-
‘વિજ્ઞાન વિચાર’ : પકરણ ૧લું – વિજ્ઞાન એટલે શું’? – [૧]
આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.આશા છે કે આજથી સો વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.સંપાદન મડળ – વેબ ગુર્જરી
પોપટલાલ ગોવિંદલાલ શાહ

અંગ્રેજીમાં જે વિષયોને “સાયન્સ” કહેવામાં આવે છે, તેને માટે ગુજરાતીમાં ‘વિજ્ઞાન’ શબ્દ હવે રૂઢ થઈ ગયો છે. “સાયન્સ” શબ્દનો મૂળ અર્થ “જ્ઞાન” થાય છે; તેને બદલે ગુજરાતીમાં “વિજ્ઞાન” શબ્દ વાપરવાનું ખાસ પ્રયોજન છે, સંસ્કૃત તત્તજ્ઞાન અને આધ્યાત્મવિદ્યામાં જ્ઞાન અને વિજ્ઞાન એ બે શબ્દો જૂદી રીતે વપરાયા છે; જ્ઞાન ધ્યાન અને ચિંતનથી પ્રાપ્ત યાય છે, અને વિજ્ઞાન પ્રત્યક્ષ અનુભવથી (સાક્ષાત્કાર રૂપે) પ્રાપ્ત યાય છે. લગભગ આવો જ ભેદ અર્વાચીન જ્ઞાન અને વિજ્ઞાનમાં છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાનઃ અને તે પ્રત્યક્ષ અનુભવ અને નિરીક્ષણથી ધડાયેલું જ્ઞાન. આ ઉપરાંત વિજ્ઞાનની વિશેષતા વ્યવસ્થા અને નિયમમાં સમાયેલી છે. સાધારણ જ્ઞાન ત્રૂટક વસ્તુઓ કે વિચારોનું હોય છે, પણ જ્યારે આ છૂટક જ્ઞાનને વ્યવસ્થાપૂર્વક ગોઠવવામાં આવે ત્યારે તેમાંથી વિજ્ઞાનનાં તત્ત્વોનો આવિર્ભાવ યાય છે, સાધારણ જ્ઞાનને ઈંટોના ઢગલાની સાથે સરખાવીએ તો વિજ્ઞાનને તેમાંથી ઇંટોને નિયમસર ગોઠવીને ચણેલી દિવાલ સાથે સરખાવી શકાય. સાધારણ જ્ઞાનને જળબિન્દુની વૃષ્ટિ સાથે સરખાવીએ તો વિજ્ઞાનને તેમાંથી ઉત્પન્ન થતાં સ્રોત, ઝરા અને નદીની સાથે સરખાવી શકાય, જલવૃષ્ટિ જે ઠેકાણે પડે તે ઠેકાણેજ સમાઈ જય છે અને તેટલી જ જમીનને પોષી શકે છે; પરંતુ પ્રબળ વૈગવાળા જળસ્રોતથી ડુંગરોની કઠણ જમીન કપાઈને પોચી બને છે અને તેના જળમાર્ગની બાજુ પર સ્થળે સ્થળે લીલોતરી ઉત્પત્ર થાય છે, જળચક્કી ચાલી શકે છે, અને ધૂળવાળાં શહેરોની તરસી વસતીને માટે જળાશયો ભરી શકાય છે. સાધારણુ જ્ઞાનને વિચ્છિન્ન, અસંબદ્ધ, વિભક્ત, અફલ અને કાર્ય સાધવાને અશક્ત ગણીએ તો વિજ્ઞાન સંયોજિત, સંબદ્ધ, અવિભક્ત, ફલોત્પાદક અને કાર્યસાધક હોય છે.
જ્ઞાન અને વિજ્ઞાનનો સબંધ
જ્ઞાન અને વિજ્ઞાનનો સંબંધ અને જ્ઞાનમાંથી વિજ્ઞાનનો પરિપાક કેવી રીતે થાય છે તે સમજવાને એક દૃષ્ટાંત બસ થશે.
દરિયાની નજીક આવેલા ખ’ભાત, ભરૂચ, સુરત, મુંબઈ વગેરે સ્થળોએ દરિયાની ભરતી અને ઓટ જોનારને તે સંબંધી થોડુંએક જ્ઞાન પ્રાપ્ત થાય છેઃ દિવસમાં ભરતી બે વખત ચઢે છે, અને બે વખત ઊતરે છે; અને આ ભરતી અને ઓટનો સમય દરરોજ બદલાય છે; વળી અમુક વખતે મોટી ભરતી-જુવાળ-આવે છે; આ બધી જૂદી જૂદી હકિકતોને જ્ઞાનનું’ રૂપ આપી શકાય, પરતુ તેમાં જ્યાં સૃધી ચોકસાઇથી આ ભરતીઓટનું માપ ન થાય અને આ હકિકતોને વૈજ્ઞાનિક તથ્યનું રૂપ ન અપાય ત્યાં સુધી વિજ્ઞાનનો ઉદ્ભવ યતો નથી. નાના જુવાળમાં ભરતીનું પાણી ૧૦-૧૧ ફીટ ઊંચું ચડે છે અને મોટા જુવાળર્માં પાણી ૧૪-૧૫ ફીટ ઊંચું ચડે છે; આ પાણીનું વજન જેટલું અને તે વજન ઉપાડવાને કેટલું બળ જોઈએ? સાધારણ કુંડી કે ડોલમાંનું પાણી ઊંચકવાને આપણને કેટલું બળ જોઇએ છીએ તે આપણે સમજી શકીએ છીએ; પરંતુ દરિયામાં ભરતી આવવાથી કરોડો મણ જેટલા પાણીની ઊથલપાથલ થાય છે તે માટે કેટલું બળ જોઇએ તેનો ખ્યાલ આપણને સહેલાઈથી આવી શકે નહિ. આ પાણીને ખેંચનાર સૂર્ય અને ચંદ્રનું બળ કેટલું છે; આ સૂર્ય આપણી પૃથ્વીથી નવ કરોડ માઇલ જેટલા અંતરે છે અને ચંદ્ર અઢી લાખ માઇલ જેટલે દૂર છે; આ બધી હકીકતો મેળવ્યા પછી પણ જાણવાનું ઘણું બાકી રહે છે, ગુરુત્વાકર્ષણના બળના નિયમો અને પરિણામો સમજ્યા પછી જ આ ભરતીઓટનું ખરૂં સ્વરૂપ સમજી શકાય છે; ભલે અત્યારે એટલી ચોકસાઈથી આ હકીકતો સમજાઈ છે કે અમ્રુક દિવસે અમુક સ્થળે ભરતી કેટલે વખતે, અને કેટલા સમય માટે કેટલી નાની મોટી આવશે તેની ગણત્રી પંચાંગોમાં આપવામાં આવે છે. ભરતીઓટ થાય છે એ સાધારણ માહિતી મેળવવી એને જ્ઞાન કહેવાય; પરંતુ તેના વિષે કાર્યકારણનો સ’બંધ નક્કી કરી તેનું ચોક્કસ અને વિગતવાર વર્ણન મેળવવું એ વિજ્ઞાનનું કાર્ય ગણાય.
વિજ્ઞાનની વ્યાખ્યા
આ પ્રમાણે જો કે હકીકતો એકઠી કરવાનું કામ ઘણું જ અગત્યનું છે તે છતાં ફકત હકીકતોનું જ્ઞાન મેળવવું એ વિજ્ઞાનને માટે બસ નથી. હકીકતોને વિવેકપૂર્વક એકઠી કરીને તેમાંથી બીજા મનુષ્યોથી ચોકસાઈ થઈ કે એવા રૂપમાં તેમને વ્યવસ્થાપૂર્વક ગોઠવીને, તેમાંથી નિયમો તારવવા, પૂર્વાનુપૂર્વી[1] સંબંધો શોધવા, અને દરૈક ઘટનાની સંપૂર્ણ સમજૂતી મેળવવી એ વિજ્ઞાનનું મુખ્ય કાર્ય છે. ફક્ત જ્ઞાન મેળવવામાં અને તેનો સંગ્રહ કરવામાં જ વિજ્ઞાનનું કાર્ય સમાપ્ત થતું નથી, ભરતીઓટ સંબંધી ત્રુટક હકીકતોના જ્ઞાનમાંથી વિજ્ઞાનનો પરિપાક થતાં પહેલાં ઘણું કામ કરવાનું બાકી રહે છે. તે કામ કેવી રીતે થાય છે અને વિજ્ઞાનની પદ્ધતિ કેવી છે તે વિષે પછીથી વિવેચન કરીશું. પરંતુ અત્યારે એટલું જાણવાનું બસ છે, કે વિજ્ઞાનની વ્યાખ્યા[2] ટૂંકામાં એમ આપી શકાય કે નિરીક્ષણ અને અનુભવ ઉપરથી વ્યવસ્થા પ્રમાણે અને નિયમશોધનની દષ્ટિએ ગોઠવેલું જ્ઞાન, તે વિજ્ઞાન. આ પ્રકારનું જ્ઞાન બધાથી સમજી શકાય અને તેની વાસ્તવિકતા વિષે ચોકસી કરી શકાય તેવા રૂપમાં હોવું જોઈએ અને તે મનુષ્યની અંગત લાગણીથી અકલુષિત હોવું જોઇએ. વિજ્ઞાનની શાખાઓ અને ઉપશાખાઓ એટલી બધી વધતી જાય છે, અને તે દરેકની કાર્યપદ્ધત્તિના પ્રદેશો, અને તેમની કાર્યની બાહ્યપદ્ધતિ એટલી ભિન્ન દેખાય છે કે તેમનો પરસ્પર સંબંધ સાધારણ દૃષ્ટિએ સ્પષ્ટ દેખાય નહિ, અને છતાં વિજ્ઞાનની બધી પ્રવૃત્તિનું પ્રયોજન એ છે સૃષ્ટિની દરેક ઘટનાનું સર્વદેશીય જ્ઞાન મેળવીને, સૃષ્ટિનું રહસ્ય સમજવું. વિજ્ઞાનની વ્યાખ્યા થોડા શબ્દોમાં આપવાથી આપણને વિજ્ઞાનના સ્વરૂપનો ખરો ખ્યાલ આવતો નથી. તે સમજવાને માટે વિજ્ઞાનનું ક્ષેત્ર, વિજ્ઞાનનો ઉદેશ, વિજ્ઞાનની પદ્ધતિ, વિજ્ઞાનના મૌલિક સિદ્ધાન્તો, અતે વૈજ્ઞાનિક વૃત્તિ વગેરે વિષયો સમજવાની જરૂર છે.
વિજ્ઞાનનો ઉદ્દેશ
વિજ્ઞાનનું ક્ષેત્ર શું એ સમજવા પહેલાં “વિજ્ઞાનનો મુખ્ય હેતુ શો? વિજ્ઞાનનો ઉદ્દેશ શો ? ” એ પ્રશ્નોનો ઉત્તર મેળવવો સાર્થક છે, “જ્ઞેય સૃષ્ટિનું ટૂકામાં વર્ણન કરવું એ વિજ્ઞાનનો મુખ્ય ઉદ્દેશ છે”[3] એ સાદા વાકયમાં ઊંડું રહસ્ય સમાયેલુ’ છે. જ્ઞેય સૃષ્ટિ એટલે જાણી શકાય એવી સૃષ્ટિ માત્રનું ચોકસાઈથી જ્ઞાન મેળવવું, અને તે જ્ઞાનને વ્યવસ્થાપૂર્વક અને ગોઠવીને, તેમાંથી ટૂંકા સૂત્રરૂપ નિયમોમાં તેમનું “વર્ણન કરવું” એ વિજ્ઞાનનો હેતુ છે.
આ સ્થળે “વર્ણન” શબ્દનો વૈજ્ઞાનિક અર્થ સ્પષ્ટ કરવો જરૂરનો છે. એક ચિત્રમાં કે ફોટોગ્રાફ અસલ વસ્તુનું વર્ણન આપણને મળે છે અથવા તો પ્રતિભાશાળી લેખકોનાં શબ્દચિત્રોથી આપણને વસ્તુસ્થિતિનો આબેઠ્રબ ખ્યાલ આવે છે. પરંતુ તેમાં વસ્તુસ્થિતિનું બાહ્ય વર્ણન જ હોય છે. વૈજ્ઞાનિક “વર્ણન”માં વસ્તુસ્થિતિનાં બાહ્ય વર્ણન ઉપરાંત આંતરર્ચના, તેમની પૂર્વાનુપૂર્વી, વસ્તુસ્થિતિની ઉત્પત્તિ અને નાશનો સંબંધ, અને તે બધું દર્શાવનાર સૂત્રરૂપી ટૂંકા નિયમોના વર્ણનનો સમાવેશ યાય છે. સાદામાં સાદા અને ઓછામાં ઓછા સાંકેતિક શબ્દોનો ઉપયોગ કરીને “વર્ણન” આપી શકાય તેવા જ ટૂંકા નિયમો ખરા ઉપયોગી થઈ પડે છે; કારણ કે તેમાંથી જ સૃષ્ટિક્રિયાની ખરી સમજૂતી મળી શકે. વળી આ નિયમોનું “વર્ણન” એકબીજાથી અસંગત ન હોય અને કોઇ પણ હકીકત મુખ્ય સમજૂતીની વિરૂદ્ધ ન હોય તેની સ’ભાળ રાખવી પડે છે. આ દૃષ્ટિએ અનુભવજન્ય જ્ઞાનનું સાદામાં સાદી અને સ્પષ્ટ ભાષામાં સંપૂર્ણ અને સુસંગત વર્ણન[4] આપવું એ જ વિજ્ઞાનનું કર્તવ્ય છે. આ વર્ણન કરવામાં જ કારણની શોધ ઘણીવાર યાય છે. સાધારણ દૃષ્ટિએ જેને આપણે કારણ કહીએ છીએ તેના કરતાં વૈજ્ઞાનિક કારણ જૂદા જ પ્રકારનું છે.
સાધારણ રીતે કારણમાં કર્તાનો કતૃત્વશક્તિનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિક કારણમાં આ કર્તૃત્વ ભાવના કરતાં ફકત પૂર્વાનુપૂર્વી સંબંધોનો જ સમાવેશ યાય છે. ન્યાયશાત્રની દૃષ્ટિએ કારણો બે જાતનાં હોય છે. એક તો આદિકારણ કે જેમાં પ્રયોજન, ઉદેશ, ઈચ્છા, અને કતૃત્વભાવના સ્પષ્ટ હોય છે; જેવી રીતે મેજને બનાવનાર સુતાર. બીજી જાતનાં કારણો ગૌણ અથવા નિમિત્તકારણ કહેવાય છે, તેમાં અમ્રુક પરિસ્થિતિ પ્રાપ્ત થતાં અમુક ક્રિયા અથવા કાર્યના પ્રાદુર્ભાવનો સંબંધ દેખાય છે; જેવી રીતે મેઘધનુષ્યનું કારણ સૂર્ય કિરણો. આ બે જાતનાં કારણોમાંથી બીજી જાતનાં કારણો ઉપર વિજ્ઞાન વધારે ધ્યાન આપે છે એ સ્પષ્ટ કરવું આવશ્યક છે.
વિજ્ઞાનમાં “આ શા માટે’ અથવા તો “ આ કોણે બનાવ્યું”‘ એ પ્રશ્ન અનુચિત છે; તેને બદલે “આ શી રીતે થાય છે” એ પ્રશ્નનો ઉત્તર મેળવવા વિજ્ઞાન યત્ન કરે છે. ટેબલ બનાવનારમાં નહિ પણ ટેબલ બનાવવાની રીતમાં જ વૈજ્ઞાનિકોને રસ પડે છે. અંતિમ કારણો શોધવા કરતાં અમુક બનાવો અને અમુક ધટના કેવા સ’યોગોમાં, કેવી રીતે થાય છે, અને ફરીથી ક્યારે અને કેવી રીતે થશે તે શોધવાનું કામ જેટલું વધારે કઠિન છે તેટલું જ વધારે ફલપ્રદ છે. વળી અમુક ઘટના શા માટે યાય છે તે સમજવા કરતાં તે કેવી રીતે થાય છે, અને બીજી વસ્તુઓ અને બીજી ઘટનાઓ સાથે અને બીજા જાણીતા નિયમો સાથે તેનો સંબંધ કેવી જાતનો છે તે જાણવાનું વધારે અગત્યનું છે. નિત્ય અને સ્થાયી પૂર્વાનુપુર્વી વ્યાપ્તિસંબંધ શોધવામાં જ વિજ્ઞાનનો ઉદ્દેશ પરિપૂર્ણ થાય છે. આવા વર્ણનાત્મક અને કારણરૂપ નિયમો-સૂત્રો જેમ બને તેમ ટૂંકા, સાદાં, સ’પૂર્ણ અને સુસંગત રૂપમાં શોધી કાઢવાનો વૈજ્ઞાનિકો સતત પ્રયાસ કરે છે. ગુરુત્વાકર્ષણનો નિયમ એટલે શું, વિશ્વમાં દ્રવ્યના કણોની ગતિ કેવા પ્રકારની છે અને તે દરેક કણની ગાતિ બીજા કણથી કેવી રીતે અને કેટલી બદલાય છે એનુ’ ટૂંકું ‘ વર્ણન એટલે ગુરૂત્વાકર્ષણનો નિયમ; આ કણો શા માટે અથવા શા કારણથી ફરે છે, અને પૃથ્વી અને બીજા ગ્રહો શા માટે સૂર્યની પ્રદક્ષિણા અમુક કક્ષામાં જ કરે છે તેનું કારણ સમજવાનો સહેજ પણ પ્રયત્ન આ નિયમમાં થતો નથી. ગ્રહો ને તારાની ગતિ સંબંધી વિશાળ ઘટનાની ટૂંકાણમાં સમજૂતી આપણને આ નિયમમાં મળે છે. આ “વર્ણન” કેવળ ચિત્ર જેવું નહિ, પણ વિવેકપૂર્વકના અન્વેષણ અને પૂર્વાનુપૂર્વી સંબંધથી યુક્ત હોવાને લીધે ઘણું ઉપયોગી હોય છે.
[1] Uniform Antecedent
[2] Science is organized and formulated observation and experience.
[3] The primary aim of science is the concise description of knowable universe.
[4] Complete and consistent description of the facts of experience in simplest possible terms
ક્રમશઃ
હવે પછીના અંશમાં ‘વિજ્ઞાનનું ક્ષેત્ર’ અને ‘વિજ્ઞાનની પદ્ધતિ’ વિશે વાત કરીશું
-
ખોટ ખાઇને પણ, ખોટી થવું – લાંબે ગાળે ફાયદાકારક
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
તમે જોજો ! ખેડૂત માત્રનો આરાધ્યદેવ બાબરોભૂત હોય તેમ ખેડૂત કદિ સાવ નિરાંતવો તમને નહીં ભળાય. તે કોઇના લગ્ન પ્રસંગમાં હાજરી આપતો હોય કે ઓફીસલી અગત્યના કામે કોઇ કચેરીમાં ગયો હોય, કે ભલેને ભાઇ-ભાંડું કે સગા-વહાલાની વચ્ચે કૌટુંબિક વ્યવહારમાં વળગેલ હોય, એના વાણી-વરતનમાં ‘આ કામ કેમ જલ્દી પુરૂં થાય અને ક્યારે હું ઘર-વાડી ભેળો થાઉં’ એવી ઉતાવળ જ દેખાયા કરતી હોય છે
એના આ ઉદ્વેગી જીવનનું કારણ બીજું કશું નહીં – એનો ખેતીનો ધંધો જ કારણભૂત છે. અને એ સ્વાભાવિક પણ છે ભાઇ ! ખેતી તો વ્યવસાય જ એવો છે કે જેમાં ભગવાને દિવસ ઘડ્યો છે 24 કલાકનો, પણ આ ધંધામાં કામ મુક્યું છે 30 કલાકનું ! એય પાછું નિરાંતનું નહીં હો ! લોહી-પાણી એક કરી દે તેવું કઠ્ઠણ મહેનતનું ! ચોમાસું હોય કે ઉનાળો, કે હોય હાડ થીજાવી દે તેવી ઠંડીવાળો શિયાળો ! ન ઋતુ જોવાની કે ન જોવાના રાત કે દિવસ. ઊઠતા-બેસતા, સુતા-જાગતા-બસ કામનું જ રટણ, અને કામના જ સળકા ઊઠતા રહે છે એના શરીર અને મનમાં
કુટુંબની આજીવિકા જ્યારે ખેતી વ્યવસાયમાં જ રહી હોય ત્યારે, અને સામે ખેતીકામોના ગંજ ખડકાણા હોય ત્યારે, એક કામ પતાવી દઈ, ઝટઝટ બીજું કામ પતાવી દેવાની ધૂન મન પર સવાર હોય એ સ્વાભાવિક છે. પરિણામે ખેડૂતના જીવનમાં કામોમાંથી ફરાગ થવાની નિરાંત ભાગ્યે જ આવતી હોય છે.
અને એનું સીધું પરિણામ એ આવે છે કે ખેડૂતનું શરીર તો થાકીને લોથ થઇ જાય છે પણ સાથોસાથ મન પણ કામ સંતોષકારક રીતે ન નિપટાયું હોય તો હતાશાભર્યો થાક અનુભવે છે. શરીરનો થાક તો રાતભરની ગાઢ નિંદ્રા ઉતારી દઇ ફરી સ્ફુર્તિ અને તાજગી આપી દે છે, પણ થાકેલા મનને તાજગી આપવાનું કામ એકલો શારિરીક આરામ નથી આપી શકતો. તમે જોજો ! મનથી થાકી ગયેલો કે હતાશ થયેલો ખેડૂત ખેતીમાં કશુએ નવું કરવાના,આગળ વિચારવાના, વધુ સમજવાના અને એ રીતે ધંધાને વધુ સુધારવાના પ્રયત્નો જ છોડી દેતો ભળાશે.કોઇપણ નવો વિચાર,પદ્ધતિ કે કાર્યક્રમના અમલની વાત સામે આવે તો તરત કહે “આ ચાલુ ખેતીકામના કામોમાંથી પરવારતા ન હોઇએ ત્યાં વળી આવા નવા નવા અખતરા કરવાની નવરાશ અમને ક્યાંથી હોય ? જેને એની પાછળ વખત અને પૈસા બગાડવાંનો હરખ હોય એ બધા ભલે એવું બધું કરતા.મારે તો મરવાનોય ગાળો નથી અને શોખ પણ નથી.”
જુઓને, કપાસ વિણાતો હોય કે ઘઉં વઢાતા હોય, જીરું નીંદાતું હોય કે આમળાં ઉતારતાં હોય, કે ભલેને બાજરાની લણણી ચાલુ હોય, કામ ગમે તે હોય- ખેડૂતને પૂછીએ તો કહેશે, “કામે ક્યાંય પહોંચાતું નથી, મજુરો પૂરા મળતા નથી, છતાં કોઇ કામ છોડી શકાય એવું ખરું ? ઘઉંમાં નિંદામણ ફાટી હાલ્યું છે ને કપાસ તરડીને તળાવ થઈ ગયો છે, તો ઝાડવામાં ફળો ઉતારવા વાંકે પાકીને નીચે પડી રહ્યાં છે, બધેય નુકશાન નુકશાન ને નર્યું નુકશાન જ થઈ રહ્યું છે, કોને કહેવું ભાઇ 1 આ ભગવાનને એટલીયે ખબર નહીં પડી હોય કે આવડો દિવસ બીજા બધાને તો ઠીક, પણ ખેડૂતને ઘણો નાનો પડે ! આઠ દસ કલાક વધુ મોટો બનાવ્યો હોત તો એનું શું બગડી જવાનું હતું ?”
ધંધામાં કામે ક્યાંય નહીં પહોંચવાના કારણે જીવ તો એવો અધીરિયો થઇ ગયો હોય છે કે કામ સિવાયની કોઇ પણ વાત એના મગજમાં ઉતરતી જ નથી. અને આ “ જલ્દી જલ્દી કામ કરી વાળવા” ની લ્હાયમાંને લ્હાયમાં કેટલીક અનિવાર્ય અને વિજ્ઞાને શોધી આપેલ ધંધાકીય વિકાસની પ્રવૃતિઓ તરફ લક્ષ આપી શકાતું નથી. પરિણામે ધંધામાં બરકત તો દૂર રહી નુકશાનીની ટકાવારી વધતી ચાલે છે.
ખાળે ડૂચા અને દરવાજા મોકળા ! =
મારી નજરમાં આવ્યું છે કે ખેડૂતના ઘેર કપાસનો તોલ ચાલુ હોય ત્યારે તોલાટના વજનિયાં બરાબર છે કે નહીં ? ધારણની ગણતરીમાં ક્યાંય ગરબડ તો નથી કરાતીને ? તેની ચોક્કસાઇ સાથે પોતે પણ કાગળ-પેન લઇ ધારણની નોંધ કરવાને બદલે રૂમમાં કે ગોડાઉનમાં દિવાલે ચોટી ગયેલા કપાસના પૂમડાં ખંખેરવા કે નીચે વેરાએલા કપાસને ભેળો કરવા રોકાઇ રહી મજૂરી બચાવ્યાનો સંતોષ લેતા હોય છે.
વેપારી કે તોલાટ બધા કંઇ માથે પ્રભુ રાખી ન્યાયી તોલ કરનારા નથી હોતા. આપણે જ્યારે સામે ચાલીને – “ કર તું-તારે ખોટું ” એવો મોકો સામેથી પૂરો પાડી આપીએ, પછી તે બે ધારણ ઓછી ગણે કે પાંચ ગાંહડીમાં વધારે નમતું જોખી લે તો એવી અનુકૂળતાઆપણે જ કરી આપી ગણાય. “ છાશમાં માખણ જાય અને વહુ ફૂવડ ગણાય ” એમ એકતો માલ આપણો વધારે જાય અને છેતરાઇ જનાર તરીકે સામાવાળો આપણને મૂરખ ગણી લે તે વધારામાં.
બસ ! ખેડૂતની તાસીર જ આ ! =
આપણામાં કહેવત છે “ વેપારીનો દીકરો ખોટી થવું પડે એટલું થાય પણ ખોટ જરીકેય ખાય નહીં ,” જ્યારે ખેડૂત ? “ ખેડૂત ખોટ ગમે તેટલી ખાય પણ ખોટી ઘડીકેય થાય નહીં !” આમ જૂઓ તો કહેવત જરીકેય ખોટી નથી હો ! માલ લઇને માર્કેટયાર્ડમાં ગયા હોઇએ અને એની હરરાજી વખતે – એક વાર, બે વાર, અને ત્રણ વાર થયું ન થયું, ને આપણે જે આવ્યું તે ભાગ્યમાં લખ્યું માની , ચલાખા ખેંચતાંકને થઇ જઇએ હાલતા ! ફળ કે શાકભાજી હોય તો કંઇકે બરાબર, પણ અનાજ, કઠોળ કે જીરુ-વરિયાળી જેવા વેચવામાં મહિનો-માસ વહેલા-મોડું થયે બગડે નહીં તેવા માલને થોડો સમય જરૂર જણાય તો રોકી પણ શકાય. પણ જે મળ્યું તે લઇ કોથળાનો વિંટલો ખંભે મારતાંકને થઇ જઇએ ઘરભેગા ! અલ્યા ! ઘરને ખેતર આટલી વારમાં કોઇ ઉપાડી નથી જવાનું ! માલ તૈયાર કરવામાં 4-6 મહિના ઘરના સભ્યોને અને પોતાની જાતને હોમી- એના વેચાણમાં મળનારા વળતરની કંઇક તો ગણતરી રાખીએ !
અમારા શેઢા પાડોશી બાઘાને વાડીમાં ઘઉંનું ઓરવાણ હાલે. પાણીની સબમર્સીબલ મોટરમાં કંઇક ખોટકો ઊભો થયો. મોટર ઘડીક હાલે ત્યાં સ્ટાર્ટર પડી જાય અને મોટર બંધ થઈ જાય. બે ત્રણ વાર બાઘો પાણી વાળવું પડતું મેલી સ્ટાર્ટરનું બટન દબાવવા આવ્યો. “આ મારું બેટું આમ ઘડીએ ઘડીએ પડ્યા કરે એ કેમ પાલવે ? આ રીતે તો ઘઉંનું ઓરવાણ ક્યારે પુરું થાય ? લે, હવે તું કેમ પડે છે તે હું જોઉં !” કહી સ્ટાર્ટરમાં સાંઠીકું ભરાવી દીધું ! અને પરિણામ ? પરિણામ કલ્પી શકાય તેવું છે- મોટર બળી ગઈ ! એકલા બાઘાના જ નહીં, વાડીમાં કામ કરવાવાળાના અને શેઢાપાડોશીનાંય કામ અટકી ગયાં. ૩૦૦ ફૂટ ઊંડા દારમાંથી મોટર બહાર ખેંચવી પડી, રીક્ષા કરી ઢસા લઈ જવી પડી. વાયરીંગ [મોટર બંધાવાના]ના બે હજાર રૂપિયા દેવા પડ્યા, ને પાછી લાવી દારમાં ઉતારવાની ત્રણ દિ’ની માથાકાહટી કરવી પડી, તે ન કરવી પડેત, જો ઘડીક ખોટી થઈ, વાયરમેનને વાડીએ બોલાવી સ્ટાર્ટર પડી જવાના રોગનો ઇલાજ કરાવ્યો હોત તો !
આયોજક અને વાહનવાળો બેય લટકી પડે તારથી :
ખેડૂતોને ખેતી અંગેની નવી જાણકારી આપવા સારું કોઇ વાડીઓ, ગૌશાળા કે બગીચા, ખાતરની ફેક્ટરી કે કૃષિયુનિવર્સિટીના સંશોધન કેંદ્રની મુલાકાતનો ખાસ પ્રેરણા પ્રવાસ ગોઠવાયો હોય કે ખેતી વિષયક બહુ જ ઉપયોગી ચર્ચાસભા કે ભલેને આયોજન થયું હોય મોટા આંતરરાષ્ટ્રીય સેમિનારનું ! તેમાં આવવા માટે પૂછીએ તો કહે “મારે નથી ગાળો !” અને માનો કે અતિ આગ્રહ કરી ‘હા’ પડાવી હોય તો પ્રવાસની બસ ઉપડતી વેળાની છેલ્લી ઘડીએ “મારે આજ કપાસ વીણવાના ઝાઝા દાડિયા મળ્યાં છે” કહી ના પાડી દે છે. પ્રવાસનો આયોજક અને બસવાળો બેય તારથી લટકી પડે બોલો !
બપોરા કર્યા – બસ વાત પૂરી ! :
કેટલીક વાર એવું અનુભવ્યું છે કે ખેતી વિષયક બહુ જ ઉપયોગી માર્ગદર્શક સેમિનારમાં ખેડૂતો આવ્યા હોય, જે તે વિષયના ખાસ જાણકારો દ્વારા બહુ જ ઉપયોગી ભાથું પિરસાઇ રહ્યું હોય, ખૂબ જ અદ્યતન જાણકારી પ્રાપ્ત થઈ રહી હોય અને હજુ બીજી સેશન્સમાં આનાથી વધારે વિગતો રજુ થવાની હોય,પણ વચ્ચે બપોરા કર્યા કે વાત ગઈ ! કોણ જાણે ક્યાંથી ઘર, વાડી ને ખેતર સાંભરી આવે કે અધૂરાં ફંકશને ભાગી નીકળે ! પોતાની ખેતીને સુધારવાની પૂરી સમજણ મેળવ્યા વગર નીકળી જાય, એ તો પેલું “હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો” જેવું થાય ! વળી કહે “નાહ્યા એટલું પૂણ્ય !” પણ હું પુછું છું કે થોડુંકેય નાહ્યા હોય તો તો બરાબર. વગર નાહ્યે પૂણ્ય ? આતો માત્ર હાથ-પગ ભીના કર્યા કહેવાય !
ખરી વાત આ છે=
અત્યારના આધુનિક સમયમાં કૃષિ વિષયક જ્ઞાનવર્ધક અને શરીર- મનને થાકથી બચાવનારા, નવી નવી માહિતીઓ પિરસનારા અને ખેતીના સાંપ્રત પ્રશ્નોનાં માર્ગદર્શક બની રહેનારા લેખો,પત્રિકાઓ, વાર્તાલાપોનો પાર નથી. પણ આપણે એને ઢુંકડા આવવા દઇએ ત્યારે ને ? અને રેડિયોમાં પણ સવાર-સાંજ રાજકોટ તથા અમદાવાદ-વડોદરાથી ખેતી વિષયક વિવિધ પાસાઓની ચર્ચાઓ પ્રસારિત થતી હોય છે. એવું જ ટીવીમાંના બીજા કાર્યક્રમો જતા કરીને આપણો સમય બચાવીએ પણ દુરદર્શન અને ઇ-ટીવી જેવાના ખેતી વિષયક કાર્યક્રમો રજુ થતા હોય છે એ જોવાનો સમય જરૂર કાઢીએ. હા, આપણે છાપાં વાંચીએ. પણ નહીં વાંચવા જેવુંતો તેમાં 70 ટકા હોય છે. બાકીના ૩૦ ટકામાં કોઇ કૃષિના અનુભવી લેખકની કોઇ કોલમ આવતી હોય, સમાજ ઘડતરના કોઇ વિચારણીય લેખો કે પ્રસંગો છપાતા હોય, જીવનઉપયોગી મનપસંદ લખાણની કોઇ શ્રેણી ચાલુ હોય તે જરૂર વાચી લઇએ. પાન,માવા, તમાકુ કે બીડી –બાકસ પાછળ ન ગણી શકાય તેટલો ખર્ચ મોટાભાગના ખેડૂતો કરતા જ હોઇએ છીએને ! તો પછી બે-ચાર કૃષિના સામયિકનું લવાજમ ભરી દીધું હોય કે દસ-વીસ ખેતીવાડીની પુસ્તિકાઓ ખરીદી રાખી હોય તો તેના ઉપયોગ દ્વારા કેટલીય વિગતો વાંચવાથી ધંધામાં માર્ગદર્શન મળી રહેતું હોય છે.
અને અંતે =
સો વાતની એક વાત કે જે બાબતો આપણને મહત્વની લાગતી હોય તેને માટે તો આપણે સમય કાઢી જ લઇએ છીએ કે નહીં ? હા, વાત મહત્વની લાગવી જોઇએ. સાચુ કહેજો ! આપણે સંબંધીઓ,ઓળખીતા કે મિત્રો-સગાના વીવાવાજમના પ્રસંગોમાં કેટલી વાર દિવસોના દિવસો વિતાવી દઇએ છીએ ? હનુમાનદાદાનો લોટ અને ખોડિયારમાની લાપસી ખાવા ક્યાંના ક્યાં જઇએ છીએ ? એ સમય કાઢવામાં આપણને અગવડ નથી પડતી કારણ કે તેનું આપણા મનમાં એક મહત્વ છે. ભલે તેમાંએ જઇએ, પણ તે જ રીતે કૃષિ વિષયક જ્ઞાન-વર્ધક કાર્યક્રમોનું મહત્વ સમજીએ તો આપણા વ્યવસાય માટે અતિ ઉપયોગી ટેકનીકો આપણે અપનાવતા થઇશું, અને એનો સમય ? સમય તો આપણને શોધતો આવશે. આપણે એને માટે વખત કાઢતાં થઇ જઇએ એટલે પછી જૂઓ ! ધંધામાં બરકત સાથે એક અનેરો આનંદ પણ ભળશે અને તન-મનને થાકથી દૂર રાખશે.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
-
વરિષ્ઠ લોકો અને આધુનિક ટેક્નોલોજી
મંજૂષા
વીનેશ અંતાણી
સિત્તેર વર્ષની દાદી એના પૌત્રને આખો દિવસ કમ્પ્યૂટરની સામે બેઠેલો અથવા એના સ્માર્ટ ફોનમાં જ રચ્યોપચ્યો જોતી ત્યારે એનો જીવ કપાઈ જતો. એ શું કરે છે તેની સમજ પડતી નહીં. એક દિવસ એણે પૌત્રને તે વિશે પૂછ્યું. પૌત્રે દાદીને કમ્પ્યૂટર વગેરેને કારણે આવી ગયેલી ક્રાંતિની વાત કરી અને એના ફાયદા જણાવ્યા. દાદીએ કમ્પ્યૂટરનો ઉપયોગ કરવાનું શીખવાની ઇચ્છા દર્શાવી ત્યારે પૌત્ર હસી પડ્યો. એણે કહ્યું: ‘દાદી, હવે આ ઉંમરે તમારાથી કોમ્પ્યૂટર-બોમ્પ્યૂટર શીખી શકાય નહીં. તમારી પેઢીમાં એવી સ્માર્ટનેસ પણ નથી.’ દાદીને અપમાન લાગ્યું. એણે આખી જિંદગી મહત્ત્વની નોકરી કરી હતી અને પોતાના પરિવારને આર્થિક અને બીજી બાબતોમાં સારું એવું ઊંચું લાવી શકી હતી. એણે એનાં દીકરા-દીકરીને સારું શિક્ષણ અપાવ્યું હતું. તે કારણે જ એનાં સંતાનો આજે સારી મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરી રહ્યાં હતાં અને પોતાનાં સંતાનોને ઉચ્ચ જીવનશૈલી આપી શક્યાં હતાં. એ જ વ્યક્તિ એની ઉંમર મોટી થઈ ગઈ છે માત્ર એ જ કારણે નવું શીખવાની આવડત ગુમાવી બેસે?
દાદી એના પૌત્રને ખોટો પાડવા માગતી હતી. એણે પોતાની મેળે એના શહેરમાં કમ્પ્યૂટર શીખવતી સંસ્થા શોધી. દરરોજ ત્યાં જવા લાગી અને થોડા સમયમાં કમ્પ્યૂટરનો ઉપયોગ કરતાં શીખી ગઈ. એણે પોતાના માટે એક લેપટોપ ખરીદ્યું. થોડા મહિનામાં એને કમ્પ્યૂટર સાથે દોસ્તી થઈ ગઈ અને તેને કારણે આધુનિક ટેકનોલોજીના બધા જ પ્રકારના ફાયદા ઉઠાવવા સક્ષમ બની ગઈ. એને સૌથી મોટો સંતોષ એ વાતનો થયો કે એ હવે બીજા કોઈ પર આધારિત રહી નહોતી, એ એનાં ઘણાં કામ જાતે કરી શકતી હતી. એ થોડાં વર્ષોથી, ખાસ કરીને નિવૃત્તિ પછી અને પતિના અવસાન પછી, જે પ્રકારનું બોરડમ, લાચારી અને એકલવાયાપણાનો ભોગ બની હતી તેમાંથી એને મોટી રાહત થઈ. એને લાગ્યું કે એ ફરીથી પગભર થઈ છે.

પ્રતિક ચક્રબર્તીનું સાંદર્ભિક ચિત્રાંકન – નેટ પરથી સામાન્ય રીતે અત્યારે પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં પહોંચેલી વ્યક્તિઓ ટેકનોલોજીના ક્ષેત્રમાં આવેલા વિરાટ પરિવર્તનથી પોતાને ડઘાઈ ગયેલી અનુભવે છે. એમણે એવો સમય જોયો છે, જ્યારે લેન્ડલાઈન ફોન એક પ્રકારની લક્ઝરી હતી અને તેની પહોંચ થોડા શ્રીમંત લોકો સુધી જ હતી. ફોનનું કનેક્શન મેળવતાં વર્ષો લાગી જતાં. એમણે સંદેશાવ્યવહાર માટે મોટે ભાગે ટપાલી કે તારખાતા પર જ આધાર રાખ્યો હતો. એમણે નાના કામ માટે બેન્કમાં અનેક ધક્કા ખાધા છે, ટ્રેંનની ટિકિટ બુક કરાવવા તેઓ કલાકો સુધી લાઈનમાં ઊભાં રહ્યાં છે. એમના માટે ‘ઇન્સટન્ટ’ જેવું કશું નહોતું.
હવે લોકો ક્ષણ માત્રમાં દુનિયાના કોઈ પણ ભાગમાં સંપર્ક કરી શકે છે અને સંદેશાની આપલે કરી શકે છે. તે જોઈને આગલી પેઢીના લોકો દિગ્મૂઢ થઈને જાણે જોયા કરવા સિવાય જાતે કશું કરી શકતાં ન હોય તેવી લાચારીમાં ફસાઈ જાય છે. નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો એમના માટે બીજા ગ્રહમાં વસવા જેવું લાગે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના એન્જિનિયરિન્ગ ડિઝાઈન સેન્ટરના નિષ્ણાત આયન હોસ્કિન્ગ વરિષ્ઠ લોકોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં સહાયભૂત થાય તેવા પ્રોજેક્ટનું સંચાલન કરે છે. એમણે કહ્યું છે: ‘આપણી આજુબાજુ ટેકનોલોજીમાં રસ ધરાવતા ઘણા વરિષ્ઠ લોકો છે, પરંતુ આ વયજૂથના મોટી સંખ્યાના લોકો પોતાને આધુનિક ટેકનોલોજીમાંથી બાદ થઈ ગયાનું અનુભવે છે. તેઓ માને છે કે આ ટેક્નોલોજીને ભેદવી એમના માટે અશક્ય છે. આવી પરિસ્થિતિમાં આપણે વિરિષ્ઠ લોકોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા માટે ઘણું કરવાનું છે.’
પ્રશ્ર્ન વધતી ઉંમરની માનસિકતાનો પણ છે. આ વયજૂથના લોકોમાં નવી પેઢીની સરખામણીમાં પોતે ટેક્નોલોજીનો ઉપયોગ કરી જ શકે નહીં તેવી ગ્રંથિ બંધાઈ ગઈ હોય છે. એક સર્વેક્ષણ પ્રમાણે ઘણા સિનિયર લોકોમાં ઉંમરની સાથે ઘટતો આત્મવિશ્ર્વાસ પણ મહત્ત્વનું નકારાત્મક પરિબળ બને છે. આગળની પેઢીને નવી પેઢીમાં ચાલી રહ્યું હોય તેના તરફ વિરોધની નજરે જોવાનું વલણ પણ આમાં કારણભૂત બને છે. તે કારણે તેઓ એમના નકારાત્મક પૂર્વગ્રહ છોડી શકતા નથી અને આધુનિક ટેકલનોલોજીથી એમને થઈ શકે તેવા લાભ વિશે તેઓ વિચારવાનું જ બંધ કરી દે છે.
બહુ સાદી વાત છે કે કોમ્પ્યૂટર અને ઈન્ટરનેટ વગેરેના ઘણા ફાયદા છે. વરિષ્ઠ લોકોની પેઢી માટે તો એ વરદાન સાબિત થઈ શકે. આજના સમયમાં જ્યારે વૃદ્ધોએ એકલા જ રહેવાનું પ્રમાણ વધ્યું છે ત્યારે તો આ ફાયદા તરફ એમનું ખાસ ધ્યાન જવું જોઈએ. એનાથી તેઓ કેટલીય રોજિંદી માથાકૂટમાંથી બચી શકે છે. ઘેર બેઠા જ જોઈતી ચીજવસ્તુઓ ઓનલાઈન મેળવી લેવાની સગવડ, બેન્કિન્ગ વ્યવહાર અને બિલ વગેરેના પેમેન્ટમાં પડતી મુશ્કેલીઓ આસાન બને છે. સૌથી મોટો ફાયદો વરિષ્ઠ લોકોની એકલતા દૂર કરવામાં થાય છે. તેઓ એમનાં મિત્રો અને પરિવારજનો સાથે વિડિયો ચેટ કરી શકે છે, સમૂહમાં વિડિયો ગેમ્સ રમી શકે છે, ઘરમાં એકલા બેસીને પણ તેઓ સોશિયલ મીડિયા દ્વારા બહારની દુનિયા સાથે જોડાયેલા હોવાનો ભાવ અનુભવી શકે છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ભૂરામાંથી લીલો રંગ થવો એટલે લાલ બત્તી
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
આપણી પૃથ્વીના જળવાયુમાં થઈ રહેલું પરિવર્તન સમગ્ર માનવજાત માટે ચિંતાનો વિષય છે. તેની ગંભીર અને વિપરીત અસર વિવિધ દેશોમાં અનેક રીતે જોવા મળી રહી છે. આમ છતાં, હજી એમાંથી કોઈ બોધપાઠ ગ્રહણ કરવાની આપણી તૈયારી હોય એમ લાગતું નથી. વિકાસની આંધળી દોટ હજી ચાલુ છે, અને ચાલુ રહેશે એમ લાગે છે. ધીમે ધીમે નવાં નવાં ક્ષેત્રે આ બાબતની વિપરીત અસર ધ્યાનમાં આવતી જાય છે, જે આ સમસ્યાનાં મૂળ કેટલાં ઊંડાં ઊતરી ચૂક્યાં છે એ સૂચવે છે.
આપણે જાણીએ છીએ કે પૃથ્વીના કુલ વિસ્તાર પૈકીનો આશરે ૭૧ ટકા વિસ્તાર પાણી ધરાવે છે, અને માત્ર 29 ટકા વિસ્તારમાં જમીન છે. આ જળવિસ્તારનો મોટો હિસ્સો દરિયા સ્વરૂપે છે, જે પીવા માટે વાપરી શકાતું નથી. ‘નેચર’ નામના પ્રતિષ્ઠિત વિજ્ઞાન સામયિકમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર દરિયાના પાણીનો રંગ ભૂરામાંથી બદલાઈને લીલો થઈ રહ્યો છે, અને છેલ્લા વીસ વર્ષમાં દરિયાના અડધા કરતાં વધુ, એટલે કે ૫૬ ટકા હિસ્સાનો રંગ બદલાઈ ગયો છે. બીજી રીતે જોઈએ તો, પૃથ્વી પર જમીનના કુલ વિસ્તાર કરતાં વધુ દરિયાઈ વિસ્તારનો રંગ બદલાઈ ગયો છે. ખાસ કરીને વિષુવવૃત્તની આસપાસના વિસ્તારો વધુ અસરગ્રસ્ત થયા છે. વિવિધ દેશોના વિજ્ઞાનીઓએ એકત્રિત કરેલી માહિતીના આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે.

Wirestock, Inc. / Alamy Stock Photo પૃથ્વીને એટલે કે જમીની વિસ્તારને આપણે હરિયાળો બનાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ દરિયાનું પાણી લીલા રંગમાં પરિવર્તીત થાય તો એ ચિંતાજનક છે. કેમ કે, આ રંગ દરિયાઈ જૈવપ્રણાલિમાં થઈ રહેલા પરિવર્તનનો સૂચક છે. કેવું પરિવર્તન ? પ્લાન્ક્ટન નામની દરિયાઈ સજીવરચનાની વધતી જતી હાજરીને કારણે આમ બની રહ્યું છે. વિવિધ કદનાં પ્લાન્ક્ટન અલગ અલગ માત્રામાં પ્રકાશનું પ્રસારણ કરે છે. તેમજ વિવિધ માત્રામાં દ્રવ્યો ધરાવતાં પ્લાન્ક્ટન જુદી જુદી રીતે પ્રકાશનું શોષણ કરે છે. દરિયાઈ જળના રંગમાં થઈ રહેલા પરિવર્તનના આધારે વિજ્ઞાનીઓ પ્લાન્ક્ટનની માત્રાનો અભ્યાસ કરે છે. ફાયટોપ્લાન્ક્ટન દરિયાઈ જૈવપ્રણાલિ માટે અત્યંત મહત્ત્વનું છે, કેમ કે, અનેક આહારકડીઓના પાયામાં તે છે.
જળવાયુ પરિવર્તન થવાનું મુખ્ય કારણ ગ્લોબલ વૉર્મિંગને કારણે સમગ્રતયા વધી રહેલું તાપમાન છે. ગ્રીનહાઉસ વાયુઓ દ્વારા સંઘરાયેલી ગરમીમાંથી 90 ટકા જેટલી ગરમીનું શોષણ દરિયા દ્વારા થઈ જાય છે. આથી દરિયાના પાણીનું તાપમાન વધવા લાગે તો સ્વાભાવિક છે કે તેની અસર જમીન અને દરિયો બન્ને પર થાય. હીમનદીઓ પીગળવાના કારણે હવે દરિયાના પાણીનું સ્તર વધી રહ્યું છે. તેને કારણે દરિયામાં પ્રાણવાયુની માત્રામાં ઘટાડો થઈ રહ્યો છે અને અમુક પ્રકારની માછલીઓ મોટા પ્રમાણમાં મૃત્યુ પામી રહી છે. વિજ્ઞાનીઓના મત મુજબ, પૃથ્વીની પ્રણાલિમાં પ્રવેશતી અને નિકાલ પામતી ઉર્જાના જથ્થાનું સંતુલન કરવું સતત મુશ્કેલ બનતું જાય છે. આની વિપરીત અસર વિવિધ રીતે જોવા મળી રહી છે અને ચાહે જમીન હોય કે જળ, કોઈ પણ સ્થાન એમાંથી બાકાત નહીં રહે. વહેલામોડા એકેએક જીવને તેની વિપરીત અસર કદી ધારી નહીં હોય એ રીતે જોવા મળશે. આ સંશોધન કરનારા વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર વાસ્તવમાં દરિયાઈ જળનું રંગપરિવર્તન થતું જોવું આશ્ચર્યજનક નહીં, પણ ભયજનક છે. એવું નથી કે તે આટલેથી અટકી જવાનું છે. માનવનો હસ્તક્ષેપ કુદરતમાં થતો રહેશે ત્યાં સુધી એ સતત ચાલુ રહેવાનું છે.
આ બાબતનો અભ્યાસ હજી પૂરેપૂરો થયો નથી, પણ એટલું નિશ્ચિત છે કે એનાં તારણ ચિંતાજનક હોવાનાં. આવી ધારણા બાંધવાનું કારણ એટલું જ કે જમીનની સરખામણીએ દરિયો વૈવિધ્યપૂર્ણ અને અનેકગણી વધુ જીવસૃષ્ટિ ધરાવે છે. જમીની જીવસૃષ્ટિ દરિયાના સ્વાસ્થ્ય પર સીધેસીધી અવલંબિત છે. દરિયાઈ આહારકડીના અસ્તિત્વ અને ટકવા માટે પ્લાન્ક્ટન અતિશય મહત્વનાં છે. પ્લાન્ક્ટનમાં થતું પરિવર્તન દરિયાની કાર્બન શોષણ કરવાની ક્ષમતા પર વિપરીત અસર કરી શકે છે. આથી જ દરિયાના પાણીના ભૂરાથી લીલા રંગમાં થતું પરિવર્તન ખતરાનો સંકેત છે.
આ સંશોધન સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે: ‘અમે આશા રાખીએ છીએ કે લોકો આ બાબતને ગંભીરતાથી લે. આ કોઈ આગાહી કે અનુમાન નથી, પણ અમે ખરેખર આ પરિવર્તન, દરિયામાં થતો ફેરફાર જોઈ રહ્યા છીએ.
આટલી વિરાટ અને વૈશ્વિક સમસ્યા હોય ત્યાં એકલદોકલ નાગરિક તરીકે કોઈનાથી કશું કરી શકવું સંભવ નથી. અલબત્ત, વિવિધ દેશો આ બાબતે જરૂરી પગલાં લેવાની પહેલ કરી શકે. સવાલ એ છે કે આટલો ગંભીર મુદ્દો કદી ચૂંટણીનો મુદ્દો બની શકતો નથી, તેથી એ બાબતે નીતિ ઘડવાની પ્રાથમિકતા સામાન્યપણે આવતી નથી. જાગૃતિ દેખાડવા સારું કાગળ પર કામ થતું હશે, પણ એ તો આશ્વાસન પૂરતું. પ્રકૃતિ કાગળ પર થયેલાં કામને ગણકારતી હશે?
સહેજ અલગ, પણ આ મુદ્દા સાથે સંકળાયેલી વાત કરીએ તો તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં અભૂતપૂર્વ જાનહાનિ થઈ, જેને ‘કુદરતી પ્રકોપ’ના ખાતે ખતવી દેવામાં આવી. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઝપાટાબંધ ચાલી રહેલાં વિકાસકામો આના માટેનું એક જવાબદાર પરિબળ છે એ હકીકત સ્વયંસ્પષ્ટ હોવા છતાં કોઈએ એનું નામ પાડ્યું નથી. વિકાસ થશે તો આવક થશે, અને આવક થશે તો જીવનધોરણ ઊંચું આવશે એવો પોપટપાઠ પઢાવવામાં નેતાઓ કદાચ સફળ રહ્યા હશે. કોનું જીવનધોરણ એ બાબત અધ્યાહાર રાખીએ તો પણ જીવન જ નહીં રહે તો જીવનધોરણ ઊંચું આવવાનો મુદ્દો જ ક્યાંથી રહેવાનો?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪ – ૦૯ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
રામાયણના પરિપ્રેક્ષ્યમાં મહર્ષિ વાલ્મીકિ
રામાયણ – સંશોધકની નજરે

પૂર્વી મોદી મલકાણ

प्राप्तराज्यस्य रामस्य वाल्मीकिर्भगवान्षिः ।
चकार चरितं कृत्सनं विचित्रपदर्थवत् ।અર્થાત:- રાજ્ય પ્રાપ્ત કરી સિંહાસન પર બેસવાવાળા મર્યાદા પુરુષોત્તમ રામનાં વિચિત્ર પદ અર્થયુક્ત સંપૂર્ણ ચરિત્રની રચના મહર્ષિ વાલ્મિકી કરી છે.
વેદો અને તત્સંબંધી ગ્રંથોમાં સીતા, રામ, કૌશલ્યા તથા રામાયણ ગ્રંથનાં અન્ય પાત્રોનો ઉલ્લેખ તો મળે છે પણ તેમ રામાયણનાં મૂળ કર્તા મહર્ષિ વાલ્મીકિનો ઉલ્લેખ ક્યાંય કરવામાં આવ્યો નથી. તેથી એવું માલૂમાત થાય છે કે સંભવતઃ રામ રાજા બન્યાં ત્યાં સુધી રામાયણની રચના કરવામાં આવી નહીં હોય તેથી વાલ્મીકિજી તે સમયનાં અન્ય ગ્રંથકારો માટે અજ્ઞાત જ રહ્યા હશે. પણ વાલ્મીકિ એ નામ પ્રમાણે જોઈએ તો જેનાં દેહ ઉપર વાલ્મિક અર્થાત રાફડો જામી ગયો છે તે વાલ્મીકિ છે. પણ પ્રાચીન ગ્રંથોમાં નજર કરીએ તો એવાં ઘણાં મહર્ષિઓ મળી આવે છે જેનાં દેહ પર વાલ્મિક જામી ગયો હોય. બીજી બાજુ મહર્ષિ વાલ્મીકિ રામયુગમાં હતાં તેનું પ્રમાણ આપણને આ શ્લોક દ્વારા મળે છે.
तपः स्वाध्याय निरतं तपस्वी वाग्विदां वरम् ।
नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुंगषम् ।।
कोsन्वस्मिन् साक्प्रतं लोके गुणगान् कश्चवीर्यवान्
धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढ़व्रतः ।। (बाल-खंड-१-१/२ )રામાયણનાં પહેલા બે શ્લોકો દ્વારા પ્રમાણ મળે છે કે; રામાયણનો આ ઇતિહાસ એ રામનાં સમકાલીન કવિ દ્વારા લખવામાં આવ્યો છે, પણ આ કાર્યમાં અન્ય કોઈ પણ નિમિત્ત બન્યું છે. આ અન્ય કોઈ એ દેવર્ષિ નારદ છે જેમની સાથે જ્યારે મહર્ષિ વાલ્મીકિજીની ભેંટ થઈ ત્યારે આપે તેમને પૂછ્યું કે; –આ સમયમાં સંસારમાં ઉત્તમ ગુણોથી યુક્ત, પરાક્રમી, ધર્મ અને મર્યાદાને જાણવાવાળા, કૃતજ્ઞ, સત્યવાદી અને દૃઢ નિશ્ચયવાળો પુરુષોત્તમ કોણ છે? આ સાંભળી દેવર્ષિ નારદે તે સમયે ઇક્ષ્વાકુ કુળમાં પ્રગટ થનાર કૌશલ્યાનંદન રામનું નામ પ્રસ્તુત કર્યું. ( “कोsन्वस्मिन् साक्प्रतं लोके “- આ સમયે સંસારમાં ) – साक्प्रतं શબ્દ દ્વારા સ્પષ્ટતા કરતાં દેવર્ષિ નારદે કહ્યું_ આ બાબત પ્રમાણ રૂપથી કહેવાઈ છે અને આપે અદ્રશ્ય-દ્રશ્ય રૂપથી વિહરતા આ ઘટનાને જોઈ હશે અને તેનું જ વિવરણ આપ મહર્ષિ વાલ્મીકિ પાસે કરી રહ્યા છે જેને કારણે મહર્ષિએ આ ઘટના પ્રસંગોને નજીકનાં ભૂતકાળમાં બનેલ ભાષાથી અથવા સિંહાવલોકનથી રજૂ કરેલ છે.
જેણે રામકથાને, રામાયણને, રામજીવનને, રામકાલીન સમાજને, સંસ્કૃતિ ને પ્રકૃતિને નજીકથી બતાવ્યો છે તે મહર્ષિ વાલ્મીકિનાં વિભિન્ન રૂપોનો ઉલ્લેખ આધ્યાત્ત્મ રામાયણ, મહાભારત, તૈતરીય, પુરાણો અને પ્રતિશાખ્ય પુરાણો, શિવ-રામાયણ, કૃતિવાસ રામાયણ તથા બુધ્ધ ચરિતમાં જોવા મળે છે.
વિષ્ણુપુરાણ -મત્સ્યપુરાણ:- વિષ્ણુપુરાણ અનુસાર ૨૬ માં દ્વાપર યુગમાં અસ્થાયી સદસ્યોમાં એક વ્યાસ ભૃગુવંશી થયાં જેમને વાલ્મીકિ તથા ભાર્ગવ તરીકે સંબોધિત કરવામાં આવ્યાં છે. “रीक्षोभूद भार्गवस्तस्माद वाल्मीकिर्योंभिधीयते ।“ ( વિ.પુ -૩.૩.૧૮ )
વાયુપુરાણ:– વાયુપુરાણનાં માહેશ્વર -અવતાર યોગમાં વર્ણવીત પ્રસંગમાં કહ્યું છે કે; ભવિષ્યમાં ઋક્ષ ચોવીસમાં દ્વાપરયુગનો વ્યાસ વાલ્મીકિ થશે. “परिवर्ते चतुर्विशे ऋक्षो व्यासो वाल्मीकि भविष्यति ।“ ( વા.પુ – ૩૩.૧૬૪ )
કૂર્મપુરાણ:- આ પુરાણમાં ૩૩ માં વ્યાસ વાલ્મીકિ તરીકે તૃણબિંદુનું વર્ણન કરવામાં આવ્યું છે. त्रिबिंदुस्त्रयोविनशे वाल्मीकिस्ततः परम । ( કૂ. પુ ૫૧. ૧.૧૧ )
લિંગ પુરાણ ( ૧.૨૪ ), સ્કંદ પુરાણ ( ૧.૨.૪૦ ) અને દેવી ભાગવતમાં (૧.૩) પણ જે રીતે મહર્ષિ વાલ્મીકિને એક વ્યાસનાં રૂપમાં માનવાંમાં આવ્યાં છે તે જોઈ એમ માની શકાય કે; એક સમયનાં કેવળ એક વાલ્મીકિ નહીં હોય.
સ્કંદ પુરાણ:- આ પુરાણનાં આવન્ત્ય ખંડનાં અંતર્ગત અવંતી ક્ષેત્ર માહાત્મ્યમાં વાલ્મિકેશ્વર માહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. તદનુસાર ભૃગુવંશી સુમતિ નામનાં બ્રાહ્મણને તેની પત્ની કૌશિકીથી “અગ્નિશર્મા” નામનાં પુત્રનો જન્મ થયો જે પાછળથી દસ્યુ થઈ ગયો. એક દિવસ તે સપ્તર્ષિઓને લૂંટવા ગયો. ત્યારે સપ્તર્ષિઓએ તેને પૂછ્યું કે; તારા સંબધીઓ તારા આ કર્મમાં ભાગ આપે છે? ત્યારે સંબંધીઓએ ના કહી. સબંધીઓનાં નકાર પછી તે સપ્તર્ષિઓને શરણે ગયો. ત્યારે સપ્તર્ષિઓએ તેને દસ્યુ વૃતિથી દૂર કરી મહામંત્ર જાપનો આદેશ કર્યો. અગ્નિશર્માને જપ કરતાં કરતાં ઘણો સમય થઈ ગયો આ સમય દરમ્યાન તેનો દેહ વાલ્મિકની અંદર ખોવાઈ ગયો. યુગો પછી જ્યારે સપ્તર્ષિઓ આવ્યાં ત્યારે તેમણે અગ્નિશર્માનાં દેહને વાલ્મિકમાંથી મુક્ત કર્યો. પછી અગ્નિશર્માએ કુશસ્થળીમાં જઈ મહેશ્વર ભગવાનની આરાધના દ્વારા સિધ્ધિઓ પ્રાપ્ત કરી. ત્યાર પછી તેમણે મહાકાવ્ય રામાયણની રચના કરી હોઈ તેઓ ભાર્ગવ વાલ્મીકિ તરીકે ઓળખાયા. ( સ્કંદ પુરાણ -આવનત્ય ખંડ ૨૩.૩ )
સ્કંદ પુરાણનાં નાગર ખંડનાં અધ્યાય ૧૨૪ માં કહ્યું છે કે; ચમત્કાર પુરનાં માંડવ્ય વંશમાં લોહજંઘ નામનો બ્રાહ્મણ થયો જે માતપિતાનો ભક્ત હતો. એક સમયે પરિસ્થિતીને વંશ થઈ તે ચૌર કર્મમાં પ્રવૃત થઈ ગયો. મુખર નામના તીર્થમાં તેની ભેંટ મહર્ષિ પુલહ સાથે થઈ. જેમણે લોહજંઘને ‘મરા’ નામનો જટાઘોટ નામનો મંત્ર આપ્યો. આ મંત્રનાં જાપ પછી લોહજંઘ વાલ્મિકી નામે પ્રસિધ્ધ થયાં. પણ આ સમયે તેઓ કેવળ એક બ્રહ્મપુત્ર હતાં કવિવર વાલ્મિકીનો જન્મ આ સમયે થયો ન હતો.
આ જ પુરાણનાં પ્રભાત ખંડનાં દેવિકા માહાત્મ્યનાં ૨૯૮માં અધ્યાયમાં કહ્યું છે કે; શમીમુખ નામના બ્રાહ્મણનો વૈશાખ નામનો પુત્ર દસ્યુ વૃતિ દ્વારા માતાપિતાનો નિર્વાહ કરતો હતો. પાછળથી શિવપંથી ઋષિઓનાં સંસર્ગથી તે સતમાર્ગે ચાલ્યો અને પોતાની વૃતિઓને બદલી.
સ્કંદ પુરાણનાં વૈષ્ણવ ખંડનાં વૈશાખ મહાત્મ્ય ખંડમાં વાલ્મીકિજી કોણ હતાં તેના અનુમાનમાં વધુ એક પ્રમાણ આપતા કહ્યું છે કે; શંખ નામનો બ્રાહ્મણ એક દિવસ નિમ્નમતિને કારણે દ્વિજોને લૂંટવા ગયો, ત્યારે તેણે સાંભળ્યું કે; જેને રામનામ રૂપી મહાધન મળી જાય તો તેનો બેડો પાર થઈ જાય છે. આ સાંભળી શંખે તે મહાધન મેળવવાની આજીજી બ્રાહ્મણોને કરી જેને કારણે બ્રાહ્મણો મહામંત્ર રૂપી ધનનું દાન શંખને આપ્યું.
આમ જોઈએ તો વાલ્મીકિ વિષે વિવિધ અનુમાનો આપણને સ્કંદપુરાણમાંથી મળે છે, પણ આમાંથી રામનાં સમયનાં સમકાલીન કોણ હતાં તે વિષે પ્રશ્ન તો જેમનો તેમ જ ઊભો રહે છે.
બ્રહ્મવૈવર્તક પુરાણ:- આ પુરાણનાં પ્રકૃતિ પર્વમાં નાગ દેવતાની સ્તુતિમાં રામાયણ કાર વાલ્મીકિ દ્વારા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસને પુરાણોનો સિધ્ધાંત સમજાવી રહ્યાં છે તેવું પ્રમાણ જોવા મળે છે. આનાથી મહર્ષિ વાલ્મીકિજીનાં પુરાણકાર હોવાનું પણ સિધ્ધ થાય છે.
ભક્ત વાલ્મીકિ:- મહાભારતનાં અનુશાસન પર્વમાં વાલ્મીકિ દ્વારા શિવ સ્તુતિનું વર્ણન કરવામાં આવ્યું છે, અને સામે પક્ષેથી ભગવાન શિવે પણ તેમને ઉત્તમ યશ પ્રાપ્તિ કરવાનું વરદાન આપ્યું છે. ( ૧૮.૮.૧૦ ) મહાભારતનાં જ ઉદ્યોગ પર્વમાં ગરુડ વંશીય વિષ્ણુ ભક્ત સુપર્ણ પક્ષીઓમાં વાલ્મીકિનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ તેમને કર્મણા ક્ષત્રિયઃ અને વિષ્ણુભક્ત કહેવામાં આવ્યાં છે. મહાભારતનાં સભા પર્વમાં વાલ્મીકિને કવિ, શિવ ભક્ત અથવા વિષ્ણુભક્ત તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યાં છે પણ તેમનાં જીવન ઉપર કોઈ પ્રકાશ પાડવામાં નથી આવ્યો, તેથી આ વાલ્મીકિ કોણ હતાં તેનો પ્રશ્ન તો ઊભો જ રહ્યો છે.
શતપથ બ્રાહ્મણ અને ભાગવત પુરાણમાં ભૃગુને વરુણનો પુત્ર કહેવામાં આવ્યાં છે તો ભાગવત પુરાણ અનુસાર વરુણ અને વર્ષિણીને ત્યાં ભૃગુ અને વાલ્મીકિ એમ બે પુત્રો થયાં તેમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વ્યાકરણ શાસ્ત્રમાં વાલ્મીકિ સમાન જ ચ્યવન મહર્ષિ છે. એક કથાનુસાર ભૃગુ પુત્ર ચ્યવન મુનિ દીર્ઘકાળ સુધી એક જ સ્થાન પર બેસી તપ કરતાં તેથી તેમનો દેહ વાલ્મીકથી ભરાઈ ગયો હતો. ( મહાભારત -આરણ્યક પર્વ અધ્યાય ૧૨૨ ) મુનિ ચ્યવનની જેમ જ વાલ્મીકિ મુનિની યે કથા છે. સંભવત આજ કારણથી વાલ્મીકિજીને અને ચ્યવન મુનિ સમાન ભાર્ગવ માનવામાં આવ્યા છે. ( ૬.૧૮.૪.૫ )
બુધ્ધચરિત ગ્રંથમાં રહેલ અશ્વઘોષ રાજાએ પણ વાલ્મીકિ મુનિનો ચ્યવન પુત્ર તરીકે અને કવિ તરીકે સ્વીકાર કરેલો છે.“वाल्मीकिरादौ चससर्ज पद्यं जगरनाथ यन्न च्यवनो महर्षि ।“ ( ૧.૪૩ )રામાયણ તિલકમાં નાગેશ ભટ્ટે વાલ્મીકિને ભૃગુનાં ભાઈ હોવાને કારણે ભાર્ગવ તરીકે સંબોધ્યાં છે.
ઋગ્વેદમાં ભૃગુ મુનિને વારુણી તરીકે ઓળખવામાં આવ્યાં છે. ( ઋગ્વેદ -૬.૬૫.૧૦.૧૬ ) તો સાથે આ વેદનાં દશમ સ્કંધનાં ૯૯ માં સૂક્તમાં; कं नौ वम्री वैखानसः લખ્યું છે. અહીં वैखानसः નો અર્થ તપસ્વી વાનપ્રસ્થી થાય છે. જ્યારે वम्री શબ્દ એ वम्र થી આવ્યો છે જેનો અર્થ ઊધઈની માટી અથવા રાફડા તરીકે કરાયો છે. આ ઊધઈની માટી અથવા રાફડાથી જે શરીર પ્રગટ થાય છે તે वम्राच्छादित કહેવાય છે. અતઃ वम्राच्छादित શબ્દને સંકેતમાં વલ્મીક એવો કરવામાં આવ્યો અને પાછળથી આ શબ્દ ઊધઈની માટીથી ભરેલ દેહ વાળો અર્થાત વાલ્મીકિ તરીકે કરવામાં આવ્યો.પ્રાચેતસ વાલ્મીકિ:- વાલ્મીકિ રામાયણનાં -ઉત્તરકાંડ -૯૬.૧૯ માં પ્રચેતા અને વરુણને એક માનવામાં આવ્યાં છે. આજ કાંડમાં શ્રી રામ દ્વારા કરાયેલ અશ્વમેઘ યજ્ઞમાં સીતા દ્વારા શપથ ગ્રહણનાં પ્રસંગમાં મહર્ષિ વાલ્મીકિએ સ્વયંને પોતે પ્રચેતાનાં દસમા પુત્ર “પ્રાચેતસ” છે તેમ કહ્યું છે. જ્યારે માર્કન્ડેય પુરાણ, શિવ રામાયણ, રામાયણ તિલક આદી ગ્રંથોમાં વાલ્મીકિનો પ્રચેતા પુત્ર તરીકે સ્વીકાર તો કરવામાં આવ્યો જ છે સાથે તેમને સાધુ પુરુષોમાં “જળ વિભાગનાં અધિકારી” તરીકે પણ ઓળખવામાં આવ્યાં છે.
ભાર્ગવ વાલ્મીકિ:- વાલ્મીકિ રામાયણમાં ચોવીસ સહસ્ત્ર શ્લોકો તથા સૌ ઉપાખ્યાનવાળા રામાયણ કાવ્યની રચના ભાર્ગવ વાલ્મીકિની છે તેમ માનવામાં આવે છે. ( ૭.૯૪.૨૫ ) વાલ્મીકિ રામાયણનાં બાલકાંડ (૭૦.૩૮ ). બાલ કાંડ, ઉત્તર કાંડમાં વાલ્મીકિને પ્રાચેતસની સાથે ચ્યવન અને ભાર્ગવ પણ કહેવામાં આવ્યાં છે. (૬૦.૬૪ ) વાલ્મીકિને ચ્યવન અને ભાર્ગવ એમ બંને માનવા માટેનું કારણ સંભવતઃ એ છે કે બંનેનાં જનજીવનવૃતમાં એકરૂપતા જોવા મળતી હશે.
દસ્યુ વાલ્મીકિ:- વાલ્મીકિજીનાં સંબંધમાં જે જે કિવદંતીઓ રહી છે તેમાંથી સૌથી પ્રચલિત કિવદંતી એ છે કે તેઓ પ્રારંભિક કાળમાં દસ્યુ એટ્લે કે લૂટ કરનાર કિરાત ( શિકારી ) હતાં. નારદ મુનિ સાથે આપનો સંસર્ગ થયાં પછી અને નારદ મુનિ દ્વારા જ તેમનાં સંબંધીઓને પાપમાં ભાગીદાર બનાવવાની પ્રક્રિયાનાં પ્રશ્નથી જે ઉત્તર મળ્યો તેનાથી તેમનાં હૃદયનું પરિવર્તન થયું. અંતે રામનામ સિધ્ધીમંત્ર દ્વારા તેમનું જીવન બદલાયું અને તેમણે તે સમયની દેવભાષા સંસ્કૃતની પ્રાપ્તિ થઈ. પછી એક દિવસ કૌંચ પક્ષી જોડલીનાં ભંગ પછીની પીડા જોઈ રામાયણ કાવ્યની રચના કરી.
બુધ્ધચરિત ગ્રંથ:- આ બંને ગ્રંથમાં અશ્વઘોષ રાજાએ વાલ્મીકિને ચ્યવન પુત્ર અને કવિ તરીકે ઓળખેલાં છે.
वाल्मीकिरादौ चससर्ज पद्यं जगरनाथ यन्न च्यवनो महर्षि । ( ૧.૪૩ )
કૃતિવાસ રામાયણ:- આ ગ્રંથમાં વ્યાધને ચ્યવનપુત્ર રત્નાકરને નામે ઓળખેલ છે. જેનું મિલન પ્રથમ બ્રહ્મા સાથે અને પછી નારદ સાથે થયું ત્યારપછી તેનામાં વૈરાગ્ય આવ્યો. જેથી કરી તે નદી પર સ્નાન કરવા ગયો. તે સમયે તેની દૃષ્ટિ માત્રથી નદીનું જળ સૂકાઈ ગયું. પોતાના પાપકર્મો ભરેલ દૃષ્ટિથી પરેશાન થયેલ તે વ્યાધે બ્રહ્માજીને યાદ કર્યા. આ સમયે ટૂંક સમયમાં તેનો ઉધ્ધાર થવાનો છે તેમ જાણી બ્રહ્માજી તેની પાસે આવ્યાં અને રામનામ મંત્ર પ્રદાન કર્યો. પણ પોતાની દુર્વૃતિ કરવાની આદતને કારણે તે વ્યાધ રામનામ જપવામાં અસમર્થ રહ્યો અને પોતાની વૃતિનુસાર તે મારા, મારાનો જાપ જપવા લાગ્યો. મારા ના જાપ માં તે જ્યારે તલ્લીન થયો ત્યારે તે મારામાંથી મરા મરા શબ્દ પર આવી ગયો. સમયાંતરે નારદજીએ તેને જ્યારે વાલ્મીકમાંથી બહાર કાઢ્યો ત્યારે મરા શબ્દ રામમાં પરિવર્તિત થયો.
આધ્યાત્ત્મ રામાયણ:– આ ગ્રંથ અનુસાર વાલ્મીકિનો જન્મ એક શાપવશ ભૃગુવંશી બ્રાહ્મણને ત્યાં થયેલો હોઈ તેમને ભાર્ગવ તરીકે ઓળખવામાં આવ્યાં, પણ કિરાતોનાં ( લૂટફાટ કરનાર શિકારી ) સંગમાં રહી તેમનાં જેવુ આચરણ કરવાને કારણે આપમાં પણ ઘણાં બધાં દુર્ગુણો આવી ગયેલાં. સમયાંતરે પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરવા તેમણે વટેમાર્ગુને લૂંટવા સિવાય ચોરી જેવા કાર્ય પણ કર્યા. ( આ.રા.૨.૬.૬૫.૬૬ )
આનંદ રામાયણ:– આ રામાયણનાં ૧૪માં અધ્યાયમાં મહર્ષિ વાલ્મીકિનાં ત્રણ જન્મોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલાં જન્મમાં તેઓ શ્રીવત્સ નામના ગોત્રમાં સ્તંભ નામનાં બ્રાહ્મણ થયાં જે મહાપાપી અને વૈશ્યાગામી હતાં, બીજા જન્મમાં આપ વ્યાધ કિરાત બનેલાં જે પશુ પક્ષી પકડીને અથવા તેની હત્યા કરીને ભરણપોષણ કરતો હતો અને ત્રીજા જન્મમાં આપે ફરી બ્રહ્મપુત્ર કૃણુને ત્યાં જન્મ લીધો અને ઘોર તપસ્યા બાદ આ જન્મ અને પૂર્વ જન્મનાં બધાં પાપોનો નાશ કર્યા પછી વાલ્મીકિ નામ ધારણ કર્યું.
તત્ત્વસાર સંગ્રહ:- આ ગ્રંથ અનુસાર પોતાનાં કૂકર્મોથી ત્રાહિત થયેલ કિરાધ સપ્તર્ષિઓ પાસે ગયો. તે વખતે સપ્તર્ષિઓએ તેને “મરા” મંત્ર તેનાં ઉધ્ધાર માટે આપ્યો. આ સમયે સપ્તર્ષિઓએ કહ્યું કે; યોગ્ય સમયે આ મંત્ર ફળશે ત્યારે આપ કિરાધનું રૂપ છોડી બ્રહ્મત્ત્વને પ્રાપ્ત કરશો. ( બ્રહ્મત્ત્વ એટ્લે કે જેને બ્રહ્માજીએ ઘડયાં છે તેવા સત્માનવનું રૂપ આપ ધારણ કરશો.
ઠગ, લુંઠક, દસ્યું, દુર્વૃત, તપસ્વી, બ્રહ્મપુત્ર વગેરે રૂપે જેને ઓળખેલ છે તે ઋષિવર્ય વાલ્મિકી વિષે આપણે જોયું પણ મોટાભાગની વ્યાખ્યાઓને આધારે આપને રામ નામનો જટાઘોટવર્ય મંત્ર કેમ આપવામાં આવ્યો તે એક વિચારણીય પ્રશ્ન ચોક્કસ બને છે. તેથી વિદ્વાનોની એક ધારણા મૂકી કે; ઉપરોક્ત કહ્યાં તે બધાં જ શાસ્ત્રો જાણતા હતાં કે આ પ્રચેતસ, દસ્યુ, લુંઠતનાં પૂર્વકર્મનો ભવિષ્યમાં ઉદય થવાનો છે અને જેથી કરી આપ મહાન મહર્ષિનું રૂપ ધારણ કરવાનાં છે, આથી આપને “મરા મંત્ર” ઔચિત્ય વ્યુત્પતિ રૂપે આપવામાં આવેલો. જે યથા રામ શબ્દનો રકાર વૈરાગ્યનો, આકાર જ્ઞાનનો અને મકાર ભક્તિનો વાચક માનવામાં આવ્યો છે.
© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ । purvimalkan@yahoo.com
-
(૧૨૩) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૯ (આંશિક ભાગ –૪)
ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા (ગ઼ઝલ)
શેર ૭ થી ૯થી આગળ
(શેર ૧૦ થી ૧૧ )
મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (રસદર્શનકાર)
મૈં ને મજનૂઁ પે લડ઼કપન મેં ‘અસદ‘
સંગ ઉઠાયા થા કિ સર યાદ આયા (૧૦)[લડ઼કપન= બાળપણ, શરારત; સંગ= પથ્થર; અસદ (ફા.)= સિંહ]
રસદર્શન
ગ઼ઝલનો આ મક્તા શેર છે, છતાંય કે તે આખરી શેર નથી. મક્તા શેરમાં ગ઼ઝલકાર પોતાનું નામ દર્શાવતો હોય છે. અહીં ગ઼ાલિબે પોતાના મૂળ નામ અસદને પ્રયોજ્યું છે. આ શેરમાં લૈલા-મજનૂની કાલ્પનિક પણ ખ્યાતનામ પ્રેમકહાનીના નાયક મજનૂનો ઉલ્લેખ થયો છે. લૈલાના પ્રેમમાં પાગલ બનેલા મજનૂને શેરીનાં અબૂધ બાળકો તેના માથા ઉપર પથ્થરો મારીને ક્રૂર આનંદ માણતાં હોય છે. અહીં ગ઼ાલિબ શાયરાના અંદાઝમાં કલ્પના કરે છે કે મજનૂને સંગસાર કરતાં બાળકોભેગા જાણે કે તે પોતે પણ હાજર છે! વળી માત્ર હાજર જ નહિ, પરંતુ મજનૂના માથા ઉપર ઘા કરવા માટે તેમના હાથમાં પથ્થર પણ ઉઠાવે છે. પથ્થરનો પ્રહાર કરવા પહેલાં મજનૂના લોહીલુહાણ માથાને જોતાં તેમનું હૃદય દ્રવી ઊઠે છે. મજનૂની વેદના પરત્વે સંવેદના જાગતાં તેમને ખ્યાલ આવે છે કે એ બિચારાને કેવીક તો પીડા થતી હશે! આમ મજનૂને મારવા માટેનો પથ્થર હાથમાં લેતાંની સાથે જ શાયરને તેમનું પોતાનું માથું યાદ આવી જાય છે અને મજનૂની વેદનાને અનુભવી લે છે. અહીં ઇંગિત ભાવે સમજી લેવું પડે કે શાયર બીજાં બાળકો જેવી ક્રૂરતા ન આચરતાં પોતાના હાથને રોકી રાખે છે. આમ ગ઼ઝલનો આ શેર કલ્પનાતીત એવો ભવ્ય બની રહે છે.
* * *
વસ્લ મેં હિજ્ર કા ડર યાદ આયા
ઐન જન્નત મેં સક઼ર યાદ આયા (૧૧)[વસ્લ= મિલન; હિજ્ર= એકલવાયાપણું, વિયોગ; ઐન= આંખ, નજર(અહીં); સક઼ર= નર્ક, દોજખ]
રસદર્શન
ગ઼ઝલનો આ શેર આખરી છે, પણ તેમાં ગ઼ઝલકારનો નામોલ્લેખ ન હોઈ તેને મક્તા શેર ન ગણી શકાય. શેરના પહેલા અને બીજા મિસરામાં દૃષ્ટાંતો ભિન્ન છે, પણ વાત તો ‘લગભગ’ એક જ કહેવાય છે કે જીવનમાં સુખ માણવાના દિવસો હોય, ત્યારે દુ:ખનો પણ ડર રાખવો જોઈએ. સુખ પછી દુ:ખ આવી પડવાની સંભાવના હોઈ શકે છે અને તેથી સુખને શાશ્વત ન ગણતાં તેને વિવેકબુદ્ધિથી અવશ્ય માણીએ તો ખરા, પણ સંભવિત આવનારાં દુ:ખો સામે લડવા અને ટકવા માટેની માનસિક તૈયારી પણ એટલી જ જરૂરી છે.
મિલનમાં સુખ હોય છે, તો વિયોગમાં દુ:ખ હોય છે. અહીં સુખનાં પ્રતીકો મિલન અને જન્નત છે, તો દુ:ખનાં પ્રતીકો તરીકે વિયોગ અને નર્ક છે. મારા ઉપરોક્ત ફકરામાં મેં ‘લગભગ’ શબ્દ વાપર્યો છે તે સહેતુક છે, કેમ કે બંને મિસરાઓમાંનાં દૃષ્ટાંતોમાં સૂક્ષ્મ ભેદ છે. પહેલા મિસરામાં મિલનના આનંદ પછી વિયોગના દુ:ખને આવવાની સંભાવના છે અને સંભાવનાનો વિચાર માત્ર આવી જતાં એ મિલનના સુખને શાંતિથી માણી શકાતું નથી. હવે બીજા મિસરામાંનાં સ્વર્ગ અને નર્ક પૈકીની કોઈ એકની પ્રાપ્તિ થઈ શકે અને તે અચલ જ રહેવાની, કેમ કે સ્વર્ગના જીવાત્માને નર્કમાં ધકેલી શકાય નહિ. વળી તે જ પ્રમાણે પાપકર્મોની સજા રૂપે જેને નર્કની સજા થઈ હોય તેનું કદીય સ્વર્ગમાં સ્થાનાંતર થઈ શકે નહિ. આમ છતાંય આ દૃષ્ટાંતને વ્યાજબી એ રીતે ઠરાવી શકાય કે સ્વર્ગીય સુખ માણનાર જીવાત્મા જો નર્કની યાતનાઓનો વિચારમાત્ર લાવે તો પણ તે પેલા સુખનો લુત્ફ લઈ શકે. આમ પહેલા મિસરામાં ‘ડર’ શબ્દ પ્રયોજાયો છે, તો બીજા મિસરામાં ‘યાદ’ શબ્દ પ્રયોજાયો છે, જે ‘યાદ આયા’ રદીફના એક શબ્દ તરીકે તો છે જ; પણ અહીં તે બેવડી ભૂમિકા ભજવે છે.
આટલા સુધીની ચર્ચામાં વાચકોના ધ્યાન ઉપર ‘ઐન’ શબ્દપ્રયોગને લાવી દઉં, કેમ કે તેનો તો કોઈ ઉલ્લેખ જ થયો નથી. ‘ઐન’નો અર્થ આંખ છે,પણ અહીં તેને ‘નજર’ના અર્થમાં લઈશું તો સમજાશે કે શાયરની નજર જ્યારે સ્વર્ગ તરફ મંડાયેલી છે, ત્યારે તરત જ તેમને નર્કની યાદ આવી જાય છે અને તેની યાતનાઓનો ચિતાર પણ આંખ કે નજર સામે ખડો થઈ જાય છે.
* * *
(સંપૂર્ણ)
* * *
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
-
પાગલ જીનિયસ
હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ …. મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.
આ પુસ્તકમાંની યાદો બહુ બધાં લોકોને પોતાની અંગ્ત યાદો જેવી લાગી છે. શ્રી બીરેનભાઈ કોઠારીએ અંગતપણાના ભાવને વધારે નક્ક્રર શબ્દદેહ આપ્યો. જરૂર જણાઈ ત્યાં પૂરક માહિતીઓ કે ટિપ્પ્ણીઓ ઉમેરીને એ પુસ્તકનાં કેટલાંક પ્રકરણોના તેઓએ મુક્તાનુવાદ કર્યા.વેબ ગુર્જરીના વાચકો સાથે એ મુક્તાનુવાદોની લ્હાણ વહેંચવા માટે બીરેનભાઈએ પોતાની એ તાસકને ખુલ્લી મુકી દીધી છે.તેમનો હાર્દિક આભાર માનીને આપણે પણ ગુલઝારની યાદોને મમળાવીએ.
બીરેન કોઠારી
“તમારામાંના ઘણાને આ સાંભળીને નવાઈ લાગશે કે ‘આનંદ’ની મુખ્ય ભૂમિકા માટે કિશોરદા તૈયાર હતા. બધું નક્કી થઈ ગયેલું. શૂટના થોડા દિવસ અગાઉ ફિલ્મમાંનો પોતાનો લૂક, કોસ્ચ્યુમ્સ વગેરેની ચર્ચા કરવા કિશોરદા અમને મળવાના હતા. તેઓ આવ્યા- સાવ ટકલું કરાવીને. અમને બધાને આંચકો લાગ્યો! આટલું ઓછું હોય એમ કિશોરદા નાચતાં નાચતાં ઓફિસમાં ફરવા અને ગાવા લાગ્યા, ‘હવે શું કરીશ, હૃષિ?’ (ફિલ્મના નિર્દેશક હૃષિકેશ મુખોપાધ્યાય). આખરે, ટૂંક સમયમાં રાજેશ ખન્નાને એ ભૂમિકા સોંપવામાં આવી. કદાચ કિશોરદા એ પાત્ર કદી ભજવવા જ માંગતા નહોતા. પોતાને આ રીતે નુકસાન કરીને અન્યને કષ્ટ આપનાર મેં કદી જોયો નહોતો. એય ખરું કે કિશોરદા એવી વ્યક્તિ હતી કે એના પર તમે લાંબો સમય ગુસ્સે ભરાયેલા રહી ન શકો. એમ કરીએ તો નુકસાન આપણું. એમ કરવાનો મતલબ આ વિશ્વના સત્વથી- કિશોરકુમારના સત્વથી વંચિત રહી જવું. એનું એક આગવું ગૌરવ, નશો અને અનુભૂતિ હતાં- અને એ તદ્દન અનન્ય હતાં.”

તસવીર – નેટ પરથી “કિશોરકુમારને અતિ પ્રિય બાબતો પૈકીની એક પોતાના નિર્માતાઓને મુશ્કેલીમાં મૂકવાની હતી. એ કદી નિર્માતાઓને નુકસાન કે હાનિ પહોંચાડવા માટે નહોતી. એમાં અડધી રમૂજ, અને અડધું વાજબીપણું રહેતું. એક વાર અમે ‘ભરોસા’ ફિલ્મના ગીતોનું રેકોર્ડિંગ નક્કી કરેલું. ઘણા સમયથી રિહર્સલ થઈ રહ્યા હતાં અને સહુ તૈયાર હતા. ફાઈનલ રેકોર્ડિંગ શરૂ થાય એ પહેલાં કિશોરદાએ અમને જણાવ્યું કે એમને થોડી ચા જોઈશે. તેમના ડ્રાઈવર અબ્દુલને ચા લઈ આવવા માટે કહેવામાં આવ્યું. અબ્દુલ ઊપડ્યો અને સહુ તેના આવવાની રાહ જોતા રહ્યા. અબ્દુલના આવવાનાં એંધાણ જણાતા નહોતાં. અમે કિશોરદાને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહેતાં, ‘ચાલો ને, દાદા, રેકોર્ડિંગ પતાવી દઈએ. અબ્દુલ હમણાં આવી જશે.’ ત્યારે એ કહેતા, ‘અબ્દુલને આવી જવા દો. હું ચા પીઉં એ પછી જ વાત.’ અમે વારેવારે કિશોરદાને સમજાવવાનો પ્રયત્ન કરતા, પણ તેઓ ટસના મસ ન થયા. આખરે અબ્દુલ આવ્યો કે તરત જ કિશોરદાએ જાહેર કર્યું, ‘ઓકે, ચાલો, રેકોર્ડિંગ કરીએ.’ અમે પૂછ્યું, ‘કેમ? તમારે ચા નથી પીવાની?’ અમારી વાત પર ધ્યાન આપ્યા વિના તેઓ રેકોર્ડિંગ માટે તૈયાર થઈ ગયા. હકીકતમાં એમના માટે ચાનું કશું મહત્ત્વ જ નહોતું. તેઓ ઈચ્છતા હતા કે નિર્માતા નાણાં ખર્ચે અને વાદકો તેમજ અન્ય કર્મચારીઓ માટે ચા મંગાવે. આ આખું નાટક એના માટે હતું.”
“એક વાર શૂટ દરમિયાન કિશોરદાએ રહસ્યોદ્ઘાટન કરતાં કહ્યું, ‘બીમલદા (બીમલ રૉય), કાલે એક નિર્માતા મને મળવા આવેલો. મેં કહ્યું કે હું ફિલ્મ સાઈન કરીશ, પણ એક શરતે. તેણે મારે ઘેર ચડ્ડી પર કૂરતો પહેરીને આવવું પડશે. તેણે એ રીતે પાન ચાવતાં ચાવતાં આવવું પડશે કે હોઠના બન્ને ખૂણેથી લાલ રેલા દદડતા દેખાય. મારે ઘેર બે ટેબલને ભેગાં કરવામાં આવશે, અને એક ટેબલ એ ઊભો રહેશે, બીજા પર હું. એ પછી અમે હાથ મિલાવીશું અને કરાર પર સહી કરીશું.’ બીમલદાએ પૂછ્યું, ‘આવું ગાંડપણ શા માટે, કિશોર?’ અકળાઈને કિશોરદાએ કહ્યું, ‘બીમલદા, આજે એ નિર્માતા બિલકુલ આવાં કપડાં પહેરીને મને મળવા આવેલો. તમે જ કહો, પાગલ કોણ? હું કે એ?’ આ તર્કનો કશો જવાબ નહોતો.”
– ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો ‘Actually…I met them’ પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
ટીપ્પણી:
‘ભરોસા’ નામની કુલ બે ફિલ્મો બની છે. એક ૧૯૪૦માં અને બીજી ૧૯૬૩માં. ૧૯૪૦ની ફિલ્મમાં કિશોરકુમાર કે ગુલઝાર હોવાની શક્યતા નથી, જ્યારે ૧૯૬૩ની ફિલ્મમાં ગુરુદત્ત અને આશા પારેખની ભૂમિકા હતી, જેના નિર્માતા હતા વાસુ મેનન. આ ફિલ્મનાં ગીતો રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં અને સંગીતકાર હતા રવિ.
ગુલઝારે જે ‘ભરોસા’નો ઉલ્લેખ કર્યો છે એ ફિલ્મ સેન્સર થઈ નથી, પણ તપાસ કરતાં એટલી વિગત મળી કે રાજેશ ખન્ના અને ઝાહીરાની ભૂમિકાવાળી આ ફિલ્મ ૧૯૮૧માં બનવાની શરૂ થઈ હતી અને તેનાં ગીત ગુલઝારે લખેલાં. દિગ્દર્શક હતા મેરાજ.
તેનું એક ગીત મળે છે –
કૈસે દેખું કે મેરી આંખોકે પાસ હો તુમ – કિશોર કુમાર , લતા મંગેશકર – સંગીત આર ડી બર્મન
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
બંધોની સલામતી બાબત બેખબર રહેવું નહીં પાલવે…
નિસબત
ચંદુ મહેરિયા
ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થતાં તેના ગેટ ખોલવા પડે છે. તેને કારણે હેઠવાસના વિસ્તારોમાં તબાહી પણ સર્જાતી હોય છે. ચોમાસામાં બંધોમાં ગાબડા પડવાની, બંધો તૂટવાની અને તેના દરવાજા ના ખુલવાની ઘટનાઓ પણ બને છે. આ બધા માટે બંધો સલામત ન હોવું કારણભૂત છે. જો તેની મરામત અને સાચવણી યોગ્ય રીતે ન થતી હોય તો તે લોકોના જીવ પણ લઈ શકે છે. બંધોની સુરક્ષાની સમયાંતરે સમીક્ષા થાય તો જાનહાનિ અને તબાહી નિવારી શકાય છે.
જળ વિના જીવન અશક્ય છે. એટલે જ વિશ્વની સઘળી માનવ સભ્યતાઓ નદીના કિનારે જ પાંગરી છે. જેમ જેમ પાણીની જરૂરિયાત વધતી ગઈ અને તેનો પુરવઠો સીમિત રહ્યો તેમતેમ તેના સંગ્રહની રીતો પણ પ્રયોજાતી રહી છે. દરિયામાં વહીને વેડફાઈ જતા નદીના પાણીને રોકવા તેના પર બંધ બાંધવાનો વિચાર પણ તેની જ ફળશ્રુતિ છે. આજે દુનિયાભરમાં બંધને પાણી સંગ્રહનો સૌથી વ્યાપક અને વિશ્વસનીય વિકલ્પ માનવામાં આવે છે.
નદીઓ પરના બંધો બહુહેતુક છે. નદીના પાણીના આવરાને બંધમાં રોકતાં પૂર નિયંત્રણ થઈ શકે છે. જ્યારે બંધમાં સંગૃહિત પાણીનો ઉપયોગ કૃષિ સિંચાઈ, વીજળી ઉત્પાદન, ઔધ્યોગિક ઉપયોગ અને પીવા તથા અન્ય માટે થાય છે. મોટા બંધોના વિચારના વિરોધીઓ માટે પણ તેનો વિકલ્પ દર્શાવવો મુશ્કેલ છે. દુનિયામાં આશરે અડધો લાખ કરતાં વધુ મોટા બંધો છે. ચીન અને અમેરિકા પછી દુનિયામાં બંધોની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનો ત્રીજો ક્રમ છે. નેશનલ રજિસ્ટર ફોર ડેમ્સ મુજબ ૨૦૨૧ના અંતે ભારતમાં ૫૩૩૪ બંધો હતા અને બીજા ૪૧૧નું નિર્માણ થઈ રહ્યું હતું. ભારતના બંધોની વાર્ષિક જળસંગ્રહ ક્ષમતા ત્રણસો બિલિયન ક્યુબિક મીટર છે. સો મીટરથી વધુની ઉંચાઈ ધરાવતા અને રાષ્ટ્રીય મહત્વના ગણાતા બંધો ભારતમાં પાંસઠ છે. આવા પ્રત્યેક ડેમની જળસંગ્રહશક્તિ એક બિલિયન ક્યુબિક મીટર છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના એજિંગ વોટર ઈન્ફ્રાસ્ટકચર નામક ૨૦૨૨ના રિપોર્ટ પ્રમાણે વરસ ૨૦૨૫ સુધીમાં ભારતમાં જે એક હજાર બંધો સો વરસથી જૂના છે તેનાથી જાનમાલના નુકસાનનો ખતરો છે. કેરળનો મુલ્લાપેરિયાર બંધ સવાસો વરસ પુરાણો છે. જે ક્યારેય પણ મુશ્કેલી સર્જી શકે છે. તેને કારણે ૩૫ લાખ લોકોને અસર થઈ શકવાની દહેશત છે. ન માત્ર ભારતમાં દુનિયામાં પણ ઘણાં જૂના બંધો હોવાનું યુનોના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. દુનિયામાં ૧૯૩૦ થી ૧૯૭૦ દરમિયાન ૫૮,૭૭૦ બંધોનું નિર્માણ થયું હતું. ૨૦૦૦ થી ૨૦૦૯ના દાયકામાં જૂના, મરામત માંગતા અસલામત બંધોને કારણે ૨૦૦થી વધુ દુર્ઘટનાઓ સર્જાઈ હતી. ૧૯૭૯ની ગુજરાતના મચ્છુ ડેમની દુર્ઘટનામાં બસો લોકોના જીવ ગયા હતા. ૧૯૭૫માં ચીનના હેનાન પ્રાંતનો એક ડેમ તૂટતાં પોણા બે લાખ લોકોના મોત થયા હતા. એટલે નદીઓ તેના કુદરતી પ્રવાહને રોકીને બંધાયેલા ડેમને કઈ રીતે સહન કરે છે અને માનવજાત બંધોની કેવી કાળજી લે છે તેના પર તેના સારાનરસા પાસાનો આધાર રહેલો છે.
અસુરક્ષિત બંધોને કારણે જાનમાલ, ઈમારતો, સડકો, નહેરો,ખેતી વગેરેને નુકસાન થઈ શકે છે. બંધોના જળાશયોમાં વધતું કાંપ અને માટીનું પ્રમાણ બંધની જળસંગ્રહ શક્તિને ઘટાડે છે, એટલે તેનો નિયમિત નિકાલ થવો જોઈએ. બંધોની તકેદારી, નિરીક્ષણ, કાળજી, મરામત પણ નિયમિત થવા જોઈએ. જો તેમાં ચૂક થાય તો જળસંગ્રહ ક્ષમતા ઘટે છે. મરામતની જરૂરિયાત પૂરી ના થઈ હોય અને બંધમાં ગાબડા પડે કે તૂટે તો દુર્ઘટના સર્જાય છે. બંધોની અસરકારકતા અને કાર્યક્ષમતા પણ તેને કારણે ઓછી થાય છે. જૂના થતા બંધોની ડિઝાઈન અને માળખું નવીનતમ જરૂરિયાતો પ્રમાણે ના હોવાથી તે આફત નોતરે છે. જૂના બંધોની પાણી સંઘરવાની ક્ષમતા કેટલી છે અને તેમાં કાંપનો ભરાવો અને મરામતના અભાવે કેટલો ઘટાડો થયો છે તેની વાસ્તવિક માહિતી સમાજ અને તંત્ર પાસે ના હોય તો તેવા બંધમાં કેટલા પાણીની ઘટ છે તેનાથી બેખબર હોવું સંકટ બની શકે છે.
મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, આંધ્ર, કર્ણાટક, રાજસ્થાન જેવા રાજ્યોમાં ભારતના પરંપરાગત વિજ્ઞાન આધારિત બંધ નિર્માણ થયું છે. આ બંધો માટી, પથ્થરો અને ચૂનાના બનેલા છે. જો કે તે વિદેશી ઈજનેરી પધ્ધતિથી સિમેન્ટ–કોંક્રિટના બનેલા બંધો કરતાં મજબૂત અને ટકાઉ છે. જ્યારે વિદેશી ટેકનિકથી બનેલા બંધો પર ઘણા સંકટો આવ્યા છે. દેશી પધ્ધતિથી નિર્મિત બંધોની જળસંગ્રહશક્તિ વધારવા તેની ડિઝાઈનમાં ફેરફાર કરીને કે તેની ઉંચાઈ વધારીને તેને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવી શકાય છે. સિમેન્ટ-કોંક્રિટના બનેલા બંધોના પાયાને કાટ લાગે છે, બંધની દીવાલો પર વરસાદી પાણી અને નદીના પાણીના પ્રહારના મારની અસર થાય છે. બંધોના નિર્માણની ટેકનિકો અને બાંધકામ સામગ્રીની ગુણવત્તામાં હવે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડે ઘણા સુધારા કર્યા છે એટલે જૂના બંધોને તેને અનુલક્ષીને સુધારી શકાય.
પાણી અને પાણીનો સંઘરો ભારતીય બંધારણની સાતમી અનુસૂચિ પ્રમાણે રાજ્ય યાદીના વિષયો છે.પરંતુ ભારતના બાવન ટકા મોટા બંધો એક કરતાં વધુ રાજ્યોમાંથી વહેતી નદીઓ પર બંધાયેલા છે. ગુજરાતમાં નર્મદા નદી પરના સરદાર સરોવર બંધના તો ચાર ભાગિયા રાજ્યો છે.એટલે બંધોની સલામતી ,જળસંગ્રહ, તેની વહેંચણી તથા કાળજી અને નિરીક્ષણ માટે કેન્દ્રિય કાયદાની જરૂર હતી. આ પ્રકારના કાયદાનો મુસદ્દો વીસ વરસ પહેલાં ઘડાયો હતો. ૨૦૧૯માં સંસદમાં મુકાયેલો જળ સુરક્ષા અધિનિયમ છેક ૨૦૨૧માં ડેમ સેફ્ટી એક્ટ બન્યો છે. આ કાયદો ૧૫ મીટર કરતાં વધુ ઉંચાઈના બંધોને લાગુ પડે છે. કાયદા પ્રમાણે બંધોની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ બંધ સુરક્ષા સમિતિ અને બંધ સુરક્ષા ઓથોરિટીની રચના કરવાની હોય છે. બંધની કામગીરી યોગ્ય રીતે ના થતી હોય કે કોઈ ક્ષતિ હોય તો જવાબદારી નક્કી કરી તે માટેની સજાની પણ કાયદામાં જોગવાઈ છે.
કોઈ પણ દેશના આર્થિક, સામાજિક, રાજકીય અને ભૌગોલિક ક્ષેત્રમાં બંધની ભૂમિકા મહત્વની છે. દેશ કે રાજ્યના સર્વાંગી વિકાસમાં બંધના યોગદાનને ધ્યાનમાં રાખીને પાણીની યોગ્ય વહેંચણી થાય, જળ સુરક્ષાની દ્રષ્ટિએ બંધો સલામત રહે અને બંધને કારણે વિસ્થાપિત થયેલા લોકોનું ઉચિત પુનર્વસન થાય તો બંધ, વિકાસના સોપાનનો અનિવાર્ય ભાગ બની શકે છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણી લોકશાહી અને જનતાનું ડી. એન. એ
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
ઉત્તરરામચરિત્રમાં રામચંદ્રજીનાં મુખમાં એક સંવાદ મૂકવામાં આવ્યો છે. “ગર્ભવતી હોવા છતાં તમારા કહેવાથી મેં સીતાને વનમાં હિસક પશુઓની વચ્ચે મૂકી દીધી છે. પરંતુ લાંબા સહવાસ અને અતિશય પ્રેમને કારણે તેની યાદમાં મને એકાદ આંસુ આવી જાય તો હે અયોધ્યાના નગરજનો, મને માફ કરશો” રામચંદ્રજીના આ શબ્દોથી અભિભૂત થઈને કોઈ વિદ્વાને કહ્યું છે કે પ્રજાની ઇચ્છાને માન આપનાર રાજાશાહી ખરેખર તો લોકશાહી જ કહેવાય. આ જ પ્રકારે કહેવાય છે કે બુદ્ધ અને મહાવીરના સમયમાં ગણરાજ્યો હતા જેને આપણે આપણી પ્રાચીન લોકશાહી તરીકે ઓળખીએ છીએ. આ લોક્શાહી કેવા પ્રકારની હતી તેનો ખ્યાલ નથી, છતાં આપણે ગૌરવ તો લઈએ છીએ કે લોક્શાહી સાથેનો આપણો નાતો ઘણો પુરાણો છે. પરંતુ આપણા લાંબા ઇતિહાસકાળમાં વ્યક્તિ -વ્યક્તિ વચ્ચેના સબંધમાં કે સામૂહિક જીવનમાં લોકશાહી ભૂતકાળમાં પણ ક્યારેય હોય એમ જણાયું નથી. આજે પણ પણ પરિસ્થિતિ એ જ છે. ઇતિહાસમાં કેટલાક અપવાદ રૂપ ઉદાહરણોને પરંપરા તરીકે ન જ ગણાવી શકાય.
લોકશાહી એ માત્ર રાજ્યવ્યવસ્થા નથી. ખરેખર તો એ જીવનપદ્ધતિ છે. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સમાનતા એ લોકશાહીના આધાર છે. તેનાં શિક્ષણની શરૂઆત પરિવારથી જ થાય છે. પરંતુ મોટાભાગના પરિવારોમાં સમાનતા અને સ્વાતંત્ર્ય હોતાં જ નથી. જેને આપણે વ્યક્તિ સ્વાતંત્ર્ય કહીએ છીએ તેમાં દરેકને પોતાનો અભિપ્રાય વ્યકત કરવાની સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે. ભાગ્યેજ કોઈ પરિવાર હશે જ્યાં દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા હશે. મહિલાઓ સાથે ભેદભાવ તો અનાદિ કાળથી ચાલ્યો આવે છે. પુખ્ત ઉંમરના સંતાનોને પણ પોતાનો નિર્ણય કરવાની સ્વતંત્રતા ભૂતકાળમાં ક્યારેય ન હતી. પરિવારમાં જેની હકુમત હોય તેના શબ્દો જ કાયદો ગણાય છે. નિયમિત મંદિર-મસ્જિદ-દેરાસર માત્ર હુકમને કારણે જ જવું પડતું હોય છે. ધર્મ અને ધર્મગ્રંથોની વાત જે આપણને ગળથૂથીમાંથી જ શીખવાડવામાં આવે છે ત્યાં તર્ક, સવાલો કે ભિન્ન અભિપ્રાયની સ્વતંત્રતાને કોઈ સ્થાન જ નથી હોતું.
કોઇપણ મુદ્દા પર મતભેદ હોય તો લોકશાહીમાં તેને અંગે નિખાલસ ચર્ચા થવી જોઇએ અને ચર્ચાનો હેતુ યોગ્ય નિષ્કર્ષ પર આવવાનો હોવો જોઇએ. પરતુ અનુભવો એવા છે કે ભલે ખોટો હોય પણ પોતાનો પક્ષ સ્વીકરવાની બળજબરી જ હોય છે.
સહકારી મંડળીઓ કે નાની મોટી અનેક સંસ્થાઓનાં બંધારણોનું માળખું ભલે લોક્શાહી સ્વરૂપનું હોય, પરંતુ વ્યવહારમાં તો લોકશાહી ભાગ્યેજ દેખાય છે. ક્યારેક તો આવી સંસ્થામાં ઠરાવ લખીને કારોબારીના સભ્યોની સહી લેવાતી હોય છે. કેટલીક સામાન્ય સભાઓમાં તો મોવડીમંડળના સભ્યો ઉગ્ર ચર્ચા અને મતભેદનું નાટક કરતા પણ જોવાયા છે. લોક્શાહી રીતે વર્તન કરવાને બદલે લોકશાહીનો દેખાડો જ કરવામાં આવતો હોય છે.
આ જ પરિસ્થિતિ આપણી રાજ્યવ્યવસ્થાઓની હોય છે. નિયમિત સમયાંતરે થતી ચૂંટણી અને તેનાથી રચાતી સરકારોમાં લોકશાહીની ઇતિશ્રી નથી જ. ચૂંટણી લડતા રાજકીય પક્ષોમાં તો આંતરિક લોક્શાહી નામની પણ નથી હોતી. પક્ષની શિસ્તનાં નામે પક્ષના કાર્યકરો કે અન્ય નેતાઓના અવાજને દબાવી દેવામાં આવતો હોય છે. લોકશાહીમાં જેને પણ સત્તા સોંપવામાં આવે છે, તેને વિરોધી સૂર સહેજ પણ પસંદ નથી હોતો.
આપણા અને બીજા અનેક દેશોમાં કારોબારી સંસદને જવાબદાર માનવામાં આવે છે. પરંતુ સંસદની અંદર જે તે રાજકીય પક્ષોના નેતાના અભિપ્રાયને જ સામાન્ય સભ્યને પોતાનો અભિપ્રાય માનવાની ફરજ પાડવામાં આવે છે, પછી ભલે ને તે સતાપક્ષ હોય કે વિપક્ષ. આ વાત રાજકીય પક્ષોના કાર્યકરો કે ચૂંટાયેલા સભ્યોએ સ્વીકારીને જ ચાલવું પડે છે. આ માટેનું એક ઉદાહરણ યાદ આવે છે. 1972ની ગુજરાત વિધાનસભાની એક બેઠક પર બે ઉમેદવારો મુખ્ય સ્પર્ધકો હતા. જેમાં એક ઉમેદવાર લગ્ભગ નિરક્ષર હતા અને સામેના ઉમેદવાર બનારસ યુનોવર્સિટિના સ્નાતક તેમજ ખૂબ વિદ્વાન હતા. પેલા નિરક્ષર ઉમેદવારની ચૂંટણીસભામાં હાજર રહેલી એક વ્યક્તિએ ઉમેદવારને પૂછ્યું “તમે તો સાવ અભણ છો તો વિધાનસભમાં જઈને શું તમે માત્ર આંગળી જ ઉંચી કરવાના છો?” તેના જવાબમાં મંચ પર બેઠેલા ઉમેદવારના એક સહાયક ભાઈએ કહ્યું કે વિધાનસભામાં ભણેલો હોય કે અભણ, દરેકે પોતાના પક્ષનાં સમર્થનમાં માત્ર આંગળી જ ઊંચી કરવાની હોય છે! લોકશહી કહેવાતા દુનિયાના લગભગ બધા જ દેશોમાં આ પરિસ્થિતિ છે. યાદ કરીએ ગાંધીજીને જેમણે બ્રિટનની પાર્લામેન્ટને આ જ કારણથી ‘વેશ્યા’ કહેલી.
લોકશાહીની ઉપર દર્શાવેલી સ્થિતિનાં મૂળમાં સામાન્ય પ્રજાને જ લોક્શાહીમાં કોઈ રસ નથી તે છે. જો પ્રજાનો લોકશાહી માટે આગ્રહ હોત તો રાજ્યવ્યવસ્થા સહિત દરેક સંસ્થા લોકશાહીની ભાવના પ્રમાણે ચાલતી હોત. માત્ર ભારતમાં જ નહિ, દુનિયાના લગભગ બધા જ દેશોમાં આ પરિસ્થિતિ છે. જો કોઈ સત્તાધારીનો વહીવટ લોક્શાહી રીતે ન ચાલતો હોય અને વિપક્ષો તે માટે ગમે તેટલો કકળાટ કરે પરંતુ પ્રજાનું તેમને સમર્થન નથી મળતું. મુઠ્ઠીભર જાગૃત નાગરિકો સિવાય બધા જ લોકોને પોતાના રોજેબરોજનાં જીવનમાં જ રસ હોય છે.
1975મં દેશમાં લદાયેલી કટોકટીને લોક્શાહી પરના મોટા પ્રહાર તરીકે વાજબી રીતે જ ગણવામાં આવે છે. ત્યાર પછી 1977માં યોજાયેલી ચૂંટણીમાં શ્રીમતી ઇંદિરા ગાંધી અને તેમના પક્ષને મળેલી શિકસ્તને ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રજાની લોકશાહીના વિજય તરીકે ગણવામં આવી. પશ્ચિમના દેશાના રાજકીય વિશ્લેષકોએ અભિપ્રાય વ્યક્ત કર્યો કે ગરીબ અને નિરક્ષર એવી પ્રજાઓ પણ લોકશાહી જ ઝંખે છે. પરંતુ હકીકત કાંઇક જુદી જ છે. ખરેખર તો પ્રજાનો ચૂકાદો તો કટોકટી દરમિયાન કરવામાં આવેલા જુલ્મોના વિરોધમાં હતો. જે રાજ્યોમાં કટોકટી દરમિયાન પ્રજા પર જુલમો થયા હતા ત્યાં સત્તાપક્ષની હાર થઈ હતી. કટોકટી તો દક્ષિણના રાજ્યોમાં પણ લાદવામાં આવી હતી. પ્રજાના મૂળભૂત હક્કો પર ત્યાં પણ તરાપ મારવામાં આવી હતી. આમછતાં શ્રીમતી ઇંદિરા ગાંધીના પક્ષને ત્યાં વિજય મળ્યો હતો.
કટોકટી દરમિયાન શ્રીમતી ઇંદિરાગાંધી એક સરમુખ્ત્યાર સ્વરૂપે જ પ્રગટ થયેલા. આમછતાં રાયબરેલીની બેઠક પરથી 1977માં ચૂંટણી હારી ગયાના એક જ વર્ષમાં તેઓ કર્ણાટકની ચિકમંગલુર બેઠક પર પેટાચૂંટણી જીતી ગયાં હતાં. આટલું ઓછું હોય તેમ 1980ની સામાન્ય ચૂંટણીમાં તેમનો પક્ષ જંગી બહુ,મતીથી વિજયી થયો હતો. ખરેખર પ્રજાને જો લોકશાહીનો આગ્રહ હોય તો જેનામાં સરમુખત્યારનાં લક્ષણો સ્પષ્ટ રીતે દેખાયા હોય તેવા નેતાની પસંદગી કદી ન કરે.
લોક્શાહીમાં ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિર્ભિક હોવું જોઈએ. પરંતુ ચૂંટણી જીતીને સત્તા મેળવ્યા પછી કોઇ પણ શાસકને સ્વતંત્ર ન્યાયતંત્ર પસંદ નથી હોતું. ન્યાયતંત્રની સ્વતંત્રતા તેમને આડખીલી રૂપ લાગે છે. હાલના દિવસોમાં ઇઝરાયલના વડાપ્રધાને પ્રજાનો વિરોધ હોવાછતાં પાર્લામેન્ટમાં કાયદો કરીને ન્યાયતંત્રને પોતાના અંકૂશમાં લેવા પ્રયાસ કર્યો છે. ભારતમાં જ્યારે જ્યારે આવા પ્રયસો થયા છે ત્યારે પ્રજાએ તેનો વિરોધ કર્યાનું જાણમાં નથી. લોકશહીમાં ન્યાયની સર્વસ્વીકૃત પ્રણાલિકા પ્રમાણે આરોપી પર નિયમ પ્રમાણે કામ ચલાવીને આરોપીનો ગૂન્હો અદાલતમાં પુરવાર થાય તો જ તેને ગૂનેગાર ગણી શકાય. પરંતુ જોવા એ મળ્યું છે કે માત્ર શક પરથી થતા નકલી એન્કાઉન્ટરોને પ્રજા હોંશે હોંશે વધાવે છે અને એન્કાઉન્ટરના હિમાયતી નેતાની વાહવાહ થાય છે.
લોકશાહીમાં કાયદો સર્વોપરી હોવાથી કોઇપણ શકમંદ ગૂનેગારને તેના પર કામ ચલાવવા માટે પોલીસને સોંપાવો જોઈએ. પરંતુ જાહેર સ્થળે ખિસ્સા કાતરુ પકડાય તો ટોળને પેલા ખિસ્સા કાતરુને ન્યાય કરતું જોવાનો આપણને લગભગ બધાને જ અનુભવ હશે. હવે તો કહેવાતા ગૌરક્ષકો પણ કાયદો હાથમાં લેતા હોય છે.
આગાઉ જણાવ્યા પ્રમાણે સમાનતા એ લોકશાહી માટેની આવશ્યક શરત છે. જે સમાજમાં હજારો વર્ષથી વર્ણવ્યવસ્થાને નામે ઉંચનીચના ભેદ પ્રવર્તતા હોય તે સમાજને સમાનતા કે લોકશાહી સાથે સ્નાન સૂતકનો પણ સબંધ નથી એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
ટુંકમાં ગમે ગમે તેટલી શાણી વાત કરીએ, પરંતુ વ્યાપક પ્રજાને લોક્શાહી સાથે કોઇ લગાવ હોય તેમ જણાતું નથી. કોઇપણ સરકાર લોક્સભામાં માત્ર પોતાની બહુમતી હોવાના કારણે જ લોક્શાહી પર તરાપ મારતા કાયદાઓ કરવાની હિંમત કરી શકે છે, તેનું કારણ એ છે કે સરકારોનો અદમ્ય વિશ્વાસ હોય છે કે જનતાની તાસીર ગમે તે હોય પણ તેનાં ‘ડીએનએ’માં લોકશાહી નથી જ.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
અલવિદા, સુકુમાર પરીખ; અલવિદા અચ્યુત યાજ્ઞિક : તમારા વિના શહેર સૂનું લાગશે
તવારીખની તેજછાયા
એકે સ્વરાજના ઉઘાડ અને બીજા સ્વરાજમાં લિબરલ ધારાનું અનુસંધાન જાળવ્યું તો બીજાએ અભ્યાસી ને તળ કાર્યકર વચ્ચે સંધાનની જયપ્રકાશોત્તર લોકાયત પરંપરા સેવી.
પ્રકાશ ન. શાહ
અ લબત્ત, એ એક જોગાનુજોગ જ હતો, પણ બે પ્રસંગ લગભગ સાથે બની આવ્યા. પહેલી સપ્ટેમ્બરે સુકુમાર પરીખનું બેસણું હતું, અને બીજી સપ્ટેમ્બરે અચ્યુત યાજ્ઞિકની શ્રદ્ધાંજલિ સભા,

વિનોદિની નીલકંઠ સુકુમાર સુપ્રતિષ્ઠ નીલકંઠ ઘરાણાના. (માતા વિનોદિનીએ આગ્રહપૂર્વક પિતા રમણભાઈ નીલકંઠની અટક જાળવી રાખી હતી, એ ન્યાયે.) એમઆઈટી ટ્રેઈન્ડ સુકુમાર છેલ્લે જાહેરમાં ક્યારે જણાયા હતા? વિનોદિની નીલકંઠની નવલકથા ‘કદલીવન’નો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો ત્યારની એમની વ્હીલચેર હાજરી આ લખતી વખતે નજર સામે તરે છે. દરિયો ખેડી નાતમાંથી કમી થનાર મહીપતરામ, ‘ભદ્રંભદ્ર’કાર રમણભાઈ, એ ગુજરાતની નવાચારી કુટુંબ પરંપરાના વારસ સુકુમાર. પ્રાર્થના સમાજની સાર્ધ શતાબ્દી નિમિત્તે એક ધોરણસરના પ્રકાશન અને ‘કદલીવન’નો અનુવાદ શક્ય બનાવવા સાથે એમણે અંતિમ વર્ષોમાં કિંચિત ઋણતર્પણનો સાર્થક અનુભવ કર્યો હશે.
અચ્યુતને છેલ્લે ક્યારે જોયેલા? વિશાળ પ્રાતિનિધિક હાજરીએ છલકાતી શ્રદ્ધાંજલિ સભામાં સામેલ થનારાઓ પૈકી ઘણાએ કદાચ વર્ષોથી નહીં જોયા હોય; કેમ કે વર્ષોથી એ ઘર ને દફતર સિવાય ખાસ બહાર નીકળતા નહોતા. પણ દફતર બેઠા એમના અને એમની સાથેના સંપર્કોનો સુમાર નહોતો.
સુકુમાર પરીખે કોઇ પુસ્તક નહોતું લખ્યું, જેમ અચ્યુત યાજ્ઞિકે (સુચિત્રા શેઠ સાથે) ગુજરાત અને અમદાવાદ પરનાં નોંધપાત્ર (અને બીજાં પણ) લખ્યાં છે. પણ શૈલજા કાલેલકર પરીખે ‘નીલકંઠ્સ ઇન ગુજરાત’ (‘એકલો જાને રે’) લખ્યું છે એમાંથી અમદાવાદ અને ગુજરાતના પલટાતા સમાજજીવનનું, પરિવર્તન માટેની મથામણનું, પોતાની તરેહના જે તે પેઢીના વિશ્વદર્શનનું ચિત્ર જરૂર મળે છે. આ ચિત્ર સુઘારક પરંપરાનું છે, આજના સમયમાં તે મવાળ પણ લાગે. પરંતુ જે તે સમયમાં નાતજાતમાં નહીં માનવાની પ્રાર્થના સમાજની ભૂમિકા કે વિધવા પુનર્વિવાહ માટેનો આગ્રહ વગેરે વાંચીએ ત્યારે એનો સ્પંદ જરૂર અનુભવાય.
ભોળાનાથ સારાભાઇ સ્તો એ ઇતિહાસનિમિત્ત હતા જેમના તેડાવ્યા દલપતરામ વઢવાણથી પગપાળા નીકળી ફાર્બસને અમદાવાદ મળવા પહોંચ્યા અને ગુજરાતની તવારીખમાં એ અંતર ગાઉઓમાં નહીં એટલું સદીઓમાં કપાઇ ગયું. દેશભરમાં ત્યારે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરના વિદ્યાપ્રેમ, વિધવાવિવાહ સહિતના એકંદર સુધાર અભિગમની વિશિષ્ટ સુવાસ પ્રસરેલી હતી. ભોળાનાથના કુટુંબને એવી હોંશ કે દીકરીને દીકરો જન્મે તો વિદ્યાસાગર ને દીકરી જન્મે તો વિદ્યા એવું નામ આપવું. આ વિદ્યાગૌરી તે લેડી વિદ્યાગૌરી નીલકંઠ. સર રમણભાઇનાં પત્ની અને 1932માં ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સના લખનૌ અધિવેશનના પ્રમુખ. એમનાં દીકરી વિનોદિની.
ઉલટ પક્ષે, અચ્યુત (કુટુંબ પરંપરાનું નામ જયેન્દ્ર) આવી કોઇ જાણીતી પરંપરાનું સંતાન નહીં. પણ આપ અભ્યાસે એણે ગુજરાતની પરંપરા સમસ્તની દમદાર વારસાઇ અભ્યાસગત ખસૂસ કરી. લિબરલ કુટુંબોનો જે સહજ, કદાચ કંઇક સીમિત વિકાસ એનીયે અનોખી રેન્જ એમ તો ક્યાં નહોતી? હીરાલાલ ભગવતી અને જયન્તિ દલાલ પાસે સાંભળ્યું છે કે એમને કોઇ નાટક સારુ મારવાડી લોકઢાળની રચના જોઇતી’તી તો વિદ્યાબહેને એમને ત્યાં હાથલારી ખેંચવા શ્રમિકોની મુલાકાત કરાવી આપી હતી. તેઓ એ શ્રમિકોનું હૂંફઠેકાણું હતાં. આછુંપાતળુંયે એમનું યુનિયન જેવું કાંક હશે.
અચ્યુત, સેતુ-સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શનથી ઓળખાયા અને પંકાયા. નીલકંઠ ધારા થોડોક અપવાદ બાદ કરતાં એકંદરે શાલીન બંધારણીય પરંપરામાં વિલસી. સેતુની કામગીરીમાં જયપ્રકાશના આંદોલન અને કટોકટીઉત્તર નવસમજનો ફાળો હતો તે એ રીતે કે જે લોકો તળ સ્તરે કામ કરે છે એમને નવપ્રયોગપૂર્વક સાંકળવામાં સહભાગી થવું. અભ્યાસીઓ અને સંશોધકોએ એમના એકાંતકક્ષની બહાર આવી તળ હલચલ, માઇક્રો સ્ટરિંગ્ઝ સાથે સંકળાવું, નોલેજ અને એક્શનનું સાથે લગાં હોવું એ એનો વિશેષ હતો. નામ પાડવું હોય તો એ ‘લોકાયન’ હતું અને છે. એટલે જે ગુણાત્મકપણે જુદું પડ્યું તે આ : ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સ અને ‘સેવા’ વચ્ચેનો ભેદ પકડાય તો આ મુદ્દો પમાય. અભ્યાસી અને તળ કાર્યકરનું સંધાન, નારી શક્તિનું શ્રમિક સંધાન, એમ પણ કહી શકો તમે. અલબત્ત, નોલેજ એન્ડ એક્શનનાં આ સહિયારાંમાં મળી રહેતો કર્મશીલ ને કાર્યકર કદાચ એક જુદી જ પ્રજાતિ છે.
વાતની શરૂઆત સુકુમાર પરીખ અને અચ્યુત યાજ્ઞિકને સાથે રાખીને પલટાતા અમદાવાદ-ગુજરાતને જોવાના પ્રયાસ રૂપે કરી હતી પણ જે કોશિશ અચ્યુત જેવા ‘જ્ઞાન અને કર્મનાં યથાસંભ સહિયારાં’ માટે મથનારાઓની સતત રહી તે છેલ્લાં વર્ષોની અમદાવાદ-ગુજરાતની કોમી તાસીરના સગડ દાબવાની. હમણાં જ વિદેહ થયેલા અમેરિકી અમદાવાદ-મિત્ર હાવર્ડ સ્પોડેકે જેની કોશિશ અમદાવાદને ‘શૉક સિટી ઓફ ટ્વેન્ટિયેથ સેન્ચરી ઇન્ડિયા’ એ ઉપશીર્ષકે હજુ થોડાં વરસ પર જ કરી હતી. એ વરસોમાં સ્પોડેક પહેલી જુલાઇએ ક્યારેક ક્યારેક વસંત-રજબ સ્મારક પર મળી જતા પણ તે આ વિષય પર કામ કરી રહ્યા હશે એનો ત્યારે મને અંદાજ નહોતો…દરમ્યાન, હમણાં તો સુકુમાર અને અચ્યુતને અલવિદા.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૩ – ૯ – ૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
