-
પગદંડીનો પંથી – ભાગ ૨ – ૭ : નખની માવજત અને સાર-સંભાળ
તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

ડૉ. પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.આપણા શરીરના હાથ-પગની આંગળીના નખ ખૂબ જ જરૂરી અંગ છે. કોમળ માંસપેશીઓને તે આધાર આપે છે અને નાનામાં નાની વસ્તુઓ પકડવામાં હાથની આંગળીઓને અને પગને જમીન પર પકડ રાખવામાં મદદ કરે છે.
આથી એને લગતી સામાન્ય રીતે જોવા મળતી તકલીફોને (Common Diseases) જાણવી જરૂરી છે. આવી તકલીફો નીચેનાં કારણોથી થાય છે:
(૧) ઈજા થવાથી/વાગવાથી (Trauma/Injury) નખ થોડો કે સંપૂર્ણ ઊખડી જાય (Avulsion), અને તેની નીચે અને બાહ્યત્વચા (Cuticle)માં લોહી ભરાય, પછી જંતુ લાગવાથી ઇન્ફેક્શન થાય.
(૨) સામાન્ય લાકડાની ફાંસ (Wooden Splinter) વાગે, નખની નીચે ભરાઈ જાય.
(૩) માપસરના સાંકડાં બૂટ કે ચંપલ પહેર્યાં ન હોય (Ill-Fitting Shoes), મોજા પણ લાંબા સમય સુધી પહેરી રાખ્યા હોય તેથી જે પરસેવો થાય, અને તે ભેજના લીધે જંતુઓ અને ફૂગ (Bacteria, Fungus) લાગી જાય.
(૪) ખોટી રીતે નખ કાપ્યા હોય (Wrongly Pared Nails), જેનાથી નખની નીચે માંસપેશી સુધી ઈજા થાય.
(૫) કુદરતી રીતે જ વારસામાં પગના આંગળા કે નખ વાંકા (Crooked) મળ્યા હોય. આવું ઘણા રોગોમાં પણ થઈ શકે.
(૫) નકલી નખ પહેરવાથી અને ઊંચી એડીના સેન્ડલ વાપરવાથી પણ નુકશાન થઈ શકે.
નખના સામાન્ય (Commonly found) જોવામાં આવતા રોગોઃ
(૧) પેરોનીકિયા (Paronychia), જેમાં નખનાં નયાંમાં ઇન્ફેક્શન થવાથી સોજો આવે અને આખરે પરુ ભરાય.
(૨) ઇનગ્રોઇંગ નખ (Ingrowing nail). જેમાં નખ નીચેની ચામડીની અંદર ઊતરતો લાગે. આવા દર્દીને ખૂબ જ લબકારા મારતો દુખાવો (Throbbing Pain) થાય, રસી નીકળે, કામ ન થઈ શકે, ચલાય નહી, અને કોઈ વાર તાવ આવી જાય.
ઉપાયો અને સારવારઃ અગમચેતી રૂપે (Preventive Measures):
૧. યોગ્ય માપના આરામદાયક અને આગળનાં આંગળાં ન દબાય એવા બૂટ/ચંપલ પહેરવા.
૨. વધારે પરસેવો થાય અને લાંબા સમય સુધી બૂટ-મોજાં પહેરી રાખવાં પડે તો, વચ્ચે-વચ્ચે સમય મળે ત્યારે બૂટ-મોજાં કાઢી નાખો, જેથી ભેજ સુકાઈ શકે. ગૃહિણીઓ પાણીમાં કામ કરે ત્યારે હાથમોજાં પહેરી શકે.
૩. ઈજા થાય ત્યારે તાત્કાલિક યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી.
૪. છેલ્લે, ખૂબ જ મહત્વની વાત એ કે નખ કાપવાની સાચી રીત. વધારે પડતા નખ કાપવા નહીં અને ખૂણા કાપી ગોળ આકાર આપ્યા વગર સીધા જ કાપવા.
દાક્તરી સારવારઃ
(૧) દુખાવાની/સોજો ઉતારવાની દવા લેવી પડે (Pain Killers and Anti-Inflammatory Drugs)
(૨) રસી (Pus) હોય તો એન્ટિબાયોટિક્સ અપાય છે. પાટો બાંધવો પડે.
(૩) વધારે રસી/પાક-પરુ હોય તો ચીરો (Incision for Draining Pus) મૂકવો પડે. પાટો બાંધવો.
(૪) ઇનગ્રોઇંગ નખ હોય તો, ઘણી વાર થોડો કે પૂરો નખ કાપી કાઢવો (Partial or Total Nail Removal) કે ચામડી કાપી કાઢવી પડે. આવી સર્જરી અને ચીરો મૂકવા માટેની સર્જરી માટે લોકલ એનીસ્થેશિયા આપવામાં આવે છે.
આ સાથે રોગવાળા ભાગને આરામની જરૂર પડે શકે. ડાયાબીટીસ કે બીજા કોઈ રોગ હોય તો તેની દવાઓ ચાલુ રાખવી.
આવી સામાન્ય લાગતી તકલીફો આપણને ખૂબ જ હેરાન કરતી હોય છે મેડિકલના ઊંડા જ્ઞાનમાં ઊતરી ઘણું લખી શકાય પણ એનાથી સામાન્ય વ્યક્તિઓએ તેમના રોજબરોજના વ્યવહારોમાં જાળવવી જોઈએ તેવી જરૂરી સમજ બાજુ પર રહી જાય. એટલે જ મેં સામાન્ય લાગતા મેડિકલ/સર્જરીને લગતા લેખ આપવાનો અભિગમ રાખ્યો છે, જે આમ આદમીને દરરોજના જીવનમાં કામ આવી શકે.
ક્રમશ:
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
રેડિયો પેટ્ટી – વો દિન કહાં ગએ બતા
વેબ ગુર્જરીના વાચકો હવે સુપેરે જાણે છે કે ભાઈશ્રી ભગવાનભાઈ થાવરાણી ફિલ્મવલોઅક્ન, ફિલ્મ સંગીત, પદ્ય સાહિત્ય જેવા વિવિધ વિષયોના અભ્યાસુ અને શોખીન છે. ‘ફૂલછાબ’ રાજકોટની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં તેઓ પોતાના આ વિવિધ શોખના વિષયોની સાથેની સંવાદિતા’ રજુ કરી રહ્યા છે.સહર્ષ જણાવવાનું કે આ ‘સંવાદિતા’નો લાભ હવે વેબ ગુર્જરીના વાચકોને પણ દર બુધવારે મળશે.સંપાદક મંડળ – વેબ ગુર્જરી
સંવાદિતા
ભગવાન થાવરાણી
એક વિલક્ષણ અને હવે દુર્લભ કહેવાય એવી એક સંવેદનશીલ તમિલ ફિલ્મની વાત કરીએ.
સામાન્ય રીતે હવે આપણે પુષ્પા, જેલર, આર આર આર, અને બાહુબલિ જેવી હિંદીમાં ડબ થયેલી સુપર – ડુપર હિટ ધમાકેદાર તમિલ ફિલ્મોથી એ હદે ટેવાયેલા છીએ કે એ ભાષામાં આવી ઋુજુ ભાવુકતાસભર ફિલ્મ પણ બને છે એ જાણી સુખદ આશ્ચર્ય થાય ! હા, એક જમાનો એવો હતો ખરો ૫૦ અને ૬૦ના દાયકાનો, જ્યારે લગભગ મુંબઈ જેટલી જ હિંદી ફિલ્મો તામિલનાડુના મદ્રાસ ( હવે ચેન્નઈ ) માં પણ બનતી એટલું જ નહીં, એમાંની મોટા ભાગની લોકભોગ્ય અને સમગ્ર કુટુંબ સાથે બેસીને જોઈ શકાય એવી શિષ્ટ પણ હોય. જેમિની, એ વી એમ, પ્રસાદ પ્રોડક્શન્સ અને વાસુ ફિલ્મસ જેવા નિર્માણ ગૃહોનો દબદબો હતો અને આ ફિલ્મ ફેક્ટરીઓમાંથી નિરંતર ફિલ્મોનો ફાલ ઉતરતો રહેતો.
આજે વાત કરવી છે તમિલ ફિલ્મ સર્જક હરિ વિશ્વનાથની એ જ ભાષામાં વર્ષ ૨૦૧૫ માં બનેલી ફિલ્મ રેડિયો પેટ્ટીની. રેડિયો પેટ્ટી એટલે જૂના જમાનામાં ઘેર-ઘેર જોવા મળતો મોટા બોક્સ જેવડો ઈલેક્ટ્રીસીટીથી ચાલતો રેડિયો. એ પેઢીના લોકો જાણે છે કે ત્યારે મરફી, બુશ, ફિલીપ્સ અને નેશનલ એકો જેવી કંપનીઓના આવા રેડિયો પ્રતિષ્ઠિત હતા અને એ એક રીતે સ્ટેટસ સિંબોલ પણ લેખાતા. એ યુગ જીવી ચુકેલ પેઢીની સંવેદનાઓને રણઝણાવતી આ ફિલ્મ, અરુણાચલમ નામના એવા વૃદ્ધની કરુણ કથની છે જે નિવૃત છે અને આખો દિવસ ઘરની આરામખુરશીમાં લંબાવી રેડિયો પેટ્ટી સાંભળ્યા કરે છે. એ એનો આનંદ છે. એની દિનચર્યા પણ રેડિયોમાં પ્રસારિત થતા અલગ – અલગ કાર્યક્રમોના કાંટે ગોઠવાયેલી છે.એમનો પરિણિત દીકરો સર્વનન નોકરી કરે છે પણ એ જ્યારે ઘરમાં આવે ત્યારે સતત ચાલતો રેડિયોનો ‘ ઘોંઘાટ ‘ એને જરાય પસંદ નથી. પિતા જોડે એને કોઈ સંવાદનો સેતુ નથી પણ એ મા લક્ષ્મી દ્વારા પોતાનો બળાપો પિતા સુધી પહોંચાડતો રહે છે. એ એમ માને છે કે ઘરનું ઊંચું વીજળી બિલ પણ આ રેડિયોના પાપે આવે છે.અરુણાચલમ માટે રેડિયો માત્ર મનોરંજન નહીં, એમના મૃત પિતાની જીવંત સ્મૃતિ પણ છે કારણ કે એમની માએ ઘરખર્ચમાંથી પાઈ – પાઈની બચત કરી આ રેડિયો એમના પિતા માટે ખરીદેલો. ભાડાના ઘરની દીવાલ પર એમનો પિતા અને રેડિયો સાથેનો એક શ્વેત – શ્યામ ફોટો પણ ટાંગેલો છે. મા એ રેડિયો સાથે સંકળાયેલા પતિના લાગણી – તંતુઓને સુપેરે પિછાણે છે.એક દિવસ દીકરો ભયંકર ગુસ્સામાં આવી રેડિયો ઉપાડી ભોંય પર પછાડે છે. રેડિયોના ટુકડે ટુકડા અને સાથે પિતાના મનના પણ ! એ રડી પડવા સિવાય કશું ઉચ્ચારતા નથી. દીકરો ઘુંઆ – ફુંઆં ઘર છોડી પત્ની સાથે રહેવા સાસરે જતો રહે છે.આ ઘટનાને વર્ષો વીતે છે. અરુણાચલમની દુનિયા બદલાઈ ગઈ છે. એ હવે પ્રાઈવેટ મિલમાં નોકરી કરે છે. દરરોજ સાયકલ લઈને જાય છે. દીકરો પાછો આવ્યો નથી. મિલમાં સાથે એમનો જિગરી મિત્ર સુબ્રમણ્યમ પણ નોકરી કરે છે. પતિપત્ની નવા સંજોગોમાં ગોઠવાઈ ચૂક્યા છે. મકાનમાં નીચલા માળે રહેતા ભાડુઆતના નાનકડા દીકરા અશ્વિન સાથે અરુણાચલમને દોસ્તી છે. રેડિયો ગુમાવ્યાનું દુખ એમની માંહે હજુ ક્યાંક પડેલું છે.એકવાર એક વાણંદની દુકાનમાં એમની પાસે હતો એવો જ જૂનો રેડિયો જોતાં એમને યાદ આવે છે કે પોતાના તૂટેલા રેડિયોના ભંગારને એમણે એક પોટલીમાં સાચવી રાખેલ છે. એ પોટલી લઈને એક શો-રુમમાં એને રિપેર કરાવવાની આશાએ જાય છે પણ આવું કામ હવે કોઈ કરે ? એ કરતાં નવો લેવાય, પણ લાગણીઓ કોણ સમજે ?ઘરમાં હવે ટીવી છે. લક્ષ્મી પતિનું મન પારખી એમને ટ્રાંઝીસ્ટર રેડિયો મંગાવી આપે છે પણ એમને એ અવાજ અને વિશેષ તો એ સ્પર્શ સ્હેજેય ગમતો નથી. ક્યારેક પત્ની સુઈ ગઈ હોય કે વ્યસ્ત હોય ત્યારે એ ચુપચાપ ઘરનો ભારેખમ કબાટ ખસેડી એની પાછળની એ જૂની જગ્યા પસવાર્યે રાખે છે જ્યાં એક સમયે એમનો પ્રિય રેડિયો વાગતો રહેતો.એ હવે બહેરાશનું મશીન વાપરે છે પણ એ મશીનનો પ્લગ કાનમાંથી કાઢતાં એમને રેડિયોના – ભૂતકાળના અવાજો સંભળાય છે સતત. કાનના ડોક્ટર કહે છે કે આ કાનનો નહીં પણ માનસિક રોગ છે પણ જો એમને એ અવાજો સાંભળવા ગમતા હોય તો સારવારની જરૂર શું છે ?પુત્ર ક્યારેક માને મળવા ઘરે આવે છે પણ ઉતાવળે ચાલ્યો જાય. એને હવે એક નાનકડી દીકરી છે. એકવાર એ દીકરીને થોડાક દિવસ દાદા-દાદી પાસે મૂકી જાય છે. એમને તો જાણે વસંત આવી ! દાદા હોંશે – હોંશે પોતાને સંભળાતા રેડિયોનો અવાજો પૌત્રીને પણ સંભળાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરી જુએ છે. કમનસીબે, એકવાર પોતાના કાલ્પનિક અવાજોમાં લીન અરુણાચલમથી ધ્યાનચૂક થતાં પૌત્રીને એક કારચાલકની બેદરકારીથી મામૂલી ઈજા થાય છે. દીકરા સર્વનનને ફરી એકવાર પિતાની આ ‘ અક્ષમ્ય ભૂલ ‘ કઠે છે.ફિલ્મના અંતે દીકરો મૂળ તો માને પણ કમને પિતાને પણ પોતાના ઘરે લઈ જવા આવે છે પણ લક્ષ્મી મક્કમતાપૂર્વક એમ કહી એને પાછો વાળે છે કે અમે અમારી રીતે સુખી છીએ. આથી વધારે સુખી થવું નથી !ફિલ્મના અનેક નાના – નાના પ્રસંગો ફિલ્મની કથાને અને વિશેષ કરીને અરુણાચલમ અને લક્ષ્મીના ચરિત્રોને વધુ સુરેખ બનાવે છે. જેમ કે સાયકલ પર નોકરીએ જતા અરુણાચલમનું રસ્તામાં ડબલરોટી ખરીદીને નિયમિત રીતે એક ભિખારીને આપવું ( ‘ લે આ તારા નસીબનું ‘ ), બન્ને મિત્રોના દરિયાકિનારાની બેંચ પર બેસી ગપાટા હાંકવા અને અરુણાચલમનું પૌત્રી સાથે છેક બાળક બની જવું.ફિલ્મમાં પોંડીચેરી શહેર, એના ગલી – મહોલ્લાઓ ત્યાંનો દરિયાકિનારો આબાદ ઝીલાયા છે. રિચાર્ડ ફોર્ડનું સંગીત ફિલ્મના વાતાવરણને પૂર્ણત: પોષે છે.ફિલ્મને ૨૦૧૫ ના બૂસાન ( દક્ષિણ કોરિયા ) આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં ઓડિયંસ મતદાન અનુસાર શ્રેષ્ઠ ફિલ્મનું પારિતોષિક એનાયત થયેલું. ફિલ્મના સ્ક્રીનીંગ દરમિયાન પ્રેક્ષકાગારમાં અનેક દર્શકો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડતા હતા. દેશ ભલે અલગ હોય, સંવેદનાઓ બધે સરખી ! એ પછી પણ આ ફિલ્મને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યા છે.દિગ્દર્શક હરિ વિશ્વનાથે ( ફોટો ) એ પછી ૨૦૨૧ માં એક અનોખી હિંદી ફિલ્મ બાંસુરી, ધ ફ્લ્યુટ પણ બનાવી છે.રેડિયો પેટ્ટી યુટ્યૂબ ઉપર અંગ્રેજી સબટાઈટલ્સ સહિત અહીં ઉપલબ્ધ છે :https://youtu.be/W9w5TcxDtH4?si=G-qHylVj9nWJuaYd
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
અમદાવાદના એકમાત્ર સામ્યવાદી મેયર કેવા હતા ?
નિસબત
ચંદુ મહેરિયા
આશરે સાડા ત્રણ દાયકા પૂર્વેનો ૩૦ મી ઓગસ્ટ ૧૯૮૯ નો દિવસ. એ દિવસે રાત્રિના નવેકના સુમારે અમદાવાદના રાયખડ વિસ્તારના ગોરજીના બંગલાની નાનકડી ખોલીમાં સાદગી વચ્ચે જીવતા દિનકર મહેતાએ અંતિમ શ્વાસ લીધા હતા. દિનકરભાઈની એક જાડી ઓળખ તો અમદાવાદના પૂર્વ મેયરની છે. તે અમદાવાદના પહેલા અને આજ સુધીના એકમાત્ર સામ્યવાદી મેયર છે. પણ એ ઓળખ સાચી હોવા છતાં પૂર્ણ નથી. દિનકર મહેતા એટલે સ્વાતંત્ર્ય સેનાની, મહા ગુજરાત આંદોલનના અગ્રણી નેતા, ગુજરાતમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષનો પાયો નાંખનાર પૈકીના પણ એ હતા. બ્યાંસી વરસની જિંદગીમાં છ દાયકા કરતાં વધુનું તેમનું જાહેરજીવન હતું. આ સઘળા વરસોમાં તે સતત ગરીબ-શ્રમિક જનતાના શોષણ વિરુધ્ધના લોકસંઘર્ષોમા મોખરે રહેતા હતા. ખરેખર તો એ ગરીબોના ઉત્થાન અર્થે મથતા ક્રાંતિવીર હતા.હાલના વલસાડ જિલ્લાના ચીખલી ગામે ૧૭ મી ઓકટોબર ૧૯૦૭ના રોજ જન્મેલા દિનકર મહેતાના પિતા સુરતની મિલમાં કારકુન હતા. સુરત અને મુંબઈમાં એ ભણ્યા. સંસ્કૃતના તે સ્કોલર હતા. પણ ૧૯૨૬માં કોલેજ શિક્ષણ છોડી તે ગાંધીજી સ્થાપિત ગુજરાત વિધ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. કાકાસાહેબ કાલેલકરના આ વિધ્યાર્થી ૧૯૨૯માં ગાંધીની વિધ્યાપીઠના સ્નાતક બન્યા અને અધ્યાપક પણ. બારડોલી કિસાન સત્યાગ્રહ અને ધરાસણાના મીઠાના સત્યાગ્રહમાં ભાગ લઈને એમણે જેલવાસ વેઠ્યો હતો.
૧૯૩૨માં એમને ટી.બી.થયો હતો. તેની સારવાર દરમિયાન કાર્લ માર્ક્સનું ‘દાસકેપિટલ’ અને માર્ક્સ- એન્ગલ્સનું ‘સામ્યવાદી જાહેરનામું’ વાંચ્યું. આ બંને પુસ્તકોનું વાચન તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની રહ્યું. તેમના વિચારોમાં ગજબનું પરિવર્તન આવ્યું. તેઓ ગાંધીવાદીમાંથી સામ્યવાદી બની ગયા. આ વૈચારિક પરિવર્તનને દિનકરભાઈ તેમની આત્મકથાના પ્રથમ ખંડ ‘પરિવર્તન’માં એક સરસ દાખલા દ્વારા સમજાવતા લખે છે : માણસના વિચાર તેના હિત પ્રમાણે બદલાય છે. તેનો એક દાખલો મને સૂઝ્યો અને મેં તે રજૂ કર્યો. રેલવે સ્ટેશન પર જ્યારે ટ્રેનની રાહ જોઈને લોકો ઉભા હોય છે ત્યારે તેમના મનમાં એક જ તાલાવેલી હોય છે. ટ્રેનમાં એકદમ ચઢી જઈ, જગ્યા લઈ લેવાની. પણ એ જ માણસો ટ્રેનમાં જગ્યા મળી જતાં પછીના સ્ટેશને બીજા પેસેન્જરોને જગ્યા નથી કહી અંદર આવતા રોકે છે ! આ સાંભળી કાકાસાહેબ બોલી ઉઠ્યા, ‘દિનકરરાય, હવે તમે પાક્ક્કા સામ્યવાદી બની ગયા છો. ‘ ઉમાશંકર જોશી આ સાંભળી હસી પડ્યા. મારે માટે તો આ નવા પ્રસ્થાનની શરૂઆત જ હતી….
સરદાર પટેલ રાષ્ટ્રીય સ્તરે સક્રિય થતા ગુજરાત કોંગ્રેસની જવાબદારી દિનકર મહેતાના શિરે આવવાની હતી. ત્યારે જ વિચારભેદને કારણે તેમણે નોખો માર્ગ અપનાવ્યો હતો. ૧૯૩૪માં અન્ય સાથીઓ સાથે મળીને તેમણે ગુજરાતમાં કોંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના કરી. જયપ્રકાશ નારાયણની જોડાજોડ તેઓ તે પક્ષના રાષ્ટ્રીય મંત્રી બન્યા. ૧૯૩૬માં તેઓ માર્કસવાદી સામ્યવાદી પક્ષના રાજ્ય મંત્રી બન્યા હતા. છેક આઝાદી આવી ત્યાં સુધી તેઓ કામદાર, કિસાન, વિધ્યાર્થી ચળવળને દોરતા રહ્યા. આઝાદીના આંદોલનમાં દિનકરભાઈએ સાત વખત કારાવાસ અને ભૂગર્ભવાસ ભોગવ્યો હતો. ઈન્દુલાલ યાજ્ઞિક સાથે તેમણે ગુજરાતના અલગ રાજ્ય માટેના મહા ગુજરાત આંદોલનમાં સક્રિય નેતૃત્વ કર્યું હતુ. સંગ્રામ સમિતિ અને જનતા પરિષદ દ્વારા અનેક આંદોલનાત્મક કાર્યક્રમોમાં તેઓ સક્રિય હતા.
અમદાવાદ મહાનગરપાલિકાની ૧૯૬૫ની ચૂંટણીમાં જનતા પરિષદના ૪૮ ઉમેદવારો વિજ્યી બન્યા હતા. દિનકરભાઈ અને તેમના પત્ની જેલમાં રહ્યે રહ્યે જંગી બહુમતીથી ચૂંટાયા. ચોથી મે ૧૯૬૬ના રોજ દિનકર મહેતા અમદાવાદના મેયર બન્યા. દેશના દ્વિતીય અને અમદાવાદના એ પ્રથમ સામ્યવાદી મેયર હતા. પૂર્વેના કોંગ્રેસી અને ગાંધીવાદી મેયરોએ ન કર્યા હોય તેવા અનેક કામો તેમણે કર્યા. મેયરની ઓફિસમાં તેમણે ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરની તસ્વીરો મૂકાવી. ઓફિસમાંથી એરકન્ડિશનર કઢાવી નાંખ્યું. મેયર માટેની લાખ રૂપિયાની મોંઘી ઈમ્પાલા કારને બદલે વીસ હજારની એમ્બેસેડર દાખલ કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના. કર્મચારીઓને કેન્દ્રના ધોરણે સો ટકા મોંઘવારી ભથ્થું આપ્યું હતું. વસ્તુના વજનને બદલે કિંમત પર ઓકટ્રોય લેવાનું નક્કી કર્યું. શહેરના ઉપેક્ષિત એવા પૂર્વ અમદાવાદના કામદાર વિસ્તારોને પાયાની સગવડો પૂરી પાડવામાં પ્રાધાન્ય આપ્યું હતું. શ્રમિક વિસ્તારોને વીજળી, પાણી અને ગટરની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી હતી.
દિનકર મહેતાની મેયરની મુદત પૂરી થવામાં હતી એ ગાળામાં ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ કાનૂનગોને એક જાહેર કાર્યક્રમમાં દિનકરભાઈને મળવાનું થયું હતું. રાજ્યપાલે તેમને કહેલું કે તેઓ મેયર તરીકે ચાલુ રહે તેમ ઘણાં ઈચ્છે છે. આવું કોણ ઈચ્છે છે ? ની પૃચ્છાનો જવાબ જ્યારે અમદાવાદના મિલમાલિકો એવો મળ્યો તો દિનકરભાઈને એટલે નવાઈ લાગી કે તેમણે તો મિલમાલિકો પર ભારે કરવેરા નાંખ્યા છે તો તેઓ શા માટે આવું ઈચ્છે ? ગવર્નરે તેનો પણ જવાબ આપતા કહેલું કે ભલે વેરા વધાર્યા પણ વહીવટ સુધર્યો છે અને લાંચ રૂશવત આપવી પડતી નથી. એટલે મિલમાલિકો તમે મેયર તરીકે ચાલુ રહો તેવું ઈચ્છે છે. તો આવો હતો અમદાવાદના એકમાત્ર સામ્યવાદી મેયરનો શહેરનો વહીવટ.
શોષિત જનતાની અનેક પ્રજાકીય ચળવળોમાં દિનકર મહેતા કાયમ મોખરે રહેતા હતા. આઝાદી પહેલા અને પછીના લોકઆંદોલનોમાં અગ્રેસર રહેતા આ સંઘર્ષશીલ વ્યક્તિએ કુલ બાવીસ જેલવાસમાંથી પંદર તો આઝાદી પછી વેઠ્યા છે ! મેયરકાળમાં પણ આંદોલનકારી તરીકે તે એક મહિનો જેલમાં હતા ! ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટીના તેઓ વિરોધી હતા પણ સરકારે તેમને જેલમાં નાંખ્યા નહોતા. એટલે ૧૯૭૬માં એ ગુજરાતના સો જેટલા ગામો ખૂંદી વળ્યા અને પલટાતા ગામડાં પુસ્તક લખ્યું હતું. દિનકરભાઈ રાજકારણી નહીં પણ સંઘર્ષશીલ રાજનેતા, લેખક અને વિચારક હતા. પરિવર્તન અને ક્રાંતિની ખોજમાં તે બે ભાગમાં આત્મકથા, પ્રવાસ કથા પલટાતા ગામડાં ઉપરાંત તેમણે કાર્લ માર્ક્સનું જીવનચરિત્ર અને સામ્યવાદનાં મૂળ તત્વો જેવાં પુસ્તકો લખ્યાં છે.
સમાજના છેવાડાના માણસોનું શોષણ અટકે અને તેઓ બરાબરીનું જીવન જીવે તે દિનકરભાઈનું કાયમનું સપનું હતું. ‘જે સિસ્ટમ પોતાના ગુલામોને પણ ના ખવડાવી શકતી હોય એ લાંબો સમય ટકી ન શકે.’ તેમ માનતા દિનકરભાઈની આત્મકથાનો બીજો ખંડ “ક્રાંતિ આવી રહી છે..”ના આશાવાદી સૂર સાથે પૂરો થાય છે. વર્ણ અને વર્ગમાં આડા અને ઉભા વહેરાયેલા-વહેંચાયેલા ભારતીય સમાજમાં બીજા પણ ભાતભાતના ભેદ છે. બંધારણ નિર્માતાઓ તમામ પ્રકારની સમાનતા માટે વચનબધ્ધ હતા.છતાં જાણે કે તે જોજનો દૂર છે. જ્યારે પણ દેશમાં ખરા અર્થમાં સમાનતા સ્થપાશે અને શોષણવિહીન સમાજ બનશે ત્યારે તેના પાયાના પથ્થર તરીકે ડાબેરી વિચારધારાને સમર્પિત ક્રાંતિવીર દિનકર મહેતા યાદ આવશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ગઝલ : નયન એથી લાગે નિરાળા અમારા
હિમાદ્રી આચાર્ય દવે
નયન એથી લાગે નિરાળા અમારા
વસે આંખમાં કંઈક સપના તમારા!પરસ્પર છે હોવાપણુ આપણું આ
તમે ઊંડા સાગર અમે તો કિનારા!કરી દૂર ખાટું, હું મીઠું જ આપું
છું શબરી તમારી, તમે રામ મારા!અચળ આપણો યુગયુગોનો છે નાતો
તમે છો ગગન ને અમે ધ્રુવ તારા!તમે અમને ઊંચાઈ આપી અનેરી
શિખર જાણે પૂજે છે નીચા મિનારા!**
:આસ્વાદઃ
દેવિકા ધ્રુવ
સાહિત્ય અને કલાના વાતાવરણમાં ઉછરેલ હિમાદ્રી આચાર્યના પગરણ, સાહિત્ય ક્ષેત્રે આમ તો નવાં છે પણ નોંધનીય છે. પત્રકાર લેખકની પુત્રીએ અભ્યાસલક્ષી વાંચનને કેવી સુંદર રીતે ઝીલ્યું છે તેનું પ્રતિબિંબ, માત્ર પાંચ જ શેરની નાનકડી ગઝલમાં દેખાઈ આવે છે.ઉપરોક્ત ગઝલમાં હિમાદ્રીબહેને પ્રેમના વિવિધ રંગોનો છંટકાવ કર્યો છે. દેખીતી રીતે યૌવનના પહેલા પહેલા જાગી ઊઠેલા પ્રેમની શરૂઆત કરી, પ્રથમ શેરથી જ ઘેનમાં ડૂબેલ પ્રેમીનાં સપના સેવતી વ્યક્તિનું એક રોમાંટીક ચિત્ર ખડું કરી દીધું છે. એક પ્રેમી કે જેની આંખમાં એટલાં બધાં અને એવાં એવાં સપના આવતાં રહેતાં હોય છે કે જેને પરિણામે એને સ્વપ્નાઓનું ઉદ્ગમ સ્થાન એવી આંખો સુંદર અને નિરાળી લાગવા માંડે છે. સપના તો મઝાના હશે જ હશે પણ ગઝલની નાયિકા તો અહીં એમ કહે છે કે, “નયન એથી લાગે નિરાળા અમારાં, વસે આંખમાં કંઈક સપના તમારા!” અહીં જાણીતી ઉક્તિ યાદ આવે જ ઃBeauty Is in The Eye of The Beholder.
હજી એ નિરાળા સપનાની રંગીન દુનિયામાં ભાવક પ્રવેશે તે પહેલાં તો તરત જ બીજો શેર સાગર અને કિનારાનું રમ્ય છતાં વિરોધાભાસી દૄશ્ય ઉપસાવે છે, એમ કહીને કેઃ
પરસ્પર છે હોવાપણું આપણું આ.
તમે ઊંડા સાગર અમે તો કિનારા!અહીં એકસામટા ઘણા અર્થો ઊમટે છે. એકમેકથી અલગ હોવા છતાં સ્ત્રી-પુરુષના અવિનાભાવની આ વાત છે? કે તફાવતની ફરિયાદનો સૂર છે? સાગર જેવી, અંદર ઘણું સમાવતી ઊંડી વ્યક્તિની વાત છે? કે પછી ત્રીજા શેરમાં પ્રગટે છે તે, શિવ થકી જીવ હોવાના, એ રીતે પરસ્પરના હોવાપણાંનો ઊંચેરો અર્થ છે?
કરી દૂર ખાટું, હું મીઠું જ આપું.
“ છું શબરી તમારી, તમે રામ મારા! “અહીં સ્વાભાવિક રીતે જ કવયિત્રીએ સ્થૂળથી સુક્ષ્મ પ્રેમનો ભાવ વ્યક્ત કર્યો છે. કંકુ જ્યારે પાણીમાં પડે છે ત્યારે પાણી પોતાનો રંગ વ્યક્ત કરવાનો આગ્રહ નથી રાખતું. એ પાણી મટીને કંકુ બની જાય છે. પ્રેમનું સાચું રૂપ એ જ છે અને તર્પણ પણ એ જ હોઈ શકે. મને શું મળે છે તે મહત્ત્વનું નથી. મારે શું આપવું છે તે અગત્યનું છે. ચાખી ચાખીને ખાટાં બોર દૂર કરી રામ માટે મીઠાં જ બોર ધરવાની શબરી જેવી લાગણી એ જ ખરી ભાવના. એમ બને તો જ અને ત્યારે જ કહી શકાય કે,
અચળ આપણો યુગયુગોનો છે નાતો
તમે છો ગગન ને અમે ધ્રુવ તારા!યુગયુગોના તાંતણા કોઈપણની સાથે અનુભવી શકાય,પછી એ વ્યક્તિ હોય કે ઈશ્વર, ગગન હો કે સિતારા, વૃક્ષવેલી, નદી,સાગર, પર્વત, ખીણ- જડચેતન દરેક અવસ્થામાં ‘સ્નેહની કડી સર્વથી વડી’ એ નિર્વિવાદ સત્ય છે. આ શેરમાં ‘નાતો’ શબ્દની સાથે સહેતુક વપરાયેલ ‘અચળ’ વિશેષણ ઈશ્કે હકીકીની લાલિમા પાથરી દે છે. અહીં મને મારો એક શેર યાદ આવે છેઃ
નથી છતાં તું છે અહીં, બધે છતાં કહીં નહી.
ભીતર છે અંશ શિવ તણા, ન જીવ જાણે અંત લગી.છેલ્લા અને પાંચમાં શેરમાં કવયિત્રીએ ગૂઢ વાત કરી છે. જે આપણને ઊંચા આસને બેસાડે છે તેના તરફ પૂજનીય ભાવ, તેની કૃપા દૃષ્ટિની અવિરત આરઝુ, ઝંખના. એકતરફ જે જોઈએ તે બધું જ આપણને મળે છે, ક્યાંય કશી પણ ખોટ કે અભાવ ન હોય ત્યારે પણ સતત એક ભાવ જાગતો રહે છે અને તે, એની અમી નજર.
તમે અમને ઊંચાઈ આપી અનેરી
શિખર જાણે પૂજે છે નીચા મિનારા!સઘળું આપી દઈને કોઈ પૂજનીય ભાવ જગાડે અને અકબંધ રહેવા દે એ કેવી ખૂબી! કેવું બારીક નક્શીકામ?. અહીં પણ ઊંચા શિખર અને નીચા મિનારાનાં વિરોધી પ્રતિકો દ્વારા શ્લેશ અલંકાર જેવો બેવડો અર્થ ઉપસે છે. એક તો પોતાને બધું મળી ગયું છે તેનો અહોભાવ, આપનાર નીચે કે દૂર કેમ તેની મીઠી ફરિયાદ અને આ બંનેની વચ્ચે ભીતરની એક ઝંખના! સતત એનો સાથ અને એની જ પૂજા. વાહ..
મુત્કારિબ છંદના ૨૦ માત્રામાં લખાયેલ આ ગઝલ આશિક-માશુકાના ઇશ્કેમિજાજીથી શરૂ થઈ ઇશ્કેહકીકી તરફ ઢળી વિરમે છે. સાદ્યંત શુદ્ધ છંદમાં ગૂંથાઈ છે તે પણ એનું જમા પાસું છે.
આ કલમ વધુ ને વધુ વિકસતી રહે અને કાવ્યતત્ત્વથી સભર થતી રહે એવી શુભેચ્છા સાથે આવકાર અને અભિનંદન.
અસ્તુ..—- દેવિકા ધ્રુવ | ddhruva1948@yahoo.com z| http://devikadhruva.wordpress.com -
નોખી વાત, અનોખું કમિશન… ઓવર ટુ કાશ્મીર!
તવારીખની તેજછાયા

કાશ્મીરી પંડિતોનાં ખાલી પડેલાં ઘર પ્રકાશ ન. શાહ
સર્વોચ્ચ અદાલતે બંધારણની ૩૭૦મી કલમ બાબતે આપેલ ચુકાદા પર માનો કે સમરકંદ-બુખારા નયે ઓવારી જઈએ, પણ એના પરિશિષ્ટ રૂપે ન્યાયમૂર્તિ સંજય કિશન કોલે ટ્રુથ એન્ડ રિકન્સિલિયેશનનું જે સૂચન રમતું મૂક્યું છે એનાં દુખણાં જેટલાં લઈએ એટલાં ઓછાં. બેઉ બાજુની જાથુકી દલીલો વચ્ચે કેમ જાણે ટગલી ડાળી શી આ પહેલ એક તાજી લેરખી લઈને આવે છે.
આ લખનારની જેમ ઘણાનું ધ્યાન, સત્યખોજ અને સમાધાનલક્ષી પંચની પરિકલ્પના (બલકે અભિગમ) ભણી ઊહાપોહભેર કદાચ ૧૯૯૫માં જ ખેંચાયું હશે જ્યારે દક્ષિણ આફ્રિકાની નેલ્સન મંડેલા સરકારે બિશપ ડેસમન્ડ ટુટુના અધ્યક્ષપદે આ પ્રકારના કમિશનની રચના કરી હતી. જોકે, આ અભિગમનો સિલસિલો કંઈ નહીં તોયે એનાં દસ-પંદર વર્ષ લગી પાછળ જઈ શકે છે.
દક્ષિણ આફ્રિકામાં શાસન હસ્તકની રંગદ્વેષી રાજનીતિનો ઈતિહાસ સહેજે ત્રણેક સૈકાનો હશે. ગોરી લઘુમતીએ અશ્વેત બહુમતી, મૂળનિવાસી લોક પરત્વે અમાનુષી ભેદભાવને ધોરણે ઘોર સાંસ્થાનિક શોષણના રાહે જે રાજવટ ધરાર ચલાવી હતી એનો હિંદછેડે આપણને કંઈક તો ખયાલ હોય જ, કેમ કે આપણી સ્વરાજ લડતનાં ગાંધીમૂળિયાં એની સાથે સંકળાયેલાં છે.
સત્તાવીસ વરસના જેલવાસ પછી બહાર આવેલા ઝુઝારુ અશ્વેત નેતા મંડેલા અને ગોરા પ્રમુખ ક્લાર્કની જુગલબંદી, ક્યા કહના. ક્લાર્કે ૧૯૯૦માં મુક્તિ ચળવળને આંતરતા પ્રતિબંધો ઉઠાવી લીધા અને મોકળાશની નવી પ્રક્રિયા શરૂ થઈ. ૧૯૯૪માં શ્વેત-અશ્વેત સૌની સમાન ને સહિયારી હિસ્સેદારી સાથે મુક્ત ચૂંટણી થઈ અને નવા તંત્રે અખત્યાર સંભાળ્યો.
ખાસા ત્રણ સૈકાની જુલમશાહીના કરવૈયાઓ સામે – એના હિંસક પ્રતિકાર દરમ્યાન જેમને વેઠવું પડ્યું હોય એવા કિસ્સાઓમાં પણ- કેવી રીતે કામ લેવું એ માટે પ્રમુખ મંડેલાએ પ્રજાસૂય પરામર્શનો રવૈયો અપનાવ્યો. વ્યાપક નાગરિક સમાજને ધોરણે કાર્યરત પચાસેક બિનસરકારી સંગઠનોથી માંડીને ચર્ચ સહિતની સંસ્થાઓ અને બૌદ્ધિકો, સર્જકો વગેરેને સન્માનભેર સંયોજીને સંવાદનો દોર ચલાવ્યો અને એમાંથી નીપજી આવેલી ફોર્મ્યુલાને કાનૂની રૂપ આપી કામ ગોઠવ્યું:
ટ્રુથ એન્ડ રિકન્સિલિયએશન કમિશનની નિશ્રામાં સત્યખોજ, એકરાર, તપાસ એમ જે કારવાઈ ચાલી એમાં કથિત ગુનાઈત તત્ત્વોને હળવા થવાનો તો ભોગ બનેલાઓને મુક્ત રજૂઆતનો અવસર મળ્યો. જે થયું’તું તે નથી થયું એવી ભૂમિકાનો છેદ ઉરાડવા સાથે ભેદભાવને ભોગવનારા અને ભોગ બનેલાઓ વચ્ચે કંઈક સુવાણ શક્ય બન્યું. સ્વીકાર-સમાદરની, કંઈક બેળે-કંઈક ઐળ, આ લગીર નરવી હવામાં વિવિધતાએ સોહતા ‘મેઘધનુષી રાષ્ટ્ર’ની છવિ નીખરી આવી.
લેટિન અમેરિકાની લશ્કરશાહી હકૂમતો અંગે પણ હમણેના દસકાઓમાં ખાસ કરીને ‘અદૃશ્ય થઈ ગયેલા લોકો’ અંગે જાહેર સુનાવણી- જેમાં બચી ગયેલા પોતાની વાત કરે, જુલમગારોને રૂ-બ-રૂ સુણાવે, ગુનાઈત કૃત્ય સબબ ક્ષમાયાચનાનો માહોલ બને અને સરવાળે રુઝાતા ઘાવનો શાતાકારી સંસ્પર્શ થાય એ કોશિશ રહી છે. દ. આફ્રિકામાં ટુટુ પંચ સમક્ષ ખાસાં બાવીસ હજાર નિવેદનો-જુબાનીઓ નોંધાયાનું જાણ્યું છે.
જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરનો સવાલ છે (યાદ રહે, ન્યાયમૂર્તિ કોલ ખુદ કશ્મીરી પંડિત છે), પંડિતોની કારુણિકા ને કમનસીબી બેપાંચ છેડેથી સમજાય છે. સીમાપારના તત્ત્વોનો આતંકી રંજાડ તરત ધ્યાન ખેંચે છે અને એમાં સ્થાનિકો તરફથી કંઈક ભયવશ, કંઈક અન્યથા આંખ આડા કાન તેમ કંઈક મેળાપીપણું પણ વરતાઈ રહે છે. ૧૯૯૦ આસપાસનાં વરસો આપણે ત્યાં અયોધ્યા આંદોલને મુસ્લિમ નાગરિકોમાં જગવેલ બિનસલામતી તો જમ્મુમાં પંડિતોની હિજરત એ બે કેમ જાણે વિલક્ષણ રીતે પરસ્પર પૂરક ઘટનાક્રમ શા અનુભવાતા હતા.
જમ્મુ-કાશ્મીરના મુસ્લિમ રાજકારણીઓ આ સંજોગોમાં ‘બહારનાં તત્ત્વો’ની ટીકા સહિત એક સંમિશ્ર ધોરણે પેશ આવતા હતા. ખાસ તો, રામચંદ્ર ગુહાનું અવલોકન છે કે પાકિસ્તાન-પ્રેરિત કે ત્યારના રાજ્યપાલ જગમોહન-પ્રેરિત, બેઉ છેડાના એકતરફી વૃત્તાંતો મારફત પંડિતોની પરિસ્થિતિનું વાસ્તવચિત્ર ધોરણસર બહાર આવ્યું નહીં. સોનિયા જબારની નગદ તથ્યમંડિત માંડણી, અન્ય પંડિત સંભારણાં, વગેરે પૂરતા પ્રમાણમાં વંચાતાં ને ચર્ચાતાં હોત તો કદાચ ચિત્ર જુદું હોત. કમનસીબી તો એ પણ છે કે ભાગલપુર, મુંબઈ, અમદાવાદ જેવા ઘટનાક્રમોમાં વાજબીપણાના વ્યાયામમાં એક ઓજાર રૂપે પંડિતોનો ઉપયોગ થતો રહ્યો. એમની કારુણિકાના ઉપચારને નહીં પણ એના ઓજાર ઉપયોગને અગ્રતા મળી.
ન્યાયમૂર્તિ કોલના સૂચન સાથે જોડવી જોઈતી રૂપેરી કોર શી એક વિગત એ છે કે ઉમર અબ્દુલ્લા જેવા કાશ્મીરી આગેવાનો છેલ્લાં વર્ષોમાં ટ્રુથ એન્ડ રિકન્સિલિયેશન કમિશન પ્રકારનું સૂચન ચર્ચાઓમાં કરતા રહ્યા છે. એમ તો આ ક્ષણે હુર્રિયતથી માંડી ભાજપ સાથે સમજૂતી કરવા લગીના રાજકીય ફલક પર વિહરનાર પીપલ્સ કોન્ફરન્સ અને એના સ્થાપક અબ્દુલ ગની લોનનુંયે સ્મરણ થઈ આવે છે. કોન્ફરન્સના વિઝન ડોક્યુમેન્ટમાં લોને આગળ કરેલ એક ખયાલ આવા કમિશનની જરૂરતનો છે
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૭ – ૧૨ – ૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો (૩૯) : ગદરના વીરો (૨)
દીપક ધોળકિયા
ગદરના વીરો (૧) થી આગળ
૧૯૧૩ના ડિસેંબરમાં ગદર પાર્ટીનું સૅક્રોમેંટમાં એક સંમેલન મળ્યું તેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. એમાં આખા અમેરિકામાં પાર્ટીનો ફેલાવો કરવાનો નિર્ણય લેવાયો.તે પછી ગદર પાર્ટીનું મુખ્ય કેન્દ્ર ઍસ્ટોરિયાથી સાન ફ્રાંસિસ્કો ખસેડવાનો નિર્ણય લેવાયો. અહીં એમણે બે આશ્રમ બનાવ્યા – યુગાંતર આશ્રમ અને ગદર આશ્રમ. હવે ગદર છાપું પણ અહીંથી પ્રકાશિત થવા લાગ્યું. લાલા હરદયાલ એમાં લેખો લખતા, રઘુવર દયાલ એને ઉર્દુમાં અને કરતાર સિંઘ સરાભા ગુરુમુખીમાં તૈયાર કરતા અને સાઇક્લોસ્ટાઇલ કરીને વેચતા. પણ જેટલી નકલો સાઇક્લોસ્ટાઇલ મશીન પર કાઢી શકાતી તે હંમેશાં ઓછી પડતી એટલે એમણે મોટી જગ્યા લીધી અને લીથો મશીન પર છાપું તૈયાર કરવાની શરૂઆત કરી.
ભારતમાં ‘ગદર’ પર પ્રતિબંધ
ભારતમાં ‘ગદર’ અખબાર પર અંગ્રેજ સરકારે પ્રતિબંધ મૂકી દીધો. અમેરિકાથી આવતી ટપાલ પર હોંગકોંગ, સિંગાપુર, કલકત્તા, મદ્રાસ, મુંબઈ, રંગૂન વગેરે બંદરો પર ખાસ વેરો નાખવામાં આવ્યો. હવે ‘ગદર’ કૅનેડાના માર્ગે અને પછી જાપાનના બંદરેથી ભારત પહોંચવા લાગ્યું. ભારતની અંગ્રેજ સરકારને આની જાણ થતાં હવે કૅનેડા અને જાપાનથી આવતી ટપાલની પણ ચકાસણી શરૂ થઈ ગઈ. આમ આ રસ્તો બંધ થતાં હવે અમેરિકાના વિદ્રોહીઓએ જાપાનમાં ગદરના નેતા મૌલવી બરકતુલ્લાહની મદદથી ફ્રાંસમાં મૅડમ ભીકાઈજી કામા સુધી છાપાં પેટીઓમાં ભરીને મોકલવાનું શરૂ કર્યું. મૅડમ કામા આ પેટીઓ કોઈ મુસાફર સાથે અંગત સામાન તરીકે ભારત પહોંચાડી દેતાં.
પરંતુ અંગ્રેજોની જાસૂસી જાળ આ વ્યવસ્થાને ભેદવામાં સફળ રહી. મૌલવી બરકતુલ્લાહે એક જાપાનીને મુસલમાન બનાવી દીધો હતો. અંગ્રેજોએ એને ખરીદી લીધો. હવે એ બધી પેટીઓ અંગ્રેજી દૂતને પહોંચાડતો થઈ ગયો. મૌલવી બરકતુલ્લાહ એ વખતે જાપાનમાં ટોકિયો યુનિવર્સિટીમાં ફારસી અને હિન્દુસ્તાનીના પ્રોફેસર હતા પણ ‘ગદર’ અખબારને ચોરીથી જાપાનથી ફ્રાન્સ મોકલવામાં એમનો હાથ હોવાનું જાહેર થઈ જતાં એમને નોકરીએથી કાઢી મૂકવામાં આવ્યા. જો કે બરકતુલાહ તે પછી પણ ગદર પાર્ટી માટે કામ કરતા રહ્યા.
અખબાર હવે માત્ર ઉર્દુ અને પંજાબીમાં જ નહીં, ગુજરાતી, બંગાળી, નેપાલી અને પશ્તોમાં પણ છપાવા લાગ્યું હતું. એક અંદાજ પ્રમાણે ૧૯૧૬ સુધીમાં એની દસ લાખ નકલો છપાતી હતી. પરંતુ ભારત સુધી અખબાર પહોંચાડવાનું વધારે ને વધારે મુશ્કેલ બનતું જતું હતું. હવે પાર્ટીએ નક્કી કર્યું કે અખબાર ભારતમાં જ છાપવું. પરંતુ બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જતાં એ શક્ય ન બન્યું.
ક્રાન્તિની પહેલી યોજનાઃ “કાશ્મીર પ્રજાસત્તાક, ૧૯૨૫”
હવે ક્રાન્તિકારીઓને લાગતું હતું કે ભારત જઈને એક પછી એક પ્રદેશો કબજે કરીને અંગ્રેજોને ભગાડવાનો સમય આવી ગયો છે. આથી એમણે પંજાબની નજીક કોઈ સ્થાન પર કબજો કરી લેવાની યોજના ઘડી. એમને એમાં કાશ્મીર સૌથી યોગ્ય લાગ્યું. કાશ્મીર ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું હોવાથી ઓચિંતો હુમલો થાય તો અંગ્રેજ ફોજ માટે ત્યાં પહોંચવાનું પણ અઘરું હતું. કાશ્મીર પર પહેલાં હુમલો કરવાથી લોકોનો પણ ટેકો મળે તેમ હતું. ભારતની આઝાદીનું પહેલું થાણું કાશ્મીર બનવાનું હતું. યુગાંતર આશ્રમમાં હિન્દુસ્તાનનો નક્શો હતો તેમાં કાશ્મીરના ભાગને લાલ રંગથી રંગી નાખીને લખી દેવાયું હતું કે “કાશ્મીર પ્રજાસત્તાક – ૧૯૨૫”! એમની ધારણા હતી કે બ્રિટન અને જર્મની વચ્ચે હજી દસેક વર્ષ પછી યુદ્ધ થશે, પરંતુ. યુદ્ધ તો ૧૯૧૪માં જ શરૂ થઈ ગયું. એટલે કાશ્મીરમાં અડ્ડો જમાવવાની એમની મુરાદ બર ન આવી.
હવે એમણે બોંબ બનાવવાની તાલીમ લેવાનું શરૂ કર્યું. એક ભાઈ હરનામ સિંઘના હાથમાં જ વિસ્ફોટક બોમ્બ ફાટી જતાં એમનો હાથ કાપવો પડ્યો. પાર્ટી હવાઈ દળ બનાવવા માગતી હતી એટલે કરતાર સિંઘ સરાભા ન્યૂ યૉર્કની એક વિમાની કંપનીમાં જોડાયા અને ત્યાં ઊડ્ડયન અને વિમાન-રિપેરનું કામ શીખી આવ્યા. જો કે હવાઈ દળ બનાવી ન શકાયું કારણ કે વિશ્વ યુદ્ધ એમની ધારણા કરતાં દસ વર્ષ વહેલું જ શરૂ થઈ ગયું હતું.
ભારતમાં ક્રાન્તિનો પ્રયાસ
૧૯૧૪ની ૨૫મી જુલાઈએ જર્મનીએ સર્બિયા પર હુમલો કર્યો તે સાથે પહેલા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. બીજા જ દિવસે ગદર પાર્ટીએ હિન્દુસ્તાનમાંથી બ્રિટનને હાંકી કાઢવા માટે વિદ્રોહ કરવાનું એલાન કર્યું, જો કે, બ્રિટન યુદ્ધમાં ચોથી ઑગસ્ટે જોડાયું. ગદરીઓએ નક્કી કર્યું કે “કરો યા મરો. મૂંગા બેસી રહેવા કરતાં કંઈક કરીને હારી જવાનું સારું છે. હાર પણ ઇતિહાસમાં કામ આવશે.” તે પછી પાંચમી ઑગસ્ટે પાર્ટીના મુખપત્રમાં આ ‘એલાન-એ-જંગ’ છાપી દેવાયું. એમાં બધા હિન્દુસ્તાનીઓને નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં દેશ પાછા પહોંચી જવાનો પાર્ટીએ આદેશ આપ્યો. સૌને પોતાને ગામ પહોંચીને અંગ્રેજો વિરુદ્ધ બગાવત કરવા માટે લોકોને તૈયાર કરવાની જવાબદારી સોંપાઈ. દુનિયાના ખૂણેખૂણેથી હિન્દુસ્તાનીઓ પાછા પહોંચી જાય તે પછી વિદ્રોહનો દિવસ નક્કી કરવાનો હતો.
કરતાર સિંઘ સરાભા માત્ર ૧૮ વર્ષના હતા અને એમનું જોશ એટલું બધું હતું કે કોઈ એમની બરાબરી કરી શકે તેમ નહોતું. એ તો આવી મીટિંગોની રાહ જોયા વગર જ રઘુવર દયાલ ગુપ્તા સાથે દેશ આવવા નીકળી પડ્યા હતા.
ગદર પાર્ટીના પ્રમુખ બાબા સોહન સિંઘ ભકનાને જાપાનમાં સંદેશ મોકલાયો કે એ બધા સાથીઓ સાથે હિન્દુસ્તાન પહોંચી જાય. પંડિત સોહનલાલ પાઠકે થાઈલૅન્ડ અને બર્મા જઈને લોકોને લઈ જવાના હતા. બાબા ભકના સાથે બસ્સો પિસ્તોલ અને બે હજાર ગોળીઓ પણ બે પેટીમાં ભરીને મોકલી. એ એક હોટેલમાં ઊતર્યા અને ત્યાંથી જાપાનની ગદર પાર્ટીના બે નેતાઓએ હથિયારો કામાગાટા મારૂ પર પહોંચાડવાનું બીડું ઝડપ્યું. (કામાગાટા મારૂ જહાજ વિશે આવતા અંકમાં વાત કરશું). એમણે એક નાની હોડી લીધી, એમાં પેટીઓ ચડાવી અને રાતના અંધારામાં સાવચેતીથી કામાગાટા મારૂ પાસે પહોંચી ગયા અને દોરડાં બાંધીને પેટીઓ જહાજમાં પહોંચાડી દીધી. બીજા દિવસે એ લોકો બાબા સોહનસિંઘને લઈને, જાણે કંઈ ન બન્યું હોય તેમ જહાજ પર ગયા. બાબાએ મુસાફરો સામે જોશીલું ભાષણ કર્યું અને લોકોને બળવા માટે આહ્વાન કર્યું.
ગદરીઓ ભારતમાં
ભારત આવવા નીકળેલા ગદરીઓ જુદાં જુદાં જહાજોમાં હોંગકોંગ પહોંચવાના હતા. અહીં એમણે જહાજ બદલવાનું હતું, પરંતુ એમની હિલચાલની જાણ બ્રિટિશ સરકારને થઈ ગઈ હતી એટલે એમના માટેનું જહાજ ગોઠવવામાં જાણીજોઈને વાર થતી હતી. ગદરીઓએ એનો લાભ લીધો અને હિન્દુસ્તાનીઓમાં જોશપૂર્વક પ્રચાર કરવામાં એમણે આ સમયનો ઉપયોગ કર્યો. સરકારી આંકડા પ્રમાણે આઠ હજાર ગદરી ભારત આવી ગયા હતા પણ ખરેખર તો આ આંકડો બહુ મોટો હતો.
‘નાનસંગ’ જહાજથી બાબા સોહન સિંઘ ભકના પોતે કલકત્તા ઊતર્યા કે તરત એમની ધરપકડ કરીને લુધિયાના લઈ ગયા. પહેલાં એ પોલીસની દેખરેખ હેઠળ હતા. એક વાર પોલીસ સાથે બજારમાં જતા હતા ત્યારે રસ્તામાં કરતારસિંઘ સરાભા સાથે એમની મુલાકાત થઈ ગઈ. એ જ વખતે એમણે નક્કી કર્યું કે દેશના નેતાઓને મળીને બળવા માટે તૈયારી શરૂ કરવી. તે પછી ભકનાને લાંબા જેલવાસમાં રાખી દેવામાં આવ્યા. થોડા દિવસો પછી ‘તોશામારૂ’ જહાજમાંથી ૧૭૩ ગદરી ઊતર્યા. એમને પણ તરત રાવલપીંડી લઈ ગયા. આમ ગદરીઓ આવતા ગયા અને સરકાર એમને સીધા જેલભેગા કરતી રહી.
અહીં કામાગાટા મારૂની કથા જોડાય છે. આ કથા લાંબી છે અને એક લેખમાં સમાવી શકાય એમ નથી. એના વિના ગદરના વીરોની ગાથા અધૂરી રહેશે. આવતા અંકમાં ફરી મળીએ છીએ.
૦૦૦
સંદર્ભઃ
- गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩. ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક) સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
અજગરના પરાક્રમો – ૨
વિજયગુપ્ત મૌર્ય
કાચા કુંવારા માણસો સ્ત્રીઓથી શા માટે ક્ષોભ પામે છે તેનું કારણ હું નથી સમજતો. હું પોતે કાચો કુંવારો છું, પરંતુ સ્ત્રીઓથી જેટલો ડરું છું તેટલો અજગર, નાગ અને કાળોતરાથી નથી ડરતો. હું કાચા કુંવારાની વાત કરું છું. કુંવારા તો ઘણા હેાય છે, પરંતુ બધા કુંવારા કાચા નથી હોતા. મને તો મારા અભ્યાસના વિષયો ઉપર જ પ્રેમ છે, કોઈ સ્ત્રી ઉપર મને છાનો, છૂપો કે જાહેર પ્રેમ થયો નથી; તેમાં પણ મારી પડોશણ ઉપર તો મેં કદી પ્રેમ નથી કર્યો તેની હું ખાતરી આપું છું. બાઈબલમાં ભગવાન ઈસુ ખ્રિસ્તે આદેશ આપેલ છે કે તારા પાડોશી ઉપર પ્રેમ રાખ. એવા ઘણા માણસો હોય છે કે જેઓ ખિસ્તી ન હોવા છતાં ભગવાન ખ્રિસ્તના આદેશને વફાદારીપૂર્વક માન આપી પોતાની પડોશણ ઉપર પ્રેમ રાખે છે. હું મારી પડોશણ સાથે બહુ ઓછો સંપર્ક રાખતો. તે નિર્દોષ, હસમુખી, આનંદી અને જુવાન ખ્રિસ્તી બાઈ હતી. કોઈ કોઈ વાર તે કંઈ ઘરગથ્થુ ચીજની આપ-લે કરવા મારે ઘેર આવતી અને કોઈ વાર સાપ ઉપર થતા અખતરા જોવા માટે જિજ્ઞાસાથી ઊભી રહી જતી અને મારી સાથે વાતે વળગતી. મારા અને તેના બગીચાની વચ્ચે માત્ર કાંટાળા તારની વાડ જ હતી. કોઈ વાર બગીચામાં ફરતાં ફરતાં તેનો ભેટો થઈ જતો અને એ વાતોડિયા સ્વભાવની નિર્દોષ છોકરીની વાતોમાં પૂર્ણવિરામ શોધ્યો ન મળતો. મારી પ્રકૃતિ પ્રમાણે તે હું તેની વાત ટૂંકેથી પતાવીને તેનાથી દૂર ભાગી જવા ઈચ્છતો. મને કદી અજગર કે રાજનાગ કે ફૂર્સા જેવા ભયંકર સાપથી ક્ષોભ નથી થયો, પરંતુ સ્ત્રીઓથી તો હું પીછો છોડાવું છું.
પેલો અજગર ભાગી ગયા પછી બીજે દિવસે સવારે હું દાતણ કરતાં કરતાં બગીચામાં ટહેલતો હતો. સવારની ગુલાબી ઠંડી ઉત્સાહને પ્રેરતી હતી. હજી સૂર્યોદય નહોતો થયો, પરંતુ પ્રકાશ ફેલાઈ ગયો હતો. બગીચાનાં ફૂલો ઉપર વિવિધરંગી પતંગિયાં અને ભમરા ભમતા હતા. છોડવાઓમાં દરજીડો ટુ-વી, ટુ-વી, ટુ-વી કરતો ઠેકડા મારતો હતો. એ નાનકડા પક્ષીમાં મેં કદી વિષાદ કે આળસ જોયેલ નથીઃ સદૈવ પ્રસન્ન અને ચંચળ. તેની સાથે હરીફાઈ કરે તેવો બબુના(=શ્વેતનયના) ઘટામાં ચીઈ-ચીઈ અને સીર-સીર કરતો કૂદાકૂદ કરતો હતો. એક ઝાડની ડાળીએ સફેદ દૂધ જેવો દૂધરાજ મહારાજાના ઝબ્બાની કોર જેવા લાંબા પીંછાવાળી પૂછડીને હવામાં તરાવતો ઊડી ઊડીને હવામાંથી જીવડા પકડતો હતો. અંગારા કરતાં વધારે લાલ, બાગના રતૂમડા રાજાલાલનું એક ટોળું ઝાડનાં ઝુંડોમાં દોડાદોડી કરતું હતું, જાણે ઝાડમાં અંગારા લાગ્યા હોય ને! એક ઊંચા ઝાડ ઉપર સફેદ છાતીવાળો કલકલિયો કી-રી-રી-રી-રીના કર્કશ અવાજથી પોતાના ભભકાદાર રંગોને લજાવતો હતો.
હું પ્રકૃતિનું આ સૌંદર્ય નિહાળવામાં મશગૂલ હતો ત્યાં મેં બાજુના બગીચામાંથી મારી પેલી હસમુખી પડોશણની ભયગ્રસ્ત ચીસો સાંભળી હું ચમક્યો. મનુષ્યને સ્વાભાવિક એવું પ્રેમશૌર્ય મારા દિલમાં ઊછળી આવ્યું. અને મેં એકદમ દોટ મૂકી. પરંતુ વચ્ચે કાંટાળ તારની વાડ આવી અને તેમાંથી નીકળવું કંઈ સહેલું ન હતું. મારી અધીરાઈનો પાર ન હતો. કાંટાળા તારની શોધ કરનારને મેં હજાર શાપ આપ્યા અને માંડ માંડ કરીને ફાટેલ લૂગડાં અને ઠેકઠેકાણે ઉઝરડારૂપી દાણ ચૂકવીને હું તેમાંથી પસાર થઈ ગયો. ચીસો જ્યાંથી આવતી હતી તે દિશામાં મેં દોટ મૂકી ત્યારે એક ખૂણા પાસે ભીંતને અઢેલીને ભયથી બેબાકળી બનીને ઉભેલી પડોશણ મને જોઈને દોડીને મને વળગી પડી! હવે મને લાગ્યું કે મારી પડોશણ ભયમાં નથી પણ હું ભયમાં છું! મને એમ થયું કે અજગરે તો શું ૫ણ રાજનાગે મને ડંખીને ભરડો લીધો છે. હવે મારે તેને આશ્વાસન આપવું, તેના ભયનું કારણ પૂછવું કે તેના ભરડામાંથી છૂટીને મારે ભાગી છૂટવું–તેની મૂંઝવણમાં હતો, ત્યાં મારી નજર સામેના કૂંડા પાસે પડી. પેલો અજગર ઈડનના બગીચાના પૌરાણિક સાપને ભુલાવે તેવો અમારી સામે-આદમ અને ઇવ સામે જોતો કાંઈ વેતરણમાં હતો! બાઈબલના દૃશ્યનું નાટક ભજવાઈ જવામાં હવે શી ઊણપ હતી?
હું પડોશણને હિંમત આપીને તેની ભીડામણમાંથી છૂટ્યો અને એટલી જ વારમાં બીજા માણસો પણ ત્યાં આવી પહોચ્યા. પોલીસની ભાષામાં કહું તો ફરારી અજગરને મેં પાછો અટકમાં લઈ લીધો અને તેને પાછો કોથળામાં પૂરી દીધો. મારી બહાદૂરી અને હિંમત ઉપર મુગ્ધ થયેલી મારી પડોશણ એ સંમોહાવસ્થામાંથી જાગૃત થાય તે પહેલાં હું એ અજગરના કોથળાની સાથે, ઇડનના બગીચામાં ઇવને એકલી મૂકી, નાસી છુટ્યો! મારે શરીરે જે દાહ થતો હતો તે પેલા ઉઝરડાનો હતો કે પેલી નારીરૂપી નાગણે મારા શરીરને વીંટાઈ ભરડો લીધો હતો તેનો હતો તે હું સમજી ન શક્યો; સમજવાનો પ્રયોગ કરવા મારી ઈચ્છા પણ ન હતી.
આ મહાન અજગરને રાખવા માટે હજી મારે સગવડ કરાવવાની હતી એટલે તે દિવસે તો જ્યારે મેં સાંજે પ્રયોગશાળા બંધ કરી ત્યારે તેના મધ્યસ્થ ખંડમાં કોથળો મૂકી દીધો. અને બારીબારણાં બરાબર બંધ કરીને બંગલાને તાળું દઈ હું મારે ઘેર ચાલ્યો ગયો. આજે હું મારા અભ્યાસખંડમાં ખૂબ કામમાં રહ્યો હતો. પરિણામે સવારના બનાવને ભૂલી જતાં વાર ન લાગી. સાંજે પણ ફરી આવીને ઘેર ગયા પછી મને અજગરનો વિચાર જ ન આવ્યો.
બીજે દિવસે સવારે હું પ્રયોગશાળાએ ગયો ત્યારે નોકરોના ભય, વિસ્મય અને મૂંઝવણથી ફાટ્યા રહી ગયેલાં ડાચાં જોઈને કંઈ સમજવાનો વિચાર કરું ત્યાં તો પ્રયોગશાળામાંથી આવતી સ્પિરીટની ઉગ્રવાસ મારા મગજ સુધી પહોંચી ગઈ. બંધ બારણાં સામે જોયું તો અંદરથી ઢોળાયેલ આલ્કોહોલનો રેલો બહાર નીકળ્યો હતો! મને થયું કે કોઈ બરણી ફૂટી ગઈ હશે, કારણકે આ ખંડમાં ઘણી બરણી હતી. પરંતુ સ્પિરીટ તો ઢોળાયા ભેગું ઊડી જવા લાગે, ત્યારે અહીં તો આટલા બધા સ્પિરીટનો રેલો નીકળ્યો હતો! આ હિસાબે અંદર કેટલું સ્પિરીટ ઢોળાયું હશે! અંદર અનેક બરણીમાં જુદી જુદી જાતના સાપ, કાચંડા, વગેરે પ્રાણીના નમૂના સ્પિરીટમાં સંઘરેલા હતા. મેં તરત બારણું ઉઘાડવાનું કર્યું, પરંતુ બારણા આડે કાચનો ઢગલો હોય એમ લાગ્યું. છેવટે બારણાને ખંભો ભરાવી જોર કરીને બારણું ઉઘાડી નાખ્યું. મેં અંદર જોયું અને જોઈને હું બેશુદ્ધ થઈને પડી કેમ ન ગયો એ જ એક નવાઈ છે.
મેં શું જોયું? પ્રયોગશાળાના એ મધ્યસ્થ ખંડમાં પ્રાણીસંગ્રહની કાચની બરણીઓના ભંગારનો ઢગલો આખા ખંડમાં પથરાઈને પડ્યો હતો. પ્રાણીઓના નમૂના વેરવિખેર થઈ ગયા હતા અને બધું સ્પિરીટ ઢોળાઈ ગયું હતું. મને લાગ્યું કે રાતમાં ચોક્કસ ધરતીકંપનો આંચકો લાગ્યો હશે અને તેમાં આ બધી બરણીઓ નીચે આવી પડી હશે. આટલા મોટા જથ્થામાં ઢોળાયેલું સ્પિરીટ હવામાં એટલું બધું ઊડી ગયું હતું કે ખંડમાં હવાને ઠેકાણે વાયુરૂપે સ્પિરીટ જ હતું. તેની ઉગ્રતાથી હું એવો ગૂંગળાઈ ગયો કે થોડી વાર તો અંદર જઈ શક્યો નહિ, પણ પછી દોડીને એક બારી ઉઘાડી નાખી અને બારીમાંથી બહારની હવા અંદર આવી ત્યારે મેં પ્રાણાયામ છોડ્યું. મેં અંદર જઈને દીવાલો પર નજર કરી ત્યારે મારે રડવું કે ફિલસૂફ બનીને દિલાસો લેવા માટે પરાણે હસવું તેની મૂંઝવણ થઈ પડી. દીવાલો ઉપર એક ઉપર બીજી એમ ત્રણ અભેરાઈઓની હાર હતી અને તે બધી અભરાઈઓ ઉપર વરસોના શ્રમ, સંશોધન અને અભ્યાસ પછી એકઠા કરેલા પ્રાણીઓના નમૂનાઓથી ભરેલી કાચની બરણીઓ, દરેક ઉપર નામ તથા પ્રાણી મેળવ્યાનું સ્થળ અને તારીખ સાથેની ચિઠ્ઠીએ ચોડીને, ખીચોખીચ ગોઠવવામાં આવી હતી. આ બધી બરણીઓ હેઠે આવી પડી હતી અને તેમના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા. હા, દાઝેલાને ડામ દેવા માટે રહી ગઈ હોય તેમ એક બરણી અભેરાઈ ઉ૫ર રહી ગઈ હતી! આ ‘પ્રલય’નું દૃશ્ય મારા માટે અસહ્ય હતું.
અરે, પેલા બિયારા અજગરનું શું થયું હશે? એ પણ આ કાચના ભંગાર નીચે દટાઈને મરી ગયો? મારા નાોકરોએ ભારે શ્રમ વેઠીને ભંગાર ખસેડ્યો ત્યારે કોથળાના દર્શન થયાં. હું તો એમ જ ધારતો હતો કે કોથળો ઉપાડતાં તેમાંથી લોહીતરબોળ અજગરનું લોહી ટપકવા લાગશે. પણ આ શું? કોથળો તો ખાલી છે! ત્યારે અજગર? કોથળાનું મોં તપાસ્યું. તે એ તો બાંધેલું હતું. તપાસ કરતાં જણાયું કે કોઈ નાનું કાણું હશે. તેમાં મોં ભરાવી મોટું ગાબડું પાડીને એ દુષ્ટ તેમાંથી નીકળી ગયો હતો. પરંતુ આ ઓરડો તો બંધ હતો; બારીબારણાં પણ બંધ હતાં; ખાળ-મોરી પણ ન હતી કે જ્યાંથી અજગર નીકળી જાય, અને આ તો અજગર હતો. તે કંઈ નાનીસૂની જગ્યામાંથી નીકળી ન શકે; તેમ બહાર નીકળવાનો રસ્તો તો હતો જ નહિ. તો ૫છી જરૂર તે અહીં જ ક્યાંક હોવો જોઈએ.
અંધારી રાતે વીજળી ઝબૂકે તેમ મારા મૂંઝાયેલા મગજમાં એક વિચાર ચમક્યો. પરંતુ આ વિચારની વીજળી ઝબકીને મારા ઉપર જ પડી અને મને ભારે ઝાટકો લાગ્યો. હા, હવે સમજાયું કે આ સર્વનાશ ધરતીકંપનું પરિણામ ન હતું. આવો જબરો ધરતીકંપ થાય અને અમને ખબર પણ ન પડે એમ કેમ બને? આ બધો ઉત્પાત પેલા દુષ્ટ અજગરનો હતો. કોથળામાંથી નીકળીને તેણે ખૂણેખાંચરે બધે તપાસ કરી હશે, પરંતુ ક્યાંયથી તેને બહાર નીકળવાનો રસ્તો ન મળતાં ત્યાંથી તે છેવટે અભેરાઈ ઉ૫ર ચડ્યો હશે અને અભેરાઈ ઉપર તેની સત્તર ફૂટ લાંબી અને કેળના થાંભલા જેવી જાડી કાયા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ એક પછી એક બરણી નીચે પટકાતી ગઈ. વાહ! કેવો હશે તે વખતનો દેખાવ! અજગરનો પડછંદ દેહ એક પછી એક અભેરાઈ ઉપર ચડતો જાય, ફરતો જાય અને અભેરાઈને સાફ કરતો જાય! એ દૃશ્ય નજર સામે તરી આવતાં મને આંખે અંધારા આવ્યાં. કેટલા વરસની મારી મહેનત એળે ગઈ હતી!
દુઃખમાંથી નિરાશા અને નિરાશામાંથી ક્રોધ જન્મે છે. અને મારા ક્રોધનું પાત્ર બનનાર અજગરને હું શોધવા લાગ્યો. “એ રહ્યો પેલા બાંકડા નીચે! બસ, એ જ ગુનેગાર.’ મેં ગુસ્સામાં આવીને લાકડીનો વળેલો હાથો ભરાવીને તેને બહાર ખેંચ્યો, પણ…. આ શું! એ તો પીધેલો હતો. એટલું જ નહિ પણ તે દારૂમાં નહાતો હતો. તેને બહાર ખેંચતાં તો તે દારૂથી નીતરવા લાગ્યો. તેણે જરા ય ચ૫ળતા ન બતાવી; માત્ર ફૂંફાડા જ માર્યા કર્યા. તે દારૂના ઘેનમાં હતો. તેના અંગેઅંગમાં દારૂની અસર બેસી ગઈ હતી.
તમે કદાચ પૂછશો કે અજગર દારૂ પીએ છે ખરા? કે પછી હું પણ આ લખતી વખતે એની અસર નીચે છું! વાત સાચી છે કે અજગર દારૂ તો નથી પીતા પણ ચા કે દૂધ પણ નથી પીતા. અને હું તો દારૂનિષેધનો પ્રખર હિમાયતી છું. પરંતુ હકીકત એમ બની હતી કે જ્યારે ઓરડામાં હવાને ઠેકાણે આલ્કોહોલે (એટલે કે દારૂએ) સ્થાન લીધું હતું ત્યારે આખી રાત અજગરે શ્વાસમાં વાયુરૂપે તેને ફેફસામાં લીધો. એનું અંગ અંદર અને બહારથી એ રીતે દારૂથી વ્યાપ્ત બની ગયું અને તેના કેફમાં તે ચકચૂર બની ગયો. તેને ખરેખર દારૂ ચડી નીકળ્યો તો એમ જ કહી શકાય. અને તે એવો ચડી નીકળ્યો હતો કે મને લાગ્યું કે તે હમણાં ઊભો થઈને દારૂડીયાની જેમ ગાવા, નાચવા અને લવારા કરવા લાગશે! મેં તેને ગુસ્સામાં એક લાત મારી, તેના જવાબમાં તેણે જરા ફૂંફાળો મારીને તત્વજ્ઞાનીની જેમ સ્વીકાર કર્યો અને સ્થિર પડ્યો રહ્યો.
આ અજગરે મચાવેલા ઉલ્કાપાતની વાતને હું ખાનગી રાખવા માગતો હતો, કારણ તેમાં મારી પણ ફજેતી તો ખરી ને! મેં મારા નોકરોને વાતનો ઉહાપોહ નહિ કરવા સૂચના આપી, પરંતુ આ નોકરે તે વાત ખાનગીમાં મારા પાદરી મિત્રના કાણા બટલરને કરી. પાદરી સાહેબે તે વાત બટલર પાસેથી જાણી અને પોતાના માનીતા હજામને વાત કરી. હજામે આબુ ઉપર આવતા સહેલાણીઓની દાઢી મૂંડતાં મૂંડતાં તે બધાને વાત કરી હતી. આમ આ અજગર-કથા આબુ પર્વતથી ઊતરી હિંદુસ્તાનનાં મેદાનમાં ગઈ. કહેવાની જરૂર નથી કે જેમ જમીન ઉપર પડેલું વરસાદનું ચોખ્ખું પાણી ધરતી ઉપરથી જેમ જેમ દરિયા તરફ આગળ વધે તેમ તેમ વધુ ને વધુ માટી અને કચરો લેતું જાય તેમ આ વાતમાં પણ મસાલો ભળતો ગયો. છેવટે આ સમાચાર કોઈ સમાચાર-સંસ્થાના નવરા ખબરપત્રીને સાંપડ્યા અને પછી તો મારા ટેબલ ઉપર જેમ જેમ છાપા આવવા લાગ્યાં તેમ તેમ હું તો તેમાં મોટા અક્ષરે છાપેલા સમાચાર વાંચીને આભો જ બનતો ગયો. લાહોરના એક અખબારે લખ્યું હતું, ‘આબુ-દેલવાડાના મંદિરમાં દેખાયેલો દેવતાઈ સાપ!’ અમદાવાદના એક છાપાએ લખ્યું હતું કે આ દેવતાઈ સાપની ફેણ ઉપર ઝગારા મારતો મણિ હતો. દિલ્હીના એક પત્રે તેના ખાસ ખબરપત્રી તરફથી અહેવાલ છાપ્યો હતો કે દેલવાડાના મંદિરમાં સાત ફેણવાળો શેષનાગ દેખાયો હતો અને એક પાદરી તેને જોવા જતાં તે પાંખો પસારીને ઊડી ગયો હતો!
એ સમાચારો વાંચીને મારે હસવું કે અજગરે કરેલા નુકસાનને યાદ કરીને રડવું તેની વિમાસણમાં હું બેઠો હતો ત્યાં એક અંગ્રેજ બાઈ ખંભે કેમેરા, દૂરબીન અને થેલી ભરાવીને આવી અને મારા ટેબલ સામે ઊભી રહી.
‘ડૉક્ટર xxxx તમારું નામ કે!’
‘જી, હા.’ તે એક પ્રવાસી જેવી લાગવાથી મેં તેને બેસવા ખુરશી આપી.
‘મારે તમારો અજગર જોવા છે, મારી સાથે આવીને બતાવશો?’
શિષ્ટાચારની ખાતર હું ના ન પાડી શક્યો, પરંતુ મારો મિજાજ ઠેકાણે ન હતો. હું તેને અજગર-વિભાગમાં લઈ ગયો. તેણે મને વકીલની છટાથી સવાલ પૂછવાનું શરૂ કર્યું અને મને લાગ્યું કે તેના સવાલોનો છેડો આવનાર જ નથી. છેવટે મારી ધીરજ ખૂટી. છતાં મારા મોં ઉપરનો અણગમો પારખ્યાં વિના કે પછી પારખ્યાં છતાં તેની અવગણના કરીને તેણે તો પ્રશ્નોનો મારો ચાલુ જ રાખ્યો.
‘આવા ભયંકર પ્રાણીની રખેવાળી કોણ કરે છે?’
‘ભીલ નોકરો.‘ મેં ટૂંકમાં પતાવ્યું.
તેણે ભીલ નોકર સામે જોઈ કહ્યું, ‘ભીલ લોકો તો દલિત કોમના ગણાય છે એ જ ને? અમારા પાદરીઓ તેને સુધારે છે.’
મને ગુસ્સો ચડ્યો. છતાં શિષ્ટાચારની ખાતર મેં ‘હા’ કહીને ટૂંકે પતાવ્યું. ત્યાં વળી સવાલ પુછાયોઃ ‘અજગરને શું ખવરાવો છો?’
‘ભીલનાં છોકરાં.’ મેં તેને હવે તરછોડવાના ઈરાદાથી ઉડાઉ જવાબ દીધો. પરંતુ ધર્મગુરુ કહે છે તે બધું સાચું માની લેવાની હિંદુ-મુસલમાનોની અંધશ્રદ્ધાને ભુલાવે એવી શ્રદ્ધાથી તેણે આ વાત સાચી માની લીધી!! તેણે આંખો ફાડીને મારી સામે જોયા કર્યું, પછી ભીલ સામે જોયું, પછી અજગર સામે જોયું ને અને પછી ભીલ તથા અજગરના ફોટોગ્રાફ લીધા.
આ બનાવને બે’ક માસ થઈ ગયા. મારું અહીંનું કામ હવે પૂરું થયું હતું અને અહીંથી જતાં પહેલાં મારે વિવેકને ખાતર પાદરી સાહેબને મળવું હતું. સાંજે હું તેમને બંગલે ગયો ત્યારે તેઓ ‘બ્રિટીશ ટાઈમ્સ’ની એંગ્લો-ઈન્ડિયન આવૃત્તિ વાંચી રહ્યા હતા. મને જોઈને તેઓ ઉમંગમાં આવી ગયા.
જુઓ જુઓ ડૉક્ટર સાહેબ, આ અખબાર શું લખે છે તે વાંચો.’ તેમણે મલકાતાં મલકાતાં કહ્યું. મેં જોયું તો તેમાં અજગર અને મારા ભીલનાં ચિત્ર હતાં. હું જિજ્ઞાસાથી વાચવા લાગ્યો. ચિત્રોનો પરિચય આપીને અખબારે નીચે મુજબ નોંધ લખી હતીઃ
‘હિંદુસ્તાનમાં અંત્યજો, મુસ્લિમો, આદિવાસીઓ, વગેરે લઘુમતી કોમોને કચડી નાખી સવર્ણ હિંદુઓ પોતાનું વર્ચસ્વ સ્થાપવા માગે છે અને જો બ્રિટીશરાજ તેમનું રક્ષણ કરતું ન હોત તેવી દલિત કોમોનું શું થાત તે આ ચિત્રો બતાવી આપે છે. જંગલમાં વસતા અસ્પૃશ્ય ભીલ કોમનાં બાળકોને સવર્ણ હિંદુઓ અજગરને ભોગ આપી ખવરાવી દે છે, કારણ કે હિંદુઓ સાપને દેવ તરીકે માને છે અને તેમને નરબલિ આપીને સંતુષ્ઠ કરે છે. એવા એક અજગર અને ભીલના ચિત્ર ઉપર આપેલ છે અને લેખિકાએ જાતે હિંદુસ્તાનમાં જઈને આ ફોટોગ્રાફ લીધા છે.’
આ વાંચીને હું એટલે બધો હસ્યો કે પાદરી સાહેબને શંકા થઈ કે મારું ભેજું ચસકી તો નથી ગયું? શું બન્યું હતું તેની મેં જ્યારે પાદરી સાહેબને વાત કરી ત્યારે તેઓ પણ ખડખડાટ હસી ૫ડ્યા.
પાદરી સાહેબની રજા લઈને હું મારે બંગલે પહોંચ્યો ત્યારે અંધારું થવાં આવ્યું હતું. આવતી કાલે મારે આબુ છોડી જવાનું હતું, પરંતુ આબુના અજગર છેવટ સુધી મને છોડવા તૈયાર ન હતા. હું જ્યારે બંગલાના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે માણસો ભયભીત થઈને દરવાજા પાસે ઉભા હતા અને નખી તળાવ તરફ જતો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો હતો. મને નવાઈ લાગી કે લોકો આગળ જતા કેમ ડરે છે? લોકોનું ટોળું ત્યાં જમા થયું હતું. સૌથી મોખરે મારો રસોઈયો હતો. મેં તેને પૂછ્યું: “શું છે!’ તે ગભરાતાં જવાબ આપ્યો કે આ રસ્તાના વળાંક આગળ સડકની બાજુમાં એક રાક્ષસ છે!
મને નવાઈ લાગી. ભૂતપ્રેતની દુનિયાને ન માનનારને રાક્ષસ જેવા વિચિત્ર પ્રાણીની હયાતી તો ક્યાંથી માનવામાં આવે? પ્રાણીશાસ્ત્રીને તો દુનિયાનાં તમામ પ્રાણીઓની જાતો તેમના વર્ગીકરણ પ્રમાણે નજર સામે જ હોય. તેમાં ભૂત કે રાક્ષસનો કોઈ વર્ગ નથી. મેં હસીને પૂછ્યું: ‘કેવો છે એ રાક્ષસ?’
રસોઈયાએ કબૂલ કર્યું કે તેણે જાતે રાક્ષસને નથી જોયો. બે’ક માણસોએ કહ્યું કે, તે શેષનાગ જેવો છે, પરંતુ મોં આગળ બહુ જાડો છે અને તેને બે શીંગડાં અને એક દાઢી તથા બે કાન છે!
વાત સાંભળીને હું ખખડાટ હસી પડ્યો. મેં તેમને કહ્યું, ‘તમને સ્વપ્ન આવ્યુ હશે. સૌ ઘર ભેગા થઈ જાવ.’
પરંતુ લોકો ત્યાંથી ખસવા તૈયાર ન હતા. એક સહેલાણીએ આગળ આવીને મને કહ્યું, ‘મેં નજરે એ રાક્ષસને જોયો છે અને હજી ત્યાં જ છે.’
મેં તેનો ઉધડો લીધો, ‘ચાલો; મને નજરે બતાવશો?’
પરંતુ મારી સાથે આવવા કોઈ તૈયાર ન હતું, છતાં સંખ્યાબંધ માણસો આગ્રહપૂર્વક કહેતા હતા કે ત્યાં રાક્ષસ જરૂર છે. છેવટે એક સહેલાણી તૈયાર થયો. મેં તેને વચન આપ્યું કે તેના રક્ષણની જવાબદારી મારા ઉપર રહેશે. તેને હિમ્મત આપવા માટે મેં રાઈફલ મંગાવી લીધી.
સંધ્યાનો પ્રકાશ અદૃશ્ય થઈ ગયો હતો. બહુ જ ઓછું અજવાળું હવે રહ્યું હતું. અમે વળાંક વળ્યા. ત્યાં મેં ખરેખર એક વિચિત્ર પ્રાણી બરાબર રસ્તાની બાજુમાં જોયું. તેને ખરેખર બે શીંગડાં હતાં, બે કાન હતા, બકરા જેવું મોઢું હતું અને બકરા જેવી દાઢી હતી; બાકીનો ભાગ અજગર જેવો હતો. મારી સાથે જે સહેલાણી આવ્યા હતા તે તો એને જોઈને મૂઠી વાળીને ભાગ્યા. તેની પાછળ છેટે છેટે બીજા કેટલાંક પણ આવ્યા હતા તેઓ પણ ભાગ્યા. ભાગવા માટે પડાપડી થઈ પડી. પરંતુ આ ભયંકર પ્રાણી મને છેતરી શકે તેમ ન હતું. ઝાંખા ઝાંખા પ્રકાશમાં પણ મેં એ ભાઈસાહેબને ઓળખી કાઢ્યા.
વાત એમ બની હતી કે સમી સાંજે એક બહુ મોટા અજગરે એક બકરાને પકડીને ભીંસી નાખ્યો હતો અને તેને, પાછલા પગથી પકડીને, ગળી ગયો હતો. પરંતુ આખું શરીર ગળાઈ ગયા પછી છેવટે તેનું માથું અટક્યું, કારણ કે તેને બે મોટાં શીંગડાં હતાં. આખું શરીર અજગરના ગળા નીચે ઊતરી ગયું હતું પરંતુ બોકડાંનું માથું, કાન, અને શીંગડાં બાકી રહી ગયા હતાં. અજગર પણ જબરજસ્ત હતો. પરંતુ અજગર ગમે એટલો મોટો હોવા છતાં તેનું મોઢું જોનારને મોટું નથી જણાતું. એટલે અજગરને બોકડાનું માથું, કાન અને શીંગડાં હોય એવો આબેહૂબ દેખાવ લાગતો હતો. અને જામતા જતા અંધારામાં તેનો દેખાવ ૫ણ ભયંકર લાગતો હતો.
મેં વિના વિલંબે રાઈફલથી અજગરને મારી નાખ્યો અને તરત જ પ્રેક્ષકો આ અદ્ભુત દૃશ્ય જોવા માટે ટોળે વળ્યાં.
આમ મારી આબુની યાત્રા પૂરી થઈ. ત્યાંના રોમાંચક પ્રસંગો મારા સ્મૃતિપટ ઉપર એવા કોતરાઈ ગયા છે કે જાણે એ બનાવો આજે જ બન્યા હોય તેમ લાગે છે.
(Pythons & their ways નામની એક સત્ય ઘટના ઉપરથી)
(ભાવનગરનું ‘કહાની’ સામાયિક, અંક જૂન ૧૯૪૮)
-
ચૂંટણી ! ! !
વ્યંગ્ય કવન
કૃષ્ણ દવે
લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવીબૂઢી માની ખબર કાઢવા જાણે દીકરી આવીમશીન પણ આ મતદાતાનો કેવો રાખે ખ્યાલ ?જેના પર એ મુકે આંગળી બત્તી ધરતું લાલ .કહે મીનીસ્ટર આ વખતે પણ ચૂંટણી લડશું ત્યાંથી,થોભો પહેલા યાદ કરી લઉં ચૂંટાયો તો ક્યાંથી ?યાદ રાખતો નથી એટલું કેવો પી.એ. તું ?એમ પુછુ છું અત્યારે હું કયા પક્ષમાં છું ?એ ય આપણે જીત્યા તો તો દિલ્હી રહેવા જાશુંરાજ મળે તો ઠીક નહિતર ટેકા વેચી ખાશું .તું ક્યે છે તો આ ચૂંટણીમાં લે ઉભો રયો હુંપણ ધારો કે જીતી ગ્યો તો ત્યાં કરવાનું શું ?અભિનંદન બભિનંદનને તો હમણાં ટાંગો ભીંતેપ્હેલા ઈ તો ગોતી કાઢો જીતી ગ્યા કઈ રીતે ? -
ફિલ્મી ગઝલો – ૩૧. નૂર લખનવી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
એક જમાનામાં રેડિયો મનોરંજનના મુખ્ય સાધનોમાંથી એક હતું અને ઘરમાં મર્ફી, બુશ કે નેશનલ એકો બ્રાંડનો રેડિયો કે ટ્રાંઝીસ્ટર હોવું એ મોભાની નિશાની ગણાતી.
ઓલ ઈંડીયા રેડિયોની ઉર્દુ સર્વિસ પર દરરોજ રાત્રે ૧૦૩૦ થી ૧૧૨૫ લગી જૂના ફિલ્મી ગીતોનો એક ફરમાઈશી કાર્યક્રમ પ્રસારિત થતો . નામ હતું ‘ તામીલ – એ – ઈર્શાદ‘. બધા ઉદ્ઘોષકો એમાં વિશુદ્ધ ઉર્દુ બોલતા. એ પ્રોગ્રામમાં અવારનવાર વી. શાંતારામની ફિલ્મ ‘ પરછાંઈ ‘ ની બે ગઝલો અઢળક ફરમાઈશ સાથે પ્રસારિત થતી. ‘ મુહોબત હી ન જો સમજે વો ઝાલિમ પ્યાર ક્યા જાને ‘ (મને ત્યારે અને અત્યારે પણ ‘ મુહોબત ‘ અને ‘ પ્યાર ‘ વચ્ચેના તફાવતની ખબર નહોતી ! ) અને ‘ કટતે હૈં દુખ મેં યે દિન પહલૂ બદલ બદલ કે ‘. આ બીજી ગઝલની ધુન અને અલફાઝ દિલમાં એક ટીસ પેદા કરતા. બન્નેના ગીતકાર હતા ‘ નૂર ‘ લખનવી. સમય જતાં એ પણ ખબર પડી કે મુશાયરાઓમાં કૃષ્ણબિહારી ‘ નૂર ‘ નામથી ધૂમ મચાવતા શાયર એ જ આ નૂર લખનવી ! ગઝલ કહેવાનો એમનો લહેજો ભારે નાટકીય !એમની ફિલ્મી અને ગૈર – ફિલ્મી ગઝલો બેશક સુંદર ! સુબહ કા તારા, હૈદ્રાબાદ કી નાઝનીન, આનંદ ભવન અને પરછાંઈ જેવી જૂજ ફિલ્મોમાં એમણે ગીત લખ્યા. એમની ગઝલ ‘ ઝિંદગી સે બડી સઝા હી નહીં, ઔર ક્યા જુર્મ હૈ પતા હી નહીં ‘ આજે પણ ગઝલ પ્રેમીઓને રોમાંચિત કરે છે. એમની બે ગઝલો જોઈએ :
કટતે હૈં દુખ મેં યે દિન પહલૂ બદલ બદલ કે
રહતે હૈં દિલ કે દિલ મેં અરમાં મચલ મચલ કેતડપાએગા કહાં તક ઐ દર્દે દિલ બતા દે
રુસવા કહીં ન કર દે આંસૂ નિકલ નિકલ કેયે ખાક પર જો ચમકે ઝર્રે ન ઈનકો સમજો
ફેંકા ગયા હૈ દિલ કા શીશા કુચલ કુચલ કેઉલ્ફત કી ઠોકરોં સે આખિર ન બચ સકા દિલ
જિતને કદમ ઉઠાએ હમને સંભલ સંભલ કે ..– ફિલ્મ : પરછાંઈ
– લતા
– સી રામચંદ્ર
અપની નાકામી સે મુજકો કામ હૈ
હો ઉન્હેં રાહત મુજે આરામ હૈદિલ હમારા ઔર નહીં કુછ ઈખ્તિયાર
હાએ મજબૂરી ઈસી કા નામ હૈદિલ કી ઉલઝન મેં પતા ચલતા નહીં
હમ કહાં હૈં, સુબહ હૈ યા શામ હૈહમ તડપતે હૈં નહીં ઉનકો ખબર
ક્યા મુહોબત કા યહી અંજામ હૈ ..– ફિલ્મ : સુબહ કા તારા ૧૯૫૨
– તલત મહેમૂદ
– સી રામચંદ્ર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
અજગરના પરાક્રમો – ૧
વિજયગુપ્ત મૌર્ય
શિયાળાનો સમય હતો. આ ઋતુમાં આબુ ઉપર બહુ જૂજ સહેલાણીઓ આવે છે એટલે મારા જેવા એકાંતપ્રેમી માણસને તે બહુ ફાવે. મારે આબુમાં સરિસૃપવંશનાં પ્રાણીઓ, એટલે કે જુદી જુદી જાતના સાપ, ઘો, કાચંડા, ગિલોડી, સાપની માસી, સાંઢા વગેરેનો અભ્યાસ કરવા લગભગ બાર મહિના રહેવાનું હતું. નખી તળાવની સામે એક વિશાળ બંગલામાં મને ઉતારો આપવામાં આવ્યો હતો. આ બધાં પ્રાણીઓની જુદી જુદી જાતના એટલા બધા નમૂના મેં એકઠાં કર્યા હતા કે તેમનું વર્ગીકરણ કરીને સાચવવામાં અને મારા સંશોધનકાર્ય તથા પ્રયોગો માટે આખું મકાન કામમાં આવી ગયું હતું, એટલે મારે બાજુના એક નાના મકાનમાં રહેવું પડતું.
આબુ ઉપર બારે માસ રહેવાનું મારા જેવા પ્રકૃતિપ્રેમી સિવાય ઓછા માણસો પસંદ કરે. સહેલાણીઓ શિયાળા કે ચોમાસાનો વખત આબુ ઉપર રહેવાનું પસંદ નથી કરતા. શિયાળાની ઠંડીમાં સરિસૃપ વર્ગનાં ઘણાંખરાં પ્રાણીઓ સુષુપ્ત જેવાં બની જાય છે અને નજરે પણ ઓછાં પડે છે. પરંતુ જ્યારે ફાગણ મહિનામાં હવામાં હુંફ આવે છે ત્યારે એમને શોધવા જવું નથી પડતું. અત્યારે શિયાળાના કારણે મારે કામ પણ ઓછું રહેતું હતું, એટલે સાંજે ફરવા નીકળી પડ્યો હતો.
પક્ષી-નિરીક્ષણ માટે શિયાળામાં આબુ મહત્વનું સ્થળ છે અને મને પક્ષીઓમાં પણ સારો એવો રસ હતો એટલે સાંજે ફરતાં ફરતાં મેં પક્ષીઓમાં ધ્યાન પરોવ્યું. ઝાડી નીચેથી કસ્તુરાનું મંદ મંદ સંગીત આવતું હતું. ફૂલો ઉપર સક્કરખોરા મધુર કંઠે કિલકલાટ કરતા ઊડતા હતા. ઝાડની ડાળી ઉપર બેઠેલા પતરંગા હવામાંથી જીવડાં પકડવા વારંવાર ઝંપલાવતા હતા. શિયાળામાં આબુની ગુલાબી ઠંડીની મજા માણવા આવતા દૈયડ એમના ગાવાની ઋતુ ન હોવા છતાં આનંદ ન સમાવાથી સિસોટી વગાડી લેતા હતા. માથે મુગટ અને પાછળ રજવાડી ઝબ્બાની લાંબી કોર જેવી વિચિત્ર પૂંછડી ધારણ કરી જાણે પોતે જ આ વનશ્રીનો રાજા હોય તેમ વનમાં લહેકાથી બોલતો ભીમરાજ ‘સી-રંગ, સી-રંગ’ કરતો હતો. લાલ થોભિયાવાળા બુલબુલ તો આબુનો શણગાર છે. એમના રણકા વિના આબુ સૂનું લાગત. પૂંછડીને પંખાની જેમ ફેલાવી ડાળે ડાળે નાચતો ચંડોળ તો આનંદનો પ્રતીક છે.
ઘોડેસ્વારીનો મને બહુ શોખ છે અને અને અહીં તો હું લાંબા અંતર સુધી ફરવા જતો એટલે મેં પહાડી ટટ્ટું રાખ્યું હતું. આજે હું ટટ્ટુ ઉપર સવાર થઈને જ નીકળ્યો હતો. થોડો આગળ ગયા પછી મને ફાધર વૂડકોકનો ભેટો થઇ ગયો. તેઓ અહીં ખ્રિસ્તી મીશનના વડા પાદરી હતા અને હિંદુસ્તાનમાં પહેલી જ વાર તાજેતરમાં જ આવ્યા હતા. તેમને બંગલો પાસે જ હતો એટલે તેઓ આગ્રહ કરીને મને પોતાને બંગલે લઈ ગયા. તેમનું મીશન અહીંના ભીલોને ‘સુધારવા’નું અને તેમને ખ્રિસ્તી બનાવવાનું હતું. પાદરી સાહેબનું હિંદુસ્તાન વિષેનું જ્ઞાન એટલામાં જ સમાઈ જતું. સ્વભાવે તેઓ બહુ વાતોડિયા હતા. આજે તેમની વાત સવારે શું ખાધું ત્યાથી શરૂ થઈ ત્યાંથી બાવળની ડાળીની જેમ આડી ફાટીને આજના હવામાન ઉપર આવી અને ત્યાંથી હનુમાન જેમ છલાંગ મારીને હિંદુસ્તાનના રાજકીય પ્રશ્નો ઉ૫ર આવી. છેવટે નદી જેમ દરિયામાં જાય તેમ તેમની વાત પણ પોતાનાં ધ્યેય પાસે આવીને ઉભી રહી.
‘હું ખરું કહું છું, ડૉક્ટર,’ પાદરી સાહેબે મારા પર મશીનગનનો મારો ચલાવ્યો, ‘તમારા ધમેં તમને ડરપોક અને સંકુચિત મનોદશાના બનાવ્યા છે. એક પ્રજા તરીકે હિંદુઓમાં એકતા, સહિષ્ણુતા અને નીડરતા જોઈએ, જે ખ્રિસ્તી વર્ગમાં જ છે. અમારા બાળકોને તે એ ગુણો ગળથુથીમાં…’
‘ફાધર, ફાધર’ એક છોકરો બેબાકળો બનીને દોડતો આવ્યો. ‘સસલાના પાંજરામાં એક મોટો અજગર…’ છોકરો હાંફવાથી પૂરું બોલી ન શક્યો.
મોટો અજગર જાણે પોતાની ખુરશી નીચે હોય તેમ ફાધર બેબાકળા બનીને ઠેકડો મારી ઊભા થઈ ગયા દેવતા ઉપર માખણ પીગળી જાય તેમ તેમની નીડ૨તા અને મર્દાનગીની વાતો અદૃશ્ય થઈ ગઈ. પાદરી સાહેબે વિલાયતમાં એવાં જ ખ્યાલ મેળવ્યા હતા કે હિંદુસ્તાનમાં તો ડગલે ને પગલે વાઘ, અજગર અને નાગ સામા મળે છે અને માણસોને ખાઈ જાય છે. એટલે તેઓ જ્યારે હિન્દુસ્તાન આવવા રવાના થયા ત્યારે પોતે બહાદૂરી કરતા હોય એવો ગર્વ લેતા હતા. પરંતુ હજી તો પહેલી જ વાર અજગરે તેમના સસલાખાનાની મુલાકાત લીધી ત્યાં તો તેઓ વિહ્વળ થઈ ગયા.
મેં છોકરાને કહ્યું, ‘ચાલ બતાવ, ક્યાં છે અજગર?
હું છોકરાને લઈને દોડતો ગયો. મારી પાછળ પાદરી સાહેબ દેવીનો ભૂવો ધૂણે તેમ ધ્રૂજતા આવ્યા. ફળિયામાં સસલાનું એક પાંજરું હતું. તેના સળિયા વચ્ચે થઈને એક અજગર અંદર ઘૂસ્યો હતા અને એક સસલાને ગળી ગયો હતો. એવામાં માણસો ભેગા થઈ ગયા અને પોતાને મળેલી આવી અણનોતરી પ્રસિદ્ધિથી ભડકીને અજગર નાસી જવા માટે બહાર નીકળવા ફાંફાં મારવા લાગ્યો. પરંતુ અજગરમાં નહોતી ઈજનેરી બુદ્ધિ કે નહોતું ગણિતનું જ્ઞાન, કારણ કે જ્યારે તે સળિયા વચ્ચેથી અંદર પેઠો ત્યારે સીધો સોટા જેવો હતો, પરંતુ પુખ્ત વયના સસલાને પેટમાં પધરાવ્યા પછી તે વચ્ચેથી ફૂલી પડ્યો હતો. એટલે હવે સળિયા વચ્ચેથી બહાર નીકળવું અશક્ય હતું. થોડાંક તરફડિયાં માર્યા પછી તેને ગૌતમ બુદ્ધની જેમ જ્ઞાન થયું કે મોક્ષમાર્ગની આડે આવતા સસલારૂપી માયાના અંતરાયનો તે ત્યાગ નહિ કરે ત્યાં સુધી તેને આ કેદખાનારૂપી સંસારમાં દુઃખી રહેવું પડશે. જેવું એ જ્ઞાન થયું કે તરત જ સસલાને ઓકી કાઢી તે માયારૂપી બંધનથી મુક્ત થવા લાગ્યો. મને થયું કે આવી ભરયુવાનીમાં પ્રાપ્ત થયેલા વૈરાગ્યના પરિણામે તે મારી પ્રયોગશાળારૂપી સંસારના વાયરાથી વંચિત રહીને અહીંથી જ મોક્ષ પામી જશે તો એ ઠીક નહિ થાય એટલે મેં તેને પકડવાની તૈયારી કરી.
મારે તમને અહીં એક ચેતવણી આપી દેવી જોઈએ. આપણે સુસ્ત અને એદી માણસને અજગરની ઉપમા આપીએ છીએ, પણ તે આપણું અજ્ઞાન બતાવે છે. નાગ કે કાળોતરા જેવો જ અજગર ચપળ અને ઝાપી છે. અલબત્ત, તેના મોંમાં ઝેરની કોથળી કે ઝેરી દાંત નથી, પણ તેની શિકાર કરવાની રીત જ જુદી છે. તે પ્રાણીઓની અવરજવરના માર્ગ પાસે સુસ્ત થઈને પડ્યો રહે છે. તેનો રંગ જમીન સાથે ઓતપ્રોત થઈ જાય છે. પરંતુ તેની આંખો તો શિકારની પ્રતીક્ષા કરતી હોય છે. જેવું કોઈ પ્રાણી તેની હડફેટમાં આવે એટલે તરત જ અજગર તેના શરીરમાં દાંત ભરાવી આંખના એક પલકારામાં તો શિકારને શરીર આસપાસ ત્રણ વીંટોળા લઈને તેને એવું ભીંસી નાખે છે કે એ કમનસીબ પ્રાણી આકાર વિનાનો માંસને લોચો બની જાય. પછી અજગર ભરડો છોડી દઈ તેને ગળી જાય. અજગર અને સાપ શિકારને ગળી જઈને પછી કોઈ ઝાડ, ડાળી કે લાકડી પર વીંટાઈને ભરડો લઈ પેટમાંના શિકારને છૂંદી નાખે છે ને માન્યતા સાવ ખોટી છે. અજગરને પકડવામાં જોખમ છે. તે માણસને એ રીતે ભરડો લે તો માણસ પણ ભીંસાઈને મરી જાય. અલબત, માણસની પહોળાઈ તેના ખભા અને કેડ પાસેથી એટલી બધી છે કે સામાન્ય અજગર માણસને ગળી ન શકે, પરંતુ દીપડાને ગળી ગયાના દાખલા તો ઘણા બનેલ છે! અજગરના આટલા પરિચયથી તેના ભયંકર બળનો ખ્યાલ આવશે.
પરંતુ અજગરની રીતભાતથી હું સારી રીતે વાકેફ થઈ ગયો છું, એટલે તેને કેમ હંફાવવો અને કેમ પકડવો તે વિષે મને કોઈ મૂંઝવણ ન હતી. મેં એક કોથળો લીધો અને જેવો અજગર ગળેલા સસલાને ઓકી કાઢી બહાર નીકળવા ગયો કે તરત જ મેં તેના મોં ઉપર કોથળો ધર્યો. અજગરે ગુસ્સે થઈને તેને બટકું ભર્યું કે તરત જ તેના વાંકાં દાંત તેમાં ભરાઈ ગયા. મેં એક ભીલને સૂચના આપી રાખી હતી એટલે જેવું અજગરનું મોં કોથળામાં ભરાઈ ગયું કે તરત જ મેં તેનું મોં કોથળા વડે દબાવી દીધું અને ભીલે તેનું પૂંછડું દબાવ્યું. એક બીજો જે માણસ તેની પીઠ ઉપર સવાર થઈ ગયો. અજગરે ખૂબ પછાડા માર્યા. આખરે ફરીથી તેને જ્ઞાન થયું કે અમારા બળ અને બુદ્ધિ આગળ હવે તેની તાકાત નકામી છે. આ જ્ઞાન સાથે તેને વૈરાગ્ય આવ્યો અને તે સામનો છોડી ઢીલોઢફ થઈ ગયો. અમે તેને કોથળામાં સેરવી દીધો અને કોથળાનું મોં બાધી, એક ભીલને માથે મુકાવી મેં પાદરી સાહેબની રજા લીધી. પાદરી સાહેબને હિંદુસ્તાન અને હિંદુસ્તાનના લોકો વિષે જુદા દૃષ્ટિકોણથી વિચાર કરવાની તક આપીને હું રવાના થયો.
અજગરનો કોથળો મેં મારા ઘોડા ઉપર લાદ્યો અને હું ઘોડાને દોરીને પગપાળો ચાલતો થયો. ઘોડાને શું ખબર કે તેણે આજે કેવા પ્રકારનો બોજો ઉપાડ્યો છે! અજગરે પણ ઘોડાને જાહેર નહોતું કર્યું કે તે આજે ઘોડેસ્વારીની મજા માણે છે. હમણાં જ ખાધેલી હારથી હતબુદ્ધિ બની કોથળારૂપી બ્રહ્માંડમાં અંધારરૂપી માયામાં અટવાઈ ગયેલો અજગર ‘સ્થિતપ્રજ્ઞ’ કાચબાની જેમ સંકોચ પામીને પડી રહ્યો.
પાદરી સાહેબના બંગલાથી મારો બંગલો કંઈ દૂર ન હતો, પરંતુ માર્ગ ઊંચોનીચો ચડાણ-ઉતરાણવાળો હતો. હું એક હાથે ઘોડાની લગામ ૫કડી બીજો હાથ કોથળા ઉપર રાખી ઘોડાને દોરતો જતો હતો. પરંતુ માણસની જિંદગીનો માર્ગ જેમ ચડે-ઉતરે છે તેમ મારો આ માર્ગ પણ ચડ-ઉતર થતો હતો. એક સીધા ઉતરાણ ઉપરથી ઉતરવા જતાં ઘોડો નીચે નમ્યો. હું મને પોતાને સંભાળવા ગયો, ત્યાં ઘોડા ઉપર લાદેલો સજીવ બોજો નીચે સરકી પડવા લાગ્યો. હું ગભરાઈને કોથળો સરખો કરવા ગયો ત્યાં કોણ જાણે કેમ એ દુષ્ટ અજગરને તોફાન કરવું સૂઝ્યું કે તે કોથળામાંથી છૂટવા માટે તરફડવા લાગ્યો. અત્યાર સુધી ઘોડાને ખ્યાલ ન હતેા કે તેણે સજીવ બોજો ઉપાડ્યો છે. હવે તેને ખ્યાલ આવ્યો કે તેના વાંસા ઉપર કોઈ જીવતું પ્રાણી છે. તેણે ચમકીને કૂદકો માર્યો તેવો જ કોથળો જમીન ઉપર પટકાઈ પડ્યો. ઘોડાને કોઈ આવા સવારનો અનુભવ ન હતો એટલે આદમ અને ઈવે માત્ર કૂતુહલવૃત્તિને વશ થઈને જે આફત વહોરી લીધી હતી તે આ ઘોડાએ પણ વહોરી લીધી, કારણ કે કોઈ પાદરીએ આ ઘોડાને આદમ તથા ઇવની કથા સંભળાવી ન હતી. તેણે ફરીને કોથળો સૂંઘી જોયો. થઈ ચૂક્યું. આ પહાડી ટટ્ટુ અજગરની ગંધ પારખી ગયો. તે ચમક્યો, ભડક્યો અને ભાગ્યો. મને બીક લાગી કે રખે ઘોડો જંગલમાં ભાગી જશે તો રાત્રે વાઘ કે દીપડો તેને મારી નાખશે. અજગર કરતાં ઘોડો વધારે કિંમતી હતો, એટલે હું અજગરનો કોથળો પડતો મૂકીને ઘોડાની વાંસે દોડ્યો. માણસ અને ઘોડા વચ્ચે દોડવાની શરત શરૂ થઈ અને એ શરતમાં ઘોડાને હરાવી દેવાની મને બહુ આશા ન હતી, પરંતુ ઘોડાએ જ મને પરાજયની નાલેશીમાંથી બચાવી લીધો, કારણ કે જ્યારે તેને ખબર પડી કે તેની પાછળ જે દોડી આવે છે તે અજગર નથી પણ માણસ છે ત્યારે તે ઊભો રહી ગયો. મેં તેને બુચકારી, પંપાળીને ઠંડો પાડ્યો. ભરજુવાનીમાં આ ઘોડો અજગર પ્રત્યે અને મારા પ્રત્યે પણ વિરક્ત બનીને ભગવાન બુદ્ધની જેમ મહાભિનિષ્ક્રમણ કરવા તૈયાર થયો હતો તે હવે મારા માયાળુ હાથના સ્પર્શ અને મારા હાવભાવથી હારી ગયો અને હઠ છોડીને મારી સાથે પાછો ફર્યો. અજગરને હવે જ્ઞાન થયું હતું કે છૂટવા માટે ફાંફાં મારવાથી ગુરુત્વાકર્ષણનું બળ વધી જાય છે અને એ બળના પરિણામે આવી બંધનાવસ્થામાં પૃથ્વી ઉપર પટકાઈ પડવામાં મજા નથી. એટલે તે ૫ણ આટલો પદાર્થપાઠ શીખીને ડાહ્યો થઈ ગયો અને મેં તેનો કોથળો ઉપાડીને પાછા ઘોડા ઉપર નાખ્યો. ઘોડાએ પણ પહેલાં તો અનિચ્છા બતાવી પરંતુ છેવટે વિરક્ત ભાવે એ બંધન સ્વીકારી લીધું. આમ અમારી સવારી આગળ ચાલી અને હવે રસ્તામાં અમારા સરઘસને કંઈ હોનારત ન નડે તે માટે મેં ખૂબ સાવચેતી રાખી.
જ્યારે અમારું સરઘસ બંગલે પહોંચ્યું ત્યારે અંધારું થઈ ગયું હતું, હું પણ આજના પરિશ્રમ અને દોડધામથી થાકી ગયો હતો એટલે અજગરનો કોથળો મેં બંગલાની ચાલીમાં જ મૂકી દીધો અને વાળુ કરીને સૂઈ ગયો.
મેં ખૂબ સારી ઊંઘ ખેચી અને સ્વપ્નસૃષ્ટિમાં પણ ખૂબ ભમ્યો. અજગરથી ખદબદતી એક ગૂફામાં જઈને મેં કોથળા ભરી ભરીને અજગર પકડ્યા. સ્વપ્નમાં મેં અજગરને કોઈ સ્ત્રી ઉપર હુમલો કરતો જોયો. પેલી સ્ત્રીએ ચીસ પાડી. એ ચીસથી હું ચમકી ગયો. મને લાગ્યું કે મેં ખરેખર ચીસ સાંભળી છે. પથારીમાંથી સફાળો બેઠો થઈ ગયો અને મારે કાને કોલાહલ થતો સંભળાયો.
દુનિયામાં થતા અનર્થનાં કારણોનું પૃથક્કરણ કરવામાં આવે તો માણસની કૂતુહલવૃત્તિ સૌથી વધારે દોષિત ઠરે. વહેલી સવારે મારો ભીલ નોકર આવ્યો. તેણે સાફસૂફી કરતાં ચાલીમાં કોથળો જોયો. કૂતુહલવૃત્તિના શિકાર બની દુનિયા માટે આફતનો વારસો મૂકી જનાર આદમ અને ઈવના આ વંશજે એવી જ દુષ્ટ કૂતુહલવૃત્તિને તાબે થઈ કોથળામાં શું છે તે જોવા જિજ્ઞાસા કરી. તેણે કોથળો છોડી નાખ્યો અને બદલામાં બાઈબલની પેલી કથાના શાપને પણ ભુલાવી દે તેવો અજગર ફૂંફાળો મારીને બહાર નીકળી આવ્યો. પેલો ભીલ ચીસો નાખતો ભાગ્યો અને તેની ચીસોએ મને સ્વપ્નસૃષ્ટિના અજગરોની ગૂફામાંથી અને અજગરના ભરેલા કોથળાઓ વચ્ચેથી બહાર કાઢી વાસ્તવતાની સૃષ્ટિમાં અજગર વિનાના ખાલી કોથળા પાસે લાવી મૂક્યો. શું બન્યું છે તે સમજતાં મને વાર ન લાગી. ભીલ છેટે ઊભો ઊભો ધ્રૂજતો હતો અજગર નાસી ગયો હતો, મારી બધી મહેનત પાણીમાં ગઈ હતી. મારે તો હવે તત્વજ્ઞાનની જ દૃષ્ટિ કેળવવાની હતી. જગત મિથ્યા છે, માયા છે, ભ્રમણા છે. તેમાં વાસ્તવતા જ ક્યાં છે? મેં મારા મનને આમ દિલાસો દીધો અને અજગરને ભૂલી જવા પ્રયાસ કર્યો. પરંતુ મારા નસીબમાં અજગરને અને અજગરના નસીબમાં મને ભૂલવાનું ન હતું.
(ભાવનગરનું ‘કહાની’ સામાયિક, અંક જૂન ૧૯૪૮)
ક્રમશ: –
બીજો હપ્તો ૩૧-૧૨-૨૦૨૩ના રોજ
