-
મંઝિલ વગરની સફર
પુસ્તક પરિચય

આઝાદી સમયની જીવનશૈલી અને માનવીય સંબંધોની ગૂંથણીનો હળવાશભર્યો દસ્તાવેજ પરેશ પ્રજાપતિ
સામાન્ય સમજણ અનુસાર કોઇ ઉચ્ચતમ સિદ્ધિ મેળવી હોય એ પોતાનાં જીવન વિશે કશું લખે, જેથી અન્યોને પ્રેરણા મળી રહે! વ્યક્તિના જીવનમાં સંઘર્ષો અથવા અણધાર્યા વળાંકો હોય તો એ લખવા માટેની દાવેદારી પાકી મનાય. જો કે પુસ્તક ‘મંઝિલ વગરની સફર’ના આલેખક ડૉ. યોગેશ પુરોહિત જીવનના સ્વાભાવિક ક્રમમાં બાળકમાંથી કિશોર અને યુવાન થયા. શિક્ષણના સ્વાભાવિક ક્રમમાં તેમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને નોકરી મેળવી; લગ્ન કર્યું અને સંસાર માંડ્યો. નથી તેમના જીવનમાં કોઈ મોટા સંઘર્ષો કે નથી ચોક્કસ ધ્યેય હાંસલ કરવાની ધખના. બલકે, યોગેશભાઇની જીવનસફર ‘જો મિલ ગયા ઉસી કો મુકદ્દર સમઝ લીયા’ની ફિલસુફી પર આગળ ધપતી જણાય છે. જેમ કે, તેમનો ઝુકાવ ભાષા તરફ પણ નોકરી ઝડપથી મેળવવાના હેતુથી ભણ્યા અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં તો ઇતિહાસ ભણ્યા! પીએચ.ડી. કરવાની ઇચ્છા હતી મોનેટરી ઇકોનોમિકસમાં, પણ કર્યું લેબર ઇકોનોમિક્સમાં! નોકરીઓ પણ અલગ અલગ કરી. આમ, તેમની સફર અનિશ્ચિતતાના પથ પર આગળ ધપતી રહી. તેથી જ યોગેશભાઇએ તેને ‘મંઝિલ વગરની’ કહી છે. જો કે, યોગેશભાઇનો જન્મ(૧૯૪૧) આઝાદી પહેલાંના રાજપીપળા સંસ્થાનમાં થયો હોવાથી તેમની સ્મરણકથામાં એ સમયનું પ્રતિબિંબ ઝિલાયું છે.
૧૬૨ પાનમાં આલેખાયેલી યોગેશભાઇની જીવનસફરના આલેખમાં તત્કાલિન રાજપીપળાનું, ચોક્કસ ખૂબીઓ ધરાવતી નગરની વિશિષ્ટ વ્યક્તિઓનું તેમજ પરસ્પર સંબંધોની ગૂંથણીનું વર્ણન વાંચવા મળે છે. ‘રાઇ, મેથી જેવી વસ્તુઓ દિવાસળીની પેટીઓમાં અને ચા- ખાંડ સિગારેટના ડબ્બામાં રહેતા.’ એ પરથી ઘરની પાતળી આર્થિક સ્થિતી વિશે ઠીક તાગ મળે છે. જો કે, જીવનના વિવિધ તબક્કે પિતાએ ઉભી કરેલી શાખ ઘણી ઉપયોગી નીવડ્યાના કિસ્સા તેમણે લાક્ષણિક શૈલીમાં આલેખ્યા છે.
પુસ્તકમાં કેટલાંક અભાવો સાથે જીવાતા ગ્રામ્યજીવનમાં ‘વન મેન આર્મી’ જેવા મકાનના પ્લાનિંગથી માંડી ઇન્ટીરીયર ડિઝાઈન સુધીનાં તમામ કામ સંભાળતા દલસુખ મિસ્ત્રી કે બાળકની જન્મકુંડળી બનાવવાથી માંડી તેનાં લગ્ન અને ભવિષ્યની બાબતો વિશે સેવા આપતા શિવપ્રસાદ જોષી જેવી વ્યક્તિઓનાં રસાળ પાત્રાલેખનો વાંચવા મળે છે. એ ઉપરાંત પુસ્તકમાં તે સમયની શિક્ષણ પ્રણાલી વિશે માર્મિક ચિતાર આપતાં તેમણે લખ્યું છે,- ‘છોકરો ભણે નહીં તો મારજો’ અને તોફાન કરે તો મારજો’ આ બે વાક્યોમાં મા- બાપની જવાબદારી પૂરી થઇ જતી અને શિક્ષકની જવાબદારી શરૂ થતી. એ સાથે શાળામાં સાહજિક રીતે પીરસાતા સામાન્ય જ્ઞાન તથા વિદ્યાર્થીની વ્યક્તિગત ધોરણે અપાતી જીવનોપયોગી ટિપ્પણીઓ પણ તેમણે નોંધી છે. પહેલી વખત શાળાએ જતી વખતે બાળકને મળતાં માનપાન અને બીજા દિવસે થતા વાસ્તવિકતાનો અહેસાસ, બેચલર લાઇફના પ્રસંગો તથા જમવાનું બનાવવાનાં વિવિધ પ્રયોગો સહિત અનેક મજેદાર આલેખનો વાંચવા મળે છે.
પૉલીસની કટિબદ્ધતાના એક કિસ્સામાં તેમણે નોંધ્યું છે કે પોતાની સાયકલ યોગ્ય સ્થળે પાર્કિંગ નહીં કરવા બદલ પોલીસે તેમને મેમો પકડાવ્યો હતો. એટલું જ નહીં, તેનો દંડ ન ભરતાં પોલીસ ઘેર આવીને વસૂલી ગઇ હતી! અમદાવાદી ખાસિયતનો પરિયચ આપતાં તેમણે લખ્યું છે કે ક્યાંય અકસ્માત વખતે લોકટોળું જામે એટલે પોલીસ લાયસન્સ ચેક કરવાનું શરૂ કરી દે. આ અવલોકનો જે- તે સમયની વાસ્તવિકતા ઉજાગર કરે છે.
યોગેશભાઇએ ભરૂચનો એક કિસ્સો નોંધ્યો છે કે તેમનાં ઇન્ટર્વ્યુની આગલી રાત્રે તે ભરુચ પહોંચ્યા ત્યારે રાત ક્યાં કાઢવી તે પ્રશ્ન ઊભો થયો. કોઈ સુવિધા ન હોવાથી તે સમયે પાંચબત્તી વિસ્તારની બંધ થવાની તૈયારી કરતી ‘ગાર્ડન રેસ્ટોરન્ટ’ પર તેમણે બળાપો કાઢ્યો ત્યારે એ માલિકે ચા- બિસ્કીટ ખવડાવ્યાં, બે ટેબલ ભેગાં કરી પથારી કરી આપી અને સવારે ગરમ પાણીથી નહાવાની સુવિધા પણ આપી. બદલામાં તેણે એટલું કહ્યું કે ભરૂચને વગોવશો નહી. આ કિસ્સો છે પોતાના નગર પ્રત્યે માન, વ્હાલ અને ઉજળી છાપનો!
તે સમયે પરસ્પર વિશ્વાસ અને એકબીજાને મદદ કરવાની ક્રિયા કેટલી સહજ હશે તે વિશે પુસ્તકમાં કેટલાક કિસ્સા છે. પુસ્તકમાં એક ઘટના વર્ણવાઇ છે કે જેમાં યોગેશભાઇ રાતની ટ્રેનમાં સફર કરતાં ડૉક્ટર દંપતીને પોતાને ત્યાં તેડી લાવે છે. યોગેશભાઇ અને તેમના મિત્રોનો પ્રેમ અને સહકાર જોઇ એ દંપતિ વધુ એક દિવસ રોકાવાનો નિર્ણય કરે છે. આ સંબંધે ગાઢ મૈત્રીનું સ્વરૂપ પકડ્યું અને આગળ જતાં યોગેશભાઇની એક વિદ્યાર્થીનીને દાક્તરી સારવારની તાત્કાલિક જરૂર ઊભી થઇ ત્યારે એ દંપતીએ ખડે પગે હાજર રહી મોંઘીદાટ સારવાર અને દવાઓ વિના મૂલ્યે પૂરી પાડી તેનો ઉપચાર કર્યો હતો! આ કિસ્સો અણમોલ મૈત્રીસંબંધનો હોવા ઉપરાંત ડૉ. યોગેશ પુરોહિતની મિત્રાચારી કેળવવાની આવડતનો પણ છે, કે જેનો બીરેન કોઠારીએ લખેલા પુસ્તકના આવકાર લેખ ‘ભેટમાં મળેલા મિત્ર અને તેમની મૈત્રી’માં પણ દિશાનિર્દેશ કર્યો છે.
પહેલી નજરે ‘ખાધું, પીધું ને રાજ કર્યું’ જેવી જણાતી તેમની આ સફરકથા અંગે ડો. યોગેશ પુરોહિતે નોંધ્યું છે કે, ‘‘કોલંબસની સફરની જેમ છેવટે મંઝિલ તો પ્રાપ્ત થઇ, ભલે નિયત સ્થળે નહીં, પણ અન્ય સ્થળે! મૂળ વાત તો સફરના આનંદની છે…’
આ સફર સાથે આઝાદી પહેલાંનો અને તરત પછીનો કાળખંડ અભિન્નપણે જોડાયેલો હોવાથી એ સમયગાળાનું જીવન,સમાજમાં જોવા મળતાં પરસ્પર હૂંફ અને પ્રેમ તથા નિસ્વાર્થભાવે મદદ કરવાની તત્પરતા વગેરે જેવાં ઉદાત્ત માનવીય ગુણોથી પણ વાચક અવગત થતો રહે છે.
પુસ્તકનું સુંદર આવરણ ચિત્ર યોગેશભાઇના પુત્ર પર્વ પુરોહિતે બનાવ્યું છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
મંઝિલ વગરની સફર:ડૉ. યોગેશ પુરોહિત
પૃષ્ઠસંખ્યા : 162 + 16
કિંમત : ₹ 300પ્રકાશક: ગીતા પ્રકાશન
પ્રાપ્તિસ્થાન: ડૉ. યોગેશ પુરોહિત, 59 સૌંદર્ય બંગલોઝ, સંત કબીર સ્કૂલ પાસે, વાસણા રોડ, વડોદરા – 390007
સંપર્કઃ +91 98981 28241
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
અનોખા સમાજ સુધારક : નારાયણ ગુરુ
નિસબત
ચંદુ મહેરિયા
દેશનું સૌથી વધુ સાક્ષર રાજ્ય કેરળ વિકાસ અને માનવવિકાસમાં પણ અગ્રીમ છે. કેરળમાં જ સ્વતંત્ર ભારતની સૌ પ્રથમ સામ્યવાદી સરકાર ઈ.એમ. એસ. નાંબુદ્રીપાદના નેતૃત્વમાં રચાઈ હતી. પણ હાલનું પ્રગતિશીલ અને આધુનિક કેરળ ઓગણીસમી સદીમાં દેશના બીજા કોઈપણ રાજ્ય જેવું જ પછાત,અંધશ્રધ્ધાળુ, કુરીતિઓમાં ડૂબેલું અને ભેદભાવનું ભારખાનું હતું. તેમાં કથિત શૂદ્રો અને અતિશૂદ્રોની હાલત ભારે કફોડી હતી. વર્તમાનમાં અનુસૂચિત જાતિ કે દલિતો તરીકે ઓળખાતા પંચમવર્ણી અસ્પૃશ્યો પ્રત્યે અડવાની જ નહીં જોવાની પણ આભડછેટ પળાતી હતી. ગામના સાર્વજનિક સ્થળોએ તેમને પ્રવેશ મળતો નહોતો. મંદિરોમાં તો તે જઈ શકતા નહોતા પણ તેમના અલગ મંદિરો નાના અને ઘાસપાનના બનાવવા પડતા હતા. તેમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિ રાખી શકાતી નહોતી. આ અમાનવીય સ્થિતિથી ક્ષુબ્ધ થઈને જ સ્વામી વિવેકાનંદે તેમના ભારતભ્રમણ દરમિયાન આ પ્રદેશ જેવું અસ્પ્રુશ્યતાના આચરણનું પાગલપન બીજે ક્યાંય નહીં જોયાનું નોંધ્યું હતુ. .

તસવીર – નેટ પરથી ઓગણીસમી સદીમાં જન્મેલા નારાયણ ગુરુ (૧૮૫૬- ૧૯૨૮) જ આજના આધુનિક કેરળના પાયોનિયર છે. એજવા નામક શૂદ્ર ગણાતી જ્ઞાતિમાં જન્મેલા આ અનોખા સમાજસુધારક, ફિલસૂફ અને આધ્યાત્મિક ગુરુએ સમાજમાં પ્રવર્તતા જ્ઞાતિગત ભેદભાવો અને ધાર્મિક સંકીર્ણતાઓને પડકારી કેરળને આધુનિકતા તરફ દોર્યું હતું. ૨૦ ઓગસ્ટ ૧૮૫૬માં શિક્ષક પિતાને ત્યાં કેરળના નાનકડા ગામમાં નારાયણ ગુરુનો જન્મ. બાળસહજ જિજ્ઞાસા અને શરારત તેમનામાં હતી. અસ્પૃશ્યનો સ્પર્શ કરવાથી અપવિત્ર થવાય અને સ્નાન કરવું પડે તેવું માનનારાઓ સ્પૃશ્યોને અસ્પૃશ્યને અડીને પછી અડી આવે એવું એમનું શરારતી વર્તન એમના ભવિષ્યના યુગકાર્યનું ધ્યોતક હતું. વિચિત્ર પોષાકધારી સાધુને ચીડવતા અને પથ્થરો મારતા સાથી નિશાળિયાઓને અટકાવી ના શકતો આ બાળ નાણુ રડવા માંડે છે ત્યારે ભાવિમાં તેની કરુણા અને સહાનુભૂતિ કોના તરફ રહેશે તે પણ જણાઈ આવે છે. માતૃભાષા મલયાલમ ઉપરાંત સંસ્ક્રુત, તેલુગૂ અને તમિળમાં તેમણે મહારત હાંસલ કરી હતી. પણ અંગ્રેજીથી દૂર રહ્યા હતા.
એકાંતમાં ધ્યાન, સાધના અને તપસ્યા, ઉપનિષદો સહિત તમામ ધર્મના પુસ્તકોનો અભ્યાસ અને ભ્રમણ તેમણે કર્યા હતા. પરંતુ તે ધર્મ-આધ્યાત્મ કરતાં વધુ તો લોકોને પીડી રહેલી સમસ્યાઓનું સમાધાન શોધવા માટેના હતાં..સમગ્ર કેરળ ઉપરાંત દેશ આખાના ભ્રમણ દરમિયાન તેઓ અછૂતો, પછાતો, પીડિતો અને દીન- દુખિયાની વચ્ચે સવિશેષ રહ્યા. ત્યારે અને અત્યારે કેરળની વસ્તીમાં જેમનો મોટો હિસ્સો છે તે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સાથે પણ રહ્યા હતા.ઈ.સ. ૧૯૦૪માં વરકલાની એક પહાડી પર પોતાની તમામ પ્રવૃતિઓનું મુખ્ય મથક બનાવ્યું જેને શિવગિરી નામ આપ્યું હતું. તેમણે ઘણા મંદિરોનું નિર્માણ કર્યું પણ તેની સાથે જ શાળા, લાઈબ્રેરી, બગીચો, સભાગૃહ અને રોજગાર માટે કાંતણ-વણાટ કેન્દ્ર હોય તે અનિવાર્ય હતું. જેથી આ પરિસરો નાણાકીય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ કરતાં સામાજિક ઉત્થાનના ધામ બની રહે. શિવગિરીનું મંદિર બાંધકામમાં જ નહીં પૂજા-વિધિમાં પણ સાવ જૂદું હતું.. અષ્ટ્કોણીય શારદા મંદિરમાં હવા-ઉજાસ માટે બારીઓ રાખી હતી. ફૂલો સિવાય મંદિરમાં કશું જ ચઢાવી શકાતું નહોતું..તેના સઘળા પૂજારી ધાર્મિક મંત્રોના પોપટપાઠ કરતા પૂજારીને બદલે ધર્મના સાચા જ્ઞાતા અસ્પૃશ્યો હતા.
નારાયણ ગુરુ નિર્મિત મંદિરો દલિતો સહિત તમામ માટે ખૂલ્લા રહેતા. તેમની સ્કૂલ્સ અને હોસ્ટેલ્સમાં દલિત વિધ્યાર્થી ભણતા અને રહેતા હતા. અસ્પૃશ્યો માટે કથિત ઉચ્ચ વર્ણના દેવની પૂજા વર્જિત હતી ત્યારે તેમણે સમય-સંજોગોને આધીન રહીને દલિતો માટે અલગ મંદિરો પણ બાંધ્યા હતા. જોકે દલિતોના મંદિરોમાં તેમના માટે પ્રતિબંધિત ઉચ્ચ વર્ણના દેવોને પ્રતિષ્ઠિત કરીને નવો પડકાર ઉભો કર્યો હતો. ૧૯૧૭માં તેમણે મંદિરોને બદલે નિશાળો બાંધવા હાકલ કરી. શાળા જ ખરું મંદિર છે એમ જણાવી તેમણે મંદિરો પાછળ નાણાં ખર્ચવાને બદલે શિક્ષણ પાછળ ખર્ચવા અનુરોધ કર્યો હતો. મંદિરોને કારણે જ્ઞાતિના બંધનો ઢીલા થવાની પોતાની માન્યતા ખોટી ઠરી છે તેમ સ્વીકારીને ગુરુએ લોકો જ્ઞાન પ્રાપ્ત કરે અને શિક્ષિત બને તે માટે શાળાઓ બાંધવા પર સવિશેષ લક્ષ્ય આપ્યું હતું.
જાતભાઈઓ એજવા અને દલિતોના વિકાસ માટે તેમણે શિક્ષણ અને રોજગારને પ્રાધાન્ય આપ્યું હતું. કન્યા શિક્ષણ અને અંગ્રેજી શિક્ષણમાં સમાજના આગેકદમ માટે હંમેશા પ્રયાસરત રહ્યા. કેરળમાં નારિયેળ અને રેસા પ્રચુર માત્રામાં પેદા થાય છે, જેની નિકાસ કરવામાં આવે છે. તેમાંથી બનેલી વસ્તુઓ ઉંચા ભાવે આયાતથી ખરીદાય છે. તેનું કારણ ઉત્પાદનના જ્ઞાનનો અભાવ હતું. એટલે ગુરુએ તે જ્ઞાન મેળવવા અને કેરળમાં જ તેનું ઉત્પાદન કરવા જણાવ્યું હતું. શિક્ષણ અંગેના જાગ્રતિના તેમના પ્રયાસોને લીધે જ આજે ગુરુની સવિશેષ અસરવાળા દક્ષિણ કેરળમાં ભાગ્યે જ કોઈ એજવા યુવક-યુવતી એવા હશે જેમણે અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ ના મેળવ્યું હોય !.
એક દેશ, એક ધર્મ, એક જ્ઞાતિ અને એક ઈશ્વરનો સંદેશ નારાયણ ગુરુએ આપ્યો હતો. તેઓ તમામ વિવિધતા છતાં જેમ એક દેશ શક્ય છે તેમ એક માત્ર ધર્મ, જ્ઞાતિ અને ઈશ્વર એટલે માનવ એવો ઉપદેશ આપ્યો હતો.ગુરુ નિર્મિત અરુવીપુરમના મંદિરના શિલાલેખમાં તેમની કવિતા કોતરાઈ છે. જેમાં લખ્યું છે : આ એક આદર્શ નિવાસ/ જ્યાં રહે છે માનવી ભાઈભાઈની જેમ/ ધાર્મિક દ્વેષભાવ અને જ્ઞાતિગત સંકીર્ણતાઓથી મુક્ત થઈને. જ્ઞાતિમીમાંસા નામક કવિતામાં તેમણે ઈતિહાસ, તર્ક અને વાસ્તવના આધારે માનવીની એક જ જ્ઞાતિ હોવાનું દર્શાવ્યું છે. વર્ણ વ્યવસ્થાના વિરોધી નારાયણ ગુરુએ આંતરજ્ઞાતિય ભોજન અને લગ્નોને જ્ઞાતિનિર્મૂલનના ઉપાય બતાવ્યા છે.
૪૩ પધ્ય અને ૨ ગધ્ય સાથે નારાયણ ગુરુ ૪૫ પુસ્તકોના રચયિતા છે. મલયાલમ, તમિલ, તેલુગુ અને સંસ્કૃત ભાષામાંમાં તેમની રચનાઓ છે. ત્રણ અનુવાદના પુસ્તકો પણ છે. જોકે સૌથી વધુ પુસ્તકો તેમણે સંસ્કૃતમાં લખ્યા છે. આ રચનાઓ કવિતા, ભજન, નિબંધ અને સંશોધનની છે. કેરળમાં લાખો અનુયાયીઓ ધરાવતા ગુરુની વિદ્વતા એ કક્ષાની હતી કે રવીન્દ્રનાથ ટાગોર, ગાંધીજી, રાજગોપાલાચારી, રામાસામી નાયકર, વિનોબા ભાવે , સ્વામી શ્રધ્ધાનંદ વગેરેએ પણ તેમની મુલાકાત લીધી હતી. ૧૯૨૫માં ગાંધીજીએ લીધેલી તેમની મુલાકાત અને સંવાદ બહુ જ મહત્વના ગણાય છે.
આજથી પંચાણુ વર્ષ પહેલાં બોંતેર વર્ષની વયે, ૨૦મી સપ્ટેમ્બર ૧૯૨૮ના રોજ, નારાયણ ગુરુનું અવસાન થયું હતું. દેશમાં રાજનીતિના ક્ષેત્રે એક દેશ, એક ચૂંટણીનો મુદ્દો આજકાલ ચર્ચામાં છે ત્યારે આધુનિક કેરળના આ સર્જકના એક ધર્મ, એક જ્ઞાતિ અને એક ઈશ્વરનો મંત્ર યાદ રાખવાનો છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪ . ૨ # અંશ ૨
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
૪.૨ ખર્ચ
અંશ ૧ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
વધતી રહેતી જરૂરિયાતો પુરી કરવા વધતા જતા ખર્ચાઓ
આપણા બધામાં એક માનવ સહજ નબળાઇ, ભલે ઓછા વત્તા પ્રમાણમાં, પણ હોય અચુક છે: આપણી પ્રાથમિક જરૂરિયાતો પુરી થાય, એટલે પછી ખરીદ શક્તિ ગમે એટલી હોય, પણ આપણી જરૂરિયાતો અને આવશ્યકતાઓનાં અરમાનો વધ્યે જ જાય છે.
જોકે, આમ તો ક્યારે, કેટલું અને કેમ ખર્ચ કરવું એ વિશેનો નિર્ણય તો દરેક વ્યક્તિ જાતે લઈ લેતી હોય છે. આવક અને ખર્ચના છેડા ભેગા કરવા માટે આપણે દરેક તબક્કે આપણે જરૂરિયાતો અને આવશ્યકતાઓની પ્રાથમિકતા નક્કી કરીને ખર્ચ કરી લઈએ છીએ, આવકની એક સીમા પછી ખર્ચ પર થોડી લગામ પણ લગાવી લઈએ છીએ અને આપણી જરૂરિયાતોના સંદર્ભમાં અમુક કક્ષાની આવક પર્યાપ્ત છે તેમ સ્વીકારી પણ લેતાં હોઈએ છીએ.
જોકે આપણે કેટલું કમાઈ છીએ, કે કમાઈ શકીએ છીએ, કે પછી કેટલું ખર્ચ કરવું જોઈએ અને ખર્ચ કરતાં આવકમાં જે તૂટ પડી તે કેમ પુરી કરવી અને કેટલી આવક પર્યાપ્ત ગણવી એ વ્યક્તિગત આર્થિક વ્યવસ્થાનો સદાબહાર કૂટપ્રશ્ન રહ્યો છે. આ તબક્કે જ માનવસહજ લોભનાં અંકુર પણ વિકસવા લાગે છે. આવક વધે એ પહેલાં જ જરૂરિયાતો તેના કરતાં વધી જ ગઈ હોય. આમ આપણી સદા વધતી જરૂરિયાતોને સંપૂર્ણપણે પુરી કરી શકાય એટલી આવક તો ક્યારે જ થતી જ નથી હોતી. ખર્ચની આપણી અપેક્ષાઓ અને ઈચ્છાઓ અને ખરીદ શક્તિને ક્યારેક બે આંગળી તો ક્યારેક હાથવેંત છેટું જ પડતું રહે છે.
એટલે, આપણી કમાણી આપણી ખર્ચની જરૂરિયાતોને પુરી ન પડી શકવાનું એક મુખ્ય કારણ એ છે કે, આપણને એવું લાગે છે, કે ઘણી વાર તો એમ માનીએ પણ છીએ, કે આપણી કમાણી પર્યાપ્ત નથી.
આવક અને ખર્ચના છેડા ભેગા કરવા – જરૂરિયાતો ઘટે તો ખર્ચ ઘટે
આપણાં પુરાણો, ઋષિમુનિઓ, અઢી હજાર વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધ, વીસમી સદીમાં મહાત્મા ગાંધીજીથી માંડીને વૈશ્વિક ઉષ્મનના દૈત્યને નાથવા માટે મથી રહેલા આજના પર્યાવરણવિદો સહિત દરેકનું કહેવું રહ્યું છે કે આપણાં દુઃખોનું મૂળ જ આપણી બેલગામ અપેક્ષાઓ અને આકાંક્ષાઓ છે. સીધો હિસાબ છે કે જરૂરિયાતો ઓછી હશે તો આવક પણ ઓછી જોઈશે. પરંતુ માનવ ઇતિહાસમાં ક્યારે પણ, કોઇ પણ સમાજને, આ આદર્શ ગળે ઉતર્યો હોય એવું બન્યું નથી. માનવ સભ્યતાએ દરેક સદીમાં વિકાસનાં નવાં સોપાન સિદ્ધ કર્યાં, પણ સાથે નવી નવી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પણ વધતી જ ગઈ છે. વિકાસની સાથે આપણી આવકો પણ વધી, પણ જરૂરિયાતો તેનાથી પણ ઘણી વધારે વધી. પરિણામે, આવક અને ખર્ચનો ખાડો પણ વધતો જ રહ્યો છે.
ખ્રિસ્તી, હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, જૈન કે અન્ય કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સન્યાસીઓએ કે ઉપદેશકો એ જરૂરિયાતો ઓછી કરવાનું સતત સમજાવતા રહ્યા છે. તેમણે પોતાના જીવનમાં એ કરી પણ બતાવેલ છે. પણ તેમના અનુયાયીઓ તેમનો આ ઉપદેશ પાળી નથી શકતા. એમ કરવામાં તેમને તેમનો ‘ગૃહસ્થ ધર્મ’ આડો આવે છે ! અનુયાયીઓ એમ માને છે કે સંન્યાસીઓ તો સંસારનો ત્યાગ કરી ચુક્યા છે. એટલે કુટુમ્બ અને ઘરની વર્તમાન અને ભવિષ્યની જવાબદારીઓ, આસપાસના સમાજના પ્રવાહોના સંદર્ભમાં કુટુમ્બના સભ્યોની અંગત અપેક્ષાઓ વગેરેને પુરી કરવી એ ગૃહસ્થ તરીકે તેમનાં કર્તવ્યની જવાબદારી હવે એ સન્યાસીઓ પર રહી નથી. એટલે એ લોકો જે કહે છે તેને વ્યવહારમાં અમલ ન કરી શકાય. પરિણામે સમાજની વિશાળ બહુમતીની અપેક્ષાઓ, જરૂરિયાતો અને આવશ્યકતાઓ વધતી જ રહે છે. તેમાં વળી, વર્તમાન સમયના અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે અર્થતંત્રની લાંબા ગાળાની તંદુરસ્તી માટે ગ્રાહકો દ્વારા થતાં ખર્ચ અમુક ચોક્કસ દરે વધતાં જ રહેવાં જોઈએ. તેમની આ માન્યતાને બીજાં વિશ્વયુદ્ધ પછીની મહા મંદીએ ‘ગ્રાહકવાદ’ના સિદ્ધાંતનું સ્વરૂપ આપ્યું. તેનાં પરિણામે આજે હવે સામુહિક અર્થવ્યવસ્થાએ રચેલાં માળખાંનાં આસપાસનાં બાહ્ય પરિબળો પણ વ્યક્તિગત ખર્ચ વધતાં રહે તેવું વાતાવરણ સર્જે છે.
આવક અને ખર્ચના છેડા મેળવવા – શોષણની સમસ્યા
નાણકીય અર્થવ્યવસ્થામાં આપણી આવક ક્યાં તો આપણને કામે રાખનારને, કે ગ્રાહકને, આપણાં યોગદાનની જે ‘વ્યાજબી’ કિંમત લાગે તેના પર આધારિત છે. જો સમાજ ‘આદર્શ’ હોત તો તો કામે રાખનાર કે ગ્રાહક ‘ઉચિત’ મુલ્યની ગણતરીમાં આપણી આવડત અને અનુભવને આપણાં યોગદાન સરખુ જ વજન આપત. પણ વાસ્તવિક ‘બજાર’માં આવું થતું નથી. અહીં તો આપણને આપણાં યોગદાનનું મૂલ્ય નક્કી કરવાં આપણે આપણાં યોગદાનની કેટલી મહત્તમ કિંમત ઉભી કરી શકીએ છીએ કે પછી કામે રાખનાર કે ગ્રાહક કેટલી ઓછામાં ઓછી કિંમત ચુકવવામાં સફળ રહે છે તે નક્કી કરવામાં મહત્વનો ફાળો બન્ને પક્ષોની વાટાઘાટો કરી શકવાની કુનેહનો પણ છે. જેની કુનેહ વધારે, એ ફાયદામાં રહે. આપણે ફાયદામાં રહીએ તો ક્ષમતા કરતાં વધારે આવક પેદા કરી શકીએ, અને જો કામે રાખનાર કે ગ્રાહક ફાયદામાં રહે તો તે આપણને ક્ષમતા કરતાં ઓછી કિંમત – એટલે કે. આપણા હાથમાં ઓછી આવક – ચુકવે. આપણી આવક અને ખર્ચના છેડા ક્યારેય મળતા નથી તેનું આ બીજું કારણ છે.
અહીં પણ સામાજિક અને આર્થિક સુધારકોએ આ પ્રકારનાં આર્થિક શોષણને દૂર કરવાના, કે કમસે કમ શક્ય તેટલું ઓછું કરવાના, પ્રયાસો જરૂર કર્યા છે. જોકે તેમને ભલે દરેક વખતે સફળતા ન મળી હોય તો પણ જેટલે અંશે પણ સફળતા મળી છે તેનાથી આ દિશામાં નોંધપાત્ર કામ થયું છે. આજના સમયની સરકારો કામે રાખનારાઓ પર સમયે સમયે આવશ્યક નિયમનો લાગુ કરીને આ ઉદ્દેશ્ય સિધ્ધ કરવા પ્રયત્નશીલ રહે છે. સામાજિક સુધારકોએ ઉત્પાદનો અને સેવાઓના ગ્રાહકોને સંગઠિત કરવા ગ્રાહક સંગઠનો ઊભાં કર્યાં છે. જોકે ઉદ્યોગ અને વ્યાપાર સંસ્થાઓએ પણ પોતાનાં હિતોની રક્ષા કરવા માટે પોતપોતાના સંગઠનો ઊભાં કર્યાં છે. અંતે તો હવે એટલું જ સ્પષ્ટપણે કહી શકાય, કે સામાજિક અને આર્થિક જગતની સત્તાની આ સાઠમારીનાં વાતાવરણમાં, દરેક વ્યક્તિએ જ પોતાની જાતનું શોષણ ન થવા દેવાના રસ્તા ખોળવા પડશે.
આપણું શોષણ થવા માટે મહદ અંશે આપણી જાગરૂકતાનો અભાવ, કે પછી આપણે જેટલું મેળવવા માટે હકદાર છીએ તે માગવાની આપણી અક્ષમતા, કે કદાચ અણગમો, કારણભૂત ગણી શકાય. જોકે, પોતાની જરૂરિયાતોના સંદર્ભમાં જેમ બધાં એક સરખાં નથી હોતાં તેમ, પોતાનાં ઉત્પાદન, સેવા કે યોગદાનોનું વધારે વળતર માગવામાં પણ બધાં સરખાં નથી હોતાં. આપણામાંના ઘણા બીજાંને મળે તેના કરતાં પોતાનાં ઉત્પાદન, સેવા કે યોગદાનોનું વધારે વળતર મેળવી શકવાની ક્ષમતા ધરાવતાં હોય છે. મોટી માછલી નાની માછલીને ગળે એવા મત્સ્ય ન્યાય અનુસાર આ સાઠમારીમાં જે કાચો પડે તેનું શોષણ થાય છે. આપણી આવક અને આપણી ક્ષમતા કે જરૂરિયાતોનાં પલડાં ક્યારે પણ સમતોલ નથી થઈ શકતાં તેની ત્રીજું કારણ આ છે.
આર્થિક જેલની, તેમજ આપણી આસપાસના સમાજની, મર્યાદાઓ જાણવી જરૂરી છે
પર્યાપ્ત આવક મેળવવાના આપણા બધા માર્ગોમાં નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાની જેલનો વિકલ્પ સૌથી સારો ગણી શકાય. અહીં બધા વ્યવહારો બધાંને સમજાય એવાં માધ્યમ, નાણા,ના સ્વરૂપે થતા હોવાથી આપણા યોગદાનનું વળતર પુરતું છે કે કેમ તે સ્વતંત્ર રીતે, તેમ જ અન્યોની સરખામણીમાં, મુલવવાનું સરળ બની શકે છે. જોકે, અહીં પણ આવક અને ખર્ચાના છેડા મેળવવામાં નડતર રૂપ જે ત્રણ કારણોનો આગળ ઉપર ઉલ્લેખ કર્યો તે તો લાગુ પડે જ છે.
એટલે હવે સવાલ તો એ જ રહ્યો કે, ખર્ચાઓની આપણી જરૂરિયાતો અને આવકના છેડા મેળવવા શી રીતે?અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં એક ઘટક તરીકે ‘ખર્ચ’ને લગતાં મહત્ત્વના પાસાંઓની ચર્ચાની સમાપ્તિમાં હવે પછીના મણકામાં ખર્ચ અને આવકના અંકોડા કેમ મેળવવા, લોભથી સંતોષ – જીવનની નવી અર્થવ્યવસ્થા, ખર્ચશક્તિનું અર્થતંત્ર, ‘એકબીજા માટે લાગણી રાખવી અને વહેંચીને ખાવું’ પર આધારિત સમાજની રચનાની વાત કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન – ઋગ્વેદ ૦૧
ચિરાગ પટેલ
ઋગ્વેદ પ્રથમ મંડળના પ્રથમ સૂક્તના ઋષિ મધુચ્છન્દા વૈશ્વામિત્ર, દેવતા અગ્નિ અને છંદ ગાયત્રી છે.
બીજી ઋચામાં પૂર્વકાલીન ઋષિઓ અંગે નિર્દેશ છે. એટલે, વૈદિક પરંપરા ઋગ્વેદની રચના અને ઋષિ મધુચ્છન્દા વૈશ્વામિત્રના જન્મથી પુરાતન છે.
ત્રીજી ઋચામાં અગ્નિને कविक्रतु: કહ્યાં છે, જેનો અર્થ જ્ઞાન અને કર્મના પ્રેરક એવો થાય છે. અગ્નિ જ મૂળ દેવતા અને પરમ તત્વ કે સત્યના દ્યોતક છે એવું ઋષિ કહે છે.
સાતમી ઋચામાં भरन्त શબ્દનો અર્થ છે – ધારણ કરીએ છીએ. એટલે કે, સર્વે જન અગ્નિને ધારણ કરે છે એમ ઋષિ કહે છે. અગ્નિનો અર્થ એ રીતે આંતરિક ઊર્જા કે જીવ પણ કરી શકાય.
ઋગ્વેદ દ્વિતીય મંડળના દ્વિતીય સૂક્તના ઋષિ મધુચ્છન્દા વૈશ્વામિત્ર અને છંદ ગાયત્રી છે. ત્રણ ઋચાઓના દેવ વાયુ, અન્ય ત્રણના દેવતા ઇન્દ્ર-વાયુ અને છેલ્લી ત્રણનાં દેવતા મિત્રાવરુણ છે.
ત્રીજી ઋચામાં ઋષિ કહે છે કે, સોમપાન કરનારને પ્રભાવ કે વેદરૂપ વાણી પ્રાપ્ત થાય છે. સોમનો એક અર્થ સૂર્ય પ્રકાશ કે ફોટોન થાય છે જે આપણે ભવિષ્યમાં જોઈશું. અર્થાત, સૂર્ય પ્રકાશની કે ફોટોનની ઊર્જા ઉત્તમ વાણીની પ્રેરક છે.
આઠમી ઋચામાં ऋतेन અને ऋतावृधा શબ્દો છે, જેનો અર્થ સત્ય કે બ્રહ્મ અને સત્ય કે બ્રહ્મ વર્ધક કરી શકાય. ઋષિ કહે છે કે, મિત્રાવરુણ એટલે કે સૂર્ય અને વાયુ સત્ય કે બ્રહ્મના વર્ધક છે. નવમી ઋચામાં સૂર્ય અને વાયુને ઋષિ ક્ષમતા અને કાર્યોની પુષ્ટિ માટે પ્રાર્થે છે. મનુષ્ય જીવનના સર્વે ભૌતિક કે આધિભૌતિક વ્યાપાર માટે સૂર્ય અને વાયુ જ મુખ્ય કારણભૂત છે.
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
-
દૃષ્ટાંતોથી દ્રઢીકરણ
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
શિક્ષણ -વિદ્યા પ્રાપ્ત કરતી શાસ્ત્ર કે વ્યાખ્યાન શિક્ષણ જરૂર આપે પણ કોઈ નિયમ કે સિદ્ધાંતનું પ્રતિપાદન કરવું હોય.,તે વિચાર શિષ્યના કોઠે પાક્કો ઉતારવો હોય તો દૃષ્ટાંત અસરકારક નીવડે.શિક્ષણની આ પાયાની વિભાવના છે. એ જ રીતે કોઈની સાથે સરખાવીને ઉપમા કે રૂપક પ્રયોજીને શિષ્યને ગળે સરળતાથી ઉતરે તે પણ જોવાય. શિક્ષણનો કોઈ સિદ્ધાંત જયારે જીવન વ્યવહારના કોઈ ઉદાહરણ સાથે જોડાય ત્યારે તે સમજવો ખુબ સરળ થાય છે. .ઉપનિષદોમાં પણ અનેક જગ્યાએ ઉદાહરણ , દૃષ્ટાંત ,ઉપમા કે રૂપક લઈને વાત સમજાવવાનો પ્રયોગ થયેલો છે..
સત્યનું મૂલ્ય સમજાવતાં ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે ,हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् ।तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ॥ “સોનાના પાત્રથી સત્યનું મુખ છુપાયેલું છે તેને સત્યની શોધ કરનારા માટે હટાવી દો, .અપાવૃત કરો.’ ઈશ્વરની સર્વવ્યાપક્તા સમજાવવા માટે એકાક્ષરોપનિષદ કહે છે प्राणः प्रसूतिर्भुवनस्य योनि- र्व्याप्तं त्वया एकपदेन विश्वम् ।त्वं विश्वभूर्योनिपारः स्वगर्भे कुमार एको विशिखः सुधन्वा ॥ “ જે રીતે માળામાં દરેક મણકા રહે છે તેવી જ રીતે આપ જ પ્રમુખ સૂત્ર રૂપે સમગ્ર વિશ્વમાં પ્રાણ રૂપમાં સંવ્યાપ્ત છો.” ઈશ્વર અનેકમાં એક છે એવું સમજાવવા નદીઓ અને સાગરના દૃષ્ટાંતનો અદભુત પ્રયોગ કઠોપનિષદમાં છે. यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति । एवं धर्मान् पृथक् पश्यंस्तानेवानुविधावति ॥‘ જે પ્રમાણે વરસાદનું પાણી ઊંચાં શિખરો પરથી વરસીને પહાડની નીચે જુદા જુદા સ્થળે ચાલ્યું જાય છે એવી રીતે વિભિન્ન ધર્મ સંપ્રદાય વાળા પરમેશ્વરને ભિન્ન માને છે.’
મનુષ્ય જીવને હંસ સાથે સરખાવીને અંતરિક્ષમાં વસુનું સ્થાન આપ્યું છે. हँसः शुचिषद्वसुरन्तरिक्षसद्- होता वेदिषदतिथिर्दुरोणसत् ।नृषद्वरसदृतसद्व्योमसद् अब्जा गोजा ऋतजा अद्रिजा ऋतं बृहत् ॥ “એ હંસ ( જીવાત્મા ) પ્રકાશિત છે એ જ અંતરિક્ષમાં રહેલ વસુ છે.’ सूर्यो यथा सर्वलोकस्य चक्षुः न लिप्यते चाक्षुषैर्बाह्यदोषैः ।एकस्तथा सर्वभूतान्तरात्मा न लिप्यते लोकदुःखेन बाह्यः ॥ સૂર્ય છે ભલે બ્રહ્માંડની આંખો પણ તેને પ્રાણીજગતના બાહ્ય દોષો કદી લાગતા નથી એ કહેવા આ મંત્ર પ્રયોજાયો છે. ‘જે રીતે બ્રહ્માંડમાં ચક્ષુ રૂપ સૂર્ય ,પ્રાણીઓના ચક્ષુઓથી ઉત્પન્ન થયેલા બાહ્ય દોષોથી લિપ્ત થતા નથી ‘
પીપળના વિશેષ રૂપમાં પરબ્રહ્મનો આવાસ છે એ વાત શ્રીમદ ભગવદગીતામાં શ્રી કૃષ્ણએ કહી જ છે .એ જ વાતનું મૂળ ઉપનિષદમાં પણ આ રીતે છે. ऊर्ध्वमूलोऽवाक्शाख एषोऽश्वत्थः सनातनः। तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते। तस्मिँल्लोकाः श्रिताः सर्वे तदु नात्येति कश्चन । एतद्वै तत् ॥ ‘જેના મૂળ ઉપર અને શાખાઓ નીચેની તરફ છે. અશ્વત્થ ( પીપળો ) સનાતન છે.એ વિશુદ્ધ અવિનાશી તત્ત્વ છે, એ જ બ્રહ્મ છે.’
જયારે અસુરોએ દેવોની ઉપાસનામાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેના હાલ કેવા થયા તે છાંદોગ્ય ઉપનિષદના આ બે મંત્રોમાં કેવું સુંદર સમજાવ્યું છે ! अथ ह य एवायं मुख्यः प्राणस्तमुद्गीथमुपासांचक्रिरे
तꣳहासुरा ऋत्वा विदध्वंसुर्यथाश्मानमाखणमृत्व विध्वꣳसेतैवम् ॥ ‘દેવોએ મુખ્ય પ્રાણના રૂપમાં ૐ કારની ઉપાસના કરી. અસુરોએ એને પણ પાપયુક્ત કરવા ઇચ્છ્યું..ત્યારે નજીક જતા એવા તો ધ્વસ્ત-નષ્ટ થયા ,જેમ કઠણ પથ્થર
સાથે ટકરાઈને માટીનું ઢેફું ચૂરચૂર થાય બની જાય.’ यथाश्मानमाखणमृत्वा विध्वꣳसत एवꣳ हैवस विध्वꣳसते य एवंविदि पापं कामयतेयश्चैनमभिदासति स एषोऽश्माखणः ॥ ‘ જે રીતે અભેદ્યં ચઢાણ સાથે અથડાઈને માટીનું પિંડ વેરવિખેર થઇ જાય તેવી જ રીતે એવો વ્યક્તિ નષ્ટ થઇ જાય છે. ૐ કાર રહસ્યને જાણનારા પ્રત્યે જે પાપયુક્ત આચરણ કરે છે.તે’.
દેવોને કર્મ સંબંધી, મૃત્યુના અનુભવને ઓળખવા આ રીતે સમજાવ્યો છે. तानु तत्र मृत्युर्यथा मत्स्यमुदके परिपश्येदेवंपर्यपश्यदृचि साम्नि यजुषि ।ते नु विदित्वोर्ध्वा ऋचः साम्नो यजुषः स्वरमेव प्राविशन् ॥ ‘જે રીતે માછલી પકડનાર માછીમાર, જળની અંદર રહેલી માછલીને જોઈ લે છે એવી રીતે ઋક ,સામ અને યજુષ સંબંધી કર્મોમાં સંલગ્ન દેવોને મૃત્યુએ જોઈ લીધા.’
સૂર્યમાં રહેલા પરબ્રહ્મને પામવા માટે અદભુત રૂપક પ્રયોજવામાં આવ્યું છે. अथ यदेवैतदादित्यस्य शुक्लं भाः सैवसाथ यन्नीलं परः कृष्णं तदमस्तत्सामाथ य एषोऽन्तरादित्ये हिरण्मयः पुरुषो दृश्यते हिरण्यश्मश्रुर्हिरण्यकेश आप्रणस्वात्सर्व एवसुवर्णः ॥ ‘આ આદિત્યનો શ્વેત પ્રકાશ ‘સા’ છે નીલવર્ણ મિશ્રિત કૃષ્ણ પ્રકાશ ‘ અમ ‘ છે એ બંને મળીને સામ બને છે.આદિત્યની મધ્યે એક સ્વર્ણિમપુરુષ જોવા મળે છે જે સોના સમાન દાઢી મૂછવાળા અને સોનેરીવાળવાળા છે.જે નખથી માંડીને ચોટલી સુધી સંપૂર્ણ રૂપમાં સ્વર્ણમય છે.’
ૐ કાર અને સૂર્યદેવનું મહત્ત્વ સમજાવવા માટે મધ અને મધપૂડાનું અનોખું ઉદાહરણ લેવામાં આવ્યું છે. असौ वा आदित्यो देवमधु तस्य द्यौरेव तिरश्चीनवꣳशोऽन्तरिक्षमपूपो मरीचयः पुत्राः ॥ ‘ ૐ કાર રૂપ એ આદિત્ય જ દેવોનું મધ છે.દ્યુલોકમાં તે ત્રાંસો વાસ છે.જેની ઉપર મધપૂડો લટકે છે..અંતરિક્ષ છત્રી છે અને કિરણો મધમાખીના બચ્ચા સમાન છે’ .तस्य ये प्राञ्चो रश्मयस्ता एवास्य प्राच्यो मधुनाड्यः ।ऋच एव मधुकृतऋग्वेद एव पुष्पं ता अमृताआपस्ता वा एता ऋचः ॥ ‘આ આદિત્યના પૂર્વ દિશાના જે કિરણો છે એ પુડાના પૂર્વ તરફના છિદ્રો છે.ઋચાઓ મધમાખી છે.ઋગ્વેદ પુષ્પ છે.સોમ વગેરે અમૃતરૂપ જલતત્ત્વ છે.’ એ જ રીતે અન્ય મંત્રોમાં આદિત્યના ભિન્ન ભિન્ન કિરણોની ભિન્ન ઉપમાઓથી તુલના કરવામાં આવી છે.
શ્રેઠતા ત્યારે જ પ્રાપ્ત થાય જયારે ઉત્તમ શુદ્ધિકરણ હોય. સચોટ અને વ્યવહારિક ઉદાહરણ મૂકીને શુદ્ધિકરણ ની મહત્તા અહીં દર્શાવી છે.तद्यथा लवणेन सुवर्णꣳ संदध्यात्सुवर्णेन रजतꣳ रजतेन त्रपु त्रपुणा सीसꣳ सीसेन लोहं लोहेन दारुदारु चर्मणा ॥ ‘જે રીતે ક્ષારથી સોનાને, સોનાથી ચાંદીને,ચાંદીને રાંગાથી રાંગાને સીસાથી ,સીસાથી લોખંડને ,લોખંડથી લાકડાને અને ચાંદાને લાકડાથી જોડવામાં આવે છે एवमेषां लोकानामासां देवतानामस्यास्त्रय्या विद्याया वीर्येण यज्ञस्य विरिष्टꣳ संदधाति भेषजकृतो ह वा एष यज्ञो यत्रैवंविद्ब्रह्मा भवति ॥ ‘આવી જ રીતે આ લોકો ,દેવો અને ત્રણેય વેદોના સારથી યજ્ઞના દોષો સુધારવામાં આવે છે.’
બાહ્ય સ્વરૂપને બદલે બ્રહ્મને મૂળ સ્પે જોવા માટે માટી અને અન્ય ઉદાહરણ સુંદર રીતે પ્રયોજાયાં છે. જે શીરાની જેમ ગળે ઉત્તરે તેમ છે . यथा सोम्यैकेन मृत्पिण्डेन सर्वं मृन्मयं विज्ञातꣳ स्याद्वाचारम्भणं विकारो नामधेयं मृत्तिकेत्येव सत्यम् ॥ શ્વેતકેતુને સત્ય વિષે સમજણ આપતાં પિતા આરુણિ કહે છે,’ જેવી રીતે એક માટીના પિંડમાંથી બનેલા બધા જ પદાર્થો બોધ થઇ જાય છે.ખરેખર તો વિવિધ પ્રકારના નામનો ,માત્ર વાણીનો વિકાર છે .સત્ય તો માટી જ છે.. मनो वाव वाचो भूयो यथा वै द्वे वामलके द्वे वा कोले द्वौ वाक्षौ मुष्टिरनुभवत्येवं वाचं च
नाम चमनोऽनुभवति स यदा मनसा मनस्यति मन्त्रानधीयीयेत्यथाधीते कर्माणि कुर्वीयेत्यथ कुरुते पुत्राꣳश्च पशूꣳश्चेच्छेयेत्यथेच्छत इमं चलोकममुं चेच्छेयेत्यथेच्छते मनो ह्यात्मा मनो हि लोकोमनो हि ब्रह्म मन उपास्स्वेति ॥ ‘ જે રીતે બે આમળાં ,બે બોર કે બે બહેડાં મુઠ્ઠીમાં આવી જાય એવી રીતે વાણી અને નામની અનુભૂતિ મન કરે છે’.
અંતરનાદને જાણવા, માણવા ને સાંભળવા માટે કમાલના દૃષ્ટાંતો જોઈને સાચ્ચે જ મન ડોલી ઉઠે તેવું છે. यथा सोम्य पुरुषं गन्धारेभ्योऽभिनद्धाक्षमानीय तंततोऽतिजने विसृजेत्स यथा तत्र प्राङ्वोदङ्वाधराङ्वा
प्रत्यङ्वा प्रध्मायीताभिनद्धाक्ष आनीतोऽभिनद्धाक्षोविसृष्टः ॥ ‘ કોઈ એક પુરુષને આંખે પાટા બાંધીને દિશાહીન કરાય એટલે તે અટવાય,રુદન કરે ,બીજો આવીને પાટા ખોલે એટલે તે દિશા જાણી લે.’ નાદબિંદુ ઉપનિષદનું આ દૃષ્ટાંત પણ પ્રફુલ્લિત કરી દે છે, मकरन्दं पिबन्भृङ्गो गन्धान्नापेक्षते तथा ।नादासक्तं सदा चित्तं विषयं न हि काङ्क्षति ॥ ‘જે રીતે ભમરો ફૂલોનો રસ ચૂસતાં સુગંધની અપેક્ષા રાખતો નથી તેવી રીતે સતત નાદમાં તલ્લીન રહેનારો ચિત્ત વિષય વાસનાની ઈચ્છા રાખતો નથી.’
बद्धः सुनादगन्धेन सद्यः संत्यक्तचापलः।नादग्रहणतश्चित्तमन्तरङ्गभुजङ्गमः ॥ ‘આ ચિત્ત રૂપી ભુજંગ નાદને સાંભળ્યા પછી તેની ગંધથી બંધાઈને બધી જાતની ચંચળતા છોડી દે છે.’. તો વળી ઉન્મત્ત મનને નાથવા માટે નાદની ભૂમિકા અલગ રીતે જ બતાવી છે. विस्मृत्य विश्वमेकाग्रः कुत्रचिन्न हि धावति ।मनोमत्तगजेन्द्रस्य विषयोद्यानचारिणः ॥ नियामनसमर्थोऽयं निनादो निशिताङ्कुशः ।नादोऽन्तरङ्गसारङ्गबन्धने वागुरायते ॥ अन्तरङ्गसमुद्रस्य रोधे वेलायतेऽपि च ।ब्रह्मप्रणवसंलग्ननादो ज्योतिर्मयात्मकः ॥‘ વિષય રૂપી બાગમાં વિચરણ કરતા મન રૂપી ઉન્મત્ત ગજેન્દ્રને વશ કરવા નાદ રૂપી અંકુશ સમર્થ છે.મન રૂપી હરણ ને બાંધવા જાળનું કામ કરે છે.’
પ્રશ્નોપનિષદમાં, ‘પ્રાણ જ સર્વોપરી છે અને તમામ તત્ત્વો તેને જ અનુસરે છે.’- તેવું, આ મંત્ર-દૃષ્ટાંતથી દર્શાવાયું છે -सोऽभिमानादूर्ध्वमुत्क्रामत इव तस्मिन्नुत्क्रामत्यथेतरे सर्व एवोत्क्रामन्ते तस्मिंश्च प्रतिष्ठमाने सर्व एव प्रतिष्ठन्ते । तद्यथा मक्षिका मधुकरराजानमुत्क्रामन्तं सर्व एवोत्क्रमन्ते तस्मिंष्च प्रतिष्ठमाने सर्व एव प्रातिष्टन्त एवं वाङ्मनष्चक्षुः श्रोत्रं च ते प्रीताः प्राणं स्तुन्वन्ति ॥ ‘પ્રાણની આ વાત પર દેવતાઓને વિશ્વાસ બેઠો નહિ.–જેમ મધમાખીમાં રાણી મધમાખી, મધપૂડામાંથી બહાર નીકળે ,તરત જ બીજી મધમાખીઓ તેની સાથે બહાર નીકળવા લાગે છે એવી જ રીતે પ્રાણની વરિષ્ઠતા સાબિત થઇ.’
સોળકળાના સાયુજ્ય માટે નદી સાગરનું અદભુત ઉદાહરણ ટાંકવામાં આવ્યું છે. स यथेमा नद्यः स्यन्दमानाः समुद्रायणाः समुद्रं प्राप्यास्तंगच्छन्ति भिद्येते तासां नामरूपे समुद्र इत्येवं प्रोच्यते । एवमेवास्य परिद्रष्टुरिमाः षोडशकलाः पुरुषायणाः पुरुषं प्राप्यास्तं गच्छन्ति भिद्येते चासां नामरूपे पुरुष इत्येवं प्रोच्यते स एषोऽकलोऽमृतो भवति तदेष श्लोकः ॥ ‘જેવી રીતે વહેતી વહેતી સમુદ્રને મળી જાય છે ,એમાં જ વિલીન થઇ જાય છે.પોતાનું નામ રૂપ નષ્ટ કરી સમુદ્ર બની જાય છે તેમ પરમપુરુષની સોળે કળાએ પરમ પુરુષમાં વિલીન થાય છે.
બૃહદારણ્યક ઉપનિષદમાં આત્માની અંતર અનુભૂતિ વિશેષ રીતે દર્શાવાઈ છે. स यथा दुन्दुभेर्हन्यमानस्य न बाह्याञ्छब्दाञ्छक्नुयाद् ग्रहणायदुन्दुभेस्तु ग्रहणेन दुन्दुभ्याघातस्य वा शब्दो गृहीतः ॥ ‘ જેમ દુદુંભીની બહાર
નીકળતા શબ્દો માત્ર દુદુંભી કે તેનો વાદક જ ગ્રહણ કરે ‘,स यथा शङ्खस्य ध्मायमानस्य न बाह्याञ्छब्दाञ्छक्नुयाद् ग्रहणाय शङ्खस्य तु ग्रहणेन शङ्खध्मस्य वा शब्दो गृहीतः ॥‘ જેમ વગાડવામાં આવતા શંખ માત્ર એ શંખ કે તેના વાદક જ ગ્રહણ કરી ર્શકે.’ स यथा वीणायै वाद्यमानायै न बाह्याञ्छब्दाञ्छक्नुयाद् ग्रहणायवीणायै तु ग्रहणेन वीणावादस्य वा शब्दो गृहीतः ॥ ‘ જેમ વગાડવામાં આવતી વીણાના શબ્દો એ માત્ર વિના વીણા કે તેના વાદક ગ્રહણ કરી શકે,—એવી જ રીતે આત્માને આત્મા જ ગ્રહણ કરી શકે.’
પરમાત્માનો વેદ સાથેનો અનુબંધ વિશિષ્ટ રીતે જ બતાવાયો છે. स यथाऽऽर्द्रैधाग्नेरभ्याहितात्पृथग्धूमा विनिश्चरन्त्येवंवा अरेऽस्य महतो भूतस्य निःश्वसितमेतद् यदृग्वेदो यजुर्वेदः सामवेदोऽथर्वाङ्गिरस इतिहासः पुराणं विद्या उपनिषदः श्लोकाः सूत्राण्यनुव्याख्यानानि व्याख्यानान्य्सामवेदसथर्वाङ्गिरससितिहासस्पुराणं
विद्यासुपनिषदस्श्लोकास्सूत्राणि अनुव्याख्यानानि व्याख्याननि अस्यैवैतानि निःश्वसितानि ॥ ‘ જે રીતે ચારેય બાજૂથી હોમેલ ભીના લાકડામાંથી ધુમાડો નીકળે છે તેમ એવી જ રીતે ઋગ્વેદ ,યજુર્વેદ,સામવેદ અથર્વેદ વગેરે એ બધા એ મહાન સત્તાના નિશ્વાસ જ છે.’
આત્માની ગતિ કૈક આ રીતે વર્ણવી છે. स यथा सैन्धवखिल्य उदके प्रास्त उदकमेवानुविलीयेत नहास्योद्ग्रहणायेव न हास्योद्ग्रहणायैव स्याद् यतो यतस्त्वाददीतलवणमेवैवं वा अर इदं महद् भूतमनन्तमपारं विज्ञानघनएवैतेभ्यो भूतेभ्यः समुत्थाय एतेभ्यस्भूतेभ्यस्समुत्थायतान्येवानुविनश्यति न प्रेत्य सञ्ज्ञाऽस्तीत्यरे ब्रवीमीति होवाच याज्ञवल्क्यः ॥. ‘ જે રીતે જળમાં મીઠાની ગાંગડી નાખવાથી તે વિલીન થઇ જાય છે બરાબર એ રીતે આ પારરહિત આત્મા સમસ્ત ભૂતોથી ઉંચો ઉઠીને વિલુપ્ત થઇ જાય છે.’
શિવ સંકલ્પમસ્તુ ઉપનિષદમાં મનની ભુમિકા અનુસારની કલ્યાણકારી પ્રાર્થના આ રીતે મુકવામાં આવી છે सुषारथिरश्वानिव यन्मनुष्यान्नेनीयतेऽभीशुभिर्वाजिन इव । हृत्प्रतिष्ठं यदजिरं जविष्ठं तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॥ ‘ જે રીતે કુશળ સારથી લગામના નિયંત્રણથી અશ્વોને ગંતવ્ય રસ્તા પર નિશ્ચિત દિશામાં લઇ જાય તેવી જ રીતે જે મન મનુષ્યોને લક્ષ્ય સુધી પહોંચાડે છે તે જરારહિત અત્યંત વેગશીલ હૃદયસ્થાનમાં રહે છે એવું અમારું મન શ્રેષ્ઠ કલ્યાણકારી સંકલ્પોથી યુક્ત થાવ.’
છાંદોગ્ય ઉપનિષદ રૈક્વની વિશિષ્ટ વિદ્યાને સમજાવતા આ રીતે દૃષ્ટિત કરાઈ છે. માં यथा कृतायविजितायाधरेयाः संयन्त्येवमेनꣳ सर्वंतदभिसमैति यत्किंच प्रजाः साधु कुर्वन्ति यस्तद्वेद यत्स वेद स मयैतदुक्त इति ॥ ‘જે રીતે દ્યૂતક્રીડામાં પુરુષ કૃતસંજ્ઞક પાસાને જીતીને સંપૂર્ણ નિમ્ન પાસાઓને પોતાના તાબામાં કરી લે છે ‘.
કોઈપણ સિદ્ધાંત કે વિચાર શિષ્યના મગજમાં સ્પષ્ઠ બેસે એ માટે પ્રત્યેક ઉપનિષદમાં ખુબ સુયોગ્ય અને વ્યવહારુ ઉદાહરણ કે દૃષ્ટાંત મૂકીને આપવામાં આવતી વિદ્યાને સરળ અને રુચિકર બનાવવાની ઉપનિષદની આ શિક્ષણ વિભાવના ખરેખર અદભુત છે.
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
-
બાવળને પાણી – રક્ષા શુક્લ + કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે – હિતેન આનંદપરા
(૧)
બાવળને પાણી
રક્ષા શુક્લ
બાવળને મેં પાણી પાઈ ઘાવ બધાયે લીલા રાખ્યા.
ચાકુ-બાકુ, કરવત-બરવત, કુહાડી કૂવામાં નાખ્યા.કૂવે નાખતા ચાકુ પહેલા શબ્દોની મેં નાળ્યું વાઢી,
બાવળિયાના કાંટે ઊંચી ડોકે ફરતી ફાંસું કાઢી.અંધારે ઊભેલા ઈર્ષા, અહંકારની ચિતા ટાઢી,
સંબંધોમાં સ્હેજ ઊતરતા, તરવા લાગી સમજણ ગાઢી.છાંવ છાંવ ‘ને વૃક્ષોની વનરાજીના મેં દુવાર વાખ્યાં.
બાવળને મેં પાણી પાઈ ઘાવ બધાયે લીલાં રાખ્યા.કાલ સુધી થાતું કે બે-ત્રણ વેણ નહીં, લે, બાવી બોલું,
એના કરતબ, એની પોલંપોલ હવે હું પળમાં ખોલું.ભીતર બેઠો ભોજો બોલ્યો, ‘મેલ, મમત, મંજિરે ડોલું,
બાવળના બેસૂરા બોલે અમથું કાં મનજીને છોલું ?દરિયાને બોલાવી રણઝણ પીડાના મીણાને ચાખ્યા.
બાવળને પાણી પાઈ ઘાવ બધાયે લીલા રાખ્યા.(૨)
હિતેન આનંદપરા
કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે,
કોઈ તારી પીડને જીરવી જવા તૈયાર છે?રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી,
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે.કમનસીબી એ જ છે કે આંખ ખાલી બે જ છે,
શું કરે રાધા કે એનાં અશ્રુઓ ચોધાર છે.વાંસળી છોડી સુદર્શન હાથ પર ધરવું પડ્યું,
આ જગત સામે બિચારો ઈશ્વરે લાચાર છે.એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં તો સ્વયં પોતે જ હિસ્સેદાર છે. -
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક પહેલો : પ્રવેશ ૫

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક પહેલો: પ્રવેશ ૪ થી આગળ
પ્રવેશ ૫ મો
સ્થળ : રંગિણી નદીનો કિનારો
[રાઈ પ્રવેશ કરે છે.]
રાઈ : માનવકૃતિ અને પ્રકૃતિ વચ્ચેના મોટા અન્તરનો અનુભવ મને આજે જ થયો. વાંચ્યું હતું અને સાંભળ્યું હતું તેનો સાક્ષાત્કાર થયો નહોતો ત્યાં સુધી એ અન્તરની વાસ્તવિકતા મને સમજાઈ નહોતી. ક્યાં એ વાડી અને ક્યાં આ નદીતટ!
(શિખરિણી)
ઘવાયાં શાં ગાત્રો મુજકરથી ત્યાં પ્રકૃતિનાં !
અહીં શાં સ્વચ્છંદે અવનિ જલ આકાશ ખિલતાં!રહ્યાં શાં ધૂમાઈ મનુજકૃતિનાં ઉન્ધન ત્ય્હાં!
અહીં શો પૂર્ણાગ્નિ પ્રક્ટિ ધરતો ઉજ્જવલપ્રભા ! ૧૩(આર્યા)
રૂંધાયો મુજ જીવ ત્યાં મનુજતણા શ્વાસથી મલિન પવને,
ઉલ્લસતો અહીં આવી જલ તરુ તારક વિશે સાંભળીને. ૧૪ નદી ! તારી સુભગ શીતલતાની મારામાં સંક્રાન્તિ થાય એ શક્ય છે ? (નદીમાં પ્રવેશ કરે છે. નદીના પાણીમાં નજર કરી ઊભો ઊભો ચકિત થઈ) કેવો ચમત્કારી દેખાવ !
(હરિગીત)
આ તારકો પ્રતિબિમ્બદ્વારા જલ વિશે ઊતરી ગયા !
ખેંચે નદીનો વેગ તોયે સ્વસ્થલે તે દૃઢ રહ્યા!
મુજ અંતરે પ્રતિબિમ્બમાં કંઈ જ્યોતિઓ જે ઝગઝગે,
શું જાલકામતિવેગમાં જાશે તણાઈ સર્વ તે? ૧૫પરંતુ હવે જાલકાની મતિનો પ્રશ્ન ક્યાં છે? અમૃતદેવીની ઇચ્છા એ તો ખરે જુદી જ વસ્તુ છે. માતાની ઇચ્છા પૂર્ણ કરતાં પુત્રને સંકોચનું સ્થાન આવે ત્યાં પુત્રના રથનું પૈડું પંક્માં ગળી જાય છે. શું પુત્રને યોગ્યાયોગ્ય જોવાનો અધિકાર નથી ? રંગિણી ! તારા જળમાં આ ગૂંચવાડાનો કંઇ ખુલાસો છે?
(સોરઠો)
મરે ડૂબકી જેહ ઉત્તર દે તું તેહને !
છે તુજ ઉદરે તેહ, ધરતીમાં જે ક્યાંય નથી ! ૧૬પણ, મારી અશક્તિનો દોષ ધરતીને અમથે શા માટે નાખવો ?
(શાર્દૂલવિક્રીડિત)
જ્ઞાનીઓ, કવિઓ, તપસ્વિ ઋષિઓ, ભક્તો, મહાચિન્તકો,
સંતો, તાત્ત્વિક પંડિતો, નયવિદો, રાજ્યોતણા શાસકો;
વિદ્વાનો જલભૂમિપ્રાણિપશુના આકાશ પાતાલના
પોષ્યા કાંઈ અગણ્ય જે ધરતિએ ઓછું શું છે તેહમાં ? ૧૭ ધરતીના પટ પર આવો ભર્યોભંડાર છે; કંઇ મનુષ્યો રોગથી આરોગ્ય પામ્યા છે, કંઈ મનુષ્યો આરોગ્યમાંથી રોગ પામ્યા છે. ત્યાં આ મારી શંકાઓ માટે જડીબુટ્ટી કોઈ ઠેકાણેથી નહિ મળી આવે ? કોઈ કવિકોવિદ-વિશારદ એવો નહિ મળે કે જે મને સમજાવે કે માતાનો પ્રેમ મારા અંતઃકરણને કેમ ગૂંચવે છે?
(અનુષ્ટુપ)
પ્રેમ ને સત્ય એ બન્ને અંશો એક જ ઇશના,
તથાપિ કેમ દેખાતા વિરોધી માર્ગ તેમના? ૧૮ પણ, પેલું કોણ દેખાય છે ? મારા એકાંતને ખંડિત કરવા અને પ્રકૃતિને પવિત્રતાને કલુષિત કરવા કોણ રેતીમાં પગલાં ભરે છે ? અરે ! જાલકા હોય એમ લાગે છે.
[જાલકા પ્રવેશ કરે છે.]
જાલકા : આ શું રાઈ ! તેં હજી સ્નાન નથી કર્યું અને વસ્ત્ર પહેરીને પાણીમાં ઊભો છે.
રાઈ : સ્નાન કરવું કે ન કરવું એ વિચારમાં છું. ધરતી મને કોરો રાખી શકે તેમ છે, અને, નદી મને ભીનો કરી શકે તેમ છે. બે માંથી કોની પ્રસાદી ગ્રહણ કરવી એ નિર્ણય કરવો બહુ કઠણ છે.
જાલકા : એ તારી પંડિતાઈના તર્ક વિતર્ક જવા દે. હવે તો દુનિયાની ખરી વસ્તુઓ સાથે કામ લેવાનું છે.
રાઈ : અને પંડિતાઈ ખોટી વસ્તુ છે ?
જાલકા : તે તો કોણ જાણે, પણ પંડિતો રાજ્ય કરી શકતા નથી.
રાઈ : ખરી રીતે તો પંડિતો જ દુનિયામાં રાજ્ય ચલાવે છે. રાજ્ય અને મંત્રીઓ તો માત્ર પંડિતોએ ઠરાવેલા નિયમોનો અમલ કરે છે; અને તેમાં તેઓ ચૂકે છે ત્યારે રાજ્ય ખોઇ બેસે છે.
જાલકા : તું ગાદીએ બેસે પછી પંડિતોની સભા ભરી તેમની આગળ એ પ્રશ્ન મૂકજે. પણ, અત્યારે તો સ્નાન કરી લે. હું પણ સ્નાન કરવા આવી છું.
રાઈ : જાલકા ! સ્નાનનો આ શો ઢોંગ ! શબના સ્પર્શથી તને મલિનતા થઈ નથી, તો તારે સ્નાનની શી જરૂર ? તારા ચિત્તને સંતાપ થયો જ નથી કે શાન્તિ મેળવવાના પ્રયત્નનો આરંભ કરવામાં સ્નાન અને ઉપયોગિ થાય.
જાલકા : પ્રેત સાથે સંબંધ તૂટ્યાનું સ્નાનથી મનમાં ઠસે છે.
રાઈ : આશા વ્યર્થ છે. પર્વતરાય સાથેનો સંબંધ કદી તૂટવાનો નથી અને આપણને એ પ્રેતનું વિસ્મરણ કદી થવાનું નથી. ગમે ત્યાં જઈશું, પણ પર્વતરાયનું મૃત્યુ આપણી નજર આગળથી ખસવાનું નથી. અને તેટલેથી બસ ન હોય તેમ મેં પર્વતરાયના ઘરમાં જઇને વસવાની અને તેનો વેશ ભજવવાની યોજના કરી છે !
જાલકા : તને પાછી નિર્બળતા આવતી જણાય છે.
રાઈ : નિર્બળતા કહે કે સબળતા કહે, પણ મારું અંતઃકરણ બહુ ઉછાળા મારે છે, અને, તારી આ યોજનાને પોતાની અંદર પેસવા દેતું નથી.
જાલકા : એક વાર માર્ગ પકડ્યા પછી શિથિલ પગલાં ભરવાં એ કાયરપણું છે, અને, એથી આખરે વિનાશ જ થાય છે.
રાઈ : હજી શો માર્ગ પકડવો છે?
જાલકા : પર્વતરાયનું શબ જમીનમાં દાટ્યું છે, અને શીતલસિંહ સંદેશો લઈ રાજમહેલ તરફ રવાના થયો છે.
રાઈ : ખાડામાં પગ ઉતર્યો હોય તોપણ પાછો ખેંચી નથી લેવાતો ? બહુ બહુ તો થોડો છોલાઈને બહાર આવે!
જાલકા : રાઈ ! તારી આ અસ્થિરતા મને દુઃખી કરે છે. હું જ્યાંથી જૂની આફતોનો છેડો આવેલો ધારું છું ત્યાંથી તું નવી આફતોની શરૂઆત કરવા કેમ માંડે છે ? મારા હ્રદયના ઉલ્લાસ માટે તને કાંઈ દરકાર જ નથી !
રાઈ : એ દરકાર જ મને વિવશ કરે છે.
જાલકા : તો એક વાર વિવશતા સહન કરી લે. હવે અહીં સ્નાન કરવામાં તારું દિલ નહિ લાગે.વાડીમાં ચાલ. ત્યાં સ્નાન કરીશું. તને વાર થઈ તેથી મને ફિકર થઈ હતી જ કે તને પાછી ગૂંચવણની આંકડી આવી હશે. ચાલ, એ આંકડીના નુસકા એની મેળે મળી આવશે.
[બંને જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
‘આજા’, ‘આઓ’ વાળા ગીતો – मेरे पास आओ
નિરંજન મહેતા
આ વિષય પરના ગીતો અગાઉ બે ભાગમાં, તા. ૨૨.૦૭.૨૦૨૩ અને ૨૬.૦૮.૨૦૨૩ના મુકાયા હતા. આ ત્રીજા અને અંતિમ ભાગમાં ત્યાર પછીના ગીતો રજુ કરૂ છું.
સૌ પ્રથમ ૧૯૭૧ની ફિલ્મ ‘પરાયા ધન’નુ ગીત જે ખેતરમાં નવા પાકને લણતા ગવાય છે.
आओ जुमे गाये मिल के धूम मचाये
चुनले गम के कांटे खुशियों के फुल खिलायेબલરાજ સહાની અને હેમા માલિની આ સમૂહગીતના મુખ્ય કલાકાર છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. ગાયક કલાકારો છે આશા ભોસલે અને કિશોરકુમાર.
૧૯૭૧ની ફિલ્મ ‘શર્મીલી’નુ આ ગીત એક હળવા પ્રકારનું ગીત છે જેમાં શશીકપૂર રાખીને સંબોધીને પોતાના વિરહને વ્યક્ત કરે છે. .
ओ मेरी ओ मेरी ओ मेरी शर्मीली
आओ ना तरसा ओ नाનીરજના શબ્દો અને સચિન દેવ બર્મનનુ સંગીત. સ્વર છે કિશોરકુમારનો..
૧૯૭૧ની ફિલ્મ ‘કારવાં’નુ આ ગીત એક કેબ્રે નૃત્યગીત છે જે હેલન પર રચાયું છે.
पिया तू अब तो आजा
शोला सा मन दहके
आ के बूजा जाપિયાની રાહ જોતી વિરહણીનાં મનોભાવ આ ગીતમાં દર્શાવાયા છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે આશા પારેખ અને જીતેન્દ્ર. શબ્દ રચના મજરૂહ સુલતાનપુરીની અને સંગીત આર.ડી. બર્મનનુ. આશા ભોસલેને ગાવામાં સાથ આપ્યો છે આર.ડી. બર્મને.
૧૯૭૧ની ફિલ્મ ‘ઉપાસના’નુ આ ગીત બે પ્રેમીઓની નોકઝોક દેખાડે છે
आओ तुमे मै प्यार सिखा दू, सिखला दो ना
प्रेम नगर की डगर दिखा दू , दिखला दो नाસંજયખાન મુમતાઝને પ્રેમના પાઠ શીખવાડવાનું આ ગીતમાં કહે છે. રાજીન્દર કૃષ્ણના શબ્દોને કલ્યાણજી આણંદજીનુ સંગીત સાંપડ્યું છે લતાજી અને રફીસાહેબ ગાયક કલાકારો.
૧૯૭૨ની ફિલ્મ ‘મેરે જીવનસાથી’નુ આ ગીત અંધ રાજેશ ખન્નાને ફસાવતી હેલન પર રચાયું છે.
आओ ना गले लगा दो ना
लगी बूजा दो ना ओ जाने जाગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર આર.ડી. બર્મન. આશા ભોસલેનો સ્વર.
૧૯૭૨ની ફિલ્મ ‘યે ગુલીસ્તા હમારા’નુ આ ગીત પણ એક નોક્ઝોક્વાળું ગીત છે.
मेरे पास आओ हो मेरे पास आओ
हो तो मेरा नाम जाओ, समजाનશામાં ધૂત જોની વોકર કાનન કૌશલને પોતાની પાસે બોલાવે છે જે તે જુદા જુદા કારણસર કબૂલ નથી કરતી. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. લતાજી સાથે ગાનાર કલાકાર છે ડેની ડેન્ઝોગપા.
૧૯૭૫ની ફિલ્મ ‘ઝખ્મી’નુ ગીત છે એક બાળગીત.
जिंगल बेल जिंगल बेल जिंगल ओल ध वे
…………….
आओ तुमहे चाँद पे ले जाए
प्यार भरे सपने सजायेઆશા પારેખ બેબી પિંકીને સ્વપ્નની દુનિયા લઇ જાય છે ત્યારે આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે ગૌહર કાનપુરીના અને સંગીત આપ્યું છે બપ્પી લાહિરીએ. સ્વર છે સુષ્મા શ્રેષ્ઠા અને લતાજીના.
૧૯૭૬ની ફિલ્મ ‘ચરસ’નુ આ ગીત શરૂમાં એક વિરહગીત છે અને પછી મિલનગીત બને છે.
दिल इंसाफ का एक तराजू
……………
के आजा तेरी याद आई
ओ बालम हरजाईધર્મેન્દ્ર અને હેમા માલિની પર રચાયેલ આ ગીતના સંગીતકાર છે.લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગીતકાર આનંદ બક્ષી ગીતની શરૂઆતમાં પહેલી કંડિકા ગાય છે અને ત્યારબાદના સ્વર છે લતાજી અને રફીસાહેબનાં.
૧૯૭૯ની ફિલ્મ ‘નૂરી’નુ આ ગીત પણ એક વિરહગીત છે.
ओ नूरी ओ नूरी
आजा दिलबर आजा
दिल की प्यास बूजा जाફારૂક શેખ અને પૂનમ ધિલ્લોન ગીતના કલાકારો છે જેને શબ્દો સાંપડ્યા છે જાનીસાર અખ્તર પાસેથી. સંગીત આપ્યું છે ખૈયામે અને સ્વર છે નીતિન મુકેશ અને લતાજીનાં.
આ ગીત ફિલ્મમાં બીજીવાર પણ આવે છે જે મિલનની વેળાએ ગવાયું છે.
दूर नहीं मै तुज से साथी
मै तो सदा से तेरी૧૯૭૯ની ફિલ્મ ‘ખાનદાન’નુ આ ગીત કોલેજીયનોની મનોવૃત્તિને ઉજાગર કરે છે.
यारो आओ ख़ुशी मनाओ
आज से कोलेज बंध हैકોલેજમાં હડતાલ પછી જીતેન્દ્ર પોતાના સાથીઓને કોલેજ બંધ થયાની ખુશી વ્યક્ત કરવા આમંત્રે છે જેના શબ્દો છે નક્શ લાલપુરીના અને સંગીત આપ્યું છે ખય્યામેં. સ્વર છે કિશોરકુમારનો.
૧૯૭૯ની ફિલ્મ ‘સરગમ’નુ આ ગીત પોતાની ભાવના વ્યક્ત કરતી અંધ જયા પ્રદા પર રચાયું છે.
डफलिवाले डफली बजा
मेरे घुंघरू बुलाते है
मै नाचू तू नचाરિશીકપૂરને આવીને ડફલી વગાડવાનું આમંત્રણ જયા પ્રદા આપે છે. આનદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત. લતાજી અને રફીસાહેબ ગાયક કલાકાર.
૧૯૮૧ની ફિલ્મ ‘પ્રેમગીત’નુ આ ગીત બે પ્રેમીઓની એક થવાની ભાવનાને વ્યક્ત કરે છે.
आओ मिल जाए हम सुगंध और सुमन की तरह
एक हो जाये चलो जान और बदन की तरहરાજ બબ્બર અને અનીતા સિંહ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે ઇન્દીવર અને સંગીતકાર છે જગજીત સિંહ. જગજીત સિંહને ગાવામાં સાથ આપ્યો છે ચિત્રા સિંહે.
૧૯૮૧ની ફિલ્મ ‘લવ સ્ટોરી’નુ આ ગીત ભવિષ્યનું સ્વપ્ન જોતા બે પ્રેમીઓનું છે
देखो मैंने देखा है यह एक सपना
फूलो के शहर में है घर अपना
………….
क्या समा है तू कहा है
मै आई आई आई आ जाકલાકારો છે કુમાર ગૌરવ અને વિજયેતા પંડિત. આનંદ બક્ષીના શબ્દો અને આર.ડી. બર્મનનુ સંગીત જેને સ્વર મળ્યો છે અમિત કુમાર અને લતાજીના.
૧૯૮૩ની ફિલ્મ ‘કૌન કૈસે’નુ આ ગીત એકબીજાને જાળમાં ફસાવવાના પેતરા રચતા યુગલ પર એક પાર્શ્વગીત છે.
आओ मेरे पास और आओ
ना घबराओ ना शरमाओદિપક પરાશર અને અન્ય કલાકાર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે ગુલશન બાવરા અને સંગીતકાર છે આર.ડી. બર્મન જેને સ્વર આપ્યો છે કિશોરકુમારે.
૧૯૮૯ની ફિલ્મ ‘તાકતવર’નુ આ ગીત એક પાર્ટીનું કેબ્રે ગીત છે.
आइए आप का इंतज़ार था
आइए कब से दिल बेकरार थाકેબ્રે નૃત્યાંગના છે અનીતા રાજ જે સંજય દત્તને લલચાવવા આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે સમીરના અને સંગીત આપ્યું છે અનુ મલિકે. સ્વર અલીશા ચિનાઈ અને અનુ મલિકના,
૧૯૮૯ની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ નુ આ ગીત એક જુદાઈ અનુભવતા પ્રેમીનું છે
आजा शाम होने आई
मौसम ने ली अंगडाईસલમાન ખાન ભાગ્યશ્રીને ઉદ્દેશીને આ ગીત ગાય છે. અસદ ભોપાલીનાં શબ્દો અને રામ લક્ષ્મણનુ સંગીત. ગાનાર કલાકરો એસ.પી.બાલાસુબ્રમણીયમ અને લતાજી.
૧૯૯૪ની ફિલ્મ ‘વિજયપથ’નુ આ સમૂહ નૃત્યગીત અજય દેવગણની રાહ જોતી તબુ પર રચાયું છે.
आईऐ आप का आईऐ आप का
देर लगी आने में तुम को
शुक्र है फिर भी आये तोઅજય દેવગણ ન આવતા જે વ્યથા તબુએ અનુભવી હતી તે આ ગીતમાં વ્યક્ત કરાઈ છે જેના શબ્દો છે ફૈઆઝ અનવરનાં અને સંગીત આપ્યું છે અનુ મલિકે. ગાયિકા અલકા યાજ્ઞિક.
આ જ ગીત કુમાર સાનુના સ્વરમાં પણ મુકાયું છે.
પ્રયત્ન તો કર્યો છે પણ કદાચ કોઈ ગીતની નોંધ ન લેવાઈ હોય તો ક્ષમસ્વ.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૧૭. ભરત વ્યાસ
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
વિશુદ્ધ હિંદી ગીતો લખનારા પંડિત નરેન્દ્ર શર્માની ગઝલો શોધતાં ખાસ્સી મશક્કત થઈ ત્યારે લાગેલું કે એમની સરખામણીમાં શુદ્ધ હિંદીના વધુ ચુસ્ત આગ્રહી પંડિત ભરત વ્યાસના ગીતોમાંથી ગઝલ શોધવી એ તો ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું આકરું નીવડશે. ખરેખર એવું જ થયું !
૧૭૫ થી વધુ ફિલ્મોમાં ૧૨૦૦ ઉપરાંત ગીતો લખનારા ભરત વ્યાસના લોકપ્રિય ગીતોની સંખ્યા પણ સોએક તો થાય જ. એમનું માત્ર એક જ જાણીતું ગીત ગણાવવું હોય તો ‘ ઐ માલિક તેરે બંદે હમ ‘ કાફી થઈ પડે ( ફિલ્મ : દો આંખેં બારહ હાથ ). એથી આગળ જઈએ તો ‘ દિલ કા ખિલૌના હાએ ટૂટ ગયા ‘ , ‘ જરા સામને તો આ ઓ છલિયે ‘, ‘ જીવન ડોર તુમ્હીં સંગ બાંધી ‘, ‘ કૌન હો તુમ કૌન હો ‘, ‘ કુહુ કુહુ બોલે કોયલિયા ‘, ‘ તેરે સુર ઔર મેરે ગીત ‘, ‘ લાગી છૂટે ના અબ તો સનમ‘, અને ‘ તૂ છુપી હૈ કહાં મૈં તડપતા યહાં ‘ વગેરે ગણાવી શકાય. એમણે જે ફિલ્મોમાં તો લખ્યા એમાંની મોટા ભાગની ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક હતી.ગીતકાર ઉપરાંત એ અભિનેતા, નિર્દેશક અને ગાયક પણ હતા. એમના નાના ભાઈ બી એમ વ્યાસ અમારા જમાનાના ખૂનખાર ખલનાયક હતા. વિડંબનાજનક કિસ્સો એ કે બહુ જ નાની વયે ગુમ થઈ ગયેલા પોતાના કિશોર પુત્રના વિયોગમાં એમણે લખેલા બે ગીતો – જરા સામને તો આ ઓ છલિયે ( જનમ જનમ કે ફેરે ) અને આ લૌટ કે આ જા મેરે મીત ( રાની રૂપમતી ) પ્રેમ ગીત તરીકે પ્રસિદ્ધિ પામ્યા !
એમની બે દુર્લભ ગઝલો :
ન તુમ આએ ન નીંદ આઈ તુમ્હારી યાદ હી આઈ
કિસી પથ્થર સે ટકરા કર મેરી ફરિયાદ હી આઈતેરી આબાદ મહેફિલ સે ન કુછ ભી પા સકે હમ તો
મેરી કિસ્મત ગઈ બરબાદ ઔર બરબાદ હી આઈલિયે બુલબુલ ને દો તિનકે કે સારા આસમાં ચૌંકા
બહાર આઈ ભી તો દિલ મેં લિયે ફરિયાદ હી આઈ..– ફિલ્મ : રીમઝીમ – ૧૯૪૫
– શમશાદ બેગમ
– ખેમચંદ પ્રકાશ
મુઝે તર્કે – તઆલ્લુક કે લિયે સમજાયા જાતા હૈ
સુકૂને – દિલ કી ખાતિર ઔર દિલ તડપાયા જાતા હૈઝમાને કે ચલન ઔર તેરી નઝરોં કો મૈં અબ સમઝા
જો જિતના દબ કે મિલતા હૈ વોહી ઠુકરાયા જાતા હૈમુઝે ઈતના બતા દે આજ મેરે મોહતરમ સાકી
બહક જાતા હું મૈં ખુદ યા મુઝે બહકાયા જાતા હૈ..– ફિલ્મ : સહારા – ૧૯૫૮
– સુધા મલ્હોત્રા
– હેમંત કુમાર
( આ ગઝલની તરજ ૧૯૬૦ ની ફિલ્મ ‘ કોહીનૂર ‘ ના વિખ્યાત યુગલ ગીત ‘ ચલેંગે તીર જબ દિલ પર ‘ ને આબેહૂબ મળતી આવે છે. કદાચ પ્રેરણા ! )
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ફિલ્મ સંગીત વાદ્યવિશેષ : (૮) – તંતુવાદ્યો (૩) – મેન્ડોલીન (૧)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
હિન્દી ફિલ્મીસંગીતના સુવર્ણકાળ દરમિયાન તેના શોખીનો માટે મનોરંજનનું એકમાત્ર સાધન રેડીઓ હતું. તે સમયે રેડીઓ વિવિધભારતી અને રેડીઓ સીલોન(હાલનું શ્રીલંકા બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન) એ બે સેવાઓ ઉપર દિવસના મોટા ભાગમાં ફિલ્મી ગીતોને લગતા અનેકવિધ કાર્યક્રમો રજૂ થતા રહેતા હતા. ક્યારેક ક્યારેક ‘ફીલર’ તરીકે ( બે કાર્યક્રમો વચ્ચેનો અવકાશ પૂરવા માટે) કોઈ વાદ્યસંગીતના કર્ણપ્રિય અંશો દ્વારા તેને ભરી દેવામાં આવતો. ૧૯૬૦-૧૯૮૦ના સમયગાળામાં રેડીઓ ઉપર ફિલ્મી ગીતો સાંભળનારા ચાહકોને એક ચોક્કસ ધૂન ચોક્કસ યાદ હશે. તે પ્રસ્તુત છે.
જસવંતસિંહ ‘જોલી’ નામના એક સુખ્યાત વાદકે આ યાદગાર ધૂન મેન્ડોલીન તરીકે જાણીતા એક તારવાદ્ય અથવા તંતુવાદ્ય ઉપર વગાડી હતી. મૂળ ઇટાલીનું આ વાદ્ય પહેલાં ફિલ્મી વાદ્યવૃંદોમાં પ્રવેશ્યું અને ધીમેધીમે ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયા સુધી પહોંચી ગયું. યુ. શ્રીનિવાસ નામેરી એક દક્ષિણ ભારતીય કલાકારે નાની વયમાં જ મેન્ડોલીનના કર્ણાટકી ઢબના શાસ્ત્રીય વાદનમાં એવી મહારત કેળવી હતી કે એ દેશવિદેશમાં ‘મેન્ડોલીન શ્રીનિવાસ’ તરીકે જાણીતો બની ગયો હતો. કમનસીબે તે યુવા વયે જ અવસાન પામ્યો. ખેર, કિશોરવયે તેણે વગાડેલા કર્ણાટકી રાગની એક ઝલક માણીએ.
આ ઉપરાંત અન્ય ભારતીય વાદકોએ પણ મેન્ડોલીન ઉપર શાસ્ત્રીય રાગવાદન કર્યું છે. આમ, આ વાદ્ય હવે સંપૂર્ણપણે ભારતીય બની ગયું છે એમ કહીએ તો ખોટું નથી.

પહેલી નજરે મેન્ડોલીન ગિટાર જેવું જણાય છે, પણ રચનામાં અને વગાડવાની શૈલીમાં તે ખાસ્સું જુદું પડે છે. તેમાં તુંબડા અને હસ્ત/ગ્રીવા વચ્ચે બેની જોડીમાં ચાર એમ કુલ આઠ તાર લગાડેલા હોય છે( ગિટારમાં મોટા ભાગે બેની જોડીમાં છ એમ બાર તાર હોય છે). દરેક જોડીની ચોક્કસ સ્વરબાંધણી કરાયેલી હોય છે. ‘નખલી’ નામે ઓળખાતા સાધન વડે તાર પર પ્રહાર કરી ને સ્વર ઉત્પન્ન કરાય છે. ગ્રીવા પર ચોક્કસ સ્થાનો પર ‘પરદા’ (Fret) કહેવાતી રચના હોય છે. ઉત્પન્ન થયેલા સ્વરને જે તે પરદા ઉપર આંગળી દબાવી ને નિયંત્રિત કરવામાં આવે છે. મેન્ડોલીનની ગ્રીવા ગિટારની સરખામણીએ ઘણી ટૂંકી હોય છે. તેના તાર અલગ રીતે અને વધુ ઊંચા સપ્તકમાં સ્વરબદ્ધ કરાયેલા હોય છે. ગિટારના મૃદુ સૂરની જગ્યાએ મેન્ડોલીનનો સ્વર તીણો હોય છે. વળી ગિટારના સૂરનું ગૂંજન લાંબું ટકે છે, જ્યારે મેન્ડોલીનનો સ્વર ઝડપભેર શમી જાય છે. આ કારણથી વાદકે એક સૂર પછી બીજો સૂર ઝડપથી વગાડવો પડે છે. આથી આ વાદ્યને વગાડવું પડકારજનક બની રહે છે. આમ હોવાથી મેન્ડોલીનના સ્વર સાંભળવામાં સળંગસૂત્રી નહીં પણ તૂટકતૂટક લાગે છે, પણ કુશળ વાદકો તૂટક સ્વર વચ્ચે પણ સાતત્ય જાળવતા હોય છે. મેન્ડોલીન ગમે તેટલું ધીમું કે ઓછી માત્રામાં વાગે, તેની હાજરી આ કારણથી કાને પકડાયા વગર રહેતી નથી. તે એકલવાદ્ય હોવા છતાં સમગ્ર વાદ્યવૃંદમાં પોતાની આગવી અસર ઊભી કરી શકે છે.
ઉપરની બે ક્લીપ્સ માણ્યા પછી મેન્ડોલીનના સ્વરની બરાબર પીછાણ થઈ ગઈ હશે. માટે હવે જેમાં નોંધપાત્ર મેન્ડોલીનવાદન સાંભળવા મળે છે એવાં કેટલાંક ફિલ્મી ગીતો માણીએ.
૧૯૪૯ની ફિલ્મ ‘દુલારી’માં નૌશાદનું સંગીત હતું. તેના ગીત મીલ મીલ કે ગાયેંગે દો દિલ યહાંમાં મેન્ડોલીન સતત હાજરી પૂરાવતું રહે છે.
ફિલ્મ ‘આવારા’ (૧૯૫૧)નું ડ્રીમ સીક્વન્સ તરીકે જાણીતું ગીત અને તેનું સમગ્ર ફિલ્માંકન ફિલ્મી ઇતિહાસમાં ટોચના સ્થાને બીરાજે છે. શંકર-જયકિશનના બે ભાગમાં વહેંચાયેલા આ ગીતના બીજા ભાગ – ઘર આયા મેરા પરદેસીમાં અત્યંત વિશાળ વાદ્યવૃંદમાં મેન્ડોલીનના અંશો સૌથી વધુ ધ્યાનાકર્ષક બની રહે છે.
૧૯૫૪માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ડાકુ કી લડકી’માં હેમંતકુમારનું સંગીત હતું. તેના પ્રસ્તુત ગીત ચાંદ સે પૂછો સિતારોં સે પૂછોના ઈન્ટરલ્યુડ્સમાં મેન્ડોલીનનું પ્રાધાન્ય જણાઈ આવે છે.
એ જ સાલની ફિલ્મ ‘નાગીન’માં પણ હેમંતકુમારનું જ સંગીત હતું. તેના ખુબ જ લોકપ્રિય ગીત જાદુગર સૈયાં છોડો મોરી બૈયાંમાં પ્રિલ્યુડ અને ઈન્ટરલ્યુડ્સમાં તો ખરું જ, સાથે સાથે મેન્ડોલીન ગાયકીને સમાંતર પણ સતત હાજરી પૂરાવતું રહે છે.
૧૯૫૪ના જ વર્ષમાં પરદા ઉપર આવેલી ફિલ્મ ‘ખૈબર’ના સંગીતનિર્દેશક હતા હંસરાજ બહલ. તેનું ગીત મૈં તેરી તમન્ના કરતા હૂં મેન્ડોલીનના ખુબ જ કર્ણપ્રિય અંશો ધરાવે છે.
ફિલ્મ ‘યાસ્મીન’ (૧૯૫૫)નું સંગીત સી.રામચન્દ્રએ તૈયાર કર્યું હતું. તે ફિલ્મનું એક ખુબ જ યાદગાર ગીત બેચૈન નજર બેતાબ જીગર સાંભળીએ, જેના વાદ્યવૃંદમાં મેન્ડોલીનનું પ્રાધાન્ય સ્પષ્ટ જણાઈ આવે છે.
એ જ વર્ષે રજૂ થયેલી ફિલ્મ ‘આઝાદમાં’ પણ સી.રામચન્દ્રનું સંગીત હતું. તેના યુગલગીત કિતના હંસી હૈ મૌસમમાં સમગ્ર ગીત દરમિયાન મેન્ડોલીન હાજરી પૂરાવતું રહે છે. ઉલ્લેખનીય છે કે ગીતમાં પુરૂષ સ્વર સ્વયં સી.રામચન્દ્રનો છે.
https://www.youtube.com/watch?v=NHvlFRILPJI
ફિલ્મ ‘હલાકૂ’ (૧૯૫૬)નું સંગીત શંકર-જયકિશને તૈયાર કર્યું હતું. એનાં બધાં જ ગીતો ખુબ કર્ણપ્રિય હતાં. તે પૈકીના ગીત દિલ કા ના કરના ઐતબાર કોઈમાં મેન્ડોલીનના અંશો ખાસ્સું પ્રાધાન્ય ધરાવે છે.૧૯૫૭ની ફિલ્મ ‘તુમ સા નહીં દેખા’માં ઓ.પી. નૈયરનું સંગીતનિર્દેશન હતું. તેના ગીત જવાનીયાં યે મસ્ત મસ્ત બિન પીયેના વાદ્યવૃંદમાં મેન્ડોલીનનું આગવું સ્થાન છે.
https://youtu.be/O_Nf4hDshes?si=BU_7V4CUuCoj9epg
૧૯૫૮માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘મધુમતિ’નું સંગીત સલિલ ચૌધરીએ તૈયાર કર્યું હતું. તેનાં ગીતો અતિશય લોકપ્રિય થયાં હતાં. તે પૈકીનું ગીત ઘડી ઘડી મેરા દિલ ધડકેનો પૂરેપૂરો પ્રિલ્યુડ મેન્ડોલીન વડે જ તૈયાર થયો છે. તે ઉપરાંત ગાયકીને સમાંતર તેમ જ ઈન્ટરલ્યુડ્સમાં પણ મેન્ડોલીન કાને પડ્યા જ કરે છે.આવતી કડીમાં આ દોરને આગળ વધારશું.
નોંધ :
૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com
