જીવનની અર્થવ્યવસ્થાનો

 વ્યાવહારિક અમલ

અંશ ૨ થી આગળ

દિવ્યભાષ સી. અંજારીઆ

નાણા વિનાઅવેતનકામ

બીજા માટે  કામ કરવા છતાં નાણાં કે  તેની સમકક્ષ વળતર ન લેવાથી કામ સંબંધી ઘર્ષણનું મુખ્ય કારણ ટળી જઈ શકે છે. તમે અવેતન કામ કરો તે તો કામ આપનાર માટે તો ફાયદાકારક નીવડી શકે, પણ મુદ્દાનો સવાલ તો એ રહે છે કે કોઈ પણ પ્રકારનું વળતર ન મળે એવું કામ કોઈ કરે શા માટે?  એક કારણ તો એ શક્ય છે કે તમારી પાસે અન્ય સ્ત્રોતોમાંથી જ એટલી કમાણી છે, કે એટલી બચત છે, કે તમે માત્ર નિજાનંદ માટે કે સમાજ સેવા માટે જ કામ કરી શકો. ઘણા કિસ્સાઓમાં તો અવેતન કામ કરનાર પાસે ‘પુરતી’ કમાણી કે બચત ન પણ હોય એવું પણ બની શકતું જોવા મળે છે. એ લોકો માટે આ રીતે કામ કરવું એ તેમણે નક્કી કરેલી જીવનશૈલીનો એક ભાગ હોય છે.

જે લોકો બીજા માટે અવેતન કામ કરે છે એ લોકો  કામનાં વળતર સંબંધી ઘર્ષણો ટાળીને, કે પછી તેમને સાવ બિનમહત્વનાં બનાવી દઈને, અપેક્ષા પુરી ન થવાનાં નીજી દુઃખ પેદા કરતી પરિસ્થિતિઓને ટાળી શકે છે. વ્યાવસાયિક કામો કે સેવાઓના સંબંધોમાં તે પોતાનું પલડું ભારી કરી શકે છે અને સમાજ સેવા સંબંધોમાં માનસન્માન મેળવી શકે છે.  આમ અવેતન કામ કરીને પણ તે આવા અપ્રત્યક્ષ લાભોની કમાણી તો અંકે કરી જ શકે છે !

નાણાંને પ્રમુખ સ્થાન આપતી અર્થવ્યવસ્થાનો વિકાસ જ્યારે હજુ આજ જેટલો વ્યાપક નહોતો બન્યો એ સમય પહેલાંની સમાજ વ્યવસ્થામાં, કે આજે પણ હજુ એ વિકાસથી પાછળ રહી ગઈ હોય એવી ‘અવિકસિત – ઓછી વિકસિત’ સમાજ વ્યવસ્થામાં, સ્વાભાવિકપણે નાણા સિવાયનાં વૈકલ્પિક ચલણની વ્યવસ્થા જરૂર હોય જ. આવી સમાજ વ્યવસ્થાઓ આપસી નિર્ભરતાના લાભો મેળવી શકવાની ક્ષમતા કેળવી લેતી હોય છે. આવી વ્યવસ્થામાં બન્ને પક્ષ નાણારૂપી વળતર સિવાય જ આપસી આદાનપ્રદાનથી કામ કરતાં હોય છે.

જોકે, આજની નાણા કેન્દ્રી અર્થવ્યવસ્થામાં, આપસી નિર્ભરતાને કારણે, કે સ્વનિર્ભરતાને કારણે, પણ નાણા વિના કામ કરવાથી પણ, સરવાળે, સમાજને તો ફાયદો જ થાય છે.

આજે જોકે હકીકત એ છે કે કામ કરનારાંઓનો મોટો વર્ગ ક્યાં તો નાણા માટે જ કામ કરે છે કે માત્ર પોતા પુરતું જ કામ કરે છે. આમાંનાં બધાંએ સવેતન કમાણી માટે કામ કરતા રહેવાની આવશ્યકતા હોય એ જરૂરી નથી. એ લોકો ધારે તો બીજા માટે અવેતન જ કામ કરી શકે છે, કે પોતાની નાણાકીય સમૃધિ બીજા માટે કામે લગાડી શકે છે. એમ કરવાથી વણવપરાયેલ, પડી રહેલ, બચતો કે રોકાણોને વધારે ઉત્પાદક જરૂરિયાતો તરફ વાળીને કે જરૂરિયાતમંદ લોકો માટે રોજગારની સંભાવનાઓ ઊભી કરીને સમાજમાં નાણાકીય સમ્રુદ્ધિની વધારે સમાન વહેંચણીની વ્યવસ્થા ઊભી કરી શકે છે.

આપસી નિર્ભર સંબંધને કારણે દેનાર તેમ જ લેનાર બન્નેને સંતોષ  થાય છે અને સુખ પણ અનુભવાય છે. સમાજની આ વ્યવસ્થામાં જીવવાનું પસંદ કરનારાં લોકોને નાણા કમાવા માટે કામ કરતાં રહીને ધનદોલત એકઠી કર્યે રાખવામાં કે બીજાં કરતાં વધારે ધનિક બની રહેવાની દોટમાં કોઈ રસ નથી હોતો. સમાજને તમારી દોલતને બદલે તમારી સારી બાજુઓનું મૂલ્ય વધારે છે. પૈસાને કારણે સંબંધોમાં પડી જતાં અંતર જેવી સામાજિક સમસ્યાઓ ન થાય એ પાછો વધારાનો ફાયદો. આમ બીજાની જરૂરિયાતો પુરી કરીને, કે બીજાંને જરૂરતના સમયે મદદરૂપ બનીને, આપણે પણ સુખની અનુભૂતિ કરીશું.

નાણાં માટે કામ ન કરવાનું પસંદ કરવા છતાં માનસન્માન કે જેમને આપણે મદદ કરી છે તેની આપણા પ્રત્યેની આભારવશતા જેવાં અપ્રત્યક્ષ વળતર તો આપણને મળતાં જ હોય છે. ન કરે નારાયણને ભવિષ્યમાં આપણને જરૂર પડી તો નાણાકીય વળતરની અપેક્ષા વગર કરેલાં આપણાં કામોનો બદલો આપણને નાણાભીડ દૂર કરવામાં મળી શકતી મદદ, કે એ સમયે નાણાની અપેક્ષા વિના આપણને કરાતી મદદ દ્વારા મળી શકે છે.

ઘણી વાર એવું પણ બનતું હોય છે કે આપણે જ્યારે કોઇ કામ કરી આપીએ છીએ ત્યારેને ત્યારે તેનાં નાણા સ્વરૂપનાં કે બીનનાણા સ્વરૂપનાં વળતરની આપણને જરૂર ન હોય. એટલે એક રીતે ભવિષ્યનાં વળતર માટે તે આપણું આજે કરાયેલું રોકાણ બની રહે છે. જોકે, આ વિકલ્પની પસંદગીનો આધાર આપણી તે સમયની કમાણી  કે ભૂતકાળમાં કરેલી બચતની ‘પર્યાપ્તતા’ પર  જરૂર છે. ઘણીવાર કંઈ નવું શીખવા, નવું કૌશલ્ય શીખવા કે આપણા કોઈ નવા, અનોખા વિચારની ચકાસણીના પ્રયોગ માટે પણ અવેતન કામ કરવાનો વિકલ્પ અપનાવાતો હોય છે. અનુક્રમે વિદ્યાર્થી વર્ગ, કારકિર્દીની નવી દિશાઓ ખોળતો વ્યાવસાયિક કે પોતાનાં નવાં સાહસની યોજનાને અમલ મુકતાં પહેલાં પૂર્વ-ચકાસણી કરતો ઉદ્યોગ સાહસિક આ વિકલ્પનાં ઉદાહરણો છે.

અવેતન કામ કરવાનો વિકલ્પ અપનાવનારને પણ પોતાની વર્તમાનની રોજબરોજની જીવન જરૂરિયાતો પુરી કરવા માટે કંઈક તો નાણાં જોઇશે એ પણ હકીકત છે. એટલે ક્યાં તો પોતાની પુરતી અન્ય આવક કે બચત કે કુટુંબમાં પતિ કે પત્ની, માતાપિતા કે સંતાનો જેવાં આપ્તજનોની મદદ કે પછી કોઈ અન્ય સ્રોતમાંથી જરૂરી નાણાની જોગવાઈ જેવી ટેકારૂપ વ્યવસ્થાનું પુરૂં આયોજન થયેલું હોય એ બહુ જ આવશ્યક છે. જીવનની વાસ્તવિકતા તો એ જ છે કે આરામથી જીવન ગુજારી શકવા ઉપરાંત બીજાંને અવેતન મદદ કરી શકે એવાં લોકો બહુ જૂજ સંખ્યામાં જ હોય છે. એટલે આપણે આ સિવાયના વિકલ્પો વિશે પણ વિચાર કરવો જોઈએ.

હવે પછી સાટા વિનિમય  – ચીજવસ્તુની અદલબદલ, સેવાની સામે સેવાની અદલબદલ, સામુદાયિક કામની અદલબદલ અને આપસી મદદરૂપ, સ્વનિર્ભર અને સમતાવાદી સમાજની રચના જેવા વિકલ્પોની વાત કરીને કમાણીની વિશેષતાનાં વિવિધ પાસાંઓની ચર્ચા પુરી કરીશું.


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.