-
વિદેશોમાં ભારતના શ્રમિકોની માંગ : ગિરમીટ પ્રથાનું પુનરાગમન
નિસબત
ચંદુ મહેરિયા
લગભગ એક જ સમયગાળાના આ ત્રણ સમાચારોમાં રહેલું સામ્ય અને વિરોધ નોંધપાત્ર છે. દુનિયાના વિકસિત દેશોમાં શ્રમિકોની મોટી તંગી હોઈ તે દેશોમાં ભારતના શ્રમિકોને મોકલવા ભારત સરકાર દ્વિપક્ષીય સમજૂતી કરવાની છે. ભારતીય જનતા પક્ષના લોકસભા સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ વિદેશ મંત્રીને પત્ર લખી સાઉદી અરબમાં ફસાયેલા ૪૫ ઝારખંડી મજૂરોની મુક્તિ માટે વિનંતી કરી છે. આ કામદારો કામની તલાશમાં એજન્ટો મારફત ગયા હતા અને હવે ફસાઈ ગયા છે. તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તેમને પાંચ માસનું વેતન મળ્યું નથી અને તેઓ દિવસમાં એક વાર માંડ ખાવાનું પામે છે. ૩૦૩ ભારતીયોને લઈને નિકારાગુઆ જઈ રહેલું વિમાન ઈંધણ માટે ફ્રાન્સમાં રોકાયું ત્યારે ફ્રાન્સને માનવ તસ્કરીની શંકા લાગતા તપાસ કરતાં દલાલો આ ભારતીય પ્રવાસીઓને નિકારાગુઆના માર્ગે ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવાના હતા.. આ વિમાનમાં ઘણાં ગુજરાતીઓ હતા, ઓછું ભણેલા અને અર્ધ કુશળ હતા. તે સૌ મોટા વેતનના કામની ખોજમાં ગેરકાયદે અમેરિકા જઈ રહ્યા હતા.
દુનિયાના અમીર અને વિકસિત દેશોમાં કામદારોની તીવ્ર તંગી છે. ઈઝરાયલ-ગાઝા યુધ્ધને કારણે જે એકાદ લાખ પેલેસ્ટિની કામદારો ઈઝરાયલમાં હતા તેમની જગ્યાઓ ખાલી પડી છે. યુધ્ધ પહેલાં ૨૦,૦૦૦ ભારતીય શ્રમિકો ઈઝરાયલમાં હતા. હવે તેને બીજા ૪૦,૦૦૦ કામદારોની જરૂર છે. ગ્રીસને ૧૦,૦૦૦ , તાઈવાનને ૧,૦૦,૦૦૦ , જર્મનીને ૨૪,૦૦,૦૦૦ કામદારોની જરૂર છે. ઈટલીને પણ ભારતીય કુશળ, અકુશળ મજૂરોની આવશ્યકતા છે. વિકસિત દેશોમાં કામદારોની અછતનું કારણ આ દેશોમાં કામને લાયક ન રહી હોય તેવી વૃધ્ધ વસ્તીનું મોટું પ્રમાણ છે.
ટ્રક, કેબ ડ્રાઈવર, હોટલ, રેસ્ટોરન્ટ, રિટેલ સ્ટોરમાં કામદારો, ફુડ સર્વિસ, કૃષિ કામદારો, રસોઈયા, સુથાર, પ્લમ્બર, નર્સિંગ સર્વિસ, આરોગ્ય કર્મી, બાંધકામ અને મેન્યુફેકચરિંગ , વૃધ્ધો, વિકલાંગો અને દર્દીઓની દેખભાળ તથા તે પ્રકારના બીજા કામો માટે ભારતના કામદારોની વિદેશોમાં આવશ્યકતા છે. ભારતે દુનિયાના આશરે ચાળીસ દેશો સાથે કામદારોની સેવા માટે સમજૂતીઓ કરી છે. ૨૦૧૫ થી ૨૦૨૩માં ભારતીય શ્રમજીવીઓની સેવા માટે વિકસિત અને જરૂરિયાતમંદ દેશો સાથે ૧૭ સમજૂતી કરી હતી. એમ્પલોયમેન્ટ મોબિલિટી એગ્રીમેન્ટ અને Flurry of mobility and migrantion agreement ને કારણે ભારતીય કામદારોને રક્ષણ મળે છે. ભારત સરકાર તેના વ્યાપાર ભાગીદાર દેશો સાથેની અન્ય સમજૂતીઓ વખતે કામદારોની આવજા અંગે પણ સ્પષ્ટતા કરે છે. હાલમાં ગ્રીસ, ડેન્માર્ક, સાઉથ કોરિયા, તાઈવાન અને નેધરલેન્ડ સાથે કામદારોની આવજા અંગેના એગ્રીમેન્ટ ચર્ચામાં છે.
છેલ્લા સરકારી શ્રમબળ(વર્કફોર્સ) સર્વેક્ષણ પ્રમાણે દેશમાં કોઈ અન્ય કામના વિકલ્પના અભાવે ટોટલ વર્કફોર્સના ૫૭ ટકા સ્વરોજગારમાં છે. ૨૧ ટકા હંગામી મજૂરો છે અને ૧૮ ટકા નાના ગૃહ ઉધ્યોગોના સહયોગી છે. દેશમાં ૧૮ થી ૨૫ વરસની યુવા વસ્તી ૪૪ ટકા છે. આ વિશ્વનું સૌથી મોટું યુથ વર્ક ફોર્સ છે. વરસે સવા કરોડ યુવાનો રોજગારીને લાયક હોય છે.પરંતુ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયનું જોબ પોર્ટલ સરકારી અને ખાનગી ક્ષેત્રની ખાલી નોકરીઓની સંખ્યા ૨.૨૦ લાખ દર્શાવે છે. જે રાજ્યોના સૌથી વધુ લોકો વિદેશોમાં કામની તલાશ કરે છે તે પૈકીના પંજાબમાં ૨૦ થી ૩૦ વરસના ૨૮ ટકા યુવાનો બેરોજગાર છે.તેમાં ૬૧ ટકા શિક્ષિત બેકાર છે. આ સૌની નજર દેશમાં નહીં તો વિદેશમાં કામની ખોજ પર છે. એટલે જ્યારે વિકસિત દેશો સરકાર પાસે બાકાયદા શ્રમિકોની માંગ કરે તો તે રૂડો અવસર છે. કેમકે ભારતમાં મોટાપાયે શિક્ષિતો બેરોજગાર છે તો અર્ધશિક્ષિત અને અકુશળ કે અર્ધકુશળ માટે રોજી મેળવવી ઓર કઠિન છે.
ઈન્ટર નેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ પ્રમાણે ૯૦ લાખ ભારતીય કામદારો ખાડી દેશોમાં કામ કરે છે. કામની શોધમાં લેભાગુ દલાલો મારફત વિદેશોમાં જનારાની સંખ્યા ઘણી મોટી છે અને તેમને ઘણા ખરાબ અનુભવો થાય છે. ડોલરિયો દેશ અમેરિકા ઘણાંને આકર્ષે છે પરંતુ પ્રવેશ સરળ નથી એટલે ઘૂસણખોરીનો માર્ગ અપનાવે છે. એક અખબારી અહેવાલ પ્રમાણે નવેમ્બર ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૩ના અગિયાર મહિનામાં અમેરિકામાં ગેરકાનૂની પ્રવેશ બદલ ૯૬,૯૧૭ ભારતીયો પકડાયા હતા. ખુદ વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં સ્વીકાર્યું હતું કે છેલ્લા બે દાયકામાં રોજગારની શોધ બીજા દેશોમાં કરનારા ભારતીય નાગરિકોની સંખ્યામાં અનેક ગણી વૃધ્ધિ થઈ છે.
વિદેશોમાં કામની તલાશમાં જતાં લોકોને ઘી કેળાં છે એવું નથી. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી પ્રમાણે માર્ચ ૨૧ થી ડિસેમ્બ ૨૩ સુધીમાં વેતન ન મળવું, વેતનની ચુકવણીમાં વિલંબ, પાસપોર્ટ રાખી લેવો, કામની અને રહેઠાણની ખરાબ સ્થિતિ, માલિકનો દુર્વ્યવહાર અને અત્યાચાર, કામના અમર્યાદિત કલાકો જેવી ૩૩,૨૫૨ ફરિયાદો સરકારને મળી હતી. હાલમાં જેની ચર્ચા છે તે સમજૂતી હેઠળ જે કામદારો વિદેશમાં જાય તેમની મુશ્કેલીઓનો હલ સરકાર માટે સરળ છે પરંતુ પોતાની મેળે કે દલાલો મારફત જતા કામદારોને મદદ કરવી અઘરી છે. દેશમાં મજૂરી નથી કે જે છે તે મજૂરીના દર ઓછા છે એટલે શ્રમિકોને વિદેશ જવું પડે છે. વિશ્વગુરુ બનવા મથતા કે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બની જવાના બણાગાં ફૂંકતા શાસકો માટે ભારતીય શ્રમિકોની નિકાસ કલંક રૂપ છે.
ઘરઆંગણે રોજીના અભાવે લાચારીવશ બીજા દેશોમાં કામ માટે જતાં લોકોને ગિરમીટિયા કહેવાતા હતા. ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે,” ગિરમીટિયા એટલે પાંચ કે એથી ઓછાં વર્ષના મજૂરીના કરારનામામાં સહી કરીને હિંદુસ્તાનની બહાર મજૂરી કરવા ગયેલા મજૂરો.” (પૃષ્ઠ ૩૯૦) આ ગિરમીટ પ્રથાને ગાંધીજી ‘અર્ધ ગુલામગીરી’ ગણાવતા હતા.દેશની આઝાદી પછી ગિરમીટિયાઓને દેશમાં પરત ફરવા સરકારે યોજના ઘડી ત્યારે પણ મોટાભાગના પરત આવ્યા ન હોય એ બાબત ચિંતાજનક છે. આજે પણ તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ભારત તેના નાગરિકોને રોજી અને પૂરતું વેતન આપતું નથી તેને કારણે વિદેશ વસવાટ્નો ક્રેઝ અને લાચારી છે તે સમજવાની જરૂર છે.
વિદેશોમાં આઈટી પ્રોફેશનલ્સની બોલબાલા છે. બીજા પણ કેટલાક વ્યવસાયીઓને વિદેશોમાં ઉંચા પગારની સારી નોકરીઓ મળે છે. તેમને સહેલાઈથી વર્કિંગ વિસા અને થોડા વરસે વિદેશી નાગરિકતા મળી જાય છે. ભારતીય ધનપતિઓ નાણા ખર્ચીને ગોલ્ડન વિસા મેળવી લે છે. ૨૦૧૪ થી ૨૦૧૮માં ૨૩,૦૦૦ ભારતીય કરોડપતિઓએ વિદેશમાં વસી જવું મુનાસિબ માન્યું હતું. આઝાદીના અમૃતકાળના વરસમાં (૨૦૨૨માં) ૭૫૦૦ અમીરોએ ભારતની નાગરિકતા ત્યાગી હતી. એટલે ગિરમીટ પ્રથા થી ગોલ્ડન વિસા સુધીની આપણી વિદેશ વસવાટની કહાણી છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪. ૪ અંશ ૩
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
૪. ૪
રોકાણ
દિવ્યભાષ સી. અંજારીઆ
૪. ૪ અંશ ૨ થી આગળ
રોકાણ પ્રક્રિયાનાં જોખમો
ક્યાં અને શી રીતે રોકાણ કરવું એ વિશે હવે અનેક રોકાણ નિષ્ણાતો અને સલાહકારોની સેવાઓ ઉપલબ્ધ છે. તેઓ રોકાણકારોનું જોખમ સામર્થ્ય સમજીને જે તે સમયે ઉપલ્બ્ધ રોકાણની તકો અને રોકાણ માટેનાં જુદાં જુદાં માધ્યમો અને રીતોને આવરી લેતી અંગેની વ્યુહરચના તૈયાર કરી આપવામાં રોકાણકારને મદદરૂપ બને છે.
સામાન્ય રીતે, આપણામાંના મોટા ભાગનાં લોકોને પોતાની બચતમાથી સંભવિત રોકાણનો કોણ ઉપયોગ કરી શકશે, પાકતી મુદ્દતે કેટલાં વળતર સાથે રોકાણ પરત કરી આપશે કે પછી એ રોકાણમાં કેટલું જોખમ છે જેવી આંટીઘુંટીઓથી પરિચિત નથી હોતાં. આ સંજોગોમાં રોકાણકાર થાપ ખાઈ જાય એવું જોખમ વધારે રહેતું હોય છે. રોકાણ સલાહકાર પણ આ બધી બાબતોમાં દરેક વખતે પૂર્ણપણે સક્ષમ હોય એ જરૂરી નથી. જોકે, આમ પણ રોકાણ સલાહકારની ભૂમિકા તો માત્ર ઉપલબ્ધ માહિતી અને સંજોગો અનુસાર શક્ય તેટલી ઉચિત સલાહ આપવા પુરતી જ છે. રોકાણના નિર્ણયને પરિણામે નાણાં તો રોકાણકારનાં જ દાવ પર લાગે છે.
પરોક્ષ રોકાણના એક વિકલ્પ તરીકે બેંકમાં થાપણોનું બેંક અન્ય જગ્યાએ પોતાનાં જોખમે રોકાણ કરે છે, અને રોકાણકારને નક્કી થયા મુજબ વળતર અને પાકતી મુદ્દતે નાંણાની વાપસી મળશે તેવી બાહેંધરી આપે છે. એ દૃષ્ટિએ, સામાન્ય રીતે, બેંક્માં મુકાયેલી થાપણો વધારે સલામત રોકાણ માનવામાં આવે છે. તેની સરખામણીમાં મ્યુચ્યુઅલ ફંડો તો તેમને સોંપવામાં આવેલ બચત, બજારનાં તંત્રવ્યવસ્થા અને ભવિષ્યમાં અર્થતંત્રના પ્રવાહોની અનિશ્ચિતતાનાં સ્વાભાવિક જોખમોની મર્યાદામાં, બચતકાર વતી રોકાણ કરે છે.
કોઈ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રોકાણ કરતી વખતે બચતકાર સલામતમાં સલામત રીતે વધુમાં વધુ ભાવિ વળતરની આશા રાખીને રોકાણ કરે છે. પરંતુ બચતકારે એ વાસ્તવિકતા સમજવી જ રહી કે બેંક કે વીમા કંપની જેવી સામાન્યપણે સલામત ગણાતી મધ્યસ્થી સંસ્થાઓ પણ બેસી જવાના દાખલાઓ હવે અસામાન્ય નથી રહ્યા. સૌથી વધારે સલામત ગણાતી સરકારી બાંહેંધરી ધરાવતી જામીનગીરીઓનું રોકાણ ઘણીવાર ફુગાવા સામે પુરતું રક્ષણ આપવા જેટલું નથી હોતું. વળી, આવી જામીનગીરીઓ પણ હવે તો વધઘટપાત્ર વળતરની શરતે અપાતી હોય છે, એટલે જ પાકતી મુદ્દતે વ્યાજમાં ઘટાડો થવાનું જોખમ પણ અવગણી ન શકાય.
જોકે આ બધાં ભયસ્થાનો છતાં પણ પરોક્ષ રોકાણો પ્રમાણમાં ઓછાં જોખમી માનવામાં આવે છે. આજના બચતકારે તો એ જ અપેક્ષા રાખવાની કે રોકાણ કરતી વખતે તેણે લીધેલી બધી જ કાળજીઓ ભવિષ્યમાં પેદા થનારી આર્થિક અનિશ્ચિતતાઓની અફરાતફરીમાં સલામતપણે પાર ઉતરે.
નાણા અર્થતંત્રનું ચાલક બળ છે.
પોતાની બચતનો ઉત્પાદનમાં સીધી રીતે વપરાશ ન કરનાર, પ્રત્યક્ષ કે પરોક્ષ મધ્યમ દ્વારા બચતનું રોકાણ કરનાર, દરેક બચતકાર સક્રિય રોકાણકાર નથી રહેતો. તેનાં રોકાણને ધીરાણ સ્વરૂપે મેળવીને જે વપરાશકાર તે ધિરાણનો વપરાશ ચીજવસસ્તુઓ કે સેવાઓનાં ઉત્પાદનમાં કરે છે તે વપરાશકાર સક્રિય રોકાણકાર છે. બચતકારો પોતાની બચતનું, સીધું કે મધ્યસ્થીઓ, દ્વારા અર્થતંત્રનાં ઉત્પાદક ક્ષેત્રોમાં રોકાણ કરતાં હોવા છતાં અર્થંતત્રને ગતિ આપવાનું ખરૂં શ્રેય આવા સક્રિય રોકાણકારોને આપવું ઘટે.
જે બચતોનું ઉત્પાદક રોકાણોમાં રૂપાંતર નથી થતું એ અર્થંતંત્રમાં બચતો નાણાની ઉપલબ્ધતા વધારતું પ્રવાહિત ભંડોળ બની રહે છે. પરિણામ એ આવે છે કે ઉત્પાદિત ચીજવસ્તુઓ કે સેવાઓના જે તે સમયના જથ્થા માટે જરૂરી નાણા કરતાં અર્થતંત્રમાં વધારે નાણા ઉપલબ્ધ બનવા લાગે છે. એક તબક્કે યથોચિત આવશ્યકતા કરતાં વધારે હોય એવો નાણાનો પુરવઠો ભાવોના વધારામાં પરિણમવા લાગે છે. સક્રિય રોકાણકારોનું મહત્ત્વ આ તબક્કે છે. જેટલાં પણ નાણા ધીરાણ માટે ઉપલબ્ધ છે તેને વધારેને વધારે ચીજવસ્તુઓ અને સેવાઓનાં વધારેને વધારે ઉત્પાદનમાં કામે લગાડીને તેઓ અર્થતંત્રની ખરા અર્થમાં વૃદ્ધિ કરે છે. અર્થંતંત્રમાં દરેક પ્રકારના વપરાશકારોને તેમના ઉપભોગ માટે પર્યાપ્ત પ્રમાણમાં ચીજવસ્તુઓ અને સેવાઓ મળવા લાગે છે. પરિણામે તેમની જરૂરિયાતોમાં પણ વધારો થવા લાગે છે, જે ફરીથી વધારે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં પરિણમે છે. માંગ અને પુરવઠાનું આ આર્થિક સુચક્ર આમ વપરાશકારો માટે ચીજવસ્તુઓ અને સેવાઓ, વિશેષ વિકલ્પો સાથે, વિશેષ માત્રામાં પરિણમે છે.
વધારે માંગને કારણે પુરવઠો પણ વધતો હોવા છતાં ભાવોમાં અમુક સ્તરનો વધારો થવા લાગે છે. પ્રમાણમાં ઊંચા ભાવોને કારણે ઉત્પાદક પાસે ફરીથી નવા ઉત્પાદક વપરાશ માટે વધારે નાણા ફાજલ રહેવા લાગે છે. તે જ રીતે જુદા જુદા પ્રકારની સ્થાયી કે જંગમ મિલ્કતનાં મૂલ્યોમાં પણ વધારો થાય છે. આજના અર્થશાસ્ત્રીઓ અર્થંતંત્રની આ સ્થિતિને આદર્શ માને છે.
જોકે માનવ સ્વભાવની પ્રકૃતિદત્ત સ્વાર્થવૃત્તિને કારણે, એક તબક્કે, અર્થતંત્રમાં થતી આવી વૃદ્ધિ પરિગ્રહશીલ બનવા લાગે છે. જેને પરિણામે સમાજના વિવિધ સ્તરોમાં આર્થિક અસમાનતા વધવા લાગેછે. એ ઉપરાં વધતાં રહેતાં ઉત્પાદન અને વપરાશથી પર્યવર્ણીય સમસ્યાઓ પણ વધતી જાય છે. પૃથ્વી પર આવેલ કુદરતી સ્રોતો સિમિત છે. વધતું જતું ઉત્પાદન કુદરતી સ્રોતોને વધારે ઝડપથી ખતમ કરવા લાગે છે. વળી વધતા જતા વપરાશને કારણે અનેક પ્રકારનો કચરો પણ વધે છે. પરિણામ એ આવે છે કે વિવિધ પ્રકારનાં પ્રદૂષણો વધે છે અને પર્યાવરણ સંતુલન જોખમાય છે. આમ, એકંદરે ઉત્પાદન અને વપરાશના વધારાથી વૃ દ્ધિ પામતું અર્થતંત્ર બહુ થોડાં લોકોની ભૌતિક સુખાકારી ના ભોગે આવનારી પેઢીઓની સુખાકારીને માટે બહુ જોખમી બની રહે છે.
નાણા આર્થિક અસમાનતા પણ ઊભી કરે છે
જો બચતોમાંથી થતાં રોકણો ઉત્પાદક રીતે વપરાશમાં ન લેવાય તો અર્થતંત્રમાં ફાજલ પડતો જતો નાણા પુરવઠો મયાદિત માત્રામાં ઉપલબ્ધ ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ વધારામાં પરિણમે છે. એટલે જે લોકો પાસે પોતાની જરૂરિયાતો પુરી કર્યા પછી પણ ફાજલ આવક છે તે લોકો હવે ચીજવસ્તુઓની વધારાની ખરીદી પણ કરીને તેને સંપત્તિના રૂપે સંગ્રહ કરવા લાગે છે. આમ થવાથી બીજો એક વર્ગ પણ યેન કેન પ્રકરેણ પોતાની આવક વધારીને આવી ખરીદીઓના જુવાળમાં જોડાય છે. એ કારણે ભાવો હજુ વધવા લાગે છે. પરિણામ સ્વરૂપ, અપર્યાપ્ત આવકવાળાં લોકોને પોતાની જરૂરીયાતો પુરી કરવા માટે પણ નાણાની તૂટ પડે છે. હવે એ લોકોએ ક્યાં તો જરૂરિયાતો પુરી કર્યા વિના ચલાવવું પડે છે કે પછી દેવું કરીને પણ જરૂરી નાણાની જોગવાઈ કરવી પડે છે. જે વર્ગ થોડી ઘણી બચત કરી પણ શકતો હતો તે વર્ગ પણ હવે પોતાની બચતોને હવે જે મોભાદર ગણાવા લાગી છે એવી ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદીમાં વાપરવા લાગે છે.
ચીજવસ્તુઓ અને સેવાઓનાં ઉત્પાદન માટે મર્યાદિત સંસાધનો ધરવતાં અર્થતંત્રની ભાવ વધારાને કારણે થતી વૃદ્ધિ હવે એવી સ્થિતિમાં આવી રહે છે કે ધનિકો વધારે ધનિક થાય છે અને ગરીબો વધારે ગરીબ બને છે.
જોકે આપણે અભૌતિક પ્રકારની સંપત્તિ પણ ઊભી કરી શકીએ
અર્થતંત્રની ભૌતિક વૃદ્ધિને કારણે સંભવિત ગરીબી અને આર્થિક અસામનતાઓની સામે, સદનસીબે, આપણા બધાં પાસે એક નવો ઉકેલ હવે શક્ય બનવા લાગ્યો છે. એ ઉપાય છે સેવાઓનાં વધારે ઉત્પાદનનો. હાલમાં વપરાતી સેવાઓનાં ઉત્પાદનમાં તેમ્જ વપરાશમાં વધારો કરીને કે પછી નવી નવી સેવાઓનાં ઉત્પાદન કે વપરાશને વિક્સાવીને વધારે આવકો કે આવકોના નવા સ્રોતો ઊભાં કરતું અર્થતંત્રનું સેવા ક્ષેત્ર હવે લગભગ દરેક દેશનાં અર્થતંત્રમાં મહત્વનું સ્થાન ધરાવવા લાગ્યું છે. ભૌતિક ચીજવસ્તુઓનાં ઉત્પાદનો માટે જેટલી ભૌતિક સંસાધનોની જરૂર પડે છે તેના કરતાં સેવાઓના ઉત્પાદન માટે ઓછી જરૂર પડે છે. ભૌતિક ચીજવસ્તુઓનાં ઉત્પાદન માટે જરૂરી કાચા માલ હંમેશાં અર્યાદિત માત્રામાં જ ઉપલબ્ધ હોય છે. તેની સામે સેવાઓનાં ઉત્પાદન માટે કાચો માલ લોકોમાં રહેલ સહજ કળા અને હુન્નરનું કૌશલ્ય છે. માણસ જાતની સામે જ્યારે જ્યારે મુશ્કેલીઓના અવરોધો આવ્યા છે ત્યારે તેની પ્રકૃતિદત્ત કલ્પનાશીલતાનો ઉપયોગ કરીને તેણે નવા નવા ઉપાયો શોધ્યા છે. બીજા શબોમાં કહીએ તો માણસ જાતમાં કૌશલ્ય વિકાસની સંભાવનાઓ અમર્યાદ માત્રામાં છે એમ કહી શકાય. માત્ર તેને સુષુપ્તાવસ્થામાંથી જગાડવાની જરૂર રહે છે. આજે જેને વિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે તેઓની સફળતાનું એક મોટું કારણ તેમના દ્વારા સેવા ક્ષેત્રનો વિકાસ ગણાય છે. આજના વિકસિત દેશોમાં કુલ ઘરેલુ ઉત્પાદનમાં સેવા ક્ષેત્રનો હિસ્સો ૭૦% જેટલો જોવા મળી રહ્યો છે.
સેવાઓનાં ઉત્પાદનમાં વૃદ્ધિથી નાણાકીય આવક અને સંપત્તિઓમા પણ વધારો કરી શકાય છે. તે સિવાય સેવાઓનો બીજો, બીનનાણાકીય પણ, મહત્ત્વનો ફાયદો સેવાઓ દ્વારા એકબીજાંને મ્દદરૂપ થવા ઉપરાંત ચીજવસ્તુઓનાં ઉત્પાદન, વિતરણ કે વપરાશને પણ વધારે કાર્યક્ષમ બનાવી શકવાનો છે. અહીં પણ બચતકાર પોતાની બચતનો ઉપયોગ પોતાનાં કે અન્યનાં કૌશલ્યના વિકાસમાં કરીને પોતાની બચતનું કૌશલ્ય વૃદ્ધિ જેવાં બીનનાણાકીય ઉત્પાદક રોકાણમાં પણ કરી શકે છે.
સેવા ક્ષેત્રની વૃદ્ધિથી વ્યક્તિગત તેમજ સંગઠિત સ્વરૂપે રોજગારની તકો પણ વધે છે.
આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં સંબંધી નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો પૈકી ‘રોકાણને પાછાં ઉપાડી લેવાં‘ વિશે વાત કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
લેનિનની મૃત્યુ શતાબ્દીએ થોડું, હિંદ બેઠે
તવારીખની તેજછાયા

પુતિન કહે છે કે સ્તાલિને રૂસી રાજ્ય ઊભું કર્યું. ઝાર અને સ્તાલિન વચ્ચે ખેંચાતા પુતિનને પરિવર્તનની રાજનીતિનો કદાચ અહેસાસ જ નથી.
પ્રકાશ ન. શાહ
૨૧મીએ વિશ્વભરમાં લેનિનની મૃત્યુ શતાબ્દી ઉજવાઈ હશે. લેનિન, આમ તો રૂસી ક્રાંતિની પિતૃપ્રતિમા કહેવાય. પણ છેલ્લા ત્રણ દાયકાના રશિયાના પ્રવાહો જોતાં, પુતિન શાસનને લેનિનની મૃત્યુ શતાબ્દી મનાવવામાં સમ ખાવા પૂરતો રસ હોય તો હોય. બજારવાદી અધિનાયકવાદી તરાહ પર રોડવનાર પુતિનને લેનિનને મુકાબલે સોવિયેતપૂર્વ ઝારશાહીમાં કદાચ વધુ રસ હશે.
Lenin’s funeral by I. Brodsky_(1925)
સ્રોતઃવિકિપિડીયાસામ્યવાદને સ્થાને બજારવાદને ગોઠવનાર પુતિનને તેમ છતાં સ્તાલિનમાં ચોક્કસ રસ હોઈ શકે- શાસનવિધાનની એની શૈલી અને ખાસ તો વિશ્વયુદ્ધમાં રશિયાને નિર્ણાયક નેતૃત્વ પૂરું પાડનાર વિજેતા તરીકે. કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલથી છૂટા પડેલા ભારતીય ક્રાંતિકારી, નવમાનવવાદના પ્રણેતા માનવેન્દ્ર નાથ રાય (એમ. એન. રોય)નાં સંભારણાંમાં નોંધાયું છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે એ યુદ્ધ-સમાચારોની સમીક્ષા કરતાં હંમેશ કહેતા કે ‘અંકલ જો’ (સ્તાલિન) છેલ્લે યશસ્વીપણે બહાર આવશે.
હમણાં સ્તાલિનનો ઉલ્લેખ કર્યો ત્યારે સાંભર્યું કે લેનિન પોતાના અનુગામી તરીકે સ્તાલિનને ઈચ્છતા નહોતા. એમની ભલામણ ત્રોત્સ્કી તરફે ઝૂકતી હતી. આ પરથી સ્વાભાવિક જ એક એવી અપેક્ષા બંધાઈ શકે કે સ્તાલિનના શાસને દુનિયાભરના ચુનંદા બૌદ્ધિકોમાં પુનર્વિચાર પ્રેર્યો અને ક્યારેક જેની દૈવી અપીલ હતી તે તો, ‘પથ્થરના દેવ’ છે- ‘ધ ગોડ ધેટ ફેઈલ્ડ’ એવી લાગણી જગવી, એનો અર્થ એ કે લેનિન અને સ્તાલિનમાં ગુણાત્મક ફરક હશે. જોકે, પાછળના ગાળામાં બહાર આવેલી અધિકૃત વિગતો પ્રમાણે શાસકીય જુલમોમાં લેનિન એટલા પાછળ નહોતા.
રહો, આ ચર્ચા હિંસા-અહિંસાની નિ:સંદર્ભ ચર્ચામાં સરી પડે તે પૂર્વે એટલું સમજીએ કે ૧૯૧૭માં વિદેશવટામાંથી લેનિનનું વતન રશિયામાં પાછું ફરવું અને ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકેથી ગાંધીનું વતન ભારતમાં પાછું ફરવું એ બંને વીસમી સદીની શકવર્તી ઘટનાઓ છે. એક રાજનો કબજો બીજું રાજ લે એવી સામંતી ઘટનાથી ઉફરાટે પરિવર્તનની રાજનીતિ ચિત્રમાં આવે એવી વિરલ વાત એ હતી. વિશ્વવિશ્રુત પત્રકાર લુઈ ફિશરે તો આ બે પ્રતિભાને સાથે રાખીને એક ખાસ પુસ્તક પણ કર્યું છે. વિશ્વશાંતિના ચાહક સર્જક રોમે રોલાં, જિન ક્રિસ્તોફના લેખક, એમણે નવલકથા લેખનમાં ખંડ પાડીને લેનિન અને ગાંધી બેઉનાં ચરિત્રો આલેખ્યાં છે અને ભલે વણમળ્યે પણ બંને ઈતિહાસપુરુષો વચ્ચે સંવાદની અપેક્ષા સેવી છે.
દેશનેતાઓમાં લેનિનના સમકાલીનો કેવી રીતે વિચારતા હશે એ લક્ષમાં લેતાં તરત થઈ આવતું સ્મરણ નેહરુ પિતાપુત્રનું છે. ૧૯૨૭માં રૂસી ક્રાંતિની દશાબ્દી પ્રસંગે બંને મોસ્કો ગયા હતા. જવાહરલાલે લેનિનના વારસાનું ગૌરવ કરતાં રૂસી પ્રયોગને એક ‘નવી સભ્યતા’ તરીકે વધાવ્યો હતો અને ગાંધીનો રાહ જુદો હોવા છતાં અમારે માટે રૂસી પ્રયોગ પણ એક પ્રેરણાસ્થાન છે એ મતલબનું કહ્યું હતું. એક પા ફ્રેન્ચ ક્રાંતિ, અમેરિકી ક્રાંતિ ને રૂસી ક્રાંતિ તો બીજી પા ઈંગ્લેન્ડની ક્રમિક વિકાસરીતિ, આ બેનાં ખેંચાણ ત્યારે તરુણાઈમાં સહજ હતા.
કાર્લ માર્ક્સે જેમ ૧૮૫૭ના સંગ્રામ વિશે અને બીજા ભારતીય પ્રવાહો વિશે સતત નોંધ લીધેલી છે તેમ લેનિન પણ વિશ્વપ્રવાહો પર ચાંપતી નજર રાખતા હતા અને ૧૯૦૯માં તિલકને છ વરસની સજા સાથે મ્યાનમાર ખસેડાયા ત્યારે આકરી ટીકા કરતા કહ્યું હતું કે બ્રિટનના ઉદ્દામો અને ઉદારમતવાદીઓ આ વિશે કેમ કંઈ બોલતા નથી… બિલકુલ ચંગીઝ ખાન જેવા જણાય છે એ સૌ!
લેનિન અને ગાંધીનાં નામ કેવી રીતે સામસામે છતાં સાથે સાથે લેવાય છે એનું કૌતુક કરવા જેવું છે. ત્રિપુરામાં લાંબા સત્તા-ભોગવટા પછી માર્ક્સવાદી સરકાર ગઈ ત્યારે ‘ઉત્સાહ’માં લોકટોળાએ લેનિનની પ્રતિમાને ધ્વસ્ત કરી હતી. ભાજપના તત્કાલીન મંત્રી રામ માધવે અને રાજ્યપાલ તથાગત રોયે (પોતાની બંધારણીય ગરિમા છોડીને) આ ઘટનાને વધાવી લીધી હતી. પછી ઊહાપોહ થયો ત્યારે કોઈક છેડેથી ‘સમાધાન’નો વાવટો ફરકાવાયો હતો કે એને સ્થાને ગાંધીપ્રતિમા મૂકીશું. જે થવું જોઈતું નહોતું એનો આ બેહૂદો બચાવ હતો.
અગરતલા-ત્રિપુરાની આ ઘટનાનાં કેટલાંક વરસ પૂર્વે ઓડિશાના બાલાસોર જિલ્લામાં વળી કંઈક જુદું જ થયું હતું. સ્થાનિક સામ્યવાદી પક્ષે લેનિનની પ્રતિમા મૂકવાનું નક્કી કર્યું હતું અને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી પણ મેળવી લીધી હતી. કોલકાતાથી રૂસી કોન્સલ જનરલ એ ખુલ્લી મૂકવા આવવાના હતા. છેલ્લી ઘડીએ મામલો ઘાંચમાં પડ્યો અને સમાધાન રૂપે લેનિનની સાથોસાથ ગાંધીપ્રતિમા મૂકવાનું ઠરાવાયું- અને રૂસી કોન્સલે બેઉ પ્રતિમા ખુલ્લી મૂકી! વીસ ફૂટને અંતરે બેઉ ઊભી છે, સાથોસાથ.
વાતનો બંધ વાળતાં વળી પુતિન પાસે જઈશું જરી? પુતિન કહે છે, સ્તાલિન કુશળ પ્રબંધક હતા. પણ લેનિન? એની વાત તો ખેર છોડો- એમ તો રશિયાના એકંદર અસ્તિત્વ તળે જાણે કે બોમ્બ મેલી એને ઉરાડી મૂક્યું! સ્તાલિને રૂસી રાજ્ય (અને સામ્રાજ્ય) ઊભું કર્યું. ઝાર અને સ્તાલિન વચ્ચે ખેંચાતા પુતિનને કશુંક નવું કરવા ઈચ્છતી પ્રલયંકર પ્રતિભાનો કદાચ અહેસાસ જ નહીં હોય, બીજું શું. અલબત્ત, ઉત્તર ઝારકાલીન સુધારા, તોલ્સ્તોય સરખા પ્રતિભાપુરુષની સક્રિય ઉપસ્થિતિ, આ બધો વારસો ઘટતા નિંદામણ સાથે લઈને આવેલ કેરેન્સ્કીને ઈતિહાસે સમય આપ્યો હોત તો ક્રમિક વિકાસની શક્યતા હતી- ઈતિહાસનું એ ‘જો’ અને ‘તો’ છે. શાસન વ્યવસ્થામાં ચોક્કસ ‘ક્રીડ’ સાથે સત્તારૂઢ થઈ સર્વ સૂત્રો સાહનાર લેનિન અને છતે સ્વરાજે, છતી શક્યતાએ શાસનથી ઉફરાટે ચાલનાર ગાંધી : નેતૃત્વની આ બે મિસાલ વીસમી સદીએ એકવીસમીને આપેલી ઈતિહાસ-ખો છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૭– ૧ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
યે વુમનિયા
પારુલ ખખ્ખર
ધારો કે કોઇ ક્વિઝ પ્રોગ્રામમાં એવો સવાલ પૂછાય કે ‘कितने प्रतिशत पुरुष ये मानते है कि….स्त्रीओ को समजना मुश्किल ही नही नामुमकीन है.?’
અને એક ક્ષણના ય વિલંબ વગર ફટાક કરતો જવાબ આવે…
૧૦૦%
वाह वाह…..सही जवाब! क्या बात.. क्या बात…! तालियां तालियां!
આવું જ બને ને? પણ આ સાંભળીને સાલ્લુ લાગી આવે કે કેમ વારુ, તમને સ્ત્રીઓને સમજવામાં જ તકલીફ પડે છે? અર્થશાસ્ત્રનાં આટાપાટા તો ઉકેલી શકો છો ! ગણિતનાં કોયડાઓ તો સોલ્વ કરી શકો છો ! વિજ્ઞાનનાં રહસ્યો તો ઉઘાડી શકો છો ! તર્કશાસ્ત્રમાં પી.એચ.ડી. તો થઇ શકો છો ! અધ્યાત્મનાં શિખરો તો સર કરી શકો છો ! અને માત્ર સ્ત્રીઓ જ નથી સમજાતી તમને !
તમે તો એમ જ માનો છો ને કે…
* સ્ત્રી એટલે પુરુષને પાંસળીમાંથી ઉત્પન્ન થયેલ મનુષ્ય પ્રાણી
* સ્ત્રી એટલે આદિપુરુષ આદમને લલચાવનાર પાત્ર.
* સ્ત્રી એટલે પુરુષનું ઉપેક્ષિત અને અપવિત્ર એવું ડાબુ અંગ.
* સ્ત્રી એટલે અબુધ-અબળા
* સ્ત્રી એટલે પઝલ
* સ્ત્રી એટલે પગની પાનીએ બુદ્ધિ ધરાવતું પાત્ર.
એન્ડ બ્લા…બ્લા..બ્લા..આ બધુ તો સાંભળ્યુ જ હશે ખરું ને? પરંતુ આ સિવાય પણ સ્ત્રી કંઇક છે જે મારી, તમારી, આપણી આસપાસ જીવે છે. જરા સમય લઇને અવલોકન તો કરો ક્યારેક!
તો, પેશ-એ-ખિદમત હૈ… હજાર હાથવાળી…હજાર સ્વરુપા સ્ત્રીનું વિશ્વરુપ દર્શન…એક સ્ત્રીની કલમે.
સ્ત્રી એકસાથે પ્રાચિન, મધ્યકાલિન અને અર્વાચિન યુગને જીવે છે. એ ૮૦ વરસનાં સાસુને , ૨૮ વરસનાં દિકરાને અને ૩ વરસનાં પૌત્રને એકસમયે ખુશ રાખી શકે છે. સવારે ‘કરાગ્રે વસતે લક્ષ્મી’ બોલીને હથેળીને નમસ્કાર કરનારી સ્ત્રી એ જ હથેળી વડે બાળકો માટે નાસ્તો તૈયાર કરે છે, સાસુમાના પૂજાનાં ફુલ ચૂંટે છે. પતિ માટે બ્રેડ પર બટર લગાવે છે અને વોટ્સએપ મેસેજનાં જવાબ આપતી જાય છે. ! અને આ બધુ કરવામાં એને મજા આવે છે, કોઇ કંટાળો નથી, કોઇ ફરિયાદ નથી કારણકે એ બચપણથી જ આ બધું જોતી , શીખતી આવી છે. તમને ખબર છે સ્ત્રીનો સૌથી મોટો ગુણ ક્યો છે? અનુકૂળ થવાનો. એ અનુકૂળ થઇ શકે છે- માણસો સાથે, સમય સાથે, સંજોગો સાથે, દેશ-કાળ સાથે અને સમગ્ર સજીવ-નિર્જીવ સૃષ્ટિ સાથે. એ અનુકૂલન સાધતી સાધતી આગળ વધતી જાય છે બિલકુલ નદીની જેમ ! એ તમામ મોરચે એકસાથે લડી શકે છે અને જીતી શકે છે. ચાલો જોઇએ..એ શું શું કરી શકે છે !
* એ પતિ બહારગામ હોય ત્યારે ગેલેરીમાં બેસી આબિદા પરવીનની ગઝલો સાંભ ળતા સાંભળતા રાતની એકલતા એન્જોય કરી શકે છે
* એ ‘કરવા ચોથ’નું વ્રત કરે છે અને એ દિવસે મિત્રો સાથે વોટ્સએપ મેસેજીસ-ક્લીપીંગ્સ શેર નથી કરતી… કારણકે એ દિવસે તેને ઉપવાસ ઉપવાસ હોય છે !
* એ વિષ્ણુ સહસ્ત્રનામની જેમ જ કડકડાટ ગાળો બોલી શકે છે.
* એ મેરેજ-ડે યાદ રાખી શકે છે અને પોતાના અત્યંત બીઝી શેડ્યુઅલ વચ્ચેથી પાંચ મિનિટનો સમય કાઢી હબ્બીને ‘એન્જોય યોર ડે’ કહીને વિશ કરી શકે છે.
* એ બ્રેસ્ટ-કેન્સરની સર્જરી પછી પણ ફેશનેબલ વસ્ત્રો પહેરી કીટી પાર્ટીઝ અને શોપીગ મોલમાં વટ્ટથી ફરી શકે છે.
* એ ફીગરની કે કરિયરની જાળવણી માટે નિઃસંતાન રહી શકે છે, એ જ રીતે બાળક દત્તક લઇ શકે છે.
*એ ન ગમતા ગર્ભનો નાશ પણ કરી શકે છે એ જ રીતે પિતાનું નામ આપ્યા વગર જ સંતાનને ઉછેરી પણ શકે છે.
* એ વિશ્વસુંદરી જેવી સુંદર હોવા છતાં પ્રેગનન્સીમાં ઢમઢોલ કાયા સાથે ફોટોશૂટ કરાવી શકે છે.
*એ પોતાના બાળકનાં ઉછેર માટે કારકીર્દીનાં સુવર્ણકાળ સમા વર્ષો ‘બગાડી’ શકે છે.
* એ પોતાના સંતાનના ભરણ-પોષણ માટે ક્યારેક સરોગેટ મધર બની શકે છે, તો ક્યારેક દેહનો વેપાર પણ કરી શકે છે..
* એ અનેક અધૂરપથી, અભાવોથી પીડાતી હોવા છતાં હસતા મોઢે જીવતી રહે છે…અને ક્યારેક એકાદ ખભ્ભો રડવા માટે શોધી લે છે.
* એ ‘દિલ ચાહતા હૈ’ ની ડીમ્પલની જેમ, ‘ચીનીકમ’ની તબ્બુની જેમ, ‘નિઃશબ્દ’ની જીયાખાનની જેમ ઉંમરના ઉખાણા ઉકેલ્યા વગર પ્રેમમાં પડી શકે છે.
* એ રાતે દારુડિયા ધણીનો માર ખાઇને સવારે મોઢામાં ગુટખા દબાવતી…ઘરઘરનાં વાસણ- કપડા કરવા નીકળી પડે છે.
* એ નાત-જાત-ધર્મ-આવક જોયા વગર ભાગીને લગ્ન કરી શકે છે અને એ જ પાત્ર બેવફાઇ કરે ત્યારે એનાં નામ પર ચોકડી મૂકીને સન્માનભેર એકલી જીવી શકે છે.
* એ મા-બાપના શબને ખભ્ભો આપી શકે છે, અગ્નિદાહ આપી શકે છે, તર્પણ કરી શકે છે અને એ જ રીતે પિતાની મિલ્કતમાં હિસ્સો લેવા ભાઇઓ સામે કોર્ટકેસ પણ કરી શકે છે.
* એ નખની જાળવણી માટે ઘરકામ જાતે નથી કરતી પણ ‘વોટ’ આપ્યા પછી એ કાળો ડાઘ ગર્વથી અને મુગ્ધતાથી મહિનાઓ સુધી ચાહી શકે છે.
* એ કોઇપણ ઉંમરે છૂટાછેડા લઇને કુતરા-બિલાડા પાળીને એકલી રહી શકે છે.
* એ અવકાશમા જાય છે અને હરિદ્વાર પણ જાય છે
* એ ડીપ્રેશનમાંથી સાજી થવા સાળિંગપુર હનુમાન પણ જાય છે અને મનોચિકિત્સક પાસે પણ જાય છે.
* એ કુંડળીમાં કે હસ્તરેખાઓમાં માનતી નથી પણ સંતાન પરીક્ષા આપવા જાય ત્યારે ગાયત્રીમંત્રની માળા કરે છે.
* એ જે નજાકતથી સ્માર્ટફોન હેન્ડલ કરે છે એ જ નજાકતથી નવજાત શિશુને માલિશ કરી શકે છે.
* એ સતિસાવિત્રી જેવો દેખાવ રચીને છિનાળા પણ કરી શકે છે અને એથી વિરુદ્ધ અનેક પુરુષો વચ્ચે રહીને પોતાની જાતને અણિશુદ્ધ પણ રાખી શકે છે.
* એ ‘હાઇ-વે’ની આલિયા ભટ્ટની જેમ પોતાના કીડનેપરનાં પ્રેમમાં પડી શકે છે અને એ જ રીતે ‘મીર્ચમસાલા’ની નાયિકાની જેમ બળજબરી કરનાર પુરુષનો સામનો પણ કરી શકે છે
* એ ‘ક્વીન’ની કંગના રનૌતની જેમ તૂટી ગયેલા સંબંધ પર આંસૂ સારવાને બદલે ફોરીન ટ્રીપ પર જઇ શકે છે એ જ રીતે ‘હેલ્લારો’ની નાયિકાની જેમ રિવાજોને તોડીને આઝાદ પણ થઈ શકે છે.
* એ સાટાપદ્ધતિથી પરણાવાય છે ત્યારે સાસરેથી મા-બાપને ફોન કરી શકે છે કે ‘મારી ભાભીને સાચવજો, તો જ હું સુખી રહી શકીશ’
* એને લંચ-બોક્ષ, ટીફીન-બોક્ષનાં સમય સાચવવાનાં હોય છે, એને આર્ટીકલની ડેડલાઇનને પહોંચી વળવાનું હોય છે, એને પણ પોતાના ક્ષેત્રમાં હરિફાઇનો સામનો કરવાનો હોય છે અને સાહેબ…તેથી જ એને પણ સ્ટ્રેસ હોઇ શકે છે. પણ કમનસીબે તેને કોઇ પત્ની કે પટાવાળો નથી હોતો. તેથી જ જગતભરનાં તમામ ઘરોનાં ટોઇલેટો એ ઘરની સ્ત્રીનાં આંસૂનાં સાક્ષી હોય છે.
* એ શું શું નથી કરી શકતી? તરણસ્પર્ધાઓ જીતી શકે છે, પર્વતારોહક બની શકે છે, પુરાતત્વવિદ બની શકે છે, બસ-રીક્ષા-ટ્રક ચલાવી શકે છે, ચંબલની ખીણો ધ્રુજાવી શકે છે, અંધારી આલમને રમાડી શકે છે, વડાપ્રધાન બની શકે છે, વડાપ્રધાન બન્યા વગર પણ દેશ ચલાવી શકે છે.મિત્રો..આ બધી સ્ત્રીઓ કંઇ કાલ્પનિક વાર્તાની નાયિકાઓ નથી. પણ આ જ પ્રુથ્વી ગ્રહની રહેવાસી છે. આપણી આસપાસ જ રહેતી સ્ત્રીઓની વાત છે. સ્ત્રીઓ માટે જો પ્રેમ હોય, સન્માન હોય તો એને વિશાળ હ્રદયે મૂલવવાની કોશીશ કરજો.
એક વાત કહું ? તમે માનો છો એટલી અઘરી નથી હોતી સ્ત્રીઓ.! મનથી બાળક જેવી, જરાક બુદ્ધુ ,વધુ પડતી લાગણીશીલ, ઉતાવળી, ગર્વિષ્ટ અને જીદ્દી હોવાથી ઉખાણા જેવી લાગે. પણ હકીકતે એ કાચના વાસણ જેવી છે જરાક સંભાળથી સાચવો તો તો એ તમારા પર વારી-ઓવારી જાય!
સ્ત્રીઓને કાયમ એ વાતનું આશ્ચર્ય રહ્યા કરે કે મોટામોટા બીઝનેસ એમ્પાયર સંભાળનારો, તર્ક-બુદ્ધિ-જ્ઞાનથી હરિફોને હંફાવનારો, આંખના પલકારે માણસને ઢાળી દેતો, જગત જમાદાર બની વિશ્વને મુઠ્ઠીમાં રાખનારો પુરુષ કેમ એક સ્ત્રીને નહી સમજી શકતો હોય ભલા?
પુરુષોને મારી નમ્ર વિનંતી કે સ્ત્રીઓ નથી સમજાતી એમ બોલીને બેસી રહેવા કરતા એને સમજવાની કોશીશ કરજો.
મિત્રો…સ્ત્રીને સમજવી એ બહુ સહેલું કામ છે… સાચ્ચેક…! કર કે તો દેખો અચ્છા લગેગા… આઇ પ્રોમિસ!
સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
કફન
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
કાતિલ ઠંડીના રાતના ઘેરા અંધકારમાં તૂટેલી ફૂટેલી ઝૂંપડીની બહાર એ બાપ અને દીકરો ઠંડા પડેલાં માંડ હાથ શેકાય એવાં તાપણાં પાસે બેઠા હતા. અંદરથી માધવની પત્નીની પ્રસવપીડાની ચીસો બહાર સુધી સંભળાતી હતી.
“લાગે છે કે આજે તો આખો દિવસ આમ જ જશે. તું જરા અંદર જઈને એની હાલત જોઈ તો આવ.” ઘીસૂ એટલે કે બાપે બેટાને કહ્યું.
“અરે, મરવાની હોય તો હાલ જ ના મરે ! હું છૂટું.” માધવે અકળાઈને જવાબ આપ્યો.
“આખી જિંદગી એની સાથે સુખ-ચેનથી રહ્યો અને હવે એની સામે જરા જેટલી પણ હમદર્દી નહી. આવો કઠોર ક્યાંથી બન્યો?”
“અંદર જઈને શું કરું? મારાથી એની પીડા નથી જોવાતી.” લાચાર માધવે જવાબ આપ્યો.
ચમાર કુટુંબના ઘીસૂ અને માધવ કામ બાબતે બદનામ હતા. ઘીસૂ એક દિવસ કામ કરતો તો ત્રણ દિવસ આરામ કરતો. માધવ તો વળી અડધો કલાક કામ કરતો અને કલાક સુધી ચલમ ફૂંક્યા કરતો. ઘરમાં મુઠ્ઠીભર ધાન હોય ત્યાં સુધી બંને બેસી રહેતા. અનાજ સાવ તળિયે પહોંચે ત્યારે ઘીસૂ લાકડાં કાપતો અને માધવ બજારમાં જઈને વેચતો. સાધુમાં હોય એવા સંયમ, સંતોષ અને ધીરજના ગુણ બંનેમાં હતા, પણ કમનસીબે એ સંસારી હતા. સંસાર ચલાવવાનો હતો. ઘરમાં માટીનાં બેચાર વાસણ સિવાય બીજી કોઈ સંપત્તિ નહોતી. માથે ચૂકવી ન શકાય એવા દેવા અને સઘળી ચિંતાઓની વચ્ચે પણ એમની પ્રકૃતિમાં કોઈ ફરક નહોતો પડતો.
કોઈ કામ ન મળે તો ખેતરોમાં જઈને શાક તોડી લાવતા અને શેકી ખાતા. ક્યાંતો શેરડીના સાંઠા ચૂસીને દહાડો પૂરો કરતા. અત્યારે પણ એ આગમાં બટાકા શેકતા બેઠા હતા. ઘીસૂની પત્નીને મરે તો વર્ષો થયા હતા. માધવના લગ્ન ગયા વર્ષે થયા ત્યારથી માધવની પત્ની ઘર સંભાળવા મથતી. એ સ્ત્રી જ અત્યારે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી હતી અને બંને જણ એ ક્યારે મરે તો શાંતિથી ઊંઘી શકાય એની રાહ જોતા હતા.
માધવને હવે બીજી ચિંતા થવા માંડી. જો બાળક થશે તો ઘરમાં ઘી, ગોળ, સૂંઠ કે તેલ તો છે નહીં લાવીશું ક્યાંથી?
“થઈ પડશે, આજે જે લોકો એક રૂપિયો નથી આપતા એ બધા કાલે આપી જશે. ઘરમાં કશું નહોતું પણ મારે નવ નવ છોકરાં થયા અને ભગવાને કોઈને કોઈ રીતે એમને પાર પાડ્યા.” ઘીસૂએ આશ્વાસન આપ્યું. કામચોરોની મંડળીના મુખી જેવા આ બંને અત્યારે શેકાયેલા બટાકા ખાવાની ઉતાવળમાં હતા. શેકેલા બટાકા છોલવામાં હાથ, ઉતાવળે ખાવામાં જીભ અને તાળવું બંને દાઝતા હતા. આંખમાંથી પાણી વહેતું હતું, પણ કાલથી કશું પેટમાં ગયું નહોતું એટલે બટાકા ઠંડા થાય એટલીય રાહ એમનાથી જોઈ શકાય એમ નહોતી.
ઘીસૂને અત્યારે વીસ વર્ષ પહેલાં જોયેલી ગામના ઠાકોરનું લગ્ન યાદ આવ્યું. આખા જીવન દરમ્યાનમાં ત્યારે એ દાવતમાં જે ખાધું હતુ એ આ ક્ષણે પણ યાદ હતું. અસલી ઘીમાં બનેલી પૂરી, ત્રણ જાતનાં કોરા શાક, એક રસાવાળું શાક, કચોરી, દહીં, ચટણી, મિઠાઈ..માંગો એટલી વાર પીરસાતાં એ ભોજનને યાદ કરીને આજેય મોંમા પાણી આવ્યું. એ પછી ક્યારેય એણે ભરપેટ ખાધું નહોતું.
માધવે પણ એ વ્યંજનની મનોમન મઝા માણી અને નિસાસો નાખ્યો.
“હવે આવું ભોજન તો કોઈ નથી ખવડાવતું. “ગયો એ જમાનો તો. હવે તો લગન, મરણ કે ક્રિયા-કરમમાં ખર્ચા ઓછા કરવાનો વાયરો વાયો છે. કોઈ આપણું તો વિચારતું જ નથી.” ઘીસૂએ પણ નિસાસો મૂક્યો અને શેકેલા બટાકા ખાઈને પાણી પી, ઠરી ગયેલાં તાપણાં પાસે લંબાવ્યું. અંદર માધવની પત્ની બુધિયા હજુ પીડાથી અમળાતી હતી. સવારે ઊઠીને માધવ અંદર ગયો અને જોયું તો બુધિયાનું શરીર ઠંડુ પડી ગયું હતું. મોં પર માખીએ બણબણતી હતી અને બચ્ચું પેટમાં જ મરી ગયું હતું.
માધવ અને ઘીસૂની રોકકળ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા. બેઉ અભાગીઓને આશ્વાસન આપવા મથ્યા. બુધિયા મરી ગઈ એ કરતાં બંનેને વધુ ચિંતા કફન ક્યાંથી લાવવું એની હતી. રોતા રોતા જમીનદાર પાસે ગયા. કામચોરી કરતા બાપ-બેટા પ્રત્યે જમીનદારને સખત નફરત હતી. અત્યારે બંનેને રડતા જોઈને વધુ અકળાયા.
“બહુ આપદામાં છીએ સરકાર. માધવની ઘરવાળી રાતે તડપી તડપીને મરી. આખી રાત અમે એની પાસે બેસી રહ્યા. શક્ય હતા એટલા દવાદારૂ કર્યા પણ કંઈ કામ ના લાગ્યું. ઘર ઉજડી ગયું. કોઈ રોટી બનાવવાવાળું ના રહ્યું. અમે તો તબાહ થઈ ગયા. ઘરમાં જેટલું હતું એ બધું એના દવાદારૂમાં ખલાસ થઈ ગયું. હવે તો સરકાર ક્યાં જઈએ, તમારી દયાથી એનાં ક્રિયાકરમ થશે.” ઘીસૂએ શક્ય હોય એટલી નરમાશથી કહ્યું.
કામ પર બોલાવે તો ક્યારેય ન આવતા ઘીસૂને અત્યારે ખુશામત કરતો જોઈને જમીનદારને એની પર એવી તો દાઝ ચઢી કે, એ ઘીસૂને અહીંથી જવાનું કહી દે. એની પર દયા કરવી એ પૈસા પાણીમાં નાખવા જેવી વાત હતી, પણ આ સમય એની પર ક્રોધ કરવાનો નહોતો. જમીનદાર દયાળુ હતા. બે રૂપિયા આપીને એને વિદાય કર્યો. જમીનદારે બે રૂપિયા આપ્યા જાણીને ગામના લોકો કે મહાજનોનોય રૂપિયા આપ્યા વગર છૂટકો નહોતો. કોઈની પાસેથી બે આના તો કોઈ પાસેથી ચાર આના મેળવીને પાંચ રૂપિયા ભેગા કર્યા. ક્યાંકથી અનાજ તો ક્યાંક લાકડીઓ મળી. હવે ઘીસૂ અને માધવ બજારમાંથી કફન લેવા ઉપડ્યા. આ બધુ કરવામાં રાત પડી જવાની હતી એટલે સસ્તું કફન મળે એની પેરવીમાં પડ્યા.
“કેવો રિવાજ નહીં, જીવી ત્યાં સુધી તન ઢાંકવા ચીંથરુંય નસીબ નહોતું અને હવે મર્યા પછી નવું કફન?” માધવને ચીઢ ચઢતી હતી.
“કફન તો વળી લાશ સાથે બળી જવાનું. આ પાંચ રૂપિયા પહેલાં મળ્યાં હોત તો કંઈક દવાદારૂ તો કરત.” ઘીસૂએ એની હૈયાવરાળ ઠાલવી. સસ્તું કફન શોધવાના લોભમાં સાંજ સુધી બજારમાં આમથી તેમ રખડ્યા. કંઈ ઠેકાણું ના પડ્યું તે ના જ પડ્યું પણ બંને નસીબના બળિયા તો એવા કે થાકીને જ્યાં ઊભા રહ્યા ત્યાં સામે જ મધુશાલા દેખાઈ અને એમના પગ સીધા જ મધુશાલા તરફ વળ્યાં.
હવે બાકી શું રહે? પછી તો દારુની એક બાટલી, થોડો નાસ્તો લઈને બંનેએ આરામથી બેઠક જમાવી. થોડી વારમાં તો બંનેના દિમાગ પર નશો છવાવા માંડ્યો.
“કફન લઈને શું કરીશું, વહુની સાથે તો નહીં જાય ને અંતે તો એ બળી જ જશે.” ઘીસૂ બોલ્યો.”
“વાત તો સાચી છે, દુનિયાનો રિવાજ છે. લોકોના મર્યા પછી બ્રાહ્મણોને હજારો રૂપિયા દઈ દે છે. કોણ જોવા ગયું છે કે પરલોકમાં એમને એ પૈસા મળે છે કે નહીં? ઠીક છે મોટા લોકોની મોટી વાતો. આપણી પાસે છે શું કે ફૂંકી મારીએ?” માધવે પણ બાપની વાતમાં મત્તુ માર્યું, પણ લોકો પૂછશે કે કફન ક્યાં તો કહીશું શું?”
“કહી દેવાનું કે રૂપિયા ગજવામાંથી પડી ગયા. બહુ ખોળ્યા પણ ના મળ્યા. લોકોને વિશ્વાસ તો નહીં આવે પણ ફરી એ લોકો જ રૂપિયા આપશે.” ઘીસૂ હસ્યો.
હવે તો માધવનેય આ વાતમાં મઝા પડી.” સારી હતી બુધિયા બીચારી. મરી તોય આપણને સરસ રીતે ખવડાવતી પીવડાવતી ગઈ. બોટલમાંનો અડધાથી વધુ દારૂ પી ગયા પછી ઘીસૂએ બીજી પૂરીઓ મંગાવી. સાથે ચટની, આચાર પણ ખરાં. આમાં પૂરા દોઢ રૂપિયા ખર્ચાઈ ગયા. હવે માંડ થોડા પૈસા બચ્યા. પણ સાવ નિરાંતે જંગલના રાજા પોતાના શિકારની મઝા લઈ રહ્યો હોય એવી શાનથી બંને ખાવાની મોજ માણતા રહ્યા.
“આપણો આત્મા તૃપ્ત થયો એનું પુણ્ય એને જ મળશે જ ને?” એક દાર્શનિકની જેમ ઘીસૂ બોલ્યો.
મળશે, જરૂર મળશે. ભગવાન તો અંતર્યામી છે. આપણાય એને આશીર્વાદ છે. ભગવાન એને જરૂર વૈકુંઠ લઈ જશે. મને તો આજે જે ભોજન મળ્યું એ પહેલાં ક્યારેય મળ્યું નથી.” માધવે પૂરી શ્રદ્ધાથી જવાબ આપ્યો. વળી પાછી મનમાં શંકા જાગી, “ક્યારેક તો આપણેય જવું પડશે ને? ત્યાં આપણને પૂછશે કે તમે મને કફન કેમ ના ઓઢાડ્યું તો શું જવાબ આપીશું?” પણ અત્યારે ઘીસૂ પરલોકની વાત વિચારીને આ લોકના આનંદમાં વિઘ્ન ઊભું કરવા નહોતો માંગતો. એણે કોઈ જવાબ આપવાનું ટાળ્યું.
જેમ જેમ અંધારુ વધવા માંડ્યું મધુશાલાની રોનક પણ વધવા માંડી. ભરપેટ ખાઈને વધેલી પૂરીઓ ભિખારીને આપી દીધી અને જીવનમાં ક્યારેય ન વિચારેલું કાર્ય કર્યાનો પ્રચંડ આનંદ અને ગૌરવ બંનેએ અનુભવ્યો.
“લે તું પણ ખા અને ખુશ થા. આ જેની કમાઈ છે એ તો મરી ગઈ પણ તારા આશીર્વાદ એને મળશે તો સીધી એ વૈકુંઠ જશે. ભલી હતી બીચારી. કોઈને હેરાન નથી કર્યા. મરીનેય અમારી સૌથી મોટી લાલસા પૂરી કરતી ગઈ અને વૈકુંઠમાં એ નહી જાય તો કોણ જશે? આ બે હાથે ગરીબોને લૂંટીને ગંગાસ્નાન કરીને મંદિર જાય છે એ આ મોટા લોકો જશે?” ઘીસૂ આનંદમાં આવીને ભિખારી સામે જોઈને બોલ્યો.
થોડી વારમાં નશાના લીધે ચઢેલો માધવના આનંદનો ઊભરો દુઃખમાં પલટાઈ ગયો. “દાદા, બીચારીએ જીવનભર દુઃખ જ વેઠ્યું અને મરી ત્યારેય કેટલી દુઃખી થઈને ગઈ“ માધવ પોક મૂકીને રડવા માંડ્યો.
“અરે બેટા, ખુશ થા કે કેટલી ભાગ્યવાન હતી કે આ બધી માયાજાળમાંથી મુક્ત થઈ ગઈ.” ઘીસૂએ આશ્વાસન આપવા માંડ્યું.
વળી પાછા વ્યથાના વમળમાંથી બહાર આવી, બંને ઊભા થઈને પોતાની મસ્તીમાં આવી ગાવા, નાચવા, કૂદવા માંડ્યા. અંતે નશામાં ચકચૂર થઈને ત્યાં જ ઢળી પડ્યા..
પ્રેમચંદ મુનશી લિખીત વાર્તા ‘કફન’ને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
પુણ્ય
દરિયા-પારની વાર્તા
પ્રીતિ શાહ-સેનગુપ્તા
અઠવાડિયાની શરુઆતથી જ ઘરમાં ઉત્સાહ વર્તાતો હતો. આ વખતે ચોથી જુલાઈનો દિવસ શનિવારે આવતો હતો. એટલે બધી રીતે મઝા, એમ ઉજાસને લાગતું હતું. લૉરેનને એ કહે, મૉમ, દર વર્ષે આવું જ થતું હોય તો. શુક્રવારે ઑફિશિયલ રજા, અને શનિવારે ચોથી જુલાઇ. રાતે મોડે સુધી જાગીને છેક કૅલિફૉર્નિયામાંની ઉજવણી દર વર્ષે ટૅલિવિઝન પર જોઈ શકાય. નૂરા રોજ અધીરાઇથી કહે, ઓ મૉમ, શનિવાર ક્યારે આવશે? તેજ તો સાવ નાનો. એ મોટાં ભાઇ-બહેનની પાછળ પાછળ ફરતો જાય, ને શનિવાર, શનિવાર ગાતો જાય.
કુંજીબહેને લૉરેનને પૂછ્યું, કેમ આ વખતે મોટાં બે ઘેલાં થયાં છે?
લૉરેન કહે, આ વખતે ચિરાગે એમને કહ્યું છે કે એ પણ સાથે આવશે. ડૅડી સાથે પિકનિક પર જવા ક્યારે મળે? પેલાં બેનું જોઈને તેજ પણ ખુશ ખુશ છે. બે વર્ષ પહેલાં હું એમને લઈ ગઇ હતી, પણ તેજને એ ક્યાંથી યાદ હોય?
પછી એણે ઊમેર્યું, અમ્મા – છોકરાંઓની સાથે એ પણ કુંજીબહેનને હવે અમ્મા કહેતી – તમે તમારાં ઓળખીતાંમાંથી ત્રણેક જણને ઈન્વાઇટ કરજો. તમને કંપની રહેશે. ને એ સિનિયર્સને ગમશે પણ ખરું.
પણ લૉરેન, બધાં ગાડીમાં માશે નહીં, કુંજીબહેન બોલ્યાં.
અમ્મા, આપણે બે ગાડી લઈ લઈશું. છોકરાંઓને ડૅડી સાથે એકલાં જવા મળશે એટલે એ તો જાણે ગાંડાં જ થઈ જવાનાં. ચિરાગ સાથે મારે વાત થઈ ગઈ છે.
કુંજીબહેનને મનોમન હસવું આવ્યું કે હવે એ પણ છોકરાંઓની જેમ જરા ઘેલાં થવાનાં હતાં. એમણે એમનાં સિનિયર બહેનપણીઓને ફોન કરવા ડાયરી ખોલી. પહેલા જ ફોને સુશીબાએ તો સાંભળીને તરત હા પાડી દીધી. કહે, મને તો આવવું બહુ ગમશે, ને તમે કહો તો હું શાંતાબેનને પૂછું. એમને બહાર નીકળવાનું ઓછું, એટલે આપણે પૂછીશું તો એમને સારું લાગશે.
હા, હા, તમે જરૂર પૂછી જુઓ. પછી મને જણાવજો એટલે ખબર પડે કે બીજા કોઈને પૂછું કે નહીં. આપણે ત્રણ થતાં હોઈશું તો તો બસ છે. નિરાંતે વાતો થશે, બરાબરને?
શનિવારની સવારથી જ લૉરેને ગોઠવણ શરૂ કરી દીધેલી. પિકનિક માટે છોકરાંઓ માટે સૅન્ડવિચ બનાવી, એમને ભાવતી બ્રાઉની બેક કરી, પોતાને અને ચિરાગને માટે થોડું સાલાડ કાપી રાખ્યું, ચિઝ અને ક્રૅકર બહાર કાઢ્યાં, દ્રાક્ષ અને સફરજન પૂરતાં છે કે નહીં તેની ખાત્રી કરી લીધી. કુંજીબહેન મદદ કરવા ગયાં તો કહે, અમ્મા, કાંઈ જ કામ નથી. હું પણ આવીને તમારી સાથે હમણાં બેસું જ છું.
ચૌદેક વર્ષ પહેલાં ચિરાગે એમને અને નવીનભાઈને જણાવ્યું કે એ લૉરેન નામની, મૂળ આર્જેન્ટિનાની છોકરી સાથે લગ્ન કરવાનો હતો ત્યારે એ બંનેને આઘાત લાગેલો. બંનેએ ઘણો જીવ બાળેલો કે એકના એક દીકરાએ છેવટે આવું કર્યું? પણ જ્યારે ચિરાગ લૉરેનને લઈને દેશ આવ્યો ત્યારે જોતાંની સાથે જ બંનેને એ ગમી ગઈ. ઊંચી, પાતળી, કાળા વાળ, હસતી આંખો, અને પંજાબી ડ્રેસ પહેરીને આવેલી. કપાળમાં ચાંદલો કરવાનું એને કોણે શીખવાડ્યું હશે?, કુંજીબહેને વિચારેલું. બંને હાથમાં જોકે સાદી બંગડીઓ હતી. એમની નજરને જોઈને ચિરાગે કહેલું, મા, અમારા રાલે શહેરમાં સોનાની સારી બંગડીઓ અમને મળી નહીં.
લૉરેને કુંજીબહેનને અને નવીનભાઈને નીચા નમીને પ્રણામ કરેલાં, અને જૅશીરીક્રિશના કહેલું. જીવતી રહે, બેટા, આપોઆપ નવીનભાઈથી કહેવાઈ ગયેલું. કુંજીબહેન જલદી અંદર જઈ પોતાની રોજ પહેરવા કરાવેલી હીરાની બે બંગડીઓ લઈ આવેલાં, અને અંગ્રેજીમાં પૂછેલું, વિલ ધે ફિટ યુ?
કુંજીબહેનના હાથ પકડીને લૉરેન બોલેલી, મા, મને જરૂર થશે. બહુ જ સરસ બંગડીઓ છે.
પોતાનાં માતા-પિતાનાં મોં પહોળાં થઈ ગયેલાં જોઈ ચિરાગે હસતાં હસતાં કહેલું, મા, લૉરેન લિંગ્વિસ્ટ છે. મને મળી તે પહેલાં એ હિન્દી શીખતી હતી. હવે ગુજરાતી શીખવા માંડી છે. બોલે છે હજી થોડું, પણ સમજે છે લગભગ બધું.
ચિરાગ જરૂરી પેપર્સ લેતો આવેલો. અમેરિકા પાછાં જતાં પહેલાં એણે માતા-પિતાને ત્યાં લઈ જવાની એપ્લિકેશન કરી દીધી. લૉરેન કહેતી ગયેલી, મા, પપ્પાજી, અમે તમારા આવવાની રાહ જોઈશું.
કુંજીબહેન અને નવીનભાઈ અમેરિકા જવા નીકળ્યાં ત્યારે ચિરાગ અને લૉરેન એમને ફ્રાંસમાં મળેલાં, અને સાથે યુરોપમાં થોડા દિવસ ફરેલાં. વચ્ચેના મહિનાઓમાં લૉરેન સ્પષ્ટ રીતે જયશ્રીક્રિષ્ણ કહેતી થઈ ગઈ હતી. ઉપરાંત, ફ્રાંસ,જર્મની અને સ્પેઇનમાં ત્યાં ત્યાંની ભાષાઓની એની જાણકારી બહુ કામમાં આવેલી – ખાસ કરીને બધાં માટે ખાવાનું મેળવવામાં. એ પોતે પણ વેજીટેરિયન હતી – વર્ષોથી. દીકરા-વહુની સાથે પહેલી જ વાર પરદેશની ભૂમિ પર ફરવાનો એ સમય વડીલો માટે ઘણો કિમતી હતો.
એમેરિકા પહોંચીને રાલે શહેરના શાંત વિસ્તારમાંનું સરસ ઘર જોઈને નવીનભાઈથી બોલાઈ ગયું હતું, ચિરાગ, આ તો જાણે ફાઇવ-સ્ટાર હોટેલ જેવું છે.
ના, પપ્પા, તમે જોજો, હોટેલથી પણ વધારે કમ્ફર્ટેબલ લાગશે, ચિરાગે કહ્યું હતું.
કેટલું સાચું કહ્યું હતું દીકરાએ, કુંજીબહેન વિચારતાં હતાં. આટલાં વર્ષોમાં જ્યારે જ્યારે અમેરિકા આવ્યાં ત્યારે કોઈ તકલીફ પડવા દીધી નહતી એણે અને લૉરેને. નવીનભાઈના ગુજરી ગયા પછી ચિરાગે માને પોતાની પાસે બોલાવી લીધેલાં, અને ગ્રીન કાર્ડ લઈ લેવા માટે આગ્રહ કરવા માંડેલો. હમણાં તો વરસનો વીઝા છેને, ભઈ. પછી જોઈશું, કુંજીબહેને કહેલું. ધીરે ધીરે કરતાં ત્યાંના ગુજરાતી સમાજમાં એમને થોડી ઓળખાણો થયેલી, અને થોડી પ્રવ્રૃત્તિઓમાં એ કયારેક જોડાતાં પણ ખરાં, છતાં આખો વખત અમેરિકામાં રહેવાનો વિચાર એ કરી શકતાં નહતાં.
ચોથી જુલાઇનો જાહેર ઉત્સવ જોવાનો એમને માટે આ પહેલો જ પ્રસંગ હતો. સાંજ થતાં ઉજાસ અને નૂરા ડૅડી સાથે નીકળી ગયાં. નાનો તેજ અમ્માને છોડવા તૈયાર નહતો. બીજી ગાડીમાં લૉરેને કુંજીબહેન, તેજ અને પછી સુશીબા અને શાંતાબેનને લઈ લીધાં. બધાં નક્કી કર્યા પ્રમાણે પાર્કમાં ભેગાં થઈ ગયાં. ચોખ્ખી જગ્યા શોધી સાથે લાવેલી દરીઓને લૉરેને ઘાસ પર પાથરી, અને નાસ્તાની વસ્તુઓ વચમાં ગોઠવી. મા, તમારા અને માશીઓ માટે સરપ્રાઇઝ છે, કહી ચિરાગે પોપ્યુલર રાણી-ફૂડના બોક્સ બહાર કાઢ્યા. સમોસાં, કચોરી, ખમણ અને ખારી પૂરી. ભાવશેને?
માશીઓ એક સાથે બોલ્યાં, આટલી બધી તકલીફ શું કામ, ભાઈ?
લૉરેન કહે, હજી એક સરપ્રાઇઝ છે. આપણે બધાં માટે હું થરમોસમાં ચ્હા પણ લાવી છું.
વાહ બેટા વાહ, સુશીબાએ કહ્યું.
બધાંએ ચ્હા કે જ્યૂસ અને નાસ્તો કર્યો, ને થોડી વાર પછી છોકરાંઓને લઈને ચિરાગ અને લૉરેન પાર્કમાં ચાલવા, દોડાદોડ કરવા, રમવા ઊઠ્યાં. તેજ માંડ માંડ માન્યો. સુશીબા કહે, કુંજીબેન, એ નાનકો તમને સાથે લઈ જવા માગતો હતો.
હા, ખરી વાત છે. મને એટલો વળગેલો રહે છે. આટલું વ્હાલ તો મારા ચિરાગે પણ મને નહીં કર્યું હોય.
અચાનક ભીની થઈ આવેલી આંખો લૂછતાં શાંતાબેન બોલ્યાં, તમારાં ગયા જન્મનાં પુણ્ય હશે, બેન. આ જમાનામાં છોકરાં તો શું દીકરા-વહુ પાસેથી પણ કશા ભાવની આશા રખાય તેમ નથી રહ્યું. પણ બેન, તમારા કુટુંબની તો વાત જ જુદી લાગે છે.
થોડું અંધારું થયું એટલે પહેલો એક સૂસવાટો સંભળાયો. જુઓ, જુઓ, ડૅડ, ફાયરવર્ક શરુ થઈ ગયું.
પછીની ચાલીસ મિનિટ નાનું-મોટું દરેક જણ તલ્લીન થઈને આકાશ તરફ જોતું રહ્યું. આ કાંઈ કોઠી અને તારામંડળની વાત નહતી. અહીં તો કળા તેમજ કૌશલ્યપૂર્વક ગૂંથેલા હજારો ગુબ્બારા ખૂબ ઊંચે જઈને છૂટા પડતા હતા, અને કેટલીયે જાતની ડિઝાઇન સર્જતા જતા હતા. ગોળમાંથી ગોળ બને, એક સીધા લિસોટામાંથી ઉપર ફૂલ જેવો આકાર બને, અસંખ્ય તારા ચમકી જતા લાગે. ઉપરાંત, લાલ, લીલા, સોનેરી, રૂપેરી જેવા રંગ દેખાય. જોવા આવેલા બધાં લોકોના આનંદનો પાર નહીં.
સ્વાતંત્ર્ય દિનની કેવી ભવ્ય ઉજવણી થાય છે આ દેશમાં, નહીં? ને તે પણ ગામે ગામે, કુંજીબહેને કહ્યું. આજે આપણને સરસ તક મળી આવું જોવાની, નહીં? સુશીબા અને શાંતાબેને વારંવાર લૉરેનનો આભાર માન્યા કર્યો. જિન્દગીમાં આવું પહેલાં ક્યારેય જોયું નહતું, હોં બેટા, બંનેએ કહ્યું.
આ પછી કુંજીબહેનનું મન ચૂપચાપ કશાક વિચારે ચઢી ગયું. ચારેક દિવસ પછી એમણે ચિરાગને કહ્યું, જરા ટાઇમ હોય ત્યારે મારે એક વાત કરવી છે, ભઈ. એનું મોઢું જોઈ કુંજીબહેન ઉતાવળે બોલ્યાં, ચિંતા જેવું કાંઈ નથી. આ તો એક વિચાર તને જણાવવો છે.
એ રાતે જમવાનું ને હોમવર્ક પતાવીને છોકરાં સૂવા ગયાં પછી ચિરાગ અને લૉરેન મા પાસે આવ્યાં. બંનેનાં મોંઢાં પર ચિંતા દેખાતી હતી. અરે, ખરેખર ચિંતા કરવા જેવું કાંઈ નથી, ભઈ, કુંજીબહેને ખાત્રી આપી.
બંનેને પાસે બેસાડીને એ કહેવા લાગ્યાં, જુઓ બેટા, મારા મનમાં એક વિચાર આવ્યો છે કે મારે મદદરૂપ થવું છે. બહુ જણને સામટાં નહીં, પણ બે જણ-ત્રણ જણને એક સાથે મદદ કરી શકાય. એ રાતે આપણે પાર્કમાં ગયાં, સાથે આનંદ કર્યો, અને બે માશીઓને આનંદ કરાવ્યો પણ ખરો. પછી સોમવારે સવારે જ સુશીબાનો ફોન આવ્યો હતો. એમણે શાંતાબેનની થોડી વાત કરી.
શાંતાબેનની આંખોમાં આંસુ આવેલાં મેં જોયેલાં, પણ એમના જીવનની કોઈ વિગત મને ખબર નહતી. એમના વર પોણા બેએક વર્ષ પહેલાં અહીં જ ગુજરી ગયા. ત્યાર પછી એ સાવ એકલાં થઈ ગયાં છે. ઘરમાં કોઈ દિવસમાં બે વાત પણ નથી કરતું. નહીં વહુ, નહીં દીકરો કે નહીં છોકરાં. ક્યાંય જવા-આવવાનું પણ ભાગ્યે જ. એમની પાસે નથી દેશ જઈ આવવાના પૈસા, કે નથી એ દીકરા પાસેથી માગી શકતાં. સાવ ઓશિયાળા થઈને રહેવું પડે છે એમને. મારો બહુ જીવ બળતો રહ્યો છે ત્યારથી.
આવાં તો કેટલાંયે માશીઓ હશે અહીં. મા ને બાપ બંને હોય ત્યારે પણ દીકરો-વહુ ઉપેક્ષા અને અપમાન કરતાં રહેતાં હોય એવું પણ બને છે. એક કિસ્સામાં તો મા-બાપને શૉપિંગ મૉલમાં લઈ ગયેલાં, ને હમણાં આવીએ છીએ કહી ત્યાં જ મૂકીને દીકરો-વહુ જતાં રહ્યાં હોય તેવું પણ સાંભળ્યું છે.
ચિરાગ જરા જોરથી બોલી ઊઠ્યો, ના, આવું તો ના જ બની શકે.
સાવ સાચી વાત છે, ભઇ. છાપામાં પણ આવી ગયેલું આ તો.
ખેર, કુંજીબહેન આગળ બોલ્યાં, મેં નક્કી કર્યું છે કે હવે મારે આવાં જણને મદદરૂપ થવું છે. ઇન્ડિયામાં ઘરડાંનાં ઘર થયાં છે, દુઃખિયારી બહેનોની સહાય માટે વિકાસગ્રૃહ ને વનિતા આશ્રમ જેવી સંસ્થાઓ છે, પણ અહીં અમેરિકામાં વિધવા થયેલી, કે વૃધ્ધ થતી જતી આપણી મોટી બહેનો, માશીઓ માટે કશું જ નથી. જો ભઈ, મને થાય છે કે ત્યાં આપણું મોટું ઘર છે, પૈસાની પૂરતી સગવડ તારા પપ્પાજી મૂકતા ગયા છે. દર શિયાળે બે કે ત્રણ આવી મોટી બહેનોને હું આપણે ત્યાં લઈ જાઉં, રાખું, બને તો નજીકમાં ક્યાંક ફરવા લઈ જાઉં. અહીંની ઠંડીમાંથી છૂટકારો તો મળે થોડો વખત. ને જરૂર હોય તેમને માટે હું ટિકિટના પૈસા ખર્ચવા પણ તૈયાર છું.
ઓ અમ્મા, લૉરેને કુંજીબહેનને ભેટતાં કહ્યું.
ચિરાગ સોફા પરથી ઊતરી એમના પગ પાસે બેસી ગયો. મા, તું – તને — એ વધારે બોલી ના શક્યો.
ભઈ, મારે તને અને લૉરેનને એ પૂછવું છે કે ઘર અને પૈસા આ રીતે વપરાય એમાં તમને કોઈ વાંધો નથીને.
અરે મા, શું કહે છે તું? બધું તારું જ છે ને?
હા અમ્મા, ત્યાંનું જ નહીં, અહીંનું બધું પણ તમારું જ છે હોં.
પણ મા, તેં બધો વિચાર કર્યો છે?
હા. ભઇ. હું વિચારું છું કે શોખ ને આવડત હોય તે પ્રમાણે માશીઓને ચિત્ર, ભરત-ગૂંથણ, ભજન વગેરે શીખવાડવા ટીચર ગોઠવી શકાય. સામે કોઈ માશી આજુબાજુની છોકરીઓને વાંચતાં-લખતાં અને થોડું અંગ્રેજી પણ શીખવાડી શકે. બધાંને ફાયદો થાય. વળી મને એમ છે કે શાંતાબેન જેવાં ત્યાં લાંબું રહી શકે તો આખું વર્ષ આ મદદ આપણે આપી શકીએ.
એ ખરું, ચિરાગે કહ્યું, પણ આપણે જવાબદારી વિષે ખાસ વિચારવું પડે. કોઈ માશી ત્યાં માંદાં પડે તો શું? કોઈનાં સગાં કશો વાંધો કાઢે તો શું? એક માશી વધારેમાં વધારે કેટલું રહી શકે? કે પછી અમુક જણને જ દર વર્ષે આ લાભ આપવો છે? વગેરે બાબતો પર ધ્યાન આપવું પડે. તારે તો નિઃસ્વાર્થ ભાવે મદદ કરવી છે. તારે કોઈ પણ રીતે હેરાન થવું પડે એમ ના બનવું જોઈએ.
ભઇ, તમારાં બંનેની સલાહ વગર હું કશું જ નથી કરવાની.
લૉરેન કહે, હજી તો જુલાઈ શરુ થયો છે. શિયાળાને હજી વાર છે. એ દરમ્યાન આપણે બધી જરૂરી બાબતોની ચર્ચા કરતાં રહીશું. પણ અમ્મા, તમારા પ્રોજેક્ટમાં મદદ કરવા હું તો થોડો વખત ત્યાં આવી જ જવાની, હોં.
ચિરાગ ઉતાવળે બોલ્યો, તો હું પણ આવી જઈશ.
કુંજીબહેન હળવાશથી કહે, જેમને ખરેખર મદદની જરૂર હોય તેવાં માટે ઘરમાં રૂમો ખાલી રહેવા દેજો, હોં ભઇસાબ.
સવારે ઊઠીને તેજ કાગળ વાળીને ઉજાસે બનાવી આપેલું તીર હાથમાં લઈને, એરપ્લેન ઉડાડતો હોય એમ આખા ઘરમાં દોડતો ફરતો હતો. કુંજીબહેનની પાસે આવીને મીઠડો થઈને કહે, અમ્મા, તું ને મું આ પ્લેનમાં બેસીને ઝુંઇઇઇઇઇઇઇ—–
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૩૪. નક્શબ ઝરાચવી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
નક્શબ ઉત્તર પ્રદેશના ઝારચા ગામના રહીશ હતા એટલે નક્શબ ઝરાચવી કહેવાયા. અહીં હિંદુસ્તાનમાં દસેક ફિલ્મોમાં
ગીતો લખ્યા. અભિનેત્રી નાદિરા સાથે લગ્ન કરી ટૂંક સમયમાં તલાક આપ્યા. પછી પાકિસ્તાનમાં કરાચી જઈ વસ્યા. પોતાના મિત્ર સંગીતકાર નાશાદને પણ સમજાવી – બુઝાવી ત્યાં બોલાવી લીધા, પોતે નિર્માણ કરેલી ફિલ્મ ‘ મયખાના ‘ માં સંગીત આપવા માટે. એ પહેલાં અહીં ૧૯૫૩ માં ફિલ્મ ‘ નગ્મા ‘ બનાવી જેના શમશાદ બેગમે ગાયેલા અને એમણે લખેલા બે ગીત ‘ બડી મુશ્કિલ સે દિલ કી બેકરારી કો કરાર આયા ‘ અને ‘ કાહે જાદૂ કિયા મુજકો ઈતના બતા જાદૂગર બાલમા ‘ મશહૂર થયા. હિંદી ફિલ્મોની પહેલી કવ્વાલી લેખાતી ‘ આહેં ન ભરી શિકવે ન કિયે ‘ પણ એમનું સર્જન. ‘ મહલ ‘ ૧૯૪૯ ના બધા ગીતો એમની કલમે લખાયા. ‘ આએગા આને વાલા ‘ કોણ ભૂલી શકે ?એમની બે ગઝલો :
મુશ્કિલ હૈ બહોત મુશ્કિલ ચાહત કા ભુલા દેના
આસાન નહીં દિલ કી યે આગ બુઝા દેનાયે ખેલ નહીં લેકિન યે ખેલ હે ઉલફત કા
રોતોં કો હંસા દેના હંસતોં કો રુલા દેનાદિલવાલોં કી દુનિયા મેં હૈ રસ્મ કે જબ કોઈ
આએ તો કદમ લેના જાએ તો દુઆ દેનાઉલઝન હૈ બહોત ફિર ભી હમ તુમકો ન ભૂલેંગે
મુમકિન તો નહીં લેકિન તુમ હમ કો ભુલા દેના ..– ફિલ્મ : મહલ ૧૯૪૯
– લતા
– ખેમચંદ પ્રકાશ
દર્દે દિલ થમ જા ઝરા આંસૂ બહાને દે મુજે
આજ ઈસ તૂફાને ગમ મેં ડૂબ જાને દે મુજેમેરી ઉમ્મીદોં કી દુનિયા લૂટ લી તકદીર ને
દાસ્તાં ઉજડે હુએ દિલ કી સુનાને દે મુજઐ મુહોબત ક્યોં રહે બરબાદ ગમ કી યાદગાર
દિલ મિટા તો દિલ કી દુનિયા ભી મિટાને દે મુજેગમ કે તૂફાં મેં કોઈ ઉમ્મીદ ક્યોં બાકી રહે
હર તમન્ના સાથ લેકર ડૂબ જાને દે મુજે..– ફિલ્મ : ખિલાડી ૧૯૫૦
– લતા
– હંસરાજ બહલ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
સ્ટેશન માસ્ટર (૧૯૪૨)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
હિન્દી ફિલ્મોમાં રેલગીતોનો એક આગવો પ્રકાર છેક શરૂઆતથી રહ્યો છે. ખાસ કરીને સ્ટીમ એન્જિનવાળી ગાડી અમુક ગતિ પકડે એ પછી તે એક ચોક્કસ લય પકડતી. આ લયમાં પણ પ્રાદેશિક શબ્દો લોકો ગોઠવતા. જેમ કે, મારાં મમ્મીએ કહેલું કે એ લોકો એ લયમાં બોલતા, ‘છ છ પૈસે ડબલ ભાડું, ઉતર નહીં તો ધક્કો મારું.’ આ રીતે અન્ય પ્રદેશમાં પણ વિવિધ શબ્દો ગોઠવાયા હશે. હિન્દી ફિલ્મસંગીતમાં આ પ્રકારનો લય પંકજ મલિક અને કમલ દાસગુપ્તા જેવા બંગાળી સંગીતકારો દ્વારા લોકપ્રિય બન્યો એમ કહી શકાય. ૧૯૪૧માં રજૂઆત પામેલી ફિલ્મ ‘ડૉક્ટર’માં પંકજ મલિક દ્વારા ગવાયેલું ગીત ‘આઈ બહાર આજ આઈ બહાર’ ટ્રેનના લયની સાથે જ આગળ વધે છે. એ પછીના વરસે આવેલી ‘જવાબ’ ફિલ્મમાં કાનન દેવીના સ્વરે ગવાયેલું ગીત ‘તૂફાન મેલ’ કદાચ તમામ રેલગીતોમાં મને અને મારા જેવા અનેકને સર્વશ્રેષ્ઠ જણાયું છે. સંગીતકાર કમલ દાસગુપ્તાએ તેમાં જે કમાલ દેખાડી છે એનો જોટો આજે પણ નથી. પછીના અરસામાં ઘણાં આવાં ગીતો આવ્યાં, પણ એમાં ટ્રેનના લયનો ઉપયોગ માત્ર એકાદ પીસ પૂરતો થયેલો સાંભળવા મળ્યો. ૧૯૬૯માં રજૂ થયેલી‘આરાધના’ના ગીત ‘મેરે સપનોં કી રાની કબ આયેગી તૂ’ના આરંભે તેમજ અંતરામાં ટ્રેનના લયનું સંગીત છે. ૧૯૭૪ની ‘અજનબી’માં રાહુલ દેવ બર્મને ‘હમ દોનોં દો પ્રેમી દુનિયા છોડ ચલે’માં શરૂઆતમાં અને વચ્ચે તેનો ઉપયોગ કરેલો, તો ૧૯૭૮ની ‘તુમ્હારી કસમ’માં રાજેશ રોશને ‘હમ દોનોં મિલ કે, કાગઝ પે દિલ કે’ના છેલ્લા અંતરામાં ટ્રેનનો લય મૂક્યો હતો. ૧૯૮૨માં રજૂઆત પામેલી ‘હથકડી’ના ગીત ‘ડિસ્કો સ્ટેશન, ડિસ્કો’માં બપ્પી લાહિરીએ પણ આરંભે અને વચ્ચે ટ્રેનનો લય મૂક્યો હતો. આવાં બીજાં ઘણાં ગીતો હશે.
જીવનને ટ્રેનની સફર સાથે સરખાવતાં ગીતો પણ ઘણાં છે.

૧૯૪૨માં રજૂઆત પામેલી ‘સ્ટેશન માસ્ટર’ ફિલ્મના ટાઈટલ સોન્ગ વિશે અહીં વાત કરીએ.
સંગીતકાર નૌશાદની આગવી શૈલી ઊભી થઈ એ અગાઉ તેમની શરૂઆતની દસેક ફિલ્મોમાં હજી શૈલી ઉભરી રહી હતી. એ ગાળાની પ્રેમનગર, કંચન, દર્શન, માલા, નઈ દુનિયા, શારદા, સ્ટેશન માસ્ટર, કાનૂન જેવી ૧૯૪૦થી ૧૯૪૫ના ગાળાની ફિલ્મોમાં એક જુદા જ નૌશાદ સાંભળવા મળે છે.

નેશનલ રેકોર્ડ્સ કંપનીની ‘સ્ટેશન માસ્ટર’ અને અને બીજી બે ફિલ્મોની રેકોર્ડ્સની જાહેરાત પ્રકાશ પિક્ચર્સ નિર્મિત, સી.એમ.લુહાર દિગ્દર્શીત ‘સ્ટેશન માસ્ટર’ એ સમયની અનેક ફિલ્મોની જેમ સંગીતપ્રધાન ફિલ્મ હતી. તેમાં બધું મળીને બાર ગીતો હતાં, જે પં. ઈન્દ્ર, પી.એલ.સંતોષી, ચતુર્વેદી અને બી.આર.શર્મા વચ્ચે વહેંચાયેલાં હતાં.
આ ફિલ્મમાં સુરૈયાએ બાળ કલાકાર તરીકે અભિનય કર્યો હતો તેમજ ગીત પણ ગાયાં હતાં.
‘સાજન ઘર આયે‘ (રાજકુમારી, સુરૈયા, સાથીઓ), ‘ચલો ચલો રી સખી મધુબન મેં‘ (રાજકુમારી, સુરૈયા, સાથીઓ), ‘યે રેલ હમારે ઘર કી‘ (રાજકુમારી, પ્રેમ અદીબ, સાથીઓ), ‘અરે રાજા બડે જતન સે સીંચૂં‘, ‘બરસ ગઈ રામ બદરિયા કારી‘ જેવાં ગીતો સંતોષીએ લખેલાં હતાં. ‘મોરે પરદેસી સજન‘ ચતુર્વેદી દ્વારા લખાયું હતું. ‘કિસ આસ સે દિન કાટે‘ અને ‘ઈસ પ્યાર ને રાહત સે બેગાના બના ડાલા‘ શર્માએ લખેલાં હતાં. આ સિવાયનાં ચાર ગીતો પં. ઈન્દ્ર દ્વારા લખાયાં હતાં. એ ગીતો હતાં ‘બાબા ચૌકલેટ લાયે‘, ‘કભી હિમ્મત ન હાર બંદે‘, ‘બન્ની તેરા ઝૂલા હૈ અનમોલ‘ અને ‘કાયા કી રેલ નિરાલી’.
આ પૈકી ‘કાયા કી રેલ નિરાલી’ કોરસ ગીત હતું. આ ગીત લગભગ ટ્રેનના લયમાં સંગીતબદ્ધ કરેલું છે. તેના શબ્દો આ મુજબ હતા.
काया की रेल निराली,
काया की रेल निराली,
कर जायेगी स्टेशन खाली
रेल निराली, रेल निराली
कर जायेगी स्टेशन खाली,खाली,खालीरेल निराली, रेल निराली
काया की रेल निराली,
जा झटपट टिकट कटा ले,
जा झटपट टिकट कटा ले,
ये रेल नहीं रुकने की,
ये रेल नहीं रुकने की,
बिस्तर सामान उठा ले,ये रेल नहीं रुकने की,
ईन्जन ने सीटी दे डाली
रेल निराली, रेल निराली
काया की रेल निराली,
टिकटबाबु ने टिकट दे दिये,
पलने के सब टके ले लिये,
टिकटबाबु ने टिकट दे दिये,
पलने के सब टके ले लिये,संभल संभल कर चल रे मुसाफिर,
संभल संभल कर चल रे मुसाफिर,
दूर है तेरा गांव, हांआ..
दूर है तेरा गांव, हांआ…
उंचानीचा पलेटफारम, कहीं न फिसले पांव
उंचानीचा पलेटफारम, कहीं न फिसले पांव
तेरे संग है गौनेवाली
रेल निराली, रेल निराली,
काया की रेल निराली…
काया की रेल निराली…આ ગીતનો બીજો હિસ્સો ફિલ્મના અંત ભાગમાં છે, જેના શબ્દો આ મુજબ છે. ફિલ્મના અંત ભાગે 2.34.51થી છેક અંત સુધી તે સાંભળી શકાશે.
चली रेल, सब चले मुसाफिर
चली रेल, सब चले मुसाफिर
रह गये स्टेशनबाबू,
रह गये स्टेशनबाबू,
रह गया स्टेशन खाली,
रह गया स्टेशन खाली,
चली रेल, सब चले मुसाफिर
चली रेल, सब चले मुसाफिररह गये स्टेशनबाबू,
रह गये स्टेशनबाबू,
रह गया स्टेशन खाली,
रह गया स्टेशन खाली,
लो चली रेल मतवाली,
रेल निराली, रेल निराली,
काया की रेल निराली…
काया की रेल निराली…रेल निराली….
અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં 0.30થી 3.04 સુધી આ ગીત સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
હોય જો ખુલ્લાં આંખ કાન તો મળે સર્વેથી સાનભાન
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
બધી જ બાબતોમાં આપણે જાણકાર હોઇએ એવું તો ઓછું બને. પણ જો આપણા આંખ-કાન ખુલ્લાં હોય, જિજ્ઞાસાભર્યા હોય તો ઘણીએવાર આપણી આંખો એવું કોઇ દ્રશ્ય પકડી પાડે અને આપણા કાન એવી કોઇ વાત સાંભળી જાય જે આપણા માટે સાવ નવી હોય, છતાં આપણા જ્ઞાનમાં ઉમેરો કરનારી બની જાય છે. જીવનમાં આપણને સૌ કોઇને આવા નાનામોટા પ્રસંગો જોવા-સાંભળવા મળ્યા જ કરતા હોય છે. અને આપણું વિચારતંત્ર જાગૃત હોય તો આપણા જ્ઞાનમાં ઉમેરો થયા કરતો હોય છે.
હું રહ્યો ખેડૂતજીવ ! એટલે ખેતી વ્યવસાયમાં ઉપયોગી થાય એવા કેટલાક નિરીક્ષણોથી મળેલા ઉકેલોની વાત કરું તો…….
[1] બાળકો ગુરુ બન્યાં : વાત છે 1980-82 ના ગાળાની. સૌરાષ્ટ્રમાં ગોલા-ઉમરાન કલમીબોર ઉગાડવાનો વાયરો ફુંકાએલો. અનુભવ નહીં છતાં પંચવટીબાગમાં બોરની કલમો બનાવવા અમે નર્સરી શરુ કરેલી. પ્લાસ્ટિકની થેલીઓમાં માટી ભરી બિયાં ઉગાડવાનું કામ ચાલે. એક જણ બે હાથે થેલીનું મોઢું પહોળું કરી રાખે અને બીજો જણ ખોબા વચાળેથી માટીની ધાર કરી થેલીમાં ભરે. જણ બે રોકાય છતાં ધાર્યું કામ ઉકલે નહીં. અમારા મુંઝારાનો કોઇ પાર નહીં. ઉપાય સૂઝે નહીં, કરવું શું ?
અમારું કુટુમ્બ સયુંક્તકુટુંબ [29 જણનું], બાળકોની સંખ્યાયે ઘણી. ઉનાળાનું વેકેશન. બાળકો બધાં આખોદિ’ અમારી સાથે વાડીએ જ હોય. વાડીમાં થઈ રહેલું નર્સરીનું કામ જોઇ તેઓએ પણ દૂર લીમડાને છાંયડે નર્સરી-નર્સરીની રમત આદરેલી. એ બધા અંદરોઅંદર ઝઘડતા તો નથીને એ જોવા હું એ બાજુ ગયો, ને જોયું તો તેઓ પણ થેલીઓમાં માટી ભરવાનું જ કામ કરી રહ્યા હતાં. પણ આ શું ? અહીં તો બધા અમારી જેમ બેબે જણ ભેગા મળી થેલીઓમાં માટી ભરવાને બદલે સ્વતંત્રરીતે જ દરેક જણ થેલીઓ ભરી રહ્યા છે ! દૂર ઊભા ઊભા મેં નિરીક્ષણ કર્યું તો ખ્યાલ આવ્યો કે તેઓની બાજુમાં પડેલ દેશી નળિયાના ઢગલામાંથી [દેશી નળિયાનો એક છેડો થોડો સાંકડો અને બીજો છેડો જરા પહોળો હોય] એકેક નળિયું ઉપાડી લાવી, સાંકડો છેડો થેલીના મોઢામાં ભરાવી, પહોળા ભાગને માટીના ઢગલામાં એવો ધક્કો મારી દબાવે કે નળિયું આખું માટીથી ભરાઈ જાય, પછી નળિયું ઊંચું કરી દે ત્યાં નળિયાં માહ્યલી માટી આપોઆપ થેલીમાં સરકી રહે ! હું તો ઘડીભર જોઇ જ રહ્યો ! પછી તો બધા મજૂરને એક એક નળિયું આપી બાળકોની પદ્ધત્તિથી સ્વતંત્રરીતે થેલીઓ ભરતા કર્યા. અને સુરત નાનાભાઇને ફોન કરી તળિયા વિનાના પ્યાલા હોય તેવા પૂંઠાના બોબીન મગાવી લીધાં અને નર્સરીનું કામ સરળ બન્યું. કહેવાનો ભાવાર્થ એ છે કે જે યુક્તિ અમને નહોતી સૂઝી તે બાળકોની બુદ્ધિએ અમને સુઝાડી, કહોને એ બાબતે બાળકો અમારા ગુરુ બની રહ્યાં !
[2] સૂર્યમુખીનું ખળું લેવાની રીત જડી : ઘણા વરસો પહેલાં અમે સૂર્યમુખીનું વાવેતર કરેલું. પાક બહુ સરસ થયેલો. મોટા થાળી થાળી જેવડા ફૂલ અને એમાં દાણા પણ ભરાયા ભરચક ! બિયાં પરિપક્વ થતાં લણી લણી નાખ્યાં ખળામાં અને સૂકાયા પછી લીધા ડંડા, ને માંડ્યા ધોકાવવા ! થાળીના ટુકડે ટુકડા થઈ જાય પણ અંદરથી બિયાં છૂટા પડવાનું નામ ન લે ! મીણ ભણી ગયા સૂર્યમુખીનું ખળું લેવા બાબતે. “આ પાક ક્યારેય ન ઉગાડવો” એવું નીમ લઈ લીધું જાણોને !
રવિપૂરામાં “ભાઇકાકા કૃષિકેંદ્ર” ખાતે સર્વદમનભાઇને ત્યાં કપીલભાઇ શાહ સાથે એક સેમિનારમાં જવાનું થયું.ત્યાં સૂર્યમુખીનું મોટું વાવેતર જોયુ. અરે ! એનું ખળું લેવાની કામગીરી પણ ચાલુ હોવાથી એ વિધિ ત્યાં જે પ્રત્યક્ષરૂપે જોવા મળી એની વાત કરું તો બેત્રણ જણા સૂર્યમુખીના પાકા પાકા ફુમકા લણી લણી લાવ્યે રાખતા હતા અને બાકીના બધા એ લીલેલીલા ફુમકામાંથી હાથની આંગળીઓ વડે વહાલથી પંપાળતા હોય એમ જ સહેજસાજ ભીંસ આપી બિયાં ફટાફટ જુદા પાડી રહ્યા હતા. માનો પંપાળીને કામ થતું હોય તે મારામારીથી નથી થતું ! અમારી જેમ ફુમકાને નહીં સુકવવાના કે નહીં ધોકાવવાના ! ખરું કહેવાય ! આ તો સાવ સહેલું- “સસ્તુ ભાડું ને સિદ્ધપૂરની જાત્રા !” કહ્યું છેને કે “અજાણ્યું ને આંધળું બેય સરખા” તે આનું જ નામ ! સર્વદમનભાઇની વાડીએથી સૂર્યમુખીનું ખળું લેવાની સાવ સરળ રીત જાણી.
[3] ફળઝાડની ડાળીઓને નીચે બાંધી રાખવી લાભદાયી : ઇઝ્રાયલના પ્રવાસમાં ઘણાબધા ફળબાગના વૃક્ષો જોવાનું થયેલું. આંબા,પેર, સફરજન, દાડમ જેવા ફળવૃક્ષોને ટુંકા અંતરે રોપી, તેને સમયે સમયે પ્રુનિંગ કરતા રહી, નાનાં રાખી, એકંદર વિઘાદીઠ વધુ ઉત્પાદન લેવાની અહીં અમલમાં મૂકાએલ પદ્ધતિથી તો વાકેફ હતા જ, પણ હજુ સુધી નહોતું જોયું તેવું અહીં એ જોવા મળ્યું કે દરેક વૃક્ષના થડથી મીટરની દૂરી પર ફરતા ફરતા લોખંડના ચાર ચાર ખુંટા ખોડેલા જોયા, અને ફળવૃક્ષને પ્રુનિંગ કર્યા પછી ફૂટી નીકળેલી કુણી તીરખીઓને દોરીથી બાંધી, નીચી વાળી, લોખંડના ખુંટા સાથે બાંધી દીધેલી જોઇ ! મનમાં થયું, અરે ! આવું શુંકામ ? પૂછતા ઉત્તર મળ્યો કે “ આ રીતે નીચી રાખેલી ડાળીઓમાં જે ફળો લાગે છે તે ઊંચેરી ડાળીઓમાં લાગેલા ફળોની સરખામણીએ કદમાં મોટાં અને ગુણવત્તામાં વધુ સારા હોય છે”, લ્યો કરો વાત ! મિત્રો ! આપણે તો ઝાડવાની નીચે નમેલી ડાળીઓ “નડતરરૂપ છે” કહી, કાપી નાખી, ઝાડવાને વધુ ઊંચું બનાવવાની મહેનતમાં હોઇએ છીએ ! ઇઝ્રાયલ અને આપણી વચ્ચે ખેતીની સમજ બાબતે કેટલો બધો ફરક ?
[4] મૂળિયાંને ડ્રીપરમાં ઘૂસવાની મનાઈ ! : ઇઝ્રાયલમાં કીબુત્ઝના બગીચાઓમાં બદામ, સફરજન, પેર, દાડમ જેવા બધાં વૃક્ષો જોયા લીલાછંમ અને ફાલથી ભાળ્યા લથબથ ! પણ પિયત માટેની કોઇ ધોરિયા-ખામણા કે ડ્રીપની લેટરલ સુદ્ધાં નજરે નહીં ચડતાં અમે પૂછી બેઠા કે “ શું ? તમારે ત્યાં તળના પાણી જ એટલાં ઉપર છે કે જેથી વૃક્ષોનાં મૂળિયાં આપમેળે જ પાણી મેળવી લે છે ?” જવાબ મળ્યો, “ના, એવું નથી, પણ દરેક ઝાડના થડથી એક મીટરની દૂરી પર બન્ને બાજુ એક એક લેટરલ જમીનમાં 6 ઇંચ ઊંડે દબાવીને રાખેલી હોય છે, એના દ્વારા અમે પિયત આપીએ છીએ” તરત જ મેં કહ્યું “અરે ભૈલા ! એમ કરવાથી તો ડ્રીપરોમાં પાકના મૂળિયાં ઘૂસી જઈ, ડ્રીપરને જામ કરી દે છે એવો અનુભવ અમને છે.” મારી વાત સાંભળી એમણે શું જવાબ આપ્યો કહું ? એણે કહ્યું,” એ બધું તમારે ત્યાં ઇંડિયામાં થઈ શકે, આ ઇઝ્રાયલ છે ઇઝ્રાયલ ! અહીં મૂળિયાંઓને ડ્રીપરથી 6 ઇંચ દૂર જ રહેવું પડે !” પછી એમણે ચોખ કર્યો કે અમે પાણી સાથે એવું રસાયણ [જેની ભારતમાં છૂટ નથી} ભેળવીએ છીએ કે મૂળિયાં એનાથી દૂર જ રહે ! અને હવે તો એવા ફીલ્ટરની શોધ થઈ ગઈ છે કે એમાંથી પસાર થયેલ પાણીવાળા ડ્રીપરોથી મૂળિયાં થોડા છેટાં જ રહે. છે ને ઇઝ્રાયલની કમાલ !
[5] મગફળીના પાકને પ્લાસ્ટિકનું ઢાંકણ ? બેડ પર પ્લાસ્ટિક પાથરી તરબૂચની ખેતી થતી હોય કે પપૈયા-કેળ જેવા પાકની ખેતી પ્લાસ્ટિકનું આવરણ કર્યા પછી કરાતી હોય તેવું સાંભળ્યું અને જોયું પણ હતું. પણ “મગફળી” ની ખેતી કંઇ પ્લાસ્ટિકના મલ્ચિંગ થકી થોડી કરી શકાય ? અન્ય પાકોને તો એનાં મૂળિયાં ઉપર પ્લાસ્ટિક ઢંકાઇ રહેતું હોય, એ એને લાભકારી હોય.પણ મગફળી પાકમાં તો છોડવાની ડાળીઓમાંથી સૂયાને ઉતરી જમીનમાં જવાનું હોય ! ડાળી અને જમીન વચ્ચે પ્લાસ્ટિકનું પડ આવી જાય તો પ્લાસ્ટિક સોંસરવા સૂયા જમીનમાં જાય શી રીતે ? પ્રશ્નનો જવાબ જડતો નહોતો.
પણ ચીનના પ્રવાસ દરમ્યાન જાણ્યું કે બેડ પર સાવ પાતળું 5-6 માઇક્રોનનું પાણી કલરના પ્લાસ્ટિકનું મચિંગ કરી ઊભડી મગફળી ઊગાડાય છે અને આપણા નાના 16 ગુંઠાના વિઘે 40-50 મણ નહીં, 70 અને 75 મણ તો અવળી અંટીએ ઉતરી પડે છે એ અમે ચીનમાં રૂબરુ જઈને જોયું છે, મગફળીના ઊભા પ્લોટમાંથી એક ગુંઠો જમીન માપી, તેમાં ઊભેલ છોડવા જાતે ખેંચી, એનાં ડોડવા અલગ કરી, એનું વજન કરી, બરાબરનું ગણિત કરી- ઉતારો કાઢ્યા પછી આ વાત કરી રહ્યો છું. આટલું જાણ્યા પછી તો પંચવટીબાગમાં અને અન્ય ઘણા ખેડૂતોની વાડીઓમાં આ પ્રયોગ કરી જોયા અને આ પદ્ધત્તિથી ઉત્તમ પરિણામો મેળવી શકાય છે એ સાબિત થયું. કહો, ચીન પાસેથી મગફળીની ઉત્તમ ખેતી પદ્ધત્તિ જાણવા મળી જ ને !
[6] ઝાડવું એક પણ થડિયાં અનેક ! ; હિરાભાઇ કરમટા [મો.63531 44074] મારા મિત્ર. એકવાર વેરાવળ બાજુની એની વાડીએ જવાનું થયું. ચીકુડીનું મોટું પ્લાંટેશન. ઘેઘૂર ઝાડવાઓને ફળોએ લટરલૂમ જોઇ હૈયું હરખાઇ રહ્યું. આવા સરસ ઝાડ અને આટલાં બધાં ફળોની ઠાંહણી ? ઝાડવાઓને શી શી માવજત આપી છે એ બાબતે વાતચીત કરતા મારું ધ્યાન બાજુની ચીકુડીના ખામણાં બાજુ ગયું. વાતચીત બંધ થઈ ગઈ અને નજર ખોડાઇ ગઈ એ ઝાડવાની નીચે જ ! આ શું ? વડલાને વડવાઇઓ હોય, એ વડવાઇઓ લોંઠકી બની થડ જેવો ટેકો પૂરતી હોય એવું તો જોયું છે,, પણ ચીકુડીના ઝાડવાને કંઇ વડવાઇઓ હોય ? આ કોઇ ચીકુની નવી જાત વાવી છે કે શું ? હું તો જોઇ જ રહ્યો, એક ચીકુડીની નીચે, બીજીની નીચે, ત્રીજી-ચોથી અરે, અરે આ શું ? જ્યાં નજર ફરે ત્યાં દરેક ચીકુડીને ત્રણ ત્રણ કે ચચ્ચાર થડિયાં ભળાઇ રહ્યાં છે ! હું તો તખત પામી ગયો. ખરું કહેવાય ભાઇ ! ઝાડવું એક અને થડિયાં અનેક !
હીરાભાઇને પૂછતાં ખ્યાલ આવ્યો કે હા, ગણતરી પૂર્વક એમના મોટાભાઇએ ચીકુના ઝાડને વધુ પોષણ પૂરું પાડવા ઝાડની નીચે રાયણના પઠ્ઠા ઉછેરી, ચીકુની ડાળી સાથે ભેટકલમ કરી, ઝાડવાને વધારે થડિયાંની ભેટ ધરી, વધારે તંદુરસ્તી બક્ષી, અઢળક ઉત્પાદન આપવા સક્ષમ બનાવ્યાં છે. એક દ્રષ્ટિવંત ખેડૂતની કોઠાસૂઝ કેવું સરસ પરિણામ લાવી શકે છે તે અહીં જાણ્યું.
[7] ખભાની ભેરુ કેડને બનાવી : એ તો હવે મોલાતમાં દવા છંટકાવના બેટરીવાળા પંપ આવી ગયા એટલે છાંટનારના ખભાને ઓછું આલ પડે છે. બાકી જ્યારે પંપને હેંડલ મારવાના થાય ત્યારે ખભાને બે બાજુનો માર પડતો હોય છે. એક તો 16 લીટર અંદર ભરેલ પ્રવાહીનું વજન ઉપાડવાનો ભાર અને બીજું હેંડલ ઉંચું-નીચું કરવામાં લાગતા ઝટકાનું દબાણ ! છાંટનારના ખભા એન એન દુખી જતા હોય છે એવો અનુભવ સૌની સાથે મારો પણ છે જ.
આમાંથી ઉગરવા પંપ પર પીઠ સાથે લાગનાર ભાગ સાથે પોચી ગાદી અને ખભાના પટ્ટા પર પણ ગાદીના આવરણ જેવા પ્રયત્નો પંપ-કંપનીઓએ કરી જોયા છે, પણ એમાં ખાસ ફાયદો ખભાને થયો નથી. આ ખભા દુ;ખવાનો વહમો અનુભવ તો મને પણ છે જ. હુંયે વિચાર્યા જ કરતો હતો કે શું કર્યું હોય તો આમાં રાહત થાય ? મુંઝવણને સંશોધનની માતા કહી છેને ! એક વિચાર એવો આવ્યો કે ખભા સિવાય શરીરનું બીજું કોઇ અંગ ખરું કે જે આ દુ;ખમાં ભાગ પડાવી શકે ? મારું ધ્યાન કેડ [કમર] બાજુ ગયું. પ્રયોગ આરંભ્યો. મેં એક ફાળિયું વળ દઈ ટાઇટફીટ રીતે કેડે વિંટાળ્યું, અને પ્રવાહી ભરેલ પંપના પટ્ટા ખભે ભરાવી, પંપનો નીચલો કાંઠો પંપનું વજન કેડે બાંધેલ ભેટ ઉપર આવે એ રીતે ટેકાવી દીધો. અને પછી છંટકાવનું કામ ચાલુ કર્યું, તો ખભાને ઘણી હળવાશ રહી. આખા પંપનું વજન કમરબંધે જ ઊપાડી લીધું-ખભાને તો માત્ર પંપને ટેકાવી રાખવા પૂરતું જ કામ કરવાનું રહે. કામ કરતા કરતા હાથ લાગેલ આ કીમિયો હવે તો અમારી વાડીએ રોજિન્દો વ્યવહાર બની રહ્યો છે.
[8] અને હવે બે અનુભવ ખાણી-પીણી બાબતેના :
[અ] સીતાફળ ખાવાની સરસ રીત જડી : બોર, જાંબુ, દ્રાક્ષ, રાયણ જેવા ફળો સીધા હાથથી મોંમાં મૂકી ખાઈ શકાય. દાડમને દાણાં કાઢી ખવાય. જામફળ, સફરજન જેવાને સુધારી-ચીરીઓ કરી ખવાય અને કેરી જેવા ફળને ઘોળીને રસ કાઢી ખવાય. પણ સીતાફળને ન સીધું મોઢું મારી ખાઇ શકાય, ન તેનો રસ કાઢી શકાય કે ન ચીરીઓ કરી શકાય ! પાછું સીતાફળ ભાવે સૌને બહુ, પણ ખાવામાં આંગળાં બગડે અને ગોબરવેડા થાય તે વધારામાં !
પણ સીતાફળને ખાવાની ઉત્તમ પદ્ધત્તિ અમે નિહાળી ગાલાફાર્મ-દેહરીમાં. ત્યાં અમે મુલાકાતે ગયેલા. તેના માલિકે જે રીતે સીતાફળ ખાધું, અમે એ જોયું અને અમે પણ એ રીતે ખાતા થઈ ગયા એની વાત કરું તો…ફળનું દીટું નીચે રહે તેમ એક હાથમાં ફળ પકડવું. બીજા હાથે ફળની ઉપર ઉપરની પાંચ-છ કળી પરથી છાલ ઉપાડી લેવી. પછીથી સ્ટીલની ચમચી ખુલ્લી કરેલ કળીમાં દબાવી, થોડી પેશીઓ ચમચીમાં લઈ ખાવાનું શરૂ કરવું. એ રીતે ચમચી દ્વારા ફળનું આખું કોચલું હાથમાં રાખી, આખા ફળનો માવો જેમ કપમાંથી આઇસ્ક્રીમ ખાતા હોઇએ એમ હાથ બગાડ્યા વિના લિજ્જતથી ખાઇ શકાશે. કરી જોજો અખતરો ! જામો પડી જાશે.
[બ] “પોષક-કોફી” પોતાની વાડીમાંથી જ મળી ગઇ : ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે ત્યાં મહેમાન આવ્યા હોય અને સ્વાગતમાં “ચા” નથી પીતા એમ કહે તો ? તો આપણે “કોફી”નો આગ્રહ કરતા હોઇએ છીએ. બજારમાંથી જે “કોફી-પદાર્થ” લાવીએ છીએ તેમાં કેટકેટલા રસાયણો ભળેલા હોય છે તેની ખબર આપણને તો હોતી નથી. એટલે એનાથી થતા ફાયદાની વાત તો બાજુ પર રહી-પણ મહેમાનને નુકશાન કેટલું કરશે એ નક્કી નથી. એવી કોફી આપણે પાવી ન હોય તો શું કોફી પાવી જ નહીં ? જરૂર પાવી,પણ કઈ કોફી ? તો સાંભળો…..જે વાસણમાં કોફી બનાવવી હોય તે વાસણને ચૂલા પર મૂકી, તેમાં જેટલા કપ કોફી બનાવવાની ગણતરી હોય તેટલી ચમચી આખેઆખી કાચી મેથી નાખવી. ધીમા તાપે પૂરેપૂરી શેકાવા દીધા પછી એમાં દૂધ ઉમેરી, જોઇતાપૂરતું ગળપણ [ખાંડ]નાખી, બે ઉફાળા આવવા દઈ ગળણીથી ગાળી લઈ, કપ કે રકાબીમાં મહેમાનને પીરસી દેવી.મહેમાનને આ કોફી પીને મજા આવી જશે એની ખાતરી અમે આપીએ છીએ. આ કોફીની વિશેષતા એ છે કે એ આપણી પોતાની વાડીમાં પાકતી, કોઇ પણ ભેળસેળ અને રસાયણમુક્ત, છતાં સાવ સસ્તી અને આરોગ્યવર્ધક-સ્વાદ અને સુગંધમાં સૌને ચડી જાય તેવી આ મેથીની “પોષકકોફી” બનાવી મહેમાનને તો પાજો અને પી જો જો, જામો પડી જાશે !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
-
‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૧લું – વિજ્ઞાન એટલે શું’? – વિજ્ઞાનની પધ્ધતિ – તથ્ય અને તથ્ય વ્યવસ્થાપ્રાપ્તિ
આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.
આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.
સંપાદન મડળ – વેબ ગુર્જરી
તથ્ય પ્રાપ્તિ
વિજ્ઞાનના અંતિમ પરિણામોના સત્યનો મુખ્ય આધાર આ પ્રાથમિક તથ્યની વાસ્તવિકતા ઉપર રહે છે અને તેથી આ કાર્ય ઘણું જ સંભાળથી કરવું પડે છે. વિજ્ઞાનની “ ચોકકસ ” ગણાતી શાખાઓમાં ખગોળવિદ્યા પ્રથમ છેઃ કારણ કે તેનાં તથ્યો હજારો વર્ષોથી નિર્ણિત થતાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યોતિષની દષ્ટિએ ખગોળવિદ્યાનો અભ્યાસ યતો તેથી ગ્રહો અને નક્ષત્રો સિવાય દૂરના તારા સંબંધી મનુષ્યનું જ્ઞાન ઘણું ઓછું હતું. તે જ્ઞાન ચોકસાઇથી મેળવનારા અને આકાશનો નકશો તૈયાર કરનારા ખગોળવેત્તાઓએ વર્ષો સુધી મહેનત કરી છે. ટાઈકોયાહી (૧૫૪૬-૧૬૦૧) નામના ઉમરાવ કુટુંબના એક ખગોળવેત્તાએ પચીસ વરસ સુધી ફક્ત આકાશના તારાઓનું નિરીક્ષણ કરી તેની નોંધ લીધા કરી હતી. તેના ચોક્કસ નિરિક્ષણને લીધે કેપ્લરનું નિયમશોધનનું કામ સરળ થયું હતું. હર્ષલ નામનો ખગોળવેત્તા વર્ષો સુધી આખી રાત તારાની ગતિની દૂરબીનવતી નોંધ કરતો, શ્વાબે નામના એક ખગોળવેત્તાએ સૂર્યમાં દેખાતાં ધાબાં ત્રીસ વરસથી વધુ સમય સુધી રોજ દૂરબીનથી તપાસ્યાં છે, હજુ પણ આકાશ જોવાનું અને નવા તારાઓ નીરખવાનું અને તેમના ચોક્કસ સ્થાનનું નિર્ણય કરવાનું કામ પૂરૂં થયું નથી. સેંકડો વર્ષો પહેલાં શરૂ થયેલું તારાની યાદી બનાવવાનું કામ અખૂટ મહેનત અને શ્રમ ઉઠાવવા છતાં હજુ પણ સમાપ્ત થયું નથી, એ ઉપરથી વિજ્ઞાનની હકીકતો ઉપરથી તથ્યો ઉપજાવવાનું કામ કઠિન છે તેનો ખ્યાલ આવશે.
તથ્યની વ્યવસ્થા
આ પ્રમાણે તથ્યો એકઠાં કર્યા પછી પણ તેમને વર્ગ પાડીને વ્યવસ્થાપૂર્વક ગોઠવવાનું કામ સહેલું નથી. અસંખ્ય હકીકતોને ત્રુટક રીતે એકઠી કરવાથી અને તેમની માત્ર મોટી સંખ્યાથી મનુષ્યની બુદ્ધિ તેમાંથી લાભ ઉઠાવી શકતી નથી. પરંતુ આ ત્રુટક હકીકતોને ક્રમવાર અને વ્યવસ્થાપૂર્વક ગોઠવતાં તેમાથી કાંઈક નિયમ અને વ્યવસ્થાનો ઉદ્ભવ થાય છે ત્યારે જ જ્ઞાનનો ખરો વધારો થાય છે. વિચાર અને વ્યવસ્થા વગર હકીકતો પ્રાપ્ત કરવામાં સમય અને મહેનતનો વ્યય વ્યર્થ જાય છે. નવા પ્રાણીઓની શોધ કરવી, નવા નવાં રાસાયણિક દ્રવ્યો બનાવવાં, ભૂગોળના અજ્ઞાત પ્રદેશોની શોધ અને નોંધ કરવી વગેરે કેવળ તથ્યો એકઠાં કરવાનાં કામ અગત્યનાં છે, પરંતુ આ તથ્યોને જ્યાં સુધી ક્રમવાર અને વ્યવસ્થાપૂર્વક ગોઠવવામાં આવે નહે ત્યાં સુધી તે ઉપયોગી થતાં નથી. કેવળ નવાં તથ્યો શોધવાની જિજ્ઞાસાને બદલે જૂના નિયમોની શોધમાં અને તેમની વાસ્તવિકતાની વધુ સાબિતી મેળવવાને માટે જ પ્રયાસો થવા જોઈએ. નવાં રાસાયનિક દ્રવ્યો ફક્ત શોખને માટે બનાવાતાં નથી. પણ અમુક રાસાયનિક સંયોજન કે બંધારણના નિયમોની વાસ્તવિકતા સિદ્ધ કરવાના હેતુથી જ એ પ્રયોગો કરવામાં આવે છે. નહિ તો પછી હેતુ વગરની એ બધી પ્રવૃત્તિ વ્યર્થ જાય છે, આવી જ રીતે બીજા વિષયોમાં પણ વિજ્ઞાનનાં નવાં તથ્યો અમુક નિયમ કે અમુક વિચારસંહિતાના સમર્થનને માટે શોધવામાં આવે છે. તેવી શોધમાં ઘણીવાર નવી નવી વિચિત્ર ઘટનાઓ પણ મળી આવે છે, અને તે ધટનાઓની વ્યવસ્થાપૂર્વક ગોઠવણ કરવાનું કામ ઘણું અગત્યનું છે. પક્ષીઓના સંચાર સંબંધી તથ્યો એકઠાં કરનાર એક વૈજ્ઞાનિકને તે તથ્યો એકઠાં કરતાં જેટલો સમય લાગ્યો હતો તેના કરતાં વધુ સમય તેમનુ’ પૃથક્કરણ કરીને, તેમને વ્યવસ્થાપૂર્વક ગોઠવવામાં લાગ્યો હતો. એ અને એનાં જેવા અનેક અન્વેષકોનાં દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે.
આ વ્યવસ્થાપૂર્વક વર્ગીકરણનું પ્રયોજન નિયમશોધનનું છે . અસંખ્ય ત્રુટક અને અસંબદ્ધ લાગતાં તથ્યોમાંથી એક નિયમ તારવવો એ ધણા શ્રમનું કાર્ય છે. કેટલાએક પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો પોતાની કલ્પનાર્શાક્તિ ઉપર આધાર રાખીને આ શ્રમ બચાવી લે છે. જડ અ’ધકારમાંથી જેમ બ્રહ્મના ચિતનથી[1] સૃષ્ટિનું સર્જન થયું ગણાય છે, તેવી જ રીતે ત્રુટક અસંખ્ય અને વિવિધ હકીકતોના અંધકારમાંથી વૈજ્ઞાનિકોને ચિતનથી એ હકીકતો સમજાનવનાર નિયમનું ઘણીવાર ઓચિંતુ સ્ફુરણ યાય છે; આ સ્ફુરણમાં કલ્પનાશક્તિ ધણીવાર ઉપયોગી યઈ પડે છે. ન્યૂટનને ગુસ્વાકર્ષણનો નિયમ ઝાડપથી સફરજનને પડતું જોવાથી સ્ફુર્યો હતો એમ કહેવાય છે. ડાર્વિનને ઉત્ક્રાન્તિતાદ માલ્થસના ‘અતિ-પ્રજનન’ એ તિષયના પુસ્તક ઉપરથી સ્ફુર્યો હતો; શક્તિના સંરક્ષણનો નિયમ પણ મેયર નામના દાક્તરને જ્વરમાં દરદીઓના અશુદ્ધ રકતનો અસાધારણ લાલ રંગ જોવાને લીધે સ્ફુર્યો હતો. (ઉષ્ણ પ્રદેશોમાં લોહીનુ’ ભસ્મીકરણ[2] ઓછું થાય છે; તેથી ખોરાક ઓછો લેવાય છે; તેથી ખોરાક અને બળના સંબધ વિષે વિચાર કર્યો હતો.) તે છતાં આવાં સ્ફુરણોમાં કે કેવળ કલ્પનાર્મા સાફલ્ય નથી; ત્રણે દષ્ટાંતોમાં સ્ફુરણા મળ્યા પછી તેમતી કલ્પનાને સિદ્ધ કરતાં એ દરેક અન્વેષકને પંદરથી વીસ વર્ષ લાગ્યાં હતાં, અને એટલાં વર્ષોને અંતે જ તેમણે પોતાના સિદ્ધાન્તો જાહેર કર્યા હતા. એમની કલ્પનાશકિતના કરતાં એમની મહેનત, ખ’ત અને ધીરજ એ વિજ્ઞાનના ઇતિહાસમાં વધારે યાદગાર રહેશે.
હવે પછીના અંશમાં “નિયમશોધન”વિશે વાત કરીશું.
ક્રમશઃ
[1] “Spirit brooding over chaos”
[2] Oxidation
