વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ભાષા ભલે બચાવે કે મરાવે, પણ ભાષા ખુદ મરવા પડે ત્યારે?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    માનવની ઉત્ક્રાંતિ થતી ગઈ તેમ તેને વ્યવહાર માટે ભાષાની જરૂર પડતી ગઈ. આગળ જતાં સંસ્કૃતિના વિકાસની સાથોસાથ ભાષાનો પણ વિકાસ થતો ચાલ્યો. ભાષા અને બોલી અલગ ગણાયાં. ભાષાશાસ્ત્રના નિયમો બનતા ગયા. વિવિધ ભાષામાં વિભિન્ન પ્રકારનું સાહિત્ય રચાતું ગયું. સંસ્કૃતિનો વિકાસ તેની ચરમસીમાએ પહોંચે એ પછી શું? સંસ્કૃતિવિકાસની ગતિ ચક્ર જેવી રહી છે. એક સમયે જે ભાષાઓ નવી ગણાતી હતી, વિકસતી જતી હતી એ પૈકીની કેટલીક ભાષાઓ લુપ્ત થવા લાગી. કેમ કે, એ ભાષા બોલનાર વર્ગ ઘટવા લાગ્યો. આ રીતે લુપ્ત થઈ રહેલી ભાષાને બચાવવાની ઝુંબેશ આરંભાઈ. આ બધાની વચ્ચે ભાષાગૌરવ પણ પ્રસ્થાપિત થતું ગયું. આ સંદર્ભે યુનાઈટેડ કિંગ્ડમ ઑફ ગ્રેટ બ્રિટનના વેલ્સમાં બોલાતી વેલ્શ ભાષાની વાત રસપ્રદ કહી શકાય એવી છે. ઈન્‍ગ્લેન્‍ડ, સ્કૉટલેન્‍ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્‍ડ- એમ ચાર દેશનો સંયુક્ત સમૂહ યુ.કે. અથવા ગ્રેટ બ્રિટન તરીકે ઓળખાય છે. નાનકડા હોવા છતાં આ ચારે પ્રાંતની આગવી સાંસ્કૃતિક વિશેષતા તેમજ આગવી ભાષા છે.

    ૧૦ એપ્રિલ ૨૦૧૪ થી વપરાતો S4C ચેનલનો લોગો

    ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં વેલ્શ ભાષા મૃત:પ્રાય અવસ્થામાં આવી ગઈ હતી. આજે એકવીસમી સદીના ત્રીજા દાયકાના આરંભે આ ભાષાનો ઉપયોગ કરનારની સંખ્યા વધી છે. વેલ્શની સરકાર ૨૦૫૦ સુધીમાં વેલ્શ બોલનારાની સંખ્યા દસેક લાખે પહોંચવાનો અંદાજ બાંધે છે. એવું જરાય નથી કે વચગાળાનાં સીત્તેર-એંસી વરસોમાં કશો ચમત્કાર થયો છે અને વેલ્શ બોલનારની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. વચ્ચે વચ્ચે તેમાં ઘટાડો પણ નોંધાતો રહ્યો છે. છતાં, છેલ્લા ચારેક દાયકાથી તેમાં વૃદ્ધિ થતી રહી છે. તેના માટે વિવિધ પરિબળો અને આયોજનો જવાબદાર છે. એ પૈકીનું મુખ્ય એટલે ૧૯૮૪માં આરંભાયેલી, વેલ્શ ભાષાની ‘એસ.ફોર.સી.’ ( વેલ્શ ભાષામાં Sianel Pedwar Cymru, એટલે કે ચેનલ ચાર વેલ્શ) નામની નિ:શુલ્ક ટી.વી.ચેનલ. કહેવાય છે કે વેલ્શ ભાષાને નવજીવન આપવામાં અને વેલ્સમાં આવી રહેલાં પરિવર્તન સાથે સુસંગતતા કેળવવામાં આ ચેનલનું પ્રદાન અતિ મહત્ત્વનું બની રહ્યું. એ સમય વિવિધ ટી.વી.ચેનલનો હતો અને લોકો તે જોવાનું પસંદ કરતા. હવે લોકો ઝડપથી ‘ઓ.ટી.ટી.’ (ઓવર ધ ટૉપ)તરીકે ઓળખાતાં વિવિધ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તરફ વળી રહ્યાં છે. સ્વાભાવિકપણે જ તેની વિપરીત અસર ‘એસ.ફોર.સી.’ પર થયા વિના રહે નહીં. એક અહેવાલ અનુસાર આ ચેનલના પ્રેક્ષકોની સંખ્યામાં ઘટાડો નોંધાવા લાગ્યો છે. વિવિધ સંગઠનો અને લોકોની બનેલી સમિતિના જણાવ્યા અનુસાર આ પ્રકારનાં વૈશ્વિક માધ્યમોના પ્રભાવને કારણે વેલ્શ ભાષામાં થતું પ્રસારણ હાંસિયામાં ધકેલાઈ જશે. વૈશ્વિક પ્રભાવ ધરાવતાં માધ્યમોની અસર વિધેયાત્મક તેમજ નકારાત્મક એમ બન્ને હોઈ શકે છે. જેમ કે, વિશ્વપ્રસિદ્ધ ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર દર્શાવાયેલા એક ટી.વી.શો ‘ધ વીચર’માં બતાવાયેલા એક રહસ્યમય ટાપુના લોકોને એક ગુપ્ત ભાષા બોલતા બતાવાયા હતા. આ ગુપ્ત ભાષા વેલ્શ હતી. એ રીતે તેમાં વેલ્શ ભાષાને સાવ અજાણી, ગૂઢ અને મર્યાદિત લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી બતાવાઈ હતી. બીજી તરફ ‘દલ અ મેલ્ત’ નામની વેલ્શ ભાષામાં બનેલી ધારાવાહિકને આ જ માધ્યમ પર દર્શાવાઈ રહી છે. એટલે કે હવે તે માત્ર વેલ્શ પૂરતી મર્યાદિત ન રહેતાં વેલ્શ ભાષા ન જાણતા વિશાળ વર્ગ સુધી પહોંચી શકી છે. આવો ફાયદો હોવા છતાં આ પ્રકારનાં માધ્યમોની સ્થાનિક ભાષાની સામગ્રી પર વિપરીત અસર ચોક્કસ થાય છે.

    વેલ્શ યુરોપની પ્રાચીનતમ ભાષાઓ પૈકીની એક છે. તેને ટકાવવા માટે રાજકીય આધારની પણ મહત્ત્વની ભૂમિકા રહી છે. ૧૯૯૦ના દાયકાના આરંભે અહીંના હાઉસ ઑફ કૉમન્‍સના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ

    એ બાબતને ફરજિયાત બનાવી હતી કે વેલ્શમાં તમામ જાહેર સેવાઓ વેલ્શ ભાષામાં ઉપલબ્ધ હોવી જોઈએ. એકવીસમી સદીના આરંભથી વેલ્શ માધ્યમની શાળાઓમાં વધારો થવા લાગ્યો તેમજ રાજકારણ અને પ્રસાર માધ્યમોમાં વેલ્શ અને અંગ્રેજી એમ દ્વિભાષી જાણકારો માટે રોજગારની તકો વધવા લાગી. આને કારણે વેલ્શ ભાષાનો વ્યાપ પ્રસરતો ચાલ્યો. જો કે, છેલ્લા દાયકામાં તેમાં ઘટાડો થઈ રહ્યું હોવાનું નોંધાયું છે. દર દસ વર્ષે થતી વસતિ ગણતરીના ૨૦૨૨ના અહેવાલ અનુસાર છેલ્લા દાયકામાં વેલ્શ બોલનારાની સંખ્યા ઘટીને 5,38,300 થઈ છે, જે  ૨૦૧૦ના દાયકામાં ૫,૬૨,૦૦૦ હતી. બીજી તરફ વાર્ષિક વસતિ સર્વેક્ષણ ૨૦૨૨ અનુસાર વેલ્શ બોલનારની સંખ્યા ૯,૦૦,૬૦૦ છે. આમ, બન્ને પ્રકારની ‘વેલ્શ ભાષા બોલનારા’ની વ્યાખ્યામાં થોડી સંદિગ્ધતાને કારણે એમ બન્યું છે, કેમ કે, કેટલા પ્રમાણમાં એ ભાષાનો ઉપયોગ કરે તો એ વ્યક્તિને એ ભાષા બોલનાર ગણાય? આમ છતાં, વિવિધ પરિબળોને ધ્યાનમાં લઈને વેલ્શની સરકારે ઈ.સ.૨૦૫૦ સુધી વેલ્શ ભાષા બોલનારની સંખ્યા દસ લાખે પહોંચાડવાનું લક્ષ્ય બનાવ્યું છે.

    ભાષાપ્રેમ અને ભાષાગૌરવ બન્ને અલગ બાબતો છે. ભાષાગૌરવ લેવામાં ખાસ કશું કરવાપણું હોતું નથી, કેમ કે, આ કિસ્સામાં ગૌરવ અને મિથ્યાગૌરવ બન્ને એકસમાન છે. ભાષાપ્રેમમાં વિવિધ સ્તર અને તીવ્રતા હોઈ શકે છે, છતાં તેમાં ભાષાના ઉપયોગનું માહાત્મ્ય છે.

    વેલ્શ ભાષાને જાળવવા માટે થઈ રહેલા આ પ્રયત્નોની સરખામણીએ ઘરઆંગણે ગુજરાતી ભાષાની અવદશા જોઈએ તો એમ થાય કે સરકાર, પ્રસાર માધ્યમો, શાળા એમ તમામ સ્તરે સૌ કોઈ આ ભાષાને મરણતોલ બનાવવાના નિષ્ઠાવાન પ્રયત્નો કરી રહ્યા છે. આ કથનમાં અતિશયોક્તિ લાગતી હોય તો તેની સાથે સંકળાયેલું કોઈ પણ પ્રકાશન જોઈ લેવું. બીજી તરફ લખનારાનો એક મોટો વર્ગ પોતાની માતૃભાષા ગુજરાતી પર ગર્વ અનુભવીને તેની ‘સેવા’ કરવા મથી રહ્યો છે. કેમ જાણે, જન્મ લીધા પછી પોતે પસંદગીથી માતૃભાષા તરીકે ગુજરાતી પર કળશ ન ઢોળ્યો હોય! અન્ય એક વર્ગ પોતાનું સંતાન ગુજરાતીમાં બોલે તો શરમ અનુભવે છે, તો બીજો વર્ગ પોતાનું સંતાન ગુજરાતી હોવા છતાં તેને ગુજરાતી ન આવડવા બદલ ગર્વ મહેસૂસ કરે છે.

    આ માહોલમાં ગુજરાતી ભાષાની જે હાલત થવી જોઈએ એ જ થઈ છે. કદાચ દરેક સમયમાં ભાષાની દશા એટલી જ સારી કે ખરાબ થતી હશે, જેટલા લાયક તેના નાગરિકો હોય.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૭ – ૧૨ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કોઈનો લાડકવાયો (૩૭) : દિલ્હીના શહીદોઃ ૧૯૧૨

    દીપક ધોળકિયા

    બંગભંગનો નિર્ણય અંગ્રેજ સરકારે પાછો ખેંચી લીધો તે પછી પણ બંગાળમાં રાજકીય વાતાવરણમાંથી ઊગ્રતા ઓગળી નહોતી. બ્રિટનની સરકારને લાગવા માંડ્યું હતું કે કલકત્તામાં પાટનગર રાખવાથી અશાંતિનો સતત સામનો કરતા રહેવું પડશે. આથી પાટનગર દિલ્હી લઈ જવાનો નિર્ણય લેવાયો. ૧૯૧૨ની ૨૩મી ડિસેમ્બરે હાર્ડિંગે ભવ્ય શોભાયાત્રામાં દિલ્હીમાં પ્રવેશ કર્યો.  હાર્ડિંગ અને એની પત્ની હાથી પર બેઠાં હતાં. ફૂલેકું વાજતેગાજતે ચાંદની ચોક પહોંચ્યું ત્યારે પંજાબ નેશનલ બૅંકની બિલ્ડિંગમાંથી એના પર બૉમ્બ ફેંકાયો. પહેલાં તો અંબાડી પર કંઈક અફળાયું એવું લાગ્યું, પણ લૅડી હાર્ડિંગનું ધ્યાન ગયું કે એની પાછળ બેસીને ચામર ઢોળનારો ખાસદાર હાથી પર ઊંધો લટકી ગયો હતો અને હાર્ડિંગના ખભામાંથી લોહી નીકળતું હતું. હાર્ડિંગને પોતાને એનો ખ્યાલ નહોતો આવ્યો. પણ તે પછી શોભાયાત્રા રોકી દેવાઈ અને હાર્ડિંગને સારવાર માટે લઈ જવાયો.

    પછી બૉમ્બ ફેંકનાર કોણ, તેની ખોજમાં આખું પોલીસ તંત્ર લાગી ગયું. પોલીસને લાગ્યું કે આની પાછળ બંગાળના ક્રાંતિકારીઓનો હાથ હોવો જોઈએ કારણ કે બૉમ્બ ફેંકવાની યોજના  બંગાળી ક્રાન્તિકારીઓની યાદ આપતી હતી. રાસ બિહારી બોઝ બંગાળ અને પંજાબના ક્રાન્તિકારીઓ વચ્ચે કડીરૂપ હતા. રાસ બિહારી બોઝ અરવિંદ ઘોષે સ્થાપેલી યુગાંતર સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. પોલીસ એમને પકડી શકે તે પહેલાં એ દિલ્હીથી ભાગી છૂટ્યા અને પછી જાપાન પહોંચી ગયા. ત્યાં એમણે આઝાદ હિન્દ ફોજ બનાવી.(સુભાષબાબુએ આ જ આઝાદ હિન્દ ફોજને પુનઃ સજીવન કરી. એ રાસ બિહારી બોઝના આમંત્રણથી જ જાપાન ગયા હતા).  ૧૯૧૪ના ફેબ્રુઆરીમાં હાર્ડિંગ પર હુમલો કરનારા ક્રાન્તિકારીઓ પકડાઈ ગયા.

    આ ઘટના ‘પહેલા લાહોર કાવતરા કેસ’  અથવા ‘દિલ્હી-લાહોર કાવતરા કેસ’તરીકે ઇતિહાસમાં  નોંધાયેલી છે. એમાં દિલ્હીની એક શાળાના શિક્ષક માસ્ટર અમીર ચંદ, ભાઈ બાલમુકુંદ, અવધબિહારી, બસંત કુમાર બિશ્વાસ, ગણેશીલાલ ખસ્તા, વિષ્ણુ ગણેશ પિંગલે, ચરન દાસ, લક્ષ્મી નારાયણ શર્મા અને લાલા હનવંત સાહીને સજા થઈ. કેસ પૂરો થયા પછી લક્ષ્મી નારાયણ શર્મા અને ગણેશીલાલને વારાણસી લઈ જવાયા. એમને આજીવન કારાવાસની સજા મળી હતી.

    ૧૯૧૫ના મે મહિનાની આઠમી તારીખે દિલ્હીમાં માસ્ટર અમીરચંદ, ભાઈ બાલમુકુંદ અને અવધબિહારીને દિલ્હીમાં  ફાંસી આપી દેવાઈ. . એમને ફાંસી આપવામાં આવી તે ફાંસીઘર હવે દિલ્હીની મૌલાના મૅડિકલ કૉલેજના પ્રાંગણમાં સમાઈ ગયું છે. દર વર્ષે શહીદોને અંજલિ આપવાનો કાર્યક્રમ યોજાતો હોય છે.

    બીજા દિવસે અંબાલા જેલમાં બસંત કુમાર બિશ્વાસને પણ ફાંસી આપી દેવાઈ. પોલીસે સાબીત કર્યું હતું કે બોમ્બ ફેંકવાનું કૃત્ય બસંત કુમારે કર્યું હતું.

    અમીર ચંદનો જન્મ ૧૮૬૯માં થયો હતો. પિતાની જેમ એ પણ શિક્ષક હતા અને સ્વદેશી આંદોલન તેમ જ બીજાં સામાજિક સુધારા કાર્યોમાં પણ સક્રિય હતા. લાલા હરદયાલને મળ્યા પછી ગદર આંદોલનમાં પણ સક્રિય બન્યા અને ઉત્તર ભારતમાં ક્રાન્તિકારી કાર્યોના માર્ગદર્શનમાં મહત્ત્વનો ભાગ ભજવતા હતા. ભાઈ બાલમુકુંદનો જન્મ ૧૮૮૯માં ઝેલમ (હવે પાકિસ્તાન)માં ઔરંગઝેબ સામેના વિદ્રોહમાં શીખ ગુરુ તેગબહાદુરજીના એક અનન્ય સાથી અને શહીદ વીર ભાઈ મતીદાસના કુળમાં થયો હતો. અવધ બિહારી અમીર ચંદના વિદ્યાર્થી હતા. બસંત કુમાર બિશ્વાસ બંગાળના હતા.અને એમને ફાંસી અપાઈ ત્યારે એમણે ૨૦ વર્ષ પણ પૂરાં નહોતાં કર્યાં. ચારેય શહીદોને પ્રણામ કરીએ.

    000

    સંદર્ભઃ

    https://mygoldenbengal.wordpress.com/2015/08/06/partition-of-bengal-1905-and-its-annulment-in-1911/

    (૨)  https://wallsofignorance.wordpress.com/2015/05/30/this-month-of-may-dedicated-to-freedom-fighters/


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • ” ભગવાન પરશુરામ ” : આર્ય સંસ્કૃતિના સ્થાપનની કથા

    દર્શના ધોળકિયા

    ઇતિહાસ અને પુરાણને ચિત્રાત્મક તેમજ લયબદ્ધ રીતે રજૂ કરનાર ગુજરાતી સાહિત્યના ઊંચા ગજાના સર્જકોમાં કનૈયાલાલ મુનશીનું નામ પ્રથમ પંક્તિની હરોળમાં લેવામાં આવે છે. કનૈયાલાલ મુનશી આર્ય સંસ્કૃતિના અનન્ય ચાહક અને ઉપાસક છે. આથી સહેજે તેમને પરશુરામનું ખેંચાણ છે એટલા માટે જ પ્રસ્તાવનામાં મુનશીએ  નોંધ્યું છે કે, ‘આ કૃતિ મારી ઉલ્લાસમય તપશ્ચર્યાનો અંત છે. ‘

    જ્યારે આર્ય ભૂમિનો પ્રાતઃકાળ હતો અને આ ભૂમિમાં જે સત્તા ભોગવતો હતો તે સહસ્ત્રાર્જુન પરશુરામ અને પછીથી તેની થનાર પત્ની લોમાને પકડીને દ્વારકા મૂકે છે અને ત્યારથી કથાનો પ્રારંભ થાય છે અને સહસ્ત્રાર્જુનના અંતથી આ કથા પૂરી થાય છે. આ બંને બિંદુઓની વચ્ચે કૃતિ સહૃદયને રસતરબોળ બનાવી દે છે.

    પરશુરામ રામના પણ સમકાલીન છે અને કૃષ્ણના પણ સમકાલીન છે. આ બધાના સમયમાં પરશુરામ શ્વસ્યા છે. આ ભાર્ગવ રામમાં વશિષ્ઠ રોપાયા છે, વિશ્વામિત્ર રોપાયા છે,  દંડનાથ જેવો અઘોરી પણ રોપાયો છે. માત્ર 30 વર્ષની ઉંમરમાં તેઓ રામમાંથી પરશુરામ બને છે અને પછીથી ભગવાન પરશુરામમાં રૂપાંતરિત થાય છે પૌરુષત્વ નો પર્યાય જાણે મુનશીએ પરશુરામ દ્વારા આપી દીધો છે. ભગવાન પરશુરામનું આલેખન એવું થયું છે કે બધા જ કથા પ્રસંગો વચ્ચે તેઓ તુંગ શિખરની જેમ ઊપસી આવે છે અને બીજાં બધાં જ પાત્રો તેમની સામે ઝાંખા પડી જાય છે – તેમના પિતા અને  ગુરુઓ સુદ્ધાં.

    ઇતિહાસ સાક્ષી રહ્યો છે તે પ્રમાણે સંક્રાંતિ કાળની કોઈપણ વ્યક્તિને હળાહળ તકલીફો જ સહન કરવી પડતી હોય છે. જ્યારે વેદકાળ પૂરો થતો હતો અને બ્રાહ્મણકાળની શરૂઆત થતી હતી એ વચ્ચેના સંક્રાંતિકાળનું પાત્ર છે આ પરશુરામ. બંને યુગની વચ્ચે સમન્વય સાધવાનું કામ તેમના ફાળે આવ્યું છે. અને આખી કૃતિમાં જો એમનું મહત્વનું લક્ષણ હોય તો તે અભય અને સત્વસંશુદ્ધિ છે.  પરશુરામ ઉત્તમ પતિ છે, સાચા સમાજસુધારક, જાગૃત નેતા, સંસ્થાપક તેમજ વિવેકી રાજનીતિજ્ઞ પણ છે. પરશુરામ ના પગમાં ચક્ર છે જે તેને વણથંભ ચલાવે છે. ધીમે ધીમે આખી નવલકથામાંથી પસાર થતાં મુનશી આપણે બતાવતા જાય છે કે પરશુરામ એ પાત્ર નથી પણ ચરિત્ર છે. તેનો વ્યાપ કૃષ્ણની જેમ વિરાટ રૂપ ધારણ કરે છે. આ મહાનાયક દ્વારા મુનશી એ પણ સ્થાપવા માગે છે કે અભય અને સત્વસંશુદ્ધિ એ આ મહાનાયક ના બે મૂળ પાયા છે.

    આ કથા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે : પહેલા ખંડમાં રામની દ્વારકા થી જૂનાગઢ સુધીની યાત્રા છે, બીજામાં એ નર્મદાકાંઠે દંડનાથ અઘોરી પાસે વિદ્યા શીખે છે તેની વાત છે અને અંત ભાગમા યાદવોને, શૌર્યતોને એકજૂથ કરે છે ત્યારે ઘોર સંગ્રામ થાય છે અને અંતે સહસ્ત્રાર્જુનનો વધ થાય છે તેની કથા છે.

    પરશુરામનો જન્મ જ આર્યત્વની સ્થાપના માટે થયો છે. એ જન્મથી જ ગુરુ છે. વારંવાર આ વાતને તેઓ ઘૂંટે છે કે હું ગુરુ છું અને ગુરુ જ રહીશ. જોવાની ખૂબી એ છે કે પરશુરામ માં એટલી સત્વસંશુદ્ધિ છે કે આ કહેતાં પણ તેમનાં પાત્ર દ્વારા અભિમાનની અનુભૂતિ નથી થતી. ભીષ્મ અને કર્ણ જેવા તેના શિષ્યો છે, જેને નિયતિનો ભોગ બનવું પડ્યું છે પણ તેમને હરાવવા અશક્ય છે, કારણકે તેઓ મહાગુરુ પરશુરામના શિષ્યો છે.

    પરશુરામના જીવનમાં ઘણા પ્રસંગો બન્યા છે કે જેમાં તેમના સિદ્ધાંતો કેન્દ્રમાં રહ્યા છે. ફરતા ફરતા તેઓ પિતા પાસે પહોંચે છે ત્યારે તેમના પિતા પરશુરામની માતા રેણુકા ભ્રષ્ટ થયેલી છે એવી વાત કરે છે ત્યારે પરશુરામનું લોહી ઉકળી જાય છે અને પિતાના આદેશ મુજબ માતાનું ડોકું કાપી નાખવા માટે તેઓ તૈયાર થઈ જાય છે. માતાને શોધતા એ ગાંધર્વ ઋષિના આશ્રમમાં પહોંચે છે ત્યારે સામેનું ચિત્ર જોતાં અવાક્ થઇ જાય છે. ઋષિ ગાંધર્વ અને નગરવાસીઓને જે રોગનો ભોગ બન્યા છે તેની સેવાચાકરીમાં માતા રેણુકા મગ્ન હોય છે. આ જોતાં પરશુરામ પિતાની ગેરસમજને દૂર કરવા માતાને પિતા પાસે લઈ આવે છે અને પિતાની ગેરસમજણનું આકરા શબ્દોમાં સમાધાન લાવી આપે છે. મુનશીએ પરશુરામના ચરિત્રના આલેખન દ્વારા એ પણ સૂચવ્યું છે કે જ્યાં સિદ્ધાંત આવે ત્યાં સગા પિતાને પણ છોડી દેવા પડે. આ પૌરુષત્વની નિશાની છે. આવું પૌરુષત્વ એક ગુણ છે, એક તત્ત્વ છે. વ્યક્તિના સિદ્ધાંતો જ તેની મૂડી હોય છે. આખું જીવન પરશુરામ લડયા છે – પોતાના પિતાની સાથે પણ. અનંતરાય રાવળે નોંધ્યું છે કે, ‘એ જ પરશુરામની પૃથ્વીને નક્ષત્રિય કરવાની વાત છે. ‘ વિચારોનાં, રૂઢિનાં, ગેરસમજણોનાં જાળાં પરશુરામ એક પછી એક દૂર કરતા ગયા છે.

    મુનશીની આ નવલકથાનાં સ્ત્રી પાત્રો પણ હંમેશા જાજરમાન અને સંકુલ રહ્યાં છે. પરશુરામના જીવનની આસપાસ પણ અનેક સ્ત્રી પાત્રો છે, જેના કારણે સતત પરશુરામની પરીક્ષા થતી રહી છે. કલ્વિણી કુક્ષી ઋષિની પત્ની છે. તે પ્રથમવાર રામને જોતાં જ તેના પ્રેમમાં પડે છે અને તેના પૌરુષત્વ પર મોહી પડે છે. એક વખત કલ્વિણી પરશુરામને પોતાને ઘેર નિમંત્રે છે. અને યુવાન રામ કલ્વિણીનો નિર્વસ્ત્ર દેહ જુએ છે. પરંતુ રામ સામાન્ય પુરુષ નથી કે કામતત્ત્વમાં તણાઈ જાય. એ પરશુરામ છે, જિતેન્દ્રિય પુરુષ છે. એ ક્ષણે તેઓ કલ્વિણીને સોટો  વિંઝી દે છે. જે ક્ષણ ચારિત્ર્ય સરકી જવાની ક્ષણ હતી તે ક્ષણને પરશુરામ સાચવી શક્યા છે અને માટે જ તેઓ આર્યત્વનું સ્થાપન કરવામાં સફળ રહ્યા છે.

    બીજું સ્ત્રીપાત્ર મૃગાનું છે. એ ખૂબ નાની હતી ત્યારથી જ એ માતા પિતા વિહોણી છે અને સહસ્ત્રાર્જુને જેને પોતા પાસે આશ્રય આપ્યો છે તેવી એ  જે સહસ્ત્રાર્જુનની ઉપપત્ની અને ગણિકા સ્ત્રી છે. મૃગા ખુબ જ સુંદર અને કામુક છે. સહસ્ત્રાર્જુન જેવો આસુરી પુરુષ પણ તેના વિના રહી શકતો નથી. ગણિકા હોવા છતાં તેણે સહસ્ત્રાર્જુન સિવાય કોઈ બીજા પુરૂષનો વિચાર સુધ્ધાં કર્યો નથી. વાતવાતમાં એ પરશુરામને પૂછી બેસે છે કે, તમે મારું શું કરો? કલ્વિણીને તો તમે સાઠકાથી મારી હતી. એ ક્ષણે ત્યારે અત્યંત માર્મિક વિધાન પરશુરામના મુખમાં મૂકીને  મુનશી સ્ત્રીહૃદયને જીતી શક્યા છે. પરશુરામ જવાબ આપે છે કે, ‘ તમારે માટે હું એવું નહીં કરી શકું કારણકે તમે સહસ્ત્રાર્જુનને પરણ્યાં ન હોવા છતાં, ઉત્તમ ચારિત્ર્ય ન ધરાવતાં હોવા છતાં આખું જીવન એક જ વ્યક્તિને તમે પ્રેમ કર્યો છે. એટલે મારા મતે તમે ચારિત્ર્યવાન પ્રમાણિત થયાં છો. માટે હું તમને મારી મોટી બહેન માનું છું. ‘ આમ કહીને પરશુરામે મૃગા જેવી સ્ત્રીને ભાર્ગવીનું પદ આપી દીધું છે. માર્મિકતાની આ અંતિમ સીમા મુનશીને ઉત્કૃષ્ટ નવલકથાકાર ઠેરવે છે.

    ત્રીજું, પરંતુ સૌથી મહત્ત્વનું એવું પાત્ર લોમાનું છે. નાનપણથી જ લોમા પરશુરામની સાથે છે. સ્ત્રી-પુરુષનો  ભેદ ન કરી શકાય એવો મૈત્રીસંબંધ લોમા અને પરશુરામની વચ્ચે છે. મુનશી રંગદર્શિતાના લેખક છે. વચ્ચે વચ્ચે રંગદર્શિતા દર્શાવતા અનેક પ્રસંગો આવે છે પરંતુ બંને આ લાગણી પ્રત્યે અજાણ છે. કલ્વિણીને નિર્વસ્ત્ર જોઈ પરત ફરેલા પરશુરામ જ્યારે લોમા તરફ દૃષ્ટિ કરે છે ત્યારે તેમને પ્રથમવાર અનુભવાય છે કે આ પ્રેમ કરી શકવા જેવી સ્ત્રી છે અને તેથી તેઓ લોમા પાસે લગ્ન માટે પ્રસ્તાવ મૂકે છે. ક્યાં ઝુકી જવું અને ક્યાં તટસ્થ રહેવું એની કલામાં પરશુરામનો જોટો નથી.

    એક તરફ આર્ય સંસ્કૃતિનું સ્થાપન કરતા પરશુરામ છે અને બીજી તરફ પોતાના માનસિક સંચલોને જોઈ શકતા અને બદલતા જતાં પરશુરામ છે. આ બંને પરશુરામનાં પરિવર્તન પામતાં જતાં રૂપ આ નવલકથામાં સમાંતરે ચાલ્યાં છે. પરશુરામના હિંસા અને અહિંસા પ્રત્યેના ખ્યાલો પણ તદ્દન જુદા છે. પરશુરામ માને છે કે દ્વેષ જીવનમાં ક્યારેય ન હોવો જોઈએ. એ આર્યત્વનું પ્રમાણ છે. પણ કોઈ વ્યક્તિ અંત સમય સુધી ન જ માને તો તેને હિંસા પૂર્વક મારી નાખવી એ દ્વેષ નથી પરંતુ દુર્જનોને દૂર કરતી એક પ્રકારની અહિંસા છે.

    પરશુરામ ચરિત્ર પુરાણમાંથી લેવામાં આવેલું છે એટલે તેમાં અદભૂત રસ પણ છે. નર્મદાતટનો અઘોરી દંડનાથ પાણી પર ચાલી શકે છે, પાલતુ પશુઓ ની જેમ તેણે હિંસક મગરમચ્છને પાળ્યા છે. એ ઘડીકમાં પશુનું રૂપ લઇ શકે છે તો ઘડીકમાં મૃદુ સ્ત્રીનું રૂપ લઇ શકે છે. પ્રથમ નજરે જોતાં દંડનાથ જુગુપ્સાયુક્ત, ક્રૂર લાગે. પરંતુ બહુ જ સંયમપૂર્વક પરશુરામ આ બધી જ વિદ્યાઓ તેમની પાસેથી ગ્રહણ કરે છે. અને બદલામાં અઘોરીઓના આખા સમાજ જીવનને સુધારવાનું અદભૂત કાર્ય કરે છે. મહાદંતી જેવી અઘોરી સ્ત્રીનું સત્ત્વ પણ પરશુરામે પોતાનામાં સમાવ્યું છે અને પરિણામે પરશુરામનું તેજ દ્વિગુણિત બનતું ગયું છે. પરશુરામ ગર્વથી કહી શક્યા છે કે, અઘોરીએ મને દીકરો બનાવ્યો છે. વ્યંજનાઓનો એવો ભરપૂર ધોધ મુનશીએ આ કથામાં વહેડાવ્યો છે કે સમસંવેદનયુક્ત વાચક બે ઘડી માટે મુનશીની માયાજાળમાં ઓગળી જાય.

    પરશુરામમાં જાણે નવું જ મિશ્રણ જોવા મળે છે – જેમાં વશિષ્ઠ ની સૌમ્યતા છે, વિશ્વામિત્રની પ્રખરતા છે, દંડનાથની આવડત છે, મહાદંતીના ચમત્કારો છે, માતાની કોમળતા છે અને પિતા જમદગ્નિનું આર્યત્વ છે.

    પરશુરામને કારણે સહસ્ત્રાર્જુન રાત્રે ઊંઘી નથી શકતો એવી પરિસ્થિતિ છે. ભય અને અભયનો,  સદ અને અસદનો ભેદ આ કથામાં કેન્દ્રમાં છે. પરશુરામનું હોવું જ અસદ તત્ત્વોને પીડે છે. રામથી આરંભાતી આ કથા સહસ્ત્રાર્જુનનો અંત આણતા અને ભગવાન પ્રમાણિત થતા પરશુરામ દ્વારા પૂર્ણ થાય છે. આમ, એક પછી એક પગથિયાં મુનશી સહૃદયને ચડાવતા ગયા છે. તેમને સ્થાપિત એ કરવું છે કે સહસ્ત્રાર્જુન જેવો આર્ય કર્મોને લીધે અઘોરી થઈ ગયો અને દંડનાથ જેવો અઘોરી આર્ય થઈ ગયો. સદ-અસદનો આ ભેદ નવલકથામાં સતત અનુભવાતો રહે છે.

    મુનશીએ વિષય પસંદ કર્યો છે પૌરાણિક વસ્તુનો પરંતુ એમનો અભિગમ તદ્દન આધુનિક છે. મૃગા જેવી ગણિકા સ્ત્રીને મુનશી ‘પતિવ્રતા’ કહી શક્યા છે. અને પુરુષ સર્જક હોવા છતાં સ્ત્રીનાં નાજુક સંવેદનોને સમજી શક્યા છે એ ઘટના નોંધપાત્ર બને છે. માતાનું મસ્તક ઉડાડી નાખવાની ઘટનાને નવો વળાંક આપી પિતાને પણ સચોટ જવાબ પરખાવી દેતા પરશુરામ અહીં તદ્દન આધુનિક માનવ સાબિત થયા છે.

    આ કથા લખતાં મુનશીને ૨૩ વર્ષ લાગ્યાં છે. પુરાણ અને આધુનિકતાનાં મિલનની તપશ્ચર્યા સભર આ કૃતિને અંતિમ અંજલિ આપતા અનંતરાય રાવળ નોંધ્યું છે કે, ‘ભગવાન પરશુરામ મુનશીના વાઙમય યજ્ઞનું શ્રીફળ છે. ‘


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • છઠ્ઠી ડિસેમ્બરે ચંદ મિનિટ સીતા સંગાથે

    તવારીખની તેજછાયા

    એક પા, ‘મારા રામ તમે સીતાની તોલે ન આવો’ તો બીજી પા ‘જય સિયારામ’ને રુખસદ અને ‘જય શ્રીરામ’નો જયજયનાદ: ક્રાન્તિની નિયતિ સીતા જેવી છે, શું પહેલાં કે શું પછી, એને લલાટે વનવાસ નક્કી.

    પ્રકાશ ન. શાહ

    કેમ કે છઠ્ઠી ડિસેમ્બર સારુ તેજછાયામાં રમી રહ્યો છું, રામ જન્મભૂમિ પ્રકરણનું સ્મરણ થઈ આવે છે, લગરીક જુદે છેડેથી, સીતાને છેડેથી.સીતા ક્યાં ખોવાઈ ગયાં, કેમ ખોવાઈ ગયાં, એવી એક અભિજાત અંતરખોજને ધક્કે આ લખી રહ્યો છું. અવધ પંથકનું જે સર્વસાધારણ લોક, એનો પરસ્પર અભિવાદનનો સહજોદ્્ગાર ‘જય સિયારામ’ રહ્યો છે. હમણેનાં વરસોમાં એ અખિલ હિંદ ફલક પર ખાસ કાકુ સાથે સહસા ‘જય શ્રીરામ’માં તબદલી થઈ ગયો છે (અ લા દારાસિંહ?) શું કહેવું એને વિશે, વિમાસું છું. અને હા, લખતે લખતે એ પણ સાંભરે છે કે ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે જે બધું ધ્વસ્ત થઈ ગયું એમાં ‘સીતા કી રસોઈ’નું સ્થાનક પણ હતું.

    કેમ કે સીતાની વાત ચાલી છે, ચિત્ત થોડા દાયકા પાછળ જવા કરે છે. ૧૯૭૦માં ‘સાહેબ’ (જયન્તિ દલાલ) ગયા તે પછી વરસોવરસ રંજનબહેનનાં નિમંત્ર્યાં સૌ જ. દ. સ્મૃતિ દિવસે એમના નિવાસસ્થાને, શરૂનાં વરસોમાં સાંકડી શેરી, જીવણ પોળમાં અને પછી નદીપાર ‘જીવભાઈ’માં મળતાં અને ભજનસંધ્યામાં ભળતાં. એમાં જ્યારે રતિકુમાર વ્યાસ આવી ચઢે ત્યારે રંજનબહેનની આરતે ભીંજી આગ્રહી ફરમાયશ હોય – અને રતિકુમારને કંઠે ‘મારા રામ તમે સીતાની તોલે ન આવો’ અચૂક સરી આવે.

    એકોતરી ઊતરે એ પહેલાં, ૧૯૯૬-૧૯૮૦નાં વરસોમાં ચિત્તનો કબજો એ મતલબની બે મરાઠી કાવ્યપંક્તિઓએ લીધો હતો કે ક્રાન્તિની નિયતિ સીતા જેવી હોય છે, વનવાસમાં રામની સાથે અને રામના રાજ્યારોહણ પછી જ્યારે જ્યારે એક જેપી બટુક તરીકે પાછા પડ્યાની લાગણી જાગતી ત્યારે એ પંક્તિઓ આળસ મરડી બેઠી થઈ જતી, શલ્યાની અહલ્યા જાણે. સીતા આસપાસ જે પણ વાંચવા વાગોળવાનું બન્યું હશે એમાં મને સવિશેષ અપીલ કરી ગયેલી કિતાબ ગાંધીજીના પૌત્ર અને રાજાજીના હૌહિત્ર રામચંદ્ર ગાંધીની ‘સીતા’ઝ કિચન’ છે. એની પહેલી આવૃત્તિ ૧૯૯૨ પહેલાંની છે. વારુ રસોઈ કે રસોડું કહેતાં ઊઠતો ને ઠરી રહેતો ભાવ એક તરેહની અંતરંગ આત્મીયતા ને પવિત્રતાનો છે. માત્ર બેઠકખાનાનો નાતો નહીં પણ દિલી નાતો. વળી, રામુ ગાંધી ઉમેરશે, રસોડું આવ્યું અને વનપક ફળ ને ઝરણાંનાં જળ ઉપરાંત (અગર એને સ્થાને) પક્વ અન્નનો ખયાલ પણ લેતું આવ્યું. અહીં વિવિધ રસ છતાં એકરસ-સમરસ, એવો ઘાટ છે. આ રસોડું તે કુદરત સાથેના મનુષ્યના મુકાબલાની બલકે અર્થપૂર્ણ આપલેની મહદ્ ઘટના છે. કુદરતમાં જીવતો મનુષ્ય નગર બાંધતો, સમાજ ઘડતો ને વિકસાવતો બન્યો. એક મેલ્ટિંગ પોટ જ કહો ને.

    ભારતીય પરંપરામાં, જેમ કે, ઈસ્લામ થકી સૂફી મત પ્રવેશ્યો તે આવા એક સંવાદી મિલન મુકાબલાની અને તેથી કરીને સીતાને રસોડે નવ્ય વ્યંજનની ઈતિહાસ શક્યતા હતી અને છે. સીતા તો ધરતીની પુત્રી. સમાઈ પણ ધરતીમાં. ધાત્રીધરિત્રી બધું એકાકાર. અણુરેણુમાં વ્યાપ્ત જે ચૈતન્ય એનો જ એક આવિષ્કાર નિસર્ગકૃપાએ મહોરેલ વનસંપદા એમાં વિકસેલી ને વસેલી પ્રાણીસૃષ્ટિ બલકે પર્યાવરણ સમસ્ત આ ચૈતન્યનો સ્તો સાક્ષાત્કાર છે. આ અભિગમપૂર્વક રામુ ગાંધી રામાયણની સૃષ્ટિમાં પ્રવેશ્યા હતા. (એટલે, પછીથી, એમને મન સીતા કી રસોઈ સમેત પરિસર સમગ્રનો ધ્વંસ ભારતીય પરંપરાનો ધ્વંસ જ બની રહે ને?) કૌંચ યુગલની પ્રણયસમાધિન, હિંસ્ર ભંગે કરીને વ્યથાવ્યાકુલ વાલ્મીકિએ રચના કરી. એમાં જો ધર્મ અવિરુદ્ધ કામનો સહજ સમાદર છે તો મનુષ્યજાતિ તેમ પશુપંખી સર્વે યોનિઓ ને વનસંપદા સૌનોયે છે. પર્યાવરણના, પ્રાણીમાત્રના પાવિત્ર્યની આ રામાયણ પરંપરા છે. (કોઈ ઉચ્ચવર્ણી વર્ગ વિશેષ, સંપ્રદાય વિશેષ, કોમ વિશેષની પ્રતિષ્ઠાની નહીં પણ) લોકપરંપરા ભણીની એની ગતિ છે. નિષાદ, શબર, વાનર સૌને એમાં સ્થાન છે. રામુ ગાંધીએ જોકે ખાસ સંભારેલો પ્રસંગ તો ગુહે રામ-સીતા-લક્ષ્મણને નદી પાર કરાવી તે છે. આદિમ કહો, આદિ જાતિ કહો, એની કને એવું કોઈ ગુહ્ય જ્ઞાન હતું કે તે અયોધ્યાની નગર સંસ્કૃતિના ઉત્તમોત્તમ પ્રતિનિધિની નૈયા પાર કરાવી શકે. નહીં કે સીતા પરત્વે કોઈ સાત્ત્વિક ફરિયાદને અવકાશ નથી. સીતાએ મૃગને માટે હઠ લીધી હતી.

    કંચન-કામિની સંલક્ષણ (સિન્ડ્રોમ)થી હટીને રામુ ગાંધીએ કરેલો ફરિયાદ મુદ્દો એ છે કે મૃગના પ્રાણ હરવાની પેરવી વાસ્તવમાં પ્રાકૃતિક સમતુલા સામે કારનામાનો કિસ્સો છે. ક્ષમયા ધરિત્રી એ ખયાલને ધરતી-માતા-પુત્રીની ઓળખ લેખે જોતાં હોઈએ તો આ મૃગઘટના વાસ્તવમાં ધરતીએ ધરતીપણું ખોયાની ને ધરતીબાળ એવા મનુષ્યે મનુષ્યપણું ખોયાની નિશાની છે. એટલે સીતા લંકાવાસ વેઠે, પ્રાકૃતિક સમતુલાને જોખમાવવા સબબ કંઈક યંત્રણામાંથી પસાર થાય એમાં લેખક કવિન્યાય જુએ છે, અને એમાંથી તત્ત્વબોધ પામે ને પમાડે છે. ગમે તેમ પણ, જેમણે તહસનહસ કીધું એમને ઓસાણ સરખાં પણ ક્યાંથી હોય કે આપણે આ એક સાર્થક સંવાદતક ખોઈ રહ્યા છીએ. રામુ ગાંધીનું આ વેદનાદર્શન વાંચીએ છીએ ત્યારે સિતાંશુ સાંભરે છે: વેદના, તું નેત્ર દે. શરૂમાં મેં ‘જય સિયારામ’થી ‘જય શ્રીરામ’ એ સંક્રાન્તિની જિકર કરી અને સીતા ક્યાં ગયાંનું કૌતુક કીધું, પણ એની સામે શાસ્ત્રસમ્મત સમજૂત અલબત્ત આપી શકાય કે શ્રી કહેતાં લક્ષ્મી, એનો અવતાર તે સીતા, માટે સ્તો શ્રીરામ. વાત સાચી પણ રણઘોષ વચ્ચે આવી કોઈ સભાનતાને ભાગ્યે જ અવકાશ હોય. આટલો વિચાર વિહાર – નકરો વિહાર નહીં – તે સાંકડી સમજથી ઊંચે ઊઠી સભ્યતાના વ્યાપક ફલક પર સહિયારી ખોજમથામણ વાસ્તે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૬ – ૧૨ – ૨૦૨૩ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

     

  • આંબેડકર તમે આવા ય હતા ?

    નિસબત

    ચંદુ મહેરિયા

    ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના માનવ અધિકારોના લડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર( ૧૮૯૧-૧૯૫૬) ના નિર્વાણને હવે તો ખાસ્સા પોણા સાત દાયકા થયા છે. પણ તેમના જીવનકાર્ય અને વિચારોની પ્રસ્તુતતા જરાય ઘટી નથી. ઘણા દેશી-વિદેશી લેખકોએ લખેલા તેમના જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે અને નવા નવા પ્રકાશિત થઈ રહ્યાં છે. તેમાં તાજેતરનું નોંધપાત્ર ઉમેરણ નવા સંશોધનો સાથેનું પ્રા. આકાશસિંહ રાઠોડ લિખિત Becoming Babasaheb  છે.

    જેમ બાબાસાહેબનું જીવન તેમ તેમના વિચારો પણ અભ્યાસીઓના રસ-રુચિ અને આકર્ષણનું કેન્દ્ર છે. ડો.આંબેડકરના આટઆટલા  જીવનચરિત્રો છતાં હજુ તેમના જીવનનું માનવીય પાસું કોઈ એક જીવનચરિત્રમાં પૂર્ણપણે ઉઘડ્યું નથી. આંબેડકર હોય કે ગાંધી, નહેરુ  હોય કે સરદાર, માર્ક્સ હોય કે લેનિન – આખરે આ સૌ આપણા જેવા હાડચામના માણસો હતા. એ વાત તેમના વિભૂતિમત્વના આલેખનમાં વિસરાઈ જાય છે. બાબાસાહેબ એક વિદ્વાન તરીકે તો જરૂર આલેખાયા છે પણ એક માણસ તરીકેનું તેમનું ચિત્રણ બાકી છે. એટલે બાબાસાહેબના એકાધિક જીવનચરિત્રો અને સ્વજનો-મિત્રોએ લખેલા સ્મરણોમાંથી તારવી-સારવીને તેમનું માનવીય પાસું વ્યક્ત કરતા થોડા પ્રસંગો પ્રસ્તુત છે.

    મહાનગર મુંબઈની ડબક ચાલ ,બી આઈ ટી ચાલ અને પોયબાવાડી ચોકી પાસેની ખોલીઓમાં કણકી અને રોટલા પર ડો.આંબેડકરે દહાડા  ટૂંકા કર્યા હતા. પિતાની સલાહ તો છાંયડે બેસીને થાય તેવા કામો કરવાની હતી. પણ સમાજસેવા છોડીને તગડા પગારવાળી નોકરી ભણી તેમણે કદી જોયું નથી.

    ૧૯૦૬માં ડો.આંબેડકરના લગ્ન થયા હતા. લગ્નનું સ્થળ હતું,  મુંબઈના ભાયખલાનું મચ્છી બજાર. રાત્રે ખાલી થઈ જતાં આ બજારમાં ખુલ્લા આકાશ નીચે, દીવા અને ફાનસના અજવાળે, વગર મંડપે , વગર બેન્ડવાજે તેઓ પરણ્યા હતા. ગંભીર પ્રકૃતિના આંબેડકરનો પત્ની રમાબાઈ સાથેનો વર્તાવ અત્યંત પ્રેમાળ હતો. પત્નીને તે ભાગ કે રામુ કહીને બોલાવતા હતા. ‘ પાકિસ્તાન ઔર ધ પાર્ટીશન ઓફ ઈન્ડિયા’  ગ્રંથ બાબાસાહેબે રમાબાઈને અર્પણ કરતાં લખ્યું છે, ‘ ઉમદા માનસ, ચારિત્ર્યની પવિત્રતા, ઠંડી ધીરજ અને મારી સાથે સહન કરવાની તૈયારી-ખાસ કરીને અમારા જેવા જૂથ પર આવી પડેલ અછત અને ચિંતાના મિત્રવિહોણા દિવસોમાં-   દર્શાવનાર રમુને, સ્નેહના પ્રતીક રૂપે ‘.

    ૧૯૩૫ની યેવલા પરિષદ સુધી ડો.આંબેડકર પાસે ખુદની મોટરકાર નહોતી. મુંબઈની મ્યુનિસિપલ બસનો તે ઉપયોગ કરતા.હતા. જ્યારે કાર વસાવી ત્યારે  પુસ્તકોની ખરીદીના બિલ જેટલા પૈસા પાસે ના હોય તો બાકી બિલ પેટે પ્રકાશકને કાર સોંપી  ચાલી નીકળતા પણ તે ખચકાતા નહોતા.પિતા રામજીએ તેમના બધા સંતાનોને અંગ્રેજી લખતાં, વાચતાં, બોલતાં કરેલા. એક વાર મુંબઈની મારવાડી વિધ્યાલયમાં જસ્ટિસ ચંદરવાકરના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં એક યુવાને અસ્ખલિત અંગ્રેજીમાં ઘણાં સવાલો પૂછ્યા. સભા પૂર્ણ થયા પછી ન્યાયમૂર્તિ ચંદરવાકર તે યુવાન પાસે ગયા અને વાતો કરવા માંડી.. કદાચ તેઓ તે યુવાનને આંબેડકર સમજી બેઠા હતા. એટલે પેલા યુવાને ગેરસમજ દૂર કરતાં કહેલું , વિલાયતમાં જે  ભણે છે તે આંબેડકર છે, એ મારો નાનો ભાઈ છે. હું તો તેનો મોટો ભાઈ બલરામ છું. ભાષાઓ પ્રત્યે બાબાસાહેબને ગજબનો લગાવ હતો. મરાઠી એમની માતૃભાષા. પણ અંગ્રેજી બહુ સારું.એમ તો અમદાવાદની સભામાં ડો.આંબેડકરે ગુજરાતીમાં વક્તવ્ય પણ આપ્યું હતું ! જીવનના ઉત્તરાર્ધમાં એ પાલી શિખતા હતા.

    આંબેડકરનો બાહ્ય દેખાવ બહુધા સૂટેડ-બૂટેડનો છે. પરંતુ મુંબઈના માટુંગાની દલિત વિધ્યાર્થીઓ માટેની કુમાર વિનય મંદિર શાળાના એક શિક્ષકે નોંધ્યું છે તેમ, બાબાસાહેબ એક દિવસ તેમની શાળાની મુલાકાતે આવ્યા હતા. બધા વિચારતા હતા કે તેઓ સૂટ અને હેટ પહેરીને આવશે. પણ સવારે લગભગ આઠેક વાગે એક સુદ્રઢ કદ-કાઠીની  વ્યક્તિ મદ્રાસી ઢબની લૂંગી બાંધી, ઉપર ખમીસ  અને  પગમાં ચંપલ પહેરી કોઈ કસરતબાજ પહેલવાનની જેમ શાળામાં આવી અને તે ડો.આંબેડકર છે તે જાણીને બધા અચંભિત થઈ ગયા હતા.

    અમેરિકી પત્રકાર વિન્સેન્ટ શીએને ભારતના અનેક મહાનુભાવોના જીવન વૃતાંતના દળદાર પુસ્તક ‘ હુઝ હુ’ નો ઉલ્લેખ કરી કહ્યું છે કે આ પુસ્તકમાં પોતાના પરિચયમાં કોઈ મહાનુભાવે પોતાની જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો નહોતો. પરંતુ ડો.આંબેડકરે કર્યો હતો. અને લખ્યું, જાતે અસ્પૃશ્ય. પોતાના બીજાં પત્ની ડો. શારદા કબીરના પરિચયમાં લખ્યું હતું,  જાતે બ્રાહ્મણ. જો કે આઝાદ ભારતની સંસદમાં જ્યારે આભડછેટ નાબૂદીનો કાયદો પ્રસ્તુત થયો ત્યારે બાબાસાહેબે કાયદાના નામ અંગે જ પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી.તેમનું કહેવું હતું કે સ્વતંત્રતા અને બંધારણ પછી હવે આ દેશમાં કોઈ સ્પૃશ્ય નથી અને કોઈ અસ્પૃશ્ય નથી. બધા એક સમાન નાગરિક છે. એટલે આભડછેટ નાબૂદી કાયદાનું નામ નાગરિક હક સંરક્ષણ ધારો હોવું જોઈએ.

    ગંભીર વિદ્વાન આંબેડકર કરતાં વ્યક્તિ આંબેડકર ઘણા રસિક હતા. એમને ચિત્રો દોરવા ગમતા હતા. વાધ્ય શિખતા અને વગાડતા. વિવિધ પ્રકારની ફાઉન્ટન પેનોનું તેમને આકર્ષણ હતું. તેમના હસ્તાક્ષરો બહુ સુંદર હતા. શરાબ કે સિગારેટને કદી હાથ લગાવ્યો નથી. પિતા, પત્ની, સંતાનો અને ખાસ અંગત મિત્રોના જ નહીં પેટ ડોગના અવસાન સમયે પણ તેમણે  ભારે આક્રંદ કર્યું હતું. ક્યારેક ક્રિકેટ, ચેસ  અને બ્રિજ રમતા. સમુદ્રસ્નાન કરતા. અઠંગ વાચક આંબેડકરે અછૂત કન્યા, અંકલ ટોમ, ઓલિવર પ્રિસ્ટ  અને ગરીબો- દલિતોકેન્દ્રી કેટલીક ફિલ્મો સજળ આંખે જોઈ હતી. જાતભાતની રસોઈ આવડતી પણ ભોજન માટેની ચોક્કસ વાનગીનો કદી આગ્રહ રાખતા નહીં. ખાવાનું અને બોલવાનું બંધ કરીને તેઓ કોઈ વ્યક્તિ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા ખરા પણ જો એ ગાળો લંબાય તો અરે હું તો એકલો પડી ગયો કહીને ગુસ્સો થૂંકી કાઢતા.આજાર શરીરે  નિર્વાણના ચાર દિવસ પહેલાં દિલ્હીના કોનોટપ્લેસની પુસ્તકોની દુકાને જઈ પુસ્તકોની ખરીદી કરી હતી. બાળ ભીમરાવને કોઈ પાઈ પૈસો આપે તો રોપો ખરીદી લાવે અને વાવે. મહારાષ્ટ્રના પછાત મરાઠાવાડા વિસ્તારના ઔરંગાબાદમાં કેળવણીકાર આંબેડકરે કોલેજ શરૂ કરી તો કોલેજ કેમ્પસમાં એક છોડ વાવવાની શરતે તે મુલાકાતીઓને મળતા હતા. ૫૫ વરસના થયા ત્યાં સુધી માથાનો એકેય વાળ કાળો થયો નહોતો પણ દાંત બહુ વહેલા જવા માંડેલા.

    બાબાસાહેબે આત્મકથા લખી નથી.પરંતુ પરદેશીઓને ભારતની જાલિમ જ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતાનો પરિચય કરાવવાના હેતુથી ‘ વેઈટિગ ફોર વિસા’  મથાળે થોડા આત્મકથનાત્મક લખાણો લખ્યા હતા. ડો. આંબેડકરને જ્ઞાતિમુક્ત ભારત અને જ્ઞાતિમુક્ત માનવના પરવાનાની પ્રતીક્ષા હતી. તેમના નિર્વાણ દિને આપણે પણ તેની પ્રતીક્ષા જ કર્યા કરીશું શું?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪. ૪ અંશ ૧

    જીવનની અર્થવ્યવસ્થાનો

     વ્યાવહારિક અમલ

    ૪. ૪

    રોકાણ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    ૪.૩ થી આગળ

    કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને  બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.

    આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી, #૪.૨ માં ખર્ચ અને #૪.૩માં બચત એમ ત્રણ મહત્વનાં પાસાંઓની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશે વાત કરી ગયાં.

    હવે આપણે અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં  ચોથાં મહત્ત્વનાં ઘટક રોકાણ  વિશે વાત માંડીશું.

    રોકાણ શા માટે?

    નાણાની બચતને બિનઉત્પાદક સ્વરૂપે પડી રહેવાને બદલે ભવિષ્યમાં વધારે નાણા મળી શકે તે રીતે કામે લગાડવાને રોકાણ કહે છે.

    કમાયેલાં નાણામાંથી પોતાનાં જીવનની પ્રાથામિકતાઓ અનુસારની જરૂરિયાતો પુરી કરવામાં કમાણીનો અમુક ભાગ વપરાઈ  જાય છે. તે પછી જે બચે તેનો ઉપયોગ ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવાને સમયે કામ આવી શકે એ માટે તેનું રોકાણ કરવું જોઈએ.

    પરંતુ બચતને રોકાણમાં ફેરવવી જરૂરી છે? આ સવાલનો જવાબ નાણાકેંદ્રી અર્થવ્યવસ્થાની આગવી ખાસિયતમાં છે. ૧૯મી સદીની ઔદ્યોગિક ક્રાન્તિ અને તે પછી હવે ડિજિટલ ટેક્નોલોજીની ક્રાન્તિને પરિણામે ઉત્પાદન ક્ષમતાઓ કુદકે ને ભુસકે વધતી ગઈ.  વધતી જતી નિપજોમાંથી ઉત્પાદકો વધારે ને વધારે નફો રળી શકે એ માટે ગ્રાહકની ખરીદ શક્તિ વધતી રહે એ જરૂરી છે. માંગ અને પુરવઠાનું જે ચક્ર ગોઠવાય છે તેમાં છેવટે પરિસ્થિતિ એ બનતી આવી છે કે પેદાશો અને સેવાઓના ભાવો વધતા જ જાય છે. એટલે આજે થયેલ બચતને બિનઉત્પાદક સ્વરૂપે પડી રહેવા દેવામાં આવે તો તેની ભવિષ્યની ખરીદ શક્તિ ઘટવાની શક્યતાઓ વધારે રહે છે. આમ આજની બચતની ભવિષ્યની ખરીદ શક્તિ જાળવી રાખવા માટે પણ તેનું ઉત્પાદક રીતે રોકાણ કરવું જ ઈષ્ટ છે.

    આજે કરેલ ખર્ચ એ વર્તમાન જરૂરિયાતો પુરી કરવા માટે કરેલ ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી છે. તેમ કરતાં જે કમાણી બચે તે ભવિષ્યની અપેક્ષિતપણે વધતી જતી ઊંચી કક્ષાની જરૂરિયાતો પુરી કરશે એવી અપેક્ષા સ્વાભાવિકપણે રહે. એ માટે આજની બચતની, ભવિષ્યની ભાવ સપાટીએ, ખરીદ શક્તિ – મૂલ્ય – જળવાય, કે વધે, એ આવશ્યક છે. વળી, નાણાકેંદ્રી આધુનિક અર્થવ્યવસ્થાનું ઘડતર ચીજવસ્તુઓ અને સેવાઓના વધતા જતા ભાવો સાથે સંકળાયેલ છે. એટલે નાણાની બચત એમને એમ રાખી મૂકવામાં આવે તો તેની ભવિષ્યની ખરીદ શક્તિ ઘટવાની શક્યતા વધારે છે. યાદ રહે કે આજની નાણાકેંદ્રી અર્થવ્યવસ્થામાં સમયની સાથે નાણા અને બચતનું મૂલ્ય ઘટતું જ રહેવાનું છે.

    આવા સજોગોમાં, આજે કરેલ ખર્ચમાંથી થયેલ બચતમાંથી થયેલ આજનાં રોકાણો ભવિષ્યની  ઊંચી કક્ષાની જરૂરિયાતો પુરી કરી શકે એવી વધારે સારી ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી  કરવાને સમયે સક્ષમ રહે એ રીતે કરવામાં આવે એ પણ જરૂરી બની જાય છે.

    બચત કરેલ નાણાની જરૂર ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવા ઉપરાંત આપણાં ભવિષ્યની સલામતી માટે પણ છે. ભવિષ્યમાં માંદગી જેવા આકસ્મિક સંજોગોને, કે પછી સંતાનો (કે તેમનાં પણ સંતાનો)નાં ભણતર જેવી અપેક્ષિત જરૂરિયાતોને, પહોંચી વળવા માટે આજની બચત એક સલામત વ્યવસ્થા નીવડી શકે છે.

    ગાદલાં ગોદડાં નીચે કે કબાટોમાં સંગ્રહી રાખેલ બચત ભવિષ્યની ખરીદ શક્તિને પહોંચી વળાય એટલું મૂલ્ય જાળવી રાખવામાં મદદરૂપ ન બની શકે. આજની બચતનાં ભવિષ્યનાં મૂલ્યને જાળવી રાખવા માટે, કે મૂલ્યમાં વૃદ્ધિ કરવા માટે, આયોજિત સ્વરૂપે રોકાણ કરવું આવશ્યક બની રહે છે.

    અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં  ઘટક ‘રોકાણ’નાં લગતાં મહત્ત્વનાં પાસાં – બચતમાંથી રોકાણમાં રૂપાંતર – શી રીતે અને ક્યાં ક્યાંની  ચર્ચા હવે પછીના મણકામાં કરીશું.


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • કાર્ટૂનકથા : ૧૦

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના દસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં. આ અંકમાં પણ મેં માત્ર કાર્ટૂન દોરીને મોકલ્યાં હતાં, જ્યારે સંવાદ હાથે લખવાને બદલે મુદ્રિત સ્વરૂપે મૂકાયા હતા. અહીં એ મૂળ કાર્ટૂન અને તેની નીચે સંવાદ મૂકેલાં છે.

    વાર્તાવ્યંગ્ય

    ઉધઈ ઉવાચ


    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • છાયા પેટી કળા

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah – Shadow Box Art

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક બીજો: પ્રવેશ ૫

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક બીજો:પ્રવેશ ૪ થી આગળ

    પ્રવેશ ૫ મો

    સ્થળ : કલ્યાણકામની હવેલી અંદરનો બાગ

    [કલ્યાણકામ અને સાવિત્રી બાગમાં ફરતા પ્રવેશ કરે છે]

    સાવિત્રી : આ બધાં ફૂલમાં સહુથી વધારે સુખી ચંપો છે એને મધમાખીઓ છેડતી નથી.

    કલ્યાણકામ : અને, એ કારણથી કવિઓએ પણ ચંપાને બહુ છેડ્યો નથી. તેથી ચંપાને નિવૃત્તિ છે.

    સાવિત્રી : કવિઓના વ્યવહારથી પુષ્પોને સંતાપ થતો નથી. કવિઓ તો પુષ્પોની કીર્તિનો પ્રચાર કરે છે.

    કલ્યાણકામ : કવિઓ સિવાય બીજા કોઈ પુષ્પો ઉપર વાગ્બાણ ફેંકે નહિ, એવી આજ્ઞા થઈ શકતી હોત તો પુષ્પોને સંતાપનું કારણ ન થાત. કવિઓ પુષ્પોમાં રસસ્થાન જોઈ ને તે તરફ રસભર્યાં વાગ્બાણ પ્રેરી પુષ્પોના સૌંદર્યનું પોષણ કરે છે. પરંતુ તે જોઈ અનેક કવિઓ, જેમને રસસ્થાન દેખાતાં નથી અને જેઓ વાચામાં રસ ભરી શકતા નથી તેઓ, શુષ્ક અને જડ વાગ્બાણ છોડી પુષ્પોને વિના કારણ વ્યથા કરે છે. જેમણે કમલનું સૌંદર્ય પારખ્યું ન હોય તેમણે કમલ વિશે કવિતા કરવાનો કદી પ્રયત્ન કરવો ન જોઈએ. પણ, દુર્ભાગ્યે તેમને અટકાવી શકાતા નથી અને, જન્મારામાં કદી કમલ ને ભ્રમરનો યોગ જોયા વિના અનેક જનો ઘરમાં બેઠા બેઠા કમલ ને ભ્રમરનાં વાગ્જાળ વણી કાઢે છે.

    સાવિત્રી : સાર એ કે, ચંપા સરખી નિવૃત્તિ ઇચ્છનારે કમલ સરખો રસકોશ ધારણ કરવો નહિ. ચંપાની સુગંધમાં રહેલા અદૃશ્ય અને અસ્પૃશ્ય રસનું જેને જ્ઞાન હશે તે જ ચંપાની સમીપ આવશે.

    કલ્યાણકામ : રાજકાર્યોના સંતાપ એ પ્રકારે હું કેમ ઓછા કરી શકું ?

    મારી પ્રવૃત્તિ ઘટાડવા અને નિવૃત્તિ વધારવા તમે આમ વારંવાર આગ્રહ કરો છો, પરંતુ હું માત્ર રાજ્યનો સલાહકાર થઈ રહું એ કેમ બની શકે?

    મંત્રને અમલમાં મૂકવાનો તંત્ર હાથમાં ન રાખું તો અનીતિજ્ઞો સાથેના પ્રસંગ ઓછા થઈ જાય અને રાજકાર્યોના સંઘર્ષણથી ઉત્પન્ન થતી કર્કશતા વેઠવી ન પડે એ ખરું , પણ એમ વિસારે મૂકેલા દેશનું શું થાય ?

    હું યુદ્ધ કરવું મૂકી દઈ આચાર્ય બનું તો બીજો કોઈ યુદ્ધમાં ઝૂઝનાર છે ?

    સાવિત્રી : એ સહુ ચિંતા પરમેશ્વરને છે.

    કલ્યાણકામ : પરમેશ્વર પોતાની ચિંતાઓના ઉપાય મનુષ્યો દ્વારા જ કરે છે, તો જેને માથે ભાર આવ્યો તેનાથી તે ફેંકી કેમ દેવાય?

    સાવિત્રી : મહારાજ પર્વતરાય વૃદ્ધત્ત્વમાંથી નીકળી યૌવનમાં આવશે ત્યારે તેઓ સર્વ ભાર વહન કરવા સમર્થ થશે.

    કલ્યાણકામ : કોણ જાણે શાથી મારું ચિત્ત એ સ્થિતિની વાસ્તવિકતાનો સાક્ષાતકાર જ કરી શકતું નથી, પરંતુ એ ઉદય તો થશે ત્યારે જોઈશું. હાલતો, પણે પશ્ચિમમાં થતા સૂર્યાસ્ત સરખો આજ જ આપણે માથે છે.

    સાવિત્રી : સૂર્યાસ્ત કેવો હૃદયવેધક દેખાય છે !

    કલ્યાણ:

    (સ્ત્રગ્ધરા)

    ઢંકાયો સૂર્ય રાતી ગગનદૃવસમી મેઘમાળાનિ પૂંઠે,
    નીચે જેવું ભરે એ ડગલું અણદિઠું માળ એ દીપિ ઊઠે;
    આકાશે વાદળીઓ છુટી છુટી તરતી રંગ એ ઝીલી લેતી,
    છૂપો એ ડૂબતો તે, ક્ષણ ક્ષણ બદલી વર્ણ દર્શાવિ દેતી. ૨૮

    સાવિત્રી : તમારી દૃષ્ટિ ઊંચે છે, પણ આ જગાએ સંભાળી ફરવાનું છે, એ તો તે જ સ્થળ –

    [એટલું બોલીને અટકી નીચે જુએ છે.]

    કલ્યાણકામ : (આસપાસ જોઈને) અહો ! આ તો તે જ સ્થળ છે જ્યાં ફરતાં અજાણતાં હું સર્પ પર પગ મૂકવાની તૈયારીમાં હતો. તે વેળા એ ભયનું તત્કાળ નિવારણ બીજી રીતે શક્ય ન હોવાથી તમે તમારો પગ એકદમ સર્પ પર મૂકી સર્પને મારો સ્પર્શ કરતો અટકાવેલો અને તમારે પગે સર્પનો દંશ વહોરી લીધેલો. સુભાગ્યે સર્પ ઝેરી ન નીકળ્યો. નહિ તો આજે આ બાગમાં કે કલ્યાણકામના હૃદયમાં એકે પુષ્પ કે પર્ણ હોત નહિ ! એ વૃતાંત ગુપ્ત રાખી તમે જગતમાંના પુણ્ય-પ્રવાહને અપુષ્ટ રાખો છો.
    સાવિત્રી : ઢંઢેરો ફેરવવાથી એથી વધારે અપુષ્ટિ થાય તેમ છે.

    કલ્યાણકામ : આપણા સંતાને તો જાણવું જોઈએ કે કેવી માતાની કીર્તિ તેમને જાળવવાની છે !

    સાવિત્રી : બાળકો માતાને માત્ર એ એક પ્રસંગથી જ ઓળખશે ?

    કલ્યાણકામ : બીજા પ્રસંગોમાં આવો ઉજ્જ્વલ પ્રસંગ તેમનાથી ગુપ્ત શા માટે રહેવો જોઈએ.

    સાવિત્રી : ગુપ્તતાનો ભંગ કરવાનો સમય ઈશ્વર નક્કી કરે છે.

    [નોકર પ્રવેશ કરે છે.]

    નોકર : (નમન કરીને) ભગવન્ત ! પુષ્પસેનજી પધાર્યા છે.

    કલ્યાણકામ : એમને અહીં લઈ આવ.

    [નોકર જાય છે.]

    કલ્યાણકામ : અત્યારે આવવાનું કારણ જાણવામાં નથી.

    [પુષ્પસેન પ્રવેશ કરે છે.]

    કલ્યાણકામ : પધારો પુષ્પસેનજી. પૂર્વની સરહદે શત્રુઓ પરાભવ પામી નિર્મૂલ થયા પછી તો આપને કાંઈ વિશ્રાંતીનો સમય આવ્યો છે એમ હું ધારતો હતો, પણ આપની મુખરેખા એમ સૂચવતી નથી.

    પુષ્પસેન : આપ મને સૈન્ય લઈ લડાઈ પર મોકલવાના હો તો હું હાલ મહેતલ માગું, પરંતુ બે સૈન્ય મેળાવવા સારુ મારે મજલ કરવાની જરૂર પડે તેમ નથી. મારા હ્રદયમાં જ રણસંગ્રામ જામ્યો છે, અને તે માટે આપની અએ શ્રીમતી સાવિત્રીદેવીની સહાયતા માગવા આવ્યો છું.

    સાવિત્રી : આપ જરા સ્વસ્થ થાઓ. આ બોરસલ્લીના થાળ ઉપર સહુ બેસીએ.

    [ત્રણે જણાં થાળ ઉપર બેસે છે.]

    કલ્યાણકામ : હવે કહો અનેક શત્રુઓનાં હ્રાદય વિદારણ કરનારના હ્રદયને વ્યથા કરનાર કોણ છે ?
    પુષ્પસેન : કોઈ શત્રુ નથી. મારી પ્રિયતમ પુત્રી છે.
    સાવિત્રી : કમલાને શો અપરાધ થયો છે ? એની માતાના સ્વર્ગવાસ પછી આપના ઘરનો ભાર એણે ઉપાડી લીધો છે. અને, એની સુશીલતાએ આપના હ્રદયને ટકાવી રાખ્યું છે.
    પુષ્પસેન : તે જ એનો દુરાગ્રહ મને વિશેષ દુઃખિત કરે છે, એને માટે યોગ્ય વરની શોધમાં છું, તે મેં આપને કહ્યું હતું. પરંતુ હમણાં બે દિવસથી દુર્ગેશ સાથે લગ્ન કરવાની હઠ લઈ બેઠી છે.
    કલ્યાણકામ : દુર્ગેશ સાથે ?

    પુષ્પસેન :

    (અનુષ્ટુપ)

    રોષથી હું તો સજ્જ છેદવા શીર્ષ જેહનું,
    પુત્રી મારી વરે તેને દમે તે દંશના સમું. ૨૯

    સાવિત્રી : દુર્ગેશ તરફ એનું ચિત્ત શી રીતે આકર્ષાયું ?

    પુષ્પસેન : દુરગેશને એણે એક જ વાર જોયો છે, અને તે મારે ઘેર અને મારી સમક્ષ. દુર્ગેશ મને મળાવા આવ્યો હતો. એની મુખમુદ્રા અને એની છટા મને પણ રુચિકર લાગેલાં, પરંતુ કમલા તત્કાળ મોહિત કેમ થઈ ગઈ એ મને અગમ્ય લાગે છે.

    સાવિત્રી : એ વસ્તુ દુનિયામાં કોઈને પણ સુગમ થઈ છે?

    (ઉપજાતિ)

    જાગે સ્વયંભૂ ઉરમાંહિ મન્મથ,
    તેના નથી કો નિયમો, ન કારણ;
    સામ્રાજ્ય તેનું રહ્યું આતમ્વૃત્તિમાં,
    અનન્ય તેનું પદ સર્વ સૃષ્ટિમાં. ૩૦

    કલ્યાણકામ : દુર્ગેશની એ વિષે કેવી વૃત્તિ છે ?

    પુષ્પસેન : કમલા કહે છે કે એ પણ એ જ ક્ષણથી આસક્ત થયો છે અને કમલા સાથે લગ્ન કરવા બહુ ઉત્કંઠિત બન્યો છે. પરંતુ, એ માત્ર એની ધૃષ્ટતા છે. કમલા સાદા દિલની છે અને એનું ચિત્ત ઝટ ખેંચાઈ જાય એવું છે. દુર્ગેશના કોઈ વશીકરણમાં એ સપડાઈ ગઈ છે.

    કલ્યાણકામ : દુર્ગેશના સંબંધીઓ એથી ઊલટું ધારતા હશે.

    પુષ્પસેન : શા માટે ધારે ? દેવકન્યાની પ્રાપ્તિ તેમને તો ધન્યભાગ્ય. પણ, મારું એકનું એક સંતાન, મારી પ્રાણધાર પુત્રી, જેનેમેં મારા હ્રદયના સમસ્ત રસથી ઉછેરી, જેના શ્રેય માટે મેં મોટી મોટી ઉમેદો બાંધી, તેનું જીવતર દુર્ગેશના અજ્ઞાત ભવિષ્ય સાથે જોડાવાનું ?

    કલ્યાણકામ : વ્યગ્ર થનારથી ઉપાય થઈ શકતા નથી. શાંતિથી કરેલું મનન જ માર્ગ દર્શાવી શકે છે.

    સાવિત્રી : હું કમલાને બોલાવી તેની જોડે વાત કરીશ.

    કલ્યાણકામ : અને, હું દુર્ગેશને બોલાવી તેની જોડે વિચાર કરીશ.

    પુષ્પસેન : આપ બન્ને મળી એમના વિચારો ફેરવો એટલે હું કૃતાર્થ થાઉં.

    કલ્યાણકામ : એમના વિચાર ફેરવવા કે આપના વિચાર ફેરવવા એ બેમાંથી કયું ઇષ્ટ છે અને કયું શક્ય છે એ જ શોધી કાઢવાનું છે. હવે , આપ કમલા સાથે કલહ ન કરશો.

    પુષ્પસેન : મારી પ્રતીતિ છે કે આપ અને શ્રીમતી જે પ્રશસ્ય હશે તે જ કરશો. આપે કે શ્રીમતીએ કરેલા અનુશાસનનું મેં કદી ઉલ્લંઘન કર્યું નથી. હવે હું રજા લઉં છું.

    કલ્યાણકામ : અમે પણ બાગમાં આવતી અંધકારની છાયાને ઉઘડેલા હ્રદયપટ સાથે સ્પર્શ થવા નહિ દઈએ.

    [સર્વ જાય છે.]

    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

     

  • કવિનું મૃત્યુ /સંત ફ્રાન્સિસ અસિસીની શાંતિ પ્રાર્થના….

    કવિ શ્રી યોસેફ મેકવાન ગુજરાતી કવિ અને વિવેચક હતા.

    ગયા વર્ષે (૨૦૨૨) નાતાલની સવારે ફેઈસબૂકનું પાનું ખોલતાંની સાથે જ એક સમાચાર વાંચવા મળ્યા હતા..ઘડીભર મન માની ન શક્યું. અરે? સાચે? હજી થોડા દિવસ પહેલાં તો વાત થઈ છે.. કોઈ અણસાર વગર જ!!!

    બીજી જ ક્ષણે હું ફેંકાઈ ગઈ હતી છેક ૨૦૦૯ના ડિસેમ્બર મહિના તરફ કે જ્યારે યોસેફ મેકવાન સાથે અમદાવાદમાં પ્રથમ મુલાકાત થઈ હતી.. તે પછી તેમની સરળતા, સાદગી અને સર્જક વ્યક્તિત્ત્વને કારણે નિયમિતપણે ફોન પર, ઈમેઇલ દ્વારા તેમનો સંપર્ક થતો રહ્યો અને જ્યારે જ્યારે ભારત જાઉં ત્યારે પ્રત્યક્ષ મળવાનું બનતું રહ્યું. .. તેમની સાથેની કેટલી બધી યાદો!

    છેલ્લે છેલ્લે યોસેફભાઈએ, ગયા વર્ષના નવેમ્બર મહિનામાં જ ‘નિત્યનીશી’ માટે એક પાનું પણ મોકલી આપ્યું હતું. આજે તેમના ‘અલખનો અસવાર’ અને ‘શબ્દ-સહવાસ’ પુસ્તકો મારા ટેબલ પર શોભી રહ્યા છે.

    તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સ્વાગત’ને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમની બાળકવિતાઓને ગુજરાતી સાહિત્ય અકાદમી થકી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને બાળવાર્તાઓને ગુજરાતી સાહિત્ય પરિષદ થકી પુરસ્કૃત કરાઇ હતી. ૧૯૮૩માં તેમને ‘સૂરજનો હાથ’ માટે ‘જયંત પાઠક કવિતા પુરસ્કાર’ મળ્યો હતો. ૨૦૧૩માં તેમને કુમાર સુવર્ણચંદ્રક મળ્યો હતો.

    નાતાલના દિવસે ઈસુ પાસે પહોંચેલા તેમના આત્માને અવશ્ય શાંતિ હશે જ.

    આજે એક વર્ષ પછી તેમને શબ્દાંજલિઃ તેમની જ કવિતા થકી

    પદ્યસમિતિ-વે.ગુ.
    દેવિકા ધ્રુવ
    રશા શુક્લ

     

    કવિનું મૃત્યુ

    આંગણામાં
    સોનચંપાની ઝૂકેલી ડાળ પર,
    બુલબુલ રહ્યું રેલાવતું નિજ સ્વર !

    વાતાવરણમાં જેમ વ્યાપે ધૂપ
    એ રીતે હું ચૂપ
    ડૂબ્યો’તો ગાનમાં તલ્લીન –
    કે ન’તું મારું ય મુજને ભાન,
    કેટલાં વર્ષો પછી ઝબકી રહ્યું મુજ નેણમાં
    આદિમ મારું ગાન!

    વન્ય પ્રકૃતિ બધી
    મુજ અંગ પર ફરકી રહી…
    આ શ્હેરના વાતાવરણની કાંચળી
    જાણે હળુ ઊતરી રહી…

    ત્યાં રેડીયોમાં ગીત કો’ ફૂટ્યું
    – પડોશીના ઘરે
    એના સ્વરે
    મૌન તૂટ્યું ઓરડાનું
    – ને થયું મૃત્યુ કવિનું !

     યોસેફ મેકવાન

    (૨)

    સંત ફ્રાન્સિસ અસિસીની શાંતિ પ્રાર્થના….

    હે ભગવાન!

    તવ શાન્તિનું ઝરણ બનું હું
    એવું દે વરદાન! એવું દે વરદાન!

    વેરઝેર ત્યાં તારો પ્રેમ વહાવું,
    અન્યાય જોઈ તારો ન્યાય પ્રસારું,
    કુશંકાઓ શ્રદ્ધાદીપથી બાળું,
    હોય હતાશા ત્યાં આશા પ્રગટાવું,
    એવું દે વરદાન!

    અન્ય પાસથી દિલાસો છો નવ મળતો,
    તો પણ સહુને રહું દિલાસો ધરતો,
    ભલે ન કોઈ ચાહે-સમજે મુજને,
    મથું સમજવા-ચાહવા હું તો સહુને,
    એવું દે વરદાન!

    આપી આપીને બેવડ થાય કમાણી,
    ક્ષમા આપતાં મળે ક્ષમાની લહાણી,
    મૃત્યુમાં મળે અમર જીવનનું વરદાન,
    પ્રભુજી, એનું રહેજો અમને ધ્યાન,
    એવું દે વરદાન! એવું દે વરદાન!

    (પ્રાર્થનાનો અનુવાદ-  યોસેફ મેકવાન)

    —સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)

    ..ગુજરાત ટાઈમ્સ-ફાધર વર્ગીસ પોલનો લેખ.
    રમેશ પટેલના આભાર સાથે આનંદપૂર્વક