વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • પ્રદૂષણને ફેલાવે છે કોણ?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ઈસુનું વધુ એક વર્ષ પૂરું થયું અને વધુ એક નવું વર્ષ આરંભાયું. સામાન્ય રીતે વર્ષાન્‍તે વીતેલા વર્ષની મહત્ત્વની ઘટનાઓ પર નજર નાખવાનો અખબારી રિવાજ છે. હવે સામાજિક નેટવર્કિંગ માધ્યમના યુગમાં અનેક લોકો પોતાની વ્યક્તિગત ઘટનાઓનો પણ હિસાબ જાહેરમાં માંડે છે. અલબત્ત, વ્યક્તિગતથી લઈને સાર્વત્રિક સ્તરનો વ્યાપ ધરાવતી કેટલીક બાબતો વિશે ભાગ્યે જ વાત થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી પર હવા, પાણી અને જમીનના પ્રદૂષણમાં જબ્બર વધારો થઈ રહ્યો છે અને તેનાથી થતી વિપરીત અસરો હવે છાની રહી નથી. એ બાબતે જાતભાતની આંતરરાષ્ટ્રીય બેઠકો ભરાય છે, કાગળ પર નીતિઓ બનાવાય છે, તેમાંથી થોડીઘણીનો અમલ થતો હશે એમ માનીએ તો પણ સરવાળે પૃથ્વીના પ્રદૂષણમાં થોડોઘણો ઊમેરો કરીને આવી બેઠકોનું સમાપન થાય છે.

    મોટા ભાગના લોકોને હજી પ્રદૂષણની આ સમસ્યા સામૂહિક જણાય છે અને તેઓ એમ માને છે કે આમાં વ્યક્તિગત સ્તરે ભાગ્યે જ કશું થઈ શકે. આપણા ગુજરાતનું જ એક ઉદાહરણ જોઈએ. ૨૦૨૩ના નવેમ્બરની ૨૮મીએ ગિરનારની લીલી પરિક્રમા સમાપન પામી હતી. પાંચ દિવસ ચાલેલી આ પરિક્રમા દરમિયાન સાડા તેર લાખ જેટલા લોકો ઊમટી પડ્યા હતા. પરિણામ? પાંચ દિવસના અંતે એકઠો થયેલો આશરે દોઢસો ટન એટલે કે દોઢ લાખ કિલોગ્રામ જેટલો કચરો. અહીં આવનારા પ્રવાસીઓને શ્રદ્ધાળુ, યાત્રાળુ કે ભાવિક ભક્ત તરીકે ઓળખવામાં આવે છે. તેમની શ્રદ્ધા કે ભક્તિ તેમને સીધોસાદો માનવધર્મ શીખવી કે સમજાવી શકતી નથી. પુણ્યનું ભાથું બાંધવા જતાં તેઓ પૃથ્વીને પ્રદૂષણનું ભાથું બંધાવી આપે છે.

    ગિરનાર પરિક્રામા, ૨૦૨૩ બાદની સ્થિતિ – સાંદર્ભિક તસવીર – નેટ પરથી

    અને આ સ્થળ કંઈ અપવાદ નહીં હોય! જ્યાં કોઈ પણ પ્રકારના મેળાવડા ભરાતા હશે- ચાહે એ ધાર્મિક હોય, સામાજિક હોય, રાજકીય હોય કે પ્રવાસનસ્થળોના હોય, ત્યાં સ્થિતિ ઓછેવત્તે અંશે આવી જ રહેવાની. કચરાના ઢગલા કે ઊકરડા જોઈને આપણને સૌને કદાચ શૂરાતનની અને નિર્વેદની મિશ્ર લાગણીઓ થતી હોય છે. શૂરાતન એ વાતનું કે આવડા મોટા કચરાના ઢગમાં આપણું કશું પ્રદાન ન હોય એ કેમ ચાલે? અને નિર્વેદ એ વાતે કે કચરાનો આવડો મોટો ઢગ ખડકાયો હોય ત્યાં આપણા એકના ચિંતા કરવાથી શું વળવાનું?

    ધર્મ, જાતિ, રાષ્ટ્રના નામે એવું અફીણ પીવામાં સમસ્ત માનવજાત મસ્ત છે કે ખુદ તેના અસ્તિત્વ માટે દિન બ દિન ખતરારૂપ એવી, પ્રદૂષણ જેવી અનેક સમસ્યાઓની ચર્ચા ભાગ્યે જ થતી જોવા મળે છે અને જ્યાં થાય છે ત્યાં પણ નામની જ. પૃથ્વીના વાતાવરણના રક્ષણમાં મહત્ત્વની ભૂમિકા અદા કરતા ગ્રીનહાઉસ વાયુઓ અને તેના થકી થતી ‘ગ્રીનહાઉસ અસર’થી હવે સૌ કોઈ વાકેફ છે. પાછલાં વરસોમાં ઔદ્યોગિકરણમાં થયેલી અનેકગણી વૃદ્ધિ અને અશ્મિજન્ય ઈંધણના બેફામ ઉપયોગને કારણે પૃથ્વી પરના તાપમાનમાં સતત વધારો થતો રહ્યો છે, જેમાં બીજાં અનેક પરિબળો ઉમેરાતાં રહ્યાં છે. આ સમસ્યા કોઈ એકલદોકલ દેશની નહીં, પણ સમગ્ર વિશ્વની છે. આ મામલે એકસમાન ભૂમિકા પર વાત કરવા કોઈ રાષ્ટ્ર તૈયાર નથી, કેમ કે, તેમને ઝઘડવા જેવી બીજી અનેક સમસ્યાઓ છે. આ મુદ્દા તેમની પ્રાથમિકતામાં જ નથી. પોતાના ટૂંકા ગાળાના હિત સિવાય બીજી એકે બાબતમાં તેમને રસ નથી. ક્યારેક કોઈ આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જળવાયુ પરિવર્તન જેવો મહત્ત્વનો મુદ્દો છેડાય તો પણ એ ચર્ચા માટે નહીં, સામસામી આક્ષેપબાજી માટે. સામાન્ય રીતે વિકસીત દેશો તમામ નૈસર્ગિક સ્રોતોનો બેફામ દુરુપયોગ કરીને દોષનો સમગ્ર ટોપલો વિકાસશીલ અથવા ગરીબ દેશોના માથે નાખવાનો પ્રયત્ન કરે છે. વિકાસશીલ કે ગરીબ દેશના કોઈક નેતા કદીક સામો જવાબ વાળે તો પણ એ દલીલબાજીથી વિશેષ નથી હોતો, કેમ કે, એમાં છેવટે મૂળ સમસ્યાની ચર્ચા કોરાણે જ રહી જાય છે.

    પહેલાં પણ એ હતું, અને હવે આજે ઝડપી પ્રસરતી તેમજ સુલભ બનેલી માહિતીના યુગમાં માહિતીને આપણે આપણા સામાજિક પરિવેશ અનુસાર જોઈએ છીએ કે તેનું અર્થઘટન કરીએ છીએ. પર્યાવરણની નીતિઓ વિવિધ સમુદાયને એકસમાન નહીં, પણ અલગ અલગ રીતે અસર કરે છે. જેમ કે, અશ્મિજન્ય ઈંધણના ઉપયોગને ઘટાડવા અંગેની નીતિનો કોલસાના ખાણકામ સાથે સંકળાયેલો વર્ગ વિરોધ કરશે. આવી નીતિ સીધેસીધી તેમની આજીવિકાને અસર કરે છે એટલે તેઓ આમ વિચારે એ સ્વાભાવિક છે. એ જ રીતે જળવાયુ પરિવર્તન અંગે વિવિધ ધર્મ કે આસ્થા ધરાવતા સમુદાયના વિચારો અલગ હોઈ શકે. મોટા ભાગના દેશોમાં ધર્મ અને અન્ય સમુદાયના વિવિધ ફાંટા હોય છે, પણ આપણે ત્યાં ‘બાર ભાયા અને તેર ચોકા’ જેવો ઘાટ કાયમી ધોરણે હોય છે. માનવજાતના મૂળભૂત ગૌરવ અને ગરિમાના સ્થાપન માટે તેઓ એકમત નથી થઈ શકતા, ત્યાં પૃથ્વી પરના પ્રદૂષણ કે તેને અસર કરતા જળવાયુ પરિવર્તનના મુદ્દે તેઓ એકત્વ સાધે એ વિચારવું વધુ પડતું છે.

    જળવાયુ પરિવર્તન ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે એકાદ દાયકાથી કાર્યરત એવા ખ્યાતનામ અમેરિકન અભિનેતા અને ઑસ્ટ્રિયાના વતની આર્નોલ્ડ શ્વાર્ઝનેગરે એક મુલાકાતમાં કહેલું: ‘વૈશ્વિક જળવાયુ પરિવર્તન વિશે તેઓ વાત કરતા રહેશે તો કશું વળવાનું નથી, કેમ કે, કોઈને એની પડી નથી. મારું એ કહેવું છે કે કહેવાની રીત બદલીએ અને એના વિશે જુદી ભૂમિકાએ વાત કરીએ. લોકોને કહીએ કે અમે પ્રદૂષણની વાત કરી રહ્યા છીએ. તેને લીધે જળવાયુ પરિવર્તન થાય છે અને પ્રદૂષણ વિનાશ કરે છે.’

    આર્નોલ્ડની વાતનો સાર એટલો જ કે વેળાસર સમજો, વાતોનાં વડાં બંધ કરો અને સૌને સીધી ને સ્પષ્ટ ભાષામાં જણાવો કે પ્રદૂષણને નાથશો નહીં તો મરી જશો.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૧ – ૦૧ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પતંગ આકાશમાંથી બધું જુએ છે

    મંજૂષા

    વીનેશ અંતાણી

    ખુલ્લા આકાશ નીચે ઊભા રહીને પતંગ ચગાવવાનો દિવસ ફરી આવી ગયો. ઉત્તરાયણ આપણો પ્રિય તહેવાર, આકાશ ભણી નજર રાખીને નાચવાકૂદવાનો ઉત્સવ. આખું આકાશ સર કરવાની ઉત્તેજનાનો અવસર. અતિ આનંદ અને ઉલ્લાસના આ સમયે થોડાં વર્ષો પહેલાંના કોરોના કાળ અને લોકડાઉનની કેદનો સમય મનમાં ચીરો પાડી જાય છે. થોડી વાર મન પાછું પડે પરંતુ તરત બધું ખંખરી નાખીને બૂમ પાડી ઊઠીએ છીએ – ચાલો, બધાં પતંગ ચડાવવા ધાબે!

    પતંગ અને જીવનની ફિલસૂફી વચ્ચે ગાઢ સંબંધ છે. માંજો ઘસવાથી માંડી, યોગ્ય ફીરકી અને સમતોલ પતંગની પસંદગીનો આનંદ અને તે વખતેની આપણી એકાગ્રતાનું મહત્ત્વ ઓછું નથી. આપણે કશું પણ ચૂકવા માગતા નથી. પછી શરૂ થાય છે આકાશ સાથે સીધો મુકાબલો. માર્ગમાં આડે આવતા બીજા પતંગોની વચ્ચેથી માર્ગ કાઢી, જરૂર પડે તો એ પતંગોને કાપતા જઈ, બધાથી ઊંચે પહોંચવાના સપનાંનો થડકાર અનેરો આનંદ આપે છે. એમાં હતાશાની ક્ષણો આવે છે, પતંગ કપાય તો નવો બાંધવાની જરૂર પડે છે અને આ બધું સાથે મળીને રચે છે પતંગોત્સવ. આપણે એને જીવનોત્સવનું નામ પણ આપી શકીએ.

    આપણે માનીએ છીએ કે પતંગ આપણે ઉડાડીએ છીએ, વાસ્તવમાં પતંગ આપણને ઊડતાં શીખવે છે. પતંગ શીખવે છે કે જીવન ઘણા પડકારો આપે છે પરંતુ સાથેસાથે એ પડકારોનો સામનો કરવાની અનેક તક પણ આપે છે. આપણે પતંગ જ ચગાવવા માટે ધાબે ચઢ્યા નથી, આપણા સપનાંને પણ મુક્ત આકાશમાં ખુલ્લાં મૂકી દેવા ધાબે ચઢ્યા છીએ. પતંગ શીખવે છે – તમારાં સપનાંને એકવાર મુક્ત મને ઊડવા દો પછી એ પોતે જ એનો માર્ગ શોધી લેશે.

    જાણીતા બિઝનેસ એડવાઈઝર, લેખક અને પ્રેરણાદાયી વિચારોના ઉત્તમ વક્તા પ્રકાશ ઐયરે એકવાર એમના વક્તવ્યમાં પતંગનું દૃષ્ટાંત લઈ સફળ થવા માટેની ચાવીઓની વાતો કરી હતી. એમણે કહ્યું હતું કે પતંગ આપણો ગુરુ, મેન્ટર અને માર્ગદર્શક છે. પતંગ ચગાવવાની પ્રક્રિયામાંથી ઘણું શીખવા મળે છે. એમણે પહેલીવાર પતંગ ઉડાડવાનો અનુભવ વર્ણવ્યો હતો. એ છ વર્ષના હતા ત્યારે પહેલીવાર જાતે પતંગ ઉડાડવા માટે ધાબે ચઢ્યા. બહુ મુશ્કેલી પડી હતી. પતંગ થોડો ઊંચો ઊઠે અને પાછો નીચે પટકાય, એમની પાસે બધું હતું – સારો પતંગ, વ્યવસ્થિત માંજો કરેલા મજબૂત દોરાની ફીરકી, સાનુકૂળ પવન છતાં પતંગ ઊડતો નહોતો. પતંગ પાસેથી શીખવા મળેલો પહેલો પાઠ – આરંભમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે. આરંભિક નિષ્ફળતાથી એ હતાશ થયા નહીં. એમને સમજાયું કે એ જાતે એકલા હાથે પતંગ ઉડાડવાનો પ્રયત્ન કરતા હતા. ખરેખર તો એમને કોઈની મદદ લેવાની જરૂર હતી. એમણે નવ વર્ષની બહેનને મદદ માટે બોલાવી. પતંગ એને આપ્યો અને પોતે ફીરકી લઈને ઊભા રહ્યા. બહેનને હવાની દિશા જોઈને યોગ્ય સમયે પતંગ છોડવા કહ્યું અને ચમત્કાર થયો હોય એમ પતંગ ઊડવા લાગ્યો.

    પતંગ પાસેથી મળેલી બીજી શીખ – કોઈ પણ કામ માટે બીજાની મદદની જરૂર હોય તો અચકાયા વિના લેવી જોઈએ, લોકો સહાય કરવા તૈયાર હોય છે. માત્ર આપણે એમની સહાય માગવી જોઈએ. સફળ થવા માટે યોગ્ય વ્યક્તિની મદદ લેતાં નાનપ અનુભવવી જોઈએ નહીં. પતંગ ચગાવતાં પહેલાં બધી તૈયારી કરી લીધી હોય છતાં કોઈક નાની બાબત ચૂકી જવાય તો નિષ્ફળ થવાની શક્યતા વધી જાય છે. દોરો કાચો હોય, પતંગ બેલેન્સ ન હોય, કાનો બરાબર બાંધ્યો ન હોય તો પણ પતંગ ઝૂલ ખાઈ જાય છે અને ઝાડની ડાળીએ કે તારમાં લપેટાઈ જાય છે.

    પ્રકાશ ઐયરે કહ્યું હતું: ‘સફળ થવા માગતા લોકો નાનકડી ચૂક પણ ચલાવી શકે નહીં. કશુંક પણ ખોટું થઈ શકે.’ ત્યાર પછી એમણે બહુ સરસ વાત કરી કે આપણે આકાશમાં લહેરાતા પતંગને જોઈએ છીએ પણ નીચેથી પતંગ ચગાવતી વ્યક્તિને ભૂલી જઈએ છીએ. વાસ્તવમાં ઊંચે ઊડતા પતંગની દોર નીચે ઊભેલી વ્યક્તિના હાથમાં હોય છે. કોઈ પણ સફળતામાં પાયાના લોકોનો બહુ મોટો ફાળો હોય છે તે આપણે ભૂલવું જોઈએ નહીં. ‘તમે કોઈ સારું કામ કરવા માગતા હો ત્યારે પાયાના લોકોને ધક્કો મારીને દૂર ન કરો, બલ્કે એમને તમારા તરફ ખેંચી નજીક રાખો.’

    અમેરિકામાં પતંગપ્રેમીઓનું એક એસોશિયેશન છે. નિકોલ ઓ’નિલ નામનાં મહિલા એનાં પ્રમુખ છે. એમનો પતંગપ્રેમ અનન્ય છે. એમણે કહ્યું છે: ‘પતંગ ઉડાડવાના સમયે લોકો એમની હતાશાઓ અને ટેન્શન ભૂલી જાય છે. એમને શુદ્ધ અને નિર્મળ આનંદની અનુભૂતિ થાય છે. પતંગ ચગાવતી વખતે આપણે જાતિ, ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા, ભાષા, શારીરિક ઊણપો, સુખ, દુ:ખ વગેરેનાં બંધનોમાંથી મુક્ત થઈ માત્ર માનવ બની જઈએ છીએ. પતંગ ધીરજ રાખતાં શીખવે છે. પતંગને ઊડવા માટે જરૂરી સમય આપીએ પછી એ યોગ્ય દિશા પકડશે.’

    આકાશ અનંત છે તો ધરતી અનેક શક્યતાઓનો ભંડાર છે. પતંગ આકાશ અને ધરતીને જોડે છે. ખૂબ ઊંચે ઊડતો પતંગ નીચે ધરતી પર ચાલતું બધું જુએ છે. સારું, ખરાબ, સાચું, ખોટું. કશુંય એની નજર બહાર રહેતું નથી. ચાલો, આપણે ‘બાદલોં કે પાર’ પહોંચેલા પતંગની આંખે જાતને અને દુનિયાને નવી નજરે જોવાનું શરૂ કરીએ.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • સવાલોની કિતાબ – સહેલા સવાલોના જવાબ અતિશય અઘરા હોય છે.

    સંવાદિતા

    ભગવાન થાવરાણી

    એક મિત્રએ ફેસબુક ઉપર પ્રશ્ન મૂકેલો, ‘ જો તમારે એક વર્ષ સળંગ એકાંતવાસમાં રહેવાનું હોય અને સાથે માત્ર એક પુસ્તક લઈ જવાનું હોય તો કયું પુસ્તક લઈ જાઓ? ‘ આ પ્રશ્નનો તમારો જવાબ જે હોય તે પણ આજે એક એવા પુસ્તકની વાત કરવી છે જે છે તો માત્ર સવાસો પાનાનું પણ એ એક અનોખું, વિલક્ષણ અને ઝકઝોરી નાખનારું પુસ્તક છે. પુસ્તકનું નામ છે  ‘ THE BOOK OF QUESTIONS ‘ યાને  ‘ સવાલોની કિતાબ ‘ અને એના લેખક છે ગ્રેગરી સ્ટોક મૂળ પુસ્તક ૧૯૮૭ માં પ્રકાશિત થયેલું અને એ પછી એની સંશોધિત, સંવર્ધિત અને અર્વાચીન સમયોચિત આવૃત્તિઓ પ્રકશિત થઈ છે અને ધૂમ ચાલી છે.
     
    શરુઆતમાં મૂકેલા સવાલના સંદર્ભે જોઈએ તો આ પુસ્તક કોઈ વાચન-સામગ્રી તો કહેવાય જ નહીં. પરંપરાગત અર્થોમાં એ એવી ચીજ છે પણ નહીં. માત્ર વાંચવાનું જ હોય તો થોડીક કલાક લાગે પરંતુ એમાંના સવાલો ઉપર મનન કરો તો બસ, કરતા જ રહો !
    પુસ્તકમાં માત્ર પ્રશ્નો છે.  લગભગ ૩૦૦ જેટલા. પ્રસ્તાવનામાં જ લેખક ચોખવટ કરે છે કે અહીં આપેલા સવાલોના કોઈ સાચા કે ખોટા જવાબ છે નહીં, છે તો કેવળ ઈમાનદાર અને બેઈમાન જવાબો !  અને હા, એ સવાલોના નિતાંત અને નઘરોળ પ્રામાણિક જવાબો તમારે માત્ર અને માત્ર તમારી જાતને આપવાના છે, માત્ર સ્વયંને, કોઈ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર !  ( સિવાય કે તમારી જિંદગીમાં એવું કોઈક હોય જેની આગળ તમે મનથી નિર્વસ્ત્ર થઈ શકો ! )
    સામાન્યત: બને છે એવું કે અનેક સવાલોના આપણે ઈમાનદાર નહીં પરંતુ આદર્શ – લોકો અને પરિજનો આગળ સારા લાગીએ એવા – ઠાવકા જવાબો આપવા ટેવાયેલા છીએ. ભલેને જાત આગળ, પણ ક્રૂરતાપુર્વકની ઈમાનદારી બહુ અઘરી છે. સ્વયંને પણ ખુલ્લા દિલે ક્યાં મળાય છે ? આ કારણે, આ સવાલો જાહેર ચર્ચાની તો ચીજ જ નથી. અનેક સવાલો એવા છે જેને બરાબર મમળાવી, ચકાસી, ફેરવી-તોળી, વલોવી, આપણા અંગત પરિબળો મૂલવી અને છેલ્લે હૃદય ઉપર હાથ મૂકી, હૃદયને જ અંતિમ ઉત્તર આપવો પડે !
    પણ એક વાત ચોક્કસ. આ બધા સવાલોના જવાબો માંહ્યલાને આપ્યા પછી આપણી પોતાની જે છબી આપણી આગળ ઊપસશે એ આપણે ધારી રાખી હતી એ કરતાં કંઈક ભિન્ન હશે. શરત માત્ર અગાઉ કહ્યું એટલી જ – જાત સાથે તો ઈમાનદાર રહેવાય ! 
     
    પુસ્તકમાંના થોડાક સવાલો જોઈએ , પણ ઊભા રહો. કોઈ પણ સવાલ ઉપરથી દેખાય છે એવો સહેલો નથી. ઉતાવળ નહીં. સવાલ એકાધિક વાર વાંચો, સમજો, પચાવો, જાતને  ફંફોસો, જગત-રીતિમાં ન સરો, આદર્શવાદને કોરાણે મૂકો. કોઈથી બીવાનું નથી, કોઈની શરમ નથી. અહીં માત્ર તમે છો અને તમારો અંતરાત્મા!  એની આગળ નિર્વસ્ત્ર થવામાં શરમ શી ?
     
    – તમને રસ્તા પરથી એક પાકીટ મળે છે. તમને પાકીટ ઉપાડતાં કોઈએ જોયા નથી. પાકીટમાં એના કરોડપતિ માલિકનો ફોટો, સરનામું, સંપર્ક નંબર અને એક લાખ રુપિયા રોકડા છે. તમે શું કરશો ?
    પેટા સવાલ : ધારો કે પાકીટમાં એ ધનપતિની જગ્યાએ કોઈ ગરીબ વિધવાની વિગતો હોય, તો તમે શું કરો ?
    બન્ને જવાબ જો અલગ છે તો શા માટે ?
    – તમે એક હોટલમાં સપરિવાર જમવા ગયા છો. ભોજન પીરસતી વખતે વેઈટરની સ્હેજ બેદરકારીને કારણે જરીક શાક તમારા કપડા પર ઢોળાય છે. તમને ઓફર છે કે રુપિયા પચ્ચીસ હજારના બદલામાં તમારે એ વેઈટરને જાહેરમાં બૂમો પાડી, તતડાવી નાંખવાનો છે. તમે એ કરશો ?
    પેટા સવાલ : એવી પૂર્વ-સમજૂતી છે કે પછીથી એ પૈસા તમારે વેઈટર સાથે અડધા-અડધા વહેંચી લેવાના છે. હવે કરશો ?
    – હવે પછીની જિંદગી તમારે એક નિર્જન ટાપૂ ઉપર વિતાવવાની છે. એ ટાપૂ ઉપર આખી જિંદગી ચાલે એટલી જીવન જરુરિયાત અને એશો-આરામની વસ્તુઓ છે, પણ માણસો નથી. તમારે સાથે કેવળ એક વ્યક્તિને લઈ જવાની છે. કોને લઈ જશો ?
     
    – તમને એક બંધ કવર આપવામાં આવે છે. એમાં વિધાતાએ તમારા મૃત્યુની ચોક્કસ તારીખ અને સમય લખ્યા છે. ગમે ત્યારે તમને એ કવર ખોલવાની છૂટ છે. ખોલશો ? ક્યારે ? ( એ કવર ખોલવા અને ન ખોલવાના બધા સંભવિત પરિણામો વિષે વિચારીને જવાબ આપજો. )
    – જો તમારે આજે જ મરી જવાનું હોય અને હવે તમારી પાસે કોઈની સાથે વાત કરવાનો સમય જ ન હોય તો તમને કઈ વાત ન કરી શક્યાનો અફસોસ રહી જશે ? એ વાત હજૂ કેમ નથી કરી ?
    – જો સંધિવાની કોઈક એવી દવા શોધાય જે દર્દીને પૂરેપૂરા સાજા કરી દે પરંતુ એ દવા લેનારામાંથી એક ટકો લોકો મૃત્યુ પામે એ નક્કી હોય તો એ દવા બજારમાં મૂકાય એને તમે મંજૂરી આપશો ?
    – વિશ્વ ચેમ્પીયન ટીમના સદસ્ય હોવું અથવા કોઈ રમતમાં વ્યક્તિગત ચેમ્પીયન હોવું, એ બેમાંથી પસંદ કરવાનું હોય તો તમે શું પસંદ કરો ?
    – તમને એવી શક્તિ આપવામાં આવે છે કે મનોમન કોઈ જીવિત વ્યક્તિનું નામ લઈ પછી  ‘ આવજો ‘ બોલો તો એ વ્યક્તિ તત્કાળ અને કુદરતી મૃત્યુ પામે. એ મોત પાછળ તમે છો એ કોઈને ક્યારેય ખબર ન પડે. તમે એવું કોઈના માટે – કોના માટે – કોના / કોના માટે કરો ?
    – મિત્રને ત્યાં જમણવારમાં ગયા છો. તમારી થાળીમાં મરેલો વંદો મળે છે. તમારા સિવાય કોઈએ એ જોયું નથી. શું કરશો ?
    સમગ્ર પુસ્તક ( અસલ આવૃત્તિ )ના આશરે ત્રણ સો સવાલોમાંથી ભારતીય પરિપ્રેક્ષ્ય અને રુચિને સુસંગત એવા થોડાક સવાલો અહીં પસંદ કર્યા છે.
    ઉપરોક્ત અને અહીં ન ઉલ્લેખેલા સવાલો છેક અંગત છે. એ આપણને આપણી ઊંડી જાતતપાસની તક આપે છે. એમાના અનેક સવાલો આપણને અકળાવે છે, ગભરાવે છે, વિચલિત અને વિહ્વળ કરે છે. એ એક જાતની ઉઘરાણી છે. જવાબ તો આપવો જ પડે. ઉડાઉ નહીં, હૃદય કહે તે ! તમે જ પ્રશ્નકર્તા, તમે જ ઉત્તરદાતા ! હા, પુનશ્ચ પુનરાવર્તન કે જવાબો, બુદ્ધિનું આવરણ હટાવીને આપવાના છે !
    કહે છે, હા અને ના બન્ને સરળ શબ્દો છે પણ એ દુનિયાના સૌથી અઘરા ઉત્તરો છે. સરળ પ્રશ્નનો ઉત્તર સૌથી કઠિન હોય. જેમ કે  ‘ તમે કોણ ? ‘
     

    દુનિયાના અંતિમ સત્યો પણ કેવળ બે છે. હા અને ના. બાકી સબ હેરાફેરી !


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • પરિવર્તન – ૩ ઉલ્કાપાત

    અવલોકન

     – સુરેશ જાની

           બીગ બેન્ગની ઘટના ઘટી ગયે, કરોડો વર્ષો વીતી ગયાં હતાં. બળબળતા વાયુઓના અતિ પ્રચંડ સમૂહો તીવ્ર વેગે દૂર અને દૂર ફંગોળાતા રહ્યા. પણ ગુરુત્વાકર્ષણના બળે,  નજીકની મતા ભેગી પણ થતી ગઈ. જેમ જેમ આ ભેગી થતી મતા નજીક ને નજીક આવતી ગઈ; તેમ તેમ તેમનો નજીક આવવાનો વેગ પણ વધતો ગયો. અને વળી પાછું દ્રવ્ય ઘનીભૂત થતું ગયું. તારાઓ અસ્તિત્વમાં આવ્યા.

    આવો એક તારો તે આપણો સૂર્ય.

    એની આજુબાજુ ઠેર ઠેર વેરાયેલા આવા સમૂહો અત્યંત નાના હોવાને કારણે જલદી ઠરી ગયા અને બધા ગ્રહો સર્જાયા. સૂર્યની બહુ નજીક હોવા છતાં પોતાના પ્રચંડ વેગને કારણે એ સૂર્યમાં ન સમાયા પણ એની આસપાસ ઘૂમતા રહ્યા. સૂર્યમાળાના મણકા જેવા એ ગ્રહો, અને એમાંની એક તે આપણી ધરતી.

    એનાથી નાના દ્રવ્યકણો તે ઉપગ્રહો, એ ગ્રહોની આજુબાજુ ફરવા લાગ્યા. ધરતીની સાવ નજીક હોવાને કારણે એની આજુબાજુ ફરતો બની ગયો તે આપણો ચન્દ્ર.

    અને સૌથી નાના બાળકો એટલે ગુરુ અને મંગળના ગ્રહની વચ્ચે ફરતી રહેલી, ઓરડાની ફર્શ પરની ધૂળ જેવી ઉલ્કાઓ – કોઈક મોટી તો કોઈક નાની. એ રજકણોની સતત વર્ષા બધા ગ્રહો પર અને ધરતી પર થતી જ રહે.

    પણ આજે જે ઘટનાની વાત કરવાની છે તે ઘટી હતી – સાડા છ કરોડ વર્ષ પહેલાં.

    એ જમાનામાં ધરતી પર અલગ અલગ ખંડો ન હતા. એક મોટો જમીનનો સમૂહ હતો – ગોન્ડવાના લેન્ડ. તેની આજુબાજુના ખાડામાં ઠંડી થયેલી વરાળમાંથી બનેલા પાણીનો બહુ મોટો સમૂહ હતો –  એક જ પ્રચંડ મહાસાગર. એ ધરતી પર અને એ મહાસાગરમાં પ્રચંડકાય ડિનોસોર મહાલતાં હતાં. જાતજાતનાં અને ભાતભાતનાં – કોઈ વનસ્પતિ આહારી તો કોઈ માંસાહારી. એમના કદને અનુરૂપ, પ્રચંડ કદવાળાં વૃક્ષોનાં જંગલો પણ સમસ્ત ધરતી પર હતાં. આ ચિત્રવિચિત્ર દુનિયાનો વ્યવહાર એમના રાબેતા મુજબ  – અત્યારે ચાલતા, આપણા રાબેતા મુજબના જીવન કરતાં સાવ જુદી જ રીતે – ચાલી રહ્યો હતો    જુરાસિક પછીના ક્રિટેશિયસ યુગની સંધ્યાનો એ અંતિમ તબક્કો હતો.

    પણ એ રાબેતા મુજબના જગતમાં એક અવનવી ઉષા ઊગવાની ઘડીઓ ગણાઈ રહી હતી.( અલબત્ત, એવી ગણતરી કરનાર કોઈ જણ ત્યાં હાજર ન હતો – એ અલગ બાબત છે!)

    કોઈક ધૂમકેતુ સૂર્યની નજીક આવવાના કારણે, મસમોટી કોઈ એક ઉલ્કાની ગતિ બદલાઈ ગઈ અને તે થોડીક પૃથ્વીની નજીક સરકી. પછી તો તે સરકતી જ ગઈ; સરકતી જ ગઈ. જેમ નજીક આવતી ગઈ તેમ પ્રૂથ્વીના આકર્ષણના કારણે તેનો વેગ વધવા માંડ્યો. ધરતીમાતા હવે તેને પોતાની ગોદમાં લેવા આતુર હતી ને!

    ધરતી કરતાં આમ તો તે ઉલ્કા સાવ નાનકડી જ હતી. માંડ ૬ માઈલના વ્યાસ વાળી – વજન માત્ર દસ લાખ ટન! જો થોડેક દૂર રહી હોત તો, પૃથ્વીથી આજુબાજુ સૂર્યમાળાના એક રજકણની જેમ ફરતી રહી હોત. પણ ભવિતવ્ય કાંઈક અલગ જ હતું. આ માયા ય માળી ધરતીમાં સમાઈ જવા આતુર હતી ને?!

    અંધારઘેરી એ રાત હતી. ઈવડી એ ઉલ્કા કલાકના ૭૦૦૦ માઈલની ઝડપે ગોન્ડવાના લેન્ડ ઉપર ખાબકી.

    નોંધી લો કે, એક ટન વજનની કાર એક શીલા સાથે કલાકના ૬૦ માઈલની ઝડપે અથડાય તો એના અને એ શીલાના ભુક્કા જ બોલી જાય. કલાકના ૬૦૦ માઈલની ઝડપે અથડાય તો, તે આગનો ગોળો બની જાય અને એ આગમાં ઓગળેલો લોખંડનો ગોળો બની જાય. પેલી શીલા પર તો નાનો અમથો ગોબો પડે એટલું જ. જો કલાકના ૬૦૦૦ માઈલની ઝડપે અથડાય તો?આખી શીલાના ભુક્કે ભુક્કા બોલી જાય અને તે બળવા લાગે!

    પણ આ તો દસ લાખ ટન વજનની ઉલ્કા અને કલાકના ૭૦૦૦ માઈલની ઝડપ! અને એ તો પૂરા જોરથી ધરતી પર ખાબકી હોં! મધરાતે સો સો સૂર્ય ઝળહળી રહ્યા હોય એટલું અજવાળું થઈ ગયું. બળબળતી એ ઉલ્કા સેકન્ડના કંઈ કેટલાય માઈલની ઝડપે ધરતીની અંદર સમાઈ ગઈ – બહુ જ ઊંડે ને ઊંડે. ધરતીના પડને ચીરીને ધગધગતા લાવાની અંદર એ તો ખાબકી.

    ખર્વોના ખર્વોની સંખ્યામાં ફટાકડા ફૂટતા હોય એમ, સેંકડો જ્વાળામુખીઓ ભભૂકી ઊઠ્યા. ધરતીના ટુકડે ટુકડા થઈ ગયા. મહાસાગરનાં પાણી ધગધગતી વરાળ બનવા માંડ્યા અને આખા પર્યાવરણમાં ફેલાવા માંડ્યા. ધરતીમાંથી નીકળેલી લાવારસની જ્વાળા પણ આની હોડ બકતી ચોગમ ફેલાવા લાગી.

    આ બે બળબળતી માયાઓ વચ્ચેનું તુમુલ યુધ્ધ, વર્ષો સુધી જારી રહ્યું. બળબળતા અગ્નિ અને વરાળનું આ મહાવાદળ ધરતીને વીંટળાઈને પર્યાવરણની બહારની સપાટી સુધી પહોંચી ગયું, અને ત્યાં પહોંચતાની સાથે જ શૂન્યાવકાશની અત્યંત ઠંડીથી ઠરવા માંડ્યું.

    અને ધરતી ઉપર શી હાલત હતી? બળબળતી ગરમી અને કરોડો તીવ્ર માત્રાના ધરતીકંપોનાં સતત જારી રહેતા આંચકાઓ વચ્ચે જંગલો અને પ્રાણીઓ બળીને ભસ્મ થઈ ગયા. પૃથ્વી પરનો પ્રાણવાયુ એમને બાળવા માટે પુરતો ન હતો. અબજો પ્રાણીઓનાં ભડથું થઈ ગયેલાં ખોળિયાં અને કાળા ભંઠ કોલસા બની ગયેલાં જંગલો, ધૂળ અને ખડકોના ઢગલે ઢગલા. બળબળતા વાયરાની સંગાથે આ બધાનાં ચક્રવાત અને પ્રતિચક્રવાત. એક જગ્યાએ નહીં – ઠેર ઠેર. આપણે કદી ન જોયા હોય , તેવા પ્રલયની એ ઘટના હજારો વર્ષો સુધી ચાલુ રહી.

    ધરતી પરનું અને વાતાવરણનું આ  એ પ્રચંડ તાંડવ ધીમે ધીમે શમવા લાગ્યું. ઘટાટોપ ધૂળ અને પાણીની બાષ્પનાં વાદળો ટુકડે ટુકડા થઈ ગયેલી ધરતી પર છવાઈ ગયાં. ધુળની સાથે લાવામાંથી નીકળેલો સલ્ફર પણ હતો જ ને? એસીડની વર્ષા રહી સહી જીવસૃષ્ટિનું નિકંદન સતત થતું રહ્યું. પ્રચંડ ઉષ્ણતામાનનું સ્થાન હવે ભયાનક ઠંડી લેવા માંડી. સમસ્ત ધરતી પર બરફ છવાઈ ગયો. ( Ice age)

    સેંકડો વર્ષોની ઠંડી અને અંધારથી ભરેલી એ ઘેરી રાત હતી. કોઈ જીવ કે વનસ્પતિનું અસ્તિત્વ શક્ય જ ન હતું. એ બધી સલ્તનતો નષ્ટપ્રાય થઈ ચૂકી હતી. ધરતીના ગર્ભમાં એક નવી જ સૃષ્ટિ આકાર લઈ રહી હતી. એક નવી જ શક્યતાના બીજનું સેવન કરીને ધરતી ઠંડીગાર બનીને ચુપચાપ સૂતી રહી.

    એક નવા યુગની ઉષા, સુર્યના કિરણોથી એ બીજને સેવવા, પોતાના પ્રસવની પ્રતીક્ષા કરી રહી હતી.

    ——————————————

        અપ્રતિમ, અભુતપૂર્વ, ન ભૂતો ન ભવિષ્યતિ એવો એ ઉલ્કાપાત. પરિવર્તન – પ્રચંડ પરિવર્તન. પણ બીગ બેન્ગની તુલનામાં? એક રજકણ જેવી ધરતી ઉપર હવાની લ્હેરખી માત્ર લહેરાઈ હતી!  સમગ્ર સમષ્ટિના સ્થળ અને સમયના પરિમાણના પરિપ્રેક્ષ્યમાં, ક્ષણાર્ધનાય સાવ નાનકડા ભાગ જેવી એક પળ માટે, એક નાનકડી રજકણે પોતાનાથી અત્યંત નાના પાવડરની કણી સાથે સાવ નાનકડો આશ્લેષ અનુભવ્યો હતો!


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ચિપકો આંદોલનની અડધી સદી : સફળતા અને વિફળતા

    નિસબત

    ચંદુ મહેરિયા

    આઝાદ ભારતના ઈતિહાસમાં ચિપકો આંદોલનનું અનોખું  સ્થાન છે. તેમાં મહિલાઓની અહિંસક લડાયક ભૂમિકા અતુલનીય હતી. આ આંદોલન ન માત્ર પર્યાવરણ રક્ષાનું હતું પરંતુ કુદરતી સંસાધનો પર કોનો અધિકાર સવિશેષ હોવો જોઈએ તે માટેનું પણ હતું. સ્વંત્રતતાની પહેલી પચીસી પછી ગાંધી- સર્વોદય અને સામ્યવાદી કાર્યકરો દ્વારા ગાંધી ચિંધ્યા અહિંસા અને સત્યાગ્રહના માર્ગે થયેલું એક એવું આંદોલન હતું જે પ્રાદેશિક ના રહેતાં દેશ-વિદેશમાં પ્રસર્યું હતું. તેણે પર્યાવરણને રાષ્ટ્રીય મહત્વનો વિષય બનાવ્યો હતો અને પર્યાવરણ રક્ષામાં મહિલાઓની ભૂમિકા સંદર્ભે  ઈકો-ફેમિનિઝમનો નવો સિધ્ધાંત પણ સ્થાપિત કર્યો હતો.

    Sunderlal Bahuguna, who had become synonymous with the Chipko movement, with his wife, Vimla. | Photo Credit: THE HINDU PHOTO ARCHIVES

    અડધી સદી પહેલાં ૨૭મી માર્ચ ૧૯૭૪ના રોજ ચિપકો  આંદોલનનો આરંભ થયો હતો.તત્કાલીન ઉત્તરપ્રદેશ અને હાલના ઉત્તરાખંડના, ભારત તિબેટ સરહદ પરના, તાલુકા મથક જોશીમઠથી અગિયાર કિલોમીટર દૂરનું રૈણી ગામ ( જિ.ચમોલી) તેનું આરંભબિંદુ હતું અને ગૌરાદેવી તેના જનની હતાં. હિમાલયના વનવિસ્તારના આ ગામમાં સરકારની મંજૂરીથી ઘણાં વૃક્ષો કપાવાના છે તેની ચર્ચા અને વિરોધ ચાલુ હતા. એ દરમિયાન જ્યારે ગામમાં કોઈ પુરુષ હાજર ન હોય તેવું ગોઠવીને ઠેકેદારના માણસો ઝાડ કાપવા આવ્યા. આ વાતની  જાણ ગામની મહિલાઓને થતાં ગૌરાદેવીના નેતૃત્વમાં ગામની ૨૭ મહિલાઓ વિરોધ કરવા દોડી ગઈ. તેમને બીજું કંઈ ના સૂઝતાં તેમણે વૃક્ષોને બાથ ભરી લીધી અને પડકાર કર્યો કે તેને કાપતાં પહેલાં કુહાડી અમારા પર ચલાવો. શાંત અને અહિંસક સત્યાગ્રહથી કોન્ટ્રાકટરના માણસો પાછા પડ્યા અને તેઓને ચાલ્યા જવાની ફરજ પડી.

    રૈણી ગામનાં મહિલાઓનો વિરોધ સ્વયંભૂ હતો એ ખરું પણ તેની પાછળ આર્થિક અને પર્યાવરણીય એવી પૃષ્ઠભૂમિ અને સંઘર્ષ પણ હતો. ૧૯૬૨ના ભારત-ચીન યુધ્ધ પછી  ઉત્તરાખંડના આ હિમાલયી ક્ષેત્રમાં વિકાસ કાર્યોની શરૂઆત થઈ. સડકો અને સુરંગોનું નિર્માણ અને તે માટે વૃક્ષોનું છેદન તેમાં મુખ્ય હતા. તેને કારણે ભૂસ્ખલન ,  માટીનું ધોવાણ અને પૂરની ઘટનાઓ બની હતી. ૧૯૭૦નું અલકનંદા નદીનું વિનાશક પૂર લોકોની આંખ ઉઘાડનારું બન્યું. આ પૂરથી લોકોની જમીન અને જીવન નષ્ટ થતાં તેઓ સંગઠિત થયા અને  સરકારની વિકાસ નીતિ સામે સવાલો ઉભા કર્યા.સરકાર અને કોન્ટ્રાકટરના વિરોધમાં ઠેરઠેર વિરોધ કાર્યક્રમો થયા . ગાંધીવાદી સામાજિક આગેવાનો સુંદરલાલ બહુગુણા અને ચંડીપ્રસાદ ભટ્ટ  , સામ્યવાદી આગેવાન ગોવિંદસિંહ રાવત અને સ્થાનિક મહિલા આગેવાનો તેમાં મોખરે હતા.

    વનોનો વિનાશ કરી સરકાર વૃક્ષોને ઓધ્યોગિક હેતુ માટે બહારના ખાનગી હાથોને આપી રહી હતી. મહિલાઓ માટે જંગલ એટલે પિયર. સંકટ સમયનો આશરો. બળતણ માટેનું લાકડું, ઢોર-ઢાંખરા માટે ઘાસચારો અને રોજગારી  જંગલોને કારણે મળતી હતી. પહાડી પ્રજાનું સમગ્ર જીવન તેના પર આધારિત હતું.જો એ  ના રહે તો તેમનું જીવન દોહ્યલું બની જાય.વૃક્ષોને કારણે જ વરસાદ અને પાણી મળે છે. માનવ અસ્તિત્વના આધારરૂપ જમીન, વાયુ અને પાણી તેને કારણે છે. એટલે આંદોલનની મુખ્ય માંગણી પહાડી વિસ્તારોમાં લીલા વૃક્ષોના છેદન પર પ્રતિબંધની હતી. જંગલોનો વ્યાવસાયિક હેતુ માટે ઉપયોગ રોકવાની હતી. રોજગારીના અભાવે જ્યારે પુરુષોને  અન્યત્ર સ્થળાંતર કરવાની ફરજ પડે ત્યારે કુંટુંબનું જીવન  ટકાવવાનો મહિલાઓનો આધારા જંગલો હતા. સ્થાનિક લોકો જ જંગલોને બચાવે છે તે બાબત પણ નીતિ નિર્માતોના ભેજામાં ઉતારવાની હતી.

    લગભગ દોઢસો કરતાં વધુ ગામોમાં ચિપકો આંદોલના ફેલાયું હતું. સુંદરલાલ બહુગુણાના આમરણ ઉપવાસ, પદયાત્રા, મોટા વિરોધ પ્રદર્શનો , સત્યાગ્રહો , ધરણા અને સભાઓને કારણે સરકારને ચિપકો આંદોલનકારીઓની વાત સાંભળવી પડી. હિમાલયી વનો દેશ માટે પાણી પેદા કરે છે , માટી બનાવે છે, સુધારે છે અને ટકાવે છે. એટલે લીલાંવૃક્ષોનું છેદન ૧૦ થી ૨૫ વરસ સ્થગિત રાખવા અને હિમાલયી ક્ષેત્ર ઓછામાં ઓછા ૬૦ ટકા વૃક્ષાચ્છાદિત ના બને ત્યાં સુધી વ્રુક્ષોની કાપણી ના કરવી,  યુધ્ધસ્તરે  મોટાપાયે વૃક્ષારોપણ કરવું જેવી માંગણીઓ માટે  ૧૯૭૪માં યુ.પી.સરકારે આંદોલનકારીનેતાઓ સહિત નિષ્ણાતોની સમિતિ બનાવી હતી. બે વરસ પછી ૧૯૭૬માં સમિતિએ તેનો અહેવાલ આપ્યો.જેમાં માંગણીઓ વાજબી અને સાચી લાગતાં તેણે  ૧૨૦૦ વર્ગ કિ.મી.ના વિસ્તારમાં વ્યાવસાયિક વન છેદન પર ૧૦ વરસનો પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી .રાજ્ય સરકારે આ ભલામણ સ્વીકારતા આંદોલનને મોટી સફળતા  મળી. ૧૯૮૦માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગંધીએ  હિમાલયક્ષેત્રમાં વ્યાવસાયિક વૃક્ષછેદન પર ૧૫ વરસનો પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો.

    ચિપકો આંદોલને પર્યાવરણ જાગ્રતિ  અને સ્થાનિક લોકોનો કુદરતી સંસાધનોના ઉપયોગ પર હક અને જાળવણીની ફરજ સ્થાપિત કરી. પ્રાદેશિક આંદોલને રાષ્ટ્રીય વનનીતિ ઘડવાની દિશામાં ચર્ચા જગવી. કેન્દ્ર સરકારમાં પર્યાવરણ મંત્રાલયની રચના, ૧૯૮૦નો  વન સંરક્ષન અધિનિયમ, ૧૯૮૮ની રાષ્ટ્રીય વન નીતિ   ચિપકો આંદોલનને કારણે શક્ય બન્યાં હતા.  ચિપકો આંદોલન બીજ બચાવો આંદોલન, નદી બચાવો આંદોલન , વૃક્ષારોપણ અભિયાન, પર્યાવરણ ચેતના અને જાગ્રતિ અભિયાન, ખનન વિરોધી આંદોલન, વનપંચાયત સંઘર્ષ આંદોલન , ટિહરી બંધ પરિયોજના વિરોધી આંદોલન જેવા આંદોલનોમાંથી  વિસ્તરીને અંતે સમગ્ર હિમાલય બચાવોમાં પરિવર્તિત થયું તે તેની મોટી સિધ્ધિ છે. પહાડી વિસ્તારની મહિલાઓ ઘરનો ઉંબરો છોડી આંદોલનમાં મોખરે રહી તે મહિલા જાગ્રતિકરણની દિશામાં મહત્વની સફળતા છે.

    અપ્પિકો આંદોલન એ ચિપકો આંદોલનની કર્ણાટક આવૃતિ છે. કર્ણાટક, કેરળ, બિહાર, રાજસ્થાન, હિમાચલપ્રદેશ જેવા રાજ્યોમાં આ આંદોલન પહોંચ્યું હતું. ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝરલેન્ડ, કેનેડા, મેક્સિકો, ડેન્માર્ક અને મલેશિયામાં પણ વૃક્ષ છેદનના વિરોધમાં વૃક્ષોને ગળે લગાડવાનું અને તે રીતે માનવી અને વૃક્ષ વચ્ચેનો પ્રેમ અને તેના પરનો આધાર વ્યક્ત કરવાની ચિપકો આંદોલનની રણનીતિ વૈશ્વિક બની હતી.. અહિંસક સત્યાગ્રહનું આ ગાંધી મોડેલ આજે પણ પ્રસ્તુત છે તે તેણે દુનિયાને દેખાડ્યુ હતુ.

    ચિપકો આંદોલનને તેની પચાસીએ મૂલવતાં કેટલીક વિફળતાઓ પણ જણાય છે. જે વિકાસના મોડેલનો તેણે વિરોધ કર્યૉ હતો તે આજે વધુ મજબૂત બન્યું છે. ચિપકો આંદોલને ઘણી રાજકીય સંભાવનાઓ જન્માવી હતી પરંતુ તેનો ઉપયોગ થઈ શક્યો નહીં. વૃક્ષ્છેદન પરનો પ્રતિબંધ પૂર્ણ  થયા પછી તેને લંબાવવા માટે આંદોલન કંઈ કરી શક્યું નહીં.સ્થાનિક પહાડી પ્રજાને ઘસચારા માટે ઉપયોગી પહોળા પાનના ઝાડને બદલે હવે વ્યાવસાયિક ઉપયોગ માટેના શંકુ આકારના ઝાડ વધ્યાં છે. ઉત્તરાખંડમાં આકાર લઈ રહેલી ચારધામ રાજમાર્ગ જેવી અવૈજ્ઞાનિક માર્ગ નિર્માણ નીતિનો વિરોધ કરવાનું  ચિપકો આંદોલનની વારસદાર નવી પેઢી કે તે કાળના હયાત નેતાઓ માટે કેમ બન્યું નથી તે પણ સવાલ છે. હિમાલયને પર્યટનનું કેન્દ્ર બનાવવા  એરપોર્ટ , રેલવે , હોટલોનું નિર્માણ થવા લાગ્યું છે. મોટાબંધો, ખનિજોનું ખોદકામ, રોપવે, જળવિધ્યુત યોજનાઓ જેવી બાબતોએ પણ ચિપકોની સફળતાને ધોઈ નાંખી છે.

    ગાંધીના માર્ગે લોકશક્તિનો વિનિયોગ કરીને મહિલાઓ, આદિવાસીઓ અને ગરીબ ગ્રામીણોનું જન આંદોલન સરકારને નમાવી શકે છે તે ચિપકોની બેમિસાલ સિધ્ધિ છે. પર્યાવરણ કર્મશીલ વંદના શિવાના શબ્દોમાં  ચિપકો આંદોલન ઐતિહાસિક, દાર્શનિક અને સંગઠનાત્મક રૂપે પારંપારિક ગાંધીવાદી સત્યાગ્રહોનું વિસ્તૃત સ્વરૂપ તો હતું જ માનવ અસ્તિત્વ સામેના ખતરાને રોકવાનો સભ્ય સમાજનો સભ્ય ઉત્તર હતો.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મહાત્મા ગાંધી, માર્ટિન બુબેર અને ઇઝરાયલ

    સમાજદર્શનનો વિવેક

    કિશોરચંદ્ર ઠાકર

    કોઇ બે ટીમો વચ્ચેની મેચમાં આપણે કશું લેવાદેવા ન હોય તો પણ જાણ્યેઅજાણ્યે કોઇ એક ટીમના પક્ષે બેસી જતા હોઈએ છીએ. આવું જ કોઇ અન્ય બે જૂથો કે દેશો વચ્ચેની લડાઇમાં બનતું હોય છે. દુનિયા આખીએ વાજબી રીતે જ વખોડી કાઢેલા ગાઝા પટ્ટીના આતંકવાદીઓએ કરેલા નિર્મમ આતંકવાદી હુમલા પછી તેની જવાબી કાર્યવાહી તરીકે ઈઝરાયલી સેનાએ ગાઝાપટ્ટીમાં કરેલા અમાનવીય અત્યાચારમાં કશું અયોગ્ય લાગતું ન હોય તેવો એક મોટો વર્ગ આપણે ત્યાં છે. તેના કારણોમાં મુખ્યત્વે મુસ્લિમો તરફનો પૂર્વગ્રહ અને યહુદી પ્રજાના બુદ્ધિ,-કૌશલ્ય અને બહાદુરીની વાતોનો અને તેમણે વેઠીલી યાતનાઓ પ્રત્યે સહાનુભીતિની પણ  તે વર્ગ પર અસર હશે.. ઇઝરાયલનો પક્ષધર બનેલો આ વર્ગ પેલેસ્ટાઇનીઓની મરજી વિરુદ્ધ તેમની વચ્ચે જ ઇઝરાયલના નિર્માણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિથી અજાણ છે અથવા તો તેમને પેલેસ્ટાઇનના લોકોને થયેલા અન્યાયને નજરઅંદાજ કરીને પણ યહુદીઓને પોતાની પિતૃભૂમિ મળવી યોગ્ય  લાગે છે.

    બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહુદી પ્રજા પર હિટલરે કરેલા અત્યાચારની વિગતો  જગજાહેર છે. તેથી યહુદી પ્રજા સહનુભૂતિને લાયક છે જ. પરંતુ હિટલરના અત્યાચારનું કારણ યુરોપિયનોનો યહુદીઓને શોષણખોર અને ક્રૂર તરીકે જોવાનો પૂર્વગ્રહ છે. કદાચ આ જ કારણે શેક્સ્પિયરને ‘મરચ‌ન્ટ ઓફ વેનિસ’માં યહુદી ‘શાયલોક’નું પાત્ર સૂઝ્યું હશે.

    દર્શકની નવલકથા ‘ઝેર તો પીધા છે જાણી જાણી’માં ’next year in Jerusalem’ ના નારા દ્વારા યહુદીઓના પોતાની પિતૃભૂમિમાં પાછા ફરવાના સંકલ્પની વાત આવે છે.  છેક ૧૯૧૭માં બ્રિટનના વિદેશમંત્રી બફ્લરે યહુદીઓને પેલેસ્ટાઇનમાં વસાવવાની જાહેરાત બ્રિટનની સંસદમાં કરી હતી. સ્વાભાવિક છે કે બધા આરબ દેશોની વચ્ચે પેલેસ્ટાઇનમાં યહુદીઓને એક આખો પ્રદેશ આપવાનો વિરોધ પેલેસ્ટાઇનના લોકો કરે જ. પરંતુ  દુનિયાના અન્ય સામ્રાજયવાદ વિરોધી પરિબળોએ પણ તેનો વિરોધ કર્યો હતો. ભારતના ભાગલા વખતે  જેમ ગાંધીજીએ પાકિસ્તાનના હિંદુઓને અને ભારતના મુસ્લિમોને ‘ગમે તે પરિસ્થિતિ હોય પણ પોતપોતાના દેશમાં જ રહેવાની’ સલાહ આપી હતી તે જ રીતે યહુદીઓને પણ તેઓ જે તે દેશમાં હોય ત્યાંના જ થઈને રહેવાની સલાહ આપેલી. ગાંધીજીએ આ અંગે પોતાના વિચારો ૨૬ નવે‌મ્બર ૧૯૩૮ના ‘હરિજન’ માં લખેલા એક લેખમાં વ્યકત કરેલા જેના મુખ્ય મુદ્દાઓ અહીં મૂક્યા છે.

    ગાંધીજી પોતે યહુદીઓએ ઇતિહાસકાળમાં સતત વેઠેલા જુલમો અને અન્યાયથી સભાન તો હતા જ. ‘હરિજન’માં તેમણે લખ્યું પણ. “જેમ હિંદુઓ પોતાની ધાર્મિક માન્યતાને આગળ ધરીને દલિતોને અસ્પૃશ્ય ગણે છે તેવી જ રીતે ખ્રિસ્તીઓ પણ તેમની ધાર્મિક માન્યતાને કારણે યહુદીઓને અસ્પૃશ્ય જેવા જ માને છે. પરંતુ આ તો અમાનવીય જુલમ કહેવાય. મારી યહુદીઓ પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે. જર્મનોએ તેમના પર ગુજારેલા ત્રાસનો ઇતિહાસમાં કોઇ જોટો જડતો નથી. યહુદીઓ પ્રત્યે હિટલરના બેફામ દમનને રોકવા માટે યુદ્ધ વહોરવામાં પણ કશું ખોટું નથી.

    આમછતાં ગાંધીજી પેલેસ્ટાઇનમાં યહુદી રાજ્ય(ઇઝરાયલ) ઊભું કરવાના સખત વિરોધી હતા. તેમણે લખ્યું “આરબો ઉપર ઇઝરાયલ થોપી દેવું તે વાજબી તો નથી, ઉપરાંત અમાનવીય પણ છે. સમગ્ર પેલેસ્ટાઇનમાં કે તેના કોઇ એક ભાગમાં યહુદી રાજ્ય ઊભુ કરીને આરબોના સ્વાભિમાન પર પ્રહાર કરવો તે કોઇ રીતે યોગ્ય નથી.”

    ગાંધીજીના આ વિચારો બે મુદ્દાઓ પર આધારિત હતા. તેઓ માનતા કે પેલેસ્ટાઇન એ માત્ર આરબ પેલેસ્ટાઇની લોકોની જ માતૃભૂમિ છે. બીજી બાબત એ હતી કે બ્રિટન બળજબરી અને હિંસા કરીને પણ યહુદીઓને અહીં વસાવવા માગતું હતું. તેમણે લખ્યું, “યહુદીઓએ પેલેસ્ટાઇનના લોકોની સદભાવના જીતીને જ પેલેસ્ટાઇનમાં વસવું જોઈએ, નહિ કે બ્રિટનનાં બંદૂક કે બોંબનો સહારે. આ ઉપરાંત ગાંધીજીએ કહ્યું કે માની લઈએ કે યહુદીઓનો પેલેસ્ટાઇન સિવાય કોઈ આરો નથી તેથી ત્યાં તેમને માતૃભૂમિ મળી જાય. આવા સંજોગોમાં શક્ય છે કે તેઓ યુરોપ સિવાય દુનિયામાં અન્યત્ર જ્યાં શાંતિથી રહી રહ્યા છે ત્યાંથી પણ તેમને બળજબરીથી હાંકી  કાઢવામાં આવશે તો તેઓ પસંદ કરશે?

    ગાંધીજીના આ વિચારોના વિરોધમાં  માર્ટિન બુબેર નામના ઓસ્ટ્રેલિયાના એક યહુદી વિચારકે ૨૪ ફેબ્રુઆરી ૧૯૩૯ના દિવસે પાંચ હજારથી પણ વધારે શબ્દોનો એક  લાંબો પત્ર લખેલો. ગાંધીજી અને બુબેરના વિચારો ઘણી બાબતમાં સમાન હતા. બુબેર પણ ગાંધીજીની જેમ માનવહક અને  ગ્રામસ્વરાજ્યના હિમાયતી હતા. આ ઉપરાત તેઓ એકહથ્થુ કે‌‌ન્દ્રીય સત્તાના પણ વિરોધી હતા. પરંતુ નાઝીઓ સામે સત્યાગ્રહની વાત તેમને સ્વીકાર્ય ન હતી. તેમણે ગાંધીજીને લખેલું, “તમે કરેલા દક્ષિણ આફ્રિકાના તમારા સત્યાગ્રહની જેમ અમે પણ જર્મનીમાં સ્ત્યાગ્રહ કરીએ તેમ ઇચ્છતા હશો પરંતુ એ ભૂલી જાઓ છો કે દક્ષિણ આફ્રિકામાં ૧૫,૦૦૦ ભારતીયોની સામે તમારા દેશમાં ૨૦ કરોડ ભારતીયો રહે છે, જ્યારે આમારી પાસે કોઇ પિતૃભૂમિ નથી વળી તમે એમ માનતા હો કે બાઇબલમાં આવતી પિતૃભૂમિની વાતથી દોરવાઈને અમે અમારી પિતૃભૂમિની માગણી કરી રહ્યા છીએ, તો તમારી એ માન્યતા ભૂલભરેલી છે. તમે દક્ષિણ આફ્રિકાના ભારતીયોની તકલીફો સાથે અમારી યાતનાઓની સરખામણી ન કરી શકો. ૧૯૦૬ના તમારા ભાષણમાં કેટલાક યુરોપિયનોએ કરેલી હરકતની વાત તમે કરી હતી, જો હું આ રીતે જર્મનીઓની ટીકા કરું તો યહુદીઓની સેંકડો દુકાનોમાં આગ ચાંપવામાં આવે. જર્મનીઓએ અમને આપેલા ત્રાસની સરખામણીમાં  અંગ્રેજોએ તો તમને ખૂબ નજીવું નુકસાન કર્યું છે.”  આમ ગાંધીજી ભલે અહિંસાને મોટી તાકાત માનતા હોય પણ બુબેર તો અહિંસાને એક ખૂબ નાનુ અને મર્યાદિત શસ્ત્ર માનતા

    અહીં એક વાત આપણે જાણવી જોઇએ કે ૧૪ મે ૧૯૪૮ના દિવસે ઇઝરાયલના અસ્તિત્વ પહેલાની સદીઓથી યહુદીઓ પેલેસ્ટાઇનમાં આવતા રહ્યા છે. ૧૮૮૨થી ૧૯૦૩ વચ્ચે લગભગ ૩૫,૦૦૦ યહુદીઓ તુર્કીના ઓતામાન સામ્રાજ્ય હેઠળના પેલેસ્ટાઇનમાં આવીને વસેલા. તેની પણ પહેલા એટલે કે ઇસ્લામ અગાઉના લગભગ ૧૧૦૦ વર્ષ પહેલા પણ ત્યાં યહુદીઓ હતા. પરંતુ પેલેસ્ટાઇનને બે ભાગમાં વહેંચીને એક ભાગ  ઇઝરાયલને આપવાની વાત પેલેસ્ટાઇનીઓને સ્વીકાર્ય ન હતી. ગાંધીજીએ પોતાના વિચારો રજૂ કર્યા તે પહેલા જ ઇઝરાયલનું આયોજન અને તૈયારીઓ તો થઈ ચૂકી હતી. આજે તો એક વખતના તેના વિરોધીઓએ પણ તેને માન્યતા આપી દીધી છે. ૧૯૭૮ના ના કે‌મ્પ ડેવિડ કરારને કારણે ઇઝરાયલે પેલેસ્ટાઇનના જ ભાગો એવા ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંકમાંથી ખસી જવાનું સ્વીકાર્યું અને ૧૯૬૭માં ખાધેલી કારમી હારને કારણે  ઇજિપ્તે પણ ઇઝરાયલનો સ્વીકાર કર્યો.

    તસવીરમાં ૧૯૪૮ ની લડાઈ દરમિયામ જૂન મહિનામાં હાફિયા નામના ગામથી નીકળેલી પેલેસ્ટાઇનના નિરાશ્રિતોની અરબસ્તાનના તુકરમ શહેર પાસે વણઝાર

    પરંતુ સંજોગોના દબાણને કારણે નેતાઓએ કરેલા સમાધાનનો આરબ પ્રજાએ હૃદયપૂર્વક સ્વીકાર ન કર્યો. અનેક આતંકવાદી સંગઠ્ઠનો ઊભા થયા. ઇઝરાયલના લોકો ચેનથી સૂઇ શકે તેવી પરિસ્થિતિ આજે પણ નથી. ગાઝાપટ્ટીમાં નિર્દયતાથી નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને નાના બળકોને ક્રૂરતાથી રહેંસી નાખવાની કાર્યવાહી બે અઢી મહિનાથી વણથંભી ચાલી રહી છે. હવે તો ગાઝાના લોકોની રાહત છાવણીઓ પર પણ હુમલાઓ શરૂ થયા છે.  ગાઝા ગમે તેટલું ખેદાનમેદાન થઈન જાય, તો પણ સમગ્ર કોમનું નિંકંદન તો નીકળી શકે નહિ. વેરની આગ બુઝાશે નહિ. લડાઇ લાબી ચાલશે તો શક્ય છે કે બીજા દેશોને પણ દઝાડે.

    ૧૯૪૮ થી આજ સુધીમાં થયેલી અનેક નાનીમોટી લડાઇઓ, આતંકવાદી હુમલાઓ અને વળતા પ્રહારોથી અને સૌથી વધારે તો યુરોપ અને અમેરિકાની દખલગીરી તેમજ તેમની ઇઝરાયલને મળતી નૈતિક અને શસ્ત્રોની સહાયને કારણે મધ્યપૂર્વની શાંતિ સતત ડહોળાતી રહી છે. ઇઝરાયલની રચનાથી યહુદી પ્રજા અને સમગ્ર વિશ્વે નક્કર શું મેળવ્યું તે નિષ્ણાતો નક્કી કરી રહ્યા હશે, પરંતુ ગાંધી સાચા હતા કે બુબેર? એ સવાલનો સાચો જવાબ હજુ મળી શક્યો નથી. સાથેસાથે લેખની શરૂઆતમાં જણાવ્યા મુજબ આપણા આપણા દેશમાં હજુ પણ જેમને ઇઝરાયલ પ્રત્યે સહાનુભૂતિ છે તેમણે  પોતાના અંતરાત્માને ઢંઢોળવો જોઇએ અને પક્ષધર બનવું હોય તો માનવતાના જ પક્ષધર બનવું જોઇએ.


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • બે શબ્દ, નારાયણ દેસાઈના શતાબ્દી પ્રવેશ નિમિત્તે

    તવારીખની તેજછાયા

    નારાયણ દેસાઈ: ભૂદાન આંદોલનમાં વિનોબા સાથે

    નારાયણ દેસાઈની​​​​​​​ કારકિર્દીનો આ આલેખ, એનું ઓઠું વ્યક્તિગત હોવા છતાં એક આખી તરુણાઈ અને એની પ્રૌઢિ ને પરિણત વર્ષોની જદ્દોજહદનો ચિતાર આપે છે.

    પ્રકાશ ન. શાહ

    ગુ જરાતી સાહિત્ય પરિષદના ભોપાલ અધિવેશનની એક રૂડી સાંભરણ એ બની રહેશે કે સભાખંડ સાથે નારાયણ દેસાઈનું નામ જોડાયું હતું. પરિષદના પૂર્વ પ્રમુખ નારાયણ મહાદેવ દેસાઈ (૨૪ – ૧૨ – ૧૯૨૪ : ૧૫ – ૩ – ૨૦૧૫)ના શતાબ્દી વર્ષની એ નાંદી ઘટના લેખાશે.

    હમણાં મેં પરિષદના પૂર્વ પ્રમુખ તરીકે એમનો ઉલ્લેખ કર્યો, અને એ ઠીક જ છે. પણ નારાયણ દેસાઈની ઓળખ એટલા પૂરતી સમેટાઈ જાય તે ચોક્કસ જ સાવ સપાટબયાની બની રહેશે. એ લેખક જરૂર હતા. પરિષદ પ્રમુખ તો એ મોડેથી થયા, ૨૦૦૮-૨૦૦૯ના બે વરસ માટે, ચોરાસીમે વરસે, પણ એના ખાસા ચારેક દાયકા પર એ એમનાં ગાંધીસંભારણાંની નાનીશી કિતાબ ‘સંત સેવતાં સુકૃત વાધે’ લઈ આવ્યા ત્યારે જ પ્રકાશક ભાઈદાસ પરીખે મોકલેલા છપાતા ફરમા વાંચી આપણા એકના એક સ્વામી આનંદે લખેલું કે ‘મન કૂદકો મારીને ઝડપી લે એવી ચોપડી વર્ષો કે દાયકાઓ પછી મેં વાંચી હોય તો તે આ.’ પછી તો, ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ એ મહાદેવ દેસાઈ ચરિત્ર સાથે એમની હાજરી બરાબરની પુરાઈ ગઈ. મહાદેવભાઈની ડાયરી આમ તો વિશ્વવિશ્રુત- પણ એમાં ‘બાબલા’ (નારાયણ)ની નોંધ જ ન મળે, કેમ કે એ તો ગાંધીચર્યા અંગે હતી. બાબલાએ મોટપણે એનું વેર બરોબર લીધું, અધિકૃત પિતૃચરિત્ર આપીને! અને આગળ ચાલતાં ત્રિખંડવ્યાપી એવું આકર ગાંધીચરિત્ર આપી ગાંધીજીની પોતાની ભાષામાં વિગતવિશદ, સ્વાધ્યાયસમૃદ્ધ ચરિત્ર નથી એ મહેણું પણ ભાંગ્યું.

    નારાયણ દેસાઈને વિરલ વિભૂતિઓ સાથે જીવન વ્યતીત કરવાનો, યથાશક્તિમતિ પ્રવૃત્ત રહેવાનો મળતા મળે એવો પડકાર અવસર મળી રહ્યો. તારુણ્યને ઉંબરે પહોંચતા સુધીનાં વર્ષો બાપુ સાથે સાબરમતી આશ્રમ ને સેવાગ્રામમાં, પછી ભૂદાન આંદોલનમાં વિનોબા સાથે- અને આગળ ચાલતાં જયપ્રકાશ સાથે, શાંતિ સેનાથી માંડી બીજા સ્વરાજની લડાઈ સહિત.

    જે પરિવર્તનની રાજનીતિમાં એમણે લોકનીતિ ભણી સહજ ઝુકાવ સાથે શ્વસવું પસંદ કર્યું. એણે જ એમને સીધા સાહિત્યિક નહીં એવા લેખન તરફ પણ દોર્યા- ‘ચેક ઉઠાવ, ટેંક સામે લોક’ હોય કે પછી બાંગ્લા મુક્તિસંગ્રામ હોય. બાંગ્લાદેશે, પાછળથી જે કેટલાક સંગ્રામમિત્રોને માનભેર પોંખ્યા એમાંના એક નારાયણ દેસાઈ પણ હતા.

    સામાન્યપણે સરકારી માનઅકરામથી પરહેજ કરતા રહેલા નારાયણભાઈને અંતિમ યાત્રા વખતે સરકારી માન અપાયું- કાં તો સરકારના સ્વવિવેકથી હોય, કે પછી કોઈ અદક પાંસળી રજૂઆતથી- પણ પરિવારે બહુ જ વિવેકપૂર્વક બંદૂક ફોડી અંતિમ સલામ આપવાની વાત તો ખાળી જ. મરણોત્તર પદ્મસન્માન વાસ્તે સરકારી દરખાસ્ત આવી ત્યારે પણ પરિવારે એનો સાભાર અસ્વીકાર કરી ‘જ્યોં કી ત્યોં ધરી દીની ચદરિયા’નો નારાયણભાઈનો હૃદયભાવ પાળી જાણ્યો.

    જીવનના છેલ્લા દસકામાં એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની તેમ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ (ચાન્સેલર) તરીકેની જવાબદારી બખૂબી નભાવી જાણી. પરિષદની વ્યાસપીઠ પરથી એમણે 2002ના મહાપાતક વિશે અને અકાદમીની સ્વાયત્તતા સરી ગઈ એ ‘ઓશિયાળી’ પરિસ્થિતિ વિશે અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું તો જિલ્લે જિલ્લે વાંચનયાત્રા યોજી એક જુદો જ લોકતાંતણો સાંધ્યો.

    નારાયણ દેસાઈની કારકિર્દીનો આ આલેખ, એનું ઓઠું વ્યક્તિગત હોવા છતાં એક આખી તરુણાઈ અને એની પ્રૌઢિ ને પરિણત વર્ષોની જદ્દોજહદનો ચિતાર આપે છે. સ્વરાજ સૈનિક હોવું, સ્વરાજનો મેદ ને કાટ ન ચડે તે જોવું અને સ્વરાજ નિર્માણના રચનાકાર્યમાં નિજને પ્રોવું, સ્વરાજની બીજી લડતનો પડકાર ઝીલવો, સરવાળે સંઘર્ષ અને રચનાનું સાયુજ્ય. ગાંધીથી શરૂ કરી વાયા વિનોબા, જયપ્રકાશ સુધી પહોંચવું એ સાધારણ યાત્રા અલબત્ત નથી. જોકે, નારાયણભાઈ કે એમના જેવા બીજા મિત્રો તો સરળતાથી કહેવાના કે આમાં અમારી કોઈ સિદ્ધિ નથી. સત્સંગતિથી જે થાય તે થયું.

    મને યાદ છે, જયપ્રકાશજીએ ભરબિહાર આંદોલને જે ચાર સાથીઓને પટણા નોંતર્યા ને જોતર્યા એમાંના એક નાદે પણ હતા. અમે જયપ્રકાશજીની રજાથી એમને ગુજરાત નોંતર્યા, બિહાર આંદોલનનું પ્રત્યક્ષ ને પ્રમાણભૂત ચિત્ર આપવા, ત્યારે અમે સહજ જ તાનમાં આવી ગયા હતા અને ચંપારણના દિવસોમાં જેમ ગાંધી ને મહાદેવ સાથે હતા તેમ આજે જયપ્રકાશ ને નારાયણ સાથે છે એવો પેરેલલ પણ લગીર રોમેન્ટિક રુશનાઈથી પેશ કર્યો હતો. એ વખતે, નાદે જેનું નામ, એમણે અકબર ઈલાહાબાદીનું ઓઠું લઈને પોતાની પ્રશંસા વિશે અમને ઠમઠોર્યા ને ટપાર્યા હતા: ભાઈ, આ તો બુદ્ધુમિયાં જેવું છે, હૈ તો વો રાસ્તે કી ધૂલ લેકિન આંધી કે સાથ હૈ. પછી કહ્યું, આમાં આંધીને બદલે ગાંધી કરી નાખો એટલે હિસાબ બરોબર થઈ જશે!

    પાછો છેલ્લા દાયકા પર આવું. વિદ્યાપીઠના કુલપતિ તરીકે સરકારથી સ્વતંત્ર ભૂમિકા લેવી- આજના કથિત ‘ગવર્નર રાજ’થી વિપરીત- એ એમની વિશેષતા રહી તેમ યુજીસીનાં ધોરણો ને આગ્રહો વચ્ચે ગાંધી પરંપરાના વિકસન સાથે બરકરાર રહેવું એ એમની કોશિશ રહી.

    પણ છેલ્લે, જોકે અંગ્રેજીમાં કહે છે તેમ લાસ્ટ બટ નોટ લીસ્ટ, એમનું જે સ્વરૂપ નિખરી આવ્યું એ તો એક લોકાયની તરીકેનું. કથા સ્વરૂપે લોક સમક્ષ જવું ને જીવન દેવતા ગાંધીની કથા માંડવી અલબત્ત સાંપ્રત અનુબંધ સાથે, એમાં એમણે પોતાનો ધર્મ જોયો. વોટ્સએપ યુનિવર્સિટીમાં ત્યારે ઊઠવા લાગેલા ને અત્યારે ત્રણે પાળીમાં અંધાધૂંધ ફેંકાતા રહેલા ગચિયા સામે આ આર્ત ને આર્ષ એટલો જ અધ્યયનપુત અવાજ આપણી મોંઘેરી મિરાત છે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૦– ૧ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • કોઈનો લાડકવાયો (૪૦) : ગદરના વીરો (૩)

    દીપક ધોળકિયા

    ગદરના વીરો (૨) થી આગળ

    કામાગાટા મારૂ જહાજની ઐતિહાસિક ઘટના

    કામાગાટા મારૂ જહાજની ઘટનાને ગદર પાર્ટીની આઝાદીની હાકલ સીધો કોઈ જ સંબંધ નહોતો પણ એ ગદર સાથે અને દેશની આઝાદીના સંગ્રામ સાથે એવી વણાઈ ગઈ છે કે જાણે એ ઘટના એનો ભાગ હોય. બ્રિટિશ વસાહતોમાં હિન્દીઓ સાથે જે વર્તાવ થતો હતો તેને કારણે ગદરની આગ ભડકી હતી અને કામાગાટા મારૂ જહાજ પણ વસાહતોના શાસકોની એ જ નીતિઓનો ભોગ બન્યું હતું.

    આપણે જોયું કે ૧૮૭૯માં કૅનેડા બ્રિટનની કૉલોનીમાંથી ડોમિનિયન રાજ્ય બન્યું તે સાથે એના આંતરિક વ્યવહાર માટેના કાયદા બનાવવાની સત્તા એના હાથમાં આવી. બ્રિટિશ સામ્રાજ્યનો કોઈ પણ નાગરિક એની કોઈ પણ વસાહતમાં વસી શકે એવો કાયદો હતો પણ કેનેડાએ નવો કાયદો બનાવ્યો કે બ્રિટિશ વસાહતમાંથી કોઈ આવતો હોય તેની મુસાફરીની ટિકિટ સીધી હોવી જોઈએ. એશિયનો માટે  આ શક્ય નહોતું. જહાજ ઈંધણ ભરવા માટે માર્ગમાં કોઈ બંદરે રોકાયું હોય તો એ સીધી મુસાફરી નહોતી ગણાતી.

    સરદાર ગુરદિત્તા સિંઘ

    આમાં એક સાહસિક કોંટ્રૅક્ટર સરદાર ગુરદિત્તા સિઘે હિંમત કરી. એના માટે તો એ ધંધો હતો. ઘણી તપાસ પછી એને હોંગકોંગનું જહાજ કામાગાટા મારૂ મળ્યું. જહાજ કલકત્તાથી સીધા કૅનેડા જઈ શકતું હતું પણ બ્રિટિશ સરકારે એમ ન થવા દીધું. ગુરદિત્તા સિંઘ ફરી હોંગકોંગ ગયો, ત્યાંથી મુસાફરો લીધા, શાંગહાઈથી પણ મુસાફરો ચડ્યા. જાપાનના મોજો બંદરેથી પણ મુસાફર મળ્યા. આમ જહાજ સીધું તો જતું નહોતું!

    કૅનેડા સરકારે આની સામે પૂરી તૈયારી કરી લીધી. ૨૩મી મેના રોજ જહાજ વૅનકુવર પહોંચ્યું ત્યારે કૅનેડાના પોલીસ દળે એને ઘેરી લીધું અને મુસાફરોને બંદરે ઊતરવા ન દીધા. હિન્દુસ્તાનીઓને ઊતરવા નથી દીધા તે જાણીને ધક્કા પર સ્થાનિક લોકોની ભીડ પણ તમાશો જોવા ઊમટી પડી.

    જહાજ પર અનાજપાણી ખૂટવા આવ્યાં ત્યારે ગુરદિત્તા સિંઘે ઇંગ્લૅન્ડની રાણીને તાર મોકલીને જાણ કરી. બ્રિટન સરકારની દરમિયાનગીરીથી કેનેડા સરકારે ખાધાખોરાકીનો સામાન તો મોકલી આપ્યો પરંતુ બ્રિટિશ સરકાર મુસાફરોને ઊતરવા દેવા માટે વચ્ચે પડવા નહોતી માગતી.

    આ જ વખતે જહાજના ભાડાનો ૨૨ હજાર ડૉલરનો ત્રીજો હપ્તો ભરવાનો સમય પણ થઈ ગયો.  આના પર વિચાર કરવા ગુરુદ્વારામાં સાતસો હિન્દુસ્તાનીઓની મીટિંગ મળી તેમાં ભાઈ બલવંત સિંઘ અને શેઠ હસન રહીમની અપીલને જબ્બર આવકાર મળ્યો અને ૬૦ હજાર ડૉલર એકઠા થયા. એમાંથી ચડત હપ્તો ચુકવાઈ ગયો અને સરદાર ભાગ સિંઘ અને હસન રહીમના નામે નવો લીઝ કરાર થયો. હવે જહાજ કેનેડાના નાગરિકોનું થઈ ગયું એટલે અનાજપાણી પહોંચાડવાનું પણ શરૂ થઈ ગયું.  આમ છતાં કૅનેડા સરકાર મુસાફરોને આવવા દેવા માટે તૈયાર ન જ થઈ.

    નફાનુકસાનનો હિસાબ?

    પરંતુ હવે નવો ફણગો ફૂટ્યો. નવા લીઝધારકોએ ગુરદિત્તા સિંઘ પાસે બધો હિસાબ માગ્યો કારણ કે હવે નફાનુકસાનમાં એમનો પણ ભાગ હતો. જહાજના મુસાફરોને ઉતારવાનું આંદોલન પણ ચાલતું જ હતું તે વચ્ચેથી ગુરદિત્તા સિંઘે વૅનકુવરથી પાછા હોંગકોંગ જવાના ઇરાદાની સરકારને જાણ કરી દીધી. નવા લીઝધારકોના ૨૨ હજાર ડૉલર પણ ડૂબતા હતા, એ સ્થિતિમાં એ ખાધાખોરાકીમાં પૈસા ખર્ચવા તૈયાર નહોતા.  બ્રિટનની દરમિયાનગીરી પછી કૅનેડા સરકાર ચાર હજાર ડૉલર આપવા તૈયાર થઈ અને જુલાઈની અધવચ્ચમાં કામાગાટા મારૂને પાછા જવાની પરવાનગી મળી.

    ગુરદિત્તા સિંઘ વિરુદ્ધ મુસાફરોનો બળવો

    ખાધાખોરાકી લઈને પાછા જવાનો નિર્ણય મુસાફરોને પસંદ ન આવ્યો. મુસાફરો પણ તૈયાર હતા. એમણે જહાજ પર જે હાથે ચડ્યું તે – મશીનોના તૂટેલા ભાગ, વાંસના દંડા, સળિયા બધું એકઠું કરી લીધું. અને ગુરદિત્તા સિંઘ અને એના કર્મચારીઓને એમણે રૂમોમાં પૂરી દીધા.

    ૧૯મી જુલાઈની સવારે ૨૫૦ હથિયારધારી પોલીસો એક ટગ(Tug – જહાજોને ખેંચીને કિનારે લાંગરવા માટે લઈ જતું મોટું જહાજ)માં કામાગાટા મારૂની લગોલગ આવી પહોંચ્યા. એમણે દોરડાથી ટગને જહાજ સાથે જોડી કે તરત જ મુસાફરોએ દોરડું કાપી નાખ્યું. હવે ટગ પરથી ગરમ વરાળ પાઇપ વાટે જહાજ પર છોડવામાં આવી કે જેથી મુસાફરો દૂર ભાગી જાય. પોલીસો સીડીઓ ગોઠવીને ચડવા લાગ્યા તો ઉપરથી મુસાફરો એમને નીચે પટકવા લાગ્યા. મુસાફરોમાં એક પણ નાની મોટી ઈજાથી બચ્યો નહોતો. પરંતુ છેવટે પોલીસો જહાજ ઉપર પહોંચી ન શક્યા અને ટગ હટી ગઈ.

    બીજી વારના હુમલામાં કૅનેડાના સત્તાવાળાઓએ કામાગાટા મારૂની લગોલગ એક યુદ્ધ જહાજ લાવી દીધું અને ગોળા છોડવાની ધમકી આપી. પરંતુ બ્રિટનની સામ્રાજ્યવાદી સરકાર ખૂનખરાબીની હદ સુધી જવા તૈયાર નહોતી. એના દબાણથી કેનેડાની સરકાર કામાગાટા મારૂ વૅનકુવર છોડી દે તો એને ખાધાખોરાકી પહોંચાડવા સંમત થઈ. અંતે ૨૩મી જુલાઈએ જહાજે વૅનકુવર છોડ્યું અને ભારત તરફ આવવા નીકળી પડ્યું.

    ત્યાંથી કામાગાટા મારૂ  જાપાનમાં યોકોહામા બંદરે પહોંચ્યું. પણ આગળ  હોંગકોંગ સરકારે જહાજને હોંગકોંગમાં રોકાવાની પરવાનગી ન આપી આ તબક્કે જાપાનમાં મુસાફરો ગદર પાર્ટીના સીધા સંપર્કમાં આવ્યા. આમ તો  જહાજને વૅનકુવરમાં ચાર મહિના પડી રહેવું પડ્યું ત્યારે જ ગદર પાર્ટીવાળા એમને ઘણી રીતે મદદ કરતા હતા અને લોટની ગૂણોમાં છુપાવીને પાર્ટીના અખબારની નકલો પણ પહોંચાડતા હતા. પરંતુ તેઓ મળી નહોતા શકતા.  હવે યોકોહામામાં તો એવું કોઈ બંધન નહોતું એટલે ગદર પાર્ટીના જાપાનમાં કામ કરતા નેતાઓ, ભાઈ હરનામ સિંઘ અને મૌલાના બરકતુલ્લાહ જહાજમાં આવતા, મુસાફરોને મળતા અને અંગ્રેજ હકુમતને જડમૂળથી ઉખાડી ફેંકવા લલકારતા.

    ભારતમાં બળવાની તૈયારી

    દરમિયાન જહાજના માલિકો વચ્ચે પડ્યા અને એમણે જહાજને કોબે લઈ જવાનો હુકમ કર્યો.  કોબેમાં પણ ગદર પાર્ટીના નેતાઓ તોતી રામ મનસુખાની અને જવાહર લાલે મુસાફરોનું ભવ્ય સ્વાગત કર્યું.  બન્ને નેતાઓ બધાને લઈને અંગ્રેજ રાજદૂતની કચેરીએ ગયા. રાજદૂતે એમની વાત માનીને ભારતમાં અંગ્રેજ સરકારને મુસાફરો માટે ૧૯ હજાર યેન આપવાની ભલામણ કરી કે જેથી એમને સીધા કલકત્તા પહોંચાડી શકાય. સરકાર માની ગઈ, જહાજને ૧૯ હજાર યેન આપી દેવાયા પણ કલકત્તાને બદલે મદ્રાસ જવાનો હુકમ મળ્યો. મુસાફરો કલકત્તા જ જવા માગતા હતા. અંતે સરકારે કલકત્તા લાંગરવાની પરવાનગી આપી દીધી.

    ફુટબૉલની જેમ સરકારો વચ્ચે આથડતાંકુટાતાં કામાગાટા મારુ છેવટે ૨૬મી સપ્ટેમ્બરે હુગલીમાં કાલપી નામના બંદરે  પહોંચ્યું અને એને ત્યાં જ રોકી દેવાયું. મુસાફરોને આ કારણે શંકા પડી કે સરકારની દાનત સાફ નથી. મુસાફરોની શંકા આધાર વિનાની નહોતી.

    આગળ શું થયું તે આવતા અંકમાં.


    દીપક ધોળકિયા
    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
    બ્લૉગ સરનામું: મારી બારી

  • પતંગનો ઑચ્છવ

    રમેશ પારેખ
    પતંગનો ઑચ્છવ
    એ બીજું કંઈ નથી, પણ

    મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ!

    નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
    નભની ભડભડતી એકલતા ભૂંસવા
    જુઓ, મનુષ્યો-
    ઉમંગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
    પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.

    ઉજ્જડ નભને નમણું નજરાણું
    ઉર્ફે આ પતંગ!
    હરેક જણના પતંગ પર
    લખિયો છે આ સંદેશો કે

    હે નભ! તું નીચે આવ!
    આવ નીચે ને જરાક હળવું થા….
    માર નગારે ઘા,
    ગમગીનીનો ગોટો વાળી
    જલદી કૂદ કછોટો વાળી
    ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા!
    આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

    આભ, તને
    આ પતંગ રૂપે છે નિમંત્રણ-
    નીચે આવી ચાખ ઉમળકો,
    ચાખ જુવાની, ચાખ લાગણી
    ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ

    આભ, તું જરાક નીચે આવ…

    **********************************

    પતંગ

    દેવિકા ધ્રુવ

    વિશ્વના આકાશમાં,
    ચગતા પતંગ જેવા આપણે.
    કોઈ ફૂદડી,કોઈ ઘેંશિયો,
    કોઈ જહાજ,કોઈ પાવલો.

    હવા મુજબ,
    કમાન અને કિન્નારને,
    શૂન્ય/એકના માપથી
    સ્થિર કરી, દોરીના સહારે,

    ખરી ઉડાન કરીએ છીએ ખરા?
    કદીક પવન સ્થિર,કદીક ભારે,
    હળવેથી સહેલ ખાઓ,
    કે ખેંચમખેંચ  કરો.

    પણ ઊંચે જઈ, ન કપાય
    કે કોઈથી ન મપાય,
    છતાં સૌથી વખણાય,
    એવી ઉડાન કરીએ છીએ ખરા?

    —Devika Dhruva. | ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક ત્રીજો: પ્રવેશ ૨

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક ત્રીજો: પ્રવેશ ૧ થી આગળ

    અંક ત્રીજો

    પ્રવેશ ૨ જો

    સ્થળ : કનકપુરનોપ મોહોલ્લો

    [બદલેલે વેશે રાઈ પ્રવેશ કરે છે.]

    રાઈ :   (સ્વગત) અત્યારે હું જગદીપ નથી, રાઈ નથી, પર્વતરાય નથી, દુર્ગેશનો નામહીન મિત્ર નથી, પણ વળી, પાંચમા વેશે નગરમાં નીકળ્યો છું. મારું પોતાનું કાંઈ ખરું સ્વરૂપ છે કે હું માત્ર જુદા જુદા વેશનો જ બનેલો છું, એ વિષે મને શંકા થવા માંડી છે.

    (ઉપજાતિ)

    પ્રયોગ પૂરો કરિ નાટ્ય અંતે,
    સ્વરૂપ સાચું નટ પાછું ધારે;
    શું જન્મથી મૃત્યુ સુધી જ મારે,
    નવા નવા વેશ સદૈવ લેવા? ૩૪

    પરંતુ જનમાનસની સેવા ઉઠાવનારે કોઈ કાળે પણ વેશ મૂકી દેવાનો ખ્યાલ શા માટે કરવો ? સેવકને છૂટ હોતી જ નથી.

    (ધનાક્ષરી)

    ઘરમાં અને બહાર, ઉંઘતાં ને જાગતાં;
    ખાતાં પીતાં ને ચાલતાં, સેવક તે સેવક છે
    કદી તે ભંડારી થાય, કદી થાય નાણાવટી
    કદી લડવૈયો થાય, વેશ એવા અનેક લે;
    કચરાનો વાળનાર, રજગાદી બેસનાર,
    બન્ને એવી નિરંતર, સ્વામી કેરી સેવા કરે;
    સ્વામીને માટે શ્વાસ લે, સ્વામીને માટે વેશ લે,
    સેવામાંહિ વિશ્રાન્તિની ક્ષણે તેને ક્યાંથી મળે? ૩૫

    આ દુર્ગેશ પણ ગુપ્ત વેશે આવી પહોંચ્યો.

    [દુર્ગેશ ને એક છોકરો બે ઘડા અને કટોરા લઈ પ્રવેશે છે.]

    રાઈ :   આ છોકરો કોણ છે?

    દુર્ગેશ :  આ મારું વિશ્વાસુ માણસ છે. યોજના એવી કરી છે કે કે આપણે નગરમાં શેરડીનો રસ વેચવા નીકળવું. આ નગરમાં એવો રિવાજ છે કે પહેલી રાત્રે લોકો ઘરને આંગણે બેસી શેરડીનો રસ પીએ છે. આ રીતે રસ પાતાં આપણે લોકો સાથે ભળી શકીશું. આપણે બે રસનો આ અકેકો ઘડો ભરી અને આ છોકરો રસ ભરીને આપવાના કટોરા લેશે.

    [એ પ્રમાણે ઘડા અને કટોરા લઈ સર્વે આગળ વધે છે.]

    રાઈ :   સામેથી પેલો બાવો આવે છે તેની પહેલી બહોણી કરીએ.

    [બાવો પ્રવેશ કેરે છે.]

    રાઈ :   બાવાજી ! જે સીતારામ !

    બાવો :  જે સીતારામ બચ્ચા, યે બરતનમેં ક્યા હયે?

    રાઈ :   શેરડીનો રસ છે. બાવાજી પીશો ?

    બાવો :  મુફત પિલાયગા તો પીએંગે.

    દુર્ગેશ :  બાવાજી, મફત પાઈએ તો હમે રોટલા ક્યાંથી ખાઈએ.

    બાવો :  સારા નગર ઐસા હયે. હમ દાતર ઢૂંઢનેકું આયે તો લોગ હમારી પાસસે દામ મંગતે હયે. હમ રુદ્રનાથ કે દરસન કે લિયે આયે તો મંદિરકે દ્વાર રાતદિન બંધ હયે. હમ બૂઢે રાજા કો દેખનેકું આયે તો વો જુવાન હો જાતા હયે. ભાઈ, હમ તો હ્યાં નહિ રહેંગે. કનકપુરમેં અલખ જગાના યે નિકમ્મા હયે.

    [બાવો જાય છે]

    રાઈ :   બાવાજીને ચાસણીએ કનકપુરમાં સોનું નીકળ્યું નહિ.

    દુર્ગેશ :  બાવાના ઉદ્ગાર તો લોકવાણી કહેવાય નહિ. વેરાગીથી સંસારની ખરી તુલના થઈ શકતી નથી.

    રાઈ :   ગાતા ગાતા આ વિચિત્ર વેશે કોણ આવે છે?

    [શરીર ઉપર ઠેરઠેર બાંધેલા દર્પણોવાળા અને હાથમાં લીધેલાં દર્પણોમાં મોં જોતા કેટલાક મનુષ્યો ગાતા ગાતા પ્રવેશ કરે છે.]

    મનુષ્યો:

    (લાવણી)

    મુખ દેખ દર્પણે નિત્ય ઊઠતાં વ્હાણે;
    મુખ દેખ દર્પણે નિત્ય બેસતાં ભાણે;
    મુખ દેખ દર્પણે નિત્ય ચાલતાં વાટે;
    મુખ દેખ દર્પણે નિત્ય તોળતં હાટે;
    મુખ દેખ દર્પણે નિત્ય બોલતં વાણી;
    મુખ દેખ દર્પણે નિત્ય સૂણતાં કહાણી;
    નિજ રૂપ દર્પણે દેખિ કાર્ય સહુ કરજે;
    લઈ ઝાંખિ આપની પ્હેલી અન્ય ભાણિ વળજે. ૩૬

    રાઈ :   તમે કોણ છો?

    એક માણસ :     (દર્પણમાં મોં જોઇને) અમે સહુ દર્પણ સંપ્રદાયના છીએ.

    રાઈ :   એ વળી નવો સંપ્રદાય ! પરંતુ, જે ભૂમિ પર હજારો સંપ્રદાયોના ડુંગર પડેલા છે તે ભૂમિ એક નવા સંપ્રદાયના ભારથી નમી જવાની નથી.

    બીજો માણસ :   (દર્પણમાં મોં જોઇને) અમારો સંપ્રદાય ભારરૂપ નથી. અમે માણાસોને દર્પણ દેખાડી તેમનો ઉદ્દાર કરીએ છીએ. અને, એ રીતે પૃથ્વીનો ભાર ઓછો કરીએ છીએ.

    રાઈ :   તમે આ નગરમાં ક્યારથી વસો છો?

    પહેલો માણસ :   (દર્પણમાં મોં જોઇને) અમે નગરમં હાલમાં જ આવ્યા છીએ. મહારાજ પર્વતરાયને ઘડપણ આવ્યું ત્યારે તેમણે મહેલમાંના બધાં દર્પણ ફોડાવી નંખાવેલા. હવે મહારાજ જુવાન થઇ પ્રગટ થાય ત્યારે દર્પણની પુનઃ સ્થાપના કરવાની તેમને અરજ કરવા આવ્યા છીએ.

    રાઈ :   મહેલમાં દર્પણો મૂકવાથી શો લાભ થશે?

    બીજો માણસ :   (દર્પણમાં મોં જોઇને) ઘડપણના બદલામાં જુવાની લીધાથી સત્ત્વ વધ્યું કે ઘટ્યું તેનો મહરાજને ખ્યાલ આવશે અને, મહેલમાંના સર્વજનો પોતાની ઘટતી કદર કરી મહારાજાની ઘટતી કદર કરશે. લો, તમે પણ મુખ જુઓ.

    [દર્પણ દેખાડે છે.]

    દુર્ગેશ : અમે તો શેરડીનો રસ પાઈ નાણાંનું દર્શન કરવા નીકળ્યા છીએ.

    બીજો માણસ :   (દર્પણમાં મોં જોઇને) અમારો ને તમારો મેળ નહિ ખાય ! ચાલો દર્પણદર્શીઓ !

    [સહુ દર્પણમાં જોતા અને ઉપર પ્રમાણે ગાતા ચાલ્યા જાય છે.]

    દુર્ગેશ :  ભટકનારા રહદરીઓનો મેળાપ કર્યો. હવે ચાલો, ઘર આંગણે બેઠેલા પુરવાસીઓનો મેળાપ કરીએ. છોકરા, પોકાર કરવા માંડ.

    છોકરો : (હાથમાંના કટોરા ખખડાવી બૂમ પાડે છે.) કોઈ પીઓ ! રસ રસાલ ! મિસરી માલ ! દિલ ખુશાલ !

    [સહુ જાય છે]