વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલ્મી ગઝલો – ૩૧. નૂર લખનવી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    એક જમાનામાં રેડિયો મનોરંજનના મુખ્ય સાધનોમાંથી એક હતું અને ઘરમાં મર્ફી, બુશ કે નેશનલ એકો બ્રાંડનો રેડિયો કે ટ્રાંઝીસ્ટર હોવું એ મોભાની નિશાની ગણાતી.

    ઓલ ઈંડીયા રેડિયોની ઉર્દુ સર્વિસ પર દરરોજ રાત્રે ૧૦૩૦ થી ૧૧૨૫ લગી જૂના ફિલ્મી ગીતોનો એક ફરમાઈશી કાર્યક્રમ પ્રસારિત થતો . નામ હતું ‘ તામીલ – એ – ઈર્શાદ‘. બધા ઉદ્ઘોષકો એમાં વિશુદ્ધ ઉર્દુ બોલતા. એ પ્રોગ્રામમાં અવારનવાર વી. શાંતારામની ફિલ્મ ‘ પરછાંઈ ‘ ની બે ગઝલો અઢળક ફરમાઈશ સાથે પ્રસારિત થતી. ‘ મુહોબત હી ન જો સમજે વો ઝાલિમ પ્યાર ક્યા જાને ‘ (મને ત્યારે અને અત્યારે પણ ‘ મુહોબત ‘ અને ‘ પ્યાર ‘ વચ્ચેના તફાવતની ખબર નહોતી ! ) અને ‘ કટતે હૈં દુખ મેં યે દિન પહલૂ બદલ બદલ કે ‘. આ બીજી ગઝલની ધુન અને અલફાઝ દિલમાં એક ટીસ પેદા કરતા. બન્નેના ગીતકાર હતા ‘ નૂર લખનવી. સમય જતાં એ પણ ખબર પડી કે મુશાયરાઓમાં કૃષ્ણબિહારી નૂર ‘ નામથી ધૂમ મચાવતા શાયર એ જ આ નૂર લખનવી ! ગઝલ કહેવાનો એમનો લહેજો ભારે નાટકીય !

    એમની ફિલ્મી અને ગૈર – ફિલ્મી ગઝલો બેશક સુંદર ! સુબહ કા તારા, હૈદ્રાબાદ કી નાઝનીન, આનંદ ભવન અને પરછાંઈ જેવી જૂજ ફિલ્મોમાં એમણે ગીત લખ્યા. એમની ગઝલ ‘ ઝિંદગી સે બડી સઝા હી નહીં, ઔર ક્યા જુર્મ હૈ પતા હી નહીં ‘ આજે પણ ગઝલ પ્રેમીઓને રોમાંચિત કરે છે. એમની બે ગઝલો જોઈએ :

     

    કટતે હૈં દુખ મેં યે દિન પહલૂ બદલ બદલ કે
    રહતે હૈં દિલ કે દિલ મેં અરમાં મચલ મચલ કે

    તડપાએગા  કહાં  તક  ઐ દર્દે દિલ બતા દે
    રુસવા કહીં ન કર દે આંસૂ નિકલ નિકલ કે

    યે ખાક પર જો ચમકે ઝર્રે ન ઈનકો સમજો
    ફેંકા ગયા હૈ દિલ કા  શીશા કુચલ કુચલ કે

    ઉલ્ફત કી ઠોકરોં સે આખિર ન બચ સકા દિલ
    જિતને  કદમ  ઉઠાએ  હમને સંભલ સંભલ કે ..

    – ફિલ્મ : પરછાંઈ

    – લતા

    – સી રામચંદ્ર

     

    અપની નાકામી સે મુજકો કામ હૈ
    હો ઉન્હેં  રાહત  મુજે  આરામ હૈ

    દિલ હમારા ઔર નહીં કુછ ઈખ્તિયાર
    હાએ  મજબૂરી  ઈસી  કા  નામ  હૈ

    દિલ કી ઉલઝન મેં પતા ચલતા નહીં
    હમ  કહાં  હૈં, સુબહ હૈ  યા  શામ  હૈ

    હમ તડપતે હૈં નહીં ઉનકો ખબર
    ક્યા મુહોબત કા  યહી અંજામ હૈ ..

    – ફિલ્મ : સુબહ કા તારા ૧૯૫૨

    – તલત મહેમૂદ

    – સી રામચંદ્ર


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • અજગરના પરાક્રમો – ૧

    વિજયગુપ્ત મૌર્ય

    શિયાળાનો સમય હતો. આ ઋતુમાં આબુ ઉપર બહુ જૂજ સહેલાણીઓ આવે છે એટલે મારા જેવા એકાંતપ્રેમી માણસને તે બહુ ફાવે. મારે આબુમાં સરિસૃપવંશનાં પ્રાણીઓ, એટલે કે જુદી જુદી જાતના સાપ, ઘો, કાચંડા, ગિલોડી, સાપની માસી, સાંઢા વગેરેનો અભ્યાસ કરવા લગભગ બાર મહિના રહેવાનું હતું. નખી તળાવની સામે એક વિશાળ બંગલામાં મને ઉતારો આપવામાં આવ્યો હતો. આ બધાં પ્રાણીઓની જુદી જુદી જાતના એટલા બધા નમૂના મેં એકઠાં કર્યા હતા કે તેમનું વર્ગીકરણ કરીને સાચવવામાં અને મારા સંશોધનકાર્ય તથા પ્રયોગો માટે આખું મકાન કામમાં આવી ગયું હતું, એટલે મારે બાજુના એક નાના મકાનમાં રહેવું પડતું.

    આબુ ઉપર બારે માસ રહેવાનું મારા જેવા પ્રકૃતિપ્રેમી સિવાય ઓછા માણસો પસંદ કરે. સહેલાણીઓ શિયાળા કે ચોમાસાનો વખત આબુ ઉપર રહેવાનું પસંદ નથી કરતા. શિયાળાની ઠંડીમાં સરિસૃપ વર્ગનાં ઘણાંખરાં પ્રાણીઓ સુષુપ્ત જેવાં બની જાય છે અને નજરે પણ ઓછાં પડે છે. પરંતુ જ્યારે ફાગણ મહિનામાં હવામાં હુંફ આવે છે ત્યારે એમને શોધવા જવું નથી પડતું. અત્યારે શિયાળાના કારણે મારે કામ પણ ઓછું રહેતું હતું, એટલે સાંજે ફરવા નીકળી પડ્યો હતો.

    પક્ષી-નિરીક્ષણ માટે શિયાળામાં આબુ મહત્વનું સ્થળ છે અને મને પક્ષીઓમાં પણ સારો એવો રસ હતો એટલે સાંજે ફરતાં ફરતાં મેં પક્ષીઓમાં ધ્યાન પરોવ્યું. ઝાડી નીચેથી કસ્તુરાનું મંદ મંદ સંગીત આવતું હતું. ફૂલો ઉપર સક્કરખોરા મધુર કંઠે કિલકલાટ કરતા ઊડતા હતા. ઝાડની ડાળી ઉપર બેઠેલા પતરંગા હવામાંથી જીવડાં પકડવા વારંવાર ઝંપલાવતા હતા. શિયાળામાં આબુની ગુલાબી ઠંડીની મજા માણવા આવતા દૈયડ એમના ગાવાની ઋતુ ન હોવા છતાં આનંદ ન સમાવાથી સિસોટી વગાડી લેતા હતા. માથે મુગટ અને પાછળ રજવાડી ઝબ્બાની લાંબી કોર જેવી વિચિત્ર પૂંછડી ધારણ કરી જાણે પોતે જ આ વનશ્રીનો રાજા હોય તેમ વનમાં લહેકાથી બોલતો ભીમરાજ ‘સી-રંગ, સી-રંગ’ કરતો હતો. લાલ થોભિયાવાળા બુલબુલ તો આબુનો શણગાર છે. એમના રણકા વિના આબુ સૂનું લાગત. પૂંછડીને પંખાની જેમ ફેલાવી ડાળે ડાળે નાચતો ચંડોળ તો આનંદનો પ્રતીક છે.

    ઘોડેસ્વારીનો મને બહુ શોખ છે અને અને અહીં તો હું લાંબા અંતર સુધી ફરવા જતો એટલે મેં પહાડી ટટ્ટું રાખ્યું હતું. આજે હું ટટ્ટુ ઉપર સવાર થઈને જ નીકળ્યો હતો. થોડો આગળ ગયા પછી મને ફાધર વૂડકોકનો ભેટો થઇ ગયો. તેઓ અહીં ખ્રિસ્તી મીશનના વડા પાદરી હતા અને હિંદુસ્તાનમાં પહેલી જ વાર તાજેતરમાં જ આવ્યા હતા. તેમને બંગલો પાસે જ હતો એટલે તેઓ આગ્રહ કરીને મને પોતાને બંગલે લઈ ગયા. તેમનું મીશન અહીંના ભીલોને ‘સુધારવા’નું અને તેમને ખ્રિસ્તી બનાવવાનું હતું. પાદરી સાહેબનું હિંદુસ્તાન વિષેનું જ્ઞાન એટલામાં જ સમાઈ જતું. સ્વભાવે તેઓ બહુ વાતોડિયા હતા. આજે તેમની વાત સવારે શું ખાધું ત્યાથી શરૂ થઈ ત્યાંથી બાવળની ડાળીની જેમ આડી ફાટીને આજના હવામાન ઉપર આવી અને ત્યાંથી હનુમાન જેમ છલાંગ મારીને હિંદુસ્તાનના રાજકીય પ્રશ્નો ઉ૫ર આવી. છેવટે નદી જેમ દરિયામાં જાય તેમ તેમની વાત પણ પોતાનાં ધ્યેય પાસે આવીને ઉભી રહી.

    ‘હું ખરું કહું છું, ડૉક્ટર,’ પાદરી સાહેબે મારા પર મશીનગનનો મારો ચલાવ્યો, ‘તમારા ધમેં તમને ડરપોક અને સંકુચિત મનોદશાના બનાવ્યા છે. એક પ્રજા તરીકે હિંદુઓમાં એકતા, સહિષ્ણુતા અને નીડરતા જોઈએ, જે ખ્રિસ્તી વર્ગમાં જ છે. અમારા બાળકોને તે એ ગુણો ગળથુથીમાં…’

    ‘ફાધર, ફાધર’ એક છોકરો બેબાકળો બનીને દોડતો આવ્યો. ‘સસલાના પાંજરામાં એક મોટો અજગર…’ છોકરો હાંફવાથી પૂરું બોલી ન શક્યો.

    મોટો અજગર જાણે પોતાની ખુરશી નીચે હોય તેમ ફાધર બેબાકળા બનીને ઠેકડો મારી ઊભા થઈ ગયા દેવતા ઉપર માખણ પીગળી જાય તેમ તેમની નીડ૨તા અને મર્દાનગીની વાતો અદૃશ્ય થઈ ગઈ. પાદરી સાહેબે વિલાયતમાં એવાં જ ખ્યાલ મેળવ્યા હતા કે હિંદુસ્તાનમાં તો ડગલે ને પગલે વાઘ, અજગર અને નાગ સામા મળે છે અને માણસોને ખાઈ જાય છે. એટલે તેઓ જ્યારે હિન્દુસ્તાન આવવા રવાના થયા ત્યારે પોતે બહાદૂરી કરતા હોય એવો ગર્વ લેતા હતા. પરંતુ હજી તો પહેલી જ વાર અજગરે તેમના સસલાખાનાની મુલાકાત લીધી ત્યાં તો તેઓ વિહ્‌વળ થઈ ગયા.

    મેં છોકરાને કહ્યું, ‘ચાલ બતાવ, ક્યાં છે અજગર?

    હું છોકરાને લઈને દોડતો ગયો. મારી પાછળ પાદરી સાહેબ દેવીનો ભૂવો ધૂણે તેમ ધ્રૂજતા આવ્યા. ફળિયામાં સસલાનું એક પાંજરું હતું. તેના સળિયા વચ્ચે થઈને એક અજગર અંદર ઘૂસ્યો હતા અને એક સસલાને ગળી ગયો હતો. એવામાં માણસો ભેગા થઈ ગયા અને પોતાને મળેલી આવી અણનોતરી પ્રસિદ્ધિથી ભડકીને અજગર નાસી જવા માટે બહાર નીકળવા ફાંફાં મારવા લાગ્યો. પરંતુ અજગરમાં નહોતી ઈજનેરી બુદ્ધિ કે નહોતું ગણિતનું જ્ઞાન, કારણ કે જ્યારે તે સળિયા વચ્ચેથી અંદર પેઠો ત્યારે સીધો સોટા જેવો હતો, પરંતુ પુખ્ત વયના સસલાને પેટમાં પધરાવ્યા પછી તે વચ્ચેથી ફૂલી પડ્યો હતો. એટલે હવે સળિયા વચ્ચેથી બહાર નીકળવું અશક્ય હતું. થોડાંક તરફડિયાં માર્યા પછી તેને ગૌતમ બુદ્ધની જેમ જ્ઞાન થયું કે મોક્ષમાર્ગની આડે આવતા સસલારૂપી માયાના અંતરાયનો તે ત્યાગ નહિ કરે ત્યાં સુધી તેને આ કેદખાનારૂપી સંસારમાં દુઃખી રહેવું પડશે. જેવું એ જ્ઞાન થયું કે તરત જ સસલાને ઓકી કાઢી તે માયારૂપી બંધનથી મુક્ત થવા લાગ્યો. મને થયું કે આવી ભરયુવાનીમાં પ્રાપ્ત થયેલા વૈરાગ્યના પરિણામે તે મારી પ્રયોગશાળારૂપી સંસારના વાયરાથી વંચિત રહીને અહીંથી જ મોક્ષ પામી જશે તો એ ઠીક નહિ થાય એટલે મેં તેને પકડવાની તૈયારી કરી.

    મારે તમને અહીં એક ચેતવણી આપી દેવી જોઈએ. આપણે સુસ્ત અને એદી માણસને અજગરની ઉપમા આપીએ છીએ, પણ તે આપણું અજ્ઞાન બતાવે છે. નાગ કે કાળોતરા જેવો જ અજગર ચપળ અને ઝાપી છે. અલબત્ત, તેના મોંમાં ઝેરની કોથળી કે ઝેરી દાંત નથી, પણ તેની શિકાર કરવાની રીત જ જુદી છે. તે પ્રાણીઓની અવરજવરના માર્ગ પાસે સુસ્ત થઈને પડ્યો રહે છે. તેનો રંગ જમીન સાથે ઓતપ્રોત થઈ જાય છે. પરંતુ તેની આંખો તો શિકારની પ્રતીક્ષા કરતી હોય છે. જેવું કોઈ પ્રાણી તેની હડફેટમાં આવે એટલે તરત જ અજગર તેના શરીરમાં દાંત ભરાવી આંખના એક પલકારામાં તો શિકારને શરીર આસપાસ ત્રણ વીંટોળા લઈને તેને એવું ભીંસી નાખે છે કે એ કમનસીબ પ્રાણી આકાર વિનાનો માંસને લોચો બની જાય. પછી અજગર ભરડો છોડી દઈ તેને ગળી જાય. અજગર અને સાપ શિકારને ગળી જઈને પછી કોઈ ઝાડ, ડાળી કે લાકડી પર વીંટાઈને ભરડો લઈ પેટમાંના શિકારને છૂંદી નાખે છે ને માન્યતા સાવ ખોટી છે. અજગરને પકડવામાં જોખમ છે. તે માણસને એ રીતે ભરડો લે તો માણસ પણ ભીંસાઈને મરી જાય. અલબત, માણસની પહોળાઈ તેના ખભા અને કેડ પાસેથી એટલી બધી છે કે સામાન્ય અજગર માણસને ગળી ન શકે, પરંતુ દીપડાને ગળી ગયાના દાખલા તો ઘણા બનેલ છે! અજગરના આટલા પરિચયથી તેના ભયંકર બળનો ખ્યાલ આવશે.

    પરંતુ અજગરની રીતભાતથી હું સારી રીતે વાકેફ થઈ ગયો છું, એટલે તેને કેમ હંફાવવો અને કેમ પકડવો તે વિષે મને કોઈ મૂંઝવણ ન હતી. મેં એક કોથળો લીધો અને જેવો અજગર ગળેલા સસલાને ઓકી કાઢી બહાર નીકળવા ગયો કે તરત જ મેં તેના મોં ઉપર કોથળો ધર્યો. અજગરે ગુસ્સે થઈને તેને બટકું ભર્યું કે તરત જ તેના વાંકાં દાંત તેમાં ભરાઈ ગયા. મેં એક ભીલને સૂચના આપી રાખી હતી એટલે જેવું અજગરનું મોં કોથળામાં ભરાઈ ગયું કે તરત જ મેં તેનું મોં કોથળા વડે દબાવી દીધું અને ભીલે તેનું પૂંછડું દબાવ્યું. એક બીજો જે માણસ તેની પીઠ ઉપર સવાર થઈ ગયો. અજગરે ખૂબ પછાડા માર્યા. આખરે ફરીથી તેને જ્ઞાન થયું કે અમારા બળ અને બુદ્ધિ આગળ હવે તેની તાકાત નકામી છે. આ જ્ઞાન સાથે તેને વૈરાગ્ય આવ્યો અને તે સામનો છોડી ઢીલોઢફ થઈ ગયો. અમે તેને કોથળામાં સેરવી દીધો અને કોથળાનું મોં બાધી, એક ભીલને માથે મુકાવી મેં પાદરી સાહેબની રજા લીધી. પાદરી સાહેબને હિંદુસ્તાન અને હિંદુસ્તાનના લોકો વિષે જુદા દૃષ્ટિકોણથી વિચાર કરવાની તક આપીને હું રવાના થયો.

    અજગરનો કોથળો મેં મારા ઘોડા ઉપર લાદ્યો અને હું ઘોડાને દોરીને પગપાળો ચાલતો થયો. ઘોડાને શું ખબર કે તેણે આજે કેવા પ્રકારનો બોજો ઉપાડ્યો છે! અજગરે પણ ઘોડાને જાહેર નહોતું કર્યું કે તે આજે ઘોડેસ્વારીની મજા માણે છે. હમણાં જ ખાધેલી હારથી હતબુદ્ધિ બની કોથળારૂપી બ્રહ્માંડમાં અંધારરૂપી માયામાં અટવાઈ ગયેલો અજગર ‘સ્થિતપ્રજ્ઞ’ કાચબાની જેમ સંકોચ પામીને પડી રહ્યો.

    પાદરી સાહેબના બંગલાથી મારો બંગલો કંઈ દૂર ન હતો, પરંતુ માર્ગ ઊંચોનીચો ચડાણ-ઉતરાણવાળો હતો. હું એક હાથે ઘોડાની લગામ ૫કડી બીજો હાથ કોથળા ઉપર રાખી ઘોડાને દોરતો જતો હતો. પરંતુ માણસની જિંદગીનો માર્ગ જેમ ચડે-ઉતરે છે તેમ મારો આ માર્ગ પણ ચડ-ઉતર થતો હતો. એક સીધા ઉતરાણ ઉપરથી ઉતરવા જતાં ઘોડો નીચે નમ્યો. હું મને પોતાને સંભાળવા ગયો, ત્યાં ઘોડા ઉપર લાદેલો સજીવ બોજો નીચે સરકી પડવા લાગ્યો. હું ગભરાઈને કોથળો સરખો કરવા ગયો ત્યાં કોણ જાણે કેમ એ દુષ્ટ અજગરને તોફાન કરવું સૂઝ્યું કે તે કોથળામાંથી છૂટવા માટે તરફડવા લાગ્યો. અત્યાર સુધી ઘોડાને ખ્યાલ ન હતેા કે તેણે સજીવ બોજો ઉપાડ્યો છે. હવે તેને ખ્યાલ આવ્યો કે તેના વાંસા ઉપર કોઈ જીવતું પ્રાણી છે. તેણે ચમકીને કૂદકો માર્યો તેવો જ કોથળો જમીન ઉપર પટકાઈ પડ્યો. ઘોડાને કોઈ આવા સવારનો અનુભવ ન હતો એટલે આદમ અને ઈવે માત્ર કૂતુહલવૃત્તિને વશ થઈને જે આફત વહોરી લીધી હતી તે આ ઘોડાએ પણ વહોરી લીધી, કારણ કે કોઈ પાદરીએ આ ઘોડાને આદમ તથા ઇવની કથા સંભળાવી ન હતી. તેણે ફરીને કોથળો સૂંઘી જોયો. થઈ ચૂક્યું. આ પહાડી ટટ્ટુ અજગરની ગંધ પારખી ગયો. તે ચમક્યો, ભડક્યો અને ભાગ્યો. મને બીક લાગી કે રખે ઘોડો જંગલમાં ભાગી જશે તો રાત્રે વાઘ કે દીપડો તેને મારી નાખશે. અજગર કરતાં ઘોડો વધારે કિંમતી હતો, એટલે હું અજગરનો કોથળો પડતો મૂકીને ઘોડાની વાંસે દોડ્યો. માણસ અને ઘોડા વચ્ચે દોડવાની શરત શરૂ થઈ અને એ શરતમાં ઘોડાને હરાવી દેવાની મને બહુ આશા ન હતી, પરંતુ ઘોડાએ જ મને પરાજયની નાલેશીમાંથી બચાવી લીધો, કારણ કે જ્યારે તેને ખબર પડી કે તેની પાછળ જે દોડી આવે છે તે અજગર નથી પણ માણસ છે ત્યારે તે ઊભો રહી ગયો. મેં તેને બુચકારી, પંપાળીને ઠંડો પાડ્યો. ભરજુવાનીમાં આ ઘોડો અજગર પ્રત્યે અને મારા પ્રત્યે પણ વિરક્ત બનીને ભગવાન બુદ્ધની જેમ મહાભિનિષ્ક્રમણ કરવા તૈયાર થયો હતો તે હવે મારા માયાળુ હાથના સ્પર્શ અને મારા હાવભાવથી હારી ગયો અને હઠ છોડીને મારી સાથે પાછો ફર્યો. અજગરને હવે જ્ઞાન થયું હતું કે છૂટવા માટે ફાંફાં મારવાથી ગુરુત્વાકર્ષણનું બળ વધી જાય છે અને એ બળના પરિણામે આવી બંધનાવસ્થામાં પૃથ્વી ઉપર પટકાઈ પડવામાં મજા નથી. એટલે તે ૫ણ આટલો પદાર્થપાઠ શીખીને ડાહ્યો થઈ ગયો અને મેં તેનો કોથળો ઉપાડીને પાછા ઘોડા ઉપર નાખ્યો. ઘોડાએ પણ પહેલાં તો અનિચ્છા બતાવી પરંતુ છેવટે વિરક્ત ભાવે એ બંધન સ્વીકારી લીધું. આમ અમારી સવારી આગળ ચાલી અને હવે રસ્તામાં અમારા સરઘસને કંઈ હોનારત ન નડે તે માટે મેં ખૂબ સાવચેતી રાખી.

    જ્યારે અમારું સરઘસ બંગલે પહોંચ્યું ત્યારે અંધારું થઈ ગયું હતું, હું પણ આજના પરિશ્રમ અને દોડધામથી થાકી ગયો હતો એટલે અજગરનો કોથળો મેં બંગલાની ચાલીમાં જ મૂકી દીધો અને વાળુ કરીને સૂઈ ગયો.

    મેં ખૂબ સારી ઊંઘ ખેચી અને સ્વપ્નસૃષ્ટિમાં પણ ખૂબ ભમ્યો. અજગરથી ખદબદતી એક ગૂફામાં જઈને મેં કોથળા ભરી ભરીને અજગર પકડ્યા. સ્વપ્નમાં મેં અજગરને કોઈ સ્ત્રી ઉપર હુમલો કરતો જોયો. પેલી સ્ત્રીએ ચીસ પાડી. એ ચીસથી હું ચમકી ગયો. મને લાગ્યું કે મેં ખરેખર ચીસ સાંભળી છે. પથારીમાંથી સફાળો બેઠો થઈ ગયો અને મારે કાને કોલાહલ થતો સંભળાયો.

    દુનિયામાં થતા અનર્થનાં કારણોનું પૃથક્કરણ કરવામાં આવે તો માણસની કૂતુહલવૃત્તિ સૌથી વધારે દોષિત ઠરે. વહેલી સવારે મારો ભીલ નોકર આવ્યો. તેણે સાફસૂફી કરતાં ચાલીમાં કોથળો જોયો. કૂતુહલવૃત્તિના શિકાર બની દુનિયા માટે આફતનો વારસો મૂકી જનાર આદમ અને ઈવના આ વંશજે એવી જ દુષ્ટ કૂતુહલવૃત્તિને તાબે થઈ કોથળામાં શું છે તે જોવા જિજ્ઞાસા કરી. તેણે કોથળો છોડી નાખ્યો અને બદલામાં બાઈબલની પેલી કથાના શાપને પણ ભુલાવી દે તેવો અજગર ફૂંફાળો મારીને બહાર નીકળી આવ્યો. પેલો ભીલ ચીસો નાખતો ભાગ્યો અને તેની ચીસોએ મને સ્વપ્નસૃષ્ટિના અજગરોની ગૂફામાંથી અને અજગરના ભરેલા કોથળાઓ વચ્ચેથી બહાર કાઢી વાસ્તવતાની સૃષ્ટિમાં અજગર વિનાના ખાલી કોથળા પાસે લાવી મૂક્યો. શું બન્યું છે તે સમજતાં મને વાર ન લાગી. ભીલ છેટે ઊભો ઊભો ધ્રૂજતો હતો અજગર નાસી ગયો હતો, મારી બધી મહેનત પાણીમાં ગઈ હતી. મારે તો હવે તત્વજ્ઞાનની જ દૃષ્ટિ કેળવવાની હતી. જગત મિથ્યા છે, માયા છે, ભ્રમણા છે. તેમાં વાસ્તવતા જ ક્યાં છે? મેં મારા મનને આમ દિલાસો દીધો અને અજગરને ભૂલી જવા પ્રયાસ કર્યો. પરંતુ મારા નસીબમાં અજગરને અને અજગરના નસીબમાં મને ભૂલવાનું ન હતું.


    (ભાવનગરનું ‘કહાની’ સામાયિક, અંક જૂન ૧૯૪૮)


    ક્રમશ: –

    બીજો હપ્તો ૩૧-૧૨-૨૦૨૩ના રોજ

  • ગુજરાતના એક અંધારમુલકમાં અંજવાસ

    લ્યોઆ ચીંધી આંગળી

    રજનીકુમાર પંડ્યા

    ગુજરાતના જ એક  બાંઠીવાડા વિસ્તારનું નામ સાંભળ્યું છે ? ભાગ્યે જ કોઇએ સાંભળ્યું હશે, બાકી એ કાંઇ નાનોસૂનો વિસ્તાર નથી. એમાં એકવીસ તો મુવાડા (નાના ગામ) છે. લાલાકુવા, હીરાટીંબા, હીરોલા, કરણપુર, જેમાંના મુવાડા,બોઘા, ભેમાપુર, મેડી વગેરે…..

    અને નોંધવાનું એ છે કે એ તમામે તમામ મુવાડાઓ આદિવાસી ડામોરની વસ્તીથી ભરચક છે, જે વસ્તીમાંથી છોંતેર ટકા જેટલા લોક તો ગરીબીરેખા નીચે જીવી રહયા છે. અચ્છા, બીજી વાત! ત્યાંથી એક તરફ માત્ર પંદર કિલોમીટર દૂર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો સીમલવાડા તાલુકો છે તો બીજી તરફ પંદર કિલોમીટરના અંતરે પંચમહાલનો લુણાવાડા તાલુકો છે. આ તરફનો વિસ્તાર કે જે ગુજરાતના સાબરકાંઠા વિસ્તારમાં ગણાય છે (હવે એ અરવલ્લી જિલ્લામાં આવ્યો છે), તે પણ સત્તાવાર રીતે ‘ડાર્ક ઝોન’ ગણાયો હતો. પચાસ કિલોમિટરની ત્રિજ્યા ધરાવતો આ આખો પ્રદેશ ભલે રાજકીય રીતે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વહેંચાયેલો હોય, પણ તેમાં રહેનારા આદિવાસી અને ડામોર લોકો ગુજરાત-રાજસ્થાનના ભેદને ગણકારતા નથી. ચોવીસમાંથી અઢાર અઢાર કલાક પોતાનું તન તોડીને, કાળી મજૂરી કરીને જ્યારે બે પૈસા રળે છે ત્યારે હટાણું કરવા મેઘરજ ગામે આવે છે. કારણ કે ત્યાંથી માત્ર ત્રીસ જ કિલોમીટર આઘે આવેલા નગર મોડાસા સુધી એમની બસભાડા જેટલી પહોંચ નથી. એમને ત્યાં જવું ગમતું પણ નથી. પણ સાજેમાંદે? કારણ કે, માંદા તો સૌ પડે, પણ સારવાર લેવી સૌને પરવડતી  નથી. કારણ કે પરસેવો પાડીને પેદા કરેલા મોંઘેરા નાણાં એમાં જ હોમાઇ જાય. એમાંય મોડાસા તો જવાય જ નહિ, કારણ કે ત્યાં સારવાર કંઇ થોડી સસ્તી પડી છે! ખાનગી દવાખાનાના ભાવ પણ કેટલા બધા? એક વારની મુલાકાતે પંદર દિવસની કમાણી ખાઇ જાય એટલા ઉંચા !

    પણ છે. એક આશરો છે ખરો. આવા ભૌગોલિક રીતે પ્રતિકૂળ અને અભાવગ્રસ્ત મુલકમાં આવા સાજેમાંદે કામ આવે એવી આરોગ્યસંસ્થા એક છે ખરી. બલકે એક માત્ર છે અને તે છે મેઘરજ ગામમાં છેક ૧૯૯૮ થી ખાસ આવા જ બેહાલો માટે રાતદિવસ સેવા આપતી આરોગ્યસંસ્થા ‘શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ’! જે આ મેઘરજ ગામમાં જ ઉંડવા નદીને કાંઠે  આવેલી છે. તેના આજ સુધીના પચીસ વરસના પ્રલંબ અને જ્વલંત વિકાસ અને આ ગરીબી રેખા નીચે જીવતા એવી પ્રજાના સેવાકાર્યનું વર્ણન હું અગાઉ અહીં અને અન્યત્ર અનેક સ્થળે આપી ચૂક્યો છે એટલે અહીં પુનરાવર્તન કરવું ઠીક નથી અને એ વળી એ એક આખો પીએચ.ડી.નો વિષય છે. સમાજશાત્રનો કોઇ તેજસ્વી વિદ્યાર્થી એને માટે કલમ સજાવે અને એ સેવા સહિતની આરોગ્યસેવાને કે‍ન્દ્રમાં રાખીને ડૉક્ટરેટ કરે તેમ હું સૂચવું. બધી મદદ આપવા અને અપાવવા હું તૈયાર છું.

    (શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ, મેઘરજ)

    એને બદલે એ સંસ્થાની આજની પ્રવૃત્તિની સાવ થોડી ઝાંખી આપીને પછી જ એ સંસ્થાની અકલ્પ્ય એવી આજની હરણફાળ-ધી સ્ટેટ ઓફ આર્ટ હૉસ્પિટલની એ જ કેમ્પસમાં સ્થાપનાની થોડી વાત કરું તો એ વધારે સમયોચિત ગણાશે.

    માત્ર થોડી આજની વાત કરીએ તો ડૉક્ટરોને, નર્સોને અને વહીવટી સ્ટાફથી માંડીને સફાઈ કામદાર સુધીનાને મહિને મહિને પગાર ચૂકવવાનો  હોય છે. સામાન્ય રીતે પેરા મેડિકલ સ્ટાફનો પગાર માસિક પાંચ હજારથી માંડીને પંદર હજાર અને એક કન્સલ્ટન્ટ ડૉક્ટરનો માસિક પગાર બે લાખ જેટલો હોય  છે. આટલો ઉંચો પગાર ના આપીએ તો આ અંધારમુલકના ટચુકડા ગામમાં કયો ક્વૉલિફાઇડ ડૉક્ટર નોકરી કરવા આવે? સાત ફુલ ટાઈમ ડૉક્ટરો  ઉપરાંત પાંચ મેડિકલ ઑફિસર સાથેના સાત વિભાગો જેવા કે પ્રસુતિ અને સ્ત્રી રોગ, સર્જિકલ, નવજાત શિશુ અને બાળરોગ, શારિરીક અને હૃદયરોગ, ઓર્થોપેડીક, આંખ અને દંતરોગ. ઉપરાંત નર્સિંગ સ્ટાફનો જબરો વાર્ષિક ખર્ચ! આ હૉસ્પિટલ પાસે ઓછામાં ઓછા બે કરોડની કિંમતના આધુનિક તબીબી ઉપકરણો છે. આવા ઉપકરણોનો જાળવણી અને મરમ્મત ખર્ચ પણ જંગી હોય છે. વળી  વિજળી,પાણી, સ્ટેશનરી અને એક અતિ મહત્વની વાત ભોજન ખર્ચની. ૨૦૧૨ના માર્ચ સુધી તો ફક્ત નેત્રરોગના ઓપરેશનોવાળા દરેક દર્દીને અને બરદાસીને મફત ભોજન અપાતું હતુ. પણ તે પછી કચ્છના ‘કોટિ વૃક્ષ અભિયાન’થી સુવિખ્યાત એલ.ડી.શાહે જલારામ ટ્રસ્ટ અંતર્ગત દસ લાખ રૂપિયા આપ્યા. ત્યાર પછી માત્ર નેત્રરોગના જ નહીં, પણ અહીં દાખલ થતા દરેક દર્દી અને એક બરદાસીને સવાર સાંજ મફત ભોજન આપવાની શરૂઆત કરી છે.  એ પછી તો  ભોજન ખર્ચનો આંકડો વાર્ષિક  આઠથી દસ લાખે પહોંચ્યો છે. એલ.ડી.શાહે આપેલા ૨૦૧૧માં આપેલા  રૂપિયા દસ લાખ તો  ૨૦૧૩માં જ પૂરા થઇ ગયા .આ હૉસ્પિટલના વર્ષે દહાડે  ચાર કરોડના ખર્ચની સામે આવક બાદ કરતાં વર્ષે દોઢ કરોડની ચોખ્ખી ખાધ રહે છે. એટલે કે હૉસ્પિટલને કાર્યરત રાખવા માટે અંદાજે તેની આવક ઉપરાંત દર મહિને દસ લાખ તો જોઇએ જ.

    ‘પૂઅર પેશન્ટ્સ ફંડ’ પૂરતું હોય તો જ એ જોગવાઈ કરી શકાય. કેસ કઢાવવાની ફી તો મામૂલી વાત છે, પણ મોતીયાના ઓપરેશનો તો દરેકને નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. અને બીજાં ઓપરેશનો શહેરની ખાનગી હૉસ્પિટલો કરતાં લગભગ ચોથા ભાગના દરે કરી આપવામાં આવે છે. તેવા ઓપરેશનો પણ જો લાયક દર્દીઓને આ ફંડમાંથી તદન ફ્રી અથવા રાહત દરથી કરવા અને બાળરોગ વિભાગ તથા શારીરિક અને હૃદયરોગ વિભાગમાં રાહત દરથી સારવાર આપવા માટે વર્ષે દહાડે  સીતેરથી એંસી લાખ જોઇએ. આપવા ઇચ્છનારા અહીં ડાયરેક્ટ  આપે અથવા તો પોતાના મિત્રવર્તુળમાંથી ભેગા કરીને વર્ષો વર્ષના ખર્ચ જેટલી રકમ એકઠી કરીને મોકલી આપે તોય ચાલે.

    એક અનન્ય પ્રવૃત્તિ અહીં થઇ રહી છે તે પુખ્ય વયના નેત્રદર્દીઓની સાથોસાથ શાળાએ જતા કે ના જતા બાળ નેત્રરોગીઓની આંખોની સંભાળ અને સારવારની. આ માટે તાલુકાની એકે એક સ્કૂલમાં નેત્રરોગના કેમ્પ યોજીને એક એક બાળકની આંખોનું પરીક્ષણ અને રોગ નિદાન કરવામાં આવે છે. જરુરી હોય તો સારવાર અને જરૂરી હોય ત્યાં ચશ્મા પણ સાવ નિઃશુલ્ક આપવામાં આવે છે. (મોટાઓને માત્ર ૫૦ રૂપિયાની મામૂલી કિમતે આપવામાં આવતા  હોય છે ) આ એક બહુ ખર્ચાળ સેવા છે જે સારવાર અને ચશ્માપ્રદાન તથા અન્ય બાળરોગોની મફત સારવાર માટે વર્ષે દહાડે પચીસ થી ત્રીસ લાખનું બજેટ માગે છે. આટલી રકમ જેટલું વ્યાજ દર વર્ષે ઉપજી રહે તેટલી રકમનું કોર્પસ ફંડ (સ્થાયી ભંડોળ) હોય તો વારેવારે અલગ અલગ ગામોના સંભવિત દાતાઓ પાસે દોડવું પડે છે તે સ્થિતિ નિવારી શકાય.

    આ હજારો નબળા અથવા આદિવાસી વર્ગના દર્દીઓની સારવાર જેનાથી થઇ રહી છે તે બધી મશીનરી અને ઉપકરણોની કિંમત ગણીએ તો બે કરોડની થાય. આ વિસ્તારની અદ્યતન ખાનગી હૉસ્પિટલ પાસે પણ આટલી જંગી મશીનરી નહીં હોય, પણ ડર એ વાતનો છે કે એની સાચવણનું શું?  . સ્વર્ગસ્થ બાલકૃષ્ણભાઈ મહેતાની સ્મૃતિમાં તેમનાં પત્ની હંસાબહેન મહેતાએ બહુ મદદ કરી છે, બીજાઓ પણ છે, પ્રફુલ્લ્ભાઈ વોરા પણ છે. એમનાં દાન ઉપકરણો, જનરેટર લેવામાં કે સ્ટાફ-ક્વાર્ટર માટે કામ આવ્યાં છે. પણ આ ગરીબ દર્દીઓના રાહત ફંડ માટે હજુ પૂરતી રકમ ઉભી થતી નથી.

    ત્યાં જઇને, મુલાકાત લઈને નજરે જોઈ શકાય તો ઉત્તમ, પણ તેમ ના બને તો તેની ગુજરાતી (અંધારમુલકનું આરોગ્યતીર્થ) અને અંગ્રેજી (A torch in the tribes) વિડિયો ડોક્યુમેન્ટરી સંસ્થા પાસેથી નિ:શુલ્ક મંગાવીને જોઈ શકાય, જે મુંબઈના શ્રીમતી હંસાબહેન મહેતાએ બનાવડાવી આપી છે. મળતા દાન માટે 80 (જી) તથા CSR  મુજબ કરમુક્તિની જોગવાઈ છે.વિદેશથી દાન મેળવવાની મંજૂરી પણ છે.

    પણ એક ખાસ વાત: હવે આ નવા પ્રસ્થાનની વાત પર પણ એક નજર નાખી લઇએ. એ નવું પ્રસ્થાન આરંભ્યાને પણ આજે દોઢ વર્ષ થયું. તા ૧૪ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ અત્યારના વર્તમાન ‘શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ’ના કેમ્પસને અડીને ખાસ ખરીદાયેલા જુદા વિશાળ પ્લોટ પર, પોતાના સ્થાનક તલગાજરડાથી હેલિકોપ્ટર દ્વ્રારા લાંબુ આકાશી અંતર પાર કરીને ખાસ પધારેલા પૂ મોરારીબાપુના વરદ હસ્તે એનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને પૂ મોરારીબાપુએ પોતાના ચિત્રકુટ ધામ તરફથી પણ એ દિવસે રુપિયા સવા લાખનો ફાળો અર્પણ કર્યો.

    અને એ રીતે એમણે આ આદિવાસી – ડામોર –  આર્થિક રીતે પછાત અને તેનાથી પણ નીચેના વર્ગના દર્દીઓ માટે આકાર લઇ રહેલી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે પ્રાણવાયુ ફૂંક્યો.

    પણ એ એક સમજી શકાય એવી નક્કર હકીકત છે કે ૩૫૦ બેડની આ State of the Art Hospital કહો કે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પીટલ કહો, તેના અંદાજિત ખર્ચનો આંકડો પ્રાંરભમાં ૬૦ કરોડ ગણ્યો હતો. પણ એ વાતને એક વરસ ઉપર થયું પરંતુ હાલ જે ઝડપે સામગ્રી અને સેવાઓના ભાવ સતત વધી રહ્યા છે તે જોતાં સ્વાભાવિક ધોરણે પણ પ્રોજેક્ટ પૂરો થતાં સુધીમાં એમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો વધારો ગણતાં એને એકદમ વ્યવસ્થિત રીતે પાર પાડતાં એ ખર્ચ હવે સહેજે ૭૫ કરોડને આંબે તેમ છે. એમાંથી આ સંસ્થાને ૪૦ થી ૪૫ કરોડ રુપીયાના દાનના કમીટમેન્ટ્સ તો મળી પણ ગયા છે. પણ હજુ આ બજેટમા જે ઘટ ( Shortfall) રહે તેમાં દાતાઓ તરફથી શક્ય તેટલી વધુ રકમ મળે તો એનો દાખલો દઇને અને એને અનુસરવાની વિનંતી કરીએ તો થોડી બીજા દાતાઓ પાસેથી મળવાની ઉમેદ રાખી શકાય એવું પ્રતિપાદિત કરવાનો આ લેખનો  હેતુ છે.

    એટલે, માત્ર સંસ્થા તરફથી જ નહીં, પણ મુખ્ય દાતા શ્રી પ્રવીણભાઇ શાહ તરફથી પણ એવી વિનંતી સ્વાભાવિક જ છે કે આ વાંચનાર પણ ડોનેશનમાં એટલી હદે હિસ્સેદારી કરે કે આજુબાજુના ૧૦૦ કિલોમીટરના વિસ્તારમાં તમામ જરુરતમંદ લોકોને આરોગ્યસેવા પૂરી પાડતાં આ નવા આરોગ્યધામ એટલે કે આ મલ્ટી સ્પેશ્યાલીટી આરોગ્યધામ સાથે કાયમ માટેનું પ્રદાન લોકોની સ્મૃતિમાં રહે.

    સંપર્ક: શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ; ઉંડવા રોડ, મેઘરજ(જિલ્લો – અરવલ્લી)-383350, / મોબાઇલ   +91 94263 88670 અને +91 90995 91159. તેમની વેબસાઇટ- http://www.shreejalaramarogyasevatrust.com  અને ઈમેલ- shreejalaramhospital@yahoo.com છે. સંપર્ક:શ્રી પ્રફુલ્લભાઈ વોરા, મુંબઇ- 400023, +91 98118 7400


    લેખક સંપર્ક –

    રજનીકુમાર પંડ્યા.,
    બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
    મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

  • ‘ભ્રમણા’ વિશ્વવ્યાપી છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ઘણા અંગ્રેજી શબ્દો આપણી ગુજરાતી ભાષામાં ભળવા લાગ્યા છે. અમુક લોકો આયાસપૂર્વક ગુજરાતીમાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરે છે, તો અમુક અનાયાસે. હકીકત એ છે કે ભાષા પ્રવાહી હોય છે, અને તે સતત બદલાતી રહે છે. ઘણા ભાષાઝનૂનીઓ શુદ્ધ ભાષાનો દુરાગ્રહ સેવે ત્યારે એ ચેષ્ટા ઘણાખરા કિસ્સામાં ઉપહાસમય બની રહે એ શક્યતા વધુ હોય છે. કોઈ વક્તા સંસ્કૃતમાં વક્તવ્ય આપે તો એનાથી લોકો અંજાય છે ખરા, પણ સાંભળનારાને મન એ એક ભાષાકીય ગતકડાથી વિશેષ કશું નથી. ભાષાની શુદ્ધતાના આગ્રહીઓને વાંધો પોતાની ભાષામાં ભળતા અંગ્રેજી શબ્દોનો વધુ હોય એમ જણાય છે. સામે પક્ષે અંગ્રેજી અનેક ભાષાના શબ્દોને પોતાનામાં સમાવિષ્ટ કરતી રહી છે.
    અંગ્રેજી ભાષા સાથે સંકળાયેલાં વિવિધ પ્રકાશનગૃહો કે અન્ય સંસ્થાઓ દ્વારા દર વર્ષે ‘વર્ડ ઑફ ધ યર’ એટલે કે ‘વર્ષનો શબ્દ’ ઘોષિત કરવાની પરંપરા હવે તો ઠીક ઠીક જૂની કહી શકાય એવી છે. વર્ષ દરમિયાન સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલા શબ્દની પસંદગી આ માટે કરવામાં આવે છે. ઈન્ટરનેટના આગમન પછી આ પસંદગીપ્રક્રિયા વધુ સરળ બની છે. એ મુજબ જે શબ્દની ‘શોધ’ સૌથી વધુ વાર કરવામાં આવી હોય તેની પસંદગી કરવામાં આવે છે. ‘વોર્ત દસ યારસ’ નામના જર્મન પ્રકાશન દ્વારા ૧૯૭૧માં આ પરંપરા આરંભાયેલી. ‘અમેરિકન સોસાયટી ઑફ ડાયલેક્ટ’ દ્વારા ૧૯૯૦થી તે શરૂ કરવામાં આવી. અમેરિકાની સુખ્યાત ‘મેરીઅમ વેબસ્ટર’ ડિક્શનરી’ ૨૦૦૩થી વર્ષ દરમિયાન સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલા દસ શબ્દોની યાદી બહાર પાડે છે. ‘ઑક્સફર્ડ ઈન્ગ્લીશ ડિક્શનરી’ ૨૦૦૪થી ઈન્‍ગ્લેન્‍ડ અને અમેરિકા એમ બન્ને દેશો માટે અલાયદા વર્ડ ઑફ ધ યર’ ઘોષિત કરે છે. ‘ઑસ્ટ્રેલિયન નેશનલ ડિક્શનરી સેન્‍ટર’ અને ઓસ્ટ્રેલિયાની ‘મક્વરી ડિક્શનરી’એ ૨૦૦૬થી આ પ્રથા અપનાવી. ઈન્‍ગ્લેન્‍ડની ‘કૉલિન્‍સ ડિક્શનરી’એ ૨૦૧૩થી તેનો આરંભ કર્યો. અતિ પ્રતિષ્ઠિત ‘કેમ્બ્રીજ ડિક્શનરી’એ ૨૦૧૫થી ‘વર્ડ ઑફ ધ યર’ની પ્રથા અનુસરવાનું શરૂ કર્યું.
    જે તે વર્ષનો શબ્દ પસંદગી પામે એ ખરું, પણ કયા કારણથી લોકોએ તેના અર્થની ખોજ કરી એ કારણ આની સાથે જાણવા મળે છે અને એ બહુ રસપ્રદ હોય છે. વર્તમાન વર્ષ ૨૦૨૩નો કેમ્બ્રીજ ડિક્શનરી દ્વારા પસંદ કરાયેલો’વર્ડ ઑફ ધ યર’ છે ‘હેલ્યુસિનેટ/Hallucinate’. માનસશાસ્ત્ર સાથે સંકળાયેલો આ શબ્દ અતિ પ્રચલિત છે અને ગુજરાતી, હિન્‍દી જેવી ભાષાઓમાં પણ ઘણી વાર એ જ સ્વરૂપે વપરાશમાં લેવાય છે. તેનો અર્થ છે ‘ભ્રાંતિ’ અથવા ‘ભ્રમણા’ એટલે કે જે ન હોય, છતાં કોઈ વ્યક્તિને એ દેખાય એ ઘટના. આ શબ્દનો સંબંધ ‘એ.આઈ.’ (આર્ટિફિશ્યલ ઈન્‍ટેલિજન્‍સ/કૃત્રિમ બુદ્ધિમતા) સાથે હોવાનું એક તારણ છે.
    ‘કૉલિન્‍સ ડિક્શનરી’ દ્વારા પસંદગી પામેલો ‘વર્ડ ઑફ ધ યર’ છે ‘એ.આઈ.’ બે અલગ અલગ તારણોમાં પસંદગી પામેલા આ શબ્દો વચ્ચે શો સંબંધ? એ સંબંધ કંઈક એ રીતે નીકળે છે કે ‘એ.આઈ.’ દ્વારા પૂરી પડાયેલી ખોટી તેમજ ગેરમાર્ગે દોરતી માહિતી માનસને ચિંતાજનક રીતે અમુકતમુક દિશામાં દોરી જાય છે. તેને કારણે એ રીતે દોરાનારને નજર સામે દેખાડાતી ચીજ સાચી હોવાની ભ્રમણા થાય છે. ઉદાહરણથી આ વાત સારી રીતે સમજી શકાશે.
    માર્ચ, ૨૦૨૩માં એક તસવીર વાયરલ બની. એ તસવીર પોપ ફ્રાન્‍સિસની હોવાનું જણાવાયું હતું. પોપે પોતાના પરંપરાગત પોષાકની ઉપર સ્ટાઈલીશ પફર (નરમ ગાદી ધરાવતો) કોટ પહેરેલો હતો. તેમના ગળામાં ચેઈન પણ લટકાવાયેલી દેખાતી હતી, જેની પર ક્રોસ લટકતો હતો. એટલે કે તે પોપ હોવાનું પ્રમાણિત કરતી હતી. રોમના કેથલિક ચર્ચના વડા પોપ આવા ફેશનેબલ પરિધાનમાં હોવાથી આ તસવીર ફરતી થઈ ગઈ. વાસ્તવિકતા સાવ જુદી જ હતી. આ તસવીર બનાવટી હતી, અને ‘એ.આઈ.’ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેના માટે ‘મિડજર્ની’ નામનું સોફ્ટવેર વપરાયું હતું.
    આવો જ કિસ્સો અભિનેત્રી રશ્મિકા મંદાના બાબતે બનેલો. એક વિડીયો ક્લીપ તેમના નામે ફરતી થઈ. પછી ખબર પડી કે એ વિડીયોમાં દેખાતી મહિલા રશ્મિકા મંદાના નથી. તેને ‘એ.આઈ.’ થકી તૈયાર કરવામાં આવી છે. આ પ્રકારની સામગ્રીને ‘ડીપફેક’ જેવા શબ્દ વડે ઓળખવામાં આવે છે. ‘ડીપફેક’ને સરળતાથી સમજીએ તો કહી શકાય કે તેના અંતર્ગત અસંખ્ય તસવીરો અને વિડીયો થકી ચહેરાની લાક્ષણિકતાઓને ઓળખવાની ‘તાલીમ’ જે તે પ્રોગ્રામને આપવામાં આવે છે. એટલે કે તેનો મૂળભૂત ઉપયોગ જ કૃત્રિમ સામગ્રી ઊભી કરવાનો, ભ્રમણા પેદા કરવાનો છે. આ સામગ્રી નેટના વપરાશકર્તા સુધી પહોંચે ત્યારે તે ‘હેલ્યુસીનેટ’ થાય છે. એટલે કે તેના મગજને નજર સામે દેખાતી છબિ કે દૃશ્ય સાચું હોવાની ભ્રાંતિ થાય છે.

    આપણા દેશમાં આને રોકવા માટે કાયદાની કોઈ સીધી કલમ નથી, પણ આઈ.ટી.ઍક્ટની કલમ ૬૬ ઈ અંતર્ગત તે ગુનો બને છે. એ મુજબ સંબંધિત વ્યક્તિની પરવાનગી વિના તેની છબિ લેવી, જાહેર કરવી કે અન્યને મોકલવું ગેરકાનૂની ગણાય છે. આ કલમના ભંગ બદલ મહત્તમ સજા બે લાખ રૂપિયાનો દંડ કે ત્રણ વર્ષની કેદ છે. ‘કેમ્બ્રીજ ડીક્શનરી’ દ્વારા પસંદગી પામેલો આ વર્ષનો શબ્દ આમ જોઈએ તો ટેક્નોલોજીના એક મોટા ભયસ્થાન તરફ નિર્દેશ કરે છે. ઈન્‍ટરનેટના તમામ સ્તરના વપરાશકર્તા આનો એક યા બીજી રીતે ભોગ બની શકે. અલબત્ત, એક સજાગ નાગરિક તરીકે આપણાથી એટલું અવશ્ય થઈ શકે કે આપણી પાસે આવી કોઈ છબિ કે સામગ્રી આવે તો તે આગળ કોઈને ન મોકલીએ. આટલું આપણા હાથમાં છે અને એ કરીએ તો આપણે આવી છલનાનો કેવળ ભોગ જ નહીં, ભાગ બનતા પણ અટકીએ.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧ – ૧૨ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


  • કોઈનો લાડકવાયો (૩૮) : ગદરના વીરો (૧)

    દીપક ધોળકિયા

    ૧૮૪૯થી પંજાબ પર અંગ્રેજોનો સંપૂર્ણ કબજો થઈ ગયો હતો.  કૂકા વિદ્રોહમાં આપણે જોયું કે આ દરમિયાન ધર્મ પર ઘણા હુમલા થયા.  પરંતુ આર્થિક અસંતોષ પણ એટલો જ પ્રબળ હતો. પહેલાં જમીનની માલિકી સહિયારી હતી, પણ ઈસ્ટ ઇંડિયા કંપનીએ નવી મહેસૂલ પદ્ધતિ દાખલ કરી એટલે હવે જમીન વ્યક્તિગત માલિકીની બની ગઈ. મહેસૂલ રોકડેથી ચુકવવાનું રહેતું એટલે ખેડૂતો પાયમાલ થઈ ગયા અને કામધંધા વગર રઝળતા થઈ ગયા. એના એક ઉપાય તરીકે અંગ્રેજોએ ખેડૂતોના જુવાન દીકરાઓને લશ્કરમાં ભરતી કરવાનું શરૂ કર્યું.

    લશ્કરમાં આવ્યા પછી એમને બ્રિટનની જુદી જુદી વસાહતોમાં મોકલી દેવાતા. પંજાબના ખેડૂતો હવે માસિક નવ રૂપિયાના પગારે અમેરિકા, ચીન, ઈરાન, બર્મા. ઈજિપ્ત, પૂર્વ આફ્રિકામાં અંગ્રેજોની લડાઈઓ લડતા થઈ ગયા અથવા મલાયા (હવે મલયેશિયા), સિંગાપુર, હોંગકોંગમાં અંગ્રેજ ઑફિસરો્ની ઑફિસો અને બંગલાઓમાં ચોકીદાર કે નોકર તરીકે કામ કરવા લાગ્યા. ત્યાં એમને પોલીસની નોકરીમાં પણ લીધા. ઘણા પંજાબીઓ કેનેડા ગયા. પહેલાં તો એમનું સ્વાગત થયું કારણ કે આ લોકો મહેનત કરી જાણતા અને જે મળે તેમાં જીવી લેતા. તેમ છતાં પંજાબ કરતાં તો એમના જીવનમાં સુધારો થયો હતો.

    પણ તે પછી, કૅનેડાને ડોમિનિયન સ્ટેટસ મળતાં કાયદા બનાવવાની સત્તા એને મળી. ડોમિનિયન સરકારે હવે હિન્દુસ્તાનીઓના પ્રવેશ પર કડક નિયંત્રણો લાદી દીધાં. ભારતથી જહાજ આવે તે સીધું જ આવે, વચ્ચે ક્યાંય રોકાય નહીં અને બીજા મુસાફરો લીધા વિના આવે તેને જ પ્રવેશ મળતો. આ અઘરું હતું કારણ કે જહાજને બળતણ લેવા માટે તો ક્યાંક લાંગરવું પડતું. બીજા એવા નિયમ હતા કે ઘરડાઓને પ્રવેશ ન મળતો. સ્ત્રીઓ અને બાળકોને પણ લાવી ન શકાતાં. કૅનેડામાં કામ માટે ગયેલા લોકો તો એમ માનતા કે એ માત્ર ભારતના નહીં, આખા બ્રિટિશ સામ્રાજ્યના નાગરિક હતા અને બ્રિટનની કોઈ પણ વસાહતમાં રહેવાનો એમને અધિકાર હતો.

    કૅનેડા  કે અમેરિકા ગયા એમને નાગરિકોની સમાનતાનું ભાન થયું. એમના પ્રત્યે ભેદભાવ થતો હતો તે પણ એમને સમજાયું. આમ રાજકીય સમજનો  વિકાસ થયો. એમાંથી કેટલાકને ખબર પડી કે અમેરિકામાં વધારે સારી દહાડી મળે છે. એવા લોકો અમેરિકા પહોંચ્યા. અમેરિકામાં ભારતની અંગ્રેજ હકુમત વિરુદ્ધ બહુ ટેકો મળવા લાગ્યો. ત્યાં એક ઇંડો-અમેરિકન સોસાઇટી બનાવવામાં આવી. સોસાઇટીએ લંડન જેવું જ ‘ઇંડિયા હાઉસ’ શરૂ કર્યું, તે પછી ઇંડો-અમેરિકન નેશનલ ઍસોસિએશન બન્યું એનું મૂળ કામ જ ભારતીયોને ઉદ્યોગની તાલીમ આપવાનું અને વિદ્યાર્થીઓને આકર્ષવાનું હતું. ૧૯૦૬ના બંગાળના ભાગલા પછી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અખૂટ હતો. એને વ્યક્ત કરવાની સ્વતંત્રતા અને કુશળતા અમેરિકામાં મળી.

    એ જ રીતે, કૅનેડામાં ઍસ્ટોરિયામાંહિન્દુસ્તાની સોસાઇટી ઑફ પૅસિફિક કોસ્ટ’ની સ્થાપના થઈ. વેનકુવરમાં શેઠ હસન રહીમ અને આત્મારામે મળીને યુનાઇટેડ ઇંડિયા લીગ’ની સ્થાપના કરી અને ‘હિંદુસ્તાન’ નામનું અખબાર શરૂ કર્યું.  શેઠ હસન રહીમ કાઠિયાવાડના હતા. એમણે ગુજરાતીઓને સંગઠિત કરવાની જવાબદારી સંભાળી લીધી. એ અને એમના સાથી વઝે ખાં ગુજરાતના લોકોમાં જાગૃતિ ફેલાવતા હતા અને ઇંડસ્ટ્રિયલ વર્કર્સ ઑફ ધી વર્લ્ડ’ની પ્રવૃત્તિઓમાં પણ આગળપડતો ભાગ ભજવતા હતા. આમ વિદેશોમાં વસતા ભારતીય મજૂરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના અધ્યાપકોમાં સામ્રાજ્યવાદ વિરુદ્ધ માર્ક્સવાદી વિચારધારા જોર પકડતી જતી હતી. કૅનેડામાં સરકારે ભારતીયોને દેશમાં આવતાં રોકવાની કોશિશ કરી તેની સામે ત્યાં રહેતા ભારતીયોએ આંદોલન ચલાવ્યું અને મિલોના ભારતીય મજૂરો પણ એમાં જોડાયા. આખા અમેરિકા ખંડના ભારતીયો એક સૂત્રે બંધાયા. ફરી એક ડગલું આગળ વધવા મિલમજૂરોએ બીડું ઝડપ્યું. એમણે બધાને સંગઠિત કરીને એક પાર્ટીની સ્થાપના કરી. આ પાર્ટી એટલે ગદર પાર્ટી (ગદર એટલે બળવો).  સરદાર સોહન સિંઘ ભકના કૅનેડાના શીખોમાં જાગૃતિ ફેલાવતા હતા. ગદર પાર્ટીના એ પ્રથમ પ્રમુખ બન્યા

    રાજા મહેન્દ્ર પ્રતાપ, મૌલવી બરકતુલ્લાહ, લાલા હરદયાલ જેવા ભારતમાં રહેતા ક્રાન્તિકારી નેતાઓએ પણ ગદર પાર્ટીની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.  રાજા મહેન્દ્ર પ્રતાપ અને મૌલવી બરકતુલ્લાહ તો અફઘાનિસ્તાન પણ ગયા અને ત્યાંના અમીરને મળીને આરઝી હકુમત (કામચલાઉ સરકાર) પણ સ્થાપી. એમની યોજના અમીરની મદદથી ભારત પર આક્રમણ કરવાની હતી. અમીર મોઢેથી તો સહમતી દેખાડતો રહ્યો પણ ખરેખર એ અંગ્રેજોથી ડરતો હતો એટલે એમની યોજના પાર ન પડી શકી.

     બીજી બાજુ, દેશદ્રોહીઓ પણ ઊભા થતા જતા હતા. એક સભામાં હસન રહીમ હિન્દુસ્તાની દગાખોરને હાથે ઘવાયા. બીજા પણ દેશભક્તો પોતાના જ ભાઈઓને હાથે જખમી થવાની ઘટનાઓ પણ બની. હિન્દુસ્તાનીઓ જાણતા હતા કે પોલીસ ખાતાનો ઊપરી વિલિયમ હૉપકિન્સન હિન્દુસ્તાનીઓને જાસૂસ અને હત્યારા તરીકે વાપરતો હતો. હૉપકિન્સન મૂળ તો કૅનેડાનો જ હતો પણ ભારતમાં અંગ્રેજી હકુમતની નોકરી કરતો હતો. એ રજામાં કૅનેડા ગયો ત્યારે એને ત્યાંની સરકારે નોકરીએ રાખી લીધો. એને હિન્દુસ્તાની આવડતી હતી એટલે શરૂઆતમાં તો એ હિન્દુસ્તાનીઓના કેસ ચાલે ત્યારે દુભાષિયા તરીકે કામ કરતો. આમ એણે ઘણા હિન્દુસ્તાનીઓ સાથે મિત્રતા કરી લીધી હતી. આથી વિદ્રોહીઓએ મૂળમાં ઘા કરવાનું નક્કી કર્યું.

    ૨૧મી ઑક્ટોબર ૧૯૧૪ના દિવસે કોર્ટના કંપાઉંડમાં ભાઈ મેવા સિંઘ લોપોકેએ એને કોર્ટના વરંડામાં જ ગોળી મારી દીધી. આ કેસમાં મેવા સિંઘને ફાંસીની સજા આપવામાં આવી. સજા સાંભળીને એમણે ગરજતા સ્વરમાં કહ્યું કે મારા દેશના દુશ્મનના આવા જ હાલ થવા જોઈએ.

    ૧૯૧૫ની ૧૧મી જાન્યુઆરીએ મેવાસિંઘ લોપોકેએ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા.

    (ગદર ગાથા ચાલુ રહેશે).

    000

    સંદર્ભઃ

    1. गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩.

    ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક)

    સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી


  • કલમના કસબી : કનૈયાલાલ મુનશી – કૃષ્ણાવતાર

    પુસ્તક પરિચય

    રીટા જાની

    સાહિત્યની પગથારના વિવિધ સોપાનો પર કદમ મૂકતાં અને સાહિત્યરસને માણતાં આપણે એક નવા કદમ પર છીએ. એ કદમ છે – આ લેખમાળાનું અંતિમ કદમ.

    કનૈયાલાલ મુનશીની  લેખમાળા અંતર્ગત આજે વાત કરવી છે મુનશીની અંતિમ કૃતિ ‘કૃષ્ણાવતાર’ની. મુનશીની ઇતિહાસને જીવંત કરવાની કળાથી આપણે સહુ પરિચિત છીએ. પણ કૃષ્ણ એ આપણા માટે ઇતિહાસ નથી, પણ અવતાર છે.  કૃષ્ણને વંદન કરીને આપણે કૃતકૃત્ય થઈએ છીએ કેમ કે કૃષ્ણ હર ધડકનનું સ્પંદન છે.

    કૃષ્ણના આકર્ષક વ્યક્તિત્વની ઝાંખી મૂળ મહાભારતમાં મળે છે. પરંતુ તેના પર દંતકથાઓ, ચમત્કારો અને ભક્તિના કારણે અનેક સ્તોત્રોના સ્તર ચડતા ગયા. શ્રીકૃષ્ણ શૂરવીર હતા, તો શાણા પણ હતા. તેઓ પ્રેમાળ હતા, છતાં તેમની જીવનચર્યા મુક્ત હતી. તેમનામાં પૂર્ણ માનવીની પ્રફુલ્લતા હતી. તો શ્રીકૃષ્ણનો પ્રભાવ દૈવી હતો. મુનશીએ આ પહેલાં પણ નવલકથા તેમજ નાટકોમાં પૌરાણિક પાત્રોનું નિરૂપણ કર્યું છે. અગસ્ત્ય, લોપામુદ્રા, વસિષ્ઠ, વિશ્વામિત્ર, પરશુરામ અને સહસ્રાર્જુનને ‘લોપામુદ્રા”, ‘લોમહર્ષિણી’ અને ‘ભગવાન પરશુરામ”માં આલેખ્યા હતા તો ચ્યવન ને સુકન્યા ‘પુરંદર પરાજય” અને “અવિભક્ત આત્મા” માં વસિષ્ઠ અને અરુંધતિના પાત્રો નિરુપ્યા હતા. એ જ રીતે શ્રીકૃષ્ણનું આલેખન કરતાં પણ મુનશીએ કેટલીક ઘટનાઓ તેમના વ્યક્તિત્વને સુસંગત બનાવવા ઉપજાવી કાઢી છે. મુનશીએ પોતાની કલ્પનાનો આશ્રય લઈને પુરાણોના કેટલાક  પ્રસંગોના નવા અર્થ પણ ઘટિત કર્યા છે. અને એ વાત જ સમગ્ર કથાને ખૂબ  રોચક બનાવે છે.

    કૃષ્ણ અને તેની કથાથી કોણ પરિચિત નથી? તો પછી કૃષ્ણમાં અવતાર કહી શકાય તેવું શું છે? આજે પણ કૃષ્ણ કેમ પ્રસ્તુત છે? કદાચ આવા પ્રશ્નો અસ્થાને નથી. કૃષ્ણ સહુને પરિચિત છે, છતાં અપરિચિત છે, કારણ કે કૃષ્ણ સદંતર નવીન છે. કૃષ્ણ આંખોથી જોવા કે કાનથી સાંભળવા કરતાં હૃદયથી અનુભવવાની વાત છે. રાધાની આંખોથી પ્રતીક્ષા કરીએ કે મીરાંની જેમ કૃષ્ણભક્તિમાં લીન થઈએ કે નરસિંહની જેમ કરતાલ લઈ ભજીએ તો કૃષ્ણ નર નહીં, પણ નારાયણ છે, આત્માથી પરમાત્મા સુધીની દોટ છે. કૃષ્ણ રસમય છે કારણ કે તે નિત્ય નવીન છે. કૃષ્ણ બાલકૃષ્ણ તરીકે ગોકુળમાં બાલ કનૈયો છે, તો ઇન્દ્રને પડકાર ફેંકી ગોવર્ધન તોળનાર કૃષ્ણ એ શક્તિમાન ગોવર્ધનનાથ પણ છે. રાસ રમનાર અને રાધાજીના પ્રેમને આત્મસાત કરનાર કૃષ્ણ મથુરામાં કંસને મારી પણ શકે છે, તો ચાલાક કૃષ્ણ કાલયવનથી  યુદ્ધમાં નાસે છે અને રણછોડ તરીકે પ્રખ્યાત થાય છે. કૃષ્ણ કાલયવનનો નાશ મુચકુંદ ઋષિ દ્વારા કરાવે છે. પરંતુ આ જ કૃષ્ણ દ્વારિકાધીશ તરીકે દ્વારિકાને સોનાની દ્વારિકાનું નામ અપાવી શકે તેવી વિચક્ષણતા ધરાવે છે અને પાંડવોને વિજય પંથે દોરી જનાર કૃષ્ણ જ ગીતાના ઉદ્ ગાતા પણ બને છે અને કર્મયોગનો ઉપદેશ પણ આપે છે. કૃષ્ણ નર અને નારાયણ બંને છે અને તેથી જ કૃષ્ણ અવતાર છે.

    આ કથાની શરૂઆતનો ઇતિહાસ રસિક છે પણ અંતનો ઇતિહાસ કરૂણ છે. જ્યારે લેખનકાર્ય આરંભ્યુ ત્યારે ફક્ત બે ખંડમાં જ આ કથા રજૂ કરવાની મુનશીજીની ઇચ્છા હતી. પણ જેમ જેમ કથા આગળ વધતી ગઈ તેમ તેમ વાચકસમુદાયનું એના પ્રત્યેનું આકર્ષણ વધતું ચાલ્યું. મુનશીજીને પણ શ્રીકૃષ્ણના જીવનમાં અગત્યનો ભાગ ભજવતાં પુરાણ અને મહાભારતના પાત્રોએ આકર્ષ્યા. પરિણામે એમણે કથા લંબાવી અને જીવનના અંતિમ દિવસોમાં પણ આઠમા ખંડ સુધી વાર્તાપ્રવાહ અસ્ખલિત વહેતો રાખ્યો. ‘કૃષ્ણાવતાર’નો આઠમો ખંડ ‘કુરુક્ષેત્રનું કથાનક’ અપૂર્ણ રહ્યો. સાતમા ખંડના પ્રાસ્તાવિક લખ્યાના માત્ર બાર દિવસ પછી જ મુનશીજીની જીવનલીલા સંકેલાઈ ગઈ અને એક મહાનવલ અધૂરી રહી ગઈ.

    કૃષ્ણ જ્યાં પણ જતા, ત્યાં લોકો એમને પૂજતા, કલહ આપોઆપ શમી જતા અને ધર્મ માટે આધાર પ્રગટતો. કૃષ્ણનું જીવન કાર્ય વિશિષ્ટ હતું. ધર્મશીલોનું રક્ષણ, દુષ્ટાત્માઓને દંડ અને ધર્મની સ્થાપના.  મુનશીના શબ્દોમાં કૃષ્ણ ‘શાશ્વત ધર્મગોપ્તા’ હતા. यतो धर्म स्ततो जय:  કૃષ્ણની હાજરીમાં જીવનનું તેજ પ્રસરી જતું. તેમનું સ્મિત સૌને જીવનનું બળ આપતું. કૃષ્ણના ઉત્સાહનો પ્રવાહ પણ લોકો પર પડતો. કૃષ્ણનું વ્યક્તિત્વ તેમના મુકુટમાં ધારણ કરેલ મોર પિચ્છ સમાન છે. કૃષ્ણ એટલે આકર્ષણ, મોહિની રૂપ, સખા, પ્રેમી, રાજનીતિજ્ઞ, ગ્વાલ, રાજા….અને ઘણું બધું. મુનશીની મહારત એ છે કે કથા ભલે પરિચિત હોય, પણ  ‘કૃષ્ણાવતાર’ માં કૃષ્ણને આપણે મળીએ છીએ, ઓળખીએ છીએ એક નવા સ્વરૂપે – આને શું કહીશું? કલમનું કૌવત, કૌશલ્ય, કળા કે કસબ?


    મુનશીના એ શબ્દ વૈભવ, સંસ્કાર વૈભવ ને સંસ્કૃતિ વૈભવની અનુભૂતિ જે મેં કરેલી તેના ઘુંટડાઓનું રસપાન સૌને કરાવી આજના ફાસ્ટ ફોરવર્ડના યુગમાં પણ મુનશીના સાહિત્ય વારસાની ઝલક આજની પેઢીને મળે એમ વિચારી આરંભ થયો મારી લેખમાળાનો- કલમના કસબી: કનૈયાલાલ મુનશી. એક ઝરણાને જેમ માર્ગ મળી જાય વહેવાનો તેમ મને પણ મારી અભિવ્યક્તિ માટે એક પ્લેટફોર્મ મળ્યું, જે અંતર્ગત એકાવન હપ્તા પહેલા ‘બેઠક’ પર પ્રકાશિત થયા અને  હાલમાં વેબગુર્જરી પર પ્રકાશિત થઈ રહ્યા છે.

    આજે જ્યારે હું મુનશી વિશે લખું તો હવે એક એવી દ્રષ્ટિ છે કે વાચકને શું ગમશે, આજના સમયમાં વાચકોની અપેક્ષા શું છે સાહિત્ય પાસેથી, એવી કઈ વાતો છે જે વર્તમાન સમયમાં પણ પ્રસ્તુત છે, એવી કેટલીક જાણી અજાણી વાતોને ઉજાગર કરવી જે આ સાહિત્યના લેખનનો ભાગ હોય. લેખક વિશેની એવી માહિતી જેમાં વાચકને પણ રસ પડે. માટે જ તેને પુસ્તકરૂપે પ્રકાશિત કર્યું જેમાં વાચકને મુનશીજીના સર્જનના તમામ સાહિત્ય પ્રકારો – ઐતિહાસિક નવલકથા, પૌરાણિક ઐતિહાસિક નવલકથા, સામાજિક નવલકથા, નવલિકા, નાટક, આત્મકથા – તમામની ઝાંખી મળી રહેશે. આ પુસ્તક ખરીદવા આપ સંપર્ક કરી શકો છો:

    વિજ્યા ગ્રાફિક્સ ઍન્ડ પબ્લિકેશન,સુરત
    https://wa.me/c/919879575905


    મુનશીના ખ્યાતનામ પુસ્તકોનો રસાસ્વાદ એટલે બત્રીસ ભોજન અને તેત્રીસ પકવાન. ઇતિહાસ, પુરાણ અને પૌરાણિક વાતો સાથે વર્તમાનને સાંકળી લઇ ઇતિહાસને જીવંત કરવાનો કસબ આપના સુધી પહોંચડવા વિશેષ આભાર  વેબગુર્જરી, સાહિત્યકાર સખી સુ.શ્રી.રાજુલ કૌશિક અને શ્રી.અશોક વૈષ્ણવનો. મારી લેખમાળાના તમામ વાચકોનો તેમના પ્રેમ, પ્રોત્સાહન અને પ્રતિભાવ માટે હૃદયપૂર્વક આભાર માનું છું. મુનશીના સર્જનો પરનું આ અભ્યાસપૂર્ણ પુસ્તક સાહિત્યરસિકોને અને અભ્યાસુઓને  ઉપયોગી થઈ પડશે એવી આશા. ફરી મળીશું  અદભુત રંગોના આસમાનમાં મોરપિચ્છની કલમને સાહિત્યમાં ઝબોળીને… ફરી કોઈ નવી રસ ગાથા સાથે… આભાર.


    સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com

  • નાટ્યલેખનથી નાટ્યપ્રસ્તુતિની સફર આલેખતું પુસ્તક

    પુસ્તક પરિચય

    લીલા:નૌશિલ મહેતા

    પરેશ પ્રજાપતિ

    સાહિત્યસર્જનમાં નાટક એ સાહિત્યનો વિશિષ્ટ પ્રકાર મનાય છે. પરંતુ વાર્તા, નવલકથા કે કવિતાનાં પુસ્તકોની સરખામણીએ નાટકનાં પુસ્તકો ઓછાં જોવા મળે છે. નાટકમાં રજૂઆત મુખ્ય ભાગ ભજવે છે. નૌશિલ મહેતા નાટ્યલેખન સાથે સંકળાયેલા છે. તેમણે ગુજરાતી તેમજ અન્ય ભાષાઓમાં મૌલિક તથા પ્રેરિત નાટકો લખ્યા છે. મુંબઇની રંગભૂમિમાં નાટ્યલેખન ઉપરાંત તેઓ દિગ્દર્શન અને નિર્માણમાં પણ સક્રિય છે. ભૂપેન ખખ્ખર લિખિત ‘મોજીલા મણિલાલ’ તથા મધુ રાય લિખિત ‘આ શેખર ખોસલા કોણ?’નું નિર્માણ પણ નૌશિલ મહેતાએ કર્યું છે. ‘લીલા’ તેમનું પ્રથમ નાટ્યપુસ્તક છે. તેઓ માનતા હતા કે નાટકનાં પુસ્તકો ન હોય; આમ છતાં પુસ્તક માટે તેમણે કેમ મન બનાવ્યું, તેનાં અંગત સંભારણાં સાથેનો પ્રવેશલેખ ‘સંગતની રંગત’ શિર્ષક હેઠળ આપ્યો છે.આ લેખમાં તેમણે નાટક લખવા તરફના પહેલવહેલા ધક્કાની વાતો સરસ રીતે પીરસી છે.

    કુલ દસ નાટકો ધરાવતું આ પુસ્તક મૌલિક નાટકો અને પ્રેરિત નાટકો એમ બે ભાગમાં વિભાજિત છે. પહેલા વિભાગમાં સાત મૌલિક નાટકોનો સમાવેશ છે.

    ‘નૌશિલ મહેતા આપઘાત કરે છે’ એ આ વિભાગમાં પહેલું નાટક છે, જે તેમની લખાઇ રહેલી રહસ્યકથાના એક અંશ પર આધારિત હતું. આ નાટકને લાભશંકર ઠાકરની ઉત્સાહવર્ધક ટિપ્પણી ઉપરાંત ઘણાં ઇનામો અને ટ્રોફીઓ મળી હતી. કેતન મહેતાની હિંદી ફિલ્મ ‘હીરો હીરાલાલ’ આ નાટક પર આધારિત હતી.

    બીજું નાટક ‘શ’ મીઠીબાઇ કોલેજને જીતાડવાના ઉદ્દેશ્યથી લખાયેલું હતું. મૂળે ‘રિયલ ટુ સિમ્બોલિક’ થીમ આધારિત નાટક ‘વણઝારા’ લખવામાં તે નિષ્ફળ ગયા હતા. પરંતું તેના પ્રયોગની કલ્પના પર આધારિત સાવ અનોખા નાટક ‘શ’નું સર્જન થયું હતું. નાટકમાં એક પણ સંવાદ નહોતા, પરંતું માત્ર ભજવણી દ્વારા વાત કહેવાનો એક નવતર પ્રયોગ હતો. શફી ઇનામદાર તથા પરેશ રાવલ જેવાઓએ નાટકના એ પ્રયોગને વખાણ્યો હતો. નાટકમાં સંવાદો ન હોવાથી પુસ્તકમાં તેના રિહર્સલના ફોટાઓને સ્થાન આપ્યું છે.

    ‘ખાનગી ભાષા’ મનોવૈજ્ઞાનિક અસરો વર્ણવતું નાટક છે.

    રંગભૂમિ પર એક જ સેટનો ઉપયોગ થાય તેનું ધ્યાન રાખી મૌલિક નાટક લખવાની ત્રણ નાટ્યલેખકો વચ્ચે આપસી સ્પર્ધા થઇ. પ્રચાર માટે નામ રાખ્યું હતું ‘ત્રણ ગુજરાતી’. તેમાં નૌશિલ મહેતાએ ‘લીલા’ નાટક લખ્યું હતું, જેમાં ગુમાવેલી પ્રેમિકાની યાદો વાગોળતા બે ડોસાની કથા છે. આ નાટક હિંદીમાં ‘રંગબિરંગી’ નામથી ભજવાયું હતું.

    ‘હું તને ગમું છું?’ – આર ડી લૅન્ગના પુસ્તક ‘Do you really love me?’ ની સ્મૃતિ આધારિત માત્ર દસ મિનિટના નાટકના ટુકડા પરથી લખાયેલું નાટક છે, જે ‘ત્રણ ગુજરાતી’ના બીજા ભાગ રૂપે છે.

    ‘વાનરપુરની વાત’ નાટક સ્ત્રીભ્રૂણહત્યા અંગે સંદેશ આપતું નૌશિલભાઇએ લખેલું પહેલું બાળનાટક છે. પુસ્તકનું કોઇ પણ નાટક ભજવવા લેખકની પરવાનગી જરૂરી હોવાની પુસ્તકમાં નોંધ છે, પરંતુ આ નાટકને સહેતુક તેમાંથી મુક્ત રખાયું છે.

    સ્થાનિક બોલીને કારણે રસપ્રદ નીવડેલું પુસ્તકનું સાતમુ નાટક ‘લાપસી’ એવું નાટક છે, જે ‘ચોરી’ થયું હતું! તે ગુજરાતી ઉપરાંત મરાઠી, પંજાબી અને કન્નડ ભાષામાં પણ ભજવાઇ ચૂક્યું છે.

    પ્રેરિત નાટકોના બીજા વિભાગમાં ‘એક ને એક એક’, ‘ડ્રામો’ તથા ‘ડાબા પગનો ખેલ’ એમ ત્રણ નાટકોનો સમાવેશ થાય છે, જેમાં ‘ડાબા પગનો ખેલ’ ડાર્ક હ્યુમર ધરાવે છે.

    પ્રત્યેક નાટકની શરૂઆતમાં ભજવણીની અવધિ, પ્રથમ પ્રયોગની વિગતો કે સમય, કલાકારો, નિર્માણ સંસ્થા, સંગીતકાર ઉપરાંત પ્રકાશ રચના સંભાળનારના નામોલ્લેખ જેવી નાટક સાથે સંકળાયેલી ઝીણી વિગતો છે.

    **** **** ****

    કવિતા કે નવલકથા કરતાં નાટ્યલેખન ઘણું જુદું પડે છે. કારણ કે નાટકો ભજવીને દેખાડવાનાં હોય છે. તેમાં વર્ણનો ન ચાલે. વળી, રંગમંચની પણ કેટલીક મર્યાદાઓનું ધ્યાન રાખવું પડે છે. નૌશિલ મહેતાએ પુસ્તકમાંના દરેક નાટક પહેલાં નાટકને અંગત લખાણોની સંગત આપી છે. તેમાં પ્રત્યેક નાટક કેવી રીતે અને કેવા સંજોગોમાં લખાયું? કેમ લખાયું? વિચારબીજ ક્યાંથી અને કેવી રીતે મળ્યું અને તે કેવી રીતે વિકસ્યું? કેવા પડકારો હતા અને કેવી મૂઝવણોએ તેમને પરેશાન કર્યા? તેનાં રિહર્સલો ક્યાં અને કેવી રીતે થયાં? છેવટે એનું પરિણામ શું આવ્યું? વગેરે બાબતોને સાંકળી લીધી છે. આ રસપ્રદ અને માહિતીપ્રદ લખાણો પુસ્તકને આગવું બનાવે છે. તેમાં નાટ્યલેખનના પડકારો અને વિટંબણાઓની સાથે લેખકે તેમાંથી કેવી રીતે માર્ગ શોધ્યો તેની પણ રસપ્રદ વાતો છે. તેથી નાટ્યલેખન અને ભજવણીની અજાણી અને અનોખી દુનિયાની આહ્લાદક સફર કરાવતું આ પુસ્તક, નાટ્યલેખનની દિશામા આગળ વધવા માંગતી વ્યક્તિ માટે પથદર્શક પણ બની રહે તેમ છે.

    *** * ***

    પુસ્તક અંગેની માહિતી:

    લીલા: નૌશિલ મહેતા

    પૃષ્ઠસંખ્યા : 216

    મૂલ્ય : ₹ 300/-

    પ્રથમ આવૃત્તિ: જાન્યુઆરી 2013

    પ્રકાશક: ક્ષિતિજ સંશોધન કેન્દ્ર, એ-403, પારસનાથ, સુધા પાર્ક, શાંતિપથ, ઘાટકોપર(પૂર્વ), મુંબઇ-400 077; email etadindia@gmail.com

    પ્રાપ્તિસ્થાન :ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. 199/1, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ- 400 002. ફોન. 022-22002691, 22001358;

    1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, અમદાવાદ 380 006. ફોન. 079- 26560504; 26445836; email: imagebdl@gmail.com

    નવભારત સાહિત્ય મંદિર, 134- શામળદાસ ગાંધી માર્ગ, મુંબઇ- 400 002. ફોન. 022-22017213; 22085593; email: nsmmum@yahoo.com

    પ્રસાર, 1888, આતાભાઇ એવન્યુ, ભાવનગર, 364 001 ફોન. 0278-2568452; email: jayantmeghani@gmail.com


    પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com

  • નવ નિર્માણ આંદોલન – વિદ્યાર્થીઓએ કરેલી ક્રાંતિનાં ૫૦ વર્ષ

    તવારીખની તેજછાયા

    • ડિસેમ્બર, ૧૯૭૩ : આઝાદી પછીનું કદાચ એ પહેલંુ એવું આંદોલન હતું, જેમાં રાજ્ય સરકારે ખુરશી ખાલી કરવી પડી હતી
    • તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ
    • નવ નિર્માણ આંદોલનનાં પચાસ વરસ એ આગળ જવા સારુ પાછળ નજર કરવાનો અવસર છે. કાનૂની સાર્વભૌમ પર રાજકીય સાર્વભૌમની સત્તાનો સિદ્ધાંત એણે ઘૂંટ્યો હતો.

    પ્રકાશ ન. શાહ

    તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ: ૧૯૭૪ના ફેબ્રુઆરીનું બીજું અઠવાડિયું છે અને ગુજરાત યુનિવર્સિટીના ઓપન એર થિયેટરમાં હરિવંશરાય બચ્ચનની આ સલામી પંક્તિઓ સાથે એક બુઝુર્ગે વાત માંડી છે. આરંભે કદાચ ક્ષીણ લાગતો આ અવાજ સામે છલકાતા છાત્રયુવા મહેરામણની આંખ શું આંખ પ્રોવતો એકદમ ખૂલવા લાગે છે, કેમ કે ખરી દૂંટીનો એ અવાજ જયપ્રકાશ નારાયણનો છે. એ જયપ્રકાશનો જેણે ગુજરાતની તરુણાઈના તેડ્યા સ્વરાજ આગમચ પાંચ જ દિવસ પર, દસમી ઓગસ્ટે, ગુજરાત કોલેજમાં શહીદ વીર વિનોદ કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકી હતી. શું હતું જેપીનું નિમિત્ત? નવ નિર્માણ આંદોલનના વાસંતી ઉદ્રેક સાથે, જોઈએ તો જયપ્રકાશને હાઈજેક કરી લાવો એવા છાત્રયુવા સાદ સાથે, ‘રવિશંકર મહારાજનો સંદેશ એટલે આદેશ’, એવા હૃદયભાવ સાથે એ આવી પુગ્યા હતા. ગુજરાતના યુવજન સૌ રણે ચડ્યા એનો બુંગિયો અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં ફૂડબિલના આકરા વધારા થકી (એમાંથી ઢેકો કાઢતા ભ્રષ્ટાચાર ને મોંઘવારીના એકંદર માહોલ થકી) બજ્યો હતો. પૂર્વે મોરબીની એન્જિનિયરિંગ કોલેજે પણ આવા કોક મુદ્દે યુવા અજંપો પ્રગટ કીધો હતો અને પોલીસ દમન વહોર્યું હતું.

    પણ અમદાવાદના કેન્દ્રવર્તી સ્થાને વ્યાપક ગુજરાતમાં વમળો જગવ્યાં હતાં અને યુનિ. સિન્ડિકેટના વિદ્યાર્થી સભ્ય મનીષી જાનીના પ્રતિબદ્ધ નેતૃત્વમાં કંઈક સ્વયંભૂ એવો લોકઉદ્રેક પ્રગટ થવા લાગ્યો હતો. છાત્રયુવા અજંપો ને મધ્યમવર્ગી પ્રતિક્રિયા એકત્ર આવી રહ્યાં હતાં અને 14 ઓગસ્ટ શ્રમજીવી હિલચાલોનોયે એમાં હિસ્સો હશે સ્તો. જરી પાછળ જઈને એકંદર સિનાર્યો સંભારીશું? ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનની સાંસ્થાનિક પકડમાંથી મુક્ત કરી બાંગ્લાદેશનું નિર્માણ કર્યા બદલ ઈન્દિરા ગાંધીની પ્રતિમા ખાસી ઊંચકાઈ હતી ને ‘ગરીબી હટાવો’ના નારા સાથે નયી રોશનીની ચમકદમક પણ હતી. એમણે લોકસભાની મુદતવહેલેરી ચૂંટણી નાખી અને જ્વલંત ફતેહ હાંસલ કરી. પણ વળતે વરસે ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસી ઉમેદવાર પસંદગી બાબતે તેમ આંતરિક જૂથબંધીની સત્તામારી અંગે મધ્યમવર્ગની તીવ્ર પ્રતિક્રિયા હતી.

    હજુ ૧૯૭૧માં તો લોકસભાની ચૂંટણી વખતે ઈન્દુલાલ યાજ્ઞિકે કોંગ્રેસના નિશાન પર અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો. પણ ૧૯૭૨ના માર્ચમાં લોકસભામાં એમણે જે વક્તવ્ય આપ્યું એમાં મોહભંગનાં લક્ષણો દેખાતાં હતાં. જુલાઈમાં તો એ ગયા અને ખાલી પડેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને શિકસ્ત આપીને અપક્ષ ઉમેદવાર પુરુષોત્તમ માવળંકર ચૂંટાઈ આવ્યા તેમાં ઈન્દિરાજી સામે પડકારનો મિજાજ ચોખ્ખો વરતાતો હતો.

    ૧૯૭૨ની ચૂંટણીમાં કોંગ્રેસે વિધાનસભામાં બહુમતી મેળ‌વી અને ઘનશ્યામ ઓઝા ઈન્દિરાનીમ્યા દંડનાયક પેઠે મુખ્યમંત્રી બન્યા. એમની પ્રતિભા જરૂર સારી હતી પણ જેમ જૂની કોંગ્રેસમાં ‘સર્વોચ્ચ’વાદ ચાલતો હતો તેવું આ નિમણૂકમાં જણાયું એથીયે લોકલાગણી કંઈક વંકાઈ. એને એક ઓર વળ અને આમળો ત્યારે મળ્યો જ્યારે પોતાના જ મુખ્યમંત્રીને ઉથલાવીને ચિમનભાઈ પટેલે સત્તા હાંસલ કરી. એમણે બહુમતી ઊભી કરવા ને સાબિત કરવા જ્યાં ધારાસભ્યોને એકઠા કર્યા તે પંચવટી ફાર્મને લોકજીભે ઓળખ પણ ચોંટડૂક મળી, પ્રપંચવટી! મોંઘ‌વારી, જૂથબંધી, ભ્રષ્ટાચારના આ માહોલ વચ્ચે એલ.ડી. એન્જિનિયરિંગ ઘટના ને પોલીસ પ્રતિક્રિયા સામે એકંદર જનરોષ બહાર આવ્યો અને જોતજોતામાં જંગલના દવની જેમ ગુજરાતવ્યાપી બની રહ્યો એની શરૂઆત ડિસેમ્બર ૧૯૭૩માં થઈ હતી.

    આજે, ૨૦૨૩માં, પાછળ નજર કરીએ ત્યારે એની પચાસીએ શું સમજાય છે? યુવા ઉદ્રેકનું તત્કાળ નિમિત્ત જે પણ હોય, ૧૯૬૮માં યુરોપીય-અમેરિકી કેમ્પસો પરથી જે યુવા ઉન્મેષ પડમાં આવવા લાગ્યો હતો, કંઈક એની જેમ જ અહીં વર્તમાન સામે ફરિયાદ ને ભાવિ સુધારનો કાંઈક આંતરિક ધક્કો ખસૂસ હતો… કેવો મિજાજ હશે ત્યારે એનું એક ઉદાહરણ, કંઈક હટકે આપું? ‘જવાની દિવાની’ નામે ફિલ્મનું અવલોકન રાધેશ્યામ શર્માએ જુલાઈ ૧૯૭૩માં લખ્યું, એનું શીર્ષક હતું- ‘જવાની દિવાની’ : ખાનદાની ખૂન વર્સીસ યુવા વિદ્રોહ.

    વ્યાપક પ્રજાવર્ગની સહાનુભૂતિ સાથે છાત્રયુવા આંદોલનમાં અધ્યાપકોનું જોડાવું એ પણ એક મોટી વાત હતી. પણ આંદોલન જેવું આગળ ‌વધ્યું અને કોંગ્રેસના જૂથગત નેતાપલટા માત્રે એણે અટકવું મુનાસીબ ન માન્યું ત્યારે અધ્યાપક મંડળ ખસી ગયું. એ પ્રજાકીય આંદોલન સાથે નહીં એટલું કોંગ્રેસનો આંતરિક સત્તામારીમાં એક જૂથ સાથે હતું.

    વિધાનસભાના વિસર્જનની માંગ એક નિર્ણાયક મુદ્દો હતો. માર્ચના બીજા અઠવાડિયામાં મોરારજી દેસાઈએ આંદોલનની માંગના સમર્થનમાં અને હિંસાના વિરોધમાં અનશનનો રાહ લીધો અને ૧૫મી માર્ચે રાજ્યપાલના સલાહકાર સરીને એમને રૂબરૂ મળીને ખબર આપી કે કેન્દ્ર સરકાર વિધાનસભાના વિસર્જનમાં સંમત છે.

    ખરું જોતાં બહુ જ ઉતાવળે અને કંઈક અછડતી વાત આ કરી છે. એંશી-પંચાસી દિવસના આ આંદોલનને ગોળીબારથી નીપજેલ ચાળીસથી વધુ મોત કે જાહેર નુકસાનીના આંકડામાં અગર તો ટૂંક સમયમાં ચારસોથી વધુ નવ નિર્માણ સમિતિઓ કાર્યરત થઈ એવી વિગતમાત્રમાં ખતવી ન શકાય. મુદ્દે, વિધાનસભા વિસર્જનની એની સફળ માંગે લોકશાહી રાજકારણમાં એક મહદ્ સિદ્ધાંત સ્થાપી આપ્યો કે કાનૂની સાર્વભૌમ (સરકાર) પર આખરી સત્તા રાજકીય સાર્વભૌમ એટલે કે લોકોની છે. સાંકડા રાજકીય-શાસકીય માળખાની બહારથી આવેલી લોકપહેલનો આ ચમકારો તે જયપ્રકાશને મળેલો ‘પ્રકાશ’ હતો. બિહાર આંદોલન ઉપડ્યું એના સમર્થનમાં ગુજરાતથી સૌ દિલ્હી ગયા, ઓક્ટોબર ૧૯૭૪માં આચાર્ય કૃપાલાનીના નેતૃત્વ હેઠળની રેલીમાં, ક્યારે ઉમાશંકર જોશી, ભોગીલાલ ગાંધી સાથે પગપાળા ચાલતા મિત્રોમાં વડનગરના વસંત પરીખે મજાનું સૂત્ર આપ્યું હતું: ‘ગુજરાત કી જીત હમારી હૈ, બિહાર કી રીત ન્યારી હૈ…’એ બધી વાતો વળી ક્યારેક, યથાપ્રસંગ.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૦ – ૧૨ – ૨૦૨૩ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • આધુનિક ભારતના સમાજ સુધારક સંત : ગાડગે બાબા

    નિસબત

    ચંદુ મહેરિયા

    આજકાલ બધે ચર્ચા તો બાગેશ્વર બાબાની છે પણ આપણે વાત ગાડગે બાબાની કરવી છે. હવે આડા બે વરસ છે ને એમનું  દોઢસોમું જન્મ પર્વ મનાવાશે. મૂળ નામ તો ડેબુ કે ડેબુજી. પણ જાણીતા થયા  ગાડગે બાબા(૧૮૭૬-૧૯૫૬)  તરીકે. પત્ની- સંતાનો સહિતના પરિવારને છોડી  લોકસેવા માટે એમણે ભારતના આમ આદમી જેવું જીવન સ્વીકાર્યું.  તેમાં બદન પર ફાટેલા લુગડાં અને એકમાત્ર મિલકત સમું માટીનું શકોરું હતા. શકોરાને મરાઠીમાં ગાડગં કહે છે એટલે તેને કાયમ સાથે રાખનાર તરીકે ગાડગે બાબા તરીકે પ્રખ્યાત થયા હતા.

    મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના શેણગાંવમાં ૨૩મી ફેબ્રુઆરી ૧૮૭૬ અને મહાશિવરાત્રિના દિવસે નિર્ધન ધોબી પરિવારમાં ગાડગે બાબાનો જન્મ થયો હતો. પિતાનું નામ ઝિંગરાજી અને માતાનું નામ સખુબાઈ.  ધોબી જ્ઞાતિનો ઉત્તર અને પૂર્વ ભારતમાં અસ્પૃશ્ય અને  પશ્ચિમ તથા દક્ષિણ ભારતમાં પછાત વર્ગમાં સમાવેશ થાય છે. બાબા ગાડગેના જન્મ સમયનું ,  ઓગણીસમી સદીનું ,  ભારત અને મહારાષ્ટ્ર ધાર્મિક વહેમ, અંધશ્રધ્ધા, પાખંડ, રૂઢિજડતા, પશુબલિ, વ્યસનો, ગરીબી , અસ્પૃશ્યતા અને  શિક્ષણના અભાવથી ગ્રસ્ત હતું. ડેબુના પિતા પણ દારૂના વ્યસન અને શાહુકારોના કરજથી મુક્ત નહોતા. આઠ વરસના એકમાત્ર સંતાન પુત્ર ડેબુને છોડીને અંતિમ વિદાય લેતાં એમણે પત્ની પાસેથી  દીકરાને દારુ અને ધાર્મિક પાખંડથી દૂર રાખવાનું વચન લીધું હતું.પિતાનું અવસાન થતાં, માતાએ પિયરવાટ પકડી. ડેબુજીનું બાળપણ મોસાળમાં વીત્યું. નિશાળે જવાનો તો કોઈ સવાલ જ  નહોતો. ઢોર ચરાવવાનું અને ખેતીનું કામ કરતા મહેનતુ ભાણાને મામાએ બહુ વહેલો પરણાવી દીધો.

    ગોવાળિયા તરીકે ઢોર ચરાવતી વેળા કે વિશ્રાંતિમાં ભજનો લલકારતા ડેબુજીએ ભજન મંડળી પણ ઉભી કરી હતી. જોકે નિરક્ષર ડેબુજીનો અભિગમ ધાર્મિક કરતાં માનવતાવાદી વધુ હતો. સારાનરસા અને ન્યાયઅન્યાયની પરખે મામાની સાથે શાહુકારે કરેલી છેતરપિંડી  અને તેમના પ્રતિકાર સામે કુટુંબની શરણાગતિએ તેમને હલાવી મૂક્યા. અગાઉ પ્રથમ સંતાનના જન્મ વખતે તેમણે પશુબલિનો ઈન્કાર કરીને સમાજમાં સુધારાની શરૂઆત તો કરી જ હતી. મનની ચૈતસિક સ્થિતિ અને સમાજની હાલત વિશે વિચારીને કુટુંબના નાના દાયરાની બહાર નીકળી બહોળા સામાજિક જીવન અને સમાજસુધાર માટે તેમણે ગૃહત્યાગ કર્યો હતો.

    ગર્ભવતી પત્ની અને ત્રણ બાળકોને છોડીને ડેબુજી નીકળી પડ્યા હતા. ૧૯૦૫થી ૧૯૧૭ના બાર વરસ તેઓએ આખા મહારાષ્ટ્ર અને દેશના ઘણાં ભાગોમાં પગપાળા અને ક્યારેક રેલવેમાં ખુદાબક્ષ તરીકે ભ્રમણ કર્યું હતું. આ વરસોમાં અપમાન,ઉપેક્ષા, તિરસ્કાર અને માન જેવા બધા અનુભવો કર્યા. બાર વરસનો આ સાધનાશ્રમ ખરેખર તો અનુભવશ્રમ કે સ્વાધ્યાય હતો. રોજ ભીખ માંગીને ખાધું અને બદલામાં તનતોડ મજૂરી કરી. ભીખના બદલામાં કોઈના લાકડા ફાડ્યા તો ખેતર કે મહોલ્લો સાફ કર્યો.

    શેઠના બંગલે કે ગાંધીના સેવાગ્રામ સુધ્ધામાં દેશના અદના આદમીની જેમ જમીન પર બેસીને હાથમાં રોટલો અને ચટણી લઈ બાબા હંમેશા ખાતા. શકોરું કે છાલિયાની જેમ સાવરણો પણ એમની ઓળખ. ગાંધી હજુ ભારતમાં આવ્યા પણ નહોતા તે પૂર્વે ગાડગે બાબાએ સ્વચ્છતાને આચરણ દ્વારા ઉપદેશ બનાવ્યો. મંદિર હોય કે ગામનો ચોક સઘળું દિવસભર ચોખ્ખુંચણાક કરી દેતા. ગંદકીથી ખદબદતા તીર્થસ્થાનોને પણ એમણે ચમકાવ્યા હતા.સમાનતા અને સ્વચ્છતાની અલખ મારું જીવન એજ મારી વાણીથી જગવ્યા હતા..

    ભ્રમણ દરમિયાન દિવસે મજૂરી કરતાં ગાડગે મહારાજ રાત્રે કિર્તન કરતા હતા. તેમના મધુર અવાજમાં કબીર અને રૈદાસ, જ્ઞાનેશ્વર અને તુકારામના પદો એવા તો ગવાતા કે જે લોકો તેમને પાગલ સમજતા તે પણ સાંભળવા બેસી જતા. બાબાની કિર્તન કરવાની પધ્ધતિ સંવાદની કે સવાલ-જવાબની હતી. સરળ અને લોકભોગ્ય શૈલી તથા  વિદર્ભની કરાડી બોલીમાં તે ઘણી અઘરી વાતો તર્કબધ્ધતાથી લોકોના ગળે ઉતારતા. આખાબોલા બાબા કડવાબોલા પણ એટલા જ હતા. માનવમાત્ર અને પશુપક્ષી પ્રત્યે અપાર કરુણા ધરાવતા બાબા લોકોને ખોટું  કરતા જોઈને દુ:ખી થતા.  તેઓ કિર્તન કે સંવાદમાં અસ્પૃશ્યતા, ભાઈચારો, ધાર્મિક અંધશ્રધ્ધા, શાહુકારોનું કરજ, પશુબલિ, ગરીબી અને શિક્ષણ જેવા વિષયો ચર્ચતા હતા. બાબા કિર્તનમાં કોઈ આત્મા-પરમાત્માનું આધ્યાત્મિક જ્ઞાન આપવાને બદલે લોકોના જીવનને સ્પર્શતી સામાજિક- ધાર્મિક સુધારાની બાબતો કહેતા એટલે લોકોને તે વધુ ઉપયોગી બનતી.

    ગાડગે બાબા કહેતા કે ના હું કોઈનો ગુરુ છું કે ના કોઈ મારો ચેલો છે. એટલે રાત્રે કિર્તન પૂરું કરીને એ અલોપ થઈ જતા હોય તેમ બીજા ગામ જતા રહેતા. તેમની પાછળ રહેતા તેમના કિર્તનના શબ્દો, જે લોકો જીવનભર ગાંઠે બાંધતા. બાબાએ જ્યાં પણ લોકોની મુશ્કેલીઓ જોઈ ત્યાં તેમને મદદ કરી. દલિતો, પછાતો, ગરીબો, કુષ્ઠરોગીઓ, વૃધ્ધો અને વિકલાંગોની સેવા તેમની પ્રાથમિકતા રહેતાં. કર્મસ્થળ ઋણમોચનની પૂર્ણા નદી, મંદિર અને ઘાટની સફાઈનું આરંભિક નમૂનેદાર કાર્ય તેમની કાયમી ઓળખ બની ગયું. જનહિત માટે તેમણે લોકફાળાથી લોકોપયોગી ઘણા ઘાટ,ધર્મશાળા, શાળા, વૃધ્ધાશ્રમ , અનાથાલય અને ઔષધાલય બનાવ્યા હતા.

    આભડછેટનો તેમનો વિરોધ ખુદના આચરણથી ઉભો થયો હતો. એટલે સો ટચનો હતો. પંઢરપુરમાં વિશાળ ચોખામેળા ધર્મશાળા તેમણે દલિતો માટે બનાવી હતી. જાતે નિરક્ષર હતા પણ શિક્ષણની મહત્તા જાણતા હતા.એટલે ગરીબોને કહેતા કે બાળકોને ભણાવવાના પૈસા ન હોય તો ખાવાની થાળી વેચીને પણ બાળકોને ભણાવજો. થાળી વિના રોટલો હાથમાં લઈને ખાઈ શકાશે પણ ભણ્યા વિના નહીં ચાલે. મહારાષ્ટ્રના અમરાવતીની ગાડગે બાબા યુનિવર્સિટી અભણ બાબાના લોકશિક્ષણ અને સામાજિક સુધારણાનું જીવંત સ્મારક છે.

    નિરક્ષર ગાડગે બાબા પાસે અનુભવનું જ્ઞાન એટલું કે ડો.આંબેડકર અને ગાંધીજી બેઉ તેમની સાથે વિમર્શ કરતા અને માર્ગદર્શન મેળવતા. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે બાબાને સવિશેષ ભાવ હતો.પંઢરપુરની ધર્મશાળા બાબાએ બાબાસાહેબને દલિત વિધ્યાર્થીઓની હોસ્ટેલ માટે અર્પિત કરી હતી. કરોડાના ખર્ચે લોકસેવાના કામો અને બાંધકામો છતાં બાબા અકિંચન જ રહ્યા. કોઈ કીર્તિ અને કલદાર તેમને ચળાવી ના શક્યા.રાજ્ય અને રાષ્ટ્રના અનેક નેતાઓ તેમને મળતા  પણ એ તો સદાય ચીંથરેહાલ અને શકોરા સાથે જ રહ્યા.

    સાથી કાર્યકરોની પસંદગી તેઓ આકરી તાવણીથી કરતા.. ગણપતરાવ ગાંગણા બાબાના બધા કામોનો હિસાબકિતાબ રાખતા. કામમાં કુશળ અને પ્રામાણિક એટલા કે બાબા ગણપતરાવ જેવાના ગામ વસાવવાનું કહેતા. આ જ ગણપતરાવ પર ખોટું આળ મૂકાયું તો એમણે આત્મદહન કરીને જીવ આપી દીધો હતો. લોકોને તીર્થયાત્રાઓમાં નકામા સમય, શક્તિ, નાણા ન વેડફવા બાબા કહેતા.સાચા ભગવાન મંદિર, મસ્જિદ કે તીર્થમાં નથી કે નથી પથ્થરની મૂર્તિઓમાં સાચા દેવ દરિદ્રનારાયણ  છે. તેમની સેવા એ જ સાચી સેવા છે એમ ઉપદેશતા બાબા સેવાના નામે ચાલતા ધંધાથી વાકેફ હતા. થોડી સેવા અને ઝાઝી પ્રસિધ્ધિને બાબા સેવાના નામે ચાલતી દુકાનદારી કહેતા હતા.

    ૮૦ વરસની વયે ૧૯૫૬ની ૨૦મી ડિસેમ્બરે અવસાન પામેલા ગાડગે બાબા લોકસેવાની એવી મિશાલ હતા કે સ્વામી આનંદે તેમને સેવક સંત કહ્યા હતા.  આચાર્ય અત્રેના મતે અડધી સદી સુધી શુધ્ધ માર્ક્સવાદનું લોકશિક્ષણ આપનાર ગાડગે બાબા મહારાષ્ટ્રની સમાજવાદની પીઠ હતા.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન – ઋગ્વેદ ૦૨

    ચિરાગ પટેલ

    १.२.८ (१७) ऋतेन मित्रावरुणावृतावृधावृतस्पृशा । क्रतुं बृहन्तमाशाथे ॥

    ऋषि – मधुच्छंदा वैश्वामित्र देवता – मित्रावरुण छन्द – गायत्री

    અર્થ સત્યને ફલિતાર્થ કરનાર સત્ય યજ્ઞના પુષ્ટિકારક હે મિત્રાવરુણ! આપ અમારા કાર્યોને સત્યથી પરિપૂર્ણ કરો.

    મિત્ર અને વરુણ એકબીજા સાથે અભિન્નપણે જોડાયેલાં દેવો છે. ઋષિ આ મંત્રમાં તેમને સત્ય યજ્ઞના પુષ્ટિકારક કહે છે. સત્ય યજ્ઞનો અર્થ વિશ્વને ચલાવતાં નિયમો એવો અભિપ્રેત છે. પૃથ્વી માટે સૂર્ય અને જળ જીવન અને જૈવિક પ્રક્રિયાઓનું મૂળ છે. ઋષિ મધુચ્છંદા વૈશ્વામિત્ર આ સત્ય જોઈ શક્યા છે એમ સ્પષ્ટ જણાય છે. વળી, ઋષિ પોતાના સર્વે કાર્યોમાં આ સત્ય કે વૈશ્વિક નિયમો હોય એમ ઈચ્છે છે. એટલે કે, ઋષિ પોતે જે કાર્ય કરે એ વિશ્વના સંતુલન કે વિશ્વના નિયમોને હાનિ પહોંચે એવું ના હોય એમ ઈચ્છે છે. આધુનિક યુગમાં આ મંત્રને ચરિતાર્થ કરવાની ઘણી જ આવશ્યકતા છે.

    १.३.८ (२६) विश्वे देवासो अप्तुरः सुतमा गन्त तूर्णयः । उस्रा इव स्वसराणि ॥

    ऋषि – मधुच्छंदा वैश्वामित्र देवता – विश्वेदेवा छंद – गायत्री

    અર્થ સમયાનુસાર વર્ષા કરનાર હે વિશ્વેદેવો! આપ કુશળ અને શીઘ્ર કાર્ય  કરનાર છો. આપ સૂર્યકિરણો સમાન ગતિશીલ બની અમને પ્રાપ્ત થાઓ.

    સમય પ્રમાણે થતી વર્ષાઋતુ કૃષિ માટે આવશ્યક છે. આ મંત્રમાં આડકતરી રીતે વૈદિક યુગમાં ખેતી થતી હોય એવો ઉલ્લેખ છે. વર્ષાઋતુનું નિયમન વૈશ્વિક દેવો અર્થાત્ ઇન્દ્ર, અગ્નિ, વરુણ, અશ્વિનીકુમારો ઇત્યાદિ કરે છે એમ ઋષિ જણાવે છે. આ સર્વે દેવો સૂર્ય કિરણોની ગતિથી પ્રાપ્ત થાય એમ ઋષિ ઈચ્છે છે. વૈદિક કાળમાં કિરણોની ગતિને સહુથી ઝડપી ગણવી એ પ્રશંસાપાત્ર છે.

    १.३.१० (२८) पावका नः सरस्वती वाजेभिर्वाजिनीवती । यज्ञं वष्टु धियावसुः ॥

    ऋषि – मधुच्छंदा वैश्वामित्र देवता – सरस्वती छंद – गायत्री

     

    १.३.११ (२९) चोदयित्री सूनृतानां चेतन्ती सुमतीनाम् । यज्ञं दधे सरस्वती ॥

    ऋषि – मधुच्छंदा वैश्वामित्र देवता – सरस्वती छंद – गायत्री

     

    १.३.१२ (३०) महो अर्णः सरस्वती प्र चेतयति केतुना । धियो विश्वा वि राजति ॥

    ऋषि – मधुच्छंदा वैश्वामित्र देवता – सरस्वती छंद – गायत्री

    અર્થ પવિત્ર કરનારી, પોષણ દેનારી, બુદ્ધિપૂર્વક ઐશ્વર્ય પ્રદાન કરનારી સરસ્વતી  જ્ઞાન અને કર્મથી અમારા યજ્ઞને સફળ કરો.

    સત્ય બોલવાની પ્રેરણા આપનારી, મેધાવી લોકોને યજ્ઞની પ્રેરણા કરનારી સરસ્વતી અમારા આ યજ્ઞનો સ્વીકાર કરી અમને ઉત્તમ વૈભવ પ્રદાન કરો.

    જે પ્રચુર જળ પ્રવાહિત કરે છે તે સુમતિ જગાવનારી સરસ્વતી યાજકોની પ્રજ્ઞાને પ્રખર બનાવે છે.

    ઋગ્વેદમાં આ ત્રણ એવાં પ્રથમ મંત્રો છે જેમાં દેવીનું આહવાહન હોય. અહિ દેવી રૂપે સરસ્વતી છે જે વિશાળ જળ પ્રવાહની સ્વામિની નદી છે. પૌરાણિક સરસ્વતી દેવી જે વિદ્યા અને જ્ઞાનદાત્રી છે એનું મૂળ આ ત્રણ ઋચાઓમાં જોઈ શકાય છે. વળી, ઋષિ સરસ્વતી દેવી પાસેથી ઐશ્વર્ય અને વૈભવની પણ માંગણી કરે છે.

    સરસ્વતી નદી અંગે પુરાતત્વવિદો અનેક અનુમાન કરે છે. વર્તમાનમાં ઘગ્ઘર-હાક્રા નદી પ્રવાહને વૈદિક સરસ્વતી માનવામાં આવે છે. સરસ્વતીનો વિશાળ જળ પ્રવાહ હિમાલયથી નીકળી કચ્છના અખાતમાં ભળી જતો હતો. આ નદીના તટ પર સિંધુ સરસ્વતી સભ્યતાના અનેક નગરોનાં અવશેષો મળી આવે છે. વૈદિક કાળ અને આ સભ્યતા વચ્ચે સામ્યતા હોવાના અનેક પુરાવાઓ મળી આવ્યાં છે.

    અન્ય એક અર્થમાં વિદ્વાનો માને છે કે, આપણી મંદાકિની આકાશ ગંગાનો આકાશમાં દેખાતો દૂધમલ પટ જોઈને ઋષિએ આ મંત્રોની રચના કરી હોય.