વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આક્રમકપણે વાહન હંકારવાની કળા

    સુરેશ જાની

         તમે અમેરિકાથી તાજેતરમાં જ અમદાવાદ આવ્યા છો. ટ્રાફિકની ભયાવહ હાલત જોઈ તમે વ્યથિત, ભયભિત  – લગભગ મૂર્છિત બની ગયા છો. સગાં વહાલાં અને મિત્રો તરફથી આપવામાં આવેલી – સાઢૂભાઇના સ્કૂટરને હાથ પણ ન અડાડવાની – લગભગ ધમકી કહી શકાય તેવી, મહામૂલી સલાહ પાછળની યથાર્થતા તમને બરાબર સમજાઇ ગઈ છે.

    તમે પહેલા દિવસે તૈયાર થઈ, આશા ભર્યા, શહેરની શેરીઓ પર ટહેલવાનું શરૂ કરો છો. તમારા કમાતા, ધમાતા દીકરાઓ અને દીકરીની અને વ્હાલસોયી પત્નીની – ડ્રાઈવર સાથેની ટેક્સી ભાડે રાખવાની – મોંઘીદાટ સલાહ તમારા નખશિશ અમદાવાદી જિન્સને અનુકૂળ નથી. એ તમારી ચિત્તવૃત્તિને મનભાવન બાબત નથી. તમે રિક્ષા અને બસમાં મુસાફરી શરૂ કરો છો. પહેલે દિવસે તો જગવિખ્યાત, BRTS પર તમે મોહી પડો છો.  સાબરમતીથી કાંકરિયાનો આખો રૂટ તમે સર કરી લો છો. તમે પ્રસન્નચિત્તે રાતે થાકેલા, પાકેલા નિદ્રાદેવિના શરણે થાઓ છો. બીજા દિવસે પણ સ્વજનો સાથેની, મીઠી રવિવારી મોજ અને મનભાવન ભોજનમાં તમારી ઉપર આવી પડનારી વ્યથાઓનું રહસ્યોદ્ઘાટન હજુ બાકી જ રહે છે.

    પણ ત્રીજા દિવસથી તમારી ખરી કરમકઠણાઈની શરૂઆત થઈ જાય છે. તમારા ઘરની નજીક આવેલી ચાર પાંચ જગ્યાએ તમારે કામો પતાવવાનાં છે. નજીકના અંતરે કોઈ રિક્ષાવાળો આવવા તૈયાર નથી. દસ રૂપિયાના લઘુત્તમ ભાડાથી એક રૂપિયો પણ વધારે આપવાનું, તમારા અમદાવાદી લોહીને માફક આવે તેમ નથી. બધે ચાલતા જઈ, કામ પતાવતાં, ૬૭ વર્ષ ઘરડા ખખ્ખ, તમારા ટાંટીયાની કઢી થઈ જાય છે. બપોરે થાક્યા, પાક્યા તમે પગ લાંબા કરો છો; અને આવતા બે મહિના, આ કાળઝાળ વતનમાં શેં વિતશે તેના ‘ખુલી આંખના સપના’ તમારી અંદર એક નવાનક્કોર નિર્વેદને જન્મ આપે છે.  બપોર બાદ, ચાની રેંકડી પર પાંચ રૂપિયાની અડધી ચાનો રેલો ગળા સુધી પણ પહોંચતો નથી.  અમેરિકાના ઘરનો મોટો મસ મગ ભરેલી, જાતે બનાવેલી ચા તમને યાદ આવી જાય છે.

    એક ઊડો નિસાસો નાંખી, તમે તમારી સાયંયાત્રા આરંભો છો. બહુ દૂર તો જવાનું નથી. પણ BRTS હવે નોન પીક અવર વખતની સપનપરી નથી રહી.  મુશ્કેટાટ ગીરદીમાં તમે માંડ બસમાં પ્રવેશ મેળવી શકો છો. પાંચ જ સ્ટેશન દૂરની મુસાફરી તો તરત કપાઈ ગઈ છે. પણ બહાર નીકળવા ગડદાપાટી કરવાનું આ ઉમ્મરે કેટલું મુશ્કેલ છે; તેનો જાત અનુભવ તમને થઈ જાય છે.

    રસ્તાની વચ્ચે આવેલા રૂપકડા બસ સ્ટેન્ડની બહાર નીકળતાં જ, રસ્તો ઓળંગવા  તમે ઝીબ્રા ક્રોસિંગ શોધવા લાગો છો. પણ તે તો ક્યાંય નજરે ચઢતો નથી. વાહનોની ભીડમાં એ તો ખોવાઈ ગયો છે. બાજુમાં ઊભેલો પોલીસમેન ફિલસૂફની અદાથી ધ્યાન ધરતો, આવી તુચ્છ બાબતમાં સમય બરબાદ કરવામાં શ્રદ્ધા નથી રાખતો. તેને તો ઘણા મોટા ટ્રાફિક પ્રશ્નો હલ કરવાનાછે.

    ભાવિના ગર્ભમાં, તમે પણ એવા પ્રશ્નોના સર્જકોમાંના એક બનવાના જ છો; તેવી આગાહી શિલાલેખની જેમ કોતરાયેલી જ છે!

    ઊભા રહેશો તો ઊભા જ રહેશો; એ સત્ય તમને બરાબર સમજાઈ જાય છે. ‘ चराति चरतो भगः’ ના મહામંત્રને આત્મસાત કરી, તમે વાહનોની વણઝારની વચ્ચેથી તમારો માર્ગ કાઢવા મરણદોટ આદરો છો.  તાળવે જીવ રાખી, તમે જુવાનને પણ શરમાવે તેવી અદાથી રસ્તો ઓળંગવામાં સફળ નીવડો છો. ધક ધક ધડકતું તમારું  ઘરડું હદય, વધી ગયેલા બ્લડ પ્રેશરનો તરત અહેસાસ કરાવે છે. નજીવા કારણોસર તમારા અમેરિકી સ્વદેશમાં અવારનવાર લાગતો, જમણા ઘુટણમાંનો, જૂનો ને જાણીતો આંચકો અજાયબ રીતે ગેરહાજર રહી; રણમાં વિરડીની જેમ તમને નાનકડી રાહત બક્ષે છે.

    થોડોક હાહ ખાઈ; બીજો એક ઊંડો નિસાસો નાંખી; દસ રિક્ષાવાળાઓનો ક્રૂર નન્નો કમને ગળી જઈ;  આગળની સફર પગપાળા જ આદરો છો. ‘મામૂલી ખર્ચ બચાવવા, વગર કારણે અફળાયા કરવાની તમારી અમદાવાદી  નિયતી ભોગવવાનું તમારા લમણે લખાયેલુ જ છે. ‘ – તે કડવા સત્યને વાગોળતા વાગોળતા,  બે ત્રણ વખત સહ વટેમાર્ગુઓના ખોટા માર્ગદર્શનોથી આમતેમ અફળાતા, કૂટાતા; ઠીક ઠીક વારે તમારા તમે લક્ષ્યસ્થાને પહોંચો  છો. ઓફિસના પ્રવેશદ્વાર પર જ પબ્લિક માટે કામકાજ ત્રણ વાગ્યા પછી  બંધ થઈ ગયું છે- એ માહિતી તમને મોટા અક્ષરે વાંચવા મળે છે. આ ધરમ ધક્કાનો સ્વીકાર કર્યા વગર બીજો કોઈ વિકલ્પ તમારી પાસે મોજૂદ નથી. તમે વીલા મોંઢે ઘેર પાછા પધારો છો.

    આમને આમ દસેક દિવસ પસાર થઈ જાય છે. ‘ આશા ભર્યા તે અમે આવિયા. ને વ્હાલે રમાડ્યા રાસ ( કે નાશ?) ‘ એ પંક્તિ ગણગણતાં; જે આશા અને ઉમંગથી સ્વદેશ પધાર્યા હતા, તેની નિર્ભ્રાન્તિનો અહેસાસ કરતા થઈ જાઓ છો. દસમા દિવસે તમે બહેનના ઘેર જમી ‘ રાતના મોડો નિકળું; તો BRTS માં ખાસ ભીડ નહીં હોય; તે વ્યાજબી વિચારથી તમે છેક નવ વાગે પાછા ઘેર પ્રયાણ આદરો છો.

    અને મુંબઈની લોકલ ટ્રેનને પણ ક્યાંય પાછી પાડી દે તેવી અદભૂત ભીડનો તમને સ્વાનુભવ થઈ જાય છે. ટ્રકમાં કતલખાને લઈ જવાતા ઘેટાં બકરાંની કરૂણ સ્થીતિનો તમારો જાત અનુભવ તમને ત્યાં ને ત્યાં જ એક મહાસંકલ્પ કરવા મજબૂર કરે છે.

    ‘ કાલે ઘેરથી નિકળી, સાઢૂભાઈના સ્કૂટર વાપરવાના ઈજનને વધાવી લેવાનું છે.’

    અને એ શુભ દિન આવી ગયો છે. વિજયશ્રી એની વરમાળ તમારા કંઠે પહેરાવવા આતૂર થઈને ઊભી છે. હવે સ્વવાહનયોગ તમારી હાથવેંતમાં છે. તમારો દ્વિચક્રી અશ્વ તમારી જાતને રસ્તાઓના સમરાંગણમાં ઘૂમતી કરવા બન્ને પૈડે ખડો છે!

    પણ વિજય એટલો સહેલો નથી જ તો. તમારે આ પાંચ વર્ષમાં ભૂલાઈ ગયેલા ઘણા જૂના પાઠ તાજા કરવાના છે. વિતેલા માહોલમાં સર્જાયેલા, આક્રમક વાહન હંકારવાના નવા પાઠ તમારે આત્મસાત કરવાના છે. તમે છેવટે તમારા સ્કૂટર પર બિરાજો છો. એક જ ક્લિક અને તમારો અશ્વ હણહણવા લાગે છે. તમે ઘરની બહાર આવેલા સાંકડા રસ્તા પરથી, શહેરના સમરાંગણ તરફ દોરી જતા રસ્તા પર વળવા રોકાયા છો. પણ ‘Stop, Look and Go.’નો ગોખી ગોખી અપનાવેલો એ અમેરિકી કુનિયમ તમને બાંધી રાખે છે. ત્રણ ચાર ગાડીની લંબાઈ જેટલો રસ્તો વાહન વગરનો હોય; તો જ વાહન મોટા રસ્તા પર પ્રવેશી શકે – તેવી તમારી ગલત માન્યતા તમને એક ડગલું પણ આગળ વધવા નથી દેતી.

    તમે મરણિયો પ્રયત્ન કરી; એ ખોટી માન્યતાને ફગાવી દો છો. સ્વતંત્રતાનો પહેલો શ્વાસ! તમે રસ્તા પર છેવટે પ્રવેશી શક્યા છો. એક ફૂટ જ છેટે રહેલી સ્કૂટી ચાલક કન્યાએ મોં બગાડી, બ્રેક મારી, તમારી પર કૃપા કરતી હોય તેમ, તમને જવા દીધા છે.

    અને તમે ‘આવાહંક’ ના બે નિયમો શીખી લીધા છેઃ-

    નિયમ-

    જે મારે તેની તલવાર’ ની જેમ – જે એક ઈંચ આગળ હોય, તેનો રસ્તા પર જવાનો પહેલો હક છે.

    નિયમ-

    ભારત દેશમાં બીજું કશું કામ કરતું હોય; પણ બ્રેકો તો કામ કરે છે. ( બધા, બધાને બધી જાતની બ્રેક મારવા પૂર્ણ રીતે કાબેલ અને કાર્યરત હોય છે! )

        તમે ખાડા ખૈયા વટાવતા; ઠેબા અને આઘાતો ખાવાનો અનુભવ અને ક્ષમતા કેળવતા; હોર્નના  ભયાનક  અવાજોથી તમારા કાનને ઇમ્યૂન બનાવતા; શહેરના મૂખ્ય રસ્તાની લગોલગ આવી પહોંચો છો. અનેક બાઈકધારીઓ તમને ક્યારના ઓવરટેક કરી ચૂક્યા છે. એમની પ્રત્યે ઈર્ષ્યાભાવ તરફ સમતા કે નમાલી સ્થિતપ્રજ્ઞતા કમને  ધારણ કરી; કદીક તમે પણ એવા વિજયી યોદ્ધા બની શકશો; તેવી અભિપ્સા કેળવો છો.  સમરાંગણના આ નવા મોરચા પર તમારી હિમ્મતના છક્કા છૂટી જાય છે. વાહનોની અભેદ્ય વણજાર પૂરપાટ, વણથંભી હાલી,અરે!  દોડી અને ધસી રહી છે. આખો દિવસ અહીં જ ઊભા રહેવું પડશે કે કેમ; તેવો નિર્વેદ તમારા મનને આવરી રહ્યો છે.

    પણ તમે એકલા ક્યાં છો? કદી કોઈ એકલું હોતું જ નથી. સર્વત્ર હજારોના હાથ ઝાલનારો, મારો, તમારો અને સૌનો વ્હાલો હાજરાહજૂર હાજર જ હોય છે. એના દૂત ઠેરઠેર મોજૂદ થઈ જ જાય છે. તમારી સાથે રાહ જોઈ રહેલા બીજા અતિરથીઓ પણ તમારી પડખે છે જ ને? તેઓ દિર્ઘદર્શી છે. તેઓ ચાલાક અને સજાગ છે. વાહનોની વણજારમાં ક્યાં છીંડું પાડી શકાય તેમ છે – તેનો આગોતરો અંદાજ તેઓ ધરાવે છે. અને તરવરીયા તોખાર જેવો, એક બાઈકધારી નવયુવાન ત્રણ જ ઈંચના અવકાશને આટોપી  જઈ; ભયાવહ રણમાં પોતાની નવી કેડી અંકારવા સફળ નીવડે છે. બીજા દ્વિચક્રધારીઓ – અરે! ચાર પૈડાવાળા રથો પણ તેને અનુસરે છે.

    એ મહારથીની તરફ અહોભાવ કેળવતા, તમે પણ ‘महाजनो येन गतः स पन्थाः’ એ સુભાષિતને અનુસરી, આ વીરસેનામાં ભળી જાઓ છો. તમે મહાન સિદ્ધી હાંસલ કરી છે. તમે એક વધુ નિયમ હસ્તગત કર્યો છે.

    નિયમ-

    જીવનના કોઈ પણ ક્ષેત્રમાં, નેતાને અનુસરતા, ગાડરિયા હજુરિયા કેમ બનવું; તે કળા આગળ વધવા માટે બહુ જરૂરી છે.

          તમે હવે શહેરના મૂખ્ય રસ્તા પર છો. અહીં ઠચુક ઠચુક ચાલે ચાલતા, ઘરડા ડોસાઓને કોઈ સ્થાન નથી. આ નવયુવાનો માટેનો રાજમાર્ગ છે. આ કેસરીયા કંથ પર ઓવારી જતી રણચંડીઓની રાજધાની છે. આ માથે કફન ધારનારા, અને પ્રચંડ ગર્જનાઓ કરનારા, સતત હોર્ન વગાડી શત્રુઓના દર્પને ગાળનારા, સુભટોની રણવાટ છે. તમે પણ આ રણમાં ઝૂકાવો છો. અહીં ‘આગળ ધસો’ એ જ એકમાત્ર રણહાક છે.

    હવે તમે લાલ, લીલા સિગ્નલ આગળ આવી પૂગો છો. તમારી બાજૂની લાલ લાઈટ ઝગમગી રહી છે. તમે અમેરિકી સંસ્કારે, ઝિબ્રા ક્રોસિંગને માન આપતા, અટકો છો. પણ, તમારી પાછળની  વાહન સેના તમારી તરફ અણગમાના હોર્ન બજાવતી, પૂરપાટ આગળ ધપી જાય છે.  દ્વિચક્રી જ નહીં ; કાર અને ટ્રક પણ આ ધસારામાં સામેલ છે. તમે તો નિઃસહાય અને નિષ્ક્રીય બની શિખંડીની કને ઊભા રહી ગયા છો.

    છેવટે તમારી બાજુને આલબેલ પોકારતી, લીલી લાઈટ થાય છે. પણ તમારી વ્યથા તો એમની એમ જ છે. તમારે જમણી બાજુએ વળવાનું છે; પણ તમે વળી નથી શકતા. તમારા સહપંથીઓની જેમ બીજી દિશામાંનો ટ્રાફિક અવિરત વહી રહ્યો છે. આ દુર્ભેદ્ય કિલ્લેબંધીને તોડવા તમે કાબેલ નથી. ‘અરે! કાકા, શું કરો છો? ઝૂકાવો. ’ એમ કહી એક બાઈક ચાલક દુશ્મનોના દાંત ખાટા કરી, અવરોધોને આંબી જાય છે. તમે એને હજૂરિયાની જેમ અનુસરો છો. અને આ ઈડરિયો ગઢ તમે જીતી જાઓ છો. તમે આવાહંક ના બીજા બે નવા નિયમ શિખ્યા છો.

    નિયમ-

    ઝિબ્રા ક્રોસિંગ રસ્તાના શણગાર માટે છે. પગે ચાલનારા માટે હરગિજ નથી જ.

    નિયમ-

    રીતે સિગ્નલ લાઈટ પણ રસ્તાના શણગાર માટે છે –  સિવાય કે, ડંડાધારી પોલીસ એની આમન્યા જાળવવા, તમને મજબૂર કરવા હાજર હોય.

         અને આ નવા જ્ઞાનથી માહેર થયેલા તમે છેવટે તમારા લક્ષ્યસ્થાને પહોંચી રાહતનો દમ ખેંચો છો. તમારો અમેરિકી, શિસ્તધારી આત્મા કકળી ઊઠે છે. તમે આખી પ્રજા, કાયદા અને વ્યવસ્થાના તંત્ર, સરકાર, બારતીય સંસ્કૃતિ …… બધાની વિરૂદ્ધ મનોમન તિવ્ર આક્રોશથી બરાડી ઊઠો છો.

    પણ તમને એ ખબર નથી કે, તમારું નવું ઘડતર થઈ રહ્યું છે. તમે તમારા પોતાનાથી અજાણ અને અભાન રીતે, આક્રમક વાહન હંકારવાની કળાને હસ્તગત કરતા થયા છો. એ સિવાય તમારો કોઈ ઉગાર નથી.

    મરીઝની એક પંક્તિ સાથે તમે આ જીવન સાથે સમાધાન કરી લેવા માંડ્યા છોઃ-

    જિંદગીને જીવવાની ફિલસૂફી સમઝી લીધી.
    જે ઘડી આવી જીવનમાં, આખરી સમજી લીધી. “

    અને આ યુગના મહાકવિ  શ્રી. રાજેન્દ્ર શુકલ પણ કહે જ છે ને?

    સામાય ધસી જઈએ, આઘાય ખસી જઇએ,
    એકાદ મળે  ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.”

    તમે ખચિત વર્તમાનમાં જીવતા થયા છો.….

    પહેલો મુક્ત શ્વાસ માણ્યાને એક મહિનો વીતી ગયો છે. તમે આવાહંકની અનેક કળાઓ હસ્તગત, આત્મસાત કરી લીધી છે. લો! તે દિવસે સાંજે છ વાગે તમારા ઘર તરફ પાછા વળવાનું હતું – એ જ રસ્તે, જ્યાં તમે પહેલા દિવસે નિર્વેદગ્રસ્ત બન્યા હતા. અને આજે? તમે કેવી સિફતથી તમારો આગવો માર્ગ આકારી  શક્યા છો? આ ચિત્રમાં બતાવ્યું છે તેમ?

    લાલ – કાયદેસરની ચાલ   :     લીલી – તમારી અપ્રતિમ ચાલ!

    નિયમ-૬ …. અને સોનેરી નિયમ

          ડાબે, જમણે, આગળ, પાછળ, અવળા, સવળા, સાચા, ખોટા – બધા ભ્રામક, આપણને પાછળ રાખનારા ખ્યાલો છે.  એકમાત્ર સત્ય છે કે, જે આપણી પ્રગતિને ઝડપી બનાવે છે.

           આગલા દિવસે સાંજે જ તમને ઓવરટેક કરવા ઈચ્છનાર, તુમાખી વાળા બાઈકધારીને તમે કેવી કુશળતાથી મહાત કરીને પાછો પાડી દીધો હતો?

    “ કાકા! તમને ચલાવતાં આવડે છે કે નહીં?” એવા તેના આક્રોશનો જવાબ તમે ડારતી આખે ,  “તારી જ પાસેથી આ કળા શિખ્યો છું  – દીકરા!” એ શબ્દોથી આપ્યો જ હતો ને?

    એ પરિસ્થિતિ અહી માણો

    તમે હવે કૈલાસની જેમ અજેય, કાલાગ્નિની જેમ અસહ્ય, પરમવીરચક્રધારી, શત્રુઓના દર્પને ગાળી ભસ્મીભૂત કરનાર,  સુભટોમાં શ્રેષ્ઠ, પરમભટ્ટાર્ક યોદ્ધા બન્યા છો. તમને હવે કોઈ પરાસ્ત કરી શકે તેમ નથી. તમે અજેય છો. તમે શ્રેષ્ઠ છો. તમે અપ્રતિમ અને ઝળહળતા છો. તમે આત્મસાત કરેલા નિયમો તમને રસ્તા પર જ નહીં; જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પણ વિજયી બનાવવાના છે. રામ, કૃષ્ણ, જિસસ, મહાવીર, બુદ્ધ, મહમ્મદ, વિવેકાનંદ, ગાંધીજી વિ. ના અદના અનુયાયીઓના તો નામ પણ કોઈ જાણતું નથી. સમાજને માન્ય નિયમોને ઘોળીને પી જવાની તમારી આ આવડત તમને રાજાઓ, મહારાજાઓ, સમ્રાટો, શાહ સોદાગરો, મેનેજિંગ ડિરેક્ટરો, આધુનિક રાજકારણીઓ, ધર્મધુરંધર ધધૂપપૂઓ, ચાંચિયાઓ ની સમકક્ષ આણી શકે તેમ છે – તેમને પણ આંબી શકે તેવા અપ્રતિમ તમને બનાવી શકે તેમ છે.

    તમે ગીતાના  આ મહાવાક્યને શબ્દશઃ અમલમાં મૂક્યું છે.

    ततो युद्धाय युज्यस्व

    તમે હવે એક મુઠ્ઠી ઊંચે નહી, અનેક જોજન ઊચે ઊડનારા ‘ જોનાથન લિવિંગ્સ્ટન’ જેવા મુક્ત  પંખી છો


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

     

  • એ દિવસો…

    શૈલા મુન્શા

    હિટલરનુ એક વાક્ય બહુ જ અદ્ભૂત છે. એણે કહ્યું હતું,

    “તમારા ચારિત્રને ક્યારેય બગીચા જેવું ના બનાવો કે જ્યાં ગમે તે વ્યક્તિ આવીને લટાર મારીને ચાલી જતી રહે. ચારિત્રને બનાવો તો આકાશ જેવું બનાવો જેના સુધી પહોંચવાની સૌની પ્રબળ ઈચ્છા હોય.”

     વસુધા વિચારી રહી, કદાચ એણે સહુને પોતાની જિંદગીમાં લટાર મારીને જતા રહેવાની છૂટ આપી, કદાચ બધાંએ એની સારપનો પૂરતો લાભ લીધો.

    આમ તો વસુધા શાંત સ્વભાવની, પણ બિલ્ડીંગમાં રાજ એનુ ચાલે. રમતી વખતે એ જ નક્કી કરે કે આજે કઈ રમત રમવી છે. મોટો ફાયદો એ કે માસી એના બિલ્ડીંગમાં રહે અને એમને ત્રણ દીકરા,એટલે વસુધા એમની ખૂબ લાડકી. માસીનો સહુથી નાનો દીકરો અને વસુધા લગભગ સરખી ઉંમરના. જયેશના જેટલા મિત્રો રમવા આવે ત્યારે રમત વસુધાએ જ નક્કી કરવાની કે આજે ક્રિકેટ રમવી છે કે ગીલ્લી દંડા, સ્કૂલમાં વસુધા સહુથી ઓછાબોલી, પણ નિંબંધ સ્પર્ધા કે વકૃત્વ સ્પર્ધામાં હમેશ ઈનામ જીતી લાવે.

    ઘરની સ્થિતિ સામાન્ય એટલે નાનપણથી વસુધાએ કોઈ મોજશોખ જોયા નહોતા, કે કદી કોઈ માંગ કરી માતા પિતાને મૂંઝવ્યા નહોતા. જેમ જેમ સમજ આવતી ગઈ, બસ એક જ વિચાર કે હું ઘરની તકલીફ દૂર કરવામાં કેવી રીતે મદદરૂપ બનું. વસુધાએ S.S.C. માં આવતાની સાથે જ બિલ્ડીંગનાં પહેલાં, બીજા ધોરણમાં ભણતાં બાળકોને ભણાવવાનુ શરૂ કર્યું. જે થોડીઘણી આવક થતી એ પોતાની જરૂરિયાત અને ઘરની જરૂરિયાતમાં વપરાઈ જતી.

    હરેક બાળકીની જેમ વસુધાએ પણ ઘણાં સપનાં સેવ્યાં હતાં, ભૂગોળ ભણતા દુનિયાની સફર કરવાના, નક્શામાં દેખાતા અમેરિકા ખંડ કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાના, અરે! બીજું કાંઈ નહિ તો પિક્ચરમાં દેખાતા કાશ્મીરના પહાડો અને ડાલ સરોવરમાં વહેતી બોટહાઉસમાં થોડા દિવસ રહેવાના, સીમલાની વાદીઓમાં બરફના ગોળા બનાવી એકબીજા પર ફેંકવાના. કોઈ મસમોટા સપનાં તો નહોતા, અને વસુધાને લાગતું કે જરૂર આજે નહિ તો કાલે આ બધાં સપનાં અચૂક પૂરાં થશે. કોલેજનાં અંતિમ વર્ષમાં મનોજ એના જીવનમાં આવ્યો. મનોજ ખૂબ વાતોડિયો અને કોઈને પણ મિત્ર બનાવતા વાર ના લાગે. કોલેજની યુવતીઓ સાથે ફ્લર્ટ કરવામાં પાવરધો, પણ કોણ જાણે કેમ વસુધાની સાદગી અને શરમાળપણું મનોજને પસંદ આવી ગયું. ધીરે ધીરે વસુધા મનોજની વાતોમાં ભોળવાતી ગઈ અને દોસ્તીએ ક્યારે પ્રેમનુ રૂપ લીધું એ વસુધાને ખબર પણ ના પડી.

    વસુધાની સાદગી અને સંસ્કારિતા મનોજના મમ્મી પપ્પાને પસંદ આવી ગઈ અને કોઈ વિઘ્ન વિના વસુધાનાં મનોજ સાથે લગ્ન થઈ ગયાં. મોરના પીછાંને કદી શણગારવા ના પડે એ કહેવત સાર્થક કરતી હોય એમ વસુધા દૂધમાં સાકર ભળે એમ સાસરિયામાં સમાઈ ગઈ.

    શરૂના વર્ષો તો ઓફિસનો જોબ, ઘરની જવાબદારી, બાળકોનાં ઉછેરમાં પલક ઝપકતાં વીતી ગયાં.

    બંને દીકરા મોટા થતાં પોતાની દુનિયામાં રમમાણ રહેવા માંડ્યા. વસુધાની વાતો, એની સલાહ હવે એમને જુનવાણી લાગતી. મનોજનો અસલી રંગ છતો થવા માંડ્યો. પોતાની જરૂરિયાતો અને પોતાના સિવાય એને પૂરી દુનિયા તુચ્છ લાગતી. ખેર! દીકરાઓ તો પરણીને પોતાના જીવનમાં ગોઠવાઈ ગયા, પણ વસુધાને જ્યારે મનોજની સહુથી વધુ જરૂર હતી ત્યારે મનોજ રોજ કોઈ નવા ધંધાનુ એલાન કરતો, પૈસાનુ પાણી કરતો. વસુધાએ કેટલો પ્રયત્ન કર્યો મનોજને સમજાવવાનો, પણ મનોજને મન તો વસુધાની કોઈ કિંમત નહોતી. તને શું ખબર પડે કહી વસુધાને બોલવા જ દેતો નહિ અને વસુધા આગળ દલીલ કરવા જાય તો ઘરમાં ધમાધમ થઈ જતી. ધીરેધીરે વસુધાનુ બોલવાનુ સાવ ઓછું થઈ ગયું. ઓફિસથી આવી રસોઈ કરી, જમીને થોડું ટીવી જોઈ સુવાનું. બસ યંત્રવત દિવસ શરૂ થતો ને આથમતો.

    સહુની મદદે આવતી વસુધાને લાગવા માંડ્યું કે કોઈને એની જરૂર નથી. બધાંની સાથે હોવાં છતાં જીવનમાં એક ખાલીપો આવી ગયો. રાતોની રાતો એની એકલતાનું સાક્ષી એનું ઓશીકું હતું જે આંસુઓથી ભીંજાતું રહેતું.

    કેટલીય વાર એને થતું બસ! આજે રાતે ઊંઘમાં જ મારો અંત આવી જાય, સવારે ઉઠું જ નહિ. કોઈને ક્યાં કશો ફરક પડવાનો છે! અને એને હિટલરનુ વિધાન યાદ આવ્યું. “શા માટે હું મારી જાતને લાચાર સમજું છું? શું નથી મારી પાસે ? ભણતર છે, સારી નોકરી છે, આત્મવિશ્વાસ છે. મારું જીવન કાંઈ સાર્વજનિક બગીચા જેવું નથી કે કોઈપણ લટાર મારીને ચાલી જાય અને વસુધાએ પોતાના સપનાં સાકાર કરવાં, બાકીના વર્ષો પોતાની ખૂશી માટે જીવવા પોતાના જીવનનો મહત્વનો નિર્ણય પહેલીવાર પોતાની જાતે લીધો. પોતાના જીવનની પાટી પરથી દુઃસ્વપ્ન જેવા એ દિવસો કાયમ માટે નાબૂદ કરી દીધાં!

    પાંત્રીસ વર્ષના લગ્નજીવનને છોડી સ્વમાનભેર સ્વતંત્ર રહેવા ઘર છોડી જવાનો નિર્ણય કર્યો.


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • બદલા

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    સ્ટેશન પર ઊભેલી ગાડીના ડબ્બામાં આબિદ, ઝુબૈદા સહિત સામાન અને પોતાની જાતને ધકેલીને સુરૈયાએ ઊંડો શ્વાસ લીધો. જરા વારે ડબ્બાના બીજા ખૂણામાં બે શીખને બેઠેલા જોયા. એણે મનોમન ખુદાતાલાને યાદ કર્યા. સુરૈયાને એમની આંખોમાં કોઈ અમાનુષી તત્વ દેખાયું. એમની નજર એની કાયાને છેદીને સીધી અંદર સુધી ઉતરી જતી હોય એવું લાગ્યું. એણે ચહેરા પર બુરખો ખેંચી લીધો.

    ગાડીની ગતિ તેજ થઈ હતી એટલે હવે એ બીજા ડબ્બામાં જઈ શકે એમ નહોતી. જરૂર પડી તો એના માથા પર ઝૂલી રહેલી સંકટ સમયની સાંકળ ખેંચીને ગાડી ઊભી રખાવવાનું વિચારી લીધું.

    “ક્યાં જશો?” એક ભારેખમ અવાજ સાંભળીને સુરૈયા ચમકી.

    “ઈટાવા” સુરૈયાએ એકાક્ષરી જવાબ આપ્યો.

    “કોઈ સાથે નથી?”

    ખલાસ, એકાદ ક્ષણ તો સુરૈયાને થયું કે જો એકલી છું એમ કહીશ તો જોખમ વધી જશે. મને મારીને ડબ્બાની બહાર ફેંકી દેતા વાર પણ નહીં લાગે, એમ માનીને સુરૈયાએ જવાબ આપ્યો,

    “બીજા ડબ્બામાં મારો ભાઈ છે.”

    “અરે અમ્મી! મામુ તો લાહોર ગયા છે.” નાનકડા આબિદને સુરૈયાના જવાબથી નવાઈ લાગીને એ સાચું બોલી ઊઠ્યો.

    સુરૈયાએ આબિદને તો ચૂપ કર્યો પણ શીખ ક્યાં ચૂપ રહે એમ હતો?

    “આજ-કાલ સંજોગો ખરાબ છે. આમ એકલા બેસવાના બદલે તમારે ભાઈ સાથે જ બેસવું જોઈએ. પણ ઠીક છે મુસીબતના સમયમાં જેનું કોઈ નહીં એના સૌ.”

    એટલામાં સ્ટેશન આવતાં ગાડી ઊભી રહી અને બીજા બે આદમી ચઢ્યા. એ પણ હિંદુ…

    સુરૈયાએ પોતાનો સામાન સમેટવા માંડ્યો.

    “કેમ, ઉતરી જવું છે?” શીખે સવાલ કર્યો.

    “વિચારું છું કે ભાઈ પાસે જઈને બેસું.”

    “અહીં કોઈ ડર ન રાખતાં, તમે મારી બહેન જેવા જ છો. અલીગઢ સુધી તો હું તમને બરાબર પહોંચાડીશ અને એ પછી આગળ કોઈ જોખમ નથી અને ત્યાંથી તો તમારા ભાઈ પણ મળી જશે ને?”

    “સરદારજી, એમને જવું હોય તો જવા દોને, તમે શું કામ રોકો છો?” નવા આવેલા હિંદુથી બોલ્યા વગર ન રહેવાયું.

    શીખ અને હિંદુની ટીપ્પણીથી શું કરવું એની સુરૈયાને મૂંઝવણ થઈ. નિર્ણય કરવાનો સમય આવે એ પહેલાં ગાડી ઉપડી. સરદારજી મૂળ પંજાબના શેખુપુરાના નિવાસી હતા પણ હવે ટ્રેનનો આ ડબ્બો જ એમનું રહેઠાણ બની ગયું હતું.

    “એનો અર્થ તમે શરણાર્થી છો?”

    “હા.”

    “તો, તમારા પરિવારને બહુ વેઠવું પડ્યું હશે નહીં?” ક્ષણ માટે શીખની આંખમાં તણખો પ્રગટ્યો.

    એ નજર જોઈને હિંદુએ સુરૈયા તરફ નિશાન બદલ્યું.

    “ખબર છે ને, દિલ્હીમાં કેવા હુલ્લડ થયાં હતાં. હિંદુ અને શીખ પર તો કેવા જુલમ થયા! બોલતા શરમ આવે છે પણ સ્ત્રીઓને બાપ અને ભાઈઓ સામે જ નગ્ન કરીને…..” શીખથી હવે ચૂપ ન રહેવાયું.

    “બાબુજી, જે અમે જોયું છે એમાં તમે વધારે શું કહેવાના?”

    “હા પણ, એમના શા હાલ થયા હશે જેમની નજર સામે પોતાની બહુ-બેટી…..”

    “બાબુ સાહેબ, બહુ-બેટી તો સૌને હોય…”

    પણ હિંદુ શખ્સ આવી કોઈ સાદી વાત સમજવાની તૈયારીમાં જ નહોતા. એમની વાણી અને વાતોમાં તો મનમાં ભારેલા અગ્નિના તણખા જ તતડતા હતા.

    “હવે તો હિંદુ અને શીખોએ પણ ચેતવા જેવું છે. બદલો લેવાની વાત ખોટી છે, પણ હવે ક્યાં સુધી સહન કરવું જોઈએ? દિલ્હીમાં તો મોરચા કાઢયા છે. મારું માનો તો આ જ એનો સાચો ઉપાય છે. ઈંટનો જવાબ પત્થર. સાંભળ્યું છે કે કારોલબાગમાં કોઈ મુસ્લિમ ડૉક્ટરની દીકરીને…”

    “બાબુજી, એક પણ ઓરતની બેઇજ્જતી કોઈનાય માટે શરમજનક વાત છે.” અત્યાર સુધી સહજતાથી વાત કરતા શીખના અવાજમાં હવે ચીઢ ભળી અને સુરૈયા તરફ જોઈને બોલ્યા,

    “તમારે આવું બધું સાંભળવું પડે છે એના માટે તમારી માફી માંગું છું બહેન.”

    “અરે! પણ આ બધું એમને ક્યાં કહું છું? એ તમારી સાથે છે?” હિંદુ સહેજ છોભીલો પડી ગયો.

    “જી હા, મારે એમને અલીગઢ પહોંચાડવાના છે.”

    “તમે અલીગઢ જવાના છો?” અત્યાર સુધી સંવાદ સાંભળી રહેલી સુરૈયા બોલી ઊઠી.

    “હા.” શીખે એકાક્ષરી જવાબ વાળ્યો.

    “કોણ છે ત્યાં તમારું?”

    “મારું તો ક્યાંય કોઈ નથી. બસ ફક્ત મારો છોકરો છે મારી સાથે. જ્યાં હું જઈશ ત્યાં એ આવશે.”

    “ત્યાં ક્યાં રહેશો?”

    “રહેવાનું ક્યાંય નહીં વળી, બસ જ્યાં સુધી કોઈ કાયમી ઠેકાણું ન મળે ત્યાં સુધી આ ચાલ્યા કરતી ગાડી એ જ મારું ઠેકાણું.” શીખના અવાજમાં પીડા ભળી.

    “તમને કોઈ છૂરો ભોંકી દેશે એવો ડર નથી લાગતો?” સુરૈયાના મનમાં આ ભલા શીખ માટે અનુકંપા જાગી જે એના સવાલમાં પડઘાઈ.

    “એમ થશે તો મને છુટકારો મળશે.”

    “અરે! આ તે કેવી વાત?”

    “અને મારશે કોણ? ક્યાં તો મુસલમાન ક્યાં તો હિંદુ. મુસલમાન મારશે તો જ્યાં ઘરનાં સૌ પહોંચ્યા છે ત્યાં એમને જઈને મળીશ અને હિંદુ મારશે તો માની લઈશ કે દેશમાં જે બીમારી ફેલાઈ છે એ એની ચરમસીમાએ પહોંચી છે. બસ બીજું શું?”

    “પણ હિંદુ શું કરવા મારે? હિંદુ લાખ બુરા હશે પણ એવું હત્યાનું કામ નહીં કરે.” અત્યાર સુધી સુરૈયા અને શીખની વાતો સાંભળી રહેલા હિંદુને અકળામણ થઈ. હવે તો શીખને ખૂબ ગુસ્સો ચઢ્યો.

    “રહેવા દો બાબુ સાહેબ, અત્યાર સુધી પૂરા રસથી દિલ્હીના વાતો કરતા હતા. જો તમારી પાસે છરો હોય અને તમને જરા અમસ્તા ભયનો અંદેશો હોય તો તમે તમારી બાજુમાં બેઠેલી સવારીને છોડો ખરા, અને જો હું વચ્ચે પડું તો મને પણ છોડો ખરા?”

    હિંદુ વચ્ચે બોલવા ગયા પણ શીખે આડો હાથ દઈને એને બોલતા રોકી લીધા.

    “બાબુ સાહેબ,મારા તરફ તમે હમદર્દી દર્શાવો છો કારણકે તમે મને તમારો શરણાર્થી માનો છો. જો સાચા અર્થમાં હમદર્દની જેમ મળ્યા હોત તો હું પણ ન્યાલ થઈ જાત. પણ હવે હું જે કહું એ કાન ખોલીને સાંભળશો તો શરમથી તમારું માથું ઝૂકી જશે. હિંદુ હોય કે મુસલમાન કોઈ પણ ઓેરતની બેઇજ્જતી એ એની માતાની બેજ્જતી સમાન છે. શેખુપુરામાં અમારી સાથે જે થયું એનો હું બદલો લેવા બેસુ તો શક્ય છે એનો અંત જ નહીં આવે. અમારી સાથે જે થયું છે એ તો હું કોઈની સાથે થાય એવું હું સપનામાં કે ભૂલમાં પણ નથી વિચારતો. હું બદલો લેવા નહીં બદલો આપવામાં માનુ છું અને એટલે જ દિલ્હી અને અલીગઢ વચ્ચે ફરીને લોકોને અહીંથી ત્યાં પહોંચાડુ છું. મારા દિવસો પસાર થાય છે અને બદલો ચૂકવાતો જાય છે.  જે દિવસે હિંદુ કે મુસલમાન, કોઈ પણ મને મારી નાખશે એ દિવસે તો બદલો લેવાનો કે દેવાનો જ નહીં રહે. હું તો માત્ર એટલું જ ઇચ્છુ કે ભલે હિંદુ હો, મુસલમાન  કે શીખ મેં જે જોયું છે એ કોઈનેય જોવાના દિવસો ન આવે. મરતાં પહેલાં મારા ઘરનાં લોકોની જે અવદશા, જે ગતિ થઈ છે, પરમાત્મા કરે ને કોઈનીય વહુ-બેટીની એવી અવદશા ન થાય.”

    આ સાંભળીને ટ્રેનના ડબ્બામાં ભયાનક સોપો છવાઈ ગયો. અલીગઢ પહેલાં ગાડી ધીમી પડી ત્યારે સુરૈયાને થયું કે એ સરદારજીને બે શબ્દ આભારના કહી શકે પણ એનાં શબ્દો હોઠ સુધી પહોંચી જ ન શક્યા.

    “કાકા ઊઠ, અલીગઢ આવી ગયું.”

    સરદારજીએ ઉપરની બર્થમાં સૂતેલા એના દીકરાને જગાડ્યો. અને હિંદુ મહાશયની તરફ જોઈને બોલ્યા, “બાબુ સાહેબ કોઈ કડવી વાત થઈ ગઈ હોય તો માફ કરજો. અમે તો તમારા આશરે છીએ.”

    કાપો તો લોહી ન નીકળે એવા હિંદુને થયું કે જો અહીં સરદારજી ઉતરી ન ગયા હોત તો એ સ્વયં ઉતરીને બીજા ડબ્બામાં ચાલ્યા જાત.


    સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન- ‘અજ્ઞેયજી’ લિખિત કથા- બદલા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • દન્યાવાદ – નામસ્તે !

    વલીભાઈ મુસા

    ઈન્ટરનેશનલ જ્યોગ્રોફિક ન્યુઝ ચેનલની પત્રકાર ટીમ પહાડી વિસ્તારના અનોખા એવા એ ‘નગાવાસ’ ગામની મુલાકાત લઈ ચૂકી હતી. ત્યાંનું વિડિયો શુટીંગ પતાવ્યા પછી ત્યાંના સરપંચશ્રીના સૂચનથી એ ટીમ ત્યાંની સનસનાટીપૂર્ણ સમાચાર-વાર્તાના પૂરક વિડિયો-શુટીંગ માટે તેના રસાલા, ઉપકરણો અને દુભાષિયા સાથે મારી ખેતઝૂંપડી(Farm hut) ખાતે મારી પાસે આવી પહોંચી હતી. મારી એ ગામની ભૂતકાલીન મુલાકાત અને મારા અનુભવો વિષેનો મારો ઈન્ટરવ્યુ લેવામાં આવી રહ્યો હતો. તેમના એક પ્રશ્નના જવાબમાં મેં એ ગામ વિષેની વિશિષ્ટ માહિતી  મારા પોતાના અંદાઝમાં મારા આ શબ્દોમાં આપી હતી :

    ‘આપની ટીમે એ જોયું હશે કે પહાડની  તળેટીમાં રમતા એ ગામ અને તેના ગામવાસીઓને આપણી કહેવાતી આધુનિક જીવનપદ્ધતિ કે સંસ્કૃતિ હજુ અભડાવી શકી ન હતી. આ ગામમાં એક જ વિશિષ્ટ જાતિનાં માનવીઓ રહેતાં હતાં અને તે જાતિનું નામ હજુ સરકારી ચોપડે ચઢ્યું ન હતું, એમ છતાંય કે એ જાતિ તો આદિમકાળથી અસ્તિત્વમાં હતી અને હાલમાં પણ છે જ! જી હા, એ હતી માનવજાતિ અને તેમનો ધર્મ પણ હતો માનવધર્મ! રૂપાળું વિશ્વ તેમનું ધર્મસ્થાન હતું અને શ્વાસની અહર્નિશ આવનજાવન સાથે એની મેળે જ નીરવ રવે થતો રહેતો ‘રે તુંહી’ નો જાપ એ તેમની બંદગી, ભક્તિ કે પ્રાર્થના (Prayer) હતો. તેઓ ઈશ્વરને સાચે જ પામી શક્યા હતા, કેમ કે તેઓ પ્રત્યેક ઘટમાં તેને રમતો જોઈ શકતા હતા. ગ્રામજનોનાં નામો પણ જુદા જુદા ધર્મીઓ જેવાં ન રહેતાં કુદરત અને કુદરતી દૃશ્યો સાથે સામ્ય ધરાવતાં એવાં રહેતાં હતાં કે જે થકી એ તમામ લોકોની ઓળખ માત્ર અને માત્ર માનવધર્મી તરીકેની જ જણાઈ આવે ! ‘નગાવાસ’નો અર્થ થાય છે, નગ (પર્વત) જેનો આવાસ (રહેઠાણ) છે તે અર્થાત્ ‘મોર’ અને ખરે જ તે શબ્દનો અર્થ ‘મોર’ થાય પણ છે. તમે લોકોએ કદાચ ઠેર ઠેર મોર  જોયાં પણ હશે. નવાઈની વાત એ છે કે ત્યાં માણસો કરતાં મોરની સંખ્યા વધારે છે અને ગામલોકો તેમને પોતાના સમાજના એક હિસ્સા તરીકે સ્વીકારે છે. તેઓ તેમનું જતન કરે છે અને રક્ષણ પણ કરે છે. એવું સાંભળવા મળે છે કે મોરની ખૂબ જ વસ્તી ધરાવતું એવું જ એક  ચિંચોલી (મોરાચી) નામે  ગામ મહારાષ્ટ્રમાં પણ છે.  ’

    ’અંકલ, ધ ગ્રેટ! વચ્ચે આપને ખલેલ પહોંચે તો માફ કરશો, પરંતુ આપ આપનું નામ જણાવીને આપનું વક્તવ્ય આગળ સંભળાવશો તો અમારા દર્શકો આપના નામથી પરિચિત થયા પછી આપની વાતને સારી રીતે જાણી અને માણી શકશે.’ તરવરિયા જુવાન એવા ન્યુઝટીમના મેનેજર ફ્રેડરિકે મને અટકાવતાં કહ્યું.

    ‘બેશક, મારું હાલનું નામ ‘માનવ’ છે. ‘નગાવાસ’’ ની મારી મુલાકાત પછી ધારણ કરેલું અને સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરેલું આ નામ છે! હું મારા જૂના નામને યાદ કરવા માગતો નથી. માની લો ને, કે તેને હું ભૂલી જ ગયો છું!

    ફ્રેડરિકની વિચક્ષણ એવી સહપત્રકાર જુલિયા બોલી, ‘મિ. માનવ, આપ આટલું સરસ બોલી શકો છો, તો અમે જાણી શકીએ કે  આપ શું ભણેલા છો?’

    ગાંધીઅન વિચારધારાના પાયા ઉપર સ્થપાએલી  ગુજરાત વિદ્યાપીઠનો  સાહિત્ય અને ગ્રામ-અર્થશાસ્ત્ર  વિષયો સાથેનો અનુસ્નાતક હોવા ઉપરાંત શૈક્ષણિક અનુસ્નાતકીય ઉપાધિ પણ ધરાવું છું.  પરંતુ યુનિવર્સિટી છાપ શિક્ષણસંસ્થાઓમાં નોકરી ન મળતાં અને બુનિયાદી શિક્ષણસંસ્થાઓમાં પણ નોકરીઓની મર્યાદિત શક્યતાના કારણે  અલ્પ સમય પૂરતો હું બેકારોની ફોજમાં જોડાઈ ગયો હતો! હાલમાં હું ઓર્ગેનિક પદ્ધતિએ ખેતી કરતો પ્રયોગશીલ ખેડૂત છું અને મારા ગામના અને આજુબાજુના ખેડૂતોને આ દિશામાં સેવાકીય માર્ગદર્શન આપું છું.’ મેં સ્મિતસહ કહ્યું.

    ‘આભાર, માનવ અંકલ. હવે આપ આપના કથનમાં આગળ વધી શકો છો.’ જુલિયા બોલી.

    મેં મારા કથનને આગળ લંબાવતાં કહ્યું, ‘આપણે રહીએ છીએ એ જ આસમાન નીચે જીવતી અપવાદરૂપ એવી આ વિશિષ્ટ પ્રજાનો આગવો ઇતિહાસ છે. એ લોકોની જીવનપદ્ધતિ, તેમના રીતરિવાજો, તેમનું ચારિત્ર્ય,  તેમના સંસ્કારો, તેમની સંસ્કૃતિ, તેમનું માનવીપણું, તેમનો પ્રકૃતિપ્રેમ, તેમનો પ્રાણીપ્રેમ, તેમનો પર્યાવરણ પ્રત્યેનો અભિગમ, તેમની શક્યત: આત્મનિર્ભરતા વગેરે જેવું સઘળું વર્ણવતાં ગ્રંથો ભરાઈ જાય. વાર્તાલાપની સમયમર્યાદા ધ્યાનમાં લેતાં આ પ્રજાજનો વિષેની કેટલીય આશ્ચર્યજનક વિપુલ  માહિતીના ભંડારને અણખોલ્યો જ રાખીને મારા તેમની સાથેના  પ્રથમ અનુભવની વાત તમારા સામે હું રજૂ કરીશ.’

    એટલામાં મારી પત્ની ‘શક્તિ’ માટલાના ઠંડા પાણીમાં મધ અને લીંબુ નાખીને બનાવેલા શરબત ઉપર તરતાં ફુદીના અને તુલસીનાં પાંદડાં સાથેના માટીના પ્યાલાઓ એક થાળમાં ગોઠવીને લઈ આવી. હળવી ચુસકીઓ સાથે ખાસ પ્રકારના અમારા પીણાની સોડમને માણતાં આખી ટીમ ખુશખુશાલ થઈ જણાઈ.

    મેં મારા વક્તવ્યને આગળ લંબાવતાં કહ્યું, ‘વચ્ચે ઓળખ આપી દઉં કે આ મારી પત્ની ‘શક્તિ’ છે અને તેનું નામ પણ મારી જેમ બદલી નાખવામાં આવ્યું છે! અમે પાંત્રીસેકની વય ધરાવતાં હોવા છતાં હજુ નિ:સંતાન છીએ. ભવિષ્યે અમારાં સંતાનોનાં નામ પણ અમે એવાં જ રાખીશું કે જેથી તેઓ કોઈ ધર્મ, સંપ્રદાય કે નાતજાતનાં ઓળખાવાના બદલે માત્ર માનવી તરીકે જ ઓળખાય!

    હવે આગળ વધવા પહેલાં થોડીક આડવાત છતાં મારા વિષેની થોડીક પૂર્વભૂમિકા આપું તો, મારે મારા કુટુંબ માટેની રોજીરોટીની કોઈ વિકટ સમસ્યા તો ન હતી, પણ હું શિક્ષિત બેકાર હોવાના કારણે મારી લઘુ કદની ખેતીવાડીના વિકલ્પે કંઈક વિશિષ્ટ પ્રવૃત્તિ કરવા માગતો હતો. મારા પ્રશ્નના  ઉકેલ માટે મારા વતનના જ એવા, અનુભવો અને બુદ્ધિનો ભંડાર ધરાવતા, એક વયોવૃદ્ધ વડીલજન પાસે માર્ગદર્શન મેળવવા ગયો. તેમણે મને વિરોધાભાસી લાગતી બે વાતો કહી સંભળાવી હતી. પ્રથમ તો એ કે ‘ખુશનસીબ એ માણસ છે કે જે પોતાના વતનમાં રહીને જ પોતાની રોજીરોટીને રળી લે છે.’ બીજી વાત  એ કે ‘બદકિસ્મત કોઈ માણસ વતનમાં રોજીરોટીની બાબતે તંગ હાલતમાં જીવતો હોય, તો તેણે પોતાના ભાગ્યને અજમાવવા સ્થળાંતર કે દેશાટન કરવું જોઈએ.’

    મને થોડાક અંશે પાછલી વાત લાગુ પડતી હોઈ હું મારાં માતાપિતા અને મારી પત્નીને  અહીં મારા વતનમાં છોડીને પહેરેલાં  કપડે અને ખાલી ખિસ્સે પગપાળા દેશાટને નીકળી પડ્યો હતો. ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી તરીકે આવો કઠોર પ્રયોગ કરવો મારા માટે સહજ હતો. રસ્તે ખેતરો આવતાં ગયાં, હું ખેડૂતોના ત્યાં એક એક દિવસ કામ કરતો ગયો, ખાવાનું મળતું ગયું, પોટલીમાં પહેરવાનાં થોડાંક કપડાં ઉમેરાતાં ગયાં, ખિસ્સામાં થોડુંક પરચૂરણ રણકતું થતું ગયું. આમ આગળને આગળ વધતા જતાં એક દિવસે હું એ ‘નગાવાસ’ ગામના સીમાડે જઈ પહોંચ્યો હતો.’

    ‘અંકલ, વ્હોટ એન ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી! આઈ મિન…’ પોતાના વાક્યને કાપીને દુભાષિયા સામે જોતાં જુલિયા બોલી.

    ‘ગામની સીમમાં દાખલ થતાં જ પહેલા જ આવેલા એક ખેતરના છીંડેથી હું કૂવાકાંઠે ગયો. ત્યાં લાકડાની તિપાઈ  ઉપર મૂકેલા માટલામાંથી મેં જાતે જ પાણી પી લીધું. દૂરના ખેતરમાં એક મોટી વયનો અને બીજો જુવાન એવા બે માણસો, એકને બીજો અનુસરતો હોય તે રીતે, પોતપોતાનાં હળ વડે એક જ ખેતરની જમીન સંયુક્ત રીતે ખેડી રહ્યા હતા. ખેડના ચાસમાંનાં જીવજંતુ કે અળસિયાંનો આહાર તરીકે ભક્ષ કરવા શ્વેત બગલાં અને મોર આમથી તેમ  વિહરી રહ્યાં હતાં. થોડીકવારમાં મેં જોયું તો આગળના ભાગે હળ ચલાવતો પેલો જુવાન તેના ચાલુ કામે જ જમીન ઉપર પડી ગયો હતો. પેલા મોટી વયવાળાએ પોતાનું કામ અટકાવી દઈને પેલા જુવાનને જમીન ઉપર સુવાડી દીધો હતો. તેણે એ જુવાનની છાતી ઉપર હાથ મૂકીને, પછી તેની કાંડાની નાડીને પરખીને અને તેના નાક આગળ પોતાની ઊંધી હથેળી રાખીને તેના શ્વાસને  તપાસતો હોય તેવું મને દૂરથી લાગ્યું. પછી તો મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો તેણે પેલા જુવાનને ઊંચકીને ખેતરના શેઢા ઉપર સુવાડી દીધો હતો. તેના બળદોને તેણે ખેતરની વાડ પાસેના ઝાડ નીચે બાંધી દીધા. તેના હળને વાડ પાસે મૂકી દીધું અને પોતે ફરી પાછો પોતાના કામે લાગી ગયો. કોઈ નાટ્યકલાકારને તેના નાટકના ચાલુ અભિનયે કોઈક દુ:ખદ સમાચાર મળવા છતાં ‘Show must go on! (ખેલ ચાલુ રહેવો જ જોઈએ!)ની ભાવનાને સમર્પિત એવો તે પોતાનો  નાટ્યકલાધર્મ બજાવવાનું ચાલુ રાખે એવું જ કંઈક અહીં ઘટી રહ્યું હોય તેવો આભાસ મને થઈ રહ્યો હતો. આ બધું મને કંઈક વિચિત્ર લાગ્યું હતું અને  હકીકતના ઊંડાણ સુધી પહોંચવા હું ત્યાં જ રોકાઈ રહ્યો હતો.

    પેલા મોટી વયના માણસે મને જોયો હોય કે ન હોય, પણ તેણે બરાબર મધ્યાહ્ન થવા સુધી પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. છેવટે તેણે પોતાના બળદ અને હળને પેલી વાડ પાસે છોડી દઈને પેલા સૂતેલા જુવાનને પોતાના બંને હાથોમાં ઊંચકીને કૂવાકાંઠા તરફ આવી રહ્યો હતો. હું સફાળો દોડતો એ વડીલના સામે ગયો અને ગભરાએલા અવાજે મેં તેમને પૂછ્યું કે ‘જુવાનને શું થયું છે?’

    ‘તમે સૌ ચોકી ઊઠતા નહિ, પણ પેલા વડીલે બહુ જ સ્વસ્થ અવાજે મને કહ્યું કે આ મારો પુત્ર છે અને તે હૃદયરોગના હુમલાથી હમણાં જ અવસાન પામ્યો છે!’

    ‘હે, ઈશ્વર!’ મારાથી બોલી જવાયું.  મારા ‘ઈશ્વર’ શબ્દથી તેઓ થોડાક ચમક્યા લાગ્યા. તેમના ચહેરાના ભાવો ઉપરથી તેઓ એમ વિચારતા હોય તેવું લાગ્યું  હતું કે હું કયા ‘ઈશ્વર’ને સંબોધી રહ્યો હતો! હું ચૂપ ન રહી શક્યો અને પૂછી બેઠો કે, ‘પણ તમે તમારું કામ કેમ ચાલુ રાખ્યું હતું, વડીલ?’

    તેમણે ચહેરા ઉપર કોઈપણ જાતનો ગમગીનીનો ભાવ બતાવ્યા સિવાય જવાબ આપ્યો હતો કે, ‘જે થવાનું હતું તે થઈ ચૂક્યું હતું અને કોઈ દાકતરી સારવાર હવે કામ આવવાની ન હતી, તો મારે મારું કામ શા માટે અટકાવવું જોઈએ! વળી આ મારા મૃત પુત્રને રાત્રે વાળુ પત્યા પછી મારાં કુટુંબીજનો, મારા ઘરનાં આડોશીપાડોશી અને નજીકનાં ખેતરોના પાડોશી ખેડૂતો એમ મર્યાદિત લોકોની હાજરીમાં વન્ય પર્યાવરણની જાળવણીના ભાગરૂપે અગ્નિદાહના બદલે આ જ ખેતરના ખૂણે  ભૂમિદાહ આપવામાં આવશે. ખેર મારા ભાઈ, ચાલો એ બધી વાત છોડો. હવે જો તમારે જમવાનું બાકી હોય તો થોડોક સમય રોકાઈ જાઓ તો મારી પત્ની અમારું ભાત લઈને આવશે અને તમને મરનારના હિસ્સાનું ખાવાનું મળી રહેશે. અહીં કોઈ આગ્રહ કરવામાં નહિ આવે. જો તમારે જમવાનું ન જ હોય અને ગામ તરફ જવાના હો, તો  ગામના પાદરેથી જમણી બાજુના રસ્તે થોડાક આગળ ગયા પછી વળી પાછા જમણી બાજુએ એક મહેલ્લો આવશે. ત્યાં આંગણે લીમડાના ઝાડવાળું મારું ઘર છે. મારી પત્ની થોડીવારમાં અમારા બેનું ભાત લઈને અહીં આવવા નીકળશે. ત્યાં જરા સમાચાર આપી દેશો કે તે એક જ જણનું ભાત લાવે અને તેને કહેજો કે તમારો દીકરો મૃત્યુ પામ્યો છે!’

    ‘વ્હોટ અ માર્વેલસ એક્સપીરીઅન્સ! આઈ મિન..’ બોલતી જુલિયાએ દુભાષિયા સામે  ફરીવાર જોયું.

    મેં એને કહ્યું,’ ડોન્ટ વરી, મેડમ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ એન્ડ સ્પીક સમ પ્રાયમરી ઈંગ્લીશ!’

    મેં જોયું તો ટીમના તમામ સભ્યો એક ધ્યાને મારી વાત સાંભળી રહ્યા હ્તા. તેમના ચહેરા ઉપર  અવાચ્ય અને અકથ્ય ભાવો રમી રહ્યા હતા. મેં મારી વાતને આગળ લંબાવી :

    ‘પેલા વડીલની વાત સાંભળીને મને નવાઈ તો લાગી હતી, પણ હું ચૂપ રહ્યો હતો. મેં જમવાની ના પાડી અને પેલા વડીલ ખેડૂતની સૂચના પ્રમાણે તેમના ઘરે ગયો. તેમનાં પત્ની માથે ભાત સાથે પોતાના ઘરના કમાડની સાંકળ ચઢાવી રહ્યાં હતાં. હું સમયસર તેમના ઘરે પહોંચી ગયો હતો. મેં પેલા વડીલે મોકલેલા સમાચાર એ વૃદ્ધાને  આપ્યા, ત્યારે મારું મગજ ચકરાઈ જાય તેવો તેમણે પ્રત્યુત્તર વાળ્યો હતો.’

    ‘સારું થયું ભાઈ, તમે વેળાસર આવી પહોંચ્યા અને મને આ સમાચાર આપી દીધા!’ આમ કહીને તેમણે ઘરમાં જઈને દીકરાનું જમવાનું કાઢી લીધું. વળી કહ્યું કે ‘તમે પરદેશી લાગો છો. જો થોડીવાર માટે ઠહેરી જાઓ, તો હું અબઘડીએ ખેતરે ભાત આપીને પાછી આવું છું અને મારા દીકરા માટેનું બચેલું ખાણું તમને ખાવા આપું છું.’

    ‘ના, માજી ના. તમે ખુશીથી જાઓ. હું પાસેના ગામડેથી જમીને જ નીકળ્યો છું.’

    પેલી વૃદ્ધા તેના રસ્તે પડી અને મેં આ ગામ વિષે વધારે માહિતગાર થવા તેના મહેલ્લાઓ ફરી વળવાનું શરૂ કર્યું.

    ‘તમારો આ ગામ વિષેનો કોઈ નોંધપાત્ર અનુભવ ખરો?’ મિ. ફ્રેડરિકે પૂછ્યું.

    ‘હા-હા, કેમ નહિ? મારા એ અનુભવે તો મારા જીવનનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે. હું મહેલ્લાઓમાં ફરી રહ્યો હતો અને એક મેડીબંધ મકાનના ઝરૂખેથી અવાજ  આવ્યો, ‘અય પરદેશી, દરવાજેથી અંદર ચાલ્યા આવો અને મારા બેઠકખંડમાં જઈ બેસો અને હું અબઘડી નીચે આવું છું.’

    ‘જેવો હું ગાદીતકિયાને અડીને બિછાવેલી શેતરંજી ઉપર બેસવા જતો હતો કે મકાનમાલિકે મને બાવડેથી પકડી લઈને ગાદી ઉપર તકિયાને અઢેલીને બેસાડી દીધો. પોતે જ પાણિયારે જઈને ત્રાંબાનો લોટો પાણીથી ભરી લાવીને મારી સામે ધરતાં તેઓ મારી જોડે ગાદી ઉપર બેઠા. મારા ખબરઅંતર પૂછ્યા પછી મને તેમના ગામે આવવાનું પ્રયોજન પૂછ્યું. મેં મારી સઘળી કેફિયત વર્ણવ્યા પછી છેલ્લે કહ્યું કે ‘મને થોડીક મૂડી ઉછીની આપવામાં આવે, તો હું આ જ ગામમાં નાનોમોટો વેપાર કરવા માગું છું.’

    ‘બેશક, બોલો કેટલા રૂપિયા જોઈએ?’

    ‘પણ આપ મને ઓળખતા નથી અને અવેજમાં આપવા માટે મારી પાસે કંઈ છે પણ નહિ. બીજું કે આપ શું  વ્યાજ  લેશો?

    ‘ઓળખાણની જરૂર નથી, અવેજમાં કંઈ જોઈતું નથી અને વ્યાજનો તો વિચાર સુદ્ધાં પણ કરશો નહિ.’’

    મેં અચકાતાં અચકાતાં દસ હજાર રૂપિયા માગ્યા અને તેમણે ઊભા થઈને કપડાંના કબાટમાંની એક કપડાની થેલી લઈ આવીને મારી સામે મૂકી દેતાં કહ્યું, ‘આમાંથી દસ હજાર કે તેથી પણ વધારે જેટલા રૂપિયા જોઈએ તે લઈ લ્યો. આ ગામથી તમે અજાણ્યા હોઈ અહીંની રીતભાત તમને સમજાવી દઉં. ગામ ઘણી બાબતે આત્મનિર્ભર  હોઈ લોકો વસ્તુવિનિમયથી પોતાની જરૂરિયાતો સંતોષી લે છે. ગામમાં જે અપ્રાપ્ય હોય તેનો જ તમારો વેપાર ચાલશે. કોઈપણ જાતનાં વ્યસનોની કોઈ બદી ગામમાં લાવતા નહિ. કોઈને ઉધાર આપશો નહિ કે ઉધાર લેવા તેને પ્રોત્સાહિત કરશો પણ  નહિ. દેવામુક્ત રહેવું એ વાત અહીંના લોકો ગળથૂથીમાંથી જ શીખ્યા હોય છે. આમ છતાંય અપવાદરૂપે કોઈ ઉધાર માગે તો નાણાં માંડી વાળવાની તૈયારી સાથે જ તેને ઉધાર ધીરશો, ઉધાર ધીરી દીધા પછી ઉઘરાણી કરશો નહિ. લોકો આપમેળે નાણાં ચૂકવી જશે. કોઈ  દેવું ન ચૂકવે તો તેની ઈજ્જત ઉપર ત્રાપ મારશો નહિ; કેમ કે દેવું ચૂકવવાની તેની દાનત તો હશે, પણ તેની પાસે સગવડ નહિ હોય. વેપારમાં નફાખોરી કરતા નહિ. તોલમાપમાં બેઈમાની કરશો નહિ. મારી પાસેથી હાલ તમે જે નાણાં લીધાં તેની કોઈ નોંધ હું રાખીશ નહિ, જેમ સગવડ થાય તેમ તમે મૂળ રકમનું દેવું ભરપાઈ કરી શકશો. આ હિસાબ તમારે જ રાખવાનો રહેશે. તમારા વેપારની જણસોમાં તાળાંકૂંચીના વેપારને તો ભૂલી જ જજો. અહીં ઘરના દરવાજે  કે ઘરની અંદર ક્યાંય તાળાનો ઉપયોગ થતો નથી.’

    હું તો તેમનાથી અને તેમની વાતોથી એવો તો પ્રભાવિત  થઈ ગયો હતો કે મેં તો તેમનું નામ સુદ્ધાં પણ પૂછ્યું ન હતું અને તેમને મારું નામ જાણવાની કોઈ દરકાર હોય તેવું મને લાગ્યું પણ ન હતું. મેં થેલીમાંથી દસ હજાર રૂપિયાની એક થોકડી મારી પાસે રાખીને બાકીનાં નાણાં ભરેલી થેલી તેમના તરફ સરકાવતાં કહ્યું ‘આપની તમામે તમામ વાતો અને ધંધા અંગેના નીતિનિયમોનું હું પાલન કરીશ. આપનો ખૂબ ખૂબ આભાર કે આપે મારા જેવા પરદેશી ઉપર આટલો મોટો ભરોંસો મૂક્યો છે. હવે આપના ગામ વિષેની અજાયબીભરી  એક વાત મને અકળાવી રહી છે. હું મારી એ અકળામણ  અંગે આપને કોઈ સવાલ પૂછી શકું? વળી આપનું નામ પણ જાણવા માગું છું.’

    ‘મારું નામ વિશ્વાસ છે. સરકારે પંચાયત રચવાનું કહેતાં ગામલોકોએ મને સરપંચ બનાવ્યો છે. મારી પંચાયતના તમામ સભ્યો પણ બિનહરીફ ચૂંટાએલા છે. ટૂંકમાં કહું તો અમારા ગામમાં આજસુધી કોઈ સ્થાનિક ચૂંટણી થઈ નથી. અન્ય ચૂંટણીઓમાં અમે મતદાન કરતા નથી, જ્યાં સુધી કે ‘કોઈનેય મત નહિ’ ના ખાનાની મતપત્રકમાં જોગવાઈ  થાય નહિ! હાલમાં પણ અમારો મતદાનનો બહિષ્કાર ચાલુ છે. ચૂંટણીતંત્રે અમારી માગણી મુજબની જોગવાઈ તો કરી છે, પણ તેમાં ગુપ્તતા જળવાતી નથી. ખેર, આવી  બધી વાતો હવે તમે ગામમાં રહેવાના જ છો, એટલે ધીમેધીમે તમને સમજાતી જશે. હવે પેલી તમારી માનસિક અકળામણ અંગે તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો.’

    પછી તો મેં મારા ગામપ્રવેશ વખતના પેલા યુવકના અવસાન અંગેની અને  તેનાં માતાપિતાએ  આપેલા સાવ લાગણીવિહીન પ્રતિભાવ અંગેની વાત કહી સંભળાવી. આ સાંભળીને વિશ્વાસ અંકલ  થોડાક ચમક્યા તો ખરા, પણ તેમણે મને પ્રતિપ્રશ્ન પૂછ્યો, ‘તો પછી તમારા લોકોમાં આવા કોઈના અવસાન પ્રસંગે કેમનું થતું હોય છે!’

    મેં તો આપણા લોકોમાં મરનાર પાછળ થતા હૈયાફાટ રૂદન અને છાતી કૂટવાની પ્રથાનું સવિસ્તાર બયાન સંભળાવવું શરૂ કર્યું. મારા પ્રત્યેક શબ્દે વિશ્વાસ અંકલના ચહેરા ઉપરના ભાવ બદલાયે જતા હતા. જેવું મારું કથન પૂરું થયું કે તરત જ તેમણે મારા આગળ પડેલી પેલી દસ હજાર રૂપિયાની થોકડીને પોતાના તરફ ખેંચી લેતાં માત્ર એટલું જ બોલ્યા કે ‘આપ જઈ શકો છો અને ગામના સરપંચના હોદાની રૂએ તો નહિ, પણ અમારા ગામની પરંપરાઓના રખેવાળ તરીકેના મારા કર્તવ્યને અનુસરતાં હું તમને સલાહ આપું છું કે તમે વહેલામાં વહેલી તકે આ ગામ છોડી દો અને અહીં વેપારધંધો કરવાનો તો વિચાર સુદ્ધાં કરતા નહિ. વળી તમારું અહીં એક પળભર પણ રોકાવું એ અમારા ગામના લોકોના ઉમદા ચારિત્ર્યને જોખમમાં મૂકવા બરાબર છે. અમે લોકો કોઈ ઈશ્વર-અલ્લાહ કે કોઈ દેવ-ફરિસ્તાઓમાં માનતા નથી, હા અમે લોકો કોઈ પરમશક્તિ હોવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. એ પરમશક્તિએ અનામત તરીકે સોંપેલાં અમારાં સંતાનો કે આપ્તજનોને જ્યારે તે પોતાની પાસે બોલાવી લે ત્યારે રૂદન કે કકળાટ ન કરતાં રાજીખુશીથી એ પરમ શક્તિની  ઈચ્છાને અમે માથે ચઢાવી દઈએ છીએ. પણ અફસોસ ભાઈ કે, તમે તો એવા લોકોમાંથી આવી રહ્યા છો કે જેઓ પોતપોતાના જે તે ધર્મના નીતિનિયમોને સૈદ્ધાંતિક રીતે તો માનતા હશે, પણ આચરતા હોય તેમ લાગતું  નથી. તમારી ઈશ્વર કે અલ્લાહ નામધારી પરમશક્તિ કોઈ જીવાત્માને પોતાની પાસે બોલાવી લે તેનો મતલબ એમ જ સમજવો પડે કે તેણે પોતાની અનામત પાછી લઈ લીધી. હવે તમે કહો છો તેમ તમારા લોકો કોઈના અવસાન પ્રસંગે રોકકળ કરતા હોય તો માનવું રહ્યું કે તેઓ પેલી પરમ શક્તિ સાથે અવળચંડાઈ કરી રહ્યા છે. તો ભલા, હું જ્યારે તમને દસ હજાર રૂપિયા જેવી માતબર રકમ વિશ્વાસપૂર્વક અનામત તરીકે  આપતો  હોઉં; અને જ્યારે તેને પાછી આપવાનો તમારો વખત આવશે, ત્યારે તમે  રોકકળ નહિ કરો તેની શી ખાતરી? માટે અમારી ભલાઈ તો એમાં છે કે તમારા જેવા માણસો અને કહેવાતી લાભદાયી સરકારી બેન્કીંગસેવાઓ કે એવી પ્રથાઓઓ અમારાથી દૂર રહે! એ બધી સુવિધાઓની આડઅસરો એવી નીવડતી હોય છે કે માનવીની લોભવૃત્તિ અને શોષણખોરીને પોષણ મળતું રહેતું  હોય છે!’

    મેં તરત જ એ ગામ છોડી દીધું હતું; નારાજ થઈને નહિ, પણ એક ઉમદા ચારિત્ર્યના ભાથા સાથે હું મારા વતનમાં પાછો ફર્યો હતો. ‘નગાવાસ’ તો આ પૃથ્વીપટ ઉપરનું બેમિસાલ એવું એક ગામ હતું કે જ્યાંનાં પ્રત્યેક માનવી તેમની આગવી પરંપરાઓ અને સંસ્કૃતિને વરેલાં હતાં. હું મારી જાત પૂરતો ‘નગાવાસ’ ના વિશ્વાસ અંકલ જેવો તો નહિ, પણ ત્યાંના એક અદના માનવી જેવો થવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારી આ પ્રકારના જીવનને જીવવાની હાક સાંભળીને મારી સાથે કોઈ જોડાય કે ન જોડાય, પણ હું એકલો એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જો કે મારે એટલું તો સ્વીકારવું પડશે કે મારી ‘શક્તિ’નો તેણીના પૂરા દિલોદિમાગ સાથે મને સાથસહકાર મળી રહ્યો છે; હું ‘માનવ’ અને તે ‘શક્તિ’, અમારા સમન્વયથી અમે બેમાંથી એક બન્યાં છીએ ‘માનવશક્તિ’ ! અમને વિશ્વભરની એ ‘માનવશક્તિ’માં પણ એટલો જ વિશ્વાસ છે કે કોઈક દિવસે તો એ રંગ લાવશે જ અને ત્યારે આપણ સૌને પ્રતીતિ થશે જ કે ‘હેઠે ન ભૂ સ્વર્ગથી!’

    મારો ઈન્ટરવ્યુ પૂરો થયો હતો. ઈન્ટરનેશનલ જ્યોગ્રોફિક ટીમના પ્રત્યેક સભ્યના ચહેરા ઉપર અકથ્ય એવા વિસ્મયતાસભર પરમ સંતૃપ્તિના ભાવો દેખા દઈ રહ્યા હતા. એ અંગ્રેજ મહિલા જુલિયા તો એવી ભાવવિભોર બની ગઈ હતી કે તેણીએ તો આંખોમાં ઝળહળિયાં સાથે અને લગભગ રડમસ અવાજે મને શુભાશિષ પાઠવી હતી, આ શબ્દોમાં કે ‘Wish you the best of luck in your mission, Mr. Maanava! Thank you, thank you very much, Mrs. Shaakti – you both Maanava and Shaakti, I mean you Maanava-Shaakti ! Danyaavaad  – Naamaste !’ (તમારી જીવનલક્ષની સિદ્ધિ માટે સદભાગી થવાની તમને શુભેચ્છા પાઠવું છું, મિ. માનવા ! આભાર, ખૂબ ખૂબ આભાર શ્રીમતી શાક્તિ, તમે બંને માનવા અને શાક્તિ; મતલબ કે માનવાશાક્તિ! દન્યાવાદ – નામસ્તે!’)

    * * *

    શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
    ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ – +91 93279 55577

    નેટજગતનું સરનામુઃ
    • William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ માનવધર્મ – જીવો અને જીવવા
    દો | હળવા મિજાજે

     

  • ફિલ્મી ગઝલો – ૧૮. કૈફી આઝમી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આજે કૈફી આઝમી. આપણે ઉલ્લેખી ગયા એવા અન્ય કેટલાક કવિઓની જેમ એ પણ ફિલ્મોમાં આવ્યા એ પહેલાં ખાસ્સી ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. આપણામાંના ઘણા એમને શબાના આઝમીના પિતા કે જાવેદ અખ્તરના સસરા તરીકે ઓળખતા હશે પણ એમને એ રીતે ઓળખવા એ તો સરાસર અન્યાય ! એમના પત્ની શૌકત આઝમી પણ વિદુષી મહિલા અને તખ્તાના ઉચ્ચ દરજ્જાના કલાકાર.

    બીજા લોકપ્રિય ગીતકારો જેટલી નહીં તો પણ ઘણી ફિલ્મો કરી પણ ગીતો બહુ ઓછા. જે લખ્યું તે બેશકીમતી ! એમનું લખેલું ‘ હકીકત ‘ ફિલ્મનું રફીએ ગાયેલું ‘ મૈં યે સોચકર ઉસકે દર સે ઊઠા થા‘ આજે પણ સાંભળીએ તો રોમ ઝંકૃત થઈ ઊઠે ! અને લોકપ્રિય ગીતોમાં ‘ જીત હી લેંગે બાઝી હમતુમ ખેલ અધૂરા છૂટે ના ‘ કા જવાબ નહીં ! સંગીતકાર મદનમોહનની મૌસિકીમાં એમણે કેટલીક ચિરસ્મરણીય બંદિશો આપી. ( હકીકત, નૌનિહાલ, મહારાજા, પરવાના, હંસતે ઝખ્મ, હિંદુસ્તાનકી કસમ, હીર રાંઝા, આપકી પરછાઇયાં )

    એક અભિનેતા તરીકે ફિલ્મ ‘ નસીમ ‘ માં એમણે યાદગાર ભૂમિકા ભજવેલી. ‘ હીર રાંઝા ‘ ( ૧૯૭૦ ) ના બધા સંવાદો એમણે પદ્યમાં લખેલા જે કદાચ આવા સંવાદો ધરાવતી પહેલી અને છેલ્લી હિંદી ફિલ્મ !

    ગઝલો પણ અનેક લખી. એમની ફિલ્મ ‘ શમા ‘ ( ૧૯૬૧ ) – સંગીત ગુલામ મોહમ્મદ – માં કુલ ૧૧ ગીતો હતા જેમાંની નવ ગઝલ હતી. એક – એકથી ચડિયાતી ! ત્રણ – ત્રણ ગઝલ રફી, સુરૈયા અને સુમન કલ્યાણપૂરે વહેંચી લીધેલી. આજે એમાંની બે ઓછી જાણીતી જોઈએ / સાંભળીએ :

    યાસ* કે દર પે ઝુકા જાતા હૈ સર આજ કી રાત

    નીંદ ક્યા મૌત ન આએગી  ઈધર આજ કી રાત

     

    ઈશ્ક કી ગોદ મેં હૈ હુસ્ન કા સર આજ કી રાત

    ચાંદ સે કહ દો કે દેખે  ન ઈધર આજ કી રાત

     

    બામો-દર** જૈસે સિમટતે  સે નઝર આતે હૈ

    કબ્ર સે તંગ હુઆ જાતા હૈ ઘર આજ કી રાત

     

    તુમ  જબ  આએ  હો  તો આયા  હૈ બહારોં કા પયામ

    રશ્કે – ઝન્નત*** નઝર આને લગા ઘર આજ કી રાત

     

    કિતની  વીરાન  હૈ  સુનસાન  હૈ  દુનિયા  મેરી

    દિલ કી ધડકન સે ભી લગને લગા ડર આજ કી રાત

     

    દિલે – બેતાબ  મચલતા  હૈ  મચલ  જાને  દે

    આજ કી રાત હમારી હૈ – ન ડર આજ કી રાત

     

    દિલે – નાકામ  યે  આલમ  તેરી  માયુસી  કા

    ફેર લી જૈસે ખુદા ને ભી નઝર આજ કી રાત..

     

    ( *નિરાશા, ઉદાસી, ભય

      **ઘર, ઘરનો ખૂણેખૂણો

      ***સ્વર્ગ માટે પણ ગૌરવસમ )

     

     

    – ફિલ્મ : શમા – ૧૯૬૧

    – રફી – સુમન કલ્યાણપૂર

    – ગુલામ મોહમ્મદ

    ( સમગ્ર ગઝલના સાત શેરમાં વારાફરતી આશા – નિરાશાની વાત સ્ત્રી – પુરુષ અવાજમાં છે. )

     

    વો  સાદગી  કહેં   ઈસે  દીવાનગી  કહેં

    ઉનકા બઢા જો હાથ યહાં દિલ લુટા દિયા

     

    પહલે- પહલ કે દર્દ કી લઝ્ઝત ન પૂછીયે

    ઉઠ્ઠી જો દિલ  મેં હૂક  તો  મૈં  મુસ્કુરા દિયા

     

    યે કૌન સોચતા હૈ કે સજદા કુબૂલ હો

    યે કૌન દેખતા હૈ કહાં સર ઝુકા દિયા

     

    આંચલ કી ઓટ હો કે ન હો અબ નસીબ મેં

    મૈને  ચરાગ  આજ  હવા  મેં  જલા  દિયા ..

    ( ગઝલમાં પરંપરાગત જે મત્લો હોવો જોઈએ તે નથી. )

     

     

    – ફિલ્મ : શમા – ૧૯૬૧

    – રફી

    – ગુલામ મોહમ્મદ


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

     

  • શિક્ષણ ” આપવું” એટલે શું?

    હરેશ ધોળકિયા

    માનવ જીવનમાં સૌથી બે મહત્વના મુદા હોય તો તે છે શિક્ષણ અને આરોગ્ય. આરોગ્ય વ્યકિતને શારીરિક રીતે સ્વસ્થ રાખે છે. તો શિક્ષણ વ્યકિતના સમગ્ર વ્યકિતત્વને સ્વસ્થ બનાવે છે. એટલે વ્યકિતગત જીવનમાં તથા સામુહિક રીતે પણ સૌથી વધુ વિચાર અને અમલીકરણ આ બન્ને બાબતે થતું રહેવું જોઈએ. સતત ! જો તેમાં જરા પણ ચૂકાય, તો તે સમાજ માંદો અને પછાત રહે છે. ઘણી વાર એવું જોવા મળે છે કે આકડાની દષ્ટિએ આ બન્ને પર ઉતમ કામ થતું દેખાય, પણ ગુણાત્મક રીતે બન્ને નબળાં રહી જતાં દેખાય છે. સમાજ પર બન્ને પરની સ્થિતિ તે દર્શાવે છે. એટલે આ બન્ને પણ સતત મંથન થતું રહે છે. થતું રહેવું જોઈએ. આ પળે આપણે શિક્ષણ બાબતે ચિંતન કરવાનો પ્રયાસ કરીએ.
    શિક્ષણ એટલે શું ? શિક્ષણ ‘ આપવું’ એટલે શું ? શિક્ષણ આપી શકાય ? કોણ આપી શકે ? એટલે કે શિક્ષક કેવા હોય ?
    આ બાબતે પણ સતત મંથન થતું રહ્યું છે અને આજે પણ થાય છે. આપણે ત્યાં પણ ઉપનિષદથી લઈ આજે યશપાલ સમિતિ સુધી આ બાબતનું ચિંતન થતું રહ્યું છે. આ બધાએ શિક્ષણની વિવિધ વ્યાખ્યાઓ આપી છે. બધી વ્યાખ્યાઓ ઉતમ રહી છે, પણ તે વાંચીને એ વિચાર ચોકકસ આવે કે આ બધામાં શિક્ષણને ઉતમ રીતે સમજાવતી વ્યાખ્યા કઈ હોઈ શકે ?
    સદભાગ્યે એ ક્ષેત્રમાં જ કામ કરવાની તક મળી હતી. એ સમય પણ એવો હતો કે સ્વતંત્રતાથી વિચારી પણ શકાતું હતું. સરકાર તેમાં માથું મારતી ન હતી. શિક્ષણ સિવાય અન્ય કામો નહીંવત હતાં. એટલે તેનું ચિંતન થઈ શકતું હતું અને અન્ય વિચારોને સમજવાનો સમય પણ મળતો હતો. આ સંદર્ભમાં શિક્ષણની અનેક વ્યાખ્યાઓનો અભ્યાસ કરવાની તક મળી હતી.
    તો કઈ વ્યાખ્યા ઉતમ લાગી ?
    આમ તો બધી જ ઉતમ રહી છે. દરેક વ્યાખ્યા શિક્ષણનાં અમુક પાસાંને સમજાવે છે. પણ ઊંડાણથી તપાસતાં ખ્યાલ આવે કે બધી વ્યાખ્યાઓ શિક્ષણનાં બાહ્ય પાસાંઓને જ સમજાવે છે. દા.ત ગાંધીજી કહે છે કે ” શિક્ષણ એટલે હાથ, હૈયું અને મગજની કેળવણી. ” ઉતમ વ્યાખ્યા છે, પણ વાત તો બાહ્ય જ કરે છે.
    એટલે બધી જ વ્યાખ્યાઓ તપાસ્યા પછી એક વ્યાખ્યા એવી મળે છે જે શિક્ષણ ” આપવા શું કરવું ” તે સાચી રીતે સમજાવે છે. શિક્ષકે જે પાયાનું કામ કરવાનું છે તે સમજાવે છે. અને આ કામ કર્યા પછી શું પરિણામ આવે છે, આવવું જોઈએ, તે પણ કહે છે.
    એ વ્યાખ્યા આપી છે સ્વામી વિવેકાનંદે. સ્વામીજી માત્ર ભારતમાં જ નહીં, વિશ્વમાં ફર્યા હતા. તે માત્ર શિક્ષિત કે ધનવાનો સાથે જ નહીં, રંક અને અભણો સાથે પણ રહ્યા હતા. ભારત સહિત વિશ્વના હજારો લોકોનું નિરીક્ષણ કર્યું હતું. પૂર્વ-પશ્ચિમ બન્નેનો અભ્યાસ કર્યો હતો. ઉપનિષદથી લઈ કાન્ટ-હેગલનો અભ્યાસ કર્યો હતો. સંસારી-સન્યાસી બન્ને સાથે રહ્યા હતા. એટલે તેમના પાસે એક સર્વાંગી દર્શન હતું. એટલે તેમની શિક્ષણની વ્યાખ્યામાં પણ સર્વાંગી દર્શન થાય છે.
    શું કહ્યું સ્વામી વિવેકાનંદે ?
    તેમણે વ્યાખ્યા આપી છે કે ” શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલી પૂર્ણતાની અભિવ્યકિત.” આ વ્યાખ્યાનો એકેએક શબ્દ ઝીણવટથી તપાસવા જેવો છે. તેને વાગોળવાનો છે. તો જ સમજાશે.
    અહીં સ્વામીજી બે બાબતની સમજ આપે છે. પહેલાં માણસની વ્યાખ્યા આપે છે. માણસ કેવો છે તે કહે છે. સદીઓથી પૂર્વ-પશ્ચિમ બન્નેમાં માણસને અધૂરો અને મર્યાદિત વ્યકિતત્વવાળો બતાવ્યો છે. એટલે જ ” પાપ ” અને ‘ પુણ્ય’ કે ”’સ્વર્ગ” કે ‘ નરક”ના ખ્યાલ આપવા પડયા છે. ‘ સારા” લોકો ” પુણ્ય” કરે છે, માટે સ્વર્ગમાં જાય છે. ” ખરાબ ” લોકો ” પાપ” કરે છે, માટે ” નરક”માં જાય છે.
    પણ આ બધું એક જ વાત કહે છે કે માણસ અધૂરો છે. તેણે પૂર્ણ ‘ થવાનું ” છે.
    વિવેકાનંદ આ બધા ખ્યાલોને એક ધડાકે ઊડાવી દે છે. તે કહે છે કે માણસ તો પૂર્ણ જ છે. જન્મથી જ પૂર્ણ છે. એટલે જ તે “રહેલી” શબ્દનો ઉપયોગ કરે છે. ” મનુષ્યમાં રહેલી પૂર્ણતા” કહે છે. વ્યકિતએ  મોટા થતાં પૂર્ણ થવાનું નથી. તે તો જન્મથી જ પૂર્ણ છે.
    આ જો સમજાયું તો એક પળમાં પાપ-પુણ્ય કે સ્વર્ગ-નરક રહેતાં જ નથી. એ બધી અજ્ઞાનીઓની કલ્પના છે. ધાર્મિકો અને પુરોહિતો કે કર્મકાંડીઓનો પ્રભાવ એક પળમાં અદશ્ય થઈ જાય છે. ” સારા” કે ‘ પુણ્યશાળી” બનવાની સાધના પણ ઊડી જાય છે. તે તો વ્યકિત જન્મથી જ છે ! તે માટે શિક્ષણ લેવાની પણ જરુર નથી.
    તો શિક્ષણે શું કરવાનું છે ?
    શિક્ષણે આ પૂર્ણતાને પ્રગટ કરવાની છે. તેની અભિવ્યકિત કરવાની છે.
    પૂર્ણતા હોય તો પછી તેને અભિવ્યકત કરવાની શા માટે જરુર છે ?
    કારણ કે આ પૂર્ણતા સુષુપ્ત છે, અપ્રગટ છે. અવ્યકત છે. છે તો જન્મથી જ, પણ છે સુષુપ્ત-ઢંકાયેલી. તેને પ્રગટ કરવાની છે. બહાર કાઢવાની છે. વ્યકત કરવાની છે.
    બસ ! શિક્ષકનું આ એક જ કામ છે- બાળકની પૂર્ણતાને અભિવ્યકત કરવાનું. તે ગમે તે વિષય ભણાવે, પણ તે દરમ્યાન સતત તેણે બાળકમાંની આ પૂર્ણતાની અભિવ્યકિત થતી રહે તે ધ્યાન રાખવાનું છે.
    એ કામ તે કેમ કરી શકે ?
    તે જયારે પણ વર્ગમાં પ્રવેશે, ત્યારે વિષય ભણાવવા પહેલાં બાળકોને કહેવાનું છે-” તમે પૂર્ણ છો.” એટલે કે ” તમારામાં ઈચ્છો તે કરવાની શકિત છે.” એટલે કે ” તમે બધું જ કરી શકો છો.” માની લો કે બાળક ગણિત કે ભાષા કે વિજ્ઞાન કે કોઈ અન્ય વિષયમાં નબળું છે. તો તેને ઠપકો આપવા બદલે કહેવાનું છે બેટા કે બેટી, તું ઈચ્છીશ તો આ વિષયમાં માસ્ટરી મેળવી શકીશ.” એટલે કે  નબળાઈ તરફ ધ્યાન ન આપ, પણ તારામાં “રહેલી પૂર્ણતાનો વિચાર કર.” બાળકને જો સતત તેની ક્ષમતાની યાદ અપાશે, તો બાળકનું ઘ્યાન તેના તરફ સ્થિર થશે. તે પોતાની ક્ષમતા પર તેને ફોકસ કરશે. તો તે વિષય તેને સરળ લાગવો શરુ થશે.
    પણ આ તો તાત્કાલીક પરિણામ આવે છે. મુદો એ નથી. મુદો છે તેની પૂર્ણતાને- અદભુત ક્ષમતાને- પ્રગટાવવાનો.
    બાળકને સતત યાદ અપાવતા રહેવાનું છે કે તે અદભુત વ્યકિતત્વ છે. તેનામાં કલ્પનાતીત ક્ષમતા છે. તે ધારે તે કરી શકે છે. તે ઈચ્છે તે વિષય શીખી શકે છે એટલું જ નહીં, તેમાં નિષ્ણાત પણ થઈ શકે છે. ક્ષમતાનું સ્મરણ થયું કે કહેવાતો અઘરો વિષય પણ સરળ બનવો શરુ થઈ જાય છે.
    આ સ્મરણનું બીજું શું પરિણામ આવે છે?
    એક વખત બાળકને પોતાની ક્ષમતાનું ભાન થાય કે તરત તેનામાં આત્મવિશ્વાસ આવવો-વધવો-શરુ થાય છે. સદીઓથી સમગ્ર જગત ધીમે ધીમે પ્રગતિ કરે છે તેનું એક માત્ર કારણ વ્યકિતમાં રહેલી ” લઘુતાર્ગ્રાથિ”’ છે. લઘુતાગ્રંથિના પરિણામે જ તેનામાં આત્મવિશ્વાસ નથી આવતો. માટે તેને કોઈ વિષય કે કામ કે જવાબદારી અઘરાં લાગે છે. તે શરુ કરતાં ખચકાય છે. પણ એક વાર તેને સ્મરણ થાય કે પોતે તો પૂર્ણ છે, તો તરત લઘુતાર્ગ્રાથિમાં ગાબડાં પડવાં શરુ થઈ જશે અને આત્મવિશ્વાસ વધવો શરુ થઈ જશે. હવે તેને ગમે તે વિષય ભણાવાય, ગમે તે કામ કે જવાબદારી સોંપાય, તો તે કરવા તે તૈયાર થઈ જશે. માત્ર તૈયાર જ નહીં થાય, તે સફળતાપૂર્વક કરશે.
    આવાં શિક્ષણને સ્વામીજી ‘ મનુષ્ય સર્જતું” ( મેન મેકીંગ) શિક્ષણ કહે છે. એટલે કે જયારે આત્મવિશ્વાસ વધે, પોતાની આત્મછબી પ્રબળ બને, પછી જ મનુષ્ય બનાય છે. માત્ર શરીર છે માટે માણસ નથી હોતો, આત્મવિશ્વાસ જન્મે પછી જ ” સાચો” માનવ જન્મે છે. આવા માણસ પાસે જ તેનું સાચું ચારિત્ર્ય” હોય છે. ચારિત્ય એટલે જગતના કોઈ પણ આકર્ષણમાં ન ફસાવું. જગતના બધા જ ભોગો ભોગવવાના છે, મળે તો, પણ તેના એક પળ પણ ગુલામ નથી બનવાનું. બધાં જ આકર્ષણ વચ્ચે પરમ સ્વતંત્ર રહેવાનું છે. જગતમાં કશું સારું નથી કે કશું ખરાબ નથી. બધું જ તેની જગ્યાએ બરાબર છે. માત્ર તેની ગુલામી ખરાબ છે. મળે તો ભોગવવાનું પણ છે અને જરુર પડે તો એક પળમાં ફેંકી દેવાની તાકાત પણ હોવી જોઈએ. આ કરી શકે તે જ
    ” માણસ” છે. બાકી માણસ હોવાનો કેવળ ” વહેમ.” આવા લોકોને કોઈ ભ્રષ્ટ ન કરી શકે. કોઈ લલચાવી ન શકે. ફસાવી ન શકે. ગુલામ પણ ન બનાવી શકે. આવી વ્યકિત સમગ્ર જગતની મિત્ર હશે, છતાં સ્વતંત્ર હશે. તેનામાં ક્ષણિક પણ આસક્તિ કે રાગ કે લોભ નહીં હોય. આ હોય તો તે ‘ માણસ.” બાકી જીવડા.
    કેવળ પૂર્ણત્વની સ્મૃતિ જ પોતામાં રહેલ મનુષ્યત્વને જન્માવી શકે. તે જ ચારિત્ર્ય સર્જી શકે. આવી વ્યકિત જ શિક્ષિત છે. આવી વ્યકિતનાં જ હાથ, હેયું અને મગજ કેળવાશે. આવો જ માણસ સમાજને ઉપયોગી બનશે. તે જ સમાજને ઉત્કર્ષ તરફ દોરી જશે. તે જ સાચો નેતા બની શકશે.
    તો, આ જ શિક્ષણનું કામ છે. પૂર્ણત્વ પ્રગટાવવાનું. ચારિત્ર્ય પ્રગટાવવાનું. પૂર્ણ સ્વસ્થ બનાવવાનું. બાકી બધું ગૌણ છે.
    આ પૂર્ણત્વ જ માણસને મુકત રાખશે. એટલે જ શાસ્ત્ર કહે છે કે ‘ સા વિદ્યા યા વિમુકતયે.” મુકત કરે તે વિદ્યા. વિષયો ભણાવાય છે તેને ” અવિદ્યા” કહે છે. અવિદ્યા એટલે ખરાબ નહીં, પણ બાહ્ય વિષયોનું શિક્ષણ. વ્યવહારિક જગત માટે તે જરુરી છે, પણ પૂર્ણતા વિના તે નકામી ઠરશે. પ્રથમ વિદ્યા, પછી અવિદ્યા. મુકત થયા પછી ગમે તે કરાય, કોઈ દોષ નહીં લાગે. ગુલામ જે કરશે,
    તે અધૂરું અને વ્યર્થ ઠરશે.
    શિક્ષકે આ એક જ કામ કરવાનું છે – બાળકને તેની ક્ષમતાની યાદ અપાવવાનું.
    અને હા, શિક્ષક પણ તે કરે તે પહેલાં તેણે પણ પોતાની પૂર્ણતાનો સ્પર્શ કરી લેવાનો છે. અપૂર્ણ વ્યકિત કોઈને પૂર્ણતા સમજાવી ન શકે. એ તો આંધળો આંધળાને દોરે જેવું થાય. બન્ને અજ્ઞાનના કૂવામાં પડી જાય !


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો

    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧

    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • બાળ ગગન વિહાર – મણકો – ૨૮ – વાત અમારી સાઝિયાની !!

    શૈલા મુન્શા

    માનવીનું મન પણ કેવું અજાયબ છે. કોઈ એક વાતનુ અનુસંધાન ક્યાંથી ક્યાં જોડાઈ જાય છે!!
    અમેરિકામાં જેમ સમયના પટ્ટા, તેમ ઉત્તર અને દક્ષિણમાં શાળાકિય વર્ષ પણ અલગ. અમારા ટેક્ષ્સાસમાં મે મહિનાના અંતભાગમાં સ્કૂલ બંધ થાય અને જુન મહિનામાં સમર સ્કૂલ હોય.  અહીંના બાળકો માટે NCLB (No child left behind) ની પધ્ધતિ પ્રમાણે જે બાળકો વાર્ષિક પરીક્ષામાં નાપાસ થાય એટલે કે ઉપલા ધોરણમાં ના જઈ શકે એમને એક મહિનો ફરી ભણાવવામાં આવે અને ફરી પરીક્ષા આપવાની એક તક આપવામાં આવે.
    આ તો થઈ સામાન્ય બાળકોની વાત, પણ અમારા સ્પેસીઅલ નીડના બાળકો પણ બે અઢી મહિના ઘરે રહે તો પાછું એકડે એકથી શરૂઆત કરવી પડે. જે બાળકોનો વિકાસ ધીમો હોય એમને ખાસ એક મહિનો વધારે સ્કૂલમાં આવવાની સગવડ મળે.
    એ વર્ષે અમારા નાના બાળકો અને બાજુના ક્લાસના મોટા બાળકો મોટાભાગના બીજી સ્કૂલમાંથી આવ્યા હતા. મોટા બાળકોમાં દસ વર્ષની આફ્રિકન છોકરી તાહિની પણ હતી. દરરોજ સ્કૂલ બસમાં આવતી આજે બસમાં નહોતી. તાહિનીની મમ્મી તે દિવસે એને મૂકવા આવી હતી. તાહિનીનો માસિક પીરિયડ ચાલુ થઈ ગયો હતો.
    તે દિવસે તાહિનીની મમ્મી સાથે વાત કરતાં જ મને અમારી સાઝિયા યાદ આવી ગઈ. થોડાં વર્ષો પહેલાં જ્યારે હું મોટા બાળકો સાથે કામ કરતી હતી ત્યારે સાઝિયા મારા ક્લાસમાં હતી. પાકિસ્તાની છોકરી, રંગ ઘંઉવર્ણો પણ ચહેરો ખૂબ નમણો ને બોલકી આંખો. થોડું થોડું બોલે, પણ આખો દિવસ હસતી જ હોય. એ જ વર્ષે મારા ક્લાસમાં બીજી પણ પાકિસ્તાની છોકરી અને એક મીડલઈસ્ટનો છોકરો હતાં. પહેલી નજરે તમને આ બાળકો એકદમ બીજા સામાન્ય બાળકો જેવા જ લાગે. કોઈ ખામી દેખાય નહી, અને માતા પિતાની કાળજી પણ દેખાઈ આવે. સુઘડ યુનિફોર્મ અને વ્યવસ્થિત ઓળેલા વાળ.
    સાઝિયા જ્યારે પાંચમા ધોરણમાં આવી અને એનામાં ફેરફાર દેખાવા માંડ્યો. નાની હતી ત્યારે પણ એને છોકરીઓ કરતાં છોકરાઓ સાથે વધુ ફાવતું. ક્લાસમાં મરિયમ કે લીસા સાથે બેસવાને બદલે, હકીમ કે હોસેની બાજુમાં બેસવાનુ પસંદ કરતી. ધીરેધીરે એના હાવભાવ અને ચાળા ચિંતાજનક બનવા માંડ્યા હતાં.
    દિવસમાં એક કલાક આ બાળકોને સંગીત, ડ્રોઈંગ, કસરત વગેરે  એમની ઉંમરના બીજા સામાન્ય બાળકોના ક્લાસમાં લઈ જતાં જેથી આ દિવ્યાંગ બાળકોની  social skill વધે, અજાણ્યા બાળકો સાથે વાતચીત કરવાની તક મળે, થોડો ડર કે સંકોચ દુર થાય, કારણ કોઈપણ માનસિક દિવ્યાંગ બાળકને એના કોચલામાંથી બહાર કાઢવો એ ભગીરથ કાર્ય છે.
    કુદરત પણ કમાલ છે. પેટની ભૂખ કે શરીરની ભૂખ, એ જ્ઞાન વિકસિત કે માનસિક રીતે અવિકસિત, સહુને સહજ જ સ્ફુરે છે. ઘડિયાળમાં જેમ એલાર્મ ગોઠવેલું હોય અને સમય થયે બીપ બીપ થાય તેમ ભલે માનસિક વિકલાંગતા હોય તોય કુદરત, કુદરતનું કામ કરે જ જાય છે.
    સાઝિયાને જ્યારે પણ ઈતર પ્રવૃતિના ક્લાસમાં લઈ જતાં, એ કોઈને કોઈ છોકરાની બાજુમાં બેસીને હસ્યાં જ કરતી. અજાણપણે એના ચહેરાના હાવભાવ બદલાવા માંડતાં. દસ વર્ષની સાઝિયામાં, બીજી કોઈ સમજણ તો વિકસિત નહોતી થઈ પણ આ હાવભાવે અમને સહુને વધુ જાગૃત કરી દીધાં! પરિસ્થિતિ એવી થવા માંડી કે સાઝિયા બાજુમાં બેઠેલા છોકરાનો હાથ પકડવા પ્રયત્ન કરતીં, એકધારૂં એની સામે જોઈ હસ્યા કરતીં, રમતના મેદાનમાં એની પાછળ પાછળ જ ફર્યાં કરતીં.
    દસ વર્ષના છોકરાંઓ સાઝિયાની આ રીતભાત સમજી નહોતા શકતા અને થોડા ડરના માર્યા સાઝિયાને જોઈ આઘાપાછાં થઈ જતા પણ સાઝિયા એમનો પીછો ના  છોડતી.
    અંતે એ દિવસ આવી ગયો, સાઝિયાની મમ્મી સાઝિયાને લઈ સ્કૂલે આવી. સોમવાર હતો અને સાઝિયા બે દિવસ પહેલાં પહેલી વાર માસિક ધર્મમાં આવી હતી. મમ્મી ગભરાયેલી, સાઝિયા થોડી સહેમી, સહેમી!

    માનસિક રીતે વિકલાંગ બાળકીઓ માટે  અને ખાસ કરી એમની મમ્મી માટે આ પરિસ્થિતિ કેવી રીતે સંભાળવી એ મોટી સમસ્યા હતી. અમેરિકામાં એ માટે ખાસ કાઉન્સિલરોની વ્યવસ્થા દરેક સ્કૂલમાં હોય અને વખતોવખત આ મમ્મીઓ માટે વિશેષ જાણકારી આપવા ખાસ સભાનુ આયોજન થાતું રહે અને એમને યોગ્ય માર્ગદર્શન મળતું રહે.

    માનસિક રીતે દિવ્યાંગ બાળકીઓ  શરીર ધર્મથી અણજાણ પણ, શારીરિક આકર્ષણથી નહિ, એ પરિસ્થિતિમાં કોઈ એમનો ગેરલાભ ન લે અને કોઈ એમને હાનિ ન પહોંચાડે એની તકેદારી રાખવી એ સહુની ફરજ બને છે. ખાસ કરીને આ બાળકીઓ જ્યાં સુધી અમારી દેખરેખમાં સ્કૂલમાં હોય ત્યારે અમારી સતત કાળજી હુંફ અને પ્રેમ ફકત આ બાળકીઓને જ નહિ પણ એમના કુટુંબીજનને પણ રાહત અપાવે છે.

    દિવસે દિવસે એક તરફ માનવીની નરાધમતા હદ વતાવી રહીછે તો બીજી તરફ સ્ત્રીઓમાં એ માટેની જાગૃતિ વધી રહી છે. નાનપણથી બાળકીઓને ઘરમાંથી જ good touch and bad touch વિશે સભાન કરવામાં આવે છે.

    મારા શાળાકિય જીવન દરમ્યાન આવા પ્રસંગોએ મને મારી જવાબદારીનું સતત ભાન કરાવ્યું છે, ખાસ કરી જ્યારે એ બાળકી એશિયન કે મેક્સિકન પરિવારની હોય ત્યારે એના માતા પિતાનો સહારો ખાસ તો ભાવનાત્મક રીતે બની એક પ્રેમ અને વિશ્વાસનો સેતુ હંમેશાં બાંધ્યો છે.

    આજે પણ સાઝિયા જેવી બીજી અનેક બાળકીઓ જ્યારે યાદ આવે છે તો દિલથી એક જ પ્રાર્થનાનું રટણ થાય છે કે ઈશ્વર હમેશ એમનુ રક્ષણ કરજો અને એમની નિર્દોષતા કાયમ બરકરાર રાખજો.


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • કોઈનો લાડકવાયો (૩૨) – ઝાંસી પર હુમલો

    દીપક ધોળકિયા

    ૧૭મી ડિસેમ્બર ૧૮૫૭ના રોજ હ્યૂ રોઝે આખી ફોજનો અધિકાર પોતાના હાથમાં લઈ લીધો અને ૧૮૫૮ની ૬ઠ્ઠી જાન્યુઆરીએ હૅમિલ્ટનને મોટી ફોજ સાથે સિહોર તરફ મોકલ્યો. રસ્તામાં ભોપાલની બેગમના આઠસો સિપાઈઓ પણ હૅમિલ્ટનની ફોજમાં જોડાયા. આ રીતે રોઝે રહેટગઢમાં ચાર દિવસની લડાઈ પછી પઠાણોના હાથમાંથી એમનો કિલ્લો કબજે કરી લીધો અને ત્યાંથી બાનપુર, સાગર, ગઢાકોટા કબજે કરી લીધાં હવે એ બુંદેલખંડ તરફ વળ્યો. હ્યૂ રોઝ અને કૉલિન કૅમ્પબેલ જાણતા હતા કે ઉત્તર હિન્દુસ્તાનમાં બળવાને કચડી નાખવો હોય તો ઝાંસી પર કબજો કરવાનું જરૂરી છે.

    મદનપુર પાસેની લડાઈમાં રોઝને પોતાને ગોળી વાગી અને એનો ઘોડો માર્યો ગયો. આગળ વધતાં શાહગઢનો રાજા ભાગી છૂટ્યો. બાનપુરમાં મદન સિંહ પણ લડ્યા વગર જ ભાગી છૂટ્યો. ૧૪મી માર્ચે ફોજ ઝાંસીથી માત્ર ૧૯ માઇલ દૂર હતી અને કોઇ પણ ઘડીએ ઝાંસી પર હુમલો થવાનો હતો પણ ત્યાં એમને ગવર્નર જનરલનો હુકમ મળ્યો કે ઝાંસીની વાત પછી, હમણાં ચરખારી તરફ જાઓ. એનો રાજા અંગ્રેજોનો મિત્ર હતો અને તાંત્યા ટોપેએ એના પર હુમલો કર્યો હતો., એટલે તાંત્યાને હરાવવાનો હતો. પણ હેમિલ્ટને કહ્યું કે ચરખારી ૮૦ માઇલ દૂર છે એટલે ઝાંસી પર પહેલાં કબજો કરી લેવો જોઈએ. ૨૦મી માર્ચે ફોજ ઝાંસીની તદ્દન નજીક આવી ગઈ.

    ઝાંસીનો કિલ્લો ઊંચાઈ પર બન્યો હતો અને બહુ મજબૂત હતો. એની દીવાલ એટલી પહોળી હતી કે આખી તોપ એના પરથી લઈ જઈ શકાતી. કિલ્લાની ફરતે ખાઈ હતી એટલે હુમલાખોર માટે કિલ્લામાં ઘૂસવું સહેલું નહોતું. રાણી પાસે ૫૧ તોપો હતી જેમાંથી કડકબિજલી, ઘનગરજત અને ભવાનીશંકર નામની તોપોને તો લોકકવિઓએ અમર બનાવી દીધી છે. કિલ્લા પર મોરચાબંધી કરવાનું અને દારૂગોળો લાવવા-લઈ જવાનું કામ સ્ત્રીઓ કરતી હતી!

    ૨૧મી માર્ચે હ્યૂ રોઝે કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો અને ક્યાંયથી પણ મદદ કિલ્લામાં ન પહોંચે તે માટે બધા રસ્તા બંધ કરી દીધા. કિલ્લાની અંદરની હીલચાલ જોવા માટે એક ઊંચી ટેકરી પર દૂરબીન પણ ગોઠવી દીધું. એક તારઘર પણ ઊભું કર્યું. એ જ સવારે બ્રિગેડિયર સ્ટૂઅર્ટ પણ પોતાની સેના લઈને આવી મળ્યો.

    ૨૩મી માર્ચે અંગ્રેજી ફોજે હુમલો શરૂ કર્યો પણ રાણીની ફોજે જડબાતોડ જવાબ આપ્યો તેમાં અંગ્રેજોના હોશકોશ ઊડી ગયા. બીજા દિવસની પરોઢે અંગ્રેજી ફોજે ૩૦૦ તોપો કિલ્લાની ફરતે ગોઠવી પણ ઉપરથી ઘનગરજતના ગોળાઓ પડતાં અંગ્રેજી ફોજના પગ ઊખડી ગયા. ૨૪મી માર્ચે અંગ્રેજોએ ભારે હુમલો કર્યો તેમાં ઝાંસીના તોપચીઓ માર્યા ગયા અને તોપો ગરજતી બંધ થઈ. કિલ્લાની રક્ષણ વ્યવસ્થા પશ્ચિમ બાજુથી નબળી હતી. કોઈ જાણભેદુએ અંગ્રેજી ફોજને પશ્ચિમ બાજુએથી હુમલો કરવાની સલાહ આપી.

    રાણીના રણકૌશલને કારણે ૩૧મી માર્ચ સુધી તો અંગ્રેજી ફોજ જીતનું સપનું જોઈ શકે એમ નહોતી. બીજી બાજુથી તાંત્યા ટોપે પણ વીસ હજારની સેના લઈને રાણીની મદદે આવી પહોંચ્યો. હ્યૂ રોઝ પાસે બન્ને સામે લડવા જેટલી તાકાત નહોતી. પરંતુ ચરખારી પર જીત મેળવ્યા પછી તાંત્યાની સેના બેદરકાર બની ગઈ હતી અને એનો પરાજય થયો. તાંત્યાના દોઢ હજાર માણસો માર્યા ગયા અને એને તોપો જેવો ભારે સરંજામ છોડીને કાલપી ભાગવું પડ્યું.

    લડાઈના અગિયારમાં દિવસે રાણીએ પોતાના સરદારોને ઇનામો આપીને બહુ પોરસાવ્યા. બીજી બાજુ કિલ્લાની અંદર મહેલો અને મંદિરોને ભારે નુકસાન થયું હતું. અંતે પાયદળ સેનાને કિલ્લાની અંદર ઘૂસવામાં સફળતા મળી. હાથોહાથની લડાઈ થઈ તેમાં બન્ને પક્ષે ભારે જાનહાનિ થઈ.

    હવે રાણી માટે ખરાખરીનો ખેલ હતો. એણે ખુલ્લી તલવાર હાથમાં લીધી અને પોતાના પંદરસો પઠાણ સૈનિકોની આગેવાની લઈને દક્ષિણના દરવાજેથી હુમલો કર્યો પણ અંતે એ પાછી ચાલી આવી. આ બાજુ શહેરમાં અંગ્રેજી ફોજે પાંચ વર્ષના બાળકથી માંડીને એંસી વર્ષના વૃદ્ધ, જે સામે મળ્યા તેમને ઝાટકે દીધા. એમણે ભારે લૂંટ મચાવી અને રાણીના મહેલમાંથી બધું લૂંટી લીધું.

    હવે રાણી પાસે કોઈ ઉપાય નહોતો. એણે બધા સરદારોને બોલાવીને કહ્યું કે પોતે આત્મહત્યા કરશે અને બાકીના સૌ પોતાના બચાવની વ્યવસ્થા કરી લે. પણ સૌની સલાહથી એ પુરુષ વેશમાં, દામોદર રાવને પીઠ પાછળ બાંધીને કાલપી તરફ નીકળી ગઈ. રાણી સાથે સૈનિકોની એક નાની ટુકડી પણ હતી. બીજા દિવસે પાંચમી ઍપ્રિલની સવારે અંગ્રેજ ફોજ કિલ્લામાં આવી ત્યારે એનો સામનો કરનાર કોઈ નહોતું.

    કાલપી પહોંચતાં માર્ગમાં એ થાક ઉતારવા અને પુત્રને ખવડાવવા રોકાઈ ત્યાં વૉકર એનો પીછો કરતો આવ્યો. રાણી તરત ભાગી પણ વૉકર છેક રાણીની લગોલગ પહોંચી ગયો. રાણીએ એ તલવારના એક ઘા સાથે એને જખમી કરી દીધો, એ ઘોડા પરથી નીચે પડ્યો અને રાણી આગળ નીકળી ગઈ. રાતે બાર વાગ્યે લક્ષ્મીબાઈનો ઘોડો કાલપી પહોંચ્યો.

    કાલપીની લડાઈ

    ૧૮૫૭ના જૂનમાં બળવો શરૂ થયો ત્યારે ઝાંસી અને કાનપુરના વિદ્રોહીઓ કાલપી આવી ગયા હતા. ત્યાંના એક ડેપ્યુટી કલેક્ટરને મારીને એમણે કાલપીમાંથી અંગ્રેજ રાજનો અંત આણી દીધો હતો. અહીં નાનાસાહેબના નાના ભાઈ રાવ સાહેબનો મુકામ હતો. આથી રાણીને આ સ્થાન ફાવે તેમ હતું. આશ્ચર્ય એ વાતનું છે કે અંગ્રેજોએ ઝાંસીને ઘેરો ઘાલ્યો ત્યારે રાવસાહેબે કેમ મદદ ન કરી.

    હ્યૂ રોઝ પણ કિલ્લાઓ જીતતો કાલપી ભણી આવતો હતો. કાલપીમાં કર્નલ મૅક્સવેલ એક શીખ પલટન સાથે એને મળવાનો હતો. કાલપીની લડાઈમાં લક્ષ્મીબાઈ ઘોડાની લગામ મોઢામાં અને બે હાથે તલવાર વીંઝતી દુશ્મનની તોપો સુધી લડતી પહોંચી ગઈ. એના અદમ્ય સાહસથી બીજા સરદારોને પણ જોશ ચડ્યું. પરંતુ પેશવાની સેના જલદી હિંમત હારી બેઠી અને અંગ્રેજ ફોજ બમણા જુસ્સાથી હુમલા કરવા લાગી.૨૪મી એપ્રિલે અંગ્રેજી ફોજે કાલપી સર કરી લીધું. કિલ્લામાં તાંત્યાટોપેની મહેનતથી લડાઈનો ભારે સરંજામ એકઠો થયો હતો તે બધો અંગ્રેજી ફોજના હાથમાં આવી ગયો.

    ગ્વાલિયરની લડાઈ

    કાલપીનું પતન થતાં લક્ષ્મીબાઈ અને રાવ સાહેબ ગ્વાલિયર તરફ નીકળી ગયાં અને રસ્તામાં ગોપાલપુર ગામે રોકાયાં. તાંત્યા પણ એમને ત્યાં જ મળ્યો. પેશવાનો મિત્ર અને વિદ્રોહી બાંદા નવાબ પણ ત્યાં જ આવી ગયો. .આગળ શું કરવું એ સમજાતું નહોતું પણ રાણી લક્ષ્મીબાઈએ સલાહ આપી કે કિલ્લો હાથમાં ન હોય તો લડી ન શકાય. એટલે બધા ગ્વાલિયર તરફ રવાના થયા. ગ્વાલિયરના જિયાજીરાવ સિંધિયા અને કંપની વચ્ચે સારા સંબંધ હતા. કંપની રાજમાં ગ્વાલિયર એક અગત્યની કડી જેવું હતું. પરંતુ ગ્વાલિયરમાં ગોઠવાયેલી ફોજના હિન્દી સિપાઈઓ અને ખુદ સિંધિયાની દસ હજારની ફોજમાં અંગ્રેજો સામે ઊકળાટ હતો અને વિદ્રોહની આગ અહીં સુધી પહૉંચી હતી. એમાં સિંધિયાએ અંગ્રેજ કુટુંબોને સહી સલામત આગરા પહોંચાડી દીધાં હતાં.

    બળવાખોરો સિંધિયાનું મન કળી નહોતા શકતા એટલે એમણે ત્રણસોની એક ટૂકડી બનાવીને જિયાજી રાવને જાણ કરી કે તેઓ આગરા પર હુમલો કરવા માગે છે. સિંધિયાએ એમાં મદદ કરવાની ના પાડી દેતાં એની અંગ્રેજ તરફી નીતિ જાહેર થઈ ગઈ.

    આ બાજુ રાવસાહેબ અને રાણી લક્ષ્મીબાઈએ સિંધિયાને મિત્રભાવે લખ્યું અને દક્ષિણ તરફ જવામાં એની મદદ માગી, બીજી બાજૂથી તાંત્યાએ એના લશ્કરમાં ઘૂસીને વિદ્રોહ માટે સિપાઈઓને તૈયાર કર્યા. સિંધિયાએ વિદ્રોહીઓ સામે લડવાની તૈયારી કરી લીધી.

    જૂનની પહેલી તારીખે સિંધિયાએ પોતે જ ફોજનું સુકાન સંભાળ્યું અને તાંત્યાની ફોજ પર તોપમારો કર્યો. રાવસાહેબની ફોજ એમ માનતી હતી કે તોપગોળા તો એમના સ્વાગત માટે ફેંક્યા છે. પરંતુ રાણી લક્ષ્મીબાઈને સ્થિતિ સમજાઈ ગઈ અને એમણે ગ્વાલિયરના સૈન્ય પર જોરદાર હુમલો કર્યો. સિંધિયાની મોટા ભાગની સેના તો સિંધિયાને છોડી ગઈ પણ જિયાજી રાવે પોતે થોડા અંગરક્ષકોની મદદથી લડાઈ ચાલુ રાખી. બન્ને પક્ષો વચ્ચે ભારે તલવારબાજી થઈ, અંતે જિયાજી રાવે પીછેહઠ કરી અને અંગ્રેજોની આગરાની ગૅરિસનને આશરે પહોંચી ગયા. વિદ્રોહીઓએ ગ્વાલિયરમાં પ્રવેશ કર્યો. ફોજ તો પહેલાં જ મનથી વિદ્રોહીઓ ભેગી થઈ ગઈ હતી. તાંત્યાની ફોજી ટૂકડી કિલ્લા પાસે પહોંચી ત્યારે સિંધિયાના સરદારોએ જાતે જ દરવાજા ખોલી દીધા.

    હ્યૂ રોઝ ઝાંસી અને કાલપીના વિજયને માણી શકે તે પહેલાં એને ગ્વાલિયરના પતનના સમાચાર મળ્યા. એણે તરત ગ્વાલિયર પર હુમલાની તૈયારી કરી દીધી. એની ફોજ ગ્વાલિયરની નજીક પહોંચી આવી ત્યાં સુધી રાવસાહેબ કે તાંત્યા ટોપેને એની ખબર પણ ન

    પડી. ૧૬મી જૂને હ્યૂ રોઝના ઓચિંતા હુમલા સામે વિદ્રોહીઓની ફોજ વેરણછેરણ થઈ ગઈ. હવે રાણી લક્ષ્મીબાઈએ સુકાન સંભાળી લીધું અને ફરી બધાને લડવા માટે તૈયાર કર્યા.

    રાણીનો અંત

    ૧૭મી જૂને અંગ્રેજોની સેના આગળ વધી કે તરત જ રાણીએ તોપમારો શરૂ કરી દીધો. અંગ્રેજોને પીછેહઠ કરવી પડી. પરંતુ એ તો માત્ર થોડા વખત માટે જ. એમણે ફરી સજ્જ થઈને હુમલો કર્યો. આ વખતે રાણીની ફોજના પગ ડગમગવા લાગ્યા. બીજા દિવસે પણ ભારે લડાઈ ચાલી. ત્રીજા દિવસે ૧૯મી તારીખે રાણી અને એની એક દાસી પુરુષ વેશમાં યુદ્ધના મેદાનમાં ઊતરી પડ્યાં. એમણે ઘણાને કાપી નાખ્યા પણ એક તલવારનો ઘા એના માથાના જમણા ભાગ પર પડ્યો. રાણીની આંખ બહાર નીકળી આવી પણ એ તે પછી પણ ઘોડો દોડાવતાં કોટે કી સરાય ગામે પહોંચી ગયાં.

    ૧૯મી જૂન ૧૮૫૮ના દિવસે આ વીરાંગના મૃત્યુની ગોદમાં વિલય પામી. ખરું જોતાં એ માત્ર રાણીનો નહીં. ૧૮૫૭ના વિદ્રોહનો પણ અંત હતો.

    સંદર્ભઃ

    ૧. Rani Lakshmibai of Jhansi, Shyam Narayan Sinha, Chugh Publications, Allahabad, 1980 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

    ૨. झांसी की रानी (ऐतिहासिक उपन्यास) वृंदावन लाल वर्मा, मयूर प्रकाशन, झांसी/दिल्ली. छठ्ठा संस्करण,1956 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

    ૩. झांसी की रानी लक्ष्मीबाई, दत्तात्रेय बलवंत पारसनीस (मराठी से हिंदी में अनुवाद) गांधी हिन्दी पुस्तक भंडार, साहित्य भवन जान्स्टनगंज, प्रयाग. दूसरा संस्करण,1925. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

    ૪. કરજો યાદ કોઈ ઘડી…શહીદોના પત્રો. (મૂળ હિન્દી ‘યાદ કર લેના કભી…શહીદોં કે ખત’નો અનુવાદઃ દીપક ધોળકિયા) પ્રકાશન વિભાગ, ભારત સરકાર, ૧૯૯૭.


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

     

  • શ્યામવર્ણી હીમસુંદરી અને શ્યામ મૂળની મત્સ્યકન્યા

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    “હે દેવ! મને એવી સુંદર દીકરી આપો કે જેની ત્વચા હીમ જેવી શ્વેત, હોઠ રક્ત જેવા લાલ અને વાળ અબનૂસ જેવા કાળા હોય.” આ વાક્ય પરથી જ ખ્યાલ આવી જાય કે વાત ‘સ્નોવ્હાઈટ’ની થઈ રહી છે.

    અસલમાં જર્મનીની આ પરીકથા ઓગણીસમી સદીમાં ‘સ્નોવ્હાઈટ એન્‍ડ સેવન ડ્વાર્ફ્સ’ લખાઈને પ્રકાશિત થઈ હતી. પણ તેને કદાચ વિશ્વવ્યાપી ખ્યાતિ મળી ૧૯૩૭માં રજૂઆત પામેલી વૉલ્ટ ડિઝનીની એનિમેશન ફિલ્મ દ્વારા. આ વાર્તા પાઠાંતરે અનેક દેશોમાં પ્રચલિત છે. આજકાલ આ વાર્તા ફરી એક વાર સમાચારમાં ચમકી છે. તેનું કારણ ઝટ માન્યામાં ન આવે એવું, સાવ જુદું જ છે.

    વૉલ્ટ ડિઝની કંપની નવેસરથી ‘સ્નોવ્હાઈટ એન્‍ડ સેવન ડ્વાર્ફ્સ’ ફિલ્મનું નિર્માણ કરી રહી છે, પણ તે એનિમેશન ફિલ્મ નથી, બલ્કે વિવિધ કલાકારોને લઈને બનાવાઈ રહી છે. અહેવાલ અનુસાર સ્નોવ્હાઈટની મૂળ કથામાં પણ સમયાનુસાર અને સમયોચિત ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં સ્નોવ્હાઈટને દુ:ખિયારી રાજકુંવરી તરીકે નથી ચિતરાઈ કે જે રાજકુંવરની રાહ જોઈ રહી હોય.

    ફિલ્મમાં સ્નોવ્હાઈટનું પાત્ર રેચલ ઝેગ્લર નામની દક્ષિણ અમેરિકન અભિનેત્રી ભજવી રહી છે. અને આખો વિવાદ આ અભિનેત્રીની પસંદગીનો જ છે. રેચલ દક્ષિણ અમેરિકન હોવાને કારણે સામાજિક પ્રસારનાં માધ્યમો પર વંશીય ટીપ્પણીઓનો ભોગ તેમણે બનવું પડ્યું છે. તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. સાવ સીધીસાદી, મનોરંજક અને કંઈક અંશે બોધદાયક એવી આ વાર્તા પરથી અત્યંત સફળ ફિલ્મ બની ચૂકી છે. હવે ફરી વખત તે બનાવવામાં આવે અને તેણે કેટલાક લોકોના રોષનો ભોગ બનવું પડે એ વર્તમાન સમયની તાસીર છે. સ્નોવ્હાઈટ જેવી હીમસુંદરીની ભૂમિકામાં કોઈ દક્ષિણ અમેરિકન અભિનેત્રીને લેવામાં આવે એ બાબત જ કેટલાક લોકો જીરવી શકતા નથી.

    રેચલ ઝેગ્લર = સ્નોવ્હાઈટ તસવીર – નેટ પરથી

    આ અગાઉ પણ એક પરીકથા પરથી બની રહેલી ફિલ્મે આવા વિવાદનો સામનો કરવાનો આવ્યો હતો. હાન્‍સ ક્રિશ્ચિઅન એન્‍ડરસનની ખ્યાતનામ વાર્તા ‘ધ લીટલ મરમેઈડ’ પરથી ડિઝનીએ એ જ નામની એનિમેશન ફિલ્મ બનાવી હતી. આ વાર્તા પર આધારિત લાઈવ એક્શન ફિલ્મ મે, ૨૦૨૩માં રજૂઆત પામી. પણ તેના મુખ્ય કલાકારોની ઘોષણા અગાઉ 2019માં કરવામાં આવી હતી. તેમાં મત્સ્યકન્યા એરિઅલના મુખ્ય પાત્ર માટે આફ્રિકન મૂળની અમેરિકન અભિનેત્રી હાલી બેલીની પસંદગી કરવામાં આવી હતી. આ ઘોષણાને પગલે પણ કેટલાક લોકોએ કકળાટ મચાવ્યો હતો.

    ગોરી ત્વચા સર્વોત્તમ અને સર્વોચ્ચ હોવાની માનસિકતા આ પ્રકારના વિવાદ અને વિરોધ પાછળ કારણભૂત હતી. શ્યામરંગી ત્વચા પ્રત્યેનો અભાવ લગભગ સાર્વત્રિક હોય એમ જણાય છે, જે વખતોવખત એક યા બીજી રીતે છતો થતો રહેતો હોય છે. સંબંધિત પાત્ર માટે કલાકારની પસંદગી તેની યોગ્યતાના બળે કરવામાં આવે છે, નહીં કે તેના વંશીય મૂળના આધારે. આ ઉપરાંત ફિલ્મનિર્માતાઓ માટે ફિલ્મનું નિર્માણ એક વ્યવસાય છે, જેમાં અઢળક નાણાંનું રોકાણ થતું હોય છે. આથી માત્ર ને માત્ર વિવાદ ઊભો કરવા માટે આ પ્રકારે પસંદગી કરાતી હોય એ ગળે ઊતરે એવી વાત નથી.

    થોડા મહિના અગાઉ ‘નેટફ્લિક્સ’ પર ચાર ભાગમાં મૂકાયેલી દસ્તાવેજી શ્રેણી ‘ક્વિન ક્લિઓપેટ્રા’માં ઈજિપ્તની કુંવરી ક્લિઓપેટ્રાની ભૂમિકા કરતી અભિનેત્રીની પસંદગીનો પણ વિરોધ થયો હતો. શ્યામવંશીય મૂળની બ્રિટિશ અભિનેત્રી અડેલ જેમ્સના ભાગે એ ભૂમિકા ફાળવવામાં આવી હતી. ઈજિપ્તવાસીઓને આ બાબતે ગંભીર વાંધો પડ્યો હતો.

    સ્નોવ્હાઈટની આ ફિલ્મમાં નિર્માતાઓ દેખાવ અને તેને લગતી બીબાંઢાળ માન્યતાઓ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. વાર્તામાં મહત્ત્વનાં પાત્ર એવા સાત વેંતિયાઓને બદલે સામાન્ય કદકાઠીના કલાકારોને લેવાનો નિર્ણય લીધો. અલબત્ત, આ નિર્ણયે કુદરતી રીતે ઠીંગણા હોય એવા કલાકારોના સમુદાયમાં અસંતોષ પેદા કર્યો અને તેમને લાગ્યું કે એમ કરવાથી તેમના સમુદાયની રોજગારીને જે મર્યાદિત તકો છે એ પણ છીનવાઈ રહી છે.

    આ પ્રકારના સમાચાર જાણવામાં આવે ત્યારે એ બાબતનું વારેવારે ભાન થતું રહે છે કે માનવ ભલે ને ગમે એટલી વૈજ્ઞાનિક પ્રગતિ કરે, ભેદભાવના મૂળિયાં એટલાં ઊંડે સુધી ઊતરેલાં છે કે તે એ માટેનું કોઈ પણ કારણ શોધી કાઢશે.

    આપણો દેશ ભેદભાવ બાબતે અનેકગણો આગળ છે. અહીં ન્યાતજાતના ભેદભાવથી લઈને ધર્મ આધારિત ભેદભાવ વચ્ચેની વ્યાપક શ્રેણી અમલમાં છે. આ ભેદભાવનું પણ જાણે કે રાષ્ટ્રીયકરણ કરાયેલું છે. એક સમયે કોંગ્રેસનું શાસન હતું ત્યારે લઘુમતિ કોમ એટલે કે મુસ્લિમો તરફનો તેનો પક્ષપાત જાણીતો હતો. તેની પ્રતિક્રિયારૂપે તેના વિરોધ પક્ષ એવા ભા.જ.પે. મુસ્લિમદ્વેષને વ્યાપક બનાવ્યો. આમ, શાસક બદલાયા, પરિસ્થિતિ બદલાઈ, પણ તેનો લાભ શાસકોને જ થયો, અને નાગરિકો નુકસાનમાં જ રહ્યા. વર્તમાન સમયમાં વિવિધ સમુદાય વચ્ચેના ભેદભાવ વધુ ને વધુ પ્રગટ બની રહ્યા છે, અને તે ચિંતાનો નહીં, ગૌરવનો વિષય ગણાય છે.

    અમેરિકામાં વંશીય ભેદભાવ સાવ નથી એમ કહી ન શકાય, પણ ફિલ્મમાં કલાકારોની પસંદગી જેવી બાબતે કેટલાક લોકો દ્વારા કરાતો વિરોધ દર્શાવે છે કે લોકોના માનસમાં તે ઊંડે સુધી જડ ઘાલી ગયેલો છે. ભલે આવો વિરોધ કરનારાઓની સંખ્યા ઓછી હોય, પણ એ વર્ગ બોલકો હોય છે. તેમને પોતાની આવી માન્યતા બદલ શરમ નહીં, ગૌરવ હોય છે. માનવ એક માત્ર એવું પ્રાણી છે કે જે સમાનતાની વાતો કરે છે, પણ સમાનતા તેને ગમતી નથી. તેને કોઈ પોતાની ઉપર જોઈએ, કાં પોતાની નીચે. સમાનતાનો મહિમા કરતા વિવિધ વાદનું અસ્તિત્વ આ જ કારણે છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧ – ૦૯ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કલમના કસબી : કનૈયાલાલ મુનશી – આત્મકથા: સ્વપનસિદ્ધિની શોધમાં – ૨

    પુસ્તક પરિચય

    રીટા જાની

    સ્વપ્ન એ માનવીની મનોભૂમિના પ્રદેશમાં અંકુરિત થતું વૃક્ષ છે. જ્યારે માનવીની દૃષ્ટિ ક્ષિતિજને આંબે છે ત્યારે સ્વપ્ન પ્રદેશ શરૂ થાય છે. સ્વપ્ન એ વર્તમાનની કંઇક વિશેષ છે. અને તેથી જ માનવી સ્વપ્નસિદ્ધિની શોધમાં નીકળી પડતો હોય છે. સ્વપ્નસિદ્ધિ એ આકાંક્ષા અને વાસ્તવનું મિલનબિંદુ છે. ગત અંકમાં આપણે વાત શરૂ કરી હતી મુનશીની આત્મકથા “સ્વપ્નસિદ્ધિ શોધમાં”  પુસ્તકની. ત્યારે આપણા મનમાં જે અનેક પ્રશ્નો ઉદભવ્યા તેના જવાબો એક પછી એક જોઈએ.

    અખો કહે છે એમ હસવું ને લોટ ફાકવો એ બે સાથે ન બને. પ્રેમમાં પણ એવું જ છે. પ્રેમમાં લોકલાજનો ભય ન હોય અને લોકનિંદાની શરમ ન હોય. ઉત્કટતા અને તીવ્રતા વગર  પ્રેમ શક્ય નથી.  પ્રણયના અનુભવે સ્વૈરવિહારી મુનશીના જીવનમાં મેઘધનુષના રંગ લાવી દીધા હતા. યુરોપનો મોહ તો હતો જ, ત્યાંના સાહિત્યસ્વામીઓએ મુનશીની કલ્પના અને કલાદૃષ્ટી સમૃદ્ધ કર્યા હતા. મુનશી, તેમના પત્ની લક્ષ્મી અને પ્રિયતમા લીલાવતી સાથે સ્ટીમરમાં બેસી યુરોપના પ્રવાસે નીકળ્યા. લીલાએ પોતાની નોંધમાં લખ્યું. “થોડા મહિના માટે સંવાદી આત્મા સાથે સહજીવન. આવું સુખ થોડા દિવસ મળે તોય બધું હોમી દીધેલું સાર્થક”. મુનશીની સૌંદર્ય અનુભવવાની શક્તિ – રસવૃત્તિ- સુક્ષ્મ બની ગઈ હતી. જગત ક્ષણે ક્ષણે નવીનતા પ્રાપ્ત કરતું હતું. ચારે તરફ સમુદ્ર અને વ્યોમ એક થયેલા દેખાય, એ પર કૌમુદી મીઠી અસ્પૃશ્ય મોહકતા પ્રસારે, એ મોહકતામાં સૂર્યાસ્તના સૌંદર્યનો અનુભવ- ભૂમધ્ય સમુદ્રના ઉછાળામાં પણ અદ્ભુત આનંદ હતો. ત્યાં વાયુ મદમત્ત થઈ વાતો, ત્યાં ફીણના પ્રવાહમાં રંગનાં મેઘધનુષ્ય દેખાતા, ત્યાં સ્વર્ગનું વાતાવરણ પ્રસરતું ને અવર્ણનીય આહ્લાદ રગરગમાં પ્રસરતો. સમુદ્રના તરંગોમાં મુનશીને કલ્પનાતરંગોના પડઘા સંભળાતાં. સ્થૂળ દેહે  મુનશી, લક્ષ્મી અને લીલાવતી – ત્રણે જણ સવારસાંજ ફરતાં, વાતો કરતાં, ખાતાં, પીતાં ને મોજ કરતાં. ને મુનશીનો સુક્ષ્મ દેહ ઉલ્લાસની પાંખે સ્વૈરવિહાર કરતો. યુરોપની મુસાફરીમાં રૂપાળી લક્ષ્મીના શ્વેત રંગમાં મોહક લાલાશ આવી હતી.

    યુરોપ પાસે કુદરતી સૌન્દર્ય છે, સમૃદ્ધ સાહિત્ય અને કલાનો વારસો છે, ધાર્મિક અને ઐતિહાસિક સ્મારકો ને મહાલયો છે, જગવિખ્યાત ચિત્રો, સ્થાપત્યો અને ઓપેરા પણ છે. પ્રવાસ માટેનું એક મોહક અને આકર્ષક સ્થાન. મેં અને તમે પણ યુરોપ જોયું હોય, પણ મુનશીની દૃષ્ટિએ યુરોપ જોવું ને તેમના શબ્દો દ્વારા તેને માણવું એ એક લ્હાવો છે. એડન, બાબેલમાંડળની સામુદ્રધુની, વિશ્વકર્માને ટપી જવાનો ઉત્સાહ દેખાડતી સુએઝ કેનાલ, બ્રિંડીસી, ગ્રીક ને રોમન શિલ્પકૃતિઓનો અદ્ભુત કલા ઇતિહાસ ધરાવતું યુરોપનું રમણીયતમ નગર નેપલ્સ, જ્વાળામુખી વિસુવિયસ અને લાવારસમાં દટાયેલા પોંપીઆઈની મુલાકાત બાદ તેઓ રોમ પહોંચ્યા. સનાતન રોમ વિશે તેમણે ઇતિહાસ ને નવલકથામાં જે વાંચ્યું હતું તે જોઈ મુનશીની ઐતિહાસિક કલ્પનાના ઘોડા ચારે પગે ઉછળતા ચાલ્યા. પીટરના દેવાલયનું સ્થાપત્ય જોઈ સૌન્દર્ય અને ભવ્યતા વચ્ચેનો ભેદ સમજાયો. વેટિકનમાં સૈકાઓના કલાસ્વામીઓના ચિત્રો, શિલ્પકૃતિઓ ધરાઈને જોઈ સાથે નામદાર પોપનાં દર્શન પણ કર્યા.

    રોમથી તેઓ પહોંચ્યા ફ્લોરેન્સ, જે મુનશીને મન પ્રણયનું પાટનગર હતું. રોમિયો ને જુલીયટની ભૂમિ, મહાકવિ દાંતે રસગુરુ ગોએથે, જગદગુરુ માઈકલ એન્જેલો ને સર્વગ્રાહી સ્વામી લિયોનાર્ડો દ વિન્ચીની ભૂમિ. બહુ જોયું, બહુ ફર્યા ને આખરે નોંધ્યું : “દેવાલયોનો અભરખો ને અપચો. કલાદૃષ્ટીની એકદેશીયતા. ખ્રિસ્તની મૂર્તિના એકધારાપણાથી આવેલો કંટાળો.” ત્યાંથી વેનિસ, મિલાન અને કોમો ગયા. મુસાફરીનો પ્રથમ ઉત્સાહ જતો રહ્યો હતો. નવા નવા દ્રશ્યોની મોહિની પણ ઓછી થઈ હતી. સાહચર્યમાંથી ઘણીવાર નિરાશાના કરુણ સૂર સંભળાતાં ગયા. કોમોનું રમણીય સરોવર, લ્યુગાનોના નાના શ્રુંગોના રંગની રમણીયતા માણતા, આત્માના સંગીત અને અવાજના સંગીતની તુલના કરતાં તેઓ લ્યુસર્ન આવ્યા, જેને તેઓ તેમની યાત્રાનું પરમધામ માનતા હતાં.

    …. અને સ્વપ્નસિદ્ધિની શોધમાં નીકળેલ મુનશીની સહયાત્રામાં આપણને પણ પ્રશ્ન થાય કે શું ઇતિહાસનીઅટારી એ સ્વપ્નપ્રદેશનો અંત છે? ઇટાલીની ઇતિહાસયાત્રાના અંતમાં સ્વપ્નની પૂર્ણતા મળી શકે? સ્વપ્ન એ ક્ષિતિજ છે, જ્યાં માનવી ઝંખે છે પૂર્ણતા…પણ પૂર્ણવિરામ હંમેશા અનેક અલ્પવિરામનો સરવાળો હોય છે અને તેથી જ મુનશીની સાથે  આપણે પણ એક અલ્પવિરામ પર છીએ …પણ મંઝિલ છે સ્વપ્નની પૂર્ણતા તરફ, સ્વપ્નસિદ્ધિ તરફ…

    આવતા અંકે એક નવા પ્રદેશ તરફ…


    સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com