વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • જાણીતા કવયિત્રી રક્ષા શુક્લને ‘અસાઈત સાહિત્યસભા’નો એવોર્ડ..

    હરદ્વાર ગોસ્વામી

     ત્રિપદા ફાઉન્ડેશન અને અસાઈત સાહિત્યસભાનું આ વર્ષનું પ્રતિષ્ઠિત ‘સર્જન-સન્માન પુરસ્કાર’ જાણીતા કવયિત્રી રક્ષા શુક્લને પ્રાપ્ત થયું છે. એમના નિબંધસંગ્રહ ‘તેજસ્વિની’ને અનુસંધાને આ સન્માન મળ્યું છે. આ પુસ્તકમાં પદ્મશ્રીથી પુરસ્કૃત સન્નારીઓનાં સાહસની સફર આલેખી છે. ‘તેજસ્વિની’નું મલ્ટીકલરમાં આર્ટ પેપર પર મનોરમ્ય પ્રકાશન ગુજરાત સરકારની સંસ્થા ગુજરાત સાહિત્ય અકાદમીએ કર્યું છે. અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા તથા મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે પ્રસન્નતા વ્યક્ત કરી છે.  જાન્યુઆરી ૨૦૨૪માં ત્રિપદા હેલ્થકેર પ્રા. લિ. તરફથી સર્જકને શિલ્ડ-શાલ અને પાંચ હજાર રૂપિયા અર્પણ થશે. જાણીતા નાટ્યકાર વિનાયક રાવલયશોધર રાવલનવનીત મોદી ઈત્યાદિ ઉપસ્થિત રહેશે.  

     સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લ તળાજાના વતની છે. એમને ‘કુમાર’ ટ્રસ્ટનું શ્રીમતી કમલાબેન પરીખ પારિતોષિક (કુમાર ચંદ્રક,૨૦૧૫)રાજ્ય કક્ષાનો ‘બ્રહ્મ ગૌરવ પુરસ્કાર (૨૦૧૭), CWDC તરફથી ‘બેસ્ટ કૉલમ રાઈટર’(૨૦૧૮)રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના વરદ્ હસ્તે ‘સંસ્કાર વિભૂષણ એવોર્ડ(૨૦૧૮)શિશુવિહાર તરફથી સ્વ. રીતા ભટ્ટ સ્મૃતિ કવયિત્રી સન્માન(૨૦૧૯) ઈત્યાદિ માન-અકરામ પ્રાપ્ત થયા છે. ૨૦૨૧ના આકાશવાણીના રાષ્ટ્રીય કવિસંમેલનમાં ગુજરાતમાંથી એમની પસંદગી થઈ હતી.  તેમની પસંદ થયેલી કવિતા ભારતની તમામ ભાષામાં અનુવાદિત થઈ હતી.

     તાજેતરમાં એમણે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘ભારતની ૭૫ સર્વશ્રેષ્ઠ મહિલાઓ પુસ્તક લખ્યું છે. વિશ્વની શ્રેષ્ઠ મહિલાઓના સંઘર્ષને આલેખતું પુસ્તક ‘વનિતાવિશેષ’ને ‘અભિયાન’ સાપ્તાહિકે બેસ્ટસેલર જાહેર કર્યું હતું. એમનાં ૨૦થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.

    ‘તાંડવ’ ચેનલમાં ‘વનિતાવિશ્વ’ કાર્યક્રમનું એન્કરિંગ સુપેરે સંભાળી રહ્યા છે. ‘ગુજરાત સમાચાર’માં દર મંગળવારે ‘અન્તર’ કોલમનો બહુ મોટો વાચક વર્ગ છે. ‘પ્રવૃતિના પાવરહાઉસ’ તરીકે ઓળખાતા રક્ષા શુક્લ નિત્ય નૂતન સર્જનાત્મક કાર્ય કરતા રહે છે. અનેક મોટા સાહિત્યિક આયોજનો કર્યા છે. ૩૨ વર્ષ અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કરાવ્યું છે. સમગ્ર ભારત ઉપરાંત અનેક દેશોની સાહિત્યિક સફર કરી છે. સુગમ સંગીતના ગાયિકા તરીકે મંચ શોભાવ્યા છે. 

    આ પુસ્તક વિશે રક્ષા શુક્લ કહે છે કે ‘૨૦૨૧માં કુલ ૧૧૯ પદ્મ એવોર્ડ્સ આપવામાં આવ્યા. આ એવોર્ડ્સમાં ૨૯ મહિલાઓ સામેલ છે. એક મહિલા તરીકે મને આ ૨૯ મહિલાઓની વાતો વધુ સ્પર્શી. આમાંથી મોટાભાગની મહિલાઓ સાયલન્ટલીખૂણેખાંચરે રહીને સમાજ માટે અદભુત કામ કરી રહી છે. પદ્મ એવોર્ડસમાં વિવિધ ક્ષેત્રનાં મોટાં નામો તો હોય છે જ પરંતુ ૨૦૨૧નાં કેટલાંક નામોએ દેશવાસીઓને સુખદ આશ્ચર્ય આપ્યું છે. આ નામો એવાં છે જેના વિશે અગાઉ ભાગ્યે જ કોઈએ કંઈ સાંભળ્યું હશે. આવી ઉત્તમ વરણી માટે પસંદગી કમિટિને અભિનંદન આપવા રહ્યા. છેવાડાની આ મહાન વિભૂતિઓને દેશના સૌથી મોટા પદ્મ પુરસ્કારથી સન્માનિત કરી ભારત સરકારે એક ઉત્તમ ઉદાહરણ લોકો સમક્ષ મુક્યું છે. આ લોકો ચર્ચામાં રહ્યા વગરગુમનામી ઓઢીને દેશ અને સમાજ માટે અપ્રતિમ કાર્ય અને સેવા કરી રહ્યા છે.

    ગોખથી હેઠા ઉતરો વ્હાલા, ત્યાં તો પથ્થર લાગો છો,
    માનવરૂપ ધરો છો ત્યારે સાચા ઈશ્વર લાગો છો. 

    શૂન્ય પાલનપુરીના આ શેર પ્રમાણે જગતમાં અનેક જગ્યાએ ઈશ્વર માનવરૂપે અવતરેલો છે. આ વિરલાઓ પોતાના માટે નહીં પણ સમાજ માટે જીવતા હોય છે. આવા વિશેષ લોકોને જ વર્તમાન પોંખે છે અને ઈતિહાસ યાદ કરે છે. નીતિશતકમાં કહ્યું છે છે કે ‘एके सत्पुरुषाः परार्थघटकाः स्वार्थं परितज्य ये’। 

                   આધ્યાત્મિક સંત અને ચિંતક મહાટ્રીઆ કહે છે કે ‘તમે એક ઈતિહાસ રચો છો જયારે તમારી પાસે રોજ સવારે થોડા વહેલા ઉઠવા માટે અને રાત્રે થોડું વધારે જાગવા માટે કોઈ ખાસ ધ્યેય હોય અને એ ધ્યેયને પામવા માટે તમે અંત સુધી પ્રયત્ન કરતા હો’. આ મહિલાઓ પાસે એવું જ એક ધ્યેય અને કોઈ પણ ભોગે એને પામવાનું દ્રઢ મનોબળ છે. અહીં આલેખાયેલ તેજસ્વી નારીઓની અદમ્ય ભીતરી તાકાત અને અથાગ પરિશ્રમ વિશે વાંચતા મને લાગતું કે તેઓની એ દિલધડક સંઘર્ષગાથા લોકો સુધી પહોંચે તો નિરાશાની ગર્તામાં અટવાયેલી અનેક નાહિંમત મહિલાઓને આંગળી ચિંધ્યાનો સંતોષ પામી શકાય. વિપરીત સંજોગો સામે અકલ્પ્ય ક્ષમતા સાથે ઝઝૂમતી આ સ્ત્રીઓ અપરાજિતા છે. આ નારીઓ જમીન સાથે જોડાયેલી છે. ‘ડાઉન ટુ અર્થ’ જીવતી આ નારીઓએ ‘ડાઉન ટુ ટોપ’ની યાત્રા કરી છે. કોઈએ સરસ કહ્યું છે કે ‘નારી નમણી નેહમાંરણમાં શક્તિરૂપ, એ શક્તિના તેજનેનમતા મોટા ભૂપ.’ 

                   ઋગ્વેદમાં પણ નારીનું રાષ્ટ્રની અધિષ્ઠાત્રી અને બ્રહ્મવાદિની તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે. નારી ઈશ્વરની અમૂલ્ય દેણગી છે. વિવેકાનંદે કહેલું કે ભારતીય ઋચાની રચના કરનાર મોટાભાગે ભારતની સ્ત્રીઓ હતી. વિશ્વમહિલાદિન આવે ને મહિલાઓ ઉત્સાહથી થોડું હરખી લે એ પૂરતું નથી. દરેક મહિલાએ જાગૃત બની પોતાના હક્ક વગેરે સમજવા પડશે. નારી વુમન તો છે જ પણ એ હ્યુમન પણ છે. રવિશંકર મહારાજ કહે છે તેમ સ્ત્રી અબળા નહીં પણ અતિબળા છે, સબળા છે. 

                   આ મહિલાઓના અનોખા અને અતુલ્ય પ્રદાનને આ પુસ્તક દ્વારા મારા વારંવાર પાયલાગણ. આ સર્વે મહિલાઓએ શોધી કાઢ્યું છે કે તેઓ શા માટે જન્મ્યા છે, ઈશ્વર તેઓ પાસે શું કરાવવા માગે છે. તેઓની અદભુત નિષ્ઠા, કારમો સંઘર્ષ અને દ્રઢ ઇચ્છાશક્તિ પાસે હું હંમેશા નતમસ્તક હતી. No pain, No gain’નો મંત્ર પચાવી જીવન સાથે ઝૂઝતી અનેક મહિલાઓનો આ સંઘર્ષ મશાલ બની સૌ વાચકોને કર્મની કેડી બતાવશે એવી મને શ્રદ્ધા છે.’—
     

    રક્ષા શુક્લને ખૂબ ખૂબ અભિનંદન..


    ‘વેબગુર્જરી’ પરિવારનાં માનનીય સભ્ય અને પદ્યસમિતિનાં  સહકાર્યકર્તા શ્રીમતી રક્ષાબહેન શુકલની નોંધપાત્ર સિદ્ધિઓને બિરદાવતાં ખૂબ હર્ષ અનુભવું છું.

    રક્ષાબહેન શુક્લને તાજેતરમાં મળેલ એવોર્ડ અંગેનો લેખ લખી મોકલવા બદલ શ્રી હરદ્વાર ગોસ્વામીના આભાર સાથે અહીં પ્રસ્તુત છે…

    દેવિકા ધ્રુવ
    ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

  • મણિપુર હિંસા, સોમા લૈશરામ અને ફુટબોલ : આઓ લકીરેં મિટાયેં

    નિસબત

    ચંદુ મહેરિયા

    છ-આઠ મહિનાથી મણિપુર અશાંત છે, સંકટગ્રસ્ત છે. અટકી અટકીને પણ હિંસાના બનાવો ચાલુ રહે છે. તેનું તાત્કાલિક કારણ તો મણિપુરના એક બળુકા બિનઆદિવાસી જ્ઞાતિ સમુદાય મૈતેઈને રાજ્ય સરકારે આપેલ અનુસૂચિત જનજાતિના દરજ્જાને વડી અદાલતની મહોર છે. રાજ્યના આદિજાતિ કુકી સમુદાયનો મૈતેઈને એસ.ટી. ગણવા સામે વિરોધ છે.  આ વિરોધ શાંત અને અહિંસક ન રહેતાં હિંસક બન્યો તે પછી બંને સમુદાયો વચ્ચે મોટાપાયે હિંસા થઈ છે. લગભગ પોણા બસો લોકોના મોત થયાં છે, બળાત્કારો થયાં, આખીને આખી વસ્તીઓ સળગાવી દેવામાં આવી, પોલીસના શસ્ત્રોની મોટાપાયે લૂંટ થઈ. હજારો લોકો વિસ્થાપિત થયા છે અને રાહત છાવણીઓમાં છે. મૈતેઈ અને કુકી વચ્ચેનો હાલનો વિવાદ વિભાજક  બની ગયો છે. મૈતેઈ મોટેભાગે ઈમ્ફાલ ઘાટીના મેદાની પ્રદેશમાં વસે છે જ્યારે કુકી પહાડી વિસ્તારોમાં વસે છે. અગાઉ પણ એમની વચ્ચે કોઈ સોહાર્દપૂર્ણ સંબંધો નહોતા પણ અત્યારે તો અંતર એ  હદે વધ્યું છે કે હવે તો બેમાંથી કોઈ,  અરે પોલીસ કે સરકારી અધિકારી-કર્મચારી સુધ્ધાં,  એકબીજાના વિસ્તારમાં જઈ શકતા નથી. વિભાજન એકબીજા પ્રત્યેની નફરત અને ઘૃણા સુધી મર્યાદિત ન રહેતાં બદલાની ભાવનામાં પલટાઈ ગયું  છે. બંને એકબીજાના જીવના તરસ્યા બન્યા છે. મૈતેઈ રાજકીય સહિતના તમામ ક્ષેત્રોમાં પ્રભાવશાળી છે. રાજ્યના ભાજપી મુખ્યમંત્રી પણ  મૈતેઈ છે. એટલે હાલની હિંસા,  ખાસ તો કુકીઓ પ્રત્યેની, રાજ્યપ્રેરિત નહીં તો રાજ્ય સમર્થિત હોય એમ લાગે છે.

    આઝાદી પૂર્વે મણિપુર એક રજવાડુ હતું. ૧૯૪૯માં તેનો ભારતમાં વિલય થયો. પહેલાં તે કેન્દ્રશાસિત પ્રદેશ હતો. ૧૯૭૨થી રાજ્ય બન્યું છે. મણિપુરની આશરે ૨૯ લાખની વસ્તીમાં હિંદુ અને ખ્રિસ્તી વસ્તી સરખી એટલેકે ૪૧-૪૧ ટકા છે. રાજ્યમાં ૮ ટકા મુસ્લિમો પણ વસે છે. મેદાની પ્રદેશોમાં  રહેતા મૈતેઈની વસ્તી ૫૩ ટકા અને કુકી સહિતની ૬૦ જનજાતિઓની વસ્તી ૪૦ ટકા છે. રાજ્ય વિધાનસભાના ૬૦ માંથી ૪૦ ધારાસભ્યો મૈતેઈ છે અને રાજ્યના વર્તમાન સહિતના લગભગ તમામ  મુખ્યમંત્રીઓ  મૈતેઈ હતા. અનુસૂચિત જનજાતિના કુકીઓને સરકારી નોકરીઓ સરળતાથી મળે છે.  વળી તેઓ ખ્રિસ્તી ધર્મી છે.  હિંદુ મૈતેઈઓ પહાડી વિસ્તારમાં જમીન ખરીદી શકતા નથી અને બિનઅનામત વર્ગના હોઈ સરકારી નોકરીઓ મળતી નથી તેવી તેમની ફરિયાદ છે. કુકીઓ પર્વતીય પ્રદેશમાં અને મ્યાંમારની સરહદે વસતા હોઈ તેઓ ડ્રગ્સ વેચે છે અને ગાંજાની ખેતી કરે છે એવો મૈતેઈઓનો અને રાજ્યસરકારનો આરોપ છે. એટલે કુકીઓની જમીનોની આકારણી અને તપાસ કરવામાં આવે છે. હવે મૈતેઈને આદિજાતિનો દરજ્જો મળતાં તેઓ પણ પહાડી વિસ્તારોમાં જમીનો ખરીદી શકશે અને કુકી જમીનવિહોણા થશે . એટલે અનામત અને જમીનનો સવાલ હાલની હિંસાના મૂળમાં છે.

    આ સ્થિતિમાં શાંતિ અને સદભાવનાના , બંને સમુદાયો વચ્ચેનું અંતર ઘટે અને તેમની વચ્ચેની દીવાલો તૂટે તેવા,  પ્રયાસો આવશ્યક છે. જોકે તે દિશાના પ્રયાસો બહુ ઓછા છે. હાલના વિભાજક અને વિષાક્ત માહોલમાં જો કોઈ આવો પ્રયત્ન કરે  તો તેણે બહિષ્કૃત થવું પડે છે. થોડા દિવસો પહેલાં રાજધાની દિલ્હીમાં પૂર્વોત્તરની સાંસ્કૃતિક વિરાસતની ઉજવણીનો કાર્યક્ર્મ નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ ફેસ્ટિવલ નામે યોજાયો હતો. ખ્યાતનામ મણિપુરી સિને અભિનેત્રી અને ગાયિકા સોમા લૈશરામે તેના સમાપન કાર્યક્રમમાં મણિપુરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પોતાના સંબોધનમાં મણિપુરની પીડા વ્યક્ત કરી શાંતિ અને સોહાર્દની અપીલ કરી હતી.બસ આટલા જ કારણસર તેમના પર ત્રણ વરસ સુધી ફિલ્મોમાં અભિનય કરવા અને જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ લદાયો હતો.

    મૈતેઈ સમાજના હિતમાં કાર્યરત કાંગલેઈપાક કનબા લૂપ (કે કે એલ) નામક સંગઠને મણિપુરની સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી કોઈને  પણ મનોરંજક કાર્યક્રમોમાં ભાગ ના લેવાનું ફરમાન જારી કર્યું છે. સોમાને પણ તેમણે વ્યક્તિગત અને જાહેર અપીલથી દિલ્હીના કાર્યક્રમથી દૂર રહેવા અપીલ કરી હતી.પરંતુ તેની ઉપરવટ જઈને  તે ઉપસ્થિત રહ્યાં હતાં. એટલે તેમના પર બાન મુકાયો. એકત્રીસ વર્ષીય સોમાએ દોઢસો જેટલી મણિપુરી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને બેસ્ટ એકટ્રેસના એવોર્ડથી પુરસ્કૃત છે. પ્રતિબંધથી ક્ષુબ્ધ સોમાએ પોતાની ભૂમિકા સમજાવતાં કહ્યું કે તેઓ મણિપુરના લોકોની પીડા વ્યક્ત કરવા જ કાર્યક્રમમાં ગયાં હતાં.આ કોઈ મનોરંજક કાર્યક્રમ નહોતો. તેમણે પૂર્વોત્તરના લોકોને જ નહીં સમગ્ર ભારતને  મણિપુર પ્રશ્ને અવાજ ઉઠાવવા અને હિંસા વિરુધ્ધ શાંતિ માટે લડનારા મણિપુરના  સમર્થનમાં આવવા અપીલ કરી હતી. સોમા પરના પ્રતિબંધનો સિને સંગઠનો અને લોકોએ વ્યાપક વિરોધ કરતાં આખરે  પ્રતિબંધ પાછો ખેંચવો પડ્યો છે. શાંતિ અને ભાઈચારાની દિશામાં પ્રતિબંધ બાધક હતો તો સોમા અને અન્યનો વિરોધ પ્રતિબંધ દૂર કરાવીને સોહાર્દ સ્થાપવામાં મદદરૂપ થશે.

    ભાઈચારાની દિશામાં બીજો બનાવ અંડર ૧૬ સાઉથ એશિયન ફુટબોલ ફેડરેશન ચેમ્પિયનશીપની  ફાઈનલ મેચમાં ભારતનો વિજય છે. ભારતીય ટીમના ૨૩માંથી ૧૬ ખેલાડી મણિપુરના હતા.તેમાં ૧૧ મૈતેઈ, ૪ કુકી અને ૧ મુસ્લિમ હતા. ભૂતાનના થિમ્પૂમાં રમાયેલી બાંગલાદેશ સામેની  ફાઈનલમાં ફસ્ટ હાફમાં મૈતેઈ ભરતે અને સેકન્ડ હાફ્માં કુકી લેવિસે ગોલ કરી ભારતને ૨-૦ થી જીતાડ્યુ હતું. મણિપુરના યુવા ફૂટબોલરો સાથે રહ્યા, ખાધું-પીધું, હસ્યા, રમ્યા ,વાતો કરી  અને મેચ જીતાડી. વિજ્યી ગોલ કુકી રમતવીર લેવિસે કર્યો ત્યારે તેને સૌ પ્રથમ ગળે વળગીને જીતની ખુશી વ્યક્ત કરનાર મૈતેઈ ખેલાડી ભરત હતો.  રમતના મેદાનમાં મણિપુરના આપસી મતભેદોની દીવાલો સાવ ભૂંસાઈ ગઈ હતી.

    મણિપુરના યુવા ફુટબોલરો ફુટબોલને  મતભેદો દૂર કરવામાં મદદ કરનાર રમત ગણે છે. તેનાં ખેલાડીઓમાં એકતાની ભાવના જાગે છે. મણિપુરના જ્ઞાતિગત તણાવો અને હિંસા વચ્ચે આ ફુટબોલરોએ અનેક પ્રતિકૂળતાઓ અને દુ:ખોને બાજુએ હડસેલીને તેમની પ્રતિભા અને સમજથી  ના માત્ર વિજય મેળવ્યો છે,  જેમ  ફૂટબોલે તેમને જોડ્યા છે, અલગ કર્યા નથી તેવું મણિપુર પણ થઈ શકે છે તેવો સંદેશ આપ્યો છે. આ વિજય મણિપુરના લોકોની આશા અને અપેક્ષાનું પણ પ્રતીક બની રહે તો કેવું સારું ?

    માંડ ૧૦ ટકા મેદાની અને ૯૦ ટકા પહાડી પ્રદેશમાં વસેલું મણિપુર માતૃપ્રધાન સંસ્કૃતિને વરેલું છે. ૮૦ ટકા આસપાસની સાક્ષરતા છતાં મણિપુરની ૪૦ ટકા વસ્તી ગરીબીની રેખા તળે જીવે છે. એટલે તેમણે અંદરોઅંદરની હિંસાનો માર્ગ છોડી ગરીબી અને બેરોજગારી જેવા અસલી મુદ્દાઓ પર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ગુલઝારનું લખેલું પ્રથમ ગીત કયું?

    હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ ….  મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.

    આ પુસ્તકમાંની યાદો બહુ બધાં લોકોને પોતાની અંગ્ત યાદો જેવી લાગી છે. શ્રી બીરેનભાઈ કોઠારીએ અંગતપણાના ભાવને વધારે નક્કર શબ્દદેહ આપ્યો. જરૂર જણાઈ ત્યાં પૂરક માહિતીઓ કે ટિપ્પ્ણીઓ ઉમેરીને એ પુસ્તકનાં કેટલાંક પ્રકરણોના તેઓએ મુક્તાનુવાદ કર્યા.

    વેબ ગુર્જરીના વાચકો સાથે એ મુક્તાનુવાદોની લ્હાણ વહેંચવા માટે બીરેનભાઈએ પોતાની એ તાસકને ખુલ્લી મુકી દીધી છે.

    તેમનો હાર્દિક આભાર માનીને આપણે પણ ગુલઝારની યાદોને મમળાવીએ.


    બીરેન કોઠારી

    સામાન્ય રીતે ગીતકાર ગુલઝાર પોતાના ઈન્‍ટરવ્યૂમાં પોતે લખેલા સૌ પ્રથમ ગીત તરીકે ‘બંદિની’ના ‘મોરા ગોરા અંગ લઈ લે’ને ગણાવે છે. અલબત્ત, તેમણે આ અગાઉ પણ ફિલ્મોમાં ગીતો લખેલાં છે.  ક્યાંક એમ પણ વાંચવામાં આવેલું કે અગાઉનાં ગીતોમાં પોતે માત્ર કોઈકના લખેલા ગીતને ‘સરખાં’ કરવાનું જ કામ કર્યું હોવાનું તેમણે કહેલું. વાસ્તવિકતા જે હોય એ, એ હકીકત છે કે ‘બંદિની’ પહેલાં ગુલઝારનું નામ ફિલ્મના પડદે ગીતકાર તરીકે આવી ચૂક્યું હતું. એ ગીતો આ રહ્યાં.

    ૧૯૬૦માં રજૂઆત પામેલી ‘કે પિક્ચર્સ’ નિર્મિત, પ્રદીપ નય્યર નિર્દેશીત ‘ચોરોં કી બારાત’નાં કુલ છ ગીતો અલગ અલગ ગીતકારોએ લખેલાં, જેમાંનું એક ગીત ‘જાને ઔર અન્જાને આજ કહીં દીવાને ઘૂમને નિકલે’ ગુલઝારનું હતું. ગાયક સુમન કલ્યાનપુર અને મહેન્દ્ર કપૂર. ફિલ્મમાં તેમનું નામ ‘ગુલઝાર દીનવી’ તરીકે હતું. સૌ જાણે છે એમ તેમનું તખલ્લુસ આ જ હતું, જે પછી ટૂંકાઈને ‘ગુલઝાર’ બન્યું. (મૂળ નામ સંપૂર્ણસિંઘ કાલરા). સંગીતકાર મનોહર (ખન્ના). એ જ વરસે રજૂઆત પામેલી ‘ભગવતી પ્રોડક્શન્સ’ની, પ્રદીપ નય્યર નિર્દેશીત ‘દિલેર હસીના’નાં કુલ છ ગીતોમાંના ત્રણ ગીતો – ‘ઓ ઓ ઓ મનચલી‘, ‘ચટકો ના મટકો ના‘ અને ‘ચાંદની રાત જિયરા ડોલે’ ગુલઝારે લખેલાં. પહેલાં બે ગીતો મહેન્દ્ર કપૂરે ગાયેલાં, અને ત્રીજું ગીત મહેન્દ્ર કપૂર- સુમન કલ્યાણપુર તેમજ સાથીઓએ. ફિલ્મમાં નામ ‘ગુલઝાર દીનવી’. સંગીતકાર ઈકબાલ. એ જ વરસે રજૂઆત પામેલી ‘રૂપકલા પિક્ચર્સ’ની, એસ.એમ.અબ્બાસ નિર્દેશીત ‘શ્રીમાન સત્યવાદી’નાં સાત ગીતો પૈકીનાં ચાર ગીતો ગુલઝારે, બે હસરત જયપુરીએ, અને એક ગુલશન બાવરાએ લખેલાં. ગુલઝારનાં ગીતો- ‘ઋત અલબેલી, મસ્ત સમા‘ (મુકેશ), ‘ઈક બાત કહૂં વલ્લાહ‘ (મુકેશ, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર અને સાથી), ‘ભીગી અદાઓં મેં તેરી અદાઓં મેં‘ (મન્નાડે, સુમન કલ્યાણપુર) અને ‘ક્યૂં ઉડા જાતા હૈ આંચલ‘ (સુમન કલ્યાણપુર). સંગીતકાર હતા દત્તારામ. આ ગીતો ખાસ જાણીતાં નથી, પણ સંખ્યામાં જોઈએ તો ત્રણ ફિલ્મોનાં આઠેક ગીતો થાય છે. આમ, ફિલ્મો માટે દસેક ગીતો લખ્યાં પછી ‘મોરા ગોરા અંગ લઈ લે’ લખાયું. એ શક્યતા ખરી કે ‘કાબુલીવાલા’ કે ‘પ્રેમપત્ર’ કરતાં કદાચ ‘બંદિની’નું ગીત લખાયું પહેલું હોય, અને ફિલ્મ મોડી રજૂ થવા પામી હોય. પણ આ ત્રણ ફિલ્મો બાબતે એ શક્ય નથી લાગતું.
    ‘શ્રીમાન સત્યવાદી’ ફિલ્મમાં ગીતકાર તરીકે ગુલઝારનું નામ
    ‘બંદિની’ની રજૂઆત ૧૯૬૩માં થઈ. એ અગાઉ ૧૯૬૧માં રજૂઆત પામેલી ‘બિમલ રોય પ્રોડક્શન્સ’ની, હેમેન ગુપ્તા નિર્દેશીત ‘કાબુલીવાલા’નું ‘ગંગા આયે કહાં સે‘ ગીત એમણે લખેલું, જેને સલીલ ચૌધરીએ સંગીતબદ્ધ કરેલું. ‘કાબુલીવાલા’નાં બાકીનાં ત્રણ ગીતો પ્રેમ ધવને લખેલાં. અલબત્ત, આની ધૂન એ સમયે રજૂ થયેલી, રાજન તરફદાર નિર્દેશીત બંગાળી ફિલ્મ ‘ગંગા’ના ગીત ‘આમાય દુબાઈલી રે‘ની ધૂન હતી, જે મન્નાડેએ ગાયું હતું. આ ધૂન પણ સલીલદાની જ હતી. એ પછી ૧૯૬૨માં રજૂઆત પામેલી, ‘બિમલ રોય પ્રોડક્શન્સ’ની, બિમલ રોય નિર્દેશીત ફિલ્મ ‘પ્રેમપત્ર’ ૧૯૬૨માં રજૂઆત પામી. એના પાંચ ગીતોમાંથી ચાર રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં, અને એક ગીત ‘સાવન કી રાતોં મેં ઐસા ભી હોતા હૈ‘ ગુલઝારે લખેલું, જેના ગાયક હતા લતા અને તલત મહમૂદ. સંગીતકાર સલીલ ચૌધરી. ‘બંદિની’ની રજૂઆત ૧૯૬૩માં થઈ હતી.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ડો. આંબેડકરની પ્રતિભા રસમી ને રાજકારણી ઉજવણાંની મોહતાજ નથી

    તવારીખની તેજછાયા


    ગોપાલ ગુરુ કહે છે કે આંબેડકર અને ગાંધી સામસામે હશે ત્યારે પણ સાથે નહોતા એવું નથી: આંબેડકરને જે પમાયું હતું તે ઘણા કર્મશીલોને ગાંધી બાબત પકડાતું નથી.

    પ્રકાશ ન. શાહ

    છ ઠ્ઠી ડિસેમ્બર આવી અને ગઈ: ડો. આંબેડકરે ૧૯૫૬માં એ દિવસે અંતિમ શ્વાસ લીધા હતા એટલે સ્વાભાવિક જ બૌદ્ધ કે નવબૌદ્ધ પરપંરામાં મહાપરિનિર્વાણ દિવસ તરીકે એનો મહિમા છે. મુંબઈમાં ચૈત્યભૂમિ પર હકડેઠઠ ઉભરાતું લોક, ખાસ કરીને દલિતો, ઉત્તરોત્તર વધતી આંબેડકરી અપીલની એક દ્યોતક બીના છે એમ પણ તમે કહી શકો. બધા જ ફિરકાના રાજકીય પક્ષો પણ આદર ઉપચાર બખૂબી નિભાવે છે.

    મુદ્દો એ છે કે ઉત્તરોત્તર વધતી આ સ્વીકૃતિની પ્રક્રિયામાં આંબેડકરને બે ઓળખ સતત વળગતી રહી છે. એમને બંધારણના ઘડવૈયા કહેવાય છે અને દલિત મસીહા તરીકેય એમનો પાટલો મંડાય છે. નહીં કે આ બે ઓળખ ખોટી છે; પણ તે અધૂરી છે અને પૂરી નથી એ આ વરસોમાં કદાચ આપણે પાધરું સમજ્યા નથી. બંધારણના ઘડવૈયા એ હતા, જરૂર હતા. એમણે ક્યારેક અકળાઈને પોતાને જાણે કે બીજાએ લખાવ્યું લખવું પડ્યું હોય એવીયે ફરિયાદ અલબત્ત કરેલી છે. પણ મુદ્દાની વાત એ છે કે સહિયારી ચર્ચા-વિચારણા પછી સમાનતા, સ્વતંત્રતા, બંધુતા ભણી ઝૂકતી એકંદરમતીની એ ખોજ હતી અને આ એકંદરમતીને અક્ષરરૂપ આપવાની તેમ તેના આત્માની કાળજી લેવાની જવાબદારી બેનીગલ નરસિંહરાવ વગેરેના સહયોગથી મુસદ્દા સમિતિએ આંબેડકરના નેતૃત્વમાં પાર પાડી હતી. ગાંધીજીના સૂચનનો મર્મ અને માયનો પકડીને નેહરુ-પટેલે આંબેડકરને નિમંત્ર્યા અને લાંબા વિરોધ ઈતિહાસને ઓળાંડી જઈ કેબિનેટમાં સાથે રાખ્યા તેની પૃષ્ઠભૂ એમની પ્રકાંડ કાનૂની સજ્જતા માત્ર નહોતી.

    ચવદાર તળાવની ઘટના હોય કે કાલારામ મંદિરની, આંબેડકરે ચળવળનો દોર ચાલુ રાખ્યો હતો. પરિવર્તનની પ્રક્રિયામાં કાનૂનની ભૂમિકા જરૂર છે, પણ કાનૂનની પૂંઠે બંધારણીય રીતે સરકારી સેન્ક્શન હોય તે બધો વખત પૂરતું નથી. આંદોલન અને જાગૃતિ હોવાં જરૂરી છે. આંબેડકરે સાતત્યપૂર્વક એ દોર ચાલુ રાખ્યો હતો તે આપણે બધો વખત યાદ રાખતા નથી. ગાંધી-આંબેડકર ચર્ચાને આપણે પુણે કરાર પૂરતી ગોઠવીને અટકી જઈએ છીએ. ગાંધીએ કેમ જાણે દલિત મતાધિકાર ઓળવી લીધો કે પછી સંયુક્ત મતદાર મંડળને ધોરણે વધુ અનામત બેઠકો આપી એવી વાત ચાલ્યા જ કરે છે. જે પકડાતું નથી તે એ છે કે આવી સમજૂતીઓ અને એનું કાનૂની (બંધારણીય) સ્વરૂપ લોક ચળવળ વિના ઊણાં અલૂણાં રહે છે. સાતેક વરસ પર ઈપીડબ્લ્યુના વર્તમાન તંત્રી ગોપાલ ગુરુએ સાબરમતી વ્યાખ્યાનમાં સરસ વાત કરી હતી કે ગાંધી-આંબેડકર સંવાદ અને વિવાદને બેઠક સંખ્યા જેવા મુદ્દે સીમિત નહીં કરતા એમણે લીધેલ ને લેવા ધારેલ આંદોલનના રાહની રીતે નવેસર જોવાની જરૂર છે. લોક આંદોલન અને સુધાર ચળવળ પરનો ગાંધીનો ભાર કેટલો સાચો હતો તે આપણે ‘બીજા સ્વરાજ’ પછી તરતના દસકામાં ગુજરાતમાં ચાલેલ અનામત વિરોધી ઉત્પાતમાં જોયું છે. જેમણે રાજકીય રીતે ન્યાય ને સ્વાતંત્ર્યની લડત લડી, નવનિર્માણ-જેપી આંદોલનના દિવસોમાં ગુજરાતમાં, એ સૌ વ્યક્તિગત અર્થમાં નહીં પણ ફિનોમિનન તરીકે સ્વરાજના વિસ્તરણ રૂપ અનામત વિરોધી ઉદ્રેકમાં જાણે જોડાઈ ન ગયા હોય! નવનિર્માણ-જેપી નેતૃત્વ અલબત્ત અનામતને સ્વીકારતું સમજતું હતું, પણ તરુણોનાં ધાડિયે ધાડિયાં….

    એ જ રીતે, તમને એમ પણ જોવા મળશે કે હિંસ્ર ઉત્પાતના એ દોરમાં કોંગ્રેસ ને ભાજપ બેઉની બીજી ત્રીજી હરોળો ઓછીવત્તી સંડોવાયેલી હશે. ગાંધી છેડેથી કે આંબેડકર છેડેથી જે પણ કોશિશ ને કામગીરી થઈ એમાંથી ખરું જોતાં એક દલિતની પૂરા કદના નાગરિક તરીકેની પ્રતિષ્ઠા થવી જોઈતી હતી. હિંદુત્વ ચળવળે માનો કે સીમિત અર્થમાં પણ દલિતને તે ‘હિંદુ’ હોવાનો દરજ્જો આપી સુખાભાસ કરાવ્યો હશે પણ સવર્ણ હિંદુ માનસનું શું. ગુજરાતના અનામત વિરોધી આંદોલન વખતે નાગપુરમાં સંઘની કાર્યકારિણીમાં જ્યારે અનામતના સમર્થનની વાત આવી ત્યારે ગુજરાતના પ્રતિનિધિઓએ ‘આપણા ગુજરાતના મિત્રોને માઠું લાગશે’ની તરજ પર વાત કરી હતી. અલબત્ત, તે વખતના સરસંઘચાલક દેવરસે અનામત તરફી મક્કમ વલણ દાખવી ઠરાવ પસાર કરાવ્યો હતો. અહીં મુદ્દો માત્ર એટલો જ છે કે સવર્ણ માનસ દલિત-સમાવેશી અર્થમાં ‘હિંદુ’ બને તે ચાર દાયકા પછી પણ અઘરું હતું. વાયકોમ સત્યાગ્રહના શતાબ્દી વર્ષમાં આપણને યાદ હોવું જોઈએ કે કોંગ્રેસમેન પેરિયારને આ લડત મોળી લાગી એથી એ છૂટા પડ્યા હતા. પછીનાં વરસોમાં પેરિયારની પ્રતિભા ઊંચકાતી ગઈ તો બીજી બાજુ કોઈક તબક્કે એમને પક્ષે ગાંધીની કદરબૂજ પણ વધતી ગઈ. એમણે ગાંધીહત્યા વખતે આપેલી અંજલિમાં તે શતધા જોવા મળે છે.

    આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કરતી વખતે ગાંધીજીને ભાવથી સંભાર્યા હતા, એ ગોપાલ ગુરુએ સાબરમતી વ્યાખ્યાનમાં ખાસ સંભાર્યું છે. એટલે બે સામસામે હોય ત્યારે પણ સાથે નહોતા એવું નથી. છઠ્ઠી ડિસેમ્બરના રસમી ને રાજકારણી ઉજવણાં વચ્ચે ક્યાંક તો એ પ્રકારની ચર્ચા ચાલવી જોઈએ જેનો સૂત્રપાત ગોપાલ ગુરુએ કર્યો છે. એમણે સરસ કહ્યું કે આંબેડકરને ગાંધીનો એ ગુણ વસ્યો હતો કે બીજા ઉજળિયાત નેતાઓ જ્ઞાતિપ્રથા ને અસ્પૃશ્યતાવાળી વ્યવસ્થાનો પોતે પણ ભાગ છે એવું સ્વીકારતા નથી પણ ગાંધી આ સ્વીકારે છે અને એને લાંઘી જઈ ‘હરિજન’ બનવા ચાહે છે. એ રીતે આ પ્રશ્ન પરત્વે ‘સત્ય’ને વરેલા અને ઊંચી નૈતિક ભૂમિકાએ જણાય છે. આ સંદર્ભમાં ગોપાલ ગુરુનું એક અવલોકન એ હતું કે આંબેડકરને જે પમાયું હતું તે ઘણા કર્મશીલોને ગાંધી બાબત પકડાતું નથી. છઠ્ઠી ડિસેમ્બરને વળતે અઠવાડિયે આ થોડાંએક સ્મૃતિ-સ્પંદન!


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૩ – ૧૨ – ૨૦૨૩ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • સસ્તું

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    મહાન હાસ્યલેખક જ્યોતિ‌ન્દ્ર દવેએ, દર્શક સર્વનામ, જીભ, છત્રી, ટાલ, યાદશક્તિ, અશક્તિ એમ વિવિધ અને કાંઈક જરાક હટકે લાગે એવા વિષયો પર નિબંધો લખ્યા છે. પ્રશ્નાર્થ ચિહ્ન ઉપરના લેખમાં  તો તેમણે શીર્ષક ‘?’ આ રીતે માત્ર ચિહ્ન મૂકીને આપ્યું છે. કોઈ પણ વિષય બાકી ન રાખવાનો નિર્ધાર કરેલો હોવાછતાં આ મહાન હાસ્ય લેખકે ‘મફત” પર તો લખ્યું પરંતુ આ મફતની જ નાતનાં એવા ‘સસ્તું’ પર લખવાનું તેમણે પોતાના કોઈ ઉત્તરાધિકારી માટે બાકી રાખ્યું હશે. મારા પોતીકા અભિપ્રાય મુજબ મારા સિવાય જ્યોતિ‌ન્દ્ર દવેનો ઉત્તરાધિકારી બીજો કયો હાસ્યલેખક હોઈ શકે? આમ વારસામાં આવી પડેલી જવાબદારી નિભાવવાના હેતુથી મેં ‘સસ્તું” પર લેખ લખવાનો નિર્ણય કર્યો.

    ‘સસ્તું” કોને કહેવાય તે ચોક્કસ કહી શકાય તેમ નથી. પરંતુ સામાન્ય રીતે બજારભાવ કરતા ઓછી કિંમતે મળતી ચીજવસ્તુને આપણે સસ્તી કહીએ છીએ. મફત અને સસ્તું એ બન્ને વચ્ચે ભલે આપણને તફવત દેખાતો હોય, પરંતુ વિજ્ઞાન અને ખાસ કરીને રસાયણ વિજ્ઞાનની દૃષ્ટિએ બન્ને એક જ છે. આ સત્ય ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરું છુ. પાણી અને બરફનો બાહ્ય દેખાવ ભલે અલગ લાગતો હોય, પરંતુ બન્ને હાઇડ્રોજનના બે અને ઓક્સિજનના એક પરમાણુ વડે જોડાયેલા એવા એક જ સંયોજનનાં પણ દેખાવે જુદા જુદા સ્વરૂપો છે. પાણીનું ઉષ્ણતામાન ઘટાડીને શૂન્ય અંશ સે‌ન્ટીગ્રેડ કરવામાં આવે તો તે પ્રવાહી મટીને ઘન એવા બરફનું સ્વરૂપ ધારણ કરે છે. તે જ રીતે કોઈપણ  વસ્તુનું મૂલ્ય બજાર કરતા સતત ઘટાડતા જવાથી  જ્યારે તે શૂન્ય બની જાય ત્યારે તે ‘મફત’ એવું નામ ધારણ કરે છે.

    આમછતાં મફત અને સસ્તામાં તફાવત તો છે જ. મફત લેવામાં એક પ્રકારે દૈન્યનો ભાવ અનુભવાય છે. કોઈ આપણને ચીજવસ્તુ મફત આપે ત્યારે જાણે ભીખ લેતા હોઈએ તેવી લાગણી થાય છે. જ્યારે સસ્તું લેવામાં પુરુષાર્થની જરૂર પડે છે. વેપારી સાથે ભાવતાલ કરીને સસ્તું લેવામાં ખાસ્સી લમણાઝીંક કરવી પડે છે. વેપારી અને ગ્રાહક બન્નેની દલીલ કરવાની ક્ષમતા અને ધીરજની કસોટી થાય છે.આ ઉપરાંત બેઉએ પોતાનાં અભિનયકૌશલ્યને પણ કામે લગાડવાં પડે છે. વેચનાર જાણે પોતાને વેચવામાં રસ ન હોય તેવો અભિનય કરે છે. અને ખરીદનાર તો દસવીસ ડગલા આગળ ચાલી જઈને પોતાને ખરીદવામાં રસ નથી તેવું દર્શાવવાનો  અભિનય કરી જાણે છે. થોડી સેકન્ડો માટે લાગે છે કે વાટાઘાટો પડી ભાંગી છે. છેવટે વેપારી ગ્રાહકને પરત બોલાવે છે અને “ છેલ્લે કેટલા આપવા છે?” એમ પૂછીને ભવતાલ કરવાનો દરવાજો ફરીથી ખોલી આપે છે. આ રીતે વાટાઘાટનો દોર પુન: ચાલું થાય છે અને કોઇ ચોક્કસ કિંમતે સોદો પતે છે. પછી કોઈ મોટો જંગ જીત્યા હોય તેમ માનીને વસ્તુ ખરીદનાર વિજયી મુદ્રામાં  પોતાના રસ્તે આગળ વધતા હોય છે.

    જો કે દરેકની ચિત્તવૃત્તિને આ પ્રકારે પુરુષાર્થ કરવાનું માફક આવતું નથી. જેમ કવિઓ જન્મે છે તેમ હંમેશા સસ્તું જ ખરીદવું’ તેવી મનોસ્થિતિ લઈને કેટલાક લોકો જન્મતા હોય છે. કવિ જેમ ધનની આશાએ કવિતા કરતા નથી તેમ ‘સસ્તા’ ના ચાહકોનો હેતું પૈસા બચાવવા જ હોય એ જરૂરી નથી. સસ્તું ખરીદવું એ તેમને મન કલા ખાતર કલા જેવી વાત હોય છે. આથી જ તેઓ અન્ય લોકોને પણ સસ્તું અપાવવા માટે આતુર હોય છે.

    એક વખત હું એક લારી પાસેથી કેળા ખરીદતો હતો. વેચનારે 20 રૂપિયે ડઝન કહ્યા એટલે મેં અડધો ડઝન કેળાના પૈસા માટે ખિસ્સામાં હાથ નાખ્યો કે તરત જ પાછળ ઊભેલા મારા એક મિત્રે મારો હાથ જોરથી ખેંચ્યો. પહેલા તો મને લાગ્યું કે મિત્ર મને કોઈ વાહનની અડફેટે આવતા બચાવી રહ્યા છે. પરંતુ પછીથી તો તેમણે જાણે આદેશ આપતા હોય તેમ કહ્યું “આગળ ચાલો આગળ, આટલા મોંઘા કેળા ન લેવાય.” તેઓ મને લગભગ એક કિલોમીટર દૂર આવેલી બીજી એક લારી સુધી દોરી ગયા. ત્યાં કેળાનો ભાવ તો એ જ હતો પરંતુ મિત્રે લારીવાળા સાથે પંદર મિનિટ સુધી રકઝક કરીને મને નવ રૂપિયે અર્ધો ડઝન કેળા અપાવ્યા.અર્થશાસ્ત્રીઓ ભલે માને કે આ કેળા મને નવ રૂપિયા, એક કિલોમીટર અને પંદર મિનિટમાં પડ્યા, પરંતુ મિત્રે તો મને સસ્તું અપાવ્યાનો હરખ જ અનુભવ્યો.

    બીજા એક સ્નેહી જ્યારે પણ હું કોઈ વસ્તુ ખરીદીને આવું છું ત્યારે “કેટલામાં લાવ્યા?” એવું પૂછવાનું કદી ચૂકતા નથી. તેમના સવાલનો હું જવાબ આપું પછી “ખૂબ વધારે આપી આવ્યા” એમ જણાવીને હું પોતે ચીજવસ્તુ ખરીદવાની બાબતે ભોટ છું એમ પણ આડકતરી રીતે કહી દે છે. આ રીતે વારેવારે મને ભોટપણાની લાગણી ન થાય તે માટે જ્યારે પણ હું કશીક ખરીદીને લાવું છું ત્યારે એ મિત્ર મને સામા ન મળે તેવી ઇચ્છું છું. કદાચ મળી જાય તો “ખરીદીને નથી લાવ્યો પણ સાથેની વસ્તુ બીજાને પહોંચાડવાની છે” એમ ખોટું બોલું છું.

    સસ્તું અને સારું બન્ને ગુણવાચક વિશેષણ હોવા છતાં બન્નેના અર્થો તો જુદા જ છે. પરંતુ બહુ મોટો સમૂહ એવો છે કે જે સસ્તું અને સારું એ બેઉમાં ભેદ નથી કરતો. એક ગામમાં એક વ્યક્તિએ બહોળી આવક થઈ શકે એવાં મંદિરને બદલે નિશાળનું મકાન બનાવવા વિચાર્યું. જરૂરી ફંડ ઊભુ કર્યા પછી તેમણે બાંધકામ માટે સારી વસ્તુઓ જ વાપરવી એવો નિર્ણય કર્યો. આ માટે તેમણે સામાન ક્યાંથી ખરીદવો એ જાણવા ગામના કેટલાક લોકોનો અભિપ્રાય માગ્યો. જવાબમાં મોટાભાગના લોકોએ ઈંટ, રેતી ,કપચી કે લોખંડ ક્યાંથી સારાં મળશે એમ જણાવવાને બદલે  સસ્તાં ક્યાંથી મળશે તેવી માહિતી જ આપી. પેલા ભાઇએ સ્પષ્ટતા પણ કરી, “ભાઈઓ હું સસ્તો નહિ પણ સારો માલસામાન વાપરવા ઇચ્છું છું” પરંતુ પેલા નિષ્ણાતોને તેનાથી કાંઈ ફરક ન પડ્યો.

    માત્ર ખરીદીની બાબતે જ નહિ, મજૂર કે કારીગરો પાસે પણ સસ્તામાં કામ કરાવવા લોકો ઇચ્છે છે. આ બાબતે પેલા નિષ્ણાતોની આગવી પદ્ધતિ હોય છે. સૌ પ્રથમ તો તેઓ મજૂર, સુથાર, કડિયા કે ઘર રંગનારા સાથે બને તેટલા ઓછા ભાવે કામ કરાવવાનું નક્કી કરે છે. પરંતુ કામ પુરું થયા પછી કશીક ને કશીક તેમાં ખામી કાઢીને પેલા માણસને અપરાધભાવ કરાવે છે. તેના આ અપરાધભાવનું શમન નક્કી કર્યા કરતાં પણ ઓછા દામ ચૂકવીને કરે છે.

    સસ્તું મળવાથી ભલે આપણે ખુશ થતા હોઈએ પરંતુ વેપારી તો સસ્તા દામ લઈને તોલ કે ગુણવતા ઓછા કરીને વળતર મેળવી લેતા હોય છે. એક નિખાલસ વેપારીએ કહ્યાનું યાદ આવે છે. તેમના કહ્યા મુજબ વેપારીઓ છરી છે અને ગ્રાહકો તરબૂચ છે. છરી પર તરબૂચ પડે કે તરબૂચ પર છરી પડે, કપાવાનું તો તરબૂચને જ છે!

    બજારમાં મળતી ચીજવસ્તુઓના સસ્તા હોવાને તેની કિંમત સાથે સબંધ છે. શક્ય છે કે આ ચીજવસ્તુઓ સસ્તી હોવાછતાં તેને ગુણવતા ઉંચી હોય.પરંતુ સાહિત્ય કે કલા જેવી મનોરંજનની  બાબતો  તેની હલકી ગુણવતાને કારણે જ સસ્તા (અંગ્રેjજીમાં જેને cheap કહેવાય છે)ગણાય છે. આપણે જરૂરી વસ્તુઓ સસ્તી ખરીદવાનો આગ્રહ રાખીએ તેમાં ખાસ નુકશાન નથી, પરંતુ સસ્તા મનોરંજનો તો આપણા અનરવા માનસ અને રૂચિના જ નિદાન છે.  છેવટે સસ્તુ લેવાની વૃતિ એ માનવ જાતે ઊભા કરેલા બજારની જ નીપજ છે અને જ્યાં સુધી બજાર છે ત્યાં સુધી તે રહેવાના જ છે, ઇતિ મે મતિ.


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • માંડી વાળેલ

    આશા વીરેન્દ્ર

    ધડધડ ધડધડ કરતી સુપર ફાસ્ટ ટ્રેન દિલ્હી તરફ ભાગી રહી હતી.પૂનમબેન અને બકુલભાઈએ વર્ષોથી ચારધામની જાત્રા કરવાની ઈચ્છા મનમાં ને મનમાં ધરબી રાખી હતી.કેટલીય વાર જવાનું વિચાર્યું પણ દર વખતે કંઈ ને કંઈ વિઘ્ન આવીને ઊભું જ હોય. કોઈની માંદગી તો કોઈનું મરણ,ધંધામાં મંદી ને પૈસાની તંગી આવા કોઈને કોઈ કારણસર જાત્રાએ જવાનું પાછું ઠેલાયા કરતું હતું.એ તો સારું થયું કે આ વખતે શિવમ અને શિવાની-મોટા દીકરા, વહુએ મક્કમ થઈને કહી દીધું હતું,

    ‘અહીંનું જે થવાનું હશે એ અમે સંભાળી લઈશું.કંઈ પણ ચિંતા કે મન પર બોજ રાખ્યા વિના તમે બસ, નીકાળી જ જાવ.’

    શિવમે તો વળી હસતાં હસતાં કહ્યું હતું,

    ‘પપ્પા, તમે ઘણી વાર કહો છો ને કે, તરસ લાગી હોય તો ઘોડાએ નદી પાસે જવું પડે, નદી કંઈ ચાલીને ઘોડા પાસે નથી આવવાની.એમ જ પ્રભુના દર્શન કરવા હોય તો જવું તો તમારે જ પડશે ને?ભગવાન પર્વત પરથી ઊતરીને તમારી પાસે નથી આવવાના.તૈયારી કરવા જ માંડો, હું ટિકિટ બુક કરાવી દઉં છું.’

    સારામાં સારા ટૂર ઓર્ગેનાઈઝરની ખૂબ સુવિધાભરી ટૂરની ટિકિટ એ લઈ આવ્યો હતો.કેટલાય દિવસોથી શિવાની પણ તૈયારી કરવામાં મચી પડી હતી.નાનામાં નાની ચીજ- વસ્તુઓની એણે બનાવેલી યાદી જોઈને બકુલભાઈ હસી પડ્યા હતા,

    ‘શિવાની, આમ આખું ઘર જ સાથે લઈને જવાનું હોય તો એના કરતાં ઘરમાં બેઠેલાં શું ખોટાં હતાં?તેં તો તેલ ને શેમ્પૂથી માંડીને સોય- .દોરા ને બટન જેવી વસ્તુ પણ યાદીમાં લખી છે!’

    ‘બહાર નીકળીએ ત્યારે બધી વસ્તુ સાથે રખેલી સારી.ઓચિંતી જરુર પડે ને એ ચીજ આપણી પાસે ન હોય તો અજાણી જગ્યામાં ક્યાં લેવા નીકળીએ?એના કરતાં થોડો સામાન ભલે વધારે થાય.તમારે કયાં ઉંચકવાનું છે?ટૂરવાળા જ બધી વ્યવસ્થા કરશે.’

    ‘હા, બધાં તમારી જેમ સીનિયર સીટિઝન જ છે એટલે એ લોકો બહુ સંભાળ રાખે.તમે જરા ય ટેંશન નહીં રાખતાં.’

    નાનાં બાળકને પહેલી વાર એકલું ઘરની બહાર મોકલતાં હોય એમ શિવમ અને શિવાનીએ ખાવા –પીવા અને પહેરવા- ઓઢવાથી માંડીને મમ્મી- પપ્પાની દવાઅને બૂટ –ચંપલ સુધીની વ્યવસ્થા હોંશભેર કરી હતી.મુંબઈથી દિલ્હી સુધી સૌ યાત્રીઓએ પોતાની રીતે પહોંચવાનું હતું અને ત્યાંથી ટૂરમાં જોડાવાનું હતું.

    કેટલાંય વર્ષો પછી હુતો-હુતી એકલાં આમ ફરવા નીકળ્યાં હતાં એનો આનંદ પૂનમબેન્નના ચહેરા પર પૂનમના ચાંદના પ્રકાશની જેમ પથરાયો હતો.

    ‘આપણે ઘરમાંથી નીકળ્યાં ત્યારે વિશ્વા અને વત્સલ બેય કેવાં ઢીલાં થઈ ગયાં હતાં નહીં?કોઈ દિવસ આપણાંથી છૂટાં નથી પડ્યાંને,એટલે એમને ગમવાનું નથી જોજોને!’ બંને પગ બર્થ પર લઈ પલાંઠી વાળીને નિરાંતે બેસતાં એમણે કહ્યું.

    ‘હં…’ બકુલભાઈએ ધીમો હોંકારો પૂર્યો.

    ‘શિવમ તો બરાબર કે આપણું લોહી એટલે કરે પણ શિવાની પારકી જણી હોવા છતાં આટલી લાગણી અને પ્રેમ રાખે તે આપણે કેટલાં પુણ્ય કર્યાં હશે, નહીં?’

    ‘હં…’

    ‘શું ક્યારના હં હં કર્યા કરો છો?કોઈને કોઈ બહાને તમારી સાથે વાત કરવાનો, તમને બોલાવવાનો પ્રયત્ન કર્યા કરું છું  પણ તમે તો બહાર નીકળીનેય ચિંતાનું પોટલું માથે લઈને જ ફરો છો.મનમાં શું ભર્યું છે, કંઈ બોલો તો સમજાય.’

    જોશભેર કહેવા જતાં પૂનમબેનનો અવાજ ધીમો પડતાં પડતાં સાવ મંદ પડી ગયો.એ પોતેય ક્યાં નહોતા જાણતાં કે,બકુલભાઈની ઉદાસીનું કારણ શું છે?ભલે કહેવાતું હોય કે જોડો ક્યાં ડંખે છે એ તો પહેરનારને જ સમજાય પણ એમના કિસ્સામાંતો એવું હતું કે બેઉએ એક એક પગમાં એક એક જોડો પહેર્યો હતો એટલે બેઉને ખબર હતી કે એ ક્યાં અને કેટલો ડંખે છે?આ ડંખનાર હતો નાનો દીકરો રુચિર.દેખાવડો, ચબરાક,હોશિયાર રુચિર.ભણવામાંય એટલી તેજસ્વી કારકિર્દી કે મા-બાપે તો માની જ લીધેલું કે, દીકરો ભણી- ગણીને મોટો સર્જન થશે ને સૌ આપણને રુચિરનાં મમ્મી- પપ્પા તરીકે ઓળખશે પણ તે દિવસ એમનાં જીવનમાં ઝંઝાવાત લઈને આવ્યો જ્યારે એકાએક એણે જાહેરાત કરી હતી,

    ‘મારે આ લાઈનમાં આગળ નથી ભણવું.’

    ‘એટલે?આ લાઈનમાં નહીં તો બીજી કઈ લાઈનમાં?તું તો મોટો ડૉક્ટર થવા જ સર્જાયો છે.થાક્યો કે કંટાળ્યો હોય તો નાનકડો બ્રેક લઈ  લે.’ બકુલભાઈએ હળવાશથી કહ્યું હતું.

    ‘ના, મારે આ બધું છોડીને ફિલ્મ મેકીંગમાં જવું છે.ભલે મોડો તો મોડો પણ મને ખ્યાલ આવ્યો છે કે, મારા રસનો વિષય કયો છે?”

    પૂનમબેનનાં આંસુ, બકુલભાઈનો આક્રોશ કે શિવમની સમજાવટ-કશુંય કામ નહોતું લાગ્યું.ફિલ્મ મેકીંગના કોર્સ માટે એડમીશન લીધા પછી ધીમે ધીમે એ બધાથી અતડો થતો ગયો.જો કે, પૂનમબેનનું-એક માનું હૈયું બરાબર સમજતું હતું કે એને દૂર કરતો જવામાં એ સૌ હિસ્સેદાર છે.સૌનું એની સાથે ખપ પૂરતું બોલવું,એણે બહુ મોટી ભૂલ કરી છે અને બધાંનાં હૈયાં દુ:ભવ્યાં છે એવો વગર બોલ્યેય અનુભવ કરાવ્યા કરવો,એને વહેલું- મોડું થાય તો એનાં ખાવા-પીવાની ચિંતા કર્યા વિના રસોડું ચોખ્ખું કરીને સૂઈ જવું -આ બધું જાણે એની સામે રચાયેલો ત્રાગડો હતો.શિવાનીને નાના દિયરિયા માટે ખૂબ લાગણી હતી..ઘરમાં જે મૂંગો અસહકાર ચાલી રહ્યો હતો એનાથી એ ખૂબ અકળાતી,

    “મમ્મી, રૂચિર એનું ભલું-બુરૂં બરાબર સમજી શકે છે.પોતાની પસંદનું કામ કરવું એ શું ગુનો છે?એ થાક્યો પાક્યો આવીને ભૂખ્યો સૂઈ જાય ને આપણે કોઈ એને પૂછીયે પણ નહીં કે, તેં કંઈ ખાધું છે કે નહીં?મારાથી આ બધું સહન નથી થતું મમ્મી, તમે પપ્પાને સમજાવો.”

    ‘વિશ્વા અને વત્સલ ન સમજતાં હોય તો એમને સમજાવાય પણ જે બધું સમજતા હોય એને કઈ રીતે સમજાવું?’પૂનમબેન પાલવથી આંખો લૂછતાં કહેતાં,’શું કરું બેટા, લાચાર છું,બાકી પેટના જણ્યાની ચિંતાની હૈયાસગડી મને દિવસ રાત કેવી બાળ્યા કરે છે એ હું જ જાણું છું.’

    બકુલભાઈએ તો રુચિરની હાજરીની,એના આવવા-જવાની નોંધ લેવાનું ય છોડી દીધું હતું.એક છત નીચે રહેતી બે અજાણી વ્યક્તિ જેવો બેઉ વચ્ચેનો વહેવાર આખા ઘર પર ઓથાર બનીને ઝળુંબતો હતો.દીકરાની સદંતર અવગણના કરતા હોવા છતાં એણે વાળ વધારવા માંડ્યા એ એમની નજર બહાર નહોતું રહ્યું.એ જે કંઈ કરે એ માટે પૂનમબેન જ જવાબદાર હોય એમ એમણે કહ્યું હતું,

    ‘આ શું વેશ કાઢ્યા છે તમારા રાજકુંવરે?કાનમાં બુટ્ટી,ચિત્ર વિચિત્ર કપડાં ને એ બધું ઓછું હોય એમ હવે છોકરીઓની જેમ પોની વાળવા માંડી છે.મને તો કોઈને કહેતાં ય શરમ આવે છે કે એ મારો દીકરો છે.’

    પૂનમબેનની જીભ સુધી કંઈ કેટલીય વાતો આવી જતી,’આ ઉંમર છે એની, કરી લેવા દો ને શોખ પૂરા.હજી તો એ બાવડા પર ટેટૂ ચીતરાવવાનું ય કહેતો’તો. મેં કહ્યુંકે, તારે તો ઠીક છે,આખો દિ’ ઘરની બહાર રહેવાનું પણ તું ટેટૂ ચીતરાવશે તો સાંભળવાનું તો મારે જ આવશે.તારા પપ્પા તો મને જ કહેશે કે, મેં તને ફટવી મૂક્યો છે.ત્યારે વળી મારે ખાતર એ માની ગયો પણ હું તમને પૂછું કે, આપણાં લગ્ન વખતે તમે થોભિયા વધારેલા ને?(બળ્યું હું તો ભૂલી ગઈ,એને શું કહેતા?હા…સાઈડ લોગ્સ) એ થોભિયા બાપુજીને જરાય નહોતા ગમતા.કહેતા કે, આ વળી કઈ જાતની ફેશન?બે બાજુના થોભિયા વધારી વધારીને છેક દાઢી સુધી લઈ આવવાના ને વળી એવી કટ કરાવવાના હજામને બમણાં પૈસા આપવાના.ભુંડા લાગો છો ભુંડા.બાપુજી બોલતા રહેતા ને તમે તમારું ધાર્યું જ કરતા.હવે એ બધું ભૂલી ગયા?’

    પણ આવા બધા સંવાદ એમનાં મનમાં જ ચાલતા,એક હરફેય બહાર ન નીકળતો.અત્યારે પૂરપાટ ભાગતી ટ્રેનના એ. સી. કોચની બર્થ પર પતિની પડખે

    બેસી,એમના હાથ પર હાથ મૂકી, રીસાયેલા બાળકને સમજાવતા હોય એમ એમણે કહ્યું,

    ‘રુચિર તો છોકરું છે.પોતાનું ધારેલું,મનગમતું કરે એ કદાચ ન પણ ગમે પણ એમાં આપણાં જ ફરજંદ માટે આટલો બધો ગુસ્સો અને રોષ રાખવાના?’

    ‘મહેરબાની કરીને મને શિખામણ ન આપીશ.બહુ બચાવ કરી લીધો તેં એ માંડી વાળેલનો.’

    ‘આવા શબ્દો ન બોલો.એ માંડી વાળેલ નથી.હવે જે વાત કહું છું  એ તમને ન કહેવાનું રુચિરે મારી પાસે વચન લીધું હતું પણ જિંદગીમાં પહેલી વખત આવી પવિત્ર જાત્રા કરવા જઈએ ત્યારે પણ તમે મનમાં રાગ-દ્વેષ ભરી રાખો એ મને મંજુર નથી એટલે વચનભંગ કરીનેય મારે તમને સાચી વાત કરવી છે.’

    ‘ઓહો, એવી તે તમારા કનૈયા કુંવરની શું વાત કરવાની છે?’

    ‘આપણને ચારધામની જાત્રાએ મોકલવાનો વિચાર રુચિરનો જ છે.જાત્રાનો બધો ખર્ચ પણ એ જ કરવાનો છે.આવું જાણો તો કદાચ તમે ના જ પાડી દો એટલે પડદા પાછળ રહીને એણે બધું શિવમ અને શિવાની પાસે કરાવ્યું.’

    ‘બાપ દીકરા વચ્ચે સમાધાન કરાવવા વાર્તા તો સારી ઘડી કાઢી છે પણ મને એ તો સમજાવ કે,આટલા પૈસા એણે કાઢ્યા ક્યાંથી?’

    ‘આ વાર્તા નથી,હકીકત છે.એ એટલો મહેનતુ છે અને પોતાનાં કામની એનામાં એટલી આવડત છે કે આજે દસ્તાવેજી ફિલ્મો બનાવવામાં એનાં નામની બોલબાલા છે.મારા ખોળામાં માથું મૂકીને રડતાં રડતાં એણે કહ્યું હતું કે,મારી ઈચ્છા કે શોખ પૂરાં કરવા જો મેં તમારાં સૌનું અને ખાસ તો પપ્પાનું મન દુ:ભાવવાનું પાપ કર્યું હોય તો એના પ્રાયશ્ચિત રૂપે મારા તરફથી આ યાત્રાનો સ્વીકાર કરો પણ મમ્મી,તું પપ્પાને આ વાત ન કરીશ.’બોલતાં બોલતાં પૂનમબેનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતાં.

    ક્યારના આ બધી વાતો સ્તબ્ધ બનીને સાંભળી રહેલા બકુલભાઈએ ચૂપચાપ મોબાઈલ હાથમાં લઈ ટાઈપ કરવાનું શરુ કર્યું’,

    ‘આટલા વખતથી વાત નથી કરી એટલે આજે તારી સાથે કેવી રીતે અને શું વાત કરું એ સમજાયું નહીં એટલે આ મેસેજ કરું છું.ગંગોત્રી અને યમનોત્રીના દર્શન કરવાના તો હજી બાકી છે પણ અત્યારે તારી મમ્મીની આંખોમાં એના દર્શન કરીને પાવન થયો છું.

    તારાં મનગમતાં ક્ષેત્રમાં તું ખૂબ ખૂબ પ્રગતિ કરે એવા અંતરના આશીર્વાદ.પપ્પાએ તારી સાથે કરેલી સખ્તાઈને,એમની ભૂલોને ભૂલી જઈશ?ભૂલી શકીશ?’

    જાત્રા કરીને પાછાં ફર્યા ત્યારે મુંબઈ સેંટ્રલ સ્ટેશને એમને લેવા આવેલો વ્યવસ્થિત રીતે  કપાવેલા વાળ વાળો,કાનમાં બુટ્ટી વિનાનો,સાદા ટી-શર્ટ અને પેંટમાં સજ્જ છોકરો રુચિર જ છે એમ માનવામાં જેમ બકુલભાઈને તકલીફ પડી એમ સામે હસુ હસુ થતા ચહેરે,ઝળઝળિયાં ભરેલી આંખે,બંને હાથ ફેલાવીને એને પોતાના આગોશમાં લેવા તત્પર પપ્પા છે એવું રુચિર પણ માની નહોતો શકતો.

    એક અસંભવિત લાગતું દ્રશ્ય પ્રત્યક્ષ નિહાળી રહેલાં પૂનમબેન મનોમન સતત એક જ વાતનું રટણ કરી રહ્યાં હતાં,’મારી તો જાત્રા ફળી.હે ભોલેનાથ,મારી પર તારી કૃપા ઉતરી.હર હર મહાદેવ…’


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કલંક

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    હમણાં જ એ પોલિસ હેડ ક્વાર્ટરથી પાછા આવીને કપડાં બદલવા અંદર ગયા.. ઑર્ડર્લી ચા બનાવીને લાવે ત્યાં સુધીમાં નાસ્તાની પ્લેટ ટેબલ પર મૂકી ને એટલામાં અંદરથી તેજ, તીખો અવાજ આવ્યો.

    “આ કેરીની પેટી કોણ લાવ્યું?”

    કદાચ આટલી મોંઘી કેરીઓ લેવાની અમારી ક્ષમતા નહોતી એટલે એમને નવાઈ લાગી હશે, પણ હું ખુશ હતી.

    “સબ ઈન્સ્પેક્ટર વિનોદ આવ્યા હતા.”

    “અરે, પણ એને તો ખબર હતી કે હું એક કેસના કામથી બહાર ગયો હતો તો અત્યારે આવવાની શી જરૂર?”

    “ના, એને ખબર નહોતી, પણ આવ્યો પછી ઠાલો પાછો થોડો જાય! એ તો વળી એવું કહીને ગયો કે, સાહેબ તો એમની પાસે ફરકવા દેતા નથી. સેવા કરવાનો એક મોકો નથી આપતા. અમારા માટે તો સાહેબ કે તમારામાં કોઈ ફરક નથી. અમારા માટે તો તમે બંને માબાપ છો, તો તમારા માટે આટલું કરવાનું મન થાય ને?”

    “એણે કીધું ને તેં માની લીધું? મારી સામે તો જી સાહેબથી વધુ એક શબ્દ નથી નીકળતો અને અહીં આવીને ચાપલૂસી કરી ગયો. એ તો એક નંબરનો ચાલાક અને ધૂર્ત છે, પણ તું આટલી નાદાન ક્યાંથી બની રહી?”

    “અરે, તમે રહ્યા સાવ ભોળા. કોઈ આટલા પ્રેમથી પોતાના અધિકારીને ઘેર આવીને ભેટ આપી જાય એમાં ખોટું શુ? તમે તો એવી ધાક બેસાડી દીધી છે સૌ તમારાથી ડરે છે..”

    “હું ડરાવું છું? જો ખરેખર તો એમના મનમાં કોઈ ખોટ ન હોય તો મારાથી ડરવાની જરૂર નથી. અને રહી સેવાની વાત તો, ઑફિસના કામમાં ઢીલ કર્યા વગર કામ કરે એને સેવા કહેવાય. એક કેસની તપાસ કરવા મોકલ્યો હતો તો ગામના મોટા માણસ સાથે દારૂ પીવા બેસી ગયો અને અપરાધીના બદલે કોઈ રાંક જેવા માણસને પકડી લાવ્યો હતો. એણે આવીને ખોટી ખુશામત કરી અને તું માની ગઈ.”

    ઑફિસમાં તમારી સાથે કેવો સંબંધ છે એની મને નથી ખબર પણ, મને તો એ સારો માણસ લાગ્યો અને દીદી દીદી કહીને કેટલું માન આપ્યું?”

    “હવે એ તને બહેન બનાવે કે અમ્મા, એવો કોઈ સંબંધ મને મંજૂર નથી સમજી, અને હવે આગળ બીજી કોઈ વાત કે ચર્ચા કર્યા વગર કેરીની પેટી પાછી મોકલી દે.”

    “અરે, પણ એમાંથી કેટલી કેરીઓ તો ખવાઈ ગઈ. હવે શું પાછું મોકલું?”

    “તારી સાથે ચર્ચા કરવી વ્યર્થ છે. આટલા વર્ષો થયા તું મને ઓળખતી નથી કે મારા આદર્શની આબરુ ન રાખી? મારા આદર્શ કે સિદ્ધાંત જાળવવામાં તારો ટેકો હોવો જોઈએ, બસ.” કહીને એમણે વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું પણ એમના અવાજમાં નિરાશાનો ઘેરો સૂર હતો.

    એ સમયેતો વાતનો અંત આવ્યો પણ મારા વિચારોએ તંત ન છોડ્યો. મને લાગ્યું કે કોઈ પ્રેમથી કંઈ આપી જાય તો એમાં ખોટું શું છે. કેટલાય લોકો તો માંગીને ઘર ભરે છે. કેટલાયની પત્નીઓ રોજના શાકભાજીથી માંડીને સૂકા મેવા અને આખા વર્ષની કંઈ કેટલીય વસ્તુઓથી ઘર ભરી લે છે.

    મને એવું લાગ્યું કે એમના કરતા હું વધારે બુદ્ધિમાન છું, પણ આજે લાગે છે કે એ દિવસે એમની વાત હું સમજી શકી હોત કે માની લીધી હોત આજે આ દિવસ ન આવત.ઈન્સપેક્ટર વિનોદે મને દીદી બનાવી તો કોઈએ ભાભી, દીકરી કહીને નવા સંબંધો કેળવવા માંડ્યા. તો વળી કોઈએ દેવી કહીને પૂજવાનું જ બાકી રાખ્યું. મારી કૃપાદૃષ્ટિથી એ ભવસાગર તરી જશે એવા કેફમાં હું રાચવા માંડી.

    “તમે કહેશો તો સાહેબ માની જશે. તમારી વાત સાહેબ નકારી જ ન શકે.” જેવા ખુશામતભર્યા શબ્દોથી હું ગર્વ અનુભવતી રહી. મારી વિચારશક્તિ જાણે ખતમ થઈ ગઈ. ઘર અનેકવિધ ચીજ-વસ્તુઓથી ભરાતું રહ્યું..

    ક્યારેક તો એમના દોસ્તોય કહેતા કે અસલી પોલિસ અધિકારી હું જ છું, એ તો નામના જ સાહેબ છે. આવું બધું જાણીને તો હું વધારે ને વધારે બહેકતી ચાલી અને સાચે જ મારી જાતને ખુરશીની અધિકારી માની બેઠી. આજ સુધી ઓર્ડલી કે અન્ય સેવકો સાથે અમારા બંનેનો વ્યહવાર માનભર્યો અને અતિ સંયમિત હતો. એમનો તો વ્યહવાર એવો જ રહ્યો પણ હવે હું કામ વગરના ઓર્ડરો આપતી. રોફથી એમને લડવા, ધમકાવવા જેવી હરકતો કરવા માંડી.

    એક વાર શહેરમાં ભયંકર તોફાનો થયા ત્યારે કુનેહપૂર્વક કામ લેવા છતાં એ ઘવાયા. બચી ગયા. ત્યારે એક વયસ્ક હવાલદારે કહ્યું કે. “ બાઈજી, તમારા સુહાગના પ્રતાપે સાહેબ આજે બચી ગયા.” સાહસ, સમજદારી અને ધીરજથી એમણે પાર પાડેલા કાર્યનો જશ લઈને હું વધુ અભિમાની બની. એમની તમામ ઉપલબદ્ધિ, તમામ સફળતાનો શ્રેય મારી જાતને આપતી રહી.

    છોકરાઓ પણ હવે અભ્યાસ તરફ બેપરવા અને વધુ ઉદ્દંડ બનવા માંડ્યાં. એમની અણછાજતી માંગણી વધતી ગઈ. જાતને સર્વેસર્વા માનતી હું એમને સાચી સલાહ આપવાના બદલે એમની ગેરવ્યાજબી વાતોને પણ પ્રાધાન્ય આપવા માંડી.

    એ પછી તો વાત ઘણી આગળ વધતી ચાલી. મારું મોઢું મોટું થતું ચાલ્યું. એટલે હદ સુધી કે એમના તાબા હેઠળના એક અધિકારીની બદલી સુદ્ધાં રોકવાનો પ્રયાસ કર્યો. એની સામે છોકરાંઓની માંગ મુજબ રંગીન ટી.વી પણ આવા જ સંબંધોથી ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતું ગોઠવાઈ ગયું.

    અંતે એમના રોષે માઝા મૂકી. આવો અને આટલો ગુસ્સો તો ક્યારેય જોયો નહોતો. એ મને રોકવા માંગતા હતા અને હું સમજવા કે સ્વીકારવા તૈયાર નહોતી.

    એમનું કહેવું હતું કે, મનમાની કરીને સાથે છોકરાઓને પણ મેં બગાડી મૂક્યા છે. કોઈ પોતાનાં ધનનો સંચય છોકરાઓનાં ઉજ્જ્વળ ભવિષ્ય માટે કરે જ્યારે અહીં તો મારી બેહૂદા હરકતોથી બધુ  નષ્ટ જ થવા બેઠું છે.

    કાશ, એમની વાત હું સમજી શકી હોત.  છેલ્લા દોઢ વર્ષથી જાણે એક જાતનું પાગલપન મારા પર સવાર થયું હતું. એમની કોઈ વાતોની સચ્ચાઈ મારી નજરે આવતી નહોતી. મારી હરકતોથી તો એમના સિદ્ધાંતો,આદર્શ અને આબરુના ધજાગરા થયા હતા. એ કહેતા કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રી હોય છે, પણ અહીં તો હું એમના માટે અસફળતાની કેડી કંડારી રહી હતી. છેલ્લે તો રીતસરનો આદેશ જ આપ્યો કે હવે એ જે ખુરશીના અધિકારી છે એ ખુરશીનો દુરઉપયોગ મારે બંધ કરી દેવો.

    અંતે જે થવાનું હતું એ થયું. એમની બદલી થઈ અથવા એમણે જાતે જ બદલી માંગી લીધી. સૌએ સાથે જવું એવો એમનો નિર્ણય હતો. પણ એમના રોષથી બચવા છોકરાઓની સ્કૂલ પૂરી થવાના બહાના હેઠળ રોકાઈ ગઈ.

    એમના જવાની સાથે મને સમજાઈ ગયું કે, ખરેખરા અધિકારી તો એ જ હતા. મને એવો ઘમંડ હતો કે બધા મારા એક ઈશારે જાન બિછાવશે પણ, એમના ગયા પછી એક બુઢ્ઢા ઑર્ડર્લી સિવાય બીજા બધા ઑર્ડર્લી, કર્મચારીઓ નવા સાહેબની તહેનાતમાં લાગી ગયા. મારાં બાળકોને પણ મા કરતા પિતાની છાયા અથવા એમના લીધે મળતી સુખ-સગવડ વધુ પસંદ હતી એ પણ મેં જોઈ લીધું.

    હવે તો ફોન પણ રહ્યો નહોતો કે કોઈ ઈંસ્પેક્ટર કે સબઈંસ્પેક્ટરને બોલાવીને કામ ચીંધું. મને સમજાયું કે મને જે માન-સન્માન મળ્યું એ માત્ર એમના લીધે જ હતું.

    કદાચ એક સાચા, ઈમાનદાર ઑફિસરની પત્ની બનીને રહી હોત તો સમાજમાં મારું માન જળવાયુ હોત. પણ હવે ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવો નકામો હતો. મારા લીધે એમની આબરુ ખરડાઈ હતી. સૌ એમ માનવા લાગ્યા હતા કે, સાહેબનો તો બહારથી સાફ દેખાવાનો દંભ માત્ર હતો. એ લે કે આડા હાથે મેમસાબ લે વાત તો એક જ થઈ.

    કેટલાના મોં બંધ કરું? મારા લીધે વર્ષોની એમની તપસ્યા ભંગ થઈ, નામ ખરાબ થયું.

    એ કહેતા કે, “અમે અપરાધીઓને પકડીએ, એમને જેલ થાય. એક વાર જેલની સજા ભોગવ્યા પછી સારા નાગરિક તરીકે જીવન જીવવાની એમને તક મળે છે. જ્યારે સરકારી ઑફિસરનું નામ એક વાર ખરડાયું એ જીવનભર એની વર્દી પર લાગેલા ‘બૅજ’ની જેમ એની સાથે જ રહે છે. અમારી એક વારની ભૂલ હંમેશ માટે અમારા નામ પર કલંક બનીને રહી જાય છે. અમારી દરેક બદલી પહેલાં એ અપકીર્તિ અમારી પહેલાં ત્યાં પહોંચી જાય છે. દુનિયા ક્યારેય એ કલંક ભૂલતી નથી.

    મારી નાદાનીથી જીવનભર એક કલંક એમના ‘બૅજ’ની સાથે જોડાઈ ગયું.


    મંગલા રામચંદ્રન લિખિત વાર્તા -દાગ- પર આધારિત ભાવાનુવાદ –‘કલંક’


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે

  • વાદ્યવિશેષ : (૧૦) – તંતુવાદ્યો (૫) – સારંગી

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    માનવીય ગાયકીની વિશિષ્ટતાઓ જેવી કે હરકત અને શ્રુતિ સાથે બરાબરીમાં ઉતરે એવું જો કોઈ વાદ્ય હોય તો તે સારંગી છે. આ કારણથી તેનો ઉપયોગ શુદ્ધ શાસ્ત્રીય ગાયન તેમ જ ઠુમરી જેવાં ઉપશાસ્ત્રીય ગાયન સાથે સંગત કરવામાં થતો આવ્યો છે. એક-દોઢ સૈકા પહેલાં એક દોર એવો આવેલો જ્યારે તવાયફો રઈસજાદાઓ સામે ઉચ્ચ કક્ષાનું ગાયન નૃત્ય સાથે રજૂ કરતી હતી. એ ગાયકી સાથે સંગતમાં સારંગી અનિવાર્યપણે ફાળો આપતી. સમય જતાં મનોરંજનના સાધન તરીકે ઉપસી આવેલી ફિલ્મોમાં પણ તવાયફની ગાયકીનો પ્રસંગ મૂકવામાં આવે ત્યારે ગાયિકા સાથેના વાદ્યવૃંદમાં સારંગીવાદક અચૂક જોવા મળતા. આમ થતાં સામાન્ય લોકમાનસમાં જાણેઅજાણે એવી છાપ પડી ગઈ કે સારંગી તો તવાયફોના કોઠાનું વાદ્ય છે. હકીકતે સારંગી એક સંપૂર્ણ વાદ્ય હોવાને કારણે મહારથી શાસ્ત્રીય ગાયકોએ પણ પોતાની ગાયકીની રજૂઆત વખતે સાથે સારંગીની સંગત રાખવાનું પસંદ કર્યું છે. પંડીત રામનારાયણ જેવા વાદકે તો આ વાદ્યને પ્રતિષ્ઠાના એ પડાવ ઉપર પહોંચાડ્યું કે તેમના એકલ શાસ્ત્રીયવાદનના કાર્યક્રમો દેશ-વિદેશમાં યોજાયા છે.

    તસવીરમાં જોઈ શકાય છે તેમ સારંગી નાના તુંબડા સાથે જોડાયેલી ટૂંકી ગ્રીવાનું બનેલું વાદ્ય છે. મોટા ભાગે એક જ કાષ્ટના ટૂકડામાંથી તેનું સર્જન કરવામાં આવે છે. તેમાં ત્રણ મુખ્ય તાર અને ચૌદથી લઈને અઢાર ઉપતાર હોય છે. તેને વગાડવા માટે ગજનો ઉપયોગ કરવામાં આવે છે. વાયોલીનની જેમ જ અહીં પણ સ્વરનિયંત્રણ માટે પરદા/ Frets નથી હોતા. વાદક પોતાની સૂઝ, તાલિમ અને કૌશલ્ય વડે એક હાથે જે તે તારને ગજ વડે ઝંકૃત કરી, તે તારને ગ્રીવા ઉપર યોગ્ય સ્થાને બીજા હાથે નિયંત્રીત કરીને ધાર્યા સ્વર અને અસર નીપજાવે છે. પ્રસ્તુત ક્લીપમાં સુખ્યાત વાદક સુલતાનખાન હીર તરીકે જાણીતી પંજાબી ધૂન વગાડી રહ્યા છે તે માણીએ. આ ટૂંકી રજૂઆત થકી સારંગીના સ્વર અને તેના વાદનની બારીકીઓનો થોડો ખ્યાલ આવશે.

    હવે માણીએ કેટલાંક ચુનંદાં ફિલ્મી ગીતો, જેના વાદ્યવૃંદમાં સારંગીનું મહત્વનું સ્થાન છે.

    શરૂઆતમાં સાંભળીએ ફિલ્મ ‘દેવદાસ’નું ગીત – વોહ ન આયેંગે પલટ કર‘, – જેના પૂર્વાલાપમાં અને પછી સમગ્ર ગીત દરમિયાન રોચક સારંગીવાદન સાંભળવા મળે છે. સંગીત સચીનદેવ બર્મનનું છે.

    ૧૯૫૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘સી.આઈ.ડી.’નાં ઓ પી નૈયરનાં સ્વરબદ્ધ કરેલાં ગીતો આજે પણ લોકપ્રિય બની રહ્યાં છે. તેમાંનાં બે સારંગીપ્રધાન ગીતો- ‘આંખોં હી આંખોંમેં ઈશારા હો ગયા’ અને ‘કહીં પે નિગાહેં કહીં પે નીશાના’ – એક પછી એક સાંભળીએ. બન્નેના વાદ્યવૃંદમાં સારંગી આગળપડતો ભાગ ભજવે છે. અન્ય શાસ્ત્રીય ગીતોમાં સાંભળવા મળતા સારંગીના સૂર કરતાં અહીં તેનો અલગ જ મિજાજ કાને પડે છે.

     

    પોતાની કારકીર્દિમાં મહદઅંશે સહાયક સંગીતકાર તરીકે કાર્યરત રહેનારા દત્તારામે સ્વતંત્ર સંગીત આપવાની તક મળી ત્યારે અવિસ્મરણીય ગીતો આપ્યાં છે. ઉદાહરણ તરીકે ફિલ્મ ‘પરવરીશ’ (૧૯૫૮)નાં ગીતો ગણાવી શકાય. તે ફિલ્મના ગીત- ‘આંસુભરી હૈ યેહ જીવન કી રાહેં’ – ના કરુણરસને ઉપસાવવામાં તેની સાથેનું સારંગીવાદન મહત્વનો ફાળો આપે છે. નોંધનીય છે કે પરદા ઉપર નાયક રાજ કપૂર ગીત ગાવાની સાથે સારંગી વગાડતા જોઈ શકાય છે.

    https://www.youtube.com/watch?v=EUVsSz_D5xY
    એ જ વર્ષે પરદે આવેલી ફિલ્મ ‘કાલા પાની’નું  ગીત- ‘નજર લાગી રાજા તોરે બંગલે પર’ – સાંભળીએ, જેના વાદ્યવૃંદમાં સારંગી આગવો ભાગ ભજવે છે. સ્વરાંકન સચીનદેવ બર્મનનું છે.

    ૧૯૬૦ની ફિલ્મ ‘કલ્પના’માં ઓ પી નૈયરનું સંગીત હતું. તેનું પ્રસ્તુત ગીત- ‘બેકસી હદ સે જબ ગુજર જાયે’ – સાંભળતાં ખ્યાલ આવે છે કે ગાયકીની આગળ, પાછળ તેમ જ સમાંતરે સારંગીવાદન સતત ચાલતું જ રહે છે.

    ફિલ્મ ‘ગંગા જમના’ (૧૯૬૧)ની સફળતામાં તેનાં નૌશાદે તૈયાર કરેલાં ગીત-સંગીતનો મોટો ફાળો હતો. તે ફિલ્મના એક કરુણરસથી ભરેલા ગીત- ‘દો હંસો કા જોડા બીછડ ગયો રે’ – માં સારંગી તે ભાવને બરાબર ઉપસાવી આપે છે.

    ૧૯૬૪માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ગઝલ’ના પ્રસ્તુત ગીત- ‘રંગ ઔર નૂર કી બારાત કીસે પેશ કરું’ – સાથે સારંગીવાદન સતત કાને પડતું રહે છે.

    જાણેઅજાણે એક એવી ઉભી થઈ ગયેલી જણાય કે ગંભીર અથવા કરુણ ગીતો સાથે જ સારંગીવાદન બંધ બેસે. સંગીતકાર ઓ પી નૈયરે ફિલ્મ ‘કાશ્મીર કી કલી’ (૧૯૬૪)ના એક હળવાશભર્યા અને સહેજ તોફાની મૂડમાં પરદા ઉપર રજૂ થયેલા ગીત – ‘દીવાના હુઆ બાદલ’ – ના વાદ્યવૃંદમાં સારંગીને પ્રાધાન્ય આપીને એક નવતર પ્રયોગ કર્યો, જે આ ગીત સાંભળીએ ત્યારે સફળ થયો હોવાનો ખ્યાલ આવે છે.

    https://youtu.be/O0I61W2pMss?si=OGVHSar8CldiD9Xu

    ફિલ્મ ‘પાકીઝા’ (૧૯૭૧) પ્રદર્શિત થઈ ત્યારે તેને માટે ગીત-સંગીત તૈયાર કરનાર ગુલામ મહમદ આ દુનિયા છોડી ચૂક્યા હતા. પણ ફિલ્મનાં ગીતો એ હદે લોકપ્રિય થયાં, જાણે ગુલામ મહમદ પુનર્જીવીત થયા હોય! તે પૈકીનું એક ગીત – ‘થાડે રહીયો ઓ બાંકે યાર’ – પ્રસ્તુત છે, જેમાં સારંગીના સૂર ગાયકીની મીઠાશમાં ઉમેરો કરે છે.

    ૧૯૮૧માં પરદે આવેલી ‘ઉમરાવજાન’ એક તવાયફની જીવની ઉપર આધારિત ફિલ્મ હતી. સ્વાભાવિક રીતે જ તેમાં મહેફીલમાં યોજાતાં નાચ-ગાન જોવા મળે. સારંગી આવી મહેફીલોનું એક અનિવાર્ય અંગ બની રહેતી. આવું જ એક ગીત- ‘દિલ ચીજ ક્યા હૈ આપ મેરી જાન લીજીયે’ – સાંભળીએ. સંગીત ખય્યામનું છે.

    અન્ય એક ફિલ્મ ‘મંડી(૧૯૮૩)માં પણ તવાયફોની વાત હતી. તેનું ગીત- ‘ચૂભતી હૈ યે તો નીગોડી’ – યાદગાર સારંગીવાદન ધરાવે છે. આ ફિલ્મનું સંગીત વનરાજ ભાટીયાએ તૈયાર કર્યું હતું.

    ૧૯૯૬માં વધુ એક તવાયફવિષયક ફિલ્મ ‘સરદારી બેગમ’ પ્રદર્શિત થઈ. તેનું ગીત- ‘ચાહે માર ડાલો રાજા’ – સારંગીના સહારે જ ચાલતું હોય એ હદે તેના વાદ્યવૃંદમાં આ વાદ્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વરનિયોજન વનરાજ ભાટીયાનું છે.

    અંતમાં એક ચોખવટ કરવા જેવી લાગે છે. રેડીઓ અને ટી વી જેવાં પ્રસારણ માધ્યમો કોઈ મોટા નેતાનું અવસાન થાય ત્યારે સતત સારંગી પર છેડાયેલ શોકમય સંગીત રજૂ કરતાં રહેતાં હોય છે. આથી આ વાદ્યની ઓળખાણ ઉદાસીમાં વગાડાતા વાદ્ય તરીકેની પડી ગઈ છે. હકીકતે આ કડીનાં ગીતો માણ્યા પછી સમજી શકાય છે કે સારંગી આનંદ અને ઉલ્લાસમાં પણ પોતાના સૂર સારી રીતે ફેલાવી શકે છે.

    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • ફિલ્મી ગઝલો – ૨૯ . ગુલઝાર

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ગુલઝાર અને જાવેદ અખ્તર બન્ને એવા શાયર છે જે અડધી સદી જેટલા સમયથી નિરંતર સક્રિય છે અને જેમણે બજાર અને જનતાની માગ અનુસાર પોતાની રચનાઓને તદનુસાર ઢાળી હોવા છતાં ક્યારેય સ્તરહીનતાની સરહદો ઓળંગી નથી.

    આજે ગુલઝાર એટલે કે સંપૂર્ણસિંહ કાલરાની વાત કરીએ. સૌ જાણે છે કે એમને માત્ર કવિ તો કહેવાય નહીં. અનેક ગુણવત્તાપૂર્ણ અને સફળ ફિલ્મોના એ સર્જક છે. આજે પણ પૂર્ણત: સક્રિય દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા એક પરિપૂર્ણ કલાકાર. એમની ફિલ્મી ગઝલો અનેક અને બધી એક એક સે બઢ કર.

    અહીં પસંદ કરેલી પહેલી ગઝલ અંગે થોડીક ચર્ચા જરૂરી છે. આ ગઝલ પહેલી વાર બંગાળી ફિલ્મ ‘ લાલ પાથોર ‘ ( ૧૯૬૪ ) માં લેવાયેલી એક મુજરા ગીત તરીકે.  ( એ ફિલ્મ પરથી હિંદી ફિલ્મ ‘ લાલ પથ્થર ‘ ૧૯૭૧ માં બની ) સંગીત સલીલ ચોધરીનું અને સ્વર મુબારક બેગમનો. બાર વર્ષ બાદ ૧૯૭૬ માં ગુલઝારની પોતાની જ ફિલ્મ ‘ મૌસમ ‘ માં આ જ ગઝલ મદન મોહનના સંગીતમાં અને લતા મંગેશકરના સ્વરમાં દોહરાવવામાં આવી. શબ્દોમાં મામૂલી ફેરફાર પરંતુ ધુન અને મૂડ ધરમૂળથી અલગ. પહેલાં નવી ગઝલ અને પછી જૂની ‘ લાલ પાથોર ‘ વાળી રચના જોઈએ :

    રુકે રુકે સે કદમ રુક કે બાર બાર ચલે
    કરાર  લે  કે  તેરે  દર  સે  બેકરાર  ચલે

    સુબહ  ન આઈ કઈ બાર નીંદ સે જાગે
    થી એક રાત કી યે ઝિંદગી ગુઝાર ચલે

    ઉઠાએ ફિરતે થે અહેસાન દિલ કા સીને પર
    લે  તેરે  કદમોં  મેં  યે  કર્ઝ  ભી ઉતાર ચલે ..

    https://youtu.be/qBo5YKhp20g?si=pq8kLMHbCo7M8bTO
    રુકે રુકે સે કદમ રુક કે બાર બાર ચલે
    કરાર  લે  કે  તેરે  દર  સે  બેકરાર  ચલે

    સહર ન આઈ કઈ બાર આફતાબ આયા
    હમ ઈંતઝાર કી યે રાત  ભી ગુઝાર ચલે

    શમા સે સીખી હૈ યે રસ્મે આશિકી હમને
    ગુનાહ  હાથ  પે  લેકર  ગુનાહગાર ચલે

    ઉઠાએ ફિરતે થે એહસાન દિલ કા સીને પર
    તુમ્હારે  કદમોં  મેં યે  કર્ઝ ભી ઉતાર ચલે ..

    આ જ બહર, આ જ અંદાઝ અને આ જ કાફિયા – રદીફને ગુલઝારે વધુ એક વાર ફિલ્મ ‘ મમ્મો ‘ માં ઇસ્તેમાલ કર્યા. અહીં મત્લા ગેરહાજર છે :

    યે ફાસલે તેરી ગલિયોં કે હમ સે તય ન હુએ
    હઝાર  બાર  રુકે  હમ હઝાર  બાર  ચલે

    ન જાને કૌન સી મટ્ટી  વતન કી મટ્ટી થી
    નઝર મેં ધૂલ, જિગર મેં લિયે ગુબાર ચલે

    યે  કૈસી  સરહદેં  ઉલઝી  હુઈ  હૈં  પૈરોં  મેં
    હમ અપને ઘર કી તરફ ઉઠ કે બાર બાર ચલે

    ન રાસ્તા કહીં ઠહરા ન મંઝિલેં ઠહરીં
    યે ઉમ્ર ઉઠતી હુઈ ગર્દ મેં ગુઝાર ચલે ..

     

    – ફિલ્મ : મમ્મો ૧૯૯૫

    – જગજીત સિંહ

    – વનરાજ ભાટિયા


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ગાઈડ (૧૯૬૫)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    ‘ગાઈડ’ ફિલ્મ વિશે સાંભળ્યું એથીય પહેલાં તેનાં ગીતો મોંએ ચડી ગયેલા એનું કારણ વિવિધભારતીનું શ્રવણ. જો કે, ઉર્વીશે અને મેં અમારા પોતાના ખર્ચે જે પહેલવહેલી બે કેસેટ વસાવેલી, એમાંની એક તે ‘અલબેલા’ અને ‘રતન’ (આગળપાછળ) અને બીજી બર્મનદાદાએ ગાયેલાં ગીતોની. અઢાર કે વીસ રૂપિયાની ટી સિરીઝની એ કેસેટના કવર પર બર્મનદાદાનું રેખાચિત્ર હતું, અને ‘The inimitable’ (જેની નકલ ન કરી શકાય એ) જેવો શબ્દ તેમના સ્વર માટે લખાયેલો. પહેલવહેલી વાર આ શબ્દનો અર્થ જાણ્યો ત્યારે ખબર પડી કે એસ.ડી.બર્મનના સ્વર માટે આનાથી વધુ યોગ્ય શબ્દ હોઈ જ ન શકે. આ કેસેટમાં ‘સુજાતા’ (સુન મેરે બંધુ રે), ‘બંદિની’ (ઓ રે માઝી), ‘અમર પ્રેમ’ (ડોલી મેં બિઠાઈ કે કહાર), ‘પ્રેમપૂજારી’ (પ્રેમ કે પૂજારી હમ હૈ) અને ‘ગાઈડ’ (વહાં કૌન હૈ તેરા) જેવાં અતિ જાણીતાં અને મનગમતાં ગીતો હતાં, સાથે સાથે ‘તલાશ’ (મેરી દુનિયા હૈ માં તેરે આંચલ મેં), ‘જિંદગી જિંદગી’ (જિંદગી એ જિંદગી, તેરે હૈ દો રૂપ તેમજ પિયા તૂને ક્યા કિયા) જેવાં એ સમયે પહેલવહેલી વાર કાને પડેલાં ગીતો પણ હતાં. આ કેસેટ સાંભળી સાંભળીને અમે બરાબર ઘસી કાઢી હતી. ખરી મઝા એ હતી કે અત્યાર સુધી રેડિયો પર ક્યારેક જ આવતાં તેમનાં ગીતોમાં શબ્દો બરાબર ઉકલતા ન હતા એ હવે અમે ઉકેલવાનો પ્રયત્ન કરવા લાગ્યા. દાદા બર્મનના ઉચ્ચારોને કારણે એ બહુ મુશ્કેલ પડતું. જેમ કે, ‘ડોલી મેં બિઠાઈ કે…’ પછી ‘કહાર’ બોલે છે કે ‘કહાં’ એ જાણવા અમે કેસેટને વારે વારે રિવાઈન્ડ કરતા. ‘આરાધના’ના ‘કાહે કો રોયે’ ગીતમાં શરૂઆતની પંક્તિનો પહેલો જ શબ્દ ‘બનેગી આશા ઈક દિન તેરી યે નિરાશા’માં ‘બનેગી’ શબ્દને પકડતાં કેટલાય દિવસો લાગી ગયેલા. એની એક જુદી મઝા હતી.

    (સચીનદેવ બર્મન, છેક ડાબે રાહુલ દેવ બર્મન)

    બર્મનદાદાનાં ગીતોની એ કેસેટ મારી અને ઉર્વીશની જેમ મારા કેટલાક મિત્રો મયુર પટેલ, વિપુલ રાવલ અને વિજય પટેલને પણ બહુ પસંદ આવી ગયેલી. પણ એમાંના વિજય પટેલની વાત જ જુદી. (કોડાઈકેનાલના પ્રવાસમાં મારી સાથે હતો એ) એક તો એ મૂળભૂત રીતે દેવસા’બનો પ્રેમી અને એમાં એને બર્મનદાદાનાં ગીતો ચડવા લાગ્યાં. એટલે પૂછવું જ શું? એ જાણે કે એ યુગમાં જ જીવતો હોય એવી રીતે વાતો કરવા લાગ્યો. મારે ઘેર આવે એટલે સીધો મારા પપ્પા સાથે જ વાત શરૂ કરી દે અને કહે, ‘કાકા, શું આપણા જમાનાના ગીતો, હેં? આહાહા!’ એનો આ લગાવ એટલો તીવ્ર બની ગયેલો કે અમુક વ્યક્તિ એને ‘કેમ છે, વિજય?’ કહીને બોલાવે, અને વિજયને ખબર હોય કે પેલો જૂનાં ગીતોનો ઔરંગઝેબ છે, તો એ મોં પર જ કહે, ‘હવે તારી જોડે હું શું વાત કરું, બોલ!’ ‘ગાઈડ’ ફિલ્મ એણે કેટલીય વાર જોઈ હશે, કોને ખબર! અમે તો એ જોઈ નહોતી, પણ બર્મનદાદાના નાતે એ અમારી સાથે વાત કરતો. મહેમદાવાદમાં એક વાર ‘ગાઈડ’ ફિલ્મ રજૂ થઈ ત્યારે મને તેનું પોસ્ટર જોઈને બહુ નવાઈ લાગેલી. ઊભેલાં વહીદા રહેમાનના પગમાં દેવઆનંદ બેસીને ઘૂંઘરુ પહેરાવી રહ્યા હોય એવી એ તસવીર હતી. મહેમદાવાદની આશા ટોકિઝમાં અમે એ ફિલ્મ જોવા તો ગયા, પણ આશા ટોકિઝની ‘સાઉન્ડ સિસ્ટમ’ સાવ તકલાદી હોવાથી ફિલ્મ અમે બિલકુલ માણી ન શક્યા. એ પછી વિજયે તેની સ્ટોરી સમજાવેલી.

    ‘ગાઈડ’નાં એકે એક ગીતોમાં એસ.ડી.બર્મનની મુદ્રા હતી, શબ્દોમાં શૈલેન્દ્રની ઓળખ અને ફિલ્માંકનમાં વિજય આનંદ ‘ગોલ્ડી’ની કમાલ. ‘તેરે મેરે સપને અબ એક રંગ હૈ’, ‘કાંટોં સે ખીંચ કે યે આંચલ’, ‘દિન ઢલ જાયે’, ‘ગાતા રહે મેરા દિલ’, ‘પિયા તોસે નૈના લાગે રે’, ‘ક્યા સે ક્યા હો ગયા’, ‘મોસે છલ કિયે જાય’, ‘અલ્લા મેઘ દે’, હે રામ હમારે રામચંદ્ર’ અને ‘વહાં કૌન હૈ તેરા મુસાફિર જાયેગા કહાં’ જેવાં ‘ગાઈડ’નાં ગીતો અજરામર રહેવા સર્જાયાં છે.

    ફિલ્મનો આરંભ જેલમાંથી મુક્ત થતા રાજુ ગાઈડના દૃશ્યથી થાય છે. એક તરફ શહેર પોતાનું શહેર અને તેની સ્મૃતિઓ છે. ચારેક મિનીટના ફ્લેશબેક દૃશ્ય પછી વર્તમાનમાં આવી ગયેલો રાજુ ગાઈડ પોતાના શહેરના માર્ગે આગળ વધે છે અને તેને ‘એક બાર ફિર સે સોચ લે, રાજુ’ જેવા વિચારો ઘેરી વળે છે. ‘બસા સકતા હૈ તો કહીં ઓર જા કે બસા લે અપની દુનિયા’ના અંતરાત્માના અવાજ સાથે એ બીજા રસ્તે ફંટાય છે. ‘અંજાનપુર 685 માઈલ’ લખેલા પાટિયાની દિશામાં એ જવાનું શરૂ કરે છે, જે સૂચવે છે કે એ કોઈક દૂરના, અજાણ્યા સ્થળ તરફ જાય છે. એ સાથે જ પશ્ચાદભૂનું સંગીત અને બર્મનદાદાના ઘેઘૂર સ્વરમાં ગીત શરૂ થાય છે ‘વહાં કૌન હૈ તેરા મુસાફિર જાયેગા કહાં’.

     

    આ ગીતમાં શૈલેન્દ્રે રાજુની વ્યથાકથા અને તેના પૂર્વાશ્રમનો આખો સાર આલેખી દીધો છે. ગીતનું મુખડું ટૂંકું છે, અને એ જ ટૂંકા મીટરમાં શૈલેન્દ્રે નાયકના પૂર્વાશ્રમની કથા કમાલની રીતે કરી છે.

    ‘ગાઈડ’ના આ શિર્ષક ગીતના શબ્દો આ મુજબ છે. ગીતમાં ફ્લુટ અને શરણાઈનો અસરકારક ઉપયોગ કરાયો છે.

     

    वहाँ कौन है तेरा, मुसाफ़िर,
    जायेगा कहाँ
    दम ले ले घड़ी भर,
    ये छैयां, पायेगा कहाँ
    वहाँ कौन है तेरा, मुसाफ़िर,
    जायेगा कहाँ,
    वहां कौन है तेरा …

     

    बीत गये दिन,
    प्यार के पलछिन
    सपना बनी वो रातें
    भूल गये वो,
    तू भी भुला दे
    प्यार की वो मुलाक़ातें – २
    सब दूर अन्धेरा,
    मुसाफ़िर जायेगा कहाँ …
    दम ले ले घड़ी भर,
    ये छैयां, पायेगा कहाँ
    वहां कौन है तेरा …

     

    कोइ भी तेरी,
    राह न देखे
    नैन बिछाये ना कोई
    दर्द से तेरे,
    कोई न तड़पा
    आँख किसी की ना रोयी – २
    कहे किसको तू मेरा,
    मुसाफ़िर जायेगा कहाँ …
    दम ले ले घड़ी भर,
    ये छैयां, पायेगा कहाँ
    वहां कौन है तेरा …

     

    कहते हैं ज्ञानी,
    दुनिया है फ़ानी
    पानी पे लिखी लिखायी
    है सबकी देखी,
    है सबकी जानी
    हाथ किसीके न आयी – २
    कुछ तेरा ना मेरा,
    मुसाफ़िर जायेगा कहाँ …
    दम ले ले घड़ी भर,
    ये छैयां, पायेगा कहाँ
    वहां कौन है तेरा …

     

    આ ઉપરાંત આટલો અંતરો ફિલ્મમાં અન્યત્ર વાગે છે.

    तूने तो सबको राह बताई
    तू अपनी मंज़िल क्यों भूला
    सुलझाके राजा
    औरों की उलझन
    क्यों कच्चे धागों में झूला
    क्यों नाचे सपेरा मुसाफ़िर, जाएगा कहाँ

    આ ટાઈટલ સોન્‍ગ અહીં સાંભળી શકાશે.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)