-
ઝનક ઝનક પાયલ બાજે (૧૯૫૫)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
આપણી બોલીમાં ધ્વનિસૂચક શબ્દોનું આગવું મહત્ત્વ છે. એમાંય વિવિધ વાદ્યોના સૂર માટે પ્રયોજાતા આવા શબ્દો વિચારવા જેવા છે. જેમ કે, ઘૂંઘરુનો અવાજ ‘છમ છમ’ કે ‘છુમ છુમ’, ઢોલનો અવાજ ‘ઢમ ઢમ’, ‘તાક ધૂમ’ વગેરે, તંતુવાદ્યના અવાજ માટે ‘ટીંગ ટીંગ ટડિંગ’ વગેરે. મઝાની વાત એ છે કે આવા શબ્દો વાતચીતમાં જ નહીં, ગીતોમાં પણ પ્રયોજાતા રહ્યા છે. ઘૂંઘરુ અને પાયલ આમ તો એક જ ગણાય, પણ પાયલને પગમાં પહેરવામાં આવે છે. ઘૂંઘરુ પગમાં પહેરી શકાય, પણ હંમેશાં એ જરૂરી નથી, આવી કંઈક મારી સમજણ છે. આ કારણે પાયલ માટે ધ્વનિસૂચક શબ્દ ‘છમ છમ’ કે ‘છુમ છુમ’ નહીં, પણ ‘ઝનક ઝનક’ વાપરવામાં આવ્યો છે. ‘કલાગુરુ’ના નામે ઓળખાતા નિર્માતા-દિગ્દર્શક- અભિનેતા એવા વી. શાંતારામે ૧૯૫૫માં એક ફિલ્મનું નિર્માણ- દિગ્દર્શન કર્યું, જેનું નામ હતું ‘ઝનક ઝનક પાયલ બાજે’. નામ પરથી જ સૂચિત થાય છે કે આ ફિલ્મ નૃત્યકેન્દ્રી હશે.

સંધ્યા, ગોપી કૃષ્ણ, કેશવરાવ દાતે, મદન પુરી, ભગવાન જેવા કલાકારોને ચમકાવતી આ ફિલ્મ નૃત્યપ્રધાન અને તેથી સંગીતપ્રધાન હતી. શાંતારામની દરેક ફિલ્મોમાં ટાઈટલ્સ વિશિષ્ટ રીતે મૂકવામાં આવતાં. આ ફિલ્મનાં ટાઈટલ્સ પણ એવાં જ હતાં. એ વિશે શાંતારામનાં પુત્રી અને પંડિત જસરાજનાં પત્ની મધુરાએ લખ્યું છે: ફિલ્મના ઓપનિંગ ટાઈટલ્સ બાબતે પણ તેઓ (શાંતારામ) કંઈક વિશિષ્ટ કરવા માંગતા હતા. ફિલ્મનો આરંભ રંગોળી સ્વરૂપે લખાયેલાં ફિલ્મનાં ટાઈટલ્સ આગળ નૃત્ય કરતા બે નર્તકોના પગના ક્લોઝ અપ વડે થતો હતો. એક નર્તક અને એક નર્તકી રંગના ઢગને પગ વડે ઊડાડે છે અને એનાથી સર્જાતી રંગોળીમાં ફિલ્મનાં ટાઈટલ્સ શરૂ થાય. પશ્ચાદભૂમાં ઉસ્તાદ અમીર ખાનના સ્વરમાં ગવાયેલું ટાઈટલ સોન્ગ પણ સંભળાય.”

વી.શાંતારામ (ડાબે) અને વસંત દેસાઈ (નીચે બેઠેલા) આ ફિલ્મના નિર્માણનો સમયગાળો એવો હતો કે શાંતારામનાં પ્રથમ પત્ની જયશ્રી સાથે તેમના મતભેદ ચરમસીમાએ પહોંચ્યા હતા. આ ફિલ્મ ટેક્નિકલર બનવાની હોવાથી તેમાં ખર્ચ વધુ હતો. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે જયશ્રીનો પોતાને લેવાનો આગ્રહ હતો. ‘ફિલ્મ પ્રોડ્યૂસર્સ ગિલ્ડ’ નામના ફિલ્મનિર્માતાઓના સંગઠન દ્વારા વિવિધ સૂચનો મળ્યાં. જેમ કે, આ ફિલ્મમાં સંગીતકાર તરીકે વસંત દેસાઈ જેવાને ન લો. કોઈ લોકપ્રિય સંગીતકારને રાખો. સ્ત્રૈણ ચાલ ધરાવતા ગોપી કૃષ્ણ જેવા નવાસવા જુવાનિયાને લેવાથી ફિલ્મ નહીં ચાલે, કેમ કે, અગાઉ ઉદયશંકર જેવા પ્રતિષ્ઠિત નર્તકને લઈને બનેલી નૃત્ય આધારિત ફિલ્મ ‘કલ્પના’ નિષ્ફળ ગઈ હતી. સંધ્યા જેવી નવીસવી હીરોઈનને બદલે વૈજયંતિમાલા, પદ્મિની જેવી પ્રસિદ્ધ નર્તકી- અભિનેત્રીને લેવાથી ફિલ્મની સફળતાની શક્યતા વધી જશે…વગેરે. અલબત્ત, શાંતારામ પોતાની વાતને વળગી રહ્યા. જાતનાં અઢળક વખાણ કરતા પુસ્તક ‘શાંતારામા’માં આ ફિલ્મની શ્રેય નામાવલિ (ક્રેડિટ ટાઈટલ્સ) વિશે તેમણે લખ્યું છે: ‘આ ચિત્રપટની શ્રેય નામાવલિ માટે મને હંમેશની જેમ એક નવિન કલ્પના સૂઝી. ઘૂંઘરું બાંધેલાં સ્ત્રી અને પુરુષનાં ચરણ નૃત્ય કરતાં કરતાં પર્દા પર આગળ આવતાં દેખાય છે. તદ્દન સામે આવીને ત્યાં મૂકેલી વિવિધ રંગની રંગોળીના ઢગ પર નૃત્યના તોડાના અંતિમ ‘ધા’ પર જોરથી મૂકાય છે. રંગનો ઢગ વિખરાઈને આખા પર્દાને રંગોથી ભરી દે છે અને રંગોની એ વર્ષાના પટમાંથી જ રંગોળીયુક્ત શ્રેયનામાવલિ દેખાય છે.’ શાંતારામના જણાવ્યા અનુસાર આ ફિલ્મનું નામ તેમને કળાદિગ્દર્શક કનુ દેસાઈએ સૂચવ્યું હતું, જે સૌને પસંદ આવ્યું હતું.

(‘નૈન સો નૈન નાહી મિલાઓ’ના રેકોર્ડિંગ વખતે ગાયકો: હેમંતકુમાર, લતા અને સંગીતકાર વસંત દેસાઈ) આ ફિલ્મ મને કદી થિયેટરમાં જોવાનો મોકો મળ્યો નહોતો. મારા પપ્પા આ ફિલ્મનો ઉલ્લેખ તેના પ્રથમાક્ષરો થકી ‘જે.જે.પી.બી.’ તરીકે કરતા. ૧૯૮૯-૯૦ના અરસામાં અમે રેકોર્ડ પ્લેયર ખરીદ્યું અને એ પછી બજેટ મુજબ અમે લોન્ગ પ્લે રેકોર્ડ ખરીદતા ગયા. મુંબઈ અવારનવાર મુલાકાત લેતા મિત્ર (અને વિપુલ રાવલના પિતરાઈ) રાકેશ રાવલને અમે સાઠના ગુણાંકમાં રૂપિયા આપતા. રાકેશ ‘રીધમ હાઉસ’ની મુલાકાત લેતો અને તેની સમજ મુજબ, અમારી પસંદગીને ધ્યાનમાં રાખીને એક, બે, ત્રણ કે ચાર એલ.પી. ખરીદી લાવતો. આ જ ક્રમમાં એક વાર તે ‘ઝનક ઝનક પાયલ બાજે’ની એલ.પી. ખરીદી લાવ્યો. એ સમય એવો હતો કે એક એક રેકર્ડ અમે અનેક વાર સાંભળતા. તેને કારણે ગીતના શબ્દો તો બરાબર, એનો ક્રમ પણ મોઢે થઈ જતો. અલબત્ત, ‘જે.જે.પી.બી.’ની એલ.પી. અન્ય કરતાં અલગ પડતી હતી. તેનાં તમામ ગીતોનું સ્ટિરિયોફોનિક સાઉન્ડમાં નવસંસ્કરણ કરવામાં આવ્યું હતું. એને કારણે ગીતો સાંભળવાની મજા અનેક ગણી વધી જતી હતી. એક વાદ્યનો અવાજ જમણા સ્પીકરમાંથી, અને બીજા વાદ્યનો અવાજ ડાબા સ્પીકરમાંથી સંભળાય એનો જબરો રોમાંચ થતો. ગીતમાં પ્રયોજાયેલાં તબલાં અને પાયલ પણ સરસ રીતે સંભળાતાં. આ ફિલ્મનાં કુલ બાર ગીતો હતાં, જે હસરત જયપુરી, દીવાન શરર, સરસ્વતીકુમાર ‘દીપક’ વચ્ચે વહેંચાયેલાં હતાં. આ ઉપરાંત મીરાબાઈનું પણ એક ભજન હતું.
‘કૈસી યે મહોબ્બત કી સજા‘ (લતા) અને ‘હમેં ગોપ ગ્વાલા કહેતે હૈં‘ ગીતો દીવાન શરરે લખેલાં. ‘મેરે એ દિલ બતા‘ બે ભાગમાં હતું, જે પૈકીનો પહેલો ભાગ ‘મેરે એ દિલ બતા’ (લતા) હસરત જયપુરીએ લખેલો, અને બીજો ભાગ ‘સીતા બન કો ચલી રામ કે સાથ’ (લતા, મન્નાડે) સરસ્વતીકુમાર ‘દીપક’ દ્વારા લખાયેલો. ‘જો તુમ તોડો પિયા‘ (લતા) મીરાબાઈ રચિત ભજન હતું. આ સિવાયનાં સાત ગીતો હસરત જયપુરીએ લખેલાં. ‘ઋત બસન્ત આઈ‘ (લતા, મન્નાડે), ‘સૈંયા જાઓ જાઓ, મોસે ના બોલો‘ (લતા), ‘નૈન સો નૈન નાહીં મિલાઓ‘ (લતા, હેમંતકુમાર), ‘સુનો સુનો સુનો જી મોરે રસિયા‘ (લતા), ‘રંગ રંગ કી ચુનરી પ્યારી યે ફુલવારી‘ (રફી, આશા અને સાથીઓ) તેમજ ‘ઝનક ઝનક પાયલ બાજે’ (ઉસ્તાદ અમીર ખાન) હસરત જયપુરીએ લખેલાં હતાં. ‘ઉઘડત બરસ રંગ ઢંગ‘ (આશા) ના ગીતકારની જાણ નથી.
આ ફિલ્મનાં એકે એક ગીતો અદ્ભુત હતાં, પણ સૌથી સુખદ આશ્ચર્ય આપ્યું હતું હસરત જયપુરીએ. ઉર્દૂ- ફારસી શબ્દોથી પ્રચૂર, મુખ્યત્વે ઐહિક સૌંદર્યનાં ગીતો લખતા આ ગીતકારે પોતાના મિજાજથી વિપરીત કહી શકાય એવા શબ્દો લખ્યા હતા. ફિલ્મમાં સારંગીવાદન પં. રામનારાયણ દ્વારા, તબલાંવાદન પં. સામતાપ્રસાદ દ્વારા અને સંતૂરવાદન શિવકુમાર શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનાં ગીતો સાંભળતાં કોઈક જુદી જ સૃષ્ટિમાં પહોંચી ગયાનો અહેસાસ થાય છે. અને આ અહેસાસ મનમાં જળવાઈ રહે એટલા માટે ફિલ્મ જોવાની ઈચ્છા થતી નથી.
હસરત જયપુરી લિખીત ગીત ‘ઝનક ઝનક પાયલ બાજે’ને ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે પસંદ કરાયું હતું, જે શાસ્ત્રીય ગાન હતું. આ ગીતમાં આમ તો એક જ અંતરો છે, અને એ સિવાય મુખડાનું જ આવર્તન છે, છતાં તે સાંભળવામાં અદ્ભુત અસર ઊભી કરે છે. આમાં મઝા એ છે કે આખા ગીતમાં તબલાંનો તાલ મુખ્ય છે અને પાયલ આરંભે તેમજ સાવ છેલ્લે સંભળાય છે. એને લઈને એની કર્ણપ્રિયતા ઓર વધી જાય છે.
ઉસ્તાદ અમીર ખાન અને સમૂહ દ્વારા ગવાયેલા આ ગીતના શબ્દો આ મુજબ છે:
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
पायलिया की रुनकझुनक पर
पायलिया की रुनकझुनक पर
छ्म छम मनवा नाचे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजेनील गगन भी सुनकर झूमे
मधुर मधुर झनकार
मधुर मधुर झनकार
सोई धरती जाग उठी है
सोई धरती जाग उठी है
गूंज उठा संसार
रागरंग भी साजे
झनक झनक पायल बाजेझनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजेઆ આખું ટાઈટલ સોન્ગ નીચેની લીન્ક પર સાંભળી- જોઈ શકાશે.
https://www.youtube.com/watch?v=CY31dAHoXFY
(નોંધ: શિવકુમાર શર્માએ આત્મકથામાં આ ફિલ્મ વિશે કરેલો નાનકડો ઉલ્લેખ અહીં વાંચી શકાશે.http://birenkothari.blogspot.com/2023/10/blog-post.html )
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
“ખરી પૂજા”
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
ઘણા લોકો વર્ષો જૂની પરંપરાઓનું પાલન કરીને, ધાર્મિક વિધિઓ જાળવીને અને ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને ધાર્મિક આસ્થાથી પૂજા કરે છે. તે એવી ઉપાસના છે જે (કદાચ) આપણને, બાહય, પરમાત્મા સાથે જોડી આપી શકે છે.
મારા મત અનુસાર, “ખરી પૂજા”, એ છે જે આપણને, આપણી પોતાની સાથે, ઊંડે સુધી જોડે છે,
તે આવી આવી રીતે કરી શકાયઃ
- આપણે જે કરીએ છીએ તેમાં પહેલા ‘માનવ’ બનો.
- ઉદારતાથી (અને બિનશરતી) કેવી રીતે ‘આપવું’ તે જાણો.
- આપણા કાર્ય દ્વારા પોતાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરો, અને વિશ્વને બહેતર કરવા માટે બદલો.
- આપણી આસપાસના લોકોમાં શ્રેષ્ઠત્વને બહાર લાવો.
- બીજાઓને માફ કરવા સક્ષમ બનો. (યાદ રાખો: અફસોસનો બોજ વહન કરવા માટે જીવન ખૂબ ટૂંકું છે)
- સતત પ્રામાણિકતા દ્વારા ચારિત્ર્યને મજબૂત બનાવો.
- સરળતાને સ્વીકારો. (ગેરવ્યવસ્થા આપણને આપણાથી દૂર લઈ જાય છે)
- હંમેશા પ્રયત્ન કરતાં રહો અને વસ્તુઓની સકારાત્મક બાજુઓ જુઓ.
- સ્મિત કરતાં રહો, ખુશ રહો અને ઉત્સાહ ફેલાવો.
- સંપૂર્ણ, વ્યસ્ત અને જુસ્સાદાર જીવન જીવો.
- જિજ્ઞાસુ રહો, વાંચો, શીખો, શીખવો અને આગળ વધો.
- શારીરિક અને માનસિક, માત્ર સ્વાસ્થ્ય જ નહીં, સુખાકારીમાટે પ્રયતનશીલ રહો .
- આપણી પાસે જે કંઈ છે તેના માટે આભારી રહો.
- મિત્રતાનું પોષણ કરો અને સંબંધોને સાચવો.
- મનન અને આત્મનિરીક્ષણ કરીને, સ્વયં સાથે દરરોજ થોડો સમય પસાર કરો.
- સારું સંગીત, સારી કળા અને આપણને આનંદ આપતી કોઈપણ વસ્તુનો આનંદ માણો.
- એક વૃક્ષ, એક મહત્વાકાંક્ષા, વિચારનું બીજ, એક વિચાર વાવો.
- વર્તમાન ક્ષણમાં જીવો. (ભૂતકાળ વહી ગયો છે અને ભવિષ્ય આપણે હજી જાણતા નથી).
અતિ-જોડાયેલ વિશ્વનો વિરોધાભાસ એ છે કે વિશ્વભરના લોકો સાથે જોડાવું સરળ બન્યું છે, પરંતુ આપણા પોતાના સાથે જોડવાનું મુશ્કેલ બન્યું છે.
તેથી, આજે, કાલે અને દરરોજ, “ખરી પૂજા” કરવા માટે થોડો સમય કાઢો !
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો : તાર્કિક વિરોધાભાસયુક્ત કથનો, કોયડાઓ અને કૂટપ્રશ્નો, તત્ત્વતઃ, અલગ અલગ છે
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
અલગ અલગ પ્રકારના વિરોધાભાસોની વિગતે વાત માંડતાં પહેલાં તાર્કિક વિરોધાભાસ, કોયડા અને કૂટપ્રશ્નો જેવા સમાનાર્થી જણાતા શબ્દપ્રયોગોના અર્થનાં અંતરને જાણી સમજી લેવું આવશ્યક છે.
તાર્કિક વિરોધાભાસને તાર્કિક વિસંગતિ, અર્થહીનતા, ગૂઢપ્રશ્ન કે પછી દેખીતા વિરોધાભાસ તરીકે પણ ઘણીવાર ઓળખવામાં આવે છે. હૅમ્લેટ કહે છે ને કે, “એક સમયે જે વિરોધાભાસ હતો તેનો હવે સમયે પુરાવો પણ આપી દીધો છે.” (હૅમ્લેટ 3.1.114–115). કેટલાંક વળી તાર્કિક વિરોધાભસને એક અનોખી જ વિચારપ્રક્રિયા કહે છે જે, “ગત્યાત્મક અને દ્વિધ્રુવી વિચારોમાંના વિરોધ તેમજ આદાનપ્રદાન વચેના માર્મિક તણાવને અગાઉથી જ નક્કી કરી મૂકે છે” (Slaatte, p. 132). તો બીજા કેટલાંક તાર્કિક વિરોધાભાસને, “માનવ સમજ સાથેનો ખેલ લાગે છે,” જે “પ્રાથમિક રીતે વિચારોનું એવું ભાષાલંકાર સ્વરૂપ છે જેમાં સંબંધિત ભાષાલંકારો પર અસર થવી અનિવાર્ય છે.” (Colie, pp. 7, 22). તો વળી, કિર્કગાર્ડ સામે પક્ષે ભારપૂર્વક દાવો કરે છે કે તાર્કિક વિરોધાભાસ “વર્તમાન જ્ઞાનાત્મક ભાવના અને શાશ્વત સત્ય વચેનો સંબંધ છે … સત્તત્વ મીંમાંસા (મૂળભૂત સાર)ની વ્યાખ્યામાં કોઈ છૂટ નહીં પણ તેનો એક પ્રકાર છે.” (ed. Bretall, p. 153). [1]પ્લેટો અને એરિસ્ટોટલ બંનેનું માનવું હતું કે ફિલસૂફી આશ્ચર્યથી શરૂ થાય છે. એ લોકો ‘આશ્ચર્ય’નો અર્થ ગૂંચવણ અથવા મૂંઝવણ કરે છે, અને તેમના પછીના ઘણા ફિલસૂફો આ વિશે સંમત થયા છે. લુડવિગ વિટજેનસ્ટીને “માખીને શીશીમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવવો”ને ફિલસૂફીનો ઉદ્દેશ્ય ગણ્યો. એટલે કે, ભાષા વિશેની આપણી પોતાની ગેરસમજમાંથી પેદા થતા કોયડાઓ અને વિરોધાભાસોમાંથી પોતાને મુક્ત કરવાં. તેમના શિક્ષક, બર્ટ્રાન્ડ રસેલે મજાકના મૂડમાં ટિપ્પણી કરી હતી કે “ફિલસૂફીનો મુદ્દો એ છે કે કહેવા યોગ્ય ન લાગે એવી સરળ વસ્તુથી શરૂ કરવું, જે કંઈક એવા વિરોધાભાસ સાથે સમાપ્ત થાય કે કોઈ તેના પર વિશ્વાસ ન કરે.”
વિરોધાભાસ એ ફિલસૂફીની શરૂઆત હોય કે અંત હોય, તે ચોક્કસપણે ફિલોસોફિકલ વિચારસરણીને ઉત્તેજિત કરે છે, અને ઘણા વિરોધાભાસોએ મહત્વપૂર્ણ દાર્શનિક સમસ્યાઓને સમાવિષ્ટ કરવા માટે સેવા આપી છે (અન્ય ઘણા વિરધાભાસોને ભ્રામકતા તરીકે ખુલ્લા પાડવામાં આવ્યા છે). [2]
કોયડો એ એક રમત અથવા પ્રશ્ન છે જે વ્યક્તિના જ્ઞાન, કૌશલ્ય અથવા ચાતુર્યની કસોટી કરે છે. તેમાં સામાન્ય રીતે છુટા ટુકડાઓની ગોઠવણી વડે સમગ્ર ચિત્ર પર,અથવા ઉકેલ, પર પહોંચવા માટે કડીઓ ઉકેલવાનો સમાવેશ થાય છે. કોયડાની વ્યાખ્યાત્મક લાક્ષણિકતાઓમાંની એક એ છે કે તેમાં સ્પષ્ટ ધ્યેય અથવા ઉદ્દેશ્ય છે. તેનો હલ શોધનાર જાણે છે કે તે શું હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, અને ત્યાં કેવી રીતે પહોંચવું તે શોધવામાં શું પડકાર રહેલો છે. અજમાયશ અને ભૂલોના અડસટ્ટા દ્વારા અથવા સમસ્યાનાં પદ્ધતિસરનાં વિશ્લેષણ દ્વારા, તર્ક અને તાર્કિકકૌશલનો ઉપયોગ કરીને, કોયડાઓ ઉકેલી શકાય છે.ઘણા પડકારરૂપ પ્રશ્નોમાં સંખ્યાત્મક અથવા ભૌમિતિક વિચારણાઓનો સમાવેશ થતો નથી પરંતુ મુખ્યત્વે તાર્કિક સંબંધો પર આધારિત અનુમાનિત અનુમાનોની જરૂર રહે છે. આવા કોયડાઓને ઉખાણાં સાથે ગૂંચવવા ન જોઇએ. ઉખાણાંઓ વારંવાર, ઇરાદાપૂર્વક ભ્રામક અથવા અસ્પષ્ટ નિવેદનો, શબ્દો પરની રમત વડે અજાણતાં પકડવાના હેતુથી અન્ય કોઈ ઉપકરણ પર આધાર રાખે છે. તાર્કિક કોયડાઓ તેમના ઉકેલ માટે પ્રમાણભૂત પ્રક્રિયા અથવા સામાન્યીકૃત ઢાંચાને સ્વીકારતા નથી, પરંતુ સામાન્ય રીતે તે કેટલીક ચોક્કસ અજમાયશ અને ભૂલ પ્રક્રિયા દ્વારા ઉકેલવામાં આવે છે. આનો અર્થ એ નથી કે અજમાયશી અનુમાનો આડેધડ કરાય છે; પરંતુ તેનાથી ઊલટું, આપેલ તથ્યો (સામાન્ય રીતે ન્યૂનતમ) અનેક શકય પૂર્વધારણાઓ સૂચવે છે. અવેજી તરીકે ઉમેરણ કે નાબૂદી દ્વારા જે જે સૂચિત પૂર્વધારણા અસંગત જણાય તેને આખરે ઉકેલ ન આવે ત્યાં સુધી ક્રમિક રીતે નકારતાં જઈ શકાય છે. તર્કશાસ્ત્રની વિવિધ તકનીકોનો ઉપયોગ ક્યારેક મદદરૂપ સાબિત થઈ શકે છે, પરંતુ છેલ્લે તો વિશ્લેષણમાં, સફળતા મોટાભાગે ચાતુર્ય જેવી બુદ્ધિચાલકી ક્ષમતા પર આધારિત છે. [3]
ઉખાણું એ એક રહસ્યમય, ભ્રામક કૂટપ્રશ્ન છે જેને ઉકેલવા અથવા અનુમાનિત કરવાના પ્રશ્ન તરીકે રજુ કરવામાં આવે છે. ઉખાણાંની વ્યાખ્યાયિત લાક્ષણિકતાઓમાંની એક એ છે કે તેમાં ઘણી વાર ચાલાક અથવા અણધાર્યા જવાબ હોય છે. ઉખાણાંમાં ઘણી વાર દ્વિઅર્થ કે છુપાયેલ અર્થ પણ હોય છે, જે હેતુપૂર્વક ગેરમાર્ગે દોરે છે. સાચા ઉકેલ પર પહોંચવા માટે ઉખાણું હલ કરનારે પરંપરાગત પદ્ધતિઓથી હટકે વિચારવાની કે પછી પ્રશ્નના બહુવિધ અર્થઘટનને ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે. ઉખાણાંઓ મગજનો વ્યાયામ કરવા અને સમસ્યાનું નિરાકરણ કરવાની કુશળતાને ચકાસવાની એક મનોરંજક અને પડકારજનક રીત હોઈ શકે છે. ઉખાણું એ એક પ્રકારનું એવું નિવેદન, પ્રશ્ન અથવા વાક્ય છે, જેનો હેતુ વ્યક્તિને વિચાર કરતી કરવા માટેનો છે. કોયડાનો એક સાચો જવાબ હોય છે, જે વ્યક્તિએ તાર્કિક તર્ક અને વિચાર-વિમર્શ દ્વારા ખોળી કાઢવાનો રહે છે. (Schechter, 1891, પૃષ્ઠ. 354-356).વૈદિક ભારતમાં, રાજાના રાજ્યાભિષેક સમયે થતા રાજસૂય, કે ચોતરફ વિજય કરી આવેલ અશ્વના બલિદાન સમયે થતા અશ્વમેધ યજ્ઞો જેવી ધાર્મિક વિધિઓના ભાગ રૂપે ઉખાણાંઓ પુછવાની પરંપરા હતી. સામ સામા પક્ષે પંડિતો વચ્ચે પ્રશ્નો અને જવાબોની આપલે ખૂબ જ ચોક્કસ પ્રથાને અનુસરતી હતી, જેમ કે : “એવું શું છે જે એકલા ચાલે છે?”, “નિઃશંકપણે, પેલી પારનો સૂર્ય છે, તે એકલો ચાલે છે, અને તેની આધ્યાત્મિક આભા છે” (શતપથ બ્રાહ્મણ 8.2.6.9ff.). બ્રાહ્મણો જાતિવિદ્યા (ઉત્પત્તિનું જ્ઞાન) અને બ્રહ્મોજ્ઞ (બ્રાહ્-મન વિશે ધર્મશાસ્ત્રીય અથવા દાર્શનિક ચર્ચા) માં સ્પર્ધા કરતા હતા. ઘણીવાર બ્રહ્માંડનું જ્ઞાન ઉખાણાઓનો વિષય રહેતો, જેમ કે રૂગ્વેદમાં પુછ્યું છે કે : “હું તમને પૃથ્વીની સૌથી દૂરની સીમા વિશે પૂછું છું. હું પૂછું છું, વિશ્વનું કેન્દ્ર ક્યાં છે? હું તમને અશ્વનાં ફળદ્રુપ બીજ વિશે પૂછું છું; જ્યાં શબ્દનું પાલન થાય છે એવાં ઉચ્ચ સ્વર્ગો, હું તમને આ બધાં વિશે પૂછું છું. ” (1.164.34). આ સૂચવે છે કે ઉખાણાંઓ દ્વારા થતી તપાસ વડે તત્ત્વજ્ઞાનના વિકાસની ખોજ વિકસિત થઈ છે (જુઓ રૂગ્વેદ 1.164.46; 10.129; અથર્વવેદ 9.9–10; 10.7). અથર્વવેદમાં એક શ્લોક પૂછે છે: “પવન કેવી રીતે ફૂંકાવાનું બંધ કરતો નથી? મન કેવી રીતે આરામ લેતું નથી? સત્ય સુધી પહોંચવા માંગતું પાણી શા માટે ક્યારેય વહેતું અટકતું નથી?” (10.7.37; બ્લૂમફિલ્ડ, 1969માં, પૃષ્ઠ. 210-218; હુઇઝિંગ, 1949, પૃષ્ઠ. 105-107).
હિબ્રુ શાસ્ત્રોના લેખકો માટે, કોયડાઓ શાણપણ સાથે ગાઢ રીતે જોડાયેલા હતા, જેને પ્રભુએ આશીર્વાદ તરીકે આપ્યા હતા (ન્યાયાધીશો 14:13-18 માં સેમસનનો કોયડો જુઓઃ ભગવાને તેમના આશીર્વાદથી સોલોમનનું શાણપણ, જે “તેના હૃદયમાં મૂક્યું હતું” (1 Kgs. 10:24), શેબાની રાણી તેને “તીખા પ્રશ્નો” દ્વારા પડકારે છે (1 Kgs. 10:1-13; 2 Chr. 9:1– 12). મધ્યયુગીન મિદ્રશિમના લેખકોએ આવા પ્રશ્નોનું વિગતવાર વર્ણન કર્યું છે, ઉદાહરણ તરીકે: “પૃથ્વી પર ખાધું પીધું, છતાં નર અને માદાથી ન જન્મેલા ત્રણ કોણ હતા?” “ત્રણ દેવદૂતો જેમણે પોતાને આપણા સર્વના પિતા અબ્રાહમ સમક્ષ પ્રગટ કર્યા, તેમને શાંતિ પ્રાપ્ત થાઓ,” વગેરે
કેટલાંક ઉખાણાંઓ ચાપાણી કરતાં કરતાં ઉકેલી શકાય તેટલાં સરળ હોય છે, તો કેટલાંક તમને કલાકો સુધી ભુલભુલામણીમાં ગુંચવેલાં જેટલાં મુશ્કેલ હોય છે !
TED-Ed એ વ્યાવસાયિક એનિમેટર્સ દ્વારા જીવંત કોયડાઓ પણ બનાવેલ છે.
વિરોધાભાસો રેખીય વિચારસરણી માટે આશ્ચર્યજનક, ચિત્તગ્રાહી, ગૂંચવાડાભર્યા કે પછી અર્થહીન છે. પરંતુ તે એટલા જ મુક્ત, સર્જનાત્મક અને રમતિયાળ પણ છે. તે “વર્તુળાકાર વિચારસરણી”, આલોચનાત્મક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની ક્ષમતાને પ્રેરતું અભિવ્યક્તિનું એવું સ્વરૂપ છે જે મુક્તપણે “અંતિમો અને ચોક્કસ માનયતાઓ સીમાઓની પાર” વિસ્તરે છે અને સંકોચન કરે છે (કોલી, પૃષ્ઠ 7).
[2] Brain Games: 8 Philosophical Puzzles and Paradoxes
-
અભિવાદન
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
લગભગ પાંચસોથી પણ ઉપર કામ કરતાં કામદારો હોય એવી એક ફેક્ટરીના મેનેજરની વાત છે. સવારે આઠ વાગે શરૂ થતી આ ફેક્ટરી સાંજે સાતના સુમારે બંધ થતી. હવે આટલી મોટી ફેક્ટરીમાં કામ કરતાં લોકોને પોતાના કામ અને સાંજ પડે ભરાતી પાળીના ધોરણે મળતાં પૈસામાં જ રસ હોય ને? બહુ બહુ તો પોતાની આસપાસ કે જમના ટાણે ભેળા બેસીને જમતા હોય એવા બે-ચાર લોકો સાથે બોલો-ચાલો અને મનમેળ હોય.
સવારે શિફ્ટ શરૂ થાય ત્યારે ફેક્ટરીની બહાર એક બાજુ ટેબલ લઈને બેઠેલા વૉચમેન પાસે હાજરીનો ચોપડો રહેતો જેમાં સવારે સૌ આવે એટલે ત્યાં પોતાના આવવાના સમયે નામ લખીને સહી કરે એવી રીતે પાછા જતાં સમય અને સહી… બસ વાત પતી ગઈ. આ બહાર બેઠેલો વૉચમેનન પણ સંનિષ્ઠાથી પોતાની જવાબદારી નિભાવે. સૌની ઉતાવળ પારખીને કામ પુરતું કામ રાખે.
એક દિવસ આ ફેકટરીના મેનેજરને કામનો થોડો બોજો વધારે હતો એટલે થયું કે કામ પુરૂં કરીને જ નિકળું વળી એ પછીનો દિવસ એટલે રવિવાર. મેનેજરને બીજા દિવસે આવતી રજામાં માથા પર ભાર નહોતો રાખવો. કામમાં મશગૂલ મેનેજર બહારથી ફેકટરીનો મેઇન પાવર સપ્લાય બંધ થયો ત્યારે સફાળા ચમક્યા. હવે? બહાર કેવી રીતે નિકળવું? ફેકટરી બંધ થઇ ગઈ હોય , તાળા પણ દેવાઇ ગયા હોય. ફેકટરીના તોતિંગ દરવાજા પર તો હાથ પછાડે કે માથા કશું વળવાનું નહોતું એવી ખબર તો હતી જ. હવે કરવું શું ? મેનેજરને ફડક પેઠી. આ કારમી ઠંડીમાં પોતાની શી વલે થશે એના વિચારે આખા શરીરમાં પસીનો છૂટી ગયો. એ સમયે મોબાઇલ જેવી સગવડ ક્યાં? અને ફોન કરે તો પણ કોને? ઘરનાંને? ફેકટરીના માલિકને? અંધારામાં ફોન પણ કેવી રીતે કરે? અમથાય ફેક્ટરીના આ અંધકારમાં તો સાંજ છે કે રાત અણસાર સુદ્ધાં ના રહ્યો. જામતી રાતે ઠંડી પણ વધવા માંડી ત્યારે ખ્યાલ આવ્યો કે સમય ઘણો આગળ નિકળી ગયો છે
ભયની ભૂતાવળ મન પર સવાર થવાની તૈયારીમાં જ હતી કે દૂરથી ઠક..ઠક.. અવાજ સંભાળયો. હાથમાં ટોર્ચ લઈને કોઇ ભીંતે લાકડી ઠોકતું ઠોકતું આગળ આવતું હોય એવું લાગ્યું તો ખરું. પણ ના આ તો મારી ભ્રમણા જ હશે. આટલી મોડી રાતે તો વળી કોણ ફેકટરી ખોલીને આવતું હશે ?ધીમે ધીમે અવાજ પાસે આવતો ગયો એમ મેનેજરના શરીરમાં જરા ચેતન આવતું હોય એવું લાગ્યું.
અરે ! આ તો વૉચમેન !
સાહેબ, સાહેબ કરીને ટોર્ચના અજવાળે આગળ આવી રહેલા વૉચમેનને જોઇને મેનેજરના શરીરમાં જરા જોમ આવ્યું.
“ભલું થજો ભાઇ તારું, આજે તો તું મારો તારણહાર બનીને આવ્યો પણ તને કેમ કરીને ખબર પડી કે હું અંદર છું.”
“સાહેબ,ખબર કેમ ના પડે? આટલા બધામાં એક તમે જ તો છો કે સવારે આવો ત્યારે અને સાંજે પાછા જાવ ત્યારે મને બોલાવ્યા વગર નથી રહેતા. બાકી તો બધાય છે આવે છે અને ચોપડામાં પોતાના નામનું મત્તું મારે છે અને જાય છે ત્યારે ય પોતાના નામનું મત્તું તો મારતા જાય છે પણ સમ ખાવા પુરતું ય જો સામે જોતા હોય. તમારે તો મત્તુ મારવાય ઊભા રહેવાનું નથ તો ય સાહેબ! આટલા વર્ષોમાં તમે એક દિ બોલાવ્યા વગર રહયા નથ. આજે સવારે તમે આવ્યા એ તો જાણ્યું પણ પાછા વળ્યા એનો અણહાર ના રહ્યો એટલે થયું કે નક્કી કોઇ ગરબડ છે બાકી મારા સાહેબ ક્યારેય બોલાવ્યા વગર ના જાય. મન માન્યું નહીં અને એટલે જ સાહેબ ઘર પોંકવાના અડધે રસ્તેથી હું પાછો વળ્યો”.
સાહેબની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. પોતાનું એક સ્મિત કે “કેમ નાથુભાઇ કેમ છો?” જેવા ગણીને રોકડા નવ શબ્દો નવજીવન બનીને સામે આવશે એવી તો ક્યાંથી કલ્પના હોય?
મોટાભાગે એવું બને છે કે આપણે આપણી જાત સાથે એટલા વ્યસ્ત હોઇએ છીએ કે આસપાસની દુનિયાને પણ વિસરી જઈએ છીએ. કામ પુરતું કામ , કામચલાઉ અને ખપ પુરતાં સંબંધો એ આજની વ્યસ્તતાની વ્યાખ્યા છે. જરૂર પડે સૌને પોતાનાથી મોટા કે અગત્યના લોકો સાથે જ સંબંધ કેળવવામાં રસ હોય છે . જીવનની રફ્તારમાં અનેક લોકો આવશે અને જશે પણ આપણામાં એટલું તો સૌજન્ય હોવું જોઇએ કે આસપાસનાને સાવ વિસરી તો ન જ જઈએ. કોણ ક્યારે આપણા જીવનમાં મસીહા બનીને આવશે એની તો આપણને ખબર નથી પણ કોઇના જીવનને, કોઇના દિનને આપણા સ્મિતથી ઉજાળી શકીએ તો એના માટે ય કેટલું અકસીર નિવડશે? દરેક વ્યક્તિ મહતવની છે એ સ્વીકારી લઈએ તો પણ ઘણું .
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
તબાહી એ હિમાલયનો હાહાકાર નહીં, ચિત્કાર છે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
“એ જુગજુગ જૂનો જોગી છે, શ્રુતિજૂનો સિદ્ધ છે, પુરાણ પ્રસિદ્ધ પ્રભુ છે, વિશ્વકર્તા વિભુની વિરાજતી વિશ્વવંદ્ય વિભૂતિ છે. આયુર્વેદની અનંત ઔષધિઓનો તે અખૂટ ભંડાર છે, વિવિધ વનરાજીની બહારનો વિભૂષિત વિસ્તાર છે. અવનિમાં ઉચ્ચતમ પદ ધારણ કરી વ્યોમમાં વાતો કરતો આર્યભૂમિનો આ એકલકોટ અનુલ્લંઘનીય છે, અદ્વિતીય છે, અજોડ છે. એ શંકરપાર્વતીનું નિવાસસ્થાન છે. મહાકવિ કાલિદાસ કહે છે તેમ તે પૃથ્વીનો માનદંડ છે.”
“તે આર્યોનું આદ્યસ્થાન, તપસ્વીઓની તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશજનોનું સાંત્વન, ધર્મનું પિયર, મુમુક્ષુઓની અંતિમ દિશા, સાધકોનો આધાર, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે.”
કશા સંદર્ભ વિના પણ વાંચનાર સમજી જશે કે આ વર્ણન બીજા કશાનું નહીં, પણ જેને આપણે ‘નગાધિરાજ’ તરીકે ઓળખીએ છીએ એ હિમાલયનું છે. પ્રથમ વર્ણન ‘આર્યાવર્ત યાત્રા’ પુસ્તકમાં છે, તો બીજું વર્ણન કાકાસાહેબ કાલેલકરે લખેલું છે. આ વર્ણન વાંચીને સમજાશે કે હિમાલયનું માહાત્મ્ય કેવું છે! અલબત્ત, આ વર્ષના જુલાઈ અને ઑગષ્ટ મહિનામાં હિમાલયના વિસ્તારમાં જે તબાહી અને તેને પગલે જાનહાનિ થઈ ત્યારે હિમાલયનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું.

હિમાલયની સાંદર્ભિક તસવીર – નેટ પરથી હિમાલયની વય માનવજાતના ઈતિહાસ કરતાં અનેકગણી વધુ છે. ત્રણેક કરોડ વરસ અગાઉ બે ભૂખંડની તબક્કાવાર થતી રહેલી અથડામણને કારણે હિમાલય અસ્તિત્ત્વમાં આવ્યો હતો. આને કારણે એમ લાગે કે હિમાલયનું બંધારણ અતિ મજબૂત હશે. પણ પ્રકારની રીતે જોઈએ તો હિમાલયના ખડકો સાવ નરમ છે. તેને કારણે હિમાલય પથરાયેલો છે એ સમગ્ર વિસ્તારનું પરિસ્થિતિવિજ્ઞાન પણ નાજુક અને નરમ છે. એવું નથી કે આ હકીકત કોઈ રહસ્ય હોય, અને તેના વિશે કોઈ જાણતું ન હોય. ભૂસ્તરશાસ્ત્રના જીવંત સંગ્રહાલય જેવી હિમાલયની પર્વતમાળા બાબતે અનેક અભ્યાસ થતા રહ્યા છે. કુદરત અવારનવાર આ હકીકતની યાદ આપણને અપાવતી રહે છે, પણ આપણે તેને સતત અવગણતા રહ્યા છીએ.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ રાજ્યોનો મોટો વિસ્તાર પર્વતીય છે. આવું ભૂપૃષ્ઠ હોવાનો લાભ પણ આ રાજ્યોને મળે છે, એમ ગેરલાભ પણ તેને ભરપૂર થાય છે. હિમાલયના પર્વતોમાં સતત ઊથલપાથલ થતી રહેતી આવી છે, કેમ કે, તે ભૂવૈજ્ઞાનિક રીતે સક્રિય વિસ્તાર છે. આને કારણે નૈસર્ગિક ભૂસ્ખલનની અહીં નવાઈ નથી. ‘ઈસરો’ના ‘લેન્ડસ્લાઈડ એટલાસ ઑફ ઈન્ડિયા’ મુજબ હિમાચલ પ્રદેશના તમામ બાર જિલ્લામાં ભૂસ્ખલનનું જોખમ છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ૨૦૨૦થી ૨૦૦૨2નાં વરસોમાં અહીં ભૂસ્ખલનનું પ્રમાણ છ ગણું વધી ગયું છે. તેના કારણમાં મુખ્યત્વે વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલી વૃદ્ધિને મુખ્ય ગણવામાં આવે છે. એ વાત પણ સાચી છે કે દેશના અન્ય વિસ્તારોની સરખામણીએ હિમાલયના ક્ષેત્રનું સરેરાશ તાપમાન ઝડપથી વધી રહ્યું છે. તેને કારણે હીમશીલાઓ પીગળવા લાગી છે. આ ઉપરાંત ટૂંકા સમયમાં વરસી જતા અતિશય વરસાદનું પ્રમાણ વધ્યું છે. હિમાલયના વિસ્તારમાં વધતી જતી તબાહીના દોષનો સઘળો ટોપલો આમ, વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલી વૃદ્ધિને માથે નાખવામાં આવી રહ્યો છે.
સહેજ થોભીને વિચારવા જેવું છે કે હિમાલયના વિસ્તારમાં થતી તબાહીનું એકમાત્ર કારણ આ જ છે? દસેક વર્ષથી આ રાજ્યોમાં રોડને પહોળા બનાવવાનું કામ હાથ પર લેવાયું છે. હિમાચલ પ્રદેશમાં જ કુલ 69 રાષ્ટ્રીય ધોરીમાર્ગને મંજૂરી આપવામાં આવી છે, જેમાંના પાંચ ધોરીમાર્ગો ચાર લેનવાળા છે. આ વિસ્તારના આર્થિક વિકાસ માટે સડકો અને ધોરીમાર્ગ જરૂરી છે, પણ એમ કરતાં પહેલાં આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ બાબતે સાવચેતી રાખવી ઘટે. આ પ્રકલ્પના અમલ પહેલાં તેની પર્યાવરણ પરની અસર વિશે અભ્યાસ થયા હશે, પણ તેનો અમલ કેટલે અંશે થયો હશે એ કહેવું મુશ્કેલ છે. રોડને પહોળા કરવાની કામગીરી વખતે તેની આસપાસના ઢોળાવોની જમીનની સ્થિરતા ચકાસવી જરૂરી છે. બાંધકામ દરમિયાન નીકળતા ભંગારના વ્યવસ્થાપન બાબતે ભાગ્યે જ કશું કરવામાં આવે છે. થોડા સમય પહેલાં જ હિમાચલ પ્રદેશની વડી અદાલતે રાજ્યના પર્વતો પર થઈ રહેલા ‘અણઘડ ખનનકામ’ તેમજ ‘ખરાબ રીતે બાંધેલી સડકો’ બાબતે ગંભીર ચિંતા દર્શાવી હતી.
સ્વાભાવિકપણે જ આ મામલે અંગ્રેજોનો અભિગમ યાદ આવે. ઈ.સ.૧૮૮૦માં નૈનિતાલમાં ભયાનક ભૂસ્ખલન થયું હતું, જેમાં આશરે દોઢસો લોકોએ જાન ગુમાવવા પડ્યા હતા. તેમાં કેટલાક અંગ્રેજોનો સમાવેશ પણ થતો હતો. આ દુર્ઘટના પછી અંગ્રેજોએ બોધપાઠ લીધો. બ્રિટીશ ઈજનેરી અધિકારીઓએ તમામ વાંધાને અવગણીને બજેટમાં નાણાંની જોગવાઈમાં નોંધપાત્ર વધારો કર્યો. એ બાબત નોંધાયેલી છે કે અંગ્રેજ સિવિલ ઈજનેરોએ પોતાના અધિકારીઓ માટે સેવાનાં ઉચ્ચ ધોરણોને શિથિલ કરવા માટે ચોખ્ખી ના ભણી દીધી હતી. તેમણે જણાવેલું કે એ લોકોએ અતિ મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરવું પડે છે. તેઓ કાં કામ કરશે કે પછી બાંધકામમાં ઉતરતી કક્ષાની સામગ્રી વાપરશે. ટૂંકમાં, અંગ્રેજો આ વિસ્તારમાં બાંધકામની ગુણવત્તા બાબતે જરાય સમાધાન કરવા માંગતા નહોતા.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બંધ, ટનલ, સડક, વીજમથકો સહિત વિકાસનાં અનેક કામો પૂરજોશમાં ચાલી રહ્યાં છે. આ ઉપરાંત આ રાજ્યોમાં પ્રવાસન પણ અતિ મહત્ત્વનું પરિબળ કહી શકાય. નવાઈની વાત એ છે કે સરકારી અધિકારીઓ તબાહી માટે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિને જ કારણભૂત ગણે છે. વિકાસનાં કામ પણ તેને માટે જવાબદાર છે એ કોઈ બોલ્યું નથી કે બોલવા માગતું નથી. વિકાસ સાથે નાણાં સીધેસીધાં સંકળાયેલાં છે. પણ નાણાં કોઈ સમસ્યાનો ઊકેલ હોઈ શકે નહીં. પર્યાવરણને લગતી સમસ્યાનો તો હરગીજ નહીં.
નક્કી આપણે કરવાનું છે કે આપણે આવક જોઈએ કે તબાહી? સરકાર અને નાગરિકો બન્નેએ આનો જવાબ વિચારવાનો છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮ – ૦૯ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
આહ મુન્નાર, વાહ મુન્નાર
પારુલ ખખ્ખર
( કાકા કાલેલકર પ્રવાસ વર્ણન નિબંધ સ્પર્ધામાં ગૃહિણી વિભાગમાં પ્રથમ ક્રમે આવેલ નિબંધ)
આમ તો સમગ્ર કેરળ ‘દેવભૂમિ’ કહેવાય છે, પરંતુ ઇડ્ડુકી જિલ્લાનું હિલ સ્ટેશન એવું મુન્નાર તો ‘દેવના શિર પરનો મુગટ’ કહી શકાય એટલું મનોરમ્ય છે. શૈશવથી આજ સુધી મેં અનેક પ્રવાસો કર્યા હશે, પણ આ મુન્નારના પ્રવાસની છાપ મારી અંદર હજીય તાજી છે. ‘મુન્નાર’ એ તમિલ અને મલયાલમ ભાષાના બે શબ્દ ‘મુન’ અને ‘આરુ’ પરથી ઊતરી આવ્યો છે. જેનો અનુક્રમે અર્થ થાય છે ‘ત્રણ’ અને ‘નદી’. આ સ્થળ ત્રણ નદીના સંગમ પર આવેલ હોવાથી મુન્નાર કહેવાયું. અપાર પ્રાકૃતિક સૌંદર્ય અને મનોરમ્ય વાતાવરણ હોવા છતાં ૧૯૯૦ સુધી આ સ્થળ સુષુપ્ત અવસ્થામાં હતું. રાજ્ય સરકારે કેરળને ‘ગોડ્સ ઑન કન્ટ્ર્રી’ તરીકે પ્રસિદ્ધિ અપાવી અને પર્યટન માટેની સુવિધાઓ વિકસાવી. ધીમે ધીમે તેની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગી અને લોકો કેરળને માણવા આવવા લાગ્યાં. હું પણ મારા પરિવાર સાથે કેરળને માણવા નીકળી પડી. આમ તો પેકેજટૂરમાં ગયાં હોવાથી મનગમતી રીતે ફરી ન શકાય, પરંતુ નિર્ધારિત ટાઇમટેબલ મુજબ મજા તો માણી જ શકાય ને! આમ પણ મજા કોઈ ટાઇમટેબલની મોહતાજ નથી.

તસવીર – નેટ પરથી નવેમ્બરના પહેલા દિવસે વહેલી સવારે ફ્રેશ થઈને અમે થેક્કડ્ડીથી મુન્નાર જવાં નીકળ્યાં. આમ તો બન્ને સ્થળ વચ્ચેનું અંતર માત્ર ૧૦૦ કિલોમીટર જ છે, પરંતુ પર્વતીય રસ્તાઓમાં બસ ધીમી ચાલે અને આપણે ય વળી ક્યાં ઉતાવળ હતી! મુખ્ય રસ્તે ચડતાં જ એમ થયુ કે આહા… સફર આવી અદભુત છે તો તો મંઝિલ કેવી હશે? બસમાં કોઇ ટોળટપ્પાં કરતાં હતાં, કોઈ મૂવી જોતાં હતાં, કોઇ મ્યુઝિક સાંભળતાં હતાં, પણ આપણા રામ તો આંખો ફાડી ફાડીને બારી બહારનાં દૃશ્યોને નજરમાં કેદ કરી રહ્યાં હતાં. રોડની બન્ને તરફ જાણે કોઈએ ગાલીચા પાથર્યા હોય તેમ લીલા બેકગ્રાઉન્ડમાં જાંબલી અને પીળા ફૂલોની રંગછટા વેરાયેલી હતી. આંખ મટકું મારવાનુ ભૂલી જાય એ હદે નજારો ખીલ્યો હતો અને હું મનમાં ગણગણી રહી હતી ‘સુહાના સફર ઔર યે મૌસમ હસીં, હમેં ડર હૈ હમ ખો ન જાયે કહીં’. આ એક એવી સફર હતી કે જે અંદર પણ શરુ થઇ રહી હતી.આ ગીતનાં શબ્દો એ માત્ર શબ્દો કે સંગીત ન રહેતાં આખા ગીતને જાણે જીવી રહી હતી.
જ્યાં જ્યાં નજર પડે ત્યાં ઊંચાં ઊંચાં પર્વતો અને એનાં ઢોળાવ પર વવાયેલા ચાના બગીચાઓ! આહા… દિલ બાગ બાગ થવા લાગ્યું. ખૂબ ચોકસાઈથી વવાયેલા ચાનાં છોડ એક અનોખી દૃશ્યાવલિ ઊભી કરી રહ્યાં હતાં. રસ્તામાં વચ્ચે વચ્ચે આવતાં ઝરણાંઓ પણ સુધાપાન કરાવતાં જાય, ગગનમાં ઉમટી આવતા વાદળો અવનવી રંગોળી રચાવતાં જાય અને લીલી પૃષ્ઠભૂમિમાં ઊભું થતું આ આખું ચિત્ર મનમોહક આભા આપતું જાય. એમ થતું હતું જાણે આમ જ આખી જિંદગી આ સફર ચાલ્યા જ કરે…!
રસ્તામાં એકાદ વિરામ પર ફ્રેશ થવાં ઊતર્યા. અહીંયાં ખૂબ કાગડાં જોવા મળી ગયાં. આમ તો ચકલી અને કાગડાં દેખાતા બંધ થવા લાગ્યાં છે ત્યારે એકસાથે આટલા બધાં કાગડાંને જોઈને રાજીપો થયો અને કેરળને સલામ કરવાનું મન થયું કે ચાલો તમારી હરિયાળીએ લુપ્ત થતાં પક્ષીઓને સાચવ્યાં છે. ચા-કોફીની ચૂસ્કી લઈ ફરી મંઝિલની દિશામાં આગળ વધ્યા. લીલાછમ્મ પર્વતોને કાનમાં કહી દેવાયું… ‘તેરે સંગ સિમ્પલ સી કોફી ભી કીક દેતી હૈ’. આ કુદરતી સૌંદર્યનો નશો પણ અજીબ હોય છે. આમ જ અમે એ કીકના નશામાં આગળ વધતાં રહ્યાં. મુન્નારથી નજીક પહોંચવા આવ્યાં ત્યારે એક નાનકડો ધોધ જોવા મળ્યો, પ્રવાસીઓ તો ઘેલાં ઘેલાં થતાં ઊતરી પડ્યાં. લોખંડની જાળી બાંધેલ જગ્યા પર ઊભા રહી ફોટો પડાવ્યાં. મકાઈનાં ડોડાં, પાઇનેપલ, કાચીકેરી વગેરેની મજા માણતાં હતાં ત્યાં જ એક રીક્ષા આવીને ઊભી રહી તેમાં રોસ્ટેડ કાજુ-બદામનાં પેકેટ મળતાં હતાં. બધાંએ ખૂબ ખરીદી કરી, પણ હું તો થાળીમાં સુખડીનાં ચક્તાં પાડ્યાં હોય એવાં ચાનાં બગીચા જોવામાં જ ગુલતાન! અમારી ટૂરનાં મેનેજરે માહિતી આપી કે અહીંયાં ‘નીલકુરીંજી’ નામનું એક ફૂલ ખીલે છે. દર બાર વર્ષે તેના છોડ ઊગે, તેનાં પર જાંબૂડીયા-ભૂરા ઢગલાબંધ ફૂલો ખીલે. બધાં છોડ એકસાથે મૃત્યુ પામે. જમીનમાં તેનાં બીજ સચવાઈ રહે. ફરી બાર વર્ષે તે ખીલે. છેલ્લે ૨૦૦૬ માં ખીલ્યાં હતાં.અમે એ ફૂલને નહી જોઇ શકીએ એ વાતનો ખેદ થયો.
લગભગ ૧.૩૦ વાગ્યે મુન્નાર પહોંચ્યા. જરાય ગરમી કે તડકાનું નામોનિશાન જોવા ન મળે, ચારે બાજુ ફક્ત ઠંડકભરી તાજગીનો અનુભવ થયા કરે! અમને મળેલી હોટેલ સારી હતી. કોર્નરની રૂમ મળી હતી એટલે પાછળનું આખું દૃશ્ય એક સુંદર ચિત્રની જેમ આંખ સામે આવી જતું હતું. બાલ્કનીમાં ઊભા રહો એટલે પાછળ વહેતી નદી, કિનારા પરનાં વૃક્ષો, ઢાળ પરનાં ચાનાં બગીચા, છૂટીછવાઈ ઝૂંપડીઓ અને નજીકમાંથી નીકળતો ધૂમાડો – આ બધું જાણે સ્વર્ગની ઝાંખી કરાવતું હતું. એ ધૂમાડો જોઈ એક પંક્તિ યાદ આવી ગઈ
‘નદીકિનારે ધૂંઆ ઊઠે મૈં જાનું કુછ હોય,
જિસ કારન મૈં જોગન બની કહીં વો હી ન જલતા હોય.’જમવાનો સમય થતાં જ સરસ ગુજરાતી ભોજન જમ્યાં, પેકેજ ટૂરમાં જમવા બાબતે કોઈ ચિંતા નહીં! એ લોકો સહેરાનાં રણમાં પણ દાળઢોકળી ખવરાવે! જમીને આરામ કર્યો. સાંજે બજારમાં ચક્કર મારવા નીકળ્યાં. આ સાવ નાનું સેન્ટર હોવા છતાં સી.ટી. બસની તથા શેરિંગ રીક્ષાની પ્રશંસનીય વ્યવસ્થા છે, ભાવમાં જરાય લૂંટણબાજી નહીં. સલામ કરવાનું મન થઈ આવે. મુખ્ય બજારમાં નાનકડું દેવળ છે. શાંત અને સૌમ્ય ઈસુને જોઈને કોઈપણ ધર્મનાં માણસને વંદન કરવાનું મન થઈ આવે. અહીં આખી બજારમાં અનેક પ્રકારની દુકાનો છે. મુખ્યત્વે ચા, કોફી, તેજાના, સુખડનો સાબૂ, સૂકોમેવો વગેરે મળે છે. હોમમેડ ચોકલેટ્સનો ખજાનો મળી જાય. અમે ચા-કોફીની ખરીદી કરી.
આખા કેરળમાં કોઈ કામ વગર મોબાઇલ ફોનને મચડતાં ન દેખાયાં. મોટા ભાગનાં લોકોનાં હાથમાં સાદા ફોન જ જોવા મળે, સ્માર્ટ ફોન પણ નહીં. સ્ત્રીઓ અને પુરુષોનાં વાન તથાં વાળ બન્ને કાળાભમ્મર. કામકાજી સ્ત્રીઓ સિવાય સ્ત્રીઓ બહુ ઓછી જોવા મળે. આ લોકોનાં પહેરવેશ પણ સાવ સાદાં. પુરુષો શર્ટ અને લૂંગી અથવા પેન્ટ, સ્ત્રીઓ મોટેભાગે સાડી અને છોકરીઓ પંજાબી ડ્રેસ પહેરે.સ્ત્રીઓનાં વાળમાં મોગરાનાં ફૂલની વેણી અચૂક જોવા મળે. કપાળમાં ચાંદલો આ સ્ત્રીઓને બહુ શોભે. ઘણાં ખરા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે. અનેક જગ્યાએ ‘ચે ગુઆરા’નાં ફોટોવાળા ઝંડા જોવા મળ્યાં. ક્યાંક ક્યાંક છોકરાઓનાં ટી-શર્ટ પર પણ એ ફોટો દેખાયા કરે. મને નવાઈ લાગતા મેં પૂછ્યું ત્યારે પતિદેવે કહ્યું કે આ લોકો સામ્યવાદી વિચારધારાથી પ્રભાવિત છે. બસ, આવી બધી નાની નાની નોંધ લેતાં લેતાં હોટેલ પર પાછા આવ્યાં. રાત્રે જમીને બેઠાં હતાં ત્યારે એક ગ્રુપનાં પુરુષોએ લૂંગી ડાન્સ કર્યો, અમે પત્તા રમ્યાં અને સૂઈ ગયાં. મારી અર્ધજાગ્રત ચેતનામાં જાંબલી અને પીળા ફૂલોની ચાદર પથરાઈ હતી અને હું હળવે હળવે તેનાં પર ચાલતી ચાલતી નિદ્રાદેવીને શરણે જઈ રહી હતી.
બીજે દિવસે વહેલા ઊઠી ધુમ્મ્સભરી સવારે મોર્નિંગવૉક લેવા નીકળી પડ્યાં. હિલ સ્ટેશનની સવારો બહુ માદક હોય છે, એનાં નશામાં ચૂર ન થાઓ તો જ નવાઈ! આખા દિવસમાં ન દેખાયા હોય તેવાં દ્શ્યો વહેલી સવારે જોવા મળી જાય. કુદરત જાણે ઝાકળમાં નાહીને સૂર્યની પ્રતીક્ષામાં બેઠેલી દુલ્હન જેવી તાજીતાજી લાગે. આસપાસ કોઈ અવાજ નહીં, કોઈ પ્રદૂષણ નહીં. માત્ર કુદરત, આપણે અને પક્ષીઓ… કેવો સુભગ સંગમ! રોડની કિનારીએ ઊગેલાં જંગલી પુષ્પો જાણે હળવેકથી ઇશારા કરતા લાગે કે ‘આવતા જતાં જરા નજર તો નાખતા જજો, બીજું તો કંઈ નહીં, પરંતુ કેમ છો કહેતા જજો.’ બસ… આમ જ મસ્તીભર્યા વાતાવરણમાં હોટેલ પર પાછા ફર્યા… પણ હજુ ઘણું જોવાનું બાકી હતું – બહારથી અને અંદરથી…
ખૈર, ફટાફટ તૈયાર થઈ ‘વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી’ જવા નીકળી પડ્યાં. અમુક નિયત સ્થળ સુધી જ આપણું વાહન જઈ શકે પછી તો ‘કેરાલા ટુરિઝમ’ની મિનિ બસનો જ ઉપયોગ કરવાનો રહે છે. સુવ્યવસ્થિત લાઈનમાં ઊભા રહીને આગળ વધતાં રહ્યાં. ટિકિટ લઈને આગળ વધ્યાં ત્યાં તો સઘન ચેકિંગ શરૂ થયું. પર્સ સિવાયનો કોઈ સામાન લઈ જવા ન દે. પર્સનો પણ ખૂણેખૂણો ચેક કરવામાં આવે. નાની અમસ્તી ચોકલેટ પણ સાથે નહીં લઈ જવાની. કેરળને સ્વચ્છ રાખવાનું અભિયાન ખરેખર અભિનંદનીય છે. સુંદર વળાંકો પરથી પસાર થતાં થતાં ઉપર પહોંચ્યા. ત્યાં એક નાનક્ડી ફોટો ગેલેરી છે જેમાં કેરાલાનાં મુખ્ય પશુ-પક્ષીઓની તસવીરો તથા સુંદર માહિતી આપવામાં આવી છે, પરંતુ પેકેજ ટૂરનાં મુસાફરોને એ બધું વાંચવાનો સમય મળે નહીં. ફોટાનાં પણ ફોટા પાડીને આગળ વધ્યાં.
હવે ઉપર ચાલીને જવાનું હતું. ત્યાં ફરી ચેકપોસ્ટ આવી. લોકોએ સંતાડી રાખેલી ખાવાપીવાની વસ્તુઓ પણ કઢાવવામાં આવી. હવે આગળ એક તરફ ઢોળાવવાળા રસ્તાઓ અને એક તરફ સપાટ પથ્થરો હતાં. અમને કહેવામાં આવ્યું કે આસપાસ નજર કરતાં રહેજો ક્યાંક પશુઓ જોવા મળી જાય, પરંતુ એ બાબતમાં નિરાશા જ મળી. એકાદ બે ‘નીલગીરી થાર’ જોવા મળી બસ… બીજું કશું નહીં. એ દેખાવમાં ગધેડો, ઘોડો અને બકરીનું મિશ્રણ હોય એવું લાગે. આ પ્રાણી પણ હવે કેરળમાંથી લુપ્ત થઈ રહ્યું છે. મને લાગે છે કે રોજનાં આટલા બધાં પ્રવાસીઓની ભીડને કારણે કદાચ આ વિસ્તારમાં પ્રાણીઓ નહીં ફરકતા હોય. જેને જોવા માટે આ જગ્યાને વિકસાવવામાં આવી એ જ ચાલ્યા જાય તેવી પરિસ્થિતિ કેવી દયનીય કહેવાય!
સૌ પોતાના ગ્રુપમાં આગળ વધી રહ્યાં હતાં ત્યાં અચાનક પતિદેવને તુક્કો સૂઝ્યો! એ કહે તમે લોકો સીધા રસ્તે જાઓ હું શોર્ટકટમાં સીધો ઉપર આવું છું. મેં સમજાવ્યું કે આવી અજાણી જગ્યા પર જોખમ ન લેવાય. પણ માને તો શાના! આખરે તો ટ્રેકિંગનો જીવ ને! એ તો ચડવા લાગ્યા ફટાફટ… અમે અડધે ન પહોંચ્યા ત્યાં તો એ છેક સુધી પહોંચી ગયા. ત્યાં તો નીચે રહેલા ગાર્ડનું ધ્યાન ગયું. એ તો સીટીઓ મારતો મારતો પાછળ ગયો અને પતિદેવને નીચે ઉતાર્યા. કહે કે ‘નિયમ એટલે નિયમ’. બધાં આમ પોતાની રીતે ચડવા લાગે તો તો અકસ્માતનું જોખમ વધી જાય. અમારાથી તમને આ રીતે ઉપર ન જવા દેવાય. ફરી સલામ કરવાનું મન થઈ આવે કે પ્રવાસીઓની જિંદગી એમને મન કેટલી કિંમતી છે! નોકરી માત્ર કરવા ખાતર નથી કરતાં આ લોકો.
બાળકો ખિસ્સામાં સંતાડી રાખેલ ચોકલેટ્સ ખાવા લાગ્યાં, પણ હા… રેપર્સ પોતાના ખિસ્સામાં નાખી દીધાં મને એ બાળકોને પણ સલામ કરવાનું મન થઈ આવ્યું. હા… યાર બાળક છે. મનને થોડા કાબૂમાં રાખી શકવાના? પણ સ્વચ્છતાનું મહત્ત્વ સમજે એટલે ભયો ભયો. ખૈર… ચેરિટી હોય કે સ્વચ્છતા શરૂઆત પોતાનાથી જ કરવાની રહે. અને આ બધું આવા જાહેર સ્થળો એ જ જોવા મળે બાકી વાતોનાં વડા કરવામાં ક્યાં કોઈ ટેક્સ લાગે છે! ઉપર ખાસ કંઈ જોવા ન મળ્યુ પણ ધક્કો નકામો પણ ન ગયો ઉપરથી દેખાતાં મનોહર દૃશ્યો ક્યાં જોવાં મળત! નજીકમાં એક નાનકડું ઝરણું હતું એનું ખરા અર્થમાં મિનરલ વોટર ખોબે ખોબે પીને સંતૃપ્ત થયાં અને નીચે આવવા નીકળ્યાં.
ચેકપોસ્ટ પાસે એક નાનકડી રેસ્ટોરન્ટ છે, જેમાં ચા-કોફી-આઇસક્રીમ મળે છે. પેકેટનાં નાસ્તાનું અહીંયાં સાવ ઓછું ચલણ છે. કદાચ એટલે જ અહીંયાં પ્લાસ્ટિક રખડતું જોવા નથી મળતું. બજારમાં પણ બધી વસ્તુઓ કાગળનાં પેકિંગમાં જ મળે.’ પ્લાસ્ટિક ફ્રી કેરળ’ ખરા અર્થમાં સાર્થક થતું લાગે. સુંદર દૃશ્યો જોતાંજોતાં નીચે ઊતર્યાં. અહીંયાં ગાજરનાં પૂળાંઓ અને મકાઈ મન લોભાવતા હતાં પણ આપણા રામ તો પાઇનેપલ અને કાચી કેરીનાં જ ભોગી! હજુ તો ૧૧.૩૦ થઈ હતી. જમવાને વાર હતી એટલે ચાનું મ્યુઝિયમ જોવાં ગયાં. ત્યાં ચા વિશેની અઢળક માહિતી અને ચા બનાવવાની પ્રક્રિયા જોવા મળી.
ચા વિશે ઘણી માહિતી મળી કે ચા એ છોડ નથી પણ વૃક્ષ છે. જે ૨૫ ફૂટ ઊંચાં ઊગી શકે પરંતુ પાન તોડવા માટે સરળ પડે એટલી જ ઊંચાઈ રાખીને તેને કાપતા રહેવા પડે છે. ચાનાં છોડને એક વખત વાવ્યાં પછી વર્ષો સુધી ફરીથી વાવવા ન પડે. ચા ત્રણ પ્રકારની હોય છે સફેદ,લીલી અને કાળી. ટોચનાં કૂણાં પાનમાંથી બનતી સફેદ ચા ક્વોલિટીમાં બેસ્ટ અને મોંઘી હોય છે. જ્યારે મધ્યમ પાનમાંથી બનતી લીલી ચા ગુણવત્તા અને ભાવ બન્નેમાં મધ્યમ હોય છે, જ્યારે સૌથી નીચેનાં પાકા પાનમાંથી બનતી કાળી ચા ગુણવત્તા અને ભાવમાં નબળી હોય છે. ઉપરનાં કૂણા પાન હાથેથી તોડવામાં આવે છે અને પાકા પાન મશીનથી કટ થાય છે. ચૂંટેલા પાનને ફેકટરીમાં લઈ જવાય છે ત્યાં મોટા જાળીદાર ચારણામાં છૂટાં પાડવામાં આવે છે. ત્યાર બાદ તેની નીચેથી હવા પસાર કરીને પાનને સૂકવવામાં આવે છે ત્યારબાદ ચાર તબક્કામાં કટિંગ થાય, પછી ૪૦ મિનિટ સુધી ૧૪૦ ડિગ્રી ગરમી આપી સાવ સૂકવી દેવાય છે. તેથી તે દાણા સ્વરૂપે બહાર આવે છે. પછી એને સાઇઝ પ્રમાણે વિભાજિત કરવામાં આવે છે અને ત્યાંથી પેકિંગમાં જાય છે. કાળી ચામાં પણ છ પ્રકાર હોય છે એમાં મોટો દાણો હોય છે તે સ્વાદ અને સુગંધમાં શ્રેષ્ઠ ગણાય, પણ ડાર્ક કલર ન આવે. જેમ જેમ દાણો નાનો થતો જાય તેમ તેમ કલર ડાર્ક આવે, પણ સુગંધ ઓછી થતી જાય. સૌથી નબળી ડસ્ટ આવે. સાવ ભૂકી હોય.
આ બધું જોવામાં સમય ક્યાં પસાર થયો ખબર જ ન પડી. બધી માહિતી મેળવીને બે કલાકે મ્યુઝિયમની બહાર નીક્ળ્યાં ત્યાં ઝરમર વરસાદ શરૂ થઇ ગયો હતો.શરીર તો કોરું રહ્યું પણ મન જાણે એ ઝરમરિયાં ઝીલવા ક્યાંક અધવચ્ચે જ રોકાઇ ગયું. બસમાં બેસી હોટેલ પર આવ્યા. જમીને તરત ‘આરામ હરામ હૈ’ કરીને નીકળી પડ્યાં. હવે એક તળાવ પર જવાનું હતું. જે મટ્ટુપેટ્ટી ડેમનાં પાણીથી ભરાયેલ છે. ખૂબ સુંદર જગ્યા છે. અહીંયાં બધા સ્પીડ બોટની મજા લેવા આવે છે. લાંબી લાંબી લાઇનો લગાવીને લોકો રાહ જોતા ઊભાં રહે છે અમે પણ ટિકિટ લીધી. વારો આવતા જ લાઇફ જેકેટ પહેરાવી ને અમને બોટમાં બેસાડ્યાં. એક બોટમાં ચારથી વધુ માણસો ન બેસી શકે. પાંચમો ડ્રાઇવર. બોટમાં બેસતાં જ એ તો છૂ…ઉ…ઉ…ઉ…મ… કરતી ઉપડી. ખરેખર સ્પીડની મજા અનોખી જ હોય છે. હું તો આંખોથી આસપાસના સૌંદર્યને પી રહી હતી.વૃક્ષો, વાદળો અને પર્વતોની વચ્ચે આ તળાવ જાણે કોઈ સ્વપ્નલોક જેવું લાગતું હતું. ભૂત-ભવિષ્ય-વર્તમાન સ્થિર થઈ ગયાં હતાં. ચાલતાં હતાં તો માત્ર શ્વાસ અને બોટ! કોઈ નમણી નારની ચાલની જેમ જ બોટનો ડ્રાઇવર એને લટકાં-ઝટકાં આપી રહ્યો હતો. એનાં દરેક વળાંકે મોઢામાંથી ‘હા…યે’ નીકળી જતું હતું. લગભગ વીસ મિનિટ ચાલેલી આ રોમાંચક રાઇડનો અનુભવ લઈને બહાર આવ્યા. બધાંની જીભ પર એક જ વાક્ય હતું ‘પૈસા વસૂલ છે બોસ્સ’.
બહાર આવીને ચા પીધી. અહીંયાં ચામાં મસાલાનું એસંસ નાંખ્યું હતું. દસ કપ ચામાં બે ટીપાં એસંસ નાખો એટલે ધમધમાટ! જોકે મને ન ભાવી. મારે તો પાઇનેપલ અને કાચી કેરી ઝિંદાબાદ. હા…હા…હા. ધીમેધીમે વાદળાં બંધાઈ રહ્યાં હતાં. ફટાફટ બસમાં બેસી ગયાં, પણ સાંકડા રસ્તા અને ટ્રાફિક જામ! બધાંને આગળ જવું હતંે , ઉતાવળ હતી, વરસાદ માથા પર જ હતો, પરંતુ એક પણ ડ્રાઇવર શિસ્ત ન છોડે, કોઈએ વચ્ચેથી ઘૂસવાની કોશિશ ન કરી. મને ફરી એક વખત સલામ કરવાનું મન થઈ ગયું! આપણે કેવી નાનીનાની બાબતોમાં મૂલ્યો અને નીતિમત્તાને નેવે મૂકી દેતા હોઈએ છીએ! જાણે મનનું સાંભળીએ જ નહીં.
ખૈર… ધીમે ધીમે રસ્તો કાઢતાં કાઢતાં આગળ વધ્યાં. હવે પછી ‘ઇકો પોઇન્ટ’ જવાનું હતું.આ જગ્યા એટલે એક નદીકિનારો. આ કિનારા પર ઊભા રહી બૂમ પાડો એટલે સામેથી પડઘો પડે. આમ જુઓ તો આપણે બધાં અંદર એક ‘ઇકો ઇફેક્ટ’ લઈને જ બેઠાં છીએ ને? જ્યાં મન મળે ત્યાં આપણી ભાવનાનો પડઘો જરૂર પડે. આપણને સંભળાય તો ને! કેવાં બધીર થયાં આપણે! આંખ,કાન અને મગજ સજાગ હોય તો ડગલે ને પગલે તત્ત્વજ્ઞાન મળી આવે છે.
આ જગ્યા ઠીક હતી. બહુ મજા ન આવી. બજાર ખાસ્સી મોટી છે. ખરીદીમાં તો મને રસ જ નહીં એટલે આંટા-ફેરા ને આશીર્વાદ. જોકે નદીનો સામો કિનારો બહુ સુંદર દેખાતો હતો. બોટની વ્યવ્યસ્થા હોત તો જરૂર ત્યાં ગયા હોત. બધાં બસ તરફ ચાલવા લાગ્યાં ત્યાં જ જોરદાર વરસાદ તૂટી પડ્યો. દોડીને બસમાં બેઠાં. હજુ તો સાંજના પાંચ જ વાગ્યા હતાં, પરંતુ આકાશ કાળુંડિબાંગ થયું હતું. ચારે તરફ ધુમ્મસ, વાદળ ,વરસાદ અને ઉપરથી અંધારું ઘોર! રમેશ પારેખની રચના યાદ આવવા લાગી.
‘આકળ વીકળ આંખ કાન વરસાદ ભીંજવે,
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.’બધા પ્રવાસીઓ થાક્યાં હતાં એટલે સૂઈ ગયાં. મને ઊંઘ ન આવી. બારી બહાર નજર નાખી તો કશું દેખાતું ન હતું. અચાનક મારી નજર બારીનાં કાચ પર ગઈ. એક પીળું થયેલું પાન બારીનાં કાચ પર ચીટકી ગયું હતું. મને લાગ્યું ચાલો, કોઈ તો જાગે છે મારી સાથે! હું એ પાંદડાને મુગ્ધતાથી જોતી રહી. ખૂબ પવન હોવા છતાં એ હલ્યું નહીં. આટલો વરસાદ હોવા છતાં એ એ પોતાની જગ્યા પર સ્થિર રહ્યું. બસની છત પરથી પાણીનાં રેલાં ઉતરતાં હતાં તો પણ તે તો ન હલ્યું, ન ખર્યું,ન ઊડ્યું! હું તો એની સ્થિતપ્રજ્ઞતા પર વારી ગઈ! મને થયું કેવી અજાયબી છે ઈશ્વરની! શું આપણે પણ આમ જળકમળવત્ ન રહી શકીએ? સુખના વરસાદો અપણને ન ભીંજવી શકે, દુઃખનાં તોફાનો આપણને ન વિખેરી શકે એવી સ્થિતિ પર આપણે કેમ ન પહોંચી શકીએ? ખૈર… ભારેખમ વિચારો ખંખેરી કાનમાં ઇઅરપ્લગ ભરાવ્યા, પ્લેલિસ્ટ ચાલું કર્યું અને સંભળાતું રહ્યું ‘બસ તેરી, બસ તેરી ધૂમધામ હૈ, બસ તેરી, બસ તેરી ધૂમ…’ અંધારભર્યા સન્નાટાને ચીરતી બસ આગળ ચાલી રહી હતી અને હું એ સંગીતમય અંધકારનાં નશામાં ડૂબતી જતી હતી. દરેક દિવસની એક રાત હોય છે એમ દરેક સફરનો એક અંત પણ હોય છે એ ન્યાયે હોટેલ પર પરત આવ્યાં.
હજીયે પેલી ધૂમધામનો નશો યથાવત્ હતો. શરીર યંત્રવત્ જમતું હતું, સામાન પેક કરતું હતું, બીજા દિવસની સવારને વધાવવા એલાર્મ સેટ કરતું હતું, પણ મન તો એક જ વિચાર પર સેટ થયેલું હતું. રૂમની બન્ને દીવાલો પરની મોટી મોટી કાચની બારીઓ પર બાઝેલાં ધુમ્મસમાંથી યે પેલું પીળું પાન શોધતું હતું. કદાચ એ રાત હજારો રાત પછીની એક અવર્ણનીય રાત બની રહી. ક્યારે હું અને પેલું પાન એકાકાર થયાં, ક્યારે એ પાનની સ્થિતપ્રજ્ઞતા મારી ચંચળતાને અવગણી મારામાં કબ્જો જમાવી બેસી પડી એ મને પણ ખબર ન રહી અને ક્યારે એ પીળા પાનની સુવર્ણ આભા બીજા દિવસનો સૂરજ બનીને આવી ગઈ મને કંઈ સમજ નથી પડતી આજે પણ!
એ પીળા પાન સાથેની દોસ્તી આજનાં દિવસ સુધી અકબંધ રહી છે. હવે દરેક નવી સવારનો સૂરજ એ પાનની સોનાવરણી આભા લઈને આવી જાય છે. દરેક પાનમાં એ પાન દેખાયા કરે છે. જ્યાં જ્યાં જે જે તેજોમય છે એ બધું હવે જાણે પેલા પાનનો પર્યાય હોય એવું લાગ્યા કરે છે અને અનાયાસ વિભૂતિયોગ ખૂલવા માંડે છે મારી સામે. આંખને સજીવ નિર્જીવ વચ્ચે કોઈ ભેદ ન રહે તેવી જ કોઈ સ્થિતિએ લઈ જઈ રહ્યું હતું એક માત્ર પાંદડું! આ જ શું જાગૃતિ કહેવાતી હશે? ખબર નહીં! એ જે હોય તે….! કોઈ સ્થળનો પ્રવાસ કરે તો કોઈ અંદરનો. હે! પાન… હું આભારી છું કે તે એક નવા જ પ્રવાસનો આરંભ કરાવ્યો છે. આ સફર હવે ક્યારેય ન અટકે… અને કોઈ તો રહે સજાગ અંદરથી.
સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
પગદંડીનો પંથી – ભાગ ૨ – ૪: દવા વાપરવાની અવધિ
તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

ડૉ. પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.દવા ક્યાં સુધી સાચવી/વાપરી શકાય એની સમજ બહુ જરૂરી છે.
એક્સપાયરી ડેટ/અવધિ તારીખ એટલે દવાના પેકિંગ ઉપર ઉત્પાદન કરનારી કંપનીએ છાપેલી એ નામની તારીખ, ત્યાં સુધીમાં દવા વાપરવાથી તેની ઉપયોગિતા અને અસરકારકતા (Potency and Efficacy) માટે આપેલી બાંહેધરી, જો યોગ્ય રીતે દવાના પેકિંગ સાથે સાચવી હોય તો.
એક્સપાયરી ડેટ ની શું જરૂર?(૧) દવા આમ તો કોઈક જાતનું રસાયણ (Chemical) જ હોય છે, લાંબા સમયે એનામાં ફેરફાર (Degraded/Chemical Change) થઈ શકે છે, ખાસ કરીને, પેકિંગ ખોલ્યા પછી વાતાવરણના ભેજથી, સૂર્ય પ્રકાશથી, ગરમીથી, તેમાંનાં પ્રીઝર્વેટિવથી, વગેરે. આથી તેની ઉપયોગિતા ઓછી થાય કે નાશ પામે, બીજા રાસાયણિક ફેરફારો થઈ સ્વાસ્થ્યને નુકસાન કરી શકે. જંતુઓ લાગે અને તેનાથી ચેપ થાય (Infection). આવું ખાસ કરીને પ્રવાહી રૂપે વપરાતી દવાઓમાં વધારે પ્રમાણમાં થાય છે. દા.ત. બાળકો માટે વપરાતાં સિરપ, વિટામિન અને બીજી શક્તિની દવાઓ, આંખના ટીપા વગેરે.
(૨) કાનૂની જરૂરિયાત (Legal Requirements) – એ તારીખે દવાની ઉપયોગિતા ઓછામાં ઓછી ૯૦ % હોવી જોઈએ, એ તારીખ પછી નુકસાન કરે એવા ફેરફાર વગેરે.
આ સમય-અવધિ ૧ થી ૫ વર્ષનો હોય છે. એનો અર્થ એવો કે કંપનીએ એ સમય સુધી જ એની ઉપયોગિતા તપાસી (studied) છે, અને કાયદાકીય રીતે ત્યાર પછીની તેની જવાબદારી નથી. (કંપની ફાયદા માટે એક્સપાયરી ડેટ ઓછી રાખે એ માનવું યોગ્ય નથી).
થોડા શબ્દોના અર્થ આ માટે સમજવા પડે, કારણ કે દવાની કંપની જુદા-જુદા શબ્દોમાં એક્સપાયરી ડેટ લખે છે.
Expiry Date – આપેલા મહિનાની છેલ્લી તારીખ સુધી વાપરી શકાય.
Expires – આપેલી તારીખ પહેલાં/લખેલા મહીના પહેલાં વાપરવી.
Use by Date – આપેલી તારીખ/મહીના પહેલાં વાપરવી.
Use Before – આપેલી તારીખ મહીના પહેલા, એટલે કે આગળના મહિનાની છેલ્લી તારીખ સુધી.જોકે થોડા દિવસોમાં ખાસ વાંધો ના આવે, છતાં કંઈ અજુગતું બને તો ડૉક્ટરને જવાબ આપવો અઘરો પડે.
હવે જોવામાં આવ્યું છે કે લોકો મોંઘી દવાઓ ફેંકી દઈ શકતા નથી વાપરવા લલચાય છે. અને ઘણા સંશોધનો પછી તારણો નીકળ્યાં છે કે અમુક દવાઓ જે ટેબ્લેટ કે કેપ્સ્યુલના પૅકમાં છે તે વર્ષો સુધી એની ઉપયોગિતા ગુમાવતી નથી. આથી બંને બાજુ આર્થિક નુકસાન થાય છે, અને વધારામાં એ દવાઓનો નાશ કરતાં પર્યાવરણને પણ નુકસાન કરીએ છીએ.
તો શું કરવું?
ટેબ્લેટ (Tablets) કે કેપ્સ્યુલ (capsules)માં આવતી દવાઓ વાપરવાથી વાંધો આવતો નથી, એટલે કે એવી દવાઓની સંઘરવાનો સમય (Shelf Life) એક્સપાયરી ડેટથી વધારે હોય છે. દા.ત. તાવ/દુખાવા માટેની ગોળીઓ (Paracetamol like Crocin, Metacin, Brufen), કેટલીક એન્ટિબાયોટિક્સ, દા.ત. એમોક્સિસીલિન, સીપ્રોફ્લોક્ષાસીલિન (Amoxicillin, Ciprofloxacillin).
પ્રવાહી દવાઓ, આંખના ટીપાં (eye drops) બાળકો માટેનાં સિરપ (Syrup), વિ. ને પૅકિંગ ખોલ્યા પછી થોડા દિવસોમાં જ વાપરવા પડે, બરાબર ઠંડક વાળી જગામાં, સૂર્ય પ્રકાશથી દૂર રાખીને, ઢાંકણું બરાબર જંતુમુક્ત રીતે બંધ રાખીને.
સાવધાની – Warning
હવે આટલું જાણ્યા પછી સામાન્ય બુદ્ધિ (Common Sense) વાપરવી જરૂરી છે. જો દવા સામાન્ય રોગની હોય તો ચાન્સ લેવામાં વાંધો નથી દા.ત. માથું દુઃખે ત્યારે પેરાસીટેમોલ (Paracetamol like Crocin), શરીરના કળતર માટે બ્રુફેન (Brufen) જેવી દવાઓ લેવાય તો અસર ના થાય તો સમજી શકાય. પણ જો હૃદય રોગ (For Angina Glyceryl Trinitrate) તાણ માટે (Anticonvulsants), ડાયાબીટીસ માટેનું ઇન્સ્યુલિન, રસીકરણની દવાઓ (Vaccines) કે બીજી જાન બચાવનાર દવાઓ (like Adrenakine) એક્સપાયરી ડેટ પછી ના લઈ/આપી શકાય. અને બને તો ડૉક્ટરને પૂછીને ખાત્રી કરવી.
દવાઓમાં નીચે દર્શાવેલા ફેરફારો હોય તો પણ ના લઈ શકાય.
(૧) કલર બદલાયો હોય.
(૨) ખરાબ કે બદલાયેલી ગંધ આવતી હોય.
(૩) સ્વાદ બદલાયો હોય.
(૪) ડહોળાયેલી કે પ્રવાહી અને રસાયણ છૂટાં પડેલાં દેખાય.
(૫) ફૂગ ચડેલી દેખાય.અંતમાં મારી સલાહ – “દુઃખી થવા કરતાં સ્વસ્થ રહેવું સારું”. Better be safe than sorry. Drug is like a sword, it can protect and kill too!
Punch line –
સહજપણે આપણે
પ્રિય વ્યક્તિને
“આઈ લવ યુ”
કહીએ છીએ ત્યારે
ખબર ક્યાં હોય છે
કે-
શબ્દોને પણ
એક્સપાયરી ડેઇટ હોય છે!–જનક વ્યાસ
ક્રમશ:
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
નગરો અને મહાનગરો : કોનાં પોતાનાં , કોના પારકાં ?
નિસબત
ચંદુ મહેરિયા
૨૦૧૮માં જી – ૨૦ ના સભ્ય દેશોના શહેરી મુદ્દાઓની ચર્ચા માટે યુ- ૨૦ (અર્બન-૨૦) ની રચના કરવામાં આવી હતી. તેની છઠ્ઠી મેયરલ સમિટ આ વરસના જુલાઈમાં અમદાવાદ– ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ સંમેલનની છ સૂત્રીય ભલામણોમાં જળ સુરક્ષા, જળવાયુ પરિવર્તન, પર્યાવરણ, શહેરી વહીવટ, સ્થાનિક સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થા તથા ડિજિટલ શહેરી ભવિષ્ય જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.સમિટે સ્થાયી અને ટકાઉ શહેરી વિકાસ માટે તેમાં સમાનતા, ન્યાય અને સમાવેશનની અનિવાર્યતા દર્શાવી હતી. જો આ ભલામણો ભારત સહિતના સદસ્ય દેશો અપનાવે તો શહેરી વિકાસ તેના તમામ નાગરિકોની ભાગીદારીથી સમાનતા આણનારો બની શકે તેમ છે.
શહેરો અને કસ્બાઓમાં રહેતા લોકોની સંખ્યામાં વૃધ્ધિ એટલે શહેરીકરણ. શહેરીકરણ એ આજકાલની ઘટના નથી. વિશ્વમાં બે સદીથી શહેરીકરણ થઈ રહ્યું છે. મુખ્યત્વે ગામડાઓના બનેલા આપણા દેશમાં શહેરીકરણ મોડું શરૂ થયું.પણ હવે તેની ગતિ તેજ છે. અંદાજ તો એવો છે કે સ્વતંત્રતાની શતાબ્દીએ દેશની અડધી વસ્તી શહેરોમાં વસતી હશે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે શહેરીકરણનો દર ૩૧.૧ ટકા હતો.. ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા અને કેરળની શહેરીકરણની ટકાવારી રાષ્ટ્રીય સરેરાશથી વધારે હતી..જ્યારે ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા અને અસમમાં ઓછી હતી.. દિલ્હી, ચંદીગઢ, દમણ અને દીવ તથા લક્ષદીપમાં ૭૫ ટકા વસ્તી શહેરી હતી.આજે વિશ્વની કુલ શહેરી વસ્તીના ૧૧ ટકા વસ્તી ભારતમાં છે. ગુજરાતના અલગ રાજ્યની રચના વખતે , ૧૯૬૧માં , રાજ્યમાં શહેરી વસ્તી ૨૫.૮ ટકા હતી જે ૨૦૨૨માં ૪૮.૪ ટકા છે. સાઠ વરસોમાં ૨૨.૬ ટકાની શહેરી વસ્તી વૃધ્ધિ દર્શાવે છે કે ગુજરાતમાં શહેરીકરણની ગતિ ઘણી તેજ છે. ૨૦૧૧માં રાજ્યમાં ૨.૫૭ કરોડ લોકો શહેરોમાં વસતા હતા.દશ વરસ પછી ૨૦૨૨માં શહેરોમાં વસનારા લોકો ૩.૪૩ કરોડ છે.

તસવીર – નેટ પરથી શહેરો પાઘડીપને વિસ્તરે છે તેના મૂળમાં ગામડાંઓમાં રોજગારીનો અભાવ, ટૂંકી જમીન, વરસાદી ખેતી, ગરીબી, પૂર અને દુષ્કાળ છે. વખાના માર્યા શહેરોમાં આવી ગયેલા લોકોને શહેર સંઘરે તો છે પણ તેમનું જીવન ઘણું મુશ્કેલ હોય છે. ભારતના મોટાભાગના શહેરોમાં દરેકને માટે યોગ્ય રહેઠાણ, પાણી, વીજળી, સ્વચ્છતા, શિક્ષણ, જાહેર પરિવહન, આરોગ્ય વગેરેની સગવડોનો અભાવ હોય છે કે અપર્યાપ્ત હોય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં ભારતની પચાસ ટકા શહેરી વસ્તી ઝૂંપડપટ્ટી કે કાચા અને ગંદા મકાનોમાં રહેતી હતી.
શહેરીકરણ અને શહેરી વિકાસ પરસ્પર સંકળાયેલી બાબત છે. શહેરી વિકાસ માટે નગર નિયોજન જરૂરી છે. અર્બન પ્લાનિંગ રાજકીય અને તકનિકી પ્રક્રિયા છે. નગર નિયોજન સમતોલ, રહિતો અને સહિતો એમ સર્વ માટે સમાવેશી અને ન્યાયી હોવું જોઈએ. પરંતુ આદર્શ અને વાસ્તવ વચ્ચે જોજનોનું અંતર છે. આજનું અર્બન પ્લાનિંગ મોલ, મલ્ટિપ્લેક્સ, એપાર્ટમેન્ટ, બહુમાળી મકાનો, જિમ, ફ્લાયઓવર, રિવરફ્રન્ટ, કો’ક હીરોઈનના ગાલ જેવા પોશ વિસ્તારોના રસ્તા, લિમિટેડ ગ્રીનરી, નેશનલ-ઈન્ટરનેશનલ એરપોર્ટ, ફુવારા સાથેના મોટામોટા સર્કલ અને સી પ્લેન બની ગયું છે. પરંતુ શહેર કઈ રીતે વધુ રહેવા યોગ્ય બને તેનું આયોજન નથી હોતુ. ધનવાનો અને મોટા બંગલાવાળાઓ માટે પાણીની રેલમછેલ હોય અને ગરીબોને ચોખ્ખું પીવાનું પાણી ના મળે, કેટલાક વિસ્તારો આખી રાત રોશનીથી ઝગમગે અને છેવાડાના લોકોની વસ્તીમાં કાળુ ધબ્બ હોય તે સમતોલ વિકાસ નથી.એ જ પ્રમાણે તમામને ઘર, પાણી, ગટર, દવાખાનુ, નિશાળ, રમતનું મેદાન અને બગીચા મળી રહે તે જ નગરનિયોજન સર્વસમાવેશી ગણાય.
સ્થિરતા, આરોગ્ય દેખભાળ, સંસ્કૃતિ અને પર્યાવરણ તથા શિક્ષણ અને મૂળભૂત માળખુ એ પાંચ માપદંડો પરથી વિશ્વના ૧૭૩ શહેરોના જીવનની ગુણવતાનું આકલન કરવામાં આવ્યું હતું. તેના આધારે તૈયાર થયેલા ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ ૨૦૨૨માં ભારતના મહાનગરોનું રેન્કિંગ અત્યંત શરમજનક હતું.૧૭૩ દેશોમાં અમદાવાદ ૧૪૬, ચેન્નઈ ૧૪૨, મુંબઈ ૧૧૭ અને દિલ્હી ૧૧૨મા ક્રમે હતા. ધ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજેસ યુનિટના ડિસેમ્બર ૨૦૨૧ના રેન્કિગમાં દુનિયાના સૌથી સસ્તા દશ શહેરો પૈકીનું એક વલ્ડ હેરિટેજ સિટી અમદાવાદ હતું. મધ્યપ્રદેશનું ઈન્દોર વધુ એક વખત સૌથી સ્વચ્છ શહેર બન્યું હતું. રહેવા માટે સુગમ શહેરોમાં બેંગલૂરુ અને પૂણે હતા તો રહેવા માટે સૌથી ખરાબ શહેરો ધનબાદ અને શ્રીનગર હતા. ઘડીભર આવા સર્વે અને રેન્કિંગને બિઝનેસ ગણી તડકે મૂકીએ તો પણ આપણા નગરો-મહાનગરોની નરી આંખે જોવા મળતી સચ્ચાઈ અને તેના માટે કોણ પારકા છે અને કોણ પોતાના છે તે ઢાંકી શકાશે નહીં.
સાર્વજનિક પરિવહનની કફોડી હાલત અને ખાનગી વાહનો માટે પાર્કિંગનો અભાવ એ નગરો-મહાનગરોના અમીરો અને ગરીબો બેઉને સતાવતી સમસ્યા છે. તેમાં પણ બિસ્મારા રસ્તા અને ટ્રાફિક્ના કારણે સમયસર પહોંચવું મુશ્કેલ છે. એક દાયકા પૂર્વેના અને આજે પણ પ્રસ્તુત એવા રાજધાની દિલ્હીના એક સર્વેનું તારણ હતું કે દિલ્હીના ૬૦ ટકા લોકો બસોમાં આવજા કરતા હતા. (હવે આજે કદાચ મેટ્રોમાં કરતા હશે.) સાર્વજનિક બસો દિલ્હીના કુલ માર્ગોની ૭ ટકા જગ્યા રોકતી હતી તેની સામે ૨૦ ટકા ખાનગી કાર વાપરતા લોકો કુલ રસ્તાનો ૭૫ ટકા હિસ્સો વાપરતા હતા. શહેરોની ૨૦ થી ૩૦ ટકા વસ્તી મહેનત –મજૂરીએ જવાઆવવા સાઈકલ વાપરે છે કાં પગપાળા જાયઆવે છે. એટલે કારો કે બસોથી થતા પરિવહને સાઈકલોનું સ્થાન લીધું નથી ઉલટાનું તેણે વધુ રસ્તા રોકીને તેને પાછળ ધકેલી છે. આ બાબતોનો નગરનિયોજનમાં સમાવેશ થાય તે આવશ્યક છે..
શહેરોનો વિકાસ અને તે માટેનું આયોજન જેમ ધનવાનો કેન્દ્રી છે તેમ પુરુષકેન્દ્રી પણ છે. શહેરોની જાહેર જગ્યાઓના વપરાશની બાબતમાં મહિલાઓની ધરમૂળથી બાદબાકી કરતાં આયોજનો લગભગ દુનિયા આખીમાં છે..કિશોરીઓ, યુવતીઓ, નોકરિયાત મહિલાઓ અને વૃધ્ધાઓની પબ્લિક સ્પેસના યુઝની જરૂરિયાતોનો ખ્યાલ રાખવો જાણે કે આપણા મેલ અર્બન પ્લાનરો ભૂલી જ ગયા છે.. દેશની અર્ધી આબાદીને તે જે શહેરમાં વસે છે તેની મૂળભૂત સગવડોથી વંચિત રાખવામાં આવે છે. પછી તે રમતના મેદાન હોય કે બગીચા હોય. મહિલાઓને અનુકૂળ હોય તેવો શહેરી વિકાસ માંગતું અભિયાન સિટી ફોર વુમન વિશ્વના કેટલાક દેશોમાં આરંભાયું છે. તેની હવા ભારતના નગરનિયોજકોને પણ અડવી જોઈએ.
શહેરીકરણ એ વરવી અને નક્કર વાસ્તવિકતા છે. તેથી તેનો વિકાસ વધુ સુગમ, સગવડદાયી અને સર્વસમાવેશી બનાવવાની જરૂર છે. સિટી ફોર વુમન જેવી માંગણી ઉઠે તે પહેલાં સિટી ફોર ઓલ બનાવવા સંકલ્પબધ્ધ થઈશું તો જી-૨૦નું ભવ્ય આયોજન અને યુ-૨૦ની યજમાની સાર્થક ઠરશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ગઝલ : ડગર
નવી કલમની કવિતા અને આસ્વાદ
મેઘા જોશી
વિકટ મારગે ચાલવાની મજા છે
અને પાછું ત્યાં થાકવાની મજા છે.કદમને નવી મંજિલોનું છે વળગણ,
અજાણી ડગર ૫ર જવાની મજા છે.નદીઓ, તળાવો, સમંદર ઘણા છે,
છતાં ઝાંઝવાને પીવાની મજા છે.ક્ષણોની એ રેતી ઝડ૫થી સરકતી,
સરકતી ક્ષણો ઝીલવાની મજા છે.ખબર છે કે રણમાં ન ઉગે કશું ૫ણ,
એ રણમાં ય જળ વાવવાની મજા છે.આસ્વાદઃ
દેવિકા ધ્રુવ
સરકારી અમલદાર તરીકે કામ કરતાં અને પાલનપુરના વતની મેઘા જોશીની ઉપરોક્ત ગઝલમાં અઘરાં નિશાનો તાકવાની ખુમારીભરી કેફિયત છે. કલમ નવી છે પણ શેરિયત ધ્યાનપાત્ર છે.
ટૂંકી બહેરની માત્ર પાંચ જ શેરોની ગઝલમાં કશુંક નવું અને વિકટ કરવાની નેમ વર્તાય છે. સામાન્ય રીતે ગુલાબનાં ફૂલો વચ્ચે સરળતાથી, સીધે સીધું જીવન જીવવાનું તો બધાંને ગમે. કોઈ તકલીફ નહિ, કોઈ આધિ-વ્યાધિ કે ઉપાધિ નહિ. બસ, ખાવું,પીવું ને જલસા કરવાનું કોને ન ગમે? પણ ના, અહીં તો ગઝલની નાયિકા એક પડકારની વાત લઈને આવે છે.
એને તો વિકટ માર્ગે ચાલવું છે.પૂરેપૂરી સમજણ છે કે, એમાં મુશ્કેલીઓ આવવાની છે,ખાડા ટેકરા,ઢાળના ચઢાણ -ઉતરાણ પણ વેઠવાનાં છે અને એમ કરતાં કરતાં થાક પણ ઘણો લાગવાનો છે. તેમ છતાં મનથી તૈયારી છે. એટલે એ થાકને પણ મઝા ગણવી છે. ગઝલના મત્લાથી જ એ વાત સ્પષ્ટ કરી દે છે કે,
વિકટ મારગે ચાલવાની મજા છે
અને પાછું ત્યાં થાકવાની મજા છે.આ ‘મઝા છે’ નો રદીફ જ જાણે કે, વિકટતાને રદિયો આપી દે છે. કદમ સ્થિર છે,
ડગમગ નથી. તેથી જ તો એને અજાણી ડગર પર ચાલવું છે અને નવી મંઝિલો ખેડવી છે અને તે પણ મઝા સાથે. અહીં મને શૂન્ય પાલનપુરીનો એક સુંદર શેર સાંભરે છે.
“કદમ અસ્થિર હો એને કશો રસ્તો નથી જડતો. અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નથી નડતો.”કેટલી સાચી વાત છે!
અને એવો જ એક બીજો શેર પણ અજ વાતને સમર્થિત કરે છે કે,
અમને નાંખો જીવનની આગમાં,
આગને પણ ફેરવીશું અમે બાગમાં.કેટલી પ્રેરણાદાયી હિંમત મળે છે આ શેરમાં પણ!
અહીં બીજાં શેરમાં એજ વાત પ્રગટ થાય છે; અને આ ભાવને અલગ અલગ પ્રતીકો દ્વારા સુપેરે ગૂંથ્યા છે. આગળના શેરોમાં એ કહે છે કે, નદી,તળાવ કે સાગરમાંથી તો પાણી મળી જ શકે, સૌને મળે છે જ. પણ ખરી મઝા તો ઝાંઝવાના જળને પામવામાં અને પીવામાં છે. દૂરથી દેખાય, તમે દોડતાં જ રહો, દોડતાં જ રહો, આ રહ્યું, સાવપાસે છે એમ લાગે ને વળી એ અદૃશ્ય થઈ જાય! આ પકડદોડની રમત છે, હાર -જીતનો ખેલ છે. છતાં ગઝલની નાયિકામાં એને મઝાથી સ્વીકારવાની ખેલદિલી છે, સાહસ છે અને શક્તિ પણ ખરી જ.
સૌથી મઝાનો ચોથો શેર છે. વાત તો ક્ષણોની છે પણ એનો મર્મ યુગોના પર્વત જેટલો ઊંચો છે. ઘડિયાળની શોધ થઈ તે પહેલાં ક્ષણોને સરકતી રેતીમાં મપાતો હતો. એ સરતી રેતીને જોવાની જે મઝા હતી તે આ સરકતી જતી ક્ષણો અંગે પણ માણવાની હોય છે. પળપળ કિંમતી છે. વર્તમાનમાં પળને ઝીલતાં રહેવાની અને એ ભૂતકાળની ગર્તામાં સરી જાય ત્યારે તે ક્ષણોને ફરીફરી માણવાનો પણ આનંદ ઑર હોય છે જ. ભીનીભીની ક્ષણોને વીણીવીણીને પછી વાગોળવાની પણ એક અનોખી કલા છે. જેને એ આવડી જાય તેનો બેડો પાર. બાકી તો સંજોગવશાત આવી ગયેલી અસુખ વાતો, પ્રસંગોને, ઘટનાઓને યાદ કરીને રડનારાઓની તો ક્યાં ખોટ જ છે?! એવી ક્ષુલ્લકતાઓને અતિક્રમીને આ ગઝલ મઝાની રીતે છતાં અડગપણે વ્યક્ત થાય છે કે,
ક્ષણોની એ રેતી ઝડ૫થી સરકતી,
સરકતી ક્ષણો ઝીલવાની મજા છે.અને મક્તામાં ફરી પાછા એ જ મૂળવાત લઈને કવયિત્રી કહે છે કે, રણમાં તો રેતી સિવાય કંઈ ન મળે અને એટલે જ કશું ન ઊગે એ વાત જગજાણીતી છે. પણ એવાં બળબળતા રણમાં પાણી વાવવાની અસંભવિત વાતને દોહરાવે છે. અહીં શું થઈ શકે તેના કરતાંયે વધુ શું કરવું છે એ મહત્વાકાંક્ષાનું અને એ હિંમતનું મહત્ત્વ છે. આવી મનેચ્છા જ માણસને ચેતનવંતો રાખી શકે.
લગાગાના ચાર આવર્તનોનાં પાંચ શેરની આ ગઝલમાં પસાર થવાની પણ એક મઝા આવી. મેઘા જોશીને અભિનંદન અને તેમની કલમ વધુ ને વધુ વિકસતી રહે એ જ શુભેચ્છા.
અસ્તુ
દેવિકા ધ્રુવ -
એ કેવળ પોતડીભેર થયા એને આખો સૈકો વીતી ગયો…
તવારીખની તેજછાયા
ગાંધીજી આવ્યા, ટૂંકું ધોતિયું, કસવાળો અંગરખો, માથે કાઠિયાવાડી ફેંટો ને ઉઘાડે પગે! મારી પારસી પડોશણ મોંઢે હાથ રાખી જેમતેમ હસવું ખાળી બોલી ઊઠી: ‘આ તો ઢનો ડરજી.’
પ્રકાશ ન. શાહ
થોડા દિવસ પર હું વડોદરા સરદાર ભવનમાં વસંત-રજબ ડોક્યુડ્રામાના નિર્માણ નિમિત્તે હતો. જ્યુબિલી બાગ, સુરસાગર અને રાવપુરા ટાવરના ત્રિકોણ ઇલાકામાં બાળપણનાં વરસો ગાળેલાં એટલે ત્યારનાં સંભારણાં, કેમ કે સરદાર ભવનમાં હતો એટલે વિશેષે તો રાષ્ટ્રીય અવસરોનાં, સહસા ઝંકૃત થઇ ઊઠ્યો. અમે વાનરસેના કહો, બાળકિશોર વિદ્યાર્થીઓ કહો, ત્યારે પોળે પોળે પર્ણછાયી ગાંધીકુટિરો સજાવતા અને હોશેં હોશેં ગાંધીજયંતી મનાવતા. વચ્ચે ગાંધીજીનું કટઆઉટ કે છબી હોય. એ જ કચ્છ ટૂંકી પોતડીભેર અને ખુલ્લા ડિલે કે ચાદરભેર.
આ સ્મૃતિઆંચકો વડોદરામાં આવ્યો; બાકી, એ વરસોમાં કદાચ ભારત આખાનું આ ઉત્સવચિત્ર હતું. ટૂંકી પોતડીવાળી આ ગાંધીમુદ્રા જોવાનું બનતું ત્યારે ત્યારે હંમેશ કંઇક અભિમાન જેવું જાગતું. બલકે એક દર્પીલી, લગાર ગર્વોન્મત્ત લાગણી જાગતી કે ગાંધીજી લંડનના બકિંગહામ પેલેસમાં રાજાની પાર્ટીમાં ગયા ત્યારે ધરાર પોતડીભેર ગયેલા. રાજધારી પોષાક પ્રોટોકોલની એસીતેસી. અધૂરામાં પૂરું, બહાર નીકળ્યા ને કોઇકે આટલાં ઓછાં ને આછાં વસ્ત્રો કેમ એવું પૂછ્યું ત્યારે એમનો નર્માળો મર્માળો ઉત્તર હતો કે રાજાએ અમને બેઉને થઇ રહે એટલાં કપડાં ઠઠાવ્યાં’તાં! જેના સામાજ્યમાં સૂરજ કદી આથમતો નહોતો તે પંચમ જ્યોર્જને કેવી ચાટી ગઇ હશે એવા રાષ્ટ્રગર્વમાં અમે ત્યારે રાચતા.

પણ મોટા થયા ત્યારે કંઇક જુદું જ સમજાયું. બરાબર ૧૦૨ વરસ પર, સપ્ટેમ્બર ૧૯૨૧ના બીજા પખવાડિયામાં ગાંધીજી આ પોશાક પર ઠર્યા હતા, સમજ અને સંકલ્પ પૂર્વક. એમાં લોક સાથેનું અનુસંધાન હતું. રાજાને બતાવી દેવાની નહીં પણ આમ આદમી જોડે જોડાવાની તાલાવેલી એમાં હતી. આ સમજાયું ત્યારે રાષ્ટ્રાભિમાનનો પેલો બાળચિત્તનો ભાવોદ્રેક સીધો બધી અમૂર્ત ખયાલાતોથી હટીને રાષ્ટ્ર એટલે લોકસમસ્ત એવી નીતરી સમજમાં ઠર્યો હતો. મદ્રાસ (ચેન્નઇ)થી મદુરા જતાં ટ્રેઇનમાં સાથી પ્રવાસીઓ જોડે થયેલી વાતચીત ગાંધીજીએ સંભારી છે. ગાંધીજીએ એમને ખાદી પહેરવા વિશે કહ્યું તો સહપ્રવાસીઓ કહેવા લાગ્યા કે ખમીસ, કોટ, માથે ફેંટો/પાઘડી/બનાતવાળી ટોપી અને વળી ધોતી કે લૂંગી, એમ પૂરો પોષાક ચાલુ કરતાં ખાદીમાં ઓર મોંઘો પડે છે. ગાંધીજીને થયું કે હિંદનો સામાન્ય માણસ આવો ને આટલો ‘પૂરો પોષાક’ ભાગ્યે જ પહેરતો હોય છે. એ તો આશરે ચાર ઇંચ લાંબી અને લગભગ એટલા જ ફૂટ પહોળી લંગોટી (કચ્છ) થકી ચલાવી લેતો હોય છે. વળી માથે હું પહેલાં પાઘડી પહેરતો, હવે ટોપીથી ચલાવી લઉં છું. પણ ગુલામી જેવા શોકનાં વરસોમાં તો ઉઘાડે માથે જ રહેવાનું હોય ને. આ વિચાર પાકી ગયો ને તરતના કલાકોમાં તિરુપ્પતુરની સભામાં ગાંધીજી એમની નવી પોષાકસજાવટમાં હાજર થયા, અને પહેરવેશમાં કરેલા ફેરફારની સમજ આવતાં કહ્યું કે હિંદુસ્તાનમાં ગરીબ અને તવંગરને પૂરતા પ્રમાણમાં એકસરખી રીતે કાપડ ન મળી શકે ત્યાં સુધી હું કાપડનો એક નાનો ટુકડો જ પહેરીશ. (સપ્ટેમ્બર, ૨૨, ૧૯૨૧)
તિરુપ્પતુર-લંડનના દસકાની હમણા મેં વાત કરી, પણ એમના પોષાક-પલટાનો પ્રારંભિક પરચો તો દેશજનતાને છેક ૧૯૧૫માં જ મળી ગયો હતો. જ્યારે દક્ષિણ આફ્રિકા છોડી કાયમ માટે વતન પાછા ફર્યા ત્યારે એમના અંગ પર બેરિસ્ટરશાઇ કોઇ વિલાયતી પોષાક નહોતો, પણ એમણે ત્યારના કાઠિયાવાડનો પ્રચલિત પોષાક પહેર્યો હતો. ૧૯૧૫ના અરસામાં જે ગુજરાતી તરુણો મુંબઇમાં આગળ પડતા ને સક્રિય હતા તે માંહેલી બે વ્યક્તિઓએ એમના આ વેશપ્રવેશની નોંધ પોતાપોતાની વિલક્ષણ પદ્ધતિએ લીધી છે. એક તો ક. મા. મુનશીએ, અને બીજા ઇન્દુલાલ યાજ્ઞિકે, પોતપોતાની આત્મકથામાં. તમે કનૈયાલાલ મુનશીની નાટ્યાત્મક રજૂઆત વાંચશો તો ખયાલ આવશે કે મુંબઇના સંભ્રાન્ત પારસી શ્રેષ્ઠી પરિવારે યોજેલ પાર્ટીમાં, સ્વાગતમિલનમાં, હકડેઠઠ સૌ જેની વાટ જોતા હતા તેને, દક્ષિણ આફ્રિકાના વિજયી વીરને, પહેલી નજરે ઓળખી શક્યા નહોતા. કારણ, એ કોઇ બેરિસ્ટર સહજ સુટેડબુટેડ ટાઇબંધા લેબાસમાં નહોતો, પણ કાઠિયાવાડી અંગરખાભેર હતો. મુનશીએ નોંધ્યું છે કે એમની પડોશમાં ઊભેલાં એક પારસી સન્નારી કેમે કરી હસવું ખાળી ધીમેથી બોલ્યાં હતાં કે આ તો ‘ઢનો ડરજી’ લાગે છે!
ઇન્દુલાલ યાજ્ઞિકને વળી આ લેબાસ ઉપરાંત સિંગચણાખજૂર જેવાં ખાનપાન અને ખાસ તો મોળા વક્તવ્યનોયે આંચકો લાગ્યો હતો. દોડતા નીકળ્યા અને રસ્તે મળે તેને નિરાશા વ્યક્ત કરતા ચાલ્યા. પણ મુકામે જઇ જરા ઠંડા પડતાં એમને ખયાલ આવ્યો કે ગાંધીજીએ જેમને પોતાના રાજકીય ગુરુ કહ્યા છે તે ગોખલેએ હાલ એમને કોઇ રાજકીય ભાષણ કરવા બાબત સંયમ સેવવાની, દેશમાં ચારેકોર ફરી સૌને મળ્યા-સાંભળ્યા ને બધું જોયાજાણ્યા પછી વરસને અંતે મૌનભંગ કરવાની સલાહ આપી છે. એ તો ખરું, પણ એ ઉપરાંત એમને શું સમજાયું? આ પ્રકારના મેળાવડાઓમાં વપરાતી અંગ્રેજી ભાષાને બદલે સૌ ગુજરાતીઓ વચ્ચે ગુજરાતીમાં જ વાત કરવાનો આગ્રહ, સાદો કાઠિયાવાડી પોશાક, આહારવિહારની સાદગી…આ બધાંમાં ઇન્દુલાલને કંઇક જુદી જ ક્રાન્તિનો અણસાર વરતાયો.
આ ગાંધી, લંડન ભણવા ગયા ૧૮૮૮માં ત્યારે બરાબર સુટેડબુટેડ ને વળી ડાન્સિંગ સ્ટેપ્સ શીખવાથી માંડી વાળ વિશિષ્ટ રીતે ઓળવા સહિતનાં એમનાં વલણો હતાં. દેશમાં પાછા ફરી દ. આફ્રિકા જવાનું થયું ત્યારે ગોરાઓ સામે ટકી શકે એ બરની પોષાક પસંદગીનો એમનો આગ્રહ હતો. પણ જેવા લોકો વચ્ચે કામ કરવા લાગ્યા, દક્ષિણ આફ્રિકામાં એમનાં પાછલાં વરસોમાં તમે પેન્ટને બદલે ધોતી બલકે લુંગી જોશો; કેમ કે હિંદી ગિરમિટિયાનો મોટો હિસ્સો તમિલ ભાઇબહેનોનો હતો… કાશ, રાષ્ટ્રભાવનાનું આ લોકાયન સમજી શકીએ!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૭ – ૯ – ૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
