-
ફિલસુફીભર્યા ગીતો – ૧૭ : सजन रे जुठ मत बोलो खुदा के पास जाना है
નિરંજન મહેતા
सजन रे जुठ मत बोलो
खुदा के पास जाना है
न हाथी है न घोडा है
वहां पैदल ही जाना हैतुम्हारे महल चौबारे
यहीं रह जायेगे सारे
अकड किस बात की प्यारे
ये सर फिर भी जुकाना हैभला कीजे भला होगा
बुरा कीजे बुरा होगा
बही लिख लिख के क्या होगा
यहीं सब कुछ चुकाना हैलड़कपन खेल में खोया
जवानी नींद भर सोया
बुढापा देखकर रोया
वही किस्सा पुराना हैફિલ્મ ‘તીસરી કસમ’નુ આ ગીત શૈલેન્દ્રના પ્રચલિત ગીતોમાં આગવું સ્થાન ધરાવે છે. સાદા શબ્દોમાં જીવનની ફિલસુફી તેમણે બખૂબી દર્શાવી છે. ગીતનું સંગીત છે શંકર જયકિસનનું અને સ્વર છે મુકેશનો.
ગાડામાં વહીદા રહેમાનને બીજે ગામ લઇ જતાં રાજકપૂરને રસ્તો કાપવા વહીદા રહેમાન તેને કોઈ ગીત ગાવાનું કહે છે જેના પરિણામ સ્વરૂપ આ સરળ ફિલસુફીભર્યું ગીત.
આપણે સૌ જાણીએ છીએ કે ભલે તેમ મોટા ખેરખાં હો અને ગમે તેટલા ધમપછાડા કરી માલમિલકત મેળવી હોય તો પણ અંતે બધું અહી મુકીને જ જવાનું છે. માટે સત્યનો રાહ અપનાવો અને જૂઠના રાહને ત્યજો. ભલે તમે અહી એશોઆરામથી જીવતા હો પણ અંતે તો ભગવાન પાસે જવા કોઈ સાધન નથી. અન્યના સહારે જ તમારે પ્રભુ પાસે પહોંચવાનું છે. તમારી સંપત્તિ તમારે જો આ દુનિયામાં જ છોડી જવાની હોય તો તેનું અભિમાન શા માટે? તેથી અભિમાનને ત્યજીને નમ્ર વર્તન કરવું જ સલાહભર્યું છે.
કેટલાય વિદ્વાનો પાસેથી સાંભળવા મળ્યું છે કે તમે કોઈનું ભલું કરશો તો તમારૂં પણ આગળ જતાં ભલું થવાનું જ. માટે ભલું કરતા રહો અને બુરાઈને ત્યજી દો. બુરાઈનું પરિણામ બુરૂ જ હોવાનું તેમાં કોઈ શક નથી. કારણ બધા કર્મોનું પરિણામ આપણે અહી જ ભોગવવાનું છે.
આપણે આપણું બાળપણ જીવનનું કશું જ્ઞાન ન પામતા રમતમાં વિતાવીએ છીએ નિર્દોષતાને કારણે. ત્યારે જુવાનીમાં જુવાનીના મદમાં આપણે આપણામાં જ વ્યસ્ત રહીએ છેએ અને જીવનનો પાઠ નથી શીખતા. પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે પસ્તાઈએ છીએ કે આખી જિંદગી ગુમાવી હવે શું? આ વાત સર્વે સામાન્ય મનુષ્યને લાગુ પડે છે સિવાય કે જે ચેતીને જીવનનો અર્થ સમજી તેનો સદુપયોગ કરે છે. તેમ કરવાથી તેને પછી પસ્તાવાનો વારો નથી આવતો.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૨૮. મખ્દૂમ મોહિયુદ્દીન
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
મખ્દૂમ મોહિયુદ્દીન એટલે ઉર્દુ સાહિત્યની મોટી હસ્તી. ફિલ્મોમાં તો એમની ગણી ગાંઠી રચનાઓ લેવાઈ. પોતે હૈદ્રાબાદના હતા અને હૈદ્રાબાદની રિયાસતને અખંડ ભારતમાં જોડવા માટેના આંદોલનનું નેતૃત્વ એમણે કરેલું. વર્ષો સુધી સક્રિય રાજકારણ સાથે જોડાયેલા રહ્યા.
એમની ક્રાંતિકારી નઝ્મ ‘ જાને વાલે સિપાહી સે પૂછો ‘ માં નાના – મોટા ફેરફારો કરી કવિ શૈલેન્દ્રએ એને નવેસરથી ફિલ્મ ‘ ઉસને કહા થા ‘ ૧૯૬૪ માટે લખેલી અને મન્નાડેએ ગાયેલી. ફિલ્મોમાં એમની પ્રતિનિધિ રચનાનો ઉલ્લેખ કરવો હોય તો ફિલ્મ ‘ ચા ચા ચા ‘ ૧૯૬૪ માં લેવાયેલી એમની વિખ્યાત નઝ્મ ‘ દો બદન પ્યાર કી આગ મેં જલ ગએ એક ચમેલી કે મંડવે તલે ‘ નો ઉલ્લેખ અનિવાર્ય છે. ઈકબાલ કુરેશીના સંગીત નિર્દેશનમાં આશા – રફીએ ગાયેલી એ રચના સુવિખ્યાત છે.ફિલ્મોમાં એમની જૂજ રચનાઓ લેવાઈ છે અને એ બધી જે તે ફિલ્મના નિર્માણ પહેલાં જ લખાઈ ચૂકી હતી. એમની બે જાણીતી ફિલ્મી ગઝલો :
આપકી યાદ આતી રહી રાત ભર
ચશ્મે નમ મુસ્કુરાતી રહી રાત ભરરાત ભર દર્દ કી શમ્આ જલતી રહી
ગમ કી લૌ થરથરાતી રહી રાત ભરબાંસુરી કી સુરીલી સુહાની સદા
યાદ બન બન કે આતી રહી રાત ભરયાદ કે ચાંદ દિલ મેં ઉતરતે રહે
ચાંદની જગમગાતી રહી રાત ભરકોઈ દીવાના ગલિયોં મેં ફિરતા રહા
કોઈ આવાઝ આતી રહી રાત ભર ..– ફિલ્મ : ગમન ૧૯૭૮
– છાયા ગાંગૂલી
– જયદેવ
દિલચસ્પ વાત એ કે ફૈઝ અહમદ ‘ ફૈઝ ‘ સાહેબે મખ્દૂમ મોહિયુદ્દીનના ઈંતેકાલ પછી એમની સ્મૃતિમાં આ જ કાફિયા, રદીફ અને બહરમાં એક ગઝલ રચી. લગે હાથોં એ ગઝલનો લુત્ફ પણ ઉઠાવી લઈએ :
આપકી યાદ આતી રહી રાત ભર
ચાંદની દિલ દુખાતી રહી રાત ભરગાહ જલતી હુઈ ગાહ બુઝતી હુઈ
શમ્એ ગમ ઝિલમિલાતી રહી રાત ભરકોઈ ખુશ્બૂ બદલતી રહી પૈરહન
કોઈ તસવીર ગાતી રહી રાત ભરફિર સબા સાયા-એ-શાખ-એ-ગુલ કે તલે
કોઈ કિસ્સા સુનાતી રહી રાત ભરજો ન આયા ઉસે કોઈ ઝંજીર-એ-દર
હર સદા પર બુલાતી રહી રાત ભરએક ઉમ્મીદ સે દિલ બહલતા રહા
એક તમન્ના સતાતી રહી રાત ભર ..૨.
ફિર છિડી રાત બાત ફૂલોં કી
રાત હૈ યા બરાત ફૂલોં કીફૂલ કે હાર ફૂલ કે ગજરે
શામ ફૂલોં કી રાત ફૂલોં કીઆપ કા સાથ સાથ ફૂલોં કા
આપ કી બાત બાત ફૂલોં કીફૂલ ખિલતે રહેંગે દુનિયા મેં
રોઝ નિકલેગી બાત ફૂલોં કીનઝરેં મિલતી હૈં જામ મિલતે હૈં
મિલ રહી હૈ હયાત ફૂલોં કીયે મહકતી હુઈ ગઝલ ‘ મખ્દૂમ ‘
જૈસે સહરા મેં રાત ફૂલોં કી ..– ફિલ્મ : બાઝાર ૧૯૮૦
– લતા / તલત અઝીઝ
– ખૈયામ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
દયે વસી જાય,આ બહુહેતુક ગુણોનો ભંડાર કેસુડો અને તેનું શ્રુંગાર રાજફૂલ
ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
રંગ રાતો ને મધમાતો, કેટલા સુંદર અને ગુણકારી કેસુડાના ફૂલ ! ભાગ્યેજ એવી વ્યક્તિ મળે કે જે કેસૂડાંનું નામ ન જાણતું હોય! હા, નવી પેઢીના બહુ લોકોએ કેસુડો જોયો નહીં હોય તેવું બને! કમનસીબે, આ સુંદર વૃક્ષ હવે બહુ ઓછી જગ્યાએ ઉગેલા જોવા મળે છે. જે વિસ્તારમાં ઉગે છે ત્યાં પોતાની જાતે ઉગેલા જંગલના વૃક્ષ વધુ હોય છે અને હવે લોકો તેને પણ લાકડા તેમજ દવાઓ માટે કાપી લે છે.
ફાગણ મહિનામાં સામાન્ય રીતે લોકો મુખ્યત્વે હોળીના તહેવારમાં અને કૃષ્ણ ભગવાનના મંદિરમાં હોળીના સમયે યાદ કરે છે અને કેસુડાના ફૂલ જુવે ત્યારે તેની વાત કરે અને ત્યાર બાદ ભૂલી જાય. બાકી તેનાં તરફ લોકોને ખાસ રુચિ કે લગાવ જોવા નથી મળતો. ખુબજ શોખીન અને જાણકાર લોકો બાગ બગીચામાં પણ વાવે! બહુ ઓછા લોકોને જાણકારી હશે કે કેસૂડાંની ત્રણ જાત છે જેમાં કેસરી, સફેદ અને પીળા ફૂલ બેસતાં હોય છે.
કેસૂડાની આ ત્રણમાં જાતમાંથી સફેદ અને પીળા કેસૂડાંના વૃક્ષ નામશેષ થવાના આરે છે. ભાગ્યેજ તેના વૃક્ષ બચ્યા છે. તેને બચાવવા માટે મહેનત કરવી પડે તેવી છે. મહેનત કરીએ તો ચોક્કસ તેની સંખ્યા વધારી શકાય. આ સુંદર અને ગુણકારી કેસૂડાનાં ફૂલને ઝારખંડ રાજ્યમાં તેમજ ચંદીગઢના રાજફૂલ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ વૃક્ષ આખા ભારતવર્ષમાં જોવા મળે છે.
ખાખરો અથવા કેસૂડો કે ખાખરિયા, ખાકડા, ખાખડો, ખાખર અથવા પલાશ એક જાતનું સુંદર ફૂલો ધરાવતું વૃક્ષ છે. સંસ્કૃતમાં તેને બીજસનેહ, બ્રાહ્મોપાદપ, કરક, કૃમિધ્ન, લક્ષતરુ, પલાશ, રક્તપુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી ઓળખવામાં આવે છે. સંસ્કૃત નામ તેનાં વિવિધ આયુર્વેદિક ગુણધર્મના લીધે પડેલા નામ છે. આયુર્વેદ, હોમીઓપેથી તેમજ યુનાની દવાઓ બનાવવામાં વપરાય છે.
ડાળીઓ ઉપર ત્રણ ત્રણનાં ઝૂમખામાં પાંદડા ઉગે છે. ફૂલને પાંચ પાંખડી હોય છે. સામાન્ય પાંખડી એક ઇંચ પહોળી હોય છે. પાંખડીઓનો ચકચક્તિ કેસરિયો રંગ અને નીચે ડીંટનો કાળો રંગ શોભામાં વધારો કરે છે. તેના ફૂલમાં પાંચ પાંખડી હોય છે જેમાંથી બે પાંદડી નાની હોય છે જયારે એકનો આગળનો ભાગ થોડો અણીદાર હોય જે આકાશ તરફ ઊંચો દેખાય ત્યારે જાણે દીવાની વાટની જ્યોત પ્રગટી હોય તેવો ભાષ થાય અને માટે કેસુડાનાં વૃક્ષનું નામ ઇંગલિશ ભાષામાં “ફ્લેઈમ ઓફ ફાયર” એટલેકે સળગતી જંગલની જ્વાળાની જ્યોત તેવું પડ્યું છે. તે પોપટની ચાંચનો સંભ્રમ પેદા કરતા હોય તેમ થોડું વળેલું હોય છે અને તે કારણે તેને ‘પોપટ/ પેરટ ટ્રી” તરીકે પણ નામ મળેલું છે.

એમ કહેવાય છે કે જયારે દેવોને દાનવ ઉપર અગ્ન્યાસ (અગ્નિ શસ્ત્ર) ના પ્રહાર કર્યા ત્યારે તેમાંથી ઝરેલા કેટલાક તણખાં પૃથ્વી ઉપર પડ્યા ત્યારે તે વિખરાઈને કેસૂડાં બની ગયા. કોઈક સંસ્કૃત કવિને તે પોપટની ચાંચ જેવું લાગતા અને તેના શરીરનો અંજામ પેદા થયો તો તેમને તેનું નામ કિંચુ એમ વિચારી મનોમન તેનું નામ કિચુક પડી દીધું.
કેસુડો મધ્યમ કદનું આશરે ૨૦ થી ૪૦ ફૂટ ઊંચું, પાનખરનું વૃક્ષ છે. પર્ણો ત્રણ પર્ણિકાઓ ધરાવતા પીંછાકાર છે અને ૮–૧૬ સે.મી. લાંબો પર્ણદંડ ધરાવે છેડાળીઓ ઉપર ત્રણ ત્રણનાં ઝૂમખામાં પુષ્કળ સુંદર ફૂલ થાય છે. પુષ્પો ૨.૫ સે.મી. લાંબા, ઘાટ્ટા કેસરી કે પીળા રંગનાં હોય છે અને ૧૫–૨૦ સે.મી. લાંબા ખીલે છે. તેનાં ફળ, શીંગ રૂપે આવે છે, જે ૧૫–૨૦ સે.મી. લાંબી અને ૪–૫ સે.મી. જાડી હોય છે. તેની શિંગ કુમળી હોય ત્યારે ઝાંખી લીલી અને પાકે ત્યારે ઝાંખી પીળી અથવા બદામી થાય છે. તેનું થડ વાંકું અને ડાળીઓ પણ અનિયમિત હોય છે. તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે. પાંદડાંની નીચેની સપાટી રેશમી હોવાથી તેનો દેખાવ દૂરથી ભૂરો લાગે છે. પાંદડાની નીચેની સપાટીમાં નસો ચોખ્ખી દેખાય છે.
વૃક્ષની ઉપરના ભાગની ડાળીઓ જ્યાં ફૂલ બેસે છે તે જાન્યુઅરીમાં ઉગવા માંડે અને ધીમેધીમે ખીલીને ચકચકિત કેસરિયો રંગ ધારણ કરે. હોળીનો સમય આવે તેટલે કેસૂડાનાં આખા વૃક્ષ નયનરમ્ય ફૂલોથી લચી પડેલા હોય. વસંતઋતુના આગમનની છડી પોકારતા હોય તેમ આખા વૃક્ષ ઉપર સોહામણા ફૂલ બેસે જે લગભગ ૧૫ થી ૨૦ દિવસનું આયુષ્ય ભોગવે અને તે સમયે આખાએ વૃક્ષની નીચે ખરી પડયા હોય ત્યારે ફૂલોની કેસરી અને નયનરમ્ય ચાદર પથરાયેલી દેખાય. આખુંયે વૃક્ષ એટલું તો સોહામણું લાગે કે જોનારની આંખોમાંથી ફૂલોનું સૌંદર્ય ઉભરાઈને બહાર છલકે.
જંગલ જેવા વિસ્તારમાં જયારે એક જગ્યાએ ખુબજ મોટી સંખ્યામાં કેસુડાનાં ફૂલ ઉગેલા જોવા મળે ત્યારે આખો વિસ્તાર સોને મઢેલાં કેસરી રંગથી છલકાઈ જાય.આખા વિસ્તારમાં ખીલેલા અસંખ્ય ફૂલ જોવા મળે તો લાગે કે આખો વિસ્તાર સોહામણો શૃંગાર બની શોભી ઉઠે છે અને ફૂલકેસરી મોસમ છલકે છે!
ફૂલની બહાર પુરી થાય ત્યાર બાદ એપ્રિલ અથવા મે માસમાં વૃક્ષ ઉપર નવાં પાન ઉગી આવે અને તે સમયે આખુંયે વૃક્ષ ફરીથી હર્યું ભર્યું લીલું દેખાય છે.
આ વૃક્ષ ઉપરનો અભ્યાસ બતાવે છે કે તે એક આખું નિવસન તંત્ર (ઇકોસિસ્ટમ) એટલે કુદરતમાં જૈવિક ઘટકો તેમજ તેની ઉપર આસપાસના અનેક પ્રકારના જીવ સતત આકર્ષાય છે. ચાર જાતની મધમાખી જેવી કે, રોક બી, ઇન્ડિયન બી, લિટલ બી, યુરોપિયન બી વગેરે તેમજ પ્લેઇન ટાઇગર, મોનાર્ક પતંગિયા,કીડીની વિવિધ જાત, મંકોડા અને અનેક જાતના જીવજંતુ. કેસુડો હંમેશા અનેરો આનંદ આપે છે અને મોજ કરાવે છે, ક્યારેક અપેક્ષા કરતા અને ઘણું વધારે આપે છે. તેનો રંગ, તેની ઉપર કલકલતા વિવિધ પક્ષીઓ, પતંગિયા, જીવડાં જેવું ઘણું બધું એકજ વૃક્ષ ઉપર માણવા મળે છે.

જે જગ્યાએ થાય તે વિસ્તારના કેટકેટલાયે પક્ષીઓ જેવાકે પક્ષીઓમાં બુલબુલ,કાબર/ મૈના, વૈયા/ રોસી સ્ટાર્લિંગ, દેવ ચકલી/ સન બર્ડ ,શક્કરખોરો/ પર્પલ સન બર્ડ, કાળો કોશી, વિવિધ જાતની ચકલી/ સ્પેરો, પોપટ, કલકલિયો/ કિંગ ફિશર, ખેરખટ્ટો/ રફસ ટ્રી પાઇ, પીળક/ વ્હાઇટ આઈ, સમડી/ કાઇટ, પહેલવાન ચકલી/યલો થ્રોટેડ, દરજીડો/ ટેલર બર્ડ વગેરે તેમજ ખિસકોલી, કાચિંડા, ગરોળી જેવા સરીસૃપ, વાંદરા, સસ્તન પ્રાણીઓ વગેરે ફૂલનો પુષ્પરાગ તેમજ મધુરસ – અમૃતરસ પીવા આવે છે, ફૂલ ખાય છે અને તેમનું જીવન આ વૃક્ષ ઉપર નભે છે.
નવેમ્બર અથવા ડિસેમ્બરમાં પાદડાં ખરવા માંડે અને જાન્યુઆરીમાં બધાં ખરી પડે છે. મહા–ફાગણ (ફેબ્રુઆરી–માર્ચ)માં તેના પુષ્પો આવવાની શરૂઆત થઈ જાય છે. ફૂલ ઊપલા ભાગની ડાળીઓ ઉપર જાન્યુઅરીમાં ચોંટવા લાગે અને ધીમે ધીમે ખીલીને ચકચકિત કેસરિયો રંગ ધારણ કરે. ત્યારબાદ એપ્રિલ અથવા મે માસમાં નવાં પાન આવે છે અને તે પાંદડાં ત્રણ ત્રણના ઝૂમખામાં હોય છે અને નવા પણ સાથે વૃક્ષ પાછું લીલુંછમ થઇ જાય છે.
ફૂલનો ઉપયોગ હોળીમાં રંગ તરીકે થાય અને કૃષ્ણ ભગવાનના મંદિરમાં હોળીમાં ખુબ વપરાય. કાપડ ઉપર ઓર્ગેનિક કલર કરવા કેસુડાના ફૂલમાંથી કેસરી રંગ બનાવવામાં આવે છે તેવી જ રીતે તેનાં ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાખી વધારે પાણી નાખો તો પીળો રંગ થાય છે. આ રંગનો ઉપયોગ શ્રી કૃષ્ણ ભગવાનની બનાવવામાં આવતી વિવિધ પિછવાઈમાં કાપડ, કાગળ અને કેનવાસ ઉપર ઓર્ગેનિક રંગ તરીકે વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે અને તે વરસો વરસ સુધી જળવાઈ રહે છે.
કાળી માટીમાં કેસુડો વધારે સારી રીતે ઉગે છે. ખારાશવાળી માટી તેને અનુકૂળ છે. તેમાંથી નીકળતો ગુંદર ઔષધિ તરીકે તેમ જ ચામડું રંગવામાં તથા કમાવવામાં ઉપયોગી છે. તેનાં કુમળાં મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેમાંથી દોરડાં અને દેશી ચંપલ બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાનાં દોરડાં અને કાગળ બને છે. તેનાં પાનનાં પતરાળાં બનાવાય છે. ખાતર તરીકે તેનાં પાન ઔષધીય ગુણને કારણે ઘણાં સારા છે. તેનાં બિયામાંથી સ્વચ્છ તેલ નીકળે છે. દેખાવમાં સાગને મળતું તેનું લાકડું બાંધકામમાં ઉપયોગી છે. જુના જમાનામાં બંદૂકનો દારૂ અને કોલસા બનાવવામાં તે કામમાં લેવામાં આવતો. બે વર્ષના કુમળાં વૃક્ષનાં મૂળ કેટલાક ગરીબ લોકો શેકીને ખાય છે. તેના માટે એવું કહી શકાય કે કેસુડાનાં વૃક્ષનો દરેકેદરેક ભાગ ઉપયોગી છે.
સાહિત્યમાં કવિતા, હાઈકુ અને વાર્તામાં વણાયેલ રહે છે. સુગમ સંગીત, ફિલ્મી સંગીત,લોક સંગીત, ગરબા જેવા માધ્યમમાં અને દરેક ભાષામાં વિષય તરીકે પ્રચલિત છે અને અને કલાના વિવિધ ક્ષેત્રમાં ખુબજ ઉપયોગમાં લેવાય છે.
*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn – Conserve*
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214 -
વનવૃક્ષો : બોરડી

ઘરમાં કાશીબોર આણેલાં. બબુએ બોર ખાઈને વાડામાં ઠળિયો નાખેલો; કોઈના જાણવામાં નહિ કે ચોમાસું આવશે ત્યારે ઠળિયામાંથી બોરડી ઊગશે. પણ ચોમાસું આવ્યું, મેઘ ગાજ્યો ને વરસાદ પડ્યો. વાડા આખામાં ખડ ઊગી નીકળ્યું. એમાં પેલો ઠળિયો પણ ઊગેલો. પણ ખડમાં કોણ જુએ ? તડકા પડ્યા ને ખડ સુકાયું. વિજુભાઈ દાતરડી લઈ ખડ કાપવા બેઠા ત્યાં પેલી બોરડી આવી. એ મનમાં કહે: “કાંઈ નહિ. બોરડી ભલે ઊગતી. વાડો છે ને મહીં બોરડી થાય તો એને ઠીક બોર આવશે.”
ગંગા અને જમનાએ નાનો સરખો ક્યારો કર્યો. બબુ રોજ બોરડીને પાણી રેડે ને નવાં નવાં પાંદડા ગણે. પર ચારછ માસમાં તો બોરડી વધી પડી. એટલાં બધાં પાંદડાં કે બબુ ગણી યે ન શકે !

બોરડીનું ઝાડ બોરડી વાડામાં હતી. બકરું ય ત્યાં આવી શકે તેમ નહોતું. એટલે બે વરસમાં તો બોરડી વિજુભાઈ જેવડી થઈ ગઈ ! ત્રીજે વરસે દોઢી થઈ ને થાંભલી જેવડું થડ થયું.
બધાં વિચાર કરતાં હતાં કે હવે બોરડીને બોર ક્યારે આવશે ? ત્યાં તો શિયાળો આવ્યો ને બોરડીને મોર આવ્યો; મોર ખર્યોને ઝીણાં ઝીણાં બોર આવ્યાં; પહેલાં તો રાઈ જેવડાં બોર હતાં, પછી મગ જેવડાં થયાં; પછી ચણા જેવડાં, પછી વાલ જેવડાં, પછી નાની ખારેક જેવડાં અને પછી તો અસલ કાશીનાં બોર જેવાં બોર થયાં.

બોરનાં ફળ ક્યારે બોર પાકે ને ક્યારે બોર ખવાય ? પણ નાનાં છોકરાં કાંઈ ધીરજ રાખે ? એ તો કાચાં ને કાચાં બોર ખાવા માંડે; પણ પોતાની મેળે ચડાય નહિ ને કાચાં બોર ખવાય નહિ. બોરે બોરડી ભરાઈ ગઈ ને કાચાં બોર પાકી પડ્યાં. ઊંચી બોરડી નીચી નમી. રોજ પાંચપચીસ બોર ખરી પડે તે નાનાં છોકરાં ઉપાડી લે. વિજુભાઈ હાથ લાંબો કરે ને પાંચપચીશ બોર ઉતારે. બેચાર મોઢામાં મૂકે ને પાંચદસ બોર ઘરમાં લાવે. સવારબપોર પંખીઓ આવે તે પચીશપચાસ બોર ચાખે.
વાડાની બોરડીને બહુ બોર આવ્યાં. ઘરમાં ય ખાય, પાડોશીને ય આપે, અને વળી પંખીઓ ય ચાખે. પણ તો ય બોર એટલાં ને એટલાં !
આ પણ જુઓ
વિકિપીડિયામાં બોરડીને લગતો લેખ ઉપલબ્ધ છે.
વિકિપીડિયામાં બોરને લગતો લેખ ઉપલબ્ધ છે.
માહિતી સ્રોત : વિકિસ્રોત
-
આપણી પાસે શું છે?
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
એક સત્ય ઘટનાની વાત છે.
રાજકીય કારણોસર જર્મનીના બે ભાગ પડી ગયા હતા અને પૂર્વ જર્મની- પશ્ચિમ જર્મની વચ્ચે એક તોતિંગ દિવાલ બનાવી દેવામાં આવી.
જ્યારે બે પરિવાર વચ્ચેની વાત હોય ત્યારે ક્યાંક લાગણીમાં ઓટ આવી હોય કે ક્યાંક લાગણીઓ ઘવાઈ હોય, લાગણીઓને ઠેસ પહોંચી હોય અથવા તો જર- જમીનના ઝગડાએ પણ આ સ્થિતિ ઊભી થઈ હોય પરંતુ જ્યારે બે વિસ્તાર વચ્ચે જો દિવાલ ઊભી થઈ હોય ત્યારે એના મૂળ રાજકીય હોવાના અને એમાં ક્યાંય કોઇ તડજોડની શક્યતા નહીંવત જ હોવાની.
બન્યું એવું કે એક દિવસ પૂર્વ જર્મનીના કેટલાક લોકોએ એક ટ્રક ભરીને કચરો- ગંદકી દિવાલની બીજી તરફ- પશ્ચિમ જર્મનીમાં ઠલવી દીધો.
હવે આના જવાબમાં પશ્ચિમ જર્મનીના લોકોએ શું કર્યું? સ્વભાવિક છે કે ઈંટનો જવાબ પત્થરથી જ આપ્યો હોય ને? એક તરફના લોકોએ ટ્રક ભરીને ગંદકી ઠાલવી તો બીજી તરફના લોકોએ બે ટ્રક કે એથી વધુ ગંદકી જ ઠાલવી હોય ને?
પણ ના! એવું ના બન્યું. સામાન્ય ધારણાથી સાવ અલગ જ જવાબ પશ્ચિમ જર્મનીવાળાએ આપ્યો. એમણે ફ્રુટ, બ્રેડ, દૂધ અને જીવન જરૂરિયાતની સારી એવી વસ્તુઓ ભરેલી ટ્રક પૂર્વ જર્મનીની દિવાલને અડીને વ્યવસ્થિત ગોઠવી દીધી અને ઉપર એક બોર્ડ મુક્યું જેની પર લખ્યું હતું …….. “ જેની પાસે જે વસ્તુ હોય તે જ તે આપી શકે.”
કેટલી સાચી વાત સાવ જ સ્વભાવિક અને સરસ રીતે દર્શાવી દીધી !
આપણી પાસે શું છે?
પ્રેમ કે તિરસ્કાર ?
સર્જનાત્મકતા કે વિધ્વંસતા?
સકારાત્મકતા કે નકારાત્મકતા?
કોઇપણ સંજોગોમાં આપણે આપણી સારપ સાચવી જાણીએ છીએ ખરા? સામેની વ્યક્તિની જે પ્રકૃતિ હોય આપણી સ્વસ્થતા જાળવી શકીએ છીએ ખરા? ખોટા કે ખરાબ થવું કદાચ સરળ છે પરંતુ સાચા કે સારા નિવડવા જેટલી સમજ કેળવી શકીએ છીએ ખરા?
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સાતમે પગલે
પારુલ ખખ્ખર
આજે વાત કરવી છે એક એવા અનોખા બંધનની જે બાંધવા જતાં છૂટી જાય છે અને છૂટ્ટુ મૂકો તો સરળતાથી બંધાઇ જાય છે! આ બંધન એટલે લગ્નનું બંધન. લગ્ન વિશે દુનિયાભરના લેખકોએ ચિક્કાર લખ્યું છે. જેના વિશે અઢળક વિધાનો થયા છે, અઢળક સંવાદો અને વિવાદો થયાં છે તો પણ પૂરેપૂરો જાણી નથી શકાયો એવો આ કોયડો એટલે લગ્ન! લગ્નને એક બેડી કહેનારા લોકો જ હોંશેહોંશે ઘોડે ચડી જતાં હોય છે. આ લાકડાંનો લાડૂ એવો તો આકર્ષક છે કે ભલભલા એનો સ્વાદ ચાખ્યા વગર નથી રહી શકતાં. ખાનારા પણ પસ્તાય અને ન ખાનારા પણ પસ્તાય એવી આ વાનગી કોઈકને મધથીય મીઠી લાગે છે તો કોઈનાં દાંત ખાટા કરી નાંખે છે. મજાક બાજુ પર મૂકીને વિચારીએ કે લગ્ન એટલે કેવો સંબંધ? તો એમ કહી શકાય કે ‘લગ્નસંબંધ’ એટલે એવો સંબંધ કે જેની શરુઆત તો ધામધૂમથી થાય પરંતુ સમયની આંધીમાં એમાં રહેલો ઝગમગાટ ઝાંખો પડતો લાગે, લાગણીઓ નામશેષ થતી હોય એવું લાગે. પણ શું ખરેખર એવું હોય છે? ચાલો તપાસીએ..
ક્યારેક જાતે શોધેલા તો ક્યારેક પરિવારે શોધેલા પાત્ર સાથે લોકો પરણી જતાં હોય છે. પણ જીવનસાથી બનવાની શરુઆત તો સુહાગરાત પછીની સવારથી થતી હોય છે ! આ એક અજીબોગરીબ પ્રેમદાસ્તાન છે. આ એક એક અનોખુ પ્રકરણ છે ! આ સંબંધ ઉલ્ટા ક્રમે ચાલે છે. આમાં તનગમતાથી શરુ થઇ મનગમતા થવા સુધીની સફર ખેડવાની હોય છે . અહીંયા હરણફાળે એકબીજાનાં દિલમાં સ્થાન નથી બનાવી શકાતું કાચબાની જેમ ધીમે ધીમે ભાંખોડિયા ભરતા ભરતા એકબીજાને ગમતાં થવાનું હોય છે.
‘ઇડરિયો ગઢ જીત્યારે…’ કહીને એક છોડને આખેઆખો મૂળસોતો લઇ આવવાની ઘટના એટલે લગ્ન ! એ છોડ ફરીથી કોઇ અજાણ પ્રદેશની અજાણ માટીમાં રોપાય છે. અજાણ્યુ પાણી. ને અજાણ્યો માળી ! ક્યારેક મરુભૂમિનો થોર કાશ્મીરના બગીચામાં…તો ક્યારેક દરિયાકિનારાની નાળિયેરી આસામનાં જંગલોમાં રોપાય. ક્યારેક ગુજરાતનો કેસૂડો રામેશ્વરમાં રોપાય તો ક્યારેક કેરાલાની એલચી રાજસ્થાનમા વવાય . અને તે પછી છોડનાં પુનઃજન્મની શરુઆત થાય છે. જે મળી તે માટીમાં કોળાવું અને જે મળ્યુ તે પાણી ને અનુરુપ થઇને વિકસતા જવું એ જ લગ્નજીવન !
‘તું મીંઢળ જેવો કઠણ ને હું નમણી નાડાછડી,
તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી’કહીને નમણી નાજુક વેલ જેવી સ્ત્રી અડીખમ ધીરગંભીર વૃક્ષ જેવા પતિની આસપાસ વિકસતી રહે છે. જળની ચંચળ બારાખડી જેવી આ સ્ત્રી શિલાલેખ જેવાં નક્કર સાથી પર પોતાની આગવી નકશી કરતી જાય અને અવનવા આકારો કોતરતી જાય. અનેક વિરોધાભાસો વચ્ચે પાંગરવા લાગે એક નાનેરી કૂંપળ જે સાથે ઉઠતાં-બેસતાં. ખાતાં-પીતાં, સૂતાં-જાગતાં વિકસતી રહે. જે એકબીજાની ખામીઓ-ખૂબીઓને અપનાવતા અપનાવતા પાંગરતી રહે! એકને આંકડા સાથે પ્રેમ તો બીજાને અક્ષરો સાથે ! એક પ્રકૃતિને ચાહે તો એક આલિશાન બંગલાઓને ! એકને લોંગડ્રાઇવ ગમે તો એકને ચાર દિવાલો વચ્ચે બેસી રહેવું હોય ! એકને પંજાબી ફૂડ ભાવે તો એકને સાઉથઇન્ડીયન ! એક ફીલીંગ વ્યક્ત કરે ત્યારે બીજું સીલીંગ ને તાક્યા કરે ! એકને ફોન સાથે ભાઇબંધી તો બીજાને ટી.વી. સાથે ! એક બકબકીયું તો એક અબોલ ! આવી કેટકેટલી વિષમતા હોય છતાં પણ મનના મેળ મળતાં જાય
ભલે ને બર્થડે, મેરેજડે કે વેલેન્ટાઇન ડે યાદ ન રહે તો શું છે ? ભલેને મોઘીદાટ હોટેલમાં લંચ કે ડિનર ન હોય તો શું થયું? માત્ર હાથમાં હાથ અને આંખમાં આંખ નાંખી ગાળેલી એક સાંજ જ હોય તોપણ જીવન જીવવા જેવું લાગે એનું નામ સુખી લગ્નજીવન. ! ભલે ને વરસના વચલે દિવસે પણ ‘I LOVE YOU’ ન કહેવાતુ હોય..પણ તેમ છતાં દુનિયાભરના તમામ જોડાણને છેડાછેડીનું જોડાણ અતિક્રમી જાય એનું નામ સુખી લગ્નજીવન. !
‘સાયબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની !’કહેતી કહેતી એક કન્યા સાવ અજાણ્યા માણસને પોતાનો બનાવી લે. એનાં સ્વભાવને ઓળખી લે, એની વિશેષતાઓને અપનાવીને એના જેવી થતી રહે એ જ લગ્નજીવનની સાર્થકતા ખરું ને ? બાકી ગુલાબ ભલે રંગ, સુગંધ અને દેખાવમાં મેદાન મારી જતું હોય તો પણ એનાં કાંટાઓ સહેવાની તૈયારી સાથે જ લવિંગની વેલી એને વીંટળાતી હશે ને ! બાકી વિરોધાભાસ તો ક્યાં નથી હોતા? જો કે સ્ત્રીને નાનપણથી જ બીજાને અનુકૂળ થવાની ટ્રેનીંગ અપાતી હોય છે તેથી જે જોડાણમાં સ્ત્રી સમજદાર હોય છે તે સંબંધ અનેક મુસીબતો વચ્ચે પણ ટકી જતો હોય છે.
આમતો બધી જ નદીઓ ધસમસતી સાગર તરફ જ વહેતી હોય પણ સાગર અનેક પ્રકારનાં હોય. કોઇ એવો તોફાની કે એક જ છાલકમાં તરબતર કરી દે તો કોઇ એકદમ ધીરગંભીર હોય. કોઈ ધસમસ ઉછાળતો તો કોઈ શાંત, અચલ, અગાધ…હોય એ હળવેથી પોતાનામાં સમાવી લે ! કોઇ વળી ચંચળ. મસ્તિખોર હોય તો કોઇ એવો છીછરો કે સહેજ પગ બોળો ત્યાં તળિયું દેખાય તેવો. પરંતુ નદી તો નદી જ હોય છે. આ નદીમાં વહેતી હોય છે એક સંબંધ નામની નાવ અને આ નાવ વિશે તો એવું પણ કહેવાય કે..
‘તરંગો થી રમી લે છે. ભંવરનું માન રાખે છે,
નહી તો નાવ પોતે સેંકડો તોફાન રાખે છે !’લગ્ન વખતે સપ્તપદીનાં સાત પગલાં પતિપત્ની સાથે ચાલે છે. છ પગલાં ચાલ્યા પછી સાતમા પગલે સ્ત્રી કહે છે
त्वं सखा सप्तमे जातः सखी भूतास्मि तेप्यहम्,
आजीव नाथ ! बद्धास्मि भूत्वमनुवर्तिनी.અર્થાત્ ‘આપણે સાત પગલાં સાથે ચાલવાથી મિત્ર થયા છીએ, હવે હું સમગ્ર જીવન માટે આપની સાથે બંધાઇ છું‘
કેવી અદ્ભૂત વાત !
પતિ -પત્નીમાંથી મિત્ર બનવામાં આમ જુઓ તો માત્ર સાત પગલાંની જ સફર ને? પણ રસ્તો કેવડો લાંબો ! યહાં પે આતે આતે સૂખ જાતી હૈ કઇ નદીયા….અને અલબત..દરિયાઓ પણ સૂકાઇને રણ બની જાય! પરંતુ સાચો પ્રેમ તો સરસ્વતી નદી જેવો ગુપ્ત હોય છે અંદર અંદર ચુપચાપ વહેતો રહે છે. બહાર દેખાય કે ન પણ દેખાય પણ એ એકધારો વહેતો રહે છે. ! કાંટા, કાંકરા, ઠેસ, ઠેબાં. ઠોકર ખાતાં ખાતાં સાતમે પગલે પહોંચવાનું હોય છે. સહજીવન કંઇ માખણમાં ચલતી છરી જેવું નથી હોતું. એ તો સમય અને સંજોગોની તાવણીમાં તપાવે છે. પણ એક વાત યાદ રાખવી પડે કે તપ્યા પછી જ સોનું કુંદન બને છે. કંઇ કેટલાયે વળાંકો અને ત્રિભેટાઓને પાર કરતાં કરતાં આ ડગર પર ચાલવાનું હોય છે. એકબીજાના ગમા-અણગમાને સમજીને તેને અનુરુપ થતાંથતાં સાથ નિભાવી જાણે છે તે સાતમે પગલે પહોંચી શકે છે.
તેરા સાથ હૈ તો મુજે ક્યા કમી હૈ,
અંધેરો સે ભી મિલ રહી રોશની હૈ.કહીને એકબીજાના સુખે સુખી થઇને એકબીજાના દુખે દુખી થવાનું હોય છે. બાહ્ય દેખાવ કે સુંદરતા કદાચ બેપાંચ વર્ષ સુધી આનંદ આપી શકે બાકી સારો સ્વાભાવ અને મનનો મેળ જ આખી જીંદગી સાથે રહેવાનું બળ આપતો હોય છે.
સતત પ્રથમ પ્રેમનાં ઓછાયા સાથે જીવતી ‘ન હન્યતે’ નવલકથાની નાયિકા ‘અમૃતા’ વિશે વાંચ્યું છે તમે ? ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મની ‘ નંદિની’ તો યાદ જ હશે આપને ! પ્રથમ પ્રેમ ભલે ને લાજવાબ હોય, સ્વપ્નપુરુષનો સાથ ગમે એટલો લોભામણો હોય પરંતુ વાસ્તવિકતાને સ્વીકારે એજ તો ખરો પ્રેમ. મનગમતો સાથ ગુમાવ્યા પછી પણ નવેસરથી જીવનની શરુઆત કરી શકાય છે. એકને ચાહ્યા પછી પણ જેની સાથે સાત પગલાં ચાલ્યા હોય એને ચાહી શકાય છે.માત્ર પામવું એટલે પ્રેમ નહી પણ આપવું એટલે પણ પ્રેમ કહેવાય છે.
અને આ પ્રેમ આપીને પ્રેમ પામવાનું રહસ્ય જેમને સમજાયું એનો બેડોપાર ! અને એટલે જ તો ‘અમૃતા’ હોય કે ‘નંદિની’ હેમખેમ આ સાતમે પગલે પહોંચે કે જ્યાં પતિ ‘સખા’ બની જાય છે ! આ નાયિકાઓને એક સમયે તો પતિ તરફથી આઝાદી પણ મળે કે ‘ચાલ….તારા મનગમતા પાત્ર પાસે હું જ લઇ જાઉ ,તારો પ્રથમ પ્રેમ પાછો અપાવી દઉ !’ અને ત્યાંજ આ નાયિકાઓ પતિના સાચા સ્વરુપને ઓળખે, પછી તો લાલચટ્ટાક સાડી, બંગડી, બીંદી, ચૂડી , સેંથામાં સજ્જ થઇ ને પતિને કહે કે ’પ્યાર કરના ઉનસે સીખા થા..પ્યાર નિભાના આપ સે સીખી હું’ અને પછી સાબિત કરી આપે કે સાતમું પગલું સખ્યનું છે. સાતમું પગલું સુખનું છે.
અગ્નિની સાક્ષીએ ધર્મ, અર્થ, કામના ફેરામાં પતિને આગળ કરતી સ્ત્રી ચોથા મોક્ષનાં ફેરામાં પોતે આગળ થાય છે, અને સાથે ચાલેલા આ સાત પગલાનો સંગાથ સ્મશાનનાં અગ્નિ સુધી સાથ નિભાવી જાય છે ! આ કંઇ ગુલાબી ઘેન નથી કે દિવસ ઉગતાની સાથે જ ઉતરી જાય !! આ તો લાલઘૂમ પ્રેમ છે જે દિવસે દિવસે ઘેરો થતો જાય.
સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
પગદંડીનો પંથી – ભાગ ૨ – ૬ : દૈનિક જીવનમાં થતી સામાન્ય ઈજાઓ ધ્યાનમાં રાખવા જેવી અગત્યની બાબતો
તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

ડૉ. પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.આપણી દરરોજની દિનચર્યામાં નાની મોટી ઈજાઓ થતી રહે છે. તેની ઘરગથ્થુ તાત્કાલિક ઉપચારની જાણકારી હોય અને સાવચેતીનાં પગલાં યોગ્ય રીતે લેવાય એ જરૂરી છે.
(૧) ધારદાર ચપ્પુ કે બ્લેડ જેવી વસ્તુઓથી થયેલ ઈજાઓ (Incised Wounds)
આવી ઈજાઓ થાય ત્યારે વાગેલા ભાગને સ્વચ્છ પાણીથી ધોઈ સ્વચ્છ કપડા કે રૂમાલથી ઈજાગ્રસ્ત ભાગને દબાવી પાટો બાંધી દેવો, પછી ડૉક્ટરને બતાવવું. લોહી લૂછ્યા કરવાથી કુદરતી રીતે લોહી ગંઠાવાની ક્રિયા (Clotting) થતી નથી અને વધારે ને વધારે લોહી વહે. થોડા પ્રમાણમાં લોહી વહી જાય તો કંઈ ગભરાવાની જરૂર નથી. મોટા ભાગે તો ઘા ઉપર જ થોડો વખત કપડું કે રૂમાલ દબાવી રાખીએ તો લોહી બંધ થઈ જાય છે.
સોજો, દુખાવો, અને રસી થઈ શકે એથી તે માટેની દવા/ગોળી અને એન્ટિબાયોટિક લેવી પડે. (૩-૭ દિવસ માટે). જો આ ચૂકી જવાય તો લાંબા સમય સુધી રિબાવું પડે, ઘા જલદી રુઝાય નહીં. ટાંકા મારવા કે નહીં તે બાબત ડૉક્ટર ઉપર છોડવી. વળી ઘામાં બની શકે તો કોઈ જાતની મલમ (Ointment), હળદર, બાળેલું રૂ કે કશું પણ લગાડવું નહી, આ ડૉક્ટરી તપાસમાં વિઘ્નરૂપ બને છે.
(યાદ રાખો કે લોહીનું દાન કરે ત્યારે પણ કશું થતું નથી. છેલ્લા એકાદ વર્ષમાં ન લેવાયું હોય તો ધનુરનું ઇંજેક્શન લઈ લેવું.)
(૨) છૂંદાયેલો ઘા (Contusions, Blunt Injuries)
પડવા-આખડવાથી કે વાહન અકસ્માતે બહાર વાગેલું ના દેખાય પણ સોજો આવે, દુખાવો થાય કે ચક્કર આવે તો ડૉક્ટરને અચૂક મળવું. ચામડી નીચે લોહી જામી જાય (Haematoma) અને સોજો આવે, જે ૧ થી ૩ અઠવાડિયાંમાં ધીરે-ધીરે ચુસાઈ મટી જાય અથવા એમાં રસી/પાક થાય. વાગેલા ભાગે માલીશ કે શેક કરવાથી વધારે નુકશાન થાય છે એવો મારો અનુભવ છે.
એક્સ રેની જરૂર હશે તો ડૉક્ટર કહે તેમ કરવું.
નાનાં બાળકોનાં હાડકાં પોચાં અને વળી શકે એમ હોવાથી જલદી તૂટતાં (Fracture) નથી, પણ વૃદ્ધોનાં હાડકાં બરડ હોવાથી સામાન્ય પડી જવાથી, કે ગોદામાર લાગવાથી તૂટી જાય છે.
હાથ-પગ હલે ત્યારે ખૂબ દુઃખે, કંઈ ઘસાતું હોય એવું અનુભવાય, ચાલી શકાય નહીં, તો ફ્રેક્ચર હોવાની શક્યતા છે, તાત્કાલિક દવાખાને જવું.
ઘણી વાર પેટમાં કે છાતીમાં દબાણ ને ગોદો વાગે ત્યારે બહાર કોઈ નિશાની ના હોય તો પણ, અંદરના અવયવોને નુકસાન થઈ શકે છે, અને ગંભીર પરિણામ આવી શકે. આની શરૂઆતમાં ખબર ના પડે અને થોડા કલાકો/દિવસો પછી ખબર પડે છે. એટલે આ પ્રકારે વાગ્યું હોય તો ડૉક્ટરને અચૂક બતાવી જોવું.
(૩) અણીદાર-લાંબી વસ્તુઓથી થતી ઈજાઓ (Injury by Pointed Sharp Objects)
ધારદાર લાંબું ચપ્પુ, પેન્સિલ, ખીલી, લાકડું, સોય, કાંટા, તૂટેલા કાચની લાંબી કરચો, વગેરે શરીરમાં ઊંડે સુધી ઘૂસી જાય તે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરે છે. બહારથી જોતાં ખૂબ જ મામૂલી લાગે છે, પણ ઊંડેના અવયવો, જેવા કે લોહીની નળીઓ (Blood Vessels), જ્ઞાનતંતુઓ (Nerves), સ્નાયુબંધ (Tendons and Ligaments), આંતરડાં (Bowels/Intestines), ફેફસાં (Lungs), હૃદય (Heart), બરોળ (Spleen), કલેજું (Liver), વગેરેને નુકસાન કરે અને લોહીનો અંતઃસ્રાવ (Internal Haemorrhage), ગંભીર રસી થવી (Sepsis), લકવો (Paralysis) અને જાનનું જોખમ થઈ શકે. ડૉક્ટર માટે પણ આ ખૂબ જ પડકારરૂપ ઘા હોય છે, અને ઑપરેશન (Surgery, Exploration) પણ કરવું પડે છે. આ ઘામાં વાગેલી વસ્તુનો ટુકડો પણ રહી જતો હોય છે. આથી તુરંત દવાખાને જવું અને સર્જનને બતાવવું જરૂરી છે. એક્સ રે અને બીજી ઘણી આધુનિક તપાસની જરૂર પડે છે. પણ યાદ રાખો કે કાંટા/લાકડું સાદા એક્સ રેમાં ન દેખાય.
ગંદી જગ્યાએ (Highly Contaminated with Germs) દા.ત. રોડ ઉપર કે ફૅક્ટરીમાં વાગ્યું હોય તો ઘામાં ધૂળ-માટી, કે અન્ય કચરો ભરાયેલો હોય જ, માટે તાત્કાલિક સ્વચ્છ પાણીથી ધોઈ નાખવું. ત્યાર પછી ટાંકા કે અન્ય સારવારનું વિચારી શકાય. ઘામાં સમજ્યા વગર ચાની ભૂકી, ધૂળ, છાણ, પેશાબ, બાળેલું રૂ, કદી મૂકવાં નહીં. નહીં તો પાકવાની શક્યતા વધી જાય છે.
(૪) પ્રાણી કે બીજાં જીવજંતુ કરડવાનો ઘા (Animal Bites, other stings)
કૂતરાં, બિલાડી, વાંદરો, ઊંદર, વગેરે કરડે તે ગંભીર કહેવાય, કારણ કે આમાં રસી, ધનુર (Tetanus), હડકવા (Rabies) કે અન્ય રોગો થવાની વધારે શક્યતા છે. જેથી ડૉક્ટરને અચૂક બતાવીને જરૂર હોય તો રસીકરણ કરાવી લેવું. ફક્ત દાંતની નિશાની કે ઉઝરડો હોય તો પણ ધનુર કે હડકવાનાં, કે અન્ય જંતુ લાગી શકે છે. આવા ઘામાં ટાંકા ન લઈ શકાય એવું નથી. કયા ભાગે વાગ્યું છે અને કયા અવયવોને સાચવવાની જરૂર છે એ પ્રમાણે નિર્ણય લેવાય છે.
સાપ, વીંછી કે મધમાખી કરડે તો જીવલેણ બની શકે. ડૉક્ટરને બતાવી યોગ્ય સારવાર કરાવવી જોઈએ. જો કે બધા સાપ ઝેરી હોતા નથી એટલે ડરી જઈએ તો વધારે નુકસાન થાય. આ બાબતમાં ઘણું લખી શકાય, જે અત્યારે અસ્થાને છે.
કેટલું નુકસાન કરે એવું વાગ્યું છે તે જાણવા ડૉક્ટરને સાચી માહિતી આપવી જરૂરી છે. ચાલતાં પડી જવું, સાઈકલ, મોટર-બાઇક પરથી પડવું, કાર સાથે અથડાવું, વગેરે વાગવાની પદ્ધતિથી (Mode of Injury) કયા પ્રકારનું નુકસાન થઈ શકે તેનું જ્ઞાન ડૉક્ટરને હોય છે.
ખાસ નોંધ.
(૧) આંગળીમાં વાગે તો મોઢામાં ચૂસવી નહીં.
(૨) ડૉક્ટરને બતાવતાં પહેલાં બને તો કંઈ પણ દવા કે વસ્તુ લગાડવી કે ચોપડવી નહીં
(૩) બધા સાપ ઝેરી નથી હોતા.
(૪) લોખંડ વાગવાથી ધનુર થતું નથી પણ જંતુ લાગવાથી કોઈ પણ ઘાથી થાય છે. અને ઘા રુઝાઈ ગયા પછી ૯ થી ૯૦ દિવસમાં પણ થાય.
(૫) કોઈ પણ ઘાને રિપેર કરતાં અંદરના નુકસાન પામેલા બધા જ અવયવોને સાંધવા ટાંકા મારવા પડે છે. એટલે બહાર દેખાતા કેટલા ટાંકા ઉપરથી ઘાની ગંભીરતા નક્કી થતી નથી. એ ગણવાનો કોઈ મતલબ નથી.
(૬) ઘા પાકવાનાં કારણોમાં જંતુ (Bacteria etc.) જવાબદાર છે, નહીં કે ખાવા પીવાની ચીજો, આધુનિક વિજ્ઞાન (Allopathy)માં આની સાથે કોઈ સંબંધ નથી.
(૭) પાણીથી પણ પાક/રસી ના થાય, ઘા સ્વચ્છ પાણીથી સાફ કરવો એ એક અગત્યની સારવારનો ભાગ જ છે. પણ પલળેલો પાટો બદલવો જ જોઈએ.
Traumatology એ ખૂબ જ વિકસેલું આધુનિક વિજ્ઞાન છે, અત્રે જે માહિતી આપેલી છે તે ફક્ત સામાન્ય રીતે વાગવાના સ્થળે, દા.ત. ઘર જેવા સ્થળે ઉપયોગમાં લેવાય એ હેતુથી આપેલી છે. સારી સુવિધાઓ હવે લગભગ બધે ઠેકાણે, (અંતરિયાળ ગામડાં સિવાય), મળી શકે છે, એટલે જો તાત્કાલિક ડૉક્ટરની કે પેરામેડિકલની સુવિધા મળતી હોય તો ખૂબ જ સારી વાત કહેવાય.
ક્રમશ:
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ગઝલ : તરસ
શિલ્પા શેઠ “શિલ્પ”
છંદ રજઝ – ગાગાલગા ગાગાલગા ગાગાલગા ૨૧ માત્રા
તારા વગર તો કોણ છીપાવી શકે?
મારી તરસ તો તું જ સંતોષી શકે!ડૂમો ગળે બાજેલો છે કેવો છતાં,
શબ્દો જ કેવળ ખુદને ભરમાવી શકે.એ કેટલી હદથી નડે કોને ખબર?
શું દૂરતા પણ દૂરીઓ લાવી શકે!ગુંગળાયેલી એ ક્યાં સુધી જીવી શકે?
તરફડતી ઈચ્છાઓ મરણ પામી શકે!કુદરતના દ્વારા એ થયું કે ખુદબખુદ,
મૃત્યુનું કારણ કોઈ ક્યાં જાણી શકે?ધગધગતો અગ્નિ હોય અંતરમાં સતત,
પણ દેહ આખો થોડો એ બાળી શકે?લાગે જે સહેલું એટલું અઘરું છે એ,
ક્યાં પ્રેમમાં સર્વસ્વ સૌ ત્યાગી શકે?છે મીણ ઓગળવા હવે જ્યોતિ નીચે,
છે પ્રશ્ન અગ્નિ કોણ ત્યાં ચાપી શકે?પથ્થરને પૂજાવું હશે, પણ શું કરે?
એક “શિલ્પ”ને તો કોણ કંડારી શકે?:આસ્વાદઃ
દેવિકા ધ્રુવ
મુંબઈના વતની અને લેખન વાંચનના શોખીન શિલ્પા શેઠ સાહિત્યના દરેક સ્વરૂપમાં રસ ધરાવે છે. વિવિધ સહિયારા સર્જનોમાં તેમની લેખિની પ્રગટ થતી રહી છે. પ્રસ્તુત ગઝલ ‘તરસ’ દ્વારા તેમની કલમની ઝલક મળે છે.
મત્લાથી શરૂ થયેલ પ્રશ્નોની શ્રુંખલા મક્તા સુધી આ ગઝલમાં વિસ્તરી છે. તરસ છીપાવવાનો સવાલ કોઈક અધૂરી ઝંખનાને આરે જઈ ઊભો રહે છે. પ્રિયજનની રાહ જોવાય છે પણ અહીં રોમાંસ નથી. કશોક ગમ છે, ગળે ડૂમો બાઝ્યો છે ને તે પણ શબ્દોથી જ શમી શકે તેમ છે. અહીં કડવા મીઠા કે પછી સમજણના શબ્દો જ સ્વયંને શાંત કરી શકે તેમ છે.
એકબીજાનો વિરહ ક્યારેક મિલન થતાં પ્રેમમાં ઉમેરો કરે તો વળી બહુ લાંબી દૂરતા અંતરાય પણ લાવી શકે. અહીં મોઘમ વાત કરી છે કે,
એ કેટલી હદથી નડે કોને ખબર?શું દૂરતા પણ દૂરીઓ લાવી શકે!
પરિસ્થિતિનો તાગ પામવાનું વાચક પર છોડી દીધું છે. ‘ એ’ ના એકાક્ષરી શબ્દોમાં કવયિત્રી શેની વાત કરે છે? પ્રિયપાત્રની દૂરતાની, મિલનની ઇચ્છાની કે શબ્દોની? પછીના શેરમાં વળી વાત થોડી છતી થાય છે કે, ઇચ્છાઓનો તરફડાટ એવો હોય છે કે કદાચ એ ગૂંગળાઈને મરણ સુધી પહોંચે!
નિરાશા અને હતાશા માનવીને માટે કેવો વિનાશ નોંતરે છે તેના તો અસંખ્ય દાખલાઓ સમાજમાં જોવા મળતા જ રહેતા હોય છે. પાંચમાં શેરમાં વિષયને વધુ આકાર મળ્યો છે. કશુંક ખૂબ દુઃખદ બન્યું છે,કોઈ દૂર, સુદૂર ચાલ્યું ગયું છે. કદાચ અચાનક જ. કારણની પણ જાણ નથી. તેથી કાવ્યની નાયિકા કહે છે કે,
કુદરતના દ્વારા એ થયું કે ખુદબખુદ,
મૃત્યુનું કારણ કોઈ ક્યાં જાણી શકે?આ એક મોટો કોયડો છે. વિજ્ઞાને ખૂબ શોધ કરી છે પણ છેલ્લી પળ કોઈનાથી પકડાઈ નથી.
“આખરી પળ પણ એવી અકળ અહીં…પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.”
એ જેના પણ જીવનમાં જીરવવાની આવે છે તેનું આખુંયે અંતર બળે છે પણ એ ચિતાથી દેહ બળતો નથી. માત્ર જનારની પાછળ વ્યક્તિનું મન સતત બળ્યા કરે છે. છઠ્ઠા શેરમાં એ સવાલ ઘૂંટાય છેઃ
ધગધગતો અગ્નિ હોય અંતરમાં સતત,
પણ દેહ આખો થોડો એ બાળી શકે?પ્રેમમાં સર્વસ્વ ત્યાગવાની વાતો તો સૌ કરે છે; પણ જ્યારે ખરો સમય આવે છે ત્યારે કોઈ કોઈની પાછળ કુદી પડતું નથી કે જનાર પણ એનો સમય આવે છે ત્યારે બસ, એમ જ, પાછળનાનો વિચાર કર્યા વગર જ વિદાય લે છે. ખરેખર તો પ્રશ્નોની આ પરંપરા પરમની સામે છે અને વિસ્મય તો એ વાતનું છે કે,દરેક વ્યક્તિને આ અનુભવ થતો જ રહે છે. એટલે આમ જોઈએ તો આ ગઝલમાં એક સૂફી વિચાર સમાયેલો છે, જે કદાચ લખતી વખતે કવયિત્રીને અભિપ્રેત ન પણ હોઈ શકે! શબ્દોની અને અર્થોની આ જ તો ખૂબી છે કે એ વાચકના ભાવવિશ્વ મુજબ અર્થચ્છાયાઓ ઊભી કરે છે.
છેલ્લા બે શેર પણ મઝાના બન્યા છે. ઓગળવા માટે તૈયાર મીણ છે, જ્યોત છે, પણ ફરીથી પ્રશ્ન થાય છે કે, હવે કોણ ચાંપશે?! એકાકી મનની આ તે કેવી દર્દભરી દાસ્તાન? પથ્થરને કંડારાવું હશે, પૂજાવું હશે. પણ જે ખુદ શિલ્પ છે જ તેને તો કોણ કંડારે?
પથ્થરને પૂજાવું હશે, પણ શું કરે?
એક “શિલ્પ”ને તો કોણ કંડારી શકે?અહીં મક્તાના આ શેરમાં બખૂબી તખલ્લુસ ભળી ગયું છે. આમ,
તરસ, વિરહ દૂરતા, મૃત્યુ અને વિષમતાના ભાવોને શિલ્પાબહેને યથોચિત ઉપસાવ્યા છે.
૨૧ માત્રાના રજઝ છંદમાં, ૯ શેરોમાં ગૂંથાયેલ આ નવી કલમને આવકાર સાથે વધુ સારી ગઝલોના સર્જન માટે શુભેચ્છા.
અસ્તુ
—દેવિકા ધ્રુવ
-
નદીની રેતમાં રમતાં નગરની રેતી ઉલેચાઈ રહી છે
નિસબત
ચંદુ મહેરિયા
કવિ આદિલ મનસુરીએ અમદાવાદને નગરની રેતમાં રમતું નગર કહ્યું છે. પરંતુ આજે તો નદી કાંઠાના નગરો જ નહીં ગામડાંઓ પણ નદીની રેતીના અસીમિત ખોદકામથી હેરાન પરેશાન છે. વળી રેતીના ગેરકાયદે ખનનને રોકવાના પ્રયાસમાં જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. હાલના દિવસોમાં જ મધ્યપ્રદેશના શહડોલમાં ગેરકાયદે રેત કાઢી જતા રેત માફિયાને અટકાવવાનો પ્રયાસ કરતાં તલાટી પ્રસન્નસિંહ પર ટ્રેકટર ચઢાવી દઈ તેમને મારી નાંખ્યા છે. બિહારના જમુઈ જિલ્લાના ગરહી થાણા હેઠળના ચનરવાર પુલ પાસે ગેરકાયદે રેતી ભરેલા ટ્રેકટરને અટકાવવાની ફરજ બજાવતા સબ ઈન્સપેકટર પ્રભાત રંજન પર ટ્રેકટર ચઢાવી દઈને કચડી નાંખવામાં આવ્યા છે. કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ખાણ અને ખનિજ વિભાગમાં કાર્યરત તેંતાળીસ વર્ષીય ભૂસ્તરશાસ્ત્રી મહિલા અધિકારી કે.એસ. પ્રતિમાની હત્યા કરવામાં આવી છે. આ મહિલા અધિકારીએ ગેરકાયદે રેત ખનન કરતા રેત માફિયાઓ સામે બાથ ભીડી હતી.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી હવા અને પાણી પછીનું રેતી માનવજાતને સૌથી ઉપયોગી પ્રાકૃતિક સંસાધન છે. એટલે દુનિયા આખીમાં સૌથી વધુ ખોદકામ કરીને રેતી જ કાઢવામાં આવે છે. નદીઓના કિનારે કે તેના વહેણના પ્રવાહમાં જે ખડકો હોય છે તેનું ઘર્ષણ, કાટ અને હાઈડ્રોલિક ક્રિયાઓ થકી વહેણના પાણીથી ધોવાણ થાય છે. નદીઓ જમીનો કાપીને, તેનું ધોવાણ કરીને આગળ ધપે છે. જ્યારે નદીઓ ઉંચાઈ પરથી વહે છે ત્યારે તેનો વેગ વધુ હોય છે. એટલે ઊંચા ઢાળને લીધે નદીઓ ક્ષીણ થાય છે અને કાંપનું વહન કરે છે. મેદાની પ્રદેશોમાં નદીઓનો વેગ અને ઢાળ ઘટતાં કાંપ જમા થાય છે. આ સમગ્ર પ્રક્રિયાથી રેતી બને છે. રેતીનો વિવિધ ઉપયોગ થાય છે. ઘરથી માંડીને બંધ સુધીના તમામ નિર્માણકાર્યમાં, રસ્તાના ડામરકામમાં, કાચ બનાવવામાં, ફોનની સિલિકોન ચિપમાં, ભોજન, શરાબ, સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં, કાગળ, કલર અને પ્લાસ્ટિક બનાવવામાં, કુદરતી ગેસ કાઢવામાં અને માઈક્રોપ્રોસેસરમાં રેતી વપરાય છે. સિંગાપુરે તો ૧૯૬૦માં પાણીમાં રેતી નાંખી તેની જમીનમાં વીસ ટકાનો વધારો કર્યો હતો !
વિશ્વમાં વરસે લગભગ પાંચ હજાર કરોડ ટન રેતી અને કાંકરી નદીઓમાંથી કાઢવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમનો ૨૦૧૯નો અહેવાલ વરસે પાંચ અબજ ટન રેતી કાઢવામાં આવી હોવાનો અંદાજ મૂકે છે. ગુજરાત સરકારના ભૂસ્તર વિભાગનો ઓર્ડિનરી સેન્ડ ગ્રેવલ માઈનિંગ રિપોર્ટ જણાવે છે તેમ રાજ્યના પાટનગરના ગાંધીનગર જિલ્લાની ચાર નદીઓ(ખારી,મેશ્વો,વાત્રક અને સાબરમતી) માં ૧૨.૧૮ કરોડ મેટ્રિક ટન રેતીનો સંગ્રહ છે. ૨૦૨૦-૨૧ અને ૨૧-૨૨માં આ ચાર નદીઓમાંથી ૪૭.૯૬ લાખ મેટ્રિક ટન રેતી કાઢવામાં આવી હતી. કુદરતી પ્રક્રિયાથી રેતી સતત બનતી રહે છે એ ખરું પણ તેને અસીમિત પ્રમાણમાં ઉલેચીને માનવજાત તેની બરબાદી નોતરી રહી છે. ના માત્ર ગુજરાત કે ભારતમાં વિશ્વના સિત્તેર દેશોમાં રેતીનું ગેરકાયદે ખનન મોટા પ્રમાણમાં થાય છે . એટલે જો માત્ર રેતીના કાયદેસર ખનનથી વિપરીત અસરો જન્મતી હોય તો ગેરકાયદેથી તો કેટલી વધુ અસરો થતી હશે.
નદીઓ અને સમુદ્રોના કિનારેથી જે અમર્યાદિત અને અંધાધૂધ રીતે રેતીનું ખોદકામ થાય છે તેની સૌથી ખરાબ અસર પર્યાવરણ પર થાય છે. તેની લોકોના આરોગ્ય પર અસર થાય છે તથા ઘણી સામાજિક સમસ્યાઓ પણ જન્મે છે. વિશ્વના ૭૦ ટકા સમુદ્રોના કિનારા રેતીરહિત થઈ ગયા છે. રેતી કુદરતી રીતે પાણીને શુધ્ધ કરે છે પણ રેતી ઘટતાં નદીઓના પાણીની સ્વત: જળ શુધ્ધતા ક્ષમતા અને ગુણવત્તા ઘટી છે. રેતીના ખોદાણથી નદીની જીવ વિવિધતા જોખમાય છે. પાણીમાં અમ્લતા વધતાં માછલીઓ મરી જાય છે. નદીઓ ગંદી બની છે. પ્રદૂષણ વધ્યું છે. લોકો અને કૃષિ પાકોને પાણી મળતું નથી.રેત ખનનથી ગંગા નદીમાં માછલીઓ ખાનારા મગર વિલુપ્ત થઈ રહ્યા છે. નદી અને દરિયાના કિનારા અસ્થિર થાય છે. કિનારામાં તિરાડો પડે છે અને સમુદ્ર તટ ગાયબ થઈ શકે છે. નદી અને સમુદ્રકિનારે વસતા લોકોના જીવન પર રેત ખનનની માઠી અસરો થઈ છે. તેની અર્થવ્યવસ્થા પર પણ અસર જોવા મળે છે.
છેલ્લા કેટલાક વરસોથી રેતીની માંગમાં તીવ્ર વધારો થયો છે. વીસ વરસોમાં સિમેન્ટની માંગમાં ૬૦ ટકાની વૃધ્ધિ નોંધાઈ છે. એટલે તે હિસાબે રેતીની માંગ પણ વધી છે. ૧૯૫૦ પછી શહેરીકરણમાં ચાર ગણી વૃધ્ધિ થઈ છે. શહેરીકરણ વધતાં મકાનનિર્માણ અને અન્ય માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાનો થતાં રેતીની જરૂરિયાત અનેકગણી વધી ગઈ છે. આ બધા કારણોને લીધે તથા સરકારી તંત્ર અને રાજકારણીઓની મિલીભગતથી રેતીની ચોરી, હેરાફેરી અને સંઘરાખોરી વધી છે અને તેનું ગેરકાયદે ખોદકામ અનેકગણું વધી ગયું છે.
ભારત સરકારના ધ માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ,૧૯૫૭ પ્રમાણે રેતી ગૌણ ખનિજ છે.તેથી તેના પર રાજ્યોનું નિયંત્રણ છે. તેના માટે રાજ્યોએ કાયદા ઘડીને તેનું નિયમન કરવાનું હોય છે. રાજ્યે રાજ્યે જુદા કાયદા અને વધતા ઓછા દંડથી પણ ગેરકાયદે ખનન વધ્યું છે. ગુજરાતમાં ઈ-ઓકસનથી રેતીની લીઝની હરાજી કરવામાં આવે છે. પરંતુ તેથી ગેરકાયદે રેતી ખોદકામ અટક્યું નથી. ઈન્ડિયન બ્યૂરો ઓફ માઈન્સના આંકડાઓ પરથી ભારત સરકારે રાજ્યસભા પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે ગુજરાતમાં દરરોજ ગેરકાયદે ખનિજ ખોદકામના ૨૧ કેસ થાય છે. તેમાં સૌથી વધુ ખનિજ ચોરી મકાન બાંધકામમાં વપરાતી રેતીની થાય છે. ૨૦૨૦-૨૧માં ૭૧૬૪ અને ૨૧-૨૨માં ૮૭૧૩ રેતી ચોરીના બનાવો ગુજરાતમાં બન્યા હતા. સમગ્ર દેશમાં આ વરસોમાં ૧,૭૬,૫૧૧ બનાવો નોંધાયા છે. રેતમાફિયા રેતીના ગેરકાયદે કાળા કારોબાર માટે અવનવા રસ્તા અજમાવે છે. નદીના મધ્યમાં હોડી લઈ જવાનું અને પાઈપલાઈનથી રેતી ખોદીને ભરી જવાનું તેમાંનું એક છે. સેન્ડ વેક્યુમ કે સેન્ડ પમ્પ્સનો ઉપયોગ પણ થાય છે.
વહીવટી તંત્રનું સતત મોનિટરીંગ અને ભ્રષ્ટાચારમુક્ત સુશાસન રેતીના ગેરકાયદે કારોબારને અટકાવી શકે છે. તે માટેના પ્રયાસો પણ થાય છે. અને પોલીસ કે ખનિજ વિભાગના કર્મચારીઓ હિંસાનો ભોગ પણ બન્યા છે. ગુજરાતમાં ત્રિનેત્ર ડ્રોન સિસ્ટમથી નદીના પટમાંથી અનઅધિકૃત રીતે રેતી કાઢી જવાની ઘટનાઓ પકડવાના પ્રયાસો થાય છે. ક્યાંક કંટાળેલા લોકોએ જનતારેડનો આશરો લીધો છે.
આ સમસ્યાના ઉકેલ માટે રેતીના વિકલ્પો પણ વિચારવાના રહે છે. તે દિશામાં રણની રેતીનો ઉપયોગ વિચારી શકાય. મોટા ખડકો તથા ખાણોના પથ્થરોને મશીનોથી બારીક તોડી-પીસીને ક્રશ્ડ સેન્ડનો ઉપયોગ કરી શકાય છે. ગુજરાત, આંધ્ર, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણામાં આવી નિર્મિત રેતીનો ઉપયોગ થઈ રહ્યો છે. રેતી કુદરતી સંસાધન છે. તેની માલિકી લોકોની છે. એ સમજી-વિચારીને લોકોએ તેનો વપરાશ અને સરકારે વહીવટ કરવો જોઈએ.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
પરિવર્તન – ૨ : હીમકણિકા
અવલોકન
– સુરેશ જાની
હવામાં ભેજનું પ્રમાણ વધતું જતું હતું. એમ જ ઠંડીનું પણ. થર્મોમિટરનો પારો શૂન્યથી પણ નીચે જતો રહ્યો હતો. ઝાડના પાંદડાં પરના બાષ્પબિંદુઓ થીજવા માંડ્યા હતા. કાચાં પોચાં પાંદડાં તો ક્યારનાંય ખરી ચૂક્યાં હતાં. પણ આ તો ઠંડા પ્રદેશનાં ખમતીધર, જાડી ચામડીનાં પર્ણો હતાં ને!
અને ધીમે ધીમે વરસાદના છાંટાં પડવા માંડ્યા. હવાની ઠંડી હજુ તેમને થીજાવી શકે તેટલી પર્યાપ્ત ન હતી. જેમ જેમ એ વર્ષાબિંદુઓ ઠંડાગાર પાંદડાં ઉપર પડી એકઠાં થવાં માંડ્યાં; તેમ તેમ તે ઠંડાં અને વધુ ઠંડાં થવા લાગ્યાં. સરકતો એ રેલો ઠંડા બાષ્પબિંદુઓ પરથી પસાર થતો થતો, વધારે ને વધારે ઠંડો થવા લાગ્યો.
પાંદડા પરથી ટપક..ટપક…ટપ્પ…ટપાક, ટપાક… નીચે ટપકી પડવાનો પોતાનો જાતિસ્વભાવ છોડી; નીચે ધરાશાયી થતાં પહેલાં જ એ તો ઠરી ગયો; સોડ વાળીને પોઢી ગયો. ઓલ્યું બાષ્પબિંદુ, આ રેલાના આશ્લેષમાં પ્રાપ્ત થયેલી નવી સંપદાથી વધુ પુષ્ટ બનવા માંડ્યું. એ સાવ ઝીણા મોતી જેવું હતું; પણ હવે તેની કાયા વિસ્તરવા લાગી. લાખેરાં મૂલ્ય વાળું મોતી બનતું ગયું.
વરસાદ ટૂટી પડ્યો – રેલે રેલા – પાણીની છાકમ છોળ. થીજેલા મોતી પરની એમની એ સફર એમનેય થીજવાની માયા લગાવતી ગઈ. હવે એ મોતી તો ઝૂલતું લટકણિયું બનવા માંડ્યું. એલચીના દાણા જેવડું, ને પછી લવિંગની લાકડી જેવડું, ને પછી પીકનની ફાડ જેવડું.
અને લ્યો! આ તો ત્રણ ઈંચ લાંબી હીમકણિકા બની ગયું. આવી અનેક સહીપણીઓ ઝાડની ડાળ પર, પવનમાં ઝૂલતી ઝૂલતી, કોની મિલ્કત મોટી એની હોડ બકવા માંડી! ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં હીમનાં ઝુમ્મરો જ ઝુમ્મરો.

વરસાદ થંભી ગયો. વાદળ વિખેરાઈ ગયાં. એમની આડશે ઢંકાયેલા સૂરજે, બીતાં બીતાં ડોકિયું કર્યું. એ તો ગુસ્સામાં રાતો પીળો અને આકુળ વ્યાકુળ બની ગયો. પોતાના ગરમાગરમ સામ્રાજ્ય પર વ્યાપી ગયેલી કડકડતી ઠંડીની આ વિરાસત પર કડવી, રાતી, તીખી નજર કરતો સૂરજરાણો, ક્રોધમાં પ્રદિપ્ત બની, થર્મોમિટરને ઉશ્કેરતો રહ્યો. પારાને ઊંચે ને ઊંચે ચઢાવતો રહ્યો.
ધીમે ધીમે બધીય હીમકણિકાઓ ટપક ટપક ઓગળવા લાગી અને ફરી પાછું એ ટપક..ટપક…ટપ્પ…ટપાક, ટપાક… ચાલુ. સુક્કા ઘાસની વાસંતી તરસ, વસંતના આગમન પહેલાં થોડી જ સંતોષાવાની હતી? પણ શિયાળાની મોસમમાં ભીંજાવાનો, અનેરો લ્હાવો કાંઈ જતો કરાય ?
કાલે દખણાદા વાયરા વાવાનો વાવડ છે. ફરી ભીંજાયેલી ધરતી તપશે. અને ભીંજાયેલું ઘાસ ફરી સૂકાશે. એ હીમકણિકાઓ ફરી પાછી ભેજ બનીને પર્યાવરણમાં ઓગળી જશે.
વરસાવું, રેલાવું, થીજાવું, જામવું, ઝુલવું, ઓગળવું, રેલાવું, સુકાવું, વિસ્તરવું, વિખેરાવું …..
સતત પરિવર્તન જ પરિવર્તન …
એવી હિમકણિકાઓનું એક બીજું દર્શન –
આમ તો રોજ સૂતા પહેલાં,
જોતો હતો
સાવ ઘટના વિહીન,
કોઇ નોંધ કે પ્રાણ
કે કવિતા વિના …રાતની નિર્જન શાંતિમાં,
પાછળ આવેલા,
થોડીક ઊંચાઇ પરના,
પાડોશીના ઘર
અને અમારી વચ્ચે,
કાળી ધબ લાકડાની વાડની,
ફાટોની વચ્ચેથી,
ચળાઇ આવતી,
નિર્જીવ, પીળાશ પડતા
કેસરી રંગની ફીક્કી,
એ જ વીજળીની બત્તી.અને કોઇ પ્રાણ વિના,
પાનખરના ઝપાટે ખરેલાં
પાનના વિયોગમાં આક્રંદ કરતી,
તે બતીના ફીક્કા પ્રકાશથી,
અંધારામાં થોડી ઉજાસાતી
ઓકના ઝાડની એ જ
સાવ નિર્વસ્ત્ર ડાળીઓ.પણ ……
કાલે જોયું મેં એક દર્શન,
અભૂતપૂર્વ, અવર્ણનીય,
કોઇ કવિતામાં કદી ન વાંચેલું.એ જ સૂમસામ ઘર
એ જ નિસ્તબ્ધ શાંતિ,
એ જ કાળી ધબ્બ,
લાકડાની વાડ ની ફાટો,
એ જ નિષ્પ્રાણ વૃક્ષ,
એ જ પીળો ચટ,
નીરસ પ્રકાશ વેરતી
એ જ વીજળીની બત્તી,પણ …..
એ જ પીળો ચટ્ટ પ્રકાશ,
ઉજાળી રહ્યો હતો,
એ જ નિષ્પ્રાણ ડાળીઓ પર,
થીજી ગયેલાં
વર્ષાબિંદુઓને.
અને એ જ પીળો ચટ્ટ
સાવ પ્રાણ વિહીન
પ્રકાશનો ટૂકડો,
બની ગયો હતો…..અગણિત, સોનેરી,
આભની અસંખ્ય તારલીઓ સમ,
કાળા ધબ પાર્શ્વમાં, ઝળહળતી,
દેદીપ્યમાન, પ્રકાશ કણિકાઓનો
ઝળહળતો પુંજ.અને મુગ્ધ મને પૂછ્યુ…
”એ શું?”
સમાપનમાં –
સૂર્ય પ્રકાશ હોય કે, ઘરની નાનકડી બત્તી. એના પ્રતાપે નાનકડું જળબિંદુ ઝળહળી ઊઠે છે. આ જ ભાવ ઋષિકવિ શ્રી. રાજેન્દ્ર શુકલની ગઝલના એક શેરમાં –
સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું,
તારકો શિખર સોહે, આગિયા તરાઈમાં.
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
