-
ચાર ખંડ, પાંચ દેશમાં ચાલેલું ઈતિહાસ મંથન
તવારીખની તેજછાયા

રાજવી પરિવારોના ઉમિયા સન્માનનું સાંભળ્યું ત્યારે જે બે નામ ખાસ કોઈ આયોજન વિના સાંભરી આવ્યાં હતાં, એની થોડીક વાત કરું?
પ્રકાશ ન. શાહ
રા ણી વિક્ટોરિયાના ઢંઢેરા (૧ નવેમ્બર ૧૮૫૮)થી ‘ગદર’ એ ક્રાંતિકારી પત્રના પ્રકાશન (૧ નવેમ્બર ૧૯૧૩)ની અલપ ઝલપ જિકર કરી ન કરી, અને એ કાળખંડને ગુજરાત-ભારત છેડેથી એક વિશ્વ ઘટના રૂપે જુદેસર મૂકવા વિચારતો હતો ત્યાં તો જોઉં છું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને સરદાર જયંતીના વિરાટ આયોજન સાથે દેશના રાજવી પરિવારોનુંયે પોંખણું પાર પાડ્યું છે. થોડાં વરસ પર મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરામાં (હું ધારું છું, ગાયકવાડની પરોણાગતમાં) આવું એક રાજવી રાવણું મળ્યું હતું.
વસ્તુત: રાજવીઓનો ખાસો હિસ્સો એવો પણ હતો જેને સ્વરાજની ચળવળ પરત્વે અસુખ હતું અને સ્વરાજ પછી પણ કશુંક ખૂંચતું રહ્યું હશે. ભાગલા વખતે પાકિસ્તાન સાથે સીધા સંબંધની રીતે વિચારનારાં રજવાડાં પણ ક્યાં નહોતાં? ૧૮૫૭માં તમે ક્યાં હતા એ મુદ્દે સિંધિયા પરિવારને પણ, એમ તો, ટીકાસ્ત્ર ક્યાં વેઠવા નથી પડતાં? સયાજીરાવ ક્રાંતિકારીઓ પરત્વે સહાયકારી વલણ ધરાવતા હતા તો ૧૮૫૭ વખતે ગાયકવાડની વડોદરાએ સલામત અંતરનો રવૈયા લીધો હતો એ પણ ઈતિહાસવસ્તુ છે.
રાજવી પરિવારોના ઉમિયા સન્માનનું સાંભળ્યું ત્યારે જે બે નામ ખાસ કોઈ આયોજન વિના સાંભરી આવ્યાં હતાં, એની થોડીક વાત કરું? એક તો દરબાર ગોપાળદાસનું સ્મરણ થઈ આવ્યું હતું. સ્વરાજની લડતમાં એમ એમની નાનીશી રિયાસત, ઢસા-રાયસાંકળી, જપ્ત થયેલી અને સ્વરાજ પછી પાછી મળી ત્યારે ભારત સંઘમાં સ્વેચ્છાએ વિલીન થયેલું પહેલું રજવાડું પણ એ હતું. ગોપાળદાસ સ્વતંત્ર કોલમના બરની પ્રતિભા છે પણ એમનું એક વિશેષ અર્પણ તો અછડતુંયે સંભારી લઉં. ગુજરાતની, ઘણું કરીને ભારતની પણ પહેલી મોન્ટેસરી શાળા એમણે મોતીભાઈ અમીનના માર્ગદર્શનમાં વસોમાં શરૂ કરેલી. (મેઘાણીએ ‘સોરઠ તારાં વહેતાં પાણી’માં દરબાર સાહેબ આધારિત એક પાત્રનોયે પ્રવેશ કરાવ્યો છે.)
નાના-મોટા રાજવી પરિવારો પૈકી યદૃચ્છાવિહાર પેઠે થઈ આવેલું બીજું સ્મરણ રાજા મહેન્દ્ર પ્રતાપનું હતું. ૧૯૫૭-૧૯૬૨નાં વર્ષોમાં એ લોકસભા સાંસદ હતા ત્યારે અમદાવાદની લેસ્કી ઈન્સ્ટિટ્યૂટમાં એમને જોવા-સાંભળવાનું બન્યું હતું. (એ વખતે ખબર નહોતી કે મથુરાની બેઠક પર એમની સામે હારી ગયેલાઓ પૈકી એક ભાવિ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ હતા.) સાધારણપણે આપણે જંગે આઝાદીમાં દેશ બહાર સ્થપાયેલી સરકાર તરીકે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકારને સંભારતા હોઈએ છીએ, પણ એ તો બીજા વિશ્વયુદ્ધ વખતની ઘટના છે, જ્યારે પહેલા વિશ્વયુદ્ધનાં વરસોમાં દેશ બહાર એવી સરકારની સ્થાપનાનું માન અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપને નામે ઈતિહાસજમે છે. એ પ્રમુખ અને મૌલવી બરકતુલ્લા વડાપ્રધાન એવી રચના હતી, અને મહેન્દ્ર પ્રતાપના સંપર્કો રૂસના લેનિનથી જર્મનીના કૈસર લગીના હતા.
સ્વરાજની ચળવળને આપણે વ્યાપક આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં જોઈએ છીએ ત્યારે 19મી સદી ઉતરતે ગુજરાત-ભારત છેડેથી ત્રણ નામ લગભગ એકસાથે સામે આવે છે અને તે પણ એક જ અરસામાં. ૧૮૯૨, ૧૮૯૩, ૧૮૯૪આ એ વર્ષો છે જ્યારે વિવેકાનંદ શિકાગોની વિશ્વ ધર્મ સંસ્દમાં પ્રકાશ્યા છે, દાદાભાઈ નવરોજી બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશ્યા છે અને ગાંધીભાઈ દ. આફ્રિકાના જાહેર જીવનમાં પડ્યા છે.
જરી ઉતાવળે જિકર કરું આ ત્રણેની? દાદાભાઈ ૧૮૯૨માં લંડનના ફિન્સબરીમાંથી આમની સભામાં ગયા ત્યારે એમની જે અભ્યાસ-સેર ભારત છેડેથી ચાલુ હતી એને બ્રિટિશ મ્યુઝિયમની સમૃદ્ધ લાઈબ્રેરીના સેવને ખાસી સહાય કરી અને નવા સમયના વાહક તરીકે હિંદમાં બ્રિટનની હાજરી વસ્તુત: કઈ હદે આ દેશની શ્રી, સંપત્તિ અને સમૃદ્ધિને ઉશેટી જનારી છે એની દસ્તાવેજી વિગતો આગળ ચાલતાં ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રુલ ઈન ઈન્ડિયા’ રૂપે વિશ્વસુલભ બની. (બાય ધ વે, આ ‘અનબ્રિટિશ’ એ પ્રયોગ નોંધ્યો તમે?’)
આર્થિક શોષણ ને દારુણ ગરીબીનું આ ચિત્ર બ્રિટિશ શાસન પર સાંસ્થાનિક ચકામા (ચંદ્રક નહીં) પેઠે ઊપસી રહ્યું હતું ત્યારે ૧૮૯૩માં શિકાગોની વિશ્વ ધર્મ સંસદને તખતે વિવેકાનંદનો સિંહપ્રવેશ થયો. બીજી વિગતો છોડી દઈ અહીં એટલું જ સંભારું માત્ર કે આ વેદાન્તકેસરીયો સાંપ્રદાયિક જટાજૂટથી હઠી સર્વધર્મસાધક ગુરુની છાયામાં વ્યાપક ધર્મનું દરિદ્રનારાયણ રૂપ આગળ કર્યું. સાંસ્થાનિક શોષણ સામે આ નવધર્મચિંતન હતું.
૧૮૯૪ એ વરસ છે જ્યારે દ. આફ્રિકાના હિંદી ભાઈબહેનોના નાગરિક હક્કની લડાઈમાં બેરિસ્ટર ગાંધીભાઈ ડગ માંડી રહ્યા છે. એમને સારુ ઊંડી ધર્મખોજનો આ ગાળો છે જેમાં કવિ રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર)ની સંપર્કહૂંફ ઉપરાંત આવી મળેલો અણચિંતવ્યો સધિયારો તોલ્સ્તોયના વાંચનનો હતો. ‘ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ વિધિન યૂ’ મૂળ રૂસીમાં ૧૮૯૩માં બહાર પડ્યું અને ૧૮૯૪માં તો અંગ્રેજીમાં અવતારી મુમુક્ષુ મોહનદાસના હાથમાં પડ્યું.
ખ્રિસ્તી ધર્મ એ પ્રેમધર્મ છે અને પ્રેમને પ્રત્યક્ષ કૃતિમાં ઉતારવા સારુ રૂસના દુર્ભિક્ષગ્રસ્તોની સેવાનો સાદ સાંભળી તોલ્સ્તોય રાહતકાર્યમાં જોતરાય છે. દુર્ભિક્ષનો ભોગ બનેલાઓ જો ખ્રિસ્તી છે તો આ વસમા સમયમાં એમને શોષનારા શાહુકારોય ખ્રિસ્તી છે, અને એ શાહુકારોની પૂંઠે અડીખમ સમર્થન આપનાર નામદાર ઝાર પણ ખ્રિસ્તી છે! પ્રેમધર્મના યાત્રીને આ જે ‘સાક્ષાત્કાર’ થયો તેણે સામાજિક તેમજ રાજ્યવિષયક આલોચનાવિવેક એટલે કે ‘ક્રિટિક’ની અનિવાર્યતા સમજાવી. હિંદીવાનો સારુ લડી રહેલા ગાંધીને ધર્મખોજના જ એક દુર્નિવાર અંગ તરીકે શાસનમીમાંસાની જરૂરત પકડાઈ.
પરંપરાગત ધર્મખોજની આ સંપ્રદાયમુક્ત નાગરિક સમુત્ક્રાંતિ આપણા સમયની એક મોટી વાત હતી અને છે. ભારત, ઈંગ્લેન્ડ, રશિયા, અફઘાનિસ્તાન, અમેરિકા, આફ્રિકા- ચાર ખંડ ને પાંચ દેશમાં આ જે મંથન ચાલ્યું, એક રીતે એનું નવનીત લઈને ‘હિંદ સ્વરાજ’ આવ્યું. વીસમી સદીનો પહેલો દસકો ઉતરતે એ અને ‘ગોરા’ બેઉ લગભગ એક જ અરસામાં.
આ સંબલ સામે શો છે આપણો હિસાબ?
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૮ – ૧૧ – ૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
(૧૨૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૭૦ (આંશિક ભાગ –૨)
કભી નેકી ભી ઉસ કે જી મેં ગર આ જાએ હૈ મુઝ સે
(શેર ૪ થી ૬)
– મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (રસદર્શનકાર)ઉધર વો બદ-ગુમાની હૈ ઇધર યે ના-તવાની હૈ
ન પૂછા જાએ હૈ ઉસ સે ન બોલા જાએ હૈ મુઝ સે (૪)[બદ-ગુમાની= વહેમ, અવિશ્વાસ, મિથ્યાભિમાન, અક્કડ વલણ; ના-તવાની= કમજોરી, નિર્બળતા, ભીરુતા]
રસદર્શન :
આ શેર સીધોસાદો અને નવીનતાવિહીન લાગતો હોવા છતાં તેમાં લાલિત્યસભર પૂર્ણ સુંદરતા સમાયેલી છે. વળી પ્રથમ મિસરામાં અન્યોન્ય સાથે પડઘાતા ‘ઉધર’ અને ઇધર શબ્દો લયબદ્ધતા સાધે છે. આ બંને શબ્દો દૂરનું અને નજીકનું એવું અંતર તો દર્શાવે છે, પણ ગ઼ાલિબની અહીં કમાલ એ છે કે તે માશૂક અને માશૂકા વચ્ચેના શારીરિક અંતરના બદલે તેમના ભાવાત્મક અંતરને દર્શાવે છે. માશૂકાનું મિથ્યાભિમાન કે અક્કડ વલણ સામેના છેડે છે, તો માશૂક પક્ષે તેમની ભીરુતા આ પક્ષે છે. આમ બંને પક્ષની સ્વભાવગત નિર્બળતા એવી પરિસ્થિતિ જન્માવે છે કે એ બેઉ વચ્ચે વાણીવિનિમય (Communication) થઈ શકતો નથી, અર્થાત્ બંને વચ્ચે ચૂપકીદી સર્જાઈ રહે છે. માશૂકાની બદગુમાની તેને કંઈક પૂછવા કે જાણવાથી રોકે છે, તો વળી માશૂકની ભીરુતા કે સંકોચ તેને બોલવાથી રોકે છે; અને આમ બંને વચ્ચે મૌન સર્જાય છે અને જડ પૂતળાંની જેમ તેઓ એકબીજાથી દૂર ને દૂર ઊભાં રહી જાય છે. આમ આ શેરનું પઠન કરતાં આપણી નજર સમક્ષ એક મનમોહક શબ્દચિત્ર ખડું થઈ જાય છે.
* * *
સઁભલને દે મુઝે ઐ ના-ઉમ્મીદી ક્યા ક઼યામત હૈ
કિ દામાન-એ-ખ઼યાલ-એ-યાર છૂટા જાએ હૈ મુઝ સે (૫)[ના-ઉમ્મીદી= નિરાશા; ક઼યામત= ન્યાયનો દિવસ, આફત-બલા (અહીં); દામાન-એ-ખ઼યાલ-એ-યાર= માશૂક/દોસ્તના વિચારનો તંતુ છેડો (સાથ)]
રસદર્શન :
શેરનો પ્રથમ મિસરો સ્વગતોક્તિ (Soliloquy)માં છે. માશૂક પોતાની નિરાશાને સંબોધતાં કહે છે તું મને સ્થિર થવા દે, કેમ કે મારા પગ તારા કારણે લથડિયાં ખાઈ રહ્યા છે. માણસ જ્યારે ઘોર નિરાશામાં સપડાય ત્યારે તેનું શરીર નિશ્ચેતન થવા માંડે છે અને ગાત્રો ઢીલાં થતાં જાય છે. અહીં એક ફિલ્મી ગીતની પંક્તિ ‘મહોબ્બતમેં ઐસે કદમ ડગમગાયે!’ યાદ આવી જાય છે વળી અહીં ‘કયામત’ શબ્દ બોલચાલ (Colloquial)ના અર્થમાં છે, નહિ કે ખ્રિસ્તી કે મુસ્લીમ મત મુજબના કયામત (Doomsday)ના અર્થમાં. અહીં માશૂકની નિરાશા પરાકાષ્ઠામાં હોઈ તેને કયામતના ત્રાસ જેવી કલ્પવામાં આવી છે. ગ઼ાલિબ શેરના બીજા મિસરામાં માશૂકાના મિલનની નાઉમ્મીદીને બેહદ આગળ લઈ જતાં માશૂકના મુખે એમ કહેવડાવે છે કે ‘હે મારી નાઉમ્મીદી, કયામતની યાદ અપાવી જાય એવી તું મારા ડગમગતા પગને સ્થિર થવા દે અર્થાત્ કે મારી જાતને સંભાળી લેવા દે!’ અહીં સ્પષ્ટ સમજાઈ જ જાય છે કે માશૂકની નાઉમ્મીદી એટલે માશૂકાને પામી ન શકવાની નિરાશાજનક મન:સ્થિતિ.
શેરના બીજા મિસરામાં માત્ર ગ઼ાલિબ જ આપી શકે તેવી પરિકલ્પના એ છે કે માશૂકાથી સદેહે વિખૂટા પડ્યાના દુ:ખના વિચારોને રસ્સાની જેમ પોતાના માનસપટમાં મજબૂતીથી જકડી રાખનાર માશૂકની હવે તો એ હાલત થઈ ગઈ છે કે એ રસ્સાનો છેડો પણ જાણે કે હાથમાંથી સરકી રહ્યો છે. આમ માશૂકા અંગેના વિચારો જે એક માત્ર સહારારૂપ હતા, તે પણ હવે હાથમાંથી જઈ રહ્યા છે। અહીં માશૂકા ભુલાઈ રહી છે એમ અભિપ્રેત નથી, પણ માશૂકાના વિરહના કારણે માશૂકનું મન એવું તો સુન્ન (મૂઢ) થઈ ગયું છે કે માશૂકા અંગેના વિચારો પણ આવતા બંધ થઈ જવાની માશૂકને દહેશત છે.
* * *
તકલ્લુફ઼ બરતરફ઼ નજ઼્જ઼ારગી મેં ભી સહી લેકિન
વો દેખા જાએ કબ યે જ઼ુલ્મ દેખા જાએ હૈ મુઝ સે (૬)[તકલ્લુફ઼= શિષ્ટાચાર; નજ઼્જ઼ારગી= દૃષ્ટિ, નજર]
રસદર્શન :
સરસ મજાના આ શેરમાં અર્થભાવ એવો તો સૂક્ષ્માતિસૂક્ષ્મ છે કે આ રસદર્શકડાને આ શેરને એકાધિક વખત વાંચવો પડ્યો છે. પહેલા મિસરામાં ગ઼ાલિબે ભલે તેના શાયરાના અંદાઝમાં ભારેખમ શબ્દો પ્રયોજ્યા હોય, પણ તેનો સીધો સાદો મતલબ તો એ જ થાય છે કે કોઈ સુંદરતમ વસ્તુને ટીકીટીકીને જોવામાં કે તેનું સૌંદર્યપાન કરવામાં કોઈ શિષ્ટાચારભંગ થતો તો ન જ ગણાય. બીજા શબ્દોમાં આ જ વાતને એમ પણ કહી શકાય કે એકી નજરે એવા કોઈ સૌંદર્યને નિરખવું દુરસ્ત જ ગણાય. અહીં સુંદરતમ બાબતો બે પ્રકારની હોઈ શકે; એક, કાં તો એ કોઈ કુદરતી દૃશ્ય કે પદાર્થ હોય અને બે, કોઈ જીવંત વ્યક્તિ હોય. હવે જીવંત કોઈ વ્યક્તિ અર્થાત્ અહીં માશૂકાને એમ એકીટશે જોયા કરવું એ સહી છે એવું આ પહેલા મિસરામાં કહેવાતું હોવા છતાં ‘લેકિન’ શબ્દ થકી બીજા મિસરામાં એ વિધાનને એ રીતે પૂરું કરવામાં આવે છે કે ‘પરંતુ એ રીતે માશૂકાને વેધક નજરે જોયા કરવું એ ક્યારેક તો તેના ઉપરનો એક જુલ્મ જ સાબિત થઈ જાય !’ મેં અહીં મારા પક્ષે ‘તકલ્લુફ઼ બરતરફ઼’નો અર્થ ‘શિષ્ટાચાર ભંગ ન થવો’ એમ લીધો છે, પરંતુ મીમાંસકોના એક મત મુજબ તેનો અર્થ ‘શિષ્ટાચારને બાજુએ મૂકવો’ અને બીજા એક મત મુજબ ‘સાચું કહેતાં’ એવો અર્થ વ્યક્ત થયો છે. પહેલો મત શાબ્દિક ફેરફાર સાથે મારા મતની નજીક હોઈ તેને ગ્રાહ્ય રાખી શકાય, પરંતુ બીજા મતને અસ્વીકાર્ય જ ગણવો પડે કેમ કે મિસરાના પાછળના શબ્દો સાથે તેને જોડતાં સુગ્રાહ્ય અર્થ મળતો નથી. (ક્રમશ:)
* * *
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 94261 84977
નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો
-
કામવાળા, ગૃહયોગી, હાઉસ હેલ્પર : ન ઉજળું નામ, વધુ કામ, કમ દામ
નિસબત
ચંદુ મહેરિયા
દિવાળીના તહેવારો પૂર્વેની ઘરની સાફ-સફાઈ કામવાળા બહેન કે ભાઈ વિના શક્ય છે ? જે રોજેરોજ આપણાં ઘરોને ઉજળા રાખે છે અને વારે-તહેવારે ચમકાવે છે એવા ઘરના અનિવાર્ય સભ્ય જેવા આ વર્ગને સન્માનજનક નામથી આપણે સંબોધીએ છીએ ખરા ? પહેલા (અને કદાચ આજે પણ) એ રામલો કે રામલી તરીકે ઓળખાતા. પછી રામો કે રામુ થયું, નોકર-નોકરાણી બન્યા, કામવાળા બહેન અને ભાઈ કહેવાયા, ક્યાંક દીદી તરીકે બોલાવાયાં, સાધન-સંપન્ન અને અંગ્રેજી જાણતો વર્ગ તેમને ડોમેસ્ટિક વર્કર, હોમ મેનેજર અને હવે હાઉસ હેલ્પર ગણાવે છે. વીસેક વરસથી ગુજરાત સરકારે સરકારી કર્મચારીનું નામકરણ કર્મયોગી અને તમામ પ્રકારના મજૂર કે કામદારનું શ્રમયોગી કર્યું છે. એ જ તર્જ પર કામવાળા માટે ગૃહયોગી કર્યાનું જાણ્યું નથી. ગરિમાપૂર્ણ નામ જરૂર હોવું જોઈએ પણ સાથે તેમના પ્રત્યેનું વર્તન અને મળતર પણ વાજબી હોવું જોઈએ. પરંતુ હજુ જેને સન્માનસૂચક નામ જ નસીબ નથી થયું તેના માટે આ બહુ દૂરની વાત આજે તો લાગે છે.
શ્રમયોગી કે શ્રમયોગિની દેશનો બહુ મોટા અસંગઠિત શ્રમિક વર્ગ છે. ભારતના કામદાર વર્ગનો તે સૌથી વધુ ઉપેક્ષિત અને શોષિત હિસ્સો છે. તેના કામનું સ્થળ (વર્કપ્લેસ) કોઈક્નું ઘર(પ્રાઈવેટ સ્પેસ) છે. એ કહેવાય તો છે ઘરકામમાં સહાયક પણ તેનો જોબચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઘરના લગભગ સઘળાં કામો તેણે કરવાના હોય છે. કચરા-પોતાં, ઠામ વાસણ, લુગડાં ધોવા, જમવાનું બનાવવું, બાળકો, વૃધ્ધો, અસહાય અને બીમારની દેખભાળ, મેડમ અને સરના ઓફિસના અને ઘરના ટાઈમ સાચવવા, બાળકોને સ્કૂલે કે વાનમાં લેવા-મૂકવા જવાં, ઘરમાં નિયમિત ઝાપટ-ઝૂપટ કરવી, સંડાસ-બાથરૂમ ધોવા, બાબાભાઈ કે બેબીબહેનને ઉંઘાડવા-જગાડવા,તેમને દૂધ પાવું, ઘરની બીમાર વ્યક્તિને દવાખાને લઈ જવાય ત્યારે સંભાળ માટે સાથે જવું , કપડાંને ઈસ્ત્રી કરવી, ઘરની ચોકીદારી અને બાગકામ …. જેવા કંઈક કામો તેણે કરવાના હોય છે. આ કામો જોતાં ભારતના ધનાઢ્યથી માંડીને મધ્યમવર્ગીય જીવનમાં ઘરનોકરની પાયાની ભૂમિકા છે. શહેરીકરણમાં વૃધ્ધિ, સંયુક્ત પરિવારોનું તૂટવું અને પતિ-પત્ની બંનેનું કમાવું –જેવા કારણોથી પણ કામવાળાની અનિવાર્યતા વધી છે.
પહેલાના સમયમાં ઘરના કામો શ્રમદોહનના સામંતી ઢાંચામાં જુદા ગણાતા નહોતા. સામંતી શોષણ સામે સંઘર્ષ પછી તે જુદા પડ્યા .શાયદ એટલે જ ૧૯૩૧માં ૨૭ લાખ કામવાળા(મુખ્યત્વે પુરુષો), ૧૯૭૧માં ઘટીને ૬૭ હજાર થઈ ગયા હતા. જોકે ભારતે નવી અર્થનીતિ અપનાવી એટલે વૈશ્વિકીકરણના વાયરે ૧૯૯૧માં એ ૧૦ લાખ( ૭૫ ટકા મહિલાઓ) થયાં હતા. આજે તેનો કોઈ ચોક્કસ આંકડો નથી પણ લાખો અને કરોડોનો હોવાનું કહેવાય છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થાના એક અનુમાન મુજબ ભારતમાં ૪૭ લાખ ઘરનોકરો છે.જેમાં ૩૦ લાખ મહિલા છે. ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ પર ૮.૫૬ કરોડ નોંધાયેલા અસંગઠિત શ્રમિકો છે, જેના આઠથી દસ ટકા ઘરનોકરો છે. બેંગલૂરુમાં ૭૫ ટકા કામવાળા દલિત અને માત્ર ૨ ટકા જ કથિત ઉચ્ચ વર્ણના છે. આખા દેશમાં પણ દલિત, આદિવાસી પછાત અને ગરીબ મહિલાઓ જ આ કામ કરે છે.
ભલે સામંતી શોષણ ઘટ્યાનું કહેવાતું હોય દલિતોના લલાટે તો હજુ ય તે લખાયેલું છે. ભારતના ગામડાંઓમાં દલિત મહિલાઓને ગામના કથિત ઉચ્ચ વર્ણના લોકોના છાણવાસીદાથી માંડીને ઘરનું આંગણું , ઢોરની ગમાણ ચોખ્ખા રાખવાના અને માલ-ઢોરને ચારો-પાણી આપવાના કામો છાશ-રોટલાના બદલામાં કરવા પડે છે.
ઘરના કામો કરનારાઓમાં મહિલાઓ, સગીરવયની બાળકીઓ તથા પરપ્રાંતિય સ્થળાંતરિત કામદારો હોય છે. ગૃહયોગીઓની દિનચર્યા થકવી નાંખનારી અને ઘણી લાં…બી હોય છે. તેમના કામના કલાકો નિશ્ચિત હોતા નથી. ઘરમાલિકોનો તેમના પ્રત્યેનો વર્તાવ નકારાત્મક, શંકાળુ અને અપમાનજનક હોય છે. કામાવાળાઓ પરના અત્યાચારોના સમાચારો ઘણીવાર છાપાંના પાને ચઢે છે. તેમાં શારીરિક હિંસા, માનસિક ત્રાસ અને ભેદભાવ પણ છે. જે સંડાસ-બાથરૂમ તે સાફ કરે છે તેનો ઉપયોગ તે કરી શકતાં નથી. લિફ્ટનો ઉપયોગ પણ પ્રતિબંધિત હોય છે. ખાવાનું વાસી અને વધેલું- ઘટેલું આપવામાં આવે છે. સાજે-માંદે કે તહેવારોમાં જ રજા મળતી નથી એટલે અઠવાડિક રજાનો તો સવાલ જ નથી. લગભગ બધા જ કામો વાંકા વળીને કે લાંબો સમય ઉભાઉભા કરવાના હોય છે. ઘરમાં તેને ટી.વી જોવાની કે સોફા-ખુરશી-પલંગ પર બેસવાની મંજૂરી નથી. તેણે હંમેશા ભોંય પર જ બેસવું પડે છે. તેના ખાવા-પીવાના વાસણો જુદા રાખવામાં આવે છે.
ઘરકામ કરનારાઓમાં કેટલાક લિવ ઈન( પૂર્ણકાલીન ) અને કેટલાકા લિવ આઉટ(અંશકાલીન) છે. ફુલટાઈમ કામાવાળાને દિવસરાત ઘરમાલિક્ના ત્યાં જ રોકાઈને બધા કામો કરવાના હોય છે. તેને ઘરના ગેરેજ, સ્ટોર રૂમ કે બીજે રહેવાનું મળે છે. જ્યારે પાર્ટટાઈમ કામ કરનારને કામના ચોક્કસ સમયે આવીને કામ નિપટાવવાનું હોય છે. આ પ્રકારના કામો તેઓ એક કરતાં વધુ ઘરે કરતાં હોય છે.
કહેવાતી હાઉસ હેલ્પના બદલામાં આ શ્રમિકોને મળતું મહેનતાણુ તેમના કામના બદલામાં ઘણું ઓછું હોય છે. પાટનગર ગાંધીનગરમાં શ્રમિકોના યુનિયને કોઈ એક કામ(દા.ત. કચરા-પોતું , વાસણ, કપડા) ના માસિક રૂ. ૯૦૦ ઠરાવ્યા છે. એટલે દિવસના રૂ.૩૦ થયા. સવાર-સાંજ વાસણ માંજવાના હોય તો એક ટાઈમના ૧૫ રૂ. જ કહેવાય. દિલ્હી અને જયપુરના કામવાળા બહેનો પરનું એક અધ્યયન જણાવે છે કે ૬૮ ટકા મહિલાઓ મહિને રૂ. ૧૦ હજાર કરતાં ઓછું કમાય છે. ઘરકામ કરીને રૂ. ૨૦,૦૦૦થી વધુ કમાતી મહિલાઓ માત્ર ૧.૯ ટકા જ છે. ૨૦ ટકાને મહિને રૂ. ૫૦૦૦ થી ઓછા, ૪૬ ટકાને ૫ થી ૧૦,૦૦૦ અને ૬.૯ ટકાને ૧૫ થી ૨૦,૦૦૦ મળે છે.
દેશના કાયદામાં ઘરકામને વ્યવસાય ગણવામાં આવ્યું નથી. એટલે કામવાળાને દેશમાં શ્રમિકનો દરજ્જો મળ્યો નથી. તેના અધિકારો, સલામતી અને કલ્યાણ માટે કોઈ કાયદો કે યોજના નથી. તેની ચોક્કસ સંખ્યા નક્કી થઈ નથી. હાલની સરકારે ૨૦૨૧માં દેશના ૭૪૨ જિલ્લામાં સર્વે હાથ ધર્યો હતો. પણ સર્વેના તારણો હજુ જાહેર થયા નથી. મહિલા, દલિત-આદિવાસી-પછાત અને ગરીબ હોવાનું ત્રણ પ્રકારનું શોષણ શ્રમયોગિની સહે છે. સરકાર અને સમાજની સંવેદનશીલતા કે પછી તેમના મજબૂત સંગઠનો અને આંદોલનો જ કદાચ તેમના દુ:ખો નિવારી શકે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪ . ૨ # અંશ ૫
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
૪.૨ ખર્ચ અંશ ૪ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
ખર્ચ શક્તિનું અર્થતંત્ર
આપણે જે પ્રકારની નાણાપ્રધાન અર્થવ્યવસ્થામાં વસીએ છીએ તેમાં આપણી નાણા-સ્વરૂપે થયેલ આવક જ ખર્ચ કરી શકાય એવી વ્યવસ્થા જ જોવા મળે છે. પરંતુ, આપણે જોઈ ચુક્યાં છીએ કે આપણી અંગત અર્થવ્યવસ્થામાં નાણા સિવાયના, બિનનાણાકીય, સ્વરૂપે થયેલી આવકો પણ વાપરવી શક્ય છે.
નાણાપ્રધાન અર્થવ્યવસ્થા ધીમે ધીમે આર્થિક જેલ પરવડવા લાગે એટલી હદે આપણે આપણી નાણાસ્વરૂપ આવક રૂપી જેલર દ્વારા મળતી સગવડો અને જરૂરિયાતોને આધીન બની ગયાં છીએ. આપણે શું ખરીદવું તે નક્કી કરવામાં આપણી પાસે કેટલાં નાણાં છે અને જરૂરિયાતની ચીજવસ્તુઓ કે સેવાઓ કયા ભાવે મળશે એવી ગણતરીઓનો પ્રભાવ વધતો ગયો છે. આ પ્રક્રિયાનું એક નોંધપાત્ર પાસું એ છે કે ગરીબ કે તવંગર બન્ને માટે ભાવ સરખા જ હોય, એટલે દરેક વ્યક્તિની ખરીદશક્તિમાં ફરક માત્ર તેની પાસે ઉપલબ્ધ નાણાને કારણે જ પડે છે. અને નાણાપ્રધાન અર્થવ્યવસ્થાના પાયામાં જ વ્યક્તિની ખરીદશક્તિ છે, એટલે નાણાપ્રધાન અર્થવ્યવસ્થામાં વ્યક્તિની સફળતા નક્કી કરવામાં આ ખરીદશક્તિ અતિમહત્ત્વનું પરિબળ બની રહે છે.
જોકે, માણસ જાતમાં અવરોધોને બાજુએ રાખીને પોતાનો માર્ગ કાઢવાનું એવું જબરૂં કૌશલ્ય છે કે આર્થિક જેલના જેલરને ઊંઠાં ભણાવીને બીજાંઓ કરતાં વધારે આવક પેદા કરી લઇને તે વધારે ખરીદીઓ પણ કરી લે છે. આ કૃત્રિમ રીતે પેદા કરેલ ખરીદ શક્તિના તફાવતને કારણે સર્વસામાન્ય સિદ્ધાંતો અને નિયમોથી ચાલતી આર્થિક જેલમાં પણ વર્ગ પદાનુક્રમની અસમાનતા અડ્ડો જમાવી બેસે છે.
બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે જો આપણે આપણી ખરીદ શક્તિઓની મર્યાદામાં રહીને જ આપણાં સુખને સિદ્ધ કરવા બેસી જઈશું તો ખરાંખોટાં સાધનોથી વધારાની ખરીદ શક્તિ ઊભી કરનાર લોકો સાથે સરખામણી કરીને આપણે અભાવની મનોદશાનાં કળણમાં ફસાઈ જઈશું. આવી પરિસ્થિતિમાં ન મુકાવું પડે એટલે આપણે એ સતત યાદ રાખતાં રહેવું જોઈએ કે આપણી અંદર બિનનાણાકીય સાધનો ઊભાં કરી શકવાનું અદભૂત સામર્થ્ય રહેલું છે જેના વડે આપણે આપણી ખરીદ શક્તિની સીમાઓ વધારી શકવા સક્ષમ છીએ.
અંગત અર્થવ્યવસ્થાનાં ખર્ચનાં અર્થતંત્રમાં, આમ, વાસ્તવિક અર્થમાં વ્યક્તિની માત્ર નાણાકીય ખરીદ શક્તિ નહી પણ તેની પોતાનાં સમગ્ર કૌશલ્ય વડે શક્ય છે તેવી ખરીદ શક્તિ મહત્ત્વની બની રહે છે.
ખરીદ શક્તિના અર્થંતંત્રના આ પ્રવાહોની સામે કેમ તરતાં રહી શકાય એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.
આપણે અગાઉની ચર્ચાઓમાં જોઈ ગયાં છીએ કે આપણી પાસે ખર્ચવા માટે આપણો સમય, આપણી શારીરિક અને માનસિક શક્તિઓ, સેવાઓ લૈ આપી શકવાની આપણી આવડત, આપણા સાથી ‘જેલવાસીઓ’ સાથેની આપણી સહકારની ભાવના જેવાં બિનનાણાકીય સાધનો પણ છે. આ વધારાનાં બિનનાણાકીય સાધનો આપણી જરૂરિયાતો પુરી કરવા આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી કરવામાં, ભલે કદાચ તાકાલિક અસર સ્વરૂપે ન શકય બને તો પણ, ઘણી રીતે મદદરૂપ બની શકે છે.
આમ આપણે જરૂરથી યાદ રાખવું જોઈએ કે આપણી પાસે ખુબ જ કિમતી એવા સમય, આપણા સહપ્રવાસીઓ માટે અન્યોન્ય સમાનુભૂતિ જેવાં અનેક કૌશલ્યો આપણી અંદર છુપાયેલાં પડ્યાં છે જેનાં યોગ્ય આયોજન અને વપરાશ માટેનાં કૌશલ્યના કેળવવાથી આપણે નાણાકીય સાધનોની સાથે આપણી પાસે ઉપલબ્ધ બિનનાણકીય સંસાધનો વડે આપણે, ભલે કદાચ આજે નહીં તો કમસેકમ ભવિષ્યમાં, તો આપણી ખરીદશક્તિની સીમાઓઓ વધારી શકીએ છે. એટલે એમ કહી શકાય કે આપણી ખરીદ શક્તિને આપણી પાસે ઉપલબ્ધ નાણાથી મર્યાદિત કરી લેવાની જરૂર નથી. બિનનાણાકીય આવકો પેદા કરવાની જે માનવસહજ શક્તિઓ આપણી અંદર રહેલ રહેલી છે તેની કલ્પનાશીલ કેળવણીની મદદ વડે આપણી ખરીદ શક્તિની સીમા આપણે જાતે પણ નક્કી કરી શકીએ છીએ.
‘એકબીજા માટે લાગણી રાખવી અને વહેંચીને ખાવું‘ ની ભાવના પર આધારિત સમાજની રચના
આપણી પાસે ઉપલબ્ધ હોય તેવાં નાણાકીય તેમ જ બિનનાણાકીય સાધનોનો આપણી મરજી મુજબ ઉપયોગ કરીને આપણાં જીવનને સુખી બનાવી શકવું એ આપણા દરેકનો હક્ક છે. જોકે અપેક્ષિત સુખની સિદ્ધિ માટે આપણે આપણી પાસે ઉપલબ્ધ સંસાધનોની સીમાઓને પાર કરવી પણ પડી શકે છે. આપણે આપણી પોતાની એવી આગવી અર્થવ્યવસ્થા, અને કયારેક સમાજવ્યવસ્થા પણ, ઊભી કરવી પડે, જ્યાં આપણે આવડત, સમય, બિનનાણાકીય કે બીજાંઓ માટે સમાનુભૂતિ જેવાં આપણાં સંસાધનો, તેમની પાસેથી કોઈ જ વળતરની અપેક્ષા વિના, તેમની જરૂરિયાત પ્રસંગે, આપણી મરજી મુજબ વાપરી પણ શકીએ. બીજા શબ્દોમાં કહીએ તો આપણે આપણાં સંસાધનોનો ઉપયોગ આપણા સમાજનાં કલ્યાણ માટે, સમાજના સભ્યોની, વ્યક્તિગત કે સામુહિક, જરૂરિયાતો પુરી કરવા માટે, સખાવત સ્વરૂપે વાપરીએ છીએ.
માનવ સભ્યતાના વિકાસના ઇતિહાસમાં જેમ બીજાંઓને શોષતો વર્ગ બનતો રહ્યો છે તેમ બીજાંઓને માટે પોતાની પાસેનાં, નાણાકીય તેમજ બિનનાણાકીય, સંસાધનો વાપરીને નિઃસ્વાર્થ મદદ કરનારો પણ એક વર્ગ હંમેશ બનતો રહ્યો છે. આવી પરમાર્થી મનોવૃતિવાળી વ્યક્તિઓ વડે ‘એકબીજા માટે લાગણી રાખવી અને વહેંચીને ખાવું’ ની ભાવના પર આધારિત સમાજની રચના થાય છે. આ સમાજ પોતાનાં સુખદુઃખ કરતાં એકબીજાંનાં સુખદુઃખને સમાજના સામુહિક વાણી, વિચાર અને વર્તનમાં પ્રાથમિકતા આપે છે. પરિણામે, સમાજમાં પ્રવર્તવા લાગતાં સકારાત્મકતાનાં વાતાવરણને કારણે એકંદરે સુખમય જીવનની અનુભૂતિ વિકસે છે, જે દરેક વ્યક્તિનાં જીવનમં પણ પ્રતિબિંબિત થતી જોવા મળે છે.
આવી સમાજ રચના લાંબા ગાળા સુધી સંપોષિતપણે ટકી રહે એ માટે, અલગ અલગ સમયે, વિવિધ માળખાંઓ તેમજ સાંસ્કૃતિક વાતાવરણ રચતાં મૉડેલો આવતાં રહ્યાં છે. આવાં દરેક મૉડેલના પાયાના પ્રણેતા ‘ગાંધીઓ’ પાસે ‘જે પરિવર્તન તમે લાવવા માગો છો તેની શરૂઆત તમારાથી જ કરો’ જેવી જ કોઈને કોઈ જડીબુટી રહી છે. જ્યાં સુધી આવા વિચાર પ્રવર્તકોના પ્રભાવની અસર રહે છે ત્યાં સુધી એ વિચારના સમર્થકોની પ્રેરણાની સરવાણીઓથી અન્ય અનુયાયી વ્યક્તિઓ આ પ્રવાહમાં જોડાતી રહે છે. તેનું એક સકારાત્મક પરિણામ રૂપે સામુહિક સુખની ભાવનાનો ગુણોત્તરના દરથી વિકાસ થતો જોવા મળ્યો છે.
સુખ અને આનંદની અનુભૂતિથી ધબકતો સમાજ સુખી અને આનંદમય જીવન જીવતી વ્યક્તિઓથી જ રચાય છે. બુદ્ધ, ઈસુ, ગાંધીજી અને એવા યુગપ્રવર્તકોની જીવનશૈલીમાંથી એક શીખ અચૂક મળે છે કે ‘એકબીજા માટે લાગણી રાખવી અને વહેંચીને ખાવું’ ની ભાવના પર આધારિત સમાજની રચનાનો સમુદ્ર અનેક વ્યક્તિઓની એ ભાવનાઓનાં ટીપાંઓનાં એકત્રિત થવાથી થાય છે.
આપણે અગાઉની ચર્ચાઓમાં જોઈ ચુક્યાં છીએ કેટલીયે સરકારો કે શાસન વ્યવસ્થાઓએ આવા ‘એકબીજા માટે લાગણી રાખવી અને વહેંચીને ખાવું’ ની ભાવના પર આધારિત સમાજની રચનાને તેની જાહેર નીતિઓ અને કાર્યક્રમોનાં જાહેર લક્ષ્ય તરીકે પ્રાધાન્ય આપ્યું છે. જોકે આવા સમાજની રચનાના સૂર્યના પ્રકાશનો ઉદય થાય તેની રાહ જોવાની જરૂર નથી. આપણે દરેક વ્યક્તિ એક એક દીવો થઈને પોતાનાથી શક્ય એટલો પ્રકાશ ફેલાવવાની શરૂઆત કરી જ શકીએ છીએ.
અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં એક ઘટક તરીકે ‘બચત’ને લગતાં મહત્ત્વના પાસાંઓની ચર્ચા હવે પછીના મણકાઓમાં તબક્કાવાર કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
કાર્ટૂનકથા : [૯]
બીરેન કોઠારી
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
‘વારેવા’ના સાતમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં. આ અંકમાં પણ મેં માત્ર કાર્ટૂન દોરીને મોકલ્યાં હતાં, જ્યારે સંવાદ હાથે લખવાને બદલે મુદ્રિત સ્વરૂપે મૂકાયા હતા. અહીં એ મૂળ કાર્ટૂન અને તેની નીચે સંવાદ મૂકેલાં છે.
વાર્તાવ્યંગ્ય


ઉધઈ ઉવાચ


(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
બિનસત્તાવાર નિવાસી કલાકારનાં સર્જનો
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendar Shah Kala Sampoot – An Unauthorised Resident Artist-0n-call
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક બીજો : પ્રવેશ ૩ જો

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક બીજો:પ્રવેશ ૨ થી આગળ
પ્રવેશ ૩ જો
સ્થળ : કલ્યાણકામની હવેલી[પથારીમાં અઢેલીને બેઠેલા દરદી પાસે આસન ઉપર બેઠેલો કલ્યાણકામ અને પાસે ઊભેલો વંજુલ પ્રવેશ કરે છે.]દરદીઃ ભગવન્ત! આપનાં પત્નીએ માતા પેઠે મારી જે માવજત કરી છે તેનો ઉપકાર હું વાળી શકું તેમ નથી. હવે હું ચાલી શકું તેમ છું, માટે મને જવાની રજા આપશો. મારા ઘોડાનું શું થયું હશે તે વિશે હું બહુ ચિંતાતુર છું.કલ્યાણકામઃ ઘોડાને પકડી લાવવા મેં માણસ મોકલ્યાં છે. તમે આ પાટા બાંધેલે જખમવાળે શરીરે શી રીતે જઇ શકશો?વંજુલઃ ઊભા અને આડા પાટા જોઇને લોકો આંગળી કરશે અને છોકરાંઓ તાળી પાડશે.દરદીઃ જખમથી મારું કૌવત ગયું નથી. અને, પાટાથી મને શરમ નહિ લાગે. શ્રીમતી સાવિત્રીદેવીની દયાવૃત્તિથી એ પ્રસાદી નિત્ય મળતી હોય તો હું નિત્ય જખમ ખમું.વંજુલઃ શિરો ખાવા મળતો હોય તો હું પણ પાટા બંધાવીને સૂઇ રહું, પણ જખમની શરત મારે કબૂલ નથી.કલ્યાણકામઃ (દરદીને) તમે કોણ છો અને ક્યાં રહો છો?દરદીઃ જી, હું પરદેશથી આવું છું. આ નગર બહાર રંગિણી નદીને કિનારે આવેલી કિસલવાડીમાં હું માળીનું કામ કરું છુ. મને ‘રાઇ’ને નામે સહુ ઓળખે છે.કલ્યાણકામઃ આ શરીરકાંતિને આ બુધ્ધિપ્રભાવને માળીનું કામ ઘટતું નથી, અને રાઇનું નામ ઘટતું નથી.રાઈ: કાંઈ કાંઇ યોગાનુયોગ હોય છે.[બહાર ઘોડાનું ખોંખારવું સંભળાય છે.]રાઈ : એ મારો ઘોડો છે, અને મારી ગન્ધ પારખીને ખોંખારે છે.વંજુલઃ મને તો કંઇ ગન્ધ આવતી નથી. બાકી, લૂગડાંની ગન્ધથી હું ઘણા લોકોને ઓળખું છું.કલ્યાણકામઃ (રાઈને) તમારી અને ઘોડાની એક બીજા પર આટલી બધી આસક્તિ છતાં ઘોડો તમારે વશ કેમ ન રહ્યો?રાઈ: નગર બહાર તળાવકિનારે હું બેઠો હતો અને ઘોડો પાસે ચરતો હતો. તેવામાં, પડી ગયેલા મોટા વડનું ઝાડ ગાડામાં નાખેલું જતું હતું. તે જોઇને ઘોડો ભડક્યો અને જોરથી દોડવા લાગ્યો. હું દોડીને પડખે આવી ઘોડા પર ચઢી ગયો, પણ લગામ નીચે લટકતી હોવાથી હું તેને બરાબર ખેંચી રાખી શક્યો નહિ. રસ્તામાં એક ઠેકાણે પડેલો મોટો પથ્થર ઘોડાને વાગ્યો, અને લગામ તેના પગસાથે અથડાતી હતી, તેથી ઘોડો વધારે ચમકીને દોડવા લાગ્યો અને આખરે નગરમાં પેઠો. ઘોડો આપની હવેલીને માર્ગે આવતાં હવેલીના દરવાજાની દિશામાં વળ્યો, ત્યારે બંધ કરેલ દરવાજે જઇ અથડાશે એમ લાગ્યું, તેથી લગામ પકડી લઇ ઘોડાને રોકવા મેં ઊભેલા માણસોને બૂમ પાડી કહ્યું, પણ કોઇ પાસે આવ્યું નહિ. માત્ર એક માણસ હવેલીને મેડે બારીએ ઊભો હતો. તેણે કાગળ ફેંક્યો, તે મારા ફેંટામાં પડ્યો. દરવાજા પાસે આવ્યો ત્યારે હું કૂદી પડ્યો ને ઘોડો ફંટાઇને નાઠો.વંજુલઃ વડ સરખો કોઇ મહાન છત્રરૂપ પુરૂષ ભાગી પડવાથી દૈવ ઉતાવળી ગતિએ તમને ઠોકરાવતું વગાડતું પ્રધાનજીની મદદ મેળવવા લઇ આવ્યું છે, એમ મને ભાસ થાય છે.કલ્યાણકામઃ વંજુલ, તારું આ લક્ષણજ્ઞાન રહેવા દે. (રાઇને) એ કાગળ શાનો?રાઈ વખતે મારા ફેંટામાં હજી હશે. (પડખે પડેલો ફેંટો હાથમાં લઇને તેમાંથી કાગળ કાઢીને) આ રહ્યો.[કલ્યાણકામને કાગળ આપે છે.]કલ્યાણકામઃ (બીડેલો કાગળ ઉઘાડીને વાંચે છે):प्रकृतिं यान्ति भूतानी निग्रहः किं करिष्यते ।[૧]વંજુલમિશ્ર! આ તો આપના અક્ષર દેખાય છે!વંજુલઃ (ગભરાઇને) મારા શાથી?કલ્યાણકામઃ આ જોડા અક્ષરમાંના આઠડા જેવા ‘ર’, આ હેઠળ જતાં ડાબી તરફ લૂલા થઇ વળગતા કાના, આ કાનાને મથાળે કાકપગલા જેવા થતા સાંકડા ખૂણા, અ હાથીની અંબાડીના છત્ર જેવો ‘ભ’: સહુ તારી હથોટી છે. તારો વાંકો અંગૂઠો ઢાંક્યો નથી રહેતો!વંજુલઃ મારા જેવા અક્ષર જણાય છે ખરા!કલ્યાણકામઃ તારા પોતાના અક્ષર નથી?વંજુલઃ હું ક્યાં ના કહું છું?કલ્યાણકામઃ એ લખવાનું પ્રયોજન શું?વંજુલઃ ભગવન્ત! હું બારીએ બેઠો બેઠો ગીતાજીનો પાઠ કરતો હતો, તેવામાં, આ માણસને ઘોડો રોકવાનું લોકોને કહેતો સાંભળી મેં ગીતાજીનું એ વચન લખીને કાગળ એના ઉપર ફેંક્યો.કલ્યાણકામઃ શા માટે?વંજુલઃ સ્વભાવ ઉપર જતાં પ્રાણીઓને રોકવાની ગીતાજીમાં ના કહી છે. તે છતાં માણસ દોડતા ઘોડાને રોકવાનું કહેતો હતો, તેથી એ મિથ્યા પ્રયાસ મૂકી દેવા સારુ શાસ્ત્રવચનનું એને ભાન કરાવવા મેં કાગળ નાખ્યો.કલ્યાણકામઃ મૂર્ખ! એ ગીતાવચન દોડતા ઘોડા માટે છે એમ તને કોણે કહ્યું? સંકટમાં આવેલા મનુષ્યને સહાય થવું જોઇએ એટલું તાત્પર્ય પણ તું ગીતાના અધ્યયનથી સમજ્યો નથી?વંજુલઃ ભગવન્ત! શાસ્ત્રોના અનેક અર્થ થાય છે. આપ કંઇ અર્થ કરતા હશો, હું કંઇ અર્થ કરું છું. એમ તો કેટલાક કહે છે કે સાયણાચાર્યના ભાષ્ય પ્રમાણે વેદમાં કોઇ ઠેકાણે ઘડેથી ઘી પીવાનું નીકળતું નથી, પણ અમે आयुर्वै धृतम्ની શ્રુતિને આધારે વેદમાંથી એવો અર્થ કાઢી આપી ગોરને ઘડેથી ઘી પાવાનું શાસ્ત્રોક્ત પુણ્ય સમજાવી જજમાનોને કૃતાર્થ કરીએ છીએ.[નોકર પ્રવેશ કરે છે.]નોકરઃ ભગવન્ત! આમનો ઘોડો આવ્યો છે. તેને એટલું બધું વાગેલું છે કે તેના પર બેસીને જવાય તેમ નથી.[નમન કરીને જાય છે.]કલ્યાણકામઃ (રાઈને) તમને રથમાં સુવાડીને મોકલીશું.રાઈઃ ભગવન્ત! મને એવો લૂલો પાંગળો શા માટે બનાવો છો?(વસંતિલકા)સંક્ષુબ્ધ હું નથિ થતો જખમોથી કિંચિત્,
બીતો નથી રુધિરના વહને હું લેશ;
જ્યાં સુધિ શક્તિ વસશે મુજ દેહમાંહિ,
ધારીશ હું નહિ કદી અસહાય વ્રુત્તિ. ૨૩[હાથમાં ઔષધ લઇ સાવિત્રી પ્રવેશ કરે છે.]સાવિત્રીઃ (રાઈની પાસે આવીને) આ ઔષધથી તમને વિશેષ આરામ થશે.વંજુલઃ આટલા આટલા નોકર છતાં આપ આ ખરલ કરવાનું અને ગોળીઓ વાળવાનું શા સારુ લઇ બેઠાં છો? એ તે આપને શોભે?રાઈઃ શ્રીમતી! આપના શ્રમમાં સમાયેલી કૃપા ઔષધથી પણ વધારે આરામ કરવા સમર્થ છે.[પથારીમાં બેઠો થઇને ઔષધ પીએ છે.]સાવિત્રીઃ (રાઈની કમર તરફ જોઇને) તમે કમરે લટકતી તલવાર કાઢી નાખવા દીધી છે, પણ આ કમરનો બંધ હજી કાઢી નાખતા નથી, એ દુરાગ્રહ કરો છો. કમરને છૂટી કરશો તો આ વેળા કરાર લાગશે.રાઈઃ શ્રીમતી! એટલી આપની અવજ્ઞા કરી હું અકૃતજ્ઞ દેખાઉં છું. એ માત્ર કમરબંધ નથી, એ મારું જીવન છે.સાવિત્રીઃ અર્થાત્?રાઈઃ એ બંધ દેખાય છે તે મ્યાન છે અને અંદર તરવાર છે. હું તે રાતદિવસ કમરે વીંટી રાખું છું. અને, પ્રહાર કરવાનો પ્રસંગ આવે તે વિના એ તરવાર હું બહાર કાઢતો નથી.વંજુલઃ શ્રીમતી! એમનું નામ તો ઝીણું રાઈનું છે. પણ રાઈ દળાય એટલે ઝમઝમાટ આવ્યા વિના રહે નહિ! હવે સ્વરૂપ જણાયું! બબ્બે તરવારોઃ એક કમરે લટકાવવાની અને એક કમરે વીંટવાની!સાવિત્રીઃ ગોળ વળી જાય એવી તરવાર જોવા જેવી હશે!રાઈઃ આપને જોવી જ હશે તો હું કાઢીને મારી આંગળી પર પ્રહાર કરીને પાછી મ્યાનમાં મૂકીશ, એટલે મારી પ્રતિજ્ઞાનો ભંગ નહિ થાય.સાવિત્રીઃ સ્ત્રીજાતિને માથે અનિવાર્ય કુતૂહલનો આરોપ છે, તે ખોટો પાડવા ખાતર હું જિજ્ઞાસા મૂકી દઉં છું.વંજુલઃ સારું કર્યું. એવું તરવારનું ગૂંચળું વખતે છૂટી જાય તો હરકોઈને વાગી બેસે.રાઈઃ (ખાટલા પરથી ઉતરીને) ભગવન્ત! હવે મને અનુજ્ઞા મળવી જોઇએ.કલ્યાણકામઃ તમારી એવી જ ઇચ્છા છે તો હું રોકીશ નહિ. પરંતુ, શરીર સ્વસ્થ થયે ફરી દર્શનનો લાભ આપવાનો તમારો કોલ છે એમ સમજી અનુજ્ઞા આપું છું.રાઈઃ હાલ થોડા વખત સુધી તો કદાચ આપને નહિ મળી શકું. પણ સમય આવ્યે આપણે મળીશ અને ઘણીવાર મળીશ.આપનો સમભાવ એ તો મહામૂલ્ય વસ્તુ છે.સાવિત્રીઃ આવી અવસ્થામાં તમે ઘોડા પર સવારી કરશો શી રીતે? ઘોડો પણ અશક્ત છે.રાઈઃ ઘોડાને દોરીને લઇ જઇશ.અને, એથી અમને બન્નેને જે પરસ્પર સંતોષ થશે તેથી ચાલવામાં મને કે ઘોડાને શ્રમ કે વેદના જણાશે નહિ.[સર્વને નમન કરીને રાઈ જાય છે.]વંજુલઃ આટલી બધી ઘોડાની શી ઊઠવેઠ ! હું હોઉં તો એવો ઘોડો પાંજરાપોળમાં મોકલી દઉં.કલ્યાણકામઃ તું કદી ઘોડા પરથી પડ્યો છે?વંજુલઃ કોઈ દહાડો ઘોડે બેઠો જ નથી ને!સાવિત્રીઃ આવતા લગનગાળામાં તારે ઘોડે બેસવાનું આવશે.વંજુલઃ (મોં મલકાવીને) ભગવન્તની અને આપની કૃપા.કલ્યાણકામઃ વંજુલ! ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનારની પદવી પૂજ્ય થાય છે. પણ, તારી આટલી થોડી બુધ્ધિ જોઇ તને કોણ પૂજ્ય ગણશે?વંજુલઃ આપની નજરમાં મારી બુધ્ધિ થોડી હશે, પણ મારી બાઇડી આગળ તો હું પરમેશ્વરથી અધિક થઇશ.કલ્યાણકામઃ તેં ગીતામાં નથી વાંચ્યું કે પરમેશ્વરના સમાન કોઇ નથી, તો અધિક ક્યાંથી હોય? [૨]વંજુલઃ એ સિદ્ધાંત તો પુરુષો માટે છે, સ્ત્રીઓ માટે નથી. હું તો બાઇડી પાસે નિયમ પળાવીશ કે નિત્ય હું બારણેથી આવું ત્યારે દીવો લઇ ને મારી આરતી ઉતારે. કલ્યાણકામઃ આરતી ઉતારવાને બદલે તને પીવાનું પાણી આપે તો વધારે સારું નહિ?વંજુલઃ તરસ્યો આવ્યો હોઉં તો આરતી પૂરી થતાં સુધી વાટ ન જોવાય એ ખરું. પાણીયે હાજર રાખવાનો હુકમ કરીશ, હું પાણી પીતો જ ઇ શ અને બાઈડી આરતી ઉતારતી જશે.સાવિત્રીઃ વંજુલ! હું ભગવન્તની આરતી ઉતારતી નથી, એ તને ઘણું અયોગ્ય લાગતું હશે!વંજુલઃ મારી બુધ્ધિની આપને કિંમત નહિ, તેથી શી રીતે કહું? બાકી એ તો પરમ કર્તવ્ય છે. હું મારી બાઈડી પાસે પતિવ્રતાના બધા ધર્મ પળાવીશ. મારા જમી રહ્યા પછી મારી અજીઠી થાળીમાં જમે, હું આરામ કરું ત્યારે મને પંખો નાખે, હું માર મારું તોપણ એક શબ્દ ના બોલે, એ બધા સતીધર્મના નિયમો સખ્ત રીતે પળાવીશ.કલ્યાણકામઃ તું પોતે કોઇ નિયમ સખ્ત રીતે પાળીશ ખરો કે?વંજુલઃ સ્ત્રીઓ માટે પુરુષોએ ઠરાવેલ નિયમ સ્ત્રી પાસે પળાવવા એટલો જ નિયમ સ્ત્રીપરત્વે પુરુષે પાળવાનો છે.કલ્યાણકામઃ તારી સ્ત્રીને તારી અજીઠી થાળીમાં જમાડીશ, તેથી કયું ફળ પ્રાપ્ત થશે? તારો હક બજાવ્યાનો તને સંતોષ થશે કે તારી સ્ત્રીને પોતાનું કર્તવ્ય કર્યાનું પુણ્ય થશે?વંજુલઃ આપ ઘરમાં કોઇ નિયમ પળાવતા નથી, તેથી આપને આવી શંકા થાય છે. આવા આચારથી ધણી તરફ બાઈડીની પૂજ્યબુધ્ધિ કેળવાય. તે વિના બાઈડીને ધણી પર પ્રેમ થાય નહિ, અને, તેમનો સંસાર સુખી થાય નહિ.કલ્યાણકામઃ તારી અજીઠી થાળીમાં જમ્યા વગર પણ તારી સ્ત્રીને તારા પર પૂજ્યભાવ અને પ્રેમ થાય તો?વંજુલઃ પણ તે કાયમ રહે એનો શો ભરોસો?કલ્યાણકામઃ તારી અજીઠી થાળીમાં જમ્યા વગર પણ તારી સ્ત્રીને તારો તેના પર પ્રેમ કેમ કાયમ રહેશે?વંજુલઃ મારે કાંઇ પૂજ્યભાવથી પ્રેમ કરવાનો છે? મારે તો માલિકપણાથી પ્રેમ કરવાનો છે.સાવિત્રીઃ સ્ત્રીઓને માટે બધા નિયમો પુરુષો જ કરશો કે થોડા નિયમો સ્ત્રીઓને પોતાની મેળે કરવા સારુ રહેવા દેશો?વંજુલઃ ત્યારે અમારી આ મૂછો શા કામની?સાવિત્રીઃ મૂછોથી બાઈડીને મારવાની અને અજીઠું જમાડવાની પ્રેરણા થતી હોય તો એવી મરદાનગી વિના દુનિયાને ચાલે તેમ છે. દુનિયાને તો આ રાઈ આવ્યો હતો તેના જેવી મરદાનગીની જરૂર છે.કલ્યાણકામઃ(ઉપજાતિ)જે શૌર્યમાં કોમલતા સમાઈ,
તેને જ સાચું પુરુષત્વ માન્યું;
દ્રવન્ત લોખંડનું ખડગ થાય,
પાષાણનું ખડગ નથી ઘડાતું. ૨૪સાવિત્રીઃ એ યુવકના રસોજ્જ્વલ શૌર્યના દર્શનથી જાણે પ્રથમ એવો કોઇ પુરૂષ જોયો હોય એમ ભાન થતું હતું, અને તે સાથે વળી એની આકૃતિ અપરિચિત લાગતી હતી.કલ્યાણકામઃ અનેક ભાવનાઓ મૂર્તિમંત થઇને ચિત્તને સંસ્કારોનો સાક્ષાત્કાર કરાવતી હતી, પણ, એ ભાવનાઓ એક પાત્રમાં સમગ્ર થયેલી કદી જોવામાં આવેલી નહિ. તેથી, આદર્શની આકૃતિ પહેલી જ વાર નજરે પડેલી જણાતી હતી.વંજુલઃ મને તો રાઈ દીધેલું સુરણ યાદ આવતું હતું. ખરો સ્મરણાલંકાર તો એ જ.કલ્યાણકામઃ અલંકારશાસ્ત્રમાં તું ભૂલે એવો નથી, પણ સૂરણ સુંદર નથી દેખાતું.વંજુલઃ એ ગમે તેવો સુંદર દેખાતો હશે, પણ આખરે તો માળી જ!કલ્યાણકામઃ એવો જો કોઇ ક્ષત્રિય મળી આવ્યો હોત તો હું મહારાજ પર્વતરાયને કહેત કે જુવાન થવાના ઉઅપ્ચાર કરવાને બદલે એવા યુવકને દત્તક લેવો શ્રેયસ્કર છે. જોઈ પદવી અપાતી હોય તો રાજપદ એને જ –[નોકર પ્રવેશ કરે છે.]નોકરઃ (નમીને) મળી ચૂક્યું છે, ભગવન્ત.કલ્યાણકામ : (ચમકીને) શું ?નોકરઃ પૂર્વમંડળેશ તરફથી દૂત આવ્યો છે. તે કહે છે કે એટલા જ શબ્દો ભગવન્તને કહેવાના છે.કલ્યાણકામઃ ઠીક, એને ઉતારો આપો.અને, પુષ્પસેનજીને મારા નમસ્કાર સાથે કહી આવ કે આપની જરૂર પડી છે, માટે કૃપા કરી સત્વર પધારશો.નોકરઃ જેવી આજ્ઞા.[નમન કરી જાય છે.]કલ્યાણકામઃ વંજુલ! જા. એ દુતના ભોજનનો બંદોબસ્ત કર.વંજુલઃ મારા ભોજનના બંદોબસ્તનું તો કહેતા નથી![જાય છે.]સાવિત્રીઃ આ દૂતનો સંદેશો કંઈ અગમ્ય છે!કલ્યાણકામઃ મહારાજ પર્વતરાય ગેરહાજર છે તે જાણી પૂર્વમંડળ પર ચઢી આવવા કેટલાક શત્રુઓ તૈયારી કરતા હતા. તેમનું સૈન્ય સરહદ પર એકઠું મળે એટલે આવા શબ્દોનો સંદેશો મુદ્દામ માણસ સાથે મોકલવા પૂર્વમંડળેશ સાથે સંકેત કર્યો હતો. એ તરફ સૈન્ય તો પ્રથમથી જ મોકલેલું છે, પણ હવે પુષ્પસેનને જ ત્યાં મોકલવાની જરૂર છે. પુષ્પસેન આવે ત્યાં સુધીમાં હું કાગળો તૈયાર કરી રાખું.સાવિત્રીઃ ભોજન કરીને થોડી વિશ્રાન્તિ લીધા પછી આ કામ કરવાનું રખાય તેમ નથી?કલ્યાણકામઃ(હરિણી)તમ વચનથી પામ્યો છું હું ઉરે રસપોષણ,
ઉદરભણે હાવાં કાંઈ સહીશ વિલંબન;
શ્રમ ઘટિ ગયો સૂણી જે જે વદ્યો બટું વંજુલ,
શ્રમ-સુખ જુદાં થાયે ક્યાંથી ખભે ધરિ જ્યાં ધુર? ૨૫ -
એક નવી દિવાળી લાવો.. / નવા વર્ષને આવકાર
દેવિકા ધ્રુવ
એક નવી દિવાળી લાવો..
કોઈ નવી નવરાત્રી લાવો, એક નવી દિવાળી લાવો,શેરીએ થાતી ગરબાઓની ત્રણ રૂપાળી તાળી લાવો.
આદર કેરા દાંડિયા ઝાલી અમૃત-રાસ રચાવો.સ્નેહનું ઘૂંઘર, સ્મિતનું ઝુમ્મર, ઘમ્મર ઘૂમ મચાવો..
દિલડે દીવડા પ્રગ્ટે એવી રાત અજવાળી લાવો… એક નવી દિવાળી લાવો..પ્રાંત પ્રાંત કે ભાષા-ભેદની વાડો તોડી,વછોડી
માનવતાનો ધર્મ છે સાચો, ધનની પૂજા છોડી
મન-મંદિર સજાવો, કોઈ રીત મતવાલી મનાવો….એક નવી દિવાળી લાવો.ઉરને આંગણ સમજણ કેરા સાથિયાઓ પૂરાવો.
એકાંત કુંજે, પ્રસન્ન ચિત્તે, આતમ-રાજ બોલાવો.
ચૌદશ કાળી હોય જો અંતર, વળીને વાળી આવો.. એક નવી દિવાળી લાવો..નૂતન વર્ષે આશાઓના અભિગમ સંગે ઝુલો,
હો વિચાર-વાણી-વર્તન સાચા આચરણના ફૂલો,
ભીતર કંકુ પૂજાપાની આરત-થાળી લાવો … એક નવી દિવાળી લાવો..+ + +:નવા વર્ષને આવકાર:
આવો, આવો આંગણે આજે,
આવકારીએ આદિત્યના આગમનને આજે….અમાસના અંધકારને ઓગાળતા,
આરોગ્ય ને આશાઓને અજવાસતા,
આવકારીએ આદિત્યના આગમનને આજે….અર્પી અમી આંખમાં એકમેકને,
અદ્વિતીય આનંદ અંતરથી,
આરાધીએ આદિત્યના આગમનને આજે…..અખૂટ ઐશ્વર્ય આપ્તજનોને,
આસપાસ આદરનો અને
આરોગ્યનો ઓચ્છવ
અભ્યર્થીએ આદિત્યના આગમનને આજે… -
ફિલ્મી ગઝલો – ૨૪. કૈફ ઈરફાની
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
કેવી અજબ વાત છે કે જે ગીતકારનું ગીત ‘ કહાં હો તુમ ઝરા આવાઝ દો હમ યાદ કરતે હૈં ‘ (મલ્હાર ૧૯૫૧ ) ગણગણતાં આપણે મોટા થયા હોઈએ એમના જીવન અને કારકિર્દી વિષે છાનબીન કરતાં એમના ગીતો સિવાય ભાગ્યે જ કશું હાથ લાગે !
કૈફ ઈરફાનીનું એવું જ છે. ‘ મલ્હાર ‘ ફિલ્મની ઉપરોક્ત રચના ઉપરાંત એ જ ફિલ્મની અન્ય માતબર લતા – ગઝલ ‘મુહબ્બત કી કિસ્મત બનાને સે પહલે ઝમાને કે માલિક તૂ રોયા તો હોગા‘ પણ એમની જ. કૈફ ઈરફાની ( અન્ય એક કૈફ ભૂપાલી પણ હતા જેમણે ફિલ્મોમાં ગઝલો લખી હોય એવું જણાતું નથી. ) સાહેબે પચાસથી વધુ ફિલ્મોમાં સો આસપાસ એક એકથી ચડિયાતી બંદિશો લખી. મોટા ભાગની ફિલ્મોમાં અન્ય ગીતકારો સાથે એક – બે ગીતો. એમની કેટલીક ફિલ્મો છે છોટે બાબૂ, તરાના, શેરૂ, અનુરાગ, શીશમ, આગોશ, આબે હયાત, ગુલ સનોબર, રાગરંગ, લાડલા, નાચ વગેરે. એમના યાદગાર ગીતોમાં ‘ મલ્હાર ‘ ના ગીતો ઉપરાંત ‘ અનુરાગ ‘ નું ‘ કિસે યાદ રખું કિસે ભૂલ જાઉં ‘, ‘ શીશમ ‘ નું ‘ મુહોબત એક શોલા હૈ ‘, ‘ તરાના ‘ નું ‘ એક મૈં હું એક મેરી બેકસી કી શામ હૈ ‘ , ‘ શેરૂ ‘ નું ‘ નૈનોં મેં પ્યાર ડોલે અને માટી કે પુતલે ઈતના ન કર તૂ ગુમાન ‘ અને ‘ છોટે બાબૂ ‘ નું ‘ દો દિન કી મુહોબત મેં હમને કુછ ખોયા હૈ કુછ પાયા હૈ ‘ આવે.એમની આ બે ગઝલો અને એમાં સમાયેલ શબ્દ અને ભાવની પરિપક્વતા જૂઓ :
બડી બરબાદિયાં લેકર મેરી દુનિયા મેં પ્યાર આયા
હંસી એક બાર આઈ હૈ તો રોના બાર બાર આયાભરા અશ્કોં સે વો દામન જિસે ફૂલોં સે ભરના થા
મુઝે ઈસ બેવફા દુનિયા પે રોના બાર બાર આયાવફા તડપી, ખુશી રોઈ, લુટે અરમાં, હંસી દુનિયા
જો આંસૂ આંખ મેં આયા વો હો કર બેકરાર આયા ..– ફિલ્મ : ધુન ૧૯૫૩
– લતા
– મદન મોહન
રસ્તે પે હમ ખડે હૈ દિલે બેકરાર લે કર
ગુઝરોગે કબ ઈધર સે અપની બહાર લે કરથોડા – સા પ્યાર દે દો, હમ ઝિંદગી બના લેં
હમ ઝિંદગી બના લેં, થોડા- સા પ્યાર લે કરઅરમાં મચલ – મચલ કર, તુજસે યે કહ રહે હૈં
આના ઓ પ્યાર વાલે આંખોં મેં પ્યાર લે કરઆવાઝ દે રહી હૈ શામે બહાર તુમ કો
દામન મેં મુસ્કુરાતે ફૂલોં કા હાર લે કર ..– ફિલ્મ : રાજપૂત ૧૯૫૧
– સુરૈયા
– હંસરાજ બહલ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ફિલસુફીભર્યા ગીતો – ૧૬ :आगे भी जाने ना तू पीछे भी जाने ना तू
નિરંજન મહેતા
૧૯૬૪ની ફિલ્મ ‘વક્ત’નુ આ ગીત બહુ જ સંદેશાત્મક ગીત છે.
आगे भी जाने ना तू पीछे भी जाने ना तू
जो भी है बस यही पल हैअनजाने सायो का राहो में डेरा है
अनदेखी बाहों ने हम सब को घेरा है
ये पल उजाला है बाकि सब अँधेरा है
ये पल गवाना ना ये पल ही तेरा है
जीनेवाले सोच ले यही वक्त है करले पुरी आरजूइस पल की जलवो ने महफ़िल संवारी है
इस पल की गर्मी ने धड़कन उभारी है
इस पल के होने से दुनिया हमारी है
ये पल जो देखो तो सदियों पे भारी हैइस पल के साए में अपना ठिकाना है
इस पल की आगे की हर शेह फ़साना है
कल किसने देखा है कल किसने जाना है
इस पल से पाएगा जो तुज को पाना हैસમયની મહતા દર્શાવતા આ ગીતમાં જણાવાયું છે કે જે કાંઇ મહત્વનું છે તે વર્તમાન સમય જ છે. ભૂતકાળ તો વીતી ગયો છે જે માટે તમે હવે કાંઇ કરી નહી શકો અને ભવિષ્ય તો કોણે ભાખ્યું છે કે તમે તેનો વિચાર કરી શકો? માટે આગળ પાછળનો વિચાર ન કરતા જે હાથમાં છે તેને જ માણો કારણ આગળ જતાં રાહમાં ન જાણેલી ઘટનાઓનો સામનો કરવાનો છે કારણ અજાણ્યા રસ્તામાં આવનાર ન જાણેલી મુસીબતોથી આપણે સૌ ઘેરાયલાં છીએ.
આગળ કહ્યું છે કે તમને આજની પળની જાણ છે પણ હવે પછી બધું અંધકારમય છે. તેથી આ પળ ગુમાવવા જેવી નથી અને તે તમારી જ છે તેમ વર્તો અને જે પણ તમારી ઈચ્છા હોય તે આજે જ પૂરી કરી લો.
સમયની મહતા દર્શાવતા વધુમાં કહ્યું છે કે આ પળ એ જ તમાંરી દુનિયા છે અને તેને સમજશો તો જણાશે કે વર્તમાન સમય જ બધા પર હાવી છે.
આજના સમયનો ઓછાયો જ તમારૂં ઠેકાણું છે કારણ આગળ જતાં બધે ફસાવવાની વાતો હોય છે. આપણામાં કહેવાય છે ને કે કાલ કોણે દીઠી? તેવો જ ભાવ પણ અહી વ્યક્ત થયો છે. તે પ્રમાણે આ પળને માણો અને તમારે જે કરવું હોય તે કરી લો કારણ આ પળ વીત્યા પછી તમારા હાથમાં કશું નહિ રહે અને તમે પસ્તાશો.
કોણ કલાકર છે તે જણાવાયું નથી પણ ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના, સંગીત છે રવિનુ અને ગાયિકા છે આશા ભોસલે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
