ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

આજે વાત અખ્તર શીરાનીની. ( અખ્તર એટલે સિતારો )મૂળ નામ મોહમ્મદ દાઉદ ખાન. બીજા અનેક શાયરોની જેમ જન્મ વર્તમાન ભારતના રાજસ્થાનમાં અને ઈંતેકાલ હાલના પાકિસ્તાનમાં માત્ર ૪૩ વર્ષની વયે ૧૯૪૮ માં. એમનો એક પ્રખ્યાત શેર છે :

મિટ ચલે મેરી ઉમ્મીદોં કી તરહ હર્ફ મગર
આજ તક તેરે ખતોં સે તેરી ખુશ્બૂ ન ગઈ

અખ્તર સાહેબ લાહૌરમાં પત્રકાર હતા અને અનેક સામયિકોનું સંપાદન પણ કરેલું. એમણે કહેલું ‘ કવિનું કામ જીવનના સૌંદર્યને નીરખવાનું, એનું આચમન કરાવવાનું છે. જીવનના ઝખ્મો રુઝવવાનો પ્રયત્ન એનું કામ નથી. ‘ ઉર્દૂમાં સોનેટ લખવાની શરુઆત એમણે કરેલી. ત્યારના અનેક મેગેઝીનમાં અલગ અલગ ઉપનામથી એ કટાર લેખન કરતા. એમની રચનાઓમાં રોમાંસના બાહુલ્યના કારણે એ ‘ શાયરે રૂમાન ‘ કહેવાતા. સુપ્રસિદ્ધ પાકિસ્તાની ગાયિકા નય્યરા નૂરે એમની નઝ્મ ‘ ઐ ઈશ્ક હમેં બરબાદ ન કર ‘ અદ્ભુત રીતે ગાઈ છે.

હિંદી ફિલ્મોમાં એમણે માત્ર બે ફિલ્મોમાં કુલ ૯ ગીતો લખ્યા. ‘ નૌકર ‘ (૧૯૪૩) અને ‘ રોમિયો એંડ જૂલિયટ ‘ (૧૯૪૭). ગઝલ માત્ર એક જ. પેશ છે :

 

તુમ્હેં સિતારોં ને બે-ઈખ્તિયાર1  દેખા હૈ
શદીદ2 ચાંદ ને ભી બાર – બાર દેખા હૈ

કભી જો બેઠી હો ગેસુ સંવારને કે લિયે
તો આઈને ને  તુમ્હેં હમકનાર દેખા હૈ

સુનહરે  પાની  મેં ચાંદી સે  પાંવ  લટકાએ
શફક4 ને તુમકો સરે-જૂ-એ-બાર5 દેખા હૈ

કભી  ગઈ  હો  ચમન  મેં તો  શોખ ફૂલોં ને
નિગાહે – શોખ6 સે મસ્તાના-વાર7 દેખા હૈ

ગરઝ મઝાહિદે-કુદરત8 ને હર તરફ તુમકો
હઝાર  બાર  નહીં, લાખ  બાર  દેખા  હૈ

મગર મેરી નિગાહે-શૌક કો શિકાયત હૈ
કે ઉસને તુમકો ફકત એક બાર દેખા હૈ ..

( 1 પ્રચૂર , 2 તીવ્ર , 3 સંલગ્ન , 4 લાલિમા , 5 નદી સમક્ષ , 6 ચંચળ નજર , 7 ઉનમુક્ત કે લાપરવાહ , 8 પરાક્રમી કુદરત )

– ફિલ્મ : રોમિયો એંડ જૂલિયટ ૧૯૪૭

– જી એમ દુર્રાની

– હુસ્નલાલ ભગતરામ


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.