વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • પૂછ એને કે જે શતાયુ છે; કેટલું ક્યારે ક્યાં જીવાયું છે

    પૂછ એને કે જે શતાયુ છે;
    કેટલું ક્યારે ક્યાં જીવાયું છે.

    શ્રી સવા બારણે લખ્યા કર તું,
    શબ્દથી બીજુ શું સવાયું છે.

    આંખમાં કીકી જેમ તું સાચવ,
    આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે.

    સત્યને કોણ ધારે એ જોયા કર,
    એ કાં સુદર્શન છે, ને કાં અડાયું છે.

    આપણો દેશ છે દશાનનનો,
    આપણો માંહ્યલો જટાયુ છે.

    કોઈનું ક્યાં થયું કે તારું થાય,
    આ શાહીનું ટીપું તો પરાયું છે.

    તારે માટે ગઝલ મનોરંજન,
    મારે માટે તો પ્રાણવાયુ છે.

    – મનોજ ખંડેરિયા

  • ફિલસુફીભર્યા ગીતો – ૧૩ – जब तक ना हो लगन सीने में बेकार है ऐसे जीने में

    નિરંજન મહેતા

    हमें उन राहो पर चलना है
    जहां गिरना और संभलना है
    हम है वो दिये औरो के लिये
    जिन्हें तुफानो में जलना है

     

    जब तक ना हो लगन सीने में
    बेकार है ऐसे जीने में
    चढ़ना है हमें चन्दा की तरह
    सूरज की तरह नहीं ढलना है

     

    मै पास रहूं या दूर रहूं
    ये बात अभी तुम से कह दू
    मुर्ज़ाना नहीँ फूलो की तरह
    दीपक की तरह हमें जलना है

     

    आकाश से आती है सदा
    गम आये तू जी ना जला
    कभी गम है यहाँ कभी ख़ुशी
    हर हाल में हम को पलना है

    ૧૯૬૦ની ફિલ્મ ‘માસૂમ’નું આ ગીત લાગે છે કે માતાના અવસાન બાદ અનાથ થયેલા બાળકોને સંબોધીને ગવાયું છે. મનમોહન કૃષ્ણ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે રાજા મેહંદી અલી ખાન જેને સંગીત આપ્યું છે રોબીન બેનરજીએ અને સ્વર છે સુબીર સેનનો. (હેમંતકુમારનો ડુપ્લીકેટ અવાજ).

    માતા વિહોણા બાળકોને પ્રોત્સાહિત કરવા આ ગીત ગવાયું છે.

    બાળકોને જણાવાયું છે કે જીવનમાં એવા રસ્તે ચાલવું જ્યાં ચઢાવ ઉતાર આવે અને પડવું આખડવું થાય ત્યાર બાદ ઉભા થઈ જવું. કારણ તમારે તો અન્યોના માર્ગદર્શક બનવાનું છે જેથી તેમની મુશ્કેલીમાં તેમને સહાય કરી શકો.

    જે દિલમાં લગાંવ ન હોય તેનું જીવવું નિરર્થક છે. તમારૂં જીવન ચંદ્રની જેવું હોવું જોઈએ જે ઉગે છે અને નહીં કે સુરજની જેમ જે અસ્ત પામે છે.

    બીજા અંતરામાં સ્વર્ગસ્થ માતાના કંઠે ગવાયેલ ગીત તેમને યાદ અપાવે છે કે હું ભલે તમાંરી પાસે હોઉં કે દૂર પણ યાદ રાખજો કે તમારે ફૂલની જેમ કરમાવાનું નથી પણ દીવાની જેમ પ્રકાશ આપતા રહેવાનું છે.

    આગળ તેમને કહેવાય છે કે જીવનમાં દુઃખ તો આવશે પણ તમે તેનાથી સંતાપ ન પામતા કારણ જિંદગીમાં ક્યારેક સુખ હોય છે તો ક્યારેક દુઃખ. તમારે ગમે તેવી પરિસ્થિતિમાં જીવવાનું છે અને આગળ વધવાનું છે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • શૈલેન્દ્રનાં ગીતોની બસંત પ્રકાશ અને શૈલેશ મુખર્જી દ્વારા સ્વરબદ્ધ કરાયેલી રચનાઓ

    વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    શૈલેન્દ્ર  શંકરદાસ કેસરીલાલ, (જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ – અવસાન ૧૪ ડીસેમ્બર, ૧૯૬૬) – ની ફિલ્મ ગીતોની રચનાઓની વાત આવે એટલે તેમણે હસરત જયપુરી સાથે શંકર જયકિશનની રચનાઓની જ યાદ સામાન્ય રીતે આવે. જોકે થોડી વધારે વિગતની શોધખોળ કરીએ તો જાણવા મળે કે આ બન્ને ગીતકારોએ આજના અંકમાં ઉલ્લેખાયેલ ફિલ્મ ‘બદનામ’ (સંગીતઃ બસંત પ્રકાશ), દિલ્લી દરબાર (૧૯૫૬, સંગીતઃ એસ એન ત્રિપાઠી)  અને અબ દિલ્લી દૂર નહી (૧૯૫૭, સંગીત દત્તારામ)માં પણ એક જોડીના રૂપમાં ગીતો લખ્યાં છે.

    શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ અલગ અલગ રીતે એસ ડી બર્મન અને આર ડી બર્મન સાથે પણ ગીતો લખ્યાં છે. શૈલેન્દ્ર – એસ ડી બર્મનનું સહકાર્ય તો શંકર જયકિશન બાદ સલીલ ચૌધરીની સાથે તેમણે કરેલ સહકાર્ય સંખ્યાત્મક અને ગુણાત્મક બન્ને દૃષ્ટિએ મહત્ત્વનું રહ્યું છે. આપણે એ શ્રેણી યોગ્ય સમયે અલગથી આ મંચ પર કરીશું.

    તે ઉપરાંત બીજા સંગીતકારો સાથે કોઈ ફિલ્મમાં અન્ય ગીતકારો સાથે અમુકતમુક ગીતો લખ્યાં હોય એવી પણ છએક ફિલ્મો હશે. આવાં ગીતો શૈલેન્દ્ર અને અન્ય સંગીતકારો તેમ હસરત જયપુરી અને અન્ય સંગીતકારો પરની અલગ અલગ શ્રેણીઓમાં યાદ કરી રહ્યાં છીએ, એટલે તેમનો ઉલ્લેખ અહીં ફરીથી નથી કર્યો.

    ૨૦૧૭માં આપણે શૈલેન્દ્રનાં અન્ય સંગીતકારો સાથેનો લેખ –શૈલેન્દ્રનાં ‘અન્ય’ સંગીતકારો સાથેનાં ગીતો – કર્યો તે પછીથી  આપણે

    ૨૦૧૮ – શૈલેન્દ્ર અને રોશન

    ૨૦૧૯ –  શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

    ૨૦૨૦શૈલેન્દ્ર અને એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર

    ૨૦૨૧ – શૈલેન્દ્ર અને શાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોય, અને

    ૨૦૨૨ – શૈલેન્દ્ર અને કિશોર કુમાર

    નાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

    આજના અંકમાં આપણે શૈલેન્દ્રની બસંત પ્રકાશ અને શૈલેશ મુખર્જી દ્વારા રચિત એક એક માત્ર ફિલ્મોની રચનાઓ યાદ કરીશું.

    શૈલેન્દ્ર અને બસંત પ્રકાશ

    એ તો આપણને સુવિદિત જ છે કે બસંત પ્રકાશ  એ સમયના ખુબ જ જાણીતા અને સન્માનીય સંગીતકાર ખેમચંદ પ્રકાશના નાના ભાઈ થાય. બન્ને વચે ઉમરનો ખાસ્સો તફાવત હતો..

    નાનપણમાં બસંત પ્રકાશને નૃત્ય પ્રત્યે વિશેષ રૂચિ હતી. પણ પછી ધીમે ધીમે મોટાભાઈની સંગીતકાર તરીકેની સફળતાના પ્રભાવ હેઠળ તેઓ પણ સંગીત તરફ ઢળવા લાગ્યા.

    ૧૯૫૧માં ખેમચંદ પ્રકાશનાં અચાનક અવસાનને કારણે તેઓ દ્વારા સંગીતબદ્ધ કરાઈ રહેલ ફિલ્મ, જય શંકર, અધુરી રહી ગઈ હતી. એ ફિલ્મને પુરી કરવાનું કામ બસંત પ્રકાશને મળ્યું અને તેમણે હિંદી ફિલ્મ સંગીતક્ષેત્રે પદાર્પણ કર્યું. ૧૯૫૨માં ફિલ્મીસ્તાન સ્ટુડીઓ જેવા માતબર નિર્માણ ગૃહ દ્વારા તેમને ‘સલોની’ અને ‘બદનામ’ એ બે ફિલ્મો મળી. ફિલ્મીસ્તાનની તે પછીની ‘અનારકલી’નું સંગીત પણ બસંત પ્રકાશને જ સોંપાયું હતું. તેમણે બે ગીતો રેકોર્ડ કર્યા પછી અચાનક જ ‘અનારકલી’નું સંગીત સી રામચંદ્રને સોંપી દેવાયું. (યોગાનુયોગ છે કે શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ આ ફિલ્મ માટે અવિસ્મરણીય ગીતો લખ્યાં છે. )

    ૧૯૫૮ સુધી બસંત પ્રકાશને છુટક છુટક ફિલ્મો મળતી રહી, તે પછી તેમના કૌટુંબિક સંજોગોને કારણે એક લાંબો સમય તેઓ સક્રિય ન રહ્યા. જોકે તે પછી તેમને જે કોઈ ફિલ્મો  કરી એ પણ બહુ સફળ ન રહી.

    ‘અનારકલી’ માટે તેમણે સંગીતબદ્ધ  કરેલ બે ગીતોમાંથી કહતે હૈ જિસે પ્યાર જ઼માને કો દીખા દે (ગીતા દત્ત ગીતકાર – જાં  નિસ્સાર અખ્તર) ફિલ્મનાં બીજાં ગીતો જ યાદગાર બન્યું. તે ઉપરાંત બસંત પ્રજાશનું કદાચ એક માત્ર ગીત રફ્તા રફ્તા વો હમારે દિલ કે અરમાં હો ગયે (હમ કહાં જા રહે હૈ, ૧૯૬૬ – મહેન્દ્ર કપૂર, આશા ભોસલે – ગીતકારઃ ક઼મર જલલાબાદી- નિર્માણઃ ફિલ્મીસ્તાન) યાદ કરાય છે.

    ‘બદનામ’, ૧૯૫૨માં બસંત પ્રકાશ અને શૈલેન્દ્રએ સાથે કામ ક્રર્યું.

    બદનામ (૧૯૫૨)

    શૈલેન્દ્ર અને હસરત જયપુરીની જ જોડીએ ગીતો લખેલી શંકર જયકિશન દ્વારા સંગીતબદ્ધ થયેલ ‘દાગ’ પણ લગભગ ‘બદનામ’ સાથે જ રજુ થઈ. એક ફિલ્મ, તેનું સંગીત ખુબ સાફળ રહ્યાં અને બીજી ફિલ્મ સફળ ન થઈ એટલે સંગીત સારૂ હોવા છતાં સરવાળે નિષ્ફળતા જ પામ્યું.

    જિયા નહી લાગે હો મોરા મન નહી લાગે તેરે બીના – લતા મંગેશકર, સાથીઓ

    પ્રેમીની રાહ જોઈ રહેલી પ્રેમિકાની મીઠી ફરિયાદ રજુ કરાઈ રહી છે

    લે જા અપની યાદ ભી અબ જો હો ગયી પ્રીત પરાઈ ઓ હરજાઈ તેરી ઝફાને સબ કુછ લુટા મેરી વફા કુછ કામ ન આઈ – લતા મંગેશકર

    પ્રેમી સાથે છેટું પડી જાય એટલે પ્રેમિકા પોતાનાં દુઃખને ગીતમાં વ્યક્ત કરે એવી સીચ્યુએશન એ સમયની સામાજિક ફિલ્મોમાં અચુક આવે. હવે આ પરિસ્થિતિમાં એ જ ગીતકાર અને એ જ ગાયિકાનું  એ સમયનું બીજું ગીત – પ્રીત યે કૈસી બોલ રે દુનિયા બોલ (દાગ, ૧૯૫૨ – સંગીતઃ શંકર  જયકિશન) – તો દર્શકના મનમાં થવાની જ. અહીં પરિસ્થિતિ એવી બનતી જણાય છે કે પ્રસ્તુત ગીત પણ ભાવ અભિવ્યક્તિમાં એટલું જ પ્રભાવક હોવા છતાં દાગનાં ગીતનાં સજાવટને કારણે લોકોને હોઠે ચડ્યું નહીં.

    ઓ દેનેવાલે યે ક્યા દિયા તુને દો ચાર આંસુ દો ચાર આહેં – ગીતા દત્ત

    ગીતના બોલમાં તો ઉંડી ઊંડી પ્રેમી સાથેની જુદાઈની ફરિયાદ જ છે, પણ કોઈ કારણસર તેને પરદા પર નૃત્ય કરતાં રજુ કરવાનું ગોઠવાયું લાગે છે. એટલે દર્દને છુપાવીને મોં હસતું રાખવાનો ભાવ રજુ કરવાની આવી પડેલી કપરી જવાબદારી ગીતા દત્ત બખુબી નિભાવે છે.

    ઘીર આયી હૈ ઘોર ઘટા અપની મજબુરીયોંકો લિપટ કે .. પ્યાર રોને લગા  – ગીતા દત્ત

    ગીતની બાંધણીમાં મોટી સંખ્યામાં વાયોલિન, પિયાનો વગેરે પાશ્ચાત્ય વાદ્યોની કરવામાં આવી છે, એટલે ગીત કોઈ પાર્ટીંમાં ગવાતું હોય કે પછી ખરેખર ઘનઘોર વાદળોની ઘટાથી ઘેરાયેલ ખુલ્લાં વાતાવરણમાં ગવાયું હશે! જોકે આજે તો આપણા માટે ગીતા દત્તના સ્વરમાં ભાવની વ્યક્ત થતી સાહજિકતા માણવાનું વધારે અગત્યનું બની રહે છે.

    ઓ પ્યારેજી ચલો બાગ કી સૈરકો ચલે કે તેરા મેરા પ્યાર ચોરી તો નહી .. મોહે દુનિયા કા ડર ભારી કી મૈં થાનેદારકી છોરી તો નહીં – મોહમ્મદ રફી, આશા ભોસલે

    બે પ્રેમીઓને આટલી મુક્ત મોકળાશ હંમેશ માટે મળે તો પ્રેમીઓની દુનિયા કાયમ સ્વર્ગ જ બની રહે !

    શૈલેન્દ્ર અને શૈલેશ મુખર્જી

    શૈલેશ મુખર્જી વિશે જે કંઈ આછી પાતળી માહિતી મળે છે તેનાથી એટલી જરૂર ખબર પડે છે કે તેમણે ત્રણ ફિલ્મોમાં સંગીત આપવા ઉપરાંત બે એક ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે અને થોડી ફિલ્મોમાં બધું મળીને દસેક જેટલાં ગીતો પણ ગાયાં છે. રાજ ક્પૂર નિર્મિત પહેલી જ ફિલ્મ ‘આગ’ (૧૯૪૮)નું દેખ ચાંદકી ઓર શૈલેશ (મુખર્જી)એ ગાયું છે !

    સવેરા (૧૯૫૮)

    શૈલેશ મુખર્જીએ સંગીતબદ્ધ કરેલી ત્રણ ફિલ્મો સુહાગ સિન્દુર (૧૯૫૩), પરિચય (૧૯૫૪) અને સવેરા (૧૯૫૮)માંથી ‘સવેરા’નાં ગીતો સૌથી વધારે જાણીતાં થયેલાં કહી શકાય. ફિલ્મમાં એક ગીત (ગઝલ) – ઠહેરો જરા સી દેર કો આખિર ચલે જાઓગે – પ્રેમ ધવને લખેલ છે.

    મન કે અન્ધીયારે સુને ગલીયારે મેં જાગો જ્યોતિર્મય …. જીવન કે રાસ્તે હજાર – મન્ના ડે

    એ સમયની ફિલ્મોમાં કોઈ ફકીર કે અજાણ વ્યક્તિ જ, કે પછી બેકગ્રાઉંડમાંથી સંભળાતો સ્વર, ફિલ્મનાં મુખ્ય પાત્રને બોધ મળે, તેનાં મનના ઉચાટને શાતા વળે એવાં ગીત ગાય,  એ પ્રથા બહુ અસરકારક રીતે પ્રચલિત હતી. ગીત પુરૂં થાય ત્યાં સુધી તો ધારી અસર થઈ જ હોય. જોકે મોટા ભાગે આ ગીતો પાછાં લોકસ્વીકાર્ય પણ ખુબ રહેતાં!

    ઓ પરદેશી છોરા છૈલા ગોરા ગોરા ભા ગયા જી દિલમેં આ ગયા – લતા મંગેશકર

    અહીં પણ નાવ પર નૃત્ય કરતી કે મછવારણ (શીલા વાઝ) ફિલ્મની નાયિકાના મનના ભાવ જ વ્યક્ત કરે છે. જોકે પરદા પર મીના કુમારીનું પાત્ર જે રીતે દેખાય છે તે પોતાના મનના ભાવ આવી પાશ્ચાત્ય ધુનમાં અનુભવે કે કેમ એ સવાલ તો રહે !

    છુપા છુપી ઓ છુપ્પી આગડ બાગડ જાયી રે ચૂહે મામા ઓ મામા ભાગ બિલ્લી આઈ રે – મન્ના ડે, લતા મંગેશકર

    નિર્ભેળ બાળ ગીતની રચનામાં શૈલેન્દ્ર પણ પુરેપુરા ખીલે છે !

    આંખ મિચૌલી ખેલ રહી હૈ મુજ઼સે મેરી તક઼દીર ….મન કો સૌ સૌ પંખ દિયે પૈરોમેં ઝંઝીર – લતા મંગેશકર

    પ્રેમની લાચારીની વ્યથા વ્યક્ત કરવામાં શૈલેન્દ્રમાંનો કવિ પણ દ્રવી ઊઠ્યો છે. આટલું સુમધુર ગીત હોવા છતાં આ ગીત ફિલ્મનાં અન્ય હલકાં ફુલકાં ગીતોની સરખામણીએ સાવ જ લોકપ્રિય ન થયું ગણાય.

    https://youtu.be/Hb__tWpF_4E

    નદીયા કે પાની રે નદીયા કે પાની છુપ છુપ જઈઓ સજનાસે કહીયો બૈરી બીન તેરે કૈસે કટેગી જવાની – લતા મંગેશકર

    ફિલ્મનાં સૌથી જાણીતાં ગીત કહી શકાય એવાં આ ગીતની રચનામાં સલીલ ચૌધરીની શૈલી અસર વર્તાય છે. મનના આવા ભાવો તો ખુબ વેગથી વહે એ દૃષ્ટિએ ગીતની દ્રુત લય આપણને જચે, પણ પરદા પર નાવ ચલાવતી નાયિકા એટલી ઝડપથી નાવ ક્યાંથી ચલાવી શકે?

    શૈલેન્દ્રની અન્ય સંગીતકારો સાથેની રચનાઓની આ સફર હજુ ચાલુ જ રહે છે ……

  • ફિલ્મી ગઝલો – ૧૧. પ્રેમ ધવન

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ગીતકાર પ્રેમ ધવન પર આવીએ. ખાસ્સા લોકપ્રિય અને વરિષ્ઠ શાયર. એમનું લખેલું ‘ ઐ મેરે પ્યારે વતન, ઐ મેરે બિછડે ચમન ‘ – ( કાબૂલી વાલા ના શબ્દો આંખોમાં ઝળઝળિયા લાવી દે. એથી સાવ જૂદા ભાવનું ‘ સીને મેં સુલગતે હૈં અરમાં આંખો મેં ઉદાસી છાઈ હૈ ‘ – તરાના ( ૧૯૫૧ ) તો વળી ગઝલ અને એ પણ રણઝણાવી દે તેવી !

    પ્રેમ ધવન એક હરફનમૌલા કલાકાર હતા. સેંકડો લોકપ્રિય છતાં સત્વશીલ ગીતો તો આપ્યા જ, અનેક ફિલ્મોમાં નૃત્ય – નિર્દેશન પણ કર્યું, થોડીક ફિલ્મોમાં ઉમદા સંગીત પણ આપ્યું ( શહીદ, પવિત્ર પાપી ). અભિનય અને ફિલ્મ – નિર્માણ પર પણ હાથ અજમાવ્યો. વક્ત, ધૂલ કા ફૂલ, દો બીઘા ઝમીન અને નયા દૌર જેવી ઉત્કૃષ્ટ ફિલ્મોમાં એમનું નૃત્ય – નિર્દેશન હોય એ વાત માની જ ન શકાય ! દિલીપ કુમાર અને વૈજયંતિમાલા ‘ ઉડે જબ જબ ઝુલ્ફે તેરી કંવારિયોં કા દિલ મચલે‘ ગીતમાં એમના ઈશારે નાચે છે એ કલ્પના જ રોમાંચક !

    ઉપર ઉલ્લેખી એ ઉપરાંત પણ ઘણી શ્રેષ્ઠ ગઝલો આપી. એમાંની બે :

    ૧.

    કહાં ખો ગઈ હૈ  બહાર આતે – આતે
    મિલા ગમ યે કૈસા કરાર આતે -આતે

    હૈ દિલ ડૂબા- ડૂબા નઝર ખોઈ-ખોઈ
    યે ક્યા રંગ લાયા હૈ પ્યાર આતે-આતે

    વો જિન પે ભરોસા કિયા હમને વો ભી
    બદલને  લગે  ઐતબાર  આતે – આતે

    તડપને  દો  મુજકો  મેરી  બેકરારી
    કે આએગા દિલ કો કરાર આતે – આતે ..

     

     

    – ફિલ્મ : ઘર ઘર મેં દિવાલી – ૧૯૫૫

    – લતા

    – રોશન

    .

    કટતી  હૈ  અબ  તો  ઝિંદગી મરને કે ઈંતઝાર મેં
    અબ ન ખિઝાં મેં કોઈ ગમ અબ ન ખુશી બહાર મેં

    ક્યા – ક્યા ફરેબ ખાએ હૈં, ક્યા – ક્યા સિતમ ઉઠાએ હૈં
    હમ  તો  કહીં  કે  ના  રહે,  હાએ  કિસી  કે  પ્યાર  મેં

    દેખી થી હમને ભી બહાર, હમ ભી હંસે થે એક બાર
    કિતના  કરાર  થા  કભી,  ઈસ  દિલે – બેકરાર  મેં ..

     

    – ફિલ્મ : નાઝ – ૧૯૫૪

    – લતા

    – અનિલ બિશ્વાસ


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • વનવૃક્ષો : કોકમ

    ગિજુભાઈ બધેકા

    માણસો દાળમાં કોકમ નાખે છે તે તમે જાણો છો.

    કોકમનો સ્વાદ અને રંગ કેવો છે તે તમે જાણો છો.

    શિયાળામાં હાથપગની ચામડી અને હોઠ ફાટી જાય છે ત્યારે ધોળું કોકમનું ઘી તમે લગાડતા હશો; જો કે હાલના સુધરેલા જમાનામાં ઘણા લોકો કોકમના ઘીના બદલે વેસેલાઈન લગાડે છે.

    કોઈ સારો ભૂગોળ ભણાવનાર હશે તો તમને એમ ભણાવશે કે કોકમ કોંકણ અને કર્ણાટક દેશમાં ઘણાં થાય છે.

    કોંકણ અને કર્ણાટકના છોકરાઓ કહેશે કે અમે રાતાં કોકમ ખાધેલાં છે, અંદરનું પાણી પીધેલું છે, એનાં બિયામાંથી મીણ જેવું જાડું ને ધોળું તેલ કાઢેલું છે.

    છાશને બદલે તમારી ડાહી બા કોકમની કઢી કોઈ કોઈ વાર કરતી હશે, અને તમે તે ખાધી હશે.

    દક્ષિણી લોકોને ઘેર જાવ ત્યારે કહેજો કે ” અમને કોકમનું સાર બનાવીને ચખાડો ને ? ” કોકમનું સાર મીઠું થાય છે.

    બીજી ચટણીઓ વેચવાવાળા દુકાનદારો હાલમાં કોકમની ચટણી બનાવે છે; ચેવડા સાથે એની ચટણી મીઠી લાગે છે.

    કહો હવે કોકમ વિષે બાકી શું રહ્યું ?

    હા, થોડીએક વાત રહી ગઈ. ગુજરાતમાં કે કાઠિયાવાડમાં ક્યાં યે કોકમનાં ઝાડની તમને ખબર છે ?

    તમે ગુજરાતી હશો તો જાણતા હશો કે તમે કોકમના બદલે આંબલી ખાઓ છો; ગુજરાતમાં આંબલીનાં ઝાડનો કોઈ પાર નથી. કાઠિયાવાડમાં હશો તો અનુભવ હશે કે ક્યાંક જ આંબલી વપરાય છે; અને મોટે ભાગે તો કોકમ જ વપરાય છે.

    કોંકણ કોકમનાં ઝાડ ઉગાડે તે કાઠિયાવાડ કોકમની છાલ ખાય !


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • પક્ષીના માળાની રચનાની અને ખાસિયતો

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    જેવી સુંદર રચના કુદરતે પક્ષીઓની કરી છે તેવી રીતે પક્ષીને માળાની ગૂંથણીનું કૌશલ્ય/Skill આપેલું છે. દરેક જાતના પક્ષીને કુદરતે પોતાની જરૂરિયાત મુજબ માળો બનાવવાની કાબેલિયત આપેલી છે. તેઓ  સુંદર, કાર્યાત્મક/Functional, વૈજ્ઞાનિક ગૂંથણી, મજબૂત માળો સમજી વિચારીને સાવચેતીથી સલામત જગ્યાએ બનાવી લે છે. આમલો બનાવતી વખતે ખાસ કરીને પોતાની પસંદગીની માદાને તે માળો સુંદર અને સલામત લાગશે તે ધ્યાનમાં રાખીને માળો બનાવે છે અને નર તે સમય ગાળામાં માદામય રસિક/ romantic  બની જાય છે.

              માળો એટલે પક્ષી માટે દર વર્ષે ઈંડા મુકવાનું ઘર. ઈંડાને સેવે, બચ્ચાને ખોરાક આપી ઉડવાનું શિક્ષણ આપી ઉડતા શીખવાડે અને ત્યારબાદ બચ્ચા કુદરતમાં વસે. કુદરતમાં વાસી ગયા બાદ તે માળાનો ઉપયોગ બીજી ઋતુમાં ફરી ગર્ભ ધારણ કરે ત્યારે ફરીથી માળો વાપરી શકે છે. તે સિવાય માળો એટલે તેમનું કાયમી રહેઠાણ નથી.

    દરેક પક્ષીની માળો ગૂંથવાની રીત અને કલા કાયમી એક સરખી ચાલી આવતી હોય તેવી રીતે માળો બનાવતા હોય છે. એટલે એમ સમજી શકાય કે માળો જોઈને જાણકાર વ્યક્તિ સમજી શકે કે કાયા પક્ષીનો માળો છે. વારસોવરસ તેમાં ફેરફાર નથી થતા હોતા. હા માળામાં ભરવા માટેનો કાચોમાલ જે તે સ્થળે મળે તેની ઉપર ચોક્કસ આધાર રાખે છે.

    હાલમાં વિકાસની દોટમાં સુગરી જેવા અને અન્ય પપક્ષીઓને માળો ગૂંથવા માટે જોઈતો કાચો માલ આસપાસના વિસ્તારમાંથી મળતો ઓછો થતો જાય તેમતેમ તેઓ પોતાનો કાયમી વસવાટનો વિસ્તાર છોડીને બીજા વિસ્તાર તરફ કાયમી જતા રહેતા હોય છે. ક્યારેક તેઓ નો રચેલો માળો કોઈએ તોડી નાખ્યો હોય તો છેલ્લી ઘડીએ તેઓએ ઈંડા ગમે ત્યાં મૂકી દેવા પડતા હોય છે અને ઈંડા સફળ થવાની શક્યતા ખુબજ ઓછી થઇ જાય છે.

    પક્ષીઓની પ્રજનનની ચોક્કસ ઋતુ હોય છે અને તે પ્રમાણે તેઓ અનુકૂળ ઋતુમાં માળો બનાવી ઈંડા મૂકી બચ્ચાનો ઉછેર કરતા હોય છે. ઘણી જાતના પક્ષી પોતાના એક વતનના ખુબ ઠંડા પ્રદેશમાં શિયાળો બેસતા પહેલાં ઋતુપ્રવાસ પણ નિયમિત રીતે યોગ્ય સમયે કરતા હોય છે અને પોતાના નિર્ધારિત બીજા વતનમાં પ્રજનની ઋતુમાં પહોંચી જતા હોય છે. આવા પક્ષીઓમાં ખાસ કરીને સુરખાબ/ Flamingo ખુબ જાણીતું પક્ષી છે જે કચ્છના રણના ચોમાસાના પાણી ભરાયેલા વિસ્તારમાં જેવા ખુલ્લા વિસ્તારમાં હજારો માઈલની મુસાફરી કરી ઈંડા મુકવા માટે આવે છે. જ્યારે ચાતક/ Jacobin Robin જેવા પક્ષી હિમાલયના ખુબજ ઠંડા શિયાળામાં ગુજરાત તેમજ મધ્ય ભારત અને વિવિધ વિસ્તારમાં આવી પ્રજનન કરી પાછા પોતાનો પ્રજનન ઋતુ પુરી થાય ત્યારે ફરીથી પાછા પોતાના બીજા વિસ્તારમાં જતા રહેતા હોય છે. આમ તેમને વસવાટના કાયમી બે વિસ્તાર હોય છે અને બંને જગ્યામાં ઋતુ પ્રમાણે જીવન ગુજારતા હોય છે.

    ખાસ કરીને ચકલી જેવા માનવ વસાહત આસપાસ જીવતા પક્ષીને માળામાં ભરવા માટે કાચોમાલ ન મળે તો તેઓ પ્લાસ્ટિકના ટુકડા, દોરા, કાપડના ગાભા વગેરે બખોલમાં ભરીને માળો બનાવી લેતા જોવા મળ્યા છે. હાલના સમયમાં પક્ષીને માળો ગૂંથવા માટેનો કાચો માલ વગેરે ન મળે તો બુલબુલ, દૈયડ/ Magpie robbins, કાબર/ mayna, દેવચકલી/ Indian Robins જેવા પક્ષીઓ ચકલી માટે ગોઠવેલા માળામાં પોતાના ઈંડા મુકતા જોવા મળે છે. જ્યારે મુનિઆ/ Indian Silverbills સામાન્ય રીતે સુગરીના વપરાઈ ગયેલા અને બચ્ચા ઉડી જાય ત્યારબાદના જુના માળામાં અને ચકલીના માળામાં ઈંડા મુકતા જોવા મળે છે તે બહુ સામાન્ય વાત છે.

    સુગરી જેવા પક્ષીનો માળાની રચના ખુબજ આગવી હોય છે. સુગરીનો માળો ઊંધો લટકતો હોય છે. એટલે કે સુગરી નીચેથી ઉપર જઈ શકે તેવો માળો હે છે. નીચેથી દાખલ થવાનો રસ્તો સાંકડો હોય છે, માળાનો વચ્ચેનો ભાગ પહોળો હોય છે જયાં ઈંડા મૂકે છે અને તે સહેજ વણાકમાં બારીકીથી રચેલો હોય છે જે કારણે ઈંડા કે બચ્ચા નીચે રગડી પડતા નથી. છેક  ઉપર ના ભાગમાં નર સુગરી અનુકૂળ વૃક્ષની પાતળી ડાળી ઉપર બારીકાઇથી પહેલો ટાંકો લઇ માળો ગૂંથવાની શરૂઆત કરે છે. નર સુગરી એક કરતાં વધારે માળા ગૂંથે છે. તેમાંથી માદા સુગરી જે માળો પસંદ કરે તે માળો ઉપયોગમાં લેવાતો હોય છે જે તેમની એક વિશિષ્ટ ખાસિયત છે.

    સુગરીની જેમ નાના શક્કરખોરો/ Purple Sunbird માળો પાતળી ડાળીના છેડે બનાવે છે જેથી માળો શિકારી પક્ષી અને સાપથી બચીને રહે. પોતાના વજનના કારણે સાપ કે મોટા પક્ષી માળાની પાતળી ડાળ ઉપર બેસી શકતા નથી અને માટે તેઓ ત્યાં ઈંડા કે બચ્ચા ખાવા માટે ત્યાં પહોંચી શકતા નથી. માળા માટે પાતળી સળીઓ, રેસા વગેરે વાપરે છે અને વચ્ચે ઈંડા મુકવા માટે પોચી વસ્તુઓ ભેગી કરીને ગાદી જેવો ભાગ બનાવે છે જેનાથી ઈંડા અને બચ્ચાની અનુકૂળતા સચવાય. વચ્ચેના ઈંડા મુકવાના ભાગમાં પોચી ગાદી જેવો ભાગ બનાવાની વ્યવસ્થા લગભગ દરેક પક્ષીના માળામાં જોવા મળે છે.

    દરજીડો/ Tailor bird પોતાની માળો ગૂંથવાની કાબેલિયતને કારણે ઘણો જાણીતો છે. માળો ગૂંથવા માટે તે પામ જેવા વૃક્ષના પાંદડાની પટ્ટીઓ બનાવી દરજીની જેમ એક પટ્ટીને બીજી પેટ્ટી સાથે સીવે છે અને માળો માળો ગૂંથે છે. ગૂંથેલા માળાની અંદરના ભાગમાં તે પોચું ઘાસ અને બીજો કાચો માલ ભરીને ગાડી બનાવી તેમાં ઈંડા મૂકે છે. આ નાનું પક્ષી જે ખુબજ ચબરાક અને ચંચળ છે તે સતત ઉડાઉડ કરે છે અને તેનો માળો જોવો તે એક લહાવો ગણાય. તેના માળાના ટાંકા જુવો તો દરજી જેવી સિલાઈના માપસરના ટાંકા જોવા મળે અને તેનાથી માળાને મજબૂત અને સલામત બનાવે છે.

    ફડકફુતકી /Indian Prinia પણ એક નાનકડું પક્ષી છે જેનો માળો પણ આગવો હોય છે. તેની એક ખાસિયત છે કે જો તે માળાની જે જગ્યા શોધે છે ત્યારે માળાની ઉપરના ભાગમાં મોટા પાંદડા વાળો છોડ શોધીને તે પાંદડાને છોડમાંથી કાપ્યા વગર તેનો ઉપયોગ કરીને વળાંક આપીને માળો બનાવે છે. તે માળામાં તે વણાંકવાળા ભાગમાં બીજા રેસાથી ટાંકા લે છે અને તે કારણે તે પાંડુ સુકાતું નથી અને તે કારણે તે પાંદડામાં ફાટ/ તિરાડ પડતી નથી અને માળાને વધારે લાંબા સમય સુધી વધારે સલામતી અને મજબૂતી મળે છે. આ ઉપરાંત તે કારણે તે જગ્યાએ માળો છે તે શિકારને ધ્યાનમાં આવતું નથી અને છદ્માવરણ/ camoufloge બની જાય છે. આ ખુબજ ચાતુર્ય ભરેલું કામ છે અને ઈંડા તેમજ બચ્ચાને શિકારથી બચાવીને રાખે છે.

    ગીધ વિવિધ જાતના હોય છે. તેમના માળાની વિશિષ્ટા માળાનું કદ/ size ની હોય છે. તેઓ માળો ખુબ મોટો બનાવે છે. ૫ ફુઠથી શરુ કરીને ૧૦ ફૂટના ઘેરાવાના હોય છે. દર વર્ષે તે જૂનો માળો વાપરે છે અને સમયાંતરે તે માળાને મોટી ડાળીઓ ઉમેરીને મોટો કરતા હોય છે. આવા મોટા માળા ૨૦ ફૂટ શુદ્ધિના જોવા મળે છે. આ કારણે મોટામાં મોટા માળાનું વજન ૨૭૦૦ કિલગ્રામ કરતા પણ વધારે જોવા મળેલું છે.

    કબૂતર પણ સલીઓનો વેરવિખેર ઢંગધડા વગરનો માળો બનાવે છે. તેઓની વસ્તી ખુબ વધી રહી છે અને વૃક્ષ ઓછા થઇ રહયા છે માટે જ્યા પણ જગ્યા મળે ત્યાં થોડી સળીઓ ગોઠવી દઈ ઈંડા મૂકી દે છે. ઊંચા માળે બાલકનીમાં પણ મુકેલા છોડના કુંડામાં સળીઓ ગોઠવી અથવા સીધે સીધા ઈંડા કુંડાની માટીમાં મૂકી દે છે.

    બુલબુલ જેવા પક્ષી ગીચ ઝાડીમાં સલામત રહે અને બહાર દેખાય નહીં તેવી જગ્યાએ સળીઓને વાળીને કપ જેવો ગોળ આકારનો માળો બનાવે છે. જયારે ગોળ કપ જેવો માળો ગૂંથીને શૌબિંગી/ Common Iora  જેવા પક્ષી તેની ઉપર મજબૂતી માટે કરોળિયાના જાળાથી લીપણ કરે છે. કરોળિયાના જાળા એક ચીકણો પદાર્થ હોય છે. મૂળભૂત રીતે કરોળિયાએ પોતાના શરીરના પ્રોટીનમાંથી રેસા બનાવેલા હોય છે જે શૌબિંગી  જેવા પક્ષીના માળાને મજબૂતી તેમજ માળો પાણીથી પલળે તો માળો સલામત રહી શકે છે.

    માળો બનાવવા માટે હંમેશા વૃક્ષની સળીઓ, રેસા/ fiber, પાંદડા, કરોળિયાના જાળાં, માટી જેવા પદાર્થ વપરાતા હોય છે. જે માળા દીવાલ ઉપર માટી ચોંટાડીને ફિન્ચ, તારપૂંછ/ તારોડિયું / Swallo જેવા પક્ષી પાણીની નજીકના સલામત વિસ્તારમાં ચીકણી માટીને પોતાની લાળથી ભીની કરી દીવા ઉપર ચોંટાડી દે છે જે સુકાતા કઠણ થઇ જાય છે અને માળો છત ઉપર ચોંટેલો રહે છે.

    આખાયે વિશ્વમાં દરેકજાતના પક્ષી પોતાણી જરૂરિયાત પ્રમાણે વિવિધ પ્રકારના અને આગવા માળા બનાવતા જોવા મળે છે.

    પ્રકૃતિએ જીવતા ભગવાન છે અને પ્રકૃતિ દરેક જીવની કાળજી લઇ જીવાડે છે.

    *આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

    *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

    *Love – Learn  – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • કોઈનો લાડકવાયો : (૨૯) : અવધમાં વિદ્રોહઃ  મૌલવી અહમદુલ્લાહ શાહ અને બેગમ હઝરત મહલ

    દીપક ધોળકિયા

    દિલ્હીમાં મેરઠના સિપાઈઓ ન ગયા હોત તો શું વિદ્રોહ થયો હોત? ઇતિહાસ આવા સવાલોના જવાબ નથી આપતો પણ અવધમાં વિદ્રોહ થવાનાં  સ્વતંત્ર કારણો હતાં. બંગાળમાં મંગલ પાંડેએ પ્રગટાવેલી વિદ્રોહની મશાલના તિખારા અવધ પહોંચતાં ત્યાં અસંતોષની આગ સળગતી હતી તેમાં ઘી ઉમેરાયું. બરાકપુરના કાંડ પછી અવધમાં બંગાલ આર્મીની ૧૯મી અને ૩૪મી રેજિમેંટ વચ્ચે ડ્યૂટી બદલતી હતી તે વખતે સિપાઈઓએ બ્રિટિશ ફોજમાં કારતૂસોને કારણે થયેલા વિદ્રોહ વિશેની વાતો પહોંચાડી એટલે  એ વાતો સામાન્ય જનતામાં પણ પહોંચી.

    વાજિદ અલી શાહથી પહેલાં

    ૧૭૫૭માં પ્લાસીમાં જીત મેળવ્યા પછી ક્લાઈવે મીર જાફરને ગાદીએ બેસાડ્યો. પરંતુ મીર જાફર ઇચ્છતો હતો કે અંગ્રેજોએ જે શરતો મૂકી હતી તે માફ કરે, કારણ કે સિરાજુદ્દૌલાના ખજાના વિશે મળેલી માહિતી ખોટી હતી અને મીર જાફર આ શરતો પૂરી કરી શકે તેમ નહોતો. બંગાળના ગવર્નર હેનરી વેંસીટાર્ટને મીર જાફર પસંદ નહોતો એટલે એણે એને હટાવવાની ચાલ શરૂ કરી. મીર જાફરના દીકરા મીરાનનું પણ મૃત્યુ થઈ ગયું હતું એટલે એના પછી કોણ, એ સવાલ હતો. એના જમાઈ મીર કાસિમને વેંસીટાર્ટે લાલચ આપી અને મીર જાફરને પદ છોડવાની ફરજ પડી. ધીમે ધીમે મીર કાસિમ પણ અંગ્રેજોની વિરુદ્ધ થઈ ગયો અને એણે મોગલ બાદશાહ, અવધના શૂજાઉદ્દૌલાની સાથે મળીને બક્સર પાસે ૧૭૬૪માં અંગ્રેજો સામે લડાઈ કરી.

    બક્સરની લડાઈમાં ઈસ્ટ ઇંડિયા કંપનીએ ત્રણેયની સહીયારી સેનાને પરાજિત કરી. તે પછી કંપનીએ મરાઠાઓ વિરુદ્ધ અવધને ‘બફર’ રાજ્ય તરીકે ટકાવી રાખવાનું નક્કી કર્યું અને ૧૮૦૧માં વેલેસ્લીએ અવધના નવાબ સાથે સંધિ કરી. આ સાથે અવધ કંપનીના તાબાનું રાજ્ય બની ગયું. આંતરિક વહીવટ તો નવાબના હાથમાં રહ્યો અને અમુક રકમના બદલામાં કંપનીની ફોજ નવાબને રક્ષણ આપવાની હતી.

    પરંતુ, કંપનીનો ઇરાદો તો બહુ શરૂઆતથી સ્પષ્ટ હતો. ૧૮૩૧માં ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંકે લખ્યું કે બ્રિટિશ સરકારે અવધના સંરક્ષક અને ટ્રસ્ટી તરીકે આંતરિક વહીવટ સુધારવો જોઈએ. આવા જ બીજા અભિપ્રાયો પણ હતા, પરંતુ ડલહૌઝીનું કહેવું હતું કે અવધમાં સુધારા થઈ શકે તેમ જ નહોતું એટલે એના નવાબને હટાવીને કંપનીએ સીધું શાસન પોતાના હાથમાં લઈ લેવું જોઈએ.

    અમજદ શાહના અવસાન પછી વાજિદ અલી શાહ ગાદીએ આવ્યો હતો. એને પ્રજા પ્રત્યે કૂણી લાગણી હતી. પ્રજા પણ એને ચાહતી હતી. એ ઉદાર અને સારો વહીવટકાર પણ હતો અને એમાં લોકોને અન્યાય ન થાય એનું ધ્યાન રાખતો. એને સંગીત નૃત્યમાં વધારે રસ હતો. દાદરા, ઠુમરી, કથક નૃત્યનાટક ‘રહસ’ અને કૃષ્ણ અને ગોપીઓના રાસની રચનાઓ એણે જ કરી. કલાવિધાઓને એણે બહુ પ્રોત્સાહન આપ્યું. પોતે પણ કવિ હતો અને સમારંભોમાં જાતે જ નાચગાનમાં ભાગ લેતો. લખનઉની આગવી સાંસ્કૃતિક પિછાણ છે તેનો બધો જ યશ વાજિદ અલી શાહને નામે ચડે છે. કંપનીનું કહેવું હતું કે નવાબને નાચગાનમાં જેટલો રસ હતો તેટલો રસ વહીવટમાં નહોતો, એ કારણે રાજ્યનો વહીવટ રસાતાળે પહોંચ્યો હતો. આ બહાનું જ હતું.

    દિલ્હીની ડાયરી લખનાર મોઇનુદ્દીન ખાન જુદું જ ચિત્ર ખેંચે છે. એણે વાજિદ અલી શાહની બીજી બાજુ દેખાડી છે, જેનાથી આપણે પરિચિત નથી કારણ કે આપણી ઇતિહાસની સમજનો આધાર અંગ્રેજોએ લખેલાં પુસ્તકો છે.

    મોઇનુદ્દીન લખે છે કે ૧૮૪૭માં વાજિદ અલી શાહ નવાબ બન્યો તે પછી તરત જ એણે ફોજને સંગઠિત કરવાનું શરૂ કર્યું. એણે લખનઉમાં સવારની નમાઝ પછી બધા લશ્કરી માણસોને પરેડ માટે આવવાનો આદેશ આપ્યો. સવારે પાંચ વાગ્યે સૈનિકો એકઠા થતા ત્યારે વાજિદ અલી શાહ પણ કમાંડરના યુનિફૉર્મમાં હાજર રહેતો. એ દરરોજ ચાર-પાંચ કલાક ડ્રિલ કરાવતો. જે રેજિમેંટ આવવામાં મોડી પડે તેને  આખો દિવસ શસ્ત્રો ધારણ ન કરવાની સજા થતી. નવાબ પોતે જ મોડો પડે તો પોતાને જ બે હજાર રૂપિયાનો દંડ કરતો અને એની રકમ બધી ટુકડીઓને વહેંચી દેવાતી.

    અંગ્રેજોને આમાં શંકા પડી કે વાજિદ અલી શાહ શા માટે પોતાની ફોજ તૈયાર કરે છે? એનું બહારના દુશ્મન સામે રક્ષણ કરવાની જવાબદારી કંપનીની હતી. દરબારીઓએ પણ નવાબ પર દબાણ કર્યું કે અંગ્રેજોને શંકા પડે એવું કંઈ પણ ન કરવું જોઈએ.

    નવાબ તે પછી નાચગાનમાં લીન રહેવા લાગ્યો. એ જાણતો હતો કે આંતરિક વહીવટની જવાબદારી કંપનીની નહોતી તો પણ કંપની ઉંબાડિયાં કરતી રહેતી હતી. લોકોમાં પણ કંઈક અસંતોષ તો હતો જ એટલે રેસિડન્ટ સુધી પણ ફરિયાદો ગઈ. તેના પરથી એણે તારણ કાઢ્યું કે નવાબને ગાદીએથી ઉતારી નાખવો અને કંપની બધો કારભાર સંભાળી લે. ડલહૌઝી તો એના માટે તૈયાર જ હતો.

    ૧૮૫૬ની ૧૧મી ફેબ્રુઆરીએ જનરલ ઑટ્રૅમે વાજિદ અલી શાહને તખ્ત પરથી ઉતારીને અવધ પર કંપનીનું વર્ચસ્વ સ્થાપી દીધું. વાજિદ અલી શાહને કલકત્તા લઈ ગયા અને મટિયા બુર્ઝમાં એને રાખ્યો. ૧૮૫૭નો બળવો શરૂ થયો ત્યારે એના એક પુત્ર બિર્જિસ કાદરને લોકોએ ગાદીએ બેસાડ્યો અને એની માતા બેગમ હઝરત મહલે અંગ્રેજો સામે મોરચો માંડ્યો. એ વખતે નવાબને ફોર્ટ વિલિયમમાં કેદ કરી લેવાયો. એને લખનઉ પાછા આવવું હતું પણ બળવો થઈ પડતાં એની ઇચ્છા મનમાં જ રહી ગઈ.

    વાજિદ અલી શાહના હૈયામાંથી હિજરાતા શબ્દો ઠુમરી બનીને નીકળ્યા…

    બાબુલ મોરા, નૈહર છૂટો રી જાય….

    ફૈઝાબાદના મૌલવી અહમદુલ્લાહ શાહ સામે ચિનહટમાં અંગ્રેજોના ભૂંડા હાલ

     પ્રજાજનો વિસ્ફોટ માટે તલપાપડ હતા. દિલ્હીમાં અંગ્રેજોની હારના સમાચાર મળતા હતા આથી લોકોમાં જોશ વધતું જતું હતું. આ સ્થિતિમાં ફૈઝાબાદના મૌલવી અહમદુલ્લાહ શાહે જે ભાગ ભજવ્યો તે બહુ નોંધપાત્ર છે. એમણે અંગ્રેજોના હાથમાંથી ફૈઝાબાદને મુક્ત કરાવ્યું એટલું જ નહીં, આખા અવધમાં બળવો ફેલાવવામાં ફૈઝાબાદમાં મૌલવીની મસ્જિદ કેન્દ્ર જેવી બની રહી. એમના પ્રતિરોધને કારણે ૧૮૫૮ની પાંચમી જૂને એમનું અવસાન થયું ત્યાં સુધી ફૈઝાબાદમાં અંગ્રેજો માટે પગ મૂકવાની જગ્યા નહોતી. અવધમાં લખનઉ સિવાયના બધા જ તાલુકાઓ અંગ્રેજ મુક્ત થઈ ગયા હતા. કાનપુરના નાનાસાહેબ, આરાના કુંવર સિંહ ૧૮૫૭ના વિદ્રોહમાં મૌલવીના ગાઢ સાથી હતા.

    ૧૮૫૭ની ૩૦મી જૂને કંપની બહાદુરની સરકારે એના ૧૮૫૭ના ઇતિહાસની સૌથી મોટી ભૂલ કરી અને કદી ન ભુલાય તેવી છક્કડ ખાધી. મૌલવી અહમદુલ્લાહની ૨૨મી ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની આગેવાની સુબેદાર ઘમંડી સિંહ અને સુબેદાર ઉમરાવ સિંહના હાથમાં હતી. લખનઉ પાસે ઇસ્માઇલગંજના ગામ ચિનહટની લડાઈમાં આ રેજિમેન્ટે અંગ્રેજી ફોજને ધોળે દિવસે તારા દેખાડી દીધા.

    મૌલવી હજી પણ ફોજ ઊભી કરવામાં લાગ્યા હતા. એમણે પાવાયનના જમીનદાર જગન્નાથ સિંહની મદદ માગી. જમીનદારે એમને મળવા બોલાવ્યા. મૌલવી જમીનદારના  કિલ્લામાં પહોંચ્યા ત્યારે એમની સાથે દગો થયો. એ કિલ્લામાં આવ્યા કે તરત જગન્નાથ સિંહના ભાઈઓએ એના પર ગોળીઓની રમઝટ બોલાવી દીધી. તે પછી જગન્નાથ સિંહે એનું માથું કાપી લીધું અને રક્ત ટપકતું માથું શાહજહાંપુરના અંગ્રેજ કલેક્ટરને ભેટ ધર્યું. બદલામાં પચાસ હજાર રૂપિયાનું ઇનામ લઈ આવ્યો.

    ચિનહટની લડાઈમાં અંગ્રેજો લોટમાં લીટાં માનીને આગળ વધ્યા હતા. અવધના ચીફ કમિશનર સર હેનરી લૉરેન્સને એવા સમાચાર મળ્યા કે ક્રાન્તિકારીઓ પાસે છ હજારની ફોજ છે પણ ૧૮૫૭ની ૩૦મી જૂને અંગ્રેજ ફોજ લડાઈના મેદાનમાં પહોંચી ત્યારે એનો સામનો કરવા વિદ્રોહીઓની પંદર હજારની ફોજ હાજર હતી. એમાં અંગ્રેજોનો કચ્ચરઘાણ નીકળી ગયો. અંગ્રેજી ફોજના કેટલાયે મોટા અફસરો માર્યા ગયા. હેનરી લૉરેન્સ પણ ઘાયલ થયો અને બે દિવસ પછી એનું મૃત્યુ થયું. અંગ્રેજી ફોજ લખનઉમાં રેસીડન્સી તરફ પાછી હટી ગઈ.

    આ બાજુ વિદ્રોહીઓએ સુલતાનપુરના મુખિયા અને ચિનહટની લડાઈમાં વિદ્રોહીઓની ફોજના કમાંડર બરકત અહમદની આગેવાની હેઠળ પંચાયતની રચના કરી, જેમાં મૌલવી અહમદુલ્લાહ શાહના સરદારો ઉમરાવ સિંહ અને ઘમંડી સિંહ ઉપરાંત, જયપાલ સિંહ, રઘુનાથ સિંહ અને શહાબુદ્દીન હતા.

    બેગમ હઝરત મહલ

    ૧૮૫૭ના ઇતિહાસમાં વાજિદ અલી શાહનાં બેગમ હઝરત મહલને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેટલી પ્રસિદ્ધિ નથી મળી, તેમ છતાં પણ અવધમાં અંગ્રેજો સામેના વિદ્રોહમાં એની ભૂમિકાને કારણે એનું નામ સુવર્ણાક્ષરે અંકિત છે. ચિનહટની લડાઈમાં ફતેહ મેળવ્યા પછી સાતમી જુલાઈએ પંચાયતે વાજિદ અલી શાહના સગીર વયના પુત્ર બિરજિસ કદ્રને ગાદીએ બેસાડ્યો અને બેગમ હઝરત મહલના હાથમાં વહીવટ અને જંગનું સુકાન સોંપ્યું.

    બેગમ હઝરત મહલનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો અને એને નવાબ વાજિદ અલી શાહના હરમની બાંદી તરીકે માબાપે વેચી નાખી હતી. અહીં એના પર વાજિદ અલી શાહની નજર પડી. તે પછી એને ‘ખવાસિન’ (ચાકર)બનાવી દેવાઈ. એ રીતે એ નવાબના સંપર્કમાં આવી. નવાબે એને ‘પરી’ જાહેર કરી અને એની સાથે લગ્ન કર્યાં. તે પછી એમને પુત્ર જન્મ્યો ત્યારે એ અવધનાં બેગમ બન્યાં અને એમને હઝરત મહલ નામ મળ્યું.

    બિરજિસ કદ્ર નવાબ બન્યો તે પછી દસ મહિના સુધી એમણે કારભાર સંભાળ્યો. પરંતુ કંપનીએ અવધને આંચકી લેવાનો મનસૂબો કર્યો હતો એટલે બ્રિટનની રાણી વિક્ટોરિયાએ જાહેરનામું બહાર પાડ્યું પણ બેગમ મચક આપવા તૈયાર ન થઈ. એમણે જવાબી જાહેરનામું બહાર પાડ્યું અને પોતે રાજમાતા  છે એવી જાહેરાત કરી.

    એમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો અને અંગ્રેજોનો મુકાબલો કરવા માટે જાતિ અને ધર્મના ભેદભાવ દબાવી દીધા અને પ્રજાને લડવા માટે પ્રોત્સાહિત કરી. પરંતુ બળવાખોરોમાં શિસ્તનો અભાવ હતો. ખુદ હઝરત મહલના હુકમોનો અનાદર થતો હતો.  અંગ્રેજી ફોજે લખનઉને ઘેરો ઘાલ્યો ત્યારે એમને જોરદાર વિરોધનો સામનો ન કરવો પડ્યો અને જીતી ગયા. તે સાથે જ બેગમે અવધ છોડી દીધું અને નેપાલ ચાલ્યાં ગયાં. અંગ્રેજ હકુમતે એમને પેન્શન આપવાનું નક્કી કર્યું પણ આ સ્વાભિમાની વીરાંગનાએ એની ના પાડી દીધી. ૧૮૭૯માં એમનું કાઠમંડુમાં મૃત્યુ થયું.તસવીરમાં એમનો મકબરો જોવા મળે છે.

    આ વીરાંગનાને વંદન કરીએ,


    સંદર્ભઃ

    ૧.The Last Days of the Company (1818-1858): Vol. I –‘The Expansion of British India’

    By G. Anderson and M. Subedar(Published in 1918) ( ઇંટરનેટ પર ઉપલબ્ધ)

    ૨. Two Native Narratives of Mutiny in Delhi. Charles Theopolis Metcalfe, 1898 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

    ૩. The Indian war of Independence V. D. Savarkar (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

    ૪.  https://thewire.in/history/the-revolt-of-1857-maulavi-ahmadullah-shah-the-rebel-saint-of-faizabad

    ૫. https://www.jagran.com/uttar-pradesh/lucknow-city-untold-story-about-battle-of-chinhat-18308287.html

    ૬. https://en.wikipedia.org/wiki/Barkat_Ahmad

    ૭. આ લખનારની આપહેલાંની શ્રેણીના બીજા ભાગનાં પ્રકરણ ૨૮ અને પ્રકરણ ૨૯.

    ()()()()()

    દીપક ધોળકિયા
    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
    બ્લૉગ સરનામું: મારી બારી

  • આળસમાં અમૃત પણ થઈ ગયું ઝેર

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    હવામાનની વિપરીતતાનો સામનો આજકાલ સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. અવિચારીપણે અને આડેધડ કરાતા આવેલા વિકાસનાં વિપરીત પરિણામો પછાતમાં પછાતથી લઈને અતિ વિકસીત દેશો પણ ભોગવી રહ્યાં છે. આમ છતાં, વિકાસની આ દોડ અટકવાનું નામ લેતી નથી.

    દક્ષિણ અમેરિકાનો ઉરુગ્વે દેશ તેમાં વ્યાપી રહેલા જળસંકટ થકી આવી જ પરિસ્થિતિનો શિકાર બન્યો છે. આ દેશના શાસકોની જાગૃતિ એવી હતી કે સ્વચ્છ જળ મેળવવાને માનવના મૂળભૂત અધિકાર તરીકે તેમણે બે દાયકા અગાઉ પોતાના બંધારણમાં સમાવેશ કરાવ્યો હતો. આમ કરનાર તે વિશ્વનો સંભવત: સૌ પ્રથમ દેશ હતો. પોતાના બંધારણમાં કરેલી આ જોગવાઈએ વિશ્વના અનેક દેશોને માર્ગ ચીંધ્યો હતો. છતાં અત્યારે તેની પર તોળાઈ રહેલું જળસંકટ એટલું તીવ્ર છે કે ઘરના નળમાં ખારું પાણી આવી રહ્યું છે અને પોતાના આ મૂળભૂત અધિકાર માટે લોકોએ શેરીઓમાં ઊતરીને વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે.

    આ સંજોગો અને તેની વાસ્તવિકતા જાણવા જેવી છે. વિપુલ જળસ્રોત ધરાવતા આ દેશમાં પર્વતો નથી. પવનોનો અવરોધ ન હોવાથી અહીં તેની ગતિ અતિ ઝડપી છે, અને વાવાઝોડાં ફૂંકાવાનું પ્રમાણ વધુ છે. તાપમાનનો તફાવત અહીં ઝાઝો નથી હોતો, અને વરસાદ વર્ષભર એકધાર્યા પ્રમાણમાં વરસતો રહે છે. આ દેશનું અર્થતંત્ર મુખ્યત્વે નિકાસ પર આધારિત છે, અને લેટિન અમેરિકન ધોરણ અનુસાર તે ઉચ્ચ આવક ધરાવતો દેશ છે.

    ત્રણેક વર્ષથી પડી રહેલા દુષ્કાળને કારણે પીવાનું પાણી પૂરું પાડતા પાસો સેવેરીનો જળાશયનું તળિયું આવી ગયું છે. પીવાનું પાણી પૂરું પાડતી રાજ્ય સંચાલિત કંપનીએ આ તંગીને નિવારવા માટે વર્ષના આરંભથી આ જળાશયમાં તબક્કાવાર રીઓ દ લા પ્લાતા નામની ખાડીમાંથી ખારું પાણી ઉમેરવાનું શરૂ કર્યું. મે, ૨૦૨૩ના આરંભિક તબક્કામાં આ પાણીમાં સોડિયમ અને ક્લોરાઈડનું પ્રમાણ મહત્તમ પ્રમાણિત સ્તર સુધી પહોંચી ગયું, જેની સીધી અસર પાણીના સ્વાદ પર થઈ. સાથોસાથ સ્વાસ્થ્ય પર તેની સંભવિત વિપરીત અસર બાબતે પણ સવાલ ઊભા થયા. અલબત્ત, સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ રસાયણો કેવળ પાણીના સ્વાદ અને ગંધને જ અસર કરે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે તે જોખમી નથી.

    આમ, દેખીતી રીતે આ પરિસ્થિતિ માટે હવામાનની વિપરીતતા જવાબદાર લાગે. એમ છે પણ ખરું, છતાં એ એકમાત્ર પરિબળ નથી. સંશોધકો અને પ્રચારકો વરસોથી ચેતવી રહ્યા છે કે નિકાસ આધારિત ખેતીવાડી અને વનસંવર્ધન બિનટકાઉ છે. ઉરુગ્વેના વિશાળ જળસંચયનો સાવ નાનકડો હિસ્સો મનુષ્યોના ઉપયોગ માટે છે. પીવાલાયક પાણીનો મહત્તમ જથ્થો વિવિધ ઉદ્યોગો માટે ખર્ચાઈ જાય છે. આ દેશમાં નિર્માણ પામી રહેલા ગૂગલ ડેટા સેન્‍ટર સામે પણ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે, કેમ કે, તેના દ્વારા લાખો લીટર પીવાલાયક પાણી વેડફાઈ રહ્યું છે.

    ૨૦૦૪માં પીવાના પાણીને મૂળભૂત અધિકાર તરીકે બંધારણમાં અહીં સ્થાન આપવામાં આવ્યું ખરું, પણ આ નીતિના આયોજન અને અમલમાં સુસંગતતા આવી શકી નહીં. જળસંકટ પહેલાં સર્જાતું ખરું, પણ વરસાદ પડે એ સાથે જ તેનો અંત આવી જતો. આથી શાસકો પણ એ બાબતે વિચારવાનું બંધ કરી દેતા. વિરોધ પક્ષો કે અન્ય સંબંધિત સંસ્થાઓએ પણ આ બાબતે કોઈ લાંબા ગાળાની વ્યૂહરચના ઘડવા માટે દબાણ કર્યું નહીં.

    લેટિન અમેરિકા અને કેરીબીઅન માટેના, ઉરુગ્વેના પાટનગર મોન્‍તેવિદેઓસ્થિત ‘યુનેસ્કો’ના જળવિદ્‍ મિગેલ દોદીઆના જણાવ્યા અનુસાર આ દેશે પાણી સાથેના પોતાના સંબંધમાં પરિવર્તન આણવાની જરૂર છે. તેમના કહેવા અનુસાર જળ સાથે ઉરુગ્વેનું સાંસ્કૃતિક બંધન છે. તેને કારણે અહીં એવી માન્યતા પ્રચલિત છે કે જળરાશિ અનંત છે અને તેની દરકાર રાખવાની કશી જરૂર નથી. માન્યતાને બદલવાની, નવિન વિચારને અપનાવવાની આ તક છે.

    આ પરિસ્થિતિમાં સ્વાભાવિકપણે જ શીશીમાં વેચાતા પાણીની માગ વધી છે અને તેના વેચાણમાં જબ્બર ઉછાળો આવ્યો છે. તે ખરીદવાની બધાની ક્ષમતા નથી. આથી સરકારે કટોકટીના પગલાંરૂપે શીશીમાં વેચાતા પાણીને કરમુક્તિ આપી છે, તેમજ પાંચેક લાખ લોકોને તેનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે એમ ઘોષિત કરાયું છે. નળમાં આવતું ખારું પાણી જોખમી નથી, એમ સરકારે અધિકૃત રીતે જણાવવાની સાથોસાથ બાળકો, સગર્ભાઓ તેમજ કિડની અને બ્લડપ્રેશરના દર્દીઓને તેનું સેવન ન કરવાનો અનુરોધ કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને બાળકોના ખોરાકમાં મીઠાનો ઉપયોગ ન કરવાની સૂચના પણ આપી છે.

    આનો ઊકેલ શો? અને ક્યારે? મારીઓ બીદેગાન નામના હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર પરિસ્થિતિને સામાન્ય થવા માટે જરૂરી વરસાદની માત્રાની ગણતરી કરવી અઘરું કામ છે. સપ્ટેમ્બરના આરંભ સુધીમાં અપેક્ષા મુજબ વરસાદ વરસે તો સત્તાવાળાઓએ નક્કી કરવાનું રહેશે કે પાણીમાં સોડિયમ અને ક્લોરાઈડનું પ્રમાણ ઘટાડીને સામાન્ય કરવું કે પછી દુષ્કાળ ચાલે તો તેનું પ્રમાણ યથાવત રાખવું. આમાંથી કદાચ ધીમે ધીમે બહાર અવાશે.

    ઉરુગ્વે જેવી જ પરિસ્થિતિ તેના પાડોશી દેશ આર્જેન્‍ટિનાની છે. આપણે વિચારવાનું એ છે કે આપણા દેશમાં પણ પેય જળને મૂળભૂત અધિકાર ગણાવવામાં આવ્યો છે, પણ તેનું કોઈ આયોજન છે ખરું? સરકાર પોતાની રાહે આયોજન વિચારે અને તેનો અમલ કરે ત્યારે ખરું, એક નાગરિક તરીકે જળ જેવા અમૂલ્ય સ્રોતનું સંવર્ધન કરવાની આપણી કોઈ ફરજ ખરી કે નહીં? જળ નાણાં ખરીદવાથી પેદા કરી શકાતું નથી, આથી વ્યક્તિગત અને પારિવારિક સ્તરે તેનો વેડફાટ અટકાવીએ તોય ઘણું. નહીંતર સહેલા પાઠ અઘરી રીતે શીખવાની તૈયારી રાખવી પડશે.


    (શિર્ષકપંક્તિ: એન. ગોપી, અનુવાદ: રમણીક સોમેશ્વર)


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૩ – ૦૮ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • અમારો વાહનયોગ

    સોરઠની સોડમ

    ડૉ. દિનેશ વૈશ્નવ

    હજારે વરણના જે જીવો જન્મે છે એનું મરણ નિશ્ચિંત છે ને જે ભૌતિક ચીજવસ્તુઓ બનાવાય છે, ઘડાય છે કે આકસ્મિક રીતે સર્જાય છે એનું અસ્તિત્વ પણ ભૂંસાય જાય છે, વિલીન થાય છે. ટૂંકમાં, કોઈ જીવ કે વસ્તુ એની કેડે અમરપટ્ટો બાંધીને પેદા નથી થાતું. પણ હા, મેં મારી સાડાસાત દાયકાની જિંદગીમાં આ સનાતન સત્યના અપવાદ રૂપે જે એક દાખલો જોયો છ એની મારે આજ વાત માંડવી છ.

    તો વાત એમ છે કે મારા પપ્પાના મામાનું ઘર ત્યારે જૂનાગઢમાં વણઝારીચોકે ને પપ્પા વરસમાં પાંચસાત વાર મેંદરડાથી જૂનાગઢ દવાખાનાના કામે ને કોર્ટમાં જુબાની દેવા આવે ત્યારે યાં જ ઉતરે. ઈ ઘરની બગલમાં એક ડેલામાં વજુ કોટેચાનું ગરાજ કે જેમાં ઈ સાયકલના પંચર સાંધે ને ગામમાં ત્યારે ગણીને ત્રણ ફટફટિયાં રીક્ષા – કે જે આજે રેંકડા રીક્ષા તરીકે વપરાય છ – ઈ સમાનમાં કરે. બાકી એનું મૂળ કામ તો એના ગરાજનો ડેલો બંધ કરી જુગાર રમાડી ગતે રૂપિયો કમાવાનું, પેલી ધારનો દારૂ પોલીસોના ઘરો “હેડકવાર્ટરે” હતાં યાં પુગાડવાનું ને ભોંયવાડે ચીલમ ભરવા એની ખુદની હથેળીમાં મસળેલો મબલખ ગાંજો પુરો પાડવાનું.

    હવે ૧૯૫૫માં એક સાંજે પપ્પા એસ.ટી.ના લીલા ખટારામાં મેંદરડા પાછા આવવા આઝાદચોકેથી બેસવાના હતા ને બપોરે ચા પીતાંપીતાં એને ઈ ગરાજ માલીપાથી “ઘુરરર, ઘુરરર…” અવાજ સંભળાણો. ઈ ચાનો પ્યાલો મૂકીને ઘરની ડેલી બારા આવ્યા ને જોયું તો વજુ ઝેકોસ્લેવેકિયાના દસેક વરસ જૂના “સી.ઝેડ.” ફટફટિયાને “ઘુરરર, ઘુરરર…” ઘુઘવાટા કરીને છીંકાવતોતો. એને આ ફટફટિયું ધ્રાંગધ્રા મિલિટ્રીમાંથી ભંગારના ભાવે લીધીતું. હવે “કાગ ને બેસવું ને તાડને પડવું” ને પપ્પાને ઈ ફટફટિયાની છીંકનો અવાજ ગોઠી ગ્યો, જાણે રાધાને કાનુડાની વાંસળી. ઈટલે એને વજુને પૂછ્યું:

    ફટફટિયું વેંચવાનું છ?

    વજુને તો “ઘાણીનો બળદ” જ જોતોતો એટલે ઈવડો ઈ કે:

    હા સાહેબ મારું તો કામ વેંચવાલેવાનું.”

    પપ્પા:કેટલાનું વેંચવું છ?”

    વજુ:સાહેબે, તમે લેતા હો’તો સો ઓછા ને સાતસોમાં પણ દસેક દી’ પછી તમે કયો યાં પોગાડું, મારે કામ જાજુ રે’.

    પપ્પા:મારે કાલ મેંદરડામાં જોતું હોય તો કેટલા?”

    વજુ:તો સાહેબ એની મૂળ કિંમત આઠસોમાં. ચારસો આજ ને બાકીના કાલ.

    પપ્પા ઘરમાં જઈ ને ચારસો રોકડા લીયાવ્યા ને વજુને ચુકવીને ઈ પોતે સાંજના ખટારે મેંદરડા પોગ્યા. અમને સૌને આવતાવેંત એને કીધું કે “કાલે આપણા વા’ યોગનો આરો આવસે ને આપણા ઘરના આંગણે ફટફટિયું બંધાસે. આ વિધાનના હરખમાં અમે તો આખી રાત ચોપાટ રમી, કાંકરીયું ઘેલી કરીકરીને કાઢી ને હું તો ઈ વા’ન યોગના દી’એ પાદરમાં તાલુકાશાળાએ પણ ન ગ્યો ને ખંખોળીયુ ખાઈને ઘરની ફળીમાં ઈ ફટફટિયાની રાહમાં બેઠો. એવામાં બપોરના બેએક વાગે વજુ ભાડાની રેંકડા રિક્ષામાં અમારું વા’ન દોયડે બાંધીને લીયાવ્યો – જાણે કસાઇવાડે મરેલ પાડો ઢયડીને પોગાડયો.

    જેવું વજુએ ફટફટિયું રેંકડેથી નીચે ઉતાર્યું એટલે મારી કુંવારકા બેને ઈને પાણીના છાંટે ને કંકુ-ચોખાથી વધાવ્યું ને પછી જ વજુએ પપ્પાને ફટફટિયું ચાલુ કરવા લીવર ફેરવીને પેટ્રોલ કેમ દેવું, કીક કેમ મારવી, ભૂંગળીને ડાટો દઈને ઈને કેમ છીકાવું, પગથી ગીયર કેમ બદલવા ને બ્રેક કેમ મારવી, કેમ પેટ્રોલ ભરવું, કેમ ઘોડી ઉપર ઉભાડીને ભીંતને ઓથે ટેકવવું, વ. સમજાવ્યું. છેલ્લે ઈને પપ્પાને અમારા દરબારગઢના ઘરની બા’રના “અઝાદચોક”માં બેત્રણ ચક્કર હોત મરાવ્યાં. પછી પપ્પાએ બાકીના ચારસો વજુને ભીની ડુંટીએ ચૂકવ્યા ને ઈવડો ઈ એની રેંકડા રિક્ષામાં જૂનાગઢ પાછો ગ્યો.

    હવે મેંદરડામાં ત્યારે પેટ્રોલ ક્યાંય ન મળે પણ નાજાપુરના રસ્તે મધુભાઇના જીનના કારખાને મળે એટલે પપ્પા યાં જઈને બપોરનો ચાયે પીધા વિના ફટફટિયામાં પેટ્રોલ ભરાવીયાવ્યા. મધુભાઈ પપ્પાના દર્દી ઈટલે ઈ તો જાણે મફતમાં ભરાણું. પછી ઈ સાંજે મૂળ માંગરોળના પણ મેંદરડામાં મિડલસ્કૂલમાં માસ્તર મહેશભાઈ વસાવડા કે જે એની જિંદગીમાં એકાદવાર કોકના ફટફટિયે પાછળ બેઠાતા ને મેંદરડામાં “ફટફટિયા ગુરુ” ગણાતા ઈ પપ્પાને અમારું ફટફટિયું સરકસના વાંદરાની જેમ ધીમેધીમે કેમ ગોળગોળ ફેરવવું, વ. શીખડાવા આવ્યા ને પપ્પાને ફાવટ હોત આવી ગઈ. પછી ઘોડીએ ઈ અમારું વાહન ઉભું રાખીને સુર્યાસ્તે ચેવડો, પેડા અને ચાની અમારે ઘેર હકાભાઈ દોશી, ખેતસીભાઇ બોખા, કડવીમાના ચંપાભાઇ, ધીરુભાઈ હેડમાસ્તર છગનબાપા કંદોઈ, ગોવાબાપા દાણાવાળા, ડો. રસિકભાઈ ઓઝા, વ. હારે મિજલસ થઇ કારણ અમારે ઘેર વાહનયોગની પ્રતીક્ષાનો અંત આવ્યોતો.

    સૌ ઘેર ગ્યા ઈટલે ઈ જ દી’ની રાતે પપ્પા “ફટફટિયે ચાંદની રાતે નિશાવિહાર”ની ધારણાએ એને પગે ગોટલા ભરાણા એટલી કીક મારીને ચાલુ કરવા મથ્યા પણ ઈ કીકનો ડાંડો ટુટીને ત્રણ કટકા થઇ ગ્યો પણ ફટફટિયું તો નવી નવોઢા રિસામણે બેઠી હોય એમ મોં મચકોડીને બેઠું જ રયું. પાછા મહેશભાઈ આવ્યા પણ એનાથી ઈ ન માન્યું એટલે ડો. અજમેરા સાહેબનો ડ્ર્રારાઇવર-કારીગર ઇબ્રાહિમ આવ્યો, એસ.ટી.ના ખટારા હલાવતા મંગાભાઇ, એનો દીકરો રાજવીર ને એસ.ટી.નો ક્લીનર ને મંગાભાઈનો દીકરો ભીમ એમ સૌ પોતપોતાની રીતે અમારું ફટફટિયું સમું કરવા મથ્યા પણ ઈ તો અમારા ઘરના આંગણે રિસામણેથી છૂટાછેડાના નિર્ણયે જ બેઠુ. ઈ પછી એકાદ સાલે મધુભાઇના ભારખટારામાં એને જૂનાગઢમાં કુસુમરાય મંકોડીના નવાનાગરવાડે ગરાજમાં પુગાડયું કારણ કે કુસુમરાય જૂનાગઢના હેનરી ફોર્ડ હતા ને ઈ એકપગાથી અઢારપગા લગીનાં બધાં વા’નની મરામત કરીને ઈને દોડતાં કરી દેતા.

    પછી તો પપ્પા દર બેએક મહિને જૂનાગઢ જાય ત્યારે ગરાજે જઈને તપાસ કરે કે ફટફટિયું સમુંનમું થ્યું પણ કુસુમરાયનો એક જ જવાબ:

    ના દાક્તરસાહેબ. રાજકોટમાંમાલવિયા ગરાજમાંકીકનું હેન્ડલ બનવાનું કીધું . આવસે એટલે કલાકમાં બેસાડી દઇશ ને તમારૂ ફટફટિયું સરિયામ રસ્તે પટ્ટી ઘોડીને જેમ બાગીડધા, બાગીડધાદોડસે ને ભરબજારે મજરુમજરૂ હાલસે, જાણે બાળોતીયે બાળક ફળીમાં હાલતું હોય.”

    હવે શરૂઆતમાં તો પપ્પાને કુસુમરાય વચાળેનો આ વાર્તાલાપ મહિનાની અવધિએ હાલતો, પછી વર્ષે થાતો ને એમને એમ દસેક વરસ નીકળ્યાં. આ બધા ગાળામાં મારા માંનું એક જ વાક્ય કે આઠસો રૂપિયામાં મારી પરદેશણ સોગ્ય (રખાત) ઘરમાં ઘાલી .”

    છેલ્લે ૧૯૬૭માં મારા ભાઈના લગન વખતે અમારે ઘેર મોટાપાયે કડિયાકામ કાઢ્યું ને એમા વિઠલભોંઈ એક અદકો ને ડાહ્યો કારીગર પણ કામ કરતોતો. પપ્પાએ એને વાત કરી કે ફટફટિયું કુસુમરાયના ગરાજમાં પડ્યું ને એનો ક્યાંક નિકાલ કરવો . દસેક દી’ પછી એક સવારે એના ભોંઈવાડાના ઘેરથી વિઠલ ઈ ગરાજે પૂગ્યો ને શાકની થેલીમાં જે કાંઈ બચ્યુંતું ઈ ફટફટિયું ભરીને આવ્યો. ઈ બપોરે ભંગારવાળાને સામા દસ રૂપિયા દીધા એટલે એના થેલે ઈ ફટફટિયાના કટકા ભરીને લઇ ગ્યો. સાહેબ તમે નહીં માનો પણ બહાઉદ્દીન કોલેજ પડખે જે ગુજરી બજાર ભરાય છ એમાં મેં અમારા ફટફટિયાનું હેન્ડલ ૨૦૧૮ ફેબ્રુઆરીમાં જોયું તું ને એટલે જ હું કહી સકું છ કે “બધી ભૌતિક વસ્તુઓ વિલીન નથી થાતી.”

    તો મિત્રો, આ હતો અમારો વાહનયોગ કયો તો ઈ ને મારાં માંની પરદેશની સોગ્ય કે પપ્પાની રખાત કયો તો ઈ.


    ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • હૃદ્ય સંવેદનશીલતાના આલેખો : સ્મરણો ભીનાં ભીનાં (જયન્ત પંડ્યા)

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    એકત્રીસ વ્યક્તિચિત્રોને પ્રગટ કરતાં આ પુસ્તકમાં અનેક વિરલ વ્યક્તિત્વોનો આલેખ પ્રસન્નકર બને છે.

    અહીં જેમનાં વ્યક્તિચિત્રો આલેખાયેલા છે એમાંની છ તો પરદેશી વ્યક્તિઓ છે-મિસ મોરિસન, જ્હોન અને માર્ગારેટ, રાણી ઈલિઝાબેથ, લેડી પેમિલા હિક્સ, લોર્ડ માઉન્ટબેટન અને હેરલ્ડ વિલ્સન. આ બધાં લેખકના સીધા સંપર્કમાં આવ્યાં હોય એવું પણ હંમેશાં બન્યું નથી. તેમ છતાં આ છયેના વ્યક્તિત્વમાં રહેલો રસ લેખકે મધુકરવૃત્તિથી પીધો છે. બાકીનાં પચ્ચીસ વ્યક્તિત્વોમાં ગુજરાત કે ભારત જેને કારણે રળિયાત બન્યું છે એવા મૂર્ધન્ય સાહિત્યકારો, સમાજના કલ્યાણકામીઓ, રાજનીતિજ્ઞો ને જીવનનિષ્ઠ મનુષ્યો છે, જેમાં ઉમાશંકર જોશી, બચુભાઈ રાવત, દર્શક, યશવંત શુક્લ, સ્નેહરશ્મિ, જુગતરામ દવે, ઇન્દિરા ગાંધી, હિતેન્દ્ર દેસાઈ જેવાં જાણીતાં ને બાલેશ્વર દયાળ, મૈત્રેયી દેવી, નિર્મળા બહેન ગાંધી, ડાહ્યાભાઈ નાયક જેવાં વાચક-ભાવકને થોડાં દૂરનાં જણાય તેવાં વ્યક્તિત્વોને લેખકે નિકટનાં અને પરિચિત બનાવી દીધાં છે.

    આવી મહાન હસ્તીઓને આ રીતે જોવાનું, તેમનાથી સંબંધાવાનું લેખકથી કેમ બની શક્યું હશે એવો પ્રશ્ન સહેજે થાય. જેનો ઉત્તર ‘પ્રાજ્ઞજન મનુભાઈ’માંથી સાંપડે છે. એ કહેવાયું છે તો મનુભાઈ વિશે પણ દરેક વ્યક્તિ સાથે લેખકના વ્યક્તિત્વને જોડવા માટેનું કારણ બન્યું છે : ‘સંસારમાં સંબંધોનુંય અકળ એવું ગણિત હોવાનો અનુભવ થાય છે. આપણી રોજિંદી ઘટમાળમાં અનેક માણસોની આવનજાવન ચાલતી હોય તેમાં કોઈ એક સજ્જન ઘડીક પોરો ખાવા રોકાય અને તે ઘડીએ આપણું મન અનાયાસ કોળી ઊઠે. એમને મળતાંની સાથે જ મનને થાય કે આ માણસ મુકામ કરવા જેવો છે. માનવ–સંબંધોમાં આવું ગૂઢ તત્ત્વ-અનનોન ફેક્ટર જોવા મળે છે…’

    આ અનનોન ફેક્ટરે જયન્તભાઈને, એમના પરિચયમાં આવેલાં વ્યક્તિત્વો જાતે રંગાયા વિના સૌ રંગ જોઈ શકતા ગોવર્ધનરામના શિષ્ટ નાયક સરસ્વતીચન્દ્રની જેમ રસી દીધા છે. મનુષ્યને પામવાની નરવી, નીતરી ને નિર્દશ દ્રષ્ટિ અહીં સઘળે વરતાય છે. આ સંબંધો બધે  જ મીઠા છે એવું પણ નથી. પહેલું જ વ્યક્તિચિત્ર મિસ મોરિસનનું છે. લંડનમાં જેમના હાથ નીચે કામ કરવાનું આવ્યું છે તેવાં મોરિસન કોઈ અકળ કારણોસર પ્રો. પંડ્યા સાથે સદભાવથી વર્તી શકતાં નથી તેમ છતાં તેમની બદલી થતાં લેખક તરફથી તેમને સૌ કરતાં મોટી ભેટ મળે છે ને સાથે એક પત્ર, જેમાં લેખકે પૂછ્યું છે : ‘વોન્ટ યૂ કમ ટુ અપસેટ મી સમ ટાઈમ? પ્લીઝ ડૂ’ ને ઉમેરાયું છે, એમનું સ્મરણ કોઈકોઈ વાર અપસેટ કરવા આવે છે ત્યારે એ જીવનનો મધુપર્ક બનીને રહી જાય છે.’ મિસ મોરિસનને લેખકનો આ મોટો અર્ધ્ય છે. એમનું નામ આ સંગ્રહમાં પ્રથમ ક્રમે મુકાયું છે એ બીજો અર્ધ્ય.

    લેખકની નરવી દ્રષ્ટિ પાછળ રહેલું છે એમનું સ્વસ્થ ને નીડર પત્રકારત્વ, ગરિમામય સર્જકત્વ ને ભીનું માનવહૃદય. આથી અહીં તેઓ કેટલાંક એવાં વ્યક્તિત્વોને પણ ન્યાય આપી શક્યા છે જેને પ્રજાએ કદાચ ઉપેક્ષ્યાં પણ હોય. આ પ્રકારનાં પાત્રોને એટલા સમભાવથી લેખકે જોયાં છે કે જાણે તેમનો ઝોક એમના પ્રતિ જ દાખવવા તેમણે ઈચ્છ્યું હોય તેવું જણાય. ક્યાંક, કોઈક ખૂણે આવા લોકોમાં પણ કશુંક તો જાગે છે પણ કમનસીબે તેઓ એમને ખબર ન પડે એ રીતે ચાતરી ગયાં છે એટલું જ. આવું થવાથી એમની આવડતમાં ફરક પડતો નથી એમ કહેવા તાકતા લેખકે આથી જ ઇન્દિરા ગાંધી વિશે ‘લોપાઈ ગયેલી પ્રવાહધારા’માંજણાવ્યું છે :પ્રેમાળ પિતા (નહેરુજી)એ, જેટલા બની શકતા હતા તેટલા શિક્ષક બનીને, દીકરીને જીવનઘડતરમાં ઉપયોગી થાય તેવા પત્રો લખેલા. પરંતુ દેખાયું એવું કે પિતા અને પુત્રીના આરાધ્ય દેવ કંઈક જુદા હશે. બંનેની કાર્યશૈલીમાં જે ફરક પડી ગયો એ ઉપાસ્યદેવ જુદા હોવાને કારણે. ‘સંયમપૂર્વક ને પૂરા સમત્વથી ઈન્દિરાજીને એક સર્જક જ સમજી શકે. વિચારનો આવો અહિંસક ને મિતભાષી ઉપયોગ અહીં અનેક જગાએ થયેલો જોવા મળે છે. તો ક્યાંક, પ્રજા જેને ચાહે ને આદર કરે તેવાં ચરિત્રોની બીજી બાજુ પણ લેખક ધ્યાનપૂર્વક જુએ છે ને આલેખે છે. ‘પ્રાજ્ઞજન મનુભાઈ’માં લેખક નોંધે છે : ‘મનુભાઈનો પરિચય આપવાની વાત, કવિતાના ઉઘાડની જેમ પ્રસન્ન ભાવસ્થિતિ – ડીલાઈટ-માં શરુ કરેલી જોઇને કોઈ રખે માની લે કે મનુભાઈ હળવાશથી લેવા જેવા માણસ છે.’ પછી વાતને સાચવતાં એમ પણ જણાવે છે : ‘જો કે ફિલસૂફો હળવા-ગંભીરની વૈખરીથી ઊફરા ચાલતા હોય છે.’ લેખકની તુલા ક્યાંય આમ-તેમ થતી નથી એની સાદ્યંત નોંધ લેવા જેવી છે.

    ઢળી પડ્યા વિના લેખક નમી પડ્યા હોય તેવાં ચરિત્રોમાં માઉન્ટ બેટન, માઉન્ટ બેટનની પુત્રી લેડી પેમિલા ને યશવન્તભાઈનાં ચિત્રો છે. માઉન્ટ બેટન વિશે લેખકને વિગતે લખવાનું બને છે ત્યારે બેટનનાં પુત્રી પેમિલાની મદદ મળી રહે છે. એ અવસરને વધાવતાં ચરિત્રકાર નોંધે છે : ‘જીવનના નકશામાં સહરાની સાથે લીલી નાઘેરો પણ હશે જ…’મેઈન’ની શોધમાં જાણ્યે –અજાણ્યે, જુદા જુદા કાંઠે લાંગરતું જીવન એ સ્વયં વિદ્યાપીઠ છે. એમાંથી સ્નાતક થઈને બહાર આવતો વિદ્યાર્થી સદભાવનો કરિયાવર લઈને આવતો હોય છે. પેમિલા આ કુળનાં છે.’આ જ પેમિલાના પિતા માઉન્ટ બેટને સોળ માસના ગાળામાં બ્રિટિશ રાજ સંકેલી લેવાનું કામ કરતી વખતે નહેરુને કહેલું, ‘બ્રિટિશ રાજ સંકેલી લેનારા છેલ્લા વાઈસરોયમાં મારી ગણના ન કરશો. કરી શકો તો નૂતન ભારતના પ્રથમ વાઈસરોય તરીકે કરજો.’ ત્યારે ‘નહેરુનો ઉત્તર આ હતો : ‘તમારી મોહિની ભયાનક છે એમ મેં સાંભળેલું ખરું પણ તેનો મર્મ અત્યારે સમજી શકું છું.’ બંને ચરિત્રોને તેના દેશકાળ સમેત જોવાનો મોકો અહીં મળે છે.

    જયન્ત પંડ્યાના સફાઈદાર ગદ્યની અનેક તરાહોમાં એક પ્રકારનું બ્રાહ્મણત્વ ઝળકે છે. અહીં ક્યાંક રૂપકની છટા છે. જેમ કે, ‘કુમાર’ એ ઘડાતા જતા અને ઘડાઈ ચૂકેલા સાહિત્યકારોનું એવું એક પારણું કે જેની દોરી બચુભાઈએ કદી ઢીલી મૂકી ન હતી.’(બચુભાઈ –એક વિદ્યાપીઠ).

    ગદ્યનો લય કાવ્યાત્મક ઢંગે વહેતો મૂકવામાં પણ લેખકની સજ્જતા દેખાય. ‘લોપાઈ ગયેલી પ્રવાહધારા’માં ઇન્દિરા ગાંધીના કરુણ મૃત્યુ વિશે લેખકનો પ્રતિભાવ લયાન્વિત ગદ્યના નમૂના તરીકે જોવા જેવો છે. ‘મન ઉપર છવાઈ ગયેલી ખિન્નતાને ક્યાંય કરાર વળતો ન હતો. આવો કરુણ અંત ? એક વેગવંત પ્રવાહનું આવું એકાએક લુપ્ત થઈ જવું ? આવું નિર્માણ કોઈના ભાગ્યમાં ન હજો.’ લેખકની ખિન્નતા સૌને અડી જાય એવી સ્પર્શક્ષમ બની શકી છે.

    ક્યાંક શબ્દો આગવી રીતે પ્રયોજાયા હોવાનું પણ જોવા મળે છે. ‘એક તારક ખરી ગયો’ (અશોક મહેતા)માં લેખક કહે છે :’તે વખતે પંડિત જવાહરલાલ નહેરુ, જયપ્રકાશ નારાયણ.. અશોક મહેતા અમારા મનોઆકાશના તેજસ્વી તારકો હતા. એમના ઉદગારો એ અમારી સંપત્તિ. અમને ગમ્યા હોય એવા તેમના  ઉદગારો ચર્ચાઓમાં કૂદાકૂદ કરતા.’

    તો ક્યાંય ચિત્રાત્મક વર્ણનશૈલી પણ આકર્ષે છે. વેડછીનું આબેહૂબ ચિત્ર એનો ઉત્તમ નમૂનો છે : ‘વેડછી એક નાનકડું ગામ; આદિવાસી કન્યા સમું નિરાભરણ અને નિર્દોષ. કુદરતે એને પહાડ, ખીણ, સરોવર કે સાગરકાંઠો, કશાની બક્ષિસ આપી નથી. વેડછીની ખૂબી એ છે કે કોઈ પણ બહારના આભૂષણની મદદ વિના તેણે પોતાનું આંતરિક સૌંદર્ય ઉછેર્યું છે.’

    ક્યારેક કહેવતોને સાંકળતા પ્રયોગોમાં ઉષ્મા છે : ‘મૂંઝાયેલા લોકોને એને અજવાળે માર્ગદર્શન મળતું. કાળના ઉદધિમાં એ દીવો સમાઈ ગયો તેની સાથે એક અદીઠ પિયરનો દીવો પણ રાણો થઈ ગયો,’ (‘અમૃતલાલ યાજ્ઞિક’)

    નિબંધનો એક અનુભવ કોઈ વિવેચકે કહ્યું છે તેમ એમાં લેખકના વ્યક્તિત્વ પ્રકાશમાં નાહી રહ્યા હોવાનો અનુભવ હોવો જોઈએ એ અહીં પ્રતીત થાય છે. કશી ધાર વિના, જેટલું છાજે તેટલું ને તેવું કહેવા છતાં વ્યક્તિત્વની અદબ કઈ રીતે જાળવી શકાય તેનું ઉદાહરણ ‘યુગપુરુષ મનુશીજી’માં જોવા જેવું છે : ‘જે જમાનામાં પર્યાવરણનો પિંડ બંધાયો ન હતો તે વેળા મનુશીજીએ વૃક્ષોનું મહિમ્નસ્તોત્ર ગાયું હતું … ગાંધીજી કે કોગ્રેસ સાથે ન ફાવ્યું તો ત્યાંથી ખસી ગયા. અને ખસી ગયા પછી પણ પોતે ગાંધીજીને અનુસરે છે એમ કહેવા માટેય ‘આઈ’ને આગળ કરીને કહ્યું કે ‘આઈ ફોલો ધ મહાત્મા.’ સ્વયમિતા ન હોય તો અસ્મિતા ક્યાંથી આવે? મુનશીજી સ્વયમ ને અસ્મદ બંનેના, ઉપાસક અને ચાહક રહ્યા.’

    પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ, લેખકને ડર છે અહીં જાત વ્યક્ત થઈ જવાનો. પણ અહીં વ્યક્ત થાય છે એક જાતવાન મનુષ્ય. લેખકનું અનાવૃત્ત વ્યક્તિત્વ અહીં ઊપસ્યું છે. ક્યાંક તો નિર્મમ રીતે પણ. આથી જ યશવન્તભાઈ વિશે વાત કરતાં લેખક જાતને આ રીતે વ્યક્ત કરી શક્યા છે : ‘એમની સાથે સહનાવવતુ, સહનૌભુનક્તુ અને સહવીર્ય કરવાવહૈના ઠીક ઠીક પ્રસંગોમાં કોઈવાર ગામઠી બ્રાહ્મણની જેમ હું ચડભડી ઊઠું, વાગે એવું એકાદ વેણ કહી બેસું. એનો ઘા યશવન્તભાઈ ખમી ખાય.. મનેય પાછળથી પસ્તાવો થાય. છતાંય બીજી વાર આવું નહીં જ બને એની ખાતરી નહિ.’ જાત વિશેનું આ કઠોર પરીક્ષણ –નિરીક્ષણ અહીં આલેખાયેલાં એકત્રીસ વ્યક્તિત્વોની સાથોસાથ લેખકને પણ પ્રાજ્ઞજન ઠેરવે એવું છે.

    બાલેશ્વર દયાળ વિશે તેમણે નોંધ્યું છે તે એમની શૈલીને પણ એટલું જ લાગુ પડે છે : ‘કૃતકતા અને અતિશયોક્તિ એમનો પડછાયો લેવાનું ટાળે.’ આથી જ અહીં ચરિત્રોને બહાને પ્રગટતું હળવું ચિંતન પણ શિલાલેખીય બન્યું છે. સ્વજનોના ચાલતા થવાની વેદનાથી આઘાત પામીને લેખક કહે છે, ‘વાળનો ને જગતનો ઊલટો સંબંધ છે. વાળ કાળા હોય ત્યારે જગત રૂપેરી ભાસે છે ને વાળ રૂપેરી બને ત્યારે જગત શ્યામળું ભાસે છે.’

    ભલેને જગત શ્યામળુ ભાસે પણ લેખકે તો તેને રૂપેરી દ્રષ્ટિથી નિહાળીને એમની સંવેદનશીલતાનો હૃદ્ય પરિચય આપ્યો છે.


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.