ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

આ કડીમાં એક બિનહિન્દુસ્તાની વાદ્ય રબાબ અને તેના હિન્દી ફિલ્મી ગીતોમાં પ્રયોગ વિશે જાણીએ. આ વાદ્ય મૂળ અફઘાનીસ્તાનનું હોવાનું માનવામાં આવે છે. કાળક્રમે તે અરબસ્તાન અને બલુચિસ્તાનના રસ્તે કાશ્મીરમાં દાખલ થયું અને ધીમેધીમે ભારતના અન્ય વિસ્તારોમાં ફેલાતું ગયું. સાવ શરૂઆતના સમયથી હિન્દી ફિલ્મી ગીતોમાં રબાબ સંભળાતું આવ્યું છે.

આ વાદ્ય ઉપર જોઈ શકાય છે તેવું, તુંબડા સાથે જોડાયેલી ટૂંકી ગ્રીવાનું બનેલું હોય છે. મૂળ અફઘાની વાદ્યના ઢાંચામાં તુંબડા અને ગ્રીવા સાથે ત્રણ મુખ્ય તાર અને તેર ઉપતાર જોડવામાં આવે છે. કાળક્રમે તેમાં નાનામોટા ફેરફારો થતા આવ્યા છે અને હવે રબાબમાં ચાર મુખ્ય તાર અને પંદર ઉપતાર જોવા મળે છે. તારને ઝંકૃત કરી અવાજ ઉત્પન્ન કરવા માટે પહેલાંના સમયમાં ગજનો ઉપયોગ કરવામાં આવતો. હવેના સમયના મોટા ભાગના વાદકો નખલીના પ્રહાર વડે તેમ કરે છે.

રબાબનો અવાજ ભારે મર્દાના હોય છે. એવું માની શકાય કે કદાચ આ કારણસર તેને હિન્દુસ્તાની વાદ્યોની મુખ્ય ધારામાં સ્થાન નથી મળ્યું. ખેર, ફિલ્મી વાદ્યવૃંદોમાં તેનો સમયસમયે ઉપયોગ થતો જ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોટે ભાગે અફઘાની, અરબી, કે કાશ્મીરી પશ્ચાદભૂ ધરાવતાં પાત્રો ગાતાં હોય તેવાં ગીતોમાં જ રબાબનો પ્રયોગ થતો રહ્યો છે. હવે એક ક્લિપ પ્રસ્તુત છે, જેમાં રબાબની વાદનપધ્ધતિ અને તેના અવાજ વિશે ખ્યાલ આવશે.

 

 

આ વાદ્ય, તેની વાદનપદ્ધતિ અને તેમાંથી નીકળતા સૂરના પરિચય પછી હવે માણીએ કેટલાંક રબાબપ્રધાન ગીતો.

૧૯૬૧માં પરદા ઉપર આવેલી ફિલ્મ ‘કાબુલીવાલા’માં મુખ્ય પાત્ર અફઘાની પઠાણનું હતું. તે ફિલ્મનાં બે ગીતો – એ મેરે પ્યારે વતન અને ઓ સબા કહેના મેરે દિલદાર કો સાંભળીએ, જેમાં રબાબ મુખ્ય વાદ્ય છે. સંગીત સલિલ ચૌધરીએ આપ્યું હતું.

 

 

ફિલ્મ ‘રુસ્તમ સોહરાબ’ (૧૯૬૩)નું સજ્જાદ હુસૈનના સંગીતે મઢેલું એક રબાબપ્રધાન ગીત, યેહ કૈસી અજાબ દાસ્તાં હો ગયી હૈ પ્રસ્તુત છે.

 

ફિલ્મ ‘હમસાયા’ (૧૯૬૮)નાં ઓ.પી.નૈયરનાં સ્વરબદ્ધ કરેલાં ગીતો ખુબ લોકપ્રિય થયાં હતાં. તે પૈકીના ગીત આજા મેરે પ્યાર કે સહારે અભી અભીમાં રબાબના સ્વર સ્પષ્ટપણે પારખી શકાય છે.

 

૧૯૭૩માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘જંજીર’ની સફળતામાં તેનાં કલ્યાણજી-આણંદજીના સ્વરબદ્ધ કરેલાં ગીતોનો મહત્વનો ફાળો હતો. તેમાં મુંબઈમાં રહેતા એક પઠાણ કિરદાર ઉપર ફિલ્માવાયેલું ગીત યારી હૈ ઈમાન મેરા યાર મેરી જીંદગી સાંભળીએ. અદાકાર રબાબ વગાડતા વગાડતા ગાતા જોઈ શકાય છે.

ફિલ્મ ‘ધર્માત્મા’ (૧૯૭૫)ની વાર્તાના પ્રવાહમાં એક તબક્કે નાયક અફઘાનીસ્તાન ખાતે વસવાટ કરવા લાગે છે. આથી ફિલ્મનાં ગીતોમાં તે પૃષ્ઠભૂમીને અનુરૂપ રબાબનો પ્રયોગ થયો હતો. તે પૈકીનાં બે ગીતો – મેરી ગલીયોં સે લોગોં કી યારી બન ગયી અને તેરે ચહેરે મેં વોહ જાદૂ હૈ સાંભળીએ.

તે જ વર્ષે પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘શોલે’નું સંગીત રાહુલદેવ બર્મને તૈયાર કર્યું હતું. તેમાંનું એક ગીત મહેબૂબા મહેબૂબા એક નૃત્યગીત છે. લાક્ષણિક અરબી ગાયનશૈલીની તરજમાં ખુદ રાહુલદેવે જ ગાયું છે. વાદ્યવૃંદમાં રબાબ પ્રધાન વાદ્ય તરીકે ઉપસી આવે છે. પરદા ઉપર અદાકાર ગાવાની સાથે રબાબ વગાડતો નજરે પડતો રહે છે.

https://www.youtube.com/watch?v=AgkfoRWOnoc

૧૯૮૦ની ફિલ્મ ‘કુરબાની’માં કલ્યાણજી-આણંદજીનું સંગીત હતું. તેનાં બધાં જ ગીતો લોકપ્રિયતાને વર્યાં હતાં. પ્રસ્તુત ગીત હમ તુમ્હેં ચાહતે હૈ ઐસેના વાદ્યવૃંદમાં રબાબનો અસરકારક ઉપયોગ થયો છે.

૧૯૮૦ના વર્ષમાં જ રજૂ થયેલી ફિલ્મ ‘અબ્દુલ્લા’ના ગીત અય ખૂદા હર ફૈસલા તેરા ખરા અર્થમાં એક રબાબપ્રધાન ગીત છે. ફિલ્મ માટે સંગીત રાહુલદેવ બર્મને તૈયાર કર્યું હતું.

 

ફિલ્મ ‘ગુલામી’ (૧૯૮૫)નું એક ગીત તેના મુખડાના ફારસી ભાષામાં લખાયેલા વિશિષ્ટ બોલ માટે અને સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલની યાદગાર ધૂન માટે જાણીતું છે. એ શબ્દો છે, જેહાલ એ મિસ્કીં મકુન બરંજીશ. ગાયકીની સાથે રબાબના સ્વર સતત કાને પડતા રહે છે. પરદા ઉપર કલાકારના હાથમાં જે વાદ્ય છે તે અલબત્ત, રબાબ ન હોતાં મેન્ડોલીન છે!

આ કડીનું સમાપન ફિલ્મ ‘માચીસ’ (૧૯૯૬)ના એક ગીત ચપ્પા ચપ્પા ચરખા ચલેથી કરીએ. ગીતને વિશાલ ભારદ્વાજે સ્વરબદ્ધ કર્યું છે. પરદા પરના એક કલાકારના હાથમાં રબાબ જોઈ શકાય છે.

આટલાં ગીતોના વાદ્યવૃંદમાં રબાબના સ્વર માણ્યા પછી એમ કહી શકાય કે ભલે મર્યાદિત પ્રમાણમાં, પણ જે જે ગીતોમાં રબાબનો ઉપયોગ થયો છે તેમાં તેનું નોંધપાત્ર અને યાદગાર પ્રદાન રહ્યું છે. આવતી કડીમાં નવા વાદ્ય વિશે વાત કરીશું.

નોંધ :

૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com