-
સ્મરણ શ્યામજીનું, એમને એક સો છાસઠમે, સાદર, સવિનય…અને સતર્ક!
તવારીખની તેજછાયા

શ્યામજી રાષ્ટ્રવાદી હશે, ટેરરિસ્ટ નહોતા. એમને બારમાંથી કમી કરવાપણું નહોતું. કેમકે એમણે કોઇ ક્રિમિનલ કામગીરી કરી નહોતી. હકીકતે, એ સમયે એમને કોઇએ ધોરણસર સાંભળ્યા જ નહોતા
પ્રકાશ ન. શાહ
વચ્ચે વાત વાતમાં અમદાવાદમાં સેકન્ડહેન્ડ પાઠ્યપુસ્તકોની દુકાન, મહાજન બુક ડીપોનું સ્મરણ કરવાનું બન્યું હતું. એ રીચી રોડ (ગાંધી માર્ગ) પર ફર્નાન્ડીઝ પુલ નીચે હતી. સાઠ-સિત્તેર વરસ પાછળ જઇને સંભારું છું તો રિલીફ રોડ (તિલક માર્ગ) પર પથ્થર કુવાથી શરૂ થતો ટુકડો સાંભરે છે. સસ્તું કિતાબઘર? અને પીપલ્સ વગેરે પુસ્તકઠેકાણાં હતાં. ત્યાં ‘એન્કાઉન્ટર’નું વાર્ષિક લવાજમ (આખું અઢાર રૂપિયા) ભર્યાનું યાદ છે.
આ જ ફૂટપાયરી પર જૂનાં નવાં અંગ્રેજી પુસ્તકો પણ મળતાં. એમાં એકવાર ધનવંત ઓઝાનું ‘વિલ્કીઝ વન વર્લ્ડ’ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ‘શ્યામજી કૃષ્ણ વર્મા’ જોવાનાં બન્યાં. ઇન્દુચાચાની ઠીક ઠીક પૃષ્ઠસમૃદ્ધ વિગતખચીત પાકા પૂંઠાની ચોપડી પડી પડી વણખપી ત્યારે રૂપિયે રૂપિયે મળતી. પછી તો રસ પડ્યો અને અમે મિત્રોએ ઇન્દુચાચાને અમારી યુવા પ્રવૃત્તિ અન્વયે શ્યામજી વિશે વાર્તાલાપ સારુ નિમંત્ર્યા. એ તારીખનાં ઓસાણ છૂટી ગયાં હતાં, પણ આ લખવા બેઠો ત્યારે એમની આત્મકથાના છઠ્ઠા ભાગમાં ડાયરીનાં પાનાં જોતાં જડ્યું કે ૧૯૬૧ની ૧૮મી ઓક્ટોબરે પ્રેમાભાઇ હોલમાં એમણે આ વાર્તાલાપ આપ્યો હતો. એમના વાર્તાલાપમાં જ એમણે આ પુસ્તક લેખનની જવાબદારી ભણાવનાર સરદાર સિંહ રાણાના ક્રાંતિકાર્યનોયે ખયાલ આપ્યો હતો.
અલબત્ત, આજે ૨૦૦૩ની વીરાંજલિ યાત્રાની મોદીપહેલ અને પૂર્વસાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ સરદાર સિંહની વેબસાઇટ સુલભ કરી તે પછી આ નામો સ્વાભાવિક જ પરિચિત થયેલાં છે. (જોકે, સરદાર સિંહ રાણાએ ઇન્દુલાલને બોમ્બ-તાલીમ સારુ રશિયા મોકલ્યાની વાત ઇતિહાસ સમ્મત જણાતી નથી.)ખાસ કરીને લંડનના ‘ઇન્ડિયા હાઉસ’થી અને ‘ધ ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ પત્રથી, વિદેશની ધરતી પર જંગે આઝાદીના એક કર્મી ને કલમી તરીકે શ્યામજી સુપ્રતિષ્ઠ છે. દેશની એમની કામગીરી રિયાસતી દીવાન તરીકેની તેમ આર્યસમાજના અગ્રણી અને પંડિત તરીકેની રહી. કાશીના પંડિતોએ કોઇ બ્રાહ્મણ નહીં એવી પ્રતિભાને ‘પંડિત’ તરીકે વિધિવત્ પોંખી હોય તે શ્યામજી હતા.
સ્વાતંત્ર્યસંગ્રામ સાથે આ કચ્છીમાડુનું આગળ પડતું સંધાન અલબત્ત એમના વિદેશવાસ પછીનું છે. એમણે ઊભું કરેલું ‘ઇન્ડિયા હાઉસ’ મેડમ કામાથી માંડી વિનાયક દામોદર સાવરકર સહિતનો હિંદવી જોવનાઇનું અગનથાણું હતું. વતનમાં દયાનંદે સંમાર્જેલ શ્યામજીની બ્રિટનવાસની વિચારમાનવજત ઠીક ઠીક પ્રમાણમાં હર્બર્ટ સ્પેન્સરને આભારી છે. ‘આક્રમણનો પ્રતિકાર’, શ્યામજી સ્પેન્સરને ટાંકીને કહેતા, ‘વાજબી છે એટલું જ નહીં અનિવાર્ય આદેશવત્ છે.’ બાય ધ વે, એમણે લંડનના જે વિસ્તારમાં ‘ઇન્ડિયા હાઉસ’ ખડું કર્યું એની બરાબર સામે હાઇગેટ સિમેટ્રી છે જેમાં સ્પેન્સર ને માર્ક્સ સહિતના વીરલાઓ પોઢેલા છે.
૧૯૦૫માં વતનઆંગણે બંગભંગના દિવસોમાં ને દ. આફ્રિકામાં સત્યાગ્રહનાં ઊગું ઊગું કિરણોના ગાળામાં જ લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ ઊભું થયું. મદનલાલ ઢીંગરાના વીરકર્મથી માંડી સ્ટુટગાર્ટમાં પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાની વાત હોય કે 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામની પચાસીનો અવસર હોય, બધાંનું પગેરું તમને ‘ઇન્ડિયા હાઉસ’માં મળશે. ભારત બહાર સાવરકર જે કોળ્યા તે તિલકની ભલામણે શ્યામજીદીધી સ્કોલરશિપને કારણે.‘ધ ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ પત્ર ૧૯૦૫માં, શરૂ શરૂમાં માસિક રૂપે લંડનથી, પછી પેરિસથી, અનિયમિત થતે થતે છેલ્લે છેલ્લે જીનીવાથી એમ ૧૯૨૨ સુધી પ્રગટ થતું રહ્યું. આ પત્ર પોતાને સ્વાતંત્ર્યના તેમજ રાજકીય, સામાજિક ને ધાર્મિક સુધારાના પત્ર (ઓર્ગન) તરીકે ઓળખાવતું. ક્રાંતિકારી હત્યાઓનું એ બેધડક સમર્થન કરતું. અલબત્ત, શ્યામજીનું પોતાનું (જેમ સાવરકર વગેરેનું હશે, તેવું) કોઇ સીધું સંધાન એમાં નહોતું. જીનીવામાં એમનાં છેલ્લાં વર્ષો સ્વાસ્થ્યવશ સ્વાભાવિક જ ખાસ સક્રિય નહોતાં. વતનપ્રેમમાં ઝૂરતા આ જીવે જીનીવાની એક સંસ્થામાં સ્વખર્ચે પોતાનાં ને પત્ની ભાનુમતીનાં અસ્થિ સચવાય એવી વ્યવસ્થા કરી હતી અને સૂચના આપી હતી કે હિંદ આઝાદ બને ત્યારે ત્યાં તે મોકલવાં.
૨૦૦૩ની વીરાંજલિ યાત્રાની આ પૃષ્ઠભૂ છે. હવે તો કચ્છમાં યુનિવર્સિટીનું નામ અપાયેલું છે અને ક્રાંતિતીર્થનુંયે નિર્માણ થયેલું છે. વળી ભારત સરકારે ખાસ ટપાલ ટિકિટ તો છેક ૧૯૮૯માં પ્રગટ કરી હતી. સન્માન્ય શ્યામજીના મહિમામંડનની જોડે જોડે આઝાદીના ઓછા જાણીતા લડવૈયાઓને સંભારવાનો આવકાર્ય ઉપક્રમ છે તો કંઇક અતિરંજની રજૂઆતથી બાકીનાં ઠીક ઠીક સ્થાપિત વ્યક્તિત્વો કરતાં આગળ ધરવાની અન્ ઐતિહાસિક ગણતરી પણ જણાય છે. એમને માટે ૨૦૦૩માં ખાસ આગળ કરાયેલો પ્રયોગ ‘ક્રાન્તિગુરુ’ આ સંદર્ભમાં જોવાતપાસવા જેવો છે. પૂર્વ સાવરકરની ક્રાંતિકારી પ્રતિભા લંડન પહોંચ્યા પહેલાની અંકે થયેલી છે. ઉત્તર સાવરકરના હિંદુત્વ થીસિસને અને શ્યામજીની વૈચારિક ભૂમિકાને છત્રીસનો સંબંધ છે.
૧૯૩૦ના માર્ચની ૩૦મીએ જીનીવામાં શ્યામજીએ દેહ છોડ્યો તે પછીની એક નોંધપાત્ર અંજલિ બેઠક ભગતસિંહ અને સાથી કેદીઓએ લાહોર જેલમાં યોજી હતી, પણ ભગતસિંહની જેલ નોટબુક્સ જોતાં તેના પર શ્યામજીના ચિંતનનો કોઇ ખાસ પ્રભાવ જણાતો નથી. ‘ક્રાન્તિગુરુ’ કહેતાં જો સશસ્ત્ર ક્રાન્તિના કોઇ એકાન્તિક સમર્થનનો ખયાલ હોય તો તે દુરસ્ત નથી; કેમકે અસહકારનો વિશાળ પાયા પરનો પ્રયોગ પણ શ્યામજીના અભિગમમાં સ્વીકાર્ય હતો. ૧૯૨૦-૨૧ના વિરાટ ઘટનાક્રમ પછી શ્યામજી ઇચ્છતા હતા કે એમની યોજના અન્વયે લંડન મોકલવાના વક્તાઓ ગાંધીજી સૂચવે. ૧૯૩૦ના દાંડીકૂચના લોકજુવાળે એમને અતિશે આંદોલિત-ઉલ્લસિત કર્યા હોત. પણ એ ઝંઝાવાતી એટલી જ ઠંડી તાકાતના દિવસોમાં શ્યામજી બહારની દુનિયાથી બેખબર એવી બિલકુલ મરણોન્મુખ અવસ્થામાં હતા.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૪ – ૧૦ – ૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
નિગાર શાજી નિમિત્તે વાત મહિલા વૈજ્ઞાનિકોની
નિસબત
ચંદુ મહેરિયા
જેટલી ચર્ચા આપણે ત્યાં ચંદ્રયાન-૩ની થઈ છે તેટલી દેશના પહેલા સૂર્ય મિશનની થતી નથી. ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઈસરો) એ ચંદ્રયાન – ૩ પછી બહુ ટૂંકા સમયના અંતરાલમાં દેશના પહેલા સન મિશન આદિત્ય એલ વનનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાવ્યું છે. ચંદ્રયાનની જેમ સૂર્ય મિશનમાં પણ મહિલા વૈજ્ઞાનિકોનું મોટું અને મહત્વનું યોગદાન છે. સૂર્ય મિશનના પ્રોજેકટ ડાયરેકટર ૫૯ વરસના મુસ્લિમ મહિલા વૈજ્ઞાનિક નિગાર શાજી છે. તમિલ ગ્રામીણ પ્રુષ્ઠભૂમિ ધરાવતા નિગાર શાજીના નેતૃત્વમાં દેશનું પ્રથમ સૂર્ય મિશન પાર પડ્યું છે. ખેડૂત પરિવારના દીકરી નિગાર શાજીએ ઈલેકટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન એન્જિનીયરીંગમાં માસ્ટર્સ કર્યું છે. ૧૯૮૭માં સતીષ ધવન સ્પેસ સેન્ટર સાથે જોડાયા હતા. તેઓએ યૂ આર રાવ સેટેલાઈટ ટીમના સભ્ય , પ્રત્યાયન અને આંતરગ્રહીય ઉપગ્રહ કાર્યક્રમોના નિષ્ણાત અને ભારતના રિમોટ સેન્સિંગ સેટેલાઈટ રિસોર્સ સેટ -૨ એના મદદનીશ પ્રોજેકટ ડાયરેકટર તરીકે પણ કાર્ય કર્યું છે.
નિગાર શાજીની જેમ જ કેરળના ગ્રામીણ પૃષ્ઠભૂમિના મહિલા વૈજ્ઞાનિક અન્નાપૂર્ણી સુબ્રમણ્યમનું પણ સૂર્ય મિશનમાં મહત્વનું પ્રદાન છે. અન્નાપૂર્ણી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિકસ, બેંગલૂરુના નિયામક છે. આ સંસ્થાએ અન્નાપૂર્ણીના નેતૃત્વમાં સૂર્યનું અધ્યયન કરવા માટેના મુખ્ય પેલોડ ડિઝાઈન કર્યા છે. ભૌતિકશાસ્ત્રમાં ડોકટરેટ થયેલાં ડો.સુબ્રમણ્યમના માર્ગદર્શન અને નેતૃત્વમાં આદિત્ય એલ -૧ માં લાગેલા વીઈએલસી( વિઝિબલ લાઈન એમિસિયન કોરોનાગ્રાફ) ની ડિઝાઈન તૈયાર થઈ છે. અન્નાપૂર્ણીએ ડિઝાઈન કરેલ કોરોનાગ્રાફ સૂર્યગ્રહણ દરમિયાન પણ સૂર્યને જોઈ શકશે. આ મિશનમાં પહેલીવાર સૂર્યને અંદરથી પણ જોઈ શકાશે. સૂર્ય મિશનના ભારતના પહેલા પ્રયાસમાં મહિલા વૈજ્ઞાનિકોનો સિંહફાળો ગૌરવ અને આનંદની બીના છે.જોકે પિતૃસત્તાક સમાજમાં વૈજ્ઞાનિક સંશોધનનો ગઢ પુરુષો માટે અનામત છે. થોડાં મહિલાઓ આ અભેધ્ય ગઢમાં ગાબડાં જરૂર પાડી શક્યાં છે અને તેમનો વિસ્તાર પણ થઈ રહ્યો છે પરંતુ હજુ મહિલાઓ માટે વૈજ્ઞાનિક સંશોધનમાં બરાબરની હિસ્સેદારી બહુ દૂરની વાત છે. હવે વિજ્ઞાનની દુનિયામાં મહિલાઓનો માણેકથંભ રોપાયો છે અને નાસાથી નોબેલ સુધી તે પહોંચ્યા છે. તો પણ વિજ્ઞાનમાં કારકિર્દી ઝંખતી મહિલાઓ માટે બહુ ઓછા મહિલા રોલ મોડેલ છે. લીલાવતી, આનંદીબાઈ જોશી, જાનકી અમ્માલ, અસીમા ચેટર્જી, કમલા સોહાની, અન્ના મણિ જેવા ગઈકાલના અને મુથૈયા વનિતા, રિતુ કરિઘલ, સૌમ્યા સ્વામીનાથન, એન કલાઈસેલ્વી, ટેસી થોમસ, ગગનદીપ કાંગ, મીનલ ઢકાવે ભોંસલે, નિગાર શાજી અને અન્નાપૂર્ણી સુબ્રમણ્યમ જેવા આજના મહિલા વૈજ્ઞાનિકોના નામો જરૂર સાંભરે છે.પણ તે પુરુષોએ મહિલાઓ માટે વાસી રાખેલા વિજ્ઞાન કિલ્લામાં અપવાદરૂપ છે.
વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓની ઓછી હિસ્સેદારી કે તેમની ઉપેક્ષા ભારત પૂરતી મર્યાદિત નથી પરંતુ વૈશ્વિક બાબત છે. લગભગ એકસો વીસ વરસો( ૧૯૦૧ થી ૨૦૧૯) માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેડિસિનના ક્ષેત્રે ૬૧૬ લોકોને ૩૩૪ નોબેલ પુરસ્કાર મળ્યા છે. આ ૬૧૬ લોકોમાં માત્ર ૨૦ જ મહિલા છે. અત્યાર સુધીમાં માત્ર ત્રણ મહિલાઓને ફિઝિક્સનું નોબેલ મળ્યું છે. ભારતમાં યુવા વૈજ્ઞાનિકો માટે ૧૯૫૭માં સ્થાપિત પ્રતિષ્ઠિત શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ મેળવનાર પાંચસોમાં સોળ જ મહિલાઓ છે તે પૈકી કોઈને હજુ ફિઝિક્સમાં આ એવોર્ડ મળ્યો નથી. બીજી તરફ નવાઈ પમાડે તેવું વાસ્તવ એ છે કે યુ.કે., યુ.એસ. એ.માં ૨૦ ટકા થી ઓછાં મહિલા ફિઝિક્સ ગ્રેજ્યુએટ છે જ્યારે ભારતમાં ૩૨ ટકા મહિલાઓ ફિઝિક્સ ગ્રજ્યુએટ છે ! ૪૩ ટકા મહિલાઓ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનીયરીંગ અને મેથ્સમાં સ્નાતક છે. જે અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને બ્રિટનની તુલનામાં પણ વધારે છે. એટલે મહિલાઓમાં પ્રતિભાની ખોટ નથી.
તો પછી મહિલાઓની સંખ્યા વિજ્ઞાનના સંશોધન ક્ષેત્રે ઓછી કેમ છે ? સૌથી મોટું કારણ તો સમાજનું મહિલા વિરોધી વલણ અને પિતૃસત્તાત્મક માનસિકતા છે. ઘર ગૃહસ્થી, માતૃત્વ અને બાળઉછેરનો સ્ત્રીના માથે થોપી દીધેલો બોજ, રોજગારમાં થતો અન્યાય, રૂઢિવાદી લૈંગિક ધારણાઓ, વધુ મહેનત અને જ્ઞાનના કામો પુરુષો જ કરી શકે તેવી ખોટી માન્યતા જેવા કારણોને લીધે પણ મહિલાઓનું પ્રમાણ બહુ ઓછું હોય છે. ઈસરોના ૨૦૧૬-૧૭ના એન્યુઅલ રિપોર્ટ પ્રમાણે અંતરિક્ષ વિભાગમાં સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ કેટેગરીમાં કુલ ૧૨,૩૦૦ વૈજ્ઞાનિકોમાં ૧૮૯૦ મહિલાઓ છે. અર્થાત માંડ છ ટકા . જો સંશોધનોમાં જ પ્રવેશ વર્જ્ય હોય તો પછી પુરસ્કારમાં તો ના જ હોય ને ? વળી પુરસ્કારોમાં પારદર્શિતાનો અભાવ પણ તેમને વંચિત રાખે છે.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અહેવાલ પ્રમાણે હવે વિજ્ઞાનના સંશોધન ક્ષેત્રે મહિલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. વર્ષ ૨૦૦૦-૦૧ માં વિજ્ઞાન સંશોધનમાં ૧૩ ટકા જ મહિલાઓ હતી જે ૨૦૧૮-૧૯માં વધીને ૨૮ ટકા થઈ છે. STEM ( સાયન્સ, ટેકનોલોજી, એન્જિનીયરીંગ અને મેથ્સ) ના શિક્ષણમાં મહિલાઓનો પ્રવેશ વધે તે માટે સરકાર પ્રયાસરત છે. શિક્ષણ પ્રધાના ધર્મેન્દ્ર પ્રધાનના જણાવ્યા મુજબ ૨૦૧૭-૧૮માં સ્ટેમ એજ્યુકેશનમાં ૧૦.૦૨ લાખ મહિલાઓ હતી, જેમાં બે વરસ પછી ૨૦૧૯-૨૦માં ૫૪ હજારનો વધારો થયો છે. જોકે આ જ વરસે આ ક્ષેત્રે મહિલા રોજગારીની ટકાવારી ૧૪ ટકા જ હતી. તેથી નોકરી અને ડિગ્રી વચ્ચે ઘણું મોટું અંતર છે.
જરૂરિયાત એ શોધખોળની જનની છે તે કહેવત પ્રમાણે ભારતીય સમાજમાં ઘરકામ થી આરોગ્ય સુધીના કામોમાં મહિલાઓને જ વધુ શોધખોળ અને વિકલ્પોની જરૂર છે. ઘણી મહિલાઓએ આ બાબતે કામ કર્યું છે.પરંતુ તેમના યોગદાનને કોઈ મહત્વ મળ્યું નથી. હવે મહિલાઓના વિજ્ઞાન ક્ષેત્રે યોગદાનની માહિતી આપતા પુસ્તકો પ્રગટ થયા છે. એટલે તે ખોટ પૂરી થશે.
રોયલ સોસાયટી ઓફ લંડનની સ્થાપના ૧૬૬૩માં થઈ હતી પરંતુ ૨૮૧ વરસ પછી ૧૯૪૪માં પહેલી મહિલા ફેલો બની હતી. ૧૬૬૬માં સ્થપાયેલી પેરિસ એકેડેમી ઓફ સાયન્સિસમાં મહિલાને પહેલો પ્રવેશ ૩૧૩ વરસ પછી ૧૯૭૯માં મળ્યો હતો. પરંતુ ભારતમાં ૧૯૩૪માં સ્થાપના થયાના બીજા જ વરસે (૧૯૩૫માં ) ઈન્ડિયન એકેડેમી ઓફ સાયન્સિસે ઈ.કે.જી. અમ્માલને ફૈલો તરીકે પસંદ કર્યા હતા. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ઓફ ઈન્ડિયા(સ્થાપના ૧૯૩૫)માં ૧૯૯૫-૯૬માં ડો.મંજૂ શર્મા પ્રેસિડેન્ટ તરીકે પસંદ થયા હતા.
સામાજિક વિજ્ઞાનના સંશોધનોની તુલનામાં ભારતમાં વૈજ્ઞાનિક સંશોધનોમાં રાજકીય ચંચૂપાત ઓછો છે કે તે થોડો વધુ લોકતાંત્રિક છે તે બાબત વખાણવા યોગ્ય છે. મહિલાઓના પ્રવેશથી તે વધુ લોકતાંત્રિક બની શકે છે. જોકે ઈસરોના અત્યાર સુધીના તમામ ચેર પર્સન પુરુષો જ છે. તે મહેણું પણ આપણે ભાંગવાનું છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪ . ૨ # અંશ ૩
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
૪.૨ ખર્ચ
અંશ ૨ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
ખર્ચ અને આવકના અંકોડા કેમ મેળવવા
સતત વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા આર્થિક ઉપાય તો આવકમાં પણ એ જ દરે વૃદ્ધિ કરવાનો છે. સ્વાભાવિક જ છે કે અર્થશાસ્ત્રીઓનાં પાઠ્યપુસ્તકોમાં આવો તર્કકેન્દ્રી, વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો, પરિગ્રહલક્ષી ઉપાય જ હોય, કેમકે તેમની માન્યતાનું મૂળ જ માનવજાતની વધતી રહેતી જરૂરિયાતો જ માનવ સભ્યતાના વિકાસનું ઈંધણ છે એ છે. આ માનવજાતની વધતી રહેતી જરૂરિયાતોની સ્વાભાવિક અપેક્ષા જ્યારે લોભનાં દૂષણથી ખરડાય છે ત્યારે ત્યારે વાત વણસતી પણ હોય છે !
જરૂરિયાતોને આવકની મર્યાદામાં રાખવી, અને જે મળે છે તેનાથી સંતુષ્ટ રહેવું એવો લગભગ સામેના છેડાનો કહી શકાય એવો ઉપાય ધાર્મિક અને સામાજિક સુધારાકો સુચવે છે. જેમ કોઈ પણ પશુ ભૂખ્યું ન હોય તો સ્વબચાવ સિવાય, શિકાર નથી કરતું. એમ લોભ પણ કોઈ પણ સરેરાશ માનવીનું લક્ષણ નથી. સામાની માનવી તો જે છે તેમાં જ સંતોષ માનીને સુખી રહી લેશે.
સામાન્ય માનવી સ્વભાવગત, કે સંજોગવશ, ખર્ચ અને આવકનાં અર્થશાત્રના ચક્રવ્યૂહથી દૂર રહે છે અને સાદી જિંદગીમાં બે વખતના રોટલાં ભોજનની મિઠાશ માણે છે. દરેક પ્રદેશમાં, દરેક સમયે, ટાંચામાં ટાંચાં આવકનાં સાધનો ધરાવતા સંતોને ત્યાંથી પણ કોઈ અભ્યાગત ભૂખ્યું નહોતું જતું એવી અનેક કથાઓથી ભારતની લોકસંસ્કૃતી સમૃદ્ધ છે. આપણી જ પેઢીના વિદ્યાર્થીકાળના દિવસો યાદ કરો – કેવી સાદાઈથી એ સમયની કેટલી મજાઓ આપણે માણી છે તેની ચિત્રપટ્ટી આંખો સામે તરી રહેશે. પોતાના આત્મસંતોષને અનુરૂપ ઓછા પગારની, પણ, ખુશી ખુશી નોકરી કરતાં લોકોના દાખલાઓ તો હવે સામાન્ય જ થઈ થયેલા ગણાય છે
જોકે બધાંએ સાધુસંતની જેમ જીવવું જરૂરી નથી, કે નથી પેટે પાટા બાંધીને જીવવાની જરૂર. જરૂર છે માત્ર અપેક્ષાઓ અને જરૂરિયાતોને બહેકી ન જવા દેવાની – આવકની વર્તમાન માર્યાદાને સ્વીકારી અને ખર્ચાઓને એ સીમાની અંદર ગોઠવી લેવાની. હા, એ માટે આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં જે આર્થિક શોષણની એક વૃત્તિ છે તેની ઓછામાં ઓછી અસર થાય તો આપણી આવક આપણી ક્ષમતા અનુસાર રહે એ આવશ્યક છે ખરૂં. તો વળી, જરૂરિયાતોની આપણી સાદગી બીજાંઓનાં શોષણ અને લોભની વૃત્તિને પ્રોત્સાહન આપી તેમની પોતાની આવક વધારવાનો સ્રોત ન બની જાય એ પણ એટલું જ જરૂરી છે. એટલેકે, આપણે જેટલાં સાદાં રહીએ અને આપણી આસપાસનાં લોકો લોભથી મદાંધ ન બને એવી સમાજ વ્યવસ્થાની આ કલ્પના છે. કમનસીબે, આદર્શ જીવનશૈલી અનુસરે એવાં લોકો બહુ જ અલ્પ સંખ્યામાં જ રહ્યાં છે. મોટા ભાગનાં લોકો તો થોભ વિનાની લોભ વૃત્તિથી જ પ્રેરાયલાં હોય છે.
આવા સંજોગોમાં શું કરી શકાય?
અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં એક ઘટક તરીકે ‘ખર્ચ’ને લગતાં મહત્ત્વના પાસાંઓની ચર્ચાની સમાપ્તિમાં હવે પછીના મણકામાં, લોભથી ચાલતી અર્થવ્યવસ્થાની જગ્યાએ સંતોષનો માર્ગ – જીવનની નવી અર્થવ્યવસ્થા,ખર્ચશક્તિનું અર્થતંત્ર, ‘એકબીજા માટે લાગણી રાખવી અને વહેંચીને ખાવું’ પર આધારિત સમાજની રચનાની વાત કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ઉલ્કા પિંડની ઉડતી મુલાકાત
પરેશ ૨. વૈદ્ય
ગયા અઠવાડિયે અમેરિકાની અવકાશ સંસ્થા ‘નાસા’એ કૈંક જુદું જ કરી બતાવ્યું. કરોડો માઈલ દૂર ના એક ઉલ્કાપિંડ (Asteroid) ‘બેન્નુ’ ની સપાટી પરથી થોડી ધૂળ અને કાંકરા એકઠા કરીને પૃથ્વી પર લઇ આવ્યા. અવકાશમાંથી આમ પદાર્થ લઇ આવવાનું તો પહેલા બન્યું જ છે.

તસવીર ‘નાસા’ની વેબસાઈટ પરથી 
ચંદ્ર પરથી માટી અમેરિકન અવકાશયાત્રીઓ લાવ્યા અને રશિયનોએ તો ત્યાં ગયા વિના ઘેર બેઠે જ એવાં સેમ્પલ મેળવ્યાં. એ પાછળની મહેનત અને ટેકનોલોજી પ્રશંસા પામ્યાં જ છે. બેન્નુ ચંદ્ર કરતા અનેક ઘણો દૂર છે. તેથી ય વધુ રસભરી વાત એ છે કે નાસા નું અવકાશયાન આ માટી ભરેલું પાત્ર કે કેપ્સ્યુલ લઇને પૃથ્વી પર આવ્યું નથી. એ તેને ફેંકી ને આગળ વધી ગયું છે, જેમ સવારે છાપાવાળો છાપાની ભૂંગળી તમારી બાલ્કનીમાં નીચેથી જ ફેંકે તેમ.

A sequence of images showing TAGSAM collecting dirt on Asteroid Bennu. (NASA/Goddard/University of Arizona, Public Domain/Wikimedia Commons) આપણા ચંદ્રયાનની તાજેતરની સફળતા બાદ આપણને નાસાનાં આ મિશનની વાતમાં વધુ સમજ પડશે. ચન્દ્રયાન-૩ નું લેન્ડર ‘વિક્રમ’ જયારે ચંદ્ર ઉપર ઉતરતું હતું તેને છેલ્લી ૧૫ મિનીટ દરમ્યાન ૬૦ થી ૭૦ કરોડ ભારતીયોએ શ્વાસ રોકીને જોયું. ચંદ્ર તરફ , એટલે કે ઉલટી દિશામાં રોકેટ ફોડીને લેન્ડરની ગતિ ધીમી કરી તે આપણને સમજાયું. એ હળવેથી ઉતરી શકે છે કે કેમ તે મુદ્દા પર બધાનું ધ્યાન હતું. આ ઉત્કંઠા પાછળ ચંદ્રયાન-૨ ની નિષ્ફળતા હતી. એ ધડામ દઈને પછડાયું હતું, તેવું તો નહિ થાય તેવી ભીતિ હતી. નાસાનાં ઉલ્કા મિશનની વાત આ પશ્ચાદભૂમાં રસપ્રદ છે.
ખગોળશાસ્ત્રીઓને ઉલ્કાઓમાં એ માટે રસ છે એ લગભગ સૂર્યમાળાના જન્મ જેટલી જ જૂની છે. એમ મનાય છે કે મંગળ અને ગુરુની વચ્ચે એક ગ્રહ હતો જે તૂટી ગયો અને તેના ટૂકડાઓ એક ભ્રમણ કક્ષામાં ફરે છે. તેને Asteroid belt કહે છે. મોટાભાગની ઉલ્કાઓ આ પ્રદેશમાં વસે છે. કેટલીક વળી એમાંથી છટકીને પોતાની આગવી ભ્રમણકક્ષામાં માં ફરે છે અને પૃથ્વીની મુલાકાતે પણ આવે છે. અમુક મીલીમીટર થી દશ બાર કિલોમીટર ના વ્યાસ ઉલ્કાના હોય છે. નાની હોય તે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થતાં ઘર્ષણના કારણે સળગી જાય છે તો કોઈનો બચેલો ભાગ જમીન પર પડે પણ છે. બહુ જ મોટી ઉલ્કા ૬૫ કરોડ વર્ષ પહેલા ખાબકી અને તેનાથી ઉડેલી ધૂળ ના કારણે સુરજ ઢંકાઈ ગયો. ઘણી જીવસૃષ્ટિ નાશ પામી જેમાં ડાયનોસોર પણ ગણાય છે. મહારાષ્ટ્રમાં લોણાર નામની જગ્યાએ ઉલ્કાપતન ના ખાડામાં તળાવ બન્યું છે જે ખગોળરસીયાઓ નું યાત્રાધામ છે.
સમગ્રપણે ઉલ્કાના અભ્યાસ માં રસ એ જ છે કે તેમાં રહેલ દ્રવ્યો અને ખડકોનાં બંધારણની તુલના પૃથ્વી અને બીજા ગ્રહો સાથે કરી શકાય. એમાંથી સુર્યમાળાના અસ્તિત્વનો ઈતિહાસ જાણી શકાય. કેટલાક એમ માને છે કે પૃથ્વી પર જીવન શરુ કરવામાં આવી કોઈ ઉલ્કા નો ફાળો હોય. જેમ કે બેન્નુ ઉલ્કાપિંડ નું બંધારણ સેન્દ્રીય (કાર્બોનિક) છે. તો એના અભ્યાસ થી અહીનાં જીવનની ઉત્પત્તિ બાબત પ્રકાશ પડી શકે. આ રીતે નાસાએ અગાઉ પણ ઉલ્કાને સમજવાના પ્રયનો કર્યા છે. ૧૯૯૮ થી ૨૦૦૧ વચ્ચે ઈરોસ નામના પિંડ ની આસપાસ એક યાનને ફેરવ્યું. એના બધા અભ્યાસ થઇ ગયા પછી યાનને એ ખડક ઉપર જ ઉતાર્યું. એમાંથી ઘણું જાણવા મળ્યું. હાલ માં એક બીજો જુદા પ્રકાર નો પ્રયોગ કર્યો. જો કોઈ વિનાશકારી ઉલ્કા આપણા તરફ આવતી હોય તો તેનો માર્ગ બદલી શકાય? એ પ્રશ્ન નો જવાબ શોધવા માટે ૨૦૨૧માં એક યાન ડીડીમોસ (Didymos) નામના ઉલ્કા પિંડ તરફ મોકલાયું. ડીડીમોસનો એક જોડીઓ પિંડ દીમોરફસ (dimorphos) તેની પ્રદક્ષિણા કરે છે. આ જોડિયા ભાઈ સાથે કલાકે ૨૨૦૦૦ કિમી ની ઝડપે ધસતું આપણું યાન DART (Double Asteroid Redirection Test) જાણી જોઈને અથડાયું (સપ્ટેમ્બર ૨૦૨૨). માત્ર ૧૬૦ મીટરના આ લઘુચન્દ્રમાંથી ઘણો પદાર્થ વિખેરાઈ ગયો અને તેની ગતિ માં ફેરફાર થયો. એની પ્રદક્ષિણાનો સમય ૩૨ મિનીટ ઘટી ગયો.

કેપ્સ્યુલ આવીને પડી આપણે પાછા બેન્નુ ની વાત પર આવીએ. ૪૦૦ મીટર વ્યાસનો ધૂળ માટીનો બનેલો એ એટલો નરમ પિંડ છે કે એના ઉપર યાન ઉતરી ને પાછું ઉડી શકે કે કેમ તે પ્રશ્ન છે. એટલે તેને છરકતું અડકીને યાન જાય અને તે વખતે જ તેની માટીનો નમૂનો એકઠો કરે તેવી યોજના કરી. સમડી ઉડતી આવીને છાપરા પર થી સર્પને ઉપાડી લે તે રીતે. પ્રયોગને નામ અપાયું OSIRIS Rex ( Origins, Spectral Interpretation, Resource Identification, Security, Regolith Explorer.) પ્રત્યેક શબ્દ પ્રયોગ નો એક એક હેતુ વર્ણવે છે. જમીન ખોદવાના કોસ જેવું ડંડા ના આકારનું હથિયાર

કેપ્સ્યુલ ઉઘાડીને જમીનમાં ઘુસાડ્યું અને તે ક્ષણે વાયુનો જોરદાર બ્લાસ્ટ કર્યો. એથી ધૂળ કાંકરાનું મિશ્રણ ઉડીને એક પાત્રમાં જમા થયું. (એવા મિશ્રણને અંગ્રેજીમાં Regolith કહે છે). આ ક્ષણિક પ્રક્રિયા કરતુંક યાન આગળ વધી ગયું. પેલાં પાત્રને એક કેપ્સ્યુલમાં બંધ કર્યું. ૩૦ કરોડ કી.મિ. અને બે વર્ષ ની મુસાફરી કરીને આ પદાર્થો ૨૪ સપ્ટેમ્બરે પૃથ્વી પર આવી મળ્યા. એ માટે અવકાશયાન પૃથ્વી પર આવ્યું નથી. એને જવાનું છે એપોફીસ (Apophis) નામના બીજા ઉલ્કાપિંડ તરફ. એટલે પૃથ્વીથી એક લાખ કી.મિ. દૂરથી જ તેણે કેપ્સ્યુલને ફેંકી. કહો કે છોડી દીધી. કેપ્સ્યુલ સાથે એક પેરાશૂટ બાંધેલી જે વાતાવરણમાં આવતા ઉઘડી. કલાકે ૪૪૫૦૦ કી.મિ. ની ગતિ થી ફેકાયેલી કેપ્સ્યુલની ગતિ જમીનને અડતી વેળા પણ ૧૮ કી.મિ. હતી. ચંદ્રયાન લેન્ડર કરતા એ વધારે હતી પણ તેમાં માત્રા ધૂળ અને ઢેફાં હોવાથી એ અથડાય તેનો વાંધો નહોતો. લેન્ડરે હજુ પોતાનું કામ કરવાનું બાકી હતું તેથી તેને ઈજા પહોચાડવી ન પોષાય. અમેરિકામાં જ સોલ્ટ લેક સિટી નજીક ઉટાહના રણમાં એ પડી. રડારની મદદથી એ ક્યાં પડી તે જાણી એક હેલીકોપ્ટરથી ઉપાડી લેવામાં આવી. પૃથ્વીનાં વાતાવરણ નાં જીવાણું વગેરે તેને લાગુ ન પડી જાય તે માટે તેને નાઈટ્રોજન વાયુ થી ‘ધોઈ’ અને પછી સુરક્ષિત રીતે હાઉસ્ટન ખાતે જોન્સન સ્પેસ સેન્ટર લઇ ગયા છે.
ઓક્ટોબરની ૧૧ તારીખે (૩ pm UTC) આ ડબ્બો ખોલવામાં આવશે. તેનું જીવંત પ્રસારણ નાસા ના NASATV ઉપર કરાશે.* યોજના તો માત્ર ૬૦ ગ્રામ માટી લાવવાની હતી પરંતુ આશા છે કે તેમાં ૨૫૦ થી ૩૦૦ ગ્રામ પદાર્થો મળશે. જુદી જુદી ૩૮ પ્રયોગશાળાઓને તે વહેચવામાં આવશે જેથી દરેક લેબ પોતપોતાના અવલોકનો કરે. એમાંથી શું પરિણામો આવશે તે માટે તો બહુ રાહ જોવી રહી. દરમ્યાન OSIRIS Rex હવે નવા નામ OSIRIS APEX સાથે આગળ ગયું છે. વર્ષ ૨૦૨૬માં પહોચે પછી એના કામ નો રીપોર્ટ મળશે.
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
*
આ જીવંત પ્રસારણ સમયે થયેલી ચર્ચાઓનો વિડીઓ નાસાએ પ્રકાશિત કરેલ છે.
-
કાર્ટૂનકથા : [૮]
બીરેન કોઠારી
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
‘વારેવા’ના સાતમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં. આ અંકમાં પણ મેં માત્ર કાર્ટૂન દોરીને મોકલ્યાં હતાં, જ્યારે સંવાદ હાથે લખવાને બદલે મુદ્રિત સ્વરૂપે મૂકાયા હતા. અહીં એ મૂળ કાર્ટૂન અને તેની નીચે સંવાદ મૂકેલાં છે.
વાર્તાવ્યંગ્ય


ઉધઈ ઉવાચ


(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
નૃત્યભંગિમાઓનાં રેખાંકનો – ૨
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક બીજો:પ્રવેશ ૧

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક પહેલો: પ્રવેશ ૫ થી આગળ
પ્રવેશ ૧ લો
સ્થળ : કનક્પુરની કચેરી
[કલ્યાણકામ અને પુષ્પસેન કચેરીમાં બેઠેલા પ્રવેશ કરે છે.]
કલ્યાણકામ: પુષ્પસેનજી! ઉત્તર મડળમાં જામેલા દંગાનું ખરેખર કારણ આપને શું માલમ પડ્યું?
પુષ્પસેન: કર ઉઘરાવનારાઓના જુલમની ફરિયાદ કાંઇક ખરી હતી, પરંતુ દંગો તો મંડલેશ દુર્ગેશની ઉશ્કેરણીથી જ થયો હતો એમ મારી ખાતરી થઇ.
કલ્યાણકામઃ આપ જવા નીકળ્યા ત્યારે મેં આપને ચેતવણી આપી જ હતી કે દુર્ગેશની સાથે કુશળાતાથી વ્યવહાર કરવાનો છે. જે બુધ્ધિબળથી એ રાજકાર્યની નિપુણતામાં પંકાય છે તે જ બુધ્ધિબળ તેને ઊંચી પદવીના લોભમાં ભમાવે છે. પરંતુ, આ દંગામાં એની સામેલગીરી શી રીતની હતી? દંગો બેસાડી દેવા સારુ પાટનગરથી સૈન્ય મોકલવાનો એણે સંદેશો મોકલેલો. તે પરથી તો જણાતું હતું કે દંગાથી એ બહુ ચિંતાતુર થયેલો હતો.
પુષ્પસેનઃ હું સૈન્ય લઇ જઇ પહોંચ્યો ત્યારે સ્થિતિ બહુ વિષમ હતી, અને એની ચિંતા સકારણ હતી એ ખરું. પરંતુ દોરી એના હાથમાંથી ખસી ગઇ હતી, તેથી એને ભય અને ચિંતા થયાં હતાં. શરૂઆતમાં તો દંગો કરનાર લોકોને એણે નાણાં આપેલાં અને હથિયાર આપેલાં એ હકીકત ચોખ્ખી રીતે મને માલમ પડી, અને લોકોને બેદિલ કરવા સારુ એણે કર ઉઘરાવનારાઓના જુલમ વિશેની ફરિયાદો ગણકારેલી નહિ. એટલું જ નહિ, પણ તેઓ જુલમ કરી શકે એવા નવા ધારા એણે કાઢેલા.
કલ્યાણકામ : એ બધામાં એનો હેતુ શો?
પુષ્પસેન : પર્વતરાય મહારાજ હાલ એકાંતમાં છે અને દેશને માથે રાજા નથી, તેવે સમયે દંગો કરાવીને ઉત્તર મંડળમાંના સૈન્યને પોતાના કાબૂમાં લઇ સૈનિકોને લૂંટફાટ કરવા દઇ, રાજૂ કરી આખરે તેમની મદદથી ઉત્તર મંડળના સ્વતંત્ર ઘણી થઇ બેસવું, એવો એનો ઉદ્દેશ હતો. આપે એની મહાત્વાકાંક્ષી લોભની પરીક્ષા કરી છે, તે યથાર્થ છે.
કલ્યાણકામ : એની એ યોજના કેટલેથી ભાંગી પડી?
પુષ્પસેન : દંગો તો એ જગાવી શક્યો, પણ પછી દંગાખોરો વશ રહ્યા નહિ. દુર્ગેશના મદદગારો ઉપર તેમણે હલ્લા કર્યા અને દંગાખોરો તથા સૈનિકોએ એવી અતંત્ર લૂંટફાટ ચલાવી કે આખું મંડળ ત્રાહિ ત્રાહિ કરવા લાગ્યું. પછી, લૂંટની વહેંચણી બાબત દંગાખોરો અને સૈનિકો વચ્ચે લડાઇઓ ચાલી, અને, તેઓ એક બીજાની કાપાકાપી કરવા લાગ્યા. દુર્ગેશ એક્નો પક્ષ લે તો બીજા ક્રોધાયમાન થાય, એમ બનવા લાગ્યું, અને, ન ટકાયું ત્યારે આપની પાસે મદદ મંગાવી.
કલ્યાણકામ :
(ઉપજાતિ)
દુર્વૃત્તિઓ જે જગવે જનોની,
તે ખેલ માંડે ભયનો કરેલો;
ભર્યાં તળાવોતણિ પાળ ખોદી,
રોકી શક્યા છે જલધોધ કોણ? ૧૯કડવા અનુભવથી દુર્ગેશને શિખામણ તો મળી; પણ ઉત્તરમંડળનું અધિપતિપણું એના હાથમાં હવે રહેવા દેવું હિતકર છે?
પુષ્પસેન : દંગો બેસાડી દેવામાં તો એણે મને ખરા અંતઃકરણથી મદદ કરી હતી, અને, એ મંડળમાં હવે સંપૂર્ણ શાંતિ થઈ ગઈ છે. પણ ચિત્તમાં એક્વાર પેઠેલું રાજદ્રોહનું વિષ પૂરેપૂરૂં નીકળી જવું બહુ કઠણ છે. અને, રાજ્યલોભનો કીડો એવો છે કે નરમ પડી ગયા પછી તે પાછો ફરી ફરી ચળવા આવે છે અને ચિત્તને કોરે છે. આપની મના ન હોત તો હું એનો શિરચ્છેદ કરત અથવા એને બંદીવાન કરત.
કલ્યાણકામ : દુર્ગેશનો પૂરેપૂરો વિશ્વાસ ન થાય એ ખરું છે, પણ એને હાલ સંકટમાં ઘેરીએ તો એની નિષ્ફળતાથી અસંતુષ્ટ થયેલા એના મિત્રો અને મદદગારો પાછા એને જઇ મળે. વળી એવા યુવકની ઉત્કૃષ્ટ બુધ્ધિશક્તિ રાજયના ઉપયોગમાં કદી પણ ન આવે એમ સદાને માટે રદ કરવી, એ પણ ઉચિત નથી. એને કનકપુરમાં ઉપમંત્રીને પદે બોલાવીશું તો અત્યારે તે ઉત્તર મંડળ છોડીને અહીં ખુશીથી આવશે. રાજ્યને ત્યાંનું ભયકારણ દૂર થશે, અને, પાટનગરમાં એ અંકુશમાં રહેશે.
[દ્વારપાળ પ્રવેશે કરે છે.]
દ્વારપાળ : (નમન કરીને) ભગવન્ત! રાણી સાહેબ તરફથી દાસી મંજરી સંદેશો લઇ ને આવી છે.
કલ્યાણકામ : આવવા દે.
[દ્વારપાળ જાય છે.]
પુષપસેન : પ્રધાનજી, ત્યારે હું રજા લઇશ.
કલ્યાણકામ : બેસો પુષ્પસેનજી, આપની સલાહની જરૂર પડશે.
[મંજરી પ્રવેશ કરે છે.]
મંજરી : (ઓવારણાં લઇને) સૌભાગ્યવંતા રાણીસાહેબે ભગવન્ત પ્રધાનજીને નમસ્કાર કહ્યાં છે, અને, કહેવડાવ્યું છે કે દક્ષિણથી ઝવેરી આવ્યો છે. તેની પાસેથી હીરા અને મોતી લીધાં છે. તેના એક લાખ દામ આપવા કોશાધીશને આજ્ઞા કરશો.
કલ્યાણકામ : ગયા માસમાં રાણીસાહેબને એક લાખ દામ મોકલ્યા હતા.
મંજરી : તે તો ઘણે ભાગે કાશીથી આવેલાં કસબનાં લૂગડાં લેવામાં ખરચાઇ ગયા, અને થોડા વધ્યા તે કોઠાર ખર્ચમાં વપરાયા. ઝવેરાત મંગાવી આપવાનું આપને રાણી સાહેબે પ્રથમ કહેવડાવ્યું હતું, પણ આપે ઉત્તર મોકલેલો કે દંગો વખતે લાંબો ચાલે તો નાણાંની જરૂર પડે, તેથી હાલ ઝવેરાત માટે ખરચ થાય તેમ નથી. પણ હવે તો દંગો શમી ગયો છે, અને ઝવેરી સારો માલ લઇ આવી પહોંચ્યો, તેથી રાણીસાહેબે ઝવેરાત ખરીદ કર્યું છે.
કલ્યાણકામ : પુષપસેનજી! દંગા સંબંધીનો બધો હિસાબ ચૂકી ગયો છે?
પુષ્પસેન : ઉત્તર મંડળમાં ચતુરંગ સેના માટે લીધેલા ધાન્ય અને ઘાસના બે લાખ દામ વેપારીઓને હજી આપવાના બાકી છે. વળી, સૈનિકો માટે લીધેલા ઘોડા અને શસ્ત્રના ત્રણ લાખ દામ આપવાના બાકી છે.
મંજરી : રાજ્ય હોય ત્યાં ખરચ તો ચાલ્યાજ જાય. મહારાજ એકાન્તવાસમાં હોવાથી રાણી સાહેબને આમ નાણાં માટે સંદેશા મોકલવા પડે છે, તેથી એમને બહુ ઓછું આવે છે. ભગવન્તે ઝવેરાત મંગાવવાની ના કહી ત્યારે રાણી સાહેબ રોયાં હતાં.
કલ્યાણકામ : રાણી સાહેબને અમારા નમસ્કાર કહેજો, અને ઝવેરીને અમારી પાસે મોકલી આપવા વિનંતિ કરજો. એને નાણાં ચુકાવી આપીશું.
[મંજરી નમન કરીને જાય છે.]
પુષ્પસેન : કોશાધીશ કહેતા હતા કે આવતી મોસમમાં કરનું ઉઘરાણું આવશે ત્યાં સુધી નાણાંની ટાંચ રહેશે.
કલ્યાણકામ : મંજરીએ છેવટે અશ્રુપાતનો ભય બતાવ્યો એટલે નિરૂપાય થઇ ગયો.
(ચામર)
સામ દામ દંડ ભેદ, જે ઉપાય છે લખ્યા,
ચાર તે નરોની બુધ્ધિશક્તિથીજ છે રચ્યાં;
રાજનીતિશાસ્ત્રકાર હોત તો સ્ત્રિઓ કદી,
અશ્રુપાત પાંચમો લખાત શાસ્ત્રમાં નકી.પુષ્પસેન : રાજકાર્યોના કઠણ અભ્યાસથી સ્ત્રીજાતિની મૃદુતાની આમાં અવગણના થઇ છે.
(તોટક)
મૃદુતા લલનાહૃદયે વસતી,
પ્રતિ અશ્રુ વિશે થતિ મૂર્તિમતી;
વિણ સિંચન એ મૃદુતારસના,
સૂકી કર્કશ આ બનિ જાય ધરા.[દ્વારપાળ પ્રવેશ કરે છે.]
દ્વારપાળ : (નમન કરીને) કોટવાળ સાહેબ અંદર આવવાની રજા માગે છે.
કલ્યાણકામ : એકલા છે?
દ્વારપાલ : સાથે સિપાઇઓ છે અને પકડેલા માણસો છે.
કલ્યાણકામ : સહુને અંદર આવવા દે.
[દ્વારપાળ જાય છે.]
[કોટવાળ, સિપાઈઓ અને હાથ બાંધેલા બે માણસો પ્રવેશ કરે છે.]
કોટવાળ : ભગવન્તને નમસ્કાર કરું છું.
કલ્યાણકામ : કોટવાલજી! આ બે માણસોનો શો અપરાધ છે?
કોટવાળ : આ બન્ને શખસો રાજમાર્ગ ઉપર ગાળાગાળી અને મારામારી કરતા હતા. તેમની મદદે તેમના પક્ષનાં માણસો આવ્યાં અને રસ્તામાં બહુ તોફાન થયું. સિપાઈઓએ તેમને રોક્યા પણ માન્યું નહિ, અને ઊલટા તેઓ સિપાઈઓને મારવા ધસ્યા.
કલ્યાણકામ : (પકડાયેલા માણસોને) તમને ઘેર અણગમો થતો હોય, તોપણ તુરંગમાં જવા શા માટે આતુર થાઓ છો? જાત્રાએ જાઓ.
પહેલો માણસ : ભગવન્ત! તુરંગમાં જવા જેવું કાંઇ કૃત્ય કર્યું નથી.
બીજો માણસ : ભગવન્ત! એ તુરંગમં જવાને પાત્ર છે. હું નિર્દોષ છું.
કલ્યાણકામ : જે નિર્દોષતા રાજદરબારમાં આવી ધારણ કરો છો તે ઘેર ધારણ કરી હોત તો કોટવાલજીને આટલી મહેનત પડત નહિ. તમારા વચ્ચે કલહ શાથી થયો?
બીજો માણસ: ભગવન્ત! આ મારો ગોર છે, હું એનો જજમાન છું. મારી દીકરી માટે સારો વર ખોળી લાવવા મેં એને પરગામ મોકલ્યો હતો. એ મારો વંશ પરંપરાનો ગોર છે. મારા તરફથી સારી રીતે દાનદક્ષિણા એને મળે છે. તે છતાં, મારી નવ વરસની બાળકીનું વેવિશાળ એંસી વર્ષના ઘરડા ડોસા સાથે એ કરી આવ્યો છે. ડોસાના પૈસા ખાઇને મારી દીકરીનો ભવ બગાડ્યો છે.
કલ્યાણકામ: ભવ બગાડ્યો શાનો? તું વેવિશાળ રદ કર.
બીજો માણસ: ગોર ચાંલ્લો કરી આવ્યા પછી વેવિશાળ કંઇ તોડાય?
કલ્યાણકામ: અન્યાયનાં બંધન છોડી ન નંખાય?
બીજો માણસ: ભગવન્ત! નાતની રૂઢિ પડી, તે શું કરીએ? અમારી નાતમાં વેવિશાળ કોઇ કારણથી તોડાતાં નથી. કોઇ તોડે તો નાતવાળા નાતબહાર મૂકે, અને કન્યાને બીજું કોઇ લે નહિ.
કલ્યાણકામ: યોગ્ય-અયોગ્યનો નાત વિચાર નહિ કરે?
બીજો માણસ: નાત તે વળી એવો વિચાર કરે ભગવન્ત?
કલ્યાણકામ: નાત સત્ – અસત્ પણ જુએ નહિ?
બીજો માણસ: શી રીતે જુએ?
કલ્યાણકામ: (પહેલા માણસને) ભૂદેવ! તમે કન્યાના પિતાતુલ્ય છો અને બિચારી કન્યાને કૂવામાં કેમ નાખી આવ્યા?
પહેલો માણસ: ભગવન્ત! કૂવામાં નથી નાખી. વર તો શ્રીમંત છે. બીજવર છે એટલે ઉમર તો સહેજ વધારે હોય. પણ કન્યા બેઠી બેઠી રોટલો ખાશે. અને, પરદેશી વૈદ્યરાજ આવ્યા છે તે મહારાજ પર્વતરાજનો ઉપચાર કરી રહે એ પછી એ વૈદ્યને રાખીને એ જ ઉપચાર આ વર કરશે, તો એ પણ જુવાન થઇ જશે.
બીજો માણસ: ભગવન્ત! આ ગોરે એવું કહ્યું તેથી જ લઢાઇ થઇ.મેં ગોરને કહ્યું કે તમને ડોસાએ પૈસા આપ્યા છે, તેના ચાર ભાગ કરો. એક ભાગ તમે રાખો, અને ત્રણ ભાગ મને આપો કે તેમાંથી એક ભાગ ડોસાને જુવાન કરવામાં ખરચીએ, અને બાકીના બે ભાગ મારે ઘડપણમાં ગુજરાન માટે ચાલે. મેં પૈસા માગ્યા ત્યારે ગોર સામી ગાળો દેવા લાગ્યા અને મારવા આવ્યા. એથી લોકો ભરાઇ ગયા અને હોહો થઈ ગઈ.
પહેલો માણસ: ભગવન્ત! મારા પૈસામાંથી હુ શેનો ભાગ આપું? મેં તો કામ જ કરી આપ્યું. વરને જુવાન થવું હોય તો વર પૈસા ખરચે, અને, કન્યાના બાપને નાણાં જોઇતાં હોય તો વર પાસે કઢાવે.
બીજો માણસ : ડોસાની પહેલી વારની બાયડીના છોકરા છે, તે હવે એક બદામ આપવા દે તેમ નથી.
કલ્યાણકામ : કોટવાલજી! અત્યારે અમારા ચિત્તને બહુ ક્ષોભ થયો છે. કાલે આ માણસોને હાજર કરજો. એમનાં બંધન કાઢી નાખજો. એમના દુરાચરણે એમને બાંધ્યા છે તે બસ છે.
કોટવાળઃ જેવી આજ્ઞા.
[કોટવાળ, સિપાઇઓ અને બન્ને માણસો જાય છે.]
પુષ્પસેનઃ મંત્રીશ્વર! નિત્યની આવી વસમી માથાઝીક આપને બહુ વ્યગ્ર કરતી હશે. અમારો તરવાર ફેરવવાનો ધંધો સહેલો અને ટૂંકો.
કલ્યાણકામઃ આવા આચારથી દેશની દુર્દશા થવા બેઠી છે, તે તરવાર ફેરવવાથી મટે તેમ નથી. મહારાજે ઘડપણમાં લગ્ન કર્યું ત્યાં પ્રજાજનનો એવા કૃત્ય માટે શી રીતે દોષ કઢાય? અને વૃધ્ધત્વ માટે માડેલા ઉપચારથી તો હજું જોણ જાણે કેટલાએ ફણગા ફૂટશે! હવે અત્યારે તો કચેરી બરખાસ્ત કરીશું.
[બન્ને જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર – માધવ રામાનુજ / દીપ જલે…. – દેવિકા ધ્રુવ
(૧) એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર..
માધવ રામાનુજ
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો;
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યાં છે નુપૂર… એકવાર યમુનામાં…ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ;
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર… એકવાર યમુનામાં…કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,
એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર… એકવાર યમુનામાં(૨) દીપ જલે….
દેવિકા ધ્રુવ
દીપ જલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.કાચું કોડિયું વાત આ જાણે,
પરમ પુનિત ને પાવન.
મન – બરતનને માંજી દઈએ,
દર્પણ સમ દિલ ભાવન.
પછી ખીલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.નાની અમથી સમજી લઈએ,
ક્ષણની આવનજાવન.
આસોની અજવાળી અમાસે,ઝગમગ દીપ સુહાવન.
ૐકારના ગીતો ધરીએ,
સૂરીલી વાગે ઝાલર.અખંડ જ્યોતે ઝળહળ સૌને,
વંદન સહ અભિનંદન.
અભિનંદન, અભિનંદન. -
ફિલ્મી ગઝલો – ૧૯. નક્શ લાયલપુરી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
નક્શ લાયલપુરી સાહેબનું અસલી નામ હતું જસવંતરાય શર્મા. છએક વર્ષ પહેલાં ૮૮ વર્ષની ઉંમરે અવસાન પામ્યા. ૫૦ વર્ષની દીર્ઘ ફિલ્મ કારકિર્દીમાં પ્રમાણમાં બહુ ઓછા ગીતો લખ્યા. એમના લોકપ્રિય ગીતો ગણીએ તો ‘ મૈં તો હર મોડ પર તુજકો દૂંગા સદા ‘ ( ચેતના – ૧૯૭૦ ), ‘ તુમ્હેં હો ન હો મુજકો તો ‘ ( ઘરૌંદા – ૧૯૭૭ ), ‘ યે મુલાકાત એક બહાના હૈ ‘ ( ખાનદાન – ૧૯૭૯ ) , ‘ ઉલ્ફત મેં ઝમાને કી હર રસ્મ કો ઠુકરાએં ‘ ( કોલ ગર્લ – ૧૯૭૪ ) ગણાય પણ એમનું શ્રેષ્ઠ ગીત તો ‘ તુમ્હેં દેખતી હું તો લગતા હૈ ઐસે ‘ ( તુમ્હારે લિયે – ૧૯૭૮ ) !મોહમ્મદ રફીએ ફિલ્મ ‘ ઈંસાફ કા મંદિર ‘ ( ૧૯૬૯ ) માટે ગાયેલા અને એમણે લખેલા એક ગીતનો ઉપાડ આમ છે :
શાયર તો નહીં હું લેકિન શાયર કી નઝર પાઈ હૈ
વો બાત કહે દેતા હું જો બાત નઝર આઈ હૈ..
હા, શાયરનું કામ જ એ છે. જે દેખાય તે લખવાનું.
અગત્યની હકીકત એ પણ કે એમણે લગભગ પચાસ હિંદી સિરિયલોના શીર્ષક ગીત પણ લખ્યા ! એ જમાનામાં દુરદર્શન પર આવતી ‘ દરાર ‘ સિરિયલનું જગજીત સિંહે ગાયેલું ‘ રિશ્તોં મેં દરાર આઈ ‘ બહુ લોકપ્રિય થયેલું.
એમની લખેલી બે ખૂબસુરત ફિલ્મી ગઝલો :
રસ્મે – ઉલ્ફત કો નિભાએં કો નિભાએં કૈસે
હર તરફ આગ હૈ દામન કો બચાએં કૈસેદિલ કી રાહોં મેં ઉઠાતે હૈે જો દુનિયા વાલે
કોઈ કહ દે કે વો દીવાર ગિરાએં કૈસેદર્દ મેં ડૂબે હુએ નગ્મે હઝારોં હૈં મગર
સાઝે – દિલ ટૂટ ગયા હો તો સુનાએં કૈસેબોજ હોતા જો ગમોં કા તો ઊઠા ભી લેતે
ઝિંદગી બોજ બની હો તો ઉઠાએં કૈસે ..– ફિલ્મ : દિલ કી રાહેં ( ૧૯૭૩ )
– લતા
– મદન મોહન
માના તેરી નઝર મેં તેરા પ્યાર હમ નહીં
કૈસે કહેં કે તેરે તલબગાર હમ નહીંતન કો જલા કે રાખ બનાયા – બિછા દિયા
લો અબ તુમ્હારી રાહ મેં દીવાર હમ નહીંજિસકો નિખારા હમને તમન્ના કે ખૂન સે
ગુલશન મેં ઉસ બહાર કે હકદાર હમ નહીંધોકા દિયા હૈ ખુદ કો મુહબ્બત કે નામ પર
<યે કિસ તરહ કહેં કે ગુનહગાર હમ નહીં …– ફિલ્મ : આહિસ્તા – આહિસ્તા ( ૧૯૮૧ )
– સુલક્ષણા પંડિત
– ખૈયામ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મહેન્દ્ર શાહનાં સપ્ટેમ્બર ૨૦૨૩નાં સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
