-
હિંદ સ્વરાજ : ૧૧૪ વર્ષ પહેલાં સ્ટીમર પર સર્જાયેલો ગાંધી સંવાદ
તવારીખની તેજછાયા

‘હિંદ સ્વરાજ’ વાંચ્યા પછી તોલ્સતોયે ગાંધીને લખ્યું કે આમ તો તમે આફ્રિકાના અંધારખૂણે પડ્યા છો, પણ ત્યાંની તમારી પ્રવૃત્તિ એ પંથકને કેમ જાણે નવી દુનિયાના કેન્દ્રમાં મૂકી આપે છે.
પ્રકાશ ન. શાહ
આજથી બરાબર ૧૧૪ વરસ પાછળ જાઉં છું તો જહાજ ‘કિલ્ડોનન કેસલ’માં ચાળીસ વરસના બેરિસ્ટર મોહનદાસ ગાંધીને ‘હિંદ સ્વરાજ’ની ગુજરાતી હસ્તપ્રતનું છેલ્લું પાનું લખી સહેજસાજ શ્વાસ લેતાં જોઉં છું. ઈંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા પરત થઈ રહ્યા છે અને સ્ટીમરમાં ૧૩મી નવેમ્બરથી (કેમ કે રહી શકાયું નથી) લખવાનું શરૂ કર્યું છે. જમણો હાથ થાક્યો તો ડાબો ખપમાં લીધો છે, પણ લખતાં અટકી શક્યા નથી. ૨૨મી નવેમ્બરે એમનું હાથલખાણ પૂરું થયું.

દક્ષિણ આફ્રિકામાં ઉપાડેલી લડતના અનુભવો અને બ્રિટિશ રાજથી માંડી નાનાવિધ વિશ્વપ્રવાહો સાથેનો મુકાબલો, એ બધું મળીને વાચક અને અધિપતિ (તંત્રી) વચ્ચે સંવાદ રૂપે આ કિતાબ વણથંભી ઊતરી આવી છે. કોની સાથે હશે આ સંવાદ? વાત તો વાચક અને તંત્રી વચ્ચેની છે. તો, આ વાચક કોણ છે વારુ? ૧૯૦૯માં દક્ષિણ આફ્રિકાના પ્રશ્નોની રજૂઆત વાસ્તે ખાસા મહિના લંડનમાં સળંગ રોકાવાનું થયું છે. તે દરમ્યાન, ઘણાં લોકો સાથે ઘણો વખત ચર્ચાના પ્રસંગો આવ્યા છે. એક પા બંધારણીય ઉકેલની કોશિશ જારી છે તો બીજી પા ૧૯૦૬થી સત્યાગ્રહનો અભિનવ અભિગમ ચિત્તને લાંઘી જઈ ચિત્રમાં આવી ચૂક્યો છે. પણ જુલાઈમાં ગાંધી લંડન પહોંચ્યા ત્યારે માહોલ ઉશ્કેરાટનો છે, કેમ કે મદનલાલ ઢીંગરાએ સાવરકરની પ્રેરણાથી કર્ઝન વાયલીની હત્યા કરી છે.

૧૯૦૫માં ઈન્ડિયા હાઉસ અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી જ્યારે પણ લંડન જવાનું થયું, ત્યાં કાર્યરત શ્યામજી કૃષ્ણ વર્માથી સાવરકર આદિ સાથે ગાંધીને કંઈક ને કંઈક પ્રસંગ જરૂર પડ્યો હશે. ૧૯૦૯ના નવેમ્બરમાં એ દક્ષિણ આફ્રિકા પરત થઈ રહ્યા હતા તે પૂર્વે ૨૪મી ઓક્ટોબરે સાવરકર અને સાથીઓએ યોજેલ વિજયાદશમી ઉત્સવની ગાંધી અધ્યક્ષતા પણ કરી ચૂક્યા છે. બે જુદા અભિગમો સામસામે ચિત્રમાં ઊપસી રહ્યા છે. એક હિંસાનો, બીજો અહિંસાનો. અને આ ચર્ચા કંઈ લંડનના ઈન્ડિયા હાઉસ પૂરતી સીમિત તો નહોતી.
અમેરિકા બેઠા ક્રાંતિકારી તારકનાથ દાસે પોતાના પત્ર ‘ફ્રી હિંદુસ્તાન’ માટે રૂસના તોલ્સ્તોય સાથે પત્રવહેવાર કર્યો છે. જોકે, તોલ્સ્તોયે એમનો આપેલો ઉત્તર કે પ્રતિકારનો પંથ પ્રેમનો જ હોઈ તારકનાથ દાસ અને સાથીઓને સ્વાભાવિક જ ગમ્યો નથી. આ પત્ર ફરતો ફરતો ગાંધીના હાથમાં, સંભવત: પ્રાણજીવનદાસ મહેતા મારફતે આવ્યો છે. એમને એ ગમ્યો છે. પોતે ૧૮૯૩-૯૪માં તોલ્સ્તોયનું ‘ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ વિધિન યૂ’ વાંચી પ્રેમધર્મને (સત્યાગ્રહી પ્રતિકારને) વરતા થયા છે અને ૧૯૦૬નું વરસ એમાં સીમાવર્ષ છે. (ગાંધીજીએ આત્મકથામાં તોલ્સતોયના શીર્ષકને ઠેઠ ગુજરાતીમાં આબાદ ઉતાર્યું છે કે ‘વૈકુંઠ તારા હૃદયમાં છે.’ આ તળ ગુજરાતી મથાળાએ દાયકાઓ સુધી એવું ગોથું ખવડાવ્યું છે કે આપણે માનતા રહ્યા કે ગુજરાતીમાં સુલભ છે. વસ્તુત: એ હજુ હમણેનાં વરસોમાં જ ચિત્તરંજન વોરાના અવિશ્રાન્ત ઉદ્યમ પછી નવજીવન થકી ગુજરાતવગું થયું છે.)
તોલ્સતોયનો પેલો પત્ર, ‘અ લેટર ટૂ અ હિંદુ’ ગુજરાતીમાં ઉતારવા સારુ ગાંધીએ રજા માંગી તે તોલ્સતોયે આપી છે. આગળ ચાલતાં ‘હિંદ સ્વરાજ’ વાંચવાનું બન્યું ને તોલ્સતોયે એ મતલબનું લખ્યું કે આમ તો તમે (ગાંધી) આફ્રિકાના અંધારખંડમાં ખૂણે પડ્યા છો પણ તમારી પ્રવૃત્તિએ કરીને તે ઈલાકો કેમ જાણે નવી દુનિયાના કેન્દ્રમાં મૂકાઈ ગયો છે.
‘ઈન્ડિયા હાઉસ’ના મિત્રો સાથે ચર્ચા ચોક્કસ જ થઈ છે. પણ વાચક તે સાવરકર અને અધિપતિ તે ગાંધી, એ ઉત્તર ઉતાવળો લેખાશે. આપણી કને ગાંધીની ખુદની સાહેદી છે કે મિત્ર પ્રાણજીવનદાસ મહેતા સાથે રાતભર થયેલી લાંબી ચર્ચા આ પુસ્તક માટેનો પ્રધાન ધક્કો છે. આજે ગૂજરાત વિદ્યાપીઠમાં છાત્રાલયના નામ સાથે કે કદાચ આશ્રમ પરિસરના લાલ બંગલા સાથે સંકળાઈને એમનું નામ યાદ રહી ગયું તો ભલે; પણ ગાંધીજીવનમાં એમનું સ્થાન સવિશેષ છે તે તો મેહરોત્રાએ લખેલી એમની જીવનીથી સમજાય છે.
પોતે જેને ઈંગ્લેન્ડના પ્રથમ દિવસે બ્રિટિશ એટિકેટના પહેલા પાઠ ભણાવ્યા હતા એ મોહનદાસ ઉત્તરોત્તર કેવા વિકસતા ગયા અને એમની નિત્ય વિકસનશીલતાથી પોતે કેવા પ્રભાવિત થતા ગયા એનું શરદ ઋતુના નિરભ્ર આકાશ જેવું સરસ બયાન પ્રાણજીવનદાસે એક તટસ્થ આકલન રૂપે આપેલું છે. ૧૯૧૧-૧૨માં હજુ ગાંધીની વતનવાપસીયે થઈ નથી એટલા વહેલાં આ આકલન, એક પત્રમાં- અને તે પણ ગોપાલકૃષ્ણ ગોખલે, રિપિટ, ગોખલે પરના પત્રમાં! એમણે ગોખલેને લખ્યું છે કે આ તો ‘મહાત્મા’ છે અને એકાદ સૈકા પર થયા હોત તો હિંદની આજની તાસીર કંઈક જુદી જ હોત.
ગાંધીજીને પહેલાં મહાત્મા કોણે કહ્યા તે ગુજરાતમાં એક રસિક ખોજમુદ્દો છે. (જોકે ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં ગાંધીજીએ ભરીબંદૂક કહ્યું છે કે ‘મહાત્મા’નાં દુ:ખો તો મારા જેવો ‘મહાત્મા’ જ જાણે.) ગોંડલના રાજવૈદ્ય, ભુવનેશ્વરી પીઠ ખ્યાત ચરણતીર્થ મહારાજે એમના સ્વાગતમાં એક સંસ્કૃત શ્લોકમાં પહેલ પ્રથમ એ પ્રયોગ કર્યાનો દાવો છે. બીજા પણ હશે. પણ આ પ્રયોગ વિશ્વખ્યાત બની એનો સિક્કો પડી ગયો તે તો રવીન્દ્રનાથના ‘મહાત્મા’ એ પ્રગટ સંબોધનથી. આ મહાત્મા પુરાણ અલબત્ત પ્રાણજીવનદાસની સમજ સબબ.
‘હિંદ સ્વરાજ’ વિશે લખવા સારુ કંઈ નહીં તો પણ સુવાંગ એક કોલમ જોઈએ જ જોઈએ. સાતસો શબ્દની તંગ દોર પરની નટચાલમાં આ તબક્કે ઉતાવળે પણ કહેવાનું એટલું જ કે તે વખતની યુરોપીય પરંપરાની હિંદુસ્તાની નકલ જેવી જે સાવરકર સ્કૂલનો ઈન્ડિયા હાઉસમાં કંઈક વક્કર હશે એને બદલે વિશ્વમાનવતાને અવિરોધી ધોરણે વૈકલ્પિક યુરોપીય પરંપરાને આત્મસાત્ કરતી ભારત છેડેથી ‘હિંદ સ્વરાજ’ રૂપે નવયુગી કંઈક બની આવ્યું હતું. લામા રિમ્પોંછે (તિબેટની સ્વતંત્ર સરકારના પૂર્વ પ્રધાનમંત્રી) આ ગાંધીગીતાને તથાગતના ત્રિપિટક પછીની સર્વાધિક મોટી વિશ્વઘટના લેખે વર્ણવે છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૨ – ૧૧ – ૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
સ્ટીવન સ્પીલબર્ગના “લિંકન”
નરેશ પ્ર. માંકડ
સીનેમાગૃહનો પડદો જીવંત અને પ્રકાશિત થતાં જ તમે જુઓ છો અંધકાર. ગોરંભાયેલા આકાશ નીચે આર્કાન્સાસના પાણી અને કીચડથી ભરેલાં મેદાન પર, મરી ગયેલા ઘોડા અને બળદો સાથે જોડેલ, કીચડમાં ખૂંચી ગયેલ ગાડીઓ અને તોપો અને ખૂનખાર લડાઈ. અમેરિકન હબસીઓનું લશ્કર અને દક્ષિણનાં ગોરા રાજ્યોના સંઘ (Confederate)ના સૈનિકો એકબીજાને ગોઠણસમાણા પાણીમાં હાથોહાથ, બેયોનેટ, રાયફલ, ચાકુ,અને મુઠ્ઠીઓ વડે મારી રહ્યા છે; દુશ્મન જીવતો ન જવો જોઈએ એવી તીવ્ર સભાનતાને કારણે તેઓ કોઈને કેદ પકડવા માગતા જ નથી. એવામાં બે હબસી સૈનિકોનું ધ્યાન એક તરફ ઉભેલ વ્યક્તિ તરફ જતાં જ તેઓને ખ્યાલ આવી જાય છે કે એ દેશના પ્રમુખ અબ્રાહમ લિંકન છે. કંઇક અચરજ અને કંઇક સન્માનની મિશ્ર લાગણીથી તેઓ લિંકનની સાથે વાત કરવા લાગે છે. લિંકન અને એ સૈનિકોની તદ્દન સ્વાભાવિક અને સરળ વાત અને લિંકનની રમૂજ એકદમ સાહજિકતાથી ચાલે છે. દેશની સહુથી શક્તિશાળી વ્યક્તિ આટલી હળવાશથી વાત કરે છે એ બાબત કાળા સૈનિકોને ખુલીને બોલવા પ્રેરે છે. બંનેમાંનો એક વધુ બોલકો સૈનિક પ્રમુખના વાળ પર ટિપ્પણી કરી નાખે છે: એક ગોરા માણસના આવા ઊભા, વાંકડિયા વાળ ! લિંકન સહજ રીતે વાતચીતની હળવાશથી કહે છે, ખરી વાત. મારા વાળથી કંટાળીને છેલ્લા એક વાળંદે આત્મહત્યા કરી નાખી. ..એના પહેલાનાએ પણ કરી હતી. એ વિલમાં મારા માટે એક કાતર છોડતો ગયો!
૨૦૧૨માં રજૂ થયેલી ફિલ્મ “લિંકન”[1]ના આવા અનેક જીવંત અને રમૂજી સંવાદો એ ટોની કુશનર ની સ્ક્રિપ્ટની કમાલ છે, અહીં એ લિંકનના વ્યક્તિત્વના પ્રારંભિક પરિચયનું કાર્ય બજાવે છે. અમેરિકન ઇતિહાસના અતિ સંઘર્ષમય કાળખંડને આ ફિલ્મમાં બહુ કુશળતા સાથે રજૂ કરવામાં આવ્યો છે અને એ સમયના પ્રતીક જેવા ઘેરા અંધકારમય આ ઉદઘાટક દૃશ્ય સાથે આપણને ફિલ્મના પ્રવેશદ્વારમાંથી દોરી જાય છે.

Original Cinema Quad Poster – Movie Film Posters દિગ્દર્શક ના નામ પરથી લોકોને ફિલ્મ જોવાનું આકર્ષણ થાય એવું એક નામ છે સ્ટીવન સ્પીલબર્ગ. એમની યશસ્વી કારકિર્દીમાં વધુ એક છોગું ઉમેરાયું ફિલ્મ લિંકનથી. ચિત્રીકરણ, પટકથા, સંવાદ, નિર્દેશન અને અભિનય, આ બધાં જ પાસાં સબળ છે એ ફિલ્મ જોવાનું ખાસ આકર્ષણ છે.
આશરે પોણી સદી પૂર્વે આવી ગયેલી ક્લાસિક ફિલ્મ ‘ગોન વિથ ધ વિન્ડ ‘ની જેમ આ ફિલ્મની પાર્શ્વભૂમિ પણ અમેરિકાના ગૃહ યુદ્ધની જ છે, પરંતુ આ નવી ફિલ્મ મુખ્યત્વે લિંકનની જીવનકથાના એક સમયગાળાને આલેખે છે.
ઈસુ ખ્રિસ્ત ને બાદ કરતા આ પૃથ્વી પર અવતરેલી અન્ય કોઈ પણ વ્યક્તિ કરતાં વધુ લિંકન વિશે લખાયું છે. એવું એક જીવનચરિત્ર ડોરિસ કર્ન્સ ગુડવિને લખ્યું છે: Team of Rivals: The Political Genius of Abraham Lincoln. આ પુસ્તકના એક સમયગાળાને ફિલ્મ “લિંકન” આવરી લે છે જેમાં લિંકનના જીવનના અંતિમ ત્રણ – ચાર માસની – ખાસ કરીને ગુલામી નાબૂદી સંબંધિત – નાટકીય ઘટનાઓનો સમાવેશ થયો છે.
નવેમ્બર ૧૮૬૦માં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર અબ્રાહમ લિંકન પ્રમુખપદની ચૂંટણી જીત્યા એ કારણે ગોરા લોકોની સર્વોચ્ચતા અને કાળાઓની ગુલામીની પ્રથા જોખમમાં છે એવી ભયની લાગણીથી અમેરિકન સમવાયતંત્રથી અલગ પડેલાં અગિયાર દક્ષિણનાં રાજ્યો Confederate રાજ્યો કહેવાયાં અને તેઓ સંઘ સરકાર સામે યુદ્ધે ચડ્યાં. દરમ્યાનમાં, એપ્રિલ ૧૮૬૧થી ચાર વર્ષ ચાલેલાં ગૃહયુદ્ધનો ક્રમશઃ અંત ૧૮૬૫માં આવ્યો. એ પહેલાં નવેમ્બર ૧૮૬૪માં યોજાયેલી ચુંટણીમાં લિંકન બીજી મુદ્દત માટે ચુંટાયા.
જાન્યુઆરી ૧૮૬૫ થી લિંકનના જીવનના આખરી ચાર માસના ગાળાની આ ફિલ્મને ઐતિહાસિક કે જીવનકથાત્મક કહી શકાય પણ એ શબ્દોના સંપૂર્ણ અર્થમાં નહીં. ઉદાહરણ તરીકે, આરંભમાં ફિલ્મની રસપ્રદ, કલ્પનાશીલ, જીવંત અને અસરકારક પટકથા ટોની કુશનરની કુશળતાનો સચોટ પુરાવો પૂરો પાડે છે. વર્ષો સુધી લિંકનની પટકથા પાછળ એમણે ભારે પરિશ્રમ કર્યો.
ફિલ્મમાં ૧૯મી સદીની ભાષા યોજવા બાબતની ફિકર પણ ટોની કુશનરને હતી તેથી શબ્દકોશમાં પોતે લખેલા લાખો પાનાંમાં આવતા એક એક શબ્દનો ઇતિહાસ પણ જોયો. સદભાગ્યે એમને જણાયું કે એ સમયના અમેરિકન લેખકોની ભાષા વધારે આલંકારિક હતી તો પણ વાક્યરચના (syntax) ની દૃષ્ટિએ વાક્યોની બાંધણી આપણા જેવી જ હતી.
લિંકનનાં બહુવિધ પાસાંઓ અને લાક્ષણિકતાઓથી સંકુલ જણાતાં, કેટલાક અંશે વિરોધાભાસી અને કેટલીક ખાસિયતોને કારણે એકદમ સરળ લાગતાં વ્યક્તિત્વને પટકથામાં ઉપસાવવું એ મોટા પડકારરૂપ હતું. કુશનરે કુશળતાપૂર્વક એ કાર્ય કરી બતાવ્યું છે.
લિંકન એકલવાયા અને વિચિત્ર હતા એવી કેટલાક લોકો વાત કરે છે એ વિશે કુશનર કહે છે, “…અને હું કલ્પના કરું છું કે શેક્સપિયર અને મોઝાર્ટ અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ બહુ વિચિત્ર હતા. બીજા લોકો જોઈ ન શકતા હોય એવી વસ્તુઓ જોઈ શકવાની ક્ષમતા એક રીતે આશીર્વાદરૂપ છે પણ એ એક પ્રકારનો શાપ પણ હશે કારણ કે એ તમને એવી દુનિયામાં બંધ કરી દે છે જેને કેવળ તમે જ જોઈ શકો છો.” શ્રેષ્ઠ ફિલ્મ વિવેચક તરીકે પંકાયેલા શિકાગો સન – ટાઈમ્સના રોજર એબર્ટ લિંકનને “saintly wheeler-dealer” કહે છે. ઉચ્ચ આદર્શો માટે કોઈ પણ હદે બલિદાન આપવાની તૈયારી ધરાવતા લિંકન ઊંચાં ધ્યેય સિદ્ધ કરવા માટે કાવાદાવા કરતાં અચકાય નહીં અને અંતિમ ઉદ્દાત્ત લક્ષ્ય સિદ્ધ કરવા માટે સોદાબાજી પણ કરી શકે એવા વાસ્તવલક્ષી રાજકારણના અઠંગ ખેલાડી પણ હતા. લિંકન ગુલામીને અનૈતિક માનતા હતા, પણ મહત્વની વાત એ પણ છે કે એમની દૃષ્ટિએ બંધારણનો ૧૩મો સુધારો દક્ષિણના અલગ પડેલા રાજ્યોના સંઘના નાણાકીય પાયાનો વિચ્છેદ કરવાનો માસ્ટર સ્ટ્રોક હતો. ગુલામીનાબૂદીથી એ રાજ્યોનો સસ્તી શ્રમશકિતનો આધાર ધ્વસ્ત થઈ જશે એવી એમની કુશાગ્ર બુદ્ધિની ગણતરી હતી.
ગુલામી નાબૂદીનું કારણ જ યુદ્ધ માટે જવાબદાર હતું એમ ઇતિહાસકારો ભારપૂર્વક કહે છે પણ એક સબળ મત એવો છે કે લિંકને યુદ્ધનો પ્રારંભ મૂળ તો સમસ્ત અમેરિકન સંવાયતંત્રને બચાવવા માટે કર્યો હતો પણ એમને સમજાયું કે સ્વતંત્રતા અને યુનિયન ની સાચી સમજણ વગર આગળ વધી નહીં શકાય. એટલે જ એમની વર્ષ ૧૮૬૪ની પુનઃ ચુંટણીનું સૂત્ર હતું, “Liberty and Union”. રોજર એબર્ટનું નિરીક્ષણ યોગ્ય છે કે ભાગ્યે જ કોઈ ફિલ્મે આનાથી વધારે કાળજીપૂર્વક રાજકારણની વિગતો પર ધ્યાન આપ્યું હશે.
યાદગાર પ્રવચનો આપનાર લિંકનની પ્રતિમા એક સમર્થ વક્તા તરીકેની છે અને સ્વાભાવિક રીતે જ એમનો અવાજ ઘેઘૂર, રણકતો (બેરિટોન) હશે એવું સહુ કોઈ કલ્પી લ્યે છે, પણ એમનો અવાજ પાતળો, ઊંચા ટેનરવાળો હતો.
આવાં વ્યક્તિત્વને પરદા પર અદ્દલ સ્વરૂપમાં રજૂ કરવા માટે સ્પીલબર્ગ સમા સમર્થ દિગ્દર્શકને એક એટલો જ સબળ અભિનેતા જોઈએ. આ ફિલ્મમાં દિગ્દર્શક અને અભિનેતા એ બન્નેની કુશળતાનો સમન્વય થયો છે. મુખ્ય પાત્ર ભજવનાર અભિનેતા ડેનિયલ ડે – લ્યુવિસનો આ પાઠ સ્વીકારવા બાબતનો ખચકાટ દૂર કરવા પણ કુશનરે પ્રયાસ કર્યા, એનું કારણ, એમના શબ્દોમાં કહીએ તો, ડેનિયલ મહાન અભિનેતા છે એ હકીકત ઉપરાંત એ અબ્રાહમ લિંકન જેવો દેખાય પણ છે. એ ઘરેલુ, દેશી લિંકન અને બીજી મુદ્દત માટે યાદગાર વક્તવ્ય આપનાર લિંકન વચ્ચે સરસ રીતે સંતુલન જાળવી શકે છે. એ બોલે છે લિંકનની જેમ અને એક સમયે એક પગ નીચે મૂકતાં ચાલે છે પણ લિંકનની જેમ. ડેનિયલ ડે – લ્યુવિસે લિંકનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો એના પરિણામ રૂપે એમના અભિનયમાં લિંકનના સ્પીરીટ નું હૂબહૂ સ્વરૂપ બહાર આવે છે. આ અભિનેતાને પાત્ર સાથે અત્યંત ઉત્કટતાથી એકાકાર થઈ જવાની ખાસિયત એટલી ભારે પડતી હતી કે ત્રણ વર્ષ સુધી અભિનય છોડીને એમણે જૂતા બનાવવાનું શીખવાનું શરૂ કર્યું. ત્યાર બાદ ૨૦૦૦ ના વર્ષમાં એ પાછો ફર્યો પણ ફરી ૨૦૧૭માં નિવૃત્તિ લઈ લીધી. ડે – લ્યુવિસના એકદમ સ્વાભાવિક, હૃદયસ્પર્શી અભિનયે એમને શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર એવોર્ડ અપાવ્યો. ઓસ્કાર ત્રણ વાર જીતનારો એ પહેલો અભિનેતા હતો.સ્પીલબર્ગે પોતાની સાથે કામ કર્યું હોય એવા અભિનેતાઓમાં ડેનિયલ શ્રેષ્ઠ છે એવું કહેવાની બદલે એટલું કબૂલ કર્યું કે બે અભિનેતાઓએ પોતાને જીવન પરિવર્તન કરી નાંખે એવો અનુભવ કરાવ્યો છે. એમાંનો એક છે ડેનિયલ ડે – લ્યુવિસ અને બીજો અભિનેતા છે ટોમ હેન્કસ. એમણે સ્વીકાર્યું કે પોતાના રોલમાં ડેનિયલ એટલો સારો છે કે એના વિના મેં ફિલ્મ બનાવી ન હોત. તેના સહ – અભિનેતાઓ ટોમી લી જોન્સ, સેલી ફીલ્ડ અને જેમ્સ સ્પેડર તેની પ્રતિબદ્ધતાથી અભિભૂત થઈ ગયા. પ્રચંડ જવાબદારીઓના બોજા સાથે અનેક મોરચે મથી રહેલા લિંકનની સ્થિતિ અને એમની એકલતાને સચોટ રીતે પ્રગટ કરવાની ડેનિયલની અદભુત ક્ષમતાથી પટકથા લેખક ટોની કુશનર પણ પ્રભાવિત થઈ ગયા.
લિંકનની પત્ની મેરી ટોડ લિંકનનો રોલ પણ ધ્યાન ખેંચે તેવો છે. સેલી ફિલ્ડે એ પાઠ મેળવવા ભારે પ્રયાસ કર્યા અને એના વિશે જાણવા ઘણું સંશોધન કર્યું. મેરીને સંભવતઃ બાયપોલર ડિસઓર્ડર હતો. લિંકનને ચાર પુત્રો હતા એમાંથી એક માત્ર રોબર્ટ ૧૮ વર્ષની ઉંમર પાર કરી શક્યો. પતિનું જીવન જોખમો વચ્ચે જ વ્યતીત થયું અને આખરે નાટયગૃહમાં પતિનો હાથ પોતાના હાથમાં હતો એ સમયે એમની હત્યા થઈ. આવા અસામાન્ય સંજોગોએ મેરીને હચમચાવી દીધી હતી. તે એક સુશિક્ષિત, બુદ્ધિમાન અને વાકપટુ સ્ત્રી હતી, રાજકીય રીતે મહત્વાકાંક્ષી હતી. એ પ્રમુખને પરણવા માગતી હતી; લિંકન યુવાન વકીલ હતા ત્યારે જ મેરીએ તેને શોધી કાઢ્યા, તેમની બુદ્ધિમત્તાને પિછાણી. લિંકન કેવળ પ્રમુખ ન બની રહેતાં ઇતિહાસમાં સહુથી મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરે એ દૃષ્ટિએ મેરી માર્ગદર્શન પણ આપતી હતી. લિંકનની તે સહુથી નિકટની સાથીદાર હતી. એ બેફામ ખરીદી કરવાની શોખીન હતી. તેના ઉગ્ર સ્વભાવને કારણે પ્રમુખની અંગત સચિવે તેને હેલ કેટ નું નામ આપ્યું હતું. મેરીના એક માત્ર બચેલા પુત્રે પછીના વર્ષોમાં તેના પરાણે માનસિક હોસ્પિટલમાં દાખલ કરાવી એ વાતનું મેરીને બહુ દુઃખ રહ્યું હતું .
આવા સંકુલ વ્યક્તિત્વને ફિલ્મમાં ભજવવાનું મુશ્કેલ કાર્ય સેલી ફિલ્ડે બખૂબી પાર પાડ્યું . પાત્રના બાહ્ય દેખાવને અનુરૂપ થવા માટે પોતાનું વજન ૨૫ પાઉન્ડ વધાર્યું, અભિનયમાં પૂરી અધિકૃતતા આવે એ માટે મેરીના ઘરની મુલાકાત લીધી અને લિંકનની યાદગીરીરૂપ વસ્તુઓનો સંગ્રહ પણ નિહાળ્યો; તો પણ પ્રશ્ન એ હતો કે સેલી લિંકનનું પાત્ર ભજવતા ડેનિયલ કરતાં ૧૦ વર્ષ અને મેરીના પાત્ર કરતાં ૨૦ વર્ષ મોટી હતી. ( લિંકને લગ્ન કર્યાં ત્યારે તેમની ઉંમર ૩૩ અને મેરીની ઉંમર ૨૪ વર્ષની હતી.) પણ લિંકન અને મેરી બહુ જીર્ણ દેખાતાં હતાં એટલે સેલીને બહુ ફિકર નહોતી. ટૂંકાં બજેટમાં અને બહુ ઓછા દિવસોમાં ફિલ્મ શૂટ કરવામાં આવી, તેથી રિહર્સલનો સમય ન હતો. ડેનિયલ આયર્લેન્ડમાં રહેતો અને સેલી લોસ એન્જલસ માં. બંને ટેક્સ્ટ મેસેજથી સંપર્કમાં રહેતાં અને વિચારોની આપ – લે કરતાં.
ફિલ્મમાં લિંકન અને મેરી ઉપરાંત મહત્વના પાત્રો છે વિદેશમંત્રી (સેક્રેટરી ઓફ સ્ટેટ) વિલિયમ સ્યુઅર્ડ અને જ્વાળામુખી જેવો જલદ સાંસદ (હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ નો સભ્ય) થડ્ડીઅસ સ્ટીવન્સ.
રિપબ્લિકન પક્ષના સ્થાપકોમાનો એક, વિદેશમંત્રી વિલિયમ સ્યુઅર્ડ પ્રમુખપદના પક્ષના ઉમેદવાર તરીકે પક્ષમાં પસંદગી પામવા માટે લિંકનનો પ્રતિસ્પર્ધી હતો. લિંકને ચુંટણીમાં વિજય મેળવ્યા પછી પોતાના વહીવટીતંત્રમાં તેને સેક્રેટરી ઓફ સ્ટેટનો વજનદાર હોદ્દો આપ્યો. લિંકન તરફ સ્યુઅર્ડને થોડો અણગમો હતો પણ ગુલામીના ચુસ્ત વિરોધી હોવાને કારણે પડકારોની સામે લડતાં લડતાં બંને વચ્ચે સારી મિત્રાચારી બંધાઈ. લિંકન સાથે ખભે ખભો મેળવીને તેણે બંધારણીય સુધારાની લડાઈ અને કોનફેડેરેટ સામેની લડાઇમાં અમૂલ્ય ફાળો આપ્યો. બ્રિટન અને ફ્રાન્સ દક્ષિણના કન્ફેડરેટ રાજ્યોને માન્યતા આપવા માગતાં હતાં તે પ્રયાસ પણ સ્યુઅર્ડે અટકાવી દીધો. લિંકનની હત્યા પછી જ્હોનસનની સરકારમાં પણ એ જ હોદ્દા પર રહીને રશિયા પાસેથી અલાસ્કા ખરીદવાનું શ્રેય પણ એના હિસ્સામાં જાય છે.
સંસદની ચર્ચાનું ચિત્રણ આજના સમયમાં વધુ રસપ્રદ બની જાય છે. લોકશાહી દેશોની ધારાસભાઓની આજની સ્થિતિનું ધ્યાનથી નિરીક્ષણ કરો. સંસદીય પ્રથાની માતા સમાન બ્રિટિશ પાર્લામેન્ટ તેની ચર્ચાઓની ગુણવત્તા, વિટ અને વકતૃત્વકલાની ભૂતકાળની આગવી પરંપરાથી અલગ ફંટાઈ ગઈ છે. એ જ બાબત ભારતની સંસદને પણ લાગુ પડે છે. સંસદના ફલક પર ચમકતા તારા જેવા સમર્થ સાંસદોની વિદાય પછી સંસદ નિસ્તેજ અને નિષ્પ્રાણ બની ગઈ છે.
એક સમીક્ષકે ફિલ્મમાં જે રીતે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ્ઝમાં ઉગ્ર અને જીવંત ચર્ચા બતાવી છે એની પ્રશંસા કરતાં લખ્યું છે કે અત્યારે આ રીતે ચર્ચા થતી નથી. આજકાલ થતી ચર્ચાઓમાં તો કેબલ નેટવર્ક સી – સ્પેન પર પ્રદર્શિત કરવા પર જ ધ્યાન હોય છે.
હાઉસમાં થતી ઉગ્ર ચર્ચાઓમાં ઝમકદાર હાજરી નોંધાવતું એક ખૂબ જ નાટકીય અને રસપ્રદ પાત્ર છે થડ્ડિઅસ સ્ટીવન્સનું. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ્ઝ માં ગરજતા સિંહ જેવા, ગુલામીની નાબૂદીના ઉગ્ર લડાયક પ્રવક્તા અને આક્રમક વકતૃત્વથી છવાઈ જતા સ્ટીવન્સની દૃષ્ટિએ લિંકન વધુ પડતા ધીમા અને ઉદાર હતા. લિંકન ડેમોક્રેટિક પક્ષ અને પોતાના પક્ષના ઉગ્રમતવાદીઓ તેમ જ મવાળમતવાદીઓના ઘર્ષણ વચ્ચે બધાને સામ સામે મૂકી દેતા અને પોતાની જરૂરિયાત મુજબ જે જૂથ ઉપયોગી હોય તેનો ટેકો લેતા. પ્રમુખ સાથે થડ્ડિઅસ ભાગ્યે જ સંપર્કમાં રહેતા પરંતુ ગુલામી સામેની લડાઇમાં પૂરા જુસ્સા અને આક્રમકતા સાથે લિંકનની વ્યૂહરચનાને સફળ બનાવવામાં મહત્ત્વનું બળ બની રહ્યા. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ્ઝમાં આ ફિલ્મમાં તેઓ હીરોનો પાઠ ભજવે છે પણ નાગરિક અધિકારોની ચળવળ પહેલાંના જમાનામાં, Gone With The Wind માં ગુલામી નાબૂદીના સમર્થકો વિલન હતા.
પ્લેકાર્ડ લઈને ગાતાં ગાતાં બંધારણના સુધારાનું બિલ પાસ થવાની ઉજવણી કરતાં જઈ રહેલાં ટોળાઓની સામેથી પસાર થતો થડ્ડિયસ ઘરે પહોંચીને તેની હાઉસ કીપરને બિલ આપતાં કહે છે: “તારા માટે ભેટ. અમેરિકાના સહુથી પ્રમાણિક માણસની સહાય અને સંમતિથી રૂશ્વત વડે પાસ થયેલો ૧૯મી સદીનો સહુથી મહાન ખરડો.”
લિંકને કરેલા અથાગ પ્રયાસો સાથે અનેક રાજકીય કાવાદાવાઓ અને દાવપેચના ઉલ્લેખ સાથે એમની નિષ્ઠાને પણ આ એક વાક્યમાં અંજલિ આપી દીધી છે.
દેશના ટુકડા કરીને અમેરિકન સંઘનું વિઘટન કરી નાંખે – જેવું સોવિયેત સંઘનું થવાનું હતું – એવા અસામાન્ય, અત્યંત જોખમી સંજોગો તોળાઈ રહ્યા હતા ત્યારે કાનૂની, નૈતિક, વગેરે સિદ્ધાંતો પર વિચારવાની બદલે સંઘની સલામતી માટે જે કંઈ પગલાં જરૂરી હોય એ વિશાળ હિત માટે લિંકનની દૃષ્ટિએ વ્યાજબી જ હતાં. આવા વ્યવહારુ અભિગમના અત્યંત રસપ્રદ ઉદાહરણો ફિલ્મમાં મળી રહે છે, એ બધાની વિગતમાં તો ન જઈ શકાય પણ લિંકનની સ્વભાવગત લાક્ષણિકતા અને એમની રાજનૈતિક લાક્ષણિકતા – બંનેનું નિદર્શન ફિલ્મમાં કેબિનેટની મિટિંગમાં લિંકનના મુખે મુકાયેલા શબ્દો દ્વારા મળે છે. કેટલાક લોકોના મતે લિંકને કેટલાંક બિન – બંધારણીય પગલાં લીધાં હતાં, જેમ કે યુદ્ધની વિશેષ સત્તાઓ અને મુક્તિ ઉદ્ઘોષણા (Emancipation Proclamation). યુદ્ધ પૂરું થયા પછી અદાલત એ મુક્તિ ઘોષણાને ઉડાવી દેશે એવી એટર્ની જનરલે ટકોર કરી એના જવાબમાં લિંકનના મુખે મુકાયેલા શબ્દો ધ્યાન આપવા જેવા છે. એમણે કહ્યું કે પૂર્વ એટર્ની જનરલ મારા પ્રોકલેમેશન ની બાબતમાં બહુ ચોક્કસ ન હતા, ફક્ત એ તદ્દન ગુનાહિત પગલું નહોતું, બંને વચ્ચેનું હતું.
લિંકન પોતાના વકીલાતના અનુભવની વાત ટાંકે છે, એ રમૂજી પણ છે અને નીતિવિષયક બાબતમાં લિંકનના વલણને પણ સ્પષ્ટ કરે છે.
લિંકન પાસે એક ૭૭ વર્ષની ઉંમરની સ્ત્રીએ તેના ૮૩ વર્ષના પતિના ખૂન કર્યાનો આરોપ હતો એનો કેસ આવ્યો. પતિ તેનું ગળું દબાવતો હતો અને સ્ત્રીએ તાપણા નું લાકડું ઉઠાવીને તેની ખોપરી તોડી નાખી, અને તે મરણ પામ્યો. પોતાના વીલમાં તેણે લખ્યું હતું, ” તેણે મને મારી નાખ્યો છે એમ હું ધારું છું. જો હું એમાંથી બચી ગયો તો હું બદલો લઈશ.”.
લિંકને આગળ વાત ચલાવી: પતિ એવો હતો તેથી એ મહિલાને કસૂરવાર ઠરાવવા કોઈ ઉત્સુક નહોતું. મારા અસીલ સાથે બીજા રૂમમાં જઈને વાત કરવાની પરવાનગી માગીને હું એ સ્ત્રી સાથે એક રૂમમાં ગયો. હું બહાર એકલો જ આવ્યો. અંદર બારી ખુલ્લી હતી, મહિલા બારીમાંથી બહાર નીકળી ગઈ હશે. મને તેણે પૂછ્યું હતું કે પીવાનું સારું પાણી ક્યાં મળશે? મેં કહ્યું, ટેનેસીમાં. એ સ્ત્રી પછી મેટામોરામાં ક્યાંય જોવા ન મળી. કોઈએ એની પરવા ન કરી, ઉલટું જામીન પડનારને પણ માફ કરી દીધો. આવી બાબતમાં લિંકનનું વલણ વાસ્તવિકતા સાથે ન્યાયનું હતું.
લિંકનના શ્રોતાઓ ને સમજાયું નહીં એટલે લિંકને જે ખુલાસો કર્યો એ રસપ્રદ હતો: મેં નક્કી કર્યું કે બંધારણ મને યુદ્ધની સત્તાઓ આપે છે, પણ એ કઈ સત્તાઓ છે તે કોઈ જાણતું નથી. કેટલાક કહે છે કે આવી કોઈ સત્તા છે જ નહીં. મને ખબર નથી. મેં ઠરાવ્યું કે બંધારણનું રક્ષણ કરવાના મારા શપથને કારણે એ સત્તાઓના અસ્તિત્વની મને જરૂર છે. બળવાખોરોની મિલકત જપ્ત કરવાની મને સત્તા છે અને તેઓ ગુલામને પોતાની મિલકત માને છે, માટે એ મિલકત જપ્ત કરવાની મને સત્તા છે.
પોતાનો આગવો તર્ક આગળ ચલાવતાં લિંકન કહે છે કે મેં મુક્તિની જાહેરાત ચૂંટણી પહેલાં કરી, મને લાગ્યું કે એ મારી સત્તામાં છે પણ મને એવું પણ લાગ્યું કે કદાચ એ મારી ભૂલ હોય. હું જાણતો હતો કે લોકો જે કંઈ હશે તે કહેશે. મેં તેઓને દોઢ વર્ષ વિચારવા માટે આપ્યું અને પછી તેઓએ મને ફરી ચૂંટી કાઢ્યો! અને પહેલી ફેબ્રુઆરીના રોજ હું તેરમા સુધારા પર હસ્તાક્ષર કરવાનો છું.
આ લાંબો પ્રસંગ લિંકનના વિચાર અને વ્યુહનો ખ્યાલ આપે છે. લિંકને એ વાતની યાદ આપી કે ત્યાર પછી યોજાયેલી ચૂંટણીમાં એમને ચુંટીને લોકોએ અનુમોદન આપ્યું હતું; સમવાયતંત્રની રક્ષા કરવાની પોતાની ફરજ છે અને એ માટે જે કંઈ કરવું પડશે એ બધું જ એ કરશે જ.
લિંકન ઉત્તમ અને અસરકારક વક્તા હતા એ ફિલ્મમાં ઉપરછલ્લું બતાવ્યું છે, પરંતુ ફિલ્મમાં બતાવેલ બધાં જ વક્તવ્યો પૂરેપૂરાં અધિકૃત નથી. એમના ત્રણ ભાષણો મહત્વનાં છે: પ્રથમ, લાઇસિયમ વક્તવ્ય[2], બીજું ગૃહયુદ્ધ સમયે આપેલું ગેટીસબર્ગ વ્યાખ્યાન[3], અને ત્રીજું, બીજી મુદ્દત માટે ચુંટાયા પછીનું ઉદઘાટન પ્રવચન[4]. આ પ્રવચનોના કેટલાક ભાગો તો લોકોની સ્મૃતિમાં શિલાલેખની જેમ કોતરાયેલા છે.

લિંકને ૨૮ વર્ષની ઉંમરે આપેલાં લાઈસિયમ વ્યાખ્યાન પર વિસ્તારપૂર્વક શોધખોળ અને ચર્ચા થઈ છે. ગેટિસબર્ગ વકતૃત્વનું પ્રથમ વાક્ય તેની કાવ્યાત્મકતાને કારણે પ્રખ્યાત છે અને તેનું અંતિમ વાક્ય લોકશાહીને અસરકારક રીતે વ્યાખ્યાયિત કરે છે: લોકોની સરકાર, લોકો દ્વારા ચાલતી સરકાર અને લોકો માટેની સરકાર. એ પ્રસંગે બીજા વિદ્વાન વકતના બે કલાક સુધી ચાલેલાં ભાષણની તુલનામાં “અલ્પ શિક્ષિત” અને જાતે અભ્યાસ કરીને સજ્જ બનેલા લિંકનના બે મિનિટથી પણ ઓછા સમયના, ૨૬૭ શબ્દોનાં વ્યાખ્યાનમાં કવિતા અને પ્રેરણા પ્રગટે છે. એમના લાઘવ અંગે પ્રો. ડાએના શોલ કહે છે કે એમણે જાતે લખેલું લિંકનની વક્તા તરીકેની મૂલવણી કરતું લખાણ ગેટિસબર્ગ વ્યાખ્યાન કરતાં ત્રણ ગણું લાંબું છે એ ખ્યાલ પણ લઘુતાગ્રંથિ પ્રેરે છે. ” અત્યધિક લાઘવના સ્વામી લિંકન સોશિયલ મીડિયા પર ઉત્કૃષ્ટ સિદ્ધ થયા હોત.”
[1] https://www.amazon.com/Lincoln-Daniel-Day-Lewis/dp/B00BOLE7X0
[2] https://www.abrahamlincolnonline.org/lincoln/speeches/lyceum.htm
[3] https://www.abrahamlincolnonline.org/lincoln/speeches/gettysburg.htm
[4] https://www.nps.gov/articles/000/-with-malice-toward-none-lincoln-s-second-inaugural.htm#:~:text=(Library%20of%20Congress)%20%E2%80%9CWith,all%20which%20may%20achieve%20and
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪.૩
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
૪.૩
બચત
દિવ્યભાષ સી. અંજારીઆ
કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.
આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી અને # ૪.૨ માં ખર્ચ એમ બે મહત્વનાં પાસંઓની જુદી જુદી લાક્ષણીકતાઓ વિશે વાત કરી ગયાં.
હવે આપણે અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં ત્રીજાં મહત્ત્વનાં ઘટક ‘બચત‘ વિશે વાત માંડીશું.
બચત શા માટે?
જ્યારે આવક ખર્ચ કરતાં વધારે હોય છે ત્યારે તે વધારાની આવક, સામાન્યપણે, ફાજલ પડે છે અને મોટા ભાગના લોકોના કિસ્સાઓમાં તે ફાજલ આવક બચતનું સ્વરૂપ લે છે. અહીં ખર્ચનાં અર્થઘટનમાં વ્યક્તિની ખર્ચ કરવાની જરૂરિયાત કે પછી (કોઈ પણ સંજોગોને કારણે) ખર્ચ કરવાની ક્ષમતા એમ બન્ને પાસાંઓ આવરી લેવાનાં રહે છે. એ દૃષ્ટિએ વધારે સ્પષ્ટપણે કહીએ તો જ્યારે વ્યક્તિની કમાણી તેની ખર્ચ માટેની જરૂરિયાત કે ખર્ચ કરવાનીની ક્ષમતા કરતાં વધારે હોય તો જે આવક ફાજલ પડે તે વધારાની આવક, સામાન્યતઃ, બચતનું સ્વરૂપ લેતી હોય છે.
બચત તમારી અંગત આર્થિક મનોવૃત્તિની ઓળખ છે
જ્યારે તમારી આવક તમારા ખર્ચ કરતાં એટલી બધી વધારે છે કે તમારે એ વધારાની આવકની બચત જ કરવી પડે ત્યારે તમે તવંગર છો.
કેટલાંક લોકો ભવિષ્ય વિશેની, કે પોતાનાં સંતાનો કે પોતાની ઢળતી ઉમરની વિશે ચિંતિત થઈને આજે બચત કરે છે. જે લોકો અર્થતંત્ર વિશે જાણકારી ધરાવતાં હોય છે એ લોકો ભવિષ્યની જરૂરિયાતો માટે આજની આવકમાંથી બચત કરે છે. કેટલાંક લોકો ભાવ વધારાઓની અસરના પરિણામ રૂપે પોતાની ભવિષ્યની શક્તિની આવક કે બચતનાં મૂલ્યોમાં જે ઘટાડો થવાનો છે તેની સામે સલામતીરૂપે બચત કરે છે. આમ પોતાની સ્વેચ્છાએ જે લોકો બચત કરે છે તે પરંપરાગત રીતે કરકસરીયાં લોકો તરીકે ઓળખાય છે.
જે લોકો ધારે એટલી આવક ખર્ચી શકે તેમ છે, કે આવકને વધારે ને વધારે બચતનાં સ્વરૂપે રાખવામાં વધારે સુખ મળે છે એવી વૃતિથી જે લોકોને પોતાની બધી આવકની જરૂર નથી માટે બચત કરે છે, એ લોકો સંતોષી લોકો કહેવાય છે.
પરંતુ, જેઓ સમજે છે કે પોતાની બધી કમાણીનો અમુક ભાગ પોતા પર ખર્ચ કરવા કરતાં તેમાંથી કરેલ બચતમાંથી બીજાં લોકોની જરૂરિયાતો પુરી કરવાની વધારે જરૂર છે એ લોકો પરોપકારી લોકો મનાય છે.
નાણાપ્રધાન અર્થવ્યવસ્થામાં બચતનું મહત્ત્વ છે
નાણાની બચત દ્વારા થતા સમૃદ્ધિના સંગ્રહના માર્ગે થતી અર્થવ્યવસ્થામાં વૃદ્ધિનાં વિચારવસ્તુમાં માનતા ‘વૈજ્ઞાનિક’ અર્થશાસ્ત્રીઓ, ‘સંતોષી’ કે ‘પરોપકારી’ મનોવૃત્તિ પ્રેરિત, નાણાકીય બચત વડે સમૃદ્ધિ સંગ્રહ કરવા જેવા બિનવૈજ્ઞાનિક નિર્ણયો સમજાવી શકતા નથી. અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનને સમજાતું જ નથી કે સંતોષ કે પરોપકાર જેવા બિનવૈજ્ઞાનિક વિચાર સાથે કામ કેમ લેવું ! નાણાની કમાણી કરવી, ખર્ચા પણ કરવા પણ બચત ન કરવી કે સંપત્તિઓનો સંગ્રહ ન કરવો કે પછી વધેલાં નાણાની જરૂર ન હોય તો બીજાંને આપી દેવાં એ બધી બાબતો અર્થશાસ્ત્રીઓ માટે તો અભિશાપ સમાન છે; આવા નિર્ણયો લેનાર લોકો કે તેમના આવા નિર્ણયો તેમની ‘ગણત્રી’ની જ બહાર છે. એમની તો દુનિયા જ ખર્ચા, ફાયદાઓ ને ‘ચોખ્ખા’ લાભ પછી થતા વ્યક્તિગત સમૃદ્ધિના સંગ્રહ પર જ આવીને અટકી જાય છે. તેમની અર્થવ્યવસ્થા એટલે બસ ‘ચોખ્ખા’ લાભ પેદા કરવા, બચત કરવી અને સમૃદ્ધિ એકઠી કરવી.
આપણે એટલું તો સ્વીકારી જ લઈએ કે વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ માટે બચતનું મહત્ત્વ નાણાકીય અર્થવ્યવસ્થા પુરતું જ છે. ઔપચારિક અર્થશાસ્ત્ર તો એમ જ માને છે કે માનવી પૈસા અને દોલતની ઝાકઝમાળથી એટલો અંજાયેલો છે કે જ્યારે જ્યારે પણ શક્ય હશે ત્યારે ત્યારે તે બચત તો કરતો જ રહેશે. પરિણામે આ અર્થશાસ્ત્ર એવાં જ લોકોને સમજે છે, કે તેમની નોંધ લે છે, જેમની બચત કરવાની વૃત્તિ સદા પ્રજ્વલિત જ રહેતી હોય.
આપણે જો વિનિમયની અર્થવ્યસ્વથામાં રહેતાં હોત તો નાણાની જરૂર ન હોત એટલે પણ બચતની કોઈ જરુરત ન રહેત. ભવિષ્યની જરૂરિયાત માટે ધારો કે કોઈ ચીજવસ્તુ બચાવી પણ રાખીએ તો પણ એ ચીજવસ્તુ જરૂરિયાતને સમયે સરળતાથી કામ આવે, આસાનીથી ક્યાંય પણ વિનિમય થઈ શકે અને સમયની સાથે જેનું મૂલ્ય મહદ અંશે જળવાઈ રહે એવી સોનાં જેવી કોઈ ચીજવસ્તુના રૂપમાં જ હોય તો જ તેનો કંઈ અર્થ રહે.
આમ, આટલી ચર્ચાને પરિણામે એટલું તો સ્પષ્ટ થાય જ છે કે નાણા સાથે બચતનો સંબંધ બહુ જ ઘનિષ્ઠ છે.
વ્યક્તિગત જીવનની અર્થવ્યવસ્થામાં બચતનું સ્થાન
તે સાથે આપણે એટલું પણ યાદ રાખીએ કે આપણે નાણાકીય અર્થવ્યવસ્થાની સાથે સાથે આપણી પોતાની આગવી જીવનશૈલી અનુસારની બિનનાણાકીય અર્થવ્યવસ્થામાં પણ વસીએ છીએ. એટલે કોઈ પણ સામાન્ય માનવીની જેમ આપણે, આપણી આવક અને ખર્ચના પ્રકાર, આપણી માન્યતાઓ, આપણા સંજોગો વગેરે જેવાં વિવિધ પરિબળોની અસરોથી પ્રભાવિત થઈને જુદા જુદા પ્રકારની બચતોની અર્થવ્યવસ્થા ગોઠવવી જોઇએ. એ પણ નોંધવું જોઇએ કે પોતપોતાની આવડત, સમજ અને વિચારસરણી અનુસાર બચતની વ્યવસ્થાની શાસ્ત્રીય તાલીમ ન હોય એવાં લોકોને અમુક કક્ષાની કોઠાસૂઝ તો હોય જ છે. અને તે મુજબ લગભગ દરેક વ્યક્તિ, સમયે સમયે, જાણ્યેઅજાણ્યે, પોતપોતાની બચત ગોઠવી લેતી પણ હોય છે. સ્વાભાવિક છે કે સ્વૈછિક કરકસર, સખાવતો કે અન્યને કરેલી મદદો જેવી બચતો સાવ નગણ્ય લાગે એવી નાની રકમોથી માંડીને લાખો કરોડો રૂપિયા જેટલી પણ હોય છે.
સમજવાનો અને યાદ રાખવાનો મુદ્દો એટલો જ છે કે ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવા માટે ચીજવસ્તુઓ કે સેવાઓની જે ખરીદી કરવી પડે તેમાં બચત મદદરૂપ બની શકે છે. તે સાથે એ પણ સમજવું અને યાદ રાખવું એટલું જ જરૂરી છે કે બચત ભવિષ્યની ખરીદીઓમાં મદદરૂપ થાય એનો અર્થ એ સદંતર નહીં કે તે ભવિષ્ય ખરીદી લેવામાં પણ તે મદદરૂપ બની શકશે. બચત ભવિષ્યની હાડમારીઓ સહન કરવામાં થોડે ઘણે અંશે કદાચ મદદરૂપ થઈ પણ શકે એટલે એનો અર્થ એમ તો ન જ કરી શકાય કે એ હાડમારીઓને આવતાં રોકવામાં પણ તે મદદ કરી શકશે.
આજના સમયમાં નાણાં જરૂરી છે, પણ એટલી હદે પણ નહીં કે તેના વિના જીવન સાવ જ અટકી પડે. જીવનનો પ્રવાહ નાણાથી જ નથી ચાલતો. નાણા કરતાં જીવનનું મહત્વ અનેકગણું વધારે છે. તેથી જ, વ્યક્તિનાં જીવનમાં ઔપચારિક અર્થવ્યવસ્થાનું મહત્ત્વ એક હદથી વધારે ન હોઈ શકે. માનવ જીવનની વાસ્તવિકતા એ છે કે ઔપચારિક અર્થવ્યસ્વથાને ખપ પુરતી જાણવી સમજવી જરૂર જોઈએ, પણ આપણી પોતાની આગવી જીવનશૈલીને અનુરૂપ અર્થવયવસ્થાને ભોગે તો નહીં જ.
અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં એક ઘટક તરીકે ‘રોકાણ કરવાં’ને લગતાં મહત્ત્વના પાસાંઓની ચર્ચા હવે પછીના મણકાઓમાં તબક્કાવાર કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
યુવાનો અને રાજનીતિ : વિરોધી નહીં પણ સહયોગી છે
નિસબત
ચંદુ મહેરિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ જયંતીએ ભારતની વિકાસ યાત્રામાં યુવાનોની મુખ્ય ભૂમિકા નક્કી કરતા ‘ મેરા યુવા ભારત’ (MY Bharat) પ્લેટફોર્મનો આરંભ કર્યો છે. તકનીક આધારિત આ પ્લેટફોર્મ યુવાનોના વિકાસ અને યુવા નેતૃત્વમાં વિકાસ માટે આરંભાયું છે. યુવા વસ્તીમાં ભારત વિશ્વમાં પાંચમા ક્રમનો દેશ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં પચાસ ટકાથી વધુ વસ્તી પચીસ વરસની ઉંમરની છે. જ્યારે પાંચઠ ટકા વસ્તી પાંત્રીસ વરસથી નીચેની છે.
ઝવેરચંદ મેઘાણી અણદીઠી ભોમ પર આંખ માંડનારને યુવા ગણે છે. પરંતુ જો યુવાનીનો સંબંધ માનવીની ઉંમર સાથે ગણીએ તો ૨૦૧૪ની રાષ્ટ્રીય યુવા નીતિએ ૧૫ થી ૨૯ વરસની વ્યક્તિને યુવાન ગણી છે. યુનેસ્કો, યુનિસેફ, હુ અને આઈએલઓ ૧૫ થી ૨૪ વરસની વય યુવાનીની ગણે છે. યુએનઓ યુથ ફંડ ૧૫ થી ૩૨ અને ધ આફ્રિકન યુથ ચાર્ટર ૧૫ થી ૩૫ વરસની વયને યુવા વય ગણે છે.
રાજનીતિ અને યુવાનોને એકબીજાના વિરોધી માનવામાં આવે છે. યુવાનોએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ કે નહીં ? તે અંગેની ચર્ચા વરસોથી થયા કરે છે. ખરેખર તો યુવાનો અને રાજનીતિ વિરોધી નહીં પણ સહયોગી છે. યુવાનોનું રાજનીતિમાં હોવું દેશ અને યુવાનો બેઉના લાભમાં છે. તેનાથી યુવાવર્ગની ચિંતાઓ, પડકારો અને આકાંક્ષાઓને વિધાનગૃહોમાં વાચા મળશે. નીતિ નિર્માણમાં યુવા અભિવ્યક્તિ આવશ્યક જ નહીં અનિવાર્ય છે. જોકે આપણા દેશમાં દિનપ્રતિદિન રાજનીતિમાં યુવાનોનું પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે.
ભારતની પહેલી લોકસભામાં સાંસદોની સરેરાશ વય ૪૭ વરસ હતી. વર્તમાનમાં તે વધીને ૫૯ વરસ થઈ છે. વડીલોનું ગૃહ રાજ્યસભાના સભ્યોની સરેરાશ વય ૬૩ વરસ છે. ૧૯૯૯માં લોકસભાના સભ્યોની સરેરાશ ઉમર ૫૨ વરસ, ૨૦૦૯માં ૫૪ , ૨૦૧૪માં ૫૭ અને ૨૦૧૯માં ૫૯ વરસની હતી. જરા વિચિત્ર લાગે પણ યુવા દેશની સંસદ બુઢિયાઓની બનેલી છે.ઈટલીમાં ૫૯ ટકા, ડેન્માર્કમાં ૪૯ ટકા અને ફ્રાન્સમાં ૩૭ ટકા સાંસદો યુવા છે જ્યારે ભારતમાં માત્ર ૨૦ ટકા સાંસદો જ ૨૫ થી ૪૫ વરસના છે. પાર્લામેન્ટમાં યુવાનોનું પ્રતિનિધિત્વ ઘટવું અને સાંસદોની સરેરાશ વય વધવી તે સ્વસ્થ લોકતંત્રની નિશાની નથી.
૧૯૮૯માં રાજીવ ગાંધીના પ્રધાનમંત્રીકાળમાં મતદાન માટેની લઘુતમ વય ૨૧ થી ઘટાડીને ૧૮ વરસ કરવામાં આવી હતી. તેનાથી યુવા મતદારોમાં કદાચ વધારો થયો છે પરંતુ રાજનીતિમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયાનુ બન્યું નથી. આપણી સંસદીય ચૂંટણીમાં મતદારની લઘુતમ વય ૧૮ વરસ ઠરાવી છે પણ ઉમેદવારની તો ૨૫ વરસની યથાવત છે. તાજેતરમાં સુશીલ કુમાર મોદીના અધ્યક્ષપદ હેઠળની સંસદની કાર્મિક, લોકફરિયાદ, કાયદો અને ન્યાયની સ્થાયી સમિતિએ ઉમેદવારની વય ઘટાડીને ૧૮ વરસની કરવા સૂચન કર્યું છે.તેને કારણે ઉંમર મર્યાદા ઘટવાથી યુવાનોનું રાજકારણમાં પ્રતિનિધિત્વ વધશે તેવી ચર્ચા ઉભી થઈ છે.
૨૦૧૪ અને ૨૦૧૯ની છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં યુવાનોની ઉમેદવારી અને વિજ્યની વિગતો આ ચર્ચા માટે ખપ લાગે તેવી છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અનુક્રમે ૯,૫૦૦ અને ૧૦,૦૦૦ ઉમેદવારો હતા. પરંતુ ૨૫ થી ૩૦ વરસના યુવા ઉમેદવારો તો માંડ ૫ ટકા જ હતા. આ ઉંમરના ૧૧ ઉમેદવારો ૨૦૧૪માં અને ૮ ઉમેદવારો ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી જીતી શક્યા હતા. અર્થાત યુવાનોનું ચૂંટણીમાં ઉમેદવારીનું પ્રમાણ તો ઓછું છે જ. જીતનું પ્રમાણ તો સાવ જ અલ્પ છે.
રાજનીતિના આંગણામાં યુવાનોનું અલ્પ પ્રમાણ કેમ છે? શું યુવાનો રાજનીતિથી વેગળા રહે છે કે તેમને વેગળા રાખવામાં આવે છે ? સંસદીય ચૂંટણીમાં યુવાનોનું પ્રમાણ અલ્પ છે કે એકંદર રાજનીતિમાં જ યુવાનો ઓછા છે? આ સવાલોના જવાબો રાજકીય પક્ષો જ આપી શકે તેમ છે. બધા જ રાજકીય પક્ષોની વિધ્યાર્થી પાંખો છે અને યુવા મોરચા છે. એટલે યુવાનોને અળગા તો રખાતા નથી કે તેઓ પણ અળગા રહેતા નથી. પરંતુ ચૂંટણીકારણના અન્ય કામોમાં યુવાનોનો જેટલો ઉપયોગ થાય છે તેટલી ચૂંટણીની ટિકિટો તેમને અપાતી નથી. જે અલ્પ યુવાનો લોકસભામાં ચૂંટાયા છે તે પણ રાજકીય પરિવારના સંતાનો છે. એટલે સામાન્ય યુવા કાર્યકરનું ટિકિટ મેળવવાનું જ અઘરું છે.
રાજકીય પક્ષો યુવાનોનો ઉપયોગ સોશ્યલ મીડિયાના જમાનામાં ટ્રોલિંગ સેના તરીકે, ધાર્મિક ઉન્માદ જગવવાથી લઈને સ્થાનિક હિંસા ફેલાવવા , મોટા નેતાઓની સભાઓમાં ભીડ ભેગી કરવા, ચાપલૂસીની હદની સેવા કરવા માટે કરે છે. યુવાનોનું વલણ પણ તળિયેથી કામ કરી લોકોની ચાહના ઉભી કરવાને બદલે કોઈ ચકચારી મુદ્દો ઉપાડીને રાતોરાત લોકપ્રિય થઈ ચૂંટણીની વૈતરણી તરી જવાનું હોય છે. કેટલાક લાયક યુવાનો, ચૂંટણીમાં ખર્ચાતા મબલખ નાણાની જરૂરિયાતનો વિચાર અને અગાઉથી રાજનીતિમાં જામી પડેલાઓની ઉપેક્ષાને લીધે , રાજનીતિથી છેટા રહે છે.
યુવાનોની રાજનીતિમાં સહભાગિતા માત્ર ચૂંટણી લડવાથી જ સિધ્ધ થતી નથી.મતદાર તરીકેનું કર્તવ્ય નિભાવવાથી તે શરૂ થાય છે. કદાચ મતદાનનો રોમાંચ માણવા પહેલવારકું તો તે મતદાન કરે છે પણ વ્યાપક છાપ તો યુવા મતદારો મતદાનની ઉપેક્ષા કરતા હોવાની છે.૧૮ થી ૨૫ વરસના યુવાનો મતદાન અંગે ઉદાસીન જોવા મળે છે. તેનું કારણ રાજકારણ અંગેનો તેમનો મોહભંગ અને બેરોજગારી હોઈ શકે છે પરંતુ તેનો પડઘો તેમણે મતદાન થકી પાડવો જોઈએ.
ભારત સરકાર અને ગુજરાતસહિતની ઘણી રાજ્ય સરકારો યુથ પાર્લામેન્ટના આયોજન દ્વારા યુવાનોને રાજકારણના પાઠ ભણાવે છે. બિહારમાં પ્રશાંત કિશોર યૂથ ઈન પોલિટિક્સ ઝૂંબેશ મારફતે યુવાનોને રાજનીતિમાં જોડવા પ્રયાસરત છે. યુવાનોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય અને જાગ્રત ભાગીદાર બનાવવા ભારતના ચૂંટણી પંચે કોમિકસ બુક પ્રગટ કરીને યુવાનોની રાજનીતિ બાબતે ગંભીરતા અને તેની ખુદની ગંભીરતા પ્રગટ કરી છે. લોકપ્રિય કોમિક્સ બુક ચાચા ચૌધરી પરથી ઈલેકશન કમિશને ચાચા ચૌધરી અને ચૂંટણી દંગલ કોમિક્સ બુક હમણા જ લોકાર્પિત કરી છે. ભારતનો યુવા મતદાર કોમિક્સ બુક વાંચીને ચૂંટણી પ્રક્રિયા અંગે શિક્ષિત બનશે તેવો પંચનો આશાવાદ નિરાશ કરે તેવો છે. માત્ર માધ્યમો અને રાજકીય પક્ષો જ નહીં ચૂંટણી પંચ પણ ચૂંટણીને દંગલ ગણે છે તે બાબત પણ શોચનીય છે.
ભારતના સ્વતંત્રતા આંદોલન અને તે પછીની રાજનીતિમાં યુવાનોની ભૂમિકાનો સમૃધ્ધ ઈતિહાસ છે.જુલાઈ ૧૯૨૮માં ભગતસિંઘનો “યુવાનો અને રાજનીતિ” વિશે ‘કિરતી’માં પ્રગટ લેખ આજે પણ પ્રસ્તુત છે. ભગતસિંઘે કહ્યું હતું કે, “ જે યુવાનોને આવતીકાલે દેશનું નેતૃત્વ કરવાનું છે તેમને અક્કલના અંધ બનાવાઈ રહ્યા છે”. એટલે ભગતસિંઘ યુવાનોને સંબોધી કહે છે કે “તમે ભણો, જરૂર ભણો. પણ સાથે રાજનીતિનું જ્ઞાન પણ મેળવો. જ્યારે જરૂર પડે ત્યારે રાજનીતિમાં કૂદી પડો.” ભગતસિંઘનો રાજનીતિનો અર્થ સત્તાની રાજનીતિ હરગીજ નથી. પણ લોકોની રાજનીતિ છે. અને લોકોની રાજનીતિથી અળગો રહે તે વળી યુવાન શેનો ?
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઉપનિષદ અને વિજ્ઞાન
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
ભારતીય સંસ્કૃતિ સૌથી પ્રાચીન છે એ નિર્વિવાદ જ છે.એટલું જ નહિ પણ આ ભવ્ય સંસ્કૃતિ પાસે ઉત્તમ માનવજીવનમાટેની બધી શ્રેષ્ઠ ચાવીઓ પણ છે.જીવન વ્યવહાર માટેના, મન અને શરીર સ્વસ્થ રાખવાના,પુરુષ માંથી પુરષોત્તમ -શ્રેષ્ઠ માનવ બનવાના અનેકવિધ વિચારો અને પ્રયોગો આપણા શાસ્ત્રો પાસે છે.
વિજ્ઞાનની સિદ્ધિઓની પણ એવી જ વાત હોય તે સમજી-સ્વીકારવી જ જોઈએ. Science શબ્દ મૂળ લેટિન શબ્દ Scirntia શબ્દ પરથી બન્યો છે..જેનો અર્થ ફક્ત ‘જ્ઞાન’ જ થાય છે. સંસ્કૃત સિવાયની અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં આ શબ્દને આપણે ‘વિજ્ઞાન’ના અર્થમાં લઈને આપણે જ મૂળ ‘વિજ્ઞાન ‘ શબ્દનો અર્થસંકોચ કરી નાખ્યો છે.સરળભાષામાં વિશેષ જ્ઞાન એટલે વિજ્ઞાન છે.તો તેને થોડા ઘણા નક્કી કરેલાં વિભાગોમાં જ બાંધી દેવાનો શો અર્થ ? એટલું જ નહિ પણ દરેક વિભાગમાં પણ જ્ઞાન માહિતી ખુબ જ મર્યાદિત.કમનસીબ ગણો કે જે ગણો તે આપણે એ અર્થ સ્વીકારી લીધો અને ચલાવ્યે રાખ્યો.વિશેષ કમનસીબી પણ એ કે વિજ્ઞાનના જે કેટલાક વિભાગો પાડીને તેમાં વર્તમાન વિજ્ઞાનીઓ ( મોટા ભાગના વિદેશી ) એ કરેલાં સંશોધનો પણ સ્વીકારી લીધાં. આપણા બચી ગયેલાં પ્રાચીનતમ શાસ્ત્રો-ગ્રંથોને ફંફોસવાની તસ્દી પણ સાવ નહિવત લેવાઈ.
હકીકતમાંતો પ્રાચીન ભારત પાસે તો વિશેષ જ્ઞાન -વિજ્ઞાનનો ભંડાર હતો અને છે.અગ્ન્યાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર એ કલ્પના નહિ પણ હકીકત હતી.અયોધ્યા જવા શ્રીરામે ઉપયોગમાં લીધેલ ‘પુષ્કર ‘ વિમાન પણ સાચું જ હતું. થોડું ખખોળાય તો વિપુલ ખજાનો અને નવી દૃષ્ટિ ચોક્કસ મળે તેમ છે જ. અલબત્ત તેની ગહન અને ગુઢાર્થ ભાષા ઉકેલી ને સિદ્ધાંત તારવવો પડે સ્વામી દયાનંદ સરસ્વતીએ આ વિષય પર વૈદિક ભાષ્યો અને ઋગ્વેદાદિ ભાષ્ય ભુમિકામાં (૧૮૭૬) મંત્રોનું વિવરણ કર્યું છે. ભારતીય વિજ્ઞાન સંસ્થાના (Indian Institute of Science –IISc) વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર આવ્યાં છે કે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સૂચિત કરાયેલી વિમાનની ક્રિયાવિધિ વ્યવહાર્ય છે. સ્વામી દયાનંદસરસ્વતીના મૃત્યુના ૨૦ વર્ષ બાદ પહેલું વિમાન બનાવવામાં આવ્યું.
વિખ્યાત વિજ્ઞાની આલબર્ટ આઈન્સ્ટાઈનએ સાપેક્ષવાદની થિયરી રજુ કરી ત્યારે વિશ્વના અન્ય અનેક વિજ્ઞાનીઓ એ વિષે પોતાના વિરોધી અને સમર્થનના મત રજુ કરેલા. At this critical juncture, they discovered that their notion, that the world we see is not reality itself but a projection onto our consciousness, wasn’t completely new. In the ancient Indian texts known as the Upanishads, they found echoes of their theories, and a philosophical foundation to ensure they would no longer be cast adrift by the implications of quantum mechanics. પણ સહુનું એક તારણતો ચોક્કસ હતું જ કે આ સિદ્ધાંતનો મૂળ સ્ત્રોત તો ઉપનિષદમાં જ છે.
પ્રસિદ્ધ વિજ્ઞાની વિનીતરાય તો કહે છે,’ઉપનિષદો આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનું મિશ્રણ છે તેમને વિજ્ઞાનના મૂળભૂત ગ્રંથો( Fundamental Science ) માં સમાવવા જોઈએ.’ કુરુક્ષેત્રમાં એક શિક્ષણ સંસ્થાના સંસ્કૃત વિભાગ દ્વારા ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના સહયોગથી યોજાયેલ કાર્યક્રમમાં પો.વિજય રાનીએ પોતાના વક્તવ્યમાં વેદ, ઉપનિષદને વિજ્ઞાનના વિશાળ ભંડાર તરીકે દર્શાવીને,જણાવ્યું હતું કે, ’મહર્ષિ ભારદ્વાજ રચિત વિમાનશાસ્ત્ર ,નાગાર્જુન રસાયણશાસ્ત્ર,આર્યભટ્ટ ,ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત રચિત ગણિત ભૌતિકી વગેરે તેના પ્રમાણ છે.’
છાંદોગ્ય ઉપનિષદમાં विज्ञानं वाव ध्यानाद्भूयः ‘ વિજ્ઞાનને ધ્યાનથી શ્રેષ્ઠ ‘ બતાવીને સનતકુમારો નારદજીને જણાવે છે કે તમામ વેદ ,શાત્ર ,વિદ્યા,વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમે વિજ્ઞાનની ઉપાસના કરો. च विज्ञानेनैव विजानाति विज्ञानमुपास्स्वेति ॥ તૈત્તરીય ઉપનિષદ પણ તમામ કર્મ અને કાર્ય માટે વિજ્ઞાનને જ પ્રાધાન્ય આપે છે. विज्ञानं यज्ञं तनुते। कर्माणि तनुतेऽपि च ।विज्ञानं देवाः सर्वे । એ જ ઉપનિષદની ભૃગુવલ્લીમાં તો પ્રાણીમાત્રના જીવનનું કારણ પણ વિજ્ઞાન જ છે એમ કહે છે.विज्ञानं ब्रह्मेति व्यजानात् । विज्ञानाद्ध्येव खल्विमानिभूतानि जायन्ते । विज्ञानेन जातानि जीवन्ति ।विज्ञानं प्रयन्त्यभिसंविशन्तीति ।
બૃહદારણ્યક ઉપનિષદ કહે છે,‘માણસની અંદર રહેલાં ચેતના તત્ત્વને વિજ્ઞાન સાથે સીધું જોડાણ છે.’यो विज्ञाने तिष्ठन्विज्ञानादन्तरो यꣳविज्ञानंनवेदयस्य विज्ञानꣳशरीरंयो विज्ञानमन्तरो यमयत्येष तआत्माऽन्तर्याम्यमृतः ॥ મુદ્દગલોપનિષદમાં તો પૂર્ણ પુરુષ બનવા માટેની ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે થોડા જ મંત્રોમાં ઘણી સમજ આપી છે.तद्ब्रह्म तापत्रयातीतं षट्कोशविनिर्मुक्तं षडूर्मिवर्जितंपञ्चकोशातीतं षड्भावविकारशून्यमेवमादि-सर्वविलक्षणं भवति ।
ઉપનિષદોમાં અનેક સ્થળે અદભુત વિજ્ઞાન અભિવ્યક્ત છે ખગોળ વિજ્ઞાન,.યોગવિજ્ઞાન ,શરીર વિજ્ઞાન ,પદાર્થ વિજ્ઞાન ,રસાયણ વિજ્ઞાન,મનોવિજ્ઞાન ,જીવ વિજ્ઞાન વગેરેનો ચોક્કસ ઉલ્લેખ છે.અલબત્ત તેના મંત્રો ખુબ પ્રાચીન હોઈ તેનું અર્થઘટન કરવાની ક્ષમતા પણ પડકાર રૂપ છે.છતાં યથાર્થ પ્રયત્નો પણ થતા રહે એ અવશ્ય આવશ્યક છે જ. પ્રત્યેક ઉપનિષદનો પ્રત્યેક મંત્ર વિજ્ઞાન જ છે. પ્રમાણભૂતતાને દર્શાવવા કેટલાંક ઉદાહરણ લઈને થોડો અછડતો પ્રયાસ કરી લઈએ.
ખગોળ વિજ્ઞાન–વેદ ઉપનિષદે જેની પ્રત્યક્ષ દૃષ્ટિ અનુભૂતિ થાય છે,જે જીવન ચલાવે છે.;તેને -સૂર્ય,આકાશ ,પૃથ્વી ,જળ,વાયુને જ સર્જક-દેવ માન્યા છે. અને તેની જ ઉપાસના કરવાનું કહ્યું છે સૂર્ય તો સમગ્ર બ્રહ્માંડનું ચક્ષુ છે એમ કહીને આગળ જણાવે છે કે સૂર્ય,ચંદ્ર ,તારા ,અગ્નિ અને વિદ્યુતથી જગત પ્રકાશિત છે. એ ન હોય તો કશું જ નથી. न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः ।तमेव भान्तमनुभाति सर्वं
तस्य भासा सर्वमिदं विभाति ॥. સૂર્યોપાસના તો પ્રત્યક્ષ દેવ ગણી ને જ થતી. ઊંડાણ એટલું કે સૂર્યના પ્રત્યેક કિરણની અસરો પણ અલગ રીતે વર્ણવવામાં આવી છે અને એનું સીધું શરીરના તંત્રો સાથે જોડાણ છે. જેમ કે,’હવે આદિત્યના દક્ષિણ દિશાના જે કિરણો છે દક્ષિણની નાડીયો છે.’अथ येऽस्य दक्षिणा रश्मयस्ता एवास्य दक्षिणामधुनाड्यो यजूꣳष्येवमधुकृतोयजुर्वेदएवपुष्पंता अमृत आपः॥
સૃષ્ટિની ઉત્પત્તિ વિષે વર્તમાન વિજ્ઞાન જે સંશોધન કે કલ્પના દોડાવે પણ હજારો વર્ષ પહેલાં જે લખાયું છે તે ઐતરેય ઉપનિષદ કહે છે, ॐ आत्मा वा इदमेक एवाग्र आसीन्नान्यत्किंचन मिषत् । स ईक्षतलोकान्नु सृजा इति ॥ ‘સૃષ્ટિના પ્રારંભમાં એક માત્ર પરમાત્મા જ હતા. એમણે વિચાર્યું કે ‘હું લોકોનું સર્જન કરું’ અને પછીના મંત્રો અનુસાર તેમને ત્રણ લોક ઉત્પન્ન કર્યા.અને વિરાટપુરુષને મૂર્ત સ્વરૂપ આપ્યું.અને પછી આદિત્ય ,અગ્નિ વનસ્પતિ વગેરેનું સર્જન થયું. સુષ્ટિક્રમ સમજાવતાં પ્રાણીમાત્રના પ્રકાર પણ ઉપનિષદ જણાવે છે. અંડજ,જરાયુજ અને ઉદ્ભિજ भवन्त्याण्डजं जीवजमुद्भिज्जमिति ॥
અવકાશનું મૂલ્ય બતાવતાં ઉપનિષદ કહે છે, आकाशो वाव तेजसो તેજથી શ્રેષ્ઠ આકાશ જ આપણી બધી ક્રિયાનું નિમિત્ત છે. હજારો વર્ષ પહેલાં જ મુહૂર્ત, માસ, અર્ધમાસ ,ઋતુઓ,સંવત્સર વગેરેનું ચોક્કસ ગણિત પણ છે જ. निमेषा मुहूर्ता अहोरात्राण्यर्धमासा मासा ऋतवः संवत्सरा इतिविधृतास्तिष्ठन्त्येतस्य वा अक्षरस्य प्रशासने|
જીવ વિજ્ઞાન- આરોગ્ય વિજ્ઞાન–જીવની ઉત્પત્તિથી માંડીને જીવન,,દીર્ઘાયુ ,ને પછી પુનર્જન્મનો સમગ્ર ક્રમ ઉપનિષદમાં છે. જીવ શરીરમાં સહુ પ્રથમ ક્યાં પ્રવેશે અને પછી તેની ગતિશીલતાનું વર્ણન પણ ઉપનિષદ પાસે છે .ॐ पुरुषे ह वा अयमादितो गर्भो भवति यदेतद्रेतः।तदेतत्सर्वेभ्योऽङ्गेभ्यस्तेजः संभूतमात्मन्येवऽऽत्मानं बिभर्तितद्यदा स्त्रियां सिञ्चत्यथैनज्जनयति तदस्य प्रथमं जन्म ॥
સ્વાનુભવ કરતાં ઋષિ વામદેવે, સંપૂર્ણ જનીન વિજ્ઞાન વિસ્તૃત રીતે સમજાવ્યું છે..गर्भ एवैतच्छयानो वामदेव एवमुवाच ॥ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ એ વિષે વૈજ્ઞાનિક રીતે વિસ્તૃત સમજણ આપી છે. आदधामीति गर्भिण्येवभवति ॥ એટલું જ નહિ, પણ કેવા પ્રકારના પુત્ર કે પુત્રીની અપેક્ષા છે તે અનુસારની વિધિનો પણ અહીં ઉલ્લેખ છે.अथ य इच्छेद् दुहिता मे पण्डिता जायेत सर्वमायुरियादिति तिलौदनंपाचयित्वासर्पिष्मन्तमश्नीयातामीश्वरौ जनयितवै ॥
મનુષ્યનું સર્જન કર્યું એટલે તેના પોષણની જવાબદારી પરમાત્મા પર જ હોય ને ? सोऽपोऽभ्यतपत्ताभ्योऽभितप्ताभ्यो मूर्तिरजायत ।या वै सा मूर्तिरजायतान्नं वै तत् ॥ ‘ પછી પરમાત્માએ એ અપ પ્રવાહને તપાવ્યો એ તપાવેલાથી જે મૂર્ત સ્વરૂપ બન્યું તે અન્ન છે.’
ઉપનિષદના કેટલાક મંત્ર તો જીવવિજ્ઞાનની શાખાને સંશોધન માટે પડકાર ફેકે તેવા છે.વિભિન્ન ઇન્દ્રિયોમાં રહેલા પ્રાણનો વચ્ચે, પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવા પરસ્પર વિવાદ થયો.સાથે મળી પ્રજાપતિને સવાલ કર્યો.પ્રજાપતિએ સરળ ઉત્તર બતાવ્યો,’ તમારામાંથી, જે તત્ત્વ નીકળી ગયા બાદ શરીર અત્યંત પાપિષ્ઠ ( જીવિત છતાં પણ પ્રાણહીન ) જણાય તે તત્ત્વ શ્રેષ્ઠ.’ते ह प्राणाः प्रजापतिं पितरमेत्योचुर्भगवन्को नःश्रेष्ठ इति तान्होवाच यस्मिन्व उत्क्रान्ते शरीरंपापिष्ठतरमिव दृश्येत स वः श्रेष्ठ इति ॥ વિશેષ વાત એ છે કે પછીના મંત્રોમાં દરેક ઇન્દ્રિય વારાફરતી શરીરની બહાર પ્રસ્થાન કરીં આવીને પોતાનો અનુભવ વર્ણવે છે!
વનસ્પતિની સજીવતા તો એ વખતે જ પ્રતિપાદિત હતી જ.સત્યકામ જાબાલા પ્રાણોપાસનાનું મહત્ત્વ બતાવતાં પોતાના શિષ્ય ગોશ્રુતિને કહે છે, तद्धैतत्सत्यकामो जाबालो गोश्रुतये वैयाघ्रपद्यायोक्त्वोवाचयद्यप्येनच्छुष्काय स्थाणवे ब्रूयाज्जायेरन्नेवास्मिञ्छाखाःप्ररोहेयुः पलाशानीति ॥,’ કોઈ આ પ્રાણોપાસનાને સુકાયેલાં ઠૂંઠાંને પણ કહે તો એમાં પણ શાખાઓ ઉત્પન્ન થઇ જશે.અનેપર્ણ ફૂટી નીકળશે.’
અન્ન પાચન અને તેની ફલશ્રુતિવર્ણવતાં ઉપનિષદ જણાવે છે કે,’જે અન્ન ભોજનના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે તે ત્રણ ભાગમાં વહેંચાય છે .જે મનની પુષ્ટિ ,,શરીર વૃદ્ધિ અને છેવટે બાકી રહે તે ઉત્સર્ગ વહન કરે.’ अन्नमशितं त्रेधा विधीयते तस्य यः स्थविष्ठोधातुस्तत्पुरीषं भवति यो मध्यमस्तन्माꣳसंयोऽणिष्ठस्तन्मनः॥ એ જ રીતે જળ વિભાજન પણ બતાવ્યું છે.સૂક્ષ્મ તે પ્રાણ,મધ્ય તે રક્ત અને બાકી મૂત્ર સ્વરૂપે થાય. मध्यमस्तल्लोहितं योऽणिष्ठःस प्राणः॥
બ્રહ્મચર્યનું મહત્ત્વ બતાવતાં ઉપનિષદએટલે સુધી કહે છે કે, ‘ બ્રહ્મચર્યથી બ્રહ્મલોકની પ્રાપ્તિ કરી શકાય .तद्य एवैतं ब्रह्मलोकं ब्रह्मचर्येणानुविन्दन्ति |
જયારે સૂર્ય,ચંદ્ર ,અગ્નિ અને વાણી પણ શાંત થઇ જાય ત્યારે પુરુષ જે આત્મજ્યોતિથી સંપન્ન છે તેને ઉપનિષદ વિજ્ઞાનમય જ્યોતિ તરીકે ઓળખે છે કારણકે એ જ ચૈતન્ય રૂપ છે. योऽयं विज्ञानमयः प्राणेषु हृद्यन्तर्ज्योतिःविज्ञानमयः प्राणेषु हृद्यन्तर्ज्योतिः पुरुषः બૃહદારણ્યક ઉપનિષદમાં અમરત્વ મેળવવાનો યાજ્ઞવલ્કય અને મૈત્રેયી વચ્ચેનો ગૂઢાર્થયુક્ત સંવાદ પણ ખુબ રસપ્રદ છે.
યજ્ઞનો વિશેષ અર્થ બતાવીને માનવજીવનના ચોક્કસ વર્ષો અનુસાર યોગ્ય જીવન શૈલી અને યાજ્ઞિય કાર્યોથી 116 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરવાનું ઉપનિષદ સૂચવે છે . एतद्ध स्म वै तद्विद्वानाह महिदास ऐतरेयःस किं म एतदुपतपसि योऽहमनेन न प्रेष्यामीतिस ह षोडशं वर्षशतमजीवत्प्र ह षोडशंवर्षशतं जीवति य एवं वेद ॥ ઉપનિષદ સ્પષ્ટ રીતે જણાવે છે કે આયુષ્ય પૂર્ણ કરીને -પોતાના કર્તવ્યો પૂર્ણ કરીને મનુષ્ય આ લોકમાંથી પ્રસ્થાન કરે છે ત્યારબાદ તેનો પુનર્જન્મ થાય છે. सोऽस्यायमात्मा पुण्येभ्यः कर्मभ्यः प्रतिधीयते । अथास्यायामितर आत्माकृतकृत्यो वयोगतः प्रैति ।स इतः प्रयन्नेव पुनर्जायते तदस्य तृतीयं जन्म ॥
યોગ વિજ્ઞાન -આપણા સહુમાં યોગની સાદી અને સરળ સમાજ છે કે પ્રાણાયામ ,થોડાં આસાન અને કેટલીક વિશેષ પ્રક્રિયાએટલે યોગ.પણ ઉપનિષદ યોગની સ્પષ્ટ વ્યાખ્યા કરે છે. प्रत्याहारस्तथा ध्यानं प्राणायामोऽथ धारणा ।तर्कश्चैव समाधिश्च षडङ्गो योग उच्यते ॥ ‘પ્રત્યાહાર,ધ્યાન,પ્રાણાયામ,ધારણા,તર્ક તથા સમાધિ આ છ અંગોથી યુક્ત સાધનાને યોગ કહેવામાં આવે છે.’આગળના મંત્રોમાં તો દરેક પ્રક્રિયાને નિયમપાલન અને તેનાથી થતા સીધા લાભની વિગતો પણ વ્યક્ત છે.
મનોવિજ્ઞાન -વર્તમાન સમયમાં તાણ,વ્યથા વગેરેનો અનુભવ કરતો માણસ, જો ઉપનિષદની સમજણને સમજે તો અડધા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય.શરીરરૂપી રથમાં, ઇન્દ્રિય રૂપી અશ્વ છે .इन्द्रियाणि हयानाहुर्विषयाँ स्तेषु गोचरान् ।आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः ॥ ઘોડો અંકુશથી ચાલે તો ચોક્કસ નિર્દિષ્ઠ સ્થાને પહોંચાડે ને નહીંતર જેવું તમારું નસીબ! આગળના મંત્રોમાં વિવેક અને સમજણપૂર્વકના નિર્ણયોકરવાથી શ્રેષ્ઠ શાંતિપૂર્ણ અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવી શકાય. તે બતાવ્યું છે.
ભૌતિક–રસાયણવિજ્ઞાન – અમૃતનાદ ઉપનિષદના પ્રારંભમાં જ ૐ કારના રથ પર આરૂઢ થઈને વિષ્ણુને સારથી બનાવી પરમપદ સુધી પહોંચવાની વાત પ્રગટ થઇ છે ओङ्कारं रथमारुह्य विष्णुं कृत्वाथ सारथिम् ।…….. रुद्राराधनतत्परः ॥ એનો અર્થ કે ઘ્વનિતરંગો અનેગતિશક્તિની પુરી સમજ એ સમયે હતી.જ. અને પછી એક તબક્કે રથ છોડીને જાતે સ્વપ્રયાણतावद्रथेन गन्तव्यं……… रथमुत्सृज्य गच्छति ॥ વિષે લખીને વિજ્ઞાનનો ચોક્કસ સિદ્ધાંત બતાવે છે.
કઠોપનિષદમાં યમરાજાએ નચિકેતાને આપેલી અગ્નિવિદ્યા એ સ્વર્ગ પ્રદાયિની છે એમ ઉપનિષદ જણાવે છેप्र ते ब्रवीमि तदु मे निबोधस्वर्ग्यमग्निं नचिकेतः प्रजानन् ।अनन्तलोकाप्तिमथो प्रतिष्ठांविद्धि त्वमेतं निहितं गुहायाम् ॥ બે ચાર મિનિટ વીજળી ડૂલ થાય કે પેટ્રોલ પંમ્પની એક દિવસ હડતાળ હોય તો આપણી હાલત શું થાય તેનો વિચાર કરી જુઓ.ઉર્જા વગરના ભૌતિક જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.ધાતુ -ખનીજ હોવાં અને તે પરની પ્રક્રિયાનો ઉલ્લેખ પણ ઉપનિષદ બતાવે છે.तद्यथा लवणेन सुवर्णꣳसंदध्यात्सुवर्णेन रजतꣳ
रजतेन त्रपु त्रपुणा सीसꣳसीसेनलोहंलोहेनदारुदारु चर्मणा ॥ ‘ જેમ ક્ષારથી સોનાને ,સોનાને ચાંદીથી ,ચાંદીથી રાગાને જોડવા આવે ,રાગાથી સીસાને સીસાથી લોખંડને ,લોંખડથી લાકડાંને અને ચામડાથી લાકડાને જોડવામાં આવે છે.’પ્રકાશ અને રંગોની અસર વિષે ઉપનિષદે અનેક જગ્યાએ વર્ણન કર્યું છે.દા ત.यदग्ने रोहितꣳरूपंतेजसस्तद्रूपं|
પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી, નિએલ બોહરે એક વખત કહ્યું હતું કે, “અમે અસ્તિત્વના મહાન નાટકમાં દર્શકો અને કલાકારો બન્ને છે. તેથી “માનવ શક્યતાઓ વિજ્ઞાન” તરીકે ઓળખવામાં આવે છે તે વિકસાવવાનું મહત્વ,મનુષ્યના રહસ્યને ગૂંચ કાઢવાના પ્રયાસરૂપે ઉપનિષદોમાં ભારતની શોધ અને શોધી કાઢવામાં આવતું એવું વિજ્ઞાન હતું.”
સામાજિક વિજ્ઞાન–આજે જયારે સામાજિક વિસંવાદો વધતા જાય છે, પારિવારિક,ગુરુ શિષ્ય સંબંધ ,સ્વાર્થ પરાયણતા જેવા પરિબળો સમાજમાં ફુલતાં ફાલતા જાય છે ત્યારે પ્રત્યેક ઉપનિષદના શાંતિપાઠમાં જ તેના ઉત્તમ ઉકેલો છે .’ અતિથિ દેવો ભવઃ ‘ની ઉચ્ચ ભાવના દર્શાવતાં ઉપનિષદે અતિથિનો અનાદર કરનાર ને મંદબુદ્ધિ કહ્યો છે..आशाप्रतीक्षे संगतँ सूनृताचेष्टापूर्ते पुत्रपशूँश्च सर्वान् ।एतद्वृङ्क्ते पुरुषस्याल्पमेधसोयस्यानश्नन्वसति ब्राह्मणो गृहे ॥ તો ઈશાવાસ્ય ઉપનિષદમાં तेन त्यक्तेन भुञ्जीथा -ત્યાગીને ભોગવવાનો વિશેષ સંદેશ કેટલો મહાન છે ને કેટલી બધી સમસ્યાઓનો ઉકેલ એમાં છે!
પ્રાચીનકાળથી ભારતીય સંસ્કૃતિની વર્ણ વ્યવસ્થા તેની સામાજિક જવાબદારીઓ અનુસાર હતી. વર્ણ વ્યવસ્થા કાર્ય અનુસાર કેવી રીતે સ્થાપિત થઇ તે બૃહદારણ્યક ઉપનિષદબતાવે છે.तदेतद्ब्रह्म क्षत्रं विट् शूद्रस्तदग्निनैव देवेषु ब्रह्माभवद्ब्राह्मणो मनुष्येषु क्षत्रियेण क्षत्रियो वैश्येन वैश्यः शूद्रेणशूद्रस्तस्मादग्नावेव देवेषु लोकमिच्छन्ते ब्राह्मणे मनुष्येष्वेताभ्याꣳहि रूपाभ्यां ब्रह्माभवदथ यो ह वा अस्माल्लोकात्स्वंलोकमदृष्ट्वा प्रैति स एनमविदितो न भुनक्ति यथा वेदोवाऽननूक्तोऽन्यद्वा कर्माकृतम् ।સમાજમાં વૈદિક વિચાર પ્રસાર કરે તે બ્રાહ્મણ ,રક્ષા કરે તે ક્ષત્રિય ,સમાજની આવશ્યકતા પુરી પાડે તે વૈશ્ય અને પરિચાયક વ્યવસ્થા સાંભળે તે શુદ્ર .
ભાષા વિજ્ઞાન:વેદગાન પર ભાષા,અર્થ સમજનું અગાધ વૈજ્ઞાનિક જ્ઞાન કદાચ ભારતમાં જ હશે.ઉચ્ચારણમાં આરોહ ,અવરોહ, વિસર્ગ વિવિધ અનુસ્વાર વગેરે અનેક સૂક્ષ્મ પ્રયુક્તિઓથી ચોક્કસ અને અર્થસભર અભિવ્યક્તિ તો માત્ર અને માત્ર સંસ્કૃતમાંજ થાય.જયારે વિશેષ ઉચ્ચારણની વાત હોય ત્યારે નિયમ પાલન અનિવાર્ય બની જાય.सर्वे स्वरा घोषवन्तो बलवन्तो वक्तव्या इन्द्रे बलंददानीति सर्व ऊष्माणोऽग्रस्ता अनिरस्ता विवृतावक्तव्याः प्रजापतेरात्मानं परिददानीति सर्वे स्पर्शालेशेनानभिनिहिता वक्तव्या मृत्योरात्मानंपरिहराणीति ॥ ‘ બધા જ સ્વરો ઘોષપૂર્વક અને બળપૂર્વક ઉચ્ચારવા જોઈએ. એનું ઉચ્ચારણ કરતી વખત કહો ,’અમો ઈંદ્રદેવમાં પરાક્રમની સ્થાપના કરીએ છીએ.’
વાક્શક્તિને વિજ્ઞાન બતાવીને ઉપનિષદ જણાવે છે કે विज्ञातं विजिज्ञास्यमविज्ञातमेत एव यत्किञ्च विज्ञातंवाचस्तद्रूपं वाग्घि विज्ञाता वागेनं तद्भूत्वाऽवति ॥ ‘વાણી જ જ્ઞાન સ્વરૂપ થઇ જ્ઞાતાની રક્ષા કરે છે.કઠિનમાં કઠિન સિદ્ધાંત સમજાવવા માટે પ્રયોજાયેલાં ઉદાહરણો અને દૃષ્ટાંતોનો ઉપનિષદમાં ભંડાર જ છે. એવું જ અલંકારોનું છે.પૂર્ણ યોગ્યતા સાથે થયેલ સામગાન પરમપદની પ્રાપ્તિ કરાવે છે.
અગમ વિજ્ઞાન – વર્તમાન સમયમાં કદાચ જેનું નહિવત વૈજ્ઞાનિક સંશોધન છે તે અગમ વિજ્ઞાન આપણી પ્રાચીનવિદ્યાનો ભાગ હતો.પ્રાણીની ભાષા સમજવીએ પણ વિજ્ઞાનનો જ ભાગ છે.છાંદોગ્ય ઉપનિષદના એક બે પ્રસંગો વિશેષ ધ્યાન દોરે છે રાજા જનશ્રુતિ, બે હંસો વચ્ચેનો સંવાદ સાંભળે છે. तदु ह जानश्रुतिः पौत्रायण उपशुश्रावस ह संजिहान एव क्षत्तारमुवाचाङ्गारे ह सयुग्वानमिवरैक्वमात्थेति यो नु कथꣳसयुग्वारैक्वइति॥ અને રૈક્વની ભાળ મેળવવા મથે છે. .અને એ રૈક્વની સંવર્ગ વિદ્યા-બીજાની સિદ્ધિનું ફળ પોતે પ્રાપ્ત કરી લેવાની પણ અદભુત છે..રાજાને સંવર્ગ વિદ્યા સમજાવી. જાબાલા પુત્ર સત્યકામને ચતુષ્પાદ વિદ્યા પણ વૃષભ ,અગ્નિ,હંસ
અને જળ પક્ષીએ આપી છે આલોક અને પરલોકની વચ્ચે રહેલા સ્વપ્નલોકનું અલગ જ વિજ્ઞાન છે અને તે બૃહદારણ્યકમાં અનેક મંત્રોમાં વર્ણવેલ છે. तस्य वा एतस्य पुरुषस्य द्वे एव स्थाने भवत इदं च परलोकस्थानं
च सन्ध्यं तृतीयꣳस्वप्नस्थानं!
તમામ ઉપનિષદ શ્રેષ્ઠત્તમ માનવજીવન તરફ લઇ જવાનું દિશા દર્શન કરે છે એટલે પ્રત્યેક મંત્ર વિજ્ઞાન તરફ જ દોરી જાય છે છતાં શ્રદ્ધા અને સંશોધનની દિશામાં આંગળી ચીંધવાનો ખુબ નાનો પ્રયાસ અહીં કર્યો છે. અને સાથે સાથે આવતીકાલની પેઢીને એક પડકાર કરવાનું મન થાય કે પંડની પેટીમાં પડેલા પારસમણિને ખોળવા મન–બુદ્ધિને કામે લગાડીને માતા ભારતીનો મુગટ વિશેષ રત્નજડિત બનાવે.
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
-
એક અનોખો યજ્ઞ- સાયકલયજ્ઞ, ભાવનગરમાં…
લ્યો, આ ચીંધી આંગળી
રજનીકુમાર પંડ્યા
બિનસરકારી સેવાસંસ્થા ! એટલે કે N G O. ( Non Government Organisation) હા, દેશભરમાં એવી અનેક અનેક સંસ્થાઓ પથરાયેલી છે. ગુજરાતમાંય અનેક છે. એવી દરેક સંસ્થાનું પોતાનું બહોળું સંચાલક મંડળ હોય છે. અને એ બધા સાથે મળીને સમાજસેવાનું કોઈ નક્કી કરેલું ચોક્કસ કાર્ય કરે છે.
પણ આ લખનાર અને વાંચનારમાંથી કોઈએ પણ માત્ર અને માત્ર સાવ એક એકલ વ્યક્તિ (Single person) દ્વારા અતિ સફળ રીતે ચલાવાતી N G O જોઈ છે? ના હોય. સંસ્થા એટલે જ એક ચોક્કસ ધ્યેય માટે એકમત થઈને સેવાકાર્ય કરતાં લોકોનો સમૂહ. પણ સમૂહને બદલે માત્ર કોઈ એક જ વ્યક્તિની બનેલી N G O કોઈએ જોઈ છે?
હા, મેં જોઈ છે. એ ભાવનગરમાં છે. ભલે, એનું નામ N G O તરીકે નોંધાયેલું નથી, પણ કામ સરકારમાં રજીસ્ટર્ડ કોઈ પણ NGO ને પણ ટપી જાય એવું છે. એ એક વ્યક્તિ તે પ્રમોદ વોરા છે. એમણે કોઈ સંસ્થા, કોઈ વિશેષ નામથી, કોઈ અલગ જગ્યા વેચાતી કે ભાડે લઈને રાખી નથી. પણ છેક વીસ બાવીસ વર્ષથી એ પોતાની જગ્યાએથી, કોઈને અગાઉ સૂઝ્યું ન હોય એવું આ સમાજસેવાનું કાર્ય કોઈ જાતના પ્રચારના ઢોલ વગાડ્યા વગર કરી રહ્યા છે. હાલમાં એમની વય ૮૩ વર્ષની છે. પણ ગયા મહિનામાં એમને ઉપરાછાપરી બે હાર્ટ એટેકસ આવી ગયા.પછી તો એમની એન્જીયોગ્રાફી અને પછી ક્રિટીકલ બાયપાસ સર્જરી પણ તરત કરાવવી પડી ! અરે, એમનો ૮૩મો જન્મદિવસ પણ ભાવનગરની હોસ્પિટલમાં જ ઉજવવામાં આવ્યો!

બાયપાસ કરાવ્યા પછી કોઈ પણ સામાન્ય વ્યક્તિના મનમાં નિરાશાના કાળાં વાદળો છવાઈ જાય છે. એની માનસિકતા નકારાત્મક થઈ જાય છે કે, અરે, આ તો હવે થોડા સમય માટે ઉધાર મળેલી જિંદગી છે ! હવે બસ, હરિભજન કરો અને પરિવાર વચ્ચે રહીને આરામમાં દિવસો નિર્ગમન કરો.
પણ આ પ્રમોદ વોરા જુદી માટીના નીકળ્યા. હૃદયની બાયપાસ સર્જરી કરાવ્યાના બીજે જ દિવસે હોસ્પિટલમાં જન્મદિન ઉજવાયો ત્યારે એમને વિચાર આવ્યો કે હજુ આ સંસારના કોઈ કાર્યમાં મને નિમિત્ત બનાવવાનું પ્રભુએ બાકી રાખ્યું હશે એટલે એણે મને આ પુનર્જન્મ આપ્યો, નહિંતર મને ઓપરેશન ટેબલ ઉપરથી જ ઉપર ઉપાડી ના લેત? એટલે મારે એનો સંકેત એવો સમજવો રહ્યો કે હકીકતે આ મારો નવો, બલકે, નવો અવતાર છે. તો એ અવતારમાં મારે શું કરવું? આરામ કરીને જાતજાળવણી કરવી કે છેલ્લાં ૨૦ વર્ષથી ગુજરાતમાં આ ભાવનગરમાં જેવી થાય તેવી સેવાપ્રવૃત્તિ કરી રહ્યો છું તેને આગળ ધપાવવી? ભીતરથી જવાબ મળ્યો: કિરતાર નથી ઈચ્છતો કે આપણી આ પ્રવૃત્તિમાં હવે આટલા વરસે ખાડો પડે. શી છે એ પ્રવૃત્તિ?
ભાવનગર હવે કંઈ નાનકડું શહેર નથી. વિદ્યાનું ધામ છે. અનેક શાળાઓ અને કોલેજોમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે. એમની જરૂરતો પણ અનેકવિધ છે. એ માટે મદદરૂપ થનારા દાતાઓ પણ અનેક છે જે ફીથી માંડીને પુસ્તકો અને ગણવેશ સુદ્ધાંની સહાય માટે પોતાનો મદદગાર હાથ લંબાવે છે. પણ આ બધી આવશ્યકતાઓમાં એક જરુરત એવી પણ છે કે જે પૂરી કરવા માટે અગાઉ કોઈનું ધ્યાન ગયું નહોતું પણ જેના તરફ આ પ્રમોદભાઈ વોરાનું ધ્યાન આજથી વીસ વર્ષ પહેલાં ગયું! કારણ પણ ઉંડું અને માનસિક હતું. સાવ નાનપણમાં પોતે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે પોતાના ઘેરેથી શાળાનું અંતર ખાસ્સું લાંબુ હતું, પણ એને માટે એક સાયકલની તાતી જરુરત હતી. એ જમાનામાં એમના પરિવારની આર્થિક સ્થિતિ એમને એક જુનીપાની તો જુનીપાની પણ એક સાયકલ અપાવી દે તેવી નહોતી. એમણે મન મારીને સાયકલ વગર ચલાવી લેવું પડ્યું. એનો ઘા એમના મનમાં વર્ષો સુધી કોરાતો રહ્યો. વર્ષો વીતી ગયા પણ એ અભાવ એમના મનમાં ઘર કરતો ગયો. પછી તો પોતાની આર્થિક સ્થિતી સુધરી, પણ પેલા વિચારે કેડો ન છોડ્યો. ઊંડો વિચાર કરતાં એમને સમજાયું કે આજે ભલે હવે પોતાને જરુરત નથી પણ એવા બીજા અનેક ગરીબ વિદ્યાર્થીઓ હશે કે જેમને જરુરત છે પોતાના ઘેરથી પોતાની શાળાએ પહોંચવા માટે એક જૂની યા નવી સાયકલની. એ એની પાસે હોય તો એની મહેનત અને સમય બન્ને બચાવી શકે છે અને એની સીધી અસર તેના વિદ્યાભ્યાસના સ્તર એટલે કે પરફોર્મન્સ પર પડી શકે. જો કે, એ સાયકલ નવી નક્કોર હોવી અનિવાર્ય નથી. જૂની સાયકલને પણ સમારકામનો થોડો ખર્ચ કરીને ફરી વાપરવા લાયક બનાવી શકાય. અરે, ઘણાનાં ઘરમાં, વાડા કે માળિયાંમાં આવી જૂની અને નિરુપયોગી થઈ ચૂકેલી સાયકલો પડી પડી કટાઈ જતી હોય છે. ભંગારમાં આપવા જતાં જેનું શૂન્ય મુલ્ય ઉપજે તેવી, પણ દુરસ્ત થઈ શકે તેવી સાયકલો જો દાન કે ભેટમાં મેળવીને એનું સમારકામ કરાવીને કોઈ જરુરતમંદ વિદ્યાર્થીને ભેટ આપવામાં આવે તો તે તેના માટે એક ઈશ્વરી ઉપહાર જ સાબિત થાય !
પ્રમોદભાઇના દીમાગમાં આ અનોખો વિચાર આવ્યો અને કેવળ વિચાર તરીકે જ મનમાં ગોંધાઈ ન રહ્યો. એમણે એનો તરત અમલ શરૂ કર્યો અને જૂની સાયકલો માટે પોતાના વર્તુળમાં ટહેલ નાખવાનું શરુ કર્યું. તરત જ એનો ઉત્કટ પ્રતિઘોષ મળવો શરૂ થયો. જૂની સાયકલો તો મળવા જ માંડી,પણ નવી સાયકલો માટે પણ દાન મળવા શરૂ થયા. આ તરફ પ્રમોદભાઈએ જરુરતમંદ વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને પોતપોતાના ઘેરથી શાળાએ પહોંચવા માટે જ્ઞાતિ જાતિના ભેદ વગર વિના મૂલ્યે નવા જેવી સાયકલો ભેટ આપવા માંડી.
આજ આ પ્રવૃત્તિનો આરંભ થયે વીસથી વધુ વર્ષો થયાં. એક હિસાબ મુજબ પ્રમોદભાઈ વોરાએ અત્યાર સુધીમાં ૪,૦૦૦થી વધુ સાયકલોનું વિનામૂલ્ય વિતરણ વિદ્યાર્થીઓમાં કર્યું છે અને એમને આવેલા હાર્ટએટેક પછી પણ એ પ્રવૃત્તિ આજ લગી અવિરામ જારી રહી છે. મઝાની વાત એ છે કે આવું સાયકલ વિતરણ ખાનગી રીતે નહિ, પણ જાહેર સમારંભ યોજીને કરવામાં આવે છે. આ રીતે આજ સુધીમાં ૯૯ સાયકલ વિતરણ સમારંભો યોજવામાં આવ્યા છે. હવે આ દિવાળી પછી ૧૦૦મા સાયકલ વિતરણ સમારંભની તૈયારી એમના દિમાગમાં આકાર લઇ રહી છે, જેની અંતર્ગત એકી સાથે ૧૦૦ વિદ્યાર્થીઓને સાયકલો ભેટ આપવાનો એમનો મનસૂબો છે. એ મનોરથ પાર પડશે એમાં કોઈ શંકા નથી લાગતી કારણ કે આ વિશિષ્ઠ અને અદ્વિતીય સાયકલ ભેટયોજના દાતાઓ અને શુભેચ્છકોના સહયોગથી આજ લગી ચાલે છે. એમાં સહયોગ આપવા માગનાર પોતાના ઘરમાં કાટ ખાતી પડેલી જૂની સાયકલ આપી દઇને અથવા એ ન હોય તો કોઈની પણ જૂની સાયકલને રિપેર કરાવવાના ખર્ચ પેટે ફક્ત રુ. ૧,૫૦૦ આપીને પણ આમાં પોતાનો સહયોગ નોંધાવી શકે એમ છે. એટલે પ્રમોદભાઈ વોરાએ નિર્ધારેલા આ ૧૦૦મા સાયકલ વિતરણ યજ્ઞમાં તો એ રીતે આવી સાવ નાનકડી રકમથી પણ ટકાવારીના હિસાબે સોમા ભાગના ‘સહદાતા’ બની શકાય એમ છે !
એમનો હવેનો સાયકલ વિતરણ સમારંભ ભાવનગરમાં જ આ ૩ જી ડિસેમ્બરે શિશુવિહારમાં છે. જેની વિગતો આ સાથે એક નિમંત્રણ કાર્ડમાં છે. એમાં સહભાગી થવા સૌને નિમંત્રણ છે.

આવો મોકો હાથથી કેમ જવા દેવાય?
જો કે, પ્રમોદભાઈએ છેલ્લાં વીસ વરસમાં વિદ્યાર્થીઓ માટે આ સાયકલ ભેટ યોજના ઉપરાંત બીજાં પણ ઘણાં ઉત્તમ અને ‘ઓરિજીનલ’ કામો પાર પાડયાં છે પણ તે તો આખો એક જુદા લેખનો મામલો છે. તે વળી થોડા વખત પછી.
પણ અત્યારે માત્ર એની આછી ઝલક લઈ લઈએ:
- હવાનાં પરબ, એટલે કે ભાવનગરનાં એવાં એક સો સ્થળો કે જ્યાં સવારે ૬થી રાત્રે ૯ સુધી વિના મૂલ્યે કોઈ પણ વ્યક્તિ સાયકલમાં હવા જાતે પૂરી શકે યા પુરાવી શકે.
- મુકતાલક્ષ્મી સ્કૂલના વિદ્યાર્થીઓને પડતર કિંમતના ૫૦% ભાવે પૌષ્ટિક નાસ્તો.
- મુકતાલક્ષ્મી શાળા, મહાલક્ષ્મી સ્કૂલ, નંદકુંવરબા સ્કૂલના વિદ્યાર્થીઓના હસ્તાક્ષરમાં સંસ્કારલક્ષી, જીવનોપયોગી લખાણોવાળાં પોસ્ટકાર્ડસ લખાવીને તેમનાં જ દ્વારા દરરોજ 150 થી વધારે પરિવારોને તેમનાં ઘેર પહોચાડવામાં આવ્યાં.
- ભાલ વિસ્તારમાં આવેલી ૧૨ શાળાઓમાં વિના મૂલ્યે સ્લીપર્સનું વિતરણ કરાવવામાં આવ્યું.
આ સમગ્ર કામગીરીમાં ભાવનગરના અને હવે તો આખા ભાવનગરની આજુબાજુમાં સેવાકાર્ય માટે જાણીતાં બહેન સુચીતાબહેન કપૂર, અશોકભાઈ વેગડ અને જીતેન્દ્રભાઈ કાચાનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો.
હજુ પણ પ્રમોદભાઇના મનમાં આ ૮૩મા વર્ષે થયેલા ‘પુનર્જન્મ’ પછી પણ જ્યાં સુધી શારીરિક શક્તિ જળવાઇ રહે ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે આ અને આવા બીજાં અનેક ઉપયોગી કાર્યો કરવાનો મક્સદ છે.
તેથી હવે આવનારા દિવસોમાં યોજાનારા ૧૦૦મા સાયકલ વિતરણ સમારંભમાં નવા ૧૦૦ જરૂરતમંદ વિદ્યાર્થીઓને સાયકલ વિના મૂલ્યે આપવી છે. આ ઉમદા હેતુ માટે વધુ નહીં, તો માત્ર રૂ ૧,૫૦૦ નું અનુદાન આપે તેવા દાતાઓની અથવા કહો કે શુભેચ્છકોની જરૂર છે. જો કે તેમાંથી ૫૦ સાયકલો માટેનું અનુદાન તો મળી ચૂક્યું છે. તેથી આપવા લાયક એવી ૫૦ સાયકલો તો તૈયાર પણ થઈ ગઇ છે. બાકીની ૫૦ સાયકલો દરેક માટે માત્ર રુ ૧,૫૦૦ના અનુદાનની જ ટહેલ તેમણે નાખી છે. અરે, કોઇ રુપિયા આપવા ના માગે પણ પોતાને ત્યાં કે સ્નેહીઓને ત્યાં વણવપરાયેલી પડી રહેલી સાયકલ હોય તો એ પણ અહીં આપી શકાય.
આપણે જોયું હશે કે દરેક કોમ્પ્લેક્સ અને સોસાયટીમાં બે પાંચ સાયકલો તો બિનઉપયોગી યા કાટ ખાતી પડી જ હોય છે. એ જો પ્રમોદભાઇ વોરા સુધી પહોંચે તો ત્યાં પડેલો ભંગાર અહીં સોનું બની જશે. કારણ કે પ્રમોદભાઇ વોરાની આ કામ માટેની સક્ષમ ટીમ છે જેમાં સાયકલો રિપેર કરનારા સક્ષમ કારીગરોનો પણ સમાવેશ થાય છે. વળી તેને યોગ્ય રીતે જાળવવા માટેની અને તેમજ વિતરણ માટેની પૂરક સુવિધા આપવાની જવાબદારી પણ ભાવનગરની નામાંકિત સંસ્થા શિશુવિહારે અને શ્રી નાનકભાઈએ ખાતરી આપી છે
૧૦૦મો સાયકલ વિતરણ સમારંભ દીવાળી પછી બને એટલો ઝડપથી આયોજિત કરવાની બબ્બે હાર્ટએટેકસ કુદાવીને કુદરત તરફથી ભેટરૂપે આ નવો અવતાર ધારણ કરેલા પ્રમોદભાઇ વોરાની ઉમેદ છે.પણ હજુ આર્થિક સહયોગની તો આવશ્યકતા છે, છે અને છે જ.. અગાઉથી માત્ર રુ ૧,૫૦૦ આપીને એક જરુરતમંદ વિદ્યાર્થી માટે એક સાયકલ નોંધાવી શકાય.
પ્રમોદભાઇનો મોબાઇલ. +91 77779 09524અને સુચિતાબેન કપૂર મો. +91 90337 71567/ પ્રમોદભાઇનો ઇમેલ- voracards@gmail.com ////
Bank details : Pramod P. Vora, State Bank of India, Crescent Circle, Bhavnagar- Ac no. 30261079865 // IFSC : SBIN0060009/
ગુગલ પે માટે-નિમેશ પ્રમોદભાઇ વોરા-Mobile-94286 39463 // અને Suchita Kapoor-suchitamehta1@gmail.com અને ગુગલ પે-90337 71567
લેખક સંપર્ક –
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com -
સાંયા, એકલું એકલું લાગે / ગાંધી
સાંયા, એકલું એકલું લાગે
હરિશ્વંદ્ર જોશી
સાંયા, એકલું એકલું લાગે.
દૂરને મારગ જઈ વળે મન ,
સૂનકારા બહુ વાગે …સાદ પાડું તો પડઘાતી હું અંદર અંદર તૂટું,
જીવ ઘોળાતો જાય ને પછી ડૂસકે ડૂસકે ખૂટું;
ઝૂરવું મ્હોર્યા ફાગે …રોજ ઊગે ને આથમે મારા લોહીમાં સૂરજ સાત,
આઠમી હુંયે આથમું મૂકી છાતીએ વેરણ રાત;
આંખ સોરાતી જાગે …એકલી હું ને દીવડો ગોખે, ખૂટવા બકી હોડ,
ઢૂંકતો અરવ પગલે અંધાર ટૂંપવા મારા કોડ,
કેટલું હજીય તાગે ?ગાંધી
રક્ષા શુક્લ
રામજીને હૃદિયામાં સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા,
સતનાં હથિયાર વડે અંધારાં ઉલેચી માટીમાં મરદોને ખોળિયા.ઓતા ગાંધીએ હાથ જમણો આપીને પોરબંદરને કીધી સલામ,
વારસ એનો તો વેંત ઊંચો ચઢ્યો, ‘ને જાત આખીયે દીધી તમામ.મનસૂબા પરદેશી પાળતાં રહ્યા ‘ને
એવાં સપનાંને ધૂળમાં રગદોળિયાં,
રામજીને રુદિયામાં સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા.સુતરને સોંપેલી નાની શી કાયાએ નરબંકો આખો સમાવ્યો,
પ્હાડો ડોલ્યાં ‘ને પછી કંપ્યા કંકાલ, એક ગાંધીએ કાળને નમાવ્યો.એવા એ યોગી જ્યાં કરતા વિનોદ, દીસે બાળક સમા ‘ને સાવ ભોળિયા,
હૃદિયામાં રામજીને સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા.નમતું મૂકે ન કશું, વેણથી ફરે ન તસુ, થોડી વાતુએ ભર્યા ગાડાં,
દૂબળાંનાં હાથ ગ્રહી ગોદમાં લીધાં ‘ને ગયાં જાતિનાં અણગમતા વાડા.માણસાઈ ઓઢીને માનવ મૂલવ્યા, પાપ વિગતે વિચારીને તોળિયાં,
હૃદિયામાં રામજીને સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા. -
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક બીજો : પ્રવેશ ૪ થો

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક બીજો:પ્રવેશ ૩ થી આગળ
પ્રવેશ ૪ થો.
સ્થળ:રુદ્રનાથનું મંદિર
[જાલકા અને રાઈ પ્રવેશ કરે છે.]
જાલકા: શીતલસિંહ પાસે મંગાવેલા કાગળો દ્વારા તને રાજ્યનાં કાર્યોની માહિતી મળી છે, અને, હવે તારે ગુપ્ત રીતે નગરમાં ફરીને નગરનાં માણસો અને સ્થાનોથી વાકેફગાર થવાનું છે. કલ્યાણકામને તેં તારું નામ અને ઠેકાણું કહ્યાં તેથી એ કાર્ય બહુ મુશ્કેલીભર્યું થયું છે, અને, બહુ સંભાળથી કરવું પડશે. તને વાગ્યું ત્યારે તારા જખમો અને પાટાને લીધે તું ઓળખાય તેવો નહોતો. પણ તું રાઈ તરીકે કલ્યાણકામને પરિચિત થાય તો આગળ જતાં એ તને પર્વતરાય તરીકે શી રીતે સ્વીકારે?
રાઈ : મારા મેળાપની કલ્યાણકામને થોડા વખતમાં વિસ્મૃતિ થશે.
જાલકા : કલ્યાણકામને કશાની વિસ્મૃતિ થતી જ નથી. થોડા દિવસ પછી કિસલવાડીમાં તારી ખબર કાઢવા કલ્યાણકામે માણાસ મોકલ્યો હતો. પણ, મેં તેને કહ્યું કે ‘રાઈ કરીને એક માળી અહીં હતો ખરો, તે ક્યાંય પરદેશ ચાલ્યો ગયો છે અને પાછો આવે એવો સંભવ નથી.’ એમ કહી મેં એના માણસને પાછો વાળ્યો.
રાઈ :
(અનુષ્ટુપ)
એક અસત્યથી જન્મે અસત્યો બહુ જૂજવાં;
રોપે અસત્ય જે તેને પડે એ ઝુંડ વેઠવાં’ ૨૬જાલકા : તેં કલ્યાણકામને તારે પોતાને વિષે અસત્ય કહ્યું હોત તો મારે તારે વિશે આ અસ્ત્ય કહેવું ન પડત.
રાઈ : હું શું કામ અસત્ય બોલું ?
જાલકા : જેને રાજ્ય કરવું હોય તેને અસત્ય વિના ચાલે જ નહિ.
રાઈ :
(અનુષ્ટુપ)
જગત્ આખા તણું રાજ્ય ચલાવે પ્રભુ સત્યથી;
એવું માત્ર હશે કોઈ પુસ્તકોમાં લખ્યું કદી. ૨૭[મંદિરના કોટનું બારણું કોઈએ ખખડાવ્યાનો અવાજ સંભળાય છે.]
જાલકા : જા, તું રંગમંડપની જોડેની કોટડીમાં બેસ. હું બારણું ઉઘાડું છું. એ માણસ દર્શન કરીને પાછો જાય, પછી તું બહાર આવજે.
[રાઈ કોટડીમાં જાય છે. જાલકા જઈને કોટનું બારણું ઉઘાડે છે. બારણેથી દુર્ગેશ પ્રવેશ કરે છે.]
જાલકા : પધારો. રુદ્રનાથમાં પહેલી જ વાર દર્શન કરવા આવો છો.
દુર્ગેશ : તમે મને ઓળખો છો એ હું જાણતો નહોતો.
જાલકા : ઉપમંત્રી દુર્ગેશને ન ઓળખનારું કનકપુરમાં કોણ હોય ?
દુર્ગેશ : પણ, કનકપુરમાં એવા ઘણા છે કે જેમને હું ઓળખતો નથી મારે તો તમે કોણ છો તે પૂછવું પડશે.
જાલકા : હું આ મંદિરની પૂજારણ છું.
દુર્ગેશ : એમ છે તો મારે તમારું જ કામ હતું.
જાલકા : આપને જ્યારે પૂજા કરાવવી હશે ત્યારે ગોઠવણ થઈ શકશે.
દુર્ગેશ : પૂજા માટે મારાથી જાતે આટલે આઘે આવીને ખોટી થવાય તેમ નથી. તમે અનુકૂળતાયે મારી તરફથી પૂજા કરજો અને તેનું જે ખરચ થાય તે મારી પાસેથી મંગાવી લેજો. હું આવ્યો છું તે બીજા કામ માટે.
જાલકા : હું પૂજારણ બીજું શું કરી શકું ?
દુર્ગેશ : પર્વતરાય મહારાજ આ મંદિરના ભોંયરામાં નિવાસ કરે છે. અને, તેમની અજ્ઞાઅનુસાર બહારની અહીંની વ્યવસ્થા તમારો હસ્તક છે. મહારાજનો ઉપચાર કરનાર વૈદ્યરાજ કદી બહાર આવતા હોય તો મારો એમની સાથે મેળાપ થઈ શકે ?
જાલકા : પ્રધાનજી સિવાય કોઈને એ ભોંયરાની જગા પણ બતાવવી નહિ, એવી આજ્ઞા છે. ભગવન્ત પણ એક જ વાર અહીં આવી ભોંયરું બહારથી જોઇ ચાલ્યા ગયા છે.
દુર્ગેશ : મહારાજની આજ્ઞા વિરુદ્ધ હુ ભોંયરા વિશે કે મહારાજ વિશે કુતૂહલ ધરાવતો નથી. માત્ર વૈદ્યરાજનું કદી દર્શન તઈ શકે કે કેમ એ જાણવા ઉત્સુક છું.
જાલકા : એટલું પણ મારાથી કહેવાય કે કેમ તે તમે મને ખબર નથી. હું તો આ મંદિરમાં પૂજા કરી જાણું છું.
દુર્ગેશ : વૈદ્યરાજના આવ્યા ગયાની હકીકત કહેવામાં મહારાજના ઉપચાર વિધિની ગુપ્તતાનો કોઈ રીતે ભંગ થતો નથી.
જાલકા : આપ ઉપમંત્રી છો અને ભગવન્ત કલ્યાણકામનો આપના ઉપર ભરોંસો છે તેથી, આ વાત કહેવાય એવી છે એમ હું આપના કહ્યાથી માનું છું. અને તે ઉપરથી કહું છું કે વૈદ્યરાજ કદી બહાર આવતા જ નથી. એટલું જ કહી દીધા માટે અમારો વાંક નીકળે તો તમારે મને બચાવવી પડશે. હું તો ગરીબ માણસ છું. અને, જન્મારામાં પૂજા સિવાય બીજું કશું કામ કર્યું નથી.
દુર્ગેશ : અહીં બનેલી હકીકત હું કોઈને કહેવાનો જ નથી, એટલે તમારો વાંક નીકળે એવો સંભવ જ નથી. વૈદ્યરાજ હાલ બહાર આવતા ન હોય તો, જ્યારે મહારાજ સાથે તેમને બહાર આવવાનો વખત થાય ત્યારે તેમને નીકળવાની વેળાની ખબર મને મોકલશો કે તે સમયે તેમની સાથે મેળાપ કરવા હું આવી શકું.
જાલકા : વૈદ્યરાજને મળવા આટલી બધી આતુરતા હોવાનું શું કારણ ? તમારે જુવાની આણવી પડે તેમ નથી. શું કોઈ તરુણી જુવાની હમેશ કાયમ રાખવાની શરત કરે છે ?
દુર્ગેશ : (હસીને) એવી શરત કરનાર કોઈ તરુણી હજી મને મળી નથી; અને, મળે તોપણ જેને હું જેવો છું તેવા મારા પંડથી સંતોષ ન હોય તેની ખાતર હું શું કરવા એવા પ્રયાસ કરું ? હું તો વૈદ્યરાજ મને મહારાજનો કૃપાપાત્ર કરી આપ્યો તે માટે તેમને મળાવા ઈચ્છું છું. વખતે કોઈ મહારાજને, મારા પર અપ્રસન્નતા ઉત્પન્ન કરાવે તેની પાળ બાંધી શકાય માટે વૌદ્યરાજ નીકળે તે જ વેળા હું તેમને મળી શકું એવી મારી ઉત્કંઠા છે.
જાલકા : મહારાજ ક્યારે નીકળવાના છે તે હું કાંઈ જાણતી નથી. અને, એવી વાત મને પૂજારણને કહે પણ કોણ ? પણ, તમે કહેતા હો તો પ્રધાનજી કોઈ વખતે અહીં આવે ત્યારે તેમને તમારી તરફથી પૂછી મૂકું.
દુર્ગેશ : કલ્યાણકામને તો આ સંબંધી કાંઈ જ કહેવાનું જ નથી. હું અહીં આવ્યો હતો અને પૂછતો હતો એટલું પણ તેમને કાને જવું ન જોઈએ. વૈદ્યરાજ બહર ક્યારે આવશે એ ખબર તમને કોઈ રીતે મળે તો મને કહેવડાવશો તો બસ છે.
જાલકા : એટલું તો મારાથી થાય. પણ, તમે મોટા માણસ. કામ થયું એટલે અમારાં જેવાં ગરીબ વિસારે પડી જાય.
દુર્ગેશ : દુર્ગેશના બીજા દોષ હશે, પણ, દુર્ગેશ અકૃતજ્ઞ નથી. તમે અનૂકુળાતા કરી આપવાનું કબૂલ કર્યું છે, તે હું કદી નહિ ભૂલું અને, મારું કામ તો થાય કે ન થાય, પણ તમારે જે મદદ જોઈતી હશે તે અડધી રાતે પણ આવીને આપીશ, એવું મારું વચન છે. હાલ મારે બીજું કાંઈ જોઈતું નથી.
[દુર્ગેશ જાય છે. જાલકા દુર્ગેશ પાછળ જઈ બારણું બંધ કરે છે. રાઈ કોટડીમાંથી બહાર આવે છે.]
રાઈ : જાલકા ! તેં વેશ બરાબર ભજવ્યો. માણસનો વેશ ભજવ્યો. જાદુગરણનો વેશ ભજવ્યો અને પૂજારણનઓ વેશ ભજવ્યો. હવે કેટલા વેશ ભજવવા છે ?
જાલકા : મેં આ સહુ પહેલા રાણીનો વેશ ભજવ્યો છે, અને હવે, આ સહુ પછી મારે રાજમાતાનો વેશ ભજવવો છે.
રાઈ : પડદાની કરામત કરતાં પણ તારા આ બધા જાદુમાં વધારે અદ્ભુતતા છે. પણ, એ બિચારા દુર્ગેશને તેં એટલો બધો ફગવ્યો શું કામ? એની મુખમુદ્રાની આકર્ષકતા પરથી પણ તને એના પર સમભાવ વૃત્તિ ન થઈ ?
જાલકા : એ ધારતો હતો કે પૂજારણ રાજદ્વારી બાબતો સમજે નહિ, તેથી જેમ કહીશું તેમ કરશે. મેં એની એ સમજણને પુષ્ટિ આપી, અને, આપણા આભાર તળે લીધો કે કોઈ દહાડો જરૂર પડે તો કામ આવે. અને, મને ખબર મળે તો મારે કહેવાનું છે, તેથી વિશેષ મારે કરવાનું કાંઈ નથી.
રાઈ : એવો વ્યવહાર ન્યાયયુક્ત નથી. પરંતુ, દુર્ગેશ સાથે ન્યાયથી વર્તવાના ઘણા પ્રસંગ આવશે. એની આકૃતિ અને ગતિનો પ્રતાપ એવો છે કે શીતલસિંહને બદલે એની સાથે ફરીને કનકપુરની ચર્યા જોવાની હોય તો હું બહુ પ્રસન્ન થાઉં.
જાલકા : એનો વિશ્વાસ કેમ થાય ? એનો મહત્ત્વલોભ જોયો ? એને કલ્યાણકામ કરતાં વધારે રાજપ્રિય થવું છે !
રાઈ : મહત્ત્વકાંક્ષા સન્માર્ગે વળે તો તે પરથી લોભનો બોજ જતો રહે, અને તેને ઉત્કર્ષની પાંખો આવે. કલ્યાણકામની સ્વસ્થતા સાથે દુર્ગેશની ચંચલતાનો યોગ થાય તો તે બહુ સિદ્ધિકારક નીવડે.
જાલકા : તને રાજ્યાભિષેક થયા પછી મંત્રીમંડળમાં જોઈએ તેવી ઘટના થઈ શકશે, પણ હાલ તો, જે માણસ વધારે બુદ્ધિમાન તે વધારે આઘો રાખવા જેવો – એ નિયમ બહુ સખત રીતે પાળવો પડશે. છ માસની મુદ્દત પૂરી થવાનો સમય જેમ પાસે આવતો જાય છે તેમ મારે આ ભોંયરાની ગુપ્તતા જાળવવાના ઉપાય વધારવાની જરૂર થતી જાય છે. વધારે અદ્રશ્ય રહેવા સારુ તારે હવે કિસલવાડીમાં રહેવું પડશે. પર્વતરાય કિસલવાડીમાં આવ્યા હતા એ કોઈના જાણવામાં નથી, તેથી કુતૂહલ ખાતર કોઈ ત્યાં આવે તેમ નથી. અને વળી, જમીનમાં શબના નિશાન માલમ પડે એવું હોય ત્યાં સુધી કોઈનો પગસંચાર ઈષ્ટ નથી, માટે, એ વાડીની બહુ સાવધાનીથી રક્ષા કરવાની છે. મને વખતોવખત મળીને ખબર તો દેજે. આરતીનો વખત થયો છે અને વખતે કોઈ લોકો આવે માટે હું પૂજારણનો ઠાઠ લઈ બેસું છું અને તું જા.
[બન્ને જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
વાદ્યવિશેષ : (૯) – તંતુવાદ્યો (૪) – રબાબ
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
આ કડીમાં એક બિનહિન્દુસ્તાની વાદ્ય રબાબ અને તેના હિન્દી ફિલ્મી ગીતોમાં પ્રયોગ વિશે જાણીએ. આ વાદ્ય મૂળ અફઘાનીસ્તાનનું હોવાનું માનવામાં આવે છે. કાળક્રમે તે અરબસ્તાન અને બલુચિસ્તાનના રસ્તે કાશ્મીરમાં દાખલ થયું અને ધીમેધીમે ભારતના અન્ય વિસ્તારોમાં ફેલાતું ગયું. સાવ શરૂઆતના સમયથી હિન્દી ફિલ્મી ગીતોમાં રબાબ સંભળાતું આવ્યું છે.

આ વાદ્ય ઉપર જોઈ શકાય છે તેવું, તુંબડા સાથે જોડાયેલી ટૂંકી ગ્રીવાનું બનેલું હોય છે. મૂળ અફઘાની વાદ્યના ઢાંચામાં તુંબડા અને ગ્રીવા સાથે ત્રણ મુખ્ય તાર અને તેર ઉપતાર જોડવામાં આવે છે. કાળક્રમે તેમાં નાનામોટા ફેરફારો થતા આવ્યા છે અને હવે રબાબમાં ચાર મુખ્ય તાર અને પંદર ઉપતાર જોવા મળે છે. તારને ઝંકૃત કરી અવાજ ઉત્પન્ન કરવા માટે પહેલાંના સમયમાં ગજનો ઉપયોગ કરવામાં આવતો. હવેના સમયના મોટા ભાગના વાદકો નખલીના પ્રહાર વડે તેમ કરે છે.
રબાબનો અવાજ ભારે મર્દાના હોય છે. એવું માની શકાય કે કદાચ આ કારણસર તેને હિન્દુસ્તાની વાદ્યોની મુખ્ય ધારામાં સ્થાન નથી મળ્યું. ખેર, ફિલ્મી વાદ્યવૃંદોમાં તેનો સમયસમયે ઉપયોગ થતો જ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોટે ભાગે અફઘાની, અરબી, કે કાશ્મીરી પશ્ચાદભૂ ધરાવતાં પાત્રો ગાતાં હોય તેવાં ગીતોમાં જ રબાબનો પ્રયોગ થતો રહ્યો છે. હવે એક ક્લિપ પ્રસ્તુત છે, જેમાં રબાબની વાદનપધ્ધતિ અને તેના અવાજ વિશે ખ્યાલ આવશે.
આ વાદ્ય, તેની વાદનપદ્ધતિ અને તેમાંથી નીકળતા સૂરના પરિચય પછી હવે માણીએ કેટલાંક રબાબપ્રધાન ગીતો.
૧૯૬૧માં પરદા ઉપર આવેલી ફિલ્મ ‘કાબુલીવાલા’માં મુખ્ય પાત્ર અફઘાની પઠાણનું હતું. તે ફિલ્મનાં બે ગીતો – એ મેરે પ્યારે વતન અને ઓ સબા કહેના મેરે દિલદાર કો સાંભળીએ, જેમાં રબાબ મુખ્ય વાદ્ય છે. સંગીત સલિલ ચૌધરીએ આપ્યું હતું.
ફિલ્મ ‘રુસ્તમ સોહરાબ’ (૧૯૬૩)નું સજ્જાદ હુસૈનના સંગીતે મઢેલું એક રબાબપ્રધાન ગીત, યેહ કૈસી અજાબ દાસ્તાં હો ગયી હૈ પ્રસ્તુત છે.
ફિલ્મ ‘હમસાયા’ (૧૯૬૮)નાં ઓ.પી.નૈયરનાં સ્વરબદ્ધ કરેલાં ગીતો ખુબ લોકપ્રિય થયાં હતાં. તે પૈકીના ગીત આજા મેરે પ્યાર કે સહારે અભી અભીમાં રબાબના સ્વર સ્પષ્ટપણે પારખી શકાય છે.
૧૯૭૩માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘જંજીર’ની સફળતામાં તેનાં કલ્યાણજી-આણંદજીના સ્વરબદ્ધ કરેલાં ગીતોનો મહત્વનો ફાળો હતો. તેમાં મુંબઈમાં રહેતા એક પઠાણ કિરદાર ઉપર ફિલ્માવાયેલું ગીત યારી હૈ ઈમાન મેરા યાર મેરી જીંદગી સાંભળીએ. અદાકાર રબાબ વગાડતા વગાડતા ગાતા જોઈ શકાય છે.
ફિલ્મ ‘ધર્માત્મા’ (૧૯૭૫)ની વાર્તાના પ્રવાહમાં એક તબક્કે નાયક અફઘાનીસ્તાન ખાતે વસવાટ કરવા લાગે છે. આથી ફિલ્મનાં ગીતોમાં તે પૃષ્ઠભૂમીને અનુરૂપ રબાબનો પ્રયોગ થયો હતો. તે પૈકીનાં બે ગીતો – મેરી ગલીયોં સે લોગોં કી યારી બન ગયી અને તેરે ચહેરે મેં વોહ જાદૂ હૈ સાંભળીએ.
તે જ વર્ષે પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘શોલે’નું સંગીત રાહુલદેવ બર્મને તૈયાર કર્યું હતું. તેમાંનું એક ગીત મહેબૂબા મહેબૂબા એક નૃત્યગીત છે. લાક્ષણિક અરબી ગાયનશૈલીની તરજમાં ખુદ રાહુલદેવે જ ગાયું છે. વાદ્યવૃંદમાં રબાબ પ્રધાન વાદ્ય તરીકે ઉપસી આવે છે. પરદા ઉપર અદાકાર ગાવાની સાથે રબાબ વગાડતો નજરે પડતો રહે છે.
https://www.youtube.com/watch?v=AgkfoRWOnoc
૧૯૮૦ની ફિલ્મ ‘કુરબાની’માં કલ્યાણજી-આણંદજીનું સંગીત હતું. તેનાં બધાં જ ગીતો લોકપ્રિયતાને વર્યાં હતાં. પ્રસ્તુત ગીત હમ તુમ્હેં ચાહતે હૈ ઐસેના વાદ્યવૃંદમાં રબાબનો અસરકારક ઉપયોગ થયો છે.
૧૯૮૦ના વર્ષમાં જ રજૂ થયેલી ફિલ્મ ‘અબ્દુલ્લા’ના ગીત અય ખૂદા હર ફૈસલા તેરા ખરા અર્થમાં એક રબાબપ્રધાન ગીત છે. ફિલ્મ માટે સંગીત રાહુલદેવ બર્મને તૈયાર કર્યું હતું.
ફિલ્મ ‘ગુલામી’ (૧૯૮૫)નું એક ગીત તેના મુખડાના ફારસી ભાષામાં લખાયેલા વિશિષ્ટ બોલ માટે અને સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલની યાદગાર ધૂન માટે જાણીતું છે. એ શબ્દો છે, જેહાલ એ મિસ્કીં મકુન બરંજીશ. ગાયકીની સાથે રબાબના સ્વર સતત કાને પડતા રહે છે. પરદા ઉપર કલાકારના હાથમાં જે વાદ્ય છે તે અલબત્ત, રબાબ ન હોતાં મેન્ડોલીન છે!
આ કડીનું સમાપન ફિલ્મ ‘માચીસ’ (૧૯૯૬)ના એક ગીત ચપ્પા ચપ્પા ચરખા ચલેથી કરીએ. ગીતને વિશાલ ભારદ્વાજે સ્વરબદ્ધ કર્યું છે. પરદા પરના એક કલાકારના હાથમાં રબાબ જોઈ શકાય છે.
આટલાં ગીતોના વાદ્યવૃંદમાં રબાબના સ્વર માણ્યા પછી એમ કહી શકાય કે ભલે મર્યાદિત પ્રમાણમાં, પણ જે જે ગીતોમાં રબાબનો ઉપયોગ થયો છે તેમાં તેનું નોંધપાત્ર અને યાદગાર પ્રદાન રહ્યું છે. આવતી કડીમાં નવા વાદ્ય વિશે વાત કરીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
શીર્ષક આવરતા ગીતો – ૨
નિરંજન મહેતા
આ શ્રેણીનો પ્રથમ ભાગ તા. ૨૮.૧૦.૨૦૨૩ના મુકાયો હતો જ્યાં ૧૯૬૨ સુધીના ગીતો આપ્યા હતાં. આજના આ ભાગમાં ૧૯૬૨ પછીના અને ૧૯૬૭ સુધીના ગીતોને સમાવી લીધા છે.
પ્રથમ જોઈએ ૧૯૬૩ની ફિલ્મ ‘ફિર વહી દિલ લાયા હું’નુ આ ગીત.
बंदा परवर थाम लो जिगर
बन के प्यार फिर आया हु
खिदमत में आप के हुजुर
फिर वही दिल लाया हूँપોતાના પ્રેમને આ ગીત દ્વારા આશા પારેખને પ્રસ્તુત કરે છે જોય મુકરજી. મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે અને સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૩ની ફિલ્મ ‘તેરે ઘર કે સામને’નુ આ ગીત આજે પણ પ્રચલિત છે જેમાં શરૂઆતમાં જ શીર્ષકને આવરી લેવાયું છે.
तेरे घर के सामने
इक घर बनाऊंगा
तेरे घर के सामनेઅહી પણ દેવઆનંદ નૂતન આગળ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા આ ગીત ગાય છે. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે સચિન દેવ બર્મનનુ. ગાયકો છે રફીસાહેબ અને લતાજી.
૧૯૬૩ની ફિલ્મ ‘મેરે મહેબુબ’નુ ગીત પણ શીર્ષકના શબ્દોથી શરૂ થાય છે.
मेरे महबूब तुझे मेरी मोहब्बत की कसम
फिर मुझे नरगिसी आँखों का सहारा दे देઆ ગીત બે વાર આવે છે. રાજેન્દ્રકુમાર અને સાધના અભિનીત ગીતના રચયિતા છે શકીલ બદાયુની જેને સંગીતબદ્ધ કર્યું છે નૌશાદે. પ્રથમ ગીત લતાજીના સ્વરમાં.
બીજું રફીસાહેબનાં સ્વરમાં.
૧૯૬૩ની ફિલ્મ ‘દિલ એક મંદિર’નુ આ ગીત એક ફીલ્સુફીભર્યું ગીત છે.
जानेवाले कभी नहीं आते
जानेवाले की याद आती है
दिल एक मंदिर है दिल एक मंदिर है
प्यार की जिसमें होती है पूजा
ये प्रीतम का घर हैકલાકારો છે રાજેન્દ્રકુમાર અને મીનાકુમારી. શબ્દો છે હસરત જયપુરીના જેને સંગીત આપ્યું છે શંકર જયકિસને સ્વર છે રફીસાહેબ અને સુમન કલ્યાણપુરના.
૧૯૬૩ની ફિલ્મ ‘યે રાસ્તે હૈ પ્યાર કે’નુ ગીત એક વાસ્તવિકતા સમજાવે છે. આ ગીત પણ શીર્ષકના શબ્દોથી શરૂ થાય છે.
ये रास्ते है प्यार के चलना संभल के
यहाँ लुटे है दिल के अरमां मचल मचल केગીત શશીકલા પર રચાયું છે. રાજેન્દ્ર કૃષ્ણના શબ્દોને સજાવ્યા છે રવિએ. સ્વર છે આશા ભોસલેનો.
૧૯૬૩ની જ અન્ય ફિલ્મ ‘અસલી નકલી’નુ આ ગીત પણ વાસ્તવિકતા ઉજાગર કરે છે.
लाख छुपाओ छुप न सकेगा
राज़ हो कितना गेहरा
दिल की बात बता देता है
असली नकली चेहराકોઈ જાણીતી કલાકાર નથી જણાતી પણ સંધ્યા રોયનુ નામ યાદીમાં દેખાય છે તો તે હોય શકે. દેવઆનંદ મુખ્ય કલાકાર છે. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને જેને કંઠ આપ્યો છે લતાજીએ.
૧૯૬૩ની જ વધુ એક ફિલ્મ ‘એક દિલ ઔર સૌ અફસાને’નુ ગીત પ્રેમમાં નાસીપાસ વ્યક્તિના મનોભાવ દર્શાવે છે.
एक दिल और सौ अफसाने
हाये दिल हाये ज़मानेવહીદા રહેમાન રાજકપૂર આગળ આ ભાવ વ્યક્ત કરે છે જેના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. દર્દભર્યો અવાજ છે લતાજીનો.
૧૯૬૪ની ફિલ્મ ‘આઈ મિલન કી બેલા’નુ આ ગીત ખુશીના ભાવ વ્યક્ત કરે છે.
आ हा आई मिलन की बेला देखो आई
बन के फुल हर कली मुस्काईઆ સમૂહ નૃત્યગીતના કલાકારો છે રાજેન્દ્રકુમાર અને સાઈરાબાનુ. શૈલેન્દ્રનાં શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયકો છે રફીસાહેબ અને આશા ભોસલે.
૧૯૬૪ની ફિલ્મ ‘એપ્રિલ ફૂલ’નુ આ ગીત સાયરાબાનુની મજાક કર્યા બાદ વિશ્વજીત ગાય છે.
एप्रिल फुल बनाया तो उन को गुस्सा आया
तो मेरा क्या कसूर ज़माने का कसूरગીતના શબ્દો હસરત જયપુરીના છે અને સ્વરબદ્ધ કર્યા છે શંકર જયકિસને. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૪ની ફિલ્મ ‘ગીત ગાયા પત્થરોને’નુ આ ગીત શરૂઆતમાં સમૂહ નૃત્યરૂપે દર્શાવાયું છે.
साँसों के तार पर धड़कन की ताल पर
दिल की पुकार रंग भरे प्यार काરાજશ્રી દ્વારા અભિનીત આ ગીતમાં પત્થરો જીવંત થાય છે એવો ભાસ ઉત્પન્ન કરાયો છે. પાછળથી જીતેન્દ્રને પણ દર્શાવાયો છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીનાં જેને સંગીત આપ્યું છે રામલાલે. શરૂઆતમાં સ્વર છે કિશોરી આમોનકરનો પણ પાછળના ભાગમાં મહેન્દ્ર કપૂરનો સ્વર ઉમેરાયો છે.
૧૯૬૪ની ફિલ્મ ‘સંગમ’નુ આ ગીત છેડછાડભર્યું ગીત છે.
मेंरे मन की गंगा और तेरे मन की जमना का
बोल राधा बोल संगम होगा की नहींતળાવમાં નહાતી વૈજયંતીમાલાની રાજકપૂર આ ગીત દ્વારા છેડછાડ કરે છે. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન. સ્વર છે મુકેશ અને વૈજયંતીમાલાનાં.
૧૯૬૫ની ફિલ્મ ‘ગુમનામ’ જે એક રહસ્યમય ફિલ્મ છે તેનું શીર્ષક ગીત છે
गुमनाम है कोई अनजान है कोई
किस को खबर कौन है वो अनजान है कोई \પાર્શ્વગીતમાં રજુ થતા આ ગીતના શબ્દો છે હસ્રરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. રહસ્યમયભર્યો સ્વર છે લતાજીનો.
૧૯૬૬ની ફિલ્મ ‘દિલ ને ફિર યાદ કિયા’નુ આ ગીત પ્રણય ત્રિકોણનાં ભાવ દર્શાવે છે.
दिल ने फिर याद किया बर्क सी लहराई है
फिर कोई चोट मुहब्बत की उभर आई हैત્રિકોણના ત્રણ ખૂણા છે ધર્મેન્દ્ર, રહેમાન અને નૂતન. ગીતકાર જી.એસ.રાવલ અને સંગીતકાર સોનિક ઓમી. ગાયકો છે મુકેશ, સુમન કલ્યાણપુર અને રફીસાહેબ.
https://youtu.be/UxO_kVwpZ38?si=v9TGSdcFQ67av_rb
૧૯૬૬ની અન્ય ફિલ્મ ‘આયે દિન બહાર કે’નુ ગીત જોઈએ.
सुनो सजना पपीहे ने कहा
कहा सबसे पुकार के
संभल जाओ चमनवालो
के आये दिन बहार केધર્મેન્દ્રનાં ઇન્તજારમાં આશા પારેખ આ સાંકેતિક ગીત ગાય છે જેમાં ખીલેલી પ્રકૃતિનો આશરો લેવાયો છે. આનંદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત. લતાજીનો સ્વર.
૧૯૬૬ની વધુ એક ફિલ્મ ‘મેરા સાયા’નું આ ગીત પણ રહસ્યમય છે.
तू जहाँ जहाँ चलेगा
मेरा साया साथ होगाમાયુસ સુનીલ દત્તને સાધના, કે જે મૃત્યુ પામી હોવાનું દર્શાવાયું છે, તેના પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે રાજા મહેંદી અલી ખાનનાં અને સંગીત મદનમોહનનુ. હલકભર્યો સ્વર છે લતાજીનો.
૧૯૬૬ની અન્ય એક ફિલ્મ ‘લવ ઇન ટોકિયો’નુ આ ગીત એક પ્રણયગીત પ્રકારનું ગીત છે.
जापान लव इन टोकियो
ले गई दिल कुडिया जापान कीઆશા પારેખને જોઇને જોય મુકરજી આ ગીત દ્વારા પોતાના ભાવ વ્યક્ત કરે છે. હસરત જયપુરીના શબ્દોને સજાવ્યા છે શંકર જયકિસને અને ગાયક છે રફીસાહેબ.
૧૯૬૭ની ફિલ્મ ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’ દુનિયાની સહેલગાયે નીકળેલા યુગલ પર રચાયું છે.
दुनिया की सैर कर लो
इंसान के दोस्त बनकर
इन्सान से प्यार कर लो
अराउंड ध वर्ल्ड इन एइट डॉलर्सગીતના કલાકારો છે રાજકપૂર અને રાજશ્રી જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયકો છે મુકેશ અને શારદા.
૧૯૬૭ની અન્ય ફિલ્મ ‘એન ઇવનિંગ ઇન પેરિસ’નુ આ ગીત ટાઈટલ ગીત રૂપે રજુ થયું છે જેમાં પેરિસનો નજારો દેખાડાયો છે.
अजी ऐसा मोका फिर कहाँ मिलेगा
हमारे जैसा दिल कहाँ मिलेगा
………..
आ ओ तुमे दिखलाता हूँ
पारिस की एक रंगीन शाम
देखो देखो देखो
एन इवनिंग इन पेरिसશમ્મીકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિસન. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૭ની વધુ એક ફિલ્મ ‘રાત ઔર દિન’નુ આ ગીત નિરાશાના ભાવ વ્યક્ત કરે છે આ ગીત બે વાર આવે છે. પ્રથમવાર નરગીસ પર રચાયું છે
रात और दिन दिया जले
मेरे मन में फिर भी अँधियारा हैહસરત જયપુરીના શબ્દો અને શંકર જયકિસનનુ સંગીત છે જ્યારે સ્વર છે લતાજીનો.
બીજીવાર આ ગીત પ્રદીપકુમાર પર રચાયું છે જેને સ્વર આપ્યો છે મુકેશે.
હવે પછીના વર્ષોના ગીતો આગળના ભાગમાં.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
