-
ડૉક્ટરએ સુવાચ્ય હસ્તાક્ષરે લખવું- આદેશથી
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
જૂનો અને આમ તો જાણીતો ટુચકો છે. એક યુવતી એક ડૉક્ટરના પ્રેમમાં પડી. પ્રેમી ડૉક્ટરે તેને પ્રેમપત્ર લખી મોકલ્યો. યુવતીને એ પત્રના અક્ષરો ઊકલ્યા નહીં, આથી તેને ઊકેલાવવા માટે તે એક કેમિસ્ટ પાસે ગઈ. કેમિસ્ટે એ વાંચીને યુવતીના હાથમાં દવા પકડાવી દીધી.
બીજો ટુચકો પણ આ જ પ્રકારનો છે. પ્રેમી ડૉક્ટરના પ્રેમપત્રો પ્રેમિકા પર આવતા અને પ્રેમિકા એ વંચાવવા માટે કેમિસ્ટ પાસે જતી. આખરે કેમિસ્ટ અને પ્રેમિકા બન્ને પરણી ગયાં.
આ બન્ને ટુચકા અલબત્ત, અતિશયોક્તિભર્યા છે, અને તેનો આશય રમૂજનો છે, પણ એ બન્નેમાં કશું સામાન્ય હોય તો પત્રમાં લખાયેલું ડૉક્ટરનું અવાચ્ય લખાણ. અવાચ્ય અક્ષરમાં લખાયેલા લખાણ માટે ‘ડૉક્ટર રાઈટિંગ’ શબ્દપ્રયોગ પ્રચલિત છે. દર્દીને દવાઓ લખી આપતા ડૉક્ટરના અવાચ્ય અક્ષરો અપવાદને બાદ કરતાં લગભગ એક નિયમ લેખે જોવા મળે છે. આ બાબત પર અનેક રમૂજો તેમજ કાર્ટૂન બનતાં રહ્યાં છે. અલબત્ત, ઓડિસાની વડી અદાલતે જાન્યુઆરી, 2024ના બીજા સપ્તાહ દરમિયાન રાજ્યના સ્વાસ્થ્ય વિભાગને આદેશ કર્યો છે કે ડૉક્ટરો તમામ પ્રિસ્ક્રીપ્શન, પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ અન્ય દસ્તાવેજો અંગ્રેજીના કેપિટલ અક્ષરમાં અથવા કમ સે કમ સુવાચ્ય અક્ષરોમાં લખે. કેમ કે, સામાન્ય માણસોની જેમ જ ન્યાયતંત્રના લોકોને પણ ડૉક્ટરોના વાંકાચૂકા અક્ષરોવાળું લખાણ ઊકેલવું મુશ્કેલ બની રહે છે.
ડૉક્ટરોના હસ્તાક્ષર લગભગ ગરબડિયા, વાંકાચૂકા કે અવાચ્ય હોય એ બાબતે કેટલીક પૂર્વધારણાઓ પ્રચલિત છે. એક સંભવિત કારણ એ મનાય છે કે જાહેર સ્વાસ્થ્યની સુવિધા પર ભારે દબાણ હોય છે, જેને પહોંચી વળવા માટે ડૉક્ટરો હંમેશાં ઉતાવળમાં હોય છે. અન્ય એક કારણ અનુસાર તબીબી પરિભાષા જટિલ હોય છે અને હાથ વડે તેને સાચી રીતે લખવા જતાં ભૂલ થવાની સંભાવના રહે છે, આથી ડૉક્ટરો પાછલા શબ્દોમાં લિસોટા તાણી દે છે. અન્ય એક કારણ હળવાશભર્યું છે, જેના અનુસાર ડૉક્ટરો પોતાનું તબીબી જ્ઞાન વર્તમાન સમયના પ્રચંડ માહિતીસ્રોત જેવા સર્ચ એન્જિન ગૂગલની પહોંચથી બહાર રાખવા માંગે છે. આ બધાં સાચાં, અડધા સાચાં કે સાવ ખોટાં- પણ વિવિધ કારણો અંતે એક જ હકીકત તરફ દોરી જાય છે.
આ અગાઉ ૨૦૨૦માં પણ ઓડિસાની વડી અદાલતે આવો જ આદેશ આપ્યો હતો. એ સમયે ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે તબીબી પ્રિસ્ક્રીપ્શનમાં કોઈ પણ જાતની અનિશ્ચિતતા કે અર્થઘટન માટે અવકાશ હોવો જોઈએ નહીં. એક કેદી દ્વારા એક મહિના માટે વચગાળાના જામીન લેવા માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રીપ્શન રજૂ કરવામાં આવ્યું હતું. એ કેદીને પોતાની બિમાર પત્નીની સંભાળ લેવા માટે જામીન જોઈતા હતા. એ સમયે ડૉક્ટરનું લખેલું લખાણ ન્યાયમૂર્તિને ઊકલ્યું ન હોવાથી તેમણે આ આદેશ ફરમાવ્યો હતો.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી આ વખતે રસાનંદ ભોઈ નામના ફરિયાદી દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનવણી હતી. રસાનંદના પુત્રનું સર્પદંશથી મૃત્યુ થતાં તેમણે રાજ્ય સરકાર પાસે રહેમરાહે વળતરની માગણી મૂકી હતી. અગાઉ અદાલતે મૃતકના દેહનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરને હાજર રહેવા તેમજ પોતાનો અભિપ્રાય આપવા જણાવ્યું હતું. એ મુજબ ડૉક્ટર ઑનલાઈન હાજર થયા હતા અને નિર્ધારીત પત્રકમાં લખીને પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. એ વાંચવાનો પ્રયત્ન અદાલતે કરતાં તે અવાચ્ય જણાયું હતું, જેને કારણે અદાલતે આ આદેશ જારી કર્યો હતો.
ન્યાયમૂર્તિ એસ.કે.પાણીગ્રહીએ આદેશમાં જણાવ્યું હતું કે ઘણાખરા કિસ્સામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ લખતા મોટા ભાગના ડૉક્ટરોનો અનૌપચારિક અભિગમ તબીબી-કાનૂની દસ્તાવેજોને સમજવામાં વિપરીત અસર કરે છે. ન્યાયતંત્રને એ અક્ષરો ઊકેલીને નિર્ધારીત તારણ પર આવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. આથી રાજ્યના ચીફ સેક્રેટરીને એક પરિપત્ર બહાર પાડવા સૂચના આપવામાં આવે છે કે તમામ સ્વાસ્થ્ય કેન્દ્રો, ખાનગી દવાખાનાં તેમજ તબીબી કૉલેજો અને હોસ્પિટલોના ડૉક્ટરો સુવાચ્ય અક્ષરે યા ટાઈપ કરીને દવાઓ કે તબીબી-કાનૂની દસ્તાવેજો લખે.
અંગ્રેજી અખબાર ‘ધ ઈકોનોમિક ટાઈમ્સ’માં જણાવ્યા મુજબ, એક અહેવાલ અનુસાર અમેરિકામાં વરસેદહાડે સાતેક હજાર લોકો ડૉક્ટરના ગરબડિયા અક્ષરોને કારણે મરણને શરણ થાય છે. કામના વધુ પડતા કલાકોને લઈને તેમજ તાણ અને જટિલ તબીબી પરિભાષાને કારણે ડૉક્ટરો ઉતાવળમાં હોય છે અને એ કારણે તેઓ આમ કરતા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આના ઊકેલરૂપે દર્દીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે સુરક્ષા ખાતર તેઓ ડૉક્ટર પાસે ઈલેક્ટ્રોનિક સ્વરૂપે પ્રિસ્ક્રીપ્શન માગવાનો આગ્રહ રાખે.
ઓડિસાની અદાલતના આ આદેશનું પાલન થશે કે કેમ અથવા તો કેટલી હદે થશે એ કહેવું મુશ્કેલ છે. ડૉક્ટરોના આવા લક્ષણનો ઊકેલ વિચારવો અઘરો છે, કેમ કે, એ સમસ્યા કોઈ એક દેશ પૂરતી સીમિત નથી. એ લગભગ સાર્વત્રિક છે. એનું કારણ એ જ કે ડૉક્ટરોની કાર્યપદ્ધતિમાં ઝાઝો ફરક નથી હોતો. અલબત્ત, ઘણા ડૉક્ટર કમ્પ્યુટર દ્વારા ટાઈપ કરીને પ્રિન્ટ આપે છે, પણ એ પદ્ધતિ સર્વસ્વીકૃત બની નથી. ડૉક્ટરો પોતે પણ આ હકીકતથી વાકેફ હશે. તેમને કેવળ કાયદા દ્વારા આમ કરવાની ફરજ પાડવાથી પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા ઓછી છે. એમ જ હોત તો, ઓડિસાની અદાલતે ચારેક વર્ષ પછી એનો એ આદેશ ફરી બહાર પાડવો ન પડત.
તબીબોનાં વિવિધ મંડળ પોતપોતાના સ્તરે આ બાબતે વિચારણા કરીને કશુંક કરે એ અપેક્ષિત છે. એ માટે તેમણે પોતાના સિવાયના અન્યોની દૃષ્ટિએ વિચારવું પડે. પરિસ્થિતિમાં રાતોરાત ફેરફાર કરવો મુશ્કેલ જણાય, પણ એ દિશામાં વિચારવાનો આરંભ થાય તો એટલું મુશ્કેલ જણાતું નથી.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫ – ૦૧ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સાલસતા
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
એક સર્વ સામાન્ય માન્યતા…..
“હું જ સાચો અથવા હું જ સાચી. મારી તો ભૂલથી પણ ભૂલ ના જ હોય. મેં જે કઈ કીધું એ સમજવામાં તમારી જ ભૂલ હશે…” વગેરે વગેરે વગેરે…
આવું જ હંમેશા બનતું આવ્યું છે અને મોટાભાગે બનતું રહેવાનું છે. તો પછી આમ આદમી અને અનોખી વ્યક્તિ વચ્ચે શું ફરક? તો ચાલો એ પણ જોઇએ..
અંગ્રેજોનું રાજ્ય હતું. એમની ગુલામીમાંથી ભારતને મુક્ત કરાવવા ગાંધીજીનો શું ફાળો હતો એ પણ સૌ જાણે છે પરંતુ ગાંધીજી અને શ્રીમતી એની બેસન્ટ વચ્ચે ક્યાંક કોઇ મુદ્દે મતભેદ રહેતા હતા એ કદાચ થોડા-ઘણા લોકો જ જાણતા હશે.
મુંબઈ ખાતે શ્રીમતી એની બેસન્ટના જન્મદિને એક સમારોહનું આયોજન થયું હતું જેના અધ્યક્ષપદે ગાંધીજીની નિમણૂંક થઈ હતી. હવે આવા અભિવાદનના સમયે સ્પષ્ટ વકતા તરીકે ગાંધીજી શું બોલશે અને એના કેવા પ્રત્યાઘાત આવશે એ જાણવાની સ્વભાવિક રીતે સૌને અધીરાઈ હતી
ગાંધીજીએ માઇક હાથમાં લીધુ કે સભાગૃહમાં સન્નાટો છવાઈ ગયો. ગાંધીજીએ એમની એકદમ હળવી શૈલીમાં અત્યંત સાહજિકતાથી પ્રવચન શરૂ કર્યું. જેનો સાર એવો હતો કે ગાંધીજી શ્રીમતી એની બેસન્ટને ઘણા લાંબા અરસાથી જાણતા હતા અને લંડનના વિક્ટોરિયા હોલમાં એમનું પ્રવચન સાંભળ્યું ત્યારથી એની બેસન્ટ માટે એમને આદરભાવ ઉપજ્યો હતો. એની બેસન્ટ એમના માટે એક સન્માનનીય મહિલા હતા. આગળ વધીને એમણે એમ કહ્યું કે શ્રીમતી એની બેસન્ટની અગણિત સેવાઓ માટે જો એમને કંઇક કહેવાનું હોય તો એનું વર્ણન કરવા શેષનાગની જેમ હજાર જીભની જરૂર પડશે.
ગાંધીજીએ અત્યંત નિખાલસતાપૂર્વક કહ્યું હતું કે શ્રીમતી એની બેસન્ટ અને એમની વચ્ચે જે કોઇ મતભેદ હતા ત્યારે એમાં એમને પોતાની જ ભૂલ જણાઇ હતી. એમણે પોતાના વક્તવ્યને સમર્થન આપવા એક દ્રષ્ટાંત આપ્યું કે “આપણે સૂરજ સામે ખુલ્લી આંખે ન જોઇ શકીએ તો એમાં દોષ સૂરજનો નહીં પણ આપણી આંખોનો હોય છે. આપણી કીકીઓનો હોય છે.”
સરળતા, સાલસતા, સલૂકાઈ, એ જ વ્યક્તિને આમ વ્યક્તિમાંથી અનોખી બનાવે છે. અન્યનો જ માત્ર દોષ તો સૌ કોઇ શોધી શકે પરંતુ મતભેદની વચ્ચે પણ સામેની વ્યક્તિનું સૌંદર્ય પારખે એવી વિશિષ્ટતા-વિલક્ષણતા કે તટસ્થતા તો ભાગ્યેજ કોઇમાં હોય.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મોહમ્મદ રફી – ‘એ’ થી ‘ઝેડ’ પરથી શરૂ થતાં સૉલો ગીતો (૧)
મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ: યાદોની સફર તેમનાં ગીતોને સહારે
અનુવાદ અને સંકલન: અશોક વૈષ્ણવ
મોહમ્મદ રફી હિન્દી ફિલ્મોના નિર્વિવાદપણે સૌથી સર્વતોમુખી પાર્શ્વગાયક છે. ભજન, કવ્વાલી, રોમેન્ટિક, દેશભક્તિ, ગઝલ, કોમેડીથી માંડીને શાસ્ત્રીય સંગીત પ્રકારનાં ગીતો કે ખુશી કે ગમનાં ગીતો હોય મોહમ્મદ રફી હિંદી ફિલ્મ સંગીતના સમગ્ર રંગપટ સમાન સહજતાથી છવાયેલા જોવા મળે છે. તેમના અવાજનું બીજું એક અનોખું પાસું એ હતું કે કોઈ પણ ખાસ પ્રયત્નો કર્યા વિના, તેઓ પરદા પર જે અભિનેતા અભિનય કરતા હોય તેની અભિનય શૈલીને પ્રતિબિંબ કરે એ રીતે ગીતને રજુ કરી શકતા. તેમની આ અનન્ય સામર્થ્યે દિલીપ કુમાર, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમારના અભિનયને સુરોની ઓળખ આપી. જોની વોકરનાં ગીતો તો સાંભળતાં વેંત જ તેમની પરદા પરની અદ્દલોઅદ્દલ તસ્વીર આંખો સામે આવી રહે. તો મેહમૂદ માટે તેમણે પોતાના અવાજને એટલી જ સહજતાથી ઢાળ્યો. તેમણે ગાયેલાં ૪૮૦૦ થી વધુ હિન્દી ફિલ્મ ગીતો, આંકડાની દૃષ્ટિએ પણ, કોઈપણ પુરૂષ પાર્શ્વગાયક દ્વારા ગવાયેલાં ગીતો કરતાં અનેક ગણાં વધુ છે, ‘આરાધના’ (૧૯૭૯) પછી પોતાની બીજી ઈનિંગ્સમાં નવી પેઢીઓના અભિનેતાના સ્વર તરીકે છવાઈ ગયેલા કિશોર કુમારનાં ગીત્ની સંખ્યાને પણ આ આંકડૉ બહુ પાછળ છોડી દે છે. તેમની સંખ્યા માત્ર બે મહાન મંગેશકર બહેનો – લતા મંગેશકર અને આશા ભોસલે કરતાં જ ઓછી છે.
તેમના સમકાલિન એવા મન્ના ડે, મુકેશ, હેમંત કુમાર અને તલત મહેમૂદ જેવા અન્ય પુરૂષ પાર્શ્વગાયકોનો પોત્પોતાનૉ આગવો, સશક્ત, ચાહક વર્ગ હતો. મજબૂત ચાહક વર્ગ હતો, સંખ્યાની દૃષ્ટિએ તેઓ રફી કરતાં લગભગ ચારથી દસના ગુણાંકથી પાછળ ભલે દેખાય પણ વિશિષ્ટ ગાયકો હોવાને કારણે એ દરેક ગાયકોની શૈલી અને મોહમ્મદ રફીની એ જ પ્રકારનાં ગીતો ગાવાની શૈલી સાથે સરખામણી અસ્થાને જ ગણાય.
મોહમ્મદ રફીનો જન્મ અમૃતસર જિલ્લાના કોટલા સુલતાન સિંહ નામના ગામના પંજાબી જાટ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમણે લાહોરમાં તેમના શરૂઆતના વર્ષો વિતાવ્યાં. શાસ્ત્રીય સંગીતના ઘણા દિગ્ગજ કલાકારો પાસેથી સંગીત શીખ્યા અને ત્યાં તેમના સંગીતની પ્રેરણા મેળવી. તેમણે કિશોરાવસ્થામાં જ ગાવાનું શરૂ કર્યું હતું. વારંવાર પુનરાવર્તિત થઈ ચુઈ હોવા છતાં તેમને જાહેરમાં પ્રસિદ્ધિ કે એલ સાયગલનાં ગીત ને અચાનક જ ગાવા મળેલ તકથી મળી એ ઘટના બહુ રોમાંચક જ બની રહે છે. એકવાર સુપ્રસિદ્ધ કે એલ સાયગલ લાહોરમાં જાહેર કાર્યક્રમ માટે આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માઈક ફેલ થતાં પ્રેક્ષકોમાં હોબાળો મચી ગયો હતો. ત્યારે એક યુવાન છોકરા તરીકે રફીએ મંચ પર આવીને શ્રોતાવર્ગને જકડી રાખ્યો. તેમના ચાહક વર્ગ સાથેની તેમની આ પકડ ભરવરસાદ વચ્ચે નીકળેલી અંતિમ યાત્રામાં ઠલવાયેલી જનમેદની સુધી જીવંત રહી. માઈક વગર એ ગીતથી જે ભુરકી તેમણે તેમના ચાહક વર્ગ પર રાખી જ એ જ સંમોહક અસર તેમણે રેકોર્ડીંગ સમયે માઈક સાથેનાં અંતરની ખુબીઓને પોતાની ગાયકીમાં વણી લઈને વધુ નિખારી.ફિલ્મ સંગીતના ક્ષેત્રે તેમનું પદાર્પણ લાહોરમાં સંગીતકાર શ્યામ સુંદરના નેજા હેઠળ પંજાબી ફિલ્મ ગુલ બલોચ (૧૯૪૪) માં થયું. શ્યામ સુંદરને ૧૯૪૪ની ફિલ્મ વિલેજ ગર્લ માટે મોહમ્મદ રફીનું પહેલ વહેલું ફિલ્મ ગીત રેકોર્ડ કરવાનું શ્રેય આપવામાં આવે છે. આ ગીત માટે તેમને રુ.. ૧૦નો પુરસ્કાર મળેલો. પરંતુ ફિલ્મ વિલંબમાં પડી અને ૧૯૪૫માં રિલીઝ થઈ. આ પહેલાં રફી સાહેબનો અવાજ પ્રથમ વખત સંગીત નિર્દેશક નૌશાદની ફિલ્મ ‘પહેલે આપ’ (૧૯૪૪)નાં સમુહ ગીત હિંદુસ્તાન કે હમ હૈ હિદોસ્તાં હમારા હિંદુ મુસ્લ્મીમ દોનોંકૉ આંખકા તારામાં સાંભળવા મળ્યો. સમય જતાં રફીનો સ્વર નૌશાદ માટે પ્રથમ પસંદગી બની ગયો. ‘૫૦ના દાયકાના મધ્ય સુધીમાં અન્ય ટોચના સંગીતકારો માટે પણ મોહમ્મદ રફીનો અવાજ પહેલી પસંદગીનો અવાજ બની ગયો. કિશોર કુમારના ખૂબ જ ચાક એવા એસ.ડી. બર્મને પણ તેમના અને રફી માટે લગભગ સમાન સંખ્યામાં ગીતો રચ્યા હતાં. એસ ડી બર્મને હંમેશા પોતાનાં જટિલ અને વિશેષ ગીતો રફી માટે અનામત રાખ્યાં..
રફીનું ૩૧મી જુલાઈ ૧૯૮૦ના રોજ અકાળે અવસાન થયું અને તેના લાખો ચાહકો શોકમાં ગરકાવ થઈ ગયા. તેમના પ્રચંડ પ્રશંસક અનુયાયીઓ હોવા છતાં, મોહમ્મદ રફી, અંગત તેમ્જ વ્યાવસાયિક એમ બન્ને દૃષ્ટિએ હંમેશાં વાસ્તવિકતાની જમીન પર જડાયેલા એક નમ્ર, ઈશ્વરથી ડરનાર, મિથ્યાભિમાન અને ઈર્ષ્યારહિત વ્યક્તિ જ રહ્યા. કારકિર્દીની ટોચ પર પહોંચ્યા પછી પણ કોઈ નવોદિત સંગીતકાર, ફિલ્મ નિર્માતા કે અભિનેતા માટે, નજીવા પુરસ્કારે પણ, તેઓએ અવિસ્મરણીય કહી શકાય એવાં ગીતો ગાયાં છે.આજ કી રાત બડી શૌખ બડી નટખટ હૈ, આજ તો તેરે બીના નિંદ નહીં આયેગી – નઈ ઉમ્રકી નયી ફસ્લ (૧૯૬૫) – ગીતકારઃ નીરજ – સંગીતકારઃ રોશન
‘એ’ પર મોહમ્મદ રફીનાં બીજાં પણ ઘણાં ખુબ જાણીતાં ગીતો મળશે. ખુદ રોશનનું જ અબ ક્યા મિશાલ દું મૈં તેરે શબાબ કી (આરતી, ૧૯૬૨ – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી) જ જ પહેલું યાદ આવે ! પરંતુ આજ કી રાતના બોલ , ધુન અને રજુઆતમાં કંઈક અવર્ણનિય ચુંબકત્ત્વ છે.
પહેલાં એના બોલ જ યાદ કરીએ.
आज की रात बड़ी शोख बड़ी नटखट है
आज तो तेरे बिना नींद नहीं आयेगी
अब तो तेरे ही यहाँ आने का ये मौसम है
अब तबीयत न खयालों से बहल पायेगीदेख वो छत पे उतर आयी है सावन की घटा
दे रही द्वार पे आवाज़ खड़ी पुरवाई
बिजली रह रह के पहाड़ों पे चमक उठती है
सूनी आंखों में कोई ख्वाब ले ज्यों अंगड़ाई
कैसे समझाऊँ
कैसे समझाऊँ कि इस वक़्त का मतलब क्या है
दिल की है बात
हो दिल की है बात न होठों से कही जायेगी
आज तो तेरे बिना नींद नहीं आयेगी..ये भटकते हुये जुगनू ये दिये आवारा
भींगते पेड़ों पे बुझ बुझ के चमक उठते हैं
तेरे आँचल में टके सलमे सितारे जैसे
मुझसे मिलने को बिना बात दमक उठते हैं
सारा आलम
सारा आलम है गिरफ्तार तेरे हुस्न में जब
मुझसे ही कैसे
हो मुझसे ही कैसे ये बरसात सही जायेगी
आज तो तेरे बिना नींद नहीं आयेगी..रात रानी की ये भीनी सी नशीली खुशबू
आ रही है के जो छन छन के घनी डालों से
ऐसा लगता है किसी ढीठ झखोरे से लिपट
खेल आयी है तेरे उलझे हुए बालों से
और बेज़ार
और बेज़ार न कर मेरे तड़पते दिल को
ऐसी रंगीन ग़ज़ल रात न फिर गायेगी
आज तो तेरे बिना नींद नहीं आयेगी..તારા શૂન્ય રાતનાં એકાંતમાં નાયક પોતાની એકલતાના વિચારોમાં ખોવાયેલો છે. વાંસળીના સુરો સિવાય ઓછામાં ઓછાં સંગીતથી રોશને એ એકલતાને ગહરી બનાવી છે. પરંતુ એ એકલતાને રોમાંચક બનાવે છે રફીની અદ્ભુત રજુઆત.
બસ્તી બસ્તી પરબત પરબત ગાતા જાયે બંજારા – રેલ્વે પ્લેટફોર્મ (૧૯૫૫) – ગીતકારઃ સાહિર લુધીયાનવી – સંગીતઃ મદન મોહન
રફીએ ગાયેલાં ટાઈટલ ગીતોમાં આ ગીત મોખરાનું સ્થાન ધરાવે છે. ટાઈટલ્સની સાથે ટ્રેનમાં આ ગીત ગાતા મનમોહન કૃષ્ણ બન્ને ગીતના બોલનાં રૂપક સ્વરૂપો છે. તેની સાથેના મુસાફરો કે સ્ટેશનોની પરિસ્થિતિઓથી અલિપ્ત થઈને માનવ જીવનની જેમ ટ્રેન પોતાના માર્ગ પર ચાલતી રહે છે. એ જીવનનો મુસાફર પણ ટ્રેનની એ નિર્લેપ ગતિ સાથે અવશપણે વહેતો રહે છે. ધન દોલત કે પીછે ક્યોં હૈ યે દુનિયા દિવાની, યહાંકી દૌલત યહાં રહેગી સાથ નહીં યે જાયેગી દ્વારા જીવનની ભૌતિકતાની નિરર્થકતા સમજાય છે.
સુનિલ દત્તે આ ફિલ્મથી ફિલ્મ જગતમાં પદાર્પણ કયું હતું.
ચલ ઉડ જા રે પછી અબ યે દેશ હુઆ વીરાના – ભાભી (૧૯૫૭) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ – સંગીતકારઃ ચિત્રગુપ્ત
પાર્શ્વભૂમિમાં ગવાતાં આ ગીતની સફળતાએ ચિત્રગુપ્તને અગ્રણી સંગીતકારોની હરોળમાં સ્થાન અપાવી દીધુ. એ પછી તો ચિત્રગુપ્તે મોહમ્મદ રફીના સ્વરમાં અનેક લોકપ્રિય ગીતોની વણઝાર સર્જી દીધી.
દિલકી મહેફિલ સજી હૈ ચલે આઈયે – સાઝ ઔર આવાજ (૧૯૬૬) – ગીતકારઃ ખુમાર બારાબંક઼્વી – સંગીતઃ નૌશાદ
‘ડી’ પર દીવાના મુઝ સા નહીં ઈસ અંબર કે નીચે. દેખી જમાનેકી યારી, દિલ જો ન કહ શકા, દિન ઢલ જાયે હાયે રાત ન જાયે એવાં અલગ અલગ મનોભાવનાં, અલગ અલગ સંગીતકારોનાં અઢળક ગીતો મળી રહે છે. પ્રસ્તુત ગીતની ખુબી એ છે કે નૌશાદ અહીં અલગ જ સંદર્ભમાં છે. પરદા પર તેમના દિલીપ કુમાર નથી. ગીતકાર પણ શકીલ બદાયુની નહીં, પણ ખુમાર બારાબંક઼્વી છે. પણ નૌશાદના આગવા સ્પર્શમાં રફી તો એટલા જ ખીલી રહે છે.
એક હસીન શામકો દિલ મેરા ખો ગયા – દુલ્હન એક રાત કી (૧૯૬૬) – ગીતકારઃ રાજ અમહેંદી અલી ખાન – સંગીતઃ મદન મોહન
મદન મોહને રફીના સ્વરમાં બનાવેલાં અનેક અવિસ્મરણીય ગીતોનું પ્રતિનિધત્વ આ ગીત કરે છે.
ફલક પર જિતને …… ગ઼મ ઉઠાને કો જીયે જાઉંગા મૈં – મેરે હઝૂર (૧૯૬૮) – ગીતકારઃ હસરત જય્પુરી – સંગીતઃ શંકર જયકિશન
શંકર જયકિશને પણ મોહમ્મદ રફી સાથે પોતાની ફોર્મ્યુલાની બહાર રહીને પણ સરસ ગીતો બનાવ્યાં છે.\
https://youtu.be/EfbJ9tSdF00?si=QHTz9Bz_x5QznK7q
ગુઝરે હૈ આજ હમ ઈસ મુકામ સે – દિલ દિયા દર્દ લિયા (૧૯૬૬) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ નૌશાદદિલીપ કુમાર માટે કમ સે કમ જે એક કરૂણ ગીત તો ફિલ્મમાં હોય તે ફોર્મ્યુલા પર નૌશાદની પોતાની હથોટી હતી.
https://www.youtube.com/watch?v=Bf2iVFWUCQ0
હૈ દુનિયા ઉસીકી ઝમાના ઉસીકા – કાશ્મીર કી કલી (૧૯૬૪) – ગીતકારઃ એસ એચ બીહારી – સંગીતઃ ઓ પી નય્યર
પ્રેમનાં સ્વપનાંઓ ચકનાચુર થઈ ગયેલા પ્રેમીના દર્દને વાચા આપતાં આ ગીતને પર્દા પર શમ્મી કપુરનો અભિનય, દર્દ અને દારૂની અસરમાં ઘૂટાયેલો મોહમ્મ્દ રફીનો સ્વર અને મનોહરી સિંગનાં સેક્ષોફોનના સ્વરમાં ઉભરતો હતાશાનો સુર એ પૈકી ક્યાં કારણે આ ગીત સદાસ્મરણીય બની ગયું હશે તે કહેવું અશક્ય જ લાગે.
https://www.youtube.com/watch?v=WO_aMRsEIIY
ઇસ ભરી દુનિયામેં કોઈ ભી હમારા ન હુઆ – ભરોસા (૧૯૬૩) – ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ – સંગીતઃ રવિ
પર્દા પર અભિનય કરતા અભિનેતા માટે કરૂણ રસની અસર વધારે ઘેરી કરવાની જવાબદારીને મોહમ્મદ રફીની ગીતની ગાયકી ગણે અંશે સરળ કરી આપી શકતી.
જો બાત તુઝમેં હૈ તેરી તસવીરમેં નહીં – તાજ મહલ (૧૯૬૩) – ગીતકારઃ સાહિર લુધીયાનવી – સંગીતઃ રોશન
પ્રેમિકા સાથેનાં મિલનની પ્યાસ તસવીરની વર્ચ્યુઅલ રીઆલીટીમાં ઉપલ્બધીથી કેવી ઉણી રહે છે તેનું આવું સચોટ વર્ણન રફી સાહેબે માત્ર માઈકને સામે રાખીને કર્યું છે એ કલ્પી પણ શકાય?
કર ચલે હમ ફિદા જાન – ઓ – તન સાથીયોં, અબ તુમ્હારે હવાલે વતન સાથીયોં – હક઼ીક઼ત (૧૯૬૪) – ગીતકારઃ કૈફી આઝમી – સંગીતઃ મદન મોહન
યોગાનુયોગ મોહમ્મ્દ રફીએ હિંદી ફિલ્મો માટે ગાયેલાં પહેલ વહેલાં ગીતથી લઈને પછીથી તેમણે ગાયેલાં દેશપ્રેમનાં દરેક ગીત દ્વારા રફીએ ગાયેલાં વિવિધ પ્રકારનાં ગીતોમાં દેશપ્રેમનાં ગીતોને અદકેરૂં સ્થાન જ મળતું રહ્યું છે.
https://youtu.be/QnJyY9xIa9c?si=pCtIGN5Vyo-4TSqn
લાખોં હૈ નિગાહ મેં ઝીંદગીકી રાહમેં સનમ હસી જવાં – ફીર વહી દિલ લાયા હું (૧૯૬૩) – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ ઓ પી નય્યર
ગીતના ભાવની અભિવ્યક્તિ મોહમ્મદ રફીના સ્વરમાંથી એવી પ્રતિબિંબ થતી કે પર્દા પર અભિનય કરતો કલાકાર એ ભાવને વ્યક્ત કરવા માટે કોઈ જ પ્રયાસ ન કરે તો પણ પ્રેક્ષકોને ઓછું ન આવતુ !
મૈને ચાંદ ઔર સીતારોંકી તમનાકી થી મુઝકો રાતોંકી સિયાહી કે સિવા કુછ ન મીલા – ચંદ્રકાંતા (૧૯૫૬) – ગીતકારઃ સાહિર લુધીયાનવી – સંગીતઃ એન દત્તા
એકે એક શબ્દની અદાયગીમાં અપેક્ષાઓથી તદ્દન વિરૂદ્ધ મળતી વાસ્તવિકતાઓની પીડા ટપકે છે.
મોહમ્મદ રફીનાં ‘એન’ થી ઝેડ’ શબ્દથી શરૂ થતા ગીતો હવે પછીથી……….
મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત લેખ Mohammad Rafi from A to Z નો આંશિક અનુવાદ
-
અવાક્ : નિર્મલ વર્માના આત્મા સંગે કૈલાસ માનસરોવરની યાત્રા
સંવાદિતા
કોઈની સ્મૃતિને હૃદયમાં જડીને એની સંગે યાત્રા કરીએ ત્યારે એ બહિર્યાત્રા ઓછી અને અંતર્યાત્રા વધુ હોય છે.
ભગવાન થાવરાણી
હિંદીના મૂર્ધન્ય લેખક, નિબંધકાર, અનુવાદક અને ચિંતક નિર્મલ વર્માની આજે અઢારમી પુણ્યતિથિ નિમિત્તે એક એવી પ્રવાસકથાની વાત જે એમણે લખી નથી પણ એના કેન્દ્રમાં એ પોતે છે. અવાક્ નામના એ અદ્ભુત પુસ્તકના લેખિકા છે ગગન ગિલ, નિર્મલના પત્ની. જો કે એમની ઓળખ એ કરતાં ઘણી વિશેષ છે. ગગન ગિલ હિંદીના લબ્ધપ્રતિષ્ઠિત કવયિત્રી, ગદ્યકાર, સંપાદક, અનુવાદક અને પત્રકાર છે. એમના ચાર કવિતાસંગ્રહો , બે ગદ્ય પુસ્તકો અને નિર્મલ અને એમના ભાઈ વિખ્યાત ચિત્રકાર રામકુમાર વર્મા વિષયક પુસ્તકો પ્રકાશિત થયા છે. એમણે જગતભરના પ્રવાસો કર્યા છે પરંતુ એમનું પ્રિય પ્રવાસન સ્થળ છે તિબેટ. એ પોતે બૌધ અને હિંદુ ધર્મના પ્રખર અભ્યાસુ છે.અવાક્ને માત્ર યાત્રાવૃતાંત કહેવું એ છેક અપર્યાપ્ત કહેવાય. કબૂલ કે એ કૈલાસ માનસરોવરની યાત્રાની વાત કહે છે પણ સાથોસાથ એ છે એક વ્યક્તિની સ્મૃતિમાં, એક પ્રિયજનના મોક્ષાર્થે એની સાથે જ આરંભાયેલ એક પાવન તીર્થાટન !
ગગન ગિલના પતિ અને એક અનુપમ કથાકાર નિર્મલ વર્મા ૨૫ ઓક્ટોબર ૨૦૦૫ ના રોજ મૃત્યુ પામ્યા. એ મૃત્યુ -શૈયા પર હતા ત્યારે એમણે પહેરેલું અંતિમ વસ્ત્ર ગગન ગિલે ઉતારીને કોઈક હેતુસર સાચવી રાખેલું. એમની હયાતીમાં જ એ જ્યારે હોસ્પીટલના બિછાને હતા ત્યારે એમના પુણ્યાર્થે એમની સંમતિથી ગગન ગિલે આ યાત્રા એમની એક બહેનપણી સાથે કરવાનો નિશ્ચય કરેલો. નિર્મલ પોતે તો આ યાત્રા કરી શકે તેમ જ નહોતા. નિર્મલની સ્થિતિ દિનપ્રતિદિન કથળતી ચાલી અને એ અવસાન પામ્યા ત્યારે કોઈ અન્યએ લાવેલું માનસરોવરનું જળ પણ એમને અંતિમ સમયે પીવડાવવામાં આવેલું.ભાવકો જાણે છે કે કૈલાસ માનસરોવરની યાત્રાનું અાગવું ધાર્મિક મહત્વ છે. આપણી ચાર અગત્યની નદીઓ સિંધુ, બ્રહ્મપુત્ર, સતલજ અને કરનાલીનું ઉદ્ગમ પણ માનસરોવરમાં છે. હિંદુ, બૌધ અને જૈન ધર્મનું એ સૌથી અગત્યનું યાત્રા સ્થળ છે. એ એક આકરી જ નહીં, દરેક રીતે પડકારજનક યાત્રા છે જેમાં તન અને મનની આકરી કસોટી થાય છે. એનું મહાત્મ્ય અનેરું છે . બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના નિવાસોમાંથી ભગવાન શંકરનુ આ એક જ નિકેત એવું છે જ્યાં સદેહે જઈ શકાય. અન્ય બે – બ્રહ્મલોક અને વૈકુંઠમાં મરણોપરાંત જ જઈ શકાય !કૈલાસ વિષે એવી આસ્થા છે કે ત્યાં પરિક્રમાના માર્ગે આવેલા ડોલ્મા લા ( ગૌરીકુંડ પાસે ) એટલે કે મા તારાદેવીના સ્થાનકે કોઈ મૃતકે ઉપયોગમાં લીધેલા વસ્ત્ર, એમના વાળ, નખ કે અન્ય ચીજ અર્પણ કરી આવો તો દેવી સદૈવ એ આત્માને શરણ આપે છે. ગગન ગિલે નિર્મલના મૃત્યુ સમયે જ પ્રણ લીધેલું કે એમના પ્રિયજન માટે એ આ યાત્રા, એમણે ઉપયોગમાં લીધેલા મોજા, શર્ટ, સ્વેટર પહેરીને કરશે અને એમણે પહેરેલું અંતિમ વસ્ત્ર માના ચરણે ધરવા જશે. એ યાત્રાના સંસ્મરણરૂપે એમણે ખેડેલી બહિર અને અંતર્યાત્રા એટલે આ અવાક્ . યાત્રા નિર્મલના મૃત્યુ પછી દોઢ વર્ષે પૂર્ણ થઈ અને આ પુસ્તક લખાઈને બહાર પડ્યું ૨૦૦૮ માં.સંસ્કૃત શબ્દ अवाक् ના અનેક અર્થ છે – સુન્ન, સ્તબ્ધ, હત્તોત્તર, ઉત્તરહીન, અવ્યક્ત, નિ:શબ્દ, શાશ્વત, મૌન, શાંત, પ્રદક્ષિણાશીલ, બ્રહ્મ, અંતરાકાશ, પરમ તત્ત્વ.પુસ્તકમાં નિરંતર અવાકરૂપે નિર્મલ વર્મા હાજર છે. યાત્રા દરમિયાન લેખિકાની એક જ લગની છે, નિર્મલને મા તારાદેવીના શરણમાં સોંપી એમને મનોમન આપેલું વચન પૂરું કરી મુક્તિ મેળવું. એ નિરંતર એમના નામ અને પોતાના લક્ષ્યની રટણા કરતા રહે છે. ક્યાંક તો એ પોતાના પ્રિયપાત્રને એટલી ઉત્કટતાથી સ્મરે છે જાણે વિલાપ કરતા હોય !પુસ્તકનું ગદ્ય અનોખું છે. સ્વયં નિર્મલના ગદ્ય જેવું પદ્યાત્મક અને સ્વગતોક્તિ જેવું. એમાં લેખિકાના લેખન જેટલું જ કથન હિંદુ અને બૌધ ધર્મની સુક્તિઓ, કથાવચનો, શ્લોકો, અને ગદ્યાંશો રૂપે પુરાણો, વેદ, ગ્રંથો અને શિલાલેખોમાંથી ઉદ્ધૃત કરવામાં આવેલા સાહિત્યનું પણ છે. વળી એ બધું આ યાત્રા અને એની સાથે સંકળાયેલા લેખિકાના ભાવવિશ્વ સાથે સુસંગત છે. એ વાંચતા એવું લાગે જાણે ગદ્ય અને કવિતા, વૃત્તાંત અને ચિંતનના પારંપરિક દ્વૈત ખરી પડ્યા છે. મનુષ્ય હોવાના રહસ્યોનો પરમ અજવાસ અનેક રંગતોમાં અહીં જોઈ – અનુભવી શકાય છે. પુસ્તકના બસો ઉપરાંતમાંના પ્રત્યેક પાનાનો આનાથી વધારે સદુપયોગ ન થઈ શક્યો હોત ! સાત પ્રકરણોમાં ડગલેને પગલે આ મૌક્તિકો પથરાયેલા છે. યાત્રા દરમિયાન આવતા કેટલાક સ્થળો સેપિયા રંગના ફોટોગ્રાફરૂપે છે પણ એ બધામાં લેખિકાએ સ્વયંને દેખાડવાનું જાણે ઈરાદાપૂર્વક ટાળ્યું છે. હા, થોડા થોડા સમયે એ નિર્મલને પોકારતા રહે છે.
યાત્રા નેપાળવાળા માર્ગે થઈ છે. કાઠમંડૂથી નગરકોટ, ધૂલિખેલ, ઝાંગ્મૂ, કોદારી, નિયાલમ, સાગા, પ્રયાંગ, માનસરોવર, દારચેન, કૈલાસ અને પરત. લેખિકા ડોલ્મા લા પહોંચીને નિર્મલના અંતિમ વસ્ત્રનો હવાલો મા તારાદેવીને સોંપે છે એ વખતના એમના ઉદ્દગારો અને એ દ્વારા વ્યક્ત થતી એમની મન:સ્થિતિ કોઈપણ સંવેદનશીલ ભાવકને હચમચાવી મૂકે એવી છે. ઉતરાણ વખતે એક સહયાત્રિક એમને કુતુહલવશ પૂછે છે ‘ તમારા પતિ સાથે નથી આવ્યા ? ‘ ત્યારે લેખિકા સારગર્ભિત જવાબ વાળે છે કે સાથે જ હતા પણ એમને હું ઉપર મૂકી આવી ! લેખક કીથ ડોમેન એમના પુસ્તક ‘ ધી સિક્રેટ લાઈફ ઓફ તિબેટ ‘ માં નોંધે છે ‘ આપણે જેને ચાહીએ – પૂજીએ છીએ તેનું સ્મૃતિચિહ્ન કોઈ શક્તિ – સ્થળે છોડી આવવાનો અર્થ એ છે કે આપણે એના માટે આપણી ઉપસ્થિતિ છોડી આવીએ છીએ. ખાસ કરીને ત્યારે, જ્યારે યાત્રિક મૃત્યુ અને પુનર્જન્મ વચ્ચેનો રસ્તો પાર કરી રહ્યો હોય ! ‘આ યાત્રાએ જઈ આવેલા ભાગ્યશાળી યાત્રિકો કબૂલ કરશે કે એ યાત્રા સંપન્ન કરનારાઓનો એક અનૌપચારિક સંપ્રદાય હોય છે જે કોઈ ધર્મ કે અનુષ્ઠાનથી નહીં, સહિયારા અનુભવોથી જોડાયેલો હોય છે. એ અનુભવ જે એમને ત્યાં થયેલો જ્યારે એમણે શાશ્વતને પોતાની નજરે જોયેલો.પુસ્તકમાં લામા અંગરિકા ગોવિંદાના ઉદ્ધરણો આપેલા છે. તેઓ કહે છે ‘ તીર્થયાત્રા કેવળ બહારથી શરુ નથી થતી. એનો વાસ્તવિક લય ભીતરે શરુ થાય છે. કોઈક અદ્રષ્ય આંતરિક બિંદુએથી. ‘ આવી યાત્રાઓમાં પડતી પારાવાર શારિરિક મુશ્કેલીઓ વિષે તેઓ કહે છે ‘ રસ્તાની ભીષણતા એક પ્રતીકાત્મક મૃત્યુ છે. જ્યાં સુધી તીર્થયાત્રામાં આવી મૃત્યુ – ક્ષણનો અનુભવ ન થાય, પુનર્જન્મનો પ્રસાદ અસંભવ છે. ‘આવા વૃતાંતો આપણને માત્ર પ્રવાસને જ નહીં, જીવનને પણ નવા દ્રષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરે છે. રસપ્રદ વાત એ કે લેખિકા પોતે આ પ્રવાસેથી પાછા ફર્યાના પાંચ જ મહિના બાદ ફરી તિબેટના પ્રવાસે ગયેલા.‘ બધા કહે એના પર ભરોસો ન કરો. જાઓ અને જૂઓ. ‘
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
હું પેલો, તમારો જોશી!
હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ …. મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.
આ પુસ્તકમાંની યાદો બહુ બધાં લોકોને પોતાની અંગત યાદો જેવી લાગી છે. શ્રી બીરેનભાઈ કોઠારીએ અંગતપણાના ભાવને વધારે નક્કર શબ્દદેહ આપ્યો. જરૂર જણાઈ ત્યાં પૂરક માહિતીઓ કે ટિપ્પ્ણીઓ ઉમેરીને એ પુસ્તકનાં કેટલાંક પ્રકરણોના તેઓએ મુક્તાનુવાદ કર્યા.
વેબ ગુર્જરીના વાચકો સાથે એ મુક્તાનુવાદોની લ્હાણ વહેંચવા માટે બીરેનભાઈએ પોતાની એ તાસકને ખુલ્લી મુકી દીધી છે.
તેમનો હાર્દિક આભાર માનીને આપણે પણ ગુલઝારની યાદોને મમળાવીએ.
બીરેન કોઠારી
(ગ્વાલિયરના ઉસ્તાદ હાફીઝ અલી ખાન સાથેની) તાલિમ બે વરસ ચાલી. દરમિયાન પંડિતજી (ભીમસેન જોશી)ને કલકત્તાના ખ્યાતનામ ગુરુ ભીષ્મદેવ ચટ્ટોપાધ્યાય વિશે જાણ થઈ, જેઓ સંગીતના દેવતા મનાતા. આથી પંડિતજી ઉપડ્યા કલકત્તા. પણ એમની પાસેથી તાલિમ મેળવવી શી રીતે? પંડિતજીને જાણવા મળ્યું કે ભીષ્મદેવ ચટ્ટોપાધ્યાય અભિનેતા પહાડી સન્યાલને સંગીત શીખવવા માટે તેમને ત્યાં નિયમીત જાય છે. આથી પંડિતજીએ પહાડી સન્યાલને ત્યાં કામ શોધી લીધું. તેઓ ભોજન રાંધતા, ટીફીનમાં પહાડીદા માટે એ ભરી આપતા અને ફિલ્મના સેટ પર પહોંચાડતા, સાથેસાથે ખાનગી રાહે સંગીતની તાલિમ મેળવતા.
પહાડીદાને ત્યાં બેએક વરસ રહ્યા પછી ભીમસેન જોશી જલંધર ઊપડ્યા. એ સમયે વરસે એક વાર હરવલ્લવ સંગીત સમ્મેલન નામનો એક ભવ્ય કાર્યક્રમ યોજાતો. દેશભરના જાણીતા શાસ્ત્રીય સંગીતજ્ઞો તેમાં ઉપસ્થિત રહેતા. પંડિતજીએ અહીં પોતાના એક ગુરુ પ્રાપ્ત કર્યા, જે પ્રજ્ઞાચક્ષુ હતા. તેમની સાથે એમણે બે વરસ ગાળ્યાં. નજીકની એક હોટેલમાંથી તેમના બન્નેના ભોજનની વ્યવસ્થા પણ થઈ જતી. આ સમ્મેલનમાં ભીમસેન જોશીએ સવાઈ ગંધર્વને સાંભળ્યા જે પૂણે નજીકના ધારવાડના હતા. ભીમસેન જોશી આખરે સવાઈ ગંધર્વ પાસે ઠર્યા. તેઓ પોતાના ગુરુની છત્રછાયામાં ગયા અને શીખવાનું ચાલુ રાખ્યું. તેમના સ્નાન, ભોજનથી લઈને ઘરની સાફસફાઈ સુધીનાં તમામ કામ પંડિતજી કરતા. એક વાર તેમણે મને કહેલું, ‘મને સતત એક વ્યક્તિની યાદ આવ્યા કરે છે. શરૂઆતમાં હું દેગડો લઈને ગુરુજીના સ્નાન માટે પાણી ભરવા જતો ત્યારે એક સ્ત્રી મને જોતી રહેતી. એ પછી જ્યારે પણ હું પાણી ભરવા જતો ત્યારે એ સ્ત્રી મને ઊભો રાખતી અને દૂધનો પ્યાલો ધરતી. વિચિત્ર ન કહેવાય?’
તાલિમ પત્યા પછી એક વાર પંડિતજી બોમ્બે ગયા. એમણે ઑલ ઈન્ડિયા રેડિયો માટે ગાયું, એચ.એમ.વી. દ્વારા તેમની રેકોર્ડ બહાર પડી. એ પછીનો ઈતિહાસ જાણીતો છે.
પંડિતજીનું વ્યક્તિત્વ અતિ વિરાટ, પણ તેઓ બાળક જેવા હતા. પોતે કેટલા વૃદ્ધ છે એ દર્શાવવા એક વાર તેમણે મને કહેલું, ‘બેગમ અખ્તરને મેં ઊભાં રહીને ગાતાં સાંભળેલાં.’ તેઓ શું કહેવા માંગે છે એ ન સમજાતાં મેં પૂછ્યું ત્યારે તેઓ કહે, ‘શરૂઆતમાં લોકોને ઊભા રહીને ગાવાની તક મળે છે. તમે એક સ્તર સુધી પ્રગતિ કરો ત્યાર પછી જ તમે આરામથી બેસીને હાર્મોનિયમ સાથે ગાઈ શકો. એમને હું જાણતો ત્યારે તેઓ ઉભાં રહીને ગાતાં હતાં.’
ખ્યાતનામ બન્યા પછી એક વાર પંડિતજી કલકત્તામાં એક કાર્યક્રમ માટે ગયેલા. પહાડી સન્યાલ આવ્યા અને પ્રથમ હરોળમાં ગોઠવાયા. કાર્યક્રમ પૂરો થયો એટલે પંડિતજી પહાડી સન્યાલને મળ્યા અને કહ્યું, ‘હું પેલો, તમારો જોશી.’ આ જાણીને સન્યાલને એવો આંચકો લાગ્યો કે તેઓ કશો પ્રતિભાવ આપી શક્યા નહીં. એમના માટે ટિફિન લાવતો છોકરો હવે એક જાણીતો ગાયક બની ગયો હતો! એ દિવસના પહાડી સન્યાલના ચહેરા પરના હાવભાવ પંડિતજી કદી વીસરી શક્યા નહીં.’
– ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો ‘Actually…I met them’ પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: ગુલઝારે ‘ફિલ્મ્સ ડીવીઝન’ માટે તૈયાર કરેલું પંડિત ભીમસેન જોશી પરનું એક દસ્તાવેજી ચિત્ર અહીં જોઈ શકાશે, જેની અવધિ એક કલાકની છે.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
એસ ધમ્મો સનંતનો – ચાર વેદ, તેનાં અન્ય શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્ય
પ્રવાસી યુ. ધોળકિયા
‘આ ધર્મ સનાતન છે’ ને સમજવાની યાત્રાનાં ત્રીજાં ચરણ પર આપણે હવે ચાલીશું. આજના મણકામાં ચાર વેદ ઉપરાંત તેનાં અન્ય શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્ય વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું.
વેદોની મહાન પરંપરાને શ્રદ્ધાંજલિ આપતાં ઋગ્વેદના એક મહાન સુક્તથી આજના મણકાનો પ્રારંભ કરીશું.
ॐ
आ नो भद्रा कृतवो यन्तु विश्वतः ।
અર્થાત્
વિશ્વના સર્વે ઉમદા વિચારો અમને પ્રાપ્ત થાઓ.
શ્રુતિ સાહિત્ય
શ્રુતિ સાહિત્યમાં ચાર વેદો ઉપરાંત બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ એમ અન્ય ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.
(૧) બ્રાહ્મણ
પૌરાણિક હિંદુ ધર્મમાં ધર્મનું જે સ્થાન છે તે વેદોમાં યજ્ઞનું છે. આ યજ્ઞોને પારિભાષિક કરતું સાહિત્ય એટલે બ્રાહ્મણ ગ્રંથ. તેનો બીજો અર્થ એ થાય છે કે અહીં પરમ તત્ત્વ બ્રહ્મ વિશે કર્મકાંડ દ્વારા જેની સમજ આપવામાં આવી છે તેવા ગ્રંથ. આચાર્ય ચતુરસેનના મત પ્રમાણે એક કાળે લગભગ ૭૦ બ્રાહ્મણ ગ્રંથો પ્રાપ્ય હતા, પરંતુ આપણા દુર્ભાગ્યે બહુ ઓછા ગ્રંથ મળે છે. દરેક વેદના કેટલાક અલગ અલગ બ્રાહ્મણ ગ્રંથ છે. તેની યાદી નીચે પ્રમાણે છેઃ
વેદ
બ્રાહ્મણ
[अ] ઋગ્વેદ (૧) ઐતરેય (૨) કૌષીતકી [ब] શુક્લ યજુર્વેદ (૧) શતપથ બ્રાહ્મણ (અ) યાજ્ઞવલ્કય લિખિત માધ્યદિન સંહિતા
(બ) કણ્વ રચિત સંહિતા
[क] સામવેદ (૧) પંચવિશ (૨) તાંડવ [ड] અથર્વવેદ ગોપથ
ઉપર કહ્યું તેમ બ્રાહ્મણ ગ્રંથોમાં મુખ્યત્વે યજ્ઞના કર્મકાંડના વિજ્ઞાનને અદ્ભૂત રીતે સમજાવવામાં આવ્યું છે. તે ઉપરાંત તેમાં સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું અને તેમાં કયાં રહસ્યમય તત્ત્વો છે એ વિષય પર પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ બધા ગ્રંથોમાં સૌથી વિશિષ્ટ અને દળદાર ગ્રંથ શતપથ બ્રાહ્મણ છે. આવો ગ્રંથ વિશ્વની અન્ય સંસ્કૃતિઓમાં નથી. અન્ય કોઈ સંસ્કૃતિઓ તેને રચી શકે તેવાં સામર્થ્યોનો પણ એ સંસ્કૃતિઓમાં અભાવ છે.
(૨) આરણયક
આરણ્યક ગ્રંથો આમ તો બ્રાહ્મણ ગ્રંથોનો અંતિમ ભાગ કહેવાય છે. તેથી, તેમાં , બ્રહ્મ, યજ્ઞ, રહસ્યવાદ જેવાં વેદોનાં વર્ણિત પરમ ચેતના પર વિશ્લેષણ વધારે જોવા મળે છે. આરણ્યકોમાં ઉપનિષદ વર્ણિત આત્મા અને અન્ય રહસ્યો પર પણ પ્રારંભિક ચર્ચાઓ જોવા મળે છે. તેથી આ ગ્રંથોને બ્રાહ્મણ અને ઉપનિષદ વચ્ચેની અગત્યની કડીઓ ગણવામાં આવે છે. મુખ્ય આરણ્યકોમાં ઐત્રેય, સંખ્યાયન, બૃહદારણ્યક, તૈતરીય અને તલવાકર છે.
(૩) ઉપનિષદ
આમ તો ઉપનિષદોની કુલ્લ સંખ્યા ૨૦૦ છે. પરંતુ ૧૦૮ ઉપનિષદને વૈદિક પરંપરામાં મુકવામાં આવે છે. તેમાં પણ ઐતરેય, ઈશાવાસ્ય, બૃહદારણયક, તૈતરીય, શ્વેતાસ્પર, કેન, છાંદોગ્ય, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, કઠ અને આર્ષેય એમ બાર ઉપનિષદોને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.
જો તટસ્થ રીતે વિશ્વમાં મતદાન કરવામાં આવે કે ધર્મ અને અધ્યાત્મના વિષય પર લેખિત ગ્રંથોમાં કોણ પ્રથમ ક્રમે આવે તો નિર્વિવાદ રૂપે ઉપનિષદોને એ સ્થાન આપવામાં આવે. ઉપનિષદોમાં ઋષિપ્રજ્ઞાએ પરમ તત્ત્વ એટલે કે પરમ ચેતનાના અંતિમ બિંદુ પર પહોંચીને જ્ઞાનનું દર્શન પ્રતિપાદિત કર્યું છે. આ પછી ધર્મ અને અધ્યાત્મ પરના વિષયોમાં એક પણ વધારાનો શબ્દ ઉમેરી શકાતો નથી. તેથી જ આ મહાજ્ઞાનને વેદાંત નામ આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે,
(૧) ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥અર્થાત્,
આ (અજ્ઞાત બ્રહ્માંડ) પૂર્ણ. છે, આ (પ્રત્યક્ષ બ્રહ્માંડ) પણ પૂર્ણ છે. આ પૂર્ણતા તે બીજી પૂર્ણતાથી પ્રાપ્ત થઈ છે. જ્યારે આ બન્ને પૂર્ણતાઓ એકબીજાથી અલગ થઈ જાય છે ત્યારે પણ જે શેષ રહે છે તે પણ પૂર્ણ છે.
(૨) ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् ।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ।।અર્થાત્,
જડ-ચેતન પ્રાણીઓવાળી આ સમગ્ર સૃષ્ટિ પરમાત્મામાં વ્યાપ્ત છે. મનુષ્યે તેનો આવશ્યકતા પ્રમાણે ભોગ કરવો જોઈએ, પરંતુ આ બધું મારું નથી તે ભાવ સાથે આ પદાર્થોનો સંગ્રહ કરે.
ઉપરોક્ત શ્લોકને સરળતાથી સમજવો હોય તો એમ કહી શકાય કે વ્યક્તિ દરેક જન્મમરણના ચક્રમાં એક વર્તુળમાં ફર્યા કરે છે. ભારતીય ઋષિઓએ આપણને યોગ અને તપ તથા અનેક સાધનો દ્વારા આ વર્તુળમાંથી મુક્તિ પામીને પૂર્ણત્વમાં વિલય થવાનો માર્ગ દર્શાવ્યો છે. આમ અહીં જીવાત્માને પરમાત્મામાં વિલય થવાની ચાવી પુરી પાડવામાં આવી છે.
ઉપનિષદમાં શું છે?
- આપણે કોણ છીએ
- મૃત્યુ પછીની ગતિ
- પરમ સત્તા
- ઈશ્વરનું નિરૂપણ
- જ્ઞાન માર્ગની પ્રધાનતા
- જીવાત્માને પરમાત્મામાં વિલિન થવાની વિધિઓ
- સાંખ્ય પ્રણીત મહત્ત તત્ત્વ ઉપરાંત અન્ય તેત્રીસ તત્ત્વો વિશે વૈજ્ઞાનિક ચર્ચા – ન્યાય તથા યોગ વિજ્ઞાન પરની તત્ત્વિક સમજણ
- માનવજીવનનું અંતિમ ધ્યેય પોતાની મર્યાદાઓનું રૂપાંતરણ કરી પૂર્ણતા પ્રાપ્ત કરવી તેવો ઉપદેશ
યજ્ઞો
વૈદિક પરંપરામાં યજ્ઞોને અતિ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. વેદો શ્રુતિ પરંપરામાં છે એટલે તેના યજ્ઞોને શ્રૌત યજ્ઞો તરીકે ઓળખવામાં આવે છે. આ યજ્ઞોના બે વિભાગ છેઃ હવિર્ય યજ્ઞ અને સોમ યજ્ઞ.
હવિર્ય યજ્ઞમાં ચોખા, જવ, અને ઘીને અગ્નિમાં હોમવામાં આવે છે. તેના સાત પ્રકારો છેઃ ૧) અગ્નિહોત્ર ૨) દર્શપૂર્ણમાસ ૩) અગ્રયાન ૪) ચાતુર્માસ્ય ૫) નિરુધ પશુબંધ ૬) સૌત્રમણિ, અને ૭) પિંડ પિતૃયજ્ઞ
સોમ યજ્ઞમાં યજ્ઞમાં અગ્નિમાં સોમરસની આહુતિ આપવામાં આવે છે. તેના પણ સાત પ્રકાર છેઃ ૧) અગ્નિષ્ટોમ ૨) અત્યગ્નષ્ટોમ ૩) ઉકથ્ય ૪) ષોડશી ૫) વાજપેય ૬) અતિરાત્ર, અને ૭) આપ્તોર્યામ.
રાજસૂય અને અશ્વમેધ યજ્ઞ ફકત રાજવીઓ જ કરી શકતા. તે પહેલાં ઉપરોક્ત વાજપેય યજ્ઞો બ્રાહ્મણો દ્વારા કરવાનું વિધાન છે.
વાચકોને જણાવી દઈએ કે અગ્નિના ત્રણ પ્રકારો હતાઃ ૧) ગાર્હપત્ય ૨) આહ્યનીય અને ૩) દક્ષિણાગ્નિ.
બુદ્ધ અને મહાવીરનાં અભિયાન પછી આ યજ્ઞો હવે કોઈ નથી કરતું. અત્યારે સ્માર્ત (સ્મૃતિ ગ્રંથ) યજ્ઞોનું ચલણ છે.
વેદના સ્મૃતિગ્રંથ
વેદના શ્રુતિગ્રંથો ઉપર ટુંકી ચર્ચા કર્યા પછી આપણે હવે તેના સ્મૃતિગ્રંથોનું સંક્ષિપ્ત અવલોકન ગાયત્રી મંત્રની પ્રાર્થના સાથે કરીએ.
ॐ भूभुर्वः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।।
અર્થાત્ઃ
અમે પૃથ્વી, અંતરીક્ષ અને સ્વર્ગલોકમાં વિરાજતા સૃષ્ટિકર્તાનું દર્શન કરીએ છીએ, તે અમારી બુદ્ધિને સૂર્ય જેવી પ્રખર બનાવે.
વેદાંગ
વેદમાં જે પરમ પુરુષની પ્રાર્થના કરવામાં આવી છે તેના છ અંગો એટલે વેદાંગ.
(૧) શિક્ષા
વેદ સંહિતાઓ મૂળભૂત રીતે પરમ પુરુષના ઋષિઓએ કરેલાં આત્મદર્શનને સ્વર અને શબ્દનાં સ્પંદનોમાં ગુંથવામાં આવેલ છે. આમ આ દૈવી વાણીને વ્યક્ત કરતાં વેદનાં સૂત્રો, ઋચાઓ અને શ્લોકોને સંગ્રહિત કરીને મૌખિક રીતે સાચવવાનો અદ્વિતિય પ્રયાસ અહીં જોવા મળે છે. તેથી આ ઋચા – શ્લોકોનું ઉચ્ચારણ યોગ્ય રીતે થાય તેને શિક્ષાશાસ્ત્રના ત્રીસ ગ્રંથોમાં સમજાવવામાં આવ્યું છે.
(૨) કલ્પ
ક્લ્પને પરમ પુરુષના હાથરૂપ ગણવામાં આવે છે. આમ તો વેદોમાં યજ્ઞોનું પ્રાધાન્ય છે. તેનું વિધિપૂર્વકનું જ્ઞાન આપણે જોયું તેમ બ્રાહ્મણ અને આરણ્યક ગ્રંથોમાં મળે છે. પરંતુ આ ગ્રંથો યજ્ઞ ઉપરાંત વેદોમાં રહેલાં સત્યો અને આખ્યાયિકાઓ પર પણ ચર્ચા કરે છે, જ્યારે કલ્પમાં ફક્ત યજ્ઞોની વિધિને જ કેન્દ્રમાં રાખીને યાજ્ઞિકોને સૂચના આપવામાં આવી છે. કલ્પનાં ત્રણ સૂત્રો છેઃ શ્રૌત, ગૃહ્ય અને શુલ્ય. શ્રૌત સૂત્રના રચયિતા શંખ્યાયન, શત્યાયન, હિરણ્યકેશી અને બૌદ્ધાયન છે. ગૃહ્ય સૂત્રમાં માનવજીવનના જન્મથી મૃત્યુ સુધીના સંસ્કારોને સમજાવવામાં આવ્યા છે. તેના રચયિતાઓ ઉપરોક્ત ઋષિઓ ઉપરાંત આશ્વાલયન અને ગોભિસ છે. શૂલ્ય સૂત્રનો અર્થ દોરા દ્વારા માપવું એવો થાય છે, તેમાં યજ્ઞની વેદીઓ, તેમાં વપરાતી ઇંટોનાં તેમજ દરેક વેદીઓ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ તેનાં ચોક્કસ માપ દર્શાવવામાં આવ્યાં છે. આજના આધુનિક ગણિતશાસ્ત્રના પાયામાં આ શૂલ્યશાસ્ત્ર છે.
(૩) છંદ
વેદનાં સુક્તો, ઋચાઓ અને મંત્રોને છંદોમાં વણી લેવામાં આવેલ છે. આમ તો ચાર વેદોમાં લગભગ વીસથી વધારે છંદોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ ૧) ગાયત્રી, ૨) અનુષ્ટુપ ૩) ત્રિષ્ટુપ ૪) બૃહતી ૫) જગતી ૬) ઉષ્ણિક અને ૭) ત્રિક્ત એમ તેના સાત મુખ્ય છંદો છે.
આપણને એ જાણીને આશ્ચર્ય થાય કે વેદોમાં એમ જણાવાયું છે કે સૃષ્ટિની રચના આ છંદો અને ૬૪ સ્વરો વડે થઈ છે. હવે આ વિજ્ઞાન લુપ્ત થયું છે. આધુનિક વિજ્ઞાન તેને જાણવા અસમર્થ છે. છંદશાસ્ત્રના રચયિતા શોનક અને સંખ્યાયન હતા. આજે આપણને છંદશાસ્ત્ર પર ફક્ત પિંગળની જ કૃતિ મળે છે.
(૪) વ્યાકરણ
પરમ પુરુષનાં મુખને વ્યાકરણ તરીકે માનવામાં આવે છે. આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે શ્રુતિ અને સ્મૃતિગ્રંથોનું વ્યાકરણ અતિ કઠણ જણાય છે. વ્યાકરણમાં મુખ્યત્ત્વે શબ્દ, ધાતુ, રૂપ, વાક્ય અને સંધિ પર ચર્ચા હોય છે. વ્યાકરણ પર ગાર્ગ્ય, ભારદ્વાજ અને સ્ફોશવતના ગ્રંથો આજે અલભ્ય છે. આપણા સદનસીબે આ ગ્રંથોનો આધાર લઈને પાણિનીએ અષ્ટાધ્યયી લખ્યું છે, જે પ્રાપ્ય છે.
(૫) નિરુક્ત
પરમ પુરુષના કાન રૂપ વેદાંગને નિરુક્ત નામ આપવામાં આવ્યું છે. તેમાં શબ્દોની વ્યુત્પતિ અને સ્વરશાસ્ત્ર પરની ટીકાઓ છે. તેનો ફક્ત એક જ ગ્રંથ મળે છે જે ચાસ્ક દ્વારા રચયિત નિઘંટુ છે.
(૬) જ્યોતિષ
યજ્ઞવિધિ કરવા માટે વેદિક ઋષિઓએ નક્ષત્રો અને ખગોળ વિજ્ઞાનનો આધાર લેવો પડ્યો હતો. તેના પરનો લગ્ધબનો ૪૪ શ્લોકોનો એક ગ્રંથ મળે છે. આ પછી ગંગોચાર્ય, વરાહમિહિર, આર્યભટ્ટ અને ભાસ્કારાચાર્યે ખગોળ અને જ્યોતિષ પર ગ્રંથો લખીને આપણા પર ઉપકાર કર્યો છે.
વેદીક પરંપરાના અન્ય ગ્રંથો પર હવે પછીના મણકામાં………….
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
-
સુભાષબાબુના જીવનની પહેલી પચીસી કેવી હતી ?
નિસબત
ચંદુ મહેરિયા
એક ઓર સુભાષ જયંતિ(૨૩ મી જાન્યુઆરી) એ દેશભરની સુભાષ પ્રતિમાઓ ફુલોથી લદાઈ ગઈ હતી. માંડ ૪૮ વરસની આવરદા અને ૧૯૨૧ થી ૧૯૪૧માં અગિયાર જેલવાસ ભોગવનાર અજોડ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ ( ૧૮૯૭-૧૯૪૫) ના ચાહકો જરાય ઘટ્યા નથી. બલકે જમણેરી બળોના ઉભાર પછી તો પ્રતિદિન વધતા રહ્યા છે. વર્તમાન રાજકારણીઓના કારણે ‘નેતાજી’ શબ્દ ઠીક ઠીક બદનામ થયેલો છે પરંતુ સુભાષબાબુને તે બરાબર જચે છે. દેશવાસીઓનું આ પ્રેમાદરભર્યું સંબોધન તેમના સાથે જોડાઈને સાર્થક થયું લાગે છે.
રાજકારણીઓને લોકો જુઠ્ઠા માને છે અને તેમના શબ્દોની કોઈ કિંમત હોતી નથી. એ સંજોગોમાં પણ આજના ભારતના રીઢા રાજકારણીઓ શરદ પવાર અને લાલુપ્રસાદ યાદવે આત્મકથા લખી છે . તો આઝાદી આંદોલનના તેજસ્વી અને વીરલા રાજનીતિજ્ઞોની આત્મકથાઓ અમૂલ્ય દસ્તાવેજ છે. એ કાળના ગાંધી, નહેરુ સહિતના ઘણા નેતાઓએ આત્મકથાઓ કે સ્મરણો લખ્યા છે. કેટલાકની જેલડાયરી અને પત્રો પ્રગટ થયા છે. પરંતુ સુભાષચંદ્ર બોઝની અધૂરી આત્મકથાની જાણ બહુ ઓછા લોકોને છે. નેતાજીના જીવનકાર્ય અને વિચારોએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર અમીટ છાપ પાડી છે ત્યારે તેમની આત્મકથા તે સમયને જાણવા, સમજવા, મૂલવવા ખૂબ અગત્યનો દસ્તાવેજ છે.

બાંગ્લા, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં કુલ્લે બારખંડોમાં પ્રગટ થયેલાં સુભાષચંદ્ર બોઝના સમગ્ર સાહિત્યના પ્રથમ જ ખંડમાં તેમની અપૂર્ણ આત્મકથા ‘ એન ઈન્ડિયન પિલગ્રિમ’[1] ( એક ભારતીય યાત્રી) છે. જન્મ થી આઈ સી એસની પરીક્ષા પાસ કર્યા પછી રાજીનામુ આપ્યું ત્યાં સુધીના એટલે કે ૧૮૯૭થી ૧૯૨૧ના સમયનું તેમાં આલેખન છે. નેતાજી ૧૯૩૮માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. તે પૂર્વે એટલે કે ૧૯૩૭ના અંતિમ મહિનામાં અને બેસતા ૧૯૩૮ના વરસમાં, ચાળીસ વરસની ઉંમરે, તેમણે આત્મકથાના દસ પ્રકરણો લખ્યા હતા. યુરોપ પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રિયાના એક હેલ્થ રિસોર્ટમાં આત્મકથા તેમણે લખી હતી. આત્મકથા લેખનમાં જે એમીલિ શેંક્લ તેમનાં સહાયક હતા, તે પછી તેમનાં જીવનસંગિની બન્યાં હતાં.
આઝાદ હિંદ ફોજના સ્થાપક તરીકે ફૌજી ગણવેશ પરિધાન કરેલા નેતાજીની છબી આપણા મનમસ્તિક પર અંકાયેલી છે પરંતુ સુભાષબાબુ જીવનની પહેલી પચીસીમાં કંઈ જૂદા જ હતા તે આ આત્મકથા દર્શાવે છે. ઉચ્ચ મધ્યમવર્ગીય કાયસ્થ પરિવારમાં જન્મેલા સુભાષ, કુટુંબનું નવમું સંતાન હતા અને તેમના માતાપિતાને કુલ ચૌદ બાળકો હતા. જન્મભૂમિ કટક્માં આરંભિક અને કોલકાત્તામાં કોલેજ શિક્ષણ મેળવ્યું હતું. બાળપણ અને કિશોરાવસ્થામાં તેઓ ભાવનાશાળી, અતિસંવેદનશીલ, પરિશ્રમી , અંતર્મુખી અને અભ્યાસમાં તેજસ્વી હતા. અંગ્રેજી માધ્યમની મિશનરી શાળામાં અભ્યાસને કારણે અને તેમાં કોઈ પણ ભારતીય ભાષા શિખવવામાં આવતી ન હોવાથી તેઓ લાંબો સમય માતૃભાષા બંગાળીના શિક્ષણથી વંચિત રહ્યા હતા. સાહસી તરીકે નામના પામેલા સુભાષબાબુ શાળા શિક્ષણ દરમિયાન કાયમ રમતગમતથી દૂર રહ્યા હતા. રમત પ્રત્યે ઓછા લગાવને કારણે તેઓ વયમાં નાના છતાં મોટા લાગતા હોવાનું તેમણે નોંધ્યું છે.
કિશોરાવસ્થાથી તેમણે અનુભવેલું મનોમંથન આત્મકથામાં સરસ રીતે આલેખાયું છે. પંદર વરસની વયે કિશોર સુભાષને વિવેકાનંદનો સાક્ષાત્કાર સાવ અનાયાસે તેમના પુસ્તકો થકી થયો અને જીવનની નવી દિશા ઉઘડી હતી. આત્માની મુક્તિ અને પીડિત માનવની સેવાનો મનુષ્ય જીવનનો હેતુ તેમને વિવેકાનંદના પુસ્તકોના વાચનથી મળ્યો હતો. વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના સાહિત્યના પરિચયે તેઓ કામવાસના અને સાંસારિક સુખના ત્યાગના માર્ગે વિચારવા લાગ્યા હતા. આ પ્રકારના વિચારો ધરાવતા મિત્રો સાથે મળીને સમાજસેવા પણ આરંભી હતી.ગામડાની શાળાના બાળકોને ભણાવવા અને મહામારીગ્રસ્ત લોકોની સેવાનું કામ કર્યું હતું.મેટ્રિક સુધીની પોતાની શિક્ષણ સફરનું મૂલ્યાંકન કરતાં આત્મકથામાં તેમણે લખ્યું છે કે હું મેટ્રિકની પરીક્ષામાં સારા માર્કસ મેળવી શાળાનું નામ રોશન કરીશ તેમ માનતા લોકો મને ભભૂત ચોળીને સાધુસંતોની પાછળ ભાગતો જોઈને નિરાશ થયા હશે.
ઈ.સ.૧૯૧૧ સુધી નેતાજીમાં કોઈ રાજકીય ચેતના નહોતી તેનું ઉદાહરણ તેમને સમ્રાટ જોર્જ પંચમના રાજ્યાભિષેક જેવા વિષય પરની નિબંધ સ્પર્ધામાં લીધેલ ભાગ લાગે છે. જોકે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજના વરસોમાં તેમનામાં રાજકીય ચેતના પણ જાગી હતી અને તેને પાંખો પણ મળી હતી. મારું જીવન આધ્યાત્મિક ઉન્નતિ અને માનવતાની સેવામાં લગાવીશ અને ચીલાચાલુ જીવનમાં ખર્ચીશ નહીં તેવી ધૂન પણ ત્યાં જ તેમને લાગી હતી.આ ગાળામાં એક તરફ તેઓ શક્ય એટલા વધુ ધાર્મિક ગુરુઓને મળતા હતા તો શ્રી અરવિંદનું પણ ખેંચાણ થયું હતું. અંગ્રેજોની ગુલામી, નિર્દયતા અને અસમાન વ્યવહાર તેમને ખૂંચતો હતો. કોલેજમાં એક ભારતીય વિધ્યાર્થીને અંગ્રેજ અધ્યાપકે માર્યો ત્યારે વિધ્યાર્થી પ્રતિનિધિ સુભાષે તેના વિરોધમાં હડતાળ પાડી, કોલેજમાંથી બરતરફી વહોરી હતી. તેમનામાં રહેલા નેતૃત્વના ગુણો અને વિદ્રોહ માટે બલિદાનની તૈયારી અહીં જોવા મળી હતી.
૧૯૧૯માં તેઓ ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા માટે કેમ્બ્રિજ ગયા તે જીવનમાં આવેલો એક મોટો બદલાવ હતો. આઈ સી એસની પરીક્ષા માટેની વય મર્યાદા વટાવી જવાની તૈયારીમાં હતા ત્યારે તેમણે પરીક્ષા આપી અને મેરિટમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેઓ અંગ્રેજોની ગુલામી કરતી આ નોકરી કરવા માંગતા નહોતા. એ દિવસોનો તેમનો પત્રવ્યવહાર તેઓ કેવા માનસિક ઝંઝાવાતોમાંથી પસાર થતા હતા તેની ગવાહીરૂપ છે. “ મારા સિધ્ધાંતો મને જેની ઉપયોગિતા ખતમ થઈ ગઈ છે તેવી વ્યવસ્થાનો ભાગ બનવાની અનુમતિ આપતા નથી” , તેમ મોટાભાઈ જોગ પત્રમાં તેમણે લખ્યું હતું. આ જ પત્રમાં તેમણે સિવિલ સર્વિસ માટે વાપરેલા શબ્દો કુંઠિત વિચાર, નિર્લજ્જ અને સ્વાર્થી શાસન, હ્ર્દયહીનતા તેમજ લાલિયાવાડીનું પ્રતીક પણ આજે ખરા લાગે છે.
ધર્મનિરપેક્ષતા અને દીનદુખિયા પ્રત્યે સહાનુભૂતિના જે ગુણો સુભાષબાબુમાં હતા તેના મૂળિયાં તેમની આ પહેલી પચીસીમાં રહેલા છે. હિંદુઓ પ્રાર્થના કરવા મંદિરે જાય છે અને મુસ્લિમો મસ્જિદમાં જાય છે તે સિવાય મેં તેમને ક્યારેય મારાથી તે જુદા છે તેવું મહેસૂસ કર્યું નથી તેમ તેમણે લખ્યું છે. કોઢની જેમ વિસ્તરતી અસ્પૃશ્યતાને પણ તેમણે નિકટથી જોઈ હતી અને તેનો મુકાબલો પણ કર્યો હતો. ઘર નજીક બેસતી ભિખારણને જોઈને પોતાના ઘરની સમૃધ્ધિ એમને અકળાવે છે તો કથિત નિમ્ન વર્ણના વિધ્યાર્થી સાથીની માંદગીમાં સેવા પણ કરે છે.
સુભાષચંદ્ર બોઝની આત્મકથા વાચકને તેમના માનસિક વિકાસ, ઘડતર, જીવન લક્ષ્ય, રાજનીતિક સમજ અને કિશોરાવસ્થાના મનોશારીરિક તણાવની રૂબરૂ કરાવે છે.
[1] An Indian Pilgrim: An Unfinished Autobiography And Collected Letters 1897-1921 – by Subhas Chandra Bose
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
વિરાટ પુરુષ
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
આપણે કોણ? આપણે ક્યાં ? આપણી આસપાસ શું ? સરળ-સાદા લાગતા પ્રશ્નોના જવાબ તો કોઈ નાનું બાળક પણ આપી શકે.પણ થોડું આગળ વિચારીએ તો જે જાણીએ છીએ તે સૂર્યમંડળના એક ગ્રહ પૃથ્વી, સાત ખંડોમાંના એક ખંડના એક દેશના એક રાજ્યના એક શહેરમાં આપણો નિવાસ.-એવો ઉત્તર આવે. હવે જો કોઈ એમ કહે કે, ‘ આપણે જોઈએ છીએ એવા અનેક સૂર્ય, બ્રહ્માંડમાં છે તો ? અને એનું નિર્માણ કરનાર એક વિરાટ પુરુષ છે.’ -સાચા શિષ્યની જિજ્ઞાસા કેટલી હદે વધી શકે?
હજારો વર્ષ પહેલાં વેદ પાસે એના ઉત્તર હતા.અને એવા જ્ઞાની ગુરુ અને ઉત્સુક શિષ્ય પણ હતા.’ પુરુષ સૂક્ત ‘માં સૃષ્ટિ સર્જક અને ચાલક એ વિરાટ પુરુષનું અદભુત વર્ણન છે .માત્ર 16 જ મંત્રમાં ભવ્ય અતિ ભવ્ય ચિત્રણ કદાચ બીજે ક્યાંય મળે તેવું નથી.ઋગ્વેદના દસમા મંડળમાં અને યજુર્વેદમાં પણ આ વિરાટ પુરુષનું વર્ણન ‘પુરુષ સૂક્ત’માં છે. ઉત્તમ વસ્તુ માટેની ભૂખ કદાચ વારંવાર તૃપ્તિ પછી પણ ઉભી જ રહે તેમ ઋગ્વેદ,યજુર્વેદમાં વર્ણવ્યા પછી પણ ઇન્દ્રને તેનું રહસ્ય સમજવાની તીવ્ર જિજ્ઞાસા થઇ. અને મુદગલ ઉપનિષદ એનું વર્ણન કરે છે. આપણે અહીં મુદગલ ઉપનિષદના સમજાવેલાં ‘પુરુષ સૂક્ત’ના રહસ્યની વાત કરીશું.એટલે આખું વેદોક્ત મૂળ ‘પુરુષ સૂક્ત ‘ નહિ લઈએ
અલબત્ત આ મહાન ચરિત્રનો અલ્પત્તમ ભાવાર્થ જરૂર જાણીએ.
જે હજારો માથા, હજારો આંખો અને હજારો પગવાળા વિરાટ પુરુષ છે. જે આખા બ્રહ્માંડને આવૃત કરી લે પછી પણ દસ આંગળ શેષ રહે છે.જે સૃષ્ટિ બની ચુકી છે અને બનવાની છે એ આખી જ વિરાટ પુરુષની જ છે.આ અમર જીવ જગતના પણ સ્વામી છે અને જે અન્ન દ્વારા વૃદ્ધિ પ્રાપ્ત કરીએ છીએ તેના પણ તેઓ જ સ્વામી છે.અતિ વિસ્તૃત આ વિરાટ પુરુષના એક જ ચરણમાં બધા જ પ્રાણી છે અને અન્ય ત્રણ ભાગ અનંત અંતરિક્ષમાં રહેલા છે વિરાટ પુરુષના એક ભાગમાં આખો સંસાર જડ,ચેતન વિવિધ સ્વરૂપોમાં સમાહિત છે.એના ત્રણ ભાગ અંતરિક્ષમાં સમાયેલા છે .
એ વિરાટ પુરુષથી આ બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે.એ વિરાટ પુરુષથી સમષ્ટિ જીવ ઉત્પન્ન થયા છે.એજ દેહધારી, બધામાં શ્રેષ્ઠ થયા જેણે બધાથી પહેલાં પૃથ્વીને ફરી શરીરધારીને ઉત્પન્ન કર્યા.એ સર્વશ્રેષ્ઠ વિરાટ પ્રકૃત્તિ યજ્ઞથી દહીયુક્ત ઘી પ્રાપ્ત થયું.( જેનાથી વિરાટ પુરુષની પૂજા થાય છે.).વાયુદેવથી સબંધિત પશુ-હરણ,ગાય,અશ્વ વગેરેની ઉત્પત્તિ પણ એ વિરાટ પુરુષ દ્વારા જ થઇ એ વિરાટ યજ્ઞપુરુષથી ઋગ્વેદ અને સામવેદનું પ્રગટીકરણ થયું. એમનાથી જ યજુર્વેદ અને અથર્વવેદના પ્રાદુર્ભાવ થયા.અર્થાત વેદની ઋચાઓનું પ્રગટીકરણ થયું.
આ વિરાટ પુરુષનું મુખ બ્રાહ્મણ અર્થાત જ્ઞાનીજન ( વિવેકવાન ),ક્ષત્રિય અર્થાત પરાક્રમી વ્યક્તિ ,જે એના શરીરના બાહુઓમાં વિદ્યમાન હોય, વૈશ્ય અર્થાત પોષણશક્તિ -સંપન્ન વ્યક્તિ ,અને સેવાધર્મ વ્યક્તિ તેના પગમાં હોય.વિરાટ પુરુષના મનમાં ચંદ્રમા ,નેત્રોમાં સૂર્ય,કાનમાં વાયુ,અને મુખમાં અગ્નિ પ્રગટ થયું.વિરાટપુરુષની નાભિમાંથી અંતરિક્ષ ,માથામાંથી દ્યુલોક,ચરણોમાંથી ભૂમિ ,અને કણોમાંથી દિશાઓ પ્રગટ થઇ.
ઋગ્વેદ સબંધિત મુદ્દગલોપનિષદમાં વિરાટ પુરુષની વિરાટતાના રહસ્યને સમજવાનો-સમજાવવાનો ભગીરથ પ્રયાસ થયો છે.આ ઉપનિષદનો શાંતિપાઠ જ કૈંક વિશેષ સંદેશ મૂકે છે, श्रीमत्पुरुषसूक्तार्थं पूर्णानन्दकलेवरम् ।पुरुषोत्तमविख्यातं पूर्णं ब्रह्म भवाम्यहम् ॥ॐ वाङ् मे मनसि प्रतिष्ठितामनो मे वाचि प्रतिष्ठितमाविरावीर्म एधि ॥वेदस्य म आणीस्थः । श्रुतं मे मा प्रहासीरनेनाधीते-नाहोरात्रान्सन्दधाम्यृतं वदिष्यामि सत्यं वदिष्यामि ॥तन्मामवतु तद्वक्तारमवतु अवतु मामवतु वक्तारमवतु वक्तारम् ॥. ’ હે પરમાત્મા,મારી વાણી મનમાં રહો ,મન વાણીમાં પ્રતિષ્ઠિત થાવ.આપ મારી સામે પ્રગટ થાવ. .મારા માટે વેદનું જ્ઞાન લાવો.હું પહેલાં સાંભળેલાં જ્ઞાનને ભૂલી ન જાઉં સ્વાધ્યાયશીલ પ્રવૃત્તિથી દિવસ રાતને એક બનાવી દઉં.હું હંમેશ ઋત અને સત્ય બોલીશ .બ્રહ્મ મારુ રક્ષણ કરે.વક્તાનું રક્ષણ કરે .ત્રિવિધ તાપ શાંત થાવ.’
ॐ पुरुषसूक्तार्थनिर्णयं व्याख्यास्यामःपुरुषसंहितायां पुरुषसूक्तार्थः संग्रहेण प्रोच्यते ।सहस्रशीर्षेत्यत्र सशब्दोऽनन्तवाचकः ।अनन्तयोजनं प्राह दशाङ्गुलवचस्तथा ॥ ભગવાને ઇન્દ્રને જણાવ્યું કે ‘ હું પુરુષસુક્તનો અર્થ અને વ્યાખ્યા કરું છું.પુરુષ સુક્તમાં પ્રયુક્ત ‘સહસ્ર ‘ શબ્દ અનંતનો બોધ કરાવે છે.એ રીતે આ ‘દશાંગુલમ ‘ પદ પણ અનંત યોજનોની સૂચના પ્રદાન કરે છે.’ મુદગલ ઉપનિષદના બીજા મંત્રથી પ્રત્યેક મંત્ર ભાગનું વિશ્લેષણ છે तस्य प्रथमया विष्णोर्देशतो व्याप्तिरीरिता ।द्वितीयया चास्य विष्णोः कालतो व्याप्तिरुच्यते ॥.’ પુરુષસૂક્તના આ પ્રથમ મંત્ર -સહસ્ર શીર્ષ – માં ભગવાન વિષ્ણુની સર્વવ્યાપી વિભૂતિનું દર્શન છે.
બીજો મંત્ર -પુરુષ એવેદમ -આજ જ લોકનાયક વિષ્ણુની શાશ્વત વ્યાપ્તિનો સંકેત કરે છે.એ સર્વવ્યાપી અને હર સમય વિદ્યમાન રહે છે.’ પુરુસયુક્તનો ત્રીજો મંત્ર -विष्णोर्मोक्षप्रदत्वं च कथितं तु तृतीयया ।एतावानिति मन्त्रेण वैभवं कथितं हरेः ॥ ‘ એ વિરાટ પુરુષ ભગવાન વિષ્ણુને,મોક્ષ પ્રદાન કરનારા બતાવે છે.-એતાવાનસ્ય -આ ત્રીજા મંત્રમાં ભગવાન શ્રી હરિના વૈભવનું -એમનાસામર્થ્યનું વિસ્તારથી વર્ણન કરવા આવેલ છે.’
ત્રણ મંત્રોના આ સમૂહમાં ભગવાનના ચતુર્વ્યૂહ સાથે સબંધિત ઉલેખ છે. एतेनैव च मन्त्रेण चतुर्व्यूहो विभाषितः ।त्रिपादित्यनया प्रोक्तमनिरुद्धस्य वैभवम् ॥-ત્રિપાદ-આ ચોથા મંત્રમાં ચતુર્વ્યૂહના અનિરુદ્ધ સ્વરૂપના વિસ્તૃત વૈભવનું વર્ણન કરવામાં આવેલ છે.પુરુષસૂક્તના પાંચમા મંત્રમાં तस्माद्विराडित्यनया पादनारायणाद्धरेः ।प्रकृतेः पुरुषस्यापि समुत्पत्तिः प्रदर्शिता ॥ -‘તસ્માતદ્વિરા -માં પાદ વિભૂતિરૂપ ભગવાન નારાયણ દ્વારા શ્રીહરિની આશ્રયભુતા પ્રકૃત્તિ અને પુરુષનું પ્રાગટ્ય બતાવેલ છે.આ સૂક્તના -યત્પુરૂષેણ -મંત્ર દ્વારા यत्पुरुषेणेत्यनया सृष्टियज्ञः समीरितः ।सप्तास्यासन्परिधयः समिधश्च समीरिताः ॥ એ સૃષ્ટિરૂપ યજ્ઞમાં વપરાતી સમિધાનું વર્ણન કરવા આવે છે.સૂક્તના -તમ યજ્ઞમ -માં સૃષ્ટિ યજ્ઞનું સમર્થન કરી, तं यज्ञमिति मन्त्रेण सृष्टियज्ञः समीरितः ।अनेनैव च मन्त्रेण मोक्षश्च समुदीरितः ॥ મોક્ષનું વર્ણન પણ આ મંત્રમાં જ છે.
પુરુષસૂક્તના -તસ્માદ -વગેરે સાત મંત્રો तस्मादिति च मन्त्रेण जगत्सृष्टिः समीरिता ।वेदाहमिति मन्त्राभ्यां वैभवं कथितं हरेः ॥ દ્વારા આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિનો ઉલ્લેખ કરવમાં આવે છે.- વેદાહમ -ઇત્યાદિ બે મંત્રો દ્વારા શ્રીહરિના વૈભવનું વિશેષ વર્ણન છે.यज्ञेनेत्युपसंहारः सृष्टेर्मोक्षस्य चेरितः ।य एवमेतज्जानाति स हि मुक्तो भवेदिति ॥ -યજ્ઞેન યજ્ઞમયજન્ત -મંત્ર દ્વારા સૃષ્ટિ અને મોક્ષનું ઉપસંહારક વર્ણન કરવામાં આવેલ છે. આ રીતે જે કોઈ પુરુષસૂક્તને જ્ઞાન દ્વારા આત્મસાત કરે છે ,એ અવશ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે.
પુનરાવર્તન એ શિક્ષણની વિભાવનાનો આવશ્યક પાઠ છે.ઉપનિષદોમાં એ અનેક જગ્યાએ જોવા મળે છે.અહીં મુદ્દગલોપનિષદમાં પણ બીજા ખંડમાં ઇન્દ્રએ પુરુષસૂક્તનું રહસ્ય ફરી સમજાવવા માટે વિનંતી કરી છે. पुनरपि सूक्ष्मश्रवणाय प्रणतायेन्द्राय परमरहस्यभूतंपुरुषसूक्ताभ्यां खण्डद्वयाभ्यामुपादिशत् । ‘સૃષ્ટિની રચના પહેલાં પૂર્ણપુરુષ શ્રી નારાયણ જ ભૂત,ભવિષ્ય અને વર્તમાનના રૂપમાં વિદ્યમાન હતા એજ આ સમસ્ત પ્રાણીઓમાં શક્તિશાળી જનોમાં વિશિષ્ટ છે.-સર્વશક્તિમાન છે.
योऽय मुक्तः स पुरुषोनामरूपज्ञानागोचरं संसारिणामतिदुर्ज्ञेयंविषयं विहाय क्लेशादिभिः संक्लिष्टदेवादिजिहीर्षयासहस्रकलावयवकल्याणं दृष्टमात्रेण मोक्षदंवेषमाददे । तेन वेषेण भूम्यादिलोकं व्याप्यानन्त-योजनमत्यतिष्ठत् । पुरुषो नारायणो भूतं भव्यंभविष्यच्चासीत् । स च सर्वस्मान्महिम्नो ज्यायान् ।तस्मान्न कोऽपि ज्यायान् ।‘ આ વિરાટ પુરુષે પોતાને ચારભાગમાં વિભક્ત કરેલ છે..’ महापुरुष आत्मानंचतुर्धा कृत्वा त्रिपादेन परमे व्योम्नि चासीत् । इतरेणचतुर्थेनानिरुद्धनारायणेन विश्वान्यासन् । ‘ચતુર્વ્યુંહમાંથી ત્રણ અંશ ( વાસુદેવ,પ્રદ્યુમ્ન અને સંકર્ષણ રૂપ ) નો નિવાસ વૈકુંઠમાં છે ચોથા અંશ વ્યૂહ સ્વરૂપ અનિરુદ્ધ નામથી નામથી પ્રસિદ્ધ શ્રીનારાયણ દ્વારા જ સંપૂર્ણ જગતની સૃષ્ટિ બની. ( પૂજ્ય રામશર્મા આચાsર્યજીના ભાષ્ય અનુસાર અહીં ત્રણ ચરણ – ઉચ્ચ લોકોમાં જ નિરુદ્ધ રહે છે એક ચરણ અનિરુદ્ધ ,જેને વ્યક્ત થવામાં રોકવામાં ન આવ્યું. હોય .એના વ્યક્ત ચરણથી સુષ્ટિ ઉત્પન્ન થઇ.બાકીના ત્રણ નામ મંત્રમાં વ્યક્ત નથી છતાં અનિરુદ્ધનાં ઉપર ભગવાનના આ ત્રણ નામ વિદ્વાનોએ માન્ય કરેલ છે.આ ત્રણ વાસુદેવ-બધાને વાસ આપનાર,પ્રદ્યુમ્ન -વિશેષ પ્રકાશમાન અને સંકર્ષણ -આકર્ષણ કરનાર છે છતાં અવ્યક્ત છે.) .
ઉપનિષદના પછીના મંત્રમાં અનિરુદ્ધ સ્વરૂપ નારાયણે ,બ્રહમાજીને સૃષ્ટિ રચનાની વિધિ અને માર્ગદર્શનનું વિસ્તૃત વર્ણન છે.મુદ્દગલોપનિષદના ત્રીજા ખંડમાં વિવિધ સ્વરૂપે સ્વીકારીને તેની ઉપાસનાનું વર્ણન કરીને મંત્ર એવી નિશ્ચિત સાબિતી આપે છે કે तं यथायथोपासते तथैव भवति ।तस्माद्ब्राह्मणः पुरुषरूपं परंब्रह्मैवाहमितिभावयेत् । तद्रूपो भवति । य एवं वेद ॥ ‘ જે કોઈ સાધક આ રહસ્યને સારી રીતે જાણે છે -સમજે છે ,એ જાતે જ એને અનુરૂપ બની જાય છે.’
ઉપનિષદના ચોથા ખંડમાં આ વિરાટ પુરુષ-બ્રહ્મ કેવી રીતે વિશેષ છે તેનું ભવ્ય વર્ણન છે.तद्ब्रह्म तापत्रयातीतं षट्कोशविनिर्मुक्तं षडूर्मिवर्जितंपञ्चकोशातीतं षड्भावविकारशून्यमेवमादि-सर्वविलक्षणं भवति ।’ એ બ્રહ્મ ત્રિતાપ શૂન્ય, છ કોશોથી પર,ષડ ઊર્મિઓથી રહિત,પંચકોશથી રહિત અને ષડભાવ વિકારોથી અતીત છે.એ રીતે આ બ્રહ્મ બધાથી વિલક્ષણ છે. બ્રહ્મ જેનાથી અળગા છે તે તમામનું વિસ્તૃત વિશ્લેષણ પછીના મંત્રોમાં છે. પ્રાણીમાત્રમાં પ્રવેશતા દુન્યવી લક્ષણોનું અહીં વર્ણન છે. આધિભૌતિક ,આદિદૈવિક અને આધ્યાત્મિક ત્રિતાપથી ચામડી,માંસ હાડકાં સ્નાયુ ,લોહી મજ્જા વગેરે કોશો,કામ,ક્રોધ,લોભ,મોહ,મદ અને મત્સર,અન્નમય ,પ્રાણમય ,મનોમય વિજ્ઞાનમય અને આનંદમયકોશો,ભૂખ,તરસ,શોક,મોહ,ઘડપણને મૃત્યુ રૂપ છ ઊર્મિઓ, પ્રિય,પ્રાદુર્ભૂત ,વધવું,પરિવર્તિત થવું,ક્ષય થવું,કે વિનાશ થવું જેવા ભાવવિકાર કુળ ,ગોત્ર ,જાતિ ,વર્ણ,આશ્રમ અને રૂપ જેવા ષડ ભ્રમ एतद्योगेन परमपुरुषो जीवो भवति नान्यः । આ બધા યોગથી પરમ પુરુષ જ જીવ થાય છે.’
મુદ્દગલોપનિષદના ઉપસંહાર મંત્રોમાં ઉપનિષદની ફલશ્રુતિ બતાવી છે. य एतदुपनिषदं नित्यमधीते सोऽग्निपूतो भवति । स वायुपूतोभवति । स आदित्यपूतो भवति । अरोगी भवति । श्रीमांश्च भवति । पुत्रपौत्रादिभिः समृद्धो भवति । विद्वांश्च भवति ।महापातकात्पूतो भवति । सुरापानात्पूतो भवति । अगम्यागमनात्पूतो भवति । मातृगमनात्पूतो भवति ।दुहितृस्नुषाभिगमनात्पूतो भवति । स्वर्णस्तेयात्पूतो भवति । वेदिजन्महानात्पूतो भवति । गुरोरशुश्रूषणात्पूतो भवति ।अयाज्ययाजनात्पूतो भवति । अभक्ष्यभक्षणात्पूतो भवति । उग्रप्रतिग्रहात्पूतो भवति । परदारगमनात्पूतो भवति ।कामक्रोधलोभमोहेर्ष्यादिभिरबाधितो भवति । सर्वेभ्यः पापेभ्यो मुक्तो भवति । इह जन्मनि पुरुषो भवति ‘જે વ્યક્તિ આ ઉપનિષદનું પ્રતિદિન અધ્યયન કરે તે અગ્નિની જેમ પવિત્ર,વાયુની જેમ શુદ્ધ,આદિત્ય સમાન પ્રખર ,રોગ મુક્ત બને છે.પૂર્ણ પુરુષ અર્થાત પરમાત્માના જ્ઞાનથી યુક્ત બનીને શ્રેષ્ઠ (પવિત્ર ) પુરુષ બની જાય છે.’.
વિરાટ પુરુષનું વર્ણન ગમે તેટલું કરીએ ઓછું જ પડે.જે મળે તે માણવું એ જ તેની વિરાટતા.
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
-
કેળવણીનો કક્કો અને સંસ્કારસિંચનની બારાક્ષરી
પુસ્તક પરિચય

કેળવણીની કેડીએથી: ગુલાબભાઇ જાની પરેશ પ્રજાપતિ
ગુલાબભાઇ જાનીએ છેક શાળા- કૉલેજના સમયથી જ વિનોબાજીના પ્રભાવ હેઠળ ખાદી અપનાવી હતી. શૈક્ષણિક પ્રવૃત્તિ તરફના લગાવને કારણે તેઓ LIC Of India ની નોકરી છોડી કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા.અત્યંત સાદાઇને વરેલા તેમનાં પત્ની ઉષાબહેન સંસ્કૃતના પ્રખર પંડિત ડી.પી. જોષીનાં દિકરી હોવાથી તે પણ શિક્ષણ સાથે સંકળાયેલા હતાં. આપણો અનુભવ કહે છે કે ‘પાકા ઘડે કાંઠા ન ચઢે’.વિજ્ઞાન પણ સ્વિકારે છે કે જન્મથી માંડી શરૂઆતનાં છ વર્ષનો ગાળો અત્યંત મહત્વનો છે. આમ,બાળકોનાઘડતર બાબતે ધાર્યાં પરિણામ મેળવવા કેળવણીનો કક્કો અને સંસ્કારસિંચનની બારાક્ષરી બાળપણથી જ ઘૂંટાવવી જોઇએ. તેથી રામકૃષ્ણ તથા વિવેકાનંદના વિચારોનાપ્રભાવ હેઠળ જાની દંપતિએ છેક 1968માં સિસ્ટર નિવેદિતા સ્કૂલની સ્થાપના કરી હતી.આજકાલ કરતાં આ દંપતિનો શિક્ષણ સાથેનો નાતો આજે છ દાયકા જેટલો પાકટ અને અનભવસમૃદ્ધ થઇ ચૂક્યો છે. સ્વાભાવિકપણે જ તેમની પ્રવૃત્તિઓનો ઝોક બાળકેન્દ્રી રહ્યો છે. અનુભવના નિચોડ તરીકે તેઓ અવારનવાર પોતાના ત્રૈમાસિક ‘સમુદ્દગાર’ તેમજ અન્ય સામયિકોમાં સતત લેખો લખતા રહ્યા છે. તેમના લેખોનું સંકલનથી આ પુસ્તક તૈયાર થયું છે.
પુસ્તકના કુલ 34માંથી પાંચ લેખો બાળશિક્ષણને લગતાં છે. આ સિવાયનાં અન્ય લેખોમાં બાળઉછેર અને બાળમાનસ વિશે મહત્વની વાતો ચર્ચવામાં આવી છે. પુસ્તકમાં શિક્ષકો ઉપરાંત વાલીઓને તાલીમ અને માર્ગદર્શન આપતાં લખાણોનો પણ સમાવેશ છે.સંતાનના શિક્ષણમાં મા-બાપની ભૂમિકા તેમજ તેમને સૌથી વધુ મૂંઝવતા સંતાનના અભ્યાસના માધ્યમની પસંદગી વિશેની બાબતેની ચર્ચા પુસ્તકમાં આવરીને એ અંગે પોતાનાં વિચારો રજૂ કરાયા છે.
લેખકે નોંધ્યું છે કે આપણા કરતાં ક્યાંય પછાત મનાતા કેન્યા જેવા નાનકડા દેશમાં પણ દર દસ હજારે સંશોધનકર્તા વિદ્યાર્થીની સંખ્યા 6 છે, જ્યારે ભારતમાં એ આંક માત્ર 4 છે! આમ, શિક્ષણ બાબતે ભારત કેન્યા કરતાં પણ પાછળ છે, ત્યાં ઇઁગ્લેન્ડ, અમેરિકા કે રશિયા સાથેની સરખામણી ઘણી દૂરની બાબત હોવાનું તેમણે ખેદ સાથે નોંધ્યું છે. લેખકે પરિવર્તન એક સાહજિક અને આવકાર્ય પ્રક્રિયા માની છે અને બાળકોને માત્ર જાણકારીના જાળામાં ગૂંચવી નાંખતી આપણી હાલની શિક્ષણપદ્ધતિમાં પરિવર્તન તથા નવીનીકરણની તાતી જરૂરિયાત હોવાનો તેમણે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. ખામીયુક્ત શિક્ષણપ્રણાલી તરફ આંગળી ચીંધીને ગુલાબભાઇ એક ડગલું આગળ વધ્યા છે અને તેના વ્યવહારુ ઉકેલની મડાગાંઠ ઉકેલવામાં જોડાઈ કેટલાક મહત્વનાં દિશાનિર્દેશ આપ્યા છે. તેમાં ‘લર્નિંગ વિધાઉટ સ્કૂલ’, પુસ્તક સાથે પરીક્ષાનો પશ્ચિમી પદ્ધતિ વિચાર તથા શ્રમનું મહત્વ જાળવી અપાતા ગાંધીશિક્ષણ એમ વિવિધ ઉપલબ્ધ વિકલ્પો પર પોતાના વિચારો જણાવ્યા છે. તેમાં, વિદ્યાર્થીની વિષયવાર ક્ષમતાનો માપદંડ રાખતા અરવિંદ આશ્રમની રોચક શિક્ષણ પ્રણાલીનો પણ ઉલ્લેખ છે. આ લખાણોમાં ગુલાબભાઇના વિસ્તૃત અભ્યાસની છાપ સ્પષ્ટપણે વરતાય છે. તેમનો મત છે કે વિદ્યાર્થીને જાણકારીથી જ્ઞાન તરફ અને જ્ઞાનના વ્યવહારુ ઉપયોગ કરવા તરફ દોરી જવા જોઇએ.
પુસ્તકમાં બે પ્રકરણ મહાવિદ્યાલયને લગતાં છે. તેના એક પ્રકરણમાં નાલંદાનો રસાળ ઇતિહાસ અને મહત્વ આવરી લીધા છે.
શિક્ષણ સાથે કારકીર્દીનો સંબંધ જોતાં પુસ્તકમાં એક પ્રકરણમાં કારકીર્દીને પણ ફાળવવામાં આવ્યું છે, જેમાં ‘ઘસાઇને ઉજળા થવા’ પર ભાર મૂકાયો છે.
પુસ્તકનું એક પ્રકરણ ‘મૂલ્ય શિક્ષણના અમારા પ્રયોગો’ સૌથી નોખું છે. એ પ્રકરણમાં શિક્ષણમાં તેમણે કરેલા પ્રયોગોનું બયાન છે. જેમાં શિક્ષણ સાથે રચનાત્મક કાર્યક્રમો દ્વારા બાળકના ઘડતર કરતા કાર્યક્રમો ધ્યાનાકર્ષક છે. આ જ રીતે છેલ્લું પ્રકરણ સિસ્ટર નિવેદિતા વિશે તથા નિવેદિતા શાળાના શિક્ષણકાર્ય અંગે છે. પુસ્તકમાં ક્યાંક કોઈબાબતે પુનરાવર્તન જણાય છે પરંતુ સમાવિષ્ટ લેખો સમયના લાંબા ફલકમાં લખાયેલા હોવાથી ક્વચિત આમ બન્યું હોવાની નોંધ લેખકે આરંભમાં આપી જ છે.
લેખકે વ્યક્તિગત ધોરણે વિદેશ પ્રવાસ ખેડ્યા હોવાથી તેમનાં વિદેશી શિક્ષણના અભ્યાસો અને તારણો વધુ આધારભૂત બની રહે છે. લખાણોમાં તેમના દીર્ઘ અને ઘૂંટાયેલા અનુભવની છાયા છે. પુસ્તકનાં પ્રકરણોમાં આંકડાકીય માહીતી ઉપરાંત અનેક ઠેકાણે કાકાસાહેબ કાલેલકર, ગાંધી અને ટાગોર સહિત અનેક નામી વિચારકો, ચિંતકો અને કેળવણીકારો સાથે આઇનસ્ટાઇન જેવા વૈજ્ઞાનિકોનાં અવતરણો છે. તેથી કેળવણી તથા શિક્ષણવિષયક તેમનીરજૂઆત ઘણી અસરકારક, આધારભૂત અને માર્ગદર્શક જણાય છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
કેળવણીની કેડીએથી : ગુલાબભાઇ જાની
પૃષ્ઠસંખ્યા : 172
કિંમત : ₹ 200
આવૃત્તિ: પ્રથમ
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :સિસ્ટર નિવેદિતા પબ્લિકેશન
વિજાણુ સંપર્કઃ janigulabbhai@gmail.com
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
સમર્પિત સમાજવાદી મધુ દંડવતે, શતાબ્દી સુમિરન
તવારીખની તેજછાયા

હાડના સમાજવાદી મધુ દંડવતે રેલવે પ્રધાન હશે પણ ચાલુ ગાડીએ ચડી જવા સારુ જાણીતા કદાપિ નહોતા. નાણાંપ્રધાન હશે પણ નાણાં સારુ જાણીતા નહોતા
પ્રકાશ ન. શાહ
રાજકારણના રણમાં વીરડી શી એક સાંભરણમાં ચિત્ત ઠરવા કરે છે. ૧૯૭૪ના નવેમ્બરમાં ભરજેપી આંદોલને મધુ દંડવતેને પહેલ પ્રથમ મળવાનું થયું હતું. આંદોલનના એ વાસંતી મહિનાઓમાં, જયપ્રકાશજીની વિશેષ ઉપસ્થિતિમાં નવી દિલ્હીના વિઠ્ઠલભાઈ પટેલ હાઉસમાં મળેલા પક્ષ-અપક્ષ સંમેલન (પાર્ટી-નોન પાર્ટી કન્વેશન)માં ભાગ લઈ વળતે દહાડે અમદાવાદ પાછા ફરવાનું હતું. કન્ફર્મ્ડ ટિકિટનો જોગ નહોતો. પણ લોકસભાની કેન્ટીનમાં પ્ર. ગ. માવળંકરને શોધું તે પહેલાં અનાયાસ જ એક વડીલ સજ્જન મળી ગયા. એય ‘અણ્ણા’ (માવળંકર)ની શોધમાં હતા. છાપાકૃપાએ હું એમને ઓળખી ગયો, આ તો દંડવતે. જરી વાત નીકળી ન નીકળી ત્યાં તો એમણે જ મને સાસંદ ક્વોટામાંથી ટિકિટ માટેની ભલામણ લખી આપી.
એમના શતાબ્દી વર્ષ (૨૧-૧-૧૯૨૪ : ૧૨-૧૧-૨૦૦૫)માં જોગાનુજોગવશ આ સંભારણું એટલા વાસ્તે કે તે મિનિટે મને ખબર નહોતી કે હું ભાવિ રેલવે પ્રધાન મારફતે ટિકિટ મેળવી રહ્યો છું! જનતા રાજ્યારોહણ સાથે મોરારજી દેસાઈ મંત્રીમંડળ (૧૯૭૭-૧૯૭૯)માં રેલવે પ્રધાન અને તે પછી બે’ક દાયકે વિશ્વનાથ પ્રતાપ સિંહ મંત્રીમંડળમાં નાણાંપ્રધાન રહેલા. હાડના સમાજવાદી મધુ દંડવતે રેલવે પ્રધાન હશે પણ ચાલુ ગાડીએ ચડી જવા સારુ જાણીતા કદાપિ નહોતા. નાણાંપ્રધાન હશે પણ નાણાં સારુ જાણીતા નહોતા.
મોરારજી મંત્રીમંડળમાં જોડાવાનું કહેવા સરકારી અધિકારી આવ્યા, આ જ વીપી હાઉસના એક કમરામાં એમને શોધતા, ત્યારે આપણો વીરનાયક લાંબા ચૂંટણી પ્રવાસ દરમ્યાન ભેગાં થઈ ગયેલાં મેલાં કપડાં ધોવામાં દત્તચિત્ત હતો… અને હા, વિશ્વનાથ પ્રતાપ સિંહનું પ્રધાનમંડળ ઘરે બેઠું ત્યારે દેશના હજુ હમણેના નાણાંપ્રધાન બેંકની બારીએ કાર લોન સારુ ઊભેલા તે પણ ઈતિહાસદર્જ છે.
એક સંઘર્ષશીલ ને સ્વાધ્યાયપ્રત સમાજવાદી વિશે એના ટૂંકજીવી સત્તાકાળને છેડેથી વાત કરી તે એ વાનું ઉપસાવવા માટે કે આવી વ્યક્તિનું સત્તા પર હોવું એના કેવા તો સાંસ્કૃતિક-સામાજિક આયામ હોઈ શકે છે. એમણે શપથ લીધા ત્યારે આગલી (ઈન્દિરા) સરકારી અને રેલવે યુનિયન વચ્ચે આકરા અવિશ્વાસનો અને ઉગ્રકટુ નાતો હતો. દંડવતેના ન્યાયી અભિગમે વિશ્વાસ અને સહયોગનો સંબંધ ઊભો કરી ખાતું એવું તો ચલાવ્યું કે મોરારજીભાઈ કહેતા કે મેં સંભાળ્યું હોત તો આ હદે જામ્યું ન પણ હોત. બીજા/ત્રીજા વર્ગની લાંબી મુસાફરી લાકડાનાં પાટિયાંને કારણે અંતે કષ્ટદાયક અનુભવાતી. દંડવતે હસ્તક એ પાટિયાં ફોમવંતાં બન્યાં. એ કહેતા કે મારે ફર્સ્ટ ક્લાસને ડિગ્રેડ નથી કરવો પણ સેકન્ડ/થર્ડ અપગ્રેડ તો થઈ શકે ને. લાંબા અંતરની સુપરફાસ્ટો પણ એમને નામે જમા બોલે છે. મુંબઈ-કોલકાતા કે બીજી. રેલબાબુઓ પશ્ચિમ (મુંબઈ)થી પૂર્વ (કોલકાતા) દોડતી ટ્રેઈન વાસ્તે સીધુંસટ ‘ઈસ્ટર્ન રેલવે’ નામ લઈ આવ્યા હતા. દંડવતે હસ્તક એ ‘ગીતાંજલિ’ થઈ ગયું- અને આગળ ચાલતાં એ જ ધાટીએ ‘નવજીવન’ અને ‘સર્વોદય’ પણ આવ્યાં… કામદાર ને ગ્રાહક બેઉ સાથે સૌહાર્દ, નીચલા વર્ગને ફોમ-પથારી અને રેલગાડીને ટાગોર-ગાંધી પરંપરાનાં નામો! સમાજવાદી વહીવટની સાંસ્કૃતિક-સામાજિક પહેચાન તે આનું નામ.

સન બયાલીસનો સ્વાતંત્ર્યપૂર્વ સંઘર્ષ કે સ્વાતંત્ર્યોત્તર ગોવા મુક્તિ ને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન, આ બધા કારા-સંઘર્ષો વચ્ચે મધ દંડવતેનું આજીવિકાનું સાધન મુંબઈની આંબેડકર સ્થાપિત સિદ્ધાર્થ કોલેજમાં ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર)ની પ્રાધ્યાપકીનું હતું. સમાજવાદી કર્મશીલ ને કટારલેખક હિમ્મત ઝવેરી પાસે સાંભળ્યું છે કે અમે મોટે ઉપાડે સંઘજીવન (કોમ્યુન લાઈફ)નો પ્રયોગ કર્યો પણ અમારામાં એકમાત્ર નિયમિત આવકઠેકાણું મધુની પ્રોફેસરીનું હતું. અને પ્રમિલાબહેનનું ને એમનું દામ્પત્ય! રાષ્ટ્ર સેવિકા દળની શિક્ષાદીક્ષા પામેલાં- ને એમાં પણ એના કલાપથક સાથે વિશેષ લગાવ ધરાવતાં પત્ની પ્રમિલા (૧૯૮૦માં જનતા પક્ષનાં વળતાં પાણી છતાં) મુંબઈથી લોકસભામાં ચૂંટાયેલાં. પતિ-પત્ની બંનેએ કટોકટીકાળમાં બધો વખત, એકે બેંગ્લોર તો બીજાએ યરોડા જેલમાં, અલગ અલગ રહેવાનું નિરમાયેલું હતું. એમની વચ્ચે ત્યારે બસો જેટલા પત્રોની જે આપલે થઈ હતી એમાંથી પસાર થવું તે એક સમર્પિત દામ્પત્યની શીલસુવાસમંડિત જુગલબંદી શો સાક્ષાત્કારક અનુભવ છે. વાંચનલેખનની વાતો, રાત વરત રાગ જય જયંવતીની સંનિધિ, દૂર પડેલાં પતિ-પત્ની જેલ ઓથોરિટીની રજા સાથે કવચિત મળી શકાય એવી હોંશ સેવે છે, પણ સ્વમાનભોગે મળતી રજા નહીં- એવું વલણ, જયપ્રકાશની કિડની ફેઈલ થઈ રહ્યાના સમાચાર વચ્ચે પતિ દાક્તરી સંમતિને ધોરણે પોતાની કિડની ઓફર કરવાનું વિચારે છે ને પત્ની એનાં દૂખણાં લે છે. આપણે બેઉ જેલમાં છીએ ને હજુ ભણતો એકનો એક પુત્ર ઉદય કેમ જાણે પોતાને અનાથવત્ અનુભવતો હશે એ ખયાલે બહુ ચિંતિત છે તો ક્યાંક ચિત્તને ખૂણે એમ પણ છે કે ઉદય પણ ઠીક સંઘર્ષદીક્ષા મેળવી રહ્યો હશે. ૧૯૭૫-૧૯૭૭ના ગાળાની બેંગ્લોર-યરોડા જેલ ફ્રિકવન્સી પરની આ એક ન્યારી સુરાવલિ છે.
વિજ્ઞાનને સરળ રીતે મૂકી આપતાં ધારાપ્રવાહ મરાઠી વ્યાખ્યાનોથી માંડી રાજકીય પ્રતિભાવો, પ્રશ્નો, પ્રવાહો ને પરિબળો વિશેનું લેખન વળી એક જુદો જ ઈણકો છે, એટલી એક અધૂરીમધુરી નોંધ, આ શતાબ્દી વંદના સમેટતાં.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૪– ૧ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
