વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • જામીન નિયમ અને જેલ અપવાદ હોય તો અમલ કેમ થતો નથી ?

    નિસબત

    ચંદુ મહેરિયા

    લગભગ દોઢેક વરસથી જેલમાં બંધ મોરબી ઝૂલતા પુલ કાંડના કથિત મુખ્ય આરોપી જયસુખ પટેલના જામીન સર્વોચ્ચ અદાલતે મંજૂર કર્યા છે. દેશની જેલોમાં ૮૦ ટકા કેદીઓ અન્ડર ટ્રાયલ કહેતાં જામીનના હકદાર છે. ઘણા કાચા કામના ગરીબ કેદીઓના  જામીન કોર્ટે મંજૂર કર્યા છે પરંતુ  બેલબોન્ડની વ્યવસ્થા ના થઈ હોવાથી પણ તે જેલોમાં છે. જ્યાં સુધી ગુનો સાબિત ના થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિને ગુનેગાર કહી શકાય નહીં. પ્રખર કાયદાવિદ અને દિગ્ગજ ન્યાયાધીશ જસ્ટિસ વી.આર.કૃષ્ણ અય્યરે ૧૯૭૭માં બાલચંદ પ્રકરણમાં એવું ઐતિહાસિક  કથન ઉચ્ચારેલું કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. બંધારણના અનુચ્છેદ ૨૧ પ્રમાણે વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળભૂત અધિકારની રૂએ કોઈ પણ વ્યક્તિ એક દિવસ માટે પણ  વગર સજાએ જેલમાં ના હોવો જોઈએ.  પરંતુ આપણી પોલીસ તપાસની પધ્ધતિ અને ન્યાય વ્યવસ્થાની બલિહારી છે કે ઘણા આરોપીઓને તો ગુનાની સજા જેટલો કે ક્યારેક તો એથી પણ વધુ સમય જેલમાં ગુજારવો પડે છે.

    ડી.કે.બસુ કેસમાં સુપ્રીમ કોર્ટે જાણાવ્યું હતું કે ધરપકડ કરવી અને ધરપકડને વાજબી ઠેરવવી તે બંને અલગ બાબતો છે. પરંતુ ભારતનું પોલીસતંત્ર ધરપકડને પોતાનો હક અને ફરજ માને છે. કેટલાક જામીનપાત્ર ગુનાઓ માટે પોલીસ મથકમાં જ જામીન આપી આરોપીને છોડી શકાય છે પરંતુ ઘણીવાર તેનો પણ અમલ થતો નથી. અનાવશ્યક ધરપકડો ટાળવામાં આવે તેવું વારંવાર કહ્યા છતાં  ધરપકડો થતી રહે છે  અને જામીન માટે પણ લોકોને છેક હાઈકોર્ટ –સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે છે.

    જ્યારે કોઈ વ્યક્તિ બિનજામીનપાત્ર ગંભીર ગુનો કરે છે ત્યારે પોલીસ તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરે છે. કથિત આરોપી તેને જામીન મળે તે માટે અરજી કરી શકે છે અને અદાલત જામીન  અંગે યોગ્ય નિર્ણય કરે છે. જામીન મેળવવાનો આરોપીને કાયદેસરનો અધિકાર છે. જામીન આરોપીની સશર્ત મુક્તિ છે અને તેણે અદાલતની જરૂરિયાત મુજબ હાજર થવાનું હોય છે. ધરપકડ થઈ ન હોય પણ તેની આશંકા હોય તો પણ વ્યક્તિ આગોતરા જામીન મેળવી શકે છે.  તે ઉપરાંત પ્રિ.ટ્રાયલ અને પોસ્ટ ટ્રાયલ જામીન મળે છે. પ્રિ ટ્રાયલ બેલમાં બિન જામીનપાત્ર આરોપીને તેના કેસની કોર્ટમાં સુનાવણી ચાલુ ના થઈ હોય ( ટ્રાયલ  પેન્ડસી) તે દરમિયાન જામીન પર મુક્તિ મળે છે. ટ્રાયલ કોર્ટ કોઈને દોષી ઠેરવે  તે પછી વ્યક્તિને તે સજા સામે ઉપલી અદાલતમાં અપીલ કરવાનો અધિકાર હોય છે. અપીલ કોર્ટ અપીલ વિચારણાના સમય દરમિયાન જે જામીન આપે તે પોસ્ટ ટ્રાયલ બેલ કહેવાય છે.

    જામીન ટૂંકી મુદતના હોય છે તેમ નિયમિત પણ હોય છે. ટ્રાયલ કોર્ટ કે હાઈકોર્ટ સીમિત અવધિના જામીન આપે તેને સુપ્રીમ કોર્ટ જો કેસ પડતર હોય ,  હમણાં ચાલવાનો જ ના હોય તો લાંબા ગાળાના જામીન આપે છે. કથિત આરોપી સામેના આરોપ ગંભીર છે એટલા જ કારણસર તેના જામીન નકારી શકાય નહીં તેવું પણ સર્વોચ્ચ અદાલતે કહ્યું છે. ભીમા કોરેગાંવ અલ્ગાર પરિષદના આરોપીઓને આ પ્રકારની ટિપ્પણી સાથે જામીન મળ્યા છે.મુકદ્દમા પૂર્વે વ્યક્તિને લાંબો સમય જેલમાં રાખવા  સામે સુપ્રીમને વાંધો છે અને તે જામીન મંજૂર કરે છે.

    જ્યારે કથિત આરોપીના જામીન મંજૂર થાય તે પછી તુરત તેની જેલમુક્તિ થતી નથી. કારણમાં  જેલ સત્તાવાળાઓને હજુ બીડુ મળ્યું નથી તેમ કહેવામાં આવે છે. જ્યારે સુપ્રીમ કોર્ટના ધ્યાને આ બાબત આવી તો તેણે ૨૦૨૨માં માર્ગદર્શિકા પ્રગટ કરી હતી અને તુરત મુક્તિની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વર્તમાન સમય ઉન્નત ટેકનોલોજીનો છે ત્યારે આરોપીને જામીન મળ્યા પછી જેલમાં ગોંધી રાખવો વાજબી નથી. ૨૦૨૨માં ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સ મિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્સ (ફાસ્ટર) સોફ્ટવેર અદાલતોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જામીનના આદેશ રોજ ઈમેલ થી મોકલવા અને ટ્રાયલ કોર્ટને રોજ સવાર સાંજ ઈમેલ ચેક કરી જામીન મુક્તિની કામગીરી કરવા જણાવ્યું છે.

    જો જામીન વ્યક્તિનો કાયદેસરનો હક હોય અને તે માટેનું કાનૂની તંત્ર હોય તો તેનો અમલ કેમ  થતો નથી? જેમ જામીન મુક્તિમાં તેમ જામીન અરજીઓ સાંભળવામાં પણ અસહ્ય વિલંબ થાય છે. આગોતરા જામીનની એક અરજી ચાર વરસથી પેન્ડીંગ હોવાનું ધ્યાને આવતાં સુપ્રીમ કોર્ટે જામીન અરજી અંગે બે અને આગોતરા અંગે છ અઠવાડિયામાં નિર્ણય લેવા આદેશ કર્યો છે. ૨૦૨૩ના વરસમાં જામીન અંગેની અપીલ કોર્ટ તરીકે ઉભરેલી સર્વોચ્ચ અદાલતના વર્તમાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ પ્રત્યેક બેન્ચને રોજ દસ જામીન અરજીઓની સુનાવણી હાથ ધરવા સૂચના આપી છે.

    એક તરફ સર્વોચ અદાલત અને વડી અદાલતો જામીન અંગે ઘણા હકારાત્મ્ક નિર્ણયો લઈ રહી છે પરંતુ ટ્રાયલ કોર્ટ તેમ કરતી નથી. જામીન આપવાની અનિચ્છાના તેના વલણને કારણે અપીલ કોર્ટનું ભારણ વધે છે. ટ્રાયલ કોર્ટ ડર કે બીક્ની ભાવનાથી ગ્રસ્ત હોવાથી પણ તે જામીન આપતી નથી. કાયદેસરના અને ઉચિત કારણો વિના જામીનનો નકાર કરવો યોગ્ય નથી તે સ્પષ્ટ હોવા છતાં તેમ થતું નથી. પત્રકારો, કર્મશીલો અને સરકાર સાથે અસંમત એવા નાગરિકોને જામીન મેળવવામાં નવા નેજાં પાણી આવી જાય છે તે કડવી વાસ્તવિકતા છે. એટલે પણ સુપ્રીમે હવે સરકારને જામીન અંગેનો અલગ કાયદો બનાવવા જણાવવું પડ્યું છે.

    આરોપીને જામીનથી વંચિત રાખવા પોલીસ અને તપાસ એજન્સી કેવા ખેલ ખેલે છે તે પણ સમજવા જેવું છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ મની લોન્ડરિંગના એક કેસમાં આરોપીને જામીન ન મળે તે માટે વારંવાર સપ્લીમેન્ટરી ચાર્જશીટ રજૂ કરતું હતું. ઈડીનું આ વલણ આરોપીને જામીનથી વંચિત રાખવાનું જણાતાં સુપ્રીમે તેની આકરી ટીકા કરી હતી. આરોપી લાંબા સમયથી જેલમાં હોય અને ટ્રાયલ શરૂ થવાની ન હોય તો  મની લોન્ડરિંગ કેસ હોય , યુએપીએ હોય કે અન્ય ગંભીર ગુનો હોય તે જામીનનો હકદાર છે. આ પ્રકારે અવરોધ ઉભા કરીને જામીનના અધિકારથી વંચિત રાખવા તે વ્યક્તિના સ્વતંત્રતાના અધિકારને રુંધે છે.

    ટ્રાયલ કોર્ટ જેમના જામીન નકારે છે તેને ઉપલી કોર્ટ જામીન આપે છે. જ્યારે કોઈ આરોપીને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જામીન આપે છે ત્યારે તેને ન્યાય મળ્યો છે એમ લાગે છે પણ તે ન્યાયનો ઉપહાસ પણ છે . જે પ્રક્રિયા અને કાનૂન હેઠળ તેને ટ્રાયલ કોર્ટ જામીન આપતી ન હોય તેને હાઈકોર્ટ/સુપ્રીમ કોર્ટ કેમ જામીન આપી શકે ? અથવા જો હાઈહોર્ટ /સુપ્રીમ કોર્ટ જામીન આપી શકે છે તો ટ્રાયલ કોર્ટને ક્યો કાયદો જામીન આપવામાં નડે છે ?  તે સવાલ ઉદ્દભવે છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪.૬ :અંશ ૨#

    જીવનની અર્થવ્યવસ્થાનો

     વ્યાવહારિક અમલ

    હસ્તાંતરણ કે સખાવત દ્વારા મિલકતની વહેંચણી

    અંશ ૧ થી આગળ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    મિલકતની વહેંચણી

    મિલકત એકઠી કર્યે રાખવી  કે સંતાનો માટે મુકી જવી એ બે વિકલ્પ ઉપરાંત જેમને નાણાની કે નાણાકીય અથવા બિનનાણાકીય મદદની જરૂર છે તેમને નાણા ફાળવી શકવાનો એક અન્ય વિકલ્પ પણ છે.

    આપણે કમાયેલ, બચાવેલ કે રોકાણ કરેલ નાણાને પોતા પર ખર્ચ કરવાને બદલે જરૂરિયાતવાળાં લોકો  માટે નાણાં ફાળવવાથી સમાજે આપણને જે આપ્યું છે તે તેને જ પરત કરવાની આપણી ફરજ બજાવી રહ્યાં છીએ.  આપણી સંપત્તિ પર આપણો અને આપણા સંતાનોનો કાયદાની રૂએ હક્ક છે તો સમાજનો નૈતિક રૂપે હક્ક કહી શકાય. આપણી મિલકત કોને ફાળવવી એ આપણી ફરજ પણ છે અને હક્ક પણ છે. મિલકતમાંથી કોને શું, શી રીતે, ક્યારે અને કેટલું વહેંચવું એ નિર્ણય આપણે કરવાનો રહે છે, આપણે કરવો જોઈએ.

    આપણી મિલકતની ફાળવણી માટે આપણી પાસે શું શું વિકલ્પો છે તેની સમાલોચના કરીએ.

    વહેંચણી  – કેટલી અને ક્યારે?

    મિલકતની વહેંચણી કરવી જોઈએ એમ કહેવામાં આવે ત્યારે તેનો અર્થ એમ નથી કે આપણે આપણા, કે આપણાં સંતાનોનાં ભવિષ્ય વિશે ધ્યાન જ ન આપવું; આપણાં કુટુંબની ભવિષ્યની બધી જ સંભાવિત જરૂરિયાતો માટે પુરતી વ્યવસ્થા તો કરવી જ જોઈએ.  આપણાં, અને આપણા કુટુંબનાં જીવનના બધાજ તબક્કાઓ દરમ્યાન જે જીવનશૈલી જાળવી રાખવી આવશ્યક છે તે અંગેની જરૂરિયાતોને પહોંચી વળાય એટલી બચત અને રોકાણો કરવાં જ જોઈએ  તદુપરાંત,  જીવનના દરેક તબક્કે, જરૂરિયાત મુજબ તેમનો ઉપયોગ પણ કરતાં જ રહેવું જોઈએ.

    મિલકતની વહેંચણીની જે વાત છે તે ભવિષ્યની આ બધી જ જરૂરિયાતો માટેની પર્યાપ્ત વ્યવસ્થા કર્યાં પછી પણ જે રોકાણ ફાજલ રહે તેના સંદર્ભમાં છે.

    એટલે કે આપણાં જીવનની એવી અર્થવ્યવસ્થા આપણે ગોઠવવી જોઈએ કે આપણી  કે આપણા પરિવારની જરૂરિયાત ઓછામાં ઓછી હોય અને વધારાની મિલકત આપણે જે સમાજમાં રહીએ છીએ તે સમાજને ઉપયોગી નીવડે તેવી વ્યવસ્થા કરીએ. એ વ્યવસ્થા બે પ્રકારે કરી શકાય  – એક તો આપણા જીવનકાળ દરમ્યાન મિલકતની વહેંચણી થતી રહે, અથવા તો આપણા મૃત્યુ પછી આપણી ઈચ્છા મુજબ એ મિલકતનો ઉપયોગ થાય. આ બન્ને ઉપાયોનું આપણને ઉચિત લાગે તેવું સંમિશ્રણ કરવાનો  ત્રીજો વિકલ્પ પણ છે. આપણા મૃત્યુ પછીની મિલકતની વહેંચણીની વ્યવસ્થામાં કોઈ ગુંચવાડા ન પડે એ માટે બધી જ વ્યવસ્થા સ્પષ્ટ કરતું વસિયતનામું બનાવી લેવું જોઈએ.

    આવી વ્યવસ્થા કરવાથી આપણા પોતાના જીવનકાળને, તેમ જ આપણાં સંતાનોનાં ભવિષ્યને, સુરક્ષિત કરવાની સાથે સાથે આપણી હયાતી બાદ પણ  આપણી ઈચ્છા અનુસાર જ આપણી મિલકત વપરાશે એ વાતનો સંતોષ પણ રહેશે.

    આપણી મિલ્કતના ત્રણ ભાગ કરવાના રહે. એક ભાગ આપણા પોતાના જીવનકાળમાં ઉપયોગી નીવડે તે મુજબ હોય. બીજો ભાગ આપણા કુટુંબ અને સંતાનોની વર્તમાન તેમ જ ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવા પર્યાપ્ત જોગવાઈ મુજબ હોય, અને ત્રીજો ભાગ આપણી ઇચ્છા મુજબની વર્તમાન, કે ભવિષ્યની, સામાજિક ફરજો પુરી કરી શકાય તે મુજબ હોય.  આ અંગેના નિર્ણયો કરવા માટેનો સૌથી ઉચિત સમય અત્યારે જ છે પણ  આ નિર્ણયોનો અમલ જરૂરિયાતના પ્રકાર મુજબ, આપણી હયાતી દરમ્યાન વર્તમાનમાં અને ભવિષ્યમાં, તેમ જ આપણી હયાતી બાદ એમ અલગ અલગ તબક્કામાં થશે.

    વહેંચણીના બદલામાં કમાણી 

    પોતા માટે, કે પોતાનાં કુટુંબ કે સંતાનો માટે, નાણાની જાળવણી બેંકો કે નાણાં વ્યવસ્થાપકોને સોંપી જવા કરતાં પોતાની મિલકત વડે બીજાંને જીવનને સમૃદ્ધ કરવું વધારે માનવીય, વધારે સંતોષકારક અને વધારે ઉત્પાદક અને નૈતિક દૃષ્ટિએ સમર્થન યોગ્ય છે.

    બીજાં લોકો પોતાની જરૂરિયાતો પુરી કરી શકે તે રીતની આપણી મિલકતની ફાળવણી એ માત્ર નૈતિક ફરજ કે સખાવત જ નથી. પોતાનાં સંસાધનો બીજાંની સાથે વહેંચવાથી આ પ્રકારનાં વહેંચણી પાત્રમાં અન્ય લોકો દ્વારા પણ યોગદાનો ઉમેરાવાનાં સ્વરૂપે સુપ્રતિભાવ મળે છે. તે ઉપરાંત, બીજાં લોકો તરફથી પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ મળવાની સાથે સાથે આપણને સન્માન અને યશ પણ મળે છે.

    આપણી મિલકતની વહેંચણી : આપણો હક્ક 

    આપણી મહેનત અને આવડતથી જે કમાણી આપણે કરી છે, અને તેમાંથી બચત અને રોકાણ કરીને જે મિલકત ઊભી કરી છે, તેને કેમ ખર્ચવી, વહેંચવી કે સખાવતમાં આપી દેવી એ નિર્ણય કરવાનો હક્ક માત્ર આપણને જ છે. સાચા માર્ગે કરેલી કમાણીમાંથી પેદા કરેલી આપણી મિલકત પર આપણાં સંતાનોનો પણ કોઈ હક્ક કે દાવો ન હોઈ શકે. કેમ બચત કરવી કે રોકાણ કરવું કે ઉપાડ કરવો એ વિશેના નિર્ણયો લેવાનો જેમ આપણને જ માત્ર સુવાંગ હક્ક છે તેમ આપણી મિલકતની કેમ વહેંચણી કરવી એ નક્કી કરવાનો હક્ક પણ માત્ર આપણને જ છે.

    હવે પછીના મણકામાં, મિલકતની વહેંચણી કરવી કે ન કરવી તે અંગેનો નિર્ણય અને મિલ્કત ફાળવણીના ત્રણ વિક્લ્પ એ બે પાસાંઓની વાત કરીને મિલ્કતની વહેંચની ચર્ચા તેમ જ જીવનની આર્થિક વ્યવસ્થાના વ્યાવહારિક અમલનું પ્રકરણ પુરૂં કરીશું..


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • આજે સાંભરે છે અગ્નિશિખા શાં વિમલાતાઈ

    તવારીખની તેજછાયા

    એ ધારાધોરણસર ચૂંટણી લડવાથી માંડી હિસાબી ચોખ્ખાઈ ને વેરઝેરથી મુક્ત પ્રચાર વગેરે વાતો કરી શક્યાં હોત, પણ એમનું પહેલું બાણ છૂટ્યું તે મર્મવેધી હતું- કોંગ્રેસ કો એક ચપ્પા જમીં ભી નહીં મિલની ચાહિયે.

    પ્રકાશ ન. શાહ

    રામ નવમી આવવામાં હોય અને ધુળેટી હજુ હમણાં જ ગઈ હોય એવા આ દિવસોમાં, વિમલાતાઈ (૧૫ એપ્રિલ, ૧૯૨૧: ૧૧ માર્ચ, ૨૦૦૯)નાં જન્મ ને મૃત્યુ કલ્યાણકો વચ્ચે એમનું સ્મરણ એક સાથે બે છેડેથી થઈ આવે છે: હાલના ચૂંટણી કોલાહલ વચ્ચે આ મરમી જીવનસાધિકાએ શું કહ્યું હોત. તે સાથે, જગતને તો શું પૂછીએ પણ જાતને પૂછવાજોગ એ એક સવાલ પણ બારણાં ખટખટાવે છે કે ૨૦૨૧-૨૨માં એમની શતાબ્દી કેમ જાણે લગભગ વણઉજવી બલકે વણગાઈ ચાલી ગઈ. કોરોના કાળનું હોવું અને ઊતરતે ઊતરતે એનું તાઈના અંતેવાસીવત્ અરવિંદ દેસાઈને લઈ જવું, એ બીનામાં એક ખુલાસો જરૂર જડે છે: ન મહાજન પરંપરાના કલ્યાણભાઈ ત્રિકમલાલ આપણી વચ્ચે, ન તો રચનાત્મક સ્વાતંત્ર્યસૈનિક ઘરાણાના પ્રફુલ્લ દવે, નહીં થિયોસોફીમાં રમેલા ને તાઈની સંનિધિમાં વિકસેલા અરવિંદભાઈ.

    ચાલુ કોલાહલ વચ્ચે તાઈને સંભારું છું ત્યારે જુલાઈ ૧૯૭૫ અને ૧૯૭૯ના ઉત્તરાર્ધના બે પ્રસંગો સામે આવે છે. ‘૭૫ના જુલાઈમાં એક દિવસે અનેરાથી ગોવિંદભાઈ રાવળનો સંદેશો મળ્યો કે તાઈ અહીંથી નીકળી ગયાં છે અને તમે એમને હીમાવન (પાલડી ચાર રસ્તા, અમદાવાદ) પાછળ કલ્યાણભાઈને ત્યાં મળો. અમે પહોંચ્યા ત્યારે તાઈ આવીને પરવારવામાં હશે બેઠકખંડમાં કલ્યાણભાઈ સાથે. અમે કેમ છો, કેમ નહીં કર્યું ન કર્યું ત્યાં તો પડખેના ખંડમાંથી તાઈ ધસમસતાં આવ્યાં, અગ્નિશિખાની એન્ટ્રી જાણે! બેઠકખંડમાંની વાતો અડધે શબ્દે અટકી પડી, કેમકે તાઈ રૂંધાયેલા ગળે પણ આક્રોશભેર બોલતાં હતાં- દેશનો બાપ જેલમાં છે ને બાબા શું કરે છે? જયપ્રકાશ ત્યારે જેલમાં હતા ને વિનોબાજી નિષ્ક્રિયવત્ દીસતા હતા એથી આવી પડેલો આ સામાન્ય સંજોગોમાં વણકલ્પ્યો એવો ઉદ્્ગાર હતો. (બાકી, તાઈને વિનોબા વિશે આદર ને આત્મીયતા કઈ હદે હશે એનો સાક્ષાત્કાર મને વિનોબાના અંતિમ પર્વમાં થયો હતો. એક્સપ્રેસ ઓફિસ પર કલાકે કલાકે ફોનમાં એ પૂછતાં પુછાવતાં હતાં.)

    તાઈની આ અગ્નિશિખા આવૃત્તિ, ૧૯૭૫ પહેલાં વચલાં વરસોમાં જાણે શાંત પડી ગઈ હતી. ક્યારેક એ ઝંઝાવાતી ભૂદાનયાત્રી હશે, પણ પછી એ એક અંતર્યાત્રાના દોરમાં ચાલ્યાં ગયાં. દાન આપનાર કે દાન લેનાર, બેઉમાં આ ઘટના આસપાસ કોઈ આમૂલ પરિવર્તન નથી થતું. માલિકી હક્કનું વિસર્જન એકે પક્ષે નથી અનુભવાતું. આવી ઉત્કટ પ્રતીતિ સાથે તાઈએ કેટલાક સમય માટે જાતને સંકેલી અંતર્યાત્રાનો રાહ પકડ્યો. જે. કૃષ્ણમૂર્તિ ત્યારે એમને સારુ વાતનો વિસામો હતા. પણ આધ્યાત્મિક મુક્તિના આ આનંદકાળ પછી એમને આગલા અનુભવોએ કરીને અંતરથી ઊગ્યું કે એકલા આંતરિક વિકાસની વાત એકલા સામાજિક વિકાસ જેટલી જ ખોડંગાતી છે: જીવનમાં એક એવો અભિગમ જોઈએ, અખિલાઈભર્યો, જેમાં બંનેનો મેળ હોય. એમનો ઊંડો અભ્યાસી હોવાનો દાવો ન કરી શકું, પણ એટલું જરૂર કહું કે તાઈનાં ઉત્તરવર્ષોનો સિંહભાગ જે. કૃષ્ણમૂર્તિ અને જયપ્રકાશ વચ્ચેના અનન્ય સંતુલન શો વરતાય છે.

    પહેલાં ૧૮૭૫નું એક સ્મરણ કહ્યું. હવે ૧૯૭૯ની વાત કરું. કટોકટી ઊઠ્યા પછી જનતા રાજ ટૂંકજીવી પુરવાર થયું હતું, નવી ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. એ દિવસોમાં એક સાંજે યુનિ. વિસ્તારમાં દાદાસાહેબનાં પગલાંથી આગળ મોખરાના ભાગમાં થિયોસોફિકલ સોસાયટીની ‘કૃષ્ણકુટિ’માં પ્રો. બબાભાઈ પટેલ અને હું તાઈને મળવા ગયા હતા. ઘેરાતાં ચૂંટણી વાદળ વચ્ચે અમે પૂછ્યું કે આપણી ભૂમિકા શું. એ ધારાધોરણસર ચૂંટણી લડવાથી માંડી હિસાબી ચોખ્ખાઈ અને વેરઝેરથી મુક્ત પ્રચાર વગેરે વાતો કરી શક્યાં હોત. પણ એમનું જે પહેલું બાણ છૂટ્યું તે મર્મવેધી હતું- કોંગ્રેસ કો એક ચપ્પા જમીં ભી નહીં મિલની ચાહિયે.

    આજે અધિકારવાદી બળો સંદર્ભે એ આથી જુદું ભાગ્યે જ કહે. સમાજનિસબત વગરની આધ્યાત્મિક જીનવચર્યા એમને એક ઐયાશી (લગ્ઝરી) લાગતી. નવી પેઢીના વાચકમિત્રોને કદાચ ખયાલ નયે હોય એટલે એમની ટૂંકી તો ટૂંકી પણ જીવનગાથા મારે ઉતાવળેય કહેવી જોઈએ. નાનપણમાં મિત્રો સાથે મળી વિવેકાનંદ મંડળ ચલાવતી આ મેધાવી છોકરીના રંગઢંગ એવા બિનદુનિયાદારી હતા કે કોઈ કુટુંબીજનોના કહ્યાથી એ મનોરોગી તો નથી ને એવી દાક્તરી તપાસ કરાવાયાનુંયે સાંભળ્યું છે. રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ અને સર્વોદય ચિંતક દાદા ધર્માધિકારી સાથેનો નિકટતાનો એના ભાવજગતને ઘડતો હશે જરૂર, પણ કુ. વિમલા ઠકાર એકદમ ઊંચકાયાં ૧૯૫૧-૫૨ આસપાસ. સર્વપલ્લી રાધાક્રિષ્ણનના આ છાત્ર ફિલસૂફીમાં એમ.એ. થયાં ન થયાં અને વર્લ્ડ એસેમ્બલી ઓફ યૂથ (વે) પ્રકારનાં આયોજનોમાં ભાગ લેવા પરદેશ ગયાં ત્યારે વિજયાલક્ષ્મી પંડિતની નજરમાં એવાં તો વસી ગયાં કે એમણે ભાઈને (જવાહરલાલને) તાર કર્યો કે આ તરુણીને સ્વરાજનિર્માણનાં કામોમાં ઝડપી લેવા જેવી છે!

    પણ વિમલાને ભૂદાન આંદોલન સાદ દેતું હતું. ભૂદાનયાત્રાના વર્ષોમાં એ જયપ્રકાશનાં વ્યાખ્યાનોની નોંધ લેનાર તરીકે, તેજસ્વી વક્તા તરીકે, નશામાં ધૂત જમીનદારને ‘ભાઈ’ના સંબોધને જીતી લઈ ભૂદાન મેળવનાર તરીકે, એમ અનેકધા ઝળક્યાં. ચાલુ યાત્રાએ ધર્માધિકારી, જયપ્રકાશ ને અચ્યુત પટવર્ધને બનાવી આવેલી પુસ્તકસૂચિને સેવતાં ને જાગતા સવાલોના જવાબ વિનોબાજી અને આ ત્રણે ઉપરાંત ક્રિપાલાણી, લોહિયા, કાલેલકર પાસે મેળવતાં ગયાં અને એમ આંદોલનના નિંભાડામાં પાકતાં ગયાં.

    આસામના છાત્ર આંદોલનથી માંડી વાલેસાના સોલિડારિટી આંદોલન તેમ ગ્રીન મૂવમેન્ટના મિત્રો સાથે દિલી આપલે, ગુજરાત બિરાદરી થકી નિસબત ધરાવતા નાગરિકો પેદા કરવાનો પ્રયત્ન, યુનાઈટેડ નેશન્સને સ્થાને યુનાઈટેડ પીપલ્સની પરિકલ્પના, દક્ષિણ એશિયાઈ બિરાદરી…

    શું શંભારું, શું ભૂલું!


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૩ – ૦૪ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • વાહનો : ભાગ (૧)

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

    Mahendra Shah Kala Sampoot Vaahano 1

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • “કન્ફેશન’ : એક ડૉક્ટરની ડાયરીમાંથી

    નીલેશ રાણા

    લખ્યું ડેથ સર્ટિફેકેટ જે હાથે
    જમ્યો છું હું એજ હાથે
    શું આજ મારા સુખની વ્યાખ્યા?

    મારા જ લખેલા શબ્દો હજુ સુધી મને મૂંઝવી રહ્યા છે. આ લેખ આત્મપ્રસંશા કે આત્મશ્લાઘાની પ્રસાદી નથી. પણ ડૉક્ટર તરીકેના ઓગણપચાસ વર્ષના મનોમંથનનો નિચોડ છે; એની મને ખાતરી છે, છતાં નિર્ણય સુજ્ઞ વાચક પર છોડું છું.

    નવેમ્બર ૧૯૬૯ – એમ.બી.બી.એસ.ની ડિગ્રી મળતા જ “ડૉક્ટર’ શબ્દ મારા નામની આગળ જોડાયો. “નીલેશ, કેમ છો?’ની જગ્યાએ “ડૉક્ટર, કેમ છો?’ પુછાતા પ્રશ્નની સાથે જ જાણે મારો નવો જન્મ થયો હોય એવી અનુભૂતિ થઈ. પણ ડૉક્ટર શબ્દે મૂકેલી જવાબદારીના ભારનો અહેસાસ સમજતા થોડાં વર્ષો જરૂર લાગ્યાં. સાથે મળેલાં સન્માનને યોગ્ય બનવું એટલું સહેલું નથી, એ પણ સમજાયું. અને આ સમજણને જીવનમાં ઉતારતા જીવવું પણ સહેલું નથી એ પ્રતીતિ પણ થઈ. સત્યને પચાવવામાં વાર તો લાગેને! માત્ર ડૉક્ટરનું મહોરું પહેરીને ચહેરાને ઢાંકી રાખવું એ નીલેશની
    નિષ્ફળતા જ ગણાશે.

    ડૉ. સુરેશ દલાલ, આપણા જાણીતા કવિ હંમેશાં કહેતા કે વ્યક્તિએ બે જણ સામે ખુલ્લા થવું પડે. એક ઈશ્વર અને બીજા ડૉક્ટર. તો ડૉક્ટરની પણ ફરજ છે કે પોતાનો સાચો ચહેરો પેશન્ટ સમક્ષ પ્રગટ કરે. પ્રથમવાર એક સાવ જ અજાણી વ્યક્તિ જ્યારે એની જીવનદોરી મારા હાથમાં સોંપી દે ત્યારે એની આશા, શ્રદ્ધા, ભરોસા અને વિશ્વાસનું સન્માન જાળવવાની જવાબદારીનું મને સંપૂર્ણ ભાન હોવું જોઈએ. હું હંમેશા પેશન્ટને ઈશ્વરનું એકસ્ટેન્શન માનું છું. ઈશ્વર દર્દીના રૂપમાં મારી પરીક્ષા લેવા આવે છે; કે મેં લીધેલાં શપથને હું વફાદાર રહું છું કે નહીં. મારી પહેલી જવાબદારી એ છે કે એને કોઈપણ પ્રકારની હાનિ ન પહોંચાડું. ડૉક્ટર અને પેશન્ટ વચ્ચે દીવાલ નહીં એક બારણું હોવું જોઈએ. અહીં પારદર્શકતા અનિવાર્ય છે. દર્દીઓ જ્યારે બેધડક મારી સામે પોતાના જીવનનું રહસ્ય ખોલે, પોતાની અંતરગત ગુપ્ત વાતો વિના સંકોચે મને જણાવે, તો મારે પણ નિખાલસપણે સાચી સલાહ આપવી જોઈએ.

    હું સેવાનું કાર્ય કરું છું, એવાં ભ્રમમાં નથી રાચતો. સાથે ડૉક્ટરનો વ્યવસાય માત્ર ધંધો કે કમાણીનું સાધન માત્ર ન બની જાય એનું ધ્યાન રાખવું પડે છે. આ પણ એક વ્યવસાય છે જીવન નિભાવવા માટે. પણ એની સીમા બાંધવી પડે, એક લક્ષ્મણરેખા દોરવી પડે. મારો સંબંધ માણસ સાથે છે. માનવજીવન સાથે છે. જાણું છું કે આમ લખવું  સહેલું છે અને જાળવવામાં જે જહેમત પડે છે એનાથી હું અણજાણ નથી, એ વાત પણ સો ટકા સાચી. નીલેશ અને ડૉક્ટર એક ચહેરો, એક મહોરું કે પછી Split personality? આજ મારું કુરુક્ષેત્ર – મારી જ કવિતાના શબ્દો:

    દર્દીઓની લીધેલી ફીનું
    સંગ્રહસ્થાન… મારું ઘર!
    કાર, બંગલો, બેંક બૅલેન્સ
    પેશન્ટના હસ્તાક્ષર!!

    રાત્રિમાં કશુંક ડૂબે-તરે
    દ્યુત ધન્યતા કરગરે
    લક્ષ્મી-સરસ્વતી
    જુએ વક્ર નજરે…

    જમણો અંગૂઠો છે સલામત
    નિર્ણયની કટારીએ.
    તોય ટપકે રક્ત શાને
    પૂર્વ દિશાની બારીએ?

    શબ્દો મને સાવધાન અને સાવચેત રાખે છે. ડૉક્ટરની જેમ નીલેશની પણ પોતાની જવાબદારી છે. એની ફેમિલી, જરૂરિયાતોને જાળવવાની ચિંતા… એટલે ડૉક્ટર અને નીલેશ વચ્ચેની ખેંચતાણની તાણ પણ અનુભવાય છે. સમતોલન જાળવવામાં શ્રમ પણ પડ્યો છે એ કબૂલું છું. પણ ઈશ્વર કૃપાએ બૅલેન્સ જળવાયું છે. માત્ર ડિગ્રી મળવાથી માનવીનો મૂળભૂત સ્વભાવ તરત જ તો બદલાતો નથી. ડૉક્ટર પણ એક સામાન્ય વ્યક્તિ જ છે. તેથી રોજિંદા તનાવથી એ અનભિજ્ઞ ન રહી શકે. મુવી જોતાં, મિત્રો સાથે ગપ્પાં મારતાં, બાળકો સાથે રમતાં કે પત્નીના આલિંગનમાં… અચાનક પેશન્ટનો કોલ આવે ત્યારે નીલેશને ગુસ્સો આવે, પણ તરત જ બીજી જ ક્ષણે ડૉક્ટર એને ઠપકારે અને શપથની યાદ દેવડાવે.

    સારા ડૉક્ટર બનવા માટે, સક્સેસફુલ થવા માટે પ્રથમ સારા શ્રોતા બનવું પડે એ મારો પોતીકો અનુભવ છે. પેશન્ટની વાત શાંતિથી સાંભળો ત્યાં જ એનું અડધું દર્દ ઓછું થઈ જાય. કાનને ખુલ્લા રાખી હોઠોને બંધ રાખવાની શિસ્ત હંમેશાં કામમાં આવી છે. આમ ડૉક્ટરની ડિગ્રી મળ્યા બાદ નવું શિક્ષણ શરૂ થાય છે. પેશન્ટ પહેલાં અને પોતે પછી. એમની માનસિક, શારીરિક અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

    ક્યાંક વાંચેલું વિધાન મને યાદ આવે છેઃ “Each patient carries his doctor inside.’ એટલે દર્દી સારા થવાની ઇચ્છાને હંમેશાં એના મનમાં સ્થાન આપે એ મારે સમજાવવું જોઈએ. કારણ કે Health is hearty, health is harmony, health is happiness – માટે નકારાત્મક ભાવ સાથે સારવાર કરાવશો તો પરિણામ સારું નહીં આવે. એ વાત પણ સાચી છે.

    ડૉક્ટર નીલેશની ઓળખાણ છે, નીલેશ – ડૉક્ટરની ઓળખાણ નથી. એ હકીકત જાણ્યા બાદ પણ બંને વચ્ચેના સંબંધોની બારાખડી લખાતી-ભૂંસાતી રહી છે. એની ખટાસ અને મીઠાશ મેં ચાખી છે. એ વિટંબણાની આંટીઘૂંટીમાંથી હજુ હું સંપૂર્ણપણે બહાર નથી નીકળી શક્યો એનો અફસોસ સાલે છે. આટલાં વર્ષોનાં સુખદ-દુઃખદ સંભારણાંઓ સાથે છે. પેશન્ટની નાડીનો ધબકાર, શ્વાસોના સૂર, હૃદયના ધડકનોનો તાલ નીલેશને ડૉક્ટર બનાવી અજાણ્યા પ્રદેશમાં દોરી જાય છે. દુ:ખ અને વ્યથાના પ્રદેશમાં આશા, આનંદ અને સુખની રોપણી કરવા મહદંશે મળતી સફળતાનો આનંદ અનેરો હોય છે. એ પ્રદેશમાં ડૉક્ટરે એકલા જ ઘૂમવું પડે. હાથમાંથી છટકી જતી પેશન્ટની જીવનદોરી ફાંસીનો ગાળો બની ગમગીન પણ બનાવી દે. મન અને હૃદયને અકળાવતી નિષ્ફળતાની ટીસ ને ભીતરમાં જ ધરબી રાખતા ચહેરા પર સ્મિતને ટાંકવું મુશ્કેલ કાર્ય છે. ડૉક્ટર સ્થિતપ્રજ્ઞ રહેવા ચાહે છે. પણ નીલેશ રડે છે, જ્યારે એક ૧૬ વર્ષની આફ્રિકન સ્ત્રી – પેશન્ટ ડિસેમ્બર મહિનાની હિમવર્ષામાં અડધો કલાક લાઈનમાં ઊભા રહીને, અમેરિકન ગવનર્મેન્ટ દ્રારા મફતમાં અપાતા બે પાઉન્ડના ચીઝ સ્લેબને કાગળમાં વિંટાળી મને ક્રિસ્મસની ભેટ તરીકે આપે છે, ત્યારેમારું ડૉક્ટર થવું સફળ થયું એમ લાગી આવે છે. હંમેશાં ક્રિસ્મસ સમયે મારા પેશન્ટ ક્રિસમસ કાર્ડ સાથે બે-પાંચ-દસ ડૉલરની ભેટ આપે છે ત્યારે હું સાચી ધન્યતા અનુભવું છું. આ સફળતા મને નમ્ર બનાવે છે. ત્યારે મારા પ્રત્યેનો એમનો વિશ્વાસ એ શ્રદ્ધાને નમન કરું છું. ત્યારે નીલેશ પણ ડૉક્ટરની પ્રશંસા કર્યા વગર રહી નથી શકતો.

    તો બીજી તરફ ૭૦ વર્ષનો પુરુષ વાયગ્રાની માંગણી કરે ત્યારે હજુય જીવન માણવાની અભ્યર્થના, નર્સિંગ હોમમાં સંતાનોને જોવાની પ્રગટ થતી ઝંખના, કૅન્સરના લાસ્ટ સ્ટેજમાં મૃત્યુ માંગવાની યાચના. માતાપિતાની બિમારીની ચિંતા ન કરતાં એમના બેંક બેલેન્સ પર કબજો જમાવવા, એમની માનસિક સ્થિતિ ઠીક નથી એવા લેટર્સની માંગણી કરતાં સંતાનોની લાલસા, આવાં વિભિન્ન ઈમોશનલ ચક્રમાં ભીંસાતા કામ કરવું પણ એક ડૉક્ટર માટેની ચૅલેન્જ છે. આ સંજોગોથી મુક્ત રહેવું શક્ય નથી. નીલેશ કદીક ત્રાસી જાય છે પણ ડૉક્ટર આ ખમી લે છે. અને હંમેશાંમાથે લટકતી “Malpractice’ની તલવાર. ક્યારે કો’ક ફેમિલી મેમ્બર તમને કોર્ટમાં લઈ જાય કહેવાય નહીં. ડૉક્ટર પણ માણસ છે એને પણ બ્લડપ્રેશર, ડાયાબિટીશ થાય છે. એને પણ હાર્ટ એટેક આવે છે અને ડૉક્ટર જ્યારે પેશન્ટ બને તો…

    હું ફરિયાદ નથી કરતો, માત્ર હકીકત જણાવું છું. આ વ્યવસાય મને ગમે છે એટલે અપનાવ્યો છે. હજુય ડૉક્ટર તરીકે કામ કરી રહ્યો છું. મનમાં એના માટે કોઈ વિષાદ કે અણગમો નથી. અસંતોષ નથી. જીવન અને મૃત્યુને નજદીકથી જોવાની અમુલ્ય તક મળી છે એ માટે ઈશ્વરનો આભારી છું. દર્પણ સાચું કે પ્રતિબિંબ ? કોને પ્રશ્ન કરું? જણાવશો?

    વાંસળી વગાડું તો સૌ કોઈ સાંભળે

    સ્ટેસ્થોસ્કોપ કોને સંભળાવું?

     

  • નકામું ઘાસ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    પાકિસ્તાનને અલગ દેશમાં પરિવર્તિત થયાને ત્રણ-ચાર મહિના જ થયા હતા. ઘરમાંથી આણેલો ટ્રંક, મેજ, પલંગથી માંડીને પારણાં જેવો સામાન હજુ પોલીસચોકીમાં ખડકાયેલો નજરે આવતો હતો.

    ક્યારેક આ સઘળું કોઈ ઘરની શોભા હશે. ગૃહિણીઓએ કેટલાય ભાવથી ઘરમાં એને યોગ્ય સ્થળે ગોઠવ્યું હશે, પણ અત્યારે તો ઢગલામાં પડેલો સામાન કેટલાય સમયથી ગૃહિણીની કાળજી વગર આમતેમ ઠેબા ખાતો હતો. માત્ર ધરતી પોતાની જગ્યાએ હતી. શરણાર્થીઓ પણ જ્યાં એક કેમ્પથી બીજા કેમ્પમાં ફંગોળાતા હતા ત્યાં જાનવરોની દશાની તો શી વાત!

    શરણાર્થીઓની તો ઠીક, ત્યાંના રહેવાસીઓનો આખેઆખી વસાહત ઉજડી ગઈ હતી. સગાંસ્નેહીઓ, મિત્રો વિખૂટા પડી ગયા હતા.  મિલમજૂરના માલિક અને માલિકના મિલમજૂર બદલાઈને નવા આવી ગયા હતા. એકબીજાને અસલામાલેકુમ પણ નહોતા કહેતા કે નહોતા એકબીજા સાથે ભળી શકતા. આખેઆખા ગામની સિકલ બદલાઈ ગઈ હતી. જૂના રહેવાસીઓને પણ ગામ પરાયું લાગતું. ઘર, હવેલી પાસેથી પસાર થતી સડક-નહેર સુદ્ધાં અજાણ્યાં લાગતાં. નહેરોમાં ક્યાંય સુધી લાલ રંગનું પાણી વહ્યું. એમાંથી કેટલીય લાશોના અંગ બહાર દેખાતા. વજૂ કરવું મુશ્કેલ હતું  ત્યાં  નહાવાની વાત જ ક્યાં વિચારવી? ઘણું બધું પુનઃસ્થાપન કરવા જેવું હતું!

    “આખો પ્રદેશ તબાહ થઈ ગયો.” ઊંડા નિસાસા સાથે એક યુવાન બૂઢ્ઢા બાપને કહી રહ્યો હતો.

    “હા, થઈ તો ગયો છે પણ જોજે જ્યારે સૌ જ્યાં છે ત્યાં ટકી જશે તો બધું ઠીક થઈ જશે.” બાપ જાણે અનુભવની વાત કરતો હતો.

    “એ બધું તો ઠીક છે પણ ટકશે ક્યાં અને કેવી રીતે? આ તો રોટીનો ટુકડોય ઉઠાવીને પોતના મ્હોંમાં મૂકી નથી શકતા.”

    “અરે ભાઈ, ખેતી કરતાં પહેલાં ખેતરોમાં જે વધારાનું ઘાસ હોય છે એને ઉખાડવામાં કોઈ કસર છોડવામાં નથી આવતી. એ વધારાનું નકામું ઘાસ મૂળથી ઉખાડીને ખેતરની બહાર ફેંકી દઈએ છીએ ને છતાં દસ દિવસમાં જ એનાં ફરી એનાં અંકુર ફૂટી નીકળે છે. એક મહિના પછી તો એવું લાગે કે જાણે અહીં નીંદામણ થયું જ નથી. એવી રીતે જગ્યાનો નાનો અમસ્તો ટુકડો મળશે અને અહીં લોકો ફરી પાછા આવીને વસી જશે.”

    અસલમાં બાપની વાતમાં સચ્ચાઈ હતી. જેમને જમીન મળી જતી એ ત્યાં જ ટકીને રહી ગયા. કામચલાઉ મળેલાં ખેતરોથી પણ એમને રાહત લાગતી. સૌ ખેતરની વાડ પાસે એકઠા થઈને બેસતા ને સામાન્ય જીવન જીવવા મથતા. ક્યારેક કોઈ ઑફિસર કે થાણેદાર આવીને પંચ બેસાડે ત્યારે પોતાના દુઃખ એમની પાસે રજૂ કરતા.

    એવામાં મારી અહીં નિમણૂંક થઈ. જબરદસ્તીથી ઉઠાવી ગયેલી સ્ત્રીઓને અને જબરદસ્તીથી મુસલમાન બનાવેલા પરિવારોને પાછા સહીસલામત હિંદુસ્તાન પહોંચાડવાનું મારું કામ હતું. હિંદુસ્તાની ફોજની ટુકડી અને પાકિસ્તાનના કેટલાક બાહોશ સિપાહીઓ મારી સહાયમાં હતા.

    ખોવાયેલી યુવતીઓને શોધવાનું કામ કપરું હતું. પાકિસ્તાની સિપાહીઓ થોડી ઘણી મદદ કરતા ત્યારે કદાચ કામ સરળ બનતું.

    આ એ સમયની વાત છે જ્યારે એક ફોજદારની મદદથી ગામની એક મોભાદાર વ્યક્તિની પુત્રવધૂની ભાળ મળી હતી. પાકિસ્તાનમાં સરકારનો ભારે રોફ હતો એટલે  એ ગામ પહોંચ્યા ત્યારે સૌ ફોજદારનું સ્વાગત કરવા એકઠા થઈ ગયા. પૂછતાછ કરતા એક ઘર સુધી અમે પહોંચ્યા.

    નાનકડું મકાન, છાજલી પર થોડા કપરકાબી, થાળીવાડકા, બસ આટલો અસબાબ નજરે પડ્યો. રૂમના એક ખૂણામાં થોડો સામાન, ચારપાઈ હતી જેની પર એ સ્ત્રી આડી પડી હતી. કદાચ થોડા દિવસથી એને તાવ હતો. હાથ પર મોટું ગૂમડું થયુ હતું એની પર પાટો હતો. શરીરે ક્ષીણ એવી એ સ્ત્રીનો અવાજ પણ અતિ ક્ષીણ હતો. એને સાંભળવા મારે એની નજીક જવું પડ્યું.

    “શું થયું છે?”  એના હાલ પૂછવા મેં એને સીધો જ સવાલ કર્યો.

    “ચાર-પાંચ દિવસથી તાવ છે.” એણે જવાબ આપ્યો.

    “તારી સાથે કોઈ સ્ત્રી નથી?”

    “સાથે તો શું આસપાસ પણ નથી.” એ બોલી.

    પહેલાં જોયેલી યુવતીઓ કે સ્ત્રીઓથી આની વાત સાવ જુદી હતી. એ લોકો સાથે કેટલાય સ્ત્રીપુરુષો હતાં. કોઈને કોઈની નજર કે રખવાળી એમની પર હતી. જ્યારે આને તો એના હાલ પર છોડી દીધી હોય એમ એ સાવ એકલી હતી.

    “કેટલા સમયથી અહીં છું?”

    “જ્યારથી આ ગામ ઉજડ્યું ત્યારથી.”

    “આ કપડાં અને વાસણો તને કોણે આપ્યાં?”

    “કેવી વાત કરો છો?” એ મ્લાન હસી.

    પછી સમજાયું કે એ સાવ એકલીય નહીં હોય. આ ઘર, નજરે પડતો આ સામાન અને એનાં શરીરનો માલિક કોઈક તો હતો, જે અત્યારે દેખાતો નહોતો. લખવામાં જેટલી સહજતાથી આ વાત લખાઈ એ વાતની જાણકારીથી ત્યારે તો મન ત્રસ્ત થઈ ગયું હતું. આજ સુધી અહીંની દુનિયા કે અહીંના લોકો માટેના જે સુંદર વિચારો મારા મનમાં હતાં એ નષ્ટ થઈ ગયા. કડવી વાસ્તવિકતાથી મન વ્યથિત થઈ ગયું.

    આ મકાનમાં કોઈએ ઉઠાવી લાવેલી સ્ત્રી ચારપાઈ પર બેસહાય પડી હતી. માણસજાતે માણસજાત પર ગુજારેલા સિતમનું ધૃણા છૂટે એવું દૃશ્ય હતું. કચડાયેલી, મસળાયેલી એક જીવંત લાશ જેવી સ્ત્રી નજર સામે હતી. એની નાતજાતનું કે સાથીદાર, કોઈ સાથે નહોતું. એને તો એ પણ કહેવામાં આવ્યું નહોતું કે એ ફરી એ સૌને મળી શકશે કે નહીં. વિશ્વાસના ભરોસે જીવી શકે એવાં ઠાલાં આશ્વાસન આપનાર પણ કોઈ નહોતું. અહીંથી કોઈ એને લઈ જશે એવો વિચાર કરવાનુંય એણે છોડી દીધું હતું.

    એને અહીંથી કેવી રીતે લઈ જઈ શકાય એની શક્યતાઓ જોઈને પાછો આવીશ એમ મેં વિચાર્યું.

    “સારું બહેન, તો હું ફરી આવીશ.” એમ કહીને હું ઊભો થયો.

    “જતાં પહેલાં મારી એક વાત સાંભળશો, મારું એક કામ કરશો?”

    હું અટકી ગયો.

    “મારી એક વિનંતી છે. તમે મારાં શીખ ભાઈ છો, હવે હું તો મુસલમાન થઈ ગઈ છું. ક્યારેક હું  શીખ હતી. આ દુનિયામાં એક માત્ર મારી નણંદ છે એને પણ કોઈ ઉઠાવી ગયું છે. પોલીસથી માંડીને સૌમાં તમારું માન છે, તમારી વાત બધાં માને છે. હું એની મા સમાન મોટી ભાભી છું. એને  તમે શોધી શકશો?  જો એ મારી પાસે હશે તો એનો હાથ કોઈને સોંપીશ. એમ કરીને અહીં અમારા સંબંધો વધશે. કોઈ તો હશે જેમને હું મારા કહી શકીશ.”

    હવે પેલા વૃદ્ધ જાટની વાત મારી સમજમાં આવી. એ કહેતા હતાને કે, “ખેતી કરતાં પહેલાં ખેતરોમાં જે વધારાનું ઘાસ હોય છે એને ઉખાડવામાં કોઈ કસર છોડવામાં નથી આવતી. એ વધારાનું નકામું ઘાસ મૂળથી ઉખાડીને ખેતરની બહાર ફેંકી દેવામાં આવે છે. પરંતુ દસ દિવસમાં જ એનાં ફરી એનાં અંકુર ફૂટી નીકળે છે ને અને એક મહિના પછી તો એવું લાગે કે જાણે અહીં નીંદામણ થયું જ નથી.”

    શક્ય છે ફરી અહીં આવી જ રીતે નવો સંપ્રદાય વસતો થઈ જશે.


    કુલવંતસિંહ વિર્કની વાર્તા घास  પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મહેન્દ્ર શાહનાં માર્ચ ૨૦૨૪નાં સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

    Mahendra Shah’s creations for Month of March 2024

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ફિલ્મી ગઝલો – ૪૫. વિશ્વામિત્ર આદિલ

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આ પહેલાં ઉલ્લેખી ચૂક્યા છીએ એવા અનેક શાયરોની જેમ વિશ્વામિત્ર આદિલ પણ પટકથાકાર, સંવાદ લેખક અને કેટલીક ગણીગાંઠી ફિલ્મોના ગીતકાર હતા. મુખ્યત્વે તેઓ લેખક અને એમણે લખેલી ફિલ્મોની સૂચિ ( કીમત, છોટી બહુ, પ્યાર કી કહાની, ફર્ઝ, શાગીર્દ, આરતી, આશિક, શારદા, ચાર મીનાર, જોરૂ કા ભાઈ, હાઉસ નં ૪૪ ) અને એમના બેનર જોઈએ તો ખ્યાલ આવે કે એ કેવડા મોટા અને લોકપ્રિય લેખક હતા. પોતે એક નિષ્ફળ ફિલ્મ ‘ ઈંસપેક્ટર ઈગલ ‘ પણ બનાવીને દિગ્દર્શિત કરી. થોડાક વર્ષ ઓલ ઈંડીયા રેડિયો અને રેડિયો સિલોન માટે પ્રોગ્રામ લખવાનું કામ પણ કર્યું.

    હમ લોગ, નીચા નગર, રાત કા રાહી,  જોરૂ કા ભાઈ, અફસર જેવી દસેક ફિલ્મોમાં પચાસ આસપાસ ગીતો લખ્યા. એમની બે દુર્લભ ગઝલો જોઈએ :

    બરબાદ મુહબ્બત  કી  છોટી સી કહાની હૈ
    એક ટૂટા હુઆ દિલ હૈ એક તેરી નિશાની હૈ

    સાવન ભી ગયા કબ કા, સાથી ભી ગએ કબ કે
    ભીગી  મેરી  આંખોં  મેં  અશ્કોં  કી  રવાની  હૈ

    તકદીર કી ઠોકર ને વો ઝખ્મ લગાયા હૈ
    ના  મન  મેં ઉમંગેં હૈં ખામોશ જવાની હૈ

    મર જાતે કો અચ્છા થા પર હાએ રે મજબૂરી
    હમ મર ભી નહીં સકતે વો મૌત સુહાની હૈ ..

    – ફિલ્મ : ફૂલ ઔર કાંટે ૧૯૪૮

    – મીના કપૂર

    – દાદા ચંદેકર

    અરે ઝાલિમ ન તૂ હમસે ખફા હોતા તો ક્યા હોતા
    ગલે મિલ કે હમારા હો ગયા હોતા તો ક્યા હોતા

    નઝર કે જામ પી લેતે, ઘડી ભર હમ ભી જી લેતે
    જો ઈકરારે મુહોબત કર લિયા હોતા તો ક્યા હોતા

    તેરે કુછ ભી ન કહને પર તુઝી પર જાન દેતે હૈં
    અગર કુછ મુસ્કુરા કર કહ દિયા હોતા તો ક્યા હોતા

    રુલા કર મેરે અશ્કોં કો તમાશા દેખને વાલે
    યે આંસૂ તેરી પલકોં સે ગિરા હોતા તો ક્યા હોતા..

     

    – ફિલ્મ : સમુંદરી ડાકુ ૧૯૫૬

    – આશા ભોંસલે

    – જયદેવ


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • વિરોધ અને ટીકા – ૮ હકીકતો અને ૮ બોધપાઠ

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    જો તમે અગ્રણી સ્થાન પર છો, તો તમારે હંમેશા એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે જ્યાં:

    • કોઈ કામ કરવા બદલ લોકો તમારી ટીકા કરશે.
    • કોઈ કામ ન કરવા પર પણ લોકો તમારી ટીકા કરશે.
    • તમારા નિર્ણયો તમારી વિરુદ્ધ જશે.
    • તમે જે પહેલ કરશો તેમાં તમને ઘણા પ્રતિકારનો સામનો કરવો પડશે.
    • માર્ગમાં અવરોધોનો સામનો કરવો પડશે
    • લોકો તમારા નિર્ણયોનું બારીકીથીથી વિશ્લેષણ કરશે.
    • તમારા પર કંઈક કરવાનો (અથવા ન કરવાનો) આરોપ લાગી શકે છે.
    • અથવા, તમારે ખોટા હેતુઓવાળા લોકોનો સામનો કરવો પડશે.

    તો, તમે શું કરશો? હાથ ઊંચા કરી દેશો?

    આવી પરિસ્થિતિમાં આટલું જાણી, સમજી અને સ્વીકારી લેવું જોઈએ:

    • ટીકા અનિવાર્ય છે. લોકો ટીકા કરી રહ્યા છે તેનો અર્થ એ છે કે તમે કંઈક અર્થપૂર્ણ કરી રહ્યા છો.
    • વિવેચકો/પ્રતિકૂળતાઓ દ્વારા આપણને ધાર પર ધકેલવામાં આવે ત્યારે આપણે આપણી શ્રેષ્ઠ સ્પર્ધાત્મક સ્થિતિમાં હોઈએ છીએ.
    • દરેક ટીકા કે પ્રતિકાર એ કંઈક નવું શીખવાની તક છે.
    • પ્રતિકાર તમને લોકોની કામ કરવાની, કે વિચારવાની શૈલીને સમજવા માટે સક્ષમ બનાવે છે. એક નેતા માટે આ બહુ મોટી આવડત છે.
    • જો કોઈ તમારી તરફ પેન લંબાવે છે, તો તમારે નક્કી કરવાનું રહે છે કે તમે તેને સ્વીકારવા માંગો છો કે નહીં. (ટીકા સાથે પણ આવું જ છે. ટીકા બરાબર સાંભળ્યા અને સમજ્યા પછી તેને અવગણવાથી એ ટીકા અર્થ વગરની બની જાય છે)
    • ટીકાકારને જવાબ આપવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમે જે પણ કરો છો એમના મટે જડબાંતોડ જવાબ નીવડે. દાખલો બેસાડી દે એવું આચરણ એ પોતે જ પ્રગાઢ શક્તિ ધરાવતું વિધાન છે.
    • ટીકા કરવામાં આવે ત્યારે મન ખુલ્લું રાખો – તેમાં તમારી જાતને સુધારવાની તક હોઈ શકે છે.
    • કામ પર ટીકા, પ્રતિકાર અને પ્રતિકૂળતાઓ હંમેશા તમારી પોતાની વિચારધારા, નિર્ણય પ્રક્રિયા , કાર્યપદ્ધતિને સુધારવા માટે આત્મખોજ કરવાની સુવર્ણ તક છે.

    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • અવળેથી કડીઓ જોડવાની શરૂઆત કરવાની નિપુણતા: અંતથી શરૂઆત કરીએ

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    આંખ સામે ચિત્ર ખડું કરવું, મોટે પાયે વિચારવું વગેરેના ફાયદા આપણને બધાંને ખબર છે.

    પરંતુ ૯૦% લોકો સીધી લીટીમાં જ વિચારે છે – એક છેડેથી શરૂ અને બીજે છેડે અંત.

    અહીં જ તક છુપાએલી છે.

    અવળેથી કડીઓ જોડવાની શરૂઆત કરવાની નિપુણતા કેળવીએ: અંતથી શરૂઆત કરીએ

    અવળેથી કડીઓ જોડવી એ એક જાતનો ભુલભુલામણીના કોયડાનો સહેલોસટ ઉપાય છે. ‘અંત’ થી શરૂ કરીને રસ્તો ખોળતાં ખોળતાં ‘શરૂઆત’ સુધી પહોંચી જાઓ. જટિલ સમસ્યાઓને ઉકેલવાનો આ એક શક્તિશાળી ઉપાય છે.

    અવળેથી કડી જોડવાના ૩ આનુષંગિક લાભ:

    ૧. સમસ્યાઓ ઉકેલવાનાં કૌશલ્યમાં વધારો : અંતના લક્ષ્ય બિંદુ પર ધ્યાન આપવાથી મુશ્કેલ સમસ્યા નીવડી શકે એવાં મોટાં કામને નાનાં નાનાં કામોમાં વહેંચી નાખવાની કળા આવડવા લાગે છે. બીજા શબ્દોમાં એ સફળ થતી અવળી એન્જિનિયરિંગ પ્રક્રિયા છે.
    ૨. આયોજન પ્રક્રિયા ધારદાર બને છે : પહેલાં ‘અંત’ની કલ્પના કરો. તેનાથી કામોની ગોઠવણી સ્પષ્ટ બની જાય છે તેમ જ લક્ષ્ય સુધી પહોંચવા માટે શું શું જોઈશે તે સમજાઈ જાય છે. પરિણામ ? સુવ્યવસ્થિત, કાર્યદક્ષ આયોજન.
    ૩. સર્જનાત્મક કલ્પનાશક્તિ ખીલે છે : આ સીધી સટ રીત નથી. એ તો અભિનવ અભિગમ જ છે, જે અવનવા ઉપાયોને ખોળી લાવી શકે છે.

    સ્ટીફન કોવીની અનુભવસિદ્ધ વાણી: અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરો.”

    The 7 Habits of Highly Effective People“ની આ લગડી જેવી ટકોર અવળેથી કડીઓ જોડવાનું હાર્દ સમજાવી જાય છે. (પુસ્તક ન વાંચ્યું હોય તો હજુ પણ વાંચી જજો. આભાર પછીથી જ માનજો!)

    તમારાં લક્ષ્યનું ચિત્રમાં મનમાં દોરો અને પછી તેને પહૉંચવાનાં દરેક પગલાંને એ લક્ષ્ય ભણી કેન્દ્રિત કરો.

    આ પણ અજમાવો: અવળું મનોમંથન

    લક્ષ્ય દખાય છે ને? આટલું કરશો તો લક્ષ્યવેધ નક્કી છે.

    બસ, પછી પુછો: “કયાં પગલાં અહીં સુધી લઈ આવ્યાં?” પગલાંનાં એ નિશાન પર ઊંધી ગણતરી માંડો. જે જે સીમાચિહ્નો અને પગલાંઓ આ કેડીએ મળતાં જાય તેને નોંધતાં જાઓ.

    પરંપરાગત આયોજનને આમ ઊંધી બાજુએથી જોવાથી નવી સૂઝ ખુલવા લાગે છે અને સીધી સફર દરમ્યાન ચુકાઈ ગયેલાં પગલાં સ્પષ્ટપણે દેખાવા લાગે છે.

    પાદ નોંધ: અવળી ગણતરી માંડતાં માંડતાં સવળી ગણતરીને હાંસિયામાં ન ધકેલી દેતાં. સમજી ગયાંને ! હા, આમ પણ, તમને તો ઈશારો જ બસ છે નેઃ😊


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.