-
મારી કળાકાર બનવાની સફર અને સ્થાપત્ય શૈલીઓનાં કેટલાક રેખાંકનો (૧)
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
My Path To Becoming An Artist Part 1 08012024
ક્રમશઃ
સ્થાપત્ય શૈલીઓનાં કેટલાક રેખાંકનોનો બીજો ભાગ હવે પછીના મણકામાં
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ચૂંટણી વરસે એક પ્રગટ મંથન: ધર્મ વિ. રિલિજિયન
તવારીખની તેજછાયા

૧૯૪૦માં કોલકાતામાં શાંતિનિકેતનની મુલાકાત દરમ્યાન વાતચીત કરતા મહાત્મા ગાંધી અને પંડિત ક્ષિતિમોહન સેન પ્રકાશ ન. શાહ
સં કેલાતા વરસમાં યાદગાર શું વાંચ્યું, એવી એક મોજણીમાં હમણાં નિવૃત્ત રાજનયિક (ડિપ્લોમેટ) વિવેક કાત્જુના પ્રતિભાવમાં મને રસ પડ્યો. એમણે કહ્યું કે નવું તો ઠીક પણ એક પુસ્તકનું પુનર્વાચન કર્યું એ મારે તમને ખાસ કહેવું જોઈએ. જે દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એની વચ્ચે નોળિયાને જેમ નોળવેલ તેમ મેં ક્ષિતિમોહન સેન કૃત ‘હિંદુઈઝમ’ ફરીને વાંચવા લીધી. દાયકાઓ પૂર્વે મારા પિતામેહ (સ્વતંત્ર ભારતના ત્રીજા ગૃહપ્રધાન ડો. કૈલાસનાથ કાત્જુએ) મને કોઈક પ્રસંગે તે ભેટ આપી હતી.
વિવેક કાત્જુનો આ ઉલ્લેખ વાંચ્યો ત્યારે હું છ દાયકા પાછળ ચાલી ગયો, જ્યારે આ પુસ્તકનો મનેય કંઈક સાક્ષાત્કારક પરિચય થયો હતો. ઉમાશંકર જોશીએ જેમને ક્યારેક ‘વડલા જેવા સારસ્વત’ તરીકે ઓળખાવેલા એ ર. છો. પરીખની અધ્યક્ષતામાં વિલે પાર્લે (મુંબઈ)માં મળેલી સાહિત્ય પરિષદમાં એક અદના પ્રતિનિધિ તરીકે સામેલ થયો ત્યારે અધિવેશન પછીના રોકાણ દરમ્યાન તારાપોરવાલા બુક કંપનીની મુલાકાતે જવાનું થયું હતું.
અધધ…આટલાં બધાં પુસ્તકો ને આટલી મોટ્ટી દુકાન, એ પહેલો સાક્ષાત્કાર. (પછી તો મુંબઈમાં જ ‘સ્ટ્રેન્ડ’થી માંડી પણે ન્યૂ યોર્કમાં ‘બાર્ન્સ એન્ડ નોબલ’ સરખી પાંચમજલી મુલાકાત લેવાનુંયે બન્યું છે.) ત્યાં મેં રૂપકડું પેંગ્વિન/પેલિકન પ્રકાશન, ક્ષિતિમોહન સેનનું ‘હિંદુઈઝમ’ જોયું અને ખરીદ્યું.
કંઈક હિંદુત્વ વર્તુળોનો નિકટ પરિચય, કંઈક ગાંધી-નેહરુ-પટેલ સરજી એકંદરમતીનું સહજ ખેંચાણ, કંઈક રામકૃષ્ણ પરમહંસ ને વિવેકાનંદના સાહિત્યનો- એમના વ્યાપક અભિગમનો સંપર્ક, એ દિવસોમાં સમજમથામણમાં રાધાકિષ્ણનનું ‘હિંદુ વ્યૂ ઓફ લાઈફ’ ઉપયોગી જણાયું હતું, અને હવે હાથમાં આવ્યું ક્ષિતિબાબુનું પુસ્તક.
મને લાગે છે, વાચકને મારે ક્ષિતિબાબુ વિશે બે શબ્દો કહેવા જોઈએ. શાંતિનિકેતનમાં એ રવીન્દ્રનાથના નિકટ સહયોગી હતા. પોતે સંસ્કૃતિના પ્રખર પંડિત, પણ તે ઉપરાંત હિંદી, રાજસ્થાની, અરબી, ફારસી, ગુજરાતી- હા, ગુજરાતીમાંયે સહજ ગતિ. રાધાક્રિષ્ણને મુખ્યત્વે સંસ્કૃત પરંપરામાં અકુતો ભય વિહાર કર્યો હશે, પણ ક્ષિતિબાબુને કબીર સહિતની ધારાનો, લોકપરંપરાનો એવો ઊંડો પરિચય કે એક અર્થમાં રાધાક્રિષ્ણનની સ્કોલરશિપનેય લાંઘી જઈ શકે. હિંદુ-મુસલમાન યુક્ત સાધનામાં એમનો પ્રવેશ, સૂફી સંસ્પર્શ, ધર્મને સંવારતાં સંગીત ને સાંસ્કૃતિક બળોની કદરબૂજ, એક અર્થમાં નિરીશ્વરવાદી એવાં જૈન ને બૌદ્ધ દર્શનોમાં હિંદુ પરંપરામાં વિકલ્પ વૈવિધ્યનું સાતત્ય જોતી દૃષ્ટિ અને લોકાયત સરખા ભૌતિકવાદી દર્શનનોયે પરિચય. ઋગ્વેદના નાસદીય સૂક્તમાંથી એ એક અદભુત ઉદગાર લઈ આવ્યા- બધા દેવતાઓય પાછળથી આવ્યા, બ્રહ્માંડના સર્જન સાથે…
આખાં ૧૩૮ પાનાં માત્ર, અને આખી અપરૂપ સૃષ્ટિ જાણે હસ્તામલકવત્. ગમે તેમ પણ, રાધાક્રિષ્ણન અને ક્ષિતિમોહન સેનના સેવને સમજાયું તે એ કે કોઈ ધર્મગ્રંથમાં બંધાયેલ હિંદુ ધર્મ નથી. કોઈ એક ઉદગાતા, એક ગ્રંથ, એક પંથ એવી જડબેસલાક એની તાસીર નથી. એમાં ખાસું ખુલ્લાપણું છે. ગીતાંજલિકાર કહી શકે કે હું મારા માલિકને ચાહું છું, કેમ કે એણે મને નકારવાનો અધિકાર આપ્યો છે. ખુલ્લાપણાના સ્પર્શે મને જે સમજાઈ રહ્યું તે એ કે આ ધર્મને ધોરણે કોઈ બદ્ધ રાજકીય વિચારધારા હોઈ શકે નહીં. (એક સન્માન્ય વડીલ લક્ષ્મણરાવ ઈનામદારને (વકીલ સાહેબને), મુખે ‘હિંદુ વ્યૂ ઓફ લાઈફ’ વિશે સાંભળવા મળેલી ફરિયાદ એ હતી કે એમાં બધું જ છે, સિવાય કે હિંદુ રાષ્ટ્ર!)
વિવેક કાત્જુએ મને અંતે આગળ લઈ જઈ શકતી પાછળ નજરના દિવસો સંભારી આપ્યા તે સાથે અંબોળું કે ભારતીય પરંપરાની ધર્મ એ સંજ્ઞા એના જાડા અંગ્રેજી અનુવાદમાં ‘રિલિજિયન’ તરીકે સમજાય છે એ દુરસ્ત નથી ધર્મ કોઈ એડલ્ટ કિતાબનો મોહતાજ નથી. આપણા સમયમાં ગાંધી-વિવેકાનંદ સરખાનાં જીવનકાર્યમાં, એમના ક્ષર અને અક્ષર દેહમાં, ધર્મનો ગૂઢ એટલો જ ગાઢ ને વળી વ્યાપક અર્થ ચરિતાર્થ થતો માલૂમ પડે છે. ચતુર્વેદી બદરીનાથ, આમ તો, એમના મહાભારત પરના કામ વાસ્તે સુપ્રતિષ્ઠ છે. બે’ક દાયકા પર એમને એ માટે સાહિત્ય અકાદેમી એવોર્ડ પણ મળ્યો હતો. પણ મને સવિશેષ રસ આ સંદર્ભમાં એમની ધર્મ-પર્યેષણામાં પડ્યો છે. ‘ધર્મ, ઈન્ડિયા એન્ડ ધ વર્લ્ડ ઓર્ડર’ (૧૯૯૩) અને મરણોત્તર પ્રકાશન ‘ધર્મ: હિંદુઈઝમ એન્ડ રિલિજિયન્સ ઈન ઈન્ડિયા’ (૨૦૧૯) વાંચીએ ત્યારે સમજાય છે કે રાષ્ટ્રની ‘ચિતિ’ રૂપે જે ધર્મનો મહિમા છે તે હિંદુ ધર્મ નથી, ‘ધર્મ’ છે.
હવે તરતમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ખુલ્લું મૂકવામાં છે તે અવસરે લાલકૃષ્ણ અડવાણીને મોળા આમંત્રણનું આયોજકોનું વલણ ચર્ચામાં છે. આંદોલના સ્થપતિ બાબતે આવું વલણ ખૂંચે પણ ખરું. પરંતુ, આંદોલન દરમ્યાન અડવાણીએ ‘ધર્મ’ના સાંકડા અર્થની જે રાજનીતિ કરી તેના લાભાર્થીઓ આજે સત્તારૂઢ છે ત્યારે એમણે અને લાભાર્થીઓએ ‘જે જીત્યું તે સિકંદર’ના ઠાઠમાંથી લગીર જાતમાં ઝાંખીને વિચારવા જેવું ચોક્કસ છે કે આપણે રિલિજિયનને વળગીને સત્તાએ પહોંચ્યા, પણ જે છૂટી ગયો તે તો ધર્મ છે. જસ્ટિસ વર્માએ હિંદુત્વને ‘અ વે ઓફ લાઈફ’ તરીકે પોતાના ચુકાદામાં ઘટાવ્યું એમાં જે વિચારગોથું હતું તે માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે એમને કંઈક પકડાયું હશે તે ૨૦૦૨ અંગેના એમના અભિગમથી સમજાય છે. ચતુર્વેદી બદરીનાથે છેડેલો એક વિચારોત્તેજક મુદ્દો જેમ ધાર્મિક (રિલિજિયસ) કટ્ટરવાદ તેમ સેક્યુલર કટ્ટરવાદનો પણ છે. (અલબત્ત, સેક્યુલર અભિગમ દેશની જે બિનકોમી વ્યાખ્યા પર ભાર મૂકે છે. તેની સાથે તેઓ સંમત છે.) રિલિજિયસ પેચપવિત્રા છાંડી ‘ધર્મ’ને ધોરણે વાત કરી શકે! દરમ્યાન, આભાર, વિવેક કાત્જુ, પ્રગટ મંથનની આ તક માટે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૩ – ૧ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
સરદારની
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
અચાનક જ સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં જાતજાતની અફવાઓ આગની જેમ ફેલાવા માંડી હતી. કોઈ કહેતું હતું કે, શહેરની બહાર રાજપૂત રેજિમેન્ટની ટુકડી આવી પહોંચી છે. આ વખતના રામનવમીના સરઘસમાં દર્શન માટેની ગાડીઓમાં બરછી, ભાલા અને તલવારો ભરેલી રહેશે. હિંદુઓના મહોલ્લામાં મોરચાબંધી કરવામાં આવશે. દર પાંચ ઘરની વચ્ચે એક એક બંદૂકની વ્યવસ્થા હશે.
હિંદુઓના મહોલ્લામાં એવી હવા હતી કે જામા મસ્જિદમાં લાઠીઓના ઢગલા ખડકાવા માંડ્યા છે. નક્કી કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે.
જોતજોતામાં શહેરમાં ભયનું વાતાવરણ સર્જાયું. હિંદુ, શીખ કે મુસલમાન સૌએ એક બીજાના મહોલ્લામાં જવાનું બંધ કર્યું. લારીવાળા કે છાબડીવાળા નીકળે તો એ પણ સાંજ પહેલા ઘર ભેગા થઈ જતા. સાંજ ઢળતાં તો ગલીઓ સૂમસામ થઈ જતી.
ભાગ્યે બે-ચાર લોકો એકઠા થતા જોવા મળતા. તણાવ તો એટલો વધી ગયો કે કોઈ ટાંગાવાળો કે છકડો ઝડપથી પસાર થાય તો પણ દુકાનદાર પોતાની દુકાનો લગભગ બંધ જેવી કરી દેતા.
એવો સમય હતો કે કોઈના ઘરના ચૂલાની ચિનગારી ઊડે તો આખું શહેર ભડકે બળ્યા જેવું લાગતું. ઘરમાં કે બહાર, ક્યાંય શાંતિ નહોતી. અફવા માત્રથી શહેર તંગ થવા માંડ્યું હતું.
આવા તણાવને લીધે સમય પહેલાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી. વિદ્યાર્થીઓને બપોર પહેલાં જ પાછા મોકલી દેવામાં આવ્યા. માસ્તર કરમદીને પણ ઘર તરફ પ્રયાણ કર્યું.
અમથા પણ કરમદી માસ્તર તો સાવ ભીરુ. એમને તો ન કોઈથી દોસ્તી, ના કોઈથી દુશ્મની. માત્ર પુસ્તકો વાંચવા અને ફિલોસૉફી વધારવામાં રસ. કરમદીન આવા જ સરળ હતા. નહોતી એમને પત્ની કે નહોતો પરિવાર, છતાં એ જીવ તો હતો ને જેને કપાઈને મરવાનો ડર હતો.
હાથમાં છત્રી ઉંચકીને ચાલ્યા જતા કરમદીન જરા અવાજ થાય તો પાછળથી કોઈ છરો ભોંકી દેશે એવા ભયથી કાંપી ઊઠતા. આટલા ભયનું કારણ એ હતું કે હિંદુ-શીખોની ગલીમાં એ એકલા જ મુસલમાન હતા.
વર્ષોથી પડોશીઓ સાથે માત્ર દુઆ-સલામનો સંબંધ હતો. એકલો જીવ પરિવારવાળા સાથે આવનજાવન કે ઊઠકબેઠકનો સંબંધ ક્યાંથી હોય? કદાચ કોઈ પાછળથી છૂરો ભોંકી દે તો માસ્તરનું શું થયું એ પૂછવાવાળું કોઈ નહોતું.
ઘર સુધી પહોંચ્યા ત્યાં બાજુવાળી સરદારની તરફ નજર પડી. સમજણ ના પડી કે રોજની જેમ આદાબ કરવી કે નહીં. એક તો એ એકલી અને હાલનો માહોલ, કદાચ કોઈ ખોટો અર્થ સમજે તો? માસ્તરજી આદાબ કરવાનો વિચાર માંડી વાળીને ઘરના બારણાનું તાળુ ખોલવા માંડ્યા. ત્યાં પાછળથી અવાજ આવ્યો,
“સલામ માસ્તર.”
સરદારનીનો અવાજ સાંભળીને માસ્તરના મનનો તણાવ ઓછો થયો.
સરદારની હતી એકદમ હસમુખી. અભણ, વાતોડિયણ અને મ્હોંફાટ. ઊંચી પહોળી સરદારનીને કોણ જુવે છે કે કોણ એને સાંભળે છે એની ક્યારેય પરવા નહોતી. માસ્તરજી એને પસંદ કરતા, છતાં સંકોચના લીધે દૂર જ રહેતા.
પણ અત્યારે એનો અવાજ સાંભળીને માસ્તરજીને સારું લાગ્યું. એમને થયું કે જો આ ઔરત આટલી નિશ્ચિંત છે તો એનો અર્થ શહેરમાં માત્ર મનઘડત અફવાઓ જ હશે. કોઈ તણાવ નહીં હોય. વળી પાછો વિચાર આવ્યો કે આ મહોલ્લો તો હિંદુ અને શીખોનો છે એને શું ડર?
“માસ્તર, વાત સાચી છે કે શહેરમાં ધમાલ છે?”
માસ્તર કમલદીન બારણાં પાસે જ ખોડાઈ ગયા.
“ હા, ધમાલ તો છે જ. સાંભળ્યું છે કે તળાવ પાસે કોઈની લાશ મળી છે.” સાંભળીને સરદારની ખડખડ હસી.
“એટલે આમ ડરીને ઘરમાં ઘુસી રહ્યા હતા? ફિકર ના કરતા માસ્તર, અમે છીએ ત્યાં સુધી કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે. સારું કર્યું લગન નથી કર્યા. એકલા છો તોય આટલું ગભરાવ છો તો બીબી-બચ્ચાં હોત તો તારું હાર્ટ ફેઇલ થઈ જાત.”
માસ્તરનો જીવ જતો હતો અને સરદારનીને મઝા પડતી હતી. જો કે માસ્તરને સારું તો લાગ્યું. આખો દિવસ જે વાતો સાંભળી હતી એના કરતા આ જુદી વાત કરતી હતી. એના અવાજમાં ડર નહોતો. પ્રસન્નતા હતી. એના અવાજમાં દિલને સ્પર્શી જાય એવી આત્મીયતા હતી જેની કોઈ પરિભાષા નહોતી. માસ્તરને લાગ્યું કે, જાણે હવે આ ઔરત છે તો એમને કોઈ વાતનો ભય નથી.
“હું વિચારું છું કે, આ મહોલ્લામાંથી મુસલમાનોના મહોલ્લામાં ચાલ્યો જાઉં.”
“આજે બોલ્યા એ બોલ્યા. ફરી આવી વાત ના કરતા.”
એના અવાજમાં આત્મીયતા હતી! એના ઠપકામાં ય સ્વજન જેવી લાગણી હતી. માસ્તરને સારું લાગ્યું.
“ટંટા-ફસાદ શરૂ થશે પછી તો ક્યાંય નહીં જઈ શકું. અત્યારે જ નીકળી જઉં એ ઠીક રહેશે.”
“આરામથી બેસી રહો. કશું થવાનું નથી. જો થશે તો સરદારજીને કહીશ કે તમને મુસલમાનોના મોહલ્લામાં મૂકી આવે. બસ?”
માસ્તરના મનનો ડર થોડીક વાર માટે તો ચાલ્યો ગયો. ઘરમાં પ્રવેશતા જ મનમાં પાછી ગડમથલ શરૂ થઈ ગઈ.
“એ તો બોલે પણ એનો ઘરવાળો મને મારી નાખે તો કોઈ શું કરવાનું છે? વાતો તો મીઠ્ઠું હસી હસીને કરે છે પણ આ સરદારજીઓનો શો ભરોસો? જીવતા માણસોને સળગતી આગમાં ફેંકી શકે એવા છે. અરે, પડોશમાં કેટલાય લોકો એવા છે જે મારું ગળું કાપતા અચકાય નહીં. અત્યારે નીકળી ગયો તો કદાચે બચી જઈશ. અહીં પડ્યો રહીશ તો મારી લાશનો પત્તો પણ નહીં લાગે.”
આખી રાત પથારીમાં પાસા બદલવામાં ગઈ. રાતની શાંતિમાં દૂરથી તોફાનોનો અવાજ સંભળાતો હતો.
એક બાજુથી ‘હર હર મહાદેવ’ અને બીજી બાજુથી ‘અલ્લાહ ઓ અકબર’ના અવાજની સાથે ભાગદોડના અવાજ ભળી જતા હતા. હવે તો નીકળીને ક્યાંય જવું એટલે સીધા મોતના મ્હોમાં જ. એવું લાગતું હતું કે જાણે બજારમાં લાગેલી આગ એમના રૂમ સુધી પહોંચી છે. દરેક અવાજ એમના ઘર તરફ આવતો હોય એવું લાગતું. આખી રાત માનસિક ત્રાસ અને ધૃણામાં પસાર થઈ. સતત એવી ભ્રમણા થતી કે કોઈ કુલાડીથી બારણાં પર ઘા કરીને બારણું તોડીને એમનું કામ તમામ કરી દેશે.
“અરેરે, પેલી પંજાબણની વાતોમાં આવીને ખોટો રોકાઈ ગયો. કાલે નીકળી ગયો હોત તો બચી જાત.” અંતે અંધારી રાતનું હાંફવાનું બંધ થયું અને બારીમાંથી પ્રભાતનો હળવો ઉજાસ રેલાયો. આખી રાત જાગેલા માસ્તને ઝોકું આવ્યું અને એ પથારીમાં ઢળી પડ્યા. ઊંઘમાં એવો ભાસ થયો કે જાણ મોહલ્લાના લોકો ઘરની પાસે આવીને બોલી રહ્યા છે કે” અહીં એક મુસલો રહે છે.” અને આવીને બારણાં તોડવા માંડે છે.
માસ્તર ગભરાઈને જાગી ગયા. સાચે જ કોઈ બારણાં ઠોકતું હતું. કદાચ દૂધવાળો હશે? પણ એ તો બારણું નહીં, સાંકળ ખખડાવે છે.
“માસ્તર ઓ માસ્તર, બારણું ખોલ.” સરદારનીનો અવાજ હતો. પણ રાત દરમ્યાન માસ્તરે એટલી માનસિક યાતના ભોગવી હતી કે એનું મન જડ થઈ ગયું હતું. સમજાયું નહીં કે દોસ્તનો અવાજ છે કે દુશ્મનનો.
“ખોલ બારણું અને બહાર નીકળ.”
માસ્તરે અલ્લાહનું નામ દઈને બારણું ખોલ્યું. સામે સરદારની ઊભી હતી. એના હાથમાં લાંબી ચમકતી કટાર હતી. પરસેવે નીતરતા માસ્તરનો ચહેરો પીળો પડી ગયો.
“શું થયું બહેન?”
“બહાર આવ.”
માસ્તરને વિશ્વાસ નહોતો આવતો કે કાલે સાંજે હસી હસીને વાત કરતી હતી, એમને આરામથી રહેવાનું આશ્વાસન આપતી હતી આ એ જ ઔરત છે ? માસ્તર બહાર આવી ગયા.
“ચલો મારી સાથે.” હુકમ કરતી હોય એમ બોલી.
આગળ ઊંચી પહોળી ત્રીસ પાંત્રીસ વર્ષની સરદારની અને પાછળ જાણે શૂળી પર ચઢવા જતા હોય એમ ઉઘાડા પગે માસ્તર ચાલ્યા. ગલીના નાકે પહોંચ્યા ત્યાં જોયું તો હાથમાં બરછી અને લાઠી લઈને કેટલાક લોકો ઊભા હતા.
“બસ, હવે મારો સમય પૂરો.” માસ્તર મનમાં બબડ્યા. “મને રક્ષણ આપવાની વાત કરીને એ દગો કરી ગઈ. માસ્તરના શરીરનું લોહી થીજી ગયું. પગ પાણી પાણી થવા માંડ્યા.
માસ્તરને જોઈને ટોળું એમના શિકાર તરફ આગળ વધ્યું. બસ હવે તો મોત બે ડગલાં જ દૂર હતું ને સરદારની ટોળા અને માસ્તરની વચ્ચે આવીને પોતાની કટાર કાઢીને ઊભી રહી ગઈ.
“આ ગુરુ ગોવિંદસિંહની તલવાર છે. જેને જીવ વહાલો હોય એ મારી સામેથી ખસી જાય.” સરદારનીના અવાજમાં પડકાર હતો. ટોળું અને માસ્તર બંને સ્તબ્ધ. માસ્તર માટે તો આ નિર્ણાયક ક્ષણ હતી. એમને થયું કે આ જીવનનું સત્ય છે એક સપનું?
“આ મુસલો તારો શું સગો થાય છે? એને ક્યાં લઈ ચાલી?” ટોળાએ ગર્જના કરી.
આંખ ઝપકાવીને માસ્તરે જોયું તો જાણે ટોળાની દિવાલ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. અને સરદારની એની ખુલ્લી કટાર લઈને આગળ વધી રહી હતી. માસ્તરે તો માત્ર ચૂપચાપ એની પાછળ ચાલવાનું જ હતું. માસ્તરનું શંકાથી ઘેરાયેલું મન અને ધડકતું દિલ સમજી શકતું નહોતું કે એ કઈ ગલીમાંથી કયા રસ્તે આગળ વધી રહ્યાં છે. પ્રભાતનો ઉજાસ પહોંચ્યો ન હોય એવી એ ગલી લાંબી લાગતી હતી. હજુય એમના મનનો સંશય ઓછો નહોતો થતો, પણ વિચાર્યું કે અંધારી ગલીમાં જ આ ઔરત મારા શરીરમાં એની કટાર ઉતારી દેશે તો પણ એને હું ઉપકાર માનીને સ્વીકારી લઈશ.
મુસલમાનોના મહોલ્લા સુધી પહોંચતા કેટલીય ગલીઓ વટાવી. ત્રણ જગ્યાએ બરછી-ભાલા લઈને ઊભેલા ટોળાનો સરદારનીને સામનો કરવો પડ્યો. કોઈ ઘરમાંથી એના પર પત્થર પણ ફેંકાયા. ક્યાંકથી મા-બહેનની ગાળો અને ભયાનક ધમકીઓ પણ કાને અથડાઈ, પણ નિર્ભયતાથી સરદારની ચાલી જતી હતી.
માસ્તરને લાગ્યું કે, નિઃસહાય લોકોની રક્ષા કરતી દેવીઓ અને હાથમાં કટાર લઈને ચાલી જતી આ સરદારની જુદા નહીં જ હોય.
મુસલમાનોના મહોલ્લા સુધી માસ્તરને લઈને પહોંચેલી સરદારનીનો ચહેરો ખુશીથી ચમકતો હતો.
“જાવ માસ્તર, હવે તમે સલામત છો.” અને વળતાં પગલે એ પાછી પોતાના મહોલ્લા તરફ વળી ગઈ.
ટંટા-ફસાદની આગ ઘણા દિવસો સુધી આસમાન સુધી ફેલાતી રહી. એ અગનજ્વાળામાં વર્ષોથી વસેલું નગર સ્મશાન જેવું બની ગયું. અગણિત દુકાનો લૂંટાઈ. બજાર સળગી ગયું. કેટલાય લોકો માર્યા ગયા.
લાંબા સમયે સૌને હોશ આવ્યા. ઝનૂન ઉતર્યું. હજુ સુધી લોકોને સમજાયું નહીં કે, આ કેમ, કેવી રીતે થયું અને કોણે કરાવ્યું. પણ હા, દરેક દંગા પછી બિલાડીના ટોપની જેમ દેખા દેતા નેતાઓ ફૂટી નીકળ્યા. પત્રકારો, ફોટોગ્રાફરો પહોંચી ગયા. ત્યારેય માનવતાની દેવી સરદારની માસ્તરને યાદ આવતી રહી. બધું થાળે પડતા પોતાના શાંતિપ્રિય સાથીઓને લઈને માસ્તર પોતાના મહોલ્લામાં ગયા. ગલીની નાકે પહોંચીને પહોંચીને જોયું તો સરદારની બહાર બેઠી ચૂલો સળગાવતી હતી. દૂરથી આવતાં ટોળાની પાછળ કરમદીન માસ્તર દેખાયા નહીં પણ ટોળાંને જોઈને સરદારની પોતાના ઘરની અંદર જવા માંડી. બારણાની આડશે ઊભી રહીને બોલી,
“જેને પોતાનો જીવ વહાલો છે એ ત્યાં જ અટકી જજો. આ ગુરુ મહારાજની તલવાર છે. કોઈ અત્યાચારી એનાથી નહીં બચે.”
પણ પેલું ટોળું એના ઘરની પાસે આવીને જ અટક્યું. એમને તો સરદારનીના ઉદાર હૃદયના કામની પ્રસંશા કરવી હતી.
“સરદારજી ઘરમાં નથી. જેને વાત કરવી હોય એ સાંજે આવીને મળે.” સાદી, સીધી, સૌમ્ય એવી સરદારનીએ બે હાથ જોડીને કહી દીધું.
સત્ય ઘટનાને આધારિત ભિષ્મ સાહની લિખિત વાર્તા – ‘સરદારની’ – નો ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કેમ્પ
ગિરિમા ઘારેખાન
‘એન્ટોવ’, એન્ટોવ’- અકસાનાની બૂમો કેમ્પમાં ચારે બાજુ ગૂંજતી હતી. ‘આ છોકરો ક્યાં જતો રહ્યો? એક તો ખાવાનું આવ્યું ત્યારે કંઈ ખાધું નહીં અને હવે કહ્યા વિના ક્યાંક જતો રહ્યો છે. મારે આ નવી જગ્યાએ એને શોધવો પણ ક્યાં?’ બોલતી અકસાના ચારે બાજુ બ્હાવરી નજર નાખીને પાછી એમની જગ્યાએ આવી. એની સાસુ સોફિયા પોતાના બ્લાઉઝને સિલાઈ કરી રહી હતી.
‘મા, તમે એન્ટોવને જોયો? રિસાઈને જતો રહ્યો છે.’
સોફિયાએ નકારમાં ડોકું ધૂણાવ્યું. અકસાના ‘આ છોકરાને કેવી રીતે સમજાવું કે હમણાં તો અહીં રહેવું જ પડશે’ બબડતી બબડતી પાછી એના દીકરાને શોધવા ગઈ. સોફિયા એના બ્લાઉઝની સાથે સાથે એમના ઘરથી આ કેમ્પ સુધી પહોંચવા સુધીના સમયના ટુકડાને જીવતર સાથે સાંધતી રહી.
*********** ************ ***********
આમ તો છેલ્લા ઘણા દિવસથી એ લોકો આવા ભયાનક કાનના પડદા ફાડી નાખે એવા વિસ્ફોટોના અવાજથી ટેવાઈ ગયા હતા. પણ એ દિવસનો વિસ્ફોટ તો આકાશને પણ ચીરી નાખે એવો હતો. એમનું ઘર ધરતીકંપ થયો હોય એવી રીતે હાલ્યું અને ટેબલ ઉપર મૂકેલા વાસણો આપઘાત કરતાં હોય એવી રીતે નીચે પડ્યાં. એન્ટોવ દોડીને એની દાદી સોફિયાની અડોઅડ લપાઈને બેસી ગયો. એના ચહેરા ઉપરનો ભય અને શરીરનું કંપન હૃદયના વધી ગયેલા ધબકારાની ચાડી ખાતાં હતાં. દાદીએ પોતાનો કરચલીવાળો ધ્રૂજતો હાથ એની ફરતે વીંટાળીને એને નજીક ખેંચી લીધો. એન્ટોવે દાદીની છાતી ઉપર માથું મૂક્યું અને તરત જ ઊંચું કરી લીધું. ‘બાબુશાકા, તારી છાતીમાં તો ટ્રેઈન ચાલે છે.’
‘બેટા, તારી મા બહાર ગઈ છે એની ફિકર તો થાય ને?’
એની સ્થિર થઇ ગયેલી આંખો દરવાજા ઉપર જ ચોંટી ગઈ હતી.
થોડી વાર પછી મિજાગરામાંથી લટકી રહેલો એ અર્ધખુલ્લો દરવાજો પૂરો ખુલ્યો અને હાથમાં ખાલી થેલી લઈને અકસાના ઘરમાં દાખલ થઇ. એનો ગુલાબી ચહેરો પહાડ ઉપરથી લટકી રહેલી બરફની નાની શીલા થઇ ગયો હતો અને શબ્દો પણ છાતીમાં વાવાઝોડું પેઠું હોય એવા નીકળતા હતા.
‘મા, હવે નહીં ચાલે. આપણે અહીંથી ભાગી જ જવું પડશે. રશિયન સૈનિકો નજીક આવતાં જાય છે.’
એ સાંભળીને એન્ટોવના ચહેરા ઉપર અંકાઈ ગયેલી ભયની રેખાઓમાં વધુ ઘેરો રંગ પૂરાઈ ગયો હતો. એ ઊભા થઈને મમ્મીને વળગી પડતાં બોલ્યો હતો, ‘હા, મોમ. ચાલો જતા રહીએ. મને બહુ ડર લાગે છે. મારા બધા ભાઈબંધો તો ક્યારના જતા રહ્યાં છે.’ પણ ત્યાં જ એની નજર સામે ફોટો ફ્રેમમાં મૂકેલા એના મમ્મી પપ્પાના ફોટા તરફ ગઈ અને પહેલા ઘણી વાર થયું હતું એમ જ એના નિર્ધારે પડખું બદલ્યું હતું, ‘હું અહીંથી ક્યાંય નથી જવાનો. મારા ટાટો [પપ્પા] અહીંથી લડાઈ લડવા ગયા છે અને લડાઈ જીતીને એ આ ઘરમાં જ પાછા આવશે. એમણે મને પ્રોમિસ કર્યું હતું. હું તો અહીં જ એમની રાહ જોઇશ.’
સોફિયાથી અકસાનાની સામે જોઇને એક નિસાસો નંખાઈ ગયો હતો. બંને સ્ત્રીઓ સમજતી હતી કે આવા ભીષણ યુધ્ધમાં ગયેલા સૈનિકના પાછા આવવાનો શું ભરોસો? એન્ટોવનો ટાટો તો તાલીમ પામેલો સૈનિક પણ ન હતો. એ તો લડાઈ બહુ લાંબી ચાલી અને દરેક યુવાને ફરજીયાત યુધ્ધમાં જોડાવું પડ્યું ત્યારે એ ગયો હતો. ક્યાં અને કેવી હાલતમાં હશે એના કોઈ ખબર મળતા ન હતા. થોડી મિનિટો પહેલા ઘરથી એકદમ નજીક થયેલા વિસ્ફોટનો અવાજ આ સ્ત્રીઓના ધબકારામાં ગૂંથાઈને ધમનીઓમાં વહેવા માંડ્યો હતો. સિંહની ગંધથી ભડકેલા હરણોનાં ઝુંડ ભાગે એવી રીતે એમના ઘણા ખરા પડોસીઓ તો ક્યારના ભાગી ગયા હતાં. ખાલીપાના ભારને છાતી ઉપર ઉપાડતાં વાતાવરણનું રૂદન દિવસ રાત આ સાસુ-વહુના હૈયાં સાથે અથડાયા કરતું. ઘરના પુરુષની પાછા આવવાની આશાના પરપોટા વીણતા એ બંનેને પણ એ દિવસે લાગ્યું કે હવે ઘર છોડ્યા વિના નહીં ચાલે.
અકસાનાએ સોફિયાને ઈશારો કર્યો અને એણે મોં ચડાવીને દૂર જઈને બેસી ગયેલા પુત્રની નજીક જઈને એના વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘બેટા આપણે ક્યાં હમેશ માટે જવાનું છે? લડાઈ પૂરી થઇ જાય પછી આ ઘરમાં પાછા. ત્યારે તો તારા ટાટો પણ આવી ગયા હશે.’
‘ના, હું મારું ઘર છોડીને ક્યાંય જવાનો નથી.’ એન્ટોવ એની જીદ ઉપર અડગ હતો.
એ દરમ્યાન અકસાનાએ તો એક બેગમાં એમની રોજિંદી જરુરિયાતની વસ્તુઓ ભરવા માંડી હતી. એન્ટોવ ગભરાઈ ના જાય એટલે એ વખતે એણે જણાવ્યું જ ન હતું કે બહાર એણે એની આંખોની સામે કેટલાંય સળગતાં મકાનોને તૂટેલી ઇંટો અને માટીના ઢગલામાં બદલાતાં જોયાં હતાં. એ ઢગલામાં કેટલા આખા કે અડધા બળેલા શરીરો હતાં એ વિચારવાની એનામાં હિંમત જ ન હતી. અત્યાર સુધી ટી.વી.માં જોયેલાં દ્રશ્યો એણે નરી આંખે જોયાં હતાં અને એ બળતાં મકાનોના ચિત્કાર હજી એના કાનમાં ગૂંજી રહ્યાં હતાં. એ બધું જોઇને જ એણે હવે બીજા લોકોની જેમ જલ્દીમાં જલ્દી નજીકના દેશ પોલેન્ડના કેમ્પમાં પહોંચી જવાનું નક્કી કરી લીધું હતું. ત્યાં હાલત જેવી હોય એવી, પણ સલામતી તો હતી. પોતાના કરતાં પણ વધારે ફિકર એને પોતાના દીકરાની હતી.
સોફિયાએ એન્ટોવને બીજી રીતે સમજાવ્યો, ‘હવે જો રશિયાનો બોમ્બ આપણા ઘર ઉપર પડશે તો આપણે ત્રણે ય –. તો પછી તારા ટાટો આવીને કોને મળવાના?’
એન્ટોવને ગળે કંઇક ઊતર્યું હોય એવું લાગ્યું. જો કે એણે તોબરો તો ચડાવેલો જ રાખ્યો. સોફિયા એમના જે હજી ત્યાં રહેતા હતા એ પાડોસીઓ સાથે વાત કરવા ગઈ.
**************** **************** *********************
એમના ગામથી પોલેન્ડ સુધી પહોંચવાનું બિલકુલ સરળ ન હતું. પડોસીની એક જ મોટી કારમાં એ સાત આઠ જણ મહામુશ્કેલીએ ગોઠવાયાં. એન્ટોવને એની મમ્મીના ખોળામાં બેસવું બિલકુલ ન ગમ્યું. આખા રસ્તે એનો ધીમો ધીમો બડબડાટ ચાલુ રહ્યો. અધૂરામાં પૂરું ગાડીમાં પેટ્રોલ ભરાવવાની સમસ્યા ઊભી થઇ. કારણકે થોડેક આગળ ગયા પછી એમણે જોયું કે પેટ્રોલપંપ કાં તો બંધ થઇ ગયેલાં હતાં કાં તો સળગી ગયેલાં હતાં. કેટલાય ગામ આખા ખંડેરમાં પરિવર્તિત થઇ ગયેલા હતાં. ક્યાંક રડ્યા ખડ્યા પ્રાણીઓ સિવાય ગામના ભેંકાર રસ્તાઓ ઉપર ચેતનનો કોઈ અણસાર મળતો ન હતો. ગમે ત્યારે વિમાનોની ઘરઘરાટી સંભળાતી અને એ લોકોના જીવ તાળવે ચોંટી જતા. બે ત્રણ વાર તો એમણે કાર મૂકીને આજુબાજુ છૂપાઈ જવું પડ્યું. પોલેન્ડની સરહદ થોડેક દૂર હતી ત્યારે તો પેટ્રોલ ખાલી થઇ જવાથી કાર રસ્તામાં મૂકી જ દેવી પડી. બાળકોને થોડું તેડતાં, થોડું ચલાવતા, થોડું ઢસડતા એ લોકો પોલેન્ડ પહોંચ્યા ત્યાં સુધીમાં સાથે લીધેલું બધું જ ખાવાનું ખલાસ થઇ ગયું હતું. ફાટેલાં કપડાંવાળા, તૂટેલા બૂટવાળા, ગંદા શરીરવાળા એ લોકો ખાલી પેટ લઈને એક કેમ્પમાં પહોંચ્યા અને પોતાના અસ્તિત્વને ભૂલીને ત્યાં રહેતા અનેક આશ્રિતોની ભીડમાં ખોવાઈ ગયાં.
**************** ******** *********************
‘મોમ, મારે ઘેર જઉં છે.’
‘આ તો કેટલી ગંદી જગ્યા છે!’
‘અહીં આપે છે એ ખાવાનું મને જરા ય નથી ભાવતું.’
‘મોમ, અહીં તો સૂવા માટે મારો પોતાનો બેડ પણ નથી. જમીન ઉપર સૂવામાં કેટલી બધી ઠંડી લાગે છે!’
‘મને નવા જૂતાં ક્યારે મળશે?’
‘અહીં મારે કોઈ દોસ્ત નથી. કશું કરવાનું નથી. હું શું કરું?’
કેમ્પમાં ચારે બાજુથી બાળકોના આવા ફરિયાદી અવાજો સંભળાયા કરતાં. બીજી બધી મમ્મીઓની જેમ અકસાના ક્યારેક એન્ટોવને સમજાવતી, ક્યારેક ગુસ્સો કરતી, અને ક્યારેક રડી પડતી. પછી સાથે એન્ટોવ પણ રડતો. સોફિયા એને કહેતી, ‘અહીં કાયમ માટે થોડું રહેવાનું છે? હવે થોડાક દિવસ. લડાઈ બંધ થઇ જશે પછી આપણે પાછા આપણે ઘેર પહોંચી જઈશું.’
‘તું તો લડાઈ ચાલુ થઇ ત્યારથી “થોડાક દિવસ, થોડાક દિવસ” કરે છે. લડાઈ તો પૂરી થતી જ નથી.’
‘બે દેશ વચ્ચે એવું કંઇક થાય કે લડાઈ નિયતિ બની જાય ત્યારે એ જલદી પૂરી થઇ જાય. પણ લડાઈ જો કોઈ ખાસ નિયતથી શરૂ કરવામાં આવી હોય ત્યારે એ બહુ લાંબી ચાલે બેટા.’
દાદીનું તત્વજ્ઞાન સમજી ન શકેલો એન્ટોવ ગુસ્સામાં પગ પછાડતો કેમ્પની બહાર નીકળી ગયો. મમ્મી અને દાદીને ખબર હતી કે એ થોડો વખત આમ તેમ ફરીને પાછો આવી જશે એટલે એ લોકો એમના નાના નાના મોરચા સંભાળવામાં પરોવાયા. અત્યારે વધુ એક મોરચે લડવાનું એમને મંજૂર ન હતું. પણ ઘણી વાર સુધી દીકરો પાછો ન આવ્યો એટલે અકસાના એને શોધવા નીકળી.
*********** ************* ***************
એન્ટોવ આજે બહુ જ ગુસ્સામાં હતો. કેમ્પની બહાર નીકળીને એ થોડે દૂર આવેલા એક ટેકરા ઉપર જઈને બેસી ગયો. ત્યાં એના જેવડો જ એક છોકરો અને એનાથી થોડી નાની એક છોકરી બ્રેડ ખાતાં હતાં. ભૂખ્યો થયેલો એન્ટોવ એમની સામે જોઈ રહ્યો. એની આંખની ભાષા વાંચી લીધી હોય એમ પેલી છોકરી એની પાસે આવી અને બ્રેડનો એક ટુકડો એના તરફ લંબાવ્યો. ‘જાખુયો’[આભાર] બોલીને એણે એ ટુકડો લગભગ ઝૂંટવી જ લીધો. છોકરી થોડી વાર એની સામે જોતી ઊભી રહી.
થોડી પળો એમ જ ‘હવે શું?’ના ચક્રવાતમાં આમતેમ ઉડતી રહી. પછી છોકરીએ એની સાથેના છોકરાને બૂમ પાડી, ‘અકીમ!’ પેલો નજીક આવ્યો એટલે એણે એન્ટોવને કહ્યું, ‘બ્રાટ’[ભાઈ]. એમની વચ્ચે ગોકળગાયની ઝડપે આગળ વધતા શબ્દો પગને તો ‘પકડ દાવ’ રમવા સુધી ખેંચી ગયા. ખાસો સમય રમીને એન્ટોવ એની મમ્મી પાસે પાછો આવ્યો ત્યારે કેમ્પમાં આવ્યા પછી પહેલીવાર એના ચહેરા ઉપર ખુશીનું મેઘધનુષ અંકાયેલું હતું.
પછી તો આવી ચડેલા ઉનાળાના દિવસોની જેમ એમનો રમવાનો સમય રોજ રોજ લંબાતો ગયો. કેમ્પની બહાર એન્ટોવ, વોવા અને અકીમના નામની આનંદમાં ઝબકોળાયેલી બૂમો ગુંજતી રહી. ધીરે ધીરે એમાં આઈવાના, બોયકા, વાલ્દીમીર, બોહસ્લવા અને બીજા ઘણા નામ ઉમેરાતાં રહ્યાં.
હવે એમને ખાવાપીવાના સ્વાદની, સૂવાની પથારીની, દૂધ કે રમકડાં ન મળવાની કોઈ ફરિયાદ રહી ન હતી. દિવસના અંતે એમને શોધતી આવતી એમની મમ્મીઓ પણ થોડી વાર ટોળે વળીને ઊભી રહેતી અને લડાઈમાં લડવા ગયેલા પોતપોતાના ચોલોવિક[પતિ]ની વાતો કરતાં થોડું હસતી અને થોડું રડી લેતી. બાળકોના ગીડો [દાદાજી] અને બાબુશાકા [દાદી] પણ એકબીજાને ટેકે ટેકે બહાર આવીને બેસતાં, દિવસે બાળકોને રમતાં જોતાં અને રાત્રે આકાશના તારા ગણતા. ઘડિયાળના કલાક કાંટાની જેમ ચાલતા દિવસો સેકંડ કાંટાની જેમ દોડવા માંડ્યા. બધાંને મોરચે ગયેલા પોતાના પરિવારજનની ફિકર તો હતી પણ સમયની તણાવભરી તિજોરીમાંથી જિંદગીએ પોતાના આનંદના અવસર ચોરી લેવાનું શોધી લીધું હતું.
જો કે એ આનંદનું આયુષ્ય પણ ટૂંકું નીવડ્યું. એક દિવસ બધાં બાળકોને રોજ રાત્રે વાર્તાઓ કહેતો, સહુનો માનીતો બની ગયેલો, એક વૃદ્ધ મૃત્યુ પામ્યો. ત્યાં રહેતા એક નિવૃત્ત ડોક્ટરનું કહેવું હતું કે એનું શરીર નબળું હતું અને કેમ્પની હાડમારી એ સહન ન કરી શક્યો. કેમ્પની પાછળના ભાગમાં વૃદ્ધની દફનવિધિ બધાએ સાથે મળીને કરી. પહેલા ચર્ચમાં કામ કરી ચૂકેલા એક વૃદ્ધ પાદરીએ અંતિમ વિધિ કરાવી અને જયારે બાઈબલ વાંચીને ‘come to me—’ વાળો ભાગ વાંચ્યો ત્યારે ભીની આંખોવાળી ત્યાં હાજર દરેક વ્યક્તિ એક જ પરિવારની બની ગઈ હતી.
‘મને લાગે છે કે આપણે બધાં પણ એક દિવસ અહીં જ દફન થવાના.’ એક સ્ત્રી મોટેથી બોલી અને હવાએ ડૂસકું ભર્યું.
બે ત્રણ દિવસ સુધી કેમ્પનું વાતાવરણ શોકમગ્ન રહ્યું. પણ ત્રણ જ દિવસ પછી એક ગર્ભવતી યુવતીએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો અને પાછી ઉલ્લાસની છોળો ઊડી. કેમ્પનું જીવન ક્યારેક ઊંડા પાણીમાં ગોતા ખાતું, ક્યારેક સપાટી ઉપર આવી જતું. પણ મૃત સમુદ્ર જેવા ખારા પાણીથી વીંટળાયેલા એ કેમ્પમાં જિંદગી ઈચ્છે તો પણ ડૂબી શકે એમ ન હતી. એ તરતી રહી, શ્વાસ લેતી રહી.
*********** *************** **************
એ દિવસે કેમ્પના કેપ્ટન ઉપર કોઈનો ફોન આવ્યો. એણે એકદમ ઉત્તેજિત અવાજમાં કેમ્પના માણસોને ભેગા કર્યાં. એની ઉત્તેજના, એના અવાજ અને વર્તનમાં છલકાતી ખુશી, કંઈ જાણ્યા વિના પણ ત્યાં હાજર લોકોના ચહેરા ઉપર પ્રસરવા માંડી હતી. સતત તણાવમાં રહેતા કેપ્ટનને આજે એમણે પહેલીવાર આટલો ખુશ જોયો હતો. કેપ્ટને હાથ ઊંચો કરીને મોટા અવાજમાં કહ્યું, ‘બુડમો’[ચીઅર્સ]. ટોળાએ પણ એવી જ રીતે પ્રતિસાદ આપ્યો, ‘બુડમો.’ પોતાની ઉભરાતી ઉત્તેજનામાં કેપ્ટન બરાબર બોલી પણ શકતો ન હતો. એણે ધ્રુજતા અવાજમાં જાહેર કર્યું, ‘રશિયા અને યુક્રેન વચ્ચે સંધિ થઇ ગઈ છે. આજથી લડાઈનો અંત આવ્યો છે. હવે તમે બધા પોતપોતાના ઘેર જઈ શકશો.’
હૃદયને શાતા આપતા આ શબ્દો સાંભળીને માણસો કૂદયા, નાચ્યા, એકબીજાને ભેટ્યાં અને ચોધાર આંસુએ રડ્યાં પણ. આખરે એ દિવસ આવી ગયો જેની એ લોકો આટલા સમયથી રાહ જોતા હતાં. એમના ઘરનું અસ્તિત્વ રહ્યું હશે કે ભૂંસાઈ ગયું હશે, કંઈ ઘરવખરી બચી હશે કે નહીં, પાછું બધું કેવી ભેગું થઇ શકશે, એવા કશા જ વિચાર કર્યા વિના બધાએ ભેગા મળીને આનંદ કર્યો, ઘેર જવાના પર્વની ઉજવણી કરી અને પછી સ્ત્રીઓ મંડી પડી પોતપોતાની વસ્તુઓ એકઠી કરવા. એ દિવસે મેઘધનુષની દોરીઓ વીંટીને સૂરજ ઊગ્યો હતો એટલે સમય કલબલી ઉઠ્યો.
ખુશીના આ ઉછળતા મહાસાગરમાં જો કોઈ તરબોળ ના હતાં થઇ શકતાં તો એ હતાં બાળકો. એમના જૂના દોસ્તો તો ક્યારના સ્મૃતિના પાછળના પડળમાં જતા રહ્યાં હતાં અને આ નવા નવા દોસ્તોથી છૂટા પડવાની વાત એમને ગમતી ન હતી. શરૂઆતમાં થોડીક નડતર રૂપ બનેલી બધાની અલગ અલગ ભાષા અત્યારે તો સ્નેહના મિક્સરમાં ગોળ ગોળ ફરતી હવે એકરસ થઇ ગઈ હતી. અહીં કેટલી મજા હતી! મમ્મી ક્યારેક થોડું લખવા બેસાડે, બાકી નિશાળ નહીં, શિક્ષક નહીં, પરીક્ષા નહીં, બસ રમવાનું, રમવાનું અને મસ્તી કરવાની. ભણવાને લગતી બધી તકલીફો ઘેર જઈને પાછી ચાલુ થઇ જવાની! અને આ મજેદાર દોસ્તો ફરી ક્યારેય નહીં મળે? એટલે જ ખરેખર છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે બાળકો એકબીજાને ભેટીને રડ્યાં અને પોતાની કિમતી મિલકત જેવી લખોટીઓ, બિસ્કીટના પેકેટ અને એવી બીજી વસ્તુઓની આપ લે કરી. બસમાં બેસતી વખતે હથેળીના પાછળના ભાગથી આંસુ લૂછતાં એન્ટોવને સોફિયા એક જ વાતે છાનો રાખી શકી, ‘ઘેર જઈશું ત્યાં સુધીમાં તારો ટાટો પાછો આવી ગયો હશે.’
જો કે બસ પોલેન્ડની સરહદ છોડીને યુક્રેનમાં દાખલ થઇ પછી લોકોના મનમાં ઉડતાં પતંગિયાંઓએ અચાનક પાંખો સંકેલી લીધી. એમના સુંદર દેશની હાલત કેવી થઇ ગઈ હતી! કોઈ જ મકાનો આખા બચ્યાં ન હતાં. ક્યાંક રડ્યાં ખડ્યાં આમતેમ અથડાતા બોર્ડ ઉપરથી ખબર પડતી હતી કે અહીં ક્યારેક સ્કૂલ, હોસ્પિટલ કે મોલ હશે. કોઈ કોઈ જગ્યાએથી હજી ધુમાડાની રાખોડી સેરો નીકળીને વાતાવરણને ધૂંધળું કરી નાખતી હતી. એક સમયે વૃક્ષોથી લીલાછમ લાગતા એમના દેશમાં અત્યારે બે જ રંગ દેખાતા હતા-રાખોડી અને કાળો. નારંગી રંગના ભડકાઓએ ભેગા થઈને આ ખંડેરોની અંદર કેટલો લાલ રંગ વહાવીને સૂકવી દીધો હશે? સહુના ગળે ડૂમાનું જાળું બાઝતું હતું અને શબ્દો રૂંધાઇ ગયાં હતાં. આખી બસમાં મૃત્યુ જેવી ભારેખમ શાંતિ બરફના સફેદ રંગની જેમ પથરાઈ ગઈ હતી. ક્યારેક દૂરથી આવતો કોઈ શ્વાનનો રુદન મિશ્રિત ભસવાનો અવાજ એ સફેદ શાંતિમાં કાળા છાંટણા નાખી જતો હતો. બસમાં બેઠેલી બધી સ્ત્રીઓને હવે ખાતરી થઇ ગઈ હતી કે એમનાં ઘર તો બચ્યાં નહીં જ હોય. પણ એ ઘરને ઘર બનાવનાર એમના પતિ—?
સમજણા, અણસમજણા બાળકો ઉપર પણ એમના વડીલોની ઉદાસીનો ઘેરો રંગ ચડી ગયો હતો. વૃધ્ધો તો જાણે ‘આ બધું જોવા અમે કેમ જીવતાં રહ્યાં?’ એવું વિચારતા હોય એમ શ્વાસે શ્વાસે ગરમ નિસાસા છોડતાં જતાં હતાં.
‘આપણી હરીભરી માતૃભૂમિ વિધવા થઇ ગઈ હોય એવું લાગે છે ને? બધું જ ખાલી છે.’ સોફિયા નિસાસો નાખતાં બોલી.
‘મા, આપણે બધા જ ખાલી થઇ ગયા હોઈએ એવું નથી લાગતું? મારી અંદરથી તો બધું જ નિચોવાઈ ગયું છે.’ અકસાનાનો જવાબ આવ્યો.
મમ્મીની આંખમાંથી સતત નીકળી રહેલાં આંસુ જોઇને એન્ટોવથી પૂછ્યા વિના ન રહેવાયું, ‘હજી કેમ રડે છે, મોમ? લડાઈ તો પૂરી થઇ ગઈ ને?’
‘લડાઈ તો પૂરી થઇ ગઈ બેટા, પણ આપણું યુદ્ધ તો હવે ચાલુ થશે.’
મમ્મીની વાત ન સમજી શકેલા એન્ટોવે એના દોસ્ત અકીમે ભેટ આપેલા એના દેશના સફેદ, ભૂરા અને લાલ પટ્ટાવાળા ધ્વજ ઉપર હાથ ફેરવવા માંડ્યો. અકીમ અને એના પરિવારનું રહસ્ય એણે પોતાના ખીસામાં અકબંધ રાખ્યું હતું.
ગિરિમા ઘારેખાન
૧૦, ઇશાન બંગલોઝ સુરધારા-સતાધાર રોડ
થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪
ફોન-૮૯૮૦૨૦૫૯૦૯ -
મહેન્દ્ર શાહનાં ડિસેમ્બર ૨૦૨૩નાં સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ડિસેમ્બર ૨૦૨૩નાં સર્જનો 06012024
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ફિલ્મી ગઝલો – ૩૨. આરઝૂ લખનવી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
એક વધુ લખનવીની વાત કરીએ. નામ આરઝૂ લખનવી. આ પહેલાંના મણકામાં ચર્ચી ગયા એ ‘ નૂર’ લખનવી સાહેબ કરતાં એમણે વધુ ગીતો આપ્યા. ૪૦ ના દશકના એ લોકપ્રિય ગીતકાર હતા. કુંદનલાલ સહગલ અને પંકજ મલિકે એમના લખેલા અનેક ગીતો ગાયા. કારકિર્દીની શરુઆતમાં એ મુનશી આરઝૂ તરીકે ઓળખાતા. મૂળ નામ સૈયદ અનવર હુસૈન. લખનૌના સાહિત્યિક વર્તુળોમાં એમનું નામ ખૂબ અદબપૂર્વક લેવાતું. વિભાજન પછી બીજા અનેક શાયરોની જેમ કરાચી જઈ વસેલા.મુનશીનો અર્થ જ લેખક અથવા લિપિક. એમણે અનેક ફિલ્મોના ગીતો ઉપરાંત સંવાદ પણ લખ્યા. પંકજ મલિકે ગાયેલા ‘ ચલે પવન કી ચાલ ‘ , ‘ મદ ભરી રુત જવાન હૈ ‘ , ‘ મહક રહી ફુલવારી ‘ અને ‘ ગુઝર ગયા વો ઝમાના ‘ એ એમની કલમનું સર્જન. સહગલનું ‘ કરું ક્યા આસ નિરાસ ભઈ ‘ પણ એમની રચના.
ગઝલો એમણે બહુ ઓછી લખી . આ બે એમાંની :
આજ અપની મહેનતોં કા મુજકો સમરા મિલ ગયા
જિસમેં ખુદ ખોયા હુઆ થા મૈં વો સહરા મિલ ગયારહ ગયા મિલને મેં ક્યા જબ ચૈન દિલ કા મિલ ગયા
ફૂલ યે આધા ગયા તો બાગ સારા મિલ ગયાસુર્ખ પત્તે ઝાડ કર સર – સબ્ઝ હોતે હૈં શજર
જિતના કુછ લુટતા રહા ઉસસે ઝિયાદા મિલ ગયા‘ આરઝૂ ‘ તસ્કીને દિલ કી આરઝૂએં બેશુમાર
યે ન સોચો ક્યા ન પાયા, યે કહો ક્યા મિલ ગયા ..( સમરા = ફલક, દુનિયા )
– ફિલ્મ : ડોક્ટર ૧૯૪૧
– પંકજ મલિક
– પંકજ મલિકયે કૌન આજ આયા સવેરે સવેરે
કે દિલ ચૌંક ઉઠ્ઠા સવેરે સવેરેકહા રૂપ ને ચાંદ હૈ ચૌદવીં કા
મગર ચાંદ કૈસા સવેરે સવેરેગયા મન કા ધીરજ બઢી બેકલી ભી
યે મુજકો હુઆ ક્યા સવેરે સવેરે( આતે હી એક તરહદાર ને દિલ છીન લિયા
દિલરુબા બન કે દિલદાર ને દિલ છીન લિયા
બાંકી ચિતવન કે પીછે ખાર ને દિલ છીન લિયા
દે કે ધોકા કિસી ઐયાર ને દિલ છીન લિયા )આંખોં મેં જાદૂ બાતોં મેં શોલા
દિયા કૈસા ચરખા સવેરે સવેરે ..– ફિલ્મ : નર્તકી ૧૯૪૦
– પંકજ મલિક
– પંકજ મલિક
( આ ગઝલના પહેલા ત્રણ શેર તો ગઝલના માળખામાં ચુસ્ત બેસે છે. પછી અચાનક ધુન અને લહેજો બદલે છે અને એક સાવ સામાન્ય મુક્તક ગવાય છે. આખરી શેર ગૂંચવાયેલો છે. પહેલો મિસરો મુખ્ય ગઝલના લયમાં નથી અને બીજાનો અર્થ સ્પષ્ટ થતો નથી, પણ આવું બધું તો ફિલ્મોમાં ચલાવી લેવું પડે ! )
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો – તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : #૩ જેમ જેમ આપણું જ્ઞાન વિસ્તરતું જાય છે તેમ તેમ સમજાય છે કે આપણે હજુ કેટલું બધું નથી જાણતાં
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
‘જે જાણીએ છીએ’ તેટલું જ જાણીને સંતુષ્ટ થઈને કે એટલી જ મર્યાદાની અંદર બેસી રહેવું એ ટુંકી દૃષ્ટિની બુદ્ધિ છે. કદાચ વિરોધાભાસ લાગે તો પણ એ મ સમજવું જ જોઈએ કે જ્ઞાનનો મૂળભૂત હેતુ ‘જે જાણીએ છીએ’ તેને સ્વીકારી લેવાનો નહીં પણ તેના વિષે કેવી રીતે, શા માટે, ક્યારે, શું, ક્યાં જેવા પ્રશ્નો ઉભા કરવાની સક્ષમતા ઊભી કરવાનો છે. શું જાણીએ છીએ તે જાણવામાં બુદ્ધિમાની નથી, પણ શું નથી જાણતા તે જાણવામાં છે. અને એટલું જાણ્યા પછી પણ આપણે શું નથી જ જાણતા એ તો હજુ અજાણ જ રહે છે.
આર્ડાલિસ (સ્ટીવ સ્મિથ)એ પોતાના લેખ, The More You Know The More You Realize You Don’t Know માં આ વિષયને એટલી સરસ વિગતોમાં રજૂ કર્યો છે કે અહીં તે લેખની સામગ્રીનો સીધો ઉપયોગ કરેલ છે:
ઉપરોક્ત ચિત્રમાં, જોઈ શકાય છે કે જેમ જેમ વ્યક્તિનો અનુભવ વધતો જાય તેમ તેમ આત્મવિશ્વાસ પર તેની શું અસર થાય છે. શરૂઆતમાં, આત્મવિશ્વાસ ઓછો છે કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે હજુ બિનઅનુભવી છીએ. જો કે, થોડા સમય પછી, જેમ જેમ અનુભવ મળતો જાય તેમ તેમ આપણા (માની લીધેલા) ‘આત્મવિશ્વાસનું સુરક્ષા વર્તુળ’ વધતું જાય છે. આસપાસનાં વાતાવરણની આપણા એ આત્મવિશ્વાસ પર માંગનું કેટલું દબાણ છે તેના પર આધાર રહે છે ન્કે ત્યાં કેટલો સમય રહી શકાશે. પણ જેવું એક વાર દબાણ વધવા લાગે છે તેમ તેમ ખબર પડવા લાગે છે કે હજુ તો ગણું બધું જાણવાનું બાકી છે અને જે જાણીએ છીએ તેનો અનુભવ પણ ઘણો ઓછો છે, અને તેમ તેમ ‘આત્મવિશ્વાસનું સુરક્ષા વર્તુળ’ (અસલામતીમાંથી જન્મતી) ‘નિરાશાની ખાઈ’માં બદલવા લાગી શકે છે. આ તબક્કા પછી જેમ જેમ અનુભવ વધતો જાય તેમ ધીમે ધીમે આત્મવિશ્વાસ ફરીથી વધવાનું શરૂ થાય છે. આ સમગ્ર પ્રક્રિયા ડનિંગ-ક્રુગર અસર (Dunning-Kruger effect) તરીકે ઓળખાય છે.બન્નેને એક જ આલેખમાં બાજુ બાજુ માં ગોઠવવાથી વ્યક્તિના અનુભવના પ્રમાણમાં આત્મવિશ્વાસ ઘણો ઓછો હોય એ ‘છલના લક્ષણસમૂહ’ (Imposter Syndrome) ને ડનિંગ ક્રુગર અસરની સરખાવવામાં સરળતા રહેશે:

ડનિંગ-ક્રુગર મુખ્યત્વે ત્યારે જ લાગુ પડે છે જ્યારે મર્યાદિત અનુભવ હોય અને વધુ પડતો આત્મવિશ્વાસ હોય. ઇમ્પોસ્ટર સિન્ડોમ ત્યારે પેદા થાય છે જ્યારે તમારી પાસે અનુભવ અને કૌશલ્ય હોય, પરંતુ એવું લાગે કે તમે અન્યની તુલનામાં અપૂરતા છો. આ બન્ને એક જ સિક્કાની બે બાજુઓ છે. આ બન્નેનો સામનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે વિવિધ અનુભવના સ્તરોના સાથીદારો સાથે સંપર્ક વધારો અને તમારી જાતને એવી પરિસ્થિતિઓમાં મૂકો જ્યાં તમારી ક્ષમતાને કોઈને કોઈ સ્વરૂપમાં માપી શકાય અને પોતાની અર્ધજાગ્રત મનોદશાને વશ થયા વિના પરિસ્થિતિનો વાસ્તવિક પ્રતિસાદ આપી શકાય.
મેં કોઈ પાસેથી વિસ્તરતા વર્તુળના રૂપક દ્વારા અનુભવ અને આત્મવિશ્વાસ વચ્ચેના સંબંધનું વર્ણન સાંભળ્યું છે. આપણું જ્ઞાન વર્તુળના અંદરના ભાગ દ્વારા રજૂ થાય છે, અને આપણે હજી સુધી જે જાણતા નથી તે બધું વર્તુળની બહાર છે. જેમ જેમ વધુ જાણતા જઈએ છીએ તેમ તેમ વર્તુળ બહારની તરફ ધકેલાઈને તેનો વિસ્તાર વધતો રહે છે. તે સાથે વર્તુળનો પરિઘને પણ વધશે. આમ આપણે હજુ સુધી જાણતા નથી તેવી વસ્તુઓ/ બાબતો સાથે આપણો સંપર્ક વધશે. આ વિચાર દર્શાવવા માટે એક સ્કેચ અહીં મૂક્યો છે:
જાણીતું અને અજાણ
આ રેખાકૃતિને આગળ વધારીને હજુ સુધી જે અજાણ તે અજાણ જ રહેવા વિશે રમ્સફેલ્ડના પ્રખ્યાત અવતરણને લાગુ કરી શકાય. જેટલો વધુ અનુભવ, તેટલી વધુ બાબતોને જાણીએ છીએ તેમ સમજાય છે. તે સાથે એ પણ સમજાય છે કે હજુ એવી ઘણી બાબતો છે આપણે જાણતા નથી. અને શૂં જાણીએ છીએ અને શું નથી જાણતાં એ ભલે ગમે તેટલી મોટી સંખ્યામાં હોય પણ જે અજ્ઞાત બાબતો હજી પણ અજાણ છે તે સંખ્યા તેનાથી અનેક ગણી વધારે (કદાચ અનંત) જ રહેશે.
ગ્રીક ફિલસૂફ હેરાક્લિટસ કહે છે કે, “માત્ર જે એક જ વસ્તુ જે સતત છે તે પરિવર્તન છે.” જેમ જેમ વિશ્વ વધુ જટિલ બની રહ્યું છે તેમ તેમ વધુ આ અજાણ અજ્ઞાતનાં બ્લેક બોક્સ ઉભાં થતાં જશે. આપણી નજર પહોંચે ત્યાં સુધી આ વર્તુળ વિસ્તરતું રહે છે. પણ તેથી કરીને આપણે વધુ સમજદાર બનતા નથી કારણ કે આપણે આજે જે હકીકત તરીકે જોઈએ છીએ તે આવતીકાલે જ્ઞાનની હદની પારની ભૂલ તરીકે જોવામાં આવશે. નિષ્ણાતો આપણા જેવા જ માનવી છે, અને માણસ માત્ર ભૂલને પાત્ર જ રહે છે. હું આ બ્લોગના વાચકોને જે પાઠ આપવા માંગુ છું તે એ છે કે તમે તમારા પોતાના માટે વિચારો અને જીવનમાં તમારા પોતાના નિષ્ણાત બનો. “કઠોર પરિવર્તનના સમયમાં, જે શીખનારાઓ છે તેઓ જ ભવિષ્યનો વારસો મેળવે છે” (હોફર, ૧૯૭૩). માત્ર કંપનીઓએ ખતમ ન થઈ જવા માટે ઝડપથી બદલતી રહેતી પરિસ્થિતિઓ સાથે અનુકૂલન કરતાં રહેવું પડે છે, પણ દરેક વ્યક્તિએ પણ એ અનુકૂલન સાધવું જ પડશે. આજે હવે શીખવું એ જીવનનો ભાગ નથી, પણ શીખવું એ જ જીવન છે. [1]
[1] The More We Learn, the Less We Know – A learning paradox – Romy van Baarsen
-
અસ્પષ્ટતા – સ્વીકારીએ જરૂર પણ તેનું કારણ ન બનીએ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
સફળ લોકો પોતાના જીવનમાં, પોતાના વ્યવસાયમાં કે પછી કોઈ પણ નાની મોટી પ્રવૃત્તિના અમલ માટે પોતે જે જે પ્રાપ્ત કરવા માંગે છે તેનાં સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરતાં હોય છે, વિગતવાર યોજનાઓ બનાવે છે, વ્યૂહરચના ઘડે છે અને સમયે સમયે સમીક્ષા કરી શકાય એ માટે યથોચિત સીમાચિહ્નો નક્કી કરતાં હોય છે.
પરંતુ જીવનની જેમ, નેતૃત્વ પણ, અનિશ્ચિત, અસ્પષ્ટ અને વિરોધાભાસી હોય છે. લોકો મોડાં પડે છે, તકરારો અને વિવાદો થયા જ કરે છે, ગ્રાહકો તેમની જરૂરિયાતો બદલી નાખે છે, માંગ/પુરવઠો અચાનક પલટાઈ જાય છે, વસ્તુઓ અપેક્ષા મુજબ કામ કરતી નથી, વિલંબ થાય છે, મુશ્કેલ પ્રશ્નો ઉભા થાય છે અને વિરોધાભાસી દૃષ્ટિકોણો સામે આવે છે. આ બધી અનિશ્ચિતતાઓ વચ્ચે શું સફળ લોકો કે અગ્રણીઓ હાર માની લે છે? ચોક્કસપણે ના.
લિયોનાર્ડો દા વિન્સીએ કહે છે તેમ,
“જે ચિત્રકારને કોઈ શંકા નથી થતી તે બહુ થોડું જ પ્રાપ્ત કરી શકે છે.“
આજના સમયમાં પરિવર્તનનો દર ઝડપી છે, અસ્પષ્ટતા સર્વવ્યાપી છે, અને નિશ્ચિતતા એક ભ્રમણા માત્ર છે. આ બધી અનિશ્ચિતતાઓ વચે પોતાની શક્તિઓને ખીલેલી રાખઈ શકવાની ક્ષમતા એક અગ્રણી કે વ્યાવસાયિક તરીકેની આઓઅણી પ્રગતિ માટે નિર્ણાયક છે.
અનિશ્ચિતતા અને અસ્પષ્ટતાનાં વાદળો વચ્ચે આપણે આપણા આપણી સર્જનાત્મકતાને તેની શ્રેષ્ઠ કક્ષા એ રાખીએ,આપણી વિચાર શક્તિ સાહજિક્રતા રાખીએ અને જેમ જેમ આગળ ધપતાં જઈએ તેમ તેમ નવા ઉકેલો લાવતાં રહીએ. જ્યારે આપણે આગળના ધુમ્મસવાળા રસ્તામાંથી પસાર થઈએ છીએ ત્યારે જ તાજા પરિપ્રેક્ષ્યો ઉભરી આવે છે અને નવી આંતરસૂઝ પ્રગટ થાય છે.
બધી અસ્પષ્ટતાઓમાંથી પસાર થઈને જે ગંતવ્ય પર પહોંચીએ છીએ, ત્યારે સંતોષનું સ્તર પણ ઘણું ઊંચું હોય છે. માત્ર એટલા માટે નહીં કે ધ્યેય હાંસલ કર્યું છે, પરંતુ એટલા માટે કે એ પ્રક્રિયામાં, લોકો, પરિસ્થિતિઓ, વિરોધાભાસો અને અનિશ્ચિતતાના સંચાલન વિશે ઘણું શીખવા મળ્યું છે.. તમારા કામ જ દીપી ઊઠે છે.
એક જ બોધપાઠ મળે છે કે અગ્રણી તરીકે ક્યારેય અસ્પષ્ટતાનું કારણ ન બનીએ. બાહ્ય અનિશ્ચિતતાઓની સાથે કામ લેતી વખતે એક અગ્રણી તરીકે તમારી ટીમને સ્પષ્ટતા પ્રદાન કરવી એ તમારી પ્રાથમિક ફરજ છે.
તેથી, જ્યારે હવે નવું વર્ષ શરૂ કરી રહ્યાં છીએ ત્યારે આપણા બધા માટે વિચાર કરવા માટે થોડા પ્રશ્નો:
નિશ્ચિતતા તરફના તમારાં વલણનું મૂલ્યાંકન કરો.
જ્યારે અનિશ્ચિતતા અથવા વિરોધાભાસનો સામનો કરવો પડે ત્યારે શું તમે હતાશ થાઓ છો? શું ઘણી બધી નિશ્ચિતતાની ખાતરી જ તમને આરામની ભાવના આપે છે?
જો આ સવાલોના જવાબો હા છે તો બાહ્ય અનિશ્ચિતતાઓ સાથે વધુ સારી રીતે કામ પાર પાડવા માટે, તેને ઉત્પાદક કામમાં પરિવર્તિત કરવા માટે અને વધુ સર્જનાત્મક બનવા માટે તમારી કઈ કઈ વિચાર પ્રક્રિયાઓ , કે વર્તણૂકો, બદલી શકશો?
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
દુર્ઘટનામાંથી ઊગરી ગયા. પણ એમાંથી કશું શીખ્યા ખરા?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
બે સપ્તાહ સુધી ચાલેલી કશ્મકશનો આખરે સુખદ અંત આવ્યો. ઉત્તરાખંડની સિલક્યારા ટનલમાં ફસાયેલા તમામ ૪૧ શ્રમિકોને હેમખેમ બહાર લાવી શકાયા. માનવસર્જિત આ આપત્તિમાંથી માર્ગ કાઢવામાં પણ માનવસર્જિત ટેક્નોલોજીનો વિનિયોગ કરાયો. સાવ સાંકડા, બંધિયાર અને અંધારા વિસ્તારમાં બબ્બે સપ્તાહ સુધી જીવન ટકાવી રાખનારા આ શ્રમિકો પર આ સમયગાળામાં શી વીતી હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. તો ધીરજ ધરીને તેમને સલામત બહાર કાઢવાના પ્રયત્નોમાં સહભાગી એકે એક જણનું પ્રદાન સરાહનીય છે. પ્રત્યેક અકસ્માત કશુંક શીખવતો જતો હોય છે, જો કોઈએ એમાંથી કશું શીખવું હોય તો. ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચાર ધામ પરિયોજના અંતર્ગત બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી એમ ચારે પવિત્ર ગણાતાં ધામને સડકમાર્ગે જોડવાનો પ્રકલ્પ કાર્યરત છે. સિલક્યારા ટનલ આ પ્રકલ્પનો જ એક હિસ્સો હતી. પ્રકલ્પમાં આશરે ૯૦૦ કિ.મી.સડક તૈયાર કરવાનું યા તેની પહોળાઈ વધારવાનું લક્ષ્ય છે. દેખીતું છે કે ભૂપૃષ્ઠને એની સીધી અસર થાય. હિમાલયનું ભૂપૃષ્ઠ અતિ નાજુક છે, જેનો પરચો અવારનવાર મળતો રહે છે. શ્રમિકોના ફસાવાની ઘટના એનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ છે. આ પ્રકલ્પ હવે એટલો આગળ વધી રહ્યો છે કે તેનાથી જે નુકસાન થશે એ ભોગવ્યા વિના કોઈ આરો નથી.
કેવળ ભારતમાં જ નહીં, વિશ્વભરમાં ચાલી રહેલી વિકાસની દોડે પર્યાવરણનો, કુદરતનો ખો કાઢી નાખ્યો છે. તેની વિપરીત અસરની જાણકારી તો છે જ, હવે તો તેનાં વિપરીત પરિણામ પણ નજર સામે જોવા મળી રહ્યાં છે, છતાં એ અટકવાનું નામ લેતી નથી. આ પરિણામ કેવાં કેવાં સ્વરૂપે જોવા મળી શકે એ જાણવા માટે નવેમ્બર, ૨૦૨૩માં બનેલી કેટલીક છૂટીછવાઈ ઘટનાઓ જોઈએ.
નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લામાં એક વિચિત્ર દુર્ઘટના બની. અહીંના રાજાભાતખાવા વન વિસ્તારમાંથી પસાર થઈ રહેલી, અલીપુરદ્વારથી સીલીગુડી જઈ રહેલી એક માલગાડી સાથે ટકરાઈને ત્રણ હાથીનાં મોત થયાં. આમ તો, અલીપુરદ્વારના વનવિસ્તારમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળવા માટે ‘ઈન્ટ્રૂઝન ડિટેક્શન સિસ્ટમ’ (આઈ.ડી.એસ.) લગાવવામાં આવેલી છે. પણ આ વિસ્તારને તેની અંતર્ગત આવરી લેવાયો નથી. બિચારા હાથીઓને ઓછી ખબર હોવાની કે તેમના માટે કયો વિસ્તાર સુરક્ષિત છે અને કયો નહીં!
કર્ણાટકના ચિકમગલૂરુ જિલ્લાના હોસ્કેરે ગામ પાસે હાથીએ ‘એલિફન્ટ ટાસ્ક ફોર્સ’ (ઈ.ટીએ.એફ.)ના સભ્યો પર હુમલો કર્યો. ‘ઈ.ટી.એફ.’ દ્વારા વન વિસ્તારમાંથી રહેણાક વિસ્તાર તરફ આવી ગયેલા હાથીને પાછો પોતાના વિસ્તારમાં મોકલવાની કામગીરી ચાલી રહી હતી. સ્વાભાવિક છે કે આવી કાર્યવાહી દરમિયાન હાથી છંછેડાયેલો હોય. આ હુમલામાં છવીસ વર્ષીય કાર્તિકનું મૃત્યુ થયું, જ્યારે ‘ઈ.ટી.એફ.’ના ચાર સભ્યો ઘવાયા.
લગભગ આ જ સમયગાળામાં ઝારખંડના સિંહભૂમ જિલ્લામાં હાથીઓના એક ટોળાએ આક્રમણ કર્યું. ચાકુલિયા ક્ષેત્રના ઘાટશિલા વિસ્તારના સુનસુનિયા ગામ પાસેના આ હુમલામાં હાથીઓએ સંતોષ નામના એક છવીસ વર્ષીય યુવકને કચડી નાખ્યો.
આ ઘટનાના થોડા દિવસ પહેલાં કર્ણાટકના જલસુર નગર પાસે આવેલી વનવિભાગની નર્સરીમાં એક હાથી આવી ચડ્યો હતો. કેરળથી આવેલા આ હાથીએ નર્સરીમાં આઠથી દસ હજાર રોપાઓનો ખંગ વાળી દીધો હતો. કર્ણાટકના જ કલમંજામાં આવી ચડેલા ત્રણ હાથીઓએ કેળના વાવેતરનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો.
આ તમામ ઘટનાઓ દેશના અલગ અલગ રાજ્યોના અલગ વિસ્તારોમાં બનેલી છે. એ તમામમાં સામાન્ય તત્ત્વ હોય તો હાથીઓ દ્વારા કરાયેલું જાનમાલનું નુકસાન. સમાચારપત્રો માણસો દ્વારા ચલાવવામાં આવે છે, નહીં કે હાથીઓ દ્વારા. આથી સમાચારમાં એમ જ જણાવાય છે કે હાથીઓ માનવવિસ્તારમાં ઘૂસી ગયા. હકીકત એનાથી સાવ ઊંધી છે.
વિકાસમાં એક યા બીજા પ્રકારનાં સતત ચાલતાં રહેતાં કામોને કારણે વનવિસ્તાર દિન બ દિન સંકોચાતો રહે છે. હાથી એક દિવસમાં સરેરાશ ત્રીસેક માઈલ જેટલા વિસ્તારમાં વિચરણ કરતા હોય છે. પોતાના વિશાળ કદને અનુરૂપ ખોરાક અને પાણી મેળવવા માટે હાથી રહેણાક વિસ્તારમાં આવી ચડવાના બનાવોમાં વધારો થતો રહ્યો છે. ખરું જોતાં હાથી મનુષ્યના વિસ્તારમાં ‘ઘૂસતા’ નથી, મનુષ્યો હાથીના વિસ્તારમાં કદમપેશી કરતા રહ્યા છે.
ઉત્તરાખંડના શ્રમિકોની ઘટના હોય કે વિવિધ સ્થળોએ થતાં વન્ય પશુઓને આક્રમણની, તેના કારણમાં પર્યાવરણ અને પ્રકૃતિ સાથે કરાતાં ચેડાં જવાબદાર છે. જે રીતે હવે પ્રવાસન ઉદ્યોગ ફૂલીફાલી રહ્યો છે અને તેમાં જે પ્રકારે નાણાં ઠલવાઈ રહ્યાં છે એ જોતાં આ હજી આરંભ છે એમ કહી શકાય. પ્રવાસનને કારણે વન્ય પશુઓ પર, પ્રકૃતિ પર સતત દબાણ ઊભું થતું રહે છે. હજી પ્રવાસીઓમાં એટલી શિસ્ત નથી વિકસી કે તેઓ પ્રકૃતિને અનુરૂપ થઈને પ્રવાસ માણે. તેઓ પ્રકૃતિને પોતાની જરૂરિયાત મુજબ કેળવવા જાય છે. મોટા ભાગનાં પ્રવાસન સ્થળોએ આ વલણ જોઈ શકાશે. આને કારણે પ્રવાસન સ્થળો નાણાંના વેડફાટ, કચરાના ઢગ અને ભીડભાડનાં કેન્દ્રો બનવા લાગ્યાં છે અને જે પણ આમાંથી બાકાત રહ્યાં છે એ ક્યાં સુધી આ આક્રમણ સામે ઝીંક ઝીલી શકશે એ સવાલ છે.
આ જાણીને એમ સવાલ થઈ શકે કે આમાં વ્યક્તિગત સ્તરે, એક નાગરિક તરીકે કશું કરવું શક્ય છે ખરું? એટલું તો શક્ય અવશ્ય છે કે ફરવાનો બહુ શોખ હોય તો કોઈ પણ સ્થળે આપણે જઈએ ત્યારે ત્યાંની પર્યાવરણપ્રણાલિને માન આપીએ અને આપણી આદતો ત્યાં લઈ જવાને બદલે એ સ્થળને અનુકૂળ થવા પ્રયત્ન કરીએ. આપણા તરફથી ત્યાં લઘુત્તમ પ્રદૂષણ ફેલાય એવો પ્રયત્ન કરીએ. અને માત્ર પ્રવાસન સ્થળે જ કેમ? આપણા પોતાના સ્થાને પણ આ કેમ ન થઈ શકે?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮ – ૧૨ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
શ્રેષ્ઠતા
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
રિક મોરેનિસ – હોલીવુડના સૌથી ખ્યતનામ કૉમેડી કલાકારની અહીં વાત કરવી છે. રિકે ૮૦થી ૯૦ના દાયકા દરમ્યાન ઘણી યાદગાર ફિલ્મો આપી. જેમાં ઘોસ્ટબસ્ટર, હની આઇ શ્રન્ક ધ કિડ્સ, લિટલ શૉપ ઓફ હોરર, સ્પેસબોલ જેવી ફિલ્મો તો કદાચ આજે પણ ઘણાને યાદ હશે જ. હમણાં હમણાં જે કરોડ-ક્લબનો વાયરો વાયો છે એ તો કદાચ ઘણા વર્ષો પહેલા રિકે શરૂ કર્યો. ૧૯૮૬ની સાલમાં એન બેલ્સ્કી નામની રૂપકડી કૉચ્યુમ ડીઝાઇનર સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા. સુખી સંસારના પરિપાકરૂપે બે સંતાનો થયા.
સંસારની સાથે રિકની કારકિર્દી પણ સફળતાના આસમાનને ચૂમતી જતી હતી પણ જ્યારે એને ખબર પડીને એનને કેન્સર છે ત્યારે રિકનો આ સુખ નામનો પ્રદેશ આંધીમાં અટવાયો . કેન્સર સામે લડત આપીને અંતે એન ૧૯૯૭માં મૃત્યુ પામી. એ સમયે એ માત્ર ૩૫ વર્ષની આયુ ધરાવતી હતી. સ્વભાવિક છે બંને બાળકો સાવ જ નાનકડા હતા. રિકને અનુભવે સમજાયું કે સફળતાના શિખરો સર કરવા કરતાંય આ વધુ કપરા ચઢાણ છે. એક તરફ અધધ કમાણી કરાવતી કારકિર્દી પણ ટોચ પર હતી અને બીજી બાજુ નમાયા સંતાનોની ચિંતા.
આવા સમયે કદાચ કોઇ વ્યક્તિ ફરી એકવાર લગ્ન કરવાનો અને સંતાનોની જવાબદારીનો ભાર હળવો કરવાનો નિર્ણય પણ લઈ જ શકે. કોણ આવી અત્યંત સફળ કારકિર્દી સાથે સમાધાન કરવાનો વિચાર સુધ્ધાં કરે? પણ ના ! રિક તો કોઇ જુદી માટીનો જ નિકળ્યો. જે સમાજમાં લગ્ન એટલે જીવનભરનો સાથ, એક પતિ કે એક પત્નીવ્રત જેવી કોઇ વ્યાખ્યા જ જાણતું ન હોય એવા સમાજમાં ઉછરેલા રિકે પોતાની આસમાનને ચૂમતી કારકિર્દી ત્યજીને પોતાના સંતાનો માટે ક્ષેત્રસંન્યાસ લેવાનો નિર્ણય લઈ લીધો.
એની આસપાસના વર્તુળના લોકોને, એના ચાહકોને રિકનો આ નિર્ણય તરંગી લાગ્યો. કોઇએ તો વળી એનું મગજ ચસકી ગયું હશે એવું ય વિચારી લીધું. પણ રિકના નિર્ણયમાં કોઈ ફરક ના પડ્યો. મોટાભાગે લોકોના જીવનમાં ઘટતી ઘટનાઓને અનુલક્ષીને કોઇ ચોક્કસ સમાધાન કરવા પડતા હોય કે નિર્ણય તો લેવા જ પડતા હોય છે અને સાવ સામાન્ય રીતે વિચારીએ તો રિક જેવો નિર્ણય લેવાનું તો કોઇ ભાગ્યેજ વિચારે પરંતુ એણે પોતાની કારકિર્દીની તુલનામાં પોતાનો પરિવાર અને સંતાનોને વધુ મહત્વના માન્યા.
સંતાનો ઘેર આવે ત્યારે નૅની કે કેર-ટેકરના બદલે પ્રેમાળ પિતાની હાજરી હોય, ઘરનું સંગીતમય વાતાવરણ હોય અને સંતાનો માટે વ્હાલથી તૈયાર કરેલી રસોઇ હોય એવા પ્રસન્ન ઘરની કલ્પના તો કરી જુવો! રિકે આ બધું જ કર્યું . આવા સ્નેહાળ રિકે એક આદર્શ પિતાની એક નવી જ ઇમેજ પ્રસ્થાપિત કરી.
હા! સાથે સાથે એણે પોતાનું સત્વ પણ જાળવી રાખ્યું. આ વર્ષો દરમ્યાન એણે પોતાના બે આલ્બમ બહાર પાડ્યા. ક્યારેક રેડિયો પર પણ પોતાનો અવાજ આપ્યો પરંતુ ૧૯૯૭ સુધી એ રૂપેરી પરદા પર દેખા ના જ દીધી.
એને જ્યારે પૂછવામાં આવ્યું કે ક્યારેય એને પોતાની આ સર્જનાત્મક પ્રવૃત્તિથી દૂર રહેવા માટે અફસોસ અનુભવ્યો છે ખરો?
રિકે ખુબ સરસ જવાબ આપ્યો, “હું ક્યારેય સર્જનાત્મક પ્રવૃત્તિથી દૂર થયો જ નહોતો. મેં મારી સઘળી સર્જનાત્મકતાને મારા ઘર, મારા બાળકો તરફ વાળી. હું ક્યારેય બદલાયો જ નથી માત્ર મેં મારું ફોકસ બદલ્યું છે.”
જ્યારે સંતાનોની જવાબદારી હળવી થઈ ત્યારે ફરી એકવાર ૨૦૧૭થી ફરી એણે એની કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ કરી અને તે પણ એક એવી વ્યક્તિ માટે કે જેનું જીવન કરોડરજ્જૂની ઇજાના લીધે પેરેલિસિસથી સ્થગિત થઈ ગયું હતું.
આપણે હંમેશા રિકને એક અદ્ભૂત કલાકાર તરીકે યાદ રાખીશું પણ એના સંતાનો તો એને એક અદ્ભૂત પિતા તરીકે યાદ રાખશે . રિકને એના આ નિર્ણય માટે ક્યારેય રતિભાર પણ અફસોસ થયો જ નથી.
અહીં વાત સફળ વ્યક્તિ કે વ્યક્તિની સફળતાના બદલે કરવી છે એના સમર્પણની, એની શ્રેષ્ઠતાની.
વ્યક્તિ કોઇપણ ક્ષેત્રમાં હોય કે સંસારમાં હોય એનું સમર્પણ જો સો ટચના સોના જેવું હશે તો એ કોઇપણ સ્થાને એની શ્રેષ્ઠતા સિધ્ધ કરી જ શકવાની છે. શાન, શૌકત તો વ્યક્તિની સંલગ્નતા સાથે જ સંકળાયેલા છે. દરેક વ્યક્તિનું કોઇ નિશ્ચિત સ્થાન હોય છે. જરૂર છે એ સ્થાનને પોતાની સંલગ્નતા કે સમર્પણથી શોભાવાની. જેના ફાળે જે જવાબદારી આવી છે એ જવાબદારીમાં સાંગોપાંગ ખરા ઉતરવાની.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
