-
અસંગઠિત–અનૌપચારિક ક્ષેત્ર
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
સામાજિક પ્રક્રિયાઓ અને પરિબળો પર અસર કરવામાં મહદ્અંશે અશક્તિમાન તથા આર્થિક, સામાજિક અને રાજકીય વંચિતતાથી સતત પીડાતા, ભિન્ન ભિન્ન વ્યવસાયોમાં વીખરાયેલા ઉપેક્ષિત સમૂહો. વિશાળ સંખ્યા ધરાવતા આવા અસંગઠિત સમૂહો અલ્પવિકસિત સમાજનું એક લક્ષણ છે. વાસ્તવમાં સંઘશક્તિના અભાવ ઉપરાંત ન્યાયોચિત અને કાયદામાન્ય અધિકારોના ઉપભોગથી પણ તેઓ વંચિત રહે છે. પરિણામે અલ્પવિકસિત તથા વિકાસશીલ દેશોની કુલ વસ્તીનો ઘણો મોટો ભાગ (આશરે ૯૦ ટકા) લાચારીનું જીવન જીવતો હોય છે. આવા સમૂહોની એક પેટાસંસ્કૃતિ (sub-culture) ઊભી થાય છે. સમયના વહેણ સાથે તેની અલાયદા પરંપરા પણ ઊભી થાય છે.

ઘાનાના એક અભ્યાસના ફલિતાર્થોની રજૂઆત દરમિયાન કીથ હાર્ટ નામના એક સંશોધકે ‘informal sector’ એવો શબ્દપ્રયોગ પહેલી વાર કર્યો હતો અને ત્યારપછીનાં આવાં સંશોધનોમાં તે શબ્દ પ્રચલિત બન્યો છે. આ ક્ષેત્રની અપાર વિવિધતાઓ તથા ભિન્ન ભિન્ન લાક્ષણિકતાઓને લીધે ‘અસંગઠિત ક્ષેત્ર’ની કોઈ નિશ્ચિત સર્વમાન્ય તથા સમગ્રલક્ષી વ્યાખ્યા તારવી શકાય નહિ; એટલું જ નહિ, પરંતુ તેનો નિર્દેશ કરવા માટે વિકલ્પાર્થી ગણાય તેવા વિવિધ શબ્દોનો પણ પ્રયોગ થયા કરે છે. વહીવટી સુધારણા પંચે તો એ પણ સ્વીકાર્યું છે કે ‘સંગઠિત ક્ષેત્ર’ તરીકે ઓળખાતા અર્થતંત્રના વિભાગની પણ કોઈ સ્પષ્ટ અને સચોટ વ્યાખ્યા આપી શકાય તેમ નથી; માત્ર આટલું જ કહી શકાય કે સંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલ રોજગારી નિશ્ચિત સ્વરૂપની, કાનૂની તથા સંસ્થાકીય વ્યવસ્થાને અધીન હોય છે અને તેથી તેમાં કામ કરતા શ્રમદળને કાયમી રોજગારીના આનુષંગિક લાભ પ્રાપ્ત થાય છે, તેમજ તે ક્ષેત્રમાં માલિક તથા કામદારો વચ્ચેના સંબંધોમાં સ્થિરતાનું તત્વ (nexus) વિશેષ હોય છે.
જુદા જુદા નિર્દેશકોને આધારે ‘અસંગઠિત ક્ષેત્ર’ની વ્યાખ્યા કરવાના પ્રયાસ થયા છે જે વાસ્તવમાં તેમનાં લક્ષણોનો જ નિર્દેશ કરે છે :
૧) રોજગારીનું કદ : સ્વરોજગારી (self-employment) દ્વારા ઊભા કરવામાં આવેલા તથા વધુમાં વધુ દસ શ્રમિકો દ્વારા ઉત્પાદન કરનારા એકમો. શરૂઆતના તબક્કામાં આવા એકમો નફાલક્ષી હોતા નથી.
૨) ટેક્નૉલોજીનું સ્વરૂપ : સાપેક્ષ રીતે બિનકાર્યક્ષમ તેવા શ્રમપ્રધાન ઉત્પાદનપદ્ધતિને વરેલા નાના કદના ઉત્પાદન-ઘટકો.
૩) ઔદ્યોગિક સંબંધોનું સ્વરૂપ : પેઢીના નિશ્ચિત માળખાનો અભાવ, કામદારો માટે કામ અંગેના નિશ્ચિત નિયમો કે ધારાધોરણોનો અભાવ, શ્રમિકોના હક્કોની સભાનતાનો અભાવ.
૪) ઉત્પાદન-ઘટકોની ઉપલબ્ધતા : સરકારી તંત્ર પાસેથી અછતવાળાં સાધનો, પરવાના, કરવેરામાં રાહત, જમીન, ધિરાણ વગેરે સગવડોથી વંચિત; એટલું જ નહિ, પરંતુ સરકારી તંત્રના રોષને પાત્ર અને બજારના પ્રતિકૂળ વલણનો શિકાર.
૫) કૌશલ્ય : નિયોજકો તથા શ્રમિકો તાલીમી ઉમેદવારી (apprenticeship) દ્વારા અથવા જાતઅનુભવને આધારે વ્યવસાયને લગતું કૌશલ્ય પરંપરાથી હાંસલ કરતા હોય છે. ‘અસંગઠિત ક્ષેત્ર’ના ઘટકોમાં આમાંનાં પરિબળોની ઓછાવત્તા પ્રમાણમાં ઉપસ્થિતિ હોય છે.
‘અસંગઠિત ક્ષેત્ર’ અંગે અત્યાર સુધી હાથ ધરવામાં આવેલાં સર્વેક્ષણોમાંથી તેને લગતાં સર્વસામાન્ય લક્ષણો :
(૧) અનિબંધિત પ્રવેશ,
(૨) સ્થાનિક સાધનોનો બહોળો ઉપયોગ,
(૩) સામાન્ય રીતે ઉત્પાદન-ઘટક પર કુટુંબની માલિકી,
(૪) મર્યાદિત ઉત્પાદન, મર્યાદિત આવક તથા મર્યાદિત વેચાણ,
(૫) શ્રમપ્રધાન ઉત્પાદનપદ્ધતિ,
(૬) અનૌપચારિક રીતે પ્રાપ્ત કૌશલ્ય,
(૭) અનિયંત્રિત બજારો તથા વિષમ હરીફાઈમાં વેચાણ,
(૮) સામાન્ય કક્ષાનાં સાધનો તથા સામાન્ય ટૅકનૉલોજીનો બહોળો ઉપયોગ,
(૯) નીચી ઉત્પાદકતા,
(૧૦) સ્થળાંતરિત શ્રમિકોની (immigrants) મોટી સંખ્યા,
(૧૧) કામ અંગેના નિશ્ચિત નિયમોનો અભાવ,
(૧૨) વ્યાપક અર્ધબેકારી તથા પ્રચ્છન્ન બેકારી,
(૧૨) શ્રમિક વર્ગમાં ભૌગોલિક તથા વ્યવસાયગત સ્થળાંતરની વ્યાપક પ્રવૃત્તિ,
(૧૪) કામના સ્થળે પ્રાથમિક સગવડોનો અભાવ,
(૧૫) ઓછી ધિરાણપાત્રતા, તથા
(૧૬) રાજ્યનાં રક્ષણ અને ટેકાનો અભાવ, શાસકીય વ્યવસ્થા દ્વારા ઉપેક્ષિત.
‘અસંગઠિત ક્ષેત્ર’ના ઉત્પાદન-ઘટકો નાના કદના હોવા છતાં સમગ્ર ક્ષેત્રની કુલ ઉત્પાદનક્ષમતા ઘણી મોટી હોય છે. દેશના કુલ શ્રમદળના ઘણા મોટા હિસ્સાને તે રોજગારી પૂરી પાડે છે. દેશની વસ્તીનો ઘણો મોટો ભાગ તેના પર નભે છે; એટલું જ નહિ, પરંતુ આ ક્ષેત્ર વ્યાપક પ્રમાણમાં રોજગારી તથા આવકનું સર્જન કરવાની ગર્ભિત શક્તિ ધરાવે છે અને તે દ્વારા સમાજની કુલ ખરીદશક્તિમાં વધારો કરવાની ક્ષમતા ધરાવે છે. આ બધું હોવા છતાં ‘અસંગઠિત ક્ષેત્ર’ સાથે સંકળાયેલા માનવીઓ પોતે કંગાલિયત, નિરાશા અને અનિશ્ચિતતાનું જીવન ગુજારતા હોય છે, જે એક મોટો વિરોધાભાસ ગણાય. પણ તેને પરિણામે અર્થતંત્રની વિકાસોન્મુખતા તથા ગતિશીલતામાં અવરોધો ઊભા થતા હોય છે. અલ્પવિકસિત દેશોમાં વિકાસની પ્રક્રિયા ઘણી ધીમી હોય છે તેના મૂળમાં ઉપર દર્શાવેલ પરિસ્થિતિ જવાબદાર ગણાય.
અલ્પવિકસિત તથા વિકાસશીલ દેશોનું કુલ વસ્તીનું ઘણું મોટું પ્રમાણ ‘અસંગઠિત ક્ષેત્ર’ પર નભતું હોવા છતાં વાસ્તવમાં રાષ્ટ્રીય આવકમાં સંગઠિત ક્ષેત્રના એકમદીઠ (per capita) ફાળાને મુકાબલે ‘અસંગઠિત ક્ષેત્ર’નો એકમદીઠ ફાળો અલ્પ હોય છે. આમ થવાનાં મુખ્ય કારણોમાં તે ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું જડ માનસ, તેના સંસ્થાકીય માળખાની જટિલતા, પછાત ઉત્પાદનપદ્ધતિ, તથા ધિરાણની તથા વેચાણની પ્રતિકૂળતા વિશેષ નોંધપાત્ર છે. આ ક્ષેત્રના કુલ શ્રમદળમાં એવા શ્રમિકોનું પ્રમાણ મોટું હોય છે જેમની સીમાવર્તી ઉત્પાદકતા શૂન્ય હોય છે અને તેથી કુલ ઉત્પાદન પર વિપરીત અસર કર્યા વિના તેવા શ્રમિકોને અન્ય વ્યવસાયોમાં ખસેડી શકાય છે. આ બાબત સાબિત કરે છે કે ‘અસંગઠિત ક્ષેત્ર’ પર વસ્તીનું મોટું દબાણ હોય છે જેને કારણે અર્ધબેકારી, પ્રચ્છન્ન બેકારી, અપૂરતું પોષણ, ખામીભર્યો આહાર, શારીરિક તથા માનસિક દુર્બળતા જેવાં દૂષણો સમાજમાં ઊભાં થાય છે.
‘અસંગઠિત ક્ષેત્ર’ સાથે સંકળાયેલા લોકોને સામાન્ય શિક્ષણ તથા વ્યવસાયને લગતી તાલીમ આપવાથી, તેમના ન્યાયોચિત તથા કાયદા દ્વારા સ્વીકૃત અધિકારો પ્રત્યે તેમને સભાન કરવાથી, જુદા જુદા વ્યવસાયોમાં વીખરાયેલા સમૂહો વચ્ચે આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાથી, તેમના પ્રત્યે રચનાત્મક અભિગમ ધરાવતું નિરપેક્ષ તથા કુશળ નેતૃત્વ પૂરું પાડવાથી ‘અસંગઠિત ક્ષેત્ર’ના હાલના સંસ્થાકીય માળખામાં પાયાના ફેરફારો દાખલ કરી શકાય અને તે દ્વારા તેને સંગઠિત ક્ષેત્રની સમકક્ષ બનાવી શકાય.
સંપાદકીય નોંધ:
૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.
૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘અર્થશાસ્ત્ર’ વિષયમાંથી પસંદ કરેલ છે.
૩. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.
-
કાન
મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
માનવીના સૌંદર્યનું વર્ણન કરતી વખતે તેની આંખ,નાક કે હોઠને ધ્યાનમાં લેવામાં આવ્યા છે, તેનાં પ્રમાણમાં કાનને નહિવત લક્ષ્યમાં લેવાયા છે. મૃગનયની લલના કે લીંબુની ફાડ જેવી આંખ ધરાવતા નરબંકાઓ વિશે કહેવાયું છે. માત્ર આંખ જ નહિ, મહિલાઓની આંખ પર આવેલી ભ્રમરો અને પાપણોંમાં પણ કવિઓએ સૌંદર્યો જોયાં છે. નાકને તો મણસની આબરૂના પર્યાય કે પ્રતીક ગણવામાં આવે છે, જેણે ઇજ્જત ગુમવી તેનું નાક કપાયું અને જેની આબરૂ સચવાઈ ગઈ તેણે નાક રાખ્યું એમ કહેવાય છે. હોઠને પરવાળા જેવા કહીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. માણસનાં કપાળની તેના પર તિલક કરવા માટેની પવિત્ર ભૂમિ તરીકે પસંદગી થઈ છે. ફક્ત મનુષ્યના કાનને અવગણવામાં આવ્યા છે.
કાનને જો ધ્યાનપૂર્વક જોવામાં આવે તો એમ લાગે છે કે તેમને બહારથી લાવીને ચોંટાડી દેવામાં આવ્યા હશે. માટીના પિંડને માનવદેહનો ઘાટ આપતી વખતે કિરતાર કેમ જાણે કયા વિચારમાં ડૂબી ગયો હશે કે કાન બનાવવાનું જ ભૂલી ગયો. પછીથી ભૂલ સમજાતા માટીના બે લોંદા લઈને તેને કાનનો ઘાટ આપીને ચોટાડી દીધા હશે. જેમ છેવાડાના મણસોના રહેણાકો ગામની બહાર હોય છે તેમ કાનનું સ્થાન પણ મણસના ચહેરાની બહાર ડાબા અને જમણા દરવાજા સ્વરુપે રાખવામાં આવ્યું છે. આ રીતે માત્ર મનુષ્યોએ જ નહિ ખુદ ભગવાને પણ કાનની અવગણના કરી છે..
પ્રાણીશાસ્ત્રમાં પ્રાણીઓને વિહગ વર્ગ અને સસ્તન વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ક્યાં પ્રાણીઓ વિહગ વર્ગમાં અને ક્યાં પ્રણીઓ સસ્તન વર્ગમાં આવે તે સહેલાઈથી યાદ રાખવા માટે એક સૂત્ર છે. “ઈંડા તેને મીંડા અને કાન તેને થાન” જેને કાનની જ્ગ્યાએ એક મીંડા આકારનું કાણું હોય તે પક્ષીઓ અને જેને મીંડા આકારના હોલ પર કાન ફીટ કરી દેવામાં આવ્યો હોય તે સસ્તન વર્ગનાં પ્રાણીઓ છે. આમ પ્રાણીશાસ્ત્ર પણ કહે છે કે મનુષ્ય અને બીજા પ્રાણીઓના કાન એસેમ્બલ કરીને ગોઠવ્યા હશે. જેમ રેડિયો કે ટીવીમાં તરંગો ઝીલવા માટે એન્ટેના રાખવામાં આવે છે તેમ કાન એ સાંભળવા માટેનું આપણું એન્ટેના છે.
તુંડે તુંડે મતિર્ભિના તેમ કર્ણે કર્ણે આકૃતિર્ભિન્ના હોય છે. લંબાઇ, પહોળાઈ અને આકારમાં પણ દરેક મનુષ્યના કાન જુદા જુદા હોય છે. કેટલાક મનુષ્યના કાન એટલા સીધા હોય છે કે ટટ્ટાર ઉભેલા લશ્કરના જવાનની યાદ અપાવે તેવા હોય છે. કેટલાક આરામ કરવાની ઇચ્છા થવાથી આડા પડ્ય પહેલાની સ્થિતિમાં સહેજ ત્રાંસા હોય છે. કેટલાક કાન એવા હોય છે કે જાણે કોઇએ પાનનું બીડું વાળવાનું કામ અર્ધેથી પડતું મૂક્યું હોય તેમ લાગે છે. કેટલાક કાન દિવાળીમાં દીવા પ્રગટાવવા માટેના કોડિયા જેવા દેખાય છે. કાનની બુટ આમ તો લટકણિયા લટકાવી શકાય તેવી- લટલતી હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેને ગાલ પર ચોંટાડી દીધી હોય છે.
આંખ બંધ કરવા માટે કુદરતે પોપચાં આપ્યા છે તે રીતે કાનને ઢાંકણ કેમ ન કર્યા તેવી અનેક લોકોની ફરિયાદમાં મારો સૂર પણ પુરાવું છું. વૈજ્ઞાનિકોએ પણ કાન માટે કૃત્રિમ ઢાંકણ બનાવવા માટે ખાસ પ્રયત્નો કર્યા હોય તેમ લાગતું નથી. કોઇ દૃશ્ય ન જોવું હોય ત્યારે આપણે આંખ બંધ કરી શકીએ છીએ પરંતુ અણગમતા ધ્વનિઓને રોકી શકાય તેવી વ્યવસ્થા તરફ કુદરત અને વૈજ્ઞાનિકો એમ કોઇએ ધ્યાન આપ્યું નથી.
નવરાત્રિના તહેવારોમાં શેરી, લત્તા કે સોસાયટીમાં આપણા સૂવાના સમયે જ ગરબા શરૂ થવા લાગ્યા છે. તેમાં વપરાતા ડી. જે.નું કામ તો કાનના પડદા તોડવાનું હોય તેમ લાગે છે. આવા ડી જે ના અવાજ વચ્ચે ઊંઘવા માટે સફળ થવાની ખાતરી ન હોવા છતાં મેં અનેક પ્રયાસો કર્યા છે. સૌ પ્રથમ હાજર એ હથિયાર એમ વિચારીને બે હાથની આંગળીઓ વડે ડાબા અને જમાણાં કાનમાં નાખીને કાનને બુચ મારવા પ્રયત્ન કર્યો. પરંતુ સતત આ રીતે કાનમાં આંગળા ખોસી રાખવાનું મુશ્કેલ બન્યું. પછી ઘરમાંથી રૂ શોધીને તેના અત્તરવિહિન પૂમડાં કાનમાં નાખ્યા. પરંતુ તેમ કરતા કવિ મકરંદ દવેનું કાવ્ય “અમે રે સૂકું રૂનું પૂમડું” યાદ આવ્યું. પણ અહીં કોઇ રંગીલું રસદાર અત્તર હાજર હોવાની શકયતા ન હતી. ઉપરાંત આ સૂકા રૂનાં પૂમડાં ઘોંઘાટને રોકવા અસમર્થ નીવડતા. તેથી ઇશ્વરને કાન પર ઢાંકણ મૂકવાનું કેમ સુઝ્યું નહિ તે વિચાર સતત પરેશાન કરતો.
અત્યાર સુધી આપાણે કાનનાં હાર્ડવેર બાબતે વાત કરી. હવે તેનાં સોફ્ટવેર વિષે વિચારીએ. કેટલાક લોકો કોઈની કાન ભંભેરણીથી દોરવાઇ જતા હોય છે. આ પ્રકારના લોકોને ‘કાચા કાનના’ કેમ કહેવામાં આવે છે તે મારી સમજમાં આવતું નથી. કાન તો ઘડવૈયાએ અન્ય લોકોની જેમ તેમને પાકા ઘડીને જ આપ્યા હોય છે. કોઇની ભંભેરણીનો ભોગ બનનારના કાનનો કોઇ જ દોષ હોતો નથી. તે બિચારો તો ચિઠ્ઠીનો ચાકર જ હોય છે. તેને જે સંદેશ મળ્યો તે જેવો ને તેવો મગજને ડિલિવર કરે છે. પરંતુ અવિચારી મગજ પેલી ભંભેરણીથી દોરવાઈ જાય છે. આમ વાંધો તો શરીરના રાજા કહેવાતાં એવાં મગજનો હોય છે. પરંતુ “સમરથકો નહિ દોષ ગોંસાઈ“. અથવા તો “હલકુ લોહી હવાલદારનું” ગણીને કાનને ડીગ્રેડ કરીને ‘કાચા” કહેવાય છે.

એ જ પ્રમાણે આપણે જ્યારે કોઇ વ્યક્તિને સતત સાંભળીને કંટાળી જઇએ છીએ ત્યારે તેણે “કાન પકવી નાખ્યા” એમ કહેતા હોઇએ છીએ અહીં પણ થાક તો મગજને લાગતો હોય છે, પરંતુ કાનને વગર કારણે પાકી ગયા કહેવામાં આવે છે.
કશુંક દૃશ્ય, ઘટના, વાત કે વિચારને નજરંદાજ કરવાના હોય તેમાં કાનની કોઇ ભૂમિકા હોતી નથી તો પણ તેને માટે “આંખ આડા કાન કરવા’ કેમ કહેવામાં આવે છે તે સમજાતું નથી.
એક રાત્રે એવું બન્યું કે ચારે તરફ સૂનકાર હતો. નિદ્રાદેવીને પધારવા માટેનું યોગ્ય વાતાવરણ હતું. તેવામાં અચાનક મારા કાનમાં કોઇ વ્હીસલ વગાડતું હોય એવું લાગ્યું. અહીં કોઇ મનુષ્ય કે જીવજંતુ નથી તેની ખાતરી કરી લીધી. આ વ્હીસલ કેમ વાગતી હશે? તેને વગાડનાર કોણ હશે? તે વિચારે નિદ્રા હરામ થઈ ગઈ. માત્ર રાત્રે જ નહિ, દિવસે પણ આરામથી બેઠો હોઉં ત્યારે આ વ્હીસલ વાગવા લાગી. કોઈની સલાહથી નાક, કાન અને ગળું એમ ત્રણેય માટે એક જ ફાળવેલા નિષ્ણાત દાકતર પાસે ગયો. દાકતરે તપાસીને નિદાન કર્યું કે તમને ‘ટીટેનસ’ નામનું દર્દ થયું છે જે ઉંમરને કારણે થયું છે. આમ મારા કાનમાં વ્હીસલ વગાડનાર મારી ઉંમર જ છે અને ડોક્ટરનાં કહ્યા મુજબ મારી ઉંમર હવે વ્હીસલ બ્લોઅર તરીકે મને ચેતવણી આપે છે કે મારી બહેરા થવાની શક્યતા છે. અવાજ ન સાંભળય તે માટે ઉઘાડવસ થાય તેવા ઢાંકણ મૂકવાને બદલે હવે કાન પર કાયમી સીલ મારી દેવામાં આવશે એ ખ્યાલથી ગભરાયો. પરંતુ પછી જાણીતા લેખક સ્વ. અમૃતલાલ વેગડ યાદ આવ્યા. તેમણે ક્યાંક લખ્યું છે કે બહેરા માણસો સજ્જન હોય છે. વળી જાણકરો કહે છે કે દુનિયામાં જેટલું પણ બોલાય છે તેમાં સાંભળવા જેવું નહિવત હોય છે. આથી ક્યારેક સારું સાંભળવામાં આવ્યું હોય તેને માટે ‘સાંભળ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું’ ગણવાનું વિચાર્યું અને પોતે કામગીરી બંધ કરીને પણ મને સજ્જનનું લેબલ લગાવવા ઈચ્છતા કાનનો આભાર માન્યો.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
યુગે યુગે પ્રજજવલિત રહેતી ક્રાન્તિની જયોત !
હરેશ ધોળકિયા
ઓગસ્ટ માસના સંદર્ભમાં કાન્તિ ચિંતન કરી રહ્યા છીએ.
ક્રાન્તિ એટલે જનતાને નવું દર્શન આપવું. જરુર પડે તો જનતાને એક યા બીજી ગુલામીમાંથી મુકત કરવી. તે માટે પોતાનું સમગ્ર જીવન અર્પી દેવું. મોટા ભાગે સ્વતંત્રતા મેળવવા માટે જે સંઘર્ષ થાય છે અને તેમાં જેઓ કામ કરે છે અને જેલ જાય છે કે ફાંસીએ ચડે છે તેના તરફ આપણે વધારે આકર્ષાતા હોઈએ છીએ. તેમાં ‘બહાદુરી’ કે ‘અભય’ વગેરે જેવા ગુણો દેખાય છે. એટલે ભગતસિંહ કે ગાંધીજી કે સુભાષ વગેરે આપણને વધારે આકર્ષે છે. આ બધા અદભુત લોકો હતા. દેશ અને જનતા માટે પોતાના પ્રાણ આપી દીધા. પણ માત્ર તેઓ જ ક્રાન્તિકારી હતા તેમ માનવું અધૂરું દર્શન છે. ભારતીય ઈતિહાસમાં અનેક ક્રાન્તિકારીઓ થઈ ગયા છે. થતા રહ્યા છે. સમયે સમયે તત્કાલીન સમાજોને જગાડતા રહ્યા છે. પણ આપણે તેમને કાં તો વીર લોકો તરીકે અથવા સંત તરીકે જાણીએ છીએ. તે તેઓ ચોકકસ હતા, પણ પાયામાં તો કાન્તિકારી જ હતા. એવા થોડાને ક્રાન્તિકારી તરીકે જોઈએ.
ભારતીય ઈતિહાસના પ્રથમ બે ક્રાન્તિકારીઓનાં નામ લેવાં હોય તો બુધ્ધ અને મહાવીર હતા. આપણે તેમને ભગવાન બનાવી દીધા છે એટલે કાન્તિકારી તરીકે કદાચ નથી જોઈ શકતા, પણ હકીકતે તેઓ કાસ્તિકારીઓ જ હતા. તેમના સમયમાં તેમણે ભારતીય સમાજને જે હચમચાવ્યો છે તે જાણીએ તો આશ્ચર્યવત થઈ જવાય. તેમના સમયનો સમાજ વૈદિક સમાજ હતો. વેદોનો પ્રભાવ સમાજ પર હતો. મૂળે વેદો તો અદભુત છે, જ્ઞાનથી છલકાય છે, પણ તત્કાલીન પુરોહિતોએ તેને વિકૃત કરી નાખ્યો હતો. જ્ઞાનને કર્મકાંડથી ઢાંકી દીધું હતું. મહત્વનો હતો ત્રદ્ગ્વેદ, પણ પુરોહિતોએ બનાવી દીધો અર્થવવેદને. સમાજને કર્મનાં જાળામાં એવો તો ગુંચવી દીધો કે સમાજ લગભગ મૂઢ થઈ ગયો હતો. વળી, જ્ઞાતિબંધનો પણ ચૂસ્ત કરી નાખ્યાં હતાં. સમાજ ભોગવિલાસમાં પડી ગયો હતો. મહાભારતના સમય પછી આ સમાજ બગડી ગયો હતો એમ કહી શકાય.
બુઘ્ધ અને મહાવીર બન્નેએ આ જોયું. તેઓ સ્પષ્ટ જોઈ શકયા કે પુરોહિત વર્ગ સમાજને ગેરમાર્ગે દોરે છે. તેનાથી સમાજ મૂઢ અને અસંવેદનશીલ બની ગયો હતો. ધર્મના નામે હિંસા અને ભોગનો પ્રચાર થતો હતો. સમાજ નિસ્તેજ બનતો જતો હતો. એટલે બન્નેએ સમાજને નવી દિશા આપવાની શરુઆત કરી. નવું દર્શન આપવાની શરુઆત કરી. બુઘ્ધે કરુણા અને શીલની વાત કરી. સ્ત્રી પુરુષ સમાનતાની વાત કરી. ભોગની જગ્યાએ ત્યાગની વાતો કરવા માંડી. મહાવીરે શુધ્ધ જ્ઞાનની વાત કરવા માંડી. પુરોહિતોના અજ્ઞાનને ખુલ્લું કરવા માંડયું. જ્ઞાતિવાદને નકારી દીધો. કર્મકાંડની જગ્યાએ સેવા, કરુણા અને ધ્યાનનું મહત્વ વધાર્યું. અને બન્નેના વ્યકિતત્વનો પ્રભાવ એવો તો અદભુત હતો કે સમાજના સામાન્ય અને કચડાતા લોકો તેમના તરફ આકર્ષાવા લાગ્યા. યજ્ઞો બંધ થવા લાગ્યા. સમાજમાં કરુણા અને અહિંસાનું મહત્વ વધવા લાગ્યું. ભોગની જગ્યાએ ત્યાગનું મહત્વ વધવા લાગ્યું. પછી તો રાજાઓ પણ આકર્ષાયા અને તેમાં જોડાયા. કર્મકાંડની જગ્યાએ જ્ઞાનનું મહત્વ વધવા લાગ્યું. ભારતીય સમાજનો ચહેરો બદલાઈ ગયો. સમાજમાં શાંત કાન્તિ આવી ગઈ. લોકો તેમનાથી એટલા આકર્ષાઈ ગયા કે તેમને ભગવાન જ માનવા લાગ્યા. આ ભૂલ હતી, કારણ કે તેના પરિણામે તેમનું ક્રાન્તિકારી પાસું વિસરાઈ ગયું. તેમનું અનુસરણ કરવા બદલે તેમને પૂજવા લાગ્યા. સમય જતાં ફરી અકર્મણ્યતા આવી ગઈ. પણ તેમનો પ્રભાવ એવો ચિરંજીવી રહ્યો કે આજે પણ આ બન્નેનો લાખો લોકો પર પ્રભાવ છે-સમગ્ર વિશ્વમાં.
આવા બીજા બે ક્રાન્તિકારીઓ થયા સોળ અને સતરમી સદીમાં. નાનક અને કબીર. ત્યારે સમાજ રૂઢિચૂસ્ત તો હતો જ, પણ સાથે બીજી સમસ્યા હતી હિન્દુ-મુસ્લિમ ઝગડાઓની. બન્ને સમાજોની- આજ જેમ જ – આંખો વઢતી હતી. તેથી સમાજ અસ્થિર અને અસ્વસ્થ રહેતો હતો. તેનો રાજકીય ગેરલાભ લેવાતો હતો. કબીર અને નાનકે આ જોયું. નાનકે તો બન્નેનો સમન્વય કરી નવો જ ધર્મ ઊભો કર્યો જેને આપણે શીખ ધર્મ તરીકે ઓળખીએ છીએ. બન્ને ધર્મોમાં જે અનેક ઝગડાઓ હતા, વિખવાદો હતા, મતભેદો હતા, એકેશ્વર અને અનેકેશ્વર જેવા વિવાદો હતા, તેનો બન્નેએ સમન્વય કર્યો. નાનકે જે વાત કરી તે આ એકતાની જ હતી. શીખધર્મે ત્યારે ભારતને એક નવું જ દર્શન આપ્યું. એક નવું જ જોશ આપ્યું. તેના ધર્મગ્રંથ ”ગ્રંથસાહિબ” અથવા તો ” જપજી”નો અભ્યાસ કરીએ તો આ સમન્વય જોઈ નવાઈ પામી જવાય. આજે પણ તેનો એટલો જ પ્રભાવ છે.
તો કબીરે પણ હિન્દુ-મુસ્લિમ ભાગલાવાદીઓને બરાબર ઝાટકયા. તેમની કઠોર ટીકા કરી. કબીરને વાંચીએ તો નવાઈ લાગે કે આવી કઠોર વાણીને તત્કાલીન બન્ને સમાજો કેમ સાંખી શકયા હશે. તેમને મારી કેમ ન નાખ્યા ! એટલે કબીરનો કેવો પ્રભાવ હશે ! સમગ્ર જીવન કાશીમાંથી બહાર પગ ન મુકનાર કબીરનો પ્રભાવ સમગ્ર ભારતમાં પ્રસર્યો. સમાજમાં એક સ્વસ્થતા પ્રસરી. આજે પણ બન્નેની વાણી વાંચીએ તો નવાઈ લાગે કે આજથી પાંચસો વર્ષ પહેલાં આ બે મહાપુરુષોએ કેવી ડહાપણભરી વાણી સમાજને આપી હતી. પણ ફરી એ જ ભૂલ ! બન્નેને સંત બનાવી દીધા. સંત તેઓ ચોકકસ હતા, પણ પાયામાં કાન્તિકારી હતા. સમાજને હચમચાવે તે ક્રાન્તિકારી. ત્યારે જ તુલસીદાસે પણ અદભુત કામ ક્યું, પણ તે ક્રાન્તિકારી ન હતા. બીજા સંતોએ પણ કામ કર્યું, પણ તેઓ પણ ક્રાન્તિકારી ન હતા. વ્યકિતગત ક્ષેત્રે નરસિંહ મહેતાએ અસ્પૃશ્યતા વગેરેનો વિરોધ કર્યો, પણ સમાજને પ્રભાવિત ન કરી શકયા. બંગાળમાં ચૈતન્યે જબરદસ્ત કામ કર્યું, પણ તેમણે ભકિતમાર્ગ પ્રસરાવ્યો. તે ક્રન્તિ ન હતી. એક ચળવળ હતી. મધ્યયુગ સંતોથી છલકાય છે, પણ તેઓ ક્રાન્તિકારી ન હતા. મોટા ભાગે સમાજને સ્વસ્થ કરવાનો પ્રયાસ કરતા હતા. માત્ર આ બે સંતો – કબીર અને નાનક- જ કાન્તિકારી ગણી શકાય. તેમણે સમાજને પાયાથી હંચમચાવ્યો. સમાજના રૂઢિચૂસ્ત વિચારોને પડકાર્યા. મૂળ ભારતીય દર્શન સમાજ સામે રજૂ કર્યું.
આધુનિક સમયમાં આ કામ પ્રથમ રાજા રામમોહનરાયે કર્યું. સમાજને પશ્ચિમી વિચારથી મુકત કરી ભારતીય ચિંતન તરફ વાળવાનો પ્રયાસ કર્યો. પણ તેમનો પ્રભાવ મુખ્યત્વે ભણેલા વર્ગ પર જ રહ્યો. બીજો પ્રયાસ વિવેકાનંદે કર્યો. તેમણે પણ પશ્ચિમથી પ્રભાવિત સમાજને મૂળ ભારતીય ચિંતન તરફ વાળવાનો પ્રયાસ કર્યો. સમાંતરે તેમણે નિષ્ક્રિય સમાજને સેવાના માધ્યમથી સક્રિય કરવાનો પ્રયાસ કર્યો. સાથે વર્ષોથી લઘુતાગ્રથિથી પીડાતા સમાજને આત્મશ્રઘ્ધા આપવાનો પ્રયાસ કર્યો. તેમના જ્ઞાનનો પ્રભાવ પણ મુખ્યત્વે ભણેલા વર્ગ પર પડયો, પણ સેવાનો પ્રભાવ આજે પણ સમગ્ર ભારત પર છે.
અને ત્રીજા આવ્યા મહાત્મા ગાંધી. કૃષ્ણ અને બુધ્ધ પછી સામાન્ય જનતાને કોઈ સ્પર્શ્યા હોય તો તે ગાંધીજી હતા. તેમણે છેડે બેઠેલા, હાંસીયામાં રહેલા, ગરીબ, વંચિત લોકોને આગળ લાવવાનો પ્રયાસ કર્યો. જે કોંગ્રેસ કેવળ ભણેલા માણસોની જ હતી, તેને સામાન્ય માણસ સુધી પહોંચાડનાર ગાંધીજી હતા. સદીઓથી ભારતનું ભયંકર કલંક અસ્પૃશ્યતાને તેમણે પાયાથી હચમચાવી નાખી. રૂઢિચૂસ્તતાને મૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન કર્યો. તેમણે ભારતને માત્ર સ્વતંત્રતા જ અપાવવાનો પ્રયાસ ન કર્યો, પણ સાથે સદીઓથી બંધિયાર રહેલાં ભારતીય મગજને મુકત કરવાનો પણ અદભુત પ્રયાસ કર્યો. તેમણે તો માત્ર ભારતીય માનસને જ પ્રભાવિત નથી કર્યું, પણ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું છે. તેનો પૂરાવો એ છે કે આજે હિંસા, વિભાજન વૃતિ, કલાઈમેટ ચેન્જનો ભયાનક મુદો, મૂડીવાદની પકડ-આ બધા સામે માત્ર ગાંધી વિચાર જ અસરકારક છે એમ વિશ્વ સ્વીકારે છે. આપણા દેશમાં કદાચ ભલે તેમને અવગણાતા હશે, પણ સમગ્ર વિશ્વ તો એકી અવાજે કહે છે કે ” કાં તો સ્વીકારો યુઘ્ધની આંધી અથવા સ્વીકારો ગાંધી.” બંધીયાર મગજોને બાદ કરતાં સમગ્ર વિશ્વ આજે તેમને આદર આપે છે.
બધા જ સમયોમાં ભારતમાં અને વિશ્વમાં કાન્તિની પ્રક્રિયા ચાલતી જ રહી છે. કારણ એ છે કે મોટા ભાગના સમાજો બહુ ઝડપથી અભાન અવસ્થામાં આવી જતા હોય છે. સુખવાદ અને ભોગવાદ માનવ મગજને જડ કરતાં રહે છે. સમયે સમયે સમાજ મૂઢ બની જતો હોય છે. ત્યારે તેને હચમચાવવા, હલાવવા, જગાડવા, નવી દિશા આપવા કોઈને કોઈ આવતું રહે છે. આજે પણ દરેક ક્ષેત્રમાં નાની શાંત ક્રાન્તિ ચાલે છે. હા, બુધ્ધ, કબીર કે ગાંધી સ્તરના પ્રભાવશાળી લોકો નથી, પણ પોતાના ક્ષેત્રમાં સારું કામ કરે છે. સોળ વર્ષની ગ્રેટા પર્યાવરણ બાબતે જગતને જગાડે કે મલાલા જેવી છોકરી ત્રાસવાદ અને રૂઢિચૂસ્તતાને પડકારે તે નાની પણ કાન્તિ જ છે. ભારતમાં પણ “ચીપકો આંદોલન” જેવી ચળવળો પર્યાવરણ ક્ષેત્ર કામ કરે છે. આ બધા મુખ્યત્વે ગાંધી વિચારથી જ પ્રભાવિત છે. હા, આ બધા જેવા મહાન લોકો સદીઓમાં કયારેક આવતા હોય છે, પણ તેમની પ્રેરણાથી પછીના સમયમાં સેંકડો લોકો શાંતિથી કામ કરતા હોય છે. આજે આ પ્રેરિત લોકોનો સમય છે. તેમને પણ આદર આપવાનો છે. પણ ચિંતન તો આ મૂળ ક્રાન્તિકારીઓનું જ કરવાનું છે. દરેક નવી પેઢીને તેમનો જ પરિચય આપવાનો છે. તેમના સંતત્વ સાથે તેમનું ક્રાન્તિકારીપણું પણ સમજાવવાનું છે. તો જ સમાજ જાગતો રહેશે.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com
-
દત્તક
શશિકાન્ત નાયક
ચેતન સવારે ચા પીતા પીતા છાપાની હેડલાઈનો ઉપર સહેજ નજર કરી જતો અને એમાં રસ પડે એવું કાંઈ હોય તો થોડુંક વિગતથી વાંચી જતો. ક્યારેક જાહેરાતો વાંચવાનું એને ગમતું. કારણ કે નવી નવી ચીજ વસ્તુઓની માહિતી, ભાવતાલ વગેરે, જે સમાચારોમાં નહોતા દેખાતા તે જાહેરાતોમાં ઊડીને આંખે વળગે તે રીતે વાંચવા મળતા. જે રચનાત્મકતા (ક્રીએટીવીટી) પત્રકારોના લાંબાલચક હેવાલો કે લેખોમાં નહોતી દેખાતી તે જાહેરાતોમાં ઓછા શબ્દોમાં જોવા મળતી. બદલાતા જમાનાની તાસીર એને જાહેરાતોમાં સાફ દેખાતી. એ કારણે સમાચારોની બાબતમાં સાવ રેઢિયાળપણું હોવા છતાં એણે એવું છાપુ બંધાવ્યું હતું કે જેમાં જાહેરાતો ખૂબ જોવા મળતી. એટલે જ આજે એની નજરે છાપાઓના અન્ય સમાચારો કરતા એક ટચૂકડી જાહેરાત એની નવીનતાને કારણે પકડી પાડી. જાહેરાતમાં લખ્યું હતું :
‘જોઈએ છે : ૨૫-૩૦ વર્ષની ઉંમરનું યુવાન જોડુ (કપલ) ‘દત્તક’ તરીકે. એક- બે બાળકોવાળા શિક્ષિત જોડાને પ્રથમ પસંદગી. સંપૂર્ણ વિગતો સાથે લખો : બોક્ષ નં.’ :
આ જાહેરાત જોઈને તે વિચારમાં પડી ગયો. સામાન્ય રીતે અને કાયદા અનુસાર બાળકને જ દત્તક લઈ શકાય . જયારે આ તો.. ! સરનામુ જણાવ્યું ન હોવાથી અનુમાનથી જ નક્કી કરવું પડે કે જાહેરાત આપનારનો હેતુ શો હશે. તેને લાગ્યું કે એક વાર આ અંગે તપાસ કરવા જેવું ખરૂં. જાહેરાતના ઉત્તરમાં એણે તે જ દિવસે પોતાની સંપૂર્ણ વિગત જાહેરાતકર્તાને મોકલી આપી. પછી એ પોતાના કામમાં એવો વ્યસ્ત થઈ ગયો કે એ વાત ભૂલી પણ ગયો.
લગભગ એક મહિના પછી એને એક ટૂંકો પત્ર મળ્યો. લખ્યું હતુ, ‘દત્તક અંગેની મારી જાહેરાતના પ્રત્યુત્તર બદલ આભાર. તમારી પત્ની સાથે તા…ના રોજ … વાગે હોટલ …ના રૂમ નં… માં મને મળવા આવશો. આપણે સાથે જમીશું.’
ફરી તેના વિચારો ચાલુ થયા. કોણ હશે આ માણસ ! હજુ તેની ઓળખ તો છુપાવી જ રાખે છે! વિવિધ તરકીબો દ્વારા લોકોને ફસાવતા ઠગોમાંનો એક તો નહિ હોય! આમ છતાં એણે મળવા જવાનું નક્કી કર્યું. પત્ની જાગૃતિને તો તેણે કાંઈ વાત કરી જ નહોતી – તે પોતે જ ભૂલી ગયો હતો ને! હવે એને લઈ જવાની છે એટલે એને વાત તો કરવી જ પડશે.
અષ્ટમ્પષ્ટમ્ સમજાવીને લઈ જવા કરતા સાચી વાત કરી દેવી વધુ સલામત સમજી એણે જાગૃતિને વાત કરી. પહેલા તો અજ્ઞાત ભયના કારણે એણે એ ઝંઝટમાં પડવાની ના પાડી, પણ થોડીક સમજાવટ બાદ તૈયાર થઈ ગઈ. ચીન્ટુ અને પીન્કીને સાથે જ લઈને જવાનું પત્નીનું સૂચન એણે સ્વીકારી લીધું. એને લાગ્યું કે એ વધુ સલામત હતું.
નક્કી કરેલા સમયે એ લોકો હોટલ ઉપર પહોંચી ગયા. રીસેપ્શન પર તપાસ કરતા એમને કહેવામાં આવ્યું કે તેમણે થોડીવાર લોન્જમાં રાહ જોવી પડશે. બાળકોએ તો લોન્જમાં દોડાદોડ કરી મૂકી. જાગૃતિને એમને સંભાળવા ખૂબ મથવું પડ્યું. એક વાર તો એણે ચેતનને ઘરે પાછા જવા માટે કહ્યું પણ ખરું! લગભગ વીસેક મિનિટ પછી પાકટ ઉમરના એક ભાઈ એમની સામે આવીને ઊભા રહ્યા. પહેલાં જાગૃતિને નમસ્તે કર્યા અને પછી ચેતન તરફ હાથ લંબાવી કહ્યું, “હું અતુલ પંડ્યા. મેં જ તમને બોલાવ્યા છે. વેલકમ.” ચેતને હાથ લંબાવી હસ્તધૂનન કર્યું. એને આ માણસ પહેલી નજરે ખરાબ ન લાગ્યો.
“મારે કામમાં મોડું થઈ ગયું એટલે મેં રીસેપ્શન પર ફોન કરી તમને રાહ જોવા કહ્યું હતું. મારી રાહ જોવી પડી તે બદલ દિલગીર છું.” અતુલભાઈએ વિવેકથી કહ્યું.
“કાંઈ વાંધો નહિ. આપનું આમંત્રણ ન હોવા છતાં અમે બાળકોને લઈ આવ્યા છીએ તે બદલ અમે પણ દિલગીર છીએ. પણ એમને એકલા મૂકીને બંને જણાથી આવી શકાય એવું નહોતું.” ચેતન કાંઈ કહે તે પહેલાં જ જાગૃતિએ વિવેક કરી દીધો.
“સારું કર્યું. મારી જ ભૂલ કે મેં એમને આમંત્રણ ન આપ્યું.” એમની વાણી અને હાવભાવથી ચેતનને એમાં દંભ ન દેખાયો. એનો ડર ઓછો થયો.
‘‘ઉપર રૂમમાં બેસીશું?’’ એમણે કહ્યું. રીસેપ્શન ઉપર જઈ રૂમની ચાવી લીધી અને ચા-નાસ્તાનો ઓર્ડર પણ આપ્યો. પછી એમની સમક્ષ આવીને ‘ચાલો’ કહી આગળ થયા. રૂમમાં નજર કરતા એને લાગ્યું કે ફક્ત મુલાકાત માટે જ એ બુક કરવામાં આવ્યો છે, કારણ કે એમાં કોઈ સામાન દેખાતો ન હતો.
લગભગ પાછળ પાછળ જ ચા તથા નાસ્તો આવી ગયા અને અતુલભાઈએ વિવેકપૂર્ણ આગ્રહથી બંનેને તથા બાળકોને ચા-નાસ્તો કરાવ્યો. પછી ઊભા થઈ રૂમનું ટી.વી. ચાલુ કરી બાળકોને તેમાં પરોવ્યા અને પછી ચેતન તથા જાગૃતિ તરફ વળ્યા.
“મારી જાહેરાત વાંચીને અને આ રીતે હોટલમાં બોલાવવા બદલ તમને કુતુહલ થયું હશે. એ પણ શક્ય છે કે તમે માત્ર કુતુહલથી જ કાગળ લખ્યો હોય. આજે તમે મારા આમંત્રણને માન આપીને આવ્યા છો તેની પાછળ પણ કુતુહલવૃત્તિ જ હોય એ શક્ય છે.’’ કહી જરાક અટકીને મને પૂછ્યું, “સાચું છે ને મારૂં અનુમાન?”
ચેતનને કહેવું નહોતું છતાં કહેવાય ગયું, “જી પણ..’’તેને લાગ્યું કે પોતે ધારતો હતો તેના કરતાં આ વ્યક્તિ વધુ અનુભવી – જમાનાનો ખાધેલ છે.
“કશો વાંધો નહિ. હું પણ એવું કરૂં. મને આ સંદર્ભમાં જેટલાં લોકો મળ્યા છે તેમાંથી એક બેને બાદ કરતાં બધાં જ કુતુહલપૂર્વક મળ્યા છે. પણ તમારી માફક સીધેસીધી કબૂલાત કોઈએ કરી નથી. મને તમારી એ નિખાલસતા ગમી.” કહી તેમણે ચેતન તરફ જોયું અને હસ્યા.
“મુલાકાત માટે હોટલમાં બોલાવવા પાછળના કેટલાક કારણમાં આ પણ ખરું. જેઓ ગંભીર નથી તેમની પ્રથમ મુલાકાતમાં જ બાદબાકી કરવાનું. આમ તો હોટલનો ખર્ચ કરવો મને ગમે નહિ, પણ આ બાબતમાં એ જરૂરી છે એમ મને લાગ્યું. મને મળેલા બધા બાયોડેટામાં સમાવાયેલી બાબતો ઉપરાંત તેમના ભૂતકાળ, કુટુંબ વગેરે અંગે મેં ખાનગી એજન્સી દ્વારા પણ તપાસ કરાવી લીધી છે અને તેમાંથી જે અનુકુળ લાગ્યા એવા કેટલાક કપલને મેં રૂબરૂ મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. તમારી નોકરી, તમારો પડોશીઓ સાથેનો વ્યવહાર, જાગૃતિબેનની પ્રવૃત્તિ, બાળકોનો અભ્યાસ વગેરે ઘણી બધી બાબતો વિષે મેં માહિતી મેળવી લીધી છે એટલે એ અંગે હું તમને કાંઈ પૂછવાનો નથી. મેં તમને અહીં બોલાવ્યા છે મારી વાત કહેવા અને તે અંગે વિચાર કરવાનો તમને સમય આપવા. મેં પહેલાં કહ્યું તેમ મને જે લોકો નિખાલસ નથી લાગ્યા તેમની બાદબાકી જ કરી છે.’’ કહી તે સહેજ અટક્યા.
“મારી વાત હું ટૂંકમાં જ કહીશ. હું નિવૃત્ત માણસ છું. મારી બચતો અને રોકાણોમાંથી થતી આવક અમારા બે જણાને સામાન્ય જીવન જીવવા માટે પૂરતી છે. મારી પત્ની પણ લગભગ મારી જ ઉંમરની છે અને ઘરનું સામાન્ય કામ સારી રીતે કરી શકે એટલી તંદુરસ્ત છે. અમારે બે બાળકો છે. બંને પરણીને અમેરિકામાં સ્થાયી થયા છે. તેમના બાળકો પણ હવે ખાસ્સા મોટા થયા છે. એ લોકોને અમારી ચિંતા ખરી, પણ કોઈની તૈયારી અહીં આવીને રહેવાની નથી. અમને ત્યાં જઈને સ્થાયી થવા આગ્રહ કરે છે, પણ અમને ત્યાં ફાવતું નથી. વર્ષે બે વર્ષે થોડા દિવસો જઈ આવીએ છીએ પણ ત્યાં કાયમ રહેવા માટે દિલ માનતું નથી. એ લોકો પણ અનુકુળતા પ્રમાણે આવે છે અને થોડા દિવસ રહી પાછા જાય છે, પછી ઘરમાં અમે બંને એકલા. હું તો બહાર જાઉં, થોડી ઘણી સામાજિક પ્રવૃત્તિ પણ કરું અને એ રીતે થોડો સમય પસાર પણ કરું. પણ મંદા તો સાવ એકલી. પડોશ ખરો, સારો પણ ખરો અને જરૂર પડે મદદ પણ કરે. પણ પહેલેથી જ અલગ રહેવા ટેવાયેલા હોવાને કારણે કામ સિવાય વધુ સંપર્ક રાખવાની ટેવ નથી.” તેઓ અટક્યા. ચેતન અને જાગૃતિ રસથી તેમને સાંભળતા હતા તે તેમણે જોયું. બાળકો ટી.વી.ઉપર કાર્ટૂનો જોવામા વ્યસ્ત હતા.
તેમણે આગળ ચલાવ્યું, “બીજા બધા સગા પણ ઘણા છે, મારી બહેનો, ભાણેજો, પિતરાઈઓ વગેરે. એમાંના ઘણાં બહારગામ છે અને પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે. પ્રસંગોપાત તેઓ અહીં આવે છે, અમે તેમને ત્યાં જઈએ છીએ. એટ્લો વખત ગમે છે. પણ અમારે હવે – આ ઉંમરે, કાયમ અમારી સાથે રહે એવા કુટુંબની હૂંફ અને સંગાથની જરૂર છે. એટલે અમે નિર્ણય કરીને આ જાહેરાત આપી છે. એ પહેલા અમારા પુત્ર પુત્રીની સંમતિ પણ મેળવી લીધી છે. જાહેરાતમાં ‘દત્તક’ શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે જે કોઈ કુટુંબ અમારી સાથે રહેવા તૈયાર થાય તે કાયદેસર અમારી મિલકતના હક્કદાર બને. ઉલટ પક્ષે અમારી સંપૂર્ણ જવાબદારી, અમે બંને હોઈએ ત્યાં સુધી બંનેની અને એક રહે ત્યારે તેની, એમણે સંભાળવી પડે. એ પ્રમાણેનો કાયદેસરનો કરાર કરવાની તૈયારી પણ રાખવી પડે. બસ આટલી છે મારી વાત.” કહી તે ઊભા થયા અને ‘‘ચાલો, આપણે જમી લઈએ.” કહી તે બાળકો તરફ ગયા. ચેતન અને જાગૃતિ બંને એકબીજા તરફ જોતા રહ્યાં.
જમતા જમતા કાંઈ ખાસ નવી વાત થઈ નહીં. અતુલભાઈ બાળકો સાથે વાતો કરતા રહ્યા. ખૂબ આગ્રહ કરીને બધાને તેમણે જમાડવા અને પછી આઈસક્રીમ પણ મંગાવ્યો. ‘મારે તો બે.. ‘ એવું ચીન્ટુ બોલ્યો કે તરત જ તેમણે બંને માટે બીજો આઈસક્રીમ પણ મંગાવ્યો. જમવાનું પૂરું થતા બધા ઊઠ્યા અને અમે અમારૂં સ્કૂટર લેવા પાર્કીંગ તરફ વળતા હતા ત્યારે તેમણે ગજવામાંથી તેમનું કાર્ડ કાઢીને આપતા ચેતનને કહ્યું, “આ મારું કાર્ડ. બીજી મુલાકાત મારા ઘરે કરીશું, … તારીખે … વાગે. બાળકોને જરૂર લાવજો.” કહી હસી પડ્યા.
ત્યારપછી ચેતન અને જાગૃતિ પાછા પોતાના કામમાં પડી ગયા. પણ દરરોજ એકલા પડે એટલે અતુલભાઈનો ચહેરો અને તેમની વાત યાદ આવી જાય. બંને આ વાત ઉપર ગંભીરતાથી વિચાર કરી તેના સારા નરસા પાસાની ચર્ચા કરતા રહ્યા. અને એમ કરતા બીજી મુલાકાતનો દિવસ પણ આવી ગયો. ‘જવું, ન જવું’ કરતા અંતે જવાનું નક્કી કરી બંને બાળકોને લઈને પહોંચી ગયા. ઘર સારી સોસાયટીમાં ખરેખર મોટું હતું. પોતાની ભાડાની બે રૂમની સરખામણીમાં તો ખૂબ મોટું કહેવાય. ચેતનને લાગ્યું કે બંને અતુલભાઈને ‘હા’ કહેવાની દિશા તરફ અજાણપણે આગળ વધી ગયા છે. બાળકોને તો મઝા પડી ગઈ. મંદાબેનનો સાલસ અને મળતાવડો સ્વભાવ બંનેને ખૂબ ગમી ગયો. ચેતન હવે બોલવાની છૂટ લેતો થયો હતો, “મંદાબેન માટે તમારી આટલી લાગણીને કારણે જ તમે આવો નિર્ણય લીધો લાગે છે. કેટલા કમનસીબ કહેવાય તમારા બાળકો કે જેને આવી માનો છાંયડો નસીબમાં નથી!”
અમે લોકો રોકાયા ત્યાં સુધીમાં એક પણ વાર અતુલભાઈએ ચેતનને પૂછ્યું નહીં કે તેણે શો નિર્ણય કર્યો. કદાચ તેમને ખાત્રી હશે કે બંને હજુ દ્વિધામાં છે. છૂટા પડતી વખતે ચેતને જ સામે ચાલીને કહી દીધું, “અમે કાંઈ નિર્ણય કરી શક્યા નથી.”
“સમજું છું. આવી બાબતમાં ઉતાવળે નિર્ણય લેવાય પણ નહીં. આપણે વારંવાર મળીએ, એકબીજાને સારી રીતે ઓળખીએ, પછી જ નિર્ણય કરીશું. ત્યાં સુધી આપણે દોસ્ત તો ખરા જ ને!” કહી તેમણે પંદરેક દિવસ પછી ફરી આવવાનો આગ્રહ કર્યો. પછી તો બાળકોને પણ અતુલભાઈને ત્યાં જવાની મઝા પડી ગઈ.
એક વાર જાગૃતિએ હસતા હસતા પીન્કીને પૂછ્યું, “આપણે અતુલદાદાને ઘરે જ રહેવા જતા રહીએ તો તને ગમે?’’ પીન્કી તો ખુશ થઈ ગઈ.. અને ખરેખર થોડા દિવસ પછી ચેતન કુટુંબને લઈને અતુલભાઈને ત્યાં રહેવા આવી ગયો, ભાડૂઆત તરીકે. બંને વચ્ચે એવી સમજૂતી થઈ કે એકાદ વરસ ચેતન ભાડુઆત તરીકે રહે, તે દરમિયાન જો અનુકુળ આવે તો જ કરાર કરવો.
ચેતનના રહેવા આવ્યા બાદ વારાફરતી અતુલભાઈના પુત્ર અને પુત્રી પણ પરિવાર સાથે થોડા થોડા દિવસ માટે અમેરિકાથી આવી ગયા. તેમને અતુલભાઈએ વાત કરી દીધી હતી. બીજા બધા સગાઓ સાથે તો અતુલભાઈએ ચેતનનો પરિચય ‘મિત્રના પુત્ર’ અને ‘ભાડુઆત’ તરીકે જ કરાવ્યો. અતુલભાઈની પુત્રી તો આ લોકો સાથે સારી રીતે ભળી ગઈ, પણ પુત્ર થોડો અતડો રહ્યો. તેમના ગયા પછી નિખાલસપણે અતુલભાઈએ પણ કબૂલ કર્યું કે પુત્રને આ વ્યવસ્થા બહુ ગમી નથી.
“ગમે તેટલું કમાતા હોય, મિલકત હોય, પણ પોતાના ભાગમાંથી થોડુંક પણ જતું કરવાનું કોને ગમે?’ તેમણે ઉમેર્યું. ચેતનને આ નિખાલસ અને ભલા માણસ પ્રત્યે ખૂબ લાગણી થઈ આવી. તે રાત્રે જ તેણે જાગૃતિને પણ મનાવી લીધી અને બંનેએ બીજે જ દિવસે કરાર કરી દીધા.
હવે સગાવાલાની નજરમા ભાડૂત પણ ખરેખર ‘દત્તક’ એવા ચેતનને એની જવાબદારીનું ભાન થયું! એક તરફ બાળકોનું ભવિષ્ય બનાવવાની જવાબદારી અને બીજી તરફ વૃધ્ધાવસ્થાને આરે પહોંચેલા આ વૃદ્ધ દંપત્તિની જવાબદારી! ‘કરાર કરવા માટે લાગણી અને લાલચથી દોરવાઈ જઈને તેણે ભૂલ તો નથી કરી?’ તેને પ્રશ્ન થયો. બાળકો, પત્ની, અતુલભાઈ અને મંદાબેન સૌ ખુશ હતા. થોડા જ સમયમાં મંદાબેન સાથે જાગૃતિને સગી માતા જેટલી માયા બંધાઈ ગઈ અને બાળકો તો વડીલોને દાદા દાદી તરીકે જ સંબોધતા.
એક દિવસ મંદાબેન અચાનક બિમાર થઈ ગયા. ફેમીલી ડૉક્ટરે તાત્કાલિક હોસ્પીલમાં દાખલ કરીને હાર્ટ સ્પેશિયાલીસ્ટને બતાવવાની સલાહ આપી. જાતજાતના ટેસ્ટ થયા, ખૂબ ખર્ચ થયો. ડૉકટરે મુંબઈ, મદ્રાસ કે પછી પરદેશ જઈ હૃદયનું ઑપરેશન કરાવવાની સલાહ આપી. ચેતને ઓફીસમાં પણ રજા લઈ લીધી. અમેરિકા પુત્ર-પુત્રીઓને ફોન કર્યા તો તેમણે પણ મમ્મીની સારવાર કરવા માટે બધું કરી છૂટવાની ચેતનને તાકીદ કરી, પણ સર્જરી માટે અમેરિકા આવી જવાની વાત બંનેમાંથી એકે યે ન કરી. અતુલભાઈ તો ખૂબ મુંઝાઈ ગયા હતા. ચેતને જ મંદાબેનને મુંબઈ લઈ જવાની તૈયારી કરી. સર્જરી અને અન્ય ખર્ચ માટે અઢી ત્રણ લાખ રૂપિયાની તાત્કાલિક વ્યવસ્થા તો અતુલભાઈના સગા-મિત્રો દ્વારા થઈ ગઈ અને ઘર જાગૃતિ અને બાળકોને ભરોસે છોડી અતુલભાઈ અને ચેતન મંદાબેનને લઈને મુંબઈ ગયા. હોસ્પીટલમાં લાંબો સમય રહેવું પડશે અને વધારે પૈસાની જરૂર પડશે એમ લાગતા, અતુલભાઈ ફરી અમદાવાદ આવ્યા. તેમની પાસે જે કાંઈ ડીપોઝીટો હતી તે ઉપાડી લીધી અને શેરો હતા તે પણ મંદીના ભાવે વેચી દીધા.
દોઢેક મહિનાની સારવાર અને છ-સાત લાખના ખર્ચના અંતે મંદાબેન સારા તો થયા, પણ શરીર ખૂબ કમજોર થઈ ગયું. જાગૃતિને બાળકો, પતિ અને અતુલભાઈની જવાબદારી ઉપરાંત મંદાબેનની પણ વિશેષ કાળજી રાખવી પડતી. બહારગામથી સગા-વહાલાઓ ખબર કાઢવા આવતા તેમની પણ સરભરા કરવી પડતી. સગાઓ તો એને ભાડૂત જ સમજતા હતા, છતાં કોઈને પોતાના તરીકે મંદાબેન સાથે રહી જવાનું જરૂરી ન લાગ્યું. અમેરિકાથી પુત્ર અને પુત્રી પણ વારાફરતી આવી ગયા, થોડા દિવસ રોકાઈને પાછા જતા પણ રહ્યા. આ બધાને લીધે પણ ખર્ચ ખૂબ વધી ગયું. માતાની સારવારના ખર્ચ અંગે પુત્રે ન તો કાંઈ અતુલભાઈને પૂછ્યું, ન તેમણે કાંઈ કહ્યું.
બચતો ઉપડી જવાથી વ્યાજની આવક પણ ઘટી ગઈ. ઘરનો સામાન્ય ખર્ચ પણ ચેતનના ટૂંકા પગારમાંથી નીકળતો નહોતો. ચેતન એના નસીબને દોષ દેતો હતો. જાગૃતિ એને સમજાવવા પ્રયત્ન કરતી. એક દિવસ અતુલભાઈએ જ ચેતનને બેસાડીને પૂછ્યું, “તારા બાળકો, પત્ની ઉપરાંત અમારી જવાબદારી તને ભારે તો નથી પડતી ને? હવે તો મારી આવક પણ ઓછી થઈ ગઈ છે.”
“તકલીફ તો આપણને બધાને પડે છે અને સાથે જ ભોગવીશુ.” ચેતને ઉત્તર આપ્યો. પછી તો ઘણી વાતો થઈ. બધી જ શક્યતાઓ તપાસી ગયા પછી બંને એવા નિર્ણય ઉપ૨ આવ્યા કે આ મોટું મકાન વેચી દેવું અને એક ફ્લેટ ખરીદી તેમાં રહેવા જતાં રહેવું. અમેરિકા પુત્રને જ્યારે આ વાત જણાવી ત્યારે તેણે એનો વિરોધ કર્યો, પણ અતુલભાઈ મક્કમ રહ્યા. બધા બંગલો છોડી ફલેટમાં રહેવા આવી ગયા. થોડીક રકમ પાછી વ્યાજે મૂકી એટલે આવક વધી. છતાં ચેતનના મનમાં એક ડર હતો કે “ફરી કોઈ મોટો ખર્ચ આવે તો શું કરીશું?’ આવકના પ્રમાણમાં ખર્ચ વધતું જતું હતું અને તેના કારણે બચતો પણ ઘસાતી જતી હતી.
અતુલભાઈએ ચેતનને સૂચવ્યું કે ઓછા વ્યાજે મૂડી રોકી રાખીને સંતોષ માનવાના બદલે કોઈક ધંધામાં રોકી વધારે વળતર મેળવવા પ્રયત્ન કેમ ન કરવો? વિચાર કરતા ચેતનને પણ એ જોખમ લેવાનું મન થયું. પણ નસીબ બે ડગલા આગળ હોય તેમ ધંધામાં પણ જામ્યું નહીં અને વધુ નુકસાન અટકાવવા જે મળ્યું તે ભેગું કરીને થોડી ઘણી મૂડી પાછી મેળવી લીધી. ચેતને પાર્ટ ટાઈમ નોકરી પણ ચાલુ કરી. જાગૃતિએ પણ નોકરી કરવા તૈયારી બતાવી પણ મંદાબેનને ઘરમાં એકલા છોડાય તેવું નહોતું. ચેતનને હવે ક્યારેક તો પોતાના નિર્ણય બદલ ખરેખર પસ્તાવો થતો હતો, પણ અતુલભાઈ અને મંદાબેન સાથે લાગણીનો સંબંધ એટલો મજબૂત બની ગયો હતો કે એ છોડાય તેમ નહોતો.
બે વરસ પછી ચેતન, જાગૃતિ, બાળકો જે રીતે ભાડાનું ઘર છોડીને ગયા હતા તે જ રીતે પાછા ભાડાના ઘરમાં આવી ગયા – બે વૃદ્ધ, અશક્ત અને બિમાર વડીલોને સાથે લઈને. અતુલભાઈના પુત્ર તથા પુત્રી ફરી એક બે વાર અમેરીકાથી આવી ગયા અને થોડુંક રોકાઈને જતા રહ્યા, ચેતન જાગૃતિને ‘દત્તક’ના મહેણા-ટોણા કરીને. થોડાક સમય પછી એકાએક અતુલભાઈ ગુજરી ગયા. તેના થોડા સમય પછી ચેતનની જવાબદારી ઓછી કરવા મંદાબેન પણ એમની પાછળ ગયા.
ફરી પરદેશથી પુત્ર-પુત્રી ખરખરો કરવા આવ્યા. ચેતન અને જાગૃતિએ સગા ભાઈ બહેનની માફક જ તેઓને સાચવ્યા. જતાં જતાં પુત્રી તો જાગૃતિની તારીફ કરતી ગઈ, પણ પુત્ર હજુ પણ બંગલો વેચી દેવા માટે ચેતનને જ જવાબદાર માનતો હતો. ચેતને પોતે અહીં રહેવા આવ્યો ત્યારે અતુલભાઈએ કરેલું વસિયતનામુ પુત્રને વાંચવા આપ્યું ત્યારે પુત્રની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ!
“શું મારા પપ્પાને આટલું દેવું હતું? આવકનો એક ભાગ તો મારા ભણતર માટે લીધેલી લોનના હપ્તા ભરવામાં વપરાઈ જતો હતો. અને કોઈ દિવસ મને કહ્યું પણ નહિ! એ જાણવા છતાં તેં તેમની જવાબદારી સ્વીકારી?…”
“મંદાબેન માંદા પડ્યા ત્યાં સુધી તો બધું બરાબર હતું, પણ તેમની સારવારમાં ઘણો વધારે ખર્ચ થઇ ગયો, પછી જ મુશ્કેલી શરુ થઇ.” ચેતને કહ્યું.
તે ઊઠીને ચેતનને વળગી પડ્યો, “તું દત્તક નહીં એમનો સાચો પુત્ર જ છે, હું તો ફક્ત શ્રાદ્ધ કરવા પૂરતો.’’ અને તેની આંખો ભીની થઈ.
-
પિંજર
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી મારા વૈદકીય અભ્યાસ માટે પિતાજીએ એક એવા અનુભવી ગુરુની નિયુક્તિ કરી જે દેશી વૈદું જ નહીં પણ ડૉક્ટરી પણ જાણતા હતા. માનવશરીર રચનાની જાણકારી માટે એમણે એક હાડપિંજર મંગાવીને એક રૂમમાં ગોઠવ્યું. આમ તો હાડપિંજર જોઈને નાનાં છોકરાંઓ તો શું કાચાપોચાની જેમ મારા પણ હાંજા ગગડી જાય એમ હતું. હું એ રૂમમાં એકલો જઈ શકતો નહી. મારો એક મિત્ર નિર્ભય હતો. એ એવું કહેતો કે જીવંત વ્યક્તિ જેટલું આપણને નુકશાન પહોંચાડે એટલી મૃત વ્યક્તિ નથી પહોંચાડતાં અને આ તો હાડકાં છે થોડાં સમયમાં માટીમાં ભળી જશે. જોકે મારી માન્યતા જુદી હતી. હું એવું માનતો કે, આ એમનું માટીનું મકાન છે જ્યાં એમનો આત્મા હજુ રહેતો હોય પણ ખરો અથવા સમયાંતરે આવીને લટાર મારીયે જાય. ખરેખર એવી ઘટના બની જેમાં મારી માન્યતા સાચી ઠરી.
થોડા દિવસ પહેલાંની જ વાત છે. કોઈ કારણસર મારે એ જ રૂમમાં ઊંઘવાનું થયું. ઊંઘ તો આવી નહીં. ઘણી વાર સુધી આમથી તેમ પાસા ફેરવતો રહ્યો. રાતના બાર વાગ્યાના ડંકા સંભળાયા. રૂમમાં મૂકેલો લેમ્પ ધીમો પડીને બંધ થઈ ગયો અને અંધારું છવાઈ ગયું. વિચાર આવ્યો કે માનવજીવન પણ દિવસ, રાત અને પછી અનંતમાં ભળી જતાં ચક્ર જેવું જ છે.
વિચારોમાં ગરકાવ હતો અને એવું લાગ્યું કે કોઈ અદીઠ ચીજ મારા પલંગની ચારેકોર ફરી રહી છે. કોઈ દુઃખી વ્યક્તિના ઘેરા વ્યથિત શ્વાસો અને ધીમા પગરવનો ધ્વનિ સંભળાયો.
સહસા હું બોલી ઊઠ્યો, “કોણ?”
કોઈ વ્યક્તિનો અવાજ સંભળાયો,“ હું છું, મારું પિંજર જોવા આવી છું.”
“હેં, આ તે કંઈ પિંજર જોવાનો સમય છે અને વળી કયું પિંજર જોવાની વાત છે?”
“સમય ગમે તે હોય, પિંજરું મારું છે, મને એ ગમે ત્યારે જોવાનો હક છે. આ જે પાંસળીઓ છે ને એમાં છવ્વીસ વર્ષો મારું હૃદય બંધ હતું. એ મારું ઘર હતું એ જોવા આવું એમાં તને શું વાંધો હોવો જોઈએ?
હું ભયભીત થઈ ગયો, છતાં હિંમત કરીને કીધું, “ભલે તારે જે જોવું હોય એ જોઈ લે. મને ઊંઘવા દે.” મનમાં થયું કે એ ક્યારે અહીંથી ખસે અને હું બહાર ચાલ્યો જાઉં.
પણ એ ક્યાં જાય એવી હતી? એણે સામે પૂછ્યું, “તું અહીં એકલો ઊંઘે છે? તો ચાલ વાતો કરીએ.”
આ વળી નવી ઉપાધી આવી. જાણે મોત મારી આંખોની સામે આવીને ઊભું. છતાં કહ્યું,“ ભલે બેસ અને કોઈ મનોરંજનવાળી વાત કર.”
“તો સાંભળ. પચ્ચીસ વર્ષ પહેલાં હું પણ તારી જેમ માનવ હતી. હવે ભેંકાર સ્મશાનમાં ભમ્યા કરું છું. કેટલાય સમયથી જીવંત માનવ સાથે વાત કરવી હતી. સાચે ખુશ છું કે તેં મારી વાત સાંભળવાની તૈયારી બતાવી.” સામો અવાજ આવ્યો અને જાણે એ મારા પલંગની પાંગતે આવીને બેઠી હોય એવું લાગ્યું. હું ભયથી ફફડી ઊઠ્યો. એણે વાત શરૂ કરી.
“મહાશય, જ્યારે હું માનવરૂપમાં હતી ત્યારે એક વ્યક્તિથી એટલે કે માત્ર મારા પતિથી ડરતી હતી. જાણે એ પતિ નહીં મોતનો દેવતા હતો. કોઈ વ્યક્તિ માછલીને કાંટામાં ફસાવીને પાણીની બહાર લાવે એવી રીતે એ મારા માતાપિતાના ઘરમાંથી લઈ આવ્યો. મને ક્યાંય જવા દેતો નહીં. જોકે સારું થયું કે, લગ્નના બીજા મહિને જ એ મરી ગયો. મેં લોકલાજે વૈષ્ણવ પરંપરા પ્રમાણે ક્રિયાકર્મ કર્યા, પણ અંદરથી હું ખૂબ ખુશ હતી. હાંશ, મારા જીવનનો કાંટો નીકળી ગયો. થોડા દિવસ પછી મને મારા માતાપિતાના ત્યાં જવાની છૂટ મળી. હુ અત્યંત પ્રસન્ન હતી. હું ખરેખર સુંદર હતી એવું સૌ કહેતાં. તને શું લાગે છે હું સાચે જ સુંદર છું ને?”
“હું શું કહું? મેં તને ક્યાં જીવિત જોઈ છે.”
“કેવી રીતે તને વિશ્વાસ આપું કે મારી લજ્જાશીલ આંખો જોનારને ઘાયલ કરી દેતી. ખેર. મારા ચહેરાના આ અસ્થિ જોઈને તને ન લાગ્યુ કે મારું સ્મિત કેવું સુંદર હશે? મારા જીવનકાળ દરમ્યાન કોઈ ડૉક્ટરે પણ ક્યાં કલ્પના કરી હશે કે મારું હાડપિંજર અભ્યાસ માટે કામ આવશે? કોઈને પણ આસક્તિ થઈ જાય એવું મારું સૌંદર્ય હતું. તેં મને યૌવનકાળમાં જોઈ હોત તો તારા હોશ ઊડી જાત અને આ વૈદુ ભૂલી જાત.
“મારા ભાઈએ લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો. મને મારા સૌંદર્ય પર ઘમંડ હતો. જમીન પર ચાલતી ત્યારે પગ નીચે કચડાતાં ઘાસમાં જાણે સમસ્ત સંસારના પ્રેમીઓને મારા પગ તળે ભાળતી પણ શું ધાર્યું હતું ને શું બની ગયું?
“મારા ભાઈનો એક મિત્ર, સતીશકુમાર જેણે ડૉકટરી પાસ કરી હતી. એ અમારા પરિવારનો પણ ડૉક્ટર હતો. એને જોઈને હું એના પર મોહી પડી.”
“હું સતીશકુમાર હોત તો કેવું સારું થાત?” ઊંડો શ્વાસ લઈને હું બોલ્યો
“પ્રેમાલાપ પછી કરજે. પહેલાં મારી વાત સાંભળી લે. વરસાદી મોસમમાં મને તાવ આવ્યો. મારા પ્રિય એવા ડૉક્ટર સતીશકુમાર મને જોવા આવ્યા. પહેલી વાર અમે એકમેકને જોયા. મને જોઈને એ સ્તબ્ધ બની ગયા. મારી રગ પારખતા એમની આંગળીઓ કાંપતી હતી. જાણે હું નહીં એ બીમાર હોય એવી એમની દશા હતી.
“થોડો સમય ગયો અને મને સમજાયું કે ડૉક્ટર સિવાય મારા મનને હવે કોઈ જચશે નહીં. સાંજ પડે વસંતી રંગની સાડી પહેરી, તૈયાર થઈ હું ઘરના ઉદ્યાનમાં ફરતી. દર્પણમાં જોતી તો મને મારા બે સ્વરૂપ નજરે આવતાં. સ્વંય સતીશકુમાર બનીને એની પર ન્યોછાવર થઈ જતી. કલાકો સુધી આમ સમય પસાર કરતી. સતીશકુમારના વિચારોમામ જ ગરકાવ રહેતી.” એ અટકી.
“તને ઊંઘ આવતી હોય તો હું જાઉં.”
“ ના…ના. તું તારી વાત કર.” હવે મારી ઉત્સુકતા વધતી ચાલી.
“અચ્છા તો સાંભળ. થોડા સમયમાં સતીશકુમારની વ્યસ્તતા વધી. એમણે અમારા મકાનની નીચે દવાખાનું ખોલ્યું. જ્યારે એમને ફુરસદ હોય ત્યારે હુ એમની પાસે જઈને બેસતી. થોડી ઠઠ્ઠા-મશ્કરીની સાથે દરેક જાતની દવા વિશે જાણકારી લેતી. સમય જતાં મને એવું લાગ્યું કે જાણે ડૉક્ટરના હોશહવાસ ઠેકાણે નથી. સમજાતું નહોતું કે કેમ, પણ હું એમની સન્મુખ જતી ત્યારે જાણે એમના ચહેરા પર મોતની છાયા પ્રસરી જતી.
“એક દિવસ ખબર પડી કે એના વિવાહ થવાના હતા. આ જાણીને હું અવાક રહી ગઈ, જાણે ચેતના ગુમાવી બેઠી હોઉં એવી માનસિક મૂર્છામાં સરી ગઈ. હું વર્ણન નથી કરી શકતી કે આ વાત મારા માટે કેવી અસહ્ય કષ્ટદાયી હતી. ડૉક્ટરે મને શા માટે વાત નહીં કરી હોય? હું એમને રોકત એવું વિચારતા હશે?
“મધ્યાહ્ન સમયે ડૉક્ટર મળ્યા ત્યારે આ સમાચારનું સત્ય જાણવા એમને જ પૂછી લીધું. ડૉક્ટર જરા છોભીલા પડી ગયા. મેં ડૉક્ટરને એ પણ પૂછી લીધું કે, તમારા લગ્ન થશે પછી તમે દર્દીઓની રગ પારખવાના? ડૉક્ટરો માટે એવું કહેવાય છે કે તમે શરીરના તમામ અંગોની દશાથી માહિત છો. મને એ તો કહો કે, આમ તો હૃદય શરીરનું જ એક અંગ કહેવાય. મને ખેદ છે કે ડૉક્ટર થઈને તમને કોઈના હૃદયના હાલ ના ખબર પડી?
“મારા શબ્દો એમને હૃદયમાં તીરની જેમ વાગ્યા હશે પણ એ મૌન રહ્યા.
“લગ્નનો સમય રાતના બાર વાગ્યાનો હતો. એ અને મારો ભાઈ રોજની જેમ શરાબ લઈને બેઠા. એમને ઊભા કરવાના બહાને હું ત્યાં ગઈ અને તક મળતાં એમના શરાબમાં વિષની પડીકી ભેળવી દીધી. થોડા સમય પછી ડૉક્ટર તૈયાર થવા ઊભા થયા.
“હું મારા રૂમમાં ગઈ. નવી બનારસી ઓઢણી ઓઢી. માથે સિંદૂર ભરી સૌભાગ્યવતીની જેમ ઉદ્યાનમાં જ્યાં હંમેશા એમની પ્રતીક્ષા કરતી ત્યાં ગઈ. ધવલ ચાંદનીનો ઉજાસ રેલાઈ રહ્યો હતો. હવાની હળવી લહેર સાથે ઉદ્યાનમાં ચમેલીની સુગંધ પ્રસરી. ડૉક્ટરના શરાબમાં ભેળવ્યા પછી વધેલી વિષની પડીકીને ઘૂંટડા પાણીમાં ભેળવીને મેં પી લીધી. થોડા સમયમાં ચક્કર આવવા માંડ્યા. આંખોની સામે ધુંધળાપણું છવાવા માંડ્યું. એવું લાગ્યું કે ચાંદનીનો પ્રકાશ ઝાંખો થવા માંડ્યો છે. પૃથ્વી, આકાશ, જળ, સ્થળ બધું જાણે એકાકાર થવા માંડ્યું. હું મીઠી નિંદ્રામાં સરવા માંડી.
“લગભગ ઘણા સમય પછી સુખ-સ્વપ્નમાંથી જાગી તો કંઈક અલગ અનુભવ થયો. ત્રણ વિદ્યાર્થીઓ મારા અસ્થિને લઈને તબીબી અભ્યાસ કરી રહ્યા હતા. એક આધ્યાપક એ વિદ્યાર્થીઓને વિભિન્ન અસ્થિના નામ કહી રહ્યા હતા. હાથની સોટીથી ઈશારો કરીને એક પોલાણ દર્શાવીને કહી રહ્યા હતા કે આ એ સ્થાન છે જ્યાં યૌવનકાળે ફૂલો ખીલી ઊઠે છે. અરે અહીં! અહીં તો મારું હૃદય રહેતું હતું જે સુખ-દુઃખના સમયે ધડકતું રહેતું. જ્યાંથી મારું હૃદય ડૉકટરના વિવાહ સમયે છેલ્લી વાર ધડક્યું હતું.
“બસ આટલી મારી કથા છે. હું હવે વિદાય લઈશ. તું શાંતિથી ઊંઘી જા.”
પણ પછી મારી આંખોમાં ઊંઘ ક્યાં આવવાની હતી?
પિંજર- રવીન્દ્રનાથ ટાગોર લિખીત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઇન્ડિયન ફિલ્મ (૧૯૬૩)
ઉષાકાન્ત મહેતા
ભારતીય સિનેમાના ઇતિહાસને વ્યવસ્થિત અને આધારભૂત રીતે રજૂ કરતું અને આંતરરાષ્ટ્રીય વાચકવર્ગને લક્ષમાં રાખીને લખાયેલું આ વિષયનું કદાચ સર્વપ્રથમ અંગ્રેજી પુસ્તક. (લેખકો : એરિક બાર્નો અને ભારતીય સિને પત્રકાર-વિવેચક કૃષ્ણાસ્વામી, પ્રકાશક : કોલંબિયા યુનિવર્સિટી પ્રેસ, ન્યૂયૉર્ક અને લંડન, બીજી આવૃત્તિ ૧૯૮૦.) કૃષ્ણાસ્વામી ૧૯૬૦ -૬૧માં કોલંબિયા યુનિવર્સિટીમાં સ્નાતકોત્તર અભ્યાસ અર્થે ગયા તે, ૧૯૬૧ -૬૨માં એરિક બાર્નોને ભારત ખાતે સંશોધનાર્થે પ્રાપ્ત થયેલી ફુલબ્રાઇટ શિષ્યવૃત્તિ અને ૧૯૬૩ના વર્ષમાં ભારતીય ચલચિત્રનિર્માણનાં ૫૦ વર્ષ પૂરાં થનાર હતાં તે, આ પુસ્તકના લેખન-પ્રકાશનનાં મુખ્ય નિમિત્ત હતાં.સત્યજિત રાયની ‘પથેર પાંચાલી’એ ૧૯૫૬માં ફ્રાન્સ આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં પુરસ્કાર પ્રાપ્ત કર્યાથી ભારતીય સિનેમા તરફ પશ્ચિમ અને વિશ્વના સિનેઉત્સુક ઇતિહાસકારોનું ધ્યાન ખેંચાયું તે હકીકતનો પ્રથમ પ્રકરણમાં ઉલ્લેખ કરી ભારત ખાતે સર્વપ્રથમ ચલચિત્ર-પ્રદર્શન જુલાઈ, ૧૯૮૬માં ફ્રાંસના મિયેર બંધુના બે વિતરકોએ મુંબઈ ખાતે વૉટસન હોટેલમાં યોજ્યું તે ઘટનાને લેખકોએ ભારતીય ચલચિત્ર-પરંપરાનો પ્રારંભ ગણેલ છે.
ભારત ખાતે સર્વપ્રથમ મોશન પિક્ચર કૅમેરા આયાત કરનાર અને ભારતની સર્વપ્રથમ ટૂંકી તેમજ દસ્તાવેજી ફિલ્મ બનાવનાર હરિશ્ચંદ્ર ભાટવડેકરની પ્રવૃત્તિ, વિદેશી ચલચિત્રોના પ્રદર્શન દ્વારા ભારતમાં સિને-વિતરણ વ્યવસાયનો પાયો નાખનાર ગુજરાતીઓ જમશેદજી ફ. માદન અને અબ્દુલ અલી તથા ભારત ખાતે સર્વપ્રથમ કથા-ચલચિત્રનું નિર્માણ કરનાર દાદાસાહેબ ફાળકેની મથામણ અને સફળતાનો ખ્યાલ આપીને પછી ફિલ્મસર્જકો ધીરેન ગાંગુલી, બી. એન. સરકાર અને દેવકી બોઝ વગેરેની સર્જનપ્રવૃત્તિ પર પ્રકાશ પાડ્યો છે. ભારતીય ચલચિત્ર-પરંપરાની સઘળી પ્રારંભિક ઘટનાઓને આવરી લઈને રાજ કપૂરની લોકપ્રિય હિંદી સિનેકૃતિ ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ (૧૯૬૧) અને તપન સિંહાની ‘હાંસુલી બાંકેર ઉપકથા’ (૧૯૬૨) સુધીની હિંદી તેમજ ભારતની સર્વ પ્રાદેશિક ભાષાની સિને-સર્જનપ્રવૃત્તિનો લેખકોએ વિગતે ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તકની ૧૯૭૫ અને ૧૯૭૯ની આવૃત્તિઓમાં ‘ભુવનશોમ’ ચિત્રના બંગાળી દિગ્દર્શક મૃણાલ સેનની, સમાન્તર હિંદી સિનેમાના વહેણની એ સર્વપ્રથમ કૃતિથી માંડીને શ્યામ બેનેગલનો કથા-ચલચિત્ર-સર્જક તરીકે ઉદય નોંધીને તેની કૃતિ ‘અંકુર’ તથા શબાના આઝમી જેવી નવાગંતુક પ્રતિભાના ઉલ્લેખ સાથે આ વહેણના અન્ય યુવા દિગ્દર્શકો મણિ કૌલ અને કુમાર સહા તેમજ બસુ ચેટર્જીને પણ સ્થાન અપાયું છે.
વળી ચંદુલાલ શાહ જેવા ગુજરાતી યુવાન દ્વારા મૂક ફિલ્મોના ગાળામાં ૧૯૨૪માં એક રાતમાં નવી ફિલ્મની પટકથાનું લેખન, તેમની દ્વારા માત્ર 21 દિવસમાં એક સામાજિક ફિલ્મનું નિર્માણ, મૂક સમયની તારિકા ગૌહરનો ઉદય, ૧૯૨૮માં ઇન્ડિયન સિનેમેટોગ્રાફ કમિટીની નિયુક્તિ, તે જ વર્ષે ચંદુલાલ શાહ અને ગૌહરબાનુ દ્વારા રણજિત મૂવીટોન કંપનીની સ્થાપના અને તેની દ્વારા ૧૫૦ કથાચલચિત્રોનું નિર્માણ, ૧૯૩૭માં કૉંગ્રેસની પ્રાંતીય સરકારો આવતાં ઉઠાવી લેવાયેલ પ્રતિબંધને કારણે ‘મહાત્મા ગાંધીઝ માર્ચ ફૉર ફ્રીડમ’ અને ‘રિટર્ન ઑવ્ મહાત્મા ગાંધી ફ્રૉમ રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ’ જેવી માત્ર રાજકીય ઘટનાઓને આવરી લેતાં કુલ ૧૭ વૃત્તચિત્રોના પ્રદર્શનનો ઉલ્લેખ, કે. સુબ્રમણ્યમ દ્વારા દેશભક્તિની ભાવના વ્યક્ત કરતી ‘મનસામ્ રક્ષણમ્’ નામની તમિળ ફિલ્મનો રસિક કિસ્સો, યુદ્ધને ટેકો આપવાના પ્રયાસો બાબત પંડિત નેહરુની માનવતાભરી અપીલ બાદ ચીન મોકલાયેલ મેડિકલ મિશનની ઘટનાને આવરી લેતી સત્ય હકીકત આધારિત ‘ડૉ. કોટનીસ કી અમર કહાની’ નામની હિંદી (તથા અંગ્રેજી) ફિલ્મનું સર્જન વગેરે અલ્પજ્ઞાત અને અલ્પચર્ચિત ઘટનાઓને આ પુસ્તકમાં આવરી લઈને તત્કાલીન ભારતીય અને સામાજિક ઘટનાઓના સિનેક્ષેત્રનું ઇતિહાસ રૂપે યથાર્થ દર્શન કરાવ્યું છે.
સંદર્ભસંચયના એક ભાગ રૂપે, પુસ્તકની લિખિત સામગ્રીને છેવટનું સ્વરૂપ આપતાં પહેલાં પુસ્તકના લેખકોએ મૂક ચલચિત્રના ગાળાની અને આજે ભુલાઈ ગયેલી પ્રતિભાઓ સરદાર ચંદુલાલ શાહ, ગૌહરબાનુ, દેવકી બોઝ, ધીરેન ગાંગુલી, અરદેશર ઈરાની, કે. સુબ્રમણ્યમ, દેવિકારાણી, કનૈયાલાલ મુનશી, લીલાવતી મુનશી અને સમકાલીન પ્રતિભાઓ સત્યજિત રાય, કે. એ. અબ્બાસ, સતીશ બહાદુર વગેરે મળીને કુલ ૧૧૭ વ્યક્તિઓની મુલાકાત લીધી હતી. ‘નામ સંદર્ભસૂચિ’ અને ૧૯૭૫ અને ૧૯૭૯ની આવૃત્તિમાં પાછળથી ઉમેરાયેલ ‘લિસ્ટ ઑવ્ લૅન્ડમાર્ક ઇવેન્ટ્સ’ આ પુસ્તકનો ઉપયોગી સંદર્ભગ્રંથ બનાવે છે.
સંપાદકીય નોંધ:
૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.
૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘ચલચિત્ર’ વિષયમાંથી પસંદ કરેલ છે.
૩. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.
-
ફિલ્મી ગઝલો – ૧૨. ન્યાય શર્મા
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
શર્મા અટકધારી મુખ્ય ચાર ગીતકારો ફિલ્મી -ગીતોની મીઠાશવાળા જમાનામાં થઈ ગયા. પંડિત નરેન્દ્ર શર્મા, કેદાર શર્મા, વિશ્વેશ્વર શર્મા અને ન્યાય શર્મા. આમાના ત્રણ ઉમદા કવિ. વિશ્વેશ્વર ૧૯૭૫ અને એ પછીના થોડાક વર્ષોમાં ઝળક્યા એવા જ ઓલવાઈ ગયા. બાકીના ત્રણ દ્વારા લખાયેલી ગઝલો વારાફરતી જોઈશું.
શરુઆત ન્યાય શર્માથી કરીએ. ત્રણેયમાં સૌથી ઓછી ગીત- રચનાઓ એમણે આપી, પણ જે લખ્યું તે અણમોલ ! માત્ર ચાર ફિલ્મો – અંજલિ – ૧૯૫૭, બનારસી – ૧૯૬૨, કિનારે કિનારે – ૧૯૬૩ અને હમારે ગમ સે મત ખેલો – ૧૯૬૭. રોકડી ચાર ફિલ્મો અને ચારેય સુપર ફ્લોપ અને ગુમનામ ! ચારેયમાં સંગીતકાર જયદેવ .
એમણે પોતે નિર્મિત કરેલી અને એમની જ કથા – પટકથા – સંવાદ અને ગીતો ધરાવતી ‘ કિનારે કિનારે ‘ માં દેવ આનંદ, મીના કુમારી અને ચેતન આનંદ જેવા કલાકારો અને સ્વયં ચેતન આનંદનું દિગ્દર્શન હતું છતાં એ ઘોર નિષ્ફળતાને વરી. પરંતુ એ ફિલ્મના ગીતો ! ફિલ્મના કુલ ૧૧ ગીતોમાંથી ત્રણ ગઝલ હતી. મુકેશ, તલત મહેમૂદ અને લતા દ્વારા ગવાયેલી. પહેલી બે ભાવકોને સુવિદિત છે, જ્યારે લતાજી વાળી શ્રેષ્ઠ પણ સાવ કોરાણે રહી ગયેલી ! ત્રણેય રચનાઓ જોઈએ :
૧.
જબ ગમે – ઈશ્ક સતાતા હૈ તો હંસ લેતા હું
હાદસા યાદ યે આતા હૈ તો હંસ લેતા હુંમેરી ઉજડી હુઈ દુનિયા મેં તમન્ના કા ચિરાગ
જબ કોઈ આ કે જલાતા હૈ તો હંસ લેતા હુંકોઈ દાવા નહીં, ફરિયાદ નહીં, તંજ઼ નહીં
રહમ જબ અપને પે આતા હૈ તો હંસ લેતા હું..– ફિલ્મ : કિનારે કિનારે – ૧૯૬૩
– મુકેશ
– જયદેવ
૨.
દેખ લી તેરી ખુદાઈ બસ મેરા દિલ ભર ગયા
તેરી રહમત ચુપ રહી મૈં રોતે – રોતે મર ગયાવો બહારેં નાચ ઊઠીં થીં ઝૂમ ઊઠીં થીં બદલિયાં
અપની કિસ્મત યાદ આતે હી મેરા દિલ ડર ગયામેરે માલિક ક્યા કહું તેરી દુઆઓં કા ફરેબ
મુજ પે યું છાયા કે મુજકો ઘર સે બેઘર કર ગયા..– ફિલ્મ : કિનારે કિનારે – ૧૯૬૩
– તલત મહેમૂદ
– જયદેવ
૩.
હર આસ અશ્કબાર હૈ, હર સાંસ બેકરાર હૈ
તેરે બગૈર ઝિંદગી ઉજડી હુઈ બહાર હૈમૈં જાનતી હું બેવફા તૂ લૌટ કર ન આએગા
ફિર ભી ન જાને ક્યોં મુઝે તેરા હી ઈંતઝાર હૈકિસકો સુનાઉં મૈં ગિલા, હૈ બેબસી કી ઈંતેહા
ના તુજ પે ઈખ્તિયાર હૈ, ના દિલ પે ઈખ્તિયાર હૈ ..– ફિલ્મ : કિનારે કિનારે
– લતા
– જયદેવ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
પશુ-પ્રાણીઓની પ્રકૃત્તિદત નવતર ખાસિયતો
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
પર્યાવરણમાં અને આપણા સૌની આસપાસ કેટલાય નાના-મોટા પશુ-પક્ષી અને જીવ-જંતુઓ વસેલા છે. એમાંના કેટલાક સાથે તો આપણે ગાઢ પરિચયમાં છીએ. પ્રકૃતિએ એ સૌને જે પરિસ્થિતિમાં રહેવાનો અને જીવવાનો આદેશ આપેલો છે ત્યાં તે બધાને જરૂરી ખોરાક, એને ફાવે તેવું રહેણાક, જરુરી સંરક્ષણ અને પ્રજનન અંગેની સુવિધાઓ આપી છે. પછી પ્રસન્નતાથી સૌ જીવન ગુજારો કરી શકે તે માટે થઈને પ્રકૃતિએ કેટલીક ખાસ દરકાર પણ લીધેલી જણાય છે.
એક માણસ સિવાયના અન્ય જીવોએ મોટેભાગે પ્રકૃતિના આદેશોને અનુસરીને જ જીવન જીવવાનું હોય છે. એટલે જે તે જીવને કેવી કેવી જરૂરિયાત રહેવાની છે એની બરાબરની ખેવના કરીને દરેક વર્ગના પશુ-પ્રાણીને તેઓના શારીરિક અંગ-ઉપાંગોમાં જરૂરી ફેરફારો અને વિશિષ્ટતાઓ પણ બક્ષી છે.
પણ જ્યારે જાનવરનો કોઇ વર્ગ અન્ય પ્રાણી-વર્ગથી જુદા પડતા શારીરિક ઘાટઘૂટ વાળો આપણી નજરે ચડે ત્યારે સહેજે આપણા મનમાં ઇંતેજારી ઉપસ્થિત થઇ જતી હોય છે કે આવું કેમ ? જાનવરના એ વર્ગને એવો અલાયદો અને વિશિષ્ટ શારીરિક ફેરફાર આપવા પાછળનો પ્રકૃતિનો ઉદ્દેશ શું હશે ?
આપણા રહેણાકી વિસ્તારો [ગામડાં-શહેરો]-ખેડૂતોના ખેતર- વાડીઓ અને ધાર-ટેકરા કે જંગલ વિસ્તારોમાં ગાય-ભેંશ અને ઘેટાં-બકરાં વર્ગ, ઘોડા-ગધેડાં કે કૂતરાં-બિલાડા વર્ગ, અરે આગળ વધીને જંગલમાં વસનારા હરણાં-શિયાળવા અને સસલાં, વાઘ-વરુ-સિંહ-જીરાફ જેવા પ્રાણીઓના શરીરના બાંધા બાબતે નજર કરશું તો તેના અંગ-ઉપાંગોમાં અન્યો કરતાં ઊડીને આંખે વળગે એવા ફેરફારો પ્રકૃતિ તરફથી અપાએલા છે તે ભળાયા વિના નહીં રહે. ચાલો આપણે એ સમજવાની કોશિશ કરીએ કે પ્રકૃતિએ આવું શા માટે કર્યું હશે ? દા.ત………
[1]……કેટાલાક પશુઓ “વાગેળે” છે, જ્યારે કેટલાક “વાગોળતા” નથી. =
ગાય-ભેંશ-બકરાં-ઊંટ-હરણાં જેવા વર્ગના પ્રાણીઓ “તૃણાહારી પ્રાણીઓ” ગણાય. એમણે કોઇને કોઇ વનસ્પતિ જન્ય આહાર ખાવાનો હોય છે. વળી આ વર્ગના પ્રાણીઓ શિકારી વર્ગના પ્રાણીઓની સરખામણીએ સ્વભાવે અસોળ-સોજા અને શાંત હોય છે. શિકારી વર્ગના પ્રાણીઓ તો હોય છે બધા “માંસાહારી” ! એ સતત લાગ જ જોઇ રહ્યા હોય છે કે ક્યારે તૃણાહારી જાનવર નજરે ચડે અને ક્યારે હું તરાપ મારી દબોચી લઉં ? એટલે તૃણાતૃણાહારી પ્રાણીઓ શિકારીઓની નજરથી બચતાં બચતાં જ જમીન પરથી ઝટ ઝટ ઘાસ પૂસ ચરવા-ખાવાની ઉતાવળમાં હોય છે, અને આટલી ઉતાવળે ખોરાકને ચાવીને ઝીણો કરી પેટમાં પધરાવી શકાય એવી તો પ્રકૃતિએ તેઓને સગવડ જ આપી નથી. આ વર્ગના પ્રાણીઓને મોઢામાં માત્ર નીચલા જડબામાં જ દાંત આવેલા હોય છે. ઉપલા ભાગે તો હોય છે માત્ર પેઢા જ ! એટલે આવી ભય ભરેલી પરિસ્થિતિમાં ખોરાકને ચાવીને ઝીણો કરવા ખોટી થવું એને થોડું પાલવે ? એવું કરવા જાય તો તો ઘણો સમય લાગી જાય અને આ તકનો લાભ લઈ, લાગ જોઇ રહેલા કોઇ શિકારી પ્રાણી દબોચી લે તો તો તૃણાહારી જીવને મરવાનાઓ જ વારો આવી જાય ને ?
માટે જ પ્રકૃતિએ આવા જાનવરોના પેટની રચના જ એવા પ્રકારની કરી છે કે જે ઘાસ પૂસ ખાવાનું હોય તે પ્રથમ ઝટ ઝટ આખાભાગુ ખાઇ લેવાનું અને પછી જ્યારે સલામત સ્થળ અને નિરાંતનો સમય મળે ત્યારે અધકચરો ચવાએલ ખોરાક પેટમાંથી મોઢામાં પાછો લાવી, મોઢા માહ્યલા નીચલા દાંત અને ઉપરના સખત પેઢા વચ્ચે દબાવી-ચાવી-એકદમ ઝીણો કરી પછી જ પચવા માટે આગળ ધકેલે છે. ખવાએલ ખોરાકને પેટમાંથી પાછો મોઢામાં લાવી ફરીવાર ચાવીને ઝીણો બનાવવાની ક્રિયાને “વાગોળવું” કહે છે.
પ્રકૃતિએ આવા પશુઓના પેટમાં ચાર ખાના આપ્યાં છે. જ્યારે પશુ વગડામાં ઘાસ ચરતું હોય કે ગાય-બળદ-ભેંશ જેવા પાલતુ પશુઓ ગમાણમાં નીરેલ નીરણ ખાતું હોય ત્યારે પ્રથમ આખુભાગુ ચાવી પેટના પહેલા ખાના [રુમેન] માં ધકેલી દે છે. આ ખાનામાં જાનવર ઇચ્છે ત્યાં સુધી ખોરાક પડી રહેતો હોય છે. ત્યાંથી એ ખોરાક પેટના બીજા ખાના [રેટીક્યુલમ}માં જાય છે અને ત્યાં તેના પર કેટલાક પાચક રસો ભળે, અને એ ખોરાકના ગોળા બને છે.
અને જ્યારે જાનવર સલામત સ્થળે નિરાંત અનુભવે ત્યારે આ બીજા ખાનામાં ખોરાકના જે ગોળા પડેલા છે તેને મોઢામાં પાછા લાવે અને બરાબર ચાવી ઝીણો બનાવી આગળ ત્રીજા ખાના [ઓમેજમ]બાજુ ધકેલે છે. આ ત્રીજા ખાનામાં એક ગળણી જેવું ફીલ્ટર હોય છે, જેમાંથી ખોરાક પસાર થતાં તેમાં કોઇ મોટા કાંકરા,ચુંકું, ચામડાના ટુકડા, કે પ્લાસ્ટિકના કાગળ જેવી અશુદ્ધિઓ ભેળી આવી ગયેલ હોય તો તે અહીં અટકી જાય છે. અને છેલ્લે ખોરાક ચોથા ખાના [એબોમેજમ] માં પહોંચી પચવાની ક્રિયા શરૂ કરે છે.
જ્યારે …. ઘોડા-ગધેડા જેવા પશુઓ એકલપેટા એટલે કે એના પેટમાં આવા વિભાગો હોતા નથી. અને આવા પશુઓને મોઢામાં ઉપલા-નીચલા બન્ને ઝડબામાં દાંતની સગવડ પ્રકૃતિએ બક્ષેલી હોઇ, આવા જાનવરો પહેલેથી જ ખોરાકને ઝીણો ચાવીને પેટમાં ધકેલવા સક્ષમ હોય છે. પણ તમે માર્ક કરશો તો જણાશે કે ઘોડા-ગધેડાની લાદ ગાય-ભેંશના ગોબર જેટલી ચવાઇને બારીક-મુલાયમ બનેલી નહીં, પણ કુચા કુચા [કુંવળના ઝીણા ટુકડા જેવી] જેવી હોય છે. કારણ કે આમને ખાધેલ ખોરાક પાછો લાવી વાગોળવાની સગવડ પ્રકૃતિએ ધરી જ નથી. અને એ આપવાનું એટલા માટે નહીં વિચાર્યું હોય કે આ પશુઓ દોડવામાં હોનહાર હોવાથી કોઇ શિકારીના પંજામાં ઝટ દઈને પકડાઇ જવાની બીક આમને હોતી નથી !
[2]……કેટલાક પશુઓના પગની “ખરી” ફાટેલી કેમ હોય છે ?
જે પશુઓને સંજોગવશાત કાદવ-કીચડમાં ચાલવાનું થાય તો તે વિના વિઘ્ને ચાલી શકે એ અર્થે પ્રકૃતિએ આપેલી એ ખાસ સગવડ છે. દા.ત. આપણા ખેતર-વાડીઓમાં વાવણિયે જૂતેલા બળદિયા દ્વારા ભીની જમીનમાં બીજવાવણીનું કામ કરાવતા હોઇએ ત્યારે તે વધુ પડતા એટલા માટે જ ખુંચી નથી જતા કે તેમના પગની ખરીઓ ફાટેલી છે. એમાં બનતું હોય છે એવું કે જ્યારે કાદવ-કીચડમાં હાલવાનું થાય ત્યારે પગની ખરી પર શરીરનું વજન આવતાં ખરીનાં બે ફાડિયાં પહોળા પડે છે, બન્ને ફાડિયાંની વચ્ચે થોડી જગ્યા થાય છે અને તેની અંદર હવા પ્રવેશી જતાં-હવાના દબાણના લીધે પગ વધુ ઊંડો ખૂંચતા બચી જાય છે.
જ્યારે….. જ્યારે ઘોડા-ગધેડા વર્ગના પ્રાણીઓને પગને છેડે આવેલી ખરી “ફાટેલી” નહીં, પણ ગોળ “ડાબલા” ઘાટે આવેલી હોય છે. “ફાટેલી ખરી” ની સરખામણીએ “ડાબલા ઘાટ” ની ખરી સપાટ અને કઠ્ઠ્ણ જમીન પર પૂરપાટ દોડવામાં વધુ અનુકૂળ રહેશે એવી પ્રકૃતિને જાણ હોવાથી આવા દોડવીર પ્રાણીઓને ડાબલાખરીની જ ભેટ ધરેલી હોય તેવું લાગી રહ્યું છે.
[3]……ઊંટના અઢારેય અંગ વાંકા કેમ ?
બીજા કોઇ જાનવરને નહીં અને માત્ર ઊંટ વર્ગના જ બધા અંગો વિચિત્ર પ્રકારના કેમ બનાવ્યા હશે એવો સવાલ થવો સાવ જ સ્વાભાવિક છે. મિત્રો ! ચાલો આપણે એક પછી એક અંગ વિશે જાણીએ કે આવું કરવા પાછળનો પ્રકૃતિનો ઉદ્દેશ્ય શો હશે ?
પહેલી વાત તે એ કે ઊંટ એ રણ જેવા ગરમ પ્રદેશનું પ્રાણી છે. પ્રકૃતિએ એને આપેલ પીઠ પરની “ખુંધ” એ ચરબીનું સંગ્રહસ્થાન-ગોડાઉન છે. ઊંટને જ્યારે પુશ્કળ ખાવાનું મળે ત્યારે ખુંધમાં ચરબી જમા થાય છે અને ખુંધ પુષ્ટ થાય છે. રણ વિસ્તારમાં ખાવા ન મળે ઝાડ-પાન કે પાણી પીવા નદી-નાળાં ! મુસાફરી દરમ્યાન કેટલું અંતર કાપવું પડશે અને ક્યારે ખાવા-પીવા ભેળું થવાશે એ થોડું નક્કી હોય ? એવુંયે કેટલીય વાર બનતું હોય છે કે લાંબા પથ સુધી ક્યાંયે ખાઇ શકાય તેવા ઝાડ-પાન ન જ મળ્યાં હોય અને પીવા પાણીયે ન મળ્યું હોય ! અને મુસાફરી હજુ બાકી હોય અને વિના ખોરાક-પાણીએ જો શરીર ક્ષમતા ખોઇ બેસશે એવું લાગતાં જ ખુંધમાં સંગ્રહાએલ ચરબી અને પેટની દિવાલોમાં સંગ્રહાયેલું પાણી ફટ દેતાકને શક્તિનું રૂપ ધારણ કરી ભાંગ્યાનો ભેરુ બની રહેતાં હોય છે.
ઊંટને “નાક” એટલા માટે લાંબું આપ્યું છે કે રણવગડામાં તો ઘણીયે વાર રેતના ગોળા ઊડાડતી આંધી ક્યારે ચડી આવે એનું થોડું નક્કી હોય ? આવા સમયે એ ગરમાગરમ વંટોળમાં ઉડતાં રેતીના કણો શ્વાસોશ્વાસ ભેળા ફેફસાંમાં ન ભરાઈ જાય. અને નજર કરશું તો નજરે ચડી જ જશે કે આવા ઉડતા રેતના ગોળાથી આંખોના રક્ષણ અર્થે જ ઊંટની આંખો ઉપરની પાપણો પણ મોટી જ આપી છે પ્રકૃતિએ..
અરે, અન્ય જાનવરો કરતાં ઊંટની ડોક હોય ઘણી લાંબી ! ઊંટને મોટાભાગે તો પ્રવાસ એવા જ રણવગડે કરવાનો હોય કે જ્યાં ખોરાકમાં ખાઇ શકાય એવા જમીન પર નાના છોડવા-ઝાડવાનું નામ નિશાન જ ન હોય ! પણ ક્યાંયે જો ઊંચા ઝાડવાં મળી જાય તો તેને આંબી થોડી ભૂખ સંતોષી શકાય એ અર્થે જ ડોક લાંબી આપવાનો હેતુ પ્રકૃતિનો છે એવું લાગે છે. વળી ઊંટના પગ પણ હોય છે મોટા-પહોળા-લોંઠકા અને તળિયે ફાડ વાળા ! જેથી રણની રેતીમાં હાલવાનું થાય ત્યારે પગ પર શરીરનું વજન આવતાં પગની ફાડ પડે પહોળી, જેથી રેતમાં પગને ઊંડા ઉતરતાં બચાવી લઈ ઉતાવળે રન કાપવામાં મદદગાર બની શકે.એટલે તો ઊંટ “રેતીનું વહાણ” કહેવાયું છે !
[4]……સસલાના પાછલા પગ અને જિરાફના આગલા પગ લાંબા-આવું કેમ ?
જિરાફને ચારે પગ સરખી લંબાઇના આપવાને બદલે પ્રકૃતિએ આગલા પગ લાંબા તો એટલા માટે આપ્યા છે કે એ મૂળે તો છે આફ્રિકાનું વતની. ત્યાંના “સહરા” જેવા રણમાં હોય તેનું રહેણાંક ! અને ખાવા તો બધા જીવોની જેમ જિરાફને પણ જોઇએ જ ? રેતાળ જમીનમાં નાનેરા છોડ-ઝાડ તો જવલ્લે જ હોવાના ! હા, ક્યાંક ક્યાંક ઝાડવા મળી જાય તો હોય ખુબ ઉંચેરાં ! એ ઉંચાઇએ પહોંચવા ખાતર જ જિરાફના આગલા પગ પણ લાંબા અને એની ડોક પણ પ્રકૃતિએ આપી છે ખુબ લાંબી ! પગ અને ડોકની લંબાઇનો થાય સરવાળો એટલે બસ હવે ઉંચેરા ઝાડવે મોઢાને પહોંચતા વાર કેટલી ? જિરાફને ભુખ્યું નહીં રાખવાનો જ હેતુ એને આગલા પગ લાંબા આપવા બાબતનો પ્રકૃતિનો દેખાઈ રહ્યો છે.
જ્યારે……જ્યારે સસલાભાઇની સાથે પ્રકૃતિનો વ્યવહાર એનાથી સાવ જ ઊલટો દેખાઈ રહ્યો છે. સસલાના આગલા પગ ટુંકા અને પાછલા હોય છે લાંબા ! સસલું જીવ છે બહુ અસોળ-સુંવાળું અને બીકણ ! જો કે પ્રકૃતિએ એને પાછલા પગની સાથોસાથ કાન પણ મોટા અને લાંબા દીધા છે. કહે છે કે સસલાનું માંસ તો હોય છે બહુ મીઠું ! કેટલાક અઘોરી માણસોને પણ બહુ જ ભાવતું હોય છે. તો પછી શિકારી જાનવરો તો સસલાને ભાળ્યુંયે મૂકે ખરા ? પણ શિકારી કૂતરા, શિયાળ, વરૂ, ઝરખ જેવા દુશ્મનોનો અણસાર આવતાવેંત સસલું એના મોટા કાન કરે ઊંચા અને ઝીણામાં ઝીણો અવાજ-સંચલ કઈ બાજુથી આવે છે તે પકડી પાડે અને કઈ દિશાએ ભાગવું એ નક્કી કરી, ઝપાટાબંધ ભાગવામાં- લાંબી લાંબી ડંફાસો અને ઠેક લગાવવામાં અને ખાસ કરીને ટેકરી ચડવામાં પાછલા લાંબા પગ બહુ જ મદદગારી કરતા હોય છે. એટલે આવું કરીને પ્રકૃતિએ સસલા જેવા અસોળ અને બીકણ જીવોને શિકારીઓથી બચવાની સગવડ ધરી છે.
[5]……કૂતરાં-મિંદડાં-શિયાળવા જેવાના પગને તળિયે “ગાદી” કેમ હોય છે ?
માત્ર કૂતરાં-બિલાડાં કે શિયાળ-વરૂ જ માત્ર નહીં, પણ સિંહ-વાઘ-દીપડા-ચિત્તા જેવા જંગલી અને ખુંખાર શિકારી પ્રાણીઓના પગ નીચે પણ ગાદી જ હોય છે. અરે, એના પગના પંજાના નહોર પણ મોટા અને મજબૂત એટલા માટે પ્રકૃતિએ ધર્યા હોય કે આ બધાનો ખોરાક તો હોય છે કોઇ તૃણાહારી પશુને ફાડીખાવાનો ! જ્યારે આ પ્રાણી શિકારની શોધમાં હોય અને જ્યારે કોઇ શિકાર કરી શકાય એવો જીવ ભાળી જાય ત્યારે ચાલીને કે દોડીને તેની નજદીક પહોંચવામાં જો જરીકેય અવાજ-સંચલ થાય તો તો શિકાર ચેતી જાય અને ભાગી છૂટે ! શિકારની લગોલગ પહોંચી, તેને બરાબર મીટમાં લઈ, ઓચિંતાની તરાપ મારી, સાચ્ચે જ દબોચી લઈ શકાય જો જરીકેય અવાજ ન કરે તેવી તેના પગને તળિયે ગાદી હોય ! એવી ગાદી દરેક શિકારી પ્રાણીઓને પ્રકૃતિએ આપી જ છે. અરે, આવા પ્રાણીના દાંત પણ હોય છે સજાવેલી છરી જેવું કામ કરનારા ! બિલાડીના દાંત સામે નજર જરજો ! કેવા વળેલા અને તીણા હોય છે ? બચકું ભરે તો માંસનો લોચો બહાર ખેંચી કાઢ્યે પાર કરે !
પ્રકૃતિએ તો માત્ર માણસ જીવ જ નહીં પણ સમગ્ર જીવજગતને જીવતું રાખવું છે. એટલે તો સૌને ખોરાક મેળવવાનો, આવડેતો પોતાની જાતનું રક્ષણ કરવાનો અને એ રીતે જીવન જીવવાની સગવડ અને અધિકાર આપ્યાં છે. પ્રકૃતિને કોઇ વહાલું દવલું નથી- એને સૌ સરખા છે. પછી તો જે જેની શક્તિ અને પહોંચ !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
-
‘વિજ્ઞાન વિચાર’ : ત્રીજી આવૃત્તિનું નિવેદન
આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.આશા છે કે આજથી સો વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.સંપાદન મડળ – વેબ ગુર્જરી
પોપટલાલ ગોવિંદલાલ શાહ

આ પુસ્તક પ્રથમ ૧૯૨૬ માં પ્રેસિદ્ધ યયેલું. ત્યાર પછી તેની બીજી આવૃત્તિ ૧૯૩૮ માં ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ મને પૂછ્યા વિના છાપી નાખેલી તેથી પુસ્તક સુધારવાની મારી આશાઓ મનમાં ને મનમાં જ રહી ગયેલી.
આજે એકવીસ વર્ષે આ પુસ્તકની નવી આવૃત્તિ કરવાનો પ્રસંગ આવે છે તેતો લાભ લપ્તને તેમાં ઘણા મહત્વના ફેરરારો કરીને, અને ઘણી નવી વૈજ્ઞાનિક માહિતી આપીને તેને અધતન કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમ કરતાં પુસ્તક ધણુ મોટું થઇ જવાનો ભય હતો તેથી કેટલાંએક પ્રકરણો આ સમયમાં જૂના લાગવાથી છોડી દીધા છે અને કૉલેજના વિદ્યાર્થીઓને રસ પડૅ તેવી માહિતી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વળી તત્ત્વજ્ઞાન અને ધર્મના પ્રશ્ચોને નવી દૃષ્ટિથી છણવાને માટે તે વિષયનાં પ્રકરણો છોડી દેવામાં આવ્યાં છે. તેમતે નવા રૂપમાં, નવી માહિતી, નવા વિચારો અને નવા વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી તપાસીને અર્વાચીન અતે પ્રાચીન વિજ્ઞાનનો સમન્વય કરવાની ઇચ્છાથી ‘વિજ્ઞાનવિવેક’ નામના નવા પુસ્તકમાં સામેલ કરવાર્મા આવશે. આમ કરવામાં મુખ્ય દષ્ટિ આ પુસ્તકને જેમ બને તેમ વધારે સરળ, લોકભોગ્ય તેમ જ અઘતન બનાવવાની છે.
વિજ્ઞાનની પરિભાષા હજી પણ વ્યવસ્થિત કે અંતિમ રવરૂપ પામી નથી. આ લેખકે વિજ્ઞાન સમિતિના રિપોર્ટ (૧૯૨૧) અને સાહિત્ય પરિષદના વિજ્ઞાનવિભાગના પ્રમુખ તરીકે ૧૯૩૭ માં, શ્રી ફાર્બસ ગુજરાતી સભા તરફી પ્રસિદ્ધ કરેલાં “વૈજ્ઞાનિક શબ્દસમૂહ”માં તેમ જ આ પુસ્તકમાં આ દિશામાં પ્રયત્ન કર્યા છે. બીજાયે ઘણા પ્રયત્નો થયા છે, તે સધળાને સ્થાયી રૂપ આપવાનું કામ ગુજરાત યુનિવર્સિટી જેવી સર્વમાન્ય સ’સથાના હાથે જ થઇ શકે. પરંતુ ઘણા વિચિત્ર શબ્દમાં સુધારણા કરવાની જરૂર છે. મોલેક્યુલ માટે અણુ શબ્દ અને એટમ માટે પરમાણુ શબ્દ યોગ્ય હોવાં હતાં દૈનિક છાપાંઓમાં અણુબોંબ જેવો તરજૂમિયો શબ્દ પ્રચલ્લિત યઇ ગયો છે. જાતિ શબ્દ માનવકુલસમૂહોને માટે જ યોગ્ય હોવા છતાં પણ “જાતીય” શબ્દ ખોટા અર્થમાં વાપરવામાં આવે છે. આ અવ્યવસ્થા દૂર કરવાનું મહત્ત્વનું કામ ત્વરાથી ઉપાડી લેવું જોઇએ. વળી શબ્દોને લોકભોગ્ય બતાવવાને માટે ઓકસાઇને બદલે સાદાઇ ઉપર અમુક અંશ સુધી ભાર મૂકવાની પ્રથા પડવી જોઇએ. વિદ્યુતને બદલે વીજ શબ્દ, ‘વિદ્યુદણુ’ બદલે ‘વિજાણુ’ શબ્દ મેં આ જ દૃષ્ટિએ વાપર્યા છે. વૈજ્ઞાનિક, ત્રૈમાસિક જેવા શબ્દને બદલે વિજ્ઞાની, ત્રિમાસી, એવા શબ્દ પણ અર્થસૂચક શબ્દોનો ઉપયોગ શિષ્ટ સાહિત્યમાં અપનાવવો ઘટે છે. આ પુસ્તકમાં સાહિત્યેતર વિષયના વાચકોને પણ સમજ અને રસ પડે તેવી સાદાઇ અને સરળતા સાચવતાં શિષ્ટ સાહિત્ય અને શૈલીના નિયમોનો અજાણ અનાદર થયો હોય તો દરગુજર કરવામાં આવશે એવી આશા છે.
ગુજરાતી વાઙમયમાં વૈજ્ઞાનિક સાહિત્યની ઊણપ બધા જ દેશહિતાચિંતકોને ખૂંચે એ સ્વાભાવિક છે. પરંતુ મરાઠી સાહિત્ય અને મરાઠી વાચકોની સંખ્યાના પ્રમાણમાં ગુજરાતી સાહિત્યમાં વૈજ્ઞાનિક પુસ્તકોની સંખ્યા નાની ન ગણાય, ગુજરાતમાં નવા યુગમાં વિજ્ઞાનને વધતું સ્થાન મળે છે તે વાત ખરી છે, પરંતુ વિજ્ઞાનના વિષયો લેનાર વિઘાર્થીને સાહિત્ય, ભાષા, સમાજશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર વાંચવાના કે સમજવાના પસંગો મળતા નથી તેથી વૈજ્ઞાનિક શિક્ષણ એકતરફી થઈ જવાનો સંભવ વધતો જાય છે. વૈજ્ઞાનિકોએ કેવળ પોતપોતાના વિષયો કે ઉપવિષયોમાં દટાઈ જવું જોઈએ નહિ; તેમણે તો વિશ્વને સંકલિત અતે સમન્વિત રૂપમાં જોવું જોઇએ-એ વિચાર ઉપર ભાર મુકવાની ઇચ્છાથી આ પુસ્તકને નવું રૂપ આપ્યું છે. ગુજરાતના નવવિધાનમાં વિજ્ઞાન અતે વૈજ્ઞાનિકોને યોગ્ય સ્થાન મળે, અતે વૈજ્ઞાનિકો કેવળ પોતાતા દૃષ્ટિબિંદુ ઉપરાંત સકળ સૃષ્ટિને સમન્વિત રૂપમાં જોઇ શકે, અને વ્યક્તિ તેમ જ સમષ્ટિના કલ્યાણના માર્ગો સાધી શકે, તેને માટે પોગ્ય માર્ગદર્શન મળે અને પોતાની સાથે સામાન્ય પ્રજાને પણ વિજ્ઞાનપ્રેમી અને વિજ્ઞાન ગુણાનુરાગી બનાવે એવી આશાથી નવી આવૃત્તિ ઝુજરાતી વાચક સમાજને ચરણે ધરતાં લેખકને આનંદ યાય છે.
પ્રકાશનનું કાર્ય ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી પાસેથી તેમની સંમતિથી લઈને ગુજરાત સંશોધન મંડળને સોંપવામાં આવ્યું છે. તે ફેરફારની રજા આપવા માટે એ સંસ્થાને ધન્યવાદ ઘટે છે.
લલિત કુંંજ : ખાર પોપટલાલ ગોાવિંદલાલ શાહ
મુંબઈ-ર૧ : તા. ૧૩-૫-૪૭ -
ચિત્તાનો શિકાર કોણે કર્યો? વાહવાહીની ભૂખે!
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
સજીવ સૃષ્ટિનું સંતુલન જળવાયેલું રહે એ માટે પોષણકડીની વ્યવસ્થા કુદરતી રીતે ગોઠવાયેલી છે. એ મુજબ તમામ સજીવ એક યા બીજી રીતે પરસ્પર સંકળાયેલાં અને આધારિત છે. આ કુદરતી વ્યવસ્થાને માનવે અસ્તવ્યસ્ત કરી દીધી છે. સજીવો જે પર્યાવરણ પર નિર્ભર છે એ પર્યાવરણના સંતુલનને પણ માનવે બગાડી નાખ્યું છે. આ અસંતુલન અટકવાને બદલે દિન બ દિન વકરતું રહ્યું છે. તેની વિપરીત અસરોની જાણકારી તો ઠીક, તેનાં પરિણામ પણ નજર સામે જોવા મળી રહ્યાં છે, છતાં તેની આ વૃત્તિ અટકવાનું નામ લેતી નથી.
આ વૃત્તિનો તાજો જ દાખલો એટલે વર્ષ ૨૦૨૨માં ભારતમાં આયાત કરાયેલા વીસ ચિત્તાઓ. સપ્ટેમ્બર, ૨૦૨૨માં નામીબીઆથી આયાત કરાયેલા આઠ ચિત્તાઓના આગમનને આવતા મહિને એક વર્ષ પૂરું થશે. એ પછી દક્ષિણ આફ્રિકાથી બીજા બાર ચિત્તાઓને આયાત કરાયા હતા. આ ચિત્તાઓને મધ્ય પ્રદેશના કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાખવામાં આવ્યા છે. પુનર્વસન કરાયેલા પૈકીના છ ચિત્તા તેમજ ભારતમાં જન્મેલાં ચારમાંના ત્રણ બચ્ચાંનું થોડા સમયના અંતરાલે મૃત્યુ થયું છે. તેને કારણે આ પ્રકલ્પ ફરી એક વાર સમાચારોમાં ચમક્યો છે.
આ પ્રકલ્પનો હેતુ શો છે? હાલના સંજોગોમાં આ ચિત્તાઓને સિંહ, દીપડા વગેરે જેવાં શિકારી પ્રાણીઓ તરફથી કોઈ સ્પર્ધા નથી. આ કારણે તે અનુકૂલન સાધી શકે તો ભારતમાં સફળતાપૂર્વક તે વિકસી શકે એવી ધારણા કરવામાં આવી છે. ‘પ્રોજેક્ટ ચિત્તા’ ચિત્તાઓના પુનર્વસનનો અતિશય મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ છે. આગામી એકાદ દાયકામાં પ્રતિ વર્ષ પાંચથી દસ ચિત્તાને લાવવાનું આયોજન છે. આ સંખ્યા પાંત્રીસેકની થાય અને તેમની વસતિ સ્વનિર્ભર બની રહે એ મુખ્ય હેતુ છે. દક્ષિણ આફ્રિકા અને નામીબીઆમાં ચિત્તા વાડ ધરાવતા આરક્ષિત વિસ્તારમાં વસવાટ કરે છે, પણ ભારતમાં તેમને પ્રાકૃતિક, મુક્ત અને વનના પર્યાવરણમાં વિકસવા દેવાની યોજના છે. આ અનુસાર, પુનર્વસન કરાયેલા ચિત્તાઓ પૈકીના અગિયાર નૈસર્ગિક પર્યાવરણમાં છે, જ્યારે ચાર ચિત્તાને એક ચોરસ કિ.મી.નો વિસ્તાર ધરાવતી, વિશેષ રીતે તૈયાર કરાયેલી ‘બોમા’ તરીકે ઓળખાતી આડશમાં રખાયા છે, જેથી તેઓ ભારતીય હવામાન સાથે અનુકૂલન સાધી શકે.
આ સમગ્ર અખતરા અને પ્રકલ્પની સફળતા અંગે પહેલેથી જ શંકા સેવાઈ રહી હતી, તો અમુક નિષ્ણાતોના મતે આ પ્રકલ્પમાં કેટલીક પાયાની ત્રુટિઓ રહેલી છે. એક તો તમામ વીસ ચિત્તાઓને એક જ સ્થળે, કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાખવા એ મોટી ભૂલ છે, કેમ કે, તેનો વિસ્તાર પ્રમાણમાં ઓછો હોવાથી તેમને મળનારા ખોરાકનું પ્રમાણ પણ ઓછું હોવાનું. અતિશય ઝડપી ગતિએ દોડનારા આ પ્રાણીને વિચરવા માટે વિસ્તાર મોટો જોઈએ. વધુમાં, આટલી ઓછી જગ્યામાં ચિત્તા રહે તો તેમની અનુકૂલન સાધવાની ક્ષમતા પર વિપરીત અસર થાય છે, કેમ કે, વાઘ અને દીપડાની સરખામણીએ ચિત્તા નાજુક પ્રાણી ગણાય છે અને વનમાં તેને મરણતોલ ઈજા થવાની સંભાવના વધુ રહે છે. અલબત્ત, સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર કૂનો આરક્ષિત વિસ્તારમાં પૂરતી મોકળાશ અને ખોરાક સુલભ છે. સાથેસાથે મધ્ય પ્રદેશના ગાંધીસાગરમાં બીજું અભયારણ્ય વિકસાવવાનું તેમજ ચિત્તા પુનર્વસન કેન્દ્ર ઊભું કરવાનું આયોજન છે.
સૂર્યા નામનો એક ચિત્તો મૃત અવસ્થામાં મળી આવ્યો ત્યારે તેના ગળાની આસપાસ એક જખમ જોવા મળ્યો. જખમમાં જીવાતો પડેલી હતી. ચિત્તાના ગળાની આસપાસ લગાડેલા કોલરમાં પણ જીવાત જણાઈ. કોલર ચડાવવાથી ચિત્તાને અગવડ જણાઈ હોય અને એથી તે બિમાર પડ્યો હોય એવી એક શક્યતા છે. પોલિસ્ટાયરીનના બનેલા આ કોલરમાં ચિત્તાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે એક ચીપ બેસાડવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના ચિત્તા ભારતીય ચોમાસાની મોસમના ભેજથી ટેવાયેલા નથી. કોલરને કારણે કદાચ તે ઘાનો ભાગ પોતાની જીભ વડે ચાટીને સાફ ન કરી શક્યો હોય અને બિમારી વકરવાથી મૃત્યુ પામ્યો હોય એવી પણ સંભાવના છે. સામાન્ય સંજોગોમાં ભારતીય વન્ય પશુઓને જે જીવાત નડતી નથી, તેનો સામનો આ આફ્રિકન પ્રાણી ન કરી શક્યું હોય એમ પણ માનવામાં આવે છે. આવી અનેક શક્યતાઓ પૈકી હકીકત શી છે એનો ખ્યાલ આવે એટલા માટે પર્યાવરણ મંત્રાલય દ્વારા સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિએ તમામ જીવિત ચિત્તાઓની તબીબી તપાસની ભલામણ કરી છે, જેમાં તેમના ગળા ફરતેના કોલરને કાઢીને માંસપેશીનો નમૂનો લેવામાં આવશે અને જીવાતોની પણ ચકાસણી કરવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચિત્તાઓમાં બાળમરણનો દર અન્ય જંગલી પશુઓની સરખામણીએ ઊંચો હોય છે. એ બાબત પણ નોંધનીય છે કે સૂર્યા સિવાયના મૃત્યુ પામેલા તમામ ચિત્તાઓ બોમામાં રાખવામાં આવ્યા હતા.
ચિત્તાના પુન:સ્થાપનનો આ પ્રકલ્પ આરંભથી જ વિવાદગ્રસ્ત બની રહ્યો હતો. અનેક નિષ્ણાતોનું માનવું હતું કે મધ્ય પ્રદેશના કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા માટે પૂરતી જગ્યા નથી, કેમ કે, ચિત્તા બહુ વિશાળ વિસ્તારમાં હરેફરે છે. આ નિષ્ણાતોએ માનવ-પશુના ટકરાવમાં વધારો થવાની સંભાવના અંગે પણ ચેતવણી આપી હતી, કેમ કે, વિસ્તાર નાનો હોવાથી ચિત્તો પોતાના ખોરાક માટે ગામમાં પ્રવેશે એ શક્યતા પૂરેપૂરી હતી. આ પ્રકલ્પને આરંભથી જ પર્યાવરણવિદો અને નિષ્ણાતો ‘વેનિટી પ્રોજેક્ટ’ ગણાવતા હતા. ‘વેનિટી પ્રોજેક્ટ’ એટલે કોઈ ગંભીર કારણ કે પરિબળને લક્ષ્યમાં રાખીને નહીં, કેવળ પ્રશંસા અને વાહવાહી ઉઘરાવવા માટે હાથ ધરાયેલો પ્રોજેક્ટ. વાસ્તવમાં વન્ય પશુઓ સંકળાયેલાં હોય એવા કોઈ પણ પ્રકલ્પમાં ગૌરવ કે ગર્વ, વાહવાહી, રાષ્ટ્રપ્રેમ, રાજકીય મુદ્દો કે અન્ય કશી લાગણીને બદલે માત્ર ને માત્ર જે તે પ્રાણીની સુરક્ષા તેમજ સલામતિને ધ્યાનમાં રાખવી જોઈએ. છતાં આવું ભાગ્યે જ થાય છે. દેશના નાગરિકોનો મોટો વર્ગ ઠાલા ગૌરવ અને મિથ્યાભિમાનમાં રાચી રહ્યો હોય ત્યારે તેમના દ્વારા ચૂંટાયેલી સરકાર એમાંથી શી રીતે બાકાત રહી શકે?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૦ – ૦૮ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
