ‘સ્વયંભૂ’ થાય છે. માશૂક ખુદાને સંબોધીને કહે છે કે ‘હે ખુદાયા, મારા દિલની લાગણીઓની ઉલટી અસર થઈ રહી છે. હું માશૂકાને મારી તરફ જેટલી ખેંચવાનો પ્રયત્ન કરું છું તેના કરતાં વધારે તે મારાથી દૂર થતી જાય છે.’ માનવીના જીવાતા જીવનમાં પણ આવી કરુણ વાસ્તવિકતાઓ ઉદ્ભવતી હોય છે. માણસ કોઈ સિદ્ધિ મેળવવા અથાગ પ્રયત્ન કરે અને તે સિદ્ધિ હાથવેંત નજીક આવી હોય અને દૂર હડસેલાઈ જાય! આવું જ રણમાંના આભાસી ઝાંઝવાના જળનું પણ હોય છે કે જેમ જેમ આપણે તેની તરફ આગળ વધતા જઈએ તેમ તેમ તે દૂર ખસતું જાય!

    * * *

    વો બદ-ખ઼ૂ ઔર મેરી દાસ્તાન-એ-ઇશ્ક઼ તૂલાની
    ઇબારત મુખ઼્તસર ક઼ાસિદ ભી ઘબરા જાએ હૈ મુઝ સે (૩)

    [બદ-ખ઼ૂ= ખરાબ સ્વભાવ કે આદતવાળું; દાસ્તાન-એ-ઇશ્ક઼= પ્રેમની વાતો-કહાની; તૂલાની= લાંબી; ઇબારત= લખાણ (Composition); મુખ઼્તસર=  સંક્ષિપ્ત; ક઼ાસિદ= સંદેશાવાહક; ઘબરાના= ભયભીત થવું નિરાશ થવું]

    રસદર્શન :

    આ શેરના ‘બદ-ખૂ’ શબ્દના સીધા અર્થમાં તો ‘વો’ એટલે કે માશૂકાને ખરાબ સ્વભાવ કે આદતવાળી કહેવાઈ છે, પણ ‘માશૂકા કઈ બાબતે તેવી’ એ સમજવા માટે આપણે મિસરાના પાછળના શબ્દોનો સહારો લેવો પડશે. માશૂક કહે છે કે મારે મારી માશૂકાને કહેવાની મહોબ્બતની વાત તો ઘણી લાંબી છે, પણ તેને એ બધું લાંબુંલચક સાંભળવું નાપસંદ હોવાની તેની આદત હોઈ તે મારા પ્રેમનો ઇઝહાર (એકરાર) સંક્ષિપ્તમાં જાણવા માગે છે. માશૂકા પક્ષે વાત પણ સાચી કે તેને મિથ્યા આડંબરયુક્ત શબ્દોના બદલે સારરૂપ ‘I love you’ અને કદાચ તેથીય આગળ વધુ સંક્ષિપ્તમાં ‘Ilu (ઇલુ’) જેવું કંઈક સાંભળી લેવામાં રસ છે. અહીં એક નાજુક ભાવ એ પણ સમજાય છે કે માશૂકાને પેલા પ્રેમના એકરારના શબ્દો જલ્દી સાંભળી લેવાની ઉત્સુકતા છે અને એટલે જ તો તેને પેલા પૂર્વે કહેવાતા અતિશયોક્તિપૂર્ણ શબ્દો નીરસ લાગે  છે.

    હવે મજાની વાત તો શેરના બીજા મિસરામાં આવે છે જે ‘ઇબારત મુખ઼્તસર’ બે શબ્દોમાં સમાયેલી છે. અહીં માની લેવું પડે કે માશૂક તેની માશૂકાની અપેક્ષા મુજબ તેના પ્રેમપત્રમાં સંક્ષિપ્ત લખાણ લખે છે, પરંતુ આની અસર પત્ર લઈ જનાર કાસદ ઉપર તો  વિપરિત થાય છે. કાસદને તો અપેક્ષિત હતું કે તે માશૂકાને પત્ર પહોંચાડવા પહેલાં તેને વાંચી લે અને પત્રમાંના લાંબા લખાણને વાંચી લેવાનો લુત્ફ માણી લે; પણ પત્રમાંના ટૂંકા લખાણથી તે નિરાશ થઈ જાય છે. અહીં કાસદની વિકૃત માનસિકતા સમજાય છે. તો વળી ‘ગભરાના’નો ‘ભયભીત થવું’ કે ‘ડરી જવું’ એવો અર્થ લઈએ તો કાસદને માશૂકનો હિતેચ્છુ સમજવો પડે. કાસદને પત્રનું ટૂંકું લખાણ જોઈને ડર લાગે છે કે ટૂંકા પત્રથી માશૂકા ઉપર ધારી અસર નહિ થાય અને તેથી માશૂકનો માશૂકા પરત્વેનો પ્રેમ વધુ ગાઢ નહિ બને. આ અને આવા બીજા ગ઼ાલિબના શેર ઘણીવાર દ્વિઅર્થી કે અનેકાર્થી બનતા હોય છે, જેમાં આપણે ગ઼ાલિબનું કૌશલ્ય સમજવું રહ્યું.

    (ક્રમશ🙂

    * * *

    ઋણસ્વીકાર:

    (૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

    (૨) http://www.youtube.com વેબસાઇટનો…

    (૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

    (૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

    (૫) Courtesy : https://rekhta.org

    (૬) Courtesy –  urduwallahs.wordpress.com

    (૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

    (૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

    * * *

    શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

    ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 94261 84977

    નેટજગતનું સરનામુઃ

    William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો

     

     

  • એકાણુમી રેંટિયા બારસે ગાંધીજીનો રેંટિયો ‘બારસ’ બની રહ્યો..

    નિસબત

    ચંદુ મહેરિયા

    ‘ સત્યના પ્રયોગો’  અથવા  ‘ આત્મકથા’ માં ગાંધીજીએ તેમનો જન્મ “ સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ ને દિવસે , એટલે સને ૧૮૬૯ના ઑકટોબરની ૨જી તારીખે ”  (પ્રુષ્ઠ-૩)  થયાનું  લખ્યું છે. તેમણે જન્મસ્થળ “પોરબંદર અથવા સુદામાપુરી” જણાવ્યું છે. નેશનલ હોલિ ડે તરીકે સરકારી રાહે ગાંધીજીનો જન્મ દિવસ બીજી ઑકટોબરે મનાવાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે હવે તો તેને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઘોષિત કર્યો છે. પરંતુ ગાંધીજી આત્મકથામાં તેમના જન્મ દિવસ તરીકે ઈસુ વરસના અંગ્રેજી મહિનાની બીજી તારીખને બદલે વિક્રમ સંવત પ્રમાણેના દેશી મહિનાની તિથિને પ્રાથમિકતા આપે છે એટલું જ નહીં જન્મસ્થળ પોરબંદરની સુદામાપુરી તરીકે ઓળખ લખવાનું પણ ચુકતા નથી.

    ગાંધીજીના પિતા દિવાન હતા પરંતુ તેમના માતાપિતાએ તેમના કોઈ સંતાનોનો જન્મ દિવસ કદી મનાવ્યો નહોતો. ગાંધીજીના લેખનમાં તેઓ જન્મ દિવસની ઉજવણી પ્રત્યે ઉદાસીન હોવાની છાપ જરૂર ઉઠે છે પરંતુ વધુ ખણખોદ કરતાં જણાય છે કે જન્મ દિવસની ઉજવણી બાબતે તેમના વિચાર અને આચાર સંમિશ્ર હતા. બીજી ઑકટોબર ૧૯૧૯ના તેમના જન્મની સુવર્ણ જયંતિનો સમારોહ મહિલા સંગઠન ભગિની સમાજે મુંબઈમાં ઉજવ્યો તેમાં તેઓ હાજર હતા અને રૂ.૨૦,૧૦૦ની થેલી અર્પણ થઈ હતી તે સ્વીકારી હતી. તેમની હયાતીમાં તેમના વિરોધ છતાં તેમના જન્મ દિને તેમના પૂતળાં મૂકાયા હતા અને તસ્વીરોના અનાવરણ થયાં હતા. સાથીઓ અને નેતાઓને જન્મ દિનની શુભેચ્છા પાઠવવાનો શિષ્ટાચાર તેઓ અચૂક પાળતા હતા. આજે નેતાઓ ટ્વીટ કરીને જન્મ દિવસની શુભેચ્છા આપે છે. ગાંધીજી ઘણી વાર આ કાર્ય કેબલ મારફત કરતા હતા. આ કેબલ તેમણે રાણી વિકટોરિયા અને કિંગ એડવર્ડ સાતમાને પણ કર્યા હતા !  કેટલાકના જન્મ દિન સમારોહની તેમણે અધ્યક્ષતા પણ કરી હતી. વર્ષગાંઠે જેલમાં અને દેશબહાર પણ રહ્યા છે. જોકે તેમણે અવારનવાર  “ મને મારા જન્મ દિનની ઉજવણીમાં કોઈ રસ નથી. કોઈ પણ બીજા દિવસ જેટલો જ આ દિવસ પણ સારો કે ખરાબ હોઈ શકે છે. જન્મ દિન ખરેખર તો જિંદગીનો એક દિવસ ઓછો થયાના દુ:ખનો દિવસ છે” , તેમ પણ લખ્યું છે.

    જન્મ દિન પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનતા સેવતા મહાત્મા ગાંધી ૧૯૨૩માં ભાદરવા વદ બારસના તેમના જન્મ દિનને ‘ રેંટિયા બારસ ‘  તરીકે ઉજવવા અપીલ કરે તે ન માન્યામાં આવે તેવું છે. પણ આ હકીકત છે. અને તેનું કારણ રેંટિયા કે ચરખા પ્રત્યેનો તેમનો અનન્ય લગાવ છે. દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો નેતા હશે જેણે ગાંધીજીની જેમ ઉત્પાદનના સાધનને ચળવળનું હથિયાર બનાવ્યું હોય !

    ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતના ખાદી કે હાથવણાટના કાપડને બદલે આધુનિક યંત્રોથી બ્રિટનની મિલોમાં તૈયાર થયેલાં સસ્તા કાપડથી ભારતના બજારો ભરી દીધા હતા. તેને કારણે હાથવણાટની પરંપરા અને બજાર બંને નષ્ટ થયા હતા. એટલે તેનું પુનનિર્માણ  ગામને બેઠા કરશે અને ગરીબી ભાંગશે તે બાબતથી ભલીભાંતી વાકેફ મોહનદાસ ગાંધીના દિલોદિમાગમાં તેમણે સાળ કે રેંટિયો જોયા  નહોતા કે તેની વચ્ચેનો ભેદ બરાબર જાણતા નહોતા ત્યારથી છવાયેલા હતા. એટલે જ ૧૯૦૯માં ‘ હિંદ સ્વરાજ ‘ માં તેમણે રેંટિયાનો વિચાર મૂક્યો હતો.

    અમદાવાદના કોચરબ અને સાબરમતી આશ્રમમાં રેંટિયો અને સાળ પહોંચે અને ખાદી જન્મે તે માટે ગાંધીજી આતુર હતા. મગનલાલ ગાંધીને તેમણે હાથવણાટનું કામ શિખવા મદ્રાસ મોકલ્યા હતા અને લાઠીથી રામજીભાઈ બઢિયાને આશ્રમ તેડાવ્યા હતા. ગાંધીજીએ રેંટિયો શોધી કાઢવાનું કામ ‘ મહાસાહસી મહિલા ‘ ગંગાબહેન મજમુદારને સોંપ્યું હતું અને ગંગાબહેને ગાંધીજીના શબ્દોમાં , ‘ દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમ રેંટિયોની શોધમાં સારી પેઠે ભટક્યા પછી ‘   ગાયકવાડના વિજાપુર (હાલના મહેસાણા જિલ્લાનું તાલુકામથક) માંથી મેડે ચડાવી દીધેલો રેટિયો શોધી કાઢ્યાનું ગાંધીજીએ આત્મકથાના ‘મળ્યો’  શીર્ષક હેઠળના પ્રકરણમાં લખ્યું છે.(પૃષ્ઠ-૪૭૫)

    હસ્તચાલિત સાધન રેંટિયાથી રૂની પૂણીમાંથી કાંતીને સૂતર તૈયાર કરવાનું હોય છે. તે પછી સાળ પર વણાટ થાય અને ખાદીનું કાપડ જન્મે. અંગ્રેજોએ તેમની જે સામ્રાજ્યવાદી વિચારસરણી હેઠળ ભારતને આર્થિક રીતે ભાંગી નાંખ્યું હતું તેની સામેનો ગાંધી પ્રતિકાર રેંટિયો હતો. ચંપારણમાં અને બીજે ગાંધીએ મહિલાઓની કંગાલિયત નજરે જોઈ હતી. તેમની ગરીબી ફેડવાનું સાધન રેંટિયો હતું  અને સ્વરાજનું પ્રતીક પણ. આર્થિક આત્મનિર્ભરતાના મજબૂત ઓજારરૂપ ચરખાને ગાંધીજીએ દેશની એકતા, અહિંસા અને સ્વરાજના શક્તિશાળી  હથિયાર તરીકે પ્રયોજ્યો હતો.

    જવાહરલાલ નહેરુ ખાદીને સ્વરાજનો પોશાક કહેતા હતા. મહાસભાએ(કોંગ્રેસે) ખાદી અને રેંટિયાને અપનાવવા ઠરાવો કર્યા હતા. ગાંધીજીના રચનાત્મક કામોમાં તે સામેલ હતા. હિંદુસ્તાનના દરેક ઘરે ચરખાનું સંગીત ગૂંજે એવી મહાત્મા ગાંધીની ખ્વાહિશ હતી. ૧૯૨૧માં કોંગ્રેસ મહાસમિતિએ વીસ લાખ નવા ચરખા બનાવવા અને તેનો આખા દેશમાં ફેલાવો કરવાનું નક્કી કર્યું હતું. ૧૯૨૫માં  અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના થઈ હતી. દરેક લોકો રોજ અડધો કલાક કાંતે તો સ્વરાજ ઢુકડું છે તેવો ગાંધીજીનો સંદેશ હતો. તે પ્રમાણે અમલ પણ થઈ રહ્યો હતો. છેક ડિસેમ્બર ૧૯૨૬થી ગાંધીજીએ વાતો કરતાં કરતાં કાંતવાનું ચાલુ રાખવાની ટેવ પાડી હતી .

    એટલે ગાંધીજી તેમના જન્મ દિવસ સાથે રેંટિયાને જોડે તે સહજ હતું. જોકે સર્વસત્તાધીશ મનાતા ગાંધીની ‘ રેંટિયા બારસ ‘  મનાવવાની અપીલ છેક દસ વરસે અમલી બની હતી. ચંદુલાલ ભગુલાલ દલાલ સંગૃહિત ‘ ગાંધીજીની દિનવારી’ માં  ૧૬મી સપ્ટેમ્બર ૧૯૩૩ ના  દિવસ અંગે લખ્યું છે. “ આજે  તિથિ મુજબ ગાંધીજીની વર્ષગાંઠ. આ દિવસ ‘રેંટિયા બારસ’‘ તરીકે ઉજવવાનું ઘણે ભાગે આજથી શરૂ થયું “   (પૃષ્ઠ ૩૫૭) . ગાંધીજીએ પોતાની વર્ષગાંઠને  ઘણા ગજના સૂતર કાંતવાના અવસરમાં બદલી નાંખ્યો હતો. મગનલાલ ગાંધીએ બીજી ઓકટોબર અને ભાદરવા વદ બારસના દિવસોને સાંકળીને ખાદી સપ્તાહ મનાવવાનું નક્કી કર્યું. ખાદીનું વેચાણ અને ઉત્પાદન વધારવાનો આ ઉજવણીનો હેતુ હતો.. આ સંદર્ભમાં, ‘ મને મારા  જન્મદિવસનું આ પ્રમાણે શોષણ થાય તે મંજૂર છે ‘  તેમ ગાંધીજીએ કહ્યું હતું.

    રેંટિયા કે ખાદીથી સ્વરાજ મળે તે ઘણા દેશા નેતાઓને એ સમયે પણ સ્વીકાર્ય નહોતું. સપ્ટેમ્બર ૧૯૨૫ના ‘ મોર્ડન રિવ્યુ’ માં પ્રગટ કવિ રવિન્દ્રનાથ ટાગોરનો લેખ       ‘ રેંટિયાનો સંપ્રદાય’  અને  ૫ નવેમ્બર ૧૯૨૫ના ‘ યંગ ઈન્ડિયા’ માં ‘ કવિ અને ચરખો’  મથાળે ગાંધીજી આપેલો જવાબ  આ સંદર્ભે નોંધપાત્ર છે.

    આજની એકાણુમી રેંટિયા બારસે સ્વરાજ, ખાદી, એકતા , ભાઈચારો  અને રેંટિયાની હાલત  વિશે વિચારતાં આઝાદી પછીનો  પહેલો અને જિંદગીનો છેલ્લો (ચુમોતેરમો) જન્મ દિન ગાંધીજીએ દિલ્હીમાં મનાવ્યો હતો તે સાંભરે છે. બીજી ઓકટોબર  ૧૯૪૭ના જન્મ પર્વે ગાંધીજીને જન્મદિનની મુબારકબાદી આપવા આવેલાને ભાગલા પછીના કોમી રમખાણો ખાસ નોઆખલી અને દિલ્હીની સ્થિતિ સંદર્ભે ગાંધીજીએ કંઈક એ મતલબનું કહેલું કે આજની સ્થિતિ જોઈને લાંબુ જીવવાની હવે મને કોઈ ઈચ્છા નથી. તમારા જન્મદિનના અભિનંદનને ખરખરો કહેવો મને વધુ યોગ્ય લાગે છે. ૧૧મી ઓકટોબર ૧૯૪૭ એટલે ભાદરવા વદ બારસ,  જીવિત ગાંધીજીની છેલ્લી રેંટિયા બારસના દિવસે ,  તેમણે જન્મ દિવસ ઉજવવાને બદલે ઉપવાસ કર્યો હતો ! સરકારી રાહે મનાવાતા આઝાદીના અમૃતકાળ અને  ગાંધી સપ્તાહના વર્તમાન દિવસોમાં ગાંધી હયાત હોત તો એમનો પ્રતિભાવ શું આના કરતાં લગીરે જુદો હોત ?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ગાયક, સંગીતકાર, નિર્માતા…અને છુપાયેલા કવિ હેમંતકુમાર

    હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ ….  મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.

    આ પુસ્તકમાંની યાદો બહુ બધાં લોકોને પોતાની અંગ્ત યાદો જેવી લાગી છે. શ્રી બીરેનભાઈ કોઠારીએ અંગતપણાના ભાવને વધારે નક્કર શબ્દદેહ આપ્યો. જરૂર જણાઈ ત્યાં પૂરક માહિતીઓ કે ટિપ્પ્ણીઓ ઉમેરીને એ પુસ્તકનાં કેટલાંક પ્રકરણોના તેઓએ મુક્તાનુવાદ કર્યા.

    વેબ ગુર્જરીના વાચકો સાથે એ મુક્તાનુવાદોની લ્હાણ વહેંચવા માટે બીરેનભાઈએ પોતાની એ તાસકને ખુલ્લી મુકી દીધી છે.

    તેમનો હાર્દિક આભાર માનીને આપણે પણ ગુલઝારની યાદોને મમળાવીએ.


    બીરેન કોઠારી

    એક દિવસ રાબેતા મુજબ અમે સૌ હેમંતદાના ખારમાં આવેલા ઘરના મ્યુઝીક રૂમમાં ભેગા થયા. તેઓ એક ઓશિકા પર સહેજ ઝૂકીને હાર્મોનિયમ પર ધૂન વગાડી રહ્યા હતા. એ એમની શૈલી હતી. તેઓ ધૂન વગાડી રહે એટલે સીધા બેસી જતા અને ફરી ઝૂકે એ અગાઉ ગીતની પંક્તિઓ ગાતા. અચાનક એમણે મને પૂછ્યું, ‘ગુલઝાર, તેં ‘દીપ જ્વેલે જાઈ’ જોયું છે?’

    ‘હા, જોયેલું છે, પણ બહુ વખત થઈ ગયો. મને ખાસ યાદ નથી.’

    ‘એને હિન્દીમાં બનાવીએ તો કેવું?’

    ‘એ તો બહુ સરસ, દાદા!’ મને તરત જ એ ફિલ્મમાંનાં સુચિત્રા સેનનાં દૃશ્યો યાદ આવી ગયાં. તેમણે કહ્યું, ‘ચાલો જઈએ.’ અને તરત જ ઊભા થઈને તૈયાર થવા ગયા. એ જ વખતે બેલાદી (હેમંતકુમારનાં પત્ની) રૂમમાં આવ્યાં અને પૂછ્યું, ‘અત્યારે ક્યાં ઊપડ્યા?’

    ‘આસિત આવેલો છે.’ તેમણે જવાબ આપતાં કહ્યું, ‘એ જુહુની હોટેલમાં ઊતર્યો છે. અમે એને મળવા જઈએ છીએ.’ આમ, અમે આસિત સેનને મળવા ગયા અને હેમંતદાએ એમને સીધું જ પૂછ્યું, ‘આસિત, તારી ‘દીપ જ્વેલે જાઈ’ હિન્દીમાં બનાવવા વિશે તને કેમ લાગે છે?’ આસિતે સાવ ઉદાસીન ભાવે કહ્યું, ‘હિન્દીમાં આવી ફિલ્મો કોણ બનાવે, દાદા?’

    ‘હું બનાવીશ. એટલે તો અમે આજે તને મળવા આવ્યા.’

    આસિતદા ક્ષણભર ચૂપ થઈ ગયા અને એ પછી દસ જ મિનીટમાં ઘોંઘાટ ઘોંઘાટ થઈ ગયો, કેમ કે, અમે બધા તીવ્ર ચર્ચામાં ઊતરી પડ્યા કે કાસ્ટિંગ શું હશે, લોકેશન કયું હશે, બજેટ કેટલું અને સ્ક્રીનપ્લે કોણ લખશે. પાછા વળતાં હેમંતદાએ તેમના નજદીકી સહાયક પરિમલને સૂચના આપતાં કહ્યું, ‘તો પછી કાલે ટ્રાયલ શો ગોઠવો, પરિમલ.’ પરિમલે ઠંડકથી કહ્યું, ‘હેમંત, એના માટે આપણે પ્રિન્ટ લાવવી પડે. એ બોમ્બેમાં છે નહીં.’ કળા પ્રત્યે અઢળક પ્રેમ, પ્રતિબદ્ધતા અને પેશન હોય તો જ સમજાવી શકાય કે માત્ર દસ જ મિનીટમાં એક આખી ફિલ્મનો પ્રોજેક્ટ શી રીતે કોઈ નક્કી કરી શકે.

    ‘ખામોશી’નું શૂટ ધામધૂમથી શરૂ થયું, જેમાં વહીદા રહેમાનની મુખ્ય ભૂમિકા હતી. એક દિવસ હેમંતદા સાથે અમે તેમને ઘેર પહોંચ્યા. વહીદાજીને હું રૂબરૂ પહેલી વખત મળી રહ્યો હતો. અને હું શું જોઉં છું! એ એકદમ શ્યામવર્ણી યુવતી છે! પડદે દેખાય ત્યારે ગોરી દેખાય છે! મને સહેજ નિરાશા થઈ, છતાં ‘ખામોશી’ના ગીત ‘હમને દેખી હૈ ઈન આંખો કી મહકતી ખુશ્બૂ’ ગીતના શબ્દો મારા મનમાં ગૂંજવા લાગ્યા. મેં એ ગીત લખેલું અને હેમંતદાએ એની અદ્‍ભુત ધૂન તૈયાર કરેલી. એ પછી જાણે કે બોમ્બ ફેંકતા હોય એમ એમણે ઘોષણા કરેલી, ‘એ ગીત લતા ગાશે.’

    ‘શું વાત કરો છો, હેમંતદા! આ તો એક છોકરો પોતાની પ્રેમિકા માટે ગાય છે. આ કોઈ છોકરી પોતાના પ્રેમી માટે ન ગાઈ શકે.’

    ‘ના, ગુલઝાર! આ લતાને બરાબર બંધબેસે એવું છે.’

    ‘અરે, પણ કેમનું? ગીત એક પુરુષની સંવેદનાઓ વિશે છે. એને કોઈ સ્ત્રી શી રીતે ગાઈ શકે?’

    અમારી અનિચ્છા હતી, પણ હેમંતદા મક્કમ હતા. આખરે અમે એ સમાધાન પર આવ્યા કે ગીતને એક સ્ત્રી રેડિયો પરથી ગાઈ રહી છે. રેડિયો પર કોઈ પણ વ્યક્તિ કોઈનું પણ ગીત ગાઈ શકે. અને નવાઈની વાત એ છે કે, આજ સુધીમાં લતાજીનું ગાયેલું ગીત સાંભળીને કોઈએ ફરિયાદ નથી કરી કે આ ગીત પુરુષનું છે કે સ્ત્રીનું! આવો જાદુ હતો હેમંતદાના સંગીતનો અને એમની નિરીક્ષણશક્તિનો. પણ આ ગીત થકી મને બહુ તકલીફ પડી. આલોચકો કહેવા લાગ્યા- આ ગીત છે કે કવિતા? સુગંધને હાથ વડે શી રીતે સ્પર્શી શકાય? યુવાન ગીતકાર ગુલઝારની બહુ ટીકા થઈ. પણ હેમંતદાની અંદર એક કવિ પણ છુપાયેલો હતો. તેમણે કહ્યું, ‘ગુલઝાર, કોઈ ગમે એ કહે એની ફિકર નથી. તારે શબ્દો બદલવાના નથી.’ કદાચ કેવળ તેમના પ્રોત્સાહનને લઈને જ ‘ગુલઝારીશ’ (Gulzarish) જેવો શબ્દ અસ્તિત્વમાં છે!


    – ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો ‘Actually…I met them’ પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)


    નોંધ: ગુલઝારે ‘ખામોશી’ના જે ગીતનો ઉલ્લેખ કર્યો છે તેના શબ્દો આ મુજબ છે. આ ગીત ન સાંભળ્યું હોય એવા ભાગ્યે જ કોઈ સંગીતપ્રેમી હશે. પણ ગુલઝારે લખેલા સંદર્ભે હવે નવેસરથી તેના શબ્દોની મજા આવશે.

    हम ने देखी है उन आँखों की महकती खुशबू
    हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो
    सिर्फ़ एहसास है, ये रूह से महसूस करो
    प्यार को प्यार ही रहने दो कोई नाम न दो
    हम ने देखी है उन आँखों की महकती खुशबू
    हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो
    हम ने देखी है …

    प्यार कोई बोल नहीं, प्यार आवाज़ नहीं
    एक खामोशी है, सुनती है, कहा करती है
    ना ये बुझती है, ना रुकती है, ना ठहरी है कहीं
    नूर की बूँद है, सदियों से बहा करती है
    सिर्फ़ एहसास है ये, रूह से महसूस करो
    प्यार को प्यार ही रहने दो, कोई नाम ना दो
    हम ने देखी है उन आँखों की महकती खुशबू
    हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो
    हम ने देखी है …

    मुस्कुराहट सी खिली रहती है आँखों में कहीं
    और पलकों पे उजाले से छुपे रहते हैं
    होंठ कुछ कहते नहीं, काँपते होंठों पे मगर
    कितने खामोश से अफ़साने रुके रहते हैं
    सिर्फ़ एहसास है ये, रूह से महसूस करो
    प्यार को प्यार ही रहने दो, कोई नाम ना दो
    हम ने देखी है उन आँखों की महकती खुशबू
    हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो
    हम ने देखी है …

    આ ગીતનું ફિલ્માંકન અહીં જોઈ શકાશે, જે સ્નેહલતા પર કરવામાં આવ્યું છે.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • બીજી ઓક્ટોબર કે’દીની ગઈ, પણ રેંટિયા બારસ તો હજી અગિયાર ઓક્ટોબરે જ ગઈ

    તવારીખની તેજછાયા

    ‘નેહરુ પછી કોણ’ એ પ્રશ્નના સંભવિત ઉત્તરોમાં જયપ્રકાશનું નામ લેવાતું રહ્યું, ને અંતકાળે ઉભર્યા એ ‘ગાંધી પછી કોણ’ના જવાબમાં…

    પ્રકાશ ન. શાહ

    બીજી ઓક્ટોબરનાં ઉજવણાં આછર્યાં ન આછર્યાં, સરકારી શોર શમ્યો ન શમ્યો ત્યાં વલસાડના ગાંધી વિચાર મંચ તરફથી આજે અગિયારમી ઓક્ટોબરે રેંટિયા બારસ નિમિત્તે સંમેલનના સમાચાર છે. જેમ મીરાંને રામ રમકડું, ગાંધીને તેમ રેંટિયો જડ્યો હતો. વ્યક્તિગત ઉજવણાંથી પરહેજ કરનાર એણે રેંટિયા જોડે જોડાવામાં સાર્થકતા જોઈ હતી.

    ‘જોડાવું’ અને ‘સાર્થકતા’ એ બેઉ શબ્દો મેં અહીં સાભિપ્રાય મૂક્યા છે. માર્ક્સવાદપૂર્વ માર્ક્સની ચાલના સંભારો. એની દાર્શનિક છટપટાહટની પૂંઠે એક ધક્કો એ હતો કે માણસ પોતાને વિખૂટો પડેલો, કપાયેલો સમજે છે એવું કેમ. જરી ઉતાવળે, કંઈક જાડી રીતે કહીએ તો કૃષિ સમાજમાંથી જે યંત્ર ઔદ્યોગિક સભ્યતામાં આપણે આવ્યાં- ‘ફ્રોમ ફાર્મ ટૂ ફેક્ટરી’ એ જે સંક્રાન્તિ થઈ એમાં ઉત્તરોત્તર સંકુલ બનતા જતા સમાજમાં આપણા કામ જોડે સહજ સંબંધ છૂટતો ગયો.

    બધું જ વાયા વાયા ને દ્વૈતીયિક. એસેમ્બલી લાઈન ચાલે ત્યાં વ્યક્તિગત કામદાર સામે પૂરું ચિત્ર ક્યાંથી હોય. તમે તમને છૂટા પડી ગયેલા અનુભવો. રેંટિયાના અર્થકારણની વાત પળભર છોડો, પણ એની સાથે જોડાતાં, તમે ‘એલિયેનેટેડ’ મટી જાઓ છો. (ઉમાશંકરે ‘ગોષ્ઠી’માં રેંટિયાનો જે આનંદ પ્રગટ કર્યો છે તે આ સંદર્ભમાંયે જોવા જેવો છે.)

    વળી, માર્ક્સ પાસે જઈશું જરી? એના અભિન્નસખા લેખે એન્ગલ્સનું નામ ઈતિહાસપ્રતિષ્ઠ છે. આ એન્ગલ્સે લંડન સ્લમ્સનો અચ્છો અભ્યાસ કીધો છે. ખુલ્લા ખેતરાઉ મલકમાંથી આવી કારખાને કેદ અને સાંકડી અસૂર્યપશ્યા ચાલોમાં ઘોલકાતાં જીવતરની એ અનવસ્થા માટે એન્ગલ્સે કરેલો મર્મવેધી પ્રયોગ ‘અનફીલિંગ આઈસોલેશન’- લાગણીહીણા એકાકીપણાનો છે.

    વિખૂટાપણા કે અનાત્મીકરણ કહેતાં ‘એલિયેનેશન’ના ખયાલે પરિચાલિત માર્ક્સની તાત્ત્વિક શોધ અને એન્ગલ્સ પ્રકારના અભ્યાસમાંથી મળતું વાસ્તવિક ચિત્ર મળીને આપણી સામે એક વિચારવલણથી માંડીને દર્શન શી શક્યતા લાવે છે. સંકુલસમાજના આ વાસ્તવ સામે ગાંધીની મથામણ સરલ, મુખોમુખ સમાજ વાસ્તે છે.
    લાંબી ચર્ચામાં જવાનો અહીં આશય અલબત્ત નથી. માત્ર બીજી ઓક્ટોબરમાં સમાતી ચાલેલી ગાંધી જયંતી, ક્યાંક ક્યાંક હજીયે રેંટિયા બારસ રૂપે શ્વસતી ને ધબકતી માલૂમ પડે છે એવા એક સહજ કૌતુક સાથે બીજા પણ એક જોગાનુજોગ નિમિત્તે થોડીકેક નુક્તેચીની કરવી છે. આ જોગાનુજોગ ભાદરવા વદ બારસને દહાડે અગિયારમી ઓક્ટોબરનો એટલે કે જેપી જયંતીનો છે.

    ઓગસ્ટ ક્રાંતિના વીરનાયક લેખે ઉભરેલા જયપ્રકાશ સ્વાતંત્ર્યોત્તર વરસોમાં ઉત્તરોત્તર પક્ષીય રાજકારણથી પરહેજ કરતા ગયા અને એક અર્થમાં કદાચ ખોવાઈ ગયા ને પછી પાછા ઝળક્યા તે ૧૯૭૪ – ૧૯૭૭માં બીજા સ્વરાજના વીર સેનાની તરીકે.

    વચલાં વરસોમાં એ ક્યાં હતા- બલકે, ક્યાં ક્યાં નહોતા! મુખ્યત્વે, અલબત્ત ભૂદાન આંદોલનમાં. અને, વિનોબાએ એક દીનહીન દલિત બાંધવને જમીન અપાવવાથી શરૂ કરેલ આંદોલનના વિરાટ સ્વરૂપમાં જયપ્રકાશ પૂરેવચ ખૂંપેલા સહભાગી હતા. એક તબક્કે ભૂદાન યજ્ઞે ભૂમિહીનો સારુ સુલભ કરેલ જમીનનો આંક સરકારોએ ટોચમર્યાદા હેઠળ કરેલ જમીન સંપાદનને વટી ગયો હતો તેમ શ્રીમન્નારાયણ આદિએ નોંધ્યું પણ છે. ક્યાંક ક્યાંક તો ગ્રામદાનને વટીને જિલ્લાદાન સુધી વાત પહોંચી હતી.

    સાંભળ્યા તો ઘણી વાર હશે, પણ જયપ્રકાશના એ કથિત બિયાવ્યાં વરસોમાં પહેલ પ્રથમ રૂ-બ-રૂ મળવાનું થયું તે 1966ના જુલાઈમાં, આપણા એકાંકીકાર ને એક કાળના ધારાસભ્ય જયન્તિ દલાલને ત્યાં. રવિશંકર મહારાજ (૮૨), ઉમાશંકર જોશી (૫૫)થી પ્રકાશ (૨૬) એમ આઠ-દસ મિત્રો હોઈશું. આપણે રાજ્યશાસ્ત્રના નવાસવા અધ્યાપક એટલે લગીર અદકપાંસળા પણ ખરા. જેપીને પૂછી પાડ્યું કે જ્યાં જિલ્લાદાન થયું (જેમકે કોરાપુટ) ત્યાં કોઈ રાજકીય સૂરતમૂરત બદલાઈ છે, કોઈ પ્રજાસૂય કિરણો વરતાય છે.

    જયપ્રકાશે સહજ સરળ શબ્દોમાં કહ્યું કે કોઈ અભ્યાસ થયો નથી. બિલકુલ નિખાલસ જવાબ હતો, પણ મને કેમ એ કંઈ અન્કન્સર્ડ લાગતા હશે? અતિસ્નેહ પાપશંકી? અત્યંત પ્રેમાદરવશ મારી અપેક્ષા સામે સરળ ઉત્તર ઊણો ઊણો લાગતો હતો. થયું, સન બયાલીસના વીરનાયક ક્યાં?

    જોકે એ બધાં વર્ષો સતત સક્રિયતાનાં ચોક્કસ હતાં. કાશ્મીર ને નાગાલેન્ડમાં ઠેકાણું પડ્યું એમાં એ ગાળાના જયપ્રકાશની કામગીરીનો ખાસો હિસ્સો હતો. બીજું પણ એમને નામે જમે બોલે છે- એમાં પણ ખાસ તો એક વરસના આરામનો સંકલ્પ છોડીને મુસહરીના અંતરિયાળ પંથકમાં ખૂંપીને ન્યાયકારી સહભાગી વિકાસ વાસ્તે મથવાનું થયું, અને બાંગ્લાદેશની મુક્તિ માટે વિશ્વમત કેળવવાનું થયું, એ એમના સાર્વજનિક જીવનનાં સોનેરી પાનાં બની રહેશે.

    તો, એમણે છોડ્યું’તું એ રાજકારણ રાજકીય પક્ષોની સત્તામારીનું જરૂર હતું, પણ પબ્લિક અફેર્સથી વ્યાપક અર્થમાં એમણે કદી કિનારો કર્યો ન હતો. સીધું પડવા જેવું લાગ્યું ત્યારે પણ વ્યક્તિગત સત્તાથી ઉફરાટે પરિવર્તનની રાજનીતિનો ધક્કો હતો. જ્યારે જોયું કે તળ રચનાકાર્ય પર સ્થાપિત સત્તા સવાર થઈ જાય છે, અને હવે તો એક અધિનાયકવાદી રુખ વરતાય છે ત્યારે એમણે સંપૂર્ણ ક્રાંતિના અભિગમ સાથે રાજકીય મોરચો ખોલ્યો. થયું, સન બયાલીસના વીરનાયક હાજરાહજૂર છે.

    વિનોબાએ સર્વ સેવા સંઘમાં સરસ કહ્યું હતું કે ગંગા (રચનાકાર્ય) હો કે બ્રહ્મપુત્રા (રાજકારણ) આપણ સૌને પસંદગીનો અખત્યાર છે. પણ વાત બની નહીં, કેમ કે જયપ્રકાશ હવે રચનાકાર્ય અને રાજનીતિના અનુબંધ વાટે વ્યાપક પરિવર્તનની લડાઈમાં હતા. હવે એ ગોઆલંદોના એ સંગમતીર્થે હતા જ્યાં ગંગા ને બ્રહ્મપુત્રા બેઉ મળી પદ્મા રૂપે વિરાટ બની વિલસે છે.

    નેહરુ પછી કોણ, વારંવાર પૂછાતું હતું અને જવાબમાં જયપ્રકાશ વખતો‌વખત ઝળકતા. જોકે, જયપ્રકાશ, ચોક્કસ અર્થમાં, ગાંધી પછી કોણ એ પ્રશ્નનો ૧૯૭૪ – ૭૭નો ઉત્તર હતા, અને એના અનુસંધાનમાં આજનો ધ્રુવતારક પણ.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૧ – ૧૦ – ૨૦૨૩ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

     

  • પ્રસિદ્ધિ

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    એક ઘટના વારંવાર વાંચવામાં કે સાંભળવામાં આવતી. વિમાનમાં એક ખૂબ જ પ્રખ્યાત અભિનેતાની બાજુમાં એક મોટા ઉદ્યોગપતિ બેઠા હતા. પેલા અભિનેતાએ ઉદ્યોગપતિને કહ્યું કે આપ તો મને જાણતા જ હશો, હું ફલાણો ફલાણો અભિનેતા છું. પરંતુ  ઉદ્યોગપતિએ જવાબમાં કહ્યું કે માફ કરજો હું આપને ઓળખતો નથી અને આપનું નામ પણ કદી સાંભળ્યું નથી. અહીં અભિનેતાને બદલે કોઇ જાણીતા ક્રિકેટર કે અન્ય કોઇ મોટી હસ્તીનું નામ અને બીજા કોઈ મોટા ઉદ્યોગપતિનું નામ લખીને પણ વાત કરી શકાય છે, મૂળ હેતુ તો પોતાની પ્રસિદ્ધિમાં રાચતી કોઈપણ જાણીતી હસ્તીને નહિ જાણતા લોકો પણ હોય છે એમ જણાવવા ઉપરાંત પેલી જાણીતી હસ્તીનો અહમ ઘવાયો હશે તેવી કલ્પનાનો આનંદ લેવાનો જ  છે.

    પ્રસિદ્ધિની ઝંખના નાનામોટા દરેકને હોય છે. પરંતુ માંડમાંડ પોતાનું પેટિયું ભરતા માણસને ‘કોઠીમાં જાર’ નામે ઓળખાતું અને મેરિટમાં બીજા નંબરનું સુખ કહેવાય છે તે પ્રાપ્ત થાય ત્યાં સુધી પોતાની  પ્રસિદ્ધ થવાની મનોકામના સુષુપ્ત અવસ્થામાં રાખવી પડે છે. આથી જ કહેવાય છે કે માણસને સંપત્તિનું સુખ મળ્યા પછી તેનો ડોળો  કીર્તિ પર જાય છે. કીર્તિ મેળવવા માટે વધારે લોકોમાં તે પ્રસિદ્ધ થાય તે જરૂરી છે. ક્યારેક પ્રસિદ્ધિ અને કીર્તિ એકરૂપ બની જતા હોય છે.

    મહાન હાસ્યલેખક જ્યોતિ‌ન્દ્ર દવેએ એક પ્રસંગ લખેલો છે. તેમના એક જૂના મિત્ર તેમના ઘરે પહેલી જ વખત આવવાના હતા. પોતે એક મોટા લેખક હોવાથી જ્યોતિ‌ન્દ્ર દવેને એવો ખ્યાલ હતો કે  મુંબઈ શહેરમાં અને ખાસ કરીને તેમના વિસ્તારમાં તો બધા તેમને જાણતા જ હશે. લોકભાષામાં કહીએ તો નાનું છોકરુંય તેમનું ઘર બતાવી શકે. આથી મિત્રને તેમણે જણાવેલું કે મારું ઘર શોધવામાં તમને તકલીફ નહિ પડે. અમારા વિસ્તારની કોઇપણ વ્યક્તિને તમે પૂછશો કે પેલા હાસ્ય લેખક  દવે ક્યાં રહે છ?  તો તે તરત આપને મારા ઘર સુધી દોરી જશે.

    પરંતુ પેલા મિત્રને અનુભવ થયો કે જે તે વિસ્તારમાં તો ઠીક, જ્યોતિ‌ન્દ્ર દવેને તેમનાં પોતાનાં બિલ્ડીંગમાં પણ  કોઈ ઓળખતું ન હતું!

    જો કે આપણા એ હાસ્ય લેખકે તો રમૂજમાં આ વાત કરી હતી. પણ ઘણાખરા લોકોને   પ્રસિદ્ધ થવાની ઝંખના હોય છે. માત્ર એટલું જ નહિ પોતે કેટલા પ્રસિદ્ધ છે તે જણાવવા આતુર હોય છે.  જ્યાં કોઇપણ પ્રકારનો લાભ થવાની શક્યતા જ ન હોય તેમાં મનુષ્યને પ્રસિદ્ધ થવા માટેની ઝંખના કેમ હશે તે સમજાતું નથી. કોઇ માણસને વધુ ને વધુ માણસો જાણે તો તેથી તેને થતા આનંદનું રહસ્ય મનોવૈજ્ઞાનિકોએ શોધવું રહ્યું.

    કોઇ વ્યક્તિને થોડા લોકો જાણે કે વધારે તેથી તેમની ભૌતિક કે આધિભૌતિક સ્થિતિમાં શું ફરક પડે છે તેનો ખ્યાલ નથી આવતો. વળી ચોક્કસ કેટલી સંખ્યામાં લોકો જાણે તો પ્રસિદ્ધ થયા કહેવાય તેવો કોઈ માપદંડ હજુ સુધી શોધાયો નથી.

    છાપામાં કોઇ સામાયિકમાં પોતાનું નામ છપાય તેથી થતો આનંદ પ્રસિદ્ધિનાં કુળનો હરખ છે.  મારા એક મિત્ર  નવાસવા લેખક બની બેઠા છે. કોઇ એક સામાયિકમાં એટલે કે પ્રિન્ટ મિડિયામાં સૌ પ્રથમ તેમનો એક લેખ પ્રસિદ્ધ થયો. આ બાબતે વધામણી કરતો તેમનો ફોન એક સવારે મારા મારા પર આવ્યો.

    .”આ મહિનાનું ‘સાહિત્યવાટિકા’ તમે વાંચ્યું?”

    “આવા કોઇ સામાયિકનું નામ પણ  મેં સાંભળ્યું નથી”

    “શું ભલા માણસ, મારી વાર્તા જેમાં છપાઈ છે તે સામાયિકનું નામ પણ તમે જાણતા નથી? તમે કેવા મિત્ર છો?”

    મેં દિલગીરી વ્યક્ત કરીને મિત્રને આશ્વસ્ત કરતા જણાવ્યું ”હું કોઇની પાસેથી મંગાવીને વાંચી લઈશ.” પછી તેમને પુરસ્કાર કેટલો મળ્યો તેમ પૂછતા તેમણે જણાવ્યું. “કોઇ સામાયિકમાં આપણું નામ છપાય તે કાંઈ ઓછો પુરસ્કાર છે!” આ રીતે તેમને કોઈ પુરસ્કાર મળ્યો નથી એ વાત બીટવીન ધ લાઈન જણાવી દીધી.

    પછીથી  મેં તે સામાયિક મેળવવા ઘણી જગ્યાએ તપાસ કરી. પરંતુ ક્યાંયથી મને મળ્યું નહિ.

    પરંતુ મિત્રે  કહ્યું કે ચિંતા ન કરો. મેં મિત્રો માટે વીસેક નકલો ખરીદી લીધી છે. તમને પણ  હું મોકલી આપીશ.

    આમ કોઇ કૃતિ માટે પુરસ્કારની આશા તો એક બાજુએ રહી પરંતુ  માત્ર ને માત્ર પોતાનું નામ છપાય તેથી કૃતાર્થ થઈ શકાય છે, પોતાને મળેલી આ સિદ્ધિની જાણ વધુ ને વધુ લોકોને થાય તે માટે ગાંઠના પૈસા ખર્ચીને પણ પ્રસિદ્ધ થઇ શકાય છે. આ જ પ્રમાણે ધન ખર્ચીને કોઇ સંસ્થા કે સભાના પ્રમુખ બનવાનો હેતું પણ પ્રસિદ્ધિનો જ હોય છે.

    ઉપર દર્શાવેલા ઉપાયો વડે સામાન્ય જનતાને પ્રસિદ્ધ થવું મુશ્કેલ હોય છે. આથી તેઓ યાત્રાધામામાં કે કોઇ પ્રવાસના સ્થળે પોતાના નામો લખીને કે કોતરીને ‘કીર્તિ કેરા કોટડા’ ઊભા કરવાના ઉપાયો અજમાવતા હોય છે.

    પ્રસિદ્ધ થવાની ઝંખનાથી હું પોતે મુક્ત નથી. એક જ બિલ્ડિંગમાં મેં સળંગ દસ વર્ષ નોકરી કરી અહીં બહુ જ ઓછા લોકો મને ઓળખતા હતા તેની જાણ તો હતી જ, પરંતુ એક દિવસે મારા માટે  એક કરુણ બનાવ બન્યો. તે  દિવસે હું સ્ટાફ માટેના સાયકલ સ્ટે‌ન્ડ પર મારી સાયકલ મૂકવા જતો હતો તે સમયે ત્યાંના વોચમેને મને એમ કહીને રોક્યો કે આ જ્ગ્યા તો સ્ટાફના લોકો માટે છે. તમે અહીં સાયકલ મૂકી શકો નહિ! પછી મેં મારી ઓળખાણ તો આપી. પરંતુ  મને આઘાત તો બહુ મોટો લાગ્યો. હું કોઇ જૂના જમનાના રાજાની જેમ વેશપલ્ટો કરીને તો આવ્યો ન હતો કે મને દરવાન ઓળખી ન શકે. પરંતુ મિત્રોએ આ માટે મારાં વ્યક્તિત્વને જવાબદાર ગણ્યું. પરંતુ મનોમન નિશ્ચય કર્યો કે કોઈપણ ઉપાયે વધુ ને વધુ લોકો મને ઓળખે તેવા ઉપાયો અજમાવવા. જો કે કોઇ  હજુ સુધી કોઈ  ઉપાય કારગત નીવડ્યો નથી.

    એવામાં ફેસબુક જેવા સોશિયલ મિડિયાનો પાદુર્ભાવ દેશમાં થયો. અહીં નવાનવા મિત્રો બનાવીને  તેમજ જેવા પણ આવડે તેવા લખાણ લખીને તેમનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો. અહીં પણ નિરાશ થવાના યોગ હતા. ફેસબુકના કોઇ મિત્ર રૂબરૂ મળે ત્યારે તો એમ જ કહેતા ”ઓળખાણ ન પડી તમારી”.  કેટલાક મિત્રોના અનુભવે એવો ખ્યાલ આવ્યો કે ફેસબુક પર પ્રસિદ્ધ થવા માટે પોતાના ફોટા  મૂકવા જોઈએ. જો બુઢ્ઢા થઈ ગયા હોઈએ તો યુવાનીનો ફોટો મૂકવો જોઈએ. એથી મેં મારા જૂના  જમાનાના શ્વેતશ્યામ ફોટા ફંફાસ્યા. પરંતુ એ તો જાણે મારા એક્ષ રે હોય  તેવા  લાગ્યા. એક મિત્રે સલાહ આપી કે બ્યુટી પાર્લરમા  બારાબર તૈયાર થઈને એક નવો જ ફોટો પડાવો. બ્યુટી પાર્લરવળા ભાઈએ કહ્યું  “આ વદન જે આકૃતિને પામ્યું છે તે જોતા જગતમાં કોઇ તેને સુંદર બનાવી શકે તેમ નથી. એક કામ કરો, પ્લાસ્ટિક સર્જરી કરાવો”. પ્લાસ્ટિક સર્જરીના નિષ્ણાતે પ્રયાસ કરવાનું સ્વીકાર્યું પણ ગેર‌ન્ટી આપવાની ના પાડી. આખરે મને લાગ્યું કે તસવીરવાળી યુક્તિ કામ નહી લાગે આથી બીજું કશું વિચારવું જોઈએ અને હજુ એ વિચારણા ચાલુ જ છે.

    મારી  એ વિચારણાને સમાંતર બીજી એક વિચારણા પણ ચાલુ છે. માણસને જાણીતા થવાનો ધખારો કેમ થતો હશે? શાસ્ત્રો અને ઉપદેશકોએ ભલે પ્રસિદ્ધ થવાની લાલસાને લોકૈષણા કહી હોય પરંતુ એ લોકૈષણાના મૂળ માણસનાં સામાજિક પ્રાણી હોવામાં છે. મારા અસ્તિત્વને કોઇ માન્યતા આપે તેથી જ મને મારા હોવાપણાની ખાતરી થાય છે. વધારે ને વધારે લોકો મારા અસ્તિત્વને માન્યતા આપે તેને જ આપણે પ્રસિદ્ધિ કહીએ છીએ. અને જીવન બીજું છે પણ શું? જેમ કોઇ પ્રવાસના સ્થળે જઈ આવ્યાની  જાણ વધુ ને વધુ લોકોને થાય તેવા પ્રયાસો  કરીને પ્રવાસને સાર્થક બનાવીએ છીએ તે રીતે આ પૃથ્વીના આપણે પણ પ્રવાસી છીએ તેની જાણ વધુને વધુ લોકોને થાય તેમાં જં આપણા જીવનની સાર્થકતા છે, ઇતિ મે મતિ.


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.