-
ચિત્તાનો શિકાર કોણે કર્યો? વાહવાહીની ભૂખે!
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
સજીવ સૃષ્ટિનું સંતુલન જળવાયેલું રહે એ માટે પોષણકડીની વ્યવસ્થા કુદરતી રીતે ગોઠવાયેલી છે. એ મુજબ તમામ સજીવ એક યા બીજી રીતે પરસ્પર સંકળાયેલાં અને આધારિત છે. આ કુદરતી વ્યવસ્થાને માનવે અસ્તવ્યસ્ત કરી દીધી છે. સજીવો જે પર્યાવરણ પર નિર્ભર છે એ પર્યાવરણના સંતુલનને પણ માનવે બગાડી નાખ્યું છે. આ અસંતુલન અટકવાને બદલે દિન બ દિન વકરતું રહ્યું છે. તેની વિપરીત અસરોની જાણકારી તો ઠીક, તેનાં પરિણામ પણ નજર સામે જોવા મળી રહ્યાં છે, છતાં તેની આ વૃત્તિ અટકવાનું નામ લેતી નથી.
આ વૃત્તિનો તાજો જ દાખલો એટલે વર્ષ ૨૦૨૨માં ભારતમાં આયાત કરાયેલા વીસ ચિત્તાઓ. સપ્ટેમ્બર, ૨૦૨૨માં નામીબીઆથી આયાત કરાયેલા આઠ ચિત્તાઓના આગમનને આવતા મહિને એક વર્ષ પૂરું થશે. એ પછી દક્ષિણ આફ્રિકાથી બીજા બાર ચિત્તાઓને આયાત કરાયા હતા. આ ચિત્તાઓને મધ્ય પ્રદેશના કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાખવામાં આવ્યા છે. પુનર્વસન કરાયેલા પૈકીના છ ચિત્તા તેમજ ભારતમાં જન્મેલાં ચારમાંના ત્રણ બચ્ચાંનું થોડા સમયના અંતરાલે મૃત્યુ થયું છે. તેને કારણે આ પ્રકલ્પ ફરી એક વાર સમાચારોમાં ચમક્યો છે.
આ પ્રકલ્પનો હેતુ શો છે? હાલના સંજોગોમાં આ ચિત્તાઓને સિંહ, દીપડા વગેરે જેવાં શિકારી પ્રાણીઓ તરફથી કોઈ સ્પર્ધા નથી. આ કારણે તે અનુકૂલન સાધી શકે તો ભારતમાં સફળતાપૂર્વક તે વિકસી શકે એવી ધારણા કરવામાં આવી છે. ‘પ્રોજેક્ટ ચિત્તા’ ચિત્તાઓના પુનર્વસનનો અતિશય મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ છે. આગામી એકાદ દાયકામાં પ્રતિ વર્ષ પાંચથી દસ ચિત્તાને લાવવાનું આયોજન છે. આ સંખ્યા પાંત્રીસેકની થાય અને તેમની વસતિ સ્વનિર્ભર બની રહે એ મુખ્ય હેતુ છે. દક્ષિણ આફ્રિકા અને નામીબીઆમાં ચિત્તા વાડ ધરાવતા આરક્ષિત વિસ્તારમાં વસવાટ કરે છે, પણ ભારતમાં તેમને પ્રાકૃતિક, મુક્ત અને વનના પર્યાવરણમાં વિકસવા દેવાની યોજના છે. આ અનુસાર, પુનર્વસન કરાયેલા ચિત્તાઓ પૈકીના અગિયાર નૈસર્ગિક પર્યાવરણમાં છે, જ્યારે ચાર ચિત્તાને એક ચોરસ કિ.મી.નો વિસ્તાર ધરાવતી, વિશેષ રીતે તૈયાર કરાયેલી ‘બોમા’ તરીકે ઓળખાતી આડશમાં રખાયા છે, જેથી તેઓ ભારતીય હવામાન સાથે અનુકૂલન સાધી શકે.
આ સમગ્ર અખતરા અને પ્રકલ્પની સફળતા અંગે પહેલેથી જ શંકા સેવાઈ રહી હતી, તો અમુક નિષ્ણાતોના મતે આ પ્રકલ્પમાં કેટલીક પાયાની ત્રુટિઓ રહેલી છે. એક તો તમામ વીસ ચિત્તાઓને એક જ સ્થળે, કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાખવા એ મોટી ભૂલ છે, કેમ કે, તેનો વિસ્તાર પ્રમાણમાં ઓછો હોવાથી તેમને મળનારા ખોરાકનું પ્રમાણ પણ ઓછું હોવાનું. અતિશય ઝડપી ગતિએ દોડનારા આ પ્રાણીને વિચરવા માટે વિસ્તાર મોટો જોઈએ. વધુમાં, આટલી ઓછી જગ્યામાં ચિત્તા રહે તો તેમની અનુકૂલન સાધવાની ક્ષમતા પર વિપરીત અસર થાય છે, કેમ કે, વાઘ અને દીપડાની સરખામણીએ ચિત્તા નાજુક પ્રાણી ગણાય છે અને વનમાં તેને મરણતોલ ઈજા થવાની સંભાવના વધુ રહે છે. અલબત્ત, સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર કૂનો આરક્ષિત વિસ્તારમાં પૂરતી મોકળાશ અને ખોરાક સુલભ છે. સાથેસાથે મધ્ય પ્રદેશના ગાંધીસાગરમાં બીજું અભયારણ્ય વિકસાવવાનું તેમજ ચિત્તા પુનર્વસન કેન્દ્ર ઊભું કરવાનું આયોજન છે.
સૂર્યા નામનો એક ચિત્તો મૃત અવસ્થામાં મળી આવ્યો ત્યારે તેના ગળાની આસપાસ એક જખમ જોવા મળ્યો. જખમમાં જીવાતો પડેલી હતી. ચિત્તાના ગળાની આસપાસ લગાડેલા કોલરમાં પણ જીવાત જણાઈ. કોલર ચડાવવાથી ચિત્તાને અગવડ જણાઈ હોય અને એથી તે બિમાર પડ્યો હોય એવી એક શક્યતા છે. પોલિસ્ટાયરીનના બનેલા આ કોલરમાં ચિત્તાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે એક ચીપ બેસાડવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના ચિત્તા ભારતીય ચોમાસાની મોસમના ભેજથી ટેવાયેલા નથી. કોલરને કારણે કદાચ તે ઘાનો ભાગ પોતાની જીભ વડે ચાટીને સાફ ન કરી શક્યો હોય અને બિમારી વકરવાથી મૃત્યુ પામ્યો હોય એવી પણ સંભાવના છે. સામાન્ય સંજોગોમાં ભારતીય વન્ય પશુઓને જે જીવાત નડતી નથી, તેનો સામનો આ આફ્રિકન પ્રાણી ન કરી શક્યું હોય એમ પણ માનવામાં આવે છે. આવી અનેક શક્યતાઓ પૈકી હકીકત શી છે એનો ખ્યાલ આવે એટલા માટે પર્યાવરણ મંત્રાલય દ્વારા સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિએ તમામ જીવિત ચિત્તાઓની તબીબી તપાસની ભલામણ કરી છે, જેમાં તેમના ગળા ફરતેના કોલરને કાઢીને માંસપેશીનો નમૂનો લેવામાં આવશે અને જીવાતોની પણ ચકાસણી કરવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચિત્તાઓમાં બાળમરણનો દર અન્ય જંગલી પશુઓની સરખામણીએ ઊંચો હોય છે. એ બાબત પણ નોંધનીય છે કે સૂર્યા સિવાયના મૃત્યુ પામેલા તમામ ચિત્તાઓ બોમામાં રાખવામાં આવ્યા હતા.
ચિત્તાના પુન:સ્થાપનનો આ પ્રકલ્પ આરંભથી જ વિવાદગ્રસ્ત બની રહ્યો હતો. અનેક નિષ્ણાતોનું માનવું હતું કે મધ્ય પ્રદેશના કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા માટે પૂરતી જગ્યા નથી, કેમ કે, ચિત્તા બહુ વિશાળ વિસ્તારમાં હરેફરે છે. આ નિષ્ણાતોએ માનવ-પશુના ટકરાવમાં વધારો થવાની સંભાવના અંગે પણ ચેતવણી આપી હતી, કેમ કે, વિસ્તાર નાનો હોવાથી ચિત્તો પોતાના ખોરાક માટે ગામમાં પ્રવેશે એ શક્યતા પૂરેપૂરી હતી. આ પ્રકલ્પને આરંભથી જ પર્યાવરણવિદો અને નિષ્ણાતો ‘વેનિટી પ્રોજેક્ટ’ ગણાવતા હતા. ‘વેનિટી પ્રોજેક્ટ’ એટલે કોઈ ગંભીર કારણ કે પરિબળને લક્ષ્યમાં રાખીને નહીં, કેવળ પ્રશંસા અને વાહવાહી ઉઘરાવવા માટે હાથ ધરાયેલો પ્રોજેક્ટ. વાસ્તવમાં વન્ય પશુઓ સંકળાયેલાં હોય એવા કોઈ પણ પ્રકલ્પમાં ગૌરવ કે ગર્વ, વાહવાહી, રાષ્ટ્રપ્રેમ, રાજકીય મુદ્દો કે અન્ય કશી લાગણીને બદલે માત્ર ને માત્ર જે તે પ્રાણીની સુરક્ષા તેમજ સલામતિને ધ્યાનમાં રાખવી જોઈએ. છતાં આવું ભાગ્યે જ થાય છે. દેશના નાગરિકોનો મોટો વર્ગ ઠાલા ગૌરવ અને મિથ્યાભિમાનમાં રાચી રહ્યો હોય ત્યારે તેમના દ્વારા ચૂંટાયેલી સરકાર એમાંથી શી રીતે બાકાત રહી શકે?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૦ – ૦૮ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સિનિયર ટુરિઝમ: નવી ક્ષિતિજનો ઉઘાડ
મંજૂષા
વીનેશ અંતાણી
અત્યારના ઘણા વડીલો ઘરમાં ગોંધાઈ રહેવાને બદલે પ્રવાસ કરવાનું પસંદ કરે છે. બાકી બચેલું જીવન આનંદથી જીવી લેવાનો ખ્યાલ વિસ્તરવા લાગ્યો છે.

સાંદર્ભિક તસવીર – નેટ પરથી એક મહિલાના પતિનું પ્રમાણમાં નાની વયે અવસાન થયું. તે પછી એણે નોકરી કરી, દીકરાને સારી રીતે ભણાવ્યો. દીકરો પરણીને વિદેશમાં કામ કરવા ગયો. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી એ બહેન નવરી પડી ગઈ. ઘરમાં એના સિવાય કોઈ રહ્યું નહોતું. એ સિનિયર સિટિઝન્સના ગ્રુપમાં જોડાઈ. એ લોકો અઠવાડિયામાં એક વાર મળે, સામાજિક સેવાનાં કામ કરે. ગ્રુપની વિવિધ પ્રવૃત્તિઓને લીધે એનો સમય સારી રીતે પસાર થવા લાગ્યો. એક વાર ગ્રુપના સભ્યોને દક્ષિણ ભારતનો પ્રવાસ કરવાનો વિચાર આવ્યો. તેઓ ખાસ સિનિયર સિટિઝન્સ માટેની કન્ડક્ટેટ ટૂરમાં જોડાયાં. બહુ મજા કરી. ત્યાર પછી એમને જાણે પ્રવાસ કરવાનો ચસકો લાગ્યો. છેલ્લે એમનું ગ્રુપ સિંગાપોર – મલેશિયાની ટૂર કરી આવ્યું.
થોડાં વર્ષ પહેલાં અમે ટ્રેનમાં હૈદરાબાદથી બેંગલોર જતાં હતાં. અમારા કમ્પાર્ટમેન્ટમાં પંચોતેર – સિત્તેર વર્ષનું એક દંપતિ હતું. બંને ખુશમિજાજ હતાં. તેઓ મૈસૂરના દશેરાની ઉજવણી જોવા જતાં હતાં. ત્યાંથી કૂર્ગ જવાનાં હતાં. બધી જગ્યાએ હોટલ વગેરેનાં બુકિન્ગ કરાવી લીધાં હતાં. બે દીકરા યુ.એસ. અને ઓસ્ટ્રેલિયામાં કામ કરતા હતા. દીકરી પરણીને દિલ્હીમાં રહેતી હતી. ખૂબ વ્યસ્ત જીવન ગાળ્યા પછી બંને ઘરમાં એકલાં થઈ ગયાં ત્યારે એમણે પ્રવાસમાં નીકળી પડવાનું વિચાર્યું. જાતે જ પ્રવાસનું આયોજન કરે, દર વર્ષે નવાં સ્થળમાં જાય, હરે-ફરે, મજા કરીને ઘેર પાછાં આવી જાય. થોડા સમય પછી નવા પ્રવાસનું આયોજન શરૂ કરે. એમણે કહ્યું કે એવા પ્રવાસોથી બુઢાપાનો સમય બોજારૂપ લાગતો નથી. બંનેની જિંદગી નોકરી અને સંતાનોને મોટાં કરવામાં જ પસાર થઈ હતી. એમને પોતાની રીતે જીવવાનો સમય મળ્યો નહોતો. હવે સમય જ સમય છે, આરામદાયક પ્રવાસ કરવા માટે પૂરતા પૈસા છે, પ્રવાસનું આયોજમ ઓન લાઈન કરી શકાય છે. એ લોકો એનો લાભ લેવા માગે છે.
થોડા સમય પહેલાં કેરળમાં ભયાનક પૂર આવ્યું ત્યારે અમે કોચીનની નજીક દરિયાકાંઠાના રિસોર્ટમાં હતાં. મુંબઈથી એક ગુજરાતી વૃદ્ધ યુગલ પણ ત્યાં આવ્યું હતું. એ લોકો વીસ દિવસથી પ્રવાસ કરતાં હતાં. હવે મુનાર જવાનું બાકી હતું. એવા જ સમયમાં કેરળમાં પૂરના સમાચાર આવ્યા. એમનો આગળનો પ્રવાસ ખોરંભાઈ ગયો. કોચીનનું એરપોર્ટ અચોક્કસ મુદ્દત માટે બંધ થવાથી મુંબઈ પાછા જવાની ફ્લાઇટ કેન્સલ થઈ. આવી અનિશ્ર્ચિતતામાં પણ એમને ઉચાટ થયો નહોતો. એમણે કહ્યું હતું: ‘પાછલી ઉંમરે પ્રવાસમાં નીકળવાનો મોટો ફાયદો એ છે કે તમને ઘેર પાછા જવાની ઉતાવળ હોતી નથી.’
ઓસ્ટ્રેલિયાનો કૅથ રાઈટ પંચાણુ વર્ષનો થયો ત્યાં સુધી પીઠ પર થેલો બાંધી જુદા જુદા દેશોનો પ્રવાસ કરતો રહ્યો હતો. એની પંચાસી વર્ષની ઉંમરે પત્નીનું અવસાન થયું. સંતાનો એમના જીવનમાં વ્યસ્ત થઈ ગયાં હતાં. એણે એના જીવનમાં અચાનક આવી પડેલી એકલતાથી બચવા માટે પ્રવાસ કરવાનું શરૂ કર્યું. એ સતાણુ વર્ષની ઉંમરે અવસાન પામ્યો ત્યાં સુધીમાં એણે ત્રેવીસ દેશોનાં એકસો નવ શહેરોનો પ્રવાસ પૂરો કર્યો હતો. ક્યારેક એકલો નીકળી પડે, ક્યારેક કન્ડક્ટેડ ટૂરમાં જોડાય. એણે કહ્યું હતું: ‘જિંદગી આવી રીતે પણ જીવી શકાય એની મને જાણ નહોતી.’ શેરીલ નામની એક મહિલા પાંસઠમા વર્ષે જીવનમાં એકલી પડી. તે સમયે એના હાથમાં પેટ્રિસિઆ શ્ર્વુલ્ટ્ઝનું ‘વન થાઉસન્ડ પ્લેસિસ ટુ સી બિફોર યુ ડાય’ પુસ્તક આવ્યું. એમાંથી પ્રેરણા લઈ એણે પ્રવાસ કરવાનું શરૂ કર્યું.
સિનિયર ટૂરિઝમનો ખ્યાલ દુનિયાભરમાં ઝડપથી વિકસ્યો છે. મેડિકલ સાયન્સની નવીન શોધોથી લોકોની આવરદા વધી છે. લોકોમાં પૈસા સંઘરી રાખવાને બદલે ખર્ચ કરીને જિંદગીની મજા માણી લેવાની સમજ વિકસી છે. સંતાનોથી અલગ પડીને વૃદ્ધાવસ્થાને ઘસડીને જીવી લેવાની જરૂર નથી. જિંદગીની ગુણવત્તાના ખ્યાલો બદલાયા છે. એવાં અનેક કારણોસર અત્યારના ઘણા વડીલો ઘરમાં ગોંધાઈ રહેવાને બદલે પ્રવાસ કરવાનું પસંદ કરે છે. બાકી બચેલું જીવન આનંદથી જીવી લેવાનો ખ્યાલ વિસ્તરવા લાગ્યો છે.
ભારતમાં પણ નિવૃત્ત લોકો સાથે મળીને કે એકલા પ્રવાસમાં નીકળી પડે છે. કેટલાક લોકો પ્રવાસનું આયોજન જાતે કરે છે, પરંતુ મોટા ભાગના ગાઇડેડ ટૂરમાં જોડાવાનું પસંદ કરે છે. બધા સાથે હોય તો એકબીજાનું ધ્યાન રાખી શકાય. આ ઉંમરમાં તબિયતની ચિંતા વધારે રહે. એમની ખાવાપીવાની વ્યવસ્થા પણ સામાન્ય ટૂરથી અલગ રીતે કરવી પડે. સાઇટ-સીઇન્ગનાં સ્થળોની પસંદગીમાં પણ પ્રવાસીઓની ઉંમર, શારીરિક ક્ષમતાનો ખ્યાલ રાખવો પડે. સિનિયર લોકો શાંત અને સુંદર સ્થળમાં બેસીને રિલેક્ષ થવાનું વધારે પસંદ કરે. ટૂર એજન્સીસ આ બધી વાતોનો ખ્યાલ રાખીને પેકેજ બનાવે છે.
વૃદ્ધાવસ્થા જીવનનો અંત નથી. દોડધામ અને જવાબદારીઓમાંથી મુક્ત થયા પછીનો સમય નવી શક્યતાનો સમય હોઈ શકે. ઝુમ્પા લાહિરીની એક વાર્તા છે- ‘અનએકસ્ટમ્ડ અર્થ.’ વાર્તાનાયિકાના નિવૃત્ત પિતાએ પત્નીના અવસાન પછી કન્ડેક્ટેડ ટૂર્સમાં યુરોપનો પ્રવાસ કરવાનું શરૂ કર્યું. એક પ્રવાસમાં એનો પરિચય સમાન ઉંમરની એકાકી મહિલા સાથે થયો. હવે બંને જણ બધા પ્રવાસ સાથે જ કરે છે. એમને ઘડપણની એકલતામાં નવા જ પ્રકારના ઉષ્માસભર સંબંધની હૂંફ મળવા લાગી છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
પ્રાચીન વિમાનોની જાણકારી – ભાગ ૨
રામાયણ – સંશોધકની નજરે

પૂર્વી મોદી મલકાણ
અગાઉનાં અંકમાં આપણે રામાયણકાલીન પુષ્પક વિમાનની વાત કરી હવે આ અંકમાં આપણે પ્રાચીન ગ્રંથોમાં રહેલ વિમાનોની અને તેમ રહેલ વિમાન જાણકારીનાં ઉલ્લેખની વાત કરીએ.
ઋગ્વેદ અનુસાર :-
આ ગ્રંથમાં લગભગ ૨૦૦ વાર વિમાનોનો ઉલ્લેખ થયો છે. જેમાં કહ્યું છે કે; અશ્વિનીકુમારોએ ત્રણ માળવાળા, બે અને ત્રણ ભૂજાવાળું, બે અને ત્રણ પગવાળા તેમજ પંખવાળા વિમાનોનું નિર્માણ કર્યું છે. જેમાંથી કેટલાક વિમાનો અગ્નિહોત્ર હતાં, અમુક હસ્તિ વિમાનો અને અમુક ક્રૌંચ વિમાનો હતાં.
યજુર્વેદ અનુસાર:-
આ ગ્રંથમાં અશ્વિનીકુમારોએ વિમાનોનું સંચાલન ક્યારે કેવી રીતે કરવું તે વાતને સમજાવેલ છે. આગળ વધતાં આ ગ્રંથમાં કહ્યું છે કે; જ્યારે રાજા ભૂર્જ્યુ જ્યારે સમુદ્રમાં ડૂબી રહ્યો હતો, ત્યારે અશ્વિનીકુમારોએ સમુદ્રનાં પાણી અને હવા વચ્ચે વિમાનને સ્થિર રાખી રાજા ભૂર્જ્યુને બચાવેલો હતો. જોવાની વાત એ છે કે; આ પ્રક્રિયા આજે આપણે હેલિકોપ્ટરમાં જોઈએ છીએ.
વિમાનિકા શાસ્ત્ર અનુસાર:-
૧૮૭૫ માં ભારતનાં એક મંદિરમાંથી ૪૦૦ વર્ષ જૂનો ઋષિ ભારદ્વાજ રચિત આ ગ્રંથ મળેલો. આ ગ્રંથ અનુસાર આ શાસ્ત્રનાં આઠ ભાગો હતાં અને જેમાંની આ એક કોપી હતી. આ ગ્રંથમાં તે સમયનાં ૯૭ વિમાનાચાર્યોનું અને વિવિધ આકારવાળા ૨૦ વિમાનોનું વર્ણન કરવામાં આવેલું હતું. આ ઉપરાંત આ ગ્રંથમાં વિમાન સંચાલનની જાણકારી, વિમાન સુરક્ષા સંબંધની જાણકારી, હવામાન તોફાન સમયે શું શું કરવું જોઈએ તેની જાણકારી, આવશ્યકતા અનુસાર વિમાનનાં ઈંધણ ઊર્જાની જાણકારી, વિમાનને મળતી ઊર્જા, અતિરિક ઊર્જા અને આ ઊર્જાથી વિમાનનાં બચાવકાર્યની જાણકારી, વિમાન અને ગુરુત્વાકર્ષણની જાણકારી તેમજ ગુરુત્વાકર્ષણથી વિરુધ્ધ વિમાનની પરિસ્થતિ કેવી રીતે સાચવવી, વિમાન તૂટથી બચાવકાર્ય વગેરે બાબતોનો ઉલ્લેખ થયેલો છે.
યંત્ર સર્વસ્વ:-
૪૦ ભાગમાં બનેલ આ ગ્રંથ પણ મહર્ષિ ભારદ્વાજ રચિત છે. જેમાં વિમાન વિજ્ઞાન વિષે અધ્યાયો – દ્વારા સમજાવાયેલું છે. આ ગ્રંથમાં આંતરદેશીય – એક સ્થાનેથી બીજા સ્થાને જતાં, આંતર રાષ્ટ્રીય- એક દેશથી બીજા દેશમાં જતાં, અંતરિક્ષ્ય- એક ગ્રહથી બીજા ગ્રહ સુધી જતાં યાન, તથા સૈનિક વિમાન યાનની વાત જે રીતે કરવામાં આવી છે તે જોઈને આજના સાયન્સફિક્સન લેખકોની યાદ આવી જાય છે. ઉદાહરણ રૂપે જોઈએ તો, સૈનિક વિમાનમાં પૂર્ણત્યાઃ અતૂટ, અગ્નિ-વાયુથી પૂર્ણત્યાઃ સુરક્ષિત, આવશ્યકતા થાય ત્યારે સમય માત્રમાં જે જગ્યાએ હોય ત્યા સ્થિર થઈ જાય તેવું, શત્રુઓનાં મારથી બચવા અદ્રશ્ય થઈ જાય અથવા પોતાના રૂપરંગ બદલી નાખે છે, શત્રુઓનાં વિમાનોમાં જે વાર્તાલાપ થાય છે તે તેમજ અન્ય ધ્વનિઓને જે સાંભળી શકે છે, રેકોર્ડ કરી શકે તેવી ક્ષમતા રાખનાર, શત્રુઓથી પોતાનાં ચાલકને અને યાત્રીઓને બચાવી શકે તેવું, શત્રુ વિમાનોની દશા અને દિશા જાણી શકે તેવી વ્યવસ્થા ધરાવતું, સમય અને સંજોગ અનુસાર પોતાનાં આકારને નાનું -મોટું કરી શકે તેવું, શત્રુઓનાં વિમાનને, તેનાં ચાલક અને તેનાં યાત્રીઓને દીર્ઘકાલ સુધી સ્તબ્ધ કરી શકે તેવી ક્ષમતા ધરાવનાર, ગમે તે સમયમાં અથવા ગમે તે વાતાવરણમાં વિમાનનું તાપમાન સ્થિર કરી શકે તેવી લાયકાત ધરાવનાર, પોતાની ગતિનાં અવાજને પણ એ કંટ્રોલ કરનાર છે. આમ સૈનિક વિમાનમાં જે જે ગુણો બતાવ્યાં છે તે આજની દૃષ્ટિએ અદ્ભુત અને અકલ્પનીય લાગે છે.
સૌભ અર્થ શાસ્ત્ર:-
આ ગ્રંથ કૌટિલ્ય ચાણક્ય દ્વારા રચિત છે. જેમાં આપે વિમાની ટેક્નિક, પાયલટ, વિમાન ઉડાડતી વખતે પાયલટની આદતો વગેરે વિષે વર્ણન કર્યું છે તો સાથે સાથે અમુક વ્યક્તિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે; જે તે વ્યક્તિ આકાશ યોધ્ધા છે તેથી તે એક જ સમયે હવાઈ વિમાન ઉડાડી શકે છે અને સાથે સાથે યુદ્ધ પણ કરી શકે છે. આ જ વાત અત્યારનાં ફાઇટર વિમાન પાઇલટો માટે આપણે જોઈ શકીએ છીએ.
પંચતંત્ર:-
પંચતંત્રની એક કથામાં કહ્યું છે કે, એક ધૂર્ત મનુષ્યએ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ધારણ કર્યું અને ગરૂડાકૃતિવાળા ચાવીઓથી ચાલતાં વાહન ઉપર સવાર થઈને આવતો હતો, જ્યારે વેદવ્યાસજી રચિત મહાભારતમાં આ વ્યક્તિને પૌંદ્રક તરીકે ઓળખ્યો છે.
કથાચરિતસાગર:-
આ ગ્રંથની રચના કવિ સોમદેવે કરી છે. જેમાં આપે વિમાનમાં સાત પ્રકારનાં એન્જિનની વાત કરી છે ઉપરાંત આપે રાજ્યધર અને પ્રાણધાર નામનાં બે કારીગરોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે; આ બંને જણાં એકસાથે ૧૦૦૦ યાત્રીઓ બેસી શકે તેવો ઊડતો રથ બનાવી શકે છે. આ રથની ખાસિયત એ છે કે; ગમે તેટલી ઝડપે ઊડતાં આ રથમાં બેસેલા યાત્રીઓને કે રથને કશું નુકશાન થતું નથી.
શ્રીમદ્ ભાગવત:-
ભાગવતમાં કહ્યું છે કે, આ સમયનાં વિમાનો ભૂમિ અને પર્વત પર સહેલાઈથી ચાલી શકતાં હતાં, આકાશમાં વાયુની ગતિએ દોડી શકતાં હતાં અને જળમાં નાવની જેમ ચાલી શકતાં હતાં. આ શ્રીમદ્ ભાગવતનાં આ વિમાનની વાતથી ત્રેપન વર્ષ પહેલાં બાળકો માટે બનેલી એક ફિલ્મ “ચીટી ચીટી બેંગ બેંગ” યાદ આવી ગઈ. આ ફિલ્મમાં આવી જ એક કારની વાત કરેલી હતી, જે ભૂમિ પર ચાલે છે, આકાશમાં ઊડે છે અને જળમાં બોટ બની જાય છે. આ ફિલ્મની અસર રૂપે આજે અમેરિકામાં એવી ટુરિસ્ટ બસો જોવા મળે છે જેનો ઉપયોગ બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન થયો હતો. આ બસોને અહીં ડક રાઈડ તરીકે ઓળખવામાં આવે છે જે રસ્તા પર દોડે છે અને બોટ બનીને તરે છે. પણ હજી આ બસો ઊડતી નથી તેથી અમેરિકન વૈજ્ઞાનિકો ચીટી ચીટી બેંગ બેંગની ઊડતી કારની જેમ આ બસને ય વિમાનની કક્ષામાં લાવવા સંશોધન કરી રહ્યાં છે. જો’કે તેમાં સફળતા ક્યારે મળશે તે તો સમય જ જાણે, પણ જો આ બાબતમાં સફળતા મળશે તો ભવિષ્યમાં આપણને વિમાન, હેલિકોપ્ટર, એરબલૂનની જેમ ઊડતી બસ પણ જોવા મળશે.
ગયાચિંતામણી:-
આ ગ્રંથમાં મયૂરા અને મત્સ્યાકૃતિવાળા વિમાનનો ઉલ્લેખ થયો છે. આમાંથી યે મયૂરને તો સમજી શકાય કારણ કે તેની પાસે પાંખ છે, પણ મત્સ્યાકૃતિવાળું વિમાન કેવી રીતે ઊડી શકતું હશે તે પ્રશ્ન આજે ય રહેલો છે.
આ ગ્રંથો ઉપરાંત જોઈએ તો કવિ કાલિદાસજીનાં કુમારસંભવમમાં કહે છે કે; આકાશગમન કરી રહેલાં ઇન્દ્રનાં રથનો સારથિ કહે છે કે; “અહીંથી એટ્લે કે ( ગગનમાંથી ) પૃથ્વી સુંદર દેખાય છે.” જોવાની વાત એ છે કે; આધુનિક સમયમાં ભારતનાં પ્રથમ અવકાશ યાત્રી શ્રી રાકેશ શર્માએ પણ જ્યારે પૃથ્વીની બહારથી પૃથ્વીને જોઈ ત્યારે કહ્યું હતું કે અહીંથી પૃથ્વી અને ભારત સુંદર દેખાય છે. કવિ કાલિદાસ જે દરબારમાં સોહતા હતાં તે રાજા ભોજે વિવિધ પુરાણો અને વેદોપનિષદનાં સાર રૂપે “સમરાંગણ સૂત્રધાર” નામનો ગ્રંથ લખ્યો. તેમાં આપે વાસ્તુશાસ્ત્ર, કલા, સ્થાપત્ય સાથે વિમાનોની ડિઝાઇન કેવી હોવી જોઈએ, તેમાં વિમાનચાલક માટે કેવા પ્રકારની સુવિધા હોવી જોઈએ, વિમાન ચાલકે વિમાન ચલાવતાં પૂર્વે કેવા કપડાં પહેરવા જોઈએ, તેની ખાવા-પીવાની આદતો કેવી હોવી જોઈએ વગેરે વિષેની માહિતી પૂરી પાડી છે. જ્યારે બ્રિટિશરો ભારતમાં આવ્યાં ત્યારે આ ગ્રંથ તેઓ પોતાની સાથે લઈ ગયા. પાછળથી આ ગ્રંથ ઉપર અમેરિકા, જર્મની અને બ્રિટને સમૂહમાં સંશોધન કાર્ય શરૂ કર્યું ત્યારે તેમણે જોયું કે આ ગ્રંથમાં સૂર્ય મંડળ અને નક્ષત્ર મંડળ સાથે વિમાનોની સાવ મૂળભૂત ટેકનિક્સથી માંડી ને એડવાન્સ લેવલનાં મીકેનિકેઝમ ઉપર સમજાવવામાં આવ્યું છે. એમાં યે વિમાનમાં વપરાતાં યંત્રો વિષેના વર્ણનો તો અત્યંત રસપ્રદ છે. વિમાનો અને યંત્રો સિવાય આ ગ્રંથમાં રોબોટ જેવા સાધનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ( શ્લોક પ્રમાણ :૯૫ થી ૧૧૦ ) અમેરિકા, બ્રિટન અને જર્મનીનાં વિજ્ઞાનીઓએ ગ્રંથ ઉપરથી અનેક લેખો લખ્યાં અને પબ્લીશ કર્યા. આજે આપણે એક અનુમાન કરી શકીએ કે આ પબ્લીશ થયેલાં લેખો પરથી રાઇટ બંધુઓને વિમાન બનાવવાનો વિચાર આવ્યો હોઈ શકે. થોડા વર્ષો પહેલાં ચીનનાં પુરાતત્ત્વવાદીઓને તિબેટમાંથી સંસ્કૃત ભાષામાં લખાયેલ એક ગ્રંથ મળી આવ્યો. આ ગ્રંથનો અભ્યાસ અને રિસર્ચ કરતાં જાણવા મળ્યું કે; આ ગ્રંથમાં એક ગ્રહ ઉપરથી બીજા ગ્રહ પર જવા માટેની સ્પેસશીપ અને ટેકનોલોજીની વાત કરવામાં આવી છે, તેથી ચાઈનાએ આ ગ્રંથ મુજબ સ્પેસ પ્રોગ્રામ હેઠળ એ દિશામાં કાર્ય ચાલુ કરી દીધું. અંતે રહ્યાં મહર્ષિ ભારદ્વાજ. જેમણે પોતાનાં ગ્રંથ “અંશુબોધિની” નાં વિમાન અધિકરણ નામનાં સર્ગમાં ગુરુત્વાકર્ષણની વિરુધ્ધ દિશામાં ઊડી શકનારા પૌરાણિક પિંજૂલ વિમાનોની વાતને માન્ય ઠેરવી છે. પિંજૂલ વિમાનો એટ્લે કે એક એવું વિમાન જેમાં સૂર્ય અને દર્પણનાં કિરણો વાટે શત્રુઓ પર હુમલો કરવામાં આવતો. આજે આ કિરણોને આપણે લેસર કિરણો સાથે મેળવી શકીએ છીએ. આ પિંજૂલ વિમાનો ઉપરાંત આપે વિવિધ આકારવાળા વિમાનોનો પણ ઉલ્લેખ કર્યો છે. દા.ખ.ત
૧) શકુન – ( પક્ષીનાં આકારનું પાંખો વાળું ),
૨) સુંદર ( રોકેટ જેવુ સીધું ચાંદીનાં રંગનું ),
૩) રૂક્મ ( શંકુ આકારનું સુવર્ણ રંગનું ),
૪) મંડળ ( કોઈપણ એક જ આકાર પણ બે-ત્રણ નાની-મોટી સાઇઝ સાથે હોય તેવા ),
૫) વક્રતુંડ ( જેનાં આગળનાં ભાગમાં હાથી સૂંઢ લાગેલી છે તે ),
૬) ભદ્રક, શુકસ્ય ( પોપટનાં આકારનું ),
૭) હંસિકા ( હંસનાં આકારનું ),
૮) વિરાજક ( શત્રુઓ પર ભારે પડે તેવું ),
૯) ભાસ્કર ( દર્પણથી સૂર્ય સમાન ચમકતું ),
૧૦) કુમુદ ( ખુલેલાં કમળનાં આકારવાળું ),
૧૧) પદ્મક ( અર્ધ ખુલ્લું પદ્મ ),
૧૨) ત્રિપુર ( ત્રણ કોટવાળું અને પગવાળું )
૧૩) પંચબાણ
૧૪) ક્રૌંચક
૧૫) નંદક
૧૬) પુષ્કર
૧૭) કૌદંડ
૧૮) રુચક
૧૯) ભોજક
૨૦) સૌમ્યક
૨૧) પૌષ્કળ
૨૨) ઐરીયાયન
૨૩) મંડર
૨૪) વિરાજક
૨૫) અજાવર્ત
૨૬) વરાહ
એમ ૨૬ વિમાનોનો ઉલ્લેખ કર્યો છે તો સાથે વીજળીથી, જળથી, તેલથી, બાષ્પથી, સૂર્યનાં કિરણોથી, વાયુથી, અગ્નિથી, ચુંબકથી અને મણિ એટ્લે રત્નોની ઉર્જાથી ચાલતાં ૯ પ્રકારનાં વિમાનોનો ઉલ્લેખ કર્યો છે. પણ આજનો સમય અલગ છે તેથી આજે આપણને તેલ કે પેટ્રોલિયમથી ચાલતાં વિમાનો જોવા મળે છે પણ અન્ય ઉર્જાઓથી ચાલતાં વિમાનો જોવા મળતાં નથી, અગર વિજ્ઞાન અને સમયની વાત કરીએ તો સૂર્ય કિરણ એટ્લે સોલારથી ચાલતાં વિમાનો અને વીજળીથી ચાલતાં વિમાનો ભવિષ્યમાં આપણને ચોક્કસ જોવા મળશે, પણ તોયે જળ, બાષ્પ, વાયુ, રત્નો, અગ્નિ, ચુંબક વગેરેથી ચાલતાં વિમાનો તો જોવા માટે આપણે ય ભગવાન વિષ્ણુની જેમ બીજો અવતાર લેવો રહ્યો.
© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ । purvimalkan@yahoo.com
-
(૧૨૨) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૮ (આંશિક ભાગ –૩)
ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા (ગ઼ઝલ)
શેર ૪ થી ૬ થી આગળ
(શેર ૭ થી ૯ )
મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (રસદર્શનકાર)
આહ વો જુરઅત-એ-ફ઼રિયાદ કહાઁ
દિલ સે તંગ આ કે જિગર યાદ આયા (૭)[જુરઅત= હિંમત, શક્તિ; ફ઼રિયાદ= શિકાયત, વિલાપ]
રસદર્શન:
આ ગ઼ઝલના પ્રથમ શેરના અનુગામી (Sequel) તરીકે આવતો આ શેર વાત તો એ જ કહે છે, પણ અહીં જુદા અંદાઝમાં કહેવાય છે. વળી ગ઼ાલિબ શરીરશાસ્ત્રની રૂધિર ઉત્પન્ન થવાની અને તેના પરિભ્રમણની પ્રક્રિયાને અન્ય શેરની જેમ અહીં પણ પ્રયોજે છે. માનવશરીરમાં યકૃત (Lever) લોહી ઉત્પન્ન કરવામાં સહાયક અવયવ છે, જ્યારે હૃદય લોહીના પરિભ્રમણનું કામ કરે છે. હવે અહીં હૃદય એવી દયાજનક સ્થિતિમાં આવી જાય છે કે તેને પરિભ્રમણ કરવા માટેનો રૂધિરનો પુરવઠો જે યકૃત તરફથી મળતો હતો તે બંધ થઈ જાય છે. હવે જ્યારે રૂધિરનો પુરવઠો જ બંધ હોય, ત્યારે હૃદય કેવી રીતે ધબકી શકે.
આપણે હાલ સુધી તો જે અર્થઘટન કર્યું છે, તે માત્ર સ્થુળ અર્થમાં છે, પરંતુ શાયરાના અંદાઝમાં કહેતાં ભાવાત્મક વાસ્તવિકતા તો કંઈક ભિન્ન જ છે અને તે એ છે કે અહીં દિલની સંવેદના સ્થગિત થઈ જાય છે. આ સ્થગિતતાનું કારણ એ છે કે સંવેદના જગાડવા માટેના ઉદ્દીપક તરીકે કામ કરતું મહત્ત્વનું પરિબળ હવે નિષ્ક્રીય થઈ ગયું છે. આમ સંવેદનહીનતાથી તંગ આવેલા દિલને ઇશ્ક અભિવ્યક્ત કરવામાં શુષ્ક રહેતી માશૂકાની યાદ આવી જાય છે. માશૂકા જ તો દિલની ધડકન હોય છે અને તેનો અભાવ અહીં માશૂકને સાલે છે.
* * *
ફિર તિરે કૂચે કો જાતા હૈ ખ઼યાલ
દિલ-એ-ગુમ-ગશ્તા મગર યાદ આયા (૮)[કૂચે= ગલી (Lane); દિલ-એ-ગુમ-ગશ્તા= ખોવાયેલું દિલ (Lost heart)]
રસદર્શન :
અગાઉ પણ કહેવાઈ ચૂક્યું છે કે ગ઼ઝલ એક એવો પદ્યાત્મક સાહિત્યપ્રકાર છે, જેના તમામ શેર ભાવાત્મક રીતે એવી રીતે ગુંથાયેલા રહેતા હોય છે જેવી રીતે કે કોઈ દોરો પરોવાયેલા મણકાઓની માળા હોય કે પછી એક જ તારથી જોડાયેલાં ફૂલોનો હાર હોય. વળી એ પણ સાચું કે દરેક શેરમાં જળવાતું રહેતું ભાવસાતત્ય એકસરખું હોવા છતાંય પ્રત્યેક શેર સ્વતંત્ર રીતે ઊભો તો રહી જ શકતો હોય છે. આમ ભાવસાતત્ય જાળવવામાં ગ઼ઝલનો રદીફ કે જે દરેક શેરમાં અચલ રહેતો હોય છે તેની ભૂમિકા મુખ્ય ગણાય છે. આપણી આ ગ઼ઝલમાં ‘યાદ આયા’ રદીફ છે અને માશૂકને જુદીજુદી પરિસ્થિતિઓમાં કંઈક ને કંઈક યાદ આવતું રહે છે.
હવે આપણે આ શેરના પહેલા ઉલા મિસરાને સમજીએ તો માશૂકનો ખયાલ માશૂકાની ગલી તરફ જાય છે અને ઘડીભર તો માશૂક એ મનભાવન જગ્યાને વિચારવિહાર થકી માણે પણ છે, કેમ કે તેનું ચિત્ત માશૂકાના ઇશ્કમાં એવું તો જડબેસલાક ગિરફતાર થયેલું હોય છે કે જેના કારણે માશૂકા પરત્વેનો ખ્યાલ તેનો પીછો છોડતો નથી. પરંતુ તરત જ બીજા સાની મિસરામાં માશૂકને એ ગલીમાં અનુભવાયેલી દુ:ખદ અને ગમગીન વિરહની પળોની યાદ આવી જાય છે કે જ્યાં તે પોતાના દિલને ખોઈ બેઠો હતો.
આ શેરના ઉપરોક્ત અર્થઘટનથી વિપરીત અર્થપ્રાપ્તિ ‘મગર’ શબ્દને અર્થાંતરે સમજતાં એ પ્રાપ્ત થાય છે કે માશૂકની તેના ખોવાઈ ગયેલા અર્થાત્ ગમગીન થઈ ગયેલા દિલની વેદના ફરી પ્રજ્વલિત થઈ જતાં માશૂકાની ગલીની યાદ આવી જાય છે. આમ અહીં કાર્યકારણનો ક્રમ બદલાઈ જાય છે, મતલબ કે પહેલાના કારણે બીજુંના બદલે બીજાના કારણે પહેલું સમજાઈ જાય છે. આમ ઉદ્દીપકોની ફેરબદલી છતાં શેરનો મધ્યવર્તી સાર તો યથાવત્ જળવાઈ જ રહે છે.
* * *
કોઈ વીરાની સી વીરાની હૈ
દશ્ત કો દેખ કે ઘર યાદ આયા (૯)[વીરાની= નિર્જન, ઉજ્જડ, અવાવરુ; દશ્ત= રણ]
રસદર્શન :
આ શેરના પ્રથમ ઉલા મિસરાનું પઠન કરતાં જ આપણને ગ઼ાલિબના શબ્દરમતના કૌશલ્યનો પરચો મળી જાય છે. આનો વાચ્યાર્થ તો આમ જ થાય કે કોઈ (સૂમસામ) નિર્જનતા જેવી નિર્જનતા દેખાઈ કે અનુભવાઈ રહી છે. ગ઼ાલિબને નિર્જનતાની ગહરાઈ વર્ણવવા કોઈ શબ્દ મળતો નથી અને તેથી જ તો એ જ ‘નિર્જનતા’ શબ્દને પ્રયોજી લે છે. અહીં અલંકારશાસ્ત્રના અનન્વય અલંકારનો આભાસ થાય છે, જેમ કે ઉદાહરણ રૂપે ‘મા તે મા’; પરંતુ આમાં પેટા પ્રકારે રૂપક અલંકાર સમજાય છે; જ્યારે આપણા આ મિસરામાં ‘સી’ એટલે કે ‘જેવી’ સમજતાં પેટાપ્રકાર ઉપમા અલંકાર બનશે. ‘વીરાની સી વીરાની’ને સમજવા એક વધુ ઉદાહરણ લઈએ, ‘માણસ જેવો માણસ’; અર્થાત્ (ગુણસંપન્ન) માણસ જેવો જે તે માણસ. અહીં ‘વીરાની’ની તીવ્રતા દર્શાવવા ‘વીરાની’ શબ્દ જ લેવાયો છે અને તેથી જ તો આ શેર ‘જરા હટકે’ બની જાય છે.
હવે બીજા સાની મિસરાને સમજવા ઉપરોક્ત મિસરાનું અનુસંધાન સાધતાં એવો અર્થભાવ મળે છે કે પેલી રણની ઉજ્જડતાને જોઈ કે અનુભવીને માશૂકને તેમના બરબાદ કે ઉજ્જડ થઈ ગયેલા ઘરની યાદ આવી જાય છે. અહીં રસશાસ્ત્રનો વિપ્રલંભ શૃંગાર રસ બને છે. માશૂકાની હાજરી વિનાનું ઘર વેરાન રણ જેવું જ લાગવું સ્વાભાવિક છે. આમ માશૂકાનો વિયોગ અહીં એવો ઘેરો બની જાય છે કે માશૂકનું દિલ બેસુમાર ગમગીની અનુભવતાં શુષ્ક રણ જેવું જ બની જાય છે. બંને મિસરાને સંયુક્ત રીતે સમજતાં આખો શેર સારાંશે તો એમ જ સમજાવે છે કે પેલું નિર્જન રણ અને માશૂકનું માશૂકાવિહોણું ઘર ઉભય સમાન જ છે.
(ક્રમશ:)
* * *
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 94261 84977
નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો
-
પંચમની અકળામણ
હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ …. મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.આ પુસ્તકમાંની યાદો બહુ બધાં લોકોને પોતાની અંગ્ત યાદો જેવી લાગી છે. શ્રી બીરેનભાઈ કોઠારીએ અંગતપણાના ભાવને વધારે નક્ક્રર શબ્દદેહ આપ્યો. જરૂર જણાઈ ત્યાં પૂરક માહિતીઓ કે ટિપ્પ્ણીઓ ઉમેરીને એ પુસ્તકનાં કેટલાંક પ્રકરણોના તેઓએ મુક્તાનુવાદ કર્યા.વેબ ગુર્જરીના વાચકો સાથે એ મુક્તાનુવાદોની લ્હાણ વહેંચવા માટે બીરેનભાઈએ પોતાની એ તાસકને ખુલ્લી મુકી દીધી છે.તેમનો હાર્દિક આભાર માનીને આપણે પણ ગુલઝારની યાદોને મમળાવીએ.
બીરેન કોઠારી

“‘તૂને સાડી મેં ઉરસ લી હૈ ચાબિયાં ઘર કી…’ આ કેવી પંક્તિઓ? આને તું કવિતા કહે છે? ગીતની પંક્તિઓ આટલી નીરસ શી રીતે હોઈ શકે? ગુલ્લુ, તું સરખું લખી નથી શકતો? અને પાછો તું મને આ પંક્તિઓ સંગીતબદ્ધ કરવાનું કહે છે?”- મેં લખેલા ‘કિનારા’ ફિલ્મના ગીત ‘એક હી ખ્વાબ’ માટે પંચમનો પ્રતિભાવ આવો હતો. એણે વળી પાછું કહ્યું, ‘તું આ પંક્તિઓ પરથી કોઈક સીન બનાવ અને મને કામ કરવા માટે કંઈક બીજું આપ.’
મને કદી ચર્ચામાં મુકાબલો કરવાનું ગમતું નહીં. મેં તેને કહ્યું, ‘પંચમ, એ તો હું કરી જ શકું છું. પણ વાત એ છે કે તારી સાથે હું કામ કરું, તો આપણે એટલા માટે કામ કરીએ છીએ કે આપણે કશુંક બિનપરંંપરાગત કરવા માંગીએ છીએ. ખરું કે નહીં? એટલા માટે….’ પંચમે જવાબમાં કંઈ કહ્યું નહીં. એ ધૂન તૈયાર કરવા માંડ્યો. પરિસ્થિતિની નાટ્યાત્મકતાને વધુ ઉજાગર કરવા માટે કેટલાક સંવાદ મૂકવામાં આવ્યા. ગીત તૈયાર થયું એટલે પંચમે ભૂપી- ભૂપીન્દરસીંઘને કહ્યું, ‘ભૂપી, ગિટાર લઈને રેકોર્ડિંગ રૂમમાં જા, હેડફોન્સ લગાવીને ગીત સાંભળ, અને તને ગીત પૂરું કરવા માટે જ્યાં પણ નોટ્સની જરૂર લાગે તો એ વગાડજે. તને હું છૂટો દોર આપું છું.’ ભૂપીન્દર સિંઘ પંચમ માટે ગિટાર વગાડતા હતા, અને તેના સૌથી વિશ્વાસપાત્ર સહાયકો પૈકીના એક હતા. ભૂપીએ ભાનુદાની ગિટાર ઉપાડી. ભાનુ ગુપ્તાએ ઘણાં વરસો સુધી પંચમ સાથે કામ કરેલું, અને ભૂપીના ગુરુ સમાન હતા. ભૂપીએ પંચમના કહ્યા મુજબ કર્યું. ભૂપીએ ઉમેરેલી નોટ્સથી ગીતને જાણે કે એક અલાયદું પરિમાણ મળ્યું. ફક્ત એક સ્થાને ગિટારના ટ્રેકમાંથી ચીચીયારી જેવો નાનકડો અવાજ આવતો હતો. પંચમ વધુ એક ટેક કરવા ઈચ્છતા હતા, પણ મેં એમ કરવાની ના પાડી. પંચમે મને પડકાર ફેંક્યો, ‘જોઈએ, તું ફિલ્મમાં આ શી રીતે દેખાડે છે!’
ફિલ્મ પૂરી થયા પછી પંચમ સ્ક્રીનિંગ માટે આવ્યો. આ ગીતની એક સિક્વન્સમાં હેમા માલિની અને ધર્મેન્દ્રને પત્તાં રમતાં દેખાડાયાં હતાં. હેમા જોકરના પત્તાને ખેંચીને તેને ચૂમે છે. મેં ગિટારના પેલા અવાજનો ઉપયોગ પત્તાને કરાતા આ ચુંબન માટે કર્યો. પંચમ એ જોઈને રાજી થઈ ગયો. ‘ગુલ્લુ! અદ્ભુત!’ પૂર્ણતા માટેનો એનો આગ્રહ, કોઈ ચોક્કસ શબ્દનો ઉપયોગ અને પછી તેને આત્મસાત કરી લેવાની એની આદત વળગણ કક્ષાની હતી. એ કોઈક ધ્વનિ કે ધૂનને સમજવા માંગતો ત્યારે તે એના હૃદયના ઊંડાણમાંથી એ કરતો. અને જ્યારે એ એની તીવ્ર પ્રતિભા દેખાડતો ત્યારે પરિણામ લગભગ તત્કાળ મળી જતું.
– ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો ‘Actually…I met them’ પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ:
ગુલઝારે વર્ણવેલા આ ગીતના શબ્દો વાંચવાથી સમજાશે કે પંચમે એ વાંચીને પહેલો પ્રતિભાવ કેમ એવો આપેલો. એ પછી આ પંક્તિઓને પંચમે શી રીતે ધૂનમાં ઢાળી એ ગીત સાંભળવાથી ખ્યાલ આવશે. ગીતમાં પણ મુખ્ય પ્રભાવક ભૂપીન્દરનો સ્વર છે. તાલ અને ગિટાર માત્ર જરૂર પૂરતાં જ છે. અને ગિટારમાંથી નીકળેલા પેલા અવાજનો ઉપયોગ ગુલઝારે ફિલ્માંકનમાં શી રીતે કરી લીધો એ પણ 4.37 પર જોઈ શકાશે.
एक ही ख्वाब कई बार देखा है मैंने
एक ही ख्वाब कई बार देखा है मैंनेतूने साडी में उरस ली है…मेरी चाबीयाँ घर की
एक ही ख्वाब कई बार देखा है मैंने
तूने साडी में उरस ली है मेरी चाबीयाँ घर की
और चली आयी है
बस यूंही मेरा हाथ पकड़ कर
एक ही ख्वाब कई बार देखा है मैंनेमेज़ पर फूल सजाते हुए देखा है कई बार
मेज़ पर फूल सजाते हुए देखा है कई बार
और बिस्तर से कई बार जगाया है तुझको
चलते फिरते तेरे क़दमों की वो आहट भी सुनी है
एक ही ख्वाब कई बार देखा है मैंनेक्यों चिट्ठी है या कविता
अभी तक तो कविता है
ला ला ला ला ह्म्म्मम्म
गुनगुनाती हुई निकली है नहाके जब भी
गुनगुनाती हुई निकली है नहाके जब भी
अपने भीगे हुए बालों से टपकता पानी
मेरे चेहरे पे छिटक देती है तू..टिकू की बच्ची
एक ही ख्वाब कई बार देखा मैंनेताश के पत्तों पे लड़ती है कभी कभी खेल में मुझसे
ताश के पत्तों पे लड़ती है कभी कभी खेल में मुझसे
और कभी लड़ती भी है ऐसे के बस खेल रही है मुझसे
और…आगोश में नन्हे को लिए
विल यू शट अप?
और जानती हो टिकू
जब तुम्हारा ये ख्वाब देखा था
अपने बिस्तर पे मैं उस वक़्त पड़ा जाग रहा था.‘કિનારા’નું આ ગીત અહીં સાંભળી અને જોઈ શકાશે.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ગુણવત્તાયુક્ત સમાવેશી ઉચ્ચ શિક્ષણ : આદર્શ અને અમલ
નિસબત
ચંદુ મહેરિયા
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે વરસ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં સરકારની વિકાસની સાત પ્રાથમિકતાઓ, સપ્તર્ષિ, ની ઘોષણા કરી હતી. આ સપ્તર્ષિ પૈકી એક સમાવેશી વિકાસ છે. સમાજના આઘામાં આઘા અને પાછામાં પાછા એવા છેવાડાના લોકો સુધી વિકાસના ફળ પહોંચે તેને નાણા મંત્રીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી.. સમાવેશી વિકાસની પહેલી શરત સમાવેશી શિક્ષણ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં શિક્ષણમાં સમાવેશનનું વ્યાપક માળખું પ્રદાન કરવાનું અને ઉચ્ચ શિક્ષણની પહોંચ તથા ભાગીદારી વધારવાનું જણાવવામાં આવ્યું છે.
સમાજવાદી નેતા ડો.રામ મનોહર લોહિયા ચાહતા હતા કે રાણી હોય કે મહેતરાણી તમામના બાળકોને સમાન શિક્ષણ મળવું જોઈએ. ભારતના બંધારણમાં સમાનતાપૂર્ણ, સમાવેશી અને બહુલતાવાદી સમાજના નિર્માણની કલ્પના કરવામાં આવી છે. સમાન શિક્ષણની દિશાનું એક કદમ સમાવેશી શિક્ષણ છે. પરંતુ સમાવેશી શિક્ષણ ગુણવતાપૂર્ણ હોય તો જ તે સાર્થક બને. ગુણવતાયુક્ત સમાવેશી શિક્ષણના અણસાર ૨૦૨૩ના નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિગ ફ્રેમવર્ક (એનઆઈઆરએફ)માં તામિલનાડુએ હાંસલ કરેલ સ્થાનમાં જોવા મળે છે.
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ૨૦૧૫થી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને રેન્ક આપવામાં આવે છે. તાજેતરમાં ૨૦૨૩ના નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિગ ફ્રેમવર્કમાં દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને શીખવવું, શિખવું, સંસાધનો, સ્નાતકનું પરિણામ, સમાવેશન, સંશોધન, ગુણવત્તા સહિતના પાંચ માપદંડોના ગુણભારના આધારે ક્રમ આપવામાં આવ્યો છે. વ્યાપક લોકપ્રિયતા અને વિશ્વસનીયતા પ્રાપ્ત આ રેન્કિંગ ફ્રેમવર્ક ભારતની હાયર એજ્યુકેશનની સંસ્થાઓના રેન્કિંગ અને તુલના માટેની સંગઠિત પ્રણાલી છે. કોલેજીસ, યુનિવર્સિટીઝ, રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ્સ અને ઓવર ઓલ એવી મુખ્ય ચાર શ્રેણીઓ ઉપરાંત મેડિકલ ,એન્જિનીયરીંગ,મેનેજમેન્ટ, ફાર્મસી, ડેન્ટલ, લો, આર્કિટેકચર એન્ડ પ્લાનિંગ, એગ્રિકલ્ચર એન્ડ એલાઈડ સેકટર્સ તથા ઈનોવેશન એવી શ્રેણીઓ પણ છે.
નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિગ ફ્રેમવર્ક-૨૦૨૩ની તમામ પ્રકારની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના ઓવરઓલ રેન્કિંગમાં તમિલનાડુની સૌથી વધુ ૧૦૦માંથી ૧૭ સંસ્થાઓ છે. કોલેજોના વિભાગમાં તો તામિલનાડુની ૩૫ કોલેજો, યુનિવર્સિટીઓમાં ૧૯ અને ૫૦ સંશોધન સંસ્થાઓના રેન્કિંગમાં તામિલનાડુની ૯ સંસ્થાઓ છે. કોલેજોની શ્રેણીમાં તામિલનાડુની ૩૫ પછી દિલ્હીની ૩૨, કેરલની ૧૪ અને પશ્ચિમ બંગાળની ૮ કોલેજો છે. રેન્કિંગમાં ગુજરાતનું સ્થાન સાવ નગણ્ય છે તો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ઓડિશાની એક પણ કોલેજ સ્થાન મેળવી શકી નથી.
તામિલનાડુની કોલેજો અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ મેળવેલું આ સ્થાન ગુણવતાપૂર્ણ અને સમાવેશી ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવાની તેની મથામણોને આભારી છે. દ્રવિડ આંદોલનનું કેન્દ્ર રહેલા તામિલનાડુમાં સામાજિક ન્યાય સાથે રાજ્યનો વિકાસ સધાયેલો છે. જે ૩૫ કોલેજોએ ઉંચુ સ્થાન મેળવ્યું છે તેમાં ચેન્નઈ, કોઈમ્બતૂર અને તિરુચિરાપલ્લી એ ત્રણ શહેરોની કોલેજો તો વધુ છે જ પરંતુ મદુરાઈ, તુતિકોરિન, તિરુપત્તુર, પલયમકોટાઈ, કરાઈકુડિ, સિવાકાસી, પેરામ્બલુર, વિરુધનગર, મારયનદમ, નગરકોઈલ અને પોલ્લાચીની કોલેજો પણ છે. એટલે ઉચ્ચ શિક્ષણ મોટા શહેરોના સુખી સંપન્ન વર્ગ સુધી જ સીમિત ના રહેતા નાના નગરો અને ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચ્યું છે.મોખરાની ૩૫ કોલેજોમાંથી ૧/૩ કોલેજો તો વિભિન્ન સ્થાનો પર આવેલી છે. તે દર્શાવે છે કે ગ્રામીણ અને પછાત વિસ્તારોની સંસ્થાઓ પણ મોખરે છે. આ સંસ્થાઓ અગ્રક્રમે આવી શકી તેનું કારણ શિક્ષણ વંચિત સામાજિક- આર્થિક સમૂહોના વિધ્યાર્થીઓને તેણે ગુણવત્તાયુક્ત શિક્ષણનો સમાન અવસર આપ્યો છે.
વંચિત વર્ગ સુધી શિક્ષણની આ પહોંચનું કારણ તામિલનાડુમાં અનામતનું ૬૯ ટકા જેટલું ઉંચું પ્રમાણ અને તેનો પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ સાથે થતો અસરકારક અમલ છે.તમિલનાડુ સરકારના સકારાત્મક પગલાં, શિષ્યવૃતિ અને અન્ય મદદને કારણે સૌને માટે ઉચ્ચ શિક્ષણના જડબેસલાક વાસ્યાં કમાડ ખોલાયા છે. સમાજનો અગ્રવર્ગ અને શાસકવર્ગ ન માત્ર ભૌતિક સાધનો પર, બૌધ્ધિક સાધનો પર પણ નિયંત્રણ રાખે છે. તેને ભેદવા માટે શિક્ષણમાં સમાવેશન જરૂરી છે.
સમાવેશન એટલે જ્યાં સૌ એકબીજાનો સ્વીકાર કરે, એકબીજાનો સહયોગ કરે. અનામતના પ્રતાપે સરકારી નોકરી મેળવવી કે શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવવાથી જ સમાવેશન થઈ જતું નથી. તે માટે તો ખાસ અને આમ બંને વર્ગોએ પ્રયત્ન કરવા પડે. વ્યક્તિનું રહેઠાણ, સામાજિક-આર્થિક સ્થિતિ, જ્ઞાતિ, લિંગ, વિશેષ આવશ્યકતાઓ વગેરે બાબતો સમાવેશનમાં બાધક છે. વ્યક્તિની શૈક્ષણિક ક્ષમતામાં આ બધી બાબતો બાધક ના બને એટલા માટે સમાવેશી શિક્ષણ જરૂરી છે.
તમિલનાડુનો સાક્ષરતા દર ૮૦.૩૩ ટકા છે. આઈઆઈટી મદ્રાસ છેલ્લા પાંચ વરસોથી નેશનલ રેન્કિંગમાં પ્રથમ ક્રમે આવે છે. ૨૦૨૧માં ઉચ્ચ શિક્ષણમાં રાષ્ટ્રીય નામાંકન (ગ્રોસ એનરોલમેન્ટ રેસિયો- જીઈઆર) ૨૭.૧ ટકાની તુલનામાં તમિલનાડુનો જીઈઆર ૫૧.૪ ટકા (બેગણા જેટલો) ઉંચો હતો. મહિલાઓનો હાયર એજ્યુકેશનમાં જીઈઆર નેશનલ ૨૭.૩ ટકા અને તામિલનાડુનો ૫૧ ટકા હતો. દલિત વિધ્યાર્થીઓનો ૩૮.૮ અને વિધ્યાર્થીનીઓનો ૪૦.૪ ટકા હતો. રાષ્ટ્રીય સ્તરે ૨૧.૮ ટકા દલિત યુવાનોના ઉચ્ચ શિક્ષણ નામાંકનની સરખામણીએ તમિલનાડુમાં તે ૪૨ ટકા હતો. આ આંકડાકીય વિગતો તામિલનાડુમાં સમાવેશી શિક્ષણની તો નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિગ ફ્રેમવર્કમાં તેનો ક્રમ ગુણવતાયુક્ત સમાવેશી શિક્ષણની પ્રતિતી કરાવે છે.
નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિગ ફ્રેમવર્ક-૨૦૨૩ના પરિણામોથી કમસેકમ તામિલનાડુમાં તો સમાવેશી શિક્ષણ પૂર્ણપણે થઈ ગયું છે અને આગામી વરસોમાં દેશમાં પણ શક્ય બનશે તેમ માની લેવું વધારે પડતું છે. ૨૦૧૭માં ૫૩૫ કોલેજોએ રેન્કિગમાં ભાગ લીધો હતો. ૨૦૨૩માં ૨૭૪૬ કોલેજોએ ભાગ લીધો છે. એટલે છ વરસોમાં પાંચ ગણો વધારો થયો છે. પરંતુ દેશમાં કુલ ૪૨,૩૪૩ કોલેજો છે એટલે તેના પાંચ ટકા કોલેજોએ જ એનઆઈઆરએફ-૨૦૨૩માં ભાગ લીધો છે. આટલી ઓછી સંખ્યાની કોલેજોના રેન્કિગથી બહુ હરખાઈ જવાની કે સમાવેશી અને ગુણવત્તાપૂર્ણ સમાવેશી ઉચ્ચ શિક્ષણ દેશમાં વિસ્તરી રહ્યું છે તેમ માનીને ફુલાઈ જવાની જરૂર નથી.
શિક્ષણનું ખાનગીકરણ સમાવેશી અને ગુણવતાયુક્ત સમાવેશી શિક્ષણમાં મોટો અવરોધ છે. શિક્ષણના ખાનગીકરણથી તામિલનાડુ પણ બાકાત નથી. તામિલનાડુની સરકારી કોલેજોમાં ભણતા વિધ્યાર્થીઓની સંખ્યા ૪,૬૩,૫૦૮ છે પરંતુ ખાનગી કોલેજોમાં ભણતા વિધ્યાર્થીઓની સંખ્યા ૧૮,૧૧,૭૮૨ છે. એટલે શિક્ષણના ખાનગીકરણને અટકાવીને ઉચ્ચ શિક્ષણની સરકારી સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સમાવેશી શિક્ષણ આપવું તે મોટો પડકાર છે.
ગુણવત્તા અને ઈયત્તા બેઉ મામલે ઉચ્ચ શિક્ષણમાં આપણે પાછળ છીએ. ગુણવત્તાયુક્ત સમાવેશી શિક્ષણ આજની પાયાની જરૂરિયાત છે. ઉચ્ચ શિક્ષણમાં તે સૌથી વધુ જરૂરી છે. સરકારો ઉચ્ચ શિક્ષણને ખાનગી હાથોમાં સોંપીને છૂટી પડવા માંગતી હોય ત્યારે ગુણવતાપૂર્ણ સમાવેશી શિક્ષણ પોથીમાનાં રીંગણા જેવો આદર્શ ન બની રહે તો સારુ.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કાર્ટૂનકથા : [૬]
બીરેન કોઠારી
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
‘વારેવા’ના છઠ્ઠા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં. આ અંકમાં પણ મેં માત્ર કાર્ટૂન દોરીને મોકલ્યાં હતાં, જ્યારે સંવાદ હાથે લખવાને બદલે મુદ્રિત સ્વરૂપે મૂકાયા હતા. અહીં એ મૂળ કાર્ટૂન અને તેની નીચે સંવાદ મૂકેલાં છે.
વાર્તાવ્યંગ્ય

(ડાબેથી) ચામાચીડિયું ૧: “આ ચોપડી છતી પકડવાની કે ઉંધી?”
ચામાચીડિયું ૨: “કોનેખબર! હું તો સિરીયલ જોઉં છું.”
ઘુવડ: “એય! ધીમેથી વાત કરો. અડધી રાતે કોઈને શાંતિથી જાગવા દો!”

(ડાબેથી) પુસ્તક ૧: “ચાલ,આજે તો આપણો ‘ડે’ છે. આવવું નથી?”
પુસ્તક ૨: “અન્કલ! તમે હજી સમજતા નથી. માણસો જેનો ‘ડે’ ઉજવે એનું આવી બને છે. પૂછો આ ચકલીને.”
ઊધઈ ઉવાચ

(હાથમાં માઈકવાળી ઉધઈ): “લાળ તો ઊધઈનું મેન્સિસ છે.”
(આગળ ખુરશીમાં બેઠેલી ઊધઈ): “આને પોપ્યુલર સ્પીકર બનવાના બહુ ધખારા છે, એટલે બક્ષીજીની નબળી નકલ કરે છે.”
****
(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ઇમારતોનાં ચિત્રાંકનો
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah Kalasampoot – Building sketches 14082023
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
…ને ગુજરાતી પત્રકારણમાં ધોરણસરની રાજકીય ચર્ચા શરૂ થઈ
તવારીખની તેજછાયા
પ્રકાશ ન. શાહ
૧૦ ઓગસ્ટ ઈચ્છારામ દેસાઈની જન્મજયંતી હતી. ૧૭૦ વર્ષ પહેલાં જન્મેલા ઈચ્છારામ દેસાઈએ ૧૯મી સદીમાં અંગ્રેજોને ન ગમે એવું પત્રકારત્વ કર્યું હતું. અંગ્રેજોએ એમની નવલકથા ‘હિન્દ અને બ્રિટાનિયા’ પર તો પ્રતિબંધ મૂક્યો હતો.

થાય છે, જરી ચતુરના ચોતરાવાળી કરું. એક ઉદાહરણ આપું છું અને પૂછું છું કે આ કોનું હશે તે કહો: ‘દરેક ભાષાની ખૂબી તેની સાદાઈમાં છે. જ્યારે શબ્દો નાના નાના સાદા અને સાધારણ લોકો સમજી શકે એમ હોય ત્યારે જ ખરી ખૂબી માલૂમ પડે છે.’ આ સવાલમાં એવી તે શી ધાડ મારવાની છે, વારુ? તમે કહેશો, બિલકુલ શેરલોક હોમ્સની જેમ, ‘એલિમેન્ટરી, માય ડિયર વૉટ્સન.’ સાદી ભાષાની હિમાયત તો ગાંધીજી જ કરે ને. ખોટ્ટી વાત. ૧૮૮૮૦માં (એટલે કે ગાંધીજી હજુ અગિયાર વરસના હશે) ત્યારે આ વાત મૂકનાર હતા ‘ગુજરાતી’ સાપ્તાહિકના સ્થાપક તંત્રી, નામે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ.
જોકે, ઈચ્છારામનો ભાષા વિષયક આગ્રહ ને અભિગમ એક જુદા સંદર્ભમાંયે જોવા જેવો છે. એમની પૂર્વે જે ગુજરાતી પત્રકારત્વ ચાલ્યું એની તપસીલમાં નહીં જતાં સાર રૂપે એટલું જ કહું કે તે બધા બહુધા પારસી માલિકી અને સંચાલનનાં પત્રો હતાં. બીબાં બાબતે થોડીક પૂર્વ તાલીમ પણ ધરાવતા ઈચ્છારામે ચોખ્ખા ગુજરાતી ઉચ્ચારને ધોરણે પ્રેસને …ને ગુજરાતી પત્રકારણમાં ધોરણસરની રાજકીય ચર્ચા શરૂ થઈ.
સાધ્યું અને શરૂના એક-બે અંક બહાર આવતે આવતે તો આ પત્ર પારસીશાઈ અશુદ્ધ ગુજરાતીથી ઉફરું ઊડવા લાગ્યું. પારસી પત્રોની વિશેષતા જોકે એ હતી કે એકલદોકલ અપવાદ સિવાય રાજકીય બાબતોથી અંતર રાખવાના વલણ સામે આ પત્રો સંસાર સુધારા ક્ષેત્રે બુલંદ હોઈ શકતાં હતાં. ઈચ્છારામ રાજકીય બાબતોમાં ધોરણસર કહેવા જેવું કહેતા જ.
હકીકતે, ૧૮૮૦માં એમણે મુંબઈથી ‘ગુજરાતી’ શરૂ કર્યું તે પૂર્વે ૧૮૭૮માં સુરતથી ‘સ્વતંત્રતા’ માસિક થોડો વખત ચલાવ્યું હતું. રાજ્યપ્રકરણી કારણોસર એમના પર તવાઈ આવી ત્યારે મુંબઈથી ફીરોજશાહ મહેતા ખાસ કેસ લડવા આવ્યા હતા અને ત્યારથી ઈચ્છારામે એમને રાજકીય ભોમિયા લેખે સ્વીકાર્યા હતા. ‘ગુજરાતી’ પત્રે કબૂલ્યું હતું કે
‘સંસારી સુધારાની પહેલી જરૂર છે તેમ છતાં રાજકીયને અમે ધિક્કારનાર નથી… અને રાજકીય ને સંસારી સંયુક્ત બળથી અમારો કિલ્લો બાંધવા માંગીએ છીએ… અમારે પોલિટિકલમાં બોલવાનું એટલું જ કે રાજા અને પ્રજા વચ્ચે ગેરસમજૂતીનો જે મોટો અખાત પડેલો છે તેને પૂરી નાખવો… નિપુણ રાજકર્તાથી કેવા લોભ થાય છે તે બતાવવાને જરૂર પડે તો અમારી સલાહનો નબળો અવાજ બહાર કાઢવો…’
‘નબળો’ એ પ્રયોગ અહીં મોડરેટ કહેતાં મવાળ કે નરમના અર્થમાં થયો જણાય છે, જે ફીરોજશાહ આદિના રાજકારણને સુસંગત છે. હજુ કોંગ્રેસની સ્થાપના આડે પાંચ વરસ હતાં ત્યારે, ૧૮૮૦માં ‘ગુજરાતી’ના સ્થાપક તંત્રી આ રીતે વાત કરે છે તે સૂચક છે. જે બે નવલકથાઓથી ઈચ્છારામ અને આ પત્ર બેઉ ઊંચકાયા, ‘હિંદ અને બ્રિટાનિયા’ તેમજ ‘ચંદ્રકાન્ત’, તે પૈકી પહેલી હિંદ દેવી બ્રિટાનિયા ને સ્વતંત્રતા દેવી એ ત્રણ પ્રતાપી નારી પાત્રો વચ્ચેના લાંબા સંવાદો રૂપે દેશહિત નામક પુરુષ પાત્ર સમેત વિલસે છે… અને અંતે ‘દિવ્યમૂર્તિ’ રિપનને ભરતખંડનું રાજ્ય સોંપતાં તે (હિંદદેવી) તથા બ્રિટાનિયા બંને સુખી થયાં અને હિંદ-બ્રિટાનિયાની સામ્રાજ્યકીર્તિ અવિચળ રહો એવો હર્ષયુક્ત નાદ સર્વેના અંત:કરણમાંથી ઊઠી ગગનમાં ગાજી રહ્યો.

ઈચ્છારામે જે લેખકવૃંદ જોતર્યુઁ તેમાં ૧૮૫૭માં સ્થપાયેલી મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટોનો હિસ્સો ખાસો હતો. આ લેખકોમાં રતિલાલ દુર્ગારામ મહેતા, વૈકુંઠરાય મન્મથનાથરાય મહેતા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, સાકરલાલ દુર્ગારામ દેસાઈ, ઈચ્છારામ ભગવાનદાસ, છગનલાલ ઠાકોરદાસ મોદી વ. નામો રતન માર્શલે નોંધ્યાં પણ છે. એકંદરે ‘ગુજરાતી’ના લેખકમંડળનો દબદબો ને એમની ફરતે રચાયેલ પ્રભામંડળ કેવા હશે એનો અંદા જે અણસાર તો પાછળથી, જ્યોતીન્દ્ર દવે સાથે ‘અમે બધાં’થી સુખ્યાત ધનસુખલાલ મહેતાના ‘અનુભવ’થી જાણવા મળે છે.
હજુ કોલેજમાં પહેલાબીજા વરસમાં હશે અને એમણે ‘ગુજરાતી’માં લખેલો લેખ ‘ધનસુખલાલ મહેતા, બી.એ.’ એ લેખકનામથી છપાયો. ધનસુખલાલ ભૂલસુધાર સારુ ગયા તો ઈચ્છારામકાકા ગર્જ્યા: ‘નથિંગ ડુઈંગ!’ ને ઉમેર્યું: ‘અમારો કોઈ લેખક ગ્રેજ્યુએટથી ઓછો હોઈ શકે જ નહીં.’ ધારાવાહી નવલકથાઓ (કેટલીક ‘ચાલુ’ તો કેટલીક હપ્તાવાર) શરૂ શરૂમાં, મુનશીના શબ્દોમાં, હાડપિંજર ને લુગડાં પહેરાવ્યાં જેવી એટલે કે ચીલેચલુ અને વળી જૂનવાણી તરેહની આવતી. પણ ‘ઘનશ્યામ’ નામે એમણે પોતે ‘વેરની વસૂલાત’થી (૧૪ આને કોલમના બાદશાહી ભાવે) પ્રવેશ કીધો એ અલબત્ત એક જુદી જ ઘટના હતી.
લેખકમંડળ અંગે એક વિલક્ષણ ઉલ્લેખ ખાસ કરવો જોઈએ. ‘બીરબલ’ ઉપનામથી હળવી ને કટાક્ષભરી કોલમ લખાતી. દુરારાધ્ય બ.ક.ઠા. ‘બીરબલ’ને તે અરસાના દસ ગુજરાતી ગદ્યકારો પૈકી એક તરીકે ગણાવતા. દર્શકે સંભાર્યું છે કે એક વાર ગાંધીજીએ એમને પૂછેલું: હજી પેલા ‘બીરબલ’ છે કે? હું એમની ‘ભર કટોરા રંગ’ રસથી વાંચતો. આ ‘બીરબલ’, રતન માર્શલે મસ્તફકીરને ટાંકીને નોંધ્યું છે તેમ એક પારસી ગૃહસ્થ હતા- ખરશેદજી બમનજી ફરામરોજ.
ગમે તેમ પણ, એક તબક્કે, ૧૯૧૦માં એમનું મવાળ રાજકારણ પણ અંગ્રેજ સરકારને રાસ ન આવ્યું અને જામીનગીરી મંગાતાં ઈચ્છારામને લાગ્યું કે મારું પત્રકારજીવન પૂરું થયા બરોબર છે. ‘ગુજરાતી’ પત્ર તો ત્યાર પછી પણ બે વરસ એમના થકી અને તે પછી પુત્રો મારફતે ઠીક ચાલ્યું પણ એનો સમય પૂરો થાય એ અનિવાર્ય હતું. કારણ, એક તો, લાલબાલપાલ થકી સરજાયેલ ઉદ્દામ માહોલમાં વળી ગાંધીપ્રવેશ સાથે મવાળ રાજકારણના ખરીદાર નહોતા તેમજ સુધારા બાબતે સનાતની વલણ પણ નવા સમયમાં સ્વીકાર્ય નહોતું. ચોખ્ખી ભાષા અને રાજકીય ચર્ચાની એણે કંડારેલ કેડી બેલાશક એક પ્રતિમાન હતી અને રહેશે. આ પત્રને નર્મદે ‘ગુજરાતી’ એવું રૂડું નામ આપ્યું હતું, અને ઈચ્છારામ અલબત્ત અગ્રગાયી એવા એક ગુજરાતી તરીકે ચિરકાળ સંભારાશે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૯ – ૦૮ -૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક પહેલો : પ્રવેશ ૨ જો

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક પહેલો: પ્રવેશ ૧ થી આગળ
સ્થળ : કિસલવાડી
[ખભે તીરનું ભાથું અને કામઠું લઈ પથ્થર પર બેઠેલો રાઈ પ્રવેશ કરે છે. ]
રાઈ : રાત્રિ ! તારા અંધકાર કરતાં વધારે ઘેરાં આવરણ મારા જીવનની આસપાસા ફરી વળેલાં છે. હું કોણ છું, જાલકા કોણ છે, જાલકા પાસે દ્રવ્યસાધન છતાં શા માટે તે નગરમાં ફૂલ વેચવા જાય છે, મારે વાંચવા માટે પુસ્તકો શા માટે લઈ આવે છે, મારા ધનુર્વિદ્યાના શોખને શા માટે ઉત્તેજન આપે છે, મારે ચઢવા સારુ ઘોડા શામાટે આણી આપે છે, અને તે છતાં, મને માળીને વેષે શા માટે રાખે છે, અને વળી, હું તેની ઈચ્છાને શા માટે અનુસરું છું : એ સરવા આ અંધકારથી પણ વધારે અગમ્ય છે. (ઊભો થઈને) પરન્તુ માણસના જીવનમાં કયે સ્થળે અગમ્યતા સામી આવીને ઊભી રહેતી નથી.
(શાર્દૂલવિક્રીડિત)
આત્મા શોણીતા માંસ અસ્થિની ગુફા અંધારી તેમાં પૂર્યો,
ઉત્સાહી અભિલાષ, દુર્લભ ઘણા સંસાર તેથી ભર્યો;
રોકાયો પુરુષાર્થ કારણ અને કાર્યોતણી બેડિથી,
ઘેરાઈ સઘળે અગમ્ય ઘટના સંકલ્પ થંભાવતી. ૪(થોડું ચાલીને) અને વળી, જાલકાએ સૂકાઈ ગયેલા ઝાડને લીલું કરવાનો આ મિથ્યા પ્રયત્ન શા માટે આદર્યો છે? જેનું જીવનબળ ગયું તેનો ફરી વિકાસ થયો કદી સાંભળ્યો છે?
(મન્દાક્રાંન્તા)
પીળાં પર્ણો ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં,
ભાગ્યાં હૈયાં ફરિ નથી થતાં કોઈ કાળે રસીલાં;
પામે વૃદ્ધિ ક્ષય પછી શશી, – પ્રાણિનું એ ન ભાવી,
ના’વે એને ભરતિ કદિ જ્યાં એકદા ઓટ આવી. ૫[આમ તેમ ફરે છે]
(એકાએક ઊભો રહીને) પાનાં રાખો ! (કાન દઈને) પણે આઘે છેક દક્ષિણે ખડખડાટ સંભળાય છે. એ જ પેલું પશુ ! (કામઠું લઈ તે પર તીર ચઢાવીને) અંધારામાં કંઈ દેખાતું નથી, પણ, આ શબ્દવેધી બાણ એને આબાદ વાગશે. (અવાજની દિશામાં બાણ છોડે છે.) બાણ તો બરાબર એ તરફ ગયું.
[એકાએક ચીસ સંભળાય છે. પછી ભૂમ સંભળાય છેકે ‘ગજબ ! ગજબ ! રે ! કોઈ આવો રે !’ રાઈ તે તરફ દોડતો જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
