વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલ્મી ગઝલો – ૩૩. બેહઝાદ લખનવી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    વધુ એક લખનવી જોઈએ. બેહઝાદ લખનવી. બેહઝાદ એટલે ઈમાનદાર અથવા ઇજ્જતદાર. અસલી નામ સરદાર હસન ખાન. જન્મ લખનૌ, ઈંતેકાલ કરાચી. એમની વિખ્યાત ગઝલ ‘ ઐ જઝ્બ એ દિલ ગર મૈં ચાહું હર ચીઝ મુકાબિલ આ જાએ ‘ ઘણા ગઝલ ગાયકોએ પોતપોતાના અંદાઝમાં ગાઈ છે. બેગમ અખ્તર સાહેબાએ જે પહેલી ગઝલ ગાઈ ( દીવાના બનાના હૈ તો ) એ પણ એમણે લખી હતી. ભારતીય અને પાકિસ્તાની મળી કુલ ૧૭ ફિલ્મોના ગીતો લખ્યા. આર. કે બેનરની પહેલી ફિલ્મ ‘ આગ ‘ માટે એમણે લખેલી ગઝલ ‘ ઝિંદા હું ઈસ તરહ ‘ કેમ ભૂલાય !

    લખનવીઓની દાસ્તાન પૂરી કરીએ એ પહેલાં એક વધુ લખનવી અસરાર ઉલ હક મજાઝ ‘ ઉર્ફે મજાઝ લખનવીનો ઉલ્લેખ પણ કરી લઈએ હાલાંકિ એમની કોઈ ગઝલ ફિલ્મોમાં ન લેવાઈ. માત્ર એક લાજવાબ નઝ્મ ‘ ઐ ગમે દિલ ક્યા કરું ઐ વહશતે દિલ ક્યા કરું ‘ ઠોકર – ૧૯૫૩ ફિલ્મમાં લેવાઈ. મુઠ્ઠી ઊંચેરા શાયર. જાવેદ અખ્તર સાહેબના મામા હતા. ૪૪ વર્ષની વયે અવસાન પામ્યા.

    બેહઝાદ લખનવી ભણી પાછા ફરીએ. એમની બે ગઝલ. બન્ને ખૂબ જાણીતી અને સંગીત રસિયાઓની માનીતી :

    ઝિંદા હું ઈસ તરહા કે ગમે ઝિંદગી નહીં
    જલતા હુઆ દિયા હું મગર રૌશની નહીં

    વો  મુદ્દતેં  હુઈં  હૈં  કિસી  સે  જુદા  હુએ
    લેકિન યે દિલ કી આગ અભી તક બુઝી નહીં

    આને કો આ ચુકા થા કિનારા ભી સામને
    ખુદ ઉસકે પાસ હી મેરી નૈયા ગઈ નહીં

    હોટોં કે પાસ આએ હંસી ક્યા મજાલ હૈ
    દિલ કા મુઆમલા હૈ કોઈ દિલ્લગી નહીં

    યે ચાંદ યે હવા યે ફિઝા  સબ  હૈં માંદ માંદ
    જબ તૂ નહીં તો ઇન મેં કોઈ દિલકશી નહીં..

    – ફિલ્મ : આગ ૧૯૪૮
    – મુકેશ
    – રામ ગાંગૂલી

    તુમ્હારે બુલાને કો જી ચાહતા હૈ
    મુકદ્દર બનાને કો જી ચાહતા હૈ

    યે જી ચાહતા હૈ કે તુમ્હારી ભી સુન લૂં
    ખુદ અપની  સુનાને  કો જી ચાહતા હૈ

    તુમ્હારી મુહબ્બત મેં ખોઈ હુઈ હું
    તુમ્હેં યે બતાને કો જી ચાહતા હૈ

    જો તુમ આઓ તો સાથ ખુશિયાં ભી આએં
    મેરા  મુસ્કુરાને  કો  જી  ચાહતા  હૈ ..

    – ફિલ્મ : લાડલી ૧૯૪૮
    – લતા
    – અનિલ બિશ્વાસ

    ( આ ગઝલ ક્યાંક પ્રેમ ધવનના નામે બોલે છે પણ છે બેહઝાદ સાહેબની જ. )


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ફિલસુફીભર્યા ગીતો – ૧૮: अपने लिए जिये तो क्या जिये

    નિરંજન મહેતા

    ૧૯૬૬ની ફિલ્મ ‘બાદલ’નુ આ ગીત સ્વ અને પરને લગતું છે.

     

    खुदगर्ज़ दुनिया में ये
    इंसान की पेहचान है
    जो पराये आग में जल जाए
    वो इंसान है

     

    अपने लिए जिये तो क्या जिये
    तू जी अइ दिल झमाने के लिये

     

    नाकामियों से घभरा के
    क्यों अपनी आस खोते हो
    मै हमसफ़र तुम्हारा हूँ
    क्यों तुम उदास होते हो

     

    अपनी खुदी को जो समझा
    उसने खुदा को पेहचाना
    आज़ाद फितरते इंसान
    अंदाज़ क्यों गुलामाना
    सर ये नहीं ज़ुकाने के लिये

     

    ગીત પરથી જણાય છે કે તે એક જેલમાં રચાયું છે જેના કલાકાર છે સંજીવકુમાર. જાવેદ અનવરના શબ્દોને સંગીત આપ્યું છે  ઉષા ખન્નાએ અને સ્વર છે મન્નાડેનો.

    ગીતનો સંદેશ છે કે આ સ્વાર્થી દુનિયામાં મનુષ્યની ઓળખાણ એ છે કે અન્યોના દુઃખમાં તેમને સાથ આપે. તમે તમારા માટે જીવો તો જીવ્યું ન ગણાય. માટે સ્વની ભાવના છોડી અન્યને મદદરૂપ થાઓ. જે બીજાને માટે મારી ફીટે છે તે જ મનુષ્ય ગણાય છે. મોટા ભાગના લોકો તો સ્વાર્થી હોય છે અને પોતાના માટે જીવે છે પણ અહી સંદેશો છે કે આવું જીવન અર્થ વગરનું છે. તમે અન્યો માટે જીવો એ જ યથાર્થ ગણાય.

    જે કોઈ વ્યક્તિ નાકામયાબ થાય છે તેને માટે સંદેશો છે કે શા માટે નાસીપાસ થઇને આશા છોડી દે છે? કેટલાય લોકો છે જે તમારી સાથે ઊભા રહેવા તત્પર છે અને તમને સાથ આપવા તૈયાર છે એટલે ઉદાસી છોડી જીંદગી ફરી જીવી લે.

    કહે છે કે જે પોતાની જાતને સમજી શકે છે તે ઈશ્વરને પામી શકે છે. તમેં સ્વતંત્ર પ્રકૃતિનાં છો તો આ ગુલામીનો અંદાજ કેમ? પરિસ્થિતિ સામે મસ્તક ન ઝુકાવતા તેનો સામનો કરો.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • એક જ ઉપાય, ફરી કુદરતના ખોળે : પ્રાકૃતિક ખેતી અદભુત પરિણામ આપી શકે છે

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    આજે વિશ્વભરમાં ચારે અનેક પ્રકારની તરફ પ્રાકૃતિક આપદાઓ આવે છે અને હવે તેની સંખ્યા અને તીવ્રતા વધતી જાય છે. કલાઇમેટ ચેન્જ બહુ ભયાનક સવરૂપ ધારણ કરી ચૂક્યું છે અને આગળ અનેક પ્રકારના વિનાશકારી અને વાતાવરણના અસહ્ય પ્રશ્નો ઉભા થશે તે નિર્વિવાદ છે. 

           સાથે સાથે માનવ વસ્તી વધી રહી છે અને કુદરતે રચેલી અદભુત રચનાના વિવિધ જીવ ખુબ ઝડપથી  નામશેષ થઇ રહ્યા છે 

          દરેક જીવનું  અસ્તિત્વ ટકાવી રાખવા માટે માનવીએ સમૃદ્ધ અને શુદ્ધ હવા, ચોખ્ખું પાણી, ફળદ્રુપ જમીન, કુદરતની રચેલી જીવશ્રુષ્ટિની સાચવણી અને તેની ફૂડ ચેઇન હયાત હોય તો અને તોજ દરેક જીવનું જીવવું શક્ય છે. માનવી કુદરતના માલિક નથી અને તે રીતે વર્તે. કુદરતની રચનાને પોતાના સ્વાર્થમાં વિનાશક તરીકે નહિ પરંતુ કુદરતની રચનાના એક અંગ રૂપે બધા જીવ સાથે સહઅસ્તિત્વમાં જીવવું પડશે. સ્વયં સંચાલિત શિસ્તનું પાલન કરવું પડશે. હવા, જળ, પ્લાસ્ટિક, ધ્વનિ અને જમીન પ્રદુષણ બંધ કરવા પડશે.   

           દરેક વ્યક્તિ અને દરેક જીવ જો પોતાનું જીવન અને વિકાસ સહઅસ્તિત્વની ભાવનાથી કરશે અને કરાવશે તો કુદરત પોતે એટલી સક્ષમ છે કે પાછી ધીરેધીરે પોતાની જાતે સમૃદ્ધ થઇ જશે અને બધાનું અસ્તિત્વ ટકી શકશે બાકી દરેક જીવનો વહેલો મોડો દરવાજે આવીને ઉભેલો દેખાઈ રહ્યો છે. 

          ફરીથી કુદરતના ખોળે જવું હોય તો જરા પણ અઘરું નથી. તેના માટે કુદરતી દરેક તત્વનો સમજી વિચારીને બગાડ અટકાવવો પડશે (Reduce), મહત્તમ માત્રામાં નકામી થયેલી વસ્તુને ફરી વાપરવા લાયક બનાવી ઉપયોગમાં લેવી પઢશે/ (Recycle & Reuse) કારણકે કુદરતી સ્તોત્ર અમૂલ્ય અને  મર્યાદિત છે અને તેને વેડફવા પોસાય તેમ નથી 

            પ્રાકૃતિક ખેતી માટે સહુથી પહેલા જમીનને સમૃદ્ધ કરવી પડશે. જમીનની ઉપરના ભાગનો એક ફૂટનો ભાગ સેન્દ્રીય તત્વથી / Orgainc Carbon સમૃદ્ધ જોઈએ જેથી ખેતી સારી થઇ શકે અન્યથા જમીન મૃતઃપાય બની જશે. 

              સેન્દ્રીય તત્વ સમૃદ્ધ રાખવા માટે કેમિકલ ખાતર અને કેમિકલ પેસ્ટીસાઇડનો બેફામ ઉપયોગ સંપૂણ બંધ કરી ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ. ઓર્ગેનિક ખેતી માટે કુદરતે આપેલા બધાજ તત્વોને recycle કરવા પડશે. તેના માટે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ખાતર તરીકે નિઃશુલ્ક બનાવેલું જીવામૃત વાપરવું ઉત્પાદકતા વધારનાર અને ફાયદા મંદ સમાધાન છે. તેમાં ગાય માતાનું ગોબર, ગૌમૂત્ર, ખેતર અને રસોડાનો ઓર્ગેનિક કચરો વાપરી શકાય છે. તેની મદદથી જમીનનું જરૂરી સેન્દ્રીય તત્વ નહિવત ખર્ચે સમૃદ્ધ થાય છે. 

           સાથેસાથે તેને વધારે સમૃદ્ધ બનાવવા માટે  કુદરતી અળશિયાનું ખાતર પોતાની જાતે બનાવી વાપરી શકાય. આમ જીવામૃત અને અળશિયાની મદદથી બધો કુદરતી કચરો રિસાયકલ થશે અને અને મરવા પડેલી કે મરી ગયેલી જમીન અકલ્પનિય રીતે સર્વોત્તમ ફળ આપશે. લાખ્ખો વર્ષથી જમીનને નહિવત ખર્ચે જીવંત રાખનાર જીવ એટલે અળશિયા, જે જૈવવ્યવસ્થા તંત્રના મુખ્ય સ્તોત્ર તરીકે પોતે જમીનને કાર્યક્ષમ રીતે ખેડીને ભરભરી અને હવાદાર રાખે છે. ગમે તેટલી ક્ષારીય જમીનને પાછી ફળદ્રુપ બનાવી શકે છે. છોડના સંતુલિત વિકાસ માટે સેન્દ્રીય પદાર્થના ચક્રને જાળવી પોશાક તત્વોનું સંતુલન કરવાનું કાર્ય કરે છે 

            પ્રાકૃત્તિક ખેતી અને જૈવિક ખેતી માટે નિરુપદ્રવી અળશિયા ખેડૂત મિત્ર તરીકે ખેતીની ઉત્પાદકતામાં અને જમીનને જીવંત રાખવામાં પોતાનો બહુ અગત્યનો ભાગ ભજવે છે.   

           પાણીની શુદ્ધતા ખેતી માટે ખુબજ જરૂરી છે. શ્રેષ્ઠ ગુણવત્તા વાળું વરસાદી પાણીનો વેડફાટ થવો જોઈએ અને વધારાનું બધું વરસાદી પાણી જમીનમાં પાછું નાખવું પડશે. જમીનના તળ ખુબજ ઊંડા ઉતારી ગયા છે અને તે પાણી ની ગુણવત્તા વપરાશ માટે યોગ્ય નથી. પ્રશ્ન વધારે અને વધારે વિકટ બની રહ્યો છે અને સાથે પાણીમાં દરેક પ્રકારનું નુકશાન કારક પ્રદુષણ વધી ગયું છે. એક ખતરાની નિશાની છે પાણી સાચવીને ઘી ની જેમ વાપરવું જોઈએ જે વાત ભગવાન શ્રી મહાવીરસ્વામીએ આજથી ૨૬૦૦ વર્ષ પૂર્વે જણાવી હતી, આપણે માની હતી અને તે આજે વાત વિકરાળ સ્વરૂપ ધારણ કરીએ સામે આવીને ઉભી રહી છે 

           હવાનું પ્રદુષણ અટકાવીને જેટલી શુદ્ધ હવા મળશે તો તેનાથી જમીન અને છોડની તેમજ દરેક જીવની વૃદ્ધિ સારી થશે અને આનો સસ્તો અને સારો ઉપાય છે કે પોતાના વાતાવરણને અનુકૂળ એવા દેશી અને ફળાઉ વૃક્ષો બહુ મોટી સંખ્યામાં વાવો. વૃક્ષ એક સંપૂર્ણ જીવ છે જે દરેકને નિસ્વાર્થ રીતે ભગવાનની જેમ બધું મફતમાં આપે છે અને બધાનો દરેક પ્રકારનો કચરો પોતે ગ્રહણ કરી શુદ્ધતા બક્ષે છે. વૃક્ષ ભગવાનને સમકક્ષ    

    જીવ છે જેના પૃથ્વી ઉપર કોઈ પણ જીવનું અસ્તિત્વ શક્ય નથી. વિકાસની દોટમાં માનવી વૃક્ષોનું નિકંદન કરીને બેસી ગયેલો છે અને દરેકનું જીવન દોહ્યલું બની રહ્યું છે.    

                  *સ્નેહ રાખોશીખતાં રહોસંભાળ રાખો* 

                 * Love – Learn  – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • વનવૃક્ષો : ગાંડો બાવળ

    ગિજુભાઈ બધેકા

    જેને લાંબા લાંબા કાંટા છે, જેનો છાંયો કછાંયો એટલે ખરાબ છાંયો કહેવાય છે, જેની છાલ કાળી ખરબચડી છે. તેને લોકો ડાહ્યો બાવળ કહે છે. ડાહ્યો બાવળ એટલે જેનાં આપણે દાતણ કરીએ છીએ તે બાવળ. લોકોને ઉપયોગમાં આવ્યો એટલે તે ડાહ્યો. લોકોનું ધોરણ જ એવું. પોતાના કામમાં આવે તે ડાહ્યો; પોતાને કામમાં ન આવે તે ગાંડો. નાનાં છોકરાં ઝટઝટ કામ કરી આપે તે માબાપને મન ડાહ્યાં, પણ આળસુ માબાપને પોતાને ઊઠીને કામ કરવું પડે ત્યારે છોકરાં ગાંડાં !

    ગાંડો બાવળ મેં જોયેલો છે. હું તેના ઉપર ચડેલો છું. તેને છાંયે બેઠેલો છું. તેની શીંગો ખાધેલી છે. તેના કાંટા કોઇ દી લાગ્યા નથી. મને તે કોઈ દિવસ ગાંડો લાગ્યો નથી. પણ ઊલટું નાના હતા ત્યારે તે બહુ ડાહ્યો લાગેલો અને હજી પણ લાગે છે.

    ગાંડો બાવળ નાનો હતો ત્યારે બકરાં તેની ઉપર ઝાડ થઇ તેને ખાતાં, અને તે કોઈ દિવસ કાંઇ બોલતો નહિ.

    તેની ડાળો અને તીરખીઓ અને તેના ઉપરની ઝીણીઝીણી પાંદડીઓ લીલીછમ હોવાથી આંખને ઠારતી. તીરખીઓ ઉપરથી લીલી પાંદડીઓ બે આંગળીઓ વચ્ચેથી સુરરર કરી ઉતારી નાખવાની બહુ મજા પડતી. પછી મોઢામાં તીરખીનો એક છેડો રાખી, તાણીને બીજે છેડેથી ખેંચીને તીરખીનું વાજું બનાવી લેવાતું. ખેંચાઈને તંગ થયેલી તીરખી ઉપર તંબૂરાના તાર પર આંગળી ચલાવવાથી જેમ અવાજ આવે તેવો અવાજ આવતો.

    ગામડાના છોકરાઓ ભાતું લીધા વિના વનમાં વગર પૂછે ઉજાણીએ ઉપડી જાય છે. આંબલી તેમને કાતરા આપે છે, બોરડી બોર આપે છે, પીલુડી પીલુ આપે છે અને ગાંડો બાવળ પોતાની શીંગો આપે છે. ચોળીની શીંગો જેવી લાંબી અને ભરાવદાર દાણાવાળી ગાંડા બાવળની શીંગોના લૂમખાના લૂમખા બાવળ ઉપર સુંદર દેખાય છે. ગધેડાની પીઠ ઉપર ટેકો દઈ બાવળ પર ચડી જનારા ગામડિયા છોકરાઓ લૂમખાના લૂમખા નીચે પાડે છે.

    શીંગોમાંથી મીજ કાઢી, મીજમાંથી ધોળું પડ કાઢી છોકરાઓ તે હોંશે હોંશે ખાય છે, જે જરા ગળ્યું ગળ્યું લાગે છે. કૂણાં બીયાંને વઘારીને પણ નાનાં બાળકો ખાય છે.

    માબાપોને આની ખબર જ નથી હોતી, પણ ગાંડા બાવળને તેની પૂરેપૂરી જાણ છે. લોકોએ તેને ગાંડો બાવળ એટલા માટે કહ્યો હોય કે તે છોકરાઓ ભેગા કરે છે અને ખવરાવે છે. માબાપોને મન નિશાળ જેવું કોઈ ડાહ્યું નથી અને છોકરાઓને મન આ ગાંડા બાવળ જેવાં કેટલાં ય જણ બહુ ડાહ્યાં લાગે છે ! મને તો ગાંડો બાવળ બહુ ડાહ્યો લાગે છે.


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • બીજાને જેવા છે તેવા સ્વીકારીએ

    મંજૂષા

    વીનેશ અંતાણી

    દરેક વ્યક્તિ બીજાથી જુદી છે. જેમ આપણી પદ્ધતિઓ છે, આપણા અભિગમ છેઆપણી ટેવો છે તેમ અન્ય વ્યક્તિમાં પણ એની પદ્ધતિ, અભિગમ, આદતો હોઈ શકે.

    ત્રીસ વર્ષની હીના પાંચ વર્ષના લગ્નજીવન પછી વિચિત્ર પ્રકારની મૂંઝવણમાં મુકાઈ છે. એને એના પતિ યોગેશ માટે કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી, છતાં એ એના પર ચિડાયેલી રહે છે. એ જાણે છે કે એ માટેનું કારણ નજીવું છે. હીના કહે છે: ‘યોગેશને બધું જ આરામથી કરવાની ટેવ છે. એ ઇઝી-ગોઇન્ગ છે. આરામથી ઊઠે, નિત્યક્રમ ધીરેધીરે પતાવે, નાસ્તો કરતાં કે જમતાં બહુ જ વાર લાગે. એને જાણે કોઈ વાતે મોડું થતું જ ન હોય. અમારે બહારગામ જવાનું હોય ત્યારે એ હંમેશાં છેલ્લી ઘડીએ જ બહાર નીકળે. એની સામે મારો સ્વભાવ બધાં કામ ખૂબ ઝડપથી કરવાનો છે. હું દોડતી હોઉં એમ જ ચાલું, ઘરમાં પણ ઝડપથી ચાલું. યોગેશ ધીરેધીરે આરામથી વાતો કરે, હું કહું, જલદી પતાવને તારી વાત. મારું વર્તન હંમેશાં બહુ મોડું થઈ ગયું હોય એવું હોય. હું યોગેશની કાચબા જેવી ગતિથી કંટાળી જાઉં. એને વાતેવાતે ટોક્યા કરું અને કહું – ‘યોગેશ, તું તારી આદત બદલતો કેમ નથી?’ મેં એને બદલવા માટે હજાર કોશિશ કરી છે, પરંતુ એણે ક્યારેય મારો બિનજરૂરી ઉતાવળવાળો સ્વભાવ બદલવાની સૂચના આપી નથી. એણે મને હું જેવી છું તેવી સ્વીકારી લીધી છે, જ્યારે હું એ જેવો છે તેવો સ્વીકારી શકતી નથી.’

    આ મૂંઝવણ એકલી હીનાની જ નથી. આપણે બધા ઓછા-વત્તા અંશે બીજી વ્યક્તિને એ જેવી હોય તેવી સ્વીકારી શકતા નથી. એ તો કબાટ ખુલ્લો જ રાખશે, કપડાં જેમતેમ જ ફેંકશે, એની ખાવાપીવાની રીતો બરાબર નથી – એવી ફરિયાદ આપણી નિકટની વ્યક્તિઓ માટે કરીએ છીએ. અંગત સંબંધ ન હોય તેવા ઑફિસના સહકાર્યકર્તાઓ, પડોશીઓ, ડ્રાઇવર, દુકાનદાર, ક્રિકેટના ખેલાડી, રાહદારીઓ – બધા જ પ્રકારના લોકોનું વર્તન બરાબર નથી એવી છાપ બાંધીને જ જીવવાની આદત પડી જાય છે. આ એક પ્રકારે ‘આઇ એમ ઓકે, યુ આર નોટ ઓકે’નું વલણ છે.

    સાદી વાત છે કે દરેક વ્યક્તિ બીજાથી જુદી છે. જેમ આપણી પદ્ધતિઓ છે, આપણા અભિગમ છે, આપણી ટેવો છે તેમ અન્ય વ્યક્તિમાં પણ એની પદ્ધતિ, અભિગમ, આદતો હોઈ શકે. આપણે અન્ય લોકોમાં પોતાનું જ પ્રતિબિંબ જોવા માગીએ તે ભૂલ ભરેલું છે. શક્ય છે કે બીજી વ્યક્તિઓને એમના દૃષ્ટિકોણ પ્રમાણે આપણી ઘણી રીતભાતો પસંદ ન હોય. શું આપણે બીજાના દૃષ્ટિકોણને અનુરૂપ થવા તૈયાર હોઈએ છીએ?

    અજાણી કે ઓછી પરિચિત વ્યક્તિ વિશે પણ આપણે આપણી માન્યતા મુજબ અનુમાન બાંધીએ છીએ. આ સંદર્ભમાં અમેરિકાની ગાયિકા ડેમી લોવોટાનું ચીસ જેવું વિધાન યાદ રાખવા જેવું છે: ‘તમે મારા માટે કશુંય ધારી ન લો, તમે મારું નામ જ જાણો છો, મને અંદરથી ઓળખતા નથી.’ સામાન્ય રીતે દરેક જણ બીજા લોકોને ઉપરઉપરથી જોઈને એમના વિશે મનગમતી છાપ બાંધવામાં માહેર હોય છે. તેઓ અન્ય વ્યક્તિ વિશે બાંધેલાં અનુમાનમાં સત્ય માટે કોઈ અવકાશ રાખતા નથી. આ પૃથ્વી પર રહેતી દરેક વ્યક્તિનો પિંડ ભિન્ન રીતે બંધાયેલો હોય છે. એમાં એનો ઉછેર, એને મળેલું વાતાવરણ, એના સંજોગો અને એની પારિવારિક-સામાજિક-સાંસ્કૃતિક ભૂમિકા જુદી હોય છે. બીજાને માપવા માટે આપણા માપદંડ ઉપયોગી થતા નથી.

    પોતાના જ દૃષ્ટિકોણ અને પદ્ધતિઓ પ્રમાણે બીજી વ્યક્તિઓની ઉણપ શોધતા લોકો અજાણતાં જ અન્યાય કરી બેસે છે. એમને લોકોની મર્યાદાઓ દેખાય છે, એમની વિશિષ્ટતા તરફ ધ્યાન આપવાનું ચુકાઈ જવાય છે. અન્ય લોકોને ટીકાત્મક દૃષ્ટિએ જોવાનું વલણ રાખીને આપણે જાતને જ દુ:ખી કરીએ છીએ. પરિવારના સભ્યો માટે અસંતોષની લાગણી રહે છે. તે કારણે આપણે એમને આપણી સાથે જોડાવા દેતા નથી  કે નથી આપણે એમની સાથે જોડાઈ શકતા નથી. પરસપર વિચ્છૃંખલતાનો ભાવ મનમાં રહે છે. પરિવારના સભ્ય સાથે જોડાઈ ન શકતી વ્યક્તિ બૃહદ્દ જગતમાં એકલીઅટૂલી પડી જાય છે. એના મનમાં અસંતોષ અને ફરિયાદનો ભાવ કાયમ માટે ઘર કરી જાય છે.

    કોઈ વ્યક્તિ આપણી માન્યતાથી જુદું કરતી હોય ત્યારે આપણામાંથી બહાર નીકળીને એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ એની સમસ્યાનો હલ આપણી પદ્ધતિ પ્રમાણે નહીં જ શોધે. કાર્ય કરવા માટે એણે નિયત કરેલું ટાઈમ ટેબલ એનું નિજનું છે. આપણા ઘડિયાળના કાંટા પ્રમાણે એ જીવે એવી અપેક્ષા વધારે પડતી છે. એનું વર્તન આપણને નુકસાન કરતું ન હોય ત્યાં સુધી એ વ્યક્તિએ બદલવું જ જોઈએ એવું માનવાનું કોઈ કારણ નથી. જેમ આપણે ‘આપણે’ છીએ તેમ એ ‘એ’ છે. એની પણ સ્વતંત્રતા છે. આપણે બીજાને આપણા કિલ્લામાં કેદ કરી શકીએ નહીં. દલાઈ લામાએ સરસ વાત કરી છે: ‘લોકો સુખ અને સંતોષ મેળવવા માટે આપણાથી જુદો માર્ગ લે એનો અર્થ એવો નથી કે તેઓ ખોટે માર્ગે ચઢી ગયા છે.’


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • અન્નનો અનાદર પર્યાવરણ માટે પણ હાનિકર્તા છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ઈસુનું નવું વરસ શરૂ થયું એની ઉજવણીનો ઉન્માદ માંડ શમવામાં હશે ને ઉત્તરાયણનો તહેવાર આવશે. એ પછી લગ્નસરા શરૂ થશે. એક સમય એવો હતો કે એકધારા જીવનમાં કંઈક બદલાવ રહે એ માટે લોકો ઉજવણી કરતા, જ્યારે હવે ઉજવણીઓમાં એ હદે એકવિધતા આવી ગઈ છે કે તેમાં બદલાવની જરૂર જણાય. આપણી સામાજિક ઉજવણીઓમાં સૌથી મહત્ત્વનો જે બદલાવ જોવા મળે છે એ વધી ગયેલા ભપકાનો, ફિલ્મો અને ધારાવાહિકોની દેખાદેખીએ દાખલ કરાયેલી ચિત્રવિચિત્ર, વિસ્તારપૂર્વક થતી વિધિઓનો, અને સૌથી ઉપર ખોરાકના વેડફાટનો.

    એક અંદાજ અનુસાર, વિશ્વભરમાં પ્રતિ વર્ષ જેટલો આહાર તૈયાર કરવામાં આવે છે એમાંથી એક તૃતીયાંશ ફેંકી દેવામાં આવે છે. આનો અર્થ એ કરી શકાય કે આ સમસ્યા કેવળ આપણા દેશ પૂરતી મર્યાદિત નથી, પણ સાર્વત્રિક છે. ખોરાકનો વેડફાટ એ રીતે અક્ષમ્ય ગણાય કે બીજી તરફ અનેક લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. આ ઉપરાંત તેના વેડફાટનું એક મહત્ત્વનું પરિણામ એટલે પર્યાવરણ પર થતી તેની વિપરીત અસર. ખોરાકના વેડફાટના પરિણામનું આ પાસું હમણાં હમણાં પ્રકાશમાં આવ્યું છે અને તેને ગંભીરતાપૂર્વક લેવામાં આવી રહ્યું છે.

    ‘ખોરાકનો વેડફાટ’ એટલે માનવ માટે બનેલો ખોરાક નકામો જાય એવી સ્થિતિ, જે ખેતરથી લઈને ઘર સુધીની પુરવઠાસાંકળમાં ગમે તે તબક્કે થઈ શકે. તેને બે પ્રકારમાં વિભાજીત કરી શકાય. પ્રથમ પ્રકાર તે ‘ખોરાકનું નુકસાન’ એટલે કે ઉત્પાદન પ્રક્રિયાના આરંભિક તબક્કે ખોરાકને થતું નુકસાન. બીજો પ્રકાર એટલે ‘ખોરાકનો વેડફાટ’ એટલે કે માનવ માટે એકદમ સુયોગ્ય રીતે તૈયાર થયેલા ખોરાકનો કોઈક કારણથી નિકાલ કરી દેવામાં આવે એ. ખોરાકની ઉત્પાદન પ્રક્રિયામાં તેને ઉગાડવા, પ્રક્રિયા કરવા, વિભાજન કરવવા, પૅક કરવા, વહન કરવા અને વેચાણ કરવા જેવા તબક્કા સમાયેલા છે. આથી ખોરાકનો વેડફાટ થાય ત્યારે આ તમામ તબક્કે ઉપયોગમાં લેવાયેલાં સંસાધનોનો પણ વેડફાટ થતો હોય છે. ખોરાકના ઉત્પાદનથી વેચાણ સુધીના તબક્કાને ‘અપસ્ટ્રીમ’ કહેવાય છે, જ્યારે એ પછીનો એટલે કે વેચાણ થકી ગ્રાહક સુધી પહોંચવાનો તબક્કો ‘ડાઉનસ્ટ્રીમ’ કહેવાય છે. જેટલા મોડા તબક્કે ખોરાક વેડફાય એમ પર્યાવરણ પર તેની વિપરીત અસર વધુ થવાની, કેમ કે, તેની પ્રક્રિયામાં વધુ ઉર્જા અને નૈસર્ગિક સ્રોતની જરૂર પડે છે.

    2013માં ‘ફૂડ એન્‍ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન ઑફ ધ યુનાઈટેડ નેશન્‍સ (એફ.એ.ઓ.)ના એક અહેવાલમાં વૈશ્વિક સ્તરે ખોરાકના વેડફાટની પર્યાવરણ પર અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એ મુજબ, મધ્યમથી ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં ખોરાકનો વેડફાટ ‘ડાઉનસ્ટ્રીમ’ તબક્કે થાય છે, જે મુખ્યત્વે ગ્રાહકો અને વ્યાપાર થકી છે. અહેવાલ અનુસાર વિકાસશીલ દેશોમાં આ વેડફાટ ‘અપસ્ટ્રીમ’ તબક્કે થાય છે, જે મુખ્યત્વે સંગ્રહની તેમજ અન્ય સુવિધાઓના અભાવને કારણે હોય છે.

    આ વેડફાટ પર્યાવરણને શી રીતે અસર કરે? ખોરાકના વેડફાટથી તેના ઉત્પાદન માટે વપરાયેલા ઊર્જા, ઈંધણ અને પાણી પ્રાકૃતિક સ્રોત પણ વેડફાય છે. ખોરાકને લેન્‍ડફીલ તરીકે ઓળખાતા, ઘન કચરાને ઠાલવવા માટેના ખુલ્લા મેદાન જેવા સ્થાને ફેંકીને સડવા દેવામાં આવે ત્યારે તે મિથેન વાયુનું ઉત્સર્જન કરે છે. એક શક્તિશાળી ગ્રીનહાઉસ વાયુ મિથેન વાતાવરણમાં લાંબા સમય સુધી ફરતો રહે છે. ખોરાકના વેડફાટથી જમીનને સીધું નુકસાન પણ થાય છે અને એ પણ બે રીતે. એક તો જેમાં તેને ઉગાડવામાં આવ્યો એ જમીનને અને જ્યાં તેને ફેંકવામાં આવ્યો એ જમીનને. આ ઉપરાંત જૈવવિવિધતાને પણ વ્યાપક પ્રમાણમાં હાનિ થાય છે. એકનો એક પાક લેતા રહેવાથી તેમજ વન્ય ભૂમિને ગોચર યા કૃષિલક્ષી ઉપયોગમાં પરિવર્તિત કરવું સામાન્ય બની રહ્યું છે. તેને લઈને જે તે વિસ્તારમાં સામાન્યપણે ઉગતી અનેક વનસ્પતિ અને જીવસૃષ્ટિને નુકસાન થતું રહે છે. તદુપરાંત મોટા પ્રમાણમાં મત્સ્યોદ્યોગના વિકાસથી દરિયાઈ જીવોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાતો રહ્યો છે.

    વૈશ્વિક સ્તરે જ્યાં આ પરિસ્થિતિ હોય ત્યાં સ્વાભાવિકપણે જ આપણને થાય કે આમાં વ્યક્તિગત ધોરણે, એક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? ખરું જોતાં ‘અન્નનો અનાદર’ ન કરવાનો વિચાર આપણી સંસ્કૃતિમાં વણાયેલો છે, પણ તેનું પાલન ક્યાં થતું જોવા મળે છે? પહેલાં સમૂહભોજનની પરંપરા હતી ત્યારે અને આજે એ જ પ્રથા નવા સ્વરૂપે ચલણી બની રહી છે ત્યારે પણ ખોરાકનો વેડફાટ ખરેખર તો વધ્યો હોય એમ લાગે છે. વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીમાં તૈયાર કરાતી વૈવિધ્યપૂર્ણ, છતાં મોટા ભાગે વિરોધાભાસી વાનગીઓ આમાં વધારો કરી રહી છે. એક એક ઉજવણીના પ્રસંગે થતા ખોરાકના વેડફાટ ઉપરાંત પેદા થતા પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ પણ ચિંતાજનક હોય છે. સામાન્ય સંજોગોમાં આ પ્રકારના વેડફાટ બાબતે ચિંતા વ્યક્ત કરતા લોકો પોતાને ત્યાં પ્રસંગ આવે ત્યારે તત્પૂરતી ચિંતાને કોરાણે મૂકી દે છે અને શક્ય એટલો ખોરાકી તેમજ પ્લાસ્ટિકી કચરો પેદા કરે છે. આવા લોકો કોઈ અન્ય ગ્રહ પરથી નથી આવતા, પણ મારા અને તમારા જેવા સામાન્ય લોકો જ હોય છે.

    હોટેલમાં જઈને ઢગલાબંધ ઓર્ડર આપ્યા પછી ભોજન છાંડતા લોકોનો પણ આગવો વર્ગ છે. તેમના માટે ‘બહાર જમવું’ પોતાના નાણાંના પ્રદર્શન સમું હોય છે. પોતાને અમુકતમુક મોંઘી હોટેલમાં જમવું જ નહીં, વેડફવું પણ પોસાય છે એમ તેઓ માને છે. તેમને એ અંદાજ જ નથી કે તેઓ કિંમતી નૈસર્ગિક સંસાધનોનો વેડફાટ કરી રહ્યા છે.

    વ્યક્તિગત ધોરણે આપણે જરૂર પૂરતો જ ખોરાક થાળીમાં લઈએ અને એને ન વેડફીએ તો પણ એ પર્યાવરણને બગડતું અટકાવવા માટેનું મહત્ત્વનું યોગદાન હશે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૪ – ૦૧ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • વિસ્લાવા શિંમ્બોર્સકા – દરેક સર્જકે એક કચરા ટોપલી રાખવી જોઈએ

    સંવાદિતા

    ભગવાન થાવરાણી

    પોલિશ કવયિત્રી – નિબંધકાર – અનુવાદિકા વિસ્લાવા શિંમ્બોર્સકા   (  આખું નામ : મારિયા વિસ્લાવા અન્ના શિંમ્બોર્સકા, પોલિશ ઉચ્ચાર : વિસ્સાવા ) ની જન્મ – શતાબ્દી ગત ૨ જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવાઈ. પોલેંડના આ કવયિત્રીને ૧૯૯૬ માટેનું સાહિત્યનું નોબેલ પારિતોષિક એનાયત થયું એ પહેલાં પોલેંડની બહાર ભાગ્યે જ કોઈ ઓળખતું હતું. ૨૦૧૨માં ફેફસાંના કેંસરથી પોલેંડના શહેર ક્રેકોમાં ૮૮ વર્ષે અવસાન પામનારા વિસ્લાવાએ આખરી ૮૦ વર્ષ આ જ શહેરમાં વીતાવેલા અને એમાંના મોટા ભાગના એક જ મકાનમાં ! એમને નોબેલ સન્માન મળ્યું ત્યારે સાહિત્ય – જગતમાં આશ્ચર્યની લહેરખી ફરી વળેલી કારણ કે એમની કવિતાઓની ત્યાં લગી વિશ્વ-ફલક પર ભાગ્યે જ નોંધ લેવાયેલી !

    અડધી સદી જેટલી સર્જન – યાત્રા દરમિયાન એમણે માંડ ત્રણ સો કવિતાઓ લખી. ખ્યાતિ પ્રાપ્ત થયા બાદ જ્યારે એમને કોઈ પત્રકારે પૂછ્યું કે આટલા દીર્ઘ સર્જનકાળ છતાં આટલી ઓછી કવિતાઓ કેમ ત્યારે એમણે એક જ વાક્યમાં જવાબ આપેલો, ‘ મારે ત્યાં કચરા ટોપલી છે ને ‘ !

    નોબેલ સ્વીકારતી વખતના બીજ – વક્તવ્યમાં એમણે કહેલું ‘ કોઈ પણ જ્ઞાનપ્રાપ્તિ જો નવા પ્રશ્નો ન જન્માવે તો એ સમયાંતરે મૃત્યુને વરે છે. જીવનને ધબકતું રાખવા માટે જોઈતું તાપમાન છે નવા પ્રશ્નો. હું કબૂલ કરું છું, હું ખાસ જાણતી નથી. જે લોકો એવો દાવો કરે છે કે તેઓ ઘણું જાણે છે એમણે જ દુનિયામાં ઘણી તકલીફો ઊભી કરી છે. ‘ કવિતા વિષે વાત કરતાં એમણે આ વક્તવ્યમાં કહેલું કે મને શંકા છે કે એ વિષે વાત કરવા હું યોગ્ય વ્યક્તિ નથી. જેમ અન્ય વિષયોના નિષ્ણાત પ્રાધ્યાપકો હોય તેમ કવિતાના પણ હોય એવું સાંભળ્યું નથી. કવિ હોવા – કહેવડાવવા માટે પાનાઓ ભરીને કવિતા લખવી એ પર્યાપ્ત નથી. કવિઓ પ્રકાશિત થવા, વંચાવા, અર્થઘટિત થવા તલસે છે પરંતુ સામાન્યતામાંથી બહાર આવવા, ઘેટાંના ટોળામાંથી જાતને અલગ તારવવા ભાગ્યે જ કશું કરે છે. છેવટ તો રાહ જોઈ રહેલો સફેદ કાગળ જ એમની ક્ષમતાની અંતિમ કસોટી છે. કવિની દરેક રચના એના અજ્ઞાનનો કવિતા દ્વારા અપાયેલો જવાબ હોવો જોઈએ. કવિતાની ભાષામાં દરેક શબ્દનું પોતીકું વજન હોય છે. ત્યાં કશું જ રાબેતા મૂજબનું કે સામાન્ય નથી !

    વિસ્લાવાની કવિતાઓ અસ્તિત્વના સવાલોને લગતી છે જેને કોઈ એક બીબામાં મૂકી શકાય નહીં. માનવીય અસ્તિત્વના ગહનતમ સવાલોને વ્યાખ્યાયિત કરવા આ કવિતાઓ પ્રયત્નશીલ છે. એમની ભાષા ભાવક સાથે સીધી વાત કરે છે. બહુધા એમની કવિતાઓનો અંત અણધાર્યો હોય છે. આધ્યાત્મિકતા, સરળતા અને સમાનુભૂતિના સાયુજ્ય સમી એમની મોટા ભાગની કવિતાઓમાં એક પ્રકારની સ્થિતપ્રજ્ઞતા, પ્રેક્ષકભાવ અને કરુણાસભર હળવાશ હોય છે. ગંભીરમાં ગંભીર વાત એ ગજબની નિર્લેપતાથી કહી નાંખે છે.

    બીજા વિશ્વયુદ્ધમાં હિટલરના જર્મની દ્વારા આચરાયેલા નરસંહારના એ સાક્ષી હતા. એમનો પોતાનો દેશ જર્મનીના આધિપત્ય હેઠળ હતો અને એમના શહેર ક્રેકોમાં યહૂદીઓ માટે એક વિશાળ છાવણી ( ઘેટ્ટો ) ઊભી કરાયેલી જ્યાંથી એમને પછી અલગ – અલગ યાતના શિબિરોમાં લઈ જવાતા. એમની ખાસિયત પ્રમાણે વિસ્લાવાએ આ યાતનાઓને વાચા તો આપી પણ આડકતરી રીતે – એમની એક કવિતા TORTURES  દ્વારા. એ કવિતાના ભાવાનુવાદ સાથે વિરમીએ :

    ||  યાતનાઓ  ||

    કશું બદલાયું નથી
    દેહ પીડાનો ભંડાર છે ;
    એને ભૂખ લાગે, એ શ્વસે, એ ઊંઘે
    એની પાતળી ત્વચા અને એની બરાબર નીચે લોહી ;
    એને દાંત અને નખ ઊગતા રહે
    એનાં હાડકાં ભાંગી શકાય ;  એના સાંધાઓ ખેંચી શકાય
    યાતનાઓમાં આ બધું ગણતરીમાં લેવાય છે.

    કશું ય બદલાયું નથી
    દેહ પહેલાં કંપતો એમ જ કંપે છે
    રોમની સ્થાપના પહેલાં અને પછી પણ
    વીસમી સદીમાં, ઈસુ પહેલાં અને પછી પણ
    યાતનાઓ બરાબર એ જ છે જે પહેલાં હતી
    માત્ર પૃથ્વી સંકોચાઈ છે

    અને જે કંઈ ચાલી રહ્યું છે એ પરથી તો એવું લાગે
    જાણે બાજુના જ કોઈ કમરામાં એ ઘટિત થઈ રહ્યું હોય.
    કશું જ બદલાયું નથી
    સિવાય કે લોકોની સંખ્યા વધી છે
    અને જૂના અપરાધોમાં નવા ઉમેરાયા છે –

    વાસ્તવિક, કાલ્પનિક, અલ્પકાલીન અને અસ્તિત્વહીન
    પરંતુ શરીર જે ચિત્કાર દ્વારા એનો પ્રત્યાઘાત આપે છે
    એ તો સદીઓ પુરાણા માપદંડ અને ઉતાર-ચડાવ અનુસાર
    એક નિર્દોષ ચીસ સમો જ રહ્યો છે.
    કશું ક્યાં બદલાયું છે ?

    રીત-રસમો, વિધિ-વિધાન અને મુદ્રાઓ સિવાય
    મસ્તકને પ્રહારથી રોકનાર હાથની મુદ્રા હજી પણ એ જ રહી છે
    દેહ હજી પણ એમ જ આળોટે છે, આંચકી ખાય છે, તણાય છે
    એ ધકેલાય છે, જમીન પર પટકાય છે, ગોઠણો સંકોચે છે,
    ઉઝરડાય છે, સૂજે છે, લાળ વહાવે છે, લોહીલુહાણ થાય છે
    બધું એમ જ છે

    સિવાય કે નદીઓનું વહેણ
    જંગલોનો વિસ્તાર, સમુદ્ર-કાંઠાઓ, રણો અને હિમ-નદીઓ
    બિચારો અંતરાત્મા એ દૃશ્યો વચાળે ખોવાય
    પાછો ફરે
    નિકટ આવે, દૂર જાય, છટકે, જાણે સ્વયંથી પણ અણજાણ
    ક્યારેક ચોક્કસ , ક્યારેક પોતાના જ વજૂદ વિષે અનિશ્ચિત
    પરંતુ દેહ તો છે, છે અને છે
    અને એના માટે કોઈ છટકબારી નથી.

    – વિસલાવા શિંમ્બોર્સકા

    ( મૂળ પૉલિશ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી ભાવાનુવાદ )

    વિસ્લાવા શિંમ્બોર્સકાની સમગ્ર કવિતાઓનું અંગ્રેજી ભાષાંતર સંકલનરૂપે મેપ ( M A P ) નામના આ પુસ્તકમાં પ્રકાશિત થયું છે.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ઉર્ધ્વારોહણની યાત્રા : ‘પગલું માંડું હું અવકાશમાં’

    દર્શના ધોળકિયા

    વર્ષાબહેન અડાલજાની લબ્ધપ્રતિષ્ઠિત સર્જક તરીકેની ભાવકોને અત્યાર સુધી થયેલી ઓળખમાં એમની તાજેતરમાં પ્રકાશિત થયેલી ‘પગલું માંડું હું અવકાશમાં’ એ આત્મકથાએ લેખિકાના અંતરંગનો ઘનિષ્ઠ પરિચય સંપડાવ્યો છે. પ્રસ્તુત કૃતિમાં લેખિકાના રસાળ જીવનનો પ્રવાહી શૈલીમાં મળતો રહેતો પરિચય એમની વિકાસયાત્રાનાં એમણે ક્રમશઃ સર કરેલાં સોપાનોનો આલેખ બની રહે છે.

    ગુજરાતીના સમર્થ સર્જક ગુણવંતરાય આચાર્યના ઘેઘુર વૃક્ષ શાં વ્યકિતત્વની નિશ્રામાં ભાંડરડાઓની સાથે પાંગરતાં રહેલાં લેખિકાએ જીવતરની વિશાળતાનો અનાયાસ આશ્લેષ પ્રાપ્ત કર્યો છે. શીલ અને સૌંદર્યનો સુભગ સમન્વય ધરાવતાં માતા, ઇલાબહેન અને બિંદુબહેન જેવી પ્રેમાળ બહેનો ને શિશિરભાઈ સમા બંધુના પ્રેમથી કાયમ ભીંજાતા રહેલાં લેખિકાએ જીવતરના ધસમસતા પ્રવાહમાં વહેતાં વહેતાં કેટકેટલી પ્રાપ્તિ કરી ! તેમનો રંગમંચ પ્રત્યોનો પ્રેમ તેમને ઉતમ કૃતિઓમાંથી નીપજેલાં નાટકોની ઉતમ નાયિકા તરીકે તેમને કેળવતો રહ્યો. તો પ્રેમાળ પતિ મહેન્દ્રભાઇની પ્રેરણાથી તેમણે પકડેલી કલમે તેમને માનવજીવનનું જે વિરાટ દર્શન સંપડાવ્યું જેમાંથી નીપજી જેલજીવન, યુધ્ધ, લેપ્રસી, આદિવાસીનાં જંગલો જેવા વિવિધ વિષયોને આલેખતી અનેક નવલકથાઓ !

    આ કૃતિઓમાં ક્યાંક નારીની મનોવેદના આલેખાઇ, ક્યાંક ઉત્તમ ચરિત્રો આકાર પામ્યાં તો ક્યાંક મનુષ્યની સૂક્ષ્મ ચેતના ઝિલાઇ. તેમની આ સમગ્ર લેખનયાત્રા આ કૃતિમાં તેમનો ચૈતવિસ્તારની યાત્રા તરીકે આલેખાતી રહી છે. પોતાના જીવનપ્રવાહને લેખિકાએ અહી પાર સચ્ચાઇથી નિરક્યો છે. આથી જ જીવનના વિવિધ તબકકે એમણે અનુભવેલી મૂંઝવણો, અવઢવો ને નિરાશાઓને પણ પુરી નિસબતથી સૌ સમા નિરાવરણ કરતાં એમણે જરાય સંકોચ અનુભવ્યો નથી. પોતાનાં જીવનમાં આવેલા સૌને વર્ષાબહેને પ્રેમથી ભીંજવી અને સ્વ નામને સાર્થક ક્યું છે. કૃતિમાં સહદયને ઝંકૃત કરી દે

    એવાં એકાધિક આલેખનોમાં વિશેષ સ્પર્શી જાય એવો પ્રસંગ લેખિકાના પતિ મહેન્દ્રભાઇના માતા સાથે લેખિકાએ સાધેલા સંવાદનો છે. પતિ સાથેના પ્રેમ લગ્નને કારણે ઇચ્છાબાની સતત ઉપેક્ષા પામવા છતાંય લેખિકાએ એમને પોતાના પ્રેમથી વશ કરીને પોતાના સર્જકત્વનો શ્રેષ્ઠ પરિચય આપીને જીવતરનો સાચો હિસાબ જાણે આપી દીધો છે. અનેક માનસન્માન, ઇનામ અકરામોના પડાવોને પાર કરવાની ક્ષણે લેખિકાએ અનુભવેલો આનંદ એમને મળેલી પ્રતિષ્ઠાને અતિક્રમીને એમના સર્જનમાં જ ઠરીઠામ થતો જણાય છે.

    કન્યાકુમારીનો સૂર્યોદય, માધુપુરનો દરિયો, શ્રીકૃષ્ણના દેહોત્સર્ગનાં અનુપમ મંદિરમાં કરેલો ઘંટારવ, પાવાગઢના દૂધિયા સરોવરના શીતળ જળમાં સ્નાન કરતાં થયેલી રોમહર્ષક અનુભૂતિ. બેંગકોકમાં પ્રખ્યાત બુદ્ધ મંદિરમાં બુદ્ધની પ્રતિમાનું દર્શન. યાદ વાશેમ – હોલોકોસ્ટ મેમોરિયલ જોતાં ભીની થયેલી આંખ, એ મારે મન માત્ર પ્રવાસપ્રસંગો નથી, કશું વિશેષ છે. માળામાં પાછું ફરતું પંખી ચાંચમાં લઈને આવે છે થોડું આકાશ. પછી એ આકાશ વિસ્તરતું રહે છે.

    સમગ્ર કૃતિમાં લેખિકાનો જીવનપ્રેમ એમને જ઼ૉ અર્થમાં એક આસ્તિક વ્યકિત ઠેરવે છે – એમના જીવન પ્રત્યેના વિધાયક અભિગમની । દૃષ્ટિએ, એમોં ખુલ્લી રાખેલી “હથેળીઓમાં જીવને આપેલી ભેટોને  સ્વીકારતી વેળાએ અનુભવેલી કૃતજ્ઞાને લઇને અને જીવનને પ્રેમનું વરદાન સમજવાની દૃષ્ટિને લઈને. આ સમગ્ર સંદર્ભમાં લેખિકાએ સાચે જ અવકાશમાં પગલું માંડયાનું ને અનુભવાય છે.

    (પગલું માંડું હું અવકાશમાં, લેખિકા: વર્ષા અડાલજા પ્રકા. આર.આર. ના શેઠ, અમદાવાદ પ્ર.આ.૨૦૨૨)


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪. ૪ અંશ ૨

    જીવનની અર્થવ્યવસ્થાનો

     વ્યાવહારિક અમલ

    ૪. ૪

    રોકાણ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    ૪. ૪ અંશ ૧ થી આગળ

    બચતમાંથી રોકાણમાં રૂપાંતરશી રીતે અને ક્યાં ક્યાં

    એક વ્યક્તિએ બચત કરેલ નાણાં બીજી વ્યક્તિને ઉધાર લેવા માટે કે અન્ય કોઈ રીતે વપરાશ કરવા માટે કામમાં આવે છે.

    નાણાં ઉધાર એ શરતે આપવામાં આવે છે કે ઉધાર લેનાર તે નાણાંને એ જ સ્વરૂપે પરત કરવા વચનબદ્ધ થયેલ હોય. આપણી બચત ઉધાર લેનારને, નક્કી થયેલ શરતોના કરાર મુજબ, સીધી જ ઉધાર અપાઈ હોય એ પ્રકારના રોકાણને ધિરાણ તરીકે ઓળખવામાં આવે છે. તે સિવાય શેર બજાર જેવાં વિનિમય માધ્યમની મદદથી આપણે આડકતરી રીતે બોંડ જેવી ઋણ જામીનગીરીમાં પણ આ રોકાણ કરી શકીએ છીએ. ઉધાર લેનારને સીધી જ ઋણ તરીકે આપેલી રકમ કરારની જોગવાઇ અનુસાર, કે આપસી સહમતિ સિવાય, નિયત સમય પહેલાં પાછી નથી લઈ શકાતી. બજારમાંથી ખરીદેલ ઋણ જામૈનગીરીઓને લેવેચ કરી શકાય છે. આમ બજારમાં વેંચીને આપણે આપણે રોકેલી રકમ ધિરાણના નિયત સમય પહેલાં પાછી મેળવી શકીએ છીએ. સામાન્ય રીતે ઋણ જામીનગીરીઓને પાકવાની નિયત અવધિ હોય છે. એ દિવસે ઉધાર લેનારે, જો કંઈ બાકી રહેતું હોય તો તેટલાં,  વ્યાજ સાથે ઉધાર લીધેલી રકમ ધિરાણ કરનારને પરત કરવાની હોય છે. બજાર મારફત રોકાણ કરેલ ઋણ જામીનગીરીને આપણે ક્યાં તો નિયત સમયથી રાખી મુકી શકીએ છીએ અથવા તો સમય પહેલાં પાછી માગી શકીએ છીએ  કે પછી બજારમાં વેંચી દઈ શકીએ છીએ.

    રોકાણકારની રકમને નિયત સમય સુધી વાપરવા માટે દેવું લેનાર જે વળતર આપે છે તેને ‘વ્યાજ’ કહેવામાં આવે છે. વ્યાજનો દર નિશ્ચિત અથવા તો બદલતો રહેતો હોઈ શકે છે. વ્યાજની ચુકવણી સાદાં વ્યાજ તરીકે દર મહિને, દર ત્રણ મહિને કે દર વર્ષે, કે પછી ચક્રવૃધ્ધિ વ્યાજની ગણતરી પ્રમાણે પાકતી મુદ્દતે કરવામાં આવતી હોય છે.

    જેમાં મૂળ રકમ અને વ્યાજની ચુકવણીની જવાબદારી દેવું લેનાર દ્વારા સ્વીકારાઈ હોય છે એવી ઋણ જામીનગીરીઓ સિવાય ‘ઈક્વિટી શેર’ તરીકે ઓળખાતી જામીનગીરીઓમાં પણ રોકાણ કરવામાં આવતું હોય છે. આ કિસ્સામાં રોકાણની રકમ વપરાશકારને ઋણ તરીકે નહીં પણ કંપનીની માલિકીના અંશ તરીકે આપવામાં આવે છે. નાણા લેનાર દ્વારા રોકાણકારને મૂળ રકમ કે વળતરની કોઈ બાહેંધરી નથી અપાતી, પણ એ રોકાણમાંથી જે કંઈ નફો થાય તેમાં (રોકાણના પ્રમાણમાં) ‘સમાન હક્ક’ના ધોરણે, ‘ડિવિડંડ’ તરીકે ઓળખાતાં સ્વરૂપે, વળતર ચૂકવવામાંઆવે છે. અમુક ચોક્કસ પ્રકારની ઈક્વિટી જામીનગીરીઓ સિવાય રોકાણ પરત કરવાની કોઈ નિશ્ચિત અવધિ નથી હોતી. ઈક્વિટી શેરમાં રોકાણ તેની મૂળ કિંમત (ફેસ વેલ્યુ)ના આધારે કે વપરાશ કરનાર દ્વારા નક્કી કરાયેલ ‘ઇસ્યુ પ્રાઈસ’ના દરે કરવામાં આવે છે. ઈક્વિટી શેર જો માન્યતા પ્રાપ્ત બજારમાં ‘લિસ્ટેડ’ હોય તો જે તે સમયે બજારમાં નક્કી થતી કિંમતે (માર્કેટ પ્રાઈસ)ના આધારે લેવેચ કરી શકાય છે. પરંતુ જો આવા શેર અંગત ધોરણે રોકાણ કરાયેલ હોય તો એ જામીનગીરી ‘અનલિસ્ટેડ’ ઈક્વિટી શેર તરીકે ઓળખાય છે અને તેથી તેની લેવેચ વેચનાર અને ખરીદનાર વચ્ચે નિયત થયેલી કિંમતે  થતી હોય છે. શેરની ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત એ મૂડી નફા (કે નુકસાન)ના સ્વરૂપે રોકાણકારને મળતું વળતર છે. આમ આ પ્રકારની જામીનગીરીની નોંધપાત્ર વિશેષતા પરત ચુકવણી કે વળતરની બાહેંધરી ન હોવી તે છે. વળતર પણ કંપનીના મૂલ્યની બજારના અન્ય રોકાણકારોની માન્યતાના આધારે નક્કી થતા ભાવે કે પછી લેનાર અને વેચનારની વચ્ચે આપસી સમજૂતિથી નિશ્ચિત થતા ભાવે નક્કી  થાય છે. આ કારણે ઈક્વિટી જામીનગીરીઓ જોખમી રોકાણ ગણાય છે.

    નાણાનું રોકાણ આમ ઋણ જામીનગીરીના કે ઈક્વિટી જામીનગીરી જેવાં દેવું કરનાર સાથે સીધાં સ્વરૂપે કરી શકાય છે. આ રોકાણો ખાનગી રાહે કે માન્યતા પ્રાપ્ત બજારનાં માધ્યમ દ્વારા કરાતાં હોય છે. જે રોકાણકારોને આ પ્રકારના વ્યવહારો બહુ કડાકુટીયા લાગતા હોય તે લોકો બેંકો જેવી નાણાકીય મધ્યસ્થી સંસ્થાઓમાં ‘થાપણ’ તરીકે કે પછી મ્યુચ્યુઅલ ફંડ જેવી આગવી નાણાકીય મધસ્થી સંસ્થામાં ‘યુનિટ’ સ્વરૂપે રોકાણ કરી શકે છે. બેંકો વગેરેમાં મુકાતી થાપણોને તેઓ દ્વારા આપણા ‘ટ્ર્સ્ટી’ તરીકે અન્ય સંસ્થાઓ કે વ્યક્તિઓને, જે તે સમયે અમલી નિયમોને આધીન રહીને, ધિરાણ તરીકે આપે છે અને  થાપણધારકને પરત ચુકવણી અને વળતરમાટે, અમુક શરતો અનુસાર, એ સંસ્થા બાહેંધરી આપે છે. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરાયેલ રોકાણ બજાર આધારિત જોખમો પર નિર્ભર રહે છે. મ્યુચ્યુઅલ ફંડ સંસ્થા દ્વારા આપણે તેઓ દ્વારા બહાર પડાયેલ અલગ અલગ પ્રકારના વિકલ્પો મુજબનાં ‘યુનિટ’માં રોકાણોનું તેઓ આપણા વતી પુનઃરોકાણ કરે છે. આમ મૂળ રોકાણનાં જોખમની અંતિમ જવાબદારી આપણી રહે છે. જ્યારે બેંકો જેવી મ્ધ્યસ્થી સંસ્થાઓ દ્વારા આપણી રોકાણોમાંથી કરાતાં ધિરાણોનું સીધું જોખમ જે તે બેંકે લેવાનું હોય છે.

    એક અન્ય રોકાણનો પ્રકાર છે – જીવન વીમો કે સામાન્ય વીમો. જીવન વીમો વ્યક્તિની, જે તે વીમા કંપની દ્વારા  નક્કી કરાયેલ વીમા પોલિસીની યોજનાની શરતો અનુસાર, વ્યક્તિનાં જીવનનાં જોખમ સામે સુરક્ષા આપે છે. વીમા ધારકને વીમા કંપની નિશ્ચિત થયેલી શરતો અનુસાર પોલિસીની અવધિ દરમ્યાન થતાં મૃત્યુ સમયે વીમાની રકમ જેટલી રકમ ચુકવી આપવાની બાહેંધરી આપે છે. અમુક પ્રકારની યોજનાઓમાં વીમાની પાકતી મુદ્દતે વીમાધારકને વીમાની રકમ અને અમુક પૂર્વ નિશ્ચિત વળતર પણ મળી શકે છે.  સામાન્ય વીમો એ વ્યાપારઉદ્યોગમાં આગ કે કુદરતી આફતોથી થતાં નુકસાનો સામે સુરક્ષા આપે છે.  ‘મેડીક્લેમ’ તરીકે ઓળખાતા વીમાના પ્રકારમાં વીમાધારકને, કે તેનાં કુટુંબીજનોને, થતી અમુક પ્રકારની માંદગીની સારવારનાં ખર્ચ કે અકસ્માતથી થતાં નુકસાન સામે પણ સુરક્ષા મળે છે. વીમાખતધારક દ્વારા વીમા કંપનીને ચુકવાતાં પ્રિમિયમોને એ વીમા કંપની અન્ય ધિરાણોમાં રોકીને તેમાંથી મળતાં વળતરમાંથી પોતાની આવક મેળવે છે.

    પોતાની બચતોને જાતે, સીધાં જ, રોકાણ કરવાના કે પછી વચ્ચે રહીને, જે તે સમયે લાગુ પડતાં નિયમનોને આધીન રહીને, પરોક્ષ રીતે રોકાણ કરવાના સંસ્થાકીય અનેક વિક્લ્પો હવે ઉપલબ્ધ છે. આપણે ત્યાં હજુ એક વર્ગ એવો પણ છે કે જૂના સમયની શરાફી વ્યવસ્થા દ્વારા પણ રોકાણ કરે છે. તો એક વર્ગ એવો પણ છે કે જે સોનાચાંદી જેવી કિંમતી ધાતુઓમાં સીધું રોકાણ પણ કરે છે. નાણાકીય રોકાણના દરેક પ્રકારને પોતપોતાનાં, વધતે ઓછે અંશે, જોખમો તો છે જ. અને એમ જુઓ તો બચતને રોકડ સ્વરૂપમાં, કબાટો કે તિજોરીઓમાં, રાખી મુકવાના વિકલ્પમાં પણ જોખમ ક્યાં નથી? રોકાણો કરવા માટે કયો વિકલ્પ પસંદ કરવો એ દરેક વ્યક્તિની પોતાની જોખમ લેવાનાં અને સહન કરી શકવાનાં સામર્થ્ય પર આધાર રાખે છે. દરેક વ્યક્તિએ રોકાણના જુદા જુદા જુદા વિકલ્પોનાં જોખમો તેમ જ પોતાનાં જોખમ સામર્થ્યને સમજવાં એ  રોકાણ પ્રક્રિયાની બહુ મહત્ત્વની જરૂરિયાત છે.

    અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં  ઘટક ‘રોકાણ’નાં લગતાં મહત્ત્વનાં પાસાં, રોકાણ પ્રક્રિયાનાં જોખમો,ની  ચર્ચા હવે પછીના મણકામાં કરીશું.


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • આદિવાસી અધિકારોનો સબળ અવાજ : જયપાલ સિંહ મુંડા

    નિસબત

    ચંદુ મહેરિયા

    દલિતોને બંધારણીય રાહે અનામત અને વિશેષ સગવડો ડો. બાબાસાહેબ આંબેડકરની લડતને કારણે મળી શકી છે. પરંતુ આદિવાસીઓને શું આપમેળે જ અનામત અને અન્ય લાભો મળી ગયા છે ? કે તે માટે કોઈએ પ્રયત્નો કર્યા હતા ? આ પ્રશ્નનો જવાબ આદિવાસીઓની હાલની પેઢી પણ ઝટ દઈને આપી શકતી ન હોય  એ હદે આદિવાસીઓના બંધારણીય અધિકારો માટે સંઘર્ષરત જયપાલ સિંહ મુંડા (૧૯૦૩-૧૯૭૦) ને વિસરી જવાયા છે. ભારતની બંધારણ સભાના અલ્પ આદિવાસી સભ્યો પૈકીના એક જયપાલ સિંહ મુંડાને જ લીધે આદિવાસીઓના અનામતસહિતના લાભોને બંધારણીય સંરક્ષણ પ્રાપ્ત થઈ શક્યું છે.

    આજથી એક સો વીસ વરસ પૂર્વે ત્રીજી જાન્યુઆરી ૧૯૦૩ના રોજ તત્કાલીન બંગાળ પ્રેસિડેન્સીના અને વર્તમાન ઝારખંડના ખૂંટી જિલ્લાના ટકરા ગામે મુંડા આદિવાસી પરિવારમાં જયપાલ સિંહનો જન્મ થયો હતો. બચપણનું નામ પ્રમોદ પાહન. પિતા અમરુ પાહન અને માતા રાધામુનિના આ સંતાનનું આરંભિક શિક્ષણ પૈતૃક ગામમાં થયું હતું. ગામથી માંડ પંદર કિલોમીટર દૂર રાંચીની ખ્રિસ્તી મિશનરીઓની અંગ્રેજી શાળા સેન્ટ પોલ સ્કૂલમાં એ દાખલ થયા અને જાણે કે જીવનની દિશા બદલાઈ ગઈ. આ આદિવાસી બાળકની કુશાગ્ર બુધ્ધિ અને પ્રતિભાને કારણે સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કેનનની તેના પર વિશેષ નજર હતી. એટલે ધર્મ પલટો કરીને તેને ખ્રિસ્તી બનાવાયો. સાથે નામ અને અટકમાં પણ પલટો થયો. મુંડાએ તેમની આત્મકથા Lo Bir Sendra  માં નોંધ્યું છે તેમ પ્રમોદ પાહનમાંથી તેમનું નવું નામ અને અટક જયપાલ સિંહ મુંડા કદાચ તેમને ૧૯૧૧માં સ્કૂલમાં જ મળ્યું હતું.

    હોકીના સર્વોચ્ચ ખેલાડી તરીકે તેમને ઓક્સફર્ડ બ્લૂનો ખિતાબ આપવામાં આવ્યો હતો.આ ખિતાબ મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય છે. ઘર આંગણે આદિવાસીઓએ તેમને પ્રેમ અને આદર સાથે ‘મરાંગ ગોમકે ‘ ( સર્વોચ્ચ કે મહાન નેતા) નું સન્માન આપ્યું હતું. આ સન્માન મેળવનારા પણ મુંડા એકમાત્ર છે.

    આદિવાસી બાળક જયપાલને અંગ્રેજોની શાળામાં ભણવાનો મોકો તો મળ્યો, ઈ.સ. ૧૯૧૮માં તેમની પંદર જ વરસની વય હતી ત્યારે ફાધર કેનન તેમને બ્રિટન લઈ ગયા. આ વિદેશગમન મુંડાની જિંદગીનું મહત્વનું વળાંક બિંદુ હતું. બ્રિટનમાં રહીને તે ઓકસફર્ડમાં ભણ્યા. અહીં જ તેમણે મેટ્રિક થી અનુસ્નાતક સુધીનો અભ્યાસ ઉંચા મેરિટ સાથે કર્યો. અભ્યાસની સાથે તે હોકી રમતા. તેમાં એવી તો મહારત હાંસલ કરી કે પરતંત્ર ભારતની હોકી ટીમના તે કેપ્ટન બન્યા. ઈ. ૧૯૨૮માં ભારતની હોકી ટીમે ઓલમ્પિક્માં ગોલ્ડ મેળવ્યો તે ટીમના મુંડા કેપ્ટન હતા. ઓકસફર્ડ યુનિવર્સિટીનો આ વિધ્યાર્થી આદિવાસી, કલર્ડ અને એશિયનની ભેદભાવસૂચક ઓળખ અને ભેદભાવ છતાં આગળ વધતો રહ્યો. બ્રિટનમાં ભણતા આદિવાસી યુવાન મુંડાએ આ દિવસોમાં જ ઈન્ડિયન સિવિલ સર્વિસની અઘરી પરીક્ષા પાસ કરી. આવી મોભાદાર નોકરીની પરીક્ષા પાસ કરનારા તેઓ પ્રથમ આદિવાસી હતા. પરંતુ હોકીની ઓલિમ્પિક અને આઈ સી એસની ટ્રેનિંગ વચ્ચે પસંદગી કરવાની આવી ત્યારે એમણે હોકીને પસંદ કરી હતી.,આઈ સી.એસ છોડ્યું હતું.

    હોકીમાં કારકિર્દીની ટોચે હતા ત્યારે એમણે હોકીને અલવિદા કરી..ઓલિમ્પિક ગોલ્ડ હોકી ટીમના એમના સાથી મેજર ધ્યાન ચંદે આત્મકથા ‘ગોલ’માં મુંડા પ્રત્યે આચરાતો ભેદભાવ તેનું કારણ હોવાનો નિર્દેશ કર્યો છે. કોલકત્તામાં બર્મા ઓઈલ કંપનીમાં મુખ્ય અધિકારી તરીકે તેમની નિમણૂક થઈ હતી તે દરમિયાન પ્રતિષ્ઠિત બંગાળી રાજકીય ઘરાનાના તારા બેનરજી સાથે ૧૯૩૨માં તેમણે લગ્ન કર્યા. બહુમુખી પ્રતિભા ધરાવતા મુંડાએ દેશમાં અને વિદેશમાં અધ્યાપન પણ કર્યું હતું. બિકાનેર રજવાડાના મહેસુલ અને વિદેશ સચિવ તથા કશ્મીરના રાજા હરિસિંહના દીકરા કર્ણ સિંહના ટ્યુટર પણ તેઓ હતા. વીસ વરસના વિદેશ વસવાટ પછી તેઓ ભારત પરત આવ્યા ત્યારે મિશનરીઓની અપેક્ષા પ્રમાણે આદિવાસીઓમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસારને બદલે તેમણે જાતભાઈઓના શોષણ અને બદતર હાલતમાં પરિવર્તન આણવાનો માર્ગ પસંદ કર્યો.

    જયપાલ સિંહ મુંડાએ બિહાર અને અન્યત્ર આદિવાસીઓના રોજગાર અને શિક્ષણની સ્થિતિ નજરે નિહાળી. તત્કાલીન કોંગ્રેસ નેતાઓ તે અંગે કંઈ કરે છે તેમ ના લાગતાં તેમણે આદિવાસીઓમાં રાજકીય જાગ્રતિના પ્રયાસો આદર્યા, ૧૯૩૯માં તેમણે અખિલ ભારતીય આદિવાસી મહાસભાની સ્થાપના કરી. તેમના અધ્યક્ષસ્થાને ચાર જ મહિના પછીની જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં તેમણે ૩૮ બેઠકો મેળવી. એટલે કોંગ્રેસને તેઓ પડકારરૂપ લાગ્યા. ઠક્કરબાપાના પ્રમુખપદે કોંગ્રેસે પણ આદિવાસીઓનું સંગઠન ઉભું કર્યું. ૧૯૪૦માં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન રામગઢમાં યોજાયું ત્યારે મુંડાએ લગભગ તેને સમાંતર એવી આદિવાસીઓની મહાસભા યોજી. તેમાં કોંગ્રેસના નારાજ નેતા સુભાષચંન્દ્ર બોઝને નિમંત્રીને તો વળી નવી ચેલેન્જ ફેંકી. આદિવાસી બહુલ ૨૬ જિલ્લાનું અલગ ઝારખંડ રાજ્ય રચવાની તેમણે માંગ કરી. સુભાષબાબુએ પહેલાં સ્વરાજ પછી અલગ રાજ્યની સલાહ આપતાં આદિવાસી મહાસભા પૂર્ણ સ્વરાજ અને હિંદ છોડો ચળવળમાં જોડાઈ અને હજારો આદિવાસીઓએ જેલ ભોગવી જમશેદપુરના કારખાનાઓમાં કામ કરતા આદિવાસી કામદારોના અધિકારો માટે મુંડાએ આદિવાસી લેબર ફેડરેશન પણ બનાવ્યું હતું.

    આઝાદી પહેલાં સ્વતંત્ર ભારતના બંધારણની રચનાની પ્રક્રિયા શરૂ થઈ હતી. મુંડા તેમાં સક્રિય હતા. એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે તેઓ બંધારણ સભામાં ચૂંટાયા હતા. બંધારણ સભામાં તેમણે આદિવાસીઓના અધિકારોની ધારદાર રજૂઆત કરી હતી. આદિવાસીઓ માટે શિક્ષણ, નોકરીઓ અને રાજકારણમાં અનામત બેઠકો મુંડાની રજૂઆતોનું પરિણામ છે. રાજકીય અનામતો માટેની ૧૦ વરસની મર્યાદા તેમને સ્વીકાર્ય નહોતી.બંધારણ સભામાં તેમણે કહ્યું હતું કે દસ વરસમાં ભારત કંઈ સ્વર્ગ નથી બની જવાનું. આટલા વરસોમાં ના તો રાજકીય જાગ્રતિ આવશે કે ન તો યોગ્ય પ્રતિનિધિત્વ ઉભું થશે. દર દાયકે લંબાવાતી રાજકીય અનામતોની મુદતે મુંડાને સાચા ઠેરવ્યા છે.

    બંધારણ સભામાં અને મહત્વની સમિતિઓમાં આદિવાસીઓના અને ખાસ તો આદિવાસી મહિલાઓના  અલ્પ પ્રતિનિધિત્વનો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે બંધારણમાં આદિવાસીઓ માટે અનુસૂચિત જાતિને બદલે આદિવાસી શબ્દ જ પ્રયોજાય. દારૂબંધીને બંધારણના માર્ગદર્શક સિધ્ધાંતોમાં સામેલ કરવાના પણ તેઓ વિરોધી હતા.તેઓ દારૂને આદિવાસીઓના જીવનનો ભાગ માનતા હતા. આદિવાસીઓને લગતી બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ પણ તેમની બંધારણ સભાના સભ્ય તરીકેની સબળ રજૂઆતોને કારણે જ શક્ય બની છે.

    ૧૯૫૦માં આદિવાસી મહાસભાનું ઝારખંડ પાર્ટીમાં તેમણે રૂપાંતર કરીને આદિવાસીઓનો રાજકીય અવાજ બુલંદ કર્યો. ૧૯૫૨ની ચૂંટણીમાં તેના ૩૨ ઉમેદવારો ધારાસભામાં અને ૪ લોકસભામાં ચૂંટાયા હતા. આ વિજયે મુંડાને આદિવાસી સમાજની રાજનીતિનો પ્રાણવાયુ સાબિત કર્યા. ૧૯૫૭માં તેના વધુ ઉમેદવારો વિજયી બન્યા. એટલે ૩૪ ધારાસભ્યો અને ૫ સંસદસભ્યો બન્યા. જોકે ૧૯૬૨માં તેના લોકસભામાં તો પાંચ ઉમેદવારો જીત્યા પણ ધારાસભ્યો ઘટીને ૨૨ જ થઈ ગયા. મુંડા લાગલગાટ ચાર વખત ખૂંટી મતવિસ્તારમાંથી જ સંસદમાં ચૂંટાતા રહ્યા હતા. ૧૯૬૨માં તેમના પક્ષના ૨૨માંથી  ૧૨ ધારાસભ્યોને કોંગ્રેસે પક્ષપલટો કરાવ્યો. તેથી લાચાર મુંડાએ ઝારખંડના અલગ રાજ્યની રચનાની શરતે પક્ષનો કોંગ્રેસમાં વિલય કર્યો. કોંગ્રેસે મુંડાને બિહારના નાયબ મુખ્યમંત્રી તો બનાવ્યા પણ અલગ રાજ્ય ના બનાવ્યું. તેથી નારાજ મુંડાએ એક જ મહિનામાં રાજીનામુ આપ્યું. છેક ૨૦૦૦ના વરસમાં ઝારખંડનું નોખું રાજ્ય રચાયું ત્યારે મુંડાનું સ્વપ્ન સાકાર થયું.

    ૬૭ વરસની વયે ૨૦મી માર્ચ ૧૯૭૦ના દિવસે દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું. હોકીના સર્વોચ્ચ ખેલાડી તરીકે તેમને ઓક્સફર્ડ બ્લૂનો ખિતાબ આપવામાં આવ્યો હતો.આ ખિતાબ મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય છે. ઘર આંગણે આદિવાસીઓએ તેમને પ્રેમ અને આદર સાથે ‘મરાંગ ગોમકે ‘ ( સર્વોચ્ચ કે મહાન નેતા) નું સન્માન આપ્યું હતું. આ સન્માન મેળવનારા પણ મુંડા એકમાત્ર છે. જ્યારે દેશમાં સંઘર્ષશીલ રાજકીય આદિવાસી નેતૃત્વ દોહ્યલું બની રહ્યું છે ત્યારે જયપાલ સિંહ મુંડાને વિસ્મૃતિની ગર્તામાં બહાર કાઢી અહર્નિશ યાદ કરવાની જરૂર છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.