ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં કદાચ સિતાર તેમાંથી નિષ્પન્ન થતા સ્વરોની ગુણવતા અને માધુર્યને લઈને ટોચ ઉપર બીરાજે છે. લગભગ ૫૦૦-૬૦૦ વર્ષ પહેલાં ભારતીય ઉપખંડમાં આ વાદ્ય ક્રમશ: વિકસ્યું હોવાનું માનવામાં આવે છે. આ વાદ્યની રચના અને તેના વાદનની પદ્ધતિ એટલાં સંકિર્ણ છે કે પ્રસ્તુત લેખમાં સાવ સરળ શૈલીમાં તેનો પ્રાથમિક પરિચય પૂરતો છે.

ઉપરની છબીમાં જોઈ શકાય છે તેમ તેની રચનામાં એક તુંબડા સાથે લાંબી ગ્રીવા જોડાયેલી હોય છે. તે બન્નેને સાંકળી લેતા તાર જોડવામાં આવે છે. સિતારના પ્રકાર પ્રમાણે પાંચ કે છ મુખ્ય તાર અને પંદરથી એકવીશ જેટલા અનુતાર હોય છે. અપેક્ષિત સ્વરો મુખ્ય તારો વડે નિષ્પન્ન કરવામાં આવે છે, જ્યારે અનુતારોનો ઉપયોગ વાદન દરમિયાન વિશિષ્ટ અસર ઉભી કરવા માટે થાય છે. ગ્રીવા સાથે પરદા તરીકે ઓળખાતી રચનાઓ જોડાયેલી હોય છે. સિતારને વગાડવા માટે તેના તુંબડા પાસેના તારોને ઝંકૃત કરવામાં આવે છે. આ માટે મિઝરાબ તરીકે ઓળખાતી ધાતુની રચનાને આંગળીમાં પહેરીને તેના વડે જે તે તાર ઉપર પ્રહાર કરવામાં આવે છે.

મિઝરાબ

 

ઝંકૃત થયેલા તારોમાંથી જે સ્વર ઉત્પન્ન થાય છે તેને યોગ્ય પ્રમાણમાં નિયંત્રિત કરવા માટે ગ્રીવા ઉપરના ચોક્કસ પરદાને દબાવવામાં આવે છે. આમ થતાં અપેક્ષિત સ્વર વગાડી શકાય છે. આટલા પ્રાથમિક પરિચય પછી હવે ઉસ્તાદ શહીદ પરવેઝ નામના આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ કલાકારનું સિતારવાદન સાંભળીએ.

 

આ વાદન પરથી સિતારના સૂરનો ધ્વનિ કેવો હોય છે એનો ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ વધીએ, કેટલાંક સિતારપ્રધાન હિન્દી ફિલ્મી ગીતો માણવા તરફ.

૧૯૪૪ની ફિલ્મ ‘મેરી બહન’/’માય સીસ્ટર’માં પંકજ મલ્લિકના સ્વરનિર્દેશનમાં કે.એલ.સાયગલે ગાયેલા ગીત દો નૈના મતવારે તિહારે’ સાથેના સાદા વાદ્યવૃંદમાં સિતારના સ્વરો આસાનીથી ઓળખી શકાય છે.

https://youtu.be/T_URwqxX5lE?si=Oolb_dJXg5YbZ4yi

ફિલ્મ ‘આશીયાના’ (૧૯૫૨)નું ગીત મૈં પાગલ મેરા મનવા પાગલ સાંભળીએ. મદન મોહનના સંગીતનિર્દેશનમાં આ ગીતંને સ્વર આપ્યો છે તલત મહમૂદે. આ ગીતમાં પણ સાદા વાદ્યવૃંદમાં સિતારની હાજરી પારખી શકાય છે.

૧૯૫૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ચોરીચોરી’માં સંગીત શંકર-જયકિશનનું હતું. તેનું લતા મંગેશકરે ગાયેલું ગીત રસિક બલમા ભારે લોકપ્રિય બની રહ્યું છે. આજે ૬૭ વર્ષ પછી પણ તેની લોકપ્રિયતા બરકરાર છે. ખાસ કરીને સિતારના અંશો ખુબ જ કર્ણપ્રિય છે.

સંગીતકાર દત્તા નાયક એન. દત્તાના નામે ફિલ્મોમાં સંગીત આપતા હતા. તેમના સંગીતવાળી ફિલ્મ ‘ચન્દ્રકાંતા’ (૧૯૫૬)નું એક જાણીતું ગીત મૈંને ચાંદ ઔર સિતારોં કી તમન્ના કી થી માણીએ. આરંભથી અંત સુધી સિતારના અંશો કાને પડતા રહે છે.

આ જ સંગીતકારનું એક વધુ સ્વરનિયોજન સાંભળીએ. ફિલ્મ ‘ધૂલ કા ફૂલ'(૧૯૫૯)ના આ નૃત્યગીત કૈસે કહૂં મન કી બાત માં સિતારના બહુ મનભાવન અંશો છે.

૧૯૫૯ની જ ફિલ્મ ‘મૈં નશે મેં હૂં’માં શંકર-જયકિશનનું સંગીત હતું. આ ફિલ્મનું એક સિતારપ્રધાન ગીત સજન સંગ કાહે નેહા લગાયે માણીએ. નોંધનીય છે કે પરદા ઉપર નાયિકાના હાથમાં જે વાજીંત્ર જોવા મળે છે તે સિતાર નહીં હોતાં તંબૂર/તાનપૂરો છે. પ્રાથમિક દૃષ્ટીએ સિતાર જેવા જ દેખાતા આ વાદ્યનો ઉપયોગ ગાયન/વાદન દરમિયાન પશ્ચાદભૂમાં ચોક્કસ સ્વરો પૂરા પાડવા માટે થાય છે.

ફિલ્મ ‘કોહીનૂર'(૧૯૬૦)નાં નૌશાદે સ્વરબદ્ધ કરેલાં ગીતો આજે પણ ખાસ્સાં લોકપ્રિય છે. તે પૈકીનું નૃત્યગીત મધૂબન મેં રાધિકા નાચે રે હિન્દી ફિલ્મી ગીતોના ઈતિહાસમાં ટોચનું સ્થાન ધરાવે છે. 4.28 થી 4.52ના સમયગાળામાં એકલ સિતારવાદન શરૂ થાય છે, જ્યાં પરદા ઉપર નાયકને સિતાર વગાડતા જોઈ શકાય છે. તે સમયનું શાસ્ત્રીય વાદન ખુબ જ પ્રભાવશાળી છે.

૧૯૬૦ની સાલમાં જ ફિલ્મ ‘પરખ’ રજૂ થઈ હતી. સંગીતકાર સલિલ ચૌધરીના નિર્દેશનમાં બનેલું આ ગીત ઓ સજના બરખા બહાર આયી સિતારના મધુર અંશોથી ભરપૂર છે.

સિતારના શોખીનોથી પંડીત રવિશંકરનું નામ અજાણ્યું નથી. શાસ્ત્રીય સંગીતના ઉચ્ચ કોટીના જાણકારો તેમને બિનવિવાસ્પદ રીતે શ્રેષ્ઠ સિતારવાદક ગણાવે છે. સિતારને દેશવિદેશમાં લોકપ્રિય બનાવવામાં તેમનો મોટો ફાળો છે. આ ઉપરાંત રવિશંકરે કેટલીક ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે અને તેમાં પોતાની આગવી છાપ છોડી છે. ફિલ્મ ‘અનુરાધા’માં તેમનું સંગીત હતું. તે ફિલ્મનું ગીત સાંવરે સાંવરે માણીએ.

રવિશંકરના નિર્દેશનમાં બનેલું વધુ એક સિતારપ્રધાન ગીત હીયા જરત રહત દિન રૈન સાંભળીએ. આ ગીત ૧૯૬૩ની ફિલ્મ ‘ગોદાનનું છે. અગાઉના ગીતમાં અણીશુદ્ધ ગાયન-વાદનનો પ્રયોગ થયો છે, જ્યારે આ ગીત સંપૂર્ણ ગામઠી શૈલીમાં બનાવવામાં આવ્યું છે.

એ જ વર્ષે પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘બ્લફ માસ્ટર’માં કલ્યાણજી-આણંદજીનું સંગીતનિર્દેશન હતું. તેના ગીત બેદર્દી દગાબાજ જાના વાદ્યવૃંદમાં સિતારનું પ્રભુત્વ જણાઈ આવે છે.

 

આજની કડીમાં અહીં વિરામ. આવતી કડીમાં સિતારનો ઉપયોગ થયો હોય એવાં કેટલાંક વધુ ગીતો વિશે.


નોંધ :

૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com