વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • રિટર્ન ગિફટ

    વસુધા ઈનામદાર

    વહાલા ડૅંડી

    તમારી દૈહિક ગેરહાજરીને આજે પંદર વર્ષ થયાં. હું ત્યારે દસ જ વર્ષની હતી. એ ગોજારો દિવસ મને આજે પણ અકબંધ યાદ છે. આપણે બંને જણાં મારી બર્થ ડે પાર્ટીનું શોપિંગ કરવા જતાં હતાં, એ વરસાદી સાંજ હતી. મમ્મી આપણને ન જવા માટે મનાવી રહી હતી, પણ તમે ને હું શોપિંગ કરવાના મૂડમાં હતાં.

    તમે મમ્મીને મનાવવાના સૂરમાં કહ્યું હતું, “જો તારે ના આવવું હોય તો તું ના આવીશ, પણ મારી આ દીકરી માયા, મારી પરી.દસ વર્ષની થવાની ને એનું બર્થ ડે સેલિબ્રેશન તો એવું કરીશું કે બધાં જોતાં રહી જાશે. એ ધોધમાર વરસતો વરસાદ બંધ થતા જ, તમે ને હું નીકળી પડયાં. હજી તો માંડ વીસેક મિનિટનું ડ્રાઇવિંગ કર્યું હશે ને બાજુમાંની લેનમાંથી બેકાબૂ થયેલી ટ્રકે આપણી કારને ટક્કર મારી! જ્યારે હું ભાનમાં આવી ત્યારે આપણે હૉસ્પિટલમાં હતાં! મને ખાસ વાગ્યું નહોતું, પણ તમને માથામાં ઇજા થઈ હતી. ચાર દિવસ ડૉક્ટરે કરેલા બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. કોઈ તમને બચાવી શકયાં નહીં. જ્યારે પણ હું તમારી રૂમમાં આવતી ત્યારે તમારી નજર જાણે મને પૂછતી, ” બેટા, તું સહી સલામત છે ને ?” તમારી કરુણા વેરતી દૃષ્ટિ જ જાણે મારું કવચ બનીને મને સલામત રાખી. તમારી સાથેની એ અંતિમ ક્ષણો અમારાં સહુ માટે આશા -નિરાશાનું ભયંકર રોલર કોસ્ટર હતું.

    ડેડી ,મને યાદ છે હું નાની હતી ત્યારે તમે મને તમારા સ્ટેથસ્કોપથી તમારા કે મારા હૃદયનાં ધબકારા સંભળાવતા . ક્યારેક એ સાંભળવા મારા કાન સરવા થઈ જતા. કેટલી વાર મેં મારા કાન તમારી છાતી પર દબાવીને એ ધબકાર સાંભળ્યા છે. તમે કહેતા, “હું તમારા હૃદયનો ધબકાર છું.”

    ડૅડી એ સ્પર્શ, એ ઘબકાર મારા જીવનની સુવર્ણમય ક્ષણો હતી. એ પિતૃવાત્સલ્યની અમૂલ્ય ભેટ મેં મારા અંતરમા હજી સુધી જાળવી રાખી છે. હૉસ્પિટલમાં તે દિવસે હું તમારી રૂમમાં આવી હતી, મેં હળવેથી મારા કાન તમારી છાતી પર મૂક્યા તમારા ધીમા થઈ રહેલાં હાર્ટબીટ સંભળાવવામાં મને મમ્મીએ અને ડૉકટરે મદદ કરી હતી. તમારા એ ધબકારનાં ધાગા મારી જીવાદોરી બની છે. તમારા ગયા પછી મારી કોઈ બર્થ ડે મેં મમ્મીને ઉજવવા નથી દીધી. તમારી સાથે વિતાવેલી એક દાયકાની સ્મૃતિઓ વાગોળવાનો એ દિવસ, પણ મારી તેરમી વર્ષગાંઠને દિવસે મારી ઉદાસીનતાને દૂર કરવા મમ્મીએ એક સરસ મજાનું લાલ વેલ્વેટનું હાર્ટ આપ્યું.   તે મારી નજીક બેસીને બોલી ,” માયા, તું કલ્પના કર કે આ તારા ડેડીનું હાર્ટ છે….એની પર લખ, ‘આઈ લવ યુ ડૅંડી.’ હું મમ્મીને વિચિત્ર નજરે જોઈ રહી, મને થયું કે તે ગાંડી થઈ ગઈ છે!

    મમ્મી મને મનાવતી હોય તે રીતે બોલી, “જો તું તારા સુંદર હસ્તાક્ષરથી આ હાર્ટ ઉપર મેં કહ્યું તે પ્રમાણે લખીશ તો હું તને બર્થ ડે સરપ્રાઇઝ આપીશ”.

    માનું મન રાખવા મેં એ પ્રમાણે લખ્યું.

    મારા આશ્ચર્ય વચ્ચે તે બોલી ,”માયા, આ તારા હસ્તાક્ષરથી લખેલું વેલ્વેટનું હાર્ટ લે, ને મારી સાથે ગાડીમાં બેસ.”

    મેં કહ્યું, “મમ્મી, તું ભૂલી ગઈ કે ડેડીના ગયા પછી હું તારી સાથે ગાડીમાં નથી બેસતી, કેમ કે મને હંમેશા ડર રહે છે કે આપણને અકસ્માત થાય ને તું પણ પપ્પાની જેમ મને મૂકીને જતી  રહે તો?”

    મમ્મીએ મને સમજાવીને બહુ મોટી સરપ્રાઇઝની લાલચ આપી. મમ્મીએ આપેલું હાર્ટ હાથમાં લઈને હું ડરતી ડરતી ગાડીમાં બેઠી. ગાડીમાં બેસીને હું તમારા વિશે વિચારતી રહી, ડૅડ મને યાદ આવ્યું કે હું ને તમે પકડદાવ રમતાં. હું તમને ખૂબ દોડાવતી પછી તમે મને ઝટ દઈને પકડીને ઊંચકી લેતા ને વહાલથી હૃદયસરસી ચાંપી દેતા. હું પણ તમને વળગીને ચૂપચાપ તમારા હૃદયનાં ધબકાર સાંભળતી! ધક્‌ ધક્‌ , ઘક્‌ ધક્‌!! તમારા વિશે વિચાર કરવામાં સમય ક્યાં નીકળી ગયો ને એકાદ કલાકમાં તો અમે સરસ મજાના નાનકડાં મકાન આગળ આવ્યાં.

    ત્યાં અમને એક સુંદર યુવતીએ આવકાર્યા, ને સરસ મજાનું હુંફાળું ‘હગ’ આપીને અમને બેસાડ્યા. ને હળવા સાદે તે બોલી ‘ ડૅડ તમને મળવા કોઈ આવ્યું છે.’ તમારા કરતા ઉંમરમાં થોડાક મોટા એવા એક ઉમદા માણસે પણ હસીને અમારું સ્વાગત કર્યું. અમે એકબીજાના ખબરઅંતર પૂછયાં. મને ત્યારે જ ખબર પડી કે મમ્મી એમને ઓળખતી હતી.

    મમ્મીએ કહ્યું, “માયા,તારી સાથે તું જે લાવી છે તે તું એમને આપ.”  હું આશ્ચર્યથી મમ્મીને જોઈ રહી. મમ્મી બોલી, “તારા ડૅડીનું હૃદય આ અંકલને આપ્યું છે.”  હું અંકલની પાસે દોડી ગઈ. એમણે મને તમારી જેમ હદયે ચાંપી. મેં મારા વહાલસોયા પિતાના હૃદયની ધકઘક સાંભળી, મારી આંખમાંથી આંસુ સરી પડયાં સુખના કે દુઃખનાં ખબર ના પડી!

    ત્યારે મને સમજાયું નહોતું કે હું ખુશ હતી કે નાખુશ? પણ, હું એવું કાંઈક વિચારું તે પહેલાં એમની મોટી દોકરીએ કહ્યું, “આઈ એમ સો સૉરી ફોર યૉર લોસ,બટ યોર ! ફાધર ગેવ મી એ ગિફટ ઓફ માય ડૅડ. જો તમે એમનું હૃદય ડોનેટ ન કર્યું હોત તો આજે હું અને મારી અપંગ બહેન અનાથ હોત, વર્ષો પહેલાં અમારી માને અમે ગુમાવી દીધી છે.”

    હું કશું કહું તે પહેલાં એમની નાની દીકરી વીલ ચેરમાં આવીને મને અને મમ્મીને થેંક્યુ કહીને રડવા લાગી! મારાથી પણ મમ્મીને થૅકયું કહેવાઈ ગયું. તમે અંકલના હૃદયસ્થ છો જાણ્યા પછી તમારા હૃદયની ધક્‌ ધક્‌ સાંભળવા મારું મન ઘેલું બની જતું. સુખ દુઃખની અશબ્દ લાગણીથી હું ભીંજાઈ જતી! મારી અને તમારી ઘણી વાતો મમ્મીએ એમને કરી હશે એટલે જ કદાચ તેઓ જ્યારે હું એમને મળવા જઉં ત્યારે હળવેથી મારું માથું તમારા હૃદય પર મૂકતા. એ હૃદયની ધક્‌ ધક્‌ જાણે મને પૂછતી,  “માયા તું સલામત છે ને?”

    આજે એ વાતને વર્ષો થઈ ગયા. એમની દીકરીઓ હવે મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ છે. અંકલ પણ મારા, ‘દોસ્ત ડૅંડ’ બન્યા છે. હું મારી બર્થ ડેના દિવસે એમને મળવા અચૂક જઉં છું  ને ફાધર્સ ડેનું કાડ ભૂલ્યાં વગર મોકલું છું. એમણે મને એક દિવસ કહ્યું ,”તું તારા પિતા વિશે વાત કર.” મેં એમને કહ્યું, “મારા પિતાએ મને જીવન આપ્યું છે. મારા પર અગણિત સ્નેહ વરસાવ્યો. તેઓ મારી દૃષ્ટિએ ખૂબ શક્તિશાળી ને કરુણાવંત હતા. હી વૉઝ માય સ્ટાર એન્ડ હી વૉઝ માય સુપર હીરો!!”

    અમે પહેલી વાર મળ્યા પછી હૃદય પિતા તરફથી સુંદર પત્ર આવ્યો હતો. તેમણે લખ્યું હતું, “તારા પિતાની વહાલી દીકરી,  હું ભલે તારો જન્મદાતા નથી, પણ તારા પિતા મારા પુનર્જન્મદાતા છે એ વાત હું ક્યારેય નહી ભૂલું! હું મારી બે દીકરીઓનો તો પિતા છું જ, પણ તારોય ‘હૃદય પિતા’ છું! તારા પિતાના હૃદયમાં તારા વિશે વહેતી સ્નેહ સરવાણી મારી પાસે અકબંધ છે. મારા પુનર્જન્મ સાથે જ તારું પણ આગમન મારા જીવનમાં થયું છે. આ હૃદયનાં ધબકારા તને કહેતા રહેશે ‘ બેટા તું સલામત રહેજે.”

    તેઓ ચિત્રકાર છે. એમણે મારો અને તમારો પોર્ટરેટ દોરીને મને કૉલેજ ગ્રેજયુએશનની ગિફટમાં આપ્યો છે!! ત્યારે મેં તમને ખૂબ મિસ કર્યા હતા!! હવે એ ‘હૃદયપિતાને’ હું ‘ દોસ્ત ડૅંડ ‘ કહું છું!!

    મારા જીવનના હરેક વળાંકે હું તમારી ખોટ અનુભવું છું. હવે હું નોકરી કરું છું. થોડા સમયમાં હું લગ્ન કરવાની છું. મેં મારા ‘દોસ્ત ડૅડ’ ને જઈને વાત કરી ને પૂછ્યું કે “તમે લગ્નમાં હાજરી આપશો ને? તમને મારું કન્યાદાન કરવું ગમશે ને?” સજલ નેત્રે એમની સંમતિ મળી . એમણે હંમેશની જેમ સ્ટેથસ્કોપ કાઢીને મને આપતા હસીને કહ્યું , “આજે બે ડૅડ એક જ હદયમાં બેસીને તને પૂછવાના છે કે બેટા તું સલામત છે ને? બેટા તું ખુશ છે ને? હૃદયની ધક્‌ ધક્‌ વધારે સંભળાય તો તું ગભરાતી નહીં.”

    મારું મન બોલી ઊઠ્યું, “થેંક યુ ડૅડ, ફૉર બીઇંગ ધેર્‌ ફૉર માય કન્યાદાન !! ” અને બાજુમાં બેઠેલી મમ્મીને હળવે રહીને કહ્યું , “થૅકયુ ફૉર હૃદયદાન”! મમ્મીએ તમારી અંતિમ ઇચ્છા પૂર્ણ કરી, તેનો મને આનંદ છે અને એ વાતનો મને ગર્વ છે.

    એકવાર મારા મિત્રે મને તમારા વિશે ખૂબ સરસ વાત કહી હતી. એણે કહ્યું હતું, ‘કેટલીક પાર્ટીઓમાં ‘રિટર્ન ગિફટ ‘ આપતા હોય છે તેમ તારા પિતા પૃથ્વી પરથી સ્વર્ગમાં જતા જતા ‘હૃદયદાન’  કરીને ‘રિટર્ન ગિફટ’ આપતા ગયા છે.

    ડૅડી આજે મારા મનની વાત તમને પત્ર દ્વારા જણાવીને હું ખુશ છું. આ સાથે મારા લગ્નમાં તમારી આત્મિક હાજરીની અપેક્ષા સાથે વિરમું છું.


    વસુધા ઈનામદાર | Email- mdinamdar@hotmail.com

  • પોષની એ રાત

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    કેટલાક લોકો એમનાં નસીબમાં સુખ લખાવીને નથી આવતા. હલ્કૂ પણ આવા દલિત લોકોમાંનો એક હતો. એનાં સંઘર્ષમય જીવનમાં સદા ત્રણ સાંધતા તેર તૂટે એવા સંજોગોનો સામનો કરવાનું લખાયેલું હતું. આખા દિવસની મજૂરી પછી પાછા આવેલા હલ્કૂએ ઘરમાં પેસતા જ એની સ્ત્રીને કહ્યું, “સહના આવ્યો છે તારી પાસે જે રૂપિયા હોય તે આપ, એને આપી દઉં એટલે બલા ટળે.”

    મુન્ની ઘરની સફાઈ કરી રહી હતી. રૂપિયા આપવાની વાત એને ઘા જેવી લાગી. પાછળ વળીને પતિ સામે જોતા બોલી, “ માંડ ત્રણ રૂપિયા ભેગા થયા છે, એ આપી દેશો તો કામળો ક્યાંથી આવશે? આ શિયાળાની રાતો કેવી રીતે કાઢશો? તેને કહો, તે પાક તૈયાર થશે એટલે આપી દઈશ.”

    હલ્કુ અનિશ્ચિત સ્થિતિમાં એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો. પોષ મહિનો માથા પર આવી રહ્યો છે. વાત તો સાચી હતી ને કે કામળી વિના ખુલ્લા આસમાન નીચે ખેતરમાં રાતો કાઢવી કપરી થશે સાથે એને એ પણ ખબર હતી કે, એનો લેણદાર સહના માનશે નહીં ને કેટલીય તો ગાળો દેશે. આજે રૂપિયા નહીં આપે તો કાલે અડ્ડો જમાવી માથા પર ઊભો રહેશે. ઠંડીમાં ઠૂંઠવાનું સહી લેવાશે પણ આ સહનાની પઠાણી ઉઘરાણી નહીં સહન થાય. એવું વિચારીને કે તેણે ભારે મન સાથે સમાધાન કરી તેની પત્નીને કહ્યું, “આપ જોઉં કામળી માટે અન્ય કોઈ ઉપાય કરશું.”

    સહના હલ્કૂનો લેણદાર હતો. એની પઠાણી ઉઘરાણીને હલ્કૂ ક્યાં ટાળી શકવાનો હતો!

    મુન્ની આંખોમાં આંસુ સાથે બોલી “ખાક ઉપાય કરશો! કોણ આપશે તમને કામળી દાનમાં? કોણ જાણે કેટલા ઉધાર બાકી છે કે ચૂકવાતા જ નથી! હું કહું છું આ ખેતી કેમ છોડી નથી દેતા? આખો દિવસ મરી મરીને કામ કરો તોય દેવું ચૂકવાતું નથી. એને કહી દો ઉપજ થાશે ત્યારે બાકીના ચૂકવીશ અત્યારે એને રવાના કરો. પૈસા ચૂકવવા માટે તો આપણે જન્મ્યા છે,પણ અત્યારે હું રૂપિયા નહીં આપું.”

    હલ્કુએ ઉદાસીથી કહ્યું, “તો મારે શું ગાળ ખાવાની ?

    મુન્નીએ વેદનાથી કહ્યું, “તમને શું કામ ગાળો આપે એનું રાજ ચાલે છે ? પત્નીની ઉગ્રતા જોઈ હલકું થોડો ઢીલો પડી ગયો.

    પણ, બંનેના જીવનનું એક કઠોર સત્ય તેમને ઘૂરકિયા કરીને જોઈ રહ્યું હતું. ઘીસ ખાઈને મુન્નીએ અંદર જઈ સાચવેલા રૂપિયા હલ્કૂને આપતા બોલી, “તમે ખેતી છોડી દયો ને આપણે મજૂરી કરી રોજેરોજનું પેટ્યું રળશું. મજૂરીમાં બે રોટલી તો ખાવા મળશે. કોઈના લાળા તો ચાવવા નહીં પડે. એક તો ખેતી કરો અને ઉપરથી આ બધાનો રૂવાબ.”

    હલ્કૂ જાણે રૂપિયા નહીં હૃદય કાઢીને આપતો હોય તેમ સહનાને આપવા ગયો. બીચારી મુન્નીએ એક એક પાઈ ભેગી કરીને માંડ ત્રણ રૂપિયા બચાવ્યા હતા. હતી. દરેક પગલાં સાથે, અપમાનના વજન અને ગરીબીની શરમથી તેનું માથું ઝૂકી રહ્યું હતું પણ ધાબળો લેવા એકઠા કરેલા રૂપિયા સહાનાને હલ્કૂના દેવા પેટે આપી તો દેવા જ પડ્યા

    મુન્નીએ કોઈ ફાટેલાં કપડાંના ટુકડાઓથી ધાબળામાં થીગડાં મારીને કામચલાઉ કે આંશિક ઉકેલ આણી તો દીધો. છૂટકો ક્યાં હતો?

    રાત પડે ખેતરે પહોંચેલા હલ્કૂએ જોયું કે, પોષ મહિનાની રાતની કારમી ઠંડી આવા ફાટેલા ધાબળાથી તો સહન થાય એવી નથી એટલે બે-ચાર છાણાંનું તાપણું કરીને કે ચલમની બે-ચાર ફૂંક મારીને, એણે થોડી રાહત મેળવવાના વ્યર્થ ફાંફા મારતા ઠંડીમાં ઠુંઠવાતા માંડ રાત પસાર કરવા માંડી.

    અતિ દરીદ્રતામાં જીવતો હલ્કૂ એક વાતે સમૃદ્ધ હતો. કોઈ એની સાથે હોય કે ન હોય પણ આવી કપરી રાતમાં એની આસપાસ ફરતો એક માત્ર એનો સાથી કૂતરો હંમેશાં એને સાથ આપતો. જબરો એનું નામ. આવી કારમી ઠંડીવાળી રાત પૂરી કરવા આ એક જબરો જ તો હતો જેની સાથે હલ્કૂ વાત કર્યા કરતો.

    “ખબર નથી પડતી આ ઠંડી ક્યાંથી આવે છે ?, જાગવું તો પડશે, રાત કંઈ એમને એમ પૂરી થવાની નથી.” ચિલ્લમ પીતા હલ્કૂ સ્વગત બબડ્યો. “ખેતીની આજ જ તો રામાયણ છે, જબરા. ગરીબને છોડીને ભગવાન બાકી સૌની સાથે છે. કશો વાંધો નહીં આ શિયાળો પસાર થવા દે. ભાગ્યનું ગાડું ચાલશે તો આપણે પણ મજા કરીશું , ચાલ અત્યારે તો આવી જ મજા કરીએ! ”

    હલ્કૂ ઊભો થયો, ખાડામાંથી એક નાનો અંગાર લેતા તેના કૂતરા જબરાને કહ્યું, “જબરા આજનો દિવસ ઠંડી ખાઈ લે કાલે કૈંક વ્યવસ્થા કરશું. એવું હોય તો મારી જોડે ચલમ પી. ઠંડી તો જવાની હશે તો જશે પણ મનને સારું લાગશે.”

    જબરો પ્રેમથી એના માલિકને જોઈ રહ્યો અને જરા ખસીને એના માલિકની નજીક ગયો અને હલ્કૂએ જબરાના શરીરની ઉષ્માથી ગરમાટો અનુભવ્યો. ચલમ પીને હલ્કૂએ એક નિર્ણય સાથે લંબાવ્યું કે, “બસ હવે હું સૂઈ જઈશ.” પણ, ઠંડી ભૂતની જેમ એને વળગી. એ સૂઈ ન શક્યો એણે જબરાને પોતાની બાજુમાં કામળીની અંદર લઈ લીધો. કૂતરાના શરીરમાંથી ગંધ આવવા છતાં તેને ખોળામાં લેતા હલ્કૂને જે આનંદની અનુભૂતિ થઈ રહી હતી. આવી અનુભૂતિ મહિનાઓથી જાણે તેને મળી નહોતી. હલ્કૂ જબરાને તેના કોઈ પણ મિત્ર અથવા ભાઈ હોય એવા ઉત્સાહથી ગળે લગાડતો. જબરાના શરીરની ગંધથી એને ક્યારેય નફરત નહોતી થતી.

    એક કલાક વીતી ગયો. રાત્રે પવન સાથે ઠંડીનો કડાકો શરૂ થયો. હલ્કૂએ બેઠા બેઠા બંને ઘૂંટણને છાતી સુધી ખેંચીને તેમાં પોતાનું માથું છુપાવી દીધું છતાં ઠંડી ઓછી થતી ન હતી. એને લાગ્યું કે શરીરમાં લોહી થીજી રહ્યું છે. ધમનીઓમાં લોહીને બદલે બરફ વહી રહ્યો છે. તેણે ઊંચે નજર કરીને આકાશ તરફ જોયું, હવે કેટલો સમય બાકી છે! સપ્તર્ષિ આકાશમાં અડધો પણ ચડ્યો નથી. હજી રાત ઘણી બાકી છે.

    વળી એ જબરા સામે જોઈ રહ્યો, “જબરા આ ઠંડી સહન નથી થતી ચાલ પાંદડા ભેગા કરી આગ પેટાવીએ.” અને હલ્કૂએ બબડતા બબડતા બગીચા તરફ ચાલવા માંડ્યું.

    “જબરા તને સુગંધ આવે છે?”  ઝાડમાંથી ટપકતાં ઝાકળનાં ટીપાં, મહેંદીનાં ફૂલોની ગંધ સાથે એક એક પગલે હલ્કૂના શ્વાસનો નિસાસો સંભાળતો હતો. પણ જબરો તો પાંદડાના ઢગલામાંથી મળેલો હાડકાનો ટુકડો ચૂસવામાં મસ્ત હતો. પાંદડા એકઠાં કરીને હલ્કૂએ આગ પેટાવી. થોડો ગરમાટો મળ્યો અને એણે શરીરને પડતું મૂકી લંબાવ્યું.

    “તારે જે કરવું હોય તે કરી લે હું તો આ સૂતો.” જાણે ઠંડીને કહેતો ન હોય એમ કહીને એ હસ્યો. કડકડતી ઠંડીના જોરને જીતીને વિજયનો ખુમાર ચઢ્યો હોય એમ એણે લંબાવ્યું

    આગ બુઝાવા આવી હતી. હલ્કૂ કામળી ઓઢી ગીત ગાતો બેસી રહ્યો. ઠંડી વધતી જતી હતી. ત્યાં કોઈ સંચારનો અણસાર આવતા જબરો જોરથી ભસ્યો અને ખેતર તરફ દોડી ગયો. હલ્કૂને ખ્યાલ તો આવ્યો કે સંભવતઃ પ્રાણીઓનું ટોળું ખેતરમાં આવી ગયું છે. મોટાભાગે નીલગાયનો ટોળું હશે એવું પણ એને સમજાયું. તેમના કૂદકા અને દોડવાના અવાજો સ્પષ્ટ કાનમાં આવી રહ્યા હતા.  થોડી વારમાં કંઈક ચાવતા હોય એવો અવાજ સંભળાયો તેમ છતાં મનોમન આશ્વાસન લેતા બોલ્યો, “ હું ખોટી મૂંઝવણમાં છું. મારે શું ચિંતા! જબરો છે ને! એના લીધે કોઈ પ્રાણી મેદાનમાં આવી શકવાનું નથી. મને પણ કેવા કેવા ખોટા ભાસ થાય છે!”

    વળતી પળે એણે જબરાને બોલાવા બૂમો પાડી, “જબરા, જબરા.”

    જબરો ભસતો રહ્યો, પણ તેની પાસે ન આવ્યો તે ના જ આવ્યો. હલ્કૂને થયું કે એણે પણ ખેતરમાં આંટો મારવો તો જોઈએ પણ આ શિયાળાની ઠંડીમાં ખેતરમાં જવું અને પ્રાણીઓની પાછળ દોડવું એને અસહ્ય લાગ્યું. તે તેની જગ્યાએથી હટ્યો નહીં.

    પ્રાણીઓ નિરાંતે ચરવા લાગ્યા હશે એવું એને લાગ્યું તો ખરું. ખેતરમાં પાક તૈયાર હતો, ખરેખર ખેતી સારી થઈ હતી, પરંતુ આ દુષ્ટ પ્રાણીઓ તેનો નાશ કરી નાખશે એમ વિચારી એ મન મક્કમ કરી બચાવવાના સંકલ્પ સાથે ઊભો થયો અને બે-ત્રણ પગલાં ચાલ્યો, પણ અચાનક ઠંડીનો ચમકારો આવ્યો. ઠંડીના સૂસવાટામાં વીંછીના ડંખ જેવો અનુભવ થયો. રહીસહી હિંમત ઓસરી ગઈ ને ફરીથી તાપણા પાસે બેસી ગયો. આમ તો તાપણું ઠરી ગયું હતું પણ એની વેરાયેલી થોડી હૂંફાળી લાગતી રાખ પર પોતાના ઠંડા શરીરને ગરમ કરવાનું શરૂ કર્યું. જબરો ગળું ફાડીને ભસતો રહ્યો. નીલગાય આખા ખેતરને સાફ કરી ગઈ. હલ્કૂને લાગ્યું કે ઠંડા પડી ગયેલા શરીરની નિષ્ક્રિયતાનાં દોરડાંએ તેને બધી બાજુથી પકડી રાખ્યો હતો. કોઈ લાંબા વિચાર વગર ઠંડીથી થથરતો રાખની નજીકની ગરમ જમીનની હૂંફને પથારી સમજી સૂઈ ગયો.

    મુન્નીના ઢંઢોળવાથી માંડ હલ્કૂ જાગ્યો ત્યારે સૂર્યપ્રકાશ ચારેબાજુ ફેલાઈ ગયો હતો. ક્રોધ અને હતાશાથી કાંપતી મુન્ની એને હડબડાવતી, ચીસો પાડીને, કહેતી હતી કે, ‘હજી ક્યાં તમે ઊંઘતા રહેશો? આ જો આખું ખેતર ચવાઈ ગયું!”

    હલ્કૂ ઊભો થયો અને બોલ્યો, “તું ખેતરમાં થઈને આવી?”

    “હા, આખું ખેતર નાશ પામ્યું ને તમે દારૂના નશામાં પડ્યા રહ્યા?” મુન્ની હજી જાણે ચીસો પાડતી હતી.

    હલ્કૂ નિરાંતવા જીવે વ્યંગ કરતા બોલ્યો , “હું મરીને બચી ગયો, તને ખેતરની પડી છે. મારા પેટમાં કેવું શૂળ ઉપડ્યું હતું એની તને કેવી રીતે ખબર પડે આ ફક્ત હું જ જાણું છું!”

    પતિ-પત્ની ખેતરની હાલત જોઈ રહ્યા હતા. મુન્નીના ચહેરા પર ઉદાસી હતી, પરંતુ હલ્કૂ ખુશ દેખાતો હતો .

    મુન્ની હૈયાફાટ રડતી હતી એને આવતીકાલની ચિંતા હતી..એ બોલી “હવે તમારે મજૂરી કરવી પડશે.”

    હલ્કૂએ ખુશહાલ ચહેરા સાથે કહ્યું, “હા, હવે મારે રાત્રે ઠંડીમાં અહીં સૂવું નહીં પડે.” અને ફરી એ તદ્દન નિશ્ચિંત થઈને કામળો માથે ઓઢી પડખું ફરીને સૂઈ ગયો.”

    જરાક અમસ્તા કપરા ચઢાણ આવે તોય માણસની હિંમત તૂટી જાય એવા સમયે એક અભણ, દલિત વ્યક્તિની સહજભાવે સંજોગો સ્વીકારી લેવાની તાકાત, અલગ મિજાજને જોઈને પોષ મહિનાનો સૂર્ય હૂંફાળો તડકો વેરી રહ્યો.


    પ્રેમચંદ મુનશી લિખીત વાર્તા -પૂસ કી રાત- ને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલ્મી ગઝલો – ૨૦. રવીન્દ્ર જૈન

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    એવા સંગીતકારો બહુ ઓછા જે સંગીત ઉપરાંત ગીતલેખન પણ કરતાં હોય. સંગીતકાર રવિએ એકલદોકલ ગીત લખેલા, કેટલાક ગાયેલા પણ. મૂલત: ગીતકાર એવા પ્રેમ ધવને કેટલીક ફિલ્મોમાં સંગીત પણ આપેલું. આપણા ગુજરાતના અવિનાશ વ્યાસ ગુજરાતી ભાષાના ઉત્તમ ગીતકાર અને સંગીતકાર હતા. એમણે અનેક હિંદી ફિલ્મોમાં પણ સંગીત આપેલું.

    રવીન્દ્ર જૈન એક અપવાદ હતા. જેટલા ગુણી સંગીતકાર એટલા જ ઉત્કૃષ્ટ કવિ પણ ! પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં એમની આ બેવડી ક્ષમતા ( આમ તો ત્રેવડી, એ અચ્છા ગાયક પણ ખરા ! ) ચકિત કરનારી હતી. તારાચંદ બડજાત્યા ( રાજશ્રી પ્રોડક્શન ) ની અનેક ફિલ્મોમાં એમણે ઉત્તમ ગીત-સંગીત પીરસેલું. જોકે એમને સૌથી વધુ ખ્યાતિ મળી રાજકપૂરની ‘ રામ તેરી ગંગા મૈલી ‘ થી.

    બહુધા જે ફિલ્મોમાં એમનું સંગીત હોય એમાં ગીતો પણ એ જ લખતા. એમની આ બેવડી ઉપલબ્ધિવાળી કેટલીક લોકપ્રિય ફિલ્મો એટલે સૌદાગર, ચોર મચાએ શોર, ગીત ગાતા ચલ, ચિત્તચોર, ફકીરા, તપસ્યા, અખિયોં કે ઝરોખે સે, સુનયના, નદિયા કે પાર, હિના વગેરે.

    એમના લખેલા મોટા ભાગના ગીત શુદ્ધ હિંદીમાં પ્રાદેશિક ભાષાઓની છાંટવાળા રહેતા. આશ્ચર્યની વાત એ કે એક નીવડેલા ગઝલકારની જેમ એમણે આ બે ગઝલો પણ આપી :

    અબ રંજ સે, ખુશી સે, બહારો – ખિઝાં સે ક્યા
    મહ્વે – ખયાલે – યાર* હૈં, હમકો જહાં સે ક્યા

    ઉનકા ખયાલ, ઉનકી  તલબ, ઉનકી આરઝૂ
    જિસ દિલ મેં વો હોં, માંગે કિસી મેહરબાં સે ક્યા

    હમને  ચિરાગ  રખ દિયા તૂફાં કે સામને
    પીછે હટેગા ઈશ્ક કિસી ઈમ્તેહાં સે ક્યા

    કોઈ  ચલે,  ચલે  ન  ચલે, હમ  તો  ચલ  પડે
    મંઝિલ કી ધુન હો જિસકો ઉસે કારવાં સે ક્યા

    યે બાત સોચને કી હૈ, વો હો કે મેહરબાં
    પૂછેંગે હાલે દિલ તો કહેંગે ઝુબાં સે ક્યા..

    ( *પ્રેમીના વિચારોમાં મગ્ન )

     

    – ફિલ્મ : દુલ્હન વોહી જો પિયા મન ભાએ ( ૧૯૭૭ )

    – હેમલતા

    – રવીન્દ્ર જૈન

     

    ક્યા  લિખું  કૈસે  લિખું  લિખને કે ભી કાબિલ નહીં
    યૂં સમજ લીજે કિ મૈં પથ્થર હું, મુજ મેં દિલ નહીં

    હર કદમ પર આપને સમજા સહી, મૈને ગલત
    અબ સફાઈ પેશ કર કે ભી કોઈ હાસિલ નહીં

    ઈસ તરહ  બઢતી ગઈં કુછ રાસ્તે કી ઉલઝનેં
    સામને મંઝિલ થી, મૈં કહતી રહી – મંઝિલ નહીં

    મૈં યે માનું યા ન માનું, દિલ મેરા કહને લગા
    અબ મેરી નઝદીકિયોં મેં દૂરિયાં શામિલ નહીં..

     

    – ફિલ્મ : માન અભિમાન ( ૧૯૮૦ )

    – હેમલતા

    – રવીન્દ્ર જૈન


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ – ૧૯૫૬ (૩)

    વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    શંકર (સિંઘ રઘુવંશી) – જન્મ ૨૫-૧૦-૧૯૨૨ – અવસાન ૨૪-૪ -૧૯૮૭ – જયકિશન જોડીમાંના શંકર અને શૈલેન્દ્ર-હસરતની ભાગીદારીવાળા શૈલેન્દ્ર (મૂળ નામ શંકરદાસ કેસરીલાલ; જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ – અવસાન ૧૪ ડિસેમ્બર ૧૯૬૬) ની શૈલીનો એક સ્વાભાવિક સુમેળ હતો એ વાત તો હવે બહુ સુવિદિત છે. તેની સામે મજાની વાત એ રહી છે કે શંકર અને જયકિશન તેમ શૈલેન્દ્ર અને હસરતની સ્વાભાવિક શૈલીમાં દેખીતો જરાપણ સુમેળ ન હોવા છતાં  બન્ને જોડીઓને કોઈ અકળ બળ જ આટલી બધી ઘનિષ્ઠ રીતે જોડી રાખતું હતું.

    ‘બરસાત’ (૧૯૪૯) માં આ ટીંમે ફિલ્મ સંગીતમાં એક નવો પ્રવાહ જ વહેતો કર્યો. એ સમયે ઉત્તર ભારતીય મૂળના સંગીતકારો પર ઉત્તર ભારત, તેમાં પણ પંજાબની, લોક સંસ્કૃતિ પર નોંધપાત્ર પ્રભાવ હતો.  એ સમયના મુખ્ય ગીતકારો ફારસી/ઉર્દુ પ્રચુર ગીતો લખતા. આવા પ્રચલિત વાતાવરણમાં શંકરના તેલુગુ ઉછેરના સંકારો અને જયકિશનના પાશ્ચાત્ય સંગીત અભ્યાસુ ઝોક તરફની કારણે આ જોડીનાં સંગીતે ભારતીય લોક ગીતો અને પાશ્ચાત્ય વાદ્યસજ્જાનું એક અનોખું જ વાતાવરણ ખડું કર્યું. શૈલેન્દ્ર અને હસરતની સ્વાભાવિક શૈલીઓએ આ નવા પ્રવાહને પોતપોતાની રીતે સીંચી. તે ઉપરાંત બરસાત (૧૯૪૯) અને આવારા (૧૯૫૧)ની સફળતા બાદ શંકર જયકિશને વર્ષે સાત સાત  આઠ આઠ ગીતોવાળી, અને અલગ અલગ નિર્માણ ગૃહોની, બબ્બે ત્રણ ત્રણ ફિલ્મો પણ કરવા માંડી. પરિણામે તેમનાં સંગીતમાં વૈવિધ્યનું તત્ત્વ પણ વધતું ગયું. દરેક ફિલ્મનાં લગભગ બધાં જ ગીતો સફળ રહે તે માટે તેઓ ખુબ મહેનત પણ કરતા.  લાગલગાટ પંદર વીસ વર્ષો સુધી આટલી બધી મોટી સંખ્યામાં આટલું બધું વૈવિધ્યપૂર્ણ, અને સફળ પણ, કામ કરતા રહેવાની તેમણે એક બહુ જ અનોખી કેડી કોતરી આપી.

    શંકર સિંધ રઘુવંશીના જન્મના મહિનામાં તેમની યાદને વધુ તાજી કરવાના આશયથી શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની શ્રેણી ઓક્ટોબર ૨૦૧૮થી આ મંચ પર શરૂ કરી હતી. તેમનાં બધાં જ ગીતોમાંથી ઓછાં સાંભળવા મળેલ ગીતોને અલગ  તારવવા માટે બધાં ગીતોને ફરી એક વાર બહુ ધ્યાનથી સાંભળવાની જે તક મળી એ જ મારા માટે બહુ જ આનંદનો વિષય બની ગયો.. અત્યાર સુધી

    ૨૦૧૮ માં ૧૯૪૯-૧૯૫૩

    ૨૦૧૯ માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)

    ૨૦૨૦ માં ૧૯૫૪

    ૨૦૨૧માં ૧૯૫૫ અને ૧૯૫૬ (આંશિક) અને,

    ૨૦૨૨માં ૧૯૫૬ (આંશિક – ૨) 

                                                 નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે સાંભળ્યાં છે.

    ૧૯૫૬નું વર્ષ સંકર જયકિશન માટે  તેમની મહેનતનાં ફળ રૂપ અત્યંત વ્યસ્ત અને સફળ વર્ષ હતું. આ વર્ષે તેમણે  સાત ફિલ્મો કરી. આ દરેક ફિલ્મની વાર્તા સાવ અલગ હતી એટલે ફિલ્મનાં દરેક ગીત માટે તેમણે નવો જ દૃષ્ટિકોણ સામે રાખવાનો થતો હતો. તેમ છતાં દરેક ફિલ્મનાં લગભગ ગીતો એ સમયે તો સફળ રહ્યાં જ,  તેમજ આજે પણ યાદ કારાય છે. ૨૦૨૧ના મણકામાં આપણે શંકર જયકિશને સ્વરબદ્ધ કરેલી ત્રણ ફિલ્મો, હલાકુ, કિસ્મતકા ખેલ અને બસંત બહાર,નાં ચુંટેલાં ગીતોની અને ૨૦૨૨ના મણકામાં ચોરી ચોરી, ન્યુ દિલ્હી અને રાજહઠ એમ બીજી ત્રણ ફિલ્મોનાં ગીતોની યાદ તાજી કરી હતી.

    હવે આજના મણકામાં તેમની ૧૯૫૬નાં વર્ષની સાતમી ફિલ્મ ‘પટરાણી’નાં ગીતો સાંભળીશું.

    પટરાણી (૧૯૫૬)

    ૧૯૫૩માં ‘બૈજુ બાવરા’ જેવી ઐતિહાસિક પૂષ્ઠભૂ પર શાસ્ત્રીય સંગીત પ્રચુર વિષયવાળી બેહદ સફળ પામેલી ફિલ્મના નિર્માતા પ્રકાશ પિક્ચર્સે હવે ગુજરાતના ઇતિહાસની પૃષ્ઠભૂવાળી વાર્તા પર રચિત ‘પટરાણી’ માટે શંકર જયકિશન પર પસંદગી ઉતારી. શંકર જયકિશનની સંગીત ક્ષમતાનું એક બહુ મોટું પ્રમાણ હોવા ઉપરાંત એક નવા જ  વિષય માટે સંગીત આપવાનો આ જોડી માટે આ બહુ મોટો પડકાર પણ હતો. જોકે, તેઓએ પોતાનાં પોર્ટફોલીઓના પાયાને વધારે વિશાળ બનાવવા માટે આવા પડકારો સામે ચાલીને ઝીલી લેવાની અપનાવેલી વ્યૂહરચના સાથે આ ફિલ્મ કરવી એ નિર્ણય સુસંગત પણ હતો.

    ફિલ્મમાં ૧૧ ગીતો હતાં. ફિલ્મના વિષયને કારણે જે પૈકી ૧૦ ગીતો શંકરે પોતા પાસે રાખ્યાં, એટલે એ દસ ગીતો લખ્યાં શૈલેન્દ્રએ.

    અરી કોઈ જાઓ રી પિયા કો બુલાઓ ગોરીકી પાયલ બાજે છમ છનનછમ – લતા મંગેશકર, ઉષા મંગેશકર, મીના મંગેશકર, કોરસ

    લગની તૈયારીઓ ચાલી રહી હોય ત્યારે સહેલીઓ દ્વારા દુલ્હનની મિઠી છેડછાડનું આ ગીત  કોરસ નૃત્ય ગીતનો એક બહુ પ્રેક્ષણીય નમૂનો છે.

    ચંદ્રમા મદ ભરા જ઼ૂમે બાદરમેં વો ખુશી અબ કહાં મુઝ બિરહનકે ઘરમેં – લતા મંગેશકર

    આમ તો ઊંચા સુરમાં વિરહની પીડા વ્યક્ત કરતું આ ગીત છે. ગીતમાં પૂર્વાલાપમાં અને પછીથી કાઉંટર મેલોડીમાં સરોદનો બહુ અભિનવ પ્રયોગ કરાયો છે.

    આ સરોદને વગાડનાર છે લલ્લુભાઈ. લલ્લુભાઈ એક સમયે પ્રકાશ પિક્ચર્સના મુખ્ય સંગીતકાર હતા. પરંતુ પછી કૃષ્ણ રાવ વ્યાસ અને નૌશાદ જેવા સંગીતકારોને સંગીત નિદર્શન સોંપાવા લાગ્યું એટલે લલ્લુભાઇની આર્થિક સ્થિતિ કથળતી ગઈ.  (શંકર) જયકિશનમાં પોતાનાં અમુક સંગીત માટે શ્રેષ્ઠ રીતે વાદ્ય કોણ વગાડી શકશે તે પારખવાની અજબ સૂઝ હતી. એટલે આકાશપાતળ એક કરીને પણ એ વાદકને જ તેઓ એ કામ સોંપતા. વળી તેઓ તેમના સાથીદારોને યોગ્ય મહેનતાણું સમયસર ચુકવાય એ બાબતે પણ બહુ સજાગ હતા. એટલે ‘પટરાણી’માં સહાયક સંગીતકાર તરીકે લલ્લુભાઈને બોલાવીને તેમણે એક કાંકરે બે પક્ષી માર્યાં. લલ્લુભાઈને થોડી આર્થિક મદદ મળી અને શંકર જયકિશનને આ ફિલ્મને અનુરૂપ ગીતોની બાંધણી અને વાદ્યસજ્જા ગોઠવવામાં લલ્લુભાઈની નિપુણતાનો પુરેપુરો લાભ મળ્યો. અહીં સરોદ વાદન પણ લલ્લુભાઈએ જ કરેલ છે.

    દુલ્હન ગોરી ઘુંઘટમેં મુસ્કરાએ દેખોજી કહીં ઉનસે ભી શરમાએ – સમુહ ગાયકો

    દુલ્હનને લગ્ન મડપમાં લાવવાની વિધિ દર્શાવતો એક નાનો પ્રસંગ જ છે, પરંતુ શંકર જયકિશને તેને માટે લગ્નગીતના ઢાળમાં માત્ર સમુહ ગાયકોના જ સ્વરમાં આ રચના કરી . અને એટલી જ પંક્તિઓ પણ શૈલેન્દ્ર પાસે જ લખાવી. અમુક સંવાદો બાદ માત્ર સંગીત જ પ્રસંગને આગળ ધપાવે છે. પોતાનાં સંગીતમાં ઝીણામાં ઝીણી બાબત પ્રત્યે તેઓ આટલી ચીવટ દાખવતા.

    કભી તો આ સપનોંમેં આ કે જાનેવાલે – લતા મંગેશકર

    શંકર જયકિશનના પ્રિય રાગો પૈકી ભૈરવીમાં આ ગીતની બાંધણી કરવામાં આવી છે.

    ન જાને તુમ કૌન મેરી આંખોમેં સમા ગયે….. સપનોંમેં મેહમાન બનકે મેરે દિલમેં આ ગયે – લતા મંગેશકર

    નાનપણથી સ્વપ્નાંઓમાં છવાઈ ગયેલ મૂર્તિને માટે પ્રેમની કબુલાતનો આનંદ ગીતમાં છલકાય છે.

    ઓ બલમા તુમ બેદર્દી …. મુંહ દેખી પ્રીત તુમ્હારી હમને દિલ સે પ્યાર કિયા  – લતા મંગેશકર

    અહીં પણ જેને નજરે જ જોયા છે એવા પ્રેમીની સાથે મીઠી ફરિયાદની વાત છે.

    ઊંચે મહલમેં રહનેવાલે કભી તો ઈધર દેખ લે …. દિલ દીયા દર્દ રહા સીને મેં – લતા મંગેશકર

    વિરહનાં ગીત માટે શંકર જયકિશને તેમની આગવી છાપ સમી વાદ્યસજ્જામાં ગીતની બાંધણી કરી છે.  પરંતુ પિયાનો સાથે સિતાર કે વાયોલિનના સમુહોના સુર ફિલ્મની વાર્તાના મૂળ ભાવને અનુરૂપ જ બની રહે છે..

    પાવન ગંગા સર પે સોહે માથે પે ચંદ્ર છત્ર છટા પ્યારી રે – લતા મંગેશકર

    આ નૃત્ય ગીત શિવની સ્તુતિ રૂપે મુકાયું છે. શરૂઆતના પૂર્વાલાપમાં નૃત્યના તાલને બોલમાં રજુ કરનાર પુરુષ ગાયકનું નામ નથી ખબર પડી. તે જ રીતે, સ્વાભાવિકપણે, સમુહ ગાયકો પણ ગીતમાં સાંભળવા મળે છે.

    શંકર જયકિશને ગીતની બાંધણી તરાના શૈલીમાં કરી છે. અમુક શબ્દોને પુનરાવર્તિત કરીને રાગને રજુ કરવાની શૈલી તરાના તરીકે ઓળ્ખાય છે, જેના શોધક તરીકે અમિર ખુશરૂને શ્રેય મળે છે, ઉસ્તાદ આમીર ખાં સાહેબે તરાનાને પોતાના અંદાજમાં રજૂ કરીને તેને વધારે પ્રચલિત કરેલ ગણાય છે. તેમણે અનેક રાગોને આ શૈલીમાં પ્રસ્તુત કરેલ છે, તે પૈકી રાગ હંસધ્વનિમાં તરાના સંભળીએ

    આ શૈલીને મળતો પ્રકાર કર્ણાટકી સંગીતમાં તિલ્લાના કહી શકાય જે સામાન્યતઃ નૃત્ય સમારોહના  અંતમાં વપરાય છે. શંકર જયકિશને આ પ્રકાર ‘ચોરી ચોરી (૧૯૫૬)માં પ્રયોજેલ છે.

    રાજા પ્યારે મત કરો પ્યાર …. ઈસ દુનિયામેં યહી ચીઝ અનમોલ – લતા મંગેશકર, ઉષા મંગેશકર, કોરસ

    રાજાના મનને બહેલાવવા માટે નૃત્ય સંગીતના કાર્યક્રમો યોજાતા રહેવાની પ્રથા બહુ સામાન્ય હતી.

    રંગ રંગીલે પગીયા બાંધે આયે રિતુ રાજ…. ડાલીયોં પર કલીયાં નાચે તાલી બજા – લતા મંગેશકર, કોરસ

    નૃત્ય ગીતમાં કોરસનો એક વધુ અભિનવ પ્રયોગ ….

    આટલાં વૈવિધ્ય સભર સંગીતને લોકપ્રિયતાનાં રૂપમાં ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હશે એમ જરૂર માની શકાય.

    શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની આ શ્રેણી હજૂ આગળ ચાલતી રહેશે……

  • ફિલસુફીભર્યા ગીતો – ૧૫ – ये रंग बदलती दुनिया है, तकदीर से अपनी रूठो ना

    નિરંજન મહેતા

    ૧૯૫૫ની ફિલ્મ ‘સીમા’નુ આ ગીત બહુ જ સંદેશાત્મક ગીત છે.

     

    बात बात में रूठो ना, अपने आप को लूटो ना
    ये रंग बदलती दुनिया है, तकदीर से अपनी रूठो ना

     

    लाज की लाली आज बनी है, भीगी पलकें अबरू तानी हुई है
    आँखों में सुर्खी दिल में मुहब्बत, होंठो में छूपी हंसी है

     

    ढलती है राते ले कर अँधेरा, लायी बहारे नया सवेरा
    जीवन सफर में दुःख होया सुख हो करना है फिर भी बसेरा

     

    फुल ख़ुशी के हर कोई ले ले, कोई ना देखे आंसू के मेले
    तुम जो हँसे तो हंस देगी दुनिया, रोना पडेगा अकेले

     

    રિસાઈ ગયેલી નૂતનને શોભા ખોટે સીધેસીધું મનાવવાને બદલે આ સંદેશાત્મક ગીત દ્વારા તેને જીવનની સચ્ચાઈ દર્શાવવા પ્રયત્ન કરે છે. ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર શંકર જયકિસન. સ્વર છે લતાજીનો.

    કેટલાક લોકોને વાત વાતમાં ખોટું લાગવાની અને રીસાવાની ટેવ હોય છે. તેમને માટે આ ગીત એકદમ બંધ બેસે છે. કહે છે કે આ દુનિયા બધાને બધી રીતે અનુકુળ ન પણ હોય કારણ તે અતરંગી છે. એટલે તમારા નસીબમાં જે લખાયું છે તેનાથી મોં ન ફેરવો. જે તમારા ભાગ્યમાં લખાયું છે તે તો બનીને જ રહેવાનું.

    બીજી કડીમાં નૂતનના મુખના હાવભાવને વર્ણવાયા છે કે તેના મુખ પર લાજની લાલી છવાઈ છે, ભીની પાંપણો તેના ભવાંને તાણે છે, આંખોમાં સુરખી અને દિલમાં પ્રેમ છે તો હોઠો પર છુપાયેલું સ્મિત છે.

    એ તો વિદિત છે કે રાત પછી દિવસ આવે છે, એટલે કે દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ નિશ્ચિત છે. આમ જાણવા છતાં વ્યક્તિ અફસોસ કરે છે અને પોતાના દુઃખના રોદણા રડે છે. તેમને સમજવું જોઈએ કે ગમે કે ન ગમે એવું જીવન જીવવું પડે છે.

    ખુશીની ઝંખના હરકોઈને હોય છે પણ કોઈના આંસુ કોઈ લેતા નથી. એટલે કે અન્યના દુઃખમાં ભાગ્યે જ લોકો ભાગીદાર બને છે કારણ તમે જો હસશો તો અન્યો તમારા હાસ્યમાં એટલે કે સુખમાં સાથ આપશે પણ જો તમે દુખી હશો અને રડવા બેસશો તો કોઈ તમને તેમાં સાથ નહિ આપે.

    સાર એટલો જ કે આ જિંદગી જેવી છે તેવી સ્વીકારો અને તેને માણો. અન્યો પાસે કોઈ અપેક્ષા વગર જીવશો તો તમારું જીવન સુખમય અને સાર્થક થઇ રહેશે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ઘુઘરી જેવો અવાજ, નમણું અને મીઠડું એટલે શ્વેતનયના

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    ઘણું તરવરાટ વાળું નાનું પણ મીઠડું પક્ષી એટલે બબુના/ શ્વેતનયના, મીઠો ઘંટડી જેવો અવાજ હોય. નાનું, નમણું અને કોમળ પક્ષી છે જેને જોઈને તરત તેના રંગરૂપ અને તરવરાટને કારણે  ધ્યાન પોતાની તરફ  ખેંચે. કદ નાનું હોય પણ તરવરાટ ઘણો હોય છે. તેઓ ૧૫ થી ૨૦ ની સંખ્યામાં એક વિસ્તારમાં વૃક્ષોમાં રહેતા હોય છે . તેવા સમયે જ્યારે ઘણા બધા એક સાથે ઘંટડીના રણકારની જેમ બોલવા લાગે તો શાંત વાતાવરણ પણ એકદમ જીવંત થકરી દે છે. ૧૮૨૪ ની સાલમાં કોર્નાર્ડ જેકોબ તેનું નામ ઓરિએન્ટલ વ્હાઈટ આઈ આપ્યું હતું પરંતુ ભારતમાં તેમની પ્રજાતિ જુદી હોઈ પછીથી તેનું નામ ઇન્ડિયન વહાઇટ આઈ રાખવામાં આવ્યું.

    શ્વેતનયના/ બબુના /Indian White-eye /Oriental White – eye /Zosterops palpebrosa / हिंदी: मोतीचूर /बबुना / संस्कृत: चटकीका/ पुत्रिका
    કાળ: ૧૧ સે.મી – ૪ ઇંચ.

    મુખ્યત્વે ઉપરનું શરીર સુંદર ચમકીલા પીળાશ પડતું લીલું શરીર અને આંખને ફરતી સ્પષ્ટ સફેદ રિંગનો / વલય એમ પીળો અને આંખની રિંગનો સફેદ સમન્વય એ ભેગા મળી આ નાના પક્ષીને સુંદર બનાવી દીધું છે. દાઢી, ગળું અને પૂંછડીનો પેટાળ તરફનો ભાગ ચમકતા પીળા રંગના હોય છે. આંખની નીચે અને આગળ તરફ થોડો કાળો ભાગ જાણે આંખની પાસે ભારતીય નૃત્યઆંગના જેમ મેકઅપ કર્યો હોય તેવો દેખાવને ઓપ આપે. છાતી અને પેટાળ તેમજ પગ રાખોડી, ચાંચ કાળી હોય છે. તેઓમાં નર અને માદા બંને હંમેશા સરખા દેખાય છે.

    પોતાના નિભાવ માટે બીજા ઘણા પક્ષીની જેમ ફૂલનો મધુરસ એટલેકે વનસ્પતિજન્ય પુષ્પરસ પીતાંપીતા  પરાગનયનની પ્રક્રિયામાં પોતાનો ફાળો આપે છે અને કીટભક્ષી હોઈ જીવાત વ્યવસ્થાપનમાં સીધો ભાગ ભજવે છે કારણકે તેઓ કીટકો ઉપર પણ નભે છે. કીટકની વસ્તી નિયંત્રણ કરવામાં પોતાનું યોગદાન આપે છે. આ કારણે કીટનાશક દવાનો છંટકાવ કરવાની જરૂરિયાત નહિવત થઇ જાય છે. ખોરાકમાં મુખ્યત્વે મધુરસ પીવાના શોખીન હોય છે અને ઝીણી જીવાત ખાવા માટે જીભ લાંબી હોય છે. જીભ ચાંચની બહાર નીકળી શકે તેટલી લાંબી હોય છે જેમાં આછી રૂંવાટી પણ હોય છે. પોતાનો ખોરાક શોધવા માટે પાંદડાની પાછળ તેમજ વૃક્ષના થડ ની તિરાડો ફેંદી વળે છે અને તેના માટે ઊંધા માથે લટકી શકે છે. આવા સમયે જીવાત શોધતી જાય, ખાતી જાય અને સુમધુર ગાતી જાય. આ દ્રશ્ય જુવો તો એક નાના પક્ષીની કાબેલિયત દેખાઈ આવે છે.

    તેઓ પોતાની બોલીથી પોતાના ઝુંડની સાથે સતત સંપર્કમાં રહે છે અને સતત બોલતા અને તરવરતા વૃક્ષમાં કાર્યશીલ રહે છે. વૃક્ષોમાં ફરનારું આ પક્ષી ખાસ કરીને જમીન ઉપર આવતું નથી. તેઓ ઘટાદાર વૃક્ષો અને ફૂલોવાળા બગીચાનું બારમાસી ભારતીય વ્યાપક પક્ષી છે.

    ભારતના જુદા જુદા પ્રદેશમાં ઋતુ પ્રમાણે ફેબ્રુઆરીથી  સપ્ટેમ્બર મહિના સુધી તેમની પ્રજનનની ઋતુ હોય છે જેમાં મોટા ભાગના વિસ્તારમાં મે મહિનાથી સપ્ટેમ્બર મહિના દરમ્યાન પ્રજનની ઋતુ રહે છે. એક વાટકી/ કપ આકારનો જલ્દી દેખાય નહિ તેવી જગ્યાએ કરોળિયાના જાળા થી લઈને વૃક્ષમાંથી ખેંચેલા રેસાઓ વગેરેમાંથી મુખ્યત્વે ૬ થી ૮ ફૂટની ઊંચાઈ ઉપર માળો બનાવે છે. ક્યારેક ઘણી ઊંચાઈ ઉપર પણ માળા જોવા મળે છે.

    એક ઋતુમાં માદા ૨ થી ૪ ઈંડા એક સાથે મૂકી શકે છે જે ઈંડા સેવવાનું કામ કરે છે.

    તેઓ ભારતવર્ષ ઉપરાંત એશિયા ના બાંગ્લાદેશ, મ્યાનમાર તેમજ શ્રીલંકામાં જોવા મળે છે.

       *આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

       *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

        *Love – Learn  – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • વનવૃક્ષો : સરુ

    ગિજુભાઈ બધેકા

    તમે કોઈ વાર ઊંચું ઊંચું સીધું સીધું જાણે આકાશ સુધી વધેલું અને લીલુંછમ એવું ઝાડ કોઈ બાગમાં જોયું હોય તો તે સરુનું ઝાડ છે એમ સમજવું.

    તમે દિલરુબા કે સારંગી વગાડનારને કામઠીના ઉપર પીળો કટકો ઘસતાં જોયો છે ? એ કટકાને બેરજો કહે છે. એ સરુ ઝાડના દૂધમાંથી બને છે.

    કેટલાએક લોકો સરુને પીળા બેરજાનું ઝાડ કહે છે. એનું બીજું નામ હિંદીમાં ધૂપસરમ છે. એનું દૂધ અગ્નિ ઉપર નાખવાથી ધૂપ જેવી સુગંધ આવે છે.

    તમારે માથેથી કોઈ વાર વાળ ચાલ્યા જાય તો સરુનાં પાંદડાં પાણીમાં વાટીને ચોપડવાં, એમ એક ચોપડીમાં લખેલું છે. તમે તો નાનાં છો એટલે તમારા વાળ તો ભાગ્યે જ જાય પણ તમારા દાદાને માથે તાલ પડી હોય તો તેમને આ વાત કહેજો.

    સરુનું ઝાડ બાગની શોભા છે. કોઈ સારા બાગમાં જઈ તેને શોધી કાઢજો.


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • કોઈનો લાડકવાયો (૩૩) – વિદ્રોહનો નવો દોર

    દીપક ધોળકિયા

    ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બ્રિટનની રાણીએ જાહેરનામું બહાર પાડીને ઈસ્ટ ઇંડિયા કંપનીની જગ્યાએ ભારતનું આધિપત્ય પોતાના હાથમાં લઈ લીધું.  રાણીએ રાજાઓને ખાતરી આપી કે બ્રિટન હવે એમના પ્રદેશો પર કબજો નહીં કરે, બદલામાં રાજાઓએ પણ બ્રિટન હસ્તકના મૂળ ઈસ્ટ ઇંડિયા કંપનીએ પ્રાપ્ત કરેલા પ્રદેશો પર હુમલા ન કરવા. રાજાઓની હિંમત તો નહોતી  કે એ બ્રિટિશ ઇંડિયાના પ્રદેશો પર હુમલા કરીને પોતાના ગુમાવેલા પ્રદેશો પાછા લઈ લેવાની કોશિશ કરે, પણ એમને પોતાનાં રાજ્યો અકબંધ રહેશે એવી ખાતરી મળી ગઈ. તે ઉપરાંત હવે એમને પાડોશી રાજ્ય સાથે લડાઈ થવાનો ભય પણ નહોતો કારણ કે એમના સંરક્ષણની જવાબદારી પણ રાણીએ લઈ લીધી હતી એટલે એમણે સૈન્યો પણ રાખવાનાં નહોતાં. ક્યાંય પણ વિખવાદ ઊભો થાય તો એમના ઉપરની સર્વોપરિ સત્તા સમક્ષ  ફરિયાદ કરવાનો એમને અધિકાર હતો. આમ રાજાઓએ ગવર્નર જનરલોની ખુશામત કરવાથી વધારે કંઈ કરવાપણું નહોતું રહ્યું. ૧૮૫૭ કરતાં તદ્દન જુદી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું, આથી રાજાઓ મોજમસ્તીમાં પડી ગયા અને બ્રિટન પ્રત્યે વફાદાર રહેવું એ હવે એમના લાભમાં હતું.  છેક ૧૯૪૭ સુધી એમનું એ જ વલણ રહ્યું. આથી બ્રિટનની સત્તાનો વિરોધ કરવાની જવાબદારી ફરી રૈયતના હાથમાં આવી ગઈ.

    (૧) ૧૮૫૯નો ગળી વિદ્રોહ

    ૧૮૫૭ના વિદ્રોહના પડઘા શમે તે પહેલાં જ બંગાળના ગરીબ ખેડૂતોએ વિદ્રોહના નવા દોરનો ધ્વજ સંભાળી લીધો.

    ઔદ્યોગિક ક્રાન્તિને પરિણામે બ્રિટનમાં કાપડ ઉદ્યોગનો ઝડપભેર વિકાસ થયો. એમાં કપડાંને રંગવા માટે ગળીની બહુ જરૂર રહેતી. ઈસ્ટ ઇંડિયા કંપનીએ આથી બિહાર અને બંગાળમાં ગળીનું વાવેતર કરવા માટે ખેડૂતોને ફરજ પાડી. દરેક ખેડૂતે પોતાની જમીનનો એક ભાગ  જમીનદારને કે ગોરા પ્લાંટરને (ગળીનું કારખાનું ચલાવનારને) ગળીના વાવેતર માટે આપવાનો હતો.ધીમે ધીમે બ્રિટિશ પ્લાંટરોનું જોર એટલું વધી ગયું કે એ ખેડૂતોને અનાજને બદલે ગળીનો પાક લેવા માટે ફરજ પાડવા લાગ્યા. પ્લાંટરો નધણિયાતી જમીન પર ગળી ઉગાડતા અને ખેડૂત બિનવારસ મરી જાય કે ગામતરું કરી ગયો હોય તેની જમીન પર પણ એ કબજો કરી લેતા.ગળીનો પાક લેવા માટે એ ખેડૂતોને આગોતરા પૈસા પણ લોન તરીકે આપતા. પરંતુ ખેડૂત એ રકમ લેવાનો ઇનકાર ન કરી શકતો.  વાવેતર થઈ જાય તે પછી ફાલ ઊતરે ત્યારે ખેડૂતે એ પ્લાંટરના કારખાનામાં પહોંચાડી દેવો પડતો અને ગળી કાઢી આપવી પડતી. એના બદલામાં એમને નજીવું વળતર મળતું, એમાંથી એ લોન તરીકે મળેલી આગોતરી રકમ પણ ભરપાઈ ન કરી શકતા. ખેડૂતો પર દેવાનો ભાર વધતો જતો.

    ૧૮૫૯ના માર્ચમાં બંગાળના નાદિયા જિલ્લાના  એક ગામના ખેડૂતો અહિંસક રીતે સંગઠિત થયા અને ગળીના વાવેતર માટે ના પાડી દીધી. તરત જ આ આંદોલન બીજા જિલ્લાઓમાં પણ ફેલાઈ ગયું. આ આંદોલનને શરૂઆતમાં જમીનદારોએ પણ ભારે ટેકો આપ્યો કારણ કે પ્લાંટરો જમીનદારો કરતાં પણ વધારે શક્તિશાળી બની ગયા હતા.

      જો કે, આંદોલન જેમ ફેલાતું ગયું તેમ હિંસાની ઘટનાઓ પણ બની. પ્લાંટરોની બળજબરીનો લોકો જવાબ પણ દેવા લાગ્યા.  ખેડૂતોએ માટે લોન લેવાની ના પાડી એટલું જ નહીં પ્લાંટરોના ગુમાસ્તાઓનો પણ બહિષ્કાર કર્યો. એમને ગામની દુકાનોએ ચડવાની મનાઈ ફરમાવી. એટલે એમને રસોડા માટે જોઈતો સામાન પણ મળતો બંધ થઈ ગયો. ખેડૂતોને દબાવી દેવા માટે પ્લાંટરો હિંસાનો માર્ગ લેવા લાગ્યા પણ ખેડૂતો નમતું નહોતા આપતા. સ્ત્રીઓ પણ ઈંટ-પથ્થર, જે કંઈ હાથમાં આવ્યું તે છૂટથી વાપરતી. કંઈ ન મળે તો રસોડાનાં વાસણો પણ કામે આવતાં. ખેડુતોને જૂથ બનાવીને કારખાનાં પર હુમલા કર્યા અને ક્યાંક પ્લાંટરોએ વિરોધ કર્યો તો એ માર્યા ગયા

    ભદ્રલોકનો પણ ગળીના ખેડૂતોને ટેકો મળ્યો. ૧૮૬૦માં દીનબંધુ મિત્રાએ ‘નીલ દર્પણ’ નાટક લખ્યું અને એનો અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત થયો. આથી યુરોપમાં પણ બંગાળના ખેડૂતોની હાલત વિશે લોકોનું ધ્યાન દોરાયું, ૧૮૬૧માં બ્રિટને આની સામે નમતું મૂક્યું અને ગળીના ખેડૂતોની સમસ્યાનો અભ્યાસ કરવા પંચ નીમ્યું. પંચે ૧૩૪ સાક્ષીઓનાં નિવેદનો નોંધ્યાં અને ગળીના વાવેતરમાં થતા શોષણ પર પ્રકાશ પાડ્યો. પરિણામે બંગાળમાં તો ધીમે ધીમે ગળીનું વાવેતર બંધ પડ્યું પણ બિહારમાં ચાલુ રહ્યું તે છેક ૧૯૧૭માં મહાત્મા ગાંધીએ ચંપારણમાં સત્યાગ્રહ કર્યો તે સાથે બંધ થયું.

    ૦૦૦

    સંદર્ભઃ

    ૧. https://www.britannica.com/topic/Indigo-Revolt

    ૨. https://www.worldhistory.org/Indigo_Revolt/

    ૩. https://indianculture.gov.in/stories/indigo-revolt-bengal#

    ૦૦૦

    (૨) એબરડીનની લડાઈ (આંદામાન) અથવા દૂધનાથ તિવારીની દગાબાજી

    ૧૮૫૯નું વર્ષ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી માત્ર ગળીના ખેડૂતોના વિદ્રોહ માટે જ નહીં પણ આંદામાન ટાપુ પર ઍબરડીનમાં ગ્રેટ અંડમાનીઝ જાતિએ અંગ્રેજો વિરુદ્ધ છેડેલા યુદ્ધ માટે પણ જાણીતું છે. ૧૮૫૭ પછી આદિવાસીઓના જેટલા બળવા થયા તેમાં ઍબરડીનની લડાઈ સૌથી પહેલી હતી.

    આંદામાન ટાપુઓ ત્યારે ‘કાલા પાની” તરીકે ઓળખાતા.  ૧૮૫૭ના  વીરોને કાં તો ફાંસી આપી દેવાતી અથવા કાલા પાની મોકલી દેવાતા. એમને કઠોર પરિશ્રમની ફરજ પાડવામાં આવતી.  જેમને તરીપારની સજા કરાતી તે ફાંસીએ ચડાવેલા લોકો કરતાં વધારે નસીબવાળા નહોતા. મોટા ભાગે તો એક કે બે વર્ષની અવધિમાં અત્યંત જુલમ અને કાળી મજૂરીને કારણે મોતને ભેટતા. કોઈક એવા હતા કે જંગલમાં કામ કરવા જતા ત્યારે ભાગી છૂટવામાં સફળ થતા અને નિષ્ફળ જાય તો ગાર્ડો એમને ગોળીએ દઈ દેતા.  આવા કેદીઓનો સામનો આદિવાસીઓ સાથે થતો. આદિવાસીઓ એમને જોતા અને મોટા ભાગે તો મારી નાખતા. પરંતુ એમને એક વાત સમજાઈ હતી કે તળભૂમિના આ લોકો બે પ્રકારના હતા – એક તો બેડી ડસકલાંવાળા હતા અને  એમની સાથે કોઈ મુક્ત લોકો પણ હતા.  મોટાભાગે તો એ મુક્ત લોકો એટલે કે ગાર્ડોને જ પોતાના તીરકામઠાંનું નિશાન બનાવતા અને બેડીઓમાં ઝકડાયેલા લોકોને ઉપાડી જતા. તે પછી એમનો વ્યવહાર જોઈને એમને પોતાની જાતિમાં ભેળવી લેતા અથવા મોતને ઘાટે ઉતારી દેતા.

    આવો એક કેદી દૂધનાથ તિવારી ૧૮૫૮માં આંદામાન પહોંચ્યા પછી બે જ અઠવાડિયાંમાં ભાગવામાં બીજા નેવું કેદીઓ સાથે  સફળ થયો.  એ બધા જંગલમાં ભોજન અને પાણીની શોધમાં ભટકતા હતા ત્યારે આંદામાનીઓએ એમને જોઈ લીધા અને બધાને  મારી નાખ્યા પણ દૂધનાથ  અને બીજા બે કેદી બચી ગયા અને ભાગી છૂટ્યા. એમને પણ ગંભીર ઈજાઓ થઈ હતી, પણ જંગલમાં ભટકતા રહ્યા.  ફરી એમનો ભેટો આંદામાની સ્ત્રીઓ અને બાળકોના એક જૂથ સથે થયો. ભારે સકહ્ત હુમલામાં બે જણ મર્યાગયા પણ દૂધનાથ મરવાનો ડોળ કરીને પડ્યો રહ્યો.

    હવે એને જીવતો જોઈને આંદામાનીઓને નવાઈ લાગી અને મારી નાખવાની તૈયારી કરતા હતા પણ દૂધનાથે દયાની ભીખ માગી એટલે એને  બદલે એને પોતાની સાથે લઈ ગયા અને એને મિત્ર માન્યો. એ એમની સાથે જંગલમાં ખાવાનું શોધવા કે શિકાર કરવામાં પણ સાથે જતો. એમની ચર્ચાઓ અને લડાઈની તૈયારીઓમાં પણ સામેલ થવા લાગ્યો.  જૂથ સાથે ભટકતાં એ જંગલના રસ્તાઓનો ભોમિયો બની ગયો અને આંદામાનીઓની ભાષા પણ શીખી ગયો. પરંતુ હજી એને  શસ્ત્રાગાર સુધી જવા નહોતા દેતા. એમ ઘણા મહિના કાઢ્યા પછી. આંદામાનીઓને દૂધનાથ પર સંપૂર્ણ ભરોસો બેઠો. એમણે પોતાની જાતિની જ એક છોકરી સાથે એને પરણાવી દીધો.

    આંદામાનીઓ સાથે લગભગ એક વર્ષ રહ્યા પછી એને ખબર પડી કે  એમણે ઍબરડીનમાં અંગ્રેજોની છાવણી પર હુમલો કરવાની યોજના બનાવી છે. દૂધનાથને એમાં પોતાની મુક્તિ જોવા મળી.

    એ પણ હુમલા માટે જતા જૂથ સાથે હુમલા માટે જોડાયો. પરંતુ છેલ્લી ઘડીએ એ સૌની નજર બચાવીને અંગ્રેજો પાસે પહોંચી ગયો અને એમને સાવધ કરી દીધા. આદિવાસીઓ  હુમલો કરે તે પહેલાં જ અંગ્રેજી ફોજ તૈયાર થઈ ગઈ.  તીરકામઠાં બંદુકો અને તોપો સામે નિષ્ફળ ગયાં અને હજારો આંદામાનીઓ માર્યા ગયા.  અંગ્રેજોએ એને પોતાની સાથે લઈ લીધો અને એની જનમટીપની સજા માફ કરી.

    સવાલ એ છે કે દૂધનાથ ને અંગ્રેજોએ જ સજા કરીને આંદામાન મોકલ્યો હતો. તે પછી એને આદિવાસીઓએ માનભેર સ્વીકાર્યો. તેમ છતાં એણે એમને દગો દીધો અને એના શોષક અંગ્રેજોની સાથે મળી ગયો.  કદાચ એને  અંગ્રેજો વધારે પોતાના જેવા લાગ્યા!

    ગમે તેમ, આ આપણા જેવા સુધરેલાઓના માથે એક કલંક છે.

    માનો કે અંગ્રેજોએ એની સજા માફ ન કરી હોત તો એ કઈ રીતે બચી શક્યો હોત?

    ૦૦૦

    સંદર્ભઃ

    https://utkarshrai.com/battle-of-aberdeen-andaman-1859-ad/


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • ક્યાંથી ઉઠે? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પક્ષી આદિકાળથી મનુષ્યનું પ્રિય રહ્યું છે. નાનકડું, નિર્દોષ અને નાજુક જણાતું પક્ષી ખાસ કશો ઉપદ્રવ કરતું નથી. ઘણાં પક્ષીઓ આંગણે, સીમમાં તેમજ વગડામાં આવતાં રહે છે. આને કારણે પોતાના મનની અનેક લાગણીઓ કવિઓ પક્ષી થકી વ્યક્ત કરતા આવ્યા છે. અલબત્ત, મનુષ્યની એ પ્રકૃતિ રહી છે કે તે જેને ધિક્કારે એનું નિકંદન કાઢી નાખે, પણ જેને પ્રેમ કરે એનોય સફાયો કરી દે. ‘ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો’ જેવી પંક્તિઓ ચકલીનું માનવ સાથે સદીઓ જૂના સહઅસ્તિત્વનું પ્રતિબિંબ છે. એક સમયે ઘરઆંગણે પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી આ ચકલીઓની સંખ્યા ઘણા વરસોથી ચિંતાજનક રીતે ઘટી રહી છે. પણ આ હકીકત કેવળ ચકલીઓને જ લાગુ નથી પડતી. અનેક પક્ષીઓની સંખ્યા વિવિધ કારણોસર ઘટી રહી હોવાનું જણાયું છે.

    સ્ટેટ ઑફ ઈન્‍ડિયાઝ બર્ડ્ઝ રિપોર્ટ ઑગષ્ટ, ૨૦૨૩ના છેલ્લા સપ્તાહમાં બહાર પાડવામાં આવ્યો. બૉમ્બે નેચરલ હીસ્ટ્રી સોસાયટી, ‘વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્‍ડિયા, ઝૂલોજિકલ સર્વે ઑફ ઈન્‍ડિયા, વર્લ્ડવાઈડ ફન્‍ડ ફોર નેચર જેવાં પ્રતિષ્ઠિત સરકારી અને બિનસરકારી મળીને કુલ તેર સંગઠનોના સંયુક્ત પ્રયાસના પરિણામસ્વરૂપ આ અહેવાલ આપણા દેશનાં મુખ્ય પક્ષીઓની પ્રજાતિની જાળવણીનું મૂલ્યાંકન દર્શાવે છે. વૈજ્ઞાનિક ઢબે કરાયેલી સર્વેક્ષણ પદ્ધતિ અનુસાર તૈયાર થતો આ અહેવાલ નિષ્ણાતો અને સામાન્ય માણસો માટે એક આધારભૂત માર્ગદર્શિકા બની રહે છે.

    આ વખતના અહેવાલમાં એવી અનેક બાબતો ઉજાગર થઈ છે જે ચિંતાજનક છે. અલબત્ત, એ અણધારી નથી, કેમ કે, અગાઉના અહેવાલોમાં વિશ્વભરમાં પક્ષીઓની સંખ્યા ઘટી રહી હોવાનું જણાવાયું છે.

    રેખાંકન – સૌમિત્ર દેશમુખ । સ્રોતઃ https://stateofindiasbirds.in/

    અહેવાલ અનુસાર, કુલ ભારતમાં જોવા મળતી પક્ષીઓની ૩૩૮ પ્રજાતિઓમાંથી ૬૦ ટકા પ્રજાતિની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ૨૯ ટકા પ્રજાતિની સંખ્યા સ્થિર છે, જ્યારે ૧૧ ટકા પ્રજાતિની સંખ્યામાં વધારો થયો છે. આ ૩૩૮ પ્રજાતિઓનો અભ્યાસ લાંબા ગાળાથી થઈ રહ્યો છે. તેની સરખામણીએ, પ્રવર્તમાન સમયમાં અભ્યાસ કરાયો હોય એવી ૩૫૯ પક્ષીઓની પ્રજાતિ પૈકી ૩૯ ટકા પ્રજાતિઓ ઘટી છે, ૧૮ ટકા પ્રજાતિઓની સંખ્યા ઝડપભેર ઘટી રહી છે, જ્યારે ૫૩ ટકા પ્રજાતિઓની સંખ્યા સ્થિર છે. આમ, સમગ્રપણે જોતાં ઘટી રહેલી પ્રજાતિઓની સંખ્યા વધી રહેલી પ્રજાતિઓની સંખ્યાને સરખામણીએ અનેકગણી વધુ છે. ખાસ કરીને આર્દ્રભૂમિ, વર્ષાવન, ઘાસિયા ભૂમિ વગેરે જેવાં વિશિષ્ટ અને મર્યાદિત સ્થળોએ વસવાટ કરતાં વિશેષ પક્ષીઓની સંખ્યામાં ઝડપભેર ઘટાડો થઈ રહ્યો છે. તેમની સરખામણીએ વૃક્ષો, બગીચા કે ખેતર જેવા વધુ વિસ્તાર ધરાવતા પ્રદેશોમાં વસવાટ કરતાં સામાન્ય પક્ષીઓની સંખ્યામાં ખાસ ફેરફાર નથી જણાયો. આમ થવાનું કારણ આ બન્ને પ્રકારના પક્ષીઓની પ્રકૃતિ છે. વિશેષ પક્ષીઓના આવાસ સંકોચાવા લાગે ત્યારે તેમને ટકી રહેવું મુશ્કેલ પડે છે, જ્યારે સામાન્ય પક્ષીઓ નવા પર્યાવરણમાં પ્રમાણમાં સહેલાઈથી અનુકૂલન સાધી લે છે. ઘાસિયા ભૂમિ પરનાં તેમજ ઘણાં યાયાવર પક્ષીઓ તથા પશ્ચિમ ઘાટમાં જોવા મળતાં સામાન્ય પક્ષીઓની સંખ્યામાં ઝડપભેર ઘટાડો થયો છે. સામાન્ય પક્ષીઓની ૨૩૨ પ્રજાતિઓ પૈકી ઘણાં વર્ષાવનના રહેવાસી છે અને તેમની સંખ્યા સતત ઘટી રહી છે. ખાસ કરીને પૃષ્ઠવંશી સજીવો તથા મૃત સજીવોના માંસ પર નભનારા પક્ષીઓની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો થયો છે. ગીધ ૯૫ ટકા લુપ્તતાને આરે પહોંચી ગયા છે. ઘણા કીટકભક્ષી પક્ષીઓની સંખ્યા પણ ઘટી રહી છે. અહેવાલ અનુસાર, સમગ્રપણે જોઈએ તો ૧૪૨ પ્રજાતિઓની સંખ્યા ઘટી રહી છે, તેની સરખામણીએ 28 પ્રજાતિઓની સંખ્યા વધી રહી છે.

    શું કારણ છે આ પ્રજાતિમાં થઈ રહેલા ઘટાડાનું? પક્ષીઓના આવાસ તેમજ ખોરાકના સ્રોત સંકોચાવા, જળવાયુ પરિવર્તન, અમુક રોગો તેમજ શહેરીકરણને મુખ્ય પરિબળ ગણાવાયા છે. એવું જોવા મળ્યું છે કે શહેરીકરણને લઈને પક્ષીઓનું એકરૂપીકરણ થાય છે, એટલે કે એકસમાન પ્રજાતિનાં પક્ષીઓ જ વસવાટ કરતા થાય છે. એ પણ હકીકત છે કે સંવર્ધનના પ્રયાસ મુખ્યત્વે વાઘ, સિંહ, ચિત્તા જેવાં મોટાં અને તરત નજરે પડતાં પ્રાણીઓ માટે જ થાય છે. પક્ષીઓના સંવર્ધન તરફ ખાસ ધ્યાન રખાતું નથી.

    હકીકતે પક્ષીઓ માનવજીવનનાં અભિન્ન અંગ છે. પરાગરજના વહનથી લઈને સફાઈ સુધીનાં અનેક કામ થકી તેઓ માનવ માટે ઊપયોગી છે. પક્ષીઓ બે પગવાળા ડાયનોસોરના વિશિષ્ટ પ્રકારના પેટાજૂથ છે, જે સૂચવે છે કે તેમણે અનેક રૂપાંતરો થકી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. હવે માનવજાતની દખલથી તેમના અસ્તિત્વ પર જોખમ તોળાવાનો આરંભ થયો છે.

    પક્ષીઓની વિવિધ પ્રજાતિના સંવર્ધન માટે વિવિધ પગલાં સૂચવાયેલાં છે. એ મુજબ, તેમના આવાસની જાળવણી અથવા પુન:સ્થાપન, આરક્ષિત વિસ્તાર ઊભા કરવા અને તેનું વ્યવસ્થાપન, પ્રદૂષણમાં ઘટાડો, જળવાયુ પરિવર્તનની અસરમાં ઘટાડો, માનવજાતની દખલને મર્યાદિત કરવી વગેરે છે. આ ભલામણો વાંચીને જ ખ્યાલ આવી જાય કે એ કાગળ પર રહેવા જ સર્જાઈ છે.

    જોશભેર ચાલી રહેલાં વિકાસનાં કામોમાં માનવજીવન પ્રત્યેની નિસ્બત પણ કોરાણે મૂકાઈ જતી હોય ત્યાં પક્ષીઓના અસ્તિત્વની ફિકર કોણ કરે? એવું નથી કે આ વલણ કેવળ આપણા દેશ પૂરતું સીમિત છે. વિશ્વભરમાં પક્ષીઓની મોટા ભાગની પ્રજાતિની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. કેમ કે, વિકાસની દોટ વિશ્વભરમાં ચાલી રહી છે, જેનો છેડો આવે એમ લાગતું નથી. આશ્વાસન એટલું કે આવા અભ્યાસ થાય ત્યારે ખબર તો પડે છે કે અધ:પતનની ગતિ કેટલી છે!


    (શિર્ષકપંક્તિ: કલાપિ)


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૫ – ૧૦ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    સર્જન એક પ્રક્રિયા છે. તે વડે પરિણામ પર પહોંચવાનું હોય છે. આ પરિણામ તે કલાનુભવને શક્ય બનાવનારી શક્ય કશી પણ રચના. એ રચના વડે ભાવકને કલાનો અનુભવ થાય છે; રસાનુભવ, આનંદાનુભવ (સુમન શાહ, કલામીમાંસા, પૃ.૧૪૫)  આવો રસાનુભવ કે આનંદાનુભવ જે કૃતિ કરાવે તે સ્વાભાવિક રીતે સર્જનાત્મક કૃતિ ગણાય. આવી કૃતિઓમાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક આદિનો સમાવેશ થાય.

    સાહિત્યની આ પ્રકારની સર્જનાત્મક કૃતિઓ એની ક્ષમતાને લઈને વિવિધ ભાષાઓમાં અનુવાદિત થતી રહેતી હોય છે. આ પ્રકારના અનુવાદો આ કૃતિઓનાં વ્યાપને સિદ્ધ કરતા હોય છે. સાથોસાથ આ પ્રકારના અનુવાદો એક મહત્વનું અને એટલું જ મુશ્કેલ કામ બનતું હોય છે. શ્રીમતી દુર્ગાભાગવત ઉચિત રીતે નોંધે છે તેમ “… ઉત્કૃષ્ટ અનુવાદ દુર્લભ વસ્તુ છે. કલાપૂર્ણ સાધના દ્વારા એનો જન્મ શક્ય છે એ ભૂલવું ન જોઈએ. અભિજાત કલાકારની જેમ જ અભિજાત અનુવાદક પણ કયારેક જ પેદા થાય છે….”

    કવિની સાધનામાં ‘પદ્યાનુવાદની સમસ્યા’ એ લેખમાં ઉમાશંકર નોંધે છે તેમ બીજી ભાષાની કૃતિને સ્વભાષામાં ઉતારવાની ક્રિયા માટે આપની પાસે બે શબ્દો છે : ભાષાન્તર અને અનુવાદ. આ બે શબ્દો જરીક ખોલીને જોવા જેવા છે. એમ કરતાં કૃતિને સ્વભાષામાં ઉતારવાની આખીય સરણી સુરેખ રીતે સમજવામાં મદદ મળવા સંભવ છે. ભાષાન્તર એટલે અન્ય ભાષા. ભાષાન્તર શબ્દ કૃતિને અંગે ભાષાપલટો થયો છે એ બાહ્ય હકીકત ઉપર ભાર મૂકે છે. અનુવાદ એટલે મૂળની પાછળ પાછળ – મૂળને અનુસરીને બોલવું તે. ‘અનુવાદ’ શબ્દ ભાષાન્તર કેવી રીતે થયું તેની આંતરપ્રક્રિયા તરફ લક્ષ ખેંચે છે. કૃતિની ભાષા પલટાય – ‘ભાષાન્તર’ થાય એટલું પૂરતું નથી, મૂળ કૃતિનો જે અવાજ છે તે ઝિલાવો જોઈએ. ભાષાપલટો કરી દેવો – ‘ભાષાન્તર’ આપવું એટલો જ આશય હોવો ન જોઈએ, ‘અનુવાદ’ કરવાનો પ્રયત્ન હોવો જોઈએ. દરેક અનુવાદ ભાષાન્તર તો હશે જ, દરેક ભાષાન્તર અનુવાદ હશે જ એમ કહી ન શકાય.

    કલાતત્ત્વજ્ઞ ક્રોચે સિદ્ધાન્તદૃષ્ટિએ ‘અનુવાદની અશક્યતા’ (‘impossibility of translations’- Aesthetic પૃ.૬૮) ની વાત કરે છે. પ્રત્યેક અભિવ્યક્તિને પોતાનું નોખું વ્યક્તિત્વ હોય છે. કલાકારને હાથે એને મળેલા વિશિષ્ટ ભાષાઘાટમાં એનું જેવું વ્યક્તિત્વ છે તેવું ને તેવું બીજા કોઈ ઘટમાં પણ શી રીતે પ્રગટ થાય? શબ્દને બદલે શબ્દ મૂકવામાં આવે છે તો અસુંદર ખોખું માત્ર નીપજે છે, સુંદર કલાકૃતિ બનાવવા પ્રયત્ન થાય છે તો મૂળ પ્રત્યેની વફાદારીમાં શિથિલતા આવે છે – મૂળ કૃતિની મદદથી લાધેલું નવું જ દર્શન અનુવાદક પાસેથી મળે છે. મૂળ કૃતિ મળવી અશક્ય છે. ‘વફાદારીપૂર્વકની અસુંદરતા અથવા બિનવફાદાર સુંદરતા’એ બે વચ્ચે જાણે કે અનુવાદકે પસંદગી કરવાની રહે છે ! તેમ છતાં કલાકૃતિઓને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ લેખનાર ક્રોચે તેઓની વચ્ચે ઐતિહાસિક આદિ કારણે કૌટુમ્બિક સરખાપણું (family likeness) સ્વીકારે છે અને તેના અનુસંધાનમાં અનુવાદોની ‘सापेक्ष’ શક્યતા(‘relative possibility of translations’)નો નિર્દેશ કરે છે. મૂળ અભિવ્યક્તિના પુનનિર્માણરૂપ અનુવાદ અજમાવવા વ્યર્થ છે પણ મૂળને થોડીવત્તી લગભગ – મળતી – આવતી સાદૃશ્ય (સરખાપણા) વાળી (Similar) અભિવ્યક્તિઓ નિપજાવી શકાય. ક્રોચે ઉમેરે છે કે સારો લેખાતો અનુવાદ તે આવું લગોલગ સરખાપણું ધરાવનારી – અને જેને કલાકૃતિ તરીકે મૌલિક મૂલ્ય હોય અને જે પોતાની મેળે ઊભી રહી શકે એમ હોય એવી – કૃતિ હોય છે.

    આ સંદર્ભમાં પોતાના અનુભવને ટાંકતા ઉદાહરણ સાથે ઉમાશંકર એમણે કરેલા ‘ઉત્તરરામચરિતમ’નાં સમશ્લોકી અનુવાદની વિગત ટાંકતા નોંધે છે. ક્યારેક મૂળ રવાનુકારી શબ્દનો તે ને તે રૂપે આપણી ભાષામાં ઉપયોગ ન થઇ શકવાને કારણે પણ મુશ્કેલી ઊભી થાય છે ઉતરરામચરિતનાં બીજા અંકના છેલ્લા શ્લોકની પંકિતમાં ધસારાભેર વહેતાં સરિદ્વારીનો ઘોષ સંભળાય છે, પણ તેમાં મુખ્ય ફાળો આપનાર શબ્દ ‘ગદગદ’ ગુજરાતીમાં ‘ગળગળું’ અર્થ સૂચવી ન બેસે એનું ધ્યાન રાખવાનું રહે.

    સર્જનાત્મક કૃતિઓના થયેલા અનુવાદોનાં આવા ઉદાહરણોને ક્રમશઃ તપાસીએ તો ગુજરાતીના સમર્થ અનુવાદકાર અને સ્વાનુભવના બળે અનુવાદ સિદ્ધાંતના ઉત્તમ વિવેચક અને વિચારક એવા શ્રી નગીનદાસ પારેખ. એમણે કરેલા અનુવાદો અંગે સદ્રષ્ટાંત ચર્ચા કરતાં પોતાના અનુભવને આમ વર્ણવે છે : ‘ઘણી વાર લેખક જે વિષયની ચર્ચા કરતો હોય છે તેને વિશેના પોતાના મનોભાવ પણ પોતે યોજેલા શબ્દો દ્વારા વ્યક્ત કરતો હોય છે, એટલે પોતાની ભાષામાં શબ્દ પસંદ કરતી વખતે અનુવાદકે આ વાત પણ ધ્યાનમાં રાખવી પડે છે. ‘કલ્કી’ના મારા અનુવાદમાં એક ઠેકાણે trial  marriage માટે મેં ‘જાંગડ લગ્ન’ શબ્દ વાપરેલો છે. તે વિષે સ્વ. મુ. શ્રી નરહરિભાઈ પરીખે મને કહ્યું હતું કે એ પ્રયોગમાં મૂળમાં નથી એવો એ વસ્તુ પ્રત્યેની સહેજ નાપસંદગીનો ભાવ આવે છે તે બરાબર નથી. ખરેખર એમ થાય છે કે નહિ એ વાત બાજુએ રાખીએ તો, એમણે ઉઠાવેલો આ મુદ્દો ખરેખર મહત્ત્વનો છે. મૂળમાં ન હોય એવી અર્થછટા અનુવાદમાં વ્યક્ત ન થાય એ પણ દોષ ગણાય. પણ કેટલીક છટાઓ બીજીભાષામાં દર્શાવી શકાતી જ નથી, અને ત્યાં મૂળની ભૂમિકા સમજી લઈ અર્થગ્રહણ કરવાનું રહે છે. આપણે એક સામાન્ય દાખલો લઈએ. બંગાળમાં પુત્રી, પૌત્રી કે પુત્રવધુને ‘મા’ કહીને સંબોધવામાં આવે છે. એ દેશમાં બહુ પ્રચલિત દેવીપૂજા અને એવાં બીજાં કારણોને લીધે સ્ત્રીજાતિ પ્રત્યે જે એક પ્રકારનો મનોભાવ સેંકડો વર્ષોની પરંપરાથી અસ્તિત્વમાં આવેલો છે. તેની ભૂમિકા ઉપર અ એક નાનકડા સંબોધન દ્વારા વ્યક્ત થતો આદર, હેત, લાડ વગેરેનો સંમિશ્ર ભાવ બીજી ભાષામાં કોઈ એક શબ્દ દ્વારા વ્યક્ત થઈ શકે એમ નથી. આપણે ગુજરાતીમાં ‘મા’ સંબોધન રાખીએ છીએ તો બંગાળ જેવી ભૂમિકા આપણે ત્યાં ન હોવાથી તે વિચિત્ર લાગે છે. આપણે ત્યાં પ્રચલિત ‘બહેન’, ‘બેટા’ વગેરે સંબોધનો વાપરીએ છીએ તો મૂળની છટા આવતી નથી.  આવે સ્થળે મૂળ સંબોધન કાયમ રાખી તેની સામાજિક ભૂમિકા ટીપમાં સમજાવવી એ જ ઉપાય ઠીક લાગે છે. કેટલીક વાર આવી મુશ્કેલી ટાળવા રૂપાંતરનો માર્ગ લેવામાં આવે છે, પણ તેમ કરવા જતાં મૂળનું ઘણું સૌંદર્ય જતું કરવું પડે છે, અને કરેલા ફેરફારથી મૂળ કૃતિને ઘણું સોસવું પડે છે. આપણે ત્યાં પશ્ચિમની અનેક કૃતિઓનાં રૂપાંતરો કે વેશાંતરો થયેલાં છે, તેને મૂળ સાથે સરખાવી જોવાથી આ વાતની ખાતરી થશે.

    આવા કોઈ અનિવાર્ય અપવાદો બાદ કરતાં અનુવાદની ભાષા રૂઢ ગુજરાતી રહેવી જોઈએ. બીજી ભાષાના રૂઢિપ્રયોગોનો અનુવાદ કરવો ન જોઈએ, જોકે આપણા દેશની ભાષાઓમાંથી અનુવાદ કરવામાં કોઈ વાર આપણે રૂઢિપ્રયોગોનો અનુવાદ કરીએ તોયે અર્થ સમજાય એવો રહે એમ બનવા સંભવ છે, પણ એની ગણના અપવાદમાં થવી જોઈએ. મૂળની વાક્યરચના વગેરેને ખૂબ વફાદાર રહેવા જતાં અનુવાદસમજાય એવો જ ન રહે તો અનુવાદનું પ્રયોજન જ માર્યું જાય. આથી અનુવાદમાં ભાષાની સ્વાભાવિકતા અને અર્થની વિશદતા અથવા પ્રાસાદિકતા સચવાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

    વાર્તા કે નાટકમાંના સંવાદોના અનુવાદમાં વિશેષ કાળજી રાખવી પડે છે. એવે પ્રસંગે ભાષા વધારે ઘરગથ્થું, સંક્ષિપ્ત, વેગવતી અને ચોટદાર હોય છે. એને બીજી ભાષામાં ઉતારતાં વાક્યો અરૂઢ, કઢંગાં કે અસંબંદ્ધ ન લાગે એ જોવાનું હોય છે. સંવાદમાં શબ્દોના ક્રમ ઉપર, વિશેષણો, ક્રિયાવિશેષણો વગેરેનાં સ્થાન ઉપર ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર સહેજ અમથા ફેરફારથી આખો અર્થ માર્યો જાય છે અથવા ચોટ રહેતી નથી. ઉપરાંત, સંવાદમાં પાત્રોનો સામાજિક દરજ્જો તેમની ઉક્તિઓમાં પ્રતિબિંબિત  થતો હોય છે, એ સમજીને જાળવવો જોઈએ.

    અનુવાદ એ બરાબર બંધબેસતો થાય એવો શબ્દ શોધી કાઢવાની કળા છે. અને એવો બરાબર બંધબેસતો શબ્દ મળી જાય છે, ત્યારે અનેક શબ્દો વાપરવાના દોષમાંથી ઊગરી જવાય છે, અને શૈલી સચવાય છે. વળી, અનુવાદ માટે બુદ્ધિની અમુક મંદતા પણ જરૂરની હોય છે, અને ‘બુદ્ધિના ચમકારાભર્યા’ અર્થઘટનો માટે જે આડે રસ્તે ફંટાતો નથી એવો મંદબુદ્ધિ અનુવાદ જ શ્રેષ્ઠ અનુવાદ હોય…. કારણ મંદબુદ્ધિ માણસમાં જ વફાદારી હોય છે. (પૃ.૨૭)

    પંચતંત્રના અનુવાદના એક શ્લોકનો થયેલો અનુવાદ આ પ્રમાણે છે,  “વાદળથી ઘેરાયેલા ચોમાસાના દિવસે, અંધારા પખવાડિયામાં, જેમાં મુશ્કેલીથી ફરી શકાય એવી નગરની ગલીઓમાં, પતિ જ્યારે વિદેશ ગયો હોય ત્યારે વ્યભિચારિણી સ્ત્રીને પરમ સુખ થાય છે.” (પૃ.૪૦)

    અહીં અર્થ કંઇક આમ કરવો જોઈતો હતો એમ લાગે છે:

    “વાદળથી ધેરાયેલો દિવસ હોય, અંધારિયું પખવાડિયું હોય, નગરની ગલીઓ મુશ્કેલીથી ફરી શકાય એવી થઈ ગઈ હોય, અને પતિ વિદેશ ગયો હોય ત્યારે…”

    કાલીદાસ કૃત ‘શાન્કુન્તલ’ ના શ્રી કે.કા. શાસ્ત્રીએ કરેલા અનુવાદનું ટીપ્પણ કરતા નગીનદાસે નીરપ્યું છે તેમ ‘પ્રિયંવદા  જ્યારે એમ કહે છે કી શકુંતલા વનજ્યોત્સ્નાને ધારી ધારીને નજોઈ રહી છે તેનું કારણ એ છે કે એના મનમાં એમ છે કે “વનજ્યોત્સ્ના જેમ પોતને અનુરૂપ વૃક્ષની સાથે જોડાઈ તેમ હું પણ મને અનુરૂપ વરને મળવું.” ત્યારે શંકુતલા કહે છે : એનો અનુવાદ આ પ્રમાણે કર્યો છે : एष नूनं तवात्मगतो मनोरथः | ‘એ તો તારા મનમાંથી ઊભા કરેલા ઘોડા છે.” એ બરાબર નથી. એનો અનુવાદ “એ તો તારા પોતાના મનોરથ છે “ કે એવો કંઇક થવો જોઈએ. (પૃ.૪૩)’

    શ્રી સર્વાન્તેસની સ્પેનીશ નવલકથા દોન કિહોતેના બે જુદા જુદા અનુવાદોને (શ્રી ચંદ્રવદન મહેતા અને એક અનામી પારસી લેખકે કરેલા અનુવાદો સાથે સાથે મૂકી આપીને શ્રી જયંત મેઘાણીએ એનું રસપ્રદ તારણ આપવાનો સુંદર પ્રયત્ન કર્યો છે.

    આવી બધી તૈયારીઓ કર્યા પછી હવે આપણા વીર બહાદુરને થયું, કે આ દુઃખોથી ભરેલી દુનિયામાં, જો પોતે હવે કમ્મર કસીને મેદાને નહીં પડે તો એક ભારે ગુનો કર્યો ગણાશે. દુનિયા આજે બચાવવા આવા વીર પુરુષોની જ જરૂર છે. કેટલાય અન્યાયોને પોતે દૂર કરી શકશે; ત્રાસ, અપમાન, પાપ, અનીતિથી ખદબદતી દુનિયાને પોતે એકલા જ તારી શકશે; કેટલી મહાન અને પવિત્ર ફરજ પોતે બજાવી શકશે, એનો જ્યારે એમણે મન સાથે તાળો મેળવી લીધો, ત્યારે પોતાના મનસૂબાને અમલમાં મૂકવાનો સમય હવે પાકી ચૂક્યો છે એમ એમણે ઠરાવ્યું. એટલે જયારે જુલાઈ મહિનાનો તાપ બરાબર પડવા માંડ્યો હતો ત્યારે, હજી તો પ્હો ફાટ્યો નથી તે પહેલાં, સવારે, એકાદ ચલીઆચક્કુને પણ કહ્યા વિના, કોઈ કલ્પી પણ ન શકે એટલી ચુપકીદીથી પગથી માથા સુધી પોતાની જાતને બખ્તરમાં મઢી લઈ, પોતાના કનોરા કોઠાને હેલમેટમાં જડી, ઢાલ અને ભાલો સજી રોઝીનાન્ટ ઘોડા ઉપર સવાર થઈ, ઘરના વાડાના પાછલા દરવાજા આગળથી આપણા વીર અસવાર, મેદાને જંગમાં, જંગ જીતવા સરકી પડ્યા. કેવું સુંદર મંગળાચરણ થયું છે એમ એક બાજુએ વિચાર કરે છે, ત્યાં એમની ખોપરીમાં એક બીજો જ વિચાર ખટક્યો. હજી તો ચાર ચરણ મંડાયાં નથી એ પહેલાં એ આ વિચારના દાવાનળમાં સીઝી ગયા, અને ઘડીભર તો માથે લીધેલા આ સાહસને પડતું મુકવાનું પણ એને મન થઈ ગયું.

    જેવી એ સઘળી ગોઠવણો તમામ થઈ તેવો જ તેને પોતાનો ઈરાદો અમલમાં લાવવાનો વખત લગાડ્યો નહી, ઉલટો તે તેની ઉતાવલમાં પડ્યો, તેને વીચાર આવ્યો કે જગતમાં એટલા તો શીતામોના તેને ઉપાયો કરવાના હતા, એટલાંતો નુકશાનોના તેને બદલા અપવાના હતા, એટલી તો ભુલો તેને સુધારવાની હતી, એટલી તો ખરાબ રીતે તેને સારી કરવાની હતી, અને એટલાં તો કરજ તેને ફીટાડવાનાં હતાં કે તેની ધીલથી આખી આલમને કોણ જાણે કેટલાં દુખો વેઠવાં પડતાં હશે ! તેથી હવે પોતાની ધારણા જોઈનેબી જણાવ્યા વગર, અને કોઈબી તેને જોય નહી તેમ જુલાઈ મહીનાના એક ઘણા જ ગરમ દીવશે શહવારનાં માથાંથી તે પગ શુધી હથીયારબંધ બની, પેલી જંજીરી ટોપ માંથે બેશાડી, ઢાલને ગળે ઓલવી, હાથમાં ભાલો પકડી અને ‘રોઝીનાંત’ ઉપર સવાર બની વાડીને પછવાડે ને રસ્તે એક ગુપ્ત દરવાજેથી બાહેર નીકલી ખોલ્લાં મેદાનમાં તેને પોતાની શવારી ચલાવી, અને તેવી એવા જ હરખના ઉછાળા સાથે કે એવા માન ભરેલાં તેમજ જોખમ ભરેલાં તેને ઉઠાવેલાં કામની શરૂઆતમાં કસીબી તરેહની અડચણો તેને નડી નથી. પણ તે મેદાનમાં થોડેક તે આગલ વધ્યો નહી એટલામાં તો એક એવી ભયભરેલી યાદ તેને આવી કે તેથી પોતાનો ઈરાદો માંડી વાળી પાછો ઘર તરફ ફરવાની અણી ઉપરબી તે લગભગ આવી ગયો.

    શ્રી હિમાંશી શેલત એમના એક અભ્યાસ લેખમાં કવિતાનો મિજાજ અન્ય ભાષામાં કેવી રીતે ઉતરી શકે એની ચર્ચા કરતા કહે છે ‘મૂળના ભાવપ્રસારને અનુસરતો લય  પોતાની ભાષામાં પ્રગટાવવાના આદર્શ અંગે તો કંઈ કહેવાપણું ન હોય, પણ પોતાની ભાષામાં જયારે અનુવાદકે ‘સમાન્તર ભાવસ્થિતિની શોધ કરી’ હોય ત્યારે લય પણ  એ સમાન્તર ભાવસ્થિતિને કેમ ન અનુસરે. દા.ત. કેથેલીન રેઈને થે હાઉસ કાવ્યની આ પંક્તિઓ –

    ‘In My loves house,

    There are hills and pastures

    Covered with flowers…’

    મકરંદ દવેમાં આવું અનુવાદરૂપ ધરીને આવે છે –

    મારા પ્રીતમના ઓરડા ઊંચા

    કે ઓરડા ઓહો કર્યા રે લોલ,

    હરિયાળા ડુંગર ને ગોચરમાં પાથરી

    ફૂલ ભરી જાજમની ભાત.’

    ‘He has married me with a ring’ માટે અહીં ‘મારા પ્રીતમનો હાર મારે કંઠે’ જ થયું છે. પશ્ચિમમાં અદ્વૈતની ધન્ય પળના પ્રતીક સમી વીંટી, તો આપણે ત્યાં હાર- મંગલસૂત્ર. આટલી છૂટ તો મૂળ કાવ્યના પ્રાણને રક્ષવા માટેય લેવી પડે.

    આવા જ એક સુંદર તૈલુગુ દીર્ઘ કાવ્ય જલગીતનો હિન્દીમાંથી અનુવાદ કરતાં કવિશ્રી રમણીક સોમેશ્વરની આ મથામણ આજના વિષય સંદર્ભમાં જોવા જેવી છે.

    किन ब्राह्माण्डों के अन्तराल से

    ढुलक आया पानी,

    कल्पनामें न समाने वाली

    किन विशालताओं से

    इनका यह चिरन्तन प्रयाण है ।

    किन विश्तान्तरालों से

    इनका यह चिरन्तन प्रयाण है ।                                                                                                                                                                                                                                                                                                                                 किन विश्तान्तरालों से

    प्रादिम – ध्वनि ये ढोकर लाये है ! (પેજ ન.૭૩)

    આદિકાળના

    કયા બ્રહ્મ – અંડને ભેદી

    દડી પડ્યું આ પાણી !

    કલ્પી પણ ના શકાય એવી –

    કઈ વિરાટ ધારાથી એનું

    છે આ નિત્ય પ્રયાણ !

    કયા અગમ ઊંડાણેથી એ

    વહન કરી લાવ્યું

    આ આદિમ ધ્વનિ !

     

    जल का मातृ हृदय

    द्रवण शीजता का निलय है ना !

    मेघों को ऊँचाईयों तक फ़ेक दिया तो

    निश्चल पर्वतशिखरों पर

    बदलियाँ पगडियों जैसी बैठ गयीं

     

    જળનું તો કોમળ માતૃહૃદય

    આલય કરુણાનું !

    એણે ગગન ઉછાળ્યા મેઘ

    બની વાદળના સાફા

    અચલ ઊભા પર્વતના –

    મસ્તક ઉપર સોહે.

    અનુવાદને અવઢવનું કાવ્યશાસ્ત્ર ગણાવતાં શ્રી હરીશ મીનાશ્રુ આ મથામણને દીર્ઘ ચર્ચા ઉદાહરણ સાથે નોંધે છે, ‘પરકીયા’માં જયંત પારેખનું એક માર્મિક  વિધાન છે : મૂળ ભાષામાં થતો કાવ્યનો પરિચય એ એક પ્રકારનું ‘approximation’ જ હોય, તો બીજી ભાષામાં થતો એનો પરિચય એ પણ એક પ્રકારનું approximation જ હોઈ શકે ને? હવે જો આ સુવર્ણતુલામાં પરભાષાના approximationની સામેના પલ્લે સ્વભાષાનું approximation મૂકવાનું છે એ વાતનો મર્મ સમજાઈ જાય તો કામ જરા આસાન બની જાય છે. અનુવાદકની ભીતિ પ્રમાણમાં ઘટી જાય છે ને પરભાષાની કવિતામાંથી પોતાની ભાષામાં કવિતાનું approximation શોધી લેવાનો નિજધર્મ તે કેવળ પ્રીતિપૂર્વક બજાવી શકે છે.

    ઉપર કહ્યા તેવા, ગળે ઊતરે તેવા નીતિ –નિયમો હોવા છતાંય દુનિયાભરનાં અનુવાદકો એનો ક્યારેક ‘સવિનય’ તો ક્યારેક ‘ધૃષ્ટતાપૂર્વક ભંગ’ કરતાં રહેતાં હોય છે. ‘ટાગોર પોતાની કૃતિઓના અંગ્રેજી અનુવાદ કરતી વખતે એમાંથી ખાસા ખંડો ક્રૂરપણે કાઢી નાખતા’ એ વાતનો ઉલ્લેખ કરીને ઉમાશંકર કહે છે. “પૌરત્સ્ય રચનાઓની ઘેઘૂર પલ્લવિતતા તે વળી અસ્થાને લાગે છે જયારે અલ્પકથનની ફૂલતીફાલતી અંગ્રેજી જેવી ભાષામાં એને એ જ રૂપે રજૂ કરવામાં આવે.’ અહીં હું મૂંઝવણ અનુભવું છું : કોઈ બીજા અનુવાદકે આવું કર્યું હોત તો ટાગોરને ગમ્યું હોત ? આવા hypothetical પ્રશ્નો અનુત્તર રહેવા માટે જ સર્જાયા હોય છે. આવું શાથી?ઘેઘૂર પલ્લવિતતા જો સંસ્કૃત ભાષાની લાક્ષણિકતા હોય તો એનો અનુવાદ પણ એવી સમજણ સાથે જ સ્વીકારવો ઘટે ને ! એ લાક્ષણિકતાને ગાળી નાખવાની શી જરૂર ? આપણે જયારે ચીની કે જાપાની કવિતા પાસે જઈએ છીએ ત્યારે એની મિતકલ્પનભાષિતા, ભાષાની નીરવતા અને નિસર્ગના આલંબને હૃદયને વ્યક્ત કરવાની રચનારીતિ આદિની – જે એ ભાષાની કવિતાનાં લક્ષણવિશેષ છે તેની પૂરી સમજ, સ્વીકૃતિ અને પ્રતીતિ સાથે, એને માણીએ – પ્રમાણીએ છીએ. અંગ્રેજી કવિતાનું અલ્પકથન પણ આપણને વ્યવધાન બનતું નથી. એવી કવિતાનો અનુવાદ કરતી વખતે, પૂર્વના વાચકને અનુકૂળ પડે તેમ કશી ‘પલ્લવિત ઘેઘૂરતા’ રચવાની, કહો કે ઉમેરવાની ચેષ્ટા આપણે તો કરતા નથી, તો પૂર્વની કવિતાને પશ્ચિમભોગ્ય બનાવવા પેલા નીતિનિયમોનો ભંગ કરવાની શી જરૂર  એ.કે, રામાનુજને સદીઓ જૂની કન્નડ કવિતાઓ સફળતાપૂર્વક અંગ્રેજીમાં મૂકી. કેવી રીતે? કદાચ પુરાણી કન્નડ કવિતાના આધારે નવી અંગ્રેજી કવિતા રચીને, ભારે કાપકૂપ કરીને – પશ્ચિમને અનુકૂળ રીતિએ. એક અંગત દાખલો આપું : મારાં ‘નારંગીગાથા’નાં કાવ્યોના અંગ્રેજી અનુવાદ બ્રિટીશ કવિઓ, -જુલી બોડન બ્રાયન લૂઈશે તપાસ્યાં ત્યારે એમનો અભિગમ પણ આવો જ રહ્યો હતો. આ પદ્ધતિથી, બને કે કવિતાની સામે સરી કવિતા મળે, પણ અનુવાદવિદ્યા અંગે ઘણા બધા એવા ઝીણા પ્રશ્નો પણ ઊભા થાય કે જેના પ્રતીતિકર ખુલાસા ન મળે.

     

    શ્રી જયંત મેઘાણીએ ‘અનુકૃતિ’માં રવીન્દ્રનાથના કાવ્યો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં બંનેને સામસામે મૂકીને ઉતાર્યા છે. એમાં એમણે કરેલી શબ્દ પસંદગી ભાવને લયને ગુજરાતીમાં ઉતારવાની કરેલી મથામણને એમાં પ્રાપ્ત કરેલી ક્ષમતા એમની અનુવાદ સજ્જતા ની પરિચાયક બને છે.

    It was growing dark when I asked her,

    ‘What strange land have I come to ?’

    તિમિર ઘેરાતું હતું :

    મેં પૂછ્યું, ‘કયા અજાણ્યા મુલકમાં હું આવી ચડ્યો છું?’

     

    Let me seek rets in this strange land, dimly lying under the strs,

    Where darkness tringles with

    the tinkle of a wristlet knocking against a water – jar.

     

    ‘ઝાંખા તારક – ચંદરવાની છાયામાં મારો વિશ્રામ છે,

    કારણ, તિમિરસ્પર્શે પેલા ઘડૂલિયે કંકણ – ઝણકાર ગુંજ્યા કરે છે,

    ગુંજ્યા જ કરે છે…

    આ વિષયની ચર્ચા કરતાં કરતાં સ્વાનુભવની વાત ઉમેરું તો દામોદર માવઝોકૃત મૂળ કોંકણી નોવેલ ‘કાર્મેલીન’ નો અનુવાદ કરતા કરતા આવી જ મથામણ અનુભવાતી રહી.

    કૃતિ ગોવાના વાતાવરણથી રસાયેલી હોવાથી વ્યક્તિનામો પણ જાણે રૂપાંતરિત કરતી હોઉં એવું લાગતું હતું. કાર્મેલીનનો પતિ જૂજે, જેઠ બત્સ્યાંવ, જેઠાણી ઈજાબેલ – જેવાં નામો સાથે વિભક્તિ પ્રત્યયો ગોઠવતી વેળા વાક્યરચનાની રીતસરની ગોઠવણી કરવાની આવતી રહી. શબ્દપસંદગીમાં ભાવાનુસાર પર્યાય પસંદ કરવા માટે મથામણ કરવાનું બનતું રહ્યું. શબ્દપસંદગી કરતીવેળા બંને ભાષાની ક્ષમતાનો, એની અનોખી મુદ્રાનો જાણે નવી રીતે સાક્ષાત્કાર થતો રહ્યો. કેટલાક વાક્યપ્રયોગોનું ભાષાન્તર બંને ભાષાના આગવાપણાને ધ્યાનમાં લઈને આ રીતે અવતર્યું. કેટલાંક દ્રષ્ટાંતો નોંધું :

    ગલતી સે કલ તક રહ જાતી તો આજ ચિઠ્ઠી ન મિલને સે સારા મજા કિરકિરા હો જાતા ! જી ઉચાટ રહ જાતા ! (પૃ.૧, હિન્દી કૃતિ). જેનો અનુવાદ આમ અવતર્યો.

    ભૂલથીય જો પત્ર કાલ સુધી પડ્યો રહેત તો આજે એ ન મળવાથી બધી મજા મારી જાત, ને જીવ ઊંચો જ રહેત. (પૃ.૧)

    આંદ્રિતા કી સલાહ સુન કાર્મેલીન જલભુન કર રહ ગઈ ! (પૃ.૧૬, હિન્દી કૃતિ)

    આંદ્રિતાની સલાહ સાંભળીને કાર્મેલીન બળુંબળું થઈ ગઈ. (પૃ.૧૬)

    લંબી પેન્ટ પહના કરતા ઔર ‘યેસ ફૈસ’ કરતા વહ અંગ્રેજી કી ધજ્જિયાં ઉડા દેતા થા. (પૃ. ૩૪, હિન્દી કૃતિ)

    પ્રકૃતિ કા નિતાન્ત રમણીય દ્રશ્ય ઉસકો મોહિત કર રહા થા. યહાં સે વહાં તક છોટી – બડી હરી-ભરી-નીલી પહાડિયાં બિખરી થી. દૂર તક ફૈલે સુપારી કે વન, લહલહાતે હરેભરે ધાન કે ખેત સબ કુછ અસ્તગામી સૂર્ય કી સુનહરી – કિરણોં મેં ચમક કર અદભુત દ્રશ્ય પૈદા કર રહે થી. કાર્મેલીન મુગ્ધ –સી રહ ગઈ. ઉસ શોભા કો વહ આંખો મે સંજોના ચાહતી થી. ઇસ સૌંદર્ય કા પણ કરકે વહ તૃપ્તિ કા અનુભવ કર રહી થી. જૂજે સે બાતે કરતે સમય વહ ઘાયલ – સી હો જાતી થી. બેલિંદા કો સંભાલતે – સંભાલતે વહ બેદમ હો રહી થી. પ્રકૃતિ કી સુંદરતા ને ઉસ પર મિહિની –સી ડાલ દી થી. યહ ચિર યૌવના ધરતી ઉસકા હાથ પકડ અપની ઔર ખીચ રહી થી. રાહ કે નારિયલ કે પૌંધો કે પત્તે આગે બઢ ઉસકે સાથ ખિલવાડ સે કર રહે થે સીને સે લગ-લગ કર…! (પૃ.૧૦૦૦, હિન્દી કૃતિ)

    નિતાંત રમણીય પ્રકૃતિ એને મોહ પમાડી રહી હતી. બંને બાજુ નાની, મોટી, હરીભરી નીલ પર્વતમાળા વિખરાયેલી હતી. દૂર સુધી ફેલાયેલાં સોપારીનાં વન,  હર્યાભર્યા ધાન્યથી લહેરાતાં ખેતરો, સઘળું કંઈ અસ્તાચળે જઈ રહેલા સૂર્યનાં કિરણોમાં સ્નાન કરીને અદભુત દ્ર્શ્યાવલિ સર્જતું હતું. કાર્મેલીન મુગ્ધ થઈ ગઈ. આ શોભાને એ આંખમાં આંજી દેવા માગતી હતી. કુદરતના આ સૌંદર્યનું પણ કરીને એ તૃપ્તિનો અનુભવ કરી રહી હતી. જૂજેનીસાથે વાતચીત કરતી વખતે એ પ્રભાવિત થઇ જતી હતી, તો બેલિંદાને સાંભળતાં – સાંભળતાં એ ખૂબ થાકી જતી હતી. પ્રકૃતિના સૌંદર્યે એના પર મોહજાળ પાથરી દીધી હતી. આ ચિરયૌવના ધરતી કાર્મેલીનનો હાથ પકડીને એને પોતાના તરફ ખેંચી રહી હતી. રસ્તામાં આવતાં નાળિયેરનાં વૃક્ષોનાં પાન આગળ વધીને એની સાથે રમત કરી રહ્યાં હતાં…(પૃ.૧૦૨)

    આ મુદ્દાને ચર્ચતા કેટકેટલા દ્રષ્ટાંતો યાદ આવે છે ! તારાશંકર કૃત ‘આરોગ્ય નિકેતન’  વિભૂતિભૂષણ કૃત ‘આદર્શ હિન્દુ હોટલ’ જેવી નવલકથાઓ ; અંતરનાદ જેવી આત્મકથા જેવું કંઈ કેટલુય જેના અનુવાદકોએ આ પ્રકારની સર્જનાત્મક કૃતિઓના અનુવાદના પ્રશ્નો અનુભવ્યા છે ને એનો ઉત્તમ અનુવાદ આપવા મથામણ કરી છે.

    ડૉ. યોગેન્દ્ર વ્યાસ જેવા સમર્થ ભાષાવિદ પોતાનો આ અંગેનો અનુભવ જે રીતે નોંધે છે તેમાં સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો અંગેની મથામણને તેનો ઉપાય બંને સાંપડી રહે છે.

    હમણાં બારમા ધોરણના ગુજરાતીના એક પાઠયપુસ્તકમાં ‘મારે ચાંદો જોઈએ’ એ અનુવાદના બીજા પ્રકરણ ‘સપ્તરંગી ઇન્દ્રધનુષ’નો સમાવેશ કરવામાં આવ્યો. વસ્તુની રીતે સત્તર – અઢાર વરસની રૂઢિચુસ્ત પરિવારના સંઘર્ષો અને સામાજિક રૂઢિઓનો સામનો કરતી, ઘરમાં તિરસ્કૃત અને બીકણ –સંકોચનશીલ છોકરી “પોતે કંઈક કરી શકે એમ છે એવો આત્મવિશ્વાસ જાગતાં (એ આત્મવિશ્વાસ આ પ્રકરણમાં જાગે છે) પોતાનો કેવો વિકાસ કરે છે તેની કથા છે. અનુવાદને મૂળ સાથે સરખાવતાં ઘણું બદલવા જેવું લાગ્યું તેથી અનુવાદકને ફરીથી એ પ્રકરણનો અનુવાદ કરી આપવાની વિનંતી કરી. એ આખી પ્રક્રિયા અહીં રજૂ કરવી શક્ય નથી પણ અનુવાદની પ્રક્રિયામાં ભાષાકીય સજ્જતા (અને ૨૦૦૩માં અનુવાદકની બંને ભાષાની સૂઝ અને ૨૦૧૬માં એ જ અનુવાદકની બંને ભાષાની સૂઝમાં પડેલો ફરક) કેવી ભૂમિકા ભજવે છે તે થોડાં ઉદાહરણોથી સમજીએ.

    ૧. ‘કિશોર ગર્મ કોટ કે લિયે ચૌખાને કા મનપસંદ કપડે કા આગ્રહ કરતે હુએ દિનભર સિસકતા રહા થા !’

    ‘કિશોર ગરમ કોટ માટે ચોકડીવાળા મનપસંદ કાપડની માગણી કરતાં કરતાં આખો દિવસ ડૂસકાં ભરતો રહ્યો.’ (૨૦૦૩માં થયેલો અનુવાદ)

    ‘કિશોર ગરમ કોટ માટે ચોકડીવાળા મનપસંદ કાપડની માગણી કરતાં કરતાં આખો દિવસભાર ડૂસકે ચડેલો રહ્યો.’(૨૦૧૬માં થયેલો અનુવાદ)

    ઉપરછલ્લી રીતે તેર વરસના ગાળા પછી થયેલા અનુવાદમાં કંઈ બહુ મોટો ફરક જણાતો નથી. પણ જરા ઝીણવટથી એ ફરકને સમજવા જેવો છે.

    ‘ચોકડીવાળા મનપસંદ કાપડ’(૨૦૦૩)ની જગ્યાએ ‘મનપસંદ ચોકડીવાળા કાપડ’ (૨૦૧૬) અનુવાદે ધ્યાન ખેંચ્યું ?મૂળ હિન્દીમાં “ચૌખાને ક મનપસંદ કપડા’- છે તેથી ૨૦૦૩માં ‘ચોકડીવાળા મનપસંદ કાપડ’ એવો બેઠો અનુવાદ – ચૌખાનેકા નું ચોકડીવાળા, મનપસંદનું મનપસંદ અને કપડાનું કાપડ – થયો છે. ૨૦૧૬માં ‘મનપસંદ’ વિશેષણ સૌથી આગળ આવી ગયું અને ‘ચોકડીવાળા કાપડ’ એમ ‘ ચોકડીવાળું’એ સંબંધક વિશેષણ વિશેષ્યની તરત પહેલાં આવી ગયું. ગુજરાતી ભાષામાં વિશેષણોનો જે ક્રમ હોય છે તે વિશેની અનુવાદકની સૂઝ કેળવાઈ. કાપડ મનપસંદ નથી, ‘ચોકડીવાળું કાપડ’ જ મનપસંદ છે.

    ‘આગ્રહ કરતે હુએ’નું ‘માગણી કરતાં કરતાં’(૨૦૦૩)ની જગ્યાએ ‘હઠ પકડીને’ (૨૦૧૬) થયું. હિન્દીના ‘આગ્રહ’ શબ્દના ‘હઠ અને જીદ’ એવા અર્થ પણ થાય છે. અહીં જીદને બદલે હઠ એટલા માટે પસંદ થયો કે ‘જીદ’ શબ્દ ક્યારેક સમજપૂર્વકના આગ્રહ માટે પણ વપરાય જયારે આ તો ‘બાળહઠ’ જ છે.

    હવે જો એ ‘હઠ’ છે (એમાં કોઈ તર્ક નથી) તો ‘ડૂસકાં ભરતો રહ્યો’ને બદલે ‘ડૂસકે ચડેલો રહ્યો’- સહજ રીતે, સ્વાભાવિક રીતે એવું સૂચવવું વધુ યોગ્ય છે ‘ડૂસકાં ભરવા’માં તો કર્તૃત્વની થોડી પણ શંકા જાય પણ ડૂસકે ચડેલો રહ્યોમાં સહજ રીતે, હઠને કારણે અવશ રીતે એવો અર્થ પણ સૂચવાય.

    ‘દિનભર’નું તો ‘આખો દિવસ’ (૨૦૦૩) બરાબર ન જ હતું. ‘દિવસ આખો’ અથવા ‘આખો દિવસ’ અથવા હિન્દીની અસર સ્વીકારીને ‘દિવસભર’ યોગ્ય ગણાય એ તો સાવ ચોખ્ખું છે.

    ૨. “યહ અવાંતર હૈ કિ અસ્સી રુપયે કી યહ ગગનચુંબી માંગ ફિર ભિ પૂરી નહીં હો પાઈ !”

    “મોટામાં મોટી મુશ્કેલી એ હતી કે એંશી રૂપિયાની આ ગગનચુંબી માંગ તોય પૂરી તો ના જ થઈ શકી.” (૨૦૦૩માં થયેલો અનુવાદ)

    ‘એ વાત જુદી છે કે તોપણ એંશી રૂપિયાની આ આભઊંચી માગ પૂરી તો ન જ થઇ શકી.’ (૨૦૧૬માં થયેલો અનુવાદ)

    નોંધી શકાય એમ છે કે ‘મોટામાં મોટી મુશ્કેલી એ હતી’ એવો અનુવાદ ઈ.સ. ૨૦૦૩માં સાવ અડસટ્ટે થયેલો છે. મૂળમાં કે મૂળ લેખકના મનમાં એવું તો કશું છે જ નહીં. ‘યહ અવાંતર હૈ’ – એમ લખવા પાછળ મૂળ લેખકના મનમાં ‘એ વાત જુદી છે કે’નો ખ્યાલ છે એમ માનવું વધારે તર્કપૂર્ણ છે. ‘ફિર ભી’ તો સાવ ગાયબ જ થઈ ગયેલું તે ૨૦૧૬ના અનુવાદમાં ‘તોપણ’ને મુખ્ય વાક્યની આગળ ગોઠવવામાં આવ્યું. ‘ગગનચુંબી’નું ‘ગગનચુંબી’ કંઈ અયોગ્ય ન હતું છતાં ‘આભઊંચી’ એવા વિશેષણનું ગુજરાતીપણું વધુ મેળ ખાય તેવું છે.

    (૩) “શામ ઢલે વર્ષા કો હી દુહાર કે સાથ કિશોર કો ચૂપ કરાના પડા થા !”

    “સાંજ પડ્યે વર્ષાએ જ કિશોરને વહાલથી છાનો રાખવો પડ્યો હતો.” (૨૦૦૩નો અનુવાદ)

    “ઢળતી સાંજે વર્ષાએ જ હેત વરસાવી કિશોરને છાનો રાખવો પડેલો.” (૨૦૧૬નો અનુવાદ)

    “શામ ઢલે’નું સાંજ પડ્યે’ કરવું એ અસલ અનુવાદ જ લાગે. પણ ‘ઢળતી સાંજે’ (કારણ હિન્દીમાં પણ ‘ઢલે’ તો છે જ) એવું કરવાથી એ મૂળની સાવ નજીક પહોંચી જાય છે. વળી ‘દુલાર કે સાથ’નું ‘વહાલથી’ અથવા લાડપૂર્વક’ એવું ગુજરાતી કરવું અત્યંત સ્વાભાવિક લાગે. પણ પાત્રનું નામ વર્ષા છે, ‘ઢળતી સાંજ’નો સંદર્ભ છે તો ‘હેત વરસાવી’ કરીએ એમાં બહુ મોટી છૂટ લેતા નથી. અનુવાદમાં સાહિત્યિકતા સહજ ભળતી રહે એ પણ બિનજરૂરી નથી.

    (૪) “જો કામ ઘરવાલે, દિનભર મેં નહીં કર પાયે, વહ વર્ષાને એક મિનિટ મેં સંપન્ન કર દિયા !”

    જે કામ ઘરવાળા આખા દિવસમાં ન કરી શક્યાં તે વર્ષાએ એક જ મિનિટમાં પતાવ્યું’ (૨૦૦૩નો અનુવાદ)

    “જે કામ પરિવારજનો દિવસ આખામાં જે નહોતા કરી શક્યાં, એ વર્ષાએ એક મિનિટમાં જ સંપૂર્ણ કરી લીધું.” (૨૦૧૬નો અનુવાદ)

    ‘ઘરવાલે’નો અનુવાદ ‘ઘરવાળા’ ઉચિત છે ? ગુજરાતીમાં ‘ઘરવાળા’નો સંદર્ભ જ જુદો છે. એ શબ્દ અનુવાદ વાંચનારના મનમાં ગેરસમજ ઊભી કરી પણ શકે. મૂળ લેખકના મનમાં ‘પરિવારજનો’ છે જ અને અનુવાદમાં ઔપચારિક શબ્દપ્રયોગો ઘણી વાર વધુ પ્રભાવી સાબિત થાય.

    ‘સંપન્ન કર લિયા’ અને ‘પતાવી દીધું’ને સાથે સાથે મૂકો તો સમજાશે કે ગુજરાતીમાં ‘પતાવી દીધું’- જેમતેમ પૂરું કર્યું, કદાચ કમને અથવા અણગમાથી પૂરું કર્યું એવા અર્થો તરફ દોરી જાય છે. ‘સંપન્ન કર લિયા’માં જે grace છે, જે ઉમળકો છે તેની નજીક પહોંચવામાં કદાચ ‘સંપૂર્ણ કરી લીધું’ એ અનુવાદ વધુ સફળ થાય. ‘સંપૂર્ણ કરી દીધું’ને બદલે ‘સંપૂર્ણ કરી લીધું’ એમ વાપરવાથી એ ઉમળકો, એ કામમાંથી મળેલો (લીધું) સંતોષ અને સમાધાન સરળતાથી સમજાય.

    આમ, સર્જનાત્મક કૃતિના અનુવાદને આ રીતે સમજવામાં આવે અને ડૉ. વ્યાસ નોંધે છે તેમ અનુવાદક આવી ઝીણી ચીવટ રાખે તો આવી ઉત્તમકૃતિઓને માણતો આસ્વાદતો એ પોતાના આનંદ ને પોતાના અનુવાદના અનુસર્જન કે પુનઃ સર્જન જેટલો જ માણી શકે.


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.