પરેશ ૨. વૈદ્ય

ગયા અઠવાડિયે અમેરિકાની અવકાશ સંસ્થા ‘નાસા’એ કૈંક જુદું જ કરી બતાવ્યું. કરોડો માઈલ દૂર ના એક ઉલ્કાપિંડ (Asteroid) બેન્નુ’ ની સપાટી પરથી થોડી ધૂળ અને કાંકરા એકઠા કરીને પૃથ્વી પર લઇ આવ્યા. અવકાશમાંથી આમ પદાર્થ લઇ આવવાનું તો પહેલા બન્યું જ છે.

તસવીર ‘નાસા’ની વેબસાઈટ પરથી

ચંદ્ર પરથી માટી અમેરિકન અવકાશયાત્રીઓ લાવ્યા અને રશિયનોએ તો ત્યાં ગયા વિના ઘેર બેઠે જ એવાં સેમ્પલ મેળવ્યાં. એ પાછળની મહેનત અને ટેકનોલોજી પ્રશંસા પામ્યાં જ છે. બેન્નુ ચંદ્ર કરતા અનેક ઘણો દૂર છે. તેથી ય વધુ રસભરી વાત એ છે કે નાસા નું અવકાશયાન આ માટી ભરેલું પાત્ર કે કેપ્સ્યુલ લઇને પૃથ્વી પર આવ્યું નથી. એ તેને ફેંકી ને આગળ વધી ગયું છે, જેમ સવારે છાપાવાળો છાપાની ભૂંગળી તમારી બાલ્કનીમાં નીચેથી જ ફેંકે તેમ.

A sequence of images showing TAGSAM collecting dirt on Asteroid Bennu. (NASA/Goddard/University of Arizona, Public Domain/Wikimedia Commons)

આપણા ચંદ્રયાનની તાજેતરની સફળતા બાદ આપણને નાસાનાં આ મિશનની વાતમાં વધુ સમજ પડશે. ચન્દ્રયાન-૩ નું લેન્ડર ‘વિક્રમ’ જયારે ચંદ્ર ઉપર ઉતરતું હતું તેને છેલ્લી ૧૫ મિનીટ દરમ્યાન ૬૦ થી ૭૦ કરોડ ભારતીયોએ શ્વાસ રોકીને જોયું. ચંદ્ર તરફ , એટલે કે ઉલટી દિશામાં રોકેટ ફોડીને લેન્ડરની ગતિ ધીમી કરી તે આપણને સમજાયું. એ હળવેથી ઉતરી શકે છે કે કેમ તે મુદ્દા પર બધાનું ધ્યાન હતું. આ ઉત્કંઠા પાછળ ચંદ્રયાન-૨ ની નિષ્ફળતા હતી. એ ધડામ દઈને પછડાયું હતું, તેવું તો નહિ થાય તેવી ભીતિ હતી. નાસાનાં ઉલ્કા મિશનની વાત આ પશ્ચાદભૂમાં રસપ્રદ છે.

ખગોળશાસ્ત્રીઓને ઉલ્કાઓમાં એ માટે રસ છે એ લગભગ સૂર્યમાળાના જન્મ જેટલી જ જૂની છે. એમ મનાય છે કે મંગળ અને ગુરુની વચ્ચે એક ગ્રહ હતો જે તૂટી ગયો અને તેના ટૂકડાઓ એક ભ્રમણ કક્ષામાં ફરે છે. તેને Asteroid belt કહે છે. મોટાભાગની ઉલ્કાઓ આ પ્રદેશમાં વસે છે. કેટલીક વળી એમાંથી છટકીને પોતાની આગવી ભ્રમણકક્ષામાં માં ફરે છે અને  પૃથ્વીની મુલાકાતે પણ આવે છે. અમુક મીલીમીટર થી દશ બાર કિલોમીટર ના વ્યાસ ઉલ્કાના હોય છે. નાની હોય તે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થતાં ઘર્ષણના કારણે સળગી જાય છે તો કોઈનો બચેલો ભાગ જમીન પર પડે પણ છે. બહુ જ મોટી ઉલ્કા ૬૫ કરોડ વર્ષ પહેલા ખાબકી અને તેનાથી ઉડેલી ધૂળ ના કારણે સુરજ ઢંકાઈ ગયો. ઘણી જીવસૃષ્ટિ નાશ પામી જેમાં ડાયનોસોર પણ ગણાય છે. મહારાષ્ટ્રમાં લોણાર નામની જગ્યાએ ઉલ્કાપતન ના ખાડામાં તળાવ બન્યું છે જે ખગોળરસીયાઓ નું યાત્રાધામ છે.

સમગ્રપણે ઉલ્કાના અભ્યાસ માં રસ એ જ છે કે તેમાં રહેલ દ્રવ્યો અને ખડકોનાં બંધારણની તુલના પૃથ્વી અને બીજા ગ્રહો સાથે કરી શકાય. એમાંથી સુર્યમાળાના અસ્તિત્વનો ઈતિહાસ જાણી શકાય. કેટલાક એમ માને છે કે પૃથ્વી પર જીવન શરુ કરવામાં આવી કોઈ ઉલ્કા નો ફાળો હોય. જેમ કે બેન્નુ ઉલ્કાપિંડ નું બંધારણ સેન્દ્રીય (કાર્બોનિક) છે. તો એના અભ્યાસ થી અહીનાં જીવનની ઉત્પત્તિ બાબત પ્રકાશ પડી શકે.  આ રીતે નાસાએ અગાઉ પણ ઉલ્કાને સમજવાના પ્રયનો કર્યા છે. ૧૯૯૮ થી ૨૦૦૧ વચ્ચે ઈરોસ નામના પિંડ ની આસપાસ એક યાનને ફેરવ્યું. એના બધા અભ્યાસ થઇ ગયા પછી યાનને એ ખડક ઉપર જ ઉતાર્યું. એમાંથી ઘણું જાણવા મળ્યું. હાલ માં એક બીજો જુદા પ્રકાર નો પ્રયોગ કર્યો. જો કોઈ વિનાશકારી ઉલ્કા આપણા તરફ આવતી હોય તો તેનો માર્ગ બદલી શકાય? એ પ્રશ્ન નો જવાબ શોધવા માટે ૨૦૨૧માં એક યાન ડીડીમોસ (Didymos) નામના ઉલ્કા પિંડ તરફ મોકલાયું. ડીડીમોસનો એક જોડીઓ પિંડ દીમોરફસ (dimorphos) તેની પ્રદક્ષિણા કરે છે. આ જોડિયા ભાઈ સાથે કલાકે ૨૨૦૦૦ કિમી ની ઝડપે ધસતું આપણું યાન DART (Double Asteroid Redirection Test) જાણી જોઈને અથડાયું (સપ્ટેમ્બર ૨૦૨૨). માત્ર ૧૬૦ મીટરના આ લઘુચન્દ્રમાંથી ઘણો પદાર્થ વિખેરાઈ ગયો અને તેની ગતિ માં ફેરફાર થયો. એની પ્રદક્ષિણાનો સમય ૩૨ મિનીટ ઘટી ગયો.

કેપ્સ્યુલ આવીને પડી

આપણે પાછા બેન્નુ ની વાત પર આવીએ.  ૪૦૦ મીટર વ્યાસનો ધૂળ માટીનો બનેલો એ એટલો નરમ પિંડ છે કે એના ઉપર યાન ઉતરી ને પાછું ઉડી શકે કે કેમ તે પ્રશ્ન છે. એટલે તેને છરકતું અડકીને યાન જાય અને તે વખતે જ તેની માટીનો નમૂનો એકઠો કરે તેવી યોજના કરી. સમડી ઉડતી આવીને છાપરા પર થી સર્પને ઉપાડી લે તે રીતે. પ્રયોગને નામ અપાયું OSIRIS Rex ( Origins, Spectral Interpretation, Resource Identification, Security, Regolith Explorer.) પ્રત્યેક શબ્દ પ્રયોગ નો એક એક હેતુ વર્ણવે છે. જમીન ખોદવાના કોસ જેવું ડંડા ના આકારનું હથિયાર

કેપ્સ્યુલ ઉઘાડીને

જમીનમાં ઘુસાડ્યું અને તે ક્ષણે વાયુનો જોરદાર બ્લાસ્ટ કર્યો. એથી ધૂળ કાંકરાનું મિશ્રણ ઉડીને એક પાત્રમાં જમા થયું. (એવા મિશ્રણને અંગ્રેજીમાં Regolith કહે છે). આ ક્ષણિક પ્રક્રિયા કરતુંક યાન આગળ વધી ગયું. પેલાં પાત્રને એક કેપ્સ્યુલમાં બંધ કર્યું. ૩૦ કરોડ કી.મિ. અને બે વર્ષ ની મુસાફરી કરીને આ પદાર્થો ૨૪ સપ્ટેમ્બરે પૃથ્વી પર આવી મળ્યા. એ માટે અવકાશયાન પૃથ્વી પર આવ્યું નથી. એને જવાનું છે એપોફીસ (Apophis) નામના બીજા ઉલ્કાપિંડ તરફ. એટલે પૃથ્વીથી એક લાખ કી.મિ. દૂરથી જ તેણે કેપ્સ્યુલને ફેંકી. કહો કે છોડી દીધી. કેપ્સ્યુલ સાથે એક પેરાશૂટ બાંધેલી જે વાતાવરણમાં આવતા ઉઘડી. કલાકે ૪૪૫૦૦ કી.મિ. ની ગતિ થી ફેકાયેલી કેપ્સ્યુલની ગતિ જમીનને  અડતી વેળા પણ ૧૮ કી.મિ. હતી. ચંદ્રયાન લેન્ડર કરતા એ વધારે હતી પણ તેમાં માત્રા ધૂળ અને ઢેફાં હોવાથી એ અથડાય તેનો વાંધો નહોતો. લેન્ડરે હજુ પોતાનું કામ કરવાનું બાકી હતું તેથી તેને ઈજા પહોચાડવી ન પોષાય. અમેરિકામાં જ સોલ્ટ લેક સિટી નજીક ઉટાહના રણમાં એ પડી. રડારની મદદથી એ ક્યાં પડી તે જાણી એક હેલીકોપ્ટરથી ઉપાડી લેવામાં આવી. પૃથ્વીનાં વાતાવરણ નાં જીવાણું વગેરે તેને લાગુ ન પડી જાય તે માટે તેને નાઈટ્રોજન વાયુ થી ‘ધોઈ’ અને પછી સુરક્ષિત રીતે હાઉસ્ટન ખાતે જોન્સન સ્પેસ સેન્ટર લઇ ગયા છે.

ઓક્ટોબરની ૧૧ તારીખે (૩ pm UTC) આ ડબ્બો ખોલવામાં આવશે. તેનું જીવંત પ્રસારણ નાસા ના NASATV ઉપર કરાશે.* યોજના તો માત્ર ૬૦ ગ્રામ માટી લાવવાની હતી પરંતુ આશા છે કે તેમાં ૨૫૦ થી ૩૦૦ ગ્રામ પદાર્થો મળશે. જુદી જુદી ૩૮ પ્રયોગશાળાઓને તે વહેચવામાં આવશે જેથી દરેક લેબ પોતપોતાના અવલોકનો કરે. એમાંથી શું પરિણામો આવશે તે માટે તો બહુ રાહ જોવી રહી. દરમ્યાન OSIRIS Rex હવે નવા નામ OSIRIS APEX સાથે આગળ ગયું છે. વર્ષ ૨૦૨૬માં પહોચે પછી એના કામ નો રીપોર્ટ મળશે.


ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.


*
આ જીવંત પ્રસારણ સમયે થયેલી ચર્ચાઓનો વિડીઓ નાસાએ પ્રકાશિત કરેલ છે.