વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • અમારો ડાંગ, વાલોડ અને પિંડવળનો પ્રવાસ

    દર્શના ધોળકિયા

    તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન ડાંગ મુકામે પ્રવાસ કરવાની ઈચ્છા થઈ ને એ અંગે જાણીતાં લેખિકા અને ભૂમિપત્રનું અંતિમ પૃષ્ઠ સુંદર રીતે સંભાળતાં આશાબેન વીરેન્દ્ર સાથે મારી વાત થઈ ને તરત જ  એમણે મને  પોતાને ઘેર આવવાનું નિમંત્રણ પાઠવ્યું. એટલું જ નહીં, ત્રણ દિવસના કાર્યક્રમનું સુંદર  આયોજન કરવાની પણ ઈચ્છા સામેથી પ્રગટ કરી ને  મારે તો દોડવુંતું ને ઢાળ મળ્યો.

    ૧૨ ની રાત્રે મારી ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અત્યારે કચ્છ યુનિવર્સિટીમાં મુલાકાતી વ્યાખ્યાતા તરીકે કામ કરતી જીલ ડાભી અને હું – અમે બંને ડાંગ ભણી જવા રવાના થયાં. અમારું ઉતરાણ આશાબેનને ત્યાં જ હતું. રેલવે સ્ટેશને જાણીતાં હાસ્ય લેખિકા કલ્પનાબેન દેસાઈ પણ બહુ હોંશભેર અમને લેવા આવેલાં. આશાબહેને જ એમને સાથે જોડાવાનું નિમંત્રણ આપેલું અને કલ્પનાબહેને એ તરત સ્વીકારી લીધેલું. એ દિવસે આશાબહેનને ત્યાં જ તૈયાર થઈને અમો નીકળી પડેલાં ડાંગ ભણી..

    આખાય રસ્તે પ્રકૃતિનું અપાર સૌંદર્ય વણાયેલું હતું અને ખાસ કરીને ત્યાંની આદિવાસી પ્રજાની સાદાઈ, એની સરળતા, કુદરત સાથે કામ કરવાની એની આવડત – એ બધું જોઈને હું વધારે દંગ થઈ ગઈ.

    ‘ ડાંગી ‘ સ્ટોરમાં આ પ્રદેશનું જ ઉત્પાદન જોયું. બોટનિકલ ગાર્ડન, શબરીધામ, ગીરાધોધ અને પંપા સરોવરનું સૌંદર્ય અમોએ મનભરીને માણ્યું.

    આ બધું જોવામાં આશાબેન અને કલ્પનાબેનનો જે સથવારો હતો એને કારણે આખી વાત બદલાઈ જતી હતી. અને હા અમારા સારથી તરીકે સમાજશાસ્ત્રના પ્રોફેસર જીતેન્દ્ર વસાવા જે આ જ વિસ્તારના રહેવાસી હતા. એમને કારણે અમને અજાણી એવી કેટલીય જગ્યાઓનું જ્ઞાન મળ્યું –  જે અમે એકલાં નીકળી પડ્યાં હોત તો કદાચ ક્યારે પણ ન મળત.

    બીજો દિવસ મારા માટે  વધારે અગત્યનો હતો – એટલા માટે કે  વર્ષોથી વાલોડ મુકામે જુગતરામભાઈ દવેની નિશ્રામાં જેમણે ધૂણી ધખાવી હતી  એવાં દંપતિ તરલાબેન શાહ – બાબુભાઈ શાહની મુલાકાત થવાની હતી. (અત્યારે તરલાબેન બાબુભાઈ વતી પણ કામ કરે છે) જુગાનુજોગ તરલાબહેન સંબંધે મારાં મામાનાં દિકરી પણ ખરાં! હું વર્ષોથી એમને જાણતી હતી કે,  એક ખૂણે બેસીને તેઓ કેવું ઝીણું કાંતે છે. એકાદ વખત મારે ત્યાં જવાનું થયું છે પણ આ વખતે એમણે બહુ સરસ એક ઉપક્રમ રચ્યો. ગુજરાતી સાહિત્યની જાણીતી એવી તમામ લેખિકાઓ – હિમાંશીબહેન શેલતની રાહબરીમાં એમણે સૌને એકઠાં કર્યાં. હિમાંશીબહેને તો  સામેથી અમારી સાથે રહેવાય અને તરલાબહેનને મળાય એટલે આવવાનું સ્વીકાર્યું. એ અમારી સાથે પ્રવાસમાં વલસાડથી જ જોડાયાં. તરલાબહેને વ્યારાથી દક્ષાબેન વ્યાસને અને બારડોલીથી સંધ્યાબેન ભટ્ટને બોલાવી લીધેલાં, કોકીલાબેન વ્યાસ તો ત્યાં હતાં જ.  એક મહાસંમેલન જેવું વાતાવરણ ત્યાં રચાઇ ગયું. વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની મને તક મળી અને તરલાબેનને ૮૫ પછીની ઉંમરે એટલાં ટટ્ટાર અને  વિધાયક જોઈને સાનંદ આશ્ચર્ય થયું. એમનો સૂક્ષ્મ પ્રભાવ આ પ્રદેશ પર કેવી રીતે છવાયેલો છે એ જાણી પ્રસન્નતા પણ થઈ. કોકીલાબેનનાં દોહિત્રી માધવી પણ ખૂબ પર્યાવરણ પ્રેમી,  એ પણ ઘરબાર મૂકીને વેડછી અને વાલોડમાં વૃક્ષ વાવવાની હોડમાં જોડાયાં હતાં.

    ત્રીજા દિવસે સ્વાતંત્ર્ય  દિવસની ઉજવણીના  કાર્યક્રમ નિમિત્તે પિંડવળ અને ખડકી મુકામે જવાનું થયું. નાના બાળકોની હકારાત્મક ભૂમિકા, જીવન પ્રત્યેનો શિક્ષકોનો પ્રેમ આ બધું જોઇને સ્તબ્ધ થઈ જવાયું.  પિંડવળ પછી જવાનું થયું ખડકી. જ્યાં સુજાતાબેન કામ કરે છે અને નદી કિનારે હતી એ સંસ્થા. આ સંસ્થાનું પવિત્ર વાતાવરણ અને એમાં થતો એ નીરવ સંવાદ.. સંસ્થાનું વાતાવરણ અને  સુજાતાબહેનની વાતો સાંભળીને અવાક થઈ જવાયું.  આ પ્રદેશ જોઇને એમ લાગ્યું કે ગાંધીજી ત્યારે પણ સદભાગી હતા કે એમને જબરજસ્ત ટીમ સાંપડી. એમની અક્ષરદેહે અત્યારે ઉપસ્થિતિ નથી ત્યારે પણ એમના સિદ્ધાંતોને અનુલક્ષીને એમના પછીની ચોથી પેઢી આજે એટલા જ ઉત્સાહથી અહીંયા કાર્યરત છે,  સમર્પિત છે.

    સમગ્ર રીતે આ પ્રવાસનો નિષ્કર્ષ  મારે તારવવો હોય તો મને એમ લાગ્યું કે પ્રાચીનકાળના ઋષિઓ પ્રકૃતિની નિશ્રામાં આત્માના કલ્યાણ અર્થે જે રીતે એકાગ્ર થઈને જાતને તપાસતા હતા, આત્મનિરીક્ષણ કરતા હતા અને એ રીતે મોક્ષ પ્રાપ્તિની સાધનામાં લાગેલા રહેતા હતા.  અને જોગાનુજોગ તેઓ વિદ્યાર્થીઓને ભણાવતા પણ હતા. સૌ કોઈનું  આત્મકલ્યાણ કરાવવામાં સિંહ ફાળો આપતા હતા – એનો વારસો આજે જુદી રીતે એ પછી સવજીભાઈ,  આશાબેન ને સંધ્યાબેન જેવા અધ્યાપકો હોય કે પછી તરલાબેન જેવો આજનો વેડછીનો વડલો હોય.  એવા લોકો જે ચૂપચાપ આજે ત્યાં કામ કરે છે એમને  જોઈને પ્રાચીન ઋષિઓની સાધના આજે કેવી તો જુદા અર્થમાં ત્યાં પરિવર્તિત થઈ છે એ જોવાનો મોકો મને મળ્યો.

    કુટુંબ, પરિવાર,  સમાજના નીતિ- નિયમો સૌ કાંઈ બાજુ પર મૂકીને આ લોકો માત્ર ને માત્ર પોતાના કામને કેટલા તો પ્રતિબધ્ધ થઈને ચાહે છે મહાત્માના સિદ્ધાંતોને અનુસરે છે એનું દર્શન થયું.   એટલું જ નહીં પણ બીજા લોકો પણ મહાત્માનો વિશ્વાસ કરે એવી  અનાયાસ સાધના એમના દ્વારા એ પ્રગટ કરે છે – એ જોઈને મૌન થઈ જવાય. બહારની દુનિયા જાણે કે ભોગવિલાસમાં તરબતર છે અને એની વચ્ચે એક એવી જગા છે કે,  જેમાં લોકો જુદી રીતે સમાજ સાથે રહ્યા છે એવું મને લાગ્યું.

    ચાલતી ગાડીએ હિમાંશીબેન પાસેથી પણ અમુક વાતો જાણવા મળી. એમના બાળપણમાં આચાર્ય વિનોબાએ તેમની સંસ્થા જીવન ભારતીની મુલાકાત લીધેલી અને બધા પાસેથી કંઈક કંઈક નાનકડી પ્રતિજ્ઞા  કરાવેલી અને હિમાંશીબેનથી ત્યારે કહેવાઇ ગયું કે, “હું ક્યારેય પણ ભેદભાવ નહીં રાખું, બધાંને સમાન માનીશ.” ત્યારે હિમાંશીબેનને માથે હાથ ફેરવતા વિનોબા આ ગાડીમાં એ ક્ષણે મને સાક્ષાત થયા. અને મન ભરાઈ આવ્યું કે આ લોકોનો પ્રભાવ કેટલો બધો વ્યાપક રીતે પડયો અને એ પેઢી ઉપર જે આજે ૭૦ ઉપરની ઉંમરમાંથી પસાર થઈ રહી છે !  ઘણા બધા વાળાઢાળા આ લોકોએ જોયા છે ત્યારે પણ આ ગુરુજને આપેલી મંત્રદીક્ષાને તેઓ કેવી તો ચૂપચાપ સાચવી રહ્યા છે, એમની સુવાસને ફેલાવતા રહ્યા છે.  આ બધું જોતા હું એ નક્કી જ ન કરી શકી કે, આખા પ્રદેશની બહાર ફેલાયેલી સુંદરતાને  પ્રણામ કરવાં કે અંદરના સૌંદર્ય લઈને જીવતા આ મહાનુભાવોને.  એ બે વચ્ચે જાણે અહીંયા હરિફાઈ ચાલી રહી હતી. મારા જેવા ત્રણ – ચાર દિવસ આ રીતે રખડવા નીકળી પડ્યા હોય અને કુદરત કે આ સંસ્થાઓની પ્રશંસા કરે એ મને નર્યો દંભ લાગે કારણ કે ત્યાં રહેવું,  ત્યાની મુશ્કેલીઓમાંથી પસાર થવું એ કાચા પોચાનું કામ નથી. બલકે મને એમ લાગ્યું કે આવા કેટલાક ચોક્કસ લોકોની નિયતિ જ આવી હોય છે. એનું અનુકરણ કરીને કોઈ સામાન્ય વ્યક્તિ આવી ઘટનાઓમાં ઝંપલાવી ન શકે કે કૂદકો પણ મારી ન શકે. એટલે આ બધાને જોઈને મને જ્ઞાનદેવની એક સરસ કવિતા જેનો,  ‘જ્ઞાનદેવ ચિંતનિકા’ માં વિનોબાએ અનુવાદ કર્યો છે એ યાદ આવી ગઈ કે , ‘અમે નિત્ય સંન્યાસી છીએ,  બધું જ છોડતાં છોડતાં અમે છેવટે છોડવાની ભાવના પણ છોડી’ . બહાર અખંડ પ્રવૃત્તિ અને અંદર અખંડ નિવૃત્તિ. છોડવાની ભાવના પણ જેની છૂટી ગઈ છે એવા આ લોકોને મળીને મને એમ લાગ્યું કે કુદરત ઉપર પણ એમણે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે.

    ડાંગની ભવ્ય પ્રકૃતિ આ સૌ પાસે જાણે નતમસ્તક થઈ ગઈ છે. કોઈ જ પરિચય વિના ત્રણ ત્રણ દિવસ પોતાના ઘરના સભ્યની જેમ અમને સંભાળીને રાખતાં. આશાબેનથી માંડીને સુજાતાબેન અને આશાબેનના પતિ વીરેન્દ્રભાઈ કે જેમણે આ સંસ્થાઓ અને આ સંસ્થાના લોકોને જોઈને પોતાનું કામ છોડીને આ સંસ્થાને ચરણે બેસવાનું પસંદ કર્યું અને એવી તો કેટ કેટલી વાતો થઈ કે જે એમણે અંગત ભાવે મારા સાથે વહેંચી અને હા, આશાબેનનાં મિત્ર ડોક્ટર દંપતિ સરોજબેન અને એમના પતિ કાંતિભાઇ જેમણે મકરંદભાઈથી માંડીને બધાની વૈદકીય સેવા કરી. એમનો આ બધા પ્રત્યેનો પ્રેમ અને પોતાની વિદ્યા આ સૌ માટે વપરાઇ એનો અહોભાવ અને મારા જેવા બિલકુલ અજાણ્યા લોકોની સાથે બેસવાની અને સાહિત્યની ઉપાસના કરવાની એમની ધગશ એ બધું જોઈને એમ લાગ્યું કે, પ્રકૃતિએ તો ડાંગના લોકોને પોતાની નિર્મળતાનો ચેપ લગાડ્યો છે.

    આ ત્રણ દિવસ મેં અનુભવેલી નિર્મળતા જો મને નિર્મળ થવા ભણી દોરશે તો હું આ પ્રવાસને આ સાર્થક ગણીશ.  અંતે આ સૌને મહાત્મા લાઉત્સેનું એક વિધાન અર્પણ કરું છું :  ” મહાન વ્યક્તિત્વોનાં પગલાં પક્ષી જેવાં હોય છે.” અર્થાત પક્ષીને પગલાં જ હોતાં નથી. એ તો અનંત આકાશમાં વિહરતું હોય છે – કોઇ છાપ છોડયા વિના. આ સૌનાં આવાં ઉડયનને સૌ વતી મારાં પ્રણામ.


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • માંદા પડવું મોંઘુ છે, તે ગરીબને વધુ ગરીબ બનાવે છે

    નિસબત

    ચંદુ મહેરિયા

    ગુજરાતી સાહિત્યના ગાંધી યુગના કવિ ઈન્દુલાલ ગાંધી( ૧૯૧૧-૧૯૮૬) ની જાણીતી રચના ’આંધળી માનો કાગળ’[1] માં, નિર્ધન આંધળા મા પાંચ વરસથી મુંબઈમાં પેટિયું રળી ખાતા દીકરાને પત્ર લખાવે છે, તેનું કરુણ આલેખન છે.પત્રમાં મા પુત્રને તે  સાજો નરવો રહે અને માંદો ના પડે તેની કાળજી રાખવા જણાવે છે. કેમ કે જો તે બીમાર પડશે તો , “ દવા દારુના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ ” ની માને ફિકર છે.  આજે પણ ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો માટે માંદા પડવું મોંઘુ છે. માંદગીમાંથી બેઠા થવા તેમને કાં તો વધુ ગરીબ બનવું  પડે છે કાંતો મરવું પડે છે. એક અંદાજ મુજબ દેશમાં દર વરસે આશરે છ કરોડ લોકો દવા-દારુના દોકડા માટે દેવાદાર બની ગરીબીની વધુ ઉંડી ગર્તામાં ધકેલાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ ૨૦૨૧માં દેશમાં થયેલી આત્મહત્યાઓનું બીજું મોટું કારણ બીમારી  હતું. ગયા વરસે ૩૦,૪૪૬ લોકોએ બીમારીથી કંટાળીને, એટલે સાજા થવાની આશા ના હોવાથી કે તે માટેનો ખર્ચ પરવડે તેમ ના હોવાથી,  આત્મહત્યા કરી હતી.

    હાલની અસહ્ય લાગતી મોંઘવારીનો દર સાત ટકા છે. પરંતુ દવા અને સારવારનો ખર્ચ તેનાથી બમણો, ચૌદ ટકા, જેટલો મોંઘો છે. આ વરસના એપ્રિલથી સરકારે દવાઓના ભાવમાં દસ ટકાનો વધારો કરી આપ્યો છે. તેને કારણે શરદી-તાવ થી માંડીને હ્રદયરોગ સહિતની આઠસો દવાઓ મોંઘી થઈ છે. છેલ્લા પાંચ વરસોમાં  હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ બે ગણો વધી ગયો છે. હોસ્પિટલમાં ડોકટરના કન્સલટેશન ચાર્જમાં ૪.૫ ટકા, દાખલ ફીમાં ૫.૯ ટકા અને મેડિકલ તપાસના  દરમાં ૬.૨ ટકાનો વધારો થયો છે. આ વધારાએ આર્થિક રીતે નબળા લોકોની કમર ભાંગી નાંખી છે.

    ભારત સરકારના આરોગ્ય મંત્રાલય હેઠળ આવેલ નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી(NPPA) દવાઓની કિંમતમાં વધારો-ઘટાડો કરી શકે છે. સરકારી નિયંત્રણની દ્રષ્ટિએ બે પ્રકારની દવાઓ હોય છે: શેડ્યુલ અને નોનશેડ્યુલ.પેઈન કિલર,  પેરાસિટામોલ અને એન્ટીબાયોટિક  વગેરે દવાઓ શેડ્યુલ ડ્રગ્સ ગણાય છે. આ દવાઓ આવશ્યક દવાઓ છે અને તેની કિંમત પર સરકારનું સીધું નિયંત્રણ છે. આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિમાં ૮૭૫ દવાઓ સામેલ છે. દવા ઉધ્યોગની ત્રીસ ટકા  દવાઓના ભાવ સરકારના નિયંત્રણમાં છે.છેલ્લા ત્રણ-ચાર વરસોમાં આ દવાઓના ભાવમાં પંદરથી વીસ ટકાની  વૃધ્ધિ થઈ છે.

    નોનશેડ્યુલ દવાઓ સરકારના સીધા નિયંત્રણમાં નથી. તેની કિંમતમાં વાર્ષિક દસ ટકાના વધારાની જોગવાઈ છે. એનપીપીએ જથ્થાબંધ ભાવાંક મૂલ્યના આધારે શેડ્યુલ દવાઓની કિંમતમાં વધારાની દરખાસ્ત કરે છે. ભારત સરકારની મંજૂરી પછી તે અમલી બને છે. ગયા વરસે ભારત સરકારે ૧૦.૭ ટકા વધારાની દરખાસ્તને ઘટાડીને દસ ટકા કરતાં હવે તે દવાઓ ૧લી એપ્રિલ ૨૦૨૩થી બાર ટકા વધુ કિંમતે વેચાય છે. નોનશેડ્યુલ દવાઓની કિંમત માંગ અને પુરવઠાના નિયમ આધારે નક્કી થાય છે. ૨૦૧૯માં આવશ્યક દવાઓની કિંમતમાં ૨ ટકા, ૨૦૨૦માં ૦.૫ ટકા અને ૨૦૨૨માં ૧૦ ટકાનો આકરો ભાવવધારો થયો છે.

    જેનેરિક દવાઓનું કોઈ બ્રાન્ડ નેમ હોતું નથી. આ દવાઓની અસર બ્રાન્ડેડ દવાઓ જેવી જ હોય છે પરંતુ તેનો કોઈ પ્રચાર-પ્રસારનો ખર્ચ ન હોઈ જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓથી આશરે વીસ ટકા જેટલી સસ્તી હોય છે. સરકારના જન ઔષધિ કેન્દ્રો પર તેનું વેચાણ થાય છે. પરંતુ દવા બજારના ઈજારાને કારણે ડોકટરો જેનેરિક દવાની ભલામણ કરતા નથી. તાજેતરમાં સરકારે તે માટે ફરજ પાડી હતી પણ પછી તેણે પારોઠનું પગલું ભરવું પડ્યું છે.

    ભારતમાં સરકારી આરોગ્ય સેવાઓ તમામને ઉપલબ્ધ નથી અને જ્યાં ઉપલબ્ધ છે ત્યાં તેની ગુણવત્તાના પ્રશ્નો છે.એટલે લોકોને ખાનગી આરોગ્ય સેવાઓ લેવી અનિવાર્ય બને છે. મેડિકલ ઈન્સ્યોરન્સ પણ ભારતમાં બહુ ઓછા લોકો લે છે. આરોગ્ય વીમો ન લેતા નાગરિકોની દ્રષ્ટિએ ભારત દુનિયાનો બીજો દેશ છે.એટલે જેમની પાસે આરોગ્ય વીમો નથી તેમની આર્થિક સ્થિતિ પર માંદગીની ગંભીર અસર પડે છે. મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેમની રકમમાં અનેક ગણા વધારાની ફરિયાદ વીમા કંપનીઓની છે તો મેડિકલ ઈન્સ્યોરન્સના પ્રિમિયમમાં કોરોના મહામારી પછી તો પચીસ ટકા જેટલો મોટો વધારો થયાની ફરિયાદ વીમાધારકોની છે.

    આ સ્થિતિનું એક નિવારણ સરકાર આરોગ્યના ક્ષેત્રે ખર્ચ વધારે અને સરકારી આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ બનાવે તે જણાય છે. આરોગ્ય માટે સરકારે તેના જીડીપીના ઓછામાં ઓછા ૫ ટકા ખર્ચવા જ જોઈએ. પાડોશી ગરીબ દેશો ભૂતાન જીડીપીના ૨.૬૫ ટકા અને શ્રીલંકા ૨ ટકા ખર્ચે છે. પરંતુ ભારતે ૨૦૨૧-૨૨માં જીડીપીના ૨.૧ ટકા જ ખર્ચ્યા હતા. તેને કારણે લોકોને પોતાની આર્થિક ક્ષમતા બહાર જઈને બીમારીના ઈલાજ માટે ખર્ચ કરવો  પડે છે. આવા ખર્ચને આઊટ ઓફ પોકેટ કહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર તેની વૈશ્વિક સરેરાશ ૧૮.૨ ટકા છે. પરંતુ ભારતમાં તે ૪૮ ટકા જેટલી ઉંચી છે. આ બાબતમાં ૧૮૯ દેશોમાં ભારત ૬૬મા ક્રમે છે. પાડોશી દેશો ભૂતાન ૩૭મા, બાંગ્લાદેશ ૫૨મા, પાકિસ્તાન ૫૫મા અને નેપાળ ૬૩મા ક્રમે છે.

    દેશની ૮ થી ૧૦ ટકા વસ્તી ગરીબીની રેખા હેઠળ જીવે છે અને ખુદ ભારત સરકારના જણાવ્યા પ્રમાણે સરકાર જેમને મફત રાશન પૂરું પાડે છે તેવી વસ્તી ૮૦ કરોડ છે. ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે દવા અને ઈલાજનો ૬૨ ટકા ખર્ચ દર્દી પોતાના ખિસ્સાનો કરે છે કે દેવું કરીને કે નાની-મોટી જમીન-જાયદાદ વેચીને ચુકવે છે. આ ચિંતાનો વિષય છે. નેશનલ હેલ્થ એકાઊન્ટ્સના જણાવ્યા પ્રમાણે ૨૦૧૮-૧૯માં દેશનો કુલ આરોગ્ય ખર્ચ ૫.૯૬ લાખ કરોડ હતો તેમાંથી સરકારોએ રૂ.૨.૪૨ લાખ ખર્ચ્યા હતા.શેષ ૩.૫૪ લાખ કરોડ લોકોના વપરાયા હતા.

    સરકાર એક સાંસદના આરોગ્યની દેખભાળ માટે વરસે રૂ.૫૧,૦૦૦ ખર્ચે છે પરંતુ આમ નાગરિક પાછળ તો માંડ રૂ.૧૮૧૫ જ ખર્ચે છે. એટલે પ્રજા અને તેણે ચૂંટેલા પ્રતિનિધિ વચ્ચેના આરોગ્ય ખર્ચનો આ ફાંસલો ભેદાય, સરકારની પ્રાથમિકતા બદલાય તેમજ સૌને માટે નિશુલ્ક આરોગ્ય સુલભ બને તો બાત બન જાયે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

    [1]

    ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪ . ૨ # અંશ ૧

    જીવનની અર્થવ્યવસ્થાનો

     વ્યાવહારિક અમલ

    ૪.૨  ખર્ચ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    હવે આપણે અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં  બીજાં મહત્ત્વનાં ઘટક ખર્ચ’ વિશે વાત માંડીશું.

    ખર્ચશા માટે?

    કમાણી દ્વારા આવક ઊભી કરવાનો એક ઉદ્દેશ્ય ખર્ચ કરી શકવાની ક્ષમતા ઊભી કરવાનો છે. એ ખર્ચ દ્વારા આપણે જીવન જરૂરિયાતો સંતોષવા માટે આવશ્યક સાધનસામગ્રીની પ્રાપ્તિ કરી શકીએ છીએ.

    આપણી જરૂરિયાતો સંતોષવા માટે અને આપણી વાંછિત જીવનશૈલી સિદ્ધ કરવા માટે ખર્ચ અનિવાર્ય આવશ્યકતા છે.

    અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનમાં કમાણી પછી ખર્ચ આવે છે, તે પછી બચત આવે છે. જીવનની અર્થવ્યવસ્થામાં કમાવું, હમણાં ખર્ચવું કે ભવિષ્યમાં ખર્ચવું કે પછી હમણા બચત કરવી કે ભવિષ્યમાં બચત કરવી એ આપણી મુનસફીનું અધિકાર ક્ષેત્ર છે.  આ વિશે વિગતે વાત આપણે થોડા સમય પછી કરીશું.

    આર્થિક જેલોમાં આપણે કામ કરીને આપણી રોજબરોજની ખાધાખોરાકી મેળવતાં રહેવામાં આપણે વ્યસ્ત રહીએ છીએ. નાણાકેંદ્રી આર્થિક જેલોમાં આપણી જરૂરિયાતો પુરી કરી શકે તેવી ચીજવસ્તુઓ અને સેવાઓ મેળવતાં રહેવા માટે નાણાં ખર્ચ કરતાં રહેવું પડે છે.

    કમાઈએ છીએ એટલે ખર્ચ નથી કરતાં. કમાયાં હો કે ન હો, પણ આપણી ઈચ્છા મુજબની ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવી હશે તો નાણાં ખર્ચવાં પડશે. એટલે જ કમાણી ગમે તેટલી હોય, અમૂક ખર્ચ તો કરવું જ પડશે. જોકે આપણી પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંતની પણ ચીજવસ્તુઓ અને સેવાઓની, ક્યારે અને કેટલી, અપેક્ષા રાખવી તેનો આધાર આપણી કમાણી કેટલી છે તેના પર જરૂર છે.

    આમ, આપણી ખર્ચની જરૂરિયાતો નક્કી કરશે કે આપણે શું અને કેટલું કમાવું. આપણી ખર્ચની અપેક્ષાઓ અને જરૂરિયાતોની દુનિયા આપણી કમાણીની ક્ષમતા અને સ્તરથી અલગ જ દુનિયા છે.

    શું ખર્ચવું?

    આપણે એટલું જ ખર્ચ કરી શકીએ જેટલું આપણે કમાણાં હોઇએ. આર્થિક જેલના વસવાટ દરમ્યાન આપણે બધો ખર્ચ નાણાંના માધ્યમથી જ કરી શકીએ છીએ, કેમકે આપણા સહજેલવાસીઓને સ્વીકાર્ય એવું માધ્યમ જ એ છે.  આપણી જરૂરિયાતો પુરી કરી શકે એવી ચીજવસ્તુઓ અને સેવાઓનો ખર્ચ નાણામાં કરી શકાય એટલે કમાણી પણ નાણાનાં સ્વરૂપમાં જ કરવી પડે.

    જોકે સર્વસ્વીકૃત માધ્યમ હોવા છતાં, વ્યવહારમાં, દરેક દેશ અને અર્થતંત્રમાં નાણાનું સ્વરૂપ સાવેસાવ એક સમાન નથી હોતું. દરેક દેશનું પોતાનું ચલણ હોય છે અને  એ દેશનાં અર્થતંત્રનાં પરિબળો અનુસાર  એકબીજાં ચલણના સંદર્ભમાં દરેક દેશનાં ચલણનું સાપેક્ષ મૂલ્ય અલગ અલગ હોય છે. એટલે કે, આપણે જે ચલણમાં કમાણી કરી છે, કે બચત કરી છે તેના સિવાય અન્ય ચલણ દ્વારા કોઈ ચીજવસ્તુ કે સેવા ખરીદવી હોય તો આપણે આપણી પાસેનાં ચલણનો વિનિમય કરીને જે ચલણ ખરીદી કરવા માટે પ્રસ્તુત છે તે મેળવવું પડે.

    આપણા પોતાના દેશમાં તો, સામાન્ય સંજોગોમાં, આપણી કમાણી આપણા જ દેશનાં ચલણમાં થતી હોય, એટલે આપણા જ દેશની, કે દેશમાં ઉપલબધ ચીજવસ્તુ કે સેવા ખરીદવા માટે આપણી પાસે જે ચલણ છે તે જ પુરતું બની રહે. પણ જો કમાણી અન્ય ચલણમાં હોય અને ખરીદી માટેની ચીજવસ્તુ કે સેવા બીજાં ચલણમાં ઉપલબ્ધ હોય તો આપણે ચલણને બદલવું તો પડે. પરંતુ એ સમયે શક્ય છે કે આર્થિક જેલમાં પર્યાપ્ત નાણા વિનિમય વ્યવસ્થા ન હોય, કે પછી વિનિમયના નિયમો આપણી પરિસ્થિતિને અનુકૂળ ન હોય. દેશમાં વસતી વ્યક્તિએ કયાં ચલણમાં કમાવું, કયાં ચલણમાં ખર્ચ કરવું અને કયું ચલણ, કયા દરે, કેટલી માત્રામાં વિનિમય થઈ શકશે તે અંગેના નિયમો દરેક દેશની સરકારો, જે તે સમયની  અન્ય અર્થતંત્રોને સાપેક્ષ, પોતાના દેશની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નક્કી કરતી હોય છે.

    જે દેશમાં તમે વસો છો તે દેશની સરકાર નાણા વિનિમયને મુક્ત, અથવા તો ઓછામાં ઓછાં નિયમનોથી અંકુશમાં, રાખવાની નીતિ અપનાવતી હોય તો તો તમારાં નસીબ પાધરાં કહેવાય. પણ તમારી પાસેનું ચલણ તમારી જરૂરિયાતને પુરી કરવા માટેની ખરીદી માટેનાં ચલણ તરીકે સ્વીકાર્ય ન હોય તો તમારી પાસેનાં નાણાં, તત્પુરતાં, કામનાં નથી રહેતાં.

    એટલે જ એટલું જ ખર્ચી શકાય જેટલું કમાયાં હોઇએ કે મેળવ્યું હોય.  બીજા શબ્દોમાં કહીએ તો આર્થિક જેલમાં નાણા વિનિમય તરીકે માત્ર સ્થાનિક ચલણ જ સ્વીકૃત હોવાથી બધા ખર્ચા સ્થાનિક ચલણમાં જ કરવા પડે. ક્રેડીટ કે ડેબિટ કાર્ડ વાપરો, કે બેંકના ચેક આપો, કે યુપીઆઇ દ્વારા ચુકવણી કરો, કે પછી એવા કોઈ પણ અન્ય કાયદેસર રીતે સ્વીકૃત વિકલ્પ દ્વારા નાણાના વ્યવહાર કરો પણ વિનિમયનું સ્વીકૃત માધ્યમ તો દેશની કેન્દ્રીય બેન્કે કાયદાથી માન્ય કરેલ સ્થાનિક ચલણ જ રહે છે.
    એટલે જે ચલણમાં લેવડદેવડ માન્ય છે તે ચલણ જ મેળવવું પડે. ભારતીય રૂપિયાની નોટ લઈને યુરોપ કે અમેરિકામાં ખરીદી શક્ય નથી, એ માટે ભારતીય રૂપિયાને એ દેશનાં ચલણમાં બદલાવવો પડે. એટલે કે, એ દેશમાં ચલણ તરીકે માન્ય હોય તે ચલણમાં તમારી કમાણી જો હોય તો જ તમે તે ખર્ચ કરી શકો. સામાન્ય પણે, વિશ્વના મોટા ભાગના દેશોમાં એ દેશનાં કાયદેસર રીતે માન્ય ચલણ સિવાય અન્ય ચલણમાં કમાણી કરવાનું માન્ય નથી હોતું. અમુક અપવાદો સિવાય, તમે સ્થાનિક ચલણમાં કરેલ કમાણી, કેટલીક શરતોને આધીન રહીને. તમારાં સ્થાનિક ચલણમાં ફેરવી શકો છો.

    આમ જે દેશમાં આપણે વસતાં હોઇએ એ દેશમાં માન્ય ચલણમાં જ ખર્ચ કરી શકાય. એનો અર્થ એ થયો કે જો તમે  એ દેશનાં ચલણમાં જ કમાયા ન હો તો તમારા દેશનાં ચલણમાં થયેલી કમાણી એ દેશના ચલણમાં ફેરવ્યા પછી કેટલી થશે એ ગણતરી કર્યા પછી જ, એ દેશમાં કેટલી ખરીદી કરી શકાશે તે નક્કી કરી શકાય.

    અહીં એ નોંધ કરવું જરૂરી છે છે કે નાણા દ્વારા થતી ખરીદીને ‘’સાટા વિનિમય’ના ફાયદાઓ કે પ્રશ્નો સાથે કોઈ સંબંધ નથી. નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થામાં કાયદેસર ઉપલબ્ધ વિવિધ પ્રકારોમાંથી કોઈ પણ પ્રકારે ‘નાણાં’ વડે આપણી જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી શકય બની રહે છે. જ્યાં સુધી પર્યાપ્ત નાણાં છે ત્યાં સુધી ખરીદ વેચાણ  માટે  સાટા વિનિમયની જરૂર નથી રહેતી.

    નાણાની સમકક્ષ બિનનાણાકીય કમાણીથી ખર્ચ કેવી રીતે કરી શકાય તે અંગત અર્થવ્યવસ્થાનો વિષય છે, જેની ચર્ચા આપણે થોડા સમય પછીથી કરીશું.

    કેટલું ખર્ચ કરવું?

    આપણી ખરીદીઓની નાણાકીય જરૂરિયાતો અને આપણી કમાણી દ્વારા થતી નાણાકીય આવકને સરભર કરવાનો પડકાર આપણી અંગત અર્થવ્યવસ્થાનો, કદાચ, સૌથી મોટો પડકાર ગણી શકાય.

    આપણે જાણીએ જ છીએ કે આપણી ખરીદીની જરૂરિયાતો અને કમાણીનાં સામર્થ્ય એ બન્ને અલગ અલગ જ ચાલતાં રહે છે. એટલે વ્યવહારમાં, આવક અને ખર્ચ વચ્ચે ક્યારેય મેળ નથી પડતો. કેટલાંક ખર્ચ કરતાં વધારે કમાય છે તો બીજાં, મોટા ભાગનાં, ખર્ચ કરતાં ઓછું કમાય છે. એનું દેખીતું એક કારણ એ છે કે આપણી કમાણી આપણા ખર્ચાઓની જરૂરિયાતો અનુસાર નહીં પણ આપણી આવડત અને ક્ષમતાઓ વડે આપણે આપણને કામ રાખનારને કેટલું રળી આપી શકીએ છીએ તેના પર નિર્ભર છે. મુક્ત બજારના વ્યવહારોમાં  પેદાશની કે સેવાની કિંમત ઉત્પાદકની માન્યતા પ્રમાણે નક્કી નથી થતી પણ પોતાની અપેક્ષા કે જરૂરિયાત કેટલી હદે સંતોષાય છે તેના આધારે ગ્રાહકને એ પેદાશ કે સેવા માટે કેટલું ચુકવવાનું પોસાય છે તેના પરથી નક્કી થાય છે.

    આમ મુક્ત બજાર સમાજમાં તમારી કમાણી તમને કામે રાખનારને તમારી ક્ષમતામાંથી મળતાં વળતર  કે તમારાં ગ્રાહકની અપેક્ષાના સંતોષની કક્ષા અનુસાર જ થશે.

    એ વ્યવસ્થામાંથી પણ જો ખર્ચ કરતાં કમાણી વધારે હોય તો આપણી બધી જરૂરિયાતો પુરી કર્યા બાદ પણ આપણી પાસે કમાણીમાંથી કંઈક હિસ્સો બચશે. એ બચેલા હિસ્સાનું શું કરવું એ અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનું એક આગવું ઘટક છે, જેના વિશે આપણે થોડા સમય પછીથી, અલગથી, ચર્ચા કરીશું.

    પણ, કમનસીબે, આપણી બધી જરૂરિયાતો સંતોષી શકે એટલી જો આપણી કમાણી ન હોય તો, આપણા જીવનની અર્થવ્યવસ્થાનું પૈડું ફરતું અટકી જઈ શકે છે.  એ સંજોગોમાં ક્યાં તો અધૂરી કે વણસંતોષાયેલી જરૂરિયાતોથી મન મનાવી લેવું પડશે કે પછી કમાણીમાં જેટલી ઘટ પડી તે પુરી કરવા કોઇ પર આધાર રાખવો પડશે.

    આવક કરતાં ખર્ચ વધારે શી રીતે કરી શકાય? 

    આવક કરતાં ખર્ચ વધારે કરવાના વિવિધ વિકલ્પોમાંનો  એક વિકલ્પ છે સામાજિક મદદ લેવાનો.

    ભારત જેવી ઘનિષ્ઠ સામાજિક પરંપરાઓના દેશમાં વ્યક્તિનું કુટુમ્બ, તેની કોમ કે આસપાસનો સમાજ તેની આર્થિક સંકડાશનાં સમયે તેની પડખે ઉભાં રહે છે. સાધુ સંતોના આશ્રમોમાં ભુખ્યાં લોકો માટે અન્નક્ષેત્રો પણ ચાલે છે. કુદરતી આપત્તિ વખતે તો દરેક દિશામાંથી મદદ મળી રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવાઈ જતી હોય છે.

    ૧૯મી સદીમાં સામ્યવાદ અને પછી સમાજવાદ જેવી રાજકીય વિચારધારાઓના ઉદય પછી કલ્યાણકારી રાષ્ટ્રની વિચારધારાને નક્કર સ્વરૂપ આપવાના અનેક પ્રયોગો થતા રહ્યા છે.  કાયદાકીય જોગવાઈઓ બનાવીને આવી વિચારધારોથી ઘડાયેલી સરકારોએ લોકોની ક્ષમતા અનુસાર નહીં પણ તેની જરૂરિયાત અનુસાર આવક પુરી પાડવાની કોશિશો કરી છે. શુભ ભાવનાઓથી શરૂ કરાયેલી આ યોજનાઓ જોકે, મહદ અંશે, મર્યાદિત કક્ષાએ જ સફળ રહી છે. તેનું એક કારણ, કદાચ, એ છે કે આપનો માનવ સહજ સ્વભાવ સ્વ-લક્ષી છે.  જો આપણને આપણી માની લીધેલ ક્ષમતા મુજબની આવક કરતાં અલગ જ માપદંડ પ્રમાણે સરકાર આવકની વ્યવસ્થા કરે તો આપણને બહુ ગોઠતું નથી. આપણી ક્ષમતા કરતાં ઓછી આવક બાંધી અપાય તો સરકારે આપણને છેતર્યા એવો ભાવ રહ્યા કરે છે.  એ સંજોગોમાં, પોતાની જે કાંઈ પણ શક્તિ છે તે મુજબ કામ કરવાની ધગશ જ નથી રહેતી. એથી વિપરિત, જરૂરિયાત કરતાં વધારે આવક મળી જાય તો તે સામાજિક રૂઢિઓને પુરી કરવામાં, કે પછી આવશ્યક ન હોય એવી જરૂરિયાતો પુરી કરવામાં, કે પછી  દારૂ જુગાર જેવી બદીઓ પાછળ ખર્ચાઇ જવાના અનેક દાખલાઓ પણ નોંધાતા રહ્યા છે. પરિણામે સમાજનો એક વર્ગ કામ કર્યા વગર જ સરકારી સખાવતોને પોતાનો વિશેષાધિકાર માનતો થઈ જાય છે.

    આ વિકલ્પ અજમાવતાં પહેલાં ચીજવસ્તુઓ કે સેવાઓના સાટાબદલાનો વિકલ્પ પણ ખુલ્લો તો છે જ. પણ હવે આર્થિક વ્યવસ્થામાં નાણાના માધ્યમથી વહેવારોની  સરળતાઓ એટલી વ્યાપક થઈ ગઈ છે કે સાટાબદલાની ઝંઝટોમાં પડવા કરતાં ચીજવસ્તુઓ કે સેવાઓની ખરીદી કરીને જરૂરિયાતો પુરી કરવાની મહેનત સરળ લાગવા લાગી છે. એટલે સાટાબદલામાં મળતી જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ કે સેવાને બદલે કમાણીનું વળતર નાણામાં મળે તો જરૂરિયાતો પુરી કરવા માટેની ખરીદીઓ કરવામાં વધારે સ્વતંત્રતા મળ્યાનો આનંદ અનુભવાય છે. દેવું કરીને મેળવેલ નાણાનાં વ્યાજ ભરવામાં જ આખાં કુટુમ્બની આવરદા પુરી થઈ જવાના કિસ્સાઓ બહુ જૂનો ભૂતકાળ નથી. તેની સામે આવક કરતાં જરૂરિયાતો વધારે હોવાથી, આજે સહેલાઈથી મળતી લોનોનાં ચક્કરોમં ફસાઈને લોનનું મુદ્દલ અને વ્યાજ ભરવા માટે નવી લોનો લેવાનાં વિષચક્રમાં ફસાયેલાં લોકોના કિસ્સાઓ પણ એટલી જ વરવી હકીકત બનતા જાય છે.

    સરકારો જ્યારે મદદનું ધોરણ નક્કી કરવા બેસે છે ત્યારે કેટલી જરૂરિયાતોને સંતોષવી જ જોઇએ અને સમાજના જે વર્ગને મદ કરવી છે  એ વર્ગના તમામ લોકોને એટલી આવક પુરતી થઈ રહેશે તે નક્કી કરવું એ કોયડો હંમેશાં ધાર્યા કરતાં વધારે મુશ્કેલ જ નીવડ્યો છે. કોઈ પણ દેશની સાંસ્કૃતિક, સામાજિક, ભૌગોલિક વિવિધતા, વ્યક્તિ-વ્યક્તિની જરૂરિયાતોની અલગ અલગ પ્રાથમિકતાઓ અને ઓછામાં ઓછી જરૂરિયાતોને પુરી કરવા માટે ઘડાતી યોજનાઓ માટે જરૂરી સંસાધનોની તૂટને કારણે એક સાંધો ત્યાં તેર તૂટે એવા ચક્રવ્યૂહના કોઠામાં સરકારો ફસાયેલી રહેતી જોવા મળે છે.

    સામ્યવાદી વિચારધારા રોટી,કપડા અને મકાનની જરૂરિયાત પુરી કરવી જોઈએ તેને  લઘુત્તમ જરૂરિયાતો માને છે. જોકે આખા દેશને માટે, લગભગ એક જ સાથે, આ જરૂરિયાતો પુરી પાડી શકાય એટલાં સંસાધનો કોઈ પણ દેશ પાસે હોતાં નથી. એટલે તેને ક્રમશઃ પુરી પાડી શકાય એવી યોજનાઓ  ઘડવી પડે છે. આ ઉપરાંત દરેક સરકારી યોજનામાં કોઇને કોઈ પ્રકારનો ભ્ર્ષ્ટાચાર પણ ઘર કરી જ બેસે છે. સામ્યવાદી શાસનો સામે આક્ષેપ થતા રહ્યા છે કે શાસક વર્ગ પોતા માટે મોટાં ઘરો, ઉત્તમ ખાધાખોરાકી કે કપડાં વગેરે રાખે છે અને ખરા લાભાર્થીઓને આ સગવડો ઓછી ગુણવતાવાળી પુરી પાડીને વધારે લોકો સુધી લાભ પહોંચાડ્યા છે એવો દેખાવ કરે છે.

    સામ્યવાદની અસર પછીની લોકશાહી સરકારોને સમજાઈ ગયું છે કે દરેક વર્ગની જરૂરિયાતો એક સમાન નથી હોતી. તે ઉપરાંત આવી સગવડ ઉભી કરવા માટે સરકારો પાસે પુરતાં સંસાધનો પણ નથી હોતાં. એટલે હવે સરકારો આવી જરૂરિયાતો પુરી કરવા માટે નાણાકીય સહાયો પુરી પાડવા વિશે વિચારવા લાગી છે. આવી સહાયો બે પ્રકારની હોઈ શકે છે.

    પહેલો ઉપાય એ છે કે સરકાર કઈ અને કેટલી હદે ‘સર્વસામાન્ય સામાજિક સેવાઓ’ પુરી પાડે તે નક્કી કરી લેવું. આ પ્રકારની સેવાનું એક ઉદાહરણ તબીબી સેવાઓ છે. સરકાર લાભાર્થીઓની તબીબી સેવાઓની જરૂરિયાતો તબીબી સેવા વિમાના માધ્યમથી પુરી પાડે છે. લાભાર્થી પોતાની મેળે સારવાર કરાવી લે અને પહેલેથી નક્કી કરાયેલી શરતો અનુસાર તે માટેનો ખર્ચ સરકાર દ્વારા પુરી પડાયેલી, કે માન્ય, વિમા યોજનાઓ દ્વારા ભરપાઈ કરી દેવામાં આવે. જુદી જુદી સરકારો આ લાભ કોને મળે તે માટે કુલ કૌટુંબિક આવકના અલગ અલગ માપદંડ નક્કી કરાતી હોય છે.

    બીજો જે ઉપાય આજે હવે ઘણી સરકારો પાસે વિચારાધીન છે તે સાર્વત્રિક મૂળભૂત આવક – Universal Basic Income – UBI – પુરી પાડવાનો છે. સાર્વત્રિક મૂળભૂત આવક એ દેશની તત્કાલીન અર્થવયસ્થામાં અમુક લઘુતમ સ્તરનું જીવનધોરણ જીવવા માટે કેટલો ખર્ચ કરવો આવશ્યક છે તેનો નાણાકીય અંદાજ છે. સમાજના જે વર્ગનાં લોકોને આ લાભ મળવાનો નક્કી થાય તેને નિયમિતપણે આ નિશ્ચિત રકમ સીધી જ મળી જાય. સામાન્યપણે, લાભાર્થીઓની યોગ્યતા નક્કી કરવા માટે કુટુંબ દીઠ અમુક આવકનાં સ્તરનો માપદંડ નક્કી કરાતો હોય છે.

    આમ, રોટી, કપડા અને મકાનની સીધી જવાબદારી લેવાની સામ્યવાદની શાસન વ્યવસ્થાને બદલે હવે સરકાર અમુક સ્તરનું જીવનધોરણ જીવી શકાય એ માટે ઓછાં ઓછી જરૂરી આવક સુનિશ્ચિત કરી આપવાની સુરક્ષા પુરી પાડે છે.

    આમ અમુક સ્તરની સર્વસામાન્ય સેવા કે સાર્વત્રિક મૂળભૂત આવકનાં માધ્યમ તરીકે નાણાનો ઉપયોગ કરવામાં આવે છે. સરકારની નીતિ મુજબના લાભાર્થીઓને કેટલી અને કઈ સેવાઓ પુરી પાડવા માટે, કે પછી સાર્વત્રિક મૂળભૂત આવક પુરી પાડવા માટે જરૂરી નાણાકીય જોગવાઈનો અંદાજ માંડવાનું કામ સરકારના અર્થશાસ્ત્રીઓને સોંપી દેવામાં આવે છે.

    જોકે સાર્વત્રિક મૂળભૂત આવક પુરી પાડવા માટે જરૂરી નાણાકીય જોગવાઈના અંદાજની ગણતરીનું કામ પણ આસાન તો નથી જ. બહુ મોટા પાયાની નાણાકીય જોગવાઈઓ ધરાવતી સરકારી યોજનાઓના અમલમાં રહેલ ભ્રષ્ટાચારની શક્યતાઓને મહદ અંશે ડામી દેવાનું વિચારાયું છે એમ માની લઈએ તો પણ, આ યોજનાના અમલમાં કેટલીક વ્યાવહારિક સમસ્યાઓના પડકાર પણ યોજનાની અસરકારક અને કાર્યદક્ષ સફળતા પર વ્યાપકપણે અસર કરી શકે છે. વિશ્વાસપાત્ર અને ચોક્કસ આંકડાઓ મળી રહે તેવી વ્યવસ્થાના અભાવને કારણે યોજનાના બધા જ અપેક્ષિત લાભાર્થીઓની નોંધણી નથી થઈ શકતી. સમાજના છેવાડાના લાભાર્થીઓ સુધી આવી યોજનાની પુરી માહિતી પહોંચાડવાની સમસ્યા ઉપરાંત એ વર્ગના મોટ ભાગના લાભાર્થીઓ પાસે ભૂલચૂક ન થાય એવાં ઓળખ દસ્તાવેજો ન હોવાની સમસ્યા પણ રહે છે. આને કારણે નકલી દસ્તાવેજો ઊભા કરીને યોજનાના લાભો ખોટા હાથોમાં જઈ શકવાની સંભાવનાઓ પણ વધી જાય છે. આવાં બધાં કારણોસર આ યોજનાના ઘણા જ ફાયદાઓ હોવા છતાં તે બહુ મર્યાદિત દેશોમાં સંતોષકારક રીતે અમલ થઈ શકી છે.

    ભૂતકાળના ઐતિહાસિક, સાંસ્કૃતિક, ભૌગોલિક કે સામાજિક વારસાને કારણે કે પછી વર્તમાનમાં આવશ્યક માળખાકીય સગવડોની પુરતી જોગવાઇઓના અભાવે પોતાની લઘુતમ જીવન જરૂરિયાતો જેટલી આવક ન રળી શકતા વર્ગોને દેશના ભાવિ મુખ્ય પ્રવાહોમાં સમાન તકો મળી રહે એ માટે અનુભવોની અને આવશ્યકતાઓની એરણે ખરી ઉતરે એવી નાણાકીય વ્યવસ્થાઓ વિશેની કલ્યાણકારી સરકારોની ખોજનો અંત સંહેલાઈથી આવી શકે એવી કોઈ જાદુઈ છડી હજી વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રને મળી શકી નથી.

    અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં  એક ઘટક તરીએ ‘ખર્ચ’ને લગતાં અસીમિત જરૂરિયાતો પુરી કરવા માટે કરવા પડતા ખર્ચાઓ, આવક અને ખર્ચાના છેડા મેળવવા – ઓછી જરૂરિયાતો, ઓછાં ખર્ચ કે પછી આવક અને ખર્ચાના છેડા મેળવવામાં થતાં શોષણની સમસ્યાઓ, આર્થિક કેદ અને સામાજિક ધારાધોરણોની ભૂમિકા જેવાં મહત્ત્વના પાસાંઓની ચર્ચા હવે પછીના મણકામાં કરીશું..


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • કાર્ટૂનકથા : [૭]

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના સાતમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં. આ અંકમાં પણ મેં માત્ર કાર્ટૂન દોરીને મોકલ્યાં હતાં, જ્યારે સંવાદ હાથે લખવાને બદલે મુદ્રિત સ્વરૂપે મૂકાયા હતા. અહીં એ મૂળ કાર્ટૂન અને તેની નીચે સંવાદ મૂકેલાં છે.

    વાર્તાવ્યંગ્ય

    ઉધઈ ઉવાચ


    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • નૃત્યભંગિમાઓનાં રેખાંકનો – ૧

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

    મહેન્દ્ર શાહ રચિત નૃત્યભંગિમાઓનાં રેખાંકનો – ૧

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક પહેલો: પ્રવેશ ૪

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક પહેલો: પ્રવેશ ૩ થી આગળ

    સ્થળ : કિસલવાડી

    [ રાઈ અને જાલકા સંભાષણ કરતાં પ્રવેશ કરે છે. ]

    રાઈ : ગમે તે થાય, જાલકા ! પણ એમ મારા ચિત્તનું સમાધાન થવાનું નથી. શીતલસિંહને તેં ભય તથ લોભ દેખાડી મૂંગો કર્યો,પણ મારું અંત:કરણ એ પ્રકારે શાંત થાય એમ નથી. કપટથી મળવાના રાજ્યનો મારે ખપ નથી.

    જાલકા: તેં માત્ર પુસ્તકો જ વાંચ્યા છે, જગત્ જોયું નથી.

    રાઇ: જગત્ જો ઊંચી ભાવનાઓથી શૂન્ય હોય તો તે જોવા સરખું પણ નથી. પરંતુ, જગત્ એવું અધમ નથી. ઉચ્ચ જીવન પણ જગત્ માં શક્ય છે.

    જાલકા : તને ઉચ્ચ જીવનમાં લઈ જવાનો જ મારો પ્રયાસ છે.

    રાઈ : અને તે નીચ માર્ગે થઈને ?

    જાલકા : ભલે ઉચ્ચતાએ પહોંચવા સારુ નીચ માર્ગ ન લઇએ, અને, આપણી સહીસલામતીની પણ દરકાર ન કરીએ, પણ પર્વતરાયના મૃત્યુ પછી રાજ્યનું શું થાય ?

    રાઈ : તેની ફિકર તારે અને મારે શા માટે કરવી ?

    જાલકા : જે રાજ્યમાં આપણે વસીએ તેના હિત માટે ઉત્સુક ન રહેવું એ અધર્મ છે. વળી, લાખો મનુષ્યોના જાનમાલની ખુવારી થતી અટકાવવી એ દયાના પ્રશ્નની પણ અવગણના કરવી યોગ્ય નથી.

    રાઈ : હકદાર ગાદીએ બેસે તેમાં આપણે મદદ કરવી એટલું જ આપણું કર્તવ્ય છે.

    જાલકા : એમાં સહાય થવાની તું પ્રતિજ્ઞા કરે છે ?

    રાઈ : પ્રાણાંન્તે પણ સહાય થઈશ. ન્યાય પ્રમાણે જે હકદાર નીકળશે તેને ગાદીએ બેઠેલો જોઇશ ત્યાં સુધી વિરામ નહિ લઊં એવી પ્રતિજ્ઞા લઉં છું.

    જાલકા : ત્યારે ગાદીના હકદારની ખોળ કરીએ. પર્વતરાયને પુત્ર નથી, બન્ધુઓ નથી. એણે તો દૂર દેશથી આવી આ રાજ્ય જીતી લીધેલું. તેનો પોતાનો જ આ રાજ્ય પર જૂનો હક નહિ, તો શું દેશાવરમાં એના કોઇ સગા હોય તેમાંથી કોઇને અહીં લાવીને ગાદીએ બેસાડવો ?

    રાઇ : તું કહેતી હતી કે પર્વતરાયે આ દેશના પ્રથમના રાજા રત્નદીપદેવનો અધર્મથી વધ કરાવ્યો. તે વેળા રત્નદીપદેવની રાણી અમૃતદેવી બાળક કુંવર જગદીપ સાથે પોતાના પિતાને ત્યાં હતી, પણ તે પછી તેઓ ક્યાંઈ અદૃશ્ય થઈ ગયેલાં છે. તે કુંવર જડી આવે તો તેને ગાદીએ બેસાડવો જોઇએ.

    જાલકા : એ તું પસંદ કરે છે ?

    રાઇ : સંપૂર્ણ રીતે.

    જાલકા : ત્યારે, આજ સુધી ગુપ્ત રાખેલી વાત તને કહું છું. તું જ જગદીપ છે અને હું જ તારી માતા અમૃતદેવી છું.

    રાઈ : (આશ્ચર્ય પામીને ) શું ? તું મારી માતા ! (જાલકાને ભેટે છે. છૂટો પડીને ) આજ લગી તેં મને માતા વગરનો કેમ રાખ્યો ?

    (વસંતતિલકા)

    પાસે સુધાસરિત ને મુજ કંઠ શુષ્ક !
    પાસે પ્રલેપનિધિ ને મુજ ચક્ષુ ઉષ્ણ !
    પાસે સુવાસભરિ શીતલ વાટિકા ત્યાં,
    હું છિન્નભિન્ન ભટક્યો તૃણઝાંખરામાં ! ૯

    જાલકા : તારા રક્ષણ માટે અને તારા ભાગ્યોદય માટે આ બધી ગુપ્તતા રાખવી પડી છે.

    રાઈ : તારા ગાઢ વાત્સલ્યની કદર હવે મને સમજાય છે. પરંતુ, હ્રુદયમાં સ્નેહોર્મિઓ અનુભવવાનો મારા જીવનનો કેટલો બધો અમૂલ્ય સમય વ્યર્થ ચાલ્યો ગયો ! બાળપણના વહી ગયેલા દિવસો તરફ હું દૃષ્ટિ કરું છું ત્યારે મને યાદ આવે છે કે,

    (દ્રુતવિલંબિત)

    નિરખતો કદિ બાળક દોડતાં,
    ઉલટથી નિજ માત નિહાળતાં,
    ઊમળકા ઊઠતા હ્રુદયે મમ,
    ન શકતો કળિ તેનું હું કારણ. ૧૦

    તેં મને સુખની ન્યૂનતા રાખી નથી, પણ મનમાં માતાની કુમક વિનાનાં બાળપણનાં મારાં સુખ અધૂરાં જ રહ્યાં !

    (વસંતતિલકા)

    ‘મા’ શબ્દ ધન્ય ઊચરી નહિ મેં કદાપિ,
    માગ્યા પદાર્થ નજિવા પ્રબલ સ્પૃહાથી;
    ના બાલમંડળિમહીં લિધિ મેં પ્રતિજ્ઞા :
    ‘અન્યાય સારુ કરશે મુજ માત શિક્ષા.’

    જાલકા : કંઈ કંઈ સ્થળે સંતાવું પડેલું; ત્યાં હું તારી મા તરીકે શી રીતે પ્રગટ થાઉં ? ઘણાં વર્ષ વીત્યા પછી કનકપુરની સમીપમાં આ વાડી લઈને આપણે અહીં આવીને રહી શક્યા છીએ.

    રાઈ : માળીને વેશે રહેવાનું તેં કેમ પસંદ કર્યું ?

    જાલકા : ઘરાકોને ફૂલ આપવા જતાં નગરમાં બધે ફરી શકાય છે. એજ કામે આખરે હું રાજમહેલમાં દાખલ થઈ શકી અને પર્વતરાયનો મેળાપ કરી શકી.

    રાઈ : પર્વતરાયને જુવાન કરવાના પ્રયત્નમાં તું શું રીતે ફત્તેહમંદ થવા ધારતી હતી ?

    જાલકા : કેશ કાળા થાય અને ઘોડે બેસી શકાય એટલી શકિત આવે એવાં ઔષધ મારી પાસે છે, અને તેટલું કરી આપવાની મેં શરત કરી હતી. પણ, પર્વતરાયને વૈદ્યક કરતાં જાદુ પર વધારે શ્રધા હતી, અને તેથી, જાદુના પ્રયોગથી સૂકા ઝાડને એકદમ લીલો છોડ કરી બતાવવાની મારે યોજના કરવી પડી. એવો પ્રયોગ હું દેખડું તો પર્વતરાય આજ રાત્રે જ મને એવો લેખ કરી આપવાના હતા કે જુવાનીનાં ચિહ્ન તેમને પ્રાપ્ત થયેથી રાજ્યનો ચોથો ભાગ મારી તરફથી તને આપવો.

    રાઈ : અને તે જાદુનો પ્રયોગ શી રીતે કરત ?

    જાલકા : એ તો માત્ર પેલા કાળા પડદા પાછળ બાંધેલી દોરીઓની કરામત હતી. પાસે દાટેલું સૂકું ઝાડ ભોંયરામાં ઉતરી જાત અને તેને ઠેકાણે એક લીલો છોડ ખસી આવત.

    રાઈ : આટલું બધું છલ શાને માટે ?

    જાલકા : તને તારા પિતાની ગાદી પાછી અપાવવા માટે એકવાર રાજ્યનો ચોથો ભાગ તારે હાથ આવે તો કોઇ કાળે પર્વતરાય છતાં કે પર્વતરાય પછી આખું રાજ્ય સંપાદન કરવાની તને અનુકૂળતા મળે. તારા બહુબળ પર મને સંપૂર્ણ ભરોંસો છે.

    રાઈ : પરંતુ બાહુબળ વાપરનારા છલનો આશ્રય નથી કરતા.

    જાલકા : છલની જે શિક્ષા હશે તે હું ભોગવીશ, પણ તારા પિતાની પ્રતિષ્ઠા ખાતર અને તારી માતાના પ્રેમ ખાતર તું આ પ્રસંગ વ્યર્થ જવા ન દઈશ. બળથી રાજ્ય વશ કરીએ એવું આ વેળા આપણું સામર્થ્ય નથી. અને વળી, પ્રાણાન્તે પણ જગદીપને ગાદીએ બેસાડવાની મેં પ્રતિજ્ઞા કરી છે.

    રાઈ : પણ તે અસત્યને માર્ગે ? પ્રાણાન્તે પણ ધર્મયુધ્ધ કરવા નીકળતાં મને લેશમાત્ર સંકોચ નથી.

    જાલકા : પર્વતરાયનો તરા શસ્ત્રથી જ તેં વધ કર્યો છે.

    રાઈ : અજાણતાં થયેલા વધમાં ક્ષત્રિયોનું પરાક્રમ ગણાતું નથી.

    (દોહરો)

    સામો જઈ જે ઘા કરે, તે જ ખરો રણવીર:
    ચાડી ચુગલી તોલનું, છૂપું ફેંક્યું તીર. ૧૨

    મને પ્રગટ થવા દે કે મારા પરાક્રમનો દાવો કરવાનો મને પ્રસંગ મળે.

    જાલકા : અત્યારે પ્રગટ થવાનો સમય છે ? તું ગાદીએ દૃઢ સ્થપાઈશ પછી આપણે કશું ગુપ્ત નહિ રાખીએ. પણ, જગદીપ-અરે-રાઇ ! આ અણીનો સમય છે; અને તું તારી માતાને નિરાશ ન કર. મૃત્યુની મને બીક નથી, પણ, મારા સ્વામીનું અને મારા પુત્રનું રાજ્ય સદાને માટે લુપ્ત થતું જોઈને તથા તેમનો વંશ નિર્મૂળ થતો જોઇને મારે પ્રાણત્યાગ કરવાનો ? અને, એ બધી ક્રૂરતા મેં આશાએ આશાએ કષ્ટ વેઠી સંભાળથી ઉછેરેલા મારા પુત્રને જ હાથે ?

    રાઇ : મા ! મને એકવાર એ સંબોધન કરી લેવા દે. કોઇ સમીપ નથી. મા ! તારા પ્રેમ આગળ મારું આત્મબળ હારી ગયું છે. હું પણ છલની જે શિક્ષા હશે તે ભોગવીશ, હું તારી ઈચ્છાને આધીન છું.

    જાલકા : જો ! પણે શીતલસિંહ સ્નાન કરીને આવે છે. જા, તું પણ સ્નાન કરી આવ. રાજાનું સ્નાન રાજાના વારસે કરવું જોઇએ.

    રાઈ : મને મૃત્યુથી શી રીતે મલિનતા પ્રાપ્ત થઈ છે ? પરંતુ, નદીની શીતલતા શાન્તિકર થશે.

    [રાઈ જાય છે.]

    જાલકા : શીતલસિંહ ! બહુ વાર થઈ !

    શીતલસિંહ : ( હાંફતો હાંફતો ) કાં તો અંધારી રાતને લીધે અથવા તો આ બનાવને લીધે નદીએ અત્યારે બહુ કારમી વસતી થઈ છે. હું નદીની રેતીમાં પેઠો એટલે પાછળથી પાસે આવી મહારાજના જેવા અવાજથી મારું નામ દઈ મને કોઈએ બોલાવ્યો. પાછો ફરી જોઉં છું તો કોઇ મળે નહિ ! થોડીવાર તો મારાથી હલાયું કે ચલાયું નહિ ! પછી પાછળ જોતો જાઉં ને આગળ ચાલતો જાઉં. એમ હું નદીકિનારે પહોંચ્યો જેવો પાણીમાં પગ મૂકું છું તેવી રાણી રૂપવતીની આકૃતિ પાણીમાંથી નીકળી આવી, અને મને અંદર બોલાવવા તેણે હાથ લાંબો કર્યો. હું ભયથી છળીને નાઠો, અને ઘણીવાર સુધી એક ઝાડને થડે વળગીને સંતાઇ રહ્યો. આખરે તારું સ્મરણ થયું ત્યારે મને હિંમત આવી, અને, હું આંખો મીંચી રાખી ને કાન દાબી રાખી જેમતેમ નાહીને અહીં દોડી આવ્યો. આ વાડીના ઝાંપામાં હું પાછો પેઠો ત્યારે હું જીવતો છું એમ મને ખાતરી થઇ. રાઇ નદીએ જતો હોય તો એને પાછો બોલાવ.

    જાલકા : એને ભય નહિ લાગે અને ભૂત નહિ દેખાય ! ભયભીત દશામાં નિર્બળ થયેલા મનને જ એવી સ્વકલ્પિત ભ્રમણાઓ દેખાય છે.

    શીતલસિંહ : જાલકા ! એક બીજી શંકા મને ઉત્પન્ન થઇ છે, તે હું કહું છું તે માટે ક્ષમા કરજે. તારી યુક્તિ પ્રમાણે નગરમાં સંદેશો કહેવડાવીશું અગર હું જઇને કહીશ, પણ, કલ્યાણ કામ અને બીજા રાજપુરુષો તે નહિ માને તો ? એવી વાત એકદમ ન યે મનાય.

    જાલકા : તેની ફિકર કરવા જેવું નથી. મહારાજની કમ્મરમાંથી આ પત્ર મને મળી આવ્યો છે. એમાં માત્ર મહારાજની સહી અને મહોરછાપ છે. બાકીનો પત્ર કોરો છે.

    શીતલસિંહ : તને, તું કહે એવી ઇબારતનો લેખ લખી આપવા મહારાજ એ પત્ર તૈયાર કરી સાથે લેતા આવ્યા હતા.

    જાલકા : એ પત્ર ઉપર આપણો સંદેશો તમે લખજો. અને, મહારાજની આંગળીએથી આ વીંટી હું લેતી આવી છું. તે તેમના રિવાજ મુજબ એધાણી તરીકે પત્ર જોડે મોકલીશું.

    શીતલસીંહ : આફરીન ! જાલકા, તારી અક્કલને આફરીન ! મહારાજ પોતે જીવતા હોય તો પણ આ પુરાવો તેમને માનવો પડે.

    જાલકા : રાઇને આ પત્રની વાત કહેવાની નથી. ભેદમાં જેટલા ઓછા સામેલ તેટલી વધારે સલામતી. મહારાજનો આ હાર અને આ તોડો છે તે રાઇ જ્યારે મહારાજને વેશે નગરમાં જશે ત્યારે એને પહેરાવીશું. હવે આપણું કાર્ય સમાપ્ત કરીએ.

    [બંને જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

  • શ્રાવણ નીતર્યો / શ્રાવણ આવે ને…

    શ્રાવણ નીતર્યો
    આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલોજી
    પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલોજી.
    આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલોજી
    પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલોજી.

    આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલોજી
    પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલોજી.

    આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલોજી
    પેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલોજી.

    આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલોજી
    આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલોજી.

    આ સમણા કેરા કરા પડે કોઈ ઝીલોજી
    આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલોજી.

    આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલોજી
    એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલોજી.

    આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલોજી
    આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલોજી.

    આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલોજી
    પેલી ઝરણાંની વણઝાર હો કોઈ ઝીલોજી.

    આ જતિસતીનાં તપ રેલે કોઈ ઝીલોજી
    પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલોજી.

     
    —–બાલમુકુંદ દવે

    શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરુ થઈને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે! સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા,જેલના એક ખૂણામાં શું શું અને કેવું કેવું અનુભવે છે ? કદી એની કલ્પના કરી છે?

     

    શ્રાવણ આવે ને…

    શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.
    છાતીમાં ધગધગતી કેવી એ લ્હાય?
    કાયા તો ઝીલે લઈ ભીતર સંગ્રામ,
    વદપક્ષની રાતે મુજ  હૈયું વ્હેરાય.
    લમણે તો લાખ તોપમારો ઝીંકાય, હાય… શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

    સાત સાત નવજાત હોમીને સેવ્યો,
    નવ નવ મહિના આ ઉદરમાં પોષ્યો.
    જન્મીને જ જવાને આવ્યો જ શાને?
    કંસડાનો કેર ત્યારે કાપ્યો ન કા’ને?
    ગોવર્ધનધારી કેમ બિચારો થાય? હાય … શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

    રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ,વાહ!
    જગ તો ના જાણે ઝાઝુ, દેવકીને આજ.
    વાંક વિણ, વેર વિણ,પીધા મેં વખ,
    ને તોયે થાઉં રાજી, જોઈ યશોદાનું હખ.
    આઠમની રાતે જીવે ચૂંથારો થાય,
    કેમે ન ખમાય, બહુ પીડા અમળાય..હાય… શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

    —દેવિકા ધ્રુવ


    સુશ્રી દેવિકાબેન ઘ્રુવનાં સંપર્ક સૂત્રો
    ઇ-મેલ ddhruva1948@yahoo.com
  • ફિલ્મી ગઝલો – ૧૫. યોગેશ

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ગીતકાર યોગેશનું આખું નામ યોગેશ ગૌડ. ૬૦ ના દશકમાં ફિલ્મોમાં આવ્યા એ પહેલાં જ ગૌડ અટકધારી વ્રજેન્દ્ર ગૌડ એટલે કે એમના મોટા ભાઈ ફિલ્મી દુનિયામાં સંવાદ અને પટકથા લેખક તરીકે નામ કમાઈ ચૂક્યા હતા. તેજસ્વી યોગેશને એમની કોઈ મદદ ન મળી અને યોગેશ ત્રણેક વર્ષ પહેલાં ૫૭ ની વયે અવસાન પામ્યા ત્યારે સદંતર ગુમનામીની ગર્તામાં હતા. બીજા અનેક કલાકારોની જેમ એમને પણ સંવેદનશીલતા અને અસમાધાનકારી વૃત્તિ નડી. હા, મોટા ભાઈ વ્રજેન્દ્ર પોતે ગીતકાર અને ગઝલકાર પણ હતા એ આપણે આગળ ઉપર જોઈશું.

    યોગેશે મુખ્ય ધારાના એક જ સંગીતકાર સલીલ ચૌધરી માટે મહદંશે ગીતો લખ્યા. ( આનંદ, રજનીગંધા, અન્નદાતા, અનોખા દાન, છોટી સી બાત ) . બીજા અજાણ્યા સંગીતકારો માટે પણ થોડુંક કામ કર્યું. શરુઆત ૧૯૬૨ માં સખી રોબિન થી કરી ( તુમ જો આઓ તો પ્યાર આ જાએ ) પણ ઝળક્યા ‘ આનંદ ‘ ફિલ્મથી, જેના એમણે લખેલા ગીતો સુવિદિત છે. બર્મન દાદા માટે ‘ મિલી ‘ ના ગીતો લખ્યા ( ‘ આએ તુમ યાદ મુજે ‘ અને ‘ બડી સૂની સૂની હૈ ઝિંદગી યે ઝિંદગી ‘). એમના સૌથી લોકપ્રિય ગીતોમાંનુ એક એટલે ‘ મંઝિલ ‘ ( ૧૯૭૯ )નું ‘ રિમઝીમ ગિરે સાવન ‘. 

    એમણે લખેલા મર્યાદિત ગીતોમાંથી બે ગઝલ :

    આંખોં  આંખોં  મેં  હરેક રાત ગુઝર જાતી હૈ
    તુમ નહીં આતે હો તો યાદ ભી ક્યોં આતી હૈ

     

    હમ ખયાલોં મેં બુલા  લેતે હૈં અક્સર તુમકો
    જબ તબિયત ઝરા તન્હાઈ મેં ગભરાતી હૈ

     

    હરેક  આહટ  પે  હમ  ચૌંક  ઊઠા  કરતે  હૈં
    જિસ તરહ બિજલી ઘટાઓં મેં ચમક જાતી હૈ..

    – ફિલ્મ : મારવેલ મેન – ૧૯૬૪

    – મુબારક બેગમ

    – રોબિન ચેટર્જી

    માના મેરે હંસી સનમ તૂ રશ્કે – માહતાબ હૈ
    પર તૂ હૈ લાજવાબ તો મેરા કહાં જવાબ હૈ

     

    હૈરત સે  યૂં  ન  દેખિયે  ઝર્રા હુઆ તો ક્યા હુઆ
    અપની જગહ પે જાનેમન ઝર્રા ભી આફતાબ હૈ

     

    તેરે શબાબ કા સુરૂર છાયા જો દો જહાન પર
    મેરી  નિગાહે – શૌક  સે આયા યે ઈંકલાબ હૈ ..

     

    – ફિલ્મ : એડવેંચર્સ ઓફ રોબિનહૂડ – ૧૯૬૫

    – મુહમ્મદ રફી

    – જી એસ કોહલી

    (એક અનોખી ગઝલ જેમાં દરેક શેરમાં માશુકની સૌંદર્ય – પ્રશસ્તિની સાથોસાથ આશિકની ખુમારી પણ છે.)


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો – ૧૯૬૪ – ભાગ ૧

    વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    હસરત જયપુરી  (મૂળ નામ: ક઼બા હુસ્સૈન – જન્મ ૧૫-૪-૧૯૨૨ । અવસાન ૧૭-૯-૧૯૯૯) – શંકર જયકિશન (મૂળ નામ: જયકિશન ડાહ્યાભાઈ પંચાલ – જન્મ ૪ નવેમ્બર ૧૯૨૯ – અવસાન ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧) અને શૈલેન્દ્રનાં સંયોજનને ‘૫૦ના દાયકામાં તેમનાં ગીતોનાં માધુર્ય, વાદ્યસજ્જામાં અવનવા પ્રયોગો અને ગીતોની બોલની સરળતાભરી બોધવાણીને કારણે ઉત્તરોત્તર સફળતા મળવા લાગી હતી. દરેક ફિલ્મમાં પાંચથી આઠ ગીતો હોય એવી વર્ષમાં પાંચ સાત ફિલ્મો કરવા છતાં ક્યાંય પણ તેમના પ્રયત્નો કે પ્રયોગોમાં ઉણપ ન હોય. પરંતુ ‘૬૦ના દાયકાથી હિંદી ફિલ્મ સંગીતનાં ક્ષેત્રમાં ફરીથી નવાં પરિવર્તનોની અસરો કળાવા લાગી  હતી. સામાજિક ફિલ્મોમાં હવે હીરો હીરોઈનની પ્રેમકથાને બન્નેનાં કુટુંબોની આર્થિક સ્થિતિના તફાવતો સાથે સંઘર્ષમાં ઉતારવાની કથાઓ નવાં નવાં સ્વરૂપે આવવા લાગી હતી. હીરો રાજેંદ્રકુમાર જેવો રંગીલો કે શમ્મી કપૂર જેવો દિલફેંક ‘યુવાન’ હોય, હિરોઈનો ભણેલી ગણેલી હોય પણ ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલી હોય એવાં કથાવસ્તુઓની પરદા પર જમાવટ કરવા માટે ગીતોની ભૂમિકાનું મહત્ત્વ વધવા લાગ્યું હતું. એટલે વિષયોમાં બહુ વૈવિધ્ય ન હોવા છતાં ગીતોની રચનાઓ વધારે અને વધારે વૈવિધ્યપૂર્ણ રહ્યા પછી પણ ફિલ્મને ટિકિટબારીએ સફળ કરે એટલાં લોકપ્રિય બને એ અંગેનાં દબાણ સંગીતકારો અને ગીતકારો પર વધવા લાગ્યાં હતાં. તેની સાથે સાથે ઓ પી નય્યર જેવા સમકાલીન સંગીતકારની તાલ પ્રધાન – વાદ્ય પ્રયોગની અભિનવતાની શૈલી પણ એક મહત્ત્વનું સ્પર્ધાત્મક પરિબળ બનવા લાગી હતી.

    આ બધા આંતરપ્રવાહો ભલે આપણો વિષય નથી, આપણો રસ તો માત્ર, અને માત્ર, જયકિશનના જન્મ અને હસરતના અવસાનના  આ સપ્ટેમ્બર મહિનામાં, દર વર્ષે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોને યાદ કરવાનો (જ) છે. અને એ ઉદ્દેશ્યને જ કેન્દ્રમાં રાખીને  અત્યાર સુધી, આપણે

    ૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,

    ૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭,

    ૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯,

    ૨૦૨૦માં વર્ષ ૧૯૬૦-૧૯૬૧નાં

    ૨૦૨૧માં વર્ષ ૧૯૬૨નાં, અને

    ૨૦૨૨માં વર્ષ ૧૯૬૩નાં

    ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

    આજના મણકામાં આપણે હવે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં, વર્ષ ૧૯૬૪નાં, ગીતો યાદ કરીશું.

    ૧૯૬૪

    વર્ષ ૧૯૬૪માં શંકર જયકિશનની આયી મિલનકી બેલા, અપને હુએ પરાયે, એપ્રિલ ફૂલ, બેટી બેટે, રાજકુમાર, સંગમ, સાંજ ઔર સવેરા અને ઝિંદગી એમ  આઠ ફિલ્મો આવી. લગબગ એ જ સમયે શૈલેન્દ્રની ‘તીસરી કસમ’નાં નિર્માણમાં વ્યસ્તતાને કારણે, એકંદરે એક બે અપવાદ બાદ કરતાં આ બધી ફિલ્મોમાં હસરત જયપુરીને ફાળે વધારે ગીતો આવ્યાં. જોકે મોટા ભાગની ફિલ્મોના વિષયો પણ હસરત જયપુરીની શૈલીને વધારે અનુકૂળ પણ હતા એ યોગાનુયોગ હશે કે આયોજિત વ્યુહરચના હશે તે તો કહી ન શકાય. પણ શંકરની શૈલીને વધારે અનુકૂળ આવે વ અવિષયોનાં ગીતો પણ હસરત જયપુરીના ભાગે આવ્યાં હશે એવું  આ ફિલ્મોનાં ગીતોમાં જોવા મળતું હોય એવું લાગે છે ખરૂં!

    આજના મણકામાં આપણે આયી મિલનકી બેલા, અપને હુએ પરાયે, એપ્રિલ ફૂલ, અને બેટી બેટે એમ ચાર ફિલ્મોનાં ગીતોને આવરી લઈશું.

    આયી મિલનકી બેલા

    રાજેન્દ્ર કુમાર હવે દેખીતી રીતે બાગબગીચાઓમાં પ્રેમિકા સાથે પ્રણયમસ્તીના રૂસણાં મનામણાં અને એકરારના ફાગ ખેલે એવડો યુવાન નથી જ જણાતો. તેથી કથાવસ્તુમાં વાસ્તવિકતાની સાથે સંબંધ જાળવાના ભરપુર પ્રયાસો છતાં ફિલ્મ એકંદરે, ખાસ તો ગીતોની દૃષ્ટિએ, ‘રાજેન્દ્રકુમાર’નાં બીબામાંથી બહાર પડતી નિપજ કહી શકાય. આ હકીકતને જ પ્રમાણિત કરવા માટે મુકાયેલું હોય એવું, શંકર જયકિશનની સફળતાઓની બધી જ ખુબીઓની વાનગી સ્વરૂપ, મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ, હસરત જયપુરીની અભિન્ન છાપ ધરાવતું,  તુમ કમસીન હો નાદાં હો  સફળ થશે એવી ગળાં સુધી બધાંને ખાતરી હશે માટે બોલમાં મૈં કમસીન હું નાદાં હું નાજુક હું  ભોલી હું જેવા સ્વાભાવિક ફેરફારો સાથે લતા મંગેશકરનું જોડીયાં ગીત પણ પ્રયોજાયું છે.  .

    મૈં પ્યારકા દીવાના સબસે મુઝે ઉલ્ફત હૈ, હર ફૂલ મેરા દિલ હૈ ઔર દિલમેં મોહબ્બત હૈ – મોહમ્મદ રફી

    ‘રાજેન્દ્ર કુમાર’નાં પાત્રને છાજે એવો પરિચય કરાવવામાં હસરત જયપુરીના સરળ ઉર્દુ મિશ્રિત બોલ, શંકર જયકિશનની અનેક વાદ્યપ્રચુર કર્ણપ્રિય વાદ્યસજ્જા અને મોહમ્મદ રફીના મસ્તીભર્યા સ્વરની મિઠાશ પુરેપુરી અસરકારક રહે છે.

    તો બુરા માન ગયે, પ્યાર આંખોસે જતાયા તો બુરા માન ગયે – મોહમ્મદ રફી

    રૂસણાં મનામણાંનાં ગીતમાં ‘તો બુરા માન ગયે’ને પૂર્વાલાપ સ્વરૂપે મુકવાનો શંકર જયકિશનનો અભિનવ પ્રયોગ તેમની પ્રયોગશીલતાની તાજગીનું  પ્રમાણ બની રહે છે.

    તુમ્હેં ઔર ક્યા દૂં દિલ કે સિવા તુમ કો હમારી ઉમર લગ જાયે – લતા મંગેશકર

    હીરોઇન જો નૃત્યકળામાં પ્રાવીણ્ય ધરાવતી હોય તો તેના તરફથી પ્રેમનો એકરાર કરવા માટે પાર્ટીમાં નૃત્યગીતથી વધારે સફળ કિમિયો કયો હોય! એમાં પાછું શંકર જયકિશનને તો દોડવું હોય અને ઢાળ મળી જાય એવી અનુકૂળતા થઈ જાય !

    અપને હુએ પરાયે

    મનોજ કુમાર માટે મુકેશનો સ્વર વધારે ઉપયુક્ત રહેશે, કદાચ, એ માન્યતાને કારણે મુખ્ય પુરુષ સ્વર તરીકે મુકેશની પસંદગી કરાઇ હશે. જોકે શંક્ર જયકિશનને તો મુકેશના સ્વરને દરેક પરિસ્થિતિ અનુસાર ઢાળી લેવાની ફાવટ છે જ એટલે ગીતો કર્ણપ્રિય રહે છે. શૈલેન્દ્રની સહજ શૈલી અનુરૂપ ફિલ્મનાં વિષયવસ્તુને માન આપીને તેમને ફાળે પાંચ ગીતો અને હસરત જયપુરીની શૈલીને અનુરૂપ બે ગીતો ફિલ્મમાં છે.

    દુપટ્ટેકી ગિરહામેં બાંધ લિજિયે મેરા દિલ હૈ કભી કામ આયેગા – મુકેશ

    બાગબગીચાની મોજમસ્તીનાં વાતાવરણમાં ગવાતાં રૂસણાં મનામણાંની ગીત સામાન્ય રીતે જેટલી અપેક્ષિત ન હોય (એટલે કે મોહમ્મદ રફીને સહજપણે અનુકૂળ હોય) એમ જણાતી મુકેશના સ્વરની ઉણપને શંકર જયકિશનની વાદ્યબાંધણીની ભવ્યતા અનુભવવા નથી દેતી.

    https://youtu.be/ZszbbZsCPhk?si=1qCuLUgwaGpGglDl

    કહીં આંસુ નિકલતે હૈં કહીં ઘુંઘરૂં મચલતે હૈ, ઈસી કા નામ હૈ દુનિયા સભીકે કામ ચલતે હૈં – આશા ભોસલે

    ફિલ્મનાં શીર્ષકને સાર્થક કરતી પરિસ્થિતિ આવી ગઈ છે. હીરોઇનને ભાગે પ્રેમી  ન પામી શકવાની ‘કરૂણતા’ આવી ગઈ જ છે. પરિસ્થિતીની બન્ને બાજુઓના અભાવને હસરત જયપુરી ‘મુઝે લુટ લિયા તેરે પ્યારને’ જેવા બોલથી સાર્થક કરે છે તો પ્રેમીને ઘરે યોજાયેલ જલસામાં ગોઠવાયેલ નૃત્યગીતમાં પ્રેમિકાની દુઃખદ સ્થિતિને તાદૃશ કરવા માટે શંકર જયકિશન સોલો વાયોલિનના સ્વરોની મદદ લે છે.

    https://youtu.be/I0aIqNlpXO0?si=JtJzm3AzN_ELkeRh

    એપ્રિલ ફૂલ

    શમ્મી કપૂરની સફળ થઈ ચુકેલી દિલફેંક શૈલીમાં બિશ્વજીતને ગોઠવી દેવાનો પ્રયોગ કરાયો છે.

    મેરા નામ રીટા ક્રિસ્ટીના ઐ ઐ ઐ યા, મૈં હું પેરિસકી હસીના ઐ ઐ ઐ યા – લતા મંગેશકર

    પરદેશમાં ઉછરેલી ભારતીય યુવતીના સ્વતંત્ર મિજાજને વ્યકત કરવાનો પ્રયાસ કરાયો છે.

    તુઝે પ્યાર કરતે હૈં કરતે રહેંગે, કે દિલ બનકર દિલમેં ધડકતે રહેંગે – મોહમ્મદ રફી, સુમન કલ્યણપુર

    પ્રેમના એકરારને વ્યક્ત કરવા માટે દિલનાં ઊડાણમાંથી વ્યક્ત થતી ભાવનાઓનાં યુગલ ગીતોના પ્રકાર માટે શંકર જયકિશનની પોતાની આગવી શૈલી હતી.

    કેહ દો કેહ દો જહાં સે કે ઈશ્ક઼ પર જોર નહીં …. મર જાયેંગે એક દુસરે પર મચેગા કોઈ શોર નહીં – મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર

    પ્રેમના એકરારને વ્યક્ત કરવા માટેનાં યુગલ ગીતોમાં પણ શંકર જયકિશનના ભાથાં પુરતું વૈવિધ્ય છે.

    મેરી મોહબ્બત પાક ઔર જહાંકી ખાક મોહબ્બત કહીં તુમ્હેં પ્યાર ન હો જાયે બચ બચ કે ચલના હુઝૂર – મોહમ્મદ રફી

    રૂસણાં મનામણાંનાં ગીતોની રજૂઆતમાં શમ્મી કપૂરને પણ માફક એવું વૈવિધ્ય શંકર જયકિશન અજમાવી ચુક્યા છે. જે બિશ્વજીતની અભિનય શૈલીને પાછી અનુકૂળ પણ આવી રહે છે.

    ઉનકી પહેલી નઝર ક્યા અસર કર ગયી મુઝકો ક્યા હો ગયા ખુદા જાને ….. એક બીજલી ગીરી ઔર મૈં મર ગઈ મુઝકો ક્યા હુઆ ખુદા જાને – લતા મંગેશકર

    નૃત્યકલામાં પ્રાવીણ્ય ધરાવતી હીરોઈનને માટે એક નૃત્ય ગીત પ્રયોજવું તો પડે જ……!

    https://youtu.be/ajLYo1lcKv4?si=KqRXjb9Dy1ywotQ1

    એપ્રિલ ફૂલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા મેરા ક્યા ક઼સૂર જમાનેકા ક઼સૂર જિસને દસ્તુર બનાયા – મોહમ્મદ રફી, સાયરા બાનુ

    જરૂર પડે તો તોફાન મસ્તીના ભાવને પણ શીર્ષક ગીતમાં વણી લેવાની હસરત જયપુરીને સારી હથોટી છે.

    જોકે અહીં સખેદ નોંધવું પડે કે શંકર જયકિશનની આવી ‘તોફાનમસ્તી’ ભરી શમ્મી કપુરિયા રચનાઓમાં હવે માધુર્ય તો સાવ જ હાંસિયામં ધકેલાતું જાય છે.લોકપ્રિય ધુ ન બનાવવાની સાથે તેની બધી જ કક્ષાની ગુણવતા પણ જાળવી રાખવી એ સંતુલન કળાને વેરેવિખેર કરી નાખવામાં સ્પર્ધાના પવનોને સફળતા મળવા લાગી છે !

    https://youtu.be/YRIkNX_-wM8?si=5lWer0eJvLDcw-Cw

    બેટી બેટે

    બેટી બેટે દક્ષિણનાં માતબર ફિલ્મ નિર્માણ ગૃહ પ્રસાદ પ્રોડક્શન્સ દ્વારા નિર્માણ થયેલી ફિલ્મ હતી, એટલે એક સામાજિક ફિલ્મમાં હોય તેવો બધો જ મસાલો ફિલ્મમાં હતો. આપણને તેનો લાભ એ મળે છે કે શૈલેન્દ્ર અને હસરત જયપુરી બન્નેની બહુ જ વિલક્ષણ કહેવાય એવી રચનાઓ સાંભળવા મળી રહે છે.

    ગોરી ચલો ન હંસકી ચાલ કે જ઼માના દુશ્મન હૈ તેરી ઉમ્ર હૈ સોલા સાલ કે જ઼માના દુશ્મન હૈ – મોહમ્મદ રફી, આશા ભોસલે

    મહેમુદ અને શોભા ખોટે એ સમયની એક અત્યંત સફળ જોડી હતી. તેમના ભાગે એક યુગલ ગીત તો હોય જ અને તે બહુ જ સફળ પણ હોય.

    અગર તેરી જલવા નુમાઈ ન હોતી ખુદાકી કસમ યે ખુદાઈ ન હોતી – મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર

    સરળ ઉર્દુ બોલના પ્રયોગને કારણે પ્રેમના એકરારના બહુપ્રચલિત ફિલ્મી પ્રયોગ તરીકે આ ગીત જરૂર ગમી જાય છે. જોકે એટલું સારૂં હતું કે આ ફિલ્મો જોતી વખતે મનમાં એવો સવાલ ન થતો કે સામાન્ય હિંદી ભાષી પાત્રો અચાનક ગીત ગાતી વખતે આટલી પ્રભાવશાળી ઉર્દુમાં કેમ સરી પડી શકતાં હશે !

    બાત ઈતની સી હૈ કહ દો કોઈ દિવાનો સે આદમી વો હૈ જો ખેલા કરે તૂફાનો સે – મોહમ્મદ રફી

    શૈલેન્દ્રની હાજરી હોય ત્યારે પણ હસરત જયપુરીને ફાળે આવું પ્રેરણાદાયક ગીત આવે એ સુખ્દ અપવાદ જ લાગે ! જોકે હસરત જયપુરીએ આ તકને ન્યાય આપવાં કયંય કચાશ નથી રાખી.

    બીજી એક નોંધપાત્ર બાબત છે પહેલા ને ત્રીજા અંતરામાં શંકર જયકિશને કરેલ એકતારા જેવાં લોકસંગીતનાં વાદ્યનો પ્રયોગ છે.

    પ્રભુ જી રખો લાજ હમારી … તેરે સિવા અબ કૌન બચાયે … . આયી વિપદા ભારી – મોહમ્મદ રફી

    ખુબ જાણીતાં પરંપરાગત ભજન  ‘પ્રભુ જી રખો લાજ હમારી‘ના આટલા જ બોલનો ઉપયોગ કરી અહીં પૅરડી રચી છે. ગીતનો ઉપયોગ ફિલ્મમાં કેવી મજેદાર રીતે કર્યો છે તે તો ગીતની વિડીયો ક્લિપ જોતાં જ સમજાઈ જાય છે.

    ઉઠા અર્જુન ધનુષ ઉઠા  … તીર ચલા – મોહમ્મ્દ રફી

    ફિલ્મમાં મહેમુદ શોભા ખોટેના સંગીત શિક્ષક તરીકે ઘરમાં દાખલ થઈને પ્રેમિકાના ‘કડક’ પિતાની ‘નજર’ બચાવતો ફરે છે. આવા પ્રસંગોએ આ તાન જેવાં ગતકડાં હાથવગાં રહે છે.

    નોંધપાત્ર બાબત એ છે કે ફિલ્મમાં મુકાયેલાં આવાં તુકબંધી જેવાં દૃષ્યો માટે પણ શંકર જયકિશન અને હસરત જયપુરી પુરી ગંભીરતાથી મહેનત કરે છે!

    આજના મણકા માટે આટલાં ગીતો યાદ કરીને થોડો વિરામ લઈએ.  શંકર જયકિશને ૧૯૬૪માં સ્વરબધ્ધ કરેલ બીજી ચાર ફિલ્મો રાજકુમાર, સંગમ, સાંજ ઔર સવેરા અને ઝિંદગી નાં હસરત જયપુરી રચિત ગીતો હવે પછીના મણકામાં સાંભળીશું.

  • ફિલસુફીભર્યા ગીતો – ૧૪ – ज्योत से ज्योत जलाते चलो

    નિરંજન મહેતા

    ૧૯૬૪ની ફિલ્મ ‘સંત જ્ઞાનેશ્વર’નુ ગીત છે

     

    ज्योत से ज्योत जलाते चलो प्रेम की गंगा बहाते चलो
    राह में आये जो दीनदु:खी सब को गले से लगते चलो

     

    कौन है ऊंचा कौन है नीचा सब में वोही समाया
    भेदभाव के जुठे भरम में ये मानव भरमाया
    धरम धजा धरम धजा फहराते चलो
    प्रेम की गंगा बहाते चलो

     

    सारे जग के कण कण में है दिव्य अमर एक आत्मा
    एक ब्रह्म है एक सत्य है एक ही है परमात्मा
    प्राणों से प्राण प्राणों से प्राण मिलाते चलो
    प्रेम की गंगा बहाते चलो

    સાઈઠ વર્ષ જુના આ ગીતમાં જે ફિલસુફી વ્યક્ત થેઈ છે તે સાંપ્રત સમાજમાં જે ભેદભાવ અને નફરતતા પ્રવર્તે છે તેને બરાબર લાગુ પડે છે.

    આ ગીતમાં ઉચ્ચ કોટિની ફિલોસોફી દર્શાવાઈ છે. કહ્યું છે કે ज्योत से ज्योत जलाते चलो. એટલે કે જ્ઞાનરૂપી જ્યોતને ફેલાવતા રહો. અજ્ઞાનીને જ્ઞાન આપતા રહો અને એ રીતે પ્રેમની ગંગા અવિરત રાખો.

    આ જગતમાં કોઈ ઉચ્ચ નથી અને કોઈ નીચું નથી. બધા માનવીઓ એક સમાન છે પણ આપણે જ ઊંચનીચનો આ ભેદભાવ બનાવ્યો છે અને આ બધું જગતની મોહમાયાને કારણે થઇ રહ્યું છે. આ એક ભ્રમ છે અને આપણે તે ભ્રમમાં ભરમાઈ ગયા છીએ. ધર્મને આપણે વિસરી ગયા છીએ માટે તેની ધજા ફરકાવવી જરૂરી છે અને તેથી તેમ કરતા રહો.

    એ તો સર્વેને ખબર છે કે ઈશ્વર એક છે પણ તે હવે જુદા જુદા નામે અને સ્વરૂપે પૂજાઈ રહ્યો છે. એટલે જ ગીતમાં કહ્યું છે કે આ જગતના કણ કણમાં એક દિવ્ય અને અમર આત્મા વસેલો છે. એ જ એક બ્રહ્મ છે, એક જ પરમાત્મા છે અને આ જ સત્ય છે. એટલે જ એકબીજા સાથે તાલમેલ રાખો અને પ્રેમની ગંગા વહાવતા રહો.

    ગીતકાર ભરત વ્યાસ અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાયિકા લતાજી. આ ગીત મુકેશના સ્વરમાં પણ મુકાયું છે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com