વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • વિરોધાભાસોમાંના સર્વસામાન્ય વિષયવસ્તુઓ : સારાંશન

    જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    સ્વ- સંદર્ભ (self-reference), અસીમ પીછેહઠ (infinite regress),  અન્યોન્યાશ્રયી (ગોળગોળ) પરિભાષાઓ (circular definitions) અને સારાંશનનાં (abstraction) અલગ અલગ સ્તરો વચેની ગૂંચ કે સંદિગ્ધતા એ બધાં વિરોધાભાસોનાં સર્વસામાન્ય વિષયવસ્તુઓ છે.

    સારાંશન (Abstraction) (લેટિન abs, થી દૂર જવું અને trahere , દોરવું, ખેંચવું) માં કોઈ એક વસ્તુમાંથી તેનાં અમુક લાક્ષણિકતાઓથી દૂર જઈ , કે લઈ લેવાથી તેની મહત્ત્વની લાક્ષણિકતાઓ જ સામે રહે તેમ કરવાનો આશય હોય છે.

    વ્યવહારમાં આ વિચારબીજનો એક સરળ દાખલો લઈએ – આપણે (એક વસ્તુ) કોઈ અજાણી વ્યક્તિને અમુક જગ્યાએ મળવાનું નક્કી કરેલ છે. સામેની વ્યક્તિ આપણને ઓળખી જઈ શકે એ માટે તેને આપણે આપણા સંબંધી મહત્ત્વની માહિતી આપવાની છે. સામાન્યપણે, આપણે તેને આપણા કપડાંનો રંગ, અમુક ચોક્કસ જગ્યાની બાજુમાં ઊભા રહેવું વગેરે નિશાનીઓ આપીએ છીએ. સ્વાભાવિક છે કે આવે વખતે આપણો પરિચય આપતું આખું જીવન વૃતાંત તેને નથી કહી જણાવતાં.[1]

    અથવા તો, કોઈ પણ પુસ્તક કે ફિલ્મ કે કલાકૃતિનું વિગતવાર વિવેચન કરવાને બદલે માત્ર તેનો સારાંશ આપવો.

    કોઈ એક ચોક્કસ વસ્તુમાંથી સારાંશ સ્વરૂપ લાક્ષણિકતાઓને અલગ કરતાં જવાથી અમુક સ્પષ્ટતાઓ ઘટતી જતી હોય છે, તેને કારણે વે વસ્તુની ઓળ્કહ કે અર્થ બાબત એટલે અંશે સંદિગ્ધતા વધતી  જતી હોય છે. આ સંદિગ્ધતા કે અસ્પષ્ટતા એ સારાંશનની વિશેષતા બની રહે છે. જેમ કે સમાચાર પત્ર જેવી એક સામાન્ય વસ્તુને છ સ્તરથી ઊંડા જઈને વિગતવાર વર્ણવી શકાય. ( સંદિગધતાથી ચોક્કસતા તરફ ક્રમિક વૃદ્ધિનું એક બહુ સરસ ઉદાહરણ Douglas Hofstadter તેમનાં પુસ્તક Gödel, Escher, Bach (1979)માં ટુંકી વાર્તાઓ, ઉદાહરણો અને વિશ્લેષણો વડે સમજાવે છે કે દેખીતાં અર્થવિહિન ઘટકોથી પણ કેમ તંત્રવ્યવસ્થાને અર્થસંભર બનાવી શકાય.) :

    (૧) પ્રકાશન

    (૨) અખબાર

    (૩) ઈન્ડિઅન એક્ષપ્રેસ

    (૪) ૧૮ જુલાઈ ૨૦૨૩નું ઈન્ડિઅન એક્ષપ્રેસ

    (૫) મેં ખરીદેલ ઈન્ડિઅન એક્ષપ્રેસ ૧૮ જુલાઈ ૨૦૨૩ની નકલ

    (૬) મેં ખરીદેલ ઈન્ડિઅન એક્ષપ્રેસ ૧૮ જુલાઈ ૨૦૨૩ની નકલ, જે હવે પસ્તીના ઢગલામાં પડેલ છે. [2]

    હજુ બીજું એક ઉદાહરણ – સવારમાં કોફીનો કપ તૈયાર કરવો. આ માટે કેટલું પાણી, કોફી પાવડર, ખાંડ કે દૂધ લેવાં અને કેટલું ગરમ કરવું એટલું જ જાણવું પુરતું બની રહી શકે. એ સમયે કૉફી પાવડર કોફીના કયા દાણામાથી બનાવેલો છે, તેને કેટલાં ઉષ્ણાતામાને જ ગરમ કરવાથી તેની સુગંધ અને સ્વાદ મહત્તમ કક્ષાએ જળવાશે, કે ખાંડની મીઠાશને માપીને નક્કી કરવું કે કેટલી ખાંડ પુરતી થઈ રહેશે, કોફી ગરમ કરતી વખતે તેમાં કેટલા સમયમાં જરૂરી માત્રાની ઉષ્ણતા ઉમેરેવી  વગેરે કે કોફી પીવા માટે કયો મગ જ શા માટે વાપરવો જેવી વિગતોમાં આપણે,  સામાન્યપણે, ઊંડાં નથી ઉતરતાં હોતાં. [3]

    [કોફી બનાવવાની OOP – Object Oriented Programming સંબંધિત વિગતવાર પ્રક્રિયા અહીં વાંચી શકાય છે.]

    તો, વિરોધાભાસ જ અહીંયાં છે :

    સારાંશકરણ જેટલું વધારે મહત્ત્વનું બનતું જાય તેટલું જ વધારે તે નુકસાન પણ પહોંચાડી શકે. 

    જે સારાંશકરણ વધારેને વધારે વપરાશમાં આવે તે વધારે મૂલ્યવાન બનતું જાય, કેમકે તે વધારેને વધારે સમય અને મહેનત બચાવી શકે છે.

    તેની આ ઉપયોગીતા તે કેટલી હદે વ્યાપક સ્વરૂપ છે તેના પર રહે છે.  (જેમ કે માઈક્રોસોફટ ઈંક. દ્વારા વિકસિત અને વેંચાતાં, સ્વમાલીકીનાં,  ગ્રાફિકલ ઓપરેટીંગ સિસ્ટમ પરિવારનાં સોફટવેર સમૂહ માટે ‘એમએસ વિન્ડોઝ’  હવે એક બહુમૂલ્યવાન ટ્રેડમાર્ક બની ગયેલ છે.) સારાંશકરણ જેટલું વધારે  ઓછું વિશિષ્ટ, કે વધારે સર્વસામાન્ય  હોય તેટલું તે વધારેને વધારે વ્યાપક અર્થમાં વાપરી શકાય, અને એટલું તેનું મૂલ્ય વધારે.

    પણ ઘણી વાર એવું પણ બને છે કે  આ સાંરાંશકરણ  કરતી વખતે વિગતોમાં કરાયેલ ઘટાડા ઘણી વાર ભૂલોમાં પણ વધારો કરતા રહે છે.  (જેમ કે પુરતી સલામતીને લગતી વિગતોને ધ્યાનમાં લીધા સિવાય, મોબાઈલ ફોન વડે (કે ઇન્ટરનેટ દ્વારા) કરાતા નાણાકીય વ્યવહારો બહુ મોટાં આર્થિક નુકસાનના ખાડામાં ઉતારી શકે છે.)

    સારાંશકરણનાં જોખમો પણ સાથે ન હોય એવું બહુમૂલ્ય સારાંશકરણ સંભવિત નથી. [4]

    [1] What is abstraction?

    [2] Abstraction

    [3] Examples of Abstraction in Everyday Life

    [4] The Paradox of Abstraction: When Good Code is Bad Code


    વિરોધાભાસ વિષય વિષે આટલી પ્રાથમિક, ભલે બહુ જ સંક્ષિપ્ત, સમજ મેળવ્યા પછી આપણે હવે પછીથી આપણે ‘જ્ઞાન મળવાની સાથે રસ પણ પડે એવા’ વિવિધ વિરોધાભાસોના આપણા મૂળ વિષય પૈકી કેટલાક વિરોધાભાસો વિષે વાત કરીશું.

  • ‘ડિલિવરી’ હંમેશાં પીડાદાયક જ હોવી જોઇએ ખરી?

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    સોફ્ટવેરની દુનિયામાં, ‘ડિલિવરી’ – ‘માલ’ને ગ્રાહકને ત્યાં પહોંચાડવાની – પ્રક્રિયામાં સામાન્ય રીતે પરીક્ષણ, ખામી દૂરસ્ત કરવા જરૂરી ફરીથી કરવું પડે એવું કામ,  ખામી સુધારણા, ખામી રહિત પરિપૂર્ણતા, પેકેજિંગ અને પછી માલ રવાનગીના દરેક તબક્કામાં હંંમેશાં થોડો ઉચાટ અનુભવાતો જ હોય છે. આપણે જેની રવાનગી કરીએ છીએ તે સામગ્રીની, અને જે રીતે રવાનગી કરીએ છીએ તેની, ગુણવત્તા અને  માલ રવાનગીની સમયસરતા ગ્રાહકના મનમાં વ્યાવસાયિકો તરીકે આપણા માટે પ્રતિષ્ઠાની ભાવના જગવે છે.

    પણ સમજાતું એ નથી કે દરેક રવાનગીમાં પીડા શા માટે સંકળાયેલી હોય છે? માલની રવાનગી પહેલાં માલ બધી રીતે પૂર્ણ હોય તે તો સ્વાભાવિકપણે આવશ્યક છે. ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલ સંબંધિત કર્મચારીએ રવાનગી માટેની સામગ્રી બહાર જાય તે પહેલાં તે બધી આવશ્યકતાઓ પુરી છે કે કેમ તેની સતત સમીક્ષા કરવી પડે છે, અને જરૂર પડે તો તેમાં સુધારા વધારા પણ કરતા રહેવું પડે છે. પોતાની વાદ્ય કે કંઠ્ય રચના શ્રોતાઓ સમક્ષ રજુ કરતાં પહેલાં કલાકારે અનેકવાર અભ્યાસ અને પૂર્વપ્રયોગ કરવો પડતો હોય છે. તેઓ બધા કામ પૂરું થતાં પહેલાં સામાન્યપણે થતા ઉચાટ સામે લડે છે.

    શેઠ ગોડિન, તેમના પુસ્તક ‘લિંચપિન’ માં કહે છે, –

    માલ રવાનગી એ તમારા કામ અને બહારની દુનિયા વચ્ચેની ટક્કર છે. દરવાજાની બહાર કંઈક રવાના કરવું, તે પણ નિયમિતપણે, કોઈ જાતની અણધારી મુશ્કેલી કે કટોકટી કે ડર વિના કરવું એ તમને અનિવાર્ય સાબિત કરી શકે એવું એક દુર્લભ કૌશલ્ય છે.

    વ્યાવસાયિક તરીકેની આપણો વિકાસ માલ પહોંચાડવા દરમ્યાન થતી પીડામાંથી પસાર થવાની આપણી ક્ષમતા પર ઘણો આધાર રાખે છે. તે સમયે ખબર પડી જાય  છે કે પેદાશ/સેવા વિકસાવતી વખતે જે તૈયારી, અભ્યાસ અને વિચાર પ્રક્રિયા થયેલ છે તે માલ રવાનગી કરતી વખતે થનાર પીડાની અનુભૂતિથી વિપરિત પ્રમાણસર છે કે કેમ. જેટલી વધુ તૈયારી, જેટલી વધુ અગમચેતી એટલી, સામાન્ય રીતે, પીડા ઓછી.

    જ્યારે આપણે મહત્વપૂર્ણ પરિયોજના/પહેલ શરૂ કરીએ છીએ, ત્યારે તેના અમલીકરણ માટે આયોજનો અને વ્યૂહરચનાઓ ગોઠવવામાં બહુ ઉત્સાહિત હોઈએ છીએ. પરંતુ જ્યારે રવાનગીની ઘડી નજીક આવે છે, ત્યારે પ્રારંભિક સમયે જે ઉત્સાહની ભરતી હોય છે તેમાં ઓટ આવી જાય છે અને આપણું ધ્યાન “બરાબર કરવું” માંથી ” પુરૂં કરવા” તરફ બદલાઈ જાય છે, અને પરિણામે, નિષ્ફળતાની તકોનો માત્ર ગુણાકાર જ થાય છે.

    રવાનગી કરવી મુશ્કેલ અને ક્યારેક ડર પેદા કરે તેવી પણ હોય છે. પરંતુ આપણે જેમ જેમ વધારે રવાનગીઓ કરતાં જઈએ છીએ, તેમ તેમ દરેક રવાનગીમંથી કંઈક વધુ  શીખી શકીએ છીએ, રવાનગીની આવશયકતાઓને વધારે આત્મસાત કરી શકીએ છીએ અને તેમ કરીને સફળતાની તકોને વધારી શકીએ છીએ.

    – – – – –

    અને છેલ્લે:

    નિષ્ફળતાના ડર અને સંકળાયેલ પીડા મહત્વપૂર્ણ સામગ્રી પહોંચાડવામાં અવરોધ ન બનવાં જોઈએ.   દરેક રવાનગીમાં તેની આગવી સંબંધિત પીડાઓની ગાંઠડી તો બાંધી પડી જ હશે તે હકીકતને જાણી, સમજી અને સ્વીકારી લેવાથી તે અંગેના પડકારો સામે તૈયાર થવામાં અને તે મુજબ આપણી જાતને/આપણી ટીમોને સુગઠિતમાં કરવામાં મદદ મળે છે.


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • વ્યક્તિની વિશ્વસનીયતા

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    સદીઓ પહેલાની વાત છે. એક રાજા દરબાર ભરીને બેઠા હતા. એમની આસપાસ દરબારીઓ પણ પોતાની બેઠક પર બિરાજમાન હતા. દરબારમાં એક વેપારી આવ્યો.  વેપારી પાસે કાષ્ઠની ત્રણ ખુબ સુંદર પૂતળીઓ હતી જેના પર મીનાકારીનું ખુબ બારીક અને સુંદર નકશીકામ કરવામાં આવ્યું હતું. ખરેખર બેનમૂન કહેવાય એવી આ પૂતળીઓને જોઇને દરબારીઓ જ નહીં રાજા સુધ્ધા હેરત પામી ગયા. વેપારીએ રાજાને કહ્યું ….

    “રાજન, આ મારી પૂતળીઓ હું વેચવા આવ્યો છું. એમાંની બે પૂતળીઓની કિંમત તો કોડીનીય નથી.  ત્રણમાંથી એક પૂતળીની કિંમત સો સોનામહોર છે.  હવે આ ત્રણ એક સરખી દેખાતી પૂતળીઓની કિંમત પ્રમાણે એને પારખવાનું કામ આપના દરબારના ચતુર સુજાણ પર છોડું છું.”

    હેરત પામેલા દરબારમાં હવે સન્નાટો છવાઇ ગયો કારણકે કદ કાઠી, દેખાવ, રંગ, રૂપ અને મોહકતામાં ત્રણે પૂતળીઓમાં લેશમાત્ર તફાવત નહોતો. વેપારીના પડકારનો સામનો કરવામાં જો નિષ્ફળતા મળે તો રાજા અને દરબારીઓ સૌની પ્રતિષ્ઠા જોખમાય એમ હતી. વાત વટ પર જતી હતી.

    અંતે દરબારના ખૂણેથી એક વ્યક્તિ આગળ આવી અને રાજાને કહ્યું, …..“ રાજન, આપની અનુમતિ હોય તો હું આ પૂતળીઓની પરખ કરી બતાવું.” રાજાની સંમતિ મેળવીને એ વ્યક્તિએ ત્રણે પૂતળીઓનું બરાબર બારીકાઇથી નિરિક્ષણ કર્યું. અંતે એ ત્રણે પૂતળીઓને દરબારની વચોવચ મૂકાવી અને થોડી સળીઓ મંગાવી દરેક પૂતળીના કાનમાંથી પસાર કરી. સળીઓની આ રમતના અંતે એ વ્યક્તિએ ત્રણે પૂતળીઓને એની કિંમત મુજબ પારખી બતાવી.

    વેપારી ખુશ, રાજા તો એનાથી પણ વધુ ખુશ. હવે રાજાએ એ વ્યક્તિ પાસે ખુલાસો માંગ્યો. એણે સળીઓની રમત સમજાવતા કહ્યું……..“ રાજન, આ પરખ કોઇ અઘરી બાબત નથી. મેં જે પૂતળીના કાનમાં સળી નાખી એ એના બીજા કાનમાંથી બહાર આવી એનો અર્થ એ કે એની સાથે કોઇપણ વાત કરો એ એક કાનેથી બીજા કાને કાઢી નાખશે.  એ કોઇ વાતને જરાય ગંભીરતાથી લેશે જ નહીં. જે પૂતળીના કાનમાં સળી નાખી અને એના મ્હોંમાંથી બહાર આવી એનો અર્થ એ કે તમે એની સાથે જે કોઇ વાત કરશો એ વાત એના પેટમાં જરાય ટકશે જ  નહીં. અર્થાત આ બંને પૂતળીઓ જેવી વ્યક્તિ પાસે કોઇ ગંભીર કે વિશ્વસનીય વાત કરવી વ્યર્થ છે . આવી વ્યક્તિઓને જરાય ભરોસાપાત્ર કહી શકાય નહીં માટે એમની કિંમત એક કોડીની પણ ના કહેવાય . હવે એક પૂતળી એવી હતી કે જેના કાનમાં સળી નાખી એ ક્યાંયથી બહાર નિકળી નહીં. એ સીધી એના પેટમાં જ ઉતરી ગઈ. અર્થાત આવી વ્યક્તિ સાથે વાત કરવામાં એટલી તો નિશ્ચિંતતા રહે કે કોઇપણ વાત એના ભીતરમાં જ ભંડારાયેલી રહેશે. આપ આપનું કોઇપણ રહસ્ય અથવા મહત્વની વાત એની સાથે વહેંચી શકો છો માટે એની કિંમત મેં આંકી સો સોનામહોર. આવી વ્યક્તિ સૌથી વધુ ઉમદા અને ભરોસાપાત્ર છે કારણકે એ વાતની ગંભીરતાને સમજીને માત્ર પોતાના સુધી જ મર્યાદિત રાખશે. આપ પણ આપની કોઇ મહત્વની બાબત કે રહસ્ય એના પાસે સુરક્ષિત છે એમ માનીને નિશ્ચિંત રહી શકશો.

    હવે છેલ્લે વેપારીએ હૂબહૂ આ ત્રણ પૂતળીઓ જેવી જ દેખાતી ચોથી પૂતળી પોતાના થેલામાંથી કાઢી. રાજા અને દરબારીઓ સમક્ષ આ પૂતળી મુકતા કહ્યું આ છેલ્લી પૂતળીની કિંમત એના વજનના ભારોભાર સોનામહોર છે પણ હવે શરત એ છે કે અન્ય જેવી જ દેખાતી આ પૂતળીની કિંમત શા માટે સૌથી વધારે આંકી છે એ કોયડો આપે ઉકેલવાનો છે.

    ફરી એકવાર દરબારમાં થોડીવાર માટે શાંતિ છવાઇ ગઇ. રાજાએ ફરી એકવાર પેલા જ દરબારી સમક્ષ આશાભરી નજર દોડાવી. અત્યંત શાંતિથી એ દરબારીએ એ પૂતળીનું અવલોકન કર્યું અને ફરી થોડી સળીઓ મંગાવી. પહેલી વાર સળી કાનમાં નાખી તો એ બીજા કાન સોંસરવી નિકળી ગઈ. બીજી સળી નાખી તો એ મ્હોં વાટે બહાર આવી અને ત્રીજી સળી નાખી તો એ ક્યાંયથી બહાર ન આવી.

    “રાજન, આ પૂતળીની કિંમત વેપારીએ એના વજનના ભારોભાર આંકી છે કારણકે આવી વ્યક્તિ જરા વિશેષ છે. આવી વ્યક્તિ કઈ વાત પ્રાધાન્ય આપવા જેવી નથી એ સમજે છે અને એટલે જ વાત એક કાનેથી બીજા કાને કાઢી નાખે છે. બીજી વાર એ સળી એના મ્હોં વાટે નિકળી એનો અર્થ આવી વ્યક્તિ જાણે છે કે ક્યાં , ક્યારે  અને કેટલું બોલવું અને ત્રીજી વારની સળી ક્યાંયથી બહાર ન આવી એનો અર્થ એ કે આવી વ્યક્તિને ખબર છે કે ક્યારે મૌન રહેવું.

    સીધી વાત- જીવનમાં સૌથી મહત્વની છે આ સમજ…..ક્યાં, ક્યારે, કેટલું બોલવું અને ક્યારે ચૂપ રહેવું.

    આપણી આસપાસ પણ એવી કેટલીય વ્યક્તિઓ હશે જે આ ચાર પૂતળીમાંની એક જેવી તો હશે જ. આપણે જ પારખવાનું છે કે કોણ કેટલું વિશ્વસનીય છે. આપણે મનની વાત કે વ્યથા કોની પાસે કહેવી એ આપણે વિચારી લેવાનું છે. આપણી મનની વાત કે કોઇપણ ગોપનીય વાત કોની પાસે કેટલી સુરક્ષિત રહેશે એ આપણે પારખી લેવાનું છે .


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • નો લાઈટ ! નો કેમેરા ! નો એક્શન !

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    અમેરિકન ફિલ્મઉદ્યોગમાં ૪૩ વર્ષના લાંબા અંતરાલ પછી એક મહત્ત્વની ઘટના બની છે, જેનો આરંભ ૧૩ જુલાઈથી થયો. ‘સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ’ (એસ.એ.જી.) અને ‘અમેરિકન ફેડરેશન ઑફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટ્સ’ નામનાં લેખકો અને અભિનેતાઓનાં બે મહત્ત્વનાં સંગઠનોએ ‘અલાયન્‍સ ઑફ મોશન પિક્ચર એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ’ (એ.એમ.પી.ટી.પી.) સાથેની વાટાઘાટો પડી ભાંગતા હડતાળ ઘોષિત કરી. વાટાઘાટના મુખ્ય મુદ્દામાં બહેતર મહેનતાણું, કાર્યસ્થળની બહેતર સ્થિતિ જેવા મુદ્દાઓની સાથોસાથ આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ- કૃત્રિમ બુદ્ધિમતાના વધતા જતા વ્યાપની સામે સલામતી અને સુરક્ષાનો મહત્ત્વનો મુદ્દો પણ છે. દિનબદિન વધી રહેલાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એટલે કે ફિલ્મની રજૂઆતનાં માધ્યમોની સીધી અસર સર્જકોના મહેનતાણા પર થઈ રહી છે. કેમ કે, ફિલ્મો અને વિવિધ શોના પુન:પ્રસારણનું મહેનતાણું મળવું સાવ ઘટી ગયું છે કે બંધ થઈ ગયું છે. સ્ટ્રીમિંગ કરતી વિવિધ સાઈટો પોતાના દર્શકોનો સાચો આંકડો બહાર પાડતી નથી. તેને બદલે તેઓ એક ઉચ્ચક રકમ સંબંધિત લોકોને ચૂકવી દે છે. લેખકોની આ હડતાળને અભિનેતાઓએ પૂરેપૂરો ટેકો આપ્યો છે. આશરે એક લાખ સાઠ હજાર કલાકારોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન ‘એસ.એ.જી.’માં હોલીવુડના ટોચના કલાકારોનો સમાવેશ થાય છે. તો એ.એમ.પી.ટી.પી.માં હોલીવુડની અગ્રણી નિર્માણસંસ્થાઓ સભ્ય છે. એક મહિનાથી બન્ને વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી, પણ આખરે તે નિષ્ફળ રહી.

    માંડ એકાદ વરસ અગાઉ થયેલા ‘ચૅટજીપીટી’ના આવિષ્કાર પછી લેખકો, ફોટોગ્રાફરના સંપાદકો, કોડર એટલે કે કમ્પ્યુટર પ્રોગ્રામ તૈયાર કરનારા અને વિવિધ વિગતોનું પૃથક્કરણ કરી આપતા ડેટા ક્રન્‍ચર તરીકે ઓળખાતા વર્ગની રોજગારી પર તલવાર તોળાવા માંડી છે. આ શક્યતાને ધ્યાનમાં લઈને આ સંગઠનોએ ‘આધુનિક મુદ્દાઓને ઊકેલવા માટે આધુનિક કરાર’ની માગણી કરી છે. હજી છએક મહિના અગાઉ કૃત્રિમ બુદ્ધિમતા જેવો મુદ્દો ખાસ ગણનામાં નહોતો, પણ આટલા ઓછા સમયમાં તે ચર્ચામાં આવી ગયો છે, એટલું જ નહીં, એક આખા વર્ગના અસ્તિત્વ સામે ખતરો બનીને ઊભો રહી ગયો છે. અલબત્ત, હાલના તબક્કે આ બાબત હજી પ્રાથમિક અવસ્થામાં હોવાથી તેનાથી ફિલ્મનિર્માણની પરંપરાગત પદ્ધતિમાં ખાસ કશો ફેર પડ્યો નથી. પણ તેની ઝડપ એટલી બધી છે કે નજીકના ભવિષ્યમાં તે અમુક ક્ષેત્રના લોકોની રોજગારી સામે ખતરો ઊભો કરી શકે એમ છે.

    આ હડતાળની સીધી અસર જુલાઈ મહિનામાં રજૂઆત પામનારી કેટલીક મોટા બજેટની ફિલ્મો પર થશે. હડતાળ દરમિયાન ‘એસ.એ.જી.’ના સભ્યો અભિનય, નૃત્ય, ગાયન કે સ્વરાભિનય સહિતનું કોઈ પણ કામ કેમેરાની સામે કે પાછળ કરી શકશે નહીં. તેઓ કોઈ પણ ફિલ્મનો પ્રચાર નહીં કરી શકે, પ્રિમીયર શો, એવોર્ડ સમારંભ, ફેસ્ટીવલ, પેનલ, ઈન્‍ટરવ્યૂ કે ચાહકોના મિલનમાં સુદ્ધાં ઉપસ્થિત નહીં રહી શકે. પોતાના પાત્રના પોશાકના રિહર્સલમાં કે ફીટીંગમાં તેઓ હાજરી આપી નહીં શકે અને ભાવિ પ્રકલ્પો વિશે વાટાઘાટ પણ નહીં કરી શકે. આ શરતો પરથી અંદાજ આવી શકે છે કે આ સંગઠન પોતાની માગણી બાબતે કેટલું ગંભીર છે.

    આ સંગઠનનાં પ્રમુખ અને અગ્રણી નેતા ફ્રાન ડ્રેશર નામનાં અભિનેત્રી છે. તીખી જબાનમાં તેમણે સ્ટુડિયો માલિકોના વલણની ઝાટકણી કાઢતાં કહ્યું કે એ લોકો એમ કહી કહીને ભીખ માગતા ફરે છે કે પોતે નાણાં ખોઈ રહ્યા છે, પણ વાસ્તવમાં પોતાના સી.ઈ.ઓ.ને તેઓ ખોબલે ને ખોબલે નાણાં કમાવી આપે છે. આ હકીકત બહુ જુગુપ્સાપ્રેરક છે. શરમ છે એમને!

    અગાઉ જુલાઈ, ૨૦૨૦માં મહત્ત્વનો કરાર કરવામાં આવ્યો હતો, જેની મુદત ૩૦ જૂન, ૨૦૨૩ના રોજ પૂરી થતી હતી. અમેરિકાના અનેક અગ્રણી અભિનેતા- અભિનેત્રીઓ આ લડતમાં જોડાયાં છે. મેરીલ સ્ટ્રીપ, જેનીફર લૉરેન્‍સ, ચાર્લીઝ થેરન, જેમી લી કર્ટિસ, ઓલિવિયા વાઈલ્ડ જેવી અગ્રણી અભિનેત્રીઓ તેમજ જોએક્વિન ફીનીક્સ, એવોન મેક્ગ્રેગર, જ્યોર્જ ક્લૂની, જહોન ક્યુસેક અને માર્ક રફેલો જેવા જાણીતા અભિનેતાઓએ આ હડતાળને ટેકો આપ્યો છે.

    અમેરિકા જેવા મૂડીવાદી દેશમાં પણ મૂડીવાદનો આ વરવો ચહેરો જોઈ શકાય છે. આ હડતાળ કેવળ લેખકો પૂરતી રહી હોત તો તેનો વ્યાપ કદાચ મર્યાદિત રહ્યો હોત. પણ અનેક અભિનેતા-અભિનેત્રીઓ તેમાં જોડાયા હોવાથી તેના સમાચાર ઝડપભેર પ્રસરી રહ્યા છે. આમ છતાં, ‘એ.એમ.પી.ટી.પી.’ની સભ્ય સંસ્થાઓએ હજી સુધી મચક આપી નથી.

    મૂડીવાદના આ વરવા ચહેરા પાછળ રહેલું સત્ય એ છે કે દરેકને કેવળ પોતાના ભાગનો જ નહીં, બીજાઓના ભાગનો રોટલો પણ જોઈએ છે. માત્ર અમેરિકામાં જ શું કામ, હવે આપણા દેશમાં પણ આ વલણે ક્યારનો પગપેસારો કરી દીધો છે. મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ શાસકો સાથે સારાસારી રાખીને વધુ ને વધુ ધનવાન બનતા જાય છે. તેમની લાલસાનો કોઈ અંત નથી. પોતાને મળે છે એ તેમને કદી પૂરતું લાગતું નથી, અને તેમની ભૂખ સતત વધતી રહે છે. ધનવાન થવા મથતા અનેક લોકોની માનસિકતા પણ આ જ હોય એમ જણાય છે. તેમની લાલસા અમર્યાદ બની રહી છે. પોતાને ખપ પૂરતું મળી રહે એટલાથી તેમને ધરવ નથી. તેમને જરૂર કરતાં અનેકગણું જોઈએ છે. હોલીવુડના મોટાં ગણાતાં માથાં આ હડતાળમાં જોડાયાં હોય એ સૂચવે છે કે આ સમસ્યા કેટલી ગંભીર અને સહુ કોઈને સ્પર્શે એવી છે.

    શોષિત પ્રત્યે સહાનુભૂતિ હોય જ, પણ ભવિષ્યમાં શોષિતોની ભૂમિકા ઉલટાય તો તેમણે પણ એ હકીકત યાદ રાખવી પડશે કે અન્યોને તેમના ભાગનો વાજબી હિસ્સો મળવો જોઈએ.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭ – ૦૭ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પગદંડીનો પંથી – ભાગ ૨ – ૨: તબીબી તપાસની ફોટોગ્રાફી

    તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

    ડૉ.પુરુષોત્તમ મેવાડા,
    એમ. એસ.

    આ લેખમાં હું આપ સૌને ખૂબ જ જટિલ એવા વિષયની થોડી માહિતી આપવા પ્રયત્ન કરું છું.

    કોઈ પણ ઈજા થાય ત્યારે, અથવા લાંબી ચાલેલી ખાંસી વખતે ડૉક્ટર કહે કે ફોટો પડાવી લાવો, ત્યારે આપણને તરત જ હાડકું ભાંગ્યાની કે ફેફસાની કોઈ બીમારીનો અંદાજ આવે છે, અને ફોટો જોઈ ડૉક્ટર ખાતરી કરે ત્યારે આપણે આવી તપાસ પાછળના વિજ્ઞાનનો આભાર માનીએ છીએ.

    જર્મન ફિઝીસિસ્ટ વિલ્હેમ રોન્ટેજને (1895) એક્સ-રે કિરણો શોધ્યાં ત્યારથી અત્યાર સુધી સાદો ફોટો (Plain X-ray) હાડકાંની અને ફેફસાંની તપાસનો મુખ્ય પર્યાય રહ્યો. પણ છેલ્લાં ૫૦ વર્ષમાં જેમ-જેમ વિજ્ઞાનની અન્ય શાખાઓમાં, ખાસ કરીને કોમ્પ્યુટર ટેક્નોલૉજીનો વિકાસ થયો એ સાથે તબીબી તપાસ અને સારવારમાં પણ હરણફાળ જોવા મળી.

    (૧) સાદો એક્સ-રે (Plain X-ray) સૌથી જૂની રીત, અત્યારે લુપ્ત થવાની અણી પર.

    આમાં ક્ષ-કિરણો શરીરના ભાગમાંથી પસાર કરવામાં આવે છે. આ કિરણો અમુક ભાગમાંથી પસાર ન થાય (તે ભાગમાં કિરણો શોષાઈ જાય) ત્યારે બાકીનાં કિરણો પસાર થઈ ફોટોગ્રાફિક પ્લેટ પર નિશાની મૂકે, અને ન પસાર કરે એવા ભાગનો ફક્ત પડછાયો જ પડે, અને જો એમાં ખામી સર્જાઈ હોય (દા.ત. ભાંગેલું હાડકું) તો એ દેખાય, કારણ કે ત્યાં કિરણો શોષાયા વગર પાર નીકળ્યાં હોય. ફોટોગ્રાફિક પ્લેટને ત્યાર પછી પ્રોસેસ/ડેવલપ કરવી પડે. આમાં ઘણો સમય લાગે અને ક્ષ-કિરણોની આડ-અસરનો પણ ભય રહે છે. આથી હવે બધી જ પ્રક્રિયા કોમ્પ્યુટરથી થાય અને ડિજિટલ એક્સ-રે મળે છે. આમ શરીરના કોષો વધતા-ઓછા પ્રમાણમાં ક્ષ-કિરણોને રોકે અથવા પસાર થવા દે એના ઉપરથી ડૉક્ટર-રેડિયૉલૉજિસ્ટ નિદાન કરે. વળી જ્યારે શરીરમાં ક્ષ-કિરણોને રોકે એવી બહારની વસ્તુ હોય તે પણ જોઈ શકાય છે. દા.ત. બુલેટ, બંદૂકના છરા (pillets).

    હજી પણ સાદો એક્સ-રે/ડિજિટલ એક્સ-રે ખૂબ જ ઉપયોગી છે, જેમ કે હાડકાંની તપાસ, ફેફસાંના રોગો, પેટના રોગો ફાટેલી હોજરી/આંતરડાં (Perforations), કિડની અને પિત્તાશયની અમુક પથરીઓ (Stones), આંતરડાંનો અટકાવ (obstruction), દાંતનો સડો (cavities), વગેરે.

    ઘણી વાર અમુક રસાયણ જે એક્સ-રેને પસાર થવા ન દે (Radio-opaque chemical), એ વાપરીને પણ તપાસ કરાય છે, જેમાં નસ (Vein/Artery)માં એ પ્રવાહી નાખીને પછી ફોટો લેવાય, જેને Venography/Angiography કહેવાય છે. હૃદયની બીમારીમાં Cadiac/Corronary Angiography કરવામાં આવે છે, તે આપને ખબર હશે. વળી આમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી DSA Angiography કરાય અને ફક્ત લોહીની નળીઓનો જ ફોટો કાઢી શકાય છે. જૂનું પાક્યા કરતું ઘારું(Fistula)માં પણ આવી દવા નાખી કેટલું ઊંડે છે તે જાણી શકાય છે. (Fitulography/Sinography).

    આ પ્રકારના સાદા એક્સ-રેથી મગજ કે માંસપેશીઓને તપાસી શકાતી નથી.

    ફ્લૉરોસ્કોપીમાં સીધું જ પડદા ઉપર જોઈ શકાય છે, પણ એમાં ક્ષ-કિરણો વધારે વપરાય અને નુકસાન થવાની શક્યતા વધે છે. છતાં હજી હાડકાંના ડૉક્ટર ઑપરેશન કરે ત્યારે C-Arm નામના એક્સ-રે મશીન સુગમતાને લીધે વાપરે છે. અને કાર્ડિયાક કેથીટરાઝેશનના (cardiac catheterization – હૃદયની નળી બ્લૉક થઈ હોય તેવા) કેસમાં વપરાય છે.

    સ્ત્રીઓમાં થાન(Breast)ની ગાંઠો કે કેન્સરની તપાસ માટે ખૂબ જ ઓછા પ્રમાણમાં ક્ષ-કિરણો વાપરી Mamography નામની તપાસ થાય છે, અને વર્ષે એક વાર કરાવવાથી જેને અમુક કારણોથી થાનનું કેન્સર થવાની વધારે શક્યતા હોય તેમને જલદી નિદાન કરી જરૂરી સારવાર કરી વધતા કેન્સરથી બચાવી શકાય છે.

    (૨) Computed Tomography or Computed Axial Tomography (CT, CAT scan) નામથી ઓળખાતી તપાસમાં પણ ક્ષ-કિરણો વપરાય છે, પણ ઓછા પ્રમાણમાં. ફોટો લેવામાં ખૂબ જ નાના Slices કરીને એક જ જગ્યાના ફોટા લઈ કોમ્પ્યુટરની મદદથી ભેગા કરી ફોટો ઉપજાવી શકાય છે, જે ઘણી રીતે શરીરના ભાગને સચોટતાથી દર્શાવે છે. 3D image એટલે કે નરી આંખે બધી બાજુથી જોઈ શકાય એવો ફોટો મળે છે, અને નિદાન ચોક્કસ કરી શકાય છે. દા.ત. કેન્સરની તપાસ, તેની વધઘટ, સારવારની અસર અને ફરીથી ઊથલો થાય એ સમજી નિર્ણય લેવામાં મદદ મળે છે.

    આ બિનનુકસાનકારક, ઝડપી પદ્ધતિ છે અને ખાસ કરીને માથાની ઈજા અને મગજને નુકસાન થવાના પ્રસંગોએ વપરાય છે. જો કે આ પદ્ધતિ એક્સીડેન્ટના કેસોમાં, શરીરના અન્ય ભાગોની તપાસ માટે અને કેન્સર, રસી ભરાવી, ગાંઠો (Tumors), વગેરે માટે પણ વપરાય છે.

    (૩) અલ્ટ્રાસોનોગ્રાફી (Ultasonography, USG, Sonogram) એ ખૂબ જ હાથવગી, બિનનુકસાનકારક તપાસની પદ્ધતિ છે. આમાં ક્ષ-કિરણો વપરાતાં નથી, પણ જે આપણા સાંભળવાના અવાજનાં મોજાંઓથી ઘણા વધારે છે એવા અવાજના મોજાનો ઉપયોગ થાય છે. (Beyond our audible range). અવાજના મોજાં શરીરમાં પસાર થાય અને ઘણી માંસપેશીઓ કે રોગી ભાગમાં અથડાઈ પાછાં ફરે (Echos, પડઘા) તેને યોગ્ય સાધનથી ઝીલી લઈ એનો ફોટો મળે છે. આ પદ્ધતિમાં કશું નુકસાન થતું નથી તેથી પ્રેગનન્સી (Pregnancy) દરમિયાન બાળકની માહિતી મળે છે, ખોડખાંપણ કે એકથી વધારે બાળક થવામાં, મૃત બાળક, બાળકની ડિલિવરી પહેલાંની સ્થિતિ, વગેરે જાણવા માટે આનો બહોળો ઉપયોગ છે. ગર્ભાશય, અંડકોશ અને અંડનળીઓની માહિતી પણ મળે જેથી Ectopic pregnancy, Hydrosalpinx, pyosalpinx, cancer of Uterus, વગેરેનું નિદાન થઈ શકે છે. હવે તો અત્યાધુનિક 3D-4D Sonography Machine આવી ગયાં છે, જે Test Tube Baby જેવા જટિલ પ્રયત્નોમાં ખાસ કામ આવે છે.

    સોનોગ્રાફી બીજા ઘણા રોગોમાં પણ વપરાય છે, એક્સીડેન્ટ (Accidental Injuries) જેવા કેસો ઉપરાંત કલેજું કે બરોળ ફાટવી (Ruptured liver & spleen), હૃદયની મોટી ધમની ફૂલેલી હોય (Aneurism), કિડનીની પથરી, પેશાબની કોથળીની પથરી અને કેન્સર, પ્રોસ્ટેટ ગ્રંથિની ગાંઠ, વગેરે.

    સોનોગ્રાફીની પદ્ધતિ બીજી ઘણી રીતે વપરાય છે, જેમાં સ્ત્રીની જનનેન્દ્રિયમાં પ્રોબ (એક સાધન) નાખી Transvaginal Sonography, ગુદાદ્વારમાંથી Transrectal, અન્નનળી કે ગુદાદ્વાર દ્વારા Endoscopic Sonography, આંખની Ocular Sonography, વગેરે છે.

    ડોપ્લર સોનોગ્રાફી (Doppler Sonography) એ ખૂબ જ સ્પેશિયલ પ્રકારની પદ્ધતિમાં લોહીની નળીઓમાં લોહી ફરતું, એની ઝડપ અને હૃદયના ધબકારા પણ સાંભળી શકાય છે, દા.ત. Foetal Doppler Sonography, પગની લોહીની નળીઓની તપાસ (Leg Vessels-Artery and Veins) માટેની Doppler technique. ગળાની મગજને લોહી પહોંચાડતી નળીઓની તપાસ Carotid Doppler Examination, હૃદયની Heart Doppler તપાસ, વગેરે.

    આટલું જાણ્યા પછી હજી ઘણું બાકી રહે છે. વિકસતા તબીબી વિજ્ઞાનની અવનવી વાતોનો અંત નથી. એક ડૉક્ટર માટે પણ બધાનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું શક્ય નથી, તો આપને વધારે અને ઊંડી માહિતી ન આપતાં વિચારું છું કે ફક્ત જરૂરી સમજ કેળવાય એટલી જ માહિતી આપવી. બાકી અભ્યાસુને આજનું ઇન્ટરનેટ અને અન્ય પુસ્તકો ક્યાં નથી?

    હવે આ લેખમાં થોડી માહિતી PET Scan MRI વિષે આપું છું.

    (૧) Magnetic Resonance Imaging/MRI – મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગની શોધ ૧૯૭૧માં પૌલ લૌતરબરે (Paul Lauterbur) કરી. આ CTS પછી એની થોડી ઊણપ માટે પૂરક સાબિત થયું. આમાં તીવ્ર પ્રકારના ચુંબકીય ક્ષેત્ર (Strong Magnetic Field) સાથે રેડીઓ કિરણો (Radio waves)નો ઉપયોગ થાય છે. આપણું શરીર ૭૦% પાણી છે તેથી જે એટમિક (Hydrogen and Protons) ફેરફારો થાય તે નોંધી (Record) લેવાય અને ફોટા રૂપે કોમ્પ્યુટરથી આપણે જોઈ શકીએ છીએ. જોકે આમાં ચુંબકીય ક્ષેત્ર પેદા થતું હોવાથી ખૂબ કાળજી લેવી પડે. શરીરના હાડકામાં ધાતુની પ્લેટ/સળિયા હોય (Metal Plates/Rods), હૃદયનું પેસ મેકર (Heart Pacemaker), હૃદયના વાલ્વ્સ (Heart Valves), ધાતુની ક્લિપો (Metal Clips), કાનમાં નાખેલું મશીન (Ear Implant), અને બંદૂકની ગોળીઓ કે છરા (Bullets, its fragments and pellets) હોય તો આ તપાસ કરી શકાતી નથી.

    MRI Scanના ફાયદાઓ:

    શરીરરચનાના ખૂબ જ માહિતી સભર ફોટા મળે, દુ:ખાવા રહિત, એક્સ-રે જેવી કશી આડ અસર નથી. આ તપાસ દરમિયાન નાની જગ્યામાં બંધ કૅબિનમાં, હલ્યા વગર લાંબા સમય સુધી પડી રહેવું પડે તેથી ખૂબ અગવડ ભર્યું લાગે, ખાસ કરીને જેને બંધ જગ્યાઓનો ડર લાગતો હોય.(Claustrophobia). જો શરીરમાં ધાતુની કશી પણ વસ્તુ હોય તો નુકસાન થવાની શક્યતા એ છે કે તીવ્ર મેગ્નેટના લીધે એ મૂળ જગ્યાએથી ખેંચાઈ જાય અને કોઈ વાર મિસાઇલ ની જેમ છૂટે (Missile Effect) અને ક્યાંક વાગે અને નુકસાન કરી શકે છે. આથી આવી કોઈ પણ છુટ્ટી ધાતુની વસ્તુ એ મશીનની અંદર કે શરીર પર ના રહે તેનું ખાસ ધ્યાન રખાય છે. દર્દીએ પણ આની સંપૂર્ણ માહિતી ડૉક્ટર/ટેકનીશિયનને આપવી જરૂરી છે. જોકે દર્દીને ડર ના લાગે તે માટે તેની સાથે સતત વાતચીત થઈ શકે છે, અને તેને કંઈ તકલીફ હોય તો તેને આપેલ સાધનથી જાણ કરી શકે છે (Buzzer). તપાસ દરમિયાન ઘણા અવાજો સંભળાયા કરે છે, તેથી ઘણા લોકોને કાનમાં ઈઅર પ્લગ નાખી અપાય છે.

    આ ખર્ચાળ તપાસ છે અને તપાસ માટે ઘણો સમય પણ લેવાય છે. પણ તેનાથી વાગવા ટૂટવાના પ્રસંગોમાં, હાથ પગનાં ફ્રૅકચર, માથાની ઈજાઓ, લોહી વહી જવું, જેમ કે મગજમાં લોહી જમા થવું (Brain Stroke, Ruptured Aneurysm), મગજમાં કેન્સર કે બીજી ગાંઠો (Pituitary Tumor), કમરનાં હાડકાં અને મજ્જાતંતુની ઈજાઓ (Spinal Cord & Vertebral Injuries), સ્નાયુ અને સ્નાયુબંધની ઈજાઓ (Muscle and Tendon Tears), ચેપી દર્દો, જન્મજાત ખોડ (Anomalies), તાણની બિમારી (Epilepsy/Seizures), લોહીની નળીઓમાં અટકાવ (Blocks & Thrombosis), વગેરે સારી રીતે તપાસી શકાય છે.

    સ્ત્રીઓ જો સગર્ભા હોય તો આ તપાસ ના કરાય તો સારું.

    હવે તો નાનાં (Portable MRI) મશીન આવી રહ્યાં છે. જે હાથ-પગની તપાસ માટે ખૂબ ઉપયોગી થશે.

    અને છેલ્લે ફક્ત નોંધ માટે જાણો કે CONTRAST MRI and MR ANGIOGRAPHY પણ થાય છે. જેમાં એક્સ-રે કિરણોને અવરોધતું પ્રવાહી (Contrast Chemical) નસમાં આપી ફોટા લેવાથી ખૂબ જ સહેલાઈથી નુકસાન વાળો ભાગ/લોહીની નળી જોઈ શકાય છે.

    આ પદ્ધતિનો ઉપયોગ કરી ઘણી જટિલ મગજની સર્જરી થાય છે. (MRI guided stereotactic Surgery).

    (૨) પોઝીટ્રોન એમીશન ટોમોગ્રાફી (POSITRON EMISSION TOMOGRAPHY) જેને સાઇંટિગ્રાફી (SCINTIGRAPHY) પણ કહે છે.

    આ એક પ્રકારની કોષના અંદરના ભાગ સુધી (at cellular level) ની તપાસ થાય છે, અને શરીરના ભાગ અને તેના કાર્યની માહિતી મળે છે. મોટે ભાગે આ CTS સાથે વપરાય છે. (PET-CT), રેડીઓ એક્ટિવ રસાયણ શરીરમાં દાખલ કર્યા પછી, એટલે કે નસ દ્વારા (Intravenous Injection), મોઢાંથી ગળીને (Swallowing), કે શ્વાસ વાટે લઈને (Inhalation) ક્ષ-કિરણો વાળો પદાર્થ (Radiopharmaceutical) શરીરમાં દાખલ કરીને સ્પેશિયલ જાતના કૅમેરા વડે ફોટો લેવાય છે. હવે તો વધારે માહિતી માટે નવી MOLECULAR IMAGING WITH PET or SPECT (Single Photo Emission Computed Tomography) જે કોષ અને મોલેક્યુલ સુધીની તપાસાર્થે વપરાય છે. આ તપાસમાં શરીરની બંધારણ (Anatomy)ના દેખાય પણ તપાસનો ભાગ HOT SPOTs અને COLD SPOTs ની રીતે તેનું ફીઝિઓલોજીકલ/મેટાબોલિક કાર્ય દર્શાવે છે, જેનાથી ડૉક્ટર નિદાન કરી શકે છે.

    ઉપયોગમાં મગજની બીમારીઓ, હાડકાં, કેન્સર અને કેન્સરની ગાંઠો, લસીકા ગ્રંથિઓ, હોજરી, આંતરડાં, હૃદય, કીડની, ફેફસાં અંતઃસ્રાવની ગ્રંથિઓ જેવી કે થાયરોઇડ જેવી તપાસ થાય છે. મગજના જ્ઞાનતંતુના રોગોમાં આ ખૂબ જ ઉપયોગી છે દા.ત. સ્મૃતિભ્રમ (Alzheimer) હૃદયના રોગો (Condition of Heart), હૃદયની બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટી (Coronary bypass grafting surgery-CABS/Angioplasty). લોહીનું વહેણ (Blood flow), ઑક્સિજનનો ઉપયોગ (Use of oxygen અને શર્કરાની માહિતી માટેની પણ આ તપાસ છે.

    આ દુખાવા રહિત તપાસ છે, ખૂબ જ ઓછા પણ રેડિયેશન કિરણોનો ઉપયોગ છે તે છતાં સગર્ભા સ્ત્રીઓની અને ધાવણ વખતે આ તપાસ થઈ શકતી નથી. આ તપાસમાં કલાકો અને દિવસોનો સમય લાગે છે. મોંઘી હોવા છતાં તપાસની સર્જરી (Exploratory Surgery) કરતાં સસ્તી છે, અને ચોક્કસ માહિતી મળે છે, કારણ કે રોગની કોષીય શરૂઆતમાં જ તેનું નિદાન થાય છે. ક્ષ-કિરણોનો (radioactive) પદાર્થ ખૂબ જલદી તેની શક્તિ ગુમાવે છે એટલે નુકસાનની શક્યતા ઓછી છે છતાં દર્દીને બાળકો અને સગર્ભા સ્ત્રીથી જરૂરી હોય ત્યાં સુધી દૂર રહેવું જોઈએ. પાણી પુષ્કળ પીવું જોઈ એ જેથી ક્ષ-કિરણોવાળું રસાયણ શરીરમાંથી જલદી બહાર નીકળી જાય.


    ક્રમશ: 


    ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • મહાકાલના રાખ રમકડાં

    પારુલ ખખ્ખર

    સર્જન અને વિસર્જન આ બન્ને જીવનનાં પરમ સત્યો છે.મને કમને સ્વીકારવા પડે એવા સત્યો. માત્ર સ્વીકારવા જ નહી ગમાડવા પડે એવા સત્યો. હાલરડાં ગમતાં હોય તો મરશિયાં ગમાડવા પડે, છઠ્ઠી કરવી હોય તો બારમું કરવાની તૈયારી રાખવી પડે,ઘોડિયું લાવીએ એમ જ ખાંપણ લાવવું પડે,આગમનનાં આનંદની જેમ વિદાયની ગમગીની ગળે લગાડવી પડે. આ બધું એક સિક્કાની બે બાજું નથી પરંતુ સિક્કાની એક જ બાજુંની બે અલગ ડિઝાઈન છે. સમગ્ર સૃષ્ટિમાં એક શક્તિ પ્રવર્તે છે જે ત્રણ પ્રકારે કાર્યરત્ત છે. જેને આપણે ઈશ્વર/ ગોડ કહીએ છીએ. બ્રહ્મા સર્જક છે ,વિષ્ણુ પોષક છે અને શિવ સંહારક છે. જો જગતમાં સતત સર્જન જ થતું રહે તો જગત એક મોટો ઉકરડો જ બની જાય ને !તેથી જ જૂનું, જર્જરિત, ખંડિત હોય એ બધાનો નાશ થવો જરુરી છે અને તેથી જ જગતમાં જે જે નામરૂપધારી છે તેના સંહારની કામગીરી મહાદેવને સોંપવામાં આવી છે.શિવ એ સ્મશાનના દેવ છે તે મૃતકોની રાખ શરીર પર ચોળે છે અને તમામ સર્જનને પોતાના ખપ્પરમાં સમાવી લે છે.ક્યાંક સંપુર્ણ વિસર્જન શક્ય ન હોય ત્યાં સ્વરુપ રુપાંતર કરીને જગતને નિત્ય નૂતન રાખે છે. આ દેવ પોતે અજન્મા અને અવિનાશી હોવા છતાં પોતાની મુર્તિઓને પણ આ સંહારલીલાથી બચાવી નથી શકતા.મહાકાલની આ વિસર્જન લીલાના બે પ્રત્યક્ષ દાખલા મેં નજરે જોયેલા છે. એક હિમાચલપ્રદેશમાં આવેલ બિજલી મહાદેવ અને બીજું ગુજરાતનું નિષ્કલંક મહાદેવ બન્ને અદભુત સ્થળો છે.આ સ્થળો પર દેવાધિદેવ પોતે જ પોતાના નામરુપ શિવલિંગને ખતમ કરે છે. આ સ્થળો વિશે વિગતે જોઈએ.

    હિમાચલ પ્રદેશના કુલુ શહેરથી સાત કિલોમીટર દૂર એક ઊંચા પહાડ પર બિજલી મહાદેવ બિરાજે છે. સમુદ્રતટથી ૨૪૫૦ મીટર ઊંચાઈ પર આવેલ આ મંદિર વિશે કહેવાય છે કે કુલાન્ત નામનો દૈત્ય અજગર સ્વરુપે બિયાસ નદીનો પ્રવાહ રોકીને બેસી ગયો જેથી નદી છલકાઈ જાય અને આસપાસની જીવસૃષ્ટિ પાણીમાં ગરક થઈ જાય.ભગવન શિવે ત્યાં આવીને ત્રિશુળ વડે આ અજગરનો વધ કર્યો. વધ થતાં જ કુંડલી મારીને બેઠેલ અજગરનું શરીર પહાડ બની ગયું ! આ પહાડ પર શિવના બેસણાં છે જે બિજલી મહાદેવ તરીકે ઓળખાય છે.દર બાર વર્ષે આ મંદિર પર વિજળી ત્રાટકે છે અને શિવલિંગના ટુકડેટુકડા કરી નાંખે છે. આખાયે પહાડ પર આ ટુકડાંઓ જુદીજુદી જગ્યાએ વેરાઈ જાય છે. પૂજારી એ ટુકડાં ભેગા કરી માખણથી ચોંટાડે છે અને થોડા સમયમાં એ શિવલિંગ ફરી નક્કર સ્વરુપ ધારણ કરી લે છે.વિનાશનાં દેવતા પોતે જ જીવોનો બચાવ કરવા દૈત્યને મારે છે અને વિજળીનાં પ્રકોપને પોતાના પર ઝીલીને જીવોને બચાવી લે છે.

    બિજલી મહાદેવ શિવલિંગ

    કેવી અદભુતવાત ! દર બાર વર્ષે સર્જન થાય…વિસર્જન થાય. પુનઃસર્જન…પુનઃવિસર્જન. આ ચક્ર ચાલ્યાં જ કરે.જો ઈશ્વર ખુદ પોતાના સ્વરુપને સંહારથી ન બચાવતા હોય તો આપણને તો ફરિયાદ કરવાનો કોઈ હક જ નથી રહેતો. જરા વિગતે વિચારીએ તો… દરેક જીવના શરીરના કોષ રોજ મરે છે, રોજ નવા બને છે.પાંદડાઓ પીળા થાય છે, ખરે છે અને નવા ઊગે છે. કાળીઘોર રાત થાય છે, દિવસ થય છે.નદીઓ સુકાઈને પાદર થાય છે અને ફરી પૂર આવતા ગાંડીતૂર થાય છે. આલિશાન મહાલયો બંધાય છે અને ખંડેર થાય છે.વસ્ત્રો વણાય છે અને જર્જર થાય છે. આપણી ચારે તરફ એક સુક્ષ્મ હવન ચાલ્યા કરે છે. જેમાં અનિત્ય હોય તે તે હોમાતું રહે છે.આ હવનનાં હોતા એટલે મહાદેવ જે કણકણને જુના શરીરમાંથી મુક્ત કરવાનું કામ કરે છે.જરા વધુ સુક્ષ્મ રીતે જોઈએ તો અમુક સંહાર બાહ્ય નથી હોતા જેમકે અધુરી ઇચ્છાઓ, મનગમતા વળગણો, ભગ્ન હૃદયો, બિસ્માર સગપણો,જીવલેણ સ્મરણો આવું ઘણુંઘણું આપણી જાણ બહાર કાળનાં ખપ્પરમાં સ્વાહા થતું રહે છે. આ હવનને કારણે જ જીવન આટલા સુંદર અને પ્રફુલ્લિત રહી શકે છે. આમ પણ દરેક ચીજની એક્સપાયરી ડેઇટ હોય જ છે.એક્સપાયર હોય તેને જાતે છોડી દેવું એ ઉત્તમ કક્ષા છે, જે કંઈ કાળના પ્રવાહમાં વહી જાય એ નિયતિ છે એમ માની લેવું એ મધ્યમ કક્ષા છે, અને એ મહાયજ્ઞમાં હોમાતા ભગ્ન અવશેષોને જોઈ રડ્યાં કરવું એ નિમ્ન કક્ષા છે.શા માટે રડવાનું ભલા? જે જીવંત તત્વ હતું એ તો હાથમાંથી રેતીની જેમ સરકી ગયું છે બચેલા અશ્મિઓ પર તે કંઈ રડાતું હશે !

    પોતાના નામરુપ શરીરનો હોમ કરી ફરી જીવતા થતાં મહાદેવની વધું એક સંહારલીલાનો પુરાવો એટલે નિષ્કલંક મહાદેવ. ભાવનગર જિલ્લાના કોળિયાક બીચ પર આવેલ નિષ્કલંક મહાદેવ એટલે પુનરપિ જનનમ્ … પુનરપિ મરણમ્ નો નજરે જોયેલ દાખલો છે.કહેવાય છે કે મહાભારતનાં યુદ્ધ પછી પાંડવો પોતાના સગાંવહાલાંઓની હત્યાના પાપથી વ્યથિત હતાં. ભગવાન શ્રી કૃષ્ણએ એક કાળી ગાય અને કાળો ધ્વજ આપી કહ્યું કે તમે યાત્રામાં નીકળો, જે જ્ગ્યાએ આ બન્નેનો રંગ સફેદ થાય ત્યારે સમજજો કે પાપ ધોવાઈ ગયાં અને તે જગ્યા પર શિવજીનું તપ કરજો.પાંડવો આ બન્ને નિશાનીઓ લઈને નીકળી પડ્યાં ગાયને અનુસરતા રહ્યાં. ભારતભ્રમણ કરતાંકરતાં અંતે અરબી સમુદ્રનાં કોળિયાક તટ પર ગાય અને ધ્વજ બન્ને સફેદ થયા તેથી પાંડવોએ ત્યાં તપ કર્યું. ભગવાન શિવ પ્રસન્ન થયાં પાંચેય ભાઈઓને અલગ અલગ શિવલિંગ સ્વરુપે દર્શન આપ્યા. આ જગ્યા પર પાંડવો ભાઈની હત્યાના કલંકમાંથી મુક્ત થયાં તેથી આ જગ્યાનું નામ નિષ્કલંક મહાદેવ પડ્યું.


    આ જગ્યાની વિશેષતા એ છે કે આ મંદિર સમુદ્રતટથી અડધો કિલોમીટર અંદર આવેલ છે તેથી પાણીમાં જ ભગવાન બિરાજે છે.રોજ સાંજે ભરતી આવે અને મંદિર પાણીમાં ડૂબવા લાગે રાત  પડ્યે માત્ર ધજા જ દેખાતી હોય.મધ્યરાત્રિએ આખું મદિર પાણીમાં ગરક થઈ ગયું હોય.રોજ સવારે ભરતી ઓસરે ત્યારે મંદિર ફરી સપાટી પર આવી જાય!કેવું અદભુત ! રોજ ડૂબવું..રોજ તરવું.રોજ મરવું…રોજ જીવતા થવું.રોજ ભરતી…રોજ ઓટ.કેવી અકળ લીલા! વિનાશના દેવ પોતે જ પોતાના સ્વરુપો પર પાણી ફેરવી દે અને ફરી તેને સપાટી પર લાવી દે.આ કામ માત્ર મહાકાલ જ કરી શકે.રોજેરોજ જાતે સમાધિ લેતા શિવલિંગોને જોઈ આંખો ભીની થયા વગર ન રહે…અને એ જ શિવલિંગો ફરી સૂર્યની સાક્ષીએ પાણીમાંથી ડોકાં બહાર કાઢી દર્શન દે ત્યારે પણ આંખ કોરી ન જ રહે.

    હે ઈશ્વર…હે મહાકાલ…આ તારી કેવી અકળ ગતિ? ક્યાંક તું જાતે જ તારા ટુકડાં કરીને જાતને વિસર્જિત કરી દે છે અને ક્યાં તું જાતે જ જળસમાધિ લઈને વિલિન થાય છે !તું જ તને તોડે અને તું જ તને જોડે? તું જ તને ડૂબાડે અને તું જ તને તારે ? અમે નાદાન મનુષ્યો તારી પાસે નાનીનાની ફરિયાદો લઈને રડવા આવીએ ત્યારે તને હસવું આવતું હશે ને ? આ જગતને નિત્ય-નૂતન-નવપલ્લવિત રાખવા તું તારી જાતને ય છોડતો ન હોય તો અમે શું ચીજ છીએ? હે દેવ…તમે તૂટીને પણ ફરી નક્કર સ્વરુપમાં સ્થિર થાઓ છો . હું ય ટૂકડેટૂકડા થઈને વિખેરાઈ જાઉ છું અને મહામહેનતે ફરી મૂળ સ્વરુપે સ્થાપિત થાઉં છું પણ ફરક એટલો કે હું બધું રડતાં રડતાં કરું છું. તમારી જેમ હું ય ડૂબું છું…માથાબુડ પાણીમાં ગરક થઈ જાઉં છું. નાકમાં, આંખમાં, ગળામાં ખારા પાણી ઘૂસી જાય. અસહ્ય મુંઝારો થાય. શ્વાસ લેવો પણ મુશ્કેલ થાય છતાં ટકી જાઉં છું એ અગાધ જળમાંથી મહામહેનતે બહાર આવું છું પણ ફરક એટલો કે થાકીને લોથપોથ થઈ જાઉં છું.

    કહેવાય છે કે નિષ્કલંક મહાદેવની લિંગ પર મૃત સ્વજનોની લાશની રાખ ચોળીએ તો એ સ્વજનનો મોક્ષ નિશ્ચિત છે. હે સ્મશાનપતિ અમારા માથા પર ધુણતાં ભૂતકાળનાં ભૂતની ચોટલી બાંધી આપો, અમારે પણ અમારા મૃત સ્મરણોની રાખને પાણીમાં વહાવી દેવી છે. એ સ્મરણોને મોક્ષ અપાવવો છે.હે નાથ…અમે અમારી જાતને વિસર્જિત કરીને ફરી તટ પર આવીએ અને નિષ્કલંક બનીએ એવી શુભેચ્છા આપો.અમે તૂટીશું પણ જોડાઈશું, અમે ડૂબીશું પણ તરી જઈશું એવી અમે ખાતરી આપીએ છીએ. હે દેવ…તમારી સંહારલીલાનો જય હો . હે દેવ…તમારા કાળયજ્ઞનો જય હો. હે દેવ…તમારી વિનાશકલાનો જય હો.હે મહાકાલ…તમારા રાખના રમકડાનો જય હો .


    સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ઈશ્વર અકળ નથી

    નવી કલમની કવિતા અને આસ્વાદ

    ગઝલ

    જળ જેવું હોય આંસુ છતાં આંસુ જળ નથી.
    છો શસ્ત્ર હોય આપનું તો પણ સફળ નથી.

    કાદવ ભલે ને લાગતો હો સાવ કદરૂપો,
    એનાં વગર અહીં કદી, આ જળકમળ નથી.

    કાદવ સમા આ દુર્ગુણો, વિકાર છે ઘણાં,
    ઊપર ઉઠ્યા નહીં તો જીવન, આ સફળ નથી.

    કાણું છે એવું ભીતરે ભરતાં રહો સદા,
    સમજાય  છેક છેલ્લે કે ઈચ્છાને તળ નથી.

    હું આંખ  મીંચીને કરું છું સાધના સતત,
    ત્યારે કળી શકાય કે,  ઈશ્વર અકળ નથી.

    દેખાય સારી સૃષ્ટિમાં જુદા જુદા રૂપે,
    “એ” સાથ નથી એવી કદી, એક પળ નથી.

    ~ ડૉ. ભૂમા વશી

    ~ આસ્વાદ ~

     દેવિકા ધ્રુવ

    મૂળ અમદાવાદના પણ હાલ મુંબઈના વતની ડો.ભૂમા વશીની કવિતાપ્રીતિ નોંધનીય છે.

    ૨૨ માત્રાના વિષમ છંદમાં લખાયેલ  ઉપરોક્ત ગઝલ શરૂઆતથી જ ઇશ્કે હકીકીનો રંગ પાથરે છે.

    સરળ શબ્દોમાં, સહજ રીતે છતાં મક્કમતાથી, મત્લાના શેરમાં એ સ્પષ્ટપણે બેધડક કહે છે કે, ‘જળ જેવું હોય આંસુ છતાં આંસુ જળ નથી.’  જે દેખાય છે તે, એ જ સ્વરૂપે હોય છે તે માનવાની જરૂર નથી.

    ‘છો શસ્ત્ર હોય આપનું તો પણ સફળ નથી.’ કહી કવયિત્રી સહેતુક ‘નથી’ના રદીફ સાથે આગળ વધે છે. ‘નથી નથી’ તો પછી શું છે? એનો જવાબ, ને’તિ ને’તિના સૂફી સૂર સાથે વાચકના મનોવિશ્વ માટે છોડી દીધો છે.

    બીજા અને ત્રીજા શેરમાં આ જ વાતનું સમર્થન કરતા કેટલાક દાખલાઓ રજૂ કરે છે; જાણે કે એક પછી એક સાબિતીઓ લાવીને ધરી દે છે. કહેવાય છે કે, Don’t Judge a Book by its Cover. પુસ્તકને એનું કવર જોઈને ન પ્રમાણો.

    ચહેરો જોઈ વ્યક્તિત્વને ન માપો. કેટલું સાચું છે?! કેટકેટલા દાખલાઓ આંખ સામે તરવરી રહે છે. તેમાંના એકની વાત આગળ ધરે છે કે, કાદવ કોઈને ન ગમે પણ કમળ તો ત્યાં જ ખીલે છે ને?

    કાદવ ભલે ને લાગતો હો સાવ કદરૂપો,
    એનાં વગર અહીં કદી,આ જળકમળ નથી.

    અહીં એકલા કમળને બદલે બખૂબીથી જળકમળ શબ્દ પ્રયોજાયો છે; જે આમ જુઓ તો નરસિંહના ‘જળકમળ’ કાવ્ય સુધીના  ઊંડા  તાત્વિક અર્થો ઉઘાડી આપે છે. કાદવ સમા વિકારો, દુર્ગુણોને ફગાવી ઉપર ઊઠવાની વાતનો જરા સરખો અંગૂલિનિર્દેશ કરી દે છે અને ખૂબ ત્વરાથી, હજી જળકમળવત્-નો ભાવ ખુલે ન ખુલે ત્યાં તો કવયિત્રી આગળના શેરમાં સહજ રીતે માનવીઓની ઇચ્છાઓની હદ તરફ દોરી જાય છે.

    અહીં કવિ શ્રી અનિલ ચાવડાના એક ગીતની પંક્તિ અચૂક સાંભરે. “ઇચ્છાઓની ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ” તો ગઝલકાર શ્રી ચીનુ મોદી પણ યાદ આવ્યા વગર રહે જ નહિ. એ પણ કહી ગયા કે,

    કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
    એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

    ઇચ્છા, અભીપ્સા, લાલસાનો વિષય જ અગાધ છે, એને ક્યાં કોઈ મર્યાદા છે!

    ચોથા શેરમાં અહીં કહ્યું છે કેઃ

    કાણું છે એવું ભીતરે, ભરતાં રહો સદા,
    સમજાય છેક છેલ્લે કે ઈચ્છાને તળ નથી.

    સંસારી જીવોની આ સ્વાભાવિક આ વૃત્તિ છે; એ જાણવા છતાંયે કે ઇચ્છાને કોઈ તળિયું નથી. બસ, એ ક્યારેય ભરાતી જ નથી અને માણસ મથ્યે જાય છે.

    આ મથામણ, અગર આંખ બંધ કરીને કરવામાં આવે એટલે કે, ખુદમાં ઊંડાં ઊતરી જઈને કરવામાં આવે તો, સતત અને અવિરત કરવામાં આવે તો શક્ય છે; “ત્યારે કળી શકાય કે, ઈશ્વર અકળ નથી.” ભૂમાબહેન આ શેર દ્વારા અધ્યાત્મિકતાની ઊંચાઈ સુધી ભાવકોને દોરી ગયા છે.

    જો એવી સાધના એના સાચા અર્થમાં થઈ શકે તો અને ત્યારે જ, સતઅસતના આ જગતમાં, પ્રકૃતિમાં, પ્રાણીમાત્રમાં જ્યાં જુઓ ત્યાં કોઈને કોઈ રૂપે એ અનુભવાય છે જ. આખી આ સૃષ્ટિનાં રંગ, રૂપ અને આકારમાં એ દેખાય છે. છેલ્લા શેરમાં કલાત્મક રીતે એ ભાવ પ્રગટ કર્યો છે કે,

    દેખાય સારી સૃષ્ટિમાં જુદા જુદા રૂપે,
    “એ” સાથ નથી એવી કદી, એક પળ નથી.

    અહીં પ્રથમ શેરમાં શરૂ થયેલો ઈશ્કે હકીકીનો રંગ ઘેરો બની વધુ નીખરે છે અને એક સુરેખ આકૃતિ ભાવકોના મનમહીં ગોઠવાઈ જાય છે.

    સદીઓથી સર્જકો અને સૂફી સંતો દ્વારા કહેવાયેલી આ વાત લખવા/વાંચવા જેટલી સહેલી નથી. જેણે પોતે કશીક મથામણ કરી હોય, અનુભૂતિ કરી હોય કે જેના વાણી, વર્તન, વિચારોમાં એ ભાવ વિશેની સતત સજાગતા હોય તેવી વ્યક્તિ જ એને વ્યક્ત કરી શકે અને અન્ય સુધી પહોંચાડી શકે. કવિકર્મની એ જ સફળતા  છે.

    ૬ શેરોમાં છંદોબદ્ધ કરેલી આ ગઝલ, છેલ્લા શેરના સાની મિસરામાંના એક નજીવા છંદદોષને બાદ કરતા, સાદ્યંત સરસ રીતે ગૂંથાયેલી છે. ભૂમાબહેનને ખૂબ અભિનંદન અને વધુ ને વધુ ચોટદાર ગઝલ લખતા રહે એવી શુભેચ્છા.

  • સત્તાની ગુરુકિલ્લી : દલિતજન, બહુજન, સર્વજન

    નિસબત

    ચંદુ મહેરિયા

    ડો.બાબાસાહેબ આંબેડકરે દલિતોને રાજકીય અધિકારો અપાવ્યા હતા. એટલું જ નહીં તેમણે તે માટે તેમને સંઘર્ષ કરતા કર્યા હતા. તેઓ દલિતોને કહેતા હતા કે જ્યાં સુધી આપણી પાસે રાજકીય અધિકાર નથી ત્યાં સુધી સમાજમાં જરૂરી પરિવર્તન લાવી શકાશે નહીં. પોતાના જીવનકાળમાં ડો.આંબેડકરે ત્રણ રાજકીય પક્ષો સ્થાપ્યા હતા : ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી , ઓલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા. ૧૯૩૨ની ગોળમેજી પરિષદમાં બાબાસાહેબે દલિતો માટે અલગ મતાધિકારની માંગણી કરી હતી. તે પછી થયેલા પૂના કરારમાં તેને બદલે અનામત બેઠકો મળી. ૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્ય  ધારા અન્વયે ૧૯૩૭માં ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં ભાગ લઈ દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ ઉભું કરવા માટે ૧૯૩૬માં ડો.આંબેડકરે સ્વતંત્ર મજૂર પક્ષ (ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી) ની સ્થાપના કરી હતી. તેમના પ્રથમ રાજકીય પક્ષે મુંબઈ પ્રાંતની સત્તર બેઠકો પર ઉમેદવારી કરીને પંદર પર વિજય મેળવ્યો હતો. એ રીતે બાબાસાહેબના પહેલા રાજકીય પક્ષને સારી સફળતા મળી હતી અને તેણે વિરોધ પક્ષનું સ્થાન મેળવ્યું હતું.

    આજીવન જ્ઞાતિ નાબૂદી માટે સંઘર્ષરત આંબેડકરે પોતે સ્થાપેલા રાજકીય પક્ષો મારફતે આજે જેની બોલબાલા છે તે જ્ઞાતિનું રાજકારણ જરાય ખેલ્યું નહોતું.પરંતુ તેમણે દલિતોના મુદ્દાઓને પ્રાધાન્ય આપીને સમાજના વિભિન્ન વર્ગોને સ્પર્શતા મુદ્દાઓની રાજનીતિ કરી હતી. પહેલી રાજકીય પાર્ટીની સ્થાપના વખતે તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાર્ટીનો મુખ્ય આધાર દલિતોની અનામત બેઠકો છે પણ  પાર્ટીનું નામ અને એજન્ડા વિશાળ રાખીને અમે અન્ય વર્ગ તથા જ્ઞાતિને માટે અમારા દરવાજા ખૂલ્લા રાખવા માંગીએ છીએ. દલિતેતર મતદારો અને પક્ષોનો રાજકીય સહયોગ પાર્ટીનું ફલક વ્યાપક હોય તો જ શક્ય છે તે દલિત રાજનીતિના આ પુરોધાને સમજાઈ ચૂક્યું હશે.

    આજથી આઠ દાયકા પૂર્વે, ઓગણીસમી જુલાઈ ૧૯૪૨ના રોજ , તેમણે ઓલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન નામક પોલિટિકલ પાર્ટીની રચના કરી ત્યારે પણ તેઓ જ્ઞાતિના રાજકારણથી દૂર રહ્યા હતા. આ પાર્ટીની રચનાનો તેમનો ઉદ્દેશ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સંતુલન સાધી ત્રીજો વિકલ્પ ઉભો કરવાનો હતો. પક્ષનો મુખ્ય ઉદ્દેશ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનું રક્ષણ, તમામ ભારતીયો માટે રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક સમાનતા કાયમ કરવી, શોષણ મુક્તિ, લોકોને ભય અને અભાવથી મુક્ત રાખવા વગેરે હતો. આંબેડકરના આ પક્ષને ઝાઝી રાજકીય સફળતા મળી નહોતી પરંતુ ભૂમિ આંદોલન મારફતે તેણે દલિતોમાં રાજકીય ચેતના જગવી હતી અને મજબૂત સંગઠન ઉભું થઈ શક્યું હતું.

    ૧૯૫૬ની ચૌદમી ઓકટોબરે નાગપુરમાં ડો. આંબેડકરે શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનનું વિસર્જન કરી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની રચના કરવાની જાહેરાત કરી હતી. આ પક્ષનું બંધારણ પણ બાબાસાહેબે ઘડ્યું હતું. પરંતુ તેમની હયાતીમાં પક્ષની સ્થાપના થઈ શકી નહીં. ડો.આંબેડકરના નિર્વાણ પછી ત્રીજી ઓકટોબર ૧૯૫૭ના રોજ તે અસ્તિત્વમાં આવી હતી. આંબેડકરે રચેલા આ ત્રીજા પક્ષનો ઉદ્દેશ બંધારણમાં આપેલા વચનોના અમલનો તો હતો જ ઉપરાંત સમાજમાં પ્રવર્તતી વિષમતા દૂર કરી કાયદા સમક્ષ સમાનતા સ્થાપવાનો હતો. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા પ્રાપ્ત કરવાનું પક્ષનું મુખ્ય ધ્યેય હતુ. અગાઉના પક્ષોની જેમ આ પક્ષને પણ તેઓ દલિતો પૂરતો મર્યાદિત રાખવાને બદલે વ્યાપક બનાવવા માંગતા હતા. કેટલાક વરસો મુસલમાન, શીખ વગેરે તેમાં સામેલ પણ થયા હતા જોકે આજે તો રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની ઈમેજ દેશમાં  અનેક ફાંટાઓમાં વહેંચાયેલી દલિત પાર્ટીની છે.

    ઉત્તર આંબેડકરી દલિત રાજનીતિમાં ઉભરેલું દમદાર નામ કાંશીરામનું છે. બામસેફ(૧૯૭૮) અને ડીએસ ૪(૧૯૮૧) પછી તેમણે ૧૯૮૪માં બહુજન સમાજ પાર્ટી (બીએસપી) ની સ્થાપના કરી હતી. કાંશીરામે પક્ષના નામમાં બહુજન શબ્દ પ્રયોજી તેને દેશની બહુમતી વસ્તીની રાજકીય આકાંક્ષાનું પ્રતિબિંબ પાડતી પાર્ટી બનાવવાનું સ્વપ્ન જોયું હતુ. સમાજવાદી નેતા ડો. રામ મનોહર લોહિયાનો નારો પિછડા માંગે સો મેં સાઠનો હતો. કાંશીરામનો નારો જિસ કી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી નો હતો. દેશની વસ્તીમાં દલિતો, આદિવાસીઓ, પછાતવર્ગો અને લઘુમતીઓને તેમના વસ્તીના પ્રમાણમાં રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેમ તેઓ માનતા હતા. તેમણે રાજનીતિને દલિતજનથી બહુજનમાં પરિવર્તિત કરી હતી.

    દેશમાં દલિતોની સૌથી વધુ વસ્તી (૩૯.૯૪ ટકા) તો પંજાબમાં છે. કાંશીરામ પણ પંજાબના હતા પરંતુ તેમને રાજકીય સફળતા ઉત્તરપ્રદેશમાં મળી ! બસપા નેત્રી માયાવતીને તેઓ ચાર વાર દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનાવી શક્યા.ડો.આંબેડકર પુસ્તકો ભેગા કરે છે અને હું લોકોને. એમ કહેનારા કાંશીરામ આંબેડકરની સિધ્ધાંતો આધારિત રાજનીતિને બદલે નિતાંત સત્તાની રાજનીતિમાં માનતા હતા. કાંશીરામ-માયાવતી દલિતોને હુકમરાન સમાજ બનાવવા માંગતા હતા. તે માટેની તેમની સફર દલિતજન કે બહુજન સુધી સીમિત ના રહેતાં સર્વજન સુધી વિસ્તરી હતી. વિશુધ્ધ સત્તાની આ રાજનીતિ ગઠબંધનની રાજનીતિ હતી અને તેમાં કથિત દલિતવિરોધી પક્ષનું સમર્થન મેળવવાનો પણ કોઈ બાધ નહોતો.

    બાબાસહેબના સમતા સૈનિક દળની તુલના જ્યારે રામવિલાસ પાસવાનની દલિત સેના કે ચંદ્રશેખર આઝાદની ભીમ આર્મી સાથે કરીએ ત્યારે લાગે છે કે આ ત્રણેય નામમાં જ કેટલો ભેદ છે. આંબેડકરે લોકતંત્રનો આધારભૂત બંધારણીય ઢાંચો મજબૂત કર્યો હતો. પણ તે પછીના અને આજના દલિત નેતાઓએ વિચારધારાના કશા છોછ વિના રાજકીય દાવપેચ ખેલીને સત્તા કે પ્રધાનપદાં મેળવ્યાં છે. અને પાછા તેઓ દલિતોને હુકમરાન સમાજ બનાવ્યાનું કે સત્તાની ગુરુકિલ્લી તો તેમની પાસે જ હોવાનું ગૌરવ લે છે.

    છેક ૧૯૬૦માં દામોદરમ સંજીવૈયા આંધ્રના મુખ્યમંત્રી બન્યા હતા. તે દેશના પહેલા દલિત મુખ્યમંત્રી હતા. હજુ ગયા વરસે જ સામી ચૂંટણીએ પંજાબમાં કોંગ્રેસે દલિત નેતા ચરણજીત સિંઘ ચેનીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.વર્તમાનમાં ભારતના એક પણ રાજ્યમાં દલિત મુખ્યમંત્રી નથી. અનામત બેઠકો પર દલિતો સાંસદો અને ધારાસભ્યો બન્યા છે.કેન્દ્ર અને રાજ્યોમાં મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ પણ બન્યા છે.પરંતુ આંબેડકરના સપનાના વર્ગવિહીન-જ્ઞાતિવિહીન સમાજની રચનાની દલિત રાજનીતિથી તે જોજનો દૂર છે.

    દેશની વસ્તીમાં દલિતોનું  જે પ્રમાણ છે તે મુજબ તે એકલા હાથે સત્તા મેળવી શકે તેમ નથી. તેને બહુજન કે સર્વજન સુધી વિસ્તારીને સત્તા હાંસલ કરતાં દલિત સમસ્યાના નિરાકરણનો અવકાશ રહેતો નથી.મુખ્ય ધારાના રાજકીય પક્ષનું પ્રમુખ પદ( કોંગ્રેસમાં ખડગે કે ભાજપમાં બાંગારુ)  કે રાજ્યનું મુખ્યમંત્રી પદ મળે તેથી સ્વાયત્ત અને સ્વતંત્ર દલિત રાજનીતિ શક્ય બની નથી. ડો.આંબેડકરે વિસર્જિત કરેલા ઓલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનના બ્યાંસીમા સ્થાપના દિવસે પણ આ એક વણઉકેલ્યો કોયડો છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • પહેલો સગો પાડોશી

    વાર્તામેળો – ૫

    ક્રિષ્ણા ડોડિયા

    પ્રાથમિક શાળા, ખસતા

     

    Varat Melo 5-7 – Pahelo Sago Padoshi – Krishna Dodiya

     


    સંપર્ક :  દર્શા કિકાણી –  darsha.rajesh@gmail.com

  • આર્મી મ્યુઝિયમ, રાનીખેત

    નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ

    આશા વીરેન્દ્ર

    હવે પછીનો દિવસ આ બાર દિવસ જૂની મુસાફરીની પૂર્ણાહુતિનો દિવસ હતો.  જ્યાં પણ જવું હોય, જે પણ  જોવું હોય તે માટે અમારા હાથમં માત્ર બાર કલાક હતા.

    રાનીખેતમાં આવેલું આર્મી મ્યુઝિયમ ખાસ જોવા જેવું છે એમ અમને કહેવામાં આવેલું. હોટલના મૅનેજરે જાણકારી આપી કે મ્યુઝિયમ સવારે ૮ થી ૧૨ અને  ત્યારબાદ ચાર વાગ્તા પછી જોવા મળે. ચાર વાગ્યાનો સમય તો અમને ફાવે તેમ હતું જ નહીં કેમકે રાત્રે સાડા આઠ વાગે તો કાઠગોદામથી રાનીખેત એક્સપ્રેસ પકડવાની હતી. કૌસાનીથી વહેલાં નીકળીએ તો જ રાનીખેત સમયસર પહોંચાય.

    રાનીખેતનું આર્મી મ્યુઝિયમ ખુબ વ્યવસ્થિત અને સુંદર રીતે સજાવેલું છે, કુમાઉ અને નાગા રેજિમેંટના થનગનતા વછેરા જેવા નવયુવાનોની શૌર્યગાથાઓ વર્ણવતું આ મ્યુઝિયમ જોતાં આ શૂરવીરો, તેમનાં માતા-પિતા અને સ્વજનોએ દેશ માટે આપેલાં બલિદાનો બદલ મન આભારની લાગણી અનુભવે છે.

    કાઠગોદામ પહોંચતાં  પહેલાં ‘ભીમતાલ’નું મોટું સ્વચ્છ તળાવ જોયું.


    ક્રમશ: 


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.