વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • … માણસ છું / … નહીં ફાવે

    (૧)

    હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
    હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.

    સૌ જાણે છે કે ચાવું છું હું પાન હંમેશાં મઘમઘતાં,
    હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.

    પાણીમાં પડેલાં કાગળના આકાર જેવા છે શ્વાસ બધા,
    જીવું છું ઝાંખુ પાંખું હું ભૂંસાઈ ગયેલો માણસ છું.

    પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
    કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

    ક્યારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
    એક સાવ બજારુ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.

    સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
    કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.

    રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

    (૨)

    તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
    અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

    કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
    પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.

    તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
    ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

    તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
    તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

    તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
    પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

    ખલીલ ધનતેજવી

  • શીર્ષક આવરતા ગીતો – ૩

    નિરંજન મહેતા

    આ શ્રેણીના બે ભાગના લેખોમાં (તા. ૨૮.૧૦.૨૦૨૩ અને ૨૫.૧૧.૨૦૨૩) ૧૯૬૭ સુધીના ગીતોને સમાવી લીધા હતાં. હવે આ ભાગમાં ત્યાર પછીના ૧૯૭૩ સુધીના ગીતોને રજુ કર્યા છે

    ૧૯૬૬ની ફિલ્મ ‘બહારે ફિર ભી આયેગી’નુ આ ગીત એક સંદેશાત્મક ગીત છે.

    बदल जाए अगर माली
    चमन होता नहीं खाली
    बहारे फिर भी आती है
    बहारे फिर भी आयेगी

    હતાશ વ્યક્તિને પ્રોત્સાહિત કરતા આ ગીતના કલાકાર છે ધર્મેન્દ્ર જેના શબ્દો છે કૈફી આઝમીના અને સંગીત આપ્યું છે ઓ.પી. નય્યરે. ગાયક કલાકાર મહેન્દ્ર કપૂર.

    ૧૯૬૮ની ફિલ્મ ‘પત્થર કે સનમ’નુ આ ગીત હતાશ પ્રેમીના મનોભાવ વ્યક્ત કરે છે.

    पत्थर के सनम
    तुजे हमने मुहब्बत का खुदा जाना

    વહીદા રહેમાનથી નારાજ મનોજકુમાર પર રચાયેલ આ ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના. લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત અને રફીસાહેબનો સ્વર.

    ૧૯૬૯ની ફિલ્મ ‘આરાધના’નુ આ પાર્શ્વગીત છે.

    बनेगी आशा एक दिन काहे को रोये
    सफल होगी तेरी आराधना

    કોઈક કારણસર ઘર છોડીને જતી શર્મિલા ટાગોર પર આ પ્રોત્સાહક ગીત રચાયું છે. સાથી છે પહાડી સન્યાલ. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર અને ગાયક સચિન દેવ બર્મન.

    ૧૯૬૯ની ફિલ્મ ‘પ્યાર હી પ્યાર’નુ આ ગીત પ્રેમિકાને પટાવવા ગવાયું છે.

    देखा है तेरी आँखों में
    प्यार ही प्यार बेसुमार

    વૈજયંતીમાલાને સંબોધાયેલું આ ગીત ધર્મેન્દ્ર પર રચાયું છે. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૬૯ની ફિલ્મ ‘જીને કી રાહ’નુ આ ગીત સંદેશાત્મક ગીત છે.

    एक बंजारा गाये
    जीवन के गीत सुनाये
    हम सब जीनेवालो को
    जीने की राह बताये

    મજ્દૂરોને અપાતી પાર્ટીમાં જીતેન્દ્ર આ ગીત ગાય છે જેમાં તેને તનુજાનો સાથ મળે છે. ગીત છે આનંદ બક્ષીનુ અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. ગાયક રફીસાહેબ.

    ૧૯૭૦ની ફિલ્મ ‘ગીત’નુ આ ગીત બે પ્રેમીઓના સંદર્ભમાં મુકાયું છે.

    मेरे मितवा मेरे मित रे
    आजा तुज को पुकारे मेरे गीत रे

    ગીતના કલાકારો છે રાજેન્દ્ર કુમાર અને માલા સિંહા. ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. ગાયકો છે લતાજી અને રફીસાહેબ.

    ૧૯૭૦ની ફિલ્મ ‘મેરે હમસફર’નુ ગીત બે પ્રેમીઓના ભાવને વ્યક્ત કરે છે.

    किसी राह मे किसी मोड़ पर
    कहीं चल न देना तू छोड़कर
    मेरे हमसफ़र मेरे हमसफ़र

    ટ્રકમાં સફર કરતાં જીતેન્દ્ર અને શર્મિલા ટાગોર આ ગીતના કલાકારો છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. ગાયક કલાકારો છે લતાજી અને મુકેશ.

    ૧૯૭૦ની ફિલ્મ ‘જહાં પ્યાર મિલે’નુ ગીત છે

    चले जा चले जा चले जा
    जहाँ प्यार मिले

    સ્ટેજ પર ગાતી અંજલી કદમ(?) પર રચાયેલ આ ગીત હતાશ શશીકપૂર માટે જાણે હોય તેમ જણાય છે. હસરત જયપુરીના શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે સુમન કલ્યાણપુરનો.

    ૧૯૭૧ની ફિલ્મ ‘કટી પતંગ’નુ આ અતિ પ્રચલિત ગીત હતાશ આશા પારેખના મનોભાવ દર્શાવે છે.

    ना कोई उमंग है न कोई तरंग है
    मेरी जिंदगी है क्या एक कटी पतंग है

    ગીતકાર આનદ બક્ષી અને સંગીતકાર આર. ડી. બર્મન. દર્દભર્યો સ્વર છે લતાજીનો.

    ૧૯૭૨ની ફિલ્મ ‘એક નજર’નુ ગીત છે.

    प्यार को चाहिए
    बस एक नज़र एक नज़र

    ટાઈટલ દર્શાવતી વખતે આ ગીત પાર્શ્વગીત તરીકે આવે છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયક કલાકાર છે કિશોરકુમાર.

    ૧૯૭૨ની ફિલ્મ ‘પિયા કા ઘર’નુ આ ગીત એક નવોઢાનાં ભાવોને વ્યક્ત કરે છે.

    पिया का घर है ये
    रानी हु मै रानी घर की
    मेरे पिया का घर है ये
    रानी हु मै रानी घर की

    જયા ભાદુરી પર રચાયેલ આ ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. આનંદિત સ્વર છે લતાજીનો.

    ૧૯૭૨ની ફિલ્મ ‘હરે રામ હરે કૃષ્ણ’નુ આ ગીત આજે પણ અત્યંત લોકપ્રિય છે.

    दम मारो दम
    मिट जाए हम
    बोलो सुबह शाम
    हरे राम हरे क्रिष्णा

    સંજોગોને કારણે હિપ્પીઓની જમાતમાં સામેલ ઝીનત અમાન આ ગીતના કલાકર છે. આનંદ બક્ષીનાં શબ્દો અને  આર.ડી.બર્મનનુ સંગીત જેને સ્વર આપ્યો છે ઉષા આયર અને આશા ભોસલેએ.

    ૧૯૭૨ની ફિલ્મ ‘રાજા જાની’નુ આ ગીત છેડછાડભર્યું ગીત છે.

    ऐ बी सी डी छोडो
    नैनो से नैना जोड़ो
    देखो दिल ना तोड़ो
    आई शाम सुहानी
    राजा जानी राजा जानी

    હેમા માલીની ધર્મેન્દ્રને કટાક્ષમાં કહે છે કે એ બી સી ડીને બદલે પ્યારને વ્યક્ત કરો. શબ્દો છે આનંદ બક્ષીના અને  સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. નટખટ સ્વર છે લતાજીનો.

    ૧૯૭૩ની ફિલ્મ ‘યાદો કી બારાત’નુ આ ગીત નાનપણમાં છૂટા પડેલા ભાઈઓને ભેગા કરવાનું નિમિત્ત બને છે. સ્ટેજ પર તારીક ગીત ગાતા પહેલા આ મુજબની વાત કરે છે.

    यादो की बारात निकली है आज
    दिल के द्वारे दिल के द्वारे

    અન્ય ભાઈઓ છે વિજય અરોરા અને ધર્મેન્દ્ર. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર આર.ડી.બર્મન. કિશોરકુમાર અને રફીસાહેબ ગાયક કલાકારો.

    ૧૯૭૩ની ફિલ્મ ‘બોબી’નુ આ ગીત હજી પણ પ્રચલિત છે.

    बाहर से कोई अन्दर ना आ सके
    ……………
    तेरे नैनो की भूलभुलैया में
    बोबी खो जाए
    …………..
    तेरे बैया के झूले में सैया
    बोबी झूल जाए

    યુવા પ્રેમીઓ રિશીકપૂર અને ડિમ્પલ કાપડિયા કલ્પનાના ઘોડા દોડાવતા આ ગીત ગાય છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગીતના ગાયકો છે લતાજી અને શૈલેન્દ્ર સિંહ.

    ૧૯૭૩ પછીના ગીતો હવે પછી.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૩૦. જાવેદ અખ્તર

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    અડધી શતાબ્દી પહેલાં ફિલ્મોમાં લેખન શરુ કર્યું હોય અને હજુ પણ સક્રિય હોય એવા લેખકોમાં ગત હપ્તે આપણે ગુલઝારની વાત કરી. એવા જ એક અન્ય ગીતકાર એટલે જાવેદ અખ્તર. 

    જન્મથી ઘરમાં જ સાહિત્યિક માહૌલમાં ઉછરેલા જાવેદ અખ્તર જાંનિસ્સાર અખ્તરના પુત્ર, મુઝ્તર ખૈરાબાદીના પૌત્ર, મજાઝ લખનવીના ભાણેજ અને કૈફી – શૌકત આઝમીના જમાઈ છે. શબાના આઝમીના ખાવિંદ તો ખરા જ.  આ બધી શખ્સિયતો કળા-સાહિત્ય સાથે પ્રગાઢપણે સંકળાયેલ છે. કારકિર્દીની શરુઆતના વર્ષોમાં દારુણ સંઘર્ષ બાદ લેખક – અભિનેતા સલીમ ખાન સાથે પટકથા લેખક તરીકે સફળતાના એવા શિખર સર કર્યા કે આજ સુધી પાછું વાળીને જોયું નથી ! જીવ મૂળભૂત કવિનો એટલે પછીથી અનેક ફિલ્મોમાં ગુણવત્તાસભર ગીતો પણ લખ્યા જે ધૂમ ચાલ્યા. હજૂ પણ એ સફર અવિરત ચાલે છે. એમના એક કવિતા સંગ્રહનું નામ ‘ તરકશ ‘ છે.

    એમના ગીતોમાંથી એમના શરૂઆતી દૌરની ફિલ્મ ‘ સાથ સાથ ‘ ના ગીતો મને વિશેષ પસંદ છે. એ ફિલ્મની એક હમ કાફિયા હમ રદીફ ગઝલનો એક શેર જૂઓ :

    હમ જિસે ગુનગુના નહીં સકતે
    વક્ત ને ઐસા ગીત ક્યોં ગાયા ..

    દેશ અને દુનિયાના મૌજુદા હાલાત વિષેના એમના વિચારો અને દ્રષ્ટિકોણ પણ બિલકુલ સાફ અને નિડર. આ સ્પષ્ટવક્તાપણાને પણ સલામ કરવા પડે !

    ફિલ્મોમાં ઘણી ગઝલો પણ લખી. એમાંની બે સાવ ઓછી જાણીતી પેશ છે :

    ફિરતે  હૈં  કબ  સે  દરબદર, અબ ઈસ નગર અબ ઉસ નગર, એક દૂસરે કે હમસફર, મૈં ઔર મેરી આવારગી
    ના-આશના હર રહગુઝર, ના – મેહરબાં  સબ કી નઝર,  જાએં  તો અબ  જાએં કિધર, મૈં ઔર મેરા આવારગી

    એક દિન મિલી એક મેહજબીં, તન ભી હંસીં જાં ભી હંસીં, દિલ ને કહા હમ સે વહીં, ખ્વાબોં કી હૈ મંઝિલ યહીં
    ફિર  યૂં  હુઆ  વો  ખો  ગઈ, તો  મુજકો  ઝિદ્દ – સી  હો  ગઈ, લાએંગે ઉસકો ઢૂંઢ કર, મૈં ઔર મેરી આવારગી

    યે દિલ હી થા જો સહ ગયા, જો બાત ઐસી કહ ગયા, કહને કો ફિર ક્યા રહ ગયા, અશ્કોં કા દરિયા બહ ગયા
    જબ  કહ  કે  વો  દિલબર  ગયા, તેરે  લિયે  મૈં  મર  ગયા, રોતે  હૈં  ઉસકો રાત ભર, મૈં ઔર મેરી આવારગી

    હમ  ભી  કભી  આબાદ  થે, ઐસે  કહાં  બરબાદ  થે, બેફિક્ર  થે  આઝાદ  થે, મસરૂર  થે  દિલશાદ  થે
    વો ચાલ ઐસી ચલ ગયા, હમ બુઝ ગએ દિલ જલ ગયા, નિકલે જલા કે અપના ઘર, મૈં ઔર મેરી આવારગી ..

    – ફિલ્મ : દુનિયા ૧૯૮૪

    – કિશોર કુમાર

    – આર ડી બર્મન

    ( આ ગઝલ ફિલ્મમાં લેવાઈ નહોતી. )

    હુઝુર ઈતના અગર હમ પર કરમ કરતે તો અચ્છા થા
    તગાફૂલ  આપ  કરતે  હૈ, સિતમ  કરતે તો અચ્છા થા

    કહા  કિસને  કે  યે ઝોર-ઓ-વફા  મત કીજિયે હમ પર
    બસ ઈતની સી ગુઝારિશ હૈ કિ કમ કરતે તો અચ્છા થા

    ખુદા  કી  મહેરબાની  હૈ કિ અચ્છે હૈં, મગર ગમ હૈ
    ખુદા ને મહેરબાની કી – સનમ કરતે તો અચ્છા થા

    ગઝલ મેં દર્દ-ઓ-ગમ અપના બયાં કરને સે ક્યા હોગા
    યે  બાતેં  હમ ઉન્હેં  ખત  મેં રકમ  કરતે તો અચ્છા થા .

    – ફિલ્મ : સરદારી બેગમ

    – આરતી અંકલીકર

    – વનરાજ ભાટિયા

     


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • “સીક્રેટ ફંડ”

    હરેશ ધોળકિયા

    ટી.વી.ની એક ચેનલ પર એક સીરિયલ આવે છે-” વાગલે કી દુનિયા.” મધ્યમ વર્ગની તકલીફો અને આનંદો વ્યકત કરતી નિર્દોષ સીરિયલ છે. જોવી ગમે એટલા માટે છે કે તે સામાન્ય વર્ગની તકલીફોને સરસ રીતે રજૂ કરે છે. તેના એક હપ્તામાં એવી વાત રજૂ કરી કે કોલેજમાં પરદેશમાં ભણવા કેમ અને શા માટે જવું તે કહેવા એક નિષ્ણાત આવે છે. તેની કસોટીમાં વાગલેની પુત્રી સખી પાસ થાય છે અને તેને પરદેશ જવાનું સૂચવવામાં આવે છે. તે ખુશ થઈ જાય છે અને પિતાને વાત કરે છે. પિતા તેનો ઉત્સાહ જોઈ કહી શકતા નથી કે તેના પાસે પૈસા નથી. ઉલટું પ્રોત્સાહન આપે છે. ત્યારે પત્ની કહે છે કે પૈસાનું શું ! ત્યારે પિતા કહે છે કે તેના પાસે એક ” સીક્રેટ ફંડ” છે જેની મદદથી પુત્રી ભણી શકશે. હકીકતે કોઈ સીક્રેટ ફંડ તેના પાસે નથી હોતું. તે પુત્રીના ખર્ચ કાઢવા લોન માટે બેન્કોના ધકકા ખાવા શરુ કરે છે, પણ બેન્કોનાં વ્યાજ જોઈ હચમચી જાય છે.

    સીરિયલમાં તો આ “સીક્રેટ ફંડ”ની જુઠ્ઠી વાત કરે છે. મધ્યમ વર્ગ પાસે તો જાહેરમાં પણ ફંડ હોતું નથી, ત્યાં સીક્રેટ ફંડ કયાં હોવાનું ! મોટા ભાગના લોકો ચૂસ્ત મર્યાદિત આવકમાં જીવતા હોય છે. તેના દૈનિક ખર્ચા એવા હોય છે કે વધારાનો કોઈ પણ ખર્ચ ઊભો કરવા તેણે ઉધારી જ કરવી પડે છે.

    પણ આ વાતને એક બીજી રીતે પણ તપાસી શકાય. વ્યકિત ભલે મધ્યમ કે નીચલા મઘ્યમ વર્ગની હોય, ભલે તેની આવક મર્યાદિત હોય, પણ તે તપાસ કરે તો ખરેખર તેના પાસે એક “સીક્રેટ ફંડ” હોય જ છે.

    પણ ઉધારીમાં જીવનાર પાસે આવું ફંડ કયાંથી હોઈ શકે? તે શકય છે?

    શકય છે. આ ફંડને નાણાકીય બાબત સાથે સંબંધ નથી. આ ફંડ બીજું જ છે.

    ક્યું?

    માણસ પાસે એક પ્રબળ, તાકાતવર માધ્યમ છે. તેનું નામ છે ‘ મન.” આ મન એટલું તો શકિતશાળી છે કે તેની ભાગ્યે જ કોઈને કલ્પના હોય છે. કુદરતે માણસને મનરુપી એક અદભુત બાબત આપી છે. આ મન અનંતગણી શકિત ધરાવે છે. તે ધાર્યું કરી શકે છે. નાનામાં નાનાં કામથી માંડી મંગળના ગ્રહ સુધી જવા સુધીનું કામ તે કરી શકે છે. અને કરતું દેખાય પણ છે. માનવજાતનો ઈંતેહાસ જુઓ. લાખો વર્ષ પહેલાં માણસ ઝાડ પર કે ગુફામાં રહેતો હતો. કોઈ જ સગવડ ન હતી. સતત ભયમાં રહેતો હતો. કઈ પળે તેનો નાશ થશે તેનો તેને પણ ખ્યાલ ન હતો. અને છતાં આજે લાખો વર્ષ પછી પણ તે છે. બધા જ ભયો દૂર કર્યા છે તેણે. ગુફામાંથી સ્કાયસ્ક્રેપરમાં રહે છે. અદ્યતન સગવડો ભોગવે છે. બીજા ગ્રહોમાં વસવાટ કરવાની તૈયારી કરે છે. ગુફાવાસી માનવ કે ભૂતકાળના અશોક કે અકબર જેવા રાજા આજે આવે અને આજના માણસને જુએ તો કલ્પના પણ ન કરી શકે. આજના ગરીબ પણ તેમના કરતાં વધારે સગવડ ભોગવે છે.

    એમ કેમ બન્યું?

    માત્ર માનવના ” મનના કારણે.

    માનવ મન પાસે અનંત શકિત છે. એક વાર જો તેનો ઉપયોગ કરતાં આવડી જાય, તો માણસ ધાર્યું કરી શકે છે. એક સમયે ગુફામાં રહેતો માણસ આજે મહેલો જેવા બંગલામાં રહે છે. એક વાર માઈલો સુધી પગે ચાલતો માણસ આજ રોકેટમાં ઊડે છે અને કલાકોમાં હજારો માઈલ કાપી નાખે છે. હાથમાં રહેલ એક રીમોટથી હજારો કામ સરળતાથી કરી શકે છે. એક જમાનામાં સંદેશ પહોંચાડવામાં દિવસો નીકળી જતા હતા, તે આજે મોબાઈલની મદદથી સેકન્ડોમાં કરી શકાય છે. અને હવે તો આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની મદદથી તો બધાં કામ તેના પાસે કરાવી શકે છે.

    મનની શકિતની, મનની તાકાતની, મોટા ભાગના લોકોને કશી જ ખબર નથી. આજની શોધોથી બધા જ પ્રભાવિત થાય છે. આ શોધો તેમને ચકિત કરે છે. કમ્પ્યુટરની ઝડપ કલ્પનાતીત છે. મોબાઈલ પર નંબર નોંધાય છે પછી સેકન્ડના લાખમા ભાગમાં સામો નંબર લાગી જાય છે. હવે સરનામું પૂછવાની જરુર નથી રહી. દુનિયાનો કોઈ પણ જગ્યાનો ફોટો જી.પી.એસ. પર પળમાં આવી જાય છે. પત્ર લખવાની જરુર નથી. મેઈલ પળમાં થઈ જાય છે. પુસ્તકાલયમાં જવાની જરુર નથી. બધાં પુસ્તકો નેટ પર મળે છે. ટૂંકમાં ઘરબેઠે બધી જ સગવડો મળે છે. આ બધું આપણને નવાઈ પમાડે છે. થાય છે કે અહો ! ટેકનોલોજી કેટલી અદભુત છે!

    પણ ત્યારે એ વિચાર નથી આવતો, મોટા ભાગનાને, કે આ ટેકનોલોજી સર્જી કોણે ? બનાવી કોણે ? શોધી કોણે ?

    એનો શોધક માણસ છે. અને માણસ એટલે તેનું મન ! આ બધો મનનો ખેલ છે. દુનિયાની અદભુતમાં અદભુત શોધ મનમાંથી જ ઉત્પન્ન થાય છે. હજારો “મન” પ્રયોગશાળાઓમાં આ કામ કરે છે. સમગ્ર વિકાસ, સમગ્ર પ્રગતિનાં મૂળિયાંમાણસના મનમાં છે.

    આ “મન ”જ “સીક્રેટ ફંડ” છે.

    જયારે પણ તકલીફ પડે, જરુરત ઊભી થાય, ત્યારે જો આ મનનો ઉપયોગ કરતાં આવડે, તો તેનામાં રહેલ આ સીકેટ ફંડમાંથી શકિત પ્રગટ થાય છે અને સમસ્યાનો ઉકેલ કરી શકે છે. મત એક એવી બેન્ક છે જેમાં અનંત ધન છે. ધારીએ ત્યારે તેમાંથી ગમે તેટલું ધન – કોઈ પણ વ્યાજ આપ્યા વિના- ઉપાડી શકાય છે. અને મજાની વાત એ છે કે આટલું ધન ઉપાડયા છતાં તેમાંથી એક રૂપિયો પણ ઓછો થતો નથી. ઉલટું તેનો નિયમ એવો છે કે જેમ મનનો ઉપયોગ વધારે થાય છે તેમ તેમ તેના ધનમાં, ફંડમાં, સતત વધારો થતો રહે છે. ઉલટું, જો આ ફંડનો ઉપયોગ ન થાય, તો, સમય જતાં, ફંડ ઓછું થઈ જાય છે !

    મનનું સૂત્ર છે ‘ ઉપયોગ કરો અથવા ગુમાવો.” અંગ્રેજીમાં કહે છે : ” યુઝ ઈટ ઓર લૂઝ ઈટ.”

    એટલે ફંડ નથી એમ માનવા બદલે મનમાં રહેલ આ ફંડનો ઉપયોગ કેમ કરવો તે શીખવાનું છે. તેની તાલીમ લેવાની છે.

    શું છે તેની તાલીમ ?

    એક સરસ પુસ્તક છે : ” રહસ્ય.” ( મૂળે અંગ્રેજીમાં “સીક્રેટ.’) ખૂબ સરસ પુસ્તક છે. મોટું છે, પણ તેની પહેલી લીટીમાં તેનું રહસ્ય છૂપાયેલ છે. તેમાં લખે છે, ” વ્યકિત જેવો વિચાર કરશે તેને તે આકર્ષશે.” તે કહે છે કે સમગ્ર જગત આકર્ષણના નિયમ પર ચાલે છે. વિચારનું જગત પણ આ નિયમ પર જ ચાલે છે. વ્યકિત જેવા વિચારો સતત કરશે, તેવા વિચારોને તે આકર્ષશે. એટલે કે જેવા તે વિચાર કરશે, તેવા જ વિચારો કરતા લોકોના વિચારો તેના તરફ આકર્ષાશે. માની લો કે તે જે વિચાર કરે છે, તેવા જ વિચાર જગતમાં એક કરોડ લોકો કરે છે. તો આ કરોડ વિચારો આ વ્યકિત તરફ આકર્ષાશે અને ‘ હુમલો” કરશે. એટલે તે વ્યકિતનો વિચાર કરોડગણો પ્રબળ થઈ જશે. પરિણામે તે વ્યકિતને તે વિચારનો અમલ કરવો જ પડશે. તે તેને અટકાવી નહીં શકે.

    હવે જો આ વિચાર નકારાત્મક હશે તો ? તો વ્યકિત નકારાત્મક રીતે વર્તશે અને, સ્વાભાવિક રીતે, નકારાત્મક પરિણામો ભોગવશે. અને હકારાત્મક, સરસ, વિચારો કરશે, તો હકારાત્મક પરિણામો ભોગવશે. સંશોધનો કહે છે કે જગતના નેવુ ટકા લોકો સતત નકારાત્મક વિચારો જ કરે છે. માટે જ જગતમાં અશાંતિ અને પછાતપણું છે. અને તેનું કારણ એ છે કે લોકોને યોગ્ય રીતે વિચારવાની તાલીમ જ નથી આપવામાં આવતી. તેમને વિચાર કરવા બદલે આવેશથી વર્તવાની તાલીમ આપવામાં આવે છે. અને આવેશ ખોટાં જ પરિણામો લાવે. માટે જગત આજે અદભુત શોધો અને સગવડો વચ્ચે રહેવા છતાં માણસજાત દુઃખી અને અસ્વસ્થ છે. કારણ ? વિચારનો અભાવ અથવા ખોટા અને નકારાત્મક વિચારો. પોતામાં રહેલ માનસિક “સીક્રેટ ફંડ”નો યોગ્ય ઉપયોગ કરવાની આવડતનો અભાવ.

    આજે જે અદભુત સંશોધનો થાય છે, પ્રગતિ થાય છે, સુખો વધે છે, એ બધાનું કારણ એ છે કે તે કરનારા પાસે મનની તાલીમ છે. સીક્રેટ ફંડનો ઉપયોગ કેમ કરવો તેની જાણ અને આવડત છે. અને આ બધા વચ્ચે પણ જેઓ દુઃખી કે પછાત છે, તેનું પણ કારણ છે આ ફંડનો ઉપયોગ કરવાની અનાવડત. સાચા વિચાર કરવાની આવડતનો અભાવ. એટલે જયારે પણ તકલીફ ઊભી થાય, સમસ્યા ઊભી થાય, કશાક અભાવની લાગણી થાય, ત્યારે નિરાશ થવા બદલે મનમાં રહેલ આ “સીક્રેટ ફંડ”નો ઉપયોગ કરવાની આવડત કેળવવાની છે. જેમ જેમ આ આવડત વધતી જશે, તેમ તેમ ઉપાયો મળતા જશે.

    દુનિયામાં બધી જ સમસ્યાઓના ઉપાય છે-બહાર નહીં, માણસના મનમાં ! આજે હજારો ગરીબો તેની મદદથી આગળ વધી રહ્યા છે અને હજારો સુખીઓ તેનો ઉપયોગ કરવાની આવડતના અભાવે પાછળ રહે છે. પ્રગતિનાં માધ્યમો ભલે બહાર હશે, પણ મૂળિયાં તો મનમાં જ છે. બહાર કદાચે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ શકે, પણ જો આ સીકેટ ફંડનો યોગ્ય ઉપયોગ કરતાં આવડતું હશે તો બધી જ મુશ્કેલીઓના ઉપાય આપોઆપ મળતા જશે.

    જગતના ભૂતકાળના અને આજના બધા જ સફળ લોકોનું એક જ રહસ્ય છે- આ ” માનસિક સીક્રેટ ફંડ”નો ઉપયોગ કરવાની આવડત.

    શિક્ષણ પણ એક જ આપવાનું છે-માનસિક રીતે હકારાત્મક, શુભ, પ્રોત્સાહક, પ્રગતિશીલ વિચારો કરવાની આવડત કેળવવાનું.

    સીક્રેટ ફંડ હાજર છે. દરેક પળે. તાકાત હોય તો ઉપયોગ કરો અને સમૃધ્ધ થાવ.


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • બાળ ગગન વિહાર – મણકો-૩૧ વાત અમારા મારિઓ : છુપા રુસ્તમની-

    શૈલા મુન્શા

    હોય છે બાળપણ,
    કેવું સીધુંને સરળ.
    પણ વાત જ્યાં મારિયાની,
    સીધીને સાથે જલેબી જેવી!!

     

    મારિઓ અમારા ક્લાસમાં લગભગ જાન્યુઆરીની શરૂઆતમાં આવ્યો હતો. મોટા ભાગના મેક્સિકન બાળકોની જેમ ગઠિયો અને ગોળ ચહેરો. માતા પિતા પણ સામાન્ય ઊંચાઈ કરતાં ઓછી ઉંચાઈવાળા. બસ નાનકડો પરિવાર, મારિઓ અને એક નાની બેન.

    સ્પેસીઅલ નીડ વાળા બાળકો આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે શાળામાં દાખલ થઈ શકે. જેવા ત્રણ વર્ષ પુરા થાય અને ડોક્ટરે Autistic, A.D.H.D., અથવા speech therapyનુ નિદાન કર્યું હોય તો એ બાળકને અમારા ક્લાસમાં દાખલ કરી શકાતા.

    મારિઓ પણ જ્યારે આવ્યો ત્યારે અમને લાગ્યું કે એની વાચા પુરી ખુલી નથી એટલે જ એ અમારા ક્લાસમાં છે, બાકી તો બીજી કોઈ ખામી દેખાતી નહોતી.

    મારિઓ આવ્યો ત્યારથી રડવાનુ નામ નહિ, બધું કામકાજ વ્યવસ્થિત, સવારના જેવી નાસ્તાની કાર્ટ લઈ કાફેટેરિઆની કર્મચારી આવે કે તરત નાસ્તાના ટેબલ પર ગોઠવાઈ જાય. એને દુધની એલર્જી એટલે જાતે જ દુધનુ કાર્ટન બાજુ પર મુકી જ્યુસ લઈ લે. વ્યવ્સ્થિત ખાય, કાંઈ ઢોળવાનુ નહિ, ખાઈને ખાલી કાર્ટન વગેરે ટ્રેશ કેનમાં નાખીને પોતાની જગ્યાએ બેસી જાય. શરૂઆતમાં થોડા દિવસ થોડો શરમાયો પણ પછી તો ઊભો થઈ નાસ્તો જો વધ્યો હોય તો બીજો લઈ આવે. જમવાના સમયે અમારા બાળકોને અમે ક્લાસમાં જ જમવાનું આપતા. અમારા ત્રણ શિક્ષકોમાંથી કોઈ એક કાફેટેરિઆમાં જઈ બધા બાળકોની ટ્રે લઈ આવતાં. મારિયો થોડા દિવસમાં જ સમજી ગયો અને જેવો અગિયાર વાગ્યાનો સમય થાય, ઊભો થઈ અમારી નાનકડી કાર્ટ ખેંચી દરવાજે પહોંચી જતો. અમારી સાથે કાફેટેરિઆમાં આવે અને એને જે જોઈતું હોય એ ટ્રેમાં મુકાવતો.

    અમે તો બધા ખુશ ખુશ!! વાહ વાહ શું વાત છે!! ઘણા વખતે એવો બાળક ક્લાસમાં આવ્યો હતો જે રોજ હસતો હસતો ક્લાસમાં આવતો અને ક્લાસના નિયમોનું સરસ પાલન કરતો.

    ધીરે ધીરે અમને સમજાયું કે મારિઓ સીધો તો ખરો પણ આપણી ભાષામાં કહીએ તો, જલેબી જેવો સીધો. એ ભાઈના અવનવા રૂપનો પરચો તો અમને ધીમે ધીમે થવા માંડ્યો.

    સ્પેસીઅલ નીડ ક્લાસમાં જ્યારે પણ કોઈ બાળક દાખલ થાય ત્યારે એની આખી ફાઈલ હોય. એમના મેડિકલ ટેસ્ટ, કોઈ એલર્જી છે કે નહિ, શું ખાઈ શકે વગેરે બધી માહિતી હોય. મારિઓ બોલતો નહોતો એ સિવાય બીજી કોઈ માનસિક વિકલાંગતા એનામાં દેખાતી નહોતી. લગભગ બે એક અઠવાડિઆ પછી બપોરે બાળકોના સુવાના સમયે હું મારિઓની બાજુમાં બેઠી હતી અને મને કોઈ કાંઈ બોલતું હોય એવો અવાજ આવ્યો. જોયું તો મારિઓ દિવાલ પર લગાડેલા આલ્ફાબેટ્સ અક્ષરો અને ચિત્રો વાંચી રહ્યો હતો like A for apple B for baby etc. જ્યારે કહીએ ત્યારે બોલે નહિ અને બારી બહાર જોયા કરે જાણે કાંઈ સમજતો જ નથી.

    મેં તરત મીસ ડેલને બોલાવી. મારિઓને બોલતો સાંભળી એ પણ નવાઈ પામી ગઈ. વાત એટલેથી અટકતી નથીં મારિઓ આવ્યો ત્યારે ચાર વર્ષનો હતો પણ અમારા ક્લાસમાં પાંચ અને છ વર્ષના બાળકો પણ હતા.એ વર્ષે ક્લાસમાં છોકરાંઓની સંખ્યા વધારે હતી અને એમાં પણ બે ચાર જણ તો એકદમ તોફાની બારકસ! રમતના મેદાનમાં તો દોડાદોડી કરે જ પણ ક્લાસમાં પણ ધમાલ. કોઈને પણ અડફટે લઈ લે. અમારી નજર સતત એમના પર રહેતી જેથી કોઈને વાગી ન જાય.

    મજા તો ત્યારે આવતી કે રમતનાં મેદાનમાં કે ક્લાસમાં કોઈથી પણ દોડતાં દોડ્તાં એમની ટપલી જો મારિઓને વાગી જતી તો મારિઓ જઈને એમને ટપલી તો ના મારતો પણ કાંઈક અડપલું કરી આવતો અને પછી દોડીને અમારી પાછળ સંતાઈ જતો. કોઈનો માર ખાઈને કે કોઈની દાદાગીરી સહન  કરી બેસી રહે એ મારિઓ નહિ. કોઈને ચીઢવવામાં, સળી કરવામાં એવો ઉસ્તાદ અને પાછો એવો હસતો ચહેરો કે એના ઉપર તો કોઈને શંકા જ ક્યાંથી આવે !!

    આજના બાળકોને બીજું કાંઈ આવડે કે નહિ પણ iPhone કે Ipad વાપરતાં બરાબર આવડે છે. મારિઓ પણ એમાં બાકાત નહોતો. અંગ્રેજીમાંથી સ્પેનિશ ભાષા બદલતાં પણ એને આવડતી. ધીરે ધીરે એની વાચા વધારે ખુલી અને ક્લાસમાં અમે જે શીખવાડતાં એ જ શબ્દોને ફરીવાર બોલી અમને સંભળાવતો.

    ઘણીવાર અમે જાણીજોઈને મારિઓને ચીઢવવા એ લેગો કે કોઈ બીજી રમત રમવા માટે માંગતો અને અમે જો ના કહીએ એટલે એ પાછો અમને અમારા જ લહેકામાં ના કહી સંભળાવતો. એનો એ ચહેરો, એની સ્ટાઈલ જોઈ અમે હસી પડતાં અને એના ચહેરા પર નવાઈનો ભાવ ઉપસી આવતો.

    આવાં તો કાંઈ કાંઈ અવનવા મારિઓના અટકચાળાં અમને હેરત પમાડતાં અને આજે પણ જ્યારે એની યાદ આવે છે તો મારાં ચહેરા પર એક હાસ્ય ફરકી જાય છે.

    ખરેખર મારિઓ અમારો છુપો રૂસ્તમ હતો, એને આપેલી પદવીને એણે સાર્થક કરી હતી.

    મારિઓ અને બીજાં બધાં બાળકોએ અમને જીવવાનો નવો અર્થ સમજાવ્યો છે, અને ભવિષ્યમાં સહુ નીલ ગગનના ચમકતાં સિતારા બનશે એમાં કોઈ શંકા નથી.


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • દરેક જણ પોતે જ પોતાનો નેતા

    મંજૂષા

    વીનેશ અંતાણી

    લીડરશિપના ખ્યાલોમાં પરિવર્તન આવી રહ્યું છે. હવે કલેક્ટિવ લીડરશિપનો ખ્યાલ વિકસ્યો છે.

    સિત્તેર વર્ષ પહેલાંની વાત છે. એક ગામના થોડા છોકરા રોજ સાંજે એમની શેરીમાં ક્રિકેટ રમતા. ગામના સુતારે બનાવેલાં બેટ અને વિકેટ. રબરનો દડો. શેરીનો એક ઊંચો-જાડો દાધારંગો છોકરો જાતે એમનો નેતા બની બેઠો હતો. ઉંમરમાં મોટો. છોકરાઓ એની શેહમાં આવી ગયા હતા. એ કહે તે જ નિયમ. બોલ-બેટ વગેરેના ભાગે પડતા પૈસા આપતો નહીં. બેટિંગ કરતો હોય ત્યારે આઉટ થાય તો કહેતો કે નોટ આઉટ છે. એને અનુકૂળ આવે તેમ રમતના નિયમો બદલાવી નાખતો. કોઈ છોકરો એનો વિરોધ કરી શકતો નહીં.

    એ જ શેરીમાં બિન્ધાસ્ત છોકરી રહેતી હતી. રોજ ઓટલા પર બેસી છોકરાઓની રમત જોતી. એક દિવસ દાધારંગા છોકરાની વિકેટને બોલ વાગ્યો છતાં એણે જાતે જ નો બોલ જાહેર કર્યો. છોકરીથી સહન ન થયું. એ એની સામે ઊભી રહી, ચલ, નીકળ, તું આઉટ છો. હવે મારી બેટિંગ. છોકરાએ કહ્યું: ‘તું છોરી છો, તારાથી છોરા ભેગું ન રમાય.’ છોકરીએ એના હાથમાંથી બેટ ખેંચી લીધું. છોકરાએ એને ધક્કો માર્યો. છોકરીએ એની બોચી પકડી લીધી, ‘ખબરદાર બીજી વાર મને હાથ અડાડ્યો છે તો!’ બીજા છોકરાઓને કહ્યું, ‘હાલો. બોલ નાખો.’ બધાએ એને બેટ પાછું આપવા સમજાવી. છોકરીએ શરત મૂકી, ‘મને રમાડો તો તમને રમવા દઈશ.’ લાંબી રકઝક પછી છોકરા તૈયાર થયા. છોકરીએ માથાભારે છોકરા સામે આંગળી ચીંધીને નવી શરત મૂકી: આને કાઢો તો જ હું રમીશ અને તમને રમવા દઈશ. બધાએ કબૂલ થવું પડ્યું. છોકરીએ બધાની સાથે મળી રમતના યોગ્ય નિયમો બનાવ્યા અને પેલાને રવાનો કર્યો.

    વાત સામાન્ય છે પરંતુ એમાંથી નેતૃત્વ – લીડરશિપના ઘણા મુદ્દા સમજાય છે. કોઈ વ્યક્તિ એની મરજી મુજબ સંચાલન કરી શકે નહીં. કોઈ લીડર પોતાના જ લાભ માટે કાર્યવાહી કરતો હોય અને સાથીદારોને અન્યાય કરતો હોય તો મૂંગા મોઢે સહન કરાય નહીં. આ વાત પરિવારથી માંડી વિવિધ સંસ્થાઓ, નાનીથી મોટી કંપનીઓ અને રાજકારણ જેવાં બધાં ક્ષેત્રોને લાગુ પડે છે.

    સૌથી અગત્યની બાબત એ કે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવાનો અધિકાર માત્ર પુરુષોને જ નથી. આજે અનેક મહિલાઓએ દરેક ક્ષેત્રમાં એમની કાબેલિયતથી આ વાત સાબિત કરી દીધી છે. સફળ નેતૃત્વ કળા છે. ઘણાં લોકોમાં એનાં બીજ અગાઉથી પડેલાં હોય છે, ઘણાં લોકો યોગ્ય તાલીમ અને અનુભવથી નેતૃત્વની કળા વિકસાવે છે. આજના ગળાકાપ સ્પર્ધાના સમયમાં નેતૃત્વના ગુણની ડગલે ને પગલે કસોટી થાય છે. એના નિર્ણયો અને સંચાલનની આવડત સામે પડકારો આવે છે.

    આપણે કોઈ સંસ્થા કે કંપનીનો વિચાર કરીએ ત્યારે સામાન્ય રીતે આપણું ધ્યાન ટોચના નેતાઓ પર જ જાય છે. નીચેની હરોળના લોકો તરફ ધ્યાન જતું નથી. હવે એ માળખું જૂનવાણી થવા લાગ્યું છે.

    લીડરશિપના ખ્યાલોમાં પરિવર્તન આવી રહ્યું છે. ઘણાં ક્ષેત્રોમાં કલેક્ટિવ લીડરશિપ – સહિયારું નેતૃત્વ –નો ખ્યાલ વિકસ્યો છે. સહિયારું નેતૃત્વ એટલે અલગઅલગ પ્રકારની નિપૂણતા ધરાવતા લોકો સાથે મળીને સંસ્થાના હિતમાં નિર્ણયો લે એવું માળખું. દરેકની ભૂમિકા નક્કી કરવામાં આવે છે અને એમણે એમના વિભાગની સંપૂર્ણ જવાબદારી ઉપાડવાની હોય છે. ઘણી કંપનીઓમાં નીચેની પાયરીએ કામ કરતા લોકોને પણ નેતૃત્વની તાલીમ આપવાનું વલણ વધ્યું છે, જેથી દરેકમાં નેતૃત્વની ભાવના વિકસે અને સમય આવે ત્યારે જાતે નિર્ણય લઈ શકે.

    તાજેતરમાં સંપન્ન થયેલા વન ડે ક્રિકેટના વર્લ્ડ કપની રમતો દરમિયાન ભારતના યશસ્વી ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાને એક પત્રકારે એવા મતલબનો સવાલ પૂછ્યો કે એમને ટીમના કેપ્ટન થવું ગમે કે કેમ? જાડેજાએ પહેલાં હળવાશમાં જવાબ આપ્યો કે ચોક્કસ ગમે, પછી ઉમેર્યું: ‘હું કેપ્ટન નથી પણ મારી પ્રથમ મેચથી કેપ્ટનની જેમ જ વિચારું છું.’ એ કહેવા માગતા હતા કે રમતમાં ઊભી થતી પરિસ્થિતિ પ્રમાણે દરેક ખેલાડીએ ચોક્કસ સમયે ટીમના હિતમાં જાતે નિર્ણય લેવા પડે છે. ભારતની ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ એકથી વધારે વાર જણાવ્યું હતું કે ભારતની ટીમના દરેક ખેલાડી એમણે શું કરવું તે જાણે છે. અફઘાનિસ્તાન સામેની એક મેચમાં ઓસ્ટ્રેલિયાનો પરાજય નિશ્ચિત હતો ત્યારે બેટર મેક્સવેલ ઇજાગ્રસ્ત હતો છતાં એણે બસો રન બનાવીને એકલા હાથે ટીમને વિજય અપાવ્યો. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ એની સાથે ક્રિઝ પર હતો છતાં મેચના એ તબક્કે મેક્સવેલે જ બધા નિર્ણય લીધા હતા.

    લશ્કરમાં પણ જવાનોને એમનાથી ઉપરની પાયરીની તાલીમ આપવામાં આવે છે, જેથી સમય આવે ત્યારે તેઓ ચાલુ યુદ્ધે સિનિયરનું સ્થાન લઈ શકે. આ અભિગમ કોઈ પણ ક્ષેત્રની ટીમ માટે આવશ્યક છે. કોરોના સમયમાં લોકડાઉન વખતે વર્ક ફ્રોમ હોમની પ્રથા શરૂ થઈ પછી અલગ પ્રકારનું વર્ક કલ્ચર ઊભું થયું છે. એક સમયે એક જ છત નીચે ઓફિસરની કડક નિગરાનીમાં કામ કરવાનું રહ્યું નથી. ઘેરથી જ કામ કરતા લોકોની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતાના અભિગમમાં બદલાવ જરૂરી છે. નિષ્ઠાની સાથે સ્વયંશિસ્તની ભાવના વિકસે તો કાર્ય પ્રત્યે પ્રામાણિકતાનું મહત્ત્વ સમજાય અને સફળતા મળવી સહેલી થઈ જાય. પોતે જ પોતાના નેતા બનીએ.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • સાહિત્યનગરીની ઓળખ મેળવવા શું કરવું?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ઘટના ભલે ગુજરાતની નથી, કેરળની છે, પણ આનંદદાયક અને વિશિષ્ટ કહી શકાય એવી છે. ઝાઝું રહસ્ય ઊભું કર્યા વિના કે મોણ નાખ્યા વિના પહેલાં એ ઘટનાની વાત, અને એ પછી તેની પૃષ્ઠભૂમિ વિશે. કેરળના કોઝીકોડ એટલે કે અગાઉ કાલીકટ તરીકે ઓળખાતા શહેરને ‘યુનેસ્કો’ દ્વારા ‘સીટી ઑફ લિટરેચર’નું તેમજ મધ્ય પ્રદેશના ગ્વાલિઅર શહેરને ‘સીટી ઑફ મ્યુઝિક’ બિરુદ પ્રાપ્ત થયું છે.

    તસવીર: નેટ પરથી

    ‘યુનેસ્કો ક્રિએટીવ સિટીઝ નેટવર્ક’ (યુ.સી.સી.એ.) અંતર્ગત ૨૦૦૪થી એવાં વિવિધ શહેરો વચ્ચેના સહયોગને ઉત્તેજન આપવા માટે આરંભાયેલું અભિયાન છે કે જેમણે શહેરી વિકાસ માટે પોતાની ઓળખ તરીકે સર્જનાત્મક પરિબળને આગળ ધર્યું હોય. વિશ્વભરનાં સો દેશોમાં આવાં ૩૫૦ શહેરોનો સમાવેશ થાય છે.

    કોઈ વિદેશી સંસ્થા આપણી ટીકા કરે તો તેની અધિકૃતતા વિશે જ શંકા ઉઠાવવી અને તે આપણને પ્રમાણપત્ર આપે તો એ ગળે લટકાવીને ફરવું એવા સામાન્ય બની રહેલા વલણને બાજુએ મૂકીને કોઝીકોડને મળેલા આ વિશિષ્ટ સન્માન અંગે જાણવા જેવું છે. વિકાસની આંધળી દોટ હજી શરૂ થઈ નહોતી એવે સમયે પ્રત્યેક શહેરની આગવી ઓળખ હતી. વિકાસ પછી આવાં શહેરો એકવિધ બનતાં રહ્યાં છે. અલબત્ત, તેમનું આગવાપણું સાવ નાબૂદ નથી થયું, પણ ઘણે અંશે જવા લાગ્યું છે. એમાં પણ બી.આર.ટી; મેટ્રો રેલ્વે જેવી પરિવહન સુવિધાના આગમનથી શહેર ભૂગોળ તેમજ તેનાં સીમાચિહ્નો સાવ બદલાઈ ગયાં છે.

    કોઝીકોડ શહેરની વસતિ અંદાજિત ૫.૯૪ લાખ છે. પાંચસોથી વધુ જાહેર ગ્રંથાલયો, અનેક પુસ્તકવિક્રેતાઓ, પ્રકાશકો, કળા, રાજકારણ સહિત અનેક વિષયો પર અનૌપચારિક ચર્ચા કરતી કોલાયાના મેળાવડાની ઉજ્જ્વળ પરંપરા, વખતોવખત યોજાતા પુસ્તકમેળા જેવાં અનેક પરિબળો આ શહેરને પ્રાપ્ત થયેલા ‘સાહિત્યનગરી’ના બિરુદ માટે જવાબદાર છે. આ વિસ્તારના વી.મુહમ્મદ બશીર, એમ.ટી.વી.નાયર, પી.વલ્સલ જેવા સાહિત્યકારો દેશભરમાં જાણીતા છે. પણ શહેરના વિકાસ અને આયોજન વેળા તેમાં સર્જકતાને, તેની મુખ્ય ઓળખ એવા સાહિત્યને કેન્‍દ્રમાં રખાયું છે.

    કોઝીકોડની કોલાયા પરંપરા વિશિષ્ટ છે. ઘરના વરંડામાં જ સમરસિયાઓ એકઠા થાય અને વિવિધ વિષયોની ચર્ચા મંડાય. દર સપ્તાહે યોજાતી આ બેઠકપરંપરા એક સમયે કોલકાતાનાં કૉફી હાઉસોમાં ભરાતા મેળાવડાની યાદ અપાવે. કળા અને સાહિત્યની વિવિધ પરંપરા અહીં વખતોવખત શરૂ થઈ, દૃઢ થઈ, પણ એમાંની મોટા ભાગની હજી ચાલી રહી છે એ મહત્ત્વની બાબત છે.

    ગુજરાતમાં ભાવનગર, વડોદરા જેવાં શહેરો ક્યારેક સંસ્કારનગરી કહેવાતાં હતાં કે નડીયાદ જેવું નગર સાક્ષરભૂમિ તરીકે ખ્યાત હતું. ભરૂચનું પણ એક આગવું સ્થાન હતું. એક સમયે આ શહેરોમાં કળા અને સાહિત્યને પોષક વાતાવરણ હતું, પણ બન્ને શહેરોની પ્રવર્તમાન સ્થિતિ સાવ જુદી છે. તેમની એ જૂની ઓળખ હવે સ્મૃતિમાં રહી ગઈ છે. કોઝીકોડ સાથે સરખામણી કરવાનો સવાલ નથી, પણ ગુજરાતમાં સાહિત્ય અને સાહિત્યકારોની એક સમયની ઉજ્જ્વળ પરંપરા શા કારણે ભૂતકાળ બની ગઈ? એ માટે જવાબદાર કોણ? સાહિત્યકાર? સરકાર? કે લોકો? અત્યારે પચાસ પાર કરી ચૂકેલી કોઈ પણ વ્યક્તિ અગિયારમા કે બારમા ધોરણમાં અભ્યાસ કરતા કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીનું ગુજરાતીનું મૂળભૂત જ્ઞાન જુએ તો આઘાતથી છળી મરે. સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર માતૃભાષાનું ગૌરવ લેતા, સાહિત્યિક કાર્યક્રમોમાં હાજરી આપીને સાહિત્યકારો સાથે સેલ્ફી પડાવવામાં ગૌરવ અનુભવતા, ‘આવા બધામાં આપણને બહુ રસ’નું ગાન ગાતા આપણા નાગરિકોના ધ્યાનમાં હજી સુધી આ વાત આવી કેમ નથી એ નવાઈની વાત છે. જૂજ અપવાદ સિવાય સાહિત્યકારોનાં કોઈ સ્મારક નથી અને જો છે તો બિસ્માર તેમજ જર્જરિત અવસ્થામાં છે. વારસાના સાચવણની સૂઝ આપણું પ્રજાકીય લક્ષણ નથી.

    એક સમયે નાનાં, મધ્યમ કે મોટાં નગરોમાં અનેક સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ધબકતી રહેતી. સાહિત્યકારો અને સાહિત્યરસિકોની આખી પેઢી તેના દ્વારા ઘડાઈ છે. આવી પ્રવૃત્તિઓ છૂટીછવાઈ હજી થઈ રહી હશે, પણ તેની ધરી બદલાઈ ગઈ છે. કાં તે પરસ્પરની પીઠ ખંજવાળવાનું માધ્યમ બની રહી છે, કાં તે ધર્માશ્રયી કે રાજ્યાશ્રયી બની રહી છે. સાહિત્યિક મેળાવડા કે પુસ્તકમેળા ગુજરાતમાં છાશવારે યોજાતા રહે છે, પણ તેમાં મુખ્ય આકર્ષણ ખાણીપીણીનું બની રહે છે. લેખન સાથે સંકળાયેલો મોટો વર્ગ પોતાના ચાહકોને ‘અંકે કરવામાં’ ઈતિશ્રી માને છે કે પોતે કોઈક બાપુ, ગુરુ કે એવું જ ઉપનામ ધરાવતી સાંપ્રદાયિક ઓળખ ધરાવતી વ્યક્તિનો ‘ચાહક’ હોવાનું છાપરે ચડીને પોકારે છે.

    અમદાવાદમાં એક સમયે બચુભાઈ રાવત ‘બુધવારિયું’ તરીકે ઓળખાતા, દર બુધવારે યોજાતા કવિમિલનની બેઠકો નિયમિતપણે યોજતા, જેમાં અનેક કવિઓ ઘડાયા છે. વર્તમાન સમય એવો છે કે શું રાજકારણ કે શું સાહિત્ય, ઘોંઘાટ ઘણો છે, પણ સંવાદ ક્યાંય નથી કે નથી સ્વસ્થ ચર્ચાનો માહોલ. સાહિત્યકારો રાજકારણીઓની કૃપાદૃષ્ટિ માટે લાલાયિત હોય, તો રાજકારણીઓ સાહિત્યના મેળાવડા શોભાવતા જોવા મળે.

    ગુજરાતીમાં રોજેરોજ કેટલાંય પુસ્તકો પ્રકાશિત થતાં હશે, છતાં તે લોકોમાં વાંચનપ્રેમને સંકોરી શકતો નથી. અપવાદને બાદ કરતાં ગુજરાતનાં મોટા ભાગનાં પુસ્તકાલયો સરકારી અનુદાન પર નભી રહ્યાં છે. એ જ રીતે અનેક પ્રકાશકો પુસ્તકાલયને ધ્યાનમાં રાખીને પુસ્તકો પ્રકાશિત કરી રહ્યાં છે. ગુજરાતીમાં વાચક અને પ્રકાશકને જોડતો સેતુ બનવાનો આરંભ થયો છે કે કેમ એ જ ખબર નથી.

    ગુજરાત અને ગુજરાતીના આવા માહોલમાં કેરળના કોઝીકોડને ‘સાહિત્યનગરી’નું બિરુદ મળે એ આનંદદાયક તો છે જ, પ્રેરણાદાયી પણ કહી શકાય. એ યાદ રાખવું રહ્યું કે મહત્ત્વ એ નથી કે આ સન્માન ‘યુનેસ્કો’ દ્વારા પ્રાપ્ત થયું છે. આ શહેરની ઉજ્જ્વળ સાહિત્યિક પરંપરા પોંખાઈ છે એ વધુ મહત્ત્વનું છે. ચાહે એ પોંખનાર કોઈ પણ હોય!


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪ – ૧૨ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • (૧૨૬) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૭૨ (આંશિક ભાગ –3)

    કભી નેકી ભી ઉસ કે જી મેં ગર આ જાએ હૈ મુઝ સે 

    (શેર ૪ થી ૬ થી આગળ)

    (શેર ૭ થી ૮ )

    – મિર્ઝા ગ઼ાલિબ
    વલીભાઈ મુસા (રસદર્શનકાર)

    હુએ હૈં પાઁવ હી પહલે નબર્દ-એ-ઇશ્ક઼ મેં જ઼ખ઼્મી
    ન ભાગા જાએ હૈ મુઝ સે ન ઠહરા જાએ હૈ મુઝ સે (૭)

    [નબર્દ-એ-ઇશ્ક઼= પ્યારની લડાઈ]

    રસદર્શન :

    આ શેર એટલો બધો રમૂજી છે કે આપણે આપણા હાસ્યને ખાળી શકીએ નહિ. માશૂક કહે છે કે મહેબૂબા સાથેની ઇશ્કની લડાઈમાં પહેલાંથી જ પગ એવા તો ઘાયલ થઈ ગયા છે કે તેમનાથી ભાગી જઈ શકાતું નથી કે ઠહેરી પણ શકાતું નથી. અહીં ગૂઢાર્થ તો એ છે મહોબ્બતની લડાઈમાં માશૂકા વધુ આક્રમક છે અને તેથી જ તો માશૂકના પગ ઘાયલ થઈ ગયા છે. હવે મહેબૂબા તરફથી વધુ પિટાઈ ન થાય તે માટે માશૂકે ભાગી જવું તો જોઈએ, પણ એ શક્ય નથી; તો વળી ત્યાં ને ત્યાં રોકાઈ જવું પણ મુનાસિબ નથી. આમ સાવ દેશી શબ્દોમાં કહી શકાય કે ‘બેઉપાનું દુ:ખ’ એટલે કે ‘બંને તરફનું દુ:ખ’ છે. હવે આપણે આ જ શેરને થોડોક ગંભીરતાથી લઈએ, તો માનવજીવનમાં ઘણીવાર એવા સંજોગો ઉદ્ભવતા હોય છે કે સામસામા બંને છેડે જોખમ તો એક સરખું જ રહેતું હોય છે; જેમ કે આગળ કૂવો અને પાછળ ખાઈ (ખીણ), એટલે કે  બંને તરફ મોત! શેરનો બીજો ઇંગિત અર્થ ‘અનિર્ણાયક સ્થિતિ’ એ પણ લઈ શકાય. આ વાતના સમર્થનમાં શેક્સપિયરના નાટક ‘હેમલેટ’ના વિખ્યાત સંવાદ ‘To be or not to be, that is the question.’ને ટાંકી શકાય. છેલ્લે વિચારતાં એમ લાગે છે કે આ શેરના શબ્દચિત્રને માત્ર માશૂક-માશૂકાનું દ્વંદ્વયુધ્ધ એવા સ્થૂળ અર્થમાં ન સમજતાં હળવા ભાવાત્મક એવા વાક્યુદ્ધના અર્થમાં સમજીએ તો એમ લાગશે કે  માશૂકાનું માશૂક પરત્વેનું કંઈક એવું સંકુલ અને શાબ્દિક વર્તન છે કે જેનાથી માશૂક માશૂકા સામે હિંમતભેર ઊભો રહી પણ  શકતો નથી કે તેને છોડીને જઈ પણ શકતો નથી.

    * * *

    ક઼યામત હૈ કિ હોવે મુદ્દઈ કા હમ-સફ઼ર ગ઼ાલિબ
    વો કાફ઼િર જો ખ઼ુદા કો ભી ન સૌંપા જાએ હૈ મુઝ સે (૮)

    [ક઼યામત= ન્યાયનો દિવસ, (અહીં) આફત, બલા, મુસીબત; મુદ્દઈ= દુશ્મન; હમ-સફ઼ર= સહપ્રવાસી; કાફ઼િર= અજ્ઞાની, અધર્મી]

    રસદર્શન :

    ગ઼ઝલનો આ મક્તા શેર છે. પહેલા જ મિસરાના પહેલા જ શબ્દ ‘ક઼યામત’નો પ્રત્યક્ષ અર્થ ‘ન્યાયનો દિવસ’ (Judgemeent Day) ન લેતાં તેનો રૂઢિપ્રયોગાત્મક અર્થ ‘મુસીબત’ કે ‘આફત’ લઈએ તો અર્થઘટન એક દિશા પકડશે, તો મૂળભૂત અર્થમાં તે જુદી દિશાએ જશે. હવે ઉપરોક્ત બેઉ અર્થઘટનો ‘મુદ્દઈ’ શબ્દ ઉપર આધારિત છે. ‘મુદ્દઈ’ શબ્દનો અર્થ તો ‘દુશ્મન’ જ છે; પણ કોનો દુશ્મન એ નક્કી કરી લેવું ઘટે, ઈશ્વર-અલ્લાહનો કે શાયરનો? ક઼યામતનો દિવસ એક મેદાનમાં હશે, જેને ‘હશ્રનું મેદાન’ પણ કહેવામાં આવે છે. હશ્રના મેદાનમાં સઘળા જીવોને એકત્ર કરવામાં આવશે. હવે એ મેદાન તરફની સફરમાં સહપ્રવાસી તરીકે જે છે તે ખુદાઈ દુશ્મન એટલે કે નાસ્તિક (ઈશ્વરનો ઇન્કાર કરનાર) હોય તો પણ શાયર તેને ઈશ્વરના હવાલે કરતાં અચકાશે; કેમ કે ઈશ્વરના અસ્તિત્વને નકારનાર ક્રૂર શિક્ષાને પાત્ર થશે અને તેના આક્રંદને તે સહી નહિ શકે, અને તેથી જ તો શાયર ‘ન સૌંપા જાએ હૈ મુઝ સે’ કહે છે.

    હવે સહપ્રવાસી જો શાયર અર્થાત્ માશૂકનો મુદ્દઈ (દુશ્મન) હોય તો પણ તેને ખુદાના હવાલે નહિ કરવામાં આવે એમ માનવું પડે. પ્રથમ તો આપણે જાણી લઈએ કે માશૂકનો અંગત દુશ્મન કોણ હોઈ શકે; તો દેખીતું જ છે કે તે અન્ય કોઈ નહિ, પણ માશૂકનો પ્રતિસ્પર્ધી જ હોય! તો પછી ઈશ્વર-અલ્લાહ અને માશૂકના દુશ્મનો સમકક્ષ હોઈ શકે ખરા? તેનો મારો જવાબ છે, હા. આ વાત સ્વીકારવા માટે આપણે ‘ઇશ્ક઼-એ-હકીકી’ અને ‘ઇશ્ક઼-એ-મિજાજી’ને પારખવા પડે, જેમાં પ્રથમ છે ઈશ્વર-અલ્લાહ પરત્વેનો પ્રેમ અને દ્વિતીય છે દુન્યવી એટલે માશૂક યા માશૂકા પરત્વેનો પ્રેમ. ઉભય પ્રેમ માગે છે, આત્મસમર્પણ. દુન્યવી પ્રેમ પણ જો પવિત્ર હોય; તો તેને પણ ઈબાદત નહિ, તો ઈબાદતની સમકક્ષ તો જરૂર ગણી શકાય! આમ માશૂક અહીં તેના પ્રતિસ્પર્ધી દુશ્મનને પણ માફ કરવાનું અને તેને ખુદાના હવાલે ન કરવાનું વિચારે છે. મારા મતે માશૂકની આ દરિયાવદિલી એ રીતે સમજાય છે કે પેલા ખલનાયકની ખલનાયકી છતાં માશૂકનો માશૂકા  પરત્વેનો પ્રેમ કસોટીની એરણે ટિપાઈને અણીશુદ્ધ પાર ઊતરે છે. આમ માશૂક પેલા દુશ્મનનો અહેસાનમંદ  છે કે જેના કારણે પોતે કામયાબ પ્રેમી પુરવાર  થયો છે.

    છેલ્લે વિશેષ જ્ઞાન અન્વયે કહેતાં, માશૂકને કઈ રીતે ખબર પડી શકે કે સહપ્રવાસી દુશ્મન  છે? અત્રે હું એક ઈસ્લામિક હદીસ (કથન) ટાંકીશ : ‘કોઈ વ્યક્તિના સાચા ચારિત્ર્યની પરખ તેની સાથેના કેટલાક દિવસના સહપ્રવાસથી મેળવી શકાય.’ આ જ મતલબનો ગુજરાતીમાં રૂઢિપ્રયોગ છે : ‘સોનું પરખો કસીને અને મનેખ પરખો વસીને.’

     (સંપૂર્ણ)

    * * *

    ઋણસ્વીકાર:

    (૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

    (૨) http://www.youtube.com વેબસાઇટનો…

    (૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

    (૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

    (૫) Courtesy : https://rekhta.org

    (૬) Courtesy –  urduwallahs.wordpress.com

    (૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

    (૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

    * * *

    શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

    ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 94261 84977

    નેટજગતનું સરનામુઃ

    William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો

     

  • જાણીતા કવયિત્રી રક્ષા શુક્લને ‘અસાઈત સાહિત્યસભા’નો એવોર્ડ..

    હરદ્વાર ગોસ્વામી

     ત્રિપદા ફાઉન્ડેશન અને અસાઈત સાહિત્યસભાનું આ વર્ષનું પ્રતિષ્ઠિત ‘સર્જન-સન્માન પુરસ્કાર’ જાણીતા કવયિત્રી રક્ષા શુક્લને પ્રાપ્ત થયું છે. એમના નિબંધસંગ્રહ ‘તેજસ્વિની’ને અનુસંધાને આ સન્માન મળ્યું છે. આ પુસ્તકમાં પદ્મશ્રીથી પુરસ્કૃત સન્નારીઓનાં સાહસની સફર આલેખી છે. ‘તેજસ્વિની’નું મલ્ટીકલરમાં આર્ટ પેપર પર મનોરમ્ય પ્રકાશન ગુજરાત સરકારની સંસ્થા ગુજરાત સાહિત્ય અકાદમીએ કર્યું છે. અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા તથા મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે પ્રસન્નતા વ્યક્ત કરી છે.  જાન્યુઆરી ૨૦૨૪માં ત્રિપદા હેલ્થકેર પ્રા. લિ. તરફથી સર્જકને શિલ્ડ-શાલ અને પાંચ હજાર રૂપિયા અર્પણ થશે. જાણીતા નાટ્યકાર વિનાયક રાવલયશોધર રાવલનવનીત મોદી ઈત્યાદિ ઉપસ્થિત રહેશે.  

     સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લ તળાજાના વતની છે. એમને ‘કુમાર’ ટ્રસ્ટનું શ્રીમતી કમલાબેન પરીખ પારિતોષિક (કુમાર ચંદ્રક,૨૦૧૫)રાજ્ય કક્ષાનો ‘બ્રહ્મ ગૌરવ પુરસ્કાર (૨૦૧૭), CWDC તરફથી ‘બેસ્ટ કૉલમ રાઈટર’(૨૦૧૮)રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના વરદ્ હસ્તે ‘સંસ્કાર વિભૂષણ એવોર્ડ(૨૦૧૮)શિશુવિહાર તરફથી સ્વ. રીતા ભટ્ટ સ્મૃતિ કવયિત્રી સન્માન(૨૦૧૯) ઈત્યાદિ માન-અકરામ પ્રાપ્ત થયા છે. ૨૦૨૧ના આકાશવાણીના રાષ્ટ્રીય કવિસંમેલનમાં ગુજરાતમાંથી એમની પસંદગી થઈ હતી.  તેમની પસંદ થયેલી કવિતા ભારતની તમામ ભાષામાં અનુવાદિત થઈ હતી.

     તાજેતરમાં એમણે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘ભારતની ૭૫ સર્વશ્રેષ્ઠ મહિલાઓ પુસ્તક લખ્યું છે. વિશ્વની શ્રેષ્ઠ મહિલાઓના સંઘર્ષને આલેખતું પુસ્તક ‘વનિતાવિશેષ’ને ‘અભિયાન’ સાપ્તાહિકે બેસ્ટસેલર જાહેર કર્યું હતું. એમનાં ૨૦થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.

    ‘તાંડવ’ ચેનલમાં ‘વનિતાવિશ્વ’ કાર્યક્રમનું એન્કરિંગ સુપેરે સંભાળી રહ્યા છે. ‘ગુજરાત સમાચાર’માં દર મંગળવારે ‘અન્તર’ કોલમનો બહુ મોટો વાચક વર્ગ છે. ‘પ્રવૃતિના પાવરહાઉસ’ તરીકે ઓળખાતા રક્ષા શુક્લ નિત્ય નૂતન સર્જનાત્મક કાર્ય કરતા રહે છે. અનેક મોટા સાહિત્યિક આયોજનો કર્યા છે. ૩૨ વર્ષ અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કરાવ્યું છે. સમગ્ર ભારત ઉપરાંત અનેક દેશોની સાહિત્યિક સફર કરી છે. સુગમ સંગીતના ગાયિકા તરીકે મંચ શોભાવ્યા છે. 

    આ પુસ્તક વિશે રક્ષા શુક્લ કહે છે કે ‘૨૦૨૧માં કુલ ૧૧૯ પદ્મ એવોર્ડ્સ આપવામાં આવ્યા. આ એવોર્ડ્સમાં ૨૯ મહિલાઓ સામેલ છે. એક મહિલા તરીકે મને આ ૨૯ મહિલાઓની વાતો વધુ સ્પર્શી. આમાંથી મોટાભાગની મહિલાઓ સાયલન્ટલીખૂણેખાંચરે રહીને સમાજ માટે અદભુત કામ કરી રહી છે. પદ્મ એવોર્ડસમાં વિવિધ ક્ષેત્રનાં મોટાં નામો તો હોય છે જ પરંતુ ૨૦૨૧નાં કેટલાંક નામોએ દેશવાસીઓને સુખદ આશ્ચર્ય આપ્યું છે. આ નામો એવાં છે જેના વિશે અગાઉ ભાગ્યે જ કોઈએ કંઈ સાંભળ્યું હશે. આવી ઉત્તમ વરણી માટે પસંદગી કમિટિને અભિનંદન આપવા રહ્યા. છેવાડાની આ મહાન વિભૂતિઓને દેશના સૌથી મોટા પદ્મ પુરસ્કારથી સન્માનિત કરી ભારત સરકારે એક ઉત્તમ ઉદાહરણ લોકો સમક્ષ મુક્યું છે. આ લોકો ચર્ચામાં રહ્યા વગરગુમનામી ઓઢીને દેશ અને સમાજ માટે અપ્રતિમ કાર્ય અને સેવા કરી રહ્યા છે.

    ગોખથી હેઠા ઉતરો વ્હાલા, ત્યાં તો પથ્થર લાગો છો,
    માનવરૂપ ધરો છો ત્યારે સાચા ઈશ્વર લાગો છો. 

    શૂન્ય પાલનપુરીના આ શેર પ્રમાણે જગતમાં અનેક જગ્યાએ ઈશ્વર માનવરૂપે અવતરેલો છે. આ વિરલાઓ પોતાના માટે નહીં પણ સમાજ માટે જીવતા હોય છે. આવા વિશેષ લોકોને જ વર્તમાન પોંખે છે અને ઈતિહાસ યાદ કરે છે. નીતિશતકમાં કહ્યું છે છે કે ‘एके सत्पुरुषाः परार्थघटकाः स्वार्थं परितज्य ये’। 

                   આધ્યાત્મિક સંત અને ચિંતક મહાટ્રીઆ કહે છે કે ‘તમે એક ઈતિહાસ રચો છો જયારે તમારી પાસે રોજ સવારે થોડા વહેલા ઉઠવા માટે અને રાત્રે થોડું વધારે જાગવા માટે કોઈ ખાસ ધ્યેય હોય અને એ ધ્યેયને પામવા માટે તમે અંત સુધી પ્રયત્ન કરતા હો’. આ મહિલાઓ પાસે એવું જ એક ધ્યેય અને કોઈ પણ ભોગે એને પામવાનું દ્રઢ મનોબળ છે. અહીં આલેખાયેલ તેજસ્વી નારીઓની અદમ્ય ભીતરી તાકાત અને અથાગ પરિશ્રમ વિશે વાંચતા મને લાગતું કે તેઓની એ દિલધડક સંઘર્ષગાથા લોકો સુધી પહોંચે તો નિરાશાની ગર્તામાં અટવાયેલી અનેક નાહિંમત મહિલાઓને આંગળી ચિંધ્યાનો સંતોષ પામી શકાય. વિપરીત સંજોગો સામે અકલ્પ્ય ક્ષમતા સાથે ઝઝૂમતી આ સ્ત્રીઓ અપરાજિતા છે. આ નારીઓ જમીન સાથે જોડાયેલી છે. ‘ડાઉન ટુ અર્થ’ જીવતી આ નારીઓએ ‘ડાઉન ટુ ટોપ’ની યાત્રા કરી છે. કોઈએ સરસ કહ્યું છે કે ‘નારી નમણી નેહમાંરણમાં શક્તિરૂપ, એ શક્તિના તેજનેનમતા મોટા ભૂપ.’ 

                   ઋગ્વેદમાં પણ નારીનું રાષ્ટ્રની અધિષ્ઠાત્રી અને બ્રહ્મવાદિની તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે. નારી ઈશ્વરની અમૂલ્ય દેણગી છે. વિવેકાનંદે કહેલું કે ભારતીય ઋચાની રચના કરનાર મોટાભાગે ભારતની સ્ત્રીઓ હતી. વિશ્વમહિલાદિન આવે ને મહિલાઓ ઉત્સાહથી થોડું હરખી લે એ પૂરતું નથી. દરેક મહિલાએ જાગૃત બની પોતાના હક્ક વગેરે સમજવા પડશે. નારી વુમન તો છે જ પણ એ હ્યુમન પણ છે. રવિશંકર મહારાજ કહે છે તેમ સ્ત્રી અબળા નહીં પણ અતિબળા છે, સબળા છે. 

                   આ મહિલાઓના અનોખા અને અતુલ્ય પ્રદાનને આ પુસ્તક દ્વારા મારા વારંવાર પાયલાગણ. આ સર્વે મહિલાઓએ શોધી કાઢ્યું છે કે તેઓ શા માટે જન્મ્યા છે, ઈશ્વર તેઓ પાસે શું કરાવવા માગે છે. તેઓની અદભુત નિષ્ઠા, કારમો સંઘર્ષ અને દ્રઢ ઇચ્છાશક્તિ પાસે હું હંમેશા નતમસ્તક હતી. No pain, No gain’નો મંત્ર પચાવી જીવન સાથે ઝૂઝતી અનેક મહિલાઓનો આ સંઘર્ષ મશાલ બની સૌ વાચકોને કર્મની કેડી બતાવશે એવી મને શ્રદ્ધા છે.’—
     

    રક્ષા શુક્લને ખૂબ ખૂબ અભિનંદન..


    ‘વેબગુર્જરી’ પરિવારનાં માનનીય સભ્ય અને પદ્યસમિતિનાં  સહકાર્યકર્તા શ્રીમતી રક્ષાબહેન શુકલની નોંધપાત્ર સિદ્ધિઓને બિરદાવતાં ખૂબ હર્ષ અનુભવું છું.

    રક્ષાબહેન શુક્લને તાજેતરમાં મળેલ એવોર્ડ અંગેનો લેખ લખી મોકલવા બદલ શ્રી હરદ્વાર ગોસ્વામીના આભાર સાથે અહીં પ્રસ્તુત છે…

    દેવિકા ધ્રુવ
    ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

  • મણિપુર હિંસા, સોમા લૈશરામ અને ફુટબોલ : આઓ લકીરેં મિટાયેં

    નિસબત

    ચંદુ મહેરિયા

    છ-આઠ મહિનાથી મણિપુર અશાંત છે, સંકટગ્રસ્ત છે. અટકી અટકીને પણ હિંસાના બનાવો ચાલુ રહે છે. તેનું તાત્કાલિક કારણ તો મણિપુરના એક બળુકા બિનઆદિવાસી જ્ઞાતિ સમુદાય મૈતેઈને રાજ્ય સરકારે આપેલ અનુસૂચિત જનજાતિના દરજ્જાને વડી અદાલતની મહોર છે. રાજ્યના આદિજાતિ કુકી સમુદાયનો મૈતેઈને એસ.ટી. ગણવા સામે વિરોધ છે.  આ વિરોધ શાંત અને અહિંસક ન રહેતાં હિંસક બન્યો તે પછી બંને સમુદાયો વચ્ચે મોટાપાયે હિંસા થઈ છે. લગભગ પોણા બસો લોકોના મોત થયાં છે, બળાત્કારો થયાં, આખીને આખી વસ્તીઓ સળગાવી દેવામાં આવી, પોલીસના શસ્ત્રોની મોટાપાયે લૂંટ થઈ. હજારો લોકો વિસ્થાપિત થયા છે અને રાહત છાવણીઓમાં છે. મૈતેઈ અને કુકી વચ્ચેનો હાલનો વિવાદ વિભાજક  બની ગયો છે. મૈતેઈ મોટેભાગે ઈમ્ફાલ ઘાટીના મેદાની પ્રદેશમાં વસે છે જ્યારે કુકી પહાડી વિસ્તારોમાં વસે છે. અગાઉ પણ એમની વચ્ચે કોઈ સોહાર્દપૂર્ણ સંબંધો નહોતા પણ અત્યારે તો અંતર એ  હદે વધ્યું છે કે હવે તો બેમાંથી કોઈ,  અરે પોલીસ કે સરકારી અધિકારી-કર્મચારી સુધ્ધાં,  એકબીજાના વિસ્તારમાં જઈ શકતા નથી. વિભાજન એકબીજા પ્રત્યેની નફરત અને ઘૃણા સુધી મર્યાદિત ન રહેતાં બદલાની ભાવનામાં પલટાઈ ગયું  છે. બંને એકબીજાના જીવના તરસ્યા બન્યા છે. મૈતેઈ રાજકીય સહિતના તમામ ક્ષેત્રોમાં પ્રભાવશાળી છે. રાજ્યના ભાજપી મુખ્યમંત્રી પણ  મૈતેઈ છે. એટલે હાલની હિંસા,  ખાસ તો કુકીઓ પ્રત્યેની, રાજ્યપ્રેરિત નહીં તો રાજ્ય સમર્થિત હોય એમ લાગે છે.

    આઝાદી પૂર્વે મણિપુર એક રજવાડુ હતું. ૧૯૪૯માં તેનો ભારતમાં વિલય થયો. પહેલાં તે કેન્દ્રશાસિત પ્રદેશ હતો. ૧૯૭૨થી રાજ્ય બન્યું છે. મણિપુરની આશરે ૨૯ લાખની વસ્તીમાં હિંદુ અને ખ્રિસ્તી વસ્તી સરખી એટલેકે ૪૧-૪૧ ટકા છે. રાજ્યમાં ૮ ટકા મુસ્લિમો પણ વસે છે. મેદાની પ્રદેશોમાં  રહેતા મૈતેઈની વસ્તી ૫૩ ટકા અને કુકી સહિતની ૬૦ જનજાતિઓની વસ્તી ૪૦ ટકા છે. રાજ્ય વિધાનસભાના ૬૦ માંથી ૪૦ ધારાસભ્યો મૈતેઈ છે અને રાજ્યના વર્તમાન સહિતના લગભગ તમામ  મુખ્યમંત્રીઓ  મૈતેઈ હતા. અનુસૂચિત જનજાતિના કુકીઓને સરકારી નોકરીઓ સરળતાથી મળે છે.  વળી તેઓ ખ્રિસ્તી ધર્મી છે.  હિંદુ મૈતેઈઓ પહાડી વિસ્તારમાં જમીન ખરીદી શકતા નથી અને બિનઅનામત વર્ગના હોઈ સરકારી નોકરીઓ મળતી નથી તેવી તેમની ફરિયાદ છે. કુકીઓ પર્વતીય પ્રદેશમાં અને મ્યાંમારની સરહદે વસતા હોઈ તેઓ ડ્રગ્સ વેચે છે અને ગાંજાની ખેતી કરે છે એવો મૈતેઈઓનો અને રાજ્યસરકારનો આરોપ છે. એટલે કુકીઓની જમીનોની આકારણી અને તપાસ કરવામાં આવે છે. હવે મૈતેઈને આદિજાતિનો દરજ્જો મળતાં તેઓ પણ પહાડી વિસ્તારોમાં જમીનો ખરીદી શકશે અને કુકી જમીનવિહોણા થશે . એટલે અનામત અને જમીનનો સવાલ હાલની હિંસાના મૂળમાં છે.

    આ સ્થિતિમાં શાંતિ અને સદભાવનાના , બંને સમુદાયો વચ્ચેનું અંતર ઘટે અને તેમની વચ્ચેની દીવાલો તૂટે તેવા,  પ્રયાસો આવશ્યક છે. જોકે તે દિશાના પ્રયાસો બહુ ઓછા છે. હાલના વિભાજક અને વિષાક્ત માહોલમાં જો કોઈ આવો પ્રયત્ન કરે  તો તેણે બહિષ્કૃત થવું પડે છે. થોડા દિવસો પહેલાં રાજધાની દિલ્હીમાં પૂર્વોત્તરની સાંસ્કૃતિક વિરાસતની ઉજવણીનો કાર્યક્ર્મ નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ ફેસ્ટિવલ નામે યોજાયો હતો. ખ્યાતનામ મણિપુરી સિને અભિનેત્રી અને ગાયિકા સોમા લૈશરામે તેના સમાપન કાર્યક્રમમાં મણિપુરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પોતાના સંબોધનમાં મણિપુરની પીડા વ્યક્ત કરી શાંતિ અને સોહાર્દની અપીલ કરી હતી.બસ આટલા જ કારણસર તેમના પર ત્રણ વરસ સુધી ફિલ્મોમાં અભિનય કરવા અને જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ લદાયો હતો.

    મૈતેઈ સમાજના હિતમાં કાર્યરત કાંગલેઈપાક કનબા લૂપ (કે કે એલ) નામક સંગઠને મણિપુરની સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી કોઈને  પણ મનોરંજક કાર્યક્રમોમાં ભાગ ના લેવાનું ફરમાન જારી કર્યું છે. સોમાને પણ તેમણે વ્યક્તિગત અને જાહેર અપીલથી દિલ્હીના કાર્યક્રમથી દૂર રહેવા અપીલ કરી હતી.પરંતુ તેની ઉપરવટ જઈને  તે ઉપસ્થિત રહ્યાં હતાં. એટલે તેમના પર બાન મુકાયો. એકત્રીસ વર્ષીય સોમાએ દોઢસો જેટલી મણિપુરી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને બેસ્ટ એકટ્રેસના એવોર્ડથી પુરસ્કૃત છે. પ્રતિબંધથી ક્ષુબ્ધ સોમાએ પોતાની ભૂમિકા સમજાવતાં કહ્યું કે તેઓ મણિપુરના લોકોની પીડા વ્યક્ત કરવા જ કાર્યક્રમમાં ગયાં હતાં.આ કોઈ મનોરંજક કાર્યક્રમ નહોતો. તેમણે પૂર્વોત્તરના લોકોને જ નહીં સમગ્ર ભારતને  મણિપુર પ્રશ્ને અવાજ ઉઠાવવા અને હિંસા વિરુધ્ધ શાંતિ માટે લડનારા મણિપુરના  સમર્થનમાં આવવા અપીલ કરી હતી. સોમા પરના પ્રતિબંધનો સિને સંગઠનો અને લોકોએ વ્યાપક વિરોધ કરતાં આખરે  પ્રતિબંધ પાછો ખેંચવો પડ્યો છે. શાંતિ અને ભાઈચારાની દિશામાં પ્રતિબંધ બાધક હતો તો સોમા અને અન્યનો વિરોધ પ્રતિબંધ દૂર કરાવીને સોહાર્દ સ્થાપવામાં મદદરૂપ થશે.

    ભાઈચારાની દિશામાં બીજો બનાવ અંડર ૧૬ સાઉથ એશિયન ફુટબોલ ફેડરેશન ચેમ્પિયનશીપની  ફાઈનલ મેચમાં ભારતનો વિજય છે. ભારતીય ટીમના ૨૩માંથી ૧૬ ખેલાડી મણિપુરના હતા.તેમાં ૧૧ મૈતેઈ, ૪ કુકી અને ૧ મુસ્લિમ હતા. ભૂતાનના થિમ્પૂમાં રમાયેલી બાંગલાદેશ સામેની  ફાઈનલમાં ફસ્ટ હાફમાં મૈતેઈ ભરતે અને સેકન્ડ હાફ્માં કુકી લેવિસે ગોલ કરી ભારતને ૨-૦ થી જીતાડ્યુ હતું. મણિપુરના યુવા ફૂટબોલરો સાથે રહ્યા, ખાધું-પીધું, હસ્યા, રમ્યા ,વાતો કરી  અને મેચ જીતાડી. વિજ્યી ગોલ કુકી રમતવીર લેવિસે કર્યો ત્યારે તેને સૌ પ્રથમ ગળે વળગીને જીતની ખુશી વ્યક્ત કરનાર મૈતેઈ ખેલાડી ભરત હતો.  રમતના મેદાનમાં મણિપુરના આપસી મતભેદોની દીવાલો સાવ ભૂંસાઈ ગઈ હતી.

    મણિપુરના યુવા ફુટબોલરો ફુટબોલને  મતભેદો દૂર કરવામાં મદદ કરનાર રમત ગણે છે. તેનાં ખેલાડીઓમાં એકતાની ભાવના જાગે છે. મણિપુરના જ્ઞાતિગત તણાવો અને હિંસા વચ્ચે આ ફુટબોલરોએ અનેક પ્રતિકૂળતાઓ અને દુ:ખોને બાજુએ હડસેલીને તેમની પ્રતિભા અને સમજથી  ના માત્ર વિજય મેળવ્યો છે,  જેમ  ફૂટબોલે તેમને જોડ્યા છે, અલગ કર્યા નથી તેવું મણિપુર પણ થઈ શકે છે તેવો સંદેશ આપ્યો છે. આ વિજય મણિપુરના લોકોની આશા અને અપેક્ષાનું પણ પ્રતીક બની રહે તો કેવું સારું ?

    માંડ ૧૦ ટકા મેદાની અને ૯૦ ટકા પહાડી પ્રદેશમાં વસેલું મણિપુર માતૃપ્રધાન સંસ્કૃતિને વરેલું છે. ૮૦ ટકા આસપાસની સાક્ષરતા છતાં મણિપુરની ૪૦ ટકા વસ્તી ગરીબીની રેખા તળે જીવે છે. એટલે તેમણે અંદરોઅંદરની હિંસાનો માર્ગ છોડી ગરીબી અને બેરોજગારી જેવા અસલી મુદ્દાઓ પર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.