-
ગુલઝારનું લખેલું પ્રથમ ગીત કયું?
હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ …. મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.
આ પુસ્તકમાંની યાદો બહુ બધાં લોકોને પોતાની અંગ્ત યાદો જેવી લાગી છે. શ્રી બીરેનભાઈ કોઠારીએ અંગતપણાના ભાવને વધારે નક્કર શબ્દદેહ આપ્યો. જરૂર જણાઈ ત્યાં પૂરક માહિતીઓ કે ટિપ્પ્ણીઓ ઉમેરીને એ પુસ્તકનાં કેટલાંક પ્રકરણોના તેઓએ મુક્તાનુવાદ કર્યા.
વેબ ગુર્જરીના વાચકો સાથે એ મુક્તાનુવાદોની લ્હાણ વહેંચવા માટે બીરેનભાઈએ પોતાની એ તાસકને ખુલ્લી મુકી દીધી છે.
તેમનો હાર્દિક આભાર માનીને આપણે પણ ગુલઝારની યાદોને મમળાવીએ.
બીરેન કોઠારી
સામાન્ય રીતે ગીતકાર ગુલઝાર પોતાના ઈન્ટરવ્યૂમાં પોતે લખેલા સૌ પ્રથમ ગીત તરીકે ‘બંદિની’ના ‘મોરા ગોરા અંગ લઈ લે’ને ગણાવે છે. અલબત્ત, તેમણે આ અગાઉ પણ ફિલ્મોમાં ગીતો લખેલાં છે. ક્યાંક એમ પણ વાંચવામાં આવેલું કે અગાઉનાં ગીતોમાં પોતે માત્ર કોઈકના લખેલા ગીતને ‘સરખાં’ કરવાનું જ કામ કર્યું હોવાનું તેમણે કહેલું. વાસ્તવિકતા જે હોય એ, એ હકીકત છે કે ‘બંદિની’ પહેલાં ગુલઝારનું નામ ફિલ્મના પડદે ગીતકાર તરીકે આવી ચૂક્યું હતું. એ ગીતો આ રહ્યાં.
૧૯૬૦માં રજૂઆત પામેલી ‘કે પિક્ચર્સ’ નિર્મિત, પ્રદીપ નય્યર નિર્દેશીત ‘ચોરોં કી બારાત’નાં કુલ છ ગીતો અલગ અલગ ગીતકારોએ લખેલાં, જેમાંનું એક ગીત ‘જાને ઔર અન્જાને આજ કહીં દીવાને ઘૂમને નિકલે’ ગુલઝારનું હતું. ગાયક સુમન કલ્યાનપુર અને મહેન્દ્ર કપૂર. ફિલ્મમાં તેમનું નામ ‘ગુલઝાર દીનવી’ તરીકે હતું. સૌ જાણે છે એમ તેમનું તખલ્લુસ આ જ હતું, જે પછી ટૂંકાઈને ‘ગુલઝાર’ બન્યું. (મૂળ નામ સંપૂર્ણસિંઘ કાલરા). સંગીતકાર મનોહર (ખન્ના). એ જ વરસે રજૂઆત પામેલી ‘ભગવતી પ્રોડક્શન્સ’ની, પ્રદીપ નય્યર નિર્દેશીત ‘દિલેર હસીના’નાં કુલ છ ગીતોમાંના ત્રણ ગીતો – ‘ઓ ઓ ઓ મનચલી‘, ‘ચટકો ના મટકો ના‘ અને ‘ચાંદની રાત જિયરા ડોલે’ ગુલઝારે લખેલાં. પહેલાં બે ગીતો મહેન્દ્ર કપૂરે ગાયેલાં, અને ત્રીજું ગીત મહેન્દ્ર કપૂર- સુમન કલ્યાણપુર તેમજ સાથીઓએ. ફિલ્મમાં નામ ‘ગુલઝાર દીનવી’. સંગીતકાર ઈકબાલ. એ જ વરસે રજૂઆત પામેલી ‘રૂપકલા પિક્ચર્સ’ની, એસ.એમ.અબ્બાસ નિર્દેશીત ‘શ્રીમાન સત્યવાદી’નાં સાત ગીતો પૈકીનાં ચાર ગીતો ગુલઝારે, બે હસરત જયપુરીએ, અને એક ગુલશન બાવરાએ લખેલાં. ગુલઝારનાં ગીતો- ‘ઋત અલબેલી, મસ્ત સમા‘ (મુકેશ), ‘ઈક બાત કહૂં વલ્લાહ‘ (મુકેશ, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર અને સાથી), ‘ભીગી અદાઓં મેં તેરી અદાઓં મેં‘ (મન્નાડે, સુમન કલ્યાણપુર) અને ‘ક્યૂં ઉડા જાતા હૈ આંચલ‘ (સુમન કલ્યાણપુર). સંગીતકાર હતા દત્તારામ. આ ગીતો ખાસ જાણીતાં નથી, પણ સંખ્યામાં જોઈએ તો ત્રણ ફિલ્મોનાં આઠેક ગીતો થાય છે. આમ, ફિલ્મો માટે દસેક ગીતો લખ્યાં પછી ‘મોરા ગોરા અંગ લઈ લે’ લખાયું. એ શક્યતા ખરી કે ‘કાબુલીવાલા’ કે ‘પ્રેમપત્ર’ કરતાં કદાચ ‘બંદિની’નું ગીત લખાયું પહેલું હોય, અને ફિલ્મ મોડી રજૂ થવા પામી હોય. પણ આ ત્રણ ફિલ્મો બાબતે એ શક્ય નથી લાગતું.‘બંદિની’ની રજૂઆત ૧૯૬૩માં થઈ. એ અગાઉ ૧૯૬૧માં રજૂઆત પામેલી ‘બિમલ રોય પ્રોડક્શન્સ’ની, હેમેન ગુપ્તા નિર્દેશીત ‘કાબુલીવાલા’નું ‘ગંગા આયે કહાં સે‘ ગીત એમણે લખેલું, જેને સલીલ ચૌધરીએ સંગીતબદ્ધ કરેલું. ‘કાબુલીવાલા’નાં બાકીનાં ત્રણ ગીતો પ્રેમ ધવને લખેલાં. અલબત્ત, આની ધૂન એ સમયે રજૂ થયેલી, રાજન તરફદાર નિર્દેશીત બંગાળી ફિલ્મ ‘ગંગા’ના ગીત ‘આમાય દુબાઈલી રે‘ની ધૂન હતી, જે મન્નાડેએ ગાયું હતું. આ ધૂન પણ સલીલદાની જ હતી. એ પછી ૧૯૬૨માં રજૂઆત પામેલી, ‘બિમલ રોય પ્રોડક્શન્સ’ની, બિમલ રોય નિર્દેશીત ફિલ્મ ‘પ્રેમપત્ર’ ૧૯૬૨માં રજૂઆત પામી. એના પાંચ ગીતોમાંથી ચાર રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં, અને એક ગીત ‘સાવન કી રાતોં મેં ઐસા ભી હોતા હૈ‘ ગુલઝારે લખેલું, જેના ગાયક હતા લતા અને તલત મહમૂદ. સંગીતકાર સલીલ ચૌધરી. ‘બંદિની’ની રજૂઆત ૧૯૬૩માં થઈ હતી.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ડો. આંબેડકરની પ્રતિભા રસમી ને રાજકારણી ઉજવણાંની મોહતાજ નથી
તવારીખની તેજછાયા

ગોપાલ ગુરુ કહે છે કે આંબેડકર અને ગાંધી સામસામે હશે ત્યારે પણ સાથે નહોતા એવું નથી: આંબેડકરને જે પમાયું હતું તે ઘણા કર્મશીલોને ગાંધી બાબત પકડાતું નથી.પ્રકાશ ન. શાહ
છ ઠ્ઠી ડિસેમ્બર આવી અને ગઈ: ડો. આંબેડકરે ૧૯૫૬માં એ દિવસે અંતિમ શ્વાસ લીધા હતા એટલે સ્વાભાવિક જ બૌદ્ધ કે નવબૌદ્ધ પરપંરામાં મહાપરિનિર્વાણ દિવસ તરીકે એનો મહિમા છે. મુંબઈમાં ચૈત્યભૂમિ પર હકડેઠઠ ઉભરાતું લોક, ખાસ કરીને દલિતો, ઉત્તરોત્તર વધતી આંબેડકરી અપીલની એક દ્યોતક બીના છે એમ પણ તમે કહી શકો. બધા જ ફિરકાના રાજકીય પક્ષો પણ આદર ઉપચાર બખૂબી નિભાવે છે.

મુદ્દો એ છે કે ઉત્તરોત્તર વધતી આ સ્વીકૃતિની પ્રક્રિયામાં આંબેડકરને બે ઓળખ સતત વળગતી રહી છે. એમને બંધારણના ઘડવૈયા કહેવાય છે અને દલિત મસીહા તરીકેય એમનો પાટલો મંડાય છે. નહીં કે આ બે ઓળખ ખોટી છે; પણ તે અધૂરી છે અને પૂરી નથી એ આ વરસોમાં કદાચ આપણે પાધરું સમજ્યા નથી. બંધારણના ઘડવૈયા એ હતા, જરૂર હતા. એમણે ક્યારેક અકળાઈને પોતાને જાણે કે બીજાએ લખાવ્યું લખવું પડ્યું હોય એવીયે ફરિયાદ અલબત્ત કરેલી છે. પણ મુદ્દાની વાત એ છે કે સહિયારી ચર્ચા-વિચારણા પછી સમાનતા, સ્વતંત્રતા, બંધુતા ભણી ઝૂકતી એકંદરમતીની એ ખોજ હતી અને આ એકંદરમતીને અક્ષરરૂપ આપવાની તેમ તેના આત્માની કાળજી લેવાની જવાબદારી બેનીગલ નરસિંહરાવ વગેરેના સહયોગથી મુસદ્દા સમિતિએ આંબેડકરના નેતૃત્વમાં પાર પાડી હતી. ગાંધીજીના સૂચનનો મર્મ અને માયનો પકડીને નેહરુ-પટેલે આંબેડકરને નિમંત્ર્યા અને લાંબા વિરોધ ઈતિહાસને ઓળાંડી જઈ કેબિનેટમાં સાથે રાખ્યા તેની પૃષ્ઠભૂ એમની પ્રકાંડ કાનૂની સજ્જતા માત્ર નહોતી.
ચવદાર તળાવની ઘટના હોય કે કાલારામ મંદિરની, આંબેડકરે ચળવળનો દોર ચાલુ રાખ્યો હતો. પરિવર્તનની પ્રક્રિયામાં કાનૂનની ભૂમિકા જરૂર છે, પણ કાનૂનની પૂંઠે બંધારણીય રીતે સરકારી સેન્ક્શન હોય તે બધો વખત પૂરતું નથી. આંદોલન અને જાગૃતિ હોવાં જરૂરી છે. આંબેડકરે સાતત્યપૂર્વક એ દોર ચાલુ રાખ્યો હતો તે આપણે બધો વખત યાદ રાખતા નથી. ગાંધી-આંબેડકર ચર્ચાને આપણે પુણે કરાર પૂરતી ગોઠવીને અટકી જઈએ છીએ. ગાંધીએ કેમ જાણે દલિત મતાધિકાર ઓળવી લીધો કે પછી સંયુક્ત મતદાર મંડળને ધોરણે વધુ અનામત બેઠકો આપી એવી વાત ચાલ્યા જ કરે છે. જે પકડાતું નથી તે એ છે કે આવી સમજૂતીઓ અને એનું કાનૂની (બંધારણીય) સ્વરૂપ લોક ચળવળ વિના ઊણાં અલૂણાં રહે છે. સાતેક વરસ પર ઈપીડબ્લ્યુના વર્તમાન તંત્રી ગોપાલ ગુરુએ સાબરમતી વ્યાખ્યાનમાં સરસ વાત કરી હતી કે ગાંધી-આંબેડકર સંવાદ અને વિવાદને બેઠક સંખ્યા જેવા મુદ્દે સીમિત નહીં કરતા એમણે લીધેલ ને લેવા ધારેલ આંદોલનના રાહની રીતે નવેસર જોવાની જરૂર છે. લોક આંદોલન અને સુધાર ચળવળ પરનો ગાંધીનો ભાર કેટલો સાચો હતો તે આપણે ‘બીજા સ્વરાજ’ પછી તરતના દસકામાં ગુજરાતમાં ચાલેલ અનામત વિરોધી ઉત્પાતમાં જોયું છે. જેમણે રાજકીય રીતે ન્યાય ને સ્વાતંત્ર્યની લડત લડી, નવનિર્માણ-જેપી આંદોલનના દિવસોમાં ગુજરાતમાં, એ સૌ વ્યક્તિગત અર્થમાં નહીં પણ ફિનોમિનન તરીકે સ્વરાજના વિસ્તરણ રૂપ અનામત વિરોધી ઉદ્રેકમાં જાણે જોડાઈ ન ગયા હોય! નવનિર્માણ-જેપી નેતૃત્વ અલબત્ત અનામતને સ્વીકારતું સમજતું હતું, પણ તરુણોનાં ધાડિયે ધાડિયાં….
એ જ રીતે, તમને એમ પણ જોવા મળશે કે હિંસ્ર ઉત્પાતના એ દોરમાં કોંગ્રેસ ને ભાજપ બેઉની બીજી ત્રીજી હરોળો ઓછીવત્તી સંડોવાયેલી હશે. ગાંધી છેડેથી કે આંબેડકર છેડેથી જે પણ કોશિશ ને કામગીરી થઈ એમાંથી ખરું જોતાં એક દલિતની પૂરા કદના નાગરિક તરીકેની પ્રતિષ્ઠા થવી જોઈતી હતી. હિંદુત્વ ચળવળે માનો કે સીમિત અર્થમાં પણ દલિતને તે ‘હિંદુ’ હોવાનો દરજ્જો આપી સુખાભાસ કરાવ્યો હશે પણ સવર્ણ હિંદુ માનસનું શું. ગુજરાતના અનામત વિરોધી આંદોલન વખતે નાગપુરમાં સંઘની કાર્યકારિણીમાં જ્યારે અનામતના સમર્થનની વાત આવી ત્યારે ગુજરાતના પ્રતિનિધિઓએ ‘આપણા ગુજરાતના મિત્રોને માઠું લાગશે’ની તરજ પર વાત કરી હતી. અલબત્ત, તે વખતના સરસંઘચાલક દેવરસે અનામત તરફી મક્કમ વલણ દાખવી ઠરાવ પસાર કરાવ્યો હતો. અહીં મુદ્દો માત્ર એટલો જ છે કે સવર્ણ માનસ દલિત-સમાવેશી અર્થમાં ‘હિંદુ’ બને તે ચાર દાયકા પછી પણ અઘરું હતું. વાયકોમ સત્યાગ્રહના શતાબ્દી વર્ષમાં આપણને યાદ હોવું જોઈએ કે કોંગ્રેસમેન પેરિયારને આ લડત મોળી લાગી એથી એ છૂટા પડ્યા હતા. પછીનાં વરસોમાં પેરિયારની પ્રતિભા ઊંચકાતી ગઈ તો બીજી બાજુ કોઈક તબક્કે એમને પક્ષે ગાંધીની કદરબૂજ પણ વધતી ગઈ. એમણે ગાંધીહત્યા વખતે આપેલી અંજલિમાં તે શતધા જોવા મળે છે.
આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કરતી વખતે ગાંધીજીને ભાવથી સંભાર્યા હતા, એ ગોપાલ ગુરુએ સાબરમતી વ્યાખ્યાનમાં ખાસ સંભાર્યું છે. એટલે બે સામસામે હોય ત્યારે પણ સાથે નહોતા એવું નથી. છઠ્ઠી ડિસેમ્બરના રસમી ને રાજકારણી ઉજવણાં વચ્ચે ક્યાંક તો એ પ્રકારની ચર્ચા ચાલવી જોઈએ જેનો સૂત્રપાત ગોપાલ ગુરુએ કર્યો છે. એમણે સરસ કહ્યું કે આંબેડકરને ગાંધીનો એ ગુણ વસ્યો હતો કે બીજા ઉજળિયાત નેતાઓ જ્ઞાતિપ્રથા ને અસ્પૃશ્યતાવાળી વ્યવસ્થાનો પોતે પણ ભાગ છે એવું સ્વીકારતા નથી પણ ગાંધી આ સ્વીકારે છે અને એને લાંઘી જઈ ‘હરિજન’ બનવા ચાહે છે. એ રીતે આ પ્રશ્ન પરત્વે ‘સત્ય’ને વરેલા અને ઊંચી નૈતિક ભૂમિકાએ જણાય છે. આ સંદર્ભમાં ગોપાલ ગુરુનું એક અવલોકન એ હતું કે આંબેડકરને જે પમાયું હતું તે ઘણા કર્મશીલોને ગાંધી બાબત પકડાતું નથી. છઠ્ઠી ડિસેમ્બરને વળતે અઠવાડિયે આ થોડાંએક સ્મૃતિ-સ્પંદન!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૩ – ૧૨ – ૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
સસ્તું
મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
મહાન હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેએ, દર્શક સર્વનામ, જીભ, છત્રી, ટાલ, યાદશક્તિ, અશક્તિ એમ વિવિધ અને કાંઈક જરાક હટકે લાગે એવા વિષયો પર નિબંધો લખ્યા છે. પ્રશ્નાર્થ ચિહ્ન ઉપરના લેખમાં તો તેમણે શીર્ષક ‘?’ આ રીતે માત્ર ચિહ્ન મૂકીને આપ્યું છે. કોઈ પણ વિષય બાકી ન રાખવાનો નિર્ધાર કરેલો હોવાછતાં આ મહાન હાસ્ય લેખકે ‘મફત” પર તો લખ્યું પરંતુ આ મફતની જ નાતનાં એવા ‘સસ્તું’ પર લખવાનું તેમણે પોતાના કોઈ ઉત્તરાધિકારી માટે બાકી રાખ્યું હશે. મારા પોતીકા અભિપ્રાય મુજબ મારા સિવાય જ્યોતિન્દ્ર દવેનો ઉત્તરાધિકારી બીજો કયો હાસ્યલેખક હોઈ શકે? આમ વારસામાં આવી પડેલી જવાબદારી નિભાવવાના હેતુથી મેં ‘સસ્તું” પર લેખ લખવાનો નિર્ણય કર્યો.
‘સસ્તું” કોને કહેવાય તે ચોક્કસ કહી શકાય તેમ નથી. પરંતુ સામાન્ય રીતે બજારભાવ કરતા ઓછી કિંમતે મળતી ચીજવસ્તુને આપણે સસ્તી કહીએ છીએ. મફત અને સસ્તું એ બન્ને વચ્ચે ભલે આપણને તફવત દેખાતો હોય, પરંતુ વિજ્ઞાન અને ખાસ કરીને રસાયણ વિજ્ઞાનની દૃષ્ટિએ બન્ને એક જ છે. આ સત્ય ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરું છુ. પાણી અને બરફનો બાહ્ય દેખાવ ભલે અલગ લાગતો હોય, પરંતુ બન્ને હાઇડ્રોજનના બે અને ઓક્સિજનના એક પરમાણુ વડે જોડાયેલા એવા એક જ સંયોજનનાં પણ દેખાવે જુદા જુદા સ્વરૂપો છે. પાણીનું ઉષ્ણતામાન ઘટાડીને શૂન્ય અંશ સેન્ટીગ્રેડ કરવામાં આવે તો તે પ્રવાહી મટીને ઘન એવા બરફનું સ્વરૂપ ધારણ કરે છે. તે જ રીતે કોઈપણ વસ્તુનું મૂલ્ય બજાર કરતા સતત ઘટાડતા જવાથી જ્યારે તે શૂન્ય બની જાય ત્યારે તે ‘મફત’ એવું નામ ધારણ કરે છે.
આમછતાં મફત અને સસ્તામાં તફાવત તો છે જ. મફત લેવામાં એક પ્રકારે દૈન્યનો ભાવ અનુભવાય છે. કોઈ આપણને ચીજવસ્તુ મફત આપે ત્યારે જાણે ભીખ લેતા હોઈએ તેવી લાગણી થાય છે. જ્યારે સસ્તું લેવામાં પુરુષાર્થની જરૂર પડે છે. વેપારી સાથે ભાવતાલ કરીને સસ્તું લેવામાં ખાસ્સી લમણાઝીંક કરવી પડે છે. વેપારી અને ગ્રાહક બન્નેની દલીલ કરવાની ક્ષમતા અને ધીરજની કસોટી થાય છે.આ ઉપરાંત બેઉએ પોતાનાં અભિનયકૌશલ્યને પણ કામે લગાડવાં પડે છે. વેચનાર જાણે પોતાને વેચવામાં રસ ન હોય તેવો અભિનય કરે છે. અને ખરીદનાર તો દસવીસ ડગલા આગળ ચાલી જઈને પોતાને ખરીદવામાં રસ નથી તેવું દર્શાવવાનો અભિનય કરી જાણે છે. થોડી સેકન્ડો માટે લાગે છે કે વાટાઘાટો પડી ભાંગી છે. છેવટે વેપારી ગ્રાહકને પરત બોલાવે છે અને “ છેલ્લે કેટલા આપવા છે?” એમ પૂછીને ભવતાલ કરવાનો દરવાજો ફરીથી ખોલી આપે છે. આ રીતે વાટાઘાટનો દોર પુન: ચાલું થાય છે અને કોઇ ચોક્કસ કિંમતે સોદો પતે છે. પછી કોઈ મોટો જંગ જીત્યા હોય તેમ માનીને વસ્તુ ખરીદનાર વિજયી મુદ્રામાં પોતાના રસ્તે આગળ વધતા હોય છે.
જો કે દરેકની ચિત્તવૃત્તિને આ પ્રકારે પુરુષાર્થ કરવાનું માફક આવતું નથી. જેમ કવિઓ જન્મે છે તેમ હંમેશા સસ્તું જ ખરીદવું’ તેવી મનોસ્થિતિ લઈને કેટલાક લોકો જન્મતા હોય છે. કવિ જેમ ધનની આશાએ કવિતા કરતા નથી તેમ ‘સસ્તા’ ના ચાહકોનો હેતું પૈસા બચાવવા જ હોય એ જરૂરી નથી. સસ્તું ખરીદવું એ તેમને મન કલા ખાતર કલા જેવી વાત હોય છે. આથી જ તેઓ અન્ય લોકોને પણ સસ્તું અપાવવા માટે આતુર હોય છે.
એક વખત હું એક લારી પાસેથી કેળા ખરીદતો હતો. વેચનારે 20 રૂપિયે ડઝન કહ્યા એટલે મેં અડધો ડઝન કેળાના પૈસા માટે ખિસ્સામાં હાથ નાખ્યો કે તરત જ પાછળ ઊભેલા મારા એક મિત્રે મારો હાથ જોરથી ખેંચ્યો. પહેલા તો મને લાગ્યું કે મિત્ર મને કોઈ વાહનની અડફેટે આવતા બચાવી રહ્યા છે. પરંતુ પછીથી તો તેમણે જાણે આદેશ આપતા હોય તેમ કહ્યું “આગળ ચાલો આગળ, આટલા મોંઘા કેળા ન લેવાય.” તેઓ મને લગભગ એક કિલોમીટર દૂર આવેલી બીજી એક લારી સુધી દોરી ગયા. ત્યાં કેળાનો ભાવ તો એ જ હતો પરંતુ મિત્રે લારીવાળા સાથે પંદર મિનિટ સુધી રકઝક કરીને મને નવ રૂપિયે અર્ધો ડઝન કેળા અપાવ્યા.અર્થશાસ્ત્રીઓ ભલે માને કે આ કેળા મને નવ રૂપિયા, એક કિલોમીટર અને પંદર મિનિટમાં પડ્યા, પરંતુ મિત્રે તો મને સસ્તું અપાવ્યાનો હરખ જ અનુભવ્યો.
બીજા એક સ્નેહી જ્યારે પણ હું કોઈ વસ્તુ ખરીદીને આવું છું ત્યારે “કેટલામાં લાવ્યા?” એવું પૂછવાનું કદી ચૂકતા નથી. તેમના સવાલનો હું જવાબ આપું પછી “ખૂબ વધારે આપી આવ્યા” એમ જણાવીને હું પોતે ચીજવસ્તુ ખરીદવાની બાબતે ભોટ છું એમ પણ આડકતરી રીતે કહી દે છે. આ રીતે વારેવારે મને ભોટપણાની લાગણી ન થાય તે માટે જ્યારે પણ હું કશીક ખરીદીને લાવું છું ત્યારે એ મિત્ર મને સામા ન મળે તેવી ઇચ્છું છું. કદાચ મળી જાય તો “ખરીદીને નથી લાવ્યો પણ સાથેની વસ્તુ બીજાને પહોંચાડવાની છે” એમ ખોટું બોલું છું.
સસ્તું અને સારું બન્ને ગુણવાચક વિશેષણ હોવા છતાં બન્નેના અર્થો તો જુદા જ છે. પરંતુ બહુ મોટો સમૂહ એવો છે કે જે સસ્તું અને સારું એ બેઉમાં ભેદ નથી કરતો. એક ગામમાં એક વ્યક્તિએ બહોળી આવક થઈ શકે એવાં મંદિરને બદલે નિશાળનું મકાન બનાવવા વિચાર્યું. જરૂરી ફંડ ઊભુ કર્યા પછી તેમણે બાંધકામ માટે સારી વસ્તુઓ જ વાપરવી એવો નિર્ણય કર્યો. આ માટે તેમણે સામાન ક્યાંથી ખરીદવો એ જાણવા ગામના કેટલાક લોકોનો અભિપ્રાય માગ્યો. જવાબમાં મોટાભાગના લોકોએ ઈંટ, રેતી ,કપચી કે લોખંડ ક્યાંથી સારાં મળશે એમ જણાવવાને બદલે સસ્તાં ક્યાંથી મળશે તેવી માહિતી જ આપી. પેલા ભાઇએ સ્પષ્ટતા પણ કરી, “ભાઈઓ હું સસ્તો નહિ પણ સારો માલસામાન વાપરવા ઇચ્છું છું” પરંતુ પેલા નિષ્ણાતોને તેનાથી કાંઈ ફરક ન પડ્યો.
માત્ર ખરીદીની બાબતે જ નહિ, મજૂર કે કારીગરો પાસે પણ સસ્તામાં કામ કરાવવા લોકો ઇચ્છે છે. આ બાબતે પેલા નિષ્ણાતોની આગવી પદ્ધતિ હોય છે. સૌ પ્રથમ તો તેઓ મજૂર, સુથાર, કડિયા કે ઘર રંગનારા સાથે બને તેટલા ઓછા ભાવે કામ કરાવવાનું નક્કી કરે છે. પરંતુ કામ પુરું થયા પછી કશીક ને કશીક તેમાં ખામી કાઢીને પેલા માણસને અપરાધભાવ કરાવે છે. તેના આ અપરાધભાવનું શમન નક્કી કર્યા કરતાં પણ ઓછા દામ ચૂકવીને કરે છે.
સસ્તું મળવાથી ભલે આપણે ખુશ થતા હોઈએ પરંતુ વેપારી તો સસ્તા દામ લઈને તોલ કે ગુણવતા ઓછા કરીને વળતર મેળવી લેતા હોય છે. એક નિખાલસ વેપારીએ કહ્યાનું યાદ આવે છે. તેમના કહ્યા મુજબ વેપારીઓ છરી છે અને ગ્રાહકો તરબૂચ છે. છરી પર તરબૂચ પડે કે તરબૂચ પર છરી પડે, કપાવાનું તો તરબૂચને જ છે!
બજારમાં મળતી ચીજવસ્તુઓના સસ્તા હોવાને તેની કિંમત સાથે સબંધ છે. શક્ય છે કે આ ચીજવસ્તુઓ સસ્તી હોવાછતાં તેને ગુણવતા ઉંચી હોય.પરંતુ સાહિત્ય કે કલા જેવી મનોરંજનની બાબતો તેની હલકી ગુણવતાને કારણે જ સસ્તા (અંગ્રેjજીમાં જેને cheap કહેવાય છે)ગણાય છે. આપણે જરૂરી વસ્તુઓ સસ્તી ખરીદવાનો આગ્રહ રાખીએ તેમાં ખાસ નુકશાન નથી, પરંતુ સસ્તા મનોરંજનો તો આપણા અનરવા માનસ અને રૂચિના જ નિદાન છે. છેવટે સસ્તુ લેવાની વૃતિ એ માનવ જાતે ઊભા કરેલા બજારની જ નીપજ છે અને જ્યાં સુધી બજાર છે ત્યાં સુધી તે રહેવાના જ છે, ઇતિ મે મતિ.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
માંડી વાળેલ
આશા વીરેન્દ્ર
ધડધડ ધડધડ કરતી સુપર ફાસ્ટ ટ્રેન દિલ્હી તરફ ભાગી રહી હતી.પૂનમબેન અને બકુલભાઈએ વર્ષોથી ચારધામની જાત્રા કરવાની ઈચ્છા મનમાં ને મનમાં ધરબી રાખી હતી.કેટલીય વાર જવાનું વિચાર્યું પણ દર વખતે કંઈ ને કંઈ વિઘ્ન આવીને ઊભું જ હોય. કોઈની માંદગી તો કોઈનું મરણ,ધંધામાં મંદી ને પૈસાની તંગી આવા કોઈને કોઈ કારણસર જાત્રાએ જવાનું પાછું ઠેલાયા કરતું હતું.એ તો સારું થયું કે આ વખતે શિવમ અને શિવાની-મોટા દીકરા, વહુએ મક્કમ થઈને કહી દીધું હતું,
‘અહીંનું જે થવાનું હશે એ અમે સંભાળી લઈશું.કંઈ પણ ચિંતા કે મન પર બોજ રાખ્યા વિના તમે બસ, નીકાળી જ જાવ.’
શિવમે તો વળી હસતાં હસતાં કહ્યું હતું,
‘પપ્પા, તમે ઘણી વાર કહો છો ને કે, તરસ લાગી હોય તો ઘોડાએ નદી પાસે જવું પડે, નદી કંઈ ચાલીને ઘોડા પાસે નથી આવવાની.એમ જ પ્રભુના દર્શન કરવા હોય તો જવું તો તમારે જ પડશે ને?ભગવાન પર્વત પરથી ઊતરીને તમારી પાસે નથી આવવાના.તૈયારી કરવા જ માંડો, હું ટિકિટ બુક કરાવી દઉં છું.’
સારામાં સારા ટૂર ઓર્ગેનાઈઝરની ખૂબ સુવિધાભરી ટૂરની ટિકિટ એ લઈ આવ્યો હતો.કેટલાય દિવસોથી શિવાની પણ તૈયારી કરવામાં મચી પડી હતી.નાનામાં નાની ચીજ- વસ્તુઓની એણે બનાવેલી યાદી જોઈને બકુલભાઈ હસી પડ્યા હતા,
‘શિવાની, આમ આખું ઘર જ સાથે લઈને જવાનું હોય તો એના કરતાં ઘરમાં બેઠેલાં શું ખોટાં હતાં?તેં તો તેલ ને શેમ્પૂથી માંડીને સોય- .દોરા ને બટન જેવી વસ્તુ પણ યાદીમાં લખી છે!’
‘બહાર નીકળીએ ત્યારે બધી વસ્તુ સાથે રખેલી સારી.ઓચિંતી જરુર પડે ને એ ચીજ આપણી પાસે ન હોય તો અજાણી જગ્યામાં ક્યાં લેવા નીકળીએ?એના કરતાં થોડો સામાન ભલે વધારે થાય.તમારે કયાં ઉંચકવાનું છે?ટૂરવાળા જ બધી વ્યવસ્થા કરશે.’
‘હા, બધાં તમારી જેમ સીનિયર સીટિઝન જ છે એટલે એ લોકો બહુ સંભાળ રાખે.તમે જરા ય ટેંશન નહીં રાખતાં.’
નાનાં બાળકને પહેલી વાર એકલું ઘરની બહાર મોકલતાં હોય એમ શિવમ અને શિવાનીએ ખાવા –પીવા અને પહેરવા- ઓઢવાથી માંડીને મમ્મી- પપ્પાની દવાઅને બૂટ –ચંપલ સુધીની વ્યવસ્થા હોંશભેર કરી હતી.મુંબઈથી દિલ્હી સુધી સૌ યાત્રીઓએ પોતાની રીતે પહોંચવાનું હતું અને ત્યાંથી ટૂરમાં જોડાવાનું હતું.
કેટલાંય વર્ષો પછી હુતો-હુતી એકલાં આમ ફરવા નીકળ્યાં હતાં એનો આનંદ પૂનમબેન્નના ચહેરા પર પૂનમના ચાંદના પ્રકાશની જેમ પથરાયો હતો.
‘આપણે ઘરમાંથી નીકળ્યાં ત્યારે વિશ્વા અને વત્સલ બેય કેવાં ઢીલાં થઈ ગયાં હતાં નહીં?કોઈ દિવસ આપણાંથી છૂટાં નથી પડ્યાંને,એટલે એમને ગમવાનું નથી જોજોને!’ બંને પગ બર્થ પર લઈ પલાંઠી વાળીને નિરાંતે બેસતાં એમણે કહ્યું.
‘હં…’ બકુલભાઈએ ધીમો હોંકારો પૂર્યો.
‘શિવમ તો બરાબર કે આપણું લોહી એટલે કરે પણ શિવાની પારકી જણી હોવા છતાં આટલી લાગણી અને પ્રેમ રાખે તે આપણે કેટલાં પુણ્ય કર્યાં હશે, નહીં?’
‘હં…’
‘શું ક્યારના હં હં કર્યા કરો છો?કોઈને કોઈ બહાને તમારી સાથે વાત કરવાનો, તમને બોલાવવાનો પ્રયત્ન કર્યા કરું છું પણ તમે તો બહાર નીકળીનેય ચિંતાનું પોટલું માથે લઈને જ ફરો છો.મનમાં શું ભર્યું છે, કંઈ બોલો તો સમજાય.’
જોશભેર કહેવા જતાં પૂનમબેનનો અવાજ ધીમો પડતાં પડતાં સાવ મંદ પડી ગયો.એ પોતેય ક્યાં નહોતા જાણતાં કે,બકુલભાઈની ઉદાસીનું કારણ શું છે?ભલે કહેવાતું હોય કે જોડો ક્યાં ડંખે છે એ તો પહેરનારને જ સમજાય પણ એમના કિસ્સામાંતો એવું હતું કે બેઉએ એક એક પગમાં એક એક જોડો પહેર્યો હતો એટલે બેઉને ખબર હતી કે એ ક્યાં અને કેટલો ડંખે છે?આ ડંખનાર હતો નાનો દીકરો રુચિર.દેખાવડો, ચબરાક,હોશિયાર રુચિર.ભણવામાંય એટલી તેજસ્વી કારકિર્દી કે મા-બાપે તો માની જ લીધેલું કે, દીકરો ભણી- ગણીને મોટો સર્જન થશે ને સૌ આપણને રુચિરનાં મમ્મી- પપ્પા તરીકે ઓળખશે પણ તે દિવસ એમનાં જીવનમાં ઝંઝાવાત લઈને આવ્યો જ્યારે એકાએક એણે જાહેરાત કરી હતી,
‘મારે આ લાઈનમાં આગળ નથી ભણવું.’
‘એટલે?આ લાઈનમાં નહીં તો બીજી કઈ લાઈનમાં?તું તો મોટો ડૉક્ટર થવા જ સર્જાયો છે.થાક્યો કે કંટાળ્યો હોય તો નાનકડો બ્રેક લઈ લે.’ બકુલભાઈએ હળવાશથી કહ્યું હતું.
‘ના, મારે આ બધું છોડીને ફિલ્મ મેકીંગમાં જવું છે.ભલે મોડો તો મોડો પણ મને ખ્યાલ આવ્યો છે કે, મારા રસનો વિષય કયો છે?”
પૂનમબેનનાં આંસુ, બકુલભાઈનો આક્રોશ કે શિવમની સમજાવટ-કશુંય કામ નહોતું લાગ્યું.ફિલ્મ મેકીંગના કોર્સ માટે એડમીશન લીધા પછી ધીમે ધીમે એ બધાથી અતડો થતો ગયો.જો કે, પૂનમબેનનું-એક માનું હૈયું બરાબર સમજતું હતું કે એને દૂર કરતો જવામાં એ સૌ હિસ્સેદાર છે.સૌનું એની સાથે ખપ પૂરતું બોલવું,એણે બહુ મોટી ભૂલ કરી છે અને બધાંનાં હૈયાં દુ:ભવ્યાં છે એવો વગર બોલ્યેય અનુભવ કરાવ્યા કરવો,એને વહેલું- મોડું થાય તો એનાં ખાવા-પીવાની ચિંતા કર્યા વિના રસોડું ચોખ્ખું કરીને સૂઈ જવું -આ બધું જાણે એની સામે રચાયેલો ત્રાગડો હતો.શિવાનીને નાના દિયરિયા માટે ખૂબ લાગણી હતી..ઘરમાં જે મૂંગો અસહકાર ચાલી રહ્યો હતો એનાથી એ ખૂબ અકળાતી,
“મમ્મી, રૂચિર એનું ભલું-બુરૂં બરાબર સમજી શકે છે.પોતાની પસંદનું કામ કરવું એ શું ગુનો છે?એ થાક્યો પાક્યો આવીને ભૂખ્યો સૂઈ જાય ને આપણે કોઈ એને પૂછીયે પણ નહીં કે, તેં કંઈ ખાધું છે કે નહીં?મારાથી આ બધું સહન નથી થતું મમ્મી, તમે પપ્પાને સમજાવો.”
‘વિશ્વા અને વત્સલ ન સમજતાં હોય તો એમને સમજાવાય પણ જે બધું સમજતા હોય એને કઈ રીતે સમજાવું?’પૂનમબેન પાલવથી આંખો લૂછતાં કહેતાં,’શું કરું બેટા, લાચાર છું,બાકી પેટના જણ્યાની ચિંતાની હૈયાસગડી મને દિવસ રાત કેવી બાળ્યા કરે છે એ હું જ જાણું છું.’
બકુલભાઈએ તો રુચિરની હાજરીની,એના આવવા-જવાની નોંધ લેવાનું ય છોડી દીધું હતું.એક છત નીચે રહેતી બે અજાણી વ્યક્તિ જેવો બેઉ વચ્ચેનો વહેવાર આખા ઘર પર ઓથાર બનીને ઝળુંબતો હતો.દીકરાની સદંતર અવગણના કરતા હોવા છતાં એણે વાળ વધારવા માંડ્યા એ એમની નજર બહાર નહોતું રહ્યું.એ જે કંઈ કરે એ માટે પૂનમબેન જ જવાબદાર હોય એમ એમણે કહ્યું હતું,
‘આ શું વેશ કાઢ્યા છે તમારા રાજકુંવરે?કાનમાં બુટ્ટી,ચિત્ર વિચિત્ર કપડાં ને એ બધું ઓછું હોય એમ હવે છોકરીઓની જેમ પોની વાળવા માંડી છે.મને તો કોઈને કહેતાં ય શરમ આવે છે કે એ મારો દીકરો છે.’
પૂનમબેનની જીભ સુધી કંઈ કેટલીય વાતો આવી જતી,’આ ઉંમર છે એની, કરી લેવા દો ને શોખ પૂરા.હજી તો એ બાવડા પર ટેટૂ ચીતરાવવાનું ય કહેતો’તો. મેં કહ્યુંકે, તારે તો ઠીક છે,આખો દિ’ ઘરની બહાર રહેવાનું પણ તું ટેટૂ ચીતરાવશે તો સાંભળવાનું તો મારે જ આવશે.તારા પપ્પા તો મને જ કહેશે કે, મેં તને ફટવી મૂક્યો છે.ત્યારે વળી મારે ખાતર એ માની ગયો પણ હું તમને પૂછું કે, આપણાં લગ્ન વખતે તમે થોભિયા વધારેલા ને?(બળ્યું હું તો ભૂલી ગઈ,એને શું કહેતા?હા…સાઈડ લોગ્સ) એ થોભિયા બાપુજીને જરાય નહોતા ગમતા.કહેતા કે, આ વળી કઈ જાતની ફેશન?બે બાજુના થોભિયા વધારી વધારીને છેક દાઢી સુધી લઈ આવવાના ને વળી એવી કટ કરાવવાના હજામને બમણાં પૈસા આપવાના.ભુંડા લાગો છો ભુંડા.બાપુજી બોલતા રહેતા ને તમે તમારું ધાર્યું જ કરતા.હવે એ બધું ભૂલી ગયા?’
પણ આવા બધા સંવાદ એમનાં મનમાં જ ચાલતા,એક હરફેય બહાર ન નીકળતો.અત્યારે પૂરપાટ ભાગતી ટ્રેનના એ. સી. કોચની બર્થ પર પતિની પડખે
બેસી,એમના હાથ પર હાથ મૂકી, રીસાયેલા બાળકને સમજાવતા હોય એમ એમણે કહ્યું,
‘રુચિર તો છોકરું છે.પોતાનું ધારેલું,મનગમતું કરે એ કદાચ ન પણ ગમે પણ એમાં આપણાં જ ફરજંદ માટે આટલો બધો ગુસ્સો અને રોષ રાખવાના?’
‘મહેરબાની કરીને મને શિખામણ ન આપીશ.બહુ બચાવ કરી લીધો તેં એ માંડી વાળેલનો.’
‘આવા શબ્દો ન બોલો.એ માંડી વાળેલ નથી.હવે જે વાત કહું છું એ તમને ન કહેવાનું રુચિરે મારી પાસે વચન લીધું હતું પણ જિંદગીમાં પહેલી વખત આવી પવિત્ર જાત્રા કરવા જઈએ ત્યારે પણ તમે મનમાં રાગ-દ્વેષ ભરી રાખો એ મને મંજુર નથી એટલે વચનભંગ કરીનેય મારે તમને સાચી વાત કરવી છે.’
‘ઓહો, એવી તે તમારા કનૈયા કુંવરની શું વાત કરવાની છે?’
‘આપણને ચારધામની જાત્રાએ મોકલવાનો વિચાર રુચિરનો જ છે.જાત્રાનો બધો ખર્ચ પણ એ જ કરવાનો છે.આવું જાણો તો કદાચ તમે ના જ પાડી દો એટલે પડદા પાછળ રહીને એણે બધું શિવમ અને શિવાની પાસે કરાવ્યું.’
‘બાપ દીકરા વચ્ચે સમાધાન કરાવવા વાર્તા તો સારી ઘડી કાઢી છે પણ મને એ તો સમજાવ કે,આટલા પૈસા એણે કાઢ્યા ક્યાંથી?’
‘આ વાર્તા નથી,હકીકત છે.એ એટલો મહેનતુ છે અને પોતાનાં કામની એનામાં એટલી આવડત છે કે આજે દસ્તાવેજી ફિલ્મો બનાવવામાં એનાં નામની બોલબાલા છે.મારા ખોળામાં માથું મૂકીને રડતાં રડતાં એણે કહ્યું હતું કે,મારી ઈચ્છા કે શોખ પૂરાં કરવા જો મેં તમારાં સૌનું અને ખાસ તો પપ્પાનું મન દુ:ભાવવાનું પાપ કર્યું હોય તો એના પ્રાયશ્ચિત રૂપે મારા તરફથી આ યાત્રાનો સ્વીકાર કરો પણ મમ્મી,તું પપ્પાને આ વાત ન કરીશ.’બોલતાં બોલતાં પૂનમબેનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતાં.
ક્યારના આ બધી વાતો સ્તબ્ધ બનીને સાંભળી રહેલા બકુલભાઈએ ચૂપચાપ મોબાઈલ હાથમાં લઈ ટાઈપ કરવાનું શરુ કર્યું’,
‘આટલા વખતથી વાત નથી કરી એટલે આજે તારી સાથે કેવી રીતે અને શું વાત કરું એ સમજાયું નહીં એટલે આ મેસેજ કરું છું.ગંગોત્રી અને યમનોત્રીના દર્શન કરવાના તો હજી બાકી છે પણ અત્યારે તારી મમ્મીની આંખોમાં એના દર્શન કરીને પાવન થયો છું.
તારાં મનગમતાં ક્ષેત્રમાં તું ખૂબ ખૂબ પ્રગતિ કરે એવા અંતરના આશીર્વાદ.પપ્પાએ તારી સાથે કરેલી સખ્તાઈને,એમની ભૂલોને ભૂલી જઈશ?ભૂલી શકીશ?’
જાત્રા કરીને પાછાં ફર્યા ત્યારે મુંબઈ સેંટ્રલ સ્ટેશને એમને લેવા આવેલો વ્યવસ્થિત રીતે કપાવેલા વાળ વાળો,કાનમાં બુટ્ટી વિનાનો,સાદા ટી-શર્ટ અને પેંટમાં સજ્જ છોકરો રુચિર જ છે એમ માનવામાં જેમ બકુલભાઈને તકલીફ પડી એમ સામે હસુ હસુ થતા ચહેરે,ઝળઝળિયાં ભરેલી આંખે,બંને હાથ ફેલાવીને એને પોતાના આગોશમાં લેવા તત્પર પપ્પા છે એવું રુચિર પણ માની નહોતો શકતો.
એક અસંભવિત લાગતું દ્રશ્ય પ્રત્યક્ષ નિહાળી રહેલાં પૂનમબેન મનોમન સતત એક જ વાતનું રટણ કરી રહ્યાં હતાં,’મારી તો જાત્રા ફળી.હે ભોલેનાથ,મારી પર તારી કૃપા ઉતરી.હર હર મહાદેવ…’
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કલંક
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
હમણાં જ એ પોલિસ હેડ ક્વાર્ટરથી પાછા આવીને કપડાં બદલવા અંદર ગયા.. ઑર્ડર્લી ચા બનાવીને લાવે ત્યાં સુધીમાં નાસ્તાની પ્લેટ ટેબલ પર મૂકી ને એટલામાં અંદરથી તેજ, તીખો અવાજ આવ્યો.
“આ કેરીની પેટી કોણ લાવ્યું?”
કદાચ આટલી મોંઘી કેરીઓ લેવાની અમારી ક્ષમતા નહોતી એટલે એમને નવાઈ લાગી હશે, પણ હું ખુશ હતી.
“સબ ઈન્સ્પેક્ટર વિનોદ આવ્યા હતા.”
“અરે, પણ એને તો ખબર હતી કે હું એક કેસના કામથી બહાર ગયો હતો તો અત્યારે આવવાની શી જરૂર?”
“ના, એને ખબર નહોતી, પણ આવ્યો પછી ઠાલો પાછો થોડો જાય! એ તો વળી એવું કહીને ગયો કે, સાહેબ તો એમની પાસે ફરકવા દેતા નથી. સેવા કરવાનો એક મોકો નથી આપતા. અમારા માટે તો સાહેબ કે તમારામાં કોઈ ફરક નથી. અમારા માટે તો તમે બંને માબાપ છો, તો તમારા માટે આટલું કરવાનું મન થાય ને?”
“એણે કીધું ને તેં માની લીધું? મારી સામે તો જી સાહેબથી વધુ એક શબ્દ નથી નીકળતો અને અહીં આવીને ચાપલૂસી કરી ગયો. એ તો એક નંબરનો ચાલાક અને ધૂર્ત છે, પણ તું આટલી નાદાન ક્યાંથી બની રહી?”
“અરે, તમે રહ્યા સાવ ભોળા. કોઈ આટલા પ્રેમથી પોતાના અધિકારીને ઘેર આવીને ભેટ આપી જાય એમાં ખોટું શુ? તમે તો એવી ધાક બેસાડી દીધી છે સૌ તમારાથી ડરે છે..”
“હું ડરાવું છું? જો ખરેખર તો એમના મનમાં કોઈ ખોટ ન હોય તો મારાથી ડરવાની જરૂર નથી. અને રહી સેવાની વાત તો, ઑફિસના કામમાં ઢીલ કર્યા વગર કામ કરે એને સેવા કહેવાય. એક કેસની તપાસ કરવા મોકલ્યો હતો તો ગામના મોટા માણસ સાથે દારૂ પીવા બેસી ગયો અને અપરાધીના બદલે કોઈ રાંક જેવા માણસને પકડી લાવ્યો હતો. એણે આવીને ખોટી ખુશામત કરી અને તું માની ગઈ.”
ઑફિસમાં તમારી સાથે કેવો સંબંધ છે એની મને નથી ખબર પણ, મને તો એ સારો માણસ લાગ્યો અને દીદી દીદી કહીને કેટલું માન આપ્યું?”
“હવે એ તને બહેન બનાવે કે અમ્મા, એવો કોઈ સંબંધ મને મંજૂર નથી સમજી, અને હવે આગળ બીજી કોઈ વાત કે ચર્ચા કર્યા વગર કેરીની પેટી પાછી મોકલી દે.”
“અરે, પણ એમાંથી કેટલી કેરીઓ તો ખવાઈ ગઈ. હવે શું પાછું મોકલું?”
“તારી સાથે ચર્ચા કરવી વ્યર્થ છે. આટલા વર્ષો થયા તું મને ઓળખતી નથી કે મારા આદર્શની આબરુ ન રાખી? મારા આદર્શ કે સિદ્ધાંત જાળવવામાં તારો ટેકો હોવો જોઈએ, બસ.” કહીને એમણે વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું પણ એમના અવાજમાં નિરાશાનો ઘેરો સૂર હતો.
એ સમયેતો વાતનો અંત આવ્યો પણ મારા વિચારોએ તંત ન છોડ્યો. મને લાગ્યું કે કોઈ પ્રેમથી કંઈ આપી જાય તો એમાં ખોટું શું છે. કેટલાય લોકો તો માંગીને ઘર ભરે છે. કેટલાયની પત્નીઓ રોજના શાકભાજીથી માંડીને સૂકા મેવા અને આખા વર્ષની કંઈ કેટલીય વસ્તુઓથી ઘર ભરી લે છે.
મને એવું લાગ્યું કે એમના કરતા હું વધારે બુદ્ધિમાન છું, પણ આજે લાગે છે કે એ દિવસે એમની વાત હું સમજી શકી હોત કે માની લીધી હોત આજે આ દિવસ ન આવત.ઈન્સપેક્ટર વિનોદે મને દીદી બનાવી તો કોઈએ ભાભી, દીકરી કહીને નવા સંબંધો કેળવવા માંડ્યા. તો વળી કોઈએ દેવી કહીને પૂજવાનું જ બાકી રાખ્યું. મારી કૃપાદૃષ્ટિથી એ ભવસાગર તરી જશે એવા કેફમાં હું રાચવા માંડી.
“તમે કહેશો તો સાહેબ માની જશે. તમારી વાત સાહેબ નકારી જ ન શકે.” જેવા ખુશામતભર્યા શબ્દોથી હું ગર્વ અનુભવતી રહી. મારી વિચારશક્તિ જાણે ખતમ થઈ ગઈ. ઘર અનેકવિધ ચીજ-વસ્તુઓથી ભરાતું રહ્યું..
ક્યારેક તો એમના દોસ્તોય કહેતા કે અસલી પોલિસ અધિકારી હું જ છું, એ તો નામના જ સાહેબ છે. આવું બધું જાણીને તો હું વધારે ને વધારે બહેકતી ચાલી અને સાચે જ મારી જાતને ખુરશીની અધિકારી માની બેઠી. આજ સુધી ઓર્ડલી કે અન્ય સેવકો સાથે અમારા બંનેનો વ્યહવાર માનભર્યો અને અતિ સંયમિત હતો. એમનો તો વ્યહવાર એવો જ રહ્યો પણ હવે હું કામ વગરના ઓર્ડરો આપતી. રોફથી એમને લડવા, ધમકાવવા જેવી હરકતો કરવા માંડી.
એક વાર શહેરમાં ભયંકર તોફાનો થયા ત્યારે કુનેહપૂર્વક કામ લેવા છતાં એ ઘવાયા. બચી ગયા. ત્યારે એક વયસ્ક હવાલદારે કહ્યું કે. “ બાઈજી, તમારા સુહાગના પ્રતાપે સાહેબ આજે બચી ગયા.” સાહસ, સમજદારી અને ધીરજથી એમણે પાર પાડેલા કાર્યનો જશ લઈને હું વધુ અભિમાની બની. એમની તમામ ઉપલબદ્ધિ, તમામ સફળતાનો શ્રેય મારી જાતને આપતી રહી.
છોકરાઓ પણ હવે અભ્યાસ તરફ બેપરવા અને વધુ ઉદ્દંડ બનવા માંડ્યાં. એમની અણછાજતી માંગણી વધતી ગઈ. જાતને સર્વેસર્વા માનતી હું એમને સાચી સલાહ આપવાના બદલે એમની ગેરવ્યાજબી વાતોને પણ પ્રાધાન્ય આપવા માંડી.
એ પછી તો વાત ઘણી આગળ વધતી ચાલી. મારું મોઢું મોટું થતું ચાલ્યું. એટલે હદ સુધી કે એમના તાબા હેઠળના એક અધિકારીની બદલી સુદ્ધાં રોકવાનો પ્રયાસ કર્યો. એની સામે છોકરાંઓની માંગ મુજબ રંગીન ટી.વી પણ આવા જ સંબંધોથી ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતું ગોઠવાઈ ગયું.
અંતે એમના રોષે માઝા મૂકી. આવો અને આટલો ગુસ્સો તો ક્યારેય જોયો નહોતો. એ મને રોકવા માંગતા હતા અને હું સમજવા કે સ્વીકારવા તૈયાર નહોતી.
એમનું કહેવું હતું કે, મનમાની કરીને સાથે છોકરાઓને પણ મેં બગાડી મૂક્યા છે. કોઈ પોતાનાં ધનનો સંચય છોકરાઓનાં ઉજ્જ્વળ ભવિષ્ય માટે કરે જ્યારે અહીં તો મારી બેહૂદા હરકતોથી બધુ નષ્ટ જ થવા બેઠું છે.
કાશ, એમની વાત હું સમજી શકી હોત. છેલ્લા દોઢ વર્ષથી જાણે એક જાતનું પાગલપન મારા પર સવાર થયું હતું. એમની કોઈ વાતોની સચ્ચાઈ મારી નજરે આવતી નહોતી. મારી હરકતોથી તો એમના સિદ્ધાંતો,આદર્શ અને આબરુના ધજાગરા થયા હતા. એ કહેતા કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રી હોય છે, પણ અહીં તો હું એમના માટે અસફળતાની કેડી કંડારી રહી હતી. છેલ્લે તો રીતસરનો આદેશ જ આપ્યો કે હવે એ જે ખુરશીના અધિકારી છે એ ખુરશીનો દુરઉપયોગ મારે બંધ કરી દેવો.
અંતે જે થવાનું હતું એ થયું. એમની બદલી થઈ અથવા એમણે જાતે જ બદલી માંગી લીધી. સૌએ સાથે જવું એવો એમનો નિર્ણય હતો. પણ એમના રોષથી બચવા છોકરાઓની સ્કૂલ પૂરી થવાના બહાના હેઠળ રોકાઈ ગઈ.
એમના જવાની સાથે મને સમજાઈ ગયું કે, ખરેખરા અધિકારી તો એ જ હતા. મને એવો ઘમંડ હતો કે બધા મારા એક ઈશારે જાન બિછાવશે પણ, એમના ગયા પછી એક બુઢ્ઢા ઑર્ડર્લી સિવાય બીજા બધા ઑર્ડર્લી, કર્મચારીઓ નવા સાહેબની તહેનાતમાં લાગી ગયા. મારાં બાળકોને પણ મા કરતા પિતાની છાયા અથવા એમના લીધે મળતી સુખ-સગવડ વધુ પસંદ હતી એ પણ મેં જોઈ લીધું.
હવે તો ફોન પણ રહ્યો નહોતો કે કોઈ ઈંસ્પેક્ટર કે સબઈંસ્પેક્ટરને બોલાવીને કામ ચીંધું. મને સમજાયું કે મને જે માન-સન્માન મળ્યું એ માત્ર એમના લીધે જ હતું.
કદાચ એક સાચા, ઈમાનદાર ઑફિસરની પત્ની બનીને રહી હોત તો સમાજમાં મારું માન જળવાયુ હોત. પણ હવે ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવો નકામો હતો. મારા લીધે એમની આબરુ ખરડાઈ હતી. સૌ એમ માનવા લાગ્યા હતા કે, સાહેબનો તો બહારથી સાફ દેખાવાનો દંભ માત્ર હતો. એ લે કે આડા હાથે મેમસાબ લે વાત તો એક જ થઈ.
કેટલાના મોં બંધ કરું? મારા લીધે વર્ષોની એમની તપસ્યા ભંગ થઈ, નામ ખરાબ થયું.
એ કહેતા કે, “અમે અપરાધીઓને પકડીએ, એમને જેલ થાય. એક વાર જેલની સજા ભોગવ્યા પછી સારા નાગરિક તરીકે જીવન જીવવાની એમને તક મળે છે. જ્યારે સરકારી ઑફિસરનું નામ એક વાર ખરડાયું એ જીવનભર એની વર્દી પર લાગેલા ‘બૅજ’ની જેમ એની સાથે જ રહે છે. અમારી એક વારની ભૂલ હંમેશ માટે અમારા નામ પર કલંક બનીને રહી જાય છે. અમારી દરેક બદલી પહેલાં એ અપકીર્તિ અમારી પહેલાં ત્યાં પહોંચી જાય છે. દુનિયા ક્યારેય એ કલંક ભૂલતી નથી.
મારી નાદાનીથી જીવનભર એક કલંક એમના ‘બૅજ’ની સાથે જોડાઈ ગયું.
મંગલા રામચંદ્રન લિખિત વાર્તા -દાગ- પર આધારિત ભાવાનુવાદ –‘કલંક’
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે
-
વાદ્યવિશેષ : (૧૦) – તંતુવાદ્યો (૫) – સારંગી
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
માનવીય ગાયકીની વિશિષ્ટતાઓ જેવી કે હરકત અને શ્રુતિ સાથે બરાબરીમાં ઉતરે એવું જો કોઈ વાદ્ય હોય તો તે સારંગી છે. આ કારણથી તેનો ઉપયોગ શુદ્ધ શાસ્ત્રીય ગાયન તેમ જ ઠુમરી જેવાં ઉપશાસ્ત્રીય ગાયન સાથે સંગત કરવામાં થતો આવ્યો છે. એક-દોઢ સૈકા પહેલાં એક દોર એવો આવેલો જ્યારે તવાયફો રઈસજાદાઓ સામે ઉચ્ચ કક્ષાનું ગાયન નૃત્ય સાથે રજૂ કરતી હતી. એ ગાયકી સાથે સંગતમાં સારંગી અનિવાર્યપણે ફાળો આપતી. સમય જતાં મનોરંજનના સાધન તરીકે ઉપસી આવેલી ફિલ્મોમાં પણ તવાયફની ગાયકીનો પ્રસંગ મૂકવામાં આવે ત્યારે ગાયિકા સાથેના વાદ્યવૃંદમાં સારંગીવાદક અચૂક જોવા મળતા. આમ થતાં સામાન્ય લોકમાનસમાં જાણેઅજાણે એવી છાપ પડી ગઈ કે સારંગી તો તવાયફોના કોઠાનું વાદ્ય છે. હકીકતે સારંગી એક સંપૂર્ણ વાદ્ય હોવાને કારણે મહારથી શાસ્ત્રીય ગાયકોએ પણ પોતાની ગાયકીની રજૂઆત વખતે સાથે સારંગીની સંગત રાખવાનું પસંદ કર્યું છે. પંડીત રામનારાયણ જેવા વાદકે તો આ વાદ્યને પ્રતિષ્ઠાના એ પડાવ ઉપર પહોંચાડ્યું કે તેમના એકલ શાસ્ત્રીયવાદનના કાર્યક્રમો દેશ-વિદેશમાં યોજાયા છે.

તસવીરમાં જોઈ શકાય છે તેમ સારંગી નાના તુંબડા સાથે જોડાયેલી ટૂંકી ગ્રીવાનું બનેલું વાદ્ય છે. મોટા ભાગે એક જ કાષ્ટના ટૂકડામાંથી તેનું સર્જન કરવામાં આવે છે. તેમાં ત્રણ મુખ્ય તાર અને ચૌદથી લઈને અઢાર ઉપતાર હોય છે. તેને વગાડવા માટે ગજનો ઉપયોગ કરવામાં આવે છે. વાયોલીનની જેમ જ અહીં પણ સ્વરનિયંત્રણ માટે પરદા/ Frets નથી હોતા. વાદક પોતાની સૂઝ, તાલિમ અને કૌશલ્ય વડે એક હાથે જે તે તારને ગજ વડે ઝંકૃત કરી, તે તારને ગ્રીવા ઉપર યોગ્ય સ્થાને બીજા હાથે નિયંત્રીત કરીને ધાર્યા સ્વર અને અસર નીપજાવે છે. પ્રસ્તુત ક્લીપમાં સુખ્યાત વાદક સુલતાનખાન હીર તરીકે જાણીતી પંજાબી ધૂન વગાડી રહ્યા છે તે માણીએ. આ ટૂંકી રજૂઆત થકી સારંગીના સ્વર અને તેના વાદનની બારીકીઓનો થોડો ખ્યાલ આવશે.
હવે માણીએ કેટલાંક ચુનંદાં ફિલ્મી ગીતો, જેના વાદ્યવૃંદમાં સારંગીનું મહત્વનું સ્થાન છે.
શરૂઆતમાં સાંભળીએ ફિલ્મ ‘દેવદાસ’નું ગીત – ‘વોહ ન આયેંગે પલટ કર‘, – જેના પૂર્વાલાપમાં અને પછી સમગ્ર ગીત દરમિયાન રોચક સારંગીવાદન સાંભળવા મળે છે. સંગીત સચીનદેવ બર્મનનું છે.
૧૯૫૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘સી.આઈ.ડી.’નાં ઓ પી નૈયરનાં સ્વરબદ્ધ કરેલાં ગીતો આજે પણ લોકપ્રિય બની રહ્યાં છે. તેમાંનાં બે સારંગીપ્રધાન ગીતો- ‘આંખોં હી આંખોંમેં ઈશારા હો ગયા’ અને ‘કહીં પે નિગાહેં કહીં પે નીશાના’ – એક પછી એક સાંભળીએ. બન્નેના વાદ્યવૃંદમાં સારંગી આગળપડતો ભાગ ભજવે છે. અન્ય શાસ્ત્રીય ગીતોમાં સાંભળવા મળતા સારંગીના સૂર કરતાં અહીં તેનો અલગ જ મિજાજ કાને પડે છે.
પોતાની કારકીર્દિમાં મહદઅંશે સહાયક સંગીતકાર તરીકે કાર્યરત રહેનારા દત્તારામે સ્વતંત્ર સંગીત આપવાની તક મળી ત્યારે અવિસ્મરણીય ગીતો આપ્યાં છે. ઉદાહરણ તરીકે ફિલ્મ ‘પરવરીશ’ (૧૯૫૮)નાં ગીતો ગણાવી શકાય. તે ફિલ્મના ગીત- ‘આંસુભરી હૈ યેહ જીવન કી રાહેં’ – ના કરુણરસને ઉપસાવવામાં તેની સાથેનું સારંગીવાદન મહત્વનો ફાળો આપે છે. નોંધનીય છે કે પરદા ઉપર નાયક રાજ કપૂર ગીત ગાવાની સાથે સારંગી વગાડતા જોઈ શકાય છે.
https://www.youtube.com/watch?v=EUVsSz_D5xY
એ જ વર્ષે પરદે આવેલી ફિલ્મ ‘કાલા પાની’નું ગીત- ‘નજર લાગી રાજા તોરે બંગલે પર’ – સાંભળીએ, જેના વાદ્યવૃંદમાં સારંગી આગવો ભાગ ભજવે છે. સ્વરાંકન સચીનદેવ બર્મનનું છે.૧૯૬૦ની ફિલ્મ ‘કલ્પના’માં ઓ પી નૈયરનું સંગીત હતું. તેનું પ્રસ્તુત ગીત- ‘બેકસી હદ સે જબ ગુજર જાયે’ – સાંભળતાં ખ્યાલ આવે છે કે ગાયકીની આગળ, પાછળ તેમ જ સમાંતરે સારંગીવાદન સતત ચાલતું જ રહે છે.
ફિલ્મ ‘ગંગા જમના’ (૧૯૬૧)ની સફળતામાં તેનાં નૌશાદે તૈયાર કરેલાં ગીત-સંગીતનો મોટો ફાળો હતો. તે ફિલ્મના એક કરુણરસથી ભરેલા ગીત- ‘દો હંસો કા જોડા બીછડ ગયો રે’ – માં સારંગી તે ભાવને બરાબર ઉપસાવી આપે છે.
૧૯૬૪માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ગઝલ’ના પ્રસ્તુત ગીત- ‘રંગ ઔર નૂર કી બારાત કીસે પેશ કરું’ – સાથે સારંગીવાદન સતત કાને પડતું રહે છે.
જાણેઅજાણે એક એવી ઉભી થઈ ગયેલી જણાય કે ગંભીર અથવા કરુણ ગીતો સાથે જ સારંગીવાદન બંધ બેસે. સંગીતકાર ઓ પી નૈયરે ફિલ્મ ‘કાશ્મીર કી કલી’ (૧૯૬૪)ના એક હળવાશભર્યા અને સહેજ તોફાની મૂડમાં પરદા ઉપર રજૂ થયેલા ગીત – ‘દીવાના હુઆ બાદલ’ – ના વાદ્યવૃંદમાં સારંગીને પ્રાધાન્ય આપીને એક નવતર પ્રયોગ કર્યો, જે આ ગીત સાંભળીએ ત્યારે સફળ થયો હોવાનો ખ્યાલ આવે છે.
https://youtu.be/O0I61W2pMss?si=OGVHSar8CldiD9Xu
ફિલ્મ ‘પાકીઝા’ (૧૯૭૧) પ્રદર્શિત થઈ ત્યારે તેને માટે ગીત-સંગીત તૈયાર કરનાર ગુલામ મહમદ આ દુનિયા છોડી ચૂક્યા હતા. પણ ફિલ્મનાં ગીતો એ હદે લોકપ્રિય થયાં, જાણે ગુલામ મહમદ પુનર્જીવીત થયા હોય! તે પૈકીનું એક ગીત – ‘થાડે રહીયો ઓ બાંકે યાર’ – પ્રસ્તુત છે, જેમાં સારંગીના સૂર ગાયકીની મીઠાશમાં ઉમેરો કરે છે.
૧૯૮૧માં પરદે આવેલી ‘ઉમરાવજાન’ એક તવાયફની જીવની ઉપર આધારિત ફિલ્મ હતી. સ્વાભાવિક રીતે જ તેમાં મહેફીલમાં યોજાતાં નાચ-ગાન જોવા મળે. સારંગી આવી મહેફીલોનું એક અનિવાર્ય અંગ બની રહેતી. આવું જ એક ગીત- ‘દિલ ચીજ ક્યા હૈ આપ મેરી જાન લીજીયે’ – સાંભળીએ. સંગીત ખય્યામનું છે.
અન્ય એક ફિલ્મ ‘મંડી(૧૯૮૩)માં પણ તવાયફોની વાત હતી. તેનું ગીત- ‘ચૂભતી હૈ યે તો નીગોડી’ – યાદગાર સારંગીવાદન ધરાવે છે. આ ફિલ્મનું સંગીત વનરાજ ભાટીયાએ તૈયાર કર્યું હતું.
૧૯૯૬માં વધુ એક તવાયફવિષયક ફિલ્મ ‘સરદારી બેગમ’ પ્રદર્શિત થઈ. તેનું ગીત- ‘ચાહે માર ડાલો રાજા’ – સારંગીના સહારે જ ચાલતું હોય એ હદે તેના વાદ્યવૃંદમાં આ વાદ્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વરનિયોજન વનરાજ ભાટીયાનું છે.
અંતમાં એક ચોખવટ કરવા જેવી લાગે છે. રેડીઓ અને ટી વી જેવાં પ્રસારણ માધ્યમો કોઈ મોટા નેતાનું અવસાન થાય ત્યારે સતત સારંગી પર છેડાયેલ શોકમય સંગીત રજૂ કરતાં રહેતાં હોય છે. આથી આ વાદ્યની ઓળખાણ ઉદાસીમાં વગાડાતા વાદ્ય તરીકેની પડી ગઈ છે. હકીકતે આ કડીનાં ગીતો માણ્યા પછી સમજી શકાય છે કે સારંગી આનંદ અને ઉલ્લાસમાં પણ પોતાના સૂર સારી રીતે ફેલાવી શકે છે.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
ફિલ્મી ગઝલો – ૨૯ . ગુલઝાર
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગુલઝાર અને જાવેદ અખ્તર બન્ને એવા શાયર છે જે અડધી સદી જેટલા સમયથી નિરંતર સક્રિય છે અને જેમણે બજાર અને જનતાની માગ અનુસાર પોતાની રચનાઓને તદનુસાર ઢાળી હોવા છતાં ક્યારેય સ્તરહીનતાની સરહદો ઓળંગી નથી.
આજે ગુલઝાર એટલે કે સંપૂર્ણસિંહ કાલરાની વાત કરીએ. સૌ જાણે છે કે એમને માત્ર કવિ તો કહેવાય નહીં. અનેક ગુણવત્તાપૂર્ણ અને સફળ ફિલ્મોના એ સર્જક છે. આજે પણ પૂર્ણત: સક્રિય દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા એક પરિપૂર્ણ કલાકાર. એમની ફિલ્મી ગઝલો અનેક અને બધી એક એક સે બઢ કર.અહીં પસંદ કરેલી પહેલી ગઝલ અંગે થોડીક ચર્ચા જરૂરી છે. આ ગઝલ પહેલી વાર બંગાળી ફિલ્મ ‘ લાલ પાથોર ‘ ( ૧૯૬૪ ) માં લેવાયેલી એક મુજરા ગીત તરીકે. ( એ ફિલ્મ પરથી હિંદી ફિલ્મ ‘ લાલ પથ્થર ‘ ૧૯૭૧ માં બની ) સંગીત સલીલ ચોધરીનું અને સ્વર મુબારક બેગમનો. બાર વર્ષ બાદ ૧૯૭૬ માં ગુલઝારની પોતાની જ ફિલ્મ ‘ મૌસમ ‘ માં આ જ ગઝલ મદન મોહનના સંગીતમાં અને લતા મંગેશકરના સ્વરમાં દોહરાવવામાં આવી. શબ્દોમાં મામૂલી ફેરફાર પરંતુ ધુન અને મૂડ ધરમૂળથી અલગ. પહેલાં નવી ગઝલ અને પછી જૂની ‘ લાલ પાથોર ‘ વાળી રચના જોઈએ :
રુકે રુકે સે કદમ રુક કે બાર બાર ચલે
કરાર લે કે તેરે દર સે બેકરાર ચલેસુબહ ન આઈ કઈ બાર નીંદ સે જાગે
થી એક રાત કી યે ઝિંદગી ગુઝાર ચલેઉઠાએ ફિરતે થે અહેસાન દિલ કા સીને પર
લે તેરે કદમોં મેં યે કર્ઝ ભી ઉતાર ચલે ..https://youtu.be/qBo5YKhp20g?si=pq8kLMHbCo7M8bTO
રુકે રુકે સે કદમ રુક કે બાર બાર ચલે
કરાર લે કે તેરે દર સે બેકરાર ચલેસહર ન આઈ કઈ બાર આફતાબ આયા
હમ ઈંતઝાર કી યે રાત ભી ગુઝાર ચલેશમા સે સીખી હૈ યે રસ્મે આશિકી હમને
ગુનાહ હાથ પે લેકર ગુનાહગાર ચલેઉઠાએ ફિરતે થે એહસાન દિલ કા સીને પર
તુમ્હારે કદમોં મેં યે કર્ઝ ભી ઉતાર ચલે ..આ જ બહર, આ જ અંદાઝ અને આ જ કાફિયા – રદીફને ગુલઝારે વધુ એક વાર ફિલ્મ ‘ મમ્મો ‘ માં ઇસ્તેમાલ કર્યા. અહીં મત્લા ગેરહાજર છે :
યે ફાસલે તેરી ગલિયોં કે હમ સે તય ન હુએ
હઝાર બાર રુકે હમ હઝાર બાર ચલેન જાને કૌન સી મટ્ટી વતન કી મટ્ટી થી
નઝર મેં ધૂલ, જિગર મેં લિયે ગુબાર ચલેયે કૈસી સરહદેં ઉલઝી હુઈ હૈં પૈરોં મેં
હમ અપને ઘર કી તરફ ઉઠ કે બાર બાર ચલેન રાસ્તા કહીં ઠહરા ન મંઝિલેં ઠહરીં
યે ઉમ્ર ઉઠતી હુઈ ગર્દ મેં ગુઝાર ચલે ..– ફિલ્મ : મમ્મો ૧૯૯૫
– જગજીત સિંહ
– વનરાજ ભાટિયા
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ગાઈડ (૧૯૬૫)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
‘ગાઈડ’ ફિલ્મ વિશે સાંભળ્યું એથીય પહેલાં તેનાં ગીતો મોંએ ચડી ગયેલા એનું કારણ વિવિધભારતીનું શ્રવણ. જો કે, ઉર્વીશે અને મેં અમારા પોતાના ખર્ચે જે પહેલવહેલી બે કેસેટ વસાવેલી, એમાંની એક તે ‘અલબેલા’ અને ‘રતન’ (આગળપાછળ) અને બીજી બર્મનદાદાએ ગાયેલાં ગીતોની. અઢાર કે વીસ રૂપિયાની ટી સિરીઝની એ કેસેટના કવર પર બર્મનદાદાનું રેખાચિત્ર હતું, અને ‘The inimitable’ (જેની નકલ ન કરી શકાય એ) જેવો શબ્દ તેમના સ્વર માટે લખાયેલો. પહેલવહેલી વાર આ શબ્દનો અર્થ જાણ્યો ત્યારે ખબર પડી કે એસ.ડી.બર્મનના સ્વર માટે આનાથી વધુ યોગ્ય શબ્દ હોઈ જ ન શકે. આ કેસેટમાં ‘સુજાતા’ (સુન મેરે બંધુ રે), ‘બંદિની’ (ઓ રે માઝી), ‘અમર પ્રેમ’ (ડોલી મેં બિઠાઈ કે કહાર), ‘પ્રેમપૂજારી’ (પ્રેમ કે પૂજારી હમ હૈ) અને ‘ગાઈડ’ (વહાં કૌન હૈ તેરા) જેવાં અતિ જાણીતાં અને મનગમતાં ગીતો હતાં, સાથે સાથે ‘તલાશ’ (મેરી દુનિયા હૈ માં તેરે આંચલ મેં), ‘જિંદગી જિંદગી’ (જિંદગી એ જિંદગી, તેરે હૈ દો રૂપ તેમજ પિયા તૂને ક્યા કિયા) જેવાં એ સમયે પહેલવહેલી વાર કાને પડેલાં ગીતો પણ હતાં. આ કેસેટ સાંભળી સાંભળીને અમે બરાબર ઘસી કાઢી હતી. ખરી મઝા એ હતી કે અત્યાર સુધી રેડિયો પર ક્યારેક જ આવતાં તેમનાં ગીતોમાં શબ્દો બરાબર ઉકલતા ન હતા એ હવે અમે ઉકેલવાનો પ્રયત્ન કરવા લાગ્યા. દાદા બર્મનના ઉચ્ચારોને કારણે એ બહુ મુશ્કેલ પડતું. જેમ કે, ‘ડોલી મેં બિઠાઈ કે…’ પછી ‘કહાર’ બોલે છે કે ‘કહાં’ એ જાણવા અમે કેસેટને વારે વારે રિવાઈન્ડ કરતા. ‘આરાધના’ના ‘કાહે કો રોયે’ ગીતમાં શરૂઆતની પંક્તિનો પહેલો જ શબ્દ ‘બનેગી આશા ઈક દિન તેરી યે નિરાશા’માં ‘બનેગી’ શબ્દને પકડતાં કેટલાય દિવસો લાગી ગયેલા. એની એક જુદી મઝા હતી.

(સચીનદેવ બર્મન, છેક ડાબે રાહુલ દેવ બર્મન) બર્મનદાદાનાં ગીતોની એ કેસેટ મારી અને ઉર્વીશની જેમ મારા કેટલાક મિત્રો મયુર પટેલ, વિપુલ રાવલ અને વિજય પટેલને પણ બહુ પસંદ આવી ગયેલી. પણ એમાંના વિજય પટેલની વાત જ જુદી. (કોડાઈકેનાલના પ્રવાસમાં મારી સાથે હતો એ) એક તો એ મૂળભૂત રીતે દેવસા’બનો પ્રેમી અને એમાં એને બર્મનદાદાનાં ગીતો ચડવા લાગ્યાં. એટલે પૂછવું જ શું? એ જાણે કે એ યુગમાં જ જીવતો હોય એવી રીતે વાતો કરવા લાગ્યો. મારે ઘેર આવે એટલે સીધો મારા પપ્પા સાથે જ વાત શરૂ કરી દે અને કહે, ‘કાકા, શું આપણા જમાનાના ગીતો, હેં? આહાહા!’ એનો આ લગાવ એટલો તીવ્ર બની ગયેલો કે અમુક વ્યક્તિ એને ‘કેમ છે, વિજય?’ કહીને બોલાવે, અને વિજયને ખબર હોય કે પેલો જૂનાં ગીતોનો ઔરંગઝેબ છે, તો એ મોં પર જ કહે, ‘હવે તારી જોડે હું શું વાત કરું, બોલ!’ ‘ગાઈડ’ ફિલ્મ એણે કેટલીય વાર જોઈ હશે, કોને ખબર! અમે તો એ જોઈ નહોતી, પણ બર્મનદાદાના નાતે એ અમારી સાથે વાત કરતો. મહેમદાવાદમાં એક વાર ‘ગાઈડ’ ફિલ્મ રજૂ થઈ ત્યારે મને તેનું પોસ્ટર જોઈને બહુ નવાઈ લાગેલી. ઊભેલાં વહીદા રહેમાનના પગમાં દેવઆનંદ બેસીને ઘૂંઘરુ પહેરાવી રહ્યા હોય એવી એ તસવીર હતી. મહેમદાવાદની આશા ટોકિઝમાં અમે એ ફિલ્મ જોવા તો ગયા, પણ આશા ટોકિઝની ‘સાઉન્ડ સિસ્ટમ’ સાવ તકલાદી હોવાથી ફિલ્મ અમે બિલકુલ માણી ન શક્યા. એ પછી વિજયે તેની સ્ટોરી સમજાવેલી.

‘ગાઈડ’નાં એકે એક ગીતોમાં એસ.ડી.બર્મનની મુદ્રા હતી, શબ્દોમાં શૈલેન્દ્રની ઓળખ અને ફિલ્માંકનમાં વિજય આનંદ ‘ગોલ્ડી’ની કમાલ. ‘તેરે મેરે સપને અબ એક રંગ હૈ’, ‘કાંટોં સે ખીંચ કે યે આંચલ’, ‘દિન ઢલ જાયે’, ‘ગાતા રહે મેરા દિલ’, ‘પિયા તોસે નૈના લાગે રે’, ‘ક્યા સે ક્યા હો ગયા’, ‘મોસે છલ કિયે જાય’, ‘અલ્લા મેઘ દે’, હે રામ હમારે રામચંદ્ર’ અને ‘વહાં કૌન હૈ તેરા મુસાફિર જાયેગા કહાં’ જેવાં ‘ગાઈડ’નાં ગીતો અજરામર રહેવા સર્જાયાં છે.
ફિલ્મનો આરંભ જેલમાંથી મુક્ત થતા રાજુ ગાઈડના દૃશ્યથી થાય છે. એક તરફ શહેર પોતાનું શહેર અને તેની સ્મૃતિઓ છે. ચારેક મિનીટના ફ્લેશબેક દૃશ્ય પછી વર્તમાનમાં આવી ગયેલો રાજુ ગાઈડ પોતાના શહેરના માર્ગે આગળ વધે છે અને તેને ‘એક બાર ફિર સે સોચ લે, રાજુ’ જેવા વિચારો ઘેરી વળે છે. ‘બસા સકતા હૈ તો કહીં ઓર જા કે બસા લે અપની દુનિયા’ના અંતરાત્માના અવાજ સાથે એ બીજા રસ્તે ફંટાય છે. ‘અંજાનપુર 685 માઈલ’ લખેલા પાટિયાની દિશામાં એ જવાનું શરૂ કરે છે, જે સૂચવે છે કે એ કોઈક દૂરના, અજાણ્યા સ્થળ તરફ જાય છે. એ સાથે જ પશ્ચાદભૂનું સંગીત અને બર્મનદાદાના ઘેઘૂર સ્વરમાં ગીત શરૂ થાય છે ‘વહાં કૌન હૈ તેરા મુસાફિર જાયેગા કહાં’.

આ ગીતમાં શૈલેન્દ્રે રાજુની વ્યથાકથા અને તેના પૂર્વાશ્રમનો આખો સાર આલેખી દીધો છે. ગીતનું મુખડું ટૂંકું છે, અને એ જ ટૂંકા મીટરમાં શૈલેન્દ્રે નાયકના પૂર્વાશ્રમની કથા કમાલની રીતે કરી છે.
‘ગાઈડ’ના આ શિર્ષક ગીતના શબ્દો આ મુજબ છે. ગીતમાં ફ્લુટ અને શરણાઈનો અસરકારક ઉપયોગ કરાયો છે.
वहाँ कौन है तेरा, मुसाफ़िर,
जायेगा कहाँ
दम ले ले घड़ी भर,
ये छैयां, पायेगा कहाँ
वहाँ कौन है तेरा, मुसाफ़िर,
जायेगा कहाँ,
वहां कौन है तेरा …बीत गये दिन,
प्यार के पलछिन
सपना बनी वो रातें
भूल गये वो,
तू भी भुला दे
प्यार की वो मुलाक़ातें – २
सब दूर अन्धेरा,
मुसाफ़िर जायेगा कहाँ …
दम ले ले घड़ी भर,
ये छैयां, पायेगा कहाँ
वहां कौन है तेरा …कोइ भी तेरी,
राह न देखे
नैन बिछाये ना कोई
दर्द से तेरे,
कोई न तड़पा
आँख किसी की ना रोयी – २
कहे किसको तू मेरा,
मुसाफ़िर जायेगा कहाँ …
दम ले ले घड़ी भर,
ये छैयां, पायेगा कहाँ
वहां कौन है तेरा …कहते हैं ज्ञानी,
दुनिया है फ़ानी
पानी पे लिखी लिखायी
है सबकी देखी,
है सबकी जानी
हाथ किसीके न आयी – २
कुछ तेरा ना मेरा,
मुसाफ़िर जायेगा कहाँ …
दम ले ले घड़ी भर,
ये छैयां, पायेगा कहाँ
वहां कौन है तेरा …આ ઉપરાંત આટલો અંતરો ફિલ્મમાં અન્યત્ર વાગે છે.
तूने तो सबको राह बताई
तू अपनी मंज़िल क्यों भूला
सुलझाके राजा
औरों की उलझन
क्यों कच्चे धागों में झूला
क्यों नाचे सपेरा मुसाफ़िर, जाएगा कहाँઆ ટાઈટલ સોન્ગ અહીં સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
“શુભ” vs “અશુભ” ની ખેંચતાણ
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
[કૃષિવિકાસ મંડળ માંહેનો એક ચર્ચિત વિષય ]
[દર મહીનાના છેલ્લા બુધવારે મળતી મંડળની બેઠક ઉગામેડી ગામના શ્રી દેવરાજભાઇ ગઢિયાની વાડીએ મળી હતી. વિષય નિષ્ણાત તરીકે સુરતથી ડાયમંડ એસોસીએશનના માજી ચેરમેન અને પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર શ્રી રામજીભાઇ ઇંટાળિયાનું આજે સાંનિધ્ય સાંપડ્યું હતું. વીસેક ગામમાંથી પધારેલા સોએક ખેડૂતોના આવી ગયા પછી સભાના આરંભે મેં સૌને આવકાર્યા]
“મિત્રો ! કૃષિવિકાસ મંડળની આપણી આજની મીટીંગમાં આપણા આમંત્રણને માન આપી, પોતાના અગણિત રોકાણોમાંથી ખાસ સમય ફાળવી આપણને માર્ગદર્શન પૂરું પાડવા આ.શ્રી રામજીભાઇ ઇંટાળિયા આપણી વચ્ચે પધારી આપણને સૌને ઉપકારી બનાવ્યા છે. મિત્રો ! સચ્ચાઇ અને ખંત જેમનાં હાડેહાડમાં વણાએલાં છે એવા શ્રીરામજીભાઇ અંધશ્રધ્ધા, કુરિવાજો, જ્યોતીષ અને કર્મકાંડો વગેરેના સખત વિરોધી છે. ભાંગ્યાના ભેરુ એવા તેમણે કરેલાં કામો ગણાવું તો ગારિયાધારની માંદી પડેલી બી.બી હોસ્પિટાલને કામ કરતી બનાવી હતી. બીજું, રાજસ્થાન-પાવાપૂરીની જૈનોની અતિ વિશાળ ગૌશાળાને સંભાળી લઈ જીવંતતા બક્ષી દીધી હતી. અરે, કચ્છના ગોજારા ધરતીકંપે ભાંગી પડેલ ગામડાંઓને બેઠા કરવાની પીડાએ રામજીભાઇના હૈયાને હલબલાવી નાખ્યું. અને પ્રશ્ન હાથમાં લઈ પોતાના આંતરસૂઝ અને કાર્યનિષ્ઠાના બળે એને નિપટાવ્યો હતો.. મહેનતકશ પટેલોમાંના સેવાભાવી યુવાનોને આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. કેડરના પ્રામાણિક અધિકારીઓ રૂપે તૈયાર કરવા માટે આખી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવા નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છે. અને એવાં બીજાં સમાજ ઉપયોગી અગણિત કાર્યો તેમના દ્વારા થઈ રહ્યાં છે. તેઓનુ ભાવભીનું સ્વાગત કરું છું અને સમાજમાં જે શુભ-અશુભ, શુકન-અપશુકન જેવા પ્રસરી રહેલા ખ્યાલો વિશે આપણા સવાલો પર સાચું માર્ગદર્શન આપે એવી વિનંતી કરું છું.”
રામજીભાઈએ સૌને સત્કારી પોતાની ખુશી વ્યક્ત કરી મૂળ વિષયને ઉપાડ્યો. ”તો ભાઇઓ, પૂછો, શું પૂછવું છે ?”
મંડળના સભ્ય શ્રી મહેંદ્રભાઇ ગોટીએ પ્રશ્ન કર્યો, “રામજીભાઈ ! મેં થોડા દિવસો પહેલાં ફૂલછાબમાં શ્રી કૌશિકભાઇ મહેતાના લખાણમાં 13 નો અંક અશુભ છે એ વિશે લોકોમાં પ્રસરી રહેલી ગલત માન્યતા અંગે વાંચેલું. આપના મતે 13 ના અંક વિશે શું કહેવું છે ?”. ““જુઓ ભાઈ ! એકડાથી શરુ કરી ૧૦૦ સુધીના કોઇ અંકમાં શુભ કે અશુભ જેવું કંઇ હોતું નથી. આ બધા અંકોમાંથી કોઇ અંકને વહાલો કે દવલો આપણે જ કલ્પી લીધેલ છે. ઇશુખ્રિસ્તને વધસ્થંભ પર ચડાવવામાં તેનો 13મો શિષ્ય કારણભૂત હતો. તેથી 13 ના આંકડાનું અશુભપણું એ ક્રિશ્ચયનોની ભેટ છે. તમે જુઓ, તેથી જ કેટલાક બહુમાળી મકાનોમાં 13 નંબરનો માળ જ નથી રાખતા. 12 પછી સીધો 14 મો માળ જ આવે. અરે, માળની અંદરની ઓફીસો કે દુકાનોમાં 13 નંબર આપવાનો જ નહીં ! પૂછીએ તો કહેતા હોય છે કે 13 નંબર રાખીએ તો લોકો એને ખરીદવામાં અચકાતા હોય છે, અને માનોકે કોઇ ગ્રાહક ખરીદવા તૈયાર થાય તો ઓછી કીમતે માગતા હોય છે. હવે હું તમને પૂછું કે 13 નો અંક બીજે ક્યાં ક્યાં અશુભ ગણવામાં આવે છે, કોઇ કહેશો ?” રામજીભાઇએ 13 ની અશુભતાના વધુ ઉદાહરણ માગ્યા.
“રમતગમત રમનારા ખેલાડીઓમાં કોઇ 13 નંબરની જર્સી પહેરવા તૈયાર હોતા નથી.” પોપટ્ભાઇએ પોતાની જાણકારી બતાવી.
“ અરે પોપટભાઈ આપણી ભારતીય ટીમનો ખેલાડી મહોમ્મદ સિરાજ 13 નંબરની જર્સી સામેથી માગીને પહેરે છે અને તેનાથી કોઇ ગેરફાયદો તેને થયો જણાયો નથી. એટલે 13 નો અંક અશુભ છે એ માત્ર કેટલાક લોકોનો ભ્રમ છે. બોલો, હવે બીજું કાંઇ ?”
“ અમારા ગામમાં એક હિરાવાળાના દીકરાએ એની બુલેટ મોટરસાયકલ માટે રુ.૫,૦૦૦ ખર્ચીને એને પસંદ એવો નંબર લીધો. આવું કરવા પાછળ એનો કેવો હેતુ હશે ?” ઠાકરશીભાઇએ પોતાના ગામની હકિકત કીધી.
“ઠાકરશીભાઈ ! વધુકુ નાણું ખરચી પોતાને પસંદ એવો નંબર લેવો એ એકજાતની પૈસાની ખુવારી અને પોતાની ગાંડાઇ જ ગણાય. વાહનનો નંબર આર.ટી.ઓ. તરફથી એ વાહનની ઓળખ માટે અપાતો રજીસ્ટેશન નંબર ગણાય. અને એવા નંબરો તો લાખો વાહનોને દેવાતા હોય. એમાં શુભ-અશુભ જેવું કંઇ હોય નહીં. પણ આપણા સમાજમાં ભાત ભાતનું વહેમી માનસ ધરાવતા લોકો છે. તમારી વાતમાં હુંયે સૂર પૂરાવું કે મારી જાણમાં એક જુવાનડો છે કે જે પોતાના અને કુટુંબના સભ્યોના ટુ વ્હીલ અને ફોર વ્હીલ બધાને ચાર અંકોમાંથી પાછલા બે અંકો 97 આવે એવું કરવા આર.ટી.ઓમાં થોડો ખર્ચ કરીને પણ ગોઠવ્યા કરે છે. તમારી વાત સાચી છે. બોલો હવે 13 ની જેમ બીજા કોઇ અંક વિશે આવું છે ?”
“13 ની જેમ 3 નેપણ કેટલાક અશુભ માને છે. એટલે તો સારાકામે બહાર જતા હોઇએ ત્યારે ત્રેખડ-એટલે કે 3 જણે નહીં જવાનું.”
“મનુભાઇની જેમ મારે પણ એમ જ કહેવાનું છે કે અમ ખેડૂતોમાં 3 બળદવાળો અને બે બૈરાવાળો ખેડૂત દુ;ખિયો ગણાય. અરે વા-વંટોળિયાને ગોળચકરડી ફરતો ભાળી જાય તો કહેતા હોય છે કે “જાજે બે બૈરાવાળને ત્યાં”.મનુભાઇની જેમ વાલેરાભાઇએ પણ કહ્યુ.
“સાંભળો મનુભાઇ અને વાલેરાભાઈ ! બળદ ભલે 3 હોય. પણ સાંતીએ કે ગાડે તો એક સાથે બે ને જ જોડવાના હોય ને ? ત્રીજાની
પળોજણ તો વધારાની ખરી. પણ 3 બળદ રાખવામાં ફાયદોયે છે. માનો કે તમારે કોઇ કામ ખૂબ ઉતાવળથી વગર અટક્યે પાર પાડવું છે, તો બપોર વચાળે પોરો દેવાનું બંધ રાખી ત્રણેને વારાફરતી- બે જૂતેલા અને એક ચારો અને પોરો ખાઈ લે- અને કામ ચાલુ જ રહે છે ભાઈ ! ત્રણ બળદનું ત્રેખડ એક બાજુ કપાણ્યવાળું અને બીજી બાજુ લાભદાયી પણ છે. અને બીજી વાત કરી કે બે બૈરાવાળો જણ પણ દુ:ખી દુ:ખી હોય ! એને ઘેર રોજે રોજ કંઇ ને કંઇ કંકાસ રહેતો હોય ! પણ એમાંયે સ્વભાવે સ્વભાવે ફેર હોવાનો. મારી જાણમાં જ છે આ હીરજીભાઇના જૂના ગામ ચોસલામાં પોપટભાઇ ડોબરિયા અને કલ્યાણ ભગત બન્નેને બે બે બૈરાં હતાં પણ તેઓ કાયમ સુખેથી જીંદગી જીવતાં હતાં. બોલો, હવે છે કોઇને પ્રશ્ન?” રામજીભાઇને પણ નતનવા પ્રશ્નોમાં રસ પડ્યે જતો હતો.
“એવું કેમ હશે કે કોઇના લગ્નપ્રસંગમાં ચાંદલો કે હાથગરણું લખાવતી વખતે ૧૦ -૫૦ -૧૦૦ – ૫૦૦ કે ૧૦૦૦ લખાવવાને બદલે ૧૧ -૫૧ -૧૦૧ – ૫૦૧ કે ૧૦૦૧જેવો આંકડો લખાવતા હોય છે?” બાબુભાઇએ સવાલ કર્યો.
“ જુઓ બાબુભાઈ ! એવું કરવા પાછળ એવી માન્યતા રહેલી છે કે છેલ્લે 0 [મીંડું] આવે એ આંકડો શુકનવંતો ન ગણાય, માટે એમાં ૧ નો ઉમેરો કરતા હોય છે. પણ મારી દ્રષ્ટિએ 0 [મીંડું] તો અતિ કીમતી છે. જે અંકની પછવાડે મીંડું મૂકીએ એ અંકની કીમત દસગણી વધી જાય છે. દા.ત. ૧ ની પાછળ 0 મૂકીએ એટલે ૧ ની કીમત ૧0 થઈ જાય. અને ૧00 ની પાછળ 0 મૂકીએ એટલે ૧000 થઈ જાય. આ 0 અંકને અશુભ કેમ ગણવો, તમે કહેશો કોઇ ?” રામજીભાઇએ સૌને વિચારતા કર્યા.
“રામજીભાઈ ! ચાલુ લગ્નની સીઝનમાં અમારા કુટુંબમાં દીકરીના લગ્નનું મુહૂર્ત જોવરાવ્યું તો વદ-૧૨ [બારશ} નું આવ્યું. અને કંકોત્રી છપાવી તો અંકોમાં ‘૧2’ અને અક્ષરોમાં ‘સાડી અગિયારશ’ એમ છપાવ્યું. આવું કરવું જરૂરી ?” ધીરુભાઇએ પ્રશ્ન કર્યો.
“જૂઓ ધીરુભાઇ ! સામાન્યરીતે બારશના અંકને મુહૂર્ત જોનારા બ્રાહ્મણો વગેરે ઓછો લાભદાયી ગણતા હોય છે. એટલે જેમ કોઇને “સાપ કરડી ગયો” એમ કહીએ એટલે એને સાપનું નામ સાંભળતાં જ ધ્રાસકો પડી જાય, એવું ન થાય માટે “જીવડું અડી ગયું” એમ કહીએ છીએ. જેથી થોડી હળવાશ રહે. એમ “બારશ” બોલ્યા ભેળું બહુ ગમે નહીં-માટે બારશને બદલે “સાડી અગિયારશ” બોલે છે. પણ એથી કોઇ ફેર પડે નહીં, એવું મારું માનવું છે. અને એવી બાબતોમાં તો આપણે બધા બ્રાહ્મણો કહે તેમ જ કરનારા છીએને ? બાકી શુભ કે અશુભ જેવું જેઓ મનના ઢીલા હોય, તેમને જ નડવા કરે. અને શંકાનું કોઇ ઓહડ નથી. એ શંકાનું નિવારણ કરવા ભૂવા અને ભરાડી પાસે જાય,અને વધુ ખુવાર થાય. આ કોઇ સમજણા માણસનું કામ નથી.”
“હું અમારી જ વાત કરું, અમે તો દીકરા દીકરીના લગ્નમાં મુહૂર્ત જોવરાવતા નથી, ચોઘડિયામાંયે માનતા નથી. તમે માનશો ? દીવાળી અને બેસતાવર્ષ વચ્ચે કોઇ કોઇ વરસ એક ઓફ અશુભ દીવસ ધોકાનો આવતો હોય છે. એ ધોકાના દીવસે કોઇ લગ્નનું મુહૂર્ત માગે ? આ તમારી સાથે જે હીરજીભાઇ છે ને તેમના સંયુક્ત કુટુંબમાં એક દીકરાના લગ્ન ધોકાના દીવસે જ ગોઠવ્યા હતા એવી મને જાણ છે. જેથી મંડપમાળણ-રસોયા- લગ્ન માટે સમાજન વાડી વગેરે બધું જ ખાલી હોઇ બધી જ બાબતે ખુબજ અનુકૂળતા રહી હતી. આ બધા તો મનના વહેમ છે, જે એ વહેમને તાબે થાય એને એ નડશે. બાકી નડતાં હોય છે આપણાં અપલખણ જો કોઇ હોય તો !”
“જો ડાબી હથેળીમાં ખજવાળ આવે તો નાણું મળવાની આગાહી અને જમણીમાં આવે તો નાણું ગુમાવવાની આગાહીના એંધાણ ગણાય, એ તો ખરું ને ?“ વહેમ શામજીભાઇનો કેડો છોડતો નહોતો.
“જુઓ શામજીભાઇ ! હથેળીમાં જ નહીં, આપણાં બધાં અંગોમાં ખજવાળ આવતી હોય છે. નાણાની લેવડ-દેવડને અને હાથની ખજવાળને કોઇ લેવા દેવા નથી.”
“ જો ડાબી આંખ ફરકે તો કંઇક સારું બનવાનું અને જમણી ફરકે તો નઠારું બનવાના એંધાણ છે, એવુંયે કહે છે,”
‘તમારું નામ વીરજીભાઇ ને ? તો વીરજીભાઈ ! આપની કઈ આંખ ફૂટે તો સારું અને કઈ આંખ ફૂટે તો નબળું ? ભલા બન્ને આંખો આપણે માટે એટલી જ મહત્વની છે. એમાં કંઇક અંદર સ્નાયુ કે નસમાં હલન ચલન થવા પામી હોય તો આંખ જરા ફરકે અને ઘડીક ફરકીને બંધ થઈ જાય તો સ્વાભાવિક કહેવાય, પણ એકધારી જો ફરક્યા કરે તો તે આંખની કોઇ બીમારી ગણાય. એવું હોય તો તરત જ આંખના ડૉક્ટરની સારવાર લઈ લેવી પડે.”
“રામજીભાઈ ! કોઇનું અવસાન થયું હોય તો ખરખરે જવામાં પણ રવિવાર, મંગળવાર કે બુધવાર-આ ત્રણ વારે નહીં જવાનું. શનિ-સોમ અને ગુરુ-શુક્ર ચાર વાર જ યોગ્ય ગણાય, તે કેમ વારમાં કંઇ વહાલા-દવલું હોય ?’?’કરશનભાઇએ ખરખરાને સંભાર્યો.
“જુઓ કરશનભાઇ ! આમ તો “આઠેયવાર અલ્લાના” છે, દિવસો બધા જ સરખા પણ વારના નામ આપણે પાડ્યા છે છતાં આ વ્યવ્સ્થા આપણા ગલઢેરાઓએ બહુ સમજી વિચારીને ગોઠવી હશે એવું લાગે છે. કારણ કે સાતેય વારે લોકો ખરખરે આવ્યા જ કરે તો જેને ઘેર મૃત્યુ થયું હોય તેમણે પોતાના કૌટુંબીક કાર્યો કેવીરીતે કરવા ? એટલે સાતમાંથી ત્રણ વાર બહારથી ખરખરે આવનારાને રજા રાખવા માટે આ વ્યવસ્થા ગોઠવાઈ હશે એવું લાગે છે. પછી એમાં પહેલેથી રવિ.મંગળ અને બુધ બંધ રખાયા હશે. એટલે હાલ પણ એ પ્રથા ચાલુ રહી છે. જો કે હવે શહેરોમાં ઘણા સુધારા આવ્યા છે . માત્ર એક દિવસ જ બેસણું રાખી સોગકાર્ય પૂર્ણ કરાય છે.
“પણ પાછું સનાનમાં ગયા હોય એમણે ઘેર આવી ફરજિયાત નહાવું પડે. અને એમ ન કર્યું હોય તો બૂરી બલા વળગે, અને એ ન વળગે એટલા માટે બારણે લીંબુ-મરચાં લટકાવવા પડે એવું કહે છે. એ વાતમાં કેટલું તથ્ય ગણાય ?” મોહનભાઇએ પ્રશ્ન કર્યો.
“જો ભાઈ ! આપણે અંતિમસંસ્કારમાં ગયા હોઇએ, વળી સ્મશાનમાં બીજાએ રોગી-નિરોગી મૈયત અગ્નિસંસ્કાર માટે આવતા હોય, એટલે તે સ્થળનું વાતાવરણ જ એટલું દુષિત હોય કે જો પરત ફરી સારી રીતે સ્નાન કરી લઈએ તો કોઇ નુકશાન કારક બેક્ટેરિયા કે રોગકારક વાયરસ આપણને લાગવાના ભયમાંથી મુક્ત થઈ જવાય. આ તો સારી વાત ગણાય. બાકી મરચાં-લીંબુ ની આખી ગાંહડી લટકાવી દઈએ તો પણ મનમાં ઘૂસી ગયેલ બૂરી બલા જાય નહીં હો મોહનભાઈ !”
“હજુ મને એવી શુભ-અશુભ ઘટનાની એક વાત યાદ આવે છે કહું ?” કેશુભાઇથીયે પૂછ્યા વિના ન રહેવાયું.
“અરે કહોને ભાઈ ! તમારા મનમાં ઊભા થયેલ સવાલનો ઉકેલ શા માટે બાકી રાખવો ? કહો !”
“અમારા દાદીમા વાત કરતા કે ભૂલમાંયે જો દૂધ ઢોળાઇ જાય તો એ અપશુકનની એંધાણી ગણાય. વાંકા વળી એને આંગળી વડે ચાખી લેવું પડે. અને જો કોઇ કારણસર અરિસો હાથમાંથી પડી જઈ ફૂટી જાય તો એ પણ અપશુકન, પણ કાચનું કોઇ વાસણ-કપ-રકાબી જેવું ફૂટે તો કહે કંઇ વાંધો નહીં, આ તો શુકન થયા ગણાય, એવું કહે. આનો અર્થ શું કરવો ?”
“અરિસો થોડો કીમતી હોય, એ ફૂટે એટલે નુકશાન થાય. અને નુકશાન કરનારી ઘટના તો અશુભ જ ગણાય ને ? જ્યારે કપ-રકાબી-ગ્લાસ જેવા તો ચાલુ વપરાશના વાસણ ગણાય. બહેન-દીકરી કે વહુવારુથી કામ કરતા કરતા ફૂટ્યા કરતા હોય, એ ઘટનાને ગંભીરતાથી લેવાય તો કામ કરનારને રીંહ ચડી જાય. એટલે એ ઘટનાને વડીલો જરા હળવાશથી લેતા હોય છે. વાંધો નહી, શુકન થયા-એ વાસણ આમેય જૂનું થઈ ગયું હતું, હવે નવું લાવશું. મનને આશ્વાસન આપવાની વાત છે ભૈલા ! અને દૂધ તો આપણી ખોરાકી ચીજોમાં અમૃત સમાન ગણાય, એટલે એને માન આપવાના હેતુ સર ચાખી લેવાનું વડીલોએ ગોઠવ્યું હશે.
તો ભાઇઓ ! અન્ધશ્રદ્ધાભર્યા વ્યવહારો વિશે વાતો કરવાની ખુબ મજા આવી તમારી સાથે. આપ સૌએ શાંતિથી મેં કર્યા એવા ખુલાસા માન્ય રાખ્યા એથી વળી ઓર આનંદ આવ્યો. તમારા સૌની વચ્ચે મને આવવાનો મોકો ઊભો કરનાર આયોજકોનો ઋણી થયો છું. આભાર.”
રામજીભાઇએ વકતવ્ય પૂર્ણ કર્યું. અને મંડળના સભ્ય શ્રી દેસુરભાઇએ રામજીભાઇનો આભાર માન્યો અને શ્રી દેવરાજભાઇએ સૌને બપોરા કરવા માટે સાદ કર્યો અને સૌ રોંઢો કરવા ઊભા થયા.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
-
‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૧લું – વિજ્ઞાન એટલે શું’? – વિજ્ઞાનની પધ્ધતિ – તથ્ય
આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.
આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.
સંપાદન મડળ – વેબ ગુર્જરી
પોપટલાલ ગોવિંદલાલ શાહ

ગયા અંશ [૩] માં આપણે જોયું હતું કે નિરીક્ષણ અને પ્રયોગથી સિદ્ધ કરવા એ વિજ્ઞાનની જે પધ્ધતિના ચાર વિભાગ કરી શકાય છે.
આજના મણકામાં આપણે આ ચાર વિભાગ પૈકી પહેલા વિભાગ ‘તથ્ય’ની વાત કરીશું.
તથ્ય
વિજ્ઞાનનો મુખ્ય હેતુ સૃષ્ટિની મુખ્ય ઘટનાઓ સમજીને તેમના પૂર્વાનુપૂર્વી સંબંધો શોધવાનો છે એ આપણે જોઈ ગયા.. પરંતુ આ કામ થઈ શકે તે પહેલાં ખરી હકીકતો મેળવવાની, અને મજબૂત પાયો રચવાની જરૂર રહે છે. સાધારણ દૃષ્ટિથી ખરી હકીકતો તપાસ કરતાં ખોટી માલૂમ પડે છે, તેથી મૂળ પાયામાંથી જ ખરી બાતમી મેળવવી અને ખોટી બાતમીને દૂર રાખવી એ પ્રથમ કાર્ય ઘણું મહત્ત્વનું છે. ખરી બાતમી – ખરી હકીકત – સિદ્ધ થયેલી હકીકતને અંગ્રેજીમાં ‘ફેક્ટ’ કહે છે. તેને માટે આપણે ગુજરાતીમાં “તથ્ય” શબ્દ પ્રયોજીશું. “તથ્ય” એટલે વાસ્તવિક અને ખરી હકીકત; જાદુ, હાથચાલાકી, ઇંદ્રજાળ વગેરે બાહ્ય દર્શંનથી છેતરાયા વિના પ્રાપ્ત કરેવામાં આવેલું ઘટનાનું વાસ્તવિક રૂપ એ તથ્ય. ચાલતી આગગાડીમાંથી આપણને ઝાડ અને ખેતરો દોડતાં લાગે છે, તેવી જ રીતે સૂર્ય પૃથ્વીનું પરિક્રમણ કરે છે એમ લાગે છે.એ પ્રત્યક્ષ નજરોથી દેખાતી હકીકતો ખરી છે કે ખોટી, અને ખરું તથ્ય શું છે તે શોધી કાઢવાનું કામ કઠિન અને અગત્યનું છે.
વૈજ્ઞાનિક તથ્યનાં બે સ્વરૂપ બહુ જ ધ્યાનથી યાદ રાખવાનાં છેઃ
(૧) ખરી બનેલી, અને ચોકસાઈથી વર્ણવેલી હકીકતને જ, અને,
(૨) અન્ય નિરીક્ષકોથી અનુભવી શકાય, અને તેમનાથી પણ ખાત્રી કરી શકાય એવાં રૂપમાં મૂકેલી હકીકતને જ,
“તથ્ય”નું નામ આપી શકાય.
આ પ્રમાણે યોજના રાખવાથી અન્વેષકોના મનના તરંગો અને અપૂર્ણતાઓ દૂર રાખી શકાય છે, અને ખોટી માન્યતાઓ અને ખોટા પાયાઓ પરથી ખોટા સિદ્ધાંતો રચાતા અટકે છે. આ કામ બહારથી દેખાય છે એટલું સહેલું નથી
માન્યતા અને તથ્ય
પ્રત્યક્ષ નિરીક્ષણ અને પ્રયોગાત્મક પદ્ધતિ અર્વાચીન સમયમાં બે-ત્રણ શતકથી જ પ્રચલિત થઇ છે. પ્રાચીન દેશોમાં, ખાસ કરીને પ્રાચીન હિંદમાં, આ પદ્ધતિ અમુક અ’શે પ્રચલિત હતી, પરંતુ એકવાર તે લુપ્ત થયા પછી મધ્યકાલીન સમયમાં, અને તે પછીના કાળમાં, પ્રયોગથી પ્રત્યક્ષ નિરીક્ષણ કરવાની પદ્ધતિ તદ્દન ભુલાઇ ગઇ હતી. યુરોપમાં લિયોનાર્ડો દ વીન્સી, રોજર બૅકન, અને લૉર્ડ બૅકન વગેરેના પ્રયાસોથી આ પદ્ધતિનાં બીજ રોપાયાં હતાં; અને આ પદ્ધતિ પ્રમાણે તપાસ કરવાને અંતે સત્યશોધનને માટે ઈંગ્લંડમાં રોયલ સોસાઇટીની સ્થાપના સન ૧૬૬૧માં થઇ હતી. આ સોસાઈટીનો મુખ્ય ઉદેશ સમસ્ત પ્રકૃતિતી ધટનાનાં કારણોની શોધ કરવાનો અને પ્રયોગાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવાનો હતો. તે સમયમાં સાધારણ માન્યતાઓ અને ખરી હકીકતો-તથ્યનો ભેદ સમજવાનું કામ અપરિચિત હતું. અભિપ્રાયોને પ્રમાણ માનવાને બદલે પ્રત્યક્ષ. નિરીક્ષણ અને પ્રયોગથી સિદ્ધ કરવાના પ્રશ્નોની યાદીમાં નીચેના પ્રશ્નો હતા :
“લોહચુંબક હાથમાં રાખવાથી સંધિવા દૂર ચાય છે.”
“હીરો એ કઠણ પદાર્થ છે અને હીરાકણી સિવાય બીજા કશાથી કાપી શકાતો નથી, છતાં બકરાના લોહીથી તે નરમ થઇ જાય છે.”
“તુલસીથી વીંછી ઉત્પન્ન થાય છે અને તેનાં પાંદડાં સુંઘવાથી માણસના મનમાં વીંછી ઉત્પન્ન થાય છે.”
“હાથીના શરીરમાં સાંધા હોતા નથી, તેથી જમીન ઉપર સૂઈ શકતો નથી અને ઝાડને અઢુલીને સૂએ છે. તેથી આ ઝાડ પડી જાય તો હાથી પણ મરી જાય છે.”
ઉપરનાં દૃષ્ટાંતો ઉપરથી દેખાશે કે તે સમયમાં વિજ્ઞાનના પ્રાથમિક તથ્યો વિષે કેટલું અજ્ઞાન હતું. તેમ છતાં આ અજ્ઞાન દૂર કરનારાઓને તે સમયમાં લોકો ઘણું પજવતા, અને ગોલ્ડસ્મીથ અને ગુલીવર જેવા લેખકો પણ આ વૈજ્ઞાનિકોની મજાક કરવાનું છોડતા નહિ.
ગોલ્ડસ્મીથે લખેલું કે અમુક જાતના પતંગિયાં શું ખોરાક ખાય છે તે જાણવાથી જગત ડાહ્યું થવાનું કે સુધરવાનું નથી; અતે ગુલીવરે કાકડીમાંથી સૂર્ય કિરણો કાઢવાનો આઠ વર્ષ સુધી પ્રયોગ કરનાર વૈજ્ઞાનિકનું વર્ણન આપ્યું છે! પરંતુ સાહિત્યકોનો આ વિરોધ થોડો જ સમય રહ્યો. વિજ્ઞાનની પ્રતિષ્ઠા અને વિજ્ઞાનની પદ્ધતિ હવે સુસ્થાપિત થઈ છે. તે છતાં સાધારણ માન્યતા અને વૈજ્ઞાનિક તથ્યનો ભેદ સમજતાં ધણાં મનુષ્યો ડગલે પગલે ભૂલો કરે છે. આવી ખોટી ઠરેલી અર્વાચીન માન્યતાના થોડાં દૃષ્ટાંત બસ થશેઃ-
“પૃર્ણિમાને દિવસે વાદળાં ઓછાં થાય છે”[1]
“ચંદ્રની વધધટની સાથે હવામાનમાં ફેર થાય છે”[2]
“ગ્રહો અને તારાની ગતિથી હવામાનમાં ફેરફાર ચાય છે.”[3]
“તોપોના ભડાકા થવાથી વરસાદ બહુ થાય છે. ”[4]
“વીજળીના કડાકાની સાથે વજ્ર પૃથ્વી પર્ પડે છે.”
“દેડકા પથ્થરનાં પોલાણમાં અસંખ્ય વર્ષો સુધી જીવે છે.”
સમયના અભાવને લીધે, અને વિષયાંતર થવાના ભયને લીધે ઉપરની દરેક માન્યતા ખોટી છે એ અત્રે સિદ્ધ કરી શકાય તેમ નથી, પરંતુ તે દરેક વિષે ટુંકાણમાં ટિપ્પણથી સમજાવવામાં આવ્યું છે તે ઉપરથી દેખાશે કે આવી માન્યતાઓ અને વૈજ્ઞાનિક તથ્યની વચ્ચે કેટલો ભેદ છે, અને વૈજ્ઞાનિક તથ્યની પ્રાપ્તિ કેટલી કઠિન છે.
ક્રમશઃ
હવે પછીના અંશમાં “તથ્ય પ્રાપ્તિ” અને “તથ્યની વ્યવસ્થા” વિશે વાત કરીશું.
[1] પંદર વર્ષ સુધી નિરીક્ષણ કરનાર એક પાદરી વૈજ્ઞાનિકે સિદ્ધ કર્યું હતું કે વાદળા પૂનમને દિવસે ઓછા થતા નથી. ઘણું કરીને વાદળાં સવારમાં વધારે હાય છે અને સાંજરે ઓછાં યાય જ તેથી પૂર્ણચંદ્ર ઊગતી વખતે વાદળા ઓછા હોવાનો ભાસ થાય છે.
[2] ચંદ્રને લીધે હવામાં દરિયાની પેઠે ભરતીઓટ આવે છે પરતુ તેનાથી એક ઇંચના પચાસમા ભાગ કરતાં વધારે ફેર પડત્તો નથી. તેથી નબળા મનના માણસ ઉપર કંઈક અસર થાચ પણ તેથી કોઈ વરસાદ કે તોફાનનો સંબંધ સિદ્ધ થતો નથી.
[3] આ માન્યતા જ્યોતિષની ઉત્પત્તિના સમચથી ચાલતી આવે છે. પરતુ આ ગ્રહો અને તારા પૃથ્વીથી એટલા બધા દૂર છે કે તેમની કોઈ પણ્ અસર પૃથ્વીના હવામાન ઉપર થઈ શકતી નથી. આખા તારામંડળમાંથી દેખાતો બધો પ્રકાશ એકઠો કરવામા આવે તો છત્રીસ ફૂટ જેટલે છેટે મૂકેલી એક મીણબત્તી જેટલો થાય. આટલી ઉષ્ણતાથી હવામાન શી રીતે ફરી શકે? તારા અને ગ્રહ્ોમાંથી કોઈ અજ્ઞાત પ્રકારના કિરણ આવીને આ હવામાનમાં ફેરફાર કરતા હોય તો તે અસભવિત ન ગણાય, પરતુ તારા અને ગ્રહોની ગતિની સાથેનો હવામાનનો સંબંધ હજી સુધી સિધ્ધ થયો નથી.
[4] આ સંબંધી એટલુ અજ્ઞાન છે કે ૧૯૧૧ માં પાર્લમેન્ટના એક સભાસદે અમુક ગામમાં બહુ વરસાદ થતો હોવાથી ત્યાથી દૂર જઈને વહાણોને દારૂગોળાની પ્રેક્ટીસ કરવાને વિનંતિ કરી હતી.

