-
મે દિન પૂછે છે: કામદારોની હાલત બહેતર કે બદતર ?
નિસબત
ચંદુ મહેરિયા
દુનિયાભરના મહેનતકશો આજે તેમના સંઘર્ષની સ્મૃતિ તાજી કરતો અને નવા સંઘર્ષની તૈયારી કરતો મે દિન ઉજવાઈ ગયો.. ઈન્ટર નેશનલ લેબર ડે, મજૂર દિન, શ્રમિક દિન, કામદાર દિવસ કે વર્કર ડે જેવા નામે ઓળખાતો આ દિવસ શ્રમિકોના બલિદાન અને યોગદાનના સ્મરણોનો દિવસ છે. કામદારોના સન્માન સાથે તેમના અધિકારો માટે અવાજ ઉઠાવવાનો આ દિવસ છે. કામદારોમાં ટ્રેડ યુનિયન પરંપરા અને આંદોલનોને કારણે વિકસેલી વર્ગ ચેતનાને દ્રઢાવવાના સંકલ્પનો આ દિવસ છે. મજદૂરોના અધિકારો માટેની જાગૃતિનો આ દિવસ છે. વિશ્વના કરોડો કામદારોના મહેનત, દ્રઢ નિશ્ચય અને ઉજળી આવતીકાલના સપનાં સજાવવાનો આ દિવસ છે. યોગ્ય અને સમાન વેતન(ગાંધીજીના શબ્દોમાં જીવન યોગ્ય દરમાયો) , કામની સલામત સ્થિતિ,કામના કલાકો જેવી અનેક માંગ અને હક માટે અદાલતો અને સરકારો સામે લડવા, સમાજમાં કામદારોની સ્થિતિ મજબૂત કરવાનો તેમજ દુનિયા કે મજદૂર એક હો નો નારો બુલંદ કરવાનો પણ આ દિવસ છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી કામદારોના લોહી પરસેવાની કોઈ પણ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા છે. પરંતુ ખુદ કામદારોની હાલત દયનીય છે. અમેરિકા જેવા મૂડીવાદી દેશ પાસે જે સમૃધ્ધિ , સત્તા અને શક્તિ છે તેના પાયામાં મજૂરોનો પસીનો છે. ઔધ્યોગિક ક્રાંતિએ દુનિયામાં ઘણા પરિવર્તનો આણ્યા છે પરંતુ તે કામદારોના શોષણ પર વિસ્તરી હતી તે ભૂલાઈ ગયું છે. લોઢા સાથે બાથો ભરતા શ્રમિકોને આંતેડા ઘોઘરે આવે ત્યાં સુધી મજૂરી કરવી પડતી હતી. તેમના કામના કલાકો નિશ્ચિત નહોતા. પંદર થી અઢાર કલાક સુધી કામ કરતા મજૂરોએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. અમેરિકા અને કેનેડાના કામદારોએ પહેલી મે ૧૮૮૬ના રોજ કામના મહત્તમ આઠ જ કલાકની માંગણી માટે હડતાળ પાડી હતી. આ હડતાળ લોહિયાળ બનતાં, કામદારો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો. ગોળીબારમાં કામદારો મરાયા ને ઘણાં ઘવાયા હતા. તેના ત્રણ વરસ પછી ૧૮૮૯માં પેરિસમાં મળેલી ઈન્ટર નેશનલ સોશ્યાલિસ્ટ કોન્ફરન્સમાં અમેરિકાના કામદારોની પહેલી મે ની હડતાળની યાદમાં દર વરસે પહેલી મે નો દિવસ વિશ્વ મજૂર દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું. આજે તો એ ઘટનાને ૧૩૫ વરસ થયા પરંતુ હજુ કામદારોનું શોષણ અને તેની વિરુધ્ધના આંદોલનો ચાલે છે એટલે લગભગ આખી દુનિયામાં કામદાર દિવસ મનાવાય છે.
ભારતમાં ૧૯૨૩માં પહેલવહેલો મજૂર દિન ચેન્નઈમાં ઉજવાયો હતો. તેને પણ હવે સો વરસ વીતી ગયાં છે .જોકે હજુ દેશના મહેનતકશોની હાલત તો બદતર જ છે. ભારત સરકારના શ્રમ મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં ૪૮ કરોડ શ્રમિકો હોવાનો અંદાજ છે. તે પૈકીના મોટા ભાગના (૯૦ ટકા) અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. કૃષિમાં ૪૨ ટકા, સેવા ક્ષેત્રમાં ૩૨ ટકા અને ઉધ્ધોગોમાં ૨૬ ટકા કામદારો કામ કરે છે. વિશ્વના જે દસ દેશોના કામદારો સૌથી વધુ કલાક કામ કરે છે તેમાં ભારત સાતમા ક્રમે છે.ભારતીય શ્રમિક અઠવાડિયે ૪૭.૭ કલાક કામ કરે છે.
કામદાર કલ્યાણના કાયદા આઝાદી પછી તુરત જ ઘડાયા હતા અને કામદાર સંગઠનો તો આઝાદી પૂર્વે જ રચાયા હતા. પરંતુ કામદારોનું શોષણ સંપૂર્ણ અટક્યું નથી. કામનું યોગ્ય વેતન અને કામના કલાકોની બાબતમાં આજે પણ શોષણ થાય છે. લધુતમ વેતનના કાયદા છતાં આજેય ભારતીય શ્રમિક મહિને સરેરાશ રૂ. ૧૦,૦૦૦ જ કમાય છે. જે લઘુતમ વેતનથી ઓછા છે. કેન્દ્રીય કર્મચારીઓ માટેના સાતમા વેતન આયોગે ૨૦૧૬માં કર્મચારીઓનું લઘુતમ વેતન રૂ. ૧૮,૦૦૦ નક્કી કર્યું હતું પરંતુ અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેનાથી અડધું ય મળતું નથી. હવે તો સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્ર વગેરેમાં રોજમદારો અને કોન્ટ્રાકટ મજૂરોની પ્રથા ચાલે છે જેમાં તેમનું મોટાપાયે શોષણ થાય છે.
ભારતમાં નિયમિત વેતન મેળવતા કામદારો તો ૨૩ ટકા જ છે. કુલ કામદારોના ચોથા ભાગના રોજમદારો છે. ૭૧ ટકા કામદારોને તેમના કામ કે નોકરીનો કોઈ લેખિત ઓર્ડર આપવામાં આવ્યો નથી.૫૪ ટકાને સવેતન અઠવાડિક રજા મળતી નથી. કુલ કામદારોના ૫૭ ટકા ગ્રામીણ વિસ્તારોમાં છે. બાળ મજૂરી અને વેઠિયા મજૂરી નાબૂદ થવાના અણસાર વર્તાતા નથી. જ્ઞાતિગત વ્યવસાયોની પરંપરા મટવાની જણાતી નથી. સ્ત્રી-પુરુષને સમાન કામનું સમાન વેતન મળતું નથી. કામના સ્થળ સલામત નથી. વ્યવસાયિક જોખમ અને અસલામત કામના લીધે રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય છે અને મજૂરો મરે છે. દેશમાં ઔધ્યોગિક શાંતિના છદ્માવરણ તળે કામદારોનું શોષણ દટાયેલું રહે છે.
સ્થળાંતર એ ભારતીય કામદારની જાણે કે નિયતિ છે. સ્થળાંતરિત કે પ્રવાસી મજૂરોની હાલત કેવી બદતર છે તેનો પરિચય દેશ અને દુનિયાને કોરોના મહામારીના લોકડાઉનના ગાળામાં થયો હતો. ભારતમાં મજૂરોની સ્થિતિ બહેતર થઈ રહ્યાના જે નગારા પિટાતા હતા તેની વાસ્તવિકતાનો પરચો આપણને કોરોનાકાળમાં થઈ ચૂક્યો છે. એટલે શ્રમ કાયદાઓને સાંકળતી ચાર શ્રમ સંહિતાઓથી કામદારોનું દળદર ફિટવાનું નથી.
૧૯૯૧ થી અમલી નવી અર્થનીતિએ પણ કામદારોની સ્થિતિને બદતર બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. વિદેશી મૂડીરોકાણને આકર્ષવા ઔધોગિક શાંતિ જરૂરી હોવાના જાપ જપતાં દેશના કામદાર આંદોલનોનો કાંકરો કાઢી નાંખવામાં આવ્યો છે. લેબર કાયદા અને કામદાર યુનિયનોને તેમાં મુખ્ય અંતરાય માની તેને અપ્રસ્તુત કરવાના ખેલ ખેલાયા છે. ભારતના જાહેર ક્ષેત્રના ગુણગાન ગાનારા તેનું સર્જન ખરેખર તો ખાનગી ક્ષેત્રને સહાયરૂપ થવાના આશયથી થયું હતું તે સત્ય છૂપાવી રાખે છે. ખાનગી ઉધોગોને આયાત કરવી પડે તેવા યંત્રોનું અને બીજું ઉત્પાદન જાહેર ક્ષેત્રે કરીને ખરેખર તો ખાનગી ક્ષેત્રને સરકારી મદદ આપી છે. નવી અર્થનીતિ અને ઉદારીકરણે કામદારોનું અહિત કરનારા નિર્ણયો લઈને સમાજવાદી શ્રમ કાયદા ધરાવતા દેશને મૂડીવાદી બનાવી દીધો છે. ૨૦૦૦ થી ૨૦૧૮ દરમિયાન ભારતના ઉધ્યોગપતિઓનો નફાનો ભાગ ૧૭ ટકા થી વધીને ૪૮ ટકે પહોંચ્યો હતો પણ મજૂરીનો હિસ્સો ૩૩ ટકે થી ઘટીને ૧૭ ટકા થઈ ગયો હતો. આવી બદતર હાલતમાં મજૂર આંદોલનો અને તેની તીવ્રતા ઘટ્યાં છે. હડતાળઓમાં વેડફાયેલા માનવદિવસો અને માલિક-મજૂર વિવાદના કેસોમાં ઘટાડો તેનું પ્રમાણ છે.
આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસે ભલે હમ એક હૈ ના નારા બોલાવાય પણ કામદારોની જ્ઞાતિ સભાનતા વર્ગચેતના આણી શકતી નથી. દેશમાં ૭૦,૦૦૦ મજૂર મંડળોનું હોવું કે રાજકીય પક્ષો અને વિચારધારા સાથે જોડાયેલા દસ મોટા કેન્દ્રીય મજૂર સંગઠનોનું હોવું કામદાર એકતા દર્શાવતા નથી. જે અમેરિકાના શિકોગાના મજૂરોની હડતાળની યાદમાં અને અમેરિકી શ્રમિકોની સામાજિક આર્થિક ઉપલબ્ધિઓની યાદમાં દુનિયાભરમાં પહેલી મે ના રોજ મજદૂર દિન મનાવાય છે તે અમેરિકામાં કામદાર દિન દર વરસના સપ્ટેમ્બર મહિનાના પહેલા સોમવારે મનાવાય છે! ભારતમાં ડાબેરી મજૂર સંગઠ્નો પહેલી મે ના મજૂર દિનની ઉજવણી કરે છે પરંતુ જમણેરી મજૂર સંગઠનોની માંગ ૧૭ મી સપ્ટેમ્બરની વિશ્વકર્મા જયંતીએ કામદાર દિનની છે! જમણેરી મજૂર સગઠનો કામદારોને ઔધ્યોગિક પરિવાર લેખે અને ડાબેરીઓ વર્ગશત્રુતાના પાઠ પઢાવે તેની વચ્ચે ભારતીય કામદારે તેની બદતર હાલતને બહેતર બનાવવાની છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
જેવી મળી આ જિંદગી
દેવિકા ધ્રુવ
:ગઝલઃ
જેવી મળી આ જિંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.આવે કદી હોંશે અહીં,ઇચ્છા ઘણી સપના લઇ,
માનો કે ના માનો બધી, તરસાવવાની હોય છે.ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે.બાંધી મૂઠી છે લાખની,ખોલી રહો તો રાખની,
શાંતિભરી રેખા નવી, સરજાવવાની હોય છે.પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
બાકી રહેલી વાત શું સમજાવવાની હોય છે?હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.:આસ્વાદઃ
સપના વિજાપુરા
હ્યુસ્ટનના નિવાસી દેવિકા ધ્રુવ સાહિત્ય પ્રત્યે પ્રેમ રાખે છે. એમણે ગુજરાત યુનિવર્સિટીમાં સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ આવી, ડિગ્રી મેળવી હતી. એમણે પ્રથમ રચના ૧૫ વર્ષની ઉંમરે કરી. ૧૯૬૮માં કાવ્યપઠન સ્પર્ધામાં શ્રી ઉમાશંકર જોશીના હસ્તે ઈનામ મેળવ્યું હતું. એમના ત્રણ કાવ્યસંગ્રહ ૧. ‘શબ્દોને પાલવડે’-સંવાદ પ્રકાશન-૨૦૦૯૨. ‘અક્ષરને અજવાળે’-(ઈબૂક-૨૦૧૩) અને ૩.’ કલમને કરતાલે ‘–૨૦૧૭ ‘ગૂર્જર પ્રકાશન’ દ્વારા પ્રકાશિત થયા છે. એમની આ ગઝલ મેં ફેઈસબુક પર વાંચી અને મને ખૂબ ગમી ગઈ. આ ગઝલ એક સંદેશ આપી જાય છે .
ચાલો એમના એક એક શેરમાંથી પસાર થઈએ!
જેવી મળી આ જિંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.શું આપણે આપણી પસંદથી જિંદગી જીવી શકીએ છીએ? શું આપણી મરજી પ્રમાણે દુનિયા ચાલે છે? શું જે ઇચ્છીએ એ આપણને મળી જાય છે? જવાબ ‘ના’માં આવશે. તો મત્લાનો શેર આપણને આજ શીખવી જાય છે. જેવી જિંદગી ઈશ્વરે આપણને આપી છે તે જીવી જવાની હોય છે! જે નથી મળ્યું એનો અફસોસ કરવા કરતાં જે મળ્યું છે; એ સાથે મળીને શણગારવાની હોય છે. ફેઈસબુક પર એક ગરીબ ચીંથરેહાલ બાળકનો હસતો ફોટો કોઈએ મૂકેલો. શું સુખદુઃખ આપણે નક્કી કરતા હોઈએ છીએ? એ ગરીબ બાળક પાસે હસવાનું શું કારણ છે ? પણ હસે છે. સ્વીકારની ભાવના બતાવે છે. આનંદનો ડાયલોગ પણ યાદ આવી ગયો. ” બાબુ મોશાય, હમ સબ રંગમંચકી કઠપુતલીયા હૈ. હમારી ડોર ઉપરવાલેકે કે હાથમે હૈ; કબ કિસકી ડોર ખીચેગી ક્યાં પતા !” બસ તો આપણી કોઈ પસંદગી નથી. જે ઈશ્વર આપણા માટે નક્કી કરે એ રીતે જીવી જવાનું હોય છે. પણ ખરાબ કામ કરવું હોય તો એ તમારી પસંદગી છે.
આવે કદી હોંશે અહીં, ઇચ્છા ઘણી સપના લઈ,
માનો કે ના માનો બધી, તરસાવવાની હોય છે.ઈચ્છાઓ પ્રગટે અને ઈચ્છાઓ પણ ક્યાં બધી પૂરી થાય છે? ઈચ્છાઓ સપના જગાવે છે! પણ ધાર્યું તે ધણીનું થાય એમ દરેક ઈચ્છાઓ પણ પૂરી થતી નથી. અંગ્રેજીમાં એક કહેવત છે કે Man proposes and God disposes !માણસ ઈચ્છા પ્રગટ કરે છે અને ઈશ્વર એનો નાશ કરે છે . જિંદગી ફૂલોની સેજ નથી. હર કદમ એક નયા ઈમ્તેહાન હૈ!
ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.વળી આશ્વાસનરૂપે કવયિત્રી કહે છે કે તમે ઇન્સાન, ભગવાન કે કિસ્મતને દોષ ના દો! જિંદગીને તમારે પળ પળ દુલ્હનની જેમ સત્કારવાની હોય છે. જે નથી મળ્યું એના માટે કોને દોષ દેવો? કિસ્મત લખવાવાળાને? કે પછી ઘરના માણસોને જેમણે તમારા માટે નિર્ણય લીધા છે એને? કે પછી ભગવાનને? પણ જે તમારા નસીબમાં છે એ તો તમને મળવાનું જ છે. તો પછી દોષ શા માટે? અને ઘણીવાર મરજીનું મળી જાય તોય એ લાંબુ ચાલતું નથી તો પછી કોને દોષી માનવા?
જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે.વરસાદ પહેલાનું દૄશ્ય કેવું સોહામણું લાગતું હોય છે ! આભ અને વાદળ જાણે એકબીજામાં સમાઈ જવા માગતા હોય એવું લાગે છે ! બંને ભેગા થઈને સૂરજને ઢાંકી દે છે. જાણે જન્મોજન્મની પ્રીત ! પણ થોડીવારમાં આકાશમાંથી અનરાધાર વરસાદ તૂટી પડે છે. આકાશ સ્વચ્છ નિર્મળ થઇ જાય છે. વાદળી સાથ છોડી દે છે! ફરી એજ જૂનો પ્રેમ સૂરજ અને ચાંદ આવી પહોંચે છે. વાદળી તરછોડીને ચાલતી થાય છે! જે સંબંધ ક્ષણિક હોય તેનો શો ભરોસો કરવો?
બાંધી મૂઠી છે લાખની, ખોલી રહો તો રાખની,
શાંતિભરી રેખા નવી, સરજાવવાની હોય છે.કોઈનું રહસ્ય એ આપણી અમાનત છે. કોઈએ કહેલી વાત આપણા હૃદયમાં અકબંધ રહેવી જોઈએ. જ્યા સુધી એ વાત હૃદયમાં છે એની કિંમત છે; પણ જેવી વાત બહાર આવી એવી એ વાત રાખની થઈ જશે. એટલે જિંદગીમાં ઉતાવળિયા પગલાં ભરવા કરતાં શાંતિથી કામ લેવું સારું ! શાંતિની રેખા સરજાવવાની હોય છે.
પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
બાકી રહેલી વાત શું સમજાવવાની હોય છે ?જે લોકોને જીવનનો અર્થ મળી ગયો એ લોકો જીવનમાં સફળતા મેળવી ગયા. જેમકે પથ્થર જેવા પથ્થર પણ દેવાલયે જઈને ઉચ્ચ સ્થાન પામી પૂજાઈ ગયા. પણ જે લોકો જીવિત છે; છતાં જેવું જીવન મૃત કરતા પણ વધારે ખરાબ છે એ લોકો વિષે શું કહેવાનું?
હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.મક્તાના શેરમાં કવયિત્રી પોતાની પાસે જે કાંઈ છે ખુશી કે સમૃદ્ધિ છે, બધું ખોબો કરીને રાખવાની વાત કરે છે. આ બધું જ- ખુશી સમૃદ્ધિ બધું વહેંચવાનું હોય છે. અપને લિયે જીયે તો ક્યાં જીયે ! બધાને સાથે લઈને ચાલીએ તો આ વિશ્વ કેવું રૂપાળું બની જાય? શું આપણા ઘરે કામ કરતી બાઈ હોય કે મોહલ્લામાં રમતો ફાટેલાં કપડાં પહેરેલો દીકરો હોય. એ લોકોના માથા પર પ્રેમથી હાથ મૂકો એની ભૂરી આંખોમાં આંસુ સાથે સ્મિત દેખાશે! ઈશ્વર તો બધાને આપવા બેઠો છે પણ પોતે નથી આપતો. લોકો પાસે અપાવે છે. શું ખબર કદાચ તમે એ લકી વ્યક્તિ હો!
આભાર દેવિકા, સુંદર ગઝલ માટે!
Devika Dhruva.
ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com -
આઝાદ ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી – કેટલીક રસપ્રદ વાતો
ભારતમાં લોકસભાની ચૂંટણી ૧૯૫૧થી કરાવાઈ રહી છે. અત્યાર સુધી દેશમાં લોકસભાની ૧૭ ચૂંટણી યોજાઈ ચૂકી છે. ભારતનું ચૂંટણીપંચ આનું આયોજન કરાવે છે.
દેશની પ્રથમ ચૂંટણી માત્ર ચૂંટણી નહોતી. કસોટીની મુશ્કેલ ઘડી હતી. વિશ્વ ભારત તરફ મીટ માંડીને બેઠું હતું. એવો દેશ કે જ્યાંની ૮૫% વસતીએ સ્કૂલ જોઇ પણ નહોતી. જ્યાં મહિલાઓની ઓળખ તેમના નહીં પણ પતિના નામથી થતી હતી. આવા દેશે તેની પ્રથમ સરકાર ચૂંટવાની હતી. આ મુશ્કેલ કામની જવાબદારી સુકુમાર સેનને મળી. દેશના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર, જેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીનું આખું માળખું ઊભું કર્યું.

કુલ મતદારો ૧૭.૬ કરોડ હતા. આ એ લોકો હતા કે જેઓ ૨૧ વર્ષથી વધુ વયના હતા. પહેલી વાર આખા દેશમાં ઉંમર, જાતિના આધારે મતદારોનો ડેટાબેઝ તૈયાર થયો. દેશભરમાં અંદાજે ૧૬,૫૦૦ ક્લાર્કને ૬ મહિના માટે કોન્ટ્રાક્ટ પર રખાયા.
જે લોકોએ પ્રાથમિક શિક્ષણ પણ મેળવ્યું નહોતું તેમને મત આપવાનું સમજાવવું મુશ્કેલ કામ હતું. દેશનાં ૩ હજારથી વધુ થિયેટરોમાં ફિલ્મ દરમિયાન ડોક્યુમેન્ટ્રી બતાવાતી, જેમાં મત કેવી રીતે આપવો તે સમજાવાતું હતું.
બીજો મોટો સવાલ હતો કે મતદાર તેની પસંદનો ઉમેદવાર કેવી રીતે ચૂંટશે? તેનો ઉકેલ એવો નીકળ્યો કે દરેક ઉમેદવારની મતદાન પેટી અલગ હશે. મતદાર પેટી પર પક્ષનું પ્રતીક જોઇને પોતાનો મતપત્ર તેમાં નાખશે.
મહિલાઓ પડદામાં રહેતી. તેમની કોઇ ઓળખ નહોતી. એવામાં મતદારયાદીમાં નામ ઉમેરાયાં ત્યારે મહિલાઓનાં નામ કંઇક આ રીતે લખાયાં… રામુની મા, ઇમરાનની જોરુ… આવા ૨૮ લાખ નામ હટાવ્યા.
અભણ મતદારોને કેવી રીતે ખબર પડશે કે તેમનો ઉમેદવાર કોણ છે એ પણ એક મોટો પડકાર હતો. તેથી પક્ષોને ચૂંટણી પ્રતીક આપવાનો વિચાર આવ્યો. તમામ ૧૪ રાષ્ટ્રીય પક્ષોને પ્રતીક અપાયાં.
પ્રથમ ચૂંટણી ૪૫૦૦ બેઠક પર થઇ હતી. ૪૮૯ લોકસભાની, બાકીની રાજ્યોની સરકારોની.

પ્રથમ લોકસભા ચૂંટણી માટે ગોદરેજ કંપનીએ મુંબઈનાં વિક્રોલી વિસ્તારમાં એક ગામ ભાડે લઈ તેમાં તંબુ બનાવી રાત-દિવસ મતપેટી બનાવવાનું શરૂ કર્યુ. આ કામ માટે કુલ ૮૨૦૦ ટન સ્ટીલ વપરાયું હતું. કુલ ૧૬ લાખ બેલેટ બોક્સ તૈયાર કર્યા હતા. એક બોક્સની કિંમત ૫ રૂ. હતી. રોજ ૧૫ હજાર બોક્સ બનતા.

બેલેટ પેપર માટે ૪ લાખ પેપર રેમ્પ બનાવીને ૬૨ કરોડ બેલેટ પેપર છાપવામાં આવ્યા હતાં. મતદાન માટે ર.૨૪ લાખ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતાં.
એક વ્યક્તિ એકથી વધુ વોટ ન આપી શકે તે માટે અવિલોપ્ય શાહી તૈયાર કરાઇ. પ્રથમ ચૂંટણીમાં આ શાહીની ૩,૮૯,૮૧૬ શીશી વપરાઇ હતી.
કુલ ૧૦.૭૦ કરોડ મતદારોએ પોતાનો મતદાનનો હક્ક બજાવ્યો હતો. સરેરાશ ૬૦ ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન કેરળ રાજ્યનાં કોટ્ટયયમ સસંદીય બેઠક પર ૮૦ ટકા નોંધાયું હતું. જ્યારે મધ્યપ્રદેશની શહદોઈ સસંદીય બેઠક પર સૌથી ઓછું ૧૮ ટકા મતદાન નોંધવામાં આવ્યું હતું.
તે સમયની રાજ્યવ્યવસ્થામાં કિન્નોર સહિતના હિમાલીયન વિસ્તારોમાં ઠંડી અને હિમવર્ષાને ધ્યાનમાં રાખીને અગાઉથી મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. જેથી ત્યાં ૨૫ ઓક્ટોબર, ૧૯૫૧ ના રોજ મતદાન થયું હતું. તે સમયે પ્રથમ મતદાન કરવા કરીને, હિમાચલ પ્રદેશના કિન્નોરના રહેવાસી શ્યામ સરન નેગી સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર બન્યા હતા. તેમણે તેમના જીવનકાળમાં ૩૩ વખત મતદાન કર્યું હતું. જેમાં તેમણે બેલેટ પેપરથી ઇવીએમનું જે પરિવર્તન આવ્યું તે પણ જોયુ હતુ.
વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત
-
કોઈનો લાડકવાયો – (૪૭) કાકોરી કાંડઃ રામપ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ, રોશન સિંઘ અને રાજેન્દ્ર લાહિડીની શહાદત
દીપક ધોળકિયા
ચોરી ચૌરાની ઘટના પછી ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું તેનાથી દેશમાં નિરાશાનું મોજું ફરી વળ્યું. આની અસર એ થઈ કે લોકો સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે વળવા લાગ્યા. ચોરી ચૌરા પછી માત્ર ત્રણ વર્ષમાં કાકોરી કાંડ સર્જાયો જે આપણા ઇતિહાસમાં એક સીમાચિહ્ન છે.
કાકોરી લખનઉની પાસેનું એક નાનું ગામ છે, પરંતુ રામ પ્રસાદ બિસ્મિલ અને એમના બહાદુર સાથીઓએ એને ભારતના ઇતિહાસમાં અમર બનાવી દીધું છે.

૧૯૨૫ની નવમી ઍપ્રિલની રાત. ૮-ડાઉન કાકોરીથી પસાર થવાની છે. એમાં સરકારી ખજાનો છે. આઉટર સિગ્નલ પાસે કોઈએ સાંકળ ખેંચતાં ટ્રેન ઊભી રહે છે. અંધકાર સાંયસાંય કરે છે, એનો લાભ લઈને કેટલાક ‘ધાડપાડુઓ’ ટ્રેન પર ત્રાટકે છે. મુસાફરોમાં બૂમાબૂમ મચી છે – ત્યાં તો ટ્રેનના સેકંડ ક્લાસના ડબ્બામાંથી બે-ત્રણ જણ ઊતરે છે. એ હતા, અશ્ફાકુલ્લાહ, સચીન્દ્રનાથ બખ્શી અને રાજેન્દ્ર લાહિડી. એ જ વખતે ગાર્ડ પણ કયા ડબ્બામાં સાંકળ ખેંચાઈ તે જોવા નીચે ઊતરે છે. બે ક્રાન્તિકારીઓ એના પર હુમલો કરીને એને પાડી દે છે અને એના પર બેસી જાય છે. બીજા બે એન્જિનમાં ચડીને ડ્રાઇવરને નીચે ઉતારીને જમીનસોતો દબાવી દે છે. બે ક્રાન્તિકારીઓ ટ્રેનના બન્ને છેડે ગોઠવાઈ જાય છે અને હવામાં ગોળીબાર કરે છે. તે સાથે બૂમો પાડતાં મુસાફરોને કહે છેઃ “ગભરાઓ નહીં, અમે આઝાદી માટે લડીએ છીએ, ક્રાન્તિકારીઓ છીએ. તમારાં જાનમાલ સલામત છે, પણ કોઈએ બારીમાંથી ડોકું બહાર કાઢવાનું નથી…”
ચાર જુવાનો ગાર્ડના ડબ્બામાં ચડે છે, ત્યાંથી તિજોરી નીચે ઉતારે છે. એમાં ઉપર મોટું ઢાંકણું એવું છે કે અંદર નાખી શકાય પણ અંદરથી બહાર કંઈ કાઢી ન શકાય. જૂથમાં સૌથી તાકાતવાન અશ્ફાકે તિજોરી પર ઘણના ઘા મારવાનું શરૂ કર્યું. ત્યાં તો લખનઉ તરફ જતી બીજી એક ટ્રેનની સીટી સંભળાઈ. બધા સ્તબ્ધ થઈ ગયા. એ ટ્રેન એમણે આંતરેલી ટ્રેન સાથે અથડાય તો? બિસ્મિલ સૌના નેતા હતા. બધા એમની સામે જોવા લાગ્યા. બિસ્મિલે સૌને ગોળીબાર બંધ કરવાનો આદેશ આપ્યો. તિજોરી ઉપર ઘણ ચલાવવાનું બંધ પડી ગયું. ટ્રેન પસાર થઈ ગઈ, તે પછી અશ્ફાકે ઢાંકણું તોડી નાખ્યું અને પૈસાની કોથળીઓ લઈને બધા નાસી છૂટ્યા. એ ક્રાન્તિવીરો હતાઃ રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ, અશ્ફાકુલ્લાહ, રાજેન્દ્ર લાહિડી, મન્મથનાથ ગુપ્ત, સચીન્દ્ર નાથ બખ્શી, મુરારી લાલ, કેશવ ચક્રવર્તી, બનવારી લાલ અને મુકુંદી લાલ.
સરકાર હેબતાઈ ગઈ. એકાદ મહિના સુધી ભારે શોધખોળ ચાલી પણ એક્કેય ક્રાન્તિકારી ઝડપાયો નહીં.
દાદાનું શ્રાદ્ધ!
હવે બિસ્મિલમાં હિંમત વધી. એમણે બધા ક્રાન્તિકારીઓને એકઠા કરવાનું નક્કી કર્યું. સૌને અંગ્રેજીમાં પત્ર લખ્યોઃ “અમે કુશળ છીએ. કદાચ તમે જાણતા હશો કે અમારા દાદાનું શ્રાદ્ધ ૧૩મી તારીખ, રવિવારે છે. તમારે આવવાનું જ છે… તમારો રુદ્ર”! બિસ્મિલ ક્યારેક રુદ્ર લખતા, તો ક્યારેક મહંત અને ક્યારેક આનંદ પ્રકાશ પરમ હંસ.
બધા ક્રાન્તિકારીઓ બિસ્મિલના “દાદાના શ્રાદ્ધ” માટે એકઠા થયા અને મોટાં શહેરોની પોસ્ટ ઑફિસો લૂંટવાનું નક્કી કર્યું. પણ એનો અમલ કરે તે પહેલાં ૨૫મી સપ્ટેમ્બરની રાતે કલકત્તા, આગરા, અલ્હાબાદ, બનારસ. એટા, કાનપુર, હરદોઈ, મેરઠ, લખીમપુર, લખનઉ, મથુરા, શાહજહાનપુર, લાહોર, ઓરાઇયા, રાયબરેલી, પુણે, લાહોર વગેરે કેટલાંય સ્થળે પોલીસે છાપા મારીને ૪૦ જેટલા ક્રાન્તિકારીઓને પકડી લીધા. એક શિવ વર્મા પોંડીચેરી ભાગી છૂટ્યા હતા એટલે એ હાથમાં ન આવ્યા. ચંદ્રશેખર આઝાદ તો કદી પકડાયા જ નહીં, છેવટે અલ્હાબાદના એક બાગમાં પોલીસ સાથેની ઝપાઝપીમાં શહીદ થયા.
અશ્ફાક અને રાજેન્દ્ર લાહિડી પણ તરત હાથમાં ન આવ્યા. અશ્ફાક તો એક રાતે એમના જૂના મિત્રના ઘરે પહોંચી ગયા હતા. એણે અશ્ફાકનું ભાવભીનું સ્વાગત કર્યું પણ બીજી જ સવારે પોલીસના હાથે પકડાવી દીધા અશ્ફાકુલ્લાહ અને સચીન્દ્ર બખ્શી પકડાયા ત્યારે કાકોરી કેસ પૂરો થયો હતો, પણ એમનાં નામો એમાં જોડી દઈને આખો કેસ ચલાવવામાં આવ્યો. રાજેન્દ્ર લાહિડીને દક્ષિણેશ્વર બોમ્બ કેસમાં સજા થઈ હતી. (આના વિશે ખાસ લેખ હવે પછી).
બે વર્ષ કેસ ચાલ્યો, એમના બચાવ માટે મોતીલાલ નહેરુની આગેવાની નીચે નામાંકિત વકીલોની એક ટીમ બનાવવામાં આવી, જેમાં, ગોવિંદ વલ્લભ પંત, આચાર્ય નરેન્દ્ર દેવ, શ્રીપ્રકાશ, અને ચંદ્રભાન ગુપ્તા હતા. કુલ ૨૪ આરોપીઓ હતા. એમાંથી બે સરકારી સાક્ષી બની ગયા, એટલે છૂટી ગયા પણ બીજા બધાને સજાઓ થઈ; કોઈને પાંચ વર્ષ, તો કોઈને આજીવન કેદ. બિસ્મિલ કાકોરી કાવતરાના મુખ્ય સૂત્રધાર હતા એટલે એમને દેહાંત દંડ આપવામાં આવ્યો, એમના નજીકના સાથીઓ અશ્ફાકુલ્લાહ, ઠાકુર રોશન સિંઘ અને રાજેન્દ્ર લાહિડીને પણ મોતની સજા કરવામાં આવી. રોશન સિંઘ કાકોરી કાંડમાં નહોતા પણ તે પહેલાં બમરોલીમાં ક્રાન્તિકારીઓએ લૂંટ કરી તે વખતે એક માણસ રોશનસિંઘના હાથે મરાયો હતો એટલે પોલીસે એમને તો ફાંસીએ લટકાવવાનો મનસૂબો કરી રાખ્યો જ હતો અને જજ પણ બીજા કોઈનું સાંભળે તેમ નહોતો. સચીન્દ્રનાથ સન્યાલ અને સચીન્દ્ર બખ્શીને કાળા પાણીની સજા થઈ, જ્યારે મન્મથનાથ ગુપ્તને ૧૪ વર્ષની સજા કરવામાં આવી.
રામપ્રસાદ બિસ્મિલ
કાકોરી કાવતરાના સરદાર તરીકે બિસ્મિલ માટે મોત નિશ્ચિત હતું જ. એમણે દયાની અરજીઓ કરી પણ મોતના ડરથી નહીં, અથવા તો પોતાનું લક્ષ્ય છોડી દેવા માટે નહીં. ઘણા તો તાજના સાક્ષીના બનીને છૂટી ગયા હતા, તો કેટલાયે તો ઉપરાઉપરી માફીના પત્રો મોકલીને અંગ્રેજોને હંમેશાં ટેકો આપવાનાં વચનો આપ્યાં. આવા ‘વીર’ પછી કોંગ્રેસને જ ગાળો ભાંડવા લાગ્યા. બિસ્મિલને લાગ્યું કે હમણાં મરવાની નહીં, સંઘર્ષ ચાલુ રાખવાની ઘડી છે. એમને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગથી પણ નિરાશા થવા માંડી હતી. એમને લાગતું હતું કે આ માર્ગ ખોટો છે. ફાંસીના ચાર દિવસ પહેલાં, ૧૫મીએ એમણે લખ્યું:“અપીલ કરવા પાછળ એક કારણ એ પણ હતું કે ફાંસીની તારીખમાં ફેરફાર કરાવીને હું નવયુવકોનું જોશ જોઉં. એમાં હું નિરાશ થયો….મેં બહાર નીકળવા ઘણા પ્રયત્ન કર્યા પણ બહારથી કોઈ મદદ ન મળી. અફસોસ તો એ વાતનો છે કે જે દેશમાં આટલું મોટું ક્રાન્તિકારી જૂથ ઊભું કરી દીધું ત્યાં મારી પોતાની રક્ષા માટે મને એક પિસ્તોલ પણ ન મળી. કોઈ યુવાન મારી મદદ માટે આગળ ન આવ્યો. યુવાનોને મારે વિનંતિ છે કે જ્યાં સુધી બધા ભણીગણી ન લે ત્યાં સુધી ગુપ્ત પાર્ટીઓ તરફ કોઈ ધ્યાન ન આપે. દેશસેવાની ઇચ્છા હોય તો છતું કામ કરે. શેખચલ્લીના કિલ્લા બાંધતાં પોતાના જીવનને આફતમાં ન નાખે.”
બિસ્મિલના જીવનની અંતિમ સવારે, ૧૯મી ડિસેમ્બરે એમનાં માતા એમને જેલમાં મળ્યાં ત્યારે બિસ્મિલની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. પણ માતા દૃઢ હતાં. એમણે બિસ્મિલને હરિશ્ચંદ્ર અને દધીચિની યાદ અપાવી અને ચિંતા કે પસ્તાવો ન કરવાની સલાહ આપી. બિસ્મિલે જવાબ આપ્યો,” હું મોતથી નથી ડરતો. ચિંતા કે પસ્તાવોય નથી પણ આગ પાસે ઘી રાખો તો પીગળી જ જાય, મા, તમારો અને મારો સંબંધ એવો જ છે; આંસુ તો આવી જ જાય ને!”
એ જ સાંજે એમને ફાંસી આપવામાં આવી. તખ્તા પર ચડતાં બિસ્મિલે પોતાની અંતિમ ઇચ્છા જાહેર કરીઃ “બ્રિટિશ સામ્રાજ્યનો નાશ થાય એ જ મારી અંતિમ ઇચ્છા છે!” પછી એ એમનો માનીતો શેર બોલ્યાઃ
જબ ન અગલે વલવલે હૈં, ઔર ન અરમાનોં કી ભીડ
એક મિટ જાને કી હસરત અબ દિલ–એ–બિસ્મિલ મેં હૈઠાકુર રોશનસિંઘ
ઠાકુર રોશન સિંઘને અલ્હાબાદની નૈની જેલમાં ફાંસી અપાઈ. કાકોરીની ઘટના સાથે એમને કંઈ સંબંધ નહોતો. પણ એનાથી પહેલાંની એક ઘટનામાં એક માણસ એમની ગોળીનો શિકાર બન્યો હતો. પોલીસે એમનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. એટલે એમને ફસાવવા, માટે પોલીસે એમને કાકોરી કાંડમાં પણ જોડી દીધા. ૧૩મી તરીખે એમણે પોતાના મિત્રને પત્ર લખ્યોઃ “આ અઠવાડિયાની અંદર ફાંસી મળશે… તમે મારા માટે જરાય દુઃખી ન થજો….” એ કવિ પણ હતા પત્રના અંતે એમણે શેર લખ્યોઃ
ઝિંદગી ઝિંદાદિલી કો જાન,અય રોશન
વર્ના કિતને મરે, ઔર પૈદા હોતે જાતે હૈં.રાજેન્દ્ર લાહિડી
રાજેન્દ્ર લાહિડીને ઉત્તર પ્રદેશના ગોંડાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સમાચાર મળ્યા કે એમની અરજી નામંજૂર થઈ છે. એમણે ૧૪મી તારીખે પત્ર લખ્યો કે “તમે લોકોએ અમને બચાવવાની બહુ મથામણ કરી પરતુ દેશની બલિવેદી પર અમારા પ્રાણના બલિદાનની જ જરૂર છે એવું લાગે છે. મૃત્યુ શું છે? જીવનની બીજી દિશા સિવાય કંઈ નહીં…” એમને ફાંસી ૧૯મીએ જ આપવાની હતી પણ બે દિવસ પહેલાં આપી દેવાઈ.ફાંસી માટે લઈ જતા હતા ત્યારે હાથકડી પહેરાવવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે એમણે કહ્યું, “એની શી જરૂર છે? મને રસ્તો દેખાડતા આગળ ચાલો, હું આવું જ છું.” એ પોતે જ ગયા અને ફાંસીના માંચડે હસતા મોઢે લટકી ગયા.
અશ્ફાકુલ્લાહ
ખરેખર તો અશ્ફાકુલ્લાહના મોટા ભાઈ રામપ્રસાદ બિસ્મિલના મિત્ર હતા પણ એમના વ્યક્તિત્વે અશ્ફાકને પણ આકર્ષી લીધા. એ પણ એક શાયર-દિલ આદમી હતા. એમણે લખ્યું છેઃजाऊंगा खाली हाथ लेकिन यह दर्द साथ जाएगा
जाने किस दिन हिंदोस्तां आजाद वतन कहलाएगा?
बिस्मिल हिंदू हैं, कहते हैं, “फिर आऊंगा, फिर आऊंगा
फिर आकर भारत माता तुझको आज़ाद कराऊंगा”
जी करता है मैं भी कह दूं पर मज़हब से बंध जाता हूं
मैं मुस्लिम हूं पुनर्जन्म की बात नहीं कर पाता हूं
हां, खुदा अगर मिल गया कहीं अपनी जोली फैला दूंगा
और जन्नत के बदले उससे एक पुनर्जन्म ही माँगूंगा।એમના જીવનના છેલ્લા દિવસનું વિવરણ ભગતસિંહના શબ્દોમાં –
“ફાંસીથી એક દિવસ પહેલાં એમની સાથે મુલાકાત થઈ. એ ખૂબ શણગાર્યા હતા. મોટા લાંબા કાતરેલા વાળ શોભતા હતા, હસી હસીને વાતો કરતા હતા. એમણે કહ્યું, કાલે મારી શાદી છે. બીજા દિવસે સવારે છ વાગ્યે એમને ફાંસી આપી દેવાઈ. કુરાન શરીફની થેલી લટકાવીને હાજીઓની જેમ વજીફો પઢતા એ હિંમતથી નીકળી પડ્યા. તખ્તા ઉપર આગળ વધીને એમણે દોરડાને ચૂમી લીધું…”
બિસ્મિલ અશ્ફાક માટે લખે છેઃ
“અશ્ફાકુલ્લાહને સરકાર રામપ્રસાદનો જમણો હાથ કહે છે. ચુસ્ત મુસલમાન અશ્ફાક રામપ્રસાદ જેવા ચુસ્ત આર્યસમાજીનો ક્રાન્તિમાં જમણો હાથ બની શકતો હોય તો ભારતના હિંદુ–મુસલમાન આઝાદી માટે…એક ન થઈ શકે?…હવે કોઈની એ કહેવાની હિંમત ન હોવી જોઈએ કે મુસલમાનોનો ભરોસો ન કરવો જોઈએ. આ પહેલો અનુભવ હતો તે પૂરો થયો….હવે દેશવાસીઓને એક જ વિનંતિ કે અમારા મરવાનો જો તમને જરાક પણ અફસોસ હોય તો, ગમે તેમ થાય હિંદુ અને મુસલમાનો એકતા સ્થાપે…”
૦-૦-૦
સંદર્ભ:
૧. ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી પ્રકાશિત પુસ્તક “કરજો યાદ કોઈ ઘડીઃ શહીદોના પત્રો” (ISBN 81-230-0663-2 ઑગસ્ટ ૧૯૯૮, અનુવાદઃ દીપક ધોળકિયા)
૨. liveindia.com/freedomfighters/kakori
૩. https://en.wikipedia.org/wiki/Kakori_conspiracy
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
” હું નહીં હોઉં ત્યારે”
માયા નીતિન દેસાઈ
” હું નહીં હોઉં ત્યારે તને મારાં શબ્દો સાચા લાગશે…પણ હું નહીં સાંભળી શકું તારો એકરાર ..”
આજે બહાર વરસાદ પડી રહ્યો હતો અને અંદર યાદોનો વરસાદ ! માનાં શબ્દો ફાલ્ગુનનું હૈયું ભીંજવી રહ્યા હતા.આમ તો એક સામાન્ય જ ઘટના ઘટી હતી તે દિવસે, બારણે કોઈ માંગવા આવ્યું હતું અને પત્નીએ છણકો કર્યો હતો. ” એક રવિવારે જરા જંપવાનો સમય હોય ત્યારે.. જરા જોઈ લો ને.” ફાલ્ગુને ઊઠીને રસોડામાં ખાંખાખોળા કરી એક બિસ્કિટનું પેકેટ આપી દીધું.
ત્યાર બાદ ફાલ્ગુનને ઊંઘ જ ન આવી ,એ એક પુસ્તક લેવા ગયો અને ઉપરથી માનો ફોટો ફ્રેમ તૂટતાં પડ્યો. કાચ હાથમાં જ આવ્યો તેથી ફ્રેમ બાજુ પર મૂકી માનાં ફોટાને જોતો બેસી રહ્યો. માંગવા આવેલી ભિખારણ સાથે જ આજે એને મા યાદ આવી હતી, તેમાં આ ફોટો! બચપણમાં આમ જ બપોરે કે કોઈ વાર રાતે ભિખારણ આવતી. મા જરા આડે પડખે થઈ હોય તો બૂમ પાડી કહેતી ,” બેટા, રોટલિયામાંથી એક રોટલી અને થોડું શાક આપી દે એને.” મોટે ભાગે તો એ પોતે જ આપતી ,આ તો રજા કે વેકેશનમાં ફાલ્ગુન હાથમાં આવી જતો.
તે દિવસે ફાલ્ગુને કંટાળો કર્યો તો મા પોતે જ ઊઠવા લાગી. પગ પછાડતો એ ગયો પણ બબડાટ કરતો રહ્યો. ” આપણી ચાર ભાખરીમાંથી એક એને આપી ,હવે સાંજે શું?” મા બોલી, “કોઈને આપવાથી ઓછું ન થાય ,જો જે ભગવાન તને બમણું આપશે, કોઈ ને કોઈ રૂપે.” ફાલ્ગુને સામે જવાબ આપ્યો,” આજે તો ઓછું જ મળશે ને, કોણે દીઠી કાલ! આ તારી દાનવીર વૃત્તિ..” મા પણ તે દિવસે નમતું જોખવાના મૂડમાં નહોતી.
” હા, હું છું જ એવી, જીવતી રહીશ ત્યાં સુધી આપીશ જ. કોઈને દેવાથી ઘટતું નથી, એનાં નસીબનું આપણાં ભાણામાં આવ્યું હોય છે, આપતાં રહેવું જોઈએ, તો જ ભગવાન રાજી રહે. આ મારાં શબ્દો હું નહીં હોઉં ત્યારે યાદ આવશે જોજે.” તે સાંજે પડોશમાં ત્રીજે ઘરે નૈવેદ્યની રસમ હતી તેથી વાટકો ભરીને ખીર તેમજ ભજિયાંનો પ્રસાદ આવ્યો ત્યારે મા ફાલ્ગુન સામે જોઈ મંદ હસી.
જૂની સાડી, ચાદર, કવર એ અવારનવાર કોઈને ને કોઈને પ્રેમથી આપતી રહેતી અને ફાલ્ગુન સાથે વિવાદ થતો રહેતો.બંનેની ઉંમર વધતાં, ફાલ્ગુનની વ્યસ્તતા વધતાં ચર્ચા ઓછી થવા લાગી. વહુ આવી તો પણ માને કશો ફરક ન પડ્યો. એ પણ માનાં રંગે રંગાઈ ગઈ.
એક વાર માની જિદ્દ પૂરી કરવા કુળદેવી પગે લાગવા ગયેલા ફાલ્ગુનની બેગ ચોરાઈ ગઈ. મનમાં ધૂંધવાતો મંદિરે ગયો તો ચંપલ પણ..! સદ્નસીબે એના વૉલેટમાં એક પાંચસોની નોટ હતી જેનાથી પેટપૂજા તો થઈ પણ પાછાં આવવા માટેની ટિકિટ, વધારાનાં પૈસા બધું જ પેલી બેગમાં ગયું હતું. જે નાની હોટલમાં ફાલ્ગુન કમને ખાવા બેસતો હતો ત્યાં એક વૃદ્ધ કાચમાંથી માંગતા દેખાયો. મા યાદ આવી અને એ એક રોટલી આપવા તરત ઊઠ્યો. એને રોટલી આપી આવતા પાછળથી કોઈએ બૂમ પાડી. જોયું તો એક મિત્ર જે શાળા પૂરી થયાં બાદ આજે લગભગ દસેક વર્ષ પછી મળી રહ્યો હતો.
વાતચીત દરમિયાન ફાલ્ગુને જણાવ્યું કે બેગ ચોરાઈ ગઈ હતી તેથી તે ખૂબ મૂંઝવણમાં મુકાયો છે. લાંબા સમયે મળેલા મિત્રે ધબ્બો મારી એના ખિસ્સામાં બે હજાર રૂપિયા મૂક્યા અને કહ્યું,” આવ્યો છે તો ભાભી સાથે ફરીને જજે, પૈસાની ચિંતા ન કરીશ.” ફાલ્ગુન તો ગળગળો થઈ એને ભેટી પડ્યો અને સંપર્કની વિગત લઈ જલદી પૈસા પરત કરવાની ખાતરી આપી.આજે ફાલ્ગુન સ્મરણયાત્રા કરતાં ભૂતકાળમાં ભમી રહ્યો હતો, “કોઈને આપવાથી..”
પછી તો એક દિવસ મા પણ ચાલી નીકળી અનંત યાત્રાએ. એકાદ વાર એ બોલી ગયેલી ,” તારા પિતા ગુજરી ગયા ત્યારે તું નાનો હતો તેથી મારાં મોત બાદ બને તો અમારા બંનેનું તર્પણ સિદ્ધપુરમાં કરજે.” ફાલ્ગુનની આ બધામાં શ્રદ્ધા ઓછી હોવા છતાં એ ગયો. ત્યાંથી પાછાં વળતાં મોડું થયું અને પ્રવાસ લાંબો હોવાથી એણે સેન્ડવીચ,પાણીની બોટલ અને બિસ્કિટ રસ્તેથી ખરીદી લીધાં. સ્ટેશને આવી જાણ્યું કે ટ્રેન મોડી છે.
આખા દિવસની વ્યસ્તતા બાદ થાક્યો હતો તેથી તેણે બ્રિજનાં પગથિયાં પર જાતને ગોઠવી. એક ઝોકું આવવાની તૈયારીમાં જ હતું ત્યાં એનાં પુત્રની ઉંમરના એક છોકરો,છોકરી કરમાયેલા મોંઢે માંગવા આવ્યાં. એમની શારીરિક દશા જોઈ લાગતું જ હતું કે ભૂખ્યાં હશે. ફાલ્ગુને પહેલાં તો જરા ચીડ જ દર્શાવી,પણ મનમાં જ. “આજે જ તો તર્પણ કર્યું માનું અને આજે જ..!” એણે પોતા માટે લીધેલાં બિસ્કિટ અને સેન્ડવીચ આપી દીધાં,ફક્ત પાણીની બોટલ રાખી. પેલાં બંને છોકરાં હાથ જોડતાં લગભગ દોડી ગયાં, કદાચ બીજા ભાગીદાર હશે એમાં.. બીજાં સ્ટેશનેથી કંઈ મળી જશે એ આશામાં એ બેસી રહ્યો. ટ્રેન આવતાં એણે જગ્યા લીધી ,રાતની સફર હતી તેથી સૌ પોતપોતાની જગ્યા પાકી કરી રહ્યા હતાં.
ફાલ્ગુને પોતાની બેગ ગોઠવી નિરાંતનો શ્વાસ લીધો.એની સિંગલ સીટ હતી પણ એક વૃદ્ધ ગૃહસ્થ આગલાં સ્ટેશન પર ઊતરવાના હોવાથી અનુમતિ લઈને ત્યાં બેઠા હતા. આ બાજુ એક યુવાન,યુવતી અને વૃદ્ધ સ્ત્રી હતાં. એમણે એને બેસવા જગ્યા આપી. ઔપચારિક વાતો થઈ એમાં જાણવા મળ્યું કે તેઓ પહેલી જ વાર મુંબઈ જઈ રહ્યા હતાં, સિદ્ધિ વિનાયક મંદિરમાં પગે લાગવાની માનતા હતી યુવતીની અને વૃદ્ધ માને મહાલક્ષ્મી મંદિર તેમ જ ૨૬/૧૧ નાં આતંકવાદીઓનું નિશાન બનેલી તાજ હોટેલ જોવી હતી.
ફાલ્ગુને એમનું માર્ગદર્શન કર્યું અને બીજી વાતો કરી તેવામાં સ્ટેશન આવ્યું તો કંઈક ખાવાનું મળે એ અપેક્ષાએ બહાર નજર માંડી પણ ‘આ બધાં સ્ટેશને સાંજ પછી ચા સિવાય કંઈ ન મળે ‘ની વાત સાંભળી પાર્લે જી બિસ્કિટનું અડધું પેકેટ ખાઈ એક ચા લીધી. ઘડિયાળમાં જોઈ સૂવાની તૈયારી કરવા માંડી. આ બાજુ યુવતીએ હાથ ધોઈ ચાર પેપર ડીશ તૈયાર કરી, સાથે આણેલ તીખી પુરી, શાક અને કાપેલા ફળોને ગોઠવ્યાં. વૃદ્ધાએ એક ડબ્બીમાંથી થોડો છૂંદો પીરસ્યો.
યુવકે ઊભાં થતાં ફાલ્ગુનને પણ સાથે લીધો, ” ચાલો,હાથ ધોઈ લો , સાથે ખાઈએ.” ફાલ્ગુનને હા ના કરવાનો મોકો જ ન આપ્યો, યુવતીએ પણ આગ્રહ કર્યો. ફાલ્ગુનને ભૂખ તો સાંજથી જ લાગી હતી, તેમાં પણ આવું ઘરનું ખાવાનું! એણે પ્રેમથી ત્રણે સાથે ખાધું ત્યારે વૃદ્ધા થોડી થોડી વારે એને જોયાં કરતી એ ફાલ્ગુને નોંધ્યું.
જમીને હાથ ધોવા પણ યુવક સાથે આવ્યો ત્યારે જણાવ્યું કે દસેક મહિના પહેલાં એની જ ઉંમરનો ભાઈ અચાનક ગુજરી ગયો હતો, જેનું કાઠું ફાલ્ગુન જેવું જ હતું. તેઓ ત્રણે એના તર્પણ માટે જ સિદ્ધપુર આવ્યાં હતાં અને માને એ શોકમાંથી બહાર આણવા મુંબઈ જવાનું નક્કી કર્યું હતું. ફાલ્ગુનને વૃદ્ધાનું તાકી રહેવું સમજાયું,’આમ તો મા જેવડી જ હશે.’
થોડીવાર ગપ્પાં મારી ઉપર સૂવા ગયેલા ફાલ્ગુનને ત્રણે જણા પોતીકાં લાગ્યાં. લાઈટ બંધ થયાં પછી એ અધખુલ્લી આંખે એ ત્રણેને જોઈ રહ્યો જેમણે એની ક્ષુધા તૃપ્ત કરી હતી. અચાનક એણે જોયું તો એ વૃદ્ધા નીચેની બર્થ પર કેડ ફરીને સૂતી હતી, એક હાથનું ઓશીકું બનાવી,પગ ઢંકાય એટલું ઓઢીને.. બિલકુલ એની માની જેમ ! ” કોઈને દેવાથી આપણું ઓછું નથી થતું” પેલાં છોકરાંઓને એક ઝાટકે આપી દીધું પણ આ માવડીએ પેટભરીને ખવડાવ્યું. મા જાણે હરદમ સાથે હતી.
વાંચવા લીધેલું પુસ્તક હાથમાં જ રહી ગયું અને પેલા શબ્દો પડઘાઈ રહ્યા, “હું નહીં હોઉં ત્યારે..” મા વિના!
#©️માયા દેસાઈ – ઈ મેઈલ : mnd1953@gmail.com | મોબાઈલ નં: +91 9833917938
પરિચયઃ
નામ : માયા નીતિન દેસાઈ
કોઈ પુસ્તક પ્રકાશિત નથી કર્યાં. ચિત્રલેખા સ્પર્ધામાં બે વાર વિજેતા
વિવિધ સહિયારાં પુસ્તકોમાં ભાગ લીધો છે. અનેક વર્તમાનપત્ર, મેગેઝિનમાં કૃતિઓ છપાઈ છે.
ગુજરાત મેઈલમાં દર શનિવારે રચના છપાય છે.
-
ઈન્સાફ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
અમૃતસરથી પાકિસ્તાન તરફ જતી મિલિટરી ટ્રકમાં મરઘાં-બતકાંની જેમ બલૂચ સિપાહીઓ ખડકાયેલા હતા. એમની પાસે પોતાની બંદૂક સિવાય બીજું કશું જ નહોતું.
બલૂચ સિપાહીઓની આ ટુકડીમાં એક રમઝાનખાન નામના જમાદાર હતા જેમને સૌ મૌલવીજીના નામે ઓળખતા. ટંટા-ફસાદમાં લાશોના ખડકલાં વચ્ચે, એમની બંને બાજુએ ભરેલી બંદૂક સાથે ઊભેલા સિપાહીઓની વચ્ચે રમઝાનખાનને નમાજ પઢતા સૌએ જોયા હતા. એ હિંદુસ્તાન-પાકિસ્તાનના ભાગલાના સમયનો હતો. અમૃતસરના મુસ્લિમોને પાકિસ્તાન ભણી રવાના કરવાની જવાબદારી જાણે એમની હોય એમ અનેક મુસ્લિમોને પાકિસ્તાન જવા એ સમજાવી લેતા. જે પોતાનાં ઘરબાર છોડવા તૈયાર ન હોય એમની સામે ઇસ્લામી રાજ્યનું અદ્ભુત ચિત્ર રજૂ કરતા. ભાગ્યેજ કોઈ એવું હતું જે એમની વાત ટાળી શકતું.
પણ આજે જ્યારે ટ્રક ઉપડી ત્યારે અચાનક એમને વિચાર આવ્યો કે, ભગવાન તો સૌના એક જ છે. ક્યારેક સાંભળેલી વાત યાદ આવી કે, અમૃતસરના હરિમંદિરનો પાયો તો એક મુસલમાન ફકિરે મૂક્યો હતો. અહલે-સુન્નતમાં માનવાવાળા ગુરૂ નાનકને પીર માનતા અને આ યાદ આવતા મૌલવીજીએ ગુરુદ્વારા પર ચમકતા સોનેરી કળશ સામે જોઈને પોતાનું મસ્તક નમાવ્યું.
ટ્રક આગળ ચાલી. ઠંડી હવાની લહેરખીના સ્પર્શ સાથે મૌલવીની આંખો મિંચાઈ. બંધ આંખની પાછળ ટંટાના ભયાનક દૃશ્યની ઝલક દેખાવા માંડી. ખુન્નસે ભરાયેલા હિંદુ, મુસ્લિમ, શીખ થકી થયેલી કતલનાં બિહામણાં દૃશ્યની ઝલકથી બંધ આંખે પણ એ કાંપી ઊઠ્યા.
એટલામાં બંધ આંખોના બિહામણાં દૃશ્યને વિખેરી નાખતી એક હૃદયદ્રાવક ચીસ અને સિપાહીઓના અટ્ટહાસ્યથી એ ચમક્યા. સફાળા જાગીને જોયું તો એક સિપાહીએ પોતાની સંગીનથી રસ્તા પરથી પસાર થતા શીખ યુવકનું ગળું વીંધી નાખ્યું હતું. એક કારમી ચીસ અને એ યુવક સાયકલ પરથી ઉછળીને પાસેનાં નાળામાં જઈ પડ્યો. યુવકને મારવાની તરકીબ પર “ચાલો, એક શીખ ઓછો થયો” કહીને સિપાહીઓ હસી રહ્યા હતા.
ટ્રકમાંના સિપાહીઓનું હાસ્ય હજુ તો શમ્યું નહોતું ને ફરી એક કારમી ચીસ સંભળાઈ. આ વખતે દૂધ વેચવા જતી ગોવાળણ એમની સંગીનનું નિશાન બની હતી. “ચાલો કાફિરોનાં જમાતમાંથી ઓછી થયેલી વ્યક્તિની નિશાનીમાં આ એક ઉમેરો” કહીને સંગીન સાથે ચોંટી આવેલી એ ગોવાળણના વાળની લટને જમાદારે પોતાની પાસે સાચવીને મૂકી દીધી.
અમૃતસર શહેરની આ વહેલી સવારની ઠંડી હવામાં માંડ કોઈ એકલદોકલ નજરે આવતું હતું. બલૂચ સિપાહીઓ પાકિસ્તાનની શાન પર ગીત લલકારી રહ્યા હતા.
“પાકિસ્તાન આસમાનનો ચમકતો તારો હશે, પાકિસ્તાન દુનિયાભરમાં ઈન્સાફનું ઉદાહરણ બનશે. ગરીબો અને અનાથોનો સહારો પાકિસ્તાન બનશે. ત્યાં નહીં કોઈ જાલિમ હશે કે નહીં કોઈ પીડિત.”
ઠંડી હવામાં એમનાં અવાજની બુલંદી દૂર સુધી પહોંચતી હતી.
હવે તો એક પણ નિશાન ન ચૂકાય એમ સંગીન તૈયાર રાખીને એકએક સિપાહી ડ્રાઇવરની ડાબી-જમણી બાજુ આવીને ગોઠવાઈ ગયા. સડક પર એક મહિલા નજરે આવી. ગળામાં કિરપાણ હતી એટલે નક્કી કોઈ શીખ જ હતી. ટ્રક ડ્રાઈવરે એની સાવ નજીક ટ્રક લીધી. બીજી જ ક્ષણ, એક કારમી ચીસ અને ફરી એક અટ્ટહાસ્ય. ટ્રક તેજીથી આગળ વધી ગઈ.
ટ્રક આગળ વધતી રહી. પાછળ સંગીનથી વિંધાયેલા એક પછી એક નિશાનની ચીસો અને અટ્ટહાસ્ય મૂકતી ગઈ. જમાદારને સમજાતું નહોતું કે એ પોતાની ડાયરીમાં જાની નુકશાનના હિસાબમાં કોને કોને ઉમેરે? પણ હા, જમાદાર રમઝાનને એવો વિચાર તો આવ્યો જ કે, જતા જતા સારા શિકાર હાથ લાગ્યા. થોડીથોડી વારે ડાયરી ખોલીને એને હિસાબમાં ઉમેરો કરવાનું ગમ્યું.
જેમ શહેર દૂર થતું ગયું એમ જોખમ ઘટતું ગયું અને હવે બલૂચ સિપાહીઓની હિંમત તો વધી જ સાથે એમાં ઉમેરાયો નવા ખેલનો આનંદ.
હવાની ગતિએ આગળ વધી રહેલી ટ્રકથી થોડે દૂર આશરે ત્રણ માઇલના અંતરે પાકિસ્તાની ઝંડો નજરે પડતો હતો. “પાકિસ્તાન જિંદાબાદ”ના નારા સાથે હવે ટ્રકમાંથી કોઈ ગીતના સૂર સંભળાવા માંડ્યાં.
જરા આગળ જતા આશરે પચાસ કદમની દૂરી પર ડાબી-જમણી બાજુએ ચાલ્યા જતા ત્રણ શીખ પર બલૂચ સિપાહીઓની નજર પડી. ડ્રાઇવરની આજુબાજુમાં બેઠેલા સિપાહીઓએ આંખનાં ઈશારે જ સમજૂતી કરી લીધી. અને ક્ષણભરમાં ડાબી બાજુએ ચાલી રહેલો યુવાન, સ્ત્રી વિંધાઈ ગયાં. જમણી બાજુ પસાર થતા એ કૃશકાય બુઢ્ઢા આદમીને સંગીનની ધાર અડતાંની સાથે એ ગભરાઈને ઉછળ્યો અને ટ્રકના આગળના પૈડાં પાસે આવીને પડ્યો. એની ખોપરીને ટ્રકના વજનદાર પૈડાંથી કચરીને ટ્રક ડ્રાઇવર ઝડપથી આગળ વધી ગયો.
હવે સાવ સામે ધર્મ, સચ અને ન્યાયના પ્રતીક સમા ચાંદ-તારાવાળો પાકિસ્તાની ઝંડો દેખાતો હતો. પોતાના દેશની હવા પ્રેમથી સ્વાગત કરતી હોય એવું આ સિપાહીઓએ અનુભવ્યું. અજબ નશામાં આવેલા આ સિપાહીઓએ “ અલ્લાહો અકબર”. “પાકિસ્તાન જિંદાબાદ” નો નારો લગાવ્યો. સિપાહીઓ નારો લગાવતા હતા જ ને તેજ રફ્તારે જતી ટ્રકના ડ્રાઇવરને એક જંગલી બિલાડી ટ્રકની વચ્ચે આવતી દેખાઈ. ન્યાયના પ્રતીક સમા ઝંડા પર નજર જતાં ડ્રાઇવરે માનવતાની દૃષ્ટિએ બિલાડીને બચાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો. બિલાડી તો બચી ગઈ પણ તેજ રફ્તારે જતી ટ્રકનું બેલેન્સ ડ્રાઇવર જાળવી ન શક્યો. ટ્રક કાચા રસ્તા પર ઉતરીને જોરદાર ધક્કાથી એક મોટા ઝાડ સાથે અથડાઈને ઉથલી પડી.
પચીસ એક સામટી ચીસો અને પછી કોઈએ ગળું દબાવી દીધું હોય એવો સન્નાટો છવાઈ ગયો. ઊંધી પડેલી ટ્રકનાં એન્જિનમાંથી રેલાયેલાં પેટ્રોલથી ધડાકાભેર આગ લાગી. સડક પર કોઈ હતું નહીં જે આ બલૂચ સિપાહીઓની મદદ કરે. દૂર પાકિસ્તાનનો ઝંડો એવી જ રીતે લહેરાતો હતો અને ડરીને ઝાડ પર ચઢી ગયેલી બિલાડી આશ્ચર્યથી આંખો ફાડીને સળગતી ટ્રકને જોઈને રહી હતી.
થોડે દૂર ધર્મ, સચ અને ન્યાયના પ્રતીક સમા ચાંદ-તારાવાળો પાકિસ્તાની ઝંડો લહેરાઈ રહ્યો હતો.
કરતારસિંહ દુગ્ગલ લિખિત इन्सानियत પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૪૯. ફૈયાઝ હાશમી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
થોડાક હપ્તા પહેલા આપણે મધુકર રાજસ્થાનીની ગઝલો જોઈ. વર્ષો લગી એમના માત્ર ગૈર – ફિલ્મી ગીત અને ભજનો સાંભળ્યા બાદ કલ્પના કરવી મુશ્કેલ હતી કે એમણે ફિલ્મી ગીતો અને ગઝલો પણ લખી હશે.બિલકુલ આ જ કિસ્સો ફૈયાઝ હાશમીનો છે. ઉત્તમોતમ ગૈર – ફિલ્મી ગીતકાર એવા આ સર્જકના સદાબહાર બિન – ફિલ્મી ગીતો ઉપર નજર નાખીએ તો ખ્યાલ આવે કે આપણે કઈ હસ્તીના લેખનની વાત કરીએ છીએ :
– આજ જાને કી ઝિદ ના કરો – ફરીદા ખાનમ ( અને અન્ય ગાયકો પણ )
– તસવીર તેરી દિલ મેરા બહેલા ન સકેગી – તલત મહેમુદ
– યે રાતેં યે મોસમ યે હંસના હંસાના – પંકજ મલિક
– દિલ કો હૈ તુમસે પ્યાર ક્યું યે ન બતા સકુંગા મૈં – જગમોહન
– ભલા થા કિતના અપના બચપન – હેમંતકુમાર
જી હા, આ બધા અનમોલ રત્નોના રચયિતા ફૈયાઝ હાશમી જ છે !
વિભાજન પછી એ પાકિસ્તાન જતા રહેલા અને ત્યાં પણ ઘણી ફિલ્મોમાં ગીતો લખ્યા. કહેવાય છે કે બંને દેશોમાં ફિલ્મી અને ગૈર ફિલ્મી મળીને એમણે 2000 જેટલી રચનાઓ લખેલી !
એક રસપ્રદ આડ વાત. પાકિસ્તાનમાં એક ફિલ્મ બનેલી. બેદારી (૧૯૫૬ ). એ ફિલ્મ અહીં ભારતમાં બનેલી સત્યેન બોઝની ‘ જાગૃતિ ‘ ( ૧૯૫૪ ) ની બેઠી ઉઠાંતરી હતી એટલું જ નહીં, એના ગીતો પણ અસલ ‘ જાગૃતિ ‘ ના ગીતો ‘ દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ ‘ , ‘ હમ લાયે હે તુફાન સે કશ્તી નિકાલ કે ‘, ‘ આઓ બચ્ચોં તુમ્હેં દિખાએ ઝાંકી હિન્દુસ્તાન કી ‘ અને ‘ ચલો ચલે માં ‘ મા એકાદ-બે શબ્દોનો ફેરફાર કરી બેઠી નકલ કરવામાં આવી હતી અને આ ગીતોના લેખક તરીકે પણ નામ હતું ફૈયાઝ હાશમી સાહેબનું !
આંગળીના વેઢે ગણાય એટલી ભારતીય ફિલ્મોમાં પણ તેમણે ગીતો લખ્યા. એમની બે ગઝલો :
નીગાહોં સે શર્તે – વફા લીજીયેગા
ઈશારોં સે દિલ મેં બુલા લીજિયેગામુહબ્બત કો ઉલ્ફત બના લિજિયેગા
મેરી ચાહતોં કો છુપા લીજીયેગાયે મેહફીલ હૈ રંગીં -મિજાઝોં કી બસ્તી
યહાં દામને દિલ બચા લિજીયેગાશરાબે મુહબ્બત મેં ભર ભર કે સાગર
લગી આગ દિલ કી બુઝા લિજીયેગાજવાની કી મસ્તી ભરી શોખીયોં મેં
મેરી હસરતેં ભી છુપા લિજીયેગામેરી જાન હૈ ઔર મુહબ્બત કી દુનિયા
બતા દીજીએ આપ ક્યા લિજીયેગા..– ફિલ્મ : સુબહ શામ – ૧૯૪૪
– અનીમા દાસગુપ્તા
– સુબલ દાસગુપ્તા
ન દિલ હમારા ન તુ હમારા, ન યું નિભેગી ન યું નિભેગી
કહીં નદી હૈ કહીં કિનારા, ન યું નિભેગી ન યું નિભેગીકભી હંસા કર રુલાયા હમકો, કભી રૂલા કર હંસાયા હમકો
કભી ડુબાયા કભી ઉભારા, ન યું નિભેગી ન યું નિભેગીગલે મેં હિચકી જિગર મે છાલે પલક પે આંસુ ઝુબાં પે તાલે
કહાં પે જાયે નસીબ મારા, ન યું નિભેગી ન યું નિભેગીહૈ નીંદ મેરી તો ખ્વાબ તેરે, સવાલ મેરે જવાબ તેરે
ન હમ મે હિંમત ન તો સહારા, ન યું નિભેગી ન યું નિભેગી..– ફિલ્મ : ગિરિ બાલા – ૧૯૪૭
– કલ્યાણી દાસ
– શંકર દાસગુપ્તા
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મહેન્દ્ર શાહનાં એપ્રિલ ૨૦૨૪નાં સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah – Creations for April 2024
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
નવું નવું શીખતી રહેતી સંસ્થાના ઘડતર કરવા માટે અગ્રણીએ ધ્યાનમાં રાખવા જેવા ૧૦ પદાર્થપાઠ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
જેક વેલ્સનું કહેવું રહ્યું છે કે ,
“સંસ્થાની શીખતાં રહેતાં અને જે શીખ્યું તેને ઝડપથી અમલમાં મુકી શકવાની, ક્ષમતા એ સૌથી મોટો સ્પર્ધાત્મક ફાયદો નીવડી શકે છે.”
ધાર્યાં વ્યાવસાયિક પરિણામો લઈ આવવા માટે સતત શીખવું અને તેનું યથોચિત અમલીકરણ એ સફળ સંસ્થાઓના મૂળમાં છે.
પીટર સેન્ગેએ શીખતી રહેતી સંસ્થાની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “જ્યાં લોકો તેમની ખરેખર ઈચ્છા હોય તેવા પરિણામો લઈ આવતાં રહેવાની તેમની ક્ષમતાનો સતત વિસ્તાર કરે છે, જ્યાં વિચારની નવી અને વિસ્તૃત પરિભાષાને પોષવામાં આવે છે, જ્યાં સામૂહિક મહત્વાકાંક્ષા મુક્તપણે ફૂલેફાલે છે, અને જ્યાં લોકો સમગ્ર ચિત્રને નજરમાં રાખવાનું સતત શીખતા હોય છે.”
વ્યક્તિઓ, ટીમો અને તેથી સંસ્થા માટે સતત શીખતાં રહેવાની સંસ્કૃતિનું વાતાવરણ બની રહે એ માટે સંસ્થાના અગ્રણીએ આ ૧૦ ટોચના પદાર્થપાઠો ધ્યાનમાં રાખતાં રહેવું જોઈએ:
- લોકોને જાતે કામ કરવાનું શીખવાની દોરવણી આપો. લોકો સૌથી વધુ ત્યારે શીખે છે જ્યારે તેઓ અર્થપૂર્ણ પરિણામો લાવવા માટે તેમના જ્ઞાનનો જાતે અમલ કરે છે.
- યાદ રહે કે તાલીમ માત્ર જ્ઞાન આપવાનું એક સાધન છે. પોતે શીખેલા પાઠ અંદર અંદર વહેંચવા, વાર્તાઓ રૂપે અનુભવો કહેવા, કાર્ય કરવાનું, ભૂલો કરવી અને સતત સુધારા કરતા રહેવું એ બધું સતત શીખતાં રહેવાની ચાવીઓ છે.
- નવું શીખતાં રહેવાનું વાતાવરણ બનાવવા માટે મધ્ય કક્ષાના મેનેજરોને સામેલ કરો, કારણ કે તેઓ જ શીખવાનું ખરૂં ચાલક બળ છે, માવ સંસાધન ટીમ તો માત્ર ઉદ્દીપક બની શકે.
- તમારી પ્રક્રિયાઓમાં શીખતાં રહેવાને વિશેષ કરીને સામેલ કરો. શું સારું થયું / શું સારું થઈ શક્યું કે થઈ શકે તેના પર નજર રાખવા માટે સમયે સમયે સમીક્ષા બેઠકો અને પશ્ચાતદર્શી વિચાર કાર્યશાળાઓ વગેરેને નિયમિતપણે અનુસરવાની પ્રથા પાડો.
- તમારી ટીમોને વિવિધ જ્ઞાન મેળવવાના સંસાધનો જેવા કે પુસ્તકો, સોશિયલ મીડિયા, ઓનલાઈન વિડિયો, મિશ્ર પશ્ચાદભૂ, અનુભવો, કાર્યક્ષેત્રો, પ્રદેશોમાંથી આવતાં કર્મ્ચારીઓની ટીમો જેવાં વૈવિધ્યપૂર્ણ વાતાવરણમાં કામ કરવા માટેની તક આપતાં રહો.
- નવું શીખવાની પ્રક્રિયાને વેગ આપવા અને જ્ઞાનની સુલભતા સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરો. મહત્ત્વની બાબત એ છે કે બ્લોગ્સ, વિકિ અને ફોરમ જેવા ઘણાં ઉપયોગી સાધનો હવે સહેલાઈથી ઉપલબ્ધ બન્યાં છે.
- મહત્વપૂર્ણ પરિવર્તનોને લગતી પહેલમાં લાગતાં વળગતાં લોકોને સામેલ કરો જેથી તેઓ નવું શીખવાના મહત્વના પાઠ એવાં પરિવર્તન સંચાલન વિશે શીખે અને વિવિધ પ્રકારના લોકો સાથે કામ કરે.
- વૈકલ્પિક વિચારો પેદા કરવાની અને જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવા માટેની લોકોની ક્ષમતાઓને પ્રોત્સાહન આપો.
- નવું નવું શીખવું એ ટુંકા ગાળાનાં લક્ષ્યોનાં કોષ્ટકોમાં બંધ બેસાડવાનો વિષય નથી. બહુ સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે કે નવું નવું શીખવું એ લાંબા ગાળાની વસ્તુ છે, એટલે તેની પ્રગતિને માપવા માટેનાં માપ તેમ જ સીમાચિહ્નો માટે ચીલાચાલુ ધોરણો અપર્યાપ્ત નીવડે છે. જે સંખ્યાઓમાં માપી શકાતી નથી. નવું શીખવાનાં પરિણામો માટે ટીમોનાં વિચાર અને વર્તનમાં જોવા મળતા ફેરફારોને પારખવાની ક્ષમતા વિકસાવવી આવશ્યક બની રહે છે,
- લોકોને ભૂલો કરવા બાબતે ટોકો નહી, બલ્કે પોતાની ભુલો સ્વીકારવા, સમજવા અને તેમાંથી નવું શીખવાને પ્રોત્સાહન આપતાં રહો. પયોગશીલ થવા પર પાબંદીનો જેવી કિંમત નવી વસ્તુઓ અજમાવવા માટે ચૂકવવી પડે તો લોકો ક્યારેય પ્રયોગ કરશે નહીં.
મહત્ત્વનો પ્રશ્ન: તમારી ટીમ/સંસ્થા સતત શીખે છે તેની ખાતરી કરવા માટે અત્યારે કઈ પદ્ધતિઓ અપનાવી રહ્યાં છો? સંસ્થા/ગ્રાહકો/ કર્મચારીઓ પર હકારાત્મક અસર માટે તે નવું શીખવા બાબતે લાગુ પડે છે?
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
૪૦ : ૭૦નો નિયમ
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ




આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
