વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • પડછાયા

    અવલોકન

     – સુરેશ જાની

    આ શબ્દ સાંભળતાં કે વાંચતાં કોઈ અલગ જ અનુભૂતિ ઉપસી આવે છે. આપણો પડછાયા સાથે બહુ આત્મીય સંબંધ હોય છે. પડછાયો એક તરફ નકારાત્મક પ્રતિકૃતિનું રૂપ છે; તો બીજી તરફ તે હમ્મેશના સાથીનું સ્વરૂપ પણ ધરાવે છે.

    જ્યારે અજવાળું હોય છે ત્યારે જ પડછાયો આપણો સાથી હોય છે. તે કદી અંધકારમાં આપણને સાથ નથી આપતો!  સુખ સમયનો જ તે સાથી હોય છે. જેમ પ્રકાશ આપણાથી વધારે દૂર, તેમ પડછાયો લાંબો થતો જાય છે. જ્યારે પ્રકાશ માથા ઉપર હોય છે, ત્યારે પડછાયો સાવ ટૂંકો હોય છે. આ ઘટનાને આપણે અલગ અલગ રીતે મુલવી શકીએ.

    એક રીતે જોઈએ તો – જ્યારે આપણો સૂર્ય મધ્યાકાશે હોય;  જ્યારે આપણી કાર્યક્ષમતા તેની સોળે કળાએ ખીલી ઊઠેલી હોય; ત્યારે અભાવનો પ્રતિનિધિ એવો પડછાયો લગભગ નગણ્ય સ્વરૂપ ધરાવતો હોય છે. જ્યારે આપણો સૂરજ અસ્ત થવાની તૈયારીમાં હોય છે; ત્યારે પડછાયો તેમજ અભાવ બન્ને બહુ મોટાં મસ બની જતાં હોય છે.

    બીજી રીતે જોઈએ તો – પડછાયો આપણી મુશ્કેલ પરિસ્થિતિમાં આપણને વધારે મોટો બનીને સાથ આપે છે.  જ્યારે સાથની જરુર ઓછી હોય, ત્યારે તે લગભગ અદ્રશ્ય બની રહે છે.  તે યશનો નહીં દુઃખનો સાથી હોય છે.

    બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે જ્યારે પ્રકાશની તરફ આપણી નજર હોય છે, ત્યારે આપણે પડછાયાને જોઈ શકતા નથી. પ્રકાશથી ઊંધી દિશામાં આપણી નિગાહ હોય ત્યારે જ તેનું અસ્તિત્વ આપણે અનુભવી શકીએ છીએ. જ્ઞાનથી, જાગૃતિથી વિમુખ થઈએ કે, તરત જ અજ્ઞાન અને નિદ્રા ઊભરાઈ આવે.

    આંખો મીંચી દઈએ તો? પ્રકાશ પણ ન રહે કે પડછાયો પણ નહીં!  અંધ થવામાંય એક જાતની નિરાંત હોય છે! જોઈએ તો, દુખ કે સુખ થાય ને? દેખવું ય નહીં અને દાઝવું ય નહીં! અંધારઘેર્યા મધ્યયુગના સમાજની જેમ –  નહાવુંય નહીં  ને નિચોવવુંય નહીં.

    અમેરિકાની સામાન્ય રીતરસમ પ્રમાણે, અમારી બાથરૂમમાં છ દીવાની એક હાર છે. અહીં ઘરની બાથરૂમમાં  ટ્યુબ લાઈટો ઓછી વપરાય છે. દીવા (lamp) વધારે. બાથરૂમમાં આ દીવાથી પડતો પડછાયો જૂદી જ જાતનો હોય છે. આપણી  આકૃતિના અનેક પડછાયા એકમેકની ઉપર પડતા હોય છે. આને કારણે પડછાયો નહીં પણ, છ પડછાયાનો એક સમૂહ રોજ જોવા મળે છે!  જેમ દીવાઓની નજીક જઈએ તેમ આ છ યે આકૃ્તિઓ  સાવ નજીક આવી જાય, પણ થોડી ભિન્નતા તો રહે જ. જેમ દીવાઓથી દૂર થતા જઈએ તેમ, આ આકૃતિઓ એકમેકથી દૂર થતી જાય. પડછાયાઓ પણ વધુ ને વધુ ધૂંધળા થતા જાય. જો દીવાની સાવ નજીક જઈએ તો પડછાયા એટલા બધા વ્યાપ્ત બની જાય કે તે સાવ આછા થઈ જાય છે. અહીં પડછાયાનું સ્વરુપ સાવ જુદી જ જાતનું હોય છે.

    જ્યારે વિચારો, દૃષ્ટિબિંદુઓ અનેક હોય ત્યારે પડછાયાની સ્પષ્ટતા જોખમાય છે! જેટલા આવા વિચારભેદની નજીક જઈએ તેટલા તે વધુ અસ્પષ્ટ બની જાય છે. એક જ દીવો હોય;  વિચારની એકલક્ષિતા હોય તો  પ્રતિબિંબ  કે પડછાયો સ્પષ્ટ ઊભરી આવે છે.

    ————————-

             રસ્તા ઉપર ચાલતા હોઈએ ત્યારે પડછાયો બહુ અલગ જ રીતની વર્તણૂંક કરે છે. જેમ જેમ આપણે પ્રકાશથી દૂર જતા જઈએ તેમ તેમ તે લાંબો ને લાંબો બનતો જાય છે. આપણા અજ્ઞાનનું તે બહુ જ વાસ્તવિક પ્રતીક છે. જ્યારે રસ્તાની બે લાઈટોની બરાબર વચ્ચે હોઈએ ત્યારે,  બે વિચારધારાઓ વચ્ચે અટવાતા આપણા માનસની દ્વિધાનો તે  બરાબર પડઘો પાડે છે! બબ્બે પડછાયા આપણને ભુલાવામાં નાંખતા રહે છે – એક કહે ‘ હું સાચો પડછાયો.’  બીજો કહે , ‘ના! હું.’  જેમ જેમ એક લાઈટની નજીક આવતા જઈએ તેમ તેમ તેનાથી પડતા પડછાયાની જ પ્રબળતા હોય છે. ત્યારે બીજી વિચારધારાનો પ્રભાવ ક્ષીણ થતો જાય છે. બે અંતિમ બિંદુઓ વચ્ચે ઝોલા ખાતી આપણી ચિત્તવૃત્તિને  તે સાકાર કરે છે.

    આપણે એક એવી વ્યવસ્થા કલ્પી શકીએ કે, જેમાં સમસ્ત પર્યાવરણ પ્રકાશના પૂંજથી વ્યાપ્ત હોય. દા.ત. એક મોટો, અનેક લાઈટોથી ઝગમગિત હોલ. ત્યાં પડછાયો ગુમ થઈ જાય છે. ગમે ત્યાં નજર ફેરવો ત્યાં પ્રકાશ જ  પ્રકાશ હોય છે.  જ્યાં બધેથી પ્રકાશ આવતો હોય, કેવળ સત્ય જ હોય, ત્યાં અજ્ઞાન, અભાવ , અંધકાર , સુપ્તતા સંભવી જ ન શકે. પૂર્ણ જ્ઞાનની, સત્યપ્રકાશની અનુભૂતિ  કદાચ આવી હશે?

    આ વિડીયો જુઓ

    એમાં દેખાતા પડછાયા એક સાવ નવા નક્કોર અભિગમ તરફ અંગુલિનિર્દેશ કરી જાય છે. એ વિડિયોમાં પડછાયા મૂળ ચીજ કરતાં સાવ અલગ જ ચીજનો અહેસાસ કરાવે છે. આપણે પડછાયાને આપણી ચિત્તવૃત્તિ મૂજબ મૂલવીએ, એ એક વાત છે. પણ એક  કલાકૃતિના સર્જન માટે પણ તેનો ઉપયોગ થઈ શકે  છે.

    આ જણના સોળ સોળ વર્ષના  નવરાધૂપ ગાળાની એક નિષ્પત્તિ ‘હોબીઓ તરફ અનુરાગ’ છે. થોડીક પર હાથ અજમાવ્યો છે; પણ આવી અનેક જાતની હોબીઓ હોઈ શકે છે; તેની આછી ઝલક આવું કાંઈક નવું જોઈએ એના પરથી  મળે છે.

    સામાન્ય પડછાયાના અવલોકનની ભીતર મનના વિચારોની પ્રક્રિયા જ હતી – આ ૬૯ વરસના આયખામાં એકઠા કરેલ શિક્ષણ, સંસ્કાર, અભિગમ, ગમા, અણગમા; અને એવું બધું.

    પણ એ સિવાય પણ કશુંક સાવ અલગ હોઈ શકે છે – આ પડછાયા આકૃતિઓના વિડિયો જેવું. મૂળ ચીજ પર ક્યાંથી, કેવો પ્રકાશ પડે અને ક્યાં, કેવી રીતે ઝીલાય – એના આધારે પડછાયા સાવ અલગ જ આકાર ધારણ કરી શકે છે.  આપણે કદીયે જોયો કે કલ્પ્યો ન હોય તેવો આકાર.  પડછાયો માત્ર જ જોઈએ, તો મૂળ ચીજ કેવી હશે, એનો કોઇ અંદાજ  પણ બાંધી ન શકાય.

    આપણે અમૂક જ રીતે વિચારવા ટેવાયેલા હોઈએ છીએ. અવલોકનોનો અમૂક જ સિલસિલો હોય છે.     પણ એની આરપાર, સાવ નવું જ વિશ્વ હોઈ શકે છે.    સાવ નવી નક્કોર અનુભૂતિઓ થઈ શકે છે.

    પડછાયાનું પણ એક શાસ્ત્ર હોય છે ! આપણી જાગૃત અવસ્થાનો આ હમ્મેશનો સાથી આપણને ઘણું બધું કહી જાય છે.  અને છેલ્લે….

    ખરેખર કશુંયે સત્ય હશે ખરું?

    કે બધોય માત્ર આભાસ ?
    બધા પડછાયાની કની !


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • મિસ્ડ કૉલ

    આશા વીરેન્દ્ર

    પ્રિયાને આ કોર્પોરેટ કૉલેજમાં રિસેપ્શનીસ્ટ તરીકે રહ્યાને ચાર દિવસ જ થયા છે. હજી શરૂઆત છે એટલે વાતાવરણ સાથે બરાબર ગોઠવાઈ નથી શકી. પણ ખાસ વાંધો નહીં આવે કેમ કે, એની સાથે કામ કરતી વિશાખા ભારે બોલકણી છે.

    ‘ઓ મેડમ, લંચ ટાઈમ થયો. ભૂખ લાગી છે કે નહીં? ’આમ કહેતાં એ પોતાનો પરાઠા-શાકનો ડબ્બો પ્રિયા સામે ધરતી.

    ‘વિશાખા, મને અહીંની દુનિયા સાવ જુદી જ લાગે છે. બારમું ધોરણ પાસ કરીને આવેલા કિશોરોએ એક વર્ષ માટે અહીં જ કૉલેજ, અહીં જ ઘર અને અહીં જ સગા-સંબંધી માનીને રહેવુ. કેવું લાગતું હશે એમને?’

    ‘આવા બધા વિચારો કરીને બહુ ઈમોશનલ નહીં બનવાનું. આ વિદ્યાર્થીઓ એક વર્ષ માટે જ આ કેમ્પસમાં છે. આવતે વર્ષે આ લોકો બીજા કેમ્પસમાં જશે અને એમની જગ્યાએ બીજા નવા છોકરાઓ આવશે. અહીં તો આવન-જાવન ચાલ્યા જ કરે એટલે કોઈની સાથે બહુ લગાવ ન રાખવો. ’વિશાખાએ સલાહ આપી. ‘તારી વાત તો બરાબર છે વિશાખા પણ મને રહી રહીને વિચાર આવે છે કે, મા-બાપથી, ઘરથી દૂર રહેતા આ કિશોરોને ઘર કેટલું યાદ આવતું હશે?’

    ‘એમનાથી ભલે ઘરે ન જઈ શકાય પણ એમના માતા-પિતા, ભાઈબહેન, કોઈપણ, દર બીજા અને ચોથા રવિવારે બપોરે ત્રણથી પાંચમાં અહીં આવીને એમને મળી શકે છે.’

    વિશાખાએ ભલે કહ્યું પણ્ પ્રિયાના મનમાં કેટલાય સવાલ ઊઠતા હતા ! કૉલેજ શહેરથી પંદરેક કિ.મી. દૂર છે. દર પંદર દિવસે કોના સંબંધી આવી શકે? ને જેનું કોઈ ન આવતું હોય એ વિદ્યાર્થી કેટલો ઉદાસ થઈ જતો હશે?

    એમ કરતાં રવિવાર આવી પહોંચ્યો. મોટા રિસેપ્શન હૉલની એકેએક ખુરશી મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓથી ભરાઈ ગઈ હતી. કોઈને માટે ડબ્બામાં નાસ્તો આવ્યો હતો તો કોઈને માટે મીઠાઈ. કોઈ મા-બાપ પોતાના સંતાન માટે કેન્ટીનમાંથી આઈસ્ક્રીમ પણ લાવ્યા હતા. બધાના ચાહેરા પર આનંદ છલકાતો હતો. વિશાખાએ ભલે લગાવ વધારવાની ના પાડી હોય પણ પ્રિયા તો ઝીણી નજરે બધાના ચહેરાના હાવભાવનું નિરીક્ષણ કરી રહી હતી.

    ‘વિશાખા, મને લાગે છે કે, કંઈ બધા જ વિદ્યાર્થીઓના મુલાકાતી નથી આવ્યા. તો યે બધા જ કેમ હૉલમાં આવી ગયા છે?’

    ‘એ તો એવું છે કે, જેના મુલાકાતી આવ્યા હોય એ પોતાના દોસ્તને પણ ખેંચી લાવે અને મા-બાપ પણ પોતાનો દીકરો છે કે બીજાનો એ ભૂલીને પ્રેમથી એને ખવડાવે. અહીંની આ જ તો મજા છે. આને કહેવાય ‘વસુધૈવકુટુમ્બકમ્ ’. વિશાખાએ નાનકડું લેક્ચર આપી દીધું.’

    ‘હા, એ તો મને સમજાયું પણ અહીં દૂરથી મને સંભળાતું નથી કે, જેનું કોઈ નથી આવ્યું એ છોકરાઓ મુલાકાતીઓ પાસે જઈને કશીક માગણી કરતા હોય એવું લાગે છે. એ લોકો શું માંગે છે?’

    હંમેશા મજાક કર્યા કરતી વિશાખા થોડી ગંભીર થઈ ગઈ, ‘જેને મળવા કોઈ ન આવ્યું હોય એવા વિદ્યાર્થીઓ આ સમયમાં પોતાનાં ઘરે ફોન કરી સ્વજનોનો અવાજ સાંભળીને સંતોષ માનતા હોય છે.’

    ‘બિચ્ચારા છોકરાઓ…’ પ્રિયાથી નિ:સાસો નાખતાં બોલાઈ ગયું.

    ‘હા, સાચે જ બિચારા કહેવાય. કેમ કે, સિક્કા નાખીને વાત કરી શકાય એવાં ફોન બોક્સ અહીં માત્ર ચાર જ છે. પંદરસો છોકરાઓ ને ચાર ફોન. લાંબી લાંબી લાઈનમાં વારો આવતાં જ કલાકો નીકળી જાય. પછી પણ પાછળ ઊભેલો છોકરો ‘જલદી કર’, ‘જલદી કર, ‘જલદી કર’ કર્યા કરતો હોય. એટલે આ લોકો મુલાકાતીઓ પાસે સેલ ફોન માગી પોતાનાં ઘરે મિસ્ડ કૉલ આપે એટલે પછી એમનાં ઘરેથી જવાબમાં ફોન આવે ને એ લોકો વાત કરી શકે.’

    ‘હા, બરાબર. સામેથી જ ફોન આવે એટલે જેનો ફોન હોય એને ચાર્જ પણ ન લાગે.’પ્રિયાએ કહ્યું.

    આ પછી દરેક વીઝિટીંગ સન્ડેએ પ્રિયા પોતાની કાચની કેબીનમાંથી રિસેપ્શન હૉલ તરફ જોઈ રહેતી. ‘એક્સક્યૂઝ મી અંકલ, મિસ્ડ કૉલ? ’ ‘આન્ટી પ્લીઝ, વન મિસ્ડ કૉલ?’ કહેતાં કહેતાં ફોનની માગણી કરતાં છોકરાઓ જાણે બટકું રોટલા માટે ટળવળતા ભિખારી જેવા લાગતા. અનુકંપાથી એનું હૈયું ભરાઈ જતું.

    એ જોતી કે, કોઈ તરત એમને પોતાનો ફોન આપી દેતું તો કોઈ લાંબો વિચાર કર્યા પછી તો વળી કોઈ મોઢા પાર અણગમાનો ભાવ લાવીને જાણે મોટી મહેરબાની કરતા હોય એમ જલદી ફોન પતાવવાની તાકીદ કરીને ફોન આપતા. તો ક્યારેક વળીકોઈ સાફ ના પણ પાડી દેતા.

    એક રવિવારે એને સાવ જૂદું જ દૃશ્ય જોવા મળ્યું. દુબળો-પાતળો વિદ્યાર્થી કોની પાસે ફોન માંગવો એની મૂંઝવણમાં ઊભો હતો ત્યાં એક સ્ત્રીએ એને સામેથી પોતાની પાસે બોલાવ્યો ને પછી ફોન આપ્યો. આ સ્ત્રી એકલી જ બેઠી હતી. એને કોઈ વિદ્યાર્થી મળવા નહોતો આવ્યો. પ્રિયાએ કેબીનમાંથી નીકળી એની પાસે જઈને પૂછ્યું, ‘આપ કોને મળવા આવ્યાં છો?’

    ‘ગયે વર્ષે મારો દીકરો આ જ કેમ્પસમાં હતો.’એણે કહ્યું.

    ‘ઓહ, તો તો આ વર્ષે એ બાજુના કેમ્પસમાં હશે. અહીં નહીં.’

    ‘મને ખબર છે કે મારો દીકરો મને આ કેમ્પસમાં નહીં મળે. કેમ્પસમાં તો શું પણ હવે મને એ આ દુનિયામાં પણ નહીં મળે.’

    પ્રિયાને જોરદાર આંચકો લાગ્યો. ‘તો શું ? તમે આટલે દૂરથી ફક્ત છોકરાઓને તમારો ફોન આપવા માટે જ આવો છો?’

    ‘હા, એના ગયા પછી મને ક્યાંય ચેન પડતું નહોતું. પછી મને વિચાર આવ્યો કે, લોકો પોતાના દિવંગત સ્વજનોની સ્મૃતિ જીવંત રાખવા કેવાં જાતજાતનાં કામ કરે છે? મારે પણ કંઈક કરવું જોઈએ. મને યાદ આવ્યું કે, મારો દીકરો રવિવારે અમને મિસ્ડ કૉલ આપવા માટે કેટલાં ફાંફાં મારતો ! બીજા દીકરાઓને એવાં ફાંફાં ન મારવાં પડે એટલે ….’

    બોલતાં બોલતાં એણે મોઢું ફેરવી લીધું.


    (પાલપર્તિ જ્યોતિષ્મતિની તેલુગુ વાર્તાને આધારે)


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

     

  • સ્નેહબંધ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    “મા, આ મિતુ છે. મૈત્રેયી.” ધ્રુવની સાથે આવેલી એ યુવતીની ધ્રુવે ઓળખાણ કરાવી.

    સામે ઊભેલી યુવતી તરફ નજર નાખી. ખભા સુધી માંડ પહોંચે એટલી વાળની લંબાઈ, આંખો પર ગોગલ્સ. નેવી બ્લ્યૂ જીન્સ પર યલૉ ટોપ.

    એને જોઈને મને થોડી અકળામણ થઈ આવી. ધ્રુવ અને મિતુને ત્યાં જ બેસવાનું કહીને અંદર ધ્રુવના પપ્પાને બોલાવા ગઈ. ધ્રુવ એટલે મારો મોટો દીકરો. આજે એ એને ગમતી એક છોકરીને અમને મળવા લઈને આવ્યો હતો.

    “બહાર તમારી પુત્રવધૂ આવી છે.” થોડા અણગમા સાથે મારાથી બોલાઈ ગયું અને પછી હું ચા અને નાસ્તો બનાવવા કિચનમાં ચાલી ગઈ.

    ખાસ્સો એવો અડધો પોણો કલાકે ચા નાસ્તો લઈને બહાર આવી ત્યારે તો શિવ પણ કૉલેજથી આવી ગયો હતો. બહારનું વાતાવરણ એકદમ ખુશહાલ હતું. શિવ અને એના પપ્પા પણ જાણે મિતુને કેટલાય વર્ષોથી જાણતા હોય એમ એની સાથે ભળી ગયા હતા.

    નાસ્તામાં બનાવેલા ગરમ ગરમ સમોસા, રવાના લાડુ અને ઘરનો ચેવડો જોઈને મિતુને નવાઈ લાગી.

    “અરે વાહ! આવો મઝાનો નાસ્તો તમે જાતે બનાવ્યો છે. નો વંડર, એટલે જ આ તમારા બંને ચિરંજીવ મસ્ત મોટુમલ બની ગયા છે, રાઇટ મા?”

    “એય, આમ ના બોલ..નજર લાગી જશે. ખબર છે, મમ્મીની આ કેટલા વર્ષોની સાધના છે? એમ કંઈ અમસ્તા કશું નથી મળતું.” ધ્રુવ બોલ્યો.

    “મમ્મીએ અમને ખવડાવીને એટલે તંદુરસ્ત બનાવ્યા છે કે, કોઈ કર્કશ પત્ની મળે તો અમે મેદાન છોડીને ભાગી જવાના બદલે એને પહોંચી વળીએ.” શિવ પણ એ મસ્તીમાં ભળ્યો.

    વાતાવરણ આખું આનંદિત બની ગયું પણ મને મનમાં ગુસ્સો આવ્યો, “ મારાં છોકરાઓને મોટુમલ કહેવાનો હક કોણે એને આપ્યો છે?”

    કલાક તો વાતોમાં ક્યાંય પસાર થઈ ગયો અને મિતુ નમસ્તે કરીને એના ઘરે જવા ઊભી થઈ

    મારા સિવાય સૌ એને બહાર સુધી મૂકવા ગયા. માત્ર હું સમસમીને બેસી રહી. અમારી આ પહેલી મુલાકાતથી મિતુ માટે મારા મનમાં કડવાશ સિવાય અન્ય કોઈ ભાવ ન ઊભો થયો.

    “કેમ આમ તો આખા ગામમાં સૌને કંઈકને કંઈક આપે છે તો મિતુને કેમ ખાલી હાથે પાછી જવા દીધી?” પાછા આવીને એમણે મને પૂછ્યું.

    મનનો રોષ મનમાં ભંડારીને હું કિચનમાં ચાલી ગઈ. મને ખબર હતી કે, ધ્રુવ મને મિતુ કેવી લાગી એ અભિપ્રાય માંગશે અને ખરેખર સાંજે જમવાના ટેબલ પર એણે પૂછ્યું.

    “તને ગમીને બસ, વાત પૂરી.” મેં જવાબ આપ્યો.

    “મા તને ગમે એ પણ જરૂરી છે.” ધ્રુવે ભોંઠા પડીને જવાબ આપ્યો.

    શું જવાબ આપું? પહેલી વાર મળવા આવી હતી તો કેવા કપડાં પહેરવા જોઈને એની પણ એને ખબર ના હોય તે આમ સર્કસ-સુંદરી જેવા કપડાંમાં આવી ગઈ? એવું કહેવાનું મન થયું પણ હું ચૂપ રહી.

    મા વગરની મિતુ હોસ્ટેલમાં રહીને ભણી હતી. એની મોટી બહેન પરણીને અમેરિકા સેટલ થઈ ગઈ હતી. બે વર્ષ પહેલા એના ભાઈના લગ્ન થયાં પછી ઘરમાં થોડી વ્યવસ્થા ગોઠવાતી જતી હતી એમ ધ્રુવે જણાવ્યું.

    એક નિશ્ચિત દિવસે મિતુના પપ્પા લગ્નનું નક્કી કરી ગયા. એ દિવસે મિતુ માટેની આચારસંહિતાનું લિસ્ટ મેં ધ્રુવને પકડાવી દીધું.

    ‘પરણીની આવ્યા પછી મિતુએ વાળ નહીં કપાવાના.

    ‘હાથમાં બંગડીઓ પહેરવાની..

    ‘લગ્નમાં અને ઘરમાં મહેમાન હશે ત્યાં સુધી માથે ઓઢવું પડશે.

    ‘મહેમાનોની સામે ધ્રુવને નામ લઈને નહીં બોલાવાનું….’

    લિસ્ટ એટલું લાંબુ હતું કે શિવે તો એને વીસસૂત્રી કાર્યક્ર્મ નામ આપી દીધું. થોડી થોડી વારે એ ધ્રુવને પૂછી લેતો કે એણે કેટલાં સૂત્રો મિતુને ગોખાવી દીધાં?

    અંતે મિતુ પરણીને મારા ઘરમાં આવી. એના પપ્પાએ ધામધૂમથી લગ્ન કર્યા. લગ્નમંડપમાં મિતુને જોઈને મારી નજર એની પર ખોડાઈ ગઈ. ક્યાં પહેલી વાર જોયેલી મિતુ અને ક્યાં આજની મિતુ!  લાલ બનારસી સાડીમાં લપેટાયેલી મિતુ સાચે જ લાવણ્યમયી લાગતી હતી.

    આર્કિટેક્ટ વહુ મળતી હતી. કરિયાવર લેવાનો હતો નહીં. અન્ય જર-જવેરાતના બદલે પપ્પા પાસે મિતુએ પોતાના માટે લ્યૂના માંગી લીધુ હતું.

    લગ્ન પછી આઠ-દસ દિવસ માટે ધ્રુવ અને મિતુ મસૂરી ફરવા ચાલ્યાં ગયાં. પાછા આવીને ફરી એની એ જ મિતુ. એના માટે આપેલી આચારસંહિતાનું મહેમાનો હતા ત્યાં સુધી પાલન કર્યું પણ પાછી એ એના અસલ મૂડમાં આવી ગઈ. ઘરમાં કે બહાર સાડી પહેરવાની બંધ કરી દીધી. કહેતી હતી કે ચાલતા અને કામ કરતાં નથી ફાવતું. ધ્રુવને નામથી કે ડાર્લિંગ કહીને બોલાવતી. શિવ સાથે તોફાન મસ્તી કર્યા કરતી. ભૂખ લાગે તો ડબ્બા ખોલીને નાસ્તાના બૂકડા મારતી. વાતેવાતે મને વળગી પડતી. આ બધું મને અકારું લાગતું, મારા સિવાય સૌને ગમતું અને એ તો એની મસ્તીમાં જ રહેતી.

    સમજ્ણ નહોતી પડતી કે, મિતુની મસ્તી મારા માટે ક્યાં સુધી સહ્ય બનશે? અરે બનશે કે કેમ?

    આજે મિતુની મસ્તી કયા મોડ પર જઈને ઊભી રહી એની વાત કરું..

    બન્યું એમ કે એક દિવસે ઑફિસેથી આંધીની જેમ એ પાછી આવી. અમને બંનેને સાથે બેસાડીને ગળામાં ફૂલોની માળા પહેરાવી દીધી. નાના છોકરાંની જેમ તાળીઓ પાડતી બોલી, “ હેપ્પી એનવર્સરી..”

    અરે! અમને તો યાદ પણ નહોતું અને એને ક્યાંથી ખબર?

    પછી તો અમારી આરતી ઉતારી. મારા માટે બનારસી સાડી અને એમના માટે પુલોવર લઈ આવી હતી. સ્ટુડિયોમાં જઈને ગ્રુપ ફોટો સેશન કરાવ્યું. એ પોતે પણ પારંપારિક વેશભૂષામાં માથે સાડીનો પાલવ ઢાંકીને ઊભી રહી. ‘અંગૂર’ ફિલ્મ જોઈને બ્લ્યૂ ડાયમંડમાં જમ્યા. ક્વૉલિટી આઇસ્ક્રીમ અને છેલ્લે બનારસી પાન. મિતુના ધાંધલ-ધમાલથી આખો દિવસ ખાસ બની ગયો.

    મનથી તો બહુ સારું લાગ્યું છતાં કોણ જાણે કેમ પણ એ જેટલા સ્નેહથી મા કહેતી તો એવા સ્નેહથી એને પ્રતિસાદ તો ના જ આપી શકી. છોકરાઓના પપ્પાએ મા વગરની છોકરીને જેટલી સહજતાથી અપનાવી લીધી એટલી સહજતા મારામાં ન આવી.

    થોડા સમય પછી છ મહિનાની ટ્રેનિંગ માટે ધ્રુવને જર્મની જવાનું થયું. હું ઇચ્છતી હતી કે ધ્રુવની સાથે એ પણ જર્મની જાય, પણ ધ્રુવનો ખર્ચો કંપની આપવાની હતી એટલે મિતુએ સાથે જવાની ના પાડી દીધી. ધ્રુવના ગયા પછી એ પોતાના પપ્પાના ઘેર જતી રહી. ખરેખર તો મારે એને રોકવી જોઈતી હતી પણ હું એમાં પાછી પડી.

    ઘરમાં મારા સિવાય સૌ ધ્રુવ કરતાં એને વધુ મિસ કરતાં. છોકરાઓના પપ્પા તો બે-ચાર દિવસે મિતુને મળવા વેવાઈના ઘેર પહોંચી જતા. ક્યારેક મને પણ પરાણે ઘસડી જતા. શિવ તો કેટલીય વાર મિતુ સાથે બહાર જતો, મૂવી જોઈ આવતો.

    દિવસો પસાર થતા હતા. એક દિવસ એમને પેટમાં અસહ્ય દુઃખાવો શરૂ થયો. આમ તો દસ પંદર દિવસથી તકલીફ શરૂ થઈ હતી પણ આજે તો ઘણી વધારે પીડા થતી હશે એવું લાગતું હતું.

    રાતોરાત હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. પ્રોસ્ટેટની તકલીફ હતી, સર્જરી કરવી જ પડે એમ હતી. સરકારી હોસ્પિટલના જનરલ રૂમની એ રાત તો જીવનભર નહીં ભૂલાય. દુર્ગંધ મારતી રૂમમાં સૂવાની વાત તો દૂર બેસવાનુંય દુષ્કર હતું.

    બીજી સવારે દસ વાગે સર્જરી નક્કી થઈ. એમને ઓપરેશન માટે લઈ ગયા. બંધ આંખે હું ઈશ્વરનું નામ લેતી બેસી રહી. શિવને ઘણી દોડાદોડ પડતી હતી.

    “નમસ્તે બહેન.” આંખ ખોલી તો સામે મિતુના પપ્પા.

    “અમને એટલા પરાયા માની લીધા કે સમાચાર સુદ્ધાં ન આપ્યા?” એમના અવાજમાં પીડા હતી.

    “શું કરું, બધું એટલું અચાનક બની ગયું . શિવ એકલો અને ઘણી દોડાદોડ પડી.”

    “એટલે જ અમને કહેવાનું ને? કાલે ધ્રુવને ખબર પડે તો શું કહેશે?” એ બોલ્યા.

    આટલી વાત થયા પછી પણ મને મિતુ ક્યાં છે એ પૂછવાનું યાદ ન આવ્યુ.

    બે કલાક પછી એમને ઓપરેશન રૂમમાંથી બહાર લાવ્યા ત્યારે એમની નિઃસહાય અવસ્થા મારાથી જોઈ ન શકાઈ.

    એમને લઈને જે રૂમમાં પહોંચ્યા એ કાલનો જનરલ વૉર્ડ નહોતો.

    “જનરલ વૉર્ડમાંથી ડીલક્સ રૂમમાં ક્યારે કોણે બધું શિફ્ટ કરાવ્યું?” સ્ટ્રેચરની સાથે ચાલતા શિવને પૂછ્યું.

    “ભાભીએ..”

    “આ કામ એના વગર કોઈનાથી થાય એમ નહોતું. લડી બાખડીને ઊભાઊભ સુપ્રિટેન્ડટ સાથે રહીને આ રૂમ તૈયાર કરાવ્યો.” મિતુના પપ્પાના અવાજમાં દીકરી માટેનો ગર્વ છલકાયો.

    રૂમ એકદમ સાફસૂથરો. બંને પલંગ પર સાફ ચાદરો, સફેદ ટેબલ ક્લૉથ. રૂમના કબાટમાં વ્યવસ્થિત ગોઠવાયેલા અમારા કપડાં, એક તરફની પેન્ટ્રીમાં પ્લેટો, ચા, ખાંડ વગેરે જરૂરી ચીજો નજરે પડી.

    થોડી વારમાં મિતુ ચા લઈને આવી. સારું લાગ્યું.

    જ્યારે એ થોડા ભાનમાં આવ્યા ત્યારે એમને જોઈને ખાતરી થઈ કે સાચે એમની પીડા અસહ્ય હશે નહીંતર એમની લાડકી મિતુને યાદ કર્યા વગર ના રહેત.

    પછી તો મિતુએ એક પછી એક ફરમાન બહાર પાડ્યાં.

    “પપ્પા તમે અને ભાઈ ઘેર જાવ. ભાઈ સાથે મારા અને મા માટે જમવાનું મોકલી દેજો. શિવ સાથે બેસીને દવાઓનું લિસ્ટ ચેક કરીને શિવને પણ એના પપ્પા સાથે ઘેર જવાનું અને બીજા દિવસનું પેપર પણ ત્યાંથી જ આપવા જવાનું કહી દીધું.

    થાક અને ઉજાગરાથી મારી આંખો ઘેરાવા લાગી. સાંજે આંખ ખુલી ત્યારે મિતુ્ને એમના પલંગ પાસે બેઠેલી જોઈ. સાંજનું જમવાનું આવી ગયું હતું. મારા માટે પાન મંગાવવાનું એ ભૂલી નહોતી. જમ્યા પછી મને હેરાનગતિ ન થાય એવી રીતે રાત્રે જાગવા માટે એનો અને એના ભાઈનો વારો નક્કી કરી લીધો.

    એક આરામ ખુરશી પર હાથનો તકિયો બનાવીને એણે સૂવાની તૈયારી કરી.

    “ત્યાં ભાઈને બેસવા દે, તું અહીં મારી પાસે પલંગ પર આવી જા. આખો દિવસ પગ વાળીને બેઠી નથી..”

    એક શબ્દ બોલ્યા વગર આવીને પલંગ પર નાના બાળકની જેમ ટૂંટિયું વાળીની સૂતી. દિવસભર દૃઢતા અને ઉગ્રતાથી કામ લેતી છોકરી અત્યારે એવી તો નિર્દોષ લાગતી હતી કે મને એને મારી બાથમાં લેવાની ઇચ્છા થઈ આવી.

    એનેય મા યાદ આવતી હશે. ભાભી સાવ નાની છે. મોટી બહેન પરદેશમાં છે, ક્યારેક રડી લેવું હોય ત્યારે કોનો પાલવ શોધતી હશે! પહેલી વાર દીકરી જેવું વહાલ ઉમટ્યું.

    બીજી તરફ પડખું ફેરવીને સૂતેલી મિતુના માથે હાથ ફેરવવાની અદમ્ય ઇચ્છા થઈ આવી. એમ કરવા જતાં મારી આંગળીઓ એની પાંપણોને અડકી. ભીની લાગતી પાંપણોનો સ્પર્શ થતાં પૂછ્યું,

    “શું થયું દીકરા, પાપાજીની ચિંતા કરે છે ને પણ ડૉક્ટરોએ કહ્યું છે કે બે દિવસમાં ઠીક થઈ જશે.”

    એ એકદમ મારા તરફ ફરી. ક્ષણભર મને જોઈ રહી પછી મને વળગીને એકદમ રડી પડી.

    “પહેલાં મને એ કહો કે, તમે અમને ખબર કેમ ના આપી? પાપાજી આટલા બીમાર હતા અને મારી યાદ પણ ના આવી?”

    એ ક્ષણથી હું મારી જાતને અપરાધીના કઠેરામાં ઊભેલી જોઉં છું અને પૂછું છું, “ કેમ, તને તારી દીકરીની યાદ ન આવી?”


    માલતી જોશીની વાર્તાને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • જોગાનુજોગ

    વલીભાઈ મુસા

    આજે જ્યારે તમે, લક્ષ્મણ, પીએચ.ડી. માટેની પૂર્વતૈયારીરૂપ ગુજરાત યુનિવર્સિટી સાથેની ઔપચારિકતાઓ પતાવવા અમદાવાદ તરફ આગળ વધી રહ્યા છો, ત્યારે તમારું મન તમારા શોધમહાનિબંધ (Thesis) ના વિષયના મુદ્દે રહીરહીને પાછું પડી રહ્યું છે. મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યે કહેતાં તમારી બોધાવસ્થાની સપાટી ઉપર અંકિત એવી ભૂતકાલીન તમારા પ્રાથમિક શિક્ષણકાળની એ ઘટના તમારા સ્મૃતિપટ ઉપર ઉપસી આવે છે. તમારા વર્ગશિક્ષકશ્રી મફતલાલ સાહેબ કે જે તે કાળે તમારા આદર્શ હતા તેમનો શરમિંદગીભર્યો ચહેરો તમારી નજર આગળ તરવરી ઊઠે છે. તે દિવસની પ્રાર્થના પછીની તમારા વક્તવ્ય અંગેની તેમણે કરેલી જાહેરાત પછી તમે ખિન્ન અવાજે અને ભાવાવેશે જે ઘણું બધું બોલી ગયા હતા તે પૈકીના તમારા ગુરુજનોની માફી માગતાં બોલાએલા આ શબ્દો તેમના માટે વેધક હતા : “આપણને આઝાદી મળ્યાને લગભગ ચૌદ વર્ષ થઈ ગયાં અને તોયે હજુ સુધી આપણી માનસિકતા બદલાઈ નથી, આપણે હજુ સુધી પણ જાણેઅજાણ્યે અંગ્રેજોની ચાપલુસી કર્યા સિવાય રહી શકતા નથી!”

    લક્ષ્મણ, તમારો ડ્રાઈવર તમારી કારને પાણીના રેલાની જેમ અમદાવાદ તરફ આગળ ને આગળ ધપાવી રહ્યો છે, ત્યારે પાછલી સીટે બેઠાબેઠા તમારા વર્તમાનને ચારેક દાયકા પાછળ ધકેલીને તમારા ભૂતકાળનાં સંસ્મરણોને તમે વાગોળવા માંડો છો :

    ઈ. સ. ૧૯૬૧નું એ વર્ષ હતું અને એ વખતે તમે, લક્ષ્મણ, સાતમા ધોરણમાં અભ્યાસ કરતા હતા. તે દિવસે તમારી એ સરકારી પ્રાથમિક શાળાના પટાંગણમાં પ્રકૃતિના ખોળલે ઘટાદાર લીમડાઓની છાયામાં વિદ્યાર્થીઓની સમૂહપ્રાર્થના પૂરી થઈ ગઈ હતી. નિત્યક્રમાનુસાર સમાચારપત્રની હેડલાઈન્સ વાંચી સંભળાવવાનો કાર્યક્રમ મોકૂફ હતો, કેમ કે શનિવારની વહેલી નિશાળ હોઈ સમાચારપત્ર મોડેથી આવતું હોઈને એ સમયે તે ઉપલબ્ધ ન  હતું. પ્રાર્થના પછીના પૂરક કાર્યક્રમના ભાગરૂપે તમારા વર્ગશિક્ષકે આચાર્યશ્રી સામે સંમતિની અપેક્ષાસહ સૂચક નજરે જોતાં તમારા નામની ઓચિંતી જાહેરાત આ શબ્દોમાં કરી દીધી હતી : ‘અઠવાડિયા પહેલાં અમદાવાદ ગએલો મારા વર્ગનો મોનિટર ‘લખો’ મતલબ કે ‘લક્ષ્મણ’ ભારતની મુલાકાતે આવેલાં ઈંગ્લેન્ડનાં રાણી ઈલિઝાબેથ (દ્વિતીય)ને નજરોનજર નિહાળવા બદલ નસીબદાર પુરવાર થયો છે. તેણે પોતાનો આંખે દેખ્યો અહેવાલ અમારા વર્ગમાં તો કહી સંભળાવ્યો છે, પણ આજે તમામ વિદ્યાર્થીઓ અને અધ્યાપકગણને એ અહેવાલ સાંભળવાનો લ્હાવો મળી રહે તે માટે હું તેને સૂચન કરું છું કે તે પોતાના એ જ વક્તવ્યને સાવ નવા જ અંદાજમાં અહીં આ પ્રાર્થનાસભામાં પુનરાવર્તિત કરે.’

    ‘અરે, અરે સાહેબ! તમે એક સામાન્ય વાતને મોટું રૂપ આપી રહ્યા છો! અમદાવાદના મુખ્ય માર્ગોએ ખુલ્લી કારમાં નગરયાત્રાએ નીકળેલાં એ રાણીસાહેબાને જોવા માટે રસ્તાની બંને બાજુએ ઊભેલાં હજારો માનવીઓની ભીડનો એક અંશ એવો હું પણ ત્યાં હતો, સીધોસાદો નાનકડા આ નગરનો એક છોકરો! મારે ન તો તેમની સાથે કોઈ વાત થઈ છે કે ન તો હસ્તધૂનન! ન તો મારી અને તેમની નજરો મળી છે કે ન તો અમારી વચ્ચે કોઈ હેલો-હાય થયું છે! અમે એક્બીજાની સામે નથી તો સ્મિત કર્યું  કે પછી ન તો  તેમણે પ્રેક્ષકો તરફથી તેમની તરફ ફેંકવામાં આવેલા કોઈ ફૂલહાર કે એકાદ ફૂલ સુદ્ધાંનો મારા તરફ વળતો પ્રહાર કર્યો છે! આમ છતાંય આપ સાહેબ મને શા માટે નસીબદાર ગણાવી રહ્યા છો, તે મારી સમજમાં આવતું નથી! મને લાગે છે કે આપ સાહેબ આવું બોલી બોલીને  મને ગાંડો કરી દેશો! આપ સૌ ગુરુજનોની માફી ચાહતાં એટલું જ કહીશ કે આપણને આઝાદી મળ્યાને લગભગ ચૌદ વર્ષ થઈ ગયાં અને તોયે હજુ સુધી આપણી માનસિકતા બદલાઈ નથી, આપણે હજુ સુધી પણ જાણેઅજાણ્યે અંગ્રેજોની ચાપલુસી કર્યા સિવાય રહી શકતા નથી!’ તમે ખિન્ન અવાજે અને એકી શ્વાસે ઉપરોક્ત વિધાનો બોલી ગયા હતા, લક્ષ્મણ.

    પરંતુ તમારા ભાવસભર અને ઉપાલંભીય શબ્દોથી ભોંઠા પડી ગએલા તમારા વર્ગશિક્ષકશ્રી મફતલાલ સાહેબ કંઈક બોલે તે પહેલાં તો તમારા આચાર્યશ્રીએ આંખોમાં વિનમ્રતા છતાં પોતાના સત્તાવાહી અવાજે તમને ફરમાવી દીધું હતું કે તમારે એ સઘળી ઘટનાનું બયાન કરવું જ રહ્યું અને આમ તમને વક્તવ્ય આપવા મજબુર કરવામાં આવ્યા હતા. તમારા માટે, લક્ષ્મણ આ એક મોટી વિડંબણા હતી, એક પ્રકારનો માનસિક પરિતાપ હતો. બીજા શબ્દોમાં કહેતાં, લક્ષ્મણ, તમારા ગુરુજનો અને સહાધ્યાયીઓ તેમના મતે કદાચ સહજભાવે એ બધું કહેતા હશે, પણ તમારા પક્ષે વિચારતાં તો તેઓ વાસ્તવમાં તમને સંવેદનાત્મક મહાવ્યથા પહોંચાડી રહ્યા હતા. તમે મનોમન પસ્તાતા હતા કે તમે  ઈંગ્લેન્ડની રાણીને જોયા અંગેની વાત જાહેર કરીને  કેવી બેવકુફી કરી બેઠા હતા કે જે કોઈ તમારી સામે આવે અથવા તમે જેની પણ નજરે ચઢો તેની બસ એ જ માગણી રહેતી હતી કે તમે રાણી ઈલિઝાબેથ સાથેનો તમારો અનુભવ અથવા તેમના વિષે કંઈક કહી સંભળાવો! તમને હવે તો પાક્કો વહેમ થવા માંડ્યો હતો, લખા,  કે તમારા નગરના સઘળા લોકો કદાચ સંગઠિત થઈ ગયા હોય અને આમ જાણે કે તેઓ તમારી ઠેકડી ન ઊડાડી રહ્યા હોય!

    વિદ્યાભ્યાસમાં તેજસ્વી એવા તમે, લક્ષ્મણ, તમારી શાળાના મોટા ભાગના તમારા ગુરુજનો કરતાં પણ વિશેષ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા અને તેથી જ તો તમારા એ દિવસની પ્રાર્થનાસભાના વક્તવ્યે તમારા આચાર્ય સાહેબને એવા તો સંમોહિત કરી દીધા હતા કે તેમણે વક્તવ્ય પૂરું થયે પોતાની ખુરશીમાંથી ઊભા થઈ જઈને તમને પોતાના બાહુપાશમાં જકડી લીધા હતા. અમદાવાદના આસ્ટોડીઆ રોડ ઉપરની એક દુકાનના ઓટલે ઊભેલા તમે કાચની પુતળી સમાં પાંત્રીસ વર્ષીય રાણીને મોજા પહેરેલા બંને હાથ હલાવતાં ખુલ્લી કારમાં ઊભેલી સ્થિતીએ લોકોનાં અભિવાદન ઝીલતાં એવી રીતે વર્ણવ્યાં હતાં કે એ શબ્દચિત્ર થકી સૌ શ્રોતાઓ તેમને જાણે કે પ્રત્યક્ષ નિહાળી રહ્યા હોય તેવો આભાસ તેમને થઈ રહ્યો હતો. રાણીની કાર પછીની દ્વિતીય  ખુલ્લી કારના પાછલા બોનેટ ઉપર બેઠેલા તેમના પતિ ફિલિપ્સ યાને કે  ડ્યુક ઓફ એડિનબરોને વર્ણવતાં તમે એવો ખુલાસો પણ કર્યો હતો કે ભલે તેઓ રાણીના પતિ હોય પણ પ્રમુખ રાજકીય મહેમાન તરીકે માત્ર રાણીજી જ હોઈ શિષ્ટાચાર (Protocol) પ્રમાણે તેઓ રાણીજીની કારમાં તેમની સાથે ઊભા રહી શકે નહિ. પાઠ્યપુસ્તકો ઉપરાંતના બાહ્ય વાંચનના તમારા શોખના કારણે તમે સ્થાનિક લાયબ્રેરીમાંથી એ અઠવાડિયા દરમિયાન ઈંગ્લેન્ડની રાણી ઈલિઝાબેથ (દ્વિતીય) વિષે નોંધપાત્ર ઘણી માહિતી મેળવી ચૂક્યા હતા. વળી તમે એ માહિતીને તમારા વ્યક્તિગત જીવન સાથે તમારા વક્તવ્યમાં આબેહૂબ એવી રીતે સાંકળી લીધી હતી કે વિદ્યાર્થી આલમ પહોળા મોંઢે અને શિક્ષકગણ ગાલે હથેળીઓ રાખીને તમારા વક્તવ્યને મુગ્ધભાવે સાંભળી રહ્યા હતા. રાણીની અને તમારી એક જ જન્મ તારીખ અને તમારાં ઉભયનાં નામોની એક જ રાશી એ તમારા વક્તવ્યના ધ્યાનાકર્ષક મુદાઓ હતા.  તમારી વાકપટુતાના કારણે તમારો એ શાહી કબિલા સાથે જાણે કે નિકટનો ઘરોબો હોય તેવો  આભાસી અહેસાસ તમે તમામ શ્રોતાઓને કરાવી શક્યા હતા. લખા, તમારી વાત રસળતા શબ્દોમાં એવી રીતે વહી રહી હતી કે સૌ એમ માનવા પ્રેરાય કે જાણે તમે બકીંગહામ પેલેસમાં અનેકવાર શાહી મહેમાન બની ચૂક્યા હશો !

    કાળ કેડી પાડતો રહ્યો. તમે દિનપ્રતિદિન લોક્જીભે અવનવાં નામોએ સંબોધાતા અને ઓળખાતા રહ્યા અને તમારું મૂળ નામ લક્ષ્મણ ભુલાતું ગયું. એ બધાં સંબોધનોમાં તમને થતાં પ્રિન્સ ફિલિપ કે ડ્યુક ઓફ એડિનબરોનાં સંબોધનો તમને પારાવાર દુ:ખ આપતાં હતાં, પણ તમે લાચાર હતા; કેમ કે તમે કોઈનાં મોંઢાં બાંધી શકો તેમ ન હતા. રાણીજી અને તમારી વચ્ચે બાવીસ વર્ષનો ઉંમરનો તફાવત હતો અને માતા સમાન ગણાય તેવાં જાજરમાન અને સન્માનીય એવાં એ રાજવી મહિલાના નામ સાથે એક માત્ર મજાકમશ્કરીના ક્ષુલ્લક હેતુસર અભદ્ર રીતે તમારું નામ જોડાય તે સંસ્કારિતા અને સ્ત્રીદાક્ષિણ્ય અન્વયે સાચે જ વિઘાતક ગણાય, પણ તમે નિરુપાય હતા. આમ ધીમેધીમે તમે તમને મળતાં જતાં ઉપનામોથી  ટેવાતા ગયા અને રાણી ઈલિઝાબેથના નામ સાથે સંકળાએલી એવી તમારી ગૌણ ઓળખો માધ્યમિક શિક્ષણ દરમિયાન પણ ચાલુ રહી હતી.

    ઈ. સ. ૧૯૬૫માં તમે જૂની એસ.એસ.સી. પરીક્ષા આપી ચૂક્યા હતા અને પરિણામ આવવાને હજુ એકાદ મહિનો બાકી હતો. ભણવામાં તેજસ્વી કારકીર્દિ ધરાવતા તમે ઊંચી ટકાવારીએ ઉત્તીર્ણ થઈને કોલેજ શિક્ષણ માટે અમદાવાદ જવા માટેનાં સ્વપ્ન સેવી રહ્યા હતા અને ત્યાં તો તમારા જીવનને નવીન જ વળાંક આપતી એક ઘટના ઘટી ગઈ હતી, લક્ષ્મણ. ધીકતો અને બહોળો કારોબાર ધરાવતા  તમારા કાકાજી પક્ષાઘાતના હુમલાનો ભોગ બન્યા હોઈ તેમણે તમને પોતાના વારસદાર નિયુક્ત કરી દઈને પોતાની બીમાર જાતને, એક માત્ર એવી સાતેક વર્ષની તમારી પિત્રાઈ બહેનને, તમારાં કાકીને અને ધંધાકીય જવાબદારીઓને સંલગ્ન એવાં તમામ કાર્યોને તમારા હવાલે કરી દીધાં હતાં. આમ બબ્બે કુટુંબોની જવાબદારી માથે આવતાં ઉચ્ચતર અભ્યાસ માટેની તમારી મહેચ્છાઓ ઉપર તમારે પૂર્ણવિરામ મૂકી દેવું પડ્યું હતું, લક્ષ્મણ.

    જે બન્યું તે ખરું, પરંતુ જેમના તમે સદાય પ્રશંસક રહ્યા છો તેવાં રાણી ઈલિઝાબેથ અને તમે એમ બેઉના ભાગ્ય ઉપર અંકિત એવી પથ્થરની એકસમાન લકીરે તમારાં જીવનને એવા વળાંકો આપ્યા હતા કે રાણીની જેમ તમે પણ રાતોરાત કાકાની અઢળક સંપત્તિના વારસદાર બની ગયા હતા. રાણીજી પણ જ્યારે દસ વર્ષનાં હતાં ત્યારે તેમના દાદા જ્યોર્જ પંચમના અવસાન પછી તેમના કાકા એડવર્ડ આઠમા જ્યેષ્ઠ પુત્ર હોવાના કારણે રાજગાદીના ઉત્તરાધિકારી બન્યા હતા. છએક મહિના સુધી એ પદ શોભાવ્યા પછી તેમને ગાદીત્યાગ કરવો પડ્યો હતો, જેનું કારણ એ હતું કે તેઓ વોલિસ સિમ્પસન નામની બે વખત પરણી ચુકેલી એક અમેરિકન ત્યક્તા સ્ત્રી સાથેના ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા. ઈંગ્લેન્ડની રૂઢિગત પરંપરા મુજબ ત્યાંની પ્રજાએ રાજા એડવર્ડને રાજગાદી અને વોલિસ સાથેના પ્રેમલગ્ન એ બે પૈકી કોઈ એકને પસંદ કરવાનો વિકલ્પ આપ્યો હતો. રાજા એડવર્ડે રાજગાદી ઠુકરાવી દઈને વોલિસને જીવનસાથી તરીકે અપનાવી લેતાં ઈલિઝાબેથના પિતા પ્રિન્સ આલ્બર્ટ પોતાનું જ્યોર્જ છઠ્ઠા તરીકેનું નામ ધારણ કરીને ગાદીએ બેઠા હતા અને આમ ઈલિઝાબેથ તેમનું પાટવી સંતાન હોઈ તેમના અવસાન પછી બીજી જૂન, ૧૯૫૩ના રોજ તેણીની ઈલિઝાબેથ (દ્વિતીય) તરીકે ઈંગ્લેન્ડની રાણી તરીકેની તાજપોશી થઈ હતી.

    સંજોગોએ ભલે તમને અભ્યાસ છોડી દેવાની ફરજ પાડી હોય, ભાઈ લક્ષ્મણ; પણ, ભણતર સાથેનો તમારો લગાવ તો એવો ને એવો જ હતો. ધંધાકીય જવાબદારીઓમાં વ્યસ્ત એવા તમે બાહ્ય વિદ્યાર્થી તરીકે આર્ટ્સ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ થવાનું વિચારીને સર્વ પ્રથમ તો મધ્યપ્રદેશથી સીધી ઈન્ટર (દ્વિતીય વર્ષ)ની પરીક્ષા ઉત્તીર્ણ કરી લીધી હતી. ઇતિહાસના વિષયમાં તમે યુરોપના ઇતિહાસના વિકલ્પે ઈંગ્લેન્ડનો ઇતિહાસ અને ભારતીય ઇતિહાસમાં અર્વાચીન ઇતિહાસના બદલે પ્રાચીન ઇતિહાસને પસંદ કર્યો હતો. ઈન્ટરની જેમ જ તમે બાહ્ય વિદ્યાર્થી તરીકે જ ગુજરાત યુનિવર્સિટીથી બી.એ. પરીક્ષા ઉત્તીર્ણ કર્યા બાદ નિયમિત વિદ્યાર્થી તરીકે શનિ-રવિની કોલેજની સુવિધાનો લાભ લઈને તમે ગુજરાતી અને રાજનીતિશાસ્ત્ર(Political Science)  વિષયો સાથે એમ.એ. પણ ઉત્તીર્ણ કરી લીધું હતું. અનુસ્નાતક કક્ષા સુધી ભણવા પાછળનો તમારો આશય માત્ર એટલો જ હતો કે તમે રાજનીતિશાસ્ત્ર (Political Science) વિષયમાં તમારાં પ્રિયપાત્ર એવાં ઈંગ્લેન્ડનાં રાણી ઈલિઝાબેથ (દ્વિતીય) ઉપર તમે Ph. D. (ડોક્ટરેટ) કરવા ઈચ્છતા હતા. લોકોએ રાણી ઈલિઝાબેથ (દ્વિતીય)ને જ્યારથી તમારા નામ સાથે જોડી દીધાં હતાં ત્યારથી તમને પણ ઘેલું લાગી ગયું હતું કે તમે પીએચ.ડી. માટે રાણીજીના જીવનના કોઈક પાસાને જ વિષય તરીકે પસંદ કરશો. દિવસે વેપારવણજ અને રાત્રે અધ્યયન-અધ્યાપન-સહપઠન દ્વારા તમે તમારા કુટુંબમાં લક્ષ્મી અને સરસ્વતીને સહનિવાસ કરવાની ફરજ પાડી હતી એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ ન હતી. તમારા અધ્યયનની સાથે તમે અધ્યાપનકાર્ય બજાવ્યું કે સહપઠન કર્યું એમ કહેવાનો મતલબ એ હતો કે તમારી જ જેમ મેટ્રિક પછી અભ્યાસ છોડી દીધેલાં એવાં તમારાં ધર્મપત્ની ઊર્મિલા પણ તમારી સાથેસાથે યુનિવર્સિટી પરીક્ષાઓની તૈયારીઓ કરતાં હતાં. ઊર્મિલા ઉપરાંત તમારી રાત્રિશાળામાં તમારી પિત્રાઈ બહેન ગીતા કે જેના તમે વાલીવારસ હતા અને તમારી પુત્રી તન્વી તથા પુત્ર ઉમંગ એમ એ ત્રણેય જણ પણ તમારાં શિષ્યો કે  સહપાઠીઓ હતાં. ૧૯૭૩માં તમે, લક્ષ્મણ, પ્રથમ વર્ગ સાથે એમ. એ. કરી લીધા બાદ તમારા ડોક્ટરેટ કરવા માટેના નિર્ધારિત લક્ષ તરફ આગળ વધવામાં તમારી ધંધાકીય જવાબદારીઓએ પ્રતિકૂળતાઓ ઊભી કરતાં તમારે ત્રણેક દાયકાઓનો દીર્ઘ વિરામ કરવો  પડ્યો  હતો.

    પરંતુ આજે છેક ૨૦૦૩ના વર્ષમાં તમારી પંચાવન વર્ષની ઉંમરે તમે Ph.D.  કરવા માટે ગંભીર થયા છો. તમારા માર્ગદર્શક (Guide) તરીકેની જવાબદારી શિક્ષણજગતમાં ખ્યાતનામ એવા ડો. કુલશ્રેષ્ઠે સ્વીકારી છે અને યુનિવર્સિટીમાં જરૂરી વિધિ પતાવ્યા બાદ તમે આજે જ તેમના ઘરે તેમને મળવા જવાના છો. તમારા શોધ મહાનિબંધનું શીર્ષક : “HM Queen Elizabeth II, a self-willed but well-disciplined constitutional monarch of UK” (“નામદાર રાણી ઈલિઝાબેથ (દ્વિતીય), એક ઉદ્દામ પણ શિસ્તબદ્ધ એવાં યુ.કે.નાં બંધારણીય વડાં શાસક”) પણ તમે વિચારી રાખ્યું છે. તમે સફળ બિઝનસમેન હોઈ  કોઈ આર્થિક હેતુ માટે કે સરકારી પદ પ્રાપ્ત કરવા માટે એમ.એ. સુધીનો અભ્યાસ કરવાનો તમારો કોઈ આશય પણ ન હતો. તમારું અત્યાર સુધીનું લક્ષ માત્ર એ જ રહ્યું છે કે તમારે Ph.D. કરવું અને તે પણ ઈંગ્લેન્ડનાં રાણી ઈલિઝાબેથ (દ્વિતીય) ઉપર જ.

    લક્ષ્મણ, તમારો અંતરાત્મા આજે તમને વિહ્વળ બનાવી રહ્યો છે. તમારી નજર સામે તે ટાણે અપરાધભાવ અનુભવતા તમારા વર્ગશિક્ષકશ્રી મફતલાલ સાહેબનો શરમિંદગીસભર ચહેરો તરવરી ઊઠે છે. તેમને એ વખતે એમ લાગ્યું હશે કે કિશોરાવસ્થા ધરાવતો એક વિદ્યાર્થી આખી શાળાના તમામ વિદ્યાર્થીઓ, સહકાર્યકરો અને આચાર્યની હાજરીમાં પોતાના ગાલ ઉપર ચસચસતો તમાચો જાણે કે જડી ગયો છે! તે દિવસે તમે, લક્ષ્મણ, આઝાદી મળ્યાનાં ચૌદ વર્ષોનો હિસાબ બતાવીને સૌને ગુલામીની માનસિકતા ન તજી શકવાનું અને અંગ્રેજોની ખુશામત કરવાનું  ચાલુ રાખવાનું મહેણું માર્યું હતું. આઝાદી મળ્યાને એ વખતનાં ચૌદના બદલે આજે જ્યારે ચારગણાં એટલે કે લગભગ છપ્પન વર્ષો વીતી ગયાં છે તો પણ તમે તમારી પોતાની જ માનસિકતા બદલી શક્યા નથી તેનું શું, લક્ષ્મણ? આજે જ્યારે તમે રાણી ઈલિઝાબેથ ઉપર પીએચ.ડી. કરવાનું વિચારી  રહ્યા છો, ત્યારે તમને પૂછવાનું મન થાય છે કે બે એક વર્ષ પહેલાં અવસાન પામેલા તમારા આદર્શ એવા મફતલાલ સાહેબ હાલમાં હયાત હોય તો તમે તેમની નજર સામે તમારી નજર મેળવી શકો ખરા! જીવનભરના તમારા બહોળા વાંચન થકી તમને, લક્ષ્મણ, આપણા દેશને અહિંસાના અણમોલ શસ્ત્ર વડે આઝાદી અપાવનાર એવા મહાત્મા ગાંધીના જીવનનું એવું કોઈ એકાદ પણ નોંધપાત્ર પાસું તમારા ધ્યાનમાં નથી આવતું કે જે તમારો શોધનિબંધનો વિષય બની શકે?

    પરંતુ લક્ષ્મણ, તમે તો ચિંતનશીલ અને વિદ્વાન પુરુષ હોવાની સાથેસાથે કાબેલ ધંધાદારી માણસ પણ છો. તમને ખબર છે કે રાણી ઈલિઝાબેથ ઉપરનો તમારો અંગ્રેજીમાં લખાનારો શોધનિબંધ તમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવશે. તમને એ પણ ખબર છે કે દિલ્હી ખાતેના ઈંગ્લેન્ડના જે તે રાજદૂતને તમારો રાણીજી ઉપરનો શોધનિબંધ મોકલવામાં આવે તો કદાચ તેઓ તમારા નામની ભલામણ કરીને તમને રાણીજીની કૃપાથી કોઈક ખિતાબ પણ અપાવે અથવા તમને ઈંગ્લેન્ડની કોઈક યુનિવર્સિટી તરફથી માનદ ડિગ્રી પણ એનાયત કરવામાં આવે. તમારા રાણી ઉપરના શોધનિબંધને પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે તો તે પુસ્તક કદાચ Best Seller પુસ્તકોની હરોળમાં પણ આવી શકે. તમે પેઢી દર પેઢી તે પુસ્તકની રોયલ્ટીની અઢળક આવક પણ રળી શકો. પરંતુ આવા નામ અને દામ માટે તમારે તમારા ઝમીરને અવગણવું પડશે, તમારે તમારી જાતને ભારતીય કે ગુર્જર તરીકે ઓળખાવવાનું ભૂલી જવું પડશે. તમારા સ્વર્ગસ્થ ગુરુ મફતલાલ શ્રીમાળી સાહેબના તમારા પેલા મહેણાના કારણે ભોંઠા પડી ગએલા તેમના એ ચહેરાને તમારા સ્મૃતિપટ ઉપરથી તમારે સદાયના માટે ભૂંસી નાખવો પડશે!

    પરંતુ ના, ભાઈ લક્ષ્મણ, તમારા ચહેરા ઉપર એવાં નામદામ રળી લેવાની કોઈ નિશાની વર્તાતી નથી. તમારું અંત:કરણ તો તમને અવાજ દઈ રહ્યું છે કે તમે સર્વ પ્રથમ તો ભારતીય છો અને પછી ગુજરાતી પણ ખરા! તમે તમારા શોધનિબંધનો માત્ર વિષય જ નહિ, તેનું માધ્યમ પણ બદલી દેવાના દૃઢ નિશ્ચયે વૈચારિક રીતે સ્થિર થઈ ચૂક્યા છો. હાલમાં તમારી કાર ‘ચિમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ’ ઉપરથી પસાર થઈ રહી છે. તમે તમારા ડ્રાઈવરને સૂચના આપી દીધી છે કે કારને  ગુજરાત યુનિવર્સિટીના બદલે ગુજરાત વિદ્યાપીઠે લઈ જવામાં આવે, કારણ કે હવે તમારા શોધનિબંધનો વિષય બદલાઈ ગયો છે. તમારો વિષય હવે : “મહાત્મા ગાંધીએ ગુજરાતી ભાષા અને સાહિત્યને આપેલું યોગદાન.” બની ચૂક્યો છે. સાથેસાથે એ પણ એટલું જ સ્વાભાવિક  છે કે તમારા શોધનિબંધની ભાષા પણ ગુજરાતી જ હોય ને!

    વળી, જોગાનુજોગ તો જૂઓ! આજનો દિવસ પણ છે, ૨૧મી ફેબ્રુઆરી, ૨૦૦૩ ને શુક્રવારનો! ચતુર્થ આંતરરાષ્ટ્રીય માતૃભાષા  દિન (International Mother Language Day) કે જેને યુનેસ્કો દ્વારા ઈ.સ. ૨૦૦૦થી વિશ્વભરના લોકો માટે પોતપોતાની માતૃભાષાના ગૌરવને જાળવવા માટેના સંકલ્પદિન તરીકે અને ઊજવણી માટે ઘોષિત કરવામાં આવ્યો છે.

    * * *

    શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
    ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ – +91 93279 55577

    નેટજગતનું સરનામુઃ
    • William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ માનવધર્મ – જીવો અને જીવવા
    દો | હળવા મિજાજે

  • ફિલ્મી ગઝલો – ૧૪. એસ. એચ . બિહારી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ગીતકાર એસ એચ બિહારી એટલે કે શમ્સ – ઉલ – હુદા બિહારી મારા માનસપટલ પર ચિરંજીવ છે એમણે લખેલા અમર ગીત ‘ ન યે ચાંદ હોગા ન તારે રહેંગે ‘ ( ફિલ્મ : શર્ત – ૧૯૫૪ ) ના કારણે. દાયકાઓથી આ ગીત નસ – નસમાં વસેલું છે અને રહેશે તા-ઉમ્ર.

    ૧૯૫૦ અને ૬૦ના દશકોમાં બિહારી સાહેબે મુખ્યત્વે સંગીતકાર હેમંત કુમાર અને ઓ પી નૈયર માટે કેટલાય બેશકીમતી અને લોકપ્રિય ગીતો લખ્યા. એમની છુટપુટ રચનાઓ ૧૯૭૪ સુધી આવતી રહી. એક દાયકા લગી ચુપ રહ્યા બાદ ૮૦ ના દશકમાં થોડાક મામૂલી ગીતો લખ્યા અને વિદાય લીધી. ઓ પી નૈયર સાહેબે તર્જબદ્ધ કરેલા એમના એક મુસાફિર એક હસીના, કશ્મીર કી કલી, યે રાત ફિર ન આએગી, સાવન કી ઘટા, હમસાયા, કિસ્મત અને પ્રાણ જાએ પર વચન ન જાએ ના ગીતો કયો સંગીતપ્રેમી ભૂલી શકશે ?  અને ઉપર ઉલ્લેખેલી ફિલ્મ ‘ શર્ત ‘ ઉપરાંત હેમંત કુમાર માટે એમણે સર્જેલા ‘ યે હંસતા હુઆ કારવાં ઝિંદગી કા ‘ અને ‘ ચલ બાદલોં સે આગે કુછ ઔર હી સમા હૈ ‘ ( બન્ને ગીત ફિલ્મ ‘ એક ઝલક ‘ ૧૯૫૮ ) તો મદહોશ કરી દે !

    સંગીતકાર ઓ પી નૈયર તો એમને સંબોધતા જ ‘ શાયરે આઝમ ‘ ઉપાધિથી. ઓ પી નૈયર અને આશા ભોંસલેની જોડીનું અંતિમ ગીત ‘ ચૈન સે હમકો કભી આપને જીને ના દિયા ‘ ( ફિલ્મ : પ્રાણ જાએ પર વચન ન જાએ ‘ ) પણ એમનું જ સર્જન.

    એમની બે ઓછી જાણીતી ગઝલો પેશે – ખિદમત છે :

    છુપા લે દાગે જિગર દાગે દિલ ઝમાને સે
    કે  દર્દ  ઔર  બઢેગા  ઈન્હેં  દિખાને  સે

    ઐ દર્દે જિગર ફરિયાદ ન કર બહતે હૈં તો આંસૂ બહને દે
    સાહિલ  કી  તમન્ના  કરતા જા, મઝધાર મેં કશ્તી રહને દે

    હમકો  તો  ઝમાને  મેં  અપના  દુખ દર્દ  છુપાએ  રહના હૈ
    હો જાએ ન અપની રુસવાઈ હર ઝુલ્મ કો હંસકર સહને દે

    દિલ સૌંપ ચુકે હૈં હમ જિનકો અબ ઉનસે શિકવા ક્યા કરના
    જિસ  હાલ  મેં  રખના  ચાહેં  વો ઉસ હાલ મેં હમકો રહને દે ..

    ( શરુઆતની બે મિસરાની સાખી અલગ જ બહરમાં છે . )

     

    ફિલ્મ : બહુ – ૧૯૫૫

    લતા

    હેમંતકુમાર

     

    દિલ  છેડ  કોઈ ઐસા નગમા ગીતોં મેં ઝમાના ખો જાએ
    યે આહ મેરી દુનિયા કે લિયે ખુશિયોં કા તરાના હો જાએ

    આવાઝ  મેરે  ટુટે  દિલ  કી  દુનિયા  કે  દિલોં  કો  તડપા  દે
    પથ્થર કા જિગર ભી સુનકે જિસે એક બાર તો પાની હો જાએ

    હૈ  જિસને  હમેં યે દર્દ દિયા હમ ઉસકો દુઆએં દેતે હૈં
    યે દર્દ દવા બન જાએગા એક દિન જો પુરાના હો જાએ

    હૈ તુજકો કસમ ઐ દિલકી જલન આંખોં મેં ન આંસૂ આ જાએં
    ઐસા  ન  હો  તેરે  રોને  સે  મહેફિલ  મેં  તમાશા  હો  જાએ ..

    (ગઝલની બહર તો બધા શેરમાં જળવાઈ છે પરંતુ બીજા શેરમાં કાફિયો જળવાયો નથી. )

     

    ફિલ્મ : ઈંન્સપેક્ટર – ૧૯૫૬

    લતા / હેમંત કુમાર

    હેમંત કુમાર


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • રેલ્વે પ્લેટફોર્મ (૧૯૫૫)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    ઉદઘોષકથી શરૂ કરીને અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને રાજકારણી સુધીની તેમની વૈવિધ્યપૂર્ણ કારકિર્દીઓ એકંદરે સફળ રહી. બલરાજ દત્ત નામના આ પંજાબી યુવાને ‘રેડિયો સિલોન’ પર ‘લિપ્ટન કી મેહફીલ’ નામના કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું અને વિવિધ સફળ કલાકારોના તેની અંતર્ગત ઈન્‍ટરવ્યૂ કર્યા. તેમના રણકદાર અવાજ અને સફાઈદાર ઉર્દૂ ઉચ્ચારોથી પ્રભાવિત થયેલા નિર્માતા-નિર્દેશક રમેશ સહગલે તેમને પોતાની એક ફિલ્મ માટે મુખ્ય ભૂમિકામાં કરારબદ્ધ કર્યા. બલરાજ દત્તનું રૂપેરી પડદે નામકરણ કરવામાં આવ્યું સુનિલ દત્ત, અને તેમની પહેલવહેલી ફિલ્મ હતી ‘સહગલ પ્રોડક્શન્સ’ નિર્મિત, રમેશ સહગલ નિર્દેશીત ‘રેલ્વે પ્લેટફોર્મ’ (૧૯૫૫).

    આ ફિલ્મમાં સુનિલ દત્ત ઉપરાંત નલિની જયવંત, શીલા રામાણી, જહોની વૉકર, મનમોહન કૃષ્ણ, લીલા મિશ્રા જેવા કલાકારોની ભૂમિકા હતી. ફિલ્મનાં ગીતો સાહિર લુધિયાનવીએ લખ્યાં હતાં, જ્યારે સંગીત હતું મદનમોહનનું. આ ફિલ્મની કેન્દ્રીય કથાવસ્તુને રજૂ કરતું ગીત ‘બસ્તી બસ્તી પરબત પરબત ગાતા જાયે બંજારા’ ખૂબ જ જાણીતું બન્યું અને સાહિરનાં ફિલ્મી ગીતોની ઓળખ સમાન બની રહ્યું એમ કહી શકાય. સાહિરનાં ફિલ્મી ગીતોના સંગ્રહનું નામ ‘ગાતા જાયે બંજારા’ સંભવત: આ જ ગીતની પંક્તિનો અંશ છે.

    [(ડાબેથી) મદનમોહન, મોહમ્મદ રફી, સાહિર ]
    ફિલ્મનાં કુલ છ ગીતો હતાં, જે પૈકી એક ગીત અલગ અલગ ત્રણ વખત અને બીજું ગીત બે ભાગમાં હોવાથી આખી ફિલ્મ ગીતપ્રધાન જણાય છે. મદનમોહનનાં સંગીતબદ્ધ કરેલાં આ ફિલ્મનાં બધાં ગીતો મધુર હતાં, છતાં આ ફિલ્મ યાદ રહી ગઈ તેના ‘બસ્તી બસ્તી પરબત પરબત ગાતા જાયે બંજારા’ ગીત થકી.

    બાકીનાં ગીતોમાં ‘જિયા ખો ગયા, ઓ તેરા હો ગયા‘ (લતા), ‘સખી રી તોરી ડોલિયા ઉઠાયેંગે કહાર‘ (લતા), ‘અંધેર નગરી ચૌપટ રાજા‘ (રફી, એસ.ડી.બાતિશ, આશા, મનમોહન કૃષ્ણ અને સાથીઓ), ‘ભજો રામ, ભજો રામ, ભજો રામ, મોરી બાંહ પકડ લો રામ‘ (ભાગ 1 અને 2, આશા, એસ.ડી.બાતિશ અને સાથીઓ), અને ‘ચાંદ મદ્ધમ હૈ, આસમાં ચૂપ હૈ‘ (લતા). આ ઉપરાંત ‘દેખ તેરે ભગવાન કી હાલત ક્યા હો ગઈ ઈન્સાન‘ (રફી, એસ.ડી.બાતિશ, મનમોહન કૃષ્ણ અને સાથીઓ) ગીત મૂળ પ્રદીપજીએ લખેલા ગીત ‘દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન’ (નાસ્તિક, ૧૯૫૪) ની પેરડી છે.

    આ ફિલ્મમાં ટાઈટલ સોન્‍ગ તરીકે મહમ્મદ રફીએ ગાયેલા ગીત ‘બસ્તી બસ્તી ગાતા જાયે બંજારા’નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ટાઈટલ પછી પણ ફિલ્મમાં વિવિધ પરિસ્થિતિઓમાં થઈને કૂલ ત્રણ વખત સાંભળવા મળે છે. આ ગીતની વિશેષતા એ છે કે તેના મુખડાનું દરેક વખતે આવર્તન થાય છે. એટલે કે મુખડામાં સામાન્ય રીતે બે પંક્તિ હોય તેને બદલે એક જ પંક્તિ આવર્તિત થતી રહે છે.

    ફિલ્મના ટાઈટલ દરમિયાન સંભળાતા ગીતના શબ્દો આ મુજબ છે.

     

    बस्ती बस्ती पर्बत पर्बत
    गाता जाए बंजारा
    लेकर दिल का इकतारा
    बस्ती बस्ती पर्बत पर्बत
    गाता जाए बंजारा
    लेकर दिल का इकतारा

    पल दो पल का साथ हमारा
    पल दो पल की यारी
    आज रुके तो कल करनी है
    चलने की तैयारी
    बस्ती बस्ती पर्बत पर्बत
    गाता जाए बंजारा
    लेकर दिल का इकतारा
    बस्ती बस्ती पर्बत पर्बत
    गाता जाए बंजारा
    लेकर दिल का इकतारा

    कदम कदम पर होनी बैठि
    अपना जाल बिछाए
    कदम कदम पर होनी बैठि
    अपना जाल बिछाए
    इस जीवन की राह में जाने
    कौन कहां रह जाए
    कौन कहां रह जाए
    बस्ती बस्ती पर्बत पर्बत
    गाता जाए बंजारा
    लेकर दिल का इकतारा
    बस्ती बस्ती पर्बत पर्बत
    गाता जाए बंजारा
    लेकर दिल का इकतारा

    ફિલ્મનાં ટાઈટલ્સ અહીં પૂરાં થાય છે, પણ ગીત આગળ વધે છે.

     

    धन दौलत के पीछे क्यों है
    ये दुनिया दीवानी
    यहाँ की दौलत यहाँ रहेगी
    साथ नहीं ये जनि
    बस्ती बस्ती पर्बत पर्बत
    गाता जाए बंजारा
    लेकर दिल का इकतारा
    बस्ती बस्ती पर्बत पर्बत
    गाता जाए बंजारा
    लेकर दिल का इकतारा

     

    ગીતનો પ્રથમ ભાગ અહીં સમાપ્ત થાય છે. એ પછી ફિલ્મના મધ્યમાં આ ગીત સંભળાય છે, જેના શબ્દો આ મુજબ છે.

    सोने-चाँदी में तुलता हो
    जहाँ दिलों का प्यार
    आँसू भी बेकार वहाँ पर,
    आहें भी बेकार
    बस्ती बस्ती पर्बत पर्बत
    लेकर दिल का इकतारा
    बस्ती बस्ती पर्बत पर्बत
    गाता जाए बंजारा
    लेकर दिल का इकतारा

    दुनिया के बाज़ार में आख़िर
    चाहत भी व्यापार बनी
    दुनिया के बाज़ार में आख़िर
    चाहत भी व्यापार बनी
    तेरे दिल से उनके दिल तक
    चाँदी की दीवार बनी
    चाँदी की दीवार बनी
    बस्ती बस्ती पर्बत पर्बत
    गाता जाए बंजारा
    लेकर दिल का इकतारा
    बस्ती बस्ती पर्वत पर्वत
    गाता जाए बंजारा
    लेकर दिल का इकतारा

    हम जैसों के भाग में लिखा
    चाहत का वरदान नहीं
    हम जैसों के भाग में लिखा
    चाहत का वरदान नहीं
    जिसने हमको जनम दिया
    वो पत्थर है भगवान नहीं
    वो पत्थर है भगवान नहीं
    वो पत्थर है भगवान नहीं
    बस्ती बस्ती पर्वत पर्वत
    गाता जाए बंजारा
    लेकर दिल का इकतारा
    बस्ती बस्ती पर्वत पर्वत
    गाता जाए बंजारा
    लेकर दिल का इकतारा

     

    ફિલ્મનો આરંભ જેમ આ ગીતથી થાય છે, એમ ફિલ્મના અંતે પણ આ ગીત સંભળાય છે. અલબત્ત, અંતમાં ગવાતું ગીત મહમ્મદ રફીના નહીં, પણ મનમોહન કૃષ્ણના અવાજમાં છે, જેના શબ્દો આ મુજબ છે.

    मूरख है जो धनदौलत की चिंता करते रहते हैं,
    दो दिल मिल जाये जिस घर में, स्वर्ग ईसी को कहते हैं,
    बस्ती बस्ती पर्वत पर्वत
    गाता जाए बंजारा
    लेकर दिल का इकतारा
    बस्ती बस्ती पर्वत पर्वत
    गाता जाए बंजारा
    लेकर दिल का इकतारा

    ત્રણ ભાગમાં વિભાજીત આ ગીતના ત્રણે ભાગ અહીં સાંભળી શકાશે.

    • ટાઇટલ દરમિયાન અને એ પછીનો મુખ્ય ભાગ.

    https://www.youtube.com/watch?v=6KdBxkdDvuo

    1. ફિલ્મની વચ્ચે આવતો બીજો ભાગ.
    1. ફિલ્મના અંતે મનમોહન કૃષ્ણના સ્વરમાં ગીતનો અંતિમ ભાગ.

    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • મહેન્દ્ર શાહનાં ઓગસ્ટ ૨૦૨૩નાં સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah – August 2023 creations


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો : વર્ગીકરણ

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    ફ્રેન્ક પ્લમ્પટન રામસે (૧૯૦૩ – ૧૦૩૦) બહુ જ ખ્યાતનામ બ્રિટિશ ફિલસૂફ અને ગણિતશાસ્ત્રી હતા. આ બન્ને ક્ષેત્રોમાં તેમનું યોગદાન બહુ નોંધપાત્ર ગણાય છે. તેમના અનેક સંશોધન લેખોમાંથી, તેમણે ૧૯૨૫માં પ્રકાશિત થયેલ “ધ ફાઉન્ડેશન્સ ઓફ મેથેમેટિક્સ”માં[1] પ્રકાશિત કરેલું વિરોધાભાસનું વર્ગીકરણ તો બહુ જ મૌલિક અને આ વિષય પરનું પથદર્શક યોગદાન મનાય છે.
    બહુ સામાન્યપણે ગણીએ તો વિરોધાભાસને તાર્કિક અને શાબ્દિક અર્થજન્ય વિરોધાભાસો એમ બે વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

    તાર્કિક વિરોધાભાસમાં વિશિષ્ટ ગુણધર્મ ધરાવતો વર્ગ અને સંખ્યા જેવા ગાણિતિક અથવા તાર્કિક શબ્દોનો સમાવેશ થાય છે. તે દર્શાવે છે કે આપણા તર્ક અને ગણિત જ સમસ્યારૂપ છે. તાર્કિક વિરોધાભાસ તાર્કિક તંત્રવ્યવસ્થાઓની મૂળભુત રચનામાંથી જ ઉદ્ભવે છે. આ વિરોધાભાસ સ્વ-સંદર્ભનું પરિણામ નથી પરંતુ તાર્કિક તંત્રવ્યવસ્થાની રચનાની રીત છે. આ પ્રકારના વિરોધાભાસનું સૌથી પ્રસિદ્ધ ઉદાહરણ એ સોરાઈટ્સ વિરોધાભાસ તરીકે ઓળખાતો ઢગલાનો વિરોધાભાસ છે. જ્યારે આપણે રેતીના ઢગલામાંથી એક એક કરીને રેતીના દાણાને દૂર કરીએ તો કયા તબક્કે એ ઢગલો પછી ‘ઢગલો’ નહીં રહે. ૨૦૦૦ કણ બાકી રહેશે ત્યારે, ૨૦૦ કણ બાકી રહેશે ત્યારે કે ૨૦ કણ બાકી રહેશે ત્યારે ? વિરોધાભાસ એ હકીકત પરથી ઉદ્ભવે છે કે ૨૦૦૦ દાણા હોય તો  “ઢગલો હોવું” અને તેથી એક જ દાણો ઓછો થાય એટલે “ઢગલો ન હોવું” એવી વ્યાખ્યાઓના નિર્દેશની અસ્પષ્ટતા વિરોધાભાસ તરફ દોરી શકે છે.

    આમ થવાનું એક કારણ એ પણ છે કે જ્યારે કોઈ બાબત આપણી સમજણની બહાર  હોય ત્યારે આપણે તેને કોઇને કોઈ તર્ક વડે સમજી /સમજાવી લેવાના પ્રયાસમાં અવશપણે લાગી જઈએ છીએ.

    તાર્કિક સ્વભાવના વિરોધાભાસની વિશાળ વિવિધતાએ વ્યાવસાયિક તર્કશાસ્ત્રીઓને પણ, કેટલાક કિસ્સાઓમાં હજારો વર્ષોથી, પરેશાન કર્યા છે. પરંતુ હવે જેને “તાર્કિક વિરોધાભાસ” તરીકે ક્યારેક અલગ કરવામાં આવે છે તે વૈવિધ્ય ધરવતા લક્ષણોનો સંગ્રહ ઓછો છે: તે નિષ્કર્ષોની – વાસ્તવિક અથવા દેખીતી પરસ્પરની-વિસંગતિની – સ્વ-સંદર્ભની કલ્પના પર કેન્દ્રિત, સમુહ વધારે છે. એ પૈકી કેટલાક તો પરાપૂર્વથી જાણીતા છે, પરંતુ  મોટા ભાગના, ખાસ કરીને, છેલ્લી સદીના પ્રારંભિક દાયકાઓથી વધારે જાણીતા બન્યા છે. [2]

    તવંગર મહેમાનનો વિરોધાભાસ[3]

    એક ખૂબ જ ગરીબ અનોખું નાનું શહેર છે જ્યાં દરેક વ્યક્તિ પર કોઈનુંને કોઈનું ભારે દેવું છે પરંતુ ચૂકવણી કરવા માટે કોઈ પાસે પૈસા નથી.

    શહેરમાં એક એવી હોટેલ છે, જ્યાં હવે ભાગ્યે જ કોઈ ધંધો જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં તેને બંધ થવાની છે.

    એક દિવસ એક ખૂબ જ શ્રીમંત અમેરિકન મહેમાન આવે છે અને તે ત્યાં એક રાત પસાર કરવા માટે એક રૂમ માંગે છે. જો કે તે નક્કી કરે તે પહેલા તે હોટલની સગવડોની તપાસ કરવા માગે છે.
    એ માટે રિસેપ્શનિસ્ટ સિક્યોરિટી ડિપોઝિટ માગે છે જે અમેરિકન મહેમાનને રૂમ પસંદ ન હોય તો પરત મળી શકે છે. મહેમાન માની જાય છે.

    નસીબની વાત છે કે આટલી રકમ હોટેલે રસોઇયાને ત્રણ મહિનાના પગાર તરીકે ચૂકવવાની બાકી હતી જે તેઓ ચૂકવી શક્યા ન હતા. એટલે તેઓએ રસોઇયાને રોકડા ચુકવી આપ્યા.

    રસોઇયાએ જોયું કે આટલી રકમ જેટલી ચુકવણી તેણે મહિનાથી કરિયાણાની ખરીદી પેટે કરવાની હતી. એટલે, તેણે કરિયાણવળાની બાકી ચુકવી દીધી.

    કરિયાણાવાળાએ તેની પત્નીના સંધિવાની સારવાર માટે ડૉક્ટરને આટલી જ રકમ ચુકવવાની હતી, એટલે તેણે એ રકમ ડૉક્ટરને ચુકવી દીધી.

    ડૉક્ટરે નર્સને બે મહિનાની સેવા માટેના ચૂકવી શક્યો ન હતો. એટલે નર્સને તેની લેણી રકમ મળી ગઈ.

    આ નર્સ શહેરમાં નવી હતી તેથી તેને ભાડે રહેવા માટે ઘર મળે તે પહેલા તે થોડા દિવસો આ જ હોટેલમાં રહી હતી. તે પણ ગરીબ હતી અને તે સમયે હોટલને પૈસા ચૂકવી શકતી ન હતી. તેણે ડૉક્ટર પાસેથી મળેલા પૈસાથી બારોબાર હોટલનાં દેવાંની ચૂકવણી કરી દીધી.

    હવે હોટેલને મહેમાને એડવાંસ પેટે જે રકમ મળી હતી તે પાછી મળી ગઈ. એ દરમ્યાન, અતિથિએ હૉટેલનો પ્રવાસ પૂરો કર્યો. તેને હૉટેલ પસંદ નહોતી આવી. તે હોટેલમાંથી પોતાની સિક્યોરિટી ડિપોઝિટ પાછી લઈ અને ત્યાંથી નીકળી જાય છે, એ તો હવે ફરી ક્યારેય પાછો જોવા નહીં મળે.

    પણ પેલા પૈસાનું આ આખું એક જે ચક્ર ફર્યું, તેમાં હૉટેલથી માંડીને નર્સ સુધી બધાંએ પોતપોતાનું  દેવું ચુકવી દીધું, અને મહેમાનને તેની સિક્યુરીટી ડિપોઝીટ પણ પાછી મળી ગઈ. આમ અંતમાં કંઈ પણ બદલાયા વિના આખું ગામ દેવાંમુક્ત બની જવાનું મોટું પરિવર્તન થઈ ગયું.

    બસ આ જ તો તાર્કિક વિરોધાભાસ છે!

    શબ્દાર્થના વિરોધાભાસમાં, સંપૂર્ણ તાર્કિક શબ્દો ઉપરાંત, વિચાર, ભાષા અને પ્રતીકવાદ જેવી બાબતોનો સમાવેશ થાય છે, જે રામસેના મતે, (ઔપચારિક નહીં એવા) પ્રયોગમૂલક, અનુભવસિદ્ધ શબ્દો છે. આમ આ વિરોધાભાસો વિચાર અથવા ભાષા વિશેના ખામીયુક્ત શબ્દાર્થની સમજણને કારણે છે અને તેથી, સ્વાભાવિક રીતે તે જ્ઞાનશાસ્ત્ર સાથે સંબંધિત છે. શબ્દાર્થ વિરોધાભાસ ભાષા અને તેના સત્ય સાથેના સંબંધમાંથી ઉદ્ભવે છે. રામસે દલીલ કરે છે કે આ વિરોધાભાસ સ્વ-સંદર્ભની નિષ્ફળતાનું પરિણામ છે. બીજા શબ્દોમાં કહીએ તો, આવા વિરોધાભાસ વાક્યના શબ્દાર્થની સ્વ-સંદર્ભ થતી (ગેર)સમજણમાંથી ઉદ્ભવે છે.  એ રામસેના વર્ગીકરણ મુજબ જૂઠાણું કહેનારનો વિરોધાભાસ અને સત્ય-કહેનારનો વિરોધાભાસ આવા વિરોધાભાસનાં અર્થપૂર્ણ ઉદાહરણો છે.

    ન્યુકોમ્બનો વિરોધાભાસ:

    ઓમેગા નામનું સુપર ઇન્ટેલિજન્સ ક્મ્પ્યુટર તમને બે બોક્સ, A અને B, બતાવે છે અને તમને માત્ર બોક્સ A, અથવા બંને બોક્સ A અને B પસંદ કરવાનો વિકલ્પ આપે છે. ઓમેગાએ બોક્સ Bમાં $1,000 મૂક્યા છે. જો ઓમેગાને લાગે કે તમે માત્ર બોક્સ A જ લેશો, તો તે તેમાં $1,000,000 મૂકશે. અન્યથા તેણે તેને ખાલી છોડી દીધું છે.

    ઓમેગાએ આ રમત ઘણી વખત રમી છે, અને કોઈ વ્યક્તિ બંને બૉક્સ લેશે કે નહીં તે અંગેની તેમની આગાહીઓમાં ક્યારેય ખોટું પડ્યું નથી.

    તમારી પાસે બે પસંદગીઓ છે: A અથવા A+B.

    જો તમે માત્ર Box A લો છો, તો તમારી પાસે $1 મિલિયન હશે. પરંતુ,  ઓમેગાએ બોક્સ Bમાં પહેલેથી જ $1000 મૂક્યા છે, અને તે તમને ખબર પણ  છે. તે કિસ્સામાં, શું તમે મૂર્ખ નથી કે A+B ન પસંદ કરો વધારાના $1000 મેળવો?

    પણ, બીજી બાજુએ, જો તમે A+B પસંદ કરો છો, તો A માં કંઈ જ ન હોવાથી તમારી પાસે માત્ર $1000 હશે, અને જો માત્ર A પસંદ કરો તો, કદાચ, $1,000,000 પણ મળે.

    જો તમને લાગતું હોય કે તમારો જવાબ “સ્પષ્ટ” છે તો એ ભુલવું ન જોઈએ કે:

    લગભગ અડધી સદીથી ન્યુકોમ્બની સમસ્યા[4] ફિલસૂફીમાં સૌથી વિવાદાસ્પદ કોયડાઓમાંની એક રહી છે, જેનો ઓછાયો અર્થશાસ્ત્ર, રાજકારણ અને કોમ્પ્યુટર સાયન્સનો વગેરે પણ પડ્યો છે.

    Source: Newcomb’s problem divides philosophers. Which side are you on?

    ન્યુકોમ્બના વિરોધાભાસને લગતું ફિલોસૉફર રોબર્ટ નૉઝિકનું એક કથન એટલું જાણીતું થયું છે, જેને પરિણામે આ કોયડાને  પણ ખુબ પ્રસિદ્ધિ મળી છે –

    “લગભગ બધાંને, દીવા જેવું સ્પષ્ટ અને દેખીતું જણાય છે કે પસંદગી શું હોવી જોઈએ. તકલીફ એ છે કે આ કોયડાએ બધાંને સરખે ભાગે વહેંચી પાડ્યાં છે, અને બન્ને પક્ષ એમ માને છે કે સામેવાળાં સાવ મુર્ખાં છે.”

    Further Reading: Newcomb’s Problem and the tragedy of rationality

    વિરોધાભાસનાં વર્ગીકરણમાં જ જો આટલો બધો, અને તે પણ પાછો આટલો  રસપ્રદ, ગુંચવાડો ઊભો થતો હોય તો વિરોધાભાસના બીજા વધારે કોયડાઓની વાત કરીએ તો શું થાય ?

    ચાલો બીજા કોયડાઓના મધપુડામાં હાથ નાખીએ જ…….


    [1] The Foundations Of Mathematics And Other Logical EssaysFrank Plumpton Ramsey

    [2] Logical Paradoxes

    [3] Sagnik Bhattacharya

    [4] Newcomb’s Paradox – What Would You Choose?

     

  • શિક્ષણ પ્રદાન, સુધારણા અને પરિવર્તન: થોડીક સમાનતાઓ

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    મેં મારી કારકિર્દીની શરૂઆતમાં, વિવિધ વય જૂથોના વિદ્યાર્થીઓને Oracle અને PL/SQLને શીખવવાની એક શિક્ષક તરીકે ભૂમિકા પણ મેં ભજવી છે. એક શિક્ષક તરીકે શરૂઆતમાં જ મને એક વાત સમજાઈ ગઈ હતી કે આપણામાંના દરેકની – નવી વસ્તુઓને સમજવાની અને સ્વીકારવાની, ફેરફારોને સ્વીકારવાની અને આપણી પોતાની વિચારસરણી બદલવાની – શીખવાની ઝડપ અલગ અલગ હોય છે.

    શિક્ષક તરીકેની બીજી મહત્વની અનુભૂતિ એ હતી કે શિક્ષક ગમે તેટલો સારો હોય, વિદ્યાર્થીઓ ત્યારે જ શીખે છે જ્યારે તેઓ વાસ્તવમાં પાઠનો અભ્યાસ કરે છે અને જે શીખે છે તેનો વાસ્તવિક દુનિયામાં અમલ કરે છે.

    આ વાતને પ્રક્રિયા સુધારણા સાથે શું સંબંધ છે? બહુ ઘણા…

    મારા મતે, સંસ્થાકીય પરિવર્તનને અમલમાં મૂકવું એ શિક્ષણ જેવું જ છે, કારણ કે શિક્ષણની જેમ જ તે લોકો/ટીમ/સંસ્થાને વધુ સારી રીતે બદલી નાખે છે. તેમાં અન્ય લોકો પોતાના કાર્યને કેવી રીતે જુએ છે તે વિશેની  અસર ઊભી કરવાનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત, તેમાં પરિવર્તનનો અમલ કરવાનો પણ સમાવેશ થાય છે. તેમાં લોકો સાથે વિચારો અને અનુભવોનાં આદાનપ્રદાનના સંચાર અને દરેકને પરિવર્તનની પ્રક્રિયા સાથે જોડવાનો સમાવેશ થાય છે.

    સમગ્ર સંસ્થામાં દરેક વ્યક્તિ સમાન દરે ફેરફાર સ્વીકારે એવી અપેક્ષા કરવી એ આપણી એક મોટી ભૂલ બની રહે છે. અહીં પણ લોકો અલગ દરે શીખે છે અને પરિવર્તંન સાથે અનુકૂલન કરે છે. આ બન્ને બાબતોને  “પરાણે ગળે ઉતારવા” કરતાં પરિવર્તનને “સુગમ” બનાવવું વધારે મહત્વપૂર્ણ છે. શિક્ષણનો મારો પહેલો પાઠ અહીં પણ સાચો નીવડે છે.

    પરિવર્તનમાં ઘણી તાલીમનો અને પરામર્શનોનો સમાવેશ થાય છે, પરંતુ કોઈપણ નોંધપાત્ર પરિવર્તનની વાસ્તવિક સ્વીકૃતિ ત્યારે જ થાય છે જ્યારે લોકો જાતે ખરેખર નવી પ્રથાઓ લાગુ કરે અને પરિવર્તનના મૂર્ત લાભોનો અનુભવ કરે. આનો અર્થ એ પણ થાય છે કે જ્યારે લોકો તેમના રોજિંદા કામમાં પરિવર્તનનો અમલ કરે છે, ત્યારે જ પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં નાનાંમોટાં સંધાણો થશે એને નાના નાના  ફેરફારો દ્વારા પરિવરતનને વધારે સુગમ બનાવવાનો પ્રયાસો પણ થતા રહેશે. શિક્ષણ અંગેના મારા બીજા, બહુ થોડા સમયના અનુભવનો મારો બીજો પાઠ પણ અહીં કામ આવે છે.

    મેં એ પણ જોયું કે વિદ્યાર્થીઓ જ્યારે વાસ્તવિક જીવન સાથે વિષયની સુસંગતતા જુએ છે ત્યારે શીખવાની પ્રક્રિયા પરાકાષ્ટાએ પહોંચે છે. એવું જ સુધારણાઓ સાથે પણ છે, કારણ કે આખરે તો લોકોને સુધારણાના હેતુની પ્રતીતિ થાય ત્યારથી જ સુધારણા પ્રક્રિયાનો અમલમાં આવશે.

    અને છેલ્લે:

    શિક્ષણ પ્રદાન, પ્રક્રિયા સુધારણા અને પરિવર્તનની પહેલ, એ બધામાં લોકોનું સામેલ થવું સ્વાભાવિક અને જરૂરી છે. લોકો કેવી રીતે શીખે છે, બદલાય છે અને અનુકૂલન કરે છે તે જાણવાથી મહત્વપૂર્ણ સંસ્થાકીય ફેરફારો/સુધારણાઓને અમલમાં મૂકવામાં બહુ મદદ મળી રહે છે.


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • પંખીમેળો વીખરાવાની વેળા

    નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ

    આશા વીરેન્દ્ર

    ભીમતાલ જોઈને નીકળ્યા પછી સાંજે છ સાડા છ સુધી કાઠગોદામ પહોંચી ગયાં. ત્યાં અમને એક ઉડીપી રેસ્ટોરંટમાં, આટલા દિવસો પછી, ઈડલી-વડા, ઢોસા, સંભાર્ચટની વગેરે ઝાપટવા મળ્યું એટલે સૌ પ્રસન્ન થઈ ગયાં.

    ભાવતાં ભોજન કરીને ભલે ખુશ થયાં પણ છૂટા પડવાની વેળા નજદીક આવતી હતી એ વિચારથી કંઇક વિષાદની લાગણી પણ વારંવાર મનનો કબજો લઇ લેતી હતી. બધાં એકી અવાજે કહેતાં હતાં કે આ પ્રવાસમાં સમય એટલો ઝડપથી પસાર થઈ ગયો કે, ઘર કે ઘરનાં લોકોને યાદ કરવાની પણ ફુરસદ ન મળી.  હવે તો કાઠગોદામથી દિલ્હી અને પછી દિલ્હી પહોંચ્યા પછી આ પંખીમેળામાંથી પંખીઓ જુદા જુદાં સ્થળે ઉડી જવાનાં હતાં. પણ હજુ અમારી પાસે થોડાક કલાકો હતાં. એનો પૂરેપુરો ઉપયોગ કરીને ખૂબ મોજમસ્તી, ધમાલ, હસાહસ કરી. અલબત્ત આજુબાજુના પ્રવાસીઓને ત્રાસ તો પહોંચ્યો હશે પણ એ લોકો કોઈએ ફરિયાદનો સૂર ન ઉઠાવ્યો એટલે અમને મોકળું મેદાન મળી ગયું.

    ફરી ફરીને વિચાર એ આવતો હતો કે અમારાં સહયાત્રીઓમાંથી કેટલાંક તો જિંદગીમાં એકમેકને પહેલી જ વાર મળ્યાં હતાં. હજી પંદર દિવસ પહેલાં તો એકબીજાંથી અજાણ્યાં હતાં. માત્ર પંદર  (ખરેખર તો ગણવા જઈએ તો તેર જ) દિવસમાં એવાં કેવાં એક અદૃશ્ય તંતુથી જોડાઈ ગયાં કે જાણે ચીરપરિચિત હોઇએ? મારાં એક મિત્રનું અવલોકન મને સાચું લાગે છે કે જ્યારે આપણે પૂરેપુરી સુખસગવડો, સુવિધાઓ સાથે પ્રવાસ કરતાં હોઈએ છીએ ત્યારે અન્યોન્ય સાથે એ રીતે નથી જોડાઈ શકતાં જેટલાં થોડી તકલીફો, થોડી અગવડો, થોડી અસુવિધાઓ વચ્ચે જોડાઈએ છીએ.

    આ સફરની જ વાત લઇએ. અમારામાંનાં ઘણાંને સવારના પહોરમાં ઊઠતાંવેંત ચાની તલપ લાગવા માંડે. બધે ઠેકાણે તો બેડ ટી (મોર્નિંગ ટી) ઉપલબ્ધ ન પણ હોય. આવા વખતે મુંબઈથી આવેલાં ચંદ્રિકાબહેન અને રમેશભાઈ સાથે ગરમ પાણીની કીટલી લાવેલાં એ એવી તો આકર્ષણનું કેંદ્ર બની ગયેલી કે એ જેના રૂમમાં હોય ત્યં બધાં ટોળે વળે. રાતના સમયે જો બ્રેડબટર અને સૂપનાં રેડી પૅકેટથી ભોજન પતાવવાનું હોય તો એ કીટલીમાં થયેલ ગરમ પાણીમાં સૂપ બનતો જાય અને પીરસાતો જાય. સૂપની ચુસકીઓ અને બ્રેડબટરનાં બટકાંઓની સાથે અલકમલકની વાતો કરતાં કરતાં ભોજનને ન્યાય મળતો જાય. ફાઇવસ્ટાર હૉટેલના ડનલોપનાં ગાદલાંઓમાં નીંદર ખુલતાં જ ચા મળી જવાની સુવિધા મળતી હોત તો આ હસી-મજાકની છોળો ક્યાંથી ઊડી હોત !

    આ પરિસ્થિતિમાં ‘ધ બર્નિંગ ટ્રેન’ ફિલ્મનું ગીત

    પલ દો પલ કા સાથ હમારા, પલ દો પલ કી યારી હૈ

    ઇસ મંઝિલ પર મિલનેવાલે, ઉસ મંઝિલ ઓઅર ખો જાયેંગે

    યાદ આવતું હતું. બરાબર આ પંક્તિઓ પ્રમાણે જ દિલ્હીથી કોઈ અમદાવાદ જવાનું હતું તો કોઈ ફરીદાબાદ જવાનું હતું – પણ સૌ કોઈ જિંદગીભરનું સંભારણું અને ફરીથી આ રીતે મળવાની આશાનું ભાથું લઈને છૂટાં પડવાનાં હતાં એ વાતની પ્રસન્નતાથી બધાંની દિલ આબાદ હતાં.


    સમાપ્ત


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.