ટાઈટલ સોન્‍ગ

(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

બીરેન કોઠારી

આપણી બોલીમાં ધ્વનિસૂચક શબ્દોનું આગવું મહત્ત્વ છે. એમાંય વિવિધ વાદ્યોના સૂર માટે પ્રયોજાતા આવા શબ્દો વિચારવા જેવા છે. જેમ કે, ઘૂંઘરુનો અવાજ ‘છમ છમ’ કે ‘છુમ છુમ’, ઢોલનો અવાજ ‘ઢમ ઢમ’, ‘તાક ધૂમ’ વગેરે, તંતુવાદ્યના અવાજ માટે ‘ટીંગ ટીંગ ટડિંગ’ વગેરે. મઝાની વાત એ છે કે આવા શબ્દો વાતચીતમાં જ નહીં, ગીતોમાં પણ પ્રયોજાતા રહ્યા છે. ઘૂંઘરુ અને પાયલ આમ તો એક જ ગણાય, પણ પાયલને પગમાં પહેરવામાં આવે છે. ઘૂંઘરુ પગમાં પહેરી શકાય, પણ હંમેશાં એ જરૂરી નથી, આવી કંઈક મારી સમજણ છે. આ કારણે પાયલ માટે ધ્વનિસૂચક શબ્દ ‘છમ છમ’ કે ‘છુમ છુમ’ નહીં, પણ ‘ઝનક ઝનક’ વાપરવામાં આવ્યો છે. ‘કલાગુરુ’ના નામે ઓળખાતા નિર્માતા-દિગ્દર્શક- અભિનેતા એવા વી. શાંતારામે ૧૯૫૫માં એક ફિલ્મનું નિર્માણ- દિગ્દર્શન કર્યું, જેનું નામ હતું ‘ઝનક ઝનક પાયલ બાજે’. નામ પરથી જ સૂચિત થાય છે કે આ ફિલ્મ નૃત્યકેન્દ્રી હશે.

 

સંધ્યા, ગોપી કૃષ્ણ, કેશવરાવ દાતે, મદન પુરી, ભગવાન જેવા કલાકારોને ચમકાવતી આ ફિલ્મ નૃત્યપ્રધાન અને તેથી સંગીતપ્રધાન હતી. શાંતારામની દરેક ફિલ્મોમાં ટાઈટલ્સ વિશિષ્ટ રીતે મૂકવામાં આવતાં. આ ફિલ્મનાં ટાઈટલ્સ પણ એવાં જ હતાં. એ વિશે શાંતારામનાં પુત્રી અને પંડિત જસરાજનાં પત્ની મધુરાએ લખ્યું છે: ફિલ્મના ઓપનિંગ ટાઈટલ્સ બાબતે પણ તેઓ (શાંતારામ) કંઈક વિશિષ્ટ કરવા માંગતા હતા. ફિલ્મનો આરંભ રંગોળી સ્વરૂપે લખાયેલાં ફિલ્મનાં ટાઈટલ્સ આગળ નૃત્ય કરતા બે નર્તકોના પગના ક્લોઝ અપ વડે થતો હતો. એક નર્તક અને એક નર્તકી રંગના ઢગને પગ વડે ઊડાડે છે અને એનાથી સર્જાતી રંગોળીમાં ફિલ્મનાં ટાઈટલ્સ શરૂ થાય. પશ્ચાદભૂમાં ઉસ્તાદ અમીર ખાનના સ્વરમાં ગવાયેલું ટાઈટલ સોન્‍ગ પણ સંભળાય.”

વી.શાંતારામ (ડાબે) અને વસંત દેસાઈ (નીચે બેઠેલા)

 

આ ફિલ્મના નિર્માણનો સમયગાળો એવો હતો કે શાંતારામનાં પ્રથમ પત્ની જયશ્રી સાથે તેમના મતભેદ ચરમસીમાએ પહોંચ્યા હતા. આ ફિલ્મ ટેક્નિકલર બનવાની હોવાથી તેમાં ખર્ચ વધુ હતો. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે જયશ્રીનો પોતાને લેવાનો આગ્રહ હતો. ‘ફિલ્મ પ્રોડ્યૂસર્સ ગિલ્ડ’ નામના ફિલ્મનિર્માતાઓના સંગઠન દ્વારા વિવિધ સૂચનો મળ્યાં. જેમ કે, આ ફિલ્મમાં સંગીતકાર તરીકે વસંત દેસાઈ જેવાને ન લો. કોઈ લોકપ્રિય સંગીતકારને રાખો. સ્ત્રૈણ ચાલ ધરાવતા ગોપી કૃષ્ણ જેવા નવાસવા જુવાનિયાને લેવાથી ફિલ્મ નહીં ચાલે, કેમ કે, અગાઉ ઉદયશંકર જેવા પ્રતિષ્ઠિત નર્તકને લઈને બનેલી નૃત્ય આધારિત ફિલ્મ ‘કલ્પના’ નિષ્ફળ ગઈ હતી. સંધ્યા જેવી નવીસવી હીરોઈનને બદલે વૈજયંતિમાલા, પદ્મિની જેવી પ્રસિદ્ધ નર્તકી- અભિનેત્રીને લેવાથી ફિલ્મની સફળતાની શક્યતા વધી જશે…વગેરે. અલબત્ત, શાંતારામ પોતાની વાતને વળગી રહ્યા. જાતનાં અઢળક વખાણ કરતા પુસ્તક ‘શાંતારામા’માં આ ફિલ્મની શ્રેય નામાવલિ (ક્રેડિટ ટાઈટલ્સ) વિશે તેમણે લખ્યું છે: ‘આ ચિત્રપટની શ્રેય નામાવલિ માટે મને હંમેશની જેમ એક નવિન કલ્પના સૂઝી. ઘૂંઘરું બાંધેલાં સ્ત્રી અને પુરુષનાં ચરણ નૃત્ય કરતાં કરતાં પર્દા પર આગળ આવતાં દેખાય છે. તદ્દન સામે આવીને ત્યાં મૂકેલી વિવિધ રંગની રંગોળીના ઢગ પર નૃત્યના તોડાના અંતિમ ‘ધા’ પર જોરથી મૂકાય છે. રંગનો ઢગ વિખરાઈને આખા પર્દાને રંગોથી ભરી દે છે અને રંગોની એ વર્ષાના પટમાંથી જ રંગોળીયુક્ત શ્રેયનામાવલિ દેખાય છે.’ શાંતારામના જણાવ્યા અનુસાર આ ફિલ્મનું નામ તેમને કળાદિગ્દર્શક કનુ દેસાઈએ સૂચવ્યું હતું, જે સૌને પસંદ આવ્યું હતું.

 

(‘નૈન સો નૈન નાહી મિલાઓ’ના રેકોર્ડિંગ વખતે ગાયકો: હેમંતકુમાર, લતા અને સંગીતકાર વસંત દેસાઈ)

આ ફિલ્મ મને કદી થિયેટરમાં જોવાનો મોકો મળ્યો નહોતો. મારા પપ્પા આ ફિલ્મનો ઉલ્લેખ તેના પ્રથમાક્ષરો થકી ‘જે.જે.પી.બી.’ તરીકે કરતા. ૧૯૮૯-૯૦ના અરસામાં અમે રેકોર્ડ પ્લેયર ખરીદ્યું અને એ પછી બજેટ મુજબ અમે લોન્‍ગ પ્લે રેકોર્ડ ખરીદતા ગયા. મુંબઈ અવારનવાર મુલાકાત લેતા મિત્ર (અને વિપુલ રાવલના પિતરાઈ) રાકેશ રાવલને અમે સાઠના ગુણાંકમાં રૂપિયા આપતા. રાકેશ ‘રીધમ હાઉસ’ની મુલાકાત લેતો અને તેની સમજ મુજબ, અમારી પસંદગીને ધ્યાનમાં રાખીને એક, બે, ત્રણ કે ચાર એલ.પી. ખરીદી લાવતો. આ જ ક્રમમાં એક વાર તે ‘ઝનક ઝનક પાયલ બાજે’ની એલ.પી. ખરીદી લાવ્યો. એ સમય એવો હતો કે એક એક રેકર્ડ અમે અનેક વાર સાંભળતા. તેને કારણે ગીતના શબ્દો તો બરાબર, એનો ક્રમ પણ મોઢે થઈ જતો. અલબત્ત, ‘જે.જે.પી.બી.’ની એલ.પી. અન્ય કરતાં અલગ પડતી હતી. તેનાં તમામ ગીતોનું સ્ટિરિયોફોનિક સાઉન્ડમાં નવસંસ્કરણ કરવામાં આવ્યું હતું. એને કારણે ગીતો સાંભળવાની મજા અનેક ગણી વધી જતી હતી. એક વાદ્યનો અવાજ જમણા સ્પીકરમાંથી, અને બીજા વાદ્યનો અવાજ ડાબા સ્પીકરમાંથી સંભળાય એનો જબરો રોમાંચ થતો. ગીતમાં પ્રયોજાયેલાં તબલાં અને પાયલ પણ સરસ રીતે સંભળાતાં. આ ફિલ્મનાં કુલ બાર ગીતો હતાં, જે હસરત જયપુરી, દીવાન શરર, સરસ્વતીકુમાર ‘દીપક’ વચ્ચે વહેંચાયેલાં હતાં. આ ઉપરાંત મીરાબાઈનું પણ એક ભજન હતું.

કૈસી યે મહોબ્બત કી સજા‘ (લતા) અને ‘હમેં ગોપ ગ્વાલા કહેતે હૈં‘ ગીતો દીવાન શરરે લખેલાં. ‘મેરે એ દિલ બતા‘ બે ભાગમાં હતું, જે પૈકીનો પહેલો ભાગ ‘મેરે એ દિલ બતા’ (લતા) હસરત જયપુરીએ લખેલો, અને બીજો ભાગ ‘સીતા બન કો ચલી રામ કે સાથ’ (લતા, મન્નાડે) સરસ્વતીકુમાર ‘દીપક’ દ્વારા લખાયેલો. ‘જો તુમ તોડો પિયા‘ (લતા) મીરાબાઈ રચિત ભજન હતું. આ સિવાયનાં સાત ગીતો હસરત જયપુરીએ લખેલાં. ‘ઋત બસન્ત આઈ‘ (લતા, મન્નાડે), ‘સૈંયા જાઓ જાઓ, મોસે ના બોલો‘ (લતા), ‘નૈન સો નૈન નાહીં મિલાઓ‘ (લતા, હેમંતકુમાર), ‘સુનો સુનો સુનો જી મોરે રસિયા‘ (લતા), ‘રંગ રંગ કી ચુનરી પ્યારી યે ફુલવારી‘ (રફી, આશા અને સાથીઓ) તેમજ ‘ઝનક ઝનક પાયલ બાજે’ (ઉસ્તાદ અમીર ખાન) હસરત જયપુરીએ લખેલાં હતાં. ‘ઉઘડત બરસ રંગ ઢંગ‘ (આશા‌) ના ગીતકારની જાણ નથી.

આ ફિલ્મનાં એકે એક ગીતો અદ્‍ભુત હતાં, પણ સૌથી સુખદ આશ્ચર્ય આપ્યું હતું હસરત જયપુરીએ. ઉર્દૂ- ફારસી શબ્દોથી પ્રચૂર, મુખ્યત્વે ઐહિક સૌંદર્યનાં ગીતો લખતા આ ગીતકારે પોતાના મિજાજથી વિપરીત કહી શકાય એવા શબ્દો લખ્યા હતા. ફિલ્મમાં સારંગીવાદન પં. રામનારાયણ દ્વારા, તબલાંવાદન પં. સામતાપ્રસાદ દ્વારા અને સંતૂરવાદન શિવકુમાર શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનાં ગીતો સાંભળતાં કોઈક જુદી જ સૃષ્ટિમાં પહોંચી ગયાનો અહેસાસ થાય છે. અને આ અહેસાસ મનમાં જળવાઈ રહે એટલા માટે ફિલ્મ જોવાની ઈચ્છા થતી નથી.

હસરત જયપુરી લિખીત ગીત ‘ઝનક ઝનક પાયલ બાજે’ને ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે પસંદ કરાયું હતું, જે શાસ્ત્રીય ગાન હતું. આ ગીતમાં આમ તો એક જ અંતરો છે, અને એ સિવાય મુખડાનું જ આવર્તન છે, છતાં તે સાંભળવામાં અદ્‍ભુત અસર ઊભી કરે છે. આમાં મઝા એ છે કે આખા ગીતમાં તબલાંનો તાલ મુખ્ય છે અને પાયલ આરંભે તેમજ સાવ છેલ્લે સંભળાય છે. એને લઈને એની કર્ણપ્રિયતા ઓર વધી જાય છે.

ઉસ્તાદ અમીર ખાન અને સમૂહ દ્વારા ગવાયેલા આ ગીતના શબ્દો આ મુજબ છે:

 

झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
पायलिया की रुनकझुनक पर
पायलिया की रुनकझुनक पर
छ्म छम मनवा नाचे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे

 

नील गगन भी सुनकर झूमे
मधुर मधुर झनकार
मधुर मधुर झनकार
सोई धरती जाग उठी है
सोई धरती जाग उठी है
गूंज उठा संसार
रागरंग भी साजे
झनक झनक पायल बाजे

झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे
झनक झनक पायल बाजे

 

આ આખું ટાઈટલ સોન્ગ નીચેની લીન્‍ક પર સાંભળી- જોઈ શકાશે.

https://www.youtube.com/watch?v=CY31dAHoXFY
(નોંધ: શિવકુમાર શર્માએ આત્મકથામાં આ ફિલ્મ વિશે કરેલો નાનકડો ઉલ્લેખ અહીં વાંચી શકાશે.

http://birenkothari.blogspot.com/2023/10/blog-post.html )


(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)