-
ફિલ્મી ગઝલો – ૧૩. કેદાર શર્મા
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગયા હપ્તે ન્યાય શર્માની રચનાઓની ચર્ચા વખતે કેદાર શર્માનો ઉલ્લેખ થયેલો. કેદાર શર્મા ખરા અર્થમાં એક વિદ્વાન વ્યક્તિ અને હિંદી સિનેમાના પાયાના પત્થરોમાંના એક. પોતે અનેક ફિલ્મો નિર્મિત અને દિગ્દર્શિત કરી જેમાં ચિત્રલેખા ( જૂની ૧૯૪૧ વાળી ) સિવાયની મોટા ભાગની નિષ્ફળ ! ૧૯૩૬ ની સાયગલવાળી ‘ દેવદાસ ‘ ફિલ્મના સંવાદ અને ગીતો એમનું સર્જન તો સાયગલ સાહેબે ગાયેલા અનેક યાદગાર ગીતો પણ એમની કલમેથી નીપજ્યા . ‘ બાવરે નૈન ‘ ( ૧૯૫૦ ) અને ‘ ચિત્રલેખા ‘ ( ૧૯૬૪ ) જેવી સંગીતપ્રધાન ફિલ્મો પણ એમણે જ બનાવી.
તેઓ એક ઉત્કૃષ્ટ કક્ષાના કવિ પણ હતા. એમણે લખેલું ફિલ્મ ‘ હમારી યાદ આએગી ‘ નું મુબારક બેગમે ગાયેલું ચિરસ્મરણીય શીર્ષક ગીત કોણ ભૂલી શકે ! ‘ બાવરે નૈન ‘ ફિલ્મના એમણે લખેલા ‘ ખયાલોં મેં કિસી કે ઈસ તરહ આયા નહીં કરતે ‘ અને ‘ તેરી દુનિયા મેં દિલ લગતા નહીં‘ સંગીતરસિયાઓને સુવિદિત છે. અફસોસ કે એક શાયર તરીકે એમને જે સ્થાન અને ફિલ્મો મળવી જોઈતી હતી એ ન મળી. એ પણ સંભવ છે કે એમણે પોતે પોતાના બેનર સિવાયની ફિલ્મોમાં ગીત લખવાનું ટાળ્યું હોય.તેઓ અભિનેતા રાજકપૂર જેવા કેટલાય નવોદિત કલાકારોના ગુરુ હતા. પુખ્ત વયના રાજકપૂરની પહેલી ફિલ્મ ‘ નીલકમલ ‘ ( ૧૯૪૭ ) એમણે બનાવેલી. એ ફિલ્મના સેટ પર એમણે રાજકપૂરને મારેલો તમાચો સુવિખ્યાત છે.
કેદાર શર્માએ મોટા ભાગના ગીતો પોતાની ફિલ્મો માટે જ લખ્યા. એમના અનેક ઉત્તમ પણ હવે વિસ્મૃત એવા બેહતરીન ગીતોને સંગીતકાર સ્નેહલ ભાટકરે તર્જબદ્ધ કર્યા છે. એમની લખેલી બે વિલક્ષણ ગઝલો જોઈએ :
૧.
હાલે દિલ ઉનકો સુનાના થા – સુનાયા ન ગયા
જો ઝુબાં પર મુજે લાના થા – વો લાયા ન ગયાપ્યાર સે સીને પે સર રખ કે તો દિલ કદમોં પર
આપ કો અપના બનાના થા – બનાયા ન ગયાખેલતી આંખમિચૌલી રહી નઝરેં અપની
જિનકો પલકોં મેં છુપાના થા – છુપાયા ન ગયાએક હી વાર મેં હાથોં સે જિગર થામ લિયા
હાએ જિસ દિલ કો બચાના થા – બચાયા ન ગયા ..– ફિલ્મ : ફરિયાદ – ૧૯૬૪
– સુમન કલ્યાણપૂર
– સ્નેહલ ભાટકર
૨.
બાત તો કુછ ભી નહીં દિલ હૈ કે ભર આયા હૈ
દિલ હંસી અપની ઉડાને પે ઉતર આયા હૈના કિસી કો તેરી આહોં સે ન અશ્કોં સે ગરઝ
તૂ ન સમઝા તુઝે સૌ બાર યે સમજાયા હૈઆંખ રો કર કહે, રુસવા ન હો – યે ફૂટ પડે
દિલ કે છાલોં ને નિગાહોં પે તરસ ખાયા હૈ ..– ફિલ્મ : ઠેસ – ૧૯૪૯
– રફી – મુકેશ
– સ્નેહલ ભાટકર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
‘આજા’, ‘આઓ’ વાળા ગીતો – ओ मेरे प्यार आजा
નિરંજન મહેતા
આવા ગીતોનો પહેલો ભાગ ૨૨.૦૭.૨૦૨૩ના દિવસે મુકાયો હતો જેમાં ૧૯૫૮ સુધીના ગીતોને આવરી લેવાયા હતાં. આ બીજા ભાગમાં ત્યાર પછીના એટલે કે ૧૯૫૯થી ૧૯૭૦ સુધીના ગીતોનો સમાવેશ છે,
સૌ પ્રથમ છે ૧૯૫૯ની ફિલ્મ ‘લવ મેરેજ’નુ આ ગીત
करीब आओ ना तडपाओ
हमें कुछ कहना है तुम्हारे कानो में
દેવઆનંદને લલચાવતું આ નૃત્યગીત કોના પર રચાયું છે તે જણાતું નથી. ગીતના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયિકા ગીતા દત્ત.
૧૯૬૪ની ફિલ્મ ‘રાજકુમાર’નુ આ ગીત એક વિશિષ્ટ પ્રકારનું ગીત છે જેમાં સાધના અને સાથીઓ પાણીમાં ટોપલા(?) ઉપર ઊભા રહી નૃત્ય કરે છે અને પોતાની વિરહ વેદના પ્રગટ કરે છે.
आजा आई बहार
दिल है बेकरार
ओ मेरे राजकुमार
तेरे बिन रहा न जाए
શમ્મીકપૂર પણ આ ગીતમાં દેખાય છે. ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયિકા લતાજી.
૧૯૬૪ની ફિલ્મ ‘ગીત ગાયા પત્થરોને’ એક જુદા જ પ્રકારનું આમંત્રણ આપતું ગીત છે.
आइए पधारिये आइए पधारिये
शिव और पार्वती की शादी
अरे जैसे हर लडके की शादी
પર્યટકોને જીતેન્દ્ર અને રાજશ્રી કલાકૃતિ જોવા આ ગીત દ્વારા બોલાવે છે. વિશ્વામિત્ર આદીલના શબ્દો. સંગીતકાર નામ છે રામલાલ , ગાયક કલાકારો મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે
આ ફિલ્મનું અન્ય ગીત છે
आजा जान-ऐ-जा मेरे मेहरबान
नैनो का कजरा बूलाये
दिल का ये अचरा बुलाये
बाहों का गजरा बुलाये
ઓડીઓને કારણે કલાકારની જાણ નથી પણ રાજશ્રી મુખ્ય કલાકાર છે એટલે તેના પર રચાયું હોય તેમ લાગે છે. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર રામલાલ અને ગાયિકા લતાજી.
૧૯૬૫ની ફિલ્મ ‘ભૂત બંગલા’નુ ટ્વિસ્ટ પ્રકારનું આ એક ક્લબમાં ગવાતું નૃત્યગીત છે.
आओ ट्विस्ट करे जाग उठा मौसम
है आओ ट्विस्ट करे ज़िंदगी है यहीं
મેહમુદ પર રચાયેલ આ ગીતના રચયિતા છે હસરત જયપુરી અને સંગીત છે આર.ડી. બર્મનનુ. મન્નાડેનો સ્વર.
આ જ ફિલ્મનુ અન્ય ગીત છે
ओ मेरे प्यार आजा बनके बहार आजा
दिल में है तीर तेरा पाँव ना चैन हाये
કોઈ સ્પર્ધામાં ગવાતું આ ગીત છે જેની શરૂઆતમાં અમીન સયાની ઉદ્ઘોષક તરીકે દેખાય છે. ગીતના કલાકર છે તનુજા. હસરત જયપુરીનાં શબ્દોને સંગીત આપ્યું છે આર.ડી. બર્મને અને સ્વર છે લતાજીનો.
૧૯૬૫ની ફિલ્મ ‘ઉંચે લોગ’નુ આ ગીત એક પ્રેમીની વેદના દર્શાવે છે.
आजा रे मेरे प्यार के राही
राह निहारु बड़ी देर से
ફિરોઝખાન અને અન્ય કલાકાર પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીતકાર છે ચિત્રગુપ્ત. રફીસાહેબ અને લતાજી ગાયકો.
૧૯૬૬ની ફિલ્મ ‘તીસરી મંઝીલ’નુ આ ગીત પણ ક્લબમાં ગવાતું એક ટ્વિસ્ટ પ્રકારનું ગીત છે .
आजा आजा मै हूँ प्यार तेरा
अल्लाह अल्लाह इनकार तेरा
ओ आजा आ आजा ऐ आजा
ક્લબમાં ઈશારોથી શમ્મીકપૂર આશા પારેખને પોતાની પાસે બોલાવે છે પણ આશા પારેખ ઈશારોથી જ ના પાડે છે એટલે પોતાની આગવી અદાથી શમ્મીકપૂર આ ગીત દ્વારા તેને આવવાનું નિમંત્રણ આપે છે. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે આર.ડી. બર્મનનુ. ગાયક કલાકારો રફીસાહેબ અને આશા ભોસલે.
૧૯૬૬ની ફિલ્મ ‘લવ ઇન ટોકિયો’
आजा रे आ ज़रा
लहेरा के आ ज़रा
आँखों से दिल में समाजा
પાર્ટીમાં પોતાને અવગણતી આશા પારેખને મનાવવા જોય મુખર્જી આ ગીત ગાય છે જેના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનું. થરથરતો સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૬ની ફિલ્મ ‘દિલ ને ફિર યાદ કિયા’નુ આ ગીત એક દર્દભર્યું ગીત છે,
आजा रे आजा रे आजा रे आभी जा
आजा रे प्यार पुकारे नैना तो रो रो हारे
ધર્મેન્દ્રનાં વિરહમાં નૂતન પર આ ગીત રચાયું છે. જી. એલ. રાવલનાં શબ્દો અને સોનિક ઓમીનુ સંગીત. સ્વર છે લતાજીનો.
૧૯૬૭ની ફિલ્મ ‘બહારો કે સપને’નુ આ ગીત ઉદાસ રાજેશ ખન્નાને ઉદ્દેશીને આશા પારેખ ગાય છે.
आजा पिया तो से प्यार दू
गोरी बैया तो पे वार दू
શબ્દો છે મજરૂહ સુલતાનપુરીનાં અને સંગીતકાર છે આર.ડી. બર્મન. સ્વર છે લતાજીનો.
૧૯૬૮ની ફિલ્મ ‘હમસાયા’નુ આ ગીત જોય મુકર્જીને લલચાવવા માટેનું ગીત છે.
आजा मेरे प्यार के सहारे अभी अभी
होते है ये प्यार के नज़ारे कभी कभी
કલાકાર છે માલા સિંહા જેના રચયિતા છે એસ. એચ બિહારી અને સંગીતકાર છે ઓ. પી. નય્યર. સ્વર આશા ભોસલેનો.
૧૯૬૮ની ફિલ્મ ‘સંઘર્ષ’નુ આ હિત રૂઠેલા દિલીપકુમારને મનાવતું ગીત છે
मेरे पास आओ नजर तो मिलाओ
इन आँखों में तुम को जवानी मिलेगी
વૈજયંતીમાલા પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શકીલ બદાયુની અને સંગીતકાર છે નૌશાદ. સ્વર છે લતાજીનો
૧૯૬૯ની ફિલ્મ ‘કિસ્મત’નુ આ ગીત હોટેલમાં ગવાયું છે.
आओ हुजुर तुम को
सितारों में ले चलू
दिल जूम जाए ऐसे
बहारो में ले चलू
નશામાં ધૂત બબીતા વિશ્વજીતને ઉદ્દેશીને પોતાના મનોભાવ વ્યક્ત કરે છે. શબ્દકાર નૂર લખનવી ને સંગીતકાર ઓ.પી.નય્યર. સ્વર છે આશા ભોસલેનો.
૧૯૬૯ની ફિલ્મ ‘પ્રિન્સ’નુ આ ગીત એક પાર્ટી ગીત છે.
बदन पे सितारे लपेटे हुए
ओ जाने तमन्ना किधर जा रही हो
ज़रा पास आओ
શમ્મીકપૂરને અવગણતી વૈજયંતીમાલાને ઉદ્દેશીને આ ગીત ગવાયું છે. હસરત જયપુરીનાં શબ્દો છે અને સંગીત છે શંકર જયકિસનનુ. ગાયક રફીસાહેબ.
૧૯૬૯ની ફિલ્મ ‘ઇન્તેકામ’નુ આ એક કેબ્રે ગીત છે.
आ जाने जा आ जाने जा
आ मेरा ये हुस्न जवाँ जवाँ जवाँ
હેલન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે રાજેન્દ્ર કૃષ્ણ જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયિકા છે લતાજી જેમને આ પ્રકારના ગીતો ભાગ્યેજ ગાયા છે.
૧૯૭૦ની ફિલ્મ ‘જવાબ’નુ આ ગીત એક રમુજી ગીત છે જે કૂવામાં ગવાયું છે.
आजा मेरी जान आजा मेरी जान
ये है जून का महीना आजा मेरी जान
કૂવાની અંદર પગથીયે બેઠેલી અરૂણા ઈરાની મેહમુદને પણ આ ગીત દ્વારા અંદર આવવાનું આમંત્રણ આપે છે. ગીતના રચયિતા છે રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. આશા ભોસલે અને કિશોરકુમારના સ્વર.
૧૯૭૦ની ફિલ્મ ‘ગીત’નુ આ ગીત પ્રેમિકાને બોલાવવા ગવાયું છે.
मेरे मितवा मेरे मित रे
आजा तुज को पुकारे मेरे गीत रे
રાજેન્દ્ર કુમાર અને માલા સિંહા પર રચાયેલ આ ગીતના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. ગાયકો છે લતાજી અને રફીસાહેબ
૧૯૭૦ પછીના ગીતો ભાગ ત્રણમાં.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મ સંગીત વાદ્યવિશેષ : (૭) – તંતુવાદ્યો (૨) – ગિટાર (૩)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
અગાઉની બે કડીઓમાં ગિટાર વિષેની પ્રાથમિક માહિતિ જાણ્યા અને ચુનંદાં ગિટારપ્રધાન ગીતો માણ્યા પછી આજની કડીમાં કેટલાંક વધુ ગીતો માણીએ.
૧૯૫૩ની ફિલ્મ ‘દિલ એ નાદાન’નું સંગીત ગુલામ મહંમદે તૈયાર કર્યું હતું. તેમના નિર્દેશનમાં તલત મહમૂદે ગાયેલા ગીત ‘જીંદગી દેનેવાલે સૂન’ ના પ્રિલ્યુ્ડમાં લીડ ગિટારના યાદગાર અંશો કાને પડે છે. તે ઉપરાંત પશ્ચાદભૂમાં પણ અવારનવાર ગિટાર સંભળાતી રહે છે.
૧૯૬૧માં રજૂ થયેલી ફિલ્મ ‘શમા’માં પણ ગુલામ મહંમદનું સંગીત હતું. એ ફિલ્મના સુરૈયાએ ગાયેલા ગીત ‘ધડકતે દિલ કી તમન્ના હો મેરા પ્યાર હો તુમ’માં મુખડા અને પહેલા અંતરા વચ્ચેના તેમ જ બીજા અને ત્રીજા અંતરા વચ્ચેના ઈન્ટરલ્યુડમાં આગવો પ્રયોગ સાંભળવા મળે છે. પહેલાં સારંગીના, પછી સિતારના અને ત્યાર પછી હવાઈયન ગિટારના અંશો વડે સજાવટ કરવામાં આવી છે. જ્યારે પહેલા અને બીજા અંતરા વચ્ચે ગુલામ મહંમદની લાક્ષણિક શૈલીને ઉજાગર કરતા હવાઈયન ગિટારના અંશ માહોલને ભર્યોભર્યો કરી દે છે.
ગુલામ મહંમદે ફિલ્મ ‘પાકીઝા’નાં ગીતો ૧૯૬૨ આસપાસના અરસામાં રેકોર્ડ કરાવી લીધાં તે પછી ચોક્કસ કારણોસર લાંબા અરસા સુધી ફિલ્મનું નિર્માણકાર્ય અટકી ગયું. આખરે ૧૯૭૧માં ફિલ્મ તૈયાર થઈને પરદા ઉપર રજૂ થઈ તે પહેલાં ૧૯૬૮માં ગુલામ મહંમદ દુનિયા છોડી ચૂક્યા હતા. ગીતોએ આ ફિલ્મને લોકપ્રિય બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો. તે પૈકીના ગીત ‘મૌસમ હૈ આશિકાના’ના ઈન્ટરલ્યુડ્સમાં હવાઈયન ગિટારના ટૂકડાઓ ગીતને આગવો ઉઠાવ આપે છે.
૧૯૬૫ની ફિલ્મ ‘મેરે સનમ’ના સંગીતકાર હતા ઓ.પી.નૈયર. એ ફિલ્મના ગીત ‘હુએ હૈ તુમ પે આશિક હમ’ના ઈન્ટરલ્યુડ્સમાં ઈલેક્ટ્રીક સ્પેનીશ ગિટારના તોફાની અંશો યાદગાર બની રહ્યા છે.
ફિલ્મ ‘તીસરી મંઝીલ’ (૧૯૬૬)નાં ગીતો આજે પણ ખુબ જ લોકપ્રિય છે. સંગીતકાર રાહુલદેવ બર્મનની કારકીર્દિ આ ગીતો બહાર આવ્યાં તે પછી એકદમ ઉંચકાઈ ગઈ હતી. એ ફિલ્મના ગીત ‘આજા આજા મૈં હૂં પ્યાર તેરા’ના વાદ્યવૃંદમાં વિવિધ વાદ્યોની ભરમાર છે. તેમ છતાં શરૂઆતથી જ સ્પેનીશ ગિટારના અંશો છવાયેલા રહે છે.
૧૯૬૭માં રજૂ થયેલી ફિલ્મ ‘એન ઈવનીંગ ઈન પેરીસ’માં શંકર-જયકીશનનું સંગીત હતું. એનાં ગીતો અસાધારણ સફળતાને વર્યાં હતાં. એ પૈકીના ગીત ‘રાત કે હમસફર’ના પ્રિલ્યુડમાં વાયોલીન્સના લાંબા વાદન પછી સ્પેનીશ ગિટારનો ટૂકડો વાગે છે અને તે પછી ગિટારનું સ્ટ્રમીંગ અવારનવાર કાને પડતું રહે છે.
https://www.youtube.com/watch?v=i1eemJxxOR4
શંકર-જયકીશનનું સંગીતમઢ્યું એક વધુ ગીત સાંભળીએ. ૧૯૬૮ની ફિલ્મ ‘બ્રહ્મચારી’ના યુગલગીત ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’ના પ્રિલ્યુડમાં તો ગિટારનું જ પ્રાધાન્ય છે, તે ઉપરાંત ઈન્ટરલ્યુડ્સમાં પણ ગિટારનું સ્ટ્રમીંગ સંભળાતું રહે છે.૧૯૭૨માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘એક બાર મુસ્કુરા દો’માં ઓ/પી.નૈયરનું સંગીત હતું. તેના ગીત ‘તુ ઔરોં કી ક્યું હો ગયી’ના વાદ્યવૃંદમાં ગિટાર એકદમ પ્રભાવક અસર ઉભી કરે છે.
‘યાદોં કી બારાત’ (૧૯૭૩) એક સંગીતપ્રધાન ફિલ્મ હતી. સંગીતકાર રાહુલદેવ બર્મનના નિર્દેશનમાં તૈયાર થયેલાં બધાં જ ગીતો લોકપ્રિય થયાં હતાં. પ્રસ્તુત ગીત ‘ચૂરા લિયા હૈ તુમ ને જો દિલ કો’ના પ્રિલ્યુડમાં સાંભળવા મળતા ગિટારના અંશો ગીતનું અવિભાજ્ય અંગ બની રહ્યા છે.
૧૯૭૪ની ફિલ્મ ‘ઈમ્તિહાન’નું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યું હતું. તેના ગીત ‘રૂક જાના નહીં તુ કહીં હાર કે’માં ગિટાર જાણે કે ગાયકીનો સતત પીછો કરતી હોય તેવું લાગે છે. તે ઉપરાંત પહેલા અને બીજા અંતરા વચ્ચેના ઈન્ટરલ્યુડમાં ખુબ જ કર્ણપ્રિય ગિટારવાદન કાને પડે છે.
ફિલ્મ ‘જૂલી’ (૧૯૭૫)થી સંગીતકાર રાજેશ રોશને કારકીર્દિની શરૂઆત કરી. તેનું ગીત ‘દિલ ક્યા કરે જબ કિસી કો’ સાંભળતાં ખ્યાલ આવે છે કે ગિટારના ખુબ જ કર્ણપ્રિય અંશો ગાયકીને સાથ આપી રહ્યા છે.
૧૯૭૫માં જ પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’નાં ગીતો રાહુલદેવ બર્મનના નિર્દેશનમાં બન્યાં હતાં. તેનું ગીત ‘એક મૈં ઔર એક તૂ’ ગિટારના અંશોથી ભરપૂર છે.
ફિલ્મ ‘સરગમ’ (૧૯૭૯)ના ગીત ‘ડફલીવાલે ડફલી બજા’ ના મૂખડા અને પહેલા અંતરા વચ્ચેના અને તે પછી પહેલા અને બીજા અંતરા વચ્ચેના ઈન્ટરલ્યુડ્સમાં સ્પેનીશ ગિટારના અંશો આસાનીથી પારખી શકાય છે. સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલનું છે.
https://www.youtube.com/watch?v=2s9lq9rLwp8
૧૯૮૩ની ફિલ્મ ‘માસૂમ’નું સંગીત રાહુલદેવ બર્મને તૈયાર કર્યું હતું. તેના ગીત ‘તુઝ સે નારાજ નહીં જીંદગી’ માં ગાયકીને સમાંતર તેમ જ ઈન્ટરલ્યુડ્સમાં અવારનવાર ગિટાર કાને પડ્યા કરે છે.આ શ્રેણીમાં પ્રભાવક ગિટારવાદન ધરાવતાં કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો સાંભળ્યા પછી આવતી કડીમાં વધુ એક તંતુવાદ્યના ઉપયોગવાળાં ગીતો વિશે વાત કરીશું.
નોંધ :
૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
પંદર ઓગસ્ટ આવી અને સૌને સ્પંદિત કરતી ગઇ
તવારીખની તેજછાયા
પ્રકાશ ન. શાહ

બે હિજરતી કાફલા, સિયાલકોટથી નીકળેલા હિન્દુઓનો અને બીજો અમૃતસરથી નીકળેલા મુસ્લિમોનો, સામસામા મળ્યા ને ઊભા રહી ગયા…
ઓ ગસ્ટ પંદ્રા, ગત તંદ્રા, આપણા કવિએ કહ્યું હતું: પંદરમી આવી અને આપણને ઝંકૃત કરતી ગઇ, સ્પંદિત કરતી ગઇ. દેશ તો આઝાદ થાતાં થઇ ગયો, કવિએ કહ્યું હતું ને વળી પૂછ્યું હતું, તેં શું કર્યું, આવે વખતે, અને એ કદાચ અસહજ પણ નથી, શાંત સ્વદેશવત્સલ હૃદયભાવને સ્થાને સહસા વીરરસ શો ઉદ્રેક જાગી આવે છે. ચીનના આક્રમણની પિછવાઇ પર જવાહરલાલ સહિત આબાલવૃદ્ધ સૌને રડાવનાર લતાકંઠી ‘અય મેરે વતન કે લોગોં’ની કોન્સ્ટિટ્યુન્સી દાયકાઓથી બરકરાર છે.
આઝાદી પૂર્વેની ફિલ્મોમાંથી, એમ તો, ‘દૂર હટો અય દુનિયાવાલોં’ ક્યારે સાંભરતું નથી? ફિલ્મોની વાત નીકળી જ છે તો આ લખતાં સાંભરી આવ્યું કે આજકાલ ‘ગદર-2’ની ધૂમના હેવાલો ઉફાન પર છે. જોકે એ જોવાનું તો બનતાં બનશે…બલકે, બને તો બને! પણ ‘ગદર’ (૧)ને કરમુક્ત કરવાનું થયું ત્યારે, ખાસ નહીં તો પણ સહેજસાજ ઝીણી આંખે જોવાનું બન્યું હતું અને તેને વિશે લખવાનું થયું ત્યારે જે શીર્ષકે વિપળના પણ વિલંબ વિના ઢેકો કાઢ્યો તે હતું, ‘દેશભક્તિ નામે ટિકિટબારી.’ ફિલ્માંકનની થોડીક ક્ષણો, કોઇ ગીતની એકબે પંક્તિ, બાકી બધું જાડું કામ, ઘોર અને ધરાર.
ભાઇ ભાગલા એ એક કારુણિકા હતી. વિભાજનની વિભીષિકા આપણા જીવનનું એક દુદૈર્વ વાસ્તવ હતું, છે અને રહેશે. પણ હાલ જે પ્રકારની રાજકીય માનસિકતાને ઉત્તરોત્તર વળ ને આમળા ચઢે છે એમાં આપણાં માધ્યમો પાસે સવાલને સમગ્રપણે સમજવાની રીતે તેમ સહૃદયતાની કેળવણી વાસ્તે જવા અંગે સમજ અને સંવેદનાનું ખાસું ટાંચું પડેલું છે. કેવા એ દિવસો હતા અને શેમાંથી આપણે પસાર થયા હતા તેનો આપણી સીરિયલોના સુવર્ણ યુગમાં ‘બુનિયાદ’ વાટે કંઇક ખયાલ આવ્યો હતો. મહાભારત-ખ્યાત રાહી માસૂમ રઝા કૃત ‘આધા ગાંવ’ (સીરિયલ, હું ધારું છું, ‘નીમ કા પેડ’) પણ એમ તો આ લખતાં સ્મૃતિમાં ધસી આવે છે.
વળી ફિલ્મ ભણી વળું તો સાંભરે તો છે સત્યુસાહેબની ‘ગર્મ હવા’ને પાકિસ્તાન જાઉં ન જાઉં તરેહની કશ્મકશમાંથી ભારતમાં ઠરીઠામ થતું પાત્ર (બલરાજ સહાની). અમૃતસરમાં હજી હમણાં પાંચ છ વરસ પર જ ઊભું થયેલું પાર્ટિશન મ્યુઝિયમ જોઇએ ત્યારે પણ એ માહોલ અને સરહદની બંને બાજુની દિલી ગડમથલ, દિમાગી ઉલઝન, અગન, જલન, બધું જ. અમૃતા પ્રીતમની હૃદયસ્પર્શી વાર્તા પરથી ઊતરી આવેલી ફિલ્મ ‘પિંજર’માં પણ તમને બંને બાજુ જોવા મળશે.
ગુજરાતી સાહિત્ય એ રીતે જે એક કિતાબે રળિયાત છે તે કમળાબહેન પટેલની ‘મૂળ સોતાં ઉખડેલાં’ છે. ગરવી ગુજરાતકન્યા મૃદુલા સારાભાઇએ ગાંધી પરંપરામાં રોપાઇને અપહ્યતાઓનો પ્રશ્ન હાથ ધર્યો. સરહદની બેઉ બાજુએ જેમનો સંપર્ક થઇ શક્યો તે અપહ્યતાઓને જાળવીને મૂળ કુટુંબમાં પુન:સ્થાપિત કરવાનું મહાભારત કાર્ય એ હતું. ત્યારે માંડ બાવીસ-તેવીસની કમળા એમના એક સહકાર્યકર તરીકે જીવના જોખમે અભયપૂર્વક પ્રવર્તી એની આખી એક સૃષ્ટિ એમાં ઊઘડી આવી છે, અને તે આપણને હિન્દુ, મુસ્લિમ, શીખ એવી ટાઇપકાસ્ટ ઓળખોથી ઉફરાટે ચડતા પડતા આખડતા માણસની રૂ-બ-રૂ કરી આપે છે. લોહી ઊકળવાની અણીએ તમે સમસમી રહો છો. આ સમસમા તમને ખબરે ન પડે અને સંવેદનમાં, સમસંવેદનામાં ફેરવાઇ જાય છે ને માણસમાં સ્થાપી આપે છે.

પત્રકાર કુલદીપ નાયર કને એમનું એક સંભારણું સાંભળવાનું બન્યું તે હું કદાપિ ભૂલી શકતો નથી. ભાગલાની જાહેરાત થઇ ત્યારે નાયર પરિવાર સિયાલકોટમાં વસતો હતો. જ્યારે આરંભની આનાકાની પછી વતન છોડવું અનિવાર્ય લાગ્યું જ ત્યારે સિયાલકોટના હિન્દુઓએ હિજરત શરૂ કરી. અમૃતસર પહોંચતા અડધે રસ્તે સામેથી આવતો એક કાફલો મળ્યો જે મુસ્લિમોનો હતો. બેઉ બાજુએ ઘવાયેલાં, થાકેલાં, માંદલાં ડોસાંડગરાં ને વળી હટ્ટાકટ્ટા જુવાનજુવતી અને કિશોરો તેમજ બાળકો હશે. ખબર નહીં સહેજ ઉશ્કેલાઇને, કંઇક ખમચાઇને બંને કાફલા સામસામાં થંભી ગયાં. નેણ શું નેણ પરોવાયાં. અને કુલદીપે કહ્યું, હમારે બીચ એક રિશ્તા કાયમ બના. દર્દ કા રિશ્તા.
જર્મનીનો એક અનુભવ હું ક્યારેય ભૂલતો નથી. 1985માં, હજું પૂર્વ ને પશ્વિમ જર્મની જુદાં હતાં ત્યારની વાત છે. ચર્ચ પ્રેરિત એક સ્વતંત્ર ફોરમે બિનસરકારી રાહે થોડા પત્રકાર મિત્રોને નિમંત્ર્યા હતા જેમાં ગાંધી પીસ ફાઉન્ડેશનના સદ્્ભાવથી મારો પણ સમાવેશ થયો હતો. સામ્યવાદી પૂર્વ જર્મનીમાં પ્રવેશ મળવો સરળ ન હતો, પણ પશ્ચિમ જર્મનીના ચર્ચ વતી પૂર્વ જર્મનીના ચર્ચે સામ્યવાદી શાસનની રજા મેળવી અને અમે જઇ શક્યા. જોકે અહીં મારો મુદ્દો પૂર્વ ને પશ્ચિમ જર્મનીનો- સામ્યવાદી ને મુક્ત જર્મનીનો નથી એટલે અટકું અને મૂળ વાત પર આવું. પૂર્વ જર્મનીના અમારા યજમાન અમને બીજા વિશ્વયુદ્ધના એક નિર્ણાયક મંત્રણાકેન્દ્ર પોટ્સડામ લઇ જતાં પહેલાં પડખેની સિતમ છાવણીની મુલાકાતે લઇ ગયા, જ્યાં યહૂદીઓને રિબાવી રિબાવીને ગેસ ચેમ્બરમાં કે અન્યથા મારી નખાયા હતા. સ્થળ મુલાકાત પછી અમે સૌ ડઘાયેલા ને ડુમાયેલા હતા. અમારા યજમાને ભીની આંખે ને ભીને અવાજે કહ્યું કે અહીં આવવું મારે સારુ સુખકર નથી. પણ પછી ઉમેર્યું, ‘આવવાનું બને તો હું છોડતો નથી; કેમકે મને યાદ રહે કે અમે ક્યારેક ન કરવાનું કરી બેઠા હતા જે માણસની રીત નથી.’
વિભાજનની વિભીષિકાને, એના રાજકીય આટાપાટા ને વિચારધારાકીય વળોટોથી હટીને આ રીતે જોતા થઇએ તો નાગરિક તરીકે તો જીવતેજીવત મોક્ષ જ મોક્ષ.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૩ – ૦૮ -૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
બાળ ગગન વિહાર – મણકો – ૨૭ : વાત અમારા ડેવિડની
શૈલા મુન્શા
અમેરિકાની શાળામાં જ્યારે દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે સહુ પ્રથમ થોડા મોટા બાળકો સાથે કામ કરતી હતી. લગભગ છ થી અગિયાર વર્ષના બાળકો. એને Life Skill નો ક્લાસ કહેવામાં આવતો અને પહેલા ધોરણથી માંડી પાંચમા ધોરણ સુધીના બાળકો એક વર્ગમાં હોય. વિવિધતાનો ભરેલો થાળ જાણે!
અમેરિકામાં સ્કૂલમાં બાળકોના એડમિશન ગમે ત્યારે થતાં હોય, કારણ નોકરીની બદલી, ઘરની બદલી આ બધી સહજ વાતો કહેવાય અને પબ્લિક સ્કૂલમાં એ જ અરિયામાં રહેતા બાળકોને એડમિશન માટે ના ન કહી શકાય.સામાન્ય ક્લાસમાં જ્યારે નવું બાળક આવે એને ગોઠવાતાં બહુ વાર ન લાગે, પણ જ્યારે દિવ્યાંગ બાળકોનાં ક્લાસમાં નવું બાળક આવે ત્યારે ફક્ત એને જ નહિ, બીજા બાળકોને અને શિક્ષકને પણ સમય લાગે.
વર્ષની શરૂઆતમાં જ એક નવું એડમિશન હતું. દશ વર્ષનો ડેવિડ પાંચમાં ધોરણમાં હતો. એની ફાઈલ જોતાં ખ્યાલ આવ્યો કે આ બાળક ઉંમર પ્રમાણે ભલે પાંચમાં ધોરણમાં હતો, પણ એનો માનસિક વિકાસ ચારપાંચ વર્ષના દિવ્યાંગ બાળક જેવો હતો. ચહેરા પરથી ખ્યાલ આવે કારણ આ બાળકોની એક ખાસિયત હોય છે. આ બાળકોના ચહેરા ગોળ હોય અને લગભગ બધા સરખા જ લાગે. આપણી ભાષામાં કહીએ તો આ બાળકોમાં ગાંડપણનું પ્રમાણ વિશેષ હોય. આવા ચહેરાવાળા બાળકો મોંગોલિયન બાળક તરીકે ઓળખાય.
ડેવિડ ઊંચો, ચહેરો ગોળ અને વજન ખાસ્સું. જ્યારે જુઓ ત્યારે હસતો જ હોય. ટુંકા વાળ અને ચમકતા દાંત! બોલે કાંઈ નહિ પણ જાણે ગીત ગણગણતો હોય એવું લાગે. ક્લાસમાં થોડાં નાંનાં બાળકો પણ ખરાં, એમની પાસે ડેવિડ કદાવર લાગે.
ડેવિડના મગજની કઈ ચાવી કયા તાળામાં લાગે તે ખબર ન પડે. જેમ કોમ્પ્યુટર પર કોઈ વાર્તા લખતાં હોઈએ અને સેવ કરીએ તે પહેલાં કોઈ ખોટું બટન દબાઈ જાય ને પળમાં બધું ભૂંસાઈ જાય તેમ આ બાળકોના મનની પાટી ઉપર જે કાંઈ અંકાયું હોય તે કઈ ઘડીએ અને કયા કારણે ભૂંસાઈ જાય એ સમજવું અઘરૂં પડે.
સામાન્ય રીતે તો ડેવિડ હંમેશાં ખુશમિજાજમાં હોય પણ ક્યારેક કમાન છટકે તો તાંડવ મચી જાય.
ડેવિડને વાર્તાની બુકમાં પ્રાણીઓના ફોટા જોવા ગમે, સાથે હાથમાં જો ક્રેયોન કલર પેન્સિલ આવે તો બુકમાં લીસોટાં કરવા ગમે. ડેવિડ એવું કરે ત્યાં સુધી તો ઠીક, પણ એનું જોઈ બીજા બાળકો પણ એમ કરે! ઘણું ખરું તો અમે કલર પેન્સિલ સહેલાઈથી ડેવિડના હાથમાં ન આવે એનું ધ્યાન રાખીએ, પણ જો બોક્ષ એના હાથમાં આવી ગયું તો પછી પાછું લેવું મુશ્કેલ.
ક્લાસમાં અમે બે શિક્ષકો તો હંમેશાં જ હોઈએ. અને ક્લાસમાં બે મોટી બારી, જેના કાચ ઉપર કરી બારીની બહાર જઈ શકાય એટલે વિશેષ ધ્યાન રાખવું પડે.
એકવાર ડેવિડને ચિત્રોવાળી બુક આપવાની ના પાડી કારણ સવારથી એણે અમારી નજર ચુકાવી ત્રણ બુકમાં ક્રેયોનના લીસોટાં કર્યા હતા. અમે કાંઈ વિચારીએ તે પહેલાં તો ડેવિડ બારી ખોલી બહાર ભાગી ગયો. બીજાં બાળકો બેબાકળાં થઈ ડેવિડના નામની બુમ પાડવા માંડ્યા. તરત અમે ઓફિસનું બઝર દબાવી જાણ કરી કે એક બાળક અમારા ક્લાસમાંથી બહાર નીકળી ગયો છે. મીસ હોપેક પણ તરત બહાર નીકળી ડેવિડને પાછો લાવવા ગઈ.શાળાની ચારેતરફ લોખંડની ફેન્સ છે તેથી દિવસ દરમ્યાન કોઈપણ વિદ્યાર્થી સ્કૂલની બહાર ન જઈ શકે, પણ ડેવિડને પકડવો જરૂરી હતો. મીસ હોપેકે જોયું કે ડેવિડ તો ભાગીને સ્કૂલનાં નાનકડાં પાર્કમાં મન્કી બાર પર રમતો હતો.
ખરી મઝા તો એ દિવસે આવી જ્યારે મારું હસવું અને મારી ગભરામણ બન્ને રોક્યા રોકાતા નહોતાં.
રાબેતા મુજબ અમે બાળકોને જમવા કાફેટેરિઆમાં લઈ જતાં હતાં. ક્લાસની બહાર બધાને લાઈનમાં ઊભા રાખી હું આગળ વધી અને બાળકો મારી પાછળ ચાલવા માંડ્યા. સવારથી જ ડેવિડ ખૂબ મસ્તીમાં લાગતો હતો. હસતો હસતો જઈને બીજા બાળકોને કાંઈક અટકચાળો કરી આવતો.
અચાનક લાઈનમાંથી બહાર આવી ડેવિડે મને પાછળથી ઊંચકી લીધી. ક્ષણભર તો મને સમજ જ ન પડી અને ડેવિડ તો ગોળ ગોળ ફરતો ખડખડાટ હસતો હતો. “Devid please put me down, put me down” ની મારી વિનંતીને કોણ સાંભળે? એકબાજુ મને હસવું આવતું હતું ને બીજી બાજુ થોડો ડર પણ હતો, ક્યાંક એને કે મને વાગી ન બેસે!!
છેવેટે કલર પેન્સિલનું બોક્ષ મીસ હોપેકે એને બતાવ્યું ત્યારે એણે મને નીચે ઉતારી. આજે પણ જ્યારે એ પ્રસંગ યાદ આવે ત્યારે ત્યારે મારા ચહેરા પર હળવું હાસ્ય ફરકી જાય છે!
મનના પટારામાં આવા કેટલાય પ્રસંગો ગોપાયેલા છે! મન પણ કેવું અજાયબ છે, આ બાળકોના મનમાં શું ચાલતું હશે એ તો સમજની બહાર છે પણ એમની કોઈ અનોખી વાત વર્ષો પછી પણ યાદ આવે ત્યારે ક્યારેક મનોમન હસવું પણ આવે તો ક્યારેક મન ગ્લાનિથી પણ ભરાઈ જાય છે.
એટલી જ આશા રાખું કે આ દિવ્યાંગ બાળકોને સતત પ્રેમ મળતો રહે અને એમની નિર્દોષતા કાયમ રહે!!
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
કોઈનો લાડકવાયો (૩૦) – કાનપુરમાં વિદ્રોહીઓનો વિજય અને પરાજયઃ
દીપક ધોળકિયા
કાનપુરે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આગળપડતો ભાગ ભજવ્યો. નાના સાહેબ, તાંત્યા ટોપે અને અઝીમુલ્લાહ ખાન વિદ્રોહના નેતા હતા
ત્રીજા મરાઠા યુદ્ધ પછી બાજીરાવ બીજાને અંગ્રેજોએ સાલિયાણા સાથે કાનપુર પાસે બિઠૂરમાં વસાવ્યો હતો. નાનાસાહેબ અને એમનો નાનો ભાઈ બન્ને બાજીરાવ બીજાના દત્તક પુત્રો હતા. પરંતુ ડલહૌઝીના ડૉક્ટ્રીન ઑફ લેપ્સને કારણે એમને પેન્શન નહોતું મળ્યું. નાનાસાહેબને આમાં અન્યાય જણાયો અને એમણે અઝીમુલ્લાહ ખાનને ઇંગ્લેન્ડની રાણી પાસે અંગત રજુઆત કરવા માટે પણ મોકલ્યો પણ કંઈ વળ્યું નહીં. વિદ્રોહની શરૂઆતમાં નાનાસાહેબે અંગ્રેજ ફોજને હરાવીને થોડા દિવસ સુધી કાનપુર પર કબજો કરી લીધો હતો પરંતુ અંગ્રેજ ફોજે ફરી કાનપુર પોતાના હાથમાં લઈ લીધું.કાનપુર અંગ્રેજો માટે બહુ મહત્ત્વનું હતું કારણ કે એ જ અરસામાં અંગ્રેજોના કબજામાં આવેલા અવધ, અને તે ઉપરાંત પંજાબ અને સિંધ સુધી પહોંચવા માટે એ વ્યૂહાત્મક રીતે ઉપયોગી હતું. ત્યાં શસ્ત્રાગાર હતો તે અંગ્રેજો માટે મહત્ત્વનો હતો. કાનપુરની ટુકડીનો આગેવાન જનરલ વ્હીલર હતો પણ એની પાસે સિપાઈઓ બહુ થોડા હતા. એને એમ પણ હતું કે થોડી લૂંટફાટ સિવાય ખાસ કશું થશે નહીં.
વિદ્રોહની શરૂઆતમાં નાના શસ્ત્રાગાર પહોંચ્યા. ત્યાં ગોઠવાયેલા સિપાઈઓ અંગ્રેજોને વફાદાર હતા. એમને લાગ્યું કે નાના અંગ્રેજો તરફથી વિદ્રોહીઓનો સામનો કરવા આવ્યા છે, પણ નાનાસાહેબે શસ્ત્રાગાર પર કબજો કરી લીધો અને સરકારી તિજોરી લૂંટી લીધી. અહીંથી એ કલ્યાણપુર તરફ આગળ વધ્યા અને ત્યાં વિદ્રોહીઓને મળ્યા. પહેલાં તો એમણે નાનાનો ભરોસો ન કર્યો પણ એમની પાસે સરકારી તિજોરીની લૂંટનો માલ હતો. નાનાએ એમને પણ બમણો પગાર આપવાનું વચન આપીને સાથે લીધા. રસ્તામાં જ્યાં પણ ગોરાઓનાં બંકરો જોયાં ત્યાં એમને મારી નાખ્યા, આ બધાં વચ્ચે નાનાસાહેબે વ્હીલરને પત્ર લખીને બીજા દિવસે સવારે દસ વાગ્યે આવા જ હુમલા માટે તૈયાર રહેવાની ચેતવણી પણ આપી દીધી!
છઠ્ઠી જૂનની સવારે સાડાદસે નાનાસાહેબે હુમલો શરૂ કરી દીધો. તોપમારો એટલો જોરદાર હતો કે અંગ્રેજો પાસે બચવાનો કોઈ ઉપાય નહોતો. આમ છતાં નાનાસાહેબે ચારે બાજુથી હુમલો ન કર્યો કારણ કે એમને એવા ખોટા સમાચાર મળ્યા હતા કે બધાં બંકરોમાં અઢળક દારુગોળો ભરેલો છે. પહેલા અઠવાડિયામાં વિદ્રોહીઓએ ચારે બાજુથી અંગ્રેજ ફોજને ઘેરી લીધી હતી. આ સ્થિતિ ૨૩મી જૂન સુધી રહી, પણ કૅપ્ટન મૂરે રાતે પણ હુમલા કરતાં નાનાસાહેબને બે માઇલ દૂર ચાલ્યા જવાનું યોગ્ય લાગ્યું.
અંગ્રેજોની હાલત બહુ ખરાબ હતી. એમને મદદ મળવાની હતી તે પણ નહોતી આવતી. નાનાસાહેબનાં દળોના ખૂનખાર હુમલામાં જનરલ વ્હીલરના પુત્રનું કોઈએ માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. જનરલ વ્હીલરની માનસિક સ્થિતિ પણ લડવા લાયક નહોતી. હવે એ શરણે થવાનું વિચારતો હતો પણ તે પહેલાં વિદ્રોહીઓની તાકાતની આંકણી કરવા એણે યોનાહ શેફર્ડ નામના એક જાસૂસને મોકલ્યો. એ કંઈ બાતમી લાવે તે પહેલાં જ વિદ્રોહીઓના હાથમાં ઝડપાઈ ગયો. વિદ્રોહીઓને એ ન સમજાયું કે એ અંગ્રેજી ફોજ તરફથી આવ્યો છે, એટલે મારી નાખવાને બદલે માત્ર જેલમાં નાખી દીધો.
આ બાજુ નાનાને પણ યુદ્ધ સમાપ્ત કરવાની જરૂર લાગતી હતી એટલે વિદ્રોહીઓએ એક ગોરી મહિલાને વ્હીલર પાસે મોકલીને કહેવડાવ્યું કે અંગ્રેજી ફોજના સૈનિકોને અલ્હાબાદ જવું હોય તો સહીસલામત જઈ શકશે. પણ એ મૌખિક સંદેશ હતો એટલે વ્હીલરે વિશ્વાસ ન કર્યો. બીજા દિવસે નાનાએ બીજી એક અંગ્રેજ સ્ત્રીને હાથે લેખિત સંદેશ મોકલ્યો. અંગ્રેજી છાવણીમાં બે ભાગ પડી ગયા. વ્હીલર નબળી માનસિક સ્થિતિ છતાં પણ ટકી રહેવા માગતો હતો પણ બીજા અફસરો સ્ત્રી-બાળકોને લઈને કાનપુર છોડી જવા તૈયાર હતા.
૨૭મી જૂને અંગ્રેજોનો કાફલો ગંગા કિનારા તરફ નીકળ્યો. લોકોમાં એટલો બધો ગુસ્સો હતો કે ફોજ કતારબંધ ચાલી ત્યારે આગળ વ્હીલર હતો એટલે બધું શાંતિપૂર્વક ચાલ્યું પણ પાછળના ભાગના લોકો લૂંટફાટનો શિકાર બન્યા. હોડીવાળા ડરીને ભાગ્યા. નાસભાગમાં હોડીઓને આગ લાગી ગઈ.
બીજી બાજુ, વિદ્રોહીઓની બાજુએથી ગોળીબાર શરૂ થઈ ગયો. શરણાગતીની શરત રૂપે અંગ્રેજો પાસે શસ્ત્રો નહોતાં એટલે વળતો ગોળીબાર પણ ન કરી શક્યા. કેટલાંયે સ્ત્રી-બાળકો માર્યાં ગયાં અને ૧૨૦ જેટલાં કેદ પકડાયાં. બીજી જગ્યાએથી પણ સ્ત્રીઓ અને બાળકોને પકડીને લાવવામાં આવ્યાં.
નાનાસાહેબનો વિચાર હૅવલૉક અને નીલની ફોજોને રોકવા માટે આ બંદીઓનો ઉપયોગ કરવાનો હતો. પણ હૅવલૉક આગળ વધતો જ રહ્યો. નાનાસાહેબે એને આંતરવા માટે નાનું દળ મોકલ્યું. ફતેહપુર પાસે બન્ને દળો સામસામે આવી ગયાં. હેવલૉકનો હાથ ઉપર રહ્યો અને એણે ફતેહપુર કબ્જે કરી લીધું.
હૅવલૉકની ફોજે કેટલાક વિદ્રોહીઓને કેદ પકડ્યા અને એમની પાસેથી માહિતી મળી કે કાનપુરમાં પાંચ હજાર વિદ્રોહીઓ અને આઠ તોપો હતી. હૅવલૉક હુમલો કરવાનો છે તે જાણીને નાનાસાહેબ, તાંત્યા ટોપે વગેરે મળ્યા અને આગળ શું કરવું તેની યોજના તૈયાર કરી. અંગ્રેજ ઇતિહાસકારો કહે છે કે એમણે કાનપુર છોડતાં પહેલાં બધાં સ્ત્રી-બાળકોને મારી નાખ્યાં.
ગ્વાલિયરના સિંધિયા મહારાજા અંગ્રેજો સાથે હતા પણ એની સેનાએ બળવો કર્યો. આના પછી અંગ્રેજોમાં ફફડાટ વધી ગયો. વ્હીલરની મદદે જનરલ ઑટરમ નાની ફોજ લઈને આવ્યો પણ એ પોતે જ રસ્તામાં વિદ્રોહીઓથી ઘેરાઈ ગયો. બીજી બાજુ કૉલિન કૅમ્પબેલ મોટું દળકટક લઈને આવી પહોંચ્યો. એણે જનરલ વિંડહૅમને કાનપુરમાં છોડ્યો.વિંડહૅમ પોતાને કંઈ સમજતો હતો. એણે સિંધિયાના વિદ્રોહી સૈનિકો સાથે બાથ ભીડવાનું નક્કી કર્યું. એને આદેશ હતો, માત્ર બચાવ કરવાનો પણ એણે આક્રમક કાર્યવાહીઓ શરૂ કરી. વિંડહૅમે એક ટુકડી અજમાયશની રીતે મોકલી પણ આગળ કંઈ કર્યું નહીં. આથી તાંત્યા ટોપે સમજી ગયા કે અંગ્રેજી ફોજ નબળી છે અને કંઈ કરવાની સ્થિતિમાં નથી. તાંત્યાની ૨૫ હજારની ફોજે આઠ તોપો સાથે અંગ્રેજો પર જબ્બરદસ્ત હુમલો કર્યો અને એમના પગ ઊખડી ગયા.
પરંતુ કૅમ્પબેલે અંગ્રેજોને બચાવી લીધા. લડાઈ તો કાનપુરની ગલીએ ગલીએ થઈ પણ કૅમ્પબેલે પૂરતી તૈયારી રાખી હતી.
દોઢ દિવસની ખૂનખાર લડાઈ પછી કાનપુર ૧૮૫૭ની છઠ્ઠી ડિસેમ્બરે ફરી અંગ્રેજોના હાથમાં આવી ગયું. નાનાસાહેબ, તાંત્યા વગેરે એમની ફોજો સાથે નાસી છૂટ્યા. તાંત્યા તો ગુજરાતમાં પણ આવ્યા હતા. ૧૮૫૮માં ગ્વાલિયર પાસે તાંત્યા ટોપેનો પરાજય થયો. તે પછી એ ભાગીને પંચમહાલ આવ્યા. નાયકડાઓને અંગ્રેજો વિરુદ્ધ ઊભા કરવામાં પણ એની મહત્ત્વની ભૂમિકા રહી. એમના ફોજીઓ પણ નાયકડાઓના બળવામાં જોડાયા હતા. તાંત્યાની યોજના તો દખ્ખણમાં જવાની હતી. એ ત્યાં પહોંચ્યા હોત તો આખી મરાઠા કોમ ફરી અંગ્રેજોની સામે ઊભી થઈ ગઈ હોત એટલે અંગ્રેજ સરકાર એમને કોઈ પણ રીતે દખ્ખણમાં આવવા દેવા નહોતી માગતી. ચારે બાજુથી બહુ દબાણ હોવાથી તાંત્યા ફરી નર્મદા પાર કરીને ચીખલડા આવ્યા અને વડોદરા તરફ આગળ વધવા માગતા હતા. પરંતુ સરકારને તાંત્યા ગુજરાતમાં હોવાની ખબર પડી ગઈ હતી. તાંત્યા સાથે બેંગાલ રેજિમેંટના વિદ્રોહી સિપાઈઓનું મોટું દળ પણ હતું. વિલાયતીઓ (આરબો, મકરાણીઓ વગેરે) અને રાજપૂતો પણ મોટી સંખ્યામાં તાંત્યાને આવી મળ્યા હતા. છોટા ઉદેપુરના રાજાએ પણ પોતાનું લશ્કર તાંત્યાને આપ્યું હતું. તાંત્યાએ છોટા ઉદેપુરનો તો સહેલાઈથી કબજો કરી લીધો પરંતુ ૧૮૫૮ના ડિસેંબરની પહેલી તારીખે કૅપ્ટન કૉલિયરે એમના પર હુમલો કર્યો. તાંત્યાને ત્યાંથી ભાગવું પડ્યું. એમની ફોજ પણ વેરવીખેર થઈ ગઈ. એમાંથી એક ટુકડીએ કેપ્ટન પાર્કની ફોજ પર પાછળથી હુમલો કરીને એનો બધો સામાન લૂંટી લીધો અને પાર્ક છોટા ઉદેપુરમાં લાચાર બનીને બેસી રહ્યો. પરંતુ અંતે જનરલ સમરસેટના સૈન્યને તાંત્યાના સૈનિકો અને આસપાસના એમના સમર્થકોને દબાવી દેવામાં સફળતા મળી.
તાંત્યા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના બાળપણના મિત્ર હતા અને રાણીએ યુદ્ધના મેદાનમાં વીરગતિ પ્રાપ્ત કરી તે પછી એમના અંતિમ સંસ્કાર તાંત્યાએ જ કર્યા. પરંતુ નાનાસાહેબનું શું થયું તે કોઈ જાણી ન શક્યું. ૧૮૫૭ પછી, ૩૪-૩૫ વર્ષની વયે નું અવસાન થઈ ગયું એમ મનાય છે, પરંતુ તાંત્યાટોપે છેલ્લે સુધી ટકી રહ્યા અને ૧૮૫૯ની ૧૮મી ઍપ્રિલે અંગ્રેજોએ આ વીરને ફાંસી આપી દીધી.
ગંગુ મહેતર અને બીજા દલિત વીરો
ઇતિહાસના પાને ન ચડ્યા હોય તેવા અનેક વીરોમાં આજે આપણે જેમને દલિત તરીકે ઓળખીએ છીએ તેવી ભંગી, ચમાર, પાસી વગેરે કોમોનો પણ ૧૮૫૭ના સંગ્રામમાં બહુ મોટો ફાળો રહ્યો છે. પરંતુ એ સ્થાનિક લોકકથાઓમાં જ મળે છે. આમાંથી ગંગુ મહેતર અથવા ગંગુ બાબાની કથા વધારે જાણીતી છે. ગંગુ મહેતર બિઠૂરના રહેવાસી હતા.. નાનાસાહેબ પેશવાને પણ કંપનીએ બિઠુરમાં નિવાસ આપ્યો હતો. નાનાસાહેબે અંગ્રેજો સામે લડાઈનું રણશિંગું ફૂંકી દીધું હતું. એક વાર જંગલમાંથી પસાર થતાં નાનાસાહેબે એક યુવાનને ખભે વાઘને લઈને જતાં જોયો. એ જ ગંગુ મહેતર. નાનાસાહેબ આ જોઈને બહુ પ્રભાવિત થયા અને ગંગુને પોતાના સૈન્યમાં લઈ લીધા. સતીચૌરાની લડાઈમાં ગંગુએ એકલે હાથે લડાઈમાં દોઢસો અંગ્રેજોને યમના દરવાજે મોકલી દીધા. આના પછી અંગ્રેજો સતત એને જીવતા કે મરેલા પકડવા મથતા રહ્યા. છેવટે ગંગુ પકડાઈ ગયા ત્યારે અંગ્રેજોએ એમને ઘોડે બાંધીને આખા ગામમાં ફેરવ્યા અને પછી ૮મી સપ્ટેંબરે એમને કાનપુરના ચુન્નીગંજમાં ઝાડે લટકાવીને ફાંસી આપવામાં આવી. આજે પણ લોકો આ સ્થળે એમની નાના સ્મારકે દર વર્ષે એમની યાદમાં એકઠા થાય છે. આમ છતાં અફસોસની વાત એમાં મોટા ભાગના દલિત સમાજના જ લોકો હોય છે! ગંગુ બાબાને નાતજાત નહોતાં નડ્યાં પણ સવર્ણ સમાજને નડે છે!તાંત્યા ટોપે, નાનાસાહેબ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, અઝીમુલ્લાહ ખાન જેવાઓની વિદાય પછી અંગ્રેજોએ દમનનો છૂટો દોર મેલ્યો એમાં ૧૩૭ દલિતોને એક જ ઝાડ પર એક જ દિવસમાં ફાંસીએ લટકાવી દેવાયા.
આ ઉપરાંત, ગુમનામ દલિત શહીદોમાં બિહારમાં રાજા કુંવરસિંહના અચૂક નિશાનબાજ રઘુ ચમાર અને આરા જિલ્લાના રજિત બાબાની આજે પણ દલિતો પૂજા કરે છે.
દલિત સ્ત્રીઓએ પણ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છેઃ એમાંથી આપણે રાણી લક્ષ્મીબાઈની સાથી ઝલકારીબાઈનું નામ જાણીએ છીએ. પણ અવંતિબાઈ, પન્ના દાઈ, મહાવીરી દેવી અને ઉદા દેવીને પણ ભૂલી શકાય એમ નથી. દુર્ભાગ્ય એ છે કે એમના વિશે સત્તાવાર માહિતી નથી મળતી.
સંદર્ભઃ
Mutiny at the margins Gangu%20Baba (by Badari Narayan)
https://www.britishempire.co.uk/forces/armycampaigns/indiancampaigns/mutiny/cawnpore.htm
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
કપાતાં વૃક્ષોનો આર્તનાદ માનવજાતની તબાહી નોંતરી શકે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કેવળ પ્રાણીઓ જ નહીં, મનુષ્યનું જીવન પણ પ્રકૃતિ પર નિર્ભર હોય છે. અલબત્ત, જરૂરિયાતનું સ્થાન વ્યાપારે લીધું એ સાથે જ મનુષ્યે પ્રકૃતિના સંતુલનને ખોરવવાનો આરંભ કર્યો. એ પછી તેણે પાછું વાળીને જોયું જ નથી. સંતુલનને પુન:સ્થાપિત કરવાના નામે તે અનેક જાતના ધમપછાડા કરે છે, પણ ‘બુંદ સે બિગડી હૌજ સે નહીં આતી’ના ન્યાયે એ ટૂંકા ગાળાનાં, બિનઅસરકારક પગલાં સાબિત થતાં રહ્યાં છે.
પૂર્વ આફ્રિકાના દેશ કેન્યામાં પર્યાવરણવાદીઓ તેમજ કેન્યાની અદાલત અને વર્તમાન પ્રમુખ વિલીયમ રુટો સામસામા આવેલા છે. કેન્યામાં વૃક્ષછેદન પર છેલ્લા છ વર્ષથી પ્રતિબંધ મૂકાયેલો છે. સપ્ટેમ્બર, ૨૦૨૨થી કેન્યાનું પ્રમુખપદ સંભાળનાર રુટોએ આ પ્રતિબંધ ઉઠાવી લેવાની તજવીજ કરી છે. વૈશ્વિક સ્તરે હવામાન પરિવર્તનની જોરશોરથી તરફેણ કરતા રહેનાર વિલીયમ રુટોએ પ્રતિબંધ ઉઠાવવા પાછળનાં સચોટ કારણો દર્શાવ્યાં છે. વન્ય પેદાશ પર નિર્ભર અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલાં ક્ષેત્રોના દરવાજા ખોલવાની તેમને તાતી જરૂરિયાત જણાઈ છે. તેમના જણાવ્યા અનુસાર પરિપકવ થયેલાં વૃક્ષો વનમાં સડી રહ્યાં છે. લાકડાંની અને એ સિવાયની અન્ય પેદાશોના અભાવને કારણે સ્થાનિકોને તકલીફ પડી રહી છે. આથી વન્ય પેદાશના વ્યાપારીઓ પોતાનો વ્યવસાય કરી શકે એ માટે પ્રતિબંધ ઉઠાવવાનો નિર્ણય તેમની સરકારે લીધેલો છે. અલબત્ત, પંદરસો કરોડ વૃક્ષોને રોપવાની ઝુંબેશ ચાલુ રહેશે એમ તેમણે જણાવ્યું છે.
અમુક વન્ય સમુદાયો આ પ્રતિબંધ ઉઠાવવા માટે સરકારને વિનંતી કરી રહ્યા હતા, કેમ કે, એને કારણે તેમની આજીવિકા પર વિપરીત અસર થઈ રહી હતી. તેમની ફરિયાદ હતી કે તેઓ અનેક વન્ય પેદાશોનો ઉપયોગ કરી શકે એમ નથી. પ્રતિબંધ ઉઠાવવાને કારણે હવે અનેક સુસ્ત નગરોમાં સ્ફૂર્તિનો સંચાર થશે. એક સમયે વન્ય પેદાશોના વ્યાપારથી ધમધમતાં આ નગરો હવે નવેસરથી ચેતનવંતા બનશે.

સાંદર્ભિક તસવીર – નેટ પરથી પર્યાવરણવાદીઓએ આ નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું છે કે ગેરકાયદે કાપનારા અને બાળીને કોલસો પેદા કરનારા લોકો આનો દુરુપયોગ કરશે અને વનોનું નિકંદન કાઢી નાખશે. વનના વિસ્તારને વધારવાના આયોજન પર પણ આનાથી પાણી ફરી વળશે. ‘ગ્રીન આફ્રિકા ફાઉન્ડેશન’ના સ્થાપક અને પ્રમુખ આઈઝેક કલુઆએ આ બાબતે ચેતવણી આપતાં જણાવ્યું કે પ્રતિબંધ ઉઠાવવાને કારણે વનનું મોટે પાયે નિકંદન નીકળતું જશે અને અત્યાર સુધી જે કંઈ પ્રાપ્તિ થઈ છે એ બધી ધોવાઈ જશે. છેદન કાનૂની રીતે થાય એની પર નજર રાખવા માટે સરકારે અલાયદું એકમ બનાવવું જોઈએ.
કેન્યા ફોરેસ્ટ સર્વિસ (કે.એફ.એસ.) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમના દ્વારા વૃક્ષના છેદન પર નિયંત્રણ રખાશે. પ્રતિબંધને કારણે દેશને ચારસો કરોડ કેન્યન શિલિંગ કરતાં વધુ રકમનું નુકસાન થયું છે.
વૃક્ષછેદન, તેની પરનો પ્રતિબંધ અને પ્રતિબંધ ઉઠાવવાના નિર્ણયની પૃષ્ઠભૂમિ જોવાથી આ સમસ્યા કંઈક અંશે સમજી શકાશે. 2018માં વિસ્તારની દૃષ્ટિએ ભારતથી લગભગ છઠ્ઠા ભાગના આફ્રિકન દેશ કેન્યાના ૭.૪ ટકા પ્રદેશમાં વન હતું. વૈશ્વિક સરેરાશ અનુસાર એ 10 ટકા હોવું જોઈએ. એ સમયે કેન્યાની કુલ પાંચેક કરોડની વસતિમાંથી પચાસ હજાર લોકો પ્રત્યક્ષપણે અને ત્રણેક લાખ લોકો પરોક્ષપણે વનપેદાશોના વ્યાપાર સાથે સંકળાયેલા હતા. પ્રતિ વર્ષ પાંચ હજાર હેક્ટરના દરે કેન્યામાં વનવિસ્તાર ઘટતો જતો હતો. તેને પગલે વાર્ષિક ૬.૨ ઘન મીટર પાણીનો જથ્થો પણ ઓછો થતો જતો હતો. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. પરિસ્થિતિના સમગ્રતયા અભ્યાસ પછી આ ટાસ્ક ફોર્સે કરેલી અનેક ભલામણો પૈકીની એક એટલે વૃક્ષછેદન પરનો પ્રતિબંધ, જેને હવે છ વર્ષ પછી ઉઠાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એવું નથી કે કેન્યાના પ્રમુખ આ બધું અજાણપણે કરી રહ્યા છે. વૃક્ષછેદન પર નિયંત્રણ માટે, નવાં વૃક્ષને રોપવા માટે જરૂરી લાયસન્સની વિધિ તેમજ અન્ય આયોજન તૈયાર છે. કે.એફ.એસ. દ્વારા લાયસન્સ આપવાની તેમજ વેરાની ચૂકવણીની પ્રક્રિયા ઑટોમેટિક કરી છે. કામ પૂર્ણ થયા પછી સંબંધિત એજન્સીને તેમનું કામ નિયમોને અનુરૂપ પૂર્ણ થયાનું ‘એક્ઝિટ સર્ટિફિકેટ’ આપવામાં આવશે. વૃક્ષરોપણની પ્રક્રિયા ઝડપભેર શરૂ કરવામાં આવશે. કેવળ પરિપકવ વૃક્ષોને જ કાપવામાં આવશે. ‘બહારનાં’ વૃક્ષોનું આયુષ્ય પચીસથી ત્રીસ વર્ષનું હોય છે, એ પછી તેમની પુન:રોપણી ન કરવામાં આવે તો એ સડી જાય છે. ટૂંકમાં તમામ જરૂરી તકેદારી રખાઈ હોવાનું સરકારનું કહેવું છે.
પર્યાવરણવાદીઓ અને કર્મશીલો ઉપરાંત ‘લૉ સોસાયટી ઑફ કેન્યા’ (એલ.એસ.કે.) દ્વારા પણ સરકારના સંબંધિત વિભાગ સામે મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં મુખ્ય મુદ્દો સરકારે આ પગલું લેતાં અગાઉ લોકચર્ચા ન યોજી એ છે, તદુપરાંત આ નિર્ણય પાછળ કોઈ વૈજ્ઞાનિક તર્ક ન હોવાનું પણ તેમણે કહ્યું છે. હાલ પૂરતો અદાલતે ચૌદ દિવસ માટે પ્રતિબંધને ઉઠાવવાના નિર્ણયને અટકાવ્યો છે.
બન્ને પક્ષનાં પાસાં જોતાં ખ્યાલ આવે છે કે કેન્યામાં વનવિસ્તાર ઘટતો જવાની અને તેને કારણે પર્યાવરણ પર થઈ રહેલી વિપરીત અસરની સમસ્યા હજી એટલી જ તીવ્ર છે. પ્રતિબંધ ઉઠાવવાનું મુખ્ય કારણ દેશના અર્થતંત્ર પર થઈ રહેલી વિપરીત અસર છે. સૌ જાણે છે કે એક વાર વૃક્ષછેદન શરૂ થાય પછી ગમે એટલું નિયંત્રણ રાખવામાં આવે તો પણ એનો ખાસ અર્થ સરતો નથી.
આ બાબત કેવળ કેન્યાને જ નહીં, જગતના કોઈ પણ દેશને લાગુ પડે છે. આપણા દેશમાં આ સમસ્યા દિન બ દિન વધતી રહી છે. વનવિસ્તાર સંકોચાવાની અસર પર્યાવરણ ઉપરાંત જનજીવન પર પણ પડતી હોય છે. સત્તાવાળાઓ કાગળ પર આ બાબતે નિસ્બત જતાવે છે. કપાતાં જતાં વૃક્ષો કશું બોલી શકતાં નથી, પણ તેમનો આર્તનાદ વિવિધ સ્વરૂપે અનેકગણો મોટો થઈને આપણા સુધી પહોંચે છે, અને ઘણા ખરા કિસ્સામાં તબાહ કરે છે. આપણે કાગળ પર જાગીએ કે પગલાં લઈએ એનો કશો અર્થ નથી.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭ – ૦૮ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સાહિત્યકાર જયંત ખત્રીનું ચિત્રકાર સ્વરૂપ
પુસ્તક પરિચય
પરેશ પ્રજાપતિ

ચિત્રસાધનાના પથિક:ડૉ. જયંત ખત્રી
સંપાદક: કનુ પટેલવાર્તાકાર તરીકે ડૉ. જયંત ખત્રીનું (૨૪-૯-૧૯૦૯ થી ૬-૬-૧૯૬૮) નામ જાણીતું છે. જીવનની કઠોર વાસ્તવિકતાઓ, બૌદ્ધિક ચિંતન, વંચિત અને પીડિતનાં જીવન પ્રત્યે સભાનતા, શારિરીક આવેગોનું સંયમપૂર્ણ છતાં વાસ્તવિક અને કલાત્મક નિરૂપણ, પ્રતિકો અને રૂપકોનો ઉપયોગ, વાર્તાને પલટો આપવાની વિશિષ્ટ શૈલી વગેરે તેમનાં લેખનની આગવી લાક્ષણિકતાઓ છે.‘ફોરાં’ (૧૯૪૪), ‘વહેતાં ઝરણાં’ (૧૯૫૨) અને ‘ખરા બપોર’ (મરણોત્તર, ૧૯૬૮) સંગ્રહોમાં વાર્તાલેખનનો તેમનો કસબ ઝીલાયો છે.
પરંતુ, બહુ ઓછી જાણીતી વાત છે કે ડૉ. જયંત ખત્રી અચ્છા ચિત્રકાર હતા. પુસ્તક ‘ચિત્રસાધનાના પથિક:ડૉ. જયંત ખત્રી’માં તેમનું ચિત્રકાર તરીકેનું અજાણ્યું પાસું ઉજાગર કરવામાં આવ્યું છે.વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઇ ખત્રી (ડૉ. ખત્રીનાં પુત્ર)ના કહેવા પ્રમાણે ડૉ. જયંત ખત્રીનાં ઓરિજિનલ (મૂળ) ચિત્રોની રજૂઆત સાથે તેમની ચિત્રકાર તરીકેની વિશેષતા અને લાક્ષણિકતાઓ વર્ણવતું આ સૌ પ્રથમ પુસ્તક છે. પુસ્તકનું સંપાદન નાટ્યકાર, ચિત્રકાર તેમજ અભિનેતા તરીકેની આગવી પ્રતિભા ધરાવતા કનુ પટેલે કર્યું છે.
આ પુસ્તક છ વિભાગમાં વહેંચાયેલું છે. કુલ ૨૬૪ પાન ધરાવતા આ પુસ્તકના પહેલા વિભાગમાં ડૉ. જયંત ખત્રીનાં પેન્સિલથી દોરેલાં રેખાચિત્રો, રંગીન ચિત્રો, છાયાચિત્રો ઉપરાંત ટાંકણીથી ખોતરીને બનાવેલાં એમ વિવિધ માધ્યમોમાં બનાવેલાં અનેક ચિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કનુ પટેલે દરેક ચિત્રોમાં તેની વિશેષતાઓ ઝીણવટપૂર્વક ચર્ચી છે. જેમ કે રેખાચિત્રોમાં આડી, ઊભી, ત્રાંસી, વળાંકવાળી એમ વિવિધ પ્રકારની લીટીઓનો ઉપયોગ; આ ચિત્રોમાં રેખાઓની લયબદ્ધતા; આડી, ઊભી કે ત્રાંસી લીટીઓના સંયોજન અને તેનાથી ચિત્રમાં પડતો પ્રભાવ વગેરે જેવી બાબતોને શક્ય એટલી સરળ ભાષામાં સમજાવવા પ્રયત્ન કર્યો છે. પુસ્તકમાં છાયાચિત્રોની સવિસ્તર સમજ પીરસવામાં આવી છે. સામાન્ય રીતે શ્વેત અને શ્યામ રંગોનું માધ્યમ ગણાતા છાયા ચિત્રોમાં જયંત ખત્રીએ અન્ય કેટલાંક રંગોનો અદભૂત ઉપયોગ કર્યો હતો. પુસ્તકમાં છેલ્લે આપેલાં રંગીન ચિત્રોમાં એ જોઇ શકાય છે.આ ચિત્રોમાં છાયા- પ્રકાશના સંયોજન માટે ડૉ. ખત્રીએ કરેલી રંગ પસંદગી, રંગોના લસરકાની ખુબીઓ ને ખાસિયતો વગેરે બાબતોની કનુ પટેલે સરસ છણાવટ કરી છે. એ ઉપરાંત તેમણે ચિત્રોમાં દ્રશ્ય સંયોજન વિશે અર્થસભર ચર્ચા કરી ચિત્રોના સંદર્ભ ઉકેલી આપીને ચિત્રકાર ડૉ. ખત્રીના મનોજગતનો ઉઘાડ કરી આપ્યો છે.
ડૉ. જયંત ખત્રીએ ઘણા સામયિકોનાં શિર્ષકો, વાર્તાઓની પશ્ચાદભૂ આધારિત નાયક- નાયિકાઓ કે અન્ય પાત્રોનાં પણ ઘણાં ચિત્રો તૈયાર કર્યા હતા.વાર્તાકારે કરેલા વર્ણન પરથી પાત્રસર્જન મુશ્કેલ મનાય છે. આ પુસ્તકમાં આવાં કેટલાંક ચિત્રોમાં વાર્તાનો અમુક અંશ વાચવા મળે છે. તે પરથી વાચક કેટલેક અંશે ચિત્રો માણી શકે છે.
એકંદરે એમ કહી શકાય કે આ પુસ્તકના પ્રથમ ખંડમાં જયંત ખત્રીએ નવરાશના સમયે બનાવેલાં ચિત્રોથી માંડી સમયના અભાવે ત્વરિત બનાવેલાં ચિત્રો; કેનવાસ પરનાં તેમજ કાગળનાં ટુકડા પર બનાવેલાં ચિત્રો; જાહેર સ્થળોનાં તેમજ પારિવારિક સભ્યોનાં ચિત્રો ઉપરાંત પૂર્ણ તેમજ કેટલાંક અપૂર્ણ ચિત્રો એમ દરેક પ્રકારનાં ચિત્રોનો સમાવેશ કરી ડૉ. જયંત ખત્રીની ચિત્રકળાના તમામ પાસાં પર દ્રષ્ટિપાત કરવાનો કનુ પટેલે સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે.
ચિત્રકાર ઉપરાંત જયંત ખત્રી વાર્તાકાર પણ હતા. તેથી એક કળાનો બીજી કળા પર પ્રભાવ પડે એ સ્વાભાવિક છે. સાહિત્ય પર ચિત્રકળાની અસર વર્ણવતું આ વિભાગમાં એક અલાયદું પ્રકરણ સામેલ છે.
બીજા વિભાગમાં જયંત ખત્રીનાં હસ્તલિખીત અંકની ચિત્રસૃષ્ટિનો સમાવેશ કરીને વાર્તાઓના અભ્યાસ અને લાક્ષણિકતાઓની વાત કરવામાં આવી છે.
ત્રીજા વિભાગમાં વિવિધ સાહિત્યકારોએ જયંત ખત્રી વિશે વખતોવખત લખેલાં લખાણો, સંસ્મરણો અને પત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે; જે ચિત્રકાર ડૉ. જયંત ખત્રીની એક વ્યક્તિ તરીકેની છબી નિખારે છે. તેમાં ડૉ. મનુભાઇ પાંધીએ ટૂંકમાં પરંતુ સુંદર રીતે પોતાનાં મિત્ર એવા ડૉ. ખત્રીનું જીવનકવન રજૂ કર્યું છે.
ડૉ. જયંત ખત્રીના જીવન આધારિત સતીશ વ્યાસે લખેલા દ્વિઅંકી નાટક ‘ધૂળનો સૂરજ’નો પુસ્તકમાં ચોથા વિભાગ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
પાંચમા વિભાગમાં જયંત ખત્રીની નોંધપોથી તથા તેમનાં પહેલી પત્નિ વસુબેનને અરસપરસ લખેલા પત્રો છે. આ વિભાગોમાં ડૉ. ખત્રીનું વ્યક્તિત્વ ઉજાગર થવા ઉપરાંત તેમની બૌદ્ધિકતા તથા રેશનલ અભિગમનાં દર્શન થાય છે.
છેલ્લા છઠ્ઠા વિભાગમાં ડૉ. ખત્રીનાં જીવનની મહત્વની ઘટનાઓની તવારીખ તથા તેમણે બનાવેલાં રંગીન ચિત્રો છે. અગાઉનાં પ્રકરણોમાં કરાયેલી રંગ અને સંયોજનની ચર્ચા સમજવા વાચકને આ રંગીન ચિત્રો ઉપયોગી સાબિત થાય છે.
0
મુંબઇના ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફ (કાકા) અને ડૉ. જયંત ખત્રી વચ્ચે ગાઢ મેત્રી હતી. આ મૈત્રીનું મજબૂત બંધન બંનેનો ચિત્રકળાપ્રેમ હતો. તેથી કાંતિસેન શ્રોફની જન્મશતાબ્દી ઉજવણી વખતે ડૉ. જયંત ખત્રીની ચિત્રકળા સાથોસાથ બંનેની મૈત્રીનું કાયમી સંભારણું અંકે કરવાના હેતુથી આ પુસ્તકનું સર્જન થયું છે.પુસ્તક વાંચીને એ વાતે નવાઇ થાય છે કે સુંદર, અર્થસભર અને સર્જનાત્મકતાથી છલકાતાં ચિત્રો સર્જનાર ડૉ. જયંત ખત્રી, ચિત્રકળાના પદ્ધતિસરના અભ્યાસ વગર માત્ર સ્વઅભ્યાસબળે ચિત્રકળાના પથ પર પોતાની સૂઝથી ચાલ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે પોતાની જીવનસંગીની ગુમાવ્યા બાદ 93 વર્ષની પાકટ વયે કાંતિસેન શ્રોફે પણ ચિત્રકળાની ઓથે શેષ જીવન વિતાવ્યું હતું.
કનુ પટેલે કાગળ પર માત્ર લંબાઇ પહોળાઇ એમ બે માધ્યમ છતાં ચિત્રોમાં ઉંડાણ કેવી રીતે લાવી શકાય છે એ ડૉ. ખત્રીનાં ચિત્રો દ્વારા સમજ આપી છે. તેમણે સમકાલિન ચિત્રકારોની સાપેક્ષે ડૉ.જયંત ખત્રીનાં ચિત્રો કેવી રીતે અલગ તરી આવે છે તેની પણ છણાવટ કરી છે. પુસ્તક વાંચતી વખતે એમ લાગે કે કનુ પટેલે પુસ્તકમાં ‘રનીંગ કોમેન્ટરી’ની જેમ ડૉ. ખત્રીનાં એક એક ચિત્રો દર્શાવી તેની ખૂબીઓ દ્વારા ચિત્રકળાનાં વિવિધ પાસાં ઉજાગર કર્યા છે. કોઇ રમતની ‘રનીંગ કોમેન્ટરી’ સાંભળવા રમતથી સંપૂર્ણ જ્ઞાત (‘ખાં’) હોવો જરુરી નથી, એ જ રીતે આ પુસ્તક વાંચવા કે માણવા વાચકને ચિત્રકળાની પૃષ્ઠભૂમિ હોય અથવા કળાજ્ઞાન હોય એ આવશ્યક નથી; બલકે વાચક શબ્દોના દોરમાં પરોવાતી ચિત્રકળાની પાયાની માહિતી અને તેની ખૂબીઓથી જાણે-અજાણે અવગત થતો જાય છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
ચિત્રસાધનાના પથિક: ડૉ. જયંત ખત્રી
સંપાદક: કનુ પટેલ
પૃષ્ઠસંખ્યા :248 + 16 રંગીન
કિંમત :₹600/-પ્રથમ આવૃત્તિ : ડિસેમ્બર, 2022
પ્રકાશક:ગોરધન પટેલ ‘કવિ’, વિવેકગ્રામ પ્રકાશન, વિવેકાનંદ રૂરલ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, નાગલપુર રોડ, માંડવી (કચ્છ)- 370465 | સંપર્ક: +91 98252 43355
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
કલમના કસબી : કનૈયાલાલ મુનશી – આત્મકથા: સ્વપનસિદ્ધિની શોધમાં -૧
પુસ્તક પરિચય
રીટા જાની
પ્રશ્ન થાય કે મુનશી જેવા સમર્થ વાર્તાકારને ગુજરાતના રસિક વાચકવર્ગ આગળ ઓળખાવવાની કશી જરૂર ખરી ? એક શતાબ્દી પછી પણ જેમની વાર્તાઓ એટલી જ રસપ્રદ અને લોકપ્રિય છે ને તે વાંચીને મને જે આનંદ મળ્યો તે આજના પરિપ્રેક્ષ્યમાં નવી પેઢીને અવગત કરાવવાનો આ પ્રયાસ છે. હવે જવું છે તેમની આત્મકથા “સ્વપ્નસિદ્ધિની શોધ” તરફ. આ આત્મકથાનો ત્રીજો ભાગ છે જેમાં ૧૯૨૩થી ૧૯૨૬ના સમયખંડની વાત મુનશી કરે છે. તેમના માટે આનું મહત્વ અધિક એટલા માટે છે કે એ સમસ્ત જીવનનો સૌથી અગત્યનો અને સર્જનાત્મક સમય છે.
પુસ્તકની શરૂઆત થાય છે લીલાવતી સાથેના “પ્રથમ પરિચય” પ્રકરણથી. મુનશી કહે છે કે ઘણા વાચકો અને મિત્રોને લાગતું કે આ ભાગ ન લખાયો હોત તો સારું હતું. ટીકાકારોને તો ખૂબ મજા પડતી હતી. પણ તેઓ કહે છે કે તેમનું એક પણ કૃત્ય અથવા વર્તન એવું ન હતું કે તેથી તેમણે શરમાવું પડે કે પશ્ચાતાપ થાય. તેમના પ્રથમ પત્ની -અતિલક્ષ્મી જીવિત હતા ને તેમના ત્રણ બાળકો પણ હતા. તેમણે બાળપણમાં સેવેલી કલ્પનાના પરિપાકરૂપે આ અનુભવો છે – જે તેમના જીવનની શક્તિ અને પ્રેરણા છે. તેમના બાળપણની સખી “દેવી” તેમને લીલાવતી રૂપે મળ્યા હોય તેમ તેમના હૃદયના તરંગો લીલા સાથે સ્નેહબંધનથી જોડાવા ઈચ્છાતા હતા.૧૯૧૯માં તેઓ પહેલી વાર મળ્યા. ૧૯૨૨માં તેમના વચ્ચે અંતરાયોના સાગર ઉછળતા હતા. ૧૯૨૨માં મુનશીએ “ગુજરાત” માસિક બહાર પાડ્યું ત્યારે તેના ગ્રાહક બનવા તેમની વચ્ચે પત્ર વ્યવહાર થયો. આ શિષ્ટાચારી પત્ર વ્યવહાર પછી તેમની વચ્ચે સાહિત્ય વિષયક પત્ર વ્યવહાર શરૂ થયો. એમાં એકબીજાની ઠેકડી કરી તેઓ અંતરાયો ભેદી રહ્યા. તેમાં બાબુલનાથમાં ફ્લેટમાં ઉપર નીચે રહેતા થયા. મુનશીને લીલામાં આઠ વર્ષે ઝંખેલી “દેવી” મળી ગઈ. નાનપણથી જેને જીવનની સ્વામિની માની, જેના કલ્પનાવિલાસની પ્રેરણાથી જીવન વિતાવતા હતા તે સાક્ષાત આવીને ઊભી હતી આ ભાન તેમના મગજનો કબજો લઈ બેઠું. ખરી વાત એ હતી કે પ્રણયે તેમની બધી શક્તિઓને તીવ્ર અને અસામાન્ય બનાવી દીધી હતી. આથી મુનશીએ ત્રણ સંકલ્પ કર્યા.
એક, સંસાર અભેદ્ય રાખી પત્ની અને બાળકોને અન્યાય ન કરવો.
બે, પ્રણયધર્મનો દ્રોહ ન કરવો સાથે કાયેન્દ્રિય શુદ્ધિ પર જ પ્રણયસંબંધ રચવો.
ત્રણ, સંસાર પ્રત્યે કર્તવ્યભ્રષ્ટ થઈ સમાજમાં પ્રતિષ્ઠા ન ખોવી.
તો બીજી તરફ લીલા સાથે અપૂર્વ આત્મીયતાનો સાક્ષાત્કાર હતો. તેમના વચ્ચે પત્ર વ્યવહાર શરૂ થયો. મુનશીના પત્રો દ્વારા લીલાએ તેમનું હ્રુદય પારખ્યું. ને લીલાના પત્રોમાં મુનશીએ તેમના જીવનમાં પ્રવેશવાની લીલાની ઉત્કંઠા તેમણે વાંચી. સામાન્ય રીતે પ્રેમ શરૂ થાય ત્યારે એક જણ પ્રેમમાં પડે ને બીજું તેને ઝીલે. પણ અહીં તો બંને સાથે જ પડ્યાં ને સાથે જ ઝીલી રહ્યાં. એક મહાપ્રબળ શક્તિ તેમને એકબીજાના બનાવી રહી હતી.
પ્રેમના બે સ્વરૂપ છે. એકમાં વ્યક્તિ પ્રેમ દ્વારા કંઇક પ્રાપ્ત કરવા માગે છે, પ્રેમના સ્વપ્ન જુએ છે ને એ સ્વપ્નમાં સુખ શોધે છે. જ્યારે બીજા પ્રકારના પ્રેમમાં ફક્ત આપવું છે -પ્રેમ આપવો છે, સર્વસ્વ સમર્પિત કરવું છે, સ્વપ્ન સાકાર કરવા છે, સુખ આપવું છે. તેમાં પ્રિયજનની હાજરી એ જ સૌથી મોટું સુખ છે. તેઓ જે વાત સ્પષ્ટ રીતે બોલી ન શકતાં તે સાહિત્ય દ્વારા ઉચ્ચારતા થયા. ઘણીવાર તેઓ એકબીજાને “વસિષ્ઠ” અને “અરુંધતી” ના નામે સંબોધતાં. આ રીતે તેમની મૈત્રીની આસપાસ રસનું એક વર્તુળ બની ગયું. વફાદાર પ્રેમનું પોત ક્યારેય પાતળું નથી હોતું. પ્રેમની તાકાત એવી છે કે જ્યારે એક વ્યક્તિના પ્રવેશથી આખી સૃષ્ટિ હરી ભરી થઈ જાય ને એકના વિના પૂરી દુનિયા ખાલી લાગે. પ્રિય વ્યક્તિનું સાંનિધ્ય પ્રેમને સબળ કરે છે. આ વાત સો વર્ષ પહેલાં મુનશીના સમયમાં જેટલી સત્ય હતી એટલી આજે પણ છે અને આજથી સો વર્ષ પછી પણ રહેશે. બધો આધાર પ્રેમની ઉત્કટતા પર છે.
એક વળાંક જેમ દિશા બદલી નાખે છે , એ જ રીતે કોઈ એક સ્વપ્ન કે જીવનલક્ષી વિચાર જીવનની દશા બદલી નાખે છે. મુનશી પોતે સ્વપ્નદ્રષ્ટા તો છે જ પણ અહીં એ સ્વપ્ન સિદ્ધિની શોધમાં નીકળ્યા છે. ત્યારે આપણને એ પ્રશ્ન જરૂર થાય કે મુનશીનું સ્વપ્ન શું છે? મુનશીને તેમના સ્વપ્ન દ્વારા કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે? સ્વપ્નને સિદ્ધ કરવા એ શોધમાં ક્યાં નીકળ્યા છે? તેમની શોધની ફલશ્રુતિ શું? આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ માટે મળીશું આવતા અંકે…..
સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું: janirita@gmail.com
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪ . ૧ # અંશ ૪
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
અંશ ૩ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
સાટા વિનિમય – ચીજવસ્તુની અદલબદલ
નાણાની શોધ થઈ તે પહેલાંના સમાજ અને બજાર વ્યવસ્થાઓ સાટા વિનિમય વડે કામકાજ કરતાં હતાં. આ વ્યવસ્થા એક વ્યક્તિ પાસે ઉપલબ્ધ ચીજવસ્તુ કે સેવાની તે સામેની વ્યક્તિ પાસે ઉપલબ્ધ ચીજવસ્તુ કે સેવાની અદલબદલ કરીને બન્ને પક્ષોની જરૂરિયાતોને સંતોષી લેતાં. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં વસ્તુની કિંમતનો અંદાજ બન્ને પક્ષ પોતપોતાની પાસેની વસ્તુઓના જથ્થાના અંદાજનાં આપસી સમજનાં રૂપમાં મુકીને કરી લેતાં.
દેખીતી રીતે વસ્તુઓના આપસી વિનિમય દ્વારા નાણા સંબંધિત ફુગાવા જેવી સમસ્યાઓ ટાળી શકાય. અદલબદલ દરમ્યાન બન્ને પક્ષની ચીજવસ્તુઓના જથ્થાની આપલેનો ગુણોત્તર બન્ને પક્ષની ચીજવસ્તુઓની કિંમતનું માપ નક્કી કરવાનો એક વ્યવહારૂ વિકલ્પ રહ્યો છે. જોકે વસ્તુઓની કિંમત નક્કી કરવામાં અહીં પણ બન્ને પક્ષની જરૂરિયાતોનાં મહત્વ તેમ જ બન્ને પ્રકારની ચીજવસ્તુઓની માગ અને પુરવઠાનાં પરિબળોના પ્રભાવની અસર, જાણ્યેઅજાણ્યે, રહેતી તો હોય જ છે. વેચનાર પાસે ઉપલબ્ધ વસ્તુ માટે પોતાની જરૂરિયાત પુરી કરતી ચીજવસ્તુની જેને જરૂર હોય એવો ખરીદનાર શોધવો એ આ પદ્ધતિની પહેલી મુશ્કેલી હતી. તે ઉપરાંત, અદલબદલ શક્ય બનવા માટે બન્ને પક્ષો પાસેની વસ્તુઓનો ગુણોત્તર નક્કી કરવાની સમસ્યા પણ રહેતી જ. પરિણામે, સાટા વિનિમયની વ્યવસ્થાની વહેવારૂતા મર્યાદિત બની રહેતી.
ઔધોગિક ક્રાન્તિ પછી ઉત્પાદક અને ખરીદનાર વચ્ચેના સીધા સંબંધનો અવકાશ ઘટતો ગયો. તેમાં હવે ઉત્પાદન, વેચાણ અને ખરીદીની સાંકળની કડીઓ વૈશ્વિક સ્તરે ફેલાઈ જવાથી ઉત્પાદક અને ખરીદનાર વચેની માલની સીધી આપલે લગભગ અસંભવ બની ગઈ. આમ પુરવઠાની સમગ્ર સાંકળને અસરકારક રીતે જોડેલી રાખે એવાં સ્વતંત્ર, નિરપેક્ષ માધ્યમની જરૂર ઊભી થઈ, જે નાણાની શોધમાં પરિણમી. નાણાના વૈશ્વિક વિનિમયનાં માધ્યમ તરીકેની વ્યવસ્થાના વિકાસે દુનિયાને એક છેડે બેઠેલા ફળોના ઉત્પાદકને તેની પાસેના જથ્થાનું વેચાણ કરીને તેમાંથી મળે; અને એ નાણાંનાં વળતર દ્વારા પોતાની જરૂરિયાત અનુસારનું, દુનિયાને બીજે છેડે બનેલ, રાચરચીલું ખરીદવું શકય બની ગયું. વેચાણ માટેની વસ્તુઓના માંગ અને પુરવઠા અનુસાર નક્કી થતી કિંમત તેમ જ પોતપોતાની પાસે ઉપલબ્ધ જ્થ્થાનું કુલ મૂલ્ય વેચાણ કરનાર અને ખરીદ કરનાર બન્ને માટે નાણાં સ્વરૂપ નિરપેક્ષ માધ્યમ વડે નક્કી કરવું સરળ બની ગયું.
જોકે જેમની પાસે નાણાની સીધી ઉપલબ્ધતા નથી એવા સમાજનાં લોકો માટે પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે પોતાની પાસે ઉપલબ્ધ ચીજવસ્તુઓને કે પોતાનાં કૌશલ વડે શક્ય બનતી સેવાઓને સાટામાં આપવાની સગવડ એક અનિવાર્ય વિકલ્પ બની રહે છે. સ્વાભાવિક છે કે આ પ્રકારની વ્યવસ્થા વેચનાર અને ખરીદનાર વચે સીધો સંપર્ક શક્ય હોય તેવી સ્થાનિક કક્ષાએ જ મર્યાદિત રહે. સામાન્યપણે, અર્થશાત્રીઓ આવી વ્યવસ્થામાંના ઉત્પાદકો અને ગ્રાહકોના લેણદેણના વ્યવહારોની અસરોને સામુહિક અર્થવ્યવસ્થા પર નગણ્ય કક્ષાની ગણે છે એટલે નાણાપ્રધાન અર્થવ્યવસ્થાના હિસાબોમાં આ આખી વ્યવસ્થા આવતી નથી હોતી.
હમણાં થોડા સમયથી, મોટી કંપનીઓ દ્વારા માલસામાન અને સેવાઓની નાણાકેંદ્રી વૈશ્વિક લેવેચની સામે ઘણા દેશોમાં વિરોધ થવા લાગ્યો છે. પોતાના દેશમાં જ બનેલી વસ્તુઓ કે સેવાઓ વાપરવી એવું વલણ વધતું જતું જોવા મળે છે. આમ કરવાથી ઘણા કિસ્સાઓમાં ઉત્પાદનો બીજા દેશમાંથી કરાતી આયાતો કરતાં મોંઘાં પણ પડતાં હોવા છતાં, પણ પોતાના દેશના પરંપરાગત હુન્નર પર નભતાં લોકોનાં જીવન ધોરણને સુધારવા માટે કે દેશમાં રોજગારની તકો વધે એવાં એવાં એવાં કારણોસર આ નિર્ણયો લેવાતા હોય છે. ફ્રાંસના વાઈન પેદા કરતા બગીચાઓના માલિકોને, કે ભારતના રમકડાં ઉદ્યોગ કે હસ્તકલાનાં ઉત્પાદનોને, અપાતાં પ્રોત્સાહનો આ વધતાં જતાં વલણનાં ઉદાહરણો છે. ભલે નાણાકેંદ્રી, પણ વૈશ્વિક સ્તરને બદલે સ્થાનિક સ્તરે જ ઉત્પાદન અને વપરાશનો વિનિમય હવે કદાચ નવા પ્રકારના સ્થાનિક સાટા વિનિમય તરીકે ઉભરે તો નવાઈ નહીં !
સાટા વિનિમય – સેવાની સામે સેવાની અદલબદલ
આજે હવે જ્યારે નાણાનાં સ્વતંત્ર અને નિરપેક્ષ માધ્યમથી ચીજવસ્તુઓની કિંમત નક્કી કરવી જાણવી સરળ બનતી જાય છે તેમ તેમ ચીજવસ્તુઓના વિનિમયના વ્યવહારો પણ સગવડભર્યા થવા લાગ્યા છે. પરિણામે ચીજવસ્તુઓના સાટા વિનિમયનાં બજારો હવે ક્યાંક રડ્યાં ખડ્યાં જ રહ્યાં છે. ચીજવસ્તુઓના સાટા વિનિમયની પ્રથા જૂની ભલે થઈ ગઈ હોય પણ એકવીસમી સદીમાં એ વ્યવસ્થાને ચીજવસ્તુઓ ઉપરાંત સેવાઓના વિનિમય સુધી વિસ્તારવી જોઈએ. સેવાઓના સાટા વિનિમયમાં આપણા માટે જે કોઇ કામ કરી આપે તેના બદલામાં આજે, અથવા તો ભવિષ્યમાં, આપણે કામ કરી આપવાનો વ્યવહાર મુખ્ય ભૂમિકામાં રહે છે. આપણે જે સેવા મેળવીએ તેના વળતર રૂપે સામે આપણી સેવા આપવી એટલે સેવાઓનો સાટા વિનિમય.
એક એક વ્યક્તિ માટે નાણાની મદદ લીધા સિવાય પોતપોતાની સેવાની આપલે કરવી શક્ય બની શકે છે, એટલે, સામાન્ય રીતે, સેવાઓનો બદલો વ્યક્તિગત અને સ્થાનિક સ્તરે જ થતો હોય છે. આ પ્રકારના સાટા વિનિમયનું કદાચ સૌથી સારૂં ઉદાહરણ રસોઈ, ઘરની સફાઇ તેમ જ અન્ય ઘરનાં કામો કરી આપવાનો ગણી શકાય. અહીં આ સેવાઓનું વળતર નાણાને બદલે એક કે બે વખતનું જમવાનું, કપડાં લત્તાં, રહેવાની સગવડ તેમ જ સેવા આપનારના ઘરના પ્રસંગો સમયે કરાતી વિવિધ પ્રકારની સહાયો દ્વારા ચુકવાતું હોય છે.
આજના સમાજમાં નાના નાના સમુદાયોમાં સ્વરોજગાર કે બીજા માટે સેવાઓ પુરી પાડીને સમાજના વ્યવહારોની ગોઠવણ કરાતી જોવા મળે છે. ઇસ્રાયેલનાં કિબ્બુત્ઝ આ વ્યવસ્થાનું એક આદર્શ ઉદાહરણ છે. સહકારી ધોરણે ખેતી જેવા પ્રયોગો આ વિચારબીજમાંથી જન્મેલા ગણી શકાય. જોકે સ્વરોજગાર પર નભતી બેનોનાં આપસી કામની સામુહિક અસરને નાણાંમાં ફેરવીને તેમને આત્મનિર્ભર કરવાના વિચાર પર સુશ્રી (સ્વ.) ઇલાબેન ભટ્ટ દ્વારા વિકસાવાયેલ ‘સેવા’ – SELF EMPLOYED WOMEN’S ASSOCIATION – સંસ્થાનો પાયો સેવા વિનિમયના સિધ્ધાંત પર જ રચાયેલો કહી શકાય.
કામના બદલામાં કામ દ્વારા નાણાં સ્વરૂપ વળતરને લઈને થતી સમસ્યાઓ નીવારી શકાય છે. જેમ કે ફુગાવાને કારણે સેવાઓની કિંમતમાં થતો વધારો સેવા વિનિમયના કિસ્સાઓમાં બહુ પ્રસ્તુત નથી રહેતો. એકબીજાનું કામ કરી આપવાને કારણે બન્ને પક્ષે સામેવાળી વ્યક્તિના સમય, મહેનત , હુન્નર, આવડત વગેરે માટે માનની ભાવના પણ કેળવાય છે, જેને પરિણામે એ સમાજમાં વાતાવરણ વધારે સૌહાર્દમય રહેતું જોવા મળી શકે છે. વળી, સેવાઓની આપલે સંબંધી જો કોઈ મતભેદ પડે તો આ વ્યવસ્થામાંથી બહાર નીકળી જવાનો વિકલ્પ તો રહે જ છે.
સામાન્યપણે એવી માન્યતા રહેતી હોય છે કે નાણાના પ્રભાવમાંથી મુક્તિ તો જ મળે જો આપણે ગૃહસ્થ જીવનવ્યવસ્થાને બદલે સંન્યાસ લઈ લઈએ. પણ સાટા વિનિમય વડે નાણાની ગુલામી કર્યા સિવાય પણ વ્યક્તિગત તેમ જ, ભલે મર્યાદિત સ્તરે પણ, સામુહિક બિનનાણાકેન્દ્રી અર્થવ્યવસ્થા ગોઠવી શકાય છે તેવી જાગરૂકતાને આ પ્રકારના વિનિમયની સૌથી મોટી શીખ, કદાચ, ગણી શકાય. વળી, જ્યારે પણ જરૂર પડે ત્યારે, તે પુરતું, સાટા વિનિમયને નાણાપ્રધાન અર્થવ્યવસ્થા જોડે સાંકળી તો શકાય જ. આમ બન્ને વ્યવસ્થાઓના ફાયદાઓનો લાભ લેવો શક્ય પણ બની શકે છે.
સાટા વિનિમય – સામુદાયિક કામની અદલબદલ
પ્રાચીન અર્થવ્યવસ્થાઓમાં આજની અર્થવ્યવસ્થાની જેવી બીજા કોઈ માટે નોકરી કરવી એવી કોઈ વ્યવસ્થા હતી જ નહીં. દરેક વ્યક્તિ પોતપોતાના પરંપરાગત રીતે શીખેલ હુન્નરની મદદથી પોતાની આવક કમાઈ લેવા માટે સ્વનિર્ભર રહેતી. એટલે પોતાની ઉપજથી જે તેની જે જરૂરિયાતો વણસંતોષાયેલી રહે તે જરૂરિયાતો પુરી કરવા માટે ચીજ વસ્તુઓ કે સેવાઓના સાટાબદલા જ શક્ય માધ્યમની ભૂમિકા ભજવતા. આ વ્યવસ્થાઓમાં ઘણી વાર પણ એમ બનતું કે અમુક વ્યક્તિઓના સમુહમાં પણ આપસી સાટાબદલાથી સમુહની બધી જ વ્યક્તિઓની બધી જ જરૂરિયાતો પુરી ન થાય. આવું બને ત્યારે આવા સમૂહ અન્ય સમૂહ સાથે સામુદાયિક સાટાબદલાની વ્યવસ્થા કરીને સેવાઓ કે ચીજવસ્તુઓની સામુદાયિક સ્તરે અદલબદલ કરીને એ ખોટ પુરી કરી લેવા લાગ્યા.
જોકે વ્યક્તિગત સ્તરે સાટાબદલામાં ચીજવસ્તુ કે સેવાનાં મૂલ્યાંકન કે એકબીજા પાસેની ચીજવસ્તુ કે સેવા ઉપલબ્ધ થવાના સમયમાં સાહજિક તફાવત જેવી ઉણપો છે તે આવા સામુદાયિક થતા સાટાબદલાઓમાં પણ નડતી. એટલે એ સમયના સમાજોમાં પણ વિનિમયનાં ઉભયપક્ષે સ્વીકાર્ય માધ્યમની જરૂરિયાત તો રહેતી. હજુ એ માધ્યમ તરીકે નાણાનું ચલણ અસ્તિત્વમાં નહોતું આવ્યું એટલે એ સમયના સમાજોએ પોતાની રીતે જ વ્યાવહારિક ઉપાયો ખોળી કાઢવા પડતા હતા.
સાટાબદલાની આવી ઉણપોને આંશિક રીતે સ્થાનિક શાસન વ્યવસ્થા કે સમાજ પણ અતિક્રમી શકે. જેમકે, નાણાં, કે તેની સમકક્ષ સ્વીકાર્ય માધ્યમ, ને લગતી સેવાઓનો વિનિમય સામાજિક કે સ્થાનિક પ્રાદેશિક સંસ્થાઓના સ્તરે કરવો. આપસી ચીજવસ્તુઓ કે સેવાની ઉપલબ્ધતાના સમયના સ્વાભાવિક ફરક કે એક પક્ષની બીજા પક્ષને ચીજવસ્તુ પુરી પાડવાની તત્કાલીન અસમર્થતા જેવી ખુટતી કડી પણ ઘણી વાર સેવા સાટા વિનિમયને અવ્યાવહારિક બનાવતી જોઇ શકાય છે. સાટા વિનિમયની આવી સ્વાભાવિક ઉણપો કે સમુહનાં સભ્યોની ચીજવસ્તુઓ કે સેવાઓની આપલે માટે જરૂરી નાણા માટેની અસમર્થતાને સામુદાયિક સ્તરે હલ કરી શકાય. સ્થાનિક સાટાબદલાની સામુદાયિક વ્યવસ્થા મહદ અંશે સ્વનિર્ભર રહે અને ભરોસાપાત્ર બની રહે તે માટે સામાજિક ધારાધોરણો, કે પછી કાયદાકીય માળખાંની વ્યવસ્થાનું નિયમન સ્થાનિક શાસન વ્યવસ્થા વડે કરવામાં આવે. તેમ છતાં પણ માલસામાનની ઉપલબ્ધતામાં કે વિનિમયના માધ્યમમાં જે ઉણપ રહે તેની વ્યવસ્થા વધારે વ્યાપક સામાજિક સ્તરે કે રાજ્યની સરકારના સ્તરે પુરી કરવાની રહે.
આમ સ્થાનિક સ્તરે સામુદાયિક સાટાબદલાની વ્યવસ્થામાં વ્યક્તિગત સ્તરે, કે સ્થાનિક સમુહને સ્તરે, વ્યક્તિગત અર્થવ્યવસ્થાનું ચલણ જોવા મળતું. આ વ્યવસ્થાઓને પુરક બની રહે તે રીતે વ્યાપક સામાજિક સ્તરે, કે પ્રાદેશિક શાસન વ્યવસ્થાને સ્તરે, નાણાની સમકક્ષ અર્થવ્યવસ્થાનાં પદ્ધતિસરનાં માળખાં વિકસવા લાગ્યાં.
આપસી મદદગાર, સ્વનિર્ભર અને સમતાવાદી સમાજની રચના
આર્થિક જેલમાંથી પુરેપુરો છુટકારો તો કદાચ ક્યારે પણ શક્ય ન બને, પણ બહારની, બિનનાણાપ્રધાન, અર્થવ્યવસ્થામાં થોડો સમય રહેવા મળે, ત્યાંની તાજી હવાની મજા માણવા મળે અને એટલો સમય નાણાંરૂપ જેલરને ભુલી જવા મળે એટલો શરતી છુટકારો તો મળી શકે. આર્થિક જેલની બહારનાં સુખની ખોજ મળી રહે એ માટે આપસી મદદ વડે પોતા પુરતાં સ્વનિર્ભર રહે એવાં સમૂહો એક સક્ષમ વિકલ્પ બની રહે છે.
વ્યક્તિગત કે સામૂહિક સ્તરની સેવાઓના વિનિમયના અધારે ગઠિત થયેલ સમૂહો એના દરેક સભ્યને જરૂરી સેવાઓનો લાભ મળે એ માટે એક આદર્શ વ્યવસ્થા નીવડી શકે છે. આવી સેવાઓનો લાભ નાણાના બદલામાં, કે પછી સેવાની સામે સેવાના બદલામાં, મેળવી શકાય.
નાણાની ચુકવણીથી જ સેવાઓની આપલેનો વિનિમય કરતી વ્યવસ્થાઓમાં વ્યાવસાયિક ફાવટ વધારે હોય એવી વ્યક્તિ, કે સંસ્થા, પોતાની જરૂરિયાત કરતાં ઘણું વધારે કમાઈ લે અને જેમને એવી ફાવટ ઓછી હોય તેઓને પોતાની સેવાના બદલામાં ઓછું નાણાકીય વળતર મળે કે પોતાની જોઈતી સેવા તેને ન પરવડે એવી કિંમતે મળે એવી અસમાનતાઓ ઉભી થવાની શક્યતાઓ રહે છે.
જ્યારે સેવાઓના વિનિમય આધારિત સામાજિક સમૂહોમાં તેના સભ્યો પાસે જોઇતી નાણાની સગવડ કદાચ ન હોય તો પણ તેને જરૂરી સેવાઓ તે મેળવી શકે. એમણે એવી સેવાઓને બદલે સામે પોતાથી શક્ય હોય એવી સેવા સમુહને આપવાની રહે. જેમકે, નાણાં ચુકવ્યા વિના વાળ કપાવવા હોય તો બદલામાં અમુક દિવસ પોતાની લારી પરથી ચા પીવડાવવી ! બિન નાણાકીય માધ્યમથી સેવાઓની આપલેનાં માધયમથી સમાજનાં ઘણાં મોટાં કામો પણ શક્ય બની જાય છે. જેમકે ગામમાં કોઈને લગ્ન પ્રસંગ હોય તો પ્રસંગોના દિવસોએ ગામને જમવાનું મળે. એ સામે જેને ઘરે પ્રસંગ હોય તેનો આખો પ્રસંગ ગામનો પ્રસંગ બનીને ઉજવાઈ જાય. એક જમાનામાં ગામમાં વૈદ્યરાજ કે શિક્ષકને તેમની સેવાઓના બદલામાં તેમનાં ઘરની બધી જ જરૂરિયાતો ગામવાસીઓ પુરી પાડતાં.
સેવાઓના વિનિમયના અધાર પર રચાતી અર્થવ્યવસ્થા નિયમનકારો, સરકારોનું અને સમાજના અગ્રણીઓની નીતિઓ મહત્ત્વનું અંગ હોય એ જરૂરી છે. સેવા વિનિમયો પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને સેવાઓનાં સામાજિક ન્યાયોચિત વિતરણ માટે તેમણે સન્નિષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. આ પ્રકારની સામાજિક વ્યવસ્થામાં સામ્યવાદી અર્થવ્યવસ્થામાં પોતાની – નાણાકીય કે પછી બિનનાણાકીય – સંપત્તિની માલિકી છોડી દેવાનું જે ફરજિયાતપણું હોય તે ન હોય એ બાબતનું ખાસ ધ્યાન રખાવું જોઈએ. કયા પ્રકારની સેવા કોણ આપશે તે નિયમનકારોએ નક્કી કરવા ન બેસવું જોઇએ. તેમણે તો કઇ સેવાઓની પણ જરૂર છે તે નક્કી કરવાને બદલે સેવાઓની સમાન વહેંચણી શક્ય બને તેવી રચનાત્મક પ્રક્રિયાને પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. સમાજને કઈ સેવાઓની કયાં સ્વરૂપે જરૂર છે તે નક્કી કરવાનું કામ, સામાન્ય રીતે, સમાજના સભ્યો અને તેમના અગ્રણીઓનું છે. તેમની એ પણ જવાબદારી બની રહે છે કે જે કોઈને પણ એ સેવાની જરૂર હોય ત્યારે તેને તે સેવા મળી રહે. રોટી, કપડા અને મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતો અને શિક્ષણ તેમજ તબીબી સેવાઓ જેવી સેવાઓ આ પ્રકારની સામાજિક ન્યાયોચિત વિનિમય વ્યવસ્થામાં આવરી લેવાય તે બાબતને પ્રાથમિકતા મળવી જોઈએ.
સેવાઓ આધારિત સ્થાનિક સમુહોની રચના દેખાય છે એટલી અવાસ્તવિક આદર્શ પરિયોજના નથી. આજનાં નાણાપ્રધાન આર્થિક જગતમાં પણ ગ્રામવાસીઓ અને તેમના સ્થાનિક અગ્રણીઓ આવાં સમુહોની રચના કરી શકે છે, અને તેમને અસરકારક રીતે ચલાવી પણ શકે છે. નાણા પ્રધાન અર્થવ્યવસ્થામાંની ઘણી સેવાઓને સમુહના સભ્યોમાં સમાનપણે વહેંચણી શક્ય બને એ મૂળભુત આશયથી સ્વયંસેવાના વિનિમયને સામુદાયિક વિનિમય વ્યવસ્થામાં લાવી શકવું શક્ય છે.
સામુહિક ખેતી અને તેને લગતી સેવાઓની ગ્રામ્ય વ્યવસ્થા આ પ્રકારની સ્વનિર્ભર સમુહ રચનાઓનું એક અનુકરણીય ઉદાહરણ કહી શકાય. આંતરરાષ્ટ્રીય મજદુર સંસ્થા (આઇ એલ ઓ) જુદા જુદા દેશોની વંચિત અને વિકાસની સીમાઓમાં ન આવરી લેવાયેલ સમાજો માટે આવી સેવા સંસ્થાઓ ઉભી કરવા ખાસ પ્રયત્નો કરે છે. જેના ભાગ રૂપે ભારતમાં કુટિર, લઘુ અને નાના ઉદ્યોગો વૈશ્વિક પુરવઠા સાંકળની કડી બની રહે તે માટેની પરિયોજના – Promoting Sustainable Enterprises in India (PSEI) – નો તે અમલ કરી રહેલ છે. મેડીસિંસ સાન્સ ફ્રંટ્યેર (Medecins Sans Frontiers) જેવી ખાનગી સંસ્થાઓ આવું કામ તબીબી સેવાઓને ક્ષેત્રે કરી રહેલ છે. ઇઝ્રાયેલનાં સ્વ-નિર્ભર કિબ્બુત્ઝ પણ આ વ્યવસ્થાનું નમુનેદાર ઉદાહરણ છે.
જોકે આપણે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી જોઈએ કે ‘બધી જ’ સેવાઓ કોઈ એક વિનિમય માધ્યમ, સામાજિક સમુહ, કે ગામ કે કિબ્બુત્ઝ જેવી કક્ષાએ મળી શકે તેવી આદર્શ વ્યવસ્થા સંભવ નથી. તેના એક ઉપાય તરીકે આવી સેવા વિનિમય માધ્યમોનું નિયમન મૉડેલ બે સ્તરનું બની શકે. પહેલાં સ્તરમાં જે કંઈ સેવાઓ સમુહ કે ગામ જેવાં સ્થાનિક સ્તરે શક્ય હોય તે ત્યાં મળે. એ પછી, બીજાં સ્તરે, એ સિવાયની સેવાઓ દેશમાંથી કે વિદેશ જેવા બહારના અન્ય સ્ત્રોતોની મદદથી, મેળવવામાં આવે. આમ કરવા માટે કોઈ એક તબક્કે સેવા વિનિમય એકમ કે તેનાં વ્યક્તિગત સભ્યોને ક્યાં તો પોતાની રીતે નાણાંની સગવડ કરવી પડે કે પછી ક્યાં તો, ભારત સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા) યોજના જેવી રાજ્ય કે રાષ્ટ્રિય સરકારોની કે સંયુક્ત રાષ્ટ્ર સંધ કે અન્ય સખાવતી સંસ્થાઓની યોજનાઓ દ્વારા મળી શકતી રાજ્ય કે કોઈ અન્ય સંસ્થાની, નાણાકીય મદદ મેળવવી પડે. નાણાકીય મદદ માટે જો કોઈ પ્રકારની વ્યક્તિગત સામાજિક સુરક્ષાની જોગવાઈ હોય તો તે પણ કામ આવી શકે.
આમ સેવાઓની વહેંચણીના વિકલ્પ તરીકે બિનનાણાકીય સેવા વિનિમય માધ્યમો આર્થિક જેલમાંથી અને નાણારૂપી જેલરની નજર હેઠળથી દૂર થવાનો થોડો છ્ટકારો પુરો પાડી શકે છે.
નાણાકેન્દ્રી સામુહિક વિનિમય માધ્યમો અને બિનનાણાકીય સામુહિક માધ્યમો સંજોગોની માંગ અનુસાર સાથે સાથે કામ કરતાં રહી શકે. સામાન્ય રીતે, નાણાકેન્દ્રી વિનિમય વ્યવસ્થાઓનું સંચાલન અર્થશાસ્ત્રીઓ અને નીતિ ઘડવૈયાઓ કરે અને બિનનાણાકીય વિનિમય વ્યવસ્થાઓનું સંચાલન સમાજિક સમુહો કે સ્થાનિક શાસન સંસ્થાઓ કરે એ વ્યાવહારિક રીતે વધુ સગવડભર્યું પડતું હોય છે.
સેવા આપનાર અને લેનાર વચ્ચે નાણાના વ્યવહારોનું પ્રમાણ મહદ અંશે ઘટી જવાથી નાણા સંબંધી ધર્ષણો ઘટાડી શકાય છે. સેવાઓના બિનનાણાકીય વિનિમયોમાં સમુહો તેમજ એ સમુહોના સભ્યોને સેવાઓ આપવા અને લેવા માટે સરખી તકો મળે તેમ જ અંદરોઅંદર સમાનતાની ભાવના પ્રસરી રહે તેવાં વાતાવરણ બની રહેવાના સંજોગો પણ વધી શકે છે. બિનનાણાકીય સેવા વિનિમયોનાં સંચાલન સ્થાનિક સમુહો હાથમાં જ રહેવાથી સેવાઓની આપલેમાં ભ્રષ્ટાચાર અને છેતરપિંડીઓને, કદાચ સાવ દૂર કદાચ ન કરી શકાય, પણ અસરકારક રીતે ઘટાડી શકવું પણ શક્ય બની રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો બીનનાણાકીય વિનિમયોમાં સહજ રીતે વિકસતી ભાઈચારાની અને સમાનતાની ભાવના વડે નાણાની લાલચને કારણે સમાજમાં પેસતી અસમાજિક પ્રવૃતિઓ પર સમાજના સમુહોના વધારે અસરકારક અંકુશને શક્ય બનાવીને એ બદીઓને નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાઓ પુરતી મર્યાદિત કરી પણ શકાય.
બીજો એક અપ્રત્યક્ષ ફાયદો એ છે કે નાણાના રૂપમાં થતી કમાણી એ ભૌતિક સંપત્તિઓ પ્રાપ્ત કરવા અને સંગ્રહ કરવાની સ્વાર્થિ પ્રવૃતિ બની જવાને બદલે તેનું વિનિમયના માધ્યમ તરીકે મહત્ત્વ સમજાય છે. આપણા જીવનમાં નાણાના બીનજરૂરી મહત્વને ઓછું કરી શકવાથી નાણા શક્તિ દ્વારા આપણા જીવનમાં ચંચુપાત કરીને વિસંવાદીતા પેદા કરતાં પરિબળોને ઓળખીને તેમના પ્રભાવને ઘટાડી શકવાનું પણ શક્ય બનાવી શકાય છે. જ્યાં કોઇ એક વ્યક્તિથી એમ કરવું શક્ય ન બને ત્યાં બીનનાણાકીય સેવા વિનિમય સમુહોનાં સામુહિક સામર્થ્ય કામ આવી શકે છે. આપણી ઘણી બધી જરૂરિયાતો પુરી કરવા માટે નાણા પરની આપણી નિર્ભરતા ઘટવાને કારણે, એક હદ પછી, નાણા રૂપી કમાણી અને તેના પ્રભાવોને આપણા જીવનમાં અપ્રસ્તુત બનાવી દઈ શકાય છે.
જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં, વ્યક્તિગત રીતે કે સામુદાયિક રીતે, સેવાના બદલામાં સેવાના વિનિમય દ્વારા કમાણી તો ‘નાણા’નાં સ્વરૂપે જ હોય એ માન્યતાના ઓછાયામાંથી બહાર નીકળી શકાય – બહાર નીકળવું જ રહ્યું. સમુહ સાથેની – પ્રત્યેની – વફાદારીને પરિણામે મળનારા ફાયદાઓને આપણાં ખાતાંની જમા બાજુએ ઉમેરતાં જઇએ અને જ્યારે જ્યારે તક મળે ત્યારે એ ખાતાંમાંથી ઉપાડ કરીને,નાણાં પર આધાર રાખ્યા વિના જ, તેની મજા આપણે માણતાં રહીએ !
રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારોથી ઘડાતાં આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં એક ઘટક ‘ કમાણી’ના વિવિધ વૈકલ્પિક સ્રોતો અને તેમને સંબંધિત અલગ અલગ પાસાંઓની આટલી વિગતે ચર્ચા કર્યા પછી હવે આપણે બીજાં મહત્ત્વનાં ઘટક ‘ખર્ચા’ વિશે વાત માંડીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
