વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ઉદ્દીપક વિના પ્રોત્સાહનની પ્રક્રિયા થાય?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    વિક્રમ સારાભાઈ, જયંત નાર્લીકર, રાજા રામન્ના, હોમી સેઠના, માધવ ગાડગીલ, સી.એન.આર.રાવ, આર.એ.માશેલકર, અશોક ઝુનઝુનવાલા જેવાં નામોમાં શી સમાનતા છે? આ સૌ આપણા દેશના અગ્ર હરોળના વિજ્ઞાનીઓ છે એ ખરું, પણ એ ઉપરાંત તેઓ ‘શાંતિસ્વરૂપ ભટનાગર પારિતોષિક’ પ્રાપ્ત વિજ્ઞાનીઓ છે. ‘રીસર્ચ લેબોરેટરીના પિતામહ’ તરીકે આદરણીય ગણાતા શાંતિસ્વરૂપ ભટનાગર વૈજ્ઞાનિક સંશોધનને વરેલી સંસ્થા ‘કાઉન્‍સિલ ફોર સાયન્‍ટિફિક એન્‍ડ ઈન્ડસ્ટ્રીઅલ રિસર્ચ’ (સી.એસ.આઈ.આર.)ના સ્થાપક નિયામક હતા. તેમનું અવસાન ૧૯૫૫માં થયું. એ પછી તેમની સ્મૃતિમાં તેમના નામે પારિતોષિકનો આરંભ ૧૯૫૮થી કરવામાં આવ્યો, જે છેક ૨૦૨૧ સુધી, સી.એસ.આઈ.આર.ના સ્થાપના દિન 26 સપ્ટેમ્બરના રોજ, નોંધપાત્ર પ્રદાન કરનાર ૪૫ વર્ષથી નાની વયના વિજ્ઞાનીને એનાયત કરવામાં આવતો હતો. પાંચ લાખ રૂપિયાની રકમનો આ પુરસ્કાર વિજ્ઞાનીઓમાં અતિ પ્રતિષ્ઠિત મનાતો આવ્યો છે, જેના માટે સંબંધિત વિવિધ લોકો પાસેથી સૂચન અને ભલામણ આવકારવામાં આવે છે. છ દાયકા કરતાં વધુ સમયથી ચાલી આવતો આ ક્રમ છેક ૨૦૨૨માં તૂટ્યો. એ વરસે પારિતોષિક પ્રાપ્તકર્તાઓનાં નામ નક્કી થઈ ગયાં હતાં, પણ તેની ઘોષણા કરવામાં આવી નહીં. આ વરસે, એટલે કે ૨૦૨૩માં હજી આ અંગેની કોઈ હિલચાલ જણાતી નથી. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી જિતેન્‍દ્ર સિંઘના જણાવ્યા અનુસાર સરકારે સુવ્યવસ્થીકરણ (રેશનલાઈઝેશન)ના ભાગરૂપે આ પુરસ્કારને હાલ અટકાવવાનો નિર્ણય લીધો છે. વિજ્ઞાન ક્ષેત્રના પુરસ્કારના નવા માળખા અંગે કામ ચાલી રહ્યું હોવાના અહેવાલ છે. ‘બહુ ઝડપથી’ તેની ઘોષણા કરવામાં આવશે.

    આ અગાઉ, સપ્ટેમ્બર, ૨૦૨૨માં યોજાયેલી એક મીટિંગમાં ગૃહસચિવ અજય ભલ્લાએ કરેલી ઘોષણા અનુસાર વિજ્ઞાનીઓ તેમજ તબીબી ક્ષેત્રના સંશોધકોને અપાતા પુરસ્કારમાં ઘટાડો કરી દેવાનું અને તે કેવળ ‘ખરેખર લાયક’ ઉમેદવારો પૂરતા જ મર્યાદિત રાખવાનું નક્કી કરવામાં આવ્યું. ડિપાર્ટમેન્‍ટ ઑફ સાયન્‍સ એન્‍ડ ટૅક્નોલોજી, ડિપાર્ટમેન્‍ટ ઑફ બાયોટૅક્નોલોજી, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, કાઉન્‍સિલ ઑફ સાયન્‍ટિફીક એન્ડ ઈન્‍ડસ્ટ્રીઅલ રિસર્ચ, ડિપાર્ટમેન્ટ ઑફ એટમિક એનર્જી, ડિપાર્ટમેન્‍ટ ઑફ હેલ્થ રિસર્ચ તેમજ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય જેવા વિજ્ઞાન સાથે સંકળાયેલા દેશભરના વિવિધ વિભાગોના સેક્રેટરીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ આ મિટીંગમાં હતી. આ વિવિધ વિભાગો દ્વારા નાનામોટા વિવિધ પુરસ્કાર એનાયત કરીને વિજ્ઞાનીઓની સિદ્ધિને પોંખવામાં આવતી હતી. એ યાદ રાખવું જરૂરી છે કે પુરસ્કાર અને ઈનામમાં પાયાનો ભેદ છે. કોઈ સ્પર્ધા જીતવા બદલ જે અપાય એ ઈનામ, પણ કોઈ વ્યક્તિના પ્રદાનને પુરસ્કૃત કરવા બદલ જે એનાયત કરવામાં આવે એ પુરસ્કાર. વિજ્ઞાનીઓની કારકિર્દીમાં અમુક તબક્કે પુરસ્કાર પ્રોત્સાહનનું કામ કરે છે, કેમ કે, તે તેમના સમગ્ર પ્રદાનને લક્ષમાં રાખીને આપવામાં આવે છે. તેની રકમ નાની હોય કે મોટી એ મહત્ત્વનું નથી, પણ પ્રદાનની નોંધ લેવાય એ બાબત વધુ મહત્ત્વની છે. કોઈ મોટો અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પામતા મોટા ભાગના વિજ્ઞાનીઓ પોતાની કારકિર્દીમાં અગાઉ નાનાં સન્માનોથી સન્માનિત થઈ ચૂક્યા હોય છે.

    વિજ્ઞાન ક્ષેત્રના ભાવિ અગ્રણીઓની ઓળખ કરાવવામાં આ પુરસ્કાર અતિ મહત્ત્વનું પગથિયું બની રહ્યો છે. ભટનાગર પારિતોષિકથી પુરસ્કૃત પાંચસોથી વધુ વિજ્ઞાનીઓ પૈકી ૧૬ને આગળ જતાં પદ્મવિભૂષણ, ૪૯ને પદ્મભૂષણ અને અને ૬૯ને પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયા. આ સરકાર દ્વારા અપાતું નાગરિકસન્માન છે. આવા સાત વિજ્ઞાનીઓને આ ત્રણે સન્માન પ્રાપ્ત થયાં. ભટનાગર પુરસ્કારથી પુરસ્કૃત પચીસેક વિજ્ઞાનીઓ અત્યંત પ્રતિષ્ઠિત એવી રોયલ સોસાયટીના ફેલો બન્યા છે, પંદર વિજ્ઞાનીઓ અમેરિકાની નેશનલ એકેડેમી ઑફ સાયન્‍સીસના ફોરેન એસોસિયેટ છે, અને ૧૪૩ વિજ્ઞાનીઓ ધ વર્લ્ડ એકેડેમી ઑફ સાયન્‍સીસના ફેલો છે. આમ, એક સન્માનીય પુરસ્કાર લાયક વ્યક્તિને યોગ્ય સમયે મળે તો તે કારકિર્દીમાં ઉદ્દીપક સમો બની રહે છે.

    આઈ.આઈ.ટી.ના એક વિજ્ઞાનીએ એક અખબારને જણાવ્યું કે વિજ્ઞાનીઓના સમુદાયમાં એવી વ્યાપક ભાવના પ્રવર્તી રહી છે કે સરકારને વિજ્ઞાનીઓ પર પૂરતો વિશ્વાસ નથી. ભટનાગર પુરસ્કારને બે વર્ષથી કશા કારણ વિના અટકાવી રાખીને સરકારે દર્શાવી દીધું છે કે આ સમુદાય પ્રત્યે સરકારનું વલણ કેવું છે. અન્ય એક વિજ્ઞાનીએ જણાવ્યું છે કે આપણા યુવાન વિજ્ઞાનીઓને પ્રોત્સાહિત કરવા માટેનો આ ઉત્તમ પુરસ્કાર છે. આ વિજ્ઞાનીઓએ ઉજ્જ્વળ કારકિર્દી માટે વિદેશમાં સ્થાયી થવાનું આકર્ષણ છોડીને દેશની પ્રગતિમાં પોતાનું પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. સખત મહેનત અને તીવ્ર બુદ્ધિમતાથી તેઓ આગળ આવ્યા છે.

    અગાઉ ૨૦૨૨માં ગૃહસચિવ અજય ભલ્લાએ ઘોષિત કરેલું કે કેન્‍દ્ર દ્વારા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સાથે મસલત કરીને ‘નોબેલ પુરસ્કાર જેવો’, ખાસ વિજ્ઞાન માટેનો ‘વિજ્ઞાનરત્ન’ પુરસ્કાર શરૂ કરવામાં આવશે, જેનું મહત્ત્વ ‘ભારતરત્ન’ જેવું હોઈ શકે. અજય ભલ્લાએ ત્યારે જણાવ્યા મુજબ વિજ્ઞાન ક્ષેત્રના વિવિધ પુરસ્કારો બંધ કરીને આવો એક મોટો પુરસ્કાર શરૂ કરવાનું વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનું, સન્માનની પ્રણાલિને પરિવર્તિત કરવાનું દર્શન જણાવ્યું હતું, જેમાં ‘ખરેખર લાયક ઉમેદવારો’ની પસંદગીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરાશે એમ જણાવવામાં આવ્યું હતું.

    અત્યારે તો એમ જણાય છે કે ‘એક રાષ્ટ્ર, એક પુરસ્કાર’ પ્રકારનું કશુંક નવું ગતકડું વહેતું મૂકવામાં આવે એની તૈયારીઓ થઈ રહી છે, જેમાં સૂત્રાત્મકતા, લોકરંજકતા અને વ્યર્થતા વધુ, પણ નક્કરતા નહીંવત્‍ હોય. એમ લાગે છે કે ઇતિહાસ પછી હવે વર્તમાન સરકાર વિજ્ઞાનનો વારો કાઢવામાં છે. અંધશ્રદ્ધા, દ્વેષ અને જૂઠાણાંનો પ્રસાર વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી કરવામાં આવી રહ્યો હોય એવા અભિગમને પણ નાગરિકોનો મોટો હિસ્સો ‘વૈજ્ઞાનિક અભિગમ’ ગણાવવા તત્પર હોય ત્યારે કયું ક્ષેત્ર પોતાની અસલિયત ગુમાવવામાં બાકી રહેશે એ સવાલ છે!


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૪ – ૦૮ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • જેમિનિ શંકરનની વિદાય: દુનિયા યે સર્કસ હૈ

    બીરેન કોઠારી

    વર્તમાન યુગમાં અનેકવિધ કારણોસર બાળકોમાં વિસ્મયનો લોપ થઈ રહ્યો છે. પણ પંદર- વીસ વર્ષ પહેલાં સુધી ખાસ કરીને બે બાબતો બાળકોને સદાય આકર્ષતી. સર્કસ અને જાદુનો ખેલ. સિનેમા ખરું, પણ તેમાં આ બન્નેની સરખામણીએ આકર્ષણ ઓછું, કેમ કે, આમાં તમામ બાબતો નજરની સામે જ ભજવાતી જોવા મળે. આંખોને આંજી નાખે એવી ઝાકઝમાળ અને મોં પહોળું થઈ જાય એવું કૌતુક જીવંત રીતે દેખાય. ગામમાં કે શહેરમાં સર્કસ આવે એટલે પહેલાં તો છાપામાં એની જાહેરખબરો જોઈને મનમાં માહોલ બંધાવા લાગે. ફરતી રીક્ષામાં થતી સમજાય નહીં એવી હિન્દીમાં થતી જાહેરાતો, રીક્ષામાંથી ફેંકાતા સાવ રદ્દી, પાતળા, મોટે ભાગે પીળા રંગનાં ચોપાનિયાં, એમાં કાળા ધાબા જેવા છપાયેલાં એકાદ બે ચિત્રો, જેમાં એકાદું ચિત્ર હાથીનું હોય એવો ખ્યાલ આવે અને એકાદમાં કોઈક છોકરીને અંગકસરતના દાવની મુદ્રામાં દેખાડી હોય. સર્કસનો મુકામ ગામમાં લાંબા સમય માટે હોય. એટલે મનમાં ધીમે ધીમે એ જોવાની તૈયારી થતી રહે.

    સર્કસ જોવાની ખરી મઝા રાતના છેલ્લા શોમાં. સાંજના શોમાંય ચાલે. પણ રાત્રે એનો ઠાઠ જુદો જ હોય. ચકાચૌંધ કરી દેતી રોશની, ભડક રંગ વડે દોરાયેલાં ચિત્રોવાળાં પાટિયાં, જેમાં બે મોટા દાંત દેખાડતો  હીપ્પોપોટેમસ, એકાદ બે જોકરના ચહેરા, મોટરસાયકલ અને જીપના સ્ટંટનાં દૃશ્ય વગેરે જોવા મળે. પહેલાં સાયકલ ચલાવતા રીંછનું કે વાઘનું ચિત્ર ખાસ જોવા મળતું. આ બધાંની સાથે સાથે ડીઝલથી ચાલતા જનરેટરનો તાલબદ્ધ અવાજ ભળી ગયો હોય, અને સાઉન્ડ સીસ્ટમ પર ન સમજાય એવાં હિંદી ગીતો વાગી રહ્યાં હોય.

    એક તરફ પતરાં મારીને બનાવેલી કેબીનમાં પાંજરા જેવી જાળીની પાછળ લાલ, પીળા, લીલા વગેરે જેવા રંગોની ટિકીટોની થપ્પી લઈને બેઠેલો દક્ષિણ ભારતીય ચહેરાવાળો માણસ અને ટિકીટબારી પર લખેલા વિચિત્ર ગુજરાતી અક્ષરોમાં ટિકીટના દર જોવા મળે. ટિકીટ લઈને લોખંડના ઉભા કરેલા પ્રવેશદ્વારમાંથી અંદર દાખલ થઈએ એટલે લાંબો પેસેજ હોય, જેમાં પ્રવેશતાં જ ઘાસ, પ્રાણીઓની લાદ વગેરેની મિશ્ર સુગંધ નાકમાં પ્રવેશી જાય. આ પેસેજની બન્ને બાજુએ બે-ચાર હાથી, ત્રણ-ચાર ઘોડા અને ઊંટ બાંધેલા હોય અને એ ઘાસ ખાતા હોય. એની પાછળ અસંખ્ય નાના નાના તંબૂઓ બાંધેલા જોવા મળે. સર્કસના માહોલમાં રીતસર પ્રવેશી ગયા હોઈએ એવું લાગે.

    સર્કસની આવી સૃષ્ટિના એક સર્જક જેમિનિ શંકરન ૨૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ, ૯૮ વર્ષની જૈફ વયે અવસાન પામ્યા. અત્યારે પચાસની પાર પહોંચેલા મોટા ભાગના લોકો પોતાના બાળપણમાં શંકરનની આ સૃષ્ટિથી પૂરેપૂરા, પણ પોતાની જાણબહાર પરિચિત હશે. કેમ કે, બાળપણમાં જોવાયેલાં સર્કસમાંના મોટા ભાગના શંકરનનાં હોય એવી પૂરેપૂરી શક્યતા. સર્કસ શંકરનનું જીવન અને કવન બની રહ્યું હતું. યુવાવસ્થાથી તેમને સર્કસનો જે ચસકો લાગ્યો એ આજીવન રહ્યો.

    કેરળના કોલાશેરીમાં 13 જૂન, 1924ના રોજ જન્મેલા શંકરન સાત ભાઈબહેનોમાં પાંચમા ક્રમે હતા.  સાતમું ધોરણ પસાર કર્યા પછી પોતાના પિતાજી સમક્ષ એક્રોબેટિક્સ શીખવાની ઈચ્છા વ્યક્ત કરી. પરિવારના પ્રોત્સાહન થકી તેમણે કીલેરી કુન્નીકન્નન પાસે ત્રણ વર્ષ સુધી સર્કસનો અભ્યાસ કર્યો. એક શાળામાં વ્યાયામના પ્રશિક્ષક રહી ચૂકેલા કુન્નીકન્નન કેરળમાં સર્કસના આદ્યસ્થાપક મનાય છે. કેરળનું સૌ પ્રથમ સર્કસ શરૂ કરનાર તેમનો જ એક વિદ્યાર્થી હતો. કુન્નીકન્નન સર્કસની સ્કૂલ ચલાવતા. આ દરમિયાન તેમણે કરિયાણાની દુકાન ચલાવવાનો પણ નિષ્ફળ પ્રયત્ન કરી જોયો. એ પછી તેઓ સૈન્યમાં જોડાયા અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કલકત્તામાં વાયરલેસ ઓપરેટર તરીકે કામ કર્યું. ચાર વર્ષ સૈન્યમાં કાર્યરત થયા પછી 1946માં તેઓ પાછા વતન આવી ગયા. સર્કસ પ્રત્યેનો તેમનો અનુરાગ ઓસર્યો નહોતો, બલ્કે પ્રબળ બન્યો હતો. હવે તેમણે કુન્નીકન્નનના શિષ્ય એમ.કે.રમણ પાસે તાલિમ લેવાનો આરંભ કર્યો.

    બે વર્ષની સઘન તાલિમ પછી શંકરન હોરિઝોન્ટલ બાર તેમજ ઝૂલાના ખેલના નિષ્ણાત બન્યા. તેમણે ફરી એક વાર કલકત્તાની વાટ પકડી, કેમ કે, એ સમયે કલકત્તા સર્કસનું કેન્‍દ્ર સમું હતું. શંકરનને ‘બૉસ લાયન સર્કસ’માં ‘ટ્રેપીઝ આર્ટિસ્ટ’ (ઝૂલાના ખેલના ખેલાડી) કામ મળી ગયું. તેમની ખ્યાતિ ઝડપથી પ્રસરવા લાગી અને માગ વધવા માંડી. તેઓ પહેલાં ‘નેશનલ સર્કસ’ અને પછી ‘રેમન સર્કસ’માં જોડાયા.

    એ અરસામાં મહારાષ્ટ્રની ‘વિજય સર્કસ કંપની’ બંધ થવાને આરે હોવાના સમાચાર શંકરનને મળ્યા. તેમણે આ તક ઝડપી લીધી અને છ હજાર રૂપિયામાં એક ભાગીદાર સહદેવન સાથે તેને ખરીદી લીધી. વર્ષ હતું 1951નું. ત્રણ હજાર રોકડા ચૂકવ્યા અને બાકીના હપતે. પોતાની રાશિ ‘જેમિનિ’ (મિથુન) પરથી તેમણે આ કંપનીનું નામકરણ કર્યું ‘જેમિનિ સર્કસ’. કંપની ખાસ મોટી ન હતી. થોડાં પ્રાણીઓ હતાં, જેમાં બે સિંહનો સમાવેશ થતો હતો. દેશના ચોથા સ્વાતંત્ર્ય દિન 15 ઑગષ્ટ, 1951થી ‘જેમિનિ સર્કસ’ બીલીમોરા ખાતે કાર્યરત થયું. તેને કારણે શંકરન ‘જેમિનિ’ના પર્યાય બની રહેવાના હતા અને તેમની ઓળખ ‘જેમિનિ શંકરન’ તરીકે આજીવન બની રહેવાની હતી.

    એ સમયે સમગ્ર દેશમાં ગણતરીનાં પ્રાણી સંગ્રહાલય હતાં. વિવિધ જંગલી પશુઓ જોવાનું કૌતુક સૌને રહેતું. અલબત્ત, ઘણાં રાજવી પરિવારોનું અંગત પ્રાણીસંગ્રહાલય રહેતું. દેશના સ્વાતંત્ર્યને પગલે રજવાડાં નાબૂદ થયાં. ઘણા રાજવી પરિવારોને આર્થિક ભીંસનો સામનો કરવાનો આવ્યો. એમાંના ઘણાએ પોતાની પાસેનાં વન્ય પશુઓ સર્કસ કંપનીઓને વેચ્યાં. આમ, આ સંજોગોમાં સર્કસમાં વન્ય પશુઓનું આકર્ષણ મુખ્ય બની રહ્યું. માત્ર પ્રાણી સંગ્રહાલયમાં કે પુસ્તકમાં જોવાં મળે એવાં પ્રાણીઓ સર્કસમાં જોવા મળતાં. સર્કસમાં ખેલ કરતાં પ્રાણીઓ પર અત્યાચાર થતો હોવાની સભાનતા હજી પ્રગટવાને વાર હતી. જેમિનિ શંકરન પોતાના સર્કસમાં અનેક આકર્ષણો ઉમેરતા ગયા. તેમણે ઉરાંગઉટાંગ અને ઝેબ્રા જેવાં વિદેશી પ્રાણીઓને આયાત કર્યા.

    અનેકવિધ પ્રાણીઓની સાથોસાથ અનેક કલાકારો અને તેમનાં અચંબો પમાડતાં કરતબ ‘જેમિનિ સર્કસ’નું આકર્ષણ બની રહ્યાં. દેશના વિભિન્ન પ્રદેશોમાં તેના શો યોજાવા લાગ્યા. વિદેશમાં પણ ‘જેમિનિ સર્કસ’ લોકપ્રિય બનતું ગયું. જેમિનિ શંકરને ઘણી વાર ચાર્ટર્ડ પ્લેનમાં એક દેશથી બીજા દેશ જવાનું થતું. સર્કસના જંગી રસાલાના સ્થળાંતર માટે સ્પેશ્યલ ટ્રેન કરવી પડતી. સામાન્યમાં સામાન્ય માણસથી લઈને ઉચ્ચ સામાજિક મોભો ધરાવતા લોકો માટે સર્કસનું આકર્ષણ સમાન હતું. જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્‍દિરા ગાંધી, મોરારજી દેસાઈ જેવા જે તે સમયના વડાપ્રધાનો, ડૉ. એસ. રાધાકૃષ્ણન, ઝાકીર હુસેન જેવા રાષ્ટ્રપતિઓ, વી.કે.કૃષ્ણમેનન જેવા નેતાઓ પણ સર્કસ જોવા આવતા. તો વિદેશમાં માઉન્‍ટબેટન પરિવાર, માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર) જેવા મહાનુભાવો સર્કસ જોવા આવતા. (2011માં આ લખનાર ‘જમ્બો સર્કસ’ જોવા ગયો ત્યારે તેના પેસેજમાં જવાહરલાલ નહેરુ, ડૉ. રાધાકૃષ્ણન, ઈન્‍દિરા ગાંધી સાથે એ સર્કસમાલિકની તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યારે જાણ નહોતી કે એ સર્કસમાલિક બીજું કોઈ નહીં, પણ જેમિનિ શંકરન હતા.)

    સોવિયેત સંઘના મોસ્કોમાં યોજાતા આંતરરાષ્ટ્રીય સર્કસ મહોત્સવ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું માન ‘જેમિનિ સર્કસ’ને પ્રાપ્ત થયું હતું. 1963માં મોસ્કો જતાં અગાઉ, તત્કાલીન વડાપ્રધાન નહેરુએ તીન મૂર્તિ ભવન ખાતે સર્કસની સમગ્ર ટીમનું સ્વાગત કર્યું હતું. મોસ્કો, સોચી અને યાલ્ટા (હવે યુક્રેનમાં) જેવાં શહેરોમાં ‘જેમિનિ સર્કસ’ના શો યોજાયા હતા.

    આગળ જતાં રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’ (૧૯૭૦), કમલ હસનની ફિલ્મ ‘અપૂર્વ સહોદરર્ગલ (૧૯૮૯, હિન્‍દીમાં ‘અપ્પુ રાજા) જેવી સર્કસના કથાનકવાળી ફિલ્મોમાં ‘જેમિનિ સર્કસ’ પડદે પણ દેખાયું.

    ‘જેમિનિ સર્કસ’ એક હરતાફરતા પ્રાણી સંગ્રહાલય જેવું બની રહેલું. વીસ હાથીઓ, ચાલીસ સિંહ, પંદર વાઘ, ત્રીસ ઘોડા, છ ઊંટ, ત્રણ રીંછ અને બે જળવ્યાઘ્ર (સી લાયન) ધરાવતું તે ભારતનું સૌથી મોટું સર્કસ હતું. વિદેશી કલાકારોનું આકર્ષણ પણ તેમાં ઉમેરાતું ગયું.

    સતત આગેકૂચ કરી રહેલા ‘જેમિનિ સર્કસ’ પછી શંકરને વધુ એક સર્કસ શરૂ કરવાનું નક્કી કર્યું. પટણામાં, ૧૯૭૭માં તેમણે ‘જમ્બો સર્કસ’નો આરંભ કર્યો. આ બન્ને સર્કસ વધુ ને વધુ લોકપ્રિય બનતાં રહ્યાં. એક સમયે ‘જેમિનિ સર્કસ’માં છસો અને ‘જમ્બો સર્કસ’માં ચારસો જેટલા કલાકારો કામ કરતા હતા. એંસીના દાયકામાં રંગીન ટેલીવિઝન ને વિડીયો કેસેટ પ્લેયરનું આગમન થતાં સિનેમાગૃહોના અસ્તિત્વ પર ખતરો તોળાતો હોવાનું લાગ્યું, પણ સર્કસની લોકપ્રિયતા અડીખમ રહી. સામાન્ય માણસ માટે સાવ હાથવગા મનોરંજનનું, ચમકદમક ભરી અજાયબ સૃષ્ટિની ઝાંખી કરાવતું માધ્યમ તે બની રહ્યું.

    ત્રણેક વખત ‘જેમિનિ સર્કસ’માં અકસ્માત થયા, જેમાં આગના બનાવ મુખ્ય હતા. અલબત્ત, જેમિનિ શંકરને તેનાથી હાર્યા વિના હિંમતભેર સર્કસના શો ચાલુ રાખેલા. વચગાળામાં સર્કસમાં અન્ય ભાગીદારો ઉમેરાતા, પણ આખરે બન્ને સર્કસ જેમિનિ શંકરનની માલિકીનાં જ રહ્યાં.

    વીસમી સદીના અંતિમ કાળમાં સમગ્ર વિશ્વનો તખતો પલટાઈ રહ્યો હતો. પર્યાવરણલક્ષી બાબતો અંગે જાગૃતિ આવવાનો આરંભ થઈ ગયો હતો. પશુઓ પર ક્રૂરતાના નિવારણ અંગેના કાયદા ઘડાઈ રહ્યા હતા અને તેનું પાલન ચુસ્તપણે થવા લાગ્યો હતો. ૧૯૯૮માં ભારત સરકારે સર્કસમાં વન્ય પશુઓના ઉપયોગ પર પૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો. આને કારણે કેવળ ‘જેમિનિ’ કે ‘જમ્બો’ સર્કસને જ નહીં, સમગ્ર સર્કસ ઉદ્યોગને આકરો ફટકો વાગ્યો. એક તરફ સર્કસમાંનાં પ્રાણીઓને પાછાં વનમાં છોડાય એમ નહોતું, અને બીજી તરફ સર્કસમાં તેમનો ઉપયોગ પ્રતિબંધીત બન્યો. આથી, સર્કસમાલિકોના ભાગે કેવળ એ પ્રાણીઓને સાચવવાના જ રહ્યા. આને પગલે આર્થિક ભારણ વધતું ચાલ્યું. અનેક નાનાં સર્કસ ધીમે ધીમે બંધ થવા લાગ્યાં. અલબત્ત, હાથીઓના ઉપયોગને શરતી મંજૂરી અપાઈ હતી.

    શંકરનની હયાતિમાં જ તેમનાં બન્ને સર્કસનો હવાલો તેમના પુત્રો અજય શંકર અને અશોક શંકરે સંભાળી લીધો હતો. અલબત્ત, શંકરનની સક્રિયતા ઘટી નહોતી. 2013માં ભારત સરકાર દ્વારા સર્કસમાં હાથીઓના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકાયો. દરમિયાન ઈન્‍ટરનેટ સર્વવ્યાપી બની ચૂક્યું હતું. એકવીસમી સદીની નવી પેઢીમાં વિસ્મય અને કુતૂહલનો અભાવ સામાન્ય બાબત જણાઈ રહી હતી. આમ છતાં, ‘જેમિનિ સર્કસ’ અને ‘જમ્બો સર્કસ’ ચાલુ રહ્યાં હતાં. તેમને મરણતોલ ફટકો કોવિડના સમયગાળા દરમિયાન પડ્યો. મોટા ભાગના કલાકારો પોતાના વતનમાં ચાલ્યા ગયા. જે બચેલા તેમનું વેતન અને નિભાવખર્ચ રોજના પચાસેક હજારનો હતો. સર્કસનાં સાધનો કટાવા માંડ્યા હતા. મહાવરાના અભાવે કલાકારોની ચપળતા ઘટી રહી હતી. આમ છતાં, શંકરને આશા ગુમાવી નહોતી. સરકાર એક-દોઢ કરોડની વ્યાજમુક્ત લોન આપે તો બધું પાછું પાટે ચડી જાય એવી તેમની ગણતરી હતી.

    છેક સુધી સ્વસ્થ રહેલા જેમિનિ શંકરનને છેલ્લે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૯૮ વર્ષની પાકટ વયે તેમણે શ્વાસ મૂક્યો એ સમયે ‘જેમિનિ સર્કસ’નો શો કેરળના કાન્‍હનગડમાં ચાલી રહ્યો હતો, જ્યારે ‘જમ્બો સર્કસ’ બંગલૂરુમાં ભજવાઈ રહ્યું હતું.

    મલયાલમમાં તેમની આત્મકથા(જીવનકથા)નું પ્રકાશન થયેલું છે. તે અંગ્રેજી કે હિન્‍દીમાં અનુવાદિત થાય તો અનેક રોમાંચક વિગતો અન્ય ભાષાના રસિકો સુધી પહોંચી શકે. અત્યારે પચાસ વટાવી ચૂકેલી પેઢીની અનેક સ્મૃતિઓ સર્કસ સાથે સંકળાયેલી હશે. એ સ્મૃતિઓનું સર્જન કરવામાં મહત્ત્વનું પ્રદાન કરનાર જેમિનિ શંકરનના અવસાન સાથે ભારતીય સર્કસઉદ્યોગના એક દીર્ઘ અને ભવ્ય પ્રકરણનો પણ નિ:શંકપણે અંત આવ્યો છે એમ કહી શકાય.


    (લેખ સૌજન્ય: ‘નવનીત સમર્પણ’, જુલાઈ, ૨૦૨૩)

    (ચિત્રાંકન: શચિ કોઠારી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


    (તસવીર: નેટ પરથી)

     

  • ૨૦૨૦ની રક્ષાબંધને…

    સાંદર્ભિક તસ્વીર – નેટ પરથી

    આ છેલ્લી છે, એ જાણ સાથે હૈયું હચમચાવીને, રાખડી બાંધી’તી.
    છેલ્લી ન રહે, એ ભાવ સાથે  ઘૂંટ ગટગટાવીને રાખડી બાંધી’તી.

    ચાહ એવી ખૂબ જાગે, ચમત્કાર થાય  ને સઘળું સારું થઈ જાય પણ
    ખોટા, જૂઠા દિલાસા સાથે, કડવું એ સચ પચાવીને રાખડી બાંધી’તી.

    જાણ્યું’તું સમય બળવાન છે, પણ કોપાયમાન આવો? સાવ કટાણે?
    વિધિની વક્રતાનાં દ્વારો ખૂબ ખટખટાવીને રાખડી બાંધી’તી.

    મજબૂત છીએ, આવજે પણ પીડા વિના મળજે ભાઈને, માની જેમ જ,
    હકભર્યા હુકમના સાદ સાથે, બહુ જ મન મનાવીને   રાખડી  બાંધી’તી.

    जानामि सत्यं न च मे स्वीकृति, એ લાચારી ને વેદનાને હરાવી
    રુદિયે શ્રદ્ધાસભર સૂતરનો તાર કચકચાવીને રાખડી બાંધી’તી.

    —-દેવિકા ધ્રુવ

    પણ…  આખરે સપ્ટે. ૨૦ ૨૦૨૦ની રાત્રે ૧૧.૧૫ વાગે “પાંચમની છઠ્ઠ નથી થવાની” એમ કહેતાં ભાઈ શ્રી નવીન બેંકરે જીવનમંચ પરથી વિદાય લઈ જ લીધી.


    સુશ્રી દેવિકાબેન ઘ્રુવનાં સંપર્ક સૂત્રો
    ઇ-મેલ ddhruva1948@yahoo.com
  • ‘નેટ-ઝીરો’ શું છે?

    પરેશ ૨. વૈદ્ય

    પૃથ્વીના વાતાવરણનું સરેરાશ ઉષ્ણતામાન વધી રહ્યું છે તે બાબતે હવે કોઈને શંકા નથી. એમ થવા પાછળ માણસની પ્રવૃત્તિઓ જ છે તે બાબત પણ શંકા નથી. થોડાં વર્ષો અગાઉ આ બંને બાબતે જાણી જોઈને શંકા કરનારા ઘણા હતા. એમાં અજ્ઞાન કરતાં સ્થાપિત હિતો વધારે હતાં કારણ કે અમેરિકા જેવાં રાષ્ટ્રોને ડર હતો કે વૈશ્વિક ઉષ્મન્‌ (ગ્લોબલ વૉર્મિંગ / Global Warming)ના ઉપાયો કરવાથી તેઓનાં અર્થતંત્રની ગતિ ધીમી પડી જશે. પરંતુ વૈજ્ઞાનિકોએ ભાખ્યું હતું તેવી જ રીતે કુદરતની થપાટો લાગવાનું શરૂ થયું ત્યારે વાસ્તવિકતા સમજાવા લાગી.

    સદ્ભાગ્યે સૌથી મોડા સળવળનારા રાજનેતાઓ પણ વૈજ્ઞાનિક તથ્યો અને તેનાં દેખીતાં પરિણામો જોઈને સજાગ થઈ ગયા છે. વિશ્વસ્તરે એવું સહકાર્ય થવા લાગ્યું છે જેનાથી ઉષ્મન્‌ ધીમું પડે અને તેના પરિણામે થતી અસર હળવી બને. આવી મંત્રણાઓ અને સંધિઓનું જ એક પાસું છે “નેટ-ઝીરો”નો વિચાર. “નેટ’ (Net) એટલે જમા અને ઉધાર પાસાંઓ સરભર કર્યા પછી બચતી ચોખ્ખી સિલક. હવામાનમાં થતા ફેરફાર (ક્લાઇમેટ ચેન્જ / Climate Change)ના વિષય ઉપર યુનો દર વર્ષે એક બેઠક બોલાવે છે. તેને કૉન્ફરન્સ ઓફ પાર્ટીઝ (Conference of Parties – CoP) કહે છે. ઇંગ્લૅન્ડમાં ગ્લાસગો ખાતે ૨૦૨૧માં મળેલી આ બેઠકમાં નક્કી થયું કે માણસ જાતે વર્ષ ૨૦૫૦ સુધી કાર્બન ડાયોક્સાઇડ બાબતે “નેટ-ઝીરો” બની જવું. એટલે પોતાની પ્રવૃત્તિઓ એવી રીતે ગોઠવવાની કે તેમાંથી ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલો જ હોય જેટલો કુદરતમાં જ શોષાઈ શકે.

    આ સાદા વિધાન પાછળ વિજ્ઞાન અને ગણિત છુપાયેલાં છે. જે પેઢીએ ૨૦૫૦ સુધી અહીં રહેવાનું છે તેણે નેટ-ઝીરોનું આખું બખડજંતર સમજી લેવા જેવું છે. દાખલા તરીકે, ૨૦૫૦ની જ વાત શા માટે? કાર્બન ડાયોક્સાઇડની વાત કેમ? તે ઘટી શકે? નેટ-ઝીરો ન થાય તો શું? એ બધા પ્રશ્નો સમજવાના છે. આમાંથી ઘણું તો માધ્યમોમાં ચર્ચાઈ જ ચૂક્યું છે અને વિવિધ ભવિષ્યવાણી વિશે વાચકો જાણતા પણ હશે જ. એટલે બહુ પુનરાવર્તન ન કરતાં, ટૂંકામાં પૂર્વભૂમિકા કરીને નેટ-ઝીરો પાછળનો તર્ક સમજવાનો અહીં પ્રયત્ન કરીશું.

    ઉષ્મન્‌ શાથી?

    પૃથ્વીને સૂર્ય તરફથી ઊર્જા મળે છે. આમાંથી અમુક હિસ્સો ઉત્સર્જનરૂપે પાછો અવકાશમાં જાય છે. આ બંનેની વાર્ષિક માત્રા લગભગ નિયત હોતાં એક પ્રકારનું સમતોલન હજારો વર્ષથી જળવાઈ રહેતું હતું. પરંતુ ગઈ સદીના અંતમાં એવું ધ્યાનમાં આવ્યું કે વાતાવરણનું ઉષ્ણતામાન સૂક્ષ્મ માત્રામાં વધી રહ્યું છે. અભ્યાસ કરતાં માલૂમ પડ્યું કે કાર્બન ડાયોક્સાઇડ તથા બીજા ત્રણ-ચાર વાયુઓની પ્રકૃતિ એવી છે કે જો એ હવામાં હાજર હોય તો પૃથ્વી તરફથી અવકાશમાં ફેંકાતી ગરમીને એ જવા નથી દેતા. તેને અહીંના વાતાવરણમાં કેદ કરી લે છે. આને કારણે ઉષ્ણતામાન થોડું વધે છે.

    ગ્રીન હાઉસ વાયુઓને નામે ઓળખાતા આ જૂથમાં ક્લૉરો ફ્લૉરોકાર્બન, ઑઝોન, નાઇટ્રોજનના ઓક્સાઇડ અને કંઈક અંશે મિથેન, માણસ જાતની પ્રવૃત્તિને કારણે વધ્યા છે. આ બધા કરતાં માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ વધારે છે કારણ કે તે ઊર્જા ઉત્પન્ન કરનારાં બળતણને કારણે વધે છે. આ બધાની અસર ઔદ્યોગિક ક્રાન્તિ પછી જ જણાવા લાગી છે. આથી હવામાનબદલની ચર્ચામાં વર્ષ ઈ.સ. ૧૮૫૦ને સરખામણી માટે વાપરવામાં આવે છે.

    અંગારવાયુની આવક-જાવક :

    કોઈ પણ સેન્દ્રિય પદાર્થ (એટલે કે જેમાં કાર્બન એક ઘટક હોય) તેને બાળવાથી કાર્બનનો ડાયોક્સાઇડ (C૦2) ઉત્પન્ન થાય. તેનું ગુજરાતી નામ અંગારવાયુ છે. લાકડાં, કોલસા, ગેસ, ડીઝલ, પેટ્રોલ, છાણાં કે ગાર્ડનનો કચરો – એ બધાંમાં કાર્બન છે, જે બળવાથી ઊર્જા આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ આપે છે. આ ઉપરાંત, સિમેન્ટ ઉદ્યોગમાં અને લોખંડ  બનાવવાની પ્રક્રિયામાં ગંજાવર માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે.

    બીજી તરફ સારી વાત એ છે કે આ એવો ગ્રીન હાઉસ વાયુ છે જેનો કુદરત નિકાલ પણ કરે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ તેને “શ્વાસ”માં લે છે અને “ઉચ્છ્વાસ”માં પ્રાણવાયુ પાછો આપે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડની સફાઈ કરવામાં જંગલોનું મહત્ત્વ ખૂબ છે. તે ઉપરાંત સમુદ્રનાં ઉપરતળે થતાં પાણીમાં પણ મોટી માત્રામાં અંગારવાયુ શોષાતો રહે છે.

    ઔદ્યોગિક ક્રાન્તિથી પહેલાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન અને શોષણ લગભગ સરભર થતાં હતાં અને તેથી હવામાં ભળેલા એ વાયુની માત્રા સ્થિર હતી. હવાના એક લાખ લીટરમાં માત્ર ૨૮ લીટર અંગારવાયુ હતો (તેને ૨૮૦ ppm – parts per million કહે છે.) શોષણ એટલું જ રહ્યું પણ ઉત્પાદન વધતું ગયું તેથી આજે એ માત્રા ૪૧૦ ppm સુધી પહોંચી ગઈ છે. આ જ વાત બીજા શબ્દોમાં કહેવી હોય તો આમ છે : વાતાવરણમાંથી શોષાઈ જતા કાર્બન ડાયોક્સાઇડની માત્રા વર્ષે ૧૫ અબજ ટન છે, જે પહેલાં પણ એટલી જ હતી. પરંતુ ઉત્સર્જન ૧૫ અબજ ટનથી વધતું-વધતું આજે ૩૬થી ૩૮ અબજ ટન થઈ ગયું છે. આથી વરસે ૨૨ (બાવીસ) અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરાતો જ રહે છે.

    કઠણાઈ એ વાતની છે કે એ અશ્વત્થામા જેવો અમર છે – હજારો વર્ષ ઝળૂંબતો રહેવાનો છે! અને વર્ષાનુવર્ષ સિલક વધતી જાય છે. અને જેમ-જેમ ગ્રીન હાઉસ વાયુઓનો સંઘરો વધતો જાય છે, તેમ-તેમ વાતાવરણમાં ઉષ્મા પણ સંઘરાતી જાય છે. પરિણામે ઉષ્ણતામાન વધતું જાય છે. ઈ.સ. ૧૮૫૦ની સરખામણીએ તે અત્યારે ૦.૮થી ૧ સે. જેટલું વધી ચૂક્યું છે. માત્ર આટલો વધારો કેટલો પરચો બતાવે છે તેનાં આપણે જ સાક્ષી છીએ. તો, આવું ક્યાં સુધી ચાલી શકે?

    નેટ-ઝીરો અને ૧.૫ સે.

    નેટ-ઝીરો અને ઉષ્ણતામાનના વધારા વચ્ચે શું સંબંધ? એ સમજવા માટે સાથેના ચિત્રમાં બતાવેલી એક પાણીની ટાંકીનું ઉદાહરણ લઈએ.

    મખમલના ગાલીચા ઉપર એને ઉભાડી છે તેથી તમને એ છલકાય તે પરવડે તેમ નથી. તેમાં બે-ત્રણ પાઇપો દ્વારા પાણી ઉપરથી આવે છે અને નીચે એક નળ મારફત બહાર જાય છે. ઉપરથી આવતું પાણી વધારે છે અને નળ આખો ખોલી નાંખો તોપણ એટલું બહાર નથી જતું. સ્વાભાવિક છે કે ધીરે-ધીરે ટાંકીમાં પાણીની સપાટી વધતી જશે. ઉપરના પાઇપ એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતા સ્રોતો છે અને નળ એટલે જંગલ અને સમુદ્ર દ્વારા શોષાતો વાયુ છે. એની એક મર્યાદા છે. એટલે ટાંકી છલકાતી રોકવા માટે ઉપાય એ જ છે કે ઉપરના પાઇપોમાંથી આવતું પાણી ઘટતું જાય.

    એની માત્રા નળમાંથી બહાર જતા પાણી જેટલી થાય તો તે ટાંકી માટે “નેટ-ઝીરો’ ક્ષણ હશે. ટાંકીને આપણું વાતાવરણ માની લો તો એ ક્ષણ ત્યારે આવશે જ્યારે માત્ર ૧૫ અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે, કારણ કે એટલો જ બહાર જઈ શકે છે. પાણીનો પ્રવાહ ઘટાડવા જેટલું સહેલું એ કામ નથી. કાર્બન ઉત્સર્જનની આપણને જરૂર પણ છે અને સુખસાહેબીની લાલચમાં એ ન ઘટે તેવી ઇચ્છા પણ છે. આથી ટાંકી છલકાવાની છેક અણી પર આવે ત્યાં સુધી મામલો ખેંચવાની માણસની વૃત્તિ છે.

    વાતાવરણના સંદર્ભમાં આ છલકાવું એટલે શું?

    વૈજ્ઞાનિકોએ અંદાજ માંડ્યો છે કે જો ઉષ્ણતામાન ઈ.સ. ૧૮૫૦ની તુલનામાં ૧.૫ સે. જેટલું વધી જશે તો તે પછી થતી અસરો અપરિવર્તનીય (Irreversible) હશે. જેમ કે ધ્રુવ પ્રદેશમાં બરફ ઉનાળામાં પીગળે તો શિયાળામાં પાછો બંધાય છે. પરંતુ ૧.૫ સે.ની હદ પાર કરી ગયા તો એ પાણીમાંથી ફરી બરફ નહીં જ થાય. અથવા જે જીવ-પ્રજાતિઓ મરી જશે તે ઉષ્ણતામાન પાછું ઘટવાથી પાછી નહીં આવે. આમ, ૧.૫ સે.ના સાપેક્ષ વધારાને “છલકાવા’ની ઘડી માનીને આયોજન કરવાનું છે.

    ગણતરી એવી પણ છે કે વાતાવરણમાં જ્યારે ૩૦૦૦ અબજ ટન અંગારવાયુ જમા થઈ જશે ત્યારે ઉષ્ણતામાન ૧.૫ સે. જેટલું વધશે. અગાઉ જોયું તેમ શોષણ પછી પણ દર વર્ષે ર૨ અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ સિલક રહે છે. તે હિસાબે તો “છલકાવા”ને દોઢસો વર્ષની વાર છે. પરંતુ ખરેખર તેવું નથી. ૩૦૦૦ અબજ ટનમાંથી ૨૦૦૦ અબજ ટન તો આપણે આજ લગી ઉમેરી ચૂક્યા છીએ. (અને તેને પરિણામે ૧૮૫૦ ઈ.સ.ની સાપેક્ષમાં ઉષ્ણતામાન પણ ૦.૮થી ૧.૧ સે જેટલું વધી જ ચૂક્યું છે.) એટલે બચેલા ૮૦૦-૧૦૦૦ અબજ ટનમાં જ મહાલવાની માણસને છૂટ છે! બીજા શબ્દોમાં “નેટ-ઝીરો” પહોંચવા માટે ૪૦-૪૫ વર્ષ જ બાકી છે.

    ઉપાય કોણ કરે?

    એ જોતાં ક્રમશઃ પેલા શેષ રહેતા રર અબજ ટન કાર્બન ડાયોક્સાઇડને શૂન્ય સુધી લાવવાનો છે. ખરો ઉપાય તો જીવનધોરણ બદલીને ઊર્જાનો ઉપયોગ ઘટાડવાનો છે. પણ એ અવાસ્તવિક છે; તેથી મુદ્દો રાજકીય બને છે. પછાત અને વિકાસશીલ દેશો કહે છે કે વિકસિત દેશોએ જ ૨૦૦૦ અબજ ટનથી વાતાવરણ ભરી દીધું છે. “તો બાકીના ૧૦૦૦ અબજ ટનના વપરાશમાં તમે બહાર રહો. અમારી મૂળભૂત જરૂર તો પૂરી નથી થઈ તો અમે ક્યાં કપાત કરીએ.” બીજી તરફ, યુરોપ-અમેરિકાના દેશોને એવા જીવનધોરણની ટેવ પડી ગઈ છે કે એને સમજાતું જ નથી કે ઘટાડો કેમ કરાય. વાત ખરી છે કે વહેલા ઊઠીને એ લોકો આપણો નાસ્તો કરી ગયા છે. તેઓ આ વાત સમજે છે પણ દલીલ આપે છે કે અમને આવાં પરિણામની ખબર નહોતી.

    તેથી બીજો માર્ગ ચર્ચામાં છે; તે છે ઊર્જા મેળવવાના માર્ગો બદલવાનો. જેમાં કાર્બન ન હોય તેવા અપારંપરિક સ્રોતો તરફ ક્રમશઃ જવાનું. પરમાણુ ઊર્જા, જળવિદ્યુત, સૌર અને પવન ઊર્જા પર સંશોધનો કરવાનો. વિકાસશીલ દેશોની માંગણી છે કે આ કામમાં નવો ખર્ચ થાય તે વિકસિત દેશો આપે. એ લોકોએ વરસે ૧૦૦ અબજ ડૉલર પૂરા પાડવાના વાયદા તો કર્યા છે પણ નાણાં નક્કર સ્વરૂપે આવતાં નથી.

    ત્રીજો સીધો ઉપાય છે વૃક્ષો અને જંગલો વધારવાનો. પરંતુ વાસ્તવમાં એવું બનતું નથી. રહેણાક અને ખેતી માટે જંગલો સાફ કરાય છે. વધી રહેલી ગરમીને કારણે હવે તો દાવાનળ લાગવા માંડ્યા છે, જેથી વૃક્ષો બળી જાય અને છોગામાં કાર્બન ડાયોક્સાઇડ આપી જાય છે! સારી વાત છે કે મતભેદો હોવા છતાં એક સહમતી આંતરરાષ્ટ્રીય સ્તરે છે કે ભેગા મળીને જ કામ થશે. આથી દરેક દેશે પોતે કઈ રીતે ઉત્સર્જન ઘટાડશે તે બતાવતી દરખાસ્તો પૅરિસ ખાતે મળેલી CoP21 (વર્ષ ૨૦૧૫)માં રજૂ કરી.

    તેને INDC(Intended Nationally Determined Contributions) અથવા ઉત્સર્જન બાબતના રાષ્ટ્રના ઇરાદા કહી શકાય. જુદી-જુદી રીતે કાર્બન ઘટાડવાનાં લક્ષ્યો દેશોએ તેમાં લખી મોકલ્યા છે. એ પ્રયત્ન તો નિષ્ઠાવાળો છે, પરંતુ નિષ્ણાતોએ ગણતરી કરીને જોયું કે જો ખરેખર જ બધા દેશ પોતાનાં વચન પાળી ઉત્સર્જન ઘટાડે તોપણ ૧.૫ સે.ની મર્યાદા માટે એ પૂરતાં નથી. એ પ્રમાણે. ઉષ્ણતામાન (૧૮૫૦ની સરખામણીએ) લગભગ ૨.૫ સે. જેટલું વધી શકે.

    આથી ૨૦૨૧ની ગ્લાસગો (ઇંગ્લેન્ડ)ની મિટિંગમાં વચગાળાનાં લક્ષ્યો પણ ભેગાં કરાયાં. દા.ત., ૨૦૩૦ સુધી (૨૦૧૦ની સરખામણીમાં) કાર્બન ડાયોક્સાઇડ ૪૫% ઘટાડવો. બીજી તરફ ઉષ્ણતામાન હવે ૧.૫ સે.ને બદલે હવે ૨.૦ સે. જેટલું વધી શકે છે તે માટે બધાએ મન મનાવી લીધું છે. માત્ર કાગળ ઉપર લખ્યું છે કે “પ્રયત્ન ૧.૫ સે. જેટલું જ વધે તેવા કરવા.” આ અરધા અંશથી પરિસ્થિતિ કેટલી અસહ્ય બનશે તે તો સમય આવતાં ખબર પડે. ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળી પાણી સમુદ્રમાં આવશે, તેના કારણે સમુદ્રની સપાટી ૪૦ સે.મી. ચઢવાની હતી તે રને કારણે ૫૦ સે.મી. ચઢશે. તો કેટલા વધુ ટાપુઓ ડૂબશે અને સમુદ્રકિનારાનાં શહેરોમાં કેટલો વિસ્તાર ભરતીના ક્ષેત્રમાં ડૂબી જશે એ તો કલ્પનાનો વિષય છે.

    આ બધાં વચ્ચે એક વાત સમજવા જેવી છે. ઊર્જાનો ઉપયોગ અને કાર્બન ડાયોક્સાઇડનું સર્જન સરકારો નથી કરતી; પ્રજા કરે છે. તેથી ઉપાય યોજનામાં લોકો સાથ ન આપે તો જે થવાનું છે તે થઈને જ રહેશે.


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.


    (લેખ સૌજન્ય: ‘નવનીત સમર્પણ’, જુલાઈ, ૨૦૨૩)

  • લાલબત્તી ગઈ પણ વીઆઈપી કલ્ચર રહ્યું

    નિસબત

    ચંદુ મહેરિયા

    દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સલામતી કાફલામાં તેમની મોટરકારની આગળ એક પાઈલોટિંગ મોટરસાઈકલ જ રહેતી હતી. આજે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભગવંત માનના સલામતી કાફલામાં બેતાળીસ વાહનો હોય છે ! કદાચ એ દેશના કોઈ પણ વીઆઈપીનો સૌથી મોટો સુરક્ષા કાફલો છે. પણ રહો તેમની પૂર્વેના કોંગ્રેસ અને અકાલી દળના મુખ્યમંત્રીઓના સુરક્ષા કાફલા પણ કંઈ સામાન્ય નહોતા. તેમના કાફલામાં અનુક્રમે ઓગણચાલીસ અને તેત્રીસ વાહનો રહેતા હતા ! સલામતીના  નામે વીઆઈપી કલ્ચર કેવું ફાટીને ધૂમાડે ગયું છે તેના આ વિરોધ અને રોષ જન્માવે તેવા દાખલા છે.

    પદ, પ્રતિષ્ઠા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેમને કેટલીક ખાસ સગવડો કે વિશેષાધિકારો આપવામાં આવે છે તે વીઆઈપી ગણાય. તેમાં રાજનેતાઓ, વહીવટી, પોલીસ અને લશ્કરી અધિકારીઓ, ન્યાયાધીશો, ફિલ્મીકલાકારો, ક્રિકેટરો , ધાર્મિક નેતાઓ વગેરેનો સમાવેશ થાય છે.

    વીઆઈપીને મળતી ખાસ સુવિધાઓનો એ હદે દેખાડો અને અમર્યાદિત ઉપયોગ થઈ રહ્યો છે કે તે વીઆઈપી કલ્ચર નહીં અપસંસ્કૃતિ કહેવાય. તેને માઈબાપ સરકાર સંસ્કૃતિ, વીઆઈપી ફસ્ટ, હીરોગીરી , શક્તિનું પ્રદર્શન, તાકાતનો દેખાડો, સ્ટેટ્સ સિમ્બોલ અને સરકારી સુવિધાભોગી વર્ગ તરીકે પણ ઓળખી શકાય..વૈભવ પ્રત્યે આકર્ષિત અને અચંબિત ભારતીય લોકમાનસ દિલોદિમાગથી તો સાદગી સમર્થક અને પ્રશંસક છે. એટલે વીઆઈપી કલ્ચર પ્રત્યે લોકોમાં તિરસ્કારની ભાવના વ્યાપક છે.

    હજુ હમણાના જ દિવસોમાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ ગૌતમ ચૌધરી પુરુષોત્તમ એકસપ્રેસમાં નવી દિલ્હીથી પ્રયાગરાજ જઈ રહ્યા હતા. ટ્રેન ત્રણ કલાક લેટ ચાલતી હતી. તેથી જજસાહેબે અલ્પાહાર માટે પેન્ટ્રીનો અને પછી પોલીસનો સંપર્ક કર્યો. પણ તેમને કોઈ જવાબ મળ્યો નહીં. આ સંદર્ભે અલ્હાબાદ વડી અદાલતના રજિસ્ટાર(પ્રોટોકોલ) એ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખી ફરિયાદ કરી અને જજસાહેબને પડેલ તકલીફ તથા પ્રોટોકોલનો અમલ ના કરવા બદલ જવાબદારો સામે પગલાં ભરવા જણાવ્યું. દિલ્હી હાઈકોર્ટના પૂર્વ અને કોલકાતા હાઈકોર્ટના વર્તમાન જજ ગૌરાંગ કંઠના દિલ્હી આવાસે સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીથી ઘરનો બહારનો ગેટ ખૂલ્લો રહી જતાં જજસાહેબનો પાલતુ કૂતરો ક્યાંક જતો રહ્યો.એટલે  ન્યાયાધીશ મહોદયે દિલ્હીના પોલીસ કમિશનરને પત્રથી ફરિયાદ કરી  કે તેમનો કૂતરો સુરક્ષાકર્મીના બેજવાબદાર વર્તનથી ખોવાઈ ગયો હોઈ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરો.

    શાયદ તાજેતરના આવા જ બનાવોને અનુલક્ષીને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ તમામ હાઈકોર્ટોના ચીફ જસ્ટિસને પત્ર લખી જણાવ્યું છે કે જજીસ તેમને પ્રોટોકોલ પ્રમાણે જે સુવિધાઓ મળે છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે અને લોકોના કરતાં તેઓ જુદા કે ઉંચા છે તેવું દેખાડવા તેનો ઉપયોગ ન કરે.  જસ્ટિસ ચંદ્રચૂડની આ ટકોર સમયસરની છે અને જો તેનો અમલ થશે તો તે જજીસને જાહેર આલોચનાથી બચાવશે.

    છેક ૨૦૧૩માં એક જાહેર હિતની અરજીના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વીઆઈપીઓના વાહનો પરની લાલ લાઈટ દૂર કરવા કાયદામાં સુધારો કરવા અને  વીઆઈપીની યાદી જાહેર કરવા કેન્દ્ર સરકારને જણાવ્યું હતુ. સરકારને આટલી આસાન બાબતનો અમલ કરતાં ચાર વરસ લાગ્યા હતા. ૨૦૧૭માં ભારત સરકારે મોટર વાહન નિયમોમાં સુધારો કરીને લાલ લાઈટ દૂર કરી હતી. સામંતશાહી કે સત્તાનું પ્રતીક લાલ બત્તી જવાથી લોકોના તમામ દુ:ખ દૂર થઈ ગયાં અને  વીઆઈપી કલ્ચર નાબૂદ થઈ ગયું એવો માહોલ એ સમયે ઉભો કરવામાં આવ્યો હતો.

    પરંતુ વીઆઈપી કલ્ચર તો બીજા અનેક સ્વરૂપે હજુ  છે જ. અત્યાધિક સુરક્ષા વ્યવસ્થા, વીઆઈપીને કારણે રસ્તા પરનો ટ્રાફિક રોકવો, ટોલ ટેક્સમાંથી મુક્તિ, ઉદ્દઘાટનો અને શિલાન્યાસોની તકતીઓમાં નામ, સાઈરન, એરપોર્ટ કે રેલવે સ્ટેશનો પર અલગ વીઆઈપી લોન્જ, વિમાનમાં ચઢવામાં પ્રાથમિકતા, અનેક બાબતોમાં વીઆઈપી ક્વોટા જેવા વિશેષાધિકારો હજુ યથાવત છે. કેટલાક તો તેમણે જાતે મેળવી લીધા છે. જેમ કે સરકારી ગાડીમાં બાળકોને શાળાએ મોકલવા કે પત્નીએ  શાકબકાલુ લેવા જવું, પટાવાળાએ સાહેબ આવે ત્યારે બ્રીફ કેસ લેવા જવું, ડ્રાઈવર ઉંમરમાં મોટા હોય તોય સાહેબની ગાડીનો દરવાજો તો તેમણે જ ખોલવો, અંગત કામ માટે સરકારી કચેરીના સ્ટાફનો ઉપયોગ કરવો, ઓફિસના પટાવાળાને ઘરકામ માટે  રાખવા  વગેરે. એટલે આ બધી સગવડોની તુલનામાં વાહનો પરની લાલ લાઈટ દૂર કરવી તો સાવ તુચ્છ લાગે છે.

    જો કે કેટલાક વીઆઈપીએ આ વિશેષાધિકારો પર લગામ કસવાના પ્રયાસો કર્યા છે.  વર્તમાન સરકારે આખા દેશમાં સાવ સસ્તી એવી સંસદની કેન્ટીનમાં મળતી ખાણીપીણી પરની સબસિડી દૂર કરી છે. વી.પી.સિંઘે તેમના પ્રધાનમંત્રીકાળમાં વડાપ્રધાનના વિદેશપ્રવાસ વખતે આખી કેબિનેટ એરપોર્ટ પર વિદાય આપવા કે આવકારવા જાય તે બંધ કરાવ્યું હતું. તે પછીના વડાપ્રધાનો પણ તેને અનુસર્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે  જાતે ઓફિસમાં બેલ વગાડી પટાવાળાને બોલાવવાનું  બંધ કરી રેલવેના અધિકારીઓને પણ બેલ વગાડવી બંધ કરવા જણાવ્યું છે.  અસમના મુખ્યમંત્રી હિમંતા બિશ્વ સરમાએ તેમની ગાડી રસ્તા પરથી પસાર થાય ત્યારે જરાય ટ્રાફિક ના રોકવા આદેશ કર્યો છે. તેથી વીઆઈપીને કારણે જાહેર રસ્તા બંધ કરવાથી લોકોને પડતી મુશ્કેલીઓ ઓછી થશે. કદાચ આ પ્રયત્નો વીઆઈપી માનસિકતામાં બદલાવ આણી શકશે.જોકે કેટલાક વી આઈ પી એ લાલબત્તીના વિકલ્પે હૂટર અને કેટલાકે સરકારી હોદદ્દો લખેલી ઝંડી લગાવીને પોતે સામાન્ય પ્રજાથી નોખા હોવાનું જણાવવાનું ચાલુ રાખ્યું છે.

    વીઆઈપી સંસ્કૃતિ સર્વત્ર વ્યાપેલી છે. નવી દિલ્હીના યમુના તટે રાજઘાટની પાડોશમાં વીઆઈપી સ્મશાન વિકસ્યું છે. ઘણાંને તેમાં મર્યા પછી સ્થાન જોઈએ છે. ભલે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ પીઠના ચુકાદામાં મંદિરમાં વિરાજતા ભગવાન સિવાય કોઈ વીઆઈપી નથી તેમ જણાવે પણ મંદિરોમાં વીઆઈપીના માનપાન  એ હદના હોય છે કે તેઓ દર્શનાર્થે પધારે છે ત્યારે આખા મંદિર પરિસરને સામાન્ય દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવે છે. હજયાત્રામાં પણ મોટો વીઆઈપી ક્વોટા હોય છે. કુદરતી કે માનવ સર્જિત આફત વખતે વીઆઈપી અને તેમના કુટુંબને બચાવ અને રાહત પહેલા પહોંચે છે. હોસ્પિટલની સારવારમાં તેમને અગ્રક્રમ મળે છે. એટલે માત્ર લાલ લાઈટ જવાથી વીઆઈપી કલ્ચર જવાનું નથી.

    સર્વોચ્ચ અદાલતના આદેશથી ભારત સરકારને ૨૦૧૫માં વીઆઈપીની સૂચિ બનાવવી પડી ત્યારે તેમાં પહેલા ૨,૦૦૦ અને પછી ૧૫,૦૦૦ નામ હતા. બ્રિટનમાં ૮૪, ફ્રાન્સમાં ૧૦૯, જાપાનમાં ૧૨૫, જર્મનીમાં ૧૪૨, ઓસ્ટ્રેલિયામાં ૨૦૫, અમેરિકામાં ૨૫૨, દક્ષિણ કોરિયામાં ૨૮૨, રશિયામાં ૩૧૨ અને ચીનમાં ૪૨૫ વીઆઈપી છે. પણ મેરા ભારત મહાનમાં આજે આશરે પ લાખ ૮૦ હજાર વીઆઈપી છે ! હવે આ અપસંસ્કૃતિ સામે ના તો ન્યાયતંત્ર સંઘર્ષ કરતું દેખાય છે કે ના તો આમ આદમી. એટલે વીઆઈપીને તેનો પેધો પડ્યો છે અને બાકીનાને જાણે કે કોઠે પડી ગયું છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • Our Souls At Night – આપણા આત્માઓ અધરાતે

    પુસ્તક પરિચય

    ભગવાન થાવરાણી

    અમેરિકન લેખક કેંટ હારુફ ૨૦૧૪માં ૭૧ વર્ષની વયે અવસાન પામ્યા. મૃત્યુના થોડાક દિવસ પહેલાં જ એમણે પોતાના છઠ્ઠી અને અંતિમ નવલકથાનું આખરી પ્રકરણ પૂરું કર્યું. એ નવલકથા એટલે OUR SOULS AT NIGHT એટલે કે ‘ આપણા આત્માઓ અધરાતે ‘ .

     
    એમની છએ છ નવલનું કથાવસ્તુ માનવીય સંબંધો અને એને નિભાવવામાંથી સર્જાતી વિડંબનાઓ છે. બધી જ કથાઓ અમેરિકાના કોલોરાડો રાજ્યના કાલ્પનિક નગર  હોલ્ટમાં આકાર લે છે. આ સર્વેમાં  આશરે બસો પાનાંની આ OUR SOULS AT NIGHT જુદી જ ભાત પાડતી અને અનોખા કથાવસ્તુવાળી નવલકથા છે. એ નવલકથાના પ્રારંભ વખતે જ તેઓ ટર્મીનલ કેંસરથી પીડાતા હતા અને એમને એ જાણ હતી.
    એડી મૂર અને લુઈસ વોટર્સ હોલ્ટ ગામમાં રહેતા સિત્તેર વટાવી ચુકેલા વયોવૃદ્ધ વિધવા અને વિધુર છે. બન્ને એક જ શેરીમાં લગભગ બાજુ – બાજુમાં જ રહે છે છતાં એકમેકના મામૂલી પરિચય સિવાય ભાગ્યે જ એકમેકને ઓળખે છે. બન્ને એકલા રહે છે. એડીનો પરિણિત પુત્ર જીન પોતાની  પત્ની અને છ વર્ષના પુત્ર જેમી સાથે અન્ય શહેરમાં રહે છે તો લુઈસની પ્રૌઢ દીકરી હોલી પણ એકલી અન્યત્ર છે. આપણે જાણીએ છીએ કે આ ત્યાંની સર્વસ્વીકૃત સમાજ વ્યવસ્થા છે.
    વાતનો પ્રારંભ એક મુલાકાતથી થાય છે. એક સાંજે એડી અચાનક લુઈસને મળવા આવી ચડે છે. એ પાડોશી તરીકે પોતાનો પરિચય આપે છે. લુઈસ એને દીઠે ઓળખે છે એટલું જ. એડી એક દરખાસ્ત મૂકે છે, લુઈસને મંજૂર હોય તો ! દરરોજ રાતે લુઈસ એના ઘરે સૂવા આવે તો ! નિરાંતની ઊંઘ માટે એને સંગાથની – પુરુષ સાથીની, હુંફની અને કોઈક વાતો કરનારની જરૂર છે. એ સ્પષ્ટતા કરે છે કે એને શરીર અને શારિરિકતા જોઈતી નથી, એ તબક્કો બન્ને વટાવી ચૂક્યા છે. બન્નેની ઓળખ ઝાઝી નથી પણ એડીને જે કહેવું છે એ કહી દે છે. હવે મરજી લુઈસની !
    પ્રારંભિક આંચકા પછી સ્વસ્થતા મેળવી લુઈસ વિચારીને જવાબ આપવાનું કહે છે. એડી વિદાય લે છે. ઘણું વિચાર્યા પછી લુઈસ એડીની દરખાસ્ત સ્વીકારે છે અને રાત પડ્યે પોતાનો નાઈટ ડ્રેસ કાગળમાં વીંટાળી બાજુના એડીના ઘરે પાછલા બારણેથી જાય છે. થોડીક લોકલાજ ! એડી પ્રસન્ન. એ એને હિંમત આપે છે. આ ઉમ્મરે, જીવનના આ તબક્કે, જ્યારે કશું પણ દાવ પર નથી ત્યારે વળી સમાજ કે મિત્રોની શું બીક ? લુઈસ મનોમન કબૂલે છે એની વાત. એ કહે છે પણ ખરો કે હિંમતમાં હું તારો સમોવડિયો નથી, જોખમ લેવાની ક્ષમતામાં પણ નહીં. ધીમે – ધીમે એ એડીની વિચારસરણીમાં પળોટાતો જાય છે.
    સંગાથ, હુંફ અને દિલની વાતો ઓરવાનું પાત્ર મળતાં પહેલી જ રાત્રે એડી થોડીક વારમાં ઘસઘસાટ ઊંઘી જાય છે. બન્ને એકમેકને પોતાના જીવનની કથની કહેતા જાય – એડીની નાનકડી દીકરી બચપણમાં ઘરની બહાર જ અકસ્માતમાં ગુજરી ગયેલી જેનો દારુણ આઘાત એના દીકરા જીનના માનસ પર હજી પણ છે તો લુઈસ પત્નીને છેહ દઈ અન્ય સ્ત્રીના પાશમાં સપડાઈ ગૃહત્યાગ કરી ગયેલો અને ભૂલ સમજાતાં બે સ્ત્રીના જીવન બરબાદ કરી પરત ફરેલો – બન્ને એકમેકની કરુણતાઓ વહેંચી હળવા થાય અને પછી ઊંઘી જાય. બન્નેના સાથીદારોના મૃત્યુની વાત પણ આવે. થોડાક દિવસો પછી ચિત્રમાં શરીર પણ આવે છે, પણ આત્યંતિક સહજતાથી, કોઈ ઉતાવળ કે ઉન્માદ વિના. લેખક કુનેહપૂર્વક એ બાબતને થોડાક શબ્દોમાં આટોપી લે છે.
    ધીમે – ધીમે લોકોને બન્નેના સંબંધો વિષે ખબર પડે છે. લુઈસ જે બારમાં પીવા જાય છે એ મિત્રોને પણ. એમાંનો એકાદ મિત્ર લુઈસને હળવો ટોણો પણ મારી લે છે, પણ એમાં કોઈ ઈર્ષ્યાભાવ કે આક્રમકતા નથી. માત્ર મૈત્રીપૂર્ણ મજાક જ. જો કે લુઈસ અને એડીને એની ખાસ તમા નથી. એ લેખકના અભિગમ અને મિજાજની ખાસિયત છે. ખબર તો જીમ અને હોલીને પણ પડે છે. હોલી સમજદાર છે અને આવા સંબંધોની પૃષ્ઠભૂમિ વિષે સમજે છે પણ જીમ નારાજ છે.
    દરમિયાન પતિ-પત્ની વચ્ચે સમસ્યાઓ ઊભી થતાં જીમ દીકરા જેમીને દાદીના ઘરે મૂકી જાય છે. ત્યાં દાદી ઉપરાંત લુઈસ એને દાદાની હુંફ અને સમજદારી આપે છે અને પ્રેમપૂર્વક અલગ-અલગ તરીકાઓથી બહેલાવી એના માબાપ વચ્ચેનો કંકાસ એના મનમાંથી ભૂંસવાનો પ્રયત્ન કરે છે અને એમાં કામિયાબ પણ થાય છે. એ જેમીની એકલતાના સહારા માટે એક પાલતુ કૂતરો પણ લઈ આવે છે. એડી અને લુઈસ નાનકડા જેમીને ઠેકઠેકાણે ફેરવવા અને લાંબી પિકનીક પર લઈ જાય છે. જેમી દરેક રીતે ખુશ છે તો એના કારણે ‘ દાદા ‘ અને દાદી પણ !
    પતિ – પત્ની વચ્ચે સમાધાનના સંજોગો ઉત્પન્ન થતા જીમ દીકરા જિમીને પરાણે પોતાના ઘરે લઈ જાય છે એટલું જ નહીં, પોતાના માના ‘ અવૈધ ‘ સંબંધો સામે વિરોધ દર્શાવવા એડીને પોતાના પૌત્ર સાથે ફોન પર વાત કરવાની પણ મનાઈ ફરમાવે છે. એડી કશ્મકશ અને તનાવમાં છે. અધૂરામાં પૂરું, ઘરમાં પડી જતાં એડીનો પગ ભંાગે છે. પુત્રની નારાજગી અને પૌત્ર-વિયોગથી એ વ્યથિત તો હતી જ. આકરો નિર્ણય લઈ એ લુઈસને અલવિદા કરી દૂરના નગરમાં પુત્રના ઘર પાસે આવેલી હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ થઈ જાય છે.
    એડીએ પ્રથમ વાર દરખાસ્ત મૂકી એવો જ આંચકો એડીની વિદાયથી  અનુભવી લુઈસ પોતાની એકલવાયી જિંદગી ફરી જીવવાનું શરુ કરે છે.
    મહીનાઓ પછી અચાનક એના પર એડીનો ફોન આવે છે, જેની લુઈસને કોઈ આશા કે અપેક્ષા નહોતી !  ‘ કેમ છો તું ? ‘ લુઈસનો આનંદ અસીમ છે.
    શું બન્ને એકલવાયા વૃદ્ધોના જીવનમાં ફરી વસંત આવી ? હાથમાં આવીને સરકી ગયેલું સુખ પાછું આવ્યું ? બધું અધ્યાહાર મૂકી વાર્તા પૂરી થાય છે. વાચક તરીકે આપણે એટલું આશ્વાસન લઈ શકીએ કે કદાચ બંધ થયેલો સિલસિલો વાતચીતના સેતુથી શરુ થયો હશે.
    કેવળ સરળ સુખ – દૈનિક સુખ – કોઈ જાતિય તૃપ્તિનો સ્વાર્થ નહીં – કોઈ ઉન્માદ કે પરમ સુખની ખેવના નહીં – માત્ર નાના નાના સુખ જે આપણા જીવન અને વાર્તાઓમાંથી અદ્રષ્ય થતા જાય છે એની વાત આ પુસ્તક કરે છે. પુસ્તકનું સૌથી મોટું જમા પાસું છે એના લેખક કેંટ હારુફની ભાષા અને પાત્રો ઉપસાવવાની કુનેહ. આપણને લાગે જાણે એ એક પણ શબ્દ વેડફવા માંગતા નથી. બિલકુલ ઉપયુક્ત અને બને એટલા ઓછા શબ્દો. પાત્રોના વર્ણનમાં અને એમની વાતચીતમાં કોઈ અતિરેક નહીં ! એમની ભાષા આપણને બરબસ હિંદી લેખક નિર્મલ વર્માની શૈલીની યાદ અપાવે હાલાંકિ બન્ને લેખકોની વાર્તાઓના કથાવસ્તુ દોન ધ્રુવ જેટલા વિભિન્ન હતા.  નવલકથાના પ્રારંભથી જ હવે આવનારી ભાષાનો પરિચય આપણને મળી રહે છે જ્યારે લેખકનું પ્રથમ વાક્ય આપણી નજર સમક્ષ આવે છે. ‘ અને પછી એક દિવસ એડી મૂર લુઈસ વોટર્સને મળવા એના ઘરે ગઈ ‘ . પુસ્તકને આકાર આપતી વખતે લેખક સભાન હતા કે એમની પાસે ગણતરીના દિવસો છે એ હકીકત પણ કદાચ પુસ્તકની ચુસ્ત સંરચનામાં નિમિત બની હોય ! એમના બધા જ પુસ્તકોનો વિષય હમેશા સીધી કે આડકતરી રીતે શાલીનતા વિરુદ્ધ વામનત્વ રહ્યું છે.
    પુસ્તક પ્રકાશિત થાય એ પહેલાં જ લેખક કેંટ હારુફ મૃત્યુ પામેલા.
    ભારતીય મૂળના ફિલ્મ સર્જક રિતેષ બત્રાએ ( લંચ બોક્સ ફિલ્મ – ઈરફાન ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી – ના સર્જક ) આ પુસ્તક પરથી એ જ નામની ખૂબસૂરત ફિલ્મ ૨૦૧૭ માં  બનાવી છે. લુઈસની ભૂમિકા પીઢ અભિનેતા રોબર્ટ રેડફોર્ડ દ્વારા નિભાવાઈ છે અને એડીની જેન ફોંડા દ્વારા . આ બન્નેની ઉંમર ફિલ્મ બની ત્યારે જ ૮૦ ની આસપાસ હતી. મૂળ કથા અને એના લેખકના અભિગમને પૂરેપૂરા વફાદાર રહીને ફિલ્મ સર્જાઈ છે. નેટફ્લીક્સ ઉપર ફિલ્મ ઉપલબ્ધ છે.
  • ઋગ્વેદ : અર્થ અને સ્વરૂપ

    ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન

    ચિરાગ પટેલ

    • છાંદોગ્ય ઉપનિષદ્ કહે છે : જે ઋચા છે તે સામ છે (૧/૩/૪). સામ ઋચા પર આધારિત હોય છે (૧/૬/૧). વાણીનો રસ ઋચા છે, ઋચાનો રસ સામ છે, સામનો રસ ઉદ્ગીત છે (૧/૧/૨). વેદોમાં સામવેદ જ પુષ્પ છે (૩/૩/૧). વાણી ઋક અને પ્રાણ સામ છે (૧/૧/૫).
    • અથર્વવેદ કહે છે: પતિ “સામ” હું છું, પત્ની “ઋચા” તું છે (૧૪/૨/૭૧, ૮/૨૭, ૬/૪/૨૦).
    • ઋગ્વેદની ઋચાઓ સાથે લખવામાં આવતા જે-તે ઋષિ એના રચયિતા છે, જ્યારે સામવેદના સામ સાથે ઉલ્લેખ કરાતા જે-તે ઋષિ એ સામ દ્વારા સહુપ્રથમ ઇષ્ટ પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે.
    • ઋગ્વેદનો વિષય છે – શસ્ત્ર એટલે કે હોતા દ્વારા પ્રયુક્ત થનારો મંત્ર.
    • વેદના બધાં જ મંત્ર પદ્ય, ગદ્ય અને ગાન એમ ત્રણ ધારાઓમાં વહેંચાયેલા છે, એટલે એમને વેદત્રયી કહે છે.
    • ઋગ્વેદને બે ક્રમોમાં વિભાજિત કરવામાં આવે છે:

    ૧. અષ્ટકક્રમ: સંપૂર્ણ સંહિતા આઠ અષ્ટકોમાં, પ્રત્યેક અષ્ટક આઠ અધ્યાયોમાં, પ્રત્યેક અધ્યાય અમુક વર્ગોમાં અને પ્રત્યેક વર્ગ મોટે ભાગે પાંચ અને અમુક એકથી લઈને નવ ઋચાઓમાં વહેંચાયેલાં છે. આવા કુલ ૨૦૦૬ વર્ગ છે. આ પ્રાચીન વિભાજન છે.

    ૨. મંડળક્રમ: આ આધુનિક વિભાજન છે. એમા ૧૦ મંડળો છે. પ્રત્યેક મંડળ અનેક અનુવાક, પ્રત્યેક અનુવાકમાં અનેક સૂક્ત અને પ્રત્યેક સૂક્તમાં એકથી વધારે ઋચાઓ છે.૧૦ મંડળોમાં ૮૫ અનુવાક, અને ૧૦૧૭ સૂકતો છે. બાલખીલ્ય નામે ઓળખાતા ૧૧ સૂકતો ઉમેરતાં કુલ ૧૦૨૮ સૂકતો છે.

    • ઋક સંહિતામાં કુલ ૧૦૫૮૦ ઋચાઓ છે.
    • કુલ ૧૫૩૮૨૬ શબ્દો છે.
    • અક્ષર સંખ્યા ૧૨૦૦૦ બૃહતી વર્ણ અર્થાત ૧૨૦૦૦ x ૩૬ = ૪૩૨,૦૦૦ છે.
    • વર્તમાનમાં ઉપલબ્ધ ઋગ્વેદ શાકલ સંહિતા છે, જેમાં ૧૦૫૫૨ ઋચાઓ છે.
    • ભટ્ટ ભાસ્કર મિશ્ર, ભરત સ્વામી, વેંકટ માધવ, ઉદ્ગીથ, સ્કંદ સ્વામી, નારાયણ, રાવણ, મુદ્ગલ, ઉવટ, મહીધર, સાયણ વગેરે અનેક ભાષ્યકારોએ ઋગ્વેદ પર ભાષ્ય રચ્યાં છે.
    • મહર્ષિ વેદવ્યાસના શિષ્યોમાં પૈલને ઋગ્વેદ, જૈમિનિને સામવેદ, વૈશમ્પાયનને યજુર્વેદ, અને દારુણ મુનિ સુમન્તુને અથર્વવેદની શાખાઓ/પરંપરા માટે અગ્ર મનાય છે.
    • ઋગ્વેદની ૨૧ શાખાઓનો ઉલ્લેખ છે જેમાં પાંચ મુખ્ય છે – શાકલ, વાષ્કલ, આશ્વલાયન, શાન્ખાયન અને માણ્ડૂકાયન.
    • શાકલ્ય ઋષિના પાંચ શિષ્યો મુદ્ગલ, ગાલવ, શાલીય, વાસ્ત્ય અને શૈશિરની અન્ય પાંચ શાખાઓ છે જે શાકલ શાખાનો જ વિસ્તાર છે.
    • વાષ્કલ ઋષિના ચાર શિષ્યો બૌધ્ય, અગ્નિ-માઠર, પરાશર અને જાતૂકર્ણ્યની અન્ય શાખાઓ છે.
    • શાન્ખાયન શાખાની અન્ય ત્રણ શાખાઓ કૌષીતકિ, મહાકૌષીતકિ અને શામ્વવ્ય છે.
    • શાકલ શાખામાં ૧૧૧૭ સૂકતો છે.
    • વાષ્કલ શાખામાં ૧૧૨૫ સૂકતો છે, જેમાં ૧ સંજ્ઞાન અને ૭ બાલખિલ્ય સૂકતો છે.
    • આચાર્ય સાયણ લખે છે – એકમેવ સત તત્વ (પરબ્રહ્મ)ની સ્તુતિ કરવાથી ઋચાઓ ઋક્ કહેવાય છે. એને જ ઋગ્વેદ કહે છે. જે મંત્રોના માધ્યમથી પ્રકાશમાન થયા એ જ દેવ છે. મંત્રરૂપ વાક્યોના વક્તાને ઋષિ કહે છે. નિયત પરિમાણવાળો વર્ણ સમૂહ છંદ છે.

    શ્રી ચિરાગ પટેલનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-  chipmap@gmail.com

  • વૈભવ, વિવિધ વિદ્યાઓનો

    ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

    દિનેશ.લ. માંકડ

    વિશ્વગુરુ ભારતના અતિ ભવ્ય પ્રાચીનકાળને જાણવો એ પણ નસીબદાર હોવાની અનુભૂતિ છે.એમાંય જયારે ‘ વિદ્યા’ ની વાત આવે એટલે તો ભવોભવ સુધરવાની ચાવી હાથ લાગ્યાનો ભાવ પેદા થાય..કદાચ સરળ ભાષામાં કહેવું હોય તો ભારતીય સંસ્કૃતિ અનુસાર તો પુરુષમાંથી પુરુષોત્તમ બનવાની દિશામાં યાત્રા. કાળક્રમે ‘ વિદ્યા’ શબ્દનો અતિશય અર્થ સંકોચ થયો છે. હવે વિદ્યા શાળા-કોલેજના વર્ગ સુધી અને ‘ચાટણ માટે ચોપડી ‘માં મર્યાદિત થઇ ગઈ. બાકી તો જવલ્લે જ વિદ્વાન જનો કે સંતોની વચ્ચે વિદ્યા વિષયક ગહન ચર્ચા માણવા મળે.છે.અલબત્ત તેવા સમયે પણ મૂળ પ્રાચીન વિદ્યા વિષે વાત સાંભળવી એ પણ અહોભાગ્ય ગણીએ અને ગૌરવ પેદા કરીએ.

    વિષ્ણુપુરાણની ખુબ પ્રચલિત સૂક્તિ ‘સા વિદ્યા યા મુક્તિ’  જ વિદ્યાનો હેતુ પ્રદર્શિત કરે છે.મુક્તિ શબ્દ ખુબ વિશાળ અર્થમાં છે.ભિન્ન ભિન્ન વિદ્વાનો વિદ્યાના ભિન્ન ઉત્તમ અર્થો કરે છે.સરળ તારણમાં કહેવું હોય ઉત્તમોત્તમ સુધી પહોંચવાની નિષ્ઠાપૂર્વકની કશુંક પ્રાપ્ત કરવાની સતત ભૂખ.એટલે વિદ્યા.

    વિદ્યા કેટલી ? કેટલા પ્રકારની ? આ તો અવિરત અને આજીવન ચાલનારી પ્રક્રિયા છે.અનેક દૃષ્ટિકોણથી વિદ્યાના પ્રકાર બતાવાયા છે. ભારતીય ચિંતનમાં ભિન્ન ગ્રંથોમાં ભિન્ન ભિન્ન રીતે વિદ્યાઓના પ્રકાર વિવિધ રીતે દર્શાવ્યા છે. વિષ્ણુપુરાણ  વેદાંગ,વેદ,મીમાંસા, ન્યાયશાસ્ત્ર વગેરે મળીને 18 વિદ્યા બતાવે છે તો ‘લોકનીતિ ‘ ગ્રન્થ અનુસાર  શ્રુતિ,સ્મૃતિ ,સાંખ્ય ,યોગ,નીતિ,સંગીત,ગણિત ચિકિત્સા વગેરે ગણીને કુલ 18 વિદ્યા ગણાવે છે. કેટલાક વિદ્વાન ચિંતકો વિદ્યાને ચાર ભાગમાં વહેંચે છે.  શ્રી યોગેશ્વરજી પોતાના પુસ્તક ‘ઉપનિષદ અમૃત ‘માં મુંડક ઉપનિષદના શૌનક અને ઋષિ અંગિરાના સંવાદનો સંદર્ભ ટાંકીને વિદ્યાના મૂળ બે પ્રકાર જણાવે છે. ‘द्वे विद्ये वेदितव्ये इति ह स्म यद् ब्रह्मविदो वदन्ति परा चैवापरा।’ પરા વિદ્યા અને અપરા વિદ્યા .ઋગ્વેદ ,યજુર્વેદ ,સામવેદ અને અથર્વવેદ એમ ચાર વેદ અને શિક્ષા,કલ્પ ,વ્યાકરણ ,નિરુક્ત ,છંદ અને જ્યોતિષ એમ છ વેદાંગ  છે.આને અપરા વિદ્યા કહે છે.બીજી વિદ્યા તે પરા વિદ્યા. જેનાથી અવિનાશી પરમાત્માનું જ્ઞાન કે પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે.સરળ ભાષામાં કહેવું હોય તો શાસ્ત્રવિદ્યા તે અપરા વિદ્યા અને અનુભવ વિદ્યા તે પરા વિદ્યા .  .

    આમ તો ઉપનિષદોનું મૂળ લક્ષ્ય બ્રહ્મવિદ્યાનું છે.પરા વિદ્યા અને અપરાવિદ્યાના વિશ્લેષણથી તે સમજાવવાનો યોગ થયેલો છે. પ્રત્યેક ઉપનિષદમાં શીખવા-શીખવવાની તીવ્રત્તમ ઝંખનાવાળા ગુરુ-શિષ્યનો ભંડાર છે.એટલે જ ઉપનિષદોમાં વિદ્યાઓનો વિવિધતા સભર વૈભવ ભર્યો છે.આમ છતાં મહદઅંશે વિદ્વાનો મુખ્ય 32 વિદ્યાઓ તારવે છે.એમાંય ક્યાંક નામરૂપ જુદાં તરી આવે છે.

    ‘ સહુ પ્રથમ સત્ય જ હતું ને પછી બધું ક્રમશઃ ઉત્પન્ન થયું’. तस्मादसतः सज्जायत ॥ (છાંદોગ્ય)  પિતા આરુણિ પુત્ર શ્વેતકેતુને સૃષ્ટિની ઉત્પત્તિની વાત-. સદ્વિદ્યા રૂપે સમજાવી.. પરબ્રહ્મ કલ્યાણ ગુણકારક વૈભવ સંપન્ન આનંદમય છે. स एको ब्रह्मण आनन्दः । તૈત્તરીય ઉપનિષદના બ્રહમાનંદવલ્લીમાંની શ્રેષ્ઠત્તમ આનંદની પ્રાપ્તિની વિદ્યા આનંદવિદ્યા બતાવી છે પૃથ્વીથી માંડીને આદિત્ય અને અંતરિક્ષ એ જ પરબ્રહ્મનું સ્વરૂપ છે एषोऽन्तरादित्ये हिरण्मयः पुरुषो दृश्यते (છાંદોગ્ય)  એમ આ અંતરાદિત્યઃ વિદ્યા પ્રતિપાદ કરે છે. ‘લોકોનો આશ્રય શું ? ‘ તેવા  શિલકના પ્રશ્નના ઉત્તરમાં પ્રવાહણએ જણાવ્યું. આકાશવિદ્યા સમજાવી  ‘સૂર્યની મધ્યમાં તે સ્વર્ણિમ સ્વરૂપે પ્રગટ છે આકાશ જ.કારણકે બધાં જ પ્રાણી અને તત્ત્વો આકાશથી જ ઉત્પન્ન થાય છે અને એમાં જ પ્રલયને પાત્ર છે.તેથી આકાશ જ સૌથી મોટું છે.’- आकाशं प्रत्यस्तं यन्त्याकाशो ह्येवैभ्यो ज्यायानकाशः (છાંદોગ્ય )

    છાંદોગ્ય ઉપનિષદમાં યજમાન રાજાના પ્રશ્નના ઉત્તરમાં ઋષિ ઉપસ્તિએ પ્રાણવિદ્યા સમજાવતાં  જણાવ્યું કે, ‘એ દેવતા પ્રાણ છે.પ્રલયકાળમા અને ઉત્પત્તિ સમયે પણ દરેક પ્રાણી પ્રાણમાં જ પ્રવેશી જાય છે.આ પ્રાણ જ સ્તુત્ય દેવ છે.’. प्राण इति होवाच सर्वाणि ह वा इमानि भूतानि | ગાયત્રી જ્યોતિર વિદ્યામાં वाग्वा इदꣳ सर्वं भूतं गायति

    च त्रायते च ॥ (છાંદોગ્ય) ‘ જે  કઈ જગતમાં પ્રત્યક્ષ દૃશ્યમાન છે તે ગાયત્રી જ છે.વાણી રૂપ થઇ ગાન કરે છે. પ્રાણ રૂપ પણ ગાયત્રી જ છે. મહર્ષિ શાંડિલ્ય કહે છે सर्वकर्मा सर्वकामः सर्वगन्धःसर्वरसःसर्वमिदमभ्यात्तोऽवाक्यनादर एष म आत्मान्तर्हृदय | (છાંદોગ્ય) .જે સંપૂર્ણ જગતના રચયિતા છે.સંપૂર્ણ ગંધ અને રસથી પરિપૂર્ણ ,સર્વત્ર સમવ્યાપ્ત છે.એ આત્મા હૃદયગુફામા રહે છે’ એ શાંડિલ્ય વિદ્યા તરીકે ઓળખાય છે.

    ब्रह्मप्राप्तो विरजोऽभूद्विमृत्यु-  रन्योऽप्येवं यो विदध्यात्ममेव ॥ ( કઠોપનિષદ) આત્મજ્ઞાનની તીવ્રત્તમ જિજ્ઞાસવાળા નચિકેતા, યમરાજા દ્વારા આ નચિકેતસ વિદ્યા પ્રાપ્ત કરીને સમસ્ત વિકારરહિત શુદ્ધ થઇ જન્મ -મૃત્યુ બંધનમાંથી મુક્ત થયા.  આચાર્ય સત્યકામ જાબાલાને વિનંતી કરી. આખરે તેમના સાનિધ્યમાં કઠોર તપસ્યા છતાં  પ્રત્યુત્તર ન મળતા છેવટે ઉપકૌશલે અગ્નિઓને વિનંતી કરી આખરે તેમણે વિદ્યા.આપી य एतमेवं विद्वानुपास्ते ॥ (છાંદોગ્ય) તે ઉપકૌશલ વિદ્યા. આરુણિ -ઉદ્દાલકએ મહર્ષિ યાજ્ઞવલ્કયને પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં  અંતર્યામી વિદ્યા સમજાવતાં કહ્યુ કે,’પૃથ્વી,જળ અગ્નિ,અંતરિક્ષ ,વાયુ,દ્યુલોક આદિત્ય,દિશાઓ,વગેરેમાં સર્વેમાં તો અંતર્યામી છે જ..તમારો આત્મા જ અંતર્યામી અને અવિનાશી છે.’ . त आत्माऽन्तर्याम्यमृतोऽतोऽन्यदार्तं (બૃહદારણ્યક)

    વિદુષી ગાર્ગીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ યાજ્ઞવલ્કયએ અક્ષર વિદ્યા સમજાવતાં કહ્યું કે,’એ તત્ત્વને બ્રહ્મવેત્તા ‘અક્ષર ‘કહે છે.એ ન તો સ્થૂળ છે,ન સૂક્ષ્મ છે, ન નાનો, ન લાંબો, ન તો સ્નેહીલ .છે..હે ગાર્ગી,આ અક્ષર જ બ્રહ્મમાં જ આકાશ તત્ત્વમાં ઓતપ્રોત છે. अनन्तरमबाह्यं न तदश्नाति किं चन न तदश्नाति कश्चन ॥ (બૃહદારણ્યક)  રાજા અશ્વપતિએ ઓપમન્યવન રાજા ક્યાં આત્માની ઉપાસના કરે છે”‘ – તેના ઉત્તર રૂપે ઋષિકુમાર પ્રાચીનશાલે વૈશ્વાનર વિદ્યા સ્વરૂપે સમજાવ્યુ કે ‘આપ જે આત્માની ઉપાસના કરો છો તે ‘સુતેજા ‘ નામક શ્રેષ્ઠ વૈશ્વાનર છે.’ तस्मात्तव सुतं प्रसुतमासुतं कुले(છાંદોગ્ય)  दृश्यते ॥

    શ્રેષ્ઠતાનું મૂલ્ય જાણવા નારદજીએ સનતકુમારોને પ્રશ્ન કર્યો કે,’ આકાશથી પણ કઈ શ્રેષ્ઠ છે ?’  ઉત્તરમાં સનતકુમારોએ ભુમાવિદ્યા સમજાવતાં જણાવ્યું,’ હા છે, જ્યાં બીજું કઈ દેખાતું ન હોય,સંભળાતું ન હોય અને જ્યાં બીજું કોઈ જંતુ જ ન હોય તે ભુમા છે.એ જ અમૃત છે.’ तदल्पं यो वै भूमा तदमृतमथ यदल्पं तन्मर्त्य्ꣳ स भगवः(છાંદોગ્ય). ‘ બ્રહ્મપુર ( શરીર ) ના અંતઃક્ષેત્રમાં જે કમળપુષ્પ ( દહર) ક્ષેત્ર છે એન અંતર્ગત જે અત્યંત સૂક્ષ્મ આકાશ છે એના અન્તઃક્ષેત્રમાં જે તત્ત્વ વિદ્યમાન છે એની શોધ કરી મેં શ્રેષ્ઠત્તમને જાણવાની ઈચ્છા કરવી જોઈએ.’ તેવું આચાર્યે જણાવતાં જ શિષ્યોએ તેની ઉત્કંઠા બતાવી અને આચાર્યએ દહર વિદ્યા ‘ સમજાવતાં કહ્યું કે ત્યાં તો પૃથ્વી અને દ્યુલોક બંને સમાયેલાં છે.અગ્નિ,વાયુ,સૂર્ય,ચંદ્ર, વિદ્યુત નક્ષત્ર એ બધું પણ પૂર્ણપણે એમાં સમાયેલું છે. अथ यदिदमस्मिन्ब्रह्मपुरे दहरं पुण्डरीकं वेश्म दहरोऽस्मिन्नन्तराकाशस्तस्मिन्यदन्तस्तदन्वेष्टव्यं

    तद्वाव विजिज्ञासितव्यमिति ॥  (છાંદોગ્ય)

    શરીરમાં આત્મા ક્યાં છે ને કેવી ગતિ કરે છે તે સમજાવતાં યમરાજા  નચિકેતને અંગુષ્ઠવિદ્યા કહે છે ,’ બધાનો   આત્મા અંગુઠાના માપવાળો છે. જે પરમ પુરુષ ( પરબ્રહ્મ) ના રૂપમાં હંમેશા બધાના હૃદયમાં પ્રતિષ્ઠિત છે. अङ्गुष्ठमात्रः पुरुषोऽन्तरात्मा  ( કઠોપનિષદ) જ્યાં દેવોની ઝંખના પણ વધારે છે તે  અમૃતતુલ્ય મધુવિદ્યાને આ

    રીતે સમજાવી છે,’આ આદિત્ય જ દેવોનું મધ છે. દ્યુલોકમાં એ ત્રાંસો વાંસ છે.જેની ઉપર મધપૂડો લટકે છે. અંતરિક્ષ છત્રી છે. અને કિરણો મધમાખીઓના બચ્ચા સમાન છે.’ असौ वा आदित्यो देवमधु तस्य द्यौरेव ( છાંદોગ્ય)

    આ વાયુ સંવર્ગ છે  જયારે અગ્નિ ઓલવાય ત્યારે તે વાયુમાં લીન થઇ જાય છે. એમ છાંદોગ્ય ઉપનિષદમાં  રૈક્વ, રાજા જનશ્રુતિને સંવર્ગ વિદ્યા બતાવે છે. वायुर्वाव संवर्गो यदा वा अग्निरुद्वायति| ( છાંદોગ્ય) ગાર્ગ્ય બાલાકી ને રાજા અજાતશત્રુએ કરોળિયાની પોતાના જ તંતુ દ્વારા ઉર્ધ્વગમનના દૃષ્ટાંત થકી સમજાવ્યું. स यथोर्णभिस्तन्तुनोच्चरेद् ( છાંદોગ્ય) ‘ આ આત્મા દ્વારા જ બધા પ્રાણ,બધા લોક,બધા દેવતાઓ અને સમસ્ત ભૂત ઉત્પન્ન થાય છે.’ જેને વિદ્વાનો બાલાકી વિદ્યા તરીકે જાણે છે. વૈદિકકાળમાં ઉત્તમોત્તમ વિદ્વાન ગણાતાં દંપતીના ધર્મપત્ની મૈત્રેયીએ પોતે અમરત્વ પ્રાપ્ત કરવાની વિદ્યાની જિજ્ઞાસા વ્યક્ત કરતાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યએ વિસ્તૃતપણે ઉપદેશ પ્રદાન કર્યો. તે એટલે મૈત્રેયી વિદ્યા सती प्रियं भाषस एह्यास्स्व व्याख्यास्यामि ते (બૃહદારણ્યક)

    આરુણિ પુત્ર શ્વેતકેતુને પંચાલ નરેશ રાજાએ પંચાગ્નિ વિષે પાંચ પ્રશ્ન કર્યા.ઉત્તરથી અજ્ઞાત શ્વેતકેતુએ ઘેર જઈ, પિતાને વાત કરી.પછી બંને ફરી પંચાલ નરેશ પાસે આવ્યા અને અત્યાર સુધી માત્ર ક્ષત્રિયનો જાણવાનો અધિકાર હતો તે પંચાગ્નિ વિદ્યા અને તેથી મળતી સિદ્ધિઓ જાણી.. आपूर्यमाणपक्षमापूर्यमाणपक्षाद्यान्षडुदङ्ङेति( છાંદોગ્ય)  ‘જીવાત્માથી ઈશ્વરની અવ્યક્ત શક્તિ શ્રેષ્ઠ છે.એ શક્તિથી પરમપુરુષ શ્રેષ્ઠ છે.એ પરમપુરુષથી બીજું કશું શ્રેષ્ઠ નથી.એ બધાની પરાકાષ્ઠા અને પરમ ગતિ છે.’ એ રીતે યમરાજા નચિકેતાને પરમપુરુષ વિદ્યાના વિશેષ ગુણો વર્ણવે છે. महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः । (  કઠોપનિષદ)

    ઈશાવાસ્ય ઉપનિષદમાં ઈશાવાસ્ય વિદ્યા ના માધ્યમથી વિશ્વ નિયંતાને ઉત્તમ જીવન માટે વિનવણી છે. अस्मान् विश्वानि देव वयुनानि विद्वान्, ’હે અગ્ને પ્રભુ , આપ અમને શ્રેષ્ઠ માર્ગેથી ઐશ્વર્ય તરફ લઇ જાવ.હે વિશ્વના અધિષ્ઠાતા આપ કર્મ માર્ગના જ્ઞાતા છો.અમોને કુટિલ પાપોથી બચાવો.અમે પુનઃ પુનઃઆપણે વીનવીએ છીએ’

    .   ઉપનિષદ અનુસાર કેટલાક વિદ્વાનો-ચિંતકો, પરબ્રહ્મને પામવા ઓળખવા માટે અન્ય નામોથી પણ વિદ્યાઓએ સંબોધે છે જેવીક  ઇન્દ્ર પ્રાણ વિદ્યા, ગાર્ગ્ય।ક્ષર વિદ્યા,.દેવોપાસ્ય જ્યોતિર્વિદ્યા ,.અજાશરીરક વિદ્યા,..દ્રુહીન રુદ્રાદિ શરીરક વિદ્યા,.આદિત્ય સ્થાહન નામક વિદ્યા, અક્ષિષ્ઠાહન્નામાક વિદ્યા ,ઉપષ્ટી કહોલ વિદ્યા, વ્યાહુતિ શારીરક વિદ્યા વગેરે. વિદ્યાની નામથી  ઓળખ તો તેના ગુરુ કે શિષ્યના કે પછી તે વિદ્યાની વિશેષતાના આધારે છે.વસ્તુતઃ તો કશુંક વિશેષ પ્રાપ્ત તે વિદ્યા.પ્રત્યેક ઉપનિષદના પ્રત્યેક સંવાદે વિદ્યા જ વિદ્યા મેઘધનુષની જેમ શોભાયમાન છે.


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક પહેલો : પ્રવેશ ૩ જો

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક પહેલો: પ્રવેશ  થી આગળ

    સ્થળ : કિસલવાડી.

    [છાતીમાં તીર પેઠેલું એવું લોહી વહેતું શબ જમીન પર પડ્યું છે. પાસે શીતલસિંહ બેઠા છે. એવો પ્રવેશ થાય છે.]

    [એક તરફથી રાઈ તીરકામઠા સાથે દોડતો આવે છે. બીજી તરફથી જાલકા જાદુગરના વેશમાં ફાનસ લઈ દોડતી આવે છે.]

    રાઈ : (ફાનસને અજવાળે શબને જોઈને ચમકીને) આ કોણ? શું ! મહારાજ પર્વતરાયની છાતીમાં મારું બાણ વાગ્યું? પ્રભુ ! આ શો ગજબ ! મેં તો કોઈ નિશાચર પશુ ફરે છે એમ ધારી બાણ છોડ્યું હતું. શીતલસિંહ ! આપ મહારાજની સાથે હતા? અંધારી રાત્રે આ વાડીમાં ક્યાંથી ?

    શીતલસિંહ : (નિરાશાથી) મહારાજને મોત અહીં લઈ આવ્યું, અને મને મોત અહીંથી લઈ જનાર છે; કેમકે, નગર સુધી હવે બીજું કોઈ મારો સાથી થાય તેમ નથી.

    જાલકા : શીતલસિંહ ! આ શો કેર કર્યો ! મેં તમને કહ્યું હતું કે મહારાજાને લઈને ઉત્તરને ઝાંપેથી આવજો, અને, તમે દક્ષિણ તરફથી કેમ આવ્યા? એ તરફ તો ઝાંપો પણ નથી !

    શીતલસિંહ : મહારાજે પોતે આગ્રહ કર્યો કે દક્ષિણ તરફ ચાલો, અને, માર્ગ નહીં હોય તો છીંડું પાડીશું. રાજજોશી મુહૂર્ત આપ્યું હતું કે નગરથી એ તરફ પ્રયાણ કરવાનું આ વેળા બહુ શુભ લગ્ન છે. પરંતુ.

    (અનુષ્ટુપ)

    અદૃષ્ટ ભાવિનો પન્થ કોનાં નેત્રે દીઠો કદી?
    સન્મુખ મૃત્યુ ઊભેલું દહાડે એ દીસતું નથી! ૬

    મહારાજના પ્રાણ નીકળી ગયા છે તેનો હવે વિચાર કરો.

    રાઈ : મને આમાંનું કાંઈ સમજાતું નથી. અજાણ્યે રાજવધ કર્યાની જે શિક્ષા હોય તે ખમવાને હું તૈયાર છું, પરંતું તમારી એવી શી ગોઠવણ હતી કે જેથી આ દુર્ભાગ્ય મારે માથે આવી પડ્યું?

    શીતલસિંહ : રાઈ ! તારો એમાં કાંઈ અપરાધ નથી. જાલકા ! એને હકીકતથી વાકેફ કર કે પછી આપણે ત્રણે મળી કાંઈ રસ્તો કાઢીએ.

    જાલકા :

    (અનુષ્ટુપ)

    પડદો જે હતો ધર્યો ધીમે ધીમે ઉપાડવો,
    રાઈ ! તે બાણ તારાએ કીરી ખુલ્લો કરી દીધો. ૭

    રાઈ : સૂકાયેલા ઝાડને સજીવન કરવાની વાત બધી ખોટી હતી?

    જાલકા : ખોટી નહોતી. મહારાજ પર્વતરાયને હું એ પ્રયોગ કરી બતાવવાની હતી. તેમને વૃદ્ધ વયમાં ફરી જુવાન બનાવવાનું મેં માથે લીધું હતું. એની પ્રથમ મારા ઉપચારની સફલતાની ખાતરી કરવા સારુ ઝાડા પરનો એ પ્રયોગ જોવા આજ રાત્રે તેમને અહીં બોલાવ્યા હતા.

    રાઈ : મહારાજનો કેવો વિચિત્ર અભિલાષ !

    (ઉપજાતિ)

    જુવાનને યૌવન ઇષ્ટ લાગે,
    તારુણ્ય તે અક્ષયિ સ્થાયિ માગે;
    પરંતુ વૃદ્ધત્વ મળેલું કૃચ્છ્રે,
    શું નાખી દેવા જનવૃદ્ધ ઈચ્છે? ૮

    જાલકા : તને ખબર નથી રાણી રૂપવતીના સ્વર્ગવાસ પછી મહારાજે ફરી લગ્ન કર્યું છે, અને નવાં રાણી લીલાવતી હજી યુવાવસ્થામાં પ્રવેશ જ કરે છે ?

    રાઈ : અને એ લગ્નની નવી વિધાત્રી થવામાં તને શું મળવાનું હતું?

    જાલકા : યૌવન ફરી આવે તો તને રાજ્યનો કોઠો ભાગ આપી દેવા મહારાજે મને વચન આપ્યું હતું, પણ, એમના મનોરથ એમના આ લોહી સાથે વહી જાય છે ત્યાં મારા મનોરથનો ક્યાં શોક કરું?

    શીતલસિંહ : લાંબી લાંબી વાતો કરવાનો આ પ્રસંગ નથી. જાલકા !
    તારી તીક્ષ્ણ બુદ્ધિથે શોધી કાઢ કે મહારાજના અવસાનની ખબર શી રીતે પહોંચાડવી. હું મહારાજની સાથે નીકળ્યો છું એ મહેલમાં સહુ જાણે છે, તો મારે શી રીતે બચવું ? ખરી વાત કોણ માનશે અને કોણ સાંભળશે ?

    જાલકા : (વિચાર કરીને) મહારાજ જીવતા છે એવી ખબર આપણે મોકલીએ તો કેમ?

    શીતલસિંહ : કાંઈ ચિત્તભ્રમ થયો? જેને મહારાજ જીવતા હોવાની ખબર મોકલીએ તે એ જ પૂછે કે એવી ખબર મોકલવાનું પ્રયોજન શું ? મહારાજ પોતે પાછા આવે એ જ ખબર તેમને તો જોઈએ.

    જાલકા : જરા ધીરજથી સાંભળો . મહારાજા યૌવન મેળવવા પ્રયાસ કરે છે, એ સહુ જાણે છે. તેથી, આપણે એવી ખબર મોકલીએ કે ‘પરદેશથી કોઈ મોટો વૈદ્ય આવ્યો છે, તેણે મહારાજાને જુવાન કરી દેવાનું માથે લીધું છે. છ માસ સુધી તેના ઔષધનું સેવન કરવાનું છે.. પણ, એ છ માસ મહારાજ એકાંત ભોંયરામાં રહે અને વૈદ્ય આપે તે જ અન્નપાન લે, અને , બીજું કોઈ તેમનું દર્શન કરે નહીં તથા તેમનો શબ્દ સાંભળે નહિ, તો જ પ્રયોગા સફળ થાય. અને એ પ્રયોગથી મહારાજને એવું યૌવન આવે કે પાળિયાં જતાં રહે ને કાળા વાળ આવે, દાંત પાછા ઊગે, કરચોળીવાળું શિથિલ અંગ પાછું પ્રફુલ્લ થાય, આંખોમાં પાછું તેજ આવે, અને, મુખાકૃતિ બદલાઈ એવી રમ્ય થાય કે મહારાજને ઓળખવા પણ અઘરા પડે. આ યોજના પાર પાડવા મહારાજ વૈદ્ય સાથે ભોંયરામાં ઊતાર્યા છે અને છ માસ પછી બહાર નીકળશે. ત્યાં સુધી પ્રધાન કલ્યાણકામ સર્વ રાજકારભાર ચલાવે એવી મહારાજની આજ્ઞા છે.’ એ ખુલાસો માનશે. અને કોઈ ભોંયરું જોવા આવશે તો અહીંથી નગર તરફ જતાં નદી કિનારે રુદ્રનાથ મહાદેવનું મંદિર આવેલું છે તેમાં ભોંયરું છે, તે બંધ કરી રાખી બતાવીશું. એ મંદિર મારા તાબામાં છે.

    શીતલસિંહ : યુક્તિ તો ઠીક લાગે છે, પણ છ માસ પછી કોને રજૂ કરીશ ?

    જાલકા : એનો તો એક જ માર્ગ છે, તે એ કે આ રાઈને પર્વતરાય તરીકે રજૂ કરવો.

    શીતલસિંહ : (ભડકીને) શું ! માળીને રાજા બનાવવો ?

    જાલકા : તમને એ સ્થાન આપીએ. પણ તમને સહુ ઓળખે, અને, તમારો ચહેરો ઢાંક્યો ન રહે. આપણા ત્રણના સિવાય ચોથાનો વિશ્વાસ થાય નહિ. છ માસમાં રાઈને રાજદરબારની બધી હકીકતથી વાકેફ કરી દઈશું.

    રાઈ : જાણે હું સંમતિ આપી ચૂક્યો હોઉં એવી રીતે, જાલકા, તું વાત કરે છે.

    જાલકા : રાઈ ! આ દીર્ઘદૃષ્ટિથી વિચાર કરવાનો ગંભીર પ્રસંગ છે. તારે તો ફક્ત હું કહું તેમ કરવાનું છે. શીતલસિંહ ! જો આપણે જીવતા રહેવું હોય તો આ સિવાય બીજો ઉપાય નથી.

    શીતલસિંહ : પણ, એમાં બહુ જોખમભર્યું સાહસ છે. હમણાં કે પછી જો કોઈ વેળા ખરી હકીકત બહાર પડી અને સહુએ જાણ્યું કે આ તો માળી છે તો આપણી શી ગતિ થવાની ?

    જાલકા : હાલ કરતાં ખરાબ ગતિ નહિ થાય. અને, પર્વતરાય મહારાજના મરણનું વૃત્તાન્ત પ્રગટ થાય તો તેમના પુત્રને અભાવે ગાદી માટે કોણ જાણે કેવીયે લડાઈઓ જાગે અને રાજ્ય કેવું ઓપાયમાલ થઈ જાય તેનો વિચાર કર્યો ? વળી, પર્વતરાયના સામંતો તે કંઈ વંશપરંપરાના હકદાર નથી. પર્વતરાય સાથે આ દેશમાં નવા આવેલા તમારા સરખા સામન્તોની જાગીરો જે નવો રાજા કોણ જાણે ક્યાંથીયે આખરે આવે, તે પળે એની શી ખાતરી ? રાઈ ગાદીએ આવે તો એવી ચિન્તાનું કારણ ન રહે. તમારી સેવાની કદર પણ એ જરૂર કરે.

    શીતલસિંહ : તું બતાવે છે તેમ તારી યોજના પાર પડે તેવી છે ખરી, પણ, કાંઈ વધારે સાદો અને સહેલો અને ધાસ્તી વગરનો રસ્તો જડે તેમ નથી?

    જાલકા : શીતલસિંહ ! શી બાલક જેવી વાતો કરો છો? રાજરોગ જામ્યો ત્યાં સાકરનું પાણી મટાડી દેવાનું કહેવું. એ તો ફક્ત હાંસી જ છે. એક તરફથી, રાજવધનો આરોપ આપણા સહુને માથે ઝઝૂમે છે; બીજી તરફ, રાજ્ય ઊંધું વળવાની દહેશત ઊભી થઈ છે; ત્રીજી તરફથી, રાત પાણીને વેગે વહી જાય છે, અને સવાર પહેલાં બધી ગોઠવણ પૂરી કરવાની છે; ત્યાં સાદા ને સહેલા ને ધાસ્તી વગરના રસ્તાની શી વાતો કરો છો? જે રસ્તો મને સૂઝ્યો તે મેં બતાવ્યો. તમને કોઇ રસ્તો રસ્તો સૂઝતો હોય તો બતાવો. નહિ તો છેવટ એક ટૂંકો રસ્તો છે. આ શબ ઉપાડીને મહેલમાં લઈ જઈએ અને ત્યાં માથાં કપાવવા ઊભા રહીએ. એ રસ્તો સાદોયે ખરો અને સહેલોયે ખરો ! પણ એમાં કાંઈ ધાસ્તી ખરી !

    શીતલસિંહ : જાલકા ! આ સંકટથી મારું ચિત્ત વિહ્વલ થયું છે, તેવે વખતે તું મારો તિરસ્કાર ન કર અને ઉપહાસ ના કર. મારી બુદ્ધિ ચાલતી નથી. તું જેમ કહે તેમ કરવાને હું તૈયાર છું. તું માલણ કેમ થઈ ! તું તો કોઇ પરાક્રમી સ્ત્રી છે.

    જાલકા : હવે, મહારાજના, શબને ભૂમિમાં સમર્પણ કરીએ. અગ્નિદાહ કરવા જતાં ગુપ્તતા નહિ સચવાય.

    શીતલસિંહ, તમે નદીમાં સ્નાન કરી આવો. અમે બીજી તૈયારી કરીએ છીએ.

    [સર્વ જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

     

  • નફા ને ખોટનો ખયાલ ન કર, ફકીર સાથે ભાવતાલ ન કર

    નફા ને ખોટનો ખયાલ ન કર,
    ફકીર સાથે ભાવતાલ ન કર.

    એ જ સંબંધની ચરમસીમા,
    એમનાથી કોઈ સવાલ ન કર.

    કોક બીજું ય વસે છે અહીંયાં,
    અહીંયાં તું આટલી ધમાલ ન કર.

    કેમ કે, તું નથી તારી મિલકત,
    દોસ્ત, તારામાં ગોલમાલ ન કર.

    તું નથી જાણતો ક્યાં જાય છે તું,
    આટલી તેજ તારી ચાલ ન કર.

    લોક માલિકને ભૂલી બેસે,
    સંત, તું એટલી કમાલ ન કર.

    – અદમ ટંકારવી