વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આજના ઈઝરાયલ-પેલેસ્ટાઈન દિવસે’એકમાત્ર અમે જ’ vs ‘આપણે બંને’ની વાત

    તવારીખની તેજછાયા

    ૨૯મી નવેમ્બર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પેલેસ્ટાઈની પ્રજા સાથે ઊભા રહેવાના (‘સોલિડારિટી’ના) દિવસ તરીકે ઊજવાય છે.

    પ્રકાશ ન. શાહ

    બ રાબર છોંતેર વરસ પૂરાં થયાં : ૧૯૪૭ની ૨૯મી નવેમ્બરે યુનાઈટેડ નેશન્સે જોર્ડન નદી અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચેના પ્રદેશમાં યહૂદીઓ સારુ સુવાંગ એક વતનઈલાકો કોરી આપ્યો હતો. જલાવતન યહૂદી સમુદાય સારુ એ હરખઘડી હતી, પણ એ વિસ્તારમાં વસતી બહુમતી આરબ પ્રજા માટે વસમી ક્ષણ હતી. બાકી વિશ્વમત આ ઘટનાને યહૂદીઓ તરફે ઈતિહાસન્યાય તરીકે જોતો હોય એ જો સ્વાભાવિક હોય તો પણ આરબ બહુમતીને વર્તમાન સંદર્ભમાં એક અન્યાય પણ એમાં નિહિત હતો. હમાસના ઘોર આતંકવાદી હુમલાને અને તે સામેની ઈઝરાયલની આક્રમક જવાબી કારવાઈને મહિનો થયો (૭મી નવેમ્બરે) ત્યારે મૃત્યુઆંક ૯,૦૦૦ને વટી ગયો હતો અને મેડિકલ સહાય સેવા સહિતની નાગરિક કારવાઈ સબબ ઈઝરાયલી આક્રમકતા પણ ટીકાપાત્ર બનતી રહી છે.

    અહીં ‘જેરુસલેમ પોસ્ટ’ના કટારચી ને શાંતિબટુક (પીસનિક) બાસ્કિને આગળ કરેલો એક બુનિયાદી વિગતમુદ્દો સમજવા જોગ છે. બાસ્કિન કહે છે કે યુએન ઠરાવ પછીના ઈઝરાયલી જાહેરનામામાં, બંને પ્રજાઓના આત્મનિર્ણયના અધિકારની જિકર નથી જ્યારે ભલે રાજીપા વગર પણ વાસ્તવિકતાને ધોરણે પેલેસ્ટાઈની જાહેરનામામાં આ ભૂમિ પર હવે બે રાષ્ટ્રો છે એવો સ્પષ્ટ સ્વીકાર છે. આનો અર્થ એ થયો કે ઈઝરાયલી નેતૃત્વની માનસિકતા ‘એકમાત્ર અમે જ’ તરેહની છે જ્યારે પેલેસ્ટાઈની નેતૃત્વ ‘આપણે બંને’ની ભૂમિકાએ એળે નહીં તો બેળે પણ છે. બલકે, થોડા પાછા પગલે જઈએ તો, તટસ્થ પર્યવેક્ષકોના મતે પેલેસ્ટાઈને યાસર અરાફતના નેતૃત્વમાં જે સમજૂતી કરી હતી એમાં ખાસું નમતું જોખ્યું હતું.

    લગીર ઉતાવળે આપેલી આ પૃષ્ઠભૂ હમાસ જેવી નોન-સ્ટેટ આતંકવાદી પ્રવૃત્તિના બચાવમાં અલબત્ત નથી. હા, ક્યારેક ઈઝરાયલી નેતૃત્વ અને હમાસનો સંબંધ એક તબક્કે ઈન્દિરા ગાંધીની રાજનીતિ અને ભીંડરાંવાલે વચ્ચે હશે એવો જરૂર હતો. ગમે તેમ પણ, ઈઝરાયલે ‘આ ભૂખંડના ધણી એકમાત્ર અમે’ એ માનસિકતા પરહરવી રહે છે. ૧૯૪૭ના યહૂદી વતન જોગવાઈના ઠરાવ પછી તરતનાં વરસોમાં યુનાઈટેડ નેશન્સે કરેલો બીજો એક ઠરાવ આ સંદર્ભમાં સૂચક છે. આ જ દિવસ (૨૯મી નવેમ્બર) હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પેલેસ્ટાઈની પ્રજા સાથે ઊભા રહેવાના (‘સોલિડારિટી’ના) દિવસ તરીકે ઊજવાય છે. જો યહૂદી વતન જોગવાઈની સાથે તો પેલેસ્ટાઈનના અસ્તિત્વના અધિકાર સાથે પણ ઊભા રહેવાનો જે ધર્મ, તેનો એમાં સ્વીકાર રહેલો છે.

    હમણાં મેં શાંતિબટુક બાસ્કિનનો ઉલ્લેખ કર્યો. આ દિવસોમાં એ હમાસે બાન પકડેલ ઈઝરાયલીઓને છોડાવવા પ્રયત્નશીલ છે. તાજેતરનાં વર્ષોનું એમનું એક સૂચન દર ૨૯મી નવેમ્બરે બંને બાજુ એકબીજાના અધિકારોના સમાદર રૂપે ‘નેશનલ હોલી ડે’ મનાવવાનું છે. જે એક વિદેહ યહૂદી ચિંતક આ દિવસોમાં સવિશેષ સ્મરણીય છે એ તો માર્ટિન બુબર છે. લગરીક ઉભડક તો પણ સહેજસાજ લાંબે પને વાત કરું તો એમની વિચારભૂમિકા ‘આઈ-ધાઉ’ની છે- ‘હું અને તું/તમે’- નહીં કે ‘હું અને તે’, ‘આઈ-ઈટ.’ એક વ્યક્તિ બીજી વ્યક્તિને ‘તું/તમે’ તરીકે નહીં પણ ‘તે’ તરીકે જુએ છે ત્યારે એને માટે બીજી વ્યક્તિ, વ્યક્તિ મટીને વસ્તુ (ઓબ્જેક્ટ) બની જાય છે. બંને વચ્ચેનો વ્યવહાર વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો મટી જઈ ‘વ્યક્તિ અને વસ્તુ’નો બની જાય છે. ઈઝરાયલી અને પેલેસ્ટાઈની પ્રજાઓએ એકબીજાને વસ્તુ તરીકે નહીં જોતાં વ્યક્તિ તરીકે જોવાની જરૂર છે. આ અભિગમને ધોરણે બુબર ‘બાયનેશનલિઝમ’ની હિમાયત કરે છે જેમાં એક પા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય તો બીજી પા સંવાદી સહઅસ્તિત્વ શક્ય બને. ઈઝરાયલના હોંશીલા નાગરિક એ ખસૂસ હતા, પણ આરબ નિર્વાસિતો સાથેના દુર્વ્યવહારના એવા જ આલોચક પણ એ હતા. એમણે કહ્યું કે આપણું ઝાયોનિઝમ તે યહૂદી રાષ્ટ્રવાદની ચળવળ નહીં પણ નવા સમાજ માટેની ચળવળ છે. આરબો પરના (બીજા પરના) આધિપત્ય માટેની આ ચળવળ નથી. આ પૃષ્ઠભૂ પર જોઈએ ત્યારે ભારતમાં સરકારી સ્તરે, સત્તાપક્ષી સ્તરે તેમ એકાધિક પ્રજાકીય વર્તુળોમાં ઈઝરાયલ-હમાસ સંઘર્ષ બાબત જે ભાવદ્વિધા પ્રવર્તે છે, સામસામા હોઈ શકતા ખયાલો પ્રગટ થતા રહે છે તેને સમજવાની દૃષ્ટિએ કેટલીક વિગતો જરી મુખરપણે સામે આવે છે.

    જાડી રીતે વર્ણવું તો ભારત સરકારનો (ભાજપ સરકારનો) પ્રથમ પ્રતિભાવ એકદમ ઈઝરાયલ તરફે ગા ગા લ ગા હતો. હમાસનું મુસ્લિમ હોવું એમાં એક ધક્કો હશે, તો વર્ષોથી ઈઝરાયલને રાષ્ટ્રવાદના એક પ્રતિમાન તરીકે જોવાને પરિણામે હશે. પાછળથી વિદેશ ખાતાએ અને મોડેથી સંઘ પ્રવક્તાએ (બેલાશક હમાસની ટીકા અકબંધ રાખીને પણ) બંને પક્ષો વિશે જુગતાં વચનો કહીને નુઆન્સ્ડ ભૂમિકાની છાપ આપવા કોશિશ કરી. સ્વસ્થ, સ્પષ્ટ પ્રતિભાવ અભિગમ ખાસું પથ-સંસ્કરણ (કોર્સ કરેક્શન) માગે છે. ૧૯૪૯નો યુનાઈટેડ નેશન્સનો ઠરાવ, તે પછીનાં વર્ષોમાં પેલેસ્ટાઈન સોલિડારિટી ડે માટેનો એનો ઠરાવ, હવે નેશનલ હોલી ડે માટેની ઝુંબેશ આ ત્રણ દિવસ (સાલફેરે એક જ તારીખના ત્રણ દિવસ) જે રીતે સામે આવ્યા તે પરથી એની બધી સંકુલતા સોતી એક સરસ સમજ ઊપસી રહે છે.

    આપણે ત્યાં રાષ્ટ્રવાદના નિદર્શન રૂપે એક વર્ગ હિટલરનો હેવાયો જ હેવાયો હતો. યહૂદી નિકંદન સત્રનો પ્રશંસક હતો. આ જ યહૂદીઓને ન્યાયની દૃષ્ટિએ ઈઝરાયલનું કોઈ લોજિક હોય તો એ જ હેવાયો વર્ગ ઈઝરાયલ વાસ્તે પણ એકદમ કૂદી પડે છે. આ અનવસ્થા વિશે કોઈ સૂક્ષ્મ (ન્યુઆન્સ્ડ) સમજ ક્યાંથી લાવશું? ગાંધી-રવીન્દ્ર, અને સવિશેષ તો માર્ટિન બુબર બે માનવીય બોલ કહી શકે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૯ – ૧૧ – ૨૦૨૩ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • બીજું ઘર

    રજનીકુમાર પંડ્યા

    “ભુવન”.

    પહેલા તો થયું કે આ તો ભણકારો. બાકી હવે આ નામે કોણ બોલાવે ? એ તો એવું થાય. રાતની બસની મુસાફરીમાં એકધારી ઘરઘરાટીમાં ઘણી વાર માણસનો અવાજ ભણકારારૂપે તંદ્રાની
    દીવાલો પર અફળાયા કરે. પચાસ વરસની ઉંમર પછી એવું વિશેષ થાય. એમ જ હશે. આટલી વિચારરેખા ઝબકીને બુઝાઈ ગઈ. ફરી ત્રિભુવન ઝોલે ચડ્યો.
    “ભુવન.”

    ફરી ધીમો-ધીરો અને નર્યા ઉચ્છવાસમાંથી પ્રગટ થયો હોય એવો સ્ત્રીસ્વર ! કોણ હશે આ નામે બોલાવનારી ? ત્રિભુવને બરાબર આંખો ખોલી. નીંદર અને જાગરણ બન્ને સેળભેળ થઈ ગયેલા હોય એવા ઉંબરા ઉપર આવીને કોણ આ સાદ કર્યો ? મોટાભાગની છતબત્તીઓ તો ડ્રાઈવરે બુઝાવી નાખેલી; એટલે આજુબાજુ જોવાથી પણ કોઈના મોં ઓળખાય નહીં. વળી શિયાળો છે એટલે સૌ સાવ ઢબુરાઈને બેઠા છે. કોણ હશે ? જરી ડોક ફેરવીને પાછળ નજર કરી.

    ઘેરી કથ્થાઈ રંગની માથાઢંક શાલને માત્ર ચશ્માં પરથી હટાવીને કોઈ બાઈમાણસ જોતું હતું. એના ખોળામાં સાત-આઠ વરસનો છોકરો સામી સીટ તરફ પગ લંબાવીને ઘૉંટી ગયેલો.

    ત્રિભુવને નજર કરી એટલે પોતે જરી મરકી એમ બતાવવા સારુ બાઈએ શાલ વધારે હટાવી ત્યારે કપાળથી ઉપરના કાબરચીતરા વાળ પણ વધારે સ્પષ્ટ થયા. હસવાને કારણે હોઠ એવી રીતે ખૂલ્યા અને દાંત એવી રીતે દેખાયા કે જાણે દૂરથી કોઈ દીવો દેખાયો ! પણ પછી બીજી જ ક્ષણે એના મનમાં અજવાળું ઝોકાર થઈ ગયું. અને દાબી રાખેલો ફુવારો છૂટી પડે એમ નામ જીભ પર આવી ગયું છતાં બળપૂર્વક એણે એને દબાવી દીધું.

    આ બસમાં, જ્યારે એ આમ સાવ છાના અવાજે સાદ પાડતી હોય ત્યારે આપણાથી એને બૂમ પાડીને જવાબ દેવાય ? ત્રિભુવનને વિચાર આવ્યો અને ઊંઘ ઊડી ગઈ. બસ, આ જ વાંધો છે આપણામાં. એકાદ ઘડી આપણા પર સવાર થઈ જાય છે અને એ ઘડીમાં તો દુનિયા ડૂબી જાય છે, અને એ ઘડીકમાં તો…

    એટલે બિલકુલ દાબેલા અવાજે એણે કહ્યું : “અરે સરલા, તું ?’

    જવાબમાં ફરી ગાલે ખંજનવાળુ એ સ્મિત, એ જ મૉોંફાડ, દાંતની એજ પંક્તિ અને પછી પોપચાં જરી ઝપકાવીને ભણેલી, ‘હા !’

    ત્રિભુવન ન્યાલ થઈ ગયો !

    ‘પણ…’ ત્રિભુવન બોલવા ગયો, પણ સરલાએ નાકે આંગળી મૂકી. કીકીને છેક આંખોના ખૂણા સુધી ખેંચીને સંકેત કર્યો અને પછી છેક છાતી સુધી બંગડિયાળો હાથ લઈ જઈને અંગૂઠો પણ સામેની બારી તરફ તાક્યો, કે જ્યાં એક પુરુષ માથે મફલરના ત્રણ-ચાર આંટા દઈને કાચના ટેકે માથું ઢાળીને જામી ગયો હતો. એ તરફ ત્રિભુવને દ્રષ્ટિ કરી કે તરત જ એ બોલી : “મારા મિસ્ટર.’

    હમણાં એ માણસ માથું ઊંચું કરીને ઊંઘરેટી ખિજાળ આંખે પોતાના ભણી જોશે એમ… એવા કશા પણ સંજોગ વગર પણ ત્રિભુવનને લાગ્યું. છાતી ધડક ધડક થઈ ગઈ, નજરને પાછી વાળીને ધૂજતા છાયાચિત્ર જેવા લાગતા ડ્રાઈવરના માથા તરફ જોયું. અહીં અંધારું છે, પણ સામે રસ્તા પર પ્રકાશ ધોધમાર છે. બસ પૂરઝડપે પ્રકાશનો લાંબો શેરડો ફેંકતી દોડ્યે જાય છે. જંગલ-ઝાડવા, નદી-નાળાં બધું જ વીંધીને ! એના મનમાં સવાલ થયો. કેટલે પહોંચ્યા હોઈશું ?

    એણે બીજા વિચારમાં જીવ પરોવવા કોશિશ કરી, પણ જીવ છટકીને પાછો સરલાના જ વિચારોમાં સરકી જવા માંડ્યો.

    ન કરવા જોઈએ… હવે ન જ કરવા જોઈએ. વિચારો બહુ ઘાતકી હોય છે. લોહીલુહાણ કરી મૂકે. બહુ અસુખ થાય છે એ વિચાર કરીને કે એક વાર આ જ માર્ગે, આવા જ સમયે, એ પણ શિયાળામાં જ અમદાવાદ ગયો હતો. સરલા સાથે હતી. અડોઅડ, અને એની બહેનપણી પણ સાથે હતી.

    “એ જાણે છે ?’ ત્રિભુવને પૂછ્યું હતું. એ વખતે, ચાલુ બસે, અંધારામાં જ. બરાબર યાદ છે.
    ત્યારે સરલાએ ભોળપણમાં પૂછ્યું હતું : ‘શું ? કોણ ?’

    “તારું કપાળ !’ બોલીને એણે સરલાના કપાળ પર ચોડેલા ચાંદલા સામે જોયું હતું અને કહ્યું હતું : “આ તારી ફ્રેન્ડ… કહું છું, જાણે છે ?’

    ‘પણ શું ?’ સરલાએ ફરી પૂછ્યું : ‘શું જાણે છે ?’

    ફરી ત્રિભુવને સરલાના ગૌર કપાળ ઉપર નજર ઠેરવીને કહ્યું : ‘તારા કપાળ પરના ચાંદલાનો ભેદ જાણે છે ?’

    ‘કયો ભેદ ?’ સરલાએ બિલકુલ અજાણ થઈને પૂછ્યું.

    ત્રિભુવન સમસમી ગયો હતો. સાવ જડ જેવી છે. કાલે જ તો કહેતી હતી કે ચાંદલો તો ત્રિભુવનનું પ્રતીક છે. ત્રણ ભુવન એટલે ? એમ બોલવાની સાથે જ સરલા ખડખડાટ હસી; એટલે આખો અર્થ ઝગમગી ગયો. ત્રિભુવનના શરીરમાં મીઠી લહેર દોડી ગઈ. એણે એનો કોમળ હાથ ઉષ્માથી પોતાના હાથમાં લઈને ઉત્તેજનાથી છલકાઈને પૂછ્યું : “લગ્ન પહેલાં જ ?’

    ‘હા, પણ પ્રેમ થયા પછી.’ જવાબમાં સરલા બોલી હતી .

    ‘તો પછી હવે વચલો ગાળો સહેવાતો નથી.’

    સરલાના અવાજમાં કોઈ ગજબનું ઉદ્દીપન હતું કે શું ? ત્રિભુવનના હોઠ પર ગરમ ગરમ લોહી ઘસી આવ્યું. અંધારામાં પણ એ પારખી ગઈ હોય એમ સરલા બોલી હતી એ આટલા વરસે પણ શબ્દસઃ યાદ આવી ગયું ત્રિભુવનને,એ બોલી હતી ઃ ‘વચલો ગાળો સહેવો પડે. એમાં જ પ્રેમની કસોટી થાય, ભુવન.’

    કેટલાં વરસ થયાં હતાં આ સંવાદને ? મનોમન ગણતરી કરવા માંડી. પચ્ચીસેક તો ખરાં જ. એ વખતે સત્તાવીસની ઉંમર હતી ને સરલા તો હશે માંડ તેવીસની. આ સંવાદ આમ આગળ ચાલ્યો હતો.

    ‘મારું પૂછવાનું એટલું જ કે તારી આ બહેનપણી આપણી બાબતનું બધું જાણે છે કે નહીં ?’

    ‘કેમ ?’

    ‘મૂરખ!” ત્રિભુવન ચાલુ બસે પણ જરા ઘાંટો મોટો કરીને બોલ્યો હતો : ‘તો મને ખબર પડે કે કેમ બેસવું ! ન જાણતી હોય તો સખણો બેસું ને નહીંતર…..’ આગળના શબ્દો ત્રિભુવન જીભથી નહીં, હાથથી “બોલ્યો’ હતો. કમરમાં ગલી થઈ એટલે સરલા જરા દૂર હઠી. બહેનપણી પણ શી ખબર, બધું જ જાણતી હોય એમ અચાનક જ આ બન્ને તરફ મોં ફેરવીને હસી પડી.અને બોલી : “જરા વડીલની તરફ આમન્યા રાખો !’ ‘વડીલ’ શબ્દ સાંભળીને ત્રિભુવન મૂંઝવણમાં પડી ગયો હતો; એટલે પેલી બોલી હતી : “હું સરલા કરતાં ત્રણ મહિને મોટી છું.વડીલ નહિ ? ‘ કહીને બનાવટી ગંભીરતા ધારણ કરતાં કરતાં ઊંઘવાનો ઢોંગ કરીને આંખો બંધ કરી ગઈ હતી.

    ત્રિભુવને એ વખતે સરલાને કહ્યું હતું : “તારી બહેનપણી સમજદાર લાગે છે.”

    ‘તારી થનારી પાટલા સાસુ !’ સરલાએ બોલીને સહેજ કોણી ત્રિભુવનના પડખામાં મારી.

    બસ, એ જ વખતે બસે તીવ્ર વળાંક લીધો. ફરી ત્રણે સીટમાં બેઠે બેઠે જ ખળભળી ગયાં. ફરી રોમાંચની લહેર દોડી ગઈ. અને એટલામાં જ બસ ઊભી રહી.

    ત્રિભુવને ચા-પાણી પીવા માટે નીચે ઊતરતા ઊતરતા બન્ને બહેનપણીઓને પૂછ્યું હતું : “ભજિયાં-બજિયાં ખાવાં છે ? લઈ આવું ?”

    “નથી ખાવાં ભજિયાં.’ પેલી બહેનપણી ટોળમાં બોલી : “હવે જલદી લાડવા ખવડાવો એટલે..’

    એ ખડખડાટ હાસ્ય, એ કોમળ માંસલ સ્પર્શ અને એ સંકેતો અને મીઠી મજાકની એ પ્રેમભરી છાલક બધું જ આજે પચ્ચીસ વરસના અંતરાલે પણ એવું ને એવું જ યાદ. જાણે કે હમણાં જ અહીંથી પસાર થયેલી મઘમઘતી અગરબત્તીની તરબતર કરી નાખનારી સુગંધ.

    ફરી ત્રિભુવને બારી તરફ જોયું. “મિસ્ટર’ ઘસઘસાટ ઊંઘતો હતો. આ આજની ઊંઘ જ દુનિયાનું સર્વશ્રેષ્ઠ સુખ હોય એ રીતે ! એક ક્ષણ માત્ર એક જ ક્ષણ ત્રિભુવન જાણે કે પોતાના શરીરની બહાર નીકળી ગયો અને એ માણસના શરીરમાં પ્રવેશ્યો. એક જ ક્ષણ એને એવું લાગ્યું કે મફલરના ત્રણ-ચાર આંટા માથા ફરતે મારીને સૂઈ ગયેલી વ્યક્તિ એ પોતે જ છે, પણ એ તો ફક્ત એકાદ ક્ષણ જ. બીજી જ ક્ષણે એને એ ગાંડા વિચાર પર હસવું આવ્યું. અરેરે, પોતે એ જગ્યાએ ક્યાંથી હોય ? હોત ? હોત તો ?

    હા, ‘ફોવા’ને કાંઠે આવી ગયો હતો એક વાર. સરલાને પ્રથમ વાર જોયા પછી માત્ર ચાર જ વર્ષમાં એ મુકામ આવી ગયો હતો.માત્ર લગ્નનો ઉંબર જ ઓળંગવાનો બાકી હતો. તો આજે પેલી બારીવાળી વ્યક્તિની જગ્યાએ પોતે હોત.અને સરલાના ખોળામાં સૂતેલું બાળક પોતાના લોહીનું હોત. સુંદર મજાનું એ હોત કારણકે સરલા તો બહુ જ સુંદર, પણ પોતે પણ ક્યાં કાંઈ કમ ? જ્યારે અત્યારે સરલાના ખોળામાં સૂતેલું બાળક કેવું હશે ? ન જ હોય, સુંદર ન જ હોય એવો એક કડવી પણ કરવી ગમી એવી વાંછનાનો ભાવ મનમાં જન્મી ગયો. એ સાથે જ એણે ફરી પાછળ ડોક કરીને નજર કરી અને સરલા તરફ જોયું. એ હજુ પણ નિષ્પલક નજરે ચશ્માંમાંથી એની સામે જ જોયા કરતી હતી. બંધ હોઠ કશુંક બોલવા માટે થરકતા હતા એમ લાગ્યું.

    ત્રિભુવને સફસા જ એના ખોળામાં સૂતેલા બાળક તરફ નજર કરી. છોકરાનું મોં તો જોઈ ન શકાયું. માત્ર ગરદન પરથી શાલ ખસી ગઈ હતી એટલો જ ભાગ જોવાયો. અંદાજ આવી જાય છે. ત્રિભુવને વિચાર્યું : સાવ ઓર્ડીનરી લાગે છે. મનમાં જરી ટાઢક અનુભવી. પેલા બરછટ લાગતાં માણસ પર જ ગયા હોય ને બાળકો ! બાકી સરલા તો કેટલી સુંદર. આ ચશ્માં તો હમણાં આવ્યાં હશે.’

    અઢાર વરસની ઉંમરથી સુંદર સ્ત્રીઓ ઉપર આંખ ઠરવા માંડી હતી પણ કદી કોઈને રસ્તામાં ઊભી રાખીને વાત કરવાની જિગર થઈ નહોતી, પણ કોણ જાણે શું થયું આ સરલાની બાબતમાં.

    સ્ટેશને જતા રસ્તા ઉપર એ ચાલી જતી હતી. બન્ને બાજુ એની અનુચરીઓ લાગે તેવી બહેનપણીઓ. સાઈકલ ઉપર સાવ નજીકથી પસાર થઈ ગયા પછી ત્રિભુવને તરત બ્રેક મારીને સાઈકલ ઊભી રાખી હતી કારણ કે નજર ક્યાંયથી અથડાઈને એવી રીતે પાછી વળી હતી કે ભીતર ને ભીતર ખળભળાટ મચી ગયો હતો.જોઈ હતી તો માત્ર એની કમ્મર જ, પણ કાંઈક પાગલ કરી નાખનારું એવું એમાં હતું. એનો કુંજાની ગરદન જેવો ઘાટ ? કે કથ્થઈ સાડીની પડછે ઊપસતો ગૌર વર્ણ ? કે એની ચાલ ? કે કોઈ અદ્રશ્ય ચુંબક જેવો પ્રભાવ ? ગમે તેમ પણ ત્રિભુવન ઊભો રહી ગયો. પાછો વળ્યો ને નજર મેળવી, પણ સરલાની આંખમાં રોષનો લાલ દોરો જોયો કે ફરી એણે સ્ટેશન તરફ સાઈકલનું પેડલ માર્યું. આગળના દાંડા ઉપર એનો નાનો ભાઈ બેઠો હતો.

    એણે પૂછ્યું : “શું થયું ભાઈ ?’

    ત્રિભુવન બોલ્યો, “કશું નહીં, જરા જોતો હતો કે કોણ છે ?’

    નાનો ભાઈ બોલ્યો કે “હું ઓળખું છું. આફ્રિકાના ટોરોરોથી હમણાં જ આવી છે. આપણી ન્યાતની જ છે. પેલા ચંપક શંકરની પેઢીવાળા છોટુભાઈ નહીં ? એની આ ભાણી.”

    ત્રિભુવનના મનમાં આ સાંભળીને તરત જ જાણે કે પહેલા વરસાદનો ટાઢો છાંટો પડ્યો, “ત્યારે તો કહે ને કે આપણી ગલીથી ચોથી જ ગલીમાં.” આ પછી સાઈકલ ફરી ઊભી રાખીને એને નાનાભાઈને એક પાનપટ્ટી  ખવડાવી અને પાનની દુકાનના લાંબા અરીસામાં ટીકીટીકીને પોતાના પ્રતિબિંબને જાણે કે પહેલી જ વાર જોઈ લીધું: કેવી લાગે જોડી પેલીની સાથે ?

    બહુ આકસ્મિક રીતે પછી એ જોડી જમાવવાની વાત આગળ ચાલી. મા-બાપ વચ્ચે એક દિવસ મોડી રાતે થયેલી વાતચીત એના કાને પડી હતી. બા કહેતી : “આ માગશરે ત્રિભુવનને ચોવીસમું બેઠું. હવે શું કરવા મોડું કરવું ? તમારું તો લોહી જ ધગતું નથી.’

    “હં…” બાપાનો ભારે રણકતો અવાજ આવ્યોઃ “હું તને કહેવાનો જ હતો…. પેલી છોટિયાની ભાણી તને કેમ લાગે છે ? હાલ આફ્રિકેથી આવી છે એ ?’

    ત્રિભુવનની છાતી જાણે કે એક થડકારો ચૂકી ગઈ. બા-બાપુજી સરલાની વાત કરતાં હતાં ?

    “એની મામી તો આપણો ઉંબરો રોજ ટોચે છે, પણ તમને ટાઈમ હોય તો વાત કરું ને ?”

    “તને ગમે છે ? એ કહે ને !’ બાપા બોલ્યા હતા : “મને ઠપકો પછી આપવાનું રાખ.”

    “છોડી જોઈને મારી તો આંખ ઠરે છે.’ મા બોલી હતી : “રંગરૂપે આરસની પૂતળી જેવી છે. ભણેલી છે. કામેકાજેય ટંચન છે. વળી આપણે ભાણે ખપતી કન્યા છે. બીજું શું જોવે ?”

    ત્રિભુવન એ આખી રાત સૂઈ શક્યો નહોતો. પડખાં ઘસતો રહ્યો હતો. ઉત્તેજનાથી ઊંઘ ઊડી ગઈ. કેવું કહેવાય,નહીં ? મનનું પંખી જે ડાળે બેઠું હતું એ જ ડાળની વાત થતી હતી ! અને એ પણ માળો બાંધવા માટે.

    ત્રણ જ દિવસ પછી જ્ઞાતિનો મેળાવડો હતો. નાના,મોટા, સ્ત્રીઓ, બાળકો, વડીલો સૌ ભેગાં થયાં હતાં.અત્યારે યાદ નથી આવતું. જમણવાર જેવું કશુંક હતું. બસ બીજું કશું નહોતું. ખાસ કશું બન્યું પણ નહોતું. એટલું જ બન્યું હતું કે એ સાંકડી-લાંબી પરસાળને પેલે છેડેથી ચાલી આવતી હતી અને ત્રિભુવન આ છેડેથી. બંને અધવચ્ચે ભેગાં થઈ ગયાં. ભીંતની ઊંચેની વાબારીમાંથી ઢળતી બપોરનો પ્રકાશ અંદર પડતો હતો. બન્ને ખચકાઈને અર્ધી મિનિટ માટે ઊભાં રહી ગયાં.

    તે દિવસની જેમ સરલા આજે પણ કોરે કપાળે હતી, પણ આંખમાં તે દિવસે રોષનો લાલ દોરો હતો તે ગાયબ હતો. આંખનાં નર્યા શુભ્ર પટમાં ગોળ ગોળ કાળી કાળી કીકીઓ ક્ષણભરને માટે ત્રિભુવન પર સ્થિર થઈ, ન થઈ ને ઢળી ગઈ. કદાચ થનારી સગાઈની વાત એના સુધી પણ પહોંચી ગઈ હતી. કશું જ નહીં છતાં વગર આશ્લેષે એ આશ્લેષનો લજ્જા ભરેલો કંપ અનુભવી રહી હોય એમ લાગ્યું. માત્ર અર્ધી જ મિનિટ. પછી બન્ને યંત્રવત પોતપોતાની દિશાએ આગળ ચાલ્યાં છતાં, પણ ફરી એક વાર બન્નેએ પાછી ડોકી કરીને જોયું -એક જ ક્ષણે.

    ત્રિભુવનથી ફરી ઊંડો નિઃશ્વાસ નખાઈ ગયો. શા માટે આજે પચ્ચીસ-છવ્વીસ વરસે એ બધું યાદ આવે છે ! આજે તો બાવન ઉપર થયાં હવે તો તમામ લાગણીઓ થીજી ગયેલા સરોવર જેવી થઈ ગઈ. પહેલાં વીજળીના તાર પરથી પટકાઈને મરી જતું કબૂતર જોઈને મોઢામાં મોળ ચડતી. હવે ટ્રક નીચે છૂંદાઈ મરેલા સાઈક્લિસ્ટને જોઈને પણ તરત લગ્નનું જમવા જઈ શકાય છે. કશું જ થતું નથી. આનંદ છે. શો વાંધો છે આપણને ! શા માટે બળ કરી કરીને સ્મૃતિમાંથી બધું બહાર આવે છે ? એને અટકાવવું જોઈએ.

    પણ સરલાએ તો પછી શા માટે આમ ચાલુ બસે દબાયેલા અવાજે પણ એને ઢંઢોળ્યો ? શું કાંઈ કહેવા માગતી હશે ?

    એણે ફરી વાર બારીને અઢેલીને સૂઈ રહેલા ‘સુખી’ માણસ તરફ એની નજર ફેંકીને જોયું. અને એટલી જ વારમાં કલ્પના કરી : સરલા પણ હવે આંખ બંધ કરીને સૂઈ ગઈ હશે નક્કી. પણ ના, એ હજુ પણ જાગતી હતી. ત્રિભુવને નજર કરી એ વખતે જ એણે નાક પરથી ચશ્માં કાઢીને હાથમાં લીધા. એ સાથે જ પચ્ચીસ વરસ પહેલાંની એની ચશ્માં વગરની સુરત ઝબકારાની જેમ તરવરી ગઈ. પહેલા તો માત્ર જીભથી એ બોલી હતી. હવે પૂરા ચહેરાથી બોલવા માંડી.

    ત્રિભુવને ફરી બારી તરફ ચોરનજર ફેંકીને કેવળ નેણના ઈશારે જ પૂછ્યું : “શું છે ?”

    ફરી સરલાએ નાકે આંગળી મૂકીને ડરથી બારી તરફ જોયું. ત્રિભુવન લાઈલાજ થઈ ગયો. અદબ વાળીને બેસી ગયો. વગડા પર ફેંકાતા લાઈટના શેરડામાં પ્રગટ થતી અને અંધારામાં બીજી જ ક્ષણે ગરક થઈ જતી ઝાડીને જોઈ રહ્યો. સરલા અને એની બહેનપણી સાથે અમદાવાદ આ જ બસમાં પચ્ચીસ વરસ અગાઉ જતો ત્યારે રસ્તો જલદી ખૂટી ગયો હતો. આખી રાત માણેલી સ્પર્શ-સમાધિ બહુ જલદી તૂટી ગઈ હતી. પણ આજે કેમ રસ્તો છેડા વગરનો લાગે છે ?

    આજે પણ એમ જ હોત. એને વિચાર આવ્યો કે જો સરલા એની બાજુમાં બેઠી હોત. શ્વાસોચ્છવાસ પણ સંભળાઈ શકે એટલી નિકટ. અને કોઈ બાળક એ બન્નેના ખોળામાં લંબાઈને નીંદર ખેંચતું હોત તો આ બધું જ જુદી જ ભાતમાં, જુદાં જ રંગમાં હોત. જિંદગી જુદા જ માર્ગે ફંટાઈ ગઈ હોત.

    કલ્પના વધુ આગળ દોડી જાય ત્યાં જ એક સવાલ, માત્ર મનમાં જાગેલા એક જ સવાલથી એની ગતિ ખોડંગાઈ ગઈ. કેમ, આ બધું જીવનમાં ના બન્યું ? કેમ ? શો વાંધો પડ્યો હતો ?

    કોઈનો ક્યાંય કશેથી વિરોધ નહોતો. અરે, સાથે ફરવા જવાની છૂટનો એ જમાનામાં પણ પૂરેપૂરો લાભ લીધો હતો. એ દિવસો અને એ રાત્રીઓ. એ દરિયા કિનારાની ચાંદની રાતો અને ગુલાબી ઠંડીના ચમકારામાં, વસંતની સુગંધી હવામાં અને વર્ષાની ઝરમરતી સાંજોમાં બન્ને પૂરેપૂરાં, પૂરેપૂરાં પલળ્યાં હતાં. અને એમાં જ પરસ્પરની ચાહના પરકાષ્ઠાએ પહોંચી ગઈ હતી. જાણે કે કોઈ જ્વર ચડ્યો હતો. સગાઈ અને લગ્ન થયાં નહોતાં. બસ એ જ અવરોધ નડતો હતો… નહીંતર બન્ને બહારગામ ફરવા ઉપડી ગયાં હોત.

    તો પછી વાંધો ક્યાં પડ્યો હતો ? ત્રિભુવને જાતને પૂછ્યું. એને પાછળથી બારીમાંથી ઠંડી હવા બરછીની જેમ કૂંકાતી હતી એટલે એને મુઠી મારી મારીને બારીને બંધ કરી.અને ફરી જાતને જ સમજાવી. જવા દે ને એ બધી વાત ! છોડ….છોડ..

    પછી યાદ આવ્યું. ધૂળને રાખ જેવો વાંધો. કોઈ ઝઘડો, કોઈ ટંટો કે ક્લેશ નહીં. કોઈની ચડવણી કે કોઈ ત્રીજો ખૂણો પણ નહીં. કોઈની ચાડિયાગીરી કે ચાંચિયાગીરી પણ નહીં. તો હતું શું?

    એક દિવસ સિનેમા જોઈને પાછાં આવતાં હતાં ત્યારે નાનકડો તણખો જન્મ્યો હતો. મોડી રાતે છૂટીને ચાલતાં ચાલતાં પાછાં આવતાં હતાં ત્યારે સરલા અમસ્તું જ બોલી હતી : “આ ફિલ્મવાળા પણ ખરા છે. છેવટે નાટકિયાવેડાં કરાવ્યે જ છૂટકો કર્યો.”

    “કેમ ?’ ત્રિભુવને પૂછ્યું હતું.

    “આ હીરો-હીરોઈનનો પ્રેમ સાચો, પણ કોઈ કારણસર જુદા પડી ગયાં તે પડી ગયાં. એના વગર છોકરી જિંદગી આખી સોરાય એ પણ ઠીક, પણ એમ કોઈ છોકરી જીવ થોડો કાઢી દે ? મરી થોડી જ જાય ?”

    “કેમ ના જીવ કાઢી દે?” ત્રિભુવન બોલ્યો: “હદયનો સાચ્ચો પ્રેમ કોને કહેવાય ? અરે, એવું ના બને તો જ નવાઈ કહેવાય. પ્રેમને પ્રાણ સાથે જ જાય. સ્ત્રીના તો ખાસ.”

    સરલા કશું બોલી નહોતી. સાડીના છેડાને વળ ચડાવતાં ચડાવતાં એણે જરીક જરીક જ ઉપલો હોઠ મચકોડ્યો હતો. એનાથી જ કે પછી કદાચ અમસ્તાં અમસ્તાં જ ત્રિભુવનના મનમાં સળવળાટ સળવળાટ થઈ ગયો હતો. કશું પણ આગળ ન બોલવા એણે બહુ પ્રયત્ન કર્યો. રિક્ષાવાળાની દાદાગીરીની કે પછી આઈસ્ક્રીમની અને એવી વાતની આડી પાળ બાંધવા પ્રયત્ન પણ કર્યો, પણ અંતે કડવી વાત જીભ પર આવી જ ગઈ. એ બોલ્યો હતો : “સાચું કહે . તું એની જગ્યાએ હો તો શું કરે ?”

    સરલા બોલી નહીં. રસ્તા ઉપર આગળ આગળ ચાલી રહી.

    ત્રિભુવનના અવાજમાં થોડી બરડતા આવી : “તને મારા વગર ત્યારે ચાલે ખરું એમ ને ?”

    ફરી સરલા બોલી નહીં. માથાને ઝટકો આપીને આગળ ચાલતી રહી.

    “ત્યારે….’ ત્રિભુવનના અવાજમાં તપારો આવ્યો : “પ્રેમની, વિરહની, અગ્નિની ને ઝૂરવાની ને એવી બધી વાતો ખાલી બોલવાની, એમ જ ને ?”

    સરલા એકદમ,અચાનક ઊભી રહી ગઈ. એની નજરમાં એક ધાર…. એક અણી…એક લાલ રેખા આવી ગઈ : ” પ્રેમની વાત બનાવટ છે એમ હું કહેતી નથી. છતાં તારે એમ સમજવું હોય તો સમજ. મને વાંધો નથી. મારું તો માત્ર એટલું જ કહેવાનું કે આ દુનિયામાં કોઈને કોઈના વગર ન ચાલે ને એના વગર મરી જાય એવું નથી. શું સમજ્યો ?”

    ત્રિભુવનના મનમાં ઝાંઝ ચડી ગઈ. ચહેરો તમતમી ગયો. એનાથી બોલાઈ ગયું : “ઠીક ત્યારે, જીવી જજે મારા વગર, બસ ?”

    આટલી વાતમાં તો સરલાનું ઘર આવી ગયું. ડેલી સુધી તો એ આવ્યો, પણ હંમેશની જેમ પાણી પીવા પણ એ અંદર ન ગયો. સરલાને મનમાં ઘણું થયું હશે કે એને પાછો વાળે, મનાવી લે, પણ જીભ પર વ્યાપેલી વેણની કડવાશને જેમ ઊલ ઉતારે તેમ ઉતારી શકાઈ નહીં. એણે ડેલીનું બારણું અંદર જઈને જરા જોરથી બંધ કરી દીધું. કદાચ બોલી પણ હશે :  “ત્યારે શું વળી ? બધું એ કહે એમ પોપટની જેમ બોલી બતાવવાનું ?’

    આ વાક્ય ત્રિભુવને સાંભળ્યું નહોતું. કદાચ ન પણ બોલી હોય,પણ ત્રિભુવનના મનમાં બરાબર આ જ વાક્ય ઊગી ગયું હતું.

    આ સાવ નાનકડી, પણ ઝેરના બી જેવી વાત યાદ આવતાં આટલાં વરસે પણ ત્રિભુવનનું મોં કડવાશથી છલોછલ થઈ ગયું. શા માટે પોતે આમ વર્ત્યો ? શા માટે માટે બીજે દિવસે જઈને એને મનાવી ન લીધી ? શા માટે સરલા જ સામે ચાલીને મનાવવા આવે એવી દિવસો સુધી રાહ જોયા કરી ? શા માટે પછી સરલા જ્યાં આગળ ભણવા ચાલી ગઈ ત્યાં જમશેદપુરનું સરનામું મેળવીને એને પત્ર ન લખ્યો ? શા માટે પોતે કમાવા માટે બરાડ ચાલ્યો ગયો ?

    ઓહ, કેટલા બધા “શા માટે ?”ની લંગાર ? પીડાથી એની આંખો બંધ થઈ ગઈ. પાછળ છોડી દેવાયેલા અંધકારમાં ગરક થઈ ગયા એ બધા પ્રશ્નો. હવે શું છે ? આજ આટલાં વરસે આ બસમાં એ અચાનક મળી ગઈ એટલે ને ! નહીંતર ક્યાં છાતીમાં કદી દુખતું હતું ? ક્યાં સળવળાટ પણ થતો હતો ? યાદેય ક્યાં કદી આવતું હતું ?

    એકાએક નાનકડા સ્ટોપ પર બસ ઊભી રહી. રાતના બે વાગી ગયા. માત્ર વિચારોમાં જ. એક પણ મટકું માર્યા વગર. શા માટે ?

    બસ ઊભી રહી અને સૌ ચા-નાસ્તા માટે નીચે ઊતરવા માંડ્યા. કદાચ આ એ જ સ્ટેન્ડ હતું જ્યાં પચ્ચીસ વરસ પહેલાં પણ ભજિયાં વખણાતાં હતાં. અને ત્રિભુવન નીચે ઊતર્યો હતો. અને બન્ને બહેનપણીઓને પૂછ્યું હતું : “ભજિયાં-બજિયાં ખાવા છે ?”

    હમણાં જ બોલાયા હોય એવા શબ્દો હજુ કાનમાં પડઘાય છે. શા માટે ? એટલામાં સરલાનો પતિ પણ ઊભો થયો. ગળાનું મફલર ઓટોગોટો વાળીને જગ્યા પર મૂક્યું. સરલાની નજીક આવ્યો.

    ત્રિભુવનના કાન પાછળ જ મંડાઈ ગયા. પેલાએ પૂછ્યું : “ખાવા છે ભજિયાં તારે ? લઈ આવું ?”

    સરલાએ ઉધરસના ઠસકા સાથે ના પાડી એ ત્રિભુવને સાંભળી. પેલો આગળ ચાલ્યો ને બસના બારણામાંથી નીચે ઊતરતો હતો ત્યાં ત્રિભુવનથી પાછળ ડોક કરીને એના ભણી જોવાઈ જ ગયું. વિચિત્ર સિલાઈના સાવ જુનવાણી, મોળિયા ચડાવેલા ચોળાયેલા પેન્ટમાં એ સાવ સખળડખળ અને અષ્ટાવક્ર લાગતો હતો. એક પગ એક દિશામાં પડતો હતો ને બીજો બીજી દિશામાં. અરે, ત્રિભુવનના મનમાં કંપારીની જેમ વિચાર જન્મ્યો. ક્યાં સરલા ? ક્યાં આ ? જમશેદપુર જઈને ભણી કારવીને પરણી, તે શું આની સાથે ? આની સાથે પગલે પગલું મેળવ્યું. અને ઘરસંસાર ચલાવ્યો આટલાં વરસ ? કપાળે આનો ચાંદલો કર્યો ? આનાં છોકરાંને જન્માવ્યાં ? આના રોટલા ટિપ્યા ?

    નીચે ઊતરીને પેલો લૂશલૂશ ભજિયાંના ડૂચા મોંમાં મૂકીને ઢોર માથું ધુણાવતાં ધુણાવતાં નીરણ ચાવે એમ ચાવતો હતો ને અવળા હાથે વારંવાર કોટની બાંયથી હોઠ લૂછ લૂછ કરતો હતો.

    શું આ સરલાનો “ધણી” હતો ? આને સરલાએ પ્રેમ કર્યો હશે ? કે આણે સરલાને પ્રેમ કર્યો હશે ?

    સરલાનું શિલ્પ જેવું શરીર આના માટે હતું?

    “સરલા,” એણે પાછળના હાથ ટેકવીને સરલા તરફ જોયું : “એક વાત પૂછું ?”

    સરલા એની સામે તાકી રહી.

    “પૂછું છું.” એ બોલ્યો : “સુખી તો છો ને આ માણસ સાથે ?”

    સરલાની આંખમાં અનેક ભાવ ઊમટી આવ્યા. એ કશું બોલી નહીં.

    “સાચું કહેજે સરલા,” એણે પૂછ્યું : “ભલે પરણ્યા છે, પણ પ્રીતિ ઊપજી શકી આ માણસ ઉપર?”

    “કોઈ સવાલ, કોઈ જ સવાલ ન પૂછો મહેરબાની કરીને.” એકદમ સાવ અબળા બનીને સરલા બોલી : “મને સવાલોનો બહુ ડર લાગે છે.’ વળી થોડી વારે ધીમો ધીમો કંપ અનુભવતા એના હોઠમાંથી શબ્દો સર્યા : “એમણેય મને કદી આવું પૂછ્યું નથી. પૂછ્યું હોત તો…”

    એના કપાળે કરેલા મોટા ચાંદલા સામે જોઈને ત્રિભુવને પૂછ્યું : “તો તો શું થાત, સરલા?”

    ખોળામાં સૂતેલા છોકરાના માથાના વાળમાં આંગળીઓ ફેરવતાં એ એકદમ છળી ગયેલી સ્ત્રીના અવાજે બોલી : “તો મારું બીજું ઘર ભાંગત.”

    પછી સામેથી ‘ઘરવાળા’ને ચાલ્યો આવતો જોઈને એણે આંખે ચશ્માં ચડાવી લીધાં.


    લેખક સંપર્ક –

    રજનીકુમાર પંડ્યા.,
    બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
    મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

  • દોડવીર

    વલીભાઈ મુસા

    ગામ આખાયનાં પ્રત્યેક ઘરમાંથી લગભગ તમામે તમામ આબાલવૃદ્ધ ગ્રામજનો વહેલી સવારથી જ ગામની ભાગોળે એકત્ર થવા માંડ્યાં હતાં. પારણામાં ઝૂલતાં બાળકોને તેમની માતાઓ કેડે તેડીને પણ ભાગોળે ચાલી આવી હતી. અપવાદરૂપે જે ઘરે પાલતુ પશુઓ હતાં તે ઘરનું એકાદ મોટેરું ભાગોળે આવી શક્યું ન હતું. તેમને એક જ સમયે એક ખાસ પ્રકારની કામગીરી બજાવવાની હોઈ તેઓ આવી શકે તેમ ન હતાં. તેમને પણ અફસોસ તો હતો જ કે જવલ્લે જોવા મળી શકે તેવો ગામની ભાગોળે બરાબર નવ વાગ્યાના સમયે દૃશ્યમાન થનાર એવો એક નજારો તેઓ જોઈ નહિ જ શકે!

    જેનો કૃષિ જ મુખ્ય વ્યવસાય છે તેવા આ ગામના ખેડૂતો સાંજે પોતાનાં દૂધાળાં ઢોર ઘરે લાવી દેતા હોય છે. વ્હેલી સવારે ગાયભેંશો દોહી લીધા પછી લગભગ સાતેક વાગે તેમને ખીલેથી છોડી દેવામાં આવતી હોય છે, જે પૈકીની કોઈક આપમેળે તેમના માલિકોનાં ખેતરે જાય તો વળી કોઈક નદીકાંઠે ચરવા જાય. ગામની ભાગોળની ભૂગોળને થોડીક સમજી લઈએ તો ગામના બધાજ રસ્તા ભાગોળને જઈને મળે છે. ત્યાંથી દક્ષિણે એક સીધો રસ્તો નદી તરફ જાય છે અને પછી થોડાક અંતરે પૂર્વ અને પશ્ચિમ તરફ ખેતરો તરફ જવાના બે રસ્તાઓ આવે છે.

    રસ્તા ઉપરના કોઈ ખેલને જોવા માટે ટોળે મળેલા લોકો વર્તુળાકારે ઊભા રહે, પણ અહીં બધાં ઉત્તર-દક્ષિણ દિશાના રસ્તાને ખુલ્લો છોડીને રસ્તાની પૂર્વ અને પશ્ચિમ દિશાએ હકડેઠઠ ઊભાં હતાં. સર્કસના કોઈ ખતરનાક ખેલને પણ ટપી જાય તેવો વાસ્તવિક અને છતાંય ભયાનક એવો એક પ્રયોગ અહીં થવાનો હતો. આ પ્રયોગ થવા કે ન થવા દેવાના મુદ્દે ગામ આખું શરૂઆતમાં તો બે વિભાગમાં વહેંચાઈ ગયું હતું, પણ પ્રયોગના નાયકના જીવને કોઈ જોખમમાં ન મુકાવું પડે તેવી સલામત વ્યવસ્થા વિચારાઈ જતાં લોકોમાં સર્વસંમતિ સધાઈ ગઈ હતી.

    આ ખતરનાક પ્રયોગનો નાયક થવાનો હતો, તેરચૌદ વરસનો એક છોકરો કે જેનું નામ અરજણ હતું. ગામની ભાગોળના ઉત્તર-દક્ષિણ રસ્તાની વચ્ચે એક મોટી ખદ્દડ જેવી જાજમ ઉપર તેને બેસાડવામાં આવવાનો હતો. જાજમના ચારેય છેડે મોટાં દોરડાં બાંધવામાં આવ્યાં હતાં. એ દોરડાંને પાંચપાંચ-સાતસાત માણસોએ પકડી રાખવાનાં હતાં અને તેમને આઠદસ ફૂટ જેટલા ઊંચા ઊભા કરેલા માંચડાઓ ઉપર ઊભા રાખવામાં આવવાના હતા. વાંદરાં ભગાડવા માટેની બંદુકના ભડાકા સાથે છોકરા સમેત પેલી જાજમને ઊંચકી લેવાની પાંચસાત કવાયતો આગલા દિવસે સાંજે થઈ ચૂકી હતી. આ કવાયતો વખતે જાજમ ઉપર બીજા એક અવેજી (Dummy) છોકરાને બેસાડવામાં આવ્યો હતો. પ્રયોગના મૂળ નાયક એવા અરજણને તો હજુ સુધી ખબર સુદ્ધાં પણ ન હતી કે તેના ઉપર પછીના દિવસે એક ખતરનાક પ્રયોગ થવાનો હતો. આગલા દિવસે તેને બાજુના ગામે તેના મામાના ત્યાં મોકલી દેવામાં આવ્યો હતો અને પ્રયોગના દિવસે તેના મામા તેને ઘોડા ઉપર પોતાના ખોળામાં બેસાડીને સવારના નવ વાગવાના થોડાક જ સમય પહેલાં તે સ્થળે લાવવાના હતા.

    આ પ્રયોગના હિમાયતી અને સંચાલક હતા, સ્થાનિક નિલકંઠ મહાદેવ મંદિરના મહંત દ્વારકાગીરી મહારાજ. ગામની હિંદુમુસ્લીમ ઉભય કોમમાં માન અને આદરને પાત્ર એવા મહારાજ અરજણની કહેવાતી વિકલાંગ સ્થિતિથી તેના જન્મસમયથી જ સુવિદિત હતા. તાજેતરના કુંભમેળામાં હાજરી આપીને અલ્હાબાદથી પાછા ફરેલા મહારાજ તેમના વડાગુરુ પાસેથી અરજણની સમસ્યાનો સંભવિત ઉકેલ જાણી લાવ્યા હતા અને આમ તેમની રાહબરી અને સંચાલન હેઠળ આ પ્રયોગ થવાનો હતો. અરજણની માતા તો માતૃપ્રેમવશ ઘરવાળાં અને મહારાજને કાકલૂદીઓ કરીને વિનવી ચૂકી હતી કે પોતાના વ્હાલસોયાની જિંદગીને જોખમમાં મૂકવામાં ન આવે, પણ અરજણના ભવિષ્ય માટે ચિંતિત એવા તેના પિતાની મક્કમતા આગળ તેમણે શરણાગતી સ્વીકારવી પડી હતી.

    નવ વાગવાને થોડીક વાર હતી અને તે પહેલાં મહારાજે ફરી એકવાર પ્રયોગ દરમિયાન દરેકે બજાવવાની કામગીરીને સમજાવી દીધી હતી. અરજણના મામાએ સમયસર તેને પ્રયોગના સ્થળે લાવી દીધો હતો. જ્યારે તેને પેલી જાજમ ઉપર બેસાડવામાં આવ્યો, ત્યારે ચોતરફ નજર કરતાંની સાથે જ  લોકોની જામેલી ભીડ અને તેમના કોલાહલથી અરજણ હેબતાઈ ગયો હતો. બરાબર નવ વાગ્યા અને મહારાજે આંગળી ઊંચી કરતાં ભીખાજી ઠાકોરે આકાશ સામે બંદુકનું નાળચું માંડીને ભડાકા કરવાનું શરૂ કર્યું અને ત્રીજા જ ભડાકે દસબાર ઢોલીઓએ બુમિયો ઢોલ વગાડવો શરૂ કરી દીધો. બુમિયા ઢોલનો અવાજ શરૂ થતાં જ પોતાનાં ઘરોમાં રોકાઈ રહેલાં ગામલોકોએ એક જ સમયે અને એકી સાથે પોતપોતાનાં ઘરોનાં ઢોરોને ખીલેથી છોડી દીધાં હતાં. ગામની ભાગોળે સમુદ્રની ભરતીથી ઊછળતાં અને કિનારા તરફ ધસી આવતાં મોજાંની જેમ બે એક કલાકના વિલંબ પછીથી પોતપોતાના ખીલેથી છોડવામાં આવેલાં એ ઢોર ચારે પગે ઊછળતાં પોતાની પ્રકૃતિ મુજબ અરજણ તરફ ધસી આવતાં હતાં. લોકો ચિચિયારીઓ પાડતા હતા અને પોતાનો શ્વાસ થંભી જાય તેવી હેરત અને ઉશ્કેરાટભરી મન:સ્થિતિએ તેઓ પ્રયોગનો અંજામ જોવા તલપાપડ બની ગયા હતા.

    પણ, આ શું? કોઈ ચમત્કાર થયો કે કેમ, પણ બચપણથી તેરચૌદ વરસની પોતાની વય સુધી ભાંખોડિયાંભેર ચાલનાર એ જ અરજણ  પોતાના તરફ ધસી આવતાં ટોળાબંધ એ પશુઓ પોતાને ચગદી નાખશે તેવો ભય પામતાં કાળજું કંપાવતી ચીસ પાડીને ટોળાની આગળ પોતાની સાડીના પાલવને પોતાના મોંઢા આગળ દબાવી રાખીને ચોધાર આંસુએ રડી રહેલી તેની માતા તરફ દોડી ગયો. માતાએ તેને બાથમાં લઈ લીધો અને ગામની એ ભાગોળ લોકોના હર્ષનાદથી ગુંજી ઊઠી.

    મહારાજની ધારણા મુજબ પ્રયોગનું સુખદ પરિણામ આવ્યું અને તેથી જ તો સંભવિત કટોકટીને અનુલક્ષીને કરવામાં આવેલી પૂર્વતૈયારીઓ મુજબ ન તો મહારાજે પોતાની આંગળી ઊંચી કરવી પડી, ન તો પેલા બંદુકધારીએ ચેતવણી માટેનો બંદુકનો ભડાકો કરવો પડ્યો કે પછી ન તો જાજમના ચારે છેડાઓનાં દોરડાં પકડી રાખનારાઓએ દોડી આવતાં ઢોરોથી બચાવવા માટે અરજણને જાજમ સમેત ઊંચકી લેવો પડ્યો હતો!

    મહારાજની સૂચનાથી ટોળે વળેલા માણસો સભામાં ફેરવાઈ ગયા. અરજણે હર્ષ અને રૂદન મિશ્રિત ચહેરે મહારાજના ચરણ સ્પર્શ્યા. અરજણના પિતાની વિનંતીથી મહારાજે પોતાના વડાગુરુની આ પ્રયોગ કરવાની સલાહ અંગેની વાત કહી સંભળાવી. વડાગુરુને અરજણના સઘળા કેસથી વાકેફ કરવામાં આવ્યા હતા. હાડકાંના ડોકટરો અને હાડવૈદો, મજ્જાતંતુઓના નિષ્ણાત ડોક્ટરો અને મનોવૈજ્ઞાનિકોએ અરજણના પિતાને પોતપોતાના સ્પષ્ટ અભિપ્રાયો આપી દીધા હતા કે અરજણને કોઈ શારીરિક કે માનસિક તકલીફ ન હતી. આ બધું જાણ્યા પછી વડા ગુરુનું અનુમાન હતું કે અરજણ બાળવયે જ ઊભા રહેવાનું કે ચાલવાનું શીખતાં પડી ગયો હશે અને આમ તેના મનમાં પડી જવાના ભયની એક કાયમી ગ્રંથિ બંધાઈ ગઈ હશે. વડાગુરુએ અરજણને તેના આ લઘુ ભયમાંથી મુક્ત કરવા તેને મોટા ભયનો આંચકો આપવાની મનોવૈજ્ઞાનિક થેરાપી વિચારી હતી.

    આ પ્રયોગ વખતે હાજર એવા અરજણના માધ્યમિક શાળાના વ્યાયામ શિક્ષકે અરજણને તેની માતા તરફ દોડી જવાની ઝડપને જોઈને અનુમાન કર્યું કે જો તેને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવે તો ભવિષ્યે તે કદાચ ઓલિમ્પિક મેરાથોન દોડવીર પણ બની શકે અને પુનરાવર્તિત સુવર્ણચંદ્રકો જીતી લાવીને ભારતનું ગૌરવ વધારી શકે!

    * * *

    શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
    ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ – +91 93279 55577

    નેટજગતનું સરનામુઃ
    • William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ માનવધર્મ – જીવો અને જીવવા
    દો | હળવા મિજાજે

  • પુણ્યતિથિ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ઉર્મિ દીકરા, આજની તિથિ તું બરાબર યાદ રાખજે. મારાં પછી તારે જ બધું સંભાળવાનું છે. મારા દીકરા પાસેથી કોઈ આશા રાખતી નહીં. આમ પણ ન તો કોઈ પુરુષોને આવી કોઈ વાતમાં ધ્યાન હોય છે કે ન તો રસ. આ જવાબદારી આપણી જ જાણે હોય એમ તમામ પરંપરા સંભાળવી પડે છે.

    “પણ મમ્મી, તિથિ મારે યાદ રાખવી કેવી રીતે? મને તો કોઈ પોથી-પંચાંગ જોતાં ક્યાં આવડે છે?” મમ્મીની વાત સાંભળીને આ નવી જવાબદારીથી ઉર્મિ ગભરાઈ.

    “કંઈ વાંધો નહીં. કેલેન્ડર તો જોતાં આવડે છે ને? ૧૧ જુલાઈ, આ તારીખ યાદ રાખી લે. જેવું નવા વર્ષનું કેલેન્ડર આવે કે આ તારીખ પર લાલ રંગથી માર્ક કરી લે જે. જુલાઈ મહિનાનું પાનું ખૂલશે કે તરત આ તારીખ નજરે પડશે.” મમ્મી પાસે ઉર્મિની સમસ્યાનો ઉકેલ હતો.

    હજુ તો એમની વાત બાકી હતી અને સીડીઓ પર પગલાંનો અવાજ આવ્યો. ભુવનની ઑફિસનો સમય થવાથી એ નીચે આવી રહ્યો હતો. બારણાં સુધી પહોંચીને ત્યાં ઊભાં ઊભાં મમ્મીને કહ્યું.

    “મા, હું જઉં છું.”

    “અરે, પહેલાં પ્રણામ તો કરો.” ઉર્મિએ એને ટોક્યો.

    “પ્રણામ? કોને ?” ભુવને ઉતાવળા સ્વરે પૂછ્યું.

    “મમ્મીજી, તમે સાચું જ કહો છો. આ લોકોને કશું યાદ રહેતું જ નથી.”ઉર્મિએ મમ્મી સામે જોઈને કહ્યું અને પછી ભુવન તરફ ફરી, “આજે પાપાજીની પુણ્યતિથિ છે એ ભૂલી ગયા?”

    ભુવને આગળ વધીને રસોડા તરફ નજર કરી. ઠાકોરજીની પ્રતિમાની નીચે એક બાજઠ પર એન્લાર્જ કરેલી, ફૂલોનો હાર ચઢાવેલી પપ્પાજીની તસવીર દેખાઈ. સામે સુવાસ રેલાવતી અગરબત્તી સળગતી હતી. રસોડાનો પથારો કોઈ મહાભોજની તૈયારી દર્શાવતો હતો. ભુવને તીખી નજરે મા સામે જોયું. મા નજર નીચી કરીને બટાકા છોલવા માંડી. ઉર્મિ સતત એને જોઈ રહી હતી. એ અકળાઈ ગયો.

    “જૂતાં પહેર્યાં છે, બહારથી જ નમસ્કાર કરી લઈશ.” બોલીને એણે ચાલતી પકડી.

    “આપણી જ ભૂલ હતી એને પહેલેથી કીધું નહીં.” માએ વાત વાળીને રસોઈઘર તરફ પ્રયાણ કર્યું. ઉર્મિની મદદથી ખીર,પૂરી,દાળ, શાક,પકોડા જેવી પસંદગીની વાનગીઓ બનાવી, બાર વાગ્યે બધો સામાન લઈને ઉર્મિ સાથે આશ્રમ તરફ પ્રયાણ કર્યું.  સાધુ-સંતોને જમાડ્યા. આશ્રમના સ્વામીજીએ ઉર્મિને ખૂબ આશીર્વાદ આપ્યાં.

    “મમ્મીજી, આ સાચે જ બહુ સરસ કામ કરો છો. સાધુ-સંતોને જમાડવા એ બહુ પુણ્યનું કામ છે.”

    બપોરે મમ્મી જમીને જરા આડે પડખે થયાં ને ઉર્મિ આવી.

    “મમ્મીજી, એક વાત કરવી છે. ભુવન કેટલા ભૂલકણા છે એની તમને તો ખબર છે. આજે રાતના શો માટે ફિલ્મની ટિકિટ….”

    “કશો વાંધો નહીં, તમે જઈ આવજો.” મમ્મીનો જવાબ સાંભળીને ઉર્મિને હાશ થઈ. ઉર્મિ લાગણીશીલ હતી. એને મમ્મીજી પર અગાધ પ્રેમ હતો.

    સાંજે ભુવન આવ્યો ત્યારે પણ એ અકળાયેલો હતો. એની નોંધ લીધા વગર મમ્મીએ ભુવનને કહ્યું,

    “તું ચા પીને જરા ફ્રેશ થઈ જા પછી મારી સાથે આવવાનું છે. રાતે તમારે ફિલ્મ જોવા જવાનું છે એ પહેલાં તો પાછા આવી જઈશું.

    ભુવને એક જવાબ આપ્યા વગર માએ કહ્યું એમ તૈયાર થઈને ગાડી કાઢી. માએ આશ્રમ તરફ ગાડી લેવડાવી.

    “હવે શું છે પાછું? સવારે તો જઈ આવ્યાં હતાં.” ભુવન બોલ્યો.

    “વાસણો પાછાં લાવવાનાં છે.”

    આશ્રમ પહોંચીને સેવકોની મદદથી વાસણો ગાડીમાં મૂકાવ્યાં. ભુવને નિર્લેપતાથી જોયા કર્યું. ત્યાં સ્વામીજી બહાર આવ્યા. હવે ભુવનને ગાડીમાંથી ઉતરવું જ પડ્યું અને સ્વામીજીને પગે લાગવું પડ્યું. સવારે ઉર્મિ અને અત્યારે ભુવન, સ્વામીજી રાજી થયા.

    “બહેનજી, તમારા ઘરમાં તો સાક્ષાત લક્ષ્મી-નારાયણની જોડી છે. ઘરમાં કોઈ વાતે કમી નહીં રહે.” કહીને ભુવનને આશીર્વાદ આપ્યા.

    પાછાં વળતાં માએ ભુવન પાસે એક શાંત જગ્યાએ ગાડી ઊભી રખાવી.

    “તું મારાથી નારાજ છું એની મને ખબર છે.”

    “તો પછી કેમ નારાજ છું એની ય ખબર હશે ને અને આજે આ અચાનક તારા મનમાં શું ભૂત સવાર થયું છે?”

    “અચાનક નથી, દર વર્ષે હું આ કરતી આવી છું. તને ગમતું નથી એટલે બસ ચૂપચાપ કરતી હતી.”

    “તો પછી આજે આ ધાંધલ કેમ?”

    “ઘરમાં નવી વહુ આવી છે. એને એના શ્વસુરના વજુદનો અહેસાસ હોવો જોઈએ ને? એને થશે કે કેવા લોકો છે, ઘરમાં એ દિવંગતને યાદ પણ નથી કરતાં?”

    “આપણાં માટે જ્યાં એ ભારોભાર નફરતભર્યું પ્રકરણ જ પૂરું થઈ ગયું છે ત્યાં ફરી શું કામ? એમના હોવા છતાં મેં અનાથ જેવું જીવન પસાર કર્યું છે. મને એમના માટે જરા પર શ્રદ્ધા કે આદર નથી. અને તારે પણ આ બધું કરવાની જરૂર જ શી છે અને તને પણ કેટલું દુઃખ આપ્યું છે, એ ભૂલી ગઈ?”  ભુવનને માનું આજનું વલણ સમજાતું નહોતું.

    “ફક્ત દુઃખ જ મળ્યું છે એવું નથી. થોડું સુખ પણ મારાં ભાગે આવ્યું છે દીકરા. પછી ખબર નહીં કેમ પણ બંધ મુઠ્ઠીમાંથી સરતી રેતની માફક તિજોરી ખાલી થતી ગઈ.”

    “ના મા, સાવ એવું નથી. એ સુખ તો તારા પતિદેવ બોટલમાં ભરીને પી ગયા, તને પનોતી કહીને કોસી. પોતાનું ફ્રસ્ટેશન તારી પર ઠલવતા રહ્યા એનું શું? ભલે નાનો હતો પણ આજે મને બધું યાદ છે.”

    “એ બધુ સાંભળવાની તારી ઉંમર નહોતી એટલે જ તો તને મામાના ઘેર મોકલી દીધો હતો.”

    “દૂર હતો છતાં તારી દશાથી અજાણ નહોતો. બી.એ.પાસ હતી છતાં તને નોકરી કરવાની છૂટ નહોતી. ખાનદાનની પ્રતિષ્ઠા આડે આવતી હતી. ઘરનો ખરચો કાઢવા તેં ટિફિન બનાવવા માંડ્યાં. વાર-તહેવારે કે પ્રસંગોપાત લાડુ, બરફી બનાવ્યાં. સ્વેટરો ગૂંથ્યા અને એટલું ઓછું હોય એમ ઉપરના રૂમો કૉલેજના છોકરાઓને ભાડે આપીને આવક ઊભી કરવા મથી. પાછો એના માટેય ડખો ઊભો થયો. એ છોકરાઓને લીધે તારા પર કેવાં લાંછન મૂકાયા! રજાઓમાં ઘેર આવતો તો એવું લાગતું કે નર્કમાં આવી ગયો છું. અહીં આવવું એટલે મામાના ઘરના એક નર્કમાંથી આ બીજા નર્કની યાત્રા કરવી. જ્યારે એ શખ્સના મોતના સમાચાર મળ્યાં ત્યારે એ દિવસ મને જીવનનો સૌથી સારો અને સુખનો દિવસ લાગ્યો હતો. મામાના ત્યાંથી જેલમાંથી છૂટેલા કેદીની જેમ ભાગી આવ્યો અને ક્યારેય પાછો ના ગયો.”

    ભુવને નાનપણથી એકઠો થયેલો પોતાનો આક્રોશ ઠાલવ્યો.

    “અને ઉર્મિની દયા કે કરુણાને પાત્ર બનવું ન પડે એટલે એનેય કહી દીધું કે અહીંયા દુકાનદારીનો માહોલ હતો. મામા પ્રોફેસર છે, ત્યાં ભણતરનો માહોલ છે એટલે ત્યાં રહીને ભણ્યો છું.”

    “એનો અર્થ એ કે તું તારી ઇમેજ ખરાબ થાય એવું ઇચ્છતો નથી, બરાબર? તો પછી હું પણ એમ જ કરું છું એ તને સમજાઈ જવું જોઈએ. ઉર્મિ સંયુક્ત પરિવારમાંથી આવી છે. એના ઘરમાં રીત-રિવાજ, પરંપરાનું મૂલ્ય છે. સંબંધોમાં મીઠાશ છે. આવા પરિવારમાં ઉછરેલી છોકરી જે અત્યારે  આપણા ઘર અને પરિવાર સાથે એકરૂપ થવા મથે છે ત્યારે ખબર પડે કે તું તારા પિતાને તિરસ્કારે છે તો એના મનમાં અજાણતાં તારા માટે અશ્રદ્ધાનો ભાવ જાગશે. એનું કારણ જાણશે તો તારા પિતા માટે અનાદર અને અશ્રદ્ધા ઊભી થશે અને પછી તો ઘર માટે પણ એનાં મનમાં આદર કે આસ્થાના ભાવ ક્યાંથી જાગશે? એટલા માટે જ હું શક્ય એટલા પ્રયાસે બધું ઠીક રહે એમ કરવા મથું છું. એક વાર એ સંપૂર્ણ રીતે આપણી સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય એટલે ગંગા નાહ્યાં. બનવાકાળે જ્યારે સચ્ચાઈ જાણશે તો પણ વાંધો નહીં આવે. એ સમજી શકશે, જીરવી શકશે. એક દિવસ તો સાચી વાત ખબર પડવાની જ છે. તારા મામા અને કાકા પક્ષે તો તકની રાહ જોઈને જ બેઠા છે કે ક્યારે વહુરાણી હાથમાં આવે અને સાચી ખોટી વાતો જણાવે અને એટલા માટે જ હું તમને અત્યારે ક્યાંય મોકલવા માંગતી નથી. બધા નિમંત્રણ અત્યારે બાજુમાં મૂકી રાખ્યાં છે.”

    આટલું બોલતાં બોલતાં તો મા થાકી ગઈ. આંખો બંધ કરીને ગાડીની સીટ પર માથું ટેકવી દીધું.

    ગાડી ક્યારે ઘેર પહોંચી એનું ધ્યાન ન રહ્યું. ઘેર પહોંચીને જ્યારે ભુવને ગાડીનું બારણું ખોલ્યું ત્યારે તંદ્રામાંથી જાગી. ઉર્મિ બધું સમેટીને તૈયાર હતી. ભુવનનો ચહેરો જોઈને બોલી,

    “બહુ થાકી ગયા લાગો છો. આજે ફિલ્મ જોવાનું રહેવા દઈએ, ફરી ક્યારેક જઈએ તો?”

    “એ થાકી નથી ગયો, બસ જરા ઉદાસ છે. તમારું જવું જરૂરી છે, થોડા ફ્રેશ થઈ જશો..” ભુવન કંઈ બોલે એ પહેલાં માએ ઝડપથી જવાબ આપ્યો.

    થોડી વાર પછી ઉર્મિ અને ભુવન તૈયાર થઈને ઉતર્યાં ત્યારે બંનેને સાથે જોઈને માની આંખો ભરાઈ આવી અને સ્વામીજીના શબ્દો યાદ આવ્યાં,

    “બહેનજી, સાક્ષાત લક્ષ્મી-નારાયણ બિરાજમાન છે. તમને ક્યારેય કોઈ વાતની ખોટ નહીં પડે.”

    માને ડર લાગ્યો કે ક્યાંક પોતાની જ નજર લાગી જશે. બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના થઈ ગઈ,

    “હે પ્રભુ, રક્ષા કરજો. કંઈ કેટલાય તોફાનો પછી ઘરમાં શાંતિ પ્રાપ્ત થઈ છે.”

    ઉર્મિ અને ભુવનને વિદાય કરીને બારણું બંધ કરીને મનોમન કહ્યું, “બેટા, એ વાત સાચી છે કે એ માણસે મને અનહદ દુઃખ આપ્યું છે પણ તારા જેવો હોનહાર અને સંસ્કારી દીકરો આપીને  એક સૌથી મોટો ઉપકાર પણ કર્યો છે. એમનો એ ઉપકાર હું જીવનભર કેવી રીતે ભૂલી શકું? જીવનભર એમના એ ઋણની હું આભારી રહીશ. અને એટલા માટે જ તો વર્ષમાં એક વાર તો એમને યાદ કરી લઉં છું.”


    માલતી જોશી લિખીત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે

  • ફિલ્મી ગઝલો – ૨૭. ખુમાર બારાબંકવી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ખુમાર બારાબંકવી સાહેબની ગણના પણ એવા શાયરોમાં થાય જે ફિલ્મોમાં આવતાં પહેલાં જ મુશાયરાઓની જાન હતા. એમનો એક શેર મને બહુ પ્રિય છે :

    રાત બાકી થી જબ વો બિછડે થે
    કટ  ગઈ  ઉમ્ર  – રાત  બાકી  હૈ

    એમને લોકપ્રિયતા મળી ફિલ્મ ‘ બારાદરી ‘ માં તલત મહેમૂદ દ્વારા ગવાયેલા ગીત ‘ તસવીર બનાતા હું તસવીર નહીં બનતી ‘ થી. આ ફિલ્મના એમણે લખેલા અન્ય બધા ગીતો પણ મશહૂર થયેલા. નૌશાદની નિષ્ફળ ફિલ્મ ‘ સાઝ ઔર આવાઝ ‘ ના ગીતો પણ એમણે લખ્યા. નૌશાદની જ પ્રારંભિક ફિલ્મ ‘ શાહજહાં ‘ ના આમ તો બધા ગીત મજરુહ સાહેબે લખેલા પરંતુ કુંદનલાલ સહગલે ગાયેલું યાદગાર ગીત ‘ ઐ દિલે બેકરાર ઝૂમ અબ્રે બહાર આ ગયા ‘ એ ખુમાર સાહેબનું સર્જન. એમણે પંદરેક ફિલ્મોમાં માંડ પચાસેક ગીતો લખ્યા.

    એમની ભાગ્યે જ સંભળાતી બે ગઝલો પેશ છે :

    આજ મેરે નસીબ ને  મુજકો રુલા રુલા દિયા
    બીતે દિનોં કી યાદ ને ફિર મેરા દિલ દુખા દિયા

    લૂટ લિયા મેરા કરાર ફિર દિલે બેકરાર ને
    દર્દ ને મેરે ચૈન કો ખાક મેં ફિર મિલા દિયા

    લાઉં કહાં સે મૈં વો દિલ તુમકો જો પ્યાર કર સકે
    જિસમેં બસે હુએ થે વો મૈને વો દિલ ગંવા દિયા

    અશ્ક જો થે રુકે રુકે આજ વો ફિર બરસ પડે
    ઐ  મેરી  નામુરાદિયોં  તુમને  મુજે  મિટા દિયા ..

     

    – ફિલ્મ : હલચલ  ૧૯૫૧
    – લતા
    – સજ્જાદ હુસૈન

     

    અપને કિયે પે કોઈ પશેમાન હો ગયા
    લો ઔર મેરી મૌત કા સામાન હો ગયા

    આખિર તો રંગ લાઈ મેરી બેગુનાહિયાં
    મુજકો સતા કે વો ભી પરેશાન હો ગયા

    ક્યા રાઝ હૈ જો આંખ મિલા લી હુઝુર ને
    ક્યોં આજ મુજ ગરીબ પે એહસાન હો ગયા

    યે બહકી બહકી બાતેં ભરી બઝ્મ મેં અદા
    યે આજ ક્યા તુજે અરે નાદાન હો ગયા ..

     

     

    – ફિલ્મ : મેંહદી ૧૯૫૮

    – લતા

    – રવિ


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • મહેન્દ્ર શાહનાં નવેમ્બર ૨૦૨૩નાં સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah – November 2023 creations


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • “મૂલ્ય વૃદ્ધિ” અને તેની અનઅપેક્ષિત ‘વ્યય’રૂપ આડપેદાશોનું વણથભ્યું ચક્ર

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    “મૂલ્ય વૃદ્ધિ” આજે ચારે બાજુ સાંભળવા મળતો શબ્દપ્રયોગ છે.  કંપનીઓ ગ્રાહકોને વધુ મૂલ્ય મળે તે માટેના માર્ગો પર કામ કરવાને પ્રાથમિકતા આપવા લાગી છે, રહી છે, સંસ્થાઓમાં લોકોનું મૂલ્યાંકન તેઓ દ્વારા કરાતાં મૂલ્ય-વૃદ્ધિના આધારે કરવામાં આવે. ગ્રાહકો એવાં ઉત્પાદનો અને સેવાઓ એવા ઉત્પાદકો પાસેથી ખરીદવાનું પસંદ કરે છે જે તેમના માટે વધુ મૂલ્યવાન નીવડે. ભવિષ્યની સ્પર્ધાત્મક સરસાઈ “મૂલ્ય-વર્ધકો” નક્કી કરશે.

    ચારે બાજુ મૂલ્યનો જ ખેલ છે, એમાં કોઈ બેમત નથી. એટલે મૂલ્ય વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ આજે કોઈપણ વ્યવસાયના મૂળમાં છે.

    ગ્રાહકોને ઉચ્ચ મૂલ્ય પહોંચાડવા માટે, વ્યાપાર અગ્રણીઓ જાત જાતની જટિલ વ્યૂહરચનાઓ અમલમાં મૂકે છે. સમયાંતરે સંસ્થાનું પુનર્ગઠન કરે છે, નવી નવી પહેલ કરે છે, તેમની હાલની પ્રક્રિયાઓમાં સુધારાઓ કરતા રહે છે, કર્મચારીઓ અને અન્ય હિતધારકો વધારે મૂલ્યવૃદ્ધિ કરે એ માટે નવી નવી તાલીમોના પ્રયોગો પર  વગેરે પર ધ્યાન તેઓ કેન્દ્રિત કરે છે.

    જોકે તે સાથે એવું પણ થાય છે કે સતત નવી નવી ગોઠવણો કે સુધારણાઓની આ પ્રક્રિયામાં, અકારણ જટિલતા, અમલદારશાહી માળખું, આંટૂઘૂંટીઓવાળી પ્રણાલીઓ, અનુત્પાદક પ્રવૃત્તિઓ પર અપાતો વધારો સમય, વધારે પડતાં થતાં ફરી ફરીને અમુક કામો કે એવી વસ્તુઓ પર ખર્ચવામાં આવતો સમય જે કદાચ મૂલ્ય વૃદ્ધિમાં સીધો ફાળો ન આપે, જેવા ‘વ્યય’, જાણ્યેઅજાણ્યે,  આડપેદાશ રૂપે પેદા થાય છે.

    વધુ મૂલ્ય ઉમેરવાના પ્રયત્નો વધુ જટિલતા ઉમેરાતી જવાનું એક ચક્ર જ બની જવા લાગે છે.  આ જટિલતાના પરિણામે જે વ્યય પેદા થાય છે તે મોટ ભાગે ત્યારે જ નજરે ચડે છે જ્યારે મૂલ્ય ઉમેરવાના પ્રયત્નોનાં ધાર્યાં પરિણામ ન આવે, અથવા તો પરિણામો લાંબો સમય ટકે નહીં.  સરળ શબ્દોમાં કહીએ તો આ વ્યય પ્રક્રિયાની અંદરની કોઈપણ એવી પ્રવૃત્તિ છે જે મૂલ્ય ઉમેરતી નથી. “વ્યય દૂર કરવો” એ સંસ્થાને કસાયેલ અને ઉત્પાદક બનાવવાની ગુરુ ચાવી છે.

    અને છેલ્લે: ગ્રાહકો  માટે મૂલ્ય વધારવાની કોઈ પણ વ્યૂહરચના વધુ જટિલતા અને વ્યયનો ઉમેરો નથી કરતી તે વિશે ખાસ તકેદારી રાખવી જોઈશે, કેમકે ફક્ત એક એવી વસ્તુ હોઈ શકે છે વધારી શકાયેલાં  મૂલ્યને તેના લાભાર્થી માટે અસરકારક રીતે ફળદાયી બનતાં રોકે છે. વ્યય દૂર કરતાં રહેવું, લાભાર્થીને અસરકારક રીતે વધારેલું મૂલ્ય ફળદાયી કરવું, પ્રક્રિયાઓ સરળ બનાવતાં રહેવું એ બધા પરિણામોની ગુણવત્તા વધારવાના શ્રેષ્ઠ માર્ગ છે.


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો : તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : ૨: લોકોને આંજી દેવાનો જેટલો વધારે પ્રયાસ કરીશું એટલાં તેઓ ઓછાં પ્રભાવિત થશે

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    ખુબ અનુભવી લોકો પણ જ્યારે નવાં વાતાવરણમાં કંઈક કરવાની સ્થિતિમાં હોય છે, કે પછી કોઈ નવી જ શરૂઆત કરવાની હો, ત્યારે ઘણી વાર એવું જોવા મળે છે કે તેઓ ‘પ્રથમ છાપ’ શ્રેષ્ઠ બની રહે તે માટે વધારે સજાગ બની જતાં હોય છે. આવા પ્રયાસો આપણી સહજ શક્તિઓ પર ઘણી વાર ગ્રહણ બની જતી હોય છે. તે ઉપરાંત, મોટા ભાગના કિસ્સાઓમાં સામાન્ય વ્યક્તિને પણ આપણી આ કૃત્રિમતા ધ્યાનમાં આવી જતી જ હોય છે. ક્યારેક આવા પ્રયાસો સફળ થતા હોય છે, પણ લાંબે ગાળે તો એ જ શ્રેયસ્કર છે કે આપણે જે છીએ તે જ રજૂ કરીએ.

    રાલ્ફ વાલ્ડો એમર્સનનું કથન હંમેશાં યાદ રાખવા જેવું છે – તમે જેવાં બનવાનું નક્કી કરો છો એવી જ વ્યક્તિ બનવું એ તમારી નિયતિ છે.’ દરેક વ્યક્તિમાં સહજ શક્તો અને સહજ નબળાઈઓ હોય જ છે. બીજાંને આંજી દેવા આ નબળાઈઓને યેનકેન પ્રકારેણ ઢાંકી રાખવાના પ્રયત્નોમાં સમય અને શક્તિ વેડફવાને બદલે આપણી સ્બળ બાજુઓને વધારે સ્બળ બનાવવામાં અને નબળાઇઓને દૂર કરવાના પ્રયાસોમાં કરેલ રોકાણ, લાંબે ગાળે, વધારે ફળદાયક નીવડશે. આજની તારીખે સૌથી વધુ સ્ફળ નીવડેલા રોકાણ્કાર વૉરન બફેનું કહેવું છે કે, ‘આખરે તો જે એક જ રોકાણ બીજાં બધાં રોકાણોપર છવાઈ જાય છે એ તમારા પોતાના પર કરેલ રોકાણ છે. તમારામાં જે છુપાયેલ છે તે કોઇ કદી લઈ નહી જઈ શકે અને દરેકમાં એવી શક્તિઓ રહેલી જ હોય છે જેનો તેણે મહત્તમ લાભ ઉઠાવ્યો નથી હોતો.’

    અહીં પણ એક વિરોધાભાસ તો છે જ – દરેક સમય, દરેક જગ્યાએ, પ્રમાણિકપણે પોતે જે છે તે પ્રમાણે વર્તવું બેધારી તલવાર નીવડી શકે છે. એ તો સત્ય બોલવા જેવું છે – સત્ય બોલવું જોઈએ પણ તે કડવી રીતે બોલવાથી તે ઊંધું પડી શકે છે. તે જ રીતે પોતે જે છીએ તેમ જ જાહેરમાં વર્તવું, પોતે જે માનીએ છીએ તે કહેવું એ પણ જો વણવિચાર્યે, ઉતાવળે, ખોટા સમયે, ખોટી રીતે કરવામાં આવે તો નુકસાનકારક નીવડી શકે છે. યોગ્ય સમયે, યોગ્ય રીતે પ્રમાણિક વર્તન કરવું એ કળા સરળ તો નથી જ પણ એ કૌશલ્ય મેળવવું એ સંપોષિત સફળતા માટે જરૂરી પણ એટલું જ છે.!

    અહીં રજુ કરેલાં કથનો અને વધારાનાં વાંચનો આ વિષયને વધારે સ્પષ્ટ કરવામાં મદદરૂપ થશે.

     

     

     

  • શ્રી મોહમયી નગરીમાં શુદ્ધ હવાનો મોહ છોડવો પડશે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    શિયાળાનો આરંભ થાય એટલે દેશની રાજધાની દિલ્હીમાં અસહ્યપણે વધી જતી પ્રદૂષણની માત્રાના સમાચાર પ્રસારમાધ્યમોમાં ન ચમકે એવું ભાગ્યે જ બને. આનો અર્થ એવો નથી કે દેશનાં અન્ય શહેરોમાં પરિસ્થિતિ સામાન્ય છે. એ જાણીને ચિંતા થાય એવું છે કે હવે દેશની આર્થિક રાજધાની ગણાતું મુમ્બઈ પણ આ હરોળમાં આવી ગયું છે. વર્તમાન વર્ષે, ચોમાસા પછીના સમયગાળામાં હવાનું પ્રદૂષણ ભયજનક સપાટીએ છે, અને આવું સતત બીજા વર્ષે બન્યું છે. ખાસ કરીને ઑક્ટોબર માસમાં ‘ઍર ક્વૉલિટી ઈન્‍ડેક્સ’ (એ.ક્યૂ.આઈ.) તરીકે ઓળખાતા પ્રદૂષણના માપદંડ અનુસાર મુમ્બઈમાં હવાની ગુણવત્તા ‘સાધારણ’ અથવા ‘નબળી’ જોવા મળી. એ મહિનામાં એક પણ વખત તે ‘સારી’ જણાઈ નથી.

    દિલ્હી અને મુમ્બઈના ભૌગોલિક સ્થાનમાં મોટો ફરક છે. મુમ્બઈ દરિયાકાંઠે વસેલું છે, એને કારણે તેને હવાના શુદ્ધિકરણનો નૈસર્ગિક લાભ મળે છે. આમ છતાં, તેની આવી સ્થિતિ છે. એનો સીધો અર્થ એ થયો કે પ્રદૂષણ ફેલાવવામાં માનવે પ્રકૃતિને હંફાવી દીધી છે.

    અખબારો દ્વારા આ સ્થિતિનો દોષ મુખ્યત્વે મુમ્બઈ મહાનગરપાલિકા(બી.એમ.સી.)ને આપવામાં આવ્યો છે. આનું કારણ સમજવા જેવું છે. અગાઉ માર્ચ, ૨૦૨૩માં ઘોષિત કરાયેલી મુજબ, પ્રદૂષણ સુધારણા યોજના અંતર્ગત પ્રદૂષણ ફેલાવતાં પાંચ મુખ્ય સ્રોતને જવાબદાર ગણાવાયાં છે- બાંધકામનો કાટમાળ, સડક પરની ધૂળ, ઘન કચરાને ખુલ્લામાં સળગાવવો, ખાદ્ય સ્થળોએ તેમજ ઉદ્યોગોમાં અશુદ્ધ ઈંધણનો ઉપયોગ. આમ, સમસ્યાના મૂળની ઓળખ બરાબર થઈ ગઈ છે, પણ એ પછી તેના માટે પગલાં લેવામાં થતા વિલંબને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે.

    કચરાનું વિભાજન કરવાની ‘બી.એમ.સી.’ની પ્રણાલિ કેવળ રહેણાંક વિસ્તાર પૂરતી જ મર્યાદિત છે. પ્લાસ્ટિક, રબર, પોલિથીન, કાગળ જેવો કચરો મોટા પ્રમાણમાં બાળવામાં આવે છે એવા ઝૂંપડપટ્ટી વિસ્તારને આમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. આવા કચરાના બળવાથી હવામાં કણો મુક્ત થાય છે અને તેને ઝેરી બનાવે છે.

    ઑક્ટોબર, ૨૦૨૩માં મુમ્બઈ ખાતે પી.એમ.૨.૫ના ઘટકોમાં ગત વર્ષના ઑક્ટોબરની સરખામણીએ ૪૫ ટકા જેટલો વધારો નોંધાયો. ‘પી.એમ.’ એટલે હવાજન્ય ‘પાર્ટિક્યુલેટ મેટર’ એટલે કે કણો. ‘પી.એમ.૨.૫’ એવાં કણો કે જેમનો વ્યાસ ૨.૫ માઈક્રોન કે એથી ઓછો છે. એક માઈક્રોન એટલે ૦. ૦૦૦૧ મિલીમીટર. આનો અર્થ એ કે સૂક્ષ્મતર કણોની હાજરી.

    નિયમાનુસાર કચરાને બાળવા પર પ્રતિબંધ છે, પણ એ નિયમ કાગળ પર રહી જાય છે. તેનો અમલ પૂરતા પ્રમાણમાં થઈ જતો નથી. આ બાબતે કેવળ નિયમ બનાવીને કે પ્રણાલિ ઊભી કરીને ફરજ પૂરી થઈ જતી નથી. લોકોમાં જાગૃતિ કેળવવાનું કામ પણ એટલું જ મહત્ત્વનું છે. એમ તો, ૨૦૦૭માં જાહેર સ્થળોએ કચરાના નિકાલ પર દેખરેખ રાખવા અંગે કંત્રાટ આપવામાં આવ્યો હતો, પણ તે ગયે વરસે પૂરો થયો છે. એ પછી કચરાના નિકાલની વાત કાગળ પર રહી છે.

    કેવળ જાણકારી માટે એ માહિતી જરૂરી છે કે ‘બી.એમ.સી.’નું વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ રૂ. ૫૨,૬૦૦કરોડનું, અધધ કહી શકાય એટલી રકમનું છે. ગોવા, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ જેવાં અનેક રાજ્યોનાં બજેટની સરખામણીએ આ રકમ અનેકગણી વધુ છે. પણ કેવળ બજેટ ફાળવવાથી કામ થઈ જતાં હોત તો જોઈતું શું હતું! માર્ચ મહિનામાં ‘કેગ’ના અહેવાલમાં ‘બી.એમ.સી.’ની કાર્યશૈલીમાં મોટી પ્રણાલિગત સમસ્યાઓ, નબળું આયોજન તેમજ રકમના બેકાળજીભર્યા ઉપયોગ બાબતે ટીપ્પણી કરવામાં આવી હતી. અલબત્ત, એવું નથી કે આ બાબત એકાદ બે વરસથી થઈ રહી છે. છેક ૨૦૧૬થી મુમ્બઈમાં સી.ઓ.પી.ડી.સી.ઓ.પી.ડી.(ક્રોનિક ઓબસ્ટ્રટિવ પલ્મોનરી ડિસીઝ), ફેફસાંના કેન્‍સર સહિત શ્વસનને લગતી વિવિધ બિમારીઓથી થતાં મૃત્યુની સંખ્યા વધી રહી છે. આમ, આ બાબત કેવળ પ્રદૂષણ પૂરતી મર્યાદિત ન રહેતાં તે જાહેર આરોગ્યનો મુદ્દો પણ બને છે.

    મુમ્બઈના વાતાવરણની કથળેલી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં કેન્‍દ્ર દ્વારા મહારાષ્ટ્ર સરકારને તેમજ તેના રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડને એક પત્ર પાઠવવામાં આવ્યો છે. તેમાં ઉલ્લેખાયું છે કે શહેરની માળખાગત સુવિધાઓને લગતા વિવિધ પ્રકલ્પને કારણે વૃક્ષછેદનનું પ્રમાણ વધ્યું છે. આથી કેન્‍દ્રે હરિત આવરણમાં વૃદ્ધિ કરવાની તરફેણ કરી છે. મુમ્બઈ મેટ્રો અને બુલેટ ટ્રેનના પ્રકલ્પ માટે થઈને પુષ્કળ વૃક્ષોને કાપવામાં આવ્યાં છે એ હકીકત છે.

    આ આખા મામલે મરો નાગરિકોનો છે, કેમ કે, તેમના માટે ભાગ્યે જ કશું કરવાપણું બચ્યું છે. નથી એ વૃક્ષછેદન સામે અવાજ ઉઠાવી શકતો કે નથી કોઈ વિકાસયોજનાનો વિરોધ કરી શકતો. બલકે વિકાસયોજનાઓ આખરે નાગરિકોના જ લાભાર્થે છે એમ તેને ઠસાવવામાં આવે છે. ‘કશુંક’ મેળવવા માટે ‘કશાક’નો ભોગ આપવો પડે એમ તેને અવારનવાર જણાવવામાં આવે છે. ગુમાવવાની બાબત તેનું ખુદનું જીવન પણ હોઈ શકે એ તેને સમજાય તો પણ તેનાથી કશું થઈ શકતું નથી.

    વિવિધ વિકાસયોજનાઓ સમગ્ર દેશમાં ફૂલીફાલી રહી છે. તેની સરખામણીએ કચરાના વ્યવસ્થાપન માટે કોઈ સુનિશ્ચિત પ્રણાલિ ક્યાંય ઊભી થયેલી જણાતી નથી. કચરો બાળવામાં ન આવે તો તેને જમીન પર ખુલ્લામાં ઠાલવી દેવાય. વાત એની એ જ છે.

    મુમ્બઈની હવાની સ્થિતિ સાથે આપણે શું લાગેવળગે એમ વિચારવું એ પલાયનવાદ છે. કેમ કે, આજે જે મુમ્બઈમાં છે તે કાલે પોતાના નગર કે શહેરમાં નહીં થાય એની કશી ખાતરી નથી. ભવિષ્યમાં નાગરિકોને કદાચ એક એકથી ચડે એવા માળખાગત પ્રકલ્પો અમલી થયેલા જોવા મળે એમ બની શકે, પણ એને ભોગવવા માટે તેનું જીવન હશે કે કેમ એ સવાલ વિચારવા જેવો છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩ – ૧૧ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • એસ ધમ્મો સનંતનો – આ ધર્મ સનાતન છે : સૌથી વધારે પ્રાચીન ધારા કઈ ?

    પ્રવાસી યુ. ધોળકિયા

    ‘આ ધર્મ સનાતન છે’ એ લેખમાળાના આજના મણકામાં આપણે એ પ્રશ્નનું નિરાકરણ કરવા પ્રયત્ન કરીશું કે સતત વહેતી ધારાઓમાં કઈ ધારા પ્રાચીન છે.

    આપણા પુરાણો કાળગણત્રીને કલ્પો અને મન્વંતરોમાં મૂકે છે.  અત્યારે ચોથાં ‘શ્વેતવરાહ’ કલ્પનો સાતમો વૈવસ્ત મન્વંતર ચાલે છે. દરેક કલ્પ[1]માં આવાં ૧૪ મન્વંતરો હોય છે. કેટલાંક પુરાણો કલ્પની સંખ્યા ૪ ને બદલે ૨૬ કે પછી ૩૬ આપે છે. સદભાગ્યે પુરાણોએ કલ્પો અને મન્વંતરોની કાળગણત્રી પડતી મુકીને કૃત, ત્રેતા, દ્વાપર અને કળી એમ ચાર યુગોને સ્થાન આપ્યું છે.

    આજે આપણી પૃથ્વી એ શ્વેતવરાહ કલ્પનાં ૧.૯૭ અબજ વર્ષ પુરાં કર્યાં છે.  પ્રથમ છ મન્વંતરોનાં પણ લાખો વર્ષો વીતી ગયાં છે. જોકે આજનો આધુનિક ભારતીય આ કાળગણત્રીમાં રસ નથી ધરાવતો. વિશ્વની માન્ય ગણત્રી પ્રમાણે પર્યાવરણને ધ્યાનમાં લેવામાં આવે તો માનવ સભ્યતાઓ પ્રારંભ આજથી લગભગ એક લાખ વર્ષ પહેલાં થયો ગણાય. આપણે પણ આ ગણત્રીને માન્ય રાખીએ તો ભારત તેમજ વિશ્વની સભ્યતાને એક લાખ વર્ષ પુરાં થયાં ગણાય. આ ઘટનાને નીચે મુજબ દર્શાવી શકાયઃ

    (૧) સ્વાયંભૂથી ચાક્ષુસ સુધીનાં પ્રથમ છ મન્વંતર = ૩૦,૦૦૦ વર્ષ

    (૨) ચાર યુગોનો આજ સુધી પૂર્ણ થયેલો સમય    = ૭૦,૦૦૦ વર્ષ

    (સમયની આ ગણત્રી મધ્યકાળના મહાપુરુષ                           =   ૧,૦૦,૦૦૦ વર્ષ

    મામૈદેવના આગમો પર આધારિત છે).

    શ્રમણ પરંપરાના સ્થાપક શ્રી ઋષભદેવનો જન્મ ચોથી પેઢીએ પ્રથમ સ્વયંભૂ મન્વંતરમાં જ થયો હતો. એ પ્રમાણે બૌદ્ધ ધર્મની પરંપરા પણ ગૌતમ બુદ્ધને ૨૫મા કે ૨૮મા ક્રમે મુકે છે.  એ રીતે પ્રથમ બુદ્ધનો જન્મ પણ રૂષભદેવની સાથે જ થયેલો માનવામાં આવે છે.  તેની સરખામણીએ વેદનો ઉદય છેક છઠ્ઠા ચાક્ષુસ મન્વંતરમાં થયો હતો તેવું આચાર્ય ચતુરસેનનું મંતવ્ય  છે.  જોકે આપણાં બધાં પુરાણો એમ જણાવે છે કે દરેક સૃષ્ટિના પ્રાંરભ સમયે વેદોનો પ્રાદુર્ભાવ થાય છે. આમ આપણે સનાતન ધર્મની  પરંપરાઓમાં વેદને પ્રથમ સ્થાન આપીને આપણી ચર્ચામાં આગળ વધીશું.

    ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચાર વેદો માત્ર આપણી જ નહીં પણ સમગ્ર માનવ જાતની પ્રાચીનમાં પ્રાચીન લેખિત રચના છે. અહીં કોઈ રાજામહારાજાની પ્રશસ્તિ નહીં પણ માનવ જાતિના શીરમોર સરખા ઋષિઓએ કરેલા આત્મસાક્ષાત્કારની કાવ્યાત્મક અનુભૂતિઓનું સંગ્રહસ્થાન છે.

    ભારતીય પરંપરા વેદોને અપૌરૂપેય – માનવજાત દ્વારા ન રચાયેલ – માને છે. વેદો નિત્ય છે. ઐતરેય, શતપથ, તાંડ્ય અને ગોપથ બ્રાહ્મણો આ નિત્યતાનું સમર્થન કરે છે. અગ્નિમાંથી ઋગ્વેદ, વાયુમાંથી યજુર્વેદ, આદિત્યમાંથી સામવેદ પ્રગટ થયા. એટલે આ ઋષિ પરંપરાઓએ વેદત્રયીને જાળવી રાખી. એ જ રીતે, અંગીરા ઋષિ અથર્વવેદના પાલક બન્યા. ઉપનિષદો પરમરૂષના પ્રાણમાંથી ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ ઉદ્‍ભવ્યા એમ પ્રતિપાદિત કરે છે. મનુસ્મૃતિ પણ વેદને સનાતન માને છે. રામાયણે વેદને અક્ષયવેદ કહ્યો છે. મહાભારતના કથન પ્રમાણે વેદ એક જ હતા. વેદ વ્યાસે મૂળ એક વેદના ચાર ભાગ કર્યા. તેની ઉત્પત્તિના સંદર્ભમાં આ મહાકૃતિ કહે છે કે બ્રહ્માએ પહેલાં વેદગાન કર્યું, અને સવિતાદેવે બ્રહ્મવાદીઓને સાવિત્રી મંત્રનો ઉપદેશ આપ્યો, જે ઋગ્વેદ બન્યા, જ્યારે સૂર્યમાંથી યજુર્વેદ પ્રસવ્યો. મહાભારત અને સ્મૃતિગ્રંથો વેદો અવિનાશી છે અને પ્રલય પછી દરેક સૃષ્ટિના ઉદ્‍ભવ વખતે પુનઃપ્રાગટ્ય થાય છે એમ ભારપૂર્વક કહે છે.

    વેદોની સંરચના નીચે પ્રમાણે છેઃ

    વેદ                  મંડળ / કાંડ                  અધ્યાયસૂક્તો /શ્લોકો / મંત્રો

    ઋગ્વેદ             ૧૦                                           ૧૦૨૮

    યજુર્વેદ            ૩૮                                           ૧૮૭૫

    સામવેદ           ૬                                             ૧૮૭૫

    અથર્વવેદ         ૨૦                                          ૭૩૦

    વેદો ત્રષિઓની આધ્યાત્મિક વાણી છે. એકલા ઋગ્વેદમાં આવા ૩૦૦ ત્રષિઓના નામ મંત્રદ્રષ્ટા તરીકે આવે છે. વેદોમાં અનેક દેવોની સ્તુતિ છે. જેમાં અગ્નિ, ઈન્દ્ર, અશ્રિનીકુમાર, વિશ્વદેવ, મરૂત, સોમ, બ્રહ્મણાસ્પતિ, સામવેદ આ જં સત્યના સાક્ષાત્કારને ગાઇને વર્ણવે છે. જ્યારે અથર્વવેદ આપણા જેવા સામાન્ય લોકોનો વેદ છે.

    વેદોની રચના થયે હજારો વર્ષ વીતી ગયાં છતાં તે આજે પણ વિદ્યમાન રહી શક્યા તે વિશે ઋગ્વેદના ચુનંદા સુક્તોનું ભાષાંતર કરનાર શ્રી જીન લે મીનું વિધાન નોંધવા જેવું છે. પુરાતન માનવોએ પોતાની સિદ્ધિઓને અમરત્વ આપવા માટે કિંમતી અને ટકાઉ પદાર્થો જેવા કે સુવર્ણ, ચાંદી, કાંસુ, આરસ અને અન્ય પથ્થરોનો ઉપયોગ કર્યો છે. પરંતુ આર્ય પ્રજાને એ લાગુ નથી પડતું. તેઓએ એવી વસ્તુઓનો ઉપયોગ કયો છે કે જે તદન તરલ અને અભૌતિક પદાર્થ -બોલી શકાય એવા શબ્દો- છે અને હવામય પરપોટામાંથી એવું સ્મારક ઘડી કાઢ્યું છે કે જે હજારો વર્ષની કાળ થપાટોથી બચી શક્યું છે. પિરામીડોને પવનના સુસવાટા અને રણ ખાઇ રહ્યાં છે. આરસપહાણ ધરતીકંપથી ધ્વસ્ત થાય છે અને સુવર્ણ લૂંટાય છે. જ્યારે વેદોને માનવે પોતાના મનોવિશ્વના જીવંત તત્વો દ્વારા હજારો વર્ષોની વણતૂટી વેદપઠનની પરિપાટીથી આજે પણ જીવંત રાખ્યા છે. પરંપરા કહે છે કે વેદનું રહસ્ય વેદમાં જ છે. જેમાં વિશ્વવ્યાપી નિયમો-રહસ્યોને સ્થાન આપવામાં આવ્યું. ઋષિઓ કવિ અને પયગંબર બંને હતા. તેઓએ આંતરમન વડે વેદને જોયા હતા. વેદોમાં ઋષિઓએ પછી આવનારી પેઢીઓ માટે સનાતન સત્યોની આનંદપૂર્વક ઘોષણા કરી છે. વેદોનું પઠન એવી રીતે કરવામાં આવ્યું છે કે આજથી હજારો વર્ષ પૂર્વે તે રચાયા તેવા જ સ્વરૂપમાં કોઈ પણ ફેરફાર થયા અક્ષુણ્ણ રહી શક્યા છે. તેથી ગ્રંથ રૂપે ન મળ્યા હોત તો પણ વેદો સચવાઈ રહ્યા હોત. કોઈ પણ ઐતિહાસિક સ્મારક, ચર્ચ, કોઈ ધાર્મિક જડ સિદ્ધાંત, કોઈ સ્થાપક કે કોઈ ઇતિહાસ વિના વેદો એક ભવ્ય સ્મારક બન્યા છે.

    ઉપરોક્ત. મૌખિક પરંપરા દ્વારા આપણા મહાન વારસાને સાચવી રાખનારા સંસ્કૃતિ પંડિતોનું આપણે ઋણ સ્વીકારીએ. સાથે સાથે એ વાત પણ આપણે ભૂલવી ન જોઈએ કે કલકત્તાના વિલિયમ જોન્સે ૧૮મી સદીમાં જ્યારથી ભારતીય-વિદ્યા Indology નો સુત્રપાત કર્યો ત્યારથી આજ સુધીમાં યુરોપ અને અમેરિકાના અનેક વિદ્વાનોએ વેદોના ભાષાંતર અને અર્થઘટનમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે ભલે તૈમાંના કેટલાકે વૈદોને અસંસ્કૃત જાતિની રચના અને બાળકોનો પ્રલાપ સમો ગણાવ્યો હોય! આ વિદ્વાનોમાં વિલ્સન, રાલ્ફ ટી એચ ગ્રિફિથ, મેક્સ મુલર, મેડકોનેલ, મોરિસ વિન્ટરનિઝ, કેડવેલ ફ્રીથ, ડબલ્યુ. નોર્મન બ્રાઉન, ડેવિડ ફ્રાઉલી અને રોબર્ટો કેલાસોના નામો ગણાવી શકાય.

    શ્રીમદ ભગવદગીતાનું પઠન તથા અર્થઘટન સુલભ છે. શ્રી શંકરાચાર્ય, સ્વામી શિવાનંદ, શ્રી ચિન્મયાનંદ કે રજનીશ ઉપનિષદો સમજાવી શકે છે. જ્યારે વેદોનું ગાયન તથા તેની સમજ ફક્ત આપણા જેવા સામાન્ય માનવી માટે કઠિન છે, એટલું જ નહીં પણ આધુનિક આધ્યાત્મિક પુરુષો અને પંડિતો માટે પણ કોયડાસમાં છે. આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીએ સામાન્ય માનવીને સરળતાથી સમજાય એ રીતે વેદોનો પુનરૂચ્ચાર કર્યો એ માટે આપણે તેમના ઋણી છીએ. આજે વેદોને સમજવા માટે કોઈ પ્રમાણભૂત ગ્રંથ હોય તો શ્રી અરવિંદ રચિત ‘વેદ રહસ્ય’ છે.

    ડેવિડ ફ્રાઉલીએ પણ આ દિશામાં મોટું પ્રદાન કયું છે. પહેલાં ફ્રાઉલીના વિચારો પર મનન કરીએ. વેદની ભાષા એવી સર્વોચ્ચ કક્ષાની છે કે સત્ય તેના સમગ્ર પાસાં સાથે પ્રગટ થાય છે. તેમાં એકી સાથે બહુઆયામી રીતે મંત્ર, તત્વજ્ઞાન, કર્મકાંડ, કાવ્ય, પૌરાણિકગાથાઓ, આલ્કેમી, યોગ, ભક્તિ સંગીત અને ગણિતનો સમાવેશ થાય છે. વળી વેદની ભાષા એટલી મુક્ત અને સર્વગ્રાહી છે કે  તે માનવ જાતિની મહાન આધ્યાત્મિક સંસ્કૃતિનું સમગ્ર જ્ઞાન આપે છે. વેદોમાં બહારથી જણાતો બહુદેવવાદ ખરી રીતે તો एकम् सत् विप्रा बहुधा वदन्ति  ને છતું કરે છે. એટલે કે અહીં અનંતને વિવિધ રૂપોથી ઓળખાવાયો છે.  ઋગ્વેદમાં જુની અને નવી પેઢીઓના ઋષિઓનો ઉલ્લેખ મળે છે. કોઇપણ કાળમાં સત્યને ટકાવવું હોય તો જુની  અને નવી પેઢી વચ્ચે સમતુલા જળવાઇ રહેવી જોઇએ. વેદના ઋષિઓ આવું સામંજસ્ય સ્થાપી શક્યા હતા.

    શ્રી અરવિંદ ‘વેદ રહસ્ય’માં કહે છે છે કે વેદો માત્ર સૌથી સંપન્ન અને પ્રકાંડ એવા ભારતીય ધર્મનું ઉદ્ગમ સ્થાન છે એવું નથી પરંતુ તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વજ્ઞાનનું પણ મૂળ છે. તેથી જ બ્રાહ્મણો, ઉપનિષદો તંત્ર, પુરાણો, મીમાંસા, વેદાંગ અને સંતોના ઉપદેશોમાં જે કંઈ આધારભૂત છે તેનું સ્ત્રોત વેદ છે. તેનું તત્વજ્ઞાન તર્કશાસ્ત્ર પર આધારિત નથી. પરંતુ જ્ઞાની પુરૂષોએ અહીં પોતાની આંતરિક અનુભૂતિ અને મનોસ્ફૂરણાને જ્ઞાનનો આધાર માન્યો છે. આ જ્ઞાન ઇન્દ્રિયોથી પર છે. ઋષિઓનું ધ્યેય આત્મ પ્રકાશનું છે, તાર્કિક ખાતરીઓ મેળવવાનું નહીં. ઋષિ વેદનો કર્તા નથી, પણ સત્યને અનુભવનારો દ્રષ્ટા છે. તેની ભાષા એટલે શ્રુતિ. શ્રુતિનો અર્થ એવી લયબદ્ધ રચના કે અંતરમાંથી તરંગિત થતાં દૈવી જ્ઞાનને શબ્દમાં ઉદ્ધાટિત કરવું. આવાં અવૈયક્તિક (Impersonal) જ્ઞાન માટે ઋષિએ પહેલાં પોતાની જાતને તૈયાર કરવી પડે. અહીં કોઈ ચમત્કારો કે અંધશ્રદ્ધાને સ્યાન નથી.

    શ્રી અરવિંદ વધુમાં કહે છે કે વેદોમાં માનવજાતિની સત્ય તરફની સતત ચાલતી યાત્રાનો અહેસાસ મળે છે. ૠચાઓ ઋષિઓ માટે આધ્યાત્મિક અનુભૂતિઓને વ્યક્ત કરવાનું સાધન છે. આ સાક્ષાત્કાર ઋષિના આંતરિક જીવનકાળની એક અનુઠી ઘડી છે. તે દ્રારા ઋષિ અવ્યક્ત તત્વને વ્યક્ત કરે છે જેથી તે અજ્ઞાનનો નાશ કરનાર ઇન્દ્રના હાથનું વજ્ર બની જાય છે. વેદોમાં ઘણું સાંકેતિક છે. અધ્યાત્મસૂત્રોના રૂપમાં મળે છે. બહારથી ભલે તેમાં કર્મકાંડની ભરમાર લાગે પરંતુ તેનો સાચો અર્થ મનોવૈજ્ઞાનિક, સાર્વત્રિક અને અવૈયકિતક છે.

    ઉપસંહાર કરતાં કહી શકાય કે એક સમય એવો હતો કે વેદોની ૧૧૦૦થી વધારે શાખા-પ્રશાખા હતી. આજે તેની ફક્ત ૧૧ શાખાઓ જ બચી છે. આજે ભારતની બહાર વિદેશોમાં વેદ પર હવે ગંભીરતાયી કાર્ય થઇ રહ્યું છે. વેઈન હોવાર્ડ નામના વિદ્વાન ૧૯૭૦માં કાશીમાં રહીને વેદ પઠનને ટૅપમાં ઉતારે છે અને વેદની સરગમ પર પુસ્તક પ્રકાશિત કરે છે. એન્ટોનીઓ – દ- નિકોલસ પણ “ફોર ડાઈમેન્સનલ મેન’ નામનો વેદના હાર્દને સમજાવતો ગ્રંથ રચી એક ઇતિહાસ સર્જે છે. જ્યારે અર્નેસ્ટ મેકલીન ‘મિથ ઓફ ઈનવેરાયન્સ’ પુસ્તક લખીને વેદોને પશ્રિમનાં ગણિત અને સંગીત સાથે સાંકળવાનો સુંદર પ્રયાસ કરે છે. ડેવિડ ફ્રાઉલીએ તો અમેરિકામાં વેદના પુનરૂદ્ધાર માટે સંસ્થા સ્થાપીને તે માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.

    આથી વિપરીત પરિસ્થિતિ ભારતમાં છે. વૈદભૂમિ ભારતમાં વેદો ઉપેક્ષિત છે અને કોઇ સંશોધન સંસ્થા અને લાયબ્રેરીના કબાટોમાં ધૂળ ખાતા પડ્યા છે. મધ્યકાળના કચ્છી સંત માર્મેદેવે આગાહી કરી છે કે વેદો પુનઃ ઝળકી ઉઠશે.

    ચાલો આપણે આ આગાહીને સત્ય ઠરાવવાના પ્રયત્નમાં દિલોજાનથી લાગી જઇએ.

    હવે પછીના મણકામાં ચાર વેદ, તેનાં અન્ય શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્ય વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું.


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.


    [1] (કલ્પ = બ્રહ્માનો એક દિવસ = એક સહસ્ર – ચાર યુગની ચોકડી- ચતુયુંગી = ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ વર્ષ)